દાદા ભગવાન પ્રરૂપિત

આપ્તવાણી શ્રેણી-૨

સંકલન : ડૉ. નીરુબેન અમીન

Table of Contents
સમર્પણ
આપ્તવાણી શ્રેણી - ૨

સમર્પણ

આધિ,વ્યાઘિ,ઉપાધિના કળિયુગી ત્રિવિધ તાપમાં ભયંકરપણે તાપ્યમાન,

એકમેવ આત્મસમાધિસુખના તૃષાતુરોની પરમ તૃપ્તિકાજ પ્રકટ પરમાત્માસ્વરૂપ સ્થિત વાત્સલ્યમૂર્તિ ‘દાદા ભગવાન’ના જગત ક્લ્યાણ યજ્ઞમાં આહુતિ સ્વરૂપ,

પરમ ઋણીય ભાવે સમર્પણ

આપ્ત વિજ્ઞાપન

હે સુજ્ઞજન ! તારું જ સ્વરૂપ આજે હું તારા હાથમાં આવું છું ! તેનો પરમ વિનય કરજે કે જેથી તું તારા થકી તારા સ્વ-ના જ પરમ વિનયમાં રહીને સ્વ-સુખવાળી, પરાધીન નહીં એવી, સ્વતંત્ર આપ્તતા અનુભવીશ !

આ જ સનાતન આપ્તતા છે - અલૌકિક પુરુષની આપ્તવાણીની !

આ જ સનાતન ધર્મ છે - અલૌકિક આપ્તતાનો !

- જય સચ્ચિદાનંદ

‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

સંપાદકીય

જેના એક એક શબ્દે અનંત કાળનો સંસારરોગ નિર્મૂળ થઈ જાય, જેની એક ત્રાડે જિજ્ઞાસુનો અનંતકાળનો સુષુ^ આત્મા જાગૃત થઈ જાય, જેના સુચરણોમાં કાળ, કર્મ અને માયા થંભી જાય, એવા પરમ પૂજય દાદાશ્રીની પ્રગટ સરસ્વતી સ્વરૂપ વાણીનું આ ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. વીતરાગ વાણી કે જે ‘એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !’ ‘આપ્ત’ વાણી હોવા થકી તેના પર કોઈ કાળે ચેકો મારી ના શકે; કારણ કે એ સ્યાદ્વાદ વાણીથી કોઈ પણ જીવનું પ્રમાણ ના દુભાય. પ્રગટ પરમાત્માને સ્પર્શીને નીકળેલી સહજ કલ્યાણમયી વાણી કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રસંગને નિમિત્તાધીન નીકળેલી હોય, એવી વાણીનું સંકલન કરવું અતિ અતિ કઠિન છે. નમ્રભાવે જ્ઞાનગ્રંથની સંકલનની ક્ષતિઓ માટે ક્ષમા ચાહું છું.

આ જ્ઞાનગ્રંથ ધર્મગ્રંથ નથી, પણ વિજ્ઞાનગ્રંથ છે. એમાં આંતરિક વિજ્ઞાનનો, વીતરાગ વિજ્ઞાનનો, જ્ઞાનાર્ક કે જે પરમ પૂજય દાદાશ્રીના શ્રીમુખેથી પ્રગટયો છે, તે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે; બાકી ‘જેમ છે તેમ’ તો તેમના પ્રત્યક્ષ દર્શનથી જ પ્રાપ્ત થાય તેમ છે. છતાં, તેમની હાજરી જગતના કોઈ પણ ખૂણે હશે ત્યાં સુધી આ જ્ઞાનગ્રંથ યથાર્થ ફળ આપશે. આ જ્ઞાનગ્રંથ તત્ત્વચિંતકો, વિચારકો તથા સાચા જિજ્ઞાસુઓને અત્યંત ઉપયોગી થઈ પડશે. ભાષા સાદી અને તદ્દન સરળ હોવાથી સામાન્યજનને પણ તે પૂરેપુરું ફળ આપી શકશે. સુજ્ઞ વાચકો ઊંડાણથી આ મહાન ગ્રંથનું ચિંતન-મનન કરશે તો અવશ્ય સમકિતને પામશે. તે અર્થે સર્વ શાસન દેવ-દેવીઓની સહાય હો એ જ પ્રાર્થના.

- ડૉ. નીરુબેન અમીન

ઉપોદ્ઘાત

જગતસ્વરૂપ માટે જે ભ્રાંતિ અનાદિકાળથી ચાલી આવી છે તેનો ‘ફોડ’ કેવળ સર્વજ્ઞ સિવાય અન્ય આપી શકે તેમ નથી. એવા સર્વજ્ઞ પુરુષો હજારો વર્ષો પૂર્વે ફોડ આપી ગયા. આજે આ વિકરાળ કળિકાળમાં એ સત્ય આવરાઇ ગયું છે. એનો ફોડ તો સર્વજ્ઞ જે થયા હોય તે જ ફરીથી આજે આપી શકે અને આજે આ મહાદુષમકાળમાં, કળિયુગ જ્યાં સંપૂર્ણતાએ-સોળે કળાએ પહોંચી જઇ ટોચ ઉપર બિરાજ્યો છે ત્યાં અનંતકાળનું આશ્ચર્ય પ્રગટ થયું છે અને તે છે સર્વજ્ઞ શ્રી ‘દાદા ભગવાન’નું પ્રાગટ્ય !!! એમણે આખા જગતનું સ્વરૂપ, ઉત્પત્તિ, વ્યય ને સંચાલન માટેના જાતજાતના તર્ક-વિતર્કોનું સંપૂર્ણ સમાધાન એક જ વાક્યમાં આપી દીધું છે ! અને તે છે

‘ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.’ - દાદાશ્રી

‘જગત સ્વયં કોયડો છે, કોઇ બનાવનાર બાપોય જન્મ્યો નથી.’ જગત આખું શી રીતે ચાલે છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડેન્સીસ માત્રથી જગત ચાલે છે. હવે, આ વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા તે સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના છે, એ સર્વનો જે જ્ઞાતાદ્રષ્ટા હોય તે જ સર્વજ્ઞ છે, અને તે જ ‘પુરુષ’ જગત સ્વરૂપનું યથાર્થ દર્શન કરાવી શકે. તેથી જ સ્તો નરસિંહ મહેતાએ પણ ગાયું છે ૅં

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે જોગી જોગેશ્વરા કો’ક જાણે...

અહીં નરસિંહ ભગતનું ‘જોગી જોગેશ્વરા’ કહેવાનું તાત્પર્ય એ છે કે આત્મયોગી કે આત્મયોગેશ્વર કો’ક જ વિરલો સૃષ્ટિમંડાણને જાણી શકે ! અન્ય દેહયોગી, વચનયોગી કે મનોયોગીઓમાંથી કોઇ જ ના જાણી શકે. આ બે વાક્યો કે જે અંગ્રેજીમાં દાદાશ્રીનાં શ્રીમુખેથી નીકળ્યાં છે તે ઇશ્વરને જગતકર્તા સ્થાનેથી પદચ્યુત કરી દે છે ! અને જે ભ્રાંતિ ઇશ્વરને, ભગવાનને, અલ્લાને કે ગોડને ખોટા આરોપ આપે છે તે આખીય ઉડાડી દે છે!

આ જગતની અધિકરણ ક્રિયા કઇ ? ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત દર્શનથી, જ્ઞાનથી કે ચારિત્ર્યથી જે જે પણ કંઇ કરવામાં આવે તેનાથી જગતની અધિકરણ ક્રિયા થઇ રહી છે. એ પ્રતિષ્ઠાથી નવા ‘પ્રતિષ્ઠિત આત્મા’નું બંધારણ થાય છે જે આ જગતનું અધિષ્ઠાન છે. ‘પ્રતિષ્ઠિત આત્મા’નો સર્વ પ્રથમ ફોડ આપનાર દાદાશ્રી જ છે !

ધર્મ કોને કહેવાય ? પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધ, માન, માયા, લોભ ઓછાં થતાં થતાં નિર્મૂળ થાય તે ધર્મ કહેવાય. આખી જિદંગી દેવદર્શન, પ્રવચન, સામાયિક, પ્રતિક્રમણ કર્યાં છતાંય એક પણ દોષ ઓછો ન થાય તેને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ. રીલેટિવ ધર્મ એટલે મનના ધર્મ, વાણીના ધર્મ અને દેહના ધર્મ અને બીજો રીયલ ધર્મ એટલે સ્વધર્મ, આત્મધર્મ. જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રિશ્ચિયન એ બધા રીલેટિવ ધર્મ કહેવાય અને રીયલ ધર્મ, આત્મધર્મ તો એક ‘જ્ઞાની પુરુષ’ના હ્લદયમાં જ સમાયેલો હોય, બીજે ક્યાંય પણ એ ન હોઇ શકે.

શ્રીમદ્ રાજચન્દ્ર કહી ગયા છે- ‘બીજું કાંઇ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધી તેમના ચરણોમાં સર્વ ભાવો અર્પણ કરી વર્ત્યે જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઇ જજે.’

જેનો આત્મા સંપૂર્ણ પ્રકાશમાન થયો છે ત્યાં જ આત્મધર્મ પ્રાપ્ત થઇ શકે. બીજે બધે ધર્મ ખરો, પણ તે પ્રાકૃત કહેવાય. જપ, તપ, ત્યાગ, વ્યાખ્યાન, પ્રવચન અને સામાયિક, પ્રતિક્રમણ એ બધા જ પ્રાકૃત ધર્મો છે. સંપૂર્ણ આત્મધર્મ છે ત્યાં કેવળજ્ઞાન ક્રિયા ને કેવળદર્શન ક્રિયા છે, જેનું પરિણામ કેવળ ચારિત્ર્ય છે !

‘ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે ‘પોતે’ જ ધર્મસ્વરૂપ થઇ જાય!’ - દાદાશ્રી

રીયલ ધર્મ એ સાયન્ટિફિક વસ્તુ છે, ફેંકાબાજી નથી. આ તો વિજ્ઞાન છે. સામાન્ય સમજમાં ધર્મ વિષે જે સમજાય છે તે દર અસલ ધર્મ ન કહેવાય.

‘વસ્તુ સ્વ-ગુણધર્મમાં પરિણામ પામે તે ધર્મ.’ -દાદાશ્રી

સાયન્ટિફિક રીતે જો સમજીએ તો જેમ સોનું સોનાના ગુણધર્મમાં હોય તો જ તે સોનું કહેવાય, પિત્તળને બફિંગ કરીને મૂકીએ તો તે ક્યારેય પણ સોનું ન થઇ શકે, તેમ વસ્તુ જ્યારે પોતાના સ્વ-ગુણધર્મમાં, સ્વ-સ્વભાવમાં પરિણામ પામે ત્યારે તે વસ્તુ તેના ગુણધર્મમાં છે, વસ્તુ પોતાના ધર્મમાં છે તેમ કહી શકાય અને વસ્તુ તેના ગુણધર્મથી ક્યારેય ભિન્ન હોઇ ના શકે. આત્મા જ્યારે પોતાના ગુણધર્મમાં જ રહે, પોતાના સ્વભાવમાં આવી જઇને સ્વ-સ્વભાવમાં જ સ્થિત થાય ત્યારે આત્મા આત્મધર્મમાં છે તેમ કહી શકાય. આને જ સર્વજ્ઞ ભગવાને સ્વધર્મ, આત્મધર્મ, રીયલ ધર્મ કહ્યો છે.

આત્મધર્મ કેફ ઉતારે ને પ્રાકૃતધર્મ કેફ ચઢાવે. પોતે જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય, અરે ! પોતાની જાત માટે પણ સંપૂર્ણ નિષ્પક્ષપાતી થઇ, પોતાના એકેએક સૂક્ષ્મતમ સુધીનાં દોષો પણ જોઇ શકે તે જ રીયલ ધર્મમાં આવ્યો ગણાય.

સંસાર-સ્વરૂપ શું છે ? સંસાર એ રીલેટિવ વસ્તુ છે, ટેમ્પરરી છે. સંસાર આખો દગો છે, એમાં કોઇ આપણો સગો નથી. તમામ શાસ્ત્રોમાંથી પોણા ભાગનાં શાસ્ત્રો સંસારમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તે માટે છે; જ્યારે ‘જ્ઞાની પુરુષ’નાં ચાર જ વાક્યમાં ભલભલાને સંસાર પરથી વૈરાગ્ય આવી જાય !

‘અલ્યા ભઇ, તેં નનામી જોઇ છે કે નથી જોઇ ? નનામી કાઢે છે ત્યારે બૈરી, છોકરાં, મોટર, બંગલા, જેટલું જેટલું કમાયા તે બધુંય જપ્તીમાં જાય છે કે નહીં ? અને જોડે શું આવે છે ? ત્યારે કહે, જેટલી કલમો કરેલી, ૪૨૦ની, ૩૪૪ની, એ બધી જ જોડે આવે છે અને નવેસરથી કમાણી કરી ભઇને દેવું ચૂકવવાનું હોય છે !’ -દાદાશ્રી

બીજું, દાદાશ્રી બહુ જ રમૂજથી પણ ગહન જ્ઞાન ગર્ભિત રીતે વૈરાગ્ય ઉત્પન્ન કરાવે તેવી વાત હંમેશાં કરે છે :

દાદાશ્રી : બેન, કેટલાં છોકરાં છે ?

પ્રશ્નકર્તા : ચાર.

દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે ક્યાં છે ?

સંસાર એ મૂળ સંસરણ ઉપરથી આવેલો શબ્દ છે. નિરંતર પરિવર્તનશીલ જે છે તેનું નામ સંસાર, અને દરેક જીવ આ સંસરણ માર્ગ ઉપર નિરંતર ચાલ્યા જ કરે છે અને ઊર્ધ્વતાને પામે છે. એક મનુષ્યગતિમાં આવ્યા પછી જીવને માટે વક્રગતિ પણ ઉત્પન્ન થાય છે, કારણ કે અહીં મનુષ્ય ભવમાં કર્તાભાવ, અસીમિત મન, બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને જોડે એય લાભ છે કે આ મનુષ્યગતિમાંથી જીવ મુક્તિધામને, મોક્ષને પામે છે!

સંસારનું વર્ણન ‘જ્ઞાની પુરુષ’ સાદી, સુંદર ભાષામાં સિમિલી આપી સમજાવે છે : સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઊંચે શ્વાસે માથા ઉપર ઘાસનો ભારો લઇને બેસે છે, પણ છેવટે ભાર તો ઘોડા પર જાય છે ! તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. મગજ ઉપર બોજો શા માટે ? અને સરવાળે એ તો ઘોડા પર જાય છે.

સંસારવૃક્ષને નિર્મૂળ કરવા એક ‘જ્ઞાની પુરુષ’ જ સમર્થ છે. તે કઇ રીતે ? બીજા કશાને કિંચિત્ માત્ર પણ સ્પર્શ કર્યા વગર ‘જ્ઞાની પુરુષ’ સંસારવૃક્ષના ધોરી મૂળમાં ચપટીક દવા નાખી દે, જેથી કરીને આપોઆપ વૃક્ષ સુકાઇ ને નિર્મૂળ થઇ જાય.

‘સત્દેવ’ કોણ ? મંદિર કે દેરાસરમાં મૂર્તિરૂપે મૂકેલા છે તે ? ના. એ તો ‘મહીંવાળા’ એટલે કે મહીં બિરાજેલા પરમાત્મા જ સત્દેવ છે. એ પરમાત્માદર્શન ના થાય ત્યાં સુધી મંદિરના કે દેરાસરના સત્દેવને માન્ય કરવાના.

‘સદ્ગુરુ’ કોણ ? છેલ્લા ગુરુ એ ‘જ્ઞાની પુરુષ’, પણ જ્યાં સુધી એ ના મળ્યા હોય ત્યાં સુધી આપણાથી જે ઊંચા સ્ટેજ ઉપર હોય, બે ડિગ્રીય ઊંચા હોય તે ગુરુ.

‘સત્ધર્મ’ એટલે શું ? ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞા એ જ સત્ધર્મ, ‘જ્ઞાની પુરુષ’ના શ્રીમુખેથી નીકળેલાં વચનો તે જ સત્ધર્મ; બાકી શાસ્ત્રો એ સત્ધર્મ ના હોય. એ રીલેટિવ ધર્મ છે, રીયલ નથી. પણ જ્યાં સુધી સાચાં મોતી ના મળે ત્યાં સુધી કલ્ચર્ડ મોતી તો પહેરવાં પડે ને ?

સત્દેવ, સત્ગુરુ અને સત્ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય.

મૂર્તિધર્મ શું છે ? અમૂર્ત ધર્મ શું છે ?

‘દાદાશ્રી’એ મૂર્તિધર્મ અને અમૂર્તધર્મનો સુંદર ફોડ આપ્યો છે. કેટલાક લોકો અણસમજણથી ભગવાનની મૂર્તિને માનતા નથી, ધિક્કારે છે. તો તે ભયંકર ભૂલ છે. મૂર્તિની ભજના ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી અમૂર્તધર્મને, આત્મધર્મને, આત્મજ્ઞાનને પામ્યા ના હોય. જ્યાં સુધી આત્મા જાણ્યો નથી ત્યાં સુધી ચિત્તની એકાગ્રતા માટે કંઇક સાધન તો જોઇએ ને? અને જ્યાં વીતરાગ ભગવાનોની હજારો લોકોએ સ્થાપના કરી છે, એ મૂર્તિને તરછોડ કેમ મરાય ? અને જે યથાર્થ આત્મજ્ઞાની છે એ તો તરછોડ તો શું પણ કિંચિત્ માત્ર કોઇ પણ જીવને પ્રાપ્ત મન, વચન, કાયાએ કરીને દુઃખ ન દે.

મૂર્તિધર્મ એ તો ભારતનું સાયન્સ છે, અમુક સ્ટાન્ડર્ડ સુધીના લોકો માટેનું ધર્મનું અવલંબન છે. એ અવલંબનને ખોટું કેમ કહેવાય ? અને જેને મૂર્તિધર્મની જરૂર ના હોય, જે એ સ્ટાન્ડર્ડની આગળ નીકળી ગયા હોય, સંપૂર્ણ આત્મજ્ઞાની, સર્વ કલુષિત ભાવો રહિત થઇ નીકળી ગયા હોય, અને કેવળ અમૂર્તની જ રમણામાં હોય, એ મૂર્તિધર્મને ના સ્વીકારે તો તે યોગ્ય છે. પણ આવી દશાએ જે પહોંચેલા હોય તેમને જગતમાં સ્વીકારવાનું કે ના સ્વીકારવાનું કશું જ હોતું નથી, તેઓ તો સર્વના વ્યુ પોઇન્ટને જાણી કોઇનું પણ પ્રમાણ કિંચિત્ માત્ર ના દુભાય તે રીતે વર્તતા હોય છે !

મૂર્તિમાં યથાર્થ પ્રાણપ્રતિષ્ઠા કોણ કરી શકે ? એક ‘જ્ઞાની પુરુષ’ જ યથાર્થ પ્રાણપ્રતિષ્ઠા કરી શકે.

મોક્ષે જવાના બે માર્ગ છે : એક ક્રમિક માર્ગ અને બીજો અક્રમ માર્ગ. આ અક્રમ માર્ગ એ અપવાદ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે ! દર દસ લાખ વરસે એકાદ વાર પ્રગટ થાય છે ! ઋષભદેવ ભગવાન પાસેથી એકલા ભરત ચક્રવર્તીને જે પ્રાપ્ત થયો હતો તે જ આ અક્રમ માર્ગ આજે ‘દાદાશ્રી’ પાસે પ્રગટ થયો છે અને તે અનેક પુણ્યશાળીઓને પ્રાપ્ત થયો છે !!! અક્રમ શાથી ? ત્યારે કહે, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ચક્રવર્તીઓ જેવાને પણ રાજપાટ, બૈરી-છોકરાં, છોડીને જંગલમાં સદ્ગુરુની પાછળ ચાલી જવું પડતું હતું, છતાં એનું ઠેકાણું પડશે કે નહીં એનું કંઇ જ ઠેકાણું ના હોય, એવો કષ્ટદાયી ક્રમિક માર્ગ જેવો આ માર્ગ નથી. આ તો અક્રમ! ‘જ્ઞાની પુરુષ’ની જે કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરી જાય તે એક કલાકમાં જ સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી જાય છે !!! અને પછી ગ્રહણ-ત્યાગને સ્થાન જ નથી રહેતું. ગ્રહણ-ત્યાગ રૂપી સાધનો સાધ્ય વસ્તુ-આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બિનજરૂરી બની રહે છે. પછી તો ‘જ્ઞાની’ની આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. ભગવાન મહાવીરે પણ તેમ જ કહ્યું છે, ‘આણાએ ધમ્મો આણાએ તપ્પો.’ અને અક્રમ માર્ગની આજ્ઞા કેવળ પાંચ જ છે અને એ એવી છે કે સંસાર-વ્યવહારમાં સહેજ પણ હરકતકર્તા નથી હોતી. ઊલટાનું સંસાર-વ્યવહારમાં પણ અત્યંત ઉપયોગી ‘માસ્ટર કી’ સમાન થઈ પડે છે, કે જેનાથી આ જગતનું એવું કોઇ તાળું નથી કે જે ના ખૂલી શકે !

જો કે આ માન્યામાં ના આવે તેવી વાત છે. આમ છતાં, એ હકીકત છે, એમાં બે મત નથી. કારણ કે અનેક પુણ્યશાળીઓએ ‘દાદાશ્રી’ પાસે કલાકમાં જ ‘સ્વરૂપ જ્ઞાન’ની પ્રાપ્તિ કરી છે અને અનુભવ્યું છે ! ‘પોતાના સ્વરૂપ’નું લક્ષ ત્યાર પછી એક ક્ષણ પણ ચુકાતું નથી એવો અનેકોનો અનુભવ છે. ‘ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ !’ આ બેન્કમાં જેને જે ચેક નાખવો હોય તે નાખી શકે, પણ ‘સંપૂર્ણ’ સમજીને નાખે. કારણ કે ઠેઠ મોક્ષની પ્રાપ્તિ સુધીનો ચેક પાસ થાય તેમ છે, પછી રખેને સંસારની વિનાશી ચીજોમાં મૂર્છિત થઇ અવિનાશી પદ ખોઇ ના બેસે!

‘પ્રકૃતિ’ વિજ્ઞાન પૂરેપૂરું કોણ સમજાવી શકે ? જે પોતે ‘પુરુષ’ થયા હોય અને પ્રકૃતિને નિરંતર ભિન્ન જોતા હોય તે જ યથાર્થ પ્રકૃતિ-વિજ્ઞાન સમજી શકે, સમજાવી શકે. બાકી જે પોતે જ પ્રકૃતિસ્વરૂપ હોય, ‘પુરુષ’ થયા ના હોય તે પ્રકૃતિને શી રીતે ઓળખી શકે ? ને શી રીતે સમજાવી શકે ? એમાં તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ, અનંત આત્માઓ છે ને અનંત પ્રકૃતિઓ છે. જ્યાં સુધી પોતે પુરુષ થયો નથી ત્યાં સુધી તે પ્રકૃતિનો નચાવ્યો નાચે છે.

ક્રમિક માર્ગમાં પ્રકૃતિ ક્રમે ક્રમે સહજ થાય ત્યારે અંતે સહજ આત્મા પ્રાપ્ત થાય. જ્યારે અક્રમ માર્ગમાં ‘જ્ઞાની પુરુષ’ સીધો જ આત્મા સહજ સ્વભાવમાં લાવી દે છે, પછી પ્રકૃતિને સહજ કરવાની રહે છે, અને પ્રકૃતિ સહજ કેવી રીતે થાય ? ત્યારે કહે, જે જે પ્રકૃતિની ‘ફાઇલો’ ઊભી થાય તેનો સમભાવે નિકાલ કરે તો પછી એનાથી મુક્તિ પ્રાપ્ત થઇ જાય તે શેષમાં સહજ પ્રકૃતિ રહે !

‘મોક્ષે જવા કોઇ મનાઇ હુકમ નથી, માત્ર ‘પોતાને’ પોતાનું ભાન થવું જોઇએ. કોઇ ત્યાગી પ્રકૃતિ હોય, કોઇ તપની પ્રકૃતિ હોય, કોઇ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય !’

‘પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ-અગલન સ્વભાવનો છે.’ - દાદાશ્રી

વીતરાગો નિરંતર પોતાની પ્રકૃતિને જ જો જો કરતા હતા. પ્રકૃતિનો ‘પોતે’ જ્ઞાતા-દ્રષ્ટા રહે તો તે ઓગળે.

‘કેવળજ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે, પોતાની જ પ્રકૃતિને જો જો કરે.’ - દાદાશ્રી

પ્રકૃતિનો સ્વભાવ કેવો છે ? પ્રકૃતિ બાળક જેવી છે. પ્રકૃતિ પાસેથી કામ કઢાવી લેવું હોય તો બાળકને જેમ સમજાવી-પટાવીને, ફોસલાવીને કામ કાઢી લેવાનું છે. બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે, પણ જો એના સામાવડિયા થાવ તો પ્રકૃતિ વીફરે તેવી છે. માટે ગમે તેમ કરીને, છેવટે ‘લોલીપોપ’ આપીને પણ એને પટાવીને આપણું કામ કાઢી લેવાનું છે !

કેટલાક આત્માને નિર્ગુણ કહે છે, પણ તે યથાર્થ નથી. પ્રકૃતિના ગુણે કરીને આત્મા નિર્ગુણ છે અને પોતાના સ્વગુણો થકી આત્મા ભરપૂર છે. આત્માના અનંત ગુણો છે.

દાદાશ્રીનું સૂત્ર છે કે, ‘‘પ્રકૃતિનો એક પણ ગુણ ‘શુદ્ધચેતન’માં નથી અને ’શુદ્ધચેતન’નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.’’

‘પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અને આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય.’ - દાદાશ્રી

અંબામાતા, દુર્ગામાતા, એ બધી માતાજી આદ્યશક્તિ છે અને તે સહજ-પ્રાકૃત શક્તિસૂચક છે. દરેક દેવીઓના કાયદા હોય છે અને તે કાયદા પાળનાર પર તે દેવી ખુશ રહે. અંબામા પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા રહે તો અંબામા રાજી રહે. સરસ્વતી દેવીને રાજી કરવા માટે કયા કાયદા પાળવા જોઇએ ? વાણીનો ક્યારેય પણ દુરુપયોગ ના કરું, જૂઠું ના બોલું, પ્રપંચ ના કરું, વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના કરું તો સરસ્વતી દેવી પ્રસન્ન થાય, પરિણામ સ્વરૂપે ગજબનું વચનબળ ઉત્પન્ન થાય ! ‘જ્ઞાની પુરુષ’ની વાણી સાક્ષાત્ સરસ્વતી ગણાય, કારણ કે તે પ્રગટ પરમાત્માને સ્પર્શીને નીકળે છે !

લક્ષ્મીજીના કાયદા શા છે ? ‘મન, વચન, કાયાએ કરીને ક્યારેય પણ ચોરી નહીં કરું’, એ જ એક મોટો લક્ષ્મીજીનો કાયદો છે. લક્ષ્મીજીની પાછળ પડવાનું ના હોય કે તેમને આંતરવાના ના હોય, તેમ જ લક્ષ્મીજીને તરછોડવાનું પણ ના હોય. ‘જ્ઞાની પુરુષ’ લક્ષ્મીજી સામા મળે ત્યારે હારતોરા પહેરાવે ને જાય ત્યારે પણ હારતોરા પહેરાવે ! લક્ષ્મીની ઇચ્છા કરે તેને ત્યાં લક્ષ્મીજી મોડાં પહોંચે ને ઇચ્છા ના કરે તેને ત્યાં સમયસર આવી પહોંચે.

લક્ષ્મી શી રીતે કમાય છે ? મહેનતથી ? બુદ્ધિથી ? ના. એ તો પુણ્યથી કમાય છે. આ ભેદ જાણે નહીં તે કમાય તો કહે, ‘હું કમાયો, મારી બુદ્ધિથી કમાયો.’ એ ખોટો અહંકાર છે. મનના ભાવ સુધરે તો લક્ષ્મીજી આવે. વ્યભિચારી વિચારોથી સાચી લક્ષ્મી ક્યારેય પણ ના આવે. સાચી લક્ષ્મી જ શાંતિ આપે. આ ભ્રષ્ટાચારથી કમાયેલું કાળું નાણું આવે તે તો જવાનું જ, પણ જતી વખતે રોમે રોમે સો સો વીછીંના સામટા ડંખની જેમ કરડીને જાય ! લક્ષ્મીજી આવવી કે ના આવવી એ પરસત્તામાં છે. મનુષ્યે તો માત્ર નૈમિત્તિક ક્રિયા જ કરવાની હોય, પ્રયત્નો કરવાના હોય. લક્ષ્મીજી માટે નિઃસ્પૃહ ના થઇ જવાય, તેમને તરછોડ ના મરાય. તરછોડ મારે તો કંઇ કેટલાંય અવતાર લક્ષ્મીજી વગર વલખાં મારવાં પડે તેમ છે.

દાદા ભગવાન જગતને નવું સૂત્ર આપે છે. જૂનાં સૂત્રોને લોકો તો હવે ઘોળીને પી ગયા છે.

‘ડીસઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.’ - દાદાશ્રી

જેને મોક્ષે જવું હોય તેણે નો લૉ-લૉમાં આવવું પડશે. નો લૉ-લૉમાં રહ્યો તે સહજ પ્રકૃતિમાં આવી ગયો ગણાય. જ્યાં જ્યાં લૉ બેસાડી કંટ્રોલ કરવા જાય ત્યાં જ તે લૉ પ્રત્યે અભાવ આવે અને પ્રકૃતિ વિશેષ ઉછાળો મારી ડિકંટ્રોલ થઇ જાય !

‘આ વર્લ્ડને એક દહાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે ! સૌથી પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે ! સરકારને કહીશું કે જોઇ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન !’ - દાદાશ્રી

કાયદા લાદવાથી મન બગડી જાય અને પછી વર્તન બગડી જાય. કાયદા સંકલ્પ-વિકલ્પ ઊભા કરે. આત્મા સહજ છે અને કાયદા એ બંધન છે, જે પોતાને અસહજ કરે છે.

યથાર્થ ‘ધર્મધ્યાન’ કોને કહેવાય ?

પૂજા, જપ, તપ, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાન સાંભળે એને ? ના. એ તો સ્થૂળ ક્રિયાકાંડ છે, પણ એ સ્થૂળ ક્રિયા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે નોધમાં લેવાય છે. ભગવાનનાં દર્શન કરતી વખતે ભગવાનના ફોટા જોડે દુકાનોના ને બહાર મૂકેલા જોડાનાય ફોટા લે તેને ધર્મધ્યાન શી રીતે કહેવાય ? ભગવાનની પાસે ક્રિયા જોવામાં આવતી નથી, ધ્યાન શેમાં વર્તે છે તે જોવામાં આવે છે. અત્યારે થઇ રહેલી ક્રિયા એ તો પાછલા અવતારમાં કરેલાં ધ્યાનનું રૂપક છે, પાછલા અવતારનો પુરુષાર્થ સૂચવે છે; જ્યારે અત્યારનું ધ્યાન એ આવતા ભવનો પુરુષાર્થ છે, આવતા ભવનું સાધન છે !

હવે ધર્મધ્યાન શું છે ? આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉત્પન્ન થાય ત્યારે તે ફેરવવા જે પુરુષાર્થ કરવો પડે છે તે જ ધર્મધ્યાન છે ! આ ધર્મધ્યાનમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો સમાવેશ થાય છે. પણ આ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન પોતાની સમજણે કરેલાં ના હોવાં જોઇએ, ‘જ્ઞાની પુરુષે’ દેખાડેલાં હોવાં જોઇએ.

આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ? આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થયું તે મારાં જ કર્મના ઉદયને લીધે થયું, એમાં સામાનો કિંચિત્ માત્ર દોષ નથી. ઊલટું, મારા નિમિત્તે સામાને દુઃખ સહન કરવું પડ્યું તેનો પશ્ચાતાપ કરવો અને ફરી આવું નહીં કરું એવો દ્રઢ નિર્ણય, નિશ્ચય કરવો. આ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન છે અને તે શૂટ ઓન સાઇટ થવું ઘટે. પ્રતિક્રમણ કેશ, ઓન ધી મોમેન્ટ થાય તો જ થયેલો દોષ ધોવાય. સાચું ધર્મધ્યાન સમજે તો તે તુરત જ પ્રવર્તનમાં આવે તેમ છે.

‘દાદાશ્રી’એ સાદા, રોજિંદા વ્યવહારમાં અવારનવાર ઊપયોગી થઇ પડે તેવા સુંદર પ્રસંગોના દાખલા આપી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવીને ધર્મધ્યાનમાં શી રીતે રહેવું તે સરળ કરી આપ્યું છે અને એ દરેકને પોતાની રીતે એડજસ્ટ થઇ જ જાય તેવું છે.

જેના સર્વ કલુષિત ભાવો નીકળી જાય તે ભગવાન પદને પામે. પોતાને તો કલુષિત ભાવો ઉત્પન્ન ના થાય, પણ પોતાના નિમિત્તે સામાને પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય એ જ એક લોકપૂજ્ય થઇ શકે. બાકી ‘જ્ઞાની પુરુષ’ કે જે પોતે નિર્વિશેષ પદમાં હોય તેમને ‘ભગવાન’એ વિશેષણ આપવું તે તેમની અનુપમ ઊંચાઇ ને ઉપમા આપી નીચે પાડવા બરાબર છે ! છતાંય ઓળખાવવા માટે તેમને બધા ભગવાન, સર્વજ્ઞ વગેરે કહે છે. સર્વજ્ઞ એટલે શું ? જે સર્વ જ્ઞેયોને જાણે છે તે સર્વજ્ઞ. સર્વજ્ઞ બે પ્રકારના હોય : એક કારણ સર્વજ્ઞ અને બીજા કાર્ય સર્વજ્ઞ. ભગવાને થઇ રહેલી ક્રિયાને થઇ ગઇ છે એમ ગણ્યું છે.

દા. ત., ઘેરથી વડોદરા જવા કોઇ નીકળ્યું હોય ને પાંચ મિનિટમાં કોઇ પૂછવા આવે કે, ‘ભાઇ ક્યાં ગયા ?’ તો તમે શો ઉત્તર આપશો? તમે કહેશો કે, ‘ભાઇ વડોદરે ગયા.’ હવે ભાઇ તો માંડ સ્ટેશનેય નહીં પહોંચ્યા હોય. છતાં, ક્રિયાવંત થયેલી ક્રિયાને ભગવાન મહાવીરે થઇ ગઇ છે એમ ગણ્યું છે ! તેમ જેમનાં સર્વજ્ઞનાં કારણો સેવાઇ રહ્યાં છે, તે કારણ સર્વજ્ઞ જ કહેવાય છે. ‘દાદા ભગવાન’ કારણ સર્વજ્ઞ છે.

જગતનો કાયદો છે કે જેનાથી દેખીતી ભૂલ થાય તેની ભૂલ, પણ કુદરતનો કાયદો છે કે જે ‘ભોગવે તેની ભૂલ.’

‘કોઇને આપણાથી કિંચિત્ માત્ર દુઃખ થાય તો માનવું કે આપણી ભૂલ છે.’ - દાદાશ્રી

‘ભોગવે તેની ભૂલ’ આ કાયદાના આધારે જે પણ કોઇ ચાલે તેને આ જગતમાં કંઇ પણ સહન કરવાનું રહેતું નથી, કોઇના નિમિત્તે કિંચિત્ માત્ર દુઃખી થવાનું રહેતું નથી. આપણે આપણી જ ભૂલથી બંધાયા છીએ અને જે પોતાની સર્વ ભૂલો ભાંગી નાખે તે પોતે જ પરમાત્મા છે ! ‘વીતરાગો’ સર્વ ભૂલો ભાંગી મોક્ષે સિધાવી ગયા. આપણે પણ તે જ કરીને છૂટી જવાનું છે. ‘વીતરાગો’ ધ્યેયસ્વરૂપ છે અને પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ મૂળ ઉપાદાન સંયોગી છે ! ‘મારી ભૂલ નથી’ એમ કહ્યું એ જ મોટામાં મોટી ભૂલ છે, ભૂલ ઉપર ગાઢ આવરણ આવી જાય છે. કૃપાળુદેવ કહી ગયા છે :

‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.’

જ્યાં અનંત દોષનું ભાજન છે, ડગલે ને પગલે ભૂલો જ છે. અરે, અહીં આ જગતમાં આપણે વિદ્યમાન છીએ એ જ મોટામાં મોટી શું ભૂલ નથી ? મૂળ જ જ્યાં પોતે જ ભૂલથી ભરેલો છે ત્યાં બીજાને ક્યાં દોષ દેવો ? અને બીજાને દોષ દેવો એના જેવું અવગાઢ મિથ્યાત્વ આ જગતમાં બીજું કોઇ જ નથી.

‘પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય.’ - દાદાશ્રી

‘આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી નથી. તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપોય તમારો ઉપરી નથી. તમારી ભૂલો એ જ તમારો ઉપરી છે !’ - દાદાશ્રી

પોતે કોણ છે તે જાણે તો બધી ભૂલો ભાંગવાનો રસ્તો કપાવા માંડે અને છેવટે ‘પરમાત્મા’ થાય !

જગતનો નિયમ કેવો છે કે કોઇ તમને કંઇ ખરાબ કહી જાય કે તમારું કોઇ ખરાબ કરી જાય તો તમે સામાની ભૂલ જોશો અને ‘મને આમ કેમ કહ્યું ?’ એમ કરી પોતાના માટે અન્યાય થયો છે તેમ માની લેશો. હકીકતમાં ‘ન્યાય’ જોવાનો હોય જ નહીં. આ સામેથી જે પણ કાંઇ અનુકૂળ કે પ્રતિકૂળ તમને પ્રાપ્ત થયું તે તમારા પોતાના લઇ આવેલા ‘વ્યવહાર’ના હિસાબે જ પ્રાપ્ત થાય છે, એમાં પછી ‘ન્યાય’ જોવાનો ક્યાં રહે છે ? દરેકનો ‘વ્યવહાર’ જેવો પોતે લાવેલા હોય છે તે તો ઉકેલાયા જ કરે છે, પાછો મળે છે તે હિસાબે હિસાબથી જ મળે છે, એમાં ‘ન્યાય’ જે ખોળવા જાય છે કે કુદરતી વ્યવહારને અમાન્ય કરે છે, તેને એનો માર પડ્યા વગર શી રીતે રહે ?

‘આ મારી ભૂલ છે’ એ સમજાય છે, એ સ્ટેજ સુધી જે પહોંચેલો છે એને એની ભૂલ ભાંગવા માટે ‘ન્યાય’ છે અને જેને ‘મારી ભૂલ થતી નથી’ એને સમજવા માટે ‘વ્યવહાર’ છે.

સામાન્ય રીતે વ્યવહારિક ‘સુખદુઃખ’ની જે સમજ છે તે હકીકતમાં સુખદુઃખ નથી, એ તો શાતા કે અશાતા વેદનીય કર્મ છે એમ ભગવાને કહ્યું છે. આ શાતા કે અશાતા વેદનીય મુદતી હોય છે, ટેમ્પરરી હોય છે. કારણ કે આ અવસ્થા છે. અવસ્થાનો અર્થ જ ટેમ્પરરી છે. હવે જે સામાન્ય સમજ પ્રમાણે આ વેદનીય કર્મને કાયમી માની મોટું સ્વરૂપ આપવામાં આવે તો તેનાથી પોતાને ઘણું વેઠવું પડે છે. સંસારનાં સર્વ સુખદુઃખો અંતવાળા છે. પોતાનું ‘સ્વસુખ’ જ અનંત છે અને તે જ પ્રાપ્ત કરી લેવા જેવું છે.

સામાન્ય સમજથી જે સુખદુઃખની કલ્પના કરીને જે ભયંકર કર્મબંધનો બંધાઇ જાય છે તે કલ્પનાની સ્થાને દાદાશ્રીએ બહુ જ સુંદર સહજ રીતે યથાર્થ ‘જ્ઞાન દર્શન’ પ્રદાન કર્યું છે અને તેની ‘ગેડ’ બેસી જાય તેવું સરળ કર્યું છે અને એક વાર એની ગેડ બેસી જાય તો વ્યવહારિક સુખદુઃખ સ્પર્શે તેમ નથી !

‘કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇને ત્યારે જે દશા થાય

- દાદાશ્રી

હવે આ કંટાળાનો અનુભવ ના કર્યો હોય એવો ભાગ્યશાળી કોણ હોઇ શકે ? ભલભલા આચાર્યો, મહારાજો, સાધુ-સન્યાસી ને મોટા મોટા મહાત્માઓ પણ કંટાળાથી વંચિત રહી ના શકે. એ તો એક ‘જ્ઞાની પુરુષ’ને કંટાળા જેવી વસ્તુ જ અનુભવવાની ના હોય ! હવે આ કંટાળો જેને આવે તેણે તેને સમતાભાવે સહન કરી લેવાનો હોય, પણ તેમ ન કરતાં કંટાળો દૂર કરવાના ઉપાયો આદરવામાં આવે. અરે, સિનેમા, નાટક કે એથી પણ નીચે ઘસડી જાય તેવા ઉપાયો કરવામાં આવે છે, પણ હકીકતમાં કંટાળો દૂર થતો નથી, માત્ર થોડા સમય માટે તે આગળ ધકેલાય છે, તે ફરી પાછો બમણા જોરથી ફરી વળે છે. કારણ કે એ ઉદયકર્મ કંઇ છોડે નહીં, એ પૂરું ભોગવ્યે જ છૂટકો.

‘રાગદ્વેષ’ની સામાન્ય સમજ અને વીતરાગોની યથાર્થ સમજમાં છાશ અને દૂધ જેટલો તફાવત છે. ‘હું ચંદુલાલ છું’ એ જ રાગ. જ્યાં પોતે નથી ત્યાં ‘હું છું’ એવો જે આરોપ કરે છે એ જ રાગ છે અને જેને ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ નિરંતર છે તેના સર્વ રાગ તૂટી ગયા છે.

‘મને આના પર રાગ છે’ એમ જે સામાન્ય સમજ છે તે અયથાર્થ છે. હકીકતમાં આત્મામાં રાગ નામનો ગુણ જ નથી. આ જે રાગ લાગે છે તે તો પરમાણુઓનું આકર્ષણ છે અને દ્વેષ લાગે છે તે પરમાણુઓનું વિકર્ષણ છે. આ બધી પુદ્ગલની કરામત છે, તેને ‘ પોતાને’ જ રાગદ્વેષ થાય છે એમ માની લઇ આત્માને રાગી-દ્વેષી ઠરાવી દે છે. આત્મા વીતરાગી જ છે ને રહેશે.

‘અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.’

- દાદાશ્રી

જગતનો આધારસ્થંભ ‘વેર’ છે. જો વેર નિર્મૂળ થાય તો સંસાર સહજ રીતે નિર્મૂળ થઇ જાય છે. વેરથી છૂટવાનો એક જ માર્ગ છે અને તે છે ‘સમભાવે ફાઇલોનો નિકાલ કરો.’ એ ‘શસ્ત્રનું શરણું’, આ કાળમાં ગજબનું છે. આ શસ્ત્ર ‘દાદાશ્રી’એ સર્વને આપ્યું છે. હવે એ શસ્ત્ર લઇ જે રણે ચઢે તે ખરો શૂરો. સંસાર એ સંગ્રામ જ છે ને ? એ સંગ્રામમાં ‘ફાઇલો’નો સમભાવે નિકાલ કરો. એ દાદાઇ શસ્ત્ર લઇને રણે ચઢે તે વિજયને અવશ્ય વરે ને મળે શું ? મોક્ષ !! પ્રાપ્ત મન, વચન, કાયાને દાદાશ્રીએ ‘ફાઇલ’ કહી છે અને આ દર્શનમાં આવી જાય તેનો અધ્યાત્મ વિજય થઇ ગયો !

ચાર્જ થયેલું એક પરમાણુ પણ અસરવાળું જ્યાં છે ત્યાં અનંત પરમાણુઓથી ભરેલાં ભાજનોનો ‘સંગ’ શું અસર મુક્ત હોઇ શકે ? પછી એ સંગ સુસંગ હો કે કુસંગ હો, અસર થવાની જ. એક ‘સત્સંગ’ જ એવો છે કે જે સર્વ સંગોથી અસંગ કરાવે અને આ ‘સત્સંગ’ તે સામાન્ય અર્થમાં વપરાય છે તેવો નહીં. ‘જ્ઞાની પુરુષ’ કે જે સર્વ સંગમાં હોવા છતાં નિરંતર અસંગ રહે છે, તેમનો સત્સંગ જો પ્રાપ્ત થાય તો કોઇ પણ જીવને અસંગ પદ પ્રાપ્ત થાય તેવું છે. આવા ‘જ્ઞાની પુરુષ’નો સત્સંગ રોજ ને રોજ નવો, નવો ને નવો જ લાગે !

સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવાં શુદ્ધ પરમાણુ દાખલ થાય.

‘આ જે હિંગનો પાસ કોઇ તપેલાંને લાગી ગયો હોય તો છ મહિના પછી એ તપેલામાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંત કાળ તમારાં બગાડી નાખે એવું છે.’ - દાદાશ્રી

મંત્ર એ વિજ્ઞાન છે, ગપ્પું નથી. એમાંય ‘ત્રિમંત્ર’ એ તો સંસારવિઘ્નહર્તા છે. ત્રિમંત્ર નિષ્પક્ષપાતી મંત્ર છે, સર્વ ધર્મ સમભાવ સૂચક છે, સર્વ ધર્મના રક્ષક દેવદેવીઓ એનાથી રાજી રહે છે. મંત્રની અસર ક્યારે થાય ? ‘જ્ઞાની પુરુષ’ હાથે વિધિસર જો અપાયો હોય તો તે ગજબની અસર કરે તેવું છે ! જ્યાં સુધી વ્યવહાર બાકી રહે છે ત્યાં સુધી ત્રણેય મંત્રો- ‘નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય’ એમ એક સાથે બોલવાના હોય. એકલો નવકાર મંત્ર એ સંન્યસ્ત મંત્ર છે. જ્યાં સુધી યથાર્થ સંન્યસ્ત પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી ત્રણેય મંત્રો સાથે બોલવાના હોય. સંન્યસ્ત એટલે વેશ બદલાવવું એ નહીં, પણ આત્મજ્ઞાન પ્રાપ્ત થવું તે છે.

આજે જગતની કઇ દશા થઇ છે તેના નિમિત્તે દાદાશ્રી સમજાવે છે. દાદાશ્રી કહે છે, કે ૧૯૪૨ ની સાલથી હું કહેતો આવું છું કે જગત આખું મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઇ રહ્યું છે.

જ્યાં જુઓ ત્યાં નર્યું ગાંડપણ જ દેખાય છે. તમે પૂછો શું ને સામે જવાબ શો આપે ! એકબીજાનો કાંઇ તાળો જ ના બેસતો હોય ! અને નાની નાની બાબતો માટે મોટા મોટા ઝઘડા કરે છે, એ મેન્ટલ નહીં તો બીજું શું?

આજની નવી પેઢીનાં યુવાન છોકરા-છોકરીઓને લોકો ખૂબ વગોવે છે, પણ દાદાશ્રી કહે છે કે આ જ યુવા પેઢી હિન્દુસ્તાનનું નામ રોશન કરશે અને દાદાશ્રીની સહજ વાણી નીકળી છે કે, હિન્દુસ્તાન ૨૦૦૫ની સાલમાં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે, અત્યારે થઇ રહ્યું છે.

૩૧ વર્ષ પછી ફોરેનના લોકો અહીં ભણવા આવશે કે જીવન કેમ જીવવું, ખાવું કેટલું, ઊંઘવું કેટલું ને રહેવું કેમ કરીને !

જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. - દાદાશ્રી

‘શુદ્ધાત્મા’ શાશ્વત છે અને સંયોગો નિરંતર બદલાયા જ કરે છે.

‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.’ - દાદાશ્રી

પંચેન્દ્રિયથી અનુભવી શકાય તે બધા જ સંયોગો તે સ્થૂળ સંયોગો છે ; મનના, બુદ્ધિના, ચિત્તના, અહંકારના વગેરે સંયોગો સૂક્ષ્મ સંયોગો છે અને વાણીના સંયોગો કે જે સ્થૂળ- સૂક્ષ્મ છે એ બધા પર છે ને પાછા પરાધીન છે. વાણી એ રેકર્ડ છે, ફીઝિકલ છે. આત્માને અને વાણીને કંઇ જ લાગતું વળગતું નથી. આત્મા અવાચ્ય છે. હા, વાણી કેવી નીકળે છે, ક્યાં ભૂલ થાય છે વગેરેનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. સંયોગો વિનાશી છે. જો સંયોગોમાં મુકામ કરે તો પોતે વિનાશી છે ને અવિનાશી એવા આત્મામાં મુકામ કરે તો પોતે અવિનાશી જ છે. મહાવીર ભગવાને એક આત્મા સિવાય બીજું જે પણ કંઇ છે તે બધું જ સંયોગ વિજ્ઞાન છે એમ કહ્યું છે. આ સર્વ સંયોગોના સંગથી મુક્ત એવો પોતે અસંગ શુદ્ધાત્મા છે.

તપ બે પ્રકારનાં છે : એક બાહ્ય તપ અને બીજું આંતર તપ. બાહ્ય તપ એટલે બીજાને ખબર પડી જાય તે અને આંતર તપની કોઇનેય ખબર ના પડે, પોતે પોતાની જ મહીં તપ કર્યા કરે તે. બાહ્ય તપનું ફળ સંસાર છે ને આંતર તપનું ફળ છે મોક્ષ ! બાહ્ય તપથી તો હર કોઇ વિદિત છે જ, પણ આંતર તપ એક ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જ પ્રાપ્ત થાય એવું છે.

‘આત્મા અને અનાત્માના સાંધીને એક થવા ના દે તે ખરૂં તપ.’

- દાદાશ્રી

હોમ ડિપાર્ટમેન્ટ એટલે કે પોતામાં-સ્વમાં આત્મામાં જ રહેવું અને ફોરેન ડિપાર્ટમેન્ટ એટલે કે આત્મા સિવાય અન્યમાં-પુદ્ગલમાં ન રહેવું અને તે માટે જે તપ કરવું પડે છે તે આંતર તપ છે. આ બાહ્ય તપ જે કરવામાં આવે છે તેમાં જે કરવાપણું આવે છે તે અહંકાર છે. ભગવાને પ્રાપ્ત તપને સમતા ભાવે સહન કરી લેવાનું કહ્યું છે, નહીં કે ખેંચીતાણીને અહંકાર કરી ને તપ તપવાનું કહ્યું છે ! અત્યારે જે પણ સ્થૂળ તપ કરવામાં આવે છે તે બધાં જ પ્રકૃતિ કરાવે છે, એમાં શો પુરુષાર્થ ? પુરુષાર્થ તો આંતર તપમાં ‘પુરુષ’ થયા પછી જ શરૂ થાય છે. પ્રકૃતિ પરાણે તપ કરાવે છે ને અહંકાર કરે છે કે ‘મેં તપ કર્યું !’ જે પણ કંઇ તપ થાય છે તે પ્રકૃતિને આધીન થાય છે. આમાં ‘પોતે’ કંઇ જ કરતો નથી એવો સતત ખ્યાલ રહે તો તપના રીએકશન રૂપે અહંકાર ઊભો ના થાય, નહીં તો તપનું રીએકશન ક્રોધ, માન ને અહંકાર છે.

ત્યાગ કોને કહેવાય ? સહજ વર્તનમાં વર્તાયેલો હોય તે ત્યાગ કહેવાય. બીજો બધો ત્યાગ અહંકાર કરીને કરેલો કહેવાય. ‘ત્યાગે સો આગે’! જેનો જેનો ત્યાગ અહંકારે કરીને કર્યો હોય તે સો ગણું થઇને આગળ ઉપર મળે. ‘મોક્ષમાર્ગમાં ત્યાગનીય શરત નથી અને અત્યાગનીય શરત નથી !’ શાસ્ત્રો સ્વયં વદે છે કે જ્ઞાનીને ત્યાગાત્યાગ સંભવે નહીં. જે પ્રકૃતિમાં રમણતા કરે છે તે જે પણ કંઇ ત્યાગ કરે છે તે પ્રકૃતિ જ કરાવે છે ને ખાલી અહંકાર કરે છે કે ‘મેં ત્યાગ્યું !’ અને જે નિરંતર આત્મ-રમણતામાં છે એને ત્યાગાત્યાગ સંભવે જ નહીં. આત્માનો ત્યાગ કે ગ્રહણ કરવાનો સ્વભાવ જ નથી. જો તેમ હોત તો તો સિદ્ધક્ષેત્રે બિરાજેલા સિદ્ધ ભગવંતો પણ ત્યાગ કે ગ્રહણ કરતા બેઠા હોત ! તો પછી તેને મોક્ષ કહેવાય જ કેમ ? આ તો પુદ્ગલ ત્યાગે છે ને પુદ્ગલ જ ગ્રહણ કરે છે ને પોતે ખાલી અહંકાર જ કરે છે. ભગવાને વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યો નથી; પણ વસ્તુની મૂર્છાનો, મોહનો ત્યાગ વર્તવો જોઇએ એમ કહ્યું છે.

‘તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહીં તે ત્યાગ.’ - દાદાશ્રી

અહિંસાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જો કોઇ કરી શકે તો તે વીતરાગો જ કરી શકે. જેને આ જગતમાં કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ નથી દેવું એવો નિરંતર ભાવ છે અને તે વર્તનમાં છે એ જ વીતરાગ છે! કોઇ જીવ કોઇ જીવને મારી જ ના શકે તેમ જ કોઇ જીવ કોઇ જીવને બચાવી ના શકે. ચંદુભાઇએ કોઇ જીવને મારવાનો ભાવ કરેલો અને જ્યારે કોઇ જીવને મરવાનો ટાઇમિંગ આવી જાય ત્યારે એ ચંદુભાઇના નિમિત્તે મરે. મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે જ નહીં. આ તો મારવાના જે ભાવ કરે છે તેનાથી ભાવમરણ થાય છે. ભગવાને સ્થૂળ હિંસા ના કરશો એમ નથી કહ્યું, ભાવહિંસા ના કરશો એમ કહ્યું છે, એટલે ઓટોમેટિક બધી જ અહિંસા આવી જાય છે. કોઇ જીવને બચાવવા માટે દયા રાખવાની નથી, પણ જીવને મારવાનો જે ભાવ થયો તે ભાવમરણ માટે દયા રાખવાની છે!

યોગ બે પ્રકારનાં : એક જ્ઞાનયોગ એટલે કે આત્મયોગ અને બીજો અજ્ઞાનયોગ એટલે કે અનાત્મયોગ. અનાત્મયોગમાં મનોયોગ, દેહયોગ ને વાણીયોગ સમાવિષ્ટ થાય. યોગ શેનો થાય ? જેને જાણ્યો હોય તેનો કે જે અજાણ છે તેનો ? જ્યાં સુધી આત્મા જાણ્યો ના હોય ત્યાં સુધી આત્મયોગ શી રીતે થાય ? એ તો દેહને જાણ્યો તેથી દેહયોગ જ કહેવાય, અને નિર્વિકલ્પ સમાધિ દેહયોગથી ક્યારેય પણ પ્રાપ્ત ના થઇ શકે. વિકલ્પી નિર્વિકલ્પી ક્યારેય પણ ના થઇ શકે, એ તો આત્મજ્ઞાની સર્વજ્ઞપુરુષ નિર્વિકલ્પ દશાએ પહોંચાડી આપે ત્યારે જ નિર્વિકલ્પ થાય. પ્રગટ દીવો જ અન્ય દીવાને પ્રગટાવી શકે.

‘એકાગ્રતા’ શું છે ? શા માટે કરવી પડે છે ? જેને વ્યગ્રતાનો રોગ હોય તે જ એકાગ્રતા કરે, એમાં આત્મા ઉપર શો ઉપકાર ? આ મજૂરોને એકાગ્રતા કરવાની ક્યાં જરૂર છે ? તેમજ ‘જ્ઞાની પુરુષ’ પણ એકાગ્રતા ના કરે. જે વ્યગ્રતાના રોગ ઉપર એકાગ્રતાની દવા ચોપડે છે તેનાથી આત્માને શો ફાયદો ?

ધ્યાન કરે તો શેનું કરવાનું ? ધ્યેયને જાણ્યા વગર શેનું ધ્યાન કરવાનું? પોતાની કલ્પનાથી ધ્યેય નક્કી કરી ધ્યાન કર્યાથી દહાડો શી રીતે વળે ?

સમાધિ કોને કહેવાય ? નાક દબાવીને કે હઠયોગથી સમાધિ કરે તેને? ના, એ તો હેન્ડલ સમાધિ કહેવાય. જ્યાં સુધી હેન્ડલ માર્યું ત્યાં સુધી ચાલ્યું, પછી એ સમાધિ ઊતરી જાય, એવી સમાધિથી શું મોક્ષ થાય? સમાધિ તો તેને કહેવાય કે, હાલતાં ચાલતાં, અરે લઢતાં-ઝઘડતાંય સમાધિ ના જાય તેનું નામ ‘યથાર્થ-સમાધિ’. આધિ, વ્યાધિ, ઉપાધિ ના થાય તે ‘યથાર્થ સમાધિ’ કહેવાય.

મન શું છે ? મનને તો એક ‘જ્ઞાની પુરુષ’ જ ઓળખી શકે. જે મનથી નિરંતર પર રહીને તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે એવા પૂજ્ય દાદાશ્રીએ મનોવિજ્ઞાન યથાર્થ બહાર પાડ્યું છે. મન એ ગાંઠોનું બનેલું છે. જ્યારે બાહ્ય તેમજ આંતરસંયોગો પ્રાપ્ત થાય ત્યારે મનની ગાંઠ ફૂટે. જે કૂંપણ ફૂટે છે, રૂપકમાં આવે છે તે વિચાર અવસ્થા કહેવાય; વિચાર આવે ને જાય; આત્મા પોતે તેનો જ્ઞાતા-દ્રષ્ટા છે. મન એ જ્ઞેય છે ને આત્મા જ્ઞાતા છે. કેટલાક કહે છે કે, ‘મારું મન કાઢી લો.’ મન કાઢી લે તો એબસંટ માઇન્ડેડ થઇ જવાય. મોક્ષે જવા માટે મન જરૂરનું છે. મન એ તો નાવડું છે. મનરૂપી નાવડા વગર સંસાર-સાગરમાંથી મોક્ષરૂપી કિનારે શી રીતે જવાય ? કેટલાક કહે છે મન ભટકે છે. મન આ શરીરની બહાર ક્યારેય પણ ભટકતું નથી, ભટકે છે તે ચિત્ત છે.

બુદ્ધિ એ પરપ્રકાશ છે, ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે. આત્મા સ્વ-પર પ્રકાશક છે. બુદ્ધિની વ્યાખ્યા શી છે ?

‘આખા જગતના બધા જ સબ્જેક્ટસ્ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે અને નિરઅહંકારી જ્ઞાન એ જ્ઞાન છે.’

- દાદાશ્રી

જ્યાં જ્ઞાનસૂર્ય ઝળહળતો હોય ત્યાં બુદ્ધિરૂપી કોડિયાની શી જરૂર? બુદ્ધિનો સ્વભાવ બળાપો કરાવવાનો છે. જ્ઞાની અબુધ હોય, બુદ્ધિ નામેય ના હોય. સંપૂર્ણ બુદ્ધિ ખલાસ થાય ત્યારે સામે સર્વજ્ઞપદ હારતોરા સહિત હાજર થાય !

વગર ટિકિટે ભટકે છે તે ચિત્ત, અહીં બેઠા બેઠા ગમે ત્યાંનો હૂબહૂ ફોટો દેખાડે તે ચિત્ત. શુદ્ધ જ્ઞાન ૅ શુદ્ધ દર્શન= શુદ્ધ ચિત્ત એટલે શુદ્ધાત્મા પોતે. અશુદ્ધ જ્ઞાન ૅ અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત. જગત ‘અનંત ચિત્ત’માં પડ્યું છે. સાધુઓ અનેક ચિત્તમાં આવ્યા છે અને ‘જ્ઞાની પુરુષ’ અને સત્પુરુષ ‘એકચિત્ત’માં હોય.

અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? ‘સ્વ’ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જ્યારે શુદ્ધ ચિત્ત ‘સ્વ’ અને ‘પર’- બન્નેને જોઇ શકે છે. - દાદાશ્રી

ચિત્તની હાજરીમાં જે જમી શકતા નથી તેમને હાર્ટ ફેઇલ, બ્લડ પ્રેશર વગેરે રોગ થાય છે. ચિત્તની હાજરીમાં જમી શકાય તો કોઇ રોગ જ ના થાય એવું છે !

અનાહત નાદ, કુંડલિની એ બધા ચિત્તચમત્કાર છે ને પૌદ્ગલિક છે.

કેટલાક કહે છે કે, ‘મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે. આ આત્મા ન હોય, એ તો ચિત્તચમત્કાર છે. એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે. આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે.

- દાદાશ્રી

જે કૃષ્ણ દેખાય છે તે તો દ્રશ્ય છે ને તેને જોનારો ‘પોતે’ દ્રષ્ટા છે, આત્મા છે, સ્વયં ‘કૃષ્ણ’ છે !

‘હું ચંદુલાલ છું’ એ જ મૂળ ‘અહંકાર’ છે, એ જાય તો નિરઅહંકારી પદ પ્રાપ્ત થાય. પછી જે બાકી રહે તે નિકાલી અહંકાર-ડ્રામેટિક અહંકાર રહે છે. આ અહંકાર બે પ્રકારના છેૅં એક રૂપાળો ને બીજો કદરૂપો. આ અહંકારે જ દાટ વાળ્યો છે, પોતાના ‘સ્વ’ સુખને એ ચાખવા નથી દેતો. અહંકારને ઓગાળવાનું એક જ સાધન જગતમાં હોય અને તે ‘જ્ઞાની પુરુષ’ના ચરણનો અંગૂઠો !

અંતઃકરણના ચાર ભાગ છે : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમનું કાર્ય પાર્લામેન્ટરી પદ્ધતિથી ચાલે છે. મન પેમ્ફલેટ બતાવે, ચિત્ત ફોટો દેખાડે, એમાંથી બુદ્ધિ એકની સાથે ભળે ને ડીસીઝન આપે, વડાપ્રધાનની જેમ; અને અહંકાર રાષ્ટ્રપતિની જેમ સહી કરી આપે એટલે એ કાર્ય રૂપકમાં આવે.

અણુવ્રત, મહાવ્રત એટલે વર્તે તે, ત્યાગ નહીં. ત્યાગ કરવો અને વર્તવો એમાં બહુ અંતર છે. વર્તે તે વ્રત. વર્તે એટલે શું ત્યાગ્યું તે યાદેય ના હોય, સહજ ત્યાગ કહેવાય. જેને સહેજે બીડી છૂટી હોય તેને તે યાદેય ના આવે ને જેણે અહંકાર કરીને ત્યાગી હોય તેને તો યાદ આવ્યા કરે કે ‘મેં બીડી ત્યાગી છે !’

જે પરિગ્રહના સાગરમાં હોવા છતાં જેને એકેય બિંદુ સ્પર્શતું નથી તે ખરો અપરિગ્રહી ! અને જે પરિગ્રહની ઢાંકણીમાં મોઢું ઘાલીને ડૂબી જતો હોય તેને અપરિગ્રહી શી રીતે કહેવાય ? યથાર્થ અપરિગ્રહી એક ‘જ્ઞાની પુરુષ’ જ હોઇ શકે !

યોગેશ્વર કૃષ્ણને યથાર્થ કોણ ઓળખી શકે ? એક ‘જ્ઞાની પુરુષ’ કે જે સ્વયં ‘તે’ રૂપ થયા હોય તે જ તેમનું યથાર્થ ઓળખાણ તેમજ તે શું કહેવા માંગતા હતા તે યથાર્થ રીતે સમજાવી શકે, કારણ કે જ્ઞાની જ્ઞાનીથી ક્યારેય પણ જુદા ના હોઇ શકે, અભેદ હોય.

ચાર વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે ? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી ! ચાર વેદ વાંચ્યાં, ધારણ કર્યા ને અંતે શું ? ‘નેતિ નેતિ’. પુસ્તકમાં આત્મા શી રીતે સમાવિષ્ટ થાય ? અવર્ણનીય, અવાચ્ય દુર્ગમ એવા આત્માનું ભાન ‘જ્ઞાની પુરુષ’ સંજ્ઞાથી કરાવે. ‘જ્ઞાની પુરુષ’ પાસે ધીસ ઇઝ ધેટ, કલાકમાં થઇ જાય!

આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન યથાર્થ કરે તો જ કરેલા દોષ યથાર્થ રીતે ધોવાઇ જાય ને પોતે તેટલો નિર્મળ થાય, પણ તે દોષ થાય કે તરત જ ઓન ધી મોમેન્ટ આ વિધિ થાય તો જ આ કાળમાં કામ લાગે.

વીતરાગ વિજ્ઞાન વીતરાગ જ બહાર પાડી શકે. વીતરાગોનો અંતર આશય કાળને અનુરૂપ એવી સ્યાદવાદ વાણી દ્વારા ‘જ્ઞાની પુરુષ’ જ બહાર પાડી શકે કે જે પ્રાપ્ત થયા પછી સામાન્ય મનુષ્ય પણ યથાર્થ ધર્મધ્યાનમાં નિરંતર રહી શકે ! ઇચ્છા તો માત્ર એક મોક્ષ માટે કરવા જેવી છે.

‘જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે, એને કોઇ રોકનાર નથી! જ્ઞાની એને ઘેર જશે !!!’

‘જેને મોક્ષની ઇચ્છા હોય તેને પુદ્ગલની માલિકી ના હોય ! પુદ્ગલની માલિકી છે તેને મોક્ષની ઇચ્છા ના હોય !’

ભક્ત અને ભગવાન જુદા હોય; જ્યારે જ્ઞાનીમાં એ ભેદ ના હોય.

ભક્તિ ક્યાં સુધી કરવાની ? જ્યાં સુધી જ્ઞાનીનો ભેટો ના થાય ત્યાં સુધી, અને ‘જ્ઞાની પુરુષ’ મળે તો એમની પાસે મોક્ષ માગી લેવો. વીતરાગની ભક્તિ મુક્તિ અપાવે.

‘ભગવાન એટલે શું ?’ એનો ફોડ દાદાશ્રી આપે છે.

‘ભગવાન નામ છે કે વિશેષણ ? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું છે, તેમ ભગવત્ ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.’ -દાદાશ્રી

ઊંચામાં ઊંચી ભક્તિ કઇ ?

‘કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે.’

‘‘જ્ઞાનીઓનો ’પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. પોતે શુદ્ધાત્મામાં રહે અને પ્રતિષ્ઠિત આત્મા પાસે એના પોતાનાં શુદ્ધાત્માની અને આ દાદાની ભક્તિ કરાવે ! એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !’’ - દાદાશ્રી

‘મોક્ષ’ એટલે શું ?

મોક્ષ એટલે મુક્ત ભાવ, સર્વ બંધનોથી મુક્તિ, સર્વ દુઃખોથી મુક્તિ. અને તેનો અહીં જ અનુભવ થાય, ત્યાર પછી પેલો સિદ્ધોનો મોક્ષ સામો આવે ! મોક્ષ કષ્ટે કરીને ક્યારેય પણ પ્રાપ્ત ના થાય. આત્માનો પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે, પણ તેનું ભાન નથી માટે બંધન અનુભવે છે. એ મુક્ત ભાવ ક્યારે અનુભવાય ? જ્યારે જ્ઞાની પુરુષ પોતાની અનંત શક્તિથી, અનંત સિદ્ધિથી આપણા આત્માને ઢંઢોળીને જગાડે ત્યારે. જે પોતે મુક્ત છે તે જ અન્યને મુક્તિ આપી શકે. જ્ઞાની પુરુષ પોતે પ્રગટ મૂર્તામૂર્ત મોક્ષસ્વરૂપ છે અને એક કલાકમાં આપણને સ્વરૂપનું જ્ઞાન અર્થાત્ આત્માનુભૂતિ કરાવે છે !! આ જ અક્રમ માર્ગની સિદ્ધિ છે !!!

કેટલાક એમ માની બેઠા છે કે, આ કાળમાં મોક્ષમાર્ગ બંધ છે અને એમ માનીને બેસી રહ્યા છે ! હકીકતમાં મોક્ષમાર્ગ તો ચાલુ જ છે, ઠેઠ મોક્ષના દરવાજા સુધી પહોંચી શકાય તેમ છે, અને તે પુરવાર થયેલું છે. જો કે લાખનો ચેક આ કાળમાં પ્રાપ્ત નથી થઇ શકતો, પણ દાદાશ્રી નવ્વાણું હજાર, નવસો નવ્વાણું ને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપે છે, અને અનેકોએ તે પ્રાપ્ત કર્યો છે !! આમાં કેટલી ખોટ ? એક પૈસાની જ ને ? પણ એના બદલામાં લાખનું પરચૂરણ મળે છે ને ?

‘મોક્ષમાર્ગ’ ખુલ્લો છે, ખોળી કાઢવાની વાર છે.

‘જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં.’ - દાદાશ્રી

બંધન શેનું છે ? અજ્ઞાનથી બંધાય છે, તે જ્ઞાનથી જ છૂટી શકે. બંધનનું મૂળ કારણ અજ્ઞાન છે.

દાદાશ્રીએ યથાર્થ મોક્ષમાર્ગ ખુલ્લો કરી આપ્યો છે. જ્યાં જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ હોય ત્યાં કોઇ શાસ્ત્રની કે ક્રિયાની જરૂર નથી, ત્યાં તો આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ જ તપ છે. ભગવાન મહાવીરે કહ્યું છે ને કે, ‘આણાએ ધમ્મો આણાએ તપ્પો.’

ભગવાને એમ પણ કહ્યું છે કે, ૨૫૦૦ વર્ષ પૂરાં થયાં પછી ભસ્મકગ્રહની અસર પૂરી થશે ને ફરીથી યથાર્થ વીતરાગ ધર્મ ઉદયમાં આવશે, અને તે ૨૫૦૦ વર્ષ આજે પૂરાં થાય છે. ‘જ્ઞાની પુરુષ’ જ્યાં પ્રગટ્યા છે ત્યાં વીતરાગ ધર્મને શી આંચ આવવાની છે હવે ? પોતે સંપૂર્ણ નિષ્પક્ષપાતી થાય, પોતાની જાત માટે પણ નિષ્પક્ષપાતી થાય ત્યારે મોક્ષ સામો આવે !

‘રમણતા’ બે પ્રકારની : એક પૌદગલિક અને બીજી આત્મ. જેને પૌદ્ગલિક રમણતા પરમાણુ માત્રમાં પણ ના હોય તેને આત્મરમણતા પ્રાપ્ત થયે જ છૂટકો. જ્યાં સુધી કિંચિત્ માત્ર પૌદ્ગલિક રમણતા હોય ત્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થઇ શકે. મનુષ્ય જન્મ્યો ત્યારથી મરે ત્યાં સુધી પૌદ્ગલિક રમણતામાં જ રહે છે. અરે, શાસ્ત્રો વાંચે, માળા ફેરવે, સામાયિક, પ્રતિક્રમણ કરે કે વ્યાખ્યાન કરે તે બધી જ પૌદ્ગલિક રમણતા છે. સ્વને રમાડે તો જ મોક્ષ પ્રાપ્ત થાય ! જેને સ્વરમણતા ઉત્પન્ન થઇ ગઇ હોય તે સર્વ પરિગ્રહોના સંગમાં હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી-અસંગ છે ! અને જેને સ્વરમણતા પ્રાપ્ત થઇ નથી તેણે સર્વપરિગ્રહના સંગનો ત્યાગ કર્યો હોય છતાંય તે સંપૂર્ણ પરિગ્રહી છે, કારણ કે રમણતા શેમાં છે ? ત્યારે કહે, પુદ્ગલમાં જ.

‘એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !’ - દાદાશ્રી

- ડૉ. નીરુબેન અમીન

(પા.૧)

આપ્તવાણી શ્રેણી - ૨

જગત સ્વરૂપ

જગત શું છે ? જગત કોણે બનાવ્યું ? શા માટે બનાવ્યું ? જગતને ચલાવનાર કોણ ?

અંગ્રેજો કહે છે કે, ‘‘ગોડ ઇઝ ક્રીયેટર ઓફ ધીસ વર્લ્ડ.’’ મુસ્લિમો કહે છે કે, ‘‘જગત અલ્લાને બનાયા.’’ હિન્દુઓ કહે છે કે, ‘‘જગત ભગવાને બનાવ્યું.’’ કેટલાક જૈનોય કહે છે કે, ‘‘જગત ભગવાને બનાવ્યું.’’જગતને ક્રીયેટ કરનારો જો કોઇ ક્રીયેટર હોય તો તે ક્રીયેટર થયો કહેવાય અને ક્રીયેટરનો અર્થ કુંભાર થાય. ભગવાનનાં કયા છોકરાં કુંવારાં રહી જતાં હતાં કે જેથી તેમને આ બધું બનાવવું પડ્યું ? આ મિલના શેઠિયાઓય સેક્રેટરીને કામ સોંપીને નિરાંતે સૂઇ જાય છે, જરાય મહેનત કરતા નથી, તો વળી ભગવાન તે આવી મહેનત કરતો હશે ? મહેનત કરે એ તો મજૂર કહેવાય. ભગવાન તે વળી મજૂર હોતો હશે? ભગવાન એવો કંઇ મજૂર નથી કે આ બધામાં હાથ ઘાલવા જાય અને લોકોની શાદીઓ કરી આપે. આ ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે એવો કંઇ ભગવાન ગાંડો નથી. અને આ જગતને ક્રીયેટ કરનારો જો કોઇ હોત ને, તો આ લોકોએ એને ક્યારનોય પકડીને મારી નાખ્યો હોત. ગમે ત્યાંથી એને પકડી લાવ્યા હોત. કારણ કે આ જગતને બનાવનાર એવો કેવો કે તેની દુનિયામાં બધાં જ દુઃખી, કોઇ સુખી નહીં ! માટે પકડો એને. એમ કહીને એને ક્યારનોય આ સી.આઈ.ડી. ખાતાના લોકોએ પકડી પાડ્યો હોત. પણ એવો કોઇ હોય તો પકડે ને ?

(પા.૨)

જગતનો કોઇ ક્રીયેટર છે જ નહીં. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. પઝલસમ થઇ પડ્યું છે. તેથી તેને પઝલ કહેવું પડે છે. હવે આ પઝલને જે સોલ્વ કરે તેને પરમાત્માપદની ડિગ્રી મળે અને જે સોલ્વ ના કરે તે બધાં જ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. મોટા મોટા મહાત્માઓ, સાધુ, મહારાજો, આચાર્યો, બાવલા, બાવલી બધાં જ આ પઝલમાં ડિસોલ્વ થઇ ગયા છે. જેમ પાણીમાં સાકર ડિસોલ્વ થયેલી હોય ને કોઇ કહે કે, આમાં સાકર ક્યાં છે ? કેમ દેખાતી નથી ? તો આપણે કહીએ કે ભાઇ, સાકર પાણીમાં છે તો ખરી પણ તે એમાં ડિસોલ્વ થઈ ગઈ છે. તેમ આ બધાનામાં ચેતન છે ખરું, પણ તે ‘નિશ્ચેતન-ચેતન’ છે. ‘શુદ્ધ ચેતન’ સ્વરૂપ થાય ત્યારે ઉકેલ આવે.

પાચનક્રિયામાં કેટલી એલર્ટનેસ ?

એક મોટી કેમિકલ કંપનીના રીટાયર્ડ ચીફ એન્જિનિયર મારી પાસે આવેલા. તે મને કહે,‘‘દાદા, હું ના હોઉં તો મારી કંપની ચાલે જ નહીં.’’

મેં કહ્યું, ‘‘કેમ ભાઇ, એવું તે શું છે તમારામાં ?’’ ત્યારે એમણે કહ્યું, ‘‘હું બહુ એલર્ટ રહું છું. હું એક દિવસ ના જઉં તો કામ બધું અટકી જાય.’’ ત્યારે મેં તેમને કહ્યું, ‘‘આ રાત્રે હાંડવો ખાઇને સૂઇ જાઓ છો તે રાત્રે ઊંઘમાં તમે તપાસ કરવા મહીં જાઓ છો કે કેમનું પાચન થાય છે, કેટલું બાઇલ પડ્યું, કેટલા પાચકરસો પડ્યા ? સવારે એ હાંડવામાંથી લોહી લોહીની જગ્યાએ, પેશાબ પેશાબની જગ્યાએ અને સંડાસ સંડાસની જગ્યાએ શી રીતે જાય છે એ તપાસ તમે રાખો છો ? અહીં તમે કેવા એલર્ટ રહો છો ? આ મહીંની પોતાની બાબતમાં તમે કશું ધોળી શકતા નથી તો બીજી કઇ બાબતમાં ધોળી શકશો ? મોટા મોટા બાદશાહ ગયા, ચક્રવર્તીઓ ગયા તોય રાજ ચાલ્યા કર્યું તો તમારા વગર શું અટકી જવાનું છે ? મોટા એલર્ટ ના જોયા હોય તે ? તમારા કરતાં તો ‘જ્ઞાની પુરુષ’નો જોડો વધારે એલર્ટ છે ! કારણ એને આ મહાત્માઓ જાતે લૂછે છે! તમે એલર્ટ કોને કહો છો ? આ જન્મ્યા ત્યારે દાંત આવશે કે નહીં આવે, એની ચિંતા કરવી પડે છે ? કાલે સૂર્યનારાયણ નહીં ઊગે તો શું થશે એવી ચિંતા થાય છે? ’’

(પા.૩)

જગતનો ક્રીયેટર કોણ ?

‘‘ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ.’’ અંગ્રેજો ભગવાનને ક્રીયેટર કહે છે. મુસ્લિમો, હિન્દુઓય ‘ભગવાનને દુનિયા બનાયા’ એમ કહે છે. તે તેમના વ્યુપોઇન્ટથી કરેક્ટ છે, પણ ફેક્ટથી રોંગ છે. ફેક્ટ જો જાણવું હોય તો અમારી પાસે આવો. અમે ગેરન્ટીથી કહીએ છીએ કે આ જગત કોઇએ બનાવ્યું નથી. ઉપર કોઇ બાપોય ઉપરી નથી કે જે નવરો બેઠો બેઠો આ જગતને ચલાવ્યા કરે. આ જગત શી રીતે ચાલે છે, કોણ ચલાવે છે તે એક ‘અમે’ જ જાણીએ છીએ. આ જગતમાં એકેય એવું પરમાણુ બાકી નથી કે જ્યાં હું ન ફર્યો હોઉં ! ‘અમે’ બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને બધા જ વ્યુથી ડિરેક્ટ અને પર્સ્પેક્ટિવ વ્યુથી જોઇને કહીએ છીએ કે ઉપર કોઇ ભગવાન નથી કે જે આ બધું ચલાવે !

આ જગત શી રીતે ચાલે છે તે ‘અમે’ તમને ટૂંકામાં એક વાક્યમાં કહી દઇએ છીએ. વિસ્તારથી આગળ સમજી જજો. આ જગત ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ચાલે છે, કોઇ ચલાવતું નથી. આખું જગત નિમિત્ત ભાવે ચાલે છે. કોઇ સ્વતંત્ર કર્તા છે જ નહીં. અને તેમાંય ભગવાન તો કર્તા હોઇ જ ના શકે. જો ભગવાન કર્તા થાય તો તેને કર્મ બંધાય, અને તેને પાછું ભોકતા થવું પડે. જો ભગવાનનેય કર્તા-ભોકતાપણું હોય, કર્મબંધન હોય તો તેને ભગવાન શી રીતે કહેવાય? તો પછી એનામાં ને તમારામાં ફેર શો ?

આ તો બધી ઠોકંઠોકા ચાલી છે. લોકો ફાવે તેમ પોતાની સમજણે ચાલે છે. લોકો માને છે કે, આ જગતનો કોઇ છેડો જ નથી, માટે જેમ ગપ્પું મારશું તેમ ચાલશે. પણ એવું ગપ્પું નથી આ જગત ! જગત ફેક્ટ વસ્તુ છે. પણ રીલેટિવ ફેક્ટ છે અને ‘પોતે’ રીયલ ફેક્ટ છે. રીયલ ફેક્ટમાં ‘જ્ઞાની પુરુષ’ બેસાડે એટલે આપણું ‘મુક્તિધામ’ થઇ ગયું ! લોકો જગતને ગપ્પું માને છે કે, આ ભોગવી લો ને જેમ ફાવે તેમ, કોણ બાપો પૂછનાર છે ? અલ્યા, એવું નથી આ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. (તમે તમારા પોતા માટે પોતે જ સંપૂર્ણ

(પા.૪)

જવાબદાર છો). આગળની લાઇફો અને પાછળની લાઇફો માટે તું પોતે જ જોખમદાર છે. એક આટલીય ભૂલ તું ના કરીશ. ભગવાન આમાં હાથ ઘાલતો જ નથી.

આ જગતને સમજવું તો પડશે ને ? એમ ને એમ ગપ્પે ગપ્પું ક્યાં સુધી ચાલશે ? આ પઝલને સોલ્વ કરવું પડશે કે નહીં ? ક્યાં સુધી આ કોયડામાં ગૂંચાયા કરવું છે?

વિશ્વ પઝલનું એકમેવ સોલ્યુશન

ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ધેર આર ટુ વ્યુપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રીલેટિવ વ્યુપોઈન્ટ એન્ડ વન રીયલ વ્યુપોઇન્ટ. બાય રીલેટિવ વ્યુપોઇન્ટ યુ આર ચંદુલાલ એન્ડ બાય રીયલ વ્યુપોઇન્ટ તમે ‘શુદ્ધાત્મા’ છો. આ બે વ્યુપોઇન્ટથી જગતને જોશો તો બધાં જ પઝલ સોલ્વ થઇ જશે. આ જ દિવ્ય ચક્ષુ છે. પણ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ તમારાં અનંત કાળનાં પાપોને ભસ્મીભૂત ના કરી આપે, તમને સ્વરૂપનું ભાન ના કરાવી આપે ત્યાં સુધી કંઇ વળે નહીં. પ્રત્યક્ષ પ્રગટ પુરુષ વગર કામ ના નીકળે.

બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ

દાદાશ્રી : આ જગત કોણે બનાવ્યું હશે ?

પ્રશ્નકર્તા : બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ - એ ત્રણેય મળીને. ક્રીયેટર બ્રહ્મા છે, એડમિનિસ્ટ્રેટર વિષ્ણુ છે અને ડીસ્ટ્રોયર મહેશ છે.

દાદાશ્રી : તો એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનાં માબાપ કોણ ?

પ્રશ્નકર્તા : શંકર પોતે જ ફાધર છે.

દાદાશ્રી : તો પછી મધર કોણ છે ?

પ્રશ્નકર્તા : હી હીમસેલ્ફ ઇઝ ધી મધર.

દાદાશ્રી : તો પછી ત્રણ જ કેમ આવ્યા ? પાંચ કેમ ના આવ્યા?

(પા.૫)

પ્રશ્નકર્તા : ત્રણ ગુણો છે એથી ત્રણ છે.

દાદાશ્રી : આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નામનું કોઇ જ નથી. આ તો ત્રણ ગુણને નામ આપ્યાં છે. તે ત્રણ ગુણોની વાત સારી રીતે સમજાવવા ગયેલા પણ તેનો દુરુપયોગ થયો અને મૂર્તિઓ કાઢી ! એ શું કહેવા માગતા હતા કે પ્રકૃતિના આ ત્રણ ગુણોને કાઢીને નિર્મળ થઇશ તો તું પરમાત્મા થઇશ !

પ્રશ્નકર્તા : આ ત્રણ ગુણોને કાઢીને ?

દાદાશ્રી : હા, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપક-ગુણો કાઢીને. સુખ તો તમારી પાસે જ છે, પણ કેમ ભેગું નથી થતું તો કે, અંતરાય છે. તો એ કોણે ઊભા કર્યા ? ભગવાને ઊભા કર્યા ? ના, તારા જ પોતાના ઊભા કરેલા છે. અંતરાય એવી વસ્તુ છે કે, પ્રાપ્ત થાય તોય ફેંકી દે. નહીં તો તમે પોતે જ પરમાત્મા છો. પણ તમારા પોતાના જ અંતરાય છે, એમાં કોઇની ડખલ નથી. આ તો આપણું જ ઊભું કરેલું તોફાન છે. જો કોઇ આ બધું ઊભું કરનાર હોત તો તો આ લોકો ઓછા નથી, એને પકડી એનું ક્યારનુંય શાક કરી નાખ્યું હોત !

યમરાજ નહીં, નિયમરાજ

કેટલાક યમરાજાથી ભડકી મરે છે. તે લોકોએ યમરાજાનેય કેવા ચીતર્યા ? મોટા મોટા દાંત ને શિંગડાવાળા ને ભેંસ ઉપર બેઠેલા ! તે ભડકી ના મરે તો શું થાય ? કૂતરું રડે તો કહે કે, જમરા આવ્યા. મૂઆ, જમરા નામનું કોઇ જનાવર જ નથી. આ યમરાજ તે તો નિયમરાજ છે! નિયમસર પદ્ધતિસરનું જ છે બધું. તે નિયમ પ્રમાણે મૃત્યુ આવે છે. હવે આ નિયમરાજ છે એવું અમે કહીએ તો પછી તમારે કશાથી ભડકવાનું રહે ?

(પા.૬)

જગતની અધિકરણ ક્રિયા

આ જગતનું અધિષ્ઠાન શું છે ? એની અધિકરણ ક્રિયા શા આધારે થઇ રહી છે ? આ એક ગહન કોયડો જગતને થઇ પડ્યો છે. જગતને સાચું અધિષ્ઠાન આજે અમારા થકી કુદરતી રીતે બહાર પડે છે.

‘પ્રતિષ્ઠિત આત્મા’ એ આ જગતનું મોટામાં મોટું અધિષ્ઠાન છે!

આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ની અધિકરણ ક્રિયા કઇ ? અજ્ઞાનશક્તિથી અધિકરણ ક્રિયા ચાલ્યા કરે છે. ‘હું ચંદુલાલ છું’ એ જે ભ્રાંતિથી બોલે છે, તેની બીલિફમાં અને વર્તનમાં પણ ‘હું ચંદુલાલ છું’ એ જ છે. એ જ આ જગતની અધિકરણ ક્રિયા છે. જ્યાં પોતે નથી, ત્યાં આરોપ કરે છે કે ‘હું ચંદુલાલ છું’ અને એ આરોપિત ભાવમાં જ બધું કરે છે અને પોતાને જ કર્તા માને છે. એનાથી અધિકરણ ક્રિયા થઈ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો ‘‘હું ચંદુલાલ છું, આ મારો દેહ છે, જે જે કંઇ થયું તે મેં કર્યું’’ એ બધી પ્રતિષ્ઠા થઇ. પાછલા ભવમાં જે જે કર્મ કરેલાં, જે જે પ્રતિષ્ઠા કરેલી, તેનાથી આ ભવનાં પ્રતિષ્ઠિત આત્માનું બંધારણ થયું. હવે આ ભવમાં આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ ડિસ્ચાર્જ થાય છે ત્યારે ભ્રાંતિ ઊભી ને ઊભી રહી છે. માટે નવી અધિકરણ ક્રિયા ચાલુ જ રહે છે અને તેનાથી આવતા ભવનો નવો ‘પ્રતિષ્ઠિત આત્મા’ બંધાય છે. જે જે ચાર્જ કર્યું તેનું ડિસ્ચાર્જ તો અવશ્ય થવાનું જ. એમાં કોઇ મીનમેખ ફેર કરી શકે તેમ નથી. કારણ કે એ ઇફેક્ટ છે અને ઇફેક્ટને કોઇ રોકી ના શકે.

હવે આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ એ ‘શુદ્ધાત્મા’થી તદ્ન ભિન્ન છે. ‘પ્રતિષ્ઠિત આત્મા’ અને ‘શુદ્ધાત્મા’ને જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. આ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ જ્યારે ઉત્પન્ન થાય, ‘શુદ્ધાત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ કેવળ ડિસ્ચાર્જ સ્વરૂપમાં રહે ત્યારે નવું ચાર્જ ના થાય;

(પા.૭)

ત્યારે અધિકરણ ક્રિયા સંપૂર્ણ બંધ થઇ જાય અને આવતા ભવ માટેનો નવો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ના બંધાય; પછી જે પાછલી ગનેગારી પદનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ લાવેલા હોઇએ તેનો સમભાવે નિકાલ કરવાનો રહે છે. નવું ચાર્જ ના થાય. તેથી ડિસ્ચાર્જ થવાનો વખત જ ના આવે.

‘જ્ઞાની પુરુષ’ એકલા જ આ અધિકરણ ક્રિયાને સીલ મારી શકે. ‘જ્ઞાની પુરુષ’ ભ્રાંતિરસ ઓગાળી નાંખે અને ‘શુદ્ધાત્મા’ અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ બન્નેને છૂટા પાડી આપે. બેઉ વચ્ચે લાઇન ઓફ ડીમાર્કેશન નાખી આપે. એટલે બેઉ નિરંતર છૂટા ને છૂટા જ રહે, જ્ઞેય-જ્ઞાતા સંબંધમાં જ રહે. ‘પ્રતિષ્ઠિત આત્મા’ને જે જ્ઞેય સ્વરૂપે જાણે છે તે ‘શુદ્ધાત્મા’ છે. ‘શુદ્ધાત્મા’ એ સ્વ-પર પ્રકાશક છે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ પરપ્રકાશક છે. ઇન્દ્રિયગમ્ય જ્ઞાન તે ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે અને અતીંદ્રિયગમ્ય જ્ઞાન તે ‘શુદ્ધાત્મા’ છે. આ બધી ક્રિયા જે દેખાય છે તે ‘પ્રતિષ્ઠિત આત્મા’ની છે. ‘શુદ્ધાત્મા’ની આમાંની કોઇ પણ ક્રિયા નથી. ‘શુદ્ધાત્મા’ની તો કેવળ જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા છે અને પરમાનંદ એ એનો મૂળ સ્વભાવ જ છે.

‘આ હું છું’ અને ‘આ મારું છે,’ એ જે પ્રતિષ્ઠા થયા કરે છે એનાથી ‘પ્રતિષ્ઠિત આત્મા’ બંધાય છે. ‘હું’ અને ‘મારું’ ગયાં તો ‘પ્રતિષ્ઠિત આત્મા’ની નવી પ્રતિષ્ઠા ના થાય, નવાં કોઝીઝ ઉત્પન્ન ના થાય. નવો પ્રતિષ્ઠિત આત્મા ઊભો ના થાય. પછી જે રહે તે કેવળ ઇફેક્ટસ્ બાકી રહે અને તે સર્વ ઇફેક્ટસ્ ઇફેક્ટ-સ્વરૂપે ભોગવાઇ જાય, પછી બાકી શું રહે ? ‘કેવળ આત્મા’ !


(પા.૮)

ધર્મ સ્વરૂપ

ધર્મ કોને કહેવાય ?

જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.

કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઇએ ? ‘જ્ઞાની પુરુષ’ પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઇએ. ‘જ્ઞાની પુરુષ’ના પછી બે શબ્દોય વાપરવા માંડ્યા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય, જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.

પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ.

પરિણામ શું પામે ? તો કે કષાય ભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો ! મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે, પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ, માન, માયા, લોભનું-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન

(પા.૯)

કરે છે ને ? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતા ? અને આપણે પૂછીએ કે, ‘‘મહારાજ શિષ્યો જોડે કશું થઇ જાય છે ?’’ ત્યારે મહારાજ કહે કે, ‘‘કોઇ એકુય સામાયિક નથી કરતો તે મને મહીં બહુ અકળામણ થઇ જાય છે ?’’ ત્યારે તેં કર્યું તેને ધર્મ કેમ કહેવાય ? આ તો ઊલટા કષાયો વધારે છે.

ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તોય કશું વળે નહીં.

ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે ‘પોતે’ જ ધર્મસ્વરૂપ થઇ જાય!

(પા.૧૦)

રીયલ ધર્મ : રીલેટિવ ધર્મ

ધર્મ બે પ્રકારના છે : એક રીલેટિવ ધર્મ અને બીજો રીયલ ધર્મ.

રીલેટિવ ધર્મ એટલે મનો ધર્મ, દેહધર્મ, વાણીધર્મ અને એ બધા પરધર્મ છે. જપ કરતા હોય એ વાણીના ધર્મ, ધ્યાન કરવું એ બધા મનના ધર્મ અને દેહને નવડાવવું, ધોવડાવવું, પૂજાપાઠ કરવો, એ બધા દેહના ધર્મ છે.

દરેક વસ્તુ તેના ધર્મમાં જ રહે છે. મન મનના ધર્મમાં જ રહે છે, બુદ્ધિ બુદ્ધિના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં અને અહંકાર અહંકારના ધર્મમાં જ રહે છે, કાન કાનના ધર્મમાં રહે છે. કાન છે તે સાંભળવાનું કામ કરે છે, એ ઓછું જોવાનું કામ કરે છે ! આંખ જોવાનું કામ કરે, સાંભળવાનું નહીં. નાક સૂંઘવાનો ધર્મ બજાવે, જીભ સ્વાદનો ધર્મ બજાવે અને સ્પર્શેન્દ્રિય સ્પર્શના ધર્મમાં જ રહે છે. દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયોના ધર્મમાં જ હોય છે.

મન મનના ધર્મમાં હોય ત્યારે અવળા વિચાર આવે અને સવળા વિચાર પણ આવે, પણ એ એના ધર્મમાં છે. પણ ‘પોતે’ સવળો વિચાર આવે ત્યારે કહે કે, મારા સારા વિચાર છે, એટલે ‘પોતે’ તેમાં ભ્રાંતિથી તન્મયાકાર થઇ જાય છે. અને અવળા વિચાર આવે એટલે ‘પોતે’ તેનાથી છૂટો રહે અને ત્યારે કહે કે મારી ઇચ્છા નથી છતાં એ આવા અવળા વિચાર આવે છે ! અંતઃકરણમાં બધાના ધર્મ જુદા છે. મનના ધર્મ જુદા, ચિત્તના ધર્મ જુદા, બુદ્ધિના ધર્મ જુદા અને અહંકારના ધર્મ જુદા. આમ, બધાના ધર્મ જુદા જુદા છે. પણ ‘પોતે’ મહીં ડખલ કરીને ડખો ઊભો કરે છે ને ! મહીં તન્મયાકાર થઇ જાય છે, એ જ ભ્રાંતિ છે. તન્મયાકાર ક્યારે ના થાય? કે જ્યારે ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપનું જ્ઞાન આપે ત્યારે તન્મયાકાર

(પા.૧૧)

ના થાય. પોતે આત્મા થયા પછી નિષ્પક્ષપાતી થાય. પછી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો, વાણીનો કે દેહનો પક્ષપાત ના રહે. આ તો આરોપિત ભાવથી અહંકારે કરીને તન્મયાકાર થાય છે. આત્મા થયા પછી એ બધાને ‘પોતે’ છૂટો રહીને જુએ અને જાણે.

જગત આખું રીલેટિવ ધર્મ પાળે છે. દેહના ધર્મ, વાણીના ધર્મ, મનના ધર્મ જ પાળે છે. દેહના ધર્મોને જ ‘પોતાનો ધર્મ છે’ એમ માને છે. એ રીલેટિવ ધર્મ છે અને ‘આત્મા એ જ ધર્મ’ માને છે, તે આત્મધર્મ કહેવાય છે. આત્મધર્મ એ જ રીયલ ધર્મ છે, એ જ સ્વધર્મ છે, એ જ મોક્ષ છે. પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. આત્માનો ધર્મ એ જ સ્વધર્મ છે, બીજા બધા પરધર્મ છે.

તમારી મહીં ‘દાદા ભગવાન’ બેઠા છે, એ જ ચેતન પ્રભુ છે. એ જ પરમાત્મા છે. એ જ અમારી મહીં પ્રગટ થયા છે ને તમારા પ્રગટ થવાના બાકી છે. આ તો ધર્મ નથી, અહીં તો કામ કાઢી લેવાનું છે. ક્યાં સુધી ધર્મશાળાઓમાં બેસી રહેવાનું? પોતાનું કામ કાઢી લેવાનું છે, એટલે શું કે ‘જ્ઞાની પુરુષ’ પાસે પોતાનું સ્વરૂપ જાણી લેવાનું છે. ‘જ્ઞાની પુરુષ’ નો દીવો પ્રગટેલો છે તે ‘એને’ તમારો દીવો અડાડી દો, તો તમારો દીવો પણ પ્રગટી જાય. આ તો કો’ક કાળે ‘જ્ઞાની પુરુષ’ પ્રગટ થાય, દસ લાખ વરસે અક્રમ ‘જ્ઞાનાવતાર’ થાય ત્યારે કલાકમાં જ પોતાનો આત્મા પ્રગટ થઇ શકે તેમ બને. માટે જ ‘અમે’ કહીએ છીએ કે તમારું કામ કાઢી લો. આ દેહ તો ‘પરપોટો’ છે તે ક્યારે ફૂટે તે કહેવાય નહીં. મહીં બેઠા છે તે ‘દાદા ભગવાન’ છે. ગજબના પ્રગટ થયા છે, પરમાત્મા પ્રગટ થયા છે, પણ જ્યાં સુધી આ પરપોટો હશે, આ દેહ હશે ત્યાં સુધી જ લોકોનું કલ્યાણ થઇ શકશે. કારણ કે મહીં પ્રગટેલા ‘દાદા ભગવાન’ અમને વશ છે. ત્રણ લોકના નાથ અમને વશ થયા છે ! એમની પાસે વાચા નથી, હાથ-પગ નથી; તેથી અમને વશ થયા છે અને અમને કલ્યાણનું નિમિત્ત બનાવ્યા છે ! માટે અમે તો કહી છૂટીએ કે આ પરપોટો છે, ત્યાં સુધી કામ કાઢી લો.

(પા.૧૨)

અહીં અમારી પાસે તો આત્મા એ જ ધર્મ છે. અહીંયાં તો અવિરોધ એવો રીયલ માર્ગ છે. જગતમાં રીલેટિવ માર્ગ ચાલે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, પોતે ચંદુલાલ છે, એમ માનીને શુભાશુભના માર્ગે ચાલવું; પછી ભલે આખી જિંદગી બધાંને ઓબ્લાઇઝ કરે, પણ એ રીલેટિવ ધર્મ પામ્યો કહેવાય અને માત્ર એક જ ક્ષણ જો રીયલ ધર્મ પાળ્યો તો તો મોક્ષ છે ! ભગવાને કહ્યું કે એક વખત આત્મા થઇને આત્મા બોલો તો કામ થશે, નહીં તો ‘હું આત્મા છું અને દેહાદિ જંજાળ મારાં નથી,’ એમ લાખ અવતાર બોલે તોય કશું વળે નહીં ! ભગવાન શું કહે છે ? હું ચંદુલાલ છુ, તારી શ્રદ્ધામાં પણ એ જ છે, એ શ્રદ્ધા તૂટી નથી, એ જ્ઞાન તૂટ્યું નથી, એ ચારિત્ર્યેય તૂટ્યું નથી. ને પછી બોલે કે, ‘હું શુદ્ધાત્મા છું.’ તો તો ક્યારેય મોક્ષ ના થાય. આ તો ‘હું ચંદુલાલ છું !’ એ આરોપિત ભાવમાં રહીને ‘હું શુદ્ધાત્મા છું’ એમ શી રીતે બોલાય ? જ્ઞાન દર્શનના આરોપિત ભાવો તૂટે ત્યારે સમ્યક્ ભાવમાં આવે, તો મોક્ષ થાય.

રીલેટિવ ધર્મો શું કહે છે ? સારું કરો અને ખોટું ના કરશો. સારું કરવાથી પુણ્ય બંધાય અને ખોટું કરવાથી પાપ બંધાય. આખી જિંદગીનો ચોપડો એકલા પુણ્યથી કંઇ ના ભરાય. કોઇને ગાળ આપી તો પાંચ રૂપિયા ઉધરે અને ધર્મ કર્યો તો સો રૂપિયા જમે થાય. પાપ-પુણ્યની બાદબાકી થતી નથી. જો તેમ થતી હોત તો તો આ કરોડાધિપતિઓ પાપ જમે થવા જ ના દે. પૈસા ખર્ચીને ઉધારી ઉડાવી દે. પણ આ તો અસલ ન્યાય છે. તેમાં તો જે વખતે જેનો ઉદય આવે ત્યારે તે વેઠવું પડે. પુણ્યથી સુખ મળે અને પાપનાં ફળનો ઉદય આવે ત્યારે કડવું લાગે. ફળ તો બંનેય ચાખવાં જ પડે. ભગવાન શું કહે છે કે, તને જો ફળ ચાખવાનું પોષાતું હોય તેનું બીજ વાવજે. સુખ પોષાતું હોય તો પુણ્યનું ને દુઃખ પોષાતું હોય તો પાપનું બી વાવજે; પણ બંને રીલેટિવ ધર્મ જ છે, રીયલ નહીં. રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો પુણ્ય અને પાપ બંનેથી મુક્તિ જોઇએ. રીલેટિવ ધર્મોથી ભૌતિકસુખો મળે અને મોક્ષ ભણી પ્રયાણ થાય; જ્યારે રીયલ ધર્મથી મોક્ષ મળે. અહીં ‘અમારી’ પાસે રીયલ ધર્મ છે. તેનાથી સીધો જ મોક્ષ મળી

(પા.૧૩)

જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ ને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે, નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય.

પુરુષ થયા વિણ પુરુષાર્થ શો ?

એક મોટા પ્રોફેસર મારી પાસે આવ્યા. તેમને મનમાં જરા કેફ કે ‘હું કંઇક જાણું છું’ અને ‘હું કંઇક પુરુષાર્થ કરું છું.’ તેમને મેં પૂછ્યું : ‘તમે શું કરો છો ? શો પુરુષાર્થ કરો છો ?’ તેમણે કહ્યું : ‘આત્મા માટે જ બધો પુરુષાર્થ કરું છું.’ ત્યારે મેં પૂછયું : ‘પણ પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય? પ્રકૃતિ નચાવે તેમ તમે નાચો છો અને કહો છો કે, ‘હું નાચ્યો.’

આખા વિશ્વને હું ચેલેન્જ આપું છું કે, આ બધું તમે જે કરો છો તે તમારી ‘પોતાની’ શક્તિ ન હોય. અરે, ઝાડે ફરવાની પણ સત્તા તમારામાં નથી. વડોદરાના મોટા મોટા ડૉક્ટરોને ભેગા કરીને મેં પૂછયું કે, તમે કહો છો કે અમે ભલભલાને ઝાડો કરાવીએ, પણ તે તમારી સત્તા ખરી ? ત્યારે તેમણે કહ્યું કે, ‘એ તો અમે જ કરાવીએ ને ?’ ત્યારે મેં તેમને કહેલું કે, ‘તમને પોતાને જ ઝાડે ફરવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી તો બીજાને શું કરાવશો ? એ તો તમને અટકશે ત્યારે ખબર પડશે કે, મારી શક્તિ નહોતી ! આ તો બધું પ્રકૃતિ કરાવડાવે છે ને અહંકારીઓ અહંકાર કરે છે કે, ‘મેં કર્યું !’

કેફ ચઢાવે તે પ્રાકૃતજ્ઞાન

મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઇ કુસંગ મળી જાય

(પા.૧૪)

તો જાડી કરી નાખે! એટલે એને ભગવાને ગજસ્નાનવત્ કહ્યું છે. ગજસ્નાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી ન્હાય અને બહાર નીકળી ને ધૂળ ઉડાડે શરીર પર, તેવી દશા છે આ મનુષ્યોની! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે. મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ. બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી. બધા પ્રકૃતિ-જ્ઞાનવાળા મનમાં શું બોલે, ‘હું બધું જાણી ગયો!’ અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તે ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, ‘મેં કર્યું’. પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે, ને કહેશે, ‘હું ઉઠયો.’ ઊંઘાડેય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે ‘હું ઊંઘી ગયો !’

બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તોય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! આત્મજ્ઞાન અને પ્રાકૃતજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળાં દેખાય. પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ.

પ્રશ્નકર્તા : શું શાસ્ત્ર ભણ્યાથી પણ અહંકાર વધે ?

દાદાશ્રી : હા, કારણ કે એ પ્રાકૃતજ્ઞાન છે, એટલે એ બધાનો કેફ ચઢે કે ‘હું જાણું છું, હું જાણું છું.’ અલ્યા, શું જાણ્યું તેં ? કઢાપો-અજંપો તો જતો નથી તારો. પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ! ને ‘જ્ઞાની પુરુષ’ ને એમના હીરા ખોવાય તોય કશુંય ના થાય. આ તો એમનું ક્યાં જ્ઞાન રહે ? ‘હું કંઇક જાણું છું’ એટલું જ.

આ કાળમાં તો મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો એ બધા કેફમાં જ રહે છે. ‘હું જાણું છું’ એ એની જોખમદારી પર બોલે છે ને! આપણી

(પા.૧૫)

જોખમદારી ઓછી છે એમાં! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે. બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય ? એમાં એમનો દોષ નથી. એમની ઇચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઇ છે. આ બધું પ્રાકૃતજ્ઞાન છે. એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઊતરી જાય. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિંરતર ભાન રહે તોય બહુ સારું. આ તો ઊલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે. કોઇ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો. જ્યારે કેફરહિત થઇશ ત્યારે આ જગતની માલિકી તારી છે. આખા જગતનો માલિક તું છે! આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે! એટલે આત્મજ્ઞાનની વાતમાં હું કંઇ જ જાણતો નથી એવું બોલે તોય વહેલો ઉકેલ આવે !

પ્રકૃતિજ્ઞાન જાણેલું શું કામ આવે ? ના, કારણ કે મોક્ષે જવા તો આત્મજ્ઞાન જોઇશે. આત્મજ્ઞાન પુસ્તકમાં ના હોય, શાસ્ત્રમાં ના હોય. એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે છે. જેને વર્લ્ડમાં કશું જ જાણવાનું બાકી નથી તેનું કામ, એમાં બીજાનું કામ નહીં. ‘જ્ઞાની પુરુષ’ કોણ ? તો કે, જેને કંઇ જ જાણવાનું બાકી ના હોય, પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય ! જો એ પોતે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઇએ કે આ તો હજી સ્ટાન્ડર્ડમાં છે ? પોતે હજી ભણે છે તે આપણો શો શક્કરવાર લાવશે ? એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય તે જ કામ લાગે. આ બધા રીલેટિવ ધર્મો છે તે બધાં સ્ટાન્ડર્ડ છે. દરેકના ડેવલપમેન્ટનાં હિસાબે તેને તેના સ્ટાન્ડર્ડનું મળી આવે. અને રીયલ ધર્મમાં, આત્મધર્મમાં તો આઉટ ઓફ સ્ટાન્ડર્ડ જવું પડશે. બધાં સ્ટાન્ડર્ડ પાસ કરી, બધાં સ્ટાન્ડર્ડને માન્ય કરી પછી જ પોતે પરમાત્મ સ્વરૂપ થઇ શકે !

પક્ષમાં પડેલાનો મોક્ષ ક્યાંથી ?

જૈન, વૈષ્ણવ, શૈવ, સ્વામીનારાયણ, મુસ્લિમ, ખ્રિસ્તી એ બધા રીલેટિવ ધર્મો છે, સ્ટાન્ડર્ડનાં ધર્મો છે. વ્યુ પોઇન્ટનાં ધર્મો છે. જેને જે વ્યુપોઇન્ટથી દેખાયું તે જ સાચું માનીને બેસી ગયા અને એ જ પક્ષમાં

(પા.૧૬)

પડ્યા. મોક્ષ ક્યારે થાય ? કેવળ દર્શન ક્યારે થાય ? સાચું સમકિત, સમ્યક્દર્શન ક્યારે થાય? આખા જગતમાં ક્યાંય, કોઇ જોડે પક્ષાપક્ષી ના થાય, મતભેદ ના થાય ત્યારે ! પક્ષમાં પડેલાનો મોક્ષ ના થાય. પક્ષ શાથી પડે ? અહંકારીઓ પોતાનો અહંકાર પોષવા પક્ષ પાડે ને નિરહંકારી ‘જ્ઞાની પુરુષ’ બધાંને એક કરે. ‘જ્ઞાની પુરુષ’ નિષ્પક્ષપાતી હોય, ‘વીતરાગો’ નિષ્પક્ષપાતી હોય. કોઇ નાતજાત સાથે પક્ષ નહીં. સંપૂર્ણ નિષ્પક્ષપાતી. દરેક માણસ સાથે અભેદતા ! અરે ! એક નાનામાં નાનો જીવ હોય તોય તેની જોડે ‘વીતરાગ’ને અભેદતા હોય !

આ બધા તો પેકિંગ છે. વેરાઇટિઝ ઓફ પેકિંગસ્ છે અને મહીં આત્મા છે, મટેરિયલ છે. મટેરિયલ બધામાં સરખું છે. પણ પેકિંગનાં ડિફરન્સથી ભેદબુદ્ધિ ઊભી થઇ છે. ‘જ્ઞાની પુરુષ’ પેકિંગ ના જુએ, એ તો નિરંતર મટેરિયલ જ જુએ, સામાના આત્માને જ જુએ. એમની આત્મદ્રષ્ટિ જ હોય. આ પેકિંગ દ્રષ્ટિથી જ પક્ષાપક્ષી છે ને તેનાથી સંસાર ખડો રહ્યો છે. પક્ષમાં રહીને તો પક્ષના પાયા મજબૂત કરે. અલ્યા, તારે મોક્ષે જવું છે કે પક્ષમાં પડી રહેવું છે ? મોક્ષ અને પક્ષ એ બન્ને સંપૂર્ણ વિરોધાભાસ છે. ભગવાન નિષ્પક્ષપાતી છે ત્યારે લોક પક્ષપાતમાં પડ્યા છે ! જૈનો કહેશે, આટલું અમારું, અને પેલું અમારું ન હોય, એ તો વૈષ્ણવોનું. જ્યારે મુસ્લિમોય કહે, આ અમારું, પેલું અમારું ન હોય, એ તો હિન્દુઓનું. આમ સૌ ધર્મોવાળા પક્ષમાં પડ્યા છે. અહીં બધાં ધર્મોનાં ખુલાસા થાય. દરેક ધર્મવાળાને અહીં પોતાનો ધર્મ લાગે, કારણ કે અમે નિષ્પક્ષપાતી છીએ. તે બધા ધર્મોનો સંગમ અહીં જ છે !

લોકો પક્ષમાં પડ્યા તે ભગવાન ઊલટા છેટા થયા. એમાંય પાછા એક ધર્મમાંય કેટકેટલા પક્ષો પડ્યા. આ જૈનોમાંય ચોર્યાસી ગચ્છ પડ્યા છે અને વેદાંતીઓમાંય કંઇ કેટલાય પંથ પડ્યા છે. જૈન ધર્મ તો કોનું નામ કે પોતે પક્ષમાં ના પડે અને સામેવાળો પક્ષ પાડતો હોય તો સામાને ત્યાં જાય અને એને સમજાવે. પોતે વિગતવાર બધી સમજ પાડી મતભેદને ટાળે. સામાનું તદ્ન હળહળતું જૂઠું હોય ને પોતે તદ્ન સાચો હોય, તોય તે સામાની પાસે જાતે જાય. ઘણાને એમ થાય કે આવું તે વળી હોતું હશે ?

(પા.૧૭)

તમે સાચા છો છતાં કેમ જાઓ છો ? તોય જૈન ધર્મવાળો કહેશે, ‘હું જૈન છું, માટે મારે સામેથી જવું જોઇએ.’ જૈન તો નિરાગ્રહી હોય. જૈન તો કોનું નામ કે કોઇનું પણ ના સાંભળે એવું ના હોય. બધાનું સાંભળે અને આવરણ ના લાવે. તારું ખોટું અને મારું સાચું છે એવું કપટ ના વાપરે. જો આત્મા કબૂલ કરે એવી વાત હોય તો તો સાંભળવી જોઇએ ને ?

મહાવીર ભગવાન કેવા હતા કે કોઇ વિધર્મી વાત સંભળાવવા આવે તોય સાંભળે. આ તો ભગવાન મહાવીરના જ ધર્મમાં કેટલાય પક્ષ પડી ગયા !

આજે તો સાધુ-મહારાજોય પક્ષમાં પડી ગયા છે ! સંપ્રદાયના સાધુ અને ભગવાનના, વીતરાગના સાધુઓમાં ફેર શો? સંપ્રદાયના સાધુ પક્ષાપક્ષીવાળા હોય, ઝઘડાવાળા હોય; આ સંસારીઓમાં જેમ ભાઇઓ- ભાઇઓ ઝઘડા કરે તેમ ઝઘડા કરે; ને બીજા ‘વીતરાગ’ના સાધુ તો નિષ્પક્ષપાતી હોય, ડખો જ ના હોય. એકેય પક્ષમાં પડ્યા નથી એવા ‘વીતરાગ’ના સાધુને આપણાં નમસ્કાર. પછી ભલે તે દિગંબર હો કે શ્વેતાંબર હો. આ તો કેવું કે એક સંપ્રદાયના મહારાજ પાસે બીજા સંપ્રદાયના લોકો ના સાંભળે. આમ, પક્ષાપક્ષીથી મોક્ષ થતો હશે ? સાચું તો ગમે તેના ઘરનું હોય તોય સ્વીકારવું જોઇએ. પણ આજે સાચું રહ્યું છે જ ક્યાં ?

ભગવાનને નગ્ન રાખવા કે કપડાં પહેરાવવાં એ માટે અમુક સંપ્રદાયોમાં ઝઘડા ચાલ્યા. આ નગ્ન રાખવાનું કહ્યું તે શા માટે ? ભગવાનને આંગી એ તો બાલધર્મ છે. તેથી ભગવાનની આંગીના નામેય ભગવાનનાં દર્શન તો કરે ને ! જ્યારે આગળની વાત તો જ્ઞાનજીવો માટે છે. પણ અત્યારે તો વાત જ બદલાઇ ગઇ છે ! એક સંપ્રદાયના મહારાજ મને મળ્યા હતા. તેમણે મને કહ્યું કે, ‘મોક્ષ તો અમારો જ થાય ને !’ મે પૂછયું, ‘એમ શાથી કહો છો ?’ ત્યારે તેમણે કહ્યું, ‘‘કેમ ? ભગવાને કહ્યું નથી કે ‘નગ્ગાએ મોકખ મગ્ગા’? ’’ મેં કહ્યું, ‘‘તમારી વાત તો સાચી છે. ભગવાને કહ્યું છે તે ખરું કહ્યું છે કે ‘નગ્ગાએ મોકખ મગ્ગા’, પણ

(પા.૧૮)

તમે સમજ્યા છો ઊંધું. ભગવાને આત્મા નાગો કરવાનો કહ્યો છે, નહીં કે દેહ.’’

આ તો અણસમજણ ઊભી થઇ છે. આત્માની ઉપર ત્રણ કપડાં છેઃ મનનાં, વાણીનાં ને કાયાનાં, તે કપડાં કાઢવાનાં છે. તે કાઢે અને આત્માને નાગો કરે તે સાચો દિગંબર. મન-વચન-કાયારૂપી કપડાં કાઢવાનાં છે, એ જ મોટામાં મોટો પરિગ્રહ છે, તે એને કાઢવાનો છે.

આ પક્ષાપક્ષીનું કોના જેવું છે તે કહું? પોતે પોતાને રૂપાળો ના લાગતો હોય, એમ બને? નહીં, તો તો અરીસા જોડે બને જ નહીં ને! પણ આ તો બને છે તેનું કારણ પોતે પક્ષપાતી છે! રૂપ તો કોનું નામ કે યાદ આવ્યા કરે. પણ આ તો પક્ષપાતી છે. નિષ્પક્ષપાતીવાળા હોય તો બાજુવાળાનેય સુગંધ આવે. અને પક્ષવાળા તો જ્યાં જાય ત્યાં ગંધાઇ ઊઠે, ઘરમાંય નર્યા ગંધાય!

કેટલાક લોકો અમને કહે કે, ‘તમે જૈન છો ?’ કેટલાક કહે છે કે, ‘તમે વૈષ્ણવ છો ?’ ‘અલ્યા, અમે તો શાના જૈન ને શાના વૈષ્ણવ ? અમે તો વીતરાગ. એમાં બધા ધર્મ સમાઇ જાય!’ આ તો અમને જૈન કહીને કે વૈષ્ણવ કહીને સામો પોતાને માટે અંતરાય પાડે છે. અમને પક્ષપાતી ધારે છે. પણ એક ફેર અમને આ રામચન્દ્રજીનાં દર્શન કરતાં તો જો ને! એક ફેરો રામચન્દ્રજીનાં દર્શન કરતા અમને જુએ તો એની બધી માન્યતા તૂટી જાય. પણ એવી પુણ્યૈ જાગવી જોઇએ ને!

(પા.૧૯)

સંસાર સ્વરૂપ : વૈરાગ્ય સ્વરૂપ

સંસાર આખો દગો છે. એમાં કોઇ આપણો સગો નથી. એવા આ સંસારની વિકરાળતા જો સમજાઇ જાય તો મોક્ષની ઇચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર વેઇટ છે.

આજે વિકરાળતા લાગે છે, છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઇ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો ક્યારેય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કાંઇક સુખ લઇ આવું છું. આમ કરીશ એટલે કંઇક સુખ મળશે. પણ ત્યાંય માર ખાય છે.

જો ‘જ્ઞાની પુરુષ’ આ સંસારની વિકરાળતાનું માત્ર વર્ણન જ કરે તો એને થઇ જ જાય કે, ‘આવો અતિ કઠિન સંસાર છે ? આમાંથી તો છુટાય એવું નથી. માટે એ આખો કેસ ઊંચે મૂકવાનો.’ ‘હા બાપા ! હા બાપા!’ કરીને ઉકેલ લાવવાનો. ‘સમભાવે નિકાલ’ કરવા જેવું છે જગત!

આ અમારી ઝીણી વાત છે. જાડી વાતોથી તો સંસાર ઊભો છે !

દહીનું વાસણ હોય અને તેનું મોઢું નાનું હોય ને નીચે મૂકેલું હોય ત્યારે બિલાડીને તેની સુગંધ આવે. તે વાસણ હલાવીને દહીં ખાઇ જાય. પછી થોડું ચપટીક દહીં મહીં રહ્યું હોય તો તેની લાલચે બિલાડી મોઢું જોરથી અંદર ખોસી દે ત્યારે એનું મોં અંદર ફસાઇ જાય. પછી તો અંદર અંધારું. તે બિલાડી આમથી દોડે ને તેમથી દોડે. હવે આવી ફસામણમાં ફસાયા પછી છૂટે શી રીતે ? તેમ આ આખું જગત આવું ફસાયું છે ! હવે પોતે પોતાથી છુટાય શી રીતે ? બિલાડીને છૂટવું હોય તો કોઇ છોડાવી આપે તો જ છૂટે. તેમ આ જગતની ફસામણમાંથી એક ‘જ્ઞાની પુરુષ’ જ

(પા.૨૦)

છોડાવી શકે, બીજો કોઇ છોડાવી ના શકે. પોતે પોતાનાથી તો ક્યારેય ના છૂટી શકે, ઊલટો વધારે ગૂંચાય.

નાનપણમાં અમે આ બધું બિલાડીનું નિરીક્ષણ કરેલું. હું જાતે દહીંનું વાસણ મૂકી છાનોમાનો જોયા કરું. દહીં બગડે એની પડેલી જ નહીં. પણ જોવા ને જાણવા તો મળે ને ! આ તો આવી પ્રત્યક્ષ ફસામણ જાણ્યા છતાં પાછો ફસાય એવો મૂરખ કોણ ? આ બિલાડીને કેવું કે એક વખત મોઢું ફસાયું હોય છતાં પણ ફરી દૂધનું વાસણ જુએ ને પછી ભૂલી જાય ને છોડે નહીં ને પાછી ફસાય. પછી તે બહુય પસ્તાય. પણ ફસાયા પછી શું થાય ? આ એક વાર ફસામણ થઇ ગઇ હોય તે પછી તેને યાદ રહેતું હશે કે આવું ફરી નહીં કરાય ? ના, એ તો શિક્ષા કરી હોય તોય ભૂલી જાય. આ માણસો ભૂલી જાય છે તો પછી જનાવરનું શું ગજું? આ દેહ આપણો ના થાય ને ‘આ મારો, આ મારો’ એવું બધાં કહે છે. અલ્યા, આ દેહ જ તારો નથી, ને બીજાં તારાં શી રીતે થશે ?

આપણે કલકત્તાથી આવતાં સારી કેરી દીઠી હોય, ને ત્યાં મજૂર ના મળે, કરંડિયા ના મળે, તોય સાચવીને અહીં લાવીએ. અને અહીં લાવ્યા પછી કેરીઓ ખાઇએ અને ખાઇ લીધા પછી ગોટલા ને છોતરાં નાખી દઇએ. અલ્યા, આટલી મહેનત કર્યા પછી નાખી દીધું ? તો કહે કે, હા, માત્ર રસનું જ કામ હતું. એમ આ માણસોનેય ગોટલા-છોતરાં રહે, રસ ના રહે ત્યારે છોકરાંય લાતો મારે !

અમારે ત્યાં પાડોશીમાં એક આંધળા ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઇને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઇ સાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે તો મારી આબરુ જશે. તે સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! માને લાત મારી ને સાહેબ પાસે પોતાની આબરુ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો! આ આબરુનો કોથળો! માની આબરુ સાચવવાની હોય કે સાહેબની?

(પા.૨૧)

આ કેરી શાથી લઇ આવતાં રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું, નહીં તો આ તો ‘ઊંઠ આંધળી’ એવું કહે !

પાછા કો’ક કહેશે કે મારે છોકરાં નથી. આ છોકરાંને શું તોપને બારે ચઢાવવાં છે ? આવાં છોકરા હોય તે પજવે તે શા કામનાં ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં તારે શેર માટી નહોતી ? આ કૂતરાં, બિલાડાં, ગધેડાં, ગાય, ભેંસ એ બધાય અવતારમાં બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડીને ફર્યા છે ને! આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે. ત્યાં તો પાંસરો મર ને! અને કંઇક મોક્ષનું સાધન ખોળી કાઢ, ને કામ કાઢી લે. છોકરો પજવે ત્યારે ડોસી કહેશે કે, ‘બળ્યો આ સંસાર, ખારો દવ જેવો છે.’ ત્યારે આપણે કહીએ કે, ‘માજી, શું આ સંસાર પહેલાં ખારો નહોતો ?’ એ તો કાયમનો ખારો જ છે. પણ મોહને લઇને, મૂર્ચ્છાને લઇને મીઠો લાગતો હતો. તે છોકરો પજવે એટલે મૂર્ચ્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે. પણ ફરી પાછી મૂર્ચ્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ એ ટાઇમ ઘેર જઇને બધું ભૂલી જાય. જ્યારે ‘જ્ઞાની’ને તો એટ એ ગ્લાન્સ બધું હાજર રહે. એમને તો આ જગત જેમ છે તેમ નિરંતર દેખાયા જ કરે. એટલે મોહ રહે જ ક્યાંથી ? આ તો પેલાને ભાન નથી તેથી માર ખાય છે.

સાસુથી કામ ના થતું હોય તો વહુ સાસુને શું કહેશે કે તમે આઘાં બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે, તમે દળો, એટલે વચ્ચે ના આવો. અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ ચાકરી કરશે કે ભાખરી કરશે એ પછી ખબર પડે! બંધાયા હોય તો છુટાય એવું નથી ને છૂટ્યા હોય તો બંધાવાય એવું નથી! ‘સ્વરૂપનું જ્ઞાન’ મળ્યું હોય તો આ ફસામણમાંથી છુટાય !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું, તે કહું તમને. એક આંધળા ડોસા હતા. એ ખાતા હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલાં કંટાળીને ચિડાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઇ જાય ને વધારે કાંકરા નાખે ! એવું આ જગત છે ! અને પાછા આવા

(પા.૨૨)

કેટલા અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે ત્રણ અવતારમાંય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી, છતાંય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં! એ શા માટે મોઢું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને? એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે! એટલે આપણે શું શિખવાની જરૂર છે કે,

આપણે કોણ છીએ ?

આની જોડે આપણે શી લેવા દેવા છે ?

આ મારાં થશે કે નહીં ?

આ પાંસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ, તોય એ ચોખ્ખા ના થયા ! તો આપણી સમજમાં બળ્યું ના આવે કે વસ્તુ સાચી કે જૂઠી? આખી જિંદગી આ જીભની લીલ ઉતારી તોય મૂઇ ચોખ્ખી ના થઇ ! રોજ દાંતની કેટલી માવજત કરી, ઘસ ઘસ કર્યા પણ છેવટે એય સગો તો ના જ થયો ને ! આ આજે દાઢ દુઃખવા લાગી જ ને ! એવું છે આ જગત ! આ સંસાર જ એવો છે કે ખરે ટાઇમે કોઇ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દહાડો વહુના પેટમાં દુઃખે તો સાસુ કહેશે કે, અજમો ફાકી લે. આવું તો બધા કહેશે. પણ કંઇ સાસુ વહુનું દુઃખ લઇ લેશે ? અરે! ધણી કે છોકરાંય કોઇ લઇ લેશે ? આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઇ લાવતા હોય, કે કામ કરતા હોય તો બાપા વહાલા લાગે પણ પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરનાં બધાં શું કહેશે કે ‘તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી !’ એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડોય સગો હોત તો આ ‘દાદા’ તમને ના કહેત કે આટલી સગાઇ સાચી છે ? પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું

(પા.૨૩)

હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

શુદ્ધાત્મા જ સાચો સગો

દાદાશ્રી : આ રાત્રે બે વાગ્યે તમે ઊઠો છો ત્યારે સૌથી પહેલું શું લક્ષમાં આવે છે ?

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ અને પછી ‘દાદા’ દેખાય છે.

દાદાશ્રી : આ ‘અમે’ સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી તમને ‘‘શુદ્ધાત્મા’’નું લક્ષ કેટલો વખત રહે છે દિવસમાં ?

પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા.

દાદાશ્રી : આ ‘શુદ્ધાત્મા’નું લક્ષ રહે છે એ જ આપણું ! એ જ આપણી ખબર લે. બીજું કોઇ રાત્રે આપણી ખબર ના લે. આપણે પાણી પીવાનું માગીએ તોય કોઇ ના ઉઠે. જાતે લેવા જવું પડે. આપણે પાણી માગીએ ને પેલો ઊંઘતો હોય તો તો ઊઠે, પણ જાગતો ના ઊઠે. આ બધા હિસાબ અમને એટ એ ટાઇમ દેખાયા જ કરે ! તદ્ન દગો છે આ સંસાર. કોઇ દા’ડો સગો ના થાય !

દાદાશ્રી : બહેન, કેટલાં છોકરાં છે તમને ?

પ્રશ્નકર્તા : ચાર છે.

દાદાશ્રી : તો ગયા અવતારનાં છોકરાં અત્યારે ક્યાં છે ?

પ્રશ્નકર્તા : એ તો શી ખબર, દાદા !

દાદાશ્રી : એક એક અવતારમાં ભયંકર માર ખાધો છે, પણ પાછલો માર ખાધેલો ભૂલતો જાય છે અને નવો માર ખાતો જાય છે. ગયા અવતારનાં છોકરાં મૂકતો આવે છે ને નવાં આ અવતારમાં વળગાડતો જાય છે !

‘પોતાની’ વસ્તુ હોય તો લૂંટાય નહીં અને જે લૂંટાયું તે ‘પોતાનું’ નહીં. આ એકનો એક છોકરો હોય તોય ના રહે.

(પા.૨૪)

આ જગતમાં કયો માણસ મોહ કરવા જેવો છે ? આ ‘ગંધાય’ તેના પર શો મોહ કરવાનો ? ગંધાતી કેરી પર તે કંઇ મોહ કરાય ? સુગંધીદાર માણસો તો સત્યુગમાં હતા. પણ સત્યુગનું ચળામણ દ્વાપરમાં રહ્યું, દ્વાપરનું ચળામણ ત્રેતામાં રહ્યું ને ત્રેતાનું ચળામણ આ કળિયુગમાં રહ્યું ! તે નર્યા ચોળિયા જેવા જ લોક રહ્યા છે આ કાળમાં ! એમનો ખોરાક એવો, બુદ્ધિ એવી અને વિચારેય એવા ! આમાં શું સુખ મળવાનું છે ? એના કરતાં ‘પોતાના આત્માની ગુફામાં’ પેસી જા. અને બહાર સુપરફલ્યુઅસ રહે ને ! આમાં શાં સુખ કાઢવાનાં, બધું જ ગંધાય છે ત્યાં? ‘સ્વરૂપનું જ્ઞાન’ ના હોય તો બધે બફારો જ છે અને ‘સ્વરૂપનું જ્ઞાન’ મળ્યું તો ‘પોતાની ગુફામાં’ બેસીને રહેવાનું ને બીજે બધે ઉપલક રહેવાનું ! બહુ સારા હોય તો આપણને લપસાવી પાડે. ચા-નાસ્તો કરાવે, ફરવા લઇ જાય. નહીં કશી લેવા ને દેવા, છતાં લપસાવી દે !

આ બધા ચોપડાના હિસાબથી ભેગા થયા છે. એક ઝાડ પર પંખી બેઠાં હોય ને ઊડી જાય તેવું છે ! આને તો પૂળો જ મૂકવાનો ને જ્યારે ત્યારે ! ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ, રાજપાટ ને વૈભવ છોડીને ‘જ્ઞાની’ ની પાછળ દોડેલા ! ને આજે એક જ રાણી છોડતો નથી ! ને આવા કળિયુગના કાળમાં રાણી તો કેવી હોય કે સવારના પહોરમાં આવડી મોટી ચોપડે કે ‘સવારમાં શાને ચા ઢીંચો છો? ’

આ તો બધી ભરહાડ કહેવાય. શક્કરિયાં બાફવાની જગ્યા તે આ સંસાર.

આમાં સુખ હોત તો છાપામાં રોજ આવત કે ફલાણા ફલાણા શેઠ સુખી છે ! પણ કોઇ સુખી નથી. શક્કરિયાં ભરહાડમાં બફાય તેમ બધા બફાય છે ! આ શેઠાણીનો વીમોય નહીં ને બંગલા ને બંગલા ભેલાઇ ગયા ! શામાં સુખ છે ? લક્ષ્મીમાં સુખ હોય તો તો આ શેઠિયા રાત્રે પલંગ પર સૂતાં સૂતાં પાસાં ના ફેરવે. પણ આ તો પલંગ પણ ચૂં ચૂં કરે ! આમાં શું સુખ છે ? ચક્રવર્તીઓનેય તેરસો રાણીઓ હોય તેમાં કેટલીયનાં મોંઢા ચઢેલાં હોય રોજ !

(પા.૨૫)

એક વણિકભાઇ મારી જોડે રોજ બેસનારા. એમને મેં પૂછયું, ‘‘કેમ તમારે કેમનું ચાલે છે વહુ જોડે ? જો વહુ મરી જાય તો શું થાય તમારું ?’’

ત્યારે એમણે કહ્યું, ‘‘મેં તો મારી બૈરીને કહી દીધું છે કે હું રાંડીશ પણ તને રાંડવા નહીં દઉં.’’ ‘‘ઓત્તારીની ! આ વણિક તો બહુ પાકા. આનાથી તો બૈરીને સારું લાગે ને ભાઇ વધારે જીવે!’’ સ્ત્રીને કહે કે, તું સૌભાગ્યવંતી થઇને જજે, પણ હું તો રાંડીશ ! આ તો પુરુષોએ કાઢેલા કાયદા અને તેથી પક્ષપાતવાળા કાયદા હોય. સ્ત્રીઓનો અને પુરુષોનો જે નેચરલ ભેદ છે એ જ ભેદ. બાકી તો એય ‘શુદ્ધાત્મા’ જ છે ને ?

એક વણિકભાઇ તો એવા શૂરવીર હતા તે પોળને નાકે ચોરીઓ થતી હતી ને ત્યાં બૂમાબૂમ થઇ રહી હતી. એમને ખબર પડી કે ચોરો પોળમાં આવ્યા છે, એટલે એમણે તો પોતાની બૈરીને કહ્યું કે, ‘તું મને ગોદડાં ઓઢાડી દે !’ આવા શૂરવીર લોકો છે.

શાદી કરી, શાદીફળ ચાખ્યાં હવે ‘વીતરાગ’ રહેવાનું છે. આ તો આંબાના ફળ ચાખ્યાં કે ખાટાં છે તો પછી કાયમ નીચે બેસી રહેવું કે આવતે વર્ષે આંબો મીઠો થશે ? ના, એ તો કાયમ ખાટો જ રહેશે. એમ આ સંસાર એ ખાટો જ છે, પણ મોહને લીધે ભૂલી જાય છે. માર ખાધા પછી ફરી મોહ ચઢી જાય છે. એ જ ભુલભુલામણી છે. જો સ્વરૂપ અજ્ઞાન ગયું ને ‘સ્વરૂપજ્ઞાન’ મળી જાય તો એ ભુલભુલામણી પજવે નહીં. ‘જ્ઞાની પુરુષ’ આત્મજ્ઞાન આપી દે એટલે ભુલભુલામણીમાંથી છૂટે ને મોક્ષનો સિક્કો વાગી જાય !

આ તો મરવા જેવો ખાટલામાં પડ્યો હોય તોય નાની બેબીની ચિંતા કરે કે આને પરણાવવાની રહી ગઇ. તે ચિંતામાં ને ચિંતામાં મરે એટલે પછી જાનવર થાય. જાનવરનો અવતાર નાલેશીભરેલો છે. પણ મનુષ્ય અવતારમાંય સમો ના રહે, તે શું થાય ? ‘જ્ઞાની પુરુષ’ તો કહે કે, ‘‘માગ, માગે તે આપું’’ પણ સરખું માગેય નહીં.

સ્ટીમર ડૂબતી હોય ત્યારે આગળથી એની ખબર પડી જાય. એટલે બધાંને મછવામાં ઉતારતાં હોય ત્યારે પેલો ડોસો વહેલો ઉતાવળ કરે. પણ

(પા.૨૬)

તું મરવાનો થયો, હવે છોકરાને પહેલાં ઊતરવાં દે ને !

લોકો જાણે કે આ રળિયામણી દુનિયા છે ! ના, આ તો મરવાનું કારખાનું છે ! રીંગણા ઘૈડાં થાય એટલે મરવાનાં જ. આ તો જેટલું કામ કાઢે એટલું પોતાનું !

આ પાલઘરનું સ્ટેશન આવે ત્યારે કોઇ બિસ્તરો પાથરે ત્યારે લોક શું કહે ? ગાંડો જ કહે ને ? મુંબઇ નજીક આવ્યું ને બિસ્તરો પાથરે છે? એ તો મૂર્ખ જ કહેવાય. કેટલાક તો બોરીવલી આવે ને પત્તાં રમવા બેસી જાય. હવે તો ઊઠ, આ છેલ્લું સ્ટેશન નજીક આવ્યું. તે હવે બિસ્તર બાંધવા મંડી જાને, હવે તો ચેત. જેટલો ચેતે એટલું એનાં બાપનું !

નર્યો ભયવાળો આ સંસાર, ચીતરી ચઢે એવો અને તેય પાછો નિરંતરનો ! તેમાં લોકોને રાગ શી રીતે આવે છે એય અજાયબી છે ને?

આ તો મોહ કે માર ?

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે એવો આ સંબંધ છે. જો એક જ કલાક વર જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય એવા સંબંધમાં મોહ શો રાખવો ?

શેઠ કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. ચારસોવીસી કરીને કમાણી કરી અને તેય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રીલેશન વાળો છે; રીલેટિવ સંબંધ અને પાછો અહંકારી. કંઇ સાક્ષાત્ સંબંધ હોય, રીયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો તો સારું. આ તો સમાજને લીધે દબાઇ ને જ સગાઇ રહી છે અને તેય ક્યારેક બાપ- દીકરો લઢે છે, ઝઘડે છે ને ઉપરથી કોર્ટમાં દાવા માંડે છે ! કેટલાક છોકરાં તો કહે છે કે, બાપને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં ના મૂકી આવે ? તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢ્યું છે ! આ સગાઇમાં કેમ બેસી રહ્યા છો તે જ મને તો સમજાતું નથી. આ રીલેટિવ

(પા.૨૭)

સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી !

આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય, ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઇશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઇ ઠેરના ઠેર !!! અને ઘાંચી પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ ! તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઇ નિરાંતે સૂઇ જાય !

દવાખાનામાં જાય ને તો એનો મોહ ઊતરી જાય. પણ એ લક્ષમાં નથી લેતો, નહીં તો અભાવ આવી જાય. આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તોય જોવાનું ના ગમે. ફરવા જાય તોય કહેશે કે આ લોક જોશે તો કેવું દેખાશે ? આ બધી કેરીયું જ છે ને ? તે કરચલી પડ્યા પછી ગમે નહીં. આ માણસોને હું કેરીઓ કહું છું, કારણકે જે સડી જાય, જેને કરચલી પડે એ બધી જ કેરીઓ ! આ કેરીઓ ને જે કરચલી ના પડતી હોય ને એવી ને એવી રહેતી હોય તો કામનું , પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે. આ કાકા-કાકી હોય તે લગ્ન કરી આવ્યાં ત્યારે કેવાં સુંદર દેખાતાં હતાં, ને હવે ઘૈડાં થયાં તે ઘણુંય ના ગમે પણ કરે શું ? આ તો ઇન્ડિયા છે ! કેરી તાજી હોય તો અંગોપાંગ સુંદર હોય. પણ કરચલી પડ્યા પછી કેવી દેખાય ? અબુધને એવી ચાલી જાય, પણ બુદ્ધિવાળાની શી દશા થાય ? આ તો નરી ફસામણ છે ! લગ્ન વખતે તો એને ‘એ’ ગમે, પણ પછી કરચલી પડે તો ના ગમે, પણ આ તો ઇન્ડિયા છે તે નભાવવું પડે !

આ દેહનું કેવું છે ? નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો જ અત્યારે ઘૈડપણમાં પજવે. કહેવાય શું કે આ દેહ મારો પોતાનો, પણ પોતાનો થઇ ને પજવે. દાંતને રોજ અજવાળીએ, રોજ સુવાવડ કરાવીએ છતાં એ દુઃખે ! આ આંખ પજવે, કાન પજવે, બધુંય પજવે. જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે !

(પા.૨૮)

સબ સબકી સંમાલો

આ તો ભારે ફસામણવાળું જગત છે, ને એમાં તલ ભારેય પોતાનું નથી. આપણું ઘર હોય તો તેનું ભાડું આપીએ તો પોતાનું, મારું ઘર થઇ જાય. આ ઘરમાં ચકલી રહેતી હોય તો શું એ જાણે કે આ ભાઇની માલિકીનું ઘર છે ? ના, એ તો પોતે રહી એટલે એની જ માલિકી જગ્યા. આ તો ઘરમાં ગિરોળી રહેતી હોય તો તેય જાણે કે મારી માલિકીની જગ્યામાં હું રહું છું. આ તો સૌ સૌની માલિકીનું જગત છે !

ભગવાને શું કહ્યું કે, ‘સબ સબકી સંમાલો, મૈં મેરી ફોડતા હૂં !’ એક ભૈયાઓનું ટોળું હતું. તે જાતે ખીચડી પકાવીને ખાય. આ બધા ભૈયાઓ એક મેદાનમા ઊતરેલા. બધા સૌ સૌની ખીચડી ત્રણ પથરા મૂકીને હાંલ્લીમાં મૂકી. પછી બધા ગામમાં વેપાર કરવા ગયા. એક માણસને સાચવવા મૂકીને ગયા. પછી સાંજે પાછા આવ્યા. તેમાં એકને શું થયું કે, તેને પોતાની હાંલ્લી જડી જ નહીં. તેને ચિંતા થઇ કે, મારી પેલી કે પેલી ? આ ઝાડ નીચેની કે પેલા ઝાડ નીચેની ? ને પાછો તે વિચાર કરવા માંડ્યો કે, બીજાની લઇશ તો મને બધા ગાંડો કહેશે. એટલે એણે ઉપાય શોધી કાઢ્યો. એક મોટો પથરો લીધો અને મોટેથી બોલવા માંડ્યો, ‘મૈં મેરી હાંલ્લી ફોડતા હૂં, સબ સબકી સંમાલો’ તે તરત બધાએ પોત પોતાની હાંલ્લી પકડી લીધી અને પેલાને એની હાંલ્લી મળી ગઇ!

આ તો આપણી હાંલ્લી સમાલીને ચાલવા જેવું છે. આ તો મછવામાં ભેગું થયેલું માણસ, તે એ તો એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે, ‘મને એના વગર નહીં ચાલે.’ આવું ‘એના વગર ના ચાલે’ એ કેમ ચાલશે ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા, ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઇને ફરવું ને પગ દુઃખે તો કોઇ જોવાય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે. શું તમે નહોતા જાણતા કે, આ બધી રીલેટિવ સગાઇ છે ? રીયલ હોય તો તો આપણે બધું જ કરી છૂટીએ. પણ આ તો રીલેટિવ સંબંધ તે ક્યારે ફ્રેકચર થઇ જાય. તેનું

(પા.૨૯)

કશું ઠેકાણું નહીં. જો રીયલ સગાઇ હોય તો બાપ મરે, મા મરે તો છોકરો જોડે મરી જ જાય. આ મુંબઇ શહેરમાં એવું કોઇ મરે છે ? ના, કોઇ ના મરે ; માટે આપણે પહેલેથી જ ના જાણીએ કે, આ રીલેટિવ સંબંધ છે ? અને રીલેટિવ સંબંધમાં ખેંચ ના રાખવી. રીયલ હોય તો તો આપણે જ પકડીને બેસી રહીએ. પણ આ ઘડીમાં ફ્રેકચર થઇ જાય એવી સગાઇમાં શી જક કરવાની ? માટે પહેલીથી જ જાણવું કે, આ તો રીલેટિવ છે ને પછી ‘મૈં મેરી ફોડતા હૂં’ કરવાનું.

જેનો વિનાશ થાય એ કપડાં કહેવાય. આ કપડાં બીજે દિવસે કાઢી નાખે અને ‘પેલા કપડાં’ સાંઠ વર્ષે કાઢી નાખે. આ તો કપડાંમાં ‘હું પણું માન્યું’ તેનાં દુઃખ છે. પોતાને પોતાનું ‘જ્ઞાન’ ના થયું તેથી પરાઇ ચીજોમાં રખડ્યો. ‘હું ચંદુલાલ છું’ માનીને આ ચંદુલાલના નામ પર વેપાર થાય ને ‘છેલ્લે સ્ટેશને’ પોતે જાય ને ચંદુલાલ અહીં રહી જાય! અને ગૂંચો જોડે લઇ જાય ! આત્માની પ્રાપ્તિનો માર્ગ અત્યંત દુર્લભ માર્ગ છે !

આ સંસારમાં તો મહીં જ ધડાકો પડે. ઘડી વાર શાંતિ નહીં ને પાછા રહે તો બબ્બે લાખનાં ફલેટમાં. શી રીતે જીવે છે તેય અજાયબી છે ને! પણ કરે શું ? શું દરિયામાં પડે ? તેય સરકારી ગુનો છે. ભોગવ્યે જ છૂટકો થાય ને ! શક્કરિયું ભરહાડમાં બફાય તેમ લોક ચોગરદમથી રાતદા’ડો બફાયા કરે છે. તે આ ભરહાડમાંથી ક્યાં નાસે ? ‘જ્ઞાની પુરુષ’ની પાસે બેઠો એટલે અગ્નિ શાંત થાય, ને કામ નીકળે. સંસાર તો પ્રત્યક્ષ અગ્નિ છે. કોઇને લહાય બળે તો કોઇને ઝાળ લાગે ! આમાં તો સુખ હોતું હશે ? આમાં જો સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ તેરસો રાણીઓ છોડીને નાસી ના ગયા હોત ! એનો જ તો ભારે ત્રાસ એમને! તેથી તો રાજપાટ ને બધું છોડીને નાસી ગયાં.

દેવોને પણ દુઃખ ?

દેવલોકોને બાળપણ નહીં, માના પેટે જન્મવાનું નહીં. એ બધાં દુઃખો નહીં, બાળપણનાંય દુઃખો નહીં. એમને સંડાસ જવાનું નહીં. એમને તો વૈરાગ્ય આવે એવાં સાધનો જ નહીં. એમને તો જન્મતાંની સાથે જુવાની

(પા.૩૦)

ને મરવાનું પણ જુવાનીમાં જ. તો પછી એમને કયા દુઃખો હશે ? દેવલોકોમાં સ્પર્ધાનાં બહુ દુઃખો છે. આના કરતાં આ મોટો ને આના કરતાં આ મોટો ! એમ સ્પર્ધાથી રાગ-દ્વેષ થાય. એનું બહુ દુઃખ લાગ્યા કરે તેમને, એથી તો એમને પણ ‘જ્ઞાની પુરુષ’ ક્યારે મળે એવી ઇચ્છા થાય ! પણ એમનું મૃત્યુ અધવચ્ચે થાય નહીં, અધવચ્ચે આયુષ્ય તૂટે નહીં. એમને ત્યાં ઈંદ્રિય સુખો ભરપટ્ટે છે, છતાંય, ત્યાં એમને જેલ જેવું લાગે છે ! ત્યાંય અજંપા કઢાપાનાં દુઃખો છે.

કળિરણમાં વીરડી સમ સુખ

સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગ-દ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા, અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું ? આખો દા’ડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે તેના કરતાં તો આખું જ કડવું ના પી લઇએ આપણે ? આ તો આપણને મૂરખ બનાવી જાય તે કેમ પોષાય ? અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય. પચાસ-પચાસ ટકા હોય તો’ય ચાલે. તે આપણે ત્યાં સુધી કહ્યું કે પંચાવન ટકા દુઃખને પીસ્તાળીસ ટકા સુખ હશે તોય ચાલશે. પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડ્યું ને પાંચ ટકા સુખ ને પંચાણુ ટકા દુઃખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે, આવી લાલચ આપણને ના પોષાય. મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે. જો બહારનું મછરું યાદ ના આવે ને તો ‘એ સુખ’ વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે.

આ કાળ વિચિત્ર છે તે કારેલાં મીઠાં થઇ ગયાં જેવું છે ! આ તો દરેકમાં ભગવાનનાં દર્શન કરી પેકિંગથી દૂર જ રહેવા જેવું છે. ગમે તેટલું સડેલું પેકિંગ હોય પણ ભગવાનનાં દર્શન કરી દૂર રહેવા જેવું છે ને હીરાનું પેકિંગ હોય તોય એ પેકિંગ કાલે લાકડાં ભેગું થવાનું છે. લોક કહે કે દેવ જેવા માણસ દેખાતા હતા પણ તેય લાકડાંમાં જ જાય. વખતે સુખડનાં લાકડાં બાળવા માટે મળે. મર્યા પછી એ દેવ જેવા માણસ જોડે સૂઇ જવાનું કહે તો તે ના પાડે. મહીં ભગવાન બેઠા હતા તે સ્વ પર- પ્રકાશક છે અને તેથી તેનું રૂપ હતું !

(પા.૩૧)

આ સ્ત્રીઓ માથામાં ફૂલો શા માટે નાખતી હશે ! આ શરીરની ગંધ ઊડી જાય તે માટે. આ કળિયુગમાં માથાં, શરીર ગંધાય તેથી જ સ્તો તે ફૂલો પહેરે તેની સુગંધ આવે. પહેલાં તો પદ્મિની સ્ત્રીઓ થતી તે રસોડામાં રસોઇ બનાવતી હોય તોય અહીં બેઠા તેની સુગંધી આવતી! તેય ખોરાક ખાતી અને આય ખોરાક ખાય છે. પહેલાંના પુરુષોમાં સુગંધ નહોતી આવતી, પણ દુર્ગંધ તો નો’તી જ આવતી. અત્યારે તો ‘વાંદરા’ની ખાડી જેવું જ થઇ ગયું છે ! આજે તો સેંટ ને અત્તરો પાર વગરનાં ઉડે છે. આ કોના જેવું છે કે ગંધાતી કેરીને સુગંધ ચોપડીને પછી તેને ખાય, આવું તો લોક થઇ ગયું છે ! આને ભગવાને કહ્યું કે, ‘અભોગ્ય ભોકતા’. એટલે કે જે આત્માને ભોગવવાનું અયોગ્ય છે તેનો તું ભોકતા થયો. ભોગવવાનું પોતાનું અનંત સુખ છે, પણ તે ભોગવતો નથી. શી રીતે ભોગવે ? આ તો બધે કાગારોળ થઇ રહેલ છે. બધે આ કાગડા કાગારોળ મચાવે ને પેલી બાજુ કૂકડા બોલે !

વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે, આરાધવા જેવો નથી. આરાધવા જેવો ના હોય તો ‘જ્ઞાની પુરુષ’ને શોધીને એની પાસે મોક્ષમાર્ગ મેળવી લે. માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે ! તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે !! અને તે સમર્થ એવા ‘જ્ઞાની પુરુષ’ એકલા જ બતાવે !!! મોક્ષ માર્ગ ઓર્નામેન્ટલ ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય, મોટી મોટી ગગનચુંબી હોટલો હોય !

(પા.૩૨)

સંસરણ માર્ગ

સંસાર એ તો સંસરણ માર્ગ છે. તે દરેક માઇલે, દરેક ફર્લાંગે રૂપો બદલાવાનાં. આ રૂપોમાં મનુષ્યને તન્મયતા રહે છે ને તેથી માર ખાયા કરે છે. આખો સંસાર સહજમાર્ગી છે, માત્ર મનુષ્યના અવતારમાં જ માર ખાય છે. આ કાગડા, કબૂતરો, માછલાં એ બધાંને છે કશી હોસ્પીટલ કે છે કંઇ તેમને રોજ નાહવાનું કે ધોવાનું ? છતાંય કેવાં રૂપાળાં દેખાય છે ! એમને છે કશો સંગ્રહ કરવાનું ? એ બધાં તો ભગવાનનાં આશ્રિત છે. જ્યારે આ મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. બધાય, પછી તે સાધુ હોય, સન્યાસી હોય કે જે ગમે તે હો. જેને ક્યારેય પણ એમ થાય કે મારું શું થશે, એ બધાં નિરાશ્રિત ! ભગવાન પર આશરો ના રાખે ને સંગ્રહ કરે એ બધાં નિરાશ્રિત અને તેથી તો ચિંતા ઉપાધિ છે !

આ સંસારમાં તો અનંત અવતારની ભટકામણ છે. કોઇ પણ જીવને બંધન ગમતું નથી, દરેકને મુક્તિની જ ઇચ્છા રહ્યા કરે, પણ મુક્તિનો માર્ગ ના મળે તો શું કરે ? કયા અવતારમાં સાધુ નહોતા થયા? વૈષ્ણવમાં જાય કે જૈનમાં જાય, ત્યાંય સાધુ થાય ને સાધુપણામાં કંટાળો આવે ત્યારે વિચારે કે આના કરતાં સંસારી થયો હોત તો સારું ! તે બીજે ભવે સંસારી થાય ને સંસારી થાય ત્યાં બૈરી-છોકરાંથી કંટાળે ને પાછો ત્યાં વિચારે કે આના કરતાં તો સાધુ થઇ જવું સારું ! તે બીજે ભવે સાધુ થાય. આમ જ અનંત અવતારથી ભટકામણ ચાલી છે ! પણ જો સ્વરૂપનું જ્ઞાન મળે તો મુક્તિ મળે. પણ તે ‘જ્ઞાની પુરુષ’ મળે ને બધાં પાપોને તે ભસ્મીભૂત કરી આપે ત્યાર પછી શુદ્ધ બનાવે ત્યારે જ ‘હું શુદ્ધાત્મા છું’, એમ બોલાય. એમને એમ ‘હું શુદ્ધાત્મા છું’, એ શુદ્ધાત્મા થયા વગર ના બોલાય. એ તો શબ્દજ્ઞાન કહેવાય, એનો ઊલટાનો દોષ બેસે.

(પા.૩૩)

અનંત અવતારનું સરવૈયું આ છે ! છતાં અનુભવ નકામા નથી જતા, તે તો ક્યારેક કામ આવે. એક વખત ખાડામાં પડ્યા તે પછી ખાડો આવે તો એ અનુભવ તરત જ ચેતવણી આપે. અનુભવ તો ઉપદેશ આપીને જાય.

આંમાથી તો કામ કાઢીને મોક્ષે જવાનું છે. આ દેહ જ ‘આપણો’ થાય નહીં. તો બીજાં આપણાં શા કામનાં થશે ? આ દેહ જો ‘જ્ઞાની’ ના કામમાં આવ્યો તો સગો છે, ને સંસારના કામમાં ગયો એ દગો છે. આ બધાં દેહનાં સગાં છે. આત્માનો કોઇ સગો નથી. આત્માને સગો હોય નહીં. માટે આ વાત સમજી લેવાની છે. ‘વીતરાગો’ સમજીને બેઠેલા કે આમાં ‘આપણું’ કામ નહીં. એમને આ દગો-બગો પસંદ નહીં. આપણે પણ એ પૂરેપૂરું સમજીને આપણું કામ કાઢી લેવાનું છે.

જગત છ તત્ત્વોમાંથી ઊભું થયું છે. સંસાર એ છ તત્ત્વોનું પ્રદર્શન છે ! અને એ તત્ત્વોનુ નિરંતર પરિવર્તન થયા કરે છે અને એ તત્ત્વોનાં મિલન થવાથી સંસાર છે. તત્ત્વો ‘સત્’ સ્વરૂપે છે. ‘સત્’ એટલે ગુણ અને અવસ્થા સાથે હોય તે આ દેખાય છે એ વિભાવિક અવસ્થાઓ છે, પ્રાકૃત અવસ્થાઓ ઊભી થઇ છે. આ વિભાવિક અવસ્થામાં ભ્રાંતિ ઊભી થઇ તે આ ‘હું છું.’ એથી આ બધું ઊભું રહ્યું છે. બીજું કશું જ બગડ્યું નથી. તત્ત્વોના મિલનથી ઊભું થયું છે. જડ અને ચેતનનાં સંયોગ સંબંધ માત્રથી ચાલે છે, જડ અને ચેતન મિક્ષ્ચર સ્વરૂપે છે, કમ્પાઉન્ડ સ્વરૂપે નથી થયાં.

બોજો માથે કે ઘોડા પર ?

એક વખત હું મારા ભાઇબંધને ઘેર અચાનક ગયેલો. તે તેમનાં વહુ જોડે વાતચીત કરતા હતા. મારા ભાઇબંધે એમની વહુને પૂછયું, ‘‘શું શાક લાવી છે ?’’ તેમનાં પત્નીએ કહ્યું : ‘‘ભીંડા.’’ ભાઇબંધે પૂછયું, ‘‘શા ભાવે લાવી છો ?’’ પત્નીએ કહ્યું : ‘‘બાર આને કિલોના ભાવનું.’’ ભાઇબંધે પૂછયું : ‘‘આટલું મોંઘું તે શાક લવાય ? તને કંઇ અક્કલ- બક્કલ છે કે નહીં ?’’ હવે આ મારા સાંભળવામાં આવ્યું. મેં તેમને કહ્યું, ‘‘કેમ આ માથા પર બે મણ વજન લઇને ફરો છો ? તમારું મોઢું દિવેલ પીધા

(પા.૩૪)

જેવું દેખાય છે ! એમ શા માટે ? બાર આનાનું શાક લીધું તેનો સંસારી બોજો સંસારરૂપી ઘોડા પર મૂકવાનો હોય. એને માથે લેશો તોય ઘોડા પર જ જાય છે. આપણે માથે લેવાનો ના હોય. આ આપણે માથે લઇએ તેથી આપણું મોઢું દિવેલ પીધા જેવું ને ઘોડાનું મોઢું યે દિવેલ પીધેલા જેવું દેખાય છે.’’

એક મિયાંભાઇ હતા. તે તેમના ટટ્ટુ ઉપર બેસીને જતા હતા. મિયાંભાઇ વજનદાર ને ટટ્ટુ નાનું ને ઢીલું, તે બિચારાની ભારથી કેડ વળી જાય. આમને આમ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક ખાનસાબ મળ્યા. તે મિયાંભાઇને કહે કે આ લીલું ઘાસ છે તે તમારા ઘોડા માટે લઇ જાવને ! તે મિયાં લલચાયા કે મફતમાં એક મણ ઘાસ મળે છે ! પણ પાછું થયું કે ઘોડો આ ભાર શી રીતે ઊંચકશે ? પણ મિયાં કાચી સમજણના, તે તેમણે મનમાં નક્કી કર્યું કે ઘાસ મારા પોતાના માથે મૂકીશ તો ઓછું તેને ઊંચકવું પડશે ! તે મિયાં તો ઘાસનો ભારો માથે મૂકીને ટટ્ટુ પર બેસીને જવા લાગ્યા ! રસ્તામાં એક વાણિયાએ આ જોયું ને એણે મિયાંને કહ્યું કે, ‘મિયાંજી, ભારો તારા માથે ઊંચક્યો છે પણ વજન તો ઘોડા ઉપર જ જાય છે, તેથી તમારા બેઉના મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે !’

સંસાર એ ઘોડા જેવો છે. સંસારીઓ ઘોડા ઉપર બેઠેલા મિયાં જેવા છે. ઘોડાને દુર્બળ જાણી મિયાં ઘોડા પર ઉંચા શ્વાસે બેસે છે, તે ઘોડાના સુખને માટે. પણ આ ગણતરી ખોટી છે. ભાર તો છેવટે ઘોડા પર જ જાય છે. તેમ તમે બધાં તમારો બોજો સંસારરૂપી ઘોડા ઉપર જ નાખો. સંસારરૂપી ઘોડા પર ઊંચા શ્વાસે ના બેસશો, ઉંચા શ્વાસે ના જીવશો. આ તો ‘પોતે ક્ષેત્રજ્ઞ પુરુષ’ તે ‘પર ક્ષેત્રે’ બેઠો છે ! જગત આખુંય મૂર્ખ બન્યું છે. સંસારને ‘વીતરાગો’ એકલા જ સમજી ગયા કે મગજ પર બોજો શાને માટે ? એ તો ઘોડા પર જ જાય છે. ‘વીતરાગો’ બહુ પાકા ગણિતવાળા, તેથી તો તે ફાવી ગયા ને અંકગણિતવાળા રખડી મર્યા !!!

(પા.૩૫)

સંસારવૃક્ષ

કવિ શું ગાય છે : ‘‘અહા ! અક્રમ જ્ઞાન કદી ના સુણિયું, એણે ખોદિયું ધોરી વૃક્ષ મૂળિયું. ’’

આ સંસાર એ વૃક્ષ છે. અનંતકાળથી આ વૃક્ષ સુકાતું નથી. લોક પાંદડા કાપીને સૂકવવા માંગે છે, પણ પાંદડાં ફરી ફૂટી નીકળે છે. કેટલાક ધર્મવાળા કહે છે કે પાંદડાં કાપી નાખીશું એટલે સંસારવૃક્ષ સુકાઇ જશે પણ ફરી પાંદડાં ફૂટે છે. કેટલાક મોટી મોટી ડાળીઓ કાપી નાખો તો વૃક્ષ સુકાઇ જશે એમ કહે છે. પણ તોય એ વૃક્ષ સુકાતું નથી, ડાળાં ફરી ઊગી નીકળે છે. કેટલાક થડને કાપી નાખવાનું કહે છે તોય પાછું ઊગે છે. કેટલાક એથીય આગળ જઇને મૂળિયાં કાપી નાંખવાનું કહે છે પણ તોય ફરી વૃક્ષ ઊગે છે. સંસારરૂપી વૃક્ષને નિર્મૂળ કરવાનો આ ખરો ઉપાય ન હોય. આ સંસારવૃક્ષ શાનાથી ઊભું છે? આ વૃક્ષને મૂળિયાં તો બધાં બહુ હોય તે જમીનમાં બધાં મૂળિયાં તો ઝાડને પકડવા માટે હોય છે અને એક મૂળિયું એવું હોય છે કે જે ખોરાક-પાણી લેવા માટે હોય છે, તેને ધોરી મૂળિયું કહે છે. ‘જ્ઞાની પુરુષ’ એકલા જ સંસારવૃક્ષનું ધોરી મૂળિયું જાણે અને તે એમાંથી ડગળી કાઢીને તેનામાં દવા નાંખી દે ! ‘જ્ઞાની પુરુષ’ બસ આટલું જ કરે, બીજું કશું ના કરે. પાંદડાને, ડાળને, થડને કે બીજા કોઇ મૂળિયાંને હાથ ના અડાડે. એક ધોરી મૂળિયામાં દવા દાબી દે તેનાથી સંસારવૃક્ષ ધીમે ધીમે એની મેળે જ સુકાઇ જાય. પછી ફરીથી નવું પાંદડું ના ફૂટે.

સંસાર એકદમ ઉદ્ધતાઇથી વાપરવાનો નથી પણ એની ખાતાવહી કરવાની છે. કયા કયા ખાતામાં ખોટ છે, કયા કયા ખાતામાં સંસારસુખ છે, એ પણ ખોળી કાઢવું પડેને ! વેપારમાં ખાતાવહી રાખે પણ સંસારમાં ખાતાવહી નથી રાખતા !

(પા.૩૬)

સત્દેવ : સદ્ગુરુ : સત્ધર્મ

સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ એ જે કહેવાય છે એ ખરેખર કોણ છે ?

સત્દેવ કોણ? સત્દેવ તે દેરાસરવાળા કે મંદિરવાળા નહીં, તમારી મહીં છે. તે મહીંવાળા સત્ પણ જ્યાં સુધી આ ‘મહીંવાળા’ સત્દેવ નથી મળ્યા ત્યાં સુધી દેરાસર કે મંદિરની મૂર્તિ એ સત્દેવ.

સદ્ગુરુ કોણ? છેલ્લા ગુરુ એ ‘જ્ઞાની પુરુષ’ જ્યારે ‘જ્ઞાની પુરુષ’ ના મળ્યા હોય ત્યાં સુધી જે કોઇ થોડા જપ-તપ આપે, કંઇક સમજણ પાડે એ સદ્ગુરુ અને આપણે અહીં ‘આ’ માર્ગમાં સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ જુદું છે. સત્દેવ તે ‘મહીંવાળા’ જે સત્ છે તે જ. તે તરત જ ફળ આપે, રોકડું આપે, ઉધાર-બુધાર નહીં. આખી જિંદગી ધરમ કર્યા છે પણ ઠંડક ના થાય ને કાળજું ટાઢું ના થાય. મહીં ઊકળતું ને ઊકળતું જ રહે. અને આ અહીં તો વાત જ જુદી છે, જેટલું પીતાં આવડ્યું એટલો લાભ થાય.

ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ! ને ત્યાં સુધી છુટકારો પામે નહીં, ભટક ભટક કરવાનું ત્યાં સુધી. સત્ધર્મ, સદ્ગુરુ ના મળે ત્યાં સુધી સત્દેવ હાજર ના થાય, ને ત્યાં સુધી કષાયો કરડ્યા કરે મહીં.

સંસારનો માર્ગ રીલેટિવ કહેવાય. એમાં વ્યવહારને વ્યવહાર જ હોય. ભ્રાંતિવાળાને ભગવાને કહ્યું કે, સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મની સ્થાપના કરો. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી વ્યવહાર છે. ત્યાં સુધી આ રીલેટિવ સત્દેવની સ્થાપના કરવી પડે.

(પા.૩૭)

પ્રશ્નકર્તા : રીલેટિવ સત્દેવ એટલે શું ? મૂર્તિ ?

દાદાશ્રી : હા, મૂર્તિની સ્થાપના એટલે આરોપિત ભાવ. એટલે આપણે આરોપિત; એય આરોપિત અને ધર્મેય આરોપિત ! ત્રણેય આરોપિત. આપણે અહીં ‘આત્મા’ એ દરઅસલ સત્દેવ છે, ‘જ્ઞાની પુરુષ’ની જે વાણી નીકળેલી છે તે દરઅસલ સત્ધર્મ છે અને ‘‘ જ્ઞાની પુરુષ’’ એ દરઅસલ સદ્ગુરુ છે. આ ત્રણેય દરઅસલ કહેવાય ને પેલું લૌકિક કહેવાય ! લૌકિકનું ફળ શું, તો કે પુણ્ય બંધાય અને ધીમે ધીમે આગળ વધે અને આ દરઅસલ વસ્તુ, અલૌકિક સત્દેવ, સદ્ગુરુ અને સત્ધર્મ એ મોક્ષ આપે. નહીં તો સત્દેવ મળ્યા પછી ભટકવાનું કેમ હોય? ત્યારે હકીકત શી છે ? તો કે સત્દેવ મળ્યા છે, પણ તે આરોપિત મળ્યા છે, સાચા મળ્યા નથી. આરોપિત એટલે શું કે મહાવીર ખરા પણ તે મૂર્તિવાળા આરોપિત છે. જ્યારે સાચા સત્દેવ તો મહીંવાળા ‘શુદ્ધાત્મા’ એ છે. ‘શુદ્ધાત્મા’ એ જ યથાર્થ મહાવીર છે, પણ ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેઠું છતાં એનો અનુભવ નથી થયો, ત્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ એ જ પોતાનો આત્મા છે.

સત્ધર્મ એ શાસ્ત્રનો ના હોવો જોઇએ, ‘જ્ઞાની’ના મુખેથી હોવો જોઇએ. સત્ધર્મ, સત્દેવ અને સદ્ગુરુ એ દરઅસલ હશે તો જ મોક્ષ થશે. પણ દરઅસલ ના મળે તો નકલી રાખજે. સાચાં મોતી ના મળે તો કલ્ચર્ડ પણ મોતી પહેરજે !

વીતરાગોએ સત્દેવ, સદ્ગુરુ ને સત્ધર્મ કહ્યું, એટલે આપણા આચાર્યો, મહારાજ બધા માની બેઠા કે મહાવીર દેવ એ સત્દેવ છે અને શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ તે સત્ધર્મ છે. પણ એ સમજાયું નથી કે મૂર્તિ એ તો આરોપિત દેવ છે, ન હોય સાચા મહાવીર ! અને મહારાજ, તમેય આરોપિત છો. એટલે ગુરુ યે આરોપિત, દેવેય આરોપિત અને ધર્મેય આરોપિત ! પુસ્તકમાં લખાયા પછી એ આરોપિત ધર્મ કહેવાય અને ‘જ્ઞાની પુરુષ’નું સીધું સાંભળે એ સત્ધર્મ કહેવાય. ‘જ્ઞાની પુરુષ’ એ સદ્ગુરુ કહેવાય અને તે કેવા હોય ? સામાને પોતાનો ‘શુદ્ધાત્મા’ પ્રાપ્ત

(પા.૩૮)

કરાવે એવા હોય; અને ‘શુદ્ધાત્મા’ એ સત્દેવ કહેવાય અને ‘જ્ઞાની પુરુષ’ના મોઢેથી જે વાક્યો નીકળે એટલાં જ સત્ધર્મ. જે મોક્ષ અપાવે એ જ સત્ધર્મ. બાકી બીજા તો આરોપિત ધર્મ કહેવાય. સત્ધર્મ કેવો હોય? સત્ અને અસત્ નિરંતર જુદાં જ રાખે તે. અને આરોપિત ધર્મમાં તો શુભાશુભ હોય. આમ કરો ને તેમ કરો, જપ કરો ને તપ કરો, ફલાણું કરો, આપણે પૂછીએ કે, ‘આરોપિત કેમ કરાવો છો ? આત્માનું કરાવરાવો ને ?’ તો તે કહેશે કે, ‘આત્માનું તો આત્મા પ્રાપ્ત થયા પછી જ કરવાનું હોય. હમણાં તો આ કરો.’ એમ કહેશે.

આપણે પૂછીએ કે, ‘આ સત્દેવ ?’ અલ્યા ન હોય આ સત્દેવ. બધાય આ આરોપિત દેવને સત્દેવ માની બેઠા છે ! બધી જ વાત આરોપિત છે !

સાચાં સત્દેવ, સત્ધર્મ અને સદ્ગુરુ મળી ગયા એટલે કામ થઇ ગયું ! એક કલાક જ મળે તોય કામ કાઢી નાખે ! એક કલાક જ જો આ ત્રણ વસ્તુ મળે તો ઠેઠ સુધીનું કામ કાઢી નાખે !!!

(પા.૩૯)

મૂર્તિ ધર્મ : અમૂર્ત ધર્મ

પ્રશ્નકર્તા : આત્મા જગાડવા મૂર્તિની જરૂર ખરી ?

દાદાશ્રી : મૂર્તિની બહુ જરૂર છે. ભગવાને ચોખ્ખું કહ્યું છે કે, સત્દેવ, સત્ધર્મ ને સદ્ગુરુની જરૂર છે. પણ જ્યાં સુધી સમકિત થયું નથી, સાચાં સત્દેવ, સત્ધર્મ ને સદ્ગુરુ પ્રાપ્ત થયા નથી, ત્યાં સુધી વ્યવહારના દેવની જરૂર છે. ‘સ્વરૂપ જ્ઞાન’ થયા પછી નિશ્ચયના દેવની જરૂર છે. પછી કોઇ કહે કે દેવની જરૂર નથી તો તે ના ચાલે. વ્યવહારના દેવ મૂર્તિ સ્વરૂપે છે, નિશ્ચયના દેવ અમૂર્ત છે.

પ્રશ્નકર્તા : મૂર્તિ આત્માનું કલ્યાણ ના કરી શકે ?

દાદાશ્રી : જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી ત્યાં સુધી મૂર્તિની પાછળ પડો. એ મૂર્તિ સમકિત સુધી લઇ જશે. મૂર્તિને તરછોડશો નહીં, કારણ કે વીતરાગોના નામ પર છે. ત્યાં વીતરાગોની સ્થાપના થયેલી છે અને મૂર્તિની પાછળ શાસન દેવલોકો રહેલા છે.

એક સંપ્રદાયના મહારાજ મળ્યા હતા. તેમને મેં કહ્યું, ‘‘મહારાજ એક વાત કરું ? તમને ગમશે ? તમને ના ગમે એવી વાત કરું ? તમે આ ત્યાગી થયા છો તો ના ગમતી વાત સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઇ છે તમને ?’’ ત્યારે મહારાજે કહ્યું, ‘‘કહોને વાત ! વાતમાં શો વાંધો છે ?’’ એટલે પછી મેં મહારાજને કહ્યું, ‘‘મહારાજ, આ મુહપત્તી શા માટે રાખી છે ? કષાય ગયા પછીની ક્રિયા છે આ અને એ તો સહજ ક્રિયા છે. અને કષાય ગયા પછી તમે મૂર્તિ છોડી શકો. તમે મૂર્તિને જડ કહો છો, તે મૂર્તિને જડ કહેવાય નહીં. આ તમે બધાય જડ જ છો ને? ચેતનને જાણ્યું નથી, ચેતનને ઓળખતા નથી. પછી રહ્યું શું ? આ તમે ચેતન ક્યાં જોયું ?

(પા.૪૦)

તે મને તમે કહો. અમૂર્તને ઓળખ્યા નથી ત્યાં સુધી તમેય મૂર્તિ જ છો ને ! આ નવકાર મંત્ર મૂર્તિ છે. આ તમે બોલો છો એ મૂર્તિ છે, ને તમેય મૂર્તિ છો! ’’

મૂર્તિ એ તો પરોક્ષ પ્રમાણ છે, પરોક્ષ ભજના છે. જ્યાં સુધી મૂર્તમાં વસ્યા છે ત્યાં સુધી મૂર્તિને ભજો. અમૂર્ત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૂર્તિને જડ કહેવાય નહીં. મૂર્તિને જડ કહેનારો વર્લ્ડમાં કોઇ પાક્યો નથી. એક મુસ્લિમો એકલા જ કહે છે તોય તે એ પયગંબર સાહેબની કે બીજી બધી કબરોને પૂજે છે. એય મૂર્તિ જ છે ને ? કબરો એય મૂર્તિ જ કહેવાય. જે જે આંખે દેખાય એ બધી મૂર્તિઓ. મુસ્લિમો મૂર્તિ નથી રાખતા પણ ગોખલો રાખે છે, તે એય મૂર્તિ જ છે ને ! જગતમાં મૂર્ત બધું દેખાય, અમૂર્ત કશું દેખાય નહીં.

મહારાજને કહ્યું કે, ‘‘તમને ક્યાં આગળ ચેતન દેખાય છે કે આને જડ કહો છો ? તમને ખોટું લાગતું હોય તો મહારાજ મારી વાત બંધ કરી દઉં.’’ ત્યારે મહારાજ કહે કે, ‘‘ના, ખોટું નથી લાગતું. પણ આ અમારો સિદ્ધાંત અમે આવો રાખ્યો છે ને !’’ ત્યારે મેં કહ્યું, ‘‘મહારાજ, તમારો સિદ્ધાંત તમે રાખો, પણ લોકોને શું કરવા ઉપદેશ આપો છો આવો ? તમારો સિદ્ધાંત હોય તો તમે સ્વતંત્ર રીતે તમારી પાસે રાખો, પણ લોકોને ઉપદેશ શા માટે આપો છો ? લોકોને કંઇ રસ્તે ચઢવા દો. અનંત ચોવીશી ગઇ તોય મૂર્તિઓ મુકાયેલી હતી પહેલીથી જ, કારણ કે બાળજીવો ક્યાં જશે ? મૂર્તિ એ બાળજીવો માટે છે. જેને સમજણ નથી તેવા બાળજીવો માટે છે, એ જ્ઞાનજીવો માટે નથી. મૂર્તિથી તો ચિત્ત એકાગ્ર થાય છે. મૂર્તિ તો વીતરાગ ભગવાનની છે અને એ લોકમાન્ય છે. અને સાથે ઉપર શાસનદેવતાનું જબરજસ્ત બળ છે. એ શાસન દેવ રક્ષણ કરનાર છે. એની ઉપર આંગળી કરવા જેવું નથી. ભગવાનની મહીં સ્થાપના છે.’’ પછી કોઇ મહાવીરનું ફકત નામ જ દે તો પણ ઘણું છે, કારણ કે વીતરાગ ભગવાનનું નામ છે. કોઈ માણસનું નામ દે એના કરતાં તો ભગવાનનું નામ એ તો સારું જ ને ? નામ સાથે ભગવાન કોણ છે, કેવા છે, તે જાણે. આગળના એક આચાર્યે કાળની વિચિત્રતાને લઇને લોકોનું ગુરુ પ્રત્યેનું મહાત્મ્ય

(પા.૪૧)

ઘટતું જતું હતું ને મૂર્તિ પર વધતું જતું હતું તે ગુરુનું મહાત્મ્ય વધારવા ને સમજાવવા ગયા કે જે લોકોને મૂર્તિમાં એકાગ્રતાનું ધ્યાન બેઠું છે એ ભલે સ્થાપનામાં રહે અને ગુરુ પાસે રહે. પણ આ તો મૂર્તિનું આખું ઊડી ગયું ને માત્ર ગુરુ પૂજવાનો ધર્મનો પંથ પડી ગયો.

એય ‘જડનો વરઘોડો કાઢ્યો’ એવું તે કહેવાતું હશે ? જે મૂર્તિની ઉપર લોકોને જબરજસ્ત પૂજ્યભાવ છે એની ઉપર તિરસ્કાર તે કરાતો હશે ? પણ ગુરુની જાગૃતિ માટે તમારે મૂર્તિ ખસેડવી પડી. પણ જેને મૂર્તિની ઉપર એકાગ્રતા નથી થઇ એના માટે તો મૂર્તિ જ બરોબર છે. જેણે અમૂર્તને જાણ્યો નથી, અમૂર્તને જોયો નથી, અમૂર્ત સાંભળ્યો પણ નથી, અમૂર્ત એના ભાનમાં પણ નથી, એ માણસો ક્યાં જશે ? એ બાળજીવો ક્યાં જશે ?

મહારાજ, આ મૂર્તિને તમે જડ કહો છો તો મને તમે જોયું હોય તેવું એક ચેતન બતાવો. તમે ચેતન ક્યાં જોયું તે મૂર્તિને જડ કહો છો? તમે પોતે જ જડ છો ને ? તમે પોતે જ મીકેનિકલ આત્મા છો.

મહારાજ કહે : ગુરુ એ તો ચેતન કહેવાય ને ?

મેં કહ્યું : ના, આ પાંચ ઇન્દ્રિયથી જે જે દેખાય છે, સંભળાય છે એ બધું અચેતન જ છે. આ તમે નવકાર મંત્ર બોલો છો એય મૂર્તિ જ છે ને ? આ વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર તો લોકોના કેવા ગજબના ભાવ હોય છે ! માટે તેને દ્વેષથી ના જોશો.

મહારાજ કહે : પણ અમારો સિદ્ધાંત મૂર્તિને માનતો નથી.

મે કહ્યું : મહારાજ જરા વિચારજો. મારી વાત ખોટી હોય તો હું વાતને સ્વીકારી લઉં છું. તમને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરીએ છીએ તમારું, પણ કંઇક વિચારો. આ બાળજીવોને પાછળ તો સારી રીતે ચાલવા દો. તમને જે અનુકૂળ આવે તેમ કરો. સ્થાનકવાસી તો કોને કહેવાય ? જેને મૂર્તિ ‘અહીં’ (બે ભ્રમરની વચ્ચે) આગળ ધારણ થયેલી હોય, માનસિક ધારણા થઇ ગયેલી હોય તો !

(પા.૪૨)

મહારાજ કહે : ‘‘મને તમારી વાત માન્યામાં નથી આવતી.’’

મેં કહ્યું : ‘‘મહારાજ મારી વાત તમને શી રીતે માન્યામાં આવે? મારી વાત ખોટી હશે એવું તમને લાગે એ વાત હું યે કબૂલ કરું છું. કારણ કે જે માણસ જે વસ્તુ કરતો હોય તેને તે સાચી જ લાગે. ખાટકી હોય ને તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે. કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય તેમાં સત્-અસત્નો વિવેક જતો રહે. પછી શું થાય ? જ્યાં સત્-અસત્નો વિવેક જતો રહે પછી ગમે તેટલું કરવાથી, લાખ અવતારેય હજુ સત્ય નહીં સમજાય.’’ આ તપોગચ્છ-વાળા મહારાજને વિનંતી કરી કહું છું, ખરાબ લાગે તો ગાળો દેજો કે, ‘‘મહારાજ, તમે મોક્ષે જવા માટે આ તપ કરી રહ્યા છો ?’’

મહારાજ કહે : ‘‘હાસ્તો. બીજા શાને માટે કરીએ છીએ ?’’

મેં કહ્યું : ‘‘ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય, કોઇ દેખી ના શકે. તમારાં તપ તો કસરતશાળા જેવાં છે. શું તમે ‘કસરત’ કરો છો ? મોક્ષે જવા માટે આવાં તપ ના હોય.’’ ભગવાને આવાં તપને ના કહ્યું છે. ભગવાને કહેલું કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. જ્યારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય, એટલે કે દેહ અને આત્મા બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે.

આ લોકોએ મૂર્તિને કેમ ખસેડી મૂર્તિને ભજવાથી પ્રમાદ આવી જાય છે. મૂર્તિ તો વઢે નહીને ? મૂર્તિ એમ તો ના કહે ને કે તમે સામાયિક કેમ ના કરી ? ને ગુરુ હોય તો વઢે તો ખરો. પણ આ તો અનર્થ થયો ને મૂર્તિને જડ કહેવા માંડ્યું ! મૂર્તિ, મંદિરો બધાંની જરૂર છે. જ્યાં સુધી અમૂર્ત ના મળે ત્યાં સુધી આ દોરી છોડાય નહીં. એ તો ભારતનું સાયન્સ છે ! આ તો મૂર્તિ હોય તો મંદિર હોય ને મંદિર થાય તો એને પૂજારી-બૂજારી બધું મળી રહે.

ભગવાને કહ્યું છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરજો. કારણ કે ત્યાં સુધી અમૂર્તનાં દર્શન થાય નહીં,

(પા.૪૩)

અમૂર્ત એવા ભગવાનનું દર્શન, શુદ્ધાત્માનું દર્શન થાય નહીં.

પ્રશ્નકર્તા : આ મૂર્તિ એ તો પથ્થર છે, એનાં દર્શનથી શું મળે ?

દાદાશ્રી : એ પણ બીજા લોકોને કામના છે ને ? એકાંતિક દ્રષ્ટિ નહીં કરવાનું ભગવાને કહેલું. સામુદાયિક દ્રષ્ટિ રાખો. અનેકાંત એટલે નાનું બાળક નાગું ફરે તો તેને કોઇ વઢે નહીં, તેને કોઇ ઠપકો ના આપે અને પચાસ વર્ષનો નાગો ફરતો હોય તો ઠપકો આપે. ત્યારે પચાસ વર્ષનો કહે કે, ‘મને કેમ ઠપકો આપો છો ને આ નાના છોકરાને કેમ ઠપકો આપતા નથી ?’ ત્યારે આપણે તેને કહીએ કે, ‘અરે ભાઇ, તારી ઉંમર વધારે થયેલી છે. આ નાના છોકરાંની ઉંમરના પ્રમાણમાં એનો ધર્મ બરોબર છે અને તારી ઉંમરના પ્રમાણમાં તારો ધર્મ ખોટો છે.’ એવી રીતે બધાંને સામુદાયિક રીતે જોવું જરૂરી છે.

કબીરસાહેબ મુસ્લિમ લત્તામાં મસ્જિદની પાસે જ રહેતા હતા. તે પેલા લોકો બાંગ પોકારે, તે લોકો કાનમાં આંગળા ઘાલીને પોકારે છે કે નહીં ? એને શું કહેવાય ? બાંગ. હવે એ બાંગને માટે કબીરસાહેબ, એ તો બહુ જાગ્રત માણસ, તે કહે, ‘‘અલ્લા કુછ બહેરા થોડા હૈ, તો ઇતના જોર જોર સે બોલ બોલ કરતા હૈ ? વહ સબ સૂનતા હૈ. વહ તો યહ કીડી કે પાંવ મેં ઝાંઝર લગા દો તો વહ ભી સૂન લેતા હૈ તો ફીર તુમ ક્યું ઇતના બૂમ લગાતા હૈ ? હમારે કાન મેં બહુત ખરાબ લગતા હૈ.’’ તે ‘અમારા ભગવાનની, અમારા ધર્મની ટીકા કરે છે ?’ એમ કહીને મુસ્લિમ લોકોએ કબીરસાહેબને ખૂબ માર્યાં.

હવે કબીરસાહેબે મને પૂછયું હોત કે, ‘આ તો ખોટું કરે છે ને મને માર્યો.’ તો હું કહું કે, ‘એ કરે છે તે બરોબર છે. ભૂલ તમારી છે. સામાના વ્યુ પોઇન્ટને જાણીને બોલો. સામાનું વ્યુ પોઇન્ટ જાણ્યા સિવાય બોલવું અને બધાંને પોતાની સરખી દ્રષ્ટિએ માપવું એ ભયંકર ગુનો છે. પોતાની સરખી દ્રષ્ટિએ એટલે મને જેવી દ્રષ્ટિ છે એવી જ આમને હશે એવું માનવું એ બધો ગુનો કહેવાય.’ પછી કબીરસાહેબને હું સમજાવું કે, ‘આ લોકો જેટલું જોરથી બોલશે એટલો મહીં પડદો તૂટશે અને ત્યારે મહીં અલ્લાહ

(પા.૪૪)

સાંભળશે. એમનું આવડું મોટું જાડું પડ, આવરણ હોય છે, અને તમારું પડ છે તે લૂગડાં જેવું પાતળું છે. એટલે તમે મનમાં વાત કરશો તોય તેમને પહોંચી જશે અને પેલા લોકોને તો પડ જાડું છે એટલે હોંકારીને જેટલું જોશથી બોલાય એટલું એમણે તો બોલવું. આ બધું એમને માટે બરોબર છે, કરેક્ટ છે. હવે આવી બાંગ ક્રાઇસ્ટના ભક્તો પોકારે તો તેમનું બગડી જાય. એમને તો બિલકુલ શાંતિ જોઇએ. બોલવાનું જ નહીં, શબ્દ જ નહીં. દરેકની ભાષામાં જુદું જુદું છે. એટલે એ એમની ભાષામાં વાત કરતા હોય ને તેને આપણે કહીએ તો કબીરસાહેબ જેવી દશા થાય. જે અનેકાંતને નથી સમજતા તે કબીરસાહેબની જેમ માર ખાય. પોતે પોતાની ભૂલનો માર ખાય છે.

કબીરસાહેબ બહુ જાગ્રત માણસ થઇ ગયા. ભક્તો ઘણા ખરા થઇ ગયા એમાં પણ કબીર બહુ બહુ જાગ્રત હતા. એવાં પાંચ-સાત ભક્તો થઇ ગયા છે, કે જે બહુ જાગ્રત હતા, અત્યંત જાગ્રત. એમને માત્ર મોક્ષમાર્ગ મળવાને વાંકે અટક્યું હતું. તેમને માર્ગ મળ્યો નહીં. તેમને જો માર્ગ મળ્યો હોત તો કંઇનું કંઇ કામ કાઢી નાખે એવા હતા એ !

તે કબીરજીના વખતમાં બ્રાહ્મણો ગામમાં યજ્ઞ કરતા હતા. તેમણે યજ્ઞમાં હોમવા મોટો બકરો લાવીને ઊભો રાખ્યો હતો. કબીરજીએ આ જોઇને બ્રાહ્મણોને કહ્યું, ‘તમે આ બકરો કેમ અહીં ઊભો રાખ્યો છે ?’ ત્યારે બ્રાહ્મણોએ કબીરજીને કહ્યું, ‘તું કેમ અહીં આવ્યો છે ? જતો રહે અહીંથી. તારે એનું શું કામ છે ?’ ત્યારે કબીરજી સમજી ગયા ને બોલ્યા, ‘આ બકરો જીવતો છે, સારો છે. એને શું કરવા તમે યજ્ઞમાં હોમો છો? એને કેટલું બધું દુઃખ થશે ?’ ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, ‘એને તો યજ્ઞમાં હોમીશું, એટલે એને તો સ્વર્ગ મળશે.’ ત્યારે કબીરજી ફટ દઇને બોલ્યા, ‘આ બકરાને શું કામ સ્વર્ગ કરાવો છો ? એના કરતાં તમારા બાપા ઘરડા થયા છે તેમને યજ્ઞમાં હોમોને કે જેથી તેમને સ્વર્ગ મળે !’ હવે આ કેવું આધાશીશી ચઢે એવું વાક્ય કહેવાય ! તે બ્રાહ્મણોએ ખૂબ માર્યા એમને, એટલે જ્યાં ને ત્યાં માર ખાય. ભગવાનનું અનેકાંત સમજ્યા વગર બોલે તે જ્યાં ને ત્યાં માર ખાય ! બાકી કબીરજી જેવા તો ભગત નથી થયા

(પા.૪૫)

કોઇ ! બહુ સુંદરમાં સુંદર ! જેણે જગતની સ્પૃહા જ છોડેલી હતી. જગતના કોઇ વિષયની સ્પૃહા એમને નહીં, એવા નિસ્પૃહ થઇ ગયા.

અંગ્રેજો શાંતિથી ચર્ચમાં ઊભા રહે છે તે કરેક્ટ છે. મુસ્લિમો બાંગ પોકારે છે તેય કરેક્ટ છે અને હિન્દુઓ મનમાં ધીમે ધીમે બોલે છે તેય કરેક્ટ છે. કોઇ હિન્દુ જરા જોરથી બોલતો હોય કે બિલકુલ ના બોલતો હોય, જડ જેવો હોય તેને કહેવું કે ‘જરા જોશથી બોલજે.’ જરા જડ જેવો જૈન હોય તો તેને કહેવું કે ‘અલ્યા, નવકાર મંત્ર મનમાં શું ગા ગા કરે છે ? બોલ જોશથી તે અહીં આગળ અવાજ થાય. મહીં ઘંટ વાગે એવું બોલ. એટલે દરેકની જુદી જુદી દવા હોય. મનુષ્ય માત્રને જુદા જુદા રોગ હોય તેની જુદી જુદી દવા હોય. જીવ માત્રને જુદા જુદા રોગ હોય. હવે તમે કહો કે આ બધાંને ઊલટીની દવા આપી દો દાદા, તો શું થાય ?! એટલે આ જગત આવું છે, તેથી ભગવાને અનેકાંત મૂકેલું, સ્યાદવાદ કે કોઇ જીવની જોડે મતભેદ જ નહીં.

પ્રશ્નકર્તા : મંદિરમાં ઘંટનો અર્થ શો છે ?

દાદાશ્રી : મૂર્તિને ઘંટની કશી જ જરૂર નથી. દર્શન કરવા આવનારનું ‘એકચિત્ત’ થાય એટલા માટે ઘંટ છે. બહારનો કોલાહલ સંભળાય નહીં. ધૂપ, અગરબત્તી એ બધું પણ એકચિત્ત, એકધ્યાન થાય એટલા માટે હોય છે.

જિનમૂદ્રા

વીતરાગો શું કહે છે ? અમે કશું જ સ્વીકારતા નથી અને તું જે આપીશ તે તને રીટર્ન વીથ થેન્કસ્. તું ચાર આના નાખીશ તો તને અનેકગણું મળશે. ફૂલ નાખીશ તો અનેકગણાં ફૂલાં મળશે અને ગાળ આપીશ તો તેય તને અનેકગણી મળશે. એક ફેરો વીતરાગને માટે મન-વચન-કાયાની એકતાથી ખર્ચી તો જો ! આ વીતરાગોની જ આવી મૂર્તિ હોય છે, બીજા કોઇની આવી મૂર્તિ જોઇ છે ? આ તો વીતરાગ મુદ્રા કહેવાય ! જેવી જેની મૂર્તિ તેવું તેનું ડેવલપમેન્ટ.

(પા.૪૬)

વીતરાગ ભગવાનની મૂર્તિ શું કહે છે ? જો તારે મોક્ષે જવું હોય તો આ ભવ પૂરતું હાથપગ વાળીને બેસી રહેજે એટલે કે, મશીનરી બંધ કરીને બેસી રહેજે તોય તારું બધું ચાલે એવું છે !

મૂર્તિમાં જોવા જેવું શું છે ? પથ્થર જોવા જેવો છે ? આંખો જોવા જેવી છે ? આ તો આંતરિક ભાવ બેસાડવા માટે છે કે આ ભગવાન મહાવીરની મૂર્તિ ! કેવા હતા ભગવાન મહાવીર ! કેવા વીતરાગી ! અત્યારે તો હવે આંતરિક ભાવ થતા નથી તે પછી મૂર્તિ પર આંગી કરી! તે સુંદર આંગીથી ચિત્ત એકાગ્ર થાય; અને તોય ચિત્ત એકાગ્ર ના થાય તો ઘંટ વગાડે કે તેનાથી બહારથી ગીતો આવતાં હોય કે લઢવાડ થતી હોય તોય ચિત્ત ત્યાં ના જાય. ને પાછું ધૂપ સળગાવે તે સુગંધમાં તન્મયાકાર રહે. આ તો જે તે રસ્તે પાંચ ઇન્દ્રિયને અહીં એકાગ્ર રાખે. તે જે સેકન્ડનો નાનામાં નાનો ભાગ એકાગ્ર રહે, તોય એટલું તો કમાયો ને !

આ તો શું જરાક વઢવાડ થાય, અરે કોઇ ધૂળ ઉડાડે તો લોક ભેગાં થઇ જાય છે ! શાને માટે ? ક્યાંય ચિત્ત એકાગ્ર થતું નથી, ત્યારે કાંઇ નવું જોવા જેવું મળ્યું તો ચિત્ત એકાગ્ર થાય. આ તો ભગવાનની મૂર્તિ પાસેય ચિત્ત એકાગ્ર થતું નથી તે બીજે ક્યાં ચિત્ત એકાગ્ર થશે ? મહીં પાર વગરની બળતરા છે. તે ક્યાંય એકાગ્રતા નથી થતી. આ તો અટકણવાળા ઘોડા પાસે બંદૂકિયો ટેટો ફોડે તેવા લોક થઇ ગયા છે ! કરુણા ખાવા જેવા લોક છે. તે એક ફક્ત કરુણા રાખવા જેવું છે !

પ્રતિમામાં પ્રાણ પૂરે જ્ઞાની

પ્રશ્નકર્તા : દેરાસરમાં મૂર્તિઓમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે તો મૂર્તિમાં શક્તિ વધી જાય ખરી ?

દાદાશ્રી : હા, વધેને. પ્રાણપ્રતિષ્ઠા હુક્કામાં કરું તોય એમાં શક્તિ વધી જાય અને મૂર્તિમાં તો દરેક લોકોના આરોપિત ભાવ છે. ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરે એટલે ફળ આપે. પણ આ કાળમાં પ્રાણપ્રતિષ્ઠા સાચી થતી નથી. ‘અમે’ સાચી પ્રાણપ્રતિષ્ઠા કરીએ, પણ ઉદય સિવાય ‘અમે’

(પા.૪૭)

કરીએ નહીં. લોકોનું કલ્યાણ થાય એટલા માટે અમે પ્રતિષ્ઠા કરીએ. લોકોને શક્તિ હોય તે પ્રમાણે પ્રાણપ્રતિષ્ઠા કરે. અને આ પ્રતિષ્ઠા કેવા ભાવે કરે છે ? કલુષિત ભાવે. કલુષિત ભાવ નીકળ્યા ના હોય અને પ્રાણપ્રતિષ્ઠા કરે. કલુષિત ભાવ ગજબનો મહીં હાજર હોય. સળી થાય તો ફેણ માંડે એવી પ્રતિષ્ઠા કરે તો કેવું ફળ આપે ? પ્રાણપ્રતિષ્ઠા કરવાનો કોનો અધિકાર ? જેના કલુષિત ભાવ સંપૂર્ણ નીકળી ગયા છે, એટલું જ નહીં પણ એના નિમિત્તે કોઇનેય કલુષિત ભાવ ના થાય. એ તો ‘પંચ પરમેષ્ઠિ’માં ગણાય છે અને એવાને હાથે પ્રાણપ્રતિષ્ઠા થવી જોઇએ. છતાં, આ ‘ના મામો હોય તેના કરતાં કાણો મામો સારો.’ બાકી પ્રતિષ્ઠા તો એવી થવી જોઇએ કે મૂર્તિ બોલી ઊઠે, હસી ઊઠે ! અમે જ્યાં જ્યાં પ્રતિષ્ઠા કરીએ ત્યાં ત્યાં મૂર્તિ બોલી ઊઠે છે, હસી ઊઠે છે ! અમારી ઇચ્છા તો બહુ હોય કે બધે જ મંદિરોમાં પ્રતિષ્ઠા થાય, પણ સત્તા અમારી નહીને ? ‘વ્યવસ્થિત’ના હાથમાં બધું, એટલે અમે ઉદય પ્રમાણે કરીએ.

આ તમારી મહીં પણ ‘અમે’ પ્રતિષ્ઠા જ કરી છે. તેથી તો ‘હું શુદ્ધાત્મા છું’ એમ બોલી ઊઠે છે ! મૂર્તિમાં પ્રતિષ્ઠા ‘જ્ઞાની પુરુષ’ કરે. જડ મૂર્તિમાં ‘જ્ઞાની પુરુષ’ પ્રતિષ્ઠા કરે તો પણ ફળ આપે છે, તો જીવંત મૂર્તિમાં પ્રતિષ્ઠા કરે તો શું ફળ ના આપે ?

આ તો બધા થબાકા પાડવાના અને ભગવાનને ‘તું’ અને ‘હું’ ગાવાના અને મૂર્તિને ભજીશ તો મૂર્તિ મળશે. દેહ ઊંચો મળશે, મોટર, બંગલા મળશે; પણ જ્યાં સુધી અમૂર્તના દર્શન ના થાય, ‘જ્ઞાની પુરુષ’ અમૂર્તનાં દર્શન ના કરાવે ત્યાં સુધી મૂર્તિની ભજના કરજે, અને જ્યારે અમૂર્તને ભજે ત્યારે મોક્ષ થાય. મૂર્તિ તો અનંત અવતાર ભજ ભજ કરીએ છીએ ને ? ‘જ્ઞાની પુરુષ’માં તો અમૂર્ત છે અને મૂર્તિ યે છે. ‘જ્ઞાની પુરુષ’ મૂર્તામૂર્ત છે, એટલે એમને ભજવાથી મોક્ષ થાય !

(પા.૪૮)

અક્રમ માર્ગ : અગિયારમું આશ્ચર્ય !

મોક્ષપ્રાપ્તિ માટેના માર્ગ બે છે :

પ્રથમ ‘ક્રમિક માર્ગ.’ તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતાં કરતાં જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો ‘અક્રમ માર્ગ.’ ‘આ’ દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડનું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે ‘આ’ માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઇ જાય. ‘આ’ તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઇએ, તે ‘આ’ રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેન્ક ઇન ધી વર્લ્ડ.

‘ક્રમિક માર્ગ’માં સત્સંગ મળ્યો હોય તો પાંચસો પગથિયાં ચઢી જાય ને એકાદ કુસંગથી હજાર પગથિયાં ઊતરી પણ પડે. એમાં ઠેકાણું નહીં, અત્યંત કષ્ટ પડે અને આ ‘અક્રમ માર્ગ’ તો સેફ સાઇડ માર્ગ. લિફ્ટમાંથી પડવાનો ભો જ નહીં ને સંસારમાં રહીને મોક્ષે જવાય. ચક્રવર્તી ભરતરાજા ગયેલા તેવી રીતે, લડાઇઓ લડતાં, રાજ ભોગવતાં મોક્ષ !

ઋષભદેવ દાદા ભગવાનને સો પુત્રો, તેમાંથી નવ્વાણુંને તેમણે દીક્ષા આપીને મોક્ષ આપેલો. સૌથી મોટા પુત્ર તે ભરત ચક્રવર્તી. તેમને રાજ ચલાવવાનું સોંપ્યું. ભરત રાજા તો લડાઈઓ લડતા લડતા ને મહેલમાં તેરસો રાણીઓથી કંટાળી ગયા. તે ભગવાન પાસે ગયા ને તેમણે પણ દીક્ષા માગી ને મોક્ષ માગ્યો. ભગવાને કહ્યું કે, ‘જો તું પણ રાજપાટ છોડી દે તો પછી રાજ કોણ સંભાળે ? માટે તારે તો રાજ સંભાળવું પડશે. પણ જોડે જોડે હું તને એવું ‘અક્રમજ્ઞાન’ આપીશ કે લડાઈઓ લડતાં, રાજ ભોગવતાં ને તેરસો રાણીઓની સાથે રહીને પણ તારો મોક્ષ નહીં જાય.’

(પા.૪૯)

તે તેવું આશ્ચર્ય જ્ઞાન આપ્યું ! તે જ ‘અક્રમ-જ્ઞાન’. તે જ ઋષભદેવ દાદા ભગવાનનું જ્ઞાન ‘અમે’ તમને કલાકમાં જ રોકડું આપીએ છીએ. પછી તમારે તમારો સંસાર-વહેવાર ચલાવવાનો, છોકરાં પરણાવવાનાં, બધું જ કરવાનું. કશું જૂનું છોડવાનું નથી કે નવું ગ્રહણ કરવાનું નથી. છોડવાનું અમે તમને છોડાવી આપીએ છીએ, અહંકાર અને મમતા છોડાવીએ છીએ ને ‘શુદ્ધાત્મા’ ગ્રહણ કરાવીએ છીએ. પછી ત્યાગ ગ્રહણ કશાનું કરવાનું બાકી રહેતું નથી. ‘હું ચંદુલાલ’ તે અહંકાર ઉઠાવી લઈએ છીએ ને ‘હું શુદ્ધાત્મા છું’ એ ગ્રહણ કરાવીએ છીએ. બસ, આમાં ગ્રહણ-ત્યાગ બધું જ આવી જાય છે !

ભરતરાજાને તો ચોવીસેય કલાક માટે નોકરો રાખવા પડતા. તે દર પા પા કલાકે ઘંટ વગાડીને કહે, ‘ભરત ચેત, ચેત, ચેત.’ તો તે સાંભળી ભરત રાજા ગાફેલ થયા હોય તો પાછા જાગ્રત થઈ જાય. જ્યારે આજે તો તમે જ દોઢસોની નોકરી કરતા હો ત્યાં તમને એ નોકર શી રીતે પોષાય ? તેથી ‘અમે’ તમારી મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઈએ છીએ ! તે તમને ક્ષણે ક્ષણે ચેતવ ચેતવ કરે ! અમે મહીં એવી પ્રજ્ઞા બેસાડી દઈએ છીએ કે નિરંતર જ્ઞાન અને અજ્ઞાન જુદું જ પાડી આપે !

‘હું કોણ છું’ એ નથી સમજાતું. અસ્તિત્વનું ભાન છે પણ વસ્તુત્વનું ભાન નથી કે હું કોણ છું. પણ જો વસ્તુત્વનું એક અંશ પણ ભાન થાય તો પૂર્ણત્વે પહોંચે. વસ્તુ સહજ છે. માર્ગ સરળ છે. પણ જ્ઞાન માટે ‘જ્ઞાની’નું નિમિત્ત જોઈએ અને તો જ જ્ઞાન પ્રાપ્ત થાય. ‘જ્ઞાની’ પોતે છૂટેલા હોય ને છોડાવવાને શક્તિમાન હોય; એ તરણતારણ કહેવાય. અને આ કાળમાં આ ‘અક્રમ માર્ગ’ એ તો ગજબનો કુદરતી જ બની ગયો છે ! આ તો લિફટ માર્ગ ઊભો થઈ ગયો છે ! તે ભજિયાં-જલેબી ખાતાં, તપત્યાગ કર્યા વગર નિરંતર મોક્ષસુખમાં જ રહેવાય. ‘ક્રમિક માર્ગ’માં ક્રમે ક્રમે તપ ત્યાગ કરતાં કરતાં, અહંકારને શુદ્ધ કરતાં કરતાં જવાનું. અહંકારને એટલો બધો શુદ્ધ કરવાનો કે માન આપે તો અડે નહીં. એવો અહંકાર શુદ્ધ થાય તો આત્મા પ્રાપ્ત થાય. અહંકાર શુદ્ધ કરતાં કરતાં એટલો બધો શુદ્ધ થાય કે શુદ્ધ અહંકાર ને શુદ્ધ આત્મા બેઉ ભેગા થઇ જાય! માન અને

(પા.૫૦)

અહંકાર એ બે જુદી વસ્તુ છે. સ્વક્ષેત્રમાં ‘પોતે’ જ્યાં છે ત્યાં પોતે માને તે અહંકાર નથી. જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું માનવું તે અહંકાર કહેવાય. જ્યારે ક્રોધ, માન, માયા, લોભ એકુંય ના રહે ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય. ‘ક્રમિક’માં ત્યાગ કરતાં કરતાં આગલા પદનું ઉપાદાન કરે અને પાછલા પદનો ત્યાગ કરે. એ બંનેય ક્રમિકમાં સાથે રહે અને ત્યાગ કરે તોય પાછો અહંકાર તો રહે જ ! ને પાછો ‘મેં ત્યાગ્યું’ એનો કેફ ચઢે. આખું જગત જે માર્ગે ચાલ્યું છે એ ‘ક્રમિક માર્ગ.’ સ્ટેપ બાય સ્ટેપ જવાનું એમાં. અને એમાં કંઇક છોડતા જવાનું ને કંઇક ગ્રહણ કરવાનું, અને કોઇ કુસંગ મળે તો કેન્ટિનમાં લઇ જાય ને કહેશે, ‘હેંડો, હું પૈસા ખર્ચીશ’. તે પોતાના પૈસા ખર્ચી કેન્ટિનમાં લઇ જાય ! એવો જોખમવાળો ‘ક્રમિક માર્ગ’ છે ! તેથી તો આ અનંત અવતાર ભટકી મર્યાં છે !

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે ‘ફાઇલો’ રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તોય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

‘ક્રમિક માર્ગ’માં આરંભ અને પરિગ્રહ, અહંકાર ને મમતા ઓછી કરતાં કરતાં જવાનું હોય. ત્યાગ કરે એટલે પરિગ્રહ ઓછો થાય અને એટલે મમતા ઓછી થાય. એમ આગળ વધવાનું ને છેક સુધી જો કુસંગ પ્રાપ્ત ન થાય તો ઠેઠ સુધી પહોંચી જાય ! નહીં તો એક જ કુસંગ પાછાં કેટલાય પગથિયાં ઉતારી દે ! ‘ક્રમિક માર્ગ’માં તો છેલ્લા અવતાર સુધી આરંભ-પરિગ્રહ રહે પણ જેટલો આરંભ-પરિગ્રહ ઘટતો જાય તેટલા અંશે ક્રોધ, માન, માયા, લોભ ઘટતાં જાય. છતાં, મહીં અકળામણ રહ્યા કરે, ઠેઠ સુધી રહ્યા કરે. અને ‘અક્રમ માર્ગ’માં ક્રોધ, માન, માયા, લોભ રહેતાં જ નથી, અને છતાં જે અસર માલૂમ પડે છે એ ક્રોધ નથી, એ તો પ્રકૃતિનો ઉગ્રતાનો ગુણ છે. એમાં આત્મા ભળે, ‘તન્મયાકાર’ થાય તો એ ક્રોધ કહેવાય. બન્ને ભેગા થાય ત્યાર પછી સળગે છે. અને ‘અમે’ તમને આત્મા આપ્યો છે તે છૂટો જ રહે. એટલે ઉગ્રતાનું તોફાન વગેરે બધુંય થાય, પણ તાંતો ના રહે. તાંતો ના રહે એને ક્રોધ ના કહેવાય.

(પા.૫૧)

લોભ એ પરમાણુનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે, પ્રકૃતિનો આકર્ષણ અને વિકર્ષણનો ગુણ છે. એમાં આત્મા ભળે તો રાગ-દ્વેષ છે. ને જો આત્મા ભળે નહીં તો નહીં લેવા કે નહીં દેવા ! આપણા શરીરમાં ઇલેકટ્રિકલ બોડી છે એટલે લોહચુંબકપણું રહે છે અને એટલે લોહચુંબક-પણાને લીધે આ દેહ ખેંચાય છે. તે એને કહે છે, ‘હું ખેંચાયો!’ તારી ઇચ્છા નથી છતાં તું ખેંચાય છે કેમ ?

ક્રોધ, માન, માયા, લોભ ‘અમે’ સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતાં જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે તે ક્યારેય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. ‘જગ્યા’ છોડવાથી જ ડખો થાય. ‘પોતાની જગ્યા’ ના છોડવી જોઇએ. ‘પોતાની જગ્યા’ છોડવાથી નુકસાન કેટલું છે કે ‘પોતાનું સુખ’ અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ ‘અમે’ આપેલો આત્મા જરાય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે પ્રતીતિ રૂપે !

આ ‘જ્ઞાન’ આપ્યા પછી તાંતો ગયો, તંત ગયો. તાંતાને જ ક્રોધ, માયા, માન, લોભ કહે છે. જેનો તાંતો ગયો તેનો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ગયું ! કારણ અમે એનો આધાર જ કાઢી લઇએ છીએ. એટલે એ બધાં નિરાધાર થઇ જાય છે. ભગવાન શું કહે છે કે જગત શેની ઉપર ઊભું રહ્યું છે ? અજ્ઞાનના આધાર ઉપર જગત ઊભું રહ્યું છે. ક્રિયાઓ સારી છે કે ખોટી ? તો ભગવાન કહે છે કે ક્રિયાઓ સારીય નથી કે ખોટીય નથી. પણ અજ્ઞાન જો ખસી જશે તો બધું પડી જશે. તું સુટેવો વાળ વાળ કરીશ અને કુટેવો કાઢ કાઢ કરીશ. પણ એ સુટેવો કે કુટેવો એના પોતાથી ઊભી રહી નથી, માટે તેના આધાર કાઢી નાખ તો એ સુટેવો ને કુટેવો એની મળે ખરીને પડી જશે.’ આ જગતના લોકો સુટેવોને આધાર આપ આપ કરે છે ને કુટેવોને કાઢ કાઢ કરે છે, એટલે આધાર તો રહ્યો જ. અને આધાર રહ્યો ત્યાં સુધી સંસાર છે. અને આ સંસારમાં તો અનંત ચીજો છે. તે ‘પોતે’ ના ખસે તો એક એક ચીજને ક્યારે ખસેડે ? પણ આધાર

(પા.૫૨)

ગયો તો બધું જ ગયું. ઘરમાં બાર માણસમાં કમાનાર મરી જાય તો લોક કહેશે કે અમારો આધાર ગયો. આ ‘નિશ્ચય’માં પણ એવું જ છે. આ સંસારમાં વાળે વાળે લોચ કરે તોય કશું વળે એવું નથી. અનંતી ચીજો છે. તો એના કરતાં તું જ ખસી જા ને ! પછી માથે રાન હોય કે વેરાન હોય તોય તેનો શો વાંધો ?

આ ‘અક્રમ માર્ગ’માં પહેલું અજ્ઞાન નિરાધાર કરવામાં આવે છે. એટલે હું ક્યાં તમને કશું છોડવાનું કહું છું ? ‘ક્રમિક’માં ‘જ્ઞાની પુરુષ’ આખી જિંદગીમાં બે શિષ્યોને ત્યાગ કરાવી શકે ! ને જોડે જોડે પોતાને પણ ત્યાગ કરવો પડે. નવું પગથિયું ગ્રહણ કરવાનું અને જૂનાનો ત્યાગ કરવાનો. ને અહીં અક્રમમાં તો આત્મા ગ્રહણ કરવાનો હતો તે થઇ ગયો ને અહંકાર ને મમતાનો ત્યાગ થઇ ગયો. ને કામ થઇ ગયું ! નહીં લોચ કે નહીં તપ-ત્યાગ કે ઉપવાસ ! ‘ક્રમિક માર્ગ’માં પોતે તપનો આધાર થાય છે ! તે તેમાં ‘હું’ ને ‘શુદ્ધાત્મા’ જુદા હોય. કો’કે એમનાં શાસ્ત્રનાં પાનાં ફાડી નાખ્યા હોય તો તેમને મહીં ખેદ થાય કે, આ મારા ચોપડા ફાડી નાખ્યા ! બહાર તો, જાહેરમાં તો ‘જ્ઞાની’ હોય તેવું પદ રાખે. પણ મહીં ‘હું’ પણું સૂક્ષ્મપણે વર્ત્યા કરે. તેમનામાં ‘હું’ ને ‘શુદ્ધાત્મા’ જુદા હોય. એમને ઠેઠ સુધી ‘હું’ ખરો. એ ‘ક્રમિક માર્ગ’ શો છે ? અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર છે તે શુદ્ધ કરવાનો હોય તેમને.

પોતે મુક્ત જ છે પણ ભાન નથી થતું. આ તો રોંગ બીલિફ અને રોંગ જ્ઞાન છે અને તેથી રોંગ વર્તન થાય છે. રાઇટ જ્ઞાનદર્શન પોતાની જાતે ના થાય, અને એમાં પણ આ રોંગ બીલિફ તો કોઇ પણ પ્રકારે તૂટે નહીં. તેને માટે તો સાયન્ટિસ્ટ જોઇએ, ‘જ્ઞાની પુરુષ’ જોઇએ અને તેય ‘જ્ઞાની પુરુષ’ પાછા સંપૂર્ણ જોઇએ તો જ આપણું કામ થાય.

વીતરાગ ભગવાને જેને શોર્ટ માર્ગ જોઇતો હોય તેને શોર્ટ માર્ગ બતાવ્યો ને જેને લોંગ માર્ગ જોઇએ તેને લોંગ માર્ગ બતાવ્યો છે ને જેને દેવગતિ જોઇતી હોય તેને એ માર્ગ બતાવ્યો છે. મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાંય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ

(પા.૫૩)

નહીં ; અન્ય માર્ગ છે. ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઇ જાય. ખીચડી કરતાંય સહેલો થઇ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારેય ના પમાય એવો મોક્ષ માર્ગ એકદમ શોર્ટ કટ રીતે નીકળ્યો છે ! આ ‘જ્ઞાન’ તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે. માત્ર રીત ‘અક્રમ’ છે. દ્રષ્ટિ જ આખી બદલાઇ જાય છે. આત્માનું કલાકમાં જ લક્ષ બેસી જાય છે. નહીં તો ક્રમિક માર્ગમાં કોઇ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા ! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલાં ! ‘ક્રમિક માર્ગ’ના જ્ઞાનીઓને ‘શુદ્ધાત્મા’નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઇ પડ્યું છે તે તમને કલાકમાં આત્મા આપ્યો ત્યાર પછી ક્યારેય પણ ચુકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે.

રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે માજી તમને સૌથી પહેલી કઇ વસ્તુ યાદ આવે છે ?’

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ જ યાદ આવે છે.

દાદાશ્રી : નહીં તો લોકોને તો આ જગતની કોઇ પણ પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તો તે જ પહેલી યાદ આવે પણ તમને તો ‘શુદ્ધાત્મા’ જ પહેલો યાદ આવે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને અલખ નિરંજન કહ્યો ! પણ અહીં કલાકમાં તમને લક્ષ બેસી જાય છે!!! આ ‘અક્રમ-જ્ઞાની’ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઇ જાય છે !!!

ખરો મોક્ષ માર્ગ નીકળ્યો છે. પણ સમજણ પડે તો કામ થાય, અને ના સમજણ પડે તો રખડી મર્યો !

પેલું ‘ક્રમિક વિજ્ઞાન’ છે અને આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. આ જ્ઞાન તો ‘વીતરાગો’નું જ છે. ‘જ્ઞાન’માં ફેર નથી. ‘અમે’ જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઇ જાય. તો શું કામ બાકી રહે ? ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. અને ‘અમારી’

(પા.૫૪)

આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે !

આપણે ત્યાં અહીં ‘આ’ ‘અક્રમ માર્ગ’ બહુ સહેલો, સરળ, ટૂંકો અને ભગવાનના શબ્દે શબ્દો સમાયેલા છે એવો છે ! રોકડો મોક્ષ માર્ગ છે એટલે એની પાછળ તમારાથી પડાય એટલું ઓછું એમ સમજજો. નહીં તો મનની ગાંઠો ઓગાળાય એવો રસ્તો તે હોતો હશે ? મનને તો સ્થિર કરાય એવા રસ્તા બહાર હોય પણ તે ઓગળે નહીં. મનને સ્થિર કરવાની દવા એકાગ્રતા. પણ એનાથી અહંકાર વધે. આપણે અહીં તો મન સ્થિર થાય, ગાંઠો ઓગળે ને અહંકારની વચ્ચે ડખલ જ નહીંને ! જાણે અહંકારને પેન્શન આપી દીધું ના હોય એવું !

‘ક્રમિક માર્ગ’માં તો ભાવતું હોય ને વધારે ખવાઇ જાય તો ઉપાધિ અને આપણને તો કંઇ ઉપાધિ જ નહી ને ! આપણને તો ધર્મ, ધર્મ થઇને પરિણામ પામે અને સુખ મહીં ઊભરાય.

આપણે અહીં તો ગુરુ-શિષ્યનો ભેદ રાખ્યો જ નથી. તમને અમારી જોડે જ બેસાડ્યા છે. તે નિશ્ચયથી બારમાં ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડ્યા છે અને તેય શુકલ ધ્યાનમાં ! આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગુંઠાણું કહેવાય છે ? કારણ કે શુકલ ધ્યાન ઊંભું થયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે ! શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુકલ ધ્યાન કહેવાય છે; ‘ક્રમિક માર્ગ’માં પ્રતીતિના જાળાં બેસે અને પ્રતીતિ થોડી બેસે. પ્રતીતિ બેસે અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે અને આ ‘અક્રમ માર્ગ’માં તો પહેલું લક્ષ બેસાડી દઇએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ ‘અક્રમ માર્ગ’ છે ને એટલે જ લક્ષ પહેલું બેસે. ‘ક્રમિક માર્ગ’માં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુકલ ધ્યાન ના હોય. કારણ કે આ કાળમાં ‘ક્રમિક માર્ગ’માં કોઇ સાતમા ગુંઠાણાથી આગળ જઇ શકે નહીં.

‘અક્રમ માર્ગ’માં ‘જ્ઞાની પુરુષ’ ‘ક્ષાયક સમકિત’નો તાંતો નાખી આપે છે એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. ‘આ’ તાંતો હોય તો

(પા.૫૫)

પેલો (કષાયોનો) ના હોય ને પેલો (કષાયોનો) તાંતો હોય તો ‘આ’ ના હોય !

‘ક્રમિક માર્ગ’માં ગાઢ સમકિત, શુદ્ધ સમકિત થાય ને ત્યાર પછી બે ભાગ પડી જાય. દર્શન મોહનીય બંધ થઇ જાય અને પછી ધંધા બધું રહે. એ ચારિત્ર મોહનીય રહે. તે ચારિત્ર મોહનીય ખપાવ ખપાવ કરે. પણ અત્યારે તો આ લોકો શું કરે છે ? દર્શન મોહનીય કાઢ્યા વગર ચારિત્ર મોહનીયને મારીને કાઢવા માગે છે, એ શી રીતે જાય ?

આપણે અહીં ‘અક્રમ માર્ગ’માં ચારિત્ર મોહનીયનો ‘નિકાલ’ કરીએ છીએ. અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે દર્શન મોહનીય ઉડાવી દઇએ છીએ અને ચારિત્ર મોહનીયને નિરસ કરી નાખીએ અને એનાંથી નવો રસ ઉત્પન્ન ના થાય ને નવો દર્શન મોહ રહે જ નહીં. રસ ઉત્પન્ન થાય છે તેથી તો દર્શન મોહનીય ઊભી છે; નિરસથી ચાર્જ બંધ થાય.

‘ક્રમિક’વાળાને ચારિત્ર મોહનીય નિરસ કરવી પડે. તેથી તો તપ-ત્યાગ ભારે કરવાં પડે. તેનાથી ચારિત્ર મોહનીય નિરસ થાય. ‘ક્રમિક’ વાળાને એના માટે બાહ્ય તપ કરવાં પડે. જ્યારે આપણે અહીં ‘અક્રમ’માં આંતરિક તપ હોય. તે હૃદય તપીને ૮૦ ડિગ્રી, ૮૫ ડિગ્રી, ૯૦ ડિગ્રી, ૯૫ ડિગ્રીએ પહોંચે અને તેને આપણે જાણીએ કે ૯૯ ડિગ્રીથી આગળ વધવાનું નથી. કારણ કે ઓછો દેવતા છે તે સળગવાનો? ! તે ધીમે ધીમે પાછું ઠંડું થઇ જાય. આપણને તપે ત્યારથી તે ઠંડું થઇ જાય ત્યાં સુધી બધાંને, બધી અવસ્થાને, જાણીએ. એટલે આપણને અંતરતપ હોય. તેનાથી ચારિત્ર મોહનીયનો નિકાલ થઇ જાય.

આ ‘અક્રમ માર્ગ’થી એકાવતારી થાય એટલી સત્તા હોય છે. હવે પછી એક જ અવતાર બાકી રહે. ને પંદરથી વધારે સોળમો ભવ ના હોય આ જ્ઞાન પછી ! હું તો કહું છું કે દસ બાકી રહ્યા હોય તોય શો વાંધો છે ? અને તે એવા જાહોજલાલીવાળા અવતાર હોય ! આવા કદરૂપા ના હોય. ‘આ’ સત્સંગમાં આવ્યો ને ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી મોક્ષનો સિક્કો

(પા.૫૬)

વાગ્યો તો કેવા જાહોજલાલીવાળા અવતાર થવાના ! અને આ ભવ પણ જાહોજલાલીવાળો જાય. તેવો આ ‘અક્રમ માર્ગ’ છે.

એક સંસાર માર્ગ અને એક અધ્યાત્મ માર્ગ- બે જ માર્ગ છે. સંસાર માર્ગમાં ડૉક્ટરનું વકીલને ના પુછાય ને વકીલનું ડૉક્ટરને ના પુછાય. અને અહીં તો અધ્યાત્મ માર્ગ છે એટલે અમારી પાસે બધું જ પુછાય. અહીં જે પૂછવું હોય તે પુછાય અને બધા જ ફોડ-ખુલાસા મળે તેમ છે. તમારે કહેવું કે, ‘અમે તમારી પાસે આવ્યા છીએ ને તમારી પાસે જે હોય તે અમને ના મળે તો એનો અર્થ શો ?’ એક માત્ર સંસારથી નિસ્પૃહ થઇને સાચું શોધવા જે નીકળ્યા હોય તેને અહીં ‘અમારી’ પાસેથી સર્વ કાંઇ મળે તેમ છે ! માગો, માગો તે આપું તેમ અહીં છે. પણ તમને માગતાંય નથી આવડતું. એવું માંગજો કે જે ક્યારેય પણ તમારી પાસેથી જાય નહીં. પરમેનન્ટ વસ્તુ માંગજો. ટેમ્પરરી માંગશો તો તે ક્યાં સુધી પહોંચશે ? એવું કંઇક માંગો કે જેથી તમને કાયમની શાંતિ થાય, ચિંતા-ઉપાધિથી કાયમની મુક્તિ મળે. અહીં તો મોક્ષ મળે છે. અહીં બુદ્ધિ નહીં વાપરો તો ‘આ’ પામશો. આપણો સત્સંગ દસ દસ વરસથી ચાલે છે. તેમાં વાદ હોય પણ વિવાદ ના હોય. આ એક જ સ્થળ છે કે જ્યાં બુદ્ધિ કામ નહીં કરે.

આ ‘અક્રમ માર્ગ’ છે એટલે ખુલ્લમ્ ખુલ્લું હોય, બધી વાતોનો તરત ફોડ મળે. જ્યારે ‘ક્રમિક માર્ગ’માં કેવું હોય ? આ જરી-કસબ વણે છે ને એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે છે. એવું ગૌતમ સ્વામીએ, ભગવાન મહાવીર બોલ્યા તે બધું સૂત્રોમાં પરોવ પરોવ કર્યું. પણ આ કાળના લોકો તે મણ સૂત્રમાંથી તોલો ‘સોનું’ શી રીતે કાઢી શકે ? એવું કોઇનું ગજું જ નહીં ને ! આ ‘અમે’ તો સીધું ‘સોનું’ જ આપ્યું છે. ‘અમે’ અજ્ઞાનથી ‘કેવળજ્ઞાન’ સુધીના બધા જ ફોડ આપી દીધા છે. ચાર્જ કેવી રીતે થાય છે ? ડિસ્ચાર્જ કેવી રીતે થાય છે? આ બધું, જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ? તમે કોણ ? આ બધાં કોણ ? એ બધાનો ફોડ અમે અહીં આપીએ છીએ.

‘આ’ શ્રુતજ્ઞાન કેવું કહેવાય છે ? અપૂર્વ. પૂર્વે જે નહોતું સાંભળ્યું

(પા.૫૭)

તેવું અપૂર્વ ! શું આ શ્રુતજ્ઞાન વીતરાગોનું ન હોય ? એ જ છે. વીતરાગો જે સ્ટેશને લઇ જતા હતા તે જ સ્ટેશને ‘આ’ પણ લઇ જાય છે. પણ રસ્તો નિરાળો છે ! પેલો રસ્તો ‘ક્રમિક’ અને ‘અક્રમ’. ‘આ’ તો કામ કાઢી લેવાની જગ્યા છે. ‘આ’ કોઇ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય. જ્યાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઇએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતાં આવડતું નથી. નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઇએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ. અહીં આવડત, અન્આવડતનું જોવાનું નથી. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. પંડિતોને પંડિતાઇની ખુમારી હોય, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય; એ જ તો મોટો રોગ, મહારોગ છે ! એ મહારોગી બીજાનાં રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય ? આ ડિરેક્ટ વીતરાગોની વાત છે. અહીં ઇન્ડિરેક્ટ એક પણ શબ્દ નથી ! ચોવીસેય તીર્થંકરોની વાત અહીં નીકળે છે. આ ઉપદેશ સર્વકાળને અનુસરીને નીકળે એટલે ચોવીસેય તીર્થંકરોનો ભેગો ઉપદેશ ‘આ’ છે ! સાધુ-સંન્યાસીઓને ખુમારી ચઢે એ તો રોગ ‘ક્રોનિક રોગ’ કહેવાય. આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અહીં કોઇને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. ક્યારેય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઇએ તોય એકુંય મતભેદ જ નહીં. વિભક્ત નહીં, અવિભક્ત! ‘અમે’ ઔરંગાબાદ સત્સંગાર્થે જઇએ તે એક જ મકાનમાં એંસીથી સો માણસો હોઇએ. છતાં, કોઇનો એક અવાજ પણ ના હોય, એક મતભેદ ના હોય. બધા જમે, કરે પણ કોઇને ખબર ના પડે કે ઘરમાં કેટલાં જણ છીએ ! અને ચાલે સરસ રેગ્યુલર, આવું તો જોયું જ ના હોય ને ! વર્લ્ડમાં કોઇ જગ્યાએ આવું જોવાનું સ્થાન જ ના મળે ! આવું સ્થૂળભાવે જોવા મળે તોય કલ્યાણ થઇ જાય. અને પાછું એકેય લૉ નહીં. જ્યાં લૉ છે ત્યાં ‘વીતરાગી જ્ઞાન’ ના

(પા.૫૮)

હોય. સંપૂર્ણ ‘વીતરાગી જ્ઞાન’ જ્યાં લૉ છે ત્યાં ના હોય, છતાં અહીં સંપૂર્ણ વિનયથી ચાલ્યા કરે. અને જેને પૈસા ખર્ચવા હોય તે ખર્ચે છતાં કોઇને એમ ના લાગે કે આ મોટું છે ને આ નાનું છે. બધાંને સમાનતા રહે. આ તો અજાયબ માર્ગ છે, આશ્ચર્ય માર્ગ છે, એટલે કામ કાઢી લેવાનું છે. અહીં દસ વર્ષથી અમારી વાણીનું લખાણ થાય છે. છતાં નહીં ઓફિસ કે નહીં સેક્રેટરી કે નહીં કાયદો. ગમે ત્યાં બોલાયું હોય પણ લખાઇ જાય અને પાછું બધું ઠેકાણે રહે ! ને ઓફિસવાળાનાં તો કાગળો રઝળતા હોય !

‘ક્રમિક માર્ગ’નાં જ્ઞાનીઓનો નિયમ એવો હોય કે ૮૦ ટકા સુધી જ્ઞાની પહોંચેલા હોય તો તે ૭૮ ટકાના જ્ઞાની પાસે પગે લાગવા ના જાય, ૮૨ ટકાવાળા પાસે જ જાય. જ્યારે ‘અક્રમ માર્ગ’ના જ્ઞાનીનું કેવું છે ? ‘અમે’ સો ટકાવાળા છીએ છતાં પાંચ ટકાવાળા પાસે જઇને અમે પગે લાગીએ. જેનો કેફ ઊતરી ગયો છે એને શો વાંધોં આવે ? અમને તો આત્માની જ દ્રષ્ટિ હોય. અમે ઓછા ટકાવાળાને શા સારુ પગે લાગીએ ? એને ડાહ્યો બનાવવા કે ‘મહારાજ, આ તમારું સાચું નથી.’ અમારે તો કેફ ચઢે નહીં પણ એને કેફ વધે એટલે અમે કારણ સિવાય જઇએ નહીં, નહીં તો એનો રોગ વધે.

ઋષભદેવ ભગવાનના વખતથી અત્યાર સુધી ‘ક્રમિક માર્ગ’નાં જ્ઞાની હોય તેને બે કે ત્રણ શિષ્યો હોય. એ ત્રણ શિષ્યોને સાચવે ને પોતે તપ-ત્યાગ કરે ને તે શિષ્યો પાસેય કરાવે. આ ત્રણથી વધારે નહીં એવું ઇતિહાસ કહે છે. જ્યારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે દસ લાખ વર્ષેય આવો માર્ગ નીકળે છે ને! પ્રત્યક્ષ વગર કાંઇ વળે નહીં. ‘વીતરાગ વિજ્ઞાન’ પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી ! અને આ તો ‘અક્રમ વિજ્ઞાન’ તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ!

આવું જ્ઞાન આ સાડાત્રણ અબજની વસતિમાં કોને ના જોઇએ ? બધાંને જોઇએ. પણ આ જ્ઞાન બધાંને માટે ના હોય. એ તો મહા-પુણ્યશાળીઓ માટે છે. આ ‘અક્રમ જ્ઞાન’ ઊભું થયું એમાં લોકોની કંઇ પુણ્યૈ હશે ને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા ભટકતા

(પા.૫૯)

ભક્તો માટે અને જેમની પુણ્યૈ હશે ને તેમને માટે ‘આ’ માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઇએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું. આ ‘દાદા’ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત- કલ્યાણ થઇ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઇને ‘દાદા’નાં દર્શન કર્યા તો એ દર્શન ‘ઠેઠ’ને પહોંચે છે. ‘દાદા’એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ ‘અક્રમ જ્ઞાન’ તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે ‘અક્રમ’ મોક્ષ નથી. બીજા બધાને તો એના ‘ક્રમિક માર્ગ’નો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે! અહીં તો ‘સહજાસહેજ’ જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે તેને અમે જ્ઞાન આપી દઇએ, ‘દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઇ ગયું!

અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે. કોઇને પાંચ ટકા તો કોઇને ૨૫ ટકા હોય પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે. પણ જોડે પુણ્યૈ કેવી સરસ લાવ્યા છે ! ‘દાદા’ની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનું !! કોટી જન્મોની પુણ્યૈ ભેગી થાય, ત્યારે તો ‘દાદા’ ભેગા થાય ! ને એ પછી ગમે તેવું ડીપ્રેશન હશે એ જતું રહેશે. ડીપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે. ડીપ્રેશનવાળાઓ માટે બધી રીતે ફસાયેલા માટે ‘આ’ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા.

‘આ’ આપણો ‘અક્રમ માર્ગ’ પાંચસો વર્ષ પછી ગવાશે. આ કવિ નવનીતનાં પદોની પછીથી ગજબની કિંમત થશે ! અત્યારે તો લોક ચકડોળે ચઢ્યું છે ને ! લોકો પછી એને ખોળ ખોળ કરશે ! ચકડોળે ચઢેલાને કેવું દેખાય ? એવાને આપણે ‘અક્રમ માર્ગ’ દેખાડીએ તો કહેશે, ‘આ તો બધું હું જાણું છું’ એને પૂછીએ કે, ‘ભાઇ તને ચિંતા-બિંતા થાય છે ?’ તો એ કહેશે કે, ‘ચિંતા તો બધાંને થાય ને!’ જો ચિંતા થાય છે તો પછી તેં જાણ્યું શું ? જાણ્યાનું નામ પ્રકાશ. અજવાળામાં તે વળી ઠોકર વાગે? આ તો ડગલે ને પગલે ઠોકર વાગે છે ને કહે છે કે હું જાણું છું,

(પા.૬૦)

તે તારો ક્યારે ઉકેલ આવે ? અને તેય ‘જ્ઞાની પુરુષ’ની આગળ ‘હું જાણું છું’-નો કેફ લઇ આવે તો હું કહું કે, ભઇ, તારો ઘડો ભરેલો છે. તેમાં મારું અમૃત નાખવાની શી જરૂર છે ? નાખીશ તોય એમાંથી છલકાઇને નીચે પડી જશે. જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું અને તો એ તને કામ લાગે.

પ્રશ્નકર્તા : દાદા, તમારા પછી આ ‘અક્રમ માર્ગ’ ચાલુ રહેશે?

દાદાશ્રી : ‘અક્રમ માર્ગ’ તો અમારા પછી એકાદ-બે પેઢી ટકશે. પછી તો એનું એ જ. પણ અમારા નિમિત્તે ‘ક્રમિક માર્ગ’ ઊંચા સ્ટેજ ઉપર હશે. નવાં જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે.

આ તો ‘અક્રમ માર્ગ’ છે. એટલે જ્ઞાની ફક્ત એક કલાકમાં જગતનિષ્ઠા ઉઠાવી લઇ બ્રહ્મમાં બેસાડી દે. એથી તો કવિએ લખ્યું છે ને,

‘‘ દસ લાખ વર્ષમાં આવાં જ્ઞાન નથી થયાં,

નિશ્ચય તે વિસ્મય આવાં જ્ઞાન અકથ્યાં. ’’

આવું ક્યારેય બન્યું નથી ! તેથી જ સ્તો અજાયબી છે ને ! અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઇ તો તો તેનું કામ જ થઇ ગયું ને ! ‘આ’ તો પુણ્યશાળીઓ માટે છે. હજી તો કંઇક સાસુનાં ચાબખા ખાશે, ધણીનાં ચાબખા ખાશે તોય ઠેકાણું નહીં પડે ! મોક્ષ એવો સહેલો નથી! એ તો તમને અહીં ‘જ્ઞાની પુરુષ’ મળ્યા એટલે ખીચડીથીય સહેલો થઇ પડ્યો છે. મોક્ષદાતા ‘જ્ઞાની પુરુષ’નાં નિમિત્તને તો શાસ્ત્રકારોએ જ વખાણ્યું છે.

‘અમે’ જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ ‘અક્રમ માર્ગ’ છે ! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે ૩૫ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ ‘અક્રમ જ્ઞાન’નો

(પા.૬૧)

સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં ‘સત્ સંજોગ’ છે. એ તો જ્ઞાન મળ્યા પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય !

મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો ‘અક્રમ માર્ગ’ તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫૦૦ વર્ષ પૂરાં થશે એટલે સાધનોય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, ‘ભસ્મક ગ્રહની’ અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્યું, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે. ને છેક અંતિમ ભ્રષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરું થશે ત્યારે એનુંય ફળ મળશે! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ ‘અક્રમ’ આવ્યું છે! નહીં તો ‘અક્રમ’ તે હોતો હશે ?

કો’ક વખત દસ લાખ વર્ષે એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભો- ભડકાટ ?

જેને ‘આકુળતા-વ્યાકુળતા’ મટી એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો ‘ક્રમિક માર્ગ’ના ‘જ્ઞાની’ને આકુળતા-વ્યાકુળતા રહે. ‘ક્રમિક માર્ગ’ જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે ! આ તો ‘અક્રમ માર્ગ’ તે અહીં જ જ્યાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે !

હવે તો નવા અનુભવ થશે ! જે હીલ ઉપર ચઢ્યા છો, એનો એક ખૂણોય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. ‘આ’ તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે.

‘સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાન વર્ષા ને અસહ્ય ઉનાળે.’ - નવનીત.

(પા.૬૨)

આખું બ્રહ્માંડ જે ‘જ્ઞાન’ના વરસાદની ઇચ્છા કરે છે તે ‘જ્ઞાન’નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં ‘જ્ઞાનવર્ષા’ થઇ. જ્યાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય.

વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન : એક ‘ક્રમિક’ અને બીજું ‘અક્રમિક’ કે જે આજે અહીં ‘અમારી’ પાસે પ્રગટ થયું છે !!!

(પા.૬૩)

પ્રકૃતિ

એક આત્મામાં અનંત શક્તિ છે ! અનંત આત્મા છે અને અનંત પ્રકૃતિ છે !

દરેકમાં અંદર બે વસ્તુ છે; વસ્તુ ‘પુરુષ’ છે અને અવસ્તુ ‘પ્રકૃતિ’ છે. પ્રકૃતિમાં રહે છે માટે ‘તે’ અબળા છે અને જો પોતે પુરુષ થાય તો ‘પોતે’ જ ‘પરમાત્મા’ છે. પૂર્ણ ‘પુરુષ’ને ઓળખતો નથી તેથી ક્રોધ, માન, માયા, લોભ એ બધી નિર્બળતા ફરી વળે છે !

આપણે બધાં આત્માએ કરીને એક સ્વભાવનાં છીએ, પણ પ્રકૃતિએ કરીને જુદાં જુદાં છીએ. ખારી, તીખી, ખાટી, મોળી પ્રકૃતિ, એ બધા પ્રાકૃતિક દોષો છે. આ પ્રકૃતિ ત્યાગ કરાવે ત્યારે ત્યાગ થાય અને આ પ્રકૃતિ ગ્રહણ કરાવે ત્યારે ગ્રહણ થાય. આ તો પ્રકૃતિનો નચાવ્યો નાચે, પણ ત્યારે કહે, ‘હું નાચ્યો.’ આનું જ નામ ભ્રાંતિને? આ અજાયબી છે ને ! ઉદય કર્મના આધારે થયું તો એમ કહે છે કે, ‘મેં કર્યું, આ મેં કર્યું, કહે છે. એનું જ નામ ભ્રાંતિ. ‘પોતે’ પુરુષ ના થયો ત્યાં સુધી ભમરડો કહેવાય. ‘પોતાનું’ ભાન થયું નથી ત્યાં સુધી ‘મેં કર્યું!’ એમ શી રીતે કહેવાય ? કરનારો કોણ ? તું કોણ ? એ તો જાણતો નથી. પછી શી રીતે કહેવાય કે ‘મેં કર્યું ?’ આ તો પ્રકૃતિ રડાવે ત્યારે કહે, ‘હું રડું છું.’ પ્રકૃતિ હસાવે ત્યારે કહે, ‘હું હસું છું !’ પ્રકૃતિ ગુસ્સો કરાવે ત્યારે ગુસ્સો કરે. આ તો પ્રકૃતિ પરાણે કરાવે છે ત્યારે ‘હું કરું છું ’એમ કેમ કહેવાય ? છતાં એમ જ લોકો કહે છે. એય આશ્ચર્ય છે ને?

પ્રાકૃત અવસ્થા એ ટેમ્પરરી છે. આ પંચેન્દ્રિયોથી દેખાય છે. એ અવસ્થાઓ પ્રાકૃત છે. આ જગતમાં તત્ત્વો છે, એ બધાં તત્વો પોતાના ગુણધર્મ સાથે છે અને અવસ્થા સાથે પણ છે. તત્વો એ પરમેનન્ટ છે.

(પા.૬૪)

માત્ર પ્રાકૃત અવસ્થા ટેમ્પરરી છે.

પ્રકૃતિ પ્રસવધર્મી સ્વભાવી છે, તેથી અનંતગણું ઊભું થાય છે !

પ્રશ્નકર્તા : પ્રકૃતિ પ્રસવધર્મી છે એટલે શું ?

દાદાશ્રી : હું સમજ પાડું તમને. આ અહીં આજુબાજુ કાચ જડ્યા હોય તો દોઢસો માણસ દેખાય. તે શું કોઇ દોઢસો માણસ બનાવવા ગયું હતું ? આ તો એકમાંથી અનંત ઊભા થઇ જાય તેવું છે ! એનાં પછી માર ખાય છે. આ તો બધું સ્પંદન સ્વરૂપ છે. એક સ્પંદન ઉછાળે તો પછી નવાં સ્પંદન ઊભાં થાય. પણ જો તું સ્પંદન બંધ કરે તો તારી પર પછી કેટલાં સ્પંદનો આવે ? એ તો પછી બંધ થઇ જાય !

પ્રકૃતિના ગુણો એ ‘પર’ ગુણો છે, આત્માના નથી. જગત ‘પર’ના ગુણોને ‘સ્વ’ ગુણો કહે છે. લોક કહે, ‘ભાઇ, બહુ સારા છે.’ પણ તાવ ચઢે ને સનેપાત થાય ત્યારે બધાય કહેશે કે, ‘નથી સારા ભાઇ.’ અલ્યા, પ્રાકૃત ગુણો તો કલાકમાં લુપ્ત થઇ જશે. ભગવાને શું કહેલું કે ‘ગમ્મે તેવા સંસારમાં ઊંચા ગુણો પ્રાપ્ત કર્યા હશે, ક્ષમા રાખતો હોય, ગુસ્સો કરતો હોય છતાં એ બધા પ્રકૃતિ ગુણો છે. એ ક્યારે ફ્રેકચર થઇ જશે એ ખબર નહીં પડે.’ પ્રકૃતિ પોતે કફ, પિત્ત, વાયુની બનેલી છે. એ ત્રણેય બગડે તો સનેપાત થઇ જશે ને શું બોલીશ. એય ભાન નહીં રહે. એથી ભગવાને કહ્યું કે, ‘‘તમે તમારા ‘પોતાના’ ગુણધર્મમાં રહેજો.’’ આ તો કઢી જરા વધારે ખાધી હોય તો પિત્ત વધી જાય. તે પરાયા ગુણો ક્યારે ફ્રેકચર થઇ જાય એ કહેવાય નહીં. જ્યારે ‘પોતાના’ ગુણો તો ક્યારેય બદલાય નહીં.

આ પ્રકૃતિનું સાયન્સ ગજબનું છે ! એ સમજવા જેવું છે. એક વૈદ્ય એક દર્દીને કહેતો હતો કે, ‘કેળાં ના ખાશો, ઠંડા પડે.’ તે બીજો કોઇ વચ્ચે સાંભળનારો ઘેર જઇને કહેશે કે, ‘ કેળાં ના ખાશો, ઠંડા પડશે.’ આ ભાન વગરના લોકો, ક્યાંનું ક્યાં બેસાડી દે ! પેલા દર્દીને કેળાં ના ખાય એ બહુ લાભદાયી હોય અને બીજાને તે અનુકૂળ હોય. પણ પેલો બીજાને અવળું ભરમાવી દે. આ ક્યાંથી લઇ આવ્યો જ્ઞાન ? તો કહે કે, ‘પેલા

(પા.૬૫)

વૈદ્ય કહેતા હતા.’ અલ્યા એ તો પેલાની પ્રકૃતિને માફક નહોતું આવતું, પણ તું શું કામ પકડી બેઠો ? તારી પ્રકૃતિને તો અનુકૂળ હતું.

દરેકમાં પ્લસ-માઇનસ હોય છે, તે કોઇની પ્રકૃતિને માફક હોય અને બીજાને ના માફક હોય; પણ એ જ્ઞાન બીજાને ના કહેવાનું હોય.

તમે ચા પીઓ છો ?

પ્રશ્નકર્તા : નથી પીતો.

દાદાશ્રી : ચા કેમ નથી પીતા ?

પ્રશ્નકર્તા : મને ભાવતી નથી. મને કોફી ભાવે છે તેથી હું કોફી પીઉં છું.

દાદાશ્રી : ચા કેમ તને ભાવતી નથી એનું કારણ છે. આ ચા તને આપે તોય તારી પ્રકૃતિને એ માફક આવતી નથી. તેથી પ્રકૃતિ સામી ચા આવે તોય ચા પસંદ ના કરે અને તારી પ્રકૃતિને કોફી માફક આવે છે એથી કોફી પીવાય છે. આ પ્રકૃતિને માફક આવે ત્યારે કહે, ‘મને ભાવે છે’ અને ના માફક આવે ત્યારે કહે, ‘મને ભાવતી નથી.’ આપણે પૂછીએ આ બધું તો તે જાણ્યું પણ એ તો રીલેટિવમાં જાણ્યું. પણ વાસ્તવિક શું છે ? તો કહેશે કે, ‘એ તો મેં જાણ્યું નથી’ એ વાસ્તવિક શું છે ? ‘એ જ આત્મા છે’. રીલેટિવ વ્યુ પોઇન્ટ તો બધા જાણે, પણ રીયલ વ્યુ પોઇન્ટ તો જાણવો પડશે ને ? બે વ્યુ પોઇન્ટસને જાણે એ પ્રજ્ઞાભાગમાં કહેવાય. અને એક વ્યુ પોઇન્ટ જાણે એને બુદ્ધિ કહેવાય.

આ કોઇ બૈરી-છોકરાં છોડીને નાસી જાય છે, એ કંઇ ‘પોતે’ છોડીને નાસતો નથી, પણ પ્રકૃતિ એને પરાણે છોડાવે છે. પ્રકૃતિ ત્યાગ કરાવે છે, પ્રકૃતિ તપ કરાવે છે, ત્યારે પોતે ‘અહંકાર’ કરે છે કે,‘મેં ત્યાગ કર્યો’, ‘મેં તપ કર્યું’, ‘મેં સામાયિક કર્યું’, જ્યાં સુધી ‘પોતે’ ‘પુરુષ’ નથી થયો ત્યાં સુધી આ પ્રકૃતિ જ ચલાવે છે. આ શાસ્ત્રો વાંચે, ધ્યાન કરે, સામાયિક કરે એ બધું જ પ્રાકૃતજ્ઞાન છે, ‘આત્મજ્ઞાન’ ન હોય. જગતમાં બધે જ પ્રાકૃતજ્ઞાન છે. આ મોટા મોટા સાધુ, સંન્યાસી, આચાર્યો-બાચાર્યો બધાં જ પ્રાકૃતજ્ઞાનમાં છે. એમની પાસે આત્મજ્ઞાનની વાત ન હોય, એ

(પા.૬૬)

જે કંઇ જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, આત્મજ્ઞાન નથી જાણતા. જો તારે આત્મા જોઇતો હોય તો ‘જ્ઞાની પુરુષ’ની પાસે જા. જ્ઞાન તો ‘જ્ઞાની પુરુષ’ની પાસે હોય, બીજે ક્યાંય ના હોય.

આ લોકો તો પ્રકૃતિના ગુણોને છોડાવે છે. અલ્યા, આ ક્યારે પાર આવે ? આપણે તો કહીએ છીએ કે, સુટેવો અને કુટેવોથી શુદ્ધ ચેતન સર્વથા મુક્ત જ છે ! આપણે આ દુકાનમાંથી ઊતરી ગયા અને કહ્યું કે, ‘આ દુકાન મારી ન હોય !’ આ તો દુકાનમાંથી એક એક ચીજ ખાલી કરીએ તો ક્યારે પાર આવે ? એના કરતાં તો ‘ન હોય મારી દુકાન’ કરીને નીકળી ગયા એટલે પત્યું !

સહજ પ્રકૃતિ - સહજ આત્મસ્વરૂપ

આ કાળમાં પ્રકૃતિ સહજ થાય એમ નથી. તેથી ‘અમે’ આત્મા સહજ આપી દઇએ છીએ અને જોડે જોડે પ્રકૃતિની સહજતાનું જ્ઞાન આપી દઇએ છીએ. પછી પ્રકૃતિ સહજ કરવાની બાકી રહે. આત્મા સહજ સ્વભાવમાં આવે એટલે પ્રકૃતિ સહજ સ્વભાવમાં આવે એવું આ કાળમાં છે.

આ ગુલાબના ફૂલને નિકાલ કરવાનો હોય ? ના, એ તો સહજ સ્વભાવમાં જ હોય. આ અક્કરમીઓ પોતે જ અસહજ થાય છે. બધી જ વસ્તુ સહજ સ્વભાવની છે, આત્મા યે સહજ સ્વભાવનો છે. મનુષ્ય એકલાંની જ પ્રકૃતિ વિકૃત છે. તેથી આત્માનોય એવો વિકૃત ફોટો પડે છે. એટલે પોતે વિકૃત થાય ત્યારે પ્રકૃતિ યે વિકૃત થઇ જાય. માટે પોતે સહજ થવાની જરૂર છે. પણ અસહજ થઇ જાય છે ! પ્રકૃતિ સૂઇ જવા કહે ત્યારે ચોટલી બાંધીને જાગે. અલ્યા, સહજ થઇ જા ને ! ‘સહજ’ એટલે પ્રકૃતિ પ્રેરણા આપે તેમ ચાલે. પ્રકૃતિ વિષયી નથી, વિષયી હોત તો આ જનાવરમાં ય તે દેખાત. વિષયી એ પોતાનો વિકૃત સ્વભાવ છે. પ્રકૃતિ તો સહજ સ્વભાવમાં છે. એને ખાવા-પીવા દાળભાત જોઇએ. એ કંઇ ઢોકળાં નથી માંગતી. ષટ્(છ) રસ માગે છે. તે સહજ રીતે મળી જાય તેમ છે, ત્યારે આ બટાટાવડાં માગે ! સહજમાં કોઇ દોષ નથી, વિકૃતમાં દોષ છે. ‘જ્ઞાની પુરુષ’ પોતે પોતાના સ્વભાવમાં રહે અને પ્રકૃતિને પ્રકૃતિમાં રાખે.

(પા.૬૭)

ઘર - પ્રકૃતિઓનો બગીચો

આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઇએ. પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિ ગુણોને જ જોવાના. એથી શું થાય કે ‘પેલા’ દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે.

અમારે આટલાં બધાં હજાર મહાત્માઓ છે છતાં કેમ બધાં સાથે ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ; અમે તો એનાં ફૂલોને જ જોઇએ !

ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે, ‘તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી’, તો ગુલાબ એને કહેત કે ‘તું તો ઠૈડા જેવો દેખાય છે’ ને ઝઘડો થઇ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઇ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઇ જાય છે.

મનુષ્યની પ્રકૃતિ જાતજાતની હોય છે. પહેલાં સત્યુગમાં બધાં ઘરનાં ગુલાબ જેવાં હોય. અત્યારે તો એક મોગરો, એક ચંપો, એક ગુલાબ એવું જુદું જુદું આ કળિયુગમાં ભેગું થાય ! બધી જુદી જુદી પ્રકૃતિ ભેળી થાય. આ નાનાં, મોટાં બધાં ભેગાં થઇ જાય તેમ. તેમાં આ બાપને થાય કે મારા જેવાં બધાં ગુલાબ થાય. પણ જો ચંપો થાય તો બાપ કહેશે કે ના ચાલે, બધાં ગુલાબ જ જોઇએ. અલ્યા, આ પ્રકૃતિનો બગીચો તો જો ! બધાં જ ગુલાબ થાય તો તો બગીચો શી રીતે કહેવાય? એ તો ગુલાબનું ખેતર કહેવાય ! તારે બગીચો ખીલવવો છે કે ખેતર?

કળિયુગમાં બાપ ઝીણો હોય, મા ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા-બાપ છોકરાને લાફો કહે. અલ્યા, જરા ધીરજ તો રાખ. આ લાફાપણાની પ્રકૃતિને ફૂલાં આવશે. આ ‘દાદા’ની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિભેદ ના પડે ને વઢવાડો ના થાય. દરેક પ્રકૃતિને ફૂલ આવશે. માટે રાહ જુઓ. આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યાં હોય ને ચંપાને

(પા.૬૮)

ના આવ્યાં હોય તો ચંપાનો દાંડો કાપી નાખે. પણ ધીરજ રાખે તો ફૂલ સૂંઘવા મળે. દરેકની પ્રકૃતિને ફૂલો આવશે. આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે, માટે ઉખેડી નાખો. ના અલ્યા, આ કાંટા છે માટે એની સામે બીજા કોઇ સારા ગુણ હશે, એવો કુદરતમાં નિયમ છે. તેથી રાહ જુઓ. ધીરજથી જુઓ. તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે.

એક બાપ એના છોકરાને મારતો હતો. અલ્યા, ના મરાય. જો ઠપકો આપીએ અને જો એ સાંભળે એવો હોય તો ઠપકો અપાય. નહીં તો કળિયુગમાં ઠપકો આપીએ તો છોકરાં અવળે રસ્તે ચઢી જાય. એને તો વાળવાના પ્રયત્ન કરાય.

આપણામાં ભલીવાર હશે તો ‘હાથીઆ થોરમાંય પ્રગટે સુવાસ.’ આ પ્રકૃતિ એક બાજુ રાશી હોય તો બીજી બાજુ ઊંચી હોય એવું છે.

આ તો એવું છે ને કે બેન્ડમાં એકલો રામ ઢોલ જ હોય તો એને બેન્ડ કેમ કહેવાય ? એમાં તો એક રામઢોલ, એક પીપૂડીવાળો, એક વાજાવાળો એમ બધા જુદા જુદા વગાડનારા જોઇએ. તો જ તે બેન્ડ ખીલે. ક્યારે કઇ પ્રકૃતિને કેવાં ફૂલ આવે એ કહેવાય નહીં. માટે ધીરજ ધરવી પડે.

બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય. આ સત્યુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરનાં બધાં જ તીખાં હોય. અત્યારે કળિયુગમાં એક તીખો, બીજો ખાટો, તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય. આ ધણી વહેલો ઊઠે અને બૈરી મોડી ઊઠે, તે પછી સવારના પહોરમાં કકળાટ ઊભો થાય. ને આવી રીતે સંસાર ખારો કરી મૂકે. પણ જો પ્રકૃતિને એડજસ્ટ થતાં આવડી જાય તો કામ થઇ જાય.

‘ભજિયાં સારાં છે’, એવું તો બોલાય પણ નાટકી ભાષામાં, તેય સામાને સારું લાગે એટલા માટે કહીએ. કઢી ખારી થઇ હોય પણ એમ કહીએ કે, ‘ખારી થઇ છે’, તો સામાના અહમ્ને ડંખ પહોંચે. જો કહેતાં

(પા.૬૯)

આવડે તો કહેવું, નહીં તો બીજો રસ્તો કાઢવાનો. ધીમે રહીને પાણી નાખીને કઢી પી લઇએ. આ તો ‘જ્ઞાન’ છે, માટે જગત જે આપે તે બધું ઘોળીને પી લઇએ. એવું છે, મહીં તો ગજબની શક્તિ પડેલી છે ! કઢી ખારી હોય તો પ્રકૃતિ તો ખારી કઢી પણ પી જશે. ‘આપણે’ તો ‘જાણનાર’ છીએ. પ્રકૃતિની બહાર કોઇ માણસ ચાલતો નથી. ‘અમારે’ ‘જ્ઞાન’ થતાં પહેલાં પણ બધાં જ એડજસ્ટમેન્ટનું જ્ઞાન હાજર રહેતું કે અહીં શું કરવા યોગ્ય છે. એ બધું ઓન ધી મોમેન્ટ હાજર રહે.

જગત છે માટે બધું જ હોય. કાંકરા ના ફાવતા હોય તો શું ઘઉં નહીં લાવવાના ? ના, એ તો ઘઉં લાવવાના અને કાંકરા વિણવાના! જ્યાં આગળ પ્રકૃતિ અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્ટ થાય. એટલે પ્રકૃતિ જ્યાં જ્યાં અંતરાય ત્યાં ત્યાં ટૉર્ચ લાઇટ મૂકવી પડે, ને જોઇ લેવાનું! ‘પોતાની’ ભૂલો તો સેન્ટ પરસેન્ટ દેખાવી જોઇએ. મહાવીર ભગવાન પણ માત્ર પોતાની જ પ્રકૃતિને ‘જો, જો’ કરતા હતા કે પ્રકૃતિ શું શું કરે છે ને શું શું નથી કરતી.

જે વ્યવહાર એક ફેર આપણે ના કરવો હોય છતાં કરવો પડે, તો જાણીએ કે આપણી ઇચ્છા નથી છતાંય થાય છે. માટે પ્રકૃતિ આપણી પર સવાર થઇને બેઠી છે. આ તો સવાર થવા દેવાની ના હોય, તેથી આપણે પ્રકૃતિને ઘોડો બનાવીએ અને ‘આપણે’ એની ઉપર સવાર થઇએ. પ્રકૃતિ-ઘોડો ના ચાલેને તો હંટર મારીએ; કહીએ, ચાલ. એટલે પછી એ ચાલે. આ તો અનંત અવતારની કુટેવ પડેલી, અટકણ પડેલી. તેથી પ્રકૃતિ સવાર થઇ બેસે છે. પણ આત્મા તેવો નથી. આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન, તમે ઉપર બેસો. પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચઢાવે છે.

રૂપિયા બે હજારનો વિક્ટોરિયા ગાડીનો ઘોડો હોય પણ કબરનું લીલું કપડું જુએ ને અટકી જાય એ અટકણ છે. એવા લોકો અટકણવાળા થઇ ગયા છે. અટકણ તો કાઢવી પડે ને ?

પ્રકૃતિને સવાર ના થવા દેવી. પ્રકૃતિને સવાર થવા દેવી એ કાંઇ રીત છે ? એના કરતાં તો નિરાંતે તમે એની ઉપર સવાર થાવ ને !

(પા.૭૦)

અમને કોઇ કહે કે ચાલો છેલ્લે સ્ટેશને, તો અમે તૈયાર ને કહે કે ચાલો લગનમાં, તોય અમે તૈયાર. આપણી પ્રકૃતિ તૈયાર રહેવી જોઇએ. આ તો કલાક સુધી નક્કી કરે કે નથી કરવું આ કામ. પણ પછી કરવું પડે તો તેનાં કરતાં સરળ થઇ જા ને. આ ‘વ્યવસ્થિત’ છોડે તેમ નથી. માટે સરળ થઇ જા.

કવિએ શું કહ્યું છે :

‘‘ અટકણથી લટકણ, લટકણથી ભટકણ,

ભટકણની છટકણ પર છાંટો ચરણ-રજ કણ.’’

‘આ’ અટકણ છે, એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય. પ્રકૃતિ તો અજાયબી છે ! પણ ભાન ના રહ્યું કે, કેવી રીતે કામ કાઢવું. પોતે પ્રકૃતિ સ્વરૂપ થઇ ગયો ! તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે. એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમોને !

પ્રકૃતિ નિયમવાળી છે. મનનો સ્વભાવ અનિયમવાળો છે. કોઇનું પાકીટ કાપીને ૩૦ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા ‘પતિયા’ને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે, આવું છે ! મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે. મનનો સ્વભાવ વિરોધા- ભાસવાળો છે. પ્રકૃતિ નિયમવાળી છે. પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે. માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઇએ.

પ્રકૃતિમાં જે લોકનિંદ્ય કાર્ય નથી એનો વાંધો નથી. આ ચા-પાણી, નાસ્તો કરીએ એ લોકનિંદ્ય નથી. જે લોકનિંદ્ય પ્રકૃતિ હોય તેનો વાંધો છે. તેવી પ્રકૃતિને જો જો કરવાથી મોળી થતી જાય. જેમ જેમ જુએ તેમ તેમ એ ઓગળતી જાય. કોઇ માણસ હોય તે તલવાર લઇને વઢવા આવ્યો હોય તેને જો આંખોથી જોવાથી નરમ થતો હોય તો ફરીવાર જોવાથી તે ફરી ના આવે. આ તો એ બળવાન હોય અને આપણું જોર નરમ પડે તો એ ચઢી બેસે. પણ અહીં, આપણી પાસે તો ‘દિવ્યચક્ષુ’ છે. ચર્મચક્ષુથી સામેનાનું જોર નરમ પડે છે ત્યારે આ તો દિવ્યચક્ષુ છે, તે માત્ર દ્રષ્ટિથી જ પ્રકૃતિ ઓગળવા માંડે છે.

(પા.૭૧)

મોક્ષે જવા કોઇ મનાઇ હુકમ નથી, માત્ર ‘પોતાને’ ‘પોતાનું’ ભાન થવું જોઇએ. કોઇ ત્યાગી પ્રકૃતિ હોય, કોઇ તપની પ્રકૃતિ હોય, કોઇ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય !

ભગવાન તો આત્મા પ્રાપ્ત થયા પછી પ્રકૃતિ જ જોયા કરતા હતા. પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે ?! બીજું કશું ભગવાન જોતા નહોતા. ભગવાન તો એકલું પોતાનું પુદ્ગલ જ જોતા હતા.

પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ-ગલન સ્વભાવનો છે.

પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ

પ્રકૃતિ જ્યારે ભગવાન જેવી દેખાશે ત્યારે મોક્ષે જશો. ગજવું કાપનારની પ્રકૃતિ ભગવાન જેવી લાગશે. ત્યારે મોક્ષે જવાશે. આ ગજવું કાપે છે એ તો એની પ્રકૃતિ છે. એ પ્રકૃતિ એ ભગવાન જ છે, પણ રીલેટિવ ભગવાન છે. જ્યારે આત્મા રીયલ ભગવાન છે. પ્રકૃતિ એ ભગવાન છે પણ એ વ્યુ પોઇન્ટ જાણતો નથી. કારણ કે, બુદ્ધિ છે ને ! તેથી બુદ્ધિ બતાવે કે ગજવું કાપી ગયો, પૈસા લઇ ગયો. પણ બીજા વ્યુ પોઇન્ટને, રીયલને જાણતો નથી. નહીં તો ગજવા કાપનારો તે પોતે જ ભગવાન છે, પોતે જ પરમાત્મા છે. પણ એ સમજણ જ નહીં ને ! ભગવાને ગજવાં કાપનારને, દાનેશ્વરીને, સતીને, વેશ્યાને, ગધેડાંને, બધાંને ભગવાન સ્વરૂપે જોયા, બધાંને સરખા જોયા.

લોકોને હું-તું દેખાય અને ‘વીતરાગ’ને બધે શુદ્ધ ચેતન અને પ્રકૃતિ સ્વભાવ દેખાય. આ કેરીના કરંડિયામાં કેરી ચાખે તો એનો ‘આ ખાટી છે’ એમ પ્રકૃતિ સ્વભાવ દેખાય. ‘વીતરાગ’ને પ્રકૃતિ બધાંની ઓળખાય, પણ ભેદભાવ ના હોય તેથી એમને ‘ખાટી છે’, ‘મીઠી છે’ એવી ભાંજગડ ના હોય, અને બધા જોડે ‘પોતે’ ‘વીતરાગ’ રહે. એમને તો જો દાન આપે છે, તો એ પ્રકૃતિ છે અને ગજવું કાપે છે, તો એય પ્રકૃતિ છે. એમને

(પા.૭૨)

‘આ બરાબર છે અને આ બરાબર નથી’ એવું ના હોય. એવું કહ્યું તો રાગ-દ્વેષ થઇ જાય. ને આમાં એક સ્પંદન થયું એટલે બધું હાલ્યું. બાકી આમાં બીજો કોઇ કર્તા છે જ નહીં.

વીતરાગો કેવા હતા ? છેલ્લું તેમણે શું જોયેલું ? પોતાની જ પ્રકૃતિ જોયેલી. પોતાની જ પ્રકૃતિ જો જો કરતા હતા. પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી? તે જોયા કરતા. બધે જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા. બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઇ ગયો છે. વીતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જો જો કરેલી, અને જે જોયા વગર છૂટકો જ નથી. કેવળ જ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે, પોતાની જ પ્રકૃતિને જો જો કરે.

કોઇનો એક પણ ગુણ ના ભૂલશો. સો અવગુણ ભૂલી જવા પણ કોઇનો એક પણ ગુણ ના ભૂલશો. વીતરાગો કોઇનોય ગુણ નહીં ભૂલેલા. જેનો ગુણ ભૂલ્યા તો એ આપણને ઠેઠ ના જવા દે. પણ આપણું જ્ઞાન અનુપમ છે ! તે બધું થઇ શકે એમ છે.

પરમાણુએ પરમાણુ પ્રકૃતિના જે ઓળખી ગયો તે છૂટ્યો. ભક્તો તો ધીમે ધીમે મોક્ષ માર્ગે આગળ વધે. પણ કિંચિત્ માત્ર સાંસારિક ઇચ્છા ના કરે તો જ્ઞાની ભેગા થઇ જ જાય. ‘જ્ઞાન’ અને ‘પ્રકૃતિ’ બે જુદા જ છે. પણ પ્રકૃતિ જ્યાં અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્શન થઇ જશે, માટે ટોર્ચ નાખી જોઇ લેવું.

પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિ ને છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાન રૂપે થઇ જાય ને પરમાનંદ વર્તાય !

પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો. પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો એટલે ગજબની શક્તિ પેદા થાય ! આ લોક કહે છે એ બધું

(પા.૭૩)

તો પ્રકૃતિ જ છે. આ પ્રકૃતિ તો મૂળ આપણી ભૂલથી જ ઊભી થયેલી છે, તે હવે કેવી નચાવે છે ! જ્યાં સંયોગો ટકવાના નહીં ત્યાં કાયમના સંયોગો માની બેઠા !

પ્રકૃતિની વિભાવિકતા

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વિભાવિક થઇ જાય છે તે, જ્યારે ગાંઠો વધારે ફૂટે તેથી શું એમ બને છે ?

દાદાશ્રી : હા, પણ એને એવિડન્સ ભેગો થાય છે તેથી જ ને ? માણસને ચક્કર આવે ત્યારે એ પડી ના જાય, પણ વધારે પડતા ચક્કરનો એવિડન્સ આવી જાય તો તે પડી યે જાય. ‘જ્ઞાન’ પહેલાં તમે સ્ટેશને ગયા હો અને ત્યાં ખબર પડે કે ગાડી પા કલાક લેટ છે. તે તમે તેટલી રાહ જુઓ. પછી ખબર પડે કે હજી અડધો કલાક વધારે લેટ છે. એટલે તમે અડધો કલાક વધારે બેસો. પછી વળી ખબર આવે કે હજી અડધો કલાક લેટ છે, તો શી અસર થાય તમને ?

પ્રશ્નકર્તા : મહીં કંટાળો આવે ને ગાળોય દઇ દઉં આ રેલ્વેવાળાઓને !

દાદાશ્રી : જ્ઞાન શું કહે છે કે ગાડી લેટ છે તો એ ‘વ્યવસ્થિત’ છે. ‘અવસ્થા માત્ર કુદરતી રચના છે જેનો કોઇ બાપોય રચનાર નથી, અને તે વ્યવસ્થિત છે.’ આટલું આપણે બોલ્યા, એટલે આ જ્ઞાનના શબ્દોના આધારે સહજ રહેવાયું. પ્રકૃતિ અનાદિ કાળથી અસહજ કરે છે, તે જ્ઞાનના આધારે એને સહજમાં લાવવાની. આ પ્રકૃતિ ખરેખર તો સહજ જ છે. પણ પોતાના વિભાવિક ભાવને લીધે અસહજ થાય છે. તો જ્ઞાનના આધારે સહજ સ્વભાવમાં લાવવાની. રીલેટિવમાં ડખો ગયો એટલે આત્મા સહજ થાય. એટલે શું કે પોતે જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદ પદમાં રહે.

આ જ્ઞાન હાજર હોય એટલે ટ્રેન અડધો અડધો કલાક કરતાં આખી રાત કાઢે ને, તોય આપણને શો વાંધો આવે ? અને અજ્ઞાની તો અડધા કલાકમાં કેટલીયે ગાળો આપે. એ ગાળો શું ટ્રેનને પહોંચવાની છે ? ગાર્ડને પહોંચવાની છે ? ના. એ કાદવ તો પોતાને જ ઉડાડે છે ! જ્ઞાન હોય

(પા.૭૪)

તો મુશ્કેલીમાં મુશ્કેલીને જુએ અને છૂટમાં છૂટને જુએ એનું નામ જ સહજ આત્મા. આ અમારું જ્ઞાન એવું આપ્યું છે કે સહેજેય કંટાળો ના આવે. ફાંસીએ ચઢવાનું હોય તોય વાંધો ના આવે. ફાંસીએ ચડવાનું છે એ તો વ્યવસ્થિત છે અને રડીનેય ચઢવાનું તો છે જ, તો પછી હસીને શા માટે ના ચઢીએ ?

પ્રકૃતિ ; સ્વભાવે લજામણી

પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએ ને તો પાંદડાં સંકોચાઇ જાય. આપણે ઘરમાં કોઇ છોકરાને કહીએ કે તારાથી તો હું કંટાળી ગયો છું, તો તેની પ્રકૃતિ તરત જ લજવાઇ જાય, લજામણીની પેઠ. પણ એને ફરીથી કહેવું જોઇએ કે, ‘ના ભાઇ, હું ખરેખર તારાથી કંટાળ્યો નથી.’ એટલે એની પ્રકૃતિ લજવાય નહીં.

આપણે થાકી ગયા હોઇએ તોય ના બોલીએ કે, ‘હું થાકી ગયો છું’, નહીં તો આપણી પ્રકૃતિ લજવાઇ જાય. પ્રકૃતિનો સ્વભાવ લજામણો છે. વધારે ખવાઇ ગયું ને અજીર્ણ જેવું લાગે તો બોલીએ નહીં કે અજીર્ણ જેવું થઇ ગયું છે. નહીં તો પ્રકૃતિ લજવાઇ જાય. આપણે તો બોલીએ કે, ‘ના બાબા, સરસ પચી ગયું છે !’

ધણી વાઇફથી કંટાળી જાય તો બોલી નાખે કે તારાથી તો મારું મગજ ખસી જાય છે. પણ તરત જ આપણે મહીં બોલવું પડે કે, ‘ના બા, મગજ ખસે-બસે એ બીજા, તારાથી તો મને કશું જ થયું નથી.’ એટલે આપણી પ્રકૃતિ લજવાય નહીં. નહીં તો પ્રકૃતિ શું કહે છે કે, ‘તમે વચ્ચે ડહાપણ કરનાર કોણ ?’ એટલે આપણે છતું બોલવાનું.

પ્રકૃતિ સમજણથી વળે

આ જ્ઞાન મળ્યું છે. માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી. એને વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે, તારે જે ખાવું હશે તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું પણ તું આટલું અમારું માન. દેહને કહીએ કે આટલું અમારું માન. ઇગોઇઝમ બહુ કૂદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે, અમારું આટલું માન.

(પા.૭૫)

પ્રશ્નકર્તા : જો એની સામાવાડિયા થઇએ તો, દાદા? એની સામા પડીએ તો શું થાય ?

દાદાશ્રી : ના, પ્રકૃતિનાં સામા થઇએ તો એય સામે થાય. એ તો એને જોઇતું જ છે. એવું તો એને જોઇએ છે કે સામા પડે કે લાગમાં લઉં. આપણે સામા પડવાનું ના હોય. એને તો સમજાવી પટાવીને કામ લેવાનું. આ છેવટે એની બાળક અવસ્થા છે. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની બાળક અવસ્થા છે. ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે, એ કહેવાય નહીં! એ બાળક સ્વભાવની છે માટે એને સમજાવી પટાવીને, ગોળીઓ ખવડાવીને, લાલચ આપીને, ભજિયાં ખવડાવીને પણ ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : એટલે એને પંપાળીને ઉકેલ લાવવો ?

દાદાશ્રી : ના, પંપાળીને નહીં, સમજાવીને. પંપાળીને એ અર્થ ખોટો કહેવાય. એને સમજાવવું. એ પોતે યસ કરે, એકસેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું. સમજાવ્યા સિવાય કામ ના થાય, સામું ના થવું. સામું થાય એટલે ઊલટું આપણું ગાડું એ ઊધું નાખી દે. આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊધું નાખી દે. એ મારીએ ત્યારે દોડે ખરા, એટલે આપણને એમ લાગે છે કે મારવાથી જે દોડે છે, ચાલે છે એમ શ્રદ્ધા બેસે પણ ક્યારે એ ગાંડુ ઊધું નાખી દે એ કહેવાય નહીં. એના કરતાં એને સમજાવી પટાવીને કામ કરવું. પ્રકૃતિ બાળક સ્વભાવની છે. પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલાં વર્ષો થાય, છતાં સ્વભાવથી એ બાળક છે. આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાળક અવસ્થા ક્યારે થઇ જાય એ કહેવાય નહીં. રડી ઊઠે, દીન થઇ જાય, કાલાવાલા કરે, બધું જ કરે. કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : પ્રકૃતિ બાળક અવસ્થા કહેવાય તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે. નથી સહેલું ?

પ્રકૃતિ પાસે સમજાવી પટાવીને કામ લેવા જેવું છે. સમજાવવું તો

(પા.૭૬)

અવશ્ય જોઇએ. એ ‘યસ’ ના કહે ત્યાં સુધી બધું નકામું છે, અને ‘યસ’ કહે એવું એ છે.

આ છ મહિનાથી ના કહેતું હોય, તે પા કલાકમાં સમજાવીએ તો યસ કહે એવું છે ! પાછું બાળક જેવું છે, અને હઠે ચઢે તો લાખ વર્ષ સુધી ઠેકાણું ના આવે. હઠે ચઢે અને સમજાવીએ એ બેમાં બહુ ફેર છે. સમજાવવાને માટે બહુ કીમિયો જોઇએ. ગમે તેટલું હઠે ચઢેલું છોકરું હોય તેને સમજાવતાં આવડતું હોય તો તે સમજી જાય. નહીં તો એ બૂમાબૂમ કરી મૂકે, તોફાન કરી મૂકે. એને સમજાવતાં આવડવું જોઇએ. આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે. બધા કીમિયા આવડે, જો ખોળે તો ! પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય. પણ શોધખોળ કરે તો. શોધખોળ ના કરે, જાણતા જ ના હોય, મારીને ઠોકાઠોક કરે.

પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે ખાંડ લઇ આવીએ, ખાંડ લઇ આવીએ. ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે, ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઇ આવીશું. છતાંય એ કહે, ના. એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે. પ્રકૃતિ વૃદ્ધ જેવી છે અને બાળક જેવી પણ છે. સમજાવવા માટે બાળક જેવી છે. અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઇ દ્રષ્ટિએ ?

દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમ્મે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે. અને છોડી દે તો સહજમાં છોડી દે. એ ‘અમે’ જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે.

‘મિશ્ર ચેતન’ એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને ‘મિશ્રસા’ કહેવાય. ‘મિશ્રસા’ જ્યારે રસ આપીને જાય ત્યારે એને ‘વિશ્રસા’ કહેવાય છે. ચોખ્ખા પરમાણુને ‘વિશ્રસા’ કહેવામાં આવે છે. અને તેમાં

(પા.૭૭)

ભાવ કર્યો તે વખતે ‘પ્રયોગસા’ થઇ ગયા. આ પ્રકૃતિના પરમાણુનો ગુણ ચેતન ભાવને પામેલો છે. માટે તેને કહી શકાય, સમજાવી શકાય. આ ‘ટેપરેકર્ડ’ને કહીએ, બૂમો પાડીએ, સમજણ પાડીએ તો શું સમજાવાય ?

લોકો આત્મા જાણતા નથી, ને તેના વગર ચાલે જ છે ને તેમને? કારણ કે પ્રકૃતિ એવું મિશ્ર ચેતન છે. આપણાં છોકરાં મોટાં હોય, બધાની પત્તર ફાડી નાખે એવાં હોય પણ છેતરાવાનાં ના હોય તોય તે સહેજમાં છેતરાઇ જાય છે કે નહીં ? એનું શું કારણ ? એ પ્રકૃતિ છે, એને સમજાવનારા જોઇએ.

પ્રશ્નકર્તા : કોઇ વખત સમજાવતાં કામ નથી થતું.

દાદાશ્રી : એનો અર્થ એ કે સમજાવતાં નથી આવડતું.

પ્રશ્નકર્તા : ઘણી વખતે પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું ત્યારે એને ઠપકો આપવો જ પડે છે. દ્રષ્ટાંત તરીકે, ડૉક્ટરે બે જ પૂરી ખાવાનું કહ્યું હોય પણ આમ્રરસ હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે કે ત્રણ ખા. ત્યારે એને સમજાવીએ તો એ નથી માનતી, ત્યારે એને ઠપકો આપવો જ પડે. એ વખતે પંપાળીને નથી થતું, હઠ કરવી પડે છે.

દાદાશ્રી : એવું છે ને જો સમજાવતાં આવડે તો તો બહુ જ સારૂં છે. તે ના આવડે પછી ઠપકો આપવાનો. પણ એ સેકન્ડરી સ્ટેજ કહેવાય. પણ તે દેહની બાબતમાં ચાલે, મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં જ. દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં. મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે.

દેહને પણ જો સમજાવતાં આવડતું હોય તો સમજાવવું સારું. દેહ પણ અમારું તો કહેલું માને.

પ્રશ્નકર્તા : એ પણ દાદા, પ્રકૃતિ જેટલી સહજ થઇ છે. એટલું એ સહેલાઇથી માને, એ ખરું ?

દાદાશ્રી : હા, એ વાત ખરી છે. આ બધા પરમાણુ શું કહે છે? ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા

(પા.૭૮)

આવ્યા નથી. ઠપકાનું ફળ તમને તરત જ મળશે. આ બધું સાયન્સ છે!

પ્રશ્નકર્તા : હું પહેલાં જ્યારે જૈન સાધુઓની સાથે હતો ત્યારે આ મારા આહારને, આહાર સંજ્ઞાને લાકડીથી મેં માર માર કરેલી. છ મહિના થયા ત્યારે તો એણે માન્યું. પણ હવે એનું રીએકશન એ આવ્યું છે કે છેલ્લા આઠ વરસથી એક ટંક જો ખાવાનું ના મળે તો મહીં બહાર બૂમાબૂમ થઇ જાય !

દાદાશ્રી : જોને આ લોકો કેવા હેરાન થઇ ગયા છે! સાધુ, સંન્યાસી બધા જે હેરાન થઇ ગયા છે, મનને દબાવવા જવાથી ! મન દબાવા જેવી વસ્તુ નથી તેમ ખુલ્લું મૂકવા જેવુંય નથી. પાછું ખુલ્લું મૂકવું તેય ગુનો છે ! બંનેય ગુના છે !

પ્રશ્નકર્તા : બંનેનું પ્રમાણ જોઇએ ?

દાદાશ્રી : ના, પ્રમાણ નહીં. જેમ અહીં આગળ તમારા છોકરાની વાઇફ આવી હોય ત્યારે ત્યાં તેમની આગળ તમારામાં મર્યાદા રાખવી એવું હોય છે ને ?

પ્રશ્નકર્તા : હા, હોય છે, દાદા.

દાદાશ્રી : તો પછી એ છોકરાંની વાઇફ આમ તમારી આગળથી જતી હોય ને તમે કહો કે, ‘ના, અહીં ઊભાં રહો, ના, તમારું નામ કહો, ક્યાં સુધી તમે ભણ્યાં છો ? શું કરો છો ?’ એમ તમે કરો તો એ નુકસાન છે. આ તો મનને ખુલ્લું મૂક્યું ! મનની ઉપર છાવરવું એ આના જેવી વાત છે. મનની ઉપરનો ‘આપણો’ પ્રભાવ તૂટી ના જવો જોઇએ. તેટલા માટે પટાવવું. પણ આવી રીતે આમ ના કરવું જોઇએ; તેમ સામેય ના થવું જોઇએ. જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય ? તેમના ઉપરનો તમારો પ્રભાવ તૂટી જાય.

‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ ગુજરાતીમાં આવી કહેવત છે, એના જેવું છે. એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઇએ. આ ‘મને’ તો બધાંને ઊથલાવી પાડેલા છે. તેથી તો બધા સાધુ, આચાર્યો

(પા.૭૯)

માથાકૂટમાં પડેલા છે ને ! ગુરુ થયેલા ત્યાંથી ઊથલી પડેલા, તે શિષ્યના શિષ્ય ને તેના શિષ્યના શિષ્યના આ શિષ્ય થઇને બેઠેલા છે ! કારણ કે મન ઊથલાવી પાડે. ગજબની શક્તિઓ છે એમાં ! કોઇ પણ વસ્તુનો કંટ્રોલ થાય ત્યારે મન શું કરે છે ?

પ્રશ્નકર્તા : કંટ્રોલની બહાર આવે છે, પછી નિરંકુશ, બેકાબૂ થઇ જાય છે.

દાદાશ્રી : કારણ કે એના સ્વભાવની એ વિરુદ્ધ છે. મન શું કહે છે કે મને આંતરશો નહીં.

પ્રશ્નકર્તા : એ જ વખતે ગુરુની જરૂર છે.

દાદાશ્રી : હા, ગુરુ વગર તો કામ જ શી રીતે થાય ? એ પોતે કરે જ શી રીતે ?

પ્રશ્નકર્તા : મનની વૃત્તિ બહુ જોરથી ચાલે ત્યારે ગુરુની જરૂર છે.

દાદાશ્રી : ગુરુ વગર કોઇ મોક્ષે ગયેલો નહીં. એક એકલા તીર્થંકર કે જે સ્વયંબુદ્ધ થયેલા તે ગયેલા. પણ તેમને આગલા કોઇ અવતારમાં ગુરુ મળેલા. તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઇ ગયેલા, તેથી તેમને વાંધો નહીં. પણ બીજો તો ગુરુ વગર માર ખાઇ જાય. માથે કોઇ હોય નહીં તો સ્વચ્છંદ ઊભા થાય. હવે એ મનને મારવું એય સ્વચ્છંદ છે અને મનને પંપાળ પંપાળ કરવું તેય સ્વચ્છંદ છે !

મન ઉપર તો પ્રભાવ પડવો જોઇએ. એ કોના જેવું છે તે તમને સમજાવું. આ ભાઇને કોઇ માણસ અહીં મારવા આવ્યો હોય પણ તે મને દેખીને તેની બોલતી બંધ થઈ જાય, ચૂપ થઇ જાય, એનું શું કારણ ? ત્યારે કહે, પ્રભાવ. મારે કશું બોલવું ના પડે. એ તો પ્રભાવ કામ કરે. તેવી રીતે ‘આપણો’ મન ઉપર પ્રભાવ પડવો જોઇએ. જે મનની પાસે આપણે ખોટું કામ કરવું હોય ત્યારે હેલ્પ લઇએ તો પછી એ મન ઉપર આપણો પ્રભાવ શી રીતે પડે ? બને ત્યાં સુધી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ કે આ ચોર નથી. પણ આપણે કોઇ ખોટું કામ કરવું

(પા.૮૦)

હોય ત્યારે મનની હેલ્પ લઇએ તો એ આપણને ચોર જાણે. આપણો જો પ્રભાવ હોય તો ઘરવાળાં સામાં થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : ના થાય.

દાદાશ્રી : તેમ મનની ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધાં ઉપર આપણો પ્રભાવ પડવો જોઇએ. આપણા બોલતાં પહેલાં મન, બુદ્ધિ, ચિત્તને અહંકાર, નાગની જેમ મોરલી વાગતાં જ ફેણ માંડી ઊભાં રહે તેમ હોવું જોઇએ. એવો પ્રભાવ પડવો જોઇએ. એ બધા પરમાણુનાં બનેલાં છે. એમનેય બિચારાંને કંઇ શાતા જોઇએ છે. પ્રભાવથી શાતા ઉત્પન્ન થાય. પણ આપણે જ કોઇ ખોટું કામ એમની પાસે કરાવીએ તો આપણો પ્રભાવ તૂટી જાય.

આ બધું તમે ખાવ છો, પીઓ છો એ બધું પ્રકૃતિ છે. આત્મા છે અને અનાત્મા છે. એ બંનેની વચ્ચે પ્રકૃતિ છે. દેખાય ચેતન પણ મૂળ સ્વભાવે જડ છે, મિશ્ર ચેતન છે, ‘સાચું ચેતન’ નથી. આ સાધુ-સન્યાસીઓ આ ચેતન જેવું દેખાયું એને રીયલ ચેતન માન્યું. પણ એ આત્મા નથી. એ જે માને છે, એની પાર રીયલ ચેતન છે, ‘જ્ઞાની પુરુષ’ મળે, ‘સર્વજ્ઞ’ મળે, તે આપે ત્યારે સાચો આત્મા પ્રાપ્ત થાય. બાકી માનેલા આત્માથી ક્રોધ, માન, માયા, લોભ ખસે નહીં.

‘‘પ્રકૃતિનો એક પણ ગુણ ‘શુદ્ધ ચેતન’માં નથી અને ‘શુદ્ધ ચેતન’ નો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી.’’

આ સૂત્ર ઝીણવટથી પૂરેપૂરું સમજવા જેવું છે.

(પા.૮૧)

સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ

અંબામાતા, દુર્ગાદેવી એ બધી દેવીઓ પ્રકૃતિ ભાવ સૂચવે છે. તે સહજતા સૂચવે છે. પ્રકૃતિ સહજ થાય તો આત્મા સહજ થાય અથવા આત્મા સહજ થાય તો પ્રકૃતિ સહજ થાય. ‘આપણે’ માતાજીની ભક્તિ પોતાની પ્રકૃતિ પાસે કરાવવી. ‘આપણે આત્મભાવે’ નહીં કરવાની, ‘ચંદુલાલ’ પાસે દેવીની ભક્તિ કરાવવી અને તો જ પ્રકૃતિ સહજ થાય.

આ તો હિન્દુસ્તાનમાં માતાજીનાં લોકોએ જુદાં જુદાં નામ પાડેલાં. કેટલું બધું વિશાળ આ સાયન્સ હશે ! કેટલી બધી શોધખોળ કરીને અંબામાતા, સરસ્વતીદેવી, લક્ષ્મીદેવીની શોધ થઇ હશે ! આ બધું કર્યું ત્યારે સાયન્સ કેટલું બધું ઊંચું ગયેલું હશે ! આ બધું અત્યારે ખલાસ થયું ત્યારે માતાજીનાં દર્શન પણ કરતાં ના આવડ્યાં !

માતાજી એ આદ્યશક્તિ છે ! તે પ્રાકૃત શક્તિ આપે. માતાજીની ભક્તિ કરવાથી પ્રાકૃત શક્તિ ઉત્પન્ન થાય. અંબામા તો સંસારનાં વિઘ્નો દૂર કરી આપે, પણ મુક્તિ તો જ્ઞાન દ્વારા જ સાંપડે. દર્શન કરતાં આવડે તો ચાર માતાઓ હાજરાહજુર છે - અંબામા, બહુચરામા, કાળિકામા અને ભદ્રકાળીમા. માતાજી પાપ ધોઇ ના આપે, પણ પ્રાકૃત શક્તિ આપે.

આ અંબામાતાજી અમારું કેટલું બધું રક્ષણ કરે છે ! અમારી આસપાસ બધે જ દેવો હાજર ને હાજર હોય. અમે દેવોને પૂછયા વગર, તેમની રજા લીધા વગર એક ડગલુંય આગળ ના ચાલીએ. સર્વ દેવોની કૃપા અમારા ઉપર અને અમારા મહાત્માઓ ઉપર વરસ્યે જ જાય છે !

માતાજી

અંબિકાદેવી એટલે સહજ પ્રકૃતિ. દરેક દેવીઓના કાયદા હોય છે.

(પા.૮૨)

તે કાયદા પાળે તો માતાજી ખુશ રહે. અમે અંબેના એકના એક લાલ છીએ. માતાજી પાસે તમે અમારી ચિઠ્ઠી લઇને જાવ તો તે સ્વીકારે. આ તમારો દીકરો હોય અને નોકર હોય પણ જો નોકર તમારા કાયદામાં જ રહેતો હોય તો તમને નોકર વહાલો લાગે કે નહીં ? લાગે જ. અમે ક્યારેય પણ અંબામાના, લક્ષ્મીજીના કે સરસ્વતીદેવીના કાયદા તોડ્યા નથી. નિરંતર તેમના કાયદામાં જ રહીએ છીએ. તેથી એ ત્રણેય દેવીઓ અમારા ઉપર નિરંતર પ્રસન્ન રહે છે ! તમારે પણ જો તેમને પ્રસન્ન રાખવાં હોય તો તેમના કાયદા પાળવા જોઇએ.

પ્રશ્નકર્તા : અંબામાતાના શા કાયદા છે ? અમારે ઘેર અંબામાતાની ભક્તિ કરે છે બધાં. પણ એના કાયદા શા છે તે અમે જાણતા નથી.

દાદાશ્રી : અંબાજી દેવી એટલે શું ? એ પ્રકૃતિની સહજતા સૂચવે છે. જો સહજતા તૂટી તો અંબાજી તારી ઉપર રાજી જ કેમ થાય ? આ અંબાજી દેવી તો કહેવું પડે ! તે તો માતાજી છે, મા છે. બંગાળમાં દુર્ગા કહેવાય છે તે જ આ અંબાજી. બધી દેવીઓનાં જુદાં જુદાં નામ મૂક્યાં છે, પણ જબરદસ્ત દેવી છે ! આખી પ્રકૃતિ છે. આખી પ્રકૃતિનો ભાગ જો હોય તો તે માતાજી છે. પ્રકૃતિ સહજ થઇ તો આત્મા સહજ થાય જ. આત્મા અને પ્રકૃતિ એ બેમાંથી એક સહજ ભણી ચાલ્યું, તો બંને સહજ થઇ જાય !

સરસ્વતી

પ્રશ્નકર્તા : સરસ્વતી દેવીના કાયદા શા છે ?

દાદાશ્રી : સરસ્વતી એટલે વાણીના હિસાબના જે જે કાયદા લાગુ પડે તે પાળીએ તો સરસ્વતી દેવી ખુશ રહે. વાણીનો દુરુપયોગ કરું, જૂઠું બોલું, પ્રપંચ કરું તો પછી સરસ્વતી દેવી કેમ રાજી થાય ? મહીં છે એ ના બોલું તો તારી પર સરસ્વતી કેવી રીતે રાજી થાય ? આજે કોઇનું વચનબળ શાથી નથી રહ્યું ? કારણ કે વાણીના કાયદા નથી પાળ્યા. મનુષ્યમાં આવ્યા પછી બે બળની જરૂર- વચનબળ અને મનોબળ. દેહબળ એ પાશવતામાં જાય. વચનબળ અને મનોબળની શક્તિ રીલેટિવ આત્માને

(પા.૮૩)

બળવાન કરે. અત્યારે વચનબળ તો લુપ્ત થઇ ગયું છે, અને મન તો ફ્રેકચર થઇ ગયું છે. આજે વચનબળ કેવાં હોય ? બાપ દીકરાને કહે કે, ભાઇ, ઊભો થા તો ? ત્યારે દીકરો આડો થઇ ને સૂઇ જાય ! પોતાનો દીકરો ના માને ! આ વચનબળ કેવી રીતે જતું રહ્યું ? વાણીનો ખોટો, અવળો ઉપયોગ કર્યો તેથી. વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય, વાણીનો કોઇ પણ વિભાવિક સ્વરૂપે ન લઇ જાય તો વચનબળ ઉત્પન્ન થાય.

જૂઠું બોલે, પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યય માં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું’ તે અપવ્યય કહેવાય.

વાણીથી કેટલાકને બીવડાવ્યા, કૂતરાંને બીવડાવ્યા, જૂઠું બોલ્યા, પ્રપંચ બોલ્યા એ વાણીનો દુરુપયોગ કર્યો કહેવાય. તેથી વચનબળ તૂટી જાય. એકલું જ સત્ય બોલો અને પાછો સત્યનો આગ્રહ ના પકડી રાખો તો વચનબળ પાછું ઉત્પન્ન થાય. જો વસ્તુનો દુરુપયોગ થાય તો તેનું વચનબળ ઊતરી જાય. જૂઠું બોલીને પોતાનો સ્વબચાવ કરે તેથી તો મન, વાણી બધું ફ્રેકચર થઇ જાય. સત્ય બોલે પણ એની પાછળ ભાવના કેવી જબરદસ્ત હોવી ઘટે ! આ ‘દાદા’ના જેવું વચનબળ હોવું જોઇએ. ઊઠો કહે તો ઊઠે. ‘અમારું’ વચનબળ તો અજાયબી કહેવાય ! ‘અમારા’ શબ્દો કેવા હોય? શાસ્ત્રના શબ્દો ના હોય. શાસ્ત્રોના શબ્દો તો જડ અને વાગે તેવા હોય અને ‘અમારા’ પ્રત્યક્ષ ચેતન શબ્દથી તો મહીં ‘જ્ઞાન’ હાજર થઇ જ જાય !!! આત્મા જ પ્રગટ થઇ જાય !!! અને પાછા જરાય વાગે નહી. ‘અમારી’ વાણીથી બિલકુલ અજીર્ણ થાય નહીં. ‘આ’ તો આખો ‘જ્ઞાનાર્ક’ છે ! એ પચે અને અજીર્ણ ના થાય ! જ્ઞાની પુરુષનું એક વચન અવરથા ના જાય ! ગજબનું, જબરદસ્ત વચનબળ હોય !! એના એક એક વચન પર જગત ઊછાળા મારશે ! એમનું એક જ વચન ઠેઠ મોક્ષે લઇ જાય. ‘અમારા’ એક એક શબ્દમાં ચેતન છે. વાણી રેકોર્ડ સ્વરૂપ છે, જડ છે. પણ અમારી વાણી મહીં ગજબના પ્રગટ થઇ ગયેલા પરમાત્માને

(પા.૮૪)

સ્પર્શીને નીકળે છે, તેથી નિશ્ચેતનને ચેતન કરે એવી ચેતનવાણી છે ! સામાની ભાવના જોઇએ. અમે બોલીએ કે ‘એય, કૂદ’, તો સામો દસ ફૂટનો ખાડોય કૂદી જાય ! તો કેટલાક કહે છે કે, ‘તમે શક્તિપાત કરો છો.’ ના અમારા વચનમાં જ એવું બળ છે ! કોઇ બહુ ડીપ્રેસ થયેલો હોય તો અમે તેને આંખથી ધવડાવીએ. ‘જ્ઞાની પુરુષ’ તો ગમે તે રીતે શક્તિ પ્રગટ કરાવે. ગજબનું વચનબળ હોય !

કવિ શું ગાય છે :

‘‘ જગત ઉદય અવતાર, દેશના તે શ્રુતજ્ઞાન,

સ્યાદ્વાદ જ્ઞાન-દાન, સર્વમાન્ય પરમાણ. ’’

જગતનો ઉદય સારો હોય ત્યારે ‘જ્ઞાની પુરુષ’ પ્રગટ થઇ જાય અને એમની ‘દેશના’ જ ‘શ્રુતજ્ઞાન’ છે. એમના એક જ વાક્યમાં શાસ્ત્રોનાં શાસ્ત્રો આખાં આવી જાય !

શાસ્ત્રમાં લખ્યું છે કે સત્ય બોલો. ત્યારે લોકો કહે છે કે, અમારાથી સત્ય બોલાતું નથી. માટે હવે કોઇ કળજુગી શાસ્ત્રો આપો તો કામ થાય. કળજુગની અસર થાય નહીં અને મોક્ષે લઇ જાય એવાં શાસ્ત્રો હવે લખાશે. આ સત્ય બોલો, દયા રાખો, શાંતિ રાખો એ શાસ્ત્રોની વાતો તો જૂની દવા થઇ ગઇ ! હવે તો નવી દવા જોઇશે. આપણે તો નિશ્ચય સાચું બોલવાનો હોવો જોઇએ. પછી ભૂલ થાય તો આપણે ‘ચંદુલાલ’ પાસે પ્રતિક્રમણ કરાવવું પડે. ‘અમારા’ શબ્દો આવરણ તોડનારા છે. તમને મહીં પૂરો ફોડ આપે એવું જ્ઞાનીનું વચનબળ છે. અમારી પાસે તમે અહીં બેઠા એટલે જગત વિસ્મૃત રહે અને તેને જ મોક્ષ કહ્યો છે !

અમારી વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. ફોટાની સરસ્વતી, શાસ્ત્રોની કે પુસ્તકોની સરસ્વતી એ પરોક્ષ સરસ્વતી છે. પ્રત્યક્ષ સરસ્વતીનાં દર્શન કરવાં હોય તો અહીં અમારી વાણી સાંભળે એટલે થઇ જાય !

આ બધું બોલાય છે પણ એમાં એક અક્ષર પણ ‘હું’ બોલતો નથી. પણ તમારું પુણ્ય આ શબ્દો બોલાવે છે. ‘આ’ વાણી નીકળે તે થકી ‘અમે’

(પા.૮૫)

જાણીએ કે સામાવાળાનું કેવું પુણ્ય છે. ‘અમારી’ વાણી એય રેકોર્ડ છે. એમાં અમારે શી લેવા દેવા ? છતાં ‘અમારી’ રેકોર્ડ કેવી હોય? સંપૂર્ણ સ્યાદ્વાદ ! કોઇ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય, દરેકનું પ્રમાણ કબૂલ કરે એવી ‘આ’ સ્યાદ્વાદ વાણી છે.

સરસ્વતીની આરાધના એટલે શું ? વાણીનો કોઇ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઇ જાય તે, જૂઠું બોલ્યો એટલે કેટલો મોટો વિભાવ !

ક્ષત્રિયોનું વચન નીકળ્યું એટલે વચન જ. તેઓ બેવચની ના હોય. અત્યારે મુંબઇ શહેરમાં છે જ નહીં ને કોઇ ! અરે! વચનનું તો ક્યાં ગયું પણ આ દસ્તાવેજ લખેલો, સહીં કરેલો હોય તોય કહે કે, ‘સહી મારી ન હોય’ અને સાચો ક્ષત્રિય તો વચન બોલ્યો એટલે બોલ્યો.

આ ચારણો ફોટામાંની સરસ્વતીની ભજના કરે છે તોય એમની કેટલી બધી મીઠી વાણી હોય છે !

લક્ષ્મીજી

પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?

દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે એટલે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લાખ લક્ષ્મીજી ધો ને ! બધાંય ધૂએ છે. ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે?

પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં તો કોઇ લક્ષ્મીજીને ધોતું નથી.

દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ! એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? દહીમાંય ધૂએ છે અહીં હિંદુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને કોઇ કાચા નથી. મનેય લોકો કહેવા આવે છે કે, ‘તમે લક્ષ્મીજી ધોઇ કે નહીં ?’ મેં કહ્યું, ‘શાના માટે ?’ આ લક્ષ્મીજી જ્યારે ભેગાં થાય છે ત્યારે અમે કહી દઇએ છીએ કે વડોદરે, મામાની પોળ, ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો; અને

(પા.૮૬)

જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો, એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. અમે એવું ત્યાં આગળ ના કહીએ કે, ‘અમારે એની જરૂર નથી.’

લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને ‘નહીં, નહીં’ કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ; નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઇ વસ્તુને તરછોડ મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શનેય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાંય ‘જય સચ્ચિદાનંદ’ ને જતાંય ‘જય સચ્ચિદાનંદ’ કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. લક્ષ્મીજી કહે છે, ‘આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે તે એમના પગ છોલાઇ ગયા છે. તે પાછળ પડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું આમાં તો ઢીંચણ છોલાય છે પણ ત્યારે તો અમે ફરી ઇશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઇને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને બધે છોલીને લોહી-લુહાણ કરી નાખવા છે. એમને સોજા ચઢ્યા છે છતાં સમજણ નથી ખૂલતી !’ બહુ પાકાં છે લક્ષ્મીજી તો!

કળીકાળની લક્ષ્મી

આજની લક્ષ્મી ‘પાપાનુબંધ પુણ્યૈ’ની છે. એટલે તે ક્લેશ કરાવે એવી છે. એનાં કરતાં ઓછી આવે તે સારું ઘરમાં ક્લેશ તો ના પેસે! આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં ક્લેશનું વાતાવરણ થઇ જાય છે. એક ભાખરી ને શાક સારું, પણ બત્રીસ જાતની રસોઇ કામની નહીં. કારણ કે એ રસોઇ ખાધા પછી ક્લેશ થાય તો શા કામનું ! આ કાળની તો લક્ષ્મી આવે ને ક્લેશ લાવે. પાપાનુબંધી પુણ્યૈની લક્ષ્મી દુઃખ આપીને જાય, નહીં તો એક જ રૂપિયો, ઓ હો હો ! કેટલું સુખ આપીને જાય!

(પા.૮૭)

પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાંને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાંને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં, દુઃખ રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાંય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઇ જાય. કઇ બેન્કમાં આની સેઇફ સાઇડ છે એ ખોળવું પડે ને પાછાં સંગાવહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે. કહે, ‘અરે યાર, મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઇએ છે.’ તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાંય દુઃખ થાય.

આ જરા કોઇએ નવી સાડી લીધી, તો તરત કહે આવી સાડી મેં ય લીધી હોત તો ? એવા વિચારે દુઃખ થઇ જાય. એવું આ લક્ષ્મી તો આવે ને જાય ત્યાં સુધી દુઃખ આપી જાય એવું છે. આ તો કહે કે, આ ચાલીશ હજાર બેન્કમાં છે તે ક્યારે ય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેડિટ જ રહેશે. ના, એ તો ડેબીટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાં ય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જ્યારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એ ય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઇ, પી ને ખિલાવી દેવાનું. આ તો પૂરણગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. જો ગલન ના થાતને તો ય ઉપાધિ થઇ જાય. પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છશ્વાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે. એટલે અમે શી શોધખોળ કરી કે, ‘ભીડ નહી ને ભરાવો ય નહીં! અમારે કાયમ લક્ષ્મીની ‘ભીડે ય નહીં ને ભરાવો પણ નહીં !’ ભીડવાળા સૂકાઇ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે. અમને તો લક્ષ્મીજી ક્યારે ય સાંભરે જ નહીં. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યાં

(પા.૮૮)

હોય તેને, પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. અમારે લક્ષ્મીજી સામા મળે તો અમે વિનય કરીએ. એ ના ચૂકીએ.

આપણામાં કહેવત છે ને કે ‘બાબો હશે તો વહુ આવશે ને!’ ‘નારાયણ’ છે ત્યારે ‘લક્ષ્મીજી’ આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલાં આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ?

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઇ જાય તેની બધી જ દિશા બંધ થઇ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત, તે તેના ઘરની છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઇ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઇ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઇએ.

૧૯૪૨ પછીની લક્ષ્મી

પ્રશ્નકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું. પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ?

દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. ‘અમે’ ‘જ્ઞાની’ છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમ ટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું.

પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?

દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઇ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ

(પા.૮૯)

ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઇ પુણ્યશાળીના હાથે જ લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય તે બહુ ભારે પુણ્ય કહેવાય.

૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. અહીં આપણે તો હવે મોક્ષની જ વાત રહી.

વણિક બુદ્ધિવાળા તો લક્ષ્મીજીની ટ્રીક અસલ સમજી ગયા છે કે કમાઇશ તેના આઠમા ભાગનું ભગવાનને નાખી આવો, તે પાછું તેનો પાક લણીશું. તે ભગવાનેય આ લક્ષ્મીજી મેળવવાની તેમની ટ્રીક સમજી ગયા છે. ભગવાન શું કહે છે કે, તમે લક્ષ્મીજી મેળવ્યા જ કરો પણ મોક્ષ નહીં મળે તેમને.

લોકોની લક્ષ્મી ગટરમાં જાય છે. પુણ્યૈની કમાણી સંત પુરુષો માટે જાય છે.

ક્ષત્રિયને કેવું કે ભગવાનને ત્યાં દર્શને જાય તો ખિસ્સામાંથી જેટલા પૈસા નીકળ્યા તેટલા નાખે. જ્યારે વણિક બુદ્ધિવાળાને કેવું કે પહેલેથી જ નક્કી કરીને પૈસા નાખે. રૂપિયાની નોટ નીકળે તો દસ પૈસા વટાવીને નાખે!

લક્ષ્મીજીનો સ્વભાવ

પ્રશ્નકર્તા : આ લક્ષ્મી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઇએ ?

દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઇ વિચારે છે કે એક જ લોટો પાણી મળશે તો શું કરીશ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઇએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે; એમાં કોઇ વધારે ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન

(પા.૯૦)

કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેન્ક બેલેન્સ છે, તે બેન્કમાં જમા હશે તો જ મળશે ને ? કોઇ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે છે કે, ‘તારે આ જુલાઇમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઇમાં મળશે’; અને જે કહે છે કે ‘મારે પૈસા નથી જોઇતા’, તો એય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારેય નહીં ને ઇચ્છાય નહીં કરવી જોઇએ. એમને તો નમસ્કાર કરવા જોઇએ. એમનો તો વિનય રાખવો જોઇએ, કારણ કે એ તો હેડ ઓફિસમાં છે.

લક્ષ્મીજી તો એને ટાઇમે, કાળ પાકે ત્યારે આવે એમ જ છે, આ તો ઇચ્છાથી અંતરાય પાડે છે. લક્ષ્મીજી કહે છે કે, ‘જે ટાઇમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઇમે જ રહેવું જોઇએ, અને અમે ટાઇમે ટાઇમે મોકલી જ દઇએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધું જ ટાઇમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે જેનું કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઇએ છીએ. જે ઇચ્છા કરે છે તેને ત્યાં મોડી મોકલીએ છીએ અને જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ.’ બીજું, લક્ષ્મીજી શું કહે છે કે, ‘તારે મોક્ષે જવું હોય તો હક્કની લક્ષ્મી મળે તે જ લેજે. કોઇનીય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઇશ.’ છતાંય લક્ષ્મીજીની અવળહવળ થાય નહીં. તો અનુભવો થાય નહીં, ને અનુભવો થયા વગર મોક્ષે જવાનું ના થાય !

લક્ષ્મીજીનું જાવન

પ્રશ્નકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રીક અને લક્ષ્મીજીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઉંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રીકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે, અને એનું ફળ નર્કગતિ છે. આ કપડું ખેંચીને આપે એ હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રીક તો હોવી જ ના જોઇએ. ટ્રીક કરી કોને કહેવાય ? ‘બહુ ચોખ્ખો માલ છે’- કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, ‘આવું

(પા.૯૧)

તે કરાતું હશે ?’ તો એ કહે કે, ‘એ તો એમ જ કરાય.’ પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઇએ કે, ‘મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ આ માલ આવો છે એ લઇ જાવ.’ આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

આ મુંબઇ શહેર આખું દુઃખી છે, કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી બેઠા છે !

પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે, છતાં પણ એના વગર ચાલતું નથી ને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઇએ.

દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી-ના મળવી પોતાની સત્તાની વાત નથી ને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી મરી જાય છે. છતાં, માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.

આ લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રીકો વાપરવાથીય આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોત તો આપણા પ્રધાનોને ચાર આના યે મળત નહીં ! આ લક્ષ્મી તો પુણ્યૈથી કમાય છે. ગાંડો હોય તો ય પુણ્યૈથી કમાયા કરે. ગાંડાનો દાખલો આપું.

લક્ષ્મીજીનું આવન

એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા. અમદાવાદમાં સ્તો ને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી એવો પલંગ, સામે ટીપોય. અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઇન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર. જમીનની ઊંચે દોઢ ફૂટે માથું. મોઢાનો ત્રિકોણ આકાર. અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા. અને બાજુમાં ફોન, તે ખાતા ખાતા ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે

(પા.૯૨)

પડી ગયલા અને ભાત તો કેટલોય વેરાયેલો! નીચે ! ફોનની ઘંટડી વાગેને શેઠ કહે કે, ‘બે હજાર ગાંસડી લઇ લો’ ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઇ જાય. મુનીમજી બેઠાં બેઠાં માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યૈને લઇને પ્રકાશ મારે છે. આ પુણ્યૈથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખે તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્યૈ ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના, નાસમજીને ભજ્યા તેથી. કોઇની ઉપર ઉપકાર કર્યા, કોઇનું ભલું કર્યું એ બધાથી પુણ્યૈ બંધાઇ. ભગવાનને ના સમજીને ભજે છતાં અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તોય દઝાય ને ? આ ‘અક્રમ જ્ઞાન’ છે. અહીં લિફ્ટ માર્ગ છે તે ખાતાંપીતાં મુક્તિ વર્તે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય નહીં. એ જ પુણિયા શ્રાવકનું સામાયિક અહીં ચાખવા મળે છે !

આ તો લોક આર્તધ્યાન અને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો એટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવાના આર્તધ્યાનથી અને રૌદ્રધ્યાનથી ઉપાયો કરે છે. એ તો પહેલાનું પુણ્યૈ જમે હશે તો જ મળશે. આ ‘દાદા’ની ‘કૃપા’થી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની ‘કૃપા’થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો ‘અમારી’ ‘કૃપા’થી તૂટે તે પછી બધું ભેગું થાય. ‘દાદા’ની ‘કૃપા’ તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના-એ સર્વ પ્રકારનાં દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. કો’કને બે મિલો હોય પણ છોકરો દારૂડિયો હોય તો તે બાપને રોજ મારે, ગાળો આપે. તે એ કહેવાય નહીં ને સહેવાય નહીં. એવાં બધાં દુઃખો છે. આ સંસાર તો નર્યું દુઃખનું જ સામ્રાજ્ય છે. મોટા ચક્રવર્તી રાજાઓ પણ રાજપાટ છોડીને નાઠા. તે આને ઝૂપડું છૂટતું નથી. આવી શી મમતા તે છૂટતું નથી ? આધિ, વ્યાધિ ને ઉપાધિના તાપમાં મનુષ્યો શક્કરિયાની જેમ ચોગરદમથી બફાય છે. બે મિલોવાળો, સંસારી, ત્યાગી, બે બૈરીવાળો ને સંન્યાસી- બધાં બફાઇ રહ્યાં

(પા.૯૩)

છે. તેમાં ‘આ’ એક જ શીતળ છાંયડી ઊભી થઇ છે, નહીં તો કેમ કરીને જીવવું તેય ભારે થઇ પડે એવું છે. આ એક જ સમાધિનું સ્થાન ઊભું થયું છે !

પ્રશ્નકર્તા : અત્યારે પૈસો એ પ્રધાનપણે છે એ કેમ ?

દાદાશ્રી : માણસને કોઇ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને છે કે પૈસાથી વિષયો મળશે. બીજું બધુંય મળશે. પણ એનોય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યા કરે છે. આ આખા મુંબઇમાં દસેક જણા જ પુણ્યાનુબંધી પુણ્યૈવાળા લક્ષ્મીવાન હશે, ને બાકીના પાપાનુબંધી પુણ્યૈવાળા લક્ષ્મીવાન છે અને તે નિરંતર પાર વગરની ચિંતામાં ફર્યા કરે છે.

અમેય ધંધાદારી માણસ છીએ. તે સંસારમાં ધંધા-રોજગાર ને ઇન્કમ ટેક્સ વગેરે બધુંય અમારે પણ છે. અમે કન્ટ્રાક્ટનો નંગોડ ધંધો કરીએ છીએ, છતાં એમાં અમે સંપૂર્ણ વીતરાગ રહીએ છીએ. એવા વીતરાગ શાથી રહેવાય છે ? ‘જ્ઞાનથી’. અજ્ઞાનતાથી લોક દુઃખી થઇ રહ્યા છે. લક્ષ્મી પાપાનુબંધી-પુણ્યૈથી હોય પણ વિચારો નર્યા પાપના જ હોય. લક્ષ્મી પુણ્યાનુબંધી-પુણ્યૈવાળાની દાસી ખરી, પણ એને એ ઊંચે લઇ જાય, અને પાપાનુબંધી-પુણ્યૈવાનનીય લક્ષ્મી દાસી પણ તે એને નીચી ગતિએ લઇ જાય !

આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમના મોત તો જુઓ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહક્કના વિષયો ભોગવ્યાં તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે તેથી જેની પાસે લક્ષ્મી છે તેનેય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.

સાચી લક્ષ્મી ક્યારે આવે કે તમારા મનમાં ભાવ સુધરે તો. આ વ્યભિચારી વિચારોથી તો ક્યાંથી સાચી લક્ષ્મી આવે ? પાપાનુબંધી પુણ્યૈની લક્ષ્મી તો રોમે રોમે કૈડીને જાય.

પ્રશ્નકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ

(પા.૯૪)

નાહવાનુંય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નાહવા માટે ધ્યાન નથી બગડતાં ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાંય ધ્યાન બગડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની ‘પોતાની’ નથી. આ તો માત્ર નૈમિત્તિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઈચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?

એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો. ભગવાને પૂછયું, ‘‘અલ્યા, તું શા માટે ઝાડ નીચે બેઠો છે ?’’ ત્યારે પેલો કહે, ‘‘કેરી ખાવા.’’ ભગવાને કહ્યું, ‘‘અલ્યા, આ તો વડનું ઝાડ છે ને ! ત્યાં કેરીની આશાએ તને શું મળશે ? અલ્યા, ઝાડને ઓળખ ! ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ.’’ ‘જ્ઞાની પુરુષ’ પાસે જા તો તારો ઉકેલ આવે. આ લોકો તો ભગવાનને ભૂલી કરીને લક્ષ્મીજી ખોળે છે. ભગત હોય તેમને લક્ષ્મીજી ખૂટે. ભગત અને ભગવાન બેઉ જુદા હોય. ત્યાં ભેદ હોય. ભગત બહુ ઘેલા હોય. નિયમ કેવો છે કે જ્યાં ઘેલછા હોય ત્યાંથી લક્ષ્મીજી ખસી જાય. વ્યવહારમાં જ્ઞાની ઘેલછાવાળા ના હોય, બહુ ચોક્કસ હોય. ભક્તિથી ‘જ્ઞાની પુરુષ’ મળે અને ‘જ્ઞાન’ પ્રાપ્ત થાય. મોક્ષ ‘જ્ઞાન’થી થાય.

ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે એ તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બીલો નોર્મલ આવે તો પણ ફીવર છે અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતનાં સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઇ પડે છે.

લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ ‘પરિગ્રહ’ વધતો જાય.

(પા.૯૫)

લક્ષ્મીને માટે કેટલાક લોકો નિસ્પૃહ થઇ જાય છે, તો નિસ્પૃહભાવ એ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિસ્પૃહ થાય અને એકલો નિસ્પૃહી થયો તો તો રખડી મર્યો! માટે સસ્પૃહી-નિસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો, પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઇ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારેય પાછી ભેગી જ ના થાય. નિસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.

જ્ઞાની - સસ્પૃહ, નિસ્પૃહ

અમે સસ્પૃહ-નિસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિસ્પૃહ હતા. તે તેમના ચેલા નિસ્પૃહ થઇ ગયા છે ! નેસેસિટી એરાઇઝ થાય તે પ્રમાણે કામ લેવું.

પ્રશ્નકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું.

દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી-નિસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો. પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંતબુદ્ધિ ‘સત્ય’નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે થીયરી ઓફ રીલેટિવિટીમાં રહે તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાભાસ જીવન રાખજે. લક્ષ્મીજીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઇને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઇના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના. રોજ ભાવ કરવા જોઇએ કે આપી દેવા છે, તો તે અપાશે જ.

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે ‘હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજીકો તો હમ ટચ ભી નહીં કરતા.’ એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી, પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ

(પા.૯૬)

વર્તે છે એ જોખમ છે. બીજા કેટલાય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો વીતરાગ છે, અચેતન વસ્તુ છે. પોતે તેને તરછોડ ના મારવી જોઇએ. કોઇને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે તેનો મેળ નહીં ખાય. અમે ‘અપરિગ્રહી છીએ’ એવું બોલીએ, પણ ‘લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું’ તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું ‘નાક’ કહેવાય. ‘વ્યવસ્થિત’ના નિયમના આધારે બધાં દેવ-દેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.

મન-વચન-કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણીય મહેનત કરે તોય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે-ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઇને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રામાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે. તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઇ ત્યારે કહે, મનુષ્યપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો અને તેય હિન્દુસ્તાનમાં આને મોટામાં મોટી સિદ્ધિ શાથી કહી ? કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય !

જ્યાં સુધી કોઇ દિવસ આડો ધંધો ના શરૂ થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઊતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઇ ને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલના પાણી જેવું છે, તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે, ‘ચેતીને ચાલજો.’

લક્ષ્મીજી તો દેવી છે. વ્યવહારમાં ભગવાનનાં પત્ની કહેવાય છે. આ બધું તો પદ્ધતિસર ‘વ્યવસ્થિત’ છે પણ મહીં ચળવિચળ થવાથી ડખો ઊભો થાય છે. મહીં ચળવિચળ ના થાય ત્યારે લક્ષ્મીજી વધે. આ મહીં

(પા.૯૭)

ચળવિચળ ના હોય તો એમ ના થાય કે શું થશે ! ‘શું થશે ?’ એવું થયું કે લક્ષ્મીજી ચાલવા માંડે.

ભગવાન શું કહે છે કે, તારું ધન હશેને તો તું ઝાડ રોપવા જઇશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષેય મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસ બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહીં ? ‘વ્યવસ્થિત’નો નિયમ જ એવો છે !

જેને આપણે સંભારીએ એ છેટું જતું જાય. માટે લક્ષ્મીજીને સંભારવાની ના હોય. જેને સંભારીએ એ કળિયુગના પ્રતાપે રિસાયા કરે, ને સત્યુગમાં તે સંભારતાની સાથે આવે. લક્ષ્મીજી જાય ત્યારે ‘આવજો’ અને આવે ત્યારે ‘પધારજો’ કહેવાનું હોય. એ કંઇ ઓછું ભજન કરવાથી આવે ? લક્ષ્મીજીને મનાવવાનાં ના હોય. એક સ્ત્રીને જ મનાવવાની હોય.

ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી અને સત્ય ક્યારેય અસત્ય થતું નથી. પણ શ્રદ્ધા ડગી ગઇ છે અને કાળ પણ એવો છે. રાત્રે કોની સત્તા હોય? ચોરોનું જ સામ્રાજ્ય હોય ત્યારે જો આપણી દુકાન ખોલીને બેસીએ તો તો બધું ઉઠાવી જાય. આ તો કાળ ચોરોનો છે. તેથી શું આપણે આપણી પદ્ધતિ બદલાવાય ? સવાર સુધી દુકાન બંધ રાખો, પણ આપણી પદ્ધતિ તો ના જ બદલાવાય. આ રેશનના કાયદા હોય તેમાં કોઇ ‘પોલ’ મારીને ચાલતો થાય, તો એ લાભ માને, અને બીજા કેમ નથી માનતા? આ તો ઘરમાં બધા જ અસત્ય બોલે તો કોની પર વિશ્વાસ મુકાશે ? અને જો એક પર વિશ્વાસ મૂકીએ તો તો બધે જ વિશ્વાસ મૂકવો જોઇએ ને ? પણ આ તો ઘરમાં વિશ્વાસ એય આંધળો વિશ્વાસ મૂકે છે. કોઇની સત્તા નથી, કોઇ કશું કહી શકે તેમ નથી. જો પોતાની સત્તા હોત તો તો કોઇ સ્ટીમર ડૂબે નહીં. પણ આ તો ભમરડા છે. પ્રકૃતિ નચાવે તેમ નાચે છે. પર-સત્તા કેમ કહી ? આપણને ગમતું હોય ત્યાં પણ લઇ જાય ને ના ગમતું હોય

(પા.૯૮)

ત્યાંય લઇ જાય. ના ગમતું હોય ત્યાં એ તો અનિચ્છાએ પણ જાય છે, માટે એ પર-સત્તા જ ને !

‘ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી’ રાખવાની. પણ આ વાક્ય હવે અસર વગરનું થઇ ગયું છે. માટે હવેથી અમારું નવું વાક્ય મૂકજો, ‘ડિસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિસનેસ.’ પેલું પોઝિટિવ વાક્ય લખીને તો લોકો ચક્રમ થઇ ગયા છે. ‘બીવેર ઓફ થીવ્ઝ’નું બોર્ડ લખ્યું છે છતાં લોકો લૂંટાયા તો પછી બોર્ડ શા કામનું ? તેમ છતાં આ ‘ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી’નું લોકો બોર્ડ મારે છે, છતાંય ઓનેસ્ટી હોતી નથી. તો પછી એ બોર્ડ શા કામનું ? હવે તો નવાં શાસ્ત્રોની ને નવાં સૂત્રોની જરૂર છે. માટે અમે કહીએ છીએ કે ‘ડીસઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ ફૂલિશનેસ’નું બોર્ડ મૂકજો.

(પા.૯૯)

‘નો લૉ’ - લૉ

કેટલાક અમને કહે છે કે, ‘દાદા, તમે આશ્રમ કેમ ખોલતા નથી? આશ્રમ ખોલોને, દાદા ?’

પણ ‘જ્ઞાની પુરુષ’ આશ્રમનો શ્રમ ના કરે. એ તો કોઇની રૂમ મળે તો ત્યાં સત્સંગ કરે ને તેય ના મળે તો ઝાડ નીચે બેસીને સત્સંગ કરે. અને આ આશ્રમમાં તો કાયદા જોઇએ, રસોડું જોઇએ, જાજરુ જોઇએ. આ બધું જોઇએ ને એનો એ જ સંસાર જોઇએ. પાછી ક્યાં આ મુસીબત!

આશ્રમમાં તો દાળભાત, રોટલી ને શાક ખાઇને પડી રહે, ઘેર પડી રહે એવું. કેટલાંક તો ખાઇને પડી રહેવા જ આશ્રમમાં રહે છે! આપણને આશ્રમ ના હોય. આપણે તો બ્રહ્માંડના ઉપરી એટલે જ્યાં જઇએ ત્યાં બધાં જ ગામો આપણાં ને !

આપણે ત્યાં સત્સંગમાં નો લૉ ! આપણે ત્યાં તો લૉ વગરનો લૉ. ‘અક્રમ’ એટલે ‘નો લૉ, આખા જગતમાં લૉ વગરની પાર્ટી હોય તો આ ‘દાદા’ના ફોલૉઅર્સ પાસે. તેમને કોઇ જગ્યાએ લૉ ના હોય. જગતના લોકો લૉ વગર રહી જ ના શકે. લૉ વગરનો રહે તો મોક્ષે જાય ! લૉ ના હોય તો સહજ થાય. લૉથી અસહજ થાય. લૉ વગરનો કાયદો એટલે સહજ હોય.

જેનો એક્સેસ થાય, એટલે કે વધારો થાય તેનો અભાવ આવે. અને કન્ટ્રોલ થાય તો ત્યાં જ ચિત્ત જાય. ખાંડનો કન્ટ્રોલ કર્યો હોય તો ચિત્ત ખાંડમાં જ રહે કે ક્યારે લઇ આવું ? કન્ટ્રોલ એવી ચીજ છે, તે મનને ઉછાળે ચઢાવે. તેથી જ ‘અમે’ કહીએ છીએ કે ડીકન્ટ્રોલ કરી નાખો. બહાર તો કન્ટ્રોલ કર કર કરે છે, તેથી મન આખો દિવસ ઉછાળે રહ્યા કરે છે.

(પા.૧૦૦)

મનનો સ્વભાવ એવો છે કે એક્સેસ થાય એટલે એની ઉપર દ્વેષ થાય, એવી વસ્તુનો શો કન્ટ્રોલ કરવો ? ગમતી ચીજ હોય અને ઉપરથી કન્ટ્રોલ કરે તો ચિત્ત ત્યાં જ જાય, એવો ચિત્તનો સ્વભાવ છે.

આ નાનો બાબો હોય તેને કહીએ કે આ ના લઇશ તો એનું ચિત્ત ત્યાં ચોંટી રહે, અને બીજું આપે તોય ના લે; માટે આપી છૂટવું. તે ‘વ્યવસ્થિત’ની બહાર કેટલું લઇ લેશે; કેટલું ભેલાઇ જશે ?

આપણે અહીં તો કાયદો જ નહીં ને ! કાયદો એટલે અર્ધકન્ટ્રોલ. આપણે અહીં કહીએ કે, ‘કેમ મોડા આવ્યા ? ચાર વાગ્યે જ આવી જજો.’ તો મન કન્ટ્રોલમાં આવ્યું એટલે બગડી જ જાય. આ તો કન્ટ્રોલ ના હોય તો મન કેવું મુક્ત રહે ? સિમેન્ટનો કન્ટ્રોલ કરવા ગયા તો ભાવ ૩૨ રૂપિયા થઇ ગયો ! આ ’42 પછી કન્ટ્રોલ આવ્યો તેનાથી લોકોનાં મન બગડી ગયાં.

અમે કોઇને વઢીએ જ નહીં. અમે એમ ના કહીએ કે, ‘આમ કેમ લાવ્યો ને આમ કેમ કર્યું ? બધાંને વઢવું ના પડે એવું જ અમે રાખ્યું છે. ‘નો લૉઝ’, કાયદો-બાયદો નહીં. રસોઇમાં કોઇ તપેલું ઊંધું મૂકે તોય અમે કશું ના બોલીએ, એને એની મેળે જ એને એક્સપીરિયન્સ મળશે ને ? આ વર્લ્ડને એક દહાડો બધા જ કાયદા કાઢી નાખવા પડશે ! સૌથી પહેલું કાયદા વગરનું આપણે કર્યું છે ! સરકારને કહીશું કે જોઇ જાવ અમારે ત્યાં કાયદા વગરનું સંચાલન! આ ઔરંગાબાદમાં ૧૦૦ માણસોનું વગર કાયદે દસ દિવસનું કેવું ચાલે છે ! કેવું સુંદર ચાલે છે!! ચા, પાણી નાસ્તા !!! બીજે બધે તો કેટલા કાયદા ! લૉઝ પર લૉઝ ! આ તો ‘ગેરકાયદેસર’ મંડળી કહેવાય !

કાયદેસરની મંડળીમાં ભગવાન રહેતા નથી અને ગેરકાયદેસરની મંડળીમાં ભગવાન રહે છે ! ભલેને ચોર હોય પણ ગેરકાયદેસર હોય તો ભગવાન ત્યાં રહે. કારણ કે સંપેલા હોય માટે ભગવાન ત્યાં હાજર રહે. આ ગેરકાયદેસર મંડળીમાં જેને જેમ ફાવે તેમ બેઠું છે. ગેરકાયદામાં દરેક સ્વેચ્છાએ કાયદાનું પાલન કરે છે. ગેરકાયદામાં કુદરતી રીતે જ કાયદા પળાય છે.

(પા.૧૦૧)

સરકારે કાયદા કર્યા, લોકોએ કાયદા કર્યા, સમાજે કાયદા કર્યા ને કાયદાની ચુંગલમાં આવી ગયા બધા. ધર્મમાં તો કાયદા જ ના હોય. કાયદાની ચુંગલમાં આવ્યો તે કાળા કપડાંવાળામાં ફસાયો. કાળા કપડાં ઇટસેલ્ફ શું કહે કે અમે તો અપશુકનવાળાં છીએ !

એક દહાડો દુનિયાને કાયદા છોડી દેવા પડશે ! ‘નો કૉર્ટ’. આ કોર્ટોથી જ તો બગડ્યું છે બધું ! કાળાં કપડાં ! કાયદા એકસેસ થઇ ગયા એટલે પોઇઝન થઇ ગયું. કાયદો રીતનો હોય. ને ધર્મમાં તો કાયદો જ ના હોય. પરંતુ તુ જૈન શાનો ? તું વૈષ્ણવ શાનો ? તારું ડેવલપમેન્ટ શાનું? જો તું ડફોળ છું તો તારે માટે કાયદાની જરૂર છે અને જો તું ડેવલપ્ડ છું તો તને કાયદાની જરૂર નથી. જૈનને કાયદાની જરૂર જ નથી. એને તો મહીથી જ બધા કાયદા દેખાય ! આપણે કાયદા વગર બધું ચાલવા દીધું ! ને જેને જેમ ફાવે તેમ ચાલવા દીધું ! દરેકને બધી જ છૂટ આપી.

અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલાં, ત્યાંય અમારે તો નો લૉઝ. તે પછી એવું નહીં કે કોઇની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવુંય નહીં. તે જો લઢે તો ‘અમે’ જોઇએ. રાત્રે પાછા બધાં ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઇ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા બધાં ધોઇ નાખે ! આ પ્યોર ‘વીતરાગ માર્ગ’ છે, એટલે અહીં કેશ-રોકડાં પ્રતિક્રમણ કરવાં પડે, આમાં પખવાડિક, માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. કાયદો હોય તો મોઢે બોલે નહીં ને મહીં અંદર લોચા વાળે. મહીં ગૂંચાયા કરે. આપણે ત્યાં તો કાયદો જ નહીં. આ અક્રમ જ્ઞાન એવું છે !! અમારી હાજરી છે ત્યાં સુધી છૂટ આપેલી તે કાયદો-બાયદો નહીં.

આખા જગતમાં બધે સાધુ, સંન્યાસી પાસે કાયદા છે. તેમાં આમ બેસવું ને તેમ કરવું. તે લૉઝ તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરે અને આત્મા સહજ છે. કાયદો એ બંધન છે. સંઘમાં નિયમ કરે છે ને નિયમ એ જ બંધન છે. એ તો યમમાંથી નિયમમાં આવે તેને માટે છે. યમ એટલે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ અનેં નિયમ સેકન્ડ સ્ટાન્ડર્ડ. ફર્સ્ટમાંથી સેકન્ડમાં આવે તેને માટે

(પા.૧૦૨)

કાયદા છે. મોક્ષ માટે આની જરૂર નથી. મોક્ષ માટે તો આત્માને સહજ વર્તવા દો. સહજ વર્તવા દો તો સહજ મોક્ષ વર્તે !

અહીં ધર્મમાં એક પૈસાનોય વ્યવહાર ના હોય. આરતીના ઘી માટે પૈસા અહીં ના હોય. પુસ્તકો છપાય તે માટે પૈસો જોઇએ, તે અહીં માગવાના ના હોય. અને કેવી રીતે પૈસા વગર ચાલે છે તે જ અજાયબી છે ! જો ધર્મમાં પૈસા ઘાલ્યા તો ‘પૈડ’માં પડવા જેવું છે ! એના માટે તો કાયદા જોઇએ, ઓફિસ જોઇએ ને પાર વગરની જંજાળ જોઇએ. અહીં કાયદો નથી તે બધા કેવા શાંતિથી બેઠા છે ! અને અપાસરામાં તો વ્યાખ્યાન સાંભળવા આવે તો કાંકરાચાળી કરે ! ત્યાં કાયદો હોય કે ‘શાંતિ રાખો’ છતાં કાંકરાચાળી !

આ દુષમકાળના માણસો કાયદા માટે ન હોય. એ તો કંટ્રોલ કર્યો કે મન વધારે બગડે ! અને એક કાયદો પેઠો તો કાયદાની બુકો ગોઠવવી પડે. તે નવું કશુંક થયું તો કાયદો કાઢો, જૂનાં પુસ્તકો કાયદાનાં ઉઘાડો ને તપાસ કરો.

કાયદામાં વિવેક

એક ઘરડા મહારાજ અપાસરામાં ચતુર્માસ કરવા આવેલા. તે બિચારા બહુ ઘરડા ને પગે લંઘાતા હતા. તેમાનાથી ચલાતું જ નહોતું. તે ચાતુર્માસ પૂરા થયા એટલે એમને કહેવામાં આવ્યું કે, ‘‘તમે હવે વિહાર કરી જાઓ.’’ મહારાજને પગે ઠીક થયું જ નહીં, તેથી તેમણે રહેવા માટે એકસ્ટેન્શન માગ્યું. તે સંઘપતિએ કહ્યું કે, ‘‘વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે, હવે આગળ એકસ્ટેન્શન નહીં મળે.’’ હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું. તે મહારાજે કહ્યું, ‘‘ભલે ત્યારે હું જઇશ. અહીંથી ચાર માઇલે છાણી ગામ છે, ત્યાં વિહાર કરી જઇશ. પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી, તો ડોલીની વ્યવસ્થા કરી આપો.’’ એટલે સંઘપતિએ કહ્યું કે, ‘‘આજ સુધી આવી ડોલી તો અમે કોઇને કરી આપી હોય તેવું યાદમાં નથી.’’ તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા, ખાતાવહી જોઇ, તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ ક્યાંય તેમને એવું

(પા.૧૦૩)

જડ્યું જ નહીં કે કોઇ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય ! એટલે એમણે તો મહારાજને કહ્યું કે, ‘‘એવો કોઇ કાયદો કરવામાં આવ્યો નથી. તો અમે શું કરીએ ? કાયદો કેમ તોડીએ ?’’ અલ્યા, શું બધાંને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે ? કંઇક વ્યવહારિક સમજ તો જોઇએ ને કે જડની જેમ જ કાયદાને પકડીને બેસવાનું ?

તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા ને કહેવા લાગ્યા. મને કહે કે, ‘‘ભાઇ, જુઓને મારી આ અવદશા આ સંઘે કરી છે ! પચાસ રૂપિયા કોઇ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી, ને બીજી બાજુ વિહાર કરી જાઓ, વિહાર કરી જાઓ એમ કહ્યા કરે છે. શું કરું હવે હું ? તમે જ કંઇ રસ્તો કરો.’’ પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઇ ને મહારાજને વાજતે-ગાજતે બેંડવાજાં વગાડીને વિદાયગીરી આપાવામાં આવી ! મોટો વરઘોડો કાઢ્યો ને સંઘપતિ પણ માથે પાઘડી-બાઘડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા !

અલ્યા, આ વાજાં વગાડ્યાં ને વરઘોડાનો જલસો કર્યો તેમાં ૫૦૦ રૂપિયા ખર્ચ્યા ને મહારાજ માટે ડોલી કરવા પચાસ રૂપિયા ના ખર્ચાયા? કારણ શું ? તો કે‘ વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી, એટલે અમે કેવી રીતે એમ કરીએ ?

હવે આને મારે ‘અવ્યવહારુ’ ના કહેવું તો શું કહેવું ?

અમારે અહીં કાયદા નથી, પણ પાછું જોડે જોડે સામાના કાયદા અમારાથી ના તોડાય. કોઇનો કાયદો તોડવો એનાથી તો સામા માણસને અવળી અનુમોદના મળે, તેનું આપણે નિમિત્ત બનીએ. આપણાથી આવું ના હોવું ઘટે. ‘આપણું’ તો કોઇ નામ જ દેનારું નથી. પણ આ નિમિત્ત બનીએ તો સામાવાળાને ટેવ પડે કે આપણેય આવી રીતે કાયદો તોડીએ. માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે.

અમારે કાયદો ના હોય, આજ્ઞા જ હોય. રીલેટિવ બધામાં કાયદા હોય, અહીં કાયદા ના હોય.

(પા.૧૦૪)

ધર્મધ્યાન

પ્રશ્નકર્તા : પૂજા-સેવા કરીએ એ ધર્મધ્યાન કહેવાય ને ?

દાદાશ્રી : ના, એને ધર્મધ્યાન ના કહેવાય. પૂજા, સેવા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે જોવાય છે. ભગવાન ક્રિયા જોતાં જ નથી, પણ ક્રિયા વખતે ધ્યાન ક્યાં વર્તે છે તે જુએ છે.

એક શેઠ હતા. રોજ સવારના ચાર કલાક પૂજા, પાઠ, સામાયિક વગેરે કરતાં. એક દિવસ એક માણસે બારણું ઠોક્યું ને શેઠાણીએ ઉઘાડીને પૂછયું, ‘‘શું કામ છે ?’’ તે માણસે શેઠાણીને પૂછયું કે ‘‘શેઠ ક્યાં ગયા છે ?’’ શેઠાણીએ તરત જ જવાબ આપ્યો, ‘‘શેઠ ઉકરડે ગયા છે !’’ શેઠ મહીં રહ્યા રહ્યા આ બધું સાંભળી રહ્યા હતા. ને તેમને થયું કે ખરેખર અત્યારે હું વિષયોના જ ધ્યાનમાં હતો. ભલેને હું સામાયિકમાં હોઉં, પણ ધ્યાન તો મારું (વિષયરૂપી) ઉકરડામાં જ હતું ! તે તેને થઇ ગયું કે ખરેખર મારા કરતાં મારી પત્ની વધારે સમજુ છે !

સામાયિક કરતા હો, માળા ફેરવતા હો પણ ધ્યાન જો બીજે જ ગયું હોય તો એ ક્રિયાનું ફળ નથી જોવાતું, પણ તે વખતે જે ધ્યાનમાં પોતે વર્તતા હોય તે જ જોવામાં આવે છે.

ધ્યાન એ જ પુરુષાર્થ

જગત ભ્રાંતિવાળું છે. તે ક્રિયાઓ ને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઇ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઇ જાય છે અને કારણ-દેહનું સર્જન થાય છે. જ્યારે

(પા.૧૦૫)

ઋણાનુબંધી માતાના ગર્ભમાં જાય છે ત્યારે સૂક્ષ્મ દેહ જે છે તે, વીર્ય અને રજના સ્થૂળ પરમાણુ એકદમ ખેંચી લે છે. તેનાથી કાર્યદેહનું બંધારણ થઇ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ-શરીર તથા કારણ-શરીર સાથે જાય છે. સૂક્ષ્મ-શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ-શરીર દરેકનાં પોતે સેવેલાં કોઝીઝનાં પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ-શરીર એ ઇલેક્ટ્રિકલ બોડી છે, જે ખોરાક વગર રહી શકે જ નહીં. માટે મૃત્યુ પછી તરત જ માતાના શરીરમાં તે જ ક્ષણે પ્રવેશ પામીને રહે છે. અને ટાઇમિંગ મળે એટલે વીર્ય અને રજના સંયોગથી તે જ ક્ષણે એકદમ સ્થૂળ પરમાણુઓ ખોરાક રૂપે ચૂસી લે છે અને સ્થૂળ દેહ ગઠ્ઠા સ્વરૂપે પ્રાપ્ત કરી લે છે. તે પછી જીવ ડેવલપ થતો જાય છે અને પાંચેક માસે સંચાર થવો શરૂ થાય છે.

એક ક્ષણ માટે પણ ‘અમને’ ‘અમારા સ્વરૂપ’ સિવાય એક પણ સંસારી વિચાર આવે નહીં. અમારી ઇચ્છા ખરી કે બધાં અમારા આ સુખને પામો. ધ્યાન એ જ આવતા ભવનું સાધન છે ! એ સિવાય બીજું કંઇ જ સાધન નથી આવતા ભવનું !

વીતરાગોનો મત શો છે ? ધ્યાન ફેરવો. દુર્ધ્યાન થતું હોય તો પુરુષાર્થ એટલો કરો કે દુર્ધ્યાન ના થાય.

પ્રશ્નકર્તા : એમાં પુરુષાર્થ શી રીતે કરવો ?

દાદાશ્રી : ક્રિયા ના ફરી શકે પણ ધ્યાન ફરે તેવું છે. આ કાળના દબાણથી રૌદ્રધ્યાન થાય. આર્તધ્યાન થાય; પણ ભગવાને તેની સામે પુરુષાર્થનું સાધન કહ્યું છે, એમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ખસેડવાનાં છે. જેમ આપણે ખોરાકમાં હિતવાળો ખોરાક ખાઇએ છીએ અને અહિતવાળો ખોરાક ખસેડીએ છીએ, તેમ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવાનાં છે અને ધર્મધ્યાન કરવાનું છે.

આર્તધ્યાન - રૌદ્રધ્યાન

પ્રશ્નકર્તા : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કોને કહેવાય ?

(પા.૧૦૬)

દાદાશ્રી : કોઇનાં સુખને કિંચિત્ માત્ર પડાવી લેવાનું ધ્યાન કરવું તે રૌદ્રધ્યાન છે. પછી ભલેને એણે ખરેખર પડાવી ના લીધું હોય, પણ તે ધ્યાન તો રૌદ્રધ્યાન જ ગણાશે. અને તેનું ફળ નર્કગતિ છે. અને આર્તધ્યાન એટલે જે પણ કંઇ ચિંતા-ઉપાધિ આવી પડે તે પોતે એકલો પોતાની મહીં જ સહન કર્યા કરે ને ક્યારેય પણ મોઢેથી બોલે નહીં, ક્રોધ કરે નહીં, તો એ આર્તધ્યાનમાં ગણાય. આજે તો આર્તધ્યાન એકલું જડવું મુશ્કેલ છે. જ્યાં ને ત્યાં રૌદ્રધ્યાન જ છે. ધર્મસ્થાનોમાંય આ કાળમાં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પેસી ગયાં છે ! તે સાધુઓને નિરંતર આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયાં કરે છે. શિષ્યો પર ચિઢાય તે રૌદ્રધ્યાન છે અને મહીં ધૂંધવાયા કરે તે આર્તધ્યાન છે. ફલાણા મહારાજને ૨૫ શિષ્યો છે ને મારે તો આટલા જ છે, એ ભયંકર આર્તધ્યાન છે. અને પછી એ શિષ્યો વધારવામાં પડી જાય છે ને ભયંકર રૌદ્રધ્યાન કરે છે. મહાવીર ભગવાનની પાટ ઉપર આ કેમ શોભે ? આ તો રેસ કોર્સમાં પડ્યા છે! શિષ્યો વધારવામાં પડ્યા છે ! અલ્યા, ઘેર એક બાયડી ને બે છોકરાં એમ ત્રણ ઘંટ હતા તે છોડીને અહીં ૧૦૮ ઘંટ ગળે વળગાડ્યા ? આને વીતરાગ માર્ગ કેમ કરીને કહેવાય ? !

પ્રશ્નકર્તા : આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ફેરવવાં શી રીતે ?

દાદાશ્રી : આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય એ આ કાળનાં કર્મોની વિચિત્રતા છે. પણ એ જે અતિક્રમણ થયું તેની પાછળ પ્રતિક્રમણ રોકડું રાખ. વખતે અતિક્રમણ થઇ જાય પણ પ્રતિક્રમણ આપણે કરવું પડે. રૌદ્રધ્યાનમાં પશ્ચાત્તાપ થાય તો તે આર્તધ્યાનમાં જાય અને જો રૌદ્રધ્યાનમાં યથાર્થ પ્રતિક્રમણ થાય તો ધર્મધ્યાન થાય. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન સાથે હોય. ભલેને ભગવાનની મૂર્તિ હોય, પણ તેની સાક્ષીએ આલોચના કરીએ અને ફરી ફરી તેવું ધ્યાન નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરવો પડે.

પ્રશ્નકર્તા : આપણું કોઇ અપમાન કરે તો શી રીતે મનમાં લેવું ?

દાદાશ્રી : આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે. પણ

(પા.૧૦૭)

જ્ઞાન ના હોય તો મહીંથી કહેવું કે પોતાની પહેલાંની ભૂલ હશે. આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે. મારો કંઇ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે, એટલે આપણે જમા કરી લો. આ અપમાન કરવાવાળાને કહીએ કે, ‘‘ ભાઇ, તું ફરી અપમાન કર તો?’’ ત્યારે એ કહેશે, ‘‘હું કંઇ નવરો છું ?’’ આ તો જે ઉધાર્યુ છે એ જ જમા કરાવી જાય છે. જન્મ્યો ત્યારથી તે મર્યો ત્યાં સુધી બધું ફરજિયાત જ છે. આ કેટલાય પાસ થઇ જાય છે, કેટલાક નાપાસ થાય છે અને કેટલાક ભણતાંય નથી. આ બધું પહેલાંના હિસાબે રહેલું છે. આ બધો હિસાબ કોણ રાખે છે ? આ તો મહીં ગજબનું એડજસ્ટમેન્ટ છે. મહીં અનંત શક્તિઓ છે. આ હિસાબ ચાર ધ્યાનના આધારે છે. જેવું ધ્યાન વર્તે તેવું ફળ આવે.

અનંત કાળથી ભટક ભટક કરીએ છીએ, છતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અટક્યાં નથી. તેથી તેમને સમજવા જોઇએ. ઘરમાં ઝઘડા થાય તો ખમાવવું જોઇએ. સામો વેર ના બાંધે તેમ ખમાવવું જોઇએ. ભગવાનની આજ્ઞામાં રહેવું એ ઊંચામાં ઊંચું ધર્મધ્યાન છે. આ ખમાવવું કેમ ? મફતમાં કેમ ખમાવાય ? ના, જેટલું તમે આપો છો તેટલું જ પાછું આવે છે.

રૌદ્રધ્યાન અને આર્તધ્યાન બે જ કૈડે છે, બીજું બહારનું કૈડતું નથી! ક્રોધ, માન, માયા, લોભ ખસેડ્યા ખસેડાય તેમ નથી. ડૉક્ટરે ખાંડ ખાવાની ના કહી હોય, તો કેવું જાગ્રત રહેવાય છે ? જો ડૉક્ટરે કહ્યું હોય કે, ‘તમને હાર્ટ એટેક આવ્યો છે ને મીઠું બિલકુલ ખાવાનું નહીં, ખાશો તો બીજો એટેક આવશે ને તમે મરી જશો.’ ત્યારે તમે કેવા એલર્ટ રહો છો ! ત્યાં કેમ ચેતતા રહો છો ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ તો અનંત કાળના મરણ છે. માટે તેમને બંધ કરવાં જ છે એમ નક્કી કર્યું કે તરત જ ૫૦ ટકા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઓછાં થઇ જાય ! તમારે ભક્તિ-બક્તિ, સામાયિક કે પૂજા-પાઠ જે કરવું હોય તે કરવાનું, જે ગુરુને આરાધ્યા હોય તેમની આરાધના કરવાની; પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ના થાય તેટલું કરવાનું. શુકલધ્યાન આ કાળમાં હોય જ નહીં. છતાં, કોઇ ને જો શુકલધ્યાન જોઇતું હોય, ચિંતા કાયમને માટે બંધ કરવી હોય તો અમારી

(પા.૧૦૮)

પાસે સત્સંગમાં આવજો. અમે એક કલાકમાં જ તમને શુક્લધ્યાન આપીશું. ‘જ્ઞાની પુરુષ’ શું ના કરી શકે ? ‘જ્ઞાની પુરુષ’ ચાહે-સો કરે, પણ અમે કોઇ ચીજના કર્તા ના હોઇએ. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ નિરંતર.

જો શુકલધ્યાન પ્રાપ્ત ના થાય તો ધર્મધ્યાનમાં આ કાળમાં રહે તોય ઘણું કહેવાય. આજે તો ખરું ધર્મધ્યાનેય અલોપ થઇ ગયું છે. ધર્મધ્યાનને સમજતાં જ નથી કે ધર્મધ્યાન કોને કહેવાય ? ધર્મધ્યાન તો જેટલો વખત કર્યું એટલો વખત ! એક કલાક તો એક કલાક, પણ ત્યારે આનંદ પુષ્કળ રહે. અને એ આનંદનો પડઘો બીજા બે-ત્રણ કલાક રહે. ધર્મધ્યાન સમજતાં નથી તો પછી કરે શું ? આખો દહાડો રૌદ્રધ્યાન ને આર્તધ્યાન, રૌદ્રધ્યાન ને આર્તધ્યાન ! આખો દહાડો કચકચ ! ભગવાને કહ્યું હતું કે ધર્મધ્યાનમાં રહેજો.

ધર્મધ્યાનનાં ચાર પાયા

પ્રશ્નકર્તા : ભગવાને કોને ધર્મધ્યાન કહ્યું હતું ?

દાદાશ્રી : ભગવાને આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ એમ કહ્યું હતું. ભગવાને ધર્મધ્યાનના ચાર પાયા કહ્યા.

ભગવાનની આજ્ઞા સાચી જ છે એમ માનવામાં આવે તો તેને ધર્મધ્યાનનો પહેલો પાયો અર્થાત ‘આજ્ઞાવિચય’માં આવી ગયો. બીજો પાયો એટલે કે ક્રોધ, માન, માયા, લોભ એને ન હોય એવું રહે. એટલે ‘અપાય-વિચય’માં આવી ગયો. સામાએ ઢેખાળો માર્યો તે મારા પોતાના જ કર્મનો ઉદય છે એવું રહે એટલે ત્રીજો પાયો એટલે કે ‘વિપાક-વિચય’માં આવ્યો કહેવાય અને ચોથો પાયો એટલે ‘સંસ્થાન-વિચય’ તે ચાર લોક છે, તેની હકીકત સમજી જાય તો ધર્મધ્યાન પૂરું થાય.

હવે ભગવાનની આજ્ઞા સાચી છે એ તો બધા કબૂલ કરે જ છે. ‘સંસ્થાન-વિચય’ બહુ ઊંડું ના સમજાય તો ચાલશે. તેના કરતાં સમકિત પ્રાપ્ત થાય એવી કંઇ ગોઠવણી કરને એટલે એમાં બધું જ આવી જાય! અને ધર્મધ્યાનમાં મુખ્ય પુરુષાર્થ જ ત્યાં કરવાનો છે કે આર્તધ્યાન ને

(પા.૧૦૯)

રૌદ્રધ્યાન ના થાય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તો પછી બાકી શું રહે ? ધર્મધ્યાન જ. શુકલધ્યાન તો છે નહીં, માટે ધર્મધ્યાન જો પ્રાપ્ત કરવું હોય તો આર્તધ્યાનને અને રૌદ્રધ્યાનને ખસેડો. ધર્મધ્યાન શેને કહેવાય ? કોઇ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય. તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને મારા જ કર્મના ઉદયનો દોષ છે એવું ભાન રહે. આને જ ભગવાને ધર્મધ્યાન કહ્યું છે.

ઘરમાં સાસુ વઢતી હોય તો આપણે સમજવું જોઇએ કે મને આ સાસુ જ કેમ ભાગમાં આવી ? બીજી સાસુઓ શું નહોતી ? પણ મને આ જ કેમ મળી ? માટે તેની જોડે કંઇ આપણો હિસાબ છે, તો તે હિસાબ શાંતભાવે પૂરો કરી લો.

ધર્મધ્યાન રહ્યું નથી. આ કાળમાં ધર્મધ્યાન સમજતા જ નથી. સમજતા હોત તોય કલ્યાણ થઇ જાત !

પ્રશ્નકર્તા : શું અહંકારનું જોર વધારે હોય છે એટલે ધર્મધ્યાન ભૂલી જાય છે ?

દાદાશ્રી : સમજ કોનું નામ કહેવાય કે સમજણથી પ્રવર્તન તેવું જ થાય. જ્યાં સુધી પ્રવર્તનમાં ના આવે ત્યાં સુધી સમજણ પડી નથી એવું કહેવું જોઇએ. સમજણનું ફળ તરત જ પ્રવર્તનમાં આવવું એ છે. પ્રવર્તનમાં આવવું જ જોઇએ. આપણે નાના છોકરાને કહીએ કે આ બે શીશીઓ મૂકી છે, બેઉ સરખી જ છે અને બેઉમાં દવા છે, બેઉમાં વ્હાઇટ પાઉડર છે. એક ઉપર લખ્યું હોય અમૃત ને બીજા ઉપર લખ્યું હોય પોઇઝન, તો છોકરાને આપણે સમજ પાડવી જોઇએ કે આમાંથી કશું ખાઇ ના જતો. આપણે અમૃતની દવા મોઢામાં નાખતા હોઇએ, તો છોકરોય જો જાણતો ના હોય કે આમાં કયું અમૃત છે ને કયું ઝેર છે તો તે ભૂલથી પોઇઝન ખાઇ લે. માટે આપણે છોકરાને કહીએ કે આમાં પોઇઝન છે. એકલું પોઇઝન બોલ્યેથી છોકરો સમજી ગયો એમ કહેવાય નહીં. તેને તો પોઇઝન શું છે તે સમજાવવું જોઇએ. તેને સમજાવવું જોઇએ કે પોઇઝનથી

(પા.૧૧૦)

માણસ મરી જાય. મરી જવું શું છે, એ છોકરાં સમજતા નથી. એટલે તેમને તે પણ સમજાવવું પડે કે પરમ દહાડે પેલા કાકા મરી ગયા હતા, એવું થઇ જાય. એવું બધી રીતે વિગતથી સમજાવવામાં આવે તો પછી છોકરો ક્યારેય પોઇઝનની શીશીને ના અડે. એ અમલમાં આવી જ જાય. અમલમાં ના આવ્યું તે અજ્ઞાન છે. પૂરેપૂરી સમજ તો, પદ્ધતિસર શીખેલો જ નથી. કો’કના દાખલા, નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? કોઇએ દાખલા ગણ્યાં હોય, મેથેમેટિક્સના અને નકલ કરીને લઇ આવે તેથી કંઇ આવડી ગયું ? આ બધું નકલી જ્ઞાન છે. દરઅસલ જ્ઞાન ન હોય. બાકી કોઇ ગાળ ભાંડે અને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે! આ જ મોક્ષે લઇ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળેને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ?

સામાયિક તો સમજતાં જ નથી. સામાયિક શેને કહેવું તે જ જાણતા નથી. સામાયિકમાં જે ના સંભારવાનું, ના યાદ કરવાનું હોય તે જ પહેલું યાદ આવે ? પોતે સામાયિક લે ને મનમાં નક્કી કરે કે આજે દુકાન યાદ કરવી જ નથી તો પહેલો ધબડકો દુકાનનો જ પડે ! કારણ કે મન એ રીએક્શનવાળું છે. જે તમે ના કહો તેનો પહેલો મહીં ધડાકો થાય ! અને તમે કહો કે તમે બધા આવજો તો તે વખતે ના આવે ! તમે જો એમ કહો કે હું સામાયિક કરું ત્યારે તમે બધા આવજો, તો તે ઘડીએ કોઇ ના આવે ! એવું છે આ બધું અજ્ઞાન ! સ્પંદન થયું કે ખલાસ થઇ ગયું ! અનંત શક્તિઓ આત્માની છે !

જો અમારો આટલો એક જ શબ્દ પાળે કે આપણને કોઇ ગાળ ભાંડે, આમ તેમ પજવે, હેરાન કરે એ બધું મારા કર્મના ઉદયથી છે, સામાનો દોષ નથી, સામો તો નિમિત્ત છે. એમ આટલું જ જો ભાન રહેને તો તને સામો માણસ નિર્દોષ દેખાશે ! અને આનાથી પોતે તરી પાર ઊતરે. ઠેઠ મોક્ષે પહોંચાડે. અમારું એક જ વાક્ય મોક્ષે લઇ જાય એવું છે. ‘જ્ઞાની પુરુષ’નું એક જ વાક્ય જોઇએ. મોક્ષે જવા માટે શાસ્ત્રની કાંઇ

(પા.૧૧૧)

જરૂર નથી. કારણ કે ‘જ્ઞાની પુરુષ’ સીધો મોક્ષમાર્ગ બતાવી દે આખો. એટલે વસ્તુસ્થિતિમાં સમજવાની જરૂર છે.

લોકો કહે છે કે અમને ‘જ્ઞાન’ છે. ‘જ્ઞાન’ એનું નામ ના કહેવાય. ‘જ્ઞાન’ તો અમલમાં આવે એને જ કહેવાય. આપણને બોરીવલીના રસ્તાની ખબર છે તો બોરીવલી આવવું જ જોઇએ. અને જો બોરીવલી ના આવે તો જાણવું કે, બોરીવલીના રસ્તાનું આપણને જ્ઞાન જ નહોતું. ભગવાનના ધર્મધ્યાનમાં એટલું બધું બળ છે, ગજબની તાકાત છે ! પણ એ ધર્મધ્યાન સમજે નહીં ત્યાં સુધી શું કરે ?

અને વીતરાગોએ પાછું કહ્યું કે, ઉદય કર્મથી તું ભડકીશ નહીં. આખો દહાડો ઉદય તને હેરાન કર કર કરે તો તેનાથીય તું ભડકીશ નહીં. કારણ કે એમાં કોઇનો દોષ નથી.

ચિંતા એ જ આર્તધ્યાન

‘‘રાઇ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન,

તે નિશ્ચય કર છોડીને, તજિયે આરતધ્યાન.’’

ચિંતા-બિંતા છોડી દો. ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. રાઇ માત્ર વધઘટ થવાનું નથી. તારાથી ફેરફાર કશો થશે નહીં એટલે ‘જય મહાવીર, જય મહાવીર, જય મહાવીર’ અથવા ‘જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ, જય શ્રીકૃષ્ણ’ કર્યા કર ને ! જય ભગવાનનો બોલાવ. બીજા લોકોનો શું કરવા બોલાવે છે ? આ તો તમે આ ભાઇને વઢતા હો, ને આ બીજા ભાઇ તેમનું ઉપરાણું લે તો આ બીજા ભાઇનો જય બોલાવે આ. અલ્યા, જય બોલાવ મહાવીરનો કે કૃષ્ણનો. આજે તો પેલા ભાઇનો જય બોલાવું છું. તે તો કાલે પાછો વઢવા આવશે. આમનાં શાં ઠેકાણાં ? બોલાવ જય વીતરાગનો- નમો વીતરાગાય ! નમો વીતરાગાય !

(પા.૧૧૨)

પ્રશ્નકર્તા : શું, ભગવાને ચિંતા-ઉપાધિ મોકલી હશે ?

દાદાશ્રી : પોતાને જેવો વેપાર કરતાં આવડે એવું મળે. દહીં ચોખ્ખું હોય, દહીં બજારનું, મસાલા બજારનાં, લાકડાં બજારનાં, પાણી છે તેય વોટર વર્કસનું; છતાંય બધાંની કઢીમાં ફેર ! દરેકની કઢીમાં ફેર હોય. કોઇએ તો કઢી એવી બનાવી હોય કે આપણું માથું ખલાસ થઇ જાય! આ બધાંને ભગવાન શું કહે છે કે, ‘તને જેવું આવડે એવું કર. તારા હાથમાં સત્તા છે ! કોઇ ઉપરી છે નહીં, કોઇ વઢનાર છે નહીં. વઢનારા તે આપણી ભૂલને લઇને, ભૂલ ના હોય તો કોઇ વઢનાર જ નથી. આપણી ભૂલ ભાંગી જાય તો કોઇ વઢનાર છે જ નહીં, કોઇ ઉપરી છે જ નહીં, કોઇ આડખીલી કરનારો છે જ નહીં. ભગવાનને કહે કે, ‘સાહેબ, તમે તો મોક્ષે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે, તો તેનું શું થાય ?’ તે ભગવાન કહે કે, ‘ભાઇ, લોક ચોરી કરે જ નહીં. તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે. તારી ભૂલ ભાંગી નાખ.’ બાકી કોઇ તારું નામ પણ ના દઇ શકે એવી તારી શક્તિ છે ! સ્વતંત્ર શક્તિ લઇને આવેલા છે દરેક જીવ ! જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે. પરતંત્રતા લાગે છે, લોકો એને રિબાવે છે, તે એની પોતાની ભૂલથી જ કોઇના જમાઇ ને કોઇના સસરા થવું પડે છે. આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે. ખરેખર જોઇએ તો આપણો કોઇ ઉપરી છે જ નહીં, માત્ર પોતાની ભૂલો જ ઉપરી છે. તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો.

‘જ્ઞાની’ એટલે અજ્ઞાનને ઘૂસવા ના દે. ‘જ્ઞાન’ ના મળ્યું હોય ત્યાં સુધી લોકોએ ધર્મધ્યાનમાં રહેવું જોઇએ. ભગવાનનું ધર્મધ્યાન એકલું પામેને તો બહુ થઇ ગયું ! જો કોઇ એટલું જ નક્કી કરે, કે જે કોઇ દુઃખ દે છે, જે જે કરે છે, ગજવું કાપે છે તે કોઇનો દોષ નથી, પણ દોષ મારો છે, મારા કર્મના ઉદયનો છે. માટે કોઇને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય. પણ આ તો ‘આણે મને આમ કર્યું, આ મારું ચોરી ગયા, આ મારું ખાઇ ગયાં’, બધા લોકોની ઉપર આરોપ કરે છે, જે નહીં કરવાનું તે કરે છે.

(પા.૧૧૩)

નિમિત્તને બચકાં

હમણાં સાસુ દુઃખ દેતી હોય ને, તો વહુ પોતાના દોષ જોતી નથી પણ સાસુની જ ખોડ કાઢ કાઢ કરે છે. પણ તે જો ધર્મધ્યાન સમજે તો શું કરે ? ‘મારા કર્મના દોષ, તેથી મને આવાં સાસુ મળ્યાં. પેલી મારી બહેનપણીને કેમ સારી સાસુ મળી છે’ એવો વિચાર ના કરવો જોઇએ? આપણી બહેનપણીને સારાં સાસુ હોય છે કે નથી હોતાં ? તો આપણે ના સમજીએ કે આપણી કંઇક ભૂલ હશે ને, નહીં તો આવાં સાસુ ક્યાંથી ભેગાં થાય ?

પ્રશ્નકર્તા : દ્રષ્ટિમાં ફેર છે એટલે આમ થાય છે ?

દાદાશ્રી : ના, દ્રષ્ટિમાં ફેર નહીં પણ એને ભાન જ નથી કે આ મારાં કર્મના ઉદયનું ફળ છે. એ તો પ્રત્યક્ષને જ જુએ છે, નિમિત્તને જ બચકાં ભરે છે. સાસુ તો નિમિત્ત છે, એને બચકાં ના ભરીશ. નિમિત્તનો તે ઊલટાનો આપણે ઉપકાર માનીએ કે એણે એક કર્મમાંથી મુક્ત કર્યા આપણને. એક કર્મમાંથી મુક્ત થવું હોય તો કેવી રીતે મુક્ત થવાય ? પેલો ગજવું કાપી ગયો અને ગજવું કાપનાર માણસને આપણે નિર્દોષ જોઇએ, અગર તો સાસુ ગાળો આપતી હોય કે આપણી ઉપર દેવતા નાખ્યો હોય, તે ઘડીએ આપણને સાસુ નિર્દોષ દેખાય તો આપણે જાણવું, કે આ કર્મની મુક્તિ થઇ ગઇ. નહીં તો કર્મ મુક્ત થયું નથી. કર્મ મુક્ત થયું નથી, ને ત્યાર પહેલાં તો સાસુનો દોષ જુએ, એટલે પાછાં બીજાં નવાં કર્મ વધ્યાં ! કર્મ વધ્યાં ને પછી ગૂંચાઇ જાય. માણસ ગૂંચાઇ જાય પછી ગૂંચમાંથી શી રીતે નીકળે ? ગૂંચાઇ જાય. આખો દહાડો ગૂંચમાં ને ગૂંચમાં, ગૂંચમાં ને ગૂંચમાં !

આ જાનવરોને ગૂંચ ના હોય. મનુષ્યોને જ ગૂંચ હોય. કારણકે, તેઓ નવી નવી ગૂંચો પાડ પાડ કરે છે. જાનવર તો કો’ક મારી જાય તો માર ખાઇને ભાગી જાય. બીજું, તેનામાં સામાને આરોપ કરવાની શક્તિ નથી કે તમે મને આમ કર્યું કે તેમ કર્યું એવું કશું નહીં. એવી તેમને મહીં બુદ્ધિશક્તિ નથી. આ મનુષ્યોને બુદ્ધિ મળી ત્યારે દુરુપયોગ કર્યો ! ઊલટો

(પા.૧૧૪)

ગૂંચાયો !! જ્યાં છૂટવા આવ્યો ત્યાં જ ગૂંચાયો !!! એક એક કર્મની મુક્તિ થવી જોઇએ. સાસુ પજવે ત્યારે એકે એક વખત કર્મથી મુક્તિ મળવી જોઇએ. તો તે માટે આપણે શું કરવું જોઇએ? સાસુને નિર્દોષ જોવા જોઇએ કે સાસુનો તો શો દોષ ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યાં છે. એ તો બિચારાં નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઇ. ને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યાં. પછી એને તો કોઇ શું કરે ? ભગવાન શું કરે ?

ભગવાન તો શું કહે છે કે, ‘તું મારી મૂર્તિને રોજ પગે લાગે પણ તું આ ‘સમજણ’માં જ્યાં સુધી નહી આવે ત્યાં સુધી તું પોઇઝન પીઉં, ને તારું શરીર સારું થાય એવું અમે તને કહી શકીએ નહીં. અમારી આજ્ઞા પાળ. અમારાં દર્શન કરવા કરતાં અમારી જો આજ્ઞા પાળીશ તો તે અમને વિશેષ પ્રિય છે. કારણ કે આમ દર્શન તું રોજ કરે છે. પણ એક શબ્દેય અમારો તું પાળતો નથી એટલે તું અમારી જીભ ઉપર પગ મૂકે છે! એ તને શરમ નથી આવતી ?’ ત્યારે તે કહેશે કે, ‘સાહેબ, આવું તો હું જાણતો જ નહોતો કે હું આપની જીભ ઉપર પગ મુકું છું !’ અને વાતેય ખરી છે. તે બિચારો એ જાણે પણ ક્યાંથી ? લોક કરે એવું એય કરે અને કોઇ એ એને સાચી સમજણેય પાડી નથી. પછી એ બિચારો ક્યાંથી પાછો ફરે ? એવી સાચી સમજણ પાડી હોય તો એ પાછો ફરે.

કર્મ નિર્જરે પ્રતિક્રમણે

એક કર્મ ઓછું થઇ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે ? એમનાં મોઢાં પર દિવેલ પીધું ના હોય એવા થઇ ને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કંઇ? મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે ? મહીં પરિણતી બદલાય કે દિવેલ પીધા જેવું મોઢું થઇ જાય ! દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની, એનાથી મહીંની પરિણતી બદલાઇ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો’ કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું

(પા.૧૧૫)

છે ભગવાને, અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. આ તો ઉધાર પ્રતિક્રમણ. બાર મહિને પર્યુષણ આવે તે દહાડે પ્રતિક્રમણ કરે ત્યારે તો નવી નવી સાડીઓ પહેરીને નીકળે, એટલે ઊલટા મૂર્છિત થઇ ને ફરે છે. જ્યારે પ્રતિક્રમણ કરવાનું ત્યારે ઊલટા મૂર્છિત થઇને, નવી સાડીઓ પહેરીને ફરે. એવાં મૂર્છા પરિણામને ભગવાને ધર્મ કહ્યો નથી. પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહી હોય તોય ચાલશે. પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ? તમે આમને કહ્યું કે, તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઇતું, તે બોલાઇ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે, ‘ભગવાન, મારી ભૂલ થઇ છે. મેં આ ભાઇને આવું કહ્યું માટે એનો પસ્તાવો કરું છું. હવે ફરી એ નહીં કરું.’ ‘ફરી નહી કરું’ એને પ્રત્યાખ્યાન કહેવાય છે. ભગવાનનું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી લે ને, તેય પાછું રોકડે રોકડું, ઉધાર નામેય ના રહેવા દે, આજના આજ ને કાલના કાલે, જ્યાં કંઇક થાય તો રોકડું આપી દે, તો પૈસાદાર થઇ જાય, જાહોજલાલી ભોગવે અને મોક્ષે જાય ! એક જ શબ્દ પકડે, આ ‘જ્ઞાની પુરુષ’નો એક જ શબ્દ પકડી લે તો બહુ થઇ ગયું ! ઠેઠ મોક્ષે ના લઇ જાય તો એ ‘જ્ઞાની’ જ ન હોય !!! એક શબ્દ પકડી લે, વધારે નહીં.

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે તો પ્રતિક્રમણ કરવું પડે, પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, ‘મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?’ એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમનાં પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો પાંચસો કરે તો મોક્ષે જાય !

હવે આવું ધર્મધ્યાન અને આવા પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાંય અત્યારે તો રહ્યાં નથી ને ! પછી હવે શું થાય ? નહીં તોય રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ?

(પા.૧૧૬)

જો આટલું જ કરોને તો બીજો કોઇ ધર્મ ખોળો નહીં તોય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરેન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ! તારી તૈયારી જોઇએ. એક જ શબ્દ પાળે તો બહુ બહુ થઇ ગયું !

અતિક્રમણ થયું તો પ્રતિક્રમણ કરવું જ જોઇએ. અતિક્રમણ તો મનમાં ખરાબ વિચાર આવે, આ બહેનને માટે ખરાબ વિચાર આવ્યો, એટલે ‘વિચાર સારો હોવો જોઇએ’ એમ કહી એને ફેરવી નાખવું. મનમાં એમ લાગ્યું કે ‘આ નાલાયક છે’, તો એ વિચાર કેમ આવે ? આપણને એની લાયકી-નાલાયકી જોવાનો રાઇટ નથી અને બાધે-ભારે બોલવું હોય તો બોલવું કે, ‘બધા સારા છે.’ સારા છે, કહેશો તો તો તમને કર્મનો દોષ નહીં બેસે, પણ જો નઠારો કહ્યો તો એ અતિક્રમણ કહેવાય, એટલે તેનું પ્રતિક્રમણ અવશ્ય કરવું પડે.

છોકરાને મારવાનો કંઇ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં, છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઇએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને; ક્રોધ, માન, માયા, લોભને લઇ ને; કષાયો થકી ધીબી નાખ્યા. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, ‘દાદા’એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તોય એ ધોવાઇ જાય ! તરત ને તરત ધોવાઇ જાય એવું છે. ધર્મધ્યાનથી કર્મ બંધાયેલું છૂટે અને નવું બંધાય નહીં ! અને સંપૂર્ણ મોક્ષ તો શુકલધ્યાન ઉત્પન્ન થશે, ત્યારે થશે. શુકલધ્યાન તો ‘જ્ઞાની પુરુષ’ની પાસેથી જ થાય. શુકલધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે. પણ આ તો અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે એટલે ‘અમે’ શુકલધ્યાન કલાકમાં જ આપીએ છીએ. નહીં તો શુકલધ્યાનની વાત જ ના હોય ને! અને શુકલધ્યાન થયું એટલે કામ જ થઇ ગયું ને !

પહેલાં વહુ હતી તે સાસુ થઇ, કારણ કે વહુ લાવ્યા તે પોતે સાસુ થઇ. એવો આ બધો સાપેક્ષ સંસાર છે, ભ્રાંતિ છે. આ સાચી વસ્તુ નથી

(પા.૧૧૭)

અને સાપેક્ષને સાચું માની લીધું કે આ મારો જ છોકરો. છોકરો આપણો ક્યારે કહેવાય કે આપણે એને અપમાન કરીએ, ગાળો દઇએ, મારીએ તોય પણ એને આપણી પર પ્રેમ આવ્યા કરે; તો આપણે જાણીએ કે છોકરો આપણો ખરો. પણ આ તો એક કલાક જો અપમાન કર્યું હોય તો એ તમને મારવા ફરી વળે ! અરે, એક ફાધરે જરા વધારે પડતું કર્યું તે બે કલાકમાં જ છોકરાએ બાપની સામે કોર્ટમાં દાવો માંડ્યો. અને વકીલને શું કહે છે કે, ‘તમને ૩૦૦ રૂપિયા વધારે આપું, જો તમે મારા ફાધરની કોર્ટમાં નાકકટ્ટી કરાવો તો !’ આ નાકકટ્ટી કરાવવી છે ! આ તો સંસાર જ આવો છે કે કોઇ મુશ્કેલીના ટાઇમે આપણું થાય નહીં. માટે ભગવાનનો આશરો લેવા જેવો છે, બીજા કોઇનો નહીં !

લોકો એવું કહે છે ને કે, ‘ઠોકર મને વાગી.’ એવું જ કહે છે ને કે, ‘હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ?’ ઠોકર તો એની એ જ જગ્યાએ, રોજે ત્યાં ને ત્યાં જ બેસી રહેલી છે. ઠોકર કહે છે, ‘અક્કરમી, તું મને વાગ્યો ! તું અથડા અથડા કરે છે. હું ના કહું છું તોય એ પાછો અથડાય છે ! મારો તો મુકામ જ આ જગ્યાએ છે. આ અક્કરમી આંધળા જેવો મને વાગે છે.’ ઠોકર કહે છે તે બરોબર છે ને ? આવી આ દુનિયા છે ! પછી મોક્ષ ખોળે તો ક્યાંથી થાય ? વીતરાગોનો બતાવેલો મોક્ષ સહેલામાં સહેલો, સરળમાં સરળ છે. ‘શુદ્ધ ભાવે વીતરાગોને ઓળખે તોય મોક્ષ થઇ જાય.’ પણ વીતરાગોને આ લોકોએ ઓળખ્યા જ નથી. ને વીતરાગોને કહે છે કે ‘મારે ત્યાં બાબો નથી.’ એટલે ભગવાનનું પારણું લઇ આવે છે ! અલ્યા, વીતરાગો પાસે બાબો માગે છે ? વીતરાગો વળી આવામાં હાથ ઘાલતા હશે ? જો હાથ ઘાલે તો પછી એ વીતરાગ શાના? વીતરાગો પાસે માગવું હોય તો એક જ માગો. મોક્ષ માગો. મોક્ષ માગો તો મોક્ષ મળે પણ ચારોળી માગે તો મળે ?

અહીં બધું નવું સાંભળવાનું મળે. રીલેટિવમાં બીજે બધે જે સાંભળવાનું મળતું હતું તે બધો સાધન માર્ગ હતો, અને આ સાધ્ય માર્ગ છે. અનંત અવતાર સાધનોનું જ રક્ષણ કર્યું ને ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કર્યા કરે છે. ધ્યાન તો ક્યારે થાય ? પોતે ધ્યાતા થાય ત્યારે. આપણે પૂછીએ

(પા.૧૧૮)

કે ‘તું કોણ ?’ ત્યારે કહેશે, ‘હું મેજિસ્ટ્રેટ.’ ‘અલ્યા, ધ્યાન કરતી વખતે ધ્યાતા નહોતો ? મેજિસ્ટ્રેટ હતો ?’ આ તો ધ્યાતા ક્યારે થાય કે જગતમાંનું બધું વિસ્મૃત થાય ત્યારે. આ તો એનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, એટલે ધ્યેય ક્યાંથી નક્કી થાય ? આ તો ધ્યેય વડોદરે જવાનું હોય પછી પોતે ધ્યાતા થાય કે શેમાં જઇશું ? પણ આ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ ને પેલું તો ભાન જ ના હોય; ને એ તો અતિન્દ્રિય પ્રત્યક્ષ !

ચાર પ્રકારનાં ધ્યાન

ચાર પ્રકારનાં ધ્યાન હોય, તેમાંથી એક ધ્યાનમાં મનુષ્યો નિરંતર હોય. તમારે અહીં કયું ધ્યાન રહે છે ?

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન.

દાદાશ્રી : એ તો લક્ષ કહેવાય. પણ ધ્યાન ક્યારે કહેવાય કે ધ્યાતા થાય તો. પણ આપણે તો ધ્યાન, ધ્યાતા, ધ્યેય પૂરું થયું ને યોગનાં આઠેય અંગ પૂરાં કરીને લક્ષમાં આવ્યા. અત્યારે કહે તમને કે, ‘ચાલો, ઊઠો, જમવા ચાલો’, તો ત્યારેય તમે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહો ને પછી કહે કે, ‘તમારે અહીં જમવાનું નથી.’ તોય જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી રહેવાય તો એને શુકલધ્યાન કહ્યું. દુકાનમાં ઘાલમેલ કરે, કપડું ખેંચીને આપે એ રૌદ્રધ્યાન કહ્યું. આ ભેળસેળ કરે તે રૌદ્રધ્યાનમાં જાય. આ દુકાને બેઠો બેઠો ઘરાકની રાહ જુએ તો એને ભગવાને આર્તધ્યાન કહ્યું !

એક બાજુ ભગવાન મહાવીરે ૪૫ આગમો કહ્યા અને એક બાજુ ચાર શબ્દો કહ્યા. આ બન્નેના તોલ સરખા કહ્યા. ચાર શબ્દ જેણે સાચવ્યા એણે આ બધા આગમો સાચવ્યા. એ ચાર શબ્દો કયા ? રૌદ્રધ્યાન, આર્તધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન.

જગત કેવું છે ? તારો ઘરાક હોય, તો તું સોળના સાડાસોળ કહું તોય જતો રહેવાનો નથી અને તારો ઘરાક નહીં હોય, તો તું પંદર કહું તોય જતો રહેવાનો છે. એ ભરોસો તો રાખ !

પોતે પોતાની ચિંતા કરે તે આર્તધ્યાન. છોડી નાની છે, પૈસા છે

(પા.૧૧૯)

નહીં, તો હું શું કરીશ ? કેવી રીતે તેને પૈણાવીશ ? એ આર્તધ્યાન. આ તો છોડી નાની છે ને ભવિષ્ય ઊલેચે છે તે આર્તધ્યાન.

આ તો ઘેર ના ગમતો માણસ આવે ને ચાર દિવસ રહેવાનો હોય, તો મહીં થાય કે, ‘જાય તો સારું. મારે ત્યાં ક્યાંથી આવી પડ્યો ?’ એ બધું આર્તધ્યાન ને પાછું ‘આ નાલાયક છે’ એવી ગાળો ભાંડે તે રૌદ્રધ્યાન. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !

દૂધ ચોખ્ખું હોય ને એનો દૂધપાક કરવાનો હોય તો તેમાંય મીઠું ના નાખવું પણ ખાંડ નાખવી. ચોખ્ખા દૂધમાં ખાંડ નાખવી તે ધર્મધ્યાન. આ તો મારા જ કર્મના દોષે મારી જ ભૂલથી આ દુઃખો આવી પડે છે. એ બધું ધર્મધ્યાનમાં સમાય.

ભગવાન મહાવીરના ચાર શબ્દ શીખી ગયો તો પેલી બાજુ ૪૫ આગમો ભણી ગયો !

વીતરાગોનું સાચું ધર્મધ્યાન હોય તો ક્લેશ ભાંગે.

ધર્મધ્યાન કોને કહેવાય ? કોઇક માણસે પોતાનું ખરાબ કર્યું તો એના તરફ કિંચિત્ માત્ર ભાવ બગડે નહીં અને એના તરફ શો ભાવ રહે, જ્ઞાનનું કેવું અવલંબન લે કે ‘મારાં જ કર્મના ઉદયે આ ભાઇ ભેગા થયા છે’, અને તો એ ધર્મધ્યાનમાં ખપે. આ તો કોઇએ ભરી સભામાં, ભયંકર અપમાન કર્યું હોય તો એ આશીર્વાદ આપીને ભૂલી જાય. અપમાનને ઉપેક્ષા ભાવે ભૂલે એને ભગવાને ધર્મધ્યાન કહ્યું. આ તો અપમાનને મરતાં સુધી ના ભૂલે એવા લોક છે !

ધર્મધ્યાનવાળો શ્રેષ્ઠી પુરુષ કહેવાય. આખો દહાડો સવારથી ઊઠે ત્યારથી લોકોને ઓબ્લાઇઝ કર્યા કરે. ઓબ્લાઇઝિંગ નેચરનો હોય. પોતે સહન કરીનેય સામાને સુખ આપે. દુઃખ તો જમા જ કરે. એક પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય. એના મોઢા પર દિવેલ ચોપડેલું ના હોય. મુખ ઉપર નૂર દેખાય. આખા ગામની વઢવાડોનો એ નિકાલ કરી આપે. એને કોઇની પ્રત્યે પક્ષપાત ના હોય. જૈન તો કેવો હોવો જોઇએ? જૈન

(પા.૧૨૦)

તો શ્રેષ્ઠી પુરુષ ગણાય, શ્રેષ્ઠ પુરુષ કહેવાય. પચાસ-પચાસ માઇલની રેડિયસમાં એની સુગંધ આવે !

અત્યારે તો શ્રેષ્ઠીના શેઠ થઇ ગયા અને તેમના ડ્રાઇવરને પૂછીએ તો કહે કે જવા દોને એની વાત. શેઠનો તો માત્રા કાઢી નાખવા જેવો છે ! શેઠનો માત્રા કાઢી નાખીએ તો શું બાકી રહે ?

પ્રશ્નકર્તા : શઠ !

દાદાશ્રી : અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તોય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ તો હરીફાઇમાં પડ્યા છે. એક ગાદી ને તકિયો હોય તોય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે. તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઉંચી છે. પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડ્યા છે. ફલાણાએ આવો આણ્યો તો મારેય એવો જોઇએ. ને તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરેય સોફા ને શેઠને ઘેરેય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો’કે આવાં કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો’કે ગૅસ પર રોટલી કરતાં જોયાં તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાંય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ ! બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીઓ હોય તો તે બીજાને શું સુખ આપે ? દુઃખીઓ તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !

ભલે, મોક્ષની વાત બાજુએ રહી, પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ઉપર તો અંકુશ હોવો જોઇએ ને ? એની છૂટ શી રીતે અપાય ? છૂટ શેની હોય ? ધર્મધ્યાનની હોય. આ તો છુટ્ટે હાથે દુર્ધ્યાનો વાપરે છે ! કેટલું શોભે ને કેટલું ના શોભે એટલું તો હોવું જ જોઇએ ને ?

(પા.૧૨૧)

પ્રશ્નકર્તા : અપધ્યાન એટલે શું ?

દાદાશ્રી : અપધ્યાન તો આ કાળમાં ઊભું થયું છે. અપધ્યાન એટલે જે ચારે ધ્યાનમાં ના સમાય તે. ભગવાનના વખતમાં ચાર પ્રકારનાં ધ્યાન હતા. તે વખતમાં અપધ્યાન લખાયું નહોતું. જે વખતે જે અનુભવમાં ના આવે ને તે લખાય તો શું કામ આપે ? એટલે અપધ્યાન ત્યારે નહોતું લખાયું. આ કાળમાં એવાં અપધ્યાન ઊભાં છે. અપધ્યાનનો અર્થ હું તમને સમજાવું. આ સામાયિક કરતી વખતે શીશીમાં જો જો કરે કે, ‘હજી કેટલી બાકી રહી, હજી કેટલી બાકી રહી, ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે’, એમ ધ્યાન સામાયિકમાં ના હોય પણ શીશીમાં હોય! આને અપધ્યાન કહેવાય. દુર્ધ્યાન હોય તો ચલાવી લેવાય. દુર્ધ્યાન એટલે વિરોધી ધ્યાન અને સદ્ધ્યાન મોક્ષે લઇ જાય. અને આ શીશી જો જો કરે એ તો અપધ્યાન કહેવાય. છતું નહીં, ઊંધું નહીં, પણ તીસરી જ પ્રકારનું! શીશી જો જો કરે છે. એમાં એની દાનત શી છે ? એક માણસ ચિઢાયો અને એ પોતાના અહંકારને પોષવા ગામ બાળી મેળે ! પણ એય એક ધ્યાન કહેવાય. આ અપધ્યાનવાળાને તો પોતાના અહંકારની પડી ના હોય, પણ ધ્યાન કરે તે અપધ્યાન કરે-એટલે કે સંપૂર્ણ અનર્થકારક. નહીં પોતાના માટે કે નહીં માન માટે, બિલકુલ મીનિંગલેસ! અર્થ વગર, હેતુ વગર જે ક્રિયા કરવામાં આવે છે તે અપધ્યાન.

હાર્ડ રૌદ્રધ્યાન

બીજું, આ કાળમાં હાર્ડ રૌદ્રધ્યાન વધ્યાં. હાર્ડ રૌદ્રધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઇ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્રધ્યાન. આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે, સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાનાં હાડકાં ને ચામડી જ બાકી રાખે, તે ઉપરથી કહે, ‘મેં ક્યાં માર્યો ? અમારે તો અહિંસા પરમો ધર્મ !’ આ શેઠિયાઓએ એવાં એવાં કનેકશન ગોઠવી દીધાં હોય કે શેઠ ગાદી-તકિયે બેઠા હોય ને ખેડૂતો બિચારા રાત દહાડો મહેનત કરે ને તોર તોર શેઠને ઘેર જાય ને પેલાને ભાગે છાશેય ના આવે ! શેઠ પોતાની વધારે બુદ્ધિથી

(પા.૧૨૨)

પેલાની ઓછી બુદ્ધિનો લાભ લઇને પંપાળી પંપાળીને મારે ! આને હાર્ડ રૌદ્રધ્યાન કહ્યું છે. આ તો ટપલે ટપલે મારે. એકદમ તલવારથી બે ઘા કરી નાખે તો એ હાર્ડ રૌદ્રધ્યાન ના ગણાય, રૌદ્રધ્યાન ગણાય. કારણ કે બે ટુકડા કર્યા પછી લોહી જોઇનેય પેલાનું મન પાછું પડે કે, ‘અરેરે ! મારાથી આ મરી ગયો !’ પણ આ હાર્ડ રૌદ્રધ્યાનથી તો મન પાછું ના પડે અને ઊલટું વધતું જાય. લોહીનું ટીપુંય પાડ્યા વગર મજૂરના શરીરનું એકેએક લોહીનું ટીપું શેઠ ચૂસી જાય ! હવે આને ક્યાં પહોંચી વળાય ? આને તો ટર્મિનસ સ્ટેશન જ નહીં ને ! આ હાર્ડ રૌદ્રધ્યાનનું ફળ તો બહુ ભયંકર આવે. સાતમી નર્કમાંય ના સમાય તેવું ફળ ! આ હાર્ડ રૌદ્રધ્યાન અને અપધ્યાનને ઝીણવટથી સમજવા તો પડશે ને ? તમને શું લાગે છે ? કે પછી સમજ્યા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : સમજવું તો પડશે જ, દાદા.

દાદાશ્રી : આ ભગવાન મહાવીર પછીનો ૨૫૦૦ વર્ષનો દુષમ કાળ ! તે બધાં યે ભૂલ ખાધી એમાં. સાધુ-બાધુ બધાએ ભૂલ ખાધી ! કો’ક સેંકડે બે-પાંચ જ સાધુઓ આમાંથી બાકાત રહ્યા હશે ! બાકી બધા રૌદ્રધ્યાન, આર્તધ્યાન ને ન કરવાનાં અપધ્યાન આખો દહાડો કર્યા કરે છે. હવે આ સાધુ શા માટે થાય છે ? ત્યારે કહે, આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખસેડવા માટે. ઘેર ગમે નહીં, રોજ લઢવાડ થાય, કોઇ જોડે પૈસા લેવાદેવા પડે એના ઝઘડા થાય, એનાં કરતાં આમાંથી છૂટીને સાધુ થઇ જાય તો પછી ખાવા પીવાની ચિંતા તો મટી અને ઘર ચલાવવાની પૈણવાની ચિંતા મટી એટલે આર્ત ને રૌદ્રધ્યાન છૂટ્યાં ! આટલું છોડવા માટે સાધુપણું લેવાનું છે. પણ અત્યારે તો આ ગૃહસ્થીઓને જેટલાં આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના હોય તેટલાં આ મહારાજોને થઇ ગયા છે ! બધાને ઇચ્છા તો ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. સાચા દિલની ઇચ્છા છે પણ માર્ગ ના મળે તો થાય શું ?

ભગવાનના વખતમાં નહોતાં એવા ધ્યાન અહીં આ કાળમાં અત્યારે ઊભા થયાં !

(પા.૧૨૩)

અહીં તમારે દરેક વાતનો ખુલાસો થાય. મહાવીર ભગવાન ગયા ત્યારથી ૨૫૦૦ વર્ષથી ‘ભઠ્ઠી’ ચાલુ થઇ હતી. હવે ૨૫૦૦ વર્ષ પૂરાં થયાં ને એ ‘ભઠ્ઠી’ પૂરી થાય છે અને હવે નવો યુગ ને નવું બધું શરૂ થાય છે!

સંસારનું ઉપાદાન કારણ

સંસારનું ઉપાદાન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે અને એ જ અધિકરણ ક્રિયા છે. એકલું ધર્મધ્યાન હોય તો સંસારમાં ભટકાવે એવું નથી. અને કો’ક દહાડો તેથી શુકલધ્યાન પણ પ્રાપ્ત થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં તો આખો દહાડો કઢાપો ને અજંપો રહે. કઢાપો એ રૌદ્રધ્યાન ને અજંપો એ આર્તધ્યાન છે. જે અજંપો મહીં થયા કરતો હોય ને તે સામાને સમજાઇ જાય તો તે રૌદ્રધ્યાનમાં જાય !

રૌદ્રધ્યાન કોને કહેવાય ?

આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તમે ઓળખો છો ખરા કે ? કાળા રંગનો માણસ એ આર્તધ્યાન ને ગોરા રંગનો માણસ શું એ રૌદ્રધ્યાન કહેવાય ?

ક્રોધ તો કો’કની ઉપર થાય ને ? ક્રોધ જો પોતાની જાત ઉપર કરે તો ભગવાને એને આર્તધ્યાનમાં ગણ્યું, પણ ક્રોધ કો’કને માટે કરે છે. જાત ઉપર કરે એવી કંઇ કાચી માયા નથી. આ બધા પાકા છે, જાત ઉપર ક્રોધ ના કરે ! જાત ઉપર ક્રોધ કરે એવા છે લોક ? બીજા ઉપર કરે છે ને ? તે બીજા ઉપર ક્રોધ કર્યો તો એ બીજાને દુઃખ દેવાનો ભાવ કર્યો. ક્રોધ એ બીજાને દુઃખ દેવાનો ભાવ કહેવાય. લોભ એ બીજા પાસેથી લઇ લેવાનો ભાવ કહેવાય, કપટ-માયા એ બીજા માણસ પાસેથી તેનું નુકસાન કરીને લઇ લેવાના ભાવ છે અને માન એ તિરસ્કાર છે, બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. એ બધું જ રૌદ્રધ્યાન છે. ક્રોધ, માન, માયા, લોભ એ રૌદ્રધ્યાન છે.

આર્તધ્યાન કોને કહેવાય ?

આર્તધ્યાન તો, હમણાં તમારે ત્યાં બે મહેમાન આવ્યા હોય તે

(પા.૧૨૪)

તમને ગમતાં હોય કે તમને ના પણ ગમતા હોય એવા મહેમાન હોય છે કે નહીં ? ના ગમતા મહેમાન હોય છે ત્યારે થાય કે ‘આ ક્યાં આવ્યા?’ બારણામાં પેઠાને, ત્યારથી તમને મહીં કંટાળો આવ્યા કરે અને પાછું મોઢે કહેવું પડે કે ‘આવો બેસો.’ એને એમ કહેવું પડે કે ના કહેવું પડે ? કારણ કે એવું ના કહે તો આબરુ જાય, બહાર ફજેત કરે ને આપણને ? એટલે આવો બેસો કહેવું પડે અને મહીં કંટાળો આવ્યા કરે એને આર્તધ્યાન કહ્યું, ભગવાને. આર્તધ્યાન એટલે પોતાને જ પીડાકારી ધ્યાન. હવે મહેમાન આવ્યા છે ત્યારે કંઇ પાછા જતા રહેવાના છે ? ત્યારે કહીએ કે, ‘આવો બેસો’ ને મહીં આર્તધ્યાન થાય તો ના થવા દેવું જોઇએ, એવું ભગવાને કહ્યું. અને થાય તો પ્રતિક્રમણ કરવું જોઇએ, કે ભગવાન આવું કેમ થાય છે ? મારે નથી કરવું આવું. અગર તો કોક બે માણસ ગમતા હોય કે તમારાં ઘૈડાંબા આવ્યાં હોય ને તે બે દહાડા માટે આવ્યાં હોય તો આઠ દહાડા રહે તો બહુ સારું એવી ભાવના થાય ને, તો એય આર્તધ્યાન કહેવાય. એ જતાં હોય ને મનમાં દુઃખ થયા કરે કે હજી બે દહાડા પછી ગયાં હોત તો મને સંતોષ થાત. તો એય આર્તધ્યાન કહેવાય. અગર તો તમે કો’કની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્રધ્યાન થઇ ગયું. અને આ કોકની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્તધ્યાન થયું કહેવાય.

કેટલાક માણસ ક્રોધ કર્યા પછી, ‘ક્રોધ કરવા જેવો જ હતો’ એમ કહે છે. એટલે એ રૌદ્રધ્યાન, સભર રૌદ્રધ્યાન થયું ! ડબલ થયું ! ક્રોધથી તો રૌદ્રધ્યાન થયું પણ ‘કરવા જેવો હતો’ એ થયું તે રાજીખુશીથી કરે છે માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે, માટે એ આર્તધ્યાનમાં જાય છે. રૌદ્રધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્તધ્યાનમાં જાય કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે.

પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે, ‘કમાવાની તું ભાવના જ ના કરીશ.’

દાદાશ્રી : તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ?

(પા.૧૨૫)

પ્રશ્નકર્તા : ના સાહેબ.

દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તોય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?

પ્રશ્નકર્તા : મળે છે.

દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે.

આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઇ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઇ ચાલી, બ્લડપ્રેસર થઇ ગયું. હાર્ટ-ફેઇલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડ્યું ?!

આમને કોઇ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમનાં ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઇ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે, જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.

એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાનાં પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતાં નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.

અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઇશું ? આ જગત કેવી રીતે ચાલે છે એનું કોઇને ભાન જ નથી. કોઇ છોકરાના ભાઇબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી નહીં ઊગે તો

(પા.૧૨૬)

હું શું કરીશ ? એવું આવા વહેમ કરવા જેવું જગત નથી. કોકને ના ઊગે તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ. કોકને ના ઊગે એ તો કુદરતનું એક આશ્ચર્ય છે !

અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, ‘અવશ્ય કમાવાનો છે અને ખોવાનોય છે ?’ એ બેઉની તારા હાથમાં સત્તા નથી. વગર કામનું ધ્યાન શા માટે બગાડે છે ? આ પૈસા એ તો પૂરણ ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે અને લાખ ખોટ જાય છે તેય કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ?

આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ નહીં થાય. જૈનધર્મનો સારાંશ શો ? તો કે‘ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય તો જૈનધર્મ પામ્યા કહેવાય. એ બંને બંધ થાય તો જૈનધર્મનો સારાંશ પામ્યા કહેવાય, ભગવાન મહાવીરે જે કહ્યું તે પામ્યા કહેવાય. નહીં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને ? બીજાનામાં ને આમનામાં ફેર ના હોય ? જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય? બીજા ધર્મમાંય ચારે ધ્યાન છે અને જૈનમાંય ચારે ધ્યાન છે, તો પછી એને વીતરાગનો ધર્મ જ કેમ કહેવાય ? બીજા બધા ધર્મવાળા યે આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે. ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી. હવે એય ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિ શી માંડી કહેવાય ? ‘વીતરાગ’ ધર્મમાં તો ફેરફાર હોવો જોઇએ ને ? ત્યારે કહે, શામાં ફેરફાર હોવો જોઇએ ? તારે દુર્ધ્યાન કેટલાં ઓછાં થયાં છે ? ચાર ધ્યાનમાંથી કયા કયા ધ્યાન ઓછાં થઇ ગયાં છે ? વખતે રૌદ્રધ્યાન બંધ થઇ ગયું હોય ને આર્તધ્યાન હોય તોય ભગવાન ચલાવી લે, થોડુંક પણ આર્ત ને રૌદ્રધ્યાન બેઉ જાય ત્યાર પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય.

પ્રશ્નકર્તા : અગમ વિચાર એ કયું ધ્યાન કહેવાય ?

(પા.૧૨૭)

દાદાશ્રી : અગમ વિચાર એ આર્તધ્યાનમાં સમાય અથવા પાછળના ભૂતકાળના વિચારથી પણ ઉપાધિ થાય એને. વરસ દહાડા ઉપર છોકરો મરી ગયો હોય અને આજે સંભારીને રડે તો એ આર્તધ્યાન કહેવાય, દુઃખમાં આર્ત ને રૌદ્રધ્યાન કરે. એકનો એક છોકરો મરી જાયને તો કલ્પાંત કરે. કલ્પાંત કર્યો માટે કલ્પના અંત સુધી તારે ભટકવું પડશે ! એક કરોડ વર્ષ ભટકવું પડશે !

આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે, ‘શેઠિયાઓ મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?’ તો તે કહે, ‘કેમ એમ ?’ ત્યારે મારે કહેવું પડે છે, ‘આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલુંય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે, કે ઘરાક પૂછે કે, ‘આ ટેરિલીનનો શો ભાવ છે ?’ તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્ માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એનેય રૌદ્રધ્યાન કહ્યું છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારેય જતું રહ્યું હોય તો ત્યાં કોઇ જમે કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે, ‘જો આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.’ એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય.

પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે. બધું આનું આ જ આખો દહાડો રૌદ્રધ્યાન છે અને જૈનપણું ખલાસ થઇ ગયું છે. જૈન તો કેવો હોય ? ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઇએ છતાં તે વખતે આપણી હેલ્પ માટે કોઇ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના ? એને હેલ્પ મળવી જ જોઇએ. એને આશાભંગ ના કરાય. વધતો-ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઇએ. જો તમારી પાસે પૈસાનું સાધન ના હોય તો કંઇ નહીં પણ સથવારો તો મળવો જોઇએ કે બીજું કંઇ કામકાજ હોય તો કંઇક કહેજે. જૈન જાણીને, શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય, નિસાસા નાખીને, તે શું કામનું ! તમને કેમ લાગે છે ? વાત મારી સાચી છે કે ખોટી ?

(પા.૧૨૮)

આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે અને ઝાડ જ બચકાં ભરે તો શું થાય ? એવું અત્યારે આ શેઠિયાઓ બચકાં ભરે છે કે, ‘તમે નાલાયક છો, તમે આમ છો, તમે તેમ છો’ વગેરે. ગરીબોને તો તમે નાલાયક કહી શકશો, કારણ કે બિચારા એને સત્તા નથી. ને નોકરોનું તો આખો દહાડો તેલ જ કાઢે છે. નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે, ‘હાથ ભાંગલા છે, તારે આમ છે’ એમ ગાળો ભાંડે. તે તારી શી ગતિ થશે ? નોકરના હાથ ભાંગલા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને ? આ તો કર્મના કર્તા થઇ ગયા ! વ્યવહારથી ભગવાને કહેલું, ડ્રામેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો ‘હું જ કરું છું, મારા વગર કોણ કરે?’ એનાથી તો કર્મબંધન થાય છે. અને પાછાં એકલાં નિકાચિતનાં બંધન થાય, મોળાં નહીં. પેલાને તો મોળાં કર્મનાં બંધન થાય ને આને તો ઘોડાગાંઠ !

આમાં કોઇનો દોષ નથી. બધા આચાર્યો, સાધુઓ બધાંની ઇચ્છા છે કે ભગવાનના કહ્યા પ્રમાણે ચાલવું છે પણ એવા સંજોગો બાઝતા નથી. જેમ આ જગતના લોકોને કેવું હોય કે મારા ઘરનાં માણસોને મારે સુખી કરવા છે એવી ભાવના છે પણ સંયોગ બાઝયા વગર શી રીતે સુખી થાય ? એવી રીતે આ સાધુ આચાર્યોને સંયોગ બાઝતો નથી.

અમે તમને સ્વરૂપ જ્ઞાન આપ્યું ત્યાર પછી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા હવે નથી થતાં.

દાદાશ્રી : હમણાં દીકરી પરણાવી ત્યારે લગ્નમાં કેવી પરિણતી રહેતી હતી ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ઊભાં થતાં હતાં ?

પ્રશ્નકર્તા : ના દાદા, એકુય આર્તધ્યાન કે રૌદ્રધ્યાન ઊભું થયું નથી.

દાદાશ્રી : આ ‘અક્રમ જ્ઞાન’ જ એવું છે. આ જ્ઞાનથી રીલેટિવમાં ધર્મધ્યાન રહે અને મહીં, રીયલમાં શુકલધ્યાન વર્તે ! એવું ગજબનું આશ્ચર્યજ્ઞાન છે !!!

(પા.૧૨૯)

ક્રમિક માર્ગમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જેનાં ગયાં તે ભગવાન પદમાં આવ્યો ગણાય, ત્યાંથી ભગવાન પદની શરૂઆત થઇ ગણાય !

ધર્મધ્યાન કોને કહેવાય ?

આર્ત ને રૌદ્રધ્યાન ના હોય તો ધર્મધ્યાનમાં આવ્યો કહેવાય. આર્ત ને રૌદ્રધ્યાન બંધ થાય એટલે નવાં કર્મો બંધાતા અટકે, પણ તેમ બને તેવું નથી. એ તો અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ ત્યાર પછી જ ‘બહાર’ ધર્મધ્યાન શરૂ થાય ને ‘મહીં’ શુકલધ્યાન વર્તે અને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થઇ જાય. આ અક્રમ માર્ગ છે એટલે બાહ્ય ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઇ જાય !

ભગવાને કહેલું ધર્મધ્યાન હોય તોય નિઃક્લેશ હોય, ક્લેશ ના હોય. પૈસા ઓછા વત્તા થાય પણ નિઃક્લેશ હોવું જોઇએ. આવું ક્લેશ- રહિત ઘર ખોળવું એ મુશ્કેલ છે. મતભેદ એ ક્લેશ કહેવાય છે અને ક્લેશ છે ત્યાં સંસાર ઊભો છે. જેનો ક્લેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય.

નાના પ્રકારના ક્લેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઇ જાય. આ મતભેદમાં ને ક્લેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય. જેટલો ટાઇમ ક્લેશ કરે એટલો ટાઇમ એ જનાવરની ગતિ બાંધે! સજ્જનતામાં જનાવરનું ના બંધાય.

‘કલુષિત ભાવ’ના અભાવે ભગવાન પદ

પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તોય સામો આવીને ક્લેશ કરી જાય તો ?

દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કહ્યું ને, કે એવી ‘ગુફા’ ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી ‘ગુફા’ ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક ક્લેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીનેય ક્લેશ કરાવે ! જંપવા

(પા.૧૩૦)

ના દે ! માટે મનુષ્ય ગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઇશ. તારો ક્લેશ ભાંગ્યા પછી બીજાનો ક્લેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય !

આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે, પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઇ પડે. ‘અમે’ અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદ્ગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે ‘પોતે’ તો નિરંતર ‘અમારા સ્વરૂપ’માં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલેય લોકપૂજ્ય થઇ પડ્યું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે, અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે, ને છતાંય લોકપૂજ્ય પદ છે ! એય આ કાળનું આશ્ચર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે !

આ ‘અક્રમ માર્ગ’માં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ ‘મકાન’ કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ ‘રૂમ’ મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.

કલુષિત ભાવ નીકળી જાય તો પુદ્ગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના

(પા.૧૩૧)

એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે તેમાં તો થોડાઘણા કલુષિત ભાવો નીકળી જાય છે. તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો ‘જ્ઞાન’ મળ્યા પછી જ થાય. ત્યાર પછી ‘સ્વક્ષેત્ર’માં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ ક્યારે ભેગો થાય ? પુરુષ થાય ત્યારે. એટલે બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?

કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.

ઉચ્ચ ગોત્ર ક્યાં સુધી ? લોકપૂજ્ય હોય ત્યાં સુધી. જે લોકનિંદ્ય નથી એને કળિયુગમાં ભગવાને લોકપૂજ્ય કહ્યા. આ કળિયુગમાં આટલો લાભ લોકોને મળ્યો કે તારી કળિયુગમાં નિંદા નથી થતી, માટે તું લોકપૂજ્ય પદમાં છે ! ભગવાન આમાં ડાહ્યા હતા, પણ ભક્તો એટલા ડાહ્યા નથી કે ભગવાને મને લોકપૂજ્યપદ આપ્યું છે માટે મારે ડાઘ પડવા ના દેવો જોઇએ. નહીં તો લોકપૂજ્ય તો ના હોય ! એ હોય તો બે કે ત્રણ જ હોય, આખા જગતમાં ! આ ગુરુને શિષ્ય પૂજે છે એ તો પોલીસવાળાની પેઠ. પાછળ શિષ્ય કહેશે કે જવા દોને એની વાત, એવું કહે. કૃપાળુ દેવ લોકપૂજ્ય હતા. લોકપૂજ્ય એટલે ઊંચામાં ઊંચું ગોત્ર. ભગવાન લોકપૂજ્ય હતા. લોકનિંદ્ય જે જે ભાગ હોય તો એની માફી માગીને ધોઇ નાખીએ.

પૂજ્ય હાર્ટિલી હોય. ભગવાન મહાવીર લોકપૂજ્ય પદને લઇને આવેલા.

ભગવાન એટલે શું, કે એમના લેવલવાળા આજુબાજુના એમના વ્યુ પોઈન્ટમાં જે આવ્યા હોય એમને એ જ ભગવાન લાગે. ક્રાઇસ્ટ ભગવાનના

(પા.૧૩૨)

વ્યુ પોઈન્ટમાં આવેલા લોકોને મહાવીર બતાવીએ તો તેમને મહાવીર ભગવાન ના લાગે, તેમને તો ક્રાઇસ્ટ જ ભગવાન લાગે.

આ ‘જ્ઞાની પુરુષ’નેય લોક ભગવાન તરીકે ઓળખે. ભગવાન તો વિશેષણ છે. અને અમે નિર્વિશેષ શુદ્ધાત્મા ! શુદ્ધાત્માને વિશેષણ હોય નહીં. આ વિશેષણથી જ જગત ઊભું થયું છે. ‘શુદ્ધાત્મા’ને વિશેષણ હોય નહીં. એટલે જ ‘અમારું’ આખું પદ ‘નિર્વિશેષ’ છે.

આ અમને ભગવાન કહે, એ તો ‘અમારી’ મશ્કરી કરવા જેવું છે. કોઇ બહાર બાવો હોય અને પોતાને એક પણ કલુષિત ભાવ ના થાય અને પોતાને નિમિત્તે બીજામાં કલુષિત ભાવ ઉત્પન્ન ના થાય તો તેને પણ ભગવાન પદ પ્રાપ્ત થાય. તે ‘અમને’ય ભગવાન કહ્યા. પણ આ તો નિર્વિશેષ પદ છે ! એને વિશેષણ ના હોય. શાસ્ત્રોમાં આ પદ ના હોય ! માટે વિશેષણમાં કોઇએ પેસવું નહીં. ‘અમને’ વિશેષણ હોય જ નહીં. ભગવાન એ તો વિશેષણ છે, નામ નથી. કોઇ બી.એસસી. થાય તો તેને ગ્રેજ્યુએટ કહે. પછી એ એથી આગળ દસ વર્ષ ભણે તોય તેને ગ્રેજ્યુએટ કહીએ તો કેવું હીન લાગે ? ‘જ્ઞાની પુરુષો’ને ‘ભગવાન’ કહેવું એ તો હીનપદમાં કહ્યા બરોબર છે. ‘ભગવાન’ પદ તો ‘જ્ઞાની પુરુષ’ને માટે હીનપદ છે. ‘જ્ઞાની પુરુષ’ તો અજાયબ કહેવાય ! એ તો નિર્વિશેષ હોય. પણ લોકો ઓળખે શી રીતે ? તેથી ભગવાન કહેવું પડે. ભગવાન તો ભગ્ ધાતુ પરથી બનેલો શબ્દ છે. ભગ્ ઉપરથી ભગવાન. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થાય તેમ જેણે ભગવત્ ગુણો પ્રાપ્ત કર્યા હોય તે ભગવાન કહેવાય. ‘જ્ઞાની પુરુષ’ તો એથીય બહુ આગળ ગયા હોય. એની આગળ કશું જ બાકી ના હોય. અમારે માત્ર ચાર ડીગ્રી બાકી રહી છે. ભગવાન મહાવીરને ૩૬૦ ડીગ્રી પૂરી થઇ હતી ને ‘અમારે’ ૩૫૬ ડીગ્રીએ કેવળ જ્ઞાન અટક્યું છે, તે પણ આ કાળની વિચિત્રતાને લીધે! પણ તમને જો જોઇતું હોય તો ‘અમે’ તમને સંપૂર્ણ ૩૬૦ ડીગ્રીનું કેવળ જ્ઞાન કલાકમાં આપી શકીએ તેમ છીએ, તમારી તૈયારી જોઇએ. પણ આ કાળની વિચિત્રતા છે માટે તમને એ પૂરેપુરું પચશે નહીં. ‘અમને’ જ ૩૫૬ ડીગ્રી એ આવીને ઊભું રહ્યું છે ને ! પણ મહીં તો એનું સંપૂર્ણ સુખ ‘અમને’ વર્તે છે.

(પા.૧૩૩)

કોઇ કાળે ધર્મ માટે આવ્યો નહોતો એવો કાળ આજે આવ્યો છે. ભગવાન મહાવીર પછીનાં ૨૫૦૦ વર્ષ હવે પૂરાં થાય છે અને ભગવાન મહાવીર પછી સાડાત્રણ વરસ જ વીત્યાં હોય તેવો કાળ આવી રહ્યો છે. અત્યારે ભલે દુષમકાળ હોય, પણ અત્યારે સારામાં સારો કાળ આવ્યો છે. ખરો કાળ જ અત્યારે આવ્યો છે. આ કાળમાં જે લોકનિંદ્ય નથી તેને ભગવાને લોકપૂજ્ય કહ્યા છે. આવો આ સુંદર કાળ છે તો તેનો લાભ ઉઠાવી લેવો જોઇએ ને ?

અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય. અમે મોક્ષદાતા છીએ, મોક્ષના લાયસન્સદાર છીએ. જગતકલ્યાણનું અમે નિમિત્ત છીએ. અમે એના કર્તા નથી. અમે ક્યારેય પણ કોઈ ચીજના કર્તા ના હોઇએ. કારણ કે કર્તા થાય તો તેના ભોકતા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ.

માટે બધાંને ભલે મોક્ષધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ ધર્મધ્યાન તો આ કાળમાં ફુલ સ્ટેજ પર જઇ શકે એવું છે. ‘અક્રમ માર્ગે’ મોક્ષ તો અમુક મહા પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય, પણ બીજાં બધાંને અમે ઊંચામાં ઊંચું ધર્મધ્યાન આપી શકીએ એમ છીએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન એ અધર્મધ્યાન છે. ધર્મધ્યાન એ ધર્મધ્યાન છે ને શુકલધ્યાન એ આત્મધ્યાન છે. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જાય તેનું નામ ધર્મધ્યાન.

(પા.૧૩૪)

નિજ દોષ

કોઇને આપણાથી કિંચિત્ માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા નીચાં થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઇ પણ અસર થાય ને જો કંઇ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઇ હોય તે ઉધાર થાય પણ તરત જ કેશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઇને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહી રાખવું. અને જો કોઇના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઇએ. આપણામાં ક્રોધ, માન, માયા, લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે; તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.

પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે એ ગયા અવતારની ખરી ને?

દાદાશ્રી : ગયા અવતારના પાપને લઇને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. ‘આ’ ‘જ્ઞાની પુરુષો’ની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય.

(પા.૧૩૫)

આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો તો પરમાત્મા જ છીએ ! જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે, કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. કે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે.

ભૂલનું ઉપરાણું

પ્રશ્નકર્તા : દાદા, ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ?

દાદાશ્રી : આ આપણે કોઇને ટૈડકાવ્યા પછી કહીએ કે, ‘આપણે એને ટૈડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં. માટે એને ટૈડકાવવો જ જોઇએ.’ આનાથી તો એ ‘ભૂલ’ જાણે કે આ ભાઇને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે, માટે અહીં જ ખાઓ, પીઓ ને રહો ! એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું દસ વર્ષનું આયુષ્ય લંબાય ! કોઇ ભૂલનું ઉપરાણું ના લેવાય.

અમારામાં આડાઇ જરાય ના હોય. કોઇ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ કરી લઇએ. કોઇ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, ‘હા ભાઇ, આ તેં અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.’ આપણે તો જાણીએ કે જે ભૂલ આપણને દેખાતી નહોતી, એ ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. આ ભૂલ શું તે સમજાય એ માટે આપણે કહ્યું છે ને, કે ‘ભોગવે એની જ ભૂલ.’ ભોગવ્યું તો ભૂલ તારી. આ તારું ખિસ્સું કપાય ને તું બીજાને ગાળો આપે તેથી ભૂલને એકસ્ટેન્શન મળે. ભૂલ જાણે કે આ તો મને જમાડવાની જ વાત કરે છે. પછી તે જાય નહીં. આ કોઇ ઘર બાળી મૂકે તો બાળનારને ગાળો આપે. પણ બાળનાર તો ઘેર આરામ કરતો હોય. આ તો પોતાની જ ભૂલ. અત્યારે કોણ ભોગવે છે ? એની ભૂલ.

(પા.૧૩૬)

‘દાદા’ ચોર છે એમ પાછળ લખ્યું હોય તો એ ભૂલ અમારી ! કારણ કે એવું કોણ નવરૂં હોય આ લખવા ? ને અમારી જ પાછળ કેમ લખ્યું ? એટલે અમે તરત જ ભૂલ એકસેપ્ટ કરી નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો તેથી એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોનો નિકાલ કરતાં ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી !

સંસાર નડતો નથી, ખાવાપીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે ! મહીં તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે.

કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઇને તેને ભૂલ ના કહે. આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે, એ તો પોષાય જ નહીં !

‘જ્ઞાની પુરુષ’માં, દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. એમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના ‘અમે’ ‘જ્ઞાતા દ્રષ્ટા’ રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપું : સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઇક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઇક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં, એ દોષો કોઇને નુકસાન કરતા નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તેય આ કળિકાળની વિચિત્રતાને લીધે !

બ્લંડર્સ અને મિસ્ટેક્સ

ભૂલ એક નથી, અનંત છે. ‘પોતે’ બંધાયો છે બ્લંડર્સ અને મિસ્ટેક્સથી. જ્યાં સુધી બ્લંડર્સ ભાંગે નહીં ત્યાં સુધી મિસ્ટેક્સ જાય નહીં.

(પા.૧૩૭)

પ્રશ્નકર્તા : બ્લંડર્સ કોને કહેવાય ?

દાદાશ્રી : ‘હું ચંદુલાલ છું’ એ જ બ્લંડર્સ છે. અમે ‘ સ્વરૂપ જ્ઞાન’ આપીએ પછી બ્લંડર્સ જાય અને મિસ્ટેક્સ રહે. એ ભૂલો પછી જ્ઞેય સ્વરૂપે દેખાય. જેટલા જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીનાં પડો હોય છે ને ? તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઊખડતાં જાય અને જ્યારે તેનાં બધાં જ પડો ઊખડી જાય ત્યારે એ દોષ જડમૂળથી કાયમને માટે વિદાય લઇ લે. કેટલાક દોષો એક પડવાળા હોય છે. બીજું પડ જ તેમને હોતું નથી. તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે. અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઇ, હા. પણ તેનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠે છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતા જાય. કૃપાળુદેવે કહ્યું છે કે :

‘હું તો દોષ અનંતનું ભાજન છું કરૂણાળ,

દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય?’

દોષ અનંત છે અને તે દેખાયા નહીં, એટલે એ દોષ જાય જ નહીં. જો ‘તારામાં’ દોષ ના હોય તો હું દોષનું ભાજન છું એમ બોલીશ નહીં, નહીં તો તેવો થઇ જઇશ. અને અનંત દોષ છે તો તે ચોખ્ખે ચોખ્ખું કહે કે મારામાં અનંત દોષો છે. પણ શેઠને દેરાસરની બહાર નીકળ્યા પછી પૂછીએ તો કહે કે એકાદ-બે જ દોષ હશે. જરા ક્રોધ અને જરા લોભ, બસ; એટલું જ છે ! તે પછી દોષોય જાણે કે ભાઇ કપટ કરે છે. તેથી દોષોય પછી ખડે પગે ઊભા રહે !

મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે. સ્વચ્છંદ એ જ મોટી ભૂલ, તે સહેજ એમ કહ્યું કે, ‘એમાં શું થયું ?’ એટલે થઇ રહ્યું. તે પછી એ અનંત અવતાર બગાડે !

(પા.૧૩૮)

‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી, શક્તિથી દોષો દેખાય ને ભાંગે. કોઇ માણસને ભૂલરહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ, માન, માયા, લોભને ખોરાક ના આપીશ તો બધા મડદાલ થઇ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો તે ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ, માન, માયા, લોભ એમનું ઉપરાણું, જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે ભાગી જાય !

લોભિયાની પ્રકૃતિ

લોભિયો માર્કેટમાં જાય તો એની દ્રષ્ટિ સસ્તાં શાક ભણી જાય. મહીં લોભ શું કહે કે આ લોભિયા ભાઇ તો મને ખવડાવે છે, માટે અહીં જ મુકામ કરો. ત્યારે લોભિયાએ શું કરવું જોઇએ કે મોઘું શાક હોય ત્યાં જવું ને વગર પૂછયે શાક લેવું. તે પછી ભલે ડબલ પૈસા આપવા પડે. લોભ સમજે કે મને ખાવા નથી મળતું તે પછી તે ભાગવા લાગે! અમારે ત્યાં એક ભાઇ આવતા. તે મોટા સાહેબ હતા, સારા પગારદાર હતા. ધણી-બૈરી બે જ જણા ઘરમાં, કોઇ છોકરૂં-છૈયું તેમને હતું નહીં. તે એક દિવસ મને કહે, ‘દાદા, મારો સ્વભાવ બહુ જ ચીકણો છે. તે મારા હાથથી પૈસો ના છૂટે. હું કોઇ ને ઘેર લગનમાં પીરસું તોય મારાથી થોડું થોડું ચટણી જેટલું જ પીરસાય, તે બધાં હું સાંભળું તેમ બોલે છેય ખરા કે ચીકણા લાટ જેવા છે. આ તો મારી બૈરીય બૂમો પાડે છે . પણ શું કરૂં ? આ લોભિયો સ્વભાવ જતો નથી. તમે કંઇ રસ્તો બતાવો. આ તો કો’કનું વાપરવાનું હોય ત્યાંય મને આ લોભ ભૂંડો દેખાડે છે.’ તે પછી તેમને અમે કહેલું કે ‘તમે સત્સંગમાં રોજ ચાલતા આવો છો તે હવેથી ચાલતા ના આવશો પણ રિક્ષામાં આવજો અને સાથે સાથે દસ રૂપિયાનું પરચૂરણ રસ્તામાં વેરતા વેરતા આવજો.’ ભાઇએ તેમ કર્યું ને તેમનું કામ થઇ ગયું. આનાથી શું થાય કે લોભનો ખોરાક બંધ થઇ જાય અને મન પણ મોટું થાય !

ભૂલને ઓળખ્યે ભંગાય

ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાક કાપડ ખેંચી ખેચીને આપે છે અને ઉપરથી કહે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું!

(પા.૧૩૯)

આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ?! ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઇને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને w.500 કમાય એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાનાં બગાડી દે છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, હજી વધારે દોષ દેખાતા નથી. થોડાક જ દેખાય છે.

દાદાશ્રી : અહી સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતાં જાય તેમ દોષો દેખાતા જાય.

દોષ દેખાવાની જાગૃતિ

પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ?

દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે પણ દોષોને ખોળવાની ભાવના થઇ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઇચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે, ‘કંઇ ચોર પકડવા જવું નથી, એ તો આવશે તો પકડીશું,’ એટલે પછી ચોર મજા કરે જ ને ? આ ભૂલો તો સંતાઇ ને બેઠી છે. તેને શોધે તો તરત જ પકડાતી જાય.

બધી જ કમાણીનું ફળ શું ? તમારા દોષ એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ ‘પોતાને’ પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે ? જ્યારે પોતે ‘સ્વયં’ થશે, ‘સ્વસ્વરૂપ’ થશે ત્યારે. જેને પોતાના દોષ વધારે દેખાય એ ઊંચો. જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે, આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઇ શકે.

ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. ‘દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી’-એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે. પણ જે કહે કે, ‘મારામાં બે-ચાર જ દેખાય છે’, તે અનંત દોષથી ભરેલો છે. ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને

(પા.૧૪૦)

બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ?

મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને કરે છે. આ ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે !

સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે, એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઇ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઇએ. બસ, આટલું જ જોવાનું હોય.

પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય, પણ કોઇ ભાંગી ના શકે. ભૂલ દેખાડતાં પણ આવડવી જોઇએ. જો ભૂલ દેખાડતાં ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઇને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ. અમને આ જગતમાં કોઇ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેનેય અમે નિર્દોષ જ જોઇએ ! અમે ‘સત્ વસ્તુ’ને જ જોઇએ. એ તાત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતાં નથી. વેરાઇટીઝ ઑફ પેકિંગ છે, તેમાં અમે તત્વદ્રષ્ટિથી જોઇએ. ‘અમે’ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ ‘જ્ઞાની પુરુષ’ તમારી ‘ભૂલ’ને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ‘તારા સ્વરૂપનું અજ્ઞાન’ એ જ મોટામાં મોટો

(પા.૧૪૧)

દોષ છે. આ તો ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી બીજા દોષોય ઊભા છે અને એક વખત ‘પોતાના સ્વરૂપ’નું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય !

નિષ્પક્ષપાતી દ્રષ્ટિ

‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે, ‘હું જ ચંદુલાલ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યો ડમરો છું’ એમ રહે. અને ‘સ્વરૂપના જ્ઞાન’ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા; મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય-તે પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઇ ગયો ! વીર ભગવાન થઇ ગયો !!! અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું ચંદુલાલ નથી, હું શુદ્ધાત્મા છું’ - એ સમજાય પછી નિષ્પક્ષપાતી થવાય. કોઇનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષ દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય, અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે અમારું આપેલું ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઇ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. બીજાના દોષ દેખાય તો તો બહુ ગુનો કહેવાય. આ નિર્દોષ જગતમાં કોઇ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં અને ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઇની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે. ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે

(પા.૧૪૨)

આવી રહી છે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય. ને જેમ દોષો ઘટે તેમ ‘જાગૃતિ’ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે ‘જોઇએ’ છીએ અને જાણીએ. એ દોષ કોઇને હરકતકર્તા ના હોય. પણ કાળને લઇને એ અટક્યા છે. અને તેનાથી જ ૩૬૦ ડિગ્રીનું ‘કેવળ જ્ઞાન’ અટક્યું છે અને ૩૫૬ ડિગ્રીએ આવીને ઊભું રહી ગયું છે ! પણ અમે તમને પૂરું ૩૬૦ ડિગ્રીનું ‘કેવળ જ્ઞાન’ કલાકમાં જ આપીએ છીએ. પણ તમનેય પચશે નહીં. અરે, અમને જ ના પચ્ચું ને ! કાળને લઇને ૪ ડિગ્રી ઊણું રહ્યું ! મહીં પૂરેપૂરું ૩૬૦ ડિગ્રી રીયલ છે અને રીલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રીલેટિવ પૂર્ણતાએ જઇ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્ત્યા કરે છે !

આ વર્લ્ડમાં કોઇ તમારો ઉપરી જ નથી તેની હું તમને ગેરેન્ટી આપું છું. કોઇ બાપોય તમારો ઉપરી નથી. ‘તમારી ભૂલો એ જ તમારો ઉપરી છે !’ જો ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો તમારી ભૂલ ભાંગી આપે. તું તારી જ ભૂલોથી બંધાયો છું. આ તો માને કે આ સાધનથી હું છૂટવાનો પ્રયત્ન કરૂં છું, તે એ જ સાધનથી તું બંધાય છે !

એક એક અવતારે એક એક ભૂલ ભાંગી હોત તોય મોક્ષ સ્વરૂપ થઇ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતાં નવી પાંચ ભૂલ વધારી આવે છે ! આ બહાર બધું રૂપાળુંબંબ જેવું ને મહીં બધો-કકળાટનો પાર નહીં ! આને ભૂલ ભાંગી કેમ કહેવાય ? તમારો તો કોઇ ઉપરી જ નથી. પણ ભૂલ બતાવનાર જોઇએ. ભૂલોને ભાંગો, પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે ? અને તેય એકાદ-બે જ છે કંઇ ? અનંત ભૂલો છે !!! કાયાની અનંતી ભૂલો છે. વાણીની અનંતી ભૂલો છે. વાણીની ભૂલો તો બહુ ખોટી દેખાય. કોઇને જમવા બોલાવવા ગયા હો તે એવું કઠોર બોલે કે બત્રીસ ભાતનું જમવાનું તેડું હોય તોય ના ગમે. એના કરતાં ના બોલાવે તો સારું એમ મહીં થાય. અરે, ચા પાય તો કર્કશ વાણી નીકળે. અને મનના તો પાર વગરનાં દૂષણો હોય !

(પા.૧૪૩)

ભૂલો તો કોણ ભાંગી શકે ? ‘જ્ઞાની પુરુષ’, કે જે પોતાની સર્વ ભૂલો ભાંગીને બેઠા છે, જે શરીર છતાંય અશરીરી ભાવે - વીતરાગ ભાવે રહે છે. અશરીરી ભાવ એટલે જ્ઞાનબીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાનબીજ નાશ થાય ને જ્ઞાનબીજ ફુલ ઊગે, તે અશરીરી ભાવ, જેને કિંચિત્ માત્ર-સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીરી ભાવ કહેવાય નહીં. ને એ દેહ પરથી મમતા જાય શી રીતે ? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં.

દોષોનો આધાર

પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?

દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ ‘દાદા’ને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભૂલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને ભૂલ જ જોવી છે એને પોતાની બધી જ ભૂલો દેખાવાની, જેને નિર્દોષ જોવા છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના !

જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો ?

પ્રશ્નકર્તા : દાદા, દોષો ના જોવા હોય છતાં જોવાઇ જાય અને ભૂતાં વળગે તો શું કરવું ?

દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે. એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણા કાળની છે. એને પાછો ટેકો છે તેથી એ જતી નથી. જો એને કહ્યું કે આ મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવરાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકેય વખત ધક્કો ના ખવરાવીએ. આ બુદ્ધિને તો તદ્ન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે, જ્યારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઇ જાય છે.

(પા.૧૪૪)

પ્રશ્નકર્તા : દોષ છૂટતા નથી તો શું કરવું ?

દાદાશ્રી : દોષ છૂટે નહીં, પણ એને આપણી વસ્તુ ન્હોય એમ કહીએ તો છૂટે.

પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ?

દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઇ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં, એ જ્ઞેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઇએ. ટેકો ના મળે તો એને પડ્યે જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. જગત આ (અજ્ઞાન) આધારથી ઊભું રહ્યું છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત ‘ગુહ્ય’વાળું, એમાં ‘ગુહ્યમાં ગુહ્ય’ ભાગને શી રીતે સમજે !

ફરિયાદી જ ગુનેગાર

પહેલું ફરિયાદ કરવા કોણ આવે ? કળિયુગમાં તો ગુનેગાર હોય તે જ પહેલો ફરિયાદ કરવા આવે ! અને સત્યુગમાં જે સાચો હોય તે પહેલાં ફરિયાદ કરવા આવે. આ કળિયુગમાં ન્યાય કરનારા પણ એવા કે જેનું પહેલું સાંભળ્યું એના પક્ષમાં બેસી જાય !

આ નાની બેબી હોય તે સાંજે બાપા ઘેર આવે કે તરત જ બેબી બાપા પાસે જાય ને કહે, ‘બાપા, આ બાબાએ મને આમ, આમ કહ્યું. તે પછી બાપા તરત જ બેબીના પક્ષમાં બેસી જાય ને બાબાને કહે કે ‘એય અહીં આવ ! આમ કેમ કર્યું, અલ્યા ?’ બાબાને ભાંડતા પહેલાં બાબાને પૂછ, બેબીની વાતનો પડઘો શો હતો ? અને કેમ બેબીએ ફરિયાદ કરી ને બાબાએ કેમ ફરિયાદ ના કરી ? બાબાએ શું કર્યું હતું? આ તો પોતે સેન્સિટિવ તે બેબીની વાત સાચી માની લે. પાછો તે કહે કે હું જરા કાનનો કાચો તે ભૂલ થઇ ગઇ ! આ તો પોતે ડફોળ ને કાનની ભૂલ કહે છે ! પોતે તારણ ના કાઢે કે બેબી ગુનેગાર તે પહેલી ફરિયાદ કરવા આવી !

(પા.૧૪૫)

ઘરમાં બધી વાતો થાય, અમારી પાસે બધાની ફરિયાદ થાય તો અમે શું કરતા કે બધાંની વાતો સાંભળીએ ને પછી ન્યાય કરીએ. સાચો ન્યાય કરવાથી ગુનેગાર પછી વધે નહીં. ગુનેગાર સમજે કે આ તો ન્યાય કરે છે, માટે આપણી ભૂલ પકડાઇ જશે !

આ જગતમાં આપણે ખુલાસો જ કરવાનો ના હોય. ગુનેગારને જ ખુલાસા કરવાના હોય, ખુલાસા આપવાના હોય. આ જગતમાં બધાંને આર્બિટ્રેટર થવું છે. હું કોઇ આર્બિટ્રેટર પેસવા જ ના દઉં. આ જગતમાં ક્યારેય પણ આનાથી નવી જાતનું થવાનું નથી. કાદવ તો કહે છે, ‘તને ગમતું હોય તો હાથ ઘાલજે. તારે હાથ ધોવા જવું પડશે.’ આપણે તો આપણી જ નાડ જોવાની છે. આપણો કોઇ આર્બિટ્રેટર થાય તેવો સ્કોપ જ ના આપીએ.

આ તો આખો દાડો મારું ને તારું, મારું ને તારું કર્યા કરે છે ! અને એમાં પોતે જરા જોડે લઇ જતો નથી ! બીજા જન્મમાં કઇ કઇ ચીજો જોડે લઇ જવાના તમે ? અહીં કોઇની જોડે ઝઘડો કર્યો તે ગૂંચો જોડે લઇ જવાની, કોઇને દાન આપ્યું તે જોડે લઇ જવાનું અને અહંકાર તો જોડે જ લઇ જવાનો. આ બધી ગૂંચોનો માલિક અહંકાર તે તો જોડે જ રહેવાનો. ક્રોધ, માન, માયા, લોભ ને અહંકાર તો જોડે જ આવે.

અનુમોદનનું ફળ

પ્રશ્નકર્તા : બીજાનાં દોષે પોતાને દંડ મળે ?

દાદાશ્રી : ના, એમાં કોઇનોય દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું, એ અનુમોદનનુંય ફળ આવે. કર્યા વગર ફળ ના આવે.

પ્રશ્નકર્તા : અનુમોદન કોને કહેવાય ?

દાદાશ્રી : આ કોઇ કાંઇ કરતાં અચકાતો હોય તો તમે કહો કે ‘તું તારે કર, હું છું ને !’ તે અનુમોદન કહેવાય, અને અનુમોદન

(પા.૧૪૬)

કરનારની વધારે જોખમદારી કહેવાય ! કર્યાનું ફળ કોને વધારે મળે? તો કે, જેણે વધારે બુદ્ધિ વાપરી તેના આધારે તે વહેંચાઇ જાય ! આ લોક તો કેવા છે કે બીજાની બધી જ ભૂલો જડે અને પોતાની એકેય ભૂલ ના દેખાય! જ્યારે મન આડું ચાલે ત્યારે કહેશે કે હવે તો આ જગતથી કંટાળ્યો ! મહીં બુદ્ધિ ડખો કરે ત્યારે કહેશે કે મારી બુદ્ધિ આડી થાય છે. મહીં પાર વગરના ‘રામાયણ’ અને ‘મહાભારત’ બધું જ છે, તેનો જ તે માલિક થઇ બેઠો છે !

બ્રહ્માંડનો માલિક કોણ ?

આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઇ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે ! કોઇ આપણને ગાળ આપે તો તે કંઇક ખાતામાં બાકી હશે તેથી, તો તે જમે કરી લેવાનું. હવે ફરી કોણ વેપાર માંડે ? જમે કરી લઇએ તો વેપાર બંધ થતો જાય અને તે પછી સારો માલ આવશે.

આ આંખ હાથથી દબાઇ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રીયલ સ્વરૂપ નથી. એ તો રીલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને ! આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે ? આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે ? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગોના પ્રેસરથી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તોય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે. મનમાં ભાવ બગડે તેય પોતાની ભૂલ. આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે, તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.

(પા.૧૪૭)

પહેલાં ‘ક્રમિક’ માર્ગમાં તમે તપ-ત્યાગ કરતા હતા, છતાં પોતાની ભૂલો દેખાતી નહોતી. માટે હવે આ ‘અક્રમ’ માર્ગ પામ્યા છો તો કામ કાઢી લો. આ તો સાહેબ પાસે જાય ને કહે, ‘સાહેબ, મને છોડાવો, સાહેબ મને છોડાવો.’ પણ પેલો જ બંધાયેલો હોય તે તને શી રીતે છોડાવશે? અત્યારે તો જે આ ટ્રીક કરે છે, કપટ કરે છે તે કપટથી બંધાયેલો ક્યારે છૂટશે ? કોઇ બાપોય બાંધનાર નથી. હોત તો તો ભક્તિથી કરગરે, માફી માગે તોય સાહેબ છોડે; પણ ના, એવું નથી, આ તો પોતાની જ ભૂલથી ‘પોતે’ બંધાયો છે. ‘જ્ઞાની પુરુષ’ અંગુલિનિર્દેશ કરે કે આમ કરો, તો ભૂલ ભાંગે. કાં તો ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞા પાળે તો કામ થાય !

ભગવાને શું કહ્યું કે, ‘પોતે શાનાથી બંધાયો છે ? માત્ર ચાલી આવતા વેરથી બંધાયો છે.’ એનાથી જ જગત ચાલતું આવ્યું છે. કન્ટિન્યુઅસ વેરથી ગૂંચો પાડેલી. આ તો પાછો વેરનું ઉપરાણું લે, તે જ પાછું આવતે ભવ આવે અને ગુંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય !

લોક માને કે ભગવાન ઉપરી છે તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઇશું; પણ ના, કોઇ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. પોતે જ પોતાનો ઉપરી છે. આમાં બીજો કોઇ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ ભાંગવી પડશે ને ?

પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર મારીએ. પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઇએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઇએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.

પ્રાકૃત ગુણોનો મોહ શો ?

પ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહિ જોવાના ને ગુણો જોવાના ?

(પા.૧૪૮)

દાદાશ્રી : ના. દોષોય નહીં જોવાના ને ગુણોય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકેય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેમાં મેલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઇએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યાં તો તે બધાંને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઇક અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી આવે, તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે ક્યારે એમાં ફેરફાર થઇ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે, ને કહે છે કે ‘મેં કર્યું!’ તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, ‘આ તો તું કાંઇ જ કરતો નથી.’ આ કોઇ દિવસ પગ ફાટતો હોય તો કહે ‘હું શું કરૂં ?’ પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે ‘મેં કર્યું !’ અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ?

મુક્ત પુરુષ જ છોડાવે

આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસેય નથી કરીને ?

પ્રશ્નકર્તા : આમાંથી નીકળવાની કોશિશ કરીએ છીએ, પણ વધારે ખૂંચતા જઇએ છીએ.

દાદાશ્રી : ના, એવી કોશિશ જ ના કરશો. અહીં ખોદવાનું છે ને ભાઇ બીજે ખોદી આવે તો પછી એનું શું થાય ? ઊલટો દંડ થાય ! એવું

(પા.૧૪૯)

આ લોકો ઊંધી કોશિશ કરે છે. એનાં કરતાં કોઇ ‘છૂટેલો’ હોય તેની પાસે જા તો તારો છૂટકો કરી આપે. આ તો પોતે જ ડૂબેલા તે બીજાને શી રીતે તારે ? જે ડોક્ટરો તરેલા નહીં, પોતે જ ડૂબકાં ખાતા હોય તે બીજાને શી રીતે તારે ? કોઇ ફેરો સંજોગ સારો બાઝયો નથી. હવે આ સારો સંજોગ ‘જ્ઞાની પુરુષ’નો બાઝયો છે તો તમારું કામ નીકળી જશે. જ્યારે ત્યારે ભૂલ તો ભાંગવી જ પડશેને ? અતિ અતિ મુશ્કેલ શું છે ? ‘મોક્ષદાતા પુરુષ’ ! અને ‘મોક્ષદાતા’ મળ્યા પછી તમને બંધનમાં શું કામ રાખે ?

અમે તમને ‘સ્વરૂપ જ્ઞાન’ આપ્યું તે પછી તમને જે દશા ઉત્પન્ન થઇ છે તે કૃષ્ણ ભગવાને કહેલી ‘સ્થિતપ્રજ્ઞ’ દશા કરતાં ઘણી ઊંચી દશા છે. આ તો ‘પ્રજ્ઞા’ કહેવાય !! તેનાથી રાગ-દ્વેષને નીંદી નાખવાના.

આ જગત ‘વ્યવસ્થિત’ છે. તે ‘વ્યવસ્થિત શક્તિ’, જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા મોક્ષમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તોય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી !

ગુનેગારી - પાપ-પુણ્યની

આ ગુનેગારી બે પ્રકારની છે : અમને ફૂલો ચઢાવે તેય ગુનેગારી અને પથરા પડે તેય ગુનેગારી ! ફુલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતાભાવે નિકાલ કરવાનો. એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય? કાળ આવે એટલે ભૂલ આવે અને તે ભોગવાઇ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે.

‘જ્ઞાની પુરુષ’ની વાણી તો પ્રત્યક્ષ સરસ્વતી હોય અને તે સાંભળતાં સાંભળતાં બધું આવડી જાય. જે જે નિમિત્ત આવે તે તે ભૂલનો ભોગવટો

(પા.૧૫૦)

આપીને જાય. આ સુખ મળે છે તે નિમિત્તથી જ સુખ મળે છે ને દુઃખેય નિમિત્તથી જ મળે છે !

‘જ્ઞાની પુરુષે’ ગૂંચો પાડેલી નહીં, તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી ગયા છે, માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી, નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.

ગ્રંથિ-ટેવ, સ્વભાવમય

પોતાના બધા જ દોષો દેખાવા જોઇએ, એટલે દોષ કહે, ‘આપણે આ ઘર છોડો.’ આ દોષ દેખાયો પછી જ્યારે ત્યારે એને ગયે જ છૂટકો. કેટલાક દોષો તો આ ડુંગળીના પડની પેઠે હોય. ડુંગળીને આઠ, દસ પડ હોય, તેમ દોષોનેય તેટલાં પડ હોય. કેટલાક દોષોને બે, પાંચ તો કેટલાકને સો સો પડ હોય ! માટે ‘અમે’ કહ્યું છે કે, ‘‘મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું ને મારા સ્વ-સ્વભાવને પણ ‘હું’ જાણું છું.’’

હવે સ્વભાવ એટલે શું ? કે કોઇને દસ પડવાળી ડુંગળી હોય, કોઇને સો પડવાળી ડુંગળી હોય અને કોઇને લાખ પડવાળી હોય ! મન-વચન-કાયાની ટેવોનો ફેરફાર ના થાય. ટેવોનો વાંધો નથી. ટેવોનો ફેરફાર ના યે થાય. કારણ કે પ્રકૃતિનો ફેરફાર ના થાય, પણ સ્વભાવ ઊડી જાય. જે ગાંઠથી બીજ પડે છે તે ઊડી જાય. જેટલી વખત પ્રતિક્રમણ કરે તેટલાં પડ ઊખડે. પ્રતિક્રમણ કર્યું એટલે પડ઼ ઉખડ્યે છૂટકો. ‘દાદા’ની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનાં એટલે દોષો ધોવાઇ જાય ને ફરી ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું. છતાં, જગતના લોકો કહેશે કે, ‘ફરી ફરી એનાં એ જ કર્મ કરે છે અને ફરી ફરી પ્રતિક્રમણ કરે છે.’ હા, એનું નામ જ સંસાર છે !

લાલ વાવટો ? - થોભો

કોઇ આપણી સામે લાલ વાવટો ધરે તો તે આપણી ભૂલ છે. જગત વાંકું નથી. આપણા વાંકથી એ લાલ વાવટો ધરે છે. માટે આપણે પૂછીએ

(પા.૧૫૧)

કે, ‘ભઇ, અમારી શી ભૂલ થઇ છે ?’ તો એ કહે કે, ‘આ તમે દસ દિવસ પછી જવાના હતા ને સાતમે દિવસે કેમ જાવ છો ?’ તો અમે ખુલાસો કરીએ, પછી તે લીલો વાવટો ધરે ત્યાર પછી જ અમે જઇએ. ભૂલને તો ભૂલ કહી ભાંગવી તો પડશે જ ને ! એ ભૂલ જો સામો ના ભાંગે તો આપણે જ ભાંગવી પડશે ને ? અમને કોઇ લાલ વાવટો ના ધરે ને ધરે તો અમે પૂછીએ કે ‘શી વિગત બની ? શાથી લાલ વાવટો ધરે છે ?’ લોકો તો લાલ વાવટો ધરે એટલે બૂમાબૂમ કરે, ‘અલ્યા, જંગલી છે તું? શું કામ ઊંધું કરે છે ?’ આ લાલ વાવટો ધર્યો, માટે ધેર ઇઝ સમથિંગ. અમને તો નાનાં છોકરાં પણ દબડાવી શકે. જગતના લોકો લાલ વાવટો ધરનારને કહે કે તારામાં આમ નથી ને તું તો આવો છે, અક્કલ વગરનો છે. ને આ મોટા અક્કલના કોથળા ! વેચવા જાય તો ચાર આના યે ના આવે. અમારામાં પહેલેથી અક્કલ ઓછી. અમે તો અબુધ કહેવાઇએ. આ તો આપણી ભૂલ છે તેથી લાલ વાવટો ધરે છે. એને ખુલાસો કરીએ તો તો તે પછી જવા દે.

યથાર્થ લૌકિક ધર્મ

જગતના લોકોને અમે લૌકિક માર્ગ બહુ સરળ આપીશું. આ ક્રિયાકાંડના તોફાન નહીં આપવાનાં. કોઇ ગામડાનો માણસ આવે તેને કહીએ કે ‘સત્ય બોલજે, ચોરી કરીશ નહીં, દયા રાખજે, જૂઠું કરીશ નહીં.’ તો એ બધું સાંભળીને બાજુ મૂકી દે. પણ એને ‘અમે’ એક જ વાક્ય કહીએ કે ‘ભઇ, તું ગૂંચો ના પાડીશ.’ તો પછી એ પૂછે કે ‘ગૂંચો એટલે શું ?’ તો એને અમે ફરી સમજ પાડીએ, ‘આ તારા સામેના ખેતરમાં ગલકાં દીઠાં ને મન થાય તો તું તે કાઢી લે. તો એ કોઇનું વગર પૂછયે લઇ લેવું એ ગૂંચ કહેવાય. સમજાયું તને ?’ તો એ તરત જ કહેશે, ‘હા, સમજી ગયો ગૂંચને. હવે એવી ગૂંચ નહીં પાડું, આવી તો મેં બહુ ગૂંચો પાડી છે.’

પછી એ એની બૈરીને લઇ આવે તો એને આ ગૂંચની સમજણ પાડું. તેની બૈરી કહે કે, ‘‘દાદા, ‘એ’ મારી જોડે ગૂંચો બહુ પાડે છે.’’

(પા.૧૫૨)

તે પછી તેનેય હું ગૂંચની સમજણ પાડી દઉં. આ પછી જ્યારે જ્યારે ગૂંચ પડવાની થાય ત્યારે ત્યારે દાદા અવશ્ય યાદ આવી જ જાય અને ગૂંચો પડે નહીં. ‘અમે’ તો શું કહીએ કે આ ગૂંચો પાડીશ નહીં અને ક્યારેક ગૂંચ પડી જાય તો પ્રતિક્રમણ કરજે, આ તો ગૂંચ શબ્દથી તરત જ સમજણ પડે. આ લોકો ‘સત્ય, દયા, ચોરી નહીં કરો’ એ સાંભળીને તો થાકી ગયા છે.

આ લૌકિક ધર્મ તો ઘડીકમાં જ અમે સમજાવી દઇએ ! પણ અલૌકિક ધર્મ માટે જરા ટાઇમ લાગે.

પ્રશ્નકર્તા : થોડી ગૂંચો પડી ગઇ છે તે ઉકેલાતી નથી તો શું કરૂં?

દાદાશ્રી : વખત ગૂંચવે છે અને વખત ઉકેલે છે, પણ ભૂલ કોની? આપણે આપણી ગૂંચો પાડેલી તે ટાઇમ આવે ત્યારે એની મેળે ગૂંચ ઉકેલાતી જાય. એક પણ ગૂંચ વગરનાની જોડે તમે બેઠા છો, માટે તમારી પણ બધી જ ગૂંચો ઉકલી જાય તેમ છે અને ગૂંચોવાળા માણસ જોડે બેઠા હો તો તમારી ગૂંચ વધારે ગૂંચાઇ જશે. એવો નેચરલ કાયદો છે. ગૂંચો આવે છે એ જે ટાઇમે ગૂંચો નાખી છે એજ ટાઇમે ગૂંચો ઉકેલાશે. આ ગૂંચ ઉકેલવાની સત્તા આપણા હાથમાં નથી. માટે ભગવાને શું કહ્યું કે એવા વખતે તું ધર્મધ્યાન, દેવદર્શન, કંઇક કર. આ વાળ વધી જાય છે ત્યારે કપાવવા માટે કંઇ દોડાદોડ કરવી પડે છે ? ના. કારણ કે સંયોગ ભેગા થઇ જાય છે અને વાળ કપાઇ જાય છે. તેમ આ ગૂંચો ટાઇમ પાકશે એટલે ઉકેલાતી જશે.

ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ‘પઝલ’ છે, ગૂંચ સમાન થઇ પડ્યું છે. જો આ ઉકેલો તો કામ થાય !

‘લખ રે ચોરાશીની ભુલભુલામણીના ફેરા મારા કોણ ટાળે ?’

આ લખ ચોરાશીમાંથી નીકળાય શી રીતે ? કોણ કાઢે એમાંથી ? કૃપાળુ દેવ કહે છે કે જે જીવ ચોર્યાશી લાખના ફેરામાંથી નીકળે તેને તો મોટામાં મોટો મહાન માનું. આ તો તમને છટકવાનો રસ્તો મળ્યો, ‘જ્ઞાની પુરુષ’ મળ્યા. તે એનાથી છટકી જવાશે. ‘જ્ઞાની પુરુષ’ તમારી ભૂલ માટે

(પા.૧૫૩)

શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે. રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું લે કે, ‘આપણે તો આ દુનિયામાં રહેવું છે. તે આમ શી રીતે કરાય ?’ અલ્યા, આ તો ભૂલને પોષી. ઉપરાણું ના લઇશ. એક તો ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો કલ્પના અંત સુધી રહેવું પડશે !

પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઇતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે ‘પોતે કોણ છે’ એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે.

(પા.૧૫૪)

કુદરતી કાયદો : ‘ભોગવે તેની ભૂલ’

ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઇને, વકીલનેય પૂછવાની જરૂર નથી. આ કોઇનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતિ હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે તે આજે પકડાયા, માટે તે ચોર. ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.

ભોગવે એની ભૂલ એ ‘ગુપ્ત તત્વ’ કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત ‘જ્ઞાની પુરુષ’ પાસે ઉઘાડી થાય, તે જેમ છે તેમ હોય. આ ગુપ્ત તત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઇએ.

કોઇ બાપોય ઉપરી નથી, કોઇ વઢનાર નથી. પણ આ તો તારી ગાંઠો જ તારી ઉપરી છે. ભૂલ બીજા કોઇનીય નથી. ભોગવે એની જ ભૂલ છે.

ડૉક્ટરે દર્દીને ઇન્જેકશન આપ્યું પછી ડૉક્ટર ઘેર જઇને નિરાંતે ઊંઘી ગયો. ને પેલાને તો ઇન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની. ને ડૉક્ટર તો જ્યારે એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે.

બે પ્રકારની ભાષા છે : એક ‘ભ્રાંતિ ભાષા’ અને બીજી ‘વીતરાગ ભાષા.’ વીતરાગની ભાષામાં ભોગવે એની જ ભૂલ.

એક બાઇ મુંબઇના બસ-સ્ટેન્ડ ઉપર ઊભી હતી. તે બસ-સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઇ ગુનો કહેવાય ? એટલામાં એક બસ આવી ને સ્ટેન્ડ

(પા.૧૫૫)

ઉપર ચઢી ગઇ તેણે સ્ટેન્ડ ભાંગી નાખ્યું અને બાઇનેય કચડી નાખી ! ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઇ ગયું. આ લોકોને કહીએ કે ‘આનો, ન્યાય કરો.’ તો એ લોકો કહેશે કે, ‘બિચારી, આ બાઇ વગર ગુને મરી ગઇ. આમાં બાઇનો શો ગુનો ? આ ડ્રાઇવર નાલાયક છે. બાઇ બિચારી વગર ગુને મરી ગઇ, માટે ભગવાન જેવી કાંઇ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી.’

લ્યો, આ લોકોએ આવું તારણ કાઢ્યું! પણ અમે શું કહ્યું, ‘ભોગવે એની ભૂલ.’ ભગવાન તો છે જ. અલ્યા, આ ભગવાન ન હોત તો રહ્યું શું આ જગતમાં ? આ લોક તો શું જાણે કે આ ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથીય આસ્થા ઊડી જાય. અલ્યા એવું નથી. આ બધા તો ચાલુ હિસાબ છે, આ એક અવતારના નથી. આજે એ બાઇની ભૂલ પકડાઇ તેથી ભોગવવું પડ્યું.

આ કળિયુગમાં એકિસડન્ટ અને ઇન્સિડન્ટ એવા હોય છે તે માણસ મૂંઝાઇ જાય છે. એકિસડન્ટ એટલે શું ? કે ‘ટુ મેની કોઝીઝ એટ એ ટાઇમ’ અને ઇન્સિડન્ટ એટલે શું ? કે ‘સો મેની કોઝીઝ એટ એ ટાઇમ.’ તેથી જ અમે શું કહીએ છીએ કે ‘ભોગવે તેની ભૂલ’ અને પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ સમજાશે.

એક ડોસા મને કહે, ‘મને બહુ દુઃખ ભોગવવાનું આવ્યું છે.’

મેં પૂછયું, ‘કેમ કાકા, શું થયું છે ?’

એ ભાઇ કહે, ‘મારો છોકરો બહુ ખરાબ થઇ ગયો છે.’

મેં પૂછયું, ‘એક જ છોકરો ખરાબ થઇ ગયો કે બધા જ ?’

ડોસો કહે, ‘એક જ એવો પાક્યો છે. બીજા ત્રણ તો સારા છે.’

મેં પૂછયું, ‘એ શું કરે છે ?’

ડોસો કહે, ‘દારૂ પીએ છે, રમી રમે છે, રેસમાં જાય છે, હોટલોમાં પડી રહે છે. એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી. એની ચિંતા રાતદા’ડો થયા જ કરે છે.’

(પા.૧૫૬)

મેં કહ્યું, ‘તો તો ભાઇ, તારી જ ભૂલ છે. એ તારી જ ભૂલથી આવું કરે છે. આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ નથી લેતો?’

આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, ‘અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું ?’

છોકરો કહે, ‘મને શેનું દુઃખ ? બાપ કમાઇને બેઠા છે. એમાં મારે શેની ચિંતા, હું તો મજા કરૂં છું.’

એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ. ‘ભોગવે તેની ભૂલ.’ આ છોકરો નાલાયક થઇ ગયો, દારૂ પીતો હોય, ગમે ત્યાં રઝળતો હોય, જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય એમાં એના ભાઇઓ નિરાંતે ઊંઘી ગયા છે ને ? એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ? અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? ત્યારે કહે, આ ડોસાએ આ છોકરાને પૂર્વ ભવમાં ફટવેલો તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડ્યા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે. અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષ માર્ગ ખુલ્લો થઇ ગયો !

‘ભોગવે એની ભૂલ’ આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે. અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે તેનું કલ્યાણ થઇ જશે.

રસ્તામાં ઠોકર હોય અને સિનેમામાં કેટલાંય આવ-જા કરતા હોય ને ચંદુલાલ એકલાને જ ઠોકર વાગે. તો ચંદુલાલ કહેશે કે, ‘મને ઠોકર વાગી.’ અલ્યા, તું ઠોકરને વાગ્યો ! ઠોકર તો હાલતી યે નથી ને ચાલતી યે નથી. પણ તું ભાગ્યશાળી તે તને ઠોકર વાગી ! પણ ભ્રાંતિથી કહે છે કે, ‘મને આ ઠોકર વાગી.’ અલ્યા, આ તો ‘ભોગવે એની ભૂલ.’ આ કોઇ પોપાબાઇનું રાજ નથી. આ જગત એક્ઝેક્ટ ન્યાય સ્વરૂપ છે. ન્યાય વગર આ જગત એક સેકંડ પણ રહ્યું નથી !

(પા.૧૫૭)

સાપ કરડ્યો ને ભાઇ મરી ગયા, તેમાં ભાઇની ભૂલ. સાપ તો પકડાશે ત્યારે એની ભૂલ ગણાશે.

આપણે કોઇ સલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે? તારા અહંકારે એને પોષણ આપ્યું તેથી તે દયાળુ થઇને પૈસા આપ્યા, માટે હવે માંડી વાળ સલિયાને ખાતે અને અહંકારને ખાતે ઉધાર.

બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે,ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય ‘ભોગવે તેની ભૂલ’ યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઇ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે !

આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ. એકલી ભૂલ જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે. પાપનું ઇનામ મળે તો એ એનાં બૂરાં કર્તવ્યનો દંડ અને ફૂલાં ચઢે તો એનાં સારાં કર્તવ્યનું ઇનામ, છતાં બંને ભોગવટા જ છે - અશાતાનો અથવા શાતાનો.

ન્યાય માટે કોર્ટમાં જવું એ જ મોટામાં મોટો અન્યાય છે !

યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોરસેલ્ફ. આ દુઃખ દે છે એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !

બાબો બારણું બંધ કરે ને આપણી આંગળી મહીં આવી જાય તો બાબાને વઢાય નહીં. આ તો ભોગવ્યું આપણે માટે આપણી ભૂલ. આ બાબાને શું કહેવું પડે ? એને કહેવું પડે કે, ‘જો તું આવું તોફાન કરતો હતો તેથી મારી આંગળી આવી ગઇ. ફરી આવું તોફાન ના કરીશ.’ આવું બાબાને સમજાવાય. પણ આ તો એને મારે. અલ્યા, નવી ગૂંચ શા માટે પાડે છે ?

(પા.૧૫૮)

આજના ધણી તો બૈરીને ચોંટી પડે છે. એને કહે કે, ‘આ દાળ તે વાયડી કરી.’ અલ્યા, તું વાયડો ! ભૂલ તારી તે તારે ભાગે આ દાળ આવી !

લોકો કહે છે કે આ દેહ છે ત્યાં સુધી ભોગવટો છે; પણ ના, ભૂલ હોય ત્યાં સુધી જ ભોગવટો છે. અમારે ભોગવવાનું આવતું નથી, તેથી અમારી ભૂલ નથી.

વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ ‘વીતરાગ’ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !

‘ભોગવે તેની ભૂલ’ એ કાયદો મોક્ષે લઇ જશે. કોઇ પૂછે કે, ‘મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ?’ તો અમે એને શીખવાડીએ કે, ‘તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઇ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.’ આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઇએ કે શી શી ભૂલ થઇ છે!

અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઇએ.

એક ‘ભોગવે એની ભૂલ’ આટલું કહ્યું તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજુ ‘વ્યવસ્થિત’ કહ્યુ તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય.

મહીંની પાર વગરની વસ્તી છે, તે કોણ ભોગવે તે ખબર પડે. કોઇ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઇક વખતે મન ભોગવે છે તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી ‘પોતે’ છૂટો રહી શકે તેમ છે.

(પા.૧૫૯)

‘જ્ઞાની પુરુષ’નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાનીનો ! એનાથી કોઇને કોઇની સલાહ જ ના લેવી પડે, કે, કોની ભૂલ આમાં ? ‘ભોગવે એની ભૂલ.’

ન્યાય કરનારો ચેતન હોયને તો તો તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન-ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્પ્યુટર જેવું છે. આ કોમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્પ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન-ચેતન છે, પાછો ‘વીતરાગ’ છે !

જીવોની સંપૂર્ણ સ્વતંત્રતા

કોઇ જીવ કોઇ જીવને હીચ કરી શકે જ નહી. જો એક જીવ બીજા જીવને હીચ આપી શકે તો ‘આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય’, આ વર્લ્ડ નો સિદ્ધાન્ત ખલાસ થઇ જાય છે, તૂટી જાય છે ! કોઇ જીવ બીજા જીવને સહેજ પણ હીચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાન્ત ફ્રેકચર થઇ જાય છે. કોઇ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે ! આપણું જ ફળ આપણને આપે છે ! બાકી કોઇ ઉપરી નથી. ઉપરી હોત તો તો મોક્ષ કોઇનોય ના થાત ! કોઇ માણસની તમારામાં આડખીલી નથી. તમારી જ ભૂલો તમારી ઉપરી છે.

કોઇ જીવ તને દુઃખ દે છે, એ તો નિમિત્ત છે. તારું ગજવું કપાયું, તે શાથી ? ત્યારે કહે, એ કાપનારાને ગજવું કાપવાનું વ્યુ પોઇન્ટ આવ્યું છે. એને ગજવું કાપવામાં જ સુખ લાગે કે, આના સિવાય બીજું નથી કરવું. ગજવું કાપનારાને ૩૬૦ ડિગ્રીના સર્કલમાં ગજવું કાપવાનો જ વેપાર કરવો એવું દ્રષ્ટિબિંદુ નક્કી થઇ ગયું હોય. એ એને જ વેપાર માને. ત્યારે એના ઘરાક પણ હોય ને ? કુદરતનું સંચાલન કેવું છે કે જેની કલમો હોય તેને પેલા ભાઇને ભેગો કરી આપે. જેણે દુઃખ ભોગવ્યું એની ભૂલ. ‘ભોગવે તેની ભૂલ.’ અંધારાની ભૂલો અજવાળામાં પકડાય છે. જેનું ગજવું કપાયું ત્યારે ખુલ્લી થઇ !

(પા.૧૬૦)

જે ચોર નથી એનું ગજવું કોણ કાપનાર છે ? જેનામાં હિંસાનું એક પણ પરમાણુ નથી એને મારનાર કોણ ?! સાપ બાજુમાં જ હોય તોય તે તેને મારી ના શકે. એક ચારિત્ર્યવાન પુરુષ હોય અને સાપ ભરેલી રૂમમાંથી એ જાય તો સાપ ઉપરાછાપરી થઇ જાય અને માર્ગ આપે ને સાપ પેણે હોય તો તે સાપ બળીને ભસ્મીભૂત થાય. આવો શીલનો પ્રતાપ છે ! અને આજે તો મચ્છરદાની બાંધી હોય તોય મચ્છર કરડી જાય!

ભગવાને શીલ કોને કહ્યું ? કોઇ પણ જીવને મનથી, વાણીથી, કાયાથી, કષાયથી, અંતઃકરણથી ક્યારેય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે ! એને જગતમાં કોઇ દુઃખ કેમ આપી શકે ?

(પા.૧૬૧)

જગત, વ્યવહાર સ્વરૂપ

આ જગત ‘ન્યાય’ સ્વરૂપ નથી, ‘વ્યવહાર’ સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે, ન્યાય જોશો નહીં, નહીં તો બુદ્ધિ વિભ્રમ થઇ જશે. વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં. એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી. વ્યવહાર જેવો છે તેવો છે, એટલું સમજી લેવાનું છે.

વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગા ભાઇની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઇને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે એ ભાઇની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઇને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઇને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઇએ કે, ‘ભલે, આજે મારા લક્ષમાં નથી, પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા.’ વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ છે.

આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્યું કે, ‘પંખો જરા ધીમો કરો.’ તો કહે કે, ‘પંખો ધીમો નથી થતો.’ એટલે અમે તરત જ સમજી ગયા કે, આનો વ્યવહાર જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા ક્યાં બેસું ? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.

આ ઘરમાં છોકરા-છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો. એમાં ન્યાય શો કરવાનો ? ધણી પજવે તો શું કરવું ? ડાઇવોર્સ કરવા? અલ્યા, આ તો આવો જ વ્યવહાર છે, એમાં ન્યાય શું કરવાનો રહે ?

(પા.૧૬૨)

દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. છોકરી થઇ સામું બોલી એ જ તારો વ્યવહાર એમાં ન્યાય ક્યાં જોઇશ ? અને બીજી છોકરી પોતે નથી થાક્યા તોય આપણા પગ દબાવ દબાવ કરે, એય તારો વ્યવહાર છે. એમાંય ન્યાય ના જોઇશ.

આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે, અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જ્યારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઇએ, તેવો હોવો જોઇએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને ‘મારી ભૂલ છે’ એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે. ને જેને ‘મારી ભૂલ જ થતી નથી’ એમ છે એને સમજવા માટે વ્યવહાર છે. ન્યાય એ તો કોમન લૉ છે. જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઇ જોઇને કામ આગળ ચલાવવું, અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે એને અને કોમન લૉ ને કંઇ લેવાદેવા નથી. ન્યાય તો થર્મોમીટર છે. આપણે જે કર્યું એ જોઇ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર. ન્યાયમાં હશે તો ઊર્ધ્વ ગતિમાં જઇશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઇશ.

પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?

દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો કે નરમ બોલ્યો તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા તેનાય ‘આપણે’ જ્ઞાતા-દ્રષ્ટા. અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી એ એના વ્યવહારને આધીન નીકળી, પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઇ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું એય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ કે આજે સામાનો અને આપણો વ્યવહાર છતો થયો અને ભગવાન પણ આ વ્યવહાર એકસેપ્ટ કરે છે.

કોઇ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે જે કરતો હોય ગાળો ભાંડતો હોય

(પા.૧૬૩)

એ બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એકસેપ્ટ કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઇશ.

પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?

દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઇ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય. ઇફેક્ટ એ કોઝીઝનું ફળ છે. ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર.

વાણી, સામાના વ્યવહારાધીન

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું, જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?

ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઇ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, ‘એ આવું આવું બોલ્યા, તે તમારે આવું આવું બોલવું જોઇએ.’ પણ તમે એક વખત બોલો એટલે પેલા બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઇ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુરત જ પ્રતિક્રમણ કરો.

તમારે ના બોલવું હોય તોય બોલાઇ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે. કોઇ કોઇ જગ્યા તપાસી જોજો. કોઇ માણસ તમારું નુકસાન કરતો હોય તોય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઇ કે તમારું જરાય નુકસાન ના કર્યું હોય તોય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? ત્યારે કહે, એવું સામાના વ્યવહારને આધીન થાય છે.

જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે, ‘તમે મને કેમ નથી વઢતા ?’ તો હું કહું કે, ‘તમે એવો વ્યવહાર

(પા.૧૬૪)

નથી લાવ્યા. જેટલો વધારે વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા.’ અમારે ‘જ્ઞાની પુરુષ’ ને કઠણ વાણી જ ના હોય, અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઇએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઇ પણ પ્રકારની કામના નથી, કોઇ ઇચ્છા નથી, કોઇ પણ પ્રકારના રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. ‘જ્ઞાની પુરુષ’ને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં, કોઇ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય? એક કલાકમાં જે મોક્ષ આપે છે એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે! કવિ શું કહે છે કે,

‘મૂઆ જેને કહે એ તો અજર અમર તપે;

ગાળ્યું જેણે ખાધી એનાં પૂરવનાં પાપોને વીંધે.’

કોઇ કહેશે, ‘આ ભાઇને દાદા કેમ કઠણ શબ્દ કહે છે ?’ એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે.

અમારે ઘેર ઉપર ચા આવે, તે કો’ક વખતે ચામાં ખાંડ જ ના નાખી હોય તો અમે કશું બોલ્યા વગર પી લઇએ. ઘણી વખત તો નીચે ખબરેય ના પડે. ને ખબર પડે તો એ જ્યારે ચા પીએ ત્યારે ખબર પડે. અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય. બોલવાનું ક્યાં હોય કે કંઇ નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે. તે આજે જ ભૂલ્યા છે, તો એમાં બોલવાની જરૂર નથી. ખાંડ નાખવી એ તો વ્યવહાર

(પા.૧૬૫)

છે. તે ખાંડ વગરની ચા આવે તો અમે સમજી જઇએ કે આજે આવો વ્યવહાર આવ્યો છે, તો ચા પી લઇએ.

વ્યવહારમાં ‘ન્યાય’ કયો ?

વ્યવહાર જ બધે મૂંઝવે છે ને ? વ્યવહારને અને ન્યાયને લાગતું વળગતું નથી. લોકો ન્યાય કરવા જાય છે, ન્યાયને બોલાવાનો જ ના હોય. જે વહુને સાસુ પજવતી હોય તેય વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તેય વ્યવહાર છે. આખો દા’ડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એય વ્યવહાર છે. જો વ્યવહાર ના હોય તો તો પુદ્ગલ આવે જ નહીં ને ! આ વ્યવહાર છે, એમાં ન્યાય-બ્યાય જોવા જાય તો ઉકેલ જ ના આવે.

ભગવાન જોડે ૧૧ શિષ્યોનો વ્યવહાર હતો, એમાં કો’ક શિષ્યને કો’ક દા’ડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઊંઘે નહીં. એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે. માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું તેનું શું ?

દાદાશ્રી : એ વ્યવહારાધીન છે.

પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?

દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ મોક્ષે લઇ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય. કારણ કે આપણે સામાનાં આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત

(પા.૧૬૬)

આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને ‘સ્વરૂપ-જ્ઞાન’ ના હોય તેણે વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો સામો અવળું બોલ્યો તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

નિઃશેષ વ્યવહારે ઉકેલ

ભગવાને શું કહ્યું કે ‘એક વ્યવહાર છે અને બીજું નિશ્ચય છે’; વ્યવહારનો તો નિઃશેષ ભાગાકાર થઇ રહ્યો છે, નહીં તો ઉકેલ ક્યાંથી આવે ? નિરંતર વ્યવહારને વ્યવહારમાં રાખવો અને નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો. અને વ્યવહારમાં તો જેટલું હશે તેટલું તો સામે આવશે જ ને ? વ્યવહાર તો તમે જેટલો વ્યવહાર લાવેલા તેટલું રોકડું જ આપે. વ્યવહાર શું કહે છે ? કાયદેસર અઢાર આપવા જોઇએ અને આઠ જ કેમ આપ્યા ? કારણકે આઠનો જ વ્યવહાર હતો માટે આઠ આપ્યા, એટલે વ્યવહાર શૂન્ય થઇ જાય, પાછલાં કર્મો શૂન્ય થઇ જાય. પણ ‘જ્ઞાની પુરુષે’ જ્ઞાન આપ્યું હોય તો ચાર્જ ના થાય, નહીં તો ચાર્જ થઇ જાય.

વ્યવહાર એટલે બન્નેની વાત શૂન્યતાને લાવે તે. સ્થૂળ કર્મો, પંચેન્દ્રિયથી દેખાતાં, અનુભવાતાં કર્મો, શૂન્યતાને પામે એ વ્યવહાર. સ્વરૂપના અજ્ઞાનીને એ ચાર્જ કરીને જાય અને અમે જેને જ્ઞાન આપ્યું હોય, જેને સ્વરૂપનું ભાન હોય તેને તો ડીસ્ચાર્જ થઇ જાય અને નવું ચાર્જ ના થાય. ડીસ્ચાર્જ કોઇ પણ પ્રકારનું હોય પણ તે જેવો સામાનો વ્યવહાર હશે તેવું જ ડીસ્ચાર્જ થશે.

કેટલાક એવા હોય છે કે, તમે ઉપકારથી ભાગતા હો તોય તે અપકારથી ભાગતા હોય ! એમાં ન્યાય કરવા જાવ તો ગાંડા બનો. સરકાર, વકીલ બધા ગાંડા બને. એમાં તો આ ઉપકાર કરે છે એ વ્યવહાર છે અને પેલો અપકાર કરે છે એય વ્યવહાર છે. એમાં ન્યાય કરવા જાવ અને લવાદને બોલાવો તો લવાદ ઉપરથી પહેલાં જ કહેશે, એય, ચા-પાણી-નાસ્તા લાવો !

(પા.૧૬૭)

જ્યાં વ્યવહાર કહ્યું ત્યાં ન્યાય ખોળવાનો જ ક્યાં રહ્યો ? તું આ સમજીશ નહીં તો વ્યવહાર પોતે જ તને મારી-ઠોકીને વ્યવહાર કરાવશે. માટે સમજી જાને કે આ તો વ્યવહાર જ છે !

પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં મહીં બળ્યા કરે એ તરછોડ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો એની જોડે રમણીય વ્યવહાર સચવાયેલો નહીં તેથી એવું બને, આ વ્યવહારમાં કોઇને અમે વઢતા હોઇએ પણ એમાં અમારો પોતાનો જરાય સ્વાર્થ ના હોય તો તે રમણીય વ્યવહાર હોય. એનું ફળ સુંદર આવે. પણ સ્વાર્થ માટે લઢે, પક્ષાપક્ષી માટે લઢે તેનું ફળ કડવું આવે. અમારો વ્યવહાર રમણીય હોય. વગર કાર્ય કર્યે જશ મળે. એમ ને એમ પગલાં પડે ને ફેરફાર થઇ જાય તે પૂર્વભવનો રમણીય વ્યવહાર છે. હવે તો આપણે જેટલો અને જેવો વ્યવહાર છે તે ભૂંસી નાખવાનો છે અને હવે આપણે નવો વ્યવહાર ક્યાં કરવાનો છે ? હવે તો તમારે વ્યવહારના જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદમાં રહેવાનું છે

હવે કોઇ માણસ પૂછવા આવે કે, ‘મારો છોકરો આવું કરે છે, ફલાણાએ આવું કર્યું, એવું તે કરાતું હશે ?’ તો હું કહું કે, ‘જે થઇ રહ્યું છે એ જ ન્યાય છે.’ ન્યાય તો થર્મોમીટર છે. દરઅસલ સંજ્ઞા એ દરઅસલ ન્યાય છે; જે થઇ રહ્યું છે તેને જ અમે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ. એમાં પછી ન્યાયાન્યાય ખોળવાનું ક્યાં રહ્યું ?

આજે આ ગજબની વાત નીકળી છે ! આ વાત વર્લ્ડમાં ઊંચામાં ઊંચી વાત છે !! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધારે નીકળી ગઇ છે; તમામ શાસ્ત્રોના સાર રૂપે નીકળ્યું છે !!! આ વાક્યનું વિવરણ કરવા જેવું છે.

(પા.૧૬૮)

વ્યવહારિક સુખ-દુઃખ સમજ

આ સંસારનાં સુખ-દુઃખ છે એને ભગવાને સુખ-દુઃખ કહ્યું નથી. ભગવાને આને વેદનીય કહ્યું છે. સુખને શાતા વેદનીય કહી અને દુઃખને અશાતા વેદનીય કહી.

પ્રશ્નકર્તા : વેદનીય કેમ કહ્યું ?

દાદાશ્રી : કારણ કે એનું પ્રમાણ વધી જાય તો કંટાળી જાય. આ જમવાનું રોજ એક જ પ્રકારનું મૂકે તો કંટાળી જાય. તેથી તેય વેદના જ છે ને ? પુણ્યકર્મથી શાતા વેદનીય અને પાપકર્મથી અશાતા વેદનીય છે. આ લગ્નમાં બધાં લોક આનંદમાં હોય ને ભાઇના મોઢા પર દિવેલ પીધું હોય એમ કેમ દેખાય ? ત્યારે કહે, ‘મહીં’ અશાતા વેદક છે. તે એ આમથી ગોદા મારે અને તેમથી ગોદા મારે અને ગમે તેવાં દુઃખનાં સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સીસ ભેગા કરી આપે અને ભાઇને દુઃખ આપે. આ ઉપર ભગવાન કે ગ્રહો કોઇ દુઃખ આપે નહીં. ઉપર કોઇ બાપોય નવરો બેઠો નથી તમને દુઃખ આપવા ! આ તો મહીં પેલો વેદક છે એ કરાવે છે. આમાં આત્મા નથી. આત્મા સિવાય બીજી વસ્તુ છે. આ તો આખું લશ્કર મહીં છે. પોલીસવાળો, ફોજદાર, એનો ઉપરી એ બધાય આ લશ્કરમાં છે !

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને આ બે વેદક ના હોય ને, દાદા ?

દાદાશ્રી : ના, ‘જ્ઞાની’ને પણ હોય. પણ જ્ઞાની જુએ અને જાણે. કંઇ અપજશ મળે તો આપણે કહીએ કે આ તો તમારો હિસાબ તેથી અપજશ મળ્યો. આપણે તો જ્ઞાતા-દ્રષ્ટા અને પરમાનંદી, તે પાડોશીની જેમ રહેવાનું. આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ છે. કોઇને દાઢ દુઃખવા આવે તો એ કેમ એમ નથી વિચારતો કે આ કાયમ દુઃખતી

(પા.૧૬૯)

રહેશે તો ? આ બધાંનો ટાઇમ હોય. કાળ પાકે એટલે દુઃખતું બંધ થાય. એક અવસ્થા અડતાલીસ મિનિટથી વધારે ટકે નહીં એવા નિયમવાળું જગત છે !

અવસ્થામાં સુખ હોય નહીં. અવસ્થા તો નિરંતર ફર્યા કરવાની. બગીચામાં સુખ હોય તો પાછું ઘેર આવવું પડે છે, એના કરતાં આ દુઃખના હાંલ્લામાં પડ્યા રહીએ કે જે જગ્યાએ દુઃખ છે ત્યાં જ પડ્યા રહીએ તો સુખ થાય. દુઃખ સહન કરનારને સુખ ઓટોમેટિક આવ્યા કરે, કારણ કે તાપમાં ચાલેલાને બાવળિયા નીચે સુખ આવે જ, અને જો કોઇને બાવળિયા નીચે સુખ ના આવતું હોય તો તેને ચાર-પાંચ કલાક તાપમાં ફેરવીએ તો ત્યાંય તેને સુખ લાગશે. આ સંસારની કલુષિત ક્રિયાને એનાં ફળ રૂપે સુખ ઉત્પન્ન થાય છે ! પછી એ ઘેર જઇને પંખો ફેરવીને બેસે તો ‘હાશ, સુખ થયું’ કહે ! પછી એ નિરાંતે ચા-પાણી પીએ. અને આખો દા’ડો ઘરમાં બેસી રહેલા શેઠને પંખો ફેરવે તો ના ફાવે, ચા-પાણી ના ગમે. આ સંસારમાં કોઇ પણ સુખ છે એ થાક્યાનાં ફળ રૂપે છે. તાત્વિક સુખ-સનાતન સુખ આવે પછી ક્યારેય પણ જાય નહીં !

કેટલીક જગાએ ઓરત ધણીને દુઃખ આપે તો કોઇ જગ્યાએ ધણી ઓરતને દુઃખ આપે. પણ એ દુઃખ શાથી લાગે છે ? ત્યારે કહે, પ્રમાણથી ઓછું દુઃખ આપે છે, તેથી. જો પ્રમાણથી વધારે દુઃખ પીરસે તો સુખ લાગે. ત્યારે અહીં જ્ઞાન શું બોલે કે આ તો વાગ્યા જ કરશે. તે પછી સુખ ઉત્પન્ન થઇ જાય !

આ ચક્રવર્તી રાજાઓને મહેલોમાં સુખ ના લાગ્યાં ને આ ગરીબોને ઝૂંપડીમાં સુખ લાગ્યા કરે છે એ જ અજાયબી છે ને ? સુખ તો ટકાઉ હોવું જોઇએ, આવ્યા પછી જાય નહીં. સુખ તો ‘દાદા’ને છે તેવું હોવું જોઇએ, એક ક્ષણ પણ એ જાય નહીં, ‘દાદા’ને નિરંતર સહજ સમાધિ રહે !

પ્રશ્નકર્તા : જીવ બીજે સુખ શા માટે ખોળે છે ?

દાદાશ્રી : આ છોકરાને દાળભાત સરસ ખાવા મળે તો તે હોટલમાં

(પા.૧૭૦)

ના જાય. પણ ઘેર જ સંતોષ ના રહે તો પછી એ બહાર ખાવા જાય, તેવું સુખમાં અસંતોષ છે એટલે સુખ ખોળે છે. જીવ અતીન્દ્રિય સુખને માટે ભટકે છે, પોતાનું સુખ કોઇએ ચાખેલું જ નહીં, આ કલ્પિત સુખ તો કેટલું ટકે ? ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો અતીન્દ્રિય સુખ મળી જાય! કલ્પિત સુખથી તો તૃપ્તિ ના થાય, સંતોષ થાય ખરો. જ્યાં સુધી જ્ઞાન ઉત્પન્ન થાય નહીં ત્યાં સુધી ‘અવળા-હવળા’નું ભાન મનુષ્યને હોય નહીં. બુદ્ધિ છે તો સંસારનાં હિતાહિતનું ભાન બતાવે પણ મોક્ષના હિતાહિતનું ભાન ના બતાવે. એ તો હું મરી જઇશ એવું બતાવે !

આ જગત ક્રમે ગોઠવાયેલું છે. પદ્ધતિસર જગત છે. કોઇનેય મનનાં દુઃખ નથી. એક મનુષ્ય નામના પ્રાણીને જ દુઃખ છે. પ્રાણી શાથી? કે પ્રાણના આધારે જીવે છે. બીજા કોઇ જનાવરને મનનાં દુઃખો નથી. ભૂખ લાગે તો તેમને વેદના થાય પણ જરાક ખોરાક મળે એટલે વેદના શમી જાય. એમને લોભ જ નહીં ને ! આ મનુષ્યોને જ લોભ છે. તે પોતાના ગમાણનું તો ખાય પણ જોડેનાની ‘ગમાણ’નું પડાવી લેવા ફરે ! લોભથી જ દુઃખો ઊભાં છે !

આ માણસોને ઘૈડપણમાં પગ દુઃખે તો ડૉક્ટર પાસે દોડે, દવા કરાવે. પણ આ પક્ષીઓને કે માછલાંઓને છે ડૉક્ટર ? એમને ભોગવ્યા જ કરવાનું. એમને છે એકેય વિષય ? આહારસંજ્ઞા હોય તેથી ખાવા જોઇએ, પણ જીભના વિષય નહિ. એમનેય જો ખાવા-પીવાના વિષયો હોય તો તેમનેય દાઢો દુઃખત, ચશ્મા આવત. જનાવરોનેય ઘૈડપણમાં દુઃખો આવવાનાં, પણ મૂંગે મોઢે સહન કર્યા કરવાનાં તેમને !

આ બળદને આખો દહાડો ખેતરમાં ખેતી કરાવે ને પોતાનો બળદ પોતાના ખેતરમાંથી કશું ખાઇ ના જાય તે માટે મોઢે શીંકી બાંધે, તે બળદ જાણે કે મારે કશું ખાવાનું નહીં. એક ખેડૂતભાઇને રાતે સિનેમા જોવાનું મન થયું. તે બળદને ઘાસ-બાસ સરસ સરસ મૂકીને જતો રહ્યો, પણ શીંકી કાઢવાનું ભૂલી ગયો. બિચારો બળદ શું કરે ? પેટમાં ભૂખ લાગી પણ કરે શું ? કોને કહે ? રાતે બાર વાગ્યે ખેડૂત આવ્યો ને સૂઇ ગયો. બળદની કંઇ તપાસ-બપાસ કરી નહીં. બળદ તો જમીન પર પગ પછાડ પછાડ

(પા.૧૭૧)

કરે આખી રાત ! તે સવારે જોયું તો ખબર પડી કે શીંકી કાઢવાનું ભૂલી જ ગયેલો!

જીવન - ઘાંચીના બળદ જેવા

અનંત અવતાર ઘાંચીના બળદની જેમ મજૂરી કરી, ફળમાં મળ્યું શું ? તો કે‘ ખોળનું એક ઢેફું ! તેમ ભાઇ આખો દહાડો ઘાંચીના બળદની પેઠે મહેનત કરીને મરી જાય ત્યારે રાત્રે હાંડવાનું ઢેફું મળે ! બહુ બધાં દુઃખો ભોગવ્યા છે ! પાર વગરના માર ખાધા છે. આ તો કલ્પિત દુઃખોને પાછા આમંત્રણ માટે પત્રિકા મોકલે. લગ્નમાં માસીના મામાજીના દીકરાને બોલાવે. જરૂર હોય એને કંકોતરી મોકલને ! પણ આ તો બધાંને આમંત્રણ આપે તે પછી બધાં આવે. આ દુઃખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું, અને સુખનેય એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું. પણ જેને કંકોતરી મોકલે તે આવે. પછી કહે કે દુઃખ કેમ આવ્યું ?

આ ગામડાનાં બૈરાં ભેગાં થાય ને પછી સુખદુઃખની વાતો કરે. બાયડી કહે કે મારે તો મારા ‘એમને’ એક દહાડો ટૈડકાવવા છે અને પુરુષો ભેગા થઇ ને વાતો કરે કે ‘મૂઇને બે ધોલ દેવી છે.’ તે પછી જો. પેલી ટૈડકાવે અને પેલા એને બે ધોલ મારે એવો આ સંસાર છે ! આ સંસારમાં જરૂરની વસ્તુ કેટલી ? બે ટાઇમ ખાવા મળે ને નાહવાનું પાણી મળે તો ઠીક, પણ પીવાનું પાણી તો જોઇએ. આવડા નાના વાળ હોય તો ખોડો થાય કશો ? આ તો વાળ વધારે ને પછી ખોડો થાય. આ તો જરૂર વગરનાં દુઃખો નોતરે છે.

સંસાર એ તો નર્યો દુઃખનો ભંડાર છે. તેમાં બોલાય નહીં, કહેવાય નહીં ને સહેવાય નહીં ! ને ગળ્યા કરવાનું ! આ બળદિયાને તો આખી જિંદગી મહેનત કરવાની અને પછી ઘૈડો થાય ત્યારે કપાઇ મરવાનું. એમને રીટાયર થવાનું છે કંઇ ? છે જરાય એમને ટેન્શનમાંથી નીકળવાનું? આ તો પોતાને દુઃખ છે, એનાં કરતાં જનાવરોને પાર વગરનાં દુઃખ છે. ‘આ જનાવરો કરતાં તો આપણને દુઃખો ઓછાં છે ને’ એમ વિચારવાનું. આ તો મોઢે એક ફોડકી થઇ હોય તો દુઃખ થઇ જાય!

(પા.૧૭૨)

દુઃખોને ના રડે તે ખાનદાન

પોતાનાં દુઃખો બીજાને રડીને કહેવાં એ તો કાંઇ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુઃખો બધાંને કહેતાં ફરે. દુઃખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુઃખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઇ સામેવાળો આપણાં દુઃખ લઇ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઇ પોતાના દુઃખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ઢસવાતી ઢસવાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં !

આ જનાવરોને છે કંઇ નણદોઇ-બણદોઇ ? આ તો મનુષ્યમાં આવ્યાં ત્યાંથી અમારા નણદોઇ, અમારા વર. કયા અવતારમાં વર નહોતો મળ્યો ? કૂતરાંમાંય ને ગધેડામાંય - બધેય વર મળેલો, તોય આવું જ ગમે છે લોકોને. નહીં તો પોતે પરમાત્મા જ છે ! આ મુક્તિ માટે જન્મ મળે છે, પણ એ કામ તો ભૂલી ગયો. જે કામ માટે આવે ને એ કામ ભૂલી જાય તો એનાથી મોટો મૂરખ કોણ ? આ સંસારમાં આ મારા સસરા, આ મારી સાસુ ને આ મારો ધણી ને આ મારી વહુ એમ ‘મારું-મારું’ કર કર કર્યું છે. પણ દાંતમાં સણકા મારે ત્યારે કોઇ આવે નહીં. ડોશી વહુને કહે કે, ‘દાઢ દુઃખે છે તો અલી કંઇ રસ્તો બતાવને!’ ત્યારે વહુ મહીં વિચારે કે આ ડોશી શું કચકચ કરતી હશે ! પણ એ તો એને દુઃખે ત્યારે ખબર પડે. પણ તે ઘડીએ ભૂલી ગયેલી હોય. ગુના કરીને પછી ભૂલી જાય. તે ભોગવતી વખતે કહે કે મને આ દુઃખ શું કામ આવ્યું ?

ચોપડાના હિસાબ

આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાણ્યું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને !

(પા.૧૭૩)

જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, ‘આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.’ આ વાંચીને આપણે કંઇ ભડકવાની જરૂર નથી કે હુંય લૂંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યાં કરને. તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપોય પૂછનાર નથી. ‘ભોગવે એની ભૂલ.’ માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. છતાં, વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંને શંકાને સ્થાન મળે કે આપણેય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઇ બાપોય ઉપરી નથી.

આપણને કોઇ જોષીએ હાથ જોઇને કહ્યું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ અપમાન, ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! પેલો બોજો રહે છે કે મને ‘કેમ ગાળ આપી તે, ના હોવો જોઇએ. અને જો તમારાં દુઃખો ‘દાદા’ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. ‘અમે’ આખા જગતનાં દુઃખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ ‘દાદા’ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે ‘દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.’ એટલે દાદા આવે જ.

માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતેય આનંદ હાજર રહેવો જ જોઇએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી

(પા.૧૭૪)

રહેતો ? ‘અપમાન વખતે આનંદ હાજર રહે જ.’ એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે ‘રહે જ’ એમ કહીએ એટલે રહે. પણ એ તો ‘ખ્યાલ નથી રહેતો’ એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે.

આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તેં ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતાં આવડ્યું એને મોક્ષની તીવ્ર ઇચ્છા થાય. ચોપડા જોતાં ના આવડે તોય મોક્ષની તીવ્ર ઇચ્છા તો હોય જ. આ સરવૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે ? બાપ થવામાં સુખ છે ? ધણી થવામાં સુખ છે ?

સત્સુખ ક્યારે જડે ?

પ્રશ્નકર્તા : પોતે શુદ્ધ છે, એવું આ લોકો જાણતા હશે ?

દાદાશ્રી : શી રીતે જાણે ? પોતે શુદ્ધ છે એવું જાણે તો અપાર સુખ આવે. પણ આ નહીં જાણતા હોવાથી આ બધાં દુઃખો છે. અણસમજનાં દુઃખો છે. કંઇ શોધખોળ તો કરવી જોઇએ ને કે સુખ શામાં છે ? આ તો ગધેડાની પેઠે દોડધામ, દોડધામ કરે છે. તે પાછો પડી જાય, અથડાઇ જાય. આવું તે હોતું હશે ? આ મનુષ્યોને જીવન જીવવાની કળા નષ્ટ થઇ ગઇ છે. આ પિત્તળ, તાંબુ, લોઢું એ બધી ધાતુઓ એના ગુણધર્મમાં રહેલી છે. પણ આ પંચધાતુનું પૂતળું બહુ વસમું છે ! એ કંઇ તૃતીયમ જ ખોળી કાઢે ! હોય પોતે શેઠ, પણ લોક કહેશે કે, ‘ભાઇ, વાત જ ના કરશો ને એમની તો !’ કારણ શું ? કે, શેઠ કંઇ કામના જ નથી. એટલે કંઇ માર્ગ તો કાઢવો પડશે ને કે પોતે શી રીતે સુખી થાય?

સંસારમાં સુખ નથી એવું ક્યારે થાય ? જ્યારે દુઃખો આવે ત્યારે હિસાબ નીકળે. આ તો બધાં ખાતાં અનંત દુઃખોવાળાં જ છે. પણ સુખ આવે ત્યારે મસ્તાન થઇ ને ફરે છે અને દુઃખ આવે ત્યારે સમજાય, ત્યારે

(પા.૧૭૫)

લાગે કે આ સંસાર તો ખારો દવ જેવો છે. પણ પોતાની પાસેનું બધું સોનું દરિયામાં ફેંકી દે પછી કંઇ જડે ? પછી તો પોક મૂકીને રડવું પડે. આ એક વખત સંસાર બગાડી નાંખ્યો તો શી રીતે ફરી સુધરે ? તે માટે તો એક વીતરાગ વાણી જ સુધારે, ને તે જ મોક્ષ આપી શકે એમ છે. આ દેહનું બંધન, વાણીનું બંધન, મનનું બંધન, બુદ્ધિનું બંધન, અહંકારનું બંધન તે શી રીતે પોષાય ? આ બધા બંધનો પોતાથી જુદાં જ છે. પણ આ તો તમે ભેગાં કર્યાં. ‘હું એ જ મન છું, અહંકાર એ હું જ છું.’ તે પછી મૂઢાત્મદશા થઇ જાય. નહીં તો તેમાંથી છૂટો પડે તો પોતે પરમાત્મા જ છે. આ બધી વિનાશી ચીજોમાં સુખ માન્યું તેથી મૂઢાત્મા થઇ ગયો છે !

આ દુઃખ તો નામે નથી, પણ માની બેસે છે તેનાં દુઃખો છે. આ ઉપર ગયા પછી કોઇના કાગળ-બાગળ આવેલા કે તમારી ઉપર ?

પ્રશ્નકર્તા : ના, એ તો ક્યાંથી આવે ?

દાદાશ્રી : એવો આ સંસાર છે. ચોપડે ૫૦૦ રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય. તે જૂના હિસાબો પૂરા થાય એટલે છૂટા પડી જાય, મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તો ફરી ભેગા ના થાય.

આ ૧૦૦ રૂપિયાનાં કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છે ને ? આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જ્યાં હોય ત્યાં એને પહોંચે.

કડવું પીવે તે નીલકંઠ

પ્રશ્નકર્તા : દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?

(પા.૧૭૬)

દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઇ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તોય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તોય એ ના આપે. આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. ‘જ્ઞાન’ જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રીલેટિવ રીલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા’ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !

અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઇ ગયા ! જે કોઇએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું ! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !!!

પ્રશ્નકર્તા : આ કર્મ ખપાવવાં એને જ કહે છે ?

દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ આ કડવી ભેટ-સોગાદો આવે ત્યારે કહે કે, ‘અલ્યા, તું શું કરવા મને આમ કરે છે !’ તો એનાથી કર્મ ના ખપે. નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ છે.

સામો કડવું આપે ત્યારે એ ક્યા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે ‘ઓહો ! આ તે આ ખાતાનું છે!’

(પા.૧૭૭)

એટલે એ ગમે. ‘દાદા’ને રકમ જ ખલાસ થઇ ગઇ છે, એટલે કડવું કોણ આપે ? આ તો એ રકમ જ્યાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે !

અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે ! અને બહાર ક્યાંય આનંદ છે જ નહીં. તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે. ‘જાણેલા’માંથી નહીં પણ ‘માનેલા’માંથી આનંદ લે છે. સંસારનાં સુખો તો રોંગ બીલિફથી છે. આ જો જ્ઞાન થાતને તોય કંઇક ચાલત, પણ આ તો રોંગ બીલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપૂર્વક એ સુખોને જુએને તોય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બીલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.

સવળા સંજોગો મળે તો સુખ મળે અને અવળા સંજોગો મળે તો દુઃખ નોતરે. કોઇ માણસ હોય તેને જુગારનો અને દારૂડિયા જોડે દારૂ પીવાનો કુસંગ મળે તો તે સંયોગ તેને દુઃખી કરે ને સત્સંગમાં બેસે તો સુખ મળ્યા કરે. આ તો માણસ કયા સંગમાં છે એ પરથી એને કેવું સુખ હશે તે સમજાય.

દુઃખ તે કોને કહેવાય ?

દુઃખ પોતાને છે જ નહીં ને દુઃખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુઃખ લઇ લે છે. જો ત્રણ દહાડા ખાવા ના મળે, પીવા ના મળે તે દુઃખ કહેવાય ! ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધાં દુઃખોને ભેળાં કરે અને દુઃખનો સ્ટોક કરે. આને તે વળી દુઃખ કહેવાતાં હશે ?! દુઃખ તો કોને કહેવાય કે ખાવા ના મળે, કપડાં પહેરવાં ના મળે, સૂવા ના મળે-એ બધાં દુઃખો કહેવાય. આ બધું મળે પછી દુઃખ કોને કહેવાય ? આ તો સંસારમાં દુષમ મનને લઇને દુઃખો છે, તે સુષમ મન થાય એટલે સુખી થઇ જાય ! મન બગડી જાય એટલે આધિ બોલાવે, ના હોય તોય આધિ બોલાવે. વખતે દાઢ દુઃખતી હોય તો એને દુઃખ કહેવાય. આ તો દુઃખ જ નથી, પણ લોકોએ બધો અજંપો કર્યો છે.

(પા.૧૭૮)

જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય. ઉપાય હોય તો જ દુઃખ કહેવાય. જેનો ઉપાય નથી એ દુઃખ જ ન કહેવાય. જે દુઃખે છે તેનો ઉપાય કરીએ જ છીએ ને ! આ પગ હોય તે લડાઇમાં કપાઇ જાય તો તો તે પગ ફરી નહીં આવે માટે તે દુઃખ ના કહેવાય, કારણ કે ઉપાય નથી. પણ પગે ફોલ્લો પાક્યો હોય તો તે દુઃખ કહેવાય, કારણ કે તે મટાડી શકાય છે, એનો ઉપાય છે.

કોઇ કહે મારે બધે સુખ છે છતાં આ પગે દરાજ થઇ છે એટલું જ જરા દુઃખ છે. અલ્યા, આને દુઃખ કેમ કહેવાય ? આ તો હાથ એની મેળે વલૂર્યા કરે.

પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઇ જાય. કેટલીક વખત આર્થિક દુઃખ હોતું જ નથી. પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઇ લેવાનું હોય. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્નકર્તા : ના !

દાદાશ્રી : તો પછી એને દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ-એટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એનાં તો ઉપાય કરવા જોઇએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી લક્ષ્મી લઇ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઇ ખોળે ને ? આનાથી સુખ કંઇ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઇન

(પા.૧૭૯)

પ્રોડક્ષન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઇ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરનેય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઇ છે. તેથી આ બાય પ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન ‘જ્ઞાની પુરુષ’ પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પૂરૂં થાય !

પ્રશ્નકર્તા : આપઘાત કરીને મરી જાય તો શું થાય ?

દાદાશ્રી : આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુઃખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય ? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપઘાત ના કરાય.

દુઃખ તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુઃખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુઃખ બરાબર છે ! પણ અક્કરમી ‘ચેં’ ‘ચેં’ કરીને આખો દા’ડો દુઃખ ગા ગા કરે છે.

સુખ-દુઃખ તો આમંત્રેલાં મહેમાન જેવાં છે, આવે ત્યારે ધક્કો ના મરાય પણ તેમને તો સત્કારવા જોઇએ. સંસાર એ દુઃખનો દરિયો છે. વ્યવહાર સારી રીતે ચલાવવામાં કોઇની બીક ના હોવી જોઇએ. ધોલો ખાવી ગમતી ના હોય, અને જો ચોપડો બંધ કરવો હોય તો ધોલો આપતી વખતે વિચાર કરવો કે પાછી આવશે ત્યારે એ લેવાશે કે કેમ ?

ત્રણ જાતનાં દુઃખ છે. દેહનાં દુઃખોને ‘કષ્ટ’ કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુઃખ કહેવાય. દાઢ દુઃખતી હોય, આંખો દુઃખતી હોય, પક્ષાઘાત થયો હોય તે બધાં દુઃખો તે દેહના દુઃખો. બીજાં વાણીનાં દુઃખ, એને ‘ઘા’

(પા.૧૮૦)

કહેવાય છે; હૃદયમાં પેસી જાય તો પછી જાય નહીં. ને ત્રીજાં મનનાં દુઃખ તે ‘દુઃખ’ કહેવાય છે. આપણને મનનાં દુઃખ કે વાણીના ઘા ના રહેવાં જોઇએ, પણ કષ્ટ તો આવે. સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ. પણ આ વાણીનો ઘા અને મનનાં દુઃખો ના હોવાં જોઇએ. આ ઇન્કમટેક્ષનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્ષ નાખી દઇશ, એવું બોલે તો એ તો રેકોર્ડ છે. તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઇએ.

આ કોઇને હાર્ટ-એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુઃખતું હતું. તે એ ભાઇને છાતીમાં દુઃખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે તો ? આ તો નર્યું દુઃખ વધારે. એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે ‘તું બહાર જા.’ આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે. અને એ ‘વ્યવસ્થિત’ને આધીન છે ને ? તો પછી એ વિચારથી દુઃખ શાને માટે ? કષ્ટ કેટલાં પડે છે તે જોવાનાં ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં! ‘દાદા, દાદા બોલતાં ન થાકું’- એમાં રહેને !

ભગવાને કહ્યું હતું કે દેહનાં કષ્ટ એટલાં જ દુઃખ લગાડજે, બાકી બીજાં દુઃખો એ ખરાં દુઃખ નથી. કેમ જનાવરને દુઃખ નથી ? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઇ જઇએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઇ જઇએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગડ ? આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનનાં દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે. માટે તેમને અક્કલ નથી તોય એમનું ચાલે છે, તો પછી આપણું કેમ ના ચાલે ? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને ! આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઇ પડે ? દુઃખના વિચાર આવે ને બધાંને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેપ્ટ ના કરીએ.

આ ગાય-ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાનાં દુઃ ખોને

(પા.૧૮૧)

તો ડિસમિસ કરવાનાં છે. આ ગાયો-ભેંસોને છે કશી ભાંજગડ ? એમનાં બચ્ચાંને પૈણાવવાની છે એમને કશી ચિંતા ?

આ કેવું છે કે ફુલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મહીં ભડકાટ ભો લાગ્યા કરે. પણ જો ફુલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફુલ લાઇટ ને ડીમ કરી શકાય, પણ ડીમને ફુલ ના કરી શકાય. આ ગાયો-ભેંસોનું ચાલે છે શું આપણું નહીં ચાલે ? આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો !

સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય ? આ દેહને સ્પર્શે તે, આ કપડાંને સ્પર્શે તે નહીં. આ તો કપડાંને સ્પર્શે તો કહેશે ‘મને દુઃખ થયું !’ આ લગ્નમાં જતાં હો ને ઉપરથી કોઇ થૂંક્યું તો કહેશે કે, ‘આ મારી પર થૂંક્યો.’ તો અમે કહીએ કે ‘હા, એ તારી પર થૂંક્યો, એ બરાબર છે. પણ એ કંઇ તારું દુઃખ નથી.’ દુઃખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શે તે.

વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્શ્યું કહેવાય. એને આપણે ‘મનમાં’ શું કામ લઇએ ? એને તો જ્ઞાનમાં લઇએ.

અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઇ. કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઇએ ? આપણને નફો ખોટ સ્પર્શતાં નથી. એને જો ખોટ ગઇ ને ઇન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, ‘હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.’

તું કહે કે, ‘કાન દુઃખે છે,’ તો હું તારું સાંભળું, ‘દાઢ દુઃખે છે,’ તોય હું સાંભળું, ‘ભૂખ લાગી છે’ તેય હું સાંભળું. એને દુઃખ કહેવાય. અને તું કહે કે, ‘ખીચડીમાં ઘી નથી.’ તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દુર્ધ્યાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ છે !

(પા.૧૮૨)

આ તો વગર કામનાં દુઃખો માથે લઇને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઇ લે કે કરમનાં ફૂટેલાં કે કઢી ઢળી ગઇ, એને દુઃખ માને. એવું આ ધંધામાંય શેઠ દુઃખ માથે લઇને ફરે છે. કેટલાંક ઓફિસનાં દુઃખો હોય છે ને કેટલાંક સમાજનાં પણ દુઃખો હોય. પણ એને દુઃખ ના કહેવાય. અમે તો ધંધાનું દુઃખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુઃખ ના કહેવાય, કાન કાપે તો એને દુઃખ કહેવાય. કારણ કે વેદના થાય છે. છતાં, આપણા સત્સંગમાં આવે તો એય દુઃખ ભૂલી જાય, કાનની વેદનાય ભૂલી જાય !

એક બાપ હતો. ડૉક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું. એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો. બહુ પૈસાવાળો હતો. હવે ડૉક્ટર કહે કે, ‘હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો.’ પણ શેઠ કહે કે, ‘મને ઓપરેશન, થિયેટરમાં બેસવા દો.’ શેઠ તો વજનદાર માણસ, એટલે ડૉક્ટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે, અને ડૉક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. હવે ત્યાં નહોતો કોઇ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એને તો બબૂચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત. અને જ્યાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઊડી જાય. જ્યાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાઇને ગુણે, એના કરતાં હસીને એ રકમને ભાંગી નાખ તો શેષ ના વધે !

એક જણ કહે કે, ‘મારી નાતમાં આબરૂ ગઇ.’ એ નાતનું દુઃખ, એમાં તને શાનું દુઃખ ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુઃખ સ્પર્શેલું. તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલાં, તે જ્યારે કાઢ્યા ત્યારે એવી વેદના થઇ તે આંખમાંથી પાણી નીકળ્યાં ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાંનેય થાય. દેહ ને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કન્ઝયુમ થઇ જાય, વપરાઇ જાય પછી દેહ ખલાસ થઇ જાય.

(પા.૧૮૩)

માટે દુઃખ કોને કહેવાય ? સ્પર્શે તે. બાબાને આંગળી કપાય તો શું ? એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપોય દુઃખ માથે લઇ લે. ભગવાન શું કહે છે કે અમે બાબાને એક રતલ દુઃખ આપેલું, તેમાંથી બાપ અરધો રતલ લઇને ફરે ને મા પા રતલ લઇને ફરે છે. હવે આને ડફોળ નહીં તો શું કહેવાય ?

તું મને કહે કે, ‘દાદા, પેટમાં દુઃખે છે’ ને ત્યાં હું કહું કે ‘તું આત્મા છે ને’ તો તો હું જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે. પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું, તો તે અમે ના સાંભળીએ. આને દુઃખ ના કહેવાય.

આ બહુ ઝીણી વાત છે. જો કંઇ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઇને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય ? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુઃખ હતું, ને તેમાં તે શું કામ બીજું અરધો રતલ લઇ લીધું ? કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે ! અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તોય પોતે માથે લઇ લે !

એક ભાઇ આવેલો. તે કહે, ‘મારે તો મોટી પીડા આવી પડી છે.’ મેં પૂછયું, ‘શું છે ?’ તો એ કહે, ‘બૈરીને ડિલિવરી આવવાની છે.’ બાઇ ડિલિવરીએ ગયાં તો એ કંઇ નવીન છે ? આ કૂતરાં-બિલાડાં બધાંને ડિલિવરી છે ને ? પોસ્ટવાળાય ડિલિવરી કરે છે, એમાં નવાઇ જેવું છે શું ? મહીં ભડકે કે બાજુવાળાની બાઇ ડિલિવરી વખતે ખલાસ થઇ ગયેલી, તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી, ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઇક મંત્ર કહીએ કે, ‘આ બોલજે.’ એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે, ‘આમ થયેલું તે આમ થશે તો ?’ આવા વિચાર કરે તો પછી એવી અસરોય થાય ને ? આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના

(પા.૧૮૪)

હોય તોય એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું! જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જ્યાં વિચાર થયા એટલું બગડ્યું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને ? આશ્રિતના વિચાર હોત તો જુદું છે !

આ કહે કે, ‘પેલાં બાઇ મને આમ કહે છે ને આ આમ કહે છે.’ એ સ્પર્શેલું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય.

આ બાબાનું દુઃખ શેરેશેર લઇ લે છે. બાબો જતો રહે છે, ત્યારે તું કેમ જતો નથી રહેતો ? પણ ત્યાં ના જાય.

જ્ઞાની તો બહુ ડાહ્યા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતાં હોય ? આવે. પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ અફિસમાં સોર્ટિંગનાં ખાનાં હોય છે ને ? આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઇ જાય.

સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજેય દુઃખ ના રહે એવું છે !

આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઇ માણસને વાગે નહીં તો સારું, વખતે કોઇને વાગે તો કોઇ મરી ગયું નહીં એટલે સારું થયું. એમ સમજનું અવલંબન લેવું જોઇએ.

અમારે કંટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ દરિયામાં પડી ગયું. તો પહેલાં અમે પૂછીએ કે, ‘આપણો કોઇ માણસ મરી તો ગયો નથી ને ?’ મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઇએ.

જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાજગડ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું ? ક્યાં વાગ્યું ? પછી બધી દવા વગેરે બધું તરત જ લઇ આવવાનું, પણ ડ્રામેટિક. ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો

(પા.૧૮૫)

દીકરાએ જોડે જવું જ જોઇએ ને ? આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં ‘ડ્રામા’ નહીં, એ કેમ ચાલે ?

આ ‘જ્ઞાની પુરુષ’ શાથી કાયમ આનંદમા રહે છે ? કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં, એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા !

આ માસ્તર હોય તે છોકરાને બે ગુણાકાર શીખવે ને જો તે છોકરાને ના આવડે તો તેને મારે. ઘરમાં માસ્તર બનને ! પણ બૈરી પાસે માસ્તર ના બને, નહીં તો બૈરી જ મારે !

સત્તા વાપરે તે ડફોળ

સત્તા પ્રાપ્ત થયા પછી જે સત્તા વાપરે છે એ ડફોળ કહેવાય. જે સત્તાનો ઉપયોગ કરે છે એ ડફોળ કહેવાય. સત્તા પ્રાપ્ત ના થઇ હોય ત્યાં સુધી ભાવ થાય કે સત્તા વાપરીશું, પણ સત્તા પ્રાપ્ત થાય તો એને વાપરવાની ના હોય. અમે, આ સત્તા વાપરે તો એને ડફોળ કહેવાય, એવું કહીએ તો એનો રોગ નીકળે. અત્યાર સુધી કોઇએ ગાળ દીધી નથી અને કોઇ ગાળ દેશેય નહીં. તે વગર રોગ નહીં નીકળે. બહાર તો ‘આવો શેઠ, આવો શેઠ’ એવું શું કામ કહેતા હશે ? કંઇક કામ પડશે ને, એટલા માટે. આ કામવાળા બધા ! એ તો કોઇ નિષ્કામ પુરુષ હોય ને તે વઢે તો કામ થાય.

અમારી પાસે એક વકીલ આવેલા, એને તો અમે કંઇ હિસાબ વગરની ગાળો ભાંડેલી. ત્યારે એણે એના ભાઇને ઘેર જઇને કહેલું કે, ‘આવા કરૂણાવાળા માણસ જ મેં જોયા નથી.’ આ તો લોક કેવા છે કે એમને ડૉક્ટર કામના, વકીલ કામના, આ કામના. પણ એ શેના કામના? એ તો આટલી ખીચડી મળી તો કામની, બીજું કંઇ કામનું નહીં. આ તો ખીચડી ના મળે ત્યારે ખબર પાડી દે કે કોણ કામનું છે?

‘જ્ઞાની પુરુષ’ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. ‘મારું માનભંગ થશે’ એ ભો જ્યાં સુધી રહે

(પા.૧૮૬)

ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને !

આ દુઃખના માર્યા કેટલાક તો અહીં આવે છે, પણ સાચી જિજ્ઞાસાથી આવે તો તો બહુ કામ થઇ જાય. આ તો દુઃખ આવે ત્યારે ભગવાનને કહે, પણ ભગવાન શું કહે છે કે, ‘અલ્યા, સુખનાં ટાઇમે તેં મને ના બોલાવ્યો, ત્યારે એક ટપાલ પણ ના લખી. માટે હવે તું આ દુઃખના વખતે ટપાલ લખે છે તો હું જવાબ નહીં આપું.’

લોકો તો કેવા છે કે કાર્યરૂપે આજે દુઃખ ઊભું થાય, છતાં એના એ જ દુઃખનાં કારણો ફરી ફરી સેવે છે. પાછલાં દુઃખનાં કારણોથી જે દુઃખ આવે છે એમાં નવાં કારણો ઊભાં ના થવા દે તે કામનું.

કામ કાઢી લેવા જેવું ‘આ’ એક જ સ્ટેશન આવ્યું છે. માટે ખાવ, પીઓ અને પ્રાપ્ત સંયોગોને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગડ ના કરશો.

સુખો તો મહીંથી આવશે. પણ આ તો બહારથી મધનું ટીપું ચાખવા પડ્યો રહ્યો છે !

આ સાધુ થવા માટે કેમ વિચાર આવે છે ? કારણ કે અનંતકાળથી એણે માર ખાધેલો તે યાદ આવે કે સાસુનાં દુઃખ, સસરાનાં દુઃખ, ધણીનાં દુઃખ, બાયડીનાં દુઃખો, છોકરાંનાં દુઃખો, એ બધાં દુઃખો અનંત અવતારથી ભોગવેલાં તે યાદ આવે અને કહેનાર નિમિત્ત પણ મળી આવે કે, ‘આ સંસારમાં ક્યાં સુખ છે ?’ એટલે એને વિચાર આવે કે મારે તો દીક્ષા જ લેવી છે અને પછી તે દીક્ષા લે !

‘જ્ઞાની પુરુષ’ પાસે તો તમારાં દરેક દુઃખો અવશ્ય જાય જ. ‘આ’ જ્ઞાની પાસે તો દરેકે દરેક દુઃખો દૂર થાય પણ તમે ઇચ્છા કરશો નહીં તો ! આ પગે જો વાગ્યું હોય ને પટ્ટી લગાડી હોય તો ‘જ્ઞાની’એ કહ્યું, કે ‘આને ઉખાડીશ નહીં’ ને તો પણ જો ઉખાડ ઉખાડ કરે તો એનો ઉપાય શો ? આ તો જ્ઞાનીએ કહ્યું, એને પછી કેમ હલાવાય ?

(પા.૧૮૭)

વ્યવહારમાં રોજ સવારે ઊઠતાં ‘દાદા’ને યાદ કરીને નિશ્ચય કરવો અને પાંચ વખત બોલવું કે ‘આ મન-વચન-કાયાથી જગતના કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો. ન હો !’ આટલો નિશ્ચય કર્યો એટલે મહીં પોલીસ ખાતું ચેતે. મહીં તો જાત જાતની વંશાવલિ છે, મોટું લશ્કર છે. ‘જ્ઞાની પુરુષ’ની હાજરીમાં આટલું કરવાથી શક્તિઓ આવી જાય ને પછી જાય નહીં. આવું નક્કી કરીને, ‘દાદા’ને સામા બેસાડીને ‘પેલી’ વંશાવલિ ઊભી થાય તોય એને કશું ખાવા પીવાનું નહીં આપવાનું !

કંટાળાનું સ્વરૂપ

દાદાશ્રી : કંટાળાનો અર્થ, શો ?

પ્રશ્નકર્તા : કશું ગમે નહીં તે.

દાદાશ્રી : કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇએ ત્યારે જે દશા થાય તે ! કંટાળો આવે છે ત્યારે દવા કરો છો ? આ ડ્રગિસ્ટને ત્યાંથી કંઇક દવા લાવો છો ?

પ્રશ્નકર્તા : એ તો ક્યાંય ના મળે.

દાદાશ્રી : પણ કંઇક તો કરતાં હશો ને ?

પ્રશ્નકર્તા : બહાર ફરવા જતો રહું છું.

દાદાશ્રી : આ તો માગતાવાળાને પાછા કાઢવા બરાબર છે. કંટાળો આવ્યો એ શું કહે છે ? નેચર શું કહે છે ? કે આનું પેમેન્ટ કરી દો. ત્યારે આ કહેશે, ‘ના, અમે એમ નહીં કરીએ.’ ને દોડધામ કરી મૂકે, એ તો કંટાળાને પાછો કાઢે છે. પણ એ જ્યારે સામટો માંગવા આવશે ત્યારે શું થશે ? કંટાળો આવે ત્યારે સિનેમા જોવા જાય છે. એ તો અન્ય ઉપાય કર્યો, વિરોધ કર્યો. કંટાળો આવે ત્યારે જો સ્થિર બેસી રહેને તો એ શોધખોળ કરી શકે કે ‘શાથી આવ્યો, એ શું છે ?’ તો ત્યાં પુરુષાર્થ ધર્મ જાગે એવું છે, ત્યારે ઊંધો ઉપાય કરે છે, અને એને પાછું ધકેલે છે.

(પા.૧૮૮)

પ્રશ્નકર્તા : બહાર જવાથી કંટાળો જતો નથી.

દાદાશ્રી : કંટાળો આવે છે એટલે બહાર જાય છે ને, એટલે બ્લડ સરક્યુલેશન થાય એટલે કંટાળાના સંયોગ વિખરાઇ જાય.

પ્રશ્નકર્તા : કેટલાક કંટાળો આવે ત્યારે વ્હીસ્કી પીએ છે.

દાદાશ્રી : આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એય એક જાતની મૂર્છા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો ‘શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઇ ?’ એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઊતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુઃખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી.

માણસને કંટાળો ગમે નહીં. કેટલાક તો જીવ પણ બાળે છે. જીવ ના બાળશો. કપડાં બાળે તો નવાં લવાય, પણ જીવ બાળીશ તો ફરી નવો ક્યાંથી લાવીશ ?

ઠાકોરજીની પૂજા

દાદાશ્રી : કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પૂજા કરો છો તો પૂજ્ય પુરુષની કરો છો કે અપૂજ્યની?

પ્રશ્નકર્તા : હું તો ખાલી પુષ્ટિમાર્ગનો છું. સેવા કરેલા ઠાકોરજી પધરાવેલ છે, એમની પૂજા કરું છું !

દાદાશ્રી : હા, પણ એ પૂજ્ય છે, તેથી પધરાવેલ છે ને ? પૂજ્ય ના હોય તેની પૂજા ના કરવી. પૂજ્યબુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી. પૂજા કરવા ખાતર ના કરવી, પણ પૂજ્યબુદ્ધિથી પૂજા કરવી. ઠાકોરજી ઉપર પૂજ્યબુદ્ધિ તો છે ને ? ઠાકોરજી કોઇ દહાડો તમારી જોડે વાતચીત કરે છે કે !

(પા.૧૮૯)

પ્રશ્નકર્તા : હજી સુધી તો લાભ નથી મળ્યો.

દાદાશ્રી : ઠાકોરજી તમારી જોડે વાત શાથી નથી કરતા ? મને લાગે છે કે, ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો ? મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે !

પ્રશ્નકર્તા : પૂજા કરું છું, પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો.

દાદાશ્રી : બોલાવી શકતા નથી ને ? આપણે રામચન્દ્રજીને ત્યાં જયપુરમાં ને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા. અમે જ્યાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરીએ. આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યાં, ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી. તે બેઉ જગ્યાએ આશ્ચર્ય ઊભું થયેલું. આપણા મહાત્માઓ, ૩૫ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા. તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલા ને રિસાયેલા જ દીઠેલા. તે મંદિરેય રિસાયેલું હતું ને દર્શન કરનારા યે રિસાયેલા. રામચંદ્રજીની મૂર્તિ હસી તે જોઇને પૂજારી દોડતો આવીને અમને હાર પહેરાવી ગયો. મેં પૂછયું, ‘કેમ?’ તો એ ખૂબ રડવા માંડ્યો. કહે કે, ‘આવાં દર્શન તો કોઇ દહાડો થયાં જ નથી. આજે તમે ખરાં રામચંદ્રજીનાં દર્શન કરાવ્યા.’ અમે કહ્યું, ‘આ લોકોનાં કલ્યાણ માટે કર્યું છે. અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા તે લોકોનું શું કલ્યાણ થાય? હવે રામચંદ્રજી હસતા થયા, હવે કાયમ હસતા મૂકીને જઇએ છીએ. તે જે જોશે તે હસતા થશે. અમે પ્રતિષ્ઠા કરી આપી. કોઇ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી.’ આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે. પ્રતિષ્ઠા તો આત્મજ્ઞાની, એવા ‘જ્ઞાની પુરુષ’ કરે તો જ તે ફળે. વાસના એટલે સમજ પડીને ? કંઇ ને કંઇ ઇચ્છા કે ‘ચંદુભાઇ કામ લાગશે.’ એ વાસના કહેવાય. જેને આ જગતમાં કોઇ ચીજની જરૂર નથી, આખા જગતનું સોનું આપે તોય જરૂર નથી, વિષયોની જરૂર નથી, કીર્તિની જરૂર નથી, જેને કોઇ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય, એવા ‘જ્ઞાની પુરુષ’ ચાહે સો કરે, મૂર્તિને બોલતી કરાવે તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા ? પણ તમારી જબાનની

(પા.૧૯૦)

છૂટ છે ને ? એ ના બોલે તો આપણે બોલીએ, એમાં શું થઇ ગયું ? ‘ભગવાન કેમ બોલતા નથી? શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો ?’ એવું એમને કહીએ. આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા ? એમ મૂર્તિ હસી પડે. એક મૂર્તિ છે કે બે ?

પ્રશ્નકર્તા : એક.

દાદાશ્રી : નવડાવો, ધોવડાવો છો ખરા કે ?

પ્રશ્નકર્તા : હા, રોજ નવડાવું છું.

દાદાશ્રી : ગરમ પાણીએ કે ટાઢે ?

પ્રશ્નકર્તા : હશેકા પાણીએ.

દાદાશ્રી : એ સારું, નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢ વાય ને બહુ ગરમ પાણીએ દઝાવાય, એટલે હશેકું પાણી જોઇએ. ઠાકોરજીને રોજ જમાડો છે કે રોજ અગિયારસ કરાવો છો ?

પ્રશ્નકર્તા : અગિયારસ તો હું પણ નથી કરતો.

દાદાશ્રી : તમે નથી કરતા તેનો વાંધો નથી, પણ ઠાકોરજીને જમાડો છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કેટલા વાગ્યે જમાડો છો ?

પ્રશ્નકર્તા : સવારે આઠ વાગ્યે જમાડીને, પોઢાડીને, પછી પ્રસાદ લઇને ઓફિસે જાઉં છું.

દાદાશ્રી : પછી બપોરે જમો છો ?

પ્રશ્નકર્તા : ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઇ લઉં છું.

દાદાશ્રી : હા, પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ કરી ?

(પા.૧૯૧)

પ્રશ્નકર્તા : એ શી રીતે કરું ?

દાદાશ્રી : એ પછી રડ્યા કરે બિચારા ! ભૂખ લાગે તો શું કરે? એટલે તમે મારું કહેલું એક કરશો ? કરશો કે નહીં કરો ?

પ્રશ્નકર્તા : જરૂર કરીશ, દાદા.

દાદાશ્રી : તો તમે જ્યારે ખાવને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી, અર્પણ કરીને ‘તમે જમી લો, પછી હું ખાઉં, તમને ભૂખ લાગી હશે’ એમ કહીને પછી ખાજો. એવું કરશો ? આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો.

પ્રશ્નકર્તા : પણ સાહેબ, હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને !

દાદાશ્રી : ના, પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને ? તેથી એ બોલે નહીં ને ! એ કેટલી વખત સૂઇ રહે પછી ? એટલે બેઠા થાય ને સૂઇ જાય, બેઠા થાય ને સૂઇ જાય. તમે એવો ખોરાક નથી ખાતા ને, કે જે એમને ચાલે નહીં ? સાત્વિક ખોરાક હોય છે ને ? તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું. પણ સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે, ‘લો જમી લો ઠાકોરજી.’ એટલું થાય એવું છે તમારાથી ? તો કો’ક દા’ડો ઠાકોરજી તમારી સાથે બોલશે, એ ખુશ થઇ જશે તે દહાડે બોલશે. ના કેમ બોલે ? અરે, આ ભીંતો પણ બોલે! બધું બોલે એવું છે આ જગતમાં ! ભગવાનને રોજ નવડાવીએ, ધોવડાવીએ, હશેકાં પાણીથી નવડાવીએ, તો શું કાયમ અબોલા જ રહેવાના ? કોઇ માણસ પૈણવા ગયો હોય ને બાઇ લઇને આવે તે અબોલા લે, તો પછી શો ફાયદો ? બોલે જ નહીં એને શું કરે? એટલે ભગવાનેય બોલે, આપણો ભાવ હોય તો બોલે. આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય.

પ્રશ્નકર્તા : હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઇ જાઉં છું.

દાદાશ્રી : ભગવાન વગર તો કોઇ ક્રિયા જ ના કરવી. ખરી રીતે તો ઠાકોરજી આ તામસી ખોરાક લેવાની ના પાડે, પણ હવે શું કરે? બહુ

(પા.૧૯૨)

તો અબોલા લે, તો બોલવાનું બંધ કરી દે, નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં, પાણી ના પીવાય. કેવું સરસ, ચુસ્ત વૈષ્ણવ કહેવાય ! મૂર્તિને નવડાવે છે, ધોવડાવે છે, એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય. પણ શું કરે ? અત્યારે સંયોગોના હિસાબે કોઇને ઠપકો આપવા જેવી વસ્તુ નથી. સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી, નહીં તો મૂર્તિ બોલે. જો બધી રીતે એના કાયદા પાળે ને, તો કેમ ના બોલે ? પીત્તળની મૂર્તિ છે કે સોનાની ?

પ્રશ્નકર્તા : ચાંદીની.

દાદાશ્રી : અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાઓ બહાર જઇને વેચી આવે, તમને મારી વાત ગમે છે ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ ગમે છે.

દાદાશ્રી : હવે જો બહાર જમશો ને, ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો, તેથી તમારી જવાબદારી જતી રહેશે.

(પા.૧૯૩)

રાગ-દ્વેષ

પ્રશ્નકર્તા : રાગ કોને કહેવાય ?

દાદાશ્રી : જ્યાં પોતે નથી ત્યાં ‘હું છું’ એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. ‘હું ચંદુલાલ’ એ જ રાગ છે, આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ છે એના બધા રાગ તૂટી ગયા છે અને જેને ‘હું આચાર્ય છું, હું કલેક્ટર છું’ એ ભાન છે એના બધા રાગ ઊભા છે ! આ તો એવા તંતીલા થઇ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વીતરાગની વાત સમજ્યા નહીં. ‘હું ચંદુલાલ છું’ એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુદ્ધાત્માનું ભાન થયું ને જ્યાં છું ત્યાં ‘હું છું’ બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી ‘બહારનું’ રીલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? ‘હું શુદ્ધાત્મા છું’ એ અથવા ‘દાદા’ યાદ આવે તો એય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !

પ્રશ્નકર્તા : આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે શું ?

દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગી-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઇલેક્ટ્રિક બોડી છે, તે જ્યારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, ‘હું ખેંચાયો’, ‘મને રાગ થાય છે’; પણ એમાં આત્મા જરાય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ

(પા.૧૯૪)

નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું. આ વીતરાગોનો મત નિર્મળ, શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.

આત્મસ્વરૂપ થયા વગર છૂટા થવાશે નહીં. ગચ્છ એટલે ચૂલો અને મત એય ચૂલો, તે ચૂલામાં તો પડાતું હશે ? એ તો પોઇઝન કહેવાય. મત તો એક આત્માનો જ હોવો જોઇએ, આ તો ‘અમારું’ ને ‘તમારું’માં પડ્યાં. ભગવાન તો નિષ્પક્ષપાતી મતના છે !

રાગ-દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ-વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે ?

દાદાશ્રી : લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે, પણ એ વીતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે.

જ્યારથી પોતાનું અને પરાયું એવા બે ભેદ પાડ્યા ત્યારથી જ રાગ-દ્વેષ ઊભા થાય છે, પરાયું કહ્યું તો દ્વેષ ઊભો થઇ જાય. આ તો મસ્જિદ જુએ તો ના ગમે, શિવનું દેરું આવે તો આ આપણું નહીં, આ પરાયું છે-એમ કહે ત્યાં સુધી દ્વેષ ઊભો છે અને બધે જ પોતાનું લાગ્યું તો રાગ-દ્વેષ મટે. ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના હોય. કોઇને સટ્ટા ઉપર રાગ હોય અને કોઇને સટ્ટા પર દ્વેષ હોય તો રાગવાળો કહે કે, ‘સટ્ટો સારો છે’ ને દ્વેષવાળો કહે કે, ‘સટ્ટો ખોટો છે’ એ ધંધો સારો નથી. આ બંનેનાં વિચારો છે, ત્યારે તે જો ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના રહે.

સ્ત્રી છોડી, કરોડો રૂપિયા છોડ્યા, બધું છોડ્યું ને જંગલમાં ગયા છતાં રાગ-દ્વેષ થાય છે, કામ (!) થઇ જ ગયું ને ! નડે છે કોણ ? અજ્ઞાન. રાગ-દ્વેષ તો નડતા નથી, પણ અજ્ઞાન નડે છે. વેદાંતીઓએ મળ, વિક્ષેપ

(પા.૧૯૫)

ને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અને જૈનોએ રાગ, દ્વેષ અને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે. અજ્ઞાન બંનેમાં કોમન છે, અને અજ્ઞાન શેનું ? ત્યારે કહે, સ્વરૂપનું અજ્ઞાન. એ ગયું એટલે બધું જ જાય. અજ્ઞાન કાઢવા આત્માના જ્ઞાની જોઇએ.

જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં સંસાર છે. જ્યાં રાગ-દ્વેષ નથી, ને પછી તે રાજમહેલમાં રહે કે હોટલમાં રહે, તોય તે અપરિગ્રહી છે. ને ગુફામાં રહેતો હોય ને એકેય પરિગ્રહ ના દેખાય, છતાં તેને જો રાગ-દ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કહ્યો છે. રાગ-દ્વેષ જાય તે વીતરાગ થઇ જાય. ‘હું ચંદુ છું’ એ પરિગ્રહ છે. રાગ-દ્વેષ એ જ પરિગ્રહ છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ અપરિગ્રહ છે.

આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો ઝઘડો થતો હોય છતાં રાગ-દ્વેષ થતા નથી એય અજાયબી છે ને ? અજ્ઞાનીને ઝઘડો ન થયો હોય તોય રાગ-દ્વેષ રહે. ઝઘડાથી રાગ-દ્વેષ થતા નથી, પણ તાંતો રહે તેનું નામ રાગ-દ્વેષ.

પ્રશ્નકર્તા : તાંતો એટલે શું, દાદા ?

દાદાશ્રી : તાંતો એટલે તંત. આ બૈરી જોડે રાત્રે તમારે વઢવાડ થઇ હોય ને સવારે ઊઠીને ચાનો કપ મૂકતાં બૈરી જરા પ્યાલો પછાડીને મૂકે, તો આપણે ના સમજી જઇએ કે હજી રાતના ઝઘડાનો તાંતો ચાલુ છે ? એ તાંતો કહેવાય. જેનો તાંતો ગયો તે વીતરાગી થઇ ગયો ! જેનો તાંતો તૂટ્યો એના મોક્ષની ગેરન્ટી અમે લઇએ છીએ !!!

જ્યાં અજ્ઞાન ત્યાં રાગ-દ્વેષ અને જ્યાં જ્ઞાન ત્યાં વીતરાગતા!

પ્રશ્નકર્તા : કોઇ વસ્તુ યાદ આવ્યા કરે એ શું છે ?

દાદાશ્રી : યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોત તો ગૂંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઇ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષનાં કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઇ જાય. જેની ઉપર રાગ હોય તે

(પા.૧૯૬)

રાતેય યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતેય યાદ આવે. બૈરી ઉપર રાગ કરે છે ! લક્ષ્મી ઉપર રાગ કરે છે !! રાગ તો એક જ્ઞાની ઉપર જ કરવા જેવો છે. અમને રાગેય નથી ને દ્વેષેય નથી, અમે તો સંપૂર્ણ વીતરાગ છીએ !

‘હું ચંદુલાલ છું’ એ આરોપિત જગ્યાએ રાગ છે અને એટલે બીજી જગ્યાએ દ્વેષ છે ! એનો અર્થ એ કે, સ્વરૂપમાં દ્વેષ છે ! નિયમ કેવો છે? એક જગાએ રાગ હોય તો તેના સામે ખૂણે દ્વેષ અવશ્ય હોય જ, કારણકે રાગ-દ્વેષ એ દ્વંદ્વ ગુણ છે. માટે વીતરાગ થાઓ, ‘વીતરાગ’ એ દ્વંદ્વાતીત છે !

લાખ રૂપિયા ધીર્યા હશે તો કોઇ તમારી પાસે નહીં આવે; પણ કોઇ માગતું હશે, દેવું હશે તો તે તમારી પાસે માગતો આવશે. અને દેવું શેનું છે ? - રીવેન્જનું દેવું છે. આ તો રાગ થયો ને એમાંથી જ વેરનું દેવું થાય છે ને એ પછી ફરી રાગ થાય છે ને એમાં ફરીથી વેર બાંધે છે. આ જ સંસારની ઘટમાળ છે. વીતરાગો જાણતા હતા કે, આટલી સંસારની કઢાઇઓમાં તળાશે ત્યાર પછી મોક્ષ થશે. વીતરાગ મોક્ષે લઇ જશે એ ભાન થાય ત્યાર પછી ઉકેલ આવે. વીતરાગ પાસે તો એકલો મોક્ષ મળે, બીજું કશું ના મળે.

વખાણે તો રાગ ના થાય અને વખોડે તો દ્વેષ ના થાય એવું હોવું જોઇએ. આ વખાણવું અને વખોડવું એ બંનેય એક જ માના દીકરા છે, તો પછી એમની જોડે જુદાઇ શા માટે ? એટલે આપણે તો વખાણી પણ શકીએ ને વખોડી પણ શકીએ. એ બંનેયમાં મોઢું સિવાઇ ના જવું જોઇએ, માત્ર ભાવ ફેર છે. બાકી બંનેય વખાણવું-વખોડવું ચાર અક્ષરનાં અને ‘વ’ ‘વ’ પર જ છે. વખોડવાની ‘ચરી’ લઇએ તો જ્યારે ત્યારે એય છોડવી જ પડશે.

વીતરાગપણું ક્યાં છે ? બંનેય, વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે. અમે ‘નંગોડ’ શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંનેય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે, પછી કોઇ તમને બેમાંથી એક આપે તોય તમને તે અડશે નહીં. બહાર જો બંનેય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધાય પાયા તો

(પા.૧૯૭)

સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તોય તેને ટેકો લગાવવો પડે છે ને ? જ્યારે આ બંનેય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાંય ભેદ કેમ ? આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે. વખાણવું ને વખોડવું એ બંને દ્વંદ્વ છે. બંને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.

ગમા-અણગમામાંથી રાગ-દ્વેષ

ગમો અને અણગમો એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઇ જાય તો તે પાછું અણગમતું થઇ જાય. તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા’ડો જલેબી જ જમાડ જમાડ કરે તો તમને શું થાય ?

પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.

દાદાશ્રી : ગમો-અણગમો જો એક્સેસ થઇ જાય તો તે રાગ-દ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમો-અણગમો એ નોકર્મ છે, હળવાં કર્મ છે, ચીકણાં નહીં. એનાથી કોઇને નુકસાન ના થાય. આ ‘જ્ઞાની પુરુષ’ પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઇ હોય તો તે ગાદી પર બેસે, કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઇ કહે કે, અહીંથી ઊઠીને ત્યાં બેસો તો અમે તેય કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઉઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઇક કરીને બેસીએ, અમારે લાઇક-ડીસ્લાઇકનો સહેજ પૂર્વપર્યાય હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી. આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો થઇ જાય, કારણ તે શાકભાજી છે. જેમાં ગમો-અણગમો થાય એ બધાં શાકભાજી, એ ચેતનતાનું ફળ ન હોય. ‘દાદા’ને તો ક્યારેય પણ અણગમો ના હોય. ‘દાદા’ તો સવારે ઊઠે તોય એવા ને સૂતી વખતેય એવા ને એવા જ ! ‘દાદા’ ની નિરંતર એક જ પરિણતિ હોય ! નિરંતર આત્મરમણતામાં ને પરમાનંદમાં જ હોય !!

(પા.૧૯૮)

રાગ-દ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઇને માન આપીને ના બોલાવે અને ડૉક્ટરને ‘આવો સાહેબ, આવો સાહેબ’ કરે, કારણ કે મહીં ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, ‘તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.’ વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે, ‘મોક્ષ હાથમાં લઇને અહીંથી જા.’ એમ કહે છે.

દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે

જ્યાં સુધી તને રાગ-દ્વેષ છે, ત્યાં સુધી તું વીતરાગી થયો નથી. જો લીંબુ ત્યાગ્યાં હોય અને પછી કોઇ ખોરાકમાં ભૂલથી લીંબું નિચોવાયું હોય તો ચિડાયા કરે. આનો અર્થ એ કે જે રાગથી ત્યાગ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાગ્યું હોય તે રાગથી ભોગવવું પડે. કોઇને બીડીની બાધા હોય, તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઇ જાય કે, મારી બાધા તોડાવી નાખી, તે તેને મહીં ક્લેશ થઇ જાય. રાગ-દ્વેષથી ત્યાગવું એટલે શું ? કે જ્યારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું, છતાં જ્યારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય. દ્વેષથી ત્યાગતાં રાગથી ભોગવે. આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી દ્વેષથી ભોગવવું પડે.

વ્યાખ્યાન કરતા હોય ત્યાં મહારાજના રાગ-દ્વેષ ના દેખાય, વીતરાગ જેવા દેખાય. પણ મહારાજના હરીફ પક્ષવાળા આવે તો વેરઝેર દેખાય. અરે ! અહીં ‘જ્ઞાની પુરુષ’ પાસેય જો સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી મહારાજ બેસે તોય તેમને સહન ના થાય. અત્યારે તો જ્યાં જ્યાં હરીફ, ત્યાં ત્યાં દ્વેષ હોય છે. જ્યારે બીજી બધી જગ્યાએ વીતરાગ રહે, પણ જો જાણે કે, મારાં કરતાં ઊંચે પદે છે, તે દ્વેષ આવી જાય. એથી અમે કહીએ છીએ ને, કે બિનહરીફ થવાનું છે.

બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો દ્વેષ થઇ જાય, પાછા રાગેય એના પર થાય તે ચા પાછા સાથે પીએ.

(પા.૧૯૯)

ભગવાન રાગ શાને કહે છે કે ? ‘હું ચંદુલાલ’, ‘હું જમ્યો’ તેને રાગ કહે છે અને ‘હું નિરાહારી માત્ર તેને જાણું છું’ તે રાગ નહીં. ‘હું અને મારું’ તે રાગ.

અજ્ઞાન પ્રત્યેનો રાગ એ જ ‘રાગ’ અને જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે ‘વીતરાગ’.

આ બધાએ રાગનો અર્થ અવળો લીધો છે. તેઓ વિષયો પર રાગ છે એને રાગ કહે છે; પણ એ તો આકર્ષણ ગુણ છે, આસકિત છે. આખું જગત ‘રાગ’માં ફસાયું છે. આસકિત એટલે આકર્ષણ.

અજ્ઞાન પ્રત્યે પ્રેમ તે રાગ અને જ્ઞાન પ્રત્યે પ્રેમ તે વીતરાગ.

(પા.૨૦૦)

વેર

આ જગત શાથી ઊભું રહ્યું છે ? વેરથી. જો વેરભાવ ગયો તો બધું જ ગયું. આ તો વેરથી જ જગત ઊભું રહ્યું છે, તેથી અમે સમભાવે ફાઇલોનો નિકાલ કરવાનું કહીએ છીએ. આ નિકાલ કરવાથી જૂનાં વેરનો નિકાલ થાય છે, પછી નવું વેર ના બાંધશો.

બે ભાઇ હોય, તે એક દહાડો બંનેનું મન જુદું પડ્યું, તે બીજે દા’ડે વધારે જુદું પડે. પછી તો ધીમે ધીમે એ ભાઇ ના ગમતો થઇ પડે ને પછી તો વેર બંધાય. પછી એ બેઉ કેટલા દા’ડા ભેગા રહે ? દેહને બહુ પટાવ પટાવ ના કરવું. આ ‘બે ભાગ’ એક થયા તેથી તો આ જગત ઊભું છે ! લોક શું કહે છે કે, ‘હું ના કરું છતાં કેમ થઇ જાય છે ?’ આ એકાકાર થવાથી ડખલ થાય, તેમાં પછી ડખો થઇ જાય તેથી હોળી તો સળગેલી જ રહે. આ તો બે ભાગ છૂટા પડ્યા પછી ભલેને હોળી સળગે, આપણે તો તેના જ્ઞાતા દ્રષ્ટા છીએ.

આ ઘરાક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને ? અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઇ જાય ? ના થાય. ઘરાક તો યાદ રાખે કે, ‘આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો.’ લોક તો વેર યાદ રાખે; તે પછી આ ભવમાં દુકાન તમે બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે ? ના છોડે, એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે, કોઇપણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઇ ગયેલા પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઇ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, ‘તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ, તને છૂટ છે.’ આ પૈસા જતા કરીનેય જો વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક જ માણસ જોડેનું વેર ભટકાવશે.

(પા.૨૦૧)

આમને ક્યાં પહોંચી વળાય ? આમને ત્યાં તો બંદૂકો મારીએ તો ગોળીઓ નકામી જાય એવું છે ! ને ઉપરથી વેર બંધાય. એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે, ‘મારે તો મોક્ષે જવું નથી, પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં !’ આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે આઠ ભવથી કેવું વેર હતું ? તે વેર, ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું ! કમઠેથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં, ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઇ નાખ્યું.

બિલાડીને ઉંદરની સુગંધ આવે તેમ વેરવીને એકબીજાની સુગંધ આવે, તેમને ઉપયોગ દેવો ના પડે. તેમ પાર્શ્વનાથ ભગવાન નીચે ધ્યાનમાં હતા ને કમઠ દેવ થયેલા તે ઉપરથી જતા હતા. તેમને નીચે દ્રષ્ટિ નહોતી નાખવી તોય તે નીચે પડી અને પછી તો ભગવાન ઉપર ઉપસર્ગ કર્યા, મોટા મોટા પથ્થરો નાખ્યા, અગ્નિ વરસાવ્યો, ધોધમાર વરસાદ વરસાવ્યો, બધું જ કર્યું. ત્યારે ધરણેન્દ્ર દેવ કે જેમના ઉપર ભગવાનનો પૂર્વભવમાં ઉપકાર હતો તેમણે અવધિજ્ઞાનમાં આ જોયું ને આવીને ભગવાનના માથે છત્ર બની રક્ષણ કર્યું ! ને દેવીઓએ પદ્મકમળ રચીને ભગવાનને ઊંચકી લીધા ! અને ભગવાન તો આટલું બધું બન્યું છતાંય ધ્યાનમાં જ રહ્યા ! તેમને ઘોર ઉપસર્ગ કરનાર કમઠ, વેરવી જોડે કિંચિત્ માત્ર દ્વેષ નથી થતો અને ઉપકારી ધરણેન્દ્ર દેવ અને દેવીઓ પર કિંચિત્ માત્ર રાગ નથી થતો એવા વીતરાગ પાર્શ્વનાથ ભગવાન ઉઘાડી વીતરાગ મુદ્રામાં સ્થિત દેખાય છે ! એમની વીતરાગતા ખુલ્લી દેખાય છે ! ગજબની વીતરાગતામાં રહે છે. ચોવીસેય તીર્થકરોની મૂર્તિઓમાં વીતરાગનાં દર્શન માટે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ગજબની છે !

આજે તો આ લોકને સહન કરવાનું જરાય છે નહીં, છતાં રોજ ગા ગા કરે ! આખી જિંદગીનું સરવૈયું કાઢે તોય મહાન પુરુષનું એક દહાડાનુંય દુઃખ ના હોય, છતાંય ગા ગા કરે !

(પા.૨૦૨)

જગતના લોક તો અમને નિરંતર જ્ઞાનમાં દેખાય છે કે વેરથી જ બંધાયા છે, અને તેથી તો મોઢું દિવેલ પીધેલા જેવું દેખાય છે! વેરથી ક્લેશ થાય. આ પાર્શ્વનાથ ભગવાનને જો સહેજ પણ ઓળખો તો વીતરાગના ફણગા ફૂટે, પણ આ ઓળખે કેવી રીતે ? સાપવાળા પાર્શ્વનાથ ને સિંહવાળા મહાવીર સ્વામી !!! આ કેરીને ઓળખે કે રત્નાગિરિની કે વલસાડી ! પણ ભગવાનનું ઓળખાણ એમને નથી પડતું!!! હવે આમને ક્યાં પહોંચી વળાય ?

કોઇનેય આપણાથી દુઃખ ના થાય એ સુખી થવાનો માર્ગ !

અમારે રાત્રે બહારથી આવવાનું થાય તો અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારી-બથારી તો, રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ?

એક દહાડો રાત્રે અમારી પોળનો એક ઓળખીતો માણસ જોરથી દોડતો દોડતો જતો હતો. હવે બસો કિલોનું પોટલું, તે રસ્તામાં પડ્યો. તેથી બે-ત્રણ વાર તો ગોથમડું ખાઇ ગયો ! તેને મેં પૂછયું કે, ‘ભાઇ, આટલી રાત્રે આટલો દોડતો દોડતો કેમ જાય છે ?’ તો કહે કે, ‘જલેબી લેવા દોડું છું ! અમે પાનાં રમતા હતા, તે એક શરત હાર્યો એટલે દશ રૂપિયાની જલેબી લેવા જઉં છું. મોડું થયું છે તે દુકાન બંધ ના થઇ જાય એટલે દોડું છું !’

ઓત્તારીની ! આ જલેબી જડ ને તું ચેતન, તે આવડી જલેબી આ બસો કિલોને ખેંચે કઇ રીતે ? એય અજાયબી છે ને ?

(પા.૨૦૩)

સંગ અસર

દાદાશ્રી : સત્સંગ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : ઇશ્વરના ઘરની સારી વાતો થાય તેને સત્સંગ કહેવાય.

દાદાશ્રી : ઇશ્વર તો જાણ્યો નથી કે એ કોણ છે ને કોણ નથી, ત્યાર વગર શી રીતે એની વાતો થાય ?

સત્સંગ તો ઘણાય પ્રકારના છે. પુસ્તકો વગેરેનું આરાધન કરે તે પણ સત્સંગ છે. ‘સંત પુરુષ’નો સંગ પણ સત્સંગ, સત્ પુરુષનો સંગ કરે એ પણ સત્સંગ અને ‘જ્ઞાની પુરુષ’નો સંગ એ પણ સત્સંગ અને પછી છેલ્લે ‘વીતરાગ’નો સંગ એ પણ સત્સંગ કહેવાય, પણ એ બધાના પ્રકારમાં ફેર.

સંત પુરુષ કોને કહેવાય ? જેનું ચિત્ત નિર્મળ થઇ ગયેલું છે તે ‘સંત પુરુષ’. સંત પુરુષને પોતાના સ્વરૂપનું ભાન ના હોય; જેને પોતાના સ્વરૂપનું ભાન હોય, જેને અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ, તેઓ ‘સત્ પુરુષ’ કહેવાય, અને એની આગળ જ્ઞાની પુરુષ કે જે મુક્તિ આપે, જે મોક્ષનું દાન આપી શકે તે મોક્ષદાતા પુરુષ અને એમની આગળ વીતરાગ કે જેમનાં દર્શન માત્રથી મોક્ષ થાય એ ‘વીતરાગ ભગવાન !’

‘જ્ઞાની પુરુષ’ એ પોતે સત્ છે માટે એમનો સંગ એ સત્સંગ, અને એને ભગવાને પરમહંસની સભા કહી. અહીં તો રીયલની જ વાત હોય. હંસ જેમ ચાંચ બોળતાંની સાથે જ નીર ને ક્ષીર છૂટાં પાડી દે તેમ ‘જ્ઞાની પુરુષ’ પાસે ‘જ્ઞાન’ મળતાં જ આત્મા અને અનાત્મા બંનેય છૂટા જ પડી જાય, માટે એને ભગવાને પરમહંસની સભા કહી. જ્યાં આત્માની, દરઅસલ આત્માની વાતો નથી, છતાં પણ ધર્મની વાતો થાય છે, રીલેટિવ

(પા.૨૦૪)

ધર્મની વાતો છે એ હંસની સભા છે. એ જગ્યામાં હિતાહિતનું બતાવે, એ શુભનો ચારો ચણે છે અને તે ક્યારેક મોક્ષ પામશે. જ્યાં સમજુ માણસો ભેગા થતા નથી અને બસ વાદવિવાદ જ કર્યા કરે છે, એકબીજાનું સાંભળવા તૈયાર જ નથી એ સભાને કાગડાની સભા કહી છે ! આ હંસની સભામાં તો અનંત અવતારથી છે, પણ જો એક અવતાર ‘પરમહંસ’ની સભામાં બેસીશ તો મુક્તિ મળી જશે ! પરમહંસની સભામાં આત્મા અને પરમાત્માની બે જ વાત હોય અને અહીં તો નિરંતર દેવલોકોય હાજર રહે. દરેક જીવમાત્રને આત્મજ્ઞાનની જ ઇચ્છા છેલ્લી છે. લોકો તપ અને ત્યાગ કરી કરીને મરી ગયા, પણ ભગવાન ભેગા થયા નથી. ભાવના સાચી હોય તેને જ ભગવાનનો ભેટો થાય. અહીં અમારી પાસે જે વસ્તુ જોઇએ તે મળે. જ્યાં બધી જ જાતના ખુલાસા થાય, તે પરમસત્સંગ. અમારો ઇલકાબ શો છે, ખબર છે ? અમે મોક્ષદાતા પુરુષ, તમે જે માગો તે અમે આપીએ ! તમને કામ કાઢતાં આવડવું જોઇએ!

અભ્યુદય ને આનુષંગિક ફળ

કવિરાજે ગાયું છે :

‘સત્સંગ છે પુણ્યૈ સંચાલિત, ચાહું અભ્યુદય આનુષંગિક.’

‘જ્ઞાની પુરુષ’ને મળે ત્યારથી બે ફળ મળે : એક ‘અભ્યુદય’ એટલે સંસારનો અભ્યુદય થતો જાય, સંસારફળ મળે અને બીજું ‘આનુષંગિક’ એટલે મોક્ષફળ મળે ! બંને સાથે ફળ મળે. જો બંને ફળ સાથે ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ’ નથી. આ તો પાર વગરનાં ઓવરડ્રાફ્ટ છે તેથી દેખાતું નથી. આ સત્સંગ કરો છો માટે એ ઓવરડ્રાફ્ટ પૂરાં થવાનાં જ.

અહીં મોક્ષફળ એકલું ના હોય, એમ હોય તો તો એક લૂગડુંય પહેરવા ના મળે. પણ ના, મોક્ષફળ અને સંસારફળ બંને સાથે હોય.

રાજાને ત્યાં સર્વિસ નક્કી થાય અને રાજાને ત્યાં મળવા જઇએ તો દ્રષ્ટિફળ મળે. નોકરીનો પગાર મળે એ સેવાફળ. પણ દ્રષ્ટિફળ એટલે રાજાની દ્રષ્ટિ પડે અને ભાઇને પૂછે કે, ‘તમે ક્યાં રહો છો ?’ તે જાણ્યા

(પા.૨૦૫)

પછી એને સારી જગ્યા રહેવા મળે, તે દ્રષ્ટિફળ એક રાજાની દ્રષ્ટિથી આવું ફળ મળે છે ત્યારે ‘જ્ઞાની પુરુષ’ની દ્રષ્ટિથી શું ના મળે ? રાજા તો ઊણો છે, એને તો રાજ વધારવાની લાલચ છે; જ્યારે આ તો ‘જ્ઞાની પુરુષ’ જે સંપૂર્ણ નિરીચ્છક દશામાં વર્તે ! અને તેમની દ્રષ્ટિનું ફળ તો કેવું હોય ? અહીં સત્સંગમાં આવ્યો, એટલે અહીંથી એ દ્રષ્ટિફળ અવશ્ય લઇ જાય. સેવાફળથી તો રાજાના ૨૫૦ રૂપિયા મળે છે, રાજાને વંદીને આવ્યો તેથી તો દ્રષ્ટિફળ મળે !

‘જ્ઞાની પુરુષ’નાં દર્શન કર્યા તેથી તો ઊંચામાં ઊંચા ફળ અભ્યુદય અને આનુષંગિક મળે છે અને તેથી તો શાંતિ ઊંચામાં ઊંચી રહે છે ! સંસારનું વિઘ્ન ના નડે અને મોક્ષનું કામ થાય, બંનેય સાથે જ રહે.

વીતરાગ ભગવાનનાં દર્શન જો કરતાં આવડે તો, ભલેને એ મૂર્તિ છે, છતાં અભ્યુદય અને આનુષંગિક ફળ મળે ! પણ એ દર્શન કરવાનું તો ‘જ્ઞાની પુરુષ’ સમજાવે તો આવડે. નહીં તો કોઇને આવડે નહીં ને? ‘જ્ઞાની પુરુષ’ મૂર્તામૂર્ત છે, એટલે એમનાં દર્શનથી તો બંને અભ્યુદય અને આનુષંગિક ફળ મળે. ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન માટે તો કોટી જન્મોની પુણ્યૈનો ચેક વટાવવો પડે. હજારો વર્ષે ‘જ્ઞાની પુરુષ’ પ્રગટ થાય, અને તેમાંય આ તો અક્રમ જ્ઞાની; તે કશા જ જપ નહીં, તપ નહીં ને વગર મહેનતે મોક્ષ ! ‘જ્ઞાની પુરુષ’ પાસે દ્રષ્ટિફળ મળે અને એનાથી મોક્ષફળ મળે અને સેવાફળથી સંસારનો અભ્યુદય થાય. અહીં સેવામાં પરમ વિનય એ જ સેવા. અહીં ‘જ્ઞાની પુરુષ’ને કંઇ ખોટ હોય ? એ કશાના ભિખારી ના હોય. ફૂલનો વિનય એ જ સેવા ! જેને સાંસારિક અડચણ હોય તે ‘જ્ઞાની પુરુષ’ને ફૂલાં ચઢાવે તો અડચણો દૂર થાય. ભગવાને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને સાથે રાખી છે. ફૂલ તોડીને તમે સૂંઘો કે બીજો ઉપયોગ કરો તો તે તમને નુકસાન એટલું જ છે, પણ જો ખાલી તોડશો જ તો તોડવાનું નુકસાન છે. પણ જો ભગવાનને ચઢાવવા ફૂલ તોડ્યાં છે તો ફાયદો વિશેષ થશે. આનુષંગિક અને અભ્યુદય એમ ભાવપૂજાનાં બે ફળો છે, મોક્ષમાં પણ લઇ જાય અને વૈભવ પણ સાથે રહે. સંસારીએ દ્રવ્યપૂજા

(પા.૨૦૬)

કરવાની છે અને આત્મજ્ઞાનીઓએ ભાવપૂજા એકલી જ કરવાની હોય. પણ આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, માટે હજી બે-ત્રણ અવતાર કરવાના હોવાથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા બંને કરવી જોઇએ.

ભગવાન મહાવીર હતા ત્યારે આ બંને અભ્યુદય અને આનુષંગિક શબ્દો હતા અને તેનાં ફળ મળતાં હતાં. પછી તો શબ્દ એ શબ્દ જ રહ્યા. જો આનુષંગિક ફળ મળે તો અભ્યુદય ફળ સહેજેય મળે. અભ્યુદય એ તો બાય પ્રોડક્ટ છે. જેણે છેલ્લી સ્ટેજનું આરાધન કર્યું, આત્માનું આરાધન કર્યું, એને બાય પ્રોડક્ટમાં જેની જરૂરિયાત હોય તે અવશ્ય પૂરી થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે અને સંસાર અભ્યુદય ના મળે તો બાવો થઇ જાય !

અહીં ‘સત્સંગ’માં બેઠા બેઠાં કર્મના બોજા ઘટ્યા કરે અને બહાર તો નર્યા કર્મના બોજા વધ્યા જ કરે છે, નરી ગૂંચામણ જ છે. અમે તમને ગેરેન્ટી આપીએ છીએ કે જેટલો વખત ‘અહીં’ સત્સંગમાં બેસશો તેટલા વખત પૂરતું તમારાં ધંધાપાણીમાં ક્યારેય પણ ખોટ નહીં જાય અને સરવૈયું કાઢશો તો માલમ પડશે કે સરવાળે નફો જ થયો છે. આ સત્સંગ તે કંઇ જેવો તેવો સત્સંગ છે ? કેવળ આત્મા માટે જ જે વખત કાઢે એને સંસારમાં ક્યાંથી ખોટ જાય ? નર્યો નફો જ થાય. પણ આવું સમજાય તો કામ નીકળે ને ?! અહીં સત્સંગમાં કોઇ કોઇ વખત એવો કાળ આવી જાય છે કે અહીં જે બેઠો હોય તેનું તો એક લાખ વરસનું દેવગતિનું આયુષ્ય બંધાઇ જાય, અથવા તો મહાવિદેહ ક્ષેત્રે જન્મ લે! આ સત્સંગમાં બેઠો એટલે એમ ને એમ ફેરો નકામો ના જાય. આ તો કેવો સુંદર કાળ આવ્યો છે ! ભગવાનના વખતમાં સત્સંગમાં જવું હોય તો ચાલતાં ચાલતાં જવું પડતું હતું ! અને આજે તો બસ કે ટ્રેનમાં બેઠા કે તરત જ સત્સંગમાં આવી શકાય !! આવા કાળમાં આ સ્વરૂપજ્ઞાન મળી જાય તો તો પછી કામ જ કાઢી લેવાનું હોય ને ! કોઇ જગ્યાએ આત્મ-અનુભવી પુરુષ જ ના હોય, અને કોઇ વખતે આવા પુરુષ પાકે તો તો કામ કાઢી લેવાનું જ હોય. આત્મ-અનુભવી પુરુષ સિવાય બીજા કોઇની વાણી હૈયાને ઠારનાર હોતી નથી, અને હોય પણ નહીં !

આ વર્લ્ડમાં એક જ આ રીયલ સત્સંગ છે ને બીજે બધે તો રીલેટિવ

(પા.૨૦૭)

છે. એને કાંઇ ને કાંઇ જોઇતું જ હોય ને લક્ષ્મીનો ભિખારી હોય, નહીં તો વિષયોનો ભિખારી હોય, નહીં તો માનનો કે શિષ્યો કરવાનો ભિખારી હોય. જો દુકાન પર બોર્ડ માર્યું હોય કે ક્રોધની દુકાન ને શાંતિ ખોળવા જાઓ તો દા’ડો વળે? ના વળે. માટે દુકાનદારને પહેલાં પૂછી લઇએ અને ચોક્કસ કરી લઇએ. બાપજીને કહીએ કે, ‘તમે કહો તો છ મહિના-બાર મહીના બેસી રહેવા તૈયાર છું, પણ મને જો મોક્ષ મળતો હોય તો, મુક્તિ મળતી હોય તો, મારી બધી જ ચિંતા જતી રહેતી હોય તો. નહીં તો હું બીજી દુકાન શોધું.’ અનંત અવતાર આ જાતજાતની દુકાનોમાં હપ્તા જ ભરભર કર્યાં છે ને ! છતાંય મોક્ષ તો ના જ મળ્યો. માટે બાપજીને કહીએ કે, ‘જો મોક્ષ આપી શકતા હો તો હું હપ્તા ભરું.’ આમ સળી કરી જોવાથી કાંઇ હિંસા નથી થઇ જતી અને પછી બાપજી જો ગુસ્સે થઇ જાય તો તો તરત જ જવાબ મળી ગયો, એમ સમજી જવું! આ દુકાનમાં તો મોક્ષ મળે એવું છે જ નહીં. છતાંય બાપજીને રાજી કરીને, સો-બસોનો ખર્ચો કરીને, આટલેથી જ પત્યું સમજી નીકળી જવું.

સત્સંગ તે શાને માટે છે ? બધાંના સમાધાન માટે, તમારાં પઝલ સોલ્વ કરવા માટે છે ! મોક્ષનો માર્ગ જાણવા માટે છે !!!

કુસંગ, તો દુઃખ લાવે

બે જાતના સંગ : એક કુસંગ અને બીજો સત્સંગ. સત્સંગમાં આવવાથી પ્રકાશ થાય, બળતરા બંધ કરી દે અને કુસંગ બળતરા ઊભી કરે. હવાઇનો દારૂ હવામાં ઉડાડે ને ધોતિયું બળે ને સળગાવી મારે, તેવું આ કુસંગનું છે. માટે કુસંગને પ્રત્યક્ષ અગ્નિ જાણજે. આટલી ચરી પાળવાની. ચરી પાળે તો ફરી રોગ ઉત્પન્ન થાય નહીં. હોટલોમાં ખાવું એ પરમાણુ રાશી છે, એય કુસંગ છે ! આ જગતમાં કશું જાણીને ના કપાય, અજાણ્યે કપાય. માટે ચેતતા રહેવું.

આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ ! સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ થાય.

(પા.૨૦૮)

સત્સંગ કર્યો ક્યારે કહેવાય કે જ્યાં બધાં જ દુઃખો જાય તો, જો દુઃખ ના જાય તો તો કુસંગ કર્યો કહેવાય. ચામાં ખાંડ નાખીએ તો ગળી જ લાગે ને ? સત્સંગથી સર્વસ્વ દુઃખ જાય !

કુસંગને લીધે દુઃખ મળે છે. કુસંગ દુઃખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો આ સત્સંગ તો મોક્ષ આપે ! જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા, જગતમાં ભટકતી વૃત્તિઓને ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે !!! ને કામ થઇ જાય. આ તો મુક્તિનો ધર્મ છે. ‘અમે’ ‘સ્વરૂપનું જ્ઞાન’ આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે, નહીં તો કોઇનેય પોતાનું સ્વરૂપ યાદ ના રહે. પણ પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઇ જાય.

કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઇ કુસંગ મળી જાય તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુઃખો છે તે એનાં જ છે. આપણને કોઇનુંય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઇ દુઃખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા ? આ તો રાજા હોય તોય તેની કૂથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી દ્વેષ અને ઇર્ષા અને તેનાં જ દુઃખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઇ જા. તું છે જ વીતરાગ, આ રાગ-દ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગ-દ્વેષ છે ને ? અને અનામી થઇ જઇશ તો વીતરાગ થઇ ગયો!

ભગવાને કહેલું કે, ‘‘જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ મળે નહીં, ત્યાં સુધી તું જે તળાવમાં પડ્યો હોય તે જ તળાવમાં પડી રહેજે, બીજા તળાવમાં જઇશ નહીં. બીજા તળાવમાં તરવા જઇશ તો કાદવમાં ખૂંપતો જઇશ, તે તળાવના કાદવનાં પાછા ડાઘ લાગશે. જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ બહાર નીકળી જજે. ‘જ્ઞાની પુરુષ’ મળ્યા તો બધા તળાવનો તું માલિક થઇ જઇશ, ને તારું કામ થઇ જાય. તને તળાવમાંથી એ તારશે.’’

‘જ્ઞાની પુરુષ’ના સંગમાં જ્ઞાનીનો ‘પાસ’ લાગી જાય. આ જો હિંગનો પાસ કોઇ તપેલાને લાગી ગયો હોય તો છ મહિના પછી એ

(પા.૨૦૯)

તપેલાંમાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે ! તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે, પણ સત્સંગ વધારે વખત મળવો જોઇએ.

આ એક જ શબ્દ મહીં પેઠો કે, ‘અલ્યા, આ દુનિયા ચલાવવા માટે તો આવું કરવું જોઇએ, તો થઇ રહ્યું !!! સંસ્કાર બગડ્યા વગર રહે જ નહીં. આ સંસ્કાર તો ક્યારે બગડે એ કહેવાય નહીં. આ જ્ઞાન હોય તો જ સંસ્કાર ટકે.

કોઇ સંત પુરુષ હોય અને આખી જિંદગી સંત પુરુષની રીતે રહેતો હોય ને દૂધનો ધંધો કરતો હોય ને કોઇ માણસ મળી જાય ને કહે, ‘અલ્યા, આ જો તો ખરો, તારો બાજુવાળો કેટલું બધું કમાયો છે ! અને તું તો સાવ આવો જ રહ્યો.’ ત્યારે સંત પુરુષ પૂછે, ‘એ શી રીતે કમાયો ?’ પેલો માણસ જવાબ આપે, ‘દૂધમાં પાણી નાખીને સ્તોને’, અને આ એક જ શબ્દ પેલાની મહીં ઊતરી જાય તો બસ થઇ રહ્યું ! આ એક જ શબ્દથી એના આખી જિંદગીનાં બધા સંસ્કાર ઉપર પાણી ફરી વળે!

આપણને વિષયોમાં ના પડવું હોય તોય લોક પાડે. આ તો સંગદોષથી છે બધું, જો સારો સંગ મળે તો કશું જ ના થાય. આ તો સારા સંગથી ગુલાબ મળે અને કુસંગથી કાંટા મળે એવું છે ! કોઇ પરાણે દારૂ પીવડાવે તો ના પીવા માટે ‘તાયફો’ કરવો પડે, કહી દઇએ કે, ‘ડૉક્ટરે ના પાડી છે અથવા ઘરમાં પેસવા જ નહીં દે.’ આમ જેમતેમ એને ટાળી દેવો, કુસંગથી તો છેટા જ ભલા.

‘વીતરાગ’ ભગવાન કેવા પાકા હશે તે સમજીને છૂટ્યા. જેનાથી તાપમાં દુઃખ સહન ના થાય તો તે કાદવમાં પડ્યાં છે. ભગવાન તો કહે છે કે, ‘અહીં તપેલો સારો, કાદવમાં પડ્યો તો તો થઇ રહ્યું !’ તપેલો તો ફરી ક્યારેક ઠંડો થાય, પણ કાદવવાળો ક્યારે છૂટે ?! એક ફેરો કાદવમાં પડ્યો પછી તો કષાયનું સંગ્રહસ્થાન ઊભું થઇ જ જાય, પણ તાપમાં તપે તો કષાય તો મોળા પડે ! આ તો કાદવમાં પડેલો હોય તેનો

(પા.૨૧૦)

સંગ થાય, અને એનાથી તો આપણા કષાય ઓછા હોય તોય સામાવાળાના કષાયો આપણામાં પેસી જાય. એક ફેર કાદવમાં પડ્યા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડાય. પણ એ મિથ્યાત્વીમાં પડ્યા તો તો એ કષાયી, તે એનાથી આપણામાં કષાયો ઊભા થયા વગર રહે ?

સત્સંગ નિરંતર માર માર કરે તે સારો, પણ કુસંગ રોજ દાળ-ભાત-લાડુ જમાડે તે કામનાં નહીં. એક જ કલાક કુસંગ મળે તો કેટલાયે કાળનો સત્સંગ સળગાવી મૂકે. આ જંગલનાં ઝાડવા ઉછેરતાં પચીસ વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતાં કેટલી વાર લાગે ? ‘જ્ઞાની પુરુષ’ તો કેટલુંક કરે ? રોજ કાળજી રાખીને જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે. તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. પણ કુસંગ રૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતાં કેટલી વાર ? સૌથી મોટી પુણ્યૈ તે કુસંગ ભેગો ના થાય તે. કુસંગીઓ કંઇ આપણને એમ કહે છે કે અમારા ઉપર ભાવ રાખો ? તેમની સાથે તો ઉપલક જ ‘જાળીએ રહીને જય શ્રીકૃષ્ણ’ કહેવા. સચ્ચિદાનંદ સંગ શું ના કરે ? કેવળજ્ઞાન અપાવે !

પ્રગટ જ્ઞાનીનો સત્સંગ

આ દાદાનો સંગ, એ સત્સંગ તો શુદ્ધાત્માનો સંગ, છેલ્લામાં છેલ્લો સંગ અહીં અપાય છે, કેવળ જ્ઞાન સિવાય બીજું કશું જ અપાતું નથી. પણ આ કાળ એવો છે ને, કે ૩૬૦ ડિગ્રી સુધીની પૂર્ણતાએ જવા ના દે. જ્ઞાન તો એનું એ જ રહે, પણ જે પ્રવર્તન રહેવું જોઇએ તે કાળને આધારે રહે નહીં.

આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે. ‘જ્ઞાની પુરુષ’ કો’ક દહાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો, ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું ? ‘જ્ઞાની પુરુષ’ એટલે એમને કશું જ જાણવાનું બાકી ના હોય.

સત્સંગ એટલે ‘જ્ઞાની પુરુષ’નો વ્યવહાર જોવા માટે ભેળા થવું તે.

પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?

(પા.૨૧૧)

દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો સાથે ભક્તિ કરીએ તો મુક્તિ માટેનાં સાધનો મળે.

જે કોઇ પણ ચીજનો ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં, દેવગતિ માટે એવાનો સત્સંગ કામ આવે. મોક્ષ માટે તો જે કશાનો પણ ભિખારી નથી, તેનો સત્સંગ કરવો જોઇએ.

વ્યવસ્થિતને આપણે કહી દેવાનું કે, ‘સત્સંગ માટે રાહત આપજે’, તો તે તેવું ભેગું કરી આપે અને આપણે ના કહીએ તો ના આપે.

મહીં તો પાર વગરનું સુખ છલકાય છે, પણ બહાર તો જો સુખ માટે લૂંટ ચલાવે છે, અને તે પણ કપટથી !

ગમે તેમ કરીને સત્સંગમાં જ પડ્યા રહેવા જેવું છે ને નહીં તો ઘેર પડ્યા રહેવા જેવું છે, પણ એક ક્ષણ કુસંગને અડવા જેવું નથી, એ તો ઝેર સ્વરૂપ છે.

આપણી મહેનત નકામી ના જાય, દહાડા નકામા ના જાય અને સત્સંગને ભાગે રહેવાય એવું કરવું જોઇએ. ‘આ’ સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઇ ગયું. આખા જગતને કુસંગનો ભીડો રહ્યો છે. મંદિર કે ઉપાશ્રયે જવાતું નથી, વ્યાખ્યાનમાં જવાતું નથી ને એના માટે કઢાપો-અજંપો કરેય ખરા કે ઘણુંય આવવું છે, મંદિરમાં પણ અવાતું નથી. કારણ શું ? ત્યારે કહે, કુસંગનો ભીડો છે તેથી એ જવા દેતું નથી. અને અહીં આપણે તો સત્સંગનો જ ભીડો અને કેવું જગત વિસ્મૃત રહે ! બધું ફરજિયાત હોય, પણ ફરજિયાત સત્સંગ હોય તે ગજબનો પુણ્યશાળી કહેવાય ! અને પાછો તમને અલૌકિક સત્સંગ મળે છે !! બહાર બધે જગતમાં ફરજિયાત કુસંગ છે. હવે ફરજિયાત સત્સંગ આવ્યો, ફરજિયાત સત્સંગ ને વળી ઘેર બેઠાં આવે !

સત્સંગમાં ચળવિચળ થયા તો ભારે જોખમદારી આવી પડે ! વ્યવહારમાં ચળવિચળપણું ચાલે. આ ધર્મમાં તો ચળવિચળ થયો તો આત્મા ખોઇ નાખે, આવરણ લાવે.

(પા.૨૧૨)

જગતનો નિયમ છે કે સત્સંગ જ્યાં રોજ કરતા હોય ત્યાં દશ-પંદર દહાડે એ જૂનો લાગે. પણ ‘આ’ જગ્યા, જ્યાં પરમાત્મા પ્રગટ થયા છે ત્યાં ૧૦૦ વર્ષ બેસો તોય સત્સંગ નીત અનેરો લાગે, રોજ રોજ નવું લાગે. ભગવાને કહ્યું કે, ‘જ્યાં પરમ જ્યોતિ પ્રગટ થઇ છે ત્યાં સત્સંગ કરજો.’

બહાર તો ધોતિયું પાંચ દિવસ પહેરે ને પછી કંટાળે તેવું લાગે. બહાર તો બોધ વાસિત લાગે, વાસનાવાળો. ભગવાને કહેલું કે, ‘જ્યાં તીર્થંકર કે આત્મજ્ઞાની હોય ત્યાં બોધ નિર્વાસનિક હોય.’ બાકી, તેમના પછી તો બોધ વાસિત જ હોય. કિંચિત્ માત્ર પણ જેને સંસારની વાસના છે તે બોધ વાસી કહેવાય, વાસનાવાળો બોધ કહેવાય. આવો બોધ આપે ત્યારે પોતે મોટા થવાની વાસના હોય. જ્ઞાનીઓ ના હોય ત્યાં સુધી વાસનાવાળા બોધનો આધાર હોય, એટલે કે વાસિત બોધનો આધાર હોય. પણ જ્ઞાનીઓ થાય ત્યારે નિર્વાસનિક બોધનો આધાર મળે અને તેથી જ મોક્ષ થાય ! અહીં સત્સંગમાં મહાત્માઓ એકબીજાનું કામ કરે, પણ અભેદભાવે, પોતાનું જ હોય તેમ !

આ બહાર બોધ વાસી નહીં, પણ ‘વાસિત’. વાસી તો મોડો પણ પચે, પણ આ તો વાસનાવાળો. જ્યાં વાસના નથી ત્યાં મોક્ષ થાય.

વાસના બોધ બે પ્રકારનાં, પરભાર્યા માટે વાસના કરે એને સારી કહી પણ પોતાને માટે કરે એને માટે તો ભગવાને પણ ના કહી.

સાચા દિલથી વ્યાખ્યાનમાં સાંભળવા ગયા હોય એને અભ્યુદય ફળ મળે. સાચા દિલથી સાંભળનારા વ્યાખ્યાનકારોની ભૂલ ના કાઢે અને વ્યાખ્યાન આપનારાની સાચા દિલની ઇચ્છા મહાવીરની આજ્ઞા પાળવાની છે ને ! સાચા દિલની સાંભળવાની ઇચ્છા એનો મેળ ક્યારે બેસે ? કે ક્યારે પણ ભૂલ ના કાઢે તો. આ તો ઓવરવાઇઝ થયેલા એટલે ભૂલો કાઢે છે.

બહાર ગમે તેવો સત્સંગ હોય, બુદ્ધિને ગમે તેટલું કહીએ કે શ્રદ્ધા રાખ, પણ બુદ્ધિ કેટલું માને ? ત્યાં આગળ મન, બુદ્ધિ બધાં છૂટાં પડી જાય. જ્યારે અહીં તો બુદ્ધિ સામેથી શ્રદ્ધા રાખે; મન, બુદ્ધિ, ચિત્ત અને

(પા.૨૧૩)

અહંકાર બધાંય એક થઇ જાય. જ્યાં આ બધા એકમત થઇ જાય ત્યાં મોક્ષ ઊભો છે !

કવિ શું ગાય છે, આ ‘દાદા’ માટે ?

‘‘પરમાર્થે સત્સંગ દેતા, પોતાના પૈસા ખરચી

જગહિતે ગાળી કાયા, જોતા ના ઠંડી ગરમી.’’

આ લોકોય ક્યાં ઠંડી-ગરમી જુએ છે ? ચાર વાગ્યે ઊઠીને મા છે, તે બાબા માટે પૌંઆ વઘારીને નાસ્તા બનાવે છે. તે કહેશે કે ‘મારા બાબાને નિશાળ જવું છે, તેથી બનાવું છું. બાબાને સવારમાં નાસ્તો તો જોઇએ ને ?’ ત્યારે બાબો કહેશે, ‘આવું ને આવું શું રોજ રોજ બનાવો છો ?’

આ જુઓ, લોકોય કંઇ ઠંડી-ગરમી જુએ છે ? છતાં કરેલું બધું જ અલેખે જાય છે, શક્તિ બધી અવળે રસ્તે વેડફાઇ રહી છે. ના મોક્ષનું કામ થાય કે ના સંસારનું કામ થાય. ઘરમાંય કોઇ જશ આપે નહીં, ને ઉપરથી કહેશે કે, ‘આ તો આવી છે, આ તો તેવી છે ! નર્યા અપજશનાં જ પોટલાં મળ્યા કરે !

સત્સંગમાં, ‘દાદા’ના પરમ સત્સંગમાં જવાનું મન થયા કરે તે અંતરાય તૂટવાની શરૂઆત થઇ કહેવાય અને ત્યાં જતાં હરકત-રૂકાવટ ના આવે તે અંતરાય તૂટ્યા કહેવાય.

અહીં સત્સંગમાં બેસીને જે કંઇ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઇએ, એ જ પુરુષાર્થ છે. ‘જ્ઞાન’ પોઇન્ટ ટુ પોઇન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઇએ. સત્સંગ કરતાં સહુથી સહેલો રસ્તો એ કે ‘દાદા’ને રાજી રાખવા તે.

‘અમારો’ સંગ ના મળે તો ‘અમારાં’ ‘વાક્યોનો સંગ તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રીલેટિવનો સંગ, બીજા કોઇનો સંગ કરવા જેવો નથી; પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય. આપણે તો મહીં માલ જોઇ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય-ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા

(પા.૨૧૪)

જ જોઇએ ને ? પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય.

જેને ત્યાં આ ‘દાદા’ની આરતી ઊતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે ! આરતી એ તો વીરતી છે ! જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઇ જાય. પોતે તો ‘શુદ્ધ’ થતો જાય ને ઘરનાં બધાં છોકરાંનેય, બધાંનેય ઊંચા સંસ્કાર મળે. આ આરતી બરોબર બોલાયને તો ઘેર દાદા હાજર થાય ! અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઇમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખુંય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી તો શું થાય ? કે વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું પવિત્ર થઇ જાય !

આ આરતી વખતે તમને જે ફૂલાં ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ ! જગતમાં કોઇનેય દેવોનાં ચઢાવેલાં ફૂલાં ચઢતાં જ નથી આ તો તમને જ ચઢે છે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે.

આત્મસ્વભાવ તો સંગમાં રહેતો હોવા છતાં અસંગી છે, તેને કોઇ ડાઘ પડે નહીં, પણ તે ‘જ્ઞાની પુરુષ’ મળે અને અસંગ આત્મજ્ઞાન એટલે કે દર અસલ આત્મા પ્રાપ્ત કરાવી આપે તો ! નહીં તો આ સંસારમાં તો જે જે ક્રિયા કરીશ તેનો મેલ ચઢ્યા વગર રહેશે જ નહીં અને મોક્ષ મળશે નહીં. માટે જા, પહોંચી જા ‘જ્ઞાની પુરુષ’ પાસે.

(પા.૨૧૫)

ત્રિમંત્ર વિજ્ઞાન

ભગવાન ઋષભદેવ કે જે બધા ધર્મોનું મુખ છે, સર્વ ધર્મવાળા જેમને માન્ય કરે છે, એમણે સંસાર વ્યવહારનાં વિઘ્નો ટાળવા લોકોને કહ્યું કે, ત્રિમંત્રો સાથે બોલજો. ત્રિમંત્રમાં પંચ પરમેષ્ટિ નવકાર મંત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય અને ૐ નમઃ શિવાય-એમ ત્રણ મંત્રો સાથે બોલવાનું, ભગવાને કહ્યું હતું. ભગવાને કહ્યું કે, ‘તમારે તમારી સગવડ માટે દેરાં વહેંચી લેવાં હોય તો વહેંચી લેજો, પણ મંત્રો તો ત્રણેય સાથે જ બોલજો.’ દરેક ધર્મનું રક્ષણ કરનાર રક્ષક દેવો હોય, શાસન દેવ-દેવીઓ હોય. આ ત્રણેય મંત્રો સાથે બોલવાથી બધા ધર્મના દેવલોકો આપણી ઉપર રાજી રહે. જો એક જ મંત્ર બોલો તો બીજા ધર્મના દેવો રાજી ના રહે. આપણે તો બધાને રાજી કરી મોક્ષે જવું છે ને ? અત્યારે તો લોકોએ મંત્રો વહેંચી નાખ્યા. મંત્રો તો મંત્રો, પણ અગિયારસેય વહેંચી લીધી ! શિવની અગિયારસ જુદી ને વૈષ્ણવોની જુદી. જૈનોમાંય એક તિથિ માટે માર ઝઘડા ઝઘડા કરી જુદા પંથ પાડી દીઘા ! મોક્ષે જવું હોય તો નિષ્પક્ષપાતી થવું પડે, સર્વ રીલેટિવ ધર્મોની સત્તા માન્ય કરી રીયલનું કામ કાઢી લેવાનું છે !

પ્રશ્નકર્તા : મંત્ર શું છે ?

દાદાશ્રી : મંત્ર એ મનને આનંદ પમાડે, મનને શક્તિ આપે અને મનને ‘તર’ કરે ! જ્યારે ભગવાને આપેલા મંત્રો વિઘ્નોનો નાશ કરે. અમારો આપેલો ત્રિમંત્ર સર્વ વિઘ્નોનો નાશ કરે. આ ત્રિમંત્રની આરાધનાથી તો ‘શૂળીનો ઘા સોયે સરે.’ બીજા મંત્રો તો મનને તર કરે!

પ્રશ્નકર્તા : આ નવકાર મંત્રમાં તમામ શાસ્ત્રો આવી જાય છે ને?

દાદાશ્રી : જો એવું હોત તો તો પછી ભગવાન મહાવીરે ગૌતમસ્વામી પાસે ૪૫ આગમો ના લખાવ્યા હોત ને એક જ મંત્ર આપીને છૂટી જાત.

(પા.૨૧૬)

નવકાર મંત્ર તો શું કરે કે તમારાં આવતાં વિઘ્નોને ટાળે, સો મણનો પથરો પડવાનો હોય તો કાંકરાથી વિઘ્ન દૂર થઇ જાય.

પ્રશ્નકર્તા : શું ત્રિમંત્રો બોલવાથી કર્મો હળવાં થાય ?

દાદાશ્રી : હા, મંત્ર બોલવાથી કર્મો હળવાં થાય, રાહત મળે. કારણ કે શાસન દેવ-દેવીઓની સહાય હોય. પણ મંત્રો તો મન-વચન-કાયાની એકાગ્રતાથી બોલવા જોઇએ તો ફળ આપે. આ લોક ઊંઘી ગયું હોય ત્યારે મન-વચન-કાયાની સ્થિરતાથી વિધિ થાય, પણ લોક ઊઠી ગયું હોય તો મહીં હાલી જાય. આ તો ઊઠે ત્યારથી સ્પંદનો ઊભાં થાય અને આત્મા સ્વ-પરપ્રકાશક છે, એટલે આ ચંદુલાલ ઊઠયા હોય ને ચંદુલાલ આપણને સંભારે તો તે આપણનેય યાદ આવે, કારણ કે તરત જ સ્પંદનો થવાનાં. તેથી તો આ લોકો ચાર વાગ્યે વિધિ, મંત્ર બોલવાનો નિયમ લેતા ને !

પ્રશ્નકર્તા : દાદા, નવકાર મંત્રનો અર્થ શું ?

દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ એટલે શું કે અરિહંત ભગવાન કે જેણે ક્રોધ, માન, માયા, લોભ રૂપી દુશ્મનને હણી નાખ્યા છે, છતાં દેહ સાથે અહીં વિચરે છે, તેમને નમસ્કાર કરું છું. સિદ્ધ ભગવાનને નમસ્કાર કરું છું, જે મોક્ષમાં બિરાજેલા હોય તે સિદ્ધ ભગવાન. સિદ્ધ ભગવાન અને અરિહંત ભગવાનમાં ફેર કશો નથી, માત્ર અરિહંત ભગવાનને દેહ છે અને પેલા વિદેહી. ત્રીજા આચાર્ય ભગવંતને નમસ્કાર. પોતે સંપૂર્ણ આત્મજ્ઞાની છે અને બીજાને જ્ઞાનદાન આપે છે તે આચાર્ય ભગવંત કહેવાય. પછી ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર. ઉપાધ્યાય એટલે જે પોતે આત્મજ્ઞાન પામ્યા છે અને હજી સંપૂર્ણ થવા પોતે અભ્યાસ કરે છે અને બીજાને ઉપદેશ આપી અભ્યાસ કરાવડાવે છે તે. નમો લોએ સવ્વસાહુણં- એટલે આ લોકના સર્વ સાધુઓને નમસ્કાર. પણ સાધુ કોણ ? આ ભગવું કે ધોળું પહેરી લે તે ? ના, આત્મદશા સાધે તે સાધુ ને બીજા બધા કુસાધુ. ઐસો પંચનમુક્કારો-આ પાંચને નમસ્કાર કરું છું. સવ્વ પાવપ્પણાસણો-સર્વ પાપોને નાશ કરનાર છે. મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલમ્-સર્વ મંગલમાં ઊંચામાં ઊંચું આ પ્રથમ મંગલ છે.

(પા.૨૧૭)

ભગવાને બધી જાતના ધર્મ મૂક્યા; મોક્ષનો માર્ગ મૂક્યો અને શુભાશુભનો પણ માર્ગ મૂક્યો, તેમણે અશુદ્ધનો માર્ગ નથી મૂક્યો. મંત્રોથી કર્મ હળવાં થાય, ચીકણાં કર્મો હળવાં થાય. પણ એ મંત્ર બોલવા એય એક એવિડન્સ છે. જ્ઞાની મળે એ તો નિમિત્ત હોય. જો બધો ફેરફાર થવાનો હોય તો જ નિમિત્ત મળે એવું છે ! કર્મ કોઇને છોડે નહીં, આ તો વિઘ્ન ટળવાનું હોય તો જ પેલું નિમિત્ત મળી જાય. અને મંત્રમાં વિઘ્ન ટાળવાની શક્તિ હોય છે. આ બ્રાહ્મણો હોય છે, એ બધું જોશ વગેરે જોઇને છોડીના લગ્નની પત્રિકા બનાવે, પછી જુએ કે આમાં રાંડવાનું આવે છે એટલે પછી ટાઇમ ફેરફાર કરે, છતાં એ બઇ રાંડવાની હોય તે રાંડે જ. એમાં તો કોઇ ફેરફાર ના કરી શકે ! આ તો ઊંઘતો જવા દે, જાગતો ના જવા દે, એવું છે આ જગત !

તમે તો જૈન છો તે નવકાર મંત્ર બોલો છો કે ?

પ્રશ્નકર્તા : હા, રોજ બોલું છું.

દાદાશ્રી : તો પછી ઉપાધિ મટી ગઇ હશે ને ?

પ્રશ્નકર્તા : પણ સંસારમાં ઉપાધિ તો હોય જ ને !

દાદાશ્રી : જજના હાથનું જજમેન્ટ હોય કે કારકુનનું હોય ?

પ્રશ્નકર્તા : જજનું જ.

દાદાશ્રી : તે નવકાર મંત્ર પણ જજે આપેલો હોવો જોઇએ. નવકાર મંત્ર સમજીને બોલો છો કે ઓળખાણ વગર બોલો છો ? આ ઘીની ઓળખાણ ના હોય તો ઘી શી રીતે લાવો ? એ તો પછી બીજું કશુંક વળગાડે. મંત્ર તો ‘જ્ઞાની પુરુષે’ આપેલો હોય તે યથાર્થ ફળ આપે. આ ત્રિમંત્રો અમારી આજ્ઞાથી બોલે તેનાં સંસારનાં વિઘ્નો દૂર થાય, પોતે ધર્મમાં રહે અને મોક્ષને પણ પામે તેમ છે !

સર્વ સાધુભ્યામ નમઃ જે બોલે છે, નવકાર મંત્ર પણ બોલે છે, પણ નવકાર આજે અહીં આગળ છે નહીં. નવકાર તો અમે જેમને સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે તે નવકારમાં આવે. બાકી નવકાર ત્યાં બીજાં ક્ષેત્રોમાં

(પા.૨૧૮)

પહોંચે છે. નવકાર તેથી બોલવાનો છે. આમને નવકાર પહોંચે નહીં, કારણ કે એ તો એમ જાણે છે કે ‘હું આચાર્ય છું.’

પ્રશ્નકર્તા : આપણે મનમાં નવકાર બોલીએ તો આટોમેટિકલી પંચપરમેષ્ટિ ભગવંતોને પહોંચી જાય છે ?

દાદાશ્રી : નવકાર એવી વસ્તુ છે કે તમે જેને કહેવા માંગો છો તેને તે પહોંચી જાય !

આ આટલા બધા નવકાર મંત્ર બોલે છે ને લોક કહે છે કે, ‘આ ચિંતા બધી કેમ જતી નથી ?’ અલ્યા, સાચા નવકાર મંત્રને કોઇ બોલતા નથી. આ આમને પહોંચાડવા નવકાર મંત્ર બોલે છે, તે આ એના અધિકારી ન હોય, આ એમના નામનો કાગળ ન હોય. હવે એમના નામનો કાગળ ના હોય ને એમની ઉપર બીડીએ આપણે, c/o ઉપાશ્રયમાં બીડીએ, એટલે હવે પેલાને તો કુદરતી રીતે પહોંચે જ નહીં, એટલે એ ડેડ લેટર ઓફિસમાં જાય; એટલે આપણો લેટર ગયો નકામો અને ચિંતા ઊભી ને ઊભી રહી. આપણે એમ નક્કી કરવું જોઇએ કે, હિન્દુસ્તાનમાં આપણા દેશમાં ભરતક્ષેત્રમાં જ્યાં સાચા નવકાર હોય ત્યાં નવકાર પહોંચો, યથાર્થ સાધુઓને, યથાર્થ આચાર્યોને અને યથાર્થ ઉપાધ્યાયને પહોંચો. આ ત્રણ જણને જ પહોંચાડવાના છે, સિદ્ધો અને અરિહંતોને તો પહોંચે છે જ.

પ્રશ્નકર્તા : એટલે એમ ઓટોમેટિકલી નવકાર પહોંચી જાય જ ?

દાદાશ્રી : હા, ઓટોમેટિકલી પહોંચી જાય જ. હવે આ નમો અરિહંતાણં બોલીએ છીએ, પણ જાણીએ છીએ કે તે અહીં ભરતક્ષેત્રમાં છે નહીં એટલે તે પાછું ત્યાં પહોંચે, જ્યાં અરિહંત હોય ત્યાં અને નમો સિદ્ધાણં તે સિદ્ધોને પહોંચે જ, પણ જેટલા ભાવથી બોલે તેવું પહોંચે.

આ બધું સમજવું જોઇએ. જૈન ધર્મ એટલે સમજવું, સમજીને ગાઓ કહે છે. આપણા નરસિંહ મહેતા થઇ ગયાને તે નાગરની પોળમાં રહે. એમની પોળ તો નાગરની હોય ને ? મહેતાજી તો રોજ સવારના પો’રમાં પરભાતિયાં વહેલા ઊઠીને બોલે, તે બીજા નાગરો એમની ટીખળી કરે. તે સવારના દાતણ કરતાં કરતાં નાગરો મોટેથી ભગત જે બોલે તે બોલવા

(પા.૨૧૯)

લાગે, એટલે આખી પોળ બોલવા માંડે. લોકોએ એમના ચાળા પાડવા માંડ્યા, એ બોલે એવું જ બોલે. એટલે પછી નરસિંહ મહેતા એવું બોલ્યા કે,

‘મારું ગાયું જે ગાશે તે ઘણાં ગોદા ખાશે, ને સમજીને ગાશે તો વૈકુંઠ જાશે.’

મારું ગાયું ના ગાઇશ, ઘણાં ગોદા ખાઇશ.

તેમ આ નવકાર મંત્ર સમજીને બોલો. આ મંત્ર કોને કોને પહોંચે છે, ક્યાં ક્યાં પહોંચે છે તે સમજીને પહોંચાડો. સાધુ તો ભગવાને કોને કહ્યા છે ? જે આત્મદશા સાધે તે સાધુ, બીજા સાધુ ખરા પણ કુસાધુ ! અને વીતરાગોથી માર્ગ જુદો પાડે એ બધાને કુલિંગી કહ્યા. એટલે આ કુલિંગીઓમાં શું કાઢવાનું હોય? આપણે તો ભગવાન મહાવીરની વાત સાચી ગણીએ. આપણે ‘નમો વીતરાગાય’ બોલવું.

આ નવકાર મંત્ર બોલે છે ને, તે સમજીને ગાવ. આ બ્રહ્માંડ બહુ મોટું છે, વીસ તીર્થંકરો છે, પંચ પરમેષ્ટિ બહુ છે. મંત્ર સમજીને બોલવાથી પછી ભલે અજ્ઞાની હોય, પણ ૐનું ફળ મળે. તીર્થંકર કોને કહેવાય, પંચ પરમેષ્ટિ કોને કહેવાય, એ સમજીને બોલે તો ૐ નું ફળ મળે.

ૐ ની યથાર્થ સમજ

પ્રશ્નકર્તા : દાદા, ૐ શું છે ?

દાદાશ્રી : નવકાર મંત્ર બોલે એકધ્યાનથી તેનું નામ ૐ અને ‘હું શુદ્ધાત્મા છું’ એની સાથે નવકાર બોલે તો ૐકાર બિન્દુ સંયુક્તમ્ છે.

ૐકાર બિન્દુ સંયુક્તમ્, નિત્યમ્ ધ્યાયન્તિ યોગીનઃ

કામદં મોક્ષદં ચૈવ, ૐકાર નમો નમઃ

બહાર નવકાર બોલે, પણ જો ચોખ્ખા દિલે એકાગ્રતાથી બોલે તો ૐકાર સુંદર બોલાય, તે બધાં પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે. ‘ૐ’ બોલે તોય પંચ પરમેષ્ટિ ભગવાનને પહોંચે ને નવકાર બોલે તોય તે તેમને બધાંને પહોંચે. બધાં વેરના ભુલાવા માટે આપણે ત્રણ મંત્રો સાથે રાખ્યા

(પા.૨૨૦)

છે, કારણ કે શુદ્ધાત્મા થયા પછી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય છે. આપણું આ ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ ૐકાર બિન્દુ સંયુક્તમ્ કહેવાય અને એનું ફળ શું ? મોક્ષ. આ બહાર ૐનું જે બધું ચાલે છે, એ લોકોને જરૂર છે. કારણ કે જ્યાં સુધી સાચી વાત ના પકડાય ત્યાં સુધી સ્થૂળ વસ્તુ પકડી લેવી પડે. સૂક્ષ્મ રીતે ‘જ્ઞાની પુરુષ’ એ ૐ કહેવાય. જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે એવા સત્પુરુષથી માંડીને પૂર્ણાહુતિ સ્વરૂપ સુધીને ૐ સ્વરૂપ કહેવાય અને એથી આગળ મુક્તિ થાય. મુક્તિ ક્યારે થાય? જ્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો. અહીં તમને અમે જ્ઞાનપ્રકાશ આપીએ ત્યારે ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય અને ૐકાર બિન્દુ સંયુક્તમ્ થાય તો મોક્ષ થાય. પછી કોઇ એનો મોક્ષ રોકી શકે નહીં !

નવકાર મંત્ર સંન્યસ્ત મંત્ર કહેવાય. જ્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી ત્રણેય મંત્રો - નવકાર, ૐ નમો ભગવતે વાસુદેવ અને ૐ નમઃ શિવાય - એમ સાથે બોલવાના હોય અને સંન્યસ્ત લીધા પછી એકલો નવકાર બોલે તો ચાલે. આ તો સંન્યસ્ત લીધા પહેલાં નવકાર મંત્ર એકલો ઝાલી પડ્યા છે !

(પા.૨૨૧)

જગત - ગાંડાની હોસ્પિટલ

એક માણસ મારી પાસે આવેલો. તે મને કહે કે, ‘હું આપનાં દર્શન-બર્શન બધું જ કરીશ, પણ મારે મોક્ષ નથી જોઇતો.’ ત્યારે મેં કહ્યું, ‘સારું બા, અમારી પાસેય એમ સસ્તો મોક્ષ ક્યાં છે ? ને તારી પાસે જે તારે જોઇએ છે એ છે જ ને - બંધન!’

આપણે ગાંડાની હોસ્પિટલમાં જઇએ અને ગાંડાઓના ટોળામાં જઇને કહીએ, ‘એય, હાથ ઊંચો નીચો ના કરીશ’ અને આમ આમ ચાળા કરતો હોય ને તે, એ એને એમ લાગે કે આ ગાંડું કેમ કરે છે ? એમને ડાહ્યું કોણ લાગે ? એમને તો એમનાં ગાંડા ડાહ્યા લાગે ! એમની ભાષા મળતી આવે અને પેલા ડાહ્યાની ભાષા એ ગાંડાને જુદી લાગે એટલે એને ડાહ્યો ગાંડો લાગે ! માટે એવી જગ્યાએ આપણે એની ભાષામાં વાત કરવી હોય તો જ મેન્ટલ હોસ્પિટલમાં રહેવું. આખા વર્લ્ડનું કન્વર્ઝન મેન્ટલ હોસ્પિટલમાં થઇ ગયું છે. હું ૧૯૪૨માં બોલતો હતો કે વર્લ્ડનું કન્વર્ઝન ધીમે ધીમે મેન્ટલ હોસ્પિટલમાં થઇ રહ્યું છે, તે એક દહાડો મેન્ટલ હોસ્પિટલ થઇ જશે ! તે આજે આપણને એમ જ લાગે કે, આ મેન્ટલ હોસ્પિટલના માણસો છે કે શું ? હા, એ જ છે, તમે શું કહો ને એ શુંય કહે. કોઇ કોઇનો સવાલ જવાબ એક્ઝેક્ટ સાંભળવા મળે નહીં, એવું બધું આ ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે; તો પછી પેલી મેન્ટલ હોસ્પિટલની વાત જ શી કરવાની ? આખો દા’ડો લોક ગાંડા જ કાઢ્યા કરે છે ને ! એક કપ ફૂટી ગયો હોયને તો તેના યે ઝઘડા ચાલ્યા કરે, એને મેન્ટલ હોસ્પિટલ કહેવાય. મનુષ્ય તો કેવો હોય? માનવતાવાદી હોય, ડાહ્યા હોય. કપ ફૂટી ગયો હોય, તેની કોઇ ફરી બીજી વાર વાત કરે કે આજે તો કપ ફૂટી ગયો તો કહેશે, એય એ વાત ફરી ના કરાય. ફૂટી ગયો તે ફૂટી ગયો, એની ફરી વાત કરવી એ મૂર્ખાઇ છે,

(પા.૨૨૨)

પુનરૂક્તિ દોષ લાગે. આ તો આખો દા’ડો કાંણ કર્યા કરે કે, કપ ફૂટી ગયો !

આ મિલમાલિકનો બૂટ ખોવાઇ ગયો હોય છે, તે ‘બૂટ ખોવાઇ ગયો, બૂટ ખોવાઇ ગયો’ એમ કરે. અલ્યા, કંઇ હવે મિલમાલિક થઇ બૂટની વાત કરાતી હશે ? રોજ એક એક બૂટ ચોરાઇ જાય તોય કોઇ ને કહેવું ના જોઇએ. પોતે એમ વિચારવું જોઇએ કે મારી પુણ્યૈ ખરાબ થઇ ગઇ, તેથી આ ચોરાઇ જાય છે. ઊલટું તારે તો ગુપ્ત રાખવાનું હોય. આ તો એક કપ ફૂટી ગયો હોય તોય ઝઘડા ચાલે, નહીં ? ! એવું ઘણી જગ્યાએ તમારે જોવામાં આવ્યું છે ને ?

અનંત કાળથી લોકોએ પિત્તળને જ સોનું માની વેચાતું લે લે કર્યું છે, પણ જ્યારે વેચવા જશે ત્યારે ખબર પડશે. ચાર આનાય કોઇ તને નહીં આપે. પોતાનાં દુઃખ મટે તો જ જાણવું કે, અહીં જ્ઞાની છે, પણ દુઃખ ના મટે તો એ જ્ઞાનીને આપણે શું કરવાના ?! આપણું દુઃખ મટે નહીં, આપણું સમાધાન થાય નહીં તો એમની દુકાને બેસી રહેવાનો અર્થ શો છે ? આ તો બુદ્ધિવાદીના તુક્કા છે, એનો દોષ નથી. લોકો એવા છે, ભાન જ નથી સારાસારનું. ફુદાં ઉપરથી આવી પડે એમાં લાઇટ શું કરે ? આ તો ઊંચી વાત આવી ને ના સમજણ પડી એટલે કહેશે, ત્યાં આગળ હેંડો, વાત ઊંચી છે, પોતાને સમજણ ના પડે એટલે ત્યાં જાય. એ તો બુધ્ધુઓનાં ટોળાં કહેવાય, મોટા મોટા બુધ્ધિશાળીઓ બુધ્ધુ થઇ જાય.

પ્રશ્નકર્તા : મેન્ટલ હોસ્પિટલ કહ્યું એવું જ ને ?

દાદાશ્રી : હા, મેન્ટલ હોસ્પિટલ છે, નહી તો મેન્ટલ હોસ્પિટલ કહેવું સારું લાગતું હશે ? ના સારું લાગે. પણ બહુ થાય ત્યારે કહી દેવું પડે કે, ‘મેન્ટલ હોસ્પિટલ જેવી દશા છે.’ મેન્ટલ થઇ ગયેલા છે બધાં, મેન્ટલ હોસ્પિટલમાં મૂક્યા હોયને એવા દેખાય છે, સારાસારનું ભાન જ જતું રહ્યું છે. હિતાહિતનું ભાન તો એને વિચારમાં જ નથી આવ્યું, મારું હિત શેમાં અને મારું અહિત શેમાં એવો વિચાર જ નથી આવતો. સારાસારનું ભાન નથી, હિતાહતનું ભાન નથી, કોઇ પણ પ્રકારનું ભાન નથી.

(પા.૨૨૩)

મેન્ટલ હોસ્પિટલમાં મન પણ ગાંડું થઇ ગયું છે, વાણી પણ ગાંડી થઇ ગઇ છે અને દેહનાં હલનચલનેય ગાંડા થઇ ગયાં છે. હવે આ ત્રણેય ભાગ ગાંડા થઇ ગયા છે, હવે રીપેર પણ શી રીતે કરવાં ? શી રીતે રીપેર થાય ? એકાદ ભાગ ગાંડો થયેલો હોય તો રીપેર કરી શકાય. આ ત્રણેય ભાગ હવે ઇમ્પોર્ટ ક્યાંથી કરવા ? કોઇ જગ્યાએ હોતા નથી ને? એટલે ગાંડાની હોસ્પિટલમાં અથડાઇ અથડાઇ ને કુટાઇ ને બધા ખડીયા ભાંગી જશે ! ભમરડા બધા તૂટી જશે, અથડાઇ અથડાઇ ને. બાકી, જગત ગાંડાની હોસ્પિટલ થઇ ગયું છે.

હિન્દુસ્તાનમાં તો સો ઘરો હોય, તેમાં પચાસ ઘર બહુ ત્યારે તો દુર્જનનાં હોય અને પચાસ સજ્જનનાં હોય; તો એ પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં હોય ને પિસ્તાલીસ ઘરો તો ક્લેશ વગરનાં હોય, એવું આ હિન્દુસ્તાન ! જો ડાહ્યાનું હિન્દુસ્તાન હોય તો પિસ્તાલીસ ઘરોમાં ક્લેશ ના હોય. સો ઘરોમાં પચાસ તો દુર્જનનાં ઘરો હોય, એ તો જાણે ક્લેશ-કંકાસમાં જ જીવે, પણ બીજા પચાસમાં પાંચ જ ઘર ક્લેશવાળાં, બીજા પિસ્તાલિસ ઘર ક્લેશ વગરનાં હોય, સેકંડે ૪૫ ટકા, પણ આ તો હજારે શું લાખોમાં પણ એક ઘર ક્લેશ વગરનું નથી. એટલે ગાંડાની હોસ્પિટલ કહેવાય, કારણ કે ધર્મસ્થાનોમાં તો સંપૂર્ણ શાંતિ જ વર્તવી જોઇએ, ત્યારે ત્યાં તો સંપૂર્ણ અશાંતિ !!!

એક સાહેબ રોજ ઓફિસે મોટરમાં જાય, તે એક દા’ડો મોટર બગડેલી તે સાહેબ ચાલતા ચાલતા જતા હતા ને પાછા પોતે બોલે ને પોતે સાંભળતા હતા. મને નવાઇ લાગી કે ‘આ કઇ જાતનો રેડિયો વાગે છે ?’ હું એમની પાસે ગયો. મેં તેમને પૂછયું ‘કેમ આજે મોટર વગર? આપ શું બોલતા હતા ?’

ત્યારે તેમણે કહ્યું, ‘કંઇ નહીં, કંઇ નહીં.’

તે પોતાનું છુપાવતા હતા.

અલ્યા, મહીં વિચાર કરે તેનો વાંધો નથી, પણ આ વિચારવાનું મોઢામાંથીય નીકળી જાય છે ? ! આ તો મોટો ઓફિસર ને આવું થઇ

(પા.૨૨૪)

જાય છે ! આ તો વિચારવાનું મોઢેથી નીકળી જાય તો દશા જ બેસી જાયને ! લોક પૂછે કે ભાઇ, શું ગણગણો છો ?’ આ તો વિચારતો હતો કે શેઠને ગોળી મારવી છે અને વિચારવાની વાત જો મોઢેથી લીકેજ થઇ જાય તો ! આ તો બધાં કાણાં, એકેય ઘડો આખો નહીં. સાસુ વહુ જોડે ભાંજગડ થઇ હોય તો બબડતી જાય ! આ તો ફૂટેલા ઘડા કહેવાય !

આપણો ઘડો કેવો હોવો જોઇએ કે સહેજ પણ કાણું ના હોય, પાણી ઝમવું પણ ના જોઇએ. ‘ઝમે’ કોને કહેવાય ? સામો માણસ તારણ કાઢી બેસે કે, આ શું ગણગણે છે એવું ના હોવું જોઇએ. અરે, છોકરાનેય કંઇ પૂછવું હોય તો કહે કે પછી પૂછીશું, હમણાં નહીં. બાપ ગણગણતો હોય તો છોકરાંય સમજી જાય ને !

પેલા ઓફિસરને કોઇ બોસ જોડે ભાંજગડ થઇ હશે, તેથી ગણગણતો હતો. બોસ તો કોણ ? કે જે ભાંજગડ઼ કરે તેનું નામ બોસ! આપણે કોઇને અન્ડરહેન્ડ રાખવો તો કોઇ બોસ તો થાય જ ને ?

અત્યારનું વર્લ્ડ તો ગાંડાની હોસ્પિટલ જેવું થઇ ગયું છે, તે અભિપ્રાય આપીને ક્યારે ફેરવી નાખે એ કહેવાય નહીં. હમણાં કહે કે, ‘તમે બહુ ડાહ્યા છો’ અને કઇ ઘડીએ ‘તમે અક્કલ વગરના છો’ એવું સર્ટિફિકેટ આપી દે એ કહેવાય નહીં ! એવા મેન્ટલ લોકોના સર્ટિફિકેટથી શું ડરવાનું ? આ તો કેવું બોલશે તે કહેવાય નહીં. મેન્ટલોમાં ડાહ્યા રહેવા જાય તો રહેવાય નહીં. અત્યારે તો બધા જ મેન્ટલ છે, આ ગાયો-ભેંસો ડાહી કહેવાય.

આ રસ્તા ઉપર માણસ જોઇએ તો એમ થાય કે લાવ વરસ દહાડો સાથે રહીએ ? અરે, અત્યારે તો ઊલટી આવે એવું લોક, ચારે કાળમાંથી ફેંકી દીધેલો માલ એમાં રીલેશન શેનું કરવાનું ? તું ચળામણ ને પેલાય એ જ ચળામણ માલ !

આજે તો રૂબરૂના સંદેશાય સાચા મળતા નથી. આ તો પૂછીએ શું ને બોલે શું ? એવું વિચિત્ર થઇ ગયું છે !

(પા.૨૨૫)

ભગવાનના વખતમાં લોકો બહુ સુંવાળા હતા, તેથી ભગવાન બહુ સાચવી સાચવીને બોલેલા. ગાયોનું ટોળું હોય તો એક બૂમ પાડીએ ને નાસી જાય તો વધારે બોલવું પડે ? ના. તે ભગવાનના કાળમાં આવા લોક હતા, તેથી ભગવાન ભ્રાંતિ કહીને ઊભા રહ્યા. અને કેટલીક ગાયો તો ડાંગ લઇને જાઓ તોય હાલે નહીં, તેને મેન્ટલ કહેવી પડે. અને આ લોક પણ મેન્ટલ ખરાં જ ને ? ઘરનું ખાય, ઘરનાં કપડાં પહેરે ને ચિંતા કરે ! ઘરનું શા માટે ખાય ? અંતઃકરણ શાંત રહે માટે. અંતઃકરણ શાંત શા માટે રાખવાનું ? ત્યારે કહે, મેન્ટલપણું ઓછું કરવા માટે. પણ આ તો ઘરનું જ ખાય ને ચિંતા કરે છે. આ તો પેન્ટ પહેરી પાછળ ‘માર માર’ કરે. કોઇ બાપોય તને જોવા નવરો નથી. એ એની ચિંતામાં જ હોય છે, તે ઉઘાડી આંખોએય તને દેખતો નથી. તું તો ફાટેલાં લૂંગડાંએ જાયને તોય તને જોવા કોઇ નવરો નથી. આવું સરસ મુંબઇ શહેર, ત્યાં પેન્ટને ટપલીઓ ‘માર માર’ કરે ! આ મુંબઇ શહેર કેવું સરસ ! ચળકાટવાળા સુંવાળા રસ્તા ! ભગવાનના કાળમાં તો હેંડી હેંડીને દમ નીકળી જાય. અત્યારે ભોગવવામાં કેવી મઝા આવે! ત્યારે કોઇ ભોગવતોય નથી ! મુંબઇમાં તું ભગવું કપડું પહેરીને જાઉંને તોય તને જોવા કોઇ નવરું નથી. એની જોડે બેસનારો ફ્રેન્ડ હોયને તો તેય હિસાબ માંડશે કે લાગે છે તો સાત, પણ જોડે નવ છે માટે આપણો ફ્રેન્ડ હોય નહીં, હશે કોઇ બીજો !

હિંદુસ્તાન - ૨૦૦૫માં વર્લ્ડનું કેન્દ્ર

કેમ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું ? કારણ કે સંસ્કૃત ભાષાવાળાને વિકૃત બહુ શીખવાડ્યું. સંસ્કૃત ભાષાવાળાને ત્યારે પ્રાકૃત ચાલી શકે, પણ વિકૃત તો ના જ કરાય. તે વિકૃત ભાષા આવી એટલે આ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું. પણ આ હોસ્પિટલમાં જે મેન્ટલો છે ને, તેમને પેટે છોકરાં થશે એ ડાહ્યાં થશે, ખરેખરાં ડાહ્યાં થશે. માટે આ મેન્ટલો જીવે છે એ સારું છે. એમનાં છોકરાં ડહાપણવાળાં નીકળશે. વાળ વધારશે, એમ કરશે, તેમ કરશે પણ છેવટે એ ડહાપણવાળાં નીકળશે. કારણ કે મેન્ટલ હોસ્પિટલનાં મેન્ટલોનાં છોકરાં છે, એટલે છોકરાં બધાં સારા થશે!

(પા.૨૨૬)

અને હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! આ મેન્ટલ લોકોનાં છોકરાંને બહારના લોક પૂછવા આવશે કે ‘અમારે ખાવું કેવી રીતે ? અમારે ભણવું શું શું ?’ એ પૂછવા આવશે. આ મેન્ટલોનાં છોકરાં ડાહ્યાં થશે, માટે આ મેન્ટલ થઇ ગયા એ સારું થયું. આ મેન્ટલ થઇ જવામાં ફાયદો શો થયો ? કે પાછલી બધી જે સંસ્કૃતિ હતી ને, તે આખી એબોલિશ થઇ ગઇ, વોશઆઉટ થઇ ગઇ, આ બધું સારું થઇ ગયું છે, ખોટું નથી થયું. પાછલા સંસ્કાર સડીને ખલાસ થઇ ગયેલા હતા !

તિરસ્કાર વૃત્તિએ નોતર્યું પતન

પ્રશ્નકર્તા : મારી માતાને જોઉં છું ને મારી પૌત્રીને જોઉં છું તો મને એટલો બધો ફેરફાર લાગે છે કે ના પૂછો વાત ! અત્યારની પ્રજા બગડેલી લાગે છે.

દાદાશ્રી : અને તમારા દાદાના વખતે, દાદા તમારા માટે શું કહેતા હતા ?

પ્રશ્નકર્તા : હમણાં મેં કહ્યું એવું જ કહેતા હતા.

દાદાશ્રી : આપણે બજારમાંથી રૂપાળી મજાની દૂધી લાવ્યા હોઇએ ને શાક તો કરવાનું જ છે, એટલે કાપવી તો પડે જ ને ? અને કાપીએ ત્યારે કહેશે કે, ‘ના કાપશો એનો રૂપાળો દેખાવ બગડી જશે.’ અને શાક ખાવું હોય તો પેલો દેખાવ છોડવો જ પડશે. ભારત જો ડેવલપ થયું હોય, તો કોઇ કાળમાં નથી થયું એવું આ ભારત ડેવલપ થવા માંડ્યું છે. આ તો બધા સાવ અનાચારી ને દુરાચારી હતા, સેકડે પાંચ ટકા કે બે ટકા લોક સારા નીકળે. બાકી, બધા વહેમમાં ને આખો દા’ડો ક્લેશ, કંકાસ ને તિરસ્કારમાં જ ગાળતા. આખો દા’ડો તિરસ્કાર કરે; નીચલી વર્ણો પર તિરસ્કાર કરે, બીજા પર તિરસ્કાર કરે પોતાના ભાઇનો જો કદી જરાક આચાર ઓછો દેખાયને તો તેની ઉપર તિરસ્કાર કરે, શિષ્યનો આચાર ઓછો દેખાય તો તેની ઉપર તિરસ્કાર કરે; જ્યાં ને ત્યાં તિરસ્કાર કરે. બહુ બગડી ગયો હતો આ દેશ. અત્યારની પ્રજામાં જે સુધારો થતો દેખાય છે તેનાથી પાછલા લોકોના જેવો બગાડ ઓછો થવા માંડ્યો છે. એમનામાં

(પા.૨૨૭)

જે જંગલીપણું હતું એ ગયું ને બીજું જંગલીપણું ઉત્પન્ન થયું. પાછલા લોકોને આ ના ગમ્યું. જૂના જમાનામાં તો નર્યો તિરસ્કાર હતો. બિલકુલ બગડેલા જેવી થઇ ગઇ હતી હિન્દુસ્તાનની દશા, જેને ધર્મિષ્ઠ જ ના કહેવાય. કારણ કે વિચાર્યા વગરની વાત હતી. આખો લોટ ‘કેળવાયેલો’ જ નહોતો, એમ ને એમ ભૈડીને લાડુ બનાવી દીધા ! બસ, એમ ને એમ કેળવ્યા વગર; આ કેળવાય છે અત્યારે.

અત્યારના છોકરામાં ‘આવું’ દેખાય છે, પણ તે કેળવાય છે. હંમેશાય જ્યારે ખરી કેળવણી ઉત્પન્ન થાય ને ત્યારે આવું થાય. અત્યારે તમારો છોકરો હોટલમાંથી બહાર નીકળેને તોય તેની ઉપર તમને બહુ તિરસ્કાર ના થાય. અને પહેલાં તો તમે ઘેર જઇને પોઇઝન લેવા માંડો, અગર તો પોઇઝન આપી દો ! અલ્યા, હોટલ જોડે તારે શો ઝઘડો છે? કઇ જાતના લોક છો ? આવું ડીપ્રેશન કરવા માટે મહાવીર કહી ગયા છે? વીતરાગ શાને માટે કહી ગયા છે ? એબોવ નોર્મલ ઇઝ ધ પોઇઝન અને બીલો નોર્મલ ઇઝ ધ પોઇઝન. બધી બાબતમાં એબોવ નોર્મલ થઇ ગયા હતા. નર્યો દ્વેષ, દ્વેષ ને દ્વેષ અને દુરાચારનોય પાર નહોતો. દુરાચાર એટલો બધો એક્સેસ વધી ગયો હતો કે પાર વગરનો દુરાચાર થઇ ગયો હતો. એના કરતાં આજનો આ દુરાચાર સારો, આ ખુલ્લા દુરાચાર કહેવાય. દેશ જ આખો એવો થઇ ગયો હતો અને તેનાં આ કષ્ટ પડેલાં છે, દેશને ભયંકર કષ્ટો પડ્યાં છે.

કોઇ સ્ત્રી વિધવા થઇ એટલે એના તરફ તિરસ્કાર, તિરસ્કાર ને તિરસ્કાર. વિધવા પર તો જંગલી માણસેય તિરસ્કાર ના કરે, કે બિચારી વિધવા થઇ એટલે એની આજુબાજુના અવલંબન તૂટી ગયાં. અવલંબન તૂટી ગયાં એટલે આ બિચારી બધી રીતે દુઃખી છે. મૂળ ધણીના આધારે સુખ હતું તેય પણ જતું રહ્યું છે, તો તેની ઉપર બધાએ કરૂણા રાખવી જોઇએ. પણ તેની ઉપરેય ભયંકર તિરસ્કાર આ લોકોએ વરસાવ્યો. વળી, વર્લ્ડમાં ક્યાંય ના હોય એવો હરિજનો ઉપર તિરસ્કાર કર્યો. બીજે બધે તિરસ્કાર, સગો ભાઇ હોય તો તેની ઉપર તિરસ્કાર - ભયંકર તિરસ્કાર કર્યો. હવે, આને સુધરેલો દેશ જ કેમ કહેવાય ?

(પા.૨૨૮)

અમે જ્યારે નાની ઉમરના હતા ત્યારે બધા ઓલ્ડ લોકો, શું કહે, ‘એય બગડી ગયાં, બગડી ગયાં.’ હું પૂછું પાછો તેમને કે, ‘તમને તમારા દાદા શું કહેતા હતા ?’ આ તો જંગલીપણું છે, આવું અનાદિકાળથી જંગલીપણું ચાલ્યું છે. પોતે કર્યું એવું કરો, એવું એ કહે છે, હું જે કૂવામાં પડું એ કૂવામાં તમે પડો. અલ્યા, હવે એ કૂવામાં નથી પાણી, મોટા મોટા પથરા છે, સાપ છે. હવે પડું તો મરી જાઉં. પહેલાં તો પાણી હતું, હવે એને એ જ કૂવામાં પડો એમ કહે છે. વૈષ્ણવના ને જૈનના ને ફલાણા જ કૂવામાં પડો, હવે ક્યાં સુધી આ કૂવામાં પડ્યા કરીએ ? કહેશે કે, ‘અમે કર્યું, એ કરો !’ અલ્યા, તમારા ડાચાં ઉપરેય નૂર નથી દેખાતું. આખો દા’ડો કષાય, કષાય ને કષાય જ કરે અને જમવા જાયને તો એમ જ જાણે કે આજે કો’કને ત્યાં આપણે મફત જમ્યા છીએ, આજે મફતનું મળ્યું છે. ભારતના ડેવલપ માણસો કો’કને ત્યાં જમવા જાય ત્યારે એમને જ્ઞાન હાજર થઇ જાય કે, ‘આજે ફ્રી જમવાનું છે ! તે બરોબર સારી રીતે જમજો !!’ આ આપણા ડેવલપ ઘૈડિયા બધાં !!! આ લોકો બધા ડેવલપ હતા, તેય કેટલાક તો જમવા બોલાવ્યા હોયને તો દોઢ-બે દિવસ અગાઉથી તો ભૂખ્યા રહે, ઘરનું બગડે નહીં એટલા માટે અને જમવા બેસે તો બે દિવસ સુધી જમવું ના પડે એટલું બધું ફુલ જમી લે. એટલે એમ જ સમજે કે હું મફતનું ખાઉં છું, ફ્રી ઓફ કોસ્ટ, એટલે દાનત કેટલી ચોર છે ? અને એનાં દુઃખ ભોગવ્યા છે અને રાંડેલીઓને જે હેરાન કરી હતી તે આજે તે બધાંને ઘેર છોકરીઓ ઉત્પન્ન થઇ ને એ છોકરીઓએ ડાયવોર્સ લઇને જે ધૂળધાણી તોફાન માંડ્યાં છે, તે એના બાપને માર માર્યો છે, એ રાંડેલીઓએ જ આ બધાને પજવ્યા છે ! મારે ત્યાં કેમ આવીને પજવતી નહીં ? હું હતો નહીં એવો.

રાંડેલી એ તો ગંગાસ્વરૂપ કહેવાય, એનું નામ કેમ દેવાય ? પાછા કહે શું ? ગંગાસ્વરૂપ. અને રાંડેલી સામે મળે તો કહે કે, ‘મને અપશુકન થયાં, સારું કામ કરવા જતો હતો ને મને અપશુકન થયાં !’ આવા જંગલી ! આવા જંગલીને તો ફાંસીએ ચઢાવવા જોઇએ. પણ ભગવાને શું કહ્યું કે, ‘તમે ફાંસીએ ના ચઢાવશો, આ અધિકાર તમારા હાથમાં લેશો

(પા.૨૨૯)

નહીં.’ ભગવાન મનુષ્યને કહે છે કે, ‘આ અધિકાર તમે તમારા હાથમાં લેશો નહીં.’ નેચરલ નિયમ જ છે. નેચર કહે છે કે, ‘એવાંને અમે ફાંસીએ લઇ લઇએ છીએ જ, અમારો નિયમ જ છે, એ અધિકાર તમે લેશો નહીં.’ અને આજે બહુ કષ્ટો સેવી રહ્યાં છે ! આ બધાં જે સેવી રહ્યાં છે એ પોતાનાં જ કષ્ટો સેવી રહ્યાં છે. અને આ તો ડેવલપ થઇ રહેલ છે, અંડર ડેવલપ નથી. છતાં આપણે વાત આચારની કરવી જોઇએ કે, ‘બહેન, ઉંમરલાયક થયાં, આ જગત ફસામણવાળું છે. જો તમને સુખ જ જોઇતું હોય તો વિચારીને પગલાં મૂકજો ને પગલાં મૂકો તો અમને પૂછજો. પૂછવામાં વાંધો નહીં ઉઠાવું, પૂછજો અને સલાહ તરીકે.’ આ વકીલની સલાહ લઇએ છીએ તો શું વકીલ કરતાં બાપ ગયો ? વકીલ કરતાં તો બાપ ઉપર વધારે વિશ્વાસ હોય ને ?

હિન્દુસ્તાન સુધરેલું નહોતું, મનમાંથી કાઢી નાખવા જેવું હતું, પોઇઝનસ હતુ બધું, ઝેરી હતું બધું. આ દેશની દશા તો જુઓ કેવી થઇ ગઇ ? પણ તેમાં કોઇનો દોષ નહોતો. માણસ કોઇ દોષિત હોતું નથી. એવિડન્સ ઊભા થાય છે, એમાં સરકમસ્ટંસીસ ઊભા થાય છે. હવે આ ફેરફાર થવા માંડ્યો છે.

હવે આ ઊંચી જાતનું રહ્યું છે, અજાયબ સ્થળે જઇ રહ્યું છે વર્લ્ડમાં આજે ! હિન્દુસ્તાન વર્લ્ડમાં અજાયબ સ્થળે જઇને ઊભું રહ્યું છે! નહીં તો મોક્ષની વાત કરવાની હોય ? મોક્ષ તો લખવા માટે નહોતો, કોઇને મોક્ષ લખવાનોય અધિકાર નહોતો. આ બધા આચાર્યો, મહારાજો, સાધુઓ હતાને તે બધા ઓવરવાઇઝ થઇ ગયેલા હતા; તેમાં બે-પાંચ એકસેપ્શન કેસ હોઇ શકે ખરા. બાકી તો ઓવરવાઇઝ એટલે ચણતરનાય કામમાં ઈંટ કામ ના લાગે તેવી, ડીફોર્મ થઇ ગઇ હોય તેવી ખેંગાર ઈંટ જેવા ! ઓવરવાઇઝ છે તેને ખેંગાર કહેવાય. ઈંટ કાચી હોય, અંડરવાઇઝ તેને આમરસ કહેવાય.

ભગવાનને ત્યાં તો ડહાપણ સુધીની જરૂર, તે બધું ઓવરવાઇઝ થઇ ગયું હતું અને જાનવર કરતાંય ભૂંડા આચાર થઇ ગયા છે. કારણ કે

(પા.૨૩૦)

જાનવરમાં દુરાગ્રહ ના હોય, કદાગ્રહ ના હોય, હઠાગ્રહ ના હોય, તે મનુષ્યમાં તો હોવાં જ ના જોઇએ. અને હોય તો અમુક પ્રમાણ હોય ત્યાં સુધી મનુષ્યપણું છે, કારણ કે ડેવલપ છે. એટલે જાનવરો કરતાં આમનામાં આગ્રહ વિશેષ હોય, તેનું પ્રમાણ જળવાય ત્યાં સુધી બરોબર છે, નહીં તો પછી જાનવર કરતાંય ભૂંડા કહેવાય. આને મનુષ્યપણું કેમ કહેવાય ? ખોટી પકડો પકડવી, ખોટા દુરાગ્રહ, ખોટા કદાગ્રહ, પોતાના જ વિચારોથી ધર્મને માનવો અને મૂલવવો. ધર્મ તો કેવો હોવો જોઇએ? કે નાના બાળક પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ, જાનવરો પાસેથી પણ જાણવાનો પ્રયત્ન જોઇએ કે આનામાં કેવા કેવા ગુણ છે ?

આ કૂતરાને એક જ દા’ડો પૂરી આપી હોય, તે ત્રણ દા’ડા સુધી આપણને જ્યારે દેખે ત્યારે પૂંછડી હલાવ હલાવ કર્યા કરે. એમાં હેતુ લાલચનો કે ફરી આપે તો સારું - પણ એ ઉપકાર તો ભૂલતો નથી ને! એ ઉપકારને લક્ષમાં રાખીને લાલચ રાખે છે, ને મનુષ્યો ?! ગમે તે હો પણ આજે તો આ ભારત ડેવલપ થયું છે, નહીં તો મોક્ષની તો વાત સાંભળવાની હોય ? અરે, સમકિતનું જ ઠેકાણું નહોતું ને ! આજે બબ્બે હજાર વર્ષથી ઠેકાણું નહોતું, મહાવીર ગયા પછી અને તેમના પહેલાંય નહોતું. ભગવાન જન્મ્યા ત્યારે ૨૫૦ વર્ષના કાળમાં બે વખત લાઇટ ઝબકી ગઇ, પાર્શ્વનાથ ને મહાવીર - બે. તે વખતે અમુક માણસનું બસ કામ નીકળ્યું, બીજા કોઇને લાભ-બાભ મળેલો નહીં. ભગવાનનો લોકોએ પ્રભાવ તોડવા બહુ બહુ ઉપાય કર્યા, ભગવાન ચાલે ત્યાં આગળ કાંટા આમ ઊભા રસ્તામાં વેર્યા, તે બાવળિયાના કાંટા આમ ઊભા મૂક્યા હોય ને ભગવાન ચાલે તો કાંટા આમ વાંકા થઇ જાય, પ્રત્યક્ષ દેખાય છતાં પણ હિન્દુસ્તાનના બીજા ધર્મના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં, કહેશે, ‘આ તો જાદુ છે, આ વિદ્યા છે’ એવો સ્વીકાર કર્યો. પણ સત્યનો સ્વીકાર ના કર્યો, આવો ગજબનો સાયન્ટિસ્ટ તેનો સ્વીકાર ના કર્યો ! બહુ જ જંગલીપણું. પ્રપંચ ! પ્રપંચ ! પ્રપંચ ! ધર્મમાં જ વેપાર કરેલા! વેપાર ક્યાં શરૂ કરી દીધેલા ? ધર્મની અંદર જ વેપાર! એટલે આવું જે જૂનું ડેવલપમેન્ટ હતું, તે કાઢી નાખવા જેવું હતું. તે બિલકુલ ખલાસ થઇ ગયેલું સ્ટ્રક્ચર

(પા.૨૩૧)

છે, એને પડી જવા દો, નવું ઊભું થઇ રહ્યું છે ! નહીં તો મોક્ષની વાત તો સાંભળવા જ ના મળે !

જેમ જેમ આ કલ્ચર્ડ થતું જશે તેમ તેમ એ પુસ્તકો ઊંચે મૂકી દેશે, પસ્તીમાં જતાં રહેશે. કારણ કે જ્યાં સુધી ડેવલપ ના હોય ત્યાં સુધી એની કિંમત. ગીતાને સમજવાવાળા અને વેદાંતને સમજવાવાળા નીકળશે હવે! હવે ડેવલપ થઇ રહેલ છે, આમાં નિમિત્ત બન્યા છે અંગ્રેજો. આ સારી બાબતમાં અંગ્રેજો નિમિત્ત બન્યા છે.

પ્રશ્નકર્તા : તેમણે જ્ઞાનનો ઉઘાડ કર્યો ?

દાદાશ્રી : ના, જ્ઞાનનો નહીં. પણ લોકો જે એબ્નોર્મલ થઇ ગયા હતા તેમાં બેકિંગ લેવડાવ્યું, તે નોર્માલિટી ભણી લાવ્યા! આપણા લોકોએ શું કહ્યું કે, ‘આ લોકો આપણો ધર્મ ને આપણા આચાર નષ્ટ કરવા આવ્યા.’ તે એમણે એટલો નષ્ટ કર્યો તેથી તો આ નોર્માલિટી પર આવી રહ્યા છે. આપણા લોકો શી બૂમો પાડતા હતા ? કે આ લોકો ધર્મ ને આચાર બધો તોડી નાખશે ને આપણું બધું ખલાસ કરી નાખશે ! ના, એટલું બાદ કર્યું. ૮૫ ડિગ્રી એબ્નોર્મલ પ્રમાણ થઇ ગયું હતું ને આપણને નોર્માલિટી માટે ૫૦ ડિગ્રી જોઇએ, તે આ લોકોએ આવીને ૩૦-૩૫ ડિગ્રી કાઢી નખાવ્યા, જડ બનાવ્યા, જડ એટલે દારૂ પીતાં શીખવ્યા, માંસાહાર કપડાં-લત્તાં બધું મોહનીય બનાવ્યું, એટલે ‘પેલા’ દુર્ગુણો જતા રહ્યા ! જે તિરસ્કારના દુર્ગુણો હતાને તે ખલાસ થઇ ગયા, ફ્રેક્ચર થઇ ગયા. એ બહુ સારામાં સારું કામ કર્યું આ લોકોએ.

અંગ્રેજોનો એક ઉપકાર

અંગ્રેજો આવ્યા ને એમની ભાષા લાવ્યા, તે એમના પરમાણુ સાથે આવે. હંમેશા દરેક ભાષા પોતાનાં પરમાણુ લઇને આવે એટલે એમના જે ગુણો હતા ને સાહજિક ગુણો, ટાઇમ-બાઇમ બધું એક્ઝેક્ટ જોઇએ, તે સાહજિક ગુણો નવેસરથી ચાલુ થઇ ગયા. આ તો બધા સ્વાર્થી થઇ ગયેલા. પોતાના ઘર પૂરતી જ ભાંજગડ, બીજા બધાનાં ઘર બળતાં હોય

(પા.૨૩૨)

તો સૂઇ રહે મઝાના. પ્રપંચી, સ્વાર્થી ! બધી રીતે તિરસ્કારવાળાં, યુઝલેસ થઇ ગયાં હતાં.

બ્રાહ્મણો કહેતા હતા કે, ‘ભગવાનનું મુખ અમે છીએ ને આ ક્ષત્રિયો છાતી સુધી છે અને આ બધા વૈશ્યો ને આ બધા શૂદ્રો છે, તે નીચલા છે !’ દુરુપયોગ ને દુરુપયોગ જ કર્યો ! જેનો સદુપયોગ કરવાનો હતો, તેનો જ દુરુપયોગ કર્યો. અમે બ્રાહ્મણો એટલે મુખારવિંદ, એટલે અમે જે કહીએ એનો વાંધો તમારે ગણવાનો નહીં. તે એમણે એ પાવર-વીટો પાવર વાપર્યો તેને લઇને તેઓ ભયંકર યાતનામાં સપડાઇ ગયા. આ પ્રજાનું તો જે થવાનું હશે તે થશે, પણ એ વીટો વાપર્યો તેને લઇને આજે તેમના પગમાં ચંપલ નથી મળતાં ! એમની વેલ્યુ પણ જતી રહી ને ચંપલ પણ જતાં રહ્યાં ! બેઉ સાથે જતાં રહ્યાં !! દુરાચારોને લઇને તેમની દશા તો જુઓ !

લાલચુ છે એનો માર ખાય છે આ જગત. લાલચ શી હોવી જોઇએ માણસને ? લાલચ દીનતા કરાવરાવે ને દીનતા પેઠી કે મનુષ્યપણું ગયું.

જૂના જમાનાની પ્રજાએ નીચલી વર્ણ પર ભયંકર અત્યાચારો કર્યા. એમને રસ્તા પરથી જવું હોય તો એણે છાતીએ કોડિયું અને પાછળ ઝાડુ બાંધવું ! કોડિયું એટલા માટે કે થૂંકવું હોય તો રસ્તા ઉપર ના થૂંકાય, કોડિયામાં થૂંકવાનું !! અને પાછળ ઝાડુ એટલા માટે કે રસ્તા પરનાં એનાં પગલાં ભૂંસાઇ જાય !!! આ તો ‘કરપ’ કરાવે ! મારા જેવા હાજરજવાબી હોયને તો તે માથું ફોડી નાખે એવો જવાબ આપે કે આ કૂતરાંને થૂંકવાની ને બીજી બધી છૂટ, એનાં પગલાં ચાલે અને આ માણસના ના ચાલે ? આ કઇ જાતના મેન્ટલ થઇ ગયા છો ? આ તો એક્સેસમાં ગયું હતું.

છોકરીઓ જન્મે ને તરત જ દૂધ પીતી કરતાં, મારી નાખતા. રજપૂત પ્રજામાં કેવું ? કે છોડીને પૈણાવતી વખતે દહેજ આપવો પડતો, એ ગમે નહીં ને મૂળમાં ભણેલા નહીં, અનપઢ -બાઇઓય અનપઢ ને ભાઇઓય અનપઢ, અને પોતાની જાતને શુંય માને ? આ તો બીજા પર બહુ કરપ કર્યા.

(પા.૨૩૩)

બિલાડા તમારા દૂધમાં મોઢું નાખી જાય છે તે દૂધ ચલાવો છો, તો અહીં પણ ચલાવવું જોઇએ કે નહીં ? ચલાવવાની હદ હોય !

ગામમાં ઠાકોર હોય ને એનો પીતરાઇ હોય તો એણે ઘોડા પરથી જવાનું નહીં, ઊતરીને ચાલતા ગામમાં જવું પડે ! એમાં ઘોડો ને બેઉ સાથે જાય તો એમાં તારું શું જાય છે ? આ તો કયો મોટો તમારો અહંકાર ઘવાયો ? જો ઘોડા પર જાય તો મારામારી ને ખૂન સુધી આવી જતા !

આમને આર્યપુત્ર કેમ કહેવાય ? છાસિયું સોનું ને સાચું સોનું બે હોય, એમાં છાસિયા સોનામાં સોનાના ગુણ ના જણાય તો એની કિંમત શી ? આ તો એક હિન્દુસ્તાનીમાં અનંત શક્તિ છે, પણ બધી અવળી વેડફાઇ રહી છે. એ તો ‘જ્ઞાની પુરુષ’ને ભેગા થાય તો શક્તિ સવળિયે વળે ને કામમાં લાગે. આ શક્તિ વેડફી કેવી રીતે? આ ભાઇ આઇ.એ.એસ. કરે છે તો હુંય નક્કી કરું કે મારે આઇ.એ.એસ. થવું છે, એમ નકલો કરી કરીને શક્તિ વેડફી. એક મેઇન્ટેનન્સ માટે અથાગ શક્તિ વેડફી ! અને એય કલુષિત ભાવે ભયંકર શક્તિ વેડફી ! આ નકલ કરવાથી તો અંદરની સિલક હતી તેય જતી રહી. અંતરસુખનું બેલેન્સ ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી, તો પછી અંતરસુખનું બેલેન્સ શી રીતે રહે ? નકલ કરીને જીવવું સારું કે અસલ? અસલ. અને આ તો છોકરાં એકબીજાંની નકલ કરે છે. હિન્દુસ્તાનના લોકોએ તો કો’ક અસલ લખી આવેને તો આપણે તેની નકલ ના કરવી જોઇએ. આપણને નકલનું ના હોય, પણ આ તો ફોરેનવાળા આપણી નકલ કરી જાય એવું હોવું જોઇએ. પણ આ તો ફોરેનવાળાએ અહીં થોડા હિપ્પી મૂક્યા તે અહીંના લોકોએ એની નકલ કરી નાખી ! તો પણ તેથી કંઇ હિન્દુસ્તાનનું બગડવાનું નથી, સુધરવાનું જ છે.

આ મોહી છોકરીઓ ખરીને આજની, તે તેમને જોઇને લોકોને એમ લાગે છે કે આ છોકરીઓ મોહી છે, મૂર્છિત છે, પણ આમને પેટે બાબા સારા પાકવાનાં.

પ્રશ્નકર્તા : એનું શું કારણ, દાદા ?

(પા.૨૩૪)

દાદાશ્રી : પેલો તિરસ્કાર ભાગ જતો રહ્યોને, ડાઉન થઇ ગયોને, એટલે હવે તિરસ્કાર ભાગ ઉત્પન્ન ના થાય. તિરસ્કાર ગયા કે આપણે નોર્મલમાં આવી ગયા. સુધરેલા તો હતા જ પણ તિરસ્કારને લઇને આપણે બિલકુલ ખલાસ થઇ ગયા હતા, યુઝલેસ થઇ ગયા હતા. તિરસ્કાર ગયો કે આપણી નોર્માલિટી આવી ગઇ, ઓલરાઇટ થઇ ગયા.

બુદ્ધિનો ઉપયોગ જ એ લોકોએ તિરસ્કાર અને પ્રપંચ કરવામાં વાપર્યો. બુદ્ધિનો દુરુપયોગ કર્યો, જ્ઞાન તો હતું નહીં. બુદ્ધિ હતી, તે બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિ શાથી વધી ? કે મહાવીર બ્રેઇન ટોનિક પીધાં, ને કૃષ્ણ બ્રેઇન ટોનિક પીધાં ! જીવડાં મારે નહીં ને બીજું મારે નહીં એટલે પછી બુદ્ધિ વધે, પછી જીવડાં બાજુએ મૂકી મનુષ્યો ઉપર એટેક લઇ જાય !

હવે હિન્દુસ્તાન તો બહુ સુંદર દશા ઉપર જઇ રહ્યું છે. આ સંસ્કૃતિનો પ્રલયકાળ છે, કઇ સંસ્કૃતિ ? આદર્શ સંસ્કૃતિ ? ના, વિકૃત સંસ્કૃતિનો પ્રલયકાળ છે. આપણી સંસ્કૃતિમાં સંસ્કૃત ભાષા હતી, તે બહુ લો થાય, ઊતરી જાય, તો બહુ પ્રાકૃત સુધી ચલાવી શકાય, પણ વિકૃત ના ચલાવી લેવાય. આમાંથી ફાયદો શો થયો ? કે આવા તેવા જે વિકૃત સંસ્કાર હતા ને તે વોશ આઉટ થઇ ગયા અને હવે નવેસરથી નવી વાત! નવી ચીજ ને બધું નવું જ ચાલશે અને ઓર જ જાતની અજાયબી, ભગવાન મહાવીરના વખતમાં હતી તેવી શાંતિ વર્તશે ! અને આજના આ વાળ વધારનારા ગાંડા, તે જ ડાહ્યા કહેવાશે. જેને ઘનચક્કર કહેવામાં આવે છે તે જ ડાહ્યા થઇને ફરશે અને વાળ કપાવનારા તો મેન્ટલ હોસ્પિટલના લોકો ! એમણે બે ભાગ જુદા પાડ્યા. મેન્ટલ હોસ્પિટલમાંનો કયો ભાગ અને મેન્ટલ હોસ્પિટલમાં કોણ નહીં ? તેવા બે ભાગ આ વાળ વધારનારાઓએ જુદા પાડ્યા !

આજનાં છોકરાંઓએ તો ઊલટા વાળ વધારીને ઓપન કર્યું કે, વાળ જે કપાવે છે તે મેન્ટલ હોસ્પિટલના લોક છે અને અમે મેન્ટલ હોસ્પિટલની બહારના છીએ અને મેન્ટલ હોસ્પિટલના લોકો આમને કહે પાછા કે, ‘આ મેન્ટલ છે !’ માટે હિન્દુસ્તાનને કોઇ ખોટ જવાની નથી. આ ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ છે.

(પા.૨૩૫)

કુદરતમાં બુદ્ધિ ના નાખો

ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. તેમાં આ લોકો શું એનું માપ કાઢી શકવાના હતા ? આ લોકો આ પઝલનું માપ કાઢ કાઢ કરે છે. કહે છે કે, ‘૧૯૭૪માં વસતિ આટલી છે તો ૨૦૦૦માં આટલી થઇ જશે !’ અરે ! ચક્કર, ઘનચક્કર ! પહેલી સાલ એક છોકરું હતું, ત્રીજી સાલ બીજું થયું એટલે ૮૦ વર્ષની ઊંમરે તો ૩૦-૪૦ થઇ જશે ?! શું કાઢે છે હિસાબ ? મેર ગાંડીઆ ચક્કર છો કે શું ? ઘનચક્કરો! કેલ્ક્યુલેશન ના કઢાય, મનુષ્યોના અને આ બધા ગણિત કાઢવા બેઠા છે, એ બધા ઘનચક્કરો છે. છોકરો પાંચ વર્ષનો હતો ત્યારે સવા બે ફૂટનો હતો ને સોળ વર્ષે પોણા પાંચ ફૂટનો ઊંચો છે, માટે ૮૦ વર્ષે આટલો ઊંચો થઇ જશે ! હે ઘનચક્કરો, હિન્દુસ્તાનના મનુષ્યોનું શું કરવા તોલ તોલ કરો છો ? બે હજારમાં આમ થઇ જશે ને ત્રણ હજારમાં આટલા થઇ જશે. જો તમે ૨૦૦૦માં આટલા થઇ જશે એમ કહો છો તો આજથી પાંચ હજાર વર્ષ ઉપર કેટલા હતા એ કહી આપો ને ! જો તમને આ ગણતરી કાઢતાં આવડતી હોય તો કહી આપો કે ત્યારે કેટલા માણસ હતા. ત્યારે એ કહેશે કે, ‘એ અમને ખબર નથી.’ ત્યારે મેર ગાંડીઆ તને વહુના ધણી થતાં નથી આવડતું, તે વહુને બા કહે જઇને! ઘનચક્કરો, કેવા પાક્યા છો તે ! તારી વહુને બા કહેજે એટલે તારે ચાલ્યું! છોકરો બા કહે ને તુંય બા કહેજે, એટલે ધણી બૈરી ના જોઇએ રસ્તામાં ! ઘનચક્કરો ! વસતિ કાઢવા નીકળ્યા છે, કેલ્ક્યુલેશન કરવા બેઠા છે કે ૧૯૮૦માં આટલું ને ૧૯૯૦માં આટલું થઇ જશે ને ૨૦૦૦માં આટલું થઇ જશે ! તે એમને કોઇ પકડનારેય નથી નીકળતા!! સરકારેય એક્સેપ્ટ કરે છે. આવી વાત જે કરે ને, જે વાત નોન-સેન્સ લાગતી હોય એવાને તો પકડવા જોઇએ અને જેલમાં ઘાલી દેવા જોઇએ. કેમ વાત આવી મૂકે છે ? તો તો પબ્લિક ખરાબ થઇ જાય.

હિન્દુસ્તાનનું બગડવાનું નથી અને જે દેશમાં સંત પુરુષો છે, સત્ પુરુષો છે અને પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ છે ત્યાં આગળ શું બગડવાનું છે ? આ ત્રણની હયાતી હોય ત્યાં કશું બગડે નહીં, ઊલટું બગડેલું સુધરવા

(પા.૨૩૬)

માંડ્યું છે. ભયંકર બગડી ગયેલું, હિન્દુસ્તાન જેવો બીજો કોઇ દેશ આ દુનિયામાં આટલી અધોગતિમાં ગયો નહોતો, ભયંકર બગડી ગયો હતો. અનાચારને જ સદાચાર માન્યા હતા ને સદાચારને તો દેશવટો જ દીધો હતો, એક્સ્પોર્ટ !! તે હવે એક્સ્પોર્ટ થયેલો ઇમ્પોર્ટ થઇ રહ્યો છે. આ વાળ વધારે છેને તેથી ! આ વાળ વધારે છેને તે ઇમ્પોર્ટ કરી રહ્યા છે! આ વાળ કાપીને એક્સ્પોર્ટ કરી નાખ્યું હતું.

આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલ થઇ ગયું છે, તે છોકરા અત્યારે મેન્ટલ જ કહેવાય છે ને ? ત્યારે શું થાય ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યાં આગળ ‘જ્ઞાની પુરુષ’ પણ ‘બહારમાં’ તો મેન્ટલ જ કહેવાય ને ? આખી હોસ્પિટલ જ મેન્ટલ ત્યારે ‘જ્ઞાની પુરુષ’ મહીં આવ્યા ને ? કારણ કે ‘જ્ઞાની પુરુષ’નો દેહેય મેન્ટલના જમાનામાં જન્મ્યો, માટે મેન્ટલ તો ખરો જ ને ? બધું મેન્ટલ કહેવાય, મેન્ટલ હોસ્પિટલ જ છે આ તો ! તે હવે આ પરિવર્તન આવી રહ્યું છે.

હિન્દુસ્તાન ૨૦૦૫માં આખા વર્લ્ડનું કેન્દ્ર થઇ ગયું હશે ! હવે ૩૧ વર્ષ રહ્યાં બાકી. ત્યારે આ છોકરાં ૫૬-૬૦ વર્ષનાં થશે, ત્યારે એમનામાં મેન્ટલપણું રહેવાનું નહીં. એમના આ લાંબા વાળ હતા ને તેનાથી એક દા’ડો મેન્ટલપણું નીકળી જશે એટલે એક દા’ડો કપાવી નાખશે. એક છોકરો લાંબા વાળવાળો મોટરમાં મારી આગળ બેઠો હતો. તે મેં એને કહ્યું કે, ‘ભઇ, તે એટલા બધા વાળ કેમ વધાર્યા કે જેથી કરીને ઊડીને પાછળવાળાને હરકત થાય ?’ જો કે તેના વાળ મને હરકત નહોતા કરતા, પણ મેં સહેજમાં કહ્યું. તે એ છોકરો તરત ને તરત જ વાળ કપાવીને આવ્યો ને મને નમસ્કાર કરી ગયો, ને પાછો એણે દ્રઢ નિશ્ચય કર્યો કે ફરી નહીં વધારું !

આજનાં આ જ છોકરાં ડાહ્યા ને સમજુ થઇ એક દા’ડો વાળ કપાવી નાખશે, પછી મેન્ટલપણુ ગયું અને આ જે વાળ કપાવીને ડાહ્યાડમરા થઇ ને ફરે છે અને અનાચારને સદાચાર માને છે ! કેવા ? અનાચારને સદાચાર, ભાષા જ ફેરવી નાખેલી આ લોકોએ ! મેન્ટલ ! અને આખો

(પા.૨૩૭)

દા’ડો ઝઘડા, ઝઘડા ને ઝઘડા વગરનું એકુય ઘર નથી. કંઇ ને કંઇ ડખો થયો જ હોય, ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડ્યા હોય સાંજે ! અગિયાર-અગિયાર ભાગે આવે ને !

મતભેદ, મનભેદ ને તનભેદ

દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ગમે છે ? તો કશું થાય છે તને ?

પ્રશ્નકર્તા : હા. વરીઝ થાય.

દાદાશ્રી : મતભેદમાં આટલું બધું થાય છે, ત્યારે મનભેદ થાય ત્યારે શું નું શું થાય ? મતભેદ થાય ત્યારે ઝઘડો થાય ને મનભેદ થાય એટલે ડાઇવોર્સ લઇ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! એવું આ ભેદ, ભેદ ને ભેદવાળું જગત છે.

કંટાળાવાળું જીવન તને ગમે ખરું ?

પ્રશ્નકર્તા : જીવન આપ્યું એટલે જીવવું તો પડે જ ને ? પછી ભલે ગમે તેવું જીવન હોય.

દાદાશ્રી : જીવન આપનારો કોણ છે ? આવો કોણ હશે મૂરખ માણસ કે આવું આ બધા લોકોને બળતરામાં જીવન જીવાડતો હશે ? એવો કોણ હશે ? કોઇ હશે એવો ? કારણ કે માલિક-બાલિક ગાંડો-બાંડો થઇ ગયો છે કે એય મેન્ટલ થઇ ગયો છે ? ૫૦ ટકા મેન્ટલ હોય તો વળી ચલાવી લેવાય, પણ આ તો બધાં જ મેન્ટલ તે શું માલિક મેન્ટલ બની ગયો છે ? કોણ આનો ચલાવનારો હશે ?

પ્રશ્નકર્તા : ભગવાન.

દાદાશ્રી : તેનું તું નામ દે છે કોઇ વખત ?

પ્રશ્નકર્તા : કોઇક વખત દઉં છું.

દાદાશ્રી : શું નામથી બોલાવે છે ?

(પા.૨૩૮)

પ્રશ્નકર્તા : ભગવાનના તો નામ હજાર છે, કોઇ પણ એક નામથી બોલાવું છું.

દાદાશ્રી : તને કયું નામ ગમે છે ?

પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ.

દાદાશ્રી : એમને કહેને કે તમે દુનિયા બનાવી તો આવી શું કરવા બનાવી ? તમારે કંઇ રાણીઓ-બાણીઓ નાસી ગઇ ? કે પછી બધી છે? એમને કહેને કે શું કરવા અમને પજવો છો ? આપણે એમને વઢવું પડે, તે એમને આપણે વઢીએ નહીં ને પરસાદ ધરાવ ધરાવ કરીએ, એટલે એ જાણે કે આ બધા જ સુખી છે ! કે પછી એમને બહેરે કાને સંભળાતું નથી કે આપણે શું કહેવા માગીએ છીએ? તે આપણે તેમને વઢવું પડે કે રાણીઓ-બાણીઓ નાસી ગઇ છે ? તમારા બાબા-બેબી રખડી મર્યા છે કે શું ? એમ કહીએ ત્યારે એ કહેશે કે, ‘ના રાણીઓ છે.’ તો આપણે કહીએ કે, ‘ત્યારે આ કેમ બળી હેંડ્યું છે ? આખું જગત બળે છે, ને તમે એકલા નમારમૂડા હો એમ ભટક્યા કરો છો ? રાણીઓ લઇને આવો અહીં આગળ,’ એમ એમને કહેવું પડે. એમ ના કહીએ તો શી રીતે એમને બહેરા કાનમાં સંભળાય ?

આમ ભગવાનને વઢવું પડે. જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કેમ ના વઢાય ? અને તો જ ભગવાન તમારું સાંભળે. પણ કોઇ વઢતું જ નથી ને ભગવાનને ? બધા પરસાદ ધરાવ ધરાવ કરે છે!

(પા.૨૩૯)

સંયોગ વિજ્ઞાન

જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. બહાર ભેગા થાય તે સંયોગ, હવા ઠંડી લાગે. વિચારો આવે એ સંયોગ, પણ બુદ્ધિથી આ ખરાબ છે અને આ સારું છે તેમ દેખાય, અને તેનાથી રાગ-દ્વેષ કર્યા કરે છે. જ્ઞાન શું કહે છે કે, ‘બંને સંયોગ સરખા જ છે. સંયોગથી તું પોતે મુક્ત જ છે, તો પછી ડખો શું કામ કરે છે ? આ સંયોગ, તને પોતાને શું કરવાનો છે ?’ આ તો સંયોગ છે તે કશું જ કરનાર નથી, પણ બુદ્ધિ ડખો કરાવે છે. બુદ્ધિ તો સંસારનું કામ કરી આપે. બુદ્ધિ મોક્ષે ના જવા દે, જ્યારે જ્ઞાન મોક્ષે લઇ જાય. દુનિયામાં વપરાય છે એ બુદ્ધિ સમ્યક્ નથી, એ તો વિપરીત બુદ્ધિનું ચલણ છે. પોતાના હિતાહિતનું ભાન નથી તેથી બધે ઠોકાઠોક ચાલે છે ને ? અને સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયા પછી બુદ્ધિ સમ્યક્ થાય, હિતાહિતનું ભાન રહે. સમ્યક્ બુદ્ધિ શું કહે કે, આ સંયોગ આવ્યો તે આપણે ચૂપ રહો, નહીં તો માર પડશે, અને વિપરીત બુદ્ધિ તો શું કરે કે એવે વખતે ચૂપ તો ના રાખે, પણ ઉપરથી માર ખવડાવે. વિપરીત બુદ્ધિની શેવાળ જામી ગઇ છે, તે તેને જરા દેખાડવું પડે તો જરા અજવાળું થાય ! અમારે તો આ વિપરીત બુદ્ધિની બધી જ શેવાળ નીકળી ગઇ છે !

આ બુદ્ધિએ તો જાતજાતના સંયોગના ભેદ પાડ્યા. કોઇ કહે કે, આ સારું, ત્યારે કોઇ કહેશે કે, ‘આ ખરાબ !’ એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ સારું કહે ને બીજાને એ ના ગમે તો એને એ ખરાબ કહે. એમાં પાછો અભિપ્રાય આપે કે, આ સારું ને આ ખરાબ, તે પછી રાગ-દ્વેષ ઊભા થઇ જાય, એથી તો સંસાર ઊભો છે. આ નાના છોકરાને હીરો અને કાચ આપ્યો હોય તો એ કાચ રાખે અને બાપ હીરો લઇ લે, કારણકે બુદ્ધિથી બાપ હીરો લે. બુદ્ધિથી તો સંસારફળ મળે એવું છે.

(પા.૨૪૦)

ખરી રીતે સંસારમાં બુદ્ધિનો વપરાશ હિતાહિત પૂરતો હોવો જોઇએ. નોકરીમાં ક્યાં ક્યાં જમા કરવાનું, ક્યાં ક્યાં ઉધાર કરવાના, શેઠનો ઠપકો ના મળે એવું કરવાનું; આ જમવાની થાળીમાં જીવડું પડી ગયું હોય તો તે કાઢવાનું, એવું બુદ્ધિ બતાવે. આટલા પૂરતો જ બુદ્ધિનો વપરાશ હોવો ઘટે, અને તેય જરૂર પડે ત્યારે બુદ્ધિની લાઇટ સહજ રીતે થઇ જ જાય ને સંસારનું કામ થઇ જાય. પણ આ તો બુદ્ધિનો ડખો રાતદા’ડો થાય તો શું થાય ? અમને કોઇ કહે કે, ‘દાદા, તમારામાં અક્કલ નથી. અને કોઇ બીજો કહે કે, ‘દાદા તો જ્ઞાની પુરુષ છે’ તો અમને એ બેઉ સંયોગ સરખા જ લાગે. અમે તો ‘અબુધ’ છીએ માટે એ બન્ને સંયોગ અમને સરખા લાગે છે. અને બુદ્ધિ શું કહે ? દાદા તો જ્ઞાની પુરુષ છે, એ સંયોગ ગમે, અને દાદામાં અક્કલ નથી, એ ના ગમે. માટે અમે તો પહેલેથી જ અબુધ થઇ ગયેલા. આ તો સંયોગ માત્ર છે. તે કોઇ વખત બોલશે કે, ‘દાદા જ્ઞાની છે’ ને કોઇ વખતે બોલશે કે, ‘દાદામાં અક્કલ નથી’ અને તેય પાછું છે ‘વ્યવસ્થિત’ ! ‘વ્યવસ્થિત’ તને કોઇ પણ સંયોગમાંથી છોડશે નહીં. એમાં બુદ્ધિ વાપરીશ તો ગમતું અને ના ગમતું બન્ને વાગ્યા વગર રહેશે જ નહીં. માટે ભલેને બોલે આપણે શું છે ? આવું કોઇ બોલે ત્યારે આપણે કહીએ કે, ‘‘બોલો રેકર્ડ, આ ‘અમે’ તમને સાંભળીએ છીએ !’’ આ બોલે છે એ તો રેકર્ડ ઊતરેલી, તે કોઇ રીતે ફરે નહીં. મૂળ પોતે ધણી બોલતો નથી, આ તો ટેઇપ થઇ ગઇ છે તે રેકર્ડ બોલે છે, તે કંઇ ફરે નહીં.

લોકોને ભાવતું નથી ગમતું અને ભાવતું ગમે છે, પણ વસ્તુ એક જ છે, બેઉ સંયોગો જ છે. પણ આ તો એકને ફાવતું, ઇષ્ટ સંયોગ અને બીજાને ના ફાવતું-અનિષ્ટ સંયોગ કર્યા; તે કોઇ અનિષ્ટ સંયોગ આવ્યો હોય તો કહે, ‘આ ક્યાં ચા પીવા આવ્યો ?’ અને ઇષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તોય પરાણે એને ચા પીવડાવે. આની પાછળ રૂટ કોઝ શું છે ? ‘આ સારું અને આ ખોટું’ એમ કહે છે તે ? ના, પણ પેલી મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેથી આમ કરે છે. મિથ્યાત્વ દ્રષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી.

(પા.૨૪૧)

આત્મા અને સંયોગ બે જ છે અને તેમાં સંયોગો અનંત છે, તે સંયોગો આત્માને ભળાવે છે. તે કેવી રીતે, તે હું તમને સમજાવું. આ એક હીરો હોય તે સફેદ અજવાળું આપે, પ્રકાશમાં તેમાથી કિરણો સફેદ નીકળે. હવે એની નીચે લાલ કપડું મૂક્યું હોય તો આખો હીરો લાલ દેખાય અને લીલું કપડું મૂક્યું હોય તો હીરો લીલો દેખાય અને પ્રકાશેય લીલો નીકળે. આત્મા એવો જ છે, પણ સંયોગો આવે છે તેવો થઇ જાય છે. આ ક્રોધ આવે ત્યારે ગરમ ગરમ થઇ જાય છે, ખરી રીતે તો પોતે ‘શુદ્ધાત્મા’ તો ક્યારે પણ બગડ્યો જ નથી. તેલ ને પાણીને ભેગું કરીને ગમે તેટલું હલાવ હલાવ કરે તોય તેલ ને પાણી ક્યારેય પણ એક થતાં નથી, તેમ આત્મા ક્યારેય પણ બગડ્યો જ નથી. અનંત અવતારમાં આત્મા કપાયો નથી, છુંદાયો નથી, સાપમાં ગયો કે બિલાડીમાં ગયો કે ગમે તે યોનિમાં ગયો પણ પોતે અંશ માત્ર બગડ્યો નથી, માત્ર ઘાટ ઘડામણ ગઇ છે !

કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રીલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે !

વીતરાગ ભગવાન શું કહે છે કે, ‘આ બધાં સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.’ એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. ‘વ્યવસ્થિત’ શું કહે છે કે, ‘આ સંયોગોમાં તો કોઇનું કિંચિત્ માત્ર પણ વળે નહીં, બધો જ પાછલા ચોપડાનો હિસાબ જ માત્ર છે.’ વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય.

સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે. એ તો એક આવે ને અગિયાર ને પાંચ મિનિટ થાય તો હેંડતો થાય ! એને કહીએ કે ‘લે,

(પા.૨૪૨)

ઊભો રહે, જમીને જા.’ તોય એ ના ઊભો રહે. એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય. પણ આ તો કેવું છે કે બે મિનિટ પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે ‘હજી નથી ગયો, હજી નથી ગયો, ક્યારે જશે?’ તે બે મિનિટની એને દસ મિનિટ લાગે ! આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે ! બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે.

દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાનીય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાનીય જરૂર નથી. કોઇ પણ સંયોગ આવે તો કહી દઇએ કે, ‘ગો ટુ દાદા.’ દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઇએ.

સંસારમાં રીલેટિવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઇ જાય ! આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં, ખસેડવા જાય તો હઠે ભરાય ! ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય ! જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને, તો તો એને સંપૂર્ણ આત્મ અનુભવ કેવળ જ થઇ જાય ! આપણને પણ સંયોગ આવે છે; છતાં આપણે કયા સંયોગ પસંદ કરવાના કે જે રીયલમાં હેલ્પ કરે તે, રીયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રીલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે : એક નફાના ને બીજા ખોટના; પણ આપણે તો જાણીએ કે નફો-ખોટ એ કોની સત્તા છે ? એ ના હોય આપણી સત્તા ! આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે, મોટામાં મોટા રાત-દા’ડો જોડે જ સૂઇ રહેનારા સંયોગ-મન-વચન-કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઇ પડ્યા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય

(પા.૨૪૩)

તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં, અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે!

સંજોગ સુધારીને મોકલો

દાદાશ્રી : કેમ છે તમારાં બાની તબિયત ?

પ્રશ્નકર્તા : આમ તો સારું છે પણ કાલે જરા બાથરૂમમાં પડી ગયાં, ઘૈડપણ ખરું ને !

દાદાશ્રી : સંયોગોનો નિયમ એવો છે, કે નબળા સંયોગ આવે એટલે બીજા નબળા સંયોગ દોડતા આવે અને જો સબળો સંજોગ ભેગો થાય તો બીજા સબળા સંજોગ ભેગા દોડતા આવે. આ ઘૈડપણ એ નબળો સંયોગ છે તેથી તેમને બીજા નબળા સંયોગ ભેગા થાય; જરાક ધક્કો વાગે તોય પડી જવાય, હાડકાં તૂટી જાય. નબળા પાછળ નબળા સંયોગ આવે. આ તો જ્યાંથી ત્યાંથી ઉકેલ લાવવાનો છે ! દુનિયાના માણસો કેવા હોય ? જે દબાયેલો ભેગો થાય તેને ટૈડકાવ ટૈડકાવ કરે. ભગવાને કહ્યું કે અલ્યા, તું જેટલા બીજાના સંયોગ બગાડે છે તે તું તારા પોતાના જ બગાડે છે, તે તને જ એવા સંયોગ ભેગા થશે.

સંયોગો એ તો ફાઇલ છે અને એનો સમભાવે નિકાલ કરવાનો છે. આ તો અનંત અવતારથી સંયોગો ને તરછોડ માર માર કરેલા તેથી અત્યારે આ કાળમાં લોકોને જ્યાં ત્યાં તરછોડ મળે એવા જ સંયોગ ભેગા થાય છે ! સંયોગો તો વ્યવસ્થિતના હિસાબી પરમાણુથી જ ભેગા થાય. કડવા લાગે તેવા સંયોગોને લોક કાઢ કાઢ કરે ને તેને ગાળો આપે. સંયોગ શું કહે છે કે, ‘અમને વ્યવસ્થિતે મોકલ્યા છે. તું અમને ગાળો દે છે પણ પછી તને વ્યવસ્થિત પકડશે.’ અને જ્યારે મીઠો સંયોગ આવે છે ત્યારે લોક ‘આવ બા ! આવ બા !’ એમ કરે. આ કેવું છે કે જો તું સંયોગો સાથે રહીશ તો સંયોગો તો વિનાશી છે, તે તું પણ વિનાશી થઇ જઇશ અને સંયોગોથી છૂટો ‘સ્વ’માં રહીશ તો તું અવિનાશી જ રહીશ.

આ તો કેવું છે કે, કડવા સંયોગને ‘ના’ કહીએ તોય એ આવે ને

(પા.૨૪૪)

મીઠાને ‘આવ, આવ’ કહીએ તોય એ ચાલ્યા જાય ! આમ કરી કરીને તો અનંત અવતાર બગાડ્યા, કુધ્યાન કર્યા. મોક્ષ જોઇતો હોય તો ‘શુકલધ્યાન’માં રહેજે અને સંસાર જોઇતો હોય તો ‘ધર્મધ્યાન’ રાખજે, કે કેમ કરીને બધાંનું ભલું કરું. ‘ધર્મધ્યાન’ તો, ક્યારેક કોઇ માણસ અવળું બોલે તો એને પોતે માને કે મારો હિસાબ કંઇ બાકી હશે, એથી આવો કડવો સંયોગ મળ્યો ! ને તે પછી તે કડવા સંયોગને મીઠો કરે, સંયોગ સીધો કરે. કોઇ માણસ લઢતો આવે કે, ‘તમે મને ૨૫ w. ઓછા આપ્યા, તો તેને ૨૫ વત્તા ૫ બીજા આપીને રાજી કરીને જે તે રસ્તે એ સંયોગ સુધારીને મોકલવો. સંયોગને અજવાળીને મોકલે તો આવતે ભવે સવળા સંયોગ મળે. જ્યાં જ્યાં ગૂંચો પડી છે ત્યાં ત્યાં તે સંયોગ ગૂંચોવાળો આવે, એ જ નડે છે. માટે અવળા સંયોગને અવળા ના જોઇશ, પણ એને સવળા અને મીઠા કરીને મોકલ કે જેથી તે આવતે ભવે ગૂંચ વગરના સંયોગ મળે.

આ લોકોએ કહ્યું કે, ‘તમે શાન્તાબહેન, આના વેવાણ, આની મા’ અને બધું તમે માની લીધું અને પાછાં તેવા થઇ ગયાં ! માણસ બહુ વિચાર કરતો હોય તોય પોતાનું નામ ભૂલી જાય તેવું છે, તેમ આ સંયોગોથી ઘેરાયો ને ‘પોતાને’ ભૂલી ગયો; આનું નામ સંસાર ! આમાં અજ્ઞાનતાનું જ એગ્રીમેન્ટ અને અજ્ઞાનતાની જ પુષ્ટિ કરી !

તે કહે કે, ‘આનો જમાઇ ને આનો સસરો !’ અલ્યા, તું જમાઇ શાનો ? તો કહે કે, ‘મે શાદી કરી ને !’ આ તો માર ખાઇને ભોગવે તે શાદી. એવું છે, આ શાદી એ તો એક ભવ માટેનું એગ્રીમેન્ટ, પણ આને તો કાયમનું માની બેઠો ! અને ઉપરથી ઇનામમાં એક જ ભવમાં પાર વગરના માર ખાવાના ! આ તો ભગવાન પોતાનું ભાન ભૂલ્યા તેનાથી સંસાર ઊભો થઇ ગયો !

‘આ સંયોગો સારા અને આ ખરાબ’ તેથી સંસાર ઊભો છે, પણ જો ‘આ બધા જ સંયોગો દુઃખદાયી છે’ એમ કહ્યું તો પછી થઇ ગયો મોક્ષમાર્ગી ! આ જ વીતરાગ ભગવાનનું સાયન્સ છે, ભગવાન મહાવીર

(પા.૨૪૫)

કેવા સાયન્ટિસ્ટ હતા ! વીતરાગો તો જાણતા હતા કે જગત માત્ર સંયોગોથી ઊભું થયું છે ! લોકોએ સંયોગોને ફાવતા અને ના ફાવતા કર્યા અને એની ઉપર રાગ-દ્વેષ કર્યા, જ્યારે ભગવાને તો બંનેનેય ના ફાવતા કર્યા ને તે છૂટ્યા !

‘એગો મે શાષઓ અપ્પા, નાણ દંશ્શણ સંજ્જૂઓ.’

હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાન-દર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું.

‘શેષા મે બાહિરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,’

આ શેષ રહ્યા તે બધા બહારના ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે ? એ સંયોગ લક્ષણવાળા છે. ‘બાહિરાભાવા’ કયા ? સંયોગ લક્ષણ, એટલે કે, આડો વિચાર એ સંયોગ, પૈણવાના વિચાર આવે એ સંયોગ, રાંડવાનો વિચાર એ સંયોગ. એ બધા બાહિરાભાવ કહેવાય અને એ બધા સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ, તે ભૂલથી બોલાવેલા તે આવેલા.

‘ સંજોગમૂલા જીવેણ પત્તા દુખમ્ પરંપરા,

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તીવીહેણ વોસરિયામી.’

તે બધા સંયોગ જીવનાં દુઃખોની પરંપરાના મૂળમાં છે. તે બધા સંયોગો ‘દાદા ભગવાન’ને - વીતરાગને વોસરાવું છું : એટલે કે સમર્પણ કરું છુ, અને એટલે આપણે એના માલિક નહી. આ સંયોગો કેટલા બધા છે ? અનંતા છે. એ અનંતા સંયોગોને એક પછી એક ક્યારે છોડી રહીએ? એના કરતાં એ બધા જ સંયોગોને ‘દાદા’ને વોસરાવી દીધા એટલે આપણે છૂટ્યા !

આત્માની અનંત શક્તિ છે, એ એટલી બધી છે કે એક કલાકમાં જ કરોડ સંયોગો કમાઇ જાય તેમ એક જ કલાકમાં કરોડો સંયોગો કાઢી શકે ! પણ કાઢવાનો અધિકાર કોને ? ‘જ્ઞાની પુરુષ’ને !

(પા.૨૪૬)

સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે ક્યારે સીધા થાય ? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે, પણ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના, પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે ? આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય ? ના, એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને ? પછી ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. આ ગાડીમાં ચઢ્યા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો ? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને દેખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. આપણો જ ફોટો છે સામાવાળો !

સંયોગોમાં પોતે કોણ ?

પોતાની પુણ્યૈ હોય તો બધા સંયોગ, જે આવે તે બધા મદદ કરતા જાય, ને પાપનો ઉદય હોય તો સંયોગ આવે તે વાંકા આવે ને સાથે આવે તે ઉપરથી ડફણાં મારતા જાય ! આ કેટલાક લોકો બોલે છે ને કે ‘મારા સંયોગ સારા નથી.’ એ તો જ્ઞાનીનું વાક્ય કહેવાય; પણ એમાં તું કોણ અને આ બધું શું ? બીજા બધા સંયોગ. તો પછી તું કોણ ? તેની તપાસ કર !

આ માંદો પડે ત્યારે એને મટાડનાર સંયોગ અને એને વધારે માંદો

(પા.૨૪૭)

પાડે એય સંયોગ. મટાડનાર દવા પણ એને વધારે માંદા પાડે, જો વધારે માંદા પડવાના સંયોગ હોય તો. એક નબળો સંયોગ ભેગો થાય એટલે બધા સંયોગ નબળા ભેગા થતા જાય. દુકાળનો સંયોગ આવે, તો સાથે ભેંસ મરી જાય, તે ફરી નબળા ઉપર નબળો સંયોગ આવે. જો આ બધા સંયોગ, તો તું કોણ ?

આ સંયોગો નિરંતર સમસરણ થયા જ કરે છે, એનો તમને એક દાખલો આપું : સાંજના પાંચ વાગ્યે તમે જતા હો, તો સામે વાદળ આવ્યું હોય તો તે દેખાય. પણ પછી થોડીક જ વારમાં એક વાદળમાં મેઘધનુષ્ય દેખાય, તો એ કોણે બનાવ્યું ? પહેલાં એ કેમ નહોતું ? કારણ કે વાદળ છે, અમુક જગ્યાએ સૂર્ય છે, તે એ એવી રીતે બધા સંયોગ ભેગા થઇ જાય અને પાછા આપણે અમુક જગ્યાએ હોઇએ તો જ એ મેઘધનુષ્ય દેખાય !

આત્મા ને સંયોગ બે જ છે, પણ એ સંયોગોમાં આત્મા મૂંઝાયો છે. મૂંઝવણ એ પણ આત્માનો સ્વભાવિક ગુણ નથી, પણ ઉપાધિ ભાવથી છે. હવે સંયોગો આત્માને નિરંતર ઘસાયા કરે છે, અને તે પછી સ્પર્શથી ચાર્જ થઇ જાય છે, અને એ જ આવતે ભવ ડીસ્ચાર્જ થાય છે. ‘જ્ઞાની પુરુષ’ જો મળી જાય તો તે જે ચાર્જ થનારી તમારી બેટરી છે તેને આઠ ફીટ છેટે મૂકી દે એટલે ચાર્જ બંધ થઇ જાય અને પછી સંસાર બંધ થઇ જાય !

અનુકુળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે. માટે અમે કહીએ છીએ કે, વિટામિનને જ નકામું ઢોળાઇ જવા ના દેશો.

સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે ને પરાધીન છે.

(પા.૨૪૮)

તપ

ભગવાને ‘જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ - એ ચાર મોક્ષના પાયા છે’ એમ કહ્યું, પણ લોકો પોતાની ભાષામાં લઇ ગયા. ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન, ‘હું શુદ્ધાત્મા છું’ એવી પ્રતીતિ એ દર્શન અને જ્ઞાતા-દ્રષ્ટા રહે એ ચારિત્ર્ય. અને બહાર કશું થાય ત્યારે હૃદય તપે ત્યારે એને જોવું અને જાણવું એ તપ; એને આંતરતપ, અદીઠ તપ કહ્યું. મોક્ષે જવા માટે અંતરતપ જોઇશે, બાહ્ય તપની જરૂર મોક્ષે જવા નથી. બાહ્ય તપથી સારી ગતિ મળે, પણ મોક્ષ ના મળે. અદીઠ તપ દેખી ના શકાય એવું હોય. ફોરેનમાં પ્રવેશ ન કરવો અને હોમમાં જ રહેવું એને જ ભગવાને ખરું તપ કહ્યું. આત્મા અને અનાત્માના સાંધાને એક થવા ના દે તે ખરું તપ. અને આ તપ પણ શાને માટે કરવાનું ? કારણકે અનાદિથી ફોરેનનો અધ્યાસ છે તેથી તપ કરવું પડે, છતાં આ તપથી તપવાનું ના હોય.

મોક્ષમાર્ગ એટલે બિલકુલ સહજ માર્ગ, એટલે ક્રિયાકાંડ ના હોય, મહેનત ના હોય. તપ, ત્યાગ, જપ એ બધી ક્રિયાઓ ફળવાળી છે. ફળ મળે ત્યાં સુધી રહેવું હોય તો મુકામ કરો અને પછી ફળ ચાખશો, પણ ફળ આવે ત્યારે કઇ જાતના વિચાર હોય તે શું કહેવાય ? બી વાવ્યું ત્યારે ત્યાગી દશામાં હોય ને ફળ આવ્યું ત્યારે ગૃહસ્થી દશામાં હોય, પંચેન્દ્રિયના વિચારોમાં પડ્યો હોય. તપ, ત્યાગથી દેવગતિ મળે, મોક્ષ ના મળે. મોક્ષ તો સહજ થાય ત્યારે જ થાય. આ તપ, ત્યાગની મહેનત કરે એ હેન્ડલ મારવા પડે છે.

આપણે પૂછીએ કે ‘તબિયત બગડી તેથી ભૂખ્યાં રહો છો ?’ તો તે કહેશે, ‘હું તપ કરું છું.’ ‘કેટલા દિવસ ભૂખ્યા રહેશો ?’ તો તે કહે, ‘ચાર દિવસ.’ તો તમે તપ કરીને તપેલા હશો કે ઠંડા ? પણ તે તપેલો

(પા.૨૪૯)

જ રહે. એવા તપેલાને છોકરાએ કંઇ કહ્યું હોય તો એવી અગ્નિ કાઢે કે છોકરો વિચારે કે, આના કરતાં બાપ ના હોય તો સારું ! ભગવાને કહેલું કે, ‘પેટમાં દુઃખતું હોય, અજીર્ણ થયું હોય તો એકાદ ટંક ખાજે.’ વધારે ખાઇશ એય પોઇઝન છે અને નહીં ખાઉં તો એય પોઇઝન છે. તેથી ભગવાને ઊણોદરી તપ કરવાનું કહેલું તે કેવું કે રોજ ચાર રોટલી ખાતો હોંઉ તો ત્રણ રોટલી ખાઇને શરૂઆત કરવી અને ભાત અર્ધો ખાજે, તો તારે તપ કરવાની જરૂર નથી. પેટને ખોરાક જીવવા પૂરતો આપવો. આફરો ચઢે એ ગુનો છે. દૂધપાક પીધો હોય ને સત્સંગમાં કહ્યું હોય કે, ‘આટલો પાઠ કરજો.’ તે સૂતાં સૂતાં પાઠ કરવા જાય તો ઘેન ચઢે. ઘેન ચઢે એટલું ખવાય જ નહીં.

આ બહુ દિવસો સુધી ભૂખ્યા રહે છે તેને તો ભગવાને ઢોર લાંધણ કહ્યું છે, પણ એ કષ્ટનું સેવન છે તે ફળ વગર જાય નહીં, દેવગતિ મળશે. વિલાસ કરો તોય ફળ મળશે. ભગવાને નોર્મલ રહેવા કહ્યું, ‘સહજ માર્ગે ચાલ્યો જા’ એમ કહ્યું. પણ ભગવાનની વાત કોઇ સમજ્યું જ નહીં ને લોકો અણસમજણથી તપ કરવા જાય છે.

પ્રાપ્ત તપ જ કરવા જેવું

આ તપ કોઇનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જ્યારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જ્યારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જ્યારે બધાં ઝેર આલનારાં આવે તે વખતે મહીં અંતર તપે તોય સહન કરી લેવું; લાલ, લાલ હૃદય થઇ જાય તોય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલાં તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘા પાછા કરે, મોં મચકોડે એટલે તે જ તપ જે આલવા આવ્યું હોય તેને અનેક ગણું કરીને પાછું આલી દે, અને

(પા.૨૫૦)

ના આવેલાં તપને બોલાવવા જાય, ના હોય ત્યાંથી, કોઇનું જોઇને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઇનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઝીઝ જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે.

ભગવાન મહાવીરે કહ્યું હતું કે, ‘કળિયુગમાં ચેતીને ચાલજે, તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ.’ સામો માણસ અથડાઇ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે ‘કાલે તો મારે અપવાસ કરવો છે.’ ‘અલ્યા, આમ શું કરવા કરે છે ? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી.’ ભગવાને કહેલું કે, ‘ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સત્યુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ-ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતાં લેવાં નહીં જવું પડે.’ એ તો જે કાળમાં વેચાતાં લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતાં. કારણ કે આખો દહાડો ખોળે તોય તપ જડે જ નહીંને! એ કાળ ગયા બધા. અત્યારે તો તપ કેટલાં બધાં મળે ?

મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાંય ! લોકો તો તપવાળા હતા, પણ ભગવાનને તપ ના આવે ને ? ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો કે, ‘આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાન રાખીને રસોઇ બનાવે છે અને પછી વહોરાવે છે. એટલે મને કોઇ ગાળ ભાંડતું નથી, કશુંય મને કોઇ કરતું નથી. હજી મારે મહીં કર્મના ઉદય બાકી છે,’ એનું એમને પોતાને માલમ પડી જાય. જેમ વોમિટ થવાની હોય તેની માણસને ખબર પડે, તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તેય ખબર પડી જાય. એવાં કર્મની ‘જ્ઞાની’ઓ ઉદીરણા કરે મનુષ્યમાં ઉદીરણાની સત્તા છે. એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો કે, ‘લાવ, આર્યદેશમાંથી અનાર્યદેશમાં જઉં તો મારાં

(પા.૨૫૧)

આ કર્મો ખરી પડે. કર્મનો હિસાબ છે.’ આ આર્યદેશના લોકો તો ‘પધારો, પધારો’ કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે, એટલે ભગવાનને થયું કે અનાર્યદેશમાં જવું. હવે અનાર્ય દેશ ૬૦ માઇલ છેટે હતો, તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું. આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા. લોકોએ ભગવાનને વિનંતી કરી કે, ‘ભગવાન, તમે આ સાંકડા રસ્તે ના જાવ. એ રસ્તે તો ચંડકોશિયો નાગ રહે છે, આ જંગલમાં એ નાગ કોઇને પેસવા જ દેતો નથી, જે જાય તેને જીવતો જવા ના દે. ભગવાન, તે તમને ઉપસર્ગ કરશે.’ પણ ભગવાને કહ્યું કે, ‘તમે બધા ના કહો છો, પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે. મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે. હું આગ્રહી નથી, પણ મારા જ્ઞાનમાં દેખાય છે માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો.’ એટલે બધા ગામના લોક ત્યાં જ ઊભા રહ્યા. કોઇ જંગલમાં પેસે જ નહીં ને ! ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે ? ભગવાનને જવું હોય તો જાય કહેશે ! ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન-બગવાન બધું છોડી દે ! છોડી દે કે ના છોડી દે આ લોક ? !

ભગવાન તો જંગલના રસ્તે ગયા. ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી, એટલે પછી એ વિફરે ને ? એ તો કોઇ જાનવરને જંગલમાં નહોતો આવવા દેતો, તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો. તે ડંખ મારતાંની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું. એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું. એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો, ‘હે ચંડકોશિયા ! બૂઝ, બૂઝ, ને ક્રોધને શાંત કર.’ ગયા અવતારમાં ચંડકોશિયો સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તેથી તેની આ દશા થઇ ! ‘માટે હવે શાંત થા. તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું.’ ચંડકોશિયો ભાનમાં આવી ગયો, પૂર્વભવનું એને જ્ઞાન આવી ગયું. ગયા ભવમાં એને સાધુપણું હતું. તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો, કેવો ભયંકર ક્રોધ ? જેવો તેવો નહીં. આ લોકો બૈરીઓ ઉપર કરે છે એવો નહીં. શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરુ કંઇ એને છોડે ? પછી એ ફસાઇ ગયેલાને ગુરુ માર આપ્યા જ કરે! તે પછી સાપ ત્યાં

(પા.૨૫૨)

આગળ પછાડા ખાઇને મરી ગયો. એના ઉપર કીડીઓ ખૂબ ચઢી ગઇ હતી, કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચઢે, ને કીડી તો ખેંચાખેંચ કરવા માંડી ! ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઇ, પણ તેણે શાંતિથી તપ સેવ્યું અને તે સારી ગતિમાં પહોંચી ગયો.

ભગવાન ત્યાંથી અનાર્ય, અનાડી દેશમાં વિચર્યા. ત્યાં લોકોએ એમને, ‘એય આ બાવો આવ્યો છે, એને ઢેખાળા મારો. આ કેવો બાવો છે ? લૂગડાં-બૂગડાં પહેરતો નથી. મારો એને.’ તે ભગવાનને તો મહીં પેસતાં પહેલાં જ પ્રસાદી મળવા માંડી ! ભગવાન તો જાણતા હતા કે ‘હું ક્યાં પ્રસાદી ખાઉં છું ?’ તે તેમને તો ‘ખરેખરી પ્રસાદી’ મળવા માંડી! કો’ક જગ્યાએ દયાળુ માણસ હોય તે કકડો રોટલો આપે. આર્યદેશમાં પેલી મીઠાઇઓ મળતી હતી તે અહીં ક્યાંથી લાવે ? ભગવાને અમુક કાળ અનાડી દેશમાં વિતાવી, કર્મ ક્ષય થયાં ત્યારે પાછા ફર્યાં. અત્યારે તો બધાંને ઘેર બેઠાં અનાડી દેશ છે તોય લોક ભાંજગડ કરે છે ! અલ્યા, મહાવીર ભગવાનને ૬૦ માઇલ ચાલીને જવું પડ્યું હતું ને !

તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, ખાઇએ-પીએ ત્યાં જ, અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા ૬૦ માઇલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જ્યારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકોય કેટલા પુણ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી પડોશીઓ, ભાગિયા, ભાઇઓ, વહુ, છોકરાં બધાંય તપ કરાવે એવું છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે, ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે ક્યાંય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડીસ્એડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઇ જા.

(પા.૨૫૩)

પ્રાપ્ત તપ એટલે આવી પડેલું તપ, એને શાંતિપૂર્વક નિરાંતે ભોગવે, સામાને સહેજ પણ દુઃખ ના થાય. સામાને આપણા નિમિત્તે દુઃખ તો ના થાય પણ આપણું મન સામાને માટે જ સહેજ પણ ના બગડે, એનું નામ પ્રાપ્ત તપ. બીજાં તપ કરવાની ભગવાને અત્યારે ના પાડી છે, તોય જુઓને લોક જાતજાતનાં તપ લઇને બેઠા છે ! અલ્યા, સમજને! શિષ્ય જોડે આખો દહાડો ક્રોધ કરતો હોય ને બીજે દહાડે અપવાસ કરે, હવે આનો અર્થ શો ? મીનિંગલેસ આ બધી વસ્તુઓ ! આ મીનિંગલેસ નથી લાગતું તમને ? કહેશે કે, ‘મારે બે અપવાસ કરવા છે.’ અલ્યા ભાઇ, અત્યારે તો એવું છેને કે, કો’ક દહાડો રેશનનું ઠેકાણું ના પડ્યું હોય ત્યારે થોડા ચોખાથી ચલાવી લેવાનું હોય, એ દહાડે મહારાજ આટલાં જ ચોખા મળ્યા તે તેટલો જ ખોરાક, ત્યાં એ કરોને! પ્લસ, માઇનસ કરી નાખોને ! એક દહાડો સામટું જ ના ખાવું, તેનાં કરતાં રોજ થોડું થોડું પ્લસ, માઇનસ કરીને આપણે એડ઼જસ્ટ થઇ જાઓને ! કો’ક દહાડો જમવાનું ઠેકાણું બે વાગ્યા સુધી ના પડ્યું તો ત્યાં શાંત ભાવે સહન કરી લે ને ! અથવા જમવાનું બિલકુલ ઠેકાણું ના પડ્યું ત્યાં તું શાંત રહે. આ પેટ તો મહીં ગયા પછી બૂમ પાડશે નહીં. આ રાત્રે આટલી ખીચડી ને શાક આપ્યું હોય તો પછી બૂમ પાડે ? ના પાડે. પછી તમારે જેવું ધ્યાનમાં રહેવું હોય તેવું રહેવા દે. પેટને તો વાંધો નથી, આ વાંક પોતાનો છે, મન પણ એવું નથી, પોતે અનાડી છે. પોતે અનાડી, તે પોતે તો દુઃખ ભોગવે, પણ બીજાને પણ દુઃખ ભોગવડાવે. અનાડીપણું!

લોક સામસામા કહે છેને કે આ અનાડી છે ? અલ્યા, મુંબઇમાં વળી અનાડી કોને ના કહેવું તે ખોળી કાઢવું મુશ્કેલ છે, એટલે સામસામા અનાડી બોલે છે. અલ્યા, ના બોલાય, એ તો ભગવાન જેને ખોળતા હતા તે તો તમારે અનાડીપણું ઘેર બેઠા મળે છે. તેથી આ ‘દાદા’એ તમને કહ્યું કે ખાવ, પીઓ મઝા કરો ને તપ આવી પડે તે શાંતિથી ભોગવજો. તપને તો બોલાવવા જવું પડે એવું છે જ નહીં. નર્યા તપમાં જ તપે છેને આ લોક ! અને પેલા તપવાળા તો કેવા હોય કે આવી પડેલું તપ ભોગવે નહીં અને ના આવેલું તેને બોલાવ બોલાવ કરે, બોલાવીને તપ કરે. પછી

(પા.૨૫૪)

આપણે તેને કશુંક કહેવા જઇએ તો તે એટલો બધો તપી ગયેલો હોય કે જો જરાક ભૂલ થઇ તો તે ફાટી જાય ! તપવાળા કેવા હોય ? તપીઆ હોય. તપીઆ એટલે સળગતો-ભારેલો અગ્નિ, જે જરાક કંઇ આપણી બીડી અડી તો તરત ભડકો થઇ જાય. એટલે ભૂલેચૂકે ત્યાં આગળ કંઇ ના કરાય. ભગવાન આવા નહોતા, ભગવાન તો બહુ ડાહ્યા હતા.

પ્રાપ્ત તપની અત્યારે કંઇ ખોટ છે ? છેવટે દાંત દુઃખે ને દમ નીકળી જાય એવો દુઃખે. દાઢ દુઃખે, પેટ દુઃખે, માથું દુઃખે, ફલાણું દુઃખે, સામો અથડાય એ બધા પ્રાપ્ત તપ ! નહીં તો કો’ક દહોડો સત્સંગમાંથી આવતાં મોડું થઇ જાય તો વાઇફ કહેશે, ‘તમારામાં ઠેકાણું નથી. અત્યાર સુધી તે બહાર રખડાતું હશે ? ક્યાં રઝળતા હતા ?’ હવે બૈરી શું જાણે કે આપણે સત્સંગમાં બેઠા હતા કે રઝળતા હતા ? હવે વાઇફ આવું બોલે ત્યારે આપણે પાંસરા ના રહીએ તો આપણી મૂર્ખાઇ જ ને ? આપણે જાણીએ કે તપ તપવાનું આજે આવ્યું છે ! હવે ત્યાં જો તપ ના તપો ને બૈરીને કહો, ‘ચૂપ, અક્ષર બોલવાનો નથી,’ એટલે પછી ધણિયાણી એક બાજુ કારતૂસો ભરભર કર્યા કરે ! ‘બહેન, શું કરવા કારતૂસો ભર્યા કરો છો ?’ તે કહે, ‘એ તો હમણાં ફોડીશ.’ આ જમી રહ્યા પછી બહેન કારતૂસો ફોડ ફોડ કરે અને રાત્રે પાછાં બંને ત્યાંના ત્યાં જ, એ જ ઓરડીમાં સૂઇ જવાનું પાછું ! જો બીજી કોઇ ઓરડીમાં સૂઇ જવાનું હોય તો આપણે જાણીએ કે આ લપથી છૂટ્યા, પણ લપની જોડે ને જોડે સૂઇ રહેવાનું પાછું ! અલ્યા, જ્યાં સૂઇ રહેવાનું ત્યાં ટેટા ના ફોડાય, કોઇ ટેટો ફોડેને તે આપણા પગ ઉપર પડે તો આપણે તેને ઓલવી નાખવાનો, બહાર જે કરવું હોય તે કરીએ, પણ ઘરમાં જ્યાં રાતદિવસ રહેવાનું હોય ત્યાં આવું ના કરીએ. જ્ઞાનીઓ બહુ ડાહ્યા હોય, પોતાનું હિત શેમાં છે તે તરત જ સમજી જાય કે આણે તો ટેટો ફોડ્યો. એ તો અકળાઇ એટલે ફોડ્યો ને મારા પગ ઉપર નાખ્યો, પણ હવે એના પગ ઉપર પાછો હું નાખીશ તો એ મારા માથા ઉપર નાખશે ! હવે મેલોને આ પૈડ ! આપણે આ કેસને ઊંચો જ મૂકી દોને!

આ તપ કરેને તે કોઇનેય જાણવા ના દે એ ખરું તપ ! તપમાં

(પા.૨૫૫)

કોઇને કહીએ તે સાંભળે, ને પછી તે આપણને આશ્વાસન આપી જાય એટલે આપણી પાસેથી બે આના ભાગ પડાવી જાય અને ઉપરથી ખોટા રસ્તે ચઢાવી દે. માટે તપ કરેલું તે કોઇને કહેવાય કેમ ? વગર કામનું કમિશન કોણ આપે ? પ્રાપ્ત તપમાં જેટલું આશ્વાસન લે એટલું તપ વધારે કરવું પડે. અમે તો કોઇ દહાડો કોઇનુંય આશ્વાસન લીધું નથી. આશ્વાસન લે તો તપ કરવું પડે, નહીં તો મહીં તપ્યા કરે અને તપને જ મહીં સમાવ સમાવ કરવાનું. એનો ઊભરો આવે પછી એ શમી જાય, એનો ટાઇમ થાય એટલે ઊભરો આવવાનો. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ કહ્યું, એટલે તપમાં આપણે આવી પડેલા તપનું તપ કરવું. બટાટાવડાનો ભાવ થાય ને ના મળે તો તે દહાડે તપ કરવાનું !

પ્રશ્નકર્તા : દાદા, આ તમારા પગમાં કણીઓ શાથી પડી ગઇ છે?

દાદાશ્રી : એ તો અમે આત્મા પ્રાપ્ત કરવા તપ કરેલું. તે કેવું તપ કે બૂટમાં ખીલો ઊંચો આવે તો તેને ઠોકવાનો નહીં, એમ જ ચલાવ્યે રાખવાનું. ત્યાર પછી અમને ખબર પડી કે આ તો અમે અવળે માર્ગે છીએ. આ જૈનોનું અમે તપ કરેલું. બૂટની ખીલી બહાર નીકળે ને ચૂંક વાગે તે વખતે જો આત્મા હાલી જાય તો એ આત્મા જ પ્રાપ્ત થયો નથી એવું હું માનતો હતો. એટલે એ તપ થવા દઇએ. પણ એ તપનો ડાઘ હજીય નથી ગયો ! તપનો ડાઘ આખી જિંદગી ના જાય. આ અવળો માર્ગ છે એમ અમને સમજાયેલું. તપ તો અંદરનું જોઇએ.

તપ, ક્રિયા ને મુક્તિ

પ્રશ્નકર્તા : તપ અને ક્રિયાથી મુક્તિ મળે ખરી ?

દાદાશ્રી : તપ અને ક્રિયાથી ફળ મળે, મુક્તિ ના મળે. લીમડો વાવીએ તો કડવાં ફળ મળે અને આંબો વાવીએ તો મીઠાં ફળ મળે. તારે જે ફળ જોઇતું હોય તેવું બી વાવ. મોક્ષ માટેનું તપ તો જુદું જ હોય, આંતરતપ હોય.

મોક્ષના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજ્યા

(પા.૨૫૬)

વગર કેટલાક તેમાંનો એક તપનો જ પાયો ઝાલી પડ્યા. આ ખાટલાના ૧૧૧ચાર પાયામાંથી એક પાયો ઝાલે એવું આ તપને ઝાલી પડ્યા. દેહને તપાવવાનો નથી, મનને તપાવવાનું છે અને એ પણ એવી રીતે કે બહાર કોઇ જાણે નહીં. પણ આજે તો બાહ્ય તપ જ કરે છે, તે જે સ્ટેશન આવ્યું તે પકડ્યું. બાહ્ય તપથી બાપજીને ફળ શું મળ્યું ? દેહ તેજવાળો થયો. દેહને તપવ્યો તે દેહ અજવાળાવાળો થાય, પણ દેહ જોડે આવવાનો છે? એ તો બાળી મેલવાનો છે. આ દેહ છે ત્યાં સુધી પોતાનું જ કામ કાઢી લેવાનું છે. ત્યાગવાળાઓએ ત્યાગની કસરત કરી, આ બધી કસરતશાળાઓ છે. એમાં આત્મા માટે કંઇ જ થતું નથી, કંઇ જ ઉપકાર થતો નથી. બૈરી વગર જિવાય કે નહીં તેની કસરત કરી, તે બૈરી મૂકી નાસી જાય. બૈરી બાર મહિના પિયર નથી જતી ? માટે ઘેર પણ જિવાય છે, શું કામ નાસી જાય છે ? બા, દીકરાના બાપા જોડે રોજ વઢવાડ કરતી હોય, તો દીકરો ગાંઠ વાળે કે, ‘હવે આ ન હો, બૈરી ન હો,’ એવી મજબૂત વાળેલી ગાંઠ પછી ઉદયમાં આવે, તે પછી નાસી જાય. એના કરતાં આ સહન કરને! આ પ્રાપ્ત તપને સહન કરતાં કરતાં મોક્ષે જવાશે. પ્રાપ્ત દુઃખ એને તો ઇનામ કહેવાય. ભલે પછી એ સહન કરવું પડે, પણ કશું ગયું તો નથી ને ? આપણને કશુંક મળ્યું એ ઇનામ જ કહેવાય ને ?

તપ અને ત્યાગ કરે છે એ તો વિષય છે, સબ્જેક્ટ્સ છે; એનાથી માત્ર હિંમત કેળવવાની હોય. તપથી શરીરને શક્તિ છે એમ જણાય, પણ ‘ત્યાગે ઉસકો આગે’, તે અનંતગણું થઇને સામે આવે અને મોક્ષ ના મળે. પણ જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી શુભમાં પડી રહેજો.

ત્યાગ શેનો કરવાનો ?

ભગવાને આવો તપ-ત્યાગ કરવાનું નહોતું કહ્યું, એમણે તો વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ કરવાનું કહ્યું હતું. એને જ્ઞાનમંદિરનો ત્યાગ કહ્યો અને લોકો જે માને છે તે બાલમંદિરનો ત્યાગ છે. આ પાકીટ હોય, એ ખોવાયું છતાં કશું જ ના થાય, એ મૂર્ચ્છાનો ત્યાગ કહેવાય. બાલમંદિરના ત્યાગમાં તો ગમે તે છોડવું એ જ ધ્યેય હોય, પણ એનું કાંઇક ફળ મળશે. બૈરી-

(પા.૨૫૭)

છોકરાં છોડ્યાં તે લોક ‘બાપજી, બાપજી’ કરીને પૂજશે. વસ્તુની મૂર્ચ્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે, બાકી બૈરી- છોકરાં ત્યાગ્યાં એ તો બીજા કાયદાને આધારે ત્યાગ્યાં છે. ઉદયકર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે. પણ જો લોટા પર મૂર્ચ્છા છે ને ! શિષ્ય પર દ્વેષ થઇ જાય તો આને ત્યાગ કેમ કહેવાય ?

સાચો માર્ગ મળ્યો નથી તેથી આ બધાં ગોથાં ખાય છે, એમાં એમનો વાંક નથી. છતાં, આ ઠપકો આપવાનું કોને છે ? કે જે અહંકાર કરે છે તેને કે આ કશું સમજ્યો નહીં અને બૈરી છોકરાંનો ત્યાગ કર્યો, તે ઘેરથી ત્રણ ઘંટ છોડ્યા ને અહીં ૧૦૮ ઘંટ શિષ્યોના કોટે બાંધ્યા, તેથી કહેવું પડે છે !

ભગવાને કહ્યું કે, બંગલામાં રહે છતાં બંગલાની મૂર્ચ્છા નથી એવા મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ કહ્યો. ગજવું કપાય છતાં કશી મૂર્ચ્છા આવતી નથી માટે એ ત્યાગી છે. જો એમ મૂર્ચ્છાના ત્યાગને ત્યાગ ના કહ્યો હોત તો સંસારીને કેવળ જ્ઞાન થાત જ નહીં, ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઇ કરી જ ના શકે. વસ્તુઓ અનંત છે, તે ત્યાગ શી રીતે કરી શકાય? વસ્તુને હૂડ હૂડ કરવાથી તે જાય ખરી ? ના. પણ જો અનંત વસ્તુમાં મૂર્ચ્છાનો ત્યાગ થઇ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યો બરાબર છે.

આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે, પણ ગ્રહણ ત્યાગમાં મૂર્ચ્છા નહીં તેને ભગવાને ખરો ત્યાગ કહ્યો, સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કહ્યો.

ત્યાગમાં વિષમતા

ગમે તેટલો બાહ્ય ત્યાગ આ લોકો કરે પણ ત્યાગમાં વિષમતા આવે તો ભૂલ ના દેખાય, પણ ત્યાગમાં સમતા આવે તો ભૂલ દેખાય. મહારાજ વહોરવા ગયા હોય પણ એમાં એકાદ બટાકો દેખાઇ જાય તો વિષમતા થઇ જાય ! તો ભૂલ શી રીતે દેખાય ? ત્યાગમાં સમતા રહેવી જોઇએ.

પ્રશ્નકર્તા : ત્યાગમાં વિષમતા એટલે શું ?

(પા.૨૫૮)

દાદાશ્રી : કોઇ માણસે કોઇ વસ્તુનો ત્યાગ કર્યો હોય કે મારે લસણ-કાંદા નથી ખાવા, છતાં કાંદાનો ટુકડો ભૂલથી ઊડીને પડ્યો હોય ને ખાતી વખતે હાથમાં આવ્યો તો મગજનો પારો ચઢી જાય, બૂમો પાડે. કેટલાક તો કાંદા જોવા જ રાજી ના હોય, જુએ તોય ગમે નહીં, ત્યારે એની સ્થિતિ કઇ ? ત્યારે શું એને સમતા રહે?

પ્રશ્નકર્તા : ના, વિષમતા રહે.

દાદાશ્રી : આ ત્યાગનું ફળ વિષમતા આવ્યું, એના કરતાં તો ત્યાગ ના કર્યો હોત તો સારું. ભગવાને શું કહ્યું કે એક બટાકાનું ફોડવું ભૂલથી આવી ગયું તો તને શી ખોટ ગઇ ? આ બધા બટાકા જ છે ને? જે ભોગવાઇ જાય એ બધા બટાકા જ છે ને ! આ તો ભાન જ નથી તે બુદ્ધિથી ભેદ પાડ્યા. ભૂલથી આવી ગયું તો આપણે એનો ઉકેલ લાવવો. એ તો આવડવું જોઇએ ને ?! સમતા ક્યારેય પણ ના છોડાય. ત્યાગમાં સમતા રહે તો ‘એ’ મોક્ષે લઇ જનાર છે. આ ત્યાગ સમતા વધારવા માટે કર્યો કે વિષમતા માટે ? ત્યાગ તો સમતા વધારવા માટે છે અને જો સમતા ના રહે તો એ ત્યાગ બૂડથલ છે. માટે જ્ઞાનીની પાસે સમજીને ત્યાગ કર, નહી તો ત્યાગ ના કરીશ. આ તો બહુ મોટું દવાખાનું છે, માટે જ્ઞાનીને પૂછ કે શું કરું ? ત્યારે પેલો કહેશે કે, ‘ના ‘આ’ તો સંસારી છે.’ તો તું તારી મેળે દવા બનાવીને પી ને ! કોણે ના પાડી છે? આ તો તારે મોક્ષ જવું હોય, ત્યાગમાં સમતા લાવવી હોય તો ‘જ્ઞાની’ને પૂછ નહીં તો તારી જાતે દવા બનાવવાની સોદાબાજી ચાલુ રાખ. વીતરાગો પણ કોઇને વઢ્યા નથી. કેવા ડાહ્યા છે વીતરાગો ! વીતરાગો તો મૂળથી જ વઢવાડિયા નહીં, એમના શિષ્યો દગો કરે પણ એ વઢે નહીં. આપણો પણ એ જ ધ્યેય છે ને ? આ તો અમારે ભાગે આવ્યું છે ! ચોવીસ તીર્થંકરો માલ મૂકી ગયા કે જાવ પાછળ ‘દાદા’ થવાના છે ત્યાં જાવ, તે ‘ અમારા’ ભાગે આવ્યું છે. ‘અમારો’ ઠપકો તો ‘કરૂણા’નો ઠપકો છે. ‘અમારો’ સ્વભાવ તો વીતરાગ છે. પણ ‘જેવા રોગો તેવાં ઔષધ, શ્રીમુખ વાણી ઝરતે’ જેવો સામે રોગ હોય તેવી આ નૈમિત્તિક વાણી નીકળે.

અમારી કારૂણ્યબુદ્ધિથી બહુ કડક શબ્દો નીકળે અને કાળેય એવો

(પા.૨૫૯)

છે. આ ફ્રીઝમાં ઠરી ગયેલું શાક હોય તો શું થાય ? પછી સોડા ને બીજું નાખીએ ત્યારે શાક ચઢે, તે અમારે સોડા બધું નાખવું પડે છે ! અમને તે આવું ગમતું હશે ? !

આટલી બધી જંજાળોમાંય તમને મહાત્માઓને અહીં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ જાય છે. બટાકાનું ફોડવું તો આવે, પણ એને ધીમે રહીને કોઇ ના જાણે તેમ નાખી દેવાનું, સમતાથી. પણ જેને વિષમ સ્થિતિ થઇ જાય એ શું કહે ? ‘કંઈંથી લઇ આવ્યો આ ? જા નાખી દે.’ અમારી દાળમાં માંસનો ટુકડો આવી જાય, તો અમે તરત જ તે કાઢીને ધીમે રહીને ઓટીમાં ઘાલી દઇએ. ભલે લૂગડું બગડે, પણ અમે બીજાને હલાવીએ નહીં, હલાવીએ તો એ દાળ જે ખાય તે રોગિષ્ઠ થઇ જાય. આ લોક તો આવા કેટલાય વાંદા ને કેટલીય ગિલોડીઓ ખાઇ ગયા છે; તેના પછી રોગ થાય, કોઢ થાય, બીજું થાય. બહારનું જે બધું ખાય છે એમાં બાપોય તપાસ રાખતો નથી, તે મહીં જીવડાં પડે ને લોક ટેસ્ટથી ખાય. અમે તો માંસનો ટુકડો સંતાડી દઇને ‘વ્યવસ્થિત’ ઉપર છોડી દઇએ, જાણે કશું જ બન્યું ના હોય તેમ વર્તીએ અને શેઠનું તો લોહી બળી જાય, બૂમાબૂમ કરી મૂકે તે ઘરનાં બૈરાં-છોકરાં સ્થંભિત થઇ જાય, અમે તો સમજીએ કે આ બઇએ કંઇ જાણી જોઇને માંસનો ટુકડો નાખ્યો હશે ? ના. એ તો કશુંક લેવા ગઇ હશે ને ઉપરથી કાગડો રોટલીનો ટુકડો લેવા આવ્યો હોય ને તેના મોઢામાં માંસનો ટુકડો હોય તો તે દાળમાં પડ્યો. એવિડન્સ કેવા કેવા બને છે ?! માટે માણસે બધી તૈયારી રાખવી જોઇએ, શું શું બને એ બધું જ લક્ષમાં રાખવું જોઇએ ને?

જેટલો ત્યાગ કર્યો એટલો અહંકાર વધે ને એટલો ક્રોધ જબરજસ્ત વધે. ‘મૈં, મૈં’ કરે એનાં કરતાં તો વિલાસી સારો, તે કહે કે, ‘મને તો આમાં કંઇ સમજણ પડતી નથી.’ દરેક માણસ જાતિભેદ જુએ કે, ‘આ તો ત્યાગી છે. તે બધું કરી શકે છે ને આપણે તો સંસારી.’ એ લિંગભેદ રહે, ને લિંગભેદમાં તો સંસારી કામ શી રીતે કાઢે ? તે એના માટેય દાખલો લેવા અમે છીએ. અમે પણ ગૃહસ્થલિંગ છીએ. ઇન્કમટેક્ષ ભરીએ છીએ. એટલે તમને લિંગભેદ ના રહે ને હિંમત આવે !!

(પા.૨૬૦)

ભગવાને ત્યાગીઓનોય મોક્ષ ના કહ્યો ને ગૃહસ્થીઓનોય મોક્ષ ના કહ્યો. એક માણસને ચાનો ત્યાગ નથી અને એ ચા ગ્રહણ કરે છે, તો એ ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. જ્યારે બીજો ચાનો ત્યાગ કરે છે અને ચા ગ્રહણ કરતો નથી, તો એ ત્યાગ કરવાનો અહંકાર કરે છે. આ બંને જે કરે છે એ ઇગોઇઝમ છે અને ઇગોઇઝમ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ નથી. છતાં, પેલા માર્ગે, ક્રમિક માર્ગે અહંકારથી અહંકાર ધોવાનો છે. સાબુ પોતાનો મેલ રાખે ને કપડું ધોવાય, પણ સાબુનો મેલ કાઢવા ટિનોપોલ નાખવો પડે; ત્યારે ટિનોપોલ પોતાનો મેલ રાખે ને સાબુનો મેલ કાઢે, એમ ઠેઠ સુધી ચાલે. ગુરુ પોતાનો મેલ શિષ્ય પર રાખતો જાય, એ તો ગુરુનો મેલ પોતાને ચઢ્યો હોય તેથી મેલથી મેલ કાઢવો જ પડે ને ! કારણ કે ગુરુ એય મેલા જ ને ! જ્યારે ‘જ્ઞાની પુરુષ’ એ સંપૂર્ણ શુદ્ધ હોય, એટલે કોઇ મેલ ચઢે નહીં. ક્રમિક માર્ગમાં ગુરુ હોય તો શિષ્ય પર મેલ ચઢાવતા જાય અને અહીં ‘અક્રમ માર્ગ’માં સીધું શુદ્ધ જ પ્રાપ્ત થઇ જાય છે. જેનો સંગ કર્યો તે તેનો મેલ તો ચઢાવે જ. પણ ‘જ્ઞાની પુરુષ’ એકલા જ સંપૂર્ણ શુદ્ધ હોય એટલે મેલ ના ચઢે.

સાચો ત્યાગી

સંસારીઓનાં દુઃખો પોતાને હો અને પોતાનાં સુખો સંસારીઓને હો- એવી ભાવના રહેતી હોય તે ત્યાગી કહેવાય. જો પોતે જ અશાતામાં રહેતો હોય તો તે બીજાને સુખ શી રીતે આપે ? આ ધર્મમાર્ગ હોય તોય શાંતિ રહે.

જગત ભોગવવા માટે છે તે ભોગવો, પણ કોઇને દુઃખ ના દેશો અને જેને ત્યાગી થવું હોય તો થાવ પણ કોઇને દુઃખી ના કરીશ. બૈરી પાસેથી સાઇન કરાવી લે કે, ‘મારી સંપૂર્ણ રાજીખુશીથી ભાઇ જાય છે,’ પણ આ તો મારી ઠોકીને સાઇન કરાવી લે. બધાંને રાજી કરીને જ ત્યાગ લેવાય.

ભગવાને શું કહ્યું કે ખરો ત્યાગી પુરુષ કેવો હોય ? કે જેનું મોઢું જોતાં જ આનંદ થાય આપણને, તેમને પગે લાગવાનું મન થયા કરે,

(પા.૨૬૧)

એમને જોતાંની સાથે જ ઇન્કમટેક્ષની ચિંતા હોય તોય ભૂલી જઇ આનંદ આવે, દિલ ઠરી જાય.

આત્મા એક ક્ષણવાર અનાત્મા થયો નથી, એને એક ક્ષણવાર પણ અનાત્માની ઇચ્છા થઇ નથી. આત્માને ત્યાગ નથી, જપ નથી, તપ નથી. ત્યાગીને આત્માના ત્યાગની ભ્રાંતિ છે અને સંસારીને આત્માના સંસારની ભ્રાંતિ છે.

જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને તપ

મોક્ષના માર્ગમાં કંઇ ખર્ચવાની જરૂર નથી, તપ, ત્યાગ કશું કરવાનું હોય નહીં; માત્ર જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ તપ અને એ જ ધર્મ. ‘જ્ઞાની’ મળ્યા પછી નવું તપ ઊભું થાય- આંતરિક તપ. આંતરિક તપથી મોક્ષ થાય અને બાહ્ય તપથી સંસાર મળે! કોઇ ગાળ આપે તો મહીં તરત જ રોકડું પ્રતિક્રમણ કરો, એ આંતરિક તપ કહેવાય.

જન્મ્યો ત્યારથી મન-વચન-કાયા લાવ્યો છે. મુખ્ય મોહ અને મુખ્ય પરિગ્રહ આ છે. આ ત્રણથી જ બીજાં અનેક મોહ ને પરિગ્રહો ઉત્પન્ન થાય છે. માટે બધાંને ત્યાગી ના શકાય. જગત ક્રમવાર છે, કોઇ દહાડો ક્રમ તૂટતો નથી. કોઇ માણસને ક્રમમાં ત્યાગ મળ્યો તો એ ત્યાગ કરે અને આગળ ઉપર એ જ વટાવીને સંસાર મળે. પરિગ્રહ તો અનેક છે. તું લાખ પરિગ્રહ લઇને આવે, અમે તોય તને આમ હાથ માથે મૂકીને અપરિગ્રહી બનાવી દઇએ ! અપરિગ્રહી એ તો સમજણ ભેદથી છે. આ અક્રમ માર્ગ છે ને પેલો ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં લાખ બધું છોડીને જંગલમાં જાય પણ મન-વચન-કાયા જોડે છે, તે પરિગ્રહ જોડે જ હોય, તેથી નવો સંસાર ઊભો કરી દે; જ્યારે અક્રમ માર્ગમાં પરિગ્રહોમાં અપરિગ્રહી રહીને મોક્ષ છે. ભરત રાજાને કેવું હતું ? મહેલો, રાજપાટ ને તેરસો તેરસો તો રાણી હતી, છતાંય ઋષભદેવ ભગવાને તેમને ‘અક્રમ’ જ્ઞાન આપ્યું, તેનાથી આ બધા જ વૈભવ સાથે રહેવા છતાં તેઓ મોક્ષે ગયા !

(પા.૨૬૨)

કેટલાક લૂગડાંને પરિગ્રહ માને છે અને શિષ્યો ૧૦૮ કરે છે ! આ લૂગડાં તે કંઇ કૈડે છે ? ખરો તો આ જ જીવતો પરિગ્રહ છે.

અમારે કેવું હોય ? કે આ મકાન બળતું હોય તોય તેનો પરિગ્રહ ના હોય ! સહજ હોય. આ અમારી સામે ખાવાની થાળી મૂકી હોય અને કોઇ ઉપાડીને લઇ જાય તો અમે તેને વિનંતિ કરીએ કે, ‘ભાઇ, સવારનો ભૂખ્યો છું’. જો ભૂખ્યા હોય તો વિનંતિ કરીને માગીએ, ને છતાંય ઉપાડીને લઇ જ જાય તો અમને વાંધો નથી. માગવું એને પરિગ્રહ ના ગણાય. ભલે ‘જ્ઞાની’ હોઇએ, પણ માગવું પડે. અમને જમવાની થાળીની મૂર્ચ્છા ના હોય. આ બધા જ પરિગ્રહો છે, એમાં અપરિગ્રહી થાય તો અંત આવે, ‘સત્સુખ’ને પામે. પણ આજે આ લોકો આડી ગલીમાં પેસી ગયા છે, પણ એમાં એમનો દોષ નથી, આ તો કાળચક્રને આધીન છે. અમને કોઇ દોષિત દેખાતા નથી. મહીં જે છે એ સંપૂર્ણ દરઅસલ વીતરાગ છે ! આ તો અજાયબી ઊભી થઇ ગઇ છે ! આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે ‘વિક્રમ’ ટોચ પર છે !!!

આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઇ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઇ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઇ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને ‘જ્ઞાન-તપ’ કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ?

ભગવાને તો કહ્યું કે જ્ઞાન નહીં હોય પણ ભાન હશે તોય ચાલશે. ભગવાને ભાન નહીં હોય તો ચાલશે એમ નથી કહ્યું. ભાન થયા પછી જ જ્ઞાન-તપ ચાલુ થાય. ભગવાને પ્રયત્નદશામાં એબ્નોર્મલ થવાનું ના કહ્યું અને અપ્રયત્ન દશામાંય એબ્નોર્મલ થવાનું ના કહ્યું છે. ભગવાન કહે છે કે નોર્માલિટીમાં બધેથી જ આવો! ભગવાને એબ્નોર્મલમાં તું જે કંઇ કરે તેને વિષય કહ્યો છે.

આ તપ-ત્યાગ જે કરો છો તે તમને સમષ્ટિ કરાવડાવે છે અને તેને તમે માનો છો કે, ‘હું તપ કરું છું.’ આ રીલેટિવ વસ્તુ છે, રીલેટિવમાં

(પા.૨૬૩)

કોઇ કંઇ કરી શકે જ નહીં. અમે તો છેવટનું કહી દીધું છે કે, ‘તું તપ કરે કે જપ કરે, ત્યાગ કરે કે વેશ બદલે, જે કરે તે બધું જ તારું ભમરડા સ્વરૂપ છે ! જ્યાં સુધી શુદ્ધાત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બધું જ પ્રકૃતિ કરાવે છે, તેથી તું ભમરડો જ છું.’

(પા.૨૬૪)

ત્યાગ

ત્યાગ બે પ્રકારના, (૧) અહંકારે કરીને ત્યાગ (૨) સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ.

ખરી રીતે ત્યાગ શબ્દમાં જ અહંકાર સમાયેલો છે. અહંકાર સિવાય ત્યાગ થઇ જ ના શકે અને તેથી તે લક્ષમાં રહ્યા કરે કે મેં ત્યાગ્યું; જ્યારે વર્તેલો ત્યાગ તે લક્ષમાં જ ના રહે. ત્યાગ કરવાની વસ્તુઓ યાદ ના આવે એટલે ત્યાગને જીત્યો કહેવાય અને અત્યાગ કરવાની વસ્તુઓ પણ યાદ ના આવે એટલે અત્યાગ જીત્યો કહેવાય. ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? જેને ત્યાગ કરવાનો વિચારેય નથી આવતો તેને અને અત્યાગ વર્ત્યો કોને કહેવાય ? કે પરિગ્રહ જેની સ્મૃતિમાં-સ્મરણમાંય ના હોય! મોક્ષ માર્ગમાં ત્યાગનીય શરત નથી અને અત્યાગનીય કન્ડિશન નથી!

આ જગતમાં બે જ વસ્તુઓનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે, (૧) અહંકાર અને (૨) મમતા, અર્થાત્ હું અને મારું - આ બે ત્યાગ્યા પછી સંસારમાં તારે ત્યાગ કરવાનું રહ્યું જ નહીં ને !

ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદય કર્મ કરાવે, તે ત્યાગ વીતરાગતાનો નહીં. ઉદયકર્મ ઉપવાસ કરાવે, સામાયિક કરાવે, તો કહે કે, મેં કર્યું. પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદયકર્મ આધીન છે. પ્રકૃતિ જે ત્યાગ કરાવે, તેનાથી આત્મા ઉપર શો ઉપકાર ? તેને વીતરાગતાથી ત્યાગ્યું ના કહેવાય. વીતરાગતાનો ત્યાગ તે અંતર-ત્યાગ છે, એમાં કેફ ના હોય; જ્યારે ઉદયકર્મને આધીન ત્યાગ થાય ને કહે કે, ‘મેં ત્યાગ્યું.’ તે તો નર્યો અહંકાર જ કહેવાય. આવા ત્યાગથી તો નર્યો કેફ ચઢે. ત્યાગનો જે કેફ ચઢે તે તો ભારે સૂક્ષ્મ કેફ. એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઊતરે, તો પછી મોક્ષ તો ક્યારે થાય? નિષ્કેફીનો

(પા.૨૬૫)

મોક્ષ થાય, કેફીનો નહીં. એના કરતાં દારૂડિયાનો સ્થૂળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઊતરી જાય. લોકો ત્યાગ-વૈરાગ્ય કરીનેય રઝળપાટ કરે છે, મોક્ષ તેમ મળવો સહેલો નથી.

ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય. આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે, તેને ત્યાગ કહેવાય જ કેમ ? ત્યાગ તો શૂરાતનીનું કામ છે. ત્યાગ તો સહેજે વર્તે, કરવો ના પડે. ત્યાગા-ત્યાગની મૂર્ચ્છા સંપૂર્ણ ઊડી જાય તે જ ખરો ત્યાગ. તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહી તે ત્યાગ. ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરો, પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે, છતાં અસલ ત્યાગ નથી.

એક સાધુ રોજ ગાતા : ‘ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના.’ તે મેં તેમને પૂછયું કે, ‘મહારાજ, પણ વૈરાગ્ય શેના વિના ના ટકે ?’ ત્યારે મહારાજ કહે,‘એ તો ખબર નથી.’ ત્યારે મેં તેમને કહ્યું, ‘વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના.’ આ તો ક્રમિક માર્ગની વાત થઇ. ક્રમિક માર્ગ તો બહુ કઠણ, અનંત અવતારથી ‘ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી ઓલામાં પડ્યા જ કરવાનું.’ ત્યાગ માત્રથી જ આત્મા ના મળે. ત્યાગ એ તો કષ્ટસાધ્ય છે. જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટસાધ્ય હોય. ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કહ્યો છે.

ક્રમિક માર્ગમાંય જો ત્યાગ કરો તો તે ક્રોધ, માન, માયા, લોભ નિવૃત કરવા માટે હોય તો જ કરજો. જે ત્યાગથી ક્રોધ, માન, માયા, લોભ વધે તે ત્યાગ ન હોઇ શકે.

ભગવાને શું કહ્યું છે કે, ‘શુદ્ધ ઉપયોગમાં જ રહો.’ છતાં સંસારનો લોભ હોય, ભૌતિક સુખો જોઇતાં હોય તો લોકોને ના ગમે તે ના કરીશ અને લોકોને સુખ ઊપજે તેવું કરજે, તેવું ગ્રહણ કરજે અને લોકોને દુઃખ થાય તેવું કરવાનો ત્યાગ કરજે; પણ મોક્ષ જોઇતો હોય તો શુદ્ધ ઉપયોગમાં જ રહેજે.

આપણે જરૂરિયાત પૂરતું જ રાખીએ તેને ત્યાગ કહેવાય. ચાર

(પા.૨૬૬)

ખમીસની જરૂર હોય અને બાર રાખે નહીં તેને ત્યાગ કહેવાય. નભાવી લે તેનું નામ ત્યાગી કહેવાય. ત્યાગ તો કોણ કરી શકે ? જેને માથે ‘જ્ઞાની પુરુષ’ હોય તે જ ત્યાગ કરી શકે, એ સિવાય જે કંઇ ત્યાગ કરવા જાય તેનો તેને તો કેફ ચઢતો જાય.

ત્યાગીલિંગ અને ગૃહસ્થલિંગ એમ બે લિંગો કહ્યા, જ્યારે ત્યાગી લિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થલિંગમાં (જ્ઞાન) પ્રકાશ થઇ જાય અને ગૃહસ્થલિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગીલિંગમાં પ્રકાશ વધી જાય. ભગવાને શું કહ્યું છે કે, ‘ગમે તે દશામાં વીતરાગ થઇ શકે છે, ગમે તે લિંગમાં વીતરાગ થઇ શકે છે. અરે ! સ્ત્રી પણ સંપૂર્ણ વીતરાગ થઇ શકે છે, ફક્ત મનુષ્યપણું હોવું જોઇએ, એમાં કોઇ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો.’

મોક્ષને માટે ત્યાગ કરવાની જરૂર નથી, ત્યાગ તો વર્તવો જોઇએ. પછી બીજા ત્યાગની જરૂર નથી, બીજો ત્યાગ તો ભ્રાંતિ ભાષાનો ત્યાગ છે. ભગવાનનો શુદ્ધ ભાષાનો ત્યાગ હતો. આ ભ્રાંતિ ભાષાનો ત્યાગ શું? બીડી પીવાવાળો સમજે કે મેં બીડીનો ત્યાગ કર્યો અને બાધા આપનાર સમજે કે મેં એને ત્યાગ કરાવડાવ્યો. આ ભ્રાંતિનો ત્યાગ તો નાનું છોકરુંય સમજે કે આજથી કાકાએ બીડી છોડી દીધી છે.

આ તે કેવો ત્યાગ ?

એક સ્થાનકવાસી શેઠ હતા. તે મને કહે કે, ‘તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક, કલાક આવવું, આપણે સાથે બેસીશું.’ શેઠ સારા માણસ હતા, તે અમે પા કલાક, અડધો કલાક, તેમની સાથે બેસતા. એક દહાડો શેઠે આવડી મોટી (બાર ઈંચની) બીડી જાતે બનાવી. રોજની તો બીડી આવડી નાની હોય, પણ એક દહાડો આવડો મોટો બીડો બનાવી પીવા લાગ્યા ! ત્યારે મેં શેઠને કહ્યું, ‘કેમ આવડો મોટો બીડો પીઓ છો ?’ ત્યારે શેઠ કહે, ‘મહારાજે મને એમ કહ્યું છે કે ચાર જ બીડી રોજની પીવી.’ મેં કહ્યું કે, ‘મહારાજ મારાથી નહીં રહેવાય.’ ત્યારે મહારાજે મને કહ્યું કે, ‘ના, તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે.’

(પા.૨૬૭)

‘હં... તેથી આ તમે આજ્ઞા પાળો છો ? (!)’ તે જોઇને મને આશ્ચર્ય થયું કે ધન્ય છે આ કાળને (!) થોડી વાર થઇ એટલે બીડી પીતા હતા તે અડધી થઇ ગઇ. તે શેઠે પછી શું કર્યું ? કે બે પાંદડાં લઇને નીચેથી ચઢાવવા માંડ્યા ! મેં કહ્યું, ‘શેઠ, આ શું કરો છો ?’ ત્યારે શેઠ કહે, ‘ચારે પૂરું ના થાય એટલે.’

ધન્યભાગ છે આ ! આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ! ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળજ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ! ધન્ય છે, ધન્ય છે ! આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું. ધન્યભાગ છે તમારી વૈશ્યબુદ્ધિને ! નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા, નહીં તો નહીં બોલવાનું. મહારાજને ચોખ્ખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પળાય અને બોલ્યા એટલે ક્ષત્રિય. પછી જોને આવડા મોટા ટેટા કરેલા ! અને ઉપરથી પહેલાં મોટો બીડો જોઇને તો લાગ્યું કે વાણિયા તો આવા જ હોય, પણ જ્યારે નીચેથી બે પાંદડાં ઘાલવા માંડ્યાં ત્યારે મને આશ્ચર્ય થયું કે આવું જ્ઞાન તો ભગવાન મહાવીરનેય કેવળજ્ઞાનમાં ના આવ્યું, એવું જ્ઞાન તમને છે!!! તમે તો કઇ જાતના છો ? હવે આશ્ચર્ય ના થાય મને ? પાછો મને નાસ્તો કરાવડાવે ! આવું લોક છે !

બહુ જાતના લોક મેં જોયા, પણ ભગવાનના કેવળજ્ઞાનમાં ના આવ્યું હોય એવું તો મેં આ શેઠને ત્યાં જ જોયું ! કહેવું પડે શેઠ !! એ શેઠ હજી યાદ આવે છે !!! પાછા શેઠ મને શું કહે છે કે, ‘તમારી સમતાધારી વાત સાંભળીએ છીએ એટલે અમને એમ જ થાય છે કે અંબાલાલભાઇની પાસે જ બેસી રહેવું.’ ધન્ય છે એ શેઠને ધન્ય છે એ મહારાજનેય ! પછી શેઠ મને કહે કે, ‘મહારાજ મારી પાછળ આદુ ખાઇને પડ્યા છે.’ મહારાજને એમ કે આ તો એમને કંઇક સંયમ પમાડું એવું રહે. સંયમનો અર્થ સમજ્યા નથી.

ત્યાગ તો કોનું નામ કે જે વર્તે એ, યાદ જ ના આવે એને ત્યાગ કહેવાય. ભગવાને ત્યાગ કોને કહ્યો ? કે મનમાં જે જે વિચારો ઉત્પન્ન થાય, વાણીના જે જે પરમાણુ ઊડે તેમાં પોતે તન્મયાકાર ના થાય તેને

(પા.૨૬૮)

શુદ્ધ ત્યાગ કહ્યો. મનમાં જે જે વિચારો આવે, પછી ગમે તેવા સારા હોય, ગમતા હોય કે ના ગમતા હોય, પણ તેમાં છૂટો રહે અને તન્મયાકાર ના થાય તેને ભગવાને ત્યાગ કહ્યો. પછી, વાણીના જે જે પરમાણુ ઊડે તે દરેકમાં પોતે તન્મયાકાર ના થાય તેને સર્વસ્વ ત્યાગ ભગવાને કહ્યો, એ જ મોક્ષ આપે એવો છે. ભ્રાંત ભાષામાં બાહ્ય ત્યાગ માટે પણ ત્યાગનો અર્થ જુદો જ છે, પણ રીયલ ભાષામાં એને ત્યાગ નથી કહ્યો. ‘અહીં’નો એક આનો પણ ‘ત્યાં’ કામ નહીં આવે. આ તન્મયાકાર ના થવું એ ક્યારે બને ? કે જ્યારે પોતે શુદ્ધ થાય તો, પોતે જે અશુદ્ધ છે તેમાંથી ‘જ્ઞાની પુરુષ’ શુદ્ધપદ આપે ત્યારે ભગવાનની ભાષાનો ત્યાગ વર્તે. ‘જ્ઞાની પુરુષ’ શુદ્ધપદમાં બેસાડે તે પછી મોક્ષ થઇ જાય. આ તો કેટલું સરળ છે ! નહીં તો અનંત અવતારેય ઠેકાણું ના પડે એવું છે !

બાહ્ય ત્યાગનો અર્થેય જો સમજે તોય એ કેટલું સાર્થક થાય ! એક બાજુ બૈરી-છોકરાંને તરછોડ મારે ને બીજી બાજુ મોક્ષ ખોળે તેનો વાંધો છે. આ તો કહેશે કે, ‘મારે ઉદયકર્મ છે.’ અલ્યા, તરછોડ મારી એને ઉદયકર્મ ના કહેવાય. આજુબાજુના, ઘેર બૈરી-છોકરાં, મા-બાપ બધાંને રાજીખુશી રાખીને જાય એને ખરો ઉદયકર્મ કહેવાય. પેલોય ઉદયકર્મ ખરો, પણ એ રાજીખુશીથી નથી માટે ખરો ઉદયકર્મ ના કહેવાય. ભગવાન મહાવીરનેય ભાઇએ રજા આપી ત્યારે જ તેમણે દીક્ષા લીધી. ઘરનાં બધાંને - પત્નીને, નાની બેબીને, કોઇ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય.

(પા.૨૬૯)

ભાવહિંસા

જગત ગપ્પું નથી, પણ લોક અવળું માની બેઠા છે. ઘણાં ખરા લોકો કહે છે કે ભગવાન ઉપર છે, પણ તે સાચું નથી, લોકોની અવળી સમજ છે. તેથી જ અમારે ખુલ્લું કહેવું પડે છે કે આ વર્લ્ડમાં કોઇ એવું પરમાણુ બાકી નથી જ્યાં હું ફર્યો ન હોઉં. બ્રહ્માંડની અંદર રહીને અને બ્રહ્માંડની બહાર રહીને હું ‘જેમ છે તેમ’ જોઇને કહું છું અને ગેરેન્ટી આપું છું કે ઉપર કોઇ બાપોય નથી. આ તો ઉપરવાળો, ઉપરવાળો કરીને વગર કામનો ડખો કર્યો, તે તમારો કાગળ ભગવાનને નહીં પહોંચે અને કાગળના પૈસા નકામા જાય અને ભાવના યે નકામી જાય. જ્યાં છે ત્યાં વાત કરોને કે જ્યાં બાપો મહીં બેઠો છે, તો કો’ક દહાડો તારી અરજી પહોંચશે. અગર તો મૂર્તિમાં પૂજ, કારણ કે એ પ્રત્યક્ષ આંખે દેખાય છે, પછી ભલેને એ પથ્થરની છે, પણ લોકોએ માન્ય કરી છે. ભલે તને માન્ય ના હોય, પણ લોકોને માન્ય છે, લોકોનો આરોપિત ભાવ છે, ત્યાં આગળ ચૈતન્યવાળાનો આરોપિત ભાવ છે. પેલી માન્યતા યે રોંગ માન્યતા છે કે ઉપર ભગવાન છે, એ રોંગ એડ્રેસ છે. એડ્રેસ વગરનો કાગળ નાખીએ તો કોને પહોંચે ? મહીંવાળાને દેખને ! ભગવાન મહીં જ બેઠો છે, બીજે ક્યાંય નથી. એ ભગવાનનું સાચું એડ્રેસ તને આપું - ગોડ ઇઝ ઇન એવરી ક્રીએચર, વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ.

એવરી ક્રીએચરની અંદર ભગવાન જોને તો તને ક્રીએચર મારવાનો ભાવ પણ ઉત્પન્ન નહીં થાય, અને તો તું ભાવહિંસાથી બચીશ. નિરંતર ભાવહિંસા જ કરી રહ્યો છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે શું? કે ભાવહિંસા; તેમાં જ અહિંસક થવાનું કહ્યું છે ભગવાને. ત્યારે આ લોકો તો ઠેઠ ગાયોને-બાયોને, હાથી બચાવવાને નીકળી પડ્યા ! હાથીને બચાવનારો તું કોણ પાક્યો છે ? ત્યારે આનો જન્મદાતા કોણ હશે ? મોટો

(પા.૨૭૦)

બચાવવાવાળો આવ્યો છે ! કોઇએ મોઢે એમ ના કહેવું જોઇએ કે ‘આ માકણોને હું મારવાનો છું.’ ‘માકણને હું મારીશ’ એવો ભાવ કાઢી નાખજે, નહીં તો તારા આત્માની જ હિંસા તું કરી રહ્યો છું. માકણ તો મરવાનો હશે ત્યારે મરશે, અને મારવાનો અધિકાર કોને છે ? કે જે એક માકણ બનાવી શકે તેને. ભગવાને શું કહેલું, ‘જેટલું તું કન્સ્ટ્રક્ટ કરે તેટલું તું ડિસ્ટ્રક્ટ કરી શકે. કન્સટ્રકશન તારું જેટલું હોય તેટલાના ડિસ્ટ્રક્ષનમાં અમે હાથ ઘાલતા નથી, એથી તું માકણને ડિસ્ટ્રક્ટ ના કરીશ.’ આવી તો સાદી ભાષા સમજાય એવી છે ને ? એક માકણ બનાવવો હોય તો તે બની શકે તેવી વસ્તુ નથી. એમાં આ ડફોળો ફાવે તેમ કરે છે, કેટલાંય જીવડાં મારી નાખે છે ! નરી જીવાત મારી નાખે છે.

જેવો ભાવ-તેવું નિમિત્ત બનાય

આ ભવમાં તો ભાવ કરવા સિવાય બીજું કશું નવું બનતું નથી. પણ ભવોભવ ભાવ કરવાથી હવે જે જીવાત મરવાની હોય છે ને, તે આને ભાગે આવે છે ! બીજું કશું બનતું નથી. જીવાતનો મરવાનો ટાઇમિંગ થાય, ત્યારે ભાગે કોને આવે ? જેણે મારવાનો ભાવ કર્યો હોય તેને ભાગે આવે. કોઇને મારવાની સત્તા છે જ નહીં, પણ દરેક જીવોને મરવાનો તો ટાઇમ હોય ને ? કેટલાક માકણ સત્તર દહાડા જીવે છે, કેટલાક ત્રણ મહિના માટે જીવે છે ને કેટલાક પાંચ વર્ષ માટેય જીવે છે. એ બધાંના મરણનો ટાઇમિંગ ખરો ને ? તે એ મરવાનો થાય એટલે ચંદુલાલને ભાગે આવીને ઊભો રહે, કારણ કે ચંદુલાલે નક્કી કરેલું, દુકાન માંડેલી કે ‘આપણે મારવા જ સારું છે’ અને જૈનોએ ‘નહીં મારવા’ એવું નક્કી કર્યું તો એને ભાગે ના આવે - એટલું જ છે. એનો અહંકાર કરવા જેવો નથી. એ તો ભાવ જ કરેલો ‘નહીં મારવાનો’ તે જ અત્યારે કામ કરે છે.

જીવડાં કોઇ બચાવતું જ નથી, તેમ જીવડાંને કોઇ મારતું જ નથી. એ તો જીવડાંને મારવાનો ભાવ છે તે યોગ જ એને ભેગો થઇ જાય, કારણ કે ટાઇમિંગ હોય છે. દરેક જીવમાત્રનું ટાઇમિંગ આવ્યું હોય છે, એના મરણકાળ પહેલાં કોઇ જીવ મરી શકે એમ છે જ નહીં. જીવના મરણકાળ પહેલાં જો કોઇ તેમને મારી શકતું હોય તો તેને મારે છે એમ કહી શકાય.

(પા.૨૭૧)

પણ ના, મરણકાળ પહેલાં કોઇ મારી શકે જ નહીં. એ તો એનો કાળ પાકે ત્યારે ચંદુલાલને ભાગે આવે. અક્કરમીને ‘અક્કરમી ભાવવાળું’ ભાગે આવે અને સત્કર્મીને ‘સત્કર્મી ભાવવાળું’ ભાગે આવે.

પ્રશ્નકર્તા : ચંદુલાલ નિમિત્ત બન્યાને પણ ?

દાદાશ્રી : હા, ચંદુલાલ નિમિત્ત બને, ફક્ત નિમિત્ત બને. મારવાના ભાવ કર્યા હતા એટલે પેલો નિમિત્ત બને. બાકી જીવડાના જન્મ પહેલાં મરણ ક્યારે થશે તેનો હિસાબ છે-તમામ જીવમાત્રનો. આ તો ખોટો અહંકાર કરે છે.

ભગવાન શું કહે છે કે, ‘કોઇ માણસ કોઇ જીવને મારી શકતો જ નથી, ભાવ-મરણ કરે છે એટલું જ છે.’ જેટલાં જીવડાં હોય એટલાં જીવડાં મારવાં છે એમ નક્કી કરે એ ભાવ-મરણ છે. ખેતરમાં ચાર સાપ છે એ મારવા છે; મારવાના થાય કે ના યે થાય, એનું કંઇ ઠેકાણું નહીં. એ ઘાટમાં આવે કે ના યે આવે, પણ પોતે ભાવ કર્યા ત્યાંથી પોતાના આત્માનું જ મરણ થઇ રહ્યું છે, પછી પેલા તો મરવાના હશે ત્યારે મરશે, એનો ટાઇમિંગ હશે તો મરશે. માટે જ અમે એક જ વાક્ય કહીએ છીએ કે જીવ બધા જન્મતાં પહેલાં ક્યારે મરવાના છે એ નક્કી છે. હવે આટલી વાત જો સમજે તો તો કામ જ નીકળી જાય ને ! જન્મતાં પહેલાં જ જેનું મરણ નક્કી થઇ ગયેલું છે એને આપણે કોણ મારનારા ? એ તો જેણે જેણે મારવાના ભાવ કરેલા હોય, ‘સાપ મારવા જ જોઇએ’ એવા ભાવ નક્કી કરેલા હોય, તે ગામમાં સાપ નીકળે તો એવા બે કે ત્રણ જણ સાપ મારનારા ગામમાં જન્મેલા હોય જ. એટલે તમારે તો બૂમ જ પાડવાની છે કે, ‘મારે ઘેર સાપ નીકળ્યો છે’; એટલે પેલા દોડતા આવે, કારણ કે દુકાન માંડેલી જ હોય !

અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તોય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઇફેક્ટિવ નથી, જેટલી ઇફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક એક શબ્દમાં ‘કોઇને દુઃખ ન થાવ, કોઇ જીવમાત્રને દુઃખ ન થાવ’ એવો

(પા.૨૭૨)

નિરંતર અમને ભાવ રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન-વચન-કાયા થકી કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતાં, ફૂલાં કામ નથી કરતાં, પણ ભાવ કામ કરે છે. માટે આપણે બધાએ ભાવ કેવા રાખવા જોઇએ કે, સવારના પહોરમાં નક્કી કરવું કે, ‘જીવમાત્રને આ મન-વચન-કાયાથી કિંચિત્ માત્ર દુઃખ ન હો’ - એવું પાંચ વખત બોલીને, જો સાચા ભાવથી બોલીને નીકળ્યા અને પછી જો તમારાથી ગુનો થઇ ગયો તો યુ આર નોટ એટ ઓલ રીસ્પોન્સિબલ, એવું ભગવાને કહ્યું છે. કેમ એવું કહ્યું ? તો કે, ‘સાહેબ, મારી તો આવી ભાવના નહોતી.’ તો ભગવાન કહે કે, ‘યસ, યુ આર રાઇટ !’ આવું જગત છે! ને તમે છે તે કશુંય, એક જીવડુંય માર્યું ના હોય અને તમે એમ કહો કે ‘જેટલાં જીવડાં આવે એટલાં મારવાં જ જોઇએ’ તે આખા દહાડાના જીવહિંસાના એ ભાગી થયા કરે. એટલે આવું છે જગત !

દયા, આત્મભાવની રાખો

જગત તો સમજવા જેવું છે. ભગવાન કહે છે કે ‘જીવડાં મારવાં, ના મારવાં એ તારા હાથમાં સત્તા નથી, ‘ઝાડે’ ફરવાનીય તારી પોતાની સ્વતંત્ર સત્તા નથી,’ એ તો અટકે ત્યારે ખબર પડે કે એ સત્તા મારી ન હોય. એક વાર તું તારી સત્તા જાણી લે. ભગવાન કહે છે કે, ‘એક જીવ મારવો એટલે કેટલાં બધાં કારણો ભેગાં થાય ત્યારે એ કાર્ય થાય છે.’ મારનાર એકલો ભાવ જ નક્કી કરે કે, ‘મારે મારવું છે.’ તે એકલા તારા બાપની કાંઇ આ દુનિયા નથી. તારા બાપની દુનિયા હોય તો ક્યારનોય ખાલી ના કરાવડાવત? આ તો ક્યારે ‘ટપ’ થઇ જશે એનું શું ઠેકાણું? અમથો આ અહંકાર ગવાય છે એટલું જ, અમથો અહંકાર ઉઘાડો પડી જાય છે એટલું જ. ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ‘તમારે ભાવદયા રાખવાની છે.’ ભાવદયા એટલે પેલા જીવડાને બચાવવાની નહીં, એ જીવને મારવાનો જે ભાવ આવે છે ને એ તમારા આત્મભાવનું મરણ થાય છે. આપણા આત્મભાવનું મરણ થયું માટે કહે છે કે તું તારા ભાવમરણ માટે દયા રાખજે, એને ભાવદયા કહી. તું તારી ભાવદયા સાચવ, એનું

(પા.૨૭૩)

તો એ લઇને આવેલો છે. જીવમાત્ર બધું પોતપોતાનું લઇને જ આવેલો છે, સ્વતંત્ર છે. નહીં તો અમેરિકાવાળા આટલાં વર્ષ ઠંડુ યુદ્ધ રહેવા દે કે ? એ કહેશે, એક કલાકમાં જ અમે આખું રશિયા ખાલી કરી નાખીએ એવું છે !

બચાવે છે એય અહંકાર

આમાં પોતાની કંઇ જ સત્તા નથી, માટે તું તારી મેળે ચેતજે કે તારું આત્મભાવનું મરણ ના થાય. તું બીજાને મારવાની ભાવના કરીશ એટલે તારા આત્મભાવનું મરણ થશે અને તેથી જ ભાવદયા રાખજે. સામાની દયા ખાવાની નથી કહી, ત્યારે આ તો સામાની દયા ખાવામાં પડ્યા ! મેર ગાંડિયા, તારું ઠેકાણું નહીં, તો તું સામાની શી રીતે દયા ખાઇશ ? તેમાં તો પાછા અહંકારી થઈ ગયા હોય છે ! ‘મને બહુ દયા આવે છે, મને બહુ દયા આવે છે !’ મેર અક્કરમી, તું તારી જ દયા ખાને! કઇ જાતનું જીવડું છે તે ? !

ભગવાન પાસે એક કસાઇ ગયો અને અહીંના એક સંઘપતિ ગયા. કસાઇ પાસેથી ગાયો છોડાવી લાવનારા તે કહે, ‘સાહેબ, દસ ગાયો મેં છોડાવડાવી.’ ત્યારે ભગવાન કહે છે, ‘તમારી વાત સાચી કે તમે દસ ગાયો છોડાવડાવી.’ ત્યારે પેલો કસાઇ કહે છે, ‘સાહેબ, મેં દસ ગાયો મારી. હવે અમારા બેમાંથી મોક્ષ કોનો પહેલો થશે ?’ ત્યારે ભગવાને કહ્યું, મોક્ષની વાત કોઇએ કરવી નહીં. તમે બેઉ અહંકારી છો, મોક્ષને માટે તમે લાયક નથી. આ મારવાનો અહંકાર કરે છે ને તમે બચાવવાનો અહંકાર કરો છો. તારા બાપા ઘૈડા થયા તેમને બચાવને ! આને શું કરવા બચાવે છે ? બાપો એંસી વરસનો ઘૈડો થયો તેને મરવા દે છે, તે બાપાને શું કરવા મરવા દે છે ? તું બચાવવાનો, કાયમ માટે બચાવવાનો, તો બાપને બચાવને ! આ તો દોઢડહાપણ છે, આને ઓવરવાઇઝ-મેડનેસ કહ્યું છે. આ જગતની જંજાળમાં હાથ ના ઘાલીશ, એમાં અમુક લિમિટ સુધી રહેજે. આ તો ઓવરવાઇઝ થયેલા છે, આ તો કીર્તિ પાછળ બધા પડ્યા છે. શું જોઇએ છે એમને ? કીર્તિ. અહીં વખતે મળશે, પણ ત્યાં એમનો બાપો રેવડી દાણાદાણ કરી નાખશે, ત્યાં દર અસલ ન્યાય થઇ રહ્યો છે, ત્યાં

(પા.૨૭૪)

કોઇનું ચાલે એવું નથી. ભગવાને શું કહ્યું કે ‘તેં દસ ગાયો બચાવી તેનો અહંકાર કરે છે અને પેલો દસ ગાયો માર્યાનો અહંકાર કરે છે, એટલે તમારે બંનેએ અહીં મોક્ષ માટે વાત સાંભળવા-કરવા આવવું નહીં. તને બચાવવાનું ફળ મળશે અને તને માર્યાનું ફળ મળશે. એ જીવો ને તેં બચાવ્યા છે તે તારી ઉપર ઉપકાર કરીને વાળી આપશે. આ જેણે જીવો માર્યા છે એ જ લોકો તને દુઃખ દેશે. આ બસ આટલો હિસાબ છે. અમે વચ્ચે હાથ ઘાલતા નથી અને મોક્ષને ને આને કંઇ જ લાગતું-વળગતું નથી.’

હવે તે જે કોલેજમાં બે છોકરાંને પાસ કર્યાં હોય એ છોકરાં મોટા થાય તો કહેશે કે, ‘આમણે મને પાસ કરેલો;’ તે તેનો લાભ તમને આપે. સ્વભાવિક રીતે તેવું આ જીવો બચાવો તે માટે છે. તમે જીવો બચાવો કે ના બચાવો તેની ભગવાને મોક્ષ માટે જરૂર નથી કહી. આ તો દોઢડાહ્યા થઇ ગયા છે, એટલે સુધી દોઢડાહ્યા કે ગાયો બચાવવા સારુ કસાઇને ત્યાંથી ચારસો-ચારસો રૂપિયા આપી ગાયો છોડાવી લાવે; અને પાછા કંઇ તેને અપાસરામાં કે મંદિરમાં ઓછા બાંધી રાખવાના છે ! પછી તો કોઇ બ્રાહ્મણને મફત આપી દે કે ‘ભઇ, લે, તું લઇ જા.’ પછી પેલો કસાઇ જોયા જ કરતો હોય કે આ કોને ત્યાં ગાયો બાંધે છે ! આ બ્રાહ્મણને ગાયો આપેને એટલે તે ત્યાંથી પાછો બ્રાહ્મણની પાસે જાય, અને કહે, ‘અલ્યા, કંઇ દેવું-બેવું થઇ ગયું છે કે ?’ તો પેલો કહેશે, ‘હા ભાઇ, સો-દોઢસોનું દેવું થઇ ગયું છે.’ ત્યારે પેલો કસાઇ કહેશે, ‘પચાસ આપું. ત્યારે બ્રાહ્મણ કહે, ‘દોઢસો આપો તો ગાય આપું તને.’ તે દોઢસો રૂપિયા આપીને કસાઇ ગાય પાછી લઇ આવે. આ ચારસોમાં આપી અને દોઢસોમાં છોડાવી લાવે પાછો, આ લોકોને મૂરખ બનાવી જાય ! આ કીર્તિ માટે પડ્યા છે, ઓવરવાઇઝ થયા કે !

અલ્યા, શી રીતે જન્મે છે ને શી રીતે મરે છે એમાં તું ના પડીશ, તું તારું ભાવમરણ બચાવ. સબ સબકી સમાલો. તું તારું ભાવમરણ ઉત્પન્ન ના થાય, ભાવહિંસા ના થાય એ જો. તમે કોઇની ઉપર ક્રોધ કરો તો પેલાને તો દુઃખ થતું થશે, પણ તમારી તો એક વાર હિંસા થઇ ગઇ, ભાવહિંસા !

(પા.૨૭૫)

માટે ભાવહિંસા બચાવો એમ ભગવાને કહ્યું. આટલે સુધી જ કહ્યું છે, આથી વધારે લાંબુ કહ્યું નથી. હું શું કહું છું, એ વ્યુ પોઇન્ટ સમજાય છે તમને ? આ બહાર કેટલો બધો કેસ બફાઇ ગયો છે ? ! હવે આ ક્યારે ઊજળું થાય ? ‘કભોટે’ પડી ગયેલાં વાસણને એને કઇ જાતનો અસિડ વાપરવો એ જ મને સમજાતું નથી. બહુ વરસો થયાં નથી, ૨૫૦૦ વર્ષ જ થયાં ભગવાન મહાવીરને ગયે. એમાં ૫૦૦ વર્ષ સુધી તો સારું રહેલું ને ૨૦૦૦ વર્ષમાં આટલો બધો કાટ ? ! કૃષ્ણ ભગવાનને ગયે ૫૧૦૦ વર્ષ થયાં તેમાં કેટલો બધો કાટ ચઢી ગયો ?! આ અમારે કઠણ શા માટે બોલવું પડે છે ? અમારે ‘જ્ઞાની પુરુષ’ને આવી કઠણ વાણી ના હોય; પણ અત્યંત કરુણા હોવાથી સામાના રોગ કાઢવા આવી કરુણાભરી વાણી નીકળે છે.

મરણકાળ જ મારે

તમને સમજાયું, હું શું કહેવા માગું છું તે ? આ સૂક્ષ્મ વાત છે, એવી બજારું વાત નથી. આમાં બધાં શાસ્ત્રોનો તોલ કરીને એક બાજુ બેસાડે એવી વાત છે. કારણ કે ટાઇમિંગ વગર કોઇ મારી શકે એમ છે નહીં, એટલે ભગવાન શું કહેવા માગે છે કે તમે આ ભાવબીજ પડવા ના દેશો. જો બીજ પડવા ના દીધું તો પછી તમે બંધ આંખોએ ચાલશો તોય તમારું કોઇ નામ દેનાર નથી અને ઉઘાડી આંખે ચાલશો ને અહીં પગ નીચે આવી ગયું હશે તો મરવા આવીનેય નહીં મરે, ચગદાયો હોય તમારાથી પણ તમારાથી મરે નહીં ને પેલાને ભાગે મરે. આટલું બધું ઝીણું સાયન્સ છે. આ બધું ટાઇમિંગ વગર કોઇ જ ના થાય એવું આ જગતમાં છે ! જ્યારે ત્યારે તો આ સાચી વાત સમજવી જ પડશે ને !

(પા.૨૭૬)

જ્ઞાનયોગ : અજ્ઞાનયોગ

પ્રશ્નકર્તા : યોગસાધના કરીએ તેનાથી વિકાસ થાય ને ?

દાદાશ્રી : પહેલાં આપણે નક્કી કરવું પડે કે યોગસાધના કરીને આપણે શું પ્રાપ્ત કરવું છે, શેની પ્રાપ્તિ માટે આપણે યોગસાધના કરીએ છીએ, પૈસા કમાવા માટે કે ભણવા માટે ?

પ્રશ્નકર્તા : બધી જાતના દૈહિક વિકાસ માટે.

દાદાશ્રી : આ બધી સાધના કરે છે એ તો મનની કે દેહની સાધના કરી રહ્યા છે ને ?

પ્રશ્નકર્તા : આચાર્ય જોડે રહીને કરીએ તો પણ ?

દાદાશ્રી : માર્ગદર્શન બે જાતનું છે - એક રીલેટિવ અને એક રીયલ. રીલેટિવ માટે તો બહાર ઘણાં માર્ગદર્શકો છે. માટે આપણે નક્કી કરવું જોઇએ કે કયું જોઇએ છે ? જો સર્વ દુઃખોથી મુક્ત થવું હોય તો આ રીયલ માર્ગદર્શન પ્રાપ્ત કરવું જોઇએ. માટે તમારે કયું જોઇએ છે? આ પૈસો-બૈસો તો બહાર રીલેટિવમાં મળી રહેશે, કારણ કે એ મહેનતથી ફળ તો મળશે ને ? પણ આ અહીં તો આત્માની યોગસાધના કરવામાં આવે છે, એટલે સર્વ પ્રકારે કામ પૂરું થાય !

પ્રશ્નકર્તા : ધ્યાન અને યોગ એમાં ફેર શો છે ?

દાદાશ્રી : ચાર પ્રકારના યોગ. એક દેહયોગ, દેહમાં પાછળ ચક્રો હોય છે ત્યાં આગળ એકાગ્રતા કરવી એને દેહયોગ કહે છે. એ યોગની કિંમત કેટલી ? ત્યારે કહે, વ્યગ્રતાનો રોગ છે એટલે એકાગ્રતાની દવા ચોપડે છે. એકાગ્રતાની જરૂર તો જેને વ્યગ્રતાનો રોગ છે તેને છે. જેને

(પા.૨૭૭)

જે જે રોગ હોય તેને તેવી દવાની જરૂર છે. એ તો માત્ર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, એનાથી તો માત્ર ટેમ્પરરી રીલીફ મળે છે. આ રીલીફને જો છેલ્લું સ્ટેશન માને તો એનો ક્યારે ઉકેલ આવે ? જો આ એકાગ્રતાની દવાથી ક્રોધ, માન, માયા, લોભ જતાં હોય તો એ કામનું. આ તો પચીસ વર્ષ સુધી એકાગ્રતા કરે, યોગસાધના કરે ને જો ક્રોધ, માન, માયા અને લોભ ના જાય તો શું કામનું ? જે દવાથી ક્રોધ, માન, માયા, અને લોભ જાય એ દવા સાચી. આ યોગસાધના તું કરે છે તે કોની કરે છે ? જાણેલાની કે અજાણ્યાની ? આત્માનો તો અજાણ્યો છે, તે તેની સાધના શી રીતે થાય? દેહને જ જાણે છે અને દેહની જ યોગસાધના તું કરે છે, તેનાથી તે આત્મા ઉપર શો ઉપકાર કર્યો ? અને તેથી તું મોક્ષને ક્યારે પામી શકીશ ?

બીજો યોગ તે વાણીનો યોગ, તે જપયોગ; એમાં આખો દહાડો જપ જપ્યા કરે. આ વકીલો વકીલાત કરે છે તેય વાણીનો યોગ કહેવાય!

ત્રીજો યોગ તે મનોયોગ, કોઇપણ પ્રકારનું માનસિક ધ્યાન કરે તે. પણ ધ્યેય નક્કી કર્યા વગર ધ્યાન કરે તેનાથી કશું વળતું નથી. ગાડીએ જઇએ ને સ્ટેશન માસ્તરને કહેવું પડે છે ને કે મને આ સ્ટેશનની ટિકિટ આપો, સ્ટેશનનું નામ તો કહેવું પડે ને ? આ તો ‘ધ્યાન કરો, ધ્યાન કરો,’ પણ શાનું એ તો કહે ! પણ આ બધું ઠોકાઠોક ચાલ્યું છે. ધ્યેય વગરનું ધ્યાન એ તો ઠોકાઠોક કહેવાય ! એવા ધ્યાનમાં તો આકાશમાં પાડો દેખાય અને એને લાંબું પૂંછડું દેખાય, એવું ધ્યાન શું કામનું ? નહીં તો અડસટ્ટે ગાડી ચાલી તે કયા સ્ટેશને રોકાશે એનુંય નક્કી નહીં ! ધ્યેય તો એક ‘જ્ઞાની પુરુષ’ પાસે જ છે, ત્યાં જીવતો ધ્યેય પ્રાપ્ત થાય, તે સિવાય ‘હું આત્મા છું’ બોલે તો કામ થાય નહીં. એ તો ‘જ્ઞાની પુરુષ’ પાપ બાળે, જ્ઞાન આપે ત્યારે ધ્યેય નક્કી થાય. સ્વરૂપ જ્ઞાન આપે તો ધ્યેય પ્રાપ્ત થાય, એ સિવાય ‘હું શુદ્ધાત્મા છું’ બોલે તો કશું વળે નહીં. એ કોના જેવું છે ? ઊંઘમાં ‘હું વડો પ્રધાન છું’ એવું બોલે તે કશું ફળે ? મનના યોગમાં ધ્યાન, ધર્મ કરે પણ એ બધા રીલીફ રોડ છે. છેલ્લો આત્મયોગ, એ થયા સિવાય કંઇ જ વળે તેમ નથી. આત્મયોગ પ્રાપ્ત થયો નથી તેથી જ સ્તો આ બધા પઝલમાં ડિઝોલ્વ થઇ ગયા છે ને !

(પા.૨૭૮)

આપણે અહીં ‘શુદ્ધાત્મા’માં રહીએ એ આત્મયોગ છે. સ્વરૂપનું જ્ઞાન એ આત્મયોગ એટલે કે પોતાનું સ્થાન છે, બાકી બીજા બધા દેહયોગ છે. ઉપવાસ, તપ, ત્યાગ કરો એ બધા જ દેહયોગ છે ! એ ત્રણેય યોગ (મન-વચન-કાયા) ફીઝીકલ છે. આ ફીઝીકલ યોગને આખું જગત છેલ્લો યોગ માને છે. આ બધા યોગ માત્ર ફીઝીકલ પ્રાપ્ત કરવા માટે છે છતાં, આ ફીઝીકલ યોગને સારો કહ્યો છે. આવું આવું કંઇકેય નહીં કરે તો દારૂ પીને સટ્ટો રમશે, એના કરતાં આ કરે છે એ સારું છે. અને આનો ફાયદો શો છે ? કે બહારનો કચરો મહીં ના પેસે ને રીલીફ મળે અને મનોબળ મજબૂત થાય, બાકી છેલ્લા આત્મયોગમાં આવ્યા સિવાય મોક્ષ થાય તેમ નથી.

યોગથી આયુષ્યનું એકસ્ટેન્શન ?

પ્રશ્નકર્તા : હજારો-લાખો વર્ષો સુધી યોગથી માણસ જીવી શકે ખરો ?

દાદાશ્રી : લાખો તો નહીં, પણ હજાર-બે હજાર વર્ષ માટે જીવી શકે ખરો. એ યોગ કેવો હોય છે ? આમ તો આત્મા આખા શરીરમાં વ્યાપેલો હોય છે, પણ યોગથી આત્મતત્વ ઉપર ખેંચાય છે, તે ઠેઠ ઉપર બ્રહ્મરંધ્રમાં ખેંચી લે છે ત્યારે હાર્ટ, નાડી બધું બંધ થઇ જાય છે. આત્મા કમર સુધી હોય તો જ હૃદય, નાડી બધું ચાલે, પણ એનાથી ઉપર ગયો તો પછી બધી મશીનરી બંધ થઇ જાય અને કોઇએ આ યોગ ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટની ઉંમરે શરૂ કર્યો હોય અને હજાર વર્ષ પછી પૂરો થાય તો એનું આયુષ્ય ફરી ૧૫ વર્ષ, ૩ મહિના, ૩ દિવસ, ૩ કલાક ને ૩ મિનિટ પછી પાછું શરૂ થાય ! અહીં ધબકારા થયા એટલું આયુષ્ય ખર્ચાયું અને ધબકારા અનામત તો એટલું આયુષ્ય અનામત. આ તમારાથી આયુષ્ય અનામત ના કરી શકાય, યોગવાળા કરી શકે. અને જ્યાં સુધી આત્માની હાજરી દેહમાં છે ત્યાં સુધી શરીર કહોવાય નહીં, ચીમળાય નહીં, ગંધાય નહીં, દેહ એવો ને એવો જ રહે! પછી ભલેને યોગથી હજાર વર્ષ સુધી પથ્થરા જેવો થઇ ગયો હોય !

(પા.૨૭૯)

પ્રશ્નકર્તા : એમાં આત્માની શી દશા ?

દાદાશ્રી : કોથળામાં પૂરી રાખે એવું. એમાં આત્મા ઉપર શો ઉપકાર થયો ? આ તો એટલું જ કે હું હજાર વર્ષ યોગમાં રહ્યો એવો ખાલી અહંકાર રહે. છતાં, સાંસારિક દુઃખો બંધ રહે; પણ સુખ તો ઉત્પન્ન ના જ થાય. સુખ તો આત્માનો ઉપયોગ કરે તો જ ઉત્પન્ન થાય, અને આત્માનો ઉપયોગ ક્યારે થાય ? હાર્ટ ચાલે તો થાય. તે વગર આ તો કશું વળે નહીં.

કેટલાક યોગીઓ એમના શિષ્યને કહી રાખે છે કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢાવ્યા પછી તાળવામાં નાળિયેર ફોડજે, એમ તે મોક્ષે જવાતું હશે ? આ તો એવું માને કે તાળવેથી જીવ જાય તો મોક્ષે જાય, એટલા માટે આવો પ્રયોગ કરે ! પણ એવું માનીને કંઇ થાય તેમ નથી, એ તો તાળવેથી જીવ નેચરલી જવો જોઇએ. આ કોઇ કહેશે કે આંખેથી જીવ જાય તો આમ થાય, તો શું આંખોમાં મરચાં નાંખીને જીવ આંખેથી મોકલવો ? ના, નેચરલી થવા દે ને !

પ્રશ્નકર્તા : જ્યાંથી દ્વાર ખૂલે છે, આંખ, નાક વગેરે એમાંથી જીવ જાય ?

દાદાશ્રી : હા. એ લક્ષણ કહેવાય છે. પાંચ લક્ષણ અને લક્ષિત અનંત છે, એમાં ક્યાં ઠેકાણું પડે ? મોઢેથી જીવ જાય તો અનંત જગ્યાએ જવાય એવું છે. એ તો બધી અદબદ વાતો કહેવાય, એમાં ‘ફોડ’ ના પડે.

કુંડલિની શું છે ?

પ્રશ્નકર્તા : ‘કુંડલિની’ જગાડે ત્યારે પ્રકાશ દેખાય એ શું છે ?

દાદાશ્રી : એ પ્રકાશને જોનાર શુદ્ધાત્મા, એ પ્રકાશ જોડે તન્મયાકાર થઇ જાય તે પ્રતિષ્ઠિત આત્મા. એમાં બે-ચાર કલાક તન્મયાકાર રહે તેથી આનંદ રહે, પણ પછી એની ગેરહાજરી થાય એટલે હતા ત્યાં ના ત્યાં. કેવા રંગનો પ્રકાશ દેખાય છે ?

પ્રશ્નકર્તા : કોઇ દિવસ ના દેખ્યો હોય એવો સફેદ હોય છે.

(પા.૨૮૦)

દાદાશ્રી : જેમાં તન્મયાકાર થયો તેમાં આનંદ થાય. બહારવટિયાની ચોપડી વાંચે તોય આનંદ થાય, પણ એનાથી કર્મ ખોટાં બંધાય. જ્યારે આ એકાગ્રતાથી સારા કર્મ બંધાય. આ કુંડલિની જાગ્રત કરે છે તે કરતાં આત્માને કંઇક જગાડને ! આ તો માત્ર કુંડલિનીના જ સ્ટેશન ઉપર ફરફર કરે છે. આમને ગુરુ મહારાજ કાળી ભોંય ઉપર વરસાદ પડે એવા સ્ટેશને ઉતારે એ શું કામનું ? આપણને તો અહીં છેલ્લું સ્ટેશન મળી ગયું. અનંત પ્રકારનાં સ્ટેશનો છે, એમાં ગુરુ ક્યાંય ગૂંચવી મૂકે. છતાં, એનાથી સ્થિરતા રહે; પણ મોક્ષ માટે એ શું કામનું ?

કુંડલિની જાગ્રત કરે પણ એનાથી દ્રશ્ય દેખાય, પણ એ તો હતું જ ને પહેલેથી ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે તો જ નિર્વિકલ્પ થાય !

પ્રશ્નકર્તા : દાદા, મને કુંડલિનીનું લાઇટ ઊભું થઇ જાય છે.

દાદાશ્રી : એકાગ્રતાનું સાધન છે તેથી લાઇટ ઊભું થાય ને આનંદ આવે. લોકો એ લાઇટને આત્મા માને છે, પણ લાઇટ એ આત્મા નથી; એ લાઇટને, જે જુએ છે તે આત્મા છે. આ લાઇટ એ તો દ્રશ્ય છે અને એનો જોનારો, દ્રષ્ટા તે આત્મા છે. તમને અહીં જે યથાર્થ આત્મા આપ્યો છે તે આ લાઇટનો દ્રષ્ટા છે !

પ્રશ્નકર્તા : આ એકાગ્રતા કરે તેથી લાઇટ જેવું દેખાય ને તેથી આનંદ આવે !

દાદાશ્રી : પણ એ આનંદ બધો રીલેટિવ આનંદ, એ કોના જેવું? બરફી ખાય ને આનંદ આવે તેવું. છતાં, આ સારું છે. આ સંસારની પાર વગરની બળતરામાં તે કંઇક સાધન તો ઠંડક માટે જોઇએ ને ? અને જ્યાં સુધી સાચો માર્ગ ના મળ્યો હોય ત્યાં સુધી એ બરોબર છે.

અનાહત નાદ

પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ?

દાદાશ્રી : શરીરના કોઇપણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ

(પા.૨૮૧)

પાસે, કોણી પાસે, કાંડા પાસે નાદ આવે, એ નાદના આધારે એકાગ્રતા થાય અને એમાંથી આગળ વધે. તે કઇ જાતનું સ્ટેશન છે એય નથી સમજાતું. બહુ જાતનાં સ્ટેશનો છે, પણ એનાથી આત્મા કંઇ જડે નહીં. એ આત્માપ્રાપ્તિ માટેનો મોક્ષમાર્ગ ન હોય, એ ધ્યેય નથી, પણ રસ્તે જતાં સ્ટેશનો છે, કેન્ટિનો છે. જો આત્મા થયો, બ્રહ્મ થયો તો બ્રહ્મનિષ્ઠ થાય અને તો કામ પૂરું થાય, નહીં તો મહારાજ પોતે જ બ્રહ્મનિષ્ઠ થયા ના હોય, એ જ જગત-નિષ્ઠામાં હોય તો ત્યાં આપણો શો શક્કરવાર વળે?

બ્રહ્મ તો છે જ બધામાં, પણ તેમને જગતનિષ્ઠા છે. અત્યારે જગતના મનુષ્યોની નિષ્ઠા જગતમાં છે. જગતનાં બધાં સુખો ભોગવવા માટે નિષ્ઠા છે. પણ ‘જ્ઞાની પુરુષ’ એ આખી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે તેથી જગતનિષ્ઠા ફ્રેકચર થઇ જાય અને ત્યારે જ છેલ્લું સ્ટેશન આવે ને પછી બધે નિરાંતે ફરે. આ વચલા સ્ટેશને બેસવાથી કશું વળે નહીં, એનાથી તો એક પણ અવગુણ ખસે નહીં. અવગુણ શી રીતે ખસે? એમાં હું જ છું, એમ રહે ને ! વેદાંતે પણ કહ્યું કે, ‘આત્મજ્ઞાન સિવાય કશું વળે નહીં.’

આ અનાહત નાદ શું સૂચવે છે ? એ તો પૌદ્ગલિક છે. એમાં આત્માનું શું વળે ? એ ન હોય આત્મા. આત્માનો અનાહત નાદ હશે કે આત્માનાં આનુષંગિક હશે તો કોઇ પજવશે નહીં, પણ જો પૂરણ-ગલનનાં છોકરાં હશે તો પજવશે ! આત્મા અને આત્માના આનુષંગિકમાં કોઇ ખલેલ કરી શકે એમ છે નહીં અને પૂરણ-ગલનનાં છોકરાં હશે તો ખલેલ પાડ્યા વગર રહે જ નહીં, માટે કોની વંશાવલિ છે એ ના ઓળખી લેવી પડે ?

છતાં, જેને આમાં પડવું હોય તેને અમે હલાવીએ નહીં, એને જે સ્ટેશન છે એ બરોબર છે. એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરોબર છે.

(પા.૨૮૨)

ધ્યાન

યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ આ યોગનાં બધાં અષ્ટાંગ, અહીં આ જ્ઞાન મળ્યું એટલે તમારે પૂરાં થઇ ગયાં. તેથી આગળ આત્માનું લક્ષ પણ તમને બેસી ગયું છે. આપણે અહીંયાં તો દેહનેય સહજ રાખવાનો ને આત્માને સહજ રાખવાનો. તમને આત્માનો અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહ્યા કરે. પ્રતીતિથી નીચેના સ્ટેજમાં તમે ક્યારેય ઊતરો નહીં.

જગતના લોકો ધ્યાનમાં બેસે છે પણ ધ્યેય નક્કી કર્યું ? ધ્યેયનો ફોટો જોઇ આવ્યો નથી, તો શેનું પાડાનું ધ્યાન કરે છે ? ધ્યેય વગરનું ધ્યાન એ અપધ્યાન છે. ભગવાને શબ્દ- આત્માનું ધ્યાન કરવાનું નહોતું કહ્યું. ધ્યાન તો કોને કહેવાય ? આત્માના બધા જ ગુણો એટ એ ટાઇમ ધ્યાનમાં લે, તો આત્માના ગુણો એ ધ્યેય કહેવાય અને ધ્યાતા તું પોતે થાય તો એ તારું ધ્યાન કહેવાય. આ બધું એટ એ ટાઇમ કંઇ રહેતું હશે? આ લોકને સમાધિની શી જરૂર છે ? દહાડે આધિમાં, રાત્રે વ્યાધિમાં અને લગન્માં ઉપાધિમાં રહે તે એ શું જોઇ ને સમાધિ માગે છે ?

પ્રશ્નકર્તા : આ શ્વાસોચ્છ્વાસ ઉપર ધ્યાન ધરવાનું કહે છે, એનાથી શું થાય ?

દાદાશ્રી : આમાં ધ્યાન કરો કહે છે તે શું છે ? નાકમાંથી શ્વાસ નીકળે એની ઉપર ધ્યાન રાખો, શ્વાસ પેસે એની પર ધ્યાન રાખો ! શ્વાસ તો પેસે છે ને નીકળે છે, એના ધ્યાનને શું તોપને બારે ચઢાવવું છે ? એ નાકનાં ભૂંગળાંને શું તોપને બારે ચઢાવવાં છે. મેલને પૂળો. આ દમનો શ્વાસ ઊપડે છે ત્યારે કરને ધ્યાન ! ત્યારે તો એ શી રીતે કરે ? આ તો કહેશે કે શ્વાસ લીધો તે ‘સો’ અને શ્વાસ નીકળ્યો એ ‘હમ’, એટલે

(પા.૨૮૩)

‘હમસો’, ‘હમસો’ ‘સોહમ’ થાય; એનું ધ્યાન કરો એમ કહેશે. પણ આત્મા સોહમેય નથી ને હમસોય નથી. આત્મા એ શબ્દમાં આત્મા નથી, એ તો વીતરાગોએ ‘આત્મા’ એમ શબ્દથી સંજ્ઞા કરી છે. આત્મા પુસ્તકમાં ના હોય ને શાસ્ત્રમાંય ના હોય, એ બધામાં તો શબ્દ આત્મા છે. રીયલ આત્મા તો જ્ઞાનીની પાસે હોય. આ શ્વાસોચ્છવાસ જોયા કરે, તે શું એનાથી સમાધિ રહે ? ના. આનાથી શું થાય ? કે મન ભાંગી જાય. મન તો નાવડું છે. સંસાર સાગરમાંથી કિનારે જવા મનના નાવડાની જરૂર છે.

પોતાના સ્વરૂપનું ધ્યાન એને ધ્યાન કહેવાય. બીજું, ખીચડીનું ધ્યાન રાખીએ તો ખીચડી થાય. આ બે જ ધ્યાન રાખવાં, બીજાં બધાં તો ગાંડાં ધ્યાન કહેવાય. આ ‘દાદા’ના ધ્યાનમાં રહે તો ભલે રહે; એને બીજી કોઇ સમજણ ના હોય, પણ પોતે ‘તે’ રૂપ થયા કરે. ‘જ્ઞાની પુરુષ’ એ પોતાનો જ આત્મા છે અને એટલે પછી પોતે ‘તે’ રૂપ થયા કરે.

આત્મા પ્રાપ્ત થયો તે આત્મધ્યાન અને સંસારી ધ્યાનમાં ખીચડીનું ધ્યાન કરવાનું. લોકો બધા જે ધ્યાન શીખવાડે છે તે તો ઊલટાં બોજારૂપ થઇ પડે છે. એ તો જેને વ્યગ્રતાનો રોગ હોય એને એકાગ્રતાનું ધ્યાન શીખવાડાય, પણ બીજાને એની શી જરૂર ? એ ધ્યાન એને કયે ગામ લઇ જશે એનું શું ઠેકાણું ?

ભગવાને શું કહ્યું કે આટલું ધ્યાન રાખજે; ખીચડીનું ધ્યાન રાખજે ને ધણીનું ધ્યાન રાખજે, નહીં તો સ્વરૂપનું ધ્યાન રાખ. એ સિવાય બીજા ધ્યાનને શું તોપને બારે ચઢાવવાં છે ? આ સમાધિ માટે બીજાં ધ્યાન શું કરવાં છે ? આ બીજાં તો પરભાર્યા પરધ્યાન છે. માત્ર કાનને જે પ્રિય લાગે કે બહુ સરસ છે, બહુ સરસ અવાજ છે. કેટલાકને મનને પ્રિય લાગે તો કેટલાકને બુદ્ધિને પ્રિય લાગે, એ સૌની મતિ પ્રમાણે લાગે. ભગવાન મહાવીરની સભામાંય શેઠીયાઓ ભગવાનની વાણી સાંભળવા આવતા. એમની (સર્વજ્ઞની) વાણી એટલી મીઠી ને મધુરી હોય કે તે કાનનેય અત્યંત પ્રિય લાગે. તે શેઠીયાઓ સાંભળવાને બેસી રહેતા અને સભામાં જ રોટલી ને શાક મંગાવી ખાઇ લેતા, ઘેર જ જતા નહીં અને તે બસ

(પા.૨૮૪)

તેમને કાનને જ પ્રિય થઇ રહે. તે શેઠીયાઓને આજેય હું ઓળખું છું, દુકાનમાં એય કાપડ ખેંચી ખેંચીને આપે છે ! તે કોઇને પૂછ તો ખરો કે આ કયું ધ્યાન વર્તે છે ? આ તો રૌદ્રધ્યાન છે. તે શેઠ કહેશે કે, ‘પણ પેલો બીજો કાપડ ખેંચીને વેચે છે ને ?’ ‘અલ્યા, બીજો તો કૂવામાં પડે, તું શું કામ પડે છે ?’

ચિત્તશુદ્ધિની દવા

અમારી વાણી તો કોઇ કાળે સાંભળી ના હોય તેવી ગજબની અપૂર્વ છે. આ વાણી સાંભળી સાંભળીને મહીં ધારણ કરે અને ધારણ કરીને એના એ જ શબ્દો પોતે બોલે અને ધારણ રહે એ ટાઇમમાં ચિત્તની ગજબની એકાગ્રતા થયા કરે છે ! શુદ્ધ ચિત્ત તો શુદ્ધ જ છે, પણ વ્યવહારિક ચિત્ત છે તે આ ધારણ થવાથી તત્ક્ષણ શુદ્ધ થઇ જાય છે. સિનેમાનાં ગીતો સાંભળવાથી તેટલો ટાઇમ ચિત્ત અશુદ્ધ થયા કરે છે, મૂળથી અશુદ્ધ તો હતું અને તે વધારે અશુદ્ધ થાય ! અને બીજું, કવિનાં પદો ગાતી વખતે તે ધારણ થાય તેટલી ક્ષણ ચિત્ત શુદ્ધ થાય ! વગર સમજ્યે આ નાનો બાબો પણ ધારણ કરીને બોલે, છતાં બહુ કામ કાઢી જાય. ધારણ થયા વગર બોલાય ? ધારણ કરી બોલે તેટલો વખત મહીં પાપ બધાં ધોવાઇ જાય ! બહાર લૂગડાં ધોતાં તો આવડે, પણ મહીનું શી રીતે ધૂએ ? આ જગતમાં ચિત્ત શુદ્ધિની દવા બહુ ઓછી છે. બહાર ૨૦ વર્ષ સુધી ગાય ને તેમાં જેટલી શુદ્ધિ ના થાય તેટલી શુદ્ધિ આ અહીં અમારી હાજરીમાં એક વખત આ પદ ગાય તેટલામાં ચિત્ત શુદ્ધ થઇ જાય છે ! પોતે બોલે અને પછી ધારણ કરે અને એવું જ ફરી બોલેને તો એનાથી ગજબની ચિત્તશુદ્ધિ થાય !

ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એ ત્રણે એકરૂપ થાય ત્યારે પછી જ ‘લક્ષ’ બેસે. એટલે અહીં અમારી હાજરીમાં તમારે તો ધ્યાન કરવાની જરૂર નહીં. લક્ષ વધારે રહે એ અનુભવ કહેવાય. શુદ્ધાત્માના ધ્યાનમાં રહ્યા તે શુક્લધ્યાન. આપણે શુદ્ધાત્માના ધ્યાનમાં હોઇએ ને ‘ફાઇલ’ આવે તો એનો ‘સમભાવે નિકાલ’ કરીએ એ ધર્મધ્યાન. સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઇ ગયા

(પા.૨૮૫)

પછી સાધનની શી જરૂર ? ધ્યેય પ્રાપ્ત થઇ ગયા પછી ધ્યાતા ને ધ્યાનની શી જરૂર ?

જગતના બધા માર્ગો તે સાધન માર્ગ છે ને આપણો આ સાધ્ય માર્ગ છે ! ધ્યાતા છે નહીં ને ધ્યેય નક્કી કરવા જાય છે ! ધ્યાતા ક્યારે થવાય ? જ્યારે જગત વિસ્મૃત થાય ત્યારે ધ્યાતા થવાય. આ તો ધ્યાનમાં બેઠો હોય ને પૂછીએ કે, ‘તમે કોણ છો ?’ તો એ કહેશે કે, ‘હું મેજિસ્ટ્રેટ છું’. તે તેનું ધ્યાન મેજિસ્ટ્રેટમાં છે, તો તે ધ્યાતા ક્યાંથી નક્કી થાય ?

છતાં, પણ જગતના લોકોને જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ના મળે અને તેમની પાસેથી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી મનની શાંતિ માટે કંઇક સાધનની જરૂર ખરી. કોઇ ગુરુજી હોય, તેમને ભલે આત્મજ્ઞાન ના હોય, પણ ચોખ્ખા હોય, વિષય અને લક્ષ્મીની ભૂખ ના હોય તો એમના ફોટાનું ધ્યાન ભલે કરે, પછી ભલે તેઓ અહંકારી હોય છતાં એમનું ધ્યાન શાંતિ આપશે. આ રીલેટિવ ધ્યાન કહેવાય, સગડી ધ્યાન કહેવાય અને બીજું, રીયલ ધ્યાન ‘જ્ઞાની પુરુષ’ મળે તો પ્રાપ્ત થાય અને પછી તો પરમેનન્ટ શાંતિ મળી જાય. આ રીલેટિવ ધ્યાનમાં જે શાંતિ મેળવો છો, તે તો સાસુ બોલે કે ‘તમારામાં અક્કલ નથી’ તો તે ધ્યાન તૂટી જાય ને ઉપાધિ ઊભી થઇ જાય ! સગડી ધ્યાન કામ ના આપે. ‘જ્ઞાની પુરુષ’ શું કરે ? કે કાયમની સમાધિ રહે એવું નિર્લેપ જ્ઞાન આપે. જ્ઞાની મળે તો શું કરવાનું ? ક્રિયાકાંડ એ કશુંય નહીં કરવાના, માત્ર આજ્ઞા એ ધર્મ ને આજ્ઞા એ જ તપ !

નાભિપ્રદેશમાં આત્મા ખુલ્લો છે. અમે આવરણ તોડી આપીએ ત્યારે ભગવાન દેખાય. નાભિપ્રદેશના શુદ્ધ ભગવાન પ્રગટ થઇ જાય તો પોતે નિર્લેપ થઇ જાય છે. જેમ પીપળાને લાખ વળગે તેમ આત્માને કર્મ વળગ્યાં છે, તેથી પ્રકાશ દેખાતો નથી. પાંચ બાખાં છે તેનાથી પણ સાચું દેખાતું નથી. ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન સાચું હોય નહીં. જ્ઞાનીઓ અતીન્દ્રિય સુખ-શાશ્વતસુખમાં હોય. આત્માને જગાડવા તો ‘જ્ઞાની પુરુષ’ જ જોઇએ, એમાં બીજાનું કામ નહીં.

(પા.૨૮૬)

હેન્ડલ સમાધિ

પ્રશ્નકર્તા : દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે.

દાદાશ્રી : સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે, પણ પછી એ થોડીઘણી જતી રહે છે ?

પ્રશ્નકર્તા : એ તો જતી જ રહે ને !

દાદાશ્રી : તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પરમેનન્ટ ?

પ્રશ્નકર્તા : એ તો ટેમ્પરરી જ કહેવાય ને !

દાદાશ્રી : આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે, જડ સમાધિ છે. સમાધિ તો નિઃક્લેશ અને નિરંતર રહેવી જોઇએ. આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે. તમે સમાધિ એટલે શું સમજ્યા છો ?

પ્રશ્નકર્તા : એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય.

દાદાશ્રી : પણ એમાં લાભ શો ? પ્રાણોને કંટ્રોલ કર્યો તો લાભ થાય, પણ કાયમની ઠંડક થાય ? આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઊડે, પછી એની એ જ ટાઢ ! સગડી તો કાયમની જોઇએ કે જેથી કાયમ ટાઢ ના લાગે. સમાધિ તો જુદી જ વસ્તુ છે. હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુઃખે ને ઠંડક થાય, એવી હેન્ડલ સમાધિ શા કામની ? નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય. તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો, એ શું કરશે ? તરત જ ચિઢાઇને બચકું ભરી લેશે. આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે, એવી કષ્ટ-સાધ્ય સમાધિ શા કામની ? સમાધિ તો સહજ હોવી જોઇએ. ઊઠતાં, બેસતાં, ખાતાં, પીતાં સમાધિ રહે તે સહજ સમાધિ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને ? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઇ ગાળ ભાંડે તોય અમારી સમાધિ ના જાય. આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ

(પા.૨૮૭)

તો હઠયોગ કહેવાય. હઠયોગથી તો સમાધિ થતી હશે ? આ ગુરુનો ફોટો જો કો’કે ઉઠાવી લીધો હોય તોય તેને મહીં ક્લેશ થઇ જાય! સમાધિ તો નિઃક્લેશ હોવી જોઇએ અને તેય પાછી નિરંતરની; ઊતરે નહીં એનું નામ સમાધિ ને ઊતરી જાય એનું નામ ઉપાધિ ! છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય એવું ! આધિ, વ્યાધિ ને ઉપાધિમાંય સમાધિ રહે એનું નામ સમાધિ ! સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઇએ.

સાચી સમાધિ

પ્રશ્નકર્તા : સમાધિ પરમેનન્ટ હોઇ શકે એ તો હું જાણતો જ નહોતો!

દાદાશ્રી : આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે; એ પણ બધાંને રહે કે ના પણ રહે; જ્યારે અહીં આપણને ઉઘાડી આંખે સમાધિ રહે છે ! ખાતાં, પીતાં, ગાતાં, જોતાં સહજ સમાધિ રહ્યા કરે !! આ દાબડા બાંધીને તો બળદનેય સમાધિ રહે છે, એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઉઘાડી આંખે ભગવાન દેખાય, રસ્તે ચાલતાં, ફરતાં ભગવાન દેખાય. બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઇએ. આંખો બંધ કરવા માટે નથી, આંખો તો બધું જોવા માટે છે, ભગવાન જેમાં છે એમાં જો જોતાં આવડે તો ! ખરેખર તો ‘જેમ છે તેમ’ જો, ‘જેમ છે તેમ’ સાંભળ, ‘જેમ છે તેમ’ ચાલ. અને છતાંય સમાધિ રહે એવી ‘દાદા’ની સમાધિ છે ! અને પેલાને તો જગ્યા ખોળવી પડે. અહીં એકાંત નથી, તો જગતમાં ક્યાં જઇશ ? અહીં તો પાર વગરની વસતિ છે. ભીડમાં એકાંત ખોળી કાઢતાં આવડે એનું નામ જ્ઞાન. આ ગાડીમાં ચોગરદમથી ભીડમાં દબાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે, ત્યારે જેટલું જોઇએ તેટલું એકાંત લો. ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે ! ભીડમાં એકાંત એ જ ખરું એકાંત !

સાધુઓ સમાધિ કરે છે, હિમાલયમાં જઇને પૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, ‘હું ફલાણો નહીં, હું સાધુ નહીં, હું આ નહીં,’ તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય, કારણ કે તે સમજણપૂર્વક અંદર નથી ગયો.

(પા.૨૮૮)

પ્રશ્નકર્તા : એક જણને ઊભાં ઊભાં સમાધિ થઇ જાય છે તે મેં જોયું છે, આપણે બૂમ પાડીએ તોય એ સાંભળે નહીં.

દાદાશ્રી : એને સમાધિ ના કહેવાય, એ તો બેભાનપણું કહેવાય. સમાધિ કોને કહેવાય ? સહજ સમાધિને, એમાં પાંચેય ઇન્દ્રિયો બધી જાગ્રત હોય, દેહને સ્પર્શ થાય તોય ખબર પડે. આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય, એ તો કષ્ટ કહેવાય. કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય. સમાધિવાળો તો સંપૂર્ણ જાગ્રત હોય !

નિર્વિકલ્પ સમાધિ

જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી ? ચિત્તના ચમત્કારને. દેહથી બેભાન થાય અને માને કે મારું ઇન્દ્રિયજ્ઞાન ખલાસ થઇ ગયું ને અતીન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી. એટલે વચ્ચે નિરિન્દ્રિય ચમત્કારમાં ભટકે ! કોઇને ચિત્ત ચમત્કાર દેખાય, કોઇને અજવાળાં દેખાય, પણ એ ન હોય સાચી સમાધિ. એ તો નિરિન્દ્રિય સમાધિ છે ! દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય. નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય. દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિ એટલે શું ?

દાદાશ્રી : હું ચંદુલાલ એ વિકલ્પ સમાધિ. આ બધું જુએ તેય વિકલ્પ સમાધિ, આ બાળક કશું ફોડી નાખે તે મહીં વિકલ્પ સમાધિ તૂટી જાય.

પ્રશ્નકર્તા : સંકલ્પ-વિકલ્પ એટલે શું ?

દાદાશ્રી : વિકલ્પ એટલે ‘હું’ અને સંકલ્પ એટલે ‘મારું.’ પોતે કલ્પતરૂ છે, કલ્પે તેવો થાય. વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય. હું અને મારું કર્યા કરે એ વિકલ્પ ને સંકલ્પ છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં. ‘મેં આ ત્યાગ્યું, મેં આટલાં શાસ્ત્રો વાંચ્યા, આ વાંચ્યું, ભક્તિ કરી, પેલું કર્યું,’ એ

(પા.૨૮૯)

બધા વિકલ્પો છે, તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે ને ‘હું શુદ્ધાત્મા છું,’ એમ બોલાય નહીં, ‘હું ચંદુલાલ છું, હું મહારાજ છું, હું સાધુ છું’ એ ભાન વર્તે છે ને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન નથી થયું તો ‘હું શુદ્ધાત્મા છું,’ શી રીતે બોલાય ? અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય ? આ તો શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે એટલું જ ! એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડુંય જાણે ! ફૂલો ચઢે તેય જાણે ને પથ્થર ચઢે તેય જાણે, જાણે નહીં તો વીતરાગ કેમ કહેવાય ? પણ આ તો દેહનું ભાન ગયું એને ‘અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ’ એમ લઇ બેઠાં છે ! આ ઊંઘે છે ત્યારેય દેહનું ભાન જતું રહે છે, તો પછી એનેય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને ? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળાં દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા, એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે ! પેલું ભાન તો રહેવું જ જોઇએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઇએ, તેને નિર્વિકલ્પ-સમાધિ કહી, નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને ?

નિર્વિકલ્પ સમાધિ કોઇ સમજતું જ નથી ને સહુ પોતપોતાની ભાષામાં લઇ ગયા. આત્મા પણ પોતાની ભાષામાં લઇ ગયા ને છતાં કહે છે કે, ‘મારે આત્મજ્ઞાન જાણવું છે.’

સંત પુરુષો થયેલા હોય તે તેમની ચિત્તની મલિનતા ઓછી થયેલી હોય. તેમને જ્યારે સંસારની ઇચ્છા થાય ત્યારે શરીરને ગોદા માર માર કરે કે આવી ઇચ્છા કરે છે ! આંખમાં મરચાં પણ નાખે. હવે આવા જ્ઞાનને ફોરેનવાળા શું કહે કે, ‘આ તો જંગલી લાગે છે.’ મુસ્લિમોનેય આવા લોક જંગલી લાગે, પણ અહીંના લોકને આવા ડાહ્યા લાગે ! આ તો આંખની ભૂલને લીધે આંખમાં મરચાં નાખે છે. તે એમાં આંખનો શો દોષ ? અહીં જોનારાનો દોષ છે.

હિન્દુસ્તાનમાં તો લોક મોઢાંનેય તાળાં મારે એવાં છે ! આ લોકો તો શરીરનું ભાન જતું રહે તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે, કારણ કે

(પા.૨૯૦)

ઇન્દ્રિયનું ભાન ગયું ને માનશે કે અતીન્દ્રિયમાં પેઠો. ના, અતીન્દ્રિય તો બહુ છેટે છે. ઇન્દ્રિયનું ભાન જતુ કર્યું, અતીન્દ્રિયમાં પેઠા નથી તો શામાં છો ? નિરિન્દ્રિયમાં, તે નિરિન્દ્રિયમાં જ ‘હમ હમ’ કરે ને એને નિર્વિકલ્પ સમાધિ માને છે !

છતાં, આ લોકોની દાનત સાચી રહેલી છે. આંખમાં મરચાં નાખે છે એમાં એમની દાનત સારી છે, માટે કો’ક દહાડો મોક્ષને પામશે.

ક્રમિક માર્ગમાં નિર્વિકલ્પ સમાધિ તો ઠેઠ મોક્ષે જવાનો થાય ત્યારે તેની શરૂઆત થાય; જ્યારે અહીં અક્રમ માર્ગમાં તમને નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઇ ગઇ છે ! ક્રમિકમાં તો ઠેઠ સુધી લોચ કરવાનો, બીજા જે ત્યાગ લખ્યા હોય તે કરવાના; ‘આ વિધિ કરવાની છે, આ ત્યાગ કરવાનો છે, પેલું કરવાનું છે,’ એ બધું રહે. ત્યાં કર્તા જુદો, કર્મ જુદું, જ્ઞાતા જુદો ને જોડે જોડે, પાછો કહેશે કે, ‘મારે હજી ધ્યાન કરવાનું છે.’ ત્યાં કર્તા જુદો, ધ્યેય જુદું ને ધ્યાનેય જુદું. એમાં તો ત્રણેય જ્યારે એક થાય ત્યારે કાંઇક નિર્વિકલ્પનો સ્વાદ ચાખવા મળે, પણ ક્રમિકમાં ઠેઠ સુધી કર્તાપણું રહે; તેથી ધ્યાનનો હું કર્તા છું’ એમ કહેશે.

ધ્યેય નિર્વિકલ્પી અને ધ્યાતા વિકલ્પી; તે ધ્યાન કેવું કરે? છતાં, નિર્વિકલ્પીનું ધ્યાન વિકલ્પી કરે છે માટે નિર્વિકલ્પી થશે એમ શાસ્ત્રો કહે છે. પણ આ નિર્વિકલ્પી ના થવા દે ને કહેશે, ‘મારે આ કરવાનું છે ને પેલું કરવાનું છે.’ જરા ઊંઘ આવી જાય તો ખાવાનું ઓછું કરવું છે, તે ખાવાનું ત્યાગ કરવાનું રહ્યું ! તે વિકલ્પના ખાડામાંથી નીકળવા નિર્વિકલ્પીનું ધ્યાન કરે છે !

અમે તમને અહીં એકલો નિર્લેપ આત્મા જ નથી આપ્યો, નિર્વિકલ્પ સમાધિ પણ આપી છે. ક્રમિક માર્ગમાં ઠેઠ સર્વાંગ શુદ્ધ આત્મા થાય ત્યારે નિર્વિકલ્પ સમાધિ થાય. જ્યાં કંઇ પણ ત્યાગ-ગ્રહણ કરવાનું છે ત્યાં વિકલ્પ છે. મોટી વસ્તુ ગ્રહણ કરે ને નાની વસ્તુ ત્યાગ કરે એટલે વિકલ્પ થયા વગર રહે નહીં, વિકલ્પ એક ના હોય પણ પાર વગરના હોય. શિષ્યો જોડે કડક થાય તેય વિકલ્પ.

(પા.૨૯૧)

જેને જોતાં જ સમાધિ થાય એ દર્શનને ‘દર્શન’ કહેવાય, જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં. કેટલાકને તો જોતાં જ ઊલટી થાય, માલ જ એવો ! પણ જોતાં જ સમાધિ થાય એ દર્શન સાચાં દર્શન કહેવાય. આ અમારા બધાં દર્શન શાથી કર્યા કરે છે ? આ દેખાય છે એ જ બધાને સમાધિ કરાવ્યા કરે, એ સમાધિ તો કેવી છે ? એને તમે કાઢો તોય જાય નહીં ! એ સમાધિને કહીએ કે, ‘હે સમાધિ, થોડા દિવસ પિયર તો જઇ આવ.’ તો એ કહેશે, ‘ના, આ સાસરી વગર મને નહીં ફાવે.’ સમાધિને કહીએ કે, ‘આ દેહને જરા ડખો કરાવવો છે, માટે તું જાને!’ તો એ કહેશે કે, ‘પહેલાં કહેવું હતું ને ! હવે એ ના બને.’ હવે તો સહજ સમાધિ કાઢે તોય ના જાય, હવે તો ‘ખાય પીએ, ઊઠે બેસે, તેને જુએ જ્ઞાનાકાર.’

ભગવાને કહ્યું, ‘જો તું કલ્પનામાં છે તો વિચાર ના કરે તો ગુનેગાર છે ને જો તું નિર્વિકલ્પ છે ને વિચાર કરે તો ગુનેગાર છે.

આઠ મિનિટ મન-વચન-કાયા જેને બંધ થઇ જાય તેને ભગવાને સામાયિકની શરૂઆત કહ્યું ને આઠથી અડતાલીસ મિનિટ રહે તેને સામાયિક કહી. અડતાળીસ મિનિટથી તો વધારે કોઇને પણ ના રહે. આત્મામાં જ રહેવું એ સામાયિક છે.

‘‘ભગવાન અંગે ભાષીઓ, સામાયિક અર્થ,

સામાયિક પણ આતમા, ધરે સીધો અર્થ.’’

સામાયિકનો અર્થ તો ભગવાને કહ્યો છે. ‘સામાયિક એ જ આત્મા ને આત્મા એ જ સામાયિક.’

(પા.૨૯૨)

મન

પ્રશ્નકર્તા : મન એકેન્દ્રિય જીવમાં હોય ?

દાદાશ્રી : ‘એકેન્દ્રિયને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કશુંય ના હોય. જેને પાંચ ઇન્દ્રિયો હોય, પાંચ ઇન્દ્રિયોનું પુણ્ય ભેગું થાય, તેને મન ઉત્પન્ન થાય. આ પાંચ ઇન્દ્રિયોમાં પાછાં આ ગાય, ભેંસ, આકાશમાં ઊડનારાં ખેચર, એમને મન સીમિત હોય, લિમિટમાં હોય, લિમિટની બહાર જાયને તો તો વાંદરા ઘરમાં રહેતા હોત ને પોલીસ-બોલીસ બધાંને બચકાં ભરી ખાત, પણ તેમને મન લિમિટમાં હોય.

પ્રશ્નકર્તા : એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં મનનું કેવી રીતે ડેવલપમેન્ટ થાય છે ?

દાદાશ્રી : જેમ જેમ ડેવલપમેન્ટમાં આગળ વધે છે તેમ તેમ આવરણો ઘટે છે ને પ્રકાશ વધતો જાય અને તેમ વધારે જોતો જાય છે.

જેને નાકની તીવ્રતા હોય તે ત્રણ ઇન્દ્રિયમાં છે, આંખનો ચસ્કો લાગ્યો હોય તે ચાર ઇન્દ્રિયમાં ને કાનનો ચસ્કો લાગ્યો હોય તે પાંચ ઇન્દ્રિયમાં છે. આ કીડી છે તે છત ઉપર ઘી લટકાવ્યું હોય તોય એને ક્યાં, કેટલાં અંતરે ઘી છે એની સમજણ પડે, અને એને કયા માર્ગે અને એ પણ ટૂંકે માર્ગે જઇને લઇ આવે એવી સમજણ હોય.

મનનું સ્વરૂપ

પ્રશ્નકર્તા : મન શું હશે ?

દાદાશ્રી : આ ‘ચંદુલાલ’ છે એ આરોપિત ભાન છે, પણ રીયલી ‘આપણે’ કોણ છીએ એ જાણવાની જરૂર છે. આ ‘ચંદુલાલ’ એ રીલેટિવ

(પા.૨૯૩)

આત્મા છે. એ જે જે જુએ છે, જે જે કરે છે, એનાથી મનની ગાંઠો બંધાતી જાય છે. મનમાં વિચારો આવે છે એ ગાંઠોમાંથી જ આવે છે, પણ પાછું આરોપિત ભાવથી એને પુષ્ટિ મળે છે ને ગાંઠો મજબૂત થતી જાય છે. મન એ તો જાતજાતના પેમ્ફલેટ્સ બતાવે, ઘડીમાં કહે, ‘બસમાં જઇશું,’ ઘડીમાં કહે, ‘ટેક્સીમાં જઇશું’ મનનો શો સ્વભાવ છે ? પેમ્ફલેટ દેખાડવું અને તેનું ચિંતવન કર્યા કરવું. તે ટાઇમિંગ થાય એટલે પેમ્ફલેટ દેખાડે; પછી એનું એ જ ચિંતવન કર્યા કરે કે, ‘નહીં, બસમાં જ જવું છે.’ પછી બુદ્ધિ એની મેળે ડીસીઝન આપે અને પછી અહંકાર એમાં ભળે, આ તો મહીં પાર્લામેન્ટની માફક કામ થાય છે. આ બધાંને ઓળખવું મહામુશ્કેલ વસ્તુ છે, આ તો મહીં પાર વગરની વંશાવલિ છે. એક કહેશે, ‘આની જોડે ડાયવોર્સ લેવા છે’ અને બીજો દેખાડશે, ‘ના, ડાયવોર્સ નથી લેવા.’ આ તો બંને દાઢી વગરનાં, તે શી રીતે ઓળખવાં?! એકાદને દાઢી હોત તોય આપણને ઓળખાણ પડત !

મનોલયનો માર્ગ

પ્રશ્નકર્તા : મન રોજ નવું નવું માગે છે તે શું કરવું ?

દાદાશ્રી : તારે મનને મારી નાખવું છે કે જીવતું રાખવું છે ?

પ્રશ્નકર્તા : દાદા મારું મન કાઢી લો.

દાદાશ્રી : ના અલ્યા, મન કાઢી ના લેવાય. આ શરીરમાંથી જો મન કાઢી લેવામાં આવે તો એબ્સન્ટ-માઇન્ડેડ થઇ જવાય અને એબસન્ટ-માઇન્ડેડને તો ગાંડાની હોસ્પિટલમાંય ના લે. કારણ કે ગાંડાઓનેય માઇન્ડ તો હોય છે જ ને ? નવું નવું માગવું એ તો મનનો ખોરાક છે. ઘડીમાં કહે, ‘મિયાંને પૈણ’ને ઘડીમાં કહે, ‘હિન્દુને પૈણ.’ ‘આપણે’ આવાને પૂછીએ કે, ‘ક્યાં રહો છો ?’ એની તપાસ કરવી પડે કે કઇ પોળમાં રહે છે ?

પ્રશ્નકર્તા : આ મનની તપાસ કોણ કરી શકે ?

દાદાશ્રી : આ સંસારમાં મનોયોગી પુરુષો હોય તે મનની તપાસ

(પા.૨૯૪)

કરી શકે, પણ એનાથી મનનો વિલય ના થાય, એ મન વધતું અટકાવી શકે. છતાં, એ લોકોને જેમાં ગમતું હોય તે ગાંઠો તો મોટી થતી જાય. મનનો વિલય કરવાની યથાર્થ દવા જોઇએ તો વિલય થાય.

એક બાજુ મન ડિસ્ચાર્જ થાય છે ને બીજી બાજુ ભ્રાંતિએ કરીને ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ મનને આંતરી ના શકાય. ‘જ્ઞાની પુરુષ’ ચાર્જ થતા મનને સીલ મારી દે, પછી ડિસ્ચાર્જ મન ક્રમેક્રમે ઓગાળી શકાય, અને તે પણ માત્ર ‘જ્ઞાની પુરુષ’ના જ્ઞાનશસ્ત્રથી ! મન તો જ્ઞાનીઓને પણ હોય અને મહાવીર ભગવાનને પણ હતું, પણ તેમને ને મનને કેવું રહે ? આ લગન્માં માણસ દરવાજે ઊભો હોય, તો તેની પાસેથી એક એક માણસ જે‘ જે’ કરતો જાય, તેમ જ્ઞાનીઓને મનની ગાંઠ ફૂટે ને વિચાર સ્વરૂપે એક એક વિચાર આવે ને સલામ કરીને જાય, અને બીજો આવે. જ્ઞાનીઓને વિચાર જોડે જ્ઞાતા-જ્ઞેય સંબંધ હોય, વિચારમાં પોતે તન્મય ના થઇ જાય, શાદી સંબંધ ના હોય. ‘જ્ઞાની પુરુષ’ નહીં મળવાથી ફાવે એવા વિચારો આવવા માંડ્યા અને એ જ વિચારોમાં તન્મય થવાથી ગાંઠો બંધાઇ ગઇ; તેના પાછા વિચારો આવ્યા જ કરે છે, અને એ જ પોતાને હેરાન કરે છે. પણ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો ગાંઠો શી રીતે ઓગાળવી તે બતાવે, એટલે ઓગળી જાય.

મન પર કાબૂ

પ્રશ્નકર્તા : મન ઉપર કન્ટ્રોલ કેવી રીતે લાવી શકાય ?

દાદાશ્રી : મન પર તો કન્ટ્રોલ આવી શકે જ નહીં. એ તો કમ્પલીટ ફીઝિકલ છે, મશીનરીની જેમ. આ તો લાગે કે કન્ટ્રોલ થયું છે, પણ એ તો પૂર્વના હિસાબે. જો પૂર્વે એવું ગોઠાવાયું હોય, પૂર્વે ભાવમાં હોય તો આ ભવમાં દ્રવ્યમાં આવે, બાકી આ ભવે તો મન કન્ટ્રોલમાં લાવી શકે જ નહીં. મન એમ કશાથીય બંધાય તેવું નથી. જેમ પાણીને બાંધવા વાસણ જોઇએ, તેમ મનને બાંધવા જ્ઞાન જોઇએ. મન તો જ્ઞાનીને જ વશ રહે ! મનને ફ્રેક્ચર નથી કરવાનું, પણ મનનો વિલય કરવાનો છે. મન એ તો સંસારસમુદ્રનું નાવડું છે, સંસારસમુદ્રને કિનારે જવા માટે નાવડાથી જવાય.

(પા.૨૯૫)

આ જગત આખું સંસારસાગરમાં ડૂબકાં ખાય છે; તરે છે ને પાછાં ડૂબકાં ખાય છે ને એનાથી કંટાળો આવે છે. તેથી દરેકને નાવડાથી કિનારે જવાની ઇચ્છા તો હોય જ, પણ ભાન નથી તેથી મનરૂપી નાવડાનો નાશ કરવા જાય છે. મનની તો જરૂર છે. મન એ તો જ્ઞેય છે ને આપણે ‘પોતે’ જ્ઞાતા-દ્રષ્ટા છીએ. એ મનરૂપી ફિલમ વગર આપણે કરીએ શું ? મન એ તો ફિલમ છે. પણ સ્વરૂપનું ભાન નથી એટલે એકાકાર થઇ જાય છે કે, ‘મને સરસ વિચાર આવે છે’ અને ખરાબ વિચાર આવે છે ત્યારે ગમતું નથી ! સારા વિચાર આવે તો રાગનું બીજ પડે છે ને ખરાબ વિચાર છે ત્યારે દ્વેષનું બીજ પડે છે. આમ, સંસાર ઊભો રહે છે ! ‘જ્ઞાની પુરુષ’ ‘પોતે કોણ છે?’ એ રીયલ સ્વરૂપનું ભાન કરાવે ત્યારે દિવ્યચક્ષુ પ્રાપ્ત થાય, પછી મનની ગાંઠો ઓળખાય ને પછી મનની ગાંઠો જો જો કરીએ પછી તે ઓગળતી જાય.

પ્રશ્નકર્તા : સંસારમાં બહુ નીરસતા લાગે છે. ક્યાંય રૂચતું નથી, તો શું કરવું ?

દાદાશ્રી : કોઇ માણસને પાંચ-સાત દહાડા તાવ આવે ને, તો કહેશે, ‘મને કશું ભાવતું નથી.’ ને લખી આપે કે, ‘મને કશું ભાવતું નથી.’ આવો કરાર કોઇ કરાવી લે તો શું આ કરાર કાયમનો રાખે ? ના. એ તો કહે, ‘આ કરાર ફાડી નાખો, ત્યારે તો મને તાવ આવેલો તેથી આવી સાઇન કરી આપેલી, પણ હવે તો તાવ નથી !’ આ મનની ગતિ સમયે સમયે પલટાતી રહે. આ તો રસ પાછો આવશેય ખરો. આ તો એવી કન્ડિશન આવે, ત્યારે કહે, ‘મને સંસાર હવે ગમતો નથી.’ ત્યારે આવી સાઇન કરી આપે, પણ આ કન્ડિશન તો પાછી પલટાવાની.

સંસારનો કંટાળો એ જ રાગ

દાદાશ્રી : આ સંસાર પર કંટાળો આવે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો એ રાગ છે. જ્યાં રાગ હોય ત્યાં જ કંટાળો આવે છે, એ સંયોગ અનુસાર હોય છે. આ કંટાળો એ બધા મનના વિચાર છે.

(પા.૨૯૬)

આપણે તો વિચારોને કહીએ કે, ‘આવો, તમારે જેટલા આવવું હોય તેટલા આવો.’ આ મનમાંથી વિચારો આવે છે એ તો મહીં સ્ટોક ભરેલો હતો તે નીકળે છે અને એ નીકળે છે તે નિર્જરા થાય છે. પણ નિર્જરા ક્યારે થાય છે ? કે આપણે શુદ્ધાત્મામાં રહીએ તો. તન્મયાકાર થાય તો તે કર્મો ચીકણાં થાય. આ તો મન જાતજાતનું બતાવે પણ આપણે તન્મયાકાર નહીં થવાનું; જોયા કરવાનું કે આવું બન્યું, તેવું બન્યું.

એક બાજુ વૈરાગ આવે અને બીજી બાજુ રાગ થાય જ, તો કઇ બાજુ રાગ છે તે તપાસ કર. માણસ ઘૈડો થાય ત્યારે વિચાર થાય કે હજી જિવાય તો સારું. આ કંઇ એના હાથમાં સત્તા છે ? એ તો જાતજાતના વિચારો આવે તે જોયા કરવાના ને જાણ્યા કરવાના. આ તો પોતાનું મૃત્યુ પોતે સ્વપ્નમાં જુએ ! જગત બહુ જુદી જાતનું છે !

આ બધે વૈરાગ્ય આવે અને ‘જ્ઞાની પુરુષ’ પર રાગ આવે તો તો એના જેવું ઉત્તમ એકુંય નહીં ! એ તો બધાય રોગોને ટાળનારું છે. આ મનુષ્ય અવતાર તો કેવો છે ? દેવોનેય દર્શન કરવા યોગ્ય ! દેવોનેય દુર્લભ !! પણ ફુલ પ્રકાશ થાય તો ! મનના રોગ જાય તો પ્રકાશ થાય. મનના રોગ લોકોને ના સમજાય કે આ બાજુનું મન રોગી છે અને બાજુનું મન તંદુરસ્ત છે. આ મન તંદુરસ્ત થાય તો વાણી તંદુરસ્ત થાય, દેહ તંદુરસ્ત થાય.

માઇન્ડ વ્યગ્ર થઇ ગયું હોય તેથી એકાગ્રતાની દવા ચોપડે, પણ તે તો તેનાથી રોગ મટે પણ મોક્ષનું કશું વળે નહીં. આ તો માઇન્ડ નિરંતર વશ રહ્યા કરે, ત્યારે રોગ મટ્યો કહેવાય. નિરંતર વશ, એટલે આઘુંપાછું થાય નહીં. મન તો જ્ઞાને કરીને જ બંધાય એવું છે, તે ‘જ્ઞાની પુરુષ’ કરી શકે ! જ્ઞાન ના હોય તો જ્યાં મન જાય ત્યાં સંસાર ઊભો થઇ જાય. હિમાલયમાં જાય તોય નાનો ગુલાબનો છોડ ઊભો કરે, બકરી પાળે ને આમ સંસાર ઊભો કરે. એ તો એકાંતમાંય પછી ભીડ ઊભી કરે.

મનનો સ્વભાવ

મનનો સ્વભાવ કેવો છે ? કે, ‘મને ડીપ્રેશન આવ્યું’ કહે તો એક

(પા.૨૯૭)

રતલને બદલે દસ રતલ બોજો થઇ જાય, ને ‘મને ડીપ્રેશન નથી જ’ કહે તો બોજો દસ રતલને બદલે એક રતલ થઇ જાય. અહીં રેડિયો વાગતો હોય ને લાગે, મહીં થાય કે ‘અવાજથી ઊંઘ નહીં આવે’ તો ઊંઘ ના જ આવે; જો થાય કે ‘અવાજમાંય ઊંઘ આવી જશે’ તો આરામથી ઊંઘ આવે. આવું છે જગત ! આપણે મનથી જુદા છીએ, દેહથી જુદા છીએ અને વાણીથી પણ જુદા છીએ. પાડોશી વાસણ ખખડાવે તો એને કોણ કહેવા જાય ? પોતે એક જ હોત તો કહેવું પડે, આપણે તો એની ક્રિયાને જાણનારા.

આ મન મનના ધર્મમાં છે. આપણને કાનમાં શબ્દ પેસે નહીં તો મનને અસર થતી હશે ? કશી અસર ના થાય, અને કાનમાં શબ્દ પેસે તો ? એ ચાળાચાળ કરવી એ મનનો ધર્મ છે. તારણ કાઢવું એ બુદ્ધિનો ધર્મ છે. મન, બુદ્ધિ એ બધા એના પોતાના ગુણધર્મમાં છે અને એમાં આપણે શું પેસવાનું ? આપણે આપણા સ્વધર્મમાં રહેવાનું.

પ્રશ્નકર્તા : હું પ્રયત્ન તો ઘણો કરું છું મનની શાંતિ માટે, પણ સ્થિરતા જ નથી આવતી.

દાદાશ્રી : કયો ધર્મ પાળો છો ?

પ્રશ્નકર્તા : વૈષ્ણવ ધર્મ.

દાદાશ્રી : તો એ વૈષ્ણવ ધર્મ ખોટો હશે ? નહીં, કૃષ્ણ ભગવાન ખોટા હશે ?

પ્રશ્નકર્તા : ના, ભૂલ આપણી.....

દાદાશ્રી : શી ભૂલ હશે ?

પ્રશ્નકર્તા : એ તો આપને ખબર, દાદા.

દાદાશ્રી : આપનું નામ શું ?

પ્રશ્નકર્તા : ચંદુલાલ.

(પા.૨૯૮)

દાદાશ્રી : રોજ તો ગજવામાં પાંચ-પચીસ હોય તો મુંબઇના બજારમાં મન સ્થિર રહે અને દસ-વીસ હજાર હોય તો ? મન સ્થિર ના રહે ? એ તો સ્થિર રહે એવું છે, પણ એને આપણે ફટવીએ છીએ. રોજ રોજ છોકરાંને ફટવીએ અને એને કહીએ કે સ્થિર થા તો થાય નહીં, તેમ મનને ફટવ્યા પછી સ્થિરતા માગે તો સ્થિર રહે ? એ તો મનને પાન કે બીડી એ જ હોય, પણ આ તો ફટવીએ રેડિયો લો, ફ્રીઝ લો અને પેલું ટેલિવિઝન પણ લો. મનને ફટવ્યા પછી પાંસરું ના થાય. મનને ના ફટવશો, બીજા બધાને ફટવજો. બૈરીને ફટવી હશેને તો આ જ્ઞાની કલાકમાં સીધી કરી આપશે. સ્ત્રી ફાટી હોય તો બીજી રૂમમાં રાખે તો બાર કલાક છૂટા રહે, પણ મન તો રાતદહાડો જોડે જ રહે. ફટવેલું મન રાગે ન પડે, પણ જ્ઞાની મળે ને જ્ઞાન આપે તો ફટવેલું મન રાગે પડે.

પ્રશ્નકર્તા : આ માટે દસ વરસ મહેનત કરેલી.

દાદાશ્રી : તો ગયે અવતારે કરી નહોતી ? અનંત અવતાર આનું આ જ કર્યું છે. મન શું છે ? એને જાણવું તો પડે ને ! એનાં માબાપ કોણ છે ? એનું રહેઠાણ ક્યાં છે ? એનાં જન્મદાતા કોણ છે ? એનો વિલય કેવી રીતે થાય ? એ બધું પણ જાણવું તો પડે ને! એ મન કોણે મૂક્યું ?

પ્રશ્નકર્તા : પ્રભુએ.

દાદાશ્રી : શા માટે ? દુઃખ માટે કે સુખ માટે ? ભગવાને શા માટે એવું કર્યું ? બધાંને દિવેલ ચોપડવા માટે કર્યું હશે ? ભગવાન આમાં હાથ જ ઘાલતા નથી, આ પ્રોડક્શનમાં ભગવાન હાથ ઘાલતા નથી. એ તો બટ નેચરલ છે અને ભગવાન આ વાત મહીં બેઠા સાંભળે છે ને હસેય છે ખરા, કે, ‘ચંદુલાલ, આ શું ગાંડાં કાઢે છે !’ આપણે સમસરણ માર્ગમાં છીએ ને ! સમસરણ માર્ગ એટલે નિરંતર પરિવર્તન થયા કરે તે. એમાં છેલ્લામાં છેલ્લું સ્ટેશન મન. અત્યારે તમારું આ સ્ટેશન છેને એ આવતા ભવનું મન થશે. એ તો ‘જ્ઞાની પુરુષ’ જાણે કે મન શું છે? મન ઠેકાણે શી રીતે આવશે ? મન ઠેકાણે રાખવા તમે પોતે પ્રયત્ન નથી કરતા ?

(પા.૨૯૯)

પ્રશ્નકર્તા : એ પ્રયત્ન તો રોજ કરું છું.

દાદાશ્રી : તમે કરો છો કે ચંદુલાલ કરે છે ? કન્ટ્રોલ માટે પ્રયત્ન તમે પોતે કરતા નથી, એ તો ચંદુલાલ કરે છે. તમે પોતે કન્ટ્રોલ કરો તો કન્ટ્રોલ થાય એવું છે, પણ તમે ‘પોતે કોણ છો’ એ નક્કી કરવું જ પડશે ને ? એ નક્કી થઇ જાય તો કામ થઇ ગયું. અત્યારે માઇન્ડ કેવું છે ? બરાબર છે ને ?

મન તો મોક્ષનું નાવડું

પ્રશ્નકર્તા : અત્યારે તો અપાર શાંતિ છે.

દાદાશ્રી : મન તો નાવડું છે, મોક્ષે લઇ જાય ને સંસારમાં રઝળપાટ પણ કરાવે એવું છે. મોક્ષે ક્યારે લઇ જાય ? ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો મોક્ષમાર્ગે એ નાવડું ચાલે, કારણ કે અત્યારે હોકાયંત્ર નથી મળ્યું. ‘જ્ઞાની પુરુષ’ની હાજરીમાં તમારું મન આવું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે ! એમનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર-બધુંય સુંદર હોય. એમનો અહંકાર હોય પણ એય સુંદર હોય, પણ ગાંડો ન હોય, અહંકારેય મનોહર હોય. એક મનુષ્યમાં આટલી શક્તિ છે, તો બીજામાં કેટલી હોય ! એટલી જ હોય, પણ પ્રગટ થઇ નથી. પ્રગટ ક્યારે થાય ? કોઇ તરણ-તારણ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો.

વડોદરામાં એક બહેને પૂછયું, ‘દાદા, બધું સારું સારું જ કર્યું. આખી જિંદગી બીજાનું ભલું જ કરીએ છીએ, છતાં મનની શાંતિ કેમ થતી નથી ? ભગવાન જોડે ગમે તેટલો તાર જોડીએ છીએ છતાં જીવ કેમ બળે છે ?’ આ તો ‘અમારા’ હાથની વાત, અધિકાર ‘અમારો’, આ તો ટોપ વાત પૂછી બહેને. બધે બધા લોકો ફરી વળે, છતાં આ બે જ ગલીમાં ગૂંચાય. બહેને તો સુંદર તારણ કાઢ્યું કહેવાય !

જગતના દરેક ધર્મ છે ત્યાં મનોરંજન થાય, જ્યારે અહીં ‘જ્ઞાની પુરુષ’ પાસે આત્મરંજન થાય. મનોરંજન ઉશ્કેરાટ અનુભવે, સ્થિરતા ના અનુભવે. જ્યાં મન ઠરે ત્યા એ ધર્મ સાંભળવો, પણ જ્યાં મન ઉછાળે

(પા.૩૦૦)

ચઢે, મનોરંજન થાય એ ધર્મ સાંભળવાનો શા કામનો ? કિંચિત્ માત્ર મહીં ફેરફાર થાય તો કામનું. આ તો એંસી વરસ સુધી અપાસરે વ્યાખ્યાન સાંભળે, પ્રવચન સાંભળે તોય કિંચિત્ ફેરફાર ના થાય, તો એ કામનું જ નહીં ને ! એ તો મનોરંજન કર્યું કહેવાય, એમાં સ્થિરતા ના થાય. આત્મરંજનમાં આઇસ્ક્રીમની પેઠે આત્મા ઠરે ને પેલામાં ઊકળે. મનોરંજનમાં મન ઉછાળે ચઢે, બહાર આત્મરંજન તો થાય જ શી રીતે? અહીં આવો તો આત્મરંજન થાય. અહીં તો આવ્યો ત્યારથી જ આત્મા કબૂલ કરે કે, ‘હવે છૂટવાનું થયું.’ તેથી ઉલ્લાસ આવે. આ કેદીને કહીએ કે ‘થોડા દિવસ પછી છૂટવાનો છે’ તો કેદીને છોડ્યો ન હોય છતાં આનંદ આવે, એમ અહીં આત્મરંજન થાય. અહીંનો એક એક શબ્દ બહુ જ ઝીણવટથી સાંભળવા જેવો. જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષે લઇ જનારો છે!

મન, જગત - સ્વરૂપ

આ દેહને આત્મા જોડે કંઇ રીયલ સંબંધ નથી. આ મન એ આખું જગત છે, એથી જો બીજાને સળી કરીએ તો મનમાં દુઃખ ઊભું થાય અને બીજાને સુખ આપીએ તો સુખ મળે. મન એ જગત છે. જગતને સુખ આપીશ તો મનને સુખ થશે. તું બીજાને સુખ આપીને દુઃખ માગે તો એ ના મળે. મન તો દુનિયા છે, જેવું હલાવીશ તેવું મળશે. કવિ કહે છે ને, ‘મનમંદિરના આંગણિયામાં કલ્પતરૂવર ઊગિયાં રે.’ માટે જો તારે સાંસારિક સુખ જોઇતું હોય તો તને જે જે ન ગમતું હોય તે બીજાને ના આપીશ; માત્ર પોતાની પાસે જે સમજણ છે કે મને આ નથી ગમતું, પોતાને જે દુઃખ લાગે તે બીજાને તું ના આપીશ. તું દુઃખ માને છે એની આગળ તો બીજાં બહુ દુઃખો છે, પણ તું જેને દુઃખ માને છે એ બીજાને આપે તો તારા જેવો બીજો મૂર્ખ કોણ ? તો તને પછી સુખ મળે શી રીતે? જાણીને આપવું અને અજાણ્યે આપવું એમાં ફેર નહીં ?

આ બાબો કાચનો પ્યાલો ફોડે તો એને દુઃખ થાય ? અને બાપા ફોડે તો ? બાપાને તો બહુ દુઃખ થાય. તું જેને દુઃખ માને છે તે બીજાને ના આપીશ તો તું સુખી થઇશ. સુખી થવા બીજાં શાસ્ત્રો પણ વાંચવાની જરૂર નથી.

(પા.૩૦૧)

આ વાત તો જેને જ્ઞાન ના મળે તોય તે સમજે. એથી શું થાય? કે દુઃખ આવવાનું બંધ થાય અને સુખ આવવાનું ચાલુ થાય. આ તો ધર્મ પોતાની પાસે જ છે. એના માટે શાસ્ત્રોની જરૂર નથી, આટલું કરે એટલે સુખી થાય જ. પોતાને જે ઇફેક્ટ થાય તે સામાને પણ અવશ્ય થાય જ ને ? તારી પ્રત્યે મારી આંખોમાં તને ભાવ ના લાગે તો તારી આંખમાં એવા ભાવ ના લાવીશ કે જેથી સામાને દુઃખ થાય. જેનાથી આપણને દુઃખ થાય તેનાથી બીજાને દુઃખ કેમ અપાય ?

વિચાર

વિચાર કોને કહેવાય ? મનની ગાંઠ ફૂટે ને જે ફૂટે તે વિચાર સ્વરૂપ છે. વિચારને પોતે વાંચી શકે છે. વિચાર તો ઉઠાડે, બેસાડે આમ લઇ જાય તેમ લઇ જાય, દોડાવે એને વિચાર કહેવાય, ને આ ઉઠાડે નહીં, બેસાડે નહીં, દોડાદોડ ના કરાવે તો પેટ (પાળેલા) વિચારો કહેવાય, અને આપણને ઉઠબેસ કરાવે એ પાળેલા વિચારો ના કહેવાય.

આ મહીં બૂમાબૂમ કરે છે તે મન બોલે છે, વિચાર બોલે છે અને એય પણ પોતે એમને વસાવેલા. કેટલાક વિચારો નથી આવતા કારણ કે એ માલ નથી વસાવ્યો તેથી. જે માલ ભર્યો હોય તે જ વિચાર આવે. એટલે જેટલા તમે વસાવ્યા તેટલા જ બૂમો પાડશે. જેટલા વસાવ્યા તે જ વસવાયાં ને વસવાયાં તો બૂમો પાડે જ ને ? !

જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો, એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે હું પડી જઇશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્માસ્વરૂપ થઇ જાવ. આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે ‘આ ચાદર મેલી છે,’ પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત. પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.

કોઇ મિત્ર માંદો હોય તો એના ઘેર કહેવું પડે કે, ‘આની દવા કરો.’

(પા.૩૦૨)

મહીં વિચારો એવા યે આવે કે આ બચે એવું લાગતું નથી, આવા અવળા વિચાર વધારે ઢીલા બનાવી દે. આ વિચાર એ કામના જ નથી હોતા. આ વિચાર એ જ સંસાર છે, એ પોતે જ વિચાર છે, એનો સ્વભાવ જ ચંચળ છે, પણ આપણે એમાં ચંચળ નહીં થવાનું. એ તો આવ્યા કરે, આપણે તો આવે ત્યારે જોયા કરીએ ને જાણ્યા કરીએ. એને જાણ્યા એટલે ‘શુદ્ધાત્મા’ હાજર જ છે. એ તો જાણીએ કે પહેલા ચંદુલાલ ગયા, પછી ચતુરલાલ ગયા.

પ્રશ્નકર્તા : વિચારો ઘણા આવી ગયા, પણ પાછળથી ખબર પડે કે આ તો વિચારો આવી ગયા. એટલે એ તન્મયાકાર થયો કહેવાય ?

દાદાશ્રી : વિચારોમાં પેઠા નહીં તો છૂટા જ છે. આ વિચારોમાં વળગ્યા નહીં તો આત્મા આત્મા જ રહ્યો. ઘણી વાર એવું બને કે સામટા વિચારો ફૂટે તો જાગૃતિ ના હોય, પણ પાછળથી આ વિચારો વળગણ છે એ જાણ્યું, એ જ બતાવે છે કે આત્મા હાજર છે.

સ્વરૂપપ્રાપ્તિ પછી વિચારોનો ફોર્સ આવી જાય એટલે બીજો કશો વાંધો નહીં, પણ આપણું સુખ અંતરાયું એ જ નુકસાન છે.

આ છોકરાંની નિશાળ છૂટે છે તો કેટલાં છોકરાં સાથે નીકળે છે? ઘંટ પડે કે શરૂઆતમાં ઢગલાબંધ છોકરાં નીકળે ને પછી તો એક-બે, એક-બે જ છોકરાં નીકળે. એવું છે આ વિચારોમાં પણ ! પણ આત્મા આમાંય પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું છોડતો નથી, માત્ર સુખ અંતરાય છે. આત્મા ક્યારેય પણ પોતાનો સ્વભાવ છોડતો નથી અને વિભાવમાં આવતો જ નથી. ‘જ્ઞાની પુરુષ’ પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું એટલે વાંધો ના આવે.

વિચારોની - આશ્રવ, નિર્જરા

મહીં બહુ વિચાર આવે, તેમાં તન્મયાકાર રહે તો આશ્રવ કરે અને બંધ પડે. વિચારોનાં જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો નિર્જરા થાય અને સંવર રહે, કર્મને દાટો લાગી જાય. વિચાર તો બધાને આવે. ગાંઠો ફૂટે, વધારે

(પા.૩૦૩)

ઇન્ટરેસ્ટેડ ગાંઠો ફૂટે, એ પણ અનટાઇમલી બોમ્બની જેમ. તે રાતે, ત્રણ વાગ્યે પણ ગાંઠ ફૂટે, પણ ફુટે તે પહેલાં જાગતાં કરે. સ્વપ્નું આવે કે ગમે તેમ પણ જગાડીને ફૂટે, એય લીંકમાં ફુટે. આ તો પોતાને ગમતી ગાંઠો હોય તે સંયોગ મળે ત્યારે ફુટે અને જો વંચાય અને તન્મયાકાર થયા તો કર્મ ચોંટે અને વાંચીને જવા દઇએ એટલે પછી પાછી એ ગાંઠ ના આવે. આ વિચારો આવે છે એ મનમાંથી આવે છે, એ આપણાથી તદ્ન જુદા છે, પણ ત્યાં તન્મયાકાર થઇ જાય છે. તન્મયાકાર ના થાય ત્યાં આત્મ ધર્મ ઊભો છે. સંયોગ ભેગો થાય તો મનની ગાંઠો ફુટે. આ ગાંઠો લોભની પણ હોય અને વિષયોની પણ હોય. તે ગાંઠો પ્રમાણમાં નાનીમોટી જાતજાતની હોય. જેનો બહુ જ ઇન્ટરેસ્ટ હોય એ ગાંઠો મોટી હોય, તેના બહુ વિચાર આવે. એ વિચારોને છેદવા માટે તેમને ‘જો જો’ કરવું પડે. આ વિચારો વાંચી શકાય એવા છે. ગમતા વિચારો આવે એમાં તન્મયાકાર રહે અને ના ગમતા વિચારો આવે તો તરત જ પોતાથી તે છૂટા છે એમ લાગે.

ના ગમતામાં ચોખ્ખું મન

ના ગમતું ચોખ્ખા મને સહેવાઇ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, અને તેને ધોઇ નાખે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઇ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવાં પડે ને ?

દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઇ ગયું હોય, અને અમુક બાબતમાં ના થયું હોય એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

(પા.૩૦૪)

અમને તો પહેલીથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલમતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નિકળે તો તરત જ તારણ નીકળી જાય, આને ‘વિપુલમતિ’ કહેવાય. વિપુલમતિ હોય જ નહીં કોઇને. ‘આ’ તો એક્સેપ્શન કેસ બની ગયો છે ! જગતમાં વિપુલમતિ ક્યારે કહેવાય? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો ક્યાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઇએ.

કાર્યનો પ્રેરક કોણ ?

પ્રશ્નકર્તા : કાર્ય કરવા પ્રેરણા કોણ આપે છે ?

દાદાશ્રી : એ પ્રેરણા તો ગયા અવતારનાં કોઝીઝ છે તેની ઇફેક્ટ માત્ર છે. મનના વિચારથી પ્રેરણા થાય છે. કંઇ પણ કાર્ય થાય, તે શુદ્ધાત્મા કરતો નથી, પ્રતિષ્ઠિત આત્મા કરે છે.

મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અંતઃકરણનાં અંગ છે. વિચારે ચઢે તે મન; અહીં બેઠા હોય ને બહાર ભટકે તે ચિત્ત, મન જે દેખાડે તે પેમ્ફલેટ અને નક્કી કરે તે બુદ્ધિ અને સહી કરી આપે તે અહંકાર. અંતઃકરણ પ્રમાણે બાહ્યકરણ થાય, કોઇ પ્રેરક છે જ નહીં. જે જે પરમાણુ ભેગાં કર્યાં છે તેવા વિચાર છપાઇ જાય છે, અને તે જ પરમાણુ ઉદયમાં આવે છે. જે પોતે જ વિચારતા હોઇએ તો ગમતા જ વિચાર આવે, પણ જેવાં પરમાણુ ભર્યાં છે તે નીકળે છે. વિચારો સંયોગોને આધીન છે. માલ ભરતી વખતે જ વિચાર કરવો, સુવિચારો જે હિતકારી છે તે ભરવા. મહીં કોઇ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઓફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે, ‘તું કોણ છે ? તારો વ્યવસાય શો છે ?’ આ તો એને પેસવા જ ના દેવાય. આ તો કોઇ ને લકવો થયો હોય તો તેને જોઇ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર કહેવાય. એને પેસવા જ ના દેવાય. આ ‘આપણી’ સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય.

(પા.૩૦૫)

પેસવા દેવું એ જોખમકારી છે, એનાથી તો સંસાર ઊભો છે, અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઇએ કે, ‘ગેટ આઉટ.’ ‘દાદા’નું નામ દેવાનું તે અટકી જાય. આ બહારવટિયા રાત્રે બૂમ પાડે તો શું રાત જતી નથી રહેવાની ? આ તો ટેમ્પરરી છે, રાત વીતી જવાની છે. આપણે તો અનંત શક્તિવાળા છીએ.

મનનો સ્વભાવ કેવો છે ? સીધું વળે નહીં ને જો પટાવી-સમજાવીને વાળે તો વળ્યા પછી ત્યાંથી ખસે નહીં, પાછું ફરે નહીં. તેથી આ નાનાં બાબા-બેબીને સારા સંસ્કાર પાડવાં, તો પછી એ સારા સંસ્કાર જાય નહીં.

છોકરાંઓને વિચારો આવે એ કાર્યકારણ વિચારો આવે, તે વિચાર આવે છે કે તરત જ કાર્યમાં આવી જાય. મોટો થાય એટલે ક્રિકેટના વિચારો આવે, છતાં વાંચતો હોય.

મનઃપર્યાય જ્ઞાન

બધા મનુષ્યનો સ્વભાવ કેવો છે કે વિચાર આવે તેને કહે, ‘મને વિચાર આવ્યો.’ અલ્યા, તું પોતે અને વિચાર બંને જુદા છે. ‘મને વિચાર આવ્યો’ એ વાક્ય જ ઇટસેલ્ફ બોલે છે કે ‘હું’ અને ‘વિચાર’ બંને જુદાં છે. ‘હું વિચારું છું’ એમ નથી બોલતો, ‘મને વિચાર આવે છે કે મારા આવા વિચાર છે’ એમ કહે છે. માટે વિચાર સેલ્ફથી કમ્પ્લીટ છૂટા જ છે. આ તો અલૌકિક જ્ઞાન છે ! આ તો મનઃપર્યાય જ્ઞાન ઊભું થયું છે, વિચાર આવે ને પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે. આ જ્ઞાનથી તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકાય તેમ છે !

આ મનના વિચાર અજ્ઞાનીનેય દેખાય, છતાંય તે પર્યાય જાણવાનું, આત્મા થયા વગર મનઃપર્યાય જ્ઞાનમાં ના ગણાય. આ મનના પર્યાયો નિરંતર બદલાય, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહે તે જ મનઃપર્યાય જ્ઞાન.

મનની અવસ્થા જોઇ શકે તેને જ્ઞાની કહ્યો છે. મનનાં કોમ્પ્રેશન કે ટેન્શન, કેટલું ઊંચું ગયું, કેટલું નીચું ગયું, કેવો ઉલ્લાસ આવ્યો, કેવું ડીપ્રેશન આવ્યું, એ બધા જ પર્યાયો જોવા એ જ મનઃપર્યાય જ્ઞાન. ‘સ્વરૂપ

(પા.૩૦૬)

જ્ઞાન’ વગર તો મન જરા બતાવે તો ચોંટી પડે-‘મને મને’ કરીને! મનઃપર્યાય જ્ઞાન પ્રાપ્ત કરવા લાખ અવતાર શિષ્ય થવા તૈયાર થઇ જાય ! ક્રમિક માર્ગમાં સાધારણ મનઃપર્યાય જ્ઞાન હોય અને આ આપણા અક્રમ માર્ગમાં સજ્જડ મનઃપર્યાય જ્ઞાન થાય, આ તો બુદ્ધિના પર્યાયો પણ જોઇ શકે, તે પણ જ્ઞાન જ કહેવાય. ચિત્તને તો અજ્ઞાની પણ જોઇ શકે. તે તો અશુદ્ધ ચિત્ત કહેવાય, તે જ્ઞાનમાં ના ગણાય, કારણ કે એને અહંકાર પણ જોઇ શકે.

આ અક્રમ માર્ગ તેથી મનઃપર્યાય જ્ઞાન ઊભું થઇ ગયું છે ! તેથી જ કોઇ માટે દ્વેષ થતો હોય તો મનઃપર્યાય જ્ઞાનથી મનની ખબર પડી જાય ને ત્યાં સીલ-દાટો મારી દેવાય, જ્યારે એ માણસ ફરી ભેગો થાય ત્યારે ભડકો થતો એની મેળે અટકી જાય. એ મનઃ પર્યાય જ્ઞાન ના હોય તો તો ભડકો થઇ જાય. આ તો મનઃપર્યાય જ્ઞાન, તે આપણે દુકાને બેઠા હોઇએ તોય આપણે જાણીએ કે ચંદુભાઇ માટે આવા પર્યાય અને લલ્લુભાઇ માટે આવા પર્યાય બતાવે છે, તે ત્યાં આગળ ચેતીને ચાલીએ. ભલભલા સાધુઓને, આચાર્યોને પણ મનઃપર્યાય જ્ઞાન ના હોય, શ્રુતજ્ઞાનમાં જ હોય તેઓ.

આ તો તમને કલાકમાં જ સ્વરૂપનું ભાન ‘અમે’ કરાવી આપીએ છીએ, તેથી આ બધું સહજ પ્રાપ્ત થઇ જાય છે; બાકી લાખ અવતારેય ઠેકાણું પડે તેમ નથી !

(પા.૩૦૭)

બુદ્ધિ અને જ્ઞાન

દાદાશ્રી : બુદ્ધિ અને જ્ઞાનમાં કંઇ ફેર ખરો ?

પ્રશ્નકર્તા : બુદ્ધિ એટલે પ્રત્યક્ષ સિદ્ધ કરી શકાય એવી સમજ અને જ્ઞાન એટલે બુદ્ધિથી પર, જેને સુપર-નોલેજ, પરાવિદ્યા કહેવાય.

દાદાશ્રી : એની ડેફિનેશન હું કહુંઃ આખા જગતના બધા જ સબ્જેક્ટ્સ હોય તેમાંથી બે-ચાર સબ્જેક્ટ્સ જાણે તેને લોકો નોલેજ કહે છે, પણ આખા જગતના બધા જ સબ્જેક્ટ્સ જાણે તે પણ બુદ્ધિમાં સમાય, કારણ કે તે અહંકારી જ્ઞાન છે. અહંકારી જ્ઞાન તે બુદ્ધિ છે અને નિર્અહંકારી જ્ઞાન તે ‘જ્ઞાન’ છે. બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે, એની તમને સિમિલી આપું. સૂર્યનારાયણનો ડિરેક્ટ પ્રકાશ એ ડિરેક્ટ જ્ઞાન જેવું છે અને બીજું ઇન્ડિરેક્ટ પ્રકાશ, જે સૂર્યનારાયણનો પ્રકાશ અરીસા પર પડે અને તે રૂમમાં પ્રકાશ આપે તે ઇન્ડિરેક્ટ પ્રકાશ. આત્માનો ડિરેક્ટ પ્રકાશ એ જ્ઞાન છે. બુદ્ધિનો પ્રકાશ થ્રુ મીડિયમ છે; ઇનડિરેક્ટ છે. આત્મા એ સ્વ-પર પ્રકાશક છે અને બુદ્ધિ પર-પ્રકાશક છે. બુદ્ધિ એ વિકલ્પો કરાવે. સંકલ્પો-વિકલ્પો થાય છે તમને ?

પ્રશ્નકર્તા : ‘સંકલ્પ-વિકલ્પ’નો એક્ઝેક્ટ મીનિંગ મને નથી સમજાતો !

દાદાશ્રી : બહાર સંકલ્પ-વિકલ્પ શાને કહે છે તે ખબર છે ? મહીં સારા કે ખરાબ વિચાર આવે તેને સંકલ્પ-વિકલ્પ કહે છે, પણ એ ઓળખ્યા વગરની વાત છે. ‘હું ચંદુલાલ છું’ એ પહેલો વિકલ્પ, ‘હું આનો ધણી છું’ એ બીજો વિકલ્પ, ‘હું આનો બાપ છું, વકીલ છું’ એ બધા વિકલ્પો અને ‘આ દેહ, મોટર, બંગલા, મારા છે’ એ સંકલ્પ; ‘હું’ અને ‘મારું’ એ અનુક્રમે વિકલ્પ અને સંકલ્પ.

(પા.૩૦૮)

જ્ઞાન અને બુદ્ધિમાં ફેર શો ? બુદ્ધિ એ ભેદ પાડે છે, મારું-તારું કરાવે; જ્યારે જ્ઞાન અભેદ કરાવે. બુદ્ધિ-જ્ઞાન એટલે કે આ જગતનાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન જાણે, પણ પોતાને ના જાણે તો એ અહંકારી-જ્ઞાન, એને બુદ્ધિ કહી ને સ્વરૂપના જ્ઞાનને જાણે તો નિર્અહંકારી-જ્ઞાન થઇ જાય, એ જ્ઞાન છે. બુદ્ધિ તો પોતાનાં છોકરાં અને બૈરાં વચ્ચેય ભેદ પડાવ્યા કરે.

ભેદબુદ્ધિ

ભેદબુદ્ધિ હોય ત્યાં સુધી લાગે, ‘હું ચંદુલાલ ને આ રાયચંદ’ અને મહાવીર જુદા, નેમીનાથ જુદા, કૃષ્ણ જુદા, બધામાં ભેદ લાગે; ને ‘જ્ઞાની પુરુષ’ને ભેદબુદ્ધિ ના હોય, એ આત્મસ્વરૂપમાં રહે અને બધે અભેદ જુએ. અમને તો બધાનામાં હું જ બેઠેલો છું એવું રહે. રીયલ સ્વરૂપ જાણી લઇએ એટલે અભેદતા આવે.

વીતરાગો નિષ્પક્ષપાતી હોય, તેમને બધામાં અભેદતા લાગે. કાળચક્રના આધારે માર ખા ખા કરે છે, જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો માર ખાવાના ના હોય, જ્ઞાની મળે તો ઉકેલ આવે.

બુદ્ધિ પ્રકાશક ખરી, પણ પર-પ્રકાશક ઇન્ડિરેક્ટ લાઇટ છે, અરીસામાંથી સૂર્યના પ્રકાશનાં એરિયાં પડે તેમ. જેનો જેટલો મોટો અરીસો એટલો એનો પ્રકાશ પડે. કેટલાક તો બેરિસ્ટરો એવા હોય છે જે રોજના હજારો કમાય, કારણ કે અરીસો મોટો છે અને કેટલાકનું તો ટટ્ટુંય ના ચાલે. બુદ્ધિનું ફળ શું ? બહુ બુદ્ધિ વધે ત્યારે બુધ્ધુ થઇ જાય !

અમારામાં નામેય બુદ્ધિ ના હોય, અમે ‘અબુધ’ હોઇએ. કવિએ કહ્યું છે ને કે,

‘ભાવ, નો, દ્રવ્યનાં ઝાળાં ખંખેરી જાણ જો અબુધ અધ્યાસે.’

અબુધ-અધ્યાસ થાય તો એ જાળાં ખંખેરાશે, બુદ્ધિથી એ જાળાં પડી નહીં જાય. બુદ્ધિ તો એનું કામ કર્યા કરશે, પણ એને વાપરવાની નથી. આ તો સાપ હોય ત્યાં બુદ્ધિની લાઇટ ધરીને જુએ તો અજંપો થાય અને

(પા.૩૦૯)

‘વ્યવસ્થિત’ કહે છે ‘જાને તું તારે, કોઇ કશુંય કરડવાનું નથી!’ તો નીરાકુળતા રહે. બુદ્ધિ તો સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે અને સંસારનું કામ થઇ જાય છે, પણ આ તો વિપરીત બુદ્ધિ વાપરે છે કે વખતે સાપ કરડી જશે તો ! એ જ ઉપાધિ કરાવે છે. સમ્યક્ બુદ્ધિથી સર્વ દુઃખ કપાય અને વિપરીત બુદ્ધિથી સર્વ દુઃખો ઇન્વાઇટ કરે.

ત્રણ પ્રકારની બુદ્ધિ : એક અવ્યભિચારિણી બુદ્ધિ, બીજી વ્યભિચારિણી બુદ્ધિ અને ત્રીજી સમ્યક્ બુદ્ધિ. આ ત્રણ પ્રકારમાં કોઇ અવતારમાંય જિનનાં દર્શન કરેલાં હોય, તેને સમ્યક્ બુદ્ધિ ઉછરે. શુદ્ધ જિનનાં દર્શન કર્યા હોય અને ત્યાં શ્રદ્ધા બેઠી હોય તો બીજ નકામું જતું નથી, તેથી અત્યારે સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય, અને પછી સહજ ભાવે માર્ગ મળી આવે.

આ કરિયાણાના ગાંધીને ૨૦૦૦ રૂપિયા ના આવે તો ઘરાકની સાથે ઝઘડો કરે, તે પછી ઘરાક એકાદ ધોલ આપી દે ને ફોજદારી કેસ થાય. આ તો હજી રૂપિયા આપ્યા નથી ને ફોજદારી કેસ થાય, એટલે કહે, ‘હું તો દુઃખી દુઃખી થઇ ગયો.’ આ તો પોતે જ દુઃખને બોલાવે ! આ દુઃખોને જો ના બોલાવે તો એકેય આવે તેમ નથી. વિપરીત બુદ્ધિથી જ દુઃખો ઊભાં થાય છે. વિપરીત બુદ્ધિ એટલે ઊંધી ધારે શાક સમારવું, શાક છોલાય નહીં ને આંગળીમાં લોહી નીકળે.

જેનામાં અક્કલ છે એનો મોક્ષ ના થાય. જગત જેને અક્કલવાળો કહે છે એ તો બહુ જ કમઅક્કલ છે. અક્કલવાળો પોતાની જ ઘોર ખોદે છે, એને અમે કમઅક્કલ કહીએ છીએ. અમે પોતે જ અક્કલ વગરના છીએ ને ! અબુધ છીએ !! અમારામાં છાંટોય બુદ્ધિ હોય તો બધાં ધ્યાન ઊભાં થઇ જાય, ધંધામાં થાય કે, ‘આ પૈસા વધારે લઇ ગયો, આણે આમ કર્યું,’ તે જ્ઞાન જ ખલાસ થઇ જાય.

બુદ્ધિ વપરાશની લિમિટ

અમે સવારે સાત વાગ્યે ‘દાદર’ સ્ટેશને બેઠેલા, ત્યારે લોકોએ

(પા.૩૧૦)

સામટી લાઇટો બંધ કરી દીધી. તે બુદ્ધિવાળો શું પૂછે કે, ‘આમ કેમ કર્યું?’ આ સૂર્યનારાયણ ઊગે છે તેનું તેજ આવે છે, તેથી હવે આ લાઇટોની શી જરૂર ? અમે કહીએ છીએ કે ‘આ’ ફુલ લાઇટ આવી ગયા પછી બુદ્ધિની લાઇટ બંધ કરી દો ! જેમ આ લોકો આમાં કેવા જાગ્રત છે કે ઇલેક્ટ્રિસિટી વપરાઇ જાય છે તેમ આપણા લાઇટમાં, મૂળશક્તિમાં બુદ્ધિ વાપરવાથી પાવર વેડફાઇ જાય છે ને એ લાઇટ ના વાપરે તો મૂળ લાઇટમાં વધારો થાય.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો પ્રકાશ તો રહેવાનો જ ને ?

દાદાશ્રી : હા, એ બુદ્ધિ જરૂર પડે તો કામ કરી જાય પણ બટન ચાલુ રાખવાની જરૂર નથી. એ તો ઓટોમેટિક ચાલુ થઇ જ જાય છે. પણ બટન ચાલુ રહી ના જવું જોઇએ. સંસારી હિત શેમાં છે તે બુદ્ધિ દેખાડે. સંસારી કોઇપણ ક્રિયામાં બુદ્ધિનો જ ઉપયોગ હોય છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાનનો ઉપયોગ છે.

આત્મા સહજ સ્વરૂપે જ છે, પણ પ્રકૃતિ સહજ થાય ત્યારે એ સહજ રહે, એનું ફળ આવે. પ્રકૃતિ સહજ ક્યારે થાય ? બુદ્ધિબહેન વિશ્રાંતિ લે ત્યારે પ્રકૃતિ સહજ થાય. કોલેજમાં ભણતા હતા ત્યાં સુધી બુદ્ધિબહેન આવતાં હતાં, પણ હવે ભણી રહ્યાં, હવે શી જરૂર છે ? હવે એને કહીએ કે ‘તમે ઘેર રહો, અમારે જરૂર નથી.’ તેને પેન્શન આપી દેવાનું. બુદ્ધિ ચંચળ બનાવે, તેથી આત્માનો જે સહજ સ્વભાવ છે એનો સ્વાદ ચાખવા મળતો નથી. બહારનો ભાગ જ ચંચળ છે, પણ જો બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્તે ! આ કૂતરું દેખ્યું, તો બુદ્ધિ કહેશે, ‘કાલે પેલાને કરડેલું તે આય એવું જ કૂતરું દેખાય છે, મનેય કરડી જશે તો ?’ અલ્યા, એના હાથમાં શી સત્તા છે ? ‘વ્યવસ્થિત’માં હશે તો કૈડશે. બુદ્ધિ, તું બાજુએ બેસ. સત્તા જો પોતાની હોત તો લોક પોતાનું પાંસરું ના કરત ? પણ પાંસરું થયું નથી ! બુદ્ધિ તો શંકા કરાવે. શંકા થાય તો ડખો થાય. આપણે તો આપણા નિઃશંક પદમાં રહેવાનું. જગત તો શંકા, શંકા ને શંકામાં જ રહેવાનું.

(પા.૩૧૧)

બુદ્ધિની નોર્માલિટી

પ્રશ્નકર્તા : દાદા, બુદ્ધિ ડીમ કેવી રીતે કરાય ?

દાદાશ્રી : બુદ્ધિને ડીમ કરવા માટે તો સમ્યક્બુદ્ધિનું જોર જોઇએ.

જેમ બુદ્ધિ વધે તેમ સ્મૃતિ વધે, તેમ બળાપો વધે ! બુદ્ધિ બાજુએ જ મૂકવાની, એની વાત જ નહીં માનવાની. આ ચાલીમાં એક માણસ એવો હોય કે એની વાત માનીએ તો ફજેતો આપણને થાય છે, તો કેટલી વખત એની વાત આપણે એક્સેપ્ટ કરીએ ? એક-બે વખત, પણ પછી તો એની વાત જ ના એક્સેપ્ટ કરીએ. બુદ્ધિ તો સેન્સિટિવ બનાવી દે, ઇમોશનલ બનાવી દે, તો એની વાત આપણાંથી કેમ એક્સેપ્ટ કરાય?

વ્યવહારમાં વાઇઝ રહેવાની જરૂર કે કોઇને જરાય નુકસાન ના થાય, આ અક્કલની જરૂર નહીં. આ બહુ અક્કલ વધી જાય તો દિમાગ ઠેકાણે ના રહે, બુધ્ધુ થઇ જાય, માટે થોડી બુદ્ધિને કાપી નાખવી. વાઇઝ થવાની જરૂર છે, ઓવરવાઇઝ થવાની જરૂર નથી. ઓવરવાઇઝ થાય પછી ટ્રીકો કરતાં શીખી જાય. ટ્રીક એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો ફાયદો લેવો તે. ટ્રીક કરે તો તો ચોરમાં ને તારામાં ફેર શો ? આ તો ચોર કરતાંય વધારે જોખમદારી કહેવાય. ટ્રીક એ તો બુદ્ધિથી સામાને મારે. ભગવાને કહેલું કે, ‘બુદ્ધિથી મારતાં મારતાં તું નિર્દય થઇ જઇશ, એના કરતાં તો હાથેથી મારવું સારું કે જેથી ક્યારેય દયા આવશે. આખું જગત બુદ્ધિથી મારી રહ્યું છે, એ તો ઊંચામાં ઊંચું રૌદ્રધ્યાન કહેવાય ! એનું સીધું ફળ નર્કગતિ આવે. રૌદ્રધ્યાન એટલે કો’ક સુખને કોઇપણ રીતે પડાવી લેવાની ઇચ્છા, કોઇને કોઇપણ રીતે દુઃખ આપવું એ જ ઇચ્છા. આ કપડું ખેંચીને વેચે છે એ જ રૌદ્રધ્યાન, ‘આટલું કપડું તો બચશે’ એમ કહેશે. આ હિસાબ તો કેવો છે ? ૯,૯૯૯ w. મળવાના છે, તો રૌદ્રધ્યાનથીય એટલા જ મળે છે અને એ ધ્યાન વગરથીય એટલા જ મળે છે. આ તો ઉપરથી કપડાં ખેંચીને ધ્યાન બગાડે તે કહેશે કે, ‘કમાવા એવું તો કરવું પડે ને ?’ આ લોકોને લક્ષ્મીજી આવશે એ શ્રદ્ધા નથી રહેતી.

(પા.૩૧૨)

અલ્યા, જે શ્રદ્ધા પર તે દુકાન કાઢી છે, એ શ્રદ્ધા પર ધ્યાન ના બગાડીશ અને એ જ શ્રદ્ધાથી નફો મળશે એમ રાખ.

જગતના લોકો બધા અંધશ્રદ્ધાથી ચાલે છે, મોટર ચલાવનારોય અંધશ્રદ્ધાથી ચાલે છે. ‘જ્ઞાની પુરુષ’ મોટરમાં બેસે તો કહે કે, ‘કાં તો ટકરાશે ને કાં તો બચશે. જે હો તે ભલે હો.’ આ તો જ્ઞાન ના હોય તો પણ અંધશ્રદ્ધા પર ચલાય !

બુદ્ધિ સંસારાનુગામી જ

ભટકનારના દોષે ભટકાવનાર ઊભા થાય છે. ભટકાવનારા તો બહુ ભોગવશે, કારણ કે પોતાની બુદ્ધિથી સામાની પાસે લાભ લીધો. બુદ્ધિથી તો સામાને લાભ કેમ થાય તે જોવાનું હોય, પણ આ તો દુરુપયોગ કરે છે, તેને વ્યભિચારિણી બુદ્ધિ કહી. કૃષ્ણ ભગવાને ગીતામાં બુદ્ધિને વ્યભિચારિણી કહી છે. બુદ્ધિથી આ કશું જ કરવાની જરૂર નથી, સહેજાસહેજમાં પ્રાપ્ત થાય એવું આ જગત છે. આ તો ભોગવતાં નથી આવડતું, નહીં તો મનુષ્ય અવતારમાં ભોગવી શકે એવું છે; પણ આ મનુષ્ય ભોગવી શકતો જ નથી અને પાછા એમના ટચમાં આવેલાં બધાં જાનવરોય દુઃખી થયાં છે. બીજા કરોડો જીવો છે છતાં દુઃખિયા એકલા આ મનુષ્યો જ, કારણ કે બધાનો દુરુપયોગ કર્યો; બુદ્ધિનો, મનનો બધાનો જ. આ મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે. આ સામે બહારવટિયો આવે તો ‘મારું શું થશે?’ એવો વિચાર આ મનુષ્યોને જ આવે. ‘હું કેવી રીતે ચલાવીશ ? મારા વગર ચલાવશે જ કોણ ?’ એવી જે ચિંતા કરે છે એ બધાં જ નિરાશ્રિત છે; જ્યારે પેલાં જનાવરો ભગવાનનાં આશ્રિત છે. તેમને તો ખાવા-પીવા આરામથી મળે છે, એમને ડોક્ટર, હોસ્પિટલ એવું કશું જ નહીં અને એ લોકોને દુકાળ જેવુંય કશું નહીં. હા, આ મનુષ્યોના સંગમાં આવ્યાં તે જનાવરો-ગાય, બળદો, ઘોડાં વગેરે પાછાં દુઃખી થયાં છે.

જેમ આહાર ઘટે તેમ પ્રમાદ ઘટે અને બુદ્ધિનું ડેવલેપમેન્ટ થાય. ચાથી શરીરનાં બંધારણ બગડ્યાં, આહાર ઘટ્યો એનાથી. પહેલાંના જમાનામાં ચા નહીં, તે ખોરાક એટલો બધો વધારે, તે પછી બળદિયા જેવા થઈ જાય,

(પા.૩૧૩)

બુદ્ધિ ભેંસ જેવી થઇ જાય. છતાં, એ લોકો મહેનત સારી કરી શકે, ઝાલ્યું કામ સજજડ મહેનતે પૂરું કરે. બહુ ખોરાકથી બુદ્ધિ જાડી થઇ જાય, સૂક્ષ્મતા ઊડી જાય.

બુદ્ધિ સંસારનું કામ કરી આપે, મોક્ષનું નહીં. એક વ્યુ પોઇન્ટ એ બુદ્ધિ અને બન્ને વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય, રીયલ અને રીલેટિવ વ્યુ પોઇન્ટ ઉત્પન્ન થાય તો જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય અને પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં બન્ને વ્યુ પોઇન્ટથી, રીયલ અને રીલેટિવ બન્નેને જુદા જુદા જુએ અને તેનાથી મોક્ષ થાય. પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યાં સનાતન સુખ છે. બુદ્ધિથી તો કલ્પિત દુઃખ અને પાછું નિરંતરનું ! સુખની પાછળ દુઃખ ભરેલું હોય, અને પાછો દુષમ કાળ !! તે પાર વગરનાં દુઃખો ને સંપૂર્ણ મોહનીય વ્યાપેલી છે, નિરંતર મૂર્ચ્છામાં ભટકે છે !

(પા.૩૧૪)

ચિત્ત

ચિત્ત એટલે જ્ઞાન-દર્શન, આ બે ગુણનો અધિકારી એ ચિત્ત. આ બન્નેય ગુણ અશુદ્ધ હોય તો એ અશુદ્ધ ચિત્ત કહેવાય અને શુદ્ધ હોય તો શુદ્ધ ચિત્ત કહેવાય.

શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન = શુદ્ધ ચિત્ત = શુદ્ધાત્મા.

અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત = અશુદ્ધાત્મા.

અહીં બેઠા હોય ને પરદેશમાં જોઇ આવે, ઘર-બર બધું જોઇ આવે એ જોઇ આવવાનો, જાણી આવવાનો સ્વભાવ એ ચિત્તનો છે; જ્યારે મનનો સ્વભાવ દેખાડવાનો, પેમ્ફલેટ દેખાડવાનો છે. મન એક પછી એક પેમ્ફલેટ દેખાડે. લોકો તો પાડાને વાંકે પખાલીને ડામ દે છે, કહે છે કે, ‘મારું મન ભટકે છે !’ મન ક્યારેય આ શરીર છોડીને બહાર ના જઇ શકે, જાય છે તે ચિત્ત છે. લોકો તો મનને ઓળખતા નથી, ચિત્તને ઓળખતા નથી, બુદ્ધિને ઓળખતા નથી ને અહંકારનેય ઓળખતા નથી. અરે ! અંતઃકરણ, અંતઃકરણ એમ ગાય છે, પણ અંતઃકરણને સમજતા નથી. આ અંતઃકરણમાં પહેલો મહીં પ્યાલો ફૂટે પછી જ બહાર પ્યાલો ફૂટે.

આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત કોઇ શાસ્ત્રોમાંય સમજણ નથી પાડી.

આ ચિત્ત તો અંદરેય ભટકે છે ને બહારેય ભટકે છે. મગજમાં શું બને છે એ ચિત્ત જોઇ આવે છે.

ચિત્ત ગેરહાજર - તેનાં ફળ ?

એક મિલમાલિક મારે ત્યાં સાંતાક્રુઝ આવેલા. તેમને મેં પૂછયું,

(પા.૩૧૫)

‘શેઠ, કોઇ દહાડો સમી રીતે જમો છો ? ચિત્તને ઠેકાણે રાખી જમો છો? આ બ્લડપ્રેસર શાથી થાય છે ? બે-ચિત્તથી ખાઓ છો તેથી.’ તે શેઠ બિચારા ગળગળા થઇ ગયા ને મારા ખોળામાં માથું મૂકી કહેવા લાગ્યા, ‘હા, દાદા, કોઇ દિવસ ચિત્ત દઇને જમ્યો જ નથી.’

કૃષ્ણ ભગવાને શું કહ્યું છે, ‘પ્રાપ્તને ભોગવ અને અપ્રાપ્તની ચિંતા ના કરીશ.’ આ જમવાની થાળી સામે આવે તો તે એકચિત્તે શાંતિથી જમ. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે અને બે-ચિત્ત હઇશ તો બત્રીસ ભાતનું જમણ ભાવશે નહીં. આ શરીરને આટલી ખીચડી આપી હોય તો આખી રાત શાંતિ રાખે, સમાધિ રાખે તેવું છે. આ તો ધોકડું જમે અહીં ને ‘પોતે’ જાય મિલમાં !

આ મનુષ્યોને પાછાં હાર્ટફેઇલ થઇ જાય છે, સ્કૂલમાં તો ફેઇલ નહોતો થતો ને અહીં શી રીતે ફેઇલ થઇ જાય છે ? આ જાનવરો ખાય છે ત્યારે તપાસ કરજે કે એનું ચિત્ત બહારગામ જાય છે કે નહીં? કૂતરું-બૂતરુંય, ખાતી વખતે ટેસ્ટમાં આવીને પૂંછડી પટપટાવે છે ! બધાંય જાનવરોનું ચિત્ત ખાય છે ત્યારે ખાવામાં જ હોય છે; ને આ શેઠિયાઓ, વકીલો, ડૉક્ટરોનું ચિત્ત તો ખાતી વખતે એબ્સન્ટ હોય છે, એનાથી તો હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર થાય છે. હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર એ તો એબ્સન્ટ ચિત્તનું પરિણામ છે. બે-ચિત્તથી ખાય છે તેથી મહીં નસો બધી સજ્જડ થઇ જાય છે. આ ડૉક્ટરોનું ચિત્ત ઓપરેશન કરતી વખતે બીજે ભટકે તો દર્દીની શી દશા થાય ? તે ખાતી વખતેય મહીં પાર વગરનાં ઓપરેશન થાય છે, માટે જમતી વખતે ચિત્તને પ્રેઝન્ટ રાખીને જમો. જમતી વખતે ‘ચિત્ત’ની હાજરી પૂરવી કે ‘હાજર છે કે ?’

એવો વખતેય આવશે કે ડૉક્ટરોના ચિત્ત ક્યાંનાં ક્યાં ભટકશે. પણ ઓપરેશન વખતે ચિત્ત હાજર રહે છે એ તો સારું. જો ચિત્તની હાજરી વગર ઓપરેશન કરે તો તે દર્દી મર્યા પછી, બળી ગયા પછી મહીંથી કાતર નીકળે ! તેથી જ તો બીકના માર્યા ડૉક્ટરો ઓપરેશન વખતે ચિત્તને હાજર રાખે છે.

(પા.૩૧૬)

બધાંમાં ચિત્ત હાજર કદાચ ના રહે. બીજામાં ચિત્ત ગેરહાજર હશે તો ચાલશે; પણ માત્ર ખાતી વખતે ચિત્તને હાજર રાખજે.

પ્રશ્નકર્તા : ‘વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે’ એના જેવું, દાદા ?

દાદાશ્રી : એ વાક્યો ફોરેનવાળા માટે સહજ લોકો માટે છે; વિકલ્પી માટે નથી. જ્ઞાનીને તો ‘વર્ક વ્હાઇલ યુ વર્ક એન્ડ પ્લે વ્હાઇલ યુ પ્લે રહે’, કારણ કે બહારનો ભાગ અને અંદરનો ભાગ, બન્ને એમને સહજ હોય છે, એમનું ચિત્ત તો ક્યારેય ગેરહાજર ના હોય.

ઇન્ડિયન્સ માટે તો આ વાક્ય નકામું છે, એને રાખીને શું કરવું? છતાં અમે કહીએ છીએ કે માત્ર જમતી વખતે ચિત્તને હાજર રાખજે. ઑફિસે જવા અગિયારને બદલે સવાઅગિયાર થયા તો ‘દાદા’ને યાદ કરજો, કહેજો કે, ‘દાદા, તમે કહેતા હતાને કે જમતી વખતે ચિત્ત હાજર રાખજો, પણ આ તો આજે સવા અગિયાર વાગી ગયા છે. હું કંઇ જાણું નહીં. તમે કહો છો તેમ ચિત્તની હાજરીમાં જ જમું છું, પછી આગળ તમે જાણો.’ તે પછી ચિત્ત ઠેકાણે રહેશે અને બોસને જે કહેવું હોય તે ભલે કહે ને બોસ એય એક પ્રકૃતિનો નચાવ્યો ભમરડો જ છે ને ? સ્વસત્તામાં આવ્યો જ નથી ને એય ! પુરુષ થયો જ નથી ને ! જગત આખુંય પરસત્તામાં જ છે ને !

જમતી વખતે ચિત્તને હાજર રાખવાનું, એટલે ખબર પડે કે ભજિયાંમાં મીઠું વધારે છે કે ઓછું, મરચું વધારે છે કે ઓછું ! આ તો ચિત્તની ગેરહાજરીમાં જમે તે ખબરેય ના પડે કે ચા ગોળની છે કે ખાંડની ! અલ્યા, સંયોગ જે અત્યારે ભેગો થયો છે તે સારી રીતે ભોગવ. આ તો શેઠ જમે અહીં ને કારખાનું સાત માઇલ છેટે હોય તે ત્યાં ગયો હોય ! જે ભેગો થયો હોય તેને આપણે સલામ કરીએ છીએ ને ? સાત માઇલ છેટે હોય તેને તો અક્કળવાળોય સલામ ના કરે.

આ તો પૈસા પર પૈસા, તે કૂતરાને મોતે મરશો, કષાયોમાં મરશો! એક શેઠ કહે કે, ‘એક વાર તો હાર્ટ એટેક આવી ગયો છે.’ અલ્યા, એક

(પા.૩૧૭)

ઘંટ તો વાગી ગયો, તે પછી બીજા ને ત્રીજા ઘંટે તો ગાડી ઊપડવાની. હાર્ટ એટેક એ શાનું ફળ છે ? ભયકંર કુચારિત્રનું ફળ છે, તો પાંસરો મર ને જ્ઞાની પાસે જા. તારાં કૃત્યોની ખાનગીમાં માફી માગ તોય તું છૂટીશ.

ચિત્ત ગેરહાજર હોય ત્યારે જમશો નહીં ને ચિત્ત હાજર હોય તો જ જમશો એવો પ્રોપેગેંડા બહાર થશે ને, ત્યારથી જ રોગો ઓછા થવા માંડશે.

જનક વિદેહીને જે જ્ઞાની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયેલું તે જ્ઞાનીના તપસ્વી પુત્રને અહંકાર આવ્યો કે ‘હું કંઇક છું.’ તે ઉતારવા ગુરુદેવે પુત્રને કહ્યું કે, ‘તું કંઇક ઉપદેશ લેવા જનકરાજાને ત્યાં જા.’ તે મુનિ તો ગયા રાજાને ત્યાં. ગુરુદેવે જનક રાજાને પહેલીથી સૂચના આપી દીધેલી. મુનિ જ્યારે રાજમહેલમાં પ્રવેશ્યા ત્યારે તેમણે તો રાજવૈભવનો ભારે ઠઠારો જોયો. જનકરાજા સોનાના હિંડોળા ઉપર બેઠેલા ને બન્ને બાજુએ રાણીઓ બેઠેલી, રાણીઓના ખભે હાથ મૂકીને મસ્તીમાં બેઠેલા હતા. મુનિએ તો આ જોયું ને તેમને મનમાં થયું, ‘આ વિલાસી પુરુષ પાસેથી શો ઉપદેશ લેવાનો ?’ છતાંય પિતાની આજ્ઞા હતી એટલે કંઇ બોલ્યા નહીં, ચૂપચાપ જેમ રાજા કહે તેમ કરતા ગયા. રાજાએ જમવા બેસાડ્યા, સોનાની થાળીઓ ને બત્રીસ જાતનાં ભોજન. મુનિ તો આસને બેઠા ને જરાક ઊંચી નજર ગઇ ત્યાં તો ધ્રાસકો પડ્યો ! ‘અરે, આ શું ? માથા ઉપર ઘંટ લટકે છે ને તેય હમણાં પડું પડું થઇ રહ્યા છે !’ રાજાએ કળા કરેલી, એક મોટો ઘંટ બરાબર મુનિના માથા ઉપર જ લટકાવેલો અને તેય સાવ પાતળી, નજરમાં ન આવે એવી પારદર્શક દોરીથી બાંધેલો. તે મુનિ તો બિચારા મહીં ગભરાઇ ગયેલા, જેમ તેમ જમ્યા. જમતાં જમતાં રાજા આગ્રહ કરે, પણ મુનિને તો જમવામાં ચિત્ત શાનું હોય ? એમનું ચિત્ત તો પેલા ઘંટમાં જ ચોંટેલું કે હમણાં પડશે તો મારું શું થશે? જમી રહ્યા પછી રાજાએ પાન આપતાં આપતાં પૂછયું, ‘મહારાજ, ભોજન કેવું લાગ્યું ? કઇ વાનગી આપને સૌથી વધારે ગમી ?’ ત્યારે મુનિ હતા ચોખ્ખાબોલા. તપસ્વીઓને કપટ-બપટની ભાંજગડ ના હોય, હોય માત્ર એક અહંકારની જ ભાંજગડ. તેમણે તો જેમ છે તેમ કહી દીધું કે, ‘હે રાજા, સાચું કહું તમને ? આ માથા ઉપર ઘંટ લટકતો હતો તે મારું

(પા.૩૧૮)

ચિત્ત તો ત્યાં જ ભયથી ચોટેલું રહ્યું હતું ને તેથી મેં શું ખાધું તે જ મને ખબર નથી.’ ત્યારે જનક વિદેહી બોલ્યા, ‘મહારાજ, આ જમ્યા ત્યાં તમારું ચિત્ત એબ્સન્ટ હતું, તેમ અમારું ચિત્ત સંસારમાં નિરંતર એબ્સન્ટ રહે છે! આ વૈભવમાં અમારું ચિત્ત હોતું જ નથી. અમે અમારા સ્વરૂપમાં જ નિરંતર હોઇએ છીએ !’ આવા હતા જનક વિદેહી!

જગત વિસ્મૃત કેવી રીતે થાય ? એના માટે તો આપણે અહીં સત્સંગમાં ભેગા થયા છીએ. અહીં તમને જગત સહેજેય વિસ્મૃત રહે. એક ક્ષણ પણ જગત વિસ્મૃત થાય એમ છે જ નહીં. આ મોટા મોટા શેઠિયાઓ એક કલાક જગત વિસ્મૃત કરવા હજારો ખર્ચવા તૈયાર છે, છતાંય જગત વિસ્મૃત થાય તેમ નથી. આ તો જેને ભૂલવા જાય તેનો જ ધબડકો પડે. અરે ! શેઠ સામાયિક કરવા બેઠા હોય ને નક્કી કરે કે ફલાણાને તો સામાયિક વખતે યાદ કરવો જ નથી, તો પહેલો તે આવીને ઊભો રહે! અને અહીં આપણને તો સહેજે જગત વિસ્મૃત રહે. આ તમે અહીં બેઠા હો ત્યારે તમારું ચિત્ત ઘેર કે દુકાને કેટલી વખત જાય છે ?

પ્રશ્નકર્તા : એકેય વખત નહીં, દાદા !

દાદાશ્રી : જો ચિત્ત પાસે જ રહે તો તો બહુ શક્તિ વધે. આપણે ખબર ના રાખીએ કે ચિત્ત કઇ કઇ જગ્યાએ, ક્યારે ક્યારે જઇ આવ્યું?

જેનું ચિત્ત કોઇ જગ્યાએ જાય નહીં તેને નમસ્કાર. આ ‘દાદા’નું ચિત્ત એક ક્ષણ પણ આઘુંપાછું થાય નહીં, એનું નામ જ મુક્તિ ! ચિત્તનું બંધનપણું છૂટવું અને મુક્તિ થવી બેય સાથે જ હોય છે.

અનંતમાંથી એક ચિત્ત

આ અહીં સત્સંગમાં કવિનાં પદો ગવડાવીએ છીએ, શા માટે ? કે તેનાથી તેટલો સમય ચિત્ત ‘એક ચિત્ત’ થયું. આખું જગત અનંત ચિત્તમાં પડ્યું છે અને સાધુ-સંન્યાસીઓ અનેક ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક ચિત્ત રહે. એક ચિત્ત તો કોઇનું થાય જ નહીં ને ! આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ

(પા.૩૧૯)

કરી રહ્યું છે, પણ એ શુદ્ધ થાય તો જ એકાગ્ર થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ ચિત્ત શુદ્ધ થાય.

વ્યવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે :

(૧) ‘અનંત ચિત્ત’ એની સ્થિરતા જ ના હોય.

(૨) ‘અનેક ચિત્ત’ એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે.

(૩) ‘એક ચિત્ત’ એ થાય તો તો કામ જ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : દાદા, આત્મા એ જ પરમાત્મા છે ?

દાદાશ્રી : જ્યારે ‘આત્મા એ પરમાત્મા છે’ એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ થાય તો શુદ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને ! ‘આ મારા કાકા, આ મારા માસી, આ મારી મોટી સાસુની કાકીના દીકરા;’ તે ‘અનંત ચિત્ત’ થઇ ગયું આ તો ‘અનંત ચિત્ત’ થઇ ગયું છે અને તેથી તો આ બધું યાદેય રહે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી ! જો પોતાની ઓળખાણ થઇ જાય તો કામ જ થઇ ગયું !

‘દાદા’નાં સ્વપ્ના આવે એ તો ‘એક ચિત્ત’ થાય ત્યારે આવે. સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી, એકલા મનને ખેંચાખેંચ કરે છે. આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે. લોકોનાં ચિત્ત બધે વેરાઇ ગયાં છે.

પ્રશ્નકર્તા : ચિત્ત કેવી રીતે ઊભું થયું ?

દાદાશ્રી : બુદ્ધિ જે પ્રકાશ આપે છે એ જ્ઞેયને જુએ તો એ અશુદ્ધ ચિત્ત, એ (ચિત્ત) જ્ઞેયાકારે જ્ઞેયને જુએ. એ ઘેર ટેબલ, ખુરશી એ બધાને એક્ઝેક્ટ જુએ, પણ તે શુદ્ધાત્માને ના જોઇ શકે.

પ્રશ્નકર્તા : ચિત્ત કર્મને આધીન ખરું ?

(પા.૩૨૦)

દાદાશ્રી : હા, પણ ચિત્ત અટક્યું તો કામ થયું, પણ જો ચિત્ત ચોંટ્યું તો ફસાય. ગમે તેટલું મન વાળવાળ કરે, પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે. ‘અનંત ચિત્ત’ તો છે જ, એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક ચિત્ત થાય તો કામ થાય ! આપણું ‘જ્ઞાન’ છે તેનાથી ‘એક ચિત્ત’ ભણી અવાય છે.

આ ‘અનંત ચિત્ત’માંથી ‘અનેક ચિત્ત’માં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું. આ અડતાલીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે. આઠ મિનિટથી માંડીને અડતાલીસ મિનિટ સુધી ચિત્ત બંધાય. આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે. આ દૂધનો આઇસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે, તેથી આઇસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઇસ્ક્રીમ થઇ જાય, ઠરી જાય. આ ‘અનંત’માંથી ‘અનેક’માં આવ્યા અને જો આ ‘દાદા’નું સ્વપ્નું આવી જાય એટલે કે ચિત્તની ‘રીલ’ આવી જાય તો કામ થઇ જાય ને ત્યારે તો આ દાદાનાં ગજબનાં દર્શન થઇ જાય.

શુદ્ધ ચિત્ત - અશુદ્ધ ચિત્ત

પ્રશ્નકર્તા : ચિત્તને નિજઘરમાં કેવી રીતે વળાય ?

દાદાશ્રી : ચિત્ત શુદ્ધ થાય તો જ નિજઘરમાં આવે. પહેલામાં પહેલી અશુદ્ધિ શું ? તો કે, ‘હું ચંદુલાલ છું, હું જુવાન છું, હું આનો ધણી છું.’ આ બધું અશુદ્ધ-ચિત્ત છે. એના ઉપરથી તો સમજાય છે કે ચિત્તનાં પરમાણું ઠેરઠેર વેરાઇ ગયાં છે અને આજે લોકોને તો ચિત્ત પણ બે-ચિત્ત થઇ ગયા છે ! ‘અનંત- ચિત્ત’ની ઉપર વધારે જાય તો બે-ચિત્ત થાય ! આ બે-ચિત્તવાળાને તે પછી બધું બે બે દેખાય. એક જણ મને કહે કે, ‘હું ચિત્ત-શુદ્ધિ કરાવવા જાઉં છું.’ આ કલાઇવાળા પાસે જાવ તો તે કલાઇ કરી આપે ! પણ આ તો બે-ચિત્તવાળા લોકો ને તેમને ત્યાં જ ચિત્ત-શુદ્ધિ કરાવવા જાય, તે તારું જે ચિત્ત છે ને એય બે-ચિત્ત કરી નાખશે ! એના કરતાં જે છે એને રહેવા દે ને ! એ બે-ચિત્તવાળો પછી કહેશે કે, ‘મને આ દીવા બબ્બે દેખાય છે !’ તો તો અલ્યા, તારું થઇ ગયું કલ્યાણ !

(પા.૩૨૧)

આ એક છે ને બે શી રીતે દેખાય છે ?

ચિત્ત-શુદ્ધિનો સારો ઉપાય ‘દાદા’નો પ્રત્યક્ષ સત્સંગ, અહીં તો નિરંતર ચિત્તની શુદ્ધિ થયા જ કરે. ‘દાદા’ અહીં હાજર હોય અને ઘેર બેઠાં બેઠાં ચિત્ત-શુદ્ધિ કરે એ બરોબર નહીં.

અશુદ્ધ ચિત્ત શાથી અશુદ્ધ છે ? ‘સ્વ’ને જોઇ શકતું નથી, માત્ર પરને જ જોઇ શકે છે; જ્યારે શુદ્ધ-ચિત્ત ‘સ્વ’ અને ‘પર’ બન્નેને જોઇ શકે !

પ્રશ્નકર્તા : મન આજ્ઞા કરે તો ચિત્ત ભટકે ?

દાદાશ્રી : ના, બધાં સ્વતંત્ર છે. ચિત્તમાં વિચાર ના હોય ને વિચાર ચિત્ત ના હોય. મન બહાર જાય તો માણસ ખલાસ થઇ જાય. ચિત્ત બહાર ભટકે છે.

પ્રશ્નકર્તા : ચિત્ત શા માટે ભટકે છે ?

દાદાશ્રી : ચિત્ત પોતાનું સુખ ખોળે છે. ઇન્દ્રિયો મનના અધિકારમાં છે. ચિત્ત ઉપરથી ચેતન થયું. ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. આ સત્સંગમાં બેઠા છો તમે, ને દુકાનમાં ટેબલ ઝાંખું દેખાય એ દર્શન કહેવાય, અને સ્પષ્ટ ટેબલ દેખાય એ જ્ઞાન કહેવાય. એ ચિત્ત જોઇ આવે છે. સામાન્ય ભાવે દેખાય ત્યારે ચિત્ત દર્શન રૂપે કહેવાય અને વિશેષભાવે દેખાય, વિગતવાર દેખાય એ ચિત્ત જ્ઞાન રૂપે કહેવાય.

જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય. આ કોઇ ગ્રેજ્યુએટ હોય, પણ જો એ ખેતરમાં જઇને બળદિયા જ ચલાવે તો બળદિયા રૂપ થઇ જાય, કારણ કે એનું નિદિધ્યાસન થાય છે. તેથી જેના સંગમાં આવ્યો અને તેનું નિદિધ્યાસન થાય તો તે રૂપ થઇ જાય.

ચિત્ત એ તો ચૈતન્યનો અંશ ભાગ છે, એ તો ચૈતન્યનો કિલ્લોલ ભાગ છે.

ચોંટ - માત્ર, ચિત્તની જ

પ્રશ્નકર્તા : મન કરતાં ચિત્તની શક્તિ શું વધારે હોય ?

(પા.૩૨૨)

દાદાશ્રી : મન આ શરીરની બહાર ના જઇ શકે. ચિત્ત તો બહાર નીકળે અને આ શરીરની મહીં પણ કામ કરે, પાછળ ખભો દુઃખતો હોય ત્યારે ત્યાંય જાય અને જ્યાં મોકલવું હોય ત્યાં પણ જાય. આ પગે મછરાં કરડે તે છો ને કરડે, ચિત્તને ત્યાંથી ખેંચી લઇએ એટલે વાંધો ના આવે અને હિસાબ હશે તો જ કરડશે ને ? ચિત્તનો સ્વભાવ કેવો છે ? કે જે જગ્યાએથી તેને ખેંચી લો એટલે તે જગ્યાનો ખ્યાલ ના રહે. આ આત્મા તો બધે જ રહે, પણ ચિત્ત ખેંચી લઇએ એટલે ફોન હેડ ઑફિસમાં ના મોકલે. આ તો ચિત્ત ત્યાં હોય એટલે હેડ ઑફિસમાં ફોન આવે ને પછી ડી.એસ.પી. મોકલે. હાથે મછરું કરડેલું હોય ત્યાં જાય! આ બે લાખ રૂપિયા આવ્યા તેય મછરાં અને બે લાખ ગયા તેય મછરાં!

કોઇ માણસ બહુ ભૂખ્યો થયો હોય, તો શું કપડાંની દુકાન સામે એ જુએ ? ના, એ તો મીઠાઇની દુકાન સામે જ જુએ. ભૂખ્યો માણસ બહાર નીકળે તો ભજિયાં જુએ. જેને સાડીની ભૂખ હોય તે બહાર નીકળે તો જ્યાં ત્યાં દુકાનોમાં લટકતી સાડી જુએ. જ્યારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય, બન્ને ના હોય તો વાણીની ભૂખ ઊભી થાય. આ બોલે છે ને કે, ‘પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં.’ એ જ વાણીની ભૂખ ! ઘેર ખાતાં હોય ત્યારે ભિખારી જાય તો ઘરડાં કહે, ‘અલ્યા, સાચવજો, નજર ના લાગી જાય.’ આ નજર લાગે એટલે શું ? કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે. આ સ્ત્રીને કોઇ પુરુષની ભૂખ હોય તો તેનું ચિત્ત કોઇ પુરુષમાં ચોંટી જાય અને પુરુષને સ્ત્રીની ભૂખ હોય તો તેનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય, આ એવી નજર લાગવાથી તો બધું બગડ્યું છે !

નાનાં છોકરાં રૂપાળાં હોય તે ઘરનાં એને મોઢે અને કપાળે કાળી ટીલી ચોડે, કારણ કે કોઇની નજર ના લાગે. આ તો ભૂખ્યાં હોય તેમનું ચિત્ત તો ચોટેને ? તે કાળી ટીલી એટલા માટે કરે કે પેલાની નજર કાળી ટીલી પર જ કેન્દ્રિત થાય !

‘જ્ઞાની પુરુષ’ એકલાને જ નજર ના અડે, કોઇ આંખ માંડે તો

(પા.૩૨૩)

પણ ‘જ્ઞાની પુરુષ’ તેમાં તરત જ શુદ્ધાત્મા જ જુએ. આ તો બધી ટેલિપથી જેવી મશીનરી છે, એમાં આત્મા ભળ્યો તો બધું બગડી જાય. જો ચિત્તની નિર્મળતા સારી હોય, તો ભણતર એક ફેરે વાંચે ને યાદ રહી જાય. ભણતરનો હેતુ તો ચિત્તની નિર્મળતાનો છે.

ચિત્તશુદ્ધિ જ મહત્વની

ચિત્તની હાજરીમાં વાંચેલું હોય તો જ તે યાદ રહે. અમારે નાનપણમાં ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું, તે નાપાસ થતો હતો? ના, નાપાસ નહોતો થયો, પણ ડફોળ કહેવાયો. આમ તો હું બ્રિલિયન્ટ હતો. માસ્તરને કહેલું, ‘માસ્તર, આ પંદર વર્ષ આ એક ભાષા શીખવામાં કાઢ્યાં, પણ જો પંદર વર્ષ ભગવાન શોધવા પાછળ મેં કાઢ્યાં હોત, તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત !’ આ તો મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો એક ભાષા શીખવામાં કે જે એક નાનો છોકરોય જાણે, તે શીખવા પાછળ કાઢ્યાં ! પણ માસ્તર એવું સમજે નહીં ને?!

પ્રશ્નકર્તા : આ બધામાં-અંતઃકરણમાં મુખ્ય ચિત્ત જ છે ને ? ચિત્ત જ બધાનો લીડર છે ને ? ચિત્ત જ બધાંને ઢસડી લાવે છે ને ? ચિત્તને કાબૂમાં લાવવાની જરૂર છે કે મનને ? આ લોકો ચિત્તને ભૂલી મન પાછળ કેમ પડ્યા છે ?

દાદાશ્રી : તમારી વાત ખરી છે. જ્ઞાનીઓએ પણ ચિત્તને જ મહત્વ આપેલું, પણ લોકોને તો ચિત્તનું ને મનનું ભાન જ નથી ને ! આ તો ચિત્તને ને મનને એક કરી નાખ્યું છે. ચિત્ત ઠેકાણે રહે નહીં ને મન પેમ્ફલેટ બતાવે, પણ ભાન નથી કે કયું ચિત્ત ને કયું મન ?

સત્સંગમાં ચિત્ત ખસે નહીં. ચિત્ત એ તો રીલેટિવ આત્મા છે ! ચિત્ત ઠેકાણે બેસે એટલે આખો રીલેટિવ આત્મા સ્થિર થાય અને ‘દાદા’એ તમને તો રીયલ આત્મા આપ્યો છે ! આ રીયલ આત્મા અને રીલેટિવ આત્મા બન્ને સામસામે સ્થિર બેસે, એટલે પછી તમને મોક્ષ જ વર્તે ને ! આ તેથી જ તો સત્સંગમાં બેસવાનું છે ને ! નહીં તો કેટલાય બગીચાઓ છે,

(પા.૩૨૪)

પણ સત્સંગમાં બેસે એટલે ચિત્ત સ્થિર રહે અને આત્મા ઠરે. આ તો સંઘબળ છે ને ? સંઘ વગર તો કશું વળે નહીં. સંઘબળ જોઇએ અને સંઘબળ હોય ત્યાં મતભેદ ના હોય. ભગવાન મહાવીર તેથી ઘણા માણસોનો સંઘ કરતા. જેમ વધારે માણસો તેમ સંઘ વધે ને તેમ આત્મા વધારે ઠરે. જો ત્રણ માણસો હોય તો સંઘબળ તેટલું અને વધારે માણસો હોય તો સંઘબળ વધારે. ‘આ’ સત્સંગના એક કલાકની તો ઘણી ગજબની કિંમત છે !

ચિત્તને ઠેકાણે રાખવા માટે આ મંદિરોમાં ઘંટ મૂક્યો ! ભગવાનને આંગી શા માટે ? શણગાર શા માટે ? સુગંધી દ્રવ્યો મૂક્યાં, શાથી ? ચિત્ત ઠેકાણે રહે તે માટે. વાગે ત્યારે બહારના હોહો, કકળાટ સંભળાય નહીં, પણ અત્યારે તો અક્કલવાળાઓ ઘંટ વાગતો હોય તોય ભગવાનનાં દર્શન કરે ત્યારે જોડે જોડે જોડાનોય મહીં ફોટો પાડે ! અલ્યા, ‘વ્યવસ્થિત’ને તો જોને ! એના હશે તો લઇ જશે, ને લઇ જશે તો એક વખત લઇ જશે, કાયમ નહીં લઇ જાય ને ? તો લઇ જવા દે ને ! હિસાબ ચૂકતે થશે !

સંસાર રોગ છે, તે જેટલો વખત રોગ ભૂલીએ, એટલો રોગ મટે એવો નિયમ છે. આ તો જેટલી વખત ચિત્ત જાય તેટલો વખત રોગ વધ્યા કરે. આ જગત વિસ્મૃત કરવાનું સાધન જ ક્યાંય નથી ને ! ‘જ્ઞાની પુરુષ’ એક જ જગત વિસ્મૃત કરવાનું સાધન છે.

રાત્રે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે આખી રાત ચાલે ને ઊંઘ પણ આવે. અમારે એવું ઘણી વાર બને કે રાતે વિધિ શરૂ કરીએ તે અમુક વખતે આંખ મીંચાઇ જાય ને પછી પાછી આંખ ખૂલે તે જ્યાંથી બાકી હતી ત્યાંથી વિધિ શરૂ થાય ને ફરી જો આંખ મીંચાય તો ફરી તેમ જ થાય, તે સવારે વિધિ પૂરી થાય. આમ રાતે શુદ્ધ ચિત્તને જે પકડાવીએ તે સવાર સુધી ચાલે.

ચિત્તનાં ચમત્કાર

પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય છે, શું એ આત્મઓજસ છે ?

દાદાશ્રી : એ લાઇટ એ તો ચિત્તના ચમત્કાર છે. એમાં શ્રદ્ધા બેસે

(પા.૩૨૫)

એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઇટ એ કલ્પી કલ્પાય નહીં એવી છે. મને કોઇ કહે કે, ‘મને મહાવીર ભગવાન દેખાય છે.’ તો હું કહું કે, ‘આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ તો કામ થાય.’

પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ?

દાદાશ્રી : આ શરીરમાં કોઇ પણ જગ્યાએ ધબકારા થાય, ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થઇ જાય તે.

કુંડલિનીમાં પણ તેમ કરે છે, એનાથી પણ મોક્ષ ના થાય. આવાં બહુ સ્ટેશનો હોય, છેલ્લું સ્ટેશન આવે એટલે કામ પૂરું થાય. કુંડલિનીમાં બધા ચિત્ત ચમત્કાર છે, એમાં આત્માનું કશું જ નથી. જૈનોએ કહ્યું, ‘આત્મજ્ઞાન વિના છૂટકો નથી.’ વેદાંતીઓએય કહ્યું, ‘આત્મજ્ઞાન વિના છૂટકો નથી.’ અનાહત નાદ એ તો નાદ છે અને નાદ એ તો પૌદ્ગલિક છે, એમાં આત્મા ન હોય.

કેટલાક કહે છે કે, ‘મને કૃષ્ણ ભગવાન મહીં દેખાય છે.’ આ આત્મા ન હોય, એ તો ચિત્ત ચમત્કાર છે, એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે ! આ અનાહ્ત નાદ ને એ બધાંમાં દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે. જ્ઞાન જ્ઞાતામાં પડ્યું અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી તો કામ થઇ ગયું ! કેટલાક કહે છે કે, ‘કૃષ્ણ ભગવાનનાં મહીં દર્શન થાય છે.’ અલ્યા, યોગેશ્વર કૃષ્ણનાં દર્શન મહીં થાય છે ? એ શી રીતે થાય ? એ તો દેખાય ત્યારે ને ? ! આ તો બીજા દેખાય, જે જોયા હોય-તે ફોટામાંના જ સ્તોને !

‘આપણે કોણ છીએ?’ એ જ્ઞાન-‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દ્રષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી ‘સંકલ્પ’ રહે !

(પા.૩૨૬)

અહંકાર

આ ટ્રેન અટકી જાય ત્યારે કોઇ ગાંડો બોલે, ‘રેલ્વેવાળા નાલાયક છે, ડિસમિસ કરવા જોઇએ બધાંને.’ અલ્યા, આ તું કોને બચકાં ભર ભર કરે છે ? ! નોકરીવાળા તો વીતરાગ હોય (!) ને ટ્રેન પણ વીતરાગ હોય (!) પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને ! આપણે આ અણસમજણમાંથી છૂટ્યા ! બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે. આ ગટરમાં પાણી ભરાયેલું હોય, તો સુધરાઇવાળાને કંઇ કેટલીય ગાળો ભાંડે કે, ‘ગટરનાં ઢાંકણાં ખોલતાં નથી ને સાફ કરતા નથી.’

ઘેર ક્યાંકથી દાળ લાવી હોય તે ચઢે નહીં, તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતનેય ગાળો આપે, તે કેટલાંય બચકાં ભરે. આ તો એને કહીએ કે, ‘બાજુવાળાને પૂછી આવ તો, એની દાળ ચઢી હોય !’ પણ આ બચકાં ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ! ઘેર સારી રસોઇ બનાવી હોય તો બધાંને ઘેર કહી આવે, તે અહંકાર. આ બધાંને બચકાં ભરે તેય અહંકાર. આ અહંકાર તો બોલે કે, ‘હું કંઇક છું.’ એને પૂછીએ કે, ‘તું શું છો ?’ તો એ કહે, ‘એ તો ખબર નથી, પણ હું કંઇક છું !’

આ કોઇને ત્યાં ચેવડો ભાવથી મૂક્યો તો પેલો કહે, ‘મને આ ના ફાવે, મને નહીં જોઇએ.’ એમ ચીઢથી બોલે. આ જ કદરૂપો અહંકાર. આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક, તો સામાની ભાવનાને ઠોકર નહીં વાગે, તો એ અહંકાર રૂપાળો દેખાશે. અમને તો પોઇઝન આપે તોય સામાની ભાવના હોય, સામો ભાવથી આપતો હોય તો તે પોઇઝન પણ પી લઇએ ! પણ અમારી પાસે એનું મારણ હોય !

‘અક્રમ જ્ઞાની’ એટલે શું ? કે અહંકાર એકદમ રૂપાળો હોય,

(પા.૩૨૭)

ઉકરડે પણ જઇને બેસે ને તમારી જોડે પણ બેસે; પણ ક્યાંય કદરૂપા ના દેખાય ! રૂપાળા જ દેખાય ! ‘ક્રમિક માર્ગ’ના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય, કહે, ‘હું મારું ફોડી લઇશ, પણ ત્યાં નહીં જાઉં.’ તે અહંકાર કદરૂપો હોય.

આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું. ‘દાદા’ને અહીં આવવું હોય તોય એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય ! આપણો અહંકાર, ‘એ’ અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઇએ ત્યારે દશા ઓર જ હોય.

ક્રમ - અક્રમમાં અહંકાર

ક્રમિક માર્ગ શું ? તો કે, ‘અહંકારને શુદ્ધ કરો. વિભાવિક અહંકાર થઇ ગયો છે તે શુદ્ધ કરવાનો.’ તે પગથિયે પગથિયે અહંકારને શુદ્ધ કરતા કરતા જવાનું અને જ્યારે સંપૂર્ણ શુદ્ધ થાય ત્યારે કંઇક કામ થાય. વિભાવિક અહંકારમાં માન આવે, દંભ આવે, ઘમંડ આવે, આ એના પ્રકારો. ભાઇ કરતો હોય સો રૂપિયાની નોકરી, પણ પછી લાંબો કોટ પહેરીને શેઠ બની ફરે, તે લોક કહે, ‘દંભીની પેઠે ફરે છે.’ આ કેવું ? શિયાળ વાઘનું ચામડું પહેરીને ફરે તે દંભી કહેવાય. ઘમંડી હોય તેને કોઇનો હિસાબ જ ના હોય. બધાંને કહે, ‘એમાં શી વાત છે ? શું છે એ ?’ એમ બધી વાતનો ઘમંડ઼ રાખે ને ઘેર બૈરીને પૂછીએ તો કહેશે કે, ‘એમનામાં તો જરાય બરકત નથી.’ વિભાવિક અહંકારમાં તો જાતજાતના અહંકાર, એ બધાંને ધો ધો કરવા પડે ! ક્રમિક માર્ગમાં બહુ મુશ્કેલી પડે અને જો રસ્તામાં ‘કેન્ટિનવાળો’ મળે તો વેહ થઇ પડે ! ‘આપણો અક્રમ માર્ગ એવો જોખમવાળો માર્ગ નહીં, સીક્યુરિટી સહિતનો માર્ગ, રખેને કેન્ટિનવાળો સામો આવે પણ એ મૂંઝાઇ જાય, આપણને એનાથી વાંધો ના આવે !

અહીં અક્રમ માર્ગમાં જે અહંકાર રહે છે એ નિકાલી અહંકાર છે, ડીસ્ચાર્જ થતો અહંકાર છે; જ્યારે ક્રમિક માર્ગમાં જે અહંકાર રહે છે, તેમાં ‘મારે આ કરવાનું છે, મારે આ ત્યાગવાનું છે’ એ રહે. એટલે ક્રમિક

(પા.૩૨૮)

માર્ગનો અહંકાર એ કર્મચેતના છે, એનાથી નવું ચાર્જ થતું જાય અને અહીં અક્રમ માર્ગમાં અહંકાર એ કર્મફળચેતના છે. છતાં, એ નૈમિત્તિક છે. ક્રમિક માર્ગમાં અહંકાર કર્મને બંધાવે, કારણ કે ત્યાં તો આ ત્યાગ્યું ને પેલું બાકી છે, એવું રહ્યા કરે. હવે ત્યાગ્યું એ પહેલાંના અહંકારથી ને પાછો નવું કર્મ બાંધતો જાય. ‘જ્ઞાની પુરુષ’ તો જેનાથી કર્મ બંધાય છે તે આખું જ ઉડાડી દે. આ તો કેટલું સહેલું છે ! સરળ છે !! સહજ છે !!! ને ત્યાં ક્રમિકમાં ગયો ને તો તો વાળ જ ઉડાડી મેલે ! અને અહીં તો વાળ-બાળ બધું જ ચાલે !!

આ અહંકારે તો દાટ વાળ્યો છે, બીજું કશું જ નથી. જ્ઞાનીને આધીન રહે તો ઉકેલ આવે. ડાહ્યો અહંકાર પોતાનું ડહાપણ ના ઘાલે, જ્યારે ગાંડો અહંકાર તો ખોતરે ! એટલે કાં તો વાતને સમજવી પડે ને કાં તો જ્ઞાનીને આધીન રહેવું પડે ! ગાંડા અહંકારને તો આધીન રહેવાની શક્તિ ના હોય, એટલે ત્રીસ દહાડા આધીન રહે અને એકત્રીસમે દહાડે ફેંકી દે. એટલે આ વૃતિઓ ક્યારે આઘીપાછી થઇ જાય એ કહેવાય નહીં. જેટલો અહંકારનો રોગ ભારે એટલી મુશ્કેલી વધારે. આધીનતા સિવાય બીજો રસ્તો જ નહીં ને !

અમારું ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી અહંકાર તો બધામાં હોય, પણ તે ‘નિકાલી અહંકાર’ હોય. ‘નિકાલી અહંકાર’ એટલે કેવું ? કે વાળો તેમ વળી જાય, ગાંડાં ના કાઢે.

ગાંડો અહંકાર

આ ગાંડા અહંકારને તો કહીએ કે, ‘તને ક્યાં માન મળ્યાં ? ક્યાં તાન મળ્યાં ? ક્યાં સ્વાદ મળ્યા ? શું કામ અહંકાર કરે છે ? ક્યાં ૧૩૦૦ રાણીઓ છે તારે ? ક્યાં બાગબગીચા હતા તારે ? આ શાં તોફાન માંડ્યાં છે ? એવું શું છે તે આ ગાંડાં કાઢે છે ? હે ચક્રમ અહંકાર, તું તો ગાંડો છે !’ એવું એને કહીએ એટલે એ સમજે.

આ તો કહેશે, ‘હું કંઇક છું’, પણ શામાં છે તે ? ! એ અહંકારને પ્રતાપે તો દુઃખી થયેલો. આપણે જોવા જઇએ ને - પહેલું આણું, બીજું

(પા.૩૨૯)

આણું ને છેક બારમું આણું જોવા જઇએ તો સમજાય કે નર્યું એ અહંકારે જ દુઃખ આપ્યું ! આ તો ગાંડો અહંકાર કહેવાય. જેને લોકો એક્સેપ્ટ ના કરે, ને અહંકાર પોતે ‘હું કંઇક છું’ એવું માની બેઠો હોય, તે ગાંડો અહંકાર કહેવાય, કદરૂપો અહંકાર કહેવાય. ચક્રવર્તીને અહંકાર હોય, પણ વાળો તેમ વળી શકે એવો હોય. લોકો એ અહંકારને માન્ય કરે, એ ડાહ્યો અહંકાર કહેવાય અને આ તો નર્યો ગાંડો જ ! એ ગાંડા અહંકારને આપણે પૂછીએ કે, ‘તમે કયા ખૂણામાં શાંતિથી સૂઇ રહેતા હતા ? એવું દુનિયામાં કોણ છે કે જે તમને કહે કે, ‘આવો, આવો, તમારા વગર તો ગમતું નથી ?’ પણ આ તો લોક કહેશે કે, ‘તમારાથી તો પહેલાં અજવાળું હતું તેય અંધારું થઇ ગયું.’ આવાં અપમાન ખાધાં છે ! અપમાનનો પાર ના આવે એટલાં અપમાન થયાં છે ! એ અહંકારને શું તોપને બારે ચઢાવવો છે ? એ તો કદરૂપો અહંકાર, એનું શું રક્ષણ કરીએ? એનો પક્ષ શો લઇએ ?

અહંકાર તો રૂપાળો હોવો જોઇએ, લોકોને ગમે તેવો હોવો જોઇએ, વાળો તેમ વળી જાય એવો. આ અહંકારને પૂછીએ કે, ‘તમારો ચોપડો દેખાડો કે તમને ક્યાં માન મળ્યું ? ક્યાં ક્યાં અપમાન ખાધાં ? કઇ કઇ જાતનું સુખ આપ્યું ? લોકોમાં તમારી ક્યાં ક્યાં કિંમત હતી ?’ ભાઇ પાસે, બાપા પાસે, જો કિંમત જોવા જાય ને તો ચાર આનાય કિંમત ના હોય ! ‘તમે કોઇના હૃદયમાં બેઠા નથી.’ ચાર જણના હૃદયમાં બેઠા હો તોય સારું, તો એ અહંકાર ગાંડો ના કહેવાય, રૂપાળો કહેવાય. આ તો જ્યાં જાય ત્યાં દરેક લોક ‘આ જાય તો સારું’ એવું મનમાં રાખે, એ જ કદરૂપો અહંકાર ! કોઇ મોઢે ચોખ્ખું ના બોલે, મનમાં કહેશે કે, ‘આપણે શું ? એનાં પાપે મરશે.’ સૌ સૌના ઘાટમાં, સૌ ઘાટવાળા જ હોય, એમાં એક ‘જ્ઞાની પુરુષ’ મોઢે ચોખ્ખું કહી દે !

જે અહંકારથી પહેલા આણામાં ફૂલાં પડે, બીજામાં ફૂલાં, ત્રીજામાં ફૂલાં, એમ દરેક આણામાં ફૂલાં જ પડે તો કહીએ કે અહંકાર ડાહ્યો છે; પણ આ તો વખતે પહેલા આણામાં ફૂલાં પડે, પણ બીજા, ત્રીજા ને આઠમામાં તો, ‘યુ.... ગેટ આઉટ યુઝલેસ કહે’, એ અહંકાર શા કામનો?

(પા.૩૩૦)

પોતાની પોઝીશન તૂટી જતી હોય એટલે જોડે ના ફરે કે ‘મારી શી કિંમત ?’ આ તો ચક્રમ અહંકાર કહેવાય. અમારેય જ્ઞાન પહેલાં અહંકાર હતો, પણ તે ડાહ્યો અહંકાર, ચાર-પાંચના હૃદયમાં સ્થાન હતું અને ચાર તો ગાડીઓ ઘર પાસે ઊભી રહેતી, તોય અમને તે અહંકાર ખૂંચતો હતો કે, ‘આ અહંકાર જાય તો અમને આખી દુનિયાનું રાજ મળે!’ અહંકાર તો રૂપાળો હોવો જોઇએ. દેહ રૂપાળો હોય ને અહંકાર કદરૂપો હોય તો શું કામનું ? દેહ કદરૂપો હોય તો ચાલે, પણ અહંકાર કદરૂપો ના જોઇએ. કેટલાક તો મોઢે સાવ કદરૂપા દેખાય, પણ અહંકાર એવો રૂપાળો લાવેલો હોય, તે લોક ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહે!

આ અહંકાર શેના હારુ ? એને જીવતો જ કેમ રખાય ? જેણે અનંત અવતાર મુશ્કેલીમાં મૂકી દીધા એ તો પાકો શત્રુ છે. આખી દુનિયાનું સામ્રાજ્ય છોડીને, ‘આ અમારું, આ તમારું’ એ શાને માટે ?

આ અહંકાર તો ગાંડી વસ્તુ કહેવાય, એને રસ્તા પર નાખી દીધેલી હોય તોય ના લેવાય ! આત્મામાં જ રહેવાનું, આત્મા જ થઇને રહેવાનું અને ગાંડો અહંકાર ઊભો થાય તો લપાટ મારીને કાઢી મૂકવાનો.

આત્મજ્ઞાન ત્યાં છાક નહીં

કવિએ લખ્યું છે,

‘આત્મજ્ઞાન સરળ સીધું, સહજ થયે છકે નહીં.’

વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ જ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને ‘હું છું, હું છું’નો કેફ રહ્યા કરે, તે રાતે ઊંઘમાંય ના ઊતરે ! તેથી ભગવાને કહેલું કે, ‘જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.’ આત્મજ્ઞાન દરેક મનુષ્યે મનુષ્યે જુદાં હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, ‘આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.’ એથી તો નર્યો

(પા.૩૩૧)

કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. અમારી વાણીથી કેફ ઊતરે અને અમારા ચરણનો અંગૂઠો એ ઇગોઇઝમને ઓગાળવાનું વર્લ્ડમાં એક જ સોલ્વન્ટ છે.

પ્રશ્નકર્તા : ઇગોઇઝમ ઓગળી શકે ?

દાદાશ્રી : હા, અમારી વાણી જ એવી છે કે જેનાથી ઇગોઇઝમ ઓગળી જાય. આ વાણીથી તો ક્રોધ, માન, માયા, લોભ બધું જ ઓગળી જાય. અમદાવાદમાં એક શેઠ આવેલા, તે કહે કે, ‘મારો ક્રોધ લઇ લો.’ તે લઇ લીધો અમે ! ‘જ્ઞાની પુરુષ’ પાસે બધી જ ચીજ હોય, એનાથી બધું જ ઓગળી જાય.

આ ક્રોધ, માન, માયા, લોભ બધું શાનાથી ઊભું છે ? શાના આધારે ઊભું છે ? લોકો કહે છે ને કે, ‘મને ક્રોધ આવે છે.’ હવે આ ‘મને થાય છે.’ એ આધાર આપે છે, તેથી પેલી વસ્તુ ટકી રહી છે. ‘જ્ઞાની પુરુષ’ આધાર લઇ લે એટલે પેલું ઓગળી જાય. ધીમે ધીમે ક્રોધ ઓછો કરવા જાય તો થાય તેવું નથી અને વખતે ક્રોધ ઓછો થાય તો પાછું પેલી બાજુ માન વધે ! એટલે આ તો કેવું છે કે પોતાનું ભાન નામેય નથી અને માથે બધું લઇને ફરે છે ! આ તો ‘પોતાના’ ભાન વગર જ વ્યવહાર આખો નભી રહ્યો છે, સહેજેય ભાન નથી.

સુખી થવાની ત્રણ ચાવીઓ

ઇન શોર્ટ કટ કહેવું હોય તો આરોપિત ભાવ, ‘હું ચંદુલાલ છું,’ એ ઇગોઇઝમ ભાવ છે. જો સાંસારિક સુખો જોઇતાં હોય તો એ ઇગોઇઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતાં હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિક્ષ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા ! આટલાં ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્ય સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !

(પા.૩૩૨)

એટલે આ ત્રણ જ વાક્યો છે; (૧) સુખી થવાને માટે પોઝિટિવ અહંકાર, કોઇને કિંચિત્ માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ ઇગોઇઝમ (૨) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર. પોતાનું સહેજ અપમાન થઇ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઇને કહી આવે કે, ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.’ અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર (૩) મોક્ષે જવું હોય તો ‘આરોપિત ભાવ’થી મુક્ત થા.

નેગેટિવ અહંકાર બહુ બૂરો અહંકાર કહેવાય. કો’કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઇ ગઇ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઇએ, કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઇ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી, જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.

આપણને લાગતું હોય કે ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહીએ ને તેના પડઘા સારા પડતા હોય તો તેવું કરો. ‘આપ્તવાણી-૧’માં લખ્યું છે, તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઇને કહેવું કે ‘તું ચોર છે’ તો એ સામું કહેશે કે, ‘તું ચોર છે’ અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે, ‘તું રાજા છે, તું રાજા છે.’ તો એય બોલશે કે ‘તું રાજા છે, તું રાજા છે.’ એવું આ જગત છે !

તારો ઉપરી કોઇ છે જ નહીં. કોઇ પણ માણસને ગેરેન્ટી બોન્ડ જોઇતું હોય તો હું લખી આપું કે, ‘તારો કોઇ ઉપરી જ નથી, તેમ કોઇ અન્ડરહેન્ડ પણ નથી.’ કોઇ જીવનો કોઇ ઉપરી જ નથી. કોઇ જીવમાં કોઇ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી ! સહેજ પણ ડખલ કરી શકે એવો કોઇ જન્મ્યો જ નથી. છતાં, આ જગત કેટલું પઝલ સમ થઇ ગયું છે ! તારો ઉપરી કોણ છે ? તારી બ્લન્ડર્સ અને મિસ્ટેઇક્સ બે જ

(પા.૩૩૩)

તારા ઉપરી છે. એ બ્લન્ડર્સ કઇ છે ? જ્યાં ‘પોતે’ નથી ત્યાં આરોપ કરે છે કે ‘હું ચંદુલાલ છું’ એ બ્લન્ડર્સ છે. એ બ્લન્ડર્સ ગયા પછી શું રહ્યું? સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાંની મિસ્ટેઇક્સ છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો.

ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઇ ખાઇને પછી ચા પીઓ તો પછી શું થાય ? ચા મોળી લાગે. અલ્યા, ચામાં ખાંડ ઓછી નહોતી. આ તો તને અસર છે આગળની, કોઇ મીઠાઇની; એટલે આ અસરોથી કોઇ માણસ મુક્ત થઇ ના શકે, પણ આનું કોઇને ભાન જ નથી ને !

(પા.૩૩૪)

અણુવ્રત - મહાવ્રત

દાદાશ્રી : તમે કોણ છો ?

પ્રશ્નકર્તા : જૈન છીએ.

દાદાશ્રી : જૈન છો તો જૈનમાં તો કશું જાણવાનું તમારે બાકી જ ના રહ્યું ને ?

પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો કંઇકનું કંઇક જાણવું જ પડે ને?

દાદાશ્રી : આ મોક્ષમાર્ગમાં તમારા કેટલા માઇલ કપાયા અને કેટલા બાકી રહ્યા, એ તો આપણા લક્ષમાં હોય ને ? અમુક ચાલ ચાલ તો કર્યા જ કરે છે ને, તો કેટલાક માઇલ તો કપાયા જ હશે ને ?

પ્રશ્નકર્તા : કપાયા હશે ને.

દાદાશ્રી : કેટલાક માઇલ કપાયા હશે ?

પ્રશ્નકર્તા : એ કેવી રીતે કહું ? હું અજ્ઞાની છું, મને કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : જેટલાં મહાવ્રત આવ્યાં એટલા માઇલ કપાયા ! મહાવ્રત અગર તો અણુવ્રત હોય, મહાવ્રત ના હોય ને અણુવ્રત હોય એટલા માઇલ કપાયા. સાચા દિલથી અણુવ્રતમાં હોય એટલા માઇલ કપાયા, કારણ કે ચોરી કરવાનું અણુવ્રત હોય, તે એક બાજુ લોભેય હોય, એટલે જરૂર પણ છે અને બીજી બાજુ અણુવ્રત સાચવે છે, એટલે અણુવ્રત સાચવતાં સાચવતાં લોભેય સચવાઇ ગયો ને ! એટલે જેટલા અણુવ્રત આવ્યા એટલા માઇલ કપાયા.

(પા.૩૩૫)

અમારે બધાં જ મહાવ્રત હોય. અમે આ બધું ખાઇએ, પીઇએ, સંસારમાં રહીએ તોય અમારે પાંચ સંપૂર્ણ મહાવ્રત હોય. જેટલાં અણુવ્રત વર્ત્યા એટલું ચાલ્યા અને સંપૂર્ણ મહાવ્રત પર આવીએ ત્યાં સુધી તો ચાલવું પડશે ને ? ત્યારે કંઇક આત્માની ઝાંખી થશે. આત્મશક્તિની ઝાંખી પાંચ મહાવ્રત પૂરાં થયા પછી થશે. પાંચ મહાવ્રત પૂરાં થાય એટલે પ્રત્યાખ્યાની કષાય એકલાં બાકી રહે, બીજાં બધાં કષાયો હળવાં થઇ જાય, ખલાસ થઇ જાય; એને ભગવાને પ્રત્યાખ્યાનાવરણ કહ્યું છે. આપણે એને શું કહીએ છીએ ? ‘મન-વચન-કાયાની ટેવોનો સ્વભાવ’ કહીએ છીએ. જેટલો ઓગળ્યો એટલો સ્વભાવ ગયો, અને બીજો રહ્યો. એ પ્રત્યાખ્યાનાવરણમાં શું કહે છે કે, ‘પચ્ચખાણ બધાં બહુ કર્યાં છતાં પણ એ વસ્તુ જતી નથી, એનું આવરણ રહેલું છે. માટે એનાં, પચ્ચખાણ કરવા જ પડશે.’ તેવા એકાદ દોષ હોય કે બે દોષ હોય, પણ આખી જિંદગીના દોષ તો ના રહ્યા હોય ને ! સમકિત જુદી વસ્તુ છે. તપ, ત્યાગ એમાં સમકિત જેવી વસ્તુ જ નથી. સમકિત તો આ મહાવ્રતમાં છે, મહાવ્રત વર્તે તે !

હવે બધા ત્યાગીઓ કંઇ વ્રત પાળતા નથી ? પાળે છે, પણ મન ખુલ્લું રહે છે ને ? અને મન ખુલ્લું રહે છે એટલે એમના કષાયો ખુલ્લા દેખાય જ છે. આપણને જ્યારે કષાયો ખુલ્લા ના દેખાતા હોય ત્યારે આપણે જાણીએ કે એ પ્રત્યાખ્યાનાવરણમાં છે ! પ્રત્યાખ્યાનાવરણ કષાય એટલે કષાય ખુલ્લા ના દેખાય. કષાયો એટલા બધા પાતળા પડી ગયા હોય કે એ હોવા છતાં ના દેખાય, પણ પોતાને ફળ આપે. એટલે પોતાની પાસે કષાયો તો હાજર જ હોય, તે પોતાને ફળ આપે પણ બીજાને ના દેખાય !

ત્યાગીઓના કષાય જે બહાર પડતા દેખાય છે ને એ ન હોવા જોઇએ, પણ તે બહાર પડતા દેખાય છે તેથી એમ સમજાય છે કે તેમને મહાવ્રત તો નથી પણ અણુવ્રતનું કંઇ ઠેકાણું દેખાતું નથી ! કારણ કે અણુવ્રત તો ક્યારે કહેવાય કે આચાર્ય મહારાજ પાસે જૂઠું મોઢે ના બોલાય. આ તો શિષ્ય મહારાજ પાસે જૂઠું બોલે ને મહારાજેય બોલે તો પછી સત્યનું અણુવ્રત ક્યાં રહ્યું ? મહાવ્રત તો ગયાં વીતરાગોની પાસે, પણ અણુવ્રતેય

(પા.૩૩૬)

ક્યાં રહ્યાં છે આજે ? વીતરાગો કહે છે કે, ‘તારી ખોટ તને જશે, અમારે તો ખોટ જવાની નથી.’ વીતરાગોને ખોટ જાય ખરી ? ખોટ જાય તો આ ભગવાનના કહ્યામાં નથી એમને જાય. બધાનાં મોઢાં પર દિવેલ નથી દેખાતું ? આનંદ ગયો ક્યાં ? આત્મા છે તો આનંદેય હોવો જોઇએ ને ?

આપણે આ કોઇની નિંદા નથી કરતા, આપણે અહીં નિંદા હોય જ નહીં. આપણે તો વિગત સમજાવીએ છીએ, ખરી હકીકત સમજાવીએ છીએ, જે કોઇ જો મારી પાસે જાણે ને કહે કે, ‘આપની વાત ખરી છે.’ તો તો એમનું કામ નીકળી જાય, મોક્ષમાર્ગ ઝટ મળી જાય! પણ જો એ કહે કે, ‘તમારી આ વાત ખોટી છે.’ તો પછી છે જ ને તારો રઝળપાટ! અમારે શું ? તારે જો ચાર ગાળો ભાંડવી હોય તો ચાર ગાળો ભાંડ, અમને વાંધો નથી. કારણ કે તને ના પોષાય ત્યારે બોલ અને તેનો વાંધો નથી આપણને, પણ આપણે કહેવું છે છતું કે, ‘આ જોખમદારી તું લઇ બેઠો છે. હે ભાઇ, તમે આગળ જાવ છો તે તમે મોટી ખીણમાં ગબડી પડશો,’ એવી અમે બૂમ પાડીએ છીએ. હવે તને જો અનુકૂળ આવે તો સાંભળ, નહીં તો ગાળો ચાર ભાંડીને આગળ હેંડવા માંડ !

હવે આવું વીતરાગ નહોતા બોલતા ! અમે તો ખટપટીઆ એટલે આવું કહીએ કે, ‘ભાઇ, આગળ ખીણમાં ગબડી પડીશ.’ હવે વીતરાગો અમને કહે છે કે, ‘તમારે આ શી પીડા ?’ તો અમને એમ થાય છે કે ‘બળ્યું, આ ગબડી પડ્યા પછી એનું ક્યારે ઠેકાણું પડશે ?’ અમારે ભાવ જ આવો, ઇચ્છા જ આવી થઇ ગઈ છે કે કોઇ ગબડો નહીં ને આમાંથી કંઇક ઉકેલ લાવો. મોક્ષમાર્ગ અમને જડ્યો છે તો અમે તમને તેડી જઇએ, તમારી જોડે અડધો કલાક બેસીશું, પણ તને અમે પાછો તેડી જઇશું.

ભગવાને શું કહ્યું કે, ‘આખું જગત મોક્ષમાર્ગમાં જ ચઢી રહ્યું છે!’ એટલે કંઇ ઊંધે માર્ગે ચઢી ગયું નથી; પણ મોક્ષમાર્ગમાં જવા માટે, એટલે કે અમદાવાદ જવા માટે અહીં મુંબઇથી બેંગલોર જાય તો શી દશા થાય? સ્ટેશન આવ્યું, પણ કયું આવ્યું ? ત્યારે કહે,, ‘બેંગલોર.’ ‘તો અમદાવાદ ક્યારે આવશે ?’ ત્યારે કહે કે, ‘અમદાવાદ આ બાજુ નહીં, પેલી બાજુ!’ એટલે આ રીતે મોક્ષમાર્ગમાં ઊંધા જઇ રહ્યા છે. મોક્ષમાર્ગ આવો ના હોય,

(પા.૩૩૭)

મોક્ષમાર્ગમાં તો કષ્ટ જ ના હોય. જ્યાં કષ્ટ છે ત્યાં મોક્ષ નથી, જ્યાં મોક્ષ છે ત્યાં કષ્ટ નથી ! કષ્ટને તો ભગવાને હઠાગ્રહ કહેલ છે. હવે અત્યારના આ મોક્ષમાર્ગે જનારા પાછા કહે છે શું ? કે ‘કષ્ટ તો ભગવાનેય કર્યાં !’ અલ્યા, ભગવાનને શું કરવા વગોવે છે ? તમે તમારે જે કર્યા કરતા હો તે કર્યા કરો, કષ્ટ બધું ! એમાં ભગવાનને શું કરવા વગોવો છો ? ભગવાન આવા હોતા હશે ? આ ‘દાદા’ કંઇ જ કષ્ટ નથી સેવતા તો મહાવીર ભગવાન શું કરવા કષ્ટ સેવે ? જ્ઞાનીઓને કષ્ટ હોય નહીં. કહે છે કે, ‘ભગવાને ત્યાગ કર્યો હતો.’ અલ્યા, ભગવાને તો ૩૦ વર્ષે બેબી થયા પછી ત્યાગ કર્યો હતો, અને તેય કંઇ બૈરી, છોકરાંને તરછોડ મારીને નહીં કરેલો. મોટાભાઇ પાસે ભગવાન આજ્ઞા લેવા ગયા ત્યારે ભાઇએ, ‘બે વર્ષ પછી લેજો’ તેમ કહ્યું. ભગવાને બે વર્ષ પછી ત્યાગ લીધો અને તેમાંય પત્નીની રાજીખુશી-સંમતિથી લીધો હતો. ભગવાને ત્યાગ કર્યો નહોતો, તેમને ત્યાગ વર્ત્યો હતો ! કારણ કે ભગવાન મહાવ્રતમાં હતા. મહાવ્રત એટલે વર્તે તે. ત્યાગ કર્યો હોય તે તો વ્રતમાંય ના ગણાય ! ત્યાગ કરવો અને વર્તવો, એ જુદું હોય. જેને ત્યાગ વર્તેલો હોય એને પોતે શેનો ત્યાગ કર્યો છે, તે યાદેય ના હોય!

પેલા ત્યાગી તો બધું જ ગણી બતાવે, ‘ત્રણ છોકરાં, બાયડી, મોટાં મોટાં આલીશાન ઘરો, બંગલા, પાર વગરની મિલકત છોડીને આવ્યા છે,’ એવું બધું એમને લક્ષમાં રહ્યા કરે, ભૂલે નહીં અને ત્યાગ વર્ત્યો કોને કહેવાય ? સહજ ભૂલી જવાતું હોય ! તેને ભગવાને વ્રત કહ્યું છે, ત્યાગ નથી કહ્યું. એટલે અણુવ્રત અને મહાવ્રત, એમાં અણુવ્રત જૈનોને માટે કહ્યું કે, ‘જેટલું તમને સહજ સ્વભાવે વર્તે એટલું અણુવ્રતમાં આવી ગયું.’ ત્યાગનો તો કેફ ચઢે અને યાદ રહ્યા કરે, ‘મેં આટલું ત્યાગ્યું, આમ ત્યાગ્યું, તેમ ત્યાગ્યું. વાત આમ સમજે તો ઉકેલ આવે. અમને કશું યાદ જ ના રહે, રૂપિયા તો મને યાદ જ નથી આવતા. લક્ષ્મી અને વિષય અમને વિચારમાં જ નથી આવતા, પણ લોકોને માન્યામાં શી રીતે આવે?

આ ગણતરી જ જુદી છે ! તારો જે ગુણાકાર છે, તેમાં તારી રકમ પરમેનન્ટ રકમ છે, અને બીજી ટેમ્પરરી રકમથી એને ગુણવા જાય છે ને !

(પા.૩૩૮)

હવે મારે તો બેઉ પરમેનન્ટ રકમો છે એટલે મારા ગુણાકાર ચાલ્યા કરે અને તું ગુણાકાર કરવા જાય તો ટેમ્પરરી રકમ ઊડી જાય, બીજી ટેમ્પરરી રકમ મૂકે ને ગુણાકાર કરવા જાઉં ત્યારે હોરી તો પેલી ટેમ્પરરી રકમ ઊડી જાય, તે તારો ગુણાકાર કોઇ દહાડો પૂરો થવાનો નથી, માટે પાંસરો ચાલને !

મહાવ્રત તમને સમજાયું ? વર્તે તે ! વર્તે એટલે યાદેય ના હોય, સહજ ત્યાગ. હમણાં તમને બીડીનો ત્યાગ વર્તતો હોય તો બીડી તમને યાદ ના આવે અને ત્યાગ કરેલો હોય તેને યાદ આવ્યા કરે કે, ‘મેં બીડી ત્યાગી છે.’ એટલે વર્તેલો ત્યાગ હોય તેની વાત જ જુદી છે ! એ ત્યાગનો અહંકાર ના હોય ! પણ કેટલાક ત્યાગનો ગાંડો અહંકાર કરે. અલ્યા, ત્યાગ વર્ત્યો છે માટે પાંસરો રહેને ! શું કરવા ત્યાગને ગા ગા કરે છે? એનો અહંકાર શું કરવા કરે છે ? વર્તેલો ત્યાગ તો બહુ સારો કહેવાય. જેટલાં લફરાં ઓછાં થયાં એટલી ઉપાધિ ઓછી થઇ ગઇને ! અને આપણો મોક્ષમાર્ગ કેવો છે ? અક્રમ માર્ગ છેને એટલે પહેલાનાં લફરાં હોય તેને રહેવા દેવાનાં, નવાં ઊભાં નહીં કરવાનાં અને જૂનાં કાઢવાનાં, એ પણ એની મેળે ખરી પડે ત્યારે જાય !

એક મહારાજે પાછી શોધખોળ કરી ખોળી કાઢ્યું કે, ‘અક્રમ એટલે તો અક્કરમી જ કહેવાય ને ?’ હા, શોધખોળ તો સારી કરી, આય સાયન્ટિસ્ટનું કામ છે ને ! આટલી શોધખોળ આવડી એય સાયન્ટિસ્ટનું કામ છે ને ! નહીં તો આવી શોધખોળ આવડે નહીં. અક્કરમી એટલે કરમ ના બંધાય એવા અમને કહે છે, તે અમારે માટે એ પાંસરું બોલે છે ને ! કંઇ ગાળો ઓછા દે છે ?!

પંચમહાવ્રતધારી બધા આરોપિત ભાવો છે. આ પંચમહાવ્રત સાચા કે આરોપિત એવું તેવું કશું વિચાર્યું જ નથી ને ! તમે પોતે જ આરોપિત છો, પછી મહાવ્રતેય આરોપિત જ હોયને ?! ત્યારે એ કહે કે, ‘આવું તો અમે વિચાર્યું જ નહોતું.’ ત્યારે તમે કંઇ ના વિચાર્યું હોય તેથી કંઇ મહાવીર છેતરાવાના નથી કે આ મોક્ષમાર્ગેય છેતરાય તેવો નથી ! ભગવાન કંઇ છેતરાય એવા છે ? કેટલાક કહે, ‘અમે પંચમહાવ્રતધારી છીએ,’ પણ તે

(પા.૩૩૯)

લોક માનશે, કારણ કે લોકોને લક્ષ્મીની પડી છે, વિષયોની પડી છે, બીજા કશાની પડી નથી. આ બાજુ મહાવ્રત છે કે અણુવ્રત છે કે આરોપિત ભાવ છે, એવા તેવાનું કશું ભાન જ નથી ! આપણા જેવાને ખબર હોય ત્યારે બોલે નહીં, કારણ કે લોકવિરૂદ્ધ બોલવું એય ગુનો છે.

લોકવિરૂદ્ધ એટલે શું ? કે જેવો અહીં આગળ વ્યવહાર ચાલતો હોય તેની વિરૂદ્ધ તે. ચોર લોકોનું ગામ હોય ત્યાં આગળ આપણે કહીએ કે, ‘પંચ મૂકો,’ તો પછી ગુનો છે ને ? ચોર લોકોના ગામમાં તમારું ગજવું કપાયું, હવે તમે કહો કે, ‘મારું ગજવું કાપી ગયું.’ ત્યારે લોકો કહેશે કે, ‘અમને શી ખબર પડે ? તમે પંચ મૂકો.’ પણ પંચ પાછા ચોરના ચોર જને ? એટલે લોકવિરૂદ્ધ ના બોલવું, પણ આપણને પૂછે તો જવાબ આપવો કે, ‘આ આરોપિત પંચમહાવ્રતધારી છે. જેમ આ ‘મહાવીર’ હમણાં મોક્ષ આપી દે, તેમ આ પંચમહાવ્રતધારી ફળ આપે (!)’ કશું ના મળે, તો સડેલા ઘઉં મળે તો સડેલા લાવને ! કંઇક રોટલી તો ખાવી પડશે ને ? નહી તો મરી જવાશે, એટલે આ બધા સડેલા ઘઉં ખાય છે, ખાવું જ પડેને, છૂટકો જ નહીંને !

આ પંચમહાવ્રતધારી આરોપિત છે એવું જાણતા જ નહોતાને ? ‘જ્ઞાની પુરુષ’ એવો ફોડ પાડે ત્યારે ખબર પડે. ભગવાને ના કહ્યું હતું કે, ‘આરોપિત તરીકે પંચમહાવ્રતધારી રહેશો નહીં. તીર્થંકરોની મૂર્તિ એકલી જ આરોપિત ભાવે રાખજો અને શાસ્ત્રો આરોપિત ભાવે રાખજો. આરોપિત ભાવે પંચમહાવ્રતધારી શબ્દને બગાડશો નહીં.’ એના કરતાં તમે ‘પરિગ્રહના ત્યાગી છો.’ એમ કહેવું અને બીજા બધા ત્યાગના અભ્યાસી છીએ, તેને વ્રત ના કહેવાય ! પરિગ્રહનું મહાવ્રત તો મહા મહા ઊંચું કહેવાય ! ‘દાદા’ અપરિગ્રહી કહેવાય, એ સંપૂર્ણ અપરિગ્રહી છે, એકુય પરિગ્રહ એમના લક્ષમાં રહેતો નથી. એ ખોવાયો છે કે સાબૂત છે, એય એમના લક્ષમાં નથી રહેતું; અને આમને તો ચાર જ પરિગ્રહ હોય; બે લૂગડાં હોય, અને એક લોટું વહોરી લાવવાનું હોય, એક માળા હોય ને એક ચીપિયો હોય. એમાંથી લોટું જો ભાંગ્યું કે તૂટ્યું તો વેશ થઇ પડે! આવી બન્યું ! અગર તો એ એની જગ્યાએ ના હોય તો ‘પેલું ક્યાં ગયું.’

(પા.૩૪૦)

કહેશે. એટલે આટલો પરિગ્રહ છે, એ એના લક્ષમાં છે. હવે પરિગ્રહ આટલો જ છે, તો પણ લક્ષમાં છે અને અમને પરિગ્રહ છે તોય પણ લક્ષમાં નથી એટલે અમને અપરિગ્રહી કહ્યા. આપણા મહાત્માઓને શુદ્ધાત્મા લક્ષમાં રહે છે, એટલે પરિગ્રહ લે છે, દે છે, છતાંય તે અપરિગ્રહી કહેવાય, કારણ કે પરિગ્રહનો લક્ષ નથી, લક્ષ શુદ્ધાત્માનું છે ! કાં તો સ્વરૂપનું લક્ષ રહે, કાં તો સંસારનું લક્ષ રહે, બેમાંથી એક જ લક્ષ રહે, પેણે બેઠું તો અહીં નહીં, ને અહીં બેઠું તો પેણે નહીં. આ તો વિજ્ઞાન છે !

સંસારમાં કેટલાક લોકો સ્થૂળ ચોરી નથી કરતા, એને ભગવાન શું કહે છે ? એને ત્યાગ નથી કહેતા, એટલે તે સ્થૂળ ચોરીનો ત્યાગ કર્યો એ ખોટી વાત છે. ભગવાન કહે છે, ‘એ તો વ્રત છે તારું.’ વર્તે એ વ્રત. જેમાં હુંપણું નથી અને ‘હું ત્યાગ કરું છું.’ એવું ભાન નથી અને સહેજાસહેજ વર્તે છે એ વ્રત કહેવાય. આ જૈનોને ભગવાને અણુવ્રત કેમ કહ્યાં ? ત્યારે કહે કે, ‘બીજા લોકોને, ફોરેનવાળાને પણ અણુવ્રત હોય છે અને અહીં બીજા ધર્મોમાં પણ અણુવ્રત હોય છે, પણ એને વીતરાગોનો સિક્કો નથી વાગેલો !’ ‘વીતરાગોનું કહેલું આ વ્રત છે.’ એવું ભાનમાં આવ્યા પછી, એ વ્રત એમને વર્તે છે એટલે આ અણુવ્રત કહેવાય છે ને આ વીતરાગોને માન્ય છે. હકીકતમાં પેલોય ચોરી નથી કરતો, પણ એ સહજ ભાવે ચોરી નથી કરતો. અહીં તો આપણાથી ચોરી ના થાય તેવું સહજ ભાવે વર્તે છે, છતાં અણુવ્રત શાથી કહે છે ? આ ચોરી નથી કરતો પણ મનથી બહુ ચોરી કરી નાખે છે, એટલે અણુવ્રત કહ્યું અને મહાવ્રત કોને કહેવાય ? મન-વચન-કાયા ત્રણેયથી ચોરી ના થાય, તેન મહાવ્રત કહેવાય !

પ્રશ્નકર્તા : ઇચ્છા ન હોય ને સંજોગવશાત્ ચોરી થઇ જાય તો ?

દાદાશ્રી : સંયોગવશાત્ ચોરી થઇ જાય, તો તેને માટે ખાસ ગુનેગાર ગણાતો નથી અને સંયોગવશાત્ થયું તેનું જે બહારનું ફળ એને મળ્યું, તે ઇનામ કહેવાય, બાહ્યફળ તો મળે. કો’ક બહુ પુણ્યશાળી હોય તેને બહારનું ફળ ના પણ મળે, નહી તો આખી જિંદગી ચોરી ના કરતો હોય ને સંજોગવશાત્ એકાદ વખત ચોરી કરે તોય બિચારો પકડાઇ જાય!

(પા.૩૪૧)

બહારનું ફળ મળે ત્યારે દાનત બહુ ખોટી હતી, એવું સાબિત થઇ જાય ! છતાં સંજોગવશાત્ કોઇ પણ જાતનો ગુનો કરે તેને અમે ગુનેગાર ગણતા જ નથી. આ સંજોગવશાત્ છે અને પેલું તો સ્વભાવમાં છે. સ્વભાવમાં અને સંજોગવશાત્માં બહુ ફેર. જેને સ્વભાવમાં ચોરી કરવાની છે તેની તો દ્રષ્ટિ જ એ બાજુ પડ્યા કરે, ફર્યા કરે અને ગમે ત્યાંથી ઉઠાવ્યા વગર રહે જ નહીં. આપણી સાથે વાત કરતો હોય ને એની દ્રષ્ટિ ‘ક્યાંથી ઉઠાવું’ એમાં ને એમાં જ હોય; જ્યારે સંજોગવશાતને ગુનેગાર કહેવાતો નથી. સંજોગવશાત તો રાજાનેય ચોરી કરવી પડે. વ્રત ને મહાવ્રત સમજ્યો તું ? કંઇ લૂગડાં ધોળાં પહેર્યાં એટલે કંઇ વ્રત નથી કહેવાતાં. મન-વચન-કાયાથી ચોરી નથી કરી એને અસ્તેય મહાવ્રત કહેવાય; પછી એ સાધુ હો કે ગૃહસ્થ, ત્યાગી હો કે ગૃહસ્થલિંગ હો, એ બધાં સંસારી જ છે.

સારી ઊંચી નાતોમાં ચોરી નથી હોતી, દગાફટકા નથી કરતા. ત્યારે આ લોકો જૂઠ તો અમથી નાની બાબતોમાં બહુ બોલે પણ મોટી બાબતોમાં નહીં બોલતા હોય, પણ અત્યારે તો બધું બગડી ગયું છે ને? મહાવ્રતેય બધાં કહોવાઇ ગયાં, સડી ગયાં છે ! અણુવ્રતેય સડી ગયાં! હતાં તો સારાં, પણ સડી ગયાં તે શું થાય ?! તોય પાછું સંજોગવશાત્ છે. અત્યારે આખું હિંદુસ્તાન જ બગડ્યું છેને ! નહીં તો હિંદુસ્તાન આવું હોય નહીં અને આ બગડ્યું છે તેય સંજોગવશાત્ બગડ્યું છે, માટે ગુનેગાર નથી ગણાતું.

(પા.૩૪૨)

આલોચના - પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન

આલોચના એટલે જે કંઇ દોષ થઇ ગયા હોય તે ‘જેમ છે તેમ’ આપ્તજન પાસે, ‘જ્ઞાની પુરુષ’ પાસે વર્ણવવા તે ! આલોચના કરે એટલે બધો દોષ જાય, એકલી આલોચનાથી મોક્ષ છે. એક જણે ગજવું કાપ્યું હોય અને તે મારી પાસે આવીને આલોચના કરે ને હું તેને વિધિ કરી આલું તો બધું જ ઊડી જાય, તે હળવો થઇ જાય ! સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં આલોચના કરાય, નહીં તો આ જગત તો દુરુપયોગ કરે તેવું છે. આપણા માટે કોઇને ખાતરી થાય તો તેને સો ટકા ખાતરી થાય તેવું કરવું, તેનો વિશ્વાસઘાત ના કરાય. ખરી રીતે આપ્તજન, ‘જ્ઞાની પુરુષ’ પાસે જ આલોચના થાય. ભગવાને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ઉપર બહુ ભાર મૂકેલો.

પ્રત્યાખ્યાન એટલે થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણય-નિશ્ચય કરવો તે.

આજથી પંદરેક વરસ ઉપરની વાત છે. મામાની પોળમાં, ઓટલે અમે પાંચ-છ જણા વાતો કરતા બેઠા હતા; તેટલામાં એક ડોસા, ૭૮ વર્ષના, હાથમાં દાબડી લઇને દેરાસરમાં રઘવાયા રઘવાયા થઇને જતા હતા. તેમને મેં પૂછયું, ‘કેમ કાકા, ક્યાં જાવ છો આમ ?’ તે બોલ્યાઃ ‘ભાઇ, પડકમણું કરવા.’ મેં તેમને પૂછયું, ‘પડકમણું એટલે શું ?’ ત્યારે એમણે કહ્યું, ‘ઊભા રહો. કાલે મહારાજને પૂછી આવીને કહીશ તમને.’

ભગવાને જાણેલું કે કાળ વિચિત્ર આવવાનો છે, તેથી તેમાં ટકી રહેવા આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ મોટાં હથિયાર આપેલાં.

પ્રતિક્રમણ એટલે શું ?

(પા.૩૪૩)

સંસારમાં જે કંઇ થાય છે તે ક્રમણ છે. એ સાહજિક રીતે થાય છે ત્યાં સુધી ક્રમણ છે, પણ જો એકસેસ થઇ જાય તો તે અતિક્રમણ કહેવાય અને જેનું અતિક્રમણ થયું હોય તો જો છૂટવું હોય તો તેનું પ્રતિક્રમણ કરવું જ પડે, એટલે કે ધોવું પડે, તો ચોખ્ખું થાય.

પૂર્વે ચીતર્યું કે, ‘ફલાણાને ચાર ધોલ આપી દેવી છે.’ એથી આ ભવે જ્યારે એ રૂપકમાં આવે ત્યારે ચાર ધોલ આપી દેવાય. એ અતિક્રમણ થયું કહેવાય, માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે. સામાવાળાના ‘શુદ્ધાત્મા’ને સંભારીને, તેના નિમિત્તે પ્રતિક્રમણ કરવાં જોઇએ. ભગવાને કહ્યું છે કે, ‘અતિક્રમણનું પ્રતિક્રમણ કરશો તો જ મોક્ષે જવાશે.’

કોઇ ખરાબ આચાર થયો તે અતિક્રમણ કહેવાય. જે ખરાબ આચાર થયો એ તો ડાઘ કહેવાય, તે મનમાં બાઇટ થયા કરે, તેને ધોવા માટે પ્રતિક્રમણ કરવાં પડે. કોઇનેય માટે અતિક્રમણ થયા હોય તો આખો દહાડો તેના નામના પ્રતિક્રમણ કરવાં પડે, તો જ પોતે છૂટે જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છુટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે, પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવાં પડે, તો તું પોતે તો છૂટીશ; પણ વન સાઇડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખ રહ્યા જ કરશે. છતાંય આ પ્રતિક્રમણથી તો સામાવાળાનાય તમારા માટેના ભાવ બદલાય, પોતાનેય સારા ભાવ થાય ને સામાનેય સારા ભાવ થાય. કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાઘ કૂતરા જેવો થઇ જાય! પ્રતિક્રમણ ક્યારે કામ લાગે ? જ્યારે કંઇક અવળા પરિણામ ઊભાં થાય ત્યારે જ કામ લાગે. વાઘ એની બોડમાં હોય અને તું તારે ઘેર હોય ને તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે, પણ વાઘ સામે ‘ખાઉં ખાઉં’ કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ! ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઇ જાય !

આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે તો મોટા ભાગે દ્રવ્ય પ્રતિક્રમણ

(પા.૩૪૪)

થાય છે. દ્રવ્ય પ્રતિક્રમણ એટલે કપડાં વોશ આઉટ થયાં, પણ પોતાનું કશું થયું નહીં ! આ ચંદુલાલ દસ વખત બોલે કે, ‘ચંદુલાલ દાળભાત જમી લે, ચંદુલાલ દાળભાત જમી લે’ એટલે શું જમાઇ ગયું ? ના, એથી કશુંય ના વળ્યું. દ્રવ્ય પ્રતિક્રમણ કોને કહેવાય તે હું સમજાવું. ‘ભગવાન મહાવીર ૫૦૧નો સાબુ લાવ્યા, તે 12’’ લાંબો હતો, 2’’ પહોળો હતો અને 1’’ જાડો હતો, પછી ભગવાન મેલાં કપડાં લાવ્યાં, એને તેમણે પાણીમાં નાખ્યાં પછી એમાં સાબુ લગાડ્યો, પછી પાણીમાં ધોયાં.’ તે ભગવાને એમના કપડાનો મેલ જે રીતે ધોયો તે રીતને, વરસમાં એક કલાક બેસીને તું ગાયા કરે એમાં તારા કપડાનો મેલ શેં ધોવાય ? અલ્યા, ભગવાનનો મેલ જુદો, તેની ધોવાની રીત જુદી, તારો મેલ જુદો ને તારી તે મેલ ધોવાની રીતેય જુદી હોય. ભગવાનની રીતને તું ગાયા કરે તેમાં તું કેટલો ચોખ્ખો થવાનો છે ? તું તો ઘાંચીના બળદની જેમ ઘાણીએ ને ઘાણીએ જ રહ્યો ! તારું પ્રતિક્રમણ તો તારું જ્યાં જ્યાં અતિક્રમણ થયેલું હોય. ત્યાં ત્યાં ઓન ધ મોમેન્ટ કરવાનું હોય તો જ એ અતિક્રમણ ધોવાય. આ તો વરસ દહાડે કે મહિને કરે તો શું યાદ રહે ? આ કાળના લોકો તો એવા વિચિત્ર દશાના થઇ ગયા છે કે ઘડી પહેલાં કશું ખાધું હોય તોય તે ભૂલી જાય, તો આ અતિક્રમણને તો તું શું યાદ રાખવાનો હોય ? પ્રતિક્રમણ તો તે જ ક્ષણે હોવું જોઇએ, ઉધાર ના ચાલે, કેશ જોઇએ!

આ કપડાં ઉપર ચા પડે તો કેવો તરત જ ધોવા જાય છે ! અને આ તારા ‘પોતા પર’ મેલ ચઢે છે ત્યારે હાથ જોડીને બેસી રહે છે ? હા, ચા પડવી એ આપણા હાથની વાત નથી, પણ તેને ધોઇ તો નાખવું જ જોઇએ ને, એવું અતિક્રમણનો મેલ ચઢે ત્યારે તેને તરત જ ધોઇ તો નાખવું જ જોઇએ ને !

અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે અત્યારે કપડાં સાફ થયાં અને તમારાંય કપડાં સાફ કરી આપીએ છીએ!

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતનાં આ પ્રમાણે છેઃ એક તો વ્યવહારનાં, આ બધા સાધુઓ વગેરે કરે છે તે, તેનાથી ગાંઠોની

(પા.૩૪૫)

ચીકાશ ઓછી થાય; પણ ભૂલ થાય ને તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે. બીજાં નિશ્ચયનાં, જે આપણા સ્વરૂપજ્ઞાન પામેલા મહાત્માઓ કરે છે તે.

અહો ! ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ

ભગવાનના વખતમાં શું આવાં પ્રતિક્રમણ હોતાં હશે ? શી ભગવાનના વખતની વાત ! ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઊપજેલું. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, ત્યારે આનંદ શ્રાવકે તેમને કહ્યું કે, ‘મને અવધિજ્ઞાન ઊપજ્યું છે !’

ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું. તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે, ‘આ ખોટું વિધાન છે, માટે તમે તેનું પ્રતિક્રમણ કરો.’ આનંદ શ્રાવકે કહ્યું : ‘સાચાનું કરું કે ખોટાનું ?’ ગૌતમ સ્વામીએ કહ્યું, ‘પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય, સાચાનું નહીં.’ એટલે આનંદ શ્રાવકે કહ્યું, ‘જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી.’ ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા, ભગવાન મહાવીર સ્વામીને જઇને પૂછવા લાગ્યા, ‘હે ભગવન્ ! આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ?’ ભગવાને કહ્યું, ‘ગૌતમ ! આનંદ સાચો છે, તેને અવધિજ્ઞાન ઊપજ્યું છે, માટે તમે જાવ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો.’ તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું !

વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : દાદા, અમે જૈન તેથી સામાયિક, પ્રતિક્રમણ જાણીએ ખરા, પણ તે કરી શકતા નથી, તે શાથી એમ હશે ?

દાદાશ્રી : આ દુનિયામાં પાળી શકાય, કરી શકાય એ બધું જ્ઞાન કહેવાય અને પાળી ના શકાય, કરી ના શકાય એ અજ્ઞાન છે. આ ‘સામાયિક અમે સમજીએ છીએ છતાં કરાતું નથી’ એમ જે તમે કહો છો, તેને ભગવાન શું કહે કે, ‘આ તો અમારી મશ્કરી થઇ.’ આ પોઇઝનની

(પા.૩૪૬)

બાટલી અને બીજી બાટલી બાજુ બાજુમાં હોય, પણ આમાં પોઇઝન છે એમ જાણ્યું ના હોય, સમજ્યો ના હોય તો પોઇઝનની બાટલી લઇ લે. આ તો જાણીએ છીએ છતાં થતું નથી, એ તો ખોટાં બહાનાં છે, અજ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. જો જાણે તો પછી કોઇ કૂવામાં પડે નહીં. આ તો જાણે ને ના કરે એ જ્ઞાન જ અજ્ઞાન છે ! જાણ્યાનું ફળ એટલે વિરતી. આ કોઇ બાબો પૂછે કે, ‘ઝેર શું છે ?’ તો તેને કહીએ કે, ‘એનાથી માણસ મરી જાય.’ તો પછી બાબો ફરી પૂછે કે ‘મરી જવું એટલે શું ?’ એટલે આપણે તેને સમજાવીએ કે, ‘આ બાજુમાં કાકા મરી ગયેલાને તે ઝેરથી એવું થાય,’ તો બાબાને સમજાય. એ જાણે કે આ ઝેર છે, એ ના લેવાય, તે પછી ઝેર પ્રત્યે તેને વિરતી રહે. જાણ્યાનું ફળ જ વિરતી હોય, વિરતી એટલે અટકી જવું.

રોકડાં પ્રતિક્રમણે જ ઉકેલ

એક બહેન કહે કે, ‘‘અમારે ત્યાં તો પ્રતિક્રમણમાં પાછળથી કો’ક ગોદા મારે છે, તમારે એવું નહીં થતું હોય કેમ ?’’ ત્યારે તેમને અમે કહ્યું કે, ‘ના, અહીં એવું ના હોય. અહીં તો સાચાં પ્રતિક્રમણ, ભગવાન મહાવીર કહેવા માગતા હતા તે પ્રતિક્રમણ થાય છે.’ પેલાં તો માગધિમાં ગા ગા કરે તે કોના જેવું ? તે તમને સમજાવું. અહીં ફ્રેન્ચ માણસ બેઠો હોય ને હું ગુજરાતીમાં ગા ગા કરું તો પેલો હસે ખરો, પણ આમાંનો એકેય અક્ષર એ ના સમજે. મહાવીર ભગવાન આવું નહોતા કહેવા માગતા. એમણે કહ્યું તો બરોબર, પણ લોક સહુ સહુની ભાષામાં લઇ ગયા! તે શું થાય ? તેમણે તો કહ્યું કે, ‘સાચી રીતે તમે તમારી ભાષામાં સમજો.’ આ તો શું કહે છે કે, ‘૫૦૧’નો સાબુ લાવીને ઘાલ, પણ એ તો ખાલી ગાશે જ. કોઇ સાબુ નાખીને કપડું ધોશે નહીં. અને ઉપરથી કહેશે કે, ‘પ્રતિક્રમણ’ કર્યું. પછી ઊઠીને બહાર નીકળ્યા ને બહાર કાંકરાચાળી કરશે ! પ્રતિક્રમણ તો રોકડું હોવું જોઇએ. અતિક્રમણ થયું કે તરત જ પ્રતિક્રમણ ! કેશ !! દેહની ક્રિયા રોકડી હોય છે. બ્રશ કર્યું, ચા સાથે નાસ્તો કર્યો, એ બધું રોકડું કર્યું ! તેમ વાણીની ક્રિયા પણ રોકડી હોય છે અને મનની ક્રિયા પણ રોકડી હોય છે. તેમ આ અતિક્રમણ સામે

(પા.૩૪૭)

પ્રતિક્રમણ પણ રોકડું, ઓન ધ મોમેન્ટ હોવું જોઇએ. જેમ જેમ પ્રતિક્રમણ રોકડું થતું જાય તેમ તેમ ચોખ્ખું થતું જાય. અતિક્રમણ સામે આપણે પ્રતિક્રમણ રોકડું કરીએ એટલે મન, વાણી ચોખ્ખાં થતાં જાય !

લોક અતિક્રમણને સમજતા નથી અને પ્રતિક્રમણનેય સમજતા નથી. એનો બાધે ભારે બાર મહિને ‘મિચ્છામિ દોકડો’ કરે છે, નથી ‘મિચ્છામિ’ સમજતા કે નથી ‘દુક્કડમ્’ સમજતા !!!

આ પ્રતિક્રમણ અત્યારે જે થાય છે તે માગધિ ભાષામાં થાય છે અને એ મહારાજ વાંચે ને બધાં સાંભળે, ત્યારે ચિત્ત કોનું એકાગ્ર થાય? આ કેવું હોય કે સમજણ પડે તો ઇન્ટરેસ્ટ આવે. આ તો સમજણ પડે નહીં ને પછી કાંકરચાળી કરે ! ભગવાને આવા ચાળા કરવાનું નહોતું કહ્યું. ભગવાને શું કહ્યું કે, ‘ઠોકર વાગે તો સમજજે કે કાંઇક ભૂલ થઇ હશે, તો તરત જ ગુરુ પાસે આલોચના કર અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર.’ આ તો પ્રત્યક્ષ કરવાનું હોય, કપડાંને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય, તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય. આ લોકો કેવા છે ? કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ડાઘ ધોઇ નાખે; જ્યારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઇનેય પડી નથી ! પ્રતિક્રમણ એટલે રોકડો વેપાર હોવો જોઇએ, ઉધાર નહીં. આ રોજ પ્રતિક્રમણ કરે છતાં કપડાં ઊજળાં નથી થતાં, એ શું હશે ? તારો સાબુ ખોટો, કપડું ખોટું કે પછી પાણી મેલું છે ? નહીં તો રોજ કપડાં ધોયા છતાં ચોખ્ખાં કેમ ના થાય ? આ તો કોઇને પોતાના દોષ જ દેખાતા નથી, પછી પ્રતિક્રમણ થાય જ શી રીતે ? આપણાં મહાત્માઓ રોજનાં બસો-પાંચસો પ્રતિક્રમણ કરે છે અને દોષો ધોઇ નાખે છે. પાંચ લાખ દોષો હોય તો મોક્ષે જવા માટે બે જ કલાક રહે અને આ લોકોને પૂછીએ ત્યારે કહે છે કે, ‘એકાદ-બે જ દોષ હશે !’

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવા ધાર્મિક સ્થાનમાં જવું જોઇએ એ ખરું?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ચા પીતાંય કરાય, નાહતાં નાહતાંય કરાય.

(પા.૩૪૮)

જ્યાં દેહધર્મ છે, મનોધર્મ છે, બુદ્ધિધર્મ છે ત્યાં સ્થાનને જોવું પડે; પણ આપણને ‘આત્મધર્મ’ છે એટલે દેહધર્મ બધું જોવાની જરૂર નહીં, ગમે ત્યાં પ્રતિક્રમણ આપણે કરાય.

કેટલાક લોકો તો નાહવાના જ ધર્મને ધર્મ માને છે ! એનાથી એમનો ધર્મ આગળ વધ્યો નથી. આ તો દેહધર્મ જેને હોય એને તો મોહનાં બહુ પરમાણું જથ્થાબંધ હોય અને એમને જો કોઇ ગાળ ભાંડે તો એમને ગાળ આપનાર પૂરો દોષિત દેખાય. એમાં જો કોઇ થોડો ડેવલપ હોય તો કહે કે,‘મારા કર્મનો દોષ છે.’ આ નિંદા કરે છે એ મારાં કપડાં ધૂએ છે એમ માની સંતોષ લે છે અને આગળ ડેવલપ થાય. આખા જગતમાં નિમિત્તને દોષ દેવાનો કાયદો છે, નિમિત્તને બચકાં ભરે; જ્યારે આપણે અહીં જ ‘ભોગવે એની ભૂલ’ એ કાયદો છે !

પ્રતિક્રમણનાં પરિણામ તે કેવાં !

પ્રશ્નકર્તા : આપણને કોઇને માટે આસકિત રહેતી હોય તો શી રીતે એનાં પ્રતિક્રમણ કરવાં ?

દાદાશ્રી : સામી વ્યક્તિનું નામ લઇ એના આત્માને સંભારીને, ‘દાદા’ને સંભારીને એ આસકિત માટે પ્રતિક્રમણ કરવાં.

પ્રશ્નકર્તા : સામી વ્યક્તિને આપણા માટે ખૂંચતું હોય તો શું કરવું?

દાદાશ્રી : તોય આપણે પ્રતિક્રમણ કરવાં જોઇએ. આ તો આપણે પહેલાં ભૂલ કરેલી તેથી એને ખૂંચે છે, ભૂલથી જ બંધાયા છીએ. બંધન રાગનું હોય, દ્વેષનું હોય, જેનું હોય તેનું પ્રતિક્રમણ કરી નાખવાનું. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માગી લેવાની, નહીં તો અંદર જ માફી મંગાય તોય હિસાબ ચોખ્ખો થઇ જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી શું સામાનું મન આખું બદલાઇ જાય?

દાદાશ્રી : જો કોઇ બહારના અજાણ્યા માણસ સાથેનું પ્રતિક્રમણ થાય તો તે અજાયબ પામી જાય ! તેને તરત જ આપણી પ્રત્યે ખેંચાણ

(પા.૩૪૯)

થઇ જાય ! આ પ્રતિક્રમણથી તો સામાની વૃતિ ઠંડી પડી જાય; જ્યારે ઘરનાં માણસો જોડે તો નિરંતર પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : મરેલા માણસની સ્મૃતિ આવે તો એ મરેલાનુંય શું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : સ્મૃતિ મરેલાનીય આવે ને જીવતાનીય આવે. જેની સ્મૃતિ આવે તેનું પ્રતિક્રમણ કરવું પડે, કારણ કે આપણે જાણીએ છીએ કે ખરેખર ‘એ’ જીવતો જ છે, મરતો નથી, આનાથી તેના આત્માનેય હિતકર છે અને આપણે પ્રતિક્રમણ કરીએ તો આપણે એની ગૂંચમાંથી છૂટી શકીએ.

પ્રશ્નકર્તા : મરેલાનું પ્રતિક્રમણ શી રીતે કરાય ?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુદ્ધાત્માને સંભારવાના ને પછી ‘આવી આવી ભૂલો કરેલી.’ તે યાદ કરવાની (આલોચના); તે ભૂલો માટે મને ‘પશ્ચાત્તાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ); ’તેવી ભૂલો નહીં થાય એવો દ્રઢ નિશ્ચય કરું છું’ એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). ‘આપણે’ પોતે ‘ચંદુલાલ’ના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ અને જાણીએ કે ‘ચંદુલાલે’ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર અને કેટલી વાર કર્યાં !

જ્યાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા ‘શુદ્ધ’ જ હોય. આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઇએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાના શુદ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધુંય શુદ્ધ થયા કરે. આ પુદ્ગલ શું કહે છે ? અમને ‘શુદ્ધ’ કરો, ‘તમે’ તો ‘શુદ્ધ’ થઇ ગયા ! આ અશુદ્ધ થઇ ગયેલાં પુદ્ગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુદ્ધ થઇ જાય.

સ્થૂળ, સૂક્ષ્મ ભૂલો પ્રતિક્રમણથી જાય અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો જોવાથી જાય. આ માર્ગ જ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનનો છે, અને તેય રોકડા જોઇએ. આ પાન પણ બે આના કેશ આપીએ ત્યારે મળે છે. પ્રતિક્રમણ કેશ જોઇએ, ઉધારથી મોક્ષ નહીં મળે.

(પા.૩૫૦)

મનથી, વાણીથી અને દેહથી થયેલાં બધાં જ અતિક્રમણના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા પડે. આ અમારું મુખારવિંદ ધારણ કરીને, આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરો તો તો એવું ભૂંસાય કે ફરી એ અતિક્રમણ થાય નહીં, અમારી હાજરીથી ધોવાઇ જાય.

અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે, તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે. આ બહારની સ્થૂળ હિંસા એ તો અડે કે ના પણ અડે, એ તો મહીંની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય; પણ મહીંની હિંસા, સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે. અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય. અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા, તે પ્રતિક્રમણ શું કરે ? કેવું કરે ? જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરતરાજા મોક્ષે જ ના જઈ શક્યા હોત ! તેમના હાથે તો કેટલાંય લશ્કર કપાયેલાં ! સ્થૂળ હિંસા નડતી નથી, સૂક્ષ્મ હિંસા નડે છે !

આ મહાત્માઓને અમે ઓર જ જાતની વસ્તુ હાથમાં આપી છે! અજાયબી છે !! જગતના લોકોને એકસેપ્ટ કરવું પડશે કે આ લઢતા હોય છતાં તેમને મહીં સમકિત નહીં જતું હોય, બન્ને ક્ષેત્રની ધારા જુદી જ વહ્યા કરે.

આ તમારે તો બન્નેય ધારા ભેગી વહ્યા કરે છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બન્નેય ધારા જુદી રહે જ નહીં. ‘આ બધાંને’ તો નિરંતર આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન રહ્યા કરે છે. આ કેવું છે ? કે બહારની ક્રિયા થયા કરે ને મહીં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનેય થયા કરે, એ નિરંતર હોવાં ઘટે. તમે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો છો ને ?

પ્રશ્નકર્તા : હા, સંવત્સરીનું પ્રતિક્રમણ થાય.

દાદાશ્રી : તમારે પ્રતિક્રમણ શી રીતે કરવું તે સમજાવું તમને. અત્યારે તમારે કોઇ ગુરુ છે ?

પ્રશ્નકર્તા : નથી.

(પા.૩૫૧)

દાદાશ્રી : જ્યારે પોતાથી ઝઘડો થઇ ગયો કે જે ઉદય કર્મ છે, પ્રાકૃત ભાવ છે, તો તરત જ પોતે જેને ગુરુ માન્યા હોય તેમને સંભારીને જેની જોડે ઝઘડો થઇ ગયો હોય તેના આત્માને સંભારીને, પ્રતિક્રમણ તરત કરવાનું. આ અતિક્રમણ એ તો હુમલાખોરી કહેવાય. આ તમારા શેઠ જોડે અતિક્રમણ થાય ત્યાં પણ ગુરુને ધારણ કરીને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરો, તો બધું ભૂંસાઇ જાય. એનાથી શું થાય? કે શેઠ માટે જે અતિક્રમણ કરેલું તેની ઘોડાગાંઠ નહીં બંધાતાં, એ ગાંઠ ઢીલી થઇ જાય ! તે આવતે ભવે એ ગાંઠને હાથ લગાડતાં જ ખરી જાય! ગુરુ તો માથે જોઇએને ? આલોચના કરવા તો કોઇ જોઇશે ને? છૂટવાનો રસ્તો જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન છે, બીજો કોઇ રસ્તો જ નથી. બંધાવાનો રસ્તો જ અતિક્રમણ અને આક્રમણનો છે. પ્લસ-માઇનસ સરખું જ હોય ને ? એનાથી જીરો થાય ! પ્રતિક્રમણ તો ડાઘ પડે ને તરત જ ધોઇ નાખે ત્યારે કર્યું કહેવાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જૈનને નિરંતર હોય. જૈન તો કોનું નામ કે રોજનાં પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરતો હોય !

નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઇ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી, નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવાં વધારે હોતાં નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળું ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવા-દેવાવાળા છે, તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે, પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકનાં ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય. ફૂટી કયું નીકળે ? જે ચીકાશવાળું હોય તે જ ફૂટી નીકળે.

ડાયરેક્ટ મિશ્રચેતન જોડે અતિક્રમણ થયું હોય તો તરત જ પ્રતિક્રમણ કરો. આ ખાવાનું ઓછું પીરસ્યું અને એનાથી સામાને દુઃખ થશે એ ઇનડાયરેક્ટ અતિક્રમણ થયું, એને પણ પ્રતિક્રમણ કરીને ધોઇ નાખવું પડે. આ બટાટાનું શાક ચેતન નથી, પણ એને લાવનાર ચેતન છે, એ

(પા.૩૫૨)

ચેતનવાળાને સ્પર્શે છે. જે બટાટા ખાતો નથી અને બટાટાનું શાક પીરસવામાં ભૂલ થઇ તો એનાથી સામાને દુઃખ થશે, પણ એ ખ્યાલ ન રહ્યો, તો આને ઉપયોગ ચૂક્યા કહેવાય અને ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : કંટાળો આવે એ શું કહેવાય ? એ પ્રમાદ કહેવાય ?

દાદાશ્રી : ના, કંટાળો આવે એ તો પ્રમાદ ના કહેવાય, અરુચિ કહેવાય. જેની જરૂર છે ત્યાં અરુચિ આવે, તો તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે!

પ્રશ્નકર્તા : દાદા, ઘણાં દોષો સમજાતા પણ કેમ નથી ?

દાદાશ્રી : લોભ અને માયા હોય તે આ દોષોને સમજવા ના દે, પણ માન ને ક્રોધ હોય તો તરત જ દોષો દેખાય. અરે, બીજા પણ તે દોષ દેખાડી આપે.

‘જ્ઞાની પુરુષ’નાં દર્શનથી કપટનો પડદો ખસી જાય ને બધું ખુલ્લું થતું જાય.

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય અને એટલે ભરેલી કોઠી ખાલી થયા કરે. વિષયો સાંભરતા હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે તો વિષયો યાદ જ ના આવે. આ તો પહેલાંનો કોઠીમાં જ માલ ભરેલો ને ! તે માલ નીકળે એટલે યાદ આવે અને તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીએ એટલે ખાલી થતું જાય અને એટલે પછી છેવટે કોઠીને ખાલી થયે જ છૂટકો.

પ્રશ્નકર્તા : દાદા, ઘરમાં જાતજાતનું વસાવવાનો મોહ છે, સાડીઓ ખરીદવાનો મોહ છે, તે બધાંનું પ્રતિક્રમણ શી રીતે કરવું ?

દાદાશ્રી : એ તો બધાં નોકર્મ કહેવાય. ‘તું ચંદુ’ તો તારાં છે, નહીં તો એ તારાં નથી. આ મોહ જો મૂર્છા કરાવે ને મૂર્છા ઉત્પન્ન થાય, તે ઘડીએ પ્રતિક્રમણ કરવું પડે, એય કોઠીમાં માલ ભરેલો માટે પ્રતિક્રમણ કરવું પડે. કોઠીમાંથી જે જે માલ નીકળે તે બધાંના આલોચના, પ્રતિક્રમણ

(પા.૩૫૩)

ને પ્રત્યાખ્યાન કરવા પડે, તેય આપણે નહીં, ‘ચંદુ’ પાસે કરાવવાનાં. જે ખાય તેની ગુનેગારી, આપણે ખાઇએ નહીં એટલે આપણે ‘શુદ્ધાત્મા’ એ પ્રતિક્રમણ શાનાં કરવાનાં ?

આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય, પણ જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે.

પ્રતિક્રમણ શરૂ થાય એટલે ચોથું ગુંઠાણું શરૂ થાય !

અતિક્રમણ અને આક્રમણ જેટલું કર્યું એનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરજો. આ સદાચાર, દુરાચાર એ કાંઇ હાથની વાત નથી, એ તો અમુક બીજી વસ્તુઓને આધીન છે, પણ દુરાચાર થતી વખતે અતિક્રમણ અને આક્રમણ થાય છે તેનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનું.

આક્રમણ ને અતિક્રમણ

પ્રશ્નકર્તા : આક્રમણ અને અતિક્રમણમાં શો ફેર ?

દાદાશ્રી : બન્ને વચ્ચે ઘણો ફેર છે. અતિક્રમણનો દોષ એટલો નથી, આક્રમણનો દોષ ભંયકર છે. આ મહીં આડો અવળો વિચાર આવે છે એ અતિક્રમણ, પણ ‘આને સીધો કરી નાખું, મારું જે થવાનું હોય તે થાય, પણ તારું તો કરી જ નાખું,’ એ બધા ભાવ તે આક્રમક ભાવ છે. સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આક્રમક ભાવ ના હોય, છતાં અતિક્રમણ થાય. જે સામાન્ય હોવું જોઇએ તેનાથી વિશેષ થાય, અતિ થાય, તે અતિક્રમણ. આક્રમક ભાવ ગયો એટલે વીતરાગતામાં આવ્યો. આક્રમક ભાવ અને અતિક્રમણ ભાવમાં બહુ ડિફરન્સ છે, સ્વરૂપજ્ઞાન મળ્યા પછી કો’ક ઉપર અભાવભાવ થયા કરે અને મહીં વંટોળ જેવું જાગે, તેમાં આક્રમક ભાવ ના હોય. તેવા અભાવભાવ આક્રમણ કરાવીને નથી જતા, પણ અતિક્રમણ કરાવીને જાય છે; માટે તેમાં પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાનાં બાકી રહે છે. એક ને એક વ્યક્તિ માટે આવા અતિક્રમણ, આવા અભાવભાવ હજાર હજાર વખત પણ આવે અને હજાર હજાર વખત આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તેની સામે કરે, તો જ તેવાં ભારે અતિક્રમણથી છૂટા થવાય.

(પા.૩૫૪)

આ જ્ઞાન પછી રજમાત્ર પણ અભાવભાવ આપણામાં હોવો જ ના જોઇએ. હવે તો આપણે નવી લડાઇ કરવી નથી અને જે જૂની લડાઇ છે એનો નિકાલ જ કરવાનો છે !

જાથુ પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : જાથુ પ્રતિક્રમણ કોને કહેવાય ?

દાદાશ્રી : જાથુ પ્રતિક્રમણ કોને કહીએ ? કે જે જાથુ યાદ આવે તેને માટે. કોઇ એક જણ જાથુ મહીં યાદ આવ્યા કરતું હોય, તો તેનું જાથુ પ્રતિક્રમણ કરવું પડે. જાથુ એટલે નિરંતર. સ્મૃતિ એ રાગ-દ્વેષનો અરીસો છે. કોઇ વખત પ્રતિક્રમણ કરવું પડે, પણ જાથુમાં તો જેટલી વાર યાદ આવ્યો તેટલી વાર પ્રતિક્રમણ કરવું પડે.

જે વ્યકિત જોડે આપણાથી ગૂંચો પડી ગઇ હોય ને તે મરી ગયા હોય તો તેને યાદ કરીને ગૂંચો ધોઇ નાખવી, જેથી ચોખ્ખું થઇ નિકાલ થઇ જાય ને ગૂંચો ઊકલી જાય. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને ગૂંચો છોડી નાખવી. એક બિલાડીને મારી નાખી હોય તો બન્નેના આત્મા પાસે નોંધ થાય છે. બિલાડી વેર લીધા વગર રહે નહીં, માટે આપણે તેનું આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. જ્ઞાનીનાં જે જે વાક્યો ફીટ થાય તે ‘અનુભવ જ્ઞાન’ કહેવાય અને એ મોક્ષે લઇ જાય!

તંત બે પ્રકારના છે; એક છૂટી જાય એવો તંત અને બીજો જલદી છૂટે જ નહીં એવો તંત. બીજો તંત ઘણા લાંબા સમય સુધી ચાલુ રહે, એને પણ અનેક વાર આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી લેવું. જેના માટે ખરાબ વિચાર આવે તો આપણે એમ કહેવું કે, ‘આ તો બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે.’ આમ બોલવાથી પેલાને અસર થાય. બાકી તેની સામે જોવું નહીં કે એ કેવા છે, આપણે તો તેને સારા જ કહેવા. એક વાર, બે વાર, ત્રણ વાર કરવાથી જરૂરથી એ ફરી જાય. આ બધું અનુભવજ્ઞાન છે, અમે જે રસ્તે ચાલ્યા છીએ તે જ રસ્તે અમે તમને લઇ જઇએ છીએ.

(પા.૩૫૫)

સોરી એટલે પ્રતિક્રમણ ?

પ્રશ્નકર્તા : ‘થેન્ક યુ’ અને ‘સોરી’ શબ્દ, એ પ્રતિક્રમણ જેવા છે ને?

દાદાશ્રી : ના, આ ભેંસ ખુશ થઇને માથું હલાવે એ થેંક્સ જેવું ગણાય. એ વાત એમની માટે, ફોરેનર્સ માટે બરોબર છે. પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઇ જોટો મળે એવા શબ્દો નથી. છતાંય સોરી એમ બોલીએ છીએ, એ વ્યવહારમાં બોલીએ છીએ.

જેનો નિશદિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ; પણ આ તો કોઇનો તપમાં ઉપયોગ, કોઇનો પ્રતિક્રમણમાં ઉપયોગ હોય. ભગવાને શું કહેલું કે, ‘પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે,એ તને આગળનો માર્ગ બતાવશે.’ આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે ? આ સાંતાક્રુઝનું બોર્ડ મારેલું હોય, અને એ રસ્તે જવાનું હોય; પણ આ તો ત્યાં દાદરમાં જ બેસી ને ‘વે ટૂ સાંતાક્રુઝ, વે ટૂ સાન્તાક્રુઝ’ એમ ગાયા કરે છે; તો સાંતાક્રુઝ જવાનું તો બાજુએ રહ્યું, પણ પોતે ‘સાંતાક્રુઝ જવાનો પ્રયત્ન કરે છે.’ એનો કેફ પાછો ચઢે છે !

અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજ્યો જ નથી, પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનનાં પ્રતિક્રમણો સમજ્યા વગર ગા ગા કરે છે, રૂઢિ પડી ગઇ છે !

અતિક્રમણનાં ડાઘ, કાઢે પ્રતિક્રમણ

દાદાશ્રી : આ ચાનો ડાઘ તમારાં કપડાં ઉપર પડે તો તમે શું કરો છો ?

પ્રશ્નકર્તા : તરત જ ધોઇ નાખું છું.

દાદાશ્રી : ત્યાં તમે કેવા ચોક્કસ રહો છો ? કારણ કે તમને થાય છે કે ડાઘ રહી જશે, માટે તરત જ ત્યાં રોકડું ધોઇ નાખો છો; પણ ‘મહીં’ ડાઘ પડે છે તેની ખબર જ નથી ! અતિક્રમણ એટલે ડાઘ પડવો તે અને

(પા.૩૫૬)

પ્રતિક્રમણ એટલે ડાઘ કાઢવો તે. જેને ડાઘ પડતો નથી તેને પ્રતિક્રમણની જરૂર નથી, ‘જ્ઞાની પુરુષ’ને પ્રતિક્રમણની જરૂર નથી.

આ બધાં ચાનો ડાઘ પડે કે તરત જ ધોઇ આવે, ત્યાં જરાય કાચો ના પડે; ત્યાં આગળ જ્ઞાની જરા કાચા પડી જાય, પણ ત્યારે જ્ઞાની મહીંના ડાઘ સામે કાચા ના હોય ! ‘જ્ઞાની પુરુષ’ને ડાઘ જ ના પડે, કારણ કે પોતે ગાઇને ગવડાવે; જ્યારે બીજા તો ગવડાવે, પણ પોતે ગાય નહીં, તેનો ડાઘ પડી જાય ! આ ચાનો ડાઘ પડે ને જો જાણે નહીં કે શેનાથી ધોવાય, તો શું થાય ? દુધમાં બોળે તો દૂધનો ડાઘ પડે ને ફરી તેલમાં બોળીને કાઢવા જાય તો તે ડાઘ પાકો થઇ જાય ! બહારનાં બધાં લોક અત્યારે પ્રતિક્રમણ કેવું કરે છે ? દ્રવ્ય આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરે છે; ભાવ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન તો કોઇ કરતું જ નથી ! હા, ચાનો ડાઘ પડે છે ત્યાં ભાવ પ્રતિક્રમણ કરે છે ખરાં! પ્રતિક્રમણ તો ડાઘ પડે કે તરત જ પોતે ધોઇ નાખે, ત્યારે કર્યું કહેવાય! આ તો મહીંનો ડાઘ ત્યારે ના કાઢે; એ ડાઘને પાકો થવા દે. પછી ધોવા જાય ત્યારે ડાઘ શું તમારી રાહ જોઇને બેસી રહે ? ના, એ તો ડાઘ પડી જ જાય !

કોઇને ઊંચે સાદે બોલ્યા ને એનાથી સામાવાળાને દુઃખ થાય તો મહીં પ્રતિક્રમણ કરી લેવું પડે, કારણ કે આ અતિક્રમણ થયું, તે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રતિક્રમણની યથાર્થ વિધિ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં શું કરવાનું ?

દાદાશ્રી : મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચંદુલાલ તથા ચંદુલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા’ને સંભારીને કહેવું કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન ! મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઇ, માટે તેની માફી માગું છું, અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.’ ‘શુદ્ધાત્મા’ને સંભાર્યા અથવા ‘દાદા’ને સંભાર્યા ને કહ્યું કે, ‘આ ભૂલ થઇ ગઇ’; એટલે

(પા.૩૫૭)

એ આલોચના, ને એ ભૂલને ધોઇ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવાનો એ પ્રત્યાખ્યાન છે! સામાને નુકસાન થાય એવું કરે અથવા એને આપણા થકી દુઃખ થાય એ બધાં અતિક્રમણ અને તેનું તરત જ આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવું પડે.

આ તો સહેલો માર્ગ છે, તરત જ કૂંચીઓથી તાળાં ખૂલી જાય ! કોઇ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય, આ તો અક્રમ માર્ગ છે! એક્સેપ્શનલ કેસ છે ! અને અગિયારમું આશ્ચર્ય છે !! ત્યાં કામ કાઢી લેજો. આવાં પ્રતિક્રમણથી લાઇફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય !

ભગવાન મહાવીરે એમ કહ્યું કે, ‘તમે બહુ મોટા વેપારી હો તો દહાડાનાં અતિક્રમણોનાં રાત્રે પ્રતિક્રમણો કરજો.’ એને ‘રાયશી’ કહ્યું અને ‘રાતના અતિક્રમણોના પ્રતિક્રમણ દહાડે કરજો.’ એને ‘દેવશી’ કહ્યું. આ અક્રમ માર્ગ છે એટલે જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ કરવા પડે, નહીં તો જ્ઞાન થયા પછી પ્રતિક્રમણ ના હોય. આ સ્વરૂપનું જ્ઞાન પામ્યા, પણ મહીં માલ સ્ટોકમાં છે તેથી અતિક્રમણ થાય અને તેનું પ્રતિક્રમણ કરી નાખવું પડે. એ પ્રતિક્રમણ આપણે ‘શુદ્ધાત્મા’ એ નહીં કરવાનાં, એ તો આ મન-વચન-કાયા પાસે કરાવવાનાં. ‘હું કરું છું’ એ ભાવ નીકળી ગયો એટલે સ્વરૂપે કરીને શુદ્ધ છીએ, એટલે પોતાને પ્રતિક્રમણ કરવાનાં ના હોય. પોતે ‘શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ કરે તો તો પોઇઝન થઇ જાય. ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ પ્રતિક્રમણ ના કરે, પણ મન-વચન-કાયા પાસે કરાવડાવે. આ તો અક્રમ માર્ગ છે એટલે પહેલાં સ્વરૂપજ્ઞાનમાં બેસીને પછી દેવું વાળવાનું. અક્રમ માર્ગમાં તો પહેલાં બળતરા બંધ કરીને પછી દેવું વાળવાનું; જ્યારે ક્રમિક માર્ગમાં તો દેવું વાળતાં વાળતાં જ્ઞાનમાં આવે.

(પા.૩૫૮)

યોગેશ્વર શ્રીકૃષ્ણ

પ્રશ્નકર્તા : સ્વધર્મ એટલે શું ? આપણા વૈષ્ણવમાં કહે છે ને કે સ્વધર્મમાં રહો ને પરધર્મમાં ના જશો !

દાદાશ્રી : આપણા લોકો સ્વધર્મ એ શબ્દ જ સમજ્યા નથી ! વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ અને શૈવ કે જૈન કે ઇતર બીજા ધર્મ તે પરધર્મ, એમ સમજી બેઠા છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, ‘પરધર્મ ભયાવહ,’ એટલે લોક સમજ્યા કે વૈષ્ણવ ધર્મ સિવાય બીજા બધા ધર્મ પાળે તે ભય છે. તેમ દરેક ધર્મવાળા એવું જ કહે છે કે પરધર્મ એટલે બીજા ધર્મમાં ભય છે, પણ કોઇ સ્વધર્મ કે પરધર્મને સમજ્યું જ નથી. પરધર્મ એટલે દેહનો ધર્મ અને સ્વધર્મ એટલે આત્માનો પોતાનો ધર્મ. આ દેહને નવડાવો, ધોવડાવો, અગિયારસ કરાવો એ બધા દેહધર્મ છે, પરધર્મ છે; આમાં આત્માનો એકુય ધર્મ ન હોય, સ્વધર્મ ન હોય. આ આત્મા એ આપણું સ્વરૂપ છે. કૃષ્ણ ભગવાને કહ્યું કે, ‘સ્વરૂપનો ધર્મ પાળે તે સ્વધર્મ છે અને આ અગિયારસ કરે કે બીજું કાંઇ કરે તે તો પરાયો ધર્મ છે, એમાં સ્વરૂપ ન હોય.’

‘પોતાનો આત્મા એ કૃષ્ણ છે’ એમ સમજાય, એની ઓળખાણ થાય તો જ સ્વધર્મ પળાય. જેને મહીંવાળા કૃષ્ણની ઓળખાણ પડી એ જ સાચો વૈષ્ણવ કહેવાય, આજે તો કોઇ સાચો વૈષ્ણવ થયો નથી ! ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ....’ એ વ્યાખ્યાના હિસાબે પણ એકુય વૈષ્ણવ થયો નથી !

આમ કહે છે કે, ‘અમે કૃષ્ણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ,’ પણ કૃષ્ણ ભગવાન મને રોજ કહે છે કે, ‘આમાંનો એકુય જણ મારો સાચો ભક્ત નથી. હું જે કહું છું તે મારી આજ્ઞા તેઓ એક દા’ડો, અરે એક કલાક પણ પાળતા નથી.’

(પા.૩૫૯)

શ્રીકૃષ્ણની આજ્ઞા

કૃષ્ણ ભગવાન કહે છે :

‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ ત્યારે આ વૈષ્ણવો શું કહે છે ? વૈષ્ણવો કહે છે કે, ‘કૃષ્ણ ભગવાન તો એમ કહે, પણ ચિંતા કર્યા વગર ઓછું આપણું કામ ચાલવાનું છે ? ચિંતા તો કરવી જ પડે ને ?’ લે, આ મોટા બહુ ચલાવવાવાળા નીકળી પડ્યા !

કૃષ્ણ તો કેટલું કેટલું કહી ગયા કે, ‘પ્રાપ્તને ભોગવ, અપ્રાપ્તની ચિંતા ના કરીશ.’ અત્યારે આ જમવાનો થાળ સામે આવ્યો છે, એ પ્રાપ્ત સંયોગ છે, ત્યારે એને નહીં ભોગવતાં શેઠ ગયા હોય કારખાનામાં ને અહીં માત્ર ધોકડું જ ખાતું હોય ! હવે આને કૃષ્ણ પણ શું કરે ? કૃષ્ણ કહે છે કે, ‘એક બાજુ મને હિંડોળે બેસાડે છે ને બીજી બાજુ મારી જીભ ઉપર પગ મૂકે છે આ બધા વૈષ્ણવો ! મારો એકુય શબ્દ પાળતા નથી.’ તમને કેમ લાગે છે ? મારી વાત બરોબર છે ને ? તમે જ કહો કે ચિંતા કરો છો કે નથી કરતા ?

પ્રશ્નકર્તા : ચિંતા તો રાતદહાડો કરીએ છીએ, પણ અમારે ચિંતા નથી કરવી છતાં થઇ જાય છે, તો પછી શો ઉપાય કરવો ?

દાદાશ્રી : આમાં કૃષ્ણની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, પણ જોડે જોડે એની દવા પણ હોય. તમારે રોજ સવારમાં પાંચ વખત કૃષ્ણ ભગવાનના ફોટા આગળ બે હાથ જોડીને કહેવું કે, ‘હે ભગવાન, તમે કહ્યું છે કે એક પણ ચિંતા તું ના કરીશ. કારણ કે કરવું-કરાવવું બધું આપના હાથમાં છે, છતાં મારાથી ચિંતા થઇ જાય છે તો શું કરવું ? મારી તો દ્રઢ ઇચ્છા છે કે એક પણ ચિંતા ના કરાય. માટે હે ભગવાન, એવી કંઇક કૃપા કરો, એવી શક્તિ આપો કે ચિંતા ફરીથી ના થાય.’ આમ છતાંય જો ફરી ચિંતા થાય તો ફરીથી ભગવાનને આમ વિનંતિ કરજો. આમ કર્યે જ જાવ, પછી કશી જ ચિંતા નહીં થાય, આ આપણે કૃષ્ણને દોરડું બાંધ્યું! અને જાવ, અમને યાદ કરીને, અમારું નામ દઇને કૃષ્ણ ભગવાનને રોજ સવારમાં પાંચ વખત કહેજો, પછી જો ચિંતા થાય તો અમારી પાસે આવજો. જો

(પા.૩૬૦)

આપણી દાનત ચોખ્ખી હોય, કૃષ્ણના સાચા ભક્ત હોઇએ તો પછી ચિંતા શાની થાય ? કૃષ્ણને આપણે ચોખ્ખે ચોખ્ખું કહેવામાં શો વાંધો છે ? સાચી ભાવનાવાળો તો ભગવાનને પણ ગાળો દઇ શકે. ભગવાનને કોણ ગાળ દઇ શકે ? જે સાચો પુરુષ હોય તે જ ભગવાનને ગાળ દઇ શકે ! આમાં ડરવાની ક્યાં વાત છે ? ભગવાનને કહેવાય કે, ‘અમારે ચિંતા નથી કરવી, અમારી મરજી બિલકુલ તમારી આજ્ઞામાં જ રહેવાની છે, છતાં પણ ચિંતા થઇ જાય છે, તો અમે શું કરીએ ? અમે તો તમારા શરણમાં રહીએ છીએ અને તમને ગાળ પણ આપીશું.’

આવું અમે એક જણને શીખવાડેલું, તે ભઇ તો પાકો નીકળ્યો. આઠ દહાડા આવું રોજ કર્યું ને નવમે દિવસે આવીને કહેવા લાગ્યો કે, ‘દાદા, મારી પર ભગવાન પ્રસન્ન થયા, મને એક પણ ચિંતા થઇ નથી.’ ‘જ્ઞાની પુરુષ’નાં વચનમાં વચનબળ હોય, તે જો પાળે તો તો તેનું કામ જ થઇ જાય. એક બહેન ઔરંગાબાદમાં આવેલાં, તેમણે અમારાં દર્શન કર્યાં, બે મિનિટ ‘શ્રીકૃષ્ણ શરણં મમ’ બોલ્યાં ને તરત જ તેમને સાક્ષાત્ કૃષ્ણ ભગવાનનાં દર્શન થયાં !

કૃષ્ણને ગોપીભાવે ભજજો, પણ કેમનો ગોપીભાવ રહે ? કૃષ્ણને ઓળખ્યા વગર ગોપીય શાની થવાય ને ભાવેય શાનો આવે ? કૃષ્ણ ભગવાનનાં બે સ્વરૂપ : એક બાળ સ્વરૂપ અને બીજું યોગેશ્વર સ્વરૂપ. યોગેશ્વર કૃષ્ણને કોઇ ઓળખે જ નહીં, એટલે બાળકૃષ્ણની ભક્તિમાં લોક પડ્યા. તેમાં પરસાદ, રમકડાં. ઘોડિયું-પારણું હોય, પણ તેથી કંઇ વળે? પુષ્ટિધર્મ તે બાળમંદિર કહેવાય, આ તો બાલ કૃષ્ણનો ધર્મ, ખરો ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો છે. બાલકૃષ્ણ ધર્મ એ તો બાળમંદિર છે, એમાં જ્યાં સુધી સ્લેટની લંબાઇ પહોંચે ત્યાં સુધી એકથી દસ સુધી લખવાનું. ધર્મ તો યોગેશ્વર કૃષ્ણનો જોઇએ. યોગેશ્વર કૃષ્ણનો ધર્મ એ જ્ઞાનમંદિર કહેવાય. મોક્ષ માટે યોગેશ્વરને ભજો ને સંસારમાં રહેવું હોય તો બાળકૃષ્ણને ભજો. કૃષ્ણ તો નરમાંથી નારાયણ થયેલા, જ્ઞાની હતા. એટલે હવે મંદિરમાં ક્યાં ભગવાન રહ્યા છે ? અગાઉ દસ હજાર વર્ષ ઉપર એક પુસ્તકમાં લખાયું છે કે કળિયુગમાં ભગવાન પેદા થશે, તે અનંત જાતની અનંત કળાઓવાળા

(પા.૩૬૧)

હશે ! નહીં તો કળિયુગના મનુષ્યો પાંસરા થશે નહીં, તે ભગવાન જાતે આવ્યા છે. અહીં તો જૈન, વૈષ્ણવ, મુસ્લિમ, ક્રાઇસ્ટ બધા ધર્મનો સંગમ છે. ‘અમે’ સંગમેશ્વર ભગવાન છીએ. કૃષ્ણવાળાને કૃષ્ણ મળે અને ખુદાવાળાને ખુદા મળે, કેટલાય અમારી પાસેથી કૃષ્ણ ભગવાનનાં દર્શન કરી ગયા છે. અહીં નિષ્પક્ષપાતી ધર્મ છે.

આ તો કેવું છે કે એક ઘોર ખોદે ને બીજું પૂરે. એક અવતારમાં હિન્દુને ત્યાં જન્મે ત્યારે મસ્જિદ તોડે ને પાછો મુસલમાનમાં જાય ત્યારે મંદિર તોડે, તેમ દરેક ભવમાં ભાંગફોડ જ કરે. વૈષ્ણવને ત્યાં જન્મે ત્યારે જૈનોને વગોવે ને જૈનમાં જન્મે ત્યારે વૈષ્ણવોને વગોવે. તીર્થંકરો, રામ, કૃષ્ણ, સહજાનંદ, ક્રાઇસ્ટ, પયગંબર ને જરથોસ્ત જે જે થઇ ગયા છે તે બધાને, લોકો જેને પૂજે છે તેને, બધાંએ વ્યવહારથી માન્ય કરવા પડે અને જો ઓળખાણ પડે તો ‘એક’ છે ને ઓળખાણ ના પડે તો ‘અનેક’ છે. અમારી પાસે તો બધાંય ધર્મનો સંગમ છે. અમારે ને કોઇ ભગવાનને ભેદ ના હોય. લાખ જ્ઞાનીઓનો એક મત ને એક અજ્ઞાનીના લાખ મત હોય.

પાંચ હજાર વર્ષ પહેલાં કાલિયા નાગની વાત રૂપકમાં મૂકી, તે કાલિયા નાગને નાથનારા કૃષ્ણ નહોતા. આ તું ચિઢાય છે, ગુસ્સે થાય છે, એ જ નાગ. પેલા નાગમાં તો મદારીનું કામ હતું, તેમાં કૃષ્ણ ભગવાનનું શું કામ હતું ? ને કૃષ્ણ ભગવાને નાગને નાથવાની શી જરૂર પડેલી ? તે શું તેમને મદારી નહોતા મળતા ? પણ કોઇ વાતને જ સમજતા નથી અને તે રૂપક હજી ચાલ્યા કરે છે. કાલિયદમન થયું ત્યાં કૃષ્ણ હોય. આ કાલિયદમનમાં નાગ એટલે ક્રોધ, તો ક્રોધને વશ કર્યો હોય ત્યારે કૃષ્ણ થવાય. કર્મને કૃષ કરે તે કૃષ્ણ !

એક જણ મને કહે કે, ‘કૃષ્ણ ભગવાન તો માના પેટે નહીં જન્મેલા ને ?’ મેં તેને કહ્યું, ‘શું ત્યારે કૃષ્ણ ઉપર આકાશમાંથી ટપક્યા હતા ? આ બધા દેહધારીને માને પેટે જન્મ લેવો જ પડે. કૃષ્ણ તો દેવકીજીને પેટે જન્મેલા.’

કૃષ્ણ ભગવાને નિયાણું બાંધેલું. નિયાણું એટલે શું ? આપણી

(પા.૩૬૨)

વસ્તુના બદલામાં વસ્તુ ઇચ્છવી, વસ્તુ સામે વસ્તુની ઇચ્છા કરવી. પોતાની પુણ્યૈની બધી જ મૂડી કોઇ એક વસ્તુ પ્રાપ્ત કરવામાં ખર્ચવી તે નિયાણું. કૃષ્ણ ભગવાન આગલા અવતારમાં વણિક હતા, તે એમને જ્યાં ત્યાંથી તિરસ્કાર જ મળેલો, પછી સાધુ થયેલા. એમણે તપ, ત્યાગનો આચાર જબરજસ્ત લીધો, એના બદલામાં શું નક્કી કર્યું ? મોક્ષની ઇચ્છા કે બીજી ઇચ્છા ? એમની એવી ઇચ્છા હતી કે જગત આખું મને પૂજે. તે એમનું પુણ્ય આ પૂજાવાના નિયાણામાં વપરાઇ ગયું, તે આજે એમના નિયાણાને પાંચ હજાર વર્ષ પૂરાં થાય છે.

પુષ્ટિમાર્ગ શું છે ?

વલ્લભાચાર્યે પુષ્ટિમાર્ગ કાઢ્યો. પાંચસો વર્ષ ઉપર જ્યારે મુસલમાનોનો બહુ કેર હતો, આપણી સ્ત્રીઓ મંદિરમાં કે બહાર ક્યાંય નીકળી નહોતી શકતી, હિન્દુ ધર્મ ખલાસ થવાની અણી પર આવ્યો ત્યારે વલ્લભાચાર્યે કાળને અનુરૂપ પડતા ધર્મને પુષ્ટિ આપી, તે ઘેર બેઠાં ભક્તિ કરાય એવો માર્ગ આપ્યો, પણ તે ધર્મ તે કાળ પૂરતો જ હતો. માટે પાંચસો વર્ષ સુધી જ રહેશે એમ તેઓ જાતે જ કહી ગયા, તે આજે તે પૂરાં થાય છે. હવે આત્મધર્મ પ્રકાશમાં આવશે.

કવિરાજે ગાયું છે જ ને,

‘મુરલીના પડઘે ઝૂમી જમુના બોલી,

શ્રીકૃષ્ણના પ્રકાશક આવી ગયા છે.’

કૃષ્ણ તો ગજબના પુરુષ થઇ ગયા, વાસુદેવ હતા અને આવતી ચોવીશીમાં તીર્થંકર થશે. કૃષ્ણ તો નૈષ્ઠિક બ્રહ્મચારી હતા.

પ્રશ્નકર્તા : નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે શું ?

દાદાશ્રી : જેના ભાવમાં નિરંતર બ્રહ્મચર્યની જ નિષ્ઠા છે એ નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય ! ડિસ્ચાર્જ થતું અબ્રહ્મચર્ય છે અને ચાર્જ થઇ રહ્યું છે અખંડ બ્રહ્મચર્ય ! કૃષ્ણ ભગવાનને સોળસો રાણીઓ હતી, છતાં તે નૈષ્ઠિક

(પા.૩૬૩)

બ્રહ્મચારી હતા. આ કેવી રીતે તે તમને સમજ પાડું. એક માણસ ચોરી કરે છે, પણ મહીં નિરંતર ભાવમાં રમ્યા કરે છે કે, ‘ચોરી નથી કરવી,’ તો એ નૈષ્ઠિક અચૌર્ય કહેવાય. ‘શું ચાર્જ થઇ રહ્યું છે’ તે એનો હિસાબ છે ! એક માણસ દાન આપે છે અને મનમાં હોય કે, ‘આ લોકોનું આમ પડાવી લઉં’, તો એ દાન ગણાતું નથી. આ ઇન્દ્રિયોથી જે પ્રત્યક્ષ દેખાય નવું બાંધવા માટે ગણાતું નથી, પણ મહીં નવો હિસાબ શું બાંધી રહ્યો છે, જે ચાર્જ થાય છે, તે ગણાય !

પ્રશ્નકર્તા : તો પછી કૃષ્ણ ભગવાનને ચારિત્રવાન કેમ કહ્યા છે ?

દાદાશ્રી : એ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ઊલટું, એમના ચારિત્ર્યને દુષ્ચારિત્ર્ય કહી વગોણું થયું છે. કૃષ્ણ તો વાસુદેવ હતા. વાસુદેવ એટલે શું ? કે બધી ચીજના ભોકતા, પણ મોક્ષના અધિકારી હોય, ગજબના પુરુષ હોય !

સાચો બ્રહ્મ સંબંધ

પ્રશ્નકર્તા : આ બ્રહ્મસંબંધ કરાવે છે એ શું છે ?

દાદાશ્રી : બ્રહ્મરસ ઝરે ત્યારે લગની લાગે ને ત્યારે બ્રહ્મસંબંધ થાય. ‘પોતાનું સ્વરૂપ’ સમજાય તે ખરો બ્રહ્મસંબંધ થયો કહેવાય. એક ક્ષણ પણ સ્વરૂપ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ, પછી એકુય ચિંતા ના થાય. આ અમે ‘સ્વરૂપનું જ્ઞાન’ આપીએ છીએ ત્યારે પછી તમને શુદ્ધાત્માનું નિરંતર લક્ષ રહે છે, તે તમે ખરો બ્રહ્મસંબંધ પામ્યા કહેવાય ! બાકી, કંઠી તો સામાન્ય મર્યાદા કહેવાય. આજે ખરો બ્રહ્મસંબંધ એકુય માર્ગમાં રહ્યો જ નથી. અરે, જેના પોતાના જ બ્રહ્મસંબંધનું ઠેકાણું ના હોય એ બીજાનો બ્રહ્મસંબંધ શી રીતે કરાવી શકે ? વલ્લભચાર્યે તો વેદાન્ત માર્ગને સુંદર પુષ્ટિ આપેલી. વલ્લભચાર્યના વખતમાં કેવા આચાર હતા ? કે લોકો મહારાજનાં દર્શન કરે અને મહારાજ લોકોના શુદ્ધાત્માનાં દર્શન કરે. આ તો કાળની વિચિત્રતાને લીધે બધો ફેરફાર થઇ ગયો છે. આ જો મહારાજસાહેબનાં લોકો દર્શન કરે ને સામે મહારાજ જો લોકોના આત્માનાં દર્શન ના કરે

(પા.૩૬૪)

તો મહારાજ પોતે લૂંટાઇ જાય ! હવે આ વાત કોને સમજાય ? હવે કાળ પૂરો થવા આવ્યો છે, હવે બધાં જ રીલેટિવ ધર્મો ટોપ ઉપર આવશે. અમે બધા જ અપસેટ થઇ ગયેલા રીલેટિવ ધર્મોને ફરીથી અપસેટ કરી નાખીશું, એટલે શું થશે ? સેટઅપ થઇ જશે!

કૃષ્ણનો સાક્ષાત્કાર

પ્રશ્નકર્તા : મીરાંને, નરસિંહને કૃષ્ણનો સાક્ષાત્કાર કેવી રીતે થયેલો?

દાદાશ્રી : મીરાંને નરસિંહને દેખાયા તે કૃષ્ણ નથી, તેનો જોનારો કૃષ્ણ છે ! જે કહે છે કે, ‘કૃષ્ણ મહીં દેખાય છે’ તે તો દ્રશ્ય છે; તેનો જોનારો, દ્રષ્ટા તે જ ખરો કૃષ્ણ છે અને એ ખરા કૃષ્ણના સાક્ષાત્કાર તો એક ‘જ્ઞાની પુરુષ’ જ કરાવી શકે. તે વખતે ‘જ્ઞાની પુરુષ’ નહોતા એટલે તેમને ખરો સાક્ષાત્કાર થયો તેમ ના કહેવાય; પણ નરસિંહ, મીરાં, કબીર, અખો, જ્ઞાનદેવ, તુકારામ એ બધાં ભક્તો અત્યારે અહીંના અહીં જ છે, કોઇ મોક્ષે ગયું નથી, અત્યારે અમારી પાસેથી સ્વરૂપનું જ્ઞાન લઇ ગયા છે !

જ્યાં સુધી તું ભક્ત છે ત્યાં સુધી ભગવાન જુદા. ભક્ત ને ભગવાન એક થાય ત્યારે કામ પૂર્ણ થાય. કૃષ્ણને તો કોઇ ઓળખી જ શક્યું નથી. કોઇએ વાંસળીવાળો, તો કોઇએ ગોપીઓવાળો વગેરે વગેરે કૃષ્ણને બનાવ્યા. અલિયો વહોરો છબીઓ વેચે ને આપણે ખરીદીએ ને તેને ભજીએ, આ બધો વેપાર છે ! કૃષ્ણ એવા ના હોય, તમે જેવા કલ્પો છો તેવા તે નથી. આ તો લોકો બાળકૃષ્ણને ભજે છે. કોઇ જ્ઞાનમાં ઘરડા થયેલા, જ્ઞાનવૃદ્ધ થયેલા યોગેશ્વર કૃષ્ણને ભજતા નથી. બાળકૃષ્ણને લોક હિંડોળે ચઢાવે છે. કૃષ્ણ કહે છે, ‘લોક ઊંધા છે, દર સાલ લોકો મારા જન્મદિવસે ભૂખ્યા રહે છે ને બીજે દિવસે માલમલીદા ખાય છે. એવા મારા પોતાના જ ભક્તો પણ મારા વિરોધીઓ થઇ ગયા છે. મને મોરલીવાળો બનાવે છે, કપટી કહે છે, લીલા કરે છે એમ કહે છે, મારું જેટલું ઊંધું થાય તેટલું કર કર કરે છે.’ મૂર્તનાં દર્શન કરવાથી મૂર્ત થવાય અને અમૂર્તને ભજવાથી અમૂર્ત થવાય, એનાથી મોક્ષ મળે. સ્વરૂપમાં રમણતા

(પા.૩૬૫)

તે ચારિત્ર્ય. શુદ્ધ દશાથી અભેદતા લાગે. આત્મવત્ સર્વ ભૂતેષુ લાગે, તે નર્યું શુદ્ધ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય ને સુખ ઉત્પન્ન થયું તે જ્યોત, આ દીવો તે નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તે જ કૃષ્ણ, દ્રશ્ય તે કૃષ્ણ નથી.

મર્યાદા ને પૂર્ણ પુરુષોત્તમ

પ્રશ્નકર્તા : રામ મર્યાદા પુરુષોત્તમ ને કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહ્યા એ ખરું ?

દાદાશ્રી : ખરી રીતે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ના કહેવાય, રામ જ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય; કારણ કે રામ મોક્ષે ગયા, રામ પરમાત્મા થઇ ગયા. કૃષ્ણને પરમાત્મા ના કહેવાય, ભગવાન કહેવાય. હજી એ મોક્ષે ગયા નથી, આવતી ચોવીસીમાં તીર્થંકર થઇને મોક્ષે જવાના છે. આ તો કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ શાથી કહ્યા ? પ્રગટનું મહાત્મ્ય ગાવા. જે મોક્ષે ગયા તે કંઇ ધોળી ના શકે આપણું, હજી જે હાજર છે બ્રહ્માંડમાં, તે ક્યારેક સાંધો મળે તો કામ કાઢી નાખે. દેવકી, બળરામ ને કૃષ્ણ ત્રણેય એક જ કુટુંબના તીર્થંકર થવાના છે. એમના કાકાના દીકરા નેમીનાથ ભગવાન બાવીસમા તીર્થંકર થઇ ગયા, આખું કુટુંબ જ શામળું એમનું! પણ ગજબના પુરુષો પાક્યા એમાં !

ગીતાનું રહસ્ય, અહીં બે જ શબ્દમાં

પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને શા માટે મહાભારતનું યુદ્ધ લડવા માટે કહ્યું હતું ?

દાદાશ્રી : ભગવાનને તે વખતે આવું બોલવાનું નિમિત્ત હતું. અર્જુનને મોહ ઉત્પન્ન થયો હતો, ક્ષત્રિય ધર્મ હોવા છતાં તે મૂર્છિત થયેલો. તેથી મૂર્છા કાઢવા કૃષ્ણ ભગવાને અર્જુનને ચેતવ્યો ને કહ્યું, ‘તારી મૂર્છા ઉતાર, તું તારા ધર્મમાં આવ. કર્મનો કર્તા કે ના કર્તા તું થઇશ નહીં.’ કૃષ્ણ ‘વ્યવસ્થિત’ જાણતા હતા અને ‘વ્યવસ્થિતના’ નિયમમાં હતું એટલું જ કૃષ્ણ બોલ્યા છે, પણ લોકોને સમજમાં આવતું નથી અને કહે છે કે, કેમ ભગવાન જ્ઞાની થઇને આવું બોલ્યા કે, ‘આ બધાંને મારી નાખ?’

(પા.૩૬૬)

કૃષ્ણનો આ તો ઓન ધી મોમેન્ટનો ઉપદેશ હતો, કંઇ હંમેશને માટે આ ઉપદેશ ના કરાય કે, મારજો જ. અર્જુનને બીજાં બધાં સગાંને જોઇને મોહ ઉત્પન્ન થયેલો. ભગવાન જાણતા હતા કે થોડી વાર પછી મોહ ઊતરવાનો છે, એટલે નૈમિત્તિક રીતે કૃષ્ણ ભગવાને વાત કહેલી. તેમણે અર્જુનને કહ્યું, ‘તું ક્ષત્રિય છે ને તારાં પરમાણુ લઢ્યા વગર રહેવાનાં જ નથી, એ અમને જ્ઞાનમાં દેખાય છે કે તારું ‘વ્યવસ્થિત’ આવું છે. માટે તું ખોટો મોહ ના કરીશ, મારવા માટે મોહ વગર કાર્ય કર, ખોટો અહંકાર ના કરીશ.’

શ્રીકૃષ્ણે નેમીનાથ ભગવાન પાસેથી દિવ્યચક્ષુ મેળવેલાં હતાં, ત્યાર પછી આ ગીતાનો ઉપદેશ તેમણે કરેલો.

ગીતામાં તો કૃષ્ણ ભગવાન બે જ શબ્દ કહેવા માગે છે. એ બે શબ્દ લોકોને સમજાય તેમ નથી, તેથી આટલું મોટું ગીતાનું સ્વરૂપ આપ્યું અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યાં છે. કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે, ‘હું જે ગીતામાં કહેવા માગું છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે. એવા એક હજાર સ્થૂળ અર્થને સમજનારા માણસોમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે. એવા એક હજાર સૂક્ષ્મ અર્થ સમજનારાઓમાંથી એક જણ સૂક્ષ્મતર અર્થને સમજે. એવા એક હજાર સૂક્ષ્મતર અર્થને સમજનારાઓમાંથી એક જણ ગીતાનો સૂક્ષ્મતમ અર્થ અર્થાત્ મારો આશય સમજી શકે !’ એ જ એક કૃષ્ણ ભગવાન શું કહેવા માગતા હતા તે સમજી શકે. હવે આ સાડાત્રણ અબજની વસતિમાં કૃષ્ણ ભગવાનને સમજવામાં કોનો નંબર લાગે ? કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે જ શબ્દમાં કહેવા માગે છે, એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને કહી શકે, બીજા કોઇનું કામ નહીં. આજે ‘અમે’ જાતે કૃષ્ણ આવ્યા છીએ, તારે તારું જે કામ કાઢવું હોય તે કાઢી લે. કૃષ્ણ શું કહેવા માગે છે ? માણસ મરી જાય ત્યારે કહે છેને કે, ‘મહીંથી જતા રહ્યા,’ તે શું છે ? તે ‘માલ’ છે અને અહીં પડ્યું રહે છે તે ‘ખોખું’ છે. આ ચર્મચક્ષુથી દેખાય છે તે પેકિંગ છે ને મહીં ‘માલ’ છે, મટીરીઅલ છે. ધેર આર વેરાઇટીઝ ઓફ પેકિંગ્ઝ. કોઇ

(પા.૩૬૭)

આંબાનું પેકિંગ, કોઇ ગધેડાનું પેકિંગ, તો કોઇ માણસનું કે સ્ત્રીનું પેકિંગ છે; પણ મહીં ‘માલ’ ચોખ્ખો, એક સરખો બધામાં છે. પેકિંગ તો ગમે તેવું હોય, સડેલુંય હોય, પણ વેપારી પેકિંગની તપાસ ના કરે, મહીં ‘માલ’ બરાબર છે કે નહીં તે જોઇ લે, તેમ આપણે મહીંના ‘માલ’નાં દર્શન કરી લેવાનાં.

કૃષ્ણ ભગવાન કહે છે કે, ‘મહીં જે ‘માલ’ છે તે જ હું પોતે છું, એ જ કૃષ્ણ છે, એને ઓળખ એટલે ઉકેલ આવશે તારો, બાકી લાખ અવતાર તું ગીતાના શ્લોક ગાઇશ તોય તારો ઉકેલ નહીં આવે !’ ‘ખોખું’ અને ‘માલ’ આ બે જ શબ્દોમાં કૃષ્ણ ભગવાન જે બધું કહેવા માગતા તે છે, અને આ બુદ્ધિશાળી લોકો ગીતાનાં અર્થ કરવા જાય છે, એનાં પુસ્તકો કાઢે છે ! મૂળ તો આ લોકોને અર્ક કાઢતાં જ નથી આવડતું ને મોટાં મોટાં વિવેચનો, ટીકાઓ લખી અર્ક કાઢવા ગયા છે; પણ આ તો પોતાના સ્વછંદથી નામના કાઢવા જ કરે છે ! બાકી બે શબ્દમાં જ કૃષ્ણ ભગવાનનો ‘અંતર-આશય’ સમાઇ જાય છે.

આ છોકરો હોસ્ટેલમાં ભણતો હોય ત્યારે ફાધર તેને કડક શબ્દોમાં પત્ર લખે કે, ‘તું ભણતો નથી અને મારા પૈસા બગાડે છે, સિનેમા-નાટક જોયા કરે છે, કંઇ કરતો નથી.’ ત્યારે છોકરો શું કરે કે બાપનો પત્ર પોતાના ફ્રેન્ડને દેખાડે અને કહે કે, ‘જો ને મારા ફાધર કેવા છે ? જંગલી છે, ક્રોધી છે ને લોભી છે, કંજૂસ છે.’ આવું છોકરો કેમ કહે છે ? કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી, એ ફાધરનો અંતરઆશય નથી સમજી શકતો. ફાધર અને છોકરામાં માત્ર પચીસ જ વરસનો ડિફરન્સ છે, છતાં પણ બાપનો અંતરઆશય દીકરો સમજી શકતો નથી; તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયાં, તે પાંચ હજાર વર્ષના ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનનો અંતરઆશય કોણ સમજી શકે ? એમનો અંતર આશય કોણ બતાવી શકે ? એ તો જે ‘ખુદ’ કૃષ્ણ ભગવાન હોય તે જ બતાવી શકે! મહાવીરના અંતરઆશયની વાત કોણ બતાવી શકે? એ તો જ ખુદ મહાવીર હોય તે જ બતાવી શકે. મહાવીરને પણ ૨૫૦૦ વરસનો ડિફરન્સ થયો.

(પા.૩૬૮)

પહેલાંના જમાનામાં તો પચીસ વરસના ડિફરન્સમાં બાપનો અંતરઆશય દીકરો સમજી જતો હતો, ત્યારે આજે તો પચીસ વરસના અંતરમાં અંતરઆશયની વાત સમજવાની શક્તિ રહી નથી; તો કૃષ્ણની વાત કેવી રીતે સમજવામાં આવે ? અત્યારે ગીતા વિષે ઘણું ઘણું લખાય છે, પણ એમાં એક વાળ પણ લખનારા સમજતા નથી. આ તો ‘અંધે અંધ મળ્યા, તલે-તલ કોથળે મહીં મળ્યા, ના થાય તલ ને ના થાય ઘાણી!’ એનાં જેવું છે. હા, એ ખોટું નથી, કરેક્ટ છે, પણ એ ફર્સ્ટ સ્ટાન્ડર્ડના માસ્તરના જેવી વાત છે ને તે બરોબર છે. અહીં અમારી પાસે કેવી વાત હોય ? કૉલેજના છેલ્લા વર્ષની વાત હોય. ત્યાં આગળ ફર્સ્ટ સ્ટાન્ડર્ડની વાત થાય તેમ આ ગીતાનાં વિવેચનોની વાત હોય. એક ‘જ્ઞાની પુરુષ’ પાસે જ સર્વ શાસ્ત્રોની યથાર્થ વાત મળી શકે છે.

અર્જુનને વિરાટ દર્શન

પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વદર્શન કરાવેલું એ શું છે?

દાદાશ્રી : એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઇ મારનાર નથી, કોઇ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું, બધા મરેલા દેખાડ્યા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઇ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું. આમ કૃષ્ણને જે દેખાયેલું તે અર્જુનને તેમણે બતાવેલું આ વિરાટ સ્વરૂપ, તેને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ.

ગજવું કપાય તોય ‘વ્યવસ્થિત’, એટલે કશું ના થાય આનાથી, આગળની વાસનાઓ ઊભી ના થાય, મોહ ના ઊભા થાય. મહી પ્રેરણા થઇ એટલે ચાલવા માંડવાનું. આ તો બધી મશીનરી કહેવાય, ‘વ્યવસ્થિત’ની ચલાવી ચાલે.

(પા.૩૬૯)

સુદર્શન ચક્ર

પ્રશ્નકર્તા : કૃષ્ણનું સુદર્શન ચક્ર એ શું હતું ?

દાદાશ્રી : એ તો નેમીનાથ ભગવાને તેમને સમ્યક્ દર્શન આપેલું તે ! સુદર્શન એટલે સમ્યક્ દર્શન, તેનાં લોકોએ ચક્રો ચીતરી માર્યા ! તે લોકો એવું સમજ્યા કે ચક્ર લોકોને કાપી નાખે છે !

એક મહારાજે મને પૂછયું કે, ‘મેં સાંભળ્યું છે કે તમે એક કલાકમાં દિવ્યચક્ષુ આપો છો, તે કેવડાં હોય ?’ મેં કહ્યું, ‘ગાડાંના પૈડાં જેવડાં !’ હવે આમને તે શું કહેવું ? કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કરતી વખતે જે દિવ્યચક્ષુ પાંચ મિનિટ માટે આપ્યાં હતાં તે જ દિવ્યચક્ષુ અમે તમને કલાકમાં જ પરમેનન્ટ આપીએ છીએ, એનાથી ‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ તમને દેખાય. ‘જ્ઞાની પુરુષ તમારાં અનંતકાળનાં પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે,’ એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે. એકલાં પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે ! એ અક્રમ માર્ગના ‘જ્ઞાની પુરુષ’ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા પ્રગટ છે, એ છે ત્યાં સુધી કામ કાઢી લો!

વેદો, ત્રણ ગુણોમાં જ છે

કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે, ‘વેદો ત્રણ ગુણથી બહાર નથી, વેદો ત્રણ ગુણને જ પ્રકાશ કરે છે.’ કૃષ્ણ ભગવાન ‘નેમીનાથ’ને મળ્યા પછી તેમણે ગીતા કહી, ત્યાર પહેલાં એ વેદાંતી હતા. એમણે ગીતામાં કહ્યું, ‘ત્રૈગુણ્ય વિષયો વેદો નિસ્ત્રૈય ગુણ્યો ભવાર્જુન’, આ ગજબનું વાક્ય કૃષ્ણે કહી નાખ્યું છે ! આત્મા જાણવા વેદાંતથી પર જવા કહ્યું છે ! એમણે એમ કહ્યું કે, ‘હે અર્જુન ! આત્મા જાણવા તું ત્રિગુણાત્મકથી પર થા.’ ત્રિગુણાત્મક કયા કયા ? સત્વ, રજ અને તમ. વેદો આ ત્રણ ગુણને ધરાવનાર છે, માટે તું એમનાથી પાર નીકળીશ તો જ તારું કામ થશે. આ ત્રણ ગુણો પાછાં દ્વંદ્વ છે, માટે તું ત્રિગુણાત્મકથી પર થા અને આત્મા સમજ ! આત્મા જાણવા કૃષ્ણે વેદાંતની બહાર જવા કહ્યું છે, પણ લોકો

(પા.૩૭૦)

સમજતા નથી. ચારેય વેદ પૂરા થાય ત્યારે વેદ ઇટસેલ્ફ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું જે આત્મા ખોળે છે તે આમાં નથી, ‘ન ઇતિ ન ઇતિ’, માટે તારે જો આત્મા જાણવો હોય તો ગો ટુ જ્ઞાની.

કૃષ્ણ ભગવાને કહ્યું છે કે, ‘આ જગત ભગવાને બનાવ્યું નથી, પણ સ્વાભાવિક થયું છે !’

સાચો સંન્યાસ ને નિષ્કામ કર્મ

કૃષ્ણ ભગવાને મોક્ષના બે રસ્તા બતાવ્યા : એક સંન્યાસ અને બીજો નિષ્કામ યોગ.

સંન્યાસ શબ્દ બહુ ઊંચો છે, પણ તેને કોઇ સમજતું નથી. લોકોએ જે ભગવાં વસ્ત્ર પહેરે તેને સંન્યાસી કહેવા માંડ્યું ! સંન્યાસ એટલે ન્યાસ લેવા મન-વચન-કાયામાંથી, બધેથી આત્મા ખેંચીને આત્મામાં મૂકી દે, તેને સંન્યાસ કહેવાય. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ આત્માનું જ્ઞાન ના આપે ત્યાં સુધી સંન્યાસી જ ના થાય. ખેતરમાં ગયો હોય તે ઘેર ના હોય ને ઘેર હોય તે ખેતરમાં ના હોય, તેમ ધર્મ સંન્યાસી છે તે નિરંતર આત્મામાં જ રહે.

નિષ્કામ યોગ તે લોકો કહે છે કે, ‘કામ કર, પણ ફળની આશા રાખીશ નહીં.’ અલ્યા, ફળની આશા રાખ્યા વગર તો ઘરની બહાર જીવડુંય ના જાય, ફળની આશા રાખ્યા વગર કોઇ કામ કરે જ નહીં. જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? ફળની આશા વગર તો કોઇ કામ કરે જ નહીં. આ જો ખબર પડી કે, ‘આજે બજારમાં શાક નહીં મળે,’ તો કોઇ શાક લેવા જાય જ નહીં. છતાં એવું કહેવું પડે કે, ‘ફળની આશા રાખ્યા વગર તું કામ કર.’ આનાથી શું થાય કે કામ કરતી વખતે આ વાક્ય ખૂંચે કે, ‘ભગવાને તો ફળની આશા રાખ્યા વગર કામ કરવાનું કહ્યું છે,’ તેથી તેનું ફળ સારું આવે. આ જો ફળની આશા રાખ્યા વગર કામ કરે તો લોકો પ્રગતિ માંડે, પણ કૃષ્ણ ભગવાન જે કહે છે તે લોકો સમજ્યા નથી. ભગવાને તો શું કહેલું કે, ‘જો તું શાક લેવા જાય તો શાકની

(પા.૩૭૧)

આશા રાખજે, પણ જો શાક લીધું છતાં કડવું આવી જાય તો પછી લેવાઇ ગયું એ ફળ, એમાં ફળની આશા ના રાખીશ, એટલે રાગ-દ્વેષ ના કરીશ, જે થયું તે માન્ય રાખજે.’ જો ગજવું કપાય તો શાંતિ રાખજે, એના પર વિલાપ ના કરીશ, ત્યાં સમતા રાખજે, રાગ-દ્વેષ ના કરીશ. અહીંથી સાડી લેવા ગયા, માટે સાડીની આશા તો હોય જ, પણ પછી જો સાડી ખરાબ નીકળી તો ડીપ્રેસ ના થઇશ, સાડી જેવી નીકળી એ ભલે હો, ત્યાં આગળ ફળની આશા ના રાખીશ, રાગ-દ્વેષ ના કરીશ એવું કહેવા માંગે છે, બાકી જોડાની આશા રાખ્યા વગર મોચીને ત્યાં કોણ જાય ? મોચીને ત્યાં જવું, પણ સારું કે ખોટું, પ્રિય કે અપ્રિયની આશા ના રાખીશ. એટલે પ્રિય કે અપ્રિયની આશા ના રાખવી તે નિષ્કામ કર્મ.

ભગવાને ગીતામાં કહ્યું છે કે, ‘અભ્યાસ કરજે.’ તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઇ ગયો. અધ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કહ્યો, તો અભ્યાસનો જ અધ્યાસ થઇ ગયો !

કૃષ્ણના એકુય શબ્દનો અર્થ આજે કોઇ જાણતું જ નથી. બધી ક્રિયામાં ‘હું કરું છું’ એ ભાન ના રહે તે સંન્યસ્ત યોગ ને તે જ સંન્યાસી કહેવાય ! આ આજના સંન્યાસીઓમાં છાંટોય સંન્યસ્ત નથી. આત્મા આત્મામાં જ મૂક્યો તે જ સંન્યસ્ત યોગ ! સંપૂર્ણ સંન્યાસી એટલે ધર્મ-સંન્યાસ. તે આ આપણો છેલ્લો સંન્યાસ છે, તે અહીં આત્મા આત્મામાં રહે, આત્મા શુદ્ધાત્મામાં જ વર્તે. આપણો આ અલૌકિક ધર્મ છે ! આ લૌકિક ધર્મમાં તો આત્મામાંથી સંન્યસ્ત લઇને દેહમાં નાખે છે !

કૃષ્ણ ભગવાને કહ્યું કે આ ત્રણ ગુણ હોય તો તે ખરો સંન્યાસી, પછી તે ગૃહસ્થ હોય, ત્યાગી હોય કે ગમે તે હોય :

૧. કર્તૃત્વનું અભિમાન ન હોય.

૨. આસક્તિ ના હોય.

૩. કામના ના હોય.

(પા.૩૭૨)

આ આસક્તિ એ તો દેહનો ગુણ છે, તે કેવો છે ? જેમ લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે, તેમ દેહને ફીટ થાય તેવાં પરમાણુ પ્રત્યે દેહ ખેંચાય છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી, પણ લોક તો ભ્રાંતિથી માને છે કે, ‘હું ખેંચાયો.’ આપણને તો દેહથી આસક્તિ છે અને આત્માથી અનાસક્ત છીએ, આત્મા ખેંચાય નહીં. આત્મા જેમાં તન્મયા-કાર થતો નથી તેનો તેને ત્યાગ વર્ત્યો કહેવાય. કતૃત્વનું અભિમાન એ જ આસક્તિ છે.

સ્વરૂપની પ્રાપ્તિ પછી તમારા મનનાં પરિણામો ગમે તેટલાં ઊછળતાં હોય તો તે તમને ઇફેક્ટ ના કરે. ‘જ્ઞાની’માં ને તમારામાં ફેર કેટલો ? ઉપાધિ જેટલો, જ્ઞાનીને ઉપાધિ ના હોય; જ્યારે તમારે ઉપાધિ હોય !

(પા.૩૭૩)

સ્થિતપ્રજ્ઞ કે સ્થિતઅજ્ઞ ?

એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા, સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું ?’ તેમણે પૂછયું. મેં તેને સમજ પાડી, ‘તું પોતે સ્થિતઅજ્ઞ દશામાં છે ! હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે તો સામો કિનારો સ્થિતપ્રજ્ઞ દશાનો કેવો હોય !’ તેમને મેં આગળ કહ્યું કે, ‘તમને મીઠું લાગે તેવું કહું કે કડવું લાગે તેવું કહું ? તમે સ્થિતઅજ્ઞ દશામાં જ છો, પંડિતાઇના કેફમાં ફરો છો એના કરતાં તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતાં ઊતરી જાય. તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે, તે ઊંઘમાંય ઊતરતો નથી. અમારાં પાંચ જ મિનિટનાં દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે, અહીં બધા જ ભગવાનનાં દર્શન થાય તેમ છે, તમારે જેનાં દર્શન કરવાં હોય તે કરજો.’

સ્થિતપ્રજ્ઞ એ અનુભવદશા નથી. ‘આ આત્મા છે અને અન્યથી તે પર છે’ એમ શબ્દથી ભેદ પાડવાનું ચાલુ થઇ જાય તો સ્થિતપ્રજ્ઞ દશા ચાલુ થઇ જાય અને તે છેક આત્માનો અનુભવ થાય ત્યાં સુધી જે દશા, તે સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય ! કૃષ્ણ ભગવાને માર્ગ બાંધ્યો તે સ્થિતપ્રજ્ઞ દશા સુધી આવે, પણ એની આગળ તો ઘણું બધું છે ! અમે તમને સ્વરૂપનું જ્ઞાન આપીએ છીએ, ત્યારે સ્થિતપ્રજ્ઞ દશાથી તો ઘણી બધી ઊંચી દશા તમને રહે છે. સ્થિતપ્રજ્ઞ દશા અને આત્મા જાણવો એમાં બહુ ફેર છે. સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞામાં સ્થિર થાય તે, પણ તે રીલેટિવ પ્રજ્ઞા, એના પછી એને આત્મા પ્રાપ્ત કરવાનો છે, અને આપણને જે પ્રજ્ઞા છે તે આત્મા પ્રાપ્ત કર્યા પછીની છે, તે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવે ઉકેલ આવે ! સ્થિતપ્રજ્ઞ દશા એટલે શુદ્ધ થયેલી બુદ્ધિથી આત્માના ગુણધર્મ જાણે અને તેનું ઓળખાણ પડે, પણ અનુભૂતિ ના થાય. સ્થિતપ્રજ્ઞ દશાથી જગતને અને બધાં તત્વોને જાણે, ઓળખે, તેને જ શુદ્ધ સમકિત કહેવાય. આ અમે

(પા.૩૭૪)

સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ તેનાથી તો આત્માની ડાયરેક્ટ અનુભૂતિ થાય છે, તે ‘પરમાર્થ સમકિત’ છે, તેનાથી જગતને અને જગતનાં તત્વોને જોવાય, ઓળખાય અને અનુભવાય !

સ્થિતપ્રજ્ઞ દશાથી ઇમોશનલ ના થાય. મોશનમાં રહે તે સ્થિતપ્રજ્ઞ, પણ સમાધિ ઉત્પન્ન ના થાય. ‘જ્ઞાન’ વિના સમાધિ ઉત્પન્ન ના થાય. ભ્રાંતિ જાય ત્યારે સમાધિ ઉત્પન્ન થાય !

કૃષ્ણ ભગવાન ગીતામાં છેલ્લું સ્ટેશન કયું કહેવા માગે છે ? એમાં સ્થિતપ્રજ્ઞ દશા એ જ છેલ્લું સ્ટેશન છે. ‘આ સ્થિતપ્રજ્ઞ દશા પ્રાપ્ત કર,’ એમ કહે છે, પણ લોકોએ એમને પૂછવું પડ્યું કે, ‘સ્થિતપ્રજ્ઞ શું ખાય છે, એ શું પીએ ?’ ત્યારે ભગવાનને સમજાવવું પડ્યું કે, જે પ્રજ્ઞામાં સ્થિર થયા છે, એ અસારને બાજુએ કરે છે અને સારને ગ્રહણ કરે છે, એ સ્થિતપ્રજ્ઞ દશા !’ અને આ તમારી શુદ્ધાત્મા દશા એ તો એથીય ઘણી ઊંચી દશા છે. કૃષ્ણ ભગવાને લખેલું છેને કે તું વીતરાગ થઇશ તો નિર્ભય થઇશ !

પ્રજ્ઞાશક્તિ

બે જાતની શક્તિઓ છે. આત્માનું તો તેનું તે જ સ્વરૂપ છે, જૈનોમાં, વૈષ્ણવમાં, મજૂરોમાં બધાના આત્મા એક જ સ્વરૂપના છે; પણ ફક્ત બે જાતની શક્તિઓ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનના જ સંજોગો ભેગા થાય એટલે ‘અજ્ઞાશક્તિ’ ઉત્પન્ન થાય, એને અજ્ઞાનબ્રહ્મ કહેવાય, એનાથી જગતનું સર્જન થાય. આ અજ્ઞાશક્તિ ઠેઠ સુધી સંસારની બહાર જ ના નીકળવા દે, એ આખો સંસારકાળ પૂરો થતાં સુધી, અનંત કાળ સુધી અજ્ઞાશક્તિ જ બધું ચલાવી લે છે. જ્યારે ‘જ્ઞાની પુરુષ’નો સાંધો મળે ત્યારે એ જ્ઞાન આપે, પછી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે, એને પ્રજ્ઞાનબ્રહ્મ કહેવાય. પ્રજ્ઞા એ અજ્ઞાનના સંયોગોનો વિયોગ કરાવી વિસર્જન કરાવે અને નિરંતર મોક્ષ તરફ, મુક્તિ તરફ પ્રયાણ કરાવે, જ્ઞાની પુરુષ મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ નહીં. પ્રજ્ઞાધારીને બ્રહ્મશક્તિ ઉત્પન્ન થાય, પછી અજ્ઞાશક્તિ નાશ પામે, ત્યાર પછી પ્રકૃતિશક્તિ બધું ચલાવી લે.

(પા.૩૭૫)

પ્રજ્ઞાશક્તિનો સ્વભાવ કેવો છે ? જ્યાંથી ત્યાંથી, જેમ તેમ કરીને બધા સંસારી વ્યવહારનો ઉકેલ લાવતાં લાવતાં મોક્ષે લઇ જવું એ છે. અને અજ્ઞાશક્તિ નિરંતર શો પ્રયત્ન કરે છે ? એ સંસારની બહાર ના જવા દે. આમાં આત્માને કાંઇ જ કરવું પડતું નથી, અજ્ઞા કે પ્રજ્ઞા એ ખુદની શક્તિ નથી, પણ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિઅલ એવિડન્સથી ઊભી થઇ જાય છે. જ્ઞાની પુરુષનો છેલ્લો સંયોગ ભેગો થાય ને જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ને મહીં એ નિરંતર વારે ઘડીએ ચેતવ ચેતવ કરે, તે આપણને એમ થાય કે, આ નવું કોણ પેઠું છે.’ અમે ‘શુદ્ધાત્મા’ આપીએ છીએ ત્યારે તમારી મહીં પ્રજ્ઞાને બેસાડી દઇએ છીએ. જેમ ભરતરાજાને પંદર પંદર મિનિટે નોકરો ‘ભરત ચેત, ભરત ચેત’ એમ ચેતવતા હતા; તેમ આ પ્રજ્ઞા પછી તમને ચેતવ્યા કરે. પણ આ કાળમાં તમે જ દોઢસો રૂપિયાની નોકરી કરતા હો ત્યાં ચોવીસે કલાકના ત્રણ નોકરો શી રીતે રાખો ? તેથી અમે તમને મહીં જ ચોવીસે કલાકનો નોકર બેસાડી દઇએ છીએ, તે પ્રજ્ઞા જ તમને ક્ષણે ક્ષણે ચેતવે છે. બહારની કોઇ ફાઇલ આવી હોય તો પ્રજ્ઞા હાજર થઇ જ જાય છે અને જ્ઞાનવાક્યો હાજર કરી જાગૃત કરાવે છે અને ફાઇલનો સમભાવે નિકાલ પણ એ જ કરાવે છે.

પ્રજ્ઞા એ તો આત્માનું એક અંગ છે, તે આત્માનો અને બહારનો સાંધો કરાવે છે. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે, પણ પ્રજ્ઞા શું કરે છે ? કે વ્યવહાર, વ્યવહારમાં રહે અને તહેવાર તહેવારમાં રહે ને પોતાને શુદ્ધાત્મામાં રાખે.’ પ્રજ્ઞા તો નિરંતર સંસારમાંથી કાઢ કાઢ કરે ને મોક્ષ ભણી લઇ જાય. આત્માના અનંત પ્રદેશો છે, તે બધા ઉપર આવરણ છે. તમને જ્ઞાન આપ્યું છે તેથી દહાડે દહાડે આવરણ જેમ જેમ તૂટતાં જાય તેમ તેમ પ્રકાશ વધતો જાય, દોષો દેખાતા જાય અને જેટલા દોષો દેખાયા એટલા નાસી જાય. આ તો આખું દોષોથી ભરેલું પૂતળું છે, ને બધા દોષો પૂરા થાય પછી મોક્ષ થાય ! ‘જ્ઞાન’ મળ્યા પછી ચંદુભાઈ અને તમે ‘પોતે’ જુદા પડી જાવ, પછી પ્રજ્ઞાથી ચંદુભાઈના દોષો દેખાતા જાય. જેટલા દોષો દેખાયા એટલા એ જાય. ‘જ્ઞાન’ ના હોય તો નર્યા દોષો ગ્રહણ જ થતા હતા, ના ઘાલવા હોય તોય પેસી જતા હતા, હવે જ્ઞાન પછી દોષો છૂટતાં જાય ને જેટલા

(પા.૩૭૬)

દોષોએ વિદાયગીરી લીધી એટલા વીતરાગ થવાય ! અંતે પરમાત્માસ્વરૂપ થવું જોઇએ, પણ આત્મસ્વરૂપ થયા વગર સાચી સમજશક્તિ ના આવે. વીતરાગો આત્મસ્વરૂપ થયેલા અને તેથી સમજી કરીને દોષોનો નિકાલ કર્યો ને મોક્ષે ગયા !

કેવળજ્ઞાનના અંશના ભાગને પ્રજ્ઞા કહીએ છીએ. એક એક આત્મામાં આખા બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ છે ! એટલે આ ખોખામાંથી નીરાવરણપણે નીકળે તો આખા બ્રહ્માંડને પ્રકાશવાની એકે એક આત્મામાં શક્તિ છે ! આ વેદાંતીઓ તેથી જ કહે છેને કે, આત્મા સર્વવ્યાપી છે ! પણ સર્વવ્યાપી, તે કઇ રીતે ? આત્માનો પ્રકાશ સંપૂર્ણ સર્વવ્યાપી છે અને એ સંપૂર્ણ પ્રકાશ થયા પછી આત્મા અહીં શા માટે ખીચડી ખાવા બેસી રહે ? પછી તો એ સિદ્ધક્ષેત્રે જતાં રહે છે !

પોતે પોતાની આખા બ્રહ્માંડમાં પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળજ્ઞાન કહે છે. અમે જ્ઞાન આપ્યા પછી રાત્રે જે અનુભવમાં આવે છે, તે સ્વસંવેદન શક્તિ છે. દેહ છે તેથી તેના આધારે સ્વસંવેદન કહીએ છીએ, નહીં તો વેદના જ ના હોય ને !

પરાયું છે તે ક્યારેય પોતાનું ના માનવા દે અને પોતાનું છે તે ક્યારેય પરાયું ના માનવા દે તે પ્રજ્ઞા ! સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે. કિંચિત્ પરભારી ચીજ પોતાની ના મનાય તો તે પરમાત્મા જ છે. ‘પોતાનું’ અને ‘પરાયું’ છૂટું રાખવાની શ્રદ્ધા છે પણ વર્તનમાં નથી તે પ્રજ્ઞા છે; એવી શ્રદ્ધા એ જ પ્રજ્ઞા છે અને એવું વર્તન એ જ આત્મા છે, એ જ ચારિત્ર્ય છે. વર્તન એટલે આત્મા અને અનાત્માને એકાકાર ના થવા દે, તે.

બંધ શેનાથી પડે છે ? અજ્ઞાનથી, અને મોક્ષ શાનાથી થાય ? પ્રજ્ઞાથી. આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય તે રીયલ અને રીલેટિવ બન્નેનું સંભાળે. અજ્ઞા શું કહે છે ? કે ‘મેં કર્યું, મેં ભોગવ્યું’; ત્યારે પ્રજ્ઞા શું કહે છે ? કે ‘હું કર્તા નથી ! પેલાએ ગાળ ભાંડી તોય એ કર્તા નથી.’ પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગ-દ્વેષ નીંદી નખાય, આત્માને કશું કરવું પડતું નથી. આ ‘અજ્ઞા’ એ શબ્દ અમારે મહીંથી સ્ફૂરેલો છે,

(પા.૩૭૭)

અમે નવો ઉમેર્યો છે. આ તો પ્રજ્ઞાને સમજાવવા અજ્ઞા શબ્દ મૂકવો પડ્યો, નહીં તો પ્રજ્ઞાને સમજનારો જ ‘અજ્ઞા’ને જાણે. ક્રમિક માર્ગમાં જ્યાં અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું ત્યાં બધું મનથી કરવું પડે છે; અને આ ‘અક્રમ’ માર્ગમાં પ્રજ્ઞાદશાથી બધું થાય છે, આત્માના પ્રજ્ઞા ભાગથી બધું થાય છે. અજ્ઞા ભાગથી પ્રવેશ થયો અને છુટકારો પ્રજ્ઞા ભાગથી થાય છે. આ તો ક્યા ભાગથી પ્રવેશ પામ્યા એ સમજાય તો છૂટવાનો માર્ગ જડતો જાય. જે શક્તિ તને સંસારમાં અથાડ અથાડ કરે છે એને ઓળખ, તો પ્રજ્ઞાશક્તિ ઓળખાય. અજ્ઞ સંજ્ઞા તે ૮૪ લાખ યોનિમાં ભટકવાની વસ્તુ છે. કાર્યરૂપે સ્થિત અજ્ઞ દશાથી સંસાર ઊભો થાય અને કાર્યરૂપે સ્થિતપ્રજ્ઞાથી સંસાર વિલય થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો આધાર તૂટે ને પ્રજ્ઞાધારી થાય. જ્ઞાન ટોપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય, જે ડાયરેક્ટ અમારાથી મળે !

બે શક્તિમાંથી બીજી અજ્ઞાશક્તિ પોતે અહંકાર કરીને ઉતારી લીધી છે, ‘હું કરનારો છું’, કહીને. હવે આ અજ્ઞાશક્તિ દરેકની સ્વતંત્ર હોય, દરેક જીવને તે લાગુ થાય છે અને અજ્ઞાશક્તિ બધી ભેગી થાય ત્યારે ‘વ્યવસ્થિત શક્તિ’ ઉત્પન્ન થાય. દરેકને અજ્ઞાશક્તિ હોય, દરેકને કપાળે રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ રહેવાનું, તેથી સાથે બધું કામ થયા કરવાનું, એટલે આમાં તમારે ‘પોતે’ કશું કરવું પડે એમ નથી, વ્યવહાર એની મેળે ચાલ્યા કરશે. આ માણસની આંખમાં કેમ કરીને લાઇટ રહે છે ને કેમ કરીને એ જતું રહે છે એ કોણ જાણે ? આ ડૉક્ટરો તો નિમિત્ત છે, એ શું બચાવે ? જો ડૉક્ટર બચાવનારો હોય તો એની મા મરી ગઇ, બાપ મરી ગયો, એ બધાંને બચાવ ને ! આ જગત ‘વ્યવસ્થિત’ શક્તિને આધારે ચાલે છે, તે તમારો વ્યવહાર પણ એનાથી જ ચાલ્યા કરશે.

અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે ને એ ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી રહે છે અને છેલ્લે જ્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને એ પ્રજ્ઞા જ ઠેઠ મોક્ષે લઇ જાય છે. અહીં અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, પછી તમારે કશું જ કરવું ના પડે, એ પ્રજ્ઞા જ કામ કર્યા કરે. આ પ્રજ્ઞા શાનાથી ઉત્પન્ન

(પા.૩૭૮)

થાય છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ! અને એવા એવિડન્સ ઊભા થાય તો સિદ્ધ ભગવાનનેય પ્રજ્ઞા ઊભી થાય, પણ ત્યાં એવા એવિડન્સ ઊભા થાય જ નહીં. અને અહીં તો સમસરણ માર્ગ છે એટલે નિરંતર સંયોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય અને ‘જ્ઞાની પુરુષ’નો જો યોગ મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે.

(પા.૩૭૯)

વેદાન્ત

સમકિત પ્રાપ્ત કરવા માટે બે માર્ગ છે : વેદાન્ત અને જૈન. ભગવાને કહ્યું કે, ‘વેદાન્તને માર્ગે જઇશ તોય સમકિત પ્રાપ્ત થશે અને જૈનને માર્ગે જઇશ તોય સમકિત પ્રાપ્ત થશે.’ પણ વેદાન્તવાળાને કહ્યું કે, ‘તમે જૈનનાં શાસ્ત્રો વાંચજો !’ ને જૈનોને કહ્યું કે ‘તમે વેદાન્તનાં શાસ્ત્રો વાંચજો !’

પ્રશ્નકર્તા : બધા ધર્મવાળા ક્યારેય પણ એક થઇ જાય ખરા ?

દાદાશ્રી : ના. આ ૩૬૦ ડિગ્રીઓ હોય, તે બધી ડિગ્રીઓ એક ડિગ્રી થઇ જઇ શકે ? ના. એ તો બધા જુદા જુદા ડેવલપમેન્ટ રહેવાના.

પ્રશ્નકર્તા : જૈન અને વૈષ્ણવ એ શું છે ?

દાદાશ્રી : વૈષ્ણવો બીલો નોર્મલની બોર્ડર ઉપર હોય છે અને જૈન, વેદાંત એબોવ નોર્મલની બોર્ડર પર હોય છે. આ ઇંટ હોય છે તે એકદમ કાચી પણ ના ચાલે અને ખેંગાર પણ ના ચાલે, એ તો વેલ બર્ન્ટ જ ચાલે. એમ ધર્મ અને જીવનમાં પણ બધાએ નોર્માલિટીમાં જ આવવું પડશે!

એક માણસ ભગવાનને કહે કે, ‘ભગવાન, અમે જૈન ધર્મ કરીએ છીએ તો અમારો મોક્ષ થશે ?’ ભગવાન કહે, ‘તારાં જૈનનાં પરમાણુ હો કે વેદાન્તનાં પરમાણુ હો, જે હો તે, પણ એ બધાં જ પરમાણુ ખલાસ થશે ત્યારે મોક્ષ થશે !’ જૈનને જૈનનાં ને વેદાન્તીને વેદાન્તનાં બધાં જ પરમાણુ ખાલી કરવાં પડે ત્યારે મોક્ષ થાય !

જ્યાં પુણ્ય અને પાપ બન્નેય હેય છે તેને ભગવાને મોક્ષમાર્ગ કહ્યો અને બીજા બધાં અન્ય માર્ગ છે એમ કહ્યું છે. અન્ય માર્ગ તે વ્યવહાર માર્ગ છે, પાપ-પુણ્ય જેને ઉપાદેય છે તે વ્યવહાર માર્ગમાં સમાય.

(પા.૩૮૦)

અજ્ઞાનથી જ મોક્ષ અટક્યો

જૈનોમાં કહ્યું કે ‘રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ’ને વેદોમાંય કહ્યું કે ‘મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ.’ એટલે આ બન્નેમાં અજ્ઞાન કોમન છે, મુખ્ય છે. જો ‘જ્ઞાની’ પાસેથી ‘જ્ઞાન’ મળે તો બધું જ અજ્ઞાન નીકળી જાય તેમ છે !

જૈનોએ કહ્યું કે ‘ઉપયોગ રાખો.’ અને વેદાન્તોએ કહ્યું કે ‘સાક્ષી-ભાવ રાખો.’ આ સાક્ષી ભાવે રહેવા જાય, પણ લગ્નમાં તો નથી રહેવાતું! આ બધા તો ઉપચારો કહેવાય. જ્ઞાની ના મળે ત્યાં સુધી દવા તો ચોપડવી જોઇએ ને ? ઉપચાર તો કરવા જોઇએ ને ? ને જ્ઞાની મળી ગયા તો તો કામ જ થઇ ગયું !

મહીં બેઠા છે એ ‘શુદ્ધાત્મા’ ભગવાન છે. એમણે મને ‘યોગ’ કરી આપ્યો છે, એમનો ધંધો ‘યોગક્ષેમ’ કરી આપવાનો છે. હવે એમણે તમને યોગ કરી આપ્યો તેથી તમને ‘અમારો’ ભેટો થયો અને મહાપરાણે થાય એવા ‘જ્ઞાની પુરુષ’નો ભેટો થયો છે, તો ‘જ્ઞાની પુરુષ’ હવે તમને ‘ક્ષેમ’ કરી આપશે. ‘જ્ઞાની’ ચાહે સો કરી શકે ! ‘યોગ’ થઇ ગયો એટલે કામ થઇ ગયું. ‘શુદ્ધાત્મા’ યોગ ભેગો કરી આપે ને ત્યાં પછી ડહાપણ કરે ને તો થઇ જ રહ્યું ને ? આ તો સ્વચ્છંદ રોગ એવો છે કે ક્રોનિક થઇ ગયો છે ! સ્વચ્છંદ એટલે ઓવરવાઇઝ. આ તો મારે દાદર આવવું હોય તો પહેલાં એનું જ્ઞાન હોવું જોઇએ ને જો ઘર ના મળે તો મારે કોઇ ભોમિયાને પૂછવું પડે, એવું મોક્ષે જવા કોઇ ભોમિયાને પૂછવું પડે. આ ભીમે તો લોટાને ગુરુ બનાવ્યો ને ‘ૐ નમઃ શિવાય’ ઉપર લખ્યું તો શિવ પ્રગટ થયા. આ તો ભીમ ! તેને તો બધા ઉપર તરત જ અભાવ આવી જાય ! માટે તને જેની પર અભાવ ના થાય એવાને ગુરુ બનાવ ને આગળ ચાલ. આ તો પોતાને માથે ઉપરી રાખીને ચાલવાનું, તેનાથી સ્વચ્છંદ ના થાય.

પ્રશ્નકર્તા : ‘તુંહી તુંહી’ શાસ્ત્રોમાં લખેલું છે, એ શું છે ?

દાદાશ્રી : ક્રમિક માર્ગ ‘તુંહી તુંહી’એ પહોંચવાનું સાધન આત્મા તું જ છે બધે, હું તો ક્યાંય છું જ નહીં, છતાં ‘તુંહી તુંહી’માં આત્મા માટે

(પા.૩૮૧)

ભેદ રહે છે. શ્રદ્ધા ને જ્ઞાનથી એક રહે, પણ ચારિત્ર્યથી ભેદ પડે છે. અમે તો ‘હુંહી, હું હીં’ બોલીએ. ‘તું’ ને ‘હું’નો ભેદ પાડે તો ક્યારે ઠેકાણું પડે ? આ તો ભગવાન ને ભગત, એમ ‘તું’ ને ‘હું’ બે જુદા એવો ભેદ પડે, તો તો આપણું ઠેકાણું ક્યારે પડે ? છતાં, એમને કોઇ ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો ઉકેલ આવી જાય.

શક્તિપાત

પ્રશ્નકર્તા : શક્તિપાત એટલે શું ?

દાદાશ્રી : એક છ ફૂટનો પાણીનો વેંકડો છે, વહેણ છે. હવે તમને બૂટ કાઢવાની મુશ્કેલી પડે, ને તમે ઊભા રહી જાવ. બે-પાંચ જણ તો તમારા દેખતાં એ વહેણ કૂદી જાય ને તમારું મન પાછું પડે, ત્યારે હું કહું કે ‘અરે, ચંદુભાઇ, શું ઊભા છો? કૂદી જાવ.’ ને તમે તરત જ કૂદી જાવ. આ શક્તિપાતનો દાખલો છે. એ શક્તિપાતને અને મોક્ષને કશો જ સંબંધ નથી. આ તો પૌદ્ગલિક શક્તિપાત કહેવાય, એ તો વધે અને ઘટે, આપનારની શક્તિ ઘટે અને લેનારની શક્તિ વધે.

પ્રશ્નકર્તા : તાળવા ઉપર જીભ લગાડીને અમૃત ગળવાનું કહે છે એ શું છે ?

દાદાશ્રી : આ બધો હઠાગ્રહીઓનો માર્ગ છે, જેને માર ખાવાની ટેવ પડી હોય તેણે આવો માર્ગ પકડવો. અલ્યા, તારે તે શી જરૂર પડી આની ? જીભ અને તાળવું પુદ્ગલ છે, રસ ટપકશે એ પણ પુદ્ગલ છે, એ ન હોય આત્મા, એ તો મહેનતનું ફળ છે. આઇસ્ક્રીમવાળા કોઠીનું હેન્ડલ મારે છે તો તેને મહેનતનું ફળ આઇસ્ક્રીમ ખાવા મળે ને ? જગતનાં સાધુ, સંન્યાસી બધાંની મહીં વિષનાં નિરંતર ટપકાં પડતાં જ હોય છે અને વાણી પણ વિષમય હોય અને ‘અમે સ્વરૂપનું જ્ઞાન આપીએ ત્યારથી નિરંતર અમૃતનાં ટપકાં પડે !’ આ તો કોના જેવું ? કે બીજો કોઇ સાચો રસ્તો ના મળ્યો એટલે ગારામાં પડ્યા ! આત્મા જ્ઞાનસ્વરૂપ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય અને તપ એ મોક્ષનો માર્ગ છે, એ સિવાયના બીજા બધા

(પા.૩૮૨)

જ અન્ય માર્ગ છે; નહીં તો જીભને તે વળી તાળવે લગાડવી પડતી હશે ? આ બધું શાથી કરવું પડે છે ? આ બહાર આટલો બધો તાપ છે તે પછી તળાવડીમાં માથું બહાર રાખીને પડી રહે છે, તેના જેવું છે ! પણ આત્મા જાણ્યા વગર ઉકેલ આવે તેવું નથી ! જ્યાં સુધી જ્ઞાન ના મળે ત્યાં સુધી કો’ક ખૂણામાં પડી તો રહેવું જોઇએ ને ? પણ એ બધો હઠાગ્રહીનો માર્ગ છે, એ મોક્ષનો, વીતરાગનો માર્ગ નથી.

આ કેટલાક ‘અહં બ્રહ્માસ્મિ’ એમ બોલ્યા કરે છે, તેનો તો ઊલટાનો ભ્રમ વધ્યો છે, કારણ કે બ્રહ્મને જાણ્યા વગર ‘અહમ્ બ્રહ્માસ્મિ’ બોલ્યે શું વળે ? આ હિંદુસ્તાનમાં કઇ દુકાન ના ચાલે ? આ જગતમાં તો બધી જ દુકાનો ચાલે. આજથી બે હજાર વર્ષ ઉપર એવો ધર્મ નીકળેલો કે દેવું કરીને ઘી પીઓ, લૂંટબાજી કરો તોય વાંધો નથી ! એ લોકોનું પણ ચાલ્યું ! આ જગતમાં બધી જ દુકાનો ચાલે !

હિંદુસ્તાનમાં જુદાં જુદાં દેવ-દેવીઓને માને છે તે શાથી ? કારણ કે દરેકના વ્યુ પોઇન્ટ જુદાં હોય છે, બુદ્ધિના ફેરફાર, મતિના ફેરફાર હોય છે. મનુષ્યોમાં ૧૪ લાખ થર હોય છે, તે દરેક થરના મનુષ્યોનું ડેવલપમેન્ટ જુદું જુદું હોય અને દરેકને તેના ડેવલપમેન્ટના હિસાબે ધર્મ અને દેવ મળી રહે. ધર્મોના ભેદ શાથી ? ઘણા પુનર્જન્મમાં માને છે ને ઘણા નથી માનતા, દરેક માણસ જુદી જુદી ડિગ્રીમાં હોય છે તે પ્રમાણે મત ધરાવતા હોય છે.

આત્મભાન, તે બિન્દુ સંયુક્તમ્

પ્રશ્નકર્તા : હિંદુઓને જ્યારે તકલીફ પડે છે ત્યારે જાતજાતની બાધા-આખડી રાખે છે, તે સારું છે ?

દાદાશ્રી : જેને આ વાતમાં શ્રદ્ધા છે તેને માટે વાત સારી છે, ન માને તેને મારી ઠોકીને બેસાડી ન શકાય. પૂર્વનું નિમિત્ત, પૂર્વના કનેકશન્સ હોય તો નિમિત્તથી કામ થઇ જાય; માટે માનતા રાખનારની નિંદા ન કરવી.

(પા.૩૮૩)

કવિરાજે ગાયું છે,

‘બિન્દુ સંયુક્તમ્’ ૐકારનું લક્ષ,

પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ.’

કલ્પવૃક્ષ ક્યારે કહેવાય ? કલ્પવૃક્ષ એટલે મોક્ષે જવાનું થયું ત્યારે બિંદુ સંયુક્તમ્ ૐકારનું લક્ષ થાય. ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે ત્યારે મોક્ષે જવાની તૈયારી થઇ ! આ લોકો કહે છે કે, ‘કપાળે બિંદુનું ધ્યાન કરીએ છીએ;’ એથી તો એકાગ્રતા વધે, પણ ‘ૐ શું છે?’ એ જાણે નહીં ત્યાં સુધી કશું વળે નહીં. આ તો પ્રત્યક્ષ ૐ જોઇએ, ‘જ્ઞાની પુરુષ’ જોઇએ. પાછું ૐ એકલાથી કામ વળે નહીં, ‘બિંદુ સંયુક્તમ્’ જોઇએ, એટલે કે ‘હું શુદ્ધાત્મા છું’નું જ્ઞાન મળી જાય, લક્ષ બેસી જાય તો ‘ૐકાર બિંદુ સંયુક્તમ્’ કહેવાય, ત્યારે મોક્ષ થાય !

‘ૐકાર બિંદુ સંયુક્તમ્ નિત્યમ્ ધ્યાયન્તિ યોગિનઃ’ મોક્ષે જનારા યોગીઓ હતા એ નિત્ય ધ્યાન કરતા અને પહેલાંના કાળમાં ‘ક્રમિક માર્ગમાં’ એ હતું; હવે આ કાળમાં ‘અક્રમ માર્ગ’માં ‘ૐકાર બિંદુ સંયુક્તમ્’નું ધ્યાન અહીં શરૂ થયું છે !

વેદાન્તે જીવ, ઇશ્વર અને પરમેશ્વર એમ ત્રણ ભાગ પાડ્યા. ઇશ્વરની શક્તિ કેવી ? અરધા પરમાત્મા જેવી શક્તિ છે ! મનુષ્યમાં આવ્યો એટલે ઇશ્વર જેવો થયો કહેવાય ! આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય ! ત્યાં તો બધાં જ, ગાયો, ભેંસો પોતાને માટે દૂધ આપે, આંબો ફળ આપે, ને ત્યાંય જો ઐશ્વર્યપણું ખોઇ બેસે તો એ માણસ કેવો ? મનુષ્યપણામાં તો ‘પોતે’ પરમેશ્વર થવાનું છે, પરમાત્મા થવાનું છે !!! ત્યાં આ લોકો પાશવતાનાં ને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે !! અહીં તો મોક્ષનો માર્ગ ખોળવાનો હોય ત્યાં સંસાર-રોગ વધાર્યા કરે છે અને જાણ્યાનો કેફ લઇને ફરે છે ! જાણ્યું તો સંસાર રોગ ઘટે, પ્રકાશ થાય ને ઠોકર ના વાગે. જો જાણ્યું ના હોય તો પછી શાનો કેફ લઇને ફરે છે?

(પા.૩૮૪)

વેદશાસ્ત્ર તો સાધન સ્વરૂપ

એક માણસ કહે કે, ‘હું ચાર વેદ ભણી ગયો છું અને મને તો ચારેય વેદ ધારણ થઇ ગયા છે !’ ત્યારે મેં તેને કહ્યું, ‘ચાર વેદ ઇટસેલ્ફ શું બોલે છે ? ધીસ ઇઝ નોટ ધેટ. તું જે આત્મા ખોળે છે. તે આ વેદમાં નથી સમાતો, આમાં નથી એ માટે ગો ટુ જ્ઞાની.’ અમે કહીએ છીએ કે, ‘અમારી પાસે આવો અને કલાકમાં જ તને ધીસ ઇઝ ધેટ બતાવી આપું!’ વેદો તો માર્ગદર્શન કરે છે, એ તો કહે છે કે, ‘અમુક જગ્યાએ ગિરગામ આવ્યું.’ પણ આ માર્ગદર્શનથી આત્મા ના મળે, એ માટે તો ‘જ્ઞાની’ જોઇશે. આ ડૉક્ટરને પૂછયા વગર પ્રિસ્ક્રિપ્શન બનાવાય નહીં, કારણ કે તેને મરણનો ભય છે; ને જ્યાં અનંત અવતારના મરણનો ભય છે ત્યાં જાતે દવા બનાવે છે ને પાછો કોઇ ‘જ્ઞાની પુરુષ’ ને પૂછયા વગર પી લે છે ! શાસ્ત્રો એ શસ્ત્રો છે, વાપરતાં ના આવડે તો મરી જઇશ !

જૈન મત અને વેદાંત મત બન્ને ભેગા ક્યાં થાય છે ? ‘આત્મજ્ઞાન’ આગળ. ‘આત્મજ્ઞાન’ થતાં સુધી બન્નેના વિચારો જુદા પડે છે; પણ ‘આત્મજ્ઞાન’ આગળ બન્નેય સહમત થાય છે, બધા એક થઇ જાય છે!

બ્રહ્મનિષ્ઠ તો જ્ઞાની જ બનાવે

‘પોતે’ પરમાત્મા છે, પણ જ્યાં સુધી એ પદ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અમે વૈષ્ણવ ને અમે જૈન છીએ કરે અને પછી વૈષ્ણવ હૃદયમાં કૃષ્ણને ધારે, પણ મૂળ વસ્તુ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ ધારણા કહેવાય. ‘મૂળ વસ્તુ’ પોતાનું સ્વરૂપ, એ પ્રાપ્ત થાય, તે બ્રહ્મસંબંધ છે. બ્રહ્મસંબંધ કોને કહેવાય ? લગની લાગે પછી ક્યારેય પણ ભુલાય નહીં તે બ્રહ્મસંબંધ એટલે આત્મા સાથે સંબંધ બાંધી આપે તેનું નામ બ્રહ્મસંબંધ. ‘જ્ઞાની પુરુષ’ જગતમાંથી તમારી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડે ને તમને બ્રહ્મનિષ્ઠ બનાવી આપે ! આમાં તો આત્મા અને અનાત્માને ગુણધર્મથી છૂટા પાડવાના છે. અનંત અવતારથી આત્મા અને અનાત્મા ભ્રાંતિરસથી ભેગા થયા છે. ‘જ્ઞાની પુરુષ’ તમારાં પાપો બાળી મૂકે ત્યારે તો તમને ‘સ્વરૂપ’નું લક્ષ રહે, તે વગર લક્ષ કેમ રહે?

(પા.૩૮૫)

આ કોઇ તમને પૂછે કે, ‘તમારો કયો ધર્મ ?’ તો કહીએ કે, ‘અમારો તો સ્વ-ધર્મ છે.’ આત્મા એ ‘સ્વ’ છે અને આત્મા જાણ્યા પછી જ સ્વધર્મ શરૂ થાય છે !

જિનને જાણે ત્યારે જૈન થાય, બાકી જૈન એ તો વારસાઇ છે. વૈષ્ણવ તે પણ વારસાઇ છે; પણ અમારી વાણી એક કલાક સાંભળે તે સાચો જૈન ને સાચો વૈષ્ણવ છે.

આ ઘણા અવતાર કર્યા છતાં રંડાપો આવશે, માટે અમારી સાથે બ્રહ્મનો સંબંધ બાંધી લેજો, નહીં તો મરતી વખતે કોઇ સાથ નહીં આપે. બાકી આ સંસાર તો આખો દગો છે ! માટે અમારો સંબંધ બાંધો એનું નામ બ્રહ્મસંબંધ અને એ સંબંધ કેવો કે કોઇ કાઢી મૂકે તોય જાય નહીં. સંસાર એ તો રંડાપાનું સ્થાન છે ને દુઃખનું સંગ્રહસ્થાન છે, તેમાં સુખ ક્યાંથી દેખાય ? એ તો મોહ થાય એટલે જરા સારું દેખાય, મોહ ઊતરશે તો સંસાર ખારો દવ જેવો લાગશે, મોહને લીધે ખારો લાગતો નથી.

આ અમારી સાથે બ્રહ્મસંબંધ બાંધી લેજો તો તમારું કલ્યાણ થઇ જશે. આ દેહ દેખાય છે એ તો પરપોટો છે, પણ દેહમાં મહીં ‘દાદા ભગવાન’ બેઠા છે તો કામ કાઢી લેજો. દસ લાખ વર્ષે ‘આ’ અવતાર થયો છે, સંસારમાં રહીને મોક્ષ મળશે. આ પરપાટો ફૂટી જશે ત્યાર પછી મહીં બેઠેલા ‘દાદા ભગવાન’નાં દર્શન નહીં થાય, માટે પરપોટો ફૂટી જતાં પહેલાં દર્શન કરી લેજો.

બ્રહ્મસંબંધ એટલે જ્યાં બ્રહ્મ પ્રગટ થઇ ગયા છે તેમના ચરણના અંગૂઠે અડીને સંબંધ લે તે બ્રહ્મસંબંધ. ખરો બ્રહ્મસંબંધ આપનારા કો’ક જ દિવસ મળે છે.

દસ લાખ વર્ષ ઉપર ધર્મો અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. ત્યારના કેસરિયાજીમાં ‘દાદા ભગવાન ઋષભદેવ’ સર્વ ધર્મોનું મૂળ, તે આદિમ ભગવાન, પહેલા ભગવાન છે. તે દસ લાખ વરસ પછી આજે આ ‘દાદા ભગવાન’ આવ્યા છે ! તેમનાં દર્શન કરી લેજો ને કામ કાઢી લેજો. પ્રત્યક્ષ ભગવાન આવ્યા છે ને તેનું આ દેહ તો મંદિર છે, તો તે મંદિર નાશ

(પા.૩૮૬)

થઇ જાય તે પહેલાં મંદિરમાં બેઠેલા પ્રગટ ‘દાદા ભગવાન’નાં દર્શન કરી લેજો. બ્રહ્મસંબંધ એવો બાંધી લેજો કે ઝાડપાન, પશુપક્ષી - બધે ભગવાન દેખાય ! કાચો સંબંધ બાંધશો તો દહાડો નહીં વળે, માટે પાકો સંબંધ બાંધી લેજો. કવિરાજે ગાયું છે ને,

‘‘મન-વચન-કાયાથી તદ્ન જુદો એવો ‘હું’ બ્રહ્મસંબંધવાળો છું.’’

સંસાર વ્યવહારમાં આબરૂ મૂઠીમાં રહે તેવું કરી આપે તેવો આ મંત્ર છે ! આ મંત્રથી બ્રહ્મની પુષ્ટિ થયા કરશે અને ‘ બ્રહ્મનિષ્ઠ’ બની જશો. ‘જ્ઞાની પુરુષ’ની જોડે લગની લાગે તે બ્રહ્મસંબંધ. માયાની જોડે ઘણા અવતારથી સખીપણું કરેલું છે તે પાછી કાઢી મૂકીએ તોય આવે, પણ બ્રહ્મસંબંધ થાય એટલે માયા ભાગે. મોહબજારમાં ક્યાંય પણ પેસવું નહીં. લગન્માં મોહ અને માયાનું બજાર હોય જ. માયા અને એનાં છોકરાંઓ આપણી આબરૂ લઇ લે અને ભગવાન આપણી આબરૂ સાચવે. અમારે આશરે આવ્યો તેનું કોઇ નામ ના દે. અહીં કોઇ કલેક્ટરની ઓળખાણવાળો હોય તેનું કોઇ નામ ના દે, કહે કે, ‘ભાઇ, એને તો કલેક્ટરનું ઓળખાણ છે.’ તેમ તમારે આ ‘દાદા ભગવાન’નું ઓળખાણ થયું છે કે જેમને ત્રણ લોકનો નાથ વશ વર્તે છે ! પછી તમારું નામ કોણ દેનાર છે ?

અમારું નામ દેજો અને અમારી ચાવી લઇને જાઓ તો ‘રણછોડજી’ તમારી સાથે વાત કરશે. અમારું નામ ‘રણછોડજી’ને દેજો તો તે બોલશે!

કવિરાજે ‘દાદા’ માટે ગાયું છે ને કે,

(૧) કલ્પે કલ્પે જન્મે છે તે કલ્પાતીત સત્પુરુષ.

શ્રી રણછોડરાયનું હૃદયકમળ ‘હું’ જ છું.

પરાત્પર પુરુષ ગીતાગાયક ‘હું’ જ છું.

(૨) મુરલીના પડઘે ઝૂમી જમના બોલી,

શ્રી કૃષ્ણના પ્રકાશક આવી ગયા છે.

‘વૈષ્ણવજન તો તેને રે કહીએ....’ એ વ્યાખ્યાવાળો એક પણ વૈષ્ણવ જડતો જ નથી. મર્યાદા એટલે અંશધર્મ; લિમિટેડ ધર્મ, તે પાળે

(પા.૩૮૭)

તો સારો, પણ આ તો આખો દહાડો ક્લેશ કરે છે.

અગિયારસ તો કોનું નામ ? પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમું મન - એ બધાંને એક દિવસ કાબૂમાં રાખવાનાં હોય ! આ તો ધણીને અગિયારસને દહાડે વઢે કે, ‘તમે આ ના લાવ્યા, ને પેલું ના લાવ્યા !’ તેને અગિયારસ કેમ કરી કહેવાય ? ધર્મ તો આવી અગિયારસ કર્યે મળે તેમ નથી. અમારી આજ્ઞામાં એક અગિયારસ કરે તો બીજી કરવી જ ના પડે !

(પા.૩૮૮)

દ્વૈતાદ્વૈત

પ્રશ્નકર્તા : કેટલાક કહે છે કે ‘જગતમાં આત્મા અદ્વૈત છે’ એ ખરું છે ?

દાદાશ્રી : એ કહે, પણ આ તો અદ્વૈત દ્રષ્ટિ જ ઉત્પન્ન થઇ નથી ને આત્માને અદ્વૈત કહેવું એ ગુનો છે. આત્મા વસ્તુ જ ઓર છે અને આ તો ખાલી અદ્વૈત ભાવ ઉત્પન્ન કરે છે, પણ જ્યારે કોઇ મારે કે ગજવું કાપે ત્યારે એ અદ્વૈત ભાવ ક્યાં જતો રહે છે ? ત્યારે ખબર પડે કે આત્મા પ્રાપ્ત છે કે નહીં ! આત્મા પ્રાપ્ત કરેલાને તો નિર્ભયતા-સ્વતંત્રતા ઉત્પન્ન થઇ જાય, પણ છતાં અદ્વૈત ભાવ એ રીલેટિવ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય અને એવા તો હિંદુસ્તાનમાં ઘણા છે. આ બધા જાતજાતના પક્ષોમાં પડી ગયા ! જૈનો પડ્યા દ્વૈતમાં અને આ વેદાંતી લોકો પડ્યા અદ્વૈતમાં કે, ‘હું આત્મા જ છું, શુદ્ધ જ છું’ તો મંદિરમાં શું કરવા જાય છે ? પુસ્તક શું કામ પઢે છે ? આ એકાંતિક અદ્વૈતમાં પડ્યા ને પેલા એકાંતિક દ્વૈતમાં પડ્યા ! ‘હું કરું તો જ થાય ને ? મેં ક્રોધ કર્યો માટે મારે ભોગવવાનું ને ?’ આ તો જાતજાતની ભૂતાવળ વળગી છે ! એમાંય પાછી જાતજાતની દુકાનો કાઢી લોકોએ વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત વગેરે. આ અદ્વૈતવાળા અહીં અમને ભેગા થાય છે, એમને મારે કહેવું પડે છે કે, ‘તું અદ્વૈતવાળો છે તો અહીં શું જાણવા આવ્યો છે ?’ તો એ કહે, ‘આત્માને જાણવો છે.’ મેં કહ્યું, ‘ના, અદ્વૈતવાળાને આત્મા જાણવાનો બાકી ના હોય. તને આ અદ્વૈતનું સ્ટેશન ક્યાંથી મળ્યું ? આ તને આવા ગુરુ ક્યાંથી મળી આવ્યા તે આવું શીખવ્યું ?’

એ મને કહે, ‘દાદા, તમે કેમ દ્વૈતમાં રહો છો ?’ મેં કહ્યું, ‘દ્વૈતને તું સમજે છે ? અદ્વૈતને તું સમજે છે ? વાતને સમજ. આત્મા દ્વૈત સ્વરૂપેય

(પા.૩૮૯)

નથી ને અદ્વૈત સ્વરૂપે પણ નથી, એ તો દ્વૈતાદ્વૈત સ્વરૂપે છે.’ આ દ્વૈત થઇ જાય તો તો એને અદ્વૈતનો વિકલ્પ આવ્યા કરે ને અદ્વૈત સ્વરૂપ થઇ જાય તો એને દ્વૈતનો વિકલ્પ થયા કરે કે, ‘આ દ્વૈત આવ્યો અને આ અદ્વૈત આવ્યો.’ આત્મા તો દ્વૈતાદ્વૈતથી પર છે, છતાં વ્યવહારમાં કહેવું હોય તો કહું કે, ‘આત્મા દ્વૈતાદ્વૈત છે, એકપક્ષી નથી; રીલેટિવ વ્યુ પોઇન્ટથી દ્વૈત છે અને રીયલ વ્યુ પોઇન્ટથી અદ્વૈત છે.’ ‘દાદા’ વાત કરે તો દ્વૈત ભાવમાં હોય ને સ્વરૂપમાં હોય તો અદ્વૈત ભાવમાં હોય. માટે દ્વૈત હોય તો જ અદ્વૈત હોય અને અદ્વૈત હોય તો દ્વૈત છે, કારણ કે બન્નેય રીલેટિવ છે. જ્યાં સુધી આત્મા ના જાણ્યો ત્યાં સુધી આ તો અદ્વૈતની દુકાન એકલી કાઢી, તો માર્યા ગયા ! માટે જાણ, કંઇક વિચાર કર. દ્વૈતમાં પડીશ તોય દ્વંદ્વ ઊભાં થશે ને અદ્વૈતમાં પડીશ તોય દ્વંદ્વ ઊભાં થશે ને દ્વૈતાદ્વૈતમાં આવીશ તો દ્વંદ્વ ઊભાં નહીં થાય. સિદ્ધગતિમાં જાય છે ત્યારે વિશેષણ જ નથી હોતું, નિર્વિશેષ ! દ્વૈતાદ્વૈત તો ક્યાં સુધી ? દેહ છે ત્યાં સુધી.

જો એકલો અદ્વૈત માને તો તો એકાંતિક થઇ ગયો ને એકાંતિક એટલે મિથ્યાત્વી કહેવાય; ને દ્વૈત માને તોય મિથ્યાત્વી છે. આ તો એકાંતિક ના હોવું જોઇએ, દ્વૈતાદ્વૈત જોઇએ, અનેકાંત હોવું જોઇએ. વીતરાગો અનેકાંતિક હતા. એકાંતિક એટલે આગ્રહ કરી નાખ્યો, મોક્ષમાર્ગ તો નિરાગ્રહીનો છે.

એ અદ્વૈતવાળાને પછી મેં પૂછયું, ‘તું પૈણ્યો નથી ?’ ત્યારે તેણે કહ્યું, ‘પૈણ્યો છું, પણ એને બોલાવતો નથી.’ ‘બૈરીને રખડાવી મારી ? તને કેવો ગુરુ મળ્યો ? પૈણ્યા પછી અદ્વૈત થયો ? કંઇથી આવો થયો ?’ ખરો અદ્વૈત કોણ ? સ્ત્રી હોય, છોકરાં હોય, પણ કોઇને કિંચિત્ માત્ર દુઃખ ના થાય એવું જેનું વર્તન હોય એ ખરાં દ્વૈતાદ્વૈતનાં લક્ષણ કહેવાય. આ તો અદ્વૈત એકની જ ગુફામાં ક્યાં પેસી ગયા ? આ નમારમુંડા સ્ટેજમાં પેઠા તો માર્યા જશો ! આવું સાચું કહેનાર કોઇ તમને નહીં મળે, કારણ કે અમને સહેજેય ઘાટ નથી. ઘાટ વગરનો જ નગ્ન સત્ય કહી શકે, બીજા તો ઘાટમાં ને ઘાટમાં ‘બાપજી બાપજી’ કરશે.

(પા.૩૯૦)

અદ્વૈત તત્વ એ ત્યાગ કરતાં કરતાં અહંકારને અદ્વૈત કરે, એટલે અદ્વૈત તત્વ એવું છે કે દ્વૈતમાંથી અદ્વૈતમાં આવે, એથી ત્યાં સુધી ‘હું’ રહે. જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ન થાય ત્યાં સુધી એ બધી માયાવી વાણી છે, લોકોને બહુ ગમે, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી એની જરૂર છે, પણ સ્વરૂપનું ભાન તો છેવટે ‘જ્ઞાની પુરુષ’ ભેગા થાય ને તેમની કૃપા થાય તો જ થાય તેમ છે !

અનેકાંતથી મોક્ષ

વેદાંતીઓ શું કહે છે ? ‘આત્મા નિર્મળ છે, અમે અદ્વૈત છીએ.’ તેમણે આગ્રહથી આત્માને અદ્વૈત કહ્યો, તે યથાર્થ નથી. જૈનો આગ્રહથી આત્માને કર્તા અને ભોક્તા માને છે તે પણ ફેક્ટ વાત નથી, નિરાગ્રહી હોવું જોઇએ. આત્મા દ્વૈતાદ્વૈત છે. આ અદ્વૈતથી મોક્ષ કહો છો, પણ એક વિકલ્પ નહીં જાય, દ્વૈતની પાર ગયા નથી. અદ્વૈતવાળાને દ્વૈતની પાર જવું પડે અને દ્વૈતવાળાને અદ્વૈતની પાર જવું પડશે, ત્યારે દ્વૈતાદ્વૈત થવાશે. દ્વૈત અને અદ્વૈતની બેઉ પાંખો ભેગી થશે ત્યારે ઉડાશે, એક પાંખે ના ઉડાય. જગતનાં એક પણ જીવનું પ્રમાણ ના દુભાય એવી ‘સ્યાદ્વાદ વાણી’ ભગવાનની વાણી હોય. દ્વૈતાદ્વૈત ભેગું કેમ કરીને હોય ? હોમ ડીપાર્ટમેન્ટમાં અમે અદ્વૈત છીએ અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં દ્વૈત છીએ, માટે દ્વૈતાદ્વૈત કહ્યો. જ્યાં સુધી દેહ છે, સંસાર અપેક્ષા રહી છે, ત્યાં સુધી દ્વૈતાદ્વૈત છે. જો સંસાર અપેક્ષા ના હોય તો તો આ દ્વૈતાદ્વૈતની જરૂર રહેતી નથી.

‘એકલા દ્વૈતથી કે એકલા અદ્વૈતથી જ મોક્ષ છે’ એમ માનીને ચાલશો તો એક પણ વિકલ્પ નહીં જાય. આ અદ્વૈતથી તો લોક રખડી પડ્યા, કોઇ વિકલ્પની પાર જઇ શક્યો નથી. અદ્વૈત, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, શુદ્ધાદ્વૈત એમ જાતજાતની દુકાનો માંડીને લોક બેઠા છે ! એમના ગુરુ ને તેમના ગુરુ બધાય રખડી પડ્યા. એકલા ‘જ્ઞાની પુરુષ’ દુકાન ના માંડે, કારણ કે તે દ્વૈતાદ્વૈત છે. જ્યાં સુધી મોક્ષે નથી ગયો ત્યાં સુધી આત્મા કેવો છે ? દ્વૈતાદ્વૈત છે. આપણે આ અદ્વૈતવાળાને પૂછીએ કે, ‘તું કોણ છે ?’ તો કહે કે, ‘હું ફલાણો ફલાણો આચાર્ય છું.’ આ તો તમે બધાય આચાર્ય

(પા.૩૯૧)

થઇ બેઠા, તે દુકાનો માંડીને બેઠા છે ! કોઇ જગ્યાએ એકલો દ્વૈત શબ્દ મુકાય જ નહીં ને એકલો અદ્વૈત શબ્દ પણ મુકાય નહીં. આ લોક તો દ્વૈત કે અદ્વૈત શબ્દનો અર્થ પણ સમજતા નથી ને દ્વૈતની કે અદ્વૈતની દુકાનોમાં પેસી જાય છે ! જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી શુદ્ધાત્મા એ દ્વૈતાદ્વૈત છે. એકલો અદ્વૈત કોઇ થઇ શકે જ નહીં. અદ્વૈત એ વિકલ્પ છે અને દ્વૈતના આધારે છે. વીતરાગો તો ગજબના થઇ ગયા ! દ્વંદ્વોના સાગરમાં અદ્વૈતનું રક્ષણ કરવા માટે સામા સાથે ઝઘડવું, એનું નામ જ દ્વૈતભાવ ! અદ્વૈતના રક્ષણ માટે સામા જોડે વાદમાં ઊતરવું એ જ દ્વૈત છે!

અદ્વૈતને ભગવાને રાંડેલો કહ્યો ને દ્વૈતને માંડેલો કહ્યો ! ભગવાન તો દ્વૈતાદ્વૈત છે, તું દ્વંદ્વાતીત થઇશ તો ઉકેલ આવશે. આ સંસાર કોઇનેય છોડે નહીં તેવો છે. પાંડવોનું તેલ કાઢી નાખ્યુ અને રામ તો જંગલમાં ગયા ત્યાંય તેમની સ્ત્રી ઉઠાવી ગયા ! એવું છે આ જગત !!

વીતરાગો કહે, ‘આ ચંદુભાઇ ન હોય અને છેય ખરા. અસ્તિ નાસ્તિ- છેય અને નથીય. સ્વરૂપનું ભાન ના થાય તો એ ચંદુભાઇ છે અને સ્વરૂપનું ભાન થાય તો એ ચંદુભાઇ નથી.

જગત આખું એકાંતિક છે, એક વસ્તુ નક્કી જ કરી નાખે કે આમ જ હોય. ‘જ્ઞાની પુરુષ’ અન્-એકાંતિક હોય, તદ્ન નિરાળા હોય!

આ જગતમાં પોઇઝન પણ એક ગુણવાળું નથી અને અમૃત પણ એક ગુણવાળું નથી, દ્વિગુણવાળાં છે બધાં; માટે કોઇનીય માટે એકાંતિક ના બોલવું. ‘આ ડૉક્ટર ખરાબ છે’ એમ ના બોલાય, અથવા ‘બધાય ડૉક્ટરો સારા છે’ એમ પણ ના બોલાય, પણ આપણે વ્યુ પોઇન્ટ લક્ષમાં રાખવું કે અમુક અપેક્ષાએ અમુક છે અને અમુક અપેક્ષાએ અમુક છે. આ પોઇઝનમાંય ઘણા સારા ગુણો છે, જો અમુક લિમિટમાં પોઇઝન ખાવામાં આવે તો બધાય રોગ મટાડે અને જો એથી વધારે ખવાય તો જ મારી નાખે તેમ છે !

મનુષ્ય જીવનમાં એન્ડ સુધી બધું જ ફરજિયાત છે. આખો સંસાર જ ફરજિયાત છે, દ્વિતીયમ નહીં પણ તૃતીયમ છે; પણ આખું જગત

(પા.૩૯૨)

મરજિયાત માનીને ચાલે છે. અદ્વૈત એટલે એક બાજુ, દ્વૈત એટલે બીજી બાજુ અને આ તો તૃતીયમ ! દ્વૈતમાં હોય ત્યાં સુધી પાંસરો રહે; દ્વૈતાદ્વૈતમાં હોય ત્યાં આત્મા હોય અને તૃતીયમ ત્યાં નર્યો સંસાર ! જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ દ્વૈત છે, પોતે પોતાની જાત માટે અદ્વૈત છે. એટલે આત્મા દ્વૈતાદ્વૈત છે, બીજું બધું જ તૃતીયમ. ‘મરજિયાત’ એ તૃતીયમ ના કહેવાય, ‘ફરજિયાત’ એ બધું તૃતીયમ છે.

(પા.૩૯૩)

વીતરાગ માર્ગ

કવિએ ગાયું છે ને, ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.’

વાણી મનોહર જોઇએ, વર્તન મનોહર જોઇએ અને વિનય મનોહર જોઇએ. વીતરાગોનો માર્ગ વિનયનો છે, પરમ વિનયથી મોક્ષ થાય. બીજું કશું ભણવા કરવાની જરૂર નથી, ભણવાવાળા તો કંઇક ભણીભણીને થાકી ગયેલા. વીતરાગનો માર્ગ પરમ વિનય માગે છે, એમને બીજું કશું જ જોઇતું નથી.

વીતરાગોએ આખા જગતનો એક જ ધર્મ જોયો, વીતરાગ ધર્મ, અને વીતરાગ ધર્મથી જ મોક્ષ છે; માટે વીતરાગતા પ્રાપ્ત કરો. આજે તો એકલા જૈન ધર્મમાં કેટલા બધા ફાંટા પડી ગયા છે ? આપણો માર્ગ તો જૈન નથી, વૈષ્ણવ નથી, સ્વામિનારાયણ નથી, માત્ર વીતરાગ માર્ગ છે!

ક્રોધ, માન, માયા, લોભ ગયાં તો જાણવું કે વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો, એ નિશાની છે એની. કોઇ પૂછે કે, ‘આનો તાવ ઊતર્યો છે કે નહીં?’ ત્યારે આપણે કહીએ કે, ‘થર્મોમિટર મૂકો અને જુઓ. જો એ ૯૮ ડિગ્રી દેખાડે તો તાવ નથી ને ૯૭ ડિગ્રી દેખાડે તો બીલો નોર્મલ તાવ છે અને ૯૯ ડિગ્રી દેખાડે તો એબોવ નોર્મલ તાવ છે.’ આમ થર્મોમિટર મૂકીને જોવું. વીતરાગ શું કહે છે ? ‘જેનાં ક્રોધ, માન, માયા, લોભ ગયાં એને વીતરાગ માર્ગ પ્રાપ્ત થયો અને જેને ત્યાં એ સાબૂત છે એ જરાય તૂટ્યાં નથી. જેનો કાંકરોય તૂટ્યો નથી, તેને વીતરાગ ધર્મ કેમ પ્રાપ્ત થયો કહેવાય ?’ જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે; અરે, અનંત અવતારથી જૈન ધર્મ તો પ્રાપ્ત થયો છે. કંઇ એક અવતારથી જૈન ધર્મ થોડો પ્રાપ્ત થયો છે ? પણ વીતરાગ ધર્મ કોઇ અવતારમાં પ્રાપ્ત થયો નથી !

(પા.૩૯૪)

વીતરાગો તો સાવ જુદા જ હતા. વીતરાગોને વીતરાગ માર્ગમાં જે કરવું પડ્યું હતું તે અત્યારે લોકોના ખ્યાલમાં નથી, લક્ષમાં નથી, અને એમને જે નહોતું ગમતું તે લોકો કરે છે. અત્યારે એમને શું નહોતું ગમતું કે, ‘ભાઇ, એક પક્ષમાં ના પડીશ. તું તપમાં પડ્યો તો તપોગચ્છ ના થઇ જઇશ.’ વીતરાગો શું કહે છે કે, ‘એક ગચ્છમાં ના પડશો.’ એ તો એક ખૂણો છે મકાનનો. મકાનનો એક જ ખૂણો જો વાળ વાળ કરે તો આખી રૂમ સાફ થાય ખરી ? શુદ્ધિ થાય ? ના થાય. ભગવાને કહ્યું કે, ‘બધા ખૂણા સાફ કરજે.’ ભગવાન કંઇ તારા ખૂણા વાળવા આવવાના નથી. આ લોક તો એકલા તપની પાછળ પડ્યા કે એકલા ત્યાગની પાછળ પડ્યા, તો કેટલાક વળી પુસ્તક વાંચ વાંચ કરે.

કબીરજી કહે છે : ‘પુસ્તક પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય’ કબીરજીને એકુય પંડિત થયેલો દેખાયો નહીં. પુસ્તક વાંચીને પુસ્તક જેવા થઇ જાય ! જેની આરાધના કરે તેના જેવો થઇ જાય, એવો આત્માનો સ્વભાવ છે. વીતરાગની આરાધના કરે તો વીતરાગ થઇ જાય, માટે વીતરાગની આરાધના કરો તો મોક્ષે જવાશે. મોક્ષનો આ એક જ માર્ગ છે, બીજા બધા અનંત માર્ગોમાં એક માર્ગ, આ વીતરાગની નાની કેડી એકલી જ છે કે જે મોક્ષે લઇ જાય. આ કેડી ઉપરથી એક માણસ મહાપરાણે જઇ શકે, કો’ક દહાડો ! નહીં તો બીજા તો અન્ય માર્ગ છે જ, અન્ય માર્ગો અનંતા છે; ને તે બધા ચતુર્ગતિમાં ભટકાવનારા માર્ગો છે, દેવગતિ ને બીજે રઝળપાટ કરાવનારા છે અને આટલાથી મનમાં સંતોષ લે ને કહે કે, ‘અમારે તો ઘણું ખરું આવી ગયું છે, અમે ઘણું બધું પામી ગયા છીએ.’

જ્ઞાનીની પૂંઠે પૂંઠે

વીતરાગોએ કહ્યું છે કે, ‘મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી, માત્ર ‘જ્ઞાની’ની પૂંઠે પૂંઠે વહ્યા જજો.’ એમની પૂંઠે સિગારેટ પીએ તો ? ‘હા, પીજો. એમની હાજરીમાં સિગારેટ પણ પીજો, પણ ‘જ્ઞાની’ની પૂંઠે વહ્યા જજો. એમનો હાથ ના છોડશો.’ કહે છે. ‘જ્ઞાની’ કોને કહેવાય ? જેને

(પા.૩૯૫)

આ જગતમાં કશું જ જાણવાનું બાકી ના રહ્યું હોય તે ‘જ્ઞાની’. જાણવાનું જેને બાકી રહ્યું હોય તેને આપણે જ્ઞાની કહીએ ને પછી આપણે તેમને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે. સા’બ શું કરે ? મહીં ઘૂંટાયા કરે, પછી આપણને શાસ્ત્રના ટબ્બા દેખાડે. અલ્યા ભઇ, શાસ્ત્રને શું તોપને બા’રે ચઢાવવું છે ! અહીં આગળ શું કરવા ટબ્બા દેખાડે છે ? મહીંથી તું બોલ ને ! મહીં મરેલો છે કે જીવતો, તે બોલને ! જો મહીં જીવતો છે તો બોલ મહીંથી ! પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે ? શાસ્ત્ર એ તો બોર્ડ છે, સ્ટેશને ઊતરવાનાં બોર્ડ છે, બોર્ડની કંઇ હરઘડીએ જરૂર પડે ખરી ? એની તો કો’ક દહાડો જરૂર પડે; એટલું જ જાણવા કે, ‘ભઇ, કયું સ્ટેશન આવ્યું ?’ તો એ કહે કે, ‘ભઇ, પેલું બોર્ડ દેખાય, દાદર.’ તે શાસ્ત્રો તો દાદર છે. શાસ્ત્ર તો ‘ઇટસેલ્ફ’ બોલે છે, ‘ગો ટુ જ્ઞાની.’ એ નિશાની બતાવે છે.

જો સંસારમાં કોઇ ઊંધો માર્ગ જોઇતો હોય, જગતના વિષયી સુખો જોઇતાં હોય, તારે અહંકારનો ભોગવટો કરવો હોય, તો ભગવાન કહે છે કે, ‘શાસ્ત્રો વાંચ અને ત્યાગ કર, તપ કર, જપ કર, તને જે અનુકૂળ આવે તે કોઇ પણ તપ-જપ લઇ લે, એક સબ્જેક્ટ લઇ લે, એ સબ્જેક્ટનું ફળ તને મળશે; દેવગતિ અગર તો મનુષ્યમાંય સારો અવતાર થાય, બીજું થાય, ત્રીજું થાય.’ ભગવાનના સબ્જેક્ટોનું આરાધન કર્યું, માટે કંઇક ફળ તો મળે ને ? ભગવાને મોક્ષને માટે નિર્વિષયી માર્ગ કહ્યો છે ! એમાં તપ, ત્યાગ, જપ કે જે બહારના વિષયો છે, એવું કશું છે નહીં.

વીતરાગો એટલે બહુ ડાહ્યા માણસો. મોક્ષનો માર્ગ સરળમાં સરળ, સહેલામાં સહેલો વીતરાગો આપીને ગયા, બીજા બધાએ મોક્ષનો માર્ગ ગૂંચવી ગૂંચવીને ભુલભુલામણી રૂપે મૂક્યો છે. તે ભુલભુલામણી કેવી ? કે એક ફેરો મહીં પેઠો તો ફરી નીકળે નહીં, એમાંથી છટકાય એવું છે નહીં. વીતરાગના માર્ગમાં આટલીય પોલ નથી રાખી, કારણ કે વીતરાગો તો બહુ જ ચોખ્ખા; જેને કંઇક જ જોઇતું નહોતું, પ્રપંચ નહોતો, જેનામાં રાગ નહોતો, જેને કોઇપણ પ્રકારની ઇચ્છા જ નહોતી, એવા વીતરાગ હતા !

(પા.૩૯૬)

ઇચ્છા કોને થાય છે ?

ખરી રીતે કોઇનેય ઇચ્છા નથી, જે જે આત્મા તરીકે છે એ કોઇનેય ઇચ્છા નથી. આ તો ભ્રાંતિ ઉત્પન્ન થઇ છે. આ તો જૈન ધર્મે આત્માને ઇચ્છાવાન ઠરાવી દીધો છે અત્યારે ! આત્મા ઇચ્છાવાન હોય ને તો તો પછી એ ભિખારી જ છે. આત્મા ઇચ્છા કરે જ નહીં. આત્મા તો પરમાત્મા છે, એને ઇચ્છા હોય ? આત્મા પોતે વીતરાગ જ છે પહેલેથી. આ તો ભ્રાંતિથી ઇચ્છા ઊભી થઇ છે. અહંકારમાં ઇચ્છા ઊભી થઇ છે, જ્યારે અહંકાર નહીં હોય તો ઇચ્છાય નહીં હોય. આ તો અહંકારની ઇચ્છા છે, આત્માની ઇચ્છા હોતી હશે ? તો તો પછી આ વાઘરી ને એમાં ફેર રહ્યો નહીં. આત્મા પોતે પરમાત્મા છે અને એને કોઇ ચીજની જરૂર નથી; પહેલેથીય નહોતી, અત્યારેય નથી ને ભવિષ્યમાં પણ હશે નહીં. આ તો પોતે અંતરાયો છે. જો અહંકાર જતો રહે, એનો વિલય થઇ જાય તો કશું જ નથી, મોક્ષ જ છે, ઇચ્છા જ નથી પછી તો. અત્યારે તો જૈન માર્ગમાં ને બીજા બધા માર્ગમાં કહે છેને કે, ‘આત્માને તો ઇચ્છા ખરી ને ?’ અલ્યા ભાઇ, આત્માને જો ઇચ્છા હોય તો એ આત્મા જ કેમ કહેવાય ? આત્માને જો ઇચ્છાવાન કહો તો એ દ્રવ્યને જ જાણ્યું નથી તમે ! પિત્તળને અને સોનાને ઓળખતા નથી તમે, પિત્તળને સોનું કહો છો !! સોનું તો એના પોતાના ગુણધર્મમાં છે, પરમાત્માસ્વરૂપમાં છે, અત્યારે પણ પરમાત્માસ્વરૂપમાં બેઠેલું છે, એ પરમાત્માસ્વરૂપ એનું કોઇ દહાડોય ચૂક્યા નથી. ભલેને એ જંજાળમાં આવ્યા છે, પણ જંજાળમાંય એ પોતે ચૂક્યા નથી. એમાં એમનું જ્ઞાન અંતરાયું છે, બીજું કશું અંતરાયું નથી. જ્ઞાન, દર્શન અંતરાયું છે. તેનાથી એમને કંઇ નુકસાન નથી. જેને આ અહંકાર છે એને નુકસાન છે, એમને શું નુકસાન ? એમને તો મહીં પરમાનંદ છે, પોતે અનંત સુખનું ધામ છે. રાત્રે ઊંઘી જાયને તો ગાંડાને પણ સુખ આવે. જો સારો ઘસઘસાટ ઊંઘી જાયને તોય એનામાં થોડોક, એનો (આત્માનો) અણસારો માલૂમ પડે કે, ‘મારું હારું, સુખ અંદર છે ! કારણ કે કોઇ વિષય રાત્રે આવ્યા નથી, કોઇ વિષય રાત્રે ઊંઘમાં ભોગવ્યા નથી, એમ ને એમ ઘસઘસાટ ઊંઘી ગયો તો શાથી સુખ

(પા.૩૯૭)

આવ્યું ?’ તે આ મશીનરી બધી બંધ થઇ ગઇ, અહંકાર બંધ થઇ ગયો, અહંકારરૂપી મશીનરી બંધ થતાંની સાથે સુખ ઉત્પન્ન થાય. એટલે પછી એને થયા કરે કે ‘બહુ સરસ ઊંઘ આવી હતી ! બહુ સરસ ઊંઘ આવી હતી !’

સચોટ ઇચ્છા, કેવી હોય ?

દાદાશ્રી : મોક્ષની ઇચ્છા છે કે બીજે ગામ જવું છે ? ઇચ્છા કઇ બાજુની રહે છે ?

પ્રશ્નકર્તા : મુક્તિ સિવાય બીજું કંઇ ના જોઇએ.

દાદાશ્રી : મોક્ષની ઇચ્છા હોય અને જોડે જોડે બીજી ઇચ્છા દેખાયા કરતી હોયને તો આપણને ખબર પડે કે હજી આ કોઇ એક ઇચ્છા મહીં ભરાઇ રહેલી છે, કો’ક દહાડો આપણને દેખા દે. જેમ આપણા ઘરમાં બે માણસ હોય તો રોજ એકનો એક દેખાય, પણ કો’ક દહાડો બીજો દેખાય તો આપણે જાણવું કે કો’ક છે મહીં, એવું ખબર ના પડે ? એટલે બીજું કંઇ એવું મહીં દેખાય છે ?

પ્રશ્નકર્તા : દેખાય કો’ક વાર.

દાદાશ્રી : એકાદ છે કે બે જણ છે ?

પ્રશ્નકર્તા : ખબર નથી.

દાદાશ્રી : એ તો તપાસ કરવી પડે. એવું છેને કે મોક્ષની એકલી ઇચ્છા હોયને તો એને કોઇ રોકનાર જ નથી. જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે એને કોઇ રોકનાર નથી ! જ્ઞાની એને ઘેર જશે !!! એ કહેશે કે, ‘મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને?’ ના, તારી ઇચ્છા જ તારા માટે જ્ઞાનીને લઇ આવશે ! જ્ઞાની સાધન છે. મોક્ષ સિવાય કંઇ જ જોઇતું નથી એવી જેને સચોટ ઇચ્છા છે એની પાસે હરેક ચીજ આવે; પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. એ પોલની તો પત્રિકા બહાર પડે ત્યારે ખબર પડે ! એને

(પા.૩૯૮)

‘પોલપત્રિકા’ કહેવાય છે. વીતરાગો કહે છે કે, ‘જે અમારા જેવા સચોટ છે, જેને કંઇ જ કામના નથી એને અહીં દુનિયામાં કોઇ નામ દેનારો નથી! ને નામ દેશે તો પુદ્ગલનું લેશે; પણ આત્માને કોણ અડી શકે? આ લોકો તો પુદ્ગલના વેપારી છે, તે પુદ્ગલના વેપાર ભલે કરે, પૌદ્ગલિક વેપાર છે ને ? કો’કનું પુદ્ગલ લઇ લે બહુ ત્યારે, પણ અહીં માલિકી નહોતી એનું લઇ લે છે ને ! જેને મોક્ષની ઇચ્છા હોય તેને પુદ્ગલની માલિકી ના હોય ! પુદ્ગલની માલિકી છે તેને મોક્ષની ઇચ્છા ના હોય.

અમૂર્તનાં દર્શન, કલ્યાણકારી

કવિરાજે લખ્યું છે કે,

‘મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે જ્યાં,

મંદિરના ઘંટનાદ વાગી ગયા છે.’

મૂર્તિ, ‘અમૂર્ત’નાં દર્શન પામે; પછી મોક્ષે જવાના ઘંટનાદ વાગે. અમૂર્તનાં દર્શન કોઇ કાળે થયાં નથી, જો થયાં હોત તો મોક્ષના ઘંટનાદ વાગી ગયા હોત બધાં ‘મંદિરો’માં ! આ વાત તમને સમજાઇ કે ‘મૂર્તિ જો અમૂર્તનાં દર્શન કરે તો કલ્યાણ થાય ?’ આપણે તો મનુષ્ય મૂર્તિ હોય ત્યારે જ અમૂર્તનાં દર્શન થાય ને ! મૂર્તિ અમૂર્તનાં દર્શન પામે ત્યારે મંદિરનાં ઘંટનાદ પૂરા થઇ ગયા, ત્યાં આગળ કામ પૂરું થઇ ગયું. ‘જ્ઞાની પુરુષ’ તો જડ અને ચેતનનું આમ વિભાજન કરીને-તાંબુ બધું જુદું પાડી આપે, એમના હાથમાં આવે તો તરત જ કહી આપે કે, ‘આ ચોખ્ખું ને આ મેલું.’ અહીં તો જરાક જેટલો પણ મેલ હોય તો ચાલે નહીં, મોક્ષને માટે જો જરાક મેલ હોય તો તે કામનું નહીં, એ સોનું ના કહેવાય. ભગવાને કહ્યું કે, ‘બે ટકા મેલ હોય તો એ સોનું ન હોય, અમારે તો શુદ્ધ સોનું જોઇશે. શુદ્ધ ઉપયોગવાળું સોનું ! અહીં બીજું ચાલે નહીં, ગડબડ-સડબડ ચાલે નહીં.’ સોનામાં બે વાલ ફેર હોય તો? ‘તો ના, એ ફેર-બેર, છાશિયું બધું જાવ અહીંથી ચોકસીઓને ત્યાં.’ અહીં તો વીતરાગોનું કામ, શુદ્ધ ઉપયોગવાળું સોનું જોઇએ; ત્યાં તો નવ્વાણું ટચનું હોય નહીં, પૂરું સો ટચ જોઇશે.

(પા.૩૯૯)

વીતરાગ એટલે અસલ પાક્કા

વીતરાગ કંઇ કાચી માયા નથી. બધાય કાચા હશે, પણ વીતરાગ જેવા કોઇ પાકા નહીં, એ તો અસલ પાક્કા ! આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ? ભોળા કહેતા હતા. આ વીતરાગો જન્મેલાને તે એમના ભાઇબંધો એમને કહેતા હતા કે, ‘આ તો ભોળા છે, મૂરખ છે.’ અલ્યા, તું મૂરખ છે, તારો બાપ મૂરખ છે ને તારો દાદો મૂરખ છે. વીતરાગોને તો કોઇ વટાવી શકશે જ નહીં એવા એ ડાહ્યા હોય. પોતાનો રસ્તો ચૂકે નહીં, એ જાતે છેતરાય ને રસ્તો ના ચૂકે. એ કહેશે કે, ‘હું છેતરાઇશ નહીં, તો આ મારે રસ્તે જવા નહીં દે.’ તે પલો શું જાણે કે આ કાચો છે. અલ્યા, ન હોય એ કાચો, એ તો અસલ પાકો છે ! આ દુનિયામાં જે છેતરાય, જાણી જોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા.

માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો, અજાણે તો આખી દુનિયા છેતરાઇ રહી છે. સાધુ, સંન્યાસી, બાવો, બાવલી સહુ કોઇ છેતરાઇ રહેલ છે, પણ જાણીબૂઝીને છેતરાય તે આ વીતરાગો એકલા જ ! નાનપણથી જાણીબૂઝીને ચોગરદમથી છેતરાયા કરે, પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું, નહીં તો મારી આંખ તું વાંચી જાઉં. એ તો આંખમાં ના વાંચવા દે, આવા વીતરાગો પાકા હોય ! એ જાણે કે આનો પુદ્ગલનો વેપાર છે તે બિચારાને તો પુદ્ગલ લેવા દોને, મારે તો પુદ્ગલ આપી દેવાનું છે! લોભીઓ છે તેને લોભ લેવા દે, માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે, પોતાનો રસ્તો ના ચૂકવા દે. પોતાનો મૂળમાર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચૂકે નહીં, એવા વીતરાગ ડાહ્યા હતા. અને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે એના મોક્ષને વાંધો જ શો આવે ? ‘જ્ઞાની પુરુષ’નું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, ‘ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે

(પા.૪૦૦)

ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !’

અન્ય માર્ગમાં તે કેવી દશા !

એવો વીતરાગનો માર્ગ છે ! તેને આજે આખો રૂંધી માર્યો ! એટલે કે લોકોને ક્રિયાકાંડમાં જ ઘાલી દીધા. એમાં ઘાલનારોય કોઇ નથી, ઘાલનાર એમનાં કર્મો છે અને જે ઘલાયા છે અને મહીં પેસે છે એય એમના કર્મથી બફાય છે. સૌ સૌનાં કર્મથી બફાઇ રહ્યું છે, એમાં કોઇનો દોષ છે નહીં, પોતાનાં કર્મે કરીને જ ગૂંચાયા કર્યાં છે. આ ઘાંચીનો બળદ હોય છે તે સાંજે ચાલીસ માઇલ ચાલ્યો એવું તેને લાગ્યા કરે છે, પણ જ્યારે આંખેથી દાબડા નીકળે ત્યારે એની એ જ ઘાણી ! એવું આ લોકો ચાલ્યા કરે છે ! અનંતા લાખો માઇલ ચાલ્યા, પણ ઘાંચીના બળદની પેઠ ત્યાંના ત્યાં જ છે ! અને ત્યાં હોત તો તો સારું. ઘાંચીનો બળદ તો ત્યાંનો ત્યાં જ રહે; પણ આ તો બે પગના ચાર પગ થશે ! તેથી મારે હોંકારો કરીને બોલવું પડે છે કે, ‘અલ્યા ભાઇ ! ચેતને કંઇક, કંઇક તો ચેત ! મોક્ષની વાત તો જવા દે, પણ કંઇક સારી ગતિ તો ચાખ અને આજે ભરતક્ષેત્રમાં ગતિ સારી રાખીને શો ફાયદો કાઢવાનો ? હવે તો છઠ્ઠો આરો આવવાની તૈયારી થઇ રહી છે ! હવે કંઇ બીજા ક્ષેત્રોમાં પેસી જવાય, ક્ષેત્ર ફેરફાર થાય, એવું કંઇક કરી લે !’ ક્ષેત્ર ફેરફાર થઇ શકે છે, વીતરાગના માર્ગમાં બધાંય સાધન છે. આજે તો મહાવીર ભગવાનના, કૃષ્ણ ભગવાનના, વેદાંતનાં, બધા ધર્મોનાં શાસ્ત્રોનો બધો આધાર છે. છઠ્ઠા આરાની શરૂઆતથી જ કોઇ ધર્મનો કોઇ આધાર નહીં હોય - ખલાસ ! અઢાર હજાર વર્ષ પછી બિલકુલેય ખલાસ થઇ જશે! એવું વીતરાગોનું વર્ણન છે, મારે કંઇ જણાવવાની જરૂર નથી. હું એ તો વર્ણન કહું છું, આ મારી વાત ન હોય. મારી વાત તો ‘આ’ એમ ને એમ નીકળે છે તે, અને આ તો વીતરાગની વાત છે. ભાઇ, થોડું સમજવું પડે ને ? સમજ્યા વગર કેમ ચાલશે ?

કોઇ દહાડો તમે જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય

(પા.૪૦૧)

એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે, આ દુષમકાળનું ! જાણી જોઇને છેતરાવું એના જેવું મહાવ્રત કોઇ નથી આ કાળમાં ! સાચો માર્ગ તો મળવો જોઇએ ને ?

પ્રશ્નકર્તા : લોક ક્રિયા તરફ વિશેષ વળેલું છે.

દાદાશ્રી : સાચો માર્ગ ના મળ્યો એટલે, પણ ક્રિયા તરફ વળ્યું હોતને તોય વાંધો નહોતો કે ક્રિયાનું ફળ આવશે. કોઇ માણસે અહીં જાયફળનું બીજ રોપ્યું તો ઉપર જાયફળ આવશે તો એ દૂધપાક કે શ્રીખંડમાં નાખવા ચાલશે, પણ કંઇક રોપ્યું હશે તો ફળ આવશે. એ કંઇ ખોટું નથી, પણ એમનાં આ બધાં ટ્રીક ધ્યાન ઊભાં થયાં. બ્રેઇન ટોનિકવાળાં જે ધ્યાન ઊભાં થયાં એ સંપૂર્ણ અહિતકારી છે. એમણે જે ડબલ ટ્રીક વાપરવા માંડી, વેપાર ખાસ્સો હીરાનો કે જેમાં ભેળસેળ ના કરી શકાય તે એમાં શું કર્યું ? એકને બદલે અન્ય આપવા માંડ્યું ! તે એના કરતાં તો ભેળસેળવાળા સારા કે એકને એક હતું તેમાં બીજું નાખ્યું; ને આ તો એકને બદલે અન્ય ! આને ક્યાં પહોંચી વળાય ? કોઇની વાત નથી કરતા આપણે. કોઇ સમજુ હોય તો વાત કરવી કે ‘જ્ઞાની પુરુષ’ ચેતવાનું કહે છે. બ્રેઇન ટોનિકથી આટલું ચેતાય તો ચેતો, એ બહુ સારી વાત છે, કારણ કે બીજું તો કંઇ નહીં, પણ આ હાર્ડ રૌદ્રધ્યાન કહેવાય. આ લાકડામાંય સોફ્ટ વૂડ અને હાર્ડ વૂડ આવે છે ને તે હાર્ડ વૂડને તો રંધો મારીએ તો રંધો તૂટી જાય ! સોફ્ટ વૂડ હશે તો દીવાસળીય બને, આ તો હાર્ડ વૂડ જેવા હાર્ડ રૌદ્રધ્યાન !

સંકલ્પ-વિકલ્પ કોને કહેવાય ?

મારું એવો જ્યાં આરોપ કર્યો એ સંકલ્પ અને ‘હું’ નો જ્યાં આરોપ કર્યો એ વિકલ્પ, એ આરોપિત ભાવ કહેવાય છે. સંકલ્પ-વિકલ્પને-આરોપિત ભાવને આમ ભગવાને વીતરાગ ભાષામાં કહ્યા અને લોકભાષાને ચેકો માર્યો નથી ભગવાને. કારણ કે લોકભાષા યે ચાલવી જોઇએ ને ? લોકભાષા ઉપર ચેકો મારે તો લોક ગૂંચાયા કરે. તમારે વીતરાગ ભાષા જાણવી છે કે લોકભાષા જાણવી છે ?

(પા.૪૦૨)

પ્રશ્નકર્તા : વીતરાગ ભાષા.

દાદાશ્રી : ‘આ’ વીતરાગ ભાષા છે, એટલે કે આપણે ‘હું ચંદુભાઇ છું’ એ ગયું તો બધું ગયું. ‘હું’ પણું ઊડે અને આ પહેરણ ‘મારું’ છે એ પણ જ્યાં ‘હું’ પણ ઊડ્યું એટલે ઊડી જાય. ચંદુભાઇનું ‘હું’પણું ગયું તો ‘મારું’ પણ ઊડે - સંકલ્પેય ઊડે ! આ મનમાં જે થાય છે તેને જગત સંકલ્પ-વિકલ્પ કહે છે, જ્યારે વીતરાગોએ એને અધ્યવસાન કહ્યું. વીતરાગોએ એમની ભાષામાં જુદું લખેલું છે બધું અને એ ભાષા સમજાય તો કામની. ઝવેરી કંઇ એક પ્રકારના છે ? અહીં મુંબઇના ઝવેરી હોયને એ લાખનો હીરો લે, એ મુંબઇવાળો મદ્રાસવાળાને સવા લાખમાં વેચે, કારણ કે પેલા ઊંચામાં ઊંચા ઝવેરી. મુંબઇવાળા કરતાં મદ્રાસવાળો પાછો પેરિસમાં અઢી લાખમાં વેચે. જે મોંઘું લે તો ઝવેરી સાચો, જે મોંઘું લે ને વધારે કિંમત આપે એ સાચો ઝવેરી કહેવાય. મૂરખ ના આપે, મૂરખ તો ઓછું આપવાના પ્રયત્ન કરે કે પાંચસોમાં આપવું હોય તો આપ, નહીં તો જતો રહે ! સાચો ઝવેરી તેની કિંમત આપે.

ભૂલો ભાંગવી તે જ વીતરાગ માર્ગ

વીતરાગનો માર્ગ એટલે ભૂલો ભાંગવી તે, જ્યાંથી ત્યાંથી ભૂલો ભાંગવી અને લોકભાષામાંથી વીતરાગ ભાષામાં આવવું તે. વીતરાગોનો માર્ગ બહુ સરળ છે. જો ‘જ્ઞાની પુરુષ’ મળે ને તો મહેનત કરવાની જ ના રહી, નહીં તો મહેનતથી તો મોક્ષ કોઇ દહાડો કોઇનોય થયો નથી ને થશે નહીં. જો મહેનતથી મોક્ષ થતો હોય તો આ લોકો ક્રિયાઓ કરીને મહેનત કરે છે અને મજૂરો ઇંટો ઉપાડવાની મહેનત કરે છે - એ બન્નેય મહેનતનું જ છે ને ! મહેનતથી કોઇ દહાડો કોઇનોય મોક્ષ થયો નથી; વીતરાગતાથી મોક્ષ થયો છે. તમે જે અવસ્થામા ફસાયા હો; મહેનતુ અવસ્થામાં ફસાયા હો તોય વીતરાગતા, અગર તો આમ શાંત એક જગ્યાએ શાંત બેઠક અવસ્થામાં હો તોય પણ વીતરાગતા હશે તો મોક્ષ થશે. એકાંતમાં બેસી રહેવાથી આપણો દહાડો વળે નહીં, અગર તો મહેનત કર કર કરવાથીય દહાડો ના વળે. વીતરાગતાથી મોક્ષ થાય અને

(પા.૪૦૩)

વીતરાગતા ક્યારે આવે ? ત્યારે કહે, સંકલ્પ-વિકલ્પ જાય ત્યારે વીતરાગતા આવે. સંકલ્પ-વિકલ્પ ક્યાં જાય ? ‘જ્ઞાની પુરુષ’ પાસે, એમની કૃપા વરસે તો, એમની કૃપા ઊતરે ને કૃપાપાત્ર થાય તો સંકલ્પ-વિકલ્પ જાય, નહીં તો કરોડો અવતારે જશે નહીં. એક વિકલ્પ કાઢવા જઇશ તો બીજાં ચાર બીજ પડી જશે, એટલે નવા ચાર છોડવા ઊગ્યા ! એક છોડવો કાઢવા ગયો, તે ચાર ઊગ્યા !

આ ક્રિયાથી શું થયું કે લક્ષ્મી મળી આજે, અને બીજું બ્રેઇન ચકચકિત થયું ! કારણ કે વીતરાગોના શબ્દો વાંચ્યા છે ! વીતરાગોના શબ્દોથી ક્રિયા કરવા માંડી છે, એટલે વીતરાગ બ્રેઈન ટોનીક થી બ્રેઇન ચકચકિત થઇ ગયા. બ્રેઇન ચકચકિત થાય એટલે ટ્રીક કરતાં શીખ્યા, હાર્ડ ટ્રીક, ટ્રીક્સ. બુદ્ધિ છે તે શાના માટે છે ? ટ્રીકો કરવા કે મોક્ષે જવા ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવા માટે.

દાદાશ્રી : હંઅ. બુદ્ધિ છેતરવા માટે હોય ? અને સામાની ઓછી બુદ્ધિનો લાભ લે તો ? તો એ તો દુષ્ટ જનાવર કહેવાય છે. ભગવાને શું કહ્યું છે, આવું દુષ્ટ જનાવર ભાળ્યું નહોતું ! વર્લ્ડમાં બીજી જગ્યા યે નથી. એક આ હિન્દુસ્તાનમાં અને થોડું થોડું હિન્દુસ્તાનનો ચેપ ચીન-બીનમાં પેસી ગયો, પણ મૂળ ચેપ આ હિન્દુસ્તાનનો. આ જેમ ટી.બી. નો રોગ અમુક દેશોમાં હોય છેને તેવો આ એક જાતનો રોગ છે આ અને આ જંતુઓ છે તે એનાં જંતુઓ ફેલાય. મેં તમારી જોડે ‘ટ્રીકો’ બે-ચાર વખત કરી એટલે તમે કહો કે, ‘ટ્રીક કર્યા વગર નહીં ચાલે.’ આનાથી જંતુઓનો ફેલાવો ચાલુ થઇ જાય. ભયંકર રોગ છે આ તો ! આના જેવો બીજો રોગ નથી, હાર્ડ રૌદ્રધ્યાન છે, ચાર ગતિમાં ભટકાવી મારશે !

આનું આ જ ગયા અવતારે કરેલું ને તેનું ફળ છે આ. લક્ષ્મીજી જોડે પણ આ કરવા માંડ્યું ને ચકચકિતથી કામ લેવા માંડ્યું છે ! ‘તે બે પગથી પડી જવાતું હતું તે ચાર પગ રાખો હવે.’ એમ ભગવાન કહે છે ! અમારે મોઢે કહેવું પડે છે એ સારું દેખાય ? ‘જ્ઞાની પુરુષ’ને મોઢે કહેવું પડે કે, ‘બે પગવાળાને ચાર પગ થશે !’ પણ ચેતવા માટે લાલ વાવટો

(પા.૪૦૪)

ધરીએ છીએ કે આગળ ગાડી ના જવા દેશો, મોટો પુલ તૂટી પડ્યો છે ! કરૂણા આવે છે ‘જ્ઞાની પુરુષ’ને ! એમને દ્વેષ ના હોય, પણ કરૂણા આવે. આટલે સુધી ચઢ્યો, વીતરાગોની પાસે અમરપદ માગું એટલી તારામાં શક્તિ છે; પણ માર્ગ રૂંધાયો તેને લીધે આ બધું ઉત્પન્ન થયું. માર્ગ તો રૂંધાય, બેસીય રહેવું પડે. તમને ગમે છે કે અમારી વાત કડક પડે છે ?

પ્રશ્નકર્તા : દાદા, બહુ ગમે છે આપની વાત.

દાદાશ્રી : મહીં જે બેઠા છે તે ભગવાન છે, ‘આ તો ખોખું’ છે. પુદ્ગલ ભગવાન ના હોય અને પૌદ્ગલિક ભાવ એય ભગવાન ના હોય. ભગવાન તો ભગવાન જ છે, જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદી. એમની પાસે આપણી સર્વ કામના પૂરી થાય અને મોક્ષની કામના પણ પૂરી થાય. ઇચ્છાઓ જે થોડી ઘણી ભરાઇ રહેલી હોય તેય પૂરી થઇ જાય. ઇચ્છા પૂરી કર્યા વગર ત્યાં મોક્ષમાં પેસવા નહીં દે, ત્યાં તો મોઢા ઉપર દિવેલ હોય તેને પેસવા નથી દેતા ! મોઢા ઉપર દિવેલ બહાર જોવામાં આવે છે કે નથી આવતું ? કોઇના મોઢા ઉપર દિવેલ કંઇ ચોપડે છે લોકો ? ના, એ તો એમને એમ મહીં કઢાપો-અંજપો થાય છે ને તેથી દિવેલિયાં થાય છે ! અને પેલી ચાલાકી ? બ્રેઇનની ચાલાકી ? કેવી ચાલાકી કે આવાં તેવાં તો હિસાબમાં જ ના હોય ! સરળ માણસો તો તેના હિસાબમાં જ ના હોય ને ! કેટલી બધી ચાલાકી !

તરણતારણ જ તારે

મૂળ મોક્ષમાર્ગને જાણવો જોઇએ, મોક્ષમાર્ગના દાતા જોઇએ અને તે તરણતારણ હોવા જોઇએ. પોતે તર્યા હોય તો આપણને તારે, નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય અને આપણો દી’ વળે નહીં. પોતે દાતા પુરુષ હોય તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય, લેવા માટે ના આવ્યા હોય ! જે મોક્ષનું દાન લેવા આવ્યા હોય તે આપણને શું આપે ? દાન લેવા આવનારો દાન આપે ખરો ? મોક્ષનું દાન આપવા આવ્યા છે એવાં ‘જ્ઞાની પુરુષ’ પાસે આપણું કામ થાય, મોક્ષદાતા પુરુષ અને જેની પાસે સ્ટોકમાં મોક્ષ છે અને પોતે મોક્ષસ્વરૂપ થયેલા છે તે જ આપણને મોક્ષદાન દઇ શકે.

(પા.૪૦૫)

જગત આખું કેમ વીતરાગતાને સમજે, કેમ વીતરાગ માર્ગને પામે? ભલે મોક્ષ ના પામે, પણ વીતરાગ માર્ગને પામો. એક માઇલ ચાલો, પણ વીતરાગ માર્ગમાં ચાલો. જે ધર્મ પકડ્યો હોય તે ધર્મના જેટલા વીતરાગ માઇલ હોય તેમાં એક માઇલ તો એક માઇલ, પણ વીતરાગ માઇલમાં ચાલો ! એટલું જ ‘જ્ઞાની પુરુષ’ કહે છે.

આ પુસ્તક તો હીરા જેવાં છે. કાચના ઇમિટેશન હીરા અને સાચા હીરા બધું ભેળસેળ પડ્યું હોય, એના જેવાં આ શાસ્ત્રો છે. એમાંથી કો’ક ઝવેરી હોય તો એકાદ પુસ્તકને ઓળખતા આવડે. પણ અત્યારે કોઇ ઝવેરી રહ્યો નથી, જે રહ્યા સહ્યા હોયને ઝવેરી તે કો’ક જ રહ્યા હોય, બાકી ઝવેરીપણું રહ્યું નથી. ઝવેરાતપણું જ ગયું છે આખું, એટલે ઝવેરીપણું ગયું છે ! શાસ્ત્રો તો શું કરે ? શાસ્ત્રો તો માર્ગદર્શન આપે છે કે, ગો ટુ જ્ઞાની. કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે, વાણીથી બોલી શકાય એવો એ નથી, એનું વર્ણન થઇ શકે એવું નથી.

વીતરાગ ધર્મ

વીતરાગ ધર્મ એટલે શું ? વીતરાગ ધર્મ કોને કહેવાય ? જ્યાં નિર્વિવાદિતા છે ત્યાં વીતરાગ ધર્મ છે. વીતરાગ ધર્મ હોય ત્યાં વાદ ઉપર વિવાદ પણ ના હોય, પ્રતિવાદ પણ ના હોય. આપણે અહીં બાર વર્ષથી આ પ્રવચન ચાલ્યા કરે છે, પણ વિવાદ કોઇએ કર્યો નથી અત્યાર સુધીમાં! કારણ કે સ્યાદ્વાદ વાણીમાં વિવાદ શો ? મુસ્લિમ પણ કબૂલ કરે, યુરોપિયન પણ કબૂલ કરે, બધાંને કબૂલ કર્યે જ છૂટકો, ને તે ના કબૂલ કરે તો આપણે સમજીએ કે એ એની આડાઇ છે. જાણી જોઇને કરો છો આ તમે અને એ તો કરે જ, માણસમાં અહંકાર હોય ને આડાઇ કરવી એ તો મૂળથી સ્વભાવ છે ને ?

હવે વીતરાગ માર્ગનો ઉદ્વાર થવા બેઠો છે. વીતરાગ તો પોતે વીતરાગ હતા, પણ એમના માર્ગનો ઉદ્વાર થાય ને ? બહુ દહાડા, ક્યાં સુધી એ માર્ગ ઉપર ધૂળ પડી રહે ? સાચો હીરો એક દહાડો બહાર નીકળ્યા વગર રહે છે કાંઇ ? કૃષ્ણ ભગવાને પણ કહ્યું, ‘વીતરાગ માર્ગ નિર્ભય માર્ગ છે, મોક્ષમાર્ગ છે.’ કૃષ્ણ ભગવાને કેવું સુંદર કહ્યું છે !

(પા.૪૦૬)

જગતમાં ક્રાંતિ કાળ વર્તે

પ્રશ્નકર્તા : આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી, એ વેસ્ટર્ન ડીક્ટેશનથી ચાલે છે.

દાદાશ્રી : સંસ્કૃતિનો નાશ કરવા ફરે છે ને તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે; એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે. હું જાણી ગયો છું કે દહાડાનો કે આ લેબરર્સ બહારથી આવી રહ્યા છે. જો કે, આપણે એને એન્કરેજ કરવાનું ના હોય, પણ અંદરખાને આપણે સમજી જવું કે, આ તો મફતમાં લેબરર્સ મળી રહ્યા છે ! જૂનું પુરાણું આવી રીતે પડી જશે ત્યારે જ નવું રચાશે !

આ ફોરેનવાળા કેટલા બધા સુધરી ગયા છે (!) તે એમને ઊંઘની ગોળી ખાય ત્યારે ઊંઘ આવે ! અલ્યા, તમારી નિદ્રા ક્યાં ગઇ ? એના કરતાં તો અમારાં અહીનાં સારાં કે નિરાંતે ઊંઘી જાય છે. તમે તમારા દેશમાં આખા વર્લ્ડનું સોનું અને લક્ષ્મી લઇને બેઠા છો, તોય વીસ-વીસ ગોળી ખાઇને ઊંઘવાનું ! આ તમારું શું છે ? એક ફોરેનનો સાયન્ટિસ્ટ અમને મળેલો, તેમને અમે આ વાત કરેલી. તેણે પૂછયું કે, ‘આમાં અમારી ભૂલ શામાં રહી છે ?’ ત્યારે મેં કહ્યું ‘આ જે તમારું ભૌતિક વિજ્ઞાન છે તે એબોવ નોર્મલનું પોઇઝન થઇ ગયું છે, બધું ઝેરી થઇ ગયું છે. બીલો નોર્મલ ઇઝ ધી પોઇઝન, એબોવ નોર્મલ ઇઝ ધી પોઇઝન; નોર્માલિટી ઇઝ ધી રીયલ લાઇફ.’

વીતરાગ માર્ગ એવું કહે છે કે, જે થાય છે એ વીતરાગ માર્ગના પુષ્ટિનાં કારણો છે. અત્યારે જે બધું થઇ રહ્યું છે એ વીતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે.

પ્રશ્નકર્તા : એ થાય છે, તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે.

દાદાશ્રી : અમને જરાય પણ રાગ-દ્વેષ થતા નથી. અમને તરત જ સમજાય કે આ શું કરી રહ્યા છે ! આ ઉપાશ્રયમાં શું કરી રહ્યા છે ?

(પા.૪૦૭)

વીતરાગની પુષ્ટિ ! વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય ? કે જ્યાં ચંચળતાનો નાશ થઇ જાય. સાત્વિકતાની હદ હોય છે, સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઇ જવી જોઇએ. એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય છે તે ઇમોશનલ નથી હોતો, મોશનમાં રહે છે. એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલાં વધારે ચંચળતાવાળો માણસ પા કલાકમાં એટલાં બાંધી લે ! એટલે આ બધું વીતરાગ ધર્મનું પોષણ થઇ રહ્યું છે. જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને, એથી વીતરાગ ધર્મનું જ પોષણ થઇ રહ્યું છે, બધું જ !

મને આ પ્રશ્ન ૧૯૨૮માં ઊભો થયો હતો. ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે, ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની ?’ પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઇ સત્તા છે આપણી પાસે ? કોઇ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે.’ એટલે પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?’ તે દહાડે અમને જ્ઞાન નહોતું, જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું, ૧૯૫૮માં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ? કંઇ અજ્ઞાન કોઇએ લઇ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને? પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે, ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા.

આજે વીતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે. એક જગ્યાએ નહીં, આખા વર્લ્ડમાં કામ થઇ રહ્યું છે, આ બધા વીતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્યા છે અને પોતાનું સત્યાનાશ વાળી રહ્યા છે !

આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે, ‘આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે.’ મેં કહ્યું, ‘સાહેબ, આપના ઘેર

(પા.૪૦૮)

બગડી જશે, જો જો કદી પેલી છોડીઓ તમારી રખડતી ના થઇ જાય.’ કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટરો પડી હોય, તેમાંથી એક સાહેબ લઇને હેંડ્યા એટલે એક શેઠાણી આમ લઇને હેંડ્યા ને છોડીઓ આમ જશે, ભેલાઇ જશે, તારું ભેલાઇ જશે. આ હિન્દુસ્તાનનો તો ભેલાડનારો કોઇ પાક્યો જ નથી, આ હિન્દુસ્તાન તો વીતરાગનો દેશ છે, ઋષિમુનિઓનો દેશ છે, એનું કોઇ નામ દેનારો નથી. જે દેશમાં કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે, જે દેશમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો અને ૯ બળરામ પાકેલા છે ત્યાં ખોટ શી હોય?

ક્રમિક માર્ગમાં નકલ ચાલી શકે, પણ ‘આ’ અક્રમ માર્ગ છે ! ઓચિંતો જ દીવો સળગ્યો છે, માટે તું તારો દીવો સળગાવી જા. પછી જેટલી ગાંઠો હોય તે ગાંઠો કેવી રીતે કાઢવી તે હું તને દેખાડું; પણ પહેલાં તું પુરુષ બની જા, પ્રકૃતિરૂપે તારો શક્કરવાર વળે નહીં. મનુષ્યો શા રૂપે છે ? જ્યાં સુધી ‘સ્વરૂપનું ભાન’ ના થાય ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપે છે અને જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચ છે અને પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે, ‘મેં કર્યું.’ એનું નામ તે ગર્વ કહેવાય.

(પા.૪૦૯)

ભક્ત - ભક્તિ - ભગવાન

કૃષ્ણ ભગવાને ચાર જાતના ભક્ત કહ્યા : અભક્તોના પ્રકાર તો પાર વગરના છે ! એટલે આપણે અહીં ભક્તોના જ પ્રકાર જોઇએ :

(૧) આર્તભક્ત : દુઃખ આવે ત્યારે જ ભગવાનને સંભારે, સુખમાં ના સંભારે. પોતાના પગે દુખતું હોય ત્યારે ‘હે ભગવાન ! હે ભગવાન!’ કરે, ‘દયા કરો, દયા કરો’ કહે. ત્યારે ભગવાન સમજી જાય કે, આ તો દુઃખનો માર્યો મને યાદ કરે છે. આવા ભગતો ઠેર ઠેર જોવા મળે.

(૨) અર્થાર્થી ભક્ત : એ સ્વાર્થી ભક્ત, એટલે મતલબી ભગત, ‘મારે ત્યાં છોકરો આવશે તો આમ કરીશ.’ કહે તે, ભગવાન પાસે માગે. અર્થાર્થીનો અર્થ નથી જાણતા તેથી જ તે કહે છે કે, ‘હું અર્થાર્થી છું.’

(૩) જિજ્ઞાસુ ભક્ત : ભગવાનનાં દર્શન કરવાં, ભગવાનનાં દર્શનની તાલાવેલી લાગે, તે જિજ્ઞાસુ ભક્ત.

(૪) જ્ઞાની ભક્ત : તે તો ‘હું’ જાતે જ એક છું.

ભગવાને કહ્યું કે, ‘જ્ઞાની એ જ મારો પ્રત્યક્ષ આત્મા છે. એ તો પોતાનાં પાપકર્મોનો ગોટો વાળી બાળી મેલે અને સામેવાળાનાં પાપોને પણ પોતે ગોટો વાળી બાળી મેલે ! તેવા ‘અમે’ જાતે ‘જ્ઞાની પુરુષ’ છીએ!

આ ચાર ભક્તોમાં જિજ્ઞાસુ ભક્ત કામ કાઢી લે. આથી પાંચમો પ્રકાર ભક્તનો નથી. અભક્તો તો ભગવાન હાજર થાય તો તેમનું શાક કરીને ખાય તેવા છે ! કારણ કે બહુ બાધા-આખડી રાખી હોય, તે તેમાંનું એકેય વળે નહીં એટલે પછી તો ભગવાનનું શાક કરી ખાય તેવા છે!

પ્રશ્નકર્તા : દાદા, આ ભાઇ તો ભગત માણસ છે.

(પા.૪૧૦)

દાદાશ્રી : ક્યાં સુધી ભગત રહેવું છે ? જન્મોજન્મ સુધી ભગત જ રહે અને જો કોઇ અવતારમાં ભૂલ-થાપ ખાધી ને ભગતોમાંય કોઇ કુસંગ મળી ગયો તો ? કેન્ટિનમાં લઇ જાય; અને એ જ ફસામણ છે!

જ્યાં સુધી જ્ઞાની ના મળે ત્યાં સુધી ભક્તિ માગવી ને જ્ઞાની મળે તો એમની પાસે મોક્ષ માગવો, જ્ઞાની કાયમી ઉકેલ લાવી આપે. ભગતો ભગવાનને શા માટે સંભારે છે ? ત્યારે કહે, આત્મજ્ઞાન માટે. પણ આત્મજ્ઞાન એ તો તારું પોતાનું જ સ્વરૂપ છે, પણ તેનું તને ભાન નથી ને ? જગતમાં તો બધે ’તુંહી તુંહી’ ગાય છે તે ભગત અને ભગવાન જુદા ગણે. અલ્યા એક ફેર ‘હું...હી હું હીં’ ગાને ! તોય તારું કલ્યાણ થઇ જાય. ‘તુંહી તુંહી’ ગાય તો ક્યારે પાર આવે ? પણ લોકો ‘તુંહી તુંહી’ શાને માટે ગાય છે ? વ્યગ્રતામાં ‘તું’ હતું તે હવે ‘તારા’ એકમાં એકાગ્ર થયું છે, એવું ‘તું’ ગાય છે; પણ આ ‘તુંહી’ ગાવાથી કશું વળે નહીં, ‘હુંહી’નું કામ થાય, ‘તુંહી’ માં ‘તું’ ને ‘હું’નો ભેદ રહે, તે ઠેઠ સુધી ભગત ને ભગવાન બે જુદા જ રહે; જ્યારે ‘હુંહી’માં અભેદતા રહે, ‘પોતે’ જ પરમાત્મા સ્વરૂપ થઇ જાય !

કેટલાક ‘તત્વમસિ’ એવું ગાય છે, એટલે ‘તે હું છું’. પણ ‘તે’ કોણ, તે ભગવાન જાણે ! ‘તે’નું સ્વરૂપ જ સમજાયું ના હોય ને ‘તત્વમસિ, તત્વમસિ’ ગા, ગા કરે તે કશું ના વળે. બધે જ ‘હું...હી હુંહી’ દેખાય ત્યારે કામ થાય !

ભગતોએ કહ્યું કે, ‘બધાંમાં ભગવાન જો, પણ તે સાઇકોલોજિકલ ઇફેક્ટ છે. એવી ટેવ પાડી હોય કે બધાંમાં ભગવાન જોવાના તે દેખાય; પણ જરા સળી કરે તો ક્રોધ, માન, માયા, લોભ ઊભાં થઇ જાય. આ ભગતો કોઇ એક છાંટો પામ્યા નથી એવું તમે મહાત્માઓ પામ્યા છો! આ ગજબનું જ્ઞાન છે ! આ તો સાયન્સ છે ! સાયન્ટિફિક રીતે આત્મા પામ્યા એટલે બધે આત્મા જોઇ શકો. ભગતોએ ‘તુંહી તુંહી’ ગાયેલું અને તમને જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન ‘હુંહી’નું છે. ‘તુંહી’માં ભગત ને ભગવાન એ ભેદ રહે. ભેદબુદ્ધિ રહે એમાં નવું શું ? અખો ભગત કહી ગયો કે ‘જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી.’

(પા.૪૧૧)

જો એ જીવ અને શિવનો ભેદ તૂટે તો પરમાત્મા થાય, અભેદ બુદ્ધિ થાય તો કામ થાય.

વ્યવહારમાં - ભગત અને જ્ઞાની

‘તુંહી તુંહી’થી સંસાર છે. મોટા મોટા ભગતો બધા આરોપિત જગ્યાએ છે, માટે આકુળતા-વ્યાકુળતા રહે; અને ‘સ્વ’માં રહે તો સ્વસ્થતા હોય, આકુળતા-વ્યાકુળતા ના રહે, નિરાકુળતા રહે. ભગતો ખુશમાં આવે તો ગેલમાં આવી જાય ને દુઃખમાં ડીપ્રેસ થઇ જાય. આ ભગતો જગતની દ્રષ્ટિએ ગાંડા કહેવાય, ક્યારે ગાંડું કાઢે એ કહેવાય નહીં. નરસિંહ મહેતાનાં મહેતાણી જવાનાં થયાં ત્યારે હરિજનવાસમાંથી ભજનો ગાવા માટે બોલવવા આવ્યા તો તે ગયા, અને આખી રાત કીર્તન, ભક્તિ, ભજનો ગાયાં. એક જણ સવારે આવ્યો ને કહે, ‘મહેતાણી ગયાં.’ તો મહેતાએ ગાવા માંડ્યું,

‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ.’

પણ આ લૌકિક ના કરવું પડે ? કરવું જોઇએ, પણ આ તો ગાંડાં કાઢે. જ્યારે ‘જ્ઞાની પુરુષ’ વ્યવહારમાં કોઇ જગ્યાએ કાચા ના પડે, લૌકિકમાંય એક્ઝેક્ટ ડ્રામા કરે. ડ્રામામાં ક્યાંય ના ચૂકે તેનું નામ જ્ઞાની! જ્યાં, જે વખતે, જે ડ્રામા કરવાનો હોય તે ‘અમે’ સંપૂર્ણ અભિનય સહિત કરીએ. આ અમે કામ ઉપર જઇએ ત્યાં બધા કહે કે, ‘શેઠ આવ્યા, શેઠ આવ્યા.’ તે ત્યાં અમે શેઠનો ડ્રામા કરીએ. મોસાળમાં જઇએ તો ત્યાં બધા કહે કે, ‘ભાણાભાઇ આવ્યા.’ તે ત્યાં અમે ભાણાભાઇનો ડ્રામા કરીએ. ગાડીમાં અમને પૂછે કે, ‘તમે કોણ ?’ તો અમે કહીએ કે, ‘પેસેન્જર છીએ.’ અહીં સત્સંગમાં આવીએ ત્યારે ‘જ્ઞાની પુરુષ’નો વેશ ભજવીએ અને જાનમાં જઇએ તો જાનૈયા થઇએ ને સ્મશાનમાં જઇએ તો ડાઘુ થઇએ. પછી એ ડ્રામામાં જરાય ફેરફાર ના હોય, એક્ઝેક્ટ અભિનય હોય. ડ્રામામાં કાચા પડે એ જ્ઞાની ન્હોય. ગાડીમાં ટિકિટચેકર ટિકિટ માગે તો ત્યાં અમારાથી ઓછું કહેવાય કે, ‘‘અમે ‘જ્ઞાની પુરુષ’ છીએ, ‘દાદા ભગવાન’ છીએ ?’’ ત્યાં તો પેસેન્જર જ. અને જો ટિકિટ પડી ગઇ હોય

(પા.૪૧૨)

તો ચેકરને કહેવું પડે કે, ‘ભાઇ, ટિકિટ લીધી હતી પણ પડી ગઇ, તે તારે જે દંડ કરવાનો હોય તે કર.’ ભગતો ધૂની હોય. ધૂન શબ્દ ‘ધ્યાની’ પરથી થયો. ધ્યાનીનું અપભ્રંશ થઇ ગયું તે ધૂની થઇ ગયું ! એક જ બાજુ ધ્યાન તે ધ્યાની. એક ધ્યાનમાં પડી જાય એટલે ધૂન લાગી કહેવાય, તે ધૂની થઇ જાય. એક અવસ્થા ઉત્પન્ન થઇ પછી તેમાં ને તેમાં ભમ્યા કરે, તેને ધૂની કહે છે. ધૂની તો ‘પોતાના સ્વરૂપ’માં થવા જેવું છે, તેથી ધ્યાતા, ધ્યેય ને ધ્યાન એક થાય !

પ્રશ્નકર્તા : આ વિમ્ઝિકલ કહે એ ધૂની જ કે ?

દાદાશ્રી : એ ધૂનીના પીતરાઇ થાય. ધૂનીને પૈસાની પડેલી ના હોય. અમારી પાસે ધૂની આવે તેનું કામ જ નીકળી જાય. ધૂનીને સંસારમાં લોકો સુખ પડવા ના દે, ગોદા માર માર કરે. ભગતોને બિચારાને સુખ ના મળે, લોકો તેમને ગોદા માર માર કરે, ભગતોને લોકોનો બહુ માર પડે. કબીરજીએ બિચારાએ બહુ વાર લોકોનો માર ખાધેલો. એક વાર દિલ્હીમાં બબલો ને બબલી જોડે ફરે ને બચ્ચું કેડે રાખીને ફરે, તે કબીરજીને બહુ દયા આવી કે આ શી રીતે જીવે છે ? એટલે એ એક ઊંચી ટેકરી ઉપર ચઢ્યા ને મોટે મોટેથી ગાવા માંડ્યું -

‘ઊંચા ચઢ પુકારીઆ, બૂમત મારી બહોત,

ચેતનહારા ચેતજો, શીરપે આયી મોત.’

માથા પર મોત આવ્યું છે ને આ બાબાને ને બેબીને બગલમાં ઘાલીને ક્યાં ઘૂમો છો ? તે બીબી ને બીબીના ધણીએ અને બીજાઓએ ઊભા રહીને જોયું કે, ‘યહ ગાંડીઆ ક્યા બોલતા હૈ ?’ તે પછી બધાએ એને ખૂબ માર્યો ! કબીરજી તો સાચા ભક્ત અને ચોખ્ખા માણસ, એટલે મારેય બહુ ખાધેલો. સાચા ભક્ત તો કો’ક જ હોય.

ચોખ્ખેચોખ્ખું ના બોલાય. વાણી કેવી હોવી જોઇએ ? હિત, મિત, પ્રિય ને સત્ય - આ ચાર ગુણાકારવાળી હોવી જોઇએ. ગમે તેટલી સત્ય વાણી હોય, પણ તે જો સામાને પ્રિય ના હોય તો તે વાણી શા કામની? આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારેય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની

(પા.૪૧૩)

પુરુષ’ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું’ હોય જ નહીં, જો ‘પોતાપણું’ હોય તો તે જ્ઞાની ના હોય.

કબીરજી એક દિવસે સાંજે દિલ્હીમાં ફરવા નીકળ્યા. રસ્તામાં બહુ ભીડ હતી તે જોઇને તે ગાવા માંડ્યા,

‘માણસ ખોજત મૈં ફીરા, માણસ કા બડા સુકાલ,

જાકો દેખી દિલ ઠરે, તાકો પરિયો દુકાલ.’

માણસો તો ઘણા છે, પણ દિલ ઠરે એવો ના હોય ને ? દિલ ઠરે એવો માણસ તો સમુદ્રની સપાટી ઉપર હોતો હશે ? એ તો દરિયામાં પાંચ ફૂટ નીચે હોય ! ઉપર ખોળે તો ક્યાંથી જડે ?

એક વખત, એક રાજા બહુ ઉદાર હતા. એક દહાડો મહેલમાંથી બહાર આવ્યા ને તેમણે ઘણા માણસો જોયા. પ્રધાનને પૂછયું કે, ‘આ લોકો કેમ આવ્યા છે ?’ પ્રધાન કહે કે, ‘આ લોકો ભૂખ્યા છે તેથી ખાવાનું માગવા આવ્યા છે.’ રાજાએ કહ્યું કે, ‘તો પછી રોજ આ માણસોને ખાવાનું આપો.’ ધીરે ધીરે માણસે માણસે વાત પહોંચતી થઇ ગઇ ને ટોળે ટોળાં રોજ રાજાને ત્યાં જમવા આવવા માંડ્યા. પ્રધાન તો વિચારમાં પડી ગયો કે, ‘આ ફસામણ થઇ. રોજ હજારો માણસો આવે છે, તે શી રીતે પોષાય ?’ તેમણે એક યુક્તિ ખોળી કાઢી ને રાજાની પરવાનગી લીધી. પછી જાહેર કર્યું કે, ‘આવતી કાલે રોજ જે ભક્તો જમવા આવે છે, રાજા તેમનું ‘ભક્તતેલ’ કાઢવાના છે તો બધા જરૂરથી આવજો.’ તે બીજે દહાડે બે જ જણ આવ્યા. પોતાનું તેલ કઢાવવા કોણ આવે ? બે સાચા ભક્ત હતા તે આવ્યા.

બહેન, તમારે મોક્ષ જોઇએ છે કે બીજું કશું જોઇએ છે ?

પ્રશ્નકર્તા : મોક્ષ કરતાં ભક્તિ કરવાની મળે તો સારું.

દાદાશ્રી : તમે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો, તે ભગવાનને ઓળખો છો ? એ ભગવાન કઇ પોળમાં રહે છે ? કેટલા ઊંચા હશે ?

(પા.૪૧૪)

તેમને કેટલાં છોકરાં છે ? તેમની માનું બારમું કર્યું છે કે નહીં, તે તમે જાણો છો ?

પ્રશ્નકર્તા : ભક્તિ કરીએ તો જ સાક્ષાત્કાર થાય ને ?

દાદાશ્રી : અનંત અવતારથી તમે છો, કયા અવતારમાં તમે ભક્તિ નહીં કરી હોય ? ભક્તિ અનંત અવતારથી ભગવાનને ઓળખ્યા વગરની પરોક્ષ ભક્તિ કરી, તેનાથી કંઇ જ મળે નહીં ને જાત્રાઓમાં ભટકવું પડે, તે શું ભગવાન ત્યાં બેસી રહ્યા હશે ?

આખું જગત ગૂંચાયેલું છે. બાવા, બાવલી, સાધુ, સંન્યાસીઓ બધા જ ગૂંચાયેલા છે, તેવાં કેટલાય ગલીઓમાં ભટક ભટક કરે છે, કોઇ હિમાલયમાં, તો કોઇ જંગલમાં ભટકે છે, પણ ભગવાન તો ‘જ્ઞાની’ પાસે જ છે. બીજે જ્યાં જશો ત્યાં ડખો, ડખો ને ડખો જ છે. મનુષ્યના અવતારમાં જ્ઞાની પાસે આત્મા ના જાણ્યો તો બીજે બધે ડખો છે. તમારે જે કંઇ પૂછવું હોય તે પૂછજો, અહીં આ છેલ્લા સ્ટેશનની વાત છે.

ભક્તિ અને મુક્તિ

પ્રશ્નકર્તા : મુક્તિ માટે ભક્તિ કરવી ?

દાદાશ્રી : ભક્તિ તો મુક્તિમાર્ગનાં સાધનો મેળવી આપે. ભક્તિ કરીએ એટલે મુક્તિ માટેનાં સાધનો મળે. વીતરાગની ભક્તિ એકલી મુક્તિ માટે થાય. કોઇ પણ ચીજનો જે ભિખારી હોય તેનો મોક્ષ માટેનો સત્સંગ કામનો નહીં. દેવગતિ માટે એવો સત્સંગ કામ આવે, પણ મોક્ષ માટે તો જે કશાનો ભિખારી નથી તેમનો સત્સંગ કરવો જોઇએ. ભગતને ભાગે શું ? ઘંટડી વગાડવાની ને પરસાદ જમવાનો. આ તો પોતે ભગવાનના ફોટાની ભક્તિ કરે, આ કેવું છે ? કે જેની ભક્તિ કરે તેવો થઇ જાય ! આરસપહાણની ભક્તિ કરે તો આરસપહાણ થઇ જાય ને કાળા પથ્થરની ભક્તિ કરે તો કાળો પથ્થર થઇ જાય, ફોટાની ભક્તિ કરે તો ફોટારૂપ બની જાય ને આ ‘દાદા’ની ભક્તિ કરે તો ‘દાદા’ જેવો થઇ જાય ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરો તેવો થાય.

(પા.૪૧૫)

ભક્તિ એ તો ભગવાન અને ભક્તનો સંબંધ બતાવે છે. જ્યાં સુધી ભગવાન હોય ત્યાં સુધી ચેલા હોય, ભગવાન અને ભક્ત જુદા હોય. આપણે અહીં કરીએ તે ભક્તિ ના કહેવાય, તે નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસન ભક્તિ કરતાં ઊંચું ગણાય. નિદિધ્યાસનમાં એક રૂપ જ રહે, એકરૂપ જ થઇ જાય તે વખતે; જ્યારે ભક્તિમાં તો કંઇ કેટલાય અવતારો ભક્તિ કર કર કરે તોય ઠેકાણું ના પડે !

આ કોમ્પ્યુટરને ભગવાન માની તેને ખોળવા જશો તો સાચા ભગવાન રહી જશે. ભક્તિ તો પોતાનાથી ઊંચાની જ કરને ! તેના ગુણ સાંભળ્યા વિના ભક્તિ થાય જ નહીં. પણ આ કરે છે તે પ્રાકૃત ગુણોની જ ભક્તિ છે, તે ત્યાં તો ચડસ ના હોય તો ભક્તિ કરી જ ના શકે. ચડસ સિવાય ભક્તિ જ ના હોય.

નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ ગુણાકારની ભક્તિ હોય. કેટલાક સ્થાપના ભક્તિ કરે, ભગવાનનો ફોટો મૂકે ને ભક્તિ કરે તે; અને ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ એટલે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેયના ગુણાકાર હોય ત્યારે થાય.

પ્રશ્નકર્તા : ભક્તિ અને શ્રદ્ધામાં ફેર ખરો ?

દાદાશ્રી : ભક્તિમાં તું શું સમજ્યો ? હું ખાઉં છું એ ભક્તિ કહેવાય ?

પ્રશ્નકર્તા : ના. આરાધના કરીએ એ ભક્તિ ને ?

દાદાશ્રી : પુસ્તક વાંચતાં વાંચતાં જેના વાક્ય પર શ્રદ્ધા બેસે, કૃષ્ણના વાક્ય પર શ્રદ્ધા બેસે તો કૃષ્ણની ભક્તિ થાય. જેના વાક્ય જોડે એડજસ્ટમેન્ટ થાય તેના પર શ્રદ્ધા બેસે, પછી તેની ભક્તિ થાય. બીજાનાં વાક્ય પર પણ શ્રદ્ધા બેસી જાય તો પહેલાનાં જોડે એડજસ્ટમેન્ટ ના થાય, તે શ્રદ્ધા ડગમગે ખરી. અહીં તો નિશ્ચયપૂર્વક શ્રદ્ધા એ પ્રતીતિ કહેવાય.

આરાધના - વિરાધના

પ્રશ્નકર્તા : આરાધના શું કહેવાય ?

(પા.૪૧૬)

દાદાશ્રી : વિરાધના ક્યાં સુધી કહેવાય છે કે, કોઇનું મન દુભવવું એ, તેનાથી અવળું કરે એ આરાધના કહેવાય. જગતમાં થાય છે, એ તો અપરાધ થાય છે. આરાધના એ ઉત્તર હોય તો વિરાધના એ દક્ષિણ છે. આરાધના થઇ એટલે ત્યાં રાધા આવી અને એટલે ત્યાં કૃષ્ણ હોય જ !

પ્રશ્નકર્તા : દાદા નિરંતર યાદ રહે છે એ શું ?

દાદાશ્રી : એ નિદિધ્યાસન કહેવાય. નિદિધ્યાસનથી તે રૂપ થાય અને એની બધી શક્તિ પોતાને પ્રાપ્ત થાય. આ શ્રવણ અને મનનથી નિદિધ્યાસન વધતું જાય.

પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ?

દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય.

પ્રશ્નકર્તા : એ કઇ રીતે થાય, દાદા ?

દાદાશ્રી : તંતે ચઢ્યો હોય તો એ અપરાધ કરી બેસે, જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાને કહેવું પડે કે, ‘ભાઇ, તું તો ગાંડો છે, અમથો પાવર લઇને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું ક્યાં, કેવો છે ? તું તો ચક્કર છે.’ આ તો આપણે ઉપાય કરવો પડે, પ્લસ અને માઇનસ કરવું પડે. એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ.

પ્રશ્નકર્તા : અપરાધ થઇ જાય એ શાનાથી ધોવાય ?

(પા.૪૧૭)

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ પાસે આંખમાં પાણી આવી જાય તો અપરાધ મટી જાય.

પ્રશ્નકર્તા : એ શાને આધીન છે ?

દાદાશ્રી : એ આધીન નહીં જોવાનું, એ બધું નિમિત્તાધીન છે. રડવાથી હલકાપણું આવી જાય.

પ્રશ્નકર્તા : અપરાધ કરતી વખતે જરાય ખ્યાલ નથી આવતો તે શાથી ?

દાદાશ્રી : એ બહુ ભારે ધોધ જેવું છે તેથી.

નિયમમાં પોલ ન મરાય

આ મહારાજો ત્રણ દાંડી મૂકીને માળા ફેરવ ફેરવ કરે છે. કેટલા અવતાર થયા તોય તમે આ લાકડાની માળા ફેરવો છો ? શું મહીં ચેતનમાળા નથી ? આ તો ‘નાસ મણકા, મણકો આવ્યો, નાસ મણકા, મણકો આવ્યો’ - એવું કર્યા કરે ! અલ્યા, આવું કેમ કરો છો ? ત્યારે તે કહેશે કે, ‘આવું તો અમારા ગુરુ પણ કરતા હતા, તેથી અમે પણ એવું જ કરીએ છીએ.’

આ કોઇ એ નિયમ લીધો હોય કે રોજ ચાલીસ માળા ફેરવવી છે અને ઉતાવળ હોય તો જેની પાસે નિયમ લીધો હોય તેની પાસે માફી માગીને કહેવું કે, ‘આજે તો પાંત્રીસ જ ફેરવાશે, તો પાંચ માળા માટે માફી આપજો.’ તો એ ચાલે, પણ આ તો ઉતાવળે ઉતાવળે ચાળીસ ગણી નાખે. અલ્યા, માળા ગણવી હોય તો એકડા પછી તગડો ને તગડા પછી સાતડો એવું તે ચાલતું હશે ? ના ચાલે. ચિત્તને બાંધવા માટે માળા ફેરવવી એ બધા ધર્મોમાં છે, મુસ્લિમમાં પણ છે. આ તો માળા ક્યાં સુધી ફેરવવાની હોય ? કે જ્યાં સુધી ચિત્તની માળા ફરવા લાગી નથી ત્યાં સુધી અને ચિત્તની માળા ફરવા લાગી એટલે લાકડાની માળાને ફેરવવાની જરૂર નથી. આ તમને જ્ઞાન આપ્યા પછી ‘શુદ્ધાત્મા’ની માળા ફરે છે, માટે હવે બીજી કોઇ માળાની જરૂર નથી, આ તો અજપાજાપ ચાલુ થઇ ગયા. ‘શુદ્ધાત્મા’ના

(પા.૪૧૮)

અજપાજાપ ચાલુ થઇ જાય એટલે કામ થઇ ગયું ! પછી પ્રકૃતિમાં જે માલ હોય તે ખાલી કરવાનો, નાટકમાં પાર્ટ પૂરો કરવાનો !

આ રૂપિયાની નોટો ઉતાવળે ગણવી હોય તો ના ગણે, ચોક્કસ ગણે, ફરી ફરી ગણે; ને માળામાં ગપોલિયું મારે ! ત્યારે ભગવાન કહે છે કે, ‘મારે ત્યાં તો જો, તારું બહાર કાચું તો તારા અંતરમાંય કાચું રહેશે, મહીં રાતદહાડો તને બળાપો રહ્યા કરશે.’

અક્રમ - મુક્તિ પછી ભક્તિ

પ્રશ્નકર્તા : સંતોએ હંમેશા ભક્તિ જ કેમ માગી ? મુક્તિ કેમ ના માગી ?

દાદાશ્રી : ભક્તિ અને મુક્તિ એ બેમાં આમ જોવા જાય તો ફેર કશો છે નહીં. ભક્તિ એટલે અત્યારે અહીં આ ‘મહાત્માઓ’ ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ કરે છે તે, એટલે શું કે ‘જ્ઞાની પુરુષ’ તરફ ‘પરમ વિનય’માં રહે, એમનો રાજીપો મેળવવો એનું નામ ભક્તિ. ભક્તિ એટલે જ્ઞાનીના પગ દબાવવા કે એમની પૂજા કરવી એવું તેવું નહીં, પણ એમનો પરમ વિનય રાખવો તે છે. અહીંયાં આ બધા અત્યારે મુક્તિ ખોળતા નથી, બસ ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ જ કરવી એવું લાગે છે એમને. મુક્તિ તો એમને ‘અમે કલાકમાં જ આપી દીધી છે, હવે કંઇ તમારે મારી પાસે મુક્તિ માગવાની ઇચ્છા થાય છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

દાદાશ્રી : મુક્તિ આપી દીધા પછી હવે ફરી શું લખાવવાનું હોય? એક જ ફેરો ચેક લખાવી લેવાનો હોય કે ૯૯,૯૯૯ w. અને ૯૯ પૈસા! મુક્તિ તો અપાઇ ગઇ છે, તો હવે શું રહ્યું ? ભક્તિ રહી. આ ‘અક્રમ માર્ગ’ છે, જગતનો ‘ક્રમિક માર્ગ’ છે. ક્રમિક માર્ગ એટલે પહેલી ભક્તિ અને પછી મુક્તિ અને ‘આ’ અક્રમ માર્ગમાં પહેલી મુક્તિ પછી ભક્તિ! અત્યારે તો મુક્તિ લીધા વગર ભક્તિ કરવા આ લોકો જાય તો ભક્તિ રહે જ નહીં ને ! મહીં હજારો જાતની ચિંતા, ઉપાધિ રહેતી હોય તે પછી

(પા.૪૧૯)

કેમની ભક્તિ રહે ? ને મુક્તિ પહેલાં લીધી હોય, તે નિરાંતે બેઠા છે ને- અહીં આ બધા બેઠા તેમ બેસવાનું હોય ! આ બધા નિરાંત વાળીને આમ શાથી બેઠા છે ? જાણે અહીંથી ઊઠવાનું જ ના હોય તેમ ? મુક્તિ છે એમની પાસે તેથી ! તમારો ખુલાસો થયો ને ? અહીં બધા ખુલાસા થવા જોઇએ. ‘તમે’ ને ‘હું’ એક જ છીએ, પણ તમને ભેદ લાગે છે. મને ભેદ નથી લાગતો, કારણ કે ભેદબુદ્ધિથી ભેદ દેખાય છે. ‘હું ચંદુલાલ છું’ એ ભેદબુદ્ધિ હજી ખરીને તમને ? તમારી ભેદબુદ્ધિ જતી રહી છે ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

દાદાશ્રી : એટલે જ, તે ભેદબુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી ભેદ લાગ્યા કરે. આ જુદો ને એ જુદો. મારે અભેદબુદ્ધિ થયેલી, તમારો આત્મા જ ‘હું’ છું, આમનો આત્મા ‘હું’ જ છું, પેલાનો આત્મા ‘હું’ જ છું, બધાનામાં ‘હું’ જ બેઠેલો છું, એટલે બધાં જોડે ભાંજગડ ક્યાં રહી?

ભગવાનનું સરનામું

દાદાશ્રી : તમારું ઘર કોણ ચલાવે છે ?

પ્રશ્નકર્તા : ઇશ્વર.

દાદાશ્રી : તે ઉપર કઇ પોળમાં રહે છે ? એમનું એડ્રેસ તો જણાવો!

પ્રશ્નકર્તા : ...........(નિરૂત્તર)

દાદાશ્રી : આવી એડ્રેસ વગરની ભક્તિ શું કામની ? જોયા ના હોય તો ચાલે, પણ એડ્રેસ તો જોઇએ ને ? આ તો બિના એડ્રેસ કી બાત! સ્ટ્રીટ નંબરેય જાણે નહીં ? ! આ ઇશ્વર પૈણેલો હશે કે કુંવારો ? ને પૈણેલો હોય તો એમને ત્યાં બા હોય, ઘરડાં બા હોય ! તેમને ત્યાં તો કોઇ મરે જ નહીં ને ? તે કેટલાં કુટુંબીજનો હશે ? પણ તેમ નથી. આ જગતની વાત સત્ય ના હોય. ‘જ્ઞાની પુરુષ’ની વાત એ જ ખરી હોય, ‘જ્ઞાની પુરુષ’ ખરું જાણે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ; તે કોઇ બનાવવા ગયું નથી, ઇટસેલ્ફ ઊભું થઇ ગયું છે ! આ સોડિયમ ધાતુને પાણીમાં નાખે તો ભડકો થાય તે સાયન્સથી સમજી શકાય, તેવું આ જગત સાયન્સથી ઊભું થયું

(પા.૪૨૦)

છે ! તેમ આ સગાઇઓ પણ સાયન્સથી ઊભી થઇ છે, પણ તે જ્ઞાનથી સમજાય. ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ ! વિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ મિથ્યા દ્રષ્ટિ અને અવિનાશી ચીજ ભોગવવાની ઇચ્છા એ સમ્યક્ દ્રષ્ટિ. જ્યાં એક દુઃખનો છાંટોય ના હોય એ સમ્યક્ દ્રષ્ટિ !

પ્રશ્નકર્તા : ભગવાન તો કણ કણમાં છે ને ?

દાદાશ્રી : ભગવાન બધે હોય તો ખોળવાની જરૂર શી ? પછી જડ ને ચેતનનો ભેદ જ રહ્યો ક્યાં ? જો બધે જ ભગવાન હોય તો પછી સંડાસ જવાનું ક્યાં ? બધે જ ભગવાન હોય તો તો પછી આ બટાકામાંય હોય ને ગલકામાંય હોય. શરીરમાં ભગવાન હોય તો તો શરીર વિનાશી છે, પણ ભગવાન તો અવિનાશી છે.

આ લોકોને એટલુંય ભાન નથી કે આ મનુષ્યોને કે પાડાને કોણ ઘડે છે ! મોટા સંતો, ત્યાગીઓય કહે છે કે ભગવાન વગર કોણ ઘડે? તે ભગવાન શું નવરો હશે કે ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે ? તો તો કુંભારને શું કામ નહીં મોકલી આપે વળી ઘડવા માટે ? જો લોકોને સમજણ પાડીએ કે, ‘માથામાં વાળ છે એ કોણે બનાવ્યા ?’ તો કહેશે કે, ‘મને ખબર નથી.’ ડૉક્ટરને કહીએ કે, ‘ટાલ પડી તો હવે વાળ ઊગશે?’ તો તે કહે, ‘ના, આટલી ગરમી મગજમાં ચઢી ગઇ છે, એટલે હવે ના ઊગે.’ વાળ શી રીતે ઊગે છે, શી રીતે ખરી પડે છે, એય ભાન નથી. એટલે અમે કહ્યું કે, સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સથી ઊગે છે. એમ આ દેહ છે, આંખ-બાંખ બધુંય સાયન્ટિફિક સરકમ-સ્ટેન્સિયલ એવિડન્સથી છે; ઉપર કોઇ બાપોય ઘડવા માટે નવરો નથી.’ ‘બાપો’ તો ઇન એવરી ક્રીએચર વેધર વિઝિબલ ઓર ઇન્વિઝિબલ. તમારી ને મારી વચ્ચે દૂરબીનથી પણ ના દેખાય એવા અસંખ્ય જીવો છે તેમાં ભગવાન રહેલા છે ! એમની હાજરીથી જ બધું ચાલે છે, પણ એ જ્ઞાનથી જ સમજાય, બુદ્ધિથી સમજાય એવું નથી. એ તો ‘જ્ઞાની પુરુષ’ જ્ઞાન આપે તો જ આત્મા સંબંધી નિઃશંક થઇ જાય ! નહીં તો આત્મા આવો હશે કે તેવો હશે, એમ શંકા રહ્યા કરે.

ભક્તિ તો પ્રેમદા ભક્તિ હોવી જોઇએ ! અમે તમને કહીએ કે,

(પા.૪૨૧)

‘તમારામાં છાંટોય અક્કલ નથી.’ ત્યારે તમારે શું કહેવું જોઇએ કે, ‘દાદા, જેવો છું તેવો તમારો જ છું ને !’

કીર્તન ભક્તિ

વીતરાગોનાં તો વખાણ કરે તેટલાં ઓછાં છે. એમના કીર્તન લોકોએ ગાયાં નથી, અને જે ગાયાં છે એના રાગ બરોબર નથી. વીતરાગોનાં જો સરખાં કીર્તન ગાયાં હોય તો આ દુઃખ ના હોત. વીતરાગ તો બહુ ડાહ્યા હતા ! તેમનો માલ તો બહુ જબરો ! એ તો કહે છે, ‘સમકિતથી માંડીને તીર્થંકરોના કીર્તન ગા ગા કરો !’ ‘તો પછી સાહેબ અપકીર્તન કોનાં કરું ? અભવ્યો છે એમનાં ?’ ના, અપકીર્તન તો કોઇનાય ના કરીશ, કારણ કે મનુષ્યનું ગજું નથી, એટલે એવું ના કરીશ. અપકીર્તન શું કામ કરે છે ? અપકીર્તન વીતરાગોથી દૂર રાખે છે. આ તો તારું ગજું નથી ને દોષમાં પડી જઇશ. આ જે આડ જાત છે, એમનું નામ જ ના દઇશ, એમનાથી તો બીજી જ બાજુએ ચાલજે. ત્યારે પેલો કહેશે કે, ‘હું શું કરું ? આ આડ જાતો એવું કરે છે કે મારાથી એમનો દોષ જોવાઇ જ જાય છે !’ પણ આવું ના કરાય, આની સામે તારું ગજું નહીં. સ્ટ્રોંગ માણસ હોય ને સામેવાળાનું અવળું બોલે તો ચાલે, જેમ કે આ જૈન હોય ને માંસાહારનું અપકીર્તન કરે તો એને શો વાંધો?!

ભક્તિ અને જ્ઞાન

પ્રશ્નકર્તા : દાદા, ભક્તિ અને જ્ઞાન વિષે સમજાવો.

દાદાશ્રી : ભક્તિના અર્થ બધા બહુ છે, એકથી માંડીને સો સુધી છે. ૯૫ થી ૧૦૦ સુધીનો અર્થ આપણે કરવાનો છે. આ ‘અમારું’ નિદિધ્યાસન એ જ ભક્તિ છે. લોક કચાશવાળા છે એટલે ભક્તિ ઉપર ભાર મૂકો એમ શાસ્ત્રકારોએ બતાવ્યું છે. જ્ઞાન એકલાથી તો લોક દુરુપયોગ કરે, કાચો પડી જાયને તો પછી માર પડે ભારે; એ હેતુથી ભક્તિ ઉપર વધારે ભાર મૂક્યા છે. ‘જ્ઞાન’ શું છે ? જ્ઞાન એ જ આત્મા છે અને ‘હું શુદ્ધાત્મા છું’ એ છેલ્લી ભક્તિ છે. ‘જ્ઞાની’નું નિદિધ્યાસન એ જ ‘હું શુદ્ધાત્મા છું’ રૂપ છેલ્લી ભક્તિ છે.

(પા.૪૨૨)

કોઇનીય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે ‘જ્ઞાની પુરુષ’નું જે થાવ તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પડવા દે, જોડેલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો.

જ્ઞાન ‘જ્ઞાન-સ્વભાવી’ ક્યારે કહેવાય દેહમાં આત્મા છે તે ‘આત્મા-સ્વભાવી’ રહે ત્યારે. આપણે ભક્તિ કહીએ તો લોક તેમની ભાષામાં લઇ જાય. એમની જાડી ભાષામાં ના લઇ જાય, તેથી આપણે જ્ઞાન ઉપર વિશેષ ભાર દઇએ છીએ.

જાગૃતિ એ જ જ્ઞાન. ‘હું શુદ્ધાત્મા છું’ એમ રહ્યા કરવું એ ભાવ નથી, પણ એ લક્ષ-સ્વરૂપ છે; અને લક્ષ થયા વગર ‘હું શુદ્ધાત્મા છું’ તેવું રહે જ નહીં. ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસવું એ તો બહુ મોટી વાત છે ! અતિ કઠિન છે !! લક્ષ એટલે જાગૃતિ અને જાગૃતિ એ જ્ઞાન જ છે, પણ તે છેલ્લું જ્ઞાન નથી. છેલ્લું જ્ઞાન એ તો આત્માનો સ્વભાવ જ છે. કેવળજ્ઞાન સ્વભાવી આત્માનું લક્ષ બેસીને તેની જાગૃતિરૂપના જ્ઞાનમાં રહેવું તે ઊંચામાં ઊંચી અને છેલ્લી ભક્તિ છે; પણ અમે તેને ભક્તિ નથી કહેતા, કારણ કે બધા પાછા સહુ સહુના જાડા અર્થમાં લઇ જાય. ‘જ્ઞાની પુરુષ’ની કૃપા પ્રાપ્ત કરી લેવા જેવું છે, કૃપાભક્તિ જોઇએ.

જ્ઞાનીઓનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ ભક્તિમાં છે અને જ્ઞાન ‘જ્ઞાન’માં છે, ‘પોતે’ ‘શુદ્ધાત્મામાં રહે અને ‘પ્રતિષ્ઠિત આત્મા’ પાસે એના ‘પોતાના’ ‘શુદ્ધાત્મા’ની અને આ ‘દાદા’ની ભક્તિ કરાવે, એ ઊંચામાં ઊંચી છેલ્લી ભક્તિ છે !

ભગવાને જાતે કહ્યું છે કે, ‘અમે જ્ઞાનીને વશ છીએ !’ ભગતો કહે કે, ‘અમને ભગવાન વશ છે.’ તો તે કહે, ‘ના, અમે તો જ્ઞાનીને વશ થયા છીએ.’ ભગતો તો ગાંડા કહેવાય, શાક લેવા નીકલે ને ક્યાંક થબાકા પાડવા બેસી જાય. છતાં ભગતમાં એક ગુણ છે કે બસ, ‘ભગવાન, ભગવાન’ એક જ ભાવ, એ ભાવ એક દહાડો સત્યભાવને પામે છે, ત્યારે ‘જ્ઞાની પુરુષ’ મળી જાય, ત્યાં સુધી ‘તુંહી તુંહી’ ગાયા કરે અને ‘જ્ઞાની

(પા.૪૨૩)

પુરુષ’ મળી જાય તો ‘હુંહી હુંહી’ બધે ગાય ! ‘તું’ને ‘હું’ જુદા છે ત્યાં સુધી માયા છે અને ‘તું’ ‘હું’ ગયું, ‘તારું મારું’ ગયું એટલે અભેદ થઇ ગયા ! ભગવાન તો કહે છે કે, ‘તુંય ભગવાન છે. તારું ભગવાન પદ સંભાળ, પણ તું ના સંભાળે તો શું થાય ?’ પાંચ કરોડની એસ્ટેટવાળો છોકરો હોય, પણ હોટલમાં કપ-રકાબી ધોવા જાય ને એસ્ટેટ ના સંભાળે તેમાં કોઇ શું કરે ? ! મનુષ્ય ‘પૂર્ણ રૂપે’ થઇ શકે છે, મનુષ્ય એકલો જ - બીજા કોઇ નહીં, દેવલોકોય નહીં !’

ભગવાન એટલે શું ? ભગવાન નામ છે કે વિશેષણ છે ? જો નામ હોત તો આપણે તેને ભગવાનદાસ કહેવું પડત; ભગવાન વિશેષણ છે. જેમ ભાગ્ય ઉપરથી ભાગ્યવાન થયું, તેમ ભગવત ઉપરથી ભગવાન થયું છે. આ ભગવત્ ગુણો જે પણ કોઇ મનુષ્ય પ્રાપ્ત કરે તેને ભગવાન વિશેષણ લાગે.

‘અપદ’ એ મરણપદ છે. ‘હું ચંદુભાઇ છું’ એ ‘અપદ’ છે. અપદમાં બેસીને જે ભક્તિ કરે તે ભક્ત અને ‘હું શુદ્ધાત્મા’ એ ‘સ્વપદ’ છે. ‘સ્વપદ’માં બેસીને ‘સ્વ’ની ભક્તિ કરે એ ‘ભગવાન.’

આ એ.એમ.પટેલ મહીં પ્રગટ થઇ ગયેલા ‘દાદા ભગવાન’ની રાત દહાડો ભક્તિ કરે છે ! અને હજાર હજાર વાર એમને નમસ્કાર કરે છે!

જ્યાં સુધી આત્મા સંપૂર્ણ પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એવું રહેવું જોઇએ કે ‘જ્ઞાની પુરુષ’ એ જ મારો આત્મા છે અને એમની ભક્તિ એ પોતાના જ આત્માની ભક્તિ છે ! ભક્તિનો સ્વભાવ કેવો ? જે રૂપની ભક્તિ કરે તેવો થાય. ‘જ્ઞાની પુરુષ’ની ભક્તિમાં ઊંચામાં ઊંચી કીર્તનભક્તિ છે. કીર્તનભક્તિ ક્યારે ઉત્પન્ન થાય ? ક્યારેય પણ અપકીર્તિનો વિચાર ના આવે, ગમે તેટલું અવળું હોય તોય સવળું જ દેખાય. જો કે ‘જ્ઞાની પુરુષ’માં અવળું હોય જ નહીં. કીર્તનભક્તિમાં તો નામેય મહેનત નહીં ! કીર્તનભક્તિથી તો ગજબની શક્તિ વધે !

(પા.૪૨૪)

નિષ્પક્ષપાતી મોક્ષમાર્ગ

દાદાશ્રી : મોક્ષ હશે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા. એ તો વિશ્વાસ છે, માટે માર્ગ પણ હશે અને એના જાણકાર પણ હશે ખરા ને ?

દાદાશ્રી : હા. ‘અમે’ તેના જાણકાર છીએ. આ સાન્તાક્રુઝનો માર્ગ બતાવનાર તો મળી આવે, પણ મોક્ષનો માર્ગ તો બહુ સાંકડો અને ભુલભુલામણીવાળો છે, તેનો બતાવનાર મળવો અતિ દુર્લભ છે. તે જો મળી જાય તો એ ‘મોક્ષદાતા’ પાસેથી માગી લેવાનું હોય જ ને ? ધીસ ઇઝ ધી ઓન્લી કેશ બેંક ઇન ધી વર્લ્ડ !

અમે એક કલાકમાં જ તમારા હાથમાં રોકડો મોક્ષ આપી દઇએ છીએ. અહીં ક્યાં મહિના સુધી શ્રદ્ધા રાખવા કહીએ છીએ ? ‘શ્રદ્ધા રાખ, શ્રદ્ધા રાખ’ એમ જે કહે છે એમને તો આપણે ખખડાવીએ કે, ‘પણ અમને શ્રદ્ધા આવતી નથી ને ! તમે કંઇક એવું બોલો કે જેથી અમને શ્રદ્ધા આવે !’ પણ શું કરે ? દુકાનમાં માલ હોય તો આપે ને ? ક્રોધની દુકાનમાં શાંતિનું પડીકું માગવા જઇએ તો મળે ?

પ્રશ્નકર્તા : ના મળે.

દાદાશ્રી : ભગવાને શું કહેલું કે, ‘મોક્ષ તો પા માઇલ જ છેટે છે અને દેવગતિ કરોડો માઇલ દૂર છે; પણ નિમિત્ત મળવું જોઇએ, એના વગર મોક્ષ નહીં મળે. જેનો મોક્ષ થયેલો છે એ જ મોક્ષ આપી શકે. આ તો બૈરી-છોકરાંને છોડીને ગયા અને માને કે માયા-મમતા છૂટી ગઇ. ના, તું જ્યાં જઇશ ત્યાં મમતા નવી વળગાડીશ, મમતા તો મહીં બેઠી બેઠી વધ્યા કરે. એ તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ, જેમ દવા આપવી એ ડૉક્ટરનું

(પા.૪૨૫)

કામ તેમ ! આ કરિયાણાવાળાને પૂછીએ કે, ‘હાર્ટએટેક આવ્યો છે, તો દવા આપ.’ તો એ શું કહે કે, ‘જાવ ડૉક્ટર પાસે.’ આ તો ભગવાનની વાત સમજ્યા નહીં ને ચોપડવાની દવા પી ગયા ! પછી થાય શું ? મોક્ષ પોતાની પાસે જ છે, આત્મા પોતે જ મોક્ષ સ્વરૂપ છે.

આ મન તો જાતજાતનું દેખાડે, એને માત્ર ‘જોવાનું અને જાણવાનું’ હોય. મનને તે દેખાડવું એ એનો ધર્મ-મનોધર્મ છે અને આપણો ધર્મ જોવા-જાણવાનો છે; પણ જો તેની સાથે તન્મયાકાર થાય, શાદી સંબંધ થાય તો હેરાન કરે. મોક્ષ એટલે મન-વચન-કાયાથી મુક્તપણું; ‘પોતાનું’ સ્વતંત્ર સુખ, કોઇનાં અને પોતાનાં મન-વચન-કાયા અસર ના કરે ! મન-વચન-કાયાનું કેવું છે ? કે ‘આ’ દુકાન હોય ત્યાં સુધી આપણી દુકાનનો માલ બીજે જાય અને બીજાની દુકાનનો માલ આપણી દુકાને આવે એવું છે !

ભગવાને કહ્યું કે, ‘મોક્ષ માટેનું ’ચારિત્ર’ તે તો આજે ક્યાંય જરાય રહ્યું નથી, દેવગતિ માટેનાં ચારિત્ર છે ખરાં. મોક્ષ માટે તો ‘ભગવાનની આજ્ઞા’માં રહે, આત્મજ્ઞાન થાય પછીનું ચારિત્ર, એ ચારિત્ર મોક્ષ આપે!

આ કાળમાં મોક્ષ છે ?

પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ નથી એમ જે કહે છે, તે ખરું છે ?

દાદાશ્રી : ભગવાને કહેલું વાક્ય એ ક્યારેય પણ ખોટું ના થાય; પણ મહાવીર ભગવાને શું કહેલું કે, ‘આ કાળમાં આ ક્ષેત્રેથી જીવ મોક્ષે જઇ શકશે નહીં’, તે લોકો ઊંધું સમજ્યા. આમાં કેટલાકે કહ્યું કે, ‘મોક્ષ નથી.’ તેથી એ બાજુ જવાનું છોડી દીધું અને લોકો પણ એ પ્રવાહમાં ખેંચાયા ! પણ પ્રવાહમાં આપણે પણ ખેંચાવું એવું કોણે કહ્યું ? ભગવાને શું કહ્યું કે, ‘આ કાળમાં આ ક્ષેત્રે એક લાખ રૂપિયાનો ચેક મળતો નથી, પણ નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો (૯૯,૯૯૯.૯૯) ચેક મળી શકે તેમ છે.’ અલ્યા, આ કાળમાં ૯૯,૯૯૯ રૂપિયા ને ૯૯ પૈસા સુધી તો મળે છે ને ? આ તો ઉપરથી છૂટા પૈસા મળ્યા ! તે કેન્ટિનમાં ભજિયાં-બજિયાં ખાવાં હોય, તોય છૂટા પૈસા ચાલે ને ? અત્યારે તે રૂપિયાનું ચિલ્લર લે તોય પાંચ પૈસા કમિશન લઇ લે

(પા.૪૨૬)

છેને ? અમે આ કાળમાં નવ્વાણું હજાર, નવસો નવ્વાણું રૂપિયા અને નવ્વાણું પૈસા સુધીનો ચેક આપી શકીએ તેમ છીએ. આ લોકોને ‘મોક્ષ નથી’ એટલી ખબર પડી, તો ક્યાં સુધી માર્ગ ખુલ્લો છે ? એ તો ખોળી કાઢ ! આ વડોદરા સુધી ગાડી જતી નથી, પણ સરહદ સુધી જાય છે, તો તો ગાડીમાં બેસી જવું જ જોઇએ ને ? પણ આ તો ઘેરથી જ નીકળતો નથી તે ઘરના જ દરવાજા વાસી દીધા છે ! આવી અણસમજણ ઊભી થઇ જાય, એમાં કોનો દોષ ? આ તો ‘એક જ પૈસો નથી.’ એટલું જ ‘જ્ઞાની પુરુષ’ કહેવા માગે છે.

આ છ આરામાં અસલમાં અસલ, સારામાં સારો કાળ, એ પાંચમો આરો છે, એને તો ‘ભઠ્ઠીકાળ’ કહ્યો છે. આ તો એક બાજુ સાયન્ટિસ્ટ છે ને બીજી બાજુ ભઠ્ઠી છે, તો પછી ગમે તેવું છાશિયું સોનું હોય તોય ચોખ્ખું સોનું ચોકસી કાઢી આપશે ! છઠ્ઠા આરામાં ચોકસી નહીં હોય ને ભઠ્ઠી એકલી હશે. પાંચમા આરામાં તો મહાવીર ભગવાનનું લાંબામાં લાંબું શાસન છે. આગળનાં તીર્થંકર ભગવાનના શાસન તો ભગવાન નિર્વાણ પામે ત્યાં સુધી રહેતાં અને આ મહાવીરના નિર્વાણ પછીનું ૨૧ હજાર વર્ષ સુધીનું શાસન રહેશે !

આ લોકો કહે છે કે, ‘મોક્ષ બંધ થઇ ગયો છે.’ આવું બોલે છે, તે તેમની દશા શી થશે ? આ તો ‘મોક્ષ બંધ છે.’ કરીને બીજા કાર્યોમાં પડી ગયા અને મોક્ષમાર્ગ બાજુએ પડી ગયો. આ શાના જેવું છે ? આ સાલ દુકાળ પડ્યો હોય તે કહે કે, ‘અલ્યા, હવે ખેતરમાં ઓરશો જ નહીં, બિયારણ નકામું જશે.’ વરસાદ આ સાલ ના પડ્યો તેથી બિયારણ નકામું જશે, એમ કરીને બેસી રહે તેના જેવું છે !

નોર્માલિટીથી મોક્ષ

‘અમારી’ એક ઇચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઇલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને.

(પા.૪૨૭)

એબોવ નોર્મલ ઇઝ ધી ફીવર, બીલો નોર્મલ ઇઝ ધી ફીવર. ૯૭ ઇઝ ધી બીલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ઇઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ઇઝ નોર્માલિટી ! એબોવ નોર્મલ અને બીલો નોર્મલ બન્નેય ફીવર છે. આ વાત તો ડૉક્ટરો એકલા લઇને બેઠા છે, પણ એ તો બધાંને માટે હોય! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઇશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઇ ગઇ છે, તે બધે પોઇઝન ફરી વળ્યું છે. એમાં કોઇનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઇ ગયા છે !

વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો. આ તો તપમાં પડે તો તપોગચ્છ થઇ જાય. અલ્યા, આ ગચ્છમાં ક્યાં પડ્યો ? આ તો બધા કૂવા છે, આમાંથી નીકળ્યો તો પેલા કૂવામાં પડ્યા અને આ તો એક જ ખૂણો વાળ વાળ કરે છે. તપનો ખૂણો વાળે તે તપનો જ વાળ વાળ કરે, કેટલાક ત્યાગનો ખૂણો વાળે તે ત્યાગનો જ વાળ વાળ કરે, શાસ્ત્રો પાછળ પડ્યા તે તેની જ પાછળ ! અલ્યા, એક ખૂણા પાછળ જ પડ્યા છો ? મોક્ષે જવું હશે તો બધા જ ખૂણા વાળવા પડશે ! છતાં, ખૂણા વાળ્યા એટલે એનાં ફળ તો મળશે જ, પણ મોક્ષ જો જોઇતો હોય તો એ કામનું નથી. તારે જો ચતુર્ગતિ જોઇતી હોય તો ભલે એકની પાછળ પડ. મનુષ્યમાં ફરી જન્મ મળે, બધે વાહવાહ મળે, એવું હું તને અહીંયાં આપી શકું તેમ છું. પણ આ તો ક્યાં સુધી ? પછી જ્યાં જાય ત્યાં કપાળ કૂટો ને ક્લેશ ઊભો થાય, એવું માગવા કરતાં ઠેઠનો તારો મોક્ષ લઇ જાને મારી પાસે ! કાયમનો ઉકેલ આવે એવું કંઇક લઇ જા અહીંથી !

એક એક ઇન્ડિયનમાં વર્લ્ડ ધ્રુજાવે એવી શક્તિ પડી છે. અમે આ ઇન્ડિયનને શાથી જુદા પાડીએ છીએ ? કારણ કે ઇન્ડિયન્સનું આત્મિક શક્તિનું પ્રમાણ છે માટે, પણ એ શક્તિ આજે આવરાઇ ગઇ છે, રૂંધાયેલી છે, એને ખુલ્લી કરવા નિમિત્ત જોઇએ, ‘મોક્ષદાતા પુરુષ’નું નિમિત્ત જોઇએ, તો શક્તિ ખુલ્લી થાય. જેને કોઇ પણ દુશ્મન નથી, દેવમાત્ર પણ દુશ્મન નથી એવા ‘મોક્ષદાતા પુરુષ’નું નિમિત્ત જોઇએ.

આ તો અમે કહીએ છીએ કે, ‘મોક્ષમાર્ગ ખુલ્લો છે.’ તો એ બાજુ

(પા.૪૨૮)

હિલચાલ ચાલુ થઇ જાય અને એથી ઊંચે જવાય. મોક્ષે જવું એ આત્માનો સ્વભાવ છે, પુદ્ગલ એને નીચે ખેંચે છે; પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જ જીતશે. પુદ્ગલમાં ચેતન છે નહીં, તેથી તેનામાં કળા ના હોય અને ચેતન એટલે કળા કરીનેય છૂટી જાય. જેને છૂટવું જ છે એને કોઇ બાંધી નહીં શકે અને જેને બંધાવું જ છે એને કોઇ છોડી શકે નહીં!

‘મોક્ષ નથી.’ એવું કહ્યું એટલે છૂટે શી રીતે ? ! અલ્યા, મોક્ષ નથી, પણ મોક્ષના દરવાજાને હાથ અડાડી શકાય છે અને અંદરના બધા મહેલ દેખાય છે, દરવાજા ટ્રાન્સપેરેન્ટ છે; તેથી, અંદરનું બધું જ દેખાય એવું છે ! પણ આ તો શોરબકોર કરી મૂક્યો કે, ‘મોક્ષ નથી, મોક્ષ નથી.’ પણ આ તને કોણે કહ્યું ? તો કહે કે, ‘આ અમારા દાદાગુરુએ કહ્યું, પણ દાદાગુરુ જોવા જઇએ તો હોય જ નહીં ! આ તો ‘વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને કૂતરૂં ભસ્યું.’ એના જેવું છે. તે કો’ક બહાર નીકળ્યો હશે તે બૂમાબૂમ કરી મૂકે કે ‘શું છે ? શું છે ?’ ત્યારે બીજો ઠોકાઠોક કરે કે ‘ચોર દીઠો’ ને તેથી શોરબકોર મચી ગયો ! આવું છે !! છે કશું જ નહીં ને ખોટો ભો અને ભડકાટ !! પણ શું થાય ? આ લોકોને ભસ્મકગ્રહનું ભોગવવાનું હશે, તેથી આવું થયું હશે ને ? પણ હવે તો એ બધું પૂરું થવાનું એ નક્કી જ છે !

મહેનત ત્યાં મોક્ષ હોય ?

આ ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? એ તો ‘જ્ઞાની પુરુષ’ જાતે કરી આપે. આ દાળભાત, રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો ‘જ્ઞાની પુરુષ’ કરાવે ને થઇ જાય. ‘જ્ઞાની પુરુષ’ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે, ‘મારું જ ફ્રેકચર થયેલું છે તો હું મહેનત શી રીતે કરી શકીશ ?’

(પા.૪૨૯)

આ ડૉક્ટર પાસે જઇએ ને એ ડૉક્ટર કહે કે, ‘દવા તારે લાવવાની, તારે જાતે વાટવાની, કરવાની.’ તો તો આપણે એ ડૉક્ટર પાસે આવત જ શું કામ ? આપણે જાતે જ ના કરી લેત ? તેમ ‘જ્ઞાની પુરુષ’ પાસે આવીએ અને મહેનત કરવી પડે તો અહીં (સત્સંગમાં) આવીએ જ શું કામ ? પણ ‘જ્ઞાની પુરુષ’ પાસે તપ, ત્યાગ, મહેનત કશું જ ના હોય અને ‘જ્ઞાની પુરુષ’ને કશું જોઇતુંય ના હોય, એ પોતે જ આખા બ્રહ્માંડના સ્વામી હોય, તેમને શેની જરૂર હોય ! ‘જ્ઞાની પુરુષ’ આ દેહના એક ક્ષણ પણ સ્વામીત્વ ભાવમાં ના હોય. જે દેહનો માલિક એક ક્ષણ પણ ના હોય તે આખા બ્રહ્માંડનો માલિક હોય. બહાર ગુરુઓ છે, તેમને તો છેવટે માનનીય સ્પૃહા હોય, કીર્તિની સ્પૃહા હોય. જ્ઞાનીને તો કોઇ પણ પ્રકારની સ્પૃહા નથી. એમને તો તમે આ હાર પહેરાવો છો એનીય જરૂર નથી, એમને ઊલટો એનો ભાર લાગે ને કેટલાંક ફૂલોનાં જીવડાં ઉપર ચઢી જાય, એમને આ બધું શા હારુ ? આ તો તમારા માટે છે, તમારે જરૂર હોય તો હાર પહેરાવો. આ સાંસારિક અડચણો હોય તો આ હાર પહેરાવવાથી દૂર થઇ જાય. ‘શૂળીનો ઘા સોયે સરે.’ અમે એના કર્તા નથી, નિમિત્ત છીએ. ‘જ્ઞાની પુરુષ’નાં નૈમિત્તિક પગલાં પડે ને તમારું બધું સુંદર જ થાય; બાકી, ‘જ્ઞાની પુરુષ’ એટલે જેમને કોઇ પણ જાતની ભીખ નથી; લક્ષ્મીની, વિષયોની, માનની, કીર્તિની, કોઇ પણ પ્રકારની ભીખ તેમને ના હોય !

મોક્ષ એટલે શું ?

પ્રશ્નકર્તા : જન્મમરણનો ફેરો ટળે એનું જ નામ મોક્ષ ?

દાદાશ્રી : ના. મોક્ષે જવું એટલે ફુલ સ્ટેજ. મોક્ષ એટલે પરમાનંદ. મોક્ષની ઉપર બીજું કંઇ છે જ નહીં, એ જ છેલ્લામાં છેલ્લું છે. જો એની ઉપર બીજું છે એવું માને તો તો એ મોક્ષ જ સમજતા નથી. ‘મોક્ષ એટલે મુક્ત ભાવ.’ સંસારના ભાવોથી મુક્તિ એ પરમાનંદ. આ સાંસારિક ભાવો એ પરમાનંદ રોકે છે. સિદ્ધ ભગવાનનો ક્ષણવારનો આનંદ એ આ બધા દેવલોકોના આનંદ કરતાં વધારે છે. આ પરમાનંદ શાથી અટકે છે? માત્ર પહેલાંની ગનેગારીથી. આ ગનેગારી એ જ પોતાનું સુખ, પરમાનંદ પણ

(પા.૪૩૦)

આવવા નથી દેતી; એ જ ગનેગારીથી પરમાનંદ અંતરાય છે ! મુક્તિ તો કોઇએ ચાખી જ નથી, એ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે છે; એમની વીતરાગતા એ જ મુક્તિ છે ! આ તમારા બધામાં મને તો મહીં ‘હું જ છું’ એવું લાગે છે ! ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન કરતાં આવડે તોય મુક્તિસુખ વર્તે.

પ્રશ્નકર્તા : દર્શન કરવાં એટલે ભાવથી કરવાં તે ?

દાદાશ્રી : ના. ભાવ નહીં. ભાવ તો હોય જ તમને, પણ દર્શન કરતાં આવડવાં જોઇએ. ‘જ્ઞાની પુરુષ’નાં એક્ઝેક્ટ દર્શન કરતાં આવડવાં જોઇએ. અંતરાય ના હોય તો એવાં દર્શન થાય અને એ દર્શન કર્યાં ત્યારથી જ મુક્તિસુખ વર્ત્યા કરે !

પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો સિક્કો કયો ?

દાદાશ્રી : એ તો પક્ષમાં પડેલા છે કે નહીં એ જ એનો સિક્કો.

આ બધી ડિગ્રીઓ છે અને તે ડિગ્રીઓનીં અંદર ડિગ્રીઓ છે. આ બધા અન્ય માર્ગ પર છે ને મોક્ષમાર્ગની તો એક જ કેડી છે, ને એ એક કેડી જડવી મુશ્કેલ છે. બીજા બધા માર્ગ ઓર્નામેન્ટલ માર્ગ છે, ત્યાં પાછી મોટી મોટી કેન્ટિનો છે, એટલે જરા દેખે ને ત્યાં દોડે; ને આ મોક્ષની કેડીમાં તો ઓર્નામેન્ટલ નહીં, તેથી આ માર્ગની ખબર ના પડે !

ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઇએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઇ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વસંવેદન’ અને તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !

જગતના બધા જ સબ્જેક્ટ જાણે, પણ એ અહંકારી જ્ઞાન છે અને તે બુદ્ધિમાં સમાય અને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન કહેવાય. નિર્અહંકારી જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક છે અને એ આખું બ્રહ્માંડ પ્રકાશમાન કરે એવું છે ! બુદ્ધિનું, અહંકારી જ્ઞાન એ પરપ્રકાશક છે, એ લિમિટમાં છે ને

(પા.૪૩૧)

અવલંબિત છે. આ તો ભાન નથી, તેથી ‘હું વૈદ્ય છું, હું એન્જિનિયર છું’ એવાં અવલંબન પકડ્યાં છે. બધા મોક્ષને માટે પ્રયત્નો કરે છે, પણ એ માર્ગ જડતો નથી અને ચતુર્ગતિમાં ભટક ભટક કર્યા કરે છે. જ્ઞાની જ સમર્થ પુરુષ છે, એ તર્યા ને બીજાને તારે !

નિયાણાં ને શલ્ય

અનંત અવતારથી મોક્ષની ઇચ્છા છે ને જ્યારે મોક્ષ આપનારા મળ્યા ક્રમિક માર્ગમાં ત્યારે નિયાણાં કર્યા, અને તેથી રખડ્યા ! અને અત્યારે ‘આ’ જ્ઞાન જેને મળ્યું છે એનાથી તો નિયાણાં કરવાં હોય તોય ના થાય, કારણ કે આ અક્રમ માર્ગ છે ! નિયાણાં કોને ઊભાં થાય? શલ્યવાળાને ઊભાં થાય. નિઃશલ્ય થયા પછી નિયાણું કેમનું બંધાય ? શલ્ય એટલે મહીં ખૂંચ્યા કરે. આ ગાદી ખૂંચે તો કહે કે, ‘બીજી સારી ગાદી લાવવી છે’ તે તેનું નિયાણું કરે. આ નિયાણું કરે એટલે પોતાની પાસે જેટલી પુણ્યૈની મિલકત હોય તે નિયાણામાં હોડમાં મૂકી દે ! તે પછી જેનું નિયાણું કર્યું હોય તે પ્રાપ્ત થાય.

ભગવાને ત્રણ પ્રકારના શલ્ય કહ્યાં : મિથ્યાત્વ શલ્ય, નિદાન શલ્ય અને માયા શલ્ય; તેના આધારે આ નિયાણાં કરે છે. શલ્ય બધાનામાં હોય, નિઃશલ્ય થાય નહીં. આ ‘અક્રમ માર્ગ’ છે તેથી શલ્ય રહિત થાય!

આ બંધનમાંથી મુક્તિ થઇ શકે છે, વીતરાગો મોક્ષ આપી શકે છે, વીતરાગોનું જ્ઞાન એ મોક્ષનો માર્ગ છે, એવી જેને સૂઝ પડી છે એને તો મિથ્યાત્વ દર્શન, બહુ ઊંચામાં ઊંચું દર્શન કહ્યું છે ! આ તો બીજાને વગોવે છે કે, ‘તું મિથ્યાત્વી છે.’ અલ્યા તું સમકિતી છે તે બીજાને મિથ્યાત્વી કહે છે ? અને પોતે જો સમકિતી હોય તો તે બીજાનો તિરસ્કાર ના કરે અને મિથ્યાત્વી હોય તોય પોતા જેવા મિથ્યાત્વીનો તિરસ્કાર ના કરે. ‘આ તો મિથ્યાત્વી છે’ એમ કહીને જે તિરસ્કાર કરે છે, એ તો ‘ડબલ મિથ્યાત્વી’ છે ! મિથ્યાત્વ દર્શન થયું એ તો વખાણવા લાયક દર્શન છે. આ દર્શનમાં આવ્યા પછી એને ‘મોક્ષમાં સુખ છે અને સંસારમાં સુખ નથી’ એવું ભાન થાય છે, મોક્ષની ઇચ્છા થાય છે. એની ઇચ્છા તો સમ્યક્

(પા.૪૩૨)

દર્શનની જ છે, પણ મિથ્યા દર્શનમાંથી છૂટ્યો નથી તેથી રઝળપાટ થાય છે. છતાં એનો વિલ પાવર મોક્ષ માટેનો છે અને પુદ્ગલનું જોર સંસાર તરફ ખેંચાવાનું હોય તોય એ બન્નેને જુદા પાડે. આ મુસ્લિમને બન્ને જુદા ના પડે. એ તો કહે, ‘માલિક ઉપર લે જાયેગા!’ અલ્લા જન્નતમાં લઇ જશે કે જહન્નમમાં લઇ જશે !! તેથી તો અલ્લા ફસાઇ પડ્યા છે કે આ તો માથે પડ્યા !

સંપૂર્ણ મોક્ષમાર્ગ ક્યાં હોય ? વ્યવહારને સહેજેય ખસેડ્યા વગર હોય તે સંપૂર્ણ મોક્ષમાર્ગ. આ વ્યવહાર ખસેડો તો તો સામાને અડચણ આવે, સામાને દુઃખ થાય; ત્યાં મોક્ષમાર્ગ ના હોય. જ્યાં ફુલ વ્યવહાર અને ફુલ નિશ્ચય હોય ત્યાં મોક્ષમાર્ગ છે ! આપણે અહીં તો વ્યવહાર-નિશ્ચય બન્નેય ફુલ છે.

મોક્ષમાર્ગ ક્યાં છે ? બધી નાતનાં જ્યાં બેઠા હોય છતાં કોઇને વાણીનો વાંધો ના આવે ત્યાં. વાઘરી બેઠા હોય, ચોર બેઠા હોય કે પછી કોઇ યુરોપિયન હોય કે મુસ્લિમ હોય, છતાં કોઇને અહીં વાણીનો વાંધો ના આવે ! સહુ કોઇ સાંભળે. આવું તો ક્યાંય બનેલું જ નહીં ! એક મહાવીર ભગવાન પાસે આવું બનેલું અને અહીં બની રહ્યું છે !! ભગવાન નિરાગ્રહી હતા !!!

મોક્ષ પછી આત્માની સ્થિતિ

પ્રશ્નકર્તા : મોક્ષ થયા પછી આત્માની શી ગતિ થાય ?

દાદાશ્રી : મુક્તભાવ ! સિદ્ધગતિ !! આત્મા સિદ્ધક્ષેત્રમાં જાય છે, ત્યાં પ્રત્યેક આત્મા છૂટા રહે છે અને જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદમાં રહે છે. આ તમે હાથ ઊંચો કરો તો તે સિદ્ધ ભગવંતના જ્ઞાનમાં આવી જાય, પણ તેમાં તે જ્ઞેયાકાર ના થાય, જ્ઞાનાકાર જ રહે ! તેમને બંધન ના થાય. આ તો માના પેટે ફરી વેદના લેવા કોણ આવે ? એ વેદના તો ભગવાન જાણે! આ તો બધી વેદનાઓ બેભાનપણે ભોગવાય છે. માણસ જાતિ અમુક જ લિમિટ સુધી દુઃખ ભોગવી શકે, એનાથી વધારે જો દુઃખ પડે, તેની સહનશક્તિથી બહાર દુઃખ જાય તો તે બેભાન થઇ જાય.

(પા.૪૩૩)

પ્રશ્નકર્તા : જે માણસ ભગવાનનું નામ લઇને મરે, તેનું શું થાય?

દાદાશ્રી : જે માણસ ભાનમાં મરે તે મનુષ્યમાં ફરી આવે ને મરતી વખતે બેભાન હોય તે તો જાનવરમાં જાય, એનું મનુષ્યપણું જાય અને આ મનુષ્ય ક્યાં જશે એ તો મરતી ઘડીએ ખબર પડે. અને બીજું, ઠાઠડી બાંધીને જતા હોય ત્યારે સજ્જન ને તટસ્થ માણસ વાત કરે કે, ‘ભાઇ તો ભલા હતા.’ તો જાણવું કે ફરી મનુષ્યમાં આવશે, ને કહે કે, ‘જવા દોને એની વાત.’ તો જાણવું કે એ ભાઇ ફરી મનુષ્યમાંથી ગયો! આ તો અહીંનું અહીં જ બધું સમજાય એવું છે.

પ્રશ્નકર્તા : માણસ મરી ગયા પછી ફરી જીવ આવે છે, એ શું ?

દાદાશ્રી : ના. આત્મા દેહમાંથી જાય તે પછી ફરી દેહમાં ના આવે. કદાચ એવું બને કે આત્મા બ્રહ્મરંધ્રમાં ચઢી ગયો હોય તો નાડી-બાડી બંધ થાય ને તાળવેથી આત્મા ઊતરે ત્યારે ફરી જીવ આવ્યો એવું લાગે.

પ્રશ્નકર્તા : આ કાળમાં મોક્ષ ના થાય ?

દાદાશ્રી : ના. ૨૫૦૦ વર્ષ પહેલાં મોક્ષ થઇ શકતો હતો. આ કાળમાં મોક્ષ શાથી બંધ છે ? કર્મો એટલાં બધાં લઇને આવેલા છે કે સાઇકલ, મોટર, બસ, પ્લેન, ટ્રેનમાં ફરે છે, છતાં કામ પૂરાં થતાં નથી. તે કર્મો કોમ્પલેક્સ થઇને આવેલાં છે તેથી આ કાળમાં અહીંથી મોક્ષ થતો નથી. કોઇ કાળે મનુષ્યોનું આવું પૂરણ નહોતું થયું, તે આ કાળમાં મનુષ્યોનું પૂરણ એવું થયું છે તે હવે ગલન થઇ રહ્યું છે. આ બધા મનુષ્યો વધારે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે, તિર્યંચની રીટર્ન ટિકિટ લઇને મોટા ભાગના ઘૂસી ગયા છે ! ૩૨ માર્કે ગધેડો થાય ને ૩૩ માર્કે માણસ થાય, તો એમાં એક માર્ક તો દેહમાં વપરાઇ ગયો. માત્ર મનુષ્યનો ફોટો પડે, પણ મહીં ગુણ તો પશુના જ રહે ! એવું વિચિત્ર આ કાળમાં થઇ ગયું છે.

મોક્ષની કેડી એટલી બધી સાંકડી છે કે એક જીવ મહાપરાણે મોક્ષે જાય. છતાં પણ નિયમના હિસાબથી એક સમયમાં ૧૦૮ જીવ

(પા.૪૩૪)

જાય છે, પણ આખા બ્રહ્માંડના પ્રમાણમાં આનો તો હિસાબ જ નહીને ! અને આ ભરતક્ષેત્રમાંથી તો ત્રણ કે ચાર જ જણ મોક્ષે જાય, પણ તેય અત્યારે આ કાળમાં બંધ થઇ ગયું છે અને આવા ચાર આરા કાળના બંધ રહેશે!

જ્ઞાની, મોક્ષમાર્ગે નેતા

દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે, પણ માર્ગ જડતો નથી.

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ અત્યારે આપની સમક્ષ પ્રત્યક્ષ છે તો માર્ગ પણ મળે; નહીં તો આ લોકોય ઘણા વિચારો કરે છે, પણ માર્ગ જડે નહીં ને અવળે રસ્તે જાય. ‘જ્ઞાની પુરુષ’ તો કો’ક ફેરો એકાદ હોય અને એની પાસે જ્ઞાન મળે ને આત્માનુભવ થાય. મોક્ષ તો અહીં રોકડો થવો જોઇએ. કોઇ કહે કે, ‘તમારો દેહ છૂટશે ને ત્યાં તમારો મોક્ષ થશે.’ તો આપણે કહીએ કે, ‘ના, એવો ઉધાર મોક્ષ મને ના જોઇએ.’ મોક્ષ તો રોકડો જોઇએ, અહીં જ સદેહે મોક્ષ વર્તાવો જોઇએ. તે આ અક્રમ જ્ઞાનથી રોકડો મોક્ષ મળી જાય ને અનુભવ પણ થાય એવું છે !!!

ભગવાને કહેલું કે, ‘મોક્ષનો માર્ગ ના જડે તો અશુભમાં ના પડીશ, શુભ રાખજે, મોક્ષમાર્ગ મળે તો પછી શુભાશુભની જરૂર નથી.’ ભગવાનનો માર્ગ તો શુદ્ધ માર્ગ છે, ત્યાં શુભાશુભ નથી, ત્યાં પાપ-પુણ્ય નથી. પાપ-પુણ્ય એ બન્નેય બેડી છે. જો મોક્ષનો માર્ગ ના મળે તો શુભમાં પડ્યો રહેજે, અશુભમાં પડીશ તો તું અશુભનું ફળ સહન નહીં કરી શકે. તું તો હિન્દુસ્તાનમાં ઊંચી નાતમાં જન્મેલો છે, માટે સાધુ-સંતની સેવા, દેવદર્શન કરીને, પ્રતિક્રમણ સામાયિક, ઉપવાસ એ બધું કરીનેય શુભમાં પડ્યો રહેજે. શુભ એ ક્રિયામાર્ગ છે અને શુભ ક્રિયાનું ફળ પુણ્યૈ મળશે. અશુભ ક્રિયાનું ફળ પાપ મળશે, પુણ્યૈથી ક્યારેક ‘જ્ઞાની પુરુષ’ મળી શકે અને ‘જ્ઞાની પુરુષ’ તો ચાહે સો કરી શકે, તને રોકડો મોક્ષ આપી શકે, કારણ કે પોતે સંપૂર્ણ અકર્તા છે !

(પા.૪૩૫)

જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ

માત્ર શુભ ક્રિયા કરવાથી મોક્ષ ના મળે. એનાથી પુણ્યૈ બંધાય ખરી, તે પછી આવતા ભવમાં મોટર, બંગલા, વૈભવ મળે; પણ તારે જો મોક્ષ જોઇતો હોય તો ભગવાન કહે છે, તેમ કર. ભગવાન શું કહે છે? ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ !’ આ પ્રતિક્રમણ, સામાયિક કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્ય ક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ! જ્ઞેયને જાણવું તેનું નામ જ્ઞાનક્રિયા અને જ્ઞેયને સમજવું તેનું નામ દર્શનક્રિયા.

બંધન શાનાથી ?

આ બંધાયા છો શાનાથી ? ક્રિયાથી ? સ્ત્રીથી ? તપથી ? એ તો તપાસ કરવી પડે ને ? એ તપાસ કરીએ તો કંઇક માર્ગ જડે કે શી રીતે છૂટવું ! આ તો માત્ર પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે તેનાથી બંધાયા છો, તે અજ્ઞાનથી બંધાયેલો આ બાહ્ય ક્રિયાઓથી છૂટે ? બૈરાંથી છૂટે ? ઘરવાળી છોડે તો ઘરથી છૂટે ? અને પરિગ્રહો બાળે તો પોતે છૂટે ? ‘અજ્ઞાનથી બંધાયેલો માત્ર જ્ઞાનથી જ છૂટે.’ જ્યાં સુધી મન ‘તારું’ છે, ત્યાં સુધી તું પરિગ્રહી છે, ને જો મનનો તું જ્ઞાતા-દ્રષ્ટા છે, એવું થાય તો તું અપરિગ્રહી છે. અમે પરિગ્રહોના સાગરમાંય અપરિગ્રહી છીએ!

રાગ-દ્વેષથી બંધાયા છો ? ના. અજ્ઞાન માત્રથી બંધાયા છો. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે. વેદાંતમાં કહે છે કે મળ, વિક્ષેપ ને અજ્ઞાન કાઢ. જૈનોમાં કહે છે કે રાગ, દ્વેષ ને અજ્ઞાન કાઢ. અજ્ઞાન બન્નેયમાં કૉમન છે. અજ્ઞાન એ તો રૂટ કૉઝ છે અને રાગ-દ્વેષ કે મળ, વિક્ષેપ એ તો કૉઝીઝ છે. રૂટ કૉઝ જાય એટલે બીજાં કૉઝીઝ એની મેળે જ તૂટતાં જાય. રૂટ કૉઝ તૂટે, અજ્ઞાન જાય, એટલે આવતા ભવનાં બીજ પડતાં બંધ થઇ જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બંધ પડવાના જ. જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી, કે ચાલો ભઇ, એક નકામી ગઇ; પણ એ તો બીજી ૧૦૦ જિંદગીનાં બંધ પાડી દે છે તેનો વાંધો છે.

(પા.૪૩૬)

બંધન તો કોને ગમે ? આ સમસરણ માર્ગ આખો જેલસ્વરૂપ છે. શરૂથી તે છેલ્લે સુધી જેલ છે અને જ્યારે ‘હું છૂટો છું’ એવું ભાન થાય તો જેલમાંથી છૂટે. મિથ્યા દર્શન જાય અને સમ્યક્ દર્શનમાં આવે તો છૂટકો થાય ! અને ‘જ્ઞાની પુરુષ’ જ ‘હું છૂટો છું’ એનું ભાન કરાવે. ‘જ્ઞાની પુરષ’ ક્યારેય દેહમાં રહેતા નથી.

આ સાધનો જ બંધન થઇ ગયાં છે. આ ઇલેક્ટ્રિકસિટી લિફ્ટ એ બધાં સાધનો જે ઊભાં કર્યાં છે તે જ બંધનરૂપ થઇ ગયાં છે. સાધનો તો સ્વતંત્ર હોવાં જોઇએ. દરેકને પોતાનો જોગ સ્વતંત્ર હોવાં જોઇએ, આણે (સાધનોએ) તો પરતંત્ર કરી દીધાં છે. તે હવે એ સાધનો જ એની મેળે જ ઓછાં થઇ જશે અને એની ઓછાં થવાની જ જરૂર છે. છૂટવાની ઇચ્છાવાળાને જો સાચો માર્ગ ના મળેને તો એ છૂટવાનાં સાધનો જ બંધનરૂપ થઇ જાય છે. આ લોક છૂટવા માટે જેટલાં સાધનો કરી રહ્યાં છે એ જ એને બાંધશે; કારણ કે સત્ સાધન નથી. સાચાં સાધન હોત તો બંધનરૂપ ના થાય, નહીં તો આર્ત ને રૌદ્રધ્યાન ચાલુ જ રહે.

આ બંધન તો જનાવરનેય પસંદ નથી હોતું. આજે અમે આવતા હતા ત્યારે રસ્તામાં એક બળદને ટ્રકમાં કેટલાક લોક ચઢાવતા હતા, તે બળદ તો એની ભાષામાં સમજે કે, ‘મને શું કરતા હશે ? મને ક્યાં લઇ જશે ?’ તે બળદ આડાઇ કરે, એ ના ચઢવાનાં ફાંફાં મારતો હતો, તે પાંચસો માણસ રસ્તામાં ભેગું થઇ ગયું ! જાણે મુક્તિ-સુખ ના વહેંચાતું હોય ! બંધનની તો ભયંકર વેદના છે. હકીકત-સ્વરૂપ જાણવા ના મળ્યું તેનો આજે આપણે પોતે અહીં છીએ એ પ્રત્યક્ષ પુરાવો છે ! જો હકીકત-સ્વરૂપ જાણવા મળ્યું હોત તો ઉપર મોક્ષે પહોંચી ના ગયા હોત? !

આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારેય ગતિમાં જઇ શકે છે, અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો, બાકી બીજા તો અધર્મ જ છે.

ભગવાને કહ્યું કે ‘આ કાળમાં, મોક્ષ બંધ છે પણ મોક્ષમાર્ગ બંધ

(પા.૪૩૭)

નથી થયો, મોક્ષમાર્ગ ચાલુ છે.’ લોકોએ જાણ્યું કે મોક્ષ બંધ થઇ ગયો, એટલે આડા માર્ગે ચાલવા માંડ્યું છે. એકવીસ હજાર વર્ષ જેનું શાસન છે, તો મોક્ષમાર્ગ બંધ થઇ ગયો હોત તો તે શાસનની જરૂર જ શી છે?! તે સમજ્યા નહીં. અહીં ‘કારણ-મોક્ષ’ થઇ જાય છે. મોક્ષમાર્ગથી ‘કાર્ય-મોક્ષ’ નથી થતો, તે મોક્ષ ૯૯,૯૯૯ સુધી પહોંચે છે, લાખ પૂરા થતા નથી. મોક્ષ બે પ્રકારના છે : (૧) કાર્ય-મોક્ષ (૨) કારણ-મોક્ષ. આ કાળમાં ‘કારણ-મોક્ષ’ ચાલુ છે અને ‘કાર્ય-મોક્ષ’ બંધ છે. ‘કારણ-મોક્ષ’ થયા પછી એક અવતાર કરવો પડે. અમે કલાકમાં ‘કારણ-મોક્ષ’ આપીએ છીએ. અત્યારે તો ગજબનો મોક્ષમાર્ગ ચાલુ છે. ‘અમે’ શાસનના શણગાર છીએ !

સમકિતનો દરવાજો આવે ત્યાં બધા ધર્મો એક થઇ જાય છે. પછી મોક્ષનો મોટો દરવાજો આવે. મતભેદ મટે તો સમકિત થાય. મતભેદને લઇને સમકિત નહીં થાય, એમ ભગવાને કહ્યું છે. સાધુઓએ વિષયો જીત્યા છે, પણ વિષયો તો સ્વતંત્ર છે. અનંત અવતારથી મતનો મોહ કે જેના આધારે લટક્યો છે તે તો જીવતો છે ! મતિયો થઇ ગયો છે ! નથી જીતવાનો તેને જીતે છે અને જીતવાનો છે તેને જાણતા નથી. આ બધાએ મોહ પણ જીત્યા છે, પણ એક પોતાના મતનો મોહ જીત્યો નથી !!! મતાભિનિવેષ થઇ ગયા છે ! મતાભિનિવેષથી સંસારમાં પાપ ઊભાં રહ્યાં છે. ‘જ્ઞાની પુરુષ’ અને તેમના મહાત્માઓ ન હોય ત્યાં મતાભિનિવેષ અવશ્ય હોય જ અને મતાભિનિવેષ હોય ત્યાં આત્મા શોધ્યોય ના જડે. આત્મા પોતે જ મતાભિનિવેષથી ઢંકાઇ ગયેલો છે. કોઇ મતના આગ્રહથી છૂટતા નથી. ભગવાને વિષયોને મોહ નથી કહ્યો, મતને મોહ કહ્યો છે.

વીતરાગ માર્ગ વિરોધ વિહીન

વીતરાગનો માર્ગ હોય ત્યાં વિરોધ ના હોય.

પ્રશ્નકર્તા : આ મહાવીર જયંતી ઉજવાય છે તેમાં કેટલાક વિરોધ કેમ કરે છે ?

દાદાશ્રી : જ્ઞાનીઓ કશાનો વિરોધ ના કરે, ચાલતી ગાડીને અટકાવે

(પા.૪૩૮)

નહીં. આ કંઇ બધા જ્ઞાનીઓ છે ? એ તો બધા મતાંધો છે, મતનું પૂંછડું પકડી રાખે, પોતાનો અહંકાર પોષવા માટે ! આ તો ખોટી મમત છે, તેથી કાગનો વાઘ કરી મૂકે છે ! વીતરાગ માર્ગ ઉપર આચાર્ય કેવા હોય તેની વ્યાખ્યા કહું. ગમે તેની, ગમે તેવી વાત હોય તો તે સાંભળવા તૈયાર થાય, કોઇ કંઇ સંભળાવવા આવે તો શાંત ભાવે કહેશે કે, ‘હા, વાત કરો. આ અમારી વાત જરા કઠણ પડશે, પણ જો તમારે મોક્ષે જવું હોય તો આવડું આવડું, મોટું મોટું, તોલી તોલીને અમારે આપવું પડશે; અને જો તમારે મોક્ષે ના જવું હોય ને સંસારમાં રહેવું હોય તો અમે તમને ફૂલહાર ચઢાવીએ. માટે તમે જ નક્કી કરીને જે જોઇએ તે પસંદ કરજો.

તમારી આડાઇ જ મોક્ષે જતાં નડે છે. પોતાની જાતની આડાઇ જ નડે છે, બીજું કશું જ આ જગતમાં નડતું નથી, વિષયો નડતા નથી. માટે પાંસરો થઇ જા. સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે. મોક્ષની ગલી એટલી બધી સાંકડી છે કે ત્યાં તું આડો ચાલીશ તો નહીં નીકળાય, સીધા સરળ થવું જ પડશે ત્યાં તો ! તમારે જો ખરેખર મોક્ષે જવું હોય તો મારા કઠણ શબ્દો સાંભળવા પડશે. અનંતકાળનો રોગ તે ડૂંટીથી માંડીને ઠેઠ ગળા સુધી ભરાઇ ગયો છે, હવે મારે ઓપરેશન કરીને, મહીં ચીપિયો નાખીને એ રોગ કાઢવો પડશે. માટે પહેલેથી બોલી દેજો, એક વાર ચીપિયો નાખ્યા પછી ઓપરેશન અધૂરું નહી મુકાય, પછી ‘ઓ ઓ’ કરશો તો નહીં ચાલે. માટે તમારે શું જોઇએ છે ? મોક્ષ કે સંસારનો વૈભવ? જે જોઇએ તે અમે આપવા તૈયાર છીએ.

પ્રશ્નકર્તા : અમારે તો મોક્ષ જ જોઇએ છે.

દાદાશ્રી : તો આ અમારા શબ્દો પચાવવા પડશે, સમજવા પડશે. આ વીતરાગના સાધુઓ તો કેવા હોય ? બધા મતભેદમાં પડ્યા હોય તો તે મતભેદ દૂર કરે. સંઘપતિ, સાધુ, સંન્યાસી, જૈનો બધા ભેગા મળીને ચર્ચાવિચારણા કરે. ઘરડા સાધુ હોય તેને ખુરશી આપે અને જવાન સાધુ ભલે નીચે બેસે, એટલું તો કરવું જોઇએ ને ! બધાએ ચર્ચાવિચારણા જોડે બેસીને કરવાની હોય. વીતરાગ ધર્મ કોને કહેવામાં આવે છે ? કોઇ મહામુનિ હોય ને ત્યાં નાનો, નવો શિષ્ય પૂછવા જાય ને મહામુનિ તેનો

(પા.૪૩૯)

જવાબ ના આપે તો એ મુનિ ન હોય, મહામુનિ ન હોય ને કશામાંય ન હોય ! ભલે સામો ગમે તેટલું ખોટું બોલતો હોય, પણ તેનું એક વખત તો સાંભળે અને પછી ચર્ચાવિચારણા કરે, ચર્ચાવિચારણાથી એ કંઇક પામશે. એટલે ભગવાને કહ્યું કે, આગ્રહ કદાગ્રહ ના કરશો, ચર્ચાવિચારણા કરજો કે આપણી ભૂલ શી થાય છે ? આ દુષમ કાળના તમે સાધુઓ છો માટે તમે એકલા બેસશો નહીં, જોડે સંઘપતિ ને સંઘને રાખજો, કારણ કે ભગવાને સંઘ એ પચ્ચીસમો તીર્થંકર છે એમ કહ્યું છે. ખરા-ખોટાનો ન્યાય એ કમિટિ કરી આપે. જ્યાં ભૂલ વગરનું હોય ત્યાં સંઘપતિ કહી આપે કે આ સત્ય છે, કારણ કે મહીં આત્મા છે ને એટલે આ સાચું છે એની એને તરત ખબર પડી જાય, પણ સત્ય નીકળવું જોઇએ અને અસત્ય નીકળે તોય સમજાઇ જાય કે આ અસત્ય છે. બધા ભેગા બેસવામાં વાંધો શો છે ? બધા સંપ્રદાયોવાળા ક્યારેય પણ ચર્ચાવિચારણા માટે, સત્ય જાણવા માટે ભેગા થયા ? બધા ભેગા થાય, નહીં તો એ મહાવીરના વિરોધી છે, એવું જ ડીસિઝન આવી ગયું !

વીતરાગ માર્ગમાં સહેજે પણ આગ્રહ ના હોય. આ તો દુરાગ્રહે ને હઠાગ્રહે ચઢ્યા છે ! જે સાધુઓ સત્ય, અસત્યની ચર્ચાવિચારણા સાથે બેસીને ના કરી શકે એ મહાવીરના સાધુ ન હોય. મહાવીરનો શિષ્ય તો એક ગમે તેવો હોય, ૪૫ આગમ ભણીને બેઠો હોય અને બીજો બે જ આગમ વાંચીને બેઠો હોય તોય બન્નેય જોડે બેસીને ચર્ચાવિચારણા કરે અને કોઇ ગમે તેટલી ભૂલ કરે, પણ તે કષાય ના કરે. ઝઘડા ના કરે અને જોડે બેસીને ચર્ચાવિચારણા કરીને સત્યનું દોહન કરે તે કામનું!

અમને કહે કે, ‘પટેલ, તમે અહીં અમને સાચી વાત સમજાવવા માટે પધારશો ?’ તો અમે જઇએ અને કહીએ કે, ‘મહાવીર શું કહેવા માગતા હતા !’ ‘અમે’ તેના તે જ મહાવીરના શબ્દો તમને કહીશું, પણ જો પાંસરા બેસો તો ! ‘હું આચાર્ય’, ‘હું સુરિ’ એમ રાખીને ના બેસે તો! જુદાઇ ના લાગે એ મહાવીરનો માર્ગ. આ તો પાંચ જણા ભેગા ના રહે, મહીં ને મહીં વઢ્યા કરે. બહાર લઢો છો તે તો અમે જાણતા હતા, પણ આ તો મહીંના મહીં પણ લઢે છે !

(પા.૪૪૦)

નિષ્કેફ ત્યાં મોક્ષ

અમે અમદાવાદ ગયેલા, ત્યારે એક આચાર્ય મહારાજ ભેગા થયેલા. પર્યુષણના દિવસો હતા. હજારો લોકો આચાર્ય મહારાજને વંદવા આવતા હતા એમને અમારું ઓળખાણ કરાવ્યું કે, આ ‘જ્ઞાની પુરુષ’ છે. તો તરત જ એમણે અમારાં દર્શન કર્યાં અને પાટ ઉપરથી નીચે ઊતરીને બેસી ગયા ! અમે કહ્યું, ‘આ તો તમારું કામ કાઢી નાખશે,’ આવો સુંદર વિનય તો કામ કાઢી નાખે, ત્યારે તેમણે કહ્યું, ‘મને અંદરથી થયું તેથી નીચે બેસી ગયો.’ પછી તેમને અમે પૂછયું કે, ‘શાસ્ત્રો વાંચો છો ?’ તેમણે, ‘શાસ્ત્રો તો બહુ વાંચ્યાં.’ અમે કહ્યું, ‘શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યાં, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમને એમ વાંચ્યાં ?!’ ભગવાન શું કહે છે કે, ‘જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.’ જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કેફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે, ‘એ કેફ ઉતારશો કેવી રીતે ?’ ત્યારે તેમણે પૂછયું, ‘આ ક્રિયાઓ તો કરીએ છીએ ને !’ ત્યારે મેં કહ્યું, ‘જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !’ આ બધું કરવાથી કોઇ દી’ શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં! લીંબોળી વાવી છે તે ફળ આપશે.

વીતરાગનો માર્ગ સહેલો છે, સરળ છે ને સહજ છે, પણ લોકોએ કષ્ટસાધ્ય કરી નાખ્યો છે. આ ચાલુ માર્ગમાં જે વીતરાગ ધર્મ છે ત્યાં કાંઇ તથ્ય હોત તો જગત આફ્રિન થઇ જાત; પણ લોકો જુએ છે કે, ત્યાગના ખૂણાવાળો એકલો ત્યાગના ખૂણામાં પડ્યો છે અને એ જ વાળ વાળ કરે છે ને તપવાળો એકલો તપનો ખૂણો વાળ વાળ કરે છે ! બધાય ખૂણા વાળે તો જ ઉકેલ આવે તેમ છે !

(પા.૪૪૧)

નિર્મમત ત્યાં મોક્ષ

કવિરાજ શું ગાય છે :

‘ક્યાંય ન હોજો મમત લગારે.’

મમત કેટલી જગ્યાએ હોય ? આ પ્યાલો કોઇ લઇ જતો હોય તો શું મમત નહીં રાખવાની ? એવું છે, કે એ લઇ જનારને કહીએ કે, ‘જો ભાઇ, તું લઇ જાય છે, પણ આ ના મળે, આમાં તો મારું નામ છે.’ અને પછી એ વાંચે અને કહે કે, ‘હા આપનું જ નામ છે ને લઇ લો.’ તો જો તે આમ આપે તો ઠીક, અને એ નામ વાંચીને પણ કહે કે, ‘ના, હું નહીં આપું’ તો ત્યાં મમત નહીં કરવાની. મમત એટલે શું ? આગ્રહ કરે તે. નાટકી ભાષામાં કહેવાનું હોય કે, ‘ભાઇ, મારું નામ પ્યાલા ઉપર છે’ ને નામ વાંચીને તે આપે તો ઠીક, પણ જો સામો ખેંચ રાખે તો આપણે તે આપી દેવું, ત્યાં મમત નહીં રાખવાની. પણ આ લઇ જતો હોય તો ચૂપચાપ તેને લઇ જવા દે એવા વીતરાગ ન હોય. ચૂપચાપ ના લઇ જવા દે, એને ‘વીતરાગ નથી’ એમ નથી કહ્યું. નહીં તો આ તો પોતાની છોડીને ઉઠાવી જાય, પણ ત્યાં કહે, ‘મારી છોડી છે, મારે એને સારે ઠેકાણે પૈણાવાની છે.’ બધું કહે; પણ તે કમ્પલીટ ડ્રામેટિક હોય તે વીતરાગ છે. પણ આ નથી કહેતા કે મમતે ચઢ્યા છે ? ! મમત એટલે આગ્રહે ચઢે તે. વીતરાગ માર્ગમાં મમત ના હોય, બીજા માર્ગમાં મમત હોય. એક જ ફેર ડ્રામેટિક રીતે કહે કે, ‘બહાર અંધારું છે’ ને તમે કહો કે, ‘ના અજવાળું છે !’ હું ફરી કહું કે, ‘જુઓને ભાઇ, હજી અંધારું છે.’ એમ વિનંતી કરી જોઉં; છતાં પણ તમે ના માનો તો હું પછી મમત ના પકડું. જો કોઇ કોઇનો ઉપરી હોત તો હું મારી ઠોકીને મનાવું, પણ કોઇ કોઇનો ઉપરી નથી !

ભગવાને વ્યવહારધર્મને શું કહ્યો છે ? બહાર તો બધે નિશ્ચયધર્મ ચાલતો નથી. એ તો એકલો જ અહીં છે. વ્યવહારધર્મ એટલે શું ? કે, લોકમત. લોકમતના વિરૂદ્ધ જાય એ મમત કહેવાય. આ તો દરેક માણસ કહેશે કે, ‘આ તો સંકુચિત ધર્મ છે.’ આ તો એક મહારાજ કહે કે, ‘આજે સાતમ છે’ ને બીજા કહે કે, ‘આઠમ છે’; તો બેઉને કાઢી નાખવા જોઇએ.

(પા.૪૪૨)

આ તો મમતે ચઢે ને તેની વઢવાડ ? આ સાતમ-આઠમનો પ્રકાશ કરે છે એવો ચન્દ્રમા, તે એને કોઇ વઢવાડ નથી અને આ લોકોને વઢવાડ છે !

દ્રષ્ટિવાદી, કદાગ્રહી, દુરાગ્રહી, અભિનિવેશી એ બધા શું આપણું ધોળવાના છે ? એમનું પોતાનું જ ધોળી રહ્યા નથી ને ! આ તો એમને સંજોગ બાઝયો નથી એટલે, એમાં એમનો દોષ નથી. અહીં બધા ખુલાસા મેળવી લેવા તો ઉકેલ આવે એમ છે. આ તો બધા પઝલ છે!

વીતરાગોએ શું કહ્યું કે બીજા ગમે તે કરતા હોય તે તું ના કરીશ, માત્ર તારાં હિતનું જ કરજે. આ બીજા લોકો ગુનો કરે, એ તો ના જાણતો હોય પણ તું તો જૈન છે. વકીલ થઇને ચારસોવીસીનો ગુનો કરે છે ? વકીલ ચારસોવીસી કરે તો શું થાય ? જો રોગ પેઠા છે ! જૈનમાં આવ્યા તે તો વકીલ કહેવાય, કાયદા જાણતો હોય તે જ કાપડ ખેંચે તો શું થાય?!

આ અમારે ભાગે પૂંજો વાળવાનો છે ! અમને તે વળી ‘આવડી આવડી’ આપવાની ગમતી હશે ? આવા શબ્દો અમને શોભે ? જેની વાણી ‘પ્રત્યક્ષ સરસ્વતી’ છે એવા ‘જ્ઞાની પુરુષ’ને ભાગે આ કાળમાં પૂંજો વાળવાનો આવ્યો છે અને તે નીકળશેય ખરો. આ કાળમાં બધો સડી ગયેલો માલ ! આ અમારી વીતરાગ વાણી જ બધો કચરો સાફ કરી આપશે ! અમારે જાતે જવું ના પડે. અમે કહીએ છીએ કે ૨૦૦૫ની સાલમાં તો બહારના બધા દેશો હિન્દુસ્તાનને વર્લ્ડનું કેન્દ્ર ગણી અહીં ધર્મ શીખવા આવશે ! અને ત્યારે ભ્રષ્ટાચારનો એક વાળેય નહીં હોય અને કોઇ કાળે જે સુખ નહોતું એવું સત્યુગનું સુખ લોકો ભોગવશે ! ભગવાન મહાવીરનું શાસન બીજા તીર્થંકરો કરતાં અજોડ એવું ઊભું થશે ! બીજા કોઇ પણ તીર્થંકરોનું શાસન આવું અજોડ નહીં હોય !

સાચી દીક્ષા

પ્રશ્નકર્તા : મહારાજ કહે છે કે દીક્ષા વગર મોક્ષ નથી એ વાત ખરી?

દાદાશ્રી : વાત સાચી છે, દીક્ષા વગર મોક્ષ નથી; પણ દીક્ષા કોને

(પા.૪૪૩)

કહેવી ? દીક્ષાની વ્યાખ્યા તો હોવી જોઇએ ને ? કઇ દીક્ષાથી મોક્ષ થાય? આપણે એ કબૂલ કરીએ છીએ કે દીક્ષા વગર મોક્ષ નથી, પણ ખરી દીક્ષાને એ સમજ્યા નથી. મહાવીર ભગવાને કહેલી દીક્ષા અમે જ આપી શકીએ છીએ.

પ્રશ્નકર્તા : દીક્ષા એટલે શું ?

દાદાશ્રી : ‘જ્ઞાન’ને ‘જ્ઞાન’માં બેસાડવું અને ‘અજ્ઞાન’ને ‘અજ્ઞાન’માં બેસાડવું એનું નામ દીક્ષા. તે ‘દાદા’ એકલા જ સાચી દીક્ષા આપી શકે. પોતે દીક્ષિત થયો નથી, તે ક્યાંથી દીક્ષા આપી શકે ? અને કહેશે કે, ‘મેં દીક્ષા લીધી.’ બે જાતનાં મોતી હોય, એક સાચા ને બીજાં કલ્ચર્ડ. અત્યારે તો બનાવટી મોતી ચાલે છે ને ! માટે, જન્મ પહેલાં કોનો થયો?

પ્રશ્નકર્તા : સાચાનો.

દાદાશ્રી : માટે સાચા મોતી હતાં તો બનાવટીનો જન્મ થયો, તેમ પહેલાં દીક્ષા સાચી હતી ત્યારે જ આ કલ્ચર્ડ દીક્ષાનો જન્મ થયો છે ને! આ અક્રમ માર્ગ છે, એટલે કોઇને તરછોડ નહીં મારવાની, વહુ છોકરાંનેય તરછોડ નહીં મારવાની; ઊલટું રોજ બૈરી જોડે ઝઘડતો તો એય બંધ થઇ જાય !

ભગવાને દીક્ષા શબ્દ ખોટો નથી મૂક્યો, પણ દીક્ષા કોને કહેવી એ જાણવું પડે ને ? ભગવાનના વખતમાં દીક્ષા આપતા હતા ત્યારે ‘આ’ બોલાવતા હતા. શબ્દો એના એ જ રહ્યા છે પણ દીક્ષા બનાવટી થઇ ગઇ છે.

‘‘એગો મે શાષઓ અપ્પા, નાણ દંસ્સણ સંજ્જૂઓ,

શેષામે બાહીરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા,

સંજોગ મૂલા જીવેણ, પત્તા દુઃખમ્ પરંપરા,

તમ્હા સંજોગ સંબંધમ્, સવ્વમ્ તિવીહેણ વોસરીયામિ.’’

અત્યારે તો દીક્ષા લીધી અને કલાક પછી ચિઢાયા કરે. સવ્વમ્

(પા.૪૪૪)

તિવીહેણ વોસરીયામિ કર્યું પછી શું કામ ચિઢાયા કરે છે ? બધો કલ્ચર્ડ માલ !

આ દીક્ષા તો પાછી બંધનમાં બાંધે. અહીં ‘અમે’ દીક્ષા આપી દઇ એ છીએ એટલે સંસાર રોગ બધોય મટી જાય ! અમે તમને આત્મા હાથમાં રોકડો આપીએ છીએ, તે દહાડે જ દીક્ષા આપીએ છીએ; દીક્ષિત કરીએ છીએ. લોક દીક્ષાને એમની લોકભાષામાં સમજે છે, પણ એ તો દીક્ષા કહેવાય નહીં. તમે આવું કહો તો કોઇ માને નહીં, કારણ કે જ્યાં ભાષાનો અર્થ જ એ જ થઇ ગયો અને જ્યાં જે ભાષા ચાલતી હોય તો ત્યાં તે ભાષા ચલાવવી પડે !

અત્યારે તો આઠ આની ઘઉં અને આઠ આની કાંકરાવાળું થઇ ગયું છે. આ આખી નહીં પણ ટુકડાવાળી સોપારી આવે છે ને, ઉપર કશુંક ચોપડે ને મીઠી લાગે પણ એ તો બગડેલી સડેલી સોપારી હોય, તેને ભેગી ગળ્યા પાણીમાં નાખે. ભાન જ નથી લોકોને કે સોપારી ખાવી છે કે સ્વાદ ખાવો છે ? સ્વાદ જોઇતો હોય તો મીઠાઇ ખાને. અલ્યા, સ્વાદ માટે સોપારી ખાઉં છું ? માણસનાય ભાનમાં નથી, સોપારીનો સ્વાદ ચાખવો હોય તો સોપારીને જ ખા. સાચી ચીજ આપણા હાથમાં જ ના આવવા દે ને ! આ તો ડફોળો છે, તેનાથી ડફોળાઇવાળી ચીજ ડફોળને ખાવા મળે અને સારી ચીજ સારાને મળે. એટલે અમે કહ્યું કે આ ડફોળોનો ઉપકાર માનજો કે એમને લીધે આપણને સારી વસ્તુ મળે છે. ડફોળ શાથી કહ્યા ? કે પૈસા આપીને ઉપરથી ડફોળાઇવાળો માલ લઇ આવ્યા !

વીતરાગોની ઝીણી વાત

અત્યારે તો દીક્ષાએ નથી રહી ને મહાવ્રતેય રહ્યાં નથી. અરે, અણુવ્રતેય રહ્યા નથી; એના બદલે બધું કલ્ચર્ડ પેઠું ને સાચું ગયું. વ્રત કોને કહેવાય ? વર્તે તેને વ્રત કહેવાય. એમાં કોઇ વસ્તુ યાદ જ ના આવે, ‘શું છોડવું છે ને શું છુટ્યું છે’ તે યાદ જ ના રહે. ‘આ છોડ્યું ને તે છોડ્યું’ એ યાદ રહ્યું તો તેનાથી તો જોખમ આવે.

ક્યાં ભગવાન મહાવીરનું એક વાક્ય ! તે સમજ્યા નહીં, છેવટે

(પા.૪૪૫)

મુહપત્તિ બાંધી ! એકડા પછી બગડો હોય તો તે બરોબર છે, એમ આપણે કહીએ, પણ આ મુહપત્તિ તો છેલ્લી દશામાં માણસ વિચરતો હોય તો હાથમાં એક કપડું રાખવાનું કે જ્યાં બહુ જીવ ઊડતાં હોય તો મોઢા પાસે કપડું ઢાંકવાનું. એ કપડું રાખવાનું તે જીવને બચાવવા માટે નહીં, કારણ કે કોઇ જીવ બીજા જીવને બચાવી શકે જ નહીં; પણ આ તો જીવડાં મોઢામાં કે નાકમાં પેસી ના જાય ને પ્રકૃતિને નુકસાન ના કરે એટલા માટે મુહપતિ રાખવાની. આ મુહપત્તિ એ તો છેલ્લું કારણ છે. એની આગળ ‘કેવળ- જ્ઞાન’નાં અને એવાં બધાં બીજાં ઘણાં કારણ સેવવાં જોઇએ. આ તો છેલ્લું કારણ પહેલું સેવવામાં આવે તો શા કામનું ? આ તો ભયંકર ભૂલો થઇ રહી છે.

એક ક્ષણ વાર પણ ગાફેલ રહેવું ના જોઇએ. ગાડીમાં ગાફેલ નથી રહેતો ને જ્યાં અનંત અવતારની ભટકામણમાં છે ત્યાં ગાફેલ રહે છે !

ભગવાને કહ્યું, ‘હે જીવો બુઝો, બુઝો. સમ્યક્ પ્રકારે બુઝો.’ ભગવાનની કહેલી વાતોની વિરોધી વાતોથી મુક્ત થાય તો જ મોક્ષ છે.

સાચો માર્ગ જડે તો ઉકેલ

પ્રશ્નકર્તા : મારે હંમેશાં વ્યાખ્યાનમાં જવાનું એવો નિયમ છે.

દાદાશ્રી : રોજ નાહીએ ને શરીરનો મેલ ના જાય તો શા કામનું? આ તો રોજ વ્યાખ્યાનમાં જાય; પણ મનનો, વાણીનો, બુદ્ધિનો મેલ ના જાય તે શું કામનું ? આપણું દળદર ના ફીટે તો શું કામનું ? વ્યાખ્યાન આપનાર ગમે તેટલું જાણતા હોય, પણ આપણું દુઃખ ના ઘટે તો નકામું જ ને ! આપણાં દુઃખ ગયાં એ દર્શન કરેલાં કામનાં, નહીં તો દર્શન કરેલાં કામનાં નહીં. સામને ઘેર પચાસ બંગલા હોય, પણ એનાં દર્શનથી આપણને ઝૂંપડુંય ના મળે તો એ દર્શન નકામાં જ ને ? જે મહારાજનાં દર્શન કરે ને દુઃખ ના જાય તો એ પોતે કેટલા દુઃખી હશે ? !

આ ઘાંચીનો બળદ જોયો છે ને ? એ દાબડો પહેરીને મનમાં માને કે, ‘હું ચાલ્યો છું’ ને દાબડા ખોલે તો એની એ જ જગ્યા ! એવું આ

(પા.૪૪૬)

જગત ઘાંચીના બળદ માફક ચાલ્યા કરે છે અને મહેનત નકામી જાય છે. જ્યાં સુધી યથાર્થ જ્ઞાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મહેનત બધી નકામી જાય છે. આ સ્ટેશનનો રસ્તો હું જાણતો ના હોઉં તો ભૂલો પડું, ને ચારગણો રસ્તો થાય તોય ઠેકાણું ના પડે. આ તો સ્ટેશનના રસ્તામાં ભૂલા પડાય છે, તો આ સાચો રસ્તો જડવા માટે એવી કેટલી બધી ભૂલો થાય ? માટે તપાસ તો કરવી જોઇએ ને ? પોતાને સંતોષ ના થાય તો એ રસ્તો બંધ કરી બીજો રસ્તો ખોળી કાઢવો પડે ! મોક્ષની એક જ કેડી છે, ને તેય પાછી ભુલભુલામણીવાળી છે ! અન્ય માર્ગ અનેક છે, ને પાછા ઓર્નામેન્ટલ છે ! કોઇ સાચા ભોમિયા હોય તેને જ મોક્ષનો માર્ગ પુછાય અને એય પાછા નિઃસ્વાર્થી ભોમિયા હોવા જોઇએ.

ધર્મમાં વેપાર ન ઘટે

પોતે કંઇ પણ ત્યાગ કરે છે અને બીજા પાસે કરાવડાવે છે એ બધા અભ્યાસી કહેવાય. ગુરુ યે ત્યાગે કરે ને શિષ્ય પાસેય ત્યાગ કરાવડાવે એટલે આપણે ના સમજીએ કે આ સ્ટાન્ડર્ડમાં છે ? ! આ માળા ફેરવતા હોય તો આપણે ના સમજીએ કે આ ધોરણમાં ભણે છે? એમને આપણે પૂછીએ કે, ‘સાહેબ, ભણી રહ્યા કે ?’ તો એ કહે, ‘ભણી તો રહ્યો છું, પણ માળા તો ફેરવવી જ પડે ને ? !’ ના, મોક્ષે જવું છે, ને લાકડાની માળાને ને મોક્ષને વેર છે. મોક્ષ માટે તો સ્વરૂપની રમણતા જોઇશે. આ તો લાકડાની રમણતા થાય છે, એથી મોક્ષ ના થાય. આ તો વેપાર માંડી બેઠા છે, એને ચેતવવા કહેવું પડે છે. ધર્મમાં વેપાર ના હોવો ઘટે, વેપારમાં ધર્મ હોવો જ જોઇએ. જ્યાં ધર્મમાં વેપાર પેઠો, પૈસા-વ્યવહાર પેઠો તો સમજી જવું કે આ રીયલ ધર્મ ન હોય, સાચો ધર્મ ન હોય.

કો’કના કહ્યો પ્રમાણે ચાલે તોય મોક્ષે જવાય પણ તેય ચાલતો નથી, પોતાના ડહાપણથી જ ચાલ્યો છે. તેથી ગુરુ રાખવાનું કહેલું, પણ ગુરુ ઠામ-ઠેકાણા વગરના મળે-માર્કેટ મટેરીઅલ તે શું થાય ? આ તો ગુરુ જોડે કરાર નથી કર્યો એટલું સારું છે, નહીં તો કહે, ‘કેમ, પાંચ વર્ષના કરાર હતા ને બે વર્ષમાં ચાલ્યા જાવ છો ?’ વીતરાગ માર્ગ આવો ના હોય.

(પા.૪૪૭)

ગુરુકિલ્લી વીણ ગુરુ કેવા ?

આ જગતમાં સાચો ગુરુ મળવો મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં નિરંતર રહે, તે બેઉ ડૂબવાના. ગુરુનો અર્થ શો? ગુરુ એટલે ભારે, તે પોતે ડૂબે ને બીજાને પણ ડૂબાડે ! માટે એમ ને એમ જે ગુરુ થઇ બેઠા છે તે પોતે તો ડૂબે ને બીજાને પણ ડૂબાડશે. ગુરુકિલ્લી વગર ગુરુ થવાય તેમ નથી.

પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ? શુદ્ધાત્માનું લક્ષ ?

દાદાશ્રી : ના, તો તો મોક્ષ થઇ જાય. ભગવાનના વખતમાં ગુરુકિલ્લી અપાતી હતી. આ ગુરુ તો કોઇ પણ થાય, પણ તે વિષયોમાં નિસ્પૃહ હોવો જોઇએ. આ જગત તો રોગિષ્ટો ને રોગીઓનું છે, ત્યાં તો ગુરુ થતાં પહેલાં ગુરુકિલ્લી હાથમાં હોવી જોઇએ. આ તો ગુરુ થાય તેને બે-પાંચ શિષ્યો હોય, ને એ એને બાપજી, બાપજી કરે એટલે કેફ વધી જાય, પણ ગુરુકિલ્લીથી નોર્મલમાં રહે.

ગુરુકિલ્લી વગર શું જોઇને ગુરુ થઇ બેઠા છે ? જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ ગુરુકિલ્લી ના આપે ત્યાં સુધી ગુરુ કેમ થવાય ? ‘જ્ઞાની પુરુષ’ ‘ગુરુતમ’ હોય, એનાથી કોઇ મોટો ના હોય અને પોતે ‘લઘુતમ’ પુરુષ પણ છે, એમનાથી નાનું કોઇ ના હોય ! તમે કહો કે, ‘તમે આચાર્ય છો.’ તો અમે કહીએ કે, ‘એથી પણ ગુરુતમ છીએ.’ ભગવાન કહો તો અમે કહીએ, ‘એથી અમે પણ ગુરુતમ છીએ.’ અને તમે અમને કહો કે, ‘તમે ગધેડા છો.’ તો અમે કહીએ કે, ‘અમે એથી પણ લઘુતમ છીએ.’ આવા ‘લઘુતમ’ ‘ગુરુતમ’ પુરુષની શી રીતે ઓળખાણ પડે ? ને ઓળખાણ પડે તો કામ નીકળી જાય તેમ છે !

સ્વચ્છંદે રોકાયો મોક્ષ

મોક્ષે જવું હોય તો સ્વચ્છંદ નામનો અનંતકાળનો રોગ કાઢવો જ પડશે. ‘જ્ઞાની પુરુષ’ વીતરાગી શબ્દો બોલે તેનાથી સામાનો રોગ જાય. માટે અમારે કહેવું પડે છે કે કઇ જાતના છો ? એક વખત તો પાંસરા

(પા.૪૪૮)

થાવ. ‘હું છું. હું છું,’ તે શેમાં છે તું ? કો’કના આધીન રહોને ! ગમે તેના આધીન રહે તો પોતાને સ્વછંદ તો ના રહેને ! તેથી જ તો કૃપાળુદેવે કહ્યું કે :

‘રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ.’

અને આગળ પાછો સ્વચ્છંદ કાઢવાનો ઉપાય બતાવ્યો કે,

‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.’

સાચો ગુરુ - સાચો શિષ્ય

આ સાધુ-સંન્યાસીઓને શું છે કે કોઇને આધીન જ નથી. જો કોઇને આધીન હોય તો બન્ને વચ્ચે ક્લેશ ના થાય. ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે. ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે ? આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે છે જ ને ? તે એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો ને, તો ઉકેલ આવે ! મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરુપયોગ કરશે. એ શો દુરુપયોગ તારો કરવાનો છે ? એના હાથમાં શી સત્તા છે ? એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને ! એ જ ભમરડો છે ને ! પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે. ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં, તે ઘાટમાં ને ઘાટમાં જ રહે. કોઇને મોક્ષની પડી જ નથી. મોક્ષની પડી હોય તો તેના બાપના સમ ! શિષ્યો વધારવાના ને પૂજાવાના જ કામી થઇ ગયા છે ! એમાં સેંકડે બે-પાંચ એકસેપ્શન કેસ હોય પણ ખરા. ભગવાને શું કહ્યું કે, ‘સંસારમાં બધું કરજે, જૂઠું બોલજે, પણ ધર્મમાં અવળી ‘પ્રરૂપણા’ ના કરીશ.’ એની બહુ મોટી જવાબદારી છે. ભગવાને કહેલાં આવાં વાક્યોને દાબી દીધાં છે, કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ? ભગવાને તો ઘણું કહ્યું છે!

વીતરાગોના વખતના આચાર્યો, મહારાજો કેવા ડાહ્યા હોય ? ૮૦ વરસના આચાર્ય મહારાજ હોય અને ૧૮ વરસનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે, ‘મહારાજ, મારું જરા સાંભળશો ?’ ત્યારે

(પા.૪૪૯)

મહારાજને મહીં એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને, નાનાને, આવું કહેવાનો વારો આવ્યો ! જૈનના આચાર્ય તો સામાનું સાંભળે. અરે, વિધર્મીનુંય ઠંડે કલેજે, જરાય કષાય કર્યા વગર સાંભળે. આજે તો કોઇ કોઇનું સાંભળવા જ તૈયાર નથી !

આચાર્યો તો કેવા હોય ? એક આંખ કાઢે તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય. તેમને વઢવું ના પડે, ખાલી આંખથી જ કામ થાય. શીલ જ કામ કરે, આચાર્ય તો શીલવાન હોય. આ શિષ્યોને માથે તો ભય જોઇએ. પોલીસવાળાનો ભય ના જોઇએ, પણ શીલનો ભય જોઇએ. ખાલી હવાથી જ ભય રહે. આ અમારી પાસે કોઇ કાયદો નથી. છતાં, બધાં શેનાથી કાયદામાં રહે છે ? અમારા શીલથી. વીતરાગને ત્યાં કાયદો ના હોય, એ તો પક્ષાપક્ષીથી દૂર હોય. તમને બે ઉપવાસ કરવાની ઇચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે ‘બે ઉપવાસ કર.’ તો પેલાને મહીં રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે, તેને વચનબળ કહેવાય. આ તો શિષ્ય મહીં બબડતા મહારાજની આજ્ઞા પાળે. સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચે પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે.

જ્યાં જૈન ત્યાં કષાય નહીં ને જ્યાં કષાય ત્યાં જૈન નહીં. વીતરાગોનો માર્ગ તો કષાય રહિત થવું તે. છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય. જિનનું સાંભળે તે જૈન. જૈનને તો કરારપત્ર ના હોય, એને તો વચનથી જ કામ થાય. આ લશ્કર, પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઇએ, વેરો જ એકલો જૈનો માટે હોવો જોઇએ. હવે આ બધાંનો અંત આવી જશે. આ દુષમકાળનો અંત આવી રહ્યો છે. સત્તા દુષમકાળની રહેશે, પણ એનો અંત આવી રહ્યો છે! હજી આ બફારો સાત વરસ સુધી થશે.

બફારા પછી ધર્મોન્નતિ

કેટલાક મને પૂછે છે કે, ‘દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્યું છે ? આ ક્યારે પૂરું થશે ?’ ત્યારે એમને હું સમજ પાડું છું કે, ‘આ તો

(પા.૪૫૦)

બટાકા બફાવા મૂક્યા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશાય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે, જ્યાં ‘જ્ઞાની પુરુષ’ અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા, ને બીજી પણ કેટલીક ‘ટિકિટો’ આવેલ છે, જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા તે આજે થયા છે ! આ બધાં ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું ! એટલે શું થઇ જશે ? સેટ અપ થઇ જશે !

અસંસારી કોણ ?

કેટલાક સાધુઓ ગૃહસ્થીઓને, ‘સંસારી છો, સંસારી છો’ - એમ કહીને તિરસ્કાર કરે. પણ હે સાધુઓ, તમે પણ સંસારી જ છો. તમને અસંસારી કોણે કહ્યા ? તમે ત્યાગી ખરા, એને માટે આપણે કંઇ ના કહીએ છીએ ? એમણે સ્ત્રી ત્યાગી છે, કપડાં-બપડાં, વેશ ત્યાગ્યો છે. એ બધું જાણીએ ખરા, પણ મહારાજ સંસારી તો ખરા જ ને ! ભગવાને જીવ રાશીના બે ભાગ પાડ્યા; એક સંસારી અને બીજા સિદ્ધ. સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. એમાંથી ભગવાને કહ્યું કે, ‘કારણ-સિદ્ધ થયેલા હોય એટલાને અમે એકસેપ્ટ કરીએ છીએ, ને એમને અસંસારી કહીએ છીએ.’ હે ભગવાન ! પેલા ઉપર ગયા તે અસંસારી અને અહીં આગળ મનુષ્યોમાં પણ હોય છે તેય અસંસારી ?’ તો એ કહે, ‘હા. જે કારણ-સિદ્ધ છે તેમને અમે આ પદ આપીએ છીએ,’ ત્યારે તમે કહો કે, ‘હે, ભગવાન, કારણ સિદ્ધવાળાને આ પદ આપો છો, તો બીજાઓએ શો ગુનો કર્યો ?’ ત્યારે એ સમજ પાડે છે કે, ‘કારણ-સિદ્ધ’ એટલે તો એ સિદ્ધ થવાના છે, થોડાક જ વખતમાં, માટે એમને અત્યારથી જ આ ‘સીટનું રીઝર્વેશન’ આપી દઇએ છીએ !’ ‘ભગવાન, આ બધામાં ભેદ કેમ પાડ્યો ?’ ત્યારે ભગવાન કહે, ‘ભેદમાં તો એને અંદર ભેદ વર્તે છે માટે. કારણ-સિદ્ધને ભેદ ના વર્તે, કારણ-સિદ્ધને તો અંદર મોક્ષ જ વર્તે છે. માટે જેને મોક્ષ વર્તે તેને સંસારી કેમ કહેવાય ?’

(પા.૪૫૧)

ભગવાન મહાવીર નાની ઉંમરમાં પણ બહુ ડાહ્યા હતા !! ૭૨ વર્ષે ગયા, પણ બહુ ડાહ્યા હતા. કેવા ડાહ્યા હતા ! ૩૦ વર્ષે તો ભગવાનનું ડહાપણ આપણને આનંદ પમાડે તેવું હતું ! જ્યારે ઘર છોડીને નીકળ્યા- છોડ્યું નહોતું એમણે; એ તો સંયોગી પુરાવા હતા, જેમ હું સાન્તાક્રુઝથી અહીં દાદર આવ્યો, તે એમાં મેં કંઇ સાન્તાક્રુઝ છોડી દીધું ? નહીં, એવું એ તો સંયોગી પુરાવા હતા. મહીં ‘વ્યવસ્થિત’ દોરાવે છે તેમ દોરવાય છે, એમને પોતાને કશું કરવાનું રહ્યું નથી, કરવાપણું રહ્યું નથી. જેને કરવાપણું રહ્યું નથી તેને ભોગવવાપણું ના રહ્યું ! કરવાપણું જેને બાકી ના રહે એને ભોગવવાપણુંય ના રહે.

ભગવાને કહ્યું તે આ મહારાજોએ પકડી લીધું કે અમે જૈનના સાધુ છીએ ને ? ભગવાને કારણ-સિદ્ધ કોને કોને કહ્યા ? સાધુને, ઉપાધ્યાયને, આચાર્યને અને તીર્થંકર ભગવાનોને, આ ચારને કારણ- સિદ્ધ કહ્યા. એ સંસારી દેખાય છે ખરા, દેખાવમાં સંસારી જેવા જ છે, પણ ભોગવટામાં ફેર છે. આ ચાર સિદ્ધપણાનાં સુખ ભોગવે છે ને તમે સંસારીપણાના સુખ-દુઃખ વેદો છો ! આ આચાર્ય મહારાજો બધા કહે, ‘અમે સંસારી ના કહેવાઇએ.’ ‘મહારાજ, શા આધારે સંસારી ના કહેવાઓ ? અમને પુરાવો દેખાડો તો અમને કબૂલ છે. કસોટીમાં જો સોનું ઊતરે, ૨૫ ટકા સોનું ઊતરે તો પણ અમે ૧૦૦ ટકા સોનું માનીશું !’ પછી અમે એમ કેટલીક છૂટ આપીએ, ૨૫ ટકાના ૯૯ ટકા માનીએ ત્યાં સુધી ચલાવી લેવાય, પણ પછી અમે સમજણ પાડીએ તો એ જ કહેશે કે અમે કારણ-સિદ્ધ ના કહેવાઇએ.’ તમે સિદ્ધને ભોગવો છો ક્યાં ? કષાય તો ઊભા રહેલા છે. પૂછો કે, ‘મહારાજ, તમારામાં કષાય ખરા ને ?’ તો કહેશે, ‘હા, કષાય તો ખરા જ ને.’ ત્યારે આપણે કહીએ કે તો, ‘મહારાજ કારણ-સિદ્ધ તમે નહીં !’ ત્યારે મહારાજ જ કહેશે, ‘ના, અમે સંસારી, સંપૂર્ણ સંસારી !’ આપણે બધાને પૂછીએ તો બધા કહે કે ના કહે ? કહે જ ને ! ના કહે તો આપણે સળી કરીએ તો તરત જ ખબર પડે. પણ સળી કરતાં પહેલાં જ ચિઢાતા હોય, વાત કરતાં જ ચિઢાતા હોય ! કારણ કે રઘવાટિયા માણસ તો વાત કરતાં કરતાં પણ ચિઢાઇ જાય !

(પા.૪૫૨)

રઘવાટ અને પ્રમાદ

ગમે તેવા સંજોગ આવે, પણ રઘવાટિયો ના થઇશ. આત્મા રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, ત્યાં રઘવાટની જરૂર હોય ? ચા પીઓ, નાસ્તો કરો, વાજાં વગાડો, બધુંય કરો, પણ આ તો રઘવાટ, રઘવાટ ને રઘવાટ ને આ ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો પાણીય ના પીવા દે, ગળે ઊતરવા ના દે. આપણે જો પાણી પીતા હોઇએ ને થોડી વાર કરીને તો કહેશે, ‘ખસ ખસ અહીંથી જા, પ્રમાદ કરે છે ?’ મેલ તારો પ્રમાદ ! પ્રમાદ તારે ઘેર લઇ જા, નથી જવું એવું મોક્ષમાં ! એવું મોક્ષમાં જવાતું હશે ? મહારાજ પાણી પીવા ના દે, ગળે ઊતરવા ના દે, એવું તે મોક્ષમાં જવાય ? તમે એવું જોયેલું ? રઘવાટ નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : જોયેલો ને; હું તો બે વર્ષ સાધુઓમાં રહી આવ્યો છું, દાદા.

દાદાશ્રી : ત્યાં પ્રમાદ નામનો શબ્દ હોય છે ને તે બધાને રઘવાટ રઘવાટ કરાવે છે. એના કરતાં તો પ્રમાદ કરને, તો રઘવાટ મટી જાય! કેટલો વિરોધાભાસ છે ? આ તો ‘આ’ સાયન્સ, અજાયબ સાયન્સ ઊભું થયું છે ! આ સાયન્સ ! આખું જગત મોંમા આંગળાં ઘાલશે એવું સાયન્સ પ્રગટ થયું છે, ‘જેમ છે તેમ’ ખુલ્લું થયું છે, નહીં તો અહીય રઘવાટ હોય ને, તો દાદા તમને ચા-બા પીવા ના દે, ‘અલ્યા, ચા પી રહ્યા કે નહીં? ઊઠો, હેંડો, હેંડો ગાવ, ચાલો થબાકો પાડો’ એમ કરે; પણ અહીં રઘવાટ-બઘવાટ નહીં ને ! આત્મા તેવો રઘવાટિયો નથી, આત્મા પરમાત્મા છે, એવો કંઇ ગાંડો હશે, આવો ? આપણે આત્મા જેવા થઇએ, તો આત્મા પ્રાપ્ત થાય.

હવે મારી આ વાતનો બધાને શી રીતે મેળ ખાય ?! હું પ્રમાદ શબ્દ જ કાઢી નખાવા ફરું છું. આ તો તે પ્રમાદી આત્મા છોડ્યો અને હવે રઘવાટિયો આત્મા ઊભો કર્યો ! તે અલ્યા મૂળ આત્મા ક્યારે તું પામીશ ? પ્રમાદી આત્મા હતો તે પાછો રઘવાટિયો આત્મા ઊભો કર્યો, એના કરતાં તો પ્રમાદી આત્મા સારો હતો કે કોઇને ઢેખાળો તો ના મારે. આ

(પા.૪૫૩)

રઘવાટિયાથી તો કોઇકને ધક્કો હઉ વાગી જાય. પ્રમાદિયાને કશુંય નહીં, બિચારો આસ્તે ચાલે. તેથી કરીને પ્રમાદને આપણે પસંદ કરીએ છીએ એવું નથી, પણ પ્રમાદ ઉપર તમે દ્વેષ કેમ કર્યો છે આટલો બધો? અને રઘવાટ ઉપર રાગ કેમ કર્યો છે ? હવે આ રાગ-દ્વેષ છોડવા હોય ને રાગ-દ્વેષ કરો, તે કેમ ચાલે ? અત્યારે ચા પીતા હો તો ના પીવા દે, દૂધ રેડતાં પહેલાં ધક્કો મારે, હવે આમને ક્યાં પહોંચી વળાય ? ક્રમિક માર્ગ જ એવો કઠણ છે, બહુ કઠણ માર્ગ. કૃપાળુદેવે પ્રભુશ્રીને કહ્યું કે, ‘સંસ્કૃત શીખી લાવો.’ તે પ્રભુશ્રી કહે કે, ‘હવે ૪૬ વરસ થયાં, હવે હું ક્યારે આ ઉંમરે શીખું ને મને આવડે ? એના કરતાં મને બીજો રસ્તો દેખાડો ને !’ ત્યારે કૃપાળુદેવે કહ્યું કે, ‘વિક્ટોરિયા રાણી બધી ભાષા શીખે છે; આટલી ૭૬ વર્ષની છે તોય તે ૭૬ વરસે આપણી ભાષાઓ શીખે છે ને તમને આપણી પોતાની માતૃભાષા કંઇ નહીં આવડે ? શીખી લાવો.’ તે આજ્ઞા થઇ એટલે શીખવું પડ્યું. તે પ્રભુશ્રી કહેતા હતા કે, ‘હું થાંભલો ઝાલીને, ગમ ગચ્છતિ ટુ ગો, ગમ ગચ્છતિ ટુ ગો’ એમ બોલતો, કે જેથી કરીને ઊંઘ ના આવી જાય, પ્રમાદ ના થાય. હવે ક્યારે પાર આવે ? અને તેમને બાવીસ પુસ્તક લખી આપેલાં આવડાં જાડાં અને કહેલું કે, ‘એને જોડે ને જોડે રાખજો ને મહીં વિચાર આવે કે તરત જ મહીં જોઇ લેજો !’ આ ક્રમિક માર્ગ ! કૃપાળુદેવ ‘જ્ઞાની પુરુષ’ હતા અને એમનો માર્ગ પણ સાચો છે, દુષમકાળના સાચા જ્ઞાની થઇ ગયા. પણ વસ્તુ સ્થિતિમાં ક્રમિક માર્ગ કેટલો બધો કષ્ટદાયી છે ! અને આ આપણો તો અક્રમ માર્ગ, સરળ માર્ગ પ્રાપ્ત થયો ત્યારે લોક આને અલેખે કરી નાખે છે, એટલે ખરો ટાઇમ આવ્યો છે. એક મિનિટ તો એક મિનિટ, પણ અહીં તો એક મિનિટની વધુ કિંમત છે. ફરી આ ‘દાદા’ એક મિનિટ પણ દર્શન કરવા નહીં મળે ! એક દહાડો એવો આવશે કે દહાડામાં એક મિનિટ પણ દર્શન કરવા આ ‘દાદા’ નહીં મળે ! ‘આ’ પ્રગટ સાયન્સ જે ઘડીએ બહાર જગતમાં પ્રગટ થયું તે ઘડીએ જગત ઝાલ્યું રહેશે ?!

બે જાતના મોક્ષમાર્ગ : એક ચાલાક માણસને મળેલો મોક્ષમાર્ગ ને બીજો આળસુ માણસને મળેલો એશઆરામવાળો મોક્ષમાર્ગ. સંસારમાં

(પા.૪૫૪)

ચાલાક વધારે હોય છે, એશઆરામી જરા ઓછા હોય છે. આ લોકો એશઆરામી ના કહેવાય, પણ લોકો સમજ્યા વગર આ શબ્દ વાપરે છે. ‘આ’ તે જુદું જ કહેવાય, આમાં સંસારી મોહ ના હોય, એશઆરામ ખરો, પણ સંસારી મોહ નહીં. એટલે આ આપણો એશઆરામવાળાનો મોક્ષમાર્ગ છે અને બીજો ચાલાકનો મોક્ષમાર્ગ, એ બેનો જુદો રસ્તો ! એશઆરામવાળો મોડો નીકળે પછી રસ્તો ટૂંકો ખોળી કાઢે ! સૂતો સૂતો બહુ કામ કાઢી નાખે એ તો. એટલે આપણો લિફ્ટ માર્ગ જુદી જાતનો છે, તે બધી રીતે ખીલ્યો છે.

તેથી કવિ લખે છે ને કે, ‘જ્ઞાની વિક્રમ ટોચ, ઐશ્વર્ય હાહાકાર.’ અક્રમ જ્ઞાની છે અને વિક્રમ ટોચ પર બેઠા છે ને હાહાકાર વર્તાવી દીધો છે ! ભલે એશઆરામ કર્યા હશે, પણ માર્ગેય એશઆરામી મળ્યો છે ને ! ત્યાં ‘પ્રમાદ ના કરો, પ્રમાદ ના કરો’ કહે તો શી દશા થાય ? રઘવાટ, રઘવાટ ને રઘવાટ, ખાવાપીવામાંય રઘવાટ. શાના હારુ એ રઘવાટ કરે છે ? પ્રમાદ કાઢવા ? પ્રમાદ ગયો ને રઘવાટ પેઠો, એકનું એક ભૂત છે. ઊલટું, આ રઘવાટનું ભૂત ખોટું છે. આ અમુક સાધુઓને કો’કને ત્યાં જમવા બોલાવ્યા હોય, લાડવા ખાવા, તો તે આરામથી જાય; રઘવાટ-બઘવાટ એમનામાં ના હોય ! અને આ કેટલાક સાધુઓ તો રસ્તે હેંડતા હોય ને આપણે કહીએ કે, ‘હમણે હું આવું, આ સૂર્યનારાયણનાં દર્શન કરીને.’ તે આમ દર્શન કરીને આમ જોઇએ ત્યાર સુધીમાં તો ક્યાંય દૂર પહોંચી ગયા હોય ! એનું શું કારણ ? રઘવાટ, રઘવાટ. સંડાસ જતાં રઘવાટ ને પેશાબ કરતાંય રઘવાટ, ચાલતાં રઘવાટ, ખાતાંપીતાં રઘવાટ; બધે રઘવાટ, રઘવાટ, રઘવાટ, રઘવાટ ! એના કરતાં તો આ લાડવા ખાઇને રહે, પેટ ઉપર હાથ-બાથ ફેરવે શાંતિથી, તો આપણને એમ લાગે કે આમનાં દર્શન કરો બિચારાનાં, ને આ રઘવાટિયાનાં તો દર્શન કરવાનુંય મન ના થાય. આ પ્રમાદ કાઢતાં રઘવાટ પેઠો, એના કરતાં પ્રમાદ સારો હતો. જે ભૂત પહેલાંનું હતું તે સારું હતું, આપણા પરિચયવાળું તો ખરું ! આ રઘવાટનું તો અપરિચયવાળું ભૂત પેઠું ! હવે પ્રમાદને સમજતાં નથી ને ઠોકાઠોક બધું કરે છે.

(પા.૪૫૫)

રઘવાટનું કારણ શું ? ત્યારે કહે, પ્રમાદ છોડ્યો છે એમણે. અલ્યા, દેહનો પ્રમાદ નથી છોડવાનો, દેહનો પ્રમાદ તો રાખવાનો છે. નિરાંતે પલંગમાં બેસવાનું છે, પલંગ કચકચ કરે તોય બેસવાનું. છો ને કચકચ કરે, એ પલંગ છે, કંઇ જીવ છે એ ? કોઇ જીવ દબાયો હોય તો આપણે ઊભા થઇ જઇએ, પણ પલંગ છો ને કચકચાટ કરે. બેસી જશે તો આપણે બીજો લાવીશું. પણ કહેશે, ‘ના, પ્રમાદ થઇ જાય એટલે બેસે તોય નિરાંત વાળીને ના બેસે; રઘવાટિયો રઘવાટિયો રહ્યા કરે ! અને તમે કશી વાત પૂછવા જાવને તો તેય રઘવાટમાં ને રઘવાટમાં ચિઢાઇ જાય, એ ‘છીટ, છીટ’ કરે. આવું શોભે ?! ભગવાને આવું નથી કહ્યું. ભગવાન વીતરાગો આવા હશે ? આ લોકો ઘડીવારમાં ક્યાંના ક્યાં જતા રહે છે, તે મહાવીર આવું ચાલતા હશે ? એ તો એય.... આરામથી, આરામ કરતાં કરતાં ચાલે, આ તો મહીં જો આકુળ-વ્યાકુળ થઇ જાયને તો બહારેય આકુળ-વ્યાકુળ થઇ જાય, મહીં રઘવાટ થયો કે બહાર રઘવાટ, પછી આ ઝાડો-બાડો બધું એને હાલતું દેખાય, ના હાલતા હોય તોય દેખાય; કારણ કે રઘવાટિયો પોતે છે!

આ ઓલિયા હોય છે એમને રઘવાટ-બઘવાટ કંઇ નહીં, નિરાંત હોય. આપણે કહીએ કે, ‘અલ્યા, આકાશ ગિરનેવાલા નહીં?’ તો કહેશે કે, ‘નહીં સા’બ, ગિરનેવાલા નહીં. વો તો ખુદાને બનાયા હૈ, કૈસે ગિરેગા ?’ અને આ લોકો તો ‘મારું જ કરેલું ને મારે જ ભોગવવાનું.’ એટલે આકાશ પડે તો શું થાય? આ સવળી સમજણ અવળી થઇ ગઇ ને તેનાં ફળ કડવાં આવ્યાં, નહીં તો આવું તે હોતું હશે ?

હંમેશાં રઘવાટી માણસ જ્ઞાન પામે, તોય ઉપયોગ શુદ્ધ એને રહે નહીં, ‘શુદ્ધ ઉપયોગ’ આપીએ તોય રઘવાટિયા પાસે રહે નહીં, કારણ કે રઘવાટિયો છે ને ! તમે આ ખાવ, પીઓ, હરો-ફરો પણ ઉપયોગપૂર્વક કરો. આ રઘવાટિયો જાણે કે, ‘આમાં તો શુદ્ધ ઉપયોગ જતો રહે જ.’ ના, એ તો શુદ્ધ ઉપયોગ રહે જ. ચા સારી છે કે ખોટી છે, કડક છે કે મીઠી છે, તેમાં આપણો શુદ્ધ ઉપયોગ જ રહે.

પ્રમાદ શબ્દે મારી નાખ્યા છે. આ પ્રમાદ શબ્દને સમજ્યા જ નથી.

(પા.૪૫૬)

આટલો રઘવાટ કરે છે, ચાર વાગ્યે ઊઠે છે તોય જો કદી મહાવીરને પૂછે તો કહેશે, ‘આ બધા પ્રમાદી છે, સંપૂર્ણ પ્રમાદી છે, એક અંશ પણ પ્રમાદ ગયો નથી.’

પ્રમાદ શું છે ? આ જગતમાં કોણ પ્રમાદમાં છે ? આખું જગત જ પ્રમાદમાં છે. એ પ્રમાદ ક્યારે જાય ? આરોપિત ભાવ જાય ત્યારે પ્રમાદ જાય. મદ તો ચઢ્યો છે ને આ પાછો પ્રમાદ. એક તો આરોપિત ભાવ છે, ‘હું ચંદુલાલ છું’ માને છે એ મદ છે ને લગ્નમાં લહેર કરે છે એ પ્રમાદ. જે અવસ્થા હોય એ સારી હોય તે ઠંડક ભોગવતો હોય ને ખરાબ અવસ્થામાં ઉકળાટ ભોગવે એ પ્રમાદ. આરોપિત ભાવમાં સ્થિરતા કરે એ મદ અને આરોપિત ભાવમાં રંજન કરે એને પ્રમાદ કહ્યો.

હવે આ લોકો, વહેલો ઊઠતો નથી તેને પ્રમાદ કહે છે, પણ એ તો આળસ કહેવાય. વહેલો ઊઠતો નથી એ તો આળસુ માણસનું વિટામિન છે. એક તો ઊઠે મોડો અને છેલ્લી ઘડીએ ગાડી આવે ત્યારે એવો દોડે ! એટલે એ આળસુ માણસનું વિટામિન છે.

હવે સાધુઓ એમની ભાષામાં પ્રમાદનો અર્થ લઇ ગયા અને ભગવાને જુદું કહ્યું, ભગવાનની ભાષા આપણને કામની. જ્ઞાનીની સંજ્ઞાએ ચાલવું, એ ધ્રુવકાંટો બરોબર છે, એમનું જ્ઞાન ખરી ઉત્તર દિશા બતાવે. બીજા તો ઉત્તરને બદલે દક્ષિણમાં લઇ જાય, કાંટો ઉત્તરનો દેખાડે ને લઇ જાય દક્ષિણમાં. જ્ઞાનીને વિશે યથાર્થ જ કહેવાયું છે કે,

‘મોક્ષ માર્ગનેત્તારંય ભેત્તારં કર્મભુભૃતામ્,

જ્ઞાતારં સર્વ તત્વાનામ્, વંદે તદ્ગુણ લબ્ધયે.’

(પા.૪૫૭)

સ્વરમણતા : પરરમણતા

જેણે લગ્ન નાઇલાજ થઇને કર્યું હોય તેને માટે વીતરાગોનું જ્ઞાન છે અને રાજીખુશીથી સહીઓ કરીને, ત્રણ ત્રણ સહીઓ કરીને લગ્ન કરી નાખ્યું તે વીતરાગોના જ્ઞાનને કેમ પામે ? નાછૂટકે જેણે શાદી કરી છે, નાછૂટકે જે ખાય છે, નાછૂટકે જે પીએ છે તેને માટે વીતરાગોનું જ્ઞાન છે ! ‘નાછૂટકો’ આ એક પદ છે, સ્ટેજ છે; નથી જ ગમતું છતાં કરવું પડે છે. તમને એકાદ ચીજ ગમતી તો હશે ને ? એવી તમને ખબર હશે ને ?

પ્રશ્નકર્તા : ગમતી છે ખરી, પણ આ જ છે એવું આંગળી ચીંધીને હું બતાવી શકું નહીં.

દાદાશ્રી : ‘છે’ ખરું ને ? એ ‘છે’ ના આધારે જીવે છે. આ જીવે છે શાના આધારે ? ‘છે’ના આધારે અને ‘છે’ના આધારે ના જીવે તો આત્મા પ્રાપ્ત થઇ જાય ! અત્યારે આત્માની રમણતા ‘છે’ એમાં છે. જો ‘છે’વાળી રમણતા ના ગમતી થઇ જાય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો, નહીં તો દેહ રહે જ નહીં ! પણ ‘છે’ એમાં રમણતા છે, ત્યારે આત્મા કહે છે, ‘તમારું બરોબર છે. તમે તમારા ગામમાં બરોબર છો ને હું મારા ગામમાં બરોબર છું !’ કોઇક જગ્યાએ રમણતા વર્ત્યા કરે, આ બીજી જગ્યાએ રમણતા છે તેના આધારે જીવાય છે. જો રમણતા કોઇ પણ જગ્યાએ-એક પરમાણુ માત્રમાં, પુદ્ગલમાં પૌદ્ગલિક રમણતા ના હોય તો એને આત્મા પ્રાપ્ત થયે જ છૂટકો ! અમને એક પરમાણુ ઉપર પૌદ્ગલિક રમણતા નથી ! આત્મ-રમણતા સિવાય એક ક્ષણ પણ અમે રહ્યા નથી ! આ દેહ ‘મારો છે’ એવું અમને ભાન રહેતું નથી, પાડોશી તરીકેનું ભાન રહે છે, આ દેહ નેબરર છે, ફર્સ્ટ નેબર છે.

પૌદ્ગલિક રમણતા જો કિંચિત્ માત્ર કદી હોય ત્યાં સુધી આત્મા

(પા.૪૫૮)

પ્રાપ્ત થતો નથી. આત્માના અણસાર દેખાય છે, પણ તથારૂપ ના થાય. તથારૂપ એટલે ભગવાને જેવો આત્મા કહ્યો છે, તેવો ના થાય. તથારૂપ આત્મા એ તો અચળ આત્મા છે ! આ બધા ચંચળ આત્મા છે ! જ્યાં સુધી પૌદ્ગલિક રમણતા છે ત્યા સુધી ચંચળ આત્મા છે. ભગવાને કહ્યું કે બે જાતની રમણતા હોય. એક ‘શુદ્ધ ચેતન’ની રમણતા, એ પરમાત્મ રમણતા કહેવાય છે; અને નહીં તો બીજી પુદ્ગલની રમણતા, એ રમકડાંની રમણતા કહેવાય છે, રમકડાં રમાડે છે એમ કહેવાય છે.

બધી યે રમકડાંની રમણતા

હા, બાળકોય રમકડાં જ રમાડે છે ને ? બે વર્ષના બાળકનાં રમકડાં પાંચ વર્ષના બાળકને આપે તો તે લે ખરો ? ના લે. એ તો કહેશે, ‘આ તો નાના બાબાનાં છે, મારાં ન હોય !’ એટલે નાના બાબાનાં રમકડાં મોટો બાબો ના વાપરે ને મોટાનાં રમકંડા નાનો ના વાપરે. પછી પાંચ વરસના બાબાનાં રમકડાં હોય તે મોટો અગિયાર વર્ષનો ના લે, કહેશે, ‘અમે તો ક્રિકેટ રમવા જઇશું’ પછી છે તે ચૌદ વર્ષનો થાય ત્યાં સુધી ક્રિકેટ ને ફૂટબોલ ને વોલીબોલ ને ફલાણા બોલ ને આમતેમ, બધાં રમકડાં રમાડ્યા કરે. પછી અઢાર વર્ષનો થાય તેય ભણતાં ભણતાં ચોપડીઓ રમાડે. ચોપડીઓ એય રમકડાં કહેવાય. જે ચોપડીઓ ઉપર રુચિ છે એ શું કહેવાય ? જ્યાં રુચિ છે ત્યાં રમણતા કહેવાય. એટલે ચોપડીઓ રમકડાં, ફૂટબોલ રમકડાં, ઢીંગલા-ઢીંગલી એ બધાંય રમકડાં જ કહેવાય ! પછી વીસ-બાવીસ વર્ષનો થાય ત્યારે કહેશે કે, ‘હવે મારે ઢીંગલી નહીં ચાલે, મારે મોટી જીવતી ઢીંગલી જોઇશે.’ ‘મેર ગાંડિયા, પેલી ઢીંગલી શી ખોટી છે ? લાવી આપવા દેને તને, અહીં આગળથી જાપાનીઝ આવે છે તે, મોટી, સાડી પહેરેલી આવે છે તે ?’ તો તે કહેશે, ‘ના, મારે જીવતી જોઇએ.’ તે પાછો જીવતી ઢીંગલી લઇ આવે ! હવે આપણે તેને કહીએ કે, ‘હવે તો સંતોષ થઇ ગયો ને ? રમકડાંને કંઇ બંધ કરીશ હવે ?’ તો એ કહેશે કે, ‘હવે મારે વાંધો નથી.’ ત્યાર પછી હોંશે હોંશે બે-ચાર વરસ થાય, એટલે લોક પૂછ પૂછ કરે કે, ‘ભાઇ ચાર વરસ થયાં પૈણ્યે, શું છે ? બેબી છે કે બાબો ? નથી, કંઇ કશું ?’ એટલે પાછું મનમાં થાય કે આ

(પા.૪૫૯)

રમકડું ખૂટે છે, એટલે પાછો એ રમકડાંમાં પડ્યો.

ત્યારે બીજો એક છોકરો બાવીસ વર્ષનો થાય, ત્યારે કહેશે, ‘ના, મારે તો દીક્ષા લેવી છે !’ ‘તને આ જીવતી ઢીંગલી નહી ફાવે ?’ તો તે કહેશે, ‘ના, મને એ રમકડું નહીં ફાવે, હું તો ત્યાગી રમકડાં ખોળીશ. જે આવી જીવતી ઢીંગલી ના વાપરતા હોય તે રમકડાં અમારાં !’

કેટલાક લગ્ન થાય, છોકરાં થાય, પછી એમને ઉદય એવા આવ્યા, કે બૈરી જોડે ઝઘડા થવા લાગ્યા. એટલે એને ઉદય ત્યાગનો આવ્યો, એટલે પાછો એ શું કરે કે બૈરી પાસે મારી-ઠોકીને લખાવી લે કે ‘હું રાજીખુશીથી મારા ધણીને મોક્ષનું કામ કાઢી લેવા જવા દઉં છું,’ આમ બૈરી-છોકરાંને રડાવીને લખાવી લે ! આ બધા બૈરી-છોકરાંને રડાવી રડાવીને આવ્યા છે. થોડા ઘણા હશે કે જે પૈણ્યા જ ના હોય અને બીજા કેટલાક હશે કે જેમને પૈણવાનું મળતું જ ના હોય ! બીજા થોડા ઘણા છે કે જેને ઘેર ખાવાનું જ હતું નહીં. બીજા થોડા ઘણા છે તે ડફોળ, ભણવામાં ડફોળ, બીજા બધામાં ડફોળ, પણ આટલી આ અક્કલમાં પહોંચેલા કે અહીં આ સંસારમાં રોજ રેશન લેવા જવું પડે, નોકરી કરવા જવી પડે, તે આ ઉપાધિ તેમને ગમે નહીં, એટલે કહેશે કે, ‘આ ત્યાં સાધુપણામાં તો ખાલી ઉઘાડે પગે ફરવાનું એટલું જ દુઃખને ! ને લોક બાપજી બાપજી તો કરશે ! આવડ્યું, ના આવડ્યું કોણ પૂછે છે ? એટલે આ કેટલાક તો એવી રીતે પેસી ગયા છે ! અને એમાં સાચાય સાધુઓ ખરાં, પાંચ-દશ ટકા ! કેટલાક કરોડો રૂપિયા મૂકીને પણ આવે છે. તેમને પૂછીએ કે, ‘તમને રૂપિયા રમાડવાના ના ગમ્યા, સાહ્યબી રમાડવાની ના ગમી, બાઇ રમાડવાની ના ગમી ? અહીં શું કરવા, શાં રમકડાં રમાડવા આવ્યા છો ?’ ત્યારે એ કહેશે કે, ‘ સમાજકલ્યાણ કરવું છે.’ ‘અલ્યા, કયા અવતારમાં સમાજનું કલ્યાણ કર્યા વગર તું રહ્યો છે ? તું તારું જ કલ્યાણ કરને ! તારા પોતાનું કલ્યાણ કર્યા વગર સમાજનું શી રીતે કલ્યાણ થશે, અલ્યા ?’

હવે આવી બધી અવળી સમજ ક્યાં સુધી ચાલશે ? વીતરાગોની સાચી સમજથી તો ચાલવું પડશે ને ? અને પાછા ગાય પણ ખરા, ‘પરરમણતા દૂર કરે, પરરમણતા દૂર કરે.’ અલ્યા, પરરમણતા એટલે તું

(પા.૪૬૦)

શું સમજ્યો ? તું આ રમાડે છે તે જ પરરમણતા છે ! તે તો શી રીતે તું દૂર કરે કેટલાક કહે કે, ‘સમાજકલ્યાણ કરીએ છીએ, જૈનોને વધારીએ છીએ.’ અલ્યા, જૈન વધે કે ઘટે એમાં તારે શી પીડા ? મહાવીર ભગવાનને આવી ચિંતા નહોતી તો તને તો ક્યાંથી પેઠી ? તારા ગુરુના ગુરુ, એના ગુરુ અને આખી દુનિયાના ગુરુ એવા મહાવીર, તેમણે ચિંતા નથી કરી કે જૈનો વધે, તો તું આવો ક્યાંથી પાક્યો છે કે જૈનો વધારવા પડ્યો છે તે ? તારું ચિત્ત ચગડોળે ચઢ્યું છે કે શું ? એના કરતાં ઘેર છોકરા વધાર્યાં હોય તો ડઝન કે પાંચ, વધત ને ? પણ આ તો છોકરાંને નિર્વંશ કર્યાં ! આને જૈન કેમ કહેવાય ? સમજવું તો પડશે જ ને સાચું? ક્યાં સુધી આવું ઠોકાઠોક ચાલશે ? સાચું સમજવું પડશે. સાચું જાણવું પડશે તો આત્મા જાણવાને મળે. પરરમણતા જાય તો સ્વરમણતા ઉત્પન્ન થાય.

તમને રમણતા શાને કહેવાય એ સમજ પડી ને ? ઠેઠ સુધી શાસ્ત્રો રમાડે. ગુરુઓ શિષ્યોને રમાડે ને શિષ્યો ગુરુઓને રમાડે ને કહે શું કે, ‘આ મોક્ષનો રસ્તો છે.’ અલ્યા, ના હોય એ મોક્ષનો રસ્તો ! ગુરુઓને રમાડે અને શાસ્ત્રોને રમાડ રમાડ કરે રોજ ! સાધુ. મહારાજો, આચાર્યો બધા શાસ્ત્રોને રમાડ રમાડ કરે. ભગવાને કહ્યું કે, તું ઠેઠ સુધી રમકડાં જ રમાડે છે, તેમાં તારો શો શુક્કરવાર વળ્યો ? તે રમકડાં રમાડ્યાં છે, માટે મોક્ષ માટે ગેટ આઉટ. ત્યારે પેલો કહેશે, ‘ભગવાન આ તમારાં શાસ્ત્રો, આગમો બધું હું રમાડું છું ને !’ ત્યારે ભગવાન કહે, પણ તું ગેટ આઉટ, તેં રમકડાં રમાડ્યાં છે, એક ક્ષણ પણ આત્માને રમાડ્યો નથી.’ અમે સ્વરમણતાથી મોક્ષ આપીએ છીએ ! તેથી તો અમે તમને બધાને પુસ્તક ઝાલવાની ના કહી છે ને !

સ્વમાં રમણતા કર્યા કર. જેને સ્વ પ્રાપ્ત નથી થયું તે બધાં રમકડાં રમાડ રમાડ કરે છે. આ બધા આચાર્યો-બાચાર્યો જે આખા વર્લ્ડમાં છે, તે બધાં જ રમકડાં રમાડ રમાડ કરે છે. આપણા અહીંના મહાત્માઓ જ એક આત્માને, સ્વને રમાડે છે, સ્વરમણતા કરે છે. હવે આ આટલી ઝીણી વાત સમજે નહીં તે આખો દહાડો પુસ્તક ને પુસ્તક રમાડ્યા કરે ! પુસ્તક ના જડે તો ચિઢાયા કરે. આખો દહાડો બધા ઉપર ચિઢાયા કરે, ‘તમારામાં

(પા.૪૬૧)

અક્કલ નથી’ એમ બધાને કહે. આ અક્કલનો કોથળો આવ્યો ! ભગવાને પુસ્તકમાં ચોખ્ખું ના કહ્યું છે કે કોઇની ઉપર ચિઢાઇશ નહીં, કોઇને દુઃખ દઇશ નહીં; પણ એનું એ જ કરે, પુસ્તકમાં શું આવું ચિઢાવાનું કહ્યું હોય? પણ જો એક પુસ્તક ખોવાઇ જાયને, જે પુસ્તક ચિઢાવાનું ના કહેનારું હોય તે જ પુસ્તક ખોવાઇ જાયને, તોય ચિઢાયા કરે ! આ બધાં રમકડાં રમાડે છે, પછી એ બૂમ પાડે એમાં શી ભલીવાર આવે ? શાસ્ત્રો કરોડ અવતાર વાંચ વાંચ કરેને તોય એ તો ઊલટો શાસ્ત્રોનાં બંધનમાં પડ્યો. પેલી સંસારની રમણતામાં પડ્યો તો એમાં બંધનમાં પડ્યો. ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી પાછો ઓલામાં ! પુસ્તકોય રમકડાં છે. આત્મા જાણવા માટે પુસ્તકો છે માટે એ હેતુ ખોટો નથી; પણ આત્માની રમણતા એ જ ખરી રમણતા છે, બીજી બધી પરરમણતા છે.

એક સાધુ આવેલા તે કહે કે, ‘મારે બિલકુલ, એકુય પરિગ્રહ નથી, તો મારો મોક્ષ થશે ને ?’ અમે કહ્યું, ‘ના, તમારો મોક્ષ નથી. જ્યાં સુધી આત્માની રમણતા ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. આ તો બધાં રમકડાંની રમણતામાં છે, શાસ્ત્રો વાંચે કે ક્રિયાકાંડ વગેરે કરે તે બધી રમણતા છે. પરિગ્રહ કંઇ નડતા નથી. પરિગ્રહ ગમે તેટલા હોય, પણ જો તે પોતે આત્માની રમણતામાં રહે તો મોક્ષ જ છે ! એવું નોંધારું ના બોલાય કે અપરિગ્રહથી જ મોક્ષ છે.’ તને જો સ્વરમણતા પ્રાપ્ત થઇ હોય તો પૈણને ૧૩૦૦ રાણીઓ ! અમને વાંધો નથી, તારી શક્તિ જોઈએ. સ્વરમણતા તને જો પ્રાપ્ત થઇ તો તને શો વાંધો છે ? સ્વરમણતા ઉત્પન્ન થયા પછી કોઇ પણ જાતનો વાંધો સ્પર્શે નહીં.

રમણતા : અવસ્થાની ને અવિનાશીની

આટલી ઝીણવટની વાતો લોકોને સમજાય નહીં, ‘આ સ્વરમણતા’ અને ‘આ પરરમણતા’ એવું કશું ભાન જ નહીં. બે જાતના માણસ : એક અવસ્થાઓમાં પડ્યા છે, એ પછી સાધુ હોય કે સંન્યાસી હોય, આચાર્ય હોય કે સૂરી હોય, બધાં અવસ્થાઓમાં પડેલા છે અને બીજા સ્વરૂપમાં પડેલા છે તે ‘દાદા’એ જેમને ‘સ્વરૂપનું જ્ઞાન’ આપ્યું ત્યાર પછી તે પોતાના સ્વરૂપમાં પડેલા છે.

(પા.૪૬૨)

અવસ્થાઓ વિનાશી છે, વિનાશી છે એટલે એકદમ કંઇ પા કલાકમાં વિનાશ થઇ જાય એવી નથી. કોઇ ત્રણ કલાક નભે, કોઇ ચાર કલાક નભે. જુવાની દસ વર્ષ કે પંદર વર્ષ નભે, ઘૈડપણ વીસ વર્ષ નભે. તે એમાં બાળપણ, યુવાની અને ઘૈડપણ એ ત્રણ અવસ્થા મોટી અને બાળપણમાંય કેટલી આવસ્થા ઊભી થાય. નાનો બે વર્ષનો હતો ત્યારે નાગો ફરતો હતો, કપડાં નહોતાં પહેરતો, તો તે ચાલતું હતું. પાંચ વર્ષનો થયો તે કપડાં બધાં પહેરાવે ત્યારે આવડાં રમકડાં માગે અને અગિયાર વર્ષનો થાય ત્યારે પાંચ વર્ષના જ બાબાનાં રમકડાં આપીએ તો ના લે, ‘મારે તો બોલ ને બેટ જ જોઇએ’ એમ કહેશે. ‘અલ્યા, કેમ રમકડાં બદલ્યાં ?’ ત્યારે કહેશે, ‘મારી અવસ્થા બદલાઇ, હું મોટો ના થયો ?’ અવસ્થા બદલાઇ તે મોટો થયો એ ! એમ કરતાં કરતાં એ ઠેઠ સુધી રમકડાં રમાડે. જે રમકડાં રમાડે એ અવસ્થામાં મુકામ કરે અને જે આત્માની રમણતા કરે એ આત્મામાં મુકામ કરે. અવસ્થામાં મુકામ કરે એટલે અસ્વસ્થ રહે, આકુળવ્યાકુળ રહે અને આત્મામાં રમણતા કરે એટલે સ્વસ્થ, નિરાકુળ રહે ! ‘જ્ઞાની પુરુષ’ તમને અવસ્થાની રમણતામાંથી ઉઠાવી લઇ આત્મરમણતામાં બેસાડી દે, પછી આ અનંત અવતારની અવસ્થાઓની રમણતાનો અંત આવે છે ને નિરંતરની આત્મરમણતા કાયમ માટે ઉત્પન્ન થઇ જાય છે. ‘જ્ઞાની પુરુષ’ શું ના કરી શકે ?

આત્માની રમણતા થઇ પછી કશું કામ બાકી રહેતું નથી, નહીં તો ત્યાં સુધી રમકડાં જ રમાડવા પડે ને ? કારણ કે ત્યાં સુધી ચિત્તને મૂકવું શેમાં ? જ્યાં સુધી સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી ચિત્તને શેમાં મૂકે ? કાં તો અંદર મૂકે; પણ અંદરનું ‘સ્વરૂપનું ભાન’ નથી એટલે ત્યાં સુધી પોતે બાહ્ય રમકડાં રમાડે, નહીં તો ચિત્ત ભટક્યા કરે; તે રમકડાં રમાડે ત્યાં સુધી તો ચિત્ત સ્થિર રહે !

રમકડાં કોને કહેવાય ? જે ખોવાય તો દ્વેષ થાય ને મળે તો રાગ થાય ! સામે એક ફેરો ‘જ્ઞાની પુરુષ’નો ભેટો થઇ ગયો ને સાંધો મળ્યો, આત્મા પ્રાપ્ત થઇ ગયો, ‘સ્વરૂપની રમણતામાં’ આવ્યો ત્યાર પછી રાગ-દ્વેષ મટ્યો ને થઇ ગયો વીતરાગ ! નહીં તો ત્યાં સુધી પ્રકૃતિમાં ને પ્રકૃતિમાં જ રમણતા ! એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું, તો થઇ ગયો વીતરાગ !

- જય સચ્ચિદાનંદ

www.dadabhagwan.org