દાદા ભગવાન પ્રરૂપિત

આપ્તવાણી શ્રેણી - ૬

સંપાદક : ડૉ. નીરુબહેન અમીન

Table of Contents
સમર્પણ
આપ્તવાણી શ્રેણી - ૬
[1]
[2]
[3]
[4]
[5]
[6]
[7]
[8]
[9]

સમર્પણ

અનાદિ કાળથી

આત્મસુખની ખોજમાં ખોવાયેલાં

અતૃપ્તિની લ્હાયમાં આ કળિકાળમાં પણ

દિગ્મૂઢ બની તપ્તહૃદયે રઝળતાં

મુક્તિગામી જીવોને

પરમ રાહે પુગાડવાં, દિનરાત ઝઝૂમતાં,

કારુણ્યમૂર્તિ શ્રી ‘દાદા ભગવાન’નાં

વિશ્વકલ્યાણક યજ્ઞમાં

પરમઋણીય ભાવે

સમર્પિત.

સંપાદકીય

આપ્તવાણી-શ્રેણી ૬, એ એક આગવી પ્રતિભા ધરાવનારી છે. એક બાજુ વ્યવહારના પળપળના ‘પ્રોબ્લેમ્સ’ અને બીજી બાજુ સ્વ-મથામણથી ઝઝૂમી રહેલો એકલોઅટૂલો પોતે. આ બન્નેની રસાકસીમાં દિનરાત ખડા થતા સંઘર્ષનું સોલ્યુશન પોતાને ક્યાંથી થાય ? કોણ કરાવે એ ? એ સંઘર્ષ જ મહીં કોરી ખાતો રહે છે, ને ગાડી યાર્ડમાં ને યાર્ડમાં જ ફર્યા કરે છે !

જે જે પોતાનાં જીવનનાં સંઘર્ષોનું સરવૈયું લઈને દાદાશ્રી પાસે આવે છે, તેને દાદાશ્રી એવી કડી દેખાડી દે છે કે જેનાથી પેલો સંઘર્ષમાંથી સંધીને પામે છે !

જ્ઞાન એ તો શબ્દથી, સત્સંગથી કે સેવાથી જેમ છે તેમ પમાય તેવું નથી, એ તો જ્ઞાનીના અંતર આશયને સમજવાની દ્રષ્ટિની ખીલવણીના સહારે સધાય છે, જે હર કોઈની આગવી અભિવ્યક્તિ અનુભૂતિ છે.

આ વીતરાગ પુરુષને જેમ છે તેમ ઓળખવો છે. એ કઈ રીતે વળે તેમ છે ? આજ સુધી એવી કોઈ દ્રષ્ટિ, એવું કોઈ માપદંડ જ મળ્યો નહોતો કે જેનાથી એને માપી શકાય. એ દ્રષ્ટિ તો પૂર્વભવની કમાણીરૂપ, આત્માના અનંતમાંના એકાદ આવરણને ઠેઠ સુધી ખસેડીને, અંતરસૂઝના નિર્મળ કિરણે કરીને પમાય કે જેનાથી જ્ઞાનીની પારદર્શકતા પામી જવાય ! એ નિર્મળ દ્રષ્ટિ શું આપણી પાસે છે ? દ્રષ્ટિ નિર્મળ કેમ કરીને થાય ? આજ દિન સુધી ભવોભવથી ભાવનાઓ ભાવેલી હોય કે, ‘વીતરાગ દશાને પમાડનાર જ્ઞાનીપુરુષને જ પ્રાપ્ત કરી છૂટવા છે. એ સિવાય અન્ય કોઈ ચીજનું કામીપણું હવે નથી.’ અને ત્યારે જ જ્ઞાનીના અંગુલિનિર્દેશે જ્ઞાન-બીજનો ચંદ્રમા એની દ્રષ્ટિમાં ખીલે !

જ્યાં પુણ્ય નથી કે પાપ નથી, જ્યાં પવિત્રતા નથી કે અપવિત્રતા નથી, જ્યાં કોઈ દ્વંદ્વ જ નથી, જ્યાં આત્મા સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે પ્રકાશ્યો છે. એ જ્ઞાનીને કોઈ વિશેષણ આપતાં પોતાની જાતને જ ગુનેગાર લેખાય છે! નિર્વિશેષપદને પામેલાને વિશેષણથી નવાજવા એટલે સૂર્યના પ્રકાશને મીણબત્તી અલંકૃત કરે એના જેવું છે ને છતાંય મનમાં અહમ્ પોષીએ કે જ્ઞાનીને મેં કેવા આલેખ્યા !!! આને શું કહેવું ? શું કરવું ?

જ્ઞાનીની પ્રત્યેક વાત મૌલિક હોય. તેમની વાણીમાં કયાંય શાસ્ત્રની છાંટ નથી, અન્ય ઉપદેશકોની છાયા માત્ર નથી કે નથી કોઈ અવતારી પુરુષની ભાષા ! એમનાં દ્રષ્ટાંતો-સીમીલીઝ પણ આગવાં છે. અરે, તેમની સહજ સ્ફૂર્તિ-રમૂજમાં પણ સચોટ માર્મિકતા ને મૌલિકતા જોવા મળે છે. અહીં તો પ્રત્યેકને પોતાની જ ભાષામાં પોતે પોતાનો ગૂંચવાડો કાઢી રહ્યો છે, એવો નિવ્વળ નીવળ અનુભવ થાય છે !

અનુભવ જ્ઞાન તો જ્ઞાનીના હૃદયમાં સમાયેલું છે. તે જ્ઞાન મેળવવા તૃષાતૂરે જ્ઞાનીના હૃદયકૂપમાં પોતાનો સમર્પણતારૂપ ઘડો ડૂબાડે, તો જ એ પરમતૃપ્તિને પામે !

જ્ઞાનીની જ્ઞાનવાણી, એમના અનુભવમાં આવતાં કથન તેમજ પોતાની ભૂલોની સામેથી હૃદયસાત્ થતી ચાવીઓ કે જે કોઈને જડે તેમ નથી. એમની શિશુસહજ નિખાલસતા ને નિર્દોષતા સ્વયં ડોકિંયા કરી, તેમને જ્ઞાની તરીકે ખુલ્લા પાડે છે !

જ્ઞાનીનાં એક-એક વેણ અંતરની અગાશીમાં થૈ થૈ કરી મૂકે છે !

જે જે જ્ઞાની પાસે પોતાની અંતરવ્યથા લઈને ગયો, તેને જ્ઞાની તેની વ્યથા જેમ છે તેમ, તે જ ક્ષણે વાંચી એવી સહજ રીતે શમાવી દે છે કે પ્રશ્નકર્તાને પલમાં જ થઈ જાય કે ઓહોહો ! બસ આટલી જ દ્રષ્ટિભેદ હતી મારી ? આમ બહાર જોવાને બદલે ૧૮૦૦ દ્રષ્ટિને ફેરવી હોત તો ક્યારનોય ઉકેલ આવી ગયો હોત ! પણ ૧૮૦૦ તો શું એક ડીગ્રીય પોતે પોતાથી કેમ ફરે ? એ તો સર્વદર્શી જ્ઞાનીનું જ કામ.

આત્મવિજ્ઞાન જ્યાં સંપૂર્ણપણે પ્રગટ થયું છે, જ્યાં આપણી અનંતકાળની ‘આત્મખોજ’ વિરામ પામે તેમ છે, ત્યાં એ તક ચૂકી પાછા અનંતી ભટકામણ ભોગવાય, એ તો કંઈ પોષાતું હશે ?

આત્મવિજ્ઞાન જ નહીં, પણ પ્રકૃતિનું સાયન્સ પણ જ્યાં સાથે સાથે પ્રગટ થયું છે કે જે ક્યાંય બન્યું નથી, તે અહીં અનુભવમાં આવે છે. તો ત્યાં તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી, પુરુષ અને પ્રકૃતિનું એક્ઝેક્ટ ભેદાંકન કરી, પ્રકૃતિની જાળમાંથી કેમ ના છૂટી જઈએ ? આ પ્રાકૃત ભીંસમાં ક્યાં સુધી ભીડાતા રહેવું ? પ્રકૃતિની પાર જવાનું વિજ્ઞાન હાથવેંત જ છે, તો પછી પોતાની પ્રકૃતિનો ચિત્તાર જ્ઞાની પાસે કેમ ના મૂકાય ? જેને છૂટવું જ છે, તેને પ્રકૃતિની વિકૃતિનું રક્ષણ શાને ?

જ્ઞાની પૂરેપૂરા ઓળખાય ક્યારે ?

જયારે જ્ઞાનીનું ‘જ્ઞાન’ જેમ છે તેમ, પૂરેપૂરું સમજાય ત્યારે ! ત્યારે તો કદાચ ઓળખનારો પોતે જ તે રૂપ થઈ ગયેલો હશે !

આવા જ્ઞાનના ધર્તા જ્ઞાનીને જગત સમજે, પામે ને અહોભાવમાં રાચે, તો સંસારનું સ્વરૂપ સમજાય ને તેમાં અસંગતતા અનુભવે.

વીતરાગોની વાણીની વિશાળતાને કાગળની સીમામાં સીમિત કરતાં નીપજેલી ક્ષતિઓ તે સંકલનાની જ છે, જે અર્થે ક્ષમા પ્રાર્થના.

- ડૉ. નીરુબહેન અમીન

ઉપોદ્ઘાત

કુદરત શું કહે છે કે તને હું જે જે આપું છું, તે તારી જ બુદ્ધિના આશય મુજબનું છે. પછી એમાં તું હાય કકળાટ શાને કરે છે ? જે મળ્યું તે સુખેથી ભોગવને ! બુદ્ધિના આશયમાં ‘ગમ્મે તેવું બૈરું હશે તો ચાલશે, પણ બૈરા વિના નહીં ચાલે.’ એવું હોય તો તેને ગમ્મે તેવું જ બૈરું ભેગું થાય. પછી આજે પારકું બૈરું જુએ ને પોતાને અધૂરું લાગે પણ સંતોષ તો પોતાનાં ઘરનાંથી જ થાય. એમાં તું ગમે તેવા ધમપછાડા કરીશ તો તારું કંઈ જ વળવાનું નથી. માટે સમજી જાને ! સમભાવે નિકાલ કરી નાખ ને! કકળાટ કરવાથી તે નવી પ્રતિષ્ઠા થયા કરવાની ને તેથી સંસાર કયારેય વિરામ નહીં પામે. આ સંસારની રઝળપાટથી હાર્યો-થાક્યો. છેવટે એક જ નક્કી થાય કે હવે કંઈક છૂટકારો થાય તો સારું, ત્યારે તેને જ્ઞાની પુરુષ અવશ્ય મળે જ, જેમની કૃપાથી પોતાના સ્વરૂપનું ભાન થાય, પોતાનું આત્મસુખ ચાખવા મળે. પછી તો એની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. પછી તે નિજઘર છોડી બહાર ડાફોળિયાં મારતી નથી. પરિણામે નવી પ્રતિષ્ઠા ઊભી થતી નથી.

કોઈને ટૈડકાવીએ ને પછી મનમાં એવા ભાવ થાય કે આમ કર્યા વગર પાંસરો ના થાય તો ‘ટૈડકાવવો છે’ એવા કોડવર્ડથી વાણીનું ચાર્જિંગ એવું થાય. તેને બદલે મનમાં એવો ભાવ થાય કે ટૈડકાવવું એ ખોટું કહેવાય. આમ ના હોવું જોઈએ, તો ‘ટૈડકાવવો છે’નો કોડવર્ડ નાનો થાય ને એવું ચાર્જ થાય. અને ‘મારી વાણી ક્યારે સુધરશે ?’ એવા સતત ભાવ થયા કરે તો તેનો કોડવર્ડ બદલાય. અને ‘મારી વાણીથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો.’ એવી ભાવનાથી જે કોડવર્ડ ઊભા થાય છે, તેમાં તીર્થંકરોની દેશનાની વાણીનું ચાર્જિંગ થાય છે !

આ કાળમાં વાણીના ઘાથી જ લોકો દિનરાત પીડાય છે. ત્યાં લાકડીના ઘા નથી થતા, સામો વાગ્બાણ વીંઝે ત્યારે ‘વાણી પર છે ને પરાધીન છે’ એ જ્ઞાનીનું આપેલું જ્ઞાન હાજર થતાં જ, ત્યાં પછી શું ઘા વાગતા હશે ? પોતાથી સામાને વાગે તેવી વાણી બોલે ત્યાં પ્રતિક્રમણ જ, પોતાનું તેમ જ પરિણામે સામાનું, સર્વ રીતે સોલ્યુશન લાવે તેમ છે.

આ જગતમાં દરેક વાતને પોઝિટિવ લેવાની છે. નેગેટિવ તરફ વળ્યા કે પોતે અવળો ચાલશે ને સામાનેય અવળો ચલાવશે.

વ્યવહાર એ કોયડાઓનું સંગ્રહસ્થાન છે. એક પતે ને બીજો કોયડો મોઢું ફાડીને ઊભો જ હોય. પોતાની જાતને જાણે ત્યાં જગત વિરામ પામે. પારકાની પંચાત માટે જગત નથી. પોતાની ‘સેફસાઈડ’ કરી લેવા માટે આ જગત છે !

જ્યાં સુધી પોતાને એવી બિલીફ પડેલી છે કે ‘મારાથી સામાને દુઃખ થાય છે.’ ત્યાં સુધી સામાને એ સ્પંદનનાં પરિણામ સ્વરૂપ દુઃખ થવાનું જ. અને આમ જે દેખાય છે, તે પોતાના જ સેન્સિટિવનેસનાં ગુણથી છે. એ એક પ્રકારનો અહંકાર જ છે. એ અહંકાર રહે ત્યાં સુધી સામાને દુઃખનાં પરિણામ થવાનાં જ. એ અહંકાર જયારે વિલય પામે, ત્યારે કોઈનેય પોતાથી દુઃખ પરિણામ ઊભાં થાય જ નહીં. આપણે ચોખ્ખા થયા તો જગત ચોખ્ખું જ છે.

જ્ઞાની જે માર્ગે અસર મુક્ત થયા તે જ તેમણે જોયેલો, જાણેલો ને અનુભવેલો. આ માર્ગ આપણને જગતથી છૂટવા માટે કહી દે છે.

આવી પડેલી વેદનાથી મુક્ત થવા બીજા રંજિત કરનારા પર્યાયનો સહારો લઈ જગત દુઃખમુક્ત થવા ફરે છે ને નવું જોખમ વહોરે છે. જ્ઞાનીઓ આમ આત્મવીર્યને વટાવી ના જાય. એ તો ‘સમભાવે નિકાલ’ કરે.

‘જ્ઞાનીપુરુષ’ને કોઈ ગમે તેટલી ગાળ ભાંડે તોય જ્ઞાની તેને કહે, ‘કશો વાંધો નહીં બા, તું તારે અહીં આવતો રહેજે. એક દા’ડો તારો ઉકેલ આવશે.’ આ તે કેવી ગજબની કરુણા ને સમતા !!

આ જગત એક ક્ષણવાર પણ અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો અન્યાયને પામે ! ફાંસીએ ચઢાવે તેય ન્યાય છે ને નિર્દોષ છોડી દે તેય ન્યાય છે. માટે કયાંય શંકા કરવા જેવું જગત નથી. આ જગતમાં એવો કોઈ જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે ને નામ દેનારો હશે ત્યાં લાખો ઉપાયે પણ કશું વળનાર નથી. માટે બીજે બધે પૂળો મૂકીને આત્મા ભણી જાવ.

કયા જ્ઞાનના આધારે કોઈના પર શંકા કરાય ? આ આંખે દેખેલુંય શું ખોટું નથી ઠરતું ? શંકાનું કયારેય સમાધાન હોય નહીં ! સાચી વાતનું સમાધાન હોય !! જ્યાં શંકા નથી રાખતો, ત્યાં શંકા હોય છે. ને જ્યાં વિશ્વાસ રાખે છે ત્યાં જ શંકા હોય છે. જ્યાં શંકા છે ત્યાં કશું જ નથી હોતું. રૂમમાં સાપ પેઠો એ દેખ્યાનું જ્ઞાન થયું, જ્યાં સુધી એ નીકળી ગયાનું જ્ઞાન ના થાય ત્યાં સુધી શંકા જાય નહીં. નહીં તો જ્ઞાનીપુરુષના વિજ્ઞાનના અવલંબનથી એ નિઃશંક થાય.

કંઈ પણ યાદ આવે છે, તેની આપણી પર ફરિયાદ છે. તેથી ત્યાં તો પ્રતિક્રમણ કર કર કરીને ચોખ્ખું કરવું પડે.

આપણે બીજાને દુઃખ દીધું ને એ અહીં દુઃખમાં ટળવળે ને આપણે મોક્ષે જઈએ, એ બને ખરું ? પોતે દુઃખી હોય તે જ બીજાને દુઃખ દે. દુખિયો મોક્ષે જાય ? માટે ઊઠો, જાગો ને નક્કી કરો કે ‘આજથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્ માત્ર દુઃખ દેવું નથી.’ પછી મોક્ષ તમારી સામે આવતો દેખાશે. સામો દુઃખ દે તે આપણે જોવાનું નથી. એને બધી જ છૂટ છે. એની સ્વતંત્રતા આપણાથી કેમ છીનવાય ?

એક બાજુ વિશ્વકોર્ટમાંથી નિર્દોષ છૂટકારો જોઈએ છે ને બીજી બાજુ ‘આણે મને આમ કેમ કર્યું ? કેમ કહ્યું ?’ એમ દાવા માંડ્યા કરવા છે, તો કેમ છૂટાય ? અને ભૂલેચૂકે જો દાવો મંડાઈ જાય તો તે પાછો ખેંચી લેવો, પ્રતિક્રમણ કરીને જ સ્તોને !!

વહુ જોડેનો વ્યવહાર, એની મહીં પરમાત્મા જોઈને પૂરો કરવાનો છે, નહીં કે બાવા થઈ જવાનું છે. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં શુદ્ધ સ્વરૂપ જોવાય એ જ શુદ્ધ ઉપયોગ છે.

આપણાથી થતા અસંખ્ય દોષો, શું જ્ઞાનીની દ્રષ્ટિમાં ના આવે ? આવે તો ખરા જ, પણ તેમનો ઉપયોગ શુદ્ધાત્મા તરફ હોય. તેથી જ્ઞાનીને રાગ-દ્વેષનાં પરિણામ ઉત્પન્ન જ ના થાય.

આપણાં પરિણામ બદલાય છે, માટે જ સામાનાં પરિણામ બગડે છે. જ્ઞાનીનાં પરિણામ કોઈ સંયોગોમાં બદલાય નહીં.

સામાને સુધારવો હોય તો સામો ગમે તેટલું દુઃખ દે, તોય તેના માટે એક પણ અવળો વિચાર ના આવે તો તે સુધરે જ. આ જ એક સુધરવાનો ને પરિણામે સામો સુધરે એવો રસ્તો છે !

સામાને ‘આ તારી ભૂલ છે’ એમ મોઢે કહીએ, તો એ ‘એક્સેપ્ટ’ નહીં કરે. ઊલટું ભૂલને ઢાંકશે. એને કહીએ ‘તું આમ કરજે.’ ત્યારે એ જુદું જ કરે. એનાં કરતાં એને જો એમ કહ્યું હોય કે ‘આવું કરવાથી તને શો ફાયદો થશે ?’ એટલે એ સામેથી કરવાનું છોડી દે.

ઠાઠડીમાં સથવારો કોણ દે ? વહેતાં પાણીમાં ક્યા પરપોટાને પકડી રખાય ? કોણ કોને સાથ દે ?

પોતાને ભાન નથી કે જેને માટે સંઘર્ષણ થાય છે, તે વસ્તુ પોતાની છે કે પારકી ? આ બધું હું કરું છું કે કોઈ મને કરાવે છે ? દેહના ભોગે પણ સંઘર્ષ થવો જ ના જોઈએ ! મહીં ભાવ બગડે, અભાવ થાય કે સહેજ આંખેય ઊંચી થાય, તે જ સંઘર્ષની શરૂઆત છે. પોતાને બીજો અથડાય પણ પોતે કોઈનેય ના અથડાય, તો એવા ઘર્ષણ થવાના સંયોગોમાં ઘર્ષણ થતું અટકે ને વધારામાં ‘કોમનસેન્સ’ પ્રગટ થઈ જાય, નહીં તો અજાગૃતિથી એ જ ઘર્ષણમાં અનંત આત્મશક્તિઓ આવરાય. સંસારમાંય ‘સેફટી’ જોઈએ છે ને મોક્ષનો માર્ગ પૂરો કરવો છે, તે ઘર્ષણને ‘સ્કોપ’ કેમ આપે?

જે જ્ઞાને કરીને જ્ઞાનીઓ જગતજીત થયા છે, તે જ્ઞાન કો’ક ફેરો સાંભળ્યું હોય તો કામ લાગે. અંતે જગતજીત જ થવાનું છે ને !

જગતમાં આપણે બધાને ગમીશું તો જ કામ લાગશે. જગતને આપણે ગમ્યા નહીં, તો તે કોની ભૂલ ? આપણી સાથે સામાને મતભેદ થાય તો તે પોતાની જ ભૂલ છે. જ્ઞાની તો ત્યાં બુદ્ધિકળા ને જ્ઞાનકળાએ કરીને મતભેદ પડતાં પહેલાં જ ટાળે.

‘મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે’ એવું ભાન થયા પછી ‘અનુકૂળ-પ્રતિકૂળ’નાં દ્વંદ્વ રહેતાં નથી. જ્યાં સુધી વિનાશી સ્વરૂપમાં વાસો હતો ત્યાં સુધી ‘અનુકૂળ-પ્રતિકૂળ’ રહે, જે નર્યો સંસાર જ છે. ‘મીઠું’ જ્યાં સુધી ‘મીઠું’ લાગે છે, ત્યાં સુધી જ ‘કડવું’ ‘કડવું’ લાગે છે. ‘મીઠું’ ના વેદે તો ‘કડવા’માં વેદવાપણું રહેતું નથી. ‘મીઠામાં’માં જાણપણું રહે તો ‘કડવા’માં જાણપણું સહેજે રહે, આ તો પહેલાંની ‘મીઠું’ ભોગવવાની ટેવો પડેલી, તેથી ‘કડવું’ કાળજું કોરી ખાય.

અનુકૂળમાં ઊભા થતા કષાયો ઠંડકવાળા હોય, મીઠા હોય. તે રાગ કષાય-લોભ ને કપટવાળા કષાય છે, તેની ગાંઠ તૂટે નહીં. એ કષાયો રસ ગારવતામાં ડૂબાડે અને અનંત અવતાર ભટકાવી મારે.

દાન કરે તેને લોક વાહવાહનું જમણ જમાડ્યા વગર છોડવાનાં જ નથી. વાહવાહની ભૂખવાળો તો લોકોના ફેંકેલા વાહવાહના ટુકડા ધૂળમાંથી વીણી વીણીનેય ખાઈ જાય. જ્યારે જ્ઞાનીઓ બત્રીસ જાતનું જમણ પીરસે તોય તેને ‘સ્વીકારે’ નહીં, પછી રોગ પેસવાનો ભો જ ક્યાં રહ્યો ?

કંઈ પણ કામ કરીએ તેમાં કામની કિંમત નથી. પણ તેની પાછળ રાગ-દ્વેષ થાય તો તેનાથી આવતો ભવ ઊભો થાય ને રાગ-દ્વેષ ના થાય તો આવતા ભવની જવાબદારી રહેતી નથી.

જયારે અન્યનો એક પણ દોષ નહીં દેખાય ને પોતાના એકેએક દોષ દેખાશે ત્યારે છૂટાશે. ‘પોતાના દોષે કરીને હું બંધાયેલો છું’ એવી દ્રષ્ટિ થશે, ત્યારે સામાના દોષ દેખાતા બંધ થશે. માટે માત્ર દ્રષ્ટિ ફેર જ કરી લેવાની છે. દરેક પોતપોતાનાં કર્માધીન ભટકે છે, તેમાં તેનો શું દોષ ? વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા ! વ્યવહારમાં તો ‘જ્ઞાનીપુરુષ’ પણ રહે જ છે ને ! છતાં તે જગતને નિર્દોષ જ નિહાળે છે ને !!!

ચોર ચોરી કરે તે તેના કર્મના ઉદયથી કરે છે. તેમાં તેને ચોર કહેવાનો, આપણને શો અધિકાર ? ચોરમાં પરમાત્મા જુએ તો ચોર ગુનેગાર નહીં દેખાય. ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું ! તે શું આ દ્રષ્ટિના આધારે જ તો નહીં ?

ભયંકર અપમાનના ઉદયમાં અંતઃકરણ તપીને લાલચોળ થાય, ત્યારે એ તપને ઠેઠ સુધી તન્મયાકાર થયા સિવાય સમતાપૂર્વક ‘જોયા’ કરે તો એ તપ મોક્ષે લઈ જાય !

તપ તો તેનું નામ કે જેની કોઈને ગંધેય ના આવે. આપણા તપને બીજા જાણી જાય, બીજા આશ્વાસન આપે ને આપણે તે સ્વીકારીએ તો, એ તપમાંથી ‘કમીશન’ બીજા ખઈ જાય.

બાહ્ય સંયોગોની અસર અંતઃકરણમાં પ્રથમ બુદ્ધિને થાય છે. બુદ્ધિમાંથી પછી મનને તે પહોંચે છે. બુદ્ધિ જો વચ્ચે સ્વીકારનારી ના રહે એટલે પછી મન પણ પકડે નહીં. પણ બુદ્ધિ ઝીલે એટલે મન પકડે ને પછી મન કૂદાકૂદ કરી મૂકે.

બુદ્ધિની ડખોડખલ બંધ શી રીતે થાય ? બુદ્ધિના બખેડા સાંભળવાના બંધ કરી દઈએ, અપમાન કરીએ, એટલે બુદ્ધિ બંધ. ને બુદ્ધિને માન આપીએ, તેને ‘એક્સેપ્ટ’ કરીએ, તેની સલાહ માનીએ તો બુદ્ધિ ચાલુ, ફુલ ફોર્મમાં !

આપણાં મનને આમળો ચઢાવે, એ વાતને બંધ કરી દેવી. મન આમળે ચઢે એટલે પહેલું મહીં પોતાનું સુખ આવરાય. પછી અસુખ લાગે, પછી દુઃખ થાય, બળતરા થાય ને ગભરામણ થાય ને છેવટે ચિંતા થાય. પણ એ અંકુર ઉખેડી નાખીએ એટલે વૃક્ષ થતું અટકે !

પોતાને હિતાહિતનું ભાન ના રહ્યું, તેથી મનનો ગમે તેવો ઉપયોગ થયો ને મન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું ! આમ મનની ચંચળતા વધી, તેમાં કોનો દોષ ? અજ્ઞાન છે ત્યાં સુધી મન ઉપર અહંકારનું નિયંત્રણ છે, તેનાથી મન ઉપર ‘કંટ્રોલ’ નથી. આત્મજ્ઞાન થયે ‘પોતાનું’ નિયંત્રણ આવે ને પુરુષાર્થ પ્રગટે ને મન વશ થાય.

‘જોવું અને જાણવું’, બન્ને પ્રત્યેક પળમાં સાથે હોય તો, ત્યાં પરમાનંદ સિવાય શું હોઈ શકે ? પોતે જાણે છે બધું ય કે મનમાં આવું થયું, તેવું થયું, વાણી આવી બોલાઈ, વર્તન આવું થઈ ગયું. પણ પદ્ધતિસરનું જોતા નથી કે કોને થયું ને આપણે કોણ ? ને તેનાથી પરમાનંદનો આસ્વાદ અટકે છે.

પોતાના બોલથી ‘કોનું કોનું, કેવી રીતે પ્રમાણ દુભાય છે’ એ જોવું, તેનું નામ જ વાણી ઉપર ઉપયોગ !

આપણી વાણી સામાને વાગે છે કેમ ? વાણી જે શબ્દરૂપ છે તે નથી વાગતી, પણ તેની પાછળનો અહંકાર છે તેની ઝાળ લાગે છે ! ‘હું સાચો છું’ એ જ અહંકારનું રક્ષણ. અહંકારનું રક્ષણ કરાય નહીં, અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે !

એક પણ શબ્દ મશ્કરી માટે ના વપરાય. એક પણ શબ્દ ખોટા સ્વાર્થ માટે કે પડાવી લેવા માટે ના વપરાય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, માનની ચટણી ખાવા શબ્દપ્રયોગો ના થયા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય.

‘આણે મારું બગાડ્યું’ એવો ભાવ સહેજ જ થાય, તો તેની જોડે વાણીનો વ્યવહાર આખોય દુઃખ કરાવનારો ઊભો થઈ જાય. જેની વાણી સુધરી તેનો સંસાર સુધર્યો. આ દુનિયામાં કોઈ આપણું બગાડવાની શક્તિ જ ધરાવતું નથી.

દબડાવવાથી સામો ક્યારેય વશ ના થાય. એ તો ખુલ્લો અહંકાર છે. જગત નિર્અહંકારીને નમે છે !

આપણી વાત સહુ કોઈને ફીટ થાય એનું નામ સમજણ. અથડામણ થઈ ત્યાં અણસમજણની લીલ ફરી વળી સમજવું. અણસમજણ ઊભી થવાનું રૂટ કૉઝ અહંકાર છે ને અહંકાર ભૂતની પેઠે મહીં રાત-દા’ડો હેરાન કર્યા કરે, બાહ્ય કોઈ નિમિત્ત ના હોય તોય ! એના કરતાં ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ આવ્યો એટલે પત્યું.

સારું કરાવે છે તેય અહંકાર, ખોટું કરાવે છે તેય અહંકાર. સારું કરાવનારો અહંકાર એ કયારે ગાંડું કાઢી ખોટું કરાવડાવે, એની શી ગેરન્ટી ?

બુદ્ધિના અભાવવાળાને ‘આમ કરું કે ના કરું’ની દ્વિધામાં ‘ડિસિઝન’ લેવાય નહીં, એવાં સંજોગોમાં શું કરવું ? ‘કરવા’ તરફનું મહીંથી જોર વધારે છે કે ‘ના કરવા’ તરફનું જોર વધારે છે તે જોઈ લેવું. જો ‘ના કરવા’ તરફનું જોર વધારે છે, તો તેનાં પલ્લામાં બેસી જવું. પછી ‘કરવાનું’ હશે તો ‘વ્યવસ્થિત’ પાછું ફેરવશે.

ઉતાવળ કરવી એ સીંગલ ગુનો ને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો કહેવાય. માટે ઉતાવળથી ધીમા ચાલો.

રાગ કરે એ સીંગલ ગુનો છે ને નિરાગી થાય તે ડબલ ગુનો છે. સંસાર વ્યવહારમાં ‘હું આત્મા છું, મને શી લેવાદેવા ?’ એમ કરી છોકરાની ફી ના આપીએ, તો તે ભયંકર ગુનો છે. ત્યાં નિઃસ્પૃહ થવાનું નથી. ઉપલકપણે રહી નિકાલ કરવાનો છે.

સામાને રાજી કરવાનું છે, તેના રાગી થવાનું નથી. પોલીસવાળાને રાજી કરતાં તેના રાગી થવાય છે ?

ઘરમાં, ધંધામાં ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી કરે, એ રીતે વ્યવહાર કરે તે ખરો બુદ્ધિશાળી !

આપણાથી કોઈ પણ ફફડે તેમાં આપણી શી મોટાઈ ? આપણા ફફડાવવાથી સામામાં ફેરફાર થાય, તો આપણું નુકસાન વહોરીનેય ફફડાવેલું કામનું !

આપણામાં જ્યારે કપટ નહીં રહે, ત્યારે આપણી સાથે સામો કોઈ કપટ કરતો નહીં આવે. જગત આપણું જ પ્રતિબિંબ છે. આપણો જ ફોટો છે આ બધો ! આપણા નિષ્કપટભાવનો પ્રભાવ જ સામાને કપટરહિત કરી શકે !!

‘સામાનું સમાધાન કરવું, એ આપણી જ જવાબદારી છે’ એવું જ્યારે મહીં ફીટ થશે, ત્યારે બાહ્ય કોઈ ગોઠવણી કે ફાંફાં સિવાય સ્વયંસૂઝથી આજે નહીં તો કાલે, પણ સામાને સમાધાન થશે જ. પોતે ફરવાનું છે, નહીં કે સામો ફરે તેની રાહ જોતાં ‘ક્યુ’માં બેસી રહેવાનું.

પોતે આજે ચોખ્ખો થયો, અહંકાર વગરનો થયો. પણ પાછલા અત્યાર સુધીના અહંકારના પડઘા લોકો કેવી રીતે એકદમ ભૂલે ? એ પડઘા તો રહેવાના જ. એ પડઘા સ્વયં ન શમે, ત્યાં સુધી રાહ જોયા વગર છૂટકો નથી.

અરીસો જે કોઈ મોઢું ધરે તેનું પ્રતિબિંબ દેખાડે. આમ અરીસા જેવું ‘ક્લીયર’ થઈ જવાનું છે. અટકણને લીધે અરીસા જેવું ક્લીયરન્સ નથી થતું. તેનાથી લોકોને આપણા તરફ એટ્રેક્શન થતું નથી. એટ્રેક્શન થાય પછી તો એનો શબ્દેશબ્દ બ્રહ્મવાક્ય થઈ પડે.

અરે, આ અટકણને લીધે તો આપણી સાચી વાત પણ લોકોને સારી નથી લાગતી. તેના લીધે મુક્ત હાસ્ય પણ નથી નીકળતું ને વાણીય ખેંચાયા કરે !!

અનંત અવતારની ભટકામણ શાથી થઈ ? અટકણથી ! આત્મસુખ ચાખ્યું નહીં, તેથી વિષયસુખ માટે અટકણ પડી ગઈ ! ‘જ્ઞાનીપુરુષ’ની કૃપા અને પોતાનો જબરજસ્ત પરાક્રમભાવ, એનાથી અટકણ તૂટે. અટકણ તૂટે તો અનંત સમાધિ. સુખો પ્રગટે ને અટકણને નહીં ઉખાડીએ તો, એ તો જ્ઞાનનેય અને જ્ઞાનીથી પણ આપણને ઉખેડી નાખશે.

આપણા પર જેની છાયા પડે, તેનો રોગ આપણામાં પેઠા વગર રહે જ નહીં. સામાનાં ગમે તેવા સુંદર ગુણો દેખાય, પણ છેવટે તો તે પ્રાકૃત ગુણો જ છે ને ? પ્રાકૃત ગુણ વિકૃત થયા વગર ના રહે ? રૂપાળીબંબ જેવી હાફુસની કેરી હોય, પણ તે કહોવાઈને ગંધાઈ જ ઊઠે ને ?

વિષયસંબંધી જ્યાં જ્યાં આકર્ષણ ઊભું થાય, તેનું તરત જ પ્રતિક્રમણ હોવું ઘટે. ને તેની શુદ્ધાત્મા પાસે માંગણી કરવી કે મને આ અબ્રહ્મચર્યના વિષયથી મુક્ત કરો. સ્ત્રી-પુરુષના વિષયથી વેર ઊભું થાય છે. તે વેર જ કેટલાય અવતાર બગાડી નાખે.

પ્રતિક્રમણથી પ્રથમ તો પોતાનું અતિક્રમણ અટકે છે ને અવળા ભાવ તૂટે છે. સામાને તો તે પછી પહોંચે છે ને ના પહોંચે તોય તે જોવાનું નથી. આ તો આપણાં પોતા માટે જ છે બધું !!

વાઘ જોડે પ્રતિક્રમણ થાય તો તે વાઘેય આપણા કહ્યા મુજબ કરે. વાઘમાં ને મનુષ્યમાં ફેર કશો નથી. આપણાં સ્પંદનોના ફેરને કારણે વાઘને એની અસરો થાય છે, વાઘ હિંસક છે એવું જ્યાં સુધી આપણા ધ્યાનમાં છે, બિલિફમાં છે ત્યાં સુધી એ હિંસક જ રહે અને વાઘ ‘શુદ્ધાત્મા’ છે એવું ધ્યાન રહે તો તે ‘શુદ્ધાત્મા’ જ છે !

પોતાની સળીઓ બંધ થઈ, પોતાનાં સ્પંદનો અટક્યાં, તો સામે કોઈ સ્પંદન કરનાર નહીં મળે ને પૂર્વાભ્યાસથી સ્પંદન ફેંકાઈ જાય તો પ્રતિક્રમણ થકી ધોઈ નખાય, એ જ પુરુષાર્થ છે !

કર્મરૂપી ફાચરને ફ્રેકચર શી રીતે કરાય ? ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરવાથી.’ આપણે ફાઈલને દેખતાં જ મનમાં નક્કી કરવું કે ‘મારે સમભાવે નિકાલ કરવો જ છે.’ તો તે પ્રમાણે બધું ગોઠવાઈ જ જાય અને વખતે ચીકણી ફાઈલ હોય, ત્યાં આમ કર્યા છતાં નિકાલ ના થાય તો પછી આપણે ગુનેગાર નથી, ‘વ્યવસ્થિત’ ગુનેગાર છે.

ચીકણી ફાઈલ, ચીકણી શાથી છે ? પોતે જ ચીકણી કરી છે તેથી. ચીકણી ફાઈલની ચીકાશ જોવાને બદલે પોતાની જ પ્રકૃતિની ચીકાશ દેખાશે, ત્યારે ફાઈલને જોવાની દ્રષ્ટિ જ બદલાયેલી હશે !

પોતાની ‘પ્રકૃતિનો ફોટો’ પુરુષ થયા પછી જ પડે. અહંકારરૂપી કેમેરાથી કંઈ ફોટો પડે ? એ તો મૌલિક કેમેરા જોઈએ.

જે ગૂંચાઈ જાય છે એ આપણું સ્વરૂપ ન હોય. ‘આ મારું છે’ એમ મનાય છે તે જ ભૂલ ખવડાવે છે. પ્રકૃતિને ખાલી જોવાની જ છે. ‘સારી-ખોટી’ કહેવાની નથી. પ્રકૃતિ લાખ લેપ ચઢાવવા જાય તોય પોતાનું પરમાત્મસ્વરૂપ લેપાયમાન થાય એમ નથી. આત્માની શુદ્ધતાને જગતનો કોઈ પ્રયોગ અશુદ્ધિમાં પરિણમવાનો નથી જ ને તેવું આપણું સ્વરૂપ છે !

પ્રકૃતિનો હિસાબ ચૂકવવા ‘આપણે’ કશું જ કરવાનું નથી. એ હિસાબો તો એની મેળે જ પૂરા થયા કરે. ‘આપણે’ તો ‘જોયા કરવાનું’ કે કેટલો હિસાબ બાકી રહ્યો !

પ્રકૃતિની બધી જ ખોટો એની મેળે જ પૂરી થઈ જવાની, ‘પોતે’ જો ડખો ના કરે તો ! પ્રકૃતિ પોતાની ખોટ પોતે જ પૂરી કરે છે. આમાં ‘હું કરું છું’ કહે, એટલે ડખો થાય !

આ ‘અક્રમ વિજ્ઞાન’ આખી દુનિયાનાં સાયક્લોનને ઉડાડી મૂકે તેવું છે, પણ આપણે તેની જોડે સ્થિર રહીએ તો !!!

- ડૉ. નીરુબહેન અમીન

(પા.૧)

આપ્તવાણી શ્રેણી - ૬

[1]

પ્રતિષ્ઠાનું પૂતળું

‘હું ચંદુલાલ છું’, ‘આ મેં કર્યું’, ‘પેલું મેં કર્યું’ એવી પ્રતિષ્ઠા કરી કે તરત પાછી નવી મૂર્તિ ઊભી થઈ જાય અને એ મૂર્તિ પાછી ફળ આપે. જેમ આપણે પથ્થરની મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ અને ફળ આપતી થાય એવી રીતે આપણે આ પ્રતિષ્ઠા ઊભી કરીએ છીએ. જે રૂપે પ્રતિષ્ઠા કરે છે, તે જ રૂપે ‘પ્રતિષ્ઠિત આત્મા’ થાય છે. આ જૂનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ નવી પ્રતિષ્ઠા ઊભી કરે છે. આજે જે ‘ચંદુલાલ’ છે એ બધો જૂનો ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે, તે ફરી પાછી પ્રતિષ્ઠા કર કર કરે છે કે, ‘હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, હું આનો કાકો થાઉં’ એવી બધી પ્રતિષ્ઠા કરે છે, એટલે ચાલ્યું પાછું ! ને ‘હું શુદ્ધાત્મા છું’ કહ્યું એટલે પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ. એટલે આપણે કહીએ છીએ કે શુદ્ધાત્મપદ પ્રાપ્ત થયા પછી કર્મો બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : આવો સ્પષ્ટ ફોડ કોઈએ નથી પાડ્યો ?

દાદાશ્રી : ફોડ હોય તો ઉકેલ આવે, આત્મજ્ઞાન હોવું જોઈએ. એ આત્મજ્ઞાન હોતું નથી, નહીં તો તે આરપાર દેખાડી શકે. એટલે આપણે ‘પ્રતિષ્ઠિત આત્મા’ મૂક્યો, એ કોઈ દહાડો કોઈએ મૂકેલું જ નહીં !!

પ્રશ્નકર્તા : એટલે એ પ્રતિષ્ઠા પ્રમાણે બધું ક્રિયા કરે છે, કામ કર્યા કરે છે ?

દાદાશ્રી : હા, એય જેવી પ્રતિષ્ઠા કરી હોય તેવું. જેમ મૂર્તિમાં

(પા.૨)

પ્રતિષ્ઠા કરે છે ને મૂર્તિ ફળ આપ્યા કરે છે. એવું આ પ્રતિષ્ઠા કરે છે, તેનાં ફળરૂપે છોકરાઓ ભણે છે, કરે છે, પાસ હઉ પહેલે નંબરે થાય છે.

બુદ્ધિનો આશય

પ્રશ્નકર્તા : આમાં પોતાનો કંઈ પુરુષાર્થ નહીં ?

દાદાશ્રી : ના, આ તો પોતે પ્રતિષ્ઠા કરતો જાય અને મૂર્તિ ઊભી થાય અને પછી, એના બુદ્ધિના આશયમાં હોય તે પ્રમાણે એનું ‘ફિટિંગ’ થતું જાય, બુદ્ધિના આશયમાં શું છે ? ત્યારે કહે કે, મારે તો બસ ભણવામાં જ આગળ આવવું છે, એવો બુદ્ધિનો આશય હોય તો એવું જ ફળ આપે. કોઈને એમ હોય કે, મારે ભક્તિમાં આગળ આવવું છે, તો તેવું ફળ આવે.

બુદ્ધિના આશયમાં એવું હોય કે મને ઝૂંપડામાં જ ફાવશે, તો પછી કરોડ રૂપિયા હોય તોય પણ તેને ઝૂંપડા વગર ગમે નહીં. અને કોઈને બુદ્ધિના આશયમાં, મને બંગલા વગર ફાવે નહીં એવું હોય, તો તેને પાંચ કરોડ રૂપિયાનું દેવું હોય તોય બંગલામાં જ રહેવાનું ગમે. અને આ ભગતો બિચારાને શું હોય કે, મારે જેવું હશે તેવું ચાલશે, તે તેમને જેવું હોય તેવું પણ બધું મળી આવે !

પ્રશ્નકર્તા : એટલે ત્યાં ભાવ કામ કરે છે ?

દાદાશ્રી : ના, એ બુદ્ધિનો આશય છે, ભાવ કરવો પડે નહીં. બુદ્ધિના આશય પ્રમાણે જ મહીં બધું ‘સેટલમેન્ટ’ થઈ ગયેલું હોય. પોતે પ્રતિષ્ઠા કરી, પૂતળું તૈયાર કરે ને બુદ્ધિના આશય પ્રમાણે ‘સેટલમેન્ટ’ થાય.

પ્રશ્નકર્તા : બંગલા વગર નહીં ફાવે, એ બુદ્ધિનો આશય કહ્યો. તો એમાં પછી પ્રતિષ્ઠા કઈ ?

દાદાશ્રી : પ્રતિષ્ઠા તો આપણે આપણી મેળે કરીએ છીએ કે ‘હું ચંદુલાલ છું, આ મેં કર્યું, આનો સસરો થઉં, આનો મામો થઉં’ એમ કરી ખોખું તૈયાર કરીએ છીએ. પછી ભાવ શું શું થાય ? ત્યારે કહે, ‘બુદ્ધિના આશય પ્રમાણે બધું ચિતરામણ થઈ જાય. બુદ્ધિના આશય પછી મહીં ફેરફાર થયા કરે !’

(પા.૩)

પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠા કોણ કરે છે ?

દાદાશ્રી : એ અહંકાર કરે છે કે, ‘આ હું છું, હું જ ચંદુલાલ છું ને આ મારો કાકો છે, મામો છે.’

પ્રશ્નકર્તા : આ દારૂ પીએ છે, આ પૂજા કરે છે, એ શું છે ?

દાદાશ્રી : દારૂ પીએ છે તે મહીં ભાવ કર્યા હોય ને કે દારૂ વગર તો ના જ ચાલે. એટલે દારૂ પીવે ને પછી એ ના છૂટે, એટલે પ્રતિષ્ઠા કરતો નથી, પણ એ છે તે બુદ્ધિનો આશય બોલતી વખતે કેવો હોય છે, તે મહીં પ્રિન્ટ થઈ જાય છે. બુદ્ધિનો આશય બહુ જ સમજવાની જરૂર છે, આપણે અહીં બેઉ ઊડી જાય છે. અહીં તો પ્રતિષ્ઠા કરવાની જ બંધ થઈ જાય છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય જરા વિશેષ સમજાવો ને, દાદા !

દાદાશ્રી : બુદ્ધિનો આશય એટલે ‘આપણે બસ ચોરી કરીને જ ચલાવવું છે, કાળાં બજાર કરીને જ ચલાવવું છે.’ કોઈ કહેશે, ‘આપણે ચોરી ક્યારેય પણ નથી કરવી.’ કોઈ કહે, ‘મારે આવું ભોગવી લેવું છે.’ તે ભોગવી લેવા માટે એકાંતની જગ્યા હઉ તૈયાર કરી આપે. તેમાં પાછું પાપ-પુણ્ય કામ કરે છે. જે બધું ભોગવવાની ઇચ્છા કરી હોય એવું બધું એને મળી આવે. માન્યામાં ના આવે એવું બધું પણ એને મળી જાય. કારણ કે એના બુદ્ધિના આશયમાં હતું અને પુણ્ય ભેગું થાય તો કોઈ એને પકડીય ના શકે. ગમે તેટલા ચોકી પહેરા કરો તોય ! અને પુણ્ય પૂરું થાય ત્યારે એમ ને એમ પકડાઈ જાય. નાનું છોકરુંય એને ખોળી કાઢે કે ‘ઐસા ગોટાલા હૈ ઈધર!’

બુદ્ધિનો આશય અને ભાવ

પ્રશ્નકર્તા : તો આમાં ભોગવવાનું જે નક્કી કરે છે, ત્યાં શું બુદ્ધિનો આશય કામ કરે છે ?

દાદાશ્રી : હા, બુદ્ધિના આશય પ્રમાણે કામ કરે છે ! દુનિયામાં ના હોય એવુંય ભોગવવું પડે, જો ભોગવવાનો ભાવ કર્યો હોય તો ! અને

(પા.૪)

તે વખતે પાછું એવું મંજૂરેય થાય છે. કારણ કે બુદ્ધિના આશયને પાછો પુણ્યનો આધાર છે.

એટલે ‘હું આ છું’, ‘આ મારું છું’ એમ પ્રતિષ્ઠાથી આખા ભવની ‘બોડી’ તે મૂર્તિ ઊભી થાય છે અને જે ભાવ કરતી વખતે બુદ્ધિનો આશય કેવો હતો, શેમાં શેમાં હતો, એ બધું પ્રિન્ટ થઈ જાય છે. દરેકને બુદ્ધિનો આશય હોય.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય તો હંમેશાં બદલાતો હોય ?

દાદાશ્રી : હા, બુદ્ધિનો આશય બદલાય એ પ્રમાણે બધું ત્યાં પ્રિન્ટ થયા કરે.

પ્રશ્નકર્તા : ભાવ અને બુદ્ધિના આશયમાં ફરક શો ?

દાદાશ્રી : ભાવ એ તો અહીં આગળ માણસને એવા કાચ ઘાલી દે. તે પછી તેની આંખો બહુ સરસ હોય, છતાં પછી જે દેખાય છે તે ભાવ કહેવાય છે અને તે એવા ભાવ પર ચાલ્યા કરે. એટલે પછી એના ઉપરથી આ બધો સંસાર ઊભો થાય છે !

પ્રશ્નકર્તા : કાચમાંથી જે દેખાય છે એ ભાવ છે, તો કાચ એ દ્રવ્યકર્મ છે ?

દાદાશ્રી : હા, કાચ છે એ દ્રવ્યકર્મ છે. એ જે કાચ તમને વીંટ્યા છે, એવા દરેકના જુદા જુદા હોય. દ્રવ્યકર્મ દરેકને જુદું જુદું હોય. લોકો દ્રવ્યકર્મને શું જાણે છે કે જે દેખાયું છે, જેવું દેખાયું, તે ભાવકર્મ છે. તે ભાવકર્મનું જે ફળ આવ્યું તેને દ્રવ્યકર્મ કહે છે. ભાવકર્મથી આ ક્રોધી થઈ ગયો, એને એ દ્રવ્યકર્મ કહે છે. દ્રવ્યકર્મની વાત બહુ સમજવા જેવી છે અને બુદ્ધિનો આશય વસ્તુ જુદી છે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિનો આશય અને ભાવમાં ફરક શો ?

દાદાશ્રી : ભાવકર્મ બધાને જ હોય, પણ પેલા બુદ્ધિના આશય દરેકને જુદા જુદા હોય. એ ક્ષેત્રને આધીન છે. આ કાચ, પાછું આ કાચમાંથી

(પા.૫)

જે દેખાય છે તે ભાવ, પછી ક્ષેત્ર, કાળ, એના આધારે બુદ્ધિનો આશય હોય છે. જો કે કાચની કંઈ એટલી બધી ખાસ વેલ્યુ નથી. આ કાચ એવી રીતે ઉત્પન્ન થાય છે કે આ ભવમાં જે કર્યું, કે તેમાં લોકોને સુખદાયી થાય એવાં કામો કર્યાં હોય તો કાચ એવા નિર્મળ હોય એટલે એને સારું દેખાય. ઠોકરો બહુ ના વાગે. અને લોકોને દુઃખદાયી થાય એવાં કામ કર્યાં હોય, એના કાચ તો એટલા બધા મેલા હોય, તે તેને ધોળે દિવસે પણ સાચી વસ્તુ ના દેખાય, ને પછી એને બહુ દુઃખ પડે. એટલે કાચનો શી રીતે તમે ક્રિયા કરો છો, તેના પર આધાર છે. આખી જિંદગી એક જ કાચના આધારે ચલાવવાનું હોય છે. મૂળ શું છે ? ત્યારે કહે કે, જ્ઞાન પોતાનું છે જ, પણ એ જ્ઞાન ઉપર કાચ છે. એ કાચમાંથી જોઈને બધું ચલાવવાનું. આ બળદને દાબડા બાંધીએ છીએ, એના જેવું આ બાંધે છે. હવે એમાંથી થોડું મહીં ખુલી જાય તો એટલું એટલું દેખાય ને ચિંતા, ઉપાધિઓ કર્યા કરે. પોતાના આશય પ્રમાણે પોતાને બધું મળ્યા કરે છે. એ પોતાના આશયને જો સમજી જાય તો બહુ થઈ ગયું, બુદ્ધિનો આશય તને સમજ પડી ?

પ્રશ્નકર્તા : વ્યવહાર કેવો જોઈએ છે એ નક્કી કરવા માટે, જે નક્કી થાય છે ત્યાં બુદ્ધિનો આશય છે ?

દાદાશ્રી : મને શેમાં સુખ પડશે ? એવું ખોળ ખોળ કરે. એટલે પછી એ વિષયમાં સુખ માનતો થઈ જાય. પાછો વળી એવો ભાવ કરે કે બંગલો નહીં હોય તો ચાલશે, આપણે તો એકાદ ઝૂંપડું હોય તો ચાલશે. એટલે પછી એને બીજા ભવમાં ઝૂંપડું મળે ! દરેકને જુદાં જુદાં મકાનોમાં ગમતું હશે ને, રાત્રે ઊંઘ આવતી હશે ને ?

પ્રશ્નકર્તા : ગમે છે.

દાદાશ્રી : શી રીતે મારે આવું ને પેલાને આવું, એવું આખી રાત ના થયા કરે ? ના થાય. એમાં સંતોષ શાથી થાય છે ? ‘આપણે તો આપણે ઘેર જઈએ તો જ ઊંઘ આવે’ એ બુદ્ધિનો આશય. પોતાને ઘેર ભલે ને ઝૂંપડી હોય ! આપણે એને કહીએ, ‘અલ્યા, તારો ખાટલો તો આટલો નીચો થઈ ગયો છે.’ તોય પેલો કહેશે, ‘ના, મને તો એમાં જ ઊંઘ આવશે. મને આ

(પા.૬)

બંગલામાં ઊંઘ ના આવે.’ આ આદિવાસીને રોજ દૂધપાક-પૂરી જમાડીએ, તો તેમને તે ફાવે નહીં. બે-ત્રણ દહાડામાં છાનોમાનો કહ્યા કર્યા વગર જતો રહે. એને એમ કે આપણે ક્યાં અહીં આગળ ફસાયા.

કેટલાક માણસો પૈસા ના હોય તોય કિંમતી કપડાં પહેરે છે ને કેટલાક માણસો તો ખૂબ પૈસા હોય તોય.... એ બુદ્ધિનો આશય !

ફાધર ગાળો ભાંડતો હોય તોય એને એ જ ફાધર ગમે ! મધર ગાળો ભાંડતી હોય તોય એ જ મધર ગમે !! ફાધરને એ જ છોકરો ગમે. આખી જિંદગી છોકરાને ના બોલાવે, પણ મરતી વખતે બધું છોકરાને જ આપી દે. અલ્યા ! આખી જિંદગી ભત્રીજા પાસે ચાકરી કરાવી, પણ આપી દીધું છોકરાને ? આ બુદ્ધિનો આશય કહેવાય !

દાદાનેય છોકરો ને છોકરી મરી ગયાં. તે એમના બુદ્ધિના આશયમાં એવું કે આ શી લપ, આ શી ભાંજગડ !! બુદ્ધિના આશયમાં નોકરી કરવાની નહીં કે, ‘બસ, નોકરી નહીં કરું.’ તે નોકરી કરવાની ના આવી. એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું થયા કરે.

પ્રશ્નકર્તા : એટલે જે વ્યવહાર, જે નિમિત્ત, જે સંયોગો ભેગા થાય છે, એની પાછળ આશય કામ કરે છે ?

દાદાશ્રી : આશય વગર કશું ભેગું જ ન થાય.

પ્રશ્નકર્તા : હવે બુદ્ધિનો આશય, એ ગયા ભવના ચિંતવનનું પરિણામ છે ?

દાદાશ્રી : ચિંતવન નહીં, આશય, બુદ્ધિનો આશય જ છે. ગયા અવતારના બુદ્ધિના આશય હતા, તેનું આ ફળ આવ્યું. બુદ્ધિનો આશય હોય, તો એને સટોડિયો ભેગો થઈ જાય. બહાર નીકળે કે એને રેસવાળો ભેગો થઈ જાય. પોતે ઘેરથી ઘણુંય નક્કી કર્યું હોય કે રેસમાં જવું જ નથી. તોય જાય, એ બુદ્ધિનો આશય.

આપણે ગયા અવતારે બુદ્ધિનો આશય કરેલો હોય, તેની અત્યારે આપણને પોતાને ખબર પડે કે આ સટ્ટાબજાર મને અડવાનું નથી. નાલાયક

(પા.૭)

માણસ મને ભેગો નહીં થાય.

બુદ્ધિના આશયનો આધાર

આ બધું બુદ્ધિના આશયને આધારે છે અને બુદ્ધિનો આશય છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધીન છે. એમાં પોતાનું કર્તાપણું નથી, કર્તાપણું માનવામાં આવે છે; તે ભ્રાંતિ છે અને તે ભ્રાંતિથી ફરી ફરી નવું ઊભું થાય છે. એ છૂટે જ નહીં કોઈ દહાડો ! બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ એમ ચાલ્યા જ કરે ! એક ફેરો ફળને ખાઈને બીજનો નાશ કરવામાં આવે તો ફરી એ ઝાડ ઊગે નહીં. બીજ એ અહંકાર છે. અહંકારનો નાશ કરી નાખ. જે ફળ આવ્યાં છે તે ખાઈ લે પણ બીજનો નાશ કર. આપણે એટલે જ કહીએ છીએ કે ‘ફાઈલો’ આવે તેને ભોગવો, એનો સમભાવે નિકાલ કરો. કેરી ઊપરનો ગર્ભ ખાઈ જાય ને બીજનો નાશ કરો. કેરી પરનો ગર્ભ એ તમારી બુદ્ધિનો આશય છે, એમાં ચાલે એવું નથી. એ તો ખાઈ જ જવો પડે. પણ ‘આ સારું છે કે આ ખરાબ છે’, એવું ના બોલશો. ‘સમભાવે નિકાલ’ કરજો.

હવે કહે છે કે આત્માએ વિભાવ કર્યો, કલ્પના કરી. અલ્યા, કલ્પના કરી હોય તો કાયમની ટેવ હોય એને. તેથી આપણે કહીએ છીએ ને કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા થયા. માટે આ વિભાવ ઊભો થયો. ‘સાયન્ટિફિક’ એટલે ગુહ્ય. ગુહ્યનો અર્થ શો ? કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધું ભેગું થઈને પછી આ ઊભું થયું. દાબડો પહેરાવ્યા પછી જે ભાવ ઉત્પન્ન થાય છે એ વિભાવ છે ને એને ભાવકર્મ કહે છે. આપણે એને વિશેષ પરિણામ ઊભાં થયાં કહીએ છીએ.

બે વસ્તુના સામીપ્ય ભાવથી વિશેષ પરિણામ, પોતાના ગુણધર્મ પોતાની પાસે રાખીને, વિશેષ પરિણામ ઊભાં થાય છે. જ્યાં સુધી આવડી આવડી કાકડી ભેગી ના થાય, ત્યાં સુધી મહીં ભાવ ઉત્પન્ન થાય છે કશો ? પણ ભેગી થાય એટલે વિશેષ પરિણામ ઊભાં થાય કે બહુ સરસ કાકડી છે ! પણ ના દેખીએ તો ભેગી ના થાય તો કશુંય નહીં !! ત્યારે કો’ક કહે, ‘આ લોકોને મોટું એકાંત ખોળી કાઢે કે જ્યાં માણસ ભેગાં જ થવા

(પા.૮)

ના દે ત્યાં રાખીએ તો ?’ પણ તે ના ચાલે ! એની જે સ્થાપના થયેલી છે, પ્રતિષ્ઠા થયેલી છે ને, એ ફૂટશે અને બીજું પાછી નવી પ્રતિષ્ઠા ઊભી કર્યા વગર રહેવાનો નથી. આ જાતની, નહીં તો બીજી જાતની, પણ એને વિશેષ પરિણામ છૂટે નહીં. પોતાનું સ્વરૂપભાન થાય, એ જે આનંદ, જે સુખ ખોળે છે એ સુખ મળે, એથી દ્રષ્ટિફેર થઈ જાય, દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય. પછી વિશેષ પરિણામ ઊભું ના થાય.

એટલે હકીકતમાં શું છે કે ‘શુદ્ધ જ્ઞાન એ આત્મા છે અને શુભાશુભ જ્ઞાન, અશુદ્ધ જ્ઞાન એ બધું જીવ છે.’ શુભાશુભમાં છે ત્યાં સુધી જીવાત્મા છે, એ મૂઢાત્મા છે. શુદ્ધાત્મા એ તો, જ્યારે સમકિત થાય; પહેલું પ્રતીતિ બેસે, ‘હું શુદ્ધાત્મા છું.’ કોઈ પણ માણસ એમ ને એમ ‘શુદ્ધાત્મા’ થઈ જાય નહીં, પણ પહેલી પ્રતીતિ બેસે. પછી તે પ્રમાણે જ્ઞાન થાય ને તે પ્રમાણે વર્તન થાય. પહેલાં મિથ્યાત્વપ્રતીતિ હતી, તે મિથ્યાત્વજ્ઞાન ઊભું થયું અને મિથ્યાત્વવર્તન ઊભું થયું. જ્ઞાન થાય એટલે વર્તન એની મેળે જ આવ્યા કરે, કશું કરવું ના પડે. મિથ્યાત્વશ્રદ્ધા અને મિથ્યાત્વજ્ઞાન ભેગું થાય એટલે વર્તન એની મેળે તેવું થઈ જ જાય-કરવું પડતું નથી છતાં એ કરવાનું કહે છે, એ એનો અહંકાર છે. એણે એમ માન્યું કે, કડિયાકામમાં જ મજા આવશે ને કડિયાકામમાં જ સુખ છે, તો એ ‘કડિયો’ થાય. પછી પ્રતીતિ બેઠી એટલે કડિયાકામનું એને જ્ઞાન ઉત્પન્ન થાય. અને જ્ઞાન ને શ્રદ્ધા બે ભેગી થઈ, એટલે વર્તન તરત આવડે જ. આમ હાથ મૂકે ને ઈંટ ચોંટે, હાથ મૂકે કે ઈંટ ચોંટે ! દરેક ઈંટ આમ જો જો ના કરવી પડે.

એટલે બુદ્ધિના આશય પ્રમાણે બધું પોતાને ભેગું થાય. કોઈને કશું કરવું ના પડે. બુદ્ધિના આશયમાં ચોરી કરવાનું હોય ને તેની પાછળ પુણ્ય હોય તો તે બધું ભેગું કરી આપે. ગમે તેવાં છૂપાં કર્મો કરતો હોય અને લાખ સી.આઈ.ડી. એની પાછળ ફરતી હોય તોય તે ઉઘાડું ના થાય અને પાપનો ઉદય થાય ત્યારે સહેજમાં પકડાઈ જાય. આ કુદરતની કેવી ગોઠવણી છે ને ! છે પુણ્યૈ, ને પાછો મનમાં મલકાય છે કે, ‘મને કોણ પકડી શકે ?’ એવો અહંકાર કર્યા કરે. હવે પાછું પાપ ભેગું થાય ત્યારે સોદા બંધ થઈ જાય.

(પા.૯)

આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે? પગાર આપનારો તારો શેઠ, પણ પુણ્યૈને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠનેય કર્મચારીઓ મારે.

પ્રશ્નકર્તા : શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો. આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી, તેથી આ ભેગું થયું ?

દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.

પ્રશ્નકર્તા : તો એ લેણ-દેણ હશે ?

દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.

પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?

દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણેય નહીં ને પાળખાણેય નહીં. શેઠના બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ અને નોકરના બુદ્ધિના આશયમાં હોય કે મારે આવા શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !

આ છોકરાં થાય છે, તેય બુદ્ધિના આશય પ્રમાણે હોય છે. ‘મારે એકનો એક છોકરો હશે તોય બહુ થઈ ગયું, મારું નામ કાઢશે.’ એના બુદ્ધિના આશય પ્રમાણે નામ કાઢે. જૈનો એવું કહે છે કે, મારો છોકરો હોય તે દીક્ષા લે તો બહુ સારું, એનું કલ્યાણ તો થાય ! પછી જૈનોનાં મા-બાપ છોકરાને દીક્ષા પણ રાજીખુશીથી લેવા દે અને આ બીજાઓને દીક્ષાની વાત કરો જોઈએ ? એ ના પાડે. કારણ કે એવા એમણે ભાવ જ નહીં કરેલા.

કુદરત અને બુદ્ધિનો આશય

આ ‘વાઈફ’ મળે છે તેને ‘‘આ મારી ‘વાઈફ’ થાય’’ એવા કશા ભાવ નહીં કરેલા. કશું ભાવ નથી, ઓળખાણ નથી, પાળખાણ નથી, એ તો બુદ્ધિના આશય પ્રમાણે ભેગી થઈ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એવાં હોય કે કન્યાઓની બહુ અછત હોય ત્યારે એના બુદ્ધિના આશયમાં શું હોય

(પા.૧૦)

કે આપણને તો જેવી મળશે તેવી પૈણીશું, બસ મળવી જોઈએ. તો તેને તેવી મળે. પણ પછી પેલો બૂમો પાડે કે, આ બૈરી આવી છે, તેવી છે ! અલ્યા, તેં જ નક્કી કરી હતી, હવે શેની બૂમો પાડે છે ? પેલો પાછી બીજાની સુંદર વહુ જુએ, એટલે એને પોતાને ઘેર અધૂરું લાગે ! પણ પાછો સંતોષ તો પોતાને ઘેર જ થાય. પાછો કહેશે કે, મારે ઘેર જ રહીશ !

કુદરત શું કહેવા માગે છે કે તારા બુદ્ધિના આશય પ્રમાણે તને મળ્યું છે, તેમાં તું કકળાટ શાને માટે માંડે છે ? બીજાનો બંગલો જુએ ને મહીં કકળાટ કરે. પણ પાછું ગમે તો એને પોતાનું જ ઝૂંપડું !

અંતિમ પ્રકારનો બુદ્ધિનો આશય

બુદ્ધિના આશયમાં એવું હોય કે જ્ઞાની મળે ને કંઈક હવે છૂટકારો થાય, હવે તો થાક્યો આ રઝળપાટથી; ત્યારે એને જ્ઞાની મળે ! હવે આવો બુદ્ધિનો આશય તો કોઈ કરે જ નહીં ને ? લોકોને આ મોહ ક્યાંથી છૂટે?

પ્રતિષ્ઠાનો કર્તા, પરસત્તામાં !

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવ પરિવર્તન પામ્યા જ કરે છે. જેટલું મોઢે બોલે તેટલો અહંકાર છે, ને તેનાથી પ્રતિષ્ઠા થયા કરે છે. આ અહંકાર જે કરે છે, તેય પોતે નથી કરતો, તેય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ કરાવડાવે છે. ‘જ્ઞાની’ પાસે જ્ઞાન મળે તો અહંકાર જાય. ને અહંકાર ગયો તો બધી પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ ! પછી એ ક્યાં જાય ? મોક્ષમાં !

પ્રશ્નકર્તા : અહંકાર એ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવને આધીન છે ?

દાદાશ્રી : હા, તેથી એ પ્રતિષ્ઠા કરે છે. દેખાવમાં એવું લાગે કે આ પ્રતિષ્ઠા અહંકાર પોતે કરે છે, પણ સંજોગો કરાવડાવે છે. તેનાથી પ્રતિષ્ઠા ઊભી થાય છે. હવે પ્રતિષ્ઠામાંથી પાછા સંજોગો ઊભા થાય છે, એ પાછા પ્રતિષ્ઠા કરાવડાવે છે. એટલે પોતે આમાં કશું કરતો જ નથી ! તેથી આપણે એને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ કહીએ છીએ. બધું સંજોગો કરાવડાવે છે ને પોતે માને છે કે ‘મેં કર્યું.’ હવે ‘મેં કર્યું’ એવી માન્યતા પણ સંજોગો કરાવડાવે છે. ત્યારે કોઈ પૂછે કે આને અહંકાર

(પા.૧૧)

કહેવાય કે નહીં ? ત્યારે કહીએ, ‘‘હા, અહંકાર જ ને ? કારણ કે કરે છે બીજો ને ‘મેં કર્યું’ માને છે.’’

પ્રશ્નકર્તા : અહંકાર પણ સંજોગોને આધીન થાય છે ?

દાદાશ્રી : હા, ખરી વાત છે. આ બધું સંજોગો કરાવે છે. અહંકારેય સંજોગો કરાવે છે. છતાંય એ માને છે કે, ‘મેં જ કર્યું.’ તેનાથી નવી પ્રતિષ્ઠા ઊભી થાય છે. આપણને છે તે ‘મેં કર્યું’ એવું આપણી ‘બીલિફ’માં નથી હોતું. આપણે ‘વ્યવસ્થિત’ કરાવડાવે છે એમ જાણીએ છીએ. એટલે પ્રતિષ્ઠા થવાની બંધ થઈ ગઈ. જે ચીતરેલો છે તે ભવ તો આવવાનો, પણ નવું ચિતરામણ બંધ થઈ ગયું. આપણે જાત્રાએ ગયાં, તે ચીતરેલા ભાવ હતા બધા. જ્યાં જ્યાં હતા, ત્યાં ત્યાં બધેય જઈ આવ્યા.

પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય બદલાય કે નહીં ?

દાદાશ્રી : આજુબાજુ પહેરો હોય તેના આધારે બુદ્ધિનો આશય હોય. ચોગરદમ પોલીસવાળાઓ ભેગા થઈ જાય તે ઘડીએ મહીં ભય પેસી જાય તો બુદ્ધિનો આશય કહેશે કે ના, હવે ચોરી નથી કરવી. તે પ્રમાણે આખો ફેરફાર થઈ જાય.

દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બધું ભેગું થાય ત્યારે તે પ્રમાણે બુદ્ધિનો આશય ઊભો થાય. પણ મહીં મૂળ ભાવના હોય ખરી આપણી દાનત ચોર હોય તો જ એવા બધા સંજોગો ભેગા થાય !

‘અહંકાર’ પણ કુદરતી રચના !

પ્રશ્નકર્તા : ‘નેસેસિટી ઇઝ ધી મધર ઓફ ઇન્વેન્શન’ એ ખોટી વાત છે ?

દાદાશ્રી : આ શબ્દપ્રયોગ જ છે, બાકી આ બધું કુદરત કરાવે છે.

પ્રશ્નકર્તા : તો પછી આ ‘રિલેટિવ’ પ્રગતિનું ‘બેઝમેન્ટ’ શું છે ?

દાદાશ્રી : બધું જ કુદરત કરાવે છે. કાળ ફરે તેમ દ્રવ્ય ફરે, દ્રવ્ય ફરે તેમ ભાવ ફરે અને પોતે ‘ઇગોઇઝમ કરે ‘મેં કર્યું’ ! આ ‘ઇગોઇઝમ’

(પા.૧૨)

પણ કુદરત કરાવે છે. અને જે આ ‘ઈગોઈઝમ’માંથી છૂટ્યો એ આમાંથી છૂટ્યો. આ પ્રગતિ કુદરત કરાવડાવે છે, બાકી જેટલા શબ્દપ્રયોગ છે એ બધો ‘ઈગોઈઝમ’ છે.

આગળના લોકો પ્રારબ્ધ બોલ્યા, તેથી જ તો આ દશા બેઠી છે ! તેથી આપણા સાયન્સમાં પ્રારબ્ધ જ કોઈને કહ્યું નથી.

પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’માં હશે તે થશે એવું નહીં ?

દાદાશ્રી : એ તો તમારા સમાધાન માટે કહીએ છીએ. બાકી ખરી રીતે તો એમ કહીએ છીએ કે કામ કર્યે જાઓ. પરિણામ બધું ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. માટે વિચાર કરશો નહીં, ગભરાશો નહીં. ‘ઓર્ડર’ થઈ ગયો કે લડાઈ કરો, પછી લડાઈ કર્યે જાઓ પછી પરિણામથી ગભરાશો નહીં.

પ્રશ્નકર્તા : તો આપણે કોઈ યોજના કરવાની નહીં ?

દાદાશ્રી : યોજના તો પહેલાં ઘડાઈ ગઈ છે. પછી જ્યારે કરવાનું આવે ત્યારે કામ કર્યે જાઓ. ‘બીગિનિંગ’ શરૂ થઈ ગઈ હોય એ પહેલાં તો યોજના ઘડાઈ ગઈ હોય છે !

પ્રશ્નકર્તા : વિચારો કરવાના નહીં ?

દાદાશ્રી : વિચારો કરવાના નહીં. વિચારો થાય તે જોયા કરવા, ને પછી કામ કર્યે જાઓ, વિચાર કરવાની જરૂર નથી. વિચારો તો થાય જ. માણસોને જો વિચારો બંધ કરવાની શક્તિ હોય તો બધા વિચારો બંધ પણ કરી દે. તમારા ખરાબ વિચારો તમે બંધ કરી શકો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે તમે વિચારો.... શું કરી શકો ?

પ્રશ્નકર્તા : તો વિચારોનું મૂળ શું છે ?

દાદાશ્રી : ગાંઠો છે મનની.

પ્રશ્નકર્તા : ગ્રંથિનું મૂળ શું ?

(પા.૧૩)

દાદાશ્રી : પહેલાં જે વિચારો થયા તેમાં તમે ભેગા થયા, એ ગ્રંથિ પડી. જે વિચારોમાં તન્મયાકાર થયા એ ગ્રંથિ પડી.

આશય પ્રમાણે ભૂમિકા

પ્રશ્નકર્તા : આશય અને વિચારમાં ફરક શો છે ? આશયમાંથી વિચાર ઉદ્ભવે છે ?

દાદાશ્રી : વિચારને આશય જુદા છે. આશય એ તો તારણ છે. દરેક જીવને આશયમાં હોય, એવી એને ભૂમિકા મળે છે.

પ્રશ્નકર્તા : ગ્રંથિઓ આશય પ્રમાણે બંધાય છે ?

દાદાશ્રી : ગ્રંથિઓ જુદી વસ્તુ છે. ગ્રંથિને ને આશયને કાંઈ લેવા દેવા નથી. મૂળ પહેલાં વિચાર છે. એમાંથી ઇચ્છા થાય છે, ને ઇચ્છામાંથી આશય ઉત્પન્ન થાય છે. અને આશયમાંથી એને એની ભૂમિકા મળે છે. આ તમારા આશય પ્રમાણે દેહ મળ્યો છે. બીજા બધાં ‘એડજસ્ટમેન્ટ’ મળે છે. અત્યારે તમને એ ‘એડજસ્ટ’ ના પણ થાય. પણ મળ્યું છે બધું જ તમારા આશય મુજબ.

જો તમારા આશયનું ના હોય તો તમને રાતે ઊંઘ જ ના આવે. બહારવટિયાને પુરુષને લૂંટવાનો આશય હોય તો તેને સ્ત્રી ભેગી જ ના થાય. આશય પ્રમાણે બુદ્ધિ હોય, વિચારો હોય અને આખી જિંદગી આશય પ્રમાણે ચાલે. હવે એ ‘એડજસ્ટ’ કેમ થતું નથી ? પહેલાંના આશય પ્રમાણે બધું મળે છે, અત્યારના જ્ઞાન પ્રમાણે એ ‘એડજસ્ટ’ થતું નથી. છતાં આશયમાં હોય તે જ ગમે. આશયમાં ‘ચેન્જ’ ના થાય. ફક્ત નવી ગ્રંથિ ના પડે ને જૂની ઓગળી જાય. પછી નિર્ગ્રંથ થાય. હવે જ્ઞાન મળ્યા પછી નવો આશય ના બંધાય ને પાછલું ઓગળતું જાય.

પ્રશ્નકર્તા : નિર્ગ્રંથ થવા શું કરવું ?

દાદાશ્રી : આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય.

પ્રશ્નકર્તા : પોતાની ભૂલો સામાયિકમાં પ્રયત્ન કરીને જોવી ?

(પા.૧૪)

સામાયિકમાં તો પ્રયત્ન કરવો પડે ને ?

દાદાશ્રી : ના, પ્રયત્ન એટલે તો મનને ક્રિયામાં લઈ જવું. મન ક્રિયાશીલ કરવું તે પ્રયત્ન, જ્યારે ‘જોવું’ તે ક્રિયામાં ના આવે.

પહેલાં જે ભૂલ નહોતી દેખાતી, તે જ ભૂલ હવે દેખાય છે. ક્રિયામાં ફેર નથી. દેખાય છે એ જ્ઞાનના પ્રતાપે !

પ્રતિષ્ઠાથી પૂતળું

પ્રશ્નકર્તા : ‘પ્રતિષ્ઠિત આત્મા’ એટલે શું ?

દાદાશ્રી : જ્યાં સુધી ‘હું ખુદ કોણ છું’ એ જાણે નહીં, ત્યાં સુધી જેને આપણે આત્મા ગણીએ છીએ કે ‘આ ચંદુલાલ હું જ છું’, તે જ ‘પ્રતિષ્ઠિત આત્મા’. આત્મા એટલે શું ? પોતાની ‘સેલ્ફ’. આપણે એક મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ એવું, આ પ્રતિષ્ઠા કરેલી છે, તેથી આપણને આ ફળ આપ્યા કરે છે. મૂળ દરઅસલ આત્માનું ભાન થાય ત્યારે કામ થઈ જાય. ‘પોતે કોણ છે ?’ એનું ‘સેલ્ફ રિયલાઈઝ’ થવું જોઈએ.

પ્રશ્નકર્તા : આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ને શુદ્ધાત્માનું ભાન જ નથી ને ?

દાદાશ્રી : એને ભાન પણ કેવી રીતે હોય ? પોતાનું ભાન તો જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કરાવે ત્યારે થાય.

પ્રશ્નકર્તા : ના, પણ તમે ‘જ્ઞાન’ આપ્યું, પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ને ભાન થાય ને ?

દાદાશ્રી : હા, ત્યારે તો પોતાને ભાન થયું ને ! એ ભાન થયું ત્યારે તો એ ‘હું શુદ્ધાત્મા છું’ એમ બોલવા માંડ્યો. પહેલાં જે ભાન હતું તેમાં ફેરફાર લાગ્યો. એટલે એને લાગ્યું કે, ‘આ તો હું ન હોય, હું તો શુદ્ધાત્મા છું !’

આત્મચિંત્વના કોની ?

પ્રશ્નકર્તા : આત્મા ચિંતવે તેવો થઈ જાય, તો તે ચિંતવે છે કોણ ?

(પા.૧૫)

દાદાશ્રી : ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ ચિંતવે છે. મૂળ આત્મા તો કશું ચિંતવતો જ નથી. ચિંતવવાનો જે ભાવ કરે છે ને તે જ ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે. ‘દરઅસલ આત્મા’ તો એવો છે જ નહીં. એ તો પ્યોર ગોલ્ડ જ જોઈ લો.

એટલે આપણે શું કહીએ છીએ કે શુદ્ધનું ચિંતવન કરીશું, તો તે રૂપ થઈશું અને બીજું ચિંતવન કરે તો તેવું થાય.

પ્રશ્નકર્તા : પણ એ ચિંતવન તો ‘પ્રતિષ્ઠિત આત્મા’નું જ ને ?

દાદાશ્રી : હા, એનું જ. પેલો તો કશું જ કરતો નથી. ‘પ્રતિષ્ઠિત આત્મા’ જો ‘આમનો’ થઈ જશે, તો ‘શુદ્ધાત્મા’ થઈ જઈશ ને અવળો થશે તો અવળું થશે, એવું આપણે કહીએ છીએ. હવે સ્વરૂપજ્ઞાન મળ્યું ત્યારથી તમારે શુદ્ધાત્માનું ચિંતવન થયા કરશે. છતાં જે લાગે છે કે, ‘હું આમ છું’, ‘મને આમ થયું’, આ બધો મોહ છે. આ સત્સંગ કરીએ છીએ, તે પણ બધો મોહ જ છે. પણ આ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ કોને કહેવાય ? કે સમભાવે નિકાલ કરી નાખીએ, તો એ ઊડી જ ગયો. એ પછી આપણને અડે નહીં અને પેલો ખરો મોહ તો પોતાને ચોંટ્યા વગર રહે જ નહીં. આ દર્શનમોહ ગયેલો એટલે ચારિત્રમોહ એકલો બાકી રહ્યો. એને ‘ડિસ્ચાર્જ’ મોહ કહેવામાં આવે છે.

જ્ઞાન ન હોય તેને તો હવે ‘ડિસ્ચાર્જ મોહ’માં તો ‘હું આમ છું ને તેમ છું’ એવી બધી કલ્પના રહ્યા કરે. તેથી તેવો થઈ જાય પાછો અને સ્વરૂપ જ્ઞાન પછી, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એવું રહ્યા કરે એટલે શુદ્ધ થયા કરે અને ‘ચંદુલાલ’ને તો જે થવાનું હોય તે થાય, જે એનો પ્રકૃતિ સ્વભાવ છે એ તો નીકળવાનો જ. ‘તેને’ ને ‘તમારે’ લેવાદેવા નથી. ફક્ત એનો નિકાલ કરી નાખવાનો છે.

(પા.૧૬)

[2]

વાણીનું ટેપિંગ, ‘કોડવર્ડ’થી

પ્રશ્નકર્તા : વાણીને સુધારવાનો રસ્તો શો છે ?

દાદાશ્રી : વાણીને સુધારવાનો રસ્તો જ અહીં છે. અહીં બધું પૂછી પૂછીને સમાધાન કરી લેવું જોઈએ.

‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.’ આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે ‘એક્ઝેક્ટ’ છે, તે કહું છું.’ હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ‘એક્ઝેક્ટ’ આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો.

પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?

દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ? તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?

હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે

(પા.૧૭)

તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે.

પ્રશ્નકર્તા : વાણી જડ છે, છતાં ‘ઈફેક્ટિવ’ કેમ છે ?

દાદાશ્રી : હા, વાણી જડ છે. છતાં વધારેમાં વધારે ‘ઇફેક્ટિવ’ વાણી જ છે. એને લીધે તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ ‘ઇફેક્ટિવ’ છે.

પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ શી રીતે લાવવો ?

દાદાશ્રી : વાણી ઉપર કંટ્રોલ તો.... એક તો જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌન ધારણ કરે તો થાય. નહીં તો પોતે મૌન ધારણ કરવું, પણ એ તો પોતાને આધીન નથી. ઉદયથી એની મેળે મૌન નહીં આવે. કારણ કે ઉદય તો બધું વ્યવસ્થિતને આધીન છે. માટે જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરે તો થાય. વાણી ટેપરેકર્ડ છે. તે છપાયેલાની બહાર વધારે કે ઓછું કશું બોલાવાનું નથી. એટલે કંટ્રોલ માટે આ બે જ રસ્તા છે.

પ્રશ્નકર્તા : પૂર્વભવમાં કે બીજા ભવમાં એ જ સંયોગોને એ જ માણસો ભેગા થવાના છે, ને એ જ વાણી નીકળવાની છે એવું છે ? ટેપ થયેલું છે, એનો અર્થ શો ?

દાદાશ્રી : આપણે અહીં સાહેબ ઝપાટાબંધ બોલે છે અને પેલો લખી લે છે. તે શી રીતે લખી લેતો હશે ? એ શું ભાષા હોય છે ?

પ્રશ્નકર્તા : ‘શોર્ટહેન્ડ.’

દાદાશ્રી : અને એનાથી આગળ કશુંક નવું નીકળેલું છે ને ? પેલું ‘કોડ લેન્ગવેજ’ કહે છે કે શું ?

પ્રશ્નકર્તા : હા, ‘કોડ લેન્ગવેજ.’

દાદાશ્રી : આ બધું ‘કોડ લેન્ગવેજ’ અને ‘શોર્ટહેન્ડ’માં બધું અંદર ‘ટાઈપ’ થાય છે. આપણો ભાવ અંદર થયો કે, ‘ભલભલાને બેસાડી

(પા.૧૮)

દઉં એવી વાણી બોલું એવો હું છું.’ એટલે આટલા ‘કોડવર્ડ’થી આખું પેલું પ્રકાશમાન થઈ જાય. એને હું ‘ટેપરેકર્ડ’ કહું છું. તમે ‘કોડવર્ડ’ જે મહીં કર્યા છે, તેનું આ ટેપ થઈ ગયેલું છે.

અને ગમે તેવી કઠોર ભાષા બોલનારોય સંત પુરુષ પાસે સુંદર વાણી બોલે છે. ત્યારે આપણે ના સમજીએ કે આ કઠોર વાણીવાળો છે કે મધુર વાણીવાળો છે.

પ્રશ્નકર્તા : વાણી નીકળે ત્યારે કઈ જાતની અને કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : પેલાને છાતીનાં પાટિયાં બેસી જાય એવો મોટો પથરો મારીએ, તો તે વખતે આપણી જાગૃતિ ઊડી જ જાય ! નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઊડે. એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે.

પ્રશ્નકર્તા : એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : ટેપ થઈ ગયેલી વાણી ફેરવાય કઈ રીતે ?

દાદાશ્રી : તમે ફક્ત જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌનવ્રત ધારણ કરો તો એના ઉપાય છે. બાકી એ તો કુદરતને ફેરવવા જેવી વસ્તુ છે. માટે ‘જ્ઞાની પુરુષ’ પાસેથી આજ્ઞા લઈને કરે, તો ‘જ્ઞાની પુરુષ’ જોખમદાર બનતા નથી અને જોખમદારી એમ ને એમ અધવચ્ચે ઊડી જાય છે. એટલે આ એક જ ઉપાય છે.

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?

દાદાશ્રી : ના, એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. એને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.

(પા.૧૯)

પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ તે વખતે જાગૃતિ રાખીએ તો ?

દાદાશ્રી : અત્યારે તમે કોઈને દબડાવો, પછી મનમાં એવું થાય કે આને દબડાવ્યો ‘તે બરાબર છે.’ એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો અને આને દબડાવ્યો ‘તે ખોટું થયું’ એવો ભાવ થયો તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. આ દબડાવ્યો એ બરોબર કર્યું એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. એને ‘આ બહુ ખરાબ થઈ ગયું, આવું બોલવું ના જોઈએ, આવું કેમ થાય છે ?’ એવું થાય તો કોડ નાનો થઈ ગયો.

પ્રશ્નકર્તા : હવે આ બરોબર કર્યું એવુંય ના થાય ને બરોબર ના કર્યું એવુંય ના થાય, તો પછી કોડ ઊભો થાય ?

દાદાશ્રી : એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય.

પ્રશ્નકર્તા : ઘણી વખત મોઢે ના બોલાય, પણ અંતરવાચા હોય ખરી ને ? મહીં અંદર ભાવ બગડ્યા કરે, તેનું શું ?

દાદાશ્રી : તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે આવું ખોટું ના હોવું જોઈએ. આવું સુંદર હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : પછી સુંદરનો કોડ આવી જાય ને ?

દાદાશ્રી : સુંદરનો કોડ તો આવે જ ને !

પ્રશ્નકર્તા : તે પાછો નવો કોડ થાય, તેના માટે નવો દેહ ધારણ કરવો પડે ? એના કરતાં કોડ જ ના થાય એવું અમારે જોઈએ.

દાદાશ્રી : આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાના જ નથી. જેની આજે ખરાબ ભાષા નથી, તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે, તેમણે કોડ બદલ્યા છે. એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાકા થયા છે. જે કહે કે, ‘દાદા, મારી આ વાણી ક્યારે સુધરશે ?’ ત્યારથી આપણે

(પા.૨૦)

ના સમજીએ કે આ કોડ બદલે છે ?!

પ્રશ્નકર્તા : જેને મોક્ષે જવું હોય તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનો ને ? એના માટે શું કરવું ?

દાદાશ્રી : મોક્ષમાં જતાં સુધી કશી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે, તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે. હજી એક અવતાર છે ને ?

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે ‘મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય, ઝાડનું ય પ્રમાણ ના દુભાય.’ એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે ‘આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે’ એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : પાંચ જણને એક જ શબ્દ કહીએ છીએ, તો બધાને જુદા જુદા પ્રમાણમાં મન દુભાય છે. એનું શું કરવું ?

દાદાશ્રી : આપણે જાગૃતિ રાખવી ને પછી બોલવાનું. આપણને જેટલી સમજ પડે એટલું કરવાનું. એનો ઉપાય નથી. આ ‘ચંદુભાઈ’ ન્યાયનું બોલતા હોય છતાં સામાને દુઃખ થાય એવું ય ઘણીવાર બને. હવે એનો ઉપાય શો ? પણ તે અમુક જ માણસો જોડે થાય, બધે નથી થતું. એટલે ત્યાં આગળ બીજા દારૂખાનું ના ફોડે તો જ તમારું દારૂખાનું બંધ થશે, નહીં તો એક જણ ફોડશે એટલે તમારે ના ફોડવું હોય તોય ફૂટી જાય. એટલે બધા ય નક્કી કરે કે આપણે દારૂખાનું બંધ કરો તો એ બંધ થાય, નહીં તો નહીં થાય.

(પા.૨૧)

પ્રશ્નકર્તા : નવો કોડ હોય તે આવતા જન્મમાં ‘ઇફેક્ટ’ આપે કે આ જીવનમાં પણ ‘ઇફેક્ટ’ આપે ?

દાદાશ્રી : આ કુંભાર માટલાં બનાવે છે, તે માટલાંને નિભાડામાં સળગાવીને કલાક પછી કાઢી લે, તો શું થાય ?

આવતા ભવે બધું સારું થશે એવું તમે માન્યું, તેથી તો તમને મારી ઉપર શ્રદ્ધા આવી, નહીં તો અહીં બેસાય શી રીતે ? આ ભવમાં તો શું થાય કે જે તમારી કોડવાળી ભાષા છે, તે પૂરી થઈ જશે અને પછી તમારી એવી ભાષા જ નહીં નીકળે.

પ્રશ્નકર્તા : એટલે પછી મૌન થઈ જવાનું ?

દાદાશ્રી : મૌન જ થઈ જવાનું. મૌન એટલે એવું મૌન નહીં કે અક્ષરેય બોલવાનો નહીં. મૌન એટલે વ્યવહાર પૂરતી જ વાણી રહેશે. કારણ કે એક ટાંકીનો ભરેલો માલ, તે ખાલી તો થઈ જ જવાનો.

અહંકારનું રક્ષણ

પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે વાણી છે તે અહંકારથી નીકળે છે ?

દાદાશ્રી : એવું છે ને કે વાણી બોલે તેનો વાંધો નથી, એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : રક્ષણ ના હોવું જોઈએ, એનો અર્થ આપણે સાચા છીએ એવી ભાવના ના હોવી જોઈએ એમ ?

દાદાશ્રી : અમે સાચા છીએ, એનું નામ જ રક્ષણ કહેવાય. અને રક્ષણ ના હોય તો કશું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈનેય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે.

હું નાના છોકરાને બહુ મારું તોય તેમને કશુંય ના થાય અને જો રીસમાં જરાક તમે ટપલી મારી હોય તો એ રડારોળ કરી મૂકે ! એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે !

(પા.૨૨)

શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે અહંકાર એક એવો ગુણ છે કે જે બધા માણસને આંધળોભૂત બનાવે. ભાઈઓમાં પણ દુશ્મની થઈ જાય. સગો ભાઈ ક્યારે પાયમાલ થઈ જાય એવું વિચારે ! અરે, સગો બાપ પણ એવો, છોકરાને આશીર્વાદ આપે કે ક્યારે એ પાયમાલ થઈ જાય ! અહંકાર શું નુકસાન ના કરે ? એટલે આપણે અહંકારને ઓળખી રાખવો જોઈએ કે ‘આ આપણો કોણ છે તે ?’

પ્રશ્નકર્તા : પણ અમારું કામ કરવા માટે અમારે અહંકાર તો જોઈએ જ ને ?

દાદાશ્રી : એ કામ કરવાનો અહંકાર હોય જ. એની કોણ ના પાડે છે? પણ એ અહંકારને જાણવો જોઈએ કે અહંકારમાં આવા ગુણો છે. એટલે આપણને એની પર પ્રેમ રહે નહીં, આસક્તિ રહે નહીં.

પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું ?

દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે ! આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ ‘મીનિંગલેસ’ છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે, ‘આવું ના કરીશ.’ ત્યારે સામો કહે કે, ‘જાવ, અમે તો એવું જ કરવાના !’ આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો !

આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવી કરીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ ‘સીન્સિયર’ હોય, ત્યાં ‘મોરાલિટી’ હોય.

આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાને ય જરાક ‘અક્કલ વગરનો’, ‘મૂરખ’, ‘ગધેડો’ એમ જો કહ્યું તો તેય વાંકો ફાટે. ને ‘બાબા, તું બહુ ડાહ્યો છે’ કહીએ કે તરત એ માની જાય.

(પા.૨૩)

પ્રશ્નકર્તા : અને એને બહુ ડાહ્યો કહીએ તોય એ બગડશે ?

દાદાશ્રી : મૂરખ કહીએ તોય બગડી જાય ને બહુ ડાહ્યો કહીએ તોય બગડી જાય. કારણ કે ડાહ્યો કહીએ એટલે એના અહંકારને ‘એન્કરેજમેન્ટ’ મળી જાય અને મૂરખ કહો તો ‘સાયકોલોજિકલ ઈફેક્ટ’ અવળી પડે. ડાહ્યા માણસને ૨૫-૫૦ વખત મૂરખ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે, ‘ખરેખર શું હું ગાંડો હોઈશ ?’ એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય ‘તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી’ એમ કરી કરીને ‘એન્કરેજમેન્ટ’ આપું છું. આ જગતમાં હંમેશાં ‘પોઝિટિવ’ લો. ‘નેગેટિવ’ તરફ ચાલશો નહીં. ‘પોઝિટિવ’નો ઉપાય થશે. હું તમને ડાહ્યો કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાંય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને ‘એન્કરેજ’ ના કરીએ તો એ આગળ વધેય નહીં.

‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે.

વ્યવહારનો અર્થ શો ? આપીને લો અગર તો લઈને આપો એનું નામ વ્યવહાર. ‘હું’ કોઈને આપતોય નથી ને ‘હું’ કોઈનું લેતો નથી. મને કોઈ આપતું ય નથી. ‘હું’ મારા સ્વરૂપમાં જ રહું છું.

વ્યવહાર એવો બદલો કે આપણે આપીને લેવાનું છે. એટલે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો.

આપણે વાવમાં જઈને કહીએ કે, ‘તું બદમાશ છે.’ તો વાવ પણ કહેશે, ‘તું બદમાશ છે’ અને આપણે કહીએ કે, ‘તું ચૌદ લોકનો નાથ છે.’ તો તે પણ આપણને કહે કે, ‘તું ચૌદ લોકનો નાથ છે.’ માટે આમાં આપણને જેવું ગમે છે તે બોલવું. એવું ‘પ્રોજેક્ટ’ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી.

(પા.૨૪)

દુનિયામાં કોઈને અક્કલ વગરનો કહેશો નહીં. અક્કલવાળો જ કહેજો, તું ડાહ્યો છે, એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે ‘તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છો, સમજણવાળી છો.’ મેં એને પૂછયું, ‘ભેંસને તું આમ કેમ કહે છે ?’ ત્યારે એણે કહ્યું કે, ‘આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે.’ ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે ?

બુદ્ધિની ડખલે રચાઈ ડખલામણ !

આ જગત ‘રિલેટિવ’ છે. વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરેય ના બોલાય. અને જો ‘પરમ વિનય’માં હોય તો ખોડેય ના કઢાય. આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ‘ખોડ કાઢવાથી શો દોષ બેસશે’, તેની ખોડ કાઢનારને ખબર નથી.

પ્રશ્નકર્તા : ખોડ નથી કાઢતા અમે, પણ સામો આગળ વધે એટલે બોલીએ છીએ.

દાદાશ્રી : તેના આગળ વધવાનો હિસાબ તમારે ના કાઢવો. આગળ વધારવાનું તો કુદરત એની મેળે કામ કર્યા કરે છે. તમારે સામાને આગળ વધારવાની ઇચ્છા ના કરવી. કુદરત કુદરતનું કામ કર્યે જ જાય છે. આપણે આપણી મેળે બધી ફરજ બજાવ્યા કરવાની.

બુદ્ધિ તમને હેરાન કરે કે આમ કરીએ તો આમ થાય ને તેમ કરીએ તો તેમ થાય. કશું જ થતું નથી. કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. કુદરત કુદરતનું કામ કર્યે જ જાય છે. કોઈ કોઈની સલાહ માગવા નથી આવતું, છતાં આ તો વણમાગી સલાહ પીરસ્યે જ જાય છે.

આ બુદ્ધિનું માનવામાં આવે ને તો અહીંયાં સત્સંગમાં પહેલો કાયદો જોઈએ કે આમ બેસવું ને આમ ના બેસવું. જ્યાં સાચો ધર્મ છે ત્યાં ‘નો લૉ લૉ’ એ જ મુખ્ય વસ્તુ છે.

આપણે અહીં ‘બુદ્ધિ’ શબ્દની જરૂર જ નથી. જે ડખળામણ કરાવે

(પા.૨૫)

એ બુદ્ધિને ખસેડવાનો પ્રયત્ન કરો. ડખળામણમાં ના મૂકતી હોય તો તેનો વાંધો નથી. વાત તો સમજવી જ પડશે ને ? આમ ક્યાં સુધી ચાલશે ? બુદ્ધિ તમને ‘ઈમોશનલ’ કરશે. તમારું આમાં કશું જ વળવાનું નથી. બધું ‘વ્યવસ્થિત’ને આધીન છે. ‘વ્યવસ્થિત’ ઉપર થોડો ઘણો વિશ્વાસ બેઠો હોય તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. અહીં તો વણપ્રશ્ને ઉત્તર છે.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે પ્રયત્નો તો છેક છેવટ સુધી કરવાના ?

દાદાશ્રી : પ્રયત્ન શેનો કરવાનો ? પ્રયત્ન આપણા સંસારવ્યવહારનો કરવાનો હોય. સત્સંગમાં અહીં સંસારવ્યવહાર નથી. આ તો ‘રિયલ’નો શુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ વ્યવહારમાં બુદ્ધિની બિલકુલ જરૂર નથી.

પ્રશ્નકર્તા : બુદ્ધિનું ‘સર્વન્ટ’ તરીકે કામ લેવું કે નહીં ?

દાદાશ્રી : ના. જ્યાં સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર છે, એવી આ ‘રૂમ’માં પેઠા એટલે બુદ્ધિનું કામ નહીં. અહીં શુદ્ધ વ્યવહાર છે ને બહાર સંસાર વ્યવહાર છે. સંસારમાંય જ્યાં બુદ્ધિ હેરાન કરે, ત્યાં તેને છોડી દેવાની હોય. ‘વ્યવસ્થિત’ કહ્યા પછી વિકલ્પ કરવાપણું રહેતું નથી. ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞામાં રહે તો તેમને ‘શુદ્ધ વ્યવહાર શું છે ?’ તે સમજાઈ જશે.

(પા.૨૬)

[3]

આમંત્રેલી કર્મબંધી

અમારે અમારી મરજી મુજબનું કર્મ હોય ને તમને કર્મ નચાવે. અમને સ્વતંત્રતા હોય. એટલે અમે નિરાંતે બેસીએ, તમારેય કર્મો ધીમે ધીમે ખલાસ થશે, પછી આપણે બોલાવીએ તોય ના આવે. એ નવરાં નથી. આપણે સહી કરી તેથી આવ્યાં છે, નહીં તો એ આવે જ નહીં ને ? કરાર ઉપર જેવી સહીઓ કરી હોય, ગૂંચવણીવાળું હોય તો તેવું આવે ને ચોખ્ખું હોય તો ચોખ્ખું આવે. અરે, સત્સંગમાંથી ઉઠાડીને લઈ જાય, છૂટકો જ નહીં ને ?

પ્રશ્નકર્તા : સંબંધ રાખ્યો એ રાગ થયો, એટલે બોલાવે ?

દાદાશ્રી : એ બધું રાગ ને દ્વેષ જ છે. પણ પહેલી આપણે સહીઓ કરી આપી હોય તો જ એને રાગ ઉત્પન્ન થાય, નહીં તો કોઈ નામ દેનાર નથી !

આ ભવમાં અમુક જ સહીઓ ગણાય. તમે જેટલી માનો છો એટલી સહીઓ નથી હોતી. સહીઓ તો ટાઈપ થઈને ફરી ટાઈપ થાય ત્યારે સહીઓ ગણાય એટલે એટલી બધી ના હોય.

તપના તાપણે તરી શુદ્ધતા

વ્યવહારચારિત્રથી માંડીને ઠેઠ આત્મચારિત્ર સુધીનાં ચારિત્ર છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. એમાં આત્મચારિત્ર છે, તે છેલ્લામાં છેલ્લું ચારિત્ર છે. વ્યવહારચારિત્રનો ફોટો પડે અને આ આત્મચારિત્રનો ફોટો ના પડે. જે છેલ્લાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ છે, એ ચારેયના ફોટા ના પડે.

(પા.૨૭)

પ્રશ્નકર્તા : છેલ્લું તપ કયું ?

દાદાશ્રી : અત્યારે તમને કોઈ માણસ ગાળ ભાંડતો હોય તો તે વખતે તમને મારો શબ્દ યાદ આવે ને તે પ્રમાણે નક્કી થાય કે મારે ‘સમભાવે નિકાલ કરવો છે’, એનું નામ તપ છે. તે ઘડીએ તપ જ થાય.

બાહ્ય તપ બધાં સ્થૂળ તપ કહેવાય, એનું ફળ ભૌતિક સુખ મળે. અને આંતરિક તપ એ સૂક્ષ્મ તપ છે, તેનું ફળ મોક્ષ છે.

કોઈ તમને ગાળ ભાંડે, તે વખતે મહીં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું તપે, એ તપને તમે ઠંડું થતાં સુધી જોયા કરો, એનું નામ સૂક્ષ્મ તપ કહેવાય.

સાસુ વહુને વઢવઢ કરતી હોય, ને વહુ ડહાપણવાળી હોય તો તેને સૂક્ષ્મ તપ બહુ મળ્યા કરે. હિન્દુસ્તાનમાં આ તપ એની મેળે મફતમાં ઘેર બેઠાં મળ્યા કરે. ઘેર બેઠાં ગંગા છે, પણ આ લોકો લાભ ઉઠાવતા નથી ને ? ધણી આપણને કંઈ કહી દે, તે ઘડીએ આપણે તપ કરવું પડે.

પ્રશ્નકર્તા : ‘અક્રમ વિજ્ઞાન’માં તપની જગ્યા ક્યાં આવી ?

દાદાશ્રી : તપ કરવું એટલે શું ? જે પાછલો હિસાબ ચૂકવવાનો આવે છે તે ચૂકવતી વખતે મીઠાશેય આવે અને કડવુંય આવે. મીઠાશ આવે ત્યાંય તપ કરવાનું છે ને કડવું આવે ત્યાંય તપ કરવાનું છે. ડિસ્ચાર્જ કર્મ એનું કડવું-મીઠું ફળ આપ્યા વગર તો રહે જ નહીં ને ?

પ્રશ્નકર્તા : આ ભાઈએ મને ગાળ ભાંડી, તો તેની મને તરત ખબર પડે કે આ મારા કર્મનો ઉદય છે. એ નિર્દોષ છે, તો એમાં તપ કોને કહેવું ?

દાદાશ્રી : આ જ્ઞાનથી તપ કરવાનું થયું. આમાં પોતાને તપ કરવું નથી પડતું. મહીં મન, બુદ્ધિ જે તપે છે તેને સમતાપૂર્વક ‘જોયા’ કરવું એનું નામ તપ. એમાં તન્મયાકાર નહીં થવાનું. જગત આખું મન-બુદ્ધિ તપે કે પોતે તપી જાય.

(પા.૨૮)

પ્રશ્નકર્તા : એટલે તપ કરવું પડે ?

દાદાશ્રી : તપ કરવું નથી પડતું. તપ તો સ્વાભાવિક રીતે થાય જ.

પ્રશ્નકર્તા : જ્યાં સુધી તપ થાય છે ત્યાં સુધી અપૂર્ણતા કહેવાય ને ?

દાદાશ્રી : અપૂર્ણતા તો ઠેઠ ‘કેવળજ્ઞાન’ થતાં સુધી અપૂર્ણ જ કહેવાય. મારુંય અપૂર્ણ કહેવાય ને તમારુંય અપૂર્ણ કહેવાય.

તપ કરવાથી પોતાની જ્ઞાનદશાની ડિગ્રીઓ વધે છે. તપ છેલ્લી શુદ્ધતા લાવે છે. સો ટચનું સોનું તો હું પણ ના કહેવાઉં અને તમે પણ ના કહેવાઓ. અને જ્ઞાનીનેય દેહનાં તપ હોય.

પ્રતિક્રમણ - ક્રમિકનાં : અક્રમનાં

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે ‘અક્રમમાર્ગ’માં પક્ષાપક્ષી ના હોય, તો ખંડન સિવાય મંડન કઈ રીતે થઈ શકે ?

દાદાશ્રી : આ મંડન કરવાનો માર્ગ જ ના હોય ને ખંડનેય કરવાનો માર્ગ ન હોય. આ તો જેને મોક્ષે જવું હોય તેના માટે જ આ માર્ગ છે અને જેને મોક્ષે ના જવું હોય તેને માટે બીજો રસ્તો. બીજો ધર્મ જોઈતો હોય તો અમે તે પણ આપીએ છીએ.

ક્રમિક માર્ગથી આગળ જવું એ બહુ કઠોર ઉપાય છે, છતાં એ કાયમનો માર્ગ છે. જ્યારે મનમાં જુદું હોય, વાણીમાં જુદું હોય ને વર્તનમાં જુદું હોય ત્યાં સુધી કોઈ ધર્મ ચાલે નહીં. અત્યારે બધે એવું જ થઈ ગયું છે ને ?

એટલે અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો, એને શું શિખવાડીએ છીએ ?

તારાથી ખોટું બોલાઈ જાય તેનો વાંધો નથી. મનમાં તું જૂઠું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું ‘આ’ રીતે પ્રતિક્રમણ કર ને નક્કી કર કે ફરી આવું નહીં બોલું. અમે પ્રતિક્રમણ કરવાનું શિખવાડીએ.

(પા.૨૯)

પ્રશ્નકર્તા : અમે રાયશી અને દેવશી પ્રતિક્રમણ કરીએ છીએ, તે શું ખોટું છે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ‘શૂટ એટ સાઇટ’ હોવું જોઈએ, ઉધાર ના રખાય. આ ચોપડા ઉધાર ના રખાય. તે પ્રતિક્રમણેય ઉધાર ના રખાય.

પ્રશ્નકર્તા : જીવ તો સતત કર્મની વર્ગણા બાંધ્યા જ કરે છે, તો એણે શું સતત પ્રતિક્રમણ કર્યા કરવું ?

દાદાશ્રી : હાસ્તો, કરવું જ પડે ! આમાં ઘણા મહાત્માઓ રોજ પાંચસો-પાંચસો પ્રતિક્રમણ કરતા હોય છે !

પ્રશ્નકર્તા : એ તો ભાવ પ્રતિક્રમણ છે, ક્રિયા પ્રતિક્રમણ તો ના થાય ને ?

દાદાશ્રી : ના, ક્રિયામાં પ્રતિક્રમણ હોય જ નહીં. બહુ ત્યારે એમાં મન સારું રહે.

પ્રશ્નકર્તા : એમાં કર્મ નિર્જરા થાય ખરી કે નહીં ?

દાદાશ્રી : નિર્જરા તો દરેક જીવને થઈ રહી છે. પણ એ સારો ભાવ છે કે મારે પ્રતિક્રમણ કરવું છે. એટલે નિર્જરા સારી થાય. બાકી પ્રતિક્રમણ તો ‘શૂટ’ એટ સાઈટ’ હોવું જોઈએ. તમે કરો છો એ દ્રવ્ય પ્રતિક્રમણ છે, ભાવ પ્રતિક્રમણ જોઈશે.

પ્રશ્નકર્તા : દ્રવ્યની સાથે ભાવ હોય ને ?

દાદાશ્રી : ના, પણ દ્રવ્ય એકલું થાય છે, ભાવ નથી હોતો. કારણ કે દુષમકાળના જીવોથી ભાવ રાખવો બહુ મુશ્કેલ વસ્તુ છે. એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપા હોય અને એ માથે હાથ મૂકે, ત્યાર પછી ભાવ ઉત્પન્ન થાય. નહીં તો ભાવ ઉત્પન્ન થાય નહીં.

‘જ્ઞાની પુરુષ’ કોને કહેવાય ? કે જેને પરપરિણતિ જ ના હોય. નિરંતર સ્વભાવ-પરિણતિ હોય. રાત્રે-દિવસે ગમે ત્યારે સ્વભાવ પરિણતિ

(પા.૩૦)

હોય પરપરિણામ ના હોય, જેનાં વાણી, વર્તન, વિનય મનોહર હોય, આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન સર્વાંશે ન હોય અને અહંકાર શૂન્ય થવાથી, ટેન્શન નહીં હોવાથી મુક્ત હાસ્ય નિરંતર રહે, અનંતગુણના ભંડાર હોય એનું નામ ‘જ્ઞાની પુરુષ’ કહેવાય.

પ્રતિક્રમણ, જ્ઞાનીનાં

આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોય, તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી તમે કાઢી નાખો કે ના કાઢો ? આ પ્રતિક્રમણ તો, જ્યાં જ્યાં ખૂંચતું હોય ત્યાં જ કરવાનાં છે. તમને જ્યાં ખૂંચે છે ત્યાંથી તમે કાઢી નાખો ને તે એમને ખૂંચે છે, ત્યાંથી એ કાઢી નાખે ! પ્રતિક્રમણ દરેક માણસનાં જુદાં જુદાં હોય !

અત્યારે કોઈ માણસ કોઈની ઉપર ઉપકાર કરતો હોય, છતાં એને ઘેર અનાચાર થાય એવા કેસ બને, તો ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાં જ પડે. પ્રતિક્રમણ તો, જ્યાં ખૂંચે ત્યાં બધે જ કરવું પડે. પણ દરેકનાં પ્રતિક્રમણ જુદાં જુદાં હોય.

મારેય પ્રતિક્રમણ કરવાનાં હોય. મારાં જુદી જાતનાં ને તમારેય જુદી જાતનાં હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેનાં અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ? અમારે આ બધાં જોડે વાતોય કરવી પડે, સવાલોના જવાબો ય આપવા પડે, છતાં અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય.

જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં પ્રતિક્રમણ તમારેય કરવાં ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે !

(પા.૩૧)

[4]

પડઘા પાડે દુઃખ પરિણામ

આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો ‘સેન્સિટિવનેસ’નો ગુણ છે. ‘સેન્સિટિવનેસ’ એ એક જાતનો આપણો ‘ઈગોઈઝમ’ છે. એ ‘ઈગોઈઝમ’ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુઃખ નહીં થાય. આપણું ‘ઈગોઈઝમ’ હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ.

પ્રશ્નકર્તા : એ તો આપની અવસ્થાની વાત થઈ ! હવે અમારા માટે પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ ને ?

દાદાશ્રી : હા, આવવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : પણ આનાથી તો પોતા પૂરતો જ ઉકેલ આવે ને ?

દાદાશ્રી : પોતા પૂરતો નહીં, દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનું ‘ઈગોઈઝમ’ છે ત્યાં સુધી સામાને નિયમથી અસર થયા કરવાની. એ ‘ઈગોઈઝમ’ ઓગળી જ જવો જોઈએ.

આ તો ‘ઈફેક્ટસ્’ છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો ‘રોંગ બિલીફ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી.

સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ? એ તો એમ જ માનીને બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે ને આ જ સાચી વાત છે. એને આપણે એમ મનાવવા જઈએ કે તમારી

(પા.૩૨)

માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે ! આપણી જ કંઈક એવી કચાશ રહી જાય છે. મેં મારા અનુભવથી જોયેલું છે. જ્યાં સુધી મને એવું પરિણામ હતું, ત્યાં સુધી એવી ‘ઈફેક્ટો’ બધી વર્તતી હતી. પણ જ્યારે મારા મનમાંથી એ ગયું, શંકા ગઈ, તો બધું ગયું ! તે આ પગથિયાં જોઈને, અનુભવ કરીને હું ચઢેલો છું. તમે જે કહો છો, તે બધાં પગથિયાં મેં જોયેલાં છે અને તેમાંથી અનુભવ કરીને ‘હું’ ઉપર ચઢેલો છું. મેં જોયેલું છે, એટલે હું તમને માર્ગ બતાવી શકું. આ બધા લોકોને જે જ્ઞાન હું આપું છું, તે મારાં જોયેલાં પગથિયાં ઉપર જ લઉં છું. જે જે મારો અનુભવ નીકળેલો છે, તે જ રસ્તો તમને બતાવું છું. બીજો રસ્તો હોય નહીં ને ?

પહેલાં તો કંઈક દુઃખનો વિચાર આવ્યો, એટલે આપણે તેને ગમે તે જોખમ કરીને પણ બીજો સુખનો ‘આઈડિયા’ (કલ્પના) ગોઠવી દેતા હતા. ચિંતા થાય તો સિનેમા જોવા પેસી જાય, બીજું કરે. બીજાના ભોગે પણ તે ઘડીએ તો દુઃખને ઉડાડી મૂકે અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તે બીજાના ભોગે દુઃખને ઉડાડી મૂકતો નથી. એટલે એને દુઃખ બહુ સહન કરવું પડે, એવું મારા અનુભવમાં આવેલું છે ! મેં પણ પોતે આ અનુભવ કરેલો છે, કારણ કે બીજાનાં દુઃખે હું, સુખી થવા માટે તે ઘડીએ મારા મનને બીજા પર્યાય દેખાડું નહીં. અને જગત શું કરી રહ્યું છે ? કે પોતાનું દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે એટલે એ દુઃખ આમથી આમ ફેરવે જગત એ જ કરી રહ્યું છે ને ? જરાક દુઃખ પડે કે વટાવ વટાવ કરે છે ને ? મહીં કેટલો સામાન ભરેલો છે ? આપણે તો એને કહીએ છીએ કે આને ભોગવો જ. વટાવી નહીં ખાવાનું ! સિલક એમ ને એમ અનામત રાખવાની.

આ દુઃખ આવી પડે તેની પર લોક દવા ચોપડે છે. અલ્યા, ઊલટું જોખમ વધાર્યું તે ! એ દુઃખને તો તું અનુભવપૂર્વક જોઈશ તો એનું જોખમ ઘટશે. દુઃખ ધક્કા મારવાથી જતું નહીં રહે. એ તો ઊલટું વધાર્યું, તે સિલકમાં તો રહ્યું જ. જેણે એક દુઃખ ઓળંગ્યું, તે પછી અનંતા દુઃખ ઓળંગે. એ દુઃખ ઓળંગવાનો બહારવટિયો થઈ ગયો ! મેં તો કેટલાંય દુઃખ ઓળંગેલાં, એટલે હું બહારવટિયો જ થઈ ગયેલો ને !

(પા.૩૩)

[5]

વ્યવહારમાં ગૂંચવાડો

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ગાંઠો ફૂટે, તે એવી એવી ફૂટે છે કે એનું સમાધાન લેતાં આકરું પડી જાય ?

દાદાશ્રી : આપણાં આ ‘પાંચ વાક્યો’ છે, તે છેવટે સમાધાન લાવે એવાં છે. મોડાં-વહેલાં પણ એ સમાધાન લાવે. બાકી બીજી કોઈ રીતે સમાધાન ના થાય. તેથી જ આ જગત ગુહ્ય કોયડો છે. ‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.’ તે કોઈ દહાડો સોલ્વ થાય જ નહીં. આખો દહાડો પોતે વ્યવહારમાં ગૂંચવાયેલો જ હોય, પછી શી રીતે આગળ એ પ્રગતિ માંડે ? કંઈક કોયડા ઊભા થયા જ કરે. સામો ભેગો થયો કે કોયડો ઊભો થયો.

પ્રશ્નકર્તા : એક કોયડો પૂરો કર્યો હોય, ત્યાં બીજો કોયડો મોં ફાડીને ઊભો જ હોય.

દાદાશ્રી : હા, આ તો કોયડાનું સંગ્રહસ્થાન છે. પણ જો તું તારી જાતને ઓળખી જાય તો થઈ ગયું તારું કલ્યાણ !!! નહીં તો આ કોયડા તો છે જ ડૂબવા માટે ! આ બધી પારકી પીડા છે, એવું સમજાય તોય અનુભવજ્ઞાન છે. અનુભવમાં આવે કે આ પીડા મારી ન હોય, પારકી છે; તોય કલ્યાણ થઈ જાય.

‘ક’ની કરામતો

મહીં બધાં જાતજાતના ‘ક’ બેઠેલા છે. ‘ક’ એટલે કરાવનારા. લોભક, મોહક, ક્રોધક, ચેતક... મોહક મોહને કરાવનાર છે. મોહ આપણે ના કરવો હોય તોય કરાવે !

(પા.૩૪)

પ્રશ્નકર્તા : મગજમાં એવું થયા કરે કે આ હાથે કરીને શું કરવા આપણે ઊભું કરીએ છીએ ? આ બંધાય છે કે છૂટે છે, એવો વિચાર મારે શું કરવા કરવો ?

દાદાશ્રી : ના, એ વિચાર ના કરવો હોય તોય આવે જ. પેલો ‘ક’ તમને કરાવડાવે. તમને મહીં ગૂંચવ ગૂંચવ કરે અને કોઈને માટે તો વિચારવા જેવું જગત જ નથી. તેમાં એવું વિચારવામાં આવે છે, તેનું શું થાય ? માર ખાવો પડે ! પારકી પંચાત માટે જગત નથી. તમારી પોતાની ‘સેફ સાઈડ’ કરી લેવા માટેનું આ જગત છે.

પ્રશ્નકર્તા : હવે આ પંચાત મારા મગજમાં ગરી ગઈ છે તો તેને કાઢવી કેવી રીતે ?

દાદાશ્રી : એ તો આપણે એને ઓળખીએ કે આ તો દુશ્મન છે ને આ પિતરાઈ છે. એમ ઓળખ્યા પછી દુશ્મનને આપણે સંભારીએ નહીં.

‘જ્ઞાની પુરુષ’ની કરુણા ને સમતા !

પ્રશ્નકર્તા : પણ એ ચોંટેલું જ એવું હોય કે માથામાંથી એ ખસે જ નહીં.

દાદાશ્રી : જુઓને ! તમને મારા માટે કેટલી બધી ભક્તિ છે, એ બધું હું બહુ સારી રીતે ઓળખું, પણ છતાંય તમને મહીં કો’ક દહાડો દેખાડે કે આ ‘દાદા’ આવા છે.

પ્રશ્નકર્તા : અરે, દાદાને ગાળો હઉ ભાંડું. દાદાને નહીં, અંબાલાલ પટેલને !

દાદાશ્રી : એ બધાની મને ઘેર બેઠાં ખબર પડે. પણ તમને ‘ક’ કેવા ફસાવે છે ને કેવો માર ખવડાવે છે ! તે અમે તમારી ઉપર કરુણા રાખીએ કે આ માર ખાતાં ખાતાં કો’ક દહાડો ડાહ્યા થશે. કો’ક દહાડો ખબર પડશે. આ માર શું કરવા ખવડાવતા હશે ? મારે શું લેવાદેવા ? દાદાને શી લેવાદેવા ? મેં આવાની ક્યાં મિત્રાચારી કરી કે અમને માર

(પા.૩૫)

ખવડાવે છે. એવો કો’ક દહાડો તમને અનુભવ થાય.

પ્રશ્નકર્તા : દાદા, તે અનુભવ થયો. થાય નહીં, થયો ! અનુભવ કેવો કે અમને એમ થતું હતું કે આ ડોસો હેરાન કરે છે ને મેં તો આ પટેલિયાને હોળીનું નારિયેળ કર્યું, પણ તે બધું એ ડોસાએ જ સુધારી કાઢ્યું !!! મેં કહ્યું, જાન છૂટી ! બાકી મેં તો દાદા તમને એટલી બધી ગાળો ભાંડી હતી કે કંઈ બાકી જ રાખ્યું નહોતું. તોય અંદરખાને એવું થયા કરે કે ‘આ દાદા છે, એ તો સાચા છે.’

દાદાશ્રી : તે અમેય ઘેર બેઠાં જાણીએ બધું. તે એક ફેરો તો મેં તમને કહ્યું પણ હતું કે તમે આડુંઅવળું બોલોને તોય તેનો મને વાંધો નથી. તમે તમારી મેળે અહીં આવ્યા કરજો. કો’ક દહાડો બધું ધોવાશે ! તમે આડુંઅવળું બોલો તેની અમને કિંમત ના હોય. અમે તો તમારું કેમ કરીને શ્રેય થાય, એ જ જોયા કરીએ. તમારું, તમારાં ઘરનાંનું, બધાંનું શ્રેય જોયા કરીએ. તમે તો તમારી પ્રકૃતિ પ્રમાણે બોલો છો. તમારી દ્રષ્ટિ ખરેખર એવી નથી. તમારી દાનતેય એવી નથી, તમારા વિચારોય એવા નથી, એ બધું જ અમે જાણીએ.

એટલે હવે ‘આ માર ખવડાવનાર છે અને આ મિત્ર છે’ એવું તમે માલને ઓળખો. એ માર ખવડાવનારા આવે તો ‘આવ બા, તમારું જ ઘર છે’ કરીને પાછા કાઢી મૂકીએ.

જે મહીં દેખાડે છે તે બધું ખોટું છે, સોએ સો ટકા ખોટું દેખાડે છે, એવું તમને સમજાય છે ને ?

શંકાનું સમાધાન હોય નહીં !

પ્રશ્નકર્તા : પણ દાદા, સમાધાન લેતાં આકરું પડે છે.

દાદાશ્રી : સમાધાન શી રીતે થાય ? શંકાનું સમાધાન દુનિયામાં ના હોય ! સાચી વાતનું સમાધાન હોય, શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.

શંકા એટલે શું ? પોતાના આત્માને બગાડવાનું સાધન. શંકા એ

(પા.૩૬)

દુનિયામાં મોટામાં મોટી ખરાબ વસ્તુ છે અને શંકા સો ટકા ખોટી હોય છે અને જ્યાં શંકા નથી રાખતો ત્યાં શંકા હોય છે. જ્યાં વિશ્વાસ રાખે છે, ત્યાં જ શંકા હોય છે ને જ્યાં શંકા છે ત્યાં કશું છે જ નહીં. આમ બધી જ રીતે તમે માર ખાવ છે. અમે તો ‘જ્ઞાન’થી જોયેલું છે કે તમે બધી જ રીતે માર ખા ખા કરો છો.

પ્રશ્નકર્તા : આ શંકાવાળી વાતનું ના સમજાયું; જ્યાં વિશ્વાસ રાખીએ છીએ, ત્યાં જ શંકા હોય છે.

દાદાશ્રી : એવું છે ને, તમે કયા જ્ઞાનના આધારે આ દ્રષ્ટિ માપી શકો છો ? અરે ! ઉઘાડી આંખે જોયું હોય તોય ખોટું પડે છે ! આ તો બુદ્ધિજન્ય જ્ઞાનથી, વિચારણા કરીને જુઓ છો ! એ તમને માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે ! તેથી અમે કહીએ છીએ કે બુદ્ધિથી છેટા બેસો. બુદ્ધિ તો ઘડીક વારેય જંપીને બેસવા ના દે. આ તમારું તો બહુ સારું છે. તમારી ભાવના સારી એટલે પાછા માર્ગે વળી ગયા.

પ્રશ્નકર્તા : પછી તો મેં પ્રતિક્રમણનું જોર બહુ વધાર્યું. પરોઢીએ ઊઠીને પ્રતિક્રમણ કરતો’તો !

દાદાશ્રી : એ પ્રતિક્રમણ અહીં શીખ્યા, તે તેણે બહુ કામ કાઢી નાખ્યું. આ પ્રતિક્રમણના આધારે તો તમે જીવતા રહ્યા છો. તમારે તો આટલું જ ઘર છે. મારે તો કેટલાય માણસોનું ઘર છે. પણ કોઈની ઉપર શંકા જ નહીં.

ઠાઠડીમાં સથવારે કોણ ?

પ્રશ્નકર્તા : ‘હું કહું છું, એ સાચું છે’, એવું માનવું નહીં એમ ?

દાદાશ્રી : સાચું હોય તોય આપણે શું ? મારું કહેવાનું કે ઠાઠડીમાં એકલાને જ જવાનું હોય છે ને ! પછી આ વગર કામની ભાંજગડો માથે લઈને ક્યાં ફરીએ ?

જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પછી ચાલશે,

અટકે ના કોઈ દિ’ વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે..... - નવનીત

(પા.૩૭)

અનંત અવતાર આની આ જ પીડામાં પડ્યો છે ! આ તો આ અવતારનાં બૈરાં-છોકરાં છે, પણ દરેક અવતારે જ્યાં ને ત્યાં બૈરાં-છોકરાં જ કર્યાં છે ! રાગ-દ્વેષ કર્યા છે ને કર્મો જ બાંધ્યાં ! આ સગાઈ-બગાઈ કશું ના મળે ! આ તો કર્મફળ આપ્યા કરે. ઘડીકમાં અજવાળું આપે ને ઘડીકમાં અંધારું આપે. ઘડીકમાં ફટકો આપે ને ઘડીકમાં ફૂલાં ચઢાવે ! આમાં સગાઈ તો હોતી હશે !

આ તો અનાદિથી ચાલ્યા જ કરે છે ! આપણે આને ચલાવનાર કોણ ? આપણે આપણા કર્મથી કેમ છૂટાય, એ જ ‘જોયા’ કરવાનું છે. છોકરાંને ને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધાં કર્મોને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં સત્તા જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય. ફટાકડા ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે ! કોઈ સગોય નથી ને વહાલોય નથી, તો પછી શંકા-કુશંકા કરવાની ક્યાં રહી ? ‘તમે’ પોતે ‘શુદ્ધાત્મા’, આ ‘તમારું’ ‘પાડોશી’ શરીર જ તમને દુઃખ આપનારું છે ને ! અને છોકરાં તો ‘તમારાં’ ‘પાડોશી’નાં છોકરાં. એમની જોડે આપણે શી ભાંજગડ ? અને પાડોશીનાં છોકરાં માને નહીં; ત્યારે આપણે એમને જરાક કહેવા જઈએ તો છોકરાં શું કહે છે કે, ‘અમે શાનાં છોકરાં તમારાં ?’ અમે તો ‘શુદ્ધાત્મા છીએ’ ! કોઈને કોઈની પડેલી નથી !!!

પ્રશ્નકર્તા : સરવૈયું કાઢીએ તો બધા હિસાબ લેવા આવ્યા હોય. અને હિસાબ ચૂકવીએ પણ એમાં ‘સમભાવે નિકાલ’ થાય છે કે નહીં, એટલું જ અમારે જોઈએ.

દાદાશ્રી : ‘સમભાવે નિકાલ’ થાય તો કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : આપે તો કૃપા કરી જ્યારે અમે અમારાં ‘વક્રમ’ કર્યાં. પણ એ ચોખ્ખાં થઈ ગયાં એ હકીકત છે.

દાદાશ્રી : તમે દાદાને આટલું વળગી રહ્યા, તે બહુ થઈ ગયું.

(પા.૩૮)

એક દહાડો સરવૈયું સમજાશે કે સાચું હતું આ.

પ્રશ્નકર્તા : અરે, એક દહાડો હોય ? આજથી જ લઈને, કાલ કોણે દીઠી છે ? માટે એવી શક્તિ આપો કે જે થોડાં કર્મ બાકી રહ્યાં હોય, તેને અમે પહોંચી વળીએ ને બુદ્ધિ અવળે રસ્તે ન જાય.

દાદાશ્રી : અહીં આવતા રહોને કલાક-કલાક જેટલું, તે એટલું ઓગળતું ઓગળતું પછી ખલાસ થઈ જાય.

‘જ્ઞાન’થી શંકા શમાય !

પ્રશ્નકર્તા : ઘણાં માણસો એવા હોય છે કે જેને માટે અભિપ્રાય બંધાયેલો હોય કે ‘આ માણસ સારો છે, આ લબાડ છે, આ લુચ્ચો છે, આ મારો બેટો કાતરવા જ આવ્યો છે.’

દાદાશ્રી : અભિપ્રાય બંધાય એ જ બંધન. અમારા ગજવામાંથી કાલે કોઈ રૂપિયા કાઢી ગયું હોય અને આજે એ પાછો અહીં આવે તો અમને શંકા ના રહે કે એ ચોર છે. કારણ કે કાલે એના કર્મનો ઉદય એવો હોય. આજે એનો ઉદય કેવો હોય, તે શું કહેવાય ?

પ્રશ્નકર્તા : પણ પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય.

દાદાશ્રી : એ પ્રાણ ને પ્રકૃતિ નહીં જોવાની. આપણે એની સાથે લેવાદેવા નથી, એ કર્મને આધીન છે બિચારો ! એ એનાં કર્મ ભોગવી રહ્યો છે, આપણે આપણાં કર્મને ભોગવી રહ્યા છીએ. આપણે ચેતતા રહેવું પડે.

પ્રશ્નકર્તા : એ વખતે એના પ્રત્યેનો સમભાવ રહે કે નાય રહે.

દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે તમે કરો તો તમારું કામ થઈ જાય કે આ બધું કર્મના આધીન છે. અને આપણું જવાનું હોય તો જ જાય. માટે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી.

અંધારી રાતે ગામડામાં દીવાના પ્રકાશમાં ઓરડીમાં સાપ પેસતો જોયો, પછી તમારાથી ઊંઘી શકાય કે ?

(પા.૩૯)

પ્રશ્નકર્તા : ના, ભય લાગે.

દાદાશ્રી : અને તમે એકલા જ જાણતા હો, તે બીજાંને શું થાય ?

પ્રશ્નકર્તા : એ તો આરામથી સૂઈ રહે !

દાદાશ્રી : ત્યારે ભગવાને કહ્યું કે પેલો આરામથી સૂઈ રહ્યો છે, તો તું કેમ નથી સૂતો ? ત્યારે એ કહે, ‘મેં સાપ પેસતાં જોયો છે, નીકળતો જોઉં ત્યારે સૂઈ જાઉં.’ તે પેસતાનું જ્ઞાન થયું છે. નીકળ્યાનું જ્ઞાન થાય તો છૂટાય. પણ જ્યાં સુધી મનમાં પેલી શંકા રહે ત્યાં સુધી ના છૂટાય.

પ્રશ્નકર્તા : નીકળતાં જોયો નથી, ત્યાં સુધી શંકા શી રીતે જાય ?

દાદાશ્રી : ‘જ્ઞાની’ના ‘જ્ઞાન’થી શંકા જાય ! કશું કોઈથી સાપથીય અડાય નહીં, એવું આ જગત છે. ‘અમે’ જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગત એક ક્ષણવાર અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો, ન્યાયાધીશો, લવાદો બધું અન્યાયને પામે, પણ જગત અન્યાયને નથી પામ્યું. માટે શંકા ના કરશો.

પ્રશ્નકર્તા : એટલે ભય રાખવો નહીં ? સાપ જોયો તે ભલે જોયો, પણ એનો ભય રાખવો નહીં.

દાદાશ્રી : ભય ના રાખ્યો રહે નહીં, એ તો પેસી જાય. મહીં શંકા કર્યા જ કરે. કશું કોઈથી વળે એવું નથી. જ્ઞાનમાં રહેવાથી શંકા જાય.

ઉપાયમાં ઉપયોગ શાને ?

આ જગતમાં કોઈ એવો જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે ! અને નામ દેનારો હશે, તેને તમે લાખો લાખો ઉપાય કરશો તોય તમારું કશું વળવાનું નથી. માટે કઈ બાજુ જવું હવે ? લાખો ઉપાય કરવામાં પડી રહેવું? ના, કશું વળશે નહીં. માટે બધાં કામ પડતાં મૂકી આત્મા ભણી જાવ.

પ્રશ્નકર્તા : એટલે મૂળ વાત જ આવીને ઊભી રહી.

(પા.૪૦)

દાદાશ્રી : હા, જે બને તેને ‘જોયા’ કરો કે શું થાય છે ? એ ‘પર’ ને ‘પરાધીન’ વસ્તુ છે. અને જે બની રહ્યું છે એ જ ન્યાય થઈ રહ્યો છે ને એ જ ‘વ્યવસ્થિત’ છે. સારા માણસને ફાંસીએ ચઢાવે એ પણ ન્યાય જ છે અને નઠારો છૂટી ગયો એ પણ ન્યાય છે. આપણને એ જોતાં નથી આવડતું, તે સારો કોણ ને નઠારો કોણ ? આપણને કેસ તપાસતાં નથી આવડતું. આપણે આપણી ભાષામાં કેસ ગણીએ છીએ !

નિજ સ્પંદને પામે પરિભ્રમણ !

પ્રશ્નકર્તા : તો પછી ‘સાચું છે, ખોટું છે’, એવો અર્થ કરવો જ નહીં એવું થયું ને ?

દાદાશ્રી : સાચું-ખોટું એ બધી સમજણ વગરની વાતો છે. પોતાની સમજણથી પોતે ન્યાયાધીશ થઈ બેઠો છે.

કિંચિત્માત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો. એની હું તમને ગેરન્ટી લખી આપું છું. અહીં નર્યા સાપ પડ્યા હોય, તોય કોઈ તમને અડે નહીં એવું ગેરન્ટીવાળું જગત છે.

આ જ્ઞાનીઓ શી રીતે સહીસલામત ને આનંદમાં રહેતા હશે ? કારણ કે જ્ઞાનીઓ જગતને જાણીને બેઠા છે કે ‘કશું જ થવાનું નથી, કોઈ નામ દેનાર નથી. હું જ છું બધામાં, હું જ છું, હું જ છું, બીજું કોઈ છે જ નહીં !’

બહુ સમજવા જેવું જગત છે. લોકો સમજે છે તેવું એ નથી. શાસ્ત્રોમાં લખ્યું છે એવું જગત નથી. શાસ્ત્રોમાં તો પારિભાષિક ભાષામાં છે, તે સામાન્ય માણસોને સમજાય તેવું નથી.

તમારી સળીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. તમારી સળીઓનાં જ પરિણામ છે આ બધાં ! તમારી જે ઘડીએ સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. તમે આખી દુનિયાના, આખા બ્રહ્માંડના સ્વામી છો. કોઈ

(પા.૪૧)

ઉપરી જ નથી તમારો. તમે પરમાત્મા જ છો. કોઈ તમને પૂછનાર નથી.

આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું, એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.

(પા.૪૨)

[6]

વિશ્વકોર્ટમાંથી નિર્દોષ છૂટકારો ક્યારે ?

આપણાથી કોઈને કિંચિત્માત્ર દુઃખ થાય, એટલે કોર્ટમાં પાછો કેસ ચાલુ રહ્યો ! જ્યાં સુધી કોર્ટમાં ઝઘડા છે ત્યાં સુધી છૂટે નહીં. આ કોર્ટના ઝઘડામાં આવેલા લોકો છે. હવે કોર્ટના ઝઘડા મટાડવા હોય તો આપણને કોઈએ ગાળો દીધી હોય તેને છોડી દેવાની અને આપણાથી કોઈને ગાળ દેવાય નહીં. કારણ કે જો આપણે દાવો માંડીએ તોય પાછો કેસ ચાલુ રહે ! આપણે ફોજદારી કરીએ એટલે પાછો વકીલ ખોળવા જવું પડે. હવે આપણે અહીંથી છૂટા થઈ જવું છે, અહીં ગમતું નથી. માટે આપણે રસ્તો કરવાનો, બધું છોડી દેવાનું !

કોઈને કિંચિત્માત્ર દુઃખ થાય તો કોઈ જીવ મોક્ષે જઈ શકે નહીં. પછી એ સાધુ મહારાજ હોય કે ગમે તે હોય. એકલા શિષ્યને જ દુઃખ થતું હોય તોય મહારાજને અહીં અટકી રહેવું પડે, ચાલે જ નહીં !

જો કે અજ્ઞાની તો બધાંને દુઃખ જ દેતો હોય છે. દુઃખ ના દેતો હોય તોય મહીં ભાવ દુઃખના જ વર્ત્યા કરે. ‘અજ્ઞાનતા છે એ જ હિંસા છે અને જ્ઞાન એ અહિંસક ભાવ છે.’

કોઈને દુઃખ દેવાની ઇચ્છા તને થતી નથી ને હવે ?

પ્રશ્નકર્તા : કોઈ વાર દેવાઈ જાય.

દાદાશ્રી : દુઃખ દેવાઈ જાય તો શું કરો ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ.

દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું એટલે પછી કોર્ટમાં કેસ નહીં ચાલવાનો.

(પા.૪૩)

‘ભઈ, તારી માફી માગીએ છીએ.’ એમ કરીને નિકાલ કરી નાખ્યો.

અમારાથી કોઈને સહેજેય દુઃખ થાય એવું નીકળે જ નહીં. સામો તો ગમે તેવાં ગાંડાં કાઢે, એને તો કંઈ પડેલી જ નથી ને ? જેને છૂટવું હોય તેને જ પડેલી છે ને ?

એટલે જો દોષ ના થતા હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. પ્રતિક્રમણ તો તમારે દોષ થઈ જાય તો કરજો. સામો કહે કે ‘સાહેબ, દોષ ના જ થાય, એટલી બધી મારી શક્તિ નથી. દોષ તો થઈ જાય છે.’ તો તો આપણે કહીએ કે ‘શક્તિ ના હોય તો પ્રતિક્રમણ કરજો.’

કોઈ ગમે તેટલું ગાંડું બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ સહેજેય સ્પંદન ફેંકાઈ જાય તોય ના ચાલે. સામાને બધું જ બોલવાની છૂટ છે. એ સ્વતંત્ર છે; અત્યારે પેલાં છોકરાં ઢેખાળા નાખે તો, તેમાં એ સ્વતંત્ર નથી ? પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં, ત્યાં સુધી સ્વતંત્ર જ છે. સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે ને વેર રાખે તો તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે ‘‘ચેતતા રહેજો. વાંકો મળે તો જેમ તેમ કરીને, ભાઈસાહેબ કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે.’’

દુઃખ દીધાનાં પ્રતિસ્પંદન

આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે.

પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને !

દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર

(પા.૪૪)

જ પડવાની. અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો.

તમે ઓફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ? જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં. અમે જે આજ્ઞા આપીએ છીએ, તે તમે સર્વ દુઃખથી મુક્ત થાવ, એવી આજ્ઞા આપીએ છીએ. અને આજ્ઞા પાળતાં તમને કશી જ હરકત ના આવે. ખાવા-પીવાની, હરવા-ફરવાની બધી જ છૂટ. સિનેમા જોવા જવું હોય તો તેય છૂટ ! કોઈ કહે કે મારે ત્રણ ડોલથી નહાવું છે. તો આપણે કહીએ કે ચાર ડોલથી નહા. અમારી આજ્ઞા કશી હરકત વગરની છે.

માટે કોઈની અસર છોડે નહીં અને છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાનાં ને કાચનાં વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાનાં ને કાચનાં વાસણને એક સમજો છો ? તાંબાનાં વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય. પણ કાચનું તો ભાંગી જાય. છોકરાંની તો આખી જિંદગી ખલાસ થઈ જાય.

આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો. પણ કહેવાથી એને જે દુઃખ થયું, તેની અસર તમારી ઉપર આવશે.

પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડે ને ?

દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.

યાદ-ફરિયાદનું નિવારણ

યાદ ક્યાંથી આવે છે ? યાદને કહીએ, અમારે કશી લેવાદેવા નથી, કશું જોઈતું નથી તોય તમે કેમ આવો છો ? ત્યારે એ કહેશે,

(પા.૪૫)

‘આ તમારી ફરિયાદ છે, તેથી આવી છું.’ ત્યારે આપણે કહીએ, ‘લાવ તારો નિકાલ કરીએ !’

જે યાદ આવ્યું તેનું બેઠાં બેઠાં ‘પ્રતિક્રમણ’ કરવાનું, બીજું કંઈજ કરવાનું નથી. જે રસ્તે અમે છૂટ્યા છીએ, તે રસ્તા તમને બતાડી દીધા છે. અત્યંત સહેલા ને સરળ રસ્તા છે. નહીં તો આ સંસારથી છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી ના છૂટાય. ભગવાન તો મહા-વીર કહેવાયા ! તોય એમના કેટલાય ઊંચા તથા નીચા અવતાર થયા હતા.

જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલશો, તો બધું રાગે પડી જશે.

યાદ કેમ આવે છે ? હજી કોઈ જગ્યાએ ચોંટ છે, તે પણ ‘રિલેટિવ’ ચોંટ કહેવાય; ‘રિયલ’ ના કહેવાય.

‘આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમયાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું.

દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે.

પ્રશ્નકર્તા : ઉદયો આવ્યા જ કરે.

દાદાશ્રી : ઉદય તો આવે. પણ ઉદયો એટલે શું ? મહીં જે કર્મ હતું, તે ફળ આપવા માટે સન્મુખ થયું. પછી કડવું હોય કે મીઠું હોય, જે તમારો હિસાબ હોય તે ! કર્મનું ફળ સન્મુખ થતાં જ આપણને મોઢા ઉપરથી જ કંટાળો આવે, તો જાણવું કે મહીં દુઃખ આપવા આવ્યું છે અને મોઢા ઉપરથી આનંદ દેખાય તો જાણવું કે ઉદય સુખ આપવા આવ્યું છે. એટલે ઉદય તો આવે ત્યારે આપણે જાણવું કે ભાઈ આવ્યા

(પા.૪૬)

છે, એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો.

પ્રશ્નકર્તા : પણ તે વખતે પ્રકૃતિ સહેજ જોર કરે ને પાછી ? પ્રકૃતિનો સ્વભાવ નીકળે તો ખરો ને ?

દાદાશ્રી : બધુંય નીકળે. તોય પણ ‘આપણે’ ‘જોયા’ કરવાનું. એ બધોય આપણો હિસાબ છે.

પ્રશ્નકર્તા : પ્રકૃતિનો હિસાબ તો પૂરો કરવાનો છે ને ?

દાદાશ્રી : એમાં ‘આપણે’ કશું કરવાનું નથી. એની મેળે જ થયા કરે. ‘આપણે’ તો ‘જોયા’ કરવાનું કે કેટલો હિસાબ બાકી રહ્યો ! આપણે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી આપણને બધી જ ખબર પડે.

પ્રતિક્રમણ કરતા હોય તો ‘ચંદુભાઈ’ કરે, તેમાં ‘આપણે’ શું લેવાદેવા ? ‘આપણે’ જોયા કરવાનું કે ‘ચંદુભાઈ’એ પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું ? કે પાછું ધક્કે ચઢાવ્યું ? ધક્કે ચઢાવ્યું હોય તો, તેય ખબર પડી જાય !

‘ચંદુભાઈ’ શું કરે છે, જે જે કરે છે તેને ‘આપણે’ ‘જોયા’ કરવું, એનું નામ પુરુષાર્થ. ‘જોવા’નું ચૂક્યા તે પ્રમાદ.

પ્રશ્નકર્તા : ‘જોયા’ કરવાનું એ શુદ્ધાત્માનું કામ ?

દાદાશ્રી : સ્વરૂપનું જ્ઞાન આવ્યા પછી એ કામ થાય; તે સિવાય ના થાય.

યાદ કેમ આવ્યું ? કારણ વગર યાદ આવે નહીં, કંઈ પણ એની ફરિયાદ હોય તો જ આવે. અમને કેમ કશું યાદ નથી આવતું ? માટે જે જે સાંભરે, એનાં પ્રતિક્રમણ કરકર કરવાનાં.

પ્રશ્નકર્તા : જે જૂનો ભરેલો માલ છે, તે યાદ આવવો જોઈએ. એવું છે કે ?

દાદાશ્રી : આવે જ એ. જે માલ ખપવાનો છે કે બંધાવાનો છે,

(પા.૪૭)

તે યાદ આવે જ. સ્વરૂપનું જ્ઞાન હોય તો માલ ખપી જાય અને અજ્ઞાન હોય તો બંધાય, એ જ માલથી ! માલ તેનો તે જ પણ અજ્ઞાન દશામાં બીજરૂપે થાય ને જ્ઞાનદશામાં બીજ બાફીને ખાઈ ગયા, એના જેવું થાય. બફાયા પછી બીજને ક્યાં ઊગવાનું રહ્યું ?

હાર્ટિલી પસ્તાવો

વિચારો મહીં પડેલી ગાંઠોમાંથી ફૂટે છે. ‘એવિડન્સ’ ભેગો થાય કે વિચાર ફૂટે. નહીં તો આમ બ્રહ્મચારી જેવો દેખાતો હોય પણ રસ્તામાં સંયોગ ભેગો થયો કે વિષયના વિચાર આવે !!!

પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે તે વાતાવરણમાંથી ને ? સાંયોગિક પુરાવાના આધારે જ એના સંસ્કાર, એની સાથેના ભાઈબંધ એ બધું જ સાથે મળે છે ને ?

દાદાશ્રી : હા, ‘એવિડન્સ’ બહારનો મળવો જોઈએ. એના આધારે જ મનની ગાંઠો ફૂટે, નહીં તો ફૂટે નહીં.

પ્રશ્નકર્તા : એ વિચારોને ઝીલવા માટે દોરનાર કોણ ?

દાદાશ્રી : એ બધું કુદરતી જ છે. પણ તમારે જોડે જોડે સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. આ મારું અહિતકારી છે, એવું એને સમજાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે.

પ્રશ્નકર્તા : પણ એ તો બધાંય એવું માને છે કે ‘ખોટું બોલવું એ પાપ છે, બીડી પીવી એ ખરાબ છે માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે.’ તેમ છતાં લોકો ખોટું કર્યે જ જાય છે. તે કેમ ?

દાદાશ્રી : ‘આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ.’ એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફ્લુઅસ’ બોલે છે, ‘હાર્ટિલી’ નથી બોલતા. બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે

(પા.૪૮)

જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય, પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.

પ્રશ્નકર્તા : એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ?

દાદાશ્રી : હા, બહુ જ શક્યતા છે. પણ સુધારનાર હોવો જોઈએ. એમાં ‘M.D.’, ‘F.R.C.S.’ ડૉક્ટર ના ચાલે, ગોટાળિયું ના ચાલે, એના તો ‘સુધારનાર’ જોઈએ.

હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો. છતાંય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે આ આમ કેમ થયું-એટલો બધો પસ્તાવો થયો તોય ? ખરેખર તો ‘હાર્ટિલી’ પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે !

દોષોનાં શુદ્ધિકરણ

પોતાની ભૂલો દેખાય, એનું નામ આત્મા. પોતે પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થયો, એનું નામ આત્મા. તમે આત્મા છો, શુદ્ધ ઉપયોગમાં છો તો તમને કોઈ કર્મ અડે જ નહીં. કેટલાક મને કહે છે કે તમારું જ્ઞાન સાચું છે. પણ તમે મોટરમાં ફરો છો તે જીવહિંસા ના ગણાય ? ત્યારે મારે કહેવું પડે છે કે, ‘અમે શુદ્ધ ઉપયોગી છીએ.’ અને શાસ્ત્રો કહે છે કે,

‘‘શુદ્ધ ઉપયોગ ને સમતાધારી, જ્ઞાનધ્યાન મનોહારી રે;

કલંક કો દૂર નિવારી, જીવ વરે શિવનારી રે.’’

પોતાના દોષો દેખાય ત્યારથી જ તરવાનો ઉપાય હાથ આવી ગયો. ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધાંય ‘આપણ’ને દેખાય. જો પોતાના દોષ દેખાતા ના હોય તો, આ ‘જ્ઞાન’ કામનું શું ? એટલે કૃપાળુદેવે કહ્યું હતું,

‘‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ,

દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય ?’’

(પા.૪૯)

દોષ થાય તેનો વાંધો નથી. તેના પર ઉપયોગ રાખવાનો. ઉપયોગ રાખ્યો. એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી.

ચંદુભાઈને ‘તમારે’ એટલું જ કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે તમારે, ‘મારાથી કંઈ પણ પહેલાં મનદુઃખ થયેલું હોય, આ ભવ સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે જે રાગ-દ્વેષ, વિષય-કષાયથી દોષો કર્યા હોય તો તેની ક્ષમા માગું છું.’ એમ રોજ એક-એક કલાક કાઢવો. ઘરનાં દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને, ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમ ને એમ હલકા થવાય નહીં. અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો.

જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે, ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો, ત્યારે એ ભૂંસાઈ જાય. રાગ-દ્રેષવાળી દરેક ચીકણી ‘ફાઈલ’ને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ.

પ્રતિક્રમણ થઈ ગયાં એટલે ગમે તેટલું વેર હોય તોય આ ભવમાં જ છૂટી જવાય. પ્રતિક્રમણ એ એક જ ઉપાય છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનનો છે ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી, ત્યાં મોક્ષમાર્ગ જ નથી.

અમારામાં સ્થૂળ દોષો કે સૂક્ષ્મ દોષો ના હોય. જ્ઞાનીમાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ હોય છે. જે અન્ય કોઈને કિંચિત્માત્ર પણ હરકતકર્તા ના હોય. અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દ્રષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે.

તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દ્રષ્ટિ તમારા શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય, પણ એની અમને અસર થાય નહીં. તેથી

(પા.૫૦)

જ કવિએ લખ્યું છે કે,

‘‘મા કદી ખોડ કાઢે નહીં,

દાદાનેય દોષ કોઈના દેખાય નહીં.’’

તમારી નિર્બળતા અમે જાણીએ અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં; મળી જાય, સહજપણે. સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું જ નહીં, પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધે-ઘટે, એ પ્રેમ નહોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે નહીં ને ઘટેય નહીં. એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે !

દોષ થાય કે તરત જ તમારે ‘શુટ અૅટ સાઈટ’ પ્રતિક્રમણ કરવાનું. ‘તમારે’ ‘ચંદુભાઈ’ને કહેવું, ‘ચાલો ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.’ ચંદુભાઈ કહે કે, ‘આ ઘૈડપણ આવ્યું, હવે થતું નથી.’ ત્યારે તમારે એમને કહેવું કે, ‘અમે તમને શક્તિ આપીશું.’ પછી બોલાવવાનું કે બોલો ‘હું અનંત શક્તિવાળો છું’ એટલે પછી શક્તિ આવે.

જેને દોષ દેખાવા માંડ્યા, પાંચ દેખાયા ત્યાંથી જાણવું કે હવે ઉકેલ આવવાનો થયો.

જેટલા દોષ દેખાયા, એ દોષ ગયા ! ત્યારે કોઈ કહેશે, એવો ને એવો દોષ ફરી દેખાય છે. ખરી રીતે એનો એ દોષ ફરી આવતો નથી. આ તો એક-એક દોષ ડુંગળીના પડની જેમ અનેક પડવાળા હોય છે. એટલે એક પડ ઊખડે, ત્યારે આપણે પ્રતિક્રમણ કરી કાઢીએ ત્યારે બીજું પડ આવીને ઊભું રહે એનું એ જ પડ ફરી ના આવે. ત્રીસ પડ હતાં એનાં ઓગણત્રીસ રહ્યાં. ઓગણત્રીસમાંથી એક પડ જશે ત્યારે અઠ્ઠાવીસ રહેશે. એમ ઘટતાં જશે ને છેવટે એ દોષ ખલાસ થઈ જશે !

(પા.૫૧)

[7]

પ્રકૃતિ જોડે તન્મય દશામાં આત્મપ્રકાશની નિર્લેપતા

મૂળ વાતને જાણો કે આ શી હકીક્ત છે ? ને મૂળ વાત શી છે ? આટલું જ જાણવા માટે આ મનુષ્યપણું છે. આમાં ‘આપણું કયું ને આપણું કયું નથી’ એ જાણી લો. પછી રડારોળ કરવી હોય તો કરો. આપણી દુનિયામાં આપણે જ ભૂલ ખાધી છે ! પારકી દુનિયામાં આવ્યા હોય તો વાત જુદી હતી !

પ્રશ્નકર્તા : દુનિયા આપણી ક્યાંથી છે ?

દાદાશ્રી : તો કોની છે ? આપણી એનો અર્થ એટલો કે આપણો કોઈ માલિક નથી ને આપણો કોઈ ઉપરી નથી. દુનિયા આપણી જ છે. આ દુનિયાને જોવાનો લાભ ઉઠાવો, જાણવાનો લાભ ઉઠાવો તો ખરું.

પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં અમે પાછા અંદર ઘુસી જઈએ છીએ ને ગૂંચાઈ જઈએ છીએ.

દાદાશ્રી : જે ગૂંચાઈ જાય છે તે આપણું સ્વરૂપ ન હોય, છતાં ‘આ મારું સ્વરૂપ છે, હું ગૂંચાઈ ગયો’ એવું માને છે ત્યાં જ ભૂલ ખાય છે.

‘જુએ-જાણે’ તો કુદરત કેવી સુંદર દેખાય ! પણ પેલાને મહીં ચિંતા થતી હોય તેથી કુદરત જુએ જ નહીં ને ! બાગ-બગીચા રળિયામણા હોય પણ પેલાને ઝેર જેવા લાગે ! જગત રળિયામણું છે કાયમ માટે, આ ગાયો-ભેંસો કેવી રળિયામણી દેખાય છે ! પણ આ મનુષ્યોનો સંગ કરે છે એટલે ગાયો-ભેંસોનામાં હરકત આવે છે.

(પા.૫૨)

પ્રશ્નકર્તા : આ ગાયો-ભેંસોને ખબર પડતી હશે કે મનુષ્યો આવા આડા છે ?

દાદાશ્રી : ના, એ મનુષ્યોમાંથી જ થયેલી છે. મનુષ્યોની જોડે ને જોડે ‘ટચમાં’ રહે બિચારી. આ ગાયો-ભેંસો તો આપણા સંબંધીની જ છોડીઓ આવેલી હોય છે ! અને કૂતરું ઘરમાં બેસીને ભસે છે તેય સંબંધી જ આવ્યા હોય છે.

પ્રશ્નકર્તા : આ જીવ મરી જાય, પછી તરત જન્મ લઈ લે છે ?

દાદાશ્રી : તરત જ, એને વાર કેટલી ! આમાં જન્મ કોઈ આપનાર નથી કે કોઈ લેનાર નથી !

પ્રશ્નકર્તા : એટલે આ બધું સ્વયંસંચાલિત છે ?

દાદાશ્રી : હા, આ બધું સ્વયંસંચાલિત છે. સ્વભાવથી જ સંચાલિત છે. જેમ પાણીનો સ્વભાવ નીચે જવાનો છે તે નીચે જ જવાનું. તેને ગમે તેટલું કરે તોય સ્વભાવ બદલાય નહીં.

પ્રશ્નકર્તા : અમારી પ્રકૃતિ છે તે કેટલીક પ્રકૃતિ ઊંચે જતી હોય છે ને કેટલીક નીચે જતી હોય છે.

દાદાશ્રી : તે બધી પ્રકૃતિને જોવાની જ છે. આ મોટરની લાઈટ છે તે વાંદરાની ખાડીના કાદવને અડે, ખાડીના પાણીને અડે, ખાડીની ગંધને અડે, પણ લાઈટને કશું અડે નહીં ! એ લાઈટ કાદવને અડીને જાય પણ કાદવ એને ના અડે, ગંધ ના અડે. કશું જ ના અડે. આપણે ભય રાખવાનું કોઈ કારણ જ નથી કે લાઈટ કાદવવાળું થઈ જશે, ગંધવાળું થઈ જશે કે પાણીવાળું થઈ જશે. આ લાઈટ જો આવું છે, તો આત્માનું લાઈટ કેવું સરસ હોય ! આત્મા લાઈટ સ્વરૂપ જ છે !

પ્રશ્નકર્તા : અમે પ્રકૃતિ જોડે તન્મયાકાર થયા છીએ, તો અમારું જે મિશ્ર ચેતન છે, એમાં તો ગંદવાડો અડે છે ને ?

દાદાશ્રી : એમાં અડે તેને આપણે ‘જોવાનું’!

પ્રશ્નકર્તા : પણ તેની આપણા પર અસર આવે, તેનું શું ?

(પા.૫૩)

દાદાશ્રી : એને પણ ‘આપણે’ જોવાનું ! લાઈટનો કામધંધો શો ? ‘જોવાનું.’ એમાં ટેકરી આવે, કાદવ આવે, પાણી આવે, ગંધ આવે તો ગંધ, ઝાંખરાં આવે તો ઝાંખરાંમાંય પેસીને નીકળી જાય. પણ એને ઝાંખરું લાગે કરે નહીં. આ લાઈટ જો આવું છે, તો પેલું લાઈટ કેવું સરસ હોય !!!

તમે અંધારામાં ડ્રાઈવિંગ કરો તો તમને ખબર ના પડે કે કેટલાં જીવડાં વટાઈ જાય છે અને લાઈટ કરો કે તરત ખબર પડે કે આટલાં બધાં જીવડાં અથડાય છે ! અલ્યા, આ તો લાઈટને લીધે દેખાયું. તો શું પહેલાં એ નહોતાં અથડાતાં ? અથડાતાં હતાં જ. તે ‘ફોરેનર્સ’ને દેખાતાં નથી ને આપણને ‘લાઈટ’ છે એટલે દેખાય છે. આપણને દેખાય એટલે આપણે ઉપાધિમાં હોઈએ ને એ લોકોને ઉપાધિ ના હોય એવું આ જગત ચાલે છે !

પ્રશ્નકર્તા : પણ ઉપાધિમાં તો આવવું જ પડે ને બધાંને ?

દાદાશ્રી : ઉપાધિમાં આવ્યા, એટલે આપણે નિર્ઉપાધિનો રસ્તો ખોળી કાઢીએ. પણ જે ઉપાધિમાં આવ્યો જ નથી, તે નિર્ઉપાધિનો રસ્તો શી રીતે ખોળી કાઢે ? એને તો ઉપાધિમાં હજુ આવવાનું છે.

એક જ ફેરો વાતને સમજવાની છે. આ બહારનું લાઈટ કશાને અડતું નથી અને આ લાઈટથી જીવડાં અથડાતાં દેખાય છે, નહીં તો કશું દેખાતું ન હતું. એટલે સમજાય પછી કશી ચિંતાય નથી ને ઉપાધિય નથી ! પણ ‘આપણે’ ‘જાણીએ’ કે આ લાઈટ થયું, તેને લીધે આ જીવડાં વટાતાં દેખાય છે. આમાં આપણે કશાના કર્તા નથી.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં અમુક ભાગમાં નૈમિત્તિક કર્તાપણું આવે છે. તેમાં આપણે જ્યારે વધારે તન્મયાકાર થઈએ છીએ, ત્યારે વધારે ‘રીએક્શન’ આવે છે.

દાદાશ્રી : તેનેય ‘આપણે’ જોવાનું. નહીં જુઓ તો કંઈ ફેરફાર થવાનો નથી. આપણે કામ કર્યે જવાનું છે. સવારના પહોરમાં ચા પીઓ છો કે નથી પીતા ? તેમાં કંઈ કર્યે જવાનું એવું કહેવાની જરૂર પડે છે ?

(પા.૫૪)

છતાં એમ ના બોલાય કે ‘કામ કરશો નહીં, એમ ને એમ ચાલ્યા કરશે.’ એવું બોલવું તે ગુનો છે. આપણે તો ‘કામ કર્યે જાવ’ એમ કહેવું.

‘વ્યવસ્થિત’ની સંપૂર્ણ સમજણે કેવળજ્ઞાન

ગાડીમાંથી આમ ઉતારી પાડે તો જાણવું કે ‘વ્યવસ્થિત’ છે. પાછો ફરી બોલાવે તોય ‘વ્યવસ્થિત’ અને ફરી ઉતારી પાડે તોય ‘વ્યવસ્થિત’. આમ સાત વખત ઉતારી પાડે તોય ‘વ્યવસ્થિત’! સાત વખત ચઢાવે તોય ‘વ્યવસ્થિત’! આ જેને વર્તે છે તેને કેવળજ્ઞાન થશે !!! અમે એવું ‘વ્યવસ્થિત’ આપ્યું છે કે કેવળજ્ઞાન થાય, ‘વ્યવસ્થિત’ જો આખું પૂરેપૂરું સમજે તો ! ‘વ્યવસ્થિત’ તો ચોવીસેય તીર્થંકરો ના શાસ્ત્રોનો સાર છે.

પ્રશ્નકર્તા : આપને પહેલાં વ્યવસ્થિત સમજાયું હશે, પછી આ જ્ઞાન આપવા માંડ્યું ને ?

દાદાશ્રી : હા, પછી જ આપેલું ને ! ‘વ્યવસ્થિત’ મારા અનુભવમાં કેટલાય અવતારથી આવ્યું છે અને ત્યાર પછી મેં આ બહાર આપ્યું. નહીં તો અપાય જ નહીં ને ! આમાં તો જોખમદારી આવે. વીતરાગોનો એક અક્ષરેય બોલવો અને કો’ક ને ઉપદેશ આપવો મોટી જોખમદારી છે ! તમને કેટલા વખત મોટરમાંથી ઉતારી પાડે તો ‘વ્યવસ્થિત’ હાજર રહે ?

પ્રશ્નકર્તા : ચાર-પાંચ વખત પછી કમાન છટકે.

દાદાશ્રી : કમાન છટકે તો તે પુદ્ગલની છટકે છે. ‘આપણે’ તો ‘જાણવું’ કે આ પુદ્ગલની કમાન છટકી છે. આપણે તો શું કહેવું કે, ‘આ પુદ્ગલની કમાન છટકી છે, તોય હું પાછો આવ્યો ને મોટરમાં બેઠો.’ આ કમાન છટકી છે, એવું ‘આપણે’ ‘જાણવું’ જોઈએ. એવું આ ‘વ્યવસ્થિત’ સુંદર છે ! કમાન છટકે ને પાછો આડો થઈને જતો રહે ને પછી પાછો ના આવે, એ ખોટું કહેવાય. આ ‘વ્યવસ્થિત’ સમજાઈ ગયું, પછી કશો ડખો કરવા જેવું છે જ નહીં. પુદ્ગલનું જે થવું હોય તે થાય, પણ આપણે આડા ના થવું. પુદ્ગલ તો આપણને આડું કરવા ફરે.

(પા.૫૫)

[8]

‘અસરો’ને ઝીલનાર !

પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી ‘ઇફેક્ટ’ થાય છે ?

દાદાશ્રી : પહેલી બુદ્ધિને ‘ઇફેક્ટ’ થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય.

પ્રશ્નકર્તા : ભારે વિકટ સંયોગોમાં અંતઃકરણથી આગળ કયા ભાગને ‘ઇફેક્ટ’ થાય છે ?

દાદાશ્રી : આગળ કોઈને અસર થતી નથી.

પ્રશ્નકર્તા : ‘પ્રતિષ્ઠિત આત્મા’ને થાય છે ?

દાદાશ્રી : એ ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય. અંતઃકરણમાં ક્રોધ- માન-માયા-લોભ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તે બધાને ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય.

પ્રશ્નકર્તા : તો પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ અને અંતઃકરણ, એ જુદું કેમ પાડ્યું ?

દાદાશ્રી : જુદું નથી કહ્યું. ‘શુદ્ધાત્મા’ સિવાય આખોય ‘પ્રતિષ્ઠિત આત્મા.’ પછી પૂછો એટલે અંતઃકરણ જુદું, ઈન્દ્રિયો જુદી, મન જુદું એમ જવાબ તો આપવો પડે ને !

પ્રશ્નકર્તા : બુદ્ધિને અસર થાય છે, તો મનને અસર નથી

(પા.૫૬)

પહોંચતી ?

દાદાશ્રી : બુદ્ધિમાંથી મનને પહોંચે. જો બુદ્ધિ વચ્ચે ના હોય તો કોઈ કશી અસર ના થાત.

અમને બુદ્ધિ નહીં એટલે અમને કશી અસર ના થાય. અમને ‘મથુરા’(?) મહીં જાતજાતના હોય, તે જાતજાતનું કહી જાય. પણ વચ્ચે બુદ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ થાયને ! બુદ્ધિ સ્વીકારે પછી મન પકડી લે ને મન કૂદાકૂદ કરી મૂકે !

પ્રશ્નકર્તા : બુદ્ધિએ ઝીલ્યું પછી વાગોળવાની ક્રિયા કોણ કરે છે ?

દાદાશ્રી : બુદ્ધિ ઝીલે છે ને મનને પછી પહોંચે છે. હવે મન જ કૂદાકૂદ કરે છે, તે વાગોળવાનું કામ પણ મન જ કરે છે. મન વિરોધાભાસી છે. તે ઘડીમાં આમ લઈ જાય ને ઘડીકમાં પેલે ખૂણે લઈ જાય. હલાય હલાય કરીને તોફાન કરી મૂકે !

બુદ્ધિ અને પ્રજ્ઞાનું ડિમાર્કેશન

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ?

દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને ‘ઈમોશનલ’ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.’ સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અમને બુદ્ધિ ના હોય. અમે અબુધ હોઈએ.

પ્રશ્નકર્તા : તો પછી મૌન રહેવું, તે બુદ્ધિ ના દોડાવી કહેવાય ?

(પા.૫૭)

દાદાશ્રી : મૌન રાખ્યું રહે નહીં.

પ્રશ્નકર્તા : ના, પણ કોઈથી મૌન રહ્યું તો ?

દાદાશ્રી : શી રીતે રહે ? બુદ્ધિ ‘ઈમોશનલ’ જ રાખ્યા કરે. ‘મોશન’માં રાખે જ નહીં. શાંતિથી ઘડીવાર તમને બેસવા જ ના દે. બુદ્ધિ રાત્રે બે વાગ્યેય ઉઠાડે ! જો કૂદાકૂદ ! જો કૂદાકૂદ ! જંપીને આરામેય ના કરવા દે !

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો જ બુદ્ધિ ના વપરાય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે પછી બુદ્ધિનો વાંધો નહીં. પછી તો બુદ્ધિ વપરાય જ કેવી રીતે ? પછી તો છેલ્લું ‘સ્ટેશન’ આવે ! પણ બુદ્ધિ જ્ઞાતા-દ્રષ્ટા રહેવા જ ના દે.

શાક લેવા માર્કેટ ગયા હો ને તમારે સત્સંગમાં જવાની ઉતાવળ હોય તોય એ બુદ્ધિ ચાર દુકાને ફેરવે ! ત્યારે એ છોડે ! બુદ્ધિ રખડાવ રખડાવ કરે !

પ્રશ્નકર્તા : જ્યાં જે મળ્યું, ઘૈડા ભીંડા લાવીને ઘેર આવે. એટલે બુદ્ધિ ના દોડી એમ ?

દાદાશ્રી : તમને શી ખાતરી કે ઘૈડા આવશે કે જવાન આવશે ? કેટલાક તો દુકાને જઈને ખાલી બોલે જ ભીંડા તોલી આપજો ને સરસ ભીંડા આવે !

અને ઘૈડા આવે તોય શું બગડી ગયું ? સંસારમાં તો એવું ચાલ્યા જ કરે. રોજ ઘૈડા ના આવે. કો’ક ફેરો જ આવે. પણ પછી એનું પુણ્ય હોય ને ? ભલા માણસને તો બધી પુણ્યૈ ભલી જ હોય. તે આગળ આગળ તૈયાર જ હોય. ખટપટિયાને જ બધી પુણ્યૈ ખટપટી હોય.

અહંકારના ઉદયમાં ‘એડજસ્ટમેન્ટ’ !

પ્રશ્નકર્તા : આ અહંકાર, એ શી વસ્તુ છે ?

દાદાશ્રી : અહંકાર એ કશી વસ્તુ નથી. કોઈએ કહ્યું કે ‘તમે

(પા.૫૮)

ચંદુભાઈ’ ને તમેય માની લીધું કે ‘હું ચંદુભાઈ’, એ અહંકાર !

પ્રશ્નકર્તા : પણ એ ઘવાય ત્યારે સારા-નરસાનું કશું જ ભાન ના રહે.

દાદાશ્રી : હંમેશાં અહંકારને આંખો ના હોય; આંધળો જ હોય.

પ્રશ્નકર્તા : એટલે એ બીજા બધા કરતાં અહંકાર ચડિયાતો ને ?

દાદાશ્રી : હા, એ સરદાર છે. એની સરદારી નીચે તો આ બધું ચાલે છે !

પ્રશ્નકર્તા : તો તે વખતે ‘એડજસ્ટમેન્ટ’ શું લેવું ?

દાદાશ્રી : ‘એડજસ્ટમેન્ટ’ શું લેવાનું ? ‘આપણે જોયા જ કરવાનું કે કેવો આંધળો છે !’ એ ‘એડજસ્ટમેન્ટ’ લેવાનું.

અહંકાર કોઈ વસ્તુ નથી. ‘આપણે’ જે માનીએ છીએ કે ‘હું આ છું’ એ બધોય અહંકાર અને ‘હું શુદ્ધાત્મા છું’ એટલો જ નિર્અહંકાર. ‘હું પટેલ છું’, ‘હું પચાસ વર્ષનો છું’, ‘હું કલેક્ટર છું’, ‘હું વકીલ છું.’ જે જે બોલ્યો તે બધો અહંકાર.

પ્રશ્નકર્તા : સારું કરવા માટે જે પ્રેરે, એ પણ અહંકાર કહેવાય ?

દાદાશ્રી : હા, એ પણ અહંકાર કહેવાય. ખોટું કરવા પ્રેરે તેય અહંકાર કહેવાય. એ સારામાંથી ખોટું ક્યારે કરશે, તેય કહેવાય નહીં. કારણ કે આંધળો છે ને ?

તમે જેને દાન આપતા હો ને એ માણસ કશુંક એવો શબ્દ બોલી ગયો, તો તમે એને મારવા ફરી વળો ! કારણ કે એ અહંકાર છે.

પ્રશ્નકર્તા : લશ્કરી માણસ હોય, એ એમ કહે કે હું હિન્દુસ્તાન માટે લડું છું. તો એ અહંકાર ખરો ?

દાદાશ્રી : હા, એ બધા અહંકાર ખરા. પણ એ છેવટે સરવાળામાં કશો લાભ ના કરે. થોડું પુણ્ય બંધાય. સારું કરનારો ‘ક્યારે ખોટું કરશે’

(પા.૫૯)

એ કહેવાય નહીં. આજે હિન્દુસ્તાન માટે લડતો હોય ને કાલે એના કેપ્ટન જોડેય ઝઘડો કરે ! એનું કશું ઠેકાણું નહીં. અહંકાર તદ્દન નફ્ફટ વસ્તુ છે. ક્યારે ઊંધો ફરે તે કહેવાય નહીં. એ ધ્યેય વગરની વસ્તુ છે. અને જેટલા અહંકારથી ધ્યેય રાખતા હતા, એ બધા હિન્દુસ્તાનમાં પૂજાય છે.

પ્રશ્નકર્તા : પણ આગળ વધવા માટે અહંકારની જરૂર તો ખરી ને ?

દાદાશ્રી : એ અહંકાર તો એની મેળે હોય જ. અહંકાર આપણો રાખ્યો રહે નહીં. આવીને પેસી જ જાય !

પ્રશ્નકર્તા : માનસશાસ્ત્રમાં એવું લખ્યું છે કે ‘પર્સનાલિટીના ડેવલપમેન્ટ’ માટે થોડા-ઘણાં અહંકારની જરૂર ખરી, એ ખરું છે ?

દાદાશ્રી : એ તો કુદરતી હોય જ. ‘ડેવલપમેન્ટ’ માટે કુદરતનો નિયમ જ છે કે અહંકાર ઊભો થાય ને પોતે ‘ડેવલપ’ થયા કરે. એમ કરતું કરતું ‘ડેવલપમેન્ટ’ પૂરું થવાનું થાય, ત્યારે હિન્દુસ્તાનમાં આવે. ત્યાર પછી એ ‘ડેવલપમેન્ટ’ની બહુ જરૂર રહી નહીં. મોક્ષનો માર્ગ મળી જાય, પછી આવા અહંકારના ગાંડાં કોણ કાઢે ? આ તો ગમે એટલો ડાહ્યો હશે, દાનેશ્વરી હશે, પણ ઘેર જાય એટલે ચિંતા, ઉપાધિઓ બહુ હોય જ ! આખો દહાડો અંતરદાહ ચાલુ જ હોય !

‘આત્મપ્રાપ્તિ’નાં લક્ષણો

પ્રશ્નકર્તા : મેં મારા આત્માને ઓળખ્યો હોય, તો મારામાં કયાં લક્ષણોની શરૂઆત થશે ? મારામાં કેવું પરિવર્તન થશે કે જેથી હું સમજી શકું કે હું રસ્તા ઉપર છું ?

દાદાશ્રી : પહેલું તો ‘ઇગોઇઝમ’ બંધ થઈ જાય. બીજું ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, તો જાણવું કે તમે આત્મા થઈ ગયા ! એવાં લક્ષણ તમને થયાં છે ?

પ્રશ્નકર્તા : ના, એ તો હજુ નથી થયાં.

(પા.૬૦)

દાદાશ્રી : એટલે એ લક્ષણો ઉત્પન્ન થાય તો પછી જાણવું કે તમે આત્મસ્વરૂપ થયા છો. અત્યારે તમે ‘ચંદુભાઈ’ સ્વરૂપ છો ! અત્યારે કોઈ બોલે કે, ‘આ ડૉક્ટર ચંદુભાઈએ મારો કેસ બગાડ્યો.’ એટલે તમને અહીં બેઠા બેઠા અસર થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : અસર તો થાય.

દાદાશ્રી : માટે તમે ‘ચંદુભાઈ’ છો ! અને આ ‘અંબાલાલ’ને કોઈ ગાળ દે, તો ‘હું’ આ ‘અંબાલાલ’ને કહું કે ‘જુઓ, તમે કહ્યું હશે, તેથી આ તમને ગાળો દે છે !’ અમને તદ્દન જુદાપણું જ અનુભવમાં આવે છે. તમારુંય જુદું પડી જાય એટલે પછી ‘પઝલ’ સોલ્વ થઈ ગયું. નહીં તો રોજ ‘પઝલ’ ઊભાં થયાં જ કરે !

પ્રશ્નકર્તા : આ ‘પઝલો’ છે, એ બધાં જીવન સાથે વણેલાં છે કે કર્મ ભોગવવા માટે એ છે ?

દાદાશ્રી : એ અણસમજ છે. આ મનુષ્યો બેભાન છે ! શેનાથી બેભાન છે ? ‘પોતાના સ્વરૂપથી બેભાન છે !’ ‘પોતે કોણ છે ?’ એનું જ ભાન નથી ! કેટલી બધી અજાયબી કહેવાય ? તમને શરમ ના લાગી આ વાત સાંભળતાં ? પોતે પોતાથી અજાણ છે. એ શરમ આવે એવું છે ને ? અને ત્યાં બહાર પાછો નીકળે, ત્યારે કેટલો બધો રોફ મારે છે. અલ્યા, તને સ્વરૂપનું ભાન નથી, તે શું વગર કામનો કૂદાકૂદ કરે છે ? પોતે પોતાથી ગુપ્ત રહી શકે જ નહીં ને ? તમે તમારા પોતાથી ગુપ્ત થયા છો, તે આ કઈ જાતનું કહેવાય ? એટલા માટે, ભાનમાં લાવવા માટે હું આ ‘વિજ્ઞાન’ આપવા માગું છું. ‘આ’ જ્ઞાન નથી, ‘આ’ વિજ્ઞાન છે. જ્ઞાન ક્રિયાકારી ના હોય. આ ‘વિજ્ઞાન’ ક્રિયાકારી હોય. આ જ્ઞાન લીધા પછી તમારે કશું કરવું ના પડે. જ્ઞાન જ કર્યા કરે. વિજ્ઞાન હંમેશાં ચેતન હોય અને શાસ્ત્રજ્ઞાન એ શબ્દજ્ઞાન છે. એ ક્રિયાકારી ના થઈ શકે. બહુ ત્યારે એ આપણને સદ્-અસદ્નો વિવેક કરાવડાવે. સદ્-અસદ્નો વિવેક એટલે આ ‘સાચું’ કે આ ‘ખોટું’ એવું ભાન કરાવનારું છે અને આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે.

(પા.૬૧)

કારણ-કાર્યની શૃંખલા

પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ તો ખરો ને ?

દાદાશ્રી : આ દેહ છે તે આત્માનું પરિણામ છે. જે જે ‘કૉઝિઝ’ કર્યાં તેની આ ‘ઇફેક્ટ’ છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ અને તમને ગાળ દે એટલે તમે ચીડાઈ જાવ. તે ચીડાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતરભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવ ‘ડિસ્ચાર્જ’ થાય છે, તે વખતે તે ‘ઇફેક્ટિવ’ છે. આ મન, વચન, કાયા ત્રણેય ‘ઇફેક્ટિવ’ છે. ‘ઇફેક્ટ’ ભોગવતી વખતે બીજાં નવાં કોઝિઝ ઉત્પન્ન થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઇફેક્ટિવ’ થાય છે. આમ ‘કૉઝિઝ’ એન્ડ ‘ઇફેક્ટ’, ‘ઇફેક્ટ’ એન્ડ ‘કૉઝિઝ’ એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.

મનુષ્યજન્મ એકલામાં જ ‘કૉઝિઝ’ બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી ‘ઇફેક્ટ’ જ છે. અહીં ‘કૉઝિઝ’ એન્ડ ‘ઇફેક્ટ’ બન્ને છે. અમે જ્ઞાન આપીએ છીએ, ત્યારે કૉઝિઝ બંધ કરી દઈએ છીએ. પછી નવી ‘ઇફેક્ટ’ થાય નહીં.

પ્રશ્નકર્તા : ‘ઇફેક્ટિવ’ રહેવું એ સારું છે કે ‘ઇફેક્ટિવ’ મટી જાય એ સારું છે ?

દાદાશ્રી : એમ મટાડીએ તો તો આ બધા લોકોને કશાની જરૂર જ ના રહે. જરાક દવા ચોપડીએ કે મટી જાય. ટાઢ ના વાય, તાપ ના લાગે, એટલે પંખા, કપડાં કશાની જરૂર ના રહે.

પ્રશ્નકર્તા : આ જન્મ-મરણનાં કારણની જે ‘ઇફેક્ટ’ છે, તે નીકળી જાય એ સારું કે રહે તો સારું ?

દાદાશ્રી : ‘ઇફેક્ટ’ કોઈ દહાડોય એમ નીકળી ના જાય. ‘ઇફેક્ટ’ એટલે પરિણામ. પરિણામને ખસેડી ના શકાય. પણ ‘કૉઝિઝ’ને બંધ કરી શકાય.

પ્રશ્નકર્તા : એ કાર્ય-કારણ ભાવનું છે ?

(પા.૬૨)

દાદાશ્રી : હા, ‘ઇફેક્ટ’ એ કાર્ય છે અને કાર્યમાં ફેરફાર ના થાય. આ જે ‘ઇફેક્ટ’ છે એ ‘ડિસ્ચાર્જ’ છે અને મહીં ‘ચાર્જ’ થયા કરે છે. ‘ચાર્જ’ એ બંધ કરી શકાય. ‘ડિસ્ચાર્જ’ બંધ ના કરી શકાય.

અકર્તાપદે અબંધદશા

પ્રશ્નકર્તા : ‘કૉઝિઝ’ બંધ કરવાની પ્રક્રિયા શી છે ?

દાદાશ્રી : ‘હું આ કરું છું’ એ ભાન તૂટ્યું, ત્યારથી ‘કૉઝિઝ’ બંધ થઈ ગયાં ! પછી નવાં ‘કૉઝિઝ’ ઉત્પન્ન થવાનાં નહીં ને જૂનો માલ છે, તે ‘ડિસ્ચાર્જ’ થયા કરવાનો. હવે જૂનો માલ કેવી રીતે ‘ડિસ્ચાર્જ’ થાય છે, તે આપને સમજાવું.

અહીંથી ચાલીસ માઈલ છેટેથી એક ‘ઇરીગેશન’ ટેન્કમાંથી મોટી પાઈપ દ્વારા અહીં અમદાવાદમાં તળાવ ભરવા પાણી આવતું હોય, તો એ તળાવ ભરાઈ ગયા પછી આપણે ત્યાં ફોન કરીએ કે હવે પાણી આપવાનું બંધ કરી દો. તો એ લોકો તરત બંધ કરી દે, છતાં અમુક ટાઈમ સુધી અહીં તો પાણી ચાલુ જ રહે. કારણ ચાલીસ માઈલની પાઈપમાં પાણી અંદર રહેલું, તે તો આવવા દેવું પડે ને ? એને શું કહેવાય ? અમે એને ‘ડિસ્ચાર્જ’ કહીએ છીએ. એવી રીતે અમારી પાસે જ્ઞાન લીધેલાનું ‘ચાર્જ’ બંધ થઈ જાય છે. ‘હું કરું છું’ એ ભાન તૂટી જાય છે, વ્યવસ્થિત કરે છે અને ‘શુદ્ધાત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. પછી જે થાય તે ‘જોયા’ કરવાનું છે. એટલે કર્તાપદ આખું ઊડી જાય છે કે જેનાથી ‘ચાર્જ’ થતું હતું. પછી જે ‘ડિસ્ચાર્જ’ રહ્યું, તેનો નિકાલ કરવાનો રહે છે.

પ્રારબ્ધ બન્યાં પુરાણાં, ‘વ્યવસ્થિતે’ જ્ઞાન શમાણાં !

પ્રશ્નકર્તા : આપ ‘વ્યવસ્થિત’ શક્તિને પ્રભુશક્તિ કહો છો કે પ્રારબ્ધ કહો છો ?

દાદાશ્રી : ના, આ ‘વ્યવસ્થિત’ શક્તિ અને પ્રારબ્ધ એને કંઈ લેવાદેવા નથી. કોઈ પણ માણસ પ્રારબ્ધને માને તો લોકો આવીને શું

(પા.૬૩)

કહે, ‘તું પુરુષાર્થ કર, નકામો પ્રારબ્ધ ઉપર બેસી ના રહીશ.’ એટલે પ્રારબ્ધ એ પાંગળા અવલંબનવાળી વસ્તુ છે અને ‘વ્યવસ્થિત’ તો ‘એક્ઝેક્ટ’ તેમ જ છે.

પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’ એટલે પૂર્વનિશ્ચિત ? એ પૂર્વનિર્ધારિત છે ?

દાદાશ્રી : હા, સંપૂર્ણ પૂર્વનિશ્ચિત છે ! પણ જ્યાં સુધી આપણને સંપૂર્ણ જ્ઞાન નથી, ત્યાં સુધી આપણે બોલવું ના જોઈએ કે ‘વ્યવસ્થિત’ જ છે. આ મન-વચન-કાયા ‘વ્યવસ્થિત’ને તાબે જ છે. આ હાથ ઊંચો કરે, મહીં વિચાર કરે, મહીં પ્રેરણા થાય છે, એ બધું ‘વ્યવસ્થિત’ને તાબે છે. આપણે ‘શુદ્ધાત્મા’ ને બીજું બધું એને તાબે ! એટલે એમાં હાથ ઘાલવો નહીં. ‘શું થઈ રહ્યું છે’ તેને જોયા કરવાનું !

પ્રશ્નકર્તા : તો પછી ‘શુદ્ધાત્મા’ એટલો ‘વ્યવસ્થિત’ના બંધનમાં આવ્યો કે નહીં ?

દાદાશ્રી : ના, ‘શુદ્ધાત્મા’ બંધનમાં નથી. ‘શુદ્ધાત્મા’ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની જ જરૂર છે.

હું ‘ટોપ’ ઉપર જઈને આ બધી વાત કરું છું ! જગતના લોકોએ જે વાત કરેલી છે, તેમાં કેટલાક લોકોએ ડુંગરની તળેટીમાં રહીને વાત કરેલી છે, કેટલાકે પાંચ ફૂટ ઉપર ચઢીને વાત કરી છે, તો કેટલાકે દસ ફૂટ ઉપરથી વાત કરી છે અને હું એટલે સુધી ચઢ્યો છું કે, મારું ડોકું ઉપરના ‘ટોપ’ને જુએ અને નીચેનો બધો જ ભાગ દેખાય ! જ્યારે વીતરાગોએ તો ‘ટોપ’ ઉપર ઊભા રહીને વાત કરી છે ! ‘ટોપ’ ઉપર સંપૂર્ણ સત્ય છે ! આ હું જે કહું છું તેમાં કંઈક સહેજ ખામી આવે. કારણ કે ‘ટોપ’ ઉપરનું બધું ના જોઈ શકું ! ‘ટોપ’ ઉપરની તો વાત જ જુદીને !

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન એમ કહે છે કે કર્મક્ષય બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા થઈ શકે નહીં, એટલે એમાં ‘જ્ઞાની’ પણ આવી

(પા.૬૪)

જાય ?

દાદાશ્રી : ના, જ્ઞાની તો પોતે પોતાનાં કર્મ ખપાવે અને બીજાનાં હઉ ખપાવી દે ! એટલે એમણે એ જે વાત કરી છે એ ‘જ્ઞાની’ ના હોય તેને માટે વાત કરી છે !

પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય ?

દાદાશ્રી : ના, ના હોય ! પણ પ્રકૃતિની એમની ઉપર અસર ના હોય. પોતાની સ્વતંત્રતા પર પ્રકૃતિની અસર ના હોય, પણ પ્રકૃતિને આધીન તો ‘મહાવીર ભગવાન’નેય રહેવું પડતું હતું !

પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધું હોય છતાં એમને સમાધિ વર્તતી ના હોય, એની ‘ભરેલી પાટી’ હોય, પણ એવું ‘વ્યવસ્થિત’ના હાથમાં ખરું કે અમુક દિવસે પાટી બધી કોરી થશે ?

દાદાશ્રી : આમાં ‘વ્યવસ્થિત’ શક્તિ કંઈ નુકસાન કરતી નથી. પોતાની અજાગૃતિ નુકસાન કરે છે ! જો મારાં આપેલાં વાક્યોના અમલમાં રહે તો તેને નિરંતર સમાધિ રહે. પોતે ‘જાગૃત’ રહેવાની જરૂર છે ! આ ‘જ્ઞાન’ હું આપું છું ત્યારે તમને આત્માની જાગૃતિમાં લાવી દઉં છું ! આત્માની સંપૂર્ણ જાગૃતિને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે ! જાગૃતિ ઉત્પન્ન થાય એટલે પોતાના બધા જ દોષો દેખાય ! પોતાના રોજના પાંચસો-પાંચસો દોષો ‘પોતે’ જોઈ શકે ! જે દોષ જુએ, તે દોષ અવશ્ય જાય !

આપણે અહીં આ ‘વિજ્ઞાન’ છે. પોતાના દોષ દેખાવા માંડ્યા, ત્યારથી એની ભગવાન થવાની શરૂઆત થઈ ! નહીં તો પોતાનો દોષ કોઈનેય દેખાય નહીં. પોતે જજ, પોતે વકીલ છે ને પોતે આરોપી હોય તો, પોતાનો દોષ કેવી રીતે જોઈ શકે ?

(પા.૬૫)

[9]

કષાયોની શરૂઆત

પ્રશ્નકર્તા : ‘ચાર્જ’ કષાય અને ‘ડિસ્ચાર્જ’ કષાય વિશે મારે જાણવું છે.

દાદાશ્રી : અત્યારે તમને જે કષાય થઈ રહ્યા છે, તમે કો’કની જોડે અત્યારે ગુસ્સે થઈ ગયા હો, તો એ કષાય ‘ડિસ્ચાર્જ’ છે. પણ એની અંદર તમારો ભાવ છે, તો ફરી ‘ચાર્જ’નું બી પડ્યું.

પ્રશ્નકર્તા : કોઈ પણ ‘ડિસ્ચાર્જ’ થાય તો, તેમાં ચાર્જ તો થાય ને ? ભાવકર્મ આવે ને ?

દાદાશ્રી : ના, એ ‘ડિસ્ચાર્જ’ થાય ત્યારે ‘ચાર્જ’ ના કરવું હોય તો, અમારી પાસે ‘જ્ઞાન’ લીધેલું હોય તેને ‘ચાર્જ’ થાય જ નહીં. પછી કર્મ ચોંટે જ નહીં.

પ્રશ્નકર્તા : એનો કોઈ ટેસ્ટ ખરો કે આ ‘ડિસ્ચાર્જ’ છે ને આ ‘ચાર્જ’ છે ?

દાદાશ્રી : હા, બધો ટેસ્ટ છે. પોતાને બધી ખબર પડે. જો ચાર્જ થાય તો તેની સાથે અશાંતિ થાય, અંદર સમાધિ તૂટી જાય અને ચાર્જ ના થાય એમાં તો સમાધિ જાય નહીં !

પ્રશ્નકર્તા : સમાધિ હોય છતાં ક્રોધ થાય ?

દાદાશ્રી : ક્રોધ થાય છે એ ડિસ્ચાર્જ ક્રોધ છે, પણ અંદર ક્રોધ કરવાનો ભાવ હોય તો એમાં સમાધિ રહે નહીં.

પ્રશ્નકર્તા : લોભનું પણ એવી જ રીતે હોય ?

(પા.૬૬)

દાદાશ્રી : હા, ક્રોધ-માન-માયા-લોભ બધાનું જ એવું. એક ‘ડિસ્ચાર્જ’ ભાવ છે ને બીજો ‘ચાર્જ’ ભાવ છે. આપનું નામ શું ?

પ્રશ્નકર્તા : ચંદુલાલ.

દાદાશ્રી : આપ ‘ચંદુલાલ છો’ એની ખાતરી કરેલી છે ?

પ્રશ્નકર્તા : બધાએ કહ્યું છે મને.

દાદાશ્રી : એટલે નામધારી તો હું પણ કબૂલ કરું છું, પણ ખરેખર ‘તમે’ કોણ છો ? જ્યાં સુધી, ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ છે ત્યાં સુધી કર્મ ચાર્જ થયા જ કરે છે.

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ કષાયભાવ છે કે જુદું છે ?

દાદાશ્રી : એ કષાયના જ ભાવ છે. એ જુદું તત્ત્વ નથી. ક્રોધ અને માન એ દ્વેષ છે, ને માયા ને લોભ એ રાગ છે. આ ક્રોધ-માન-માયા-લોભ, એ આત્માના ગુણધર્મ નથી. તેમ પુદ્ગલનાય ગુણધર્મ નથી.

પ્રશ્નકર્તા : તો ત્રીજું કયું તત્ત્વ છે ?

દાદાશ્રી : આત્મા અને પુદ્ગલની હાજરીથી ઉત્પન્ન થતા ગુણ છે. હાજરી ના હોય તો ના થાય.

પ્રશ્નકર્તા : કષાયમાં કષ્ + આય છે, એ શું છે ?

દાદાશ્રી : આત્માને પીડે એ બધા કષાય.

પ્રશ્નકર્તા : રાગથી પીડા થતી નથી, છતાંય રાગને કષાય કેમ કહ્યો ?

દાદાશ્રી : રાગથી પીડા ના થાય, પણ રાગ એ કષાયનું બીજ છે. એમાંથી મોટું ઝાડ ઉત્પન્ન થાય !

દ્વેષ એ કષાયની શરૂઆત છે અને રાગ એ બીજ નાખ્યું, ત્યાંથી પછી એનું પરિણામ આવશે. એનું પરિણામ શું આવશે ? કષાય. એટલે

(પા.૬૭)

પરિણામ આવશે તે દહાડે દ્વેષ ઉત્પન્ન થશે. અત્યારે તો રાગ છે એટલે મીઠું લાગે.

અનુકૂળમાં કષાયો હોય ?

પ્રશ્નકર્તા : અનુકૂળ સંયોગોમાં કષાયભાવ કે કંઈ આવતો નથી ને પ્રતિકૂળ સંયોગોમાં કષાયભાવ બહુ આવી જાય છે, તો એને માટે શું કરવાનું ?

દાદાશ્રી : એવું છે ને કે પ્રતિકૂળ એકલામાં જ કષાય થાય છે એવું નથી. અનુકૂળમાં બહુ કષાય થાય છે. પણ અનુકૂળના કષાયો ઠંડા હોય. એને રાગકષાય કહેવાય છે. એમાં લોભ અને કપટ બેઉ હોય. એમાં એવી ખરેખરી ઠંડક લાગે કે દહાડે દહાડે ગાંઠ વધતી જ જાય. અનુકૂળ સુખદાયી લાગે છે, પણ સુખદાયી છે એ જ બહુ વસમું છે.

પ્રશ્નકર્તા : અનુકૂળમાં તો ખબર પડતી જ નથી કે આ કષાયભાવ છે.

દાદાશ્રી : એમાં કષાયની ખબર ના પડે. પણ એ જ કષાય મારી નાખે. પ્રતિકૂળના કષાયો તો ભોળા હોય બિચારા ! એની જગતને તરત જ ખબર પડી જાય. જ્યારે અનુકૂળના કષાયો, લોભ અને કપટ તો એ ફાલીફૂલીને મોટા થાય છે ! પ્રતિકૂળના કષાયો, માન અને ક્રોધ છે. એ બંને દ્વેષમાં જાય. અનુકૂળના કષાયો અનંત અવતારથી ભટકાવી મારે છે. બેન તમને સમજમાં આવી ગયું ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે બન્ને ખોટા છે - અનુકૂળ ને પ્રતિકૂળ. માટે આત્મા જાણવા જેવો છે. આત્મા જાણ્યા પછી અનુકૂળ-પ્રતિકૂળ બધું ઊડી જાય !

પ્રશ્નકર્તા : તો એના માટે શો પુરુષાર્થ કરવો ?

(પા.૬૮)

દાદાશ્રી : પુરુષાર્થ કર્યે કશું નહીં થાય. અહીં આવજો. તમને આત્મા જણાવી દઈશું. પછી તમને આનંદ આનંદ થઈ જશે અને આ કષાયો બધા મટી જશે !

જ્યાં સુધી આત્મા અનુભવમાં ના આવે ત્યાં સુધી કશું વળે નહીં. લોકો કહે છે કે ‘સાકર ગળી છે, સાકર ગળી છે.’ તે આપણે પૂછીએ કે ‘કેવી ગળી છે ?’ ત્યારે એ કહે કે, ‘હું જાણતો નથી ! એ તો મોઢામાં મૂકીએ ત્યારે ખબર પડે.’ એમ આત્માનું છે. આ બધી આત્માની વાતો કરે, પણ બધી વાતોમાં જ છે. એમાં કશું ફળદાયી નહીં. કષાય જાય નહીં ને દહાડો આપણો વળે નહીં. અનંત અવતારથી આવું ભટક ભટક કરે છે. ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન કર્યાં નથી, સત્ સુણ્યું નથી, સત્ શ્રદ્ધયું નથી. સત્ને જાણવું તો જોઈએને એક ફેરો ?

કષાયો બહુ દુઃખદાયી છે ને ? અને પેલા સુખ આપે છે તે કષાયો, તે શું છે ?

પ્રશ્નકર્તા : એ તો આપે કીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એ મહા દુઃખદાયી છે, નહીં તો અનુકૂળમાં કષાયો હોય એ સમજણમાં જ નહોતા આવતા.

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ના આવે, આવી અનંતી ભૂલો છે. આ એક જ ભૂલ નથી. અનંતી ભૂલો ફરી વળી છે.

પ્રશ્નકર્તા : ભૂલો તો ડગલે ને પગલે થાય છે.

દાદાશ્રી : આ અનુકૂળ એ કષાયો કહેવાય એવું તમે બરાબર સમજી ગયા છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ જે નિરંતર ગારવરસમાં રાખે, ખૂબ ઠંડક લાગે, ખૂબ મજા આવે. એ જ કષાયો છે તે ભટકાવનારા છે.

(પા.૬૯)

કષાયોનો આધાર

પ્રશ્નકર્તા : આ કષાય શેના આધારે છે ?

દાદાશ્રી : અજ્ઞાનના આધારે છે.

અજ્ઞાનતા જ આ બધાનું ‘બેઝમેન્ટ’ છે. અજ્ઞાનતા ગઈ કે બધો ઉકેલ આવ્યો. અજ્ઞાનતા અમારા સમજાવવાથી જાય. અજ્ઞાન જાય એટલે કષાય પડવા માંડે, એટલે રાગ-દ્વેષ પડવા માંડ્યા. પછી પ્રકૃતિ પડવા માંડે. છે ને સહેલો રસ્તો ?

‘અક્રમ’ની બલિહારી !

પ્રશ્નકર્તા : દાદા, કંઈ પણ કિંચિત્માત્ર કર્યા વગર આ પ્રાપ્ત થવું, એ સમજાતું નથી.

દાદાશ્રી : ‘અક્રમ વિજ્ઞાન’ હંમેશ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય. અને ‘ક્રમિક’માં પણ કૃપા તો ખરી જ, પણ એમાં ગુરુ કહે એવું કર કર કરવું પડે. ‘અક્રમ’માં કર્તાપદ ના હોય. અહીં તો જ્ઞાન જ, સીધું ‘ડાયરેક્ટ’ જ્ઞાન. એટલે બહુ સરળ થઈ પડે ! તેથી આને ‘લિફટમાર્ગ’ કહ્યો. ‘લિફટમાર્ગ’ એટલે મહેનત વગેરે કશું કરવાનું નહીં. આજ્ઞામાં રહેવાનું. એટલે નવું ‘ચાર્જ’ ના થાય. પછી તમારે વિસર્જન થયા જ કરે. જેવા ભાવે સર્જન થયેલું હતું, તેવા ભાવે વિસર્જન થયા કરે.

અનુભવ-લક્ષ-પ્રતીતિ

પોતે અનાદિ કાળથી વિભ્રમમાં પડેલો છે. આત્મા છે સ્વભાવમાં, પણ વિભાવની વિભ્રમતા થઈ. તે સુષુપ્ત અવસ્થા કહેવાય. તે જાગ્યો ત્યારે તેનું લક્ષ બેસે આપણને. એ જ્ઞાને કરીને જાગે. ‘જ્ઞાની પુરુષ’ જ્ઞાને કરીને બોલાવે. એટલે આત્મા જાગે પછી લક્ષ ના જાય. લક્ષ બેઠું એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહે. આ લક્ષની મહીં પ્રતીતિ હોય જ. હવે અનુભવ વધતા જવાના. પૂર્ણ અનુભવને કેવળજ્ઞાન કહ્યું.

(પા.૭૦)

સામીપ્યભાવથી મુક્તિ

અજ્ઞાનતાથી કષાય ઊભા થાય છે. જ્ઞાનથી કષાય ના હોય. સ્વરૂપજ્ઞાન થયા પછી ‘તમે’ ઉગ્ર થઈ જાવ, તો એ પેલા પાછલા કષાયો છે કે જે હવે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે, એને ભગવાને ચારિત્ર મોહનીય કહી.

‘આપણો’ ‘પાડોશી’ ચેતનભાવને પામેલો છે. ચાર્જ થયેલો છે, એટલે એના બધાય ભાવો, બુદ્ધિના બધાય ભાવો, અપમાન કરે ત્યારે મન ઉછાળે ચઢે, એ બધા પાડોશીના ભાવો છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા જ્યારે ઉછાળે ચઢે તો ‘આપણે’ ચંદુલાલને ધીમે રહીને કહેવું, ‘ઊછળશો નહીં બા, હવે શાંતિ રાખજો.’ એટલે આપણે પાડોશી તરીકે પાડોશીધર્મ બજાવવો. કોઈક વખત બહુ ઉશ્કેરાટ થઈ જાય તો આપણે અરીસા સામે જોવું. તે આમ અરીસામાં ચંદુલાલ દેખાય ને ? પછી ચંદુલાલને આમ હાથ ફેરવવો, અહીં આગળ રહીને તમે ફેરવોને એટલે ત્યાં આગળ અરીસામાં ફરે; એવું દેખાય ને ? પછી આપણે ચંદુલાલને કહેવું કે, ‘‘શાંતિ રાખો ‘અમે’ બેઠા છીએ. હવે તમારે શો ભો છે ?’’ આવો અભ્યાસ કરો. અરીસામાં સામું બેસીને તમે છૂટા ને ચંદુલાલ છૂટા. બે જુદા જ છે. સામીપ્યભાવને લઈને એકતા થઈ છે. બીજું કશું છે નહીં. પહેલેથી જુદા જ છે. આખી ‘રોંગ બિલીફ’ જ બેસી ગયેલી જ છે. ‘જ્ઞાની પુરુષ’ ‘રાઈટ બીલિફ’ આપે એટલે ઉકેલ આવી ગયો દ્રષ્ટિફેર જ છે. માત્ર દ્રષ્ટિની ભૂલ છે.

(પા.૭૧)

[10]

વિષયોમાં સુખબુદ્ધિ કોને ?

દાદાશ્રી : તમારે કેટલી ‘ફાઈલ’ છે ?

પ્રશ્નકર્તા : મારે તો એક જ ‘ફાઈલ’ છે, વેદનીયની.

દાદાશ્રી : હવે એ વેદનીયને એમ કહેશો કે, ‘અહીં આવશો નહીં.’ ત્યારે વેદનીય આઠ ફીટ ઊંચી હતી, તે એંસી ફીટ ઊંચી થઈને આવશે અને આપણે કહીએ કે તમે વહેલા આવો તો આઠ ફીટની હોય, તે બે ફીટની દેખાય અને વેદનીયનો કાળ પૂરો થઈ ગયો તો એ ઊભી ના રહે. તો જે ઊભી રહેવાની નથી, તે તો આપણા ‘ગેસ્ટ’ કહેવાય. ‘ગેસ્ટ’ જોડે તો આપણે સારું વર્તન રાખવું જોઈએ ને ? સંયમ રાખવો પડે. તમને શું લાગે છે ?

પ્રશ્નકર્તા : લાગે તો છે દાદા, પણ સહન નથી થતું.

દાદાશ્રી : એ સહન નથી થતું, એ ‘સાયકોલોજિકલ ઇફેક્ટ’ છે. તે ‘દાદા, દાદા’ એમ નામ લઈએ ને ‘મને સહનશક્તિ આપો’ એમ કહીએ તો તેવી શક્તિઓ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી એવી રીતે નિકાલ થાય નહીં ને ?

દાદાશ્રી : એ સુખબુદ્ધિ આત્માને નથી. જે આત્મા મેં તમને આપ્યો છે, એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દહાડો ચાખ્યું પણ નથી. એ જે સુખબુદ્ધિ છે તે અહંકારને છે.

સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની

(પા.૭૨)

નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે, તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય. ફરી એની એ વસ્તુ વધારે આપે તેમાં દુઃખબુદ્ધિયે ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો ?

પ્રશ્નકર્તા : હા, કંટાળો આવે પછી.

દાદાશ્રી : માટે એ પુદ્ગલ છે પૂરણ-ગલનવાળી વસ્તુ છે. એટલે એ કાયમની વસ્તુ નથી. ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી. એ તો દેહનું આકર્ષણ છે.

પ્રશ્નકર્તા : દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે.

દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે ને કે ‘મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્ન અસંગ જ છું.’ એ જાગૃતિ રહેવી જોઈએ. અને ખરેખર ‘એક્ઝેક્ટલી’ એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ નથી.

પ્રશ્નકર્તા : એ ના રહે, તો એ આપણા ચારિત્રનો દોષ છે એમ ગણીએ ?

દાદાશ્રી : એ ‘ક્રમિક માર્ગ’માં હોય.

પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને લીધે ઢીલાશ રહે.

દાદાશ્રી : એ ‘ક્રમિક માર્ગ’માં ઢીલાશ કહેવાય. એના માટે તમારે ઉપાય કરવો પડે. આમાં (અક્રમમાં) તમારે ઢીલાશ ના કહેવાય. આમાં તમારે જાગૃતિ જ રાખવાની. અમે જે આત્મા આપેલો છે એ જાગૃતિ જ છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને ?

દાદાશ્રી : ના એવું નથી. હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે તે આકર્ષણ છે.

(પા.૭૩)

પ્રશ્નકર્તા : આ થાય છે તે આકર્ષણ છે, એ નબળાઈ ના ગણાય ?

દાદાશ્રી : ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવાદેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે. એટલે એક-બે અવતાર વધારે કરાવડાવે, તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા છે તે ‘સામાયિક’ કરે છે. તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય. જે જે તમારે ઓગાળી નાખવું હોય, તે અહીં ઓગાળી શકાય.

પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને !

દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ વિષય ‘સામાયિક’માં મૂકવાનો. અને આ દેખાડે એ પ્રમાણે તેને જોયા કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય.

વિચાર આવ્યા સિવાય કોઈ દહાડો આકર્ષણ થાય નહીં. આકર્ષણ થવાનું થાય ત્યારે મહીં વિચાર આવે. વિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે તે, ગાંઠ મોટી હોય.

સંસાર ચલાવવા આત્મા અકર્તા

મહીં ભાવ જે થાય છે તે ભાવક કરાવડાવે છે, મહીં ભાવક, ક્રોધક, લોભક, માનક છે. આ બધા બેઠા છે, તે ભાવ કરાવે છે. તેમાં જો ભાવ્ય ભળે, ભાવ્ય એટલે આત્મા (પ્રતિષ્ઠિત) જો ભળે તો ચિતરામણ નવું થાય.

આ સંસાર જે છે તે આત્માની હાજરીથી ચાલે છે. આત્મા જરાય ભળે નહીં તોય એ ચાલે એવો છે. તેથી અમે આ ‘વ્યવસ્થિત’ની શોધખોળ કરી છે. ‘ક્રમિક’માં તો એમ જાણે છે કે આત્માએ ચલાવ્યા વગર ચાલે જ નહીં. જ્યારે અમે તમને ‘વિજ્ઞાન’ આપ્યું છે કે ‘વ્યવસ્થિત’ બધું ચલાવી લેશે.

(પા.૭૪)

પ્રશ્નકર્તા : મને દ્વેષ થયો, તો તેમાં આત્મા ભળ્યો કે નહીં ? એ દ્વેષ કોણે કર્યો ? મેં કર્યો ?

દાદાશ્રી : આત્મા ભળે ત્યારે શું થાય ? રાગ ને દ્વેષ બેઉ થાય. હવે રાગ-દ્વેષ થયા, તે ખબર કેમ પડે ? કહે કે દ્વેષ થાય ત્યારે મહીં ચિંતા થાય, જીવ બળે. આ જ્ઞાન પછી આત્મા ભળે નહીં. એટલે નિરાંતની સ્થિતિ રહે, નિરાકુળતા રહે. નિરાકુળતા એટલે સિદ્ધ ભગવાનનો ૧/૮ ગુણ ઉત્પન્ન થયો કહેવાય. જગત તો આકુળતા ને વ્યાકુળતામાં જ હોય, તરફડાટ તો રહ્યા જ કરે, તેથી ‘જ્ઞાની’ને શોધે.

લોકો શું જાણે છે કે, આત્મા ભાવ કરે છે. ખરી રીતે આત્મા ભાવ કરતો નથી. ભાવકો ભાવ કરે છે. એને જો સાચા માન્યા એટલે ભળ્યો. ભાવ થયા એને સાચા માનવા, એનું નામ જ ભળ્યો. એનાથી બીજ નંખાય.

પ્રશ્નકર્તા : ભાવક એટલે જૂનાં કર્મો ?

દાદાશ્રી : ભાવક એટલે મનની ગાંઠો. કોઈને માનની ગાંઠ, કોઈને લોભની ગાંઠ, તો કોઈને ક્રોધની ગાંઠ, તો કોઈને વિષયની ગાંઠ. આ ગાંઠો જ હેરાન કરે છે; આત્મા પ્રાપ્ત થયા પછી ભાવોમાં ભાવ્ય ભળે નહીં, તેથી નિરાકુળતા રહે.

નિરાકુળ આનંદ

આખા જગતમાં જે આનંદ છે, તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને ‘જ્ઞાની’ થયા પછી નિરાકુળ આનંદ ઊભો થાય છે.

‘જ્ઞાની પુરુષ’ પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયું ને એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય !

આનંદ બે પ્રકારના : એક આપણને ‘બિઝનેસ’માં ખૂબ રૂપિયા

(પા.૭૫)

મળી જાય, સારો સોદો થઈ ગયો, તે ઘડીએ આનંદ થાય. પણ તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય. છોકરો પૈણાવે, છોડી પૈણાવે તે ઘડીએ આનંદ થાય, તે પણ આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્ચ્છિત આનંદ કહેવાય અને નિરાકુળ આનંદ થાય તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો.

પ્રશ્નકર્તા : નિરાકુળ આનંદ કયો કહેવાય ?

દાદાશ્રી : અહીં સત્સંગમાં જે બધો આનંદ થાય છે, તે નિરાકુળ આનંદ છે. અહીં આકુળતા-વ્યાકુળતા ના હોય.

આકુળ-વ્યાકુળવાળા આનંદમાં શું થાય કે મહીં ઝંઝટ ચાલ્યા કરતી હોય. અહીં ઝંઝટ બંધ હોય અને જગત વિસ્મૃતિ રહ્યા કરે. હમણાં કોઈ વસ્તુને લઈને આનંદ આવે તો આપણે સમજીએ કે આ પૌદ્ગલિક આનંદ છે. આ તો સહજ સુખ ! એટલે નિરાકુળ આનંદ. આકુળતા-વ્યાકુળતા નહીં. જાણે ઠરી ગયેલા હોઈએ એવું આપણને લાગે. ઉન્માદ કશો ના હોય.

જેનો પરિચય કરીએ, તે રૂપ આપણે થઈએ.

પ્રશ્નકર્તા : આપે જે આપ્યું છે તેનાથી, આ કાળમાં આપ જે સ્થિતિમાં પહોંચ્યા છો, તે સ્થિતિ સુધી અમે પહોંચી શકીએ ખરા ?

દાદાશ્રી : આપણું બીજું કામ જ શું છે ? આપને નિરાકુળતા પ્રાપ્ત થઈ છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : નિરાકુળતા એ સિદ્ધ ભગવાનનો ૧/૮ ગુણ છે. ૧/૮ સિદ્ધ થયા. પછી ચૌદ આની બાકી રહે. તે પછી થઈ જશે. સિદ્ધ થયા છો ને ? સિક્કો વાગી ગયો ને ? પછી શો ભો ? અત્યારે કોઈ ઉપરથી આવે ને કહે કે, ‘ચાલો સાહેબ મોક્ષમાં.’ તો હું શું કહું, ‘કેમ ઉતાવળ છે આટલી બધી?’ ત્યારે એ કહે કે, ‘તમારી ઉપર અમને લાગણી થાય છે !’ ત્યારે હું કહું કે, ‘લાગણી મારી ઉપર ના રાખીશ,

(પા.૭૬)

બા ! હું લાગણી રાખવા જેવો પુરુષ નથી. મારો મોક્ષ મારી પાસે છે.’ નિરાકુળતા ઉત્પન્ન થાય, પછી શું રહે બાકી ? નહીં તો ચિંતા-વરીઝ ભટકાય ભટકાય કરે. ‘ઇગોઇઝમ’ ભટકાય ભટકાય કરે છે.

અહંકારના પડધા - વ્યવહારમાં !

અહંકાર આંધળો બનાવનારો છે. જેટલો અહંકાર વધારે એટલો આંધળો વધારે.

પ્રશ્નકર્તા : કાર્ય કરવા માટે તો અહંકારની જરૂર પડવાની જ ને ?

દાદાશ્રી : નહીં, એ નિર્જીવ અહંકાર જુદો છે. એને અહંકાર કહેવાય જ નહીં ને ? એને લોકોય અહંકારી ના કહે.

પ્રશ્નકર્તા : તો કયો અહંકાર નુકસાનકારક ?

દાદાશ્રી : આ તમે બધા જાણો છો કે ‘હું જ્ઞાની છું.’ પણ બહાર વ્યવહારમાં લોકો ઓછા જાણે છે કે ‘હું જ્ઞાની છું.’ છતાં મારામાં લોકો એક પણ એવું નહીં દેખે કે જેથી કરીને લોક મને અહંકારી કહે. જ્યારે તમને તેમ કહેશે. આ અહંકારે જ દાટ વાળ્યો છે.

પ્રશ્નકર્તા : પણ આ અહંકારથી બધો વ્યવહાર ચાલતો હોય છે ને ?

દાદાશ્રી : અહંકારથી વ્યવહાર નથી ચાલતો. અહંકાર પ્રમાણની બહાર ના જવો જોઈએ, નહીં તો તે નુકસાન કરે.

પ્રશ્નકર્તા : લોકોને અમારા જૂના અહંકારના પડઘા પડી ગયેલા. તેથી અમને અહંકારી જ દેખે.

દાદાશ્રી : તમારા જૂના અહંકારના પડઘા જ્યાં સુધી ના ભૂંસાય, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.

એક સારા આબરૂદાર ઘરનો છોકરો હતો. પણ તેને ચોરીની

(પા.૭૭)

કુટેવ પડી ગયેલી. તેણે ચોરી બંધ કરી દીધી. પછી મારી પાસે આવીને એ કહે, ‘દાદા, હજુ લોકો મને ચોર કહે છે.’ ત્યારે મેં એને કહ્યું, ‘‘તું દસ વર્ષથી ચોરી કરતો હતો, તોય લોકોએ તને ઓળખ્યો નહીં, ત્યાં સુધી તને લોકો શાહુકાર કહેતા હતા. હવે તું ચોર નથી. શાહુકાર થઈશ તોય દસ વર્ષ સુધી ચોરનો પાછલો પડઘો પડ્યા કરશે. માટે તું દસ વર્ષ સુધી સહન કરજે. પણ હવે તું ફરી ચોરીઓ કરતો ના થઈ જઈશ. કારણ મનમાં એવું લાગે કે, ‘‘આમેય મને લોક ચોર કહે છે જ, માટે ચોરી જ કરો ને ! એવું ના કરીશ.’’

પોલમ્પોલ ચાલ્યું જાય એવું નથી. અમારેય જ્ઞાન થતાં પહેલાંના પડઘા અમારા સગાંસંબંધીઓને રહ્યા કરે !

પ્રશ્નકર્તા : તો એ પડઘા જલદી જાય કેમ ?

દાદાશ્રી : ધીમે ધીમે જવા જ માંડ્યા છે. અહીંથી ગાડી ઊપડી એને લોકો શું કહે છે ? ગાડી મુંબઈ ગઈ.

પ્રશ્નકર્તા : એક ‘પેસેન્જર’ ને એક ‘રાજધાની એક્સપ્રેસ’ જાય છે. અમારે તો ‘રાજધાની એક્સપ્રેસ’ જોઈએ.

દાદાશ્રી : આ તો ઉતાવળિઓ સ્વભાવ છે. તમે કાચી ખીચડી રાખો તો બધાને કાચું ખાવું પડે. એટલે આવું જમણ હોય ત્યાં આપણે ‘ધીરજલાલ’ને(!) બોલાવવો (ધીરજ રાખવી) !

પરિણામ પરસત્તામાં

પ્રશ્નકર્તા : ખોટું કરવાવાળાને બધો ખ્યાલ આવી જાય, તોય ખોટું કેમ કરે છે ?

દાદાશ્રી : ખોટું થાય છે, એ તો પરપરિણામ છે. આપણે આ ‘બોલ’ અહીંથી નાખીએ પછી આપણે એને કહીએ કે હવે તું અહીંથી આઘો ના જઈશ, નાખ્યો ત્યાં જ પડી રહેજે. એવું બને ખરું ? ના બને. નાખ્યા પછી ‘બોલ’ પરપરિણામમાં જાય. એટલે જેવી રીતે કર્યા હશે,

(પા.૭૮)

એટલે કે ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હોય તો પરિણામ બે ફૂટનાં આવે. દસ ફૂટનાં પરિણામ સાત ફૂટ આવે. પણ એ પરિણામ એની મેળે બંધ જ થઈ જવાનાં છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો !

પ્રશ્નકર્તા : તે વખતે એમ કહી શકાય કે પરાપૂર્વથી ખોટું કરતો આવ્યો છે, માટે ખોટામાં ખેંચાયા કરે છે ?

દાદાશ્રી : એવું કશું નથી. આ બધું ‘વ્યવસ્થિત’ને તાબે છે. એટલે એમાં એનો દોષ નથી. ફક્ત એણે એટલું સમજી લેવું જોઈએ કે ‘હું કોણ છું.’ એ સમજ્યો ત્યારથી છૂટકારાનો દમ મળે. આ સમજતો નથી, એટલે આ બધું બંધન થયા કરે છે.

આ આપણું ‘સાયન્સ’ છે, ટૂંકું ‘સાયન્સ’ છે. જો ‘જ્ઞાની પુરુષ’ મળે ને ‘જ્ઞાન’ મળે તો વાત ટૂંકી છે અને ‘જ્ઞાની પુરુષ’ ના મળે તો કશું કામ થાય નહીં. ‘જ્ઞાની પુરુષ’ ના મળે તો ઊર્ધ્વગતિ કરાવડાવે. પુણ્ય બંધાવડાવે, પણ છૂટકારો ના થાય.

(પા.૭૯)

[11]

માનવ સ્વભાવમાં વિકારો હેય,

આત્મ સ્વભાવમાં વિકારો જ્ઞેય !

પ્રશ્નકર્તા : સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનમાં વિકારો રહે છે, તેનું કારણ શું ?

દાદાશ્રી : મનના વિકારો તો જ્ઞેય છે, એટલે એ જોવાની વસ્તુ છે. પહેલાં આપણે માનવસ્વભાવમાં હતા. તેમાં આ સારું ને આ ખોટું, આ સારા વિચાર ને આ ખોટા વિચાર એમ હતું. હવે આત્મસ્વભાવમાં આવ્યા એટલે બધા એક જ વિચાર ! વિચાર માત્ર જ્ઞેય છે ને ‘આપણે’ જ્ઞાતા છીએ. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહી ડખલ, તે કહો ?

પ્રશ્નકર્તા : એ રીતે આત્મદ્રષ્ટિથી જોવા માટે કંઈ પુરુષાર્થ કરવો પડે છે કે એની મેળે જ જોવાય છે ?

દાદાશ્રી : એની મેળે જ દેખાય ! અમે જે જ્ઞાન આપ્યું છે તેનાથી ‘રિલેટિવ’ અને ‘રિયલ’ ને જુઓ, ‘રિલેટિવ’ બધી વિનાશી ચીજો છે ને ‘રિયલ’ બધી અવિનાશી છે. આ બધાં જ્ઞેય જે દેખાય છે તે બધાં વિનાશી જ્ઞેયો છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, એ વિનાશી સંયોગો છે. આ બધું અહીં સત્સંગમાં આવીને પૂછી લેવું જોઈએ ને ફોડ પાડી લેવા જોઈએ. તો દરેક બાબતનું લક્ષ રહે ને લક્ષ રહે એટલે પછી કશું કરવાનું રહેતું નથી. સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું કરવાનું ના હોય. જ્ઞાન જ્ઞાનમાં જ રહે. આત્મા જ્ઞાયક સ્વભાવમાં જ રહે. જ્ઞાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે. બીજો સ્વભાવ જ આત્માને ઉત્પન્ન ના થાય.

પ્રશ્નકર્તા : જાણવું એટલે મનને જાણવાનું કે શરીરનાં સંવેદનોને જાણવાનું ?

(પા.૮૦)

દાદાશ્રી : બધુંય જાણવાનું. મનના વિચારો આવે તેય જાણવાના, બુદ્ધિ શું શું કરે છે તેય જાણવાનું ને અહંકાર શું કરે છે તેય જાણવાનું. જેટલા જેટલા સંયોગો છે તે બધાય જાણવાના. સંયોગોની ખબર પડે કે ના પડે ? મનમાં વિચાર આવે ને જાય, તે સંયોગ કહેવાય. ગમે તે વસ્તુ આવે ને જાય તે સંયોગ કહેવાય. અને જે આવતો નથી ને જતો નથી, જે જોનારો છે એ કાયમ રહે છે તે ‘જ્ઞાયક’ છે. એ જ્ઞાયક આ બધા આવતા-જતા સંયોગોને જોયા કરે કે આ ફલાણાભાઈ આવ્યા ને આ ગયા. એવું આ જોયા જ કરે, એ આત્માનો સ્વભાવ ને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે આપણે તેમને કહીએ કે અહીં બેસી રહો તોય એ જાય જ !

તમને માનવસ્વભાવ હતો ત્યાં સુધી મનમાં વિચાર આવતા હતા તેને, ‘મને વિચાર આવે છે’ એમ કરીને તન્મયાકાર રહેતા હતા. હવે તમને તન્મયાકારપણું ના રહે. એ છૂટો રહે; કારણ કે માનવ સ્વભાવ એ પૌદ્ગલિક સ્વભાવ છે અને હવે આ આત્મસ્વભાવ છે. આત્મસ્વભાવ એ અવિનાશી સ્વભાવ છે ને પેલો વિનાશી સ્વભાવ છે. એ તો આવે ને જાય, તેને જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : દાદા, સંયોગો જ ના હોય તો ?

દાદાશ્રી : સંયોગો ના હોય તો તો આત્મા ના હોય.

પ્રશ્નકર્તા : શું ત્યાં આત્મા ના હોય ?

દાદાશ્રી : ના, સંયોગો ના હોય તો, આત્મા જુએ શું ? સંયોગોની હસ્તી નહીં તો આત્માનીય હસ્તી નહીં.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થયો કે જડ અને ચેતન બન્ને સાથે જ રહે છે. એ વગર તો થાય જ નહીં ને ?

દાદાશ્રી : જગત આખું એવું ને એવું જ રહ્યા કરવાનું. જ્ઞેય વગર આ જગત કોઈ દહાડોય ખાલી થવાનું નથી ! જ્ઞાતાય રહેવાના ને જ્ઞેયોય રહેવાના.

પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં જાય, ત્યાં સંયોગો નહીં ને ?

(પા.૮૧)

દાદાશ્રી : ના, પણ ત્યાં રહીને અહીંના બધા જ સંયોગો તેમને દેખાય. એમને જોવાનું શું ? આ જ જોવાનું. આ મેં હાથ ઊંચો કર્યો તે એમને ત્યાં ઊંચો કરેલો હાથ દેખાય.

પ્રશ્નકર્તા : એમનો જ્ઞાતા-દ્રષ્ટા ગુણ તો કાયમ જ રહે ને ?

દાદાશ્રી : હા, એ જ કાયમ રહે. આત્માનું સ્વરૂપ છે અને જ્ઞાતા-દ્રષ્ટા હોય ત્યાં જ આનંદ રહે, નહીં તો આનંદ ના હોય.

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ના હોય તો શું આનંદ ના હોય ?

દાદાશ્રી : ના હોય. જ્ઞાતા-દ્રષ્ટાનું ફળ આનંદ છે. એક બાજુ જ્ઞાતા-દ્રષ્ટા થવું ને બીજી બાજુ આનંદ ઉત્પન્ન થવો એવું છે. જેમ સિનેમામાં ગયેલો માણસ સિનેમાનો પડદો ઊંચકાય નહીં, તો ગૂંચાયા કરે, સિસોટીઓ વગાડે. એવું એ શાથી કરે છે ? કારણ કે એને દુઃખ થાય છે કે જે જોવા આવ્યો છે તે એને જોવા મળતું નથી. જ્ઞેયને જુએ નહીં ત્યાં સુધી એને સુખ ઉત્પન્ન ના થાય. તેવી રીતે આત્મા જ્ઞેયને જુએ ને જાણે કે મહીં પરમાનંદ ઉત્પન્ન થાય. હવે રાત્રે એકલો ઓરડીમાં સૂઈ ગયો હોય તો ત્યાં શું જોવાનું ? ત્યાં ક્યા ફોટા જો જો કરવા ? તો ત્યાં અંદરનું બધું દેખાય. છેવટે ઊંઘેય દેખાય, સ્વપ્નુંય દેખાય.

પ્રશ્નકર્તા : પણ સિદ્ધક્ષેત્રમાં સ્વપ્નું ના દેખાય ને ?

દાદાશ્રી : ના, ત્યાં સ્વપ્નું ના હોય. સ્વપ્નું તો આ દેહ છે તેથી છે અને અત્યારે આય ઉઘાડી આંખનું સ્વપ્નું છે. જ્ઞાનીઓને ઊંઘ ના હોય. એમને તો જોવાનું ચાલુ જ હોય. એમને બીજા પ્રદેશમાં જોવાનું મળે, બાકી સિદ્ધક્ષેત્રમાં તો દેહ ના હોય. આ દેહનોય ભાર છે. તેનાથી દુઃખ છે. જ્ઞાનીઓને દેહનું મોટું વજન લાગ્યા કરે.

પ્રશ્નકર્તા : આ દેહ છે, એ કર્મનું પરિણામ જ છે ને ?

દાદાશ્રી : હા, તે કર્મનું જ પરિણામ ને.

પ્રશ્નકર્તા : કર્મની સંપૂર્ણ નિર્જરા થવી જોઈએ ને ?

(પા.૮૨)

દાદાશ્રી : કર્મની સંપૂર્ણ નિર્જરા થાય એટલે એ જાય. શુદ્ધ ચિત્ત થાય એટલે કર્મની નિર્જરા થઈ ગઈ કહેવાય.

પ્રશ્નકર્તા : અવ્યવહાર રાશિમાં જ્ઞાતાપણું ને સંયોગ ખરા ?

દાદાશ્રી : એમાં તો કોથળામાં ઘાલેલા જેવું હોય ! ત્યાં તો પાર વગરનું દુઃખ હોય.

પ્રશ્નકર્તા : એમાં અસ્તિત્વનું ભાન હોય ખરું ?

દાદાશ્રી : અસ્તિત્વનું ભાન છે, તેથી દુઃખ અનુભવે છે.

પ્રશ્નકર્તા : નર્કગતિમાં શું હોય છે ?

દાદાશ્રી : નર્કગતિમાંય પાંચ ઇન્દ્રિયોનાં દુઃખો હોય છે. સાતમી નર્કનાં દુઃખો સાંભળે તો માણસ મરી જાય ! ત્યાં તો ભયંકર દુઃખો હોય !! અવ્યવહાર રાશિના જીવોને આટલાં ભયંકર દુઃખો ના હોય. એમને ગૂંગળામણ થાય.

બુદ્ધિ, શણગારે જ્ઞાની

આપણા લોકો બુદ્ધિને ‘જ્ઞાન’ કહે છે, પણ બુદ્ધિ એ ‘ઇનડાયરેક્ટ’ પ્રકાશ છે, જ્યારે ‘જ્ઞાન’ એ આત્માનો ‘ડાયરેક્ટ’ પ્રકાશ છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિ પૂરી ક્યાં થાય અને પ્રજ્ઞા શરૂ ક્યાં થાય છે ?

દાદાશ્રી : બુદ્ધિ પૂરી થતાં પહેલાં પ્રજ્ઞાની શરૂઆત થઈ જાય છે. ‘જ્ઞાની પુરુષ’ મળે ને એ આત્મા પ્રાપ્ત કરાવડાવે એટલે પ્રજ્ઞાની શરૂઆત થઈ જાય. એ પ્રજ્ઞા જ મોક્ષે લઈ જાય. પ્રજ્ઞા મહીં નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે અને બુદ્ધિ મહીં ડખોડખલ કર્યા કરે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિનું કંઈ ‘પોઝિટિવ ફંકશન’ હશે ને ?

દાદાશ્રી : બુદ્ધિનું ‘પોઝિટિવ ફંકશન’ એ કે ‘જ્ઞાની પુરુષ’ની પાસે જો કદી બુદ્ધિ સમ્યક્ કરાવી હોય તો તે ચાલે. પોતાની સમજણે ચાલે તે વિપરીત બુદ્ધિ. એ વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. કૃષ્ણ ભગવાને અવ્યભિ-

(પા.૮૩)

ચારિણી બુદ્ધિ તેને કહી કે જે ‘જ્ઞાની પુરુષ’ પાસે બુદ્ધિને ‘ગિલેટિંગ’ કરાવી લીધેલી હોય તે. અમારી પાસે બેસો એટલો વખત તમારી બુદ્ધિ સમ્યક્ થવા માંડે.

પ્રશ્નકર્તા : પણ પછી અમે જતા રહીએ, ત્યારે પછી શું થાય ?

દાદાશ્રી : અમારી પાસે બેસો ને જેટલી બુદ્ધિ ‘ગિલેટ’ થઈ ગઈ, એ પછી સમ્યક્ થઈ જાય. એ બુદ્ધિ પછી તમને પજવે નહીં, ને તમારી જેટલી વિપરીત બુદ્ધિ હોય તે તમને પજવે.

પ્રશ્નકર્તા : અમારી બધી જ બુદ્ધિ સમ્યક્ બુદ્ધિ રહે, વિપરીત બુદ્ધિ ના રહે. તે માટે અમારે શો પુરુષાર્થ કરવો ?

દાદાશ્રી : અહીં આવીને તમારે સમ્યક્ કરી જવાની. તમારાથી એ નહીં થાય.

પ્રશ્નકર્તા : અહીં આવીને ખાલી બેસવાથી જ બુદ્ધિ સમ્યક્ થઈ જાય ?

દાદાશ્રી : અહીં પ્રશ્નો પૂછીને, વાતચીત કરીને, સમાધાન મેળવીને બુદ્ધિ સમ્યક્ થતી જાય. પછી તમારે બુદ્ધિ જ નહીં રહે. બુદ્ધિનો અભાવ થવા માટે ઘણો બધો ટાઈમ લાગશે, પણ પહેલાં બુદ્ધિ સમ્યક્ તો થતી જાય.

પ્રશ્નકર્તા : અમારી પાસે સમ્યક્ બુદ્ધિ છે, વિપરીત બુદ્ધિ છે ને પ્રજ્ઞા પણ છે, તો આ ત્રણેનું કાર્ય સાથે જ ચાલે છે ?

દાદાશ્રી : હા, બધું સાથે જ ચાલે છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને માટે મહીં કોચ કોચ કરે, ચેતવ ચેતવ કરે ! અને મોક્ષે નહીં લઈ જવા દેવા માટે અજ્ઞા છે. અજ્ઞા મોક્ષે ક્યારેય જવા ના દે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. બુદ્ધિ તો સંસારમાં નફો-તોટો જ દેખાડે, દ્વંદ્વ જ દેખાડે.

પ્રશ્નકર્તા : દ્વંદ્વની અંદરની ફસામણ અને ઘર્ષણ, એ તો જિન્દગીનો સતત ભાગ છે. જ્યાં ને ત્યાં દ્વંદ્વ આવીને ઊભું જ રહે.

દાદાશ્રી : આ દ્વંદ્વમાં જ જગત ફસાયેલું છે ને ! અને ‘જ્ઞાની’ દ્વંદ્વાતીત હોય. એ નફાને નફો જાણે અને ખોટને ખોટ જાણે. પણ ખોટ

(પા.૮૪)

ખોટરૂપે અસર ના કરે ને નફો નફારૂપે અસર ના કરે. નફો-ખોટ શેમાંથી નીકળે ? ‘મારા’માંથી ગયાં કે બહારથી ગયાં ? એ બધું પોતે જાણે.

બુદ્ધિની સમાપ્તિ

પ્રશ્નકર્તા : બુદ્ધિ હજી ડખોડખલ કરે છે, તો શું કરવું ?

દાદાશ્રી : બુદ્ધિ આ બાજુ ડખોડખલ કરે એટલે આપણે ત્યાંથી દ્રષ્ટિ ફેરવી લેવી. આપણને રસ્તામાં કોઈ ના ગમતો માણસ ભેગો થાય તો આપણે આમ મોઢું ફેરવી લઈએ છીએ કે નહીં ? એવું જે આપણામાં ડખોડખલ કરે છે, તેનાથી અવળું જોવું ! ડખોડખલ કોણ કરે છે ? બુદ્ધિ ! બુદ્ધિનો સ્વભાવ શો છે કે સંસારની બહાર નીકળવા ના દે.

પ્રશ્નકર્તા : બુદ્ધિ સમાપ્ત ક્યારે થાય ?

દાદાશ્રી : તમે એના ઉપર બહુ વખત જોશો નહીં, દ્રષ્ટિ ફેરવેલી રાખશો એટલે પછી એ સમજી જાય. એ પોતે પછી બંધ થઈ જાય. એને તમે બહુ માન આપો, એનું ‘એક્સેપ્ટ’ કરો, એની સલાહ માનો, ત્યાં સુધી એ ડખોડખલ કર્યા કરે.

પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પર આપણો પ્રભાવ પડવો જોઈએ ને ?

દાદાશ્રી : મશીનરી પર કોઈ દહાડો પ્રભાવ પડતો જ નથી. એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર ઉપર પ્રભાવ પડે જ નહીં. એ તો અંતઃકરણ ખાલી થઈ જાય એટલે એની મેળે બધું ઠેકાણે આવી જાય. ‘આમને’ સાથ ન આપીએ અને એને ‘જોયા’ જ કરીએ તો આપણે છૂટા જ છીએ. જેટલો વખત ‘આપણે’ એને જોયા કરીએ, એટલો વખત ચિત્તની શુદ્ધિ થયા કરે. ચિત્ત એકલું જ જો રાગે પડી ગયું તો બધું રાગે આવી જાય. અશુદ્ધ ચિત્તને લઈને ભટક ભટક કરે છે એટલે ચિત્તની શુદ્ધિ થતાં સુધી જ આ યોગ બરોબર જમાવવાનો છે.

પ્રશ્નકર્તા : મહીં કપટ ઊભું થાય, કપટના વિચારો આવે, તેનું શું કરવું ?

(પા.૮૫)

દાદાશ્રી : એ બધું પુદ્ગલ છે. વિચાર કરનારોય પુદ્ગલ છે. આત્મામાં આવી તેવી વસ્તુ નથી, એમાં તો કોઈ જાતનો કચરો નથી. ‘પઝલ’ થાય છે તેય પુદ્ગલ છે ને ‘પઝલ’ કરનારોય પુદ્ગલ છે ! ‘પઝલ’ જાણ્યું કોણે ? આત્માએ ! સરળતા અને કપટને જે જાણે છે તે આત્મા છે !

ડીસિઝનમાં વેવરિંગ

પ્રશ્નકર્તા : કોઈ વાતનું ‘ડીસિઝન’ ના આવે ત્યાં સુધી વેવરિંગ (દ્વિધા) રહ્યા કરે.

દાદાશ્રી : ‘ડીસિઝન’ ના આવે તો તેથી કંઈ પ્લેટફોર્મ પર બેસી ના રહેવું. ‘હમણાં જઉં કે પછી જઉં’ એમ થતું હોય જે ગાડી આવી એમાં બેસી જવું.

‘ડીસિઝન’ ના આવવામાં બુદ્ધિનો અભાવ હોય છે. બુદ્ધિશાળી માણસો દરેક વસ્તુનું ‘ડીસિઝન’ તરત લાવી શકે, ‘ઓન ધી મોમેન્ટ’. પાંચ મિનિટેય વાર ના લાગે. તેથી અમે તેને ‘કોમનસેન્સ’ કહ્યું છે. ‘કોમનસેન્સ’ એટલે ‘એવરીવ્હેર એપ્લીકેબલ’. આ ચાવી કેવી છે કે દરેક તાળાં ઊઘડે એનાથી !

અહીં બેસી રહેવું કે જવું, એમાં ‘ડીસિઝન’ ના આવતું હોય તો જવા માંડવું. હા, અહીં બેસી રહેવાનું હશે તો ‘વ્યવસ્થિત’ તને પાછો તેડી લાવશે. તારે આવી રીતે ડીસિઝન લેવાનું.

પ્રશ્નકર્તા : અહીંથી કોઈ પણ સંજોગોમાં જવું જ નથી, એવું મહીંથી નક્કી થયા કરે અને પેલું પણ બતાડે કે જવું તો પડે ને ?

દાદાશ્રી : કોનું વધારે જોર છે, એ જોઈ લેવું.

પ્રશ્નકર્તા : અહીં બેસી રહેવાનું જ જોર કરે !

દાદાશ્રી : તો પછી અહીંનું જોર કરતા હોય તો અહીં બેસી રહેવું. ‘આ બેઠા સાહેબ, થોડાં ભજિયાં લઈ આવું’, કહીએ.

(પા.૮૬)

ઉતાવળે ધીમા ચાલો !

પ્રશ્નકર્તા : વ્યવહાર પહેલો કે નિશ્ચય પહેલો ?

દાદાશ્રી : વ્યવહાર પહેલો પણ એનો અર્થ પાછો એવો નહીં કે વ્યવહારનો રાગ કરવો.

પ્રશ્નકર્તા : ત્યારે વ્યવહારના નિરાગી થઈ જવાનું ?

દાદાશ્રી : રાગ કરે તો સિંગલ ગુનો છે ને નિરાગી થાય તો ડબલ ગુનો છે, નિરાગીયે ના રહેવાય.

પ્રશ્નકર્તા : નિરાગી એટલે કઈ રીતે ?

દાદાશ્રી : વ્યવહારથી નિઃસ્પૃહ થઈ જાય તે. વ્યવહારથી નિઃસ્પૃહ એટલે પોતાની ‘મધર’ કહેશે કે ‘કેમ તું મારી વાત માનતો નથી ?’ ત્યારે પુત્ર કહે, ‘હું આત્મા થઈ ગયો છું !(?)’ આવું ના ચાલે. વ્યવહારમાં વિનય, વિવેક બધું જ હોવું જોઈએ. આપણા વ્યવહારમાં કોઈની બૂમાબૂમ ના પડવી જોઈએ.

કોઈપણ વસ્તુમાં ઉતાવળ કરવી એ સિંગલ ગુનો છે અને ઉતાવળ ના કરવી એ ડબલ ગુનો છે.

તમારે કયા ખાડામાં પડવું છે ?

પ્રશ્નકર્તા : એકુંય નહીં.

દાદાશ્રી : માટે વાતને સમજી જાવ. ઉતાવળ નહીં કરું તો ગાડી કંઈ તારી રાહ જોવાની છે ? અને ઉતાવળ કરીશ તો કારને અથાડી મારીશ ! એટલે ઉતાવળ કરે તેને સિંગલ ગુનો કહ્યો ને ઉતાવળ ના કરે તેને ડબલ ગુનો કહ્યો.

મનનું લંગર

પ્રશ્નકર્તા : મન કઈ રીતે સ્થિર રહે ?

(પા.૮૭)

દાદાશ્રી : મન સ્થિર કરવામાં શું ફાયદો હશે એવો તમે હિસાબ કાઢ્યો છે ?

પ્રશ્નકર્તા : એનાથી શાંતિ મળે.

દાદાશ્રી : મનને અસ્થિર કોણે કર્યું ?

પ્રશ્નકર્તા : આપણે.

દાદાશ્રી : આપણે અસ્થિર શાથી કર્યું ? જાણી જોઈને તેમ કર્યું ? ‘પોતાનું હિત શેમાં ને અહિત શેમાં’ એ નહીં જાણવાથી, મનનો ગમે તેવો ઉપયોગ કર્યો. જો હિતાહિતની ખબર હોત તો તો તેનો પોતાના હિતમાં જ ઉપયોગ કરત. હવે મન ‘આઉટ ઓફ કંટ્રોલ’ થઈ ગયું છે. હવે નવેસરથી જ્ઞાન થાય, પોતાના હિતાહિતની સમજણ આવે, એવું જ્ઞાન પ્રાપ્ત કરે ત્યાર પછી જ મન ઠેકાણે પડે. એટલે આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ત્યારે મન ઠેકાણે પડે.

મન હંમેશાં જ્ઞાનથી બંધાય, બીજા કશાથી મન બંધાય એવું નથી. એકાગ્રતા કરવાથી મન જરા ઠેકાણે રહે, પણ તે કલાક-અરધો કલાક રહે, પછી પાછું તૂટી જાય.

પ્રશ્નકર્તા : મન શું છે ?

દાદાશ્રી : મન એ આપણો ‘સ્ટૉક’ છે. આ દુકાનદારો બાર મહિને બધો સ્ટૉક કાઢે કે ના કાઢે ? કાઢે. એવું આ આખી લાઈફનો સ્ટૉક, તે મન છે. ગઈ લાઈફનો સ્ટૉક તે તમને આ ભવમાં ઉદયમાં આપે ને આગળ તમને ‘ઇન્સ્ટ્રકશન’ આપે. અત્યારે મહીં નવું મન બંધાઈ રહ્યું છે. આ જૂનું મન છે તે અત્યારે ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે ને નવું મન બંધાઈ રહ્યું છે.

પ્રશ્નકર્તા : મન કઈ રીતે ‘ડિસ્ચાર્જ’ થાય છે અને એ કઈ રીતે બંધાય છે, એની ખબર કઈ રીતે પડે ?

દાદાશ્રી : મનમાં વિચાર આવે છે, તેમાં તમે તન્મયાકાર થઈ જાવ છો, એ આત્માની શક્તિ નથી. આ તો મહીં નિર્બળતા છે, તેને લઈને

(પા.૮૮)

આ તન્મયાકાર થઈ જાય છે. અજ્ઞાનતાને લઈને તન્મયાકાર થાય છે. આ મૂળ આત્મા એવો નથી. એ તો અનંત શક્તિવાળો, અનંત જ્ઞાનવાળો છે. પણ આ જે તમારો માનેલો આત્મા છે, તેને લઈને આ બધી ડખળામણ છે. એટલે વિચાર જોડે તન્મયાકાર થયા ત્યાંથી નવું ચાર્જ થાય.

જેને સ્વરૂપનું જ્ઞાન હોય તે તો વિચાર આવે, તેમાં તન્મયાકાર નહીં થવાના. એટલે એનો ટાઈમ થાય કે મન ડિસ્ચાર્જ થઈ જાય. પછી નવું ચાર્જ ના થાય.

પ્રશ્નકર્તા : પણ આમાં તો ‘ઑટોમેટિક’ તન્મયાકાર થઈ જવાય છે.

દાદાશ્રી : હા, ‘ઑટોમેટિક’ જ થવાય, એનું નામ જ ભ્રાંતિ ને ! આમાં પોતાનો કોઈ પુરુષાર્થ છે જ નહીં. પોતે પુરુષ થયો નથી, ત્યાં સુધી પુરુષાર્થ છે જ નહીં. આ તો તમને પ્રકૃતિ પરાણે નચાવે છે.

પ્રશ્નકર્તા : શરીર અને મન વચ્ચે શો સંબંધ છે ?

દાદાશ્રી : શરીરનું બધું જ નિયંત્રણ, આ પાંચ ઇન્દ્રિયોનું, બધાંનું નિયંત્રણ મનના હાથમાં છે. મન આંખને કહે કે તારે આ જોવા જેવું છે એટલે આંખ તરત જોઈ લે અને મન ના કહે તો આંખ જોતી હોય તોય બંધ થઈ જાય. એટલે શરીરનું બધું જ નિયંત્રણ મનનું છે.

પ્રશ્નકર્તા : ઘણી વખત મન અંદરથી કહે કે નથી જોવું. છતાંય જોવાય છે, તે શું છે ?

દાદાશ્રી : જોવાઈ જાય એ તો એનો મૂળ સ્વભાવ છે, પણ નથી જોવું એવું નક્કી કરે એટલે ફરી ન જ જુએ. જોવું એ તો આંખનો સ્વભાવ છે. ઇન્દ્રિયોના સ્વભાવ પ્રમાણે ઇન્દ્રિયો તો લપકારા માર્યા જ કરે. પણ મન ના કહે એટલે એ ફરી ના જ જુએ. હવે ‘મનની ઉપર કોનું નિયંત્રણ છે’ એ જોવાનું છે. તમારા મનની ઉપર કોનું નિયંત્રણ છે ?

પ્રશ્નકર્તા : બુદ્ધિનું.

(પા.૮૯)

દાદાશ્રી : બુદ્ધિ શું કરે છે ?

પ્રશ્નકર્તા : બુદ્ધિ સારાસારનો ભેદ બતાવે છે.

દાદાશ્રી : બુદ્ધિનું ધાર્યા પ્રમાણે થાય છે ?

પ્રશ્નકર્તા : નથી થતું.

દાદાશ્રી : બુદ્ધિની ઉપર કોનું નિયંત્રણ છે ?

પ્રશ્નકર્તા : એની ખબર નથી.

દાદાશ્રી : અહંકારનું, બીજા કોનું ?

મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, આ ચાર અંતઃકરણના ભાગ છે. એ ચાર જણનું આ શરીર ઉપર નિયંત્રણ છે અને આ ચાર જણનું નિયંત્રણ છે, માટે આ ભ્રાંતિ ઊભી રહી છે. ‘પોતાના’ હાથમાં નિયંત્રણ આવે તો પછી આ કડાકૂટો રહે નહીં, પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : એ હાથમાં આવે એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ બધું ‘જ્ઞાની પુરુષ’ કરી આપે. જે પોતે બંધનમુક્ત થયેલા હોય, તે આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો હોય, તે બીજાને શી રીતે મુક્ત કરી શકે ? વળી કળિયુગનાં મનુષ્યોને એટલી શક્તિ નથી કે જાતે કરી શકે. આ કળિયુગનાં મનુષ્યો કેવાં છે ? આ તો લપસતાં લપસતાં આવેલાં છે; લપસ્યાં તે હવે તેમનાથી જાતે ચઢાય એવું છે જ નહીં, એટલે ‘જ્ઞાની પુરુષ’ની હેલ્પ લેવી પડે.

ઈન્ટરેસ્ટ ત્યાં જ એકાગ્રતા

પ્રશ્નકર્તા : દાદા, મને ભગવાનમાં એકાગ્રતા રહેતી નથી.

દાદાશ્રી : તમે શાક લેવા કે સાડી લેવા જાવ, તેમાં એકાગ્રતા રહે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, એમાં રહે. મોહ હોય એટલે રહે.

(પા.૯૦)

દાદાશ્રી : અને ભગવાન ઉપર ને મોક્ષ ઉપર તમને ‘ઇન્ટરેસ્ટ’ જ નથી. તેથી તેમાં એકાગ્રતા રહેતી નથી.

અરે, એક બેન બહુ રૂપાળી બમ જેવી હતી અને એનો ધણી એકદમ શામળો હતો. તે બઈને મેં એક દા’ડો ખાનગીમાં પૂછયું, ‘આ તારો ધણી શામળો છે, તે તારો ભાવ તેના પર સંપૂર્ણ રહે છે ?’ ત્યારે તેણે કહ્યું કે, ‘મારા ધણી મને બહુ પ્રિય છે.’ હવે આવો શામળો ધણી એને પ્રિય છે પણ ભગવાન તમને પ્રિય થઈ પડતો નથી ! આય એક અજાયબી છે ને !

પછી આ પૂછે કે, મને મન એકાગ્ર કેમ થતું નથી ? શાક લેવા જાય ત્યાં એકાગ્રતા કેવી રીતે થઈ જાય છે ? આ તો અનુભવની વાતો છે. આ કંઈ ગપ્પું નથી. આ તો ભગવાનમાં ‘ઇન્ટરેસ્ટ’ જ નથી. તેથી એકાગ્રતા થતી નથી. આ તો ભગવાન પ્રત્યે આસક્તિ થઈ જાય તો ભગવાનમાં એકાગ્રતા રહે.

જ્યાં સુધી પૈસામાં ‘ઇન્ટરેસ્ટ’ હોય ત્યાં સુધી પૈસા પૈસા કરે અને ભગવાનમાં ‘ઇન્ટરેસ્ટ’ પેઠો એટલે પૈસાનો ‘ઇન્ટરેસ્ટ’ છૂટી જાય. એટલે ‘ઇન્ટરેસ્ટ’ તમારો ફરવો જોઈએ.

હવે ભગવાનમાં ‘ઇન્ટરેસ્ટ’ નથી, એમાં તમારો દોષ નથી. જે વસ્તુ જોઈ ના હોય, તેનાં પર ‘ઇન્ટરેસ્ટ’ કેવી રીતે બેસે ? આ સાડીને તો આપણે દેખીએ, તેનાં રંગ-રૂપ દેખીએ એટલે તેના પર ‘ઇન્ટરેસ્ટ’ બેસે જ. પણ ભગવાન તો દેખાય નહીં ને ? ત્યારે એવું કહ્યું કે, ભગવાનના પ્રતિનિધિ એવા જે ‘જ્ઞાની પુરુષ’ છે, ત્યાં તમારો ‘ઇન્ટરેસ્ટ’ બેસાડો. ત્યાં તે બેસી જશે અને એમની ઉપર ‘ઇન્ટરેસ્ટ’ બેઠો, એટલે તે ભગવાનને પહોંચ્યો જાણો.

જ્યાં કષાયો છે ત્યાં ‘ઇન્ટરેસ્ટ’ બેસે તો તે ‘ઇન્ટરેસ્ટ’ કષાયિક બેસે છે. એ કષાયિક પ્રતીતિ છે તે પ્રતીતિ તૂટી જાય પાછી, એટલે રાગથી બેસે ને દ્વેષથી છૂટે અને આ ભગવાનના પ્રતિનિધિ ઉપર ‘ઇન્ટરેસ્ટ’ રાગથી બેસે નહીં. એમની પાસે રાગ કરવા જેવું કશું હોય જ નહીં ને ?

(પા.૯૧)

[12]

પ્રાકૃત ગુણો વિનાશ થઈ જશે !

આપણા પર જેની છાયા પડે, તેનો રોગ અવશ્ય પેસી જાય. આ હાફુસની કેરી ઉપરથી ગમે તેટલી રૂપાળી હોય, તેને આપણે શું કરવાનું ? ગમે તેટલા ગુણ હોય તોય શું કરવાનું ? કોઈ કહે કે સાહેબ, આનામાં આટલા બધા ગુણો છે, ગુણધામ છે ને ?

ત્યારે વીતરાગોએ શું કહ્યું ?

આ ફર્સ્ટ કલાસ ગુણધામ તો છે. પણ તે કોના આધીન છે ? એના પોતાને આધીન એ ગુણો નથી. પિત્ત, વાયુ ને કફને આધીન છે. આ ત્રણેય ગુણો જો વધી જાય તો તેને સન્નેપાત્ત થશે ને તને ગાળો દેશે ! અક્ષરેય કોઈને ગાળ કે અપશબ્દ ના કહે એવો માણસ સન્નેપાત થાય ત્યારે શું કરે ? એટલે ભગવાને કહ્યું કે, એક જ ગુંઠાણામાં આ બધા જ પૌદ્ગલિક ગુણો ફ્રેકચર થઈ જાય એવા એ વિનાશી છે. તું કમાણી કરી કરીને કેટલા દહાડા કરીશ ? અને ત્રિદોષ થતાં જ બધા સામટા ખલાસ થઈ જશે !

દુઃખ માણસથી સહન ના થાય એટલે મગજમાં ક્રેક પડે. એને સન્નેપાત ના કહેવાય, પણ ક્રેક કહેવાય. આપણને એમ થાય કે આવું કેવું બોલે છે ? ત્યારે આપણે કહીએ કે આ એન્જિનને ક્રેક પડેલી છે, તેને દાદા પાસે વેલ્ડિંગ કરાવી લેજે. નવા એન્જિનનેય ક્રેક પડી જાય ! દુઃખ સહન ના થાય ને સાચો પુરુષ હોય તો ક્રેક થાય, નહીં તો નફ્ફટ થાય. નફ્ફટ કરતાં ક્રેક સારા, ક્રેકને તો અમે વેલ્ડિંગ કરી આપીએ એટલે એન્જિન ચાલુ થઈ જાય છે. બધાં નવાં જ એન્જિનો, લેંકેશાયરમાંથી આણેલાં, પણ હેડ ક્રેક થયેલાં તે ચાલે શી રીતે ? આ માણસોનેય

(પા.૯૨)

હેડમાં ક્રેક પડી જાય. તે તૃતીયમ્ જ બોલે. આપણે પૂછીએ શું ને એ બોલે શું ?

એટલે આ ગુણોની કશી કિંમત જ નથી. બાસમતીનો સુંદર ભાત હોય પણ તેનું બીજા દહાડે શું થાય ? ગંધાઈ ઊઠે ! તે આ પૌદ્ગલિક ગુણો ગંધાઈ ઊઠશે. શેઠ બહુ દયાળુ દેખાય પણ કો’ક દહાડો નોકર પર ચીડાય, ત્યારે નિર્દયતા નીકળે. તે આપણાથી જોવાય નહીં. માટે આ સમજવા જેવી વાત છે !

જ્ઞાનીની વિરાધના એટલે જ...

પ્રશ્નકર્તા : જ્ઞાનીની વિરાધના પૂર્વભવમાં કરી હોય તો એનું પરિણામ શું આવે ? આ બધાં લક્ષણો મારામાં છે તો એને ક્ષમા આપી શકાય કે એ ભોગવવું જ પડે ?

દાદાશ્રી : જ્ઞાની તો એમની પોતે બધી દવા કરી જ દે. જ્ઞાની તો કરુણાળુ હોય. એટલે એ પોતાના હાથની સત્તાની હોય એટલી દવા તો પાઈ જ દે બધાને. પણ એમના સત્તાની બહારની વસ્તુ તો ભોગવ્યે જ છૂટકો છે. કારણ કે વિસર્જન કુદરતના હાથમાં છે.

પ્રશ્નકર્તા : વિરાધનાનો પસ્તાવો થયા કરે છે.

દાદાશ્રી : એનો પસ્તાવો થાય, દુઃખ વેદે, ભોગવવું પડે, અસમાધિ થયા કરે, એનો પાર જ ના આવે. એ છોડે જ નહીં ને ?

પ્રશ્નકર્તા : એનો પાર જ નહીં આવે એમ, દાદા ?

દાદાશ્રી : પાર નહીં આવે એનો અર્થ એ કે એ કંઈ બે-ચાર દહાડામાં ખાલી થઈ જાય એવી વસ્તુ ના હોય. કોઈ માણસની આ રૂમ જેવડી ટાંકી હોય ને કોઈની આખા ‘બિલ્ડિંગ’ જેવડી ટાંકી હોય. એમાં શું ફેર નહીં હોય ?

પ્રશ્નકર્તા : પણ દાદા, એ ખાલી તો થશે જ ને ?

દાદાશ્રી : ખાલી થશે. ખાલી થશે એમ માનીને આપણે ચાલ્યા

(પા.૯૩)

કરવાનું, પણ ફરી એવી ભૂલ થવી ના જોઈએ. નહીં તો એ પાઈપ બંધ થઈ જશે. ફરી જો ભૂલ થવાની હોય તો ત્રણ ઉપવાસ કરવા. પણ વિરાધના ના થવા દેવી !

જ્ઞાનીના રાજીપાની ચાવી

પ્રશ્નકર્તા : દાદા ભગવાન, આપની સાચી ઓળખાણ કરવા અમારે શું કરવું જોઈએ ? અને આપનો રાજીપો મેળવવા માટે અમારે કઈ રીતે પાત્રતા કેળવવી જોઈએ ?

દાદાશ્રી : રાજીપો મેળવવા માટે તો ‘પરમ વિનય’ની જ જરૂર છે. બીજી કશી જરૂર નથી. ‘પરમ વિનય’થી જ રાજીપો થાય છે. પગ દબાવવાથી રાજીપો થાય છે એવું કશું છે જ નહીં. મને ગાડીઓમાં ફેરવો તોય રાજીપો ના મળે. ‘પરમ વિનય’થી જ મળે.

પ્રશ્નકર્તા : ‘પરમ વિનય’ સમજાવો.

દાદાશ્રી : જેમાં ‘સિન્સિયારિટી’ ને ‘મોરાલિટી’ વિશેષ હોય અને અમારી જોડે એકતા હોય, જુદાઈ ના લાગે. ‘હું ને દાદા એક જ છીએ’ એવું લાગ્યા કરે, ત્યાં બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. ‘પરમ વિનય’નો અર્થ તો બહુ મોટો થાય. આપણે અહીં સત્સંગમાં આટલા બધા માણસો આવે, પણ અહીં ‘પરમ વિનય’ને લઈને કાયદા વગર બધું ચાલે. ‘પરમ વિનય’ છે, માટે કાયદાની જરૂર પડી નથી.

અમારી આજ્ઞામાં જેમ વિશેષ રહે, તેને પરિણામ સારું રહે. એને અમારો રાજીપો પ્રાપ્ત થઈ જાય. તમે એવું પરિણામ બતાડો કે મને તમને મારી જોડે બેસાડવાનું મન થાય.

(પા.૯૪)

[13]

ઘર્ષણથી ઘડતર

આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી. પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો ?

દાદાશ્રી : ના. ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો ગપ્પું કહેવાય. ગપ્પું તો યાદ રહે કે ના પણ રહે, આ તો ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે. બીજું કશું છે જ નહીં. પછી ભલેને કોઈ ભીખ માંગતો હોય, પણ તેય વિભૂતિ છે અને રાજા હોય તેય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે; ભીખ માંગતાને નથી કહેતા. મૂળ સ્વરૂપ છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે. એટલે વિભૂતિ કહેવાય અને વિભૂતિ તે ભગવાન જ ગણાય ને ! એટલે કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ.

આપણે ખરેખર આ ‘વ્યવહાર સ્વરૂપ’ નથી. ‘આ’ બધું ખાલી ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. બાળકો જેમ રમકડાં રમે તેમ આખું જગત રમકડાં રમી રહ્યું છે ! પોતાના હિતનું કશું કરતો જ નથી. નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. સંઘર્ષણ ને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેકચર થઈ જાય.

(પા.૯૫)

નોકર પ્યાલા-રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય. એનું શું કારણ ? ભાન નથી, જાગૃતિ નથી કે મારું કયું ને પારકું કયું ? પારકાનું, હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે ?

આ જે તમને એમ લાગે છે કે ‘હું ચલાવું છું’, તે એમાંનું તમે કશું ચલાવતા નથી. એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી. પુરુષ થાય ત્યારે પુરુષાર્થ થાય. પુરુષ જ થયા નથી, ત્યાં સુધી પુરુષાર્થ કેમ કરીને થાય ?

વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? ‘કોમનસેન્સ કમ્પ્લીટ’ જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં ‘કોમનસેન્સ’ની જરૂર. ‘કોમનસેન્સ’ એટલે ‘એવરીવ્હેઅર એપ્લિકેબલ’. સ્વરૂપજ્ઞાન સાથે ‘કોમનસેન્સ’ હોય તો બહુ દીપે.

પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સ’ કેવી રીતે પ્રગટ થાય ?

દાદાશ્રી : કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે, તો ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો ‘કોમનસેન્સ’ જતી રહે ! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.

સામાના ઘર્ષણથી ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં ‘કોમનસેન્સ’ ભેગી થાય.

આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે. અગર તો સામાન્ય જનતામાં કો’ક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે ! પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે !

બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ ! ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી

(પા.૯૬)

આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ.

દેહ તો કોઈના કહેવાથી જતો રહેતો નથી. દેહ, એ તો વ્યવસ્થિતના તાબે છે !

આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેનાં વેર અને ઘર્ષણ, બે બંધ થયાં તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય.

મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું. મને ‘કોમનસેન્સ’ જબરજસ્ત એટલે તમે શું કહેવા માગો છો એ તરત જ સમજાઈ જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ મને તરત સમજાઈ જાય કે આ અહિત અહિત નથી. સાંસારિક અહિત નથી ને ધાર્મિક અહિતેય નથી અને આત્મા સંબંધમાં અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે, પણ અમને એમાં હિત સમજાય. એટલો આ ‘કોમનસેન્સ’નો પ્રભાવ. તેથી અમે ‘કોમનસેન્સ’નો અર્થ લખ્યો છે કે ‘એવરીવ્હેઅર એપ્લિકેબલ.’

હાલની જનરેશનમાં ‘કોમનસેન્સ’ જેવી વસ્તુ જ નથી. જનરેશન ટુ જનરેશન ‘કોમનસેન્સ’ ઓછી થતી ગઈ છે.

આખું જગત ઘર્ષણ અને સંઘર્ષણમાં પડેલું છે. આ દિવાળીને દહાડે બધા નક્કી કરે કે આજે ઘર્ષણ નથી કરવું. માટે તે દહાડે સારું સારું ખાવાનું મળે, સારાં સારાં કપડાં પહેરવાનાં મળે, બધું જ સારું સારું મળે. જ્યાં જાવ ત્યાં ‘આવો, આવો’ કરે એવો પ્રેમ મળે. સંઘર્ષ ના હોય તો પ્રેમ રહે. ખરું-ખોટું જોવાની જરૂર જ નથી. વ્યવહારિક બુદ્ધિ વ્યવહારમાં તો કામ લાગે જ, પણ એ તો એની મેળે એડજસ્ટ થયેલી જ છે. પણ બીજી વિશેષ બુદ્ધિ છે, એ જ હંમેશાં સંઘર્ષ કરાવે છે !

પ્રશ્નકર્તા : બધા ઘર્ષણનું કારણ એ જ છે ને કે એક ‘લેયર’માંથી બીજા ‘લેયર’નું અંતર બહુ વધારે છે ?

દાદાશ્રી : ઘર્ષણ એ પ્રગતિ છે ! જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચઢવાનો રસ્તો મળે. ઘર્ષણ ના થાય તો ત્યાંના ત્યાં

(પા.૯૭)

જ રહેશો. લોક ઘર્ષણ ખોળે છે.

પ્રશ્નકર્તા : ઘર્ષણ પ્રગતિને માટે છે, એમ કરીને ખોળે તો પ્રગતિ થાય ?

દાદાશ્રી : પણ એ સમજીને નથી ખોળતા ! ભગવાન કંઈ ઊંચે લઈ જઈ રહ્યા નથી, ઘર્ષણ ઊંચે લઈ જાય છે. ઘર્ષણ અમુક હદ સુધી ઊંચે લાવી શકે, પછી જ્ઞાની મળે તો જ કામ થાય. ઘર્ષણ તો કુદરતી રીતે થાય છે. નદીમાં પથ્થરો આમથી તેમ ઘસાઈ ઘસાઈને ગોળ થાય છે તેમ.

પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત શો ?

દાદાશ્રી : જીવ ના હોય તે બધાં અથડાય તે ઘર્ષણ કહેવાય ને જીવવાળાં અથડાય ત્યારે સંઘર્ષણ થાય.

પ્રશ્નકર્તા : સંઘર્ષણથી આત્મશક્તિ રૂંધાય છે ને ?

દાદાશ્રી : હા, ખરી વાત છે. સંઘર્ષ થાય તેનો વાંધો નથી, ‘સંઘર્ષ આપણે કરવો છે’ એવો ભાવ કાઢી નાખવાનું હું કહું છું. ‘આપણે’ સંઘર્ષ કરવાનો ભાવ ના હોય, પછી ભલેને ‘ચંદુલાલ’ સંઘર્ષ કરે. આપણે ભાવ રૂંધે એવું ના હોવું જોઈએ !

દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય. પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય તેને કોણ કાઢે ? હજારો અવતારેય ના જાય.

પ્રશ્નકર્તા : વધારે પડતું ઘર્ષણ આવે તો જડતા આવી જાય ને ?

દાદાશ્રી : જડતા તો આવી જાય પણ શક્તિયે ખલાસ થઈ જાય. અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. શક્તિ અનંત છે, પણ ઘર્ષણથી બધી ખલાસ થઈ ગઈ છે ! ભગવાન મહાવીરને એકુય ઘર્ષણ થયું નહોતું. જન્મ્યા ત્યારથી તે ઠેઠ સુધી ! અને આપણે તો પચાસ હજાર, લાખ થવાં જોઈએ, તેને બદલે કરોડો થયાં, તેનું શું ? અરે દહાડામાંય વીસ-પચ્ચીસ વખત તો હોય જ. અમથો અમથોય આંખ ઊંચી થઈ જાય કે ઘર્ષણ, બીજા ઉપર કંઈ અવળો ભાવ થયો એ બધું ઘર્ષણ !!!

(પા.૯૮)

આ ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : માથું ફૂટી જાય.

દાદાશ્રી : એ તો જડ છે ! પેલાં તો ચેતનવાળાં જોડે ઘર્ષણ તે શું થાય ? ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી. તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈનીય જરૂર નથી. એક-બે અવતારે સીધો મોક્ષે જાય. ‘ઘર્ષણમાં આવવું જ નથી’ એવું જો એની શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું. તો ત્યારથી જ સમકિત થઈ ગયું ! એટલે જો કદી કોઈને સમકિત કરવું હોય તો અમે ગેરન્ટી આપીએ છીએ કે જાવ, ઘર્ષણ નહીં કરવાનું નક્કી કરો ત્યારથી સમકિત થઈ જશે !

પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણથી મન અને બુદ્ધિ ઉપર ઘા પડે ?

દાદાશ્રી : અરે ! મન ઉપર, બુદ્ધિ ઉપર તો શું, આખા અંતઃકરણ ઉપર ઘા પડ્યા કરે અને તેની અસર શરીર પર પણ પડે ! એટલે ઘર્ષણથી તો કેટલી બધી મુશ્કેલી છે !

પ્રશ્નકર્તા : ઘર્ષણ ના થાય એ સાચો અહિંસક ભાવ પેદા થયો ગણાય ?

દાદાશ્રી : ના, એવું કશું નથી ! પણ આ દાદા પાસે જાણ્યું કે આ ભીંત જોડે ઘર્ષણ કરવાથી આટલો ફાયદો, તો ભગવાન જોડે ઘર્ષણ કરવામાં કેટલો ફાયદો ? એટલું જાણવાથી જ પરિવર્તન થયા કરે !

અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડ્યું હોય ને કે ‘ઘર્ષણમાં ક્યારેય ન આવવું.’ એટલે પછી શું થાય કે શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી જતી ખોટ ના જાય !

વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો એ ભૂંસાઈ જાય. એટલે આ સમજવું જોઈએ કે અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ. નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં

(પા.૯૯)

વાંધા બહુ આવે ને મોડું થાય !

આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : ઘર્ષણ કોણ કરાવે છે, જડ કે ચેતન ?

દાદાશ્રી : પાછલાં ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે ! જડ કે ચેતનનો આમાં સવાલ જ નથી. આત્મા આમાં હાથ ઘાલતો જ નથી. આ બધું ઘર્ષણ પુદ્ગલ જ કરાવે છે. પણ જે પાછલાં ઘર્ષણ છે તે ફરી ઘર્ષણ કરાવડાવે છે. જેને પાછલાં ઘર્ષણ પૂરાં થઈ ગયાં છે, તેને ફરી ઘર્ષણ ન થાય. નહીં તો ઘર્ષણને એના ઉપરથી ઘર્ષણ, એના ઉપરથી ઘર્ષણ એમ વધ્યા જ કરે.

પુદ્ગલ એટલે શું કે એ તદ્દન જડ નથી. એ મિશ્ર ચેતન છે. આ વિભાવિક પુદ્ગલ કહેવાય છે. વિભાવિક એટલે વિશેષ ભાવે પરિણામ પામેલું પુદ્ગલ, એ બધું કરાવડાવે છે ! જે શુદ્ધ પુદ્ગલ છે એ પુદ્ગલ આવું તેવું ના કરાવડાવે. આ પુદ્ગલ તો મિશ્ર ચેતન થયેલું છે. આત્માનો વિશેષભાવ અને આનો વિશેષભાવ બે ભેગા થઈને ત્રીજું રૂપ થયું-પ્રકૃતિ સ્વરૂપ થયું. એ બધું ઘર્ષણ કરાવે છે !

પ્રશ્નકર્તા : આપ કહો છો, ઘર્ષણથી શક્તિઓ બધી ખલાસ થઈ જાય. તો જાગૃતિથી શક્તિ પાછી ખેંચાશે ખરી ?

દાદાશ્રી : શક્તિઓ ખેંચવાની જરૂર નથી. શક્તિઓ તો છે જ. હવે ઉત્પન્ન થાય છે. પૂર્વે જે ઘર્ષણ થયેલાં હતાં ને તે ખોટ ગયેલી, તે જ પાછી આવે છે. પણ હવે જો નવું ઘર્ષણ ઊભું કરીએ તો પાછી શક્તિ જતી રહે, આવેલી શક્તિ પણ જતી રહે ને પોતે ઘર્ષણ ન જ થવા દે તો શક્તિ ઉત્પન્ન થયા કરે !

(પા.૧૦૦)

[14]

પ્રતિકૂળતાની પ્રીતિ

પ્રશ્નકર્તા : દરેકને અનુકૂળ સંયોગો જ જોઈએ, એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળ એટલે સુખ, જેમાં શાતા થાય એ અનુકૂળ. અશાતા થાય એ પ્રતિકૂળ. આત્માનો સ્વભાવ આનંદવાળો છે, એટલે એને પ્રતિકુળતા જોઈએ જ નહીંને ! એટલે નાનામાં નાનો જીવ હોય, તેય અનુકૂળ ના આવે તો ખસી જાય !

એટલે છેલ્લી વાત એ સમજી લેવાની છે કે પ્રતિકૂળ અને અનુકૂળ એક કરી નાખો. વસ્તુમાં કશો માલ નથી. આ રૂપિયાના સિક્કામાં આગળ રાણી હોય ને પાછળ લખેલું હોય એના જેવું છે. એવી રીતે આમાં કશું જ નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધી કલ્પનાઓ જ છે.

તમે શુદ્ધાત્મા થયા, એટલે પછી અનુકૂળેય ના હોય ને પ્રતિકૂળેય ના હોય. આ તો જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી સંસાર છે ને ત્યાં સુધી જ અનુકૂળ ને પ્રતિકૂળનો ડખો છે. હવે તો જગતને જે પ્રતિકૂળ લાગે તે આપણને અનુકૂળ લાગે. આ પ્રતિકૂળ આવે ત્યારે જ આપણને ખબર પડે કે પારો ચઢ્યો છે કે ઊતર્યો છે.

આપણે ઘેર આવ્યા ને આવતાંની સાથે જ કંઈક ઉપાધિ ઊભી થઈ ગઈ, તો આપણે જાણીએ કે આપણને હજુ ઊંચાં-નીચાં પરિણામ વર્તે છે. નહીં તો મહીં ઠંડક થઈ ગઈ છે, એવુંય ખબર પડે. તે પારાશીશી જોઈએ ને ? તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં; આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષમકાળ

(પા.૧૦૧)

છે, એટલે ‘પારાશીશીઓ’ ઘરમાં બે-ચાર હોય જ, એક ના હોય ! નહીં તો આપણું માપ કોણ કાઢી આપે ? કો’કને ભાડે રાખીએ તોય ના કરે ! ભાડૂતી આપણું અપમાન કરે, પણ એનું મોઢું ચઢેલું ના હોય એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે ! ને પેલું તો ‘એક્ઝેક્ટ’ ! મોઢું-બોઢું ચઢેલું, આંખો લાલ થઈ ગયેલી તે પૈસા ખર્ચીને કરે તોય એવું ના થાય, ને આ તો મફતમાં આપણને મળે છે !

આ સંસાર આંખ્યે દેખ્યો રૂપાળો લાગે એવો છે. એ છૂટે શી રીતે ? માર ખાય ને વાગે તોય પાછું ભૂલી જવાય. આ લોકો કહે છે ને કે વૈરાગ્ય રહેતો નથી, તે શી રીતે રહે ?

ખરી રીતે સંયોગ અને શુદ્ધાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. સંયોગો પાછા બે પ્રકારના-પ્રતિકૂળ અને અનુકૂળ. એમાં અનુકૂળનો વાંધો ના આવે; પ્રતિકૂળ એકલા જ હેરાન કરે. એટલા જ સંયોગોને આપણે સાચવી લેવાનું. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે એનો ટાઈમ થાય એટલે હેંડતો થાય. આપણે એને બેસ બેસ કહીએ તોય ના ઊભો રહે !

નઠારા સંયોગ વધારે રહે નહીં. લોકો દુઃખી કેમ છે ? કારણ કે નઠારા સંયોગોને સંભારી સંભારીને દુઃખી થાય છે. એ ગયો, હવે શું કામ કાંણ માંડી છે ? દાઝે તે વખતે રડતો હોય, તો વાત જુદી છે. પણ હવે તો તને મટવાની તૈયારી થઈ, તોય બૂમો પાડે કે જુઓ, ‘હું દાઝયો, હું દાઝયો !’ કર્યા કરે.

તમારેય હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતાં નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને ‘જાણો’, તો કડવામાં પણ ‘જાણવાપણું’ રહેશે ! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેનેય આપણે જાણવું કે ‘ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.’

(પા.૧૦૨)

મહાવીર ભગવાને એમના શિષ્યોને શિખવાડ્યું કે તમે બહાર જાવ છો ને લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારી ને ? હાથ તો નથી ભાંગ્યો ને ? એટલી તો બચત થઈ ! એટલે આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો, બીજો તો નથી ભાંગ્યો ને ? બે હાથ કાપી નાખ્યા, ત્યારે કહે પગ તો છે ને ? બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને ? આંખે તો દેખાય છે ને ? લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં; હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ?

ભગવાને સમ્યક્ દ્રષ્ટિથી જોયું, જેથી નુકસાનમાં પણ નફો દેખાય.

છૂટકારાની ચાવી શી ?

આ જગતનો કાયદો શો છે ? કે શક્તિવાળો અશક્તિવાળાને મારે. કુદરત તો શક્તિવાળો કોને બનાવે છે કે પાપ ઓછાં કર્યાં હોય, તેને શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યાં હોય, તેને અશક્તિવાળો બનાવે છે.

જો તમારે છૂટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લો. મેં આખી જિંદગી એવું જ કર્યું છે. ત્યાર પછી મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર રહ્યો નહીં, ભય પણ રહ્યો નહીં. મેં આખું ‘વર્લ્ડ’ શું છે, એનું તારણ કાઢ્યું છે. મને પોતાને તો તારણ મળી ગયું છે, પણ હવે લોકોને પણ તારણ કાઢી આપું છું.

એટલે જ્યારે ત્યારે તો આ લાઈન ઉપર આવવું જ પડશે ને ? કાયદો કોઈને છોડતો નથી. જરાક ગુનો કર્યો કે ચાર પગ થઈને ભોગવવું પડશે. ચાર પગમાં પછી સુખ લાગે કંઈ ?

ગુના માત્ર બંધ કરો. અહિંસાથી તમને કોઈ પણ જાતનો માર પડવાનો ભય રહેશે નહીં. કોઈ મારશે, કોઈ કૈડી ખાશે એટલોય ભય રાખશો નહીં. આ રૂમ આખો સાપથી ભરેલો હોય તોય પણ પેલો અહિંસક પુરુષ મહીં પેસે તો સાપ ઉપરાછાપરી ચઢી જાય, પણ એમને

(પા.૧૦૩)

અડે નહીં !

માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જ જુદી જાતનું, તદ્દન ન્યાય સ્વરૂપ છે ! જગતનું તારણ કાઢીને અનુભવના સ્ટેજ ઉપર લઈએ, ત્યારે જ કામ થાય ને ? ‘આનું શું પરિણામ આવશે ?’ એની ‘રિસર્ચ’ કરવી પડશે ને ?

પ્રશ્નકર્તા : માર ખાધા પછી ‘રિસર્ચ’ ઉપર જાય છે ને ?

દાદાશ્રી : હા, ખરી ‘રિસર્ચ’ તો માર ખાધા પછી જ થાય. માર આપ્યા પછી ‘રિસર્ચ’ ના થાય.

જગત નિર્દોષ - નિશ્ચયથી, વ્યવહારથી !

દાદાશ્રી : લોકોને, પોતાના દોષ દેખાતા નહીં હોય ને ?

પ્રશ્નકર્તા : ના દેખાય.

દાદાશ્રી : કેમ ? એનું શું કારણ હશે ? આટલા બધા બુદ્ધિશાળી લોકો છે ને ?

પ્રશ્નકર્તા : બીજાના બધા દોષ દેખાય.

દાદાશ્રી : એય સાચા દોષ નથી દેખાતા. પોતાની બુદ્ધિથી માપી માપીને સામાના દોષ કાઢે. આ જગતમાં અમને તો કોઈનોય દોષ દેખાતો નથી.

પ્રશ્નકર્તા : દાદા, આખું જગત નિર્દોષ છે. એ ‘રિયલ’ ભાવે બરોબર છે, પણ ‘રિલેટિવ’ ભાવે તો એ વસ્તુમાં દોષ રહ્યા કરે જ ને?

દાદાશ્રી : હા, પણ આપણે હવે ‘રિલેટિવ’માં રહેવા માગતા જ નથી ને ? આપણે તો ‘રિયલ’ ભાવમાં જ રહેવું છે. ‘રિલેટિવ’ ભાવ એટલે સંસારભાવ. તમને ‘રિલેટિવ’માં ગમે છે કે ‘રિયલ’માં ?

પ્રશ્નકર્તા : ‘રિયલ’માં જ ગમે છે, દાદા ! પણ રહેવું પડે બન્નેમાં ને ? અમે નિશ્ચયથી સમજીએ કે બધા નિર્દોષ જ છે, પણ

(પા.૧૦૪)

જ્યારે વ્યવહારમાં ઘણી વખત પેલું જોવું પડે ને ?

દાદાશ્રી : ના, વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા પડે. વ્યવહારમાં તો ‘અમે’ રહીએ જ છીએ ને ? છતાં અમને જગત નિર્દોષ જ દેખાયા કરે છે.

જગતમાં દોષિત કોઈ છે જ નહીં. દોષિત દેખાય છે એ આપણી જ ભૂલ છે. છતાં આટલી બધી કોર્ટો, વકીલો, સરકાર, બધાં દોષિત જ કહે છે ને ?

પ્રશ્નકર્તા : આપણે કેવી રીતે ગણવાનું ? વ્યવહારથી તો દોષિત છે જ ને ?

દાદાશ્રી : વ્યવહારથી કોઈ દોષિત નથી.

શુદ્ધ વ્યવહારથી કોઈ દોષિત છે જ નહીં. નિશ્ચયથી બધા શુદ્ધાત્મા થયા, એટલે એમને દોષ હોય જ નહીં ને ?

અને દોષિત હોત તો મહાવીરને કો’ક દોષિત દેખાત, પણ ભગવાનને કોઈ દોષિત ના દેખાયું. આવડા આવડા માંકણ કરડતા હતા, પણ તે દોષિત ના દેખાયા.

દોષદર્શન, ઉપયોગથી !

પ્રશ્નકર્તા : યાદ કરીને પાછલા દોષ જોઈ શકાય ?

દાદાશ્રી : પાછલા દોષ ઉપયોગથી જ ખરેખર દેખાય. યાદ કરવાથી ના દેખાય. યાદ કરવામાં તો માથું ખંજવાળવું પડે. આવરણ આવે એટલે યાદ કરવું પડે ને ? આ ચંદુભાઈ જોડે ભાંજગડ થઈ હોય તો, આ ચંદુભાઈનું પ્રતિક્રમણ કરે તો ચંદુભાઈ હાજર થઈ જાય જ. એ ઉપયોગ જ મૂકવાનો. આપણા માર્ગમાં યાદ કરવાનું તો કશું છે જ નહીં. યાદ કરવાનું, એ તો ‘મેમરી’ને આધીન છે.

પ્રશ્નકર્તા : ‘મેમરી’ એટલે બુદ્ધિને આધીન કહેવાય ?

દાદાશ્રી : ‘મેમરી’ એટલે આવરણ મોટું હોય, તો એક કલાક

(પા.૧૦૫)

સુધી યાદ ના આવે, એ મોટું વાદળ આવેલું હોય ને કોઈ ફેરો પાંચ મિનિટમાંય દેખાઈ જાય, બે મિનિટમાંય દેખાઈ જાય. આવો યાદગીરીનો અનુભવ તમને નથી આવતો ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : ઘણી વખત તો કલાકો સુધી ઠેકાણું ના પડે. હવે નિયમ એવો છે કે એકાગ્રતાથી આવરણ તૂટે. જે આવરણ અડધા કલાકનું હોય, તે એકાગ્રતાથી પાંચ મિનિટમાં પતી જાય.

(પા.૧૦૬)

[15]

ઉપયોગસહિત ત્યાં જ ‘જાગૃતિ’,

ઉપયોગરહિત એ ‘મીકેનિકલ’ !

પ્રશ્નકર્તા : ‘મીકેનિકલ’ અને ‘જાગૃતિપૂર્વક’, એ બે વચ્ચેનો ફરક સમજાવો.

દાદાશ્રી : આખું જગત બધું ઊંઘમાં ચાલે છે. એ બધું ‘મીકેનિકલ’ કહેવાય. એને ભાવનિદ્રા કહી. આ ભાવનિદ્રાવાળા તે બધા ‘મીકેનિકલ’ છે તેમ કહેવાય. હવે દરેક માણસ એના ધંધામાં, નફા-ખોટમાં જાગૃત ખરા કે નહીં ? એટલે ધંધો કરે તેમાં જાગૃતિપૂર્વક હોય અને બસમાં બેસતી વખતે માણસ જાગૃત ખરો કે નહીં ? ત્યાં ‘મીકેનિકલ’ ના હોય, જાગૃતિપૂર્વક હોય. હવે જગત આને જાગૃતિપૂર્વક કહે છે. ખરેખર તો આય ‘મીકેનિકલ’ જ છે.

આ ફોરેનમાં ઘણું ખરું માણસ બધું ‘મીકેનિકલ’ જ કહેવાય. આ જાનવરો-તિર્યંચો, એ બધાં ‘મીકેનિકલ’ કહેવાય ને ?

પ્રશ્નકર્તા : આ દેવલોકો પણ ‘મીકેનિકલ’ કહેવાય ને ?

દાદાશ્રી : દેવલોકો ‘મીકેનિકલ’ ના કહેવાય. એમને જાગૃતિ ખરી. કેટલાક દેવલોકો તો એવા છે કે જેમને પોતે ‘મીકેનિકલ’માં રહે છે એવું પોતાને ખબર પડે. એટલે એમને એનો કંટાળો આવે કે આવી અવસ્થા ના હોવી જોઈએ. બધા દેવલોકો આવા હોતા નથી. એમાં કેટલાક તો એવા હોય છે કે બસ મસ્તાન થઈને ફર્યા કરે. એ ‘મીકેનિકલ’ કહેવાય.

પ્રશ્નકર્તા : આ પદો બોલતા હોય તે વખતે શબ્દો બોલે પોતે

(પા.૧૦૭)

પણ ભાવ બીજે હોય તે શું કહેવાય ?

દાદાશ્રી : એ બધું ‘મીકેનિકલ’ કહેવાય. ‘મીકેનિકલ’ એટલે ઉપયોગરહિત અને ઉપયોગપૂર્વક કાર્ય થાય એ જાગૃતિ કહેવાય.

ઉપયોગ બે પ્રકારના : એક શુભ ઉપયોગ હોય ને બીજો શુદ્ધ ઉપયોગ. જગતમાં શુદ્ધ ઉપયોગ ના હોય. પણ શુભાશુભ ઉપયોગ હોય અને કોઈનો અશુદ્ધ ઉપયોગેય હોય. આ અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગને ઉપયોગ ગણાતો નથી. શુભ ઉપયોગને અને શુદ્ધ ઉપયોગને જ ઉપયોગ ગણાય. પેલા તો ખાલી ઓળખવા માટે જ કહેવાય કે આ કઈ જાતનો ઉપયોગ છે. અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ એ બધા ‘મીકેનિકલ’ છે અને શુભ ઉપયોગમાં અંશ જાગૃતિ હોય. આ ભવ ને પરભવનું હિત શામાં એવી જાગૃતિ હોય.

પોતાના ઘરની બાબતમાં, ધંધાની બાબતમાં, બીજી કોઈ બાબતમાં જાગૃતિ હોય, પણ એ જાગૃતિ એટલામાં જ વર્તે. અને બીજે બધે ઊંઘે. પણ ખરી રીતે આ જાગૃતિનેય ‘મીકેનિકલ’ જ કહેવાય.

‘મીકેનિકલ’ ક્યારે છૂટે ? પોતાનું હિત અને અહિત, બે નિરંતર જાગૃતિમાં હોય ત્યારે ‘મીકેનિકલ’ છૂટે.

પ્રશ્નકર્તા : પણ દાદા, હિત ને અહિત, બન્ને ભૌતિકમાં આવે ને ?

દાદાશ્રી : એવું નથી, શુભમાર્ગમાં પણ જાગૃતિ કહેવાય. પણ તે ક્યારે ? આ ભવમાં અને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય, ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય. નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું, તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે ‘પોતાનું હિત

(પા.૧૦૮)

શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે’ એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો હોય તેને જાગૃત કઈ રીતે કહેવાય ?

આ તો એક-એક શબ્દ જો સમજે, અર્થ જ સમજે, ‘ફૂલ ડેફિનેશન’ સમજે, તો કામ કાઢી નાખે એવા વીતરાગોના શબ્દો છે !

શુદ્ધ ઉપયોગનો અભ્યાસ

સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી તમારે કરવાનું શું ?

તમારે હવે ઉપયોગ રાખવાનો. અત્યાર સુધી આત્માનો ‘ડાયરેક્ટ’ શુદ્ધ ઉપયોગ હતો જ નહીં. પ્રકૃતિ જેમ નચાવતી હતી, તેમ તમે નાચતા હતા. અને પાછા કહો કે હું નાચ્યો ! મેં આ દાન કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, આટલી સેવા કરી ! હવે તમને આત્મા પ્રાપ્ત થયો, એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે તમે પુરુષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નહીં, એ છોડવાની નથી. અને તમારે પુરુષે પુરુષાર્થમાં રહેવાનું એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. ‘જ્ઞાની પુરુષે’ આજ્ઞા આપી હોય તેમાં રહેવાનું. ઉપયોગમાં રહેવાનું.

ઉપયોગ એટલે શું ? આમ બહાર નીકળ્યા ને આમ ગધેડાં જતાં હોય, કૂતરાં જતાં હોય, બિલાડાં જતાં હોય ને આપણે જોઈએ નહીં ને એમ ને એમ ચાલ્યા કરીએ, તો આપણો ઉપયોગ નકામો ગયો કહેવાય. તેમાં તો ઉપયોગ દઈને તેમાં આત્મા જોતાં જોતાં જઈએ તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. આવો શુદ્ધ ઉપયોગ એક કલાક જો રાખે તેને ઇન્દ્રનો અવતાર આવે એટલી બધી કીંમતી વસ્તુ છે એ !

પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ વ્યવહારમાં, ધંધામાં રહી શકે ખરો ?

દાદાશ્રી : વ્યવહારને ને શુદ્ધ ઉપયોગને લેવાદેવા જ નથી. ધંધો કરતો હોય કે ગમે તે કરતો હોય, પણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, પોતે પુરુષ થયા પછી શુદ્ધ ઉપયોગ થાય. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં

(પા.૧૦૯)

કોઈને શુદ્ધ ઉપયોગ થાય નહીં. હવે તમે શુદ્ધ ઉપયોગ કરી શકો.

પ્રશ્નકર્તા : એટલે ગધેડાને આપણે પરમાત્મા તરીકે જોઈએ, પરમાત્મા માનીએ તો.....

દાદાશ્રી : ના, ના. પરમાત્મા માનવાના નહીં, પરમાત્મા તો મહીં બેઠા છે તે પરમાત્મા અને બહાર બેઠો છે એ ગધેડો છે. એ ગધેડા ઉપર આપણે ગૂણી મૂકીને અને મહીંલા પરમાત્મા જોઈને ચાલવાનું.

વહુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો. નહીં તો બાયડી પૈણેલા હોય તે, શું ત્યારે બાવા થઈ જાય ? આ જુવાન છોકરાઓ શું બાવા થઈ જાય ? ના, ના, બાવા થવાનું નથી. મહીં ભગવાન જુઓ. ભગવાન શું કહે છે ? મારાં દર્શન કરો. મને બીજી કંઈ પીડા નથી. મને કંઈ વાંધો નથી. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં તમે મને જુઓ, શુદ્ધ ઉપયોગ રાખો.

પ્રશ્નકર્તા : પેકિંગને પીડા થાય તેનું શું ?

દાદાશ્રી : એ પીડા કોઈનેય થતી નથી. ગધેડા ઉપર ગૂણી મૂકો તોય એને પીડા નથી થતી અને ના મૂકો તોય પીડા નથી થતી. ગધેડાને તો અમે બહુ સારી રીતે ઓળખીએ. અમે કંટ્રાક્ટરનો ધંધો કરીએ એટલે અમારે ત્યાં બસેં બસેં ગધેડા કામ કરવા આવે. આમ આમ કાન પાડી દે, એટલે અમે સમજીએ કે આટલું બધું વજન ઊંચક્યું છે તોય પણ એ એની મસ્તીમાં જ છે ! એની મસ્તી એ જાણે. તમને શી ખબર પડે તે !!

ઉપયોગ જાગૃતિ

પ્રશ્નકર્તા : આ રેશમનો કીડો છે, તે મહેનત કરીને કોશેટો બનાવે છે અને પછી પોતે જ એમાં ફસાય છે ! પછી બહાર નીકળવા માટે એને કોશેટાની માયા છેદવી પડે છે. હવે એનાં કેટલાં લેયર્સ છે ? આ બધાં...

દાદાશ્રી : લેયર્સ-બેયર્સ કશું જ નથી, ખાલી ભડકાટ જ છે !

(પા.૧૧૦)

આ મેં તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે તમે શુદ્ધાત્મા થયા. એટલે આ મન-વચન-કાયા અને ‘ચંદુભાઈ’ના નામની જે જે માયા હોય, એ બધી ‘વ્યવસ્થિત’ને તાબે છે. મહીં પ્રેરણા ‘વ્યવસ્થિત’ આપશે. એટલે તમારે તો ‘હું શુદ્ધાત્મા છું’ એમાં તમે રહો. અને આ ‘ચંદુભાઈ’નું શું થયા કરે છે, ‘ચંદુભાઈ’ શું કરે છે એ તમે જોયા કરો. બસ આટલું થઈ ગયું એટલે ‘તમે’ પૂર્ણ થયા. બેઉ પોતપોતાનું કામ કર્યા કરે, ‘ચંદુભાઈ’ ‘ચંદુભાઈ’નું કામ કરે. એમાં હવે ડખલ ના કરો, એટલે તમે કોશેટાની બહાર નીકળી ગયા. એક જ દહાડો ‘તમે’ ડખલ ના કરો, તો તમને સમજાશે કે ‘ઓહોહો ! હું કોશેટાની બહાર નીકળી ગયો.’

એક જ દહાડો રવિવારે તમે આનો અખતરો તો કરી જુઓ. તમે જે પાંચ (ઈન્દ્રીઓના) ઘોડાઓની નાડ (લગામ) ઝાલી છે, તેને છોડી અને મને ઝાલવા દોને ! પછી તમે નિરાંતે રથમાં બેસો અને કહેવું કે, ‘દાદા, આપને જેવું હાંકવું હોય તેવું હાંકો, અમે તો આ નિરાંતે બેઠા !’ પછી જુઓ, તમારો રથ ખાડામાં નહીં પડે. આ તો તમને હાંકતાં આવડે નહીં ને તમે જે હાંકવા જાવ છો. તેથી ‘સ્લોપ’ આવે ત્યારે લગામ ઢીલી મૂકો છો અને ઊંચે ચઢવાનું આવે ત્યારે ખેંચ ખેંચ કરો છો ! તે આ બધું વિરોધાભાસી છે. બાકી મેં જે આત્મા આપ્યો છે ને, તે કોશેટાની બહાર તમે નીકળી જ ગયેલા છો !

પણ હવે ઉપયોગ તમારે ગોઠવવો પડે. એટલે આત્મા તમને આપ્યો છે પણ આત્માનો ઉપયોગ એવી વસ્તુ છે કે સ્લીપ થવાનો ઉપયોગ તો સહેજે રહે છે એને ! એટલે આ ઉપયોગ ગોઠવવાનો. એની પોતે જાગૃતિ રાખવી પડે, પુરુષાર્થ કરવો પડે. કારણ પોતે પુરુષ થયો છે !

હવે સ્લીપ થવાનો ઉપયોગ કોને કહેવાય ? એક મિલમાલિક શેઠ હતા. તે મારી જોડે જમવા બેઠા. તેમનાં વાઈફ સામાં આવીને બેઠાં. મેં કહ્યું, ‘કેમ આમ તમે સામા આવીને બેઠાં છો ?’ ત્યારે શેઠાણી કહે, ‘આ પાંસરી રીતે રોજ જમતા નથી. તે આજ તમે આવ્યા છો, તો કંઈક પાંસરી રીતે જમે. એટલા હારું હું બેઠી છું !’

(પા.૧૧૧)

ત્યારે શેઠ કહે, ‘ઊઠ, ઊઠ, તું તો અક્કલ વગરની છે.’ હું સમજી ગયો બધું કે ‘શેઠ કેવા હશે ?’ મેં શેઠને કહ્યું, ‘શેઠાણી તમારા હિતને માટે કહે છે. તમે પાંસરી રીતે જમો તો તમારું શરીર સારું રહે. ઊલટા એને અક્કલ વગરની કહીને ડફળાવો છો શું કરવા ?’ ત્યારે શેઠે કહ્યું કે એની વાત તો ખરી છે. હું જ્યારે જમવા બેસું છું ત્યારે મારું ચિત્ત મિલમાં હોય છે, ત્યાં સેક્રેટરી જોડે વાતો કર્યા કરે ને અહીં આગળ આ ધોકડું ખાયા કરે ! આને સ્લીપ થયેલો ઉપયોગ કહેવાય. પછી મેં શેઠને કહ્યું, ‘શેઠ, આ તમારો ઉપયોગ સ્લીપ થયો. તેનાથી શું થશે જાણો છો ? ચિત્ત ‘એબ્સન્ટ’ હોય તે વખતે તમે ખાવાનું ખાવ, તો ‘હાર્ટફેઈલ’નાં સાધન ઊભાં થાય ! જમતી વખતે ચિત્ત ‘એબ્સન્ટ’ તો ક્યારેય પણ રખાય નહીં ! ત્યારે શેઠ કહે, ‘‘મારું ચિત્ત તો ‘એબ્સન્ટ’ જ રહે છે, મને કંઈ રસ્તો બતાવો.’’ તે પછી મેં તેમને રસ્તો બતાવ્યો કે ‘કેમ કરીને ચિત્ત હાજર રહે.’ હવે એ શેઠને પૈસા ગણવા આપ્યા હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા : ખાવાનુંય ભૂલી જાય.

દાદાશ્રી : તે વખતે તેમનો ઉપયોગ પૈસા ગણવામાં જ હોય. એક વાણિયાના છોકરાને નોકરીમાં છસોનો પગાર હતો. તેને મેં પૂછયું કે ‘એક-એકની નોટો પગારમાં તને આપે તો તું શું કરું ?’ ત્યારે એ કહે કે ‘હું ગણીને લઉં !’ ‘અલ્યા, છસો નોટો તું ક્યારે ગણી રહે ? આનો પાર ક્યારે આવે ?’ ત્યારે હોરો પેણે કોઈ શિકારી હોય તે ઝાપટ મારીને ચાલતો થઈ જાય અને આ રૂપિયા ગણવામાં તું ઉપયોગ રાખે તો, તારો કેટલો ટાઈમ બગડે ? બહુ ત્યારે પાંચ રૂપિયા ઓછા નીકળશે. બીજું તો શું થશે ? અને આ લોકો ઓછી નોટો આપે જ નહીં ને ! બધા ગણી ગણીને લે છે એવું એ જાણે. આપણા જેવા તો કો’ક જ પુણ્યશાળી હોય કે જે ગણ્યા વગર લે. એટલે આપણું તો એમ ને એમ નીકળી જાય. આમાં ટાઈમ કોણ વેસ્ટ કરે ? ત્યારે એ કહે કે, ‘પાંચ-પાંચ પૈસા હોય તોય હું ગણીને લઉં !’ ધનભાગ છે આનાં !!! આમ ઉપયોગ વેડફાઈ જાય છે, સ્લીપ થાય છે.

(પા.૧૧૨)

શુદ્ધાત્મામાં ઉપયોગ હશે તો તે બધી જગ્યાએ હેલ્પ કરશે. ખવાય, પીવાય, ધંધો થાય ત્યાં બધે ‘હેલ્પ’ થશે. કારણ કે આત્મા (પ્રતિષ્ઠિત) આમાં બીજું કશું કરતો નથી, ખાલી ડખલ જ કર્યા કરે છે.

ડખલનો અર્થ શો થાય ? કોઈ પૂછે કે દહીં શી રીતે બનાવવું ? તે મને શીખવાડો, મારે બનાવવું છે. તો હું એને રીત બતાડું કે દૂધ ગરમ કરીને, ઠંડું કરજે. પછી એમાં એક ચમચી દહીં નાખીને હલાવજે. પછી ઢાંકીને નિરાંતે સૂઈ જજે, પછી કશું કરતો નહીં. હવે પેલો બે વાગે રાત્રે ‘યુરીન’ જવા માટે ઊઠ્યો હોય, તે પાછો મહીં રસોડામાં જઈને દહીંમાં આંગળી નાખીને હલાવી જુએ કે દહીં થાય છે કે નહીં ? તે ડખલ કરી કહેવાય ને તેથી સવારે દહીંનો ડખો થઈ ગયો હોય ! એવી રીતે આ સંસારનો ડખો કરીને લોકો જીવે છે ! એટલે આત્માનો ઉપયોગ ખસવા ના દેવો, એનું નામ ઉપયોગ જાગૃતિ.

ઉપયોગ કોને કહેવાય ? આ દોઢ માઈલ સુધી બે બાજુ દરિયો હોય ને વચ્ચે એક જ જણ ચાલે. એટલા સાંકડા પૂલ પરથી તમને ચાલવાનું કહ્યું હોય, તો તે વખતે જે જાગૃતિ રાખો છો તેને ઉપયોગ કહેવાય. હવે તે ઘડીએ બેંકનો વિચાર આવે કે આટલી રકમ રહી છે ને આટલી ભરવાની છે, તો તેને તરત જ ખસેડી મૂકે ને જાગૃતિને પૂલ પર ચાલવામાં જ ‘કોન્સેન્ટ્રેટ’ કરે !

શાસ્ત્રકારોએ કહ્યું છે કે ખાતી વખતે, પીતી વખતે ઉપયોગ રાખો, દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય. ચિત્તને હાજર રાખવું, એનું નામ ઉપયોગ. આ દરિયો બેઉ બાજુ હોય ત્યાં આગળ ચિત્તને હાજર રાખે કે ના રાખે ? નાનાં છોકરાંય રમવાનું બાજુએ મૂકીને જાગૃત થઈ જાય ! એય બહુ પાકાં હોય !

કોઈ દેહધારીને ઉપયોગ ના હોય એવું ના બને. પૈસા ગણતી વખતે તમે કોઈ જોઈ આવજો. તે ઘડીએ વહુ આવી હોય, છોકરી

(પા.૧૧૩)

આવી હોય તોય એને એ જુએ પણ દેખાય નહીં. પેલી બઈ કહે કે, ‘તમે પૈસા ગણી રહ્યા હતા ત્યારે અમે આવ્યાં હતાં તોય તમને અમે ના દેખાયાં ?’ ત્યારે એ કહે કે, ‘ના, મારું લક્ષ ન હતું !!’ આંખો દેખે છતાં દેખાય નહીં, એનું નામ ઉપયોગ.

અત્યારેય અમારો શુદ્ધાત્મામાં ઉપયોગ છે. તમારી જોડે વાતો કરતો હોઉં કે ગમે તે કરતો હોઉં, પણ અમારો ઉપયોગમાં ઉપયોગ રહે !! આ મન-વચન-કાયા એનું કાર્ય કરે, ત્યાં આગળેય ઉપયોગમાં ઉપયોગ રાખી શકાય.

તમારે પોતાને તો જેટલું રહે એટલું સાચું. ના રહે તો કંઈ ઓછું સૂરસાગરમાં પડાય છે ? આપણો આ સૂરસાગર તળાવ ખોળવાનો ધંધો નથી.

આત્મા અને આ પ્રકૃતિ બન્નેય જુદાં છે, સ્વભાવથી જુદાં છે. બધી રીતે જુદાં છે. સંસારમાં આત્મા બિલકુલેય વપરાતો નથી. આત્માનો પ્રકાશ એકલો જ વપરાયા કરે છે. એ પ્રકાશ ના હોય તો આ પ્રકૃતિ બિલકુલ ચાલેય નહીં. એ પ્રકાશ છે તો આ બધું પ્રકૃતિ ચાલે છે, બાકી આત્મા આમાં કશું જ કરતો નથી.

(પા.૧૧૪)

[16]

વાત છતી સમજી જાવ ને !

પ્રશ્નકર્તા : ચારિત્ર કોને કહેવાય ?

દાદાશ્રી : ‘જ્ઞાતા-દ્રષ્ટા’ રહ્યો એટલો જ ભાગ ચારિત્ર કહેવાય. ‘ચંદુલાલ’ને તમે જોયા જ કરો, ચંદુલાલનું મન શું કરે છે, મનમાં શું શું વિચાર આવે છે, એની વાણી શું બોલી રહી છે ! એ બધાંને ‘તમે’ જોયા જ કરો. આ બહાર બધા કોણ કોણ ભેગા થાય છે ! એ સ્થૂળ સંયોગો, પછી મનમાં સૂક્ષ્મ સંયોગો ને વાણીના સંયોગો, એ બધાને તમે જોયા કરો, એ તમારો આત્માનો સ્વભાવ છે અને એ જ ચારિત્ર કહેવાય ! એમાં જોવું, જાણવું ને પરમાનંદમાં રહેવું હોય અને જગતનો ભ્રાંતિનો સ્વભાવ શો છે કે જોવું, જાણવું ને દુઃખાનંદમાં રહેવું ! દુઃખ ને આનંદ, દુઃખ ને આનંદ એ બંનેનું મિક્ષ્ચર !!

પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ કેવી રીતે જાય ?

દાદાશ્રી : ‘દેહાધ્યાસ’ છે ત્યાં સુધી રાગ-દ્વેષ છે, ‘દેહાધ્યાસ’ મટ્યો કે રાગ-દ્વેષ ગયા !

‘દેહાધ્યાસ’ એટલે આ દેહ તે હું છું, આ વાણી હું બોલું છું, આ મન મારું છે, એ દેહાધ્યાસ. તમારે આ બધું ગયું, એટલે દેહાધ્યાસ ગયો અને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહ્યું એટલે પછી વીતરાગ કહેવાય. છતાં રાગ-દ્વેષ જે દેખાય છે, તે તો થયા જ કરવાના; તેને ભગવાને ચારિત્રમોહ કહ્યો. મૂળ મોહ, દ્રષ્ટિમોહ ઊડી ગયો. જે ઊંધો જ ચાલી રહ્યો હતો, તે હવે છતો ચાલવા માંડ્યો. દ્રષ્ટિ છતી થઈ ગઈ. પણ પહેલાંનાં જે પરિણામ છે, તે મોહ, પરિણામી મોહ તો હજુ આવે.

(પા.૧૧૫)

એને વર્તન મોહ કહેવાય. લોક તમને દેખાડેય ખરાં કે આ તમારો મોહ ભરેલો છે ને તેને આપણે ‘હા’ પાડવી પડે.

અહીં આજે ભગવાન જાતે આવ્યા હોય ને કોઈ પૂછે કે ભગવાન આ ‘મહાત્માઓ’ બટાકાનું શાક કેમ વારે ઘડીએ માગ માગ કરે છે ? શું આમનો આ મોહ ગયો નથી ?

ત્યારે ભગવાન એને શું કહે ખબર છે ? ભગવાન કહે, ‘‘આ મોહ છે, પણ એ ચારિત્રમોહ છે, ‘ડિસ્ચાર્જ’ મોહ છે. એમની આવી ઇચ્છા નથી, પણ આવી પડ્યું એટલે આ બધો મોહ ઉત્પન્ન થાય છે અને આ ખાવાનું પતી ગયા પછી પાછું તેમને કશું જ ના રહે !’’ ખાવામાં જરા વિશેષતા થઈ, એ ‘ચારિત્રમોહ’. અને ખાલી ભૂખને માટે જ ખાધું, એમાં ચારિત્રમોહ ના કહેવાય. ભૂખને માટે ખાતાં પહેલાં કહે કે ‘શાક લાવો, ચટણી લાવો.’ તો આપણે ના સમજીએ કે આનો મોહ છે ? અને જમતાં જમતાં દાળ જરા રહેવા દીધી હોય તો તે પણ ચારિત્રમોહ છે. આપણે એમને પૂછીએ કે આ દાળ કેમ ના ખાધી ? ત્યારે એ કહે કે, ‘ના, બરાબર ઠીક ના લાગી.’ એ પણ એક પ્રકારનો મોહ જ છે ને ? ખાવાનું રહેવા દીધું તેય મોહ ને વધારે ખાઈ ગયો તેય મોહ.

અને જેને રાગ-દ્વેષ નથી, કશો મોહ નથી, એને તો જે સામે આવ્યું તે લઈ લીધું. બીજી કશી ભાંજગડ જ ના રહે, તેને તો કશો મોહ ના કહેવાય. પણ આ મોહની કિંમત નથી. આ મોહ તો લાખો મણનો હોય, પણ તે નિકાલી મોહ હોવાથી તેની કંઈ કિંમત જ નથી. દર્શનમોહ ગયા પછી, જે મોહ રહે છે તે ચારિત્રમોહ. એની કંઈ કિંમત જ નથી, તે ‘ડિસ્ચાર્જ મોહ’ છે અને દર્શનમોહ હજુ જેનો ગયો નથી એવા મોટા ત્યાગી હોય, પણ જો એ કોઈ દિવસ જરાક શાક વધારે માગે તોય એ મોહની બહુ કિંમત ! અલ્યા, ભઈ, અમે રોજ વધારે શાક માગીએ છીએ તોય અમને કશું મળતું નથી ને આમને એક દહાડામાં જ આટલું બધું મળે ?

(પા.૧૧૬)

ત્યારે કહે, ‘હા, એક દહાડામાં બહુ ભયંકર દોષ બંધાય.’ કારણ કે એ તો સાચો મોહ છે, એટલે એક દા’ડામાં જ આખા ત્યાગનું ફળ જતું રહે અને સ્વરૂપજ્ઞાની ‘મહાત્માઓનો’ ગમે તેટલો મોહ હોય તોય તેનું કશું જ જાય નહીં ! આ વાતને જ સમજવાની છે. આ ચારિત્રમોહ બહુ બહુ ઝીણી વસ્તુ છે.

શરીરને પોષણ માટે જ ખોરાક લેવો. એમાં લોકો એમ ના કહે કે ભઈએ મોહ કર્યો છે, પણ એમાં જાતજાતની ચટણી, અથાણાં બધું લે, કેરીનો રસ લે, તેને જગત તમારામાં મોહ છે એમ કહે. અરે ! મને હઉ કહેને ? હું કેરી, અથાણાં, ચટણી ખઉં ત્યારે મનેય કહે. પણ એ વર્તન મોહ છે, એનો આપણે નિકાલ કરીએ છીએ. નિકાલ કર્યો એટલે ફરી નહીં ઉત્પન્ન થાય. જે પહેલાંનો ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે હતો તે જાય છે.

પ્રશ્નકર્તા : લોકો એને નહીં કબૂલ કરે.

દાદાશ્રી : લોકો એને સમજેય નહીં, એ તો આને મોહ જ તરીકે જુએ. મહાવીર ભગવાન એ મોહ જ જોતા હતા. મોહ તો કપડાં પહેરવાં એનું નામેય મોહ ને નાગું ફરવું એનું નામેય મોહ છે. બંનેય મોહ છે. પણ ‘ડિસ્ચાર્જ’મોહ છે. પહેલાં ‘હું ચંદુલાલ છું’ માનીને ઊંધો જ ચાલ્યા કરતો હતો, તો હવે છતો થયો. દ્રષ્ટિ એની બધી સુધરી ગઈ. એટલે હવે નવા મોહનો અંદર જથ્થો ઊભો થાય નહીં. પણ જૂનો મોહ છે. એનાં પરિણામ આવે છે, એ તો ભોગવ્યે જ છૂટકો ને !

પ્રશ્નકર્તા : એટલે દ્રષ્ટિમોહથી ચારિત્રમોહ ઊભો થયો એમ ?

દાદાશ્રી : દ્રષ્ટિમોહ ને ચારિત્રમોહ, એ બે મોહ ભેગા થાય ત્યારે એને ‘અજ્ઞાનમોહ’ કહેવામાં આવે છે. જગત આખુંય એ મોહથી જ સપડાયું છે ને ? આમાંથી એક સૂઈ જાય તો બીજાનો તો ઉકેલ આવી જશે, એમ કહે છે. આ દ્રષ્ટિમોહ જાય તો બસ થઈ ગયું. પછી ચારિત્રમોહની ચાર આનાય કિંમત નથી.

(પા.૧૧૭)

પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને ક્રમિક માર્ગમાં ગમે તેવી પ્રતિજ્ઞા લઈને અહંકાર કરીને એ કાઢી નાખે છે ને ?

દાદાશ્રી : દ્રષ્ટિમોહ જવો જોઈએ તો જ બાકીનો રહ્યો, એને ચારિત્રમોહ ગણાય. એટલે ચારિત્રમોહ ક્યારે કહેવાય ? દર્શનમોહ તૂટે એટલે મોહનું વિભાજન થઈ જાય છે. એમાં એક ભાગ ઊડી ગયો ને જે બીજો ભાગ રહ્યો તે ચારિત્રમોહ, ‘ડિસ્ચાર્જ’મોહ. જો સ્વરૂપનું ભાન થાય તો ‘ચાર્જ’મોહ ઊડી ગયો. એ ‘ચાર્જ’મોહ જ નુકસાનકર્તા છે. ‘ચાર્જ’ મોહ એટલે જ દર્શનમોહ.

પ્રશ્નકર્તા : પણ લોકો તો ડિસ્ચાર્જમોહને કાઢવા માટે માથાકૂટ કરે છે ને ?

દાદાશ્રી : ના. ડિસ્ચાર્જમોહને તો એ લોકો સમજતા જ નથી. જગત તો એને જ ‘મોહ’ કહે છે. ‘ડિસ્ચાર્જ’મોહને કાઢવા માટે બીજો મોહ ઊભો કર્યો છે, એનું નામ ‘ક્રમિક માર્ગ’. આપણે માટે જુદું કહેવા માગીએ છીએ કે આ બધી પીડામાં શું કરવા ઊતરો છો ? છતું સમજી જાવને ? જો છતું સમજશો તો ઉકેલ આવશે. ત્યારે એ કહે કે છતું સમજાવનાર હોય તો છતું સમજે ને ? છતું સમજાવનાર જ નથી હોતા, ત્યાં શું થાય ? નહીં તો જ્ઞાન તો હતું જ ને, પણ જ્ઞાનીઓ નથી હોતા ત્યાં શું થાય ?

આ તમે બધા લાડવા-પૂરી જમો, તો હું કોઈને વઢવા આવું છું? હું જાણું કે એ એના મોહનો નિકાલ કરે છે.

પ્રશ્નકર્તા : આમેય તમે ક્યારે કોઈને વઢો છો ?

દાદાશ્રી : આ વઢવા જેવું જ નથી. બધાં નિકાલ કરે છે, ત્યાં શું વઢવાનું ? દર્શનમોહ હોય ને તે ઊંધો પડ્યો હોય ત્યારે તો વઢવું પડે.

પ્રશ્નકર્તા : કોઈનો ડિસ્ચાર્જમોહ જોઈને તેવી પ્રેરણા મેળવી કે એના કરતાં હું વધારે સારું કરું, એ મોહમાં ઊતરી પડે તે કયો મોહ ?

(પા.૧૧૮)

દાદાશ્રી : તેય બધો ડિસ્ચાર્જમોહ જ કહેવાય છે બધો. આપણને એમ દેખાય કે આણે કંઈક નવું ઉમેર્યું છે, પણ એ ઉમેરતો નથી. એ બધું ઉમેરે છે તેય ડિસ્ચાર્જમોહ છે. આ અમારી ‘સાયન્ટિફિક’ શોધખોળ છે. જો સમજે તો ઉકેલ લાવી નાખે તેવું છે. એક અવતારમાં કરોડો અવતારનાં પરિણામો નાશ થાય તેવું છે !

પ્રશ્નકર્તા : પણ આ ડિસ્ચાર્જમોહનો અંત ક્યારે આવશે ?

દાદાશ્રી : જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી ડિસ્ચાર્જમોહ રહેવાનો. અને મારી આજ્ઞા પાળી છે, તેનો બીજો મોહ ઊભો કર્યો છે તે એક અવતાર માટે તમને કામ લાગશે.

(પા.૧૧૯)

[17]

કર્મફળ - લોકભાષામાં, જ્ઞાનીની ભાષામાં !

પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે, એમ કહે છે. તે શું છે ?

દાદાશ્રી : હા, ભોગવવાનું અહીનું અહીં જ છે, પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?

ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતાં હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, ‘આ કર્મ બાંધે છે, આ આવું માન લઈને ફર્યા કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય.

અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય. તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવે પાછો નિર્માની થાય.

કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે ‘આવું કરવા

(પા.૧૨૦)

જેવું જ છે.’ તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો.

આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે.

પરિણામમાં સમતા

આપણા ‘અક્રમ’નો સિદ્ધાંત એવો છે કે પૈસા પડતા હોય તો પહેલા પડતા બંધ કરવાના અને પછી પહેલાંના પડી ગયેલા, વેણી લેવાના ! જગત છે તે વેણ વેણ કર્યા કરે. અલ્યા, પડી રહ્યા છે તેને તો પહેલાં બંધ કર, નહીં તો નિકાલ જ નહીં થાય !

આત્મા સિવાય બીજું બધું શું છે ? વ્યવહાર છે. એ વ્યવહાર પરાશ્રિત છે. તમારા હાથમાં આટલુંય નથી. લોકો પરાશ્રિતને સ્વાશ્રિત માને છે. એકે માન્યું, બીજાએ માન્યું એટલે પોતે પણ માની લીધું. પછી આ સંબંધી કશો વિચાર જ આવતો નથી. એક વખત રોગ પેઠો, પછી નીકળે કઈ રીતે ? પછી તો આ સંસારરોગ વધતો ‘ક્રોનિક’ થઈ ગયો. રોગ ‘ક્રોનિક’ થયો ન હતો, ત્યારે નીકળ્યો નહીં. તે હવે ‘ક્રોનિક’ થયા પછી શી રીતે નીકળે ? આ વિજ્ઞાન મળે તો છૂટે.

તમારે વ્યવહાર જેટલો હોય તે બધો પૂરો કરી રહ્યા, એટલે પછી તમારે વ્યવહારની બહુ મુશ્કેલી ના આવે. મહીં જેવી ભાવના થાય એ બધું આગળથી તૈયાર હોય ! ‘વિહાર લેક’ ફરવા ગયેલાં, ત્યાં મને નવો જ વિચાર આવ્યો કે આ સો જણ - પચાસ સ્ત્રીઓ ને પચાસ પુરુષો બધાં મળી માતાજીનો ગરબો ફરે તો કેવું સરસ ! તે આ વિચાર સાથે જ ફરીને આમ જોવા જાઉં, ત્યાં તો બધાં આમ ઊભાં થઈ ગયેલાં અને ગરબો ફરવા માંડ્યા ! હવે આને માટે મેં કોઈને કહેલું નહીં, તોય બન્યું ! એટલે આવું થાય છે ! તમારું વિચારેલું નકામું નહીં જાય, બોલવું નકામું નહીં જાય. અત્યારે તો લોકોનું કેવું જાય છે ? કશું ઊગતું જ નથી. વાણીય ઊગતી નથી, વિચારેય ઊગતા નથી ને વર્તનેય ઊગતું નથી. ત્રણ વખત ઉઘરાણી માટે ધક્કા ખાય તોય પેલો મળે નહીં ! પણ વખતે મળે ત્યારે પેલો દાંતિયાં કરતો હોય !!!

(પા.૧૨૧)

આમાં તો કેવું કે ઘેર બેઠાં પૈસા પાછા આપવા આવે એવો માર્ગ છે ! પાંચ-સાત વખત ઉઘરાણીના ધક્કા ખાધા હોય એ ના મળ્યો હોય ને છેલ્લે મળે ત્યારે એ કહે છે કે મહિના પછી આવજો. તે ઘડીએ તમારા પરિણામ બદલાય નહીં, તો ઘેર બેઠાં નાણું આવે !

તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ? ‘આ અક્કલ વગરનો છે, નાલાયક છે, ધક્કો માથે પડ્યો.’ આમતેમ એટલે તમારાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ ત્યારે પેલો તમને ગાળો દે. અમારાં પરિણામ બદલાય નહીં, પછી શી ચિંતા ? પરિણામ બદલાઈ જાય એટલે સામો બગડતો ના હોય તોય બગડે.

વાઘ હિંસક કે બિલીફ હિંસક ?

પ્રશ્નકર્તા : એનો અર્થ એ જ થાય કે આપણે બગાડીએ છીએ ?

દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડીએ છીએ. આપણને જેટલી અડચણો આવે છે, તે બધી આપણે જ બગાડેલી છે. કોઈ વાંકો હોય એને સુધારવાનો રસ્તો શો ? ત્યારે કહે કે સામો ગમે તેટલું દુઃખ દેતો હોય તોય એને માટે અવળો વિચાર સરખો ના આવે, એ એને સુધારવાનો રસ્તો ! આમાં આપણુંય સુધરે ને એનુંય સુધરે ! જગતના લોકોને અવળો વિચાર આવ્યા વગર રહે નહીં. ને આપણે તો ‘સમભાવે નિકાલ’ કરવાનું કહ્યું, ‘સમભાવે નિકાલ’ એટલે એને માટે કંઈ પણ વિચાર કરવાનો નહીં.

જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યોમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. એની અસર થાય છે. વાઘ ‘હિંસક છે’ એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને વાઘ ‘શુદ્ધાત્મા છે’ એવું ધ્યાન રહે તો, એ શુદ્ધાત્મા જ છે. બધું જ થઈ શકે તેમ છે.

આ બોલને ફેંક્યા પછી એની મેળે સ્વભાવથી જ પરિણામ બંધ થઈ જવાનાં. એ સહજ સ્વભાવ છે. ત્યાં જગત આખાની મહેનત નકામી ગઈ ! જગત પરિણામને બંધ કરવા જાય છે ને કોઝિઝ ચાલુ જ રહે છે ! એટલે પછી વડમાંથી જ બીજ ને બીજમાંથી વડ થયા જ કરે. પાંદડાં કાપ્યે કંઈ દડાહો

(પા.૧૨૨)

વળે નહીં. એ તો મૂળ સહિત કાઢી નાખીએ તો કામ થાય. આપણે તો એના ધોરી મૂળમાં જરાક દવા નાખી દઈએ એટલે આખું ઝાડ સુકાઈ જાય.

આ સંસાર વૃક્ષ કહેવાય છે. આ બાજુ કડવાં ફળ આવે, આ બાજુ મીઠાં ફળ આવે. તે પાછાં પોતાને જ ખાવાં પડે.

એક ફેર આંબા પર વાંદરાં આયાં હોય ને કેરીઓ તોડી નાખે, તો પેલાના પરિણામ ક્યાં સુધી બગડે ? પરિણામ એટલાં બધાં બગાડે કે આગળ-પાછળનો વિચાર કર્યા વગર બોલી નાખે કે, ‘આ આંબો કાપી નાખ્યો હોય તો જ ઠેકાણે પડે !’ હવે આ તો ભગવાનની સાક્ષીએ વાત નીકળેલી એ કંઈ નકામી જાય ? પરિણામ ના બગડે તો કશુંય નથી. બધું શાંત થઈ જાય. બંધ થઈ જાય !

ભાવ અને ઇચ્છાની ઉત્પત્તિ

પ્રશ્નકર્તા : ભાવ અને ઇચ્છામાં શો ફરક ?

દાદાશ્રી : આ જગતમાં લોકો દેખાય એને ભાવ કહે છે. ભાવ તો કોઈને દેખાય જ નહીં. પોતાનેય ખબર ના પડે કે શો ભાવ કર્યો ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી અમને ઘણા ભાવ થાય છે, તો તેનાથી કર્મ ‘ચાર્જ’ ના થાય ?

દાદાશ્રી : ભાવ તમને થાય જ શી રીતે ? ‘તમે’ ફરી પાછા ‘ચંદુભાઈ’ થઈ જાવ તો ભાવ થાય. તમે ‘ચંદુભાઈ’ થઈ જાવ ત્યારે અહંકાર હોય, ત્યાર પછી ભાવ થાય. ‘હું કર્તા છું’ એવું ભાન હોય તો જ ભાવ થાય.

પ્રશ્નકર્તા : અને આ જે ઇચ્છાઓ થાય છે તે કર્તાપણું નહીં ?

દાદાશ્રી : ના, હવે તમારી ઇચ્છા એ બધી આથમતી કહેવાય. ઇચ્છા તો મને હઉ થાય ! બાર વાગી ગયા હોય, તો હું પણ આમ રસોડામાં જાઉં તે તમે ના સમજી જાવ કે દાદાને કશી ઇચ્છા છે ! એ પણ આથમતી ઇચ્છા કહેવાય ! ઘડીવાર પછી એ બધી આથમી જવાની.

(પા.૧૨૩)

એ ઊગતી ઇચ્છા ના કહેવાય ! એ બધી નિકાલી બાબત કહેવાય.

પ્રશ્નકર્તા : કામ કરીએ અને વચ્ચે ઇચ્છા આવે તો તે દરેક વખતે કયો ‘ટેસ્ટ’ ‘એપ્લાય’ કરવાનો કે જેથી ખબર પડે કે આ ‘ડિસ્ચાર્જ’ ઇચ્છાઓ છે ને આ ‘ચાર્જ’ ઇચ્છાઓ છે ?

દાદાશ્રી : તમે ‘ચંદુલાલ’ થઈ જાવ તો જ ‘ચાર્જ’ થાય. આમાં ગૂંચાવાની કાંઈ જ જરૂર નથી. આ તો વિજ્ઞાન છે ! આપણું ‘અક્રમ વિજ્ઞાન’ કહે છે, સૈદ્ધાંતિક બોલજો કે ફરી ચૂંથાચૂંથ ના કરવું પડે. ફરી ચૂંથાચૂંથ કરવું પડે, એનો અર્થ શો ?

લોકોએ માની લીધું કે આત્માને ઇચ્છા થાય છે. પછી પાછો એમ કહે છે, મારી ઇચ્છા બંધ થઈ ગઈ. ઇચ્છા જો આત્માનો ગુણ હોય તો પછી કોઈનેય બંધ થાય જ નહીં ને ! આ તો વિશેષ પરિણામ છે ! છતાં આત્મા વીતરાગ રહ્યો છે ! લોકોને એની ખબર જ નથી. એ તો એમ જ કહે છે કે મારો આત્મા જ આવો બગડી ગયો છે, મારો આત્મા પાપી છે, રાગી-દ્વેષી છે. હવે કેટલાક લોકો આત્માને ચોખ્ખો જ કહે છે. એ પાછા બીજી રીતે માર ખાય છે, આત્મા ચોખ્ખો જ છે, એટલે કશું કરવાનું જ નથી. ત્યારે મંદિર શું કરવા જાય છે ? પુસ્તકો શું કરવા વાંચે છે ? હવે આ બંનેવ રખડી મર્યા છે. આત્મા તેવો નથી. આ બહુ જ ઝીણી વાત છે. તેથી તો બધાં શાસ્ત્રોએ કહ્યું કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા પોતે જ પરમાત્મા છે !!

રેકર્ડની ગાળોથી તમને રીસ ચઢે ?

પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયા પર છે અને પરાધીન છે, એટલે ‘વ્યવસ્થિત’ને આધીન થયું ને ?

દાદાશ્રી : હા, ‘વ્યવસ્થિત’ને આધીન છે. આત્માને આધીન નથી, એવું આપણે કહેવા માગીએ છીએ. ‘પર’ એટલે તારું નથી અને ‘પરાધીન’ એટલે તારા હાથમાં ખેલ નથી. તારું ધારેલું આમાં નહીં થાય.

કોઈએ ગાળ દીધી, તો એ પરાધીન છે. આપણે ‘રેકર્ડ’ છે એવું કહીએ છીએ, એનું શું કારણ કે સામાને ગાળ દેવાની શક્તિ જ નથી, એ

(પા.૧૨૪)

તો ‘વ્યવસ્થિત’ને તાબે છે ! એટલે આ ખરેખર ‘રેકર્ડ’ જ છે. અને એવું જાણો પછી આપણને શાને માટે રીસ ચઢે ? ‘રેકર્ડ’ બોલતી હોય કે ‘ચંદુલાલ ખરાબ છે, ચંદુલાલ ખરાબ છે.’ તો તેમાં આપણને રીસ ચઢે ? આ તો મનમાં એમ લાગે છે કે, આ ‘પેલો’ બોલ્યો એટલે રીસ ચઢે છે ! ખરેખર ‘પેલો’ બોલતો જ નથી. એ રેકર્ડ બોલે છે અને એ તો જે તમારું હોય તે જ તમને પાછું આપે છે.

કેવી સરસ કુદરતની ગોઠવણી છે ! આ બહુ જ સમજવા જેવું છે. અક્રમ વિજ્ઞાને તો બધા બહુ ફોડ પાડી દીધા છે. ‘વ્યવસ્થિત’ની તો આ નવી જ વાત છે !

અકર્મદશાનું વિજ્ઞાન

પ્રશ્નકર્તા : કોઈ પણ ખોટું કામ કરીએ, એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું.

દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ?

પ્રશ્નકર્તા : સારું ને ખોટું બેઉથી કર્મ બંધાયને ?

દાદાશ્રી : અરે ! અત્યારે હઉં તમે કર્મ બાંધી રહ્યા છો ! અત્યારે તમે બહુ ઊંચું પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારેય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : કંઈ પ્રવૃત્તિ તો કરતા જ હઈશું ને સારી અગર ખરાબ ?

દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છૂટ્યા હશે ? આ દેહ હોય તો કર્મ તો થયા જ કરવાનાં ! ખાવું પડે, સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ?

પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યાં હોય, એનાં ફળ પાછાં ભોગવવાં પડેને ?

દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ ભગવાન

(પા.૧૨૫)

મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશેને ? કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ?

પ્રશ્નકર્તા : હશે.

દાદાશ્રી : તમને એવી ઇચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે. એ વિજ્ઞાન જાણો એટલે છૂટો થાય !

કર્મ નડતાં નથી....

પ્રશ્નકર્તા : આપણાં કર્મનાં ફળને લીધે આ જન્મ મળે છે ને ?

દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મનાં ફળ ભોગવવાનાં છે ! અને એમાંથી નવાં કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગ-દ્વેષ ના કરે તો કશુંય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ. પણ રાગ-દ્વેષ કરે છે, તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ ! આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી. પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતા ના હોય તો જવાબદાર નથી ! આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને ચાલ્યા જાવ !

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં, અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !

વીતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતાં નથી. તારી અજ્ઞાનતા નડે છે ! દેહ છે ત્યાં સુધી કર્મ તો થયા જ કરવાનાં, પણ અજ્ઞાનતા જાય એટલે કર્મ બંધાતાં બંધ થઈ જાય !

(પા.૧૨૬)

[18]

‘સહજ’ પ્રકૃતિ

પ્રશ્નકર્તા : જ્ઞાનીઓની સહજ પ્રકૃતિ કોને કહેવાય ?

દાદાશ્રી : વિચાર આવે અને અસર ના કરે, તો પ્રકૃતિ સહજ કહેવાય.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ કેવી રીતે થાય અને ક્યારે થાય ?

દાદાશ્રી : ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. ‘દરઅસલ’ આત્મા તો સહજ છે જ, પણ પ્રકૃતિ સહજ થાય એટલે મોક્ષ થાય.

આ પુરુષો કરતાં સ્ત્રીઓ સહજ છે, અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળાં વધારે સહજ છે અને તેમનાં કરતાંય આ જાનવરો, પશુ-પંખીઓ બધાંય સહજ છે !

પ્રશ્નકર્તા : આ બધાંની સહજતા જ્ઞાનથી છે કે અજ્ઞાનતાથી છે ?

દાદાશ્રી : એમની સહજતા અજ્ઞાનતાથી છે. આ ગાયો-ભેંસોની સહજતા કેવી છે, ગાય કૂદંકૂદા કરે, શિંગડાં મારવા આવે, છતાંય એ સહજ છે. સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે ! પણ આ અજ્ઞાનતાથી સહજ છે !

આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે ! આ સહજ પ્રકૃતિમાં જેમ ‘મશીન’ મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના હિતાહિતનું ભાન કશુંય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો

(પા.૧૨૭)

હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો’કનું ખેતર દેખીને કો’કના ખેતરમાં પેસી જાય.

પ્રશ્નકર્તા : એમાં એ કંઈ ભાવ નથી કરતાં ને ?

દાદાશ્રી : એમને તો કંઈ ‘નિકાલ’ કરવાનો હોતો જ નથી ને ! એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે, તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે. અને આપણા લોકો તો......

પ્રશ્નકર્તા : મરતાં સુધી રાખે.

દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે બાબાની કાળજી છ મહિના સુધી રાખે. આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે.

એટલે સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઇંચ કૂદેય ખરો, ત્યારે આપણને એમ થાય કે ‘અલ્યા, પડ્યો પડ્યો.’ ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય !

‘અસહજ’ની ઓળખાણ

સહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી કશી ભાંજગડ નહીં.

જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય. ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. ‘આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.’ એમ ડખલ કરવા જાય કે અસહજ થાય.

શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તોય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક આવે, તેને સાડલો આપે, બીજું આપે. અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે ?

(પા.૧૨૮)

જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાંખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે ! તે ઉડાડી મેલે !

સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે અને તેવું ના કરે તોય (પ્રતિષ્ઠિત) આત્માની ડખલ ના હોય, તો તે સહજ છે !

આ ‘જ્ઞાન’ આપેલું હોય, તેને ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં, મહીં પોતે ડખલ કરે, છતાં પણ આ ‘જ્ઞાન’માં જ રહો, ‘આજ્ઞા’માં જ રહો, તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય, લોકોને સો ગાળો ભાંડતો હશે તોય એ પ્રકૃતિ સહજ છે, કારણ અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. ‘આપણી’ આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય !

ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં ‘આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.’ એનો કડાકૂટો ઠેઠ સુધી રહેવાનો !

સહજ  અસહજ  સહજ

હિન્દુસ્તાનના લોકો અસહજ છે, તેથી ચિંતા વધારે છે. ક્રોધ-માન- માયા-લોભ વધી ગયાં, એટલે ચિંતા વધી ગઈ. નહીં તો કોઈ મોક્ષે જાય એવા નથી. ને કહેશે, ‘અમારે મોક્ષે કંઈ આવવું નથી, અહીં બહુ સારું છે.’ આ ફોરેનના લોકોને કહીએ કે ‘હેંડો મોક્ષમાં.’ ત્યારે એ કહેશે, ‘ના, ના, અમારે મોક્ષની કંઈ જરૂર નથી !’

પ્રશ્નકર્તા : એટલે એમ થયું ને કે સહજતામાંથી અસહજતામાં જાય. એ પછી અસહજતા ‘ટોપ’ પર જાય. ત્યાર પછી મોક્ષ તરફ જાય?

દાદાશ્રી : અસહજતામાં ‘ટોપ’ પર જાય. ત્યાર પછી બળતરા પૂરી જુએ-અનુભવે, ત્યારે મોક્ષે જવાનું નક્કી કરે. બુદ્ધિ, આંતરિક બુદ્ધિ ખૂબ

(પા.૧૨૯)

વધવી જોઈએ. ફોરેનના લોકોને બાહ્ય બુદ્ધિ હોય, તે એકલું ભૌતિકનું જ દેખાડે. નિયમ કેવો છે, જેમ આંતરિક બુદ્ધિ વધે તેમ બીજા પલ્લામાં બળતરા ઊભી થાય !

પ્રશ્નકર્તા : ‘ટોપ’ પરની અસહજતામાં ગયા પછી સહજતામાં આવવા માટે શું કરે ?

દાદાશ્રી : પછી રસ્તો ખોળી કાઢે કે આમાં સુખ નથી. આ સ્ત્રીઓમાં સુખ નથી, છોકરાંમાં સુખ નથી. પૈસામાંય સુખ નથી. એવી એમની ભાવના ફરે ! આ ફોરેનના લોકો તો સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, એવું તો કોઈ બોલે જ નહીં ને ! એ તો પેલી બળતરા ઊભી થાય. ત્યારે કહે કે હવે અહીંથી ભાગો કે જ્યાં કંઈક મુક્ત થવાની જગ્યા છે. આપણા તીર્થંકરો મુક્ત થયેલા છે ત્યાં હેંડો, આપણને આ ના પોસાય.

પ્રશ્નકર્તા : એટલે તે વખતે એમનો ભાવ બદલાવો જોઈએ એમ ?

દાદાશ્રી : ભાવ બદલાય નહીં, તો ઉકેલ જ ના આવે ! આ દેરાસરમાં જાય, મહારાજ પાસે જાય, એ ભાવ બદલાયા સિવાય તો કોઈ જાય જ નહીં ને ?

આજે પબ્લિકમાં અસહજતા ઓછી થયેલી છે ત્યારે મોહ વધેલો છે. એટલે એને કશાની પડેલી જ હોતી નથી.

ચંચળતા એ જ અસહજતા છે. આ ફોરેનના લોક બાગમાં બેઠા હોય તો અરધા અરધા કલાક સુધી હાલ્યા-ચાલ્યા વગર બેસી રહે ! અને આપણા લોક ધર્મની જગ્યાએય પણ હાલાહાલ કરી મૂકે !!! કારણ આંતરિક ચંચળતા છે.

ફોરેનના લોકોની ચંચળતા પાઉં ને માખણમાં હોય અને આપણા લોકોની ચંચળતા સાત પેઢીની ચિંતામાં હોય !

(પ્રતિષ્ઠિત) આત્મા સહજ થાય, પછી દેહ સહજ થાય. પછી અમારા જેવું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય.

(પા.૧૩૦)

અપ્રયત્ન દશા

પ્રયાસમાત્રથી બધું ઊધું થાય. અપ્રયાસ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. સહજતા ચાલી જાય.

સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સવારે પથારીમાંથી ઊઠ્યા એટલે દાતણ કરો, ચા પીઓ, નાસ્તો કરો, એ બધું સહજભાવે થયા જ કરે છે. એમાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર વાપરવાં ના પડે. જેમાં આ બધાં વપરાય તેને અસહજ કહેવાય.

તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને સામો માણસ ભેગો થાય ને કહે કે, ‘લ્યો આ વસ્તુ.’ તો તે સહજભાવે મળ્યું કહેવાય.

સહજ એટલે અપ્રયત્ન દશા

પ્રશ્નકર્તા : મોક્ષ પણ સહજ રીતે આવતો હોય તો માણસે તેના માટે પ્રયત્ન કરવાની શી જરૂર ?

દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતો જ નથી. આ તો ખાલી અહંકાર કરે છે કે મેં પ્રયત્ન કર્યો !

પ્રશ્નકર્તા : આ હું અહીં આવ્યો, તે પ્રયત્ન કરીને આવ્યો ને ?

દાદાશ્રી : એ તો તમે એવું માનો છે કે હું આ પ્રયત્ન કરી રહ્યો છું, તમે સહજ રીતે જ અહીં આવ્યા છો. હું તે જાણું છું ને તમે તે જાણતા નથી. તમારું ‘ઇગોઈઝમ’ તમને દેખાડે છે કે ‘હું હતો તો થયું.’ ખરી રીતે બધી ક્રિયાઓ સ્વાભાવિક રીતે થઈ રહી હોય છે.

પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી એમ ?

દાદાશ્રી : કરવા જેવુંય કશું રહેતું નથી ને ના કરવા જેવુંય કશું રહેતું નથી. જગત જાણવા જેવું છે.

પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ?

દાદાશ્રી : ‘આ શું બને છે’ એ ‘જોયા’ કરવાનું ને ‘જાણ્યા’ કરવાનું.

(પા.૧૩૧)

પ્રકૃતિનું પૃથક્કરણ

પ્રશ્નકર્તા : પ્રકૃતિનું ‘એનાલિસીસ’ કઈ રીતે કરવું તે સમજાવો.

દાદાશ્રી : સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે, ‘જરાક નાસ્તો, ચેવડો કંઈક લાવજો.’ એ પણ ખબર પડે ને ? આવું આખો દહાડો પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું ‘એનાલિસીસ’ થઈ જાય. એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ ! આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે !

પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું. પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ?

દાદાશ્રી : એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું ? આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : છૂટા રહીને ‘જોવું’ એ જાતની પ્રેકટિસ કરવી પડે ?

દાદાશ્રી : એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે.

એટલે અમે એક રવિવારને દહાડે લગામ છોડી દેવાનો પ્રયોગ કરવાનો કહીએ છીએ. એનાથી આપણા મનમાં એમ થાય કે ‘આપણે આ લગામ ઝાલી છે, તો જ આ ચાલે છે.’ એ નીકળી જાય.

પ્રશ્નકર્તા : લગામ ઝાલી એમ કહ્યું, એટલે એ અહંકાર થયો ને?

દાદાશ્રી : હા, પણ એ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. અહંકારને આપણે જાણી લેવો જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે આ શેના આધારે ચાલે છે ? છતાં હજુ પાછો એનો ભાવ અવળો રહે છે કે મારે લીધે ચાલે છે ! એટલે આવો પ્રયોગ કરીએ ને, તો એ બધું બહાર નીકળી જાય !

(પા.૧૩૨)

આ તો છોકરો આપણને કહે, ‘હું તારો બાપ છું.’ તો તે ઘડીએ આપણને એમ હોય કે, ‘એ જ બોલે છે.’ તો આપણને રીસ ચઢે અને ક્યારે છોકરો ‘શું બોલશે ?’ તે કહેવાય નહીં. એટલે વાણી રેકર્ડ છે, તે બોલનારની એની શક્તિ નથી, આપણીય શક્તિ નથી. આ તો પારકી વસ્તુ ફેંકાઈ જાય છે, એવી જાગૃતિ રહેવી જોઈએ.

એવી રીતે આગળ વધતાં વધતાં તો કોઈ ‘ચંદુભાઈ’ની હું વાત કરું, તો તે ઘડીએ મને એ ‘શુદ્ધાત્મા’ છે એવો મહીં ખ્યાલ જ રહેવો જોઈએ. કોઈ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તેમાં ‘મંગળાદેવીએ આમ કર્યું ને મંગળાદેવીએ તેમ કર્યું.’ તો તે વખતે મંગળાદેવીનો આત્મા દેખાવો જોઈએ.

આ પ્રકારે જેટલું થાય એટલું કરવું. એવું નહીં કે આજે ને આજે જ પૂરું કરી લેવું. આમાં ‘ક્લાસ’ લાવવાનો નથી. પણ ‘પોસિબલ’ કરવું જ. ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમસ્વરૂપ થવાનું છે.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. ફૂલ ચઢાવે તોય વધે નહીં. વધે-ઘટે એ બધી આસક્તિ. જ્યારે વધે નહીં, ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ.

પ્રકૃતિ પર કંટ્રોલ કોણ કરે ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી. બાકી શુદ્ધાત્માભાવ બરોબર રહે છે.

દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસવાળાને સોંપી દેવું ! પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે, તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ? તમે માલિક નથી. તમે હવે ‘ચંદુલાલ’ નથી અને જે કરે છે તે બધું ‘વ્યવસ્થિત’ કરે છે. હવે તમે એમાં કેમનું કંટ્રોલ લાવશો ?

(પા.૧૩૩)

પ્રશ્નકર્તા : દોષો દેખાય છે તે જશે ને ?

દાદાશ્રી : જે દેખાવા માંડ્યા, એ તો ચાલ્યા જ ગયા જાણો ને ! જગતને પોતાના દોષ દેખાય જ નહીં. પારકાંના દોષ દેખાય. તમને પોતાના દોષ દેખાયા ને ?

પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે, પણ તે ટાળી શકાતા નથી.

દાદાશ્રી : ના એવું કશું ના કરતા. એવું આપણે નથી કરવાનું. આ વિજ્ઞાન છે. આ તો તમારે ‘ચંદુલાલ’ શું કરે છે, એ તમારે જોયા કરવાનું. બસ, આટલું જ તમારે કરવાનું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુલાલના ઉપરી તમે. ચંદુલાલ તો ‘વ્યવસ્થિત’ના તાબે છે. ‘વ્યવસ્થિત’ પ્રેરણા આપે ને ચંદુલાલ ભમરડાની પેઠે ફર્યા કરે ! અને ચંદુલાલની બહુ મોટી ભૂલ હોય ત્યારે તમારે કહેવાનું કે ‘ચંદુલાલ ! આવું કર્યે નહીં પોસાય.’ આટલું આપણે કહેવું !

પ્રકૃતિની પજવણી

પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે.

દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ? ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ?

પ્રશ્નકર્તા : આપે.

દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે ?

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા.

દાદાશ્રી : આપણને, એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું.

પ્રશ્નકર્તા : ‘આપણે’ ‘પાડોશી’ને ‘જોયા’ કરીએ અને તેને વાળીએ

(પા.૧૩૪)

નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ?

દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય નથી. એ ‘વ્યવસ્થિત’ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો ‘ધર્મ’ નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય !

પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન ‘સ્ટોપ’ થઈ જશે કે નહીં ?

દાદાશ્રી : થઈયે જાય ! ‘જ્ઞાની પુરુષ’ના કહ્યા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ’ તો ત્રણ લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ?

આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે.

‘અમે કેવળજ્ઞાન પ્યાસી,

દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી......’-નવનીત

આમને તૃષા શેની લાગી છે ?

કેવળજ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી. ત્યારે આપણે એને કહીએ, ‘મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર ?’ ત્યારે કહે, ‘એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય.’ તો ‘બાર આનીવાળાને ભગવાન દંડ કરતા હશે ?’ ત્યારે કહે, ‘ના, બા તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર.’

હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું’ કહે કે ડખો થાય !

(પા.૧૩૫)

‘જ્ઞાન’ ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે ‘ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.’ અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.

એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમક્તિબળ છે ! જબરજસ્ત સમક્તિબળ છે. તે રાત-દા’ડો નિરંતર કામ કર્યા જ કરે !!!

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ?

દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ?

દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ તે વખતે ‘જ્ઞાન’ પણ એટલું જ જોરદાર ચાલે છે.

દાદાશ્રી : હા, ‘જ્ઞાને’ય જોરદાર ચાલે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, એટલે મારંમાર, લડી કરીને પણ ઠેકાણે લાવી દે !

કરારોથી છૂટો

દાદાશ્રી : ‘હું કર્તા છું’ એવું તમને લાગે છે હવે ?

પ્રશ્નકર્તા : સ્વપ્નમાંય નહીં.

દાદાશ્રી : શું વાત કરો છો ? કર્તાપણું ગયું એટલે મમતા ગઈ, આપણી પોતાની મમતા ગઈ, પણ પહેલાના કરાર કરેલા તે સામાની મમતા હજુ છે ! સામા લોકો જોડે જે કરાર કરેલા, તે કરાર તો પૂરા કરવા પડશે ને ? ‘એ’ જો છોડી દો તો વાંધો નહીં, પણ હિસાબ ચૂકવ્યા સિવાય કોણ છોડી દે ?

આવો ‘રિયલ માર્ગ’ કો’ક ફેરો હોય છે. ત્યાં સંપૂર્ણ પદ પ્રાપ્ત

(પા.૧૩૬)

થાય ! ત્યાં સ્વતંત્રતા, સચ્ચી આઝાદી મળે ! ભગવાન પણ ઉપરી ના રહે, એવી આઝાદી પ્રાપ્ત થાય ! ! ભલે આ ‘ઓરત’ ઉપરી રહી હશે, તેનો વાંધો નથી, પણ ભગવાન તો ઉપરી ના જ રહેવા જોઈએ ! ‘ઓરત’ તો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઉપરી રહે, પણ ભગવાન તો કાયમને માટે ઉપરી થઈને બેસે ને ?

પ્રશ્નકર્તા : મોક્ષ ના થાય તો ફરી પાછું આવવું પડે ને ?

દાદાશ્રી : એ આવે તોય એક-બે અવતાર પૂરતું ! પણ મુખ્ય તો શું છે ? કે આપણા તરફના કરાર પૂરા થઈ જવા જોઈએ. એના તરફના કરાર ભલે રહ્યા હોય, એના તરફના કરાર એ પૂરા કરશે ! પણ આપણા તરફના બૈરાં-છોકરાં બધાંના હિસાબ તો ચૂકવવા પડશે ને ?

આપણો આ બધો કરારી માલ છે, એમાં તમારો શુદ્ધ ઉપયોગ જતો રહેતો નથી. એ માલ તો જેમ જેમ સમભાવે નિકાલ થતો જાય, તેમ તેમ તમારો સંયમ વધતો જાય. સંયમને જ પુરુષાર્થ કહ્યો છે. જેમ જેમ સંયમ વધતો જાય. તેમ તેમ તેનો નિકાલ પણ જલદી થતો જાય. ‘ઓટોમેટિક’ બધું થતું થતું ‘કેવળજ્ઞાન’ પર આવી જાય.

‘તમારે’ કશું કરવાનું નહીં. તમારે તો નક્કી કરવાનું કે ‘મારે દાદાની આજ્ઞા પાળવી છે.’ અને ના પળાય તોય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્રઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે, તો તેમની જોડે, દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે ‘મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે.’ પછી સમભાવે નિકાલ ના થાય, તો તમે જોખમદાર નથી તમે. તમે આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી ? તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે તેને સમજી લેવાનો છે !

(પા.૧૩૭)

[19]

દુઃખ દઈને મોક્ષે ના જવાય

પ્રશ્નકર્તા : મનુષ્ય તરીકે આપણો ધર્મ શો છે ?

દાદાશ્રી : કેમ કરીને આ જગતમાં આપણાં મન-વચન-કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. લોકોનો ધક્કો ખાઈએ, વાણીથી કોઈને સારી સમજણ આપીએ. બુદ્ધિથી સમજણ પાડીએ, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુઃખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાની એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તો બધા જીવની બાધા લેવી જોઈએ કે આ મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. આટલો જ ધર્મ સમજવાનો છે !

આ તો પૈણીને જાય એટલે સાસુ એને દુઃખ દે ને એ સાસુને દુઃખ દે. પછી નર્કગતિ બાંધે. સાસુયે સમજી જાય કે છોકરો ખોઈ નાખવો હોય તો પૈણાવવાનો !

તમારા ઓરિયા બધા પૂરા થયા કે ?

પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું.

દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ ના થાય એ રીતે. કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાંને સુખ આપીએ તો બધાં જવા દે. પાનચારો કરાવીએ તોય જવા દે, બીડી આપીએ તોય, છેવટે લવિંગનો દાણોય આપે

(પા.૧૩૮)

તોય જવા દે. લોક આશા રાખે કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના ? મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતાં દાખવતાં આપણે જવાનું.

પ્રશ્નકર્તા : લોકોને આશા હોય, પણ આપણે આશા રાખવાની શી જરૂર ?

દાદાશ્રી : આપણે આશા રાખવાની નહીં. આ તો એમને પાન-સોપારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું. નહીં તો આ લોકો તો ઊંધું બોલીને અટકાવશે. એટલે આપણે અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું. લોક મોક્ષે એમ ને એમ ના જવા દે. લોકો તો કહેશે, ‘અહીં શું દુઃખ છે તે ત્યાં હેંડ્યા ? અહીં અમારી જોડે મજા કરો ને ?’

પ્રશ્નકર્તા : પણ આપણે લોકોનું સાંભળીએ તો ને ?

દાદાશ્રી : સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય ને તમારે એક દિશા ખુલ્લી હોય. એટલે એમને શું? એ ઊંધું કરી શકે ને તમારાથી ઊંધું ના કરાય.

બધાંને રાજી રાખવાનાં. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને ‘કેમ છો સાહેબ ?’ કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ ‘ટેસી’વાળા છે ! તે પાછું તોફાન માંડે !

પ્રશ્નકર્તા : આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના પેસી જાય ?

દાદાશ્રી : એવી રીતે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળાને કેવી રીતે રાજી રાખો છો ? પોલીસવાળા પર રાગ બેસે છે તમને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : રાજી તેય બધાંને કંઈ રાખવાની જરૂર નથી. આપણા રસ્તામાં કોઈ આડો આવે ત્યારે એને સમજાવી પટાવીને કામ કાઢી લેવાનું

(પા.૧૩૯)

છે. આમને તો આડા આવતાં વાર ના લાગે. એમનો કોઈનો આપણને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે.

ફરજ બજાવો, પણ ચેતીને !

પ્રશ્નકર્તા : સર્વિસના હિસાબે કોઈની સાથે કષાયો થઈ જાય કે કરવા જ પડે તો, તેથી આત્માને કંઈ લાગે ખરું ?

દાદાશ્રી : ના, પણ પછી પસ્તાવો થાય ને ?

પ્રશ્નકર્તા : ફરજ બજાવવામાં કષાયો કરવા પડે તો શું કરવું ?

દાદાશ્રી : તમારી વાત બરાબર છે. એવો સંપૂર્ણ સંયમ ના હોય કે ફરજ બજાવતાંય પણ સંયમ રહે, છતાંય કોઈને બહુ દુઃખ થાય તો મનમાં એમ થવું જોઈએ કે બળ્યું, આપણા હાથે આવું ના થાય તો સારું.

પ્રશ્નકર્તા : પણ ફરજ તો બજાવવી જ જોઈએ ને ? આ પોલીસવાળા શું કરે ?

દાદાશ્રી : ફરજ બજાવવી જ પડે, એમાં ચાલે નહીં. એ તો પોલીસવાળાએ બે-ત્રણ ચોર ફરતા હોય તો પકડવા જ પડે, એમાં ચાલે નહીં. એ વ્યવહાર છે. પણ હવે એમાં બે ભાવ રહે છે, એક તો ફરજ બજાવતાં ક્રૂરતા ના રહેવી જોઈએ. ક્રૂરભાવ જે પહેલાં રહેતો હતો, તે હવે રહેવો ના જોઈએ. આપણો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) ના બગડે તેમ રાખવું. બાકી ફરજ તો બજાવવી જ પડે. ગુરખો હોય તેનેય બજાવવી પડે, અને બીજું મનમાં એમ પશ્ચાતાપ રહેવો જોઈએ કે આવું આપણે ભાગ ના આવે તો સારું !

(પા.૧૪૦)

[20]

અનાદિનો અધ્યાસ

પ્રશ્નકર્તા : અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે, ‘હું શુદ્ધાત્મા છું’ કે ‘ચંદુલાલ છું’ એની કંઈ જ સમજ પડતી નથી.

દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. ‘તમે’ ચંદુલાલેય છો ને ‘તમે’ ‘શુદ્ધાત્મા’ય છો ! ‘બાય રિલેટિવ વ્યુપોઇન્ટ’થી તમે ‘ચંદુલાલ’ ને ‘બાય રિયલ વ્યુ પોઈન્ટ’થી તમે ‘શુદ્ધાત્મા’ છો ! ‘રિલેટિવ’ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો ! વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે ! હવે ‘જ્ઞાન’ પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય.

સમજવામાં જરા ખામી આવે તો આવી કો’કવાર કો’કને ભૂલ થાય. બધાને થાય નહીં.

તમે ચંદુલાલ એકલા નથી. કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એના નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. કોઈ કંઈ કાયમનો નોકર નથી.

પ્રશ્નકર્તા : અતિક્રમણ એટલાં બધાં હોય છે કે એક પ્રસંગ પૂરો ના કર્યો હોય, ત્યાં બીજો તૈયાર હોય. ત્યાં આગળ પ્રતિક્રમણનો ઉપયોગ કરવા જતાં બીજો ફોર્સ એટલો બધો આવે છે કે એને ‘પેન્ડિંગ’માં રાખવું પડે છે.

દાદાશ્રી : એ તો ઢગલેબંધ આવે. ઢગલેબંધનો સમભાવે નિકાલ કરશો. ત્યાર પછી ધીમે ધીમે એ જોર ઓછું થશે. આ બધું પુદ્ગલ છે,

(પા.૧૪૧)

એટલે પુદ્ગલ શું કે પૂરણ જે કરેલું છે તે અત્યારે ગલન થાય છે, તેનો સમભાવે નિકાલ કરો.

એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આના સસરા પણ છીએ, પણ તે આપણે આપણી ‘લિમિટ’ જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું ? પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો. ત્યારે આપણે કહીએ ‘ના ભઈ, કાયમનો સસરો તો હોતો હશે ?’

આપણે તો ‘શુદ્ધાત્મા’ છીએ ને ‘ચંદુલાલ’ તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં, તોય જમણો હાથ થાળીમાં ઘાલી દે ! પણ ‘આ’ જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે. આત્મા એ જ જ્ઞાન છે. પણ પહેલાંની અજાગૃતિ આવે, એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય.

પ્રશ્નકર્તા : આ દીકરો મારો, આ દીકરી મારી એમ થાય, એને પાછું ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘આ તો ન હોય મારું, ન હોય મારું’ એમેય થાય.

દાદાશ્રી : મહીં ગુણાકાર થાય, તેના પાછા ભાગાકાર કરી નાખીએ. મહીં બધા જાત જાતના ‘કારકો’ છે. એક-બે જ નથી. આ તો બધી માયા છે. એટલે એ તો આપણને જાતજાતનું દેખાડે. આ બધાને આપણે ઓળખવા પડશે. આ આપણો હિતેચ્છુ છે, આ દુશ્મન છે, એમ બધાને ઓળખવા પડશે.

પ્રશ્નકર્તા : અમારે તો મહીં અવળી-હવળી બધી જ જમાતો ભેગી છે, આ તો રોજનું જ છે.

દાદાશ્રી : કોઈ પણ ભાવ આપણને મહીં ઉત્પન્ન થાય અને તેનો આમળો ચઢે તો ત્યાંથી છોડી દેવું બધું. આમળો ચઢે કે તરત બધું ઊંધે રસ્તે છે, એવી ખબર પડી જાય. જ્યાં હતા ત્યાંથી ‘હું શુદ્ધાત્મા છું’ કરીને ભાગી જવું. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા ઉત્પન્ન થઈ કે ‘આ આપણું સ્થાન ન હોય’ કરીને ભાગી જવું.

(પા.૧૪૨)

પ્રશ્નકર્તા : અહીં જ મારી ભૂલ થાય છે. આકુળતા-વ્યાકુળતા થાય ત્યારે હું ભાગી જતો નથી, પણ સામો બેસી રહું છું.

દાદાશ્રી : અત્યારે બેસવા જેવું નથી. આગળ ઉપર બેસજો. હજી શક્તિ બરાબર આવ્યા વગર બેસીએ તો માર ખાઈએ. ‘આપણો’ તો નિરાકુળતાનો પ્રદેશ ! જ્યાં કંઈ પણ આકુળતા-વ્યાકુળતા છે, ત્યાં કર્મ બંધાશે. નિરાકુળતાથી કર્મ બંધાય નહીં. વ્યાકુળ થઈને આ સંસારનો કંઈ પણ ફાયદો થવાનો નથી ને જે થશે એ તો ‘વ્યવસ્થિત’ છે, માટે નિરાકુળતામાં રહેવું. જ્યાં સુધી શુદ્ધ ઉપયોગ રહે, ત્યાં સુધી નિરાકુળતા રહે.

અમારે નાનપણમાં આવી બુદ્ધિ હતી. સામાને માટે ‘સ્પીડી’ અભિપ્રાય બાંધી દે. ગમે તેના માટે સ્પીડી અભિપ્રાય બાંધી દે. એટલે હું સમજી જાઉં કે તમારું આ બધું શું ચાલતું હશે ?

ખરી રીતે તો, કોઈનાય માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. કો’કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. કો’કને ને આપણને શું લેવાદેવા ? એ એનાં કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણાં કર્મ ભોગવી રહ્યા છીએ. સૌ સૌનાં કર્મ ભોગવી રહ્યાં છે. એમાં કોઈને લેવાદેવા જ નથી, કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : હવે અમારે અભિપ્રાય ક્યાં બંધાય છે, વ્યવહારમાં બંધાય છે. આ તો એવું બને કે મને ખબરે પણ ના હોય ને કહેશે, આ ચંદુલાલને કહ્યું છે, તમને ૫૦૦૦ રૂપિયા આપી ગયા ને ? ત્યારે મને ખબરેય ના હોય કે આ મારા નામે ખોટું બોલીને આવ્યો છે. એટલે પછી અભિપ્રાય પડે કે આ જૂઠો છે; ખોટો છે.

દાદાશ્રી : ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ગઈ કાલે આપણા ગજવામાંથી સો રૂપિયા એક માણસ લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી. પછી બીજે દહાડે એ આવે તો એના પર દેખતાંની સાથે શંકા કરવી એ ગુનો છે.

(પા.૧૪૩)

પ્રશ્નકર્તા : અને આ અભિપ્રાય રહે છે કે આ જૂઠો છે, તો એ ગુનો છે ?

દાદાશ્રી : શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે કે ગઈકાલે એનાં કર્મના ઉદયથી ચોર હતો ને આજે ના પણ હોય, આ તો બધું ઉદય પ્રમાણે છે.

પ્રશ્નકર્તા : પણ તો અમારે વર્તવું કેવી રીતે ? અમે જો અભિપ્રાય નથી રાખતા, તો એ પેંધી પડ્યો કે આ તો ઠીક છે, આ કંઈ બોલવાના નથી. માટે આપણે રોજ રોજ આક્ષેપો નાખતા જાવ.

દાદાશ્રી : નહીં, આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું. આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય. એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા.

પ્રશ્નકર્તા : એમ નથી, આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય, એને એમ કહેશે, ‘મેં ચંદુભાઈને કહ્યું છે, એમણે તમને પૈસા મોકલી આપ્યા છે.’ ત્યારે થાય કે હું તને મળ્યો નથી, તું મને મળ્યો નથી ને આટલું જૂઠું બોલે છે ? મારે આવું બને, ત્યાં હવે કેવી રીતે વર્તવું ?

દાદાશ્રી : હા, એવું બધું ખોટુંય બોલે, પણ એ બોલ્યો શાથી ? કેમ બીજાનું નામ ના દીધું ને ચંદુભાઈનું જ દે છે ? માટે આપણે કંઈક ગુનેગાર છીએ. આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે.

પ્રશ્નકર્તા : પણ અહીંયાં મારે વર્તવું કેમ ?

દાદાશ્રી : રાગ-દ્વેષથી આ સંસાર ઊભો થાય છે. આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે ? ત્યારે કહે કે કોઈનામાં ડખલ કરી કે રાગ-દ્વેષ ઊભો થયો. એ ઘરમાંથી ચોરી ગયો હોય છતાંય તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો. કારણ કે ‘આ ચોર છે’ એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. એનો

(પા.૧૪૪)

કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ?

અમે તો તમને કહીએ ને કે, ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત ‘આપણું’ બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય.

પ્રશ્નકર્તા : અરે દાદા, કૂતરું પેસી જશે, માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોય ફજેતો કરું !

દાદાશ્રી : આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. ‘જગત નિર્દોષ જ છે !’ એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે.

ભગવાને જગત નિર્દોષ જોયું, મને પણ કોઈ દોષિત દેખાતું નથી. ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી અને જગત નિર્દોષ જ છે. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે.

દાનેશ્વરી માણસ દાન આપે છે તેને એ કહે, ‘આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે ?’ ત્યારે ભગવાન કહે છે કે તું શું કરવા રાજી થાય છે ? એ એનાં કર્મના ઉદય ભોગવી રહ્યો છે. દાન લેનારાય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. તું વચ્ચે વગર કામનો શું કરવા ભાંજગડ કરે છે ? ચોરી કરનારા ચોરી કરે છે, એય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. જગત આખુંય પોતપોતાનાં કર્મને જ વેદે છે !

અમે તમને જ્યારથી જોયા, જ્યારથી ઓળખ્યા, ત્યારથી અમારો તો કોઈ દિવસ અભિપ્રાય ના બદલાય. પછી તમે આમ ફરો કે તેમ ફરો, એ

(પા.૧૪૫)

બધું તમારા કર્મના ઉદયને આધીન છે.

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. અને જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્રષ્ટિફેર છે !

પારકા દોષ દેખાય છે એ જ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે. કારણ કે આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પરસત્તાથી છે. પોતાનાં કર્મના આધારે છે. નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે ! એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે. નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે. અહીંનો ન્યાય તોલશે તો અહીંનો અહીં જ રહેશે.

(પા.૧૪૬)

[21]

ચીકણી ‘ફાઈલો’માં સમભાવ

પ્રશ્નકર્તા : સંસારમાં મોટામાં મોટું કાર્ય, આ ફાઈલોનો ‘સમભાવે નિકાલ’ કરવાનું, તે છે ને ?

દાદાશ્રી : હા, આ ‘ફાઈલો’ની જ ભાંજગડ છે. આ ‘ફાઈલો’થી જ તમે અટક્યા છો. આ ફાઈલોએ જ તમને આંતર્યા છે. બીજું કોઈ આંતરનાર નથી. બીજે બધે વીતરાગ જ છો તમે.

પ્રશ્નકર્તા : ભાવ ઘણો હોય છતાં સમભાવે નિકાલ ના થાય, તો શું કરવું ?

દાદાશ્રી : હા, તેવું બને પણ તેની જોખમદારી આપણી નથી. આપણે નક્કી એવું રાખવું જોઈએ કે ‘સમભાવે નિકાલ’ ના થાય તોય આપણે આપણો ‘સમભાવે નિકાલ’ કરવાનો ભાવ ફેરવવો નથી જ. મનમાં એવું ના થવું જોઈએ કે બળ્યું હવે નિકાલ નથી કરવો. મારે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે, એવો ભાવ આપણે છોડવો નહીં. ‘સમભાવે નિકાલ’ ના થાય, એ ‘વ્યવસ્થિત’ના તાબાની વાત છે.

પ્રશ્નકર્તા : આજે નિકાલ ના થાય તો, કાલે-પરમ દિવસે થાય જ ને ?

દાદાશ્રી : એંસી ટકા તો નિકાલ એની મેળે જ થઈ જાય. આ તો દસ-પંદર ટકા જ ના થાય. તેય પાછી બહુ ચીકણી હોય તેનું જ. તેમાંય આપણે ગુનેગાર નથી, ‘વ્યવસ્થિત’ ગુનેગાર છે. આપણે તો નક્કી જ કર્યું કે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે. આપણા બધા જ પ્રયત્નો ‘સમભાવે નિકાલ’ કરવાના હોવા જોઈએ.

(પા.૧૪૭)

અત્યારે તો દરેકને ચીકણી ફાઈલ હોય. ચીકણી ફાઈલ ના લાવ્યા હોય તો, જ્ઞાની પાસે કંઈ વર્ષોનાં વર્ષો બેસી રહેવાની જરૂર જ ના પડે.

પ્રશ્નકર્તા : દાદા, એવું કંઈક કરો કે ફટ દઈને ફાઈલો ઊડી જાય.

દાદાશ્રી : એવું છે કે આત્માની જે શક્તિ છે તે જ્યાં સુધી પ્રગટ ના થાય ત્યાં સુધી પૂર્ણકામ ના થાય. હવે હું કરી આપું તો તમારી શક્તિ પ્રગટ થયા વગરની રહે. પ્રગટ તો આપણે જ કરવી જોઈએ ને ? આવરણ તો તોડવું પડે ને ? અને આપણે નક્કી કર્યું કે આ ફાઈલોનો નિકાલ કરવો જ છે, ત્યારથી એ આવરણ તૂટશે. એમાં તમારે કશી મહેનત નથી. ખાલી તમારે તો એવો ભાવ જ કરવાનો છે. સામી ફાઈલ વાંકી થાય તોય આપણે તો ફાઈલનો ‘સમભાવે નિકાલ’ કરવો.

આપણે તો આત્માને નિરાલંબ કરવાનો છે. નિરાલંબ ના થાય તો અવલંબન રહી જાય અને અવલંબન રહે ત્યાં સુધી ‘એબ્સોલ્યુટ’ ના થાય ! નિરાલંબ આત્મા એ ‘એબ્સોલ્યુટ’ આત્મા છે. તો ત્યાં સુધી આપણે જવાનું છે. ભલે આ ભવમાં ના જવાય, તેનો વાંધો નથી. આવતે ભવે તો તેવું થઈ જ જવાનું છે, એટલે આ ભવમાં તો આપણે આજ્ઞા પાળીને ‘સમભાવે નિકાલ’ જ કરવાનો છે. એ મોટી આજ્ઞા છે અને ચીકણી ફાઈલ, તે કેટલી હોય ? તે કંઈ ઓછી બસેં-પાંચસે હોય છે ? બે-ચાર જ હોય અને ખરી મજા જ ચીકણી ફાઈલ હોય ત્યાં આવે ને !

પ્રશ્નકર્તા : ઘણી વખત ચીકણી ફાઈલનો નિકાલ કરતાં કરતાં ભારે પડી જાય, તાવ આવી જાય !

દાદાશ્રી : એ બધી નિર્બળતા નીકળી જાય છે. જેટલી નિર્બળતા નીકળી એટલું બળવાનપણું આપણામાં ઉત્પન્ન થાય. પહેલાં હતું, તેના કરતાં વધારે બળવાનપણું આપણને લાગે.

અમે એક ગામમાં ‘કંટ્રાક્ટ’ કરવા ગયા હતા. પુલ બાંધવાનો હતો, ૧૯૩૯ની સાલમાં. ત્યારે મારી ઊંમર ૩૦-૩૧ વર્ષની હતી. તે ગામનો વાણિયો આખો દા’ડો ધંધો કરે પણ રાત્રે જુગાર રમી આવે ને પૈસા બગાડે. રાત્રે વાણિયો મોડો આવે એટલે તેની વહુ છે તે એને સારો કરીને મારે.

(પા.૧૪૮)

તે ગામના લોકો અમને કહેવા આવ્યા કે, ‘હેંડો શેઠ, ત્યાં જોયા જેવું છે.’ મેં કહ્યું, ‘અલ્યા, શું જોયા જેવું છે ?’ ત્યારે એ લોકો કહે, ‘તમે ચાલો તો ખરા.’ તે અમે ત્યાં ગયા. ત્યાં તો બારણું અંદરથી વાસેલું જોયું. અંદર એની બાયડી લાકડી આમ મારતી હશે ત્યારે વાણિયો શું કહે, ‘લે લેતી જા, લે લેતી જા, લે લેતી જા !!!’ આ તો ખરું ! આ નવું શાસ્ત્ર ભણ્યા આપણે !! ત્યારે ગામડાવાળા મને કહે કે બઈ રોજ આને આમ મારે છે ને શેઠિયો શું બોલે છે કે લે લેતી જા !! આ શેઠેય છે ને અક્કલવાળો ! આ તો દુનિયા છે. દુનિયામાં જાત જાતના રંગ હોય ! વાણિયાએ આબરૂ રાખી ને ? આપણે તો એવી આબરૂ રાખવાની નથી, આપણે તો આબરૂ રહેલી જ છે. આપણે તો ફક્ત ‘સમભાવે નિકાલ’ કરવાનો છે.

એક વકીલ તો એના અસીલને કહે કે, ‘તમે અહીંથી જાવ છો કે નહીં ? નહીં તો તમને કૂતરું કૈડાવીશ !’ આનું નામ વકીલ, L L. B. !! હવે અસીલેય એવા બધા.

ઠામ-ઠેકાણાં વગરની આ દુનિયા છે. અમે આને પોલમ્પોલ કહીએ છીએ. ગુનેગાર છટકી જાય ને બિનગુનેગાર પકડાઈ જાય ! આને પોલમ્પોલ ના કહેવાય, તો શું કહેવાય ? આ જગતના વ્યવહારથી જગત પોલમ્પોલ છે અને કુદરતના નિયમથી જગત બિલકુલ કાયદેસર છે. લોકોને આનો હિસાબ ગણતાં નથી આવડતો. આ દેખાય છે તે હિસાબ આવ્યો ? ના, ના. આ કુદરત કહે છે, પહેલાંનો હિસાબ હતો તે આ આવ્યો અને હવે આનો હિસાબ તો પછી આવશે. માટે આપણે ભૂલ ભોગવી લેવાની. જે અત્યારે દુઃખ ભોગવતો હોય એ એની પોતાની જ ભૂલ છે, બીજા કોઈની ભૂલ નથી.

પ્રશ્નકર્તા : આ ‘ચીકણી ફાઈલો’ છે તેય આપણી જ ભૂલને ?

દાદાશ્રી : હા, એને આપણે જ ચીકણી કરી છે, માટે આપણે એની ચીકાશ કાઢવાની છે અને ભોળા માણસની બધી ફાઈલો ભોળી હોય.

પ્રશ્નકર્તા : ચીકણી ફાઈલોવાળા લુચ્ચા હોય ?

દાદાશ્રી : ના, એમને લુચ્ચા ના કહેવાય. અહંકારે કરીને ચીકણું

(પા.૧૪૯)

કર કર કર્યા કરે. અને ભોળા માણસ ‘સારું ત્યારે’ કહીને છોડી દે. એને અહમ્ની કશી જ પડેલી ના હોય.

વાણીમાં મધુરતા, ‘કૉઝિઝ’નું પરિણામ

દોષ જ બધા વાણીના છે. વાણી સુધરે નહીં, મીઠી ના થાય તો આગળ ફળે નહીં. દેહના દોષ તો ઠીક છે, એને ભગવાને ‘લેટ ગો’ કર્યા. પણ વાણી તો બીજાને વાગે ને ?

વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે કોઈ ‘ફ્રુટ’ને સરખાવી ના શકાય, એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગડે છે ! આય વાણી છે ને તીર્થંકર સાહેબોનીય વાણી છે!!!

પ્રશ્નકર્તા : ભાવ એવા કર્યા હોય કે આવી સ્યાદ્વાદ વાણી પ્રાપ્ત હો, આવી મધુરી વાણી પ્રાપ્ત હો તો તે ભાવ જ એવી વાણીની રેકર્ડ કાઢે ને ?

દાદાશ્રી : ના, એવું નહીં. વાણી તો આપણે ભાવથી એવી માંગણી દરરોજ કરવાની કે મારી વાણીથી કોઈને પણ દુઃખ ના હો અને સુખ હો. પણ એકલી માંગણી જ કરવાથી કશું ના વળે. એવી વાણી ઉત્પન્ન થાય, એનાં ‘કૉઝિઝ’ કરવાનાં. તેથી તેવું ફળ આવે. વાણી એ ફળ છે. સુખ દેવાવાળી વાણી નીકળે, એટલે એ મીઠી થતી જાય અને દુઃખ દેવાવાળી વાણી કડવી થતી જાય. પછી પાડા બોંગડે ને એ બોંગડે, બેઉ સરખું લાગે !

મશ્કરીથી વચનબળ તૂટે !

પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે, પણ મશ્કરી કરી તેમાં શો વાંધો છે ?

(પા.૧૫૦)

દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન કરો તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે, પણ એ તો ભગવાન છે ! ‘આફટર ઓલ’ એ શું છે, એ તપાસ કરી લો. ‘આફટર ઓલ’ તો ભગવાન જ છે ને ?

મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાન-કારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ? આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય.

પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ, તો શો વાંધો ?

દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને ?

કોઈ ભગવાન આમ આમ ચાલતા હોય એને આપણાં લોકો હસે. અલ્યા, શું મશ્કરી કરે છે ? મહીં ભગવાન સમજી ગયા બધું ! ભગવાનની આવી દશા થઈ, તેની પર તું મશ્કરી કરું છું એમ ? તારી દશાય એવી થશે ! આવો નિયમ જ છે ! માટે આ દશાઓ સાચવો.

પ્રશ્નકર્તા : મારાથી તો મોટાની મશ્કરી થઈ જાય છે.

દાદાશ્રી : એવું છે કે તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠ-દસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. તમને તો બહુ ઝપાટાબંધ જતી રહેશે.

છતાંય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારેય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ? પણ એમાં નિર્દોષતા જ હોય !

(પા.૧૫૧)

જ્ઞાનીની Flexibility

પ્રશ્નકર્તા : રમકડાં જેવાં નાનાં નાગોડિયાં છોકરાં જોડે તમને ફાવે છે કેમનું ?

દાદાશ્રી : અમે ‘કાઉન્ટર પુલી’ઓના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે ‘કાઉન્ટર પુલી’ ગોઠવી દેવાની. એટલે આવું બાળક આવે ને મને ‘જે, જે’ કરે, તો મારે એની જોડે વાતચીત કરવી પડે. અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે.

પ્રશ્નકર્તા : આપની સમકક્ષાનું આવે તો શું કરો ?

દાદાશ્રી : આની સમકક્ષા હોતી જ નથી. આ અજોડ પદ ગણાય છે. શાસ્ત્રકારોએ જ આને અજોડ કહ્યું છે.

અમને ટ્રેનમાં કોઈ મળે ને અમે ‘જ્ઞાની’ છીએ એમ એ જાણતો ના હોય, તોય અમે પુલી ગોઠવી દઈએ, અમે પેસેન્જર છીએ એવી.

અમારી સમકક્ષાનો આવે તો તો હું એનો શિષ્ય થઈ જાઉં. અમે તો પહેલેથી નક્કી કરેલું છે કે દરેકના શિષ્ય થઈ જવું. એટલે એને અડચણ ના પડે. જે શિષ્ય થાય તે જ પોતાનો ગુરુ થશે, માટે ચેતીને ચાલજો. માટે ગુરુપણું કરી બેસશો નહીં. અને પેલાના શિષ્ય થઈએ તો અમને શું ફાયદો થાય ? અમે પેલાના જ ગુરુ થઈ બેઠા હોઈએ ! અડચણ આવે તો પૂછવા આવવું પડે !

પ્રશ્નકર્તા : એ બેઠું નહીં, દાદા.

દાદાશ્રી : અમે શિષ્ય થયા એટલે સંબંધ બંધાયો. એટલે ફરી એ અમારી પાસે શિષ્ય થઈને આવશે. અમે શિષ્ય ન થયા હોત તો એ અમારી પાસે આવત નહીં અને લાભ ઉઠાવે નહીં.

સંસાર - પારસ્પરિક સંબંધો

વ્યવહારના સંબંધો ચ્યુત સ્વભાવના છે અને તમે અચ્યુત છો.

(પા.૧૫૨)

સંસારના સંબંધો ક્યારે ફસકી જાય, તે શું કહેવાય ?

પ્રશ્નકર્તા : એવા જ છે. એવું તો અનુભવમાં આવી ગયું.

દાદાશ્રી : તારે હઉ અનુભવમાં આવી ગયું ? તારાં મમ્મી હઉં ચ્યુત સ્વભાવનાં છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : સહુ કોઈ સાથે ચ્યુત થનારો સંબંધ છે પણ એ તો મનમાં આપણે સમજવાનું, વ્યવહારમાં તો એવું બોલવાનું, ‘મમ્મી, મને તારા વગર ગમતું નથી !’

મમ્મીય બોલે, ‘બાબા, મને તારા વગર ગમતું નથી !’ અને મહીં જાણે કે, આ ચ્યુત સ્વભાવના છે. આ બધું ‘ડ્રામેટિક’ છે. તમે મહીં ‘હું શુદ્ધાત્મા છું’ એમ જાણો ને આ ‘ચંદુભાઈ’ના નામનું નાટક ભજવવાનું. આ ડ્રામામાં રાગ-દ્વેષ ના હોય. ડ્રામામાં મારામાર કરે, વઢંવઢા કરે, પણ મહીં રાગ-દ્વેષ ના હોય. આ ડ્રામા જે ચાલી રહ્યો છે, એ તો તું ‘રિહર્સલ’ કરીને જ આવેલો છે. તેથી તો અમે ‘વ્યવસ્થિત’ છે એમ કહીએ છીએ, નહીં તો ક્યારનોય આ બધું ફેરવી ના નાખે ?

આ દુનિયામાં ડ્રામા કરવાને બદલે લોકો કલેક્ટરની જગ્યા મળી હોય તો તે ઘેર પાંસરો બેઠો હોય, પણ ઑફિસની ખુરશીમાં તો આડો થઈ જાય. ઘેર આપણે જઈએ તો, ‘આવો, બેસો કરે’ ને ખુરશીમાં હોય તો ઊંચું જુએ પણ નહીં ! ‘શું આ ખુરશી તને કૈડે છે ?’ એ તને ગાંડપણ વળગાડે છે ? ‘હું છું, હું છું’ કરે. ‘અલ્યા, શેમાં છે તું ?’ ઘેર તો તને વહુ ટૈડકાવે છે !

કંઈક તો સમજવું જોઈએ ને ? બધા જોડે પારસ્પારિક સંબંધ છે. જગત એટલે શું ? પરસ્પર સદ્ભાવના ! કલેક્ટર હોય કે પછી નોકર હોય, પણ પરસ્પર સદ્ભાવના હોવી જોઈએ અને ‘હેલ્પિંગ નેચર’ હોવો જોઈએ, ‘ઓબ્લાઈજિંગ’ નેચર હોવો જોઈએ !

(પા.૧૫૩)

[22]

તમને દુઃખ છે જ ક્યાં ?

આ સંસારમાં તમને દુઃખ છે જ ક્યાં ? દુઃખ તો દવાખાનામાં છે, જ્યાં પગ ઊંચો બાંધેલો છે ! ભયંકર દાઝેલા છે, તેમને દુઃખ છે. તમને દુઃખ જ શું પડ્યું છે ? અમથા બૂમાબૂમ કરો છો, વગર કામનાં !! આમને તો છ-છ મહિનાની જેલમાં ઘાલી દેવા જોઈએ ! તમે સારી વસ્તુને ખરાબ કહો છો, તો ખરાબને શું કહેશો ? દવાખાનામાં જ્યાં દુઃખ છે તેને દુઃખ કહો ને દુઃખ નથી તેને દુઃખ કેમ કહેવાય ? અમે અમારી જિંદગીમાં ક્યારેય પણ દુઃખ છે એવું બોલ્યા નથી. આવું તો બોલાતું હશે? આપણે શું મૂરખ માણસ છીએ ? બે આની, ચાર આની, આઠ આની, બાર આની, બધું જ સરખું ?

દુઃખ તો દવાખાનાવાળાને છે. આ બંગલાઓમાં, પલંગમાં સૂતા છે, તેમને નથી. પગ ઊંચા બાંધેલા હોય, દાઝેલા હોય તેમને તમે જોઈ આવો તો પોતાને દુઃખ નથી એવો ભાસ થાય. કુદરતને માટે પોતાને આનંદ થાય કે ઓહોહો ! કુદરતે કેવી સરસ ‘પ્લેસ’ મને આપી છે ? આ તો લોકોને ભાન જ નથી ને ? આ તો સારાને વગોવ્યો ને નબળાનેય વગોવ્યો ! વગોવણું કરવું એ જ ધંધો છે. આને માણસાઈ કેમ કહેવાય ? કોને તકલીફ કહેવી, એની લિમિટ હોવી જોઈએ કે નહીં ? ‘આજે મને ભૂખ ના લાગી, આજે મને આ તકલીફ. આ તે કેવી ‘મેડનેસ ?’

કેટલાક લોકો, મારા પગે ફ્રેકચર થયેલું ત્યારે પગે વજન લટકાવેલું જોઈને કહે, ‘તમને ભગવાને આવું શા માટે દુઃખ આપ્યું હશે ? હવે ભગવાન છે જ નહીં !’

અલ્યા, ભઈ, મને ક્યાં દુઃખ આપ્યું છે ? એ તો તમને એવું લાગે

(પા.૧૫૪)

છે. દુઃખ આને કહેવાય નહીં, દુઃખ તો અહીં કાણું પાડીને ખાવાનું હોય, અહીં કાણું પાડીને પેશાબ કરવાનો હોય, એને દુઃખ કહેવાય. આ નાના બાબાઓ હોય, તેમને બહુ દુઃખ હોય બિચારાઓને. એને દુઃખ થાય ત્યારે રડે ખરો પણ બોલે નહીં કે મને આ દુઃખે છે ! અને આ અક્કરમીઓ ખાતી વખતે નવ રોટલી ખાઈ જાય ને કહેશે કે હું દુઃખી છું ! શું કહેવાય આ લોકોને ? દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ? અને સુખની વ્યાખ્યાય હોવી જોઈએ કે સુખ કોને કહેવાય ?

સંસારમાં સુખ અપાર છે પણ લોકોથી ભોગવાતું નથી ! કેવાં સુખો છે ! દૂધપાકેય જોડે મળે ને માલપૂડાય મળે, પાછા ચોખ્ખા ઘીના ! ઘારી મળે, દાળ, ભાત, શાક મળે તોય પણ આ દુઃખી ! આ મનુષ્ય સિવાય બીજાં જાનવરોને પૂછી આવો જોઈએ, ‘દુઃખ છે ?’ એવું મનુષ્યમાંય હલકી કોમમાં પૂછી આવો જોઈએ ?

પ્રશ્નકર્તા : પણ તમે તો કહો છો કે ઘારી ખાવાની ને પાછું એમાં તન્મય નહીં થવાનું.

દાદાશ્રી : એ તમારી લાઈનની વાત છે. તમને જેવું રાજ કરતાં આવડે એવું રાજ કરો ! કેવાં સુખો સામે આવીને ઊભાં રહ્યાં છે, ત્યારે દુઃખ ગા ગા કર્યા કરે છે !

આ જગતમાં કોઈ કાળે કાંણ કરવા જેવું જ નથી. ફક્ત વીસ-એકવીસ વર્ષની જુવાન છોકરી હોય ને એને કંઈ છૈયું-છોકરું ના હોય ને તે વિધવા થઈ હોય તો તેની કાંણ કરવા જેવી ખરી. કાંણ એટલે ક્લેશ કરવા જેવી તો કોઈ વસ્તુ જ નથી જગતમાં ! તોય આખો દહાડો ક્લેશ, ક્લેશ ને ક્લેશ ! અલ્યા, શું ભણ્યા ? તમે કેવું ભણ્યા છો ? આનું નામ ભણતર જ ના કહેવાય ને ? ‘થીયરી’ ઑફ ‘રિલેટિવિટી’ સમજવી જોઈએ ને ?

સાસુઓને પૂછે ત્યારે કહેશે, ‘મારી વહુ ખરાબ છે.’ તેમ બધી વહુઓને પૂછે, ત્યારે કહેશે કે ‘મારી સાસુ ખરાબ છે !’ અલ્યા, એવું કેમ કરીને બની શકે ? બધી વહુઓ, બધી સાસુઓ ખરાબ છે ?

આ જાનવરોય અમુક હદનાં દુઃખોને ‘રિસ્પોન્સ’ આપતાં નથી અને

(પા.૧૫૫)

મનુષ્યો રિસ્પોન્સ આપી દે છે, એટલી બધી ‘ફૂલિશનેસ’ છે !

આ લોકોનું દ્રષ્ટિબિંદુ ૧૦૦ ટકા રોંગ છે.

પ્રશ્નકર્તા : બધાય ૧૦૦ ટકા રોંગ હોય, તે કઈ રીતે કહેવાય ?

દાદાશ્રી : ઉઘાડી આંખે અંધા છે. ઉઘાડી આંખે અંધા એટલે પોતાના હિતાહિતનું ભાન નથી. હું શું બોલું તો હિત ને શું કરું તો હિત, હું શું જાણું તો હિત, એની ખબર જ નથી. જેમાં ને તેમાં નકલો કરવામાં શૂરા થઈ ગયા છે ! બધું બદલાઈ ગયું છે. આપણા હિન્દુસ્તાનના લોક તો કોઈની નકલ કરે જ નહીં. અસલમાં તો આપણા ઉપરથી જગતે નકલો કરેલી. આ મોડર્ન જમાનો આવ્યો છે, તેનો મને વાંધો નથી. હું જાણું છું કે આ યુગ છે, તે આ યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું યુગથી છૂટો રહું નહીં. પણ આ હિત કર્યું કે અહિત કર્યું તે હું જાણું. આ લોકોએ સંપૂર્ણ અહિત કર્યું છે.

મને ગમે તેટલો તાવ આવે પણ ઘરનાંએ ક્યારેય કોઈએ જાણ્યું નથી. એમાં શું જણાવવાનું ? આ લોક તાવવાળા નથી ? આમને શું જણાવવાનું ? આ તો પાછા ભૂલી જશે બિચારાં ! ‘હું તો અનંત શક્તિવાળો છું.’ મારે વળી આ લોકોને શું જણાવવાનું ?

આ લોકો તો ‘તાવ છે, તાવ છે’ કરીને પાછા પેલું થર્મોમીટર લાવીને મૂકે ! ૧૦૦૦, ૧૦૧૦, ૧૦૨૦ એમ ગણ્યા કરે ! અલ્યા, આ તો તાવ જાણવાનું સાધન છે. સાધ્ય વસ્તુ નથી !

મને દુઃખ છે એમ કહો છો ? દુઃખ તો હતું ‘રિલેટિવ’માં, એ ‘રિયલ’માં હતું નહીં. એ આરોપિત હતું. જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે ‘રોંગ બિલીફ’થી ! ૨૫ ટકા હતું, તેને તમે બોલ્યા કે ‘મને આ દુઃખ થયું છે’ એવું બોલ્યા કે એ ૧૦૦ ટકા થઈ ગયું !

પ્રશ્નકર્તા : હું શરીરની જોડે ભેગો થઈ ગયો. એટલે મને ૨૫ ટકા ને બદલે ૧૦૦ ટકા દુઃખ લાગી જાય છે.

દાદાશ્રી : જગત આખું ‘હું જ ચંદુલાલ છું’ એવું જ જાણે છે. આ

(પા.૧૫૬)

તો આવો જુદો વ્યવહાર, હવે તમે શીખ્યા !

પ્રશ્નકર્તા : પણ હવે ‘ચંદુલાલને દુઃખ છે’ કહીએ તો દુઃખ ૨૫ ટકાનું ૨૫ ટકા જ રહે ને ?

દાદાશ્રી : હા, પછી વધે નહીં. નહીં તો ૧૦૦ ટકા થઈ જાય. આ તો લોકોને ભાન જ નથી. તે દુઃખોને ઊલટાં વધારી નાખે છે. પોતાનાં દુઃખોનું વર્ણન કરીને દુઃખોને ઊલટાં વધારી નાખે છે !

લોકો ચિંતા કર્યા કરે છે ને ? આ ચિંતા કરવાનીય હદ હોય. બધાં કંઈ ‘જ્ઞાની’ હોતાં નથી કે જેમને ચિંતા ના જ થાય. એટલે એનો કંઈ નિયમ હોય કે ના હોય ? ક્યાં સુધી ચિંતા કરવી ? ચિંતા એટલે ચિંતવન કર્યા કરવું કે હવે શું કરીશું ?

આ તો ભગવાન વગોવાય, કુદરત વગોવાય ! પછી ન્યાય જેવું રહ્યું જ ક્યાં ?

અઢી વર્ષનો બાબો, નાનો બાબો મરી ગયો હોય તોય રડે ને બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો હોય તોય રડે, ને પાંસઠ વર્ષનો ઘૈડો મરી જાય તોય રડે ! ત્યારે તને આમાં સમજણ શી પડી ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું, એ સમજતો જ નથી !

પ્રશ્નકર્તા : આ રીતે બુદ્ધિનો ઉપયોગ તો કોઈ દહાડો થયો જ નથી.

દાદાશ્રી : એ નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? મનુષ્યોને, જનાવરોને સુખ જ છે. મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું એટલું જ છે.

આ વાત બધા માનસશાસ્ત્રીઓને આપવાની છે. આનાથીય આગળની વાત છે. આ ‘પરપોટો’ ફૂટે નહીં, ત્યાં સુધી કામ નીકળશે. ફૂટી ગયો તો ખલાસ થઈ ગયું !!!

સહી વિના મરણાંય નથી

જાત્રામાં જવાના હતા, ચાર વાગે ગાડીમાં બેસવાના હતા, તે બધા

(પા.૧૫૭)

ચાર-ચાર મહિના અગાઉથી જાણતા હતા ને ? અને મરતી વખતે કેમ નથી કહેતા કે મારે જવું છે ? એ તો ઠેઠ સુધી એમ કહે નહીં. મનમાં આશા જ રાખે કે હજી કંઈક દવા એવી આવશે ને તાલ બેસી જશે ! અને રાત્રે પાછું મહીં બહુ દુઃખ પડે ત્યારે પાછો એ જ કહે કે આનાં કરતાં છૂટાય તો સારું ! આ મરવાનું છે, તેય સહી કર્યા વગર નથી આવતું !!! આ ઇન્કમટેક્સવાળા દરેક બાબતમાં સહી પહેલી કરાવડાવે છે. તેમ આ મરવામાંય સહી પહેલી થાય પછી જ મરાય !

પ્રશ્નકર્તા : સહી ના કરે તો મોત નહીં આવે ને ?

દાદાશ્રી : સહી ના કરે તો મોત ના આવે. આ બધાં સહી કરી આપતાં હશે કે નહીં ?

પ્રશ્નકર્તા : એક્સિડંટથી જે મરી જાય, તે તો ક્યાંથી સહી કરે ?

દાદાશ્રી : એય સહી કરેલી હોય. સહી કર્યા વગર તો કોઈ દહાડો મરાય જ નહીં. એ વગર તો મરવાનો અધિકાર જ નહીં. મરણ તો તમારી માલિકીનું છે, એમાં બીજા કોઈની ડખલ હોય નહીં. અને એક વાર તમારી સહી થઈ ગઈ પછી તમારું ના ચાલે.

પ્રશ્નકર્તા : આ ભવમાં સહી કરેલી કે ગયા ભવમાં ?

દાદાશ્રી : આ ભવમાં જ સહી કરી આપેલી હોય. ગયા ભવમાં તો એનું યોજનારૂપે હોય, પણ રૂપકમાં આ ભવમાં જ આવે.

હું અને મારા મામાના દીકરા રાવજીભાઈ એક દા’ડો બહાર સૂતા હતા. અંદરથી મારા બા બોલ્યાં, ‘હે ભગવાન ! હવે છૂટાય તો સારું !’ મેં રાવજીભાઈને કહ્યું, ‘જુઓ, આ બાએ સહી કરી આપી !’ કારણ કે મહીં દુઃખ થાય તે સહન ના થાય ત્યારે માણસ ભાવ કરી નાખે કે બળ્યું, છૂટાય તો સારું. તે સહી કરી આપે.

પ્રશ્નકર્તા : બેભાનમાં સહી કરી આપી.

દાદાશ્રી : બેભાનમાં નહીં, ભાનમાં સહી કરી આપે. પછી બીજે

(પા.૧૫૮)

દહાડે સવારમાં પૂછીએ કે ‘તમારે અહીંથી જવાનો વિચાર થયો છે કે શું ? ત્યારે કહે, ‘ના બા, મારું શરીર સારું છે.’

પ્રશ્નકર્તા : જન્મીને તરત મરી જાય છે તે શું ?

દાદાશ્રી : એ બધાના ભાવ તો અંદર થઈ જ જાય, મહીં એનો હિસાબ થઈ જ જાય. હિસાબ થયા વગર કશું આ મરણ ના આવે. ઓચિંતુ કશું આવતું નથી. બધાં ‘ઇન્સિડન્ટ’ છે, ‘એક્સિડન્ટ’ હોતાં નથી.

‘હાર્ટ એટેક’ આવે ત્યારે બહુ દુઃખાવો થાય છે, તે ઘડીએ આ છૂટાય તો સારું એવો એક સહેજ ભાવ થઈ જાય છે અને પછી મહીં જરા શાંત પડે એટલે બોલે, ‘ડૉક્ટર મને મટાડજો, હો ! ડૉક્ટર મને મટાડજો !’ અરે, પણ સહી કરી આપીને ત્યાં આગળ તો ? મરણ પહેલાં કેમ વિચારતો નથી.

‘મારે કાલે અમદાવાદ જવું છે’ એવું નક્કી કરે છે અથવા તો ‘મારે જાત્રાએ જવું છે’ એવું ચાર મહિના પહેલાંથી જ નક્કી કરે છે, પણ આ મરણમાં તો કોઈ નક્કી જ નથી કરતું ને એનો વિચાર આવે તોય માંડવાળ કરી નાખે કે ‘ના, ના, એવું કશું નથી. એ તો ખાલી વિચાર આવે છે, મારું શરીર તો બહુ સરસ છે. હજી પચાસ વર્ષ જીવે એવું છે.’

બાકી જે નિષ્પક્ષપાતી હોય તેને તો બધી ખબર પડી જાય. બિસ્તરા-પોટલાં બાંધતાં હોય તો ના ખબર પડે કે આ જવાની તૈયારી કરે છે ! મહીં બિસ્તરા-પોટલાં બંધાતાં હોય તે આપણને દેખાય હઉ તોય મહીં જોઈએ નહીં, તો આપણી જ ભૂલ છે ને ? અને પહેલાં તો કેટલાક માણસો એવા સરળકર્મી હતા કે તે કહેતાય ખરા કે ‘પાંચ દહાડા પછી અગિયારસને દહાડે મારો છૂટકારો છે’ અને તે પ્રમાણે બનતુંય ખરું ! ત્યારે બીજાને માટે કંઈ જુદા કાયદા છે ? કાયદો એનો એ જ છે. આ તો આનો મોહ છે. મરતી વખતે ઘરનાં માણસો કહેશે કે હવે કાકા તમે મંત્ર બોલો તોય એ ના બોલે. ઉપરથી કાકા શું કહે, ‘આ અક્કલ વગરનો છે ને ?’ લ્યો, આ અક્કલનો કોથળો ! બજારમાં વેચવા જઈએ તો ચાર આનાય ના આપે કોઈ ! કાકાનો જીવ છોડી પૈણાવામાં રહ્યો હોય, તે મનમાં વિચાર કર્યા કરે કે આ રહી ગઈ છે.

(પા.૧૫૯)

નિષ્પક્ષપાતી થયા હોય, તેને મરણની કેમ ખબર ના પડે ? મરણનો એને ભય લાગે છે ! બહારગામ જવાનો, જાત્રામાં જવાનો એને ભય નથી લાગતો ! કારણ કે એના મનમાં હોય છે કે હું પાછો આવીશ, ‘અલ્યા, પાછો આવ્યો કે નાય આવ્યો ! આ તો શા ઠેકાણાં ?’

અમે તો સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે ‘તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.’ સ્ટીમર તો નફા માટે પાણીમાં મૂકી, તે પાણી છે તે એક દહાડો ડૂબેય ખરી ! એવું આ દેહને કહીએ, ‘તારે છૂટવું હોય ત્યારે છૂટી જજે ! મારી ઇચ્છા નથી !’ કારણ કે કાયદો એવો સરસ છે કે કોઈનેય છોડવાનો નથી અહીંયાં કંઈ કોઈને દયા આવે એવું નથી. માટે અમથા વગર કામના દયા શું કરવા માંગો છો કે ‘હે ભગવાન, બચાવજો !’ ભગવાન તો શી રીતે બચાવે ? ભગવાન પોતે જ બચ્યા નહોતા ને ! અહીં જન્મ લીધો હતો, તે બધા ભગવાન બચ્યા નહોતા ને ? એય કૃષ્ણ ભગવાન પગ ચઢાવીને આમ સૂતા હતા. તે પેલા પારધીએ જોયું ને એને એમ લાગ્યું કે આ હરણું-બરણું છે ને તીર માર્યું ! મરણ કોઈનેય છોડે નહીં, કારણ કે આપણું આ સ્વરૂપ નથી. આપણા સ્વરૂપમાં કોઈ નામ ના લે. જો ‘તમે’ શુદ્ધાત્મા છો તો કોઈ નામ લેનાર નથી, તો ‘તમે’ પરમાત્મા જ છો ! પણ અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી !

પ્રશ્નકર્તા : દેહ જ્યારે છૂટવો હોય ત્યારે છૂટે, અમારી ઇચ્છા નથી, એ કહેવામાં શું આશય છે ?

દાદાશ્રી : એ તો દેહ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન ના થાય એટલા માટે કહીએ છીએ કે અમારી ઇચ્છા નથી !

પ્રશ્નકર્તા : આ બે વાક્યો કહેનાર કોણ ?

દાદાશ્રી : એ તો જે મરણથી જુદો હોય તેનું જ હોય ને !

પ્રશ્નકર્તા : એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય ?

દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા તો મરણવાળો છે, આ બધું પ્રજ્ઞાનું કામ છે ! પ્રતિષ્ઠિત આત્મા મરવાનો છે, એ તો બોલે જ નહીં ને આવું ?

(પા.૧૬૦)

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જેને ઉત્પન્ન ના થઈ હોય, બધાને પ્રજ્ઞા તો ઉત્પન્ન થયેલી ના હોય. છતાંય આવું બોલે, તો કોણ બોલે ?

દાદાશ્રી : એ મરનારથી જુદો હોય છે. મરનાર પોતે એમ ના કહે કે હું મરી જાઉં ત્યાં આગળ બુદ્ધિનો અમુક ભાગ એવા ભાવવાળો હોય છે ! સ્થિતપ્રજ્ઞાની દશાનો કહીએ છીએ ને એ ભાગ પણ તે કો’કને જ આવો વિચાર આવે, બધાને તો આવે નહીં ને !

તમારું બગાડનાર કોણ ?

તમારે ઉતાવળ હોય ને ‘જલદી જલદી ખાવાનું મૂકો’ એમ કહો. તે દાળ કાઢવા જતાં આખી તપેલી ઢળી ગઈ, ત્યાં આગળ શી દશા થાય? તે ઘડીએ જરા જાગૃત રહેવાનું છે. કારણ કે જે આપણા માટે બનાવનાર છે, તેણે આપણને ખવડાવવા માટે બનાવી છે. તેમાં બનાવનારની ભૂલ નથી. છતાં આપણે શું કહીએ ? કે તેં ઢોળી નાખી. અલ્યા, એ ના ઢોળી નાખે. એણે તો તારા હારુ બનાવી છે. ઢોળનાર બીજી શક્તિ છે, પણ એની મારફત થયું.

માટે તમારું કોઈ બગાડે એવું નથી. આ દુનિયામાં કોઈને બગાડવાની શક્તિ જ નથી. આ દુનિયામાં કોઈ એવો જન્મ્યો જ નથી કે કોઈ આપણું બગાડી શકે.

આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવાં કાપનારાઓની શી જરૂર ? ભગવાને શું કામ જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારાં ગજવાં કોણ ખાલી કરી આપે ? ભગવાન જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય ? એ તો એમની જરૂર છે. એ નિમિત્ત છે બિચારાં ! આ બધાંની જરૂર છે.

પ્રશ્નકર્તા : કોઈની પરસેવાની કમાણી જતી રહે છે.

દાદાશ્રી : એ પરસેવાની જતી રહે છે, એની પાછળેય રહસ્ય છે.

(પા.૧૬૧)

એ આ ભવની પરસેવાની લાગે છે. પણ પહેલાંનો બધો હિસાબ છે. ચોપડા બધા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કોઈ કશું લે નહીં. કોઈની એવી શક્તિ જ નથી અને લઈ લે તો જાણવું કે આપણો જ કંઈ આગળ-પાછળનો હિસાબ છે. એટલું બધું નિયમવાળું આ જગત છે. સાપ પણ અડે નહીં. આ આખું ચોગાન સાપથી ભરાયું હોય પણ કોઈ તેને અડી શકે નહીં, એટલું બધું નિયમવાળું જગત છે ! બહુ સુંદર જગત છે. સંપૂર્ણ ન્યાયસ્વરૂપ છે, છતાં લોકોને ના સમજાય ને પોતાની ભાષામાં બોલે, તે શું થાય ?

પ્રીકૉશન એ જ ‘ચંચળતા’

પ્રશ્નકર્તા : જો વરસાદ પડે તો આમ કરીએ એવું થાય, તો શું એ વિકલ્પ કહેવાય ? સહજ ભાવે બધો વિચાર તો કરવો પડે ને ? વિચારીને કર્યા પછી જે બને તે સાચું. પણ આ વિચારવું એ શું ડખો કર્યો કહેવાય કે વિકલ્પ કર્યો કહેવાય ?

દાદાશ્રી : જેણે ‘જ્ઞાન’ લીધું ના હોય તેને એ બધું વિકલ્પ જ કહેવાય. જેણે ‘જ્ઞાન’ લીધું હોય ને તે સમજી ગયો હોય, તેને વિકલ્પ ના રહે પછી. શુદ્ધાત્મા તરીકે ‘આપણને’ જરાય વિચાર કરવાનો હોતો જ નથી. એની મેળે જે આવે, તે વિચાર જાણવાનો હોય છે !

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કંઈ ‘પ્રીકૉશન’ લેવાની જ નહીં ?

દાદાશ્રી : ‘પ્રીકૉશન’ તો હોતાં હશે ? એની મેળે થાય, એનું નામ ‘પ્રિકૉશન.’ આમાં ‘પ્રીકૉશન’ લેનાર હવે કોણ રહ્યો ?

ધોળે દહાડે, તમે ઠોકરો ખાવ છો ! તેમાં ‘પ્રીકૉશન’ લેનાર તમે કોણ ? શું માણસ ‘પ્રીકૉશન’ લઈ શકે ? એનામાં સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ જ નથી ત્યાં !

જગત આખું ‘પ્રીકૉશન’ લે છે, છતાં શું ‘એક્સિડન્ટ નથી થતાં ?’ જ્યાં ‘પ્રીકૉશન’ નથી હોતાં, ત્યાં કશા ‘એક્સિડન્ટ’ નથી થતાં! ‘પ્રીકૉશન’

(પા.૧૬૨)

લેવું એ એક જાતનું ચાંચલ્ય છે ! વધારે પડતી ચંચળતા છે. એની જરૂર જ નથી. જગત એની મેળે સહજ ચાલ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : પણ કાળજી કર્તાભાવથી નથી, પણ ‘ઓટોમેટિક’ તો થાય ને ?

દાદાશ્રી : એ તો એની મેળે થઈ જ જાય.

પ્રશ્નકર્તા : કર્તા નથી, પણ વિચાર સહજ રીતે આવે તો પછી વિવેકબુદ્ધિથી કરવું એમ ?

દાદાશ્રી : ના, એની મેળે બધું જ થઈ જાય. ‘તમારે’ ‘જોયા’ કરવાનું કે શું થાય છે ? એની મેળે બધું જ થઈ જાય છે ! હવે તમે વચ્ચે કોણ રહ્યા છો, તે મને કહો ? તમે ‘શુદ્ધાત્મા’ છો કે ‘ચંદુલાલ’ છો ?

પ્રશ્નકર્તા : તમે કહો છો કે વચ્ચે તમે કોણ ? તો વચ્ચે મન તો ખરું ને ?

દાદાશ્રી : મનની અમે ક્યાં ના પાડી છે ? મનમાં તો એની મેળે કુદરતી રીતે જ વિચાર આવ્યા કરે ! અને કોઈ વખત વિચાર ના પણ આવે !

એવું છે, મન તો છેલ્લા અવતારમાંય ક્ષણે ક્ષણે ચાલ્યા કરતું હોય, ત્યારે ફક્ત ગાંઠોવાળું મન ના હોય. જેવા ઉદય આવે તેવું હોય !

જ્ઞાન પછી તમે ‘શુદ્ધાત્મા’ છો ને વ્યવહારથી ‘ચંદુલાલ’ છો ! હવે ‘હું ચંદુલાલ છું, હું આનો મામો થાઉં, આનો કાકો થાઉં’, એને વ્યવહારમાં વિકલ્પ કહેવાય, પણ ખરેખર આ વિકલ્પ નથી. એ તો ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપ છે. જો પોતે માની બેસે છે કે ‘હું જ ચંદુલાલ છું.’ તો એને વિકલ્પ કહેવાય ! ‘જ્ઞાન’ પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ નિર્વિકલ્પ થઈ જાય.

(પા.૧૬૩)

[23]

બુદ્ધિશાળી તો કેવો હોય ?

પ્રશ્નકર્તા : બુદ્ધિશાળી કોને કહેવાય ?

દાદાશ્રી : જે પોતાના ઘરમાં, ધંધામાં, ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી થાય એ રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી કહેવાય.

બાકી સામાને રાજી રાખવા પંડિતાઈ કરે, એ એક જાતનું ‘ઓવરવાઈઝ’પણું છે. બુદ્ધિથી સામાને હેલ્પ થવી જોઈએ.

સવારમાં ચા ને મીઠાઈ આવી. તે આપણે મીઠાઈ ખાઈને પછી ચા પીએ ને પછી બૂમાબૂમ કરીએ કે ચા કેમ મોળી છે ? તો તેને બુદ્ધિશાળી કેમ કહેવાય ? અને વખતેય ચા એમ ને એમ મોળી આવી હોય તોય કેમ બૂમાબૂમ કરાય ? ચાર આનાની ચા માટે બૂમાબૂમ કરી ને ઘરમાં બિચારાં કેટલાંય ફફડી જાય !

બુદ્ધિશાળી તો તેનું નામ કહેવાય કે કોઈ માણસ આપણાથી ફફડે નહીં એવી રીતે બુદ્ધિ વાપરતો હોય. અને જ્યાં બીજા કોઈ ફફડે છે ત્યાં કુબુદ્ધિ છે. એનાથી ભયંકર પાપો બંધાય. એટલે બુદ્ધિના ભાગ તો સમજવા જોઈએ ને ?

આપણે ઘેર કોઈને હેલ્પ થતી ના હોય, મતભેદ ઘટતા ના હોય, તો એ બુદ્ધિને શું પૂળો મૂકવાની ?

અને ધંધામાંય ખોટ જાય. એ સ્વાભાવિક છે પણ ધંધાની મરામતમાં ભૂલ ના થવી જોઈએ. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

(પા.૧૬૪)

દાદાશ્રી : આપણે તો અહીં ચોખવટ કરવા બેઠા છીએ. બરાબર છે એવું કહેવડાવવા માટે નહીં.

પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ કપટ થતું હોય, ઘરમાં કે બહાર તો ફફડાવવા પડે ને ?

દાદાશ્રી : આપણા ફફડાવવાથી જો સામાનું કપટ મટી જતું હોય તો ફફડાવવા જોઈએ, પણ કપટ કાયમ રહેતું હોય તો ફફડાવવાનો કોઈ અર્થ નથી. તમને ફફડાવતાં આવડતું નથી, એમ કરીને તમને જેલમાં ઘાલી દેવા જોઈએ કે, ‘કેમ આમને ફફડાવ્યા ?’

પ્રશ્નકર્તા : ફફડાવવાનું નહીં, તો બીજું શું કરવાનું ?

દાદાશ્રી : એ કયે રસ્તે સુધરે એ જોવાનું.

પ્રશ્નકર્તા : આપણી જોડે કોઈ કપટ કરે તો સ્વાભાવિક રીતે એના ઉપર ગુસ્સો તો થઈ જાય ને ?

દાદાશ્રી : પાંચ વાર ગુસ્સે થવાથી એનું કપટ જો જતું રહેતું હોય તો બરાબર છે ને ના જાય તો તમને જેલમાં ઘાલી દેવા જોઈએ. આ દવાથી એને મટતું નથી ! ઊલટું આવી દવા પાઈને એને મારી નાખો છો ?

પ્રશ્નકર્તા : એ માણસ એ જ રીતે ચાલે. પછી એનો ઉપાય શો કરવાનો ?

દાદાશ્રી : આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો ‘ઈગોઈઝમ’ છે. હું આને આમ સુધારું, તેમ સુધારું એ ‘ઇગોઇઝમ’ છે. આપણે શું કહેવા માગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો. એ તો સુધરેલા જ છે ! આ તમે બધાને ફફડાવીને હેરાન કરી નાખો છો તે તમને શોભે નહીં.

પ્રશ્નકર્તા : તો પછી શું કરવું ?

દાદાશ્રી : પોતાનો ફેરફાર કરવાનો છે. પોતે એવો બને કે ક્યારેય કોઈ કપટ એની પાસે કરે જ નહીં. મારી પાસે કોઈ કપટ કરતું જ નથી.

(પા.૧૬૫)

આપણા મનમાં કપટ હોય તો જ સામો માણસ કપટ કરે અને આપણા મનમાં કપટ ના હોય તો કોઈ કપટ કરે જ નહીં ! આપણો જ ફોટો છે આ બધો !

પ્રશ્નકર્તા : આપણી લેણદેણ હશે, તેથી સામો કપટ કરે છે ?

દાદાશ્રી : હિસાબને તો આપણે ‘લેટ ગો’ કરીએ છીએ. હિસાબ નિવારી શકાય એમ નથી. હિસાબ તો મને મળ્યો, તેય નિવારી ના શકાય.

કશો તમારાથી ફેરફાર થાય એમ નથી. આ બૂમો પાડવાનો અર્થ જ શો છે તે ? પેલાનું કપટ તો તેવું ને તેવું જ રહે છે. ઊલટો એ વધારતો જાય. તમે બૂમાબૂમ કરો એટલે પેલો મનમાં કહેશે કે આમનામાં કશી બરકત નથી અને ખોટી બૂમાબૂમ કરે છે ! એટલે પેલો પોતાની ભૂલ વધારતો જ જાય અને તમને પી જાય !

પ્રશ્નકર્તા : એનો રસ્તો શો ?

દાદાશ્રી : એના ઉપર આપણો એવો પ્રભાવ પડે કે એ કપટ જ ના કરે. આપણે આ બીજા બધા રસ્તા કરવાની જરૂર નથી. ગુસ્સો કરો છો, એના કરતાં મૌન રહો ને. ગુસ્સો એ હથિયાર નથી.

પ્રશ્નકર્તા : કપટથી કોઈ માણસ માલ ચોર્યા કરતો હોય તે આપણે જોયા કરવું ?

દાદાશ્રી : એના માટે ગુસ્સો એ હથિયાર નથી. બીજાં કોઈ હથિયાર વાપરો ને એને બેસાડીને એમને સમજાવીએ, વિચારણા કરવા કહીએ, તો બધું ઠેકાણે આવી જાય.

પ્રશ્નકર્તા : ડૉક્ટરે કહ્યું કે ‘તમને બ્લડ પ્રેસર છે.’ તો એણે અમુક ના ખાવું જોઈએ. છતાં એ ના માને અને ખાય, તો મારે ડૉક્ટરની પાસે દોડવું જ પડે ને ?

દાદાશ્રી : મારું કહેવાનું કે ડૉક્ટરને જ ‘બ્લડ પ્રેસર’ થયેલું હોય છે ને !

(પા.૧૬૬)

‘આ શા આધારે ખાય છે’ તે તમે જાણતા નથી. આપણે તો એક ફેરો કહી જોવાનું કે ડૉક્ટરે તમને મરચાં ખાવાની ના પાડી છે. પછી જો આપણો પ્રભાવ પડ્યો તો સાચો ને ના પડ્યો તોય સાચો. તમારોય પ્રભાવ પડતો નથી ને ડૉક્ટરનોય પ્રભાવ પડતો નથી.

પ્રશ્નકર્તા : અમે મરચું ખાતા રહીએ ને બીજાને મરચું બંધ કરાવીએ તો તેનો પ્રભાવ પડતો નથી ને ?

દાદાશ્રી : એવું હું કરાવતો જ નથી. મને જેટલો ત્યાગ વર્તે છે એટલો જ ત્યાગ તમને હું કરાવડાવું છું અને તેય તમારી ઇચ્છા હોય તો, નહીં તો હું કહું કે પૈણ બા. લે પૈણ !

આપણે કચકચ કરીએ કે અથાણું ના ખાશો, મરચું ના ખાશો. એટલે પેલા મનમાં ચિડાયા કરે કે આ સામો ક્યાં આવ્યો ?

તમારા મનમાં કદી એમ થાય કે હું ના હોઉં તો શું થાય ? ત્યારે ‘આપણે નથી જ’ એવું માનો ! વગર કામના ઇગોઇઝમ કરવા કરતાં !

‘મરચાં ના ખાશો’ એ ડૉક્ટરનું જ્ઞાન આપણે હાજર કરવું. પણ એનો સ્વીકાર કરવો કે ના કરવો, એ તો એની મરજીની વાત છે.

મેં કોઈને કહ્યું હોય કે, આમ કરજે. ત્યારે એ જુદું જ કરે. એટલે હું એને કહું કે, ‘આવું કરવાથી તો શો ફાયદો થશે ?’ એટલે એ કહે કે હવેથી નહીં કરું.

તેના બદલે જો હું એમ કહું આવું, ‘તું કેમ કરે છે ? તું આવો છે ને તું તેવો છે.’ ત્યારે એ ઢાંકશે, ‘ઓપન’ નહીં કરે.

પ્રશ્નકર્તા : આવી આવડત કંઈ એકદમ આવડે છે ?

દાદાશ્રી : ના, એ તો આવું સાંભળ્યું હોય, તેથી કો’ક ફેરો આવડે. જ્ઞાન સાંભળ્યું હોય તો કામ લાગે. આ મારી રીતે કેમ કરીને હું ‘જગતજીત’ થયો છું, તે તમને જણાવું છું. છેવટે જગતને જીતવું તો પડશે જ ને ?

(પા.૧૬૭)

ડખલ નહીં, ‘જોયા’ કરો !

ચાલતી ગાડીમાં ડખલ ના કરવી. એની મેળે એ ચાલ્યા કરશે. એમાં કંઈ અટકવાનું નથી.

પ્રશ્નકર્તા : આ ‘ઈન્ટરફિયર’ (ડખલ) થયો એમ કહે છે, તે જ ડખલનો અર્થ ?

દાદાશ્રી : ‘ઇન્ટરફિયર’ તો થવું જ ના જોઈએ. એ ડખલ જ કહેવાય. ડખલ થાય એટલે ડખો થઈ જાય. જે ચાલે છે તેને ચાલવા દેવું પડે. આપણી આ ટ્રેન ચાલતી હોય તેમાં કંઈ ખટક ખટક થતું હોય તો તે ઘડીએ આપણે સાંકળ ખેંચીને બૂમાબૂમ કરવી ? ના, એને ચાલવા જ દેવાની.

પ્રશ્નકર્તા : આ જરાક ચૂં ચૂં બોલતું હોય તોય નીચે પાછા ‘ઓઈલ’ પૂરવા જાય.

દાદાશ્રી : હા જાય. ડખલ કરવાની જરૂર નથી. શું ચાલે છે તે ‘જોયા’ કરવાનું. અને અમે જો ડખલ કરીએ તો તો અમારી શી દશા થાય ? જે થાય તે ચાલવા દેવાનું.

પ્રશ્નકર્તા : ખોટું હોય તોય ચાલવા દેવું ?

દાદાશ્રી : તમે શું ખરું કે ખોટું ચાલવા દેવાના હતા ? માણસોમાં ચલાવવાની શક્તિ જ નથી. આ તો ખોટો અહંકાર કરે છે કે હું ખોટું નહીં જ ચાલવા દઉં, એનાથી ઊલટી વઢવાડો થાય છે, ડખા થાય છે. કોઈનાથી ખોટું થતું હોય તો આપણે એને સમજાવવું, નહીં તો મૌન રહેવું.

પ્રશ્નકર્તા : પણ આપણને અન્યાય થતો હોય તો ?

દાદાશ્રી : અન્યાય થયો તો માર ખાવને નિરાંતે ! નહીં તોય ક્યાં જશો ? કોર્ટમાં જાવ. વકીલ ખોળી કાઢો, વકીલ મળી આવે છે ને ?

પ્રશ્નકર્તા : વકીલ લાવ્યા, તે ડખોડખલ કહેવાય ને ?

(પા.૧૬૮)

દાદાશ્રી : પછી વકીલ તમને ટૈડકાવશે, ‘અક્કલ વગરના મૂરખ માણસો સાડા દસે આવ્યા ? વહેલા કેમ ના આવ્યા ?’ તે પાછો એ ગાળો દેશે. માટે પાંસરા થઈને આપણે આપણું ઝટપટ પતાવી દો ને.

ડખલમાં ઊતરવા જેવું નથી. આ કાળ વિચિત્ર છે. સારું બોલતાં મેં કોઈને જોયો જ નથી. એવું બોલે કે આપણને ‘હેડેક’ થાય. આ કંઈ ભાષા કહેવાતી હશે ?

પ્રશ્નકર્તા : તો આ હિસાબે સારું કહેવું કે ખોટું કહેવું, એ પણ ડખોડખલ થઈ ને ?

દાદાશ્રી : કશું બોલવું જ નહીં. એ પૂછે એટલો જ જવાબ આપવો. લાંબી ભાંજગડ ના કરવી. આપણે શી લેવાદેવા ? આનો પાર ના આવે.

(પા.૧૬૯)

[24]

અબળાનો શો પુરુષાર્થ ?

પ્રશ્નકર્તા : ક્રોધ આવે તો દબાવવો કે કાઢી નાખવાનો ?

દાદાશ્રી : ક્રોધ દબાવ્યો દબાવાય એવી વસ્તુ નથી. એ તો આજે દબાવ્યો, કાલે દબાવ્યો, સ્પ્રિંગને બહુ દબાવીએ તો શું થાય ? એક દહાડો એ આખી ઊછળે. અત્યારે તાત્કાલિક તમે ક્રોધને દબાવો છો તે ઠીક છે, પણ જ્યારે ત્યારે એ નુકસાનકારક છે. ભગવાને શું કહ્યું હતું કે ક્રોધને વિચારે કરીને એનું પૃથક્કરણ કરી નાખો. જો કે વિચારે કરીને કરતા તો ઘણા અવતાર નીકળી જાય. વિચાર કરવાના અવસર પહેલાં તો ક્રોધ થઈ જાય છે. એ તો બહુ જાગૃતિ હોય તો જ ક્રોધ ના થાય, પણ એ જાગૃતિ આપણે અહીં ‘જ્ઞાન’ આપીએ છીએ એટલે ઉત્પન્ન થાય છે. પછી ક્રોધ-માન-માયા-લોભ એની ‘બાઉન્ડ્રીમાં’ આવી જાય છે. જાગૃતિ ઉત્પન્ન થાય. એટલે તમને ક્રોધ થતાં પહેલાં જ જાગૃતિ આવી જાય અને પૃથક્કરણ થઈ બધું સમજાય કે કોણ ગુનેગાર છે ? આ શી હકીકત બની ? બધું સમજાઈ જાય, પછી ક્રોધ કરે જ નહીં ને ?

ક્રોધ કરવો ને ભીંતમાં માથું પછાડવું, એ બેઉ સરખું છે. એમાં બિલકુલેય ફરક નથી. આ ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ કહેવાય. અને એ નબળાઈ જાય તો પરમાત્મા પ્રગટ થાય. નબળાઈ રૂપી આવરણ છે. વળી ‘પ્રિજ્યુડિસ’ બહુ હોય. એક માણસને માની બેઠા હોય, તે એવો ને એવો જ આપણને લાગ્યા કરે. આવો કાયમનો એ હોતો નથી. હર સેકંડે ફેરફાર હોય છે. આખું જગત ફેરફારવાળું છે. નિરંતર પરિવર્તન થયા જ કરે છે.

આ નબળાઈ જાતે કાઢવા જશો તો એકુય નહીં જાય. ઊલટી બે

(પા.૧૭૦)

વધારે પેસી જશે, માટે જેની નબળાઈ નીકળી ગઈ છે, તેની પાસે જાવ તો ત્યાં તમારો ઉકેલ આવે. સંસારનો ઉકેલ જ ના આવે. આખું જગત ભટક ભટક કરે છે. એનું કારણ જ એ છે કે તરણ તારણહાર પુરુષ મળવો જોઈએ. તમારે તરવું છે એ નક્કી છે ને ?

નિર્ગૂંચ વ્યવહાર એટલે જ સરળ મોક્ષમાર્ગ !

દાદાશ્રી : હવે પેલી જે નબળાઈ ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ શું શું કામ કરે છે ? શો પાઠ ભજવે છે ?

પ્રશ્નકર્તા : લે-મેલ કરાવી મેલે. ગુસ્સો થઈ જાય. પછી જાગૃતિ આવે કે આપણે આ ખોટું કર્યું છે. પછી એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે ?

દાદાશ્રી : આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુભાઈને કહેવું કે, ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો.’ સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ હવે ઠેકાણે આવ્યું !!

મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ભાંજગડ ઓછી કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો જ ના જોઈએ. ‘જે બને તે ખરું’ એમ રાખવું.

આ તો બહુ ઝીણું ‘સાયન્સ’ છે. અત્યાર સુધી આવું ‘સાયન્સ’ પ્રગટ

(પા.૧૭૧)

નથી થયું. દરેક વાત તદ્દન નવી ડિઝાઈનમાં છે ને પાછું આખા ‘વર્લ્ડ’ને કામ લાગે એવું છે.

પ્રશ્નકર્તા : આનાથી આખો વ્યવહાર સુધરી જાય ?

દાદાશ્રી : હા, વ્યવહાર સુધરી જાય અને લોકોનો ‘મોક્ષમાર્ગ’ સરળ થઈ જાય. વ્યવહાર સુધારવો, એનું નામ જ સરળ મોક્ષમાર્ગ. આ તો મોક્ષમાર્ગ લેવા જતાં વ્યવહાર બગાડ બગાડ કરે છે ને દહાડે દહાડે વ્યવહાર ગૂંચવી નાખ્યો છે.

વડોદરાથી અમદાવાદ ૮૦ માઈલ ઉત્તરમાં જતા થાય, એમ કહ્યું હોય. પણ લોક દક્ષિણ તરફ ચાલે, તો કેટલા માઈલ વધી જાય ? ઠેઠ કન્યાકુમારી સુધી કેટલા થઈ જાય ? ગમે તેટલી મોટરની સ્પીડ વધારે પણ અમદાવાદ દૂર જાય કે નજીક આવે ?

પ્રશ્નકર્તા : આઘું જાય.

દાદાશ્રી : આવી રીતે લોકોએ વ્યવહાર ગૂંચવી નાખ્યો છે. જાતજાતનાં જપ-તપ શેને માટે છે ? તેથી તો અખો બૂમ પાડી ઊઠ્યો હતો કે ‘ત્યાગ-તપ એ આડી ગલી’. આડી ગલીમાં પેઠો કે ખલાસ થઈ ગયો. હવે એ આડી ગલીવાળાને પૂછીએ તો એ કહે કે, ‘ના, અમે મોક્ષમાર્ગમાં છીએ.’ આ બાજુ ભગવાન આવે ને તેમને પૂછીએ કે, ‘આ કેમનું છે સાહેબ ? આ બેઉ જણ જુદું જુદું બોલે છે. એમાં કોણ સાચું છે ?’ ત્યારે ભગવાન કહે, ‘આડી ગલી કહે છે તેય ખોટું છે અને આ લોકો મોક્ષમાર્ગ સાચો છે, એમ કહે છે તેય ખોટો છે !’

ભગવાનનો કહેવાનો ભાવાર્થ શો છે કે, ભાઈ આડી ગલીમાં હોય તો તેમાં તમારું શું ગયું ? તું તારી મેળે દર્શન કરવા જાને ? ભગવાન બહુ ડાહ્યા હતા. એમનામાં બહુ ડહાપણ હોય. સહેજેય ગાંડપણ ના હોય !

કષાયોથી કર્મબંધી

પ્રશ્નકર્તા : નામનો મોહ શા માટે ?

દાદાશ્રી : કીર્તિને માટે ! તેનો તો બધો માર ખાધો છે, અત્યાર

(પા.૧૭૨)

સુધી ? નામનો મોહ એટલે કીર્તિ કહેવાય. કીર્તિ માટે માર ખાધો. હવે કીર્તિ પછી અપકીર્તિ આવે, ત્યારે ભયંકર દુઃખ થાય. એટલે કીર્તિ-અપકીર્તિથી આપણે પર થવાનું. નામનોય મોહ ના જોઈએ. પોતાની જાતમાં જ પાર વગરનું સુખ છે !

માન અને ક્રોધ, એ બેઉ દ્વેષ છે અને લોભ અને માયા, એ રાગ છે. કપટ રાગમાં જાય.

પ્રશ્નકર્તા : કોઈના ભયથી કપટ કરવું પડે તો ?

દાદાશ્રી : તેનો વાંધો નહીં. એમાં બીજાને બહુ નુકસાન કરનારું નથી ને ? કપટ ‘સામાને કેટલું નુકસાન કરે છે ?’ તેના પર આધાર રાખે છે. અત્યારે તમે સત્સંગમાં જવા માટે કપટ કરો તો તે કપટ ગણાય નહીં, કારણ કુસંગ તો ભરપટ્ટે પડેલો જ છે.

પ્રશ્નકર્તા : આ કપટનું નિમિત્ત આવ્યું, ત્યારે કપટનો ભાવ પડ્યો ને ?

દાદાશ્રી : ના, એવું નથી.

પ્રશ્નકર્તા : ભાવકર્મ બંધાવા કપટનું નિમિત્ત આવે ?

દાદાશ્રી : કપટ એકલું જ નથી. એમાં ક્રોધ-માન-માયા-લોભ, ચારેય ભેગાં થાય. તેનાથી એનું આંધળું દર્શન ઊભું થાય. એટલે એવા દર્શનના આધારે એ બધું કામ કરે છે. આ અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે એ દર્શન તોડીએ છીએ. કેટલાંય પાપ ભસ્મીભૂત થાય, ત્યારે એ દર્શન તૂટે અને એ દર્શન તૂટ્યું કે કામ થઈ ગયું !

આ ક્રોધ-માન-માયા-લોભને લઈને સંસાર ઊભો રહ્યો છે, વિષયોને લીધે ઊભો નથી રહ્યો. સંસારનું ‘રૂટ કોઝ’ આ ક્રોધ-માન- માયા-લોભ છે.

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ આવે, તે વખતે પોતે જાગૃત અવસ્થામાં રહે, તો પછી એનો બંધ ના પડે ને ?

દાદાશ્રી : જાગૃતિ રહે શી રીતે ? એ પોતે જ આંધળો, તે બીજાને

(પા.૧૭૩)

આંધળા બનાવ્યા છે. જ્યાં સુધી અજવાળું ના થાય, સમકિત ના થાય, ત્યાં સુધી જાગૃત કહેવાય નહીં ને ! સમકિત થાય ત્યાર પછી કામ ચાલે. સમકિત ના થાય ત્યાં સુધી સંયમ પણ નથી. વીતરાગોનો કહેલો સંયમ ક્યાંય હોય નહીં, આ તો લૌકિક સંયમ છે.

પ્રશ્નકર્તા : એ સ-રાગ ચારિત્ર છે ?

દાદાશ્રી : સ-રાગ ચારિત્ર તો બહુ ઊંચી વસ્તુ છે, જ્ઞાનીઓ સ-રાગ ચારિત્રમાં કહેવાય. અને જ્ઞાનીઓ સંપૂર્ણ વીતરાગ થઈ જાય પછી વીતરાગ ચારિત્ર થાય.

સંયમ કોને કહેવાય ? વિષયોના સંયમને ત્યાગ કહ્યો છે. ભગવાને ફક્ત કષાયના સંયમને સંયમ કહ્યો છે. કષાયના સંયમને લઈને જ આ છૂટે છે, અસંયમથી તો બંધન છે. વિષયો તો સમકિત થયા પછી પણ હોય, પણ એ વિષયો ગુણસ્થાનક આગળ ચઢવા ના દે, છતાં તેનો વાંધો નથી કહ્યો. કારણ તેથી કરીને કંઈ સમક્તિ જતું રહેતું નથી.

‘દેખત ભૂલી’ ટળે તો....

‘અક્રમ વિજ્ઞાન’ શું કહે છે ?

ફર્સ્ટ ક્લાસ હાફુસ કેરી જોવાનો વાંધો નથી, તને સુગંધ આવી તેનોય વાંધો નથી, પણ ભોગવવાની વાત ના કરીશ; જ્ઞાનીઓ પણ કેરીઓને જુએ છે, સોડે છે. એટલે આ વિષયો જે ભોગવાય છે ને, તે ‘વ્યવસ્થિત’ના હિસાબે ભોગવાય છે, એ તો ‘વ્યવસ્થિત’ છે જ ! પણ વગર કામનું બહાર આકર્ષણ થાય તેનો શો અર્થ ? જે કેરીઓ ઘેર આવવાની ના હોય, તેની પર પણ આકર્ષણ રહે. બીજે બધે આકર્ષણ થાય એ જોખમ છે બધું. તેનાથી કર્મ બંધાય !

જોવાનો વાંધો નથી, ભાવનો વાંધો છે. તમને ભોગવવાનો ભાવ થયો કે વાંધો આવ્યો. જોવામાં, સુગંધી સોડવામાં કશો વાંધો નથી. સંસારમાં ‘ખાવ, પીઓ, બધું કરો’, પણ આપણને તેના પર ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ.

તેથી કૃપાળુદેવે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે, તો સર્વ દુઃખોનો

(પા.૧૭૪)

ક્ષય થાય.’ દેખે ને ભૂલે તે આ આપણું ‘જ્ઞાન’ આપ્યું છે, પછી દેખત ભૂલી બંધ થઈ જાય છે ! આપણે તો સામી વ્યક્તિમાં ‘શુદ્ધાત્મા’ જ જોઈએ, પછી આપણને બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ? નહીં તો માણસને તો કૂતરાં પરેય રાગ થાય, બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય. આપણે શુદ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુદ્ધાત્મા જ જોવાં. આ દેખત ભૂલી ટળે એવી છે નહીં અને જો ટળે તો સર્વે દુઃખોનો ક્ષય થાય. જો દિવ્યચક્ષુ હોય તો દેખત ભૂલી ટળે, નહીં તો શી રીતે ટળે ?

પ્રશ્નકર્તા : ‘દેખત ભૂલી’ ટળે તો શું થાય ?

દાદાશ્રી : ‘દેખત ભૂલી’ ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય, મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગ પણ ના થવો જોઈએ ને ભૂલી જવું જોઈએ ?

દાદાશ્રી : આપણું આ જ્ઞાન એવું છે ને કે રાગ તો થાય એવો જ નથી, પણ આકર્ષણ થાય તે ઘડીએ એના શુદ્ધાત્મા જુઓ તો આકર્ષણ ના થાય. ‘દેખત ભૂલી’ એટલે જોઈએ ને ભૂલ ખાઈએ ! જોયું ના હોય ત્યાં સુધી ભૂલ ના થાય. જ્યાં સુધી આપણે ઓરડામાં બેસી રહ્યા હોઈએ, ત્યાં સુધી કશું ના થાય. પણ લગ્નમાં ગયા ને જોયું કે પછી ભૂલો થાય પાછી. ત્યાં આપણે તો શુદ્ધાત્મા જો જો કરીએ તો બીજો કશો ભાવ ઉત્પન્ન ના થાય ને ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, એના પૂર્વકર્મના ધક્કાથી, તો એનું પ્રતિક્રમણ કરી નાખવું, આ ઉપાય છે. અહીં ઘરમાં બેઠા હોય ત્યાં સુધી કશુંય મનમાં ખરાબ વિચાર નહોતા આવતા ને લગ્નમાં ગયા કે વિષયના વિચારો ઊભા થયા, સંયોગ ભેગો થયો કે વિચાર ઊભા થાય. આ ‘દેખત ભૂલી’ એકલા દિવ્યચક્ષુથી જ ટળે એમ છે. દિવ્યચક્ષુ સિવાય ટળે નહીં.

પ્રશ્નકર્તા : આ તો સંયોગોને ટાળવાની વાત થઈ ને ? એટલે એક ઠેકાણે બેસી રહેવું ?

દાદાશ્રી : ના, આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે, આપણે તો ‘વ્યવસ્થિત’માં જે હો તે ભલે હો. પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ.

(પા.૧૭૫)

જ્યાં દેવતા હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતા ? દેવતાને ભૂલચૂકથી અડતા નથી ને ? એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે. આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે તે પ્રગટ અગ્નિ છે, ત્યાં ચેતવું જોઈએ.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ, તે આપણું નથી છતાં ત્યાં જો ભાવ થાય, તે ન થવું જોઈએ એમ ?

દાદાશ્રી : આપણું તે છે જ નહીં, પુદગલ આપણું હોય જ નહીં. આ આપણું પુદ્ગલ ‘આપણું’ નથી, તો એનું પુદ્ગલ આપણું કેમ હોય ?

આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. આપણે તો સામામાં શુદ્ધાત્મા જોઈએ પણ પછી પાછો ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, ચોંટી ગયો હોય તો પ્રતિક્રમણ કરીએ તો ઉખડી જાય. એવું બધું જાણીને લક્ષમાં રાખવું જોઈએ ને ? આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે ?

આ વિજ્ઞાન છે. સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે. અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે, એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો, તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનનેય ધક્કો મારનારું છે. આવું મોટું વિજ્ઞાન છે. એનેય ધક્કો મારે એવું છે, માટે ચેતવું.

ખાવા-પીવાનાં આકર્ષણોનો વાંધો નથી. કેરી ખાવી હોય તો ખાજો. જલેબી, લાડવા ખાજો. એમાં સામો દાવો માંડનાર નહીં ને ? ‘વન સાઈડેડ’નો વાંધો નથી. આ ‘ટુ સાઈડેડ’ થશે કે જવાબદારી રહેશે. તમે કહેશો કે મારે હવે નથી જોઈતું. તો એ કહેશે કે મારે જોઈએ છે. તમે કહો કે મારે માથેરાન નથી જવું, તો તે કહેશે કે મારે માથેરાન જવું છે. આનાથી તો ઉપાધિ થાય. આપણી સ્વતંત્રતા ખોવાઈ જાય. માટે ચેતતા રહેવું ! આ બહુ સમજવા જેવી ચીજ છે. આને ઝીણવટથી સમજી રાખે

(પા.૧૭૬)

તો કામ નીકળી જાય !

પ્રશ્નકર્તા : આ પિકચર, નાટક, સાડી, ઘર, ફર્નિચર એનો મોહ હોય છે. એનો વાંધો નહીં ને ?

દાદાશ્રી : એનું કશું નહીં. એનો તમને બહુ ત્યારે મારે પડે. ‘આ’ સુખ આવવા ના દે. પણ એ સામે દાવો માંડનાર નહીં ને ? અને પેલું તો ‘ક્લેઈમ’ માંડે, માટે ચેતો.

‘વાહ વાહ’નું ‘જમણ’ !

પ્રશ્નકર્તા : હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ?

દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાય તે બહાર પડી જાય ને તેની વાહવાહ બોલાય. અને એવી રકમોય દાનમાં જાય કે જેને કોઈ જાણે નહીં ને વાહવાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો જમાડે ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહ વાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે’ સ્વીકારે નહીં ને ? આ દાદાનીય લોક વાહ વાહ કરે છે, પણ અમે એને સ્વીકારીએ નહીં અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીં ને ? લોકો તો વાહ વાહ કર્યા વગર રહે નહીં. પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો? સ્વીકારે તો રોગ પેસે ને ? જે વાહ વાહ સ્વીકારતા નથી, એને કશું જ હોતું નથી. વાહ વાહને પોતે સ્વીકારતો નથી, એટલે એને કશી ખોટ ના જાય અને વખાણ કરે છે, એને પુણ્ય બંધાય છે. સત્કાર્યની અનુમોદનાનું પુણ્ય બંધાય છે. એટલે આવું બધું અંદરખાને છે. આ તો બધા કુદરતી નિયમો છે.

જે વખાણ કરે અને એ કલ્યાણકારી થાય. વળી જે સાંભળે એના મનમાં સારા ભાવનાં બીજ પડે કે ‘આ પણ કરવા જેવું ખરું. આપણે તો આવું જાણતા જ નહોતા !’

પ્રશ્નકર્તા : આપણે સારું કામ તન, મન ને ધનથી કરતા હોઈએ, પણ કોઈ આપણું ખરાબ જ બોલે, અપમાન કરે તો તેનું શું કરવું ?

(પા.૧૭૭)

દાદાશ્રી : જે અપમાન કરે છે તે ભયંકર પાપ બાંધી રહ્યો છે. હવે આમાં આપણું કર્મ ધોવાઈ જાય છે ને અપમાન કરનારો તો નિમિત્ત બન્યો.

પ્રતિક્રમણની ગહનતા

પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે હું આટલું બધું કરું છું, છતાં આ મારું અપમાન કરે છે ?

દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતના લોક છે. તે મોક્ષે ના જવા દે.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે.

જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખાન, આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે; જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય.

આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા.

મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક’ કરતા હતા ને ? પણ પછી બધા થાકી ગયા !! આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે !

આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય !

શુદ્ધાત્મા ને પ્રકૃતિ પરિણામ

‘નિજ સ્વરૂપ’નું ભાન થયા પછી, ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલ્યો

(પા.૧૭૮)

ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો કે, ‘હું આમ છું, હું તેમ છું’ એ બધું વિકલ્પ, એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય છે તે આ ‘ચંદુભાઈ’ને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ, સારાં ને ખોટાં બેઉ કાર્યો ચાલુ રહેવાનાં જ. આમ અવળુંય કરે ને સવળુંય કરે, એ પ્રકૃતિનો સ્વભાવ છે. એકલું અવળું કે એકલું સવળું કોઈ કરી શકે જ નહીં. કોઈ થોડું અવળું કરે, તો કોઈ વધારે અવળું કરે !

પ્રશ્નકર્તા : ના કરવું હોય તોય થઈ જવાનું ?

દાદાશ્રી : હા, થઈ જ જવાનું એટલે ‘હું શુદ્ધાત્મા છું.’ એમ નક્કી કરીને આ બધું અવળું-સવળું ‘જો ! તને અવળું-સવળું મહીં આવે એટલે તારે મનમાં એમ કલ્પના નહીં કરવાની કે ‘મારે અવળું થયું. શુદ્ધાત્મા મારો બગડ્યો !’ શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો આ અવળું-સવળું થાય છે, એ તો પરિણામ આવેલાં છે. પહેલાં ભૂલ કરી હતી, તેનાં આ પરિણામ છે. તે પરિણામ ‘જોયા’ કરો. અને અવળું-સવળું તો અહીં આગળ લોકની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું-સવળું કશું છે જ નહીં.

પ્રશ્નકર્તા : અવળું-સવળું જો ભગવાનની ભાષામાં ના હોય તો પછી માથાકૂટ કરવાની જ ક્યાં રહી ?

દાદાશ્રી : કશી જ માથાકૂટ કરવાની નથી. તેથી હું કહું છું કે ‘જુઓ’ અને કોઈને દુઃખ ના થાય. ને દુઃખ થાય તો તેનું પ્રતિક્રમણ કરજો, એમ ભગવાને કહેલું.

પ્રશ્નકર્તા : અવળું-સવળું ભગવાનની ભાષામાં ના રહ્યું, તો પછી પ્રતિક્રમણ કરવાનું રહ્યું જ ક્યાં ?

દાદાશ્રી : સામાને દુઃખ થાય છે તેથી. સામાને દુઃખ ના થવું જોઈએ, એ ભગવાનની ભાષા ખરી ને ?

પ્રશ્નકર્તા : પણ આપણો આશય સારો હોય છે, તોય દુઃખી થાય છે ?

(પા.૧૭૯)

દાદાશ્રી : આશય સારો હોય, ગમે તે હોય, પણ એને દુઃખ ના થવું જોઈએ. એટલે સામાને દુઃખ થયું ત્યાંથી જ ચોંટશે. એટલે સામાને દુઃખ ના થાય એવી રીતે કામ લેવું.

પ્રશ્નકર્તા : લોકોને સાચી વાત ગમતી જ નથી, પછી બોલવાનું જ ક્યાં રહ્યું ?

દાદાશ્રી : ના, સાચી વાત ના ગમે એવું હોતું જ નથી. એવું છે ને કે સાચી વાત, સાચી વાત ક્યારે ગણાય છે ? એકલા સત્ય સામે જોવાનું નથી. એના બીજાં ત્રણ પાસાં હોવાં જોઈએ. એ પાછું હિતકર હોવું જોઈએ. સામો રાજી થવો જોઈએ. પછી તમારી વાત ઊંધી હોય કે છતી હોય પણ સામો રાજી થવો જોઈએ, પણ એમાં તમારી દાનત ખોરી ના હોવી જોઈએ અને સત્ય બોલતાં સામાને જો દુઃખ થતું હોય તો આપણને બોલતાં જ નથી આવડતું. સત્ય તો પ્રિય, હિતકર ને મિત હોવું જોઈએ. મિત એટલે સામાને એમ ન થવું જોઈએ કે ‘આ કાકા અમથા બોલ બોલ કર્યા કરે છે !’ સામાને ગમી તે જ વાણી સત્ય. જેણે આ સત્યનાં પૂંછડાં પકડ્યાં, તેના બધા એ માર ખાધેલા.

પ્રશ્નકર્તા : મસ્કા મારવા એનું નામ સત્ય ? ખોટી ‘હા’ પુરાવવી ?

દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ. સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલાવી જોઈએ.

પ્રશ્નકર્તા : ‘સામાને શું થશે’, એનો વિચાર કરવા બેસે તો ક્યારે પાર આવે ?

દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે. વાતને જ ખાલી સમજવાની છે. આ તો વિજ્ઞાન છે. એટલે વાત જ સમજી લે તો કશું અડે એવું નથી અને ચંદુભાઈને તમે જ્યારે પૂછો, તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ? ત્યારે કહે ‘હું શુદ્ધાત્મા છું’ બસ. પછી બીજું શું પૂછવાનું રહ્યું ? પછી એ આડું

(પા.૧૮૦)

કરે તો એમને સુખ રોકાય એટલું જ.

જગતમાં આપણે બધાને ગમીશું તો કામ લાગશે. જગતને આપણે ગમ્યા નહીં, તો તે આપણી જ ભૂલ છે. એટલું સમજી લેવાની જરૂર છે. માટે ‘એડજસ્ટ એવરીવેર.’ આ ભાંજગડનો તો પાર જ ના આવે ને ? હું જુદું કહું, આ જુદું કહે, તો લોકો તો સાંભળે જ નહીં ને ? લોક તો શું કહે છે કે અમને ફીટ થવું જોઈએ.

અમને ઘણા કહે કે ‘દાદા, તમને આ આવડતું હશે ને તેય આવડતું હશે.’ ત્યારે હું કહું કે, ‘અલ્યા ભઈ, મને તો કશું જ આવડતું નથી. તેથી તો આ હું આત્માનું શીખ્યો.’

આપણે વગર કામની લપ્પન-છપ્પન શું કરવા કરવાની ? લપ્પન-છપ્પન કરીએ તો આવતાંય શાદી થાય ને જતાંય શાદી થાય. એટલે રીતસર બધું સારું, બહુ અતિશયમાં ઊતરવા જેવું નથી.

આપણે તો બધાને ફીટ થાય એવું રાખવું. મારે કોઈ જોડે મતભેદ નથી પડતો. મતભેદ પડ્યો ત્યાંથી જાણું કે મારી ભૂલ છે ને ત્યાં હું તરત જાગૃત થઈ જાઉં. તમે મારી સાથે ગમે તેટલું વાંકું બોલતા હો પણ એમાં તમારી ભૂલ નથી, ભૂલ તો મારી છે, સીધું બોલનારની છે. કારણ કે એ એવું કેવું હું બોલ્યો કે આને મતભેદ પડ્યો ! એટલે જગતને ‘એડજસ્ટ’ શી રીતે થાય એ જોવાનું. તમે સામાના હિતમાં હો, જેમ કે દવાખાનામાં કોઈ દર્દી હોય તેના સંપૂર્ણ હિતમાં તમે હો. તેથી તમે એને ‘આમ કરો, આમ ના કરો’ એમ કહ્યા કરો, પણ પેશન્ટને કંટાળો આવે કે આ શી ભાંજગડ વગર કામની ?

એટલે જે પાણીએ મગ ચડે, તે પાણીએ મગ ચડાવવાના છે. આજવાનાં પાણીએ ના ચડે તો આપણે બીજું પાણી નાખવું, કૂવાનું નાખવું ને તેમ છતાંય ના ચડે તો ગટરનું પાણી નાખીને પણ મગ ચડાવો, આપણે તો મગ ચડાવવા સાથે કામ છે !

સામાને સમાધાન આપો

આપણે બધાએ શીખવાનું શું છે કે મતભેદ ના પડે એવું વર્તન

(પા.૧૮૧)

રાખવું. મતભેદ પડ્યો એ તમારી જ ભૂલ છે, તમારી જ નબળાઈ છે. સામાને આપણાથી સમાધાન થવું જ જોઈએ. સામાના સમાધાનની જવાબદારી આપણા માથે છે.

તમારાથી સામાનું સમાધાન ના થાય તો તમે શું સમજો ? સામાને સમજણ ઓછી છે, એવું જ સમજોને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તમારે ભાંજગડ પડે, તે વખતે આપણે ફેરવીને પણ ‘એને ભાંજગડ ના પડે’ એવી રીતે કામ લેવું જોઈએ. જો તમે સમજણવાળા છો તો તમે ફરો ને સમાધાન કરાવો. જો તમે ફરો નહીં તો તમે સમજણવાળા નથી. બાકી સામો તો ફરશે નહીં. એટલે હું કોઈને ફેરવતો નથી. હું જ એને કહું કે, ‘ભઈ હું જ ફરીશ બા.’ આપણે રાગે રાખવું.

અગિયાર વાગે મને તમે કહો કે, ‘તમારે જમી લેવું પડશે.’ હું કહું કે થોડીવાર પછી જમું તો ના ચાલે ? ત્યારે તમે કહો, ‘ના જમી લો, પાર આવી જાય.’ તો હું તરત જ જમવા બેસી જઉં. હું તમને ‘એડજસ્ટ’ થઈ જઉં. હવે તો ‘એડજસ્ટ’ ના થનારાને જગત મૂરખ કહેશે. દરેકમાં ‘એડજસ્ટ’ નહીં થાવ, તો સામો માણસ આપણને શું અભિપ્રાય આપશે ?

સમજણ કોનું નામ કહેવાય ? ફીટ થાય એનું નામ સમજણ ! અને ગેરસમજણ કોનું નામ કે ફીટ ના થાય. આ એક જ વાત સમજી લેવાની છે. પછી એ કાયદેસર હો કે ગેરકાયદેસર હો, એ જોવાનું નથી.

પ્રશ્નકર્તા : ઇન્દ્રિય સમજણથી ચેતનતા તો ઘણી આગળ છે ને ? ચેતનતા હોય તો અથડામણ જ ના થઈ શકે.

દાદાશ્રી : ના, અથડામણ તો થવી જ ના જોઈએ. અથડામણ ત્યાં જ આપણી અણસમજણ છે. આમાં ચેતનતાને સવાલ જ નથી. ચેતન તો ચેતન જ છે. આ તો અણસમજણ ભરેલી છે તેથી ! અણસમજણ શાથી ઊભી થાય છે ? મહીં ‘ઈગોઈઝમ’નું મૂળિયું છે તેથી ! એ અહંકારનું મૂળિયું જ્યાં સુધી હોય, ત્યાં સુધી ઊંચું ઊંચું થયા જ કરે. પજવે, હેરાન

(પા.૧૮૨)

કરી નાખે, જંપવા ના દે. એટલે આપણે ધીમે રહીને એનું મૂળ ઊખેડી નાખવું પડે. કોઈ કશુંક બોલે તો મહીં પેલું અહંકારનું મૂળિયું ઊભું થાય પછી જંપીને બેસવા ના દે. ઘણું દબાય દબાય કરે, પણ બેસવા ના દે.

એના કરતાં ‘હમ કુછ જાનતા નહીં’ એવો ભાવ આવ્યો. એટલે બસ આપણે ‘શુદ્ધાત્મા’ તરીકે જ્ઞાની છીએ અને આ પ્રમાણે વ્યવહારિક રીતે છે.

અસમાધાનોમાં એડજસ્ટમેન્ટ કે પ્રતિક્રમણ ?

પ્રશ્નકર્તા : કોઈ માણસ આજ્ઞાપૂર્વક કહે કે તમે આમ કરો ને એ માણસ ઉપર વિશ્વાસ ના હોય ને તો ત્યાં પ્રકૃતિ ‘એડજસ્ટ’ થતી નથી, તો શું કરવું ?

દાદાશ્રી : વિશ્વાસ વગર તો આ જમીન ઉપર બે પગેય ના પડે ! ‘આ જમીન પોલી છે’ એવું જાણી જઈએ, તો પછી કોઈ ત્યાં જાય નહીં ને ! આ સ્ટીમરમાં કાણું પડ્યું છે; એવું જાણે તો કોઈ એમાં બેસે ?

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન પછી જે સહજપણું રહેવું જોઈએ અને સામાને એડજસ્ટ થવાનું હોય, તે ના થાય તો શું કરવાનું ?

દાદાશ્રી : એવું બને તો એવું ‘જોવું’ ! ‘આપણે’ ‘ચંદુભાઈ’ શું કરે છે, એ ફક્ત જોવું. એવું આપણું જ્ઞાન કહે છે.

પ્રશ્નકર્તા : આપણે સામાને ‘એડજસ્ટ’ ના થઈએ, એ આપણી આડાઈ કહેવાય ?

દાદાશ્રી : ના, એવું કશું નથી. સામાનો હિસાબ હોય એ પ્રમાણે બધું થાય.

પ્રશ્નકર્તા : પણ સામા માણસને દુઃખ તો થાય ને કે આ મારું માન નથી જાળવતા.

દાદાશ્રી : તો તેનું આપણે ‘ચંદુભાઈ’ પાસે પ્રતિક્રમણ કરાવડાવવું, એમાં બીજો કશો વાંધો નથી.

(પા.૧૮૩)

આ શાકમાં કેટલી જાતો છે ?

પ્રશ્નકર્તા : ઘણી બધી.

દાદાશ્રી : એવું આ બધું શાકની જેમ જાતજાતનું છે. પ્રતિક્રમણ એકલો જ એનો ઉપાય છે.

પ્રશ્નકર્તા : તો એવા પ્રસંગોમાં આપણે આપણું છોડી દેવું કે આપણું પકડી રાખવું ?

દાદાશ્રી : શું બને છે એ ‘જોવું.’

પ્રશ્નકર્તા : ઘણીવાર તો આપણી પકડ બે-બે, ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે છે. તે વખતે પ્રકૃતિ ‘એડજસ્ટ’ થતી નથી, તેનો અફસોસ રહ્યા કરે છે.

દાદાશ્રી : આપણી પ્રકૃતિ કોઈને બાધક થતી હોય તો પ્રતિક્રમણ કરાવવું. પ્રકૃતિ તો બહુ જાતજાતનું દેખાડે.

પ્રશ્નકર્તા : પણ એવે સમયે આપણે ધારો કે ‘એડજસ્ટ’ ના થઈએ અને સામાને દુઃખ થયા કરતું હોય, તો પછી શું કરવું ? આપણે ‘એડજસ્ટ’ થઈ જવું ?

દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ એકલું જ કરવાનું. ‘એડજસ્ટ’ થવુંય નહીં ને એ થવાતુંય નથી. આપણે ‘એડજસ્ટ’ થવું હોય તોય થવાય નહીં, ટિકિટ ચોંટે જ નહીં. તું ચોંટાડ ચોંટાડ કરું તોય ઊખડી જાય ! માટે સામાને આપણાથી દુઃખ થાય કે સુખ થાય, આપણે પ્રતિક્રમણ કરી લેવું.

કોઈને દુઃખ થતું હોય, તેથી કરીને આપણે ‘એડજસ્ટ’ થવું એવું લખ્યું નથી. એમ ‘એડજસ્ટ’ થવાતુંય નથી. એવો ભાવ જ, અભિપ્રાય જ ના હોવો જોઈએ કે ‘એડજસ્ટ’ થવું છે.

પ્રશ્નકર્તા : આ ના સમજાયું, ફરી સમજાવો !

દાદાશ્રી : ‘એડજસ્ટ’ થવાનો અભિપ્રાય જ ના હોવો જોઈએ. જ્યાં ‘એડજસ્ટ’ જ ના થવાય એવું હોય, ત્યાં આગળ ‘એડજસ્ટ’ થવાના અભિપ્રાયને શું કરવું છે ? એના કરતાં પ્રતિક્રમણ કરી લેવું, એ સારામાં

(પા.૧૮૪)

સારું છે !! ‘એડજસ્ટ’ થવાનો ભાવેય સારો નહીં. એ બધો સંસાર છે. આ રૂપે કે તે રૂપે, બધો સંસાર જ છે. આમાં ધર્મ નથી કે આત્મા નથી.

પ્રશ્નકર્તા : ‘ફાઈલોનો સમભાવે નિકાલ’ ના થાય, તો સામા માણસને દુઃખ થાય.

દાદાશ્રી : એનો નિકાલ દસ દહાડા પછી થાય, આજ મોંઘવારીમાં ના થાય તો તે જ્યારે સસ્તું થશે તે ઘડીએ થશે. એના માટે આપણે ઉજાગરો કરવાની જરૂર નથી. આપણે ‘શુદ્ધાત્મા’, પહેલી પોતાની ફોડી લેવી અને બીજાને દુઃખ થાય તેનું પ્રતિક્રમણ કરી લેવું. બીજી બધી ભાંજગડમાં ના પડાય. તું જેવું કરવાનું કહે છે એવું જો ‘જ્ઞાની પુરુષ’ કરે તો, એનો ક્યારે પાર આવે ? આવાં કેટલાં લફરાં ?

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સામા જોડે ‘એડજસ્ટમેન્ટ’ રાખવાનો ભાવ પણ ના હોવો જોઈએ. એનો અર્થ એવો કે બીજાને ‘એડજસ્ટમેન્ટ’ આપવાના ભાવમાં તન્મયાકાર થવાની જરૂર નહીં, ‘સુપરફલ્યુઅસ’પણે કરવાનું એવું આપ કહેવા માંગો છો ?

દાદાશ્રી : ‘એડજસ્ટમેન્ટ’ બહુ પ્રકારનાં હોય છે. કેટલાંક ‘એડજસ્ટમેન્ટ’ તો લેવા જેવાં જ નથી હોતાં. કેટલાક ‘એડજસ્ટમેન્ટ’ લેવા જેવાં હોય છે, પણ તેના માટે ભાવેય રાખવાની જરૂર નહીં. ‘શું બને છે’ એને ‘જોયા’ કરવું. આટલાથી એક અવતારમાં છૂટી જવાશે. થોડું ઘણું દેવું રહેશે તો આવતે ભવ ચૂકતે થઈ જશે.

આમાં મન આમળે ના ચઢે એટલું રાખવું. આપણું મન આમળે ચઢે એટલે એ વાત બંધ રાખવી. મન આમળે ચઢે એટલે મહીં પહેલું દુઃખ થાય, ગભરામણ થાય અને પછી બહુ આમળે ચઢે એટલે ચિંતા થાય. માટે મન આમળે ચઢતાં પહેલાં આપણે વાતને બંધ કરી દેવી, આ એનું લેવલ છે.

પ્રશ્નકર્તા : આમાં ઘણી વાર શું થાય કે સામા માણસને દુઃખ થાય ને એના મનનું સમાધાન નથી થતું ને !

દાદાશ્રી : સમાધાન તો વરસ દહાડા સુધી ના થાય એને આપણે

(પા.૧૮૫)

શું કહીએ ? આપણે મનમાં એવો ભાવ રાખવો કે સામાને સમાધાન થાય એવી વાણી નીકળવી જોઈએ. વાણી જે અવળી નીકળી હોય તેનું આપણે પ્રતિક્રમણ કરવાનું. બાકી આ તો સંસારનો પાર જ ના આવે. આ તો ઊલટું આપણને ઢસડી જાય. સામો તળાવમાં પડ્યો હોય તો તે તને હઉં તેમાં લઈ જાય ! આપણે આપણી ‘સેફ સાઈડ’ રાખીને કામ લેવું બધું. હવે આ સંસારમાં ઊંડા ઊતરવા જેવું જ નથી. આ તો સંસાર છે ! જ્યાંથી કાપો ત્યાંથી અંધારાની ને અંધારાની જ ‘સ્લાઈસ’ નીકળશે ! આ ડુંગળી કાપે તેની બધી જ ‘સ્લાઈસ’ ડુંગળી જ હોય ને ?

કોઈને પ્રતિક્રમણ કરતાં રાગે ના પડતું હોય તો આવતે ભવ ચૂકવાશે. પણ અત્યારે તો આપણે આપણું કરી લેવું. સામાનું સુધારવા જતાં આપણું ના બગડે એ પહેલામાં પહેલું રાખો ! સબ સબકી સમાલો !!

પ્રશ્નકર્તા : સંસાર વ્યવહાર કરતાં શુદ્ધ આત્મહેતુ કેવી રીતે જાળવી રાખવો ?

દાદાશ્રી : એ જળવાઈ જ રહ્યો છે. તારે જાળવવાની જરૂર ન હોય. ‘તું’ ‘તારી’ જાતને જાળવ ! ‘ચંદુભાઈ’ એની જાતને જાળવે !

પ્રશ્નકર્તા : આવી જાગૃતિ થયા પછી એ પાછી હઠે નહીં ને ?

દાદાશ્રી : ના, એ પાછી હઠે નહીં, પણ આ કાળ વિચિત્ર છે. ધૂળ ઉડાડેને તોય જાગૃતિ ઓછી થઈ જાય એવું છે અને જોડે જોડે આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, એટલે કે કર્મો ખપાવ્યા સિવાયનું વિજ્ઞાન છે. આ કર્મો ખપાવવા જતાં તમને આ ધૂળ ઉડશે. મને તો વાંધો ના આવે. કારણ કે મને બહુ કર્મો રહ્યાં ના હોય. આપણું આ ‘અક્રમ વિજ્ઞાન’ તો બધાં કર્મોને ઉડાડી મૂકે તેવું છે, પણ આપણી તૈયારી જોઈએ. આખી દુનિયાના તોફાનને ઉડાડી મૂકીએ એવું આ વિજ્ઞાન છે. પણ આપણે જો એની જોડે સ્થિર રહીએ તો ! આપણે જો જ્ઞાન જોડે સ્થિરતા પકડીએ તો કોઈ નામ દે એવું નથી.

આ તો જાગૃતિનો માર્ગ છે, આપણે જાગૃત રહેવું. સામાને દુઃખ થયું, તેનું પ્રતિક્રમણ કરવાનો આપણી પાસે ઇલાજ છે. બીજું શું કરવાનું ? બીજું તો આ દેહ, મન, વાણી બધું ‘વ્યવસ્થિત’ને તાબે છે.

(પા.૧૮૬)

અપ્રતિક્રમણ દોષ, પ્રકૃતિનો કે અંતરાય કર્મનો ?

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ના થાય એ પ્રકૃતિદોષ છે કે એ અંતરાય-કર્મ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિદોષ છે. અને આ પ્રકૃતિદોષ બધી જગ્યાએ નથી હોતો. અમુક જગ્યાએ દોષ થાય ને અમુક જગ્યાએ ના થાય. પ્રકૃતિ દોષમાં પ્રતિક્રમણ ના થાય તેનો વાંધો નથી. આપણે તો એટલું જ જોવાનું છે કે આપણો શો ભાવ છે ? બીજું કંઈ આપણે જોવાનું નથી. તમારી ઇચ્છા પ્રતિક્રમણ કરવાની છે ને ?

પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી.

દાદાશ્રી : તેમ છતાં પ્રતિક્રમણ ના થાય, તો એ પ્રકૃતિદોષ છે. પ્રકૃતિદોષમાં તમે જોખમદાર નથી. કોઈ વખતે પ્રકૃતિ બોલેય ખરી ને ના પણ બોલે, આ તો વાજું કહેવાય. વાગે તો વાગે, નહીં તો નાયે વાગે, આને અંતરાય ના કહેવાય.

ઘણાં માણસો મને કહે છે કે, ‘દાદા, સમભાવે નિકાલ કરવા જઉં છું, પણ થતો નથી !’ ત્યારે હું કહું છું, ‘‘અરે ભઈ, નિકાલ કરવાનો નથી ! તારે સમભાવે નિકાલ કરવાનો ભાવ જ રાખવાનો છે. સમભાવે નિકાલ થાય કે ના થાય. એ તારે આધીન નથી. તું મારી આજ્ઞામાં રહે ને ! એનાથી તારું ઘણું ખરું કામ પતી જશે અને ના પતે તો તે ‘નેચર’ના આધીન છે.’’

અમે તો એટલું જ જોઈએ કે, ‘મારે સમભાવે નિકાલ કરવાનો છે.’ એટલું તું નક્કી કર. પછી તેમ થયું કે ના થયું તે અમારે જોવાનું નથી. આ નાટક ક્યાં સુધી જોવા બેસી રહીએ ? એનો પાર જ ક્યાં આવે ? આપણે તો આગળ ચાલવા માંડવાનું. વખતે ‘સમભાવે નિકાલ’ ના પણ થાય. હોળી સળગી નહીં તો આગળ ઉપર સળગાવીશું. આમ ફૂટાફૂટ કરવાથી ઓછી સળગે ? એનો ક્યારે પાર આવે ? આપણે દીવાસળીઓ સળગાવવી, બીજું સળગાવ્યું, પછી આપણને આનું શું કામ ? મેલ પૂળો ને આગળ ચાલો.

(પા.૧૮૭)

પ્રશ્નકર્તા : જો પ્રતિક્રમણ થાય તો એ ધર્મધ્યાનમાં ગયું કે શુકલધ્યાનમાં ગયું ?

દાદાશ્રી : ના, એ ધર્મધ્યાનમાંય નથી જતું ને શુકલધ્યાનમાંય નથી જતું. આ પ્રતિક્રમણ કોઈ ધ્યાન નથી. પ્રતિક્રમણ તમને ચોખ્ખા કરે. ખરી રીતે આત્મા પ્રાપ્ત કર્યા પછી પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી, પણ આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે. તમને રસ્તે જતાં આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. તે પાછલા દોષો ધોવા પ્રતિક્રમણ કરવાં પડે. આટલા બધા દોષોની અંદર જો પ્રતિક્રમણ ના કરે તો એ દોષો ખૂબ કૂદાકૂદ કરે ! આ કપડાં બગડે તેને ધોવાં તો પડે જ ને ? અને ‘ક્રમિક માર્ગ’માં તો કપડાં ચોખ્ખાં કર્યા પછી આત્મા પ્રાપ્ત થાય છે. એમાં એમને ડાઘ જ પડવાનો નહીં ને ?

અક્રમ માર્ગે એકાવતારી !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ’ ના થાય ?

દાદાશ્રી : આત્મા પોતે કર્તા થાય તો જ કર્મ બંધાય. બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો ગુજરાતી ચાર ચોપડીવાળાને ‘ગ્રેજ્યુએટ’ બનાવીએ તો, પછી વચલા ધોરણોનું શું થાય ? એટલે આટલું પ્રતિક્રમણ અમે વચ્ચે મૂક્યું છે.

આ ‘અક્રમ જ્ઞાન’ પામ્યા પછી એક કે બે ભવમાં ઉકેલ આવે તેમ છે. હવે ભવ રહેવો કે ના રહેવો, એ ધ્યાન ઉપર આધાર રાખે છે. નિરંતર શુકલધ્યાન એકલું જ રહેતું હોય તો બીજો ભવ થાય જ નહીં. પણ ‘અક્રમ માર્ગ’માં શુકલધ્યાન ને ધર્મધ્યાન બે થાય છે. અંદર શુકલધ્યાન થાય છે ને બહાર ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન શાથી થાય છે ?

‘દાદા’ના કહ્યા પ્રમાણે આજ્ઞા પાળવાની રહે છે તેનાથી. આજ્ઞા પાળવી એ શુકલધ્યાનનું કામ નહીં, એ ધર્મધ્યાનનું કામ છે. એટલે ધર્મધ્યાનને લઈને એક અવતાર કે બે અવતાર પૂરતું ‘ચાર્જ’ થાય છે.

(પા.૧૮૮)

[25]

આરાધના કરવા જેવું ... અને જાણવા જેવું ... !

પ્રશ્નકર્તા : હવે જે ‘રિયલ’ જોઈએ છીએ, ત્યારે ‘રિયલ’ તરફ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ તે થતો નથી અને ‘રિલેટિવ’ ઉપચાર સ્વરૂપે થઈ ગયું છે, તો આ શું કહેવાય ?

દાદાશ્રી : જો પ્રેમ થાય તો સામો દ્વેષ ઉત્પન્ન થાય. પ્રેમ ઉત્પન્ન કરવાની જરૂર નથી. આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ ‘રિયલ’ એક જ છે ! ‘શુદ્ધાત્મા’ની રમણતા એટલે નિરંતર ‘શુદ્ધાત્મા’નું ધ્યાન રહે તે ! હવે સ્વરમણતા કરવાની, બીજું કશું કરવાનું નથી.

પ્રશ્નકર્તા : ‘રિલેટિવ’ને જાણવાનું ને ‘રિયલ’ને પણ જાણવાનું છે ?

દાદાશ્રી : ના, ‘રિયલ’નું આરાધન કરવાનું છે અને ‘રિલેટિવ’ને જાણવાનું છે ! જાણવા જેવું એકલું ‘રિલેટિવ’ જ છે. આ ‘રિયલ’ તો અમે તમને જણાવી દીધું છે !

હવે આ જગત આખું ‘જ્ઞેય’ સ્વરૂપે છે અને તમે ‘જ્ઞાતા’ છો. તમને ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ? ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયા પછી ‘જ્ઞેય’ને જોયા જ કરવાનું છે !

તમારે હવે શુદ્ધાત્મા તરફ પ્રેમ રાખવાની જરૂર નથી. કારણ કે તમે તે રૂપ તો થઈ ગયા છો, હવે કોની જોડે પ્રેમ કરશો ? તમને જ્ઞાન, દર્શન ને ચારિત્ર શરૂ થઈ ગયું છે ! નહીં તો જોવા-જાણવા પર રાગ-દ્વેષ થાય ! જુએ-જાણે તેની પર રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ ચારિત્ર કહેવાય.

હવે તો તમારે ચારિત્ર પણ ઊંચું થઈ ગયું. આ તો અજાયબી થઈ ગયેલી છે !! પણ હવે એને સાચવી રાખો તો ખરું ! કોઈ ચોકલેટ આપીને

(પા.૧૮૯)

કોઈ બંગડીઓ ના પડાવી લે તો સારું. હવે તો તમને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ બધું જ ચાલ્યા કરવાનું. પણ તપની તમને ખબર ના હોય કે ક્યાં આગળ તપ થાય છે ! અમારી ‘આજ્ઞા’ જ એવી છે કે તપ કરવું જ પડે !

અમે મોટરમાં ફરીએ પણ કોઈની જોડે વાત ના કરીએ, કારણ અમે ઉપયોગમાં જ હોઈએ. અમે સહેજ ઉપયોગ ના ચૂકીએ !

આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટે કરીને રહેવાય અને આ તો સહેજેય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે.

પ્રશ્નકર્તા : એ સમજાય છે, દાદા.

દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આમ જ કરવું છે ! શુદ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જવાય ! અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ !

નિજવસ્તુ રમણા

પ્રશ્નકર્તા : ‘નિજવસ્તુ’ રમણતા કેવી રીતે થાય ?

દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ એવું કલાક-બે કલાક બોલે તોય ચાલે, એમ કરતાં કરતાં રમણતા આગળ વધે !

પ્રશ્નકર્તા : રમણતા તો બધી વિવિધ રીતે હોય ને ?

દાદાશ્રી : એ તો જેને જેવું આવડે એવું એ કરે. સ્થૂળમાં હોય તો, ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ બોલ્યા કરે, અગર તો ચોપડી લઈને ‘હું શુદ્ધાત્મા છું’ એવું લખ્યા કરે. એનાથી શું થાય, તો કે દેહ હઉ રમણતા કરે છે, વાણી હઉ રમણતા કરે છે, મન પણ મહીં આવી જાય.

પહેલું જાડું કરેને એટલે પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતાં

(પા.૧૯૦)

કરતાં ઝીણું થાય અને જો એનાં ગુણ જ બોલ્યા કરે, એ સાચી રમણતા કહેવાય. એ તરત જ ‘ઓન ધ મોમેન્ટ’ ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.

પ્રશ્નકર્તા : જેવા આ પુદ્ગલના રસો છે તેમ આત્માના રસો, આનંદ પ્રગટ થવા જોઈએ ને ?

દાદાશ્રી : એવું છે કે તમે અપરિગ્રહી શાના આધારે છો ? ‘અક્રમ વિજ્ઞાન’ના આધારે ! પણ વ્યવહારથી અપરિગ્રહી નથી, એટલે ‘અપરિગ્રહી દશા’ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી છેલ્લી ‘વસ્તુ’ હાથમાં ના આવે !

પ્રશ્નકર્તા : ત્યાં સુધી સાચો રસ, આનંદ મેળવવા અમારે શું કરવું ?

દાદાશ્રી : ‘હું અનંત જ્ઞાનવાળો છું’, ‘હું અનંત દર્શનવાળો છું’, હું અનંત સુખનું ધામ છું, ‘હું અનંત શક્તિવાળો છું’.... બોલો, એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! આત્મા તો પોતે આનંદમય જ છે, એટલે એ વસ્તુ સર્વરસમય જ છે ને તે પોતાને હોય છે જ. પણ પોતાની જાગૃતિની કચાશને લીધે એ ક્યાંથી આવે છે, એ ખબર પડતી નથી.

પ્રશ્નકર્તા : પુદ્ગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક-કલાક સુધી બોલો તો તરત ઘણું ઘણું ફળ આપે. આ તો રોકડું ફળવાળી વસ્તુ છે, અગર તો દરેકની મહીં ‘શુદ્ધાત્મા’ જોતાં જોતાં જાવ તોય આનંદ થાય એવું છે.

પ્રશ્નકર્તા : સામા માણસમાં શુદ્ધાત્મા જોઈએ, તો સામા માણસને આનંદ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ના થાય. કારણ કે એની વૃત્તિઓ તે ઘડીએ શેમાંય પડેલી હોય ! એ શેનાયે વિચારમાં પડેલો હોય ! હા, એનામાં ‘શુદ્ધાત્મા’ જોવાથી તમને બહુ ફાયદો થાય. સામાને ફાયદો તો ‘જ્ઞાની પુરુષ’ એકલા જ કરી શકે !

(પા.૧૯૧)

પ્રશ્નકર્તા : દાદા, આપે ચાર પ્રકારની આત્મરમણતા કહી. તે જરા ફરીથી કહો ને !

દાદાશ્રી : કેટલાક ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ બોલે. કેટલાક ‘હું શુદ્ધાત્મા છું’ એમ લખીને કરે, તો એમાં દેહ પણ રમણતામાં પેઠો કહેવાય. દેહ, વાણી અને મન ત્રણેય લખવામાં હાજર હોય અને કેટલાક બહારનો વ્યવહાર ચાલતો હોય, છતાંય મનથી જો ‘શુદ્ધાત્મા’ની ખરેખર રમણા કરે તે અને શુદ્ધાત્માના ગુણોમાં રમણા કરે; જેમ કે, હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત શક્તિવાળો છું... એ સિદ્ધસ્તુતિ કહેવાય. એ બહુ ફળ આપનારી છે !

પ્રશ્નકર્તા : દાદા, આપ જેવી રીતે બીજાના સુખને માટે પ્રયત્ન કરો છો, અને કેટલાંયને ભયંકર દુઃખની યાતનામાંથી પરમ સુખી બનાવી દો છો, તો એવું અમારે થવું હોય તો થઈ શકીએ કે નહીં ?

દાદાશ્રી : હા, થઈ શકો. પણ તમારી એટલી બધી ‘કેપેસિટી’ આવવી જોઈએ. તમે નિમિત્ત રૂપ બની જાવ. એટલા માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. બાકી તમે કરવા કે બનવા જાવ, તો કશું બને એવું નથી !

પ્રશ્નકર્તા : તો નિમિત્ત રૂપ બનવા માટે અમારે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આ જ બધું હું કહું છું તે અને નિમિત્ત રૂપ બનાવતાં પહેલાં અમુક જાતનો ‘કાટ’ નીકળી જવો જોઈએ.

એમાં કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈની પર ચિડાવાનો એવા બધા હિંસકભાવ થવા ના જોઈએ. જો કે ખરેખર તમને આ હિંસકભાવ નથી. આ તમારા ‘ડિસ્ચાર્જ’ હિંસકભાવ છે, પણ જે ‘ડિસ્ચાર્જ’ હિંસક ભાવ છે તે ખલાસ થશે ત્યારે આ બધી શક્તિઓ છે તે ‘ઓપન’ થશે. ‘ડિસ્ચાર્જ ચોરીઓ’, ‘ડિસ્ચાર્જ અબ્રહ્મચર્ય’, એ બધાં ‘ડિસ્ચાર્જ’ ખાલી થાય. ત્યાર પછી પારકાંને માટે નિમિત્ત બનવાની શક્તિ ઉત્પન્ન થાય! આ બધું ખાલી થાય એટલે તમે પરમાત્મા જ થયા ! આ અમારે ખાલી થઈ ગયું છે, તેથી તો અમે નિમિત્ત બન્યા છીએ !

(પા.૧૯૨)

પ્રશ્નકર્તા : એટલે પહેલાં ‘કાટ’ ખાલી કરવાની વાત અમારે કરવી.

દાદાશ્રી : પુરુષાર્થ કરીને બધું થાય ! પુરુષ થયો એટલે પુરુષાર્થમાં આવી શકે, એવું અમે બધું કરી આપ્યું છે ! હવે તમે તમારી મેળે જેટલો પુરુષાર્થ માંડો એટલો તમારો !

પ્રશ્નકર્તા : હું મારા શુદ્ધાત્મામાં રહું, પણ જોડે જોડે સામાના શુદ્ધાત્માનું અનુસંધાન થવું જોઈએ ને ?

દાદાશ્રી : સામાના શુદ્ધાત્મા જોવામાં ફાયદો શો છે કે, આપણી પોતાની શુદ્ધિ વધારવા માટે છે, નહોય કે સામા માણસને લાભ કરાવવા માટે ! પોતાની શુદ્ધ દશા વધારવા માટે સામાના શુદ્ધાત્મા જુઓ એટલે પોતાની દશા વધતી જાય !

પ્રશ્નકર્તા : એક શુદ્ધાત્માનું બીજા શુદ્ધાત્મા જોડે અનુસંધાન થાય કે નહીં ?

દાદાશ્રી : અનુસંધાન કશું નહીં, આ સ્વભાવ છે. આ ‘લાઈટ’, આ ‘લાઈટ’, આ ‘લાઈટ’ - આ ત્રણ ‘લાઈટો’ ભેગી કરીએ, તેમાં દરેક ‘લાઈટ’નું પોતાનું વ્યક્તિત્વ તો જુદું રહેશે. એમાં એકબીજાને કશો ફાયદો કોઈ કરતું નથી.

પ્રશ્નકર્તા : તો પછી સામાના માટે આપણને જે ખોટા ભાવ છે, ખરાબ ભાવ છે, તે પ્રતિક્રમણ કરવાથી ઓછા થાય ખરા ?

દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય, આપણા પોતાના માટે જ છે, આ બધું. સામાને આપણી જોડે કશી લેવાદેવા નથી.

(પા.૧૯૩)

[26]

શુદ્ધાત્મા ને કર્મરૂપી ફાચર

‘સ્વરૂપજ્ઞાન’ પ્રાપ્ત થયા પછી બાકી શું રહ્યું ? બધામાં શુદ્ધાત્મા દેખાય છે, પોતાનામાં શુદ્ધાત્મા દેખાય છે, ત્યારે હવે બાકી શું રહ્યું ? કર્મરૂપી ફાચર. પોતે પરમાત્મા થઈ ગયા, બધુંય જાણે છે, પણ શું થાય છે ? ત્યારે કહે કે કર્મરૂપી ફાચર નડે છે. કર્મરૂપી ફાચર શેનાથી નીકળી જાય ? ‘ફાઈલ’નો સમભાવે નિકાલ કરવાથી.

રાગ-દ્વેષ કર્યા વગર આવી પડેલી ‘ફાઈલો’નો સમભાવે નિકાલ કરવો એ જ એનો, કર્મરૂપી ફાચરો કાઢવાનો ઉપાય છે. ફાચરની ક્રિયાઓ આપણાથી બધી જ થાય. અરે, કોઈને આપણો હાથ પણ વાગી જાય, પણ રાગ-દ્વેષ થાય નહીં. ફાઈલ આવતાં પહેલાં જ આપણે નક્કી કરેલું હોય કે આનો સમભાવે નિકાલ કરવો છે. પોતે પૂર્વે ચીતરેલા ચોપડા એ જ કર્મરૂપી ફાચર કહેવાય છે. કર્મરૂપી ફાચર જે ઘડીએ ફરી વળેને, તે ઘડીએ વગરકામનું આપણને ગૂંચાય, ગૂંચાય કર્યા કરે. તે આપણે ‘જાણીએ’ કે આજે એણે ચંદુભાઈને બહુ ગૂંચવ્યા, આપણને ના ખબર પડે ?

કર્મરૂપી ફાચર બધાને જુદી જુદી હોય કે એક જ જાતની ? જુદી જુદી હોય. કારણ કે બધાનાં મોઢાં જુદી જુદી જાતનાં હોય. આ માજી, આ બેનને શીખવાડવા જાય, તો એમાં એનો મેળ શું ખાય ? દાદા સમજી જાય કે માજીમાં આ ફાચર છે ને બેનમાં આ ફાચર છે. અમને તો શેનાથી આ લોકોની કર્મરૂપી ફાચર ઉત્પન્ન થઈ છે તેનીયે ખબર પડી જાય. એ તો ભાઈના અભ્યાસ ઉપરથી ઓળખાય કે આ ભાઈને પહેલાંની ફાચરો કેવી છે. અત્યારનો અભ્યાસ એવું કહે કે આ ખોટું છે બધું, આ આપણી ભાંજગડ જ ન હોય. પણ પહેલાંની ફાચરોના સિક્કા વાગી ગયેલા, તેનું શું થાય ?

(પા.૧૯૪)

એ તો ભોગવ્યે જ છૂટકો ! એ ફાચરો કડવા-મીઠા રસો ચખાડીને જાય ! ઘડીકમાં મીઠો રસ આપે, તો ઘડીકમાં કડવો રસ આપે ! મીઠો રસ ગમે ખરો તમને ?

જ્યાં સુધી મીઠો રસ ગમે છે, ત્યાં સુધી કડવાનો અણગમો લાગે. મીઠું ગમતું બંધ થઈ જાય ને, તો કડવાનો અણગમોય બંધ થઈ જાય ! આ મીઠું ગમે છે ક્યાં સુધી ? ત્યારે કહે, હજી મોક્ષમાં જ સુખ છે એવો પૂરેપૂરો અભિપ્રાય મજબૂત થયો નથી. હજુ અભિપ્રાય કાચો રહે છે. માટે એવું બોલ બોલ કરવું કે, ‘ખરું સુખ મોક્ષમાં જ છે, ને આ બધું ખોટું છે, આમ છે, તેમ છે.’ એમ થોડી થોડી વારે ‘તમારે’ ‘ચંદુભાઈ’ને સમજાય સમજાય કરવું. કોઈ રૂમમાં ના હોય, એકલા હોવ ત્યારે ઉપદેશેય અપાય કે, ‘ચંદુભાઈ ! બેસો, વાતને સમજી જાવને !’ કોઈ ના હોય ત્યારે આપણે આવું કરીએ તો કોઈને શી ખબર પડે કે આપણે શું નાટક કરીએ છીએ ? કોઈ હોય ત્યારે તો એ આપણને શું કહે કે આ ચક્રમ થઈ ગયો છે કે શું ? અલ્યા, ચક્રમ નથી થયો. ચક્રમપણું થયેલું તેને હું કાઢું છું !!! તોય એ તો એવું જ કહે કે ‘તમે ચંદુભાઈ જોડે વાત કરો છો, તે તમે કેવા માણસ છો ? તમે પોતે જ ચંદુભાઈ નહોય ?’ એટલે આપણે તો એકલા હોઈએ ત્યારે રૂમ બંધ કરી ચંદુભાઈને કહેવું, ‘બેસો ચંદુભાઈ, આપણે થોડી વાતચીત કરીએ, તમે આમ કરો છો, તેમ કરો છો, તેમાં તમને શો ફાયદો ? અમારી જોડે એકાકાર થઈ જાવને ? અમારી જોડે તો પાર વગરનું સુખ છે !!! આ તો એમને જુદાઈ છે, માટે આપણે કહેવું પડે છે. જેમ આ નાનાં છોકરાંને સમજાવવું પડે-કહેવું પડે, તેમ ‘ચંદુભાઈ’નેય કહેવું પડે, તો જ પાંસરું પડે.

અરીસા સામાયિક

તમે કોઈ દહાડો અરીસામાં જોઈને ચંદુભાઈને ઠપકો આપો છો ? આપણે અરીસામાં ચંદુભાઈને સામા બેસાડીને કહીએ કે, ‘તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શા માટે કરો છો ?’ આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે, એના કરતાં તમે પણ કહો

(પા.૧૯૫)

તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારાં મનમાં શું થાય ? મારી જોડે પાડોશમાં છે ‘તે’ મને નથી કહેતા ને આ દાદા મને શું કરવા કહે છે ? માટે આપણે જાતે જ ઠપકો આપીએ.

પારકાંની ભૂલો કાઢતાં બધીય આવડે અને પોતાની એકુય ભૂલ કાઢતાં નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી. તમારે તો ‘ચંદુભાઈ’ને વઢવાનું જ છે જરા. તમે તો તમારી બધી ભૂલો જાણી ગયા છો. એટલે હવે ‘તમારે’ ચંદુભાઈને ઠપકો આપવાનો છે, એ નરમ પણ છે, પાછા માની પણ એવા જ છે, બધી રીતે ‘માનવાળું’ છે. એટલે એને જરા પટાવીએ તો બધું કામ થાય.

હવે આ વઢવાનો આપણે ક્યારે અભ્યાસ કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ, પણ એ સાચું વઢનારા ના હોય ને ? સાચું વઢનારા હોય તો કામનું, તો જ પરિણામ આવે. નહીં તો જૂઠું બનાવટી વઢનારું હોય તો કામનું પરિણામ ના આવે. આપણને કોઈ વઢનારું હોય તો આપણે તેનો લાભ લેવો જોઈએ ને ? આ તો આવું ગોઠવતાં આવડતું નથી ને !

પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં.

દાદાશ્રી : એ નથી ગમતા. પણ રોજના વઢનારા લાગુ થયા હોય પછી તો આપણને નિકાલ કરતાં આવડે ને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ? એના કરતાં આપણે આપણી ‘ગુફામાં’ પેસી જાવ ને ?

અરીસામાં ઠપકા સામાયિક

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે, ‘હું જીવ નથી, પણ શિવ છું.’ પણ એ જુદું પડતું નથી.

દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ? એનો એ હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી સમજાવીને, પટાવી પટાવીને કામ લેવું પડે. કારણ એ તો ભોળું છે. પુદ્ગલનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને

(પા.૧૯૬)

આમ કળામય કરીએ તો તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બન્ને જુદા જ છે ને ? હમણાં જીવભાવમાં આવશે, તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે !!!

પ્રશ્નકર્તા : પણ જીવનું મન સ્વતંત્ર છે ?

દાદાશ્રી : બિલકુલ સ્વતંત્ર છે. મન તમારા સામું થાય તે જોયેલું કે નહીં તમે ? અલ્યા, ‘મારું’ મન હોય તો, એ મારી સામું શી રીતે થાય ? એ સ્વતંત્ર છે કે નહીં એવું સામું થાય, ત્યારે ખબર ના પડી જાય ?

પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ નથી, એટલે મન ઉપરેય કંટ્રોલ નથી.

દાદાશ્રી : જે સામું થાય એના પર આપણો કંટ્રોલ નથી.

પહેલાં તો તમે, ‘હું જીવ છું’ એવું માનતા હતાં. હવે એ માન્યતા તૂટી ગઈ છે ને ‘હું શિવ છું’ એવી ખબર પડી ગઈ. પણ જીવ કંઈ એમનો ભાવ છોડે નહીં, એમનો હક-બક કશુંય છોડે નહીં. પણ એમને જો પટાવીએ તો એ બધુંય છોડે તેમ છે. જેમ કુસંગ અડે છે ત્યારે કુસંગી થઈ જાય છે ને સત્સંગ અડે ત્યારે સત્સંગી થઈ જાય છે, તેમ સમજણ પાડીએ તો એ બધું જ છોડી દે એવો ડાહ્યો છે પાછો ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે. કે, ‘તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો !’ પણ જોડે જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, ‘દેહનું ધ્યાન શું કામ બહુ રાખો છો ? દેહમાં આ આમ થાય છે, તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવ ને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.’ એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ અરીસા સામે બેસાડ્યા હોય તો, તે તમને ‘એક્ઝેક્ટ’ દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે.

દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ. એટલે કોઈ બીજો

(પા.૧૯૭)

ફોન લે જ નહીં ને !

પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું ?

દાદાશ્રી : તું ‘ચંદુભાઈ’ને સામે બેસાડીને વઢ વઢ કરતો હોય તો ‘ચંદુભાઈ’ બહુ ડાહ્યા થઈ જાય. તું જાતે જ વઢું કે, ‘ચંદુભાઈ, આવું તે હોય ? આ તમે શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડોને ??’ આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો’ક લપકા કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તમને ‘ચંદુભાઈ’ને વઢવાનું કહીએ, નહીં તો હપુચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદ્ગલ શું કહે છે કે તમે તો ‘શુદ્ધાત્મા’ થઈ ગયા, પણ અમારું શું ? એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે. એ પણ ઇચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવી-પટાવી લેવું. એ તો ભોળું છે. ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યું થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો હક્ક છોડે તેવું નથી.

તારે ‘ચંદુભાઈ’ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘તમે આમ કેમ કર્યું ? તમારે આમ નથી કરવાનું. પત્ની જોડે મતભેદ કેમ કરો છો ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?’ આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપે એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તમને ચંદુભાઈની બધી જ ભૂલોની ખબર પડે ને ? જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુલાલને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક !

પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો, તે ના થઈ શકે ?

દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તમને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા

(પા.૧૯૮)

એકલા કરવાનું, એ તો ‘જ્ઞાની પુરુષ’નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડે ને ? અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસા ભવન બનાવેલું ! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય !

આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે ને, તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથી ને ? અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય !

અરીસાભવનમાં કેવળજ્ઞાન !

ભરત રાજાને, ઋષભદેવ ભગવાને ‘અક્રમ જ્ઞાન’ આપ્યું ને છેવટે તેમણે અરીસાભવનનો આશરો લીધો ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસાભવનમાં વીંટી નીકળી ગયેલી, આંગળીને અડવી દીઠી ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે તેથી. વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ ‘કેવળ’ થતાં સુધી ચાલ્યું ! વિચારણાએ ચઢ્યા કે વીંટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું ? તે પછી ‘આ ન હોય મારું, ન હોય મારું, ન હોય મારું’ એમ કરતાં કરતાં ‘કેવળ જ્ઞાન’ને પામ્યા !!! એટલે આપણે અરીસાભવનનો લાભ લેવો. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ છે. જે કોઈ આનો લાભ લે તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડે ને ? ભલે આત્મા જાણતો ના હોય, છતાંય અરીસાભવનની સામાયિક ફક્કડ થાય.

પ્રશ્નકર્તા : કેટલાકને તમે જ્ઞાન આપો છો, તેમાં કેટલાકને તરત જ ફીટ થઈ જાય છે અને ઘણાને કેટલીય માથાફોડ કરો તોય તે ફીટ થતું નથી. તો તેમાં શું શક્તિ ઓછી હશે ?

દાદાશ્રી : એ શક્તિ નથી. એ તો કર્મની ફાચરો વાંકીચૂકી લાવ્યા

(પા.૧૯૯)

હોય, તો કેટલાકની ફાચર સીધી હોય. તે સીધી ફાચરવાળો તો જાતે જ ખેંચી કાઢે ને વાંકી ફાચરવાળાને અંદર ગયા પછી વાંકી હોય, તે આમ ખેંચે તોય એ નીકળે નહીં. આંકડા વાંકા હોય ! અમારી ફાચરો સીધી હતી કે ઝટપટ નીકળી ગઈ. અમને વાંકું ના આવડે. અમારે તો એકદમ ચોખ્ખમ્ ચોખ્ખું ને ખુલ્લમ્ ખુલ્લું ! અને તમે તો કંઈક વાંક શીખ્યા હશો. છો તો તમે સારા ઘરના, પણ નાનપણમાં વાંક પેસી ગયો તે શું થાય ? મહીં વાંકા ખીલા હોય તો ખેંચતાં જોર આવે ને વાર લાગે ! સ્ત્રી જાતિ થોડું મહીં કપટ રાખે, એમને મહીં ચોખ્ખું ના હોય, કપટને લીધે તો સ્ત્રીજાતિ મળી છે. હવે ‘સ્વરૂપજ્ઞાન’ની પ્રાપ્તિ પછી આપણને સ્ત્રી જેવું કશું રહ્યું નહીંને ? પણ ખીલા વાંકા ખરા, તે કાઢતાં જરા વાર લાગે ને ! એ ખીલા સીધા હોય તો તો વાર જ ના લાગે ને ! પુરુષ જરા ભોળા હોય. તે બેન જરાક સમજાવે તો ભઈ સમજી જાય. ને બેન પણ સમજી જાય, કે ભઈ સમજી ગયા ને હમણે જશે બહાર ! પુરુષોમાં ભોળપણ હોય. સહેજ કપટ કરેલું, તે મલ્લિનાથને તીર્થંકરના અવતારમાં સ્ત્રી થવું પડેલું ! એક સહેજ કપટ કર્યું હતું તોય ! કપટ છોડે નહીં ને ! છતાં હવે સ્વરૂપજ્ઞાન થયા પછી આપણને સ્ત્રીપણું ને પુરુષપણું રહ્યું નથી. ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ થઈ ગયા !

કુસંગનો રંગ...

પોતાની ઇચ્છા ના હોય તોય માણસો બહાર જાય છે ને કુસંગે ચઢી જ જાય, કુસંગ અડ્યા વગર રહે જ નહીં. ઘણાં માણસો કહે છે કે હું દારૂડ્યિા જોડે ફરું છું, પણ હું દારૂ નહીં જ પીવાનો. પણ તું ફરે છે ત્યાંથી જ તું દારૂ પીવા માંડીશ. સંગ એનો સ્વભાવ એક દહાડો દેખાડ્યા વગર રહે જ નહીં. માટે સંગ છોડ.

તમને શુદ્ધાત્માની પ્રતીતિ તો ખરેખરી થઈ ગઈ છે, પણ શું થયું છે કે સાચા અનુભવનો સ્વાદ જે છે તે આવવા નથી દેતો.

આપણે ખરા ટેસ્ટમાં ક્યારે આવ્યા કહેવાય કે ઘરમાં સામો માણસ ઉગ્ર થાય ને આપણમાં ઉગ્રતા ઉત્પન્ન થાય તો જાણવું કે હજી કચાશ છે.

(પા.૨૦૦)

[27]

અટકણથી લટકણ ને લટકણથી ભટકણ...

દાદાશ્રી : કોઈ ફેર તમને ગલગલિયાં થઈ ગયેલાં કે ?

પ્રશ્નકર્તા : રવિવાર આવે ને રેસ રમવાનો ટાઈમ થાય. એટલે મહીં ગલગલિયાં થઈ જાય છે.

દાદાશ્રી : હા, કેમ શનિવારે નહીં ને રવિવારે જ તેવું થાય છે ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચારેય ભેગાં થાય ત્યારે જ ગલગલિયાં થાય.

અનંતકાળથી લટકેલા, તે સહુ સહુની અટકણથી લટકેલા ! અનાદિથી કેમ લટકી પડ્યો છે ? હજુ એનો નિકાલ કેમ નથી આવતો ? ત્યારે શું કહે છે કે આ અટકણ પોતાને પડી હોય છે, કંઈને કંઈ દરેકનામાં જુદી જુદી જાતની અટકણ હોય તેના આધારે લટકેલો !

આ અટકણ તમને સમજમાં આવી ? આ ઘોડાગાડી જતી હોય ને ઘોડો ફક્કડ હોય, ને રસ્તામાં મિયાંભાઈની કબર હોય, ને એ કબર ઉપર લીલું કપડું ઓઢાડેલું હોય તો, ઘોડો તેને દેખે ને ઊભો રહી જાય. તે શાથી ? કે કબર ઉપર લીલું કપડું દેખે, એ નવી જાતનું લાગે. એટલે ભડકાટ ઊભો થાય, એટલે પછી એને ગમે તેટલું મારમાર કરે તોય એ ના ખસે. પછી ભલે મિયાં મારી-કરી, સમજાવી-પટાવી, આંખે હાથ દઈને પણ લઈ જાય, એ વાત જુદી છે. પણ બીજે દહાડે પાછો ત્યાં જ અટકે. કારણ અટકણ પડેલી છે, તે વખતે એ સાન-ભાન, જ્ઞાન બધુંય ભૂલી જાય. તેને મારવા જાવ તો ઘોડાગાડી હઉ તે ઊંધી નાખી દે !

એવું મનુષ્યને કોઈ જગ્યાએ કંઈ મૂર્છિત થઈ ગયો, કશાકમાં મૂર્છિત થઈ ગયો કે અટકણ પડી ગયેલી હોય. તે અટકણ એની જાય નહીં, એટલે

(પા.૨૦૧)

કોઈ જગ્યાએ મૂર્છિત ના થાય એવો હોય, પણ તે અટકણની જગ્યા આવે કે ત્યાં આગળ તે પાછો મૂર્છિત થઈ જાય. જ્ઞાન, ભાન બધું જ ખોઈ નાખે ને ઊંધું થઈ જાય. તેથી કવિરાજ કહે છે :

‘‘અટકણથી લટકણ, લટકણથી ભટકણ,

ભટકણની ખટકણ પર, છાંટો ચરણ-રજકણ.’’

હવે ભટકણમાંથી છૂટવું હોય તો છાંટો ‘ચરણ-રજકણ !’ ચરણ-રજકણ છાંટીને એનો ઉકેલ લાવી નાખો હવે, કે ફરી એ અટકણનો ભો ના રહે.

અટકણ, અનાદિની !

એટલે દરેકને અટકણ પડી છે, તેથી જ આ બધા અટક્યા છે અને હવે શી અટકણ પડી છે, એ ખોળી કાઢવું જોઈએ. કબ્રસ્તાન આગળ અટકણ થાય છે કે ક્યાં આગળ અટકણ થાય છે ? એ ખોળી કાઢવું જોઈએ. અનંત અવતારનું ભટકણ છે. એ અટકણ એકલું જ છે, બીજું કોઈ નથી ! અટકણ એટલે મૂર્છિત થઈ જવું ! સ્વભાન ખોઈ નાખવું !! કંઈ બધે અટકણ નથી હોતી, ઘેરથી નીકળ્યો તે બધે કંઈ મારઝૂડ નથી કરતો. રાગ-દ્વેષ નથી કરતો. પણ એને અટકણમાં રાગ-દ્વેષ છે ! આ ઘોડાનો દાખલો તો તમને સમજણ પાડવા માટે કહું છું ! પોતાની અટકણ ખોળી કાઢે તો જડે પાછી કે ક્યાં મૂર્છિત થઈ ગયો છું, મૂર્છિત થવાની જગ્યા ક્યાં ?

પ્રશ્નકર્તા : આ અટકણ એટલે પકડ ?

દાદાશ્રી : ના, પકડ નહીં. પકડ એ તો આગ્રહમાં જાય. અટકણ તો મૂર્છિત થઈ જાય. જ્ઞાન, ભાન બધું જ ખોઈ નાખે. જ્યારે આગ્રહમાં જ્ઞાન, ભાન બધું હોય !

મનુષ્યમાત્રને નબળાઈ તો હોય જ ને ? આ નબળાઈના ગુણોને લીધે મનુષ્યપણું રહ્યું છે. મનુષ્યની નબળાઈ જાય એટલે મુક્ત થઈ જાય. પણ એ નબળાઈ જાય એવી નથી. કોણ એ કાઢે ? ‘જ્ઞાની પુરુષ’ સિવાય

(પા.૨૦૨)

નબળાઈ બીજો કોઈ કાઢે નહીં ને ? એ નબળાઈનો ‘જ્ઞાની પુરુષ’ પોતે ફોડ પાડી આપે ને એને કાઢી આપે. ‘જ્ઞાની પુરુષ’ તો ગમે તેટલું ઘોડું અટક્યું હોય તોય એને આગળ લઈ જાય. કાનમાં ફૂંક મારીને, સમજાવીને, મંત્ર મારીનેય આગળ લઈ જાય. નહીં તો મારી નાખો તોય ઘોડું ના ખસે. ઘોડું તો શું, અરે, મોટા મોટા હાથી હોય તેય અટકણ આવી ત્યાં ખસે નહીં.

પ્રશ્નકર્તા : પણ ભગવન, આગલા જન્મનાં કંઈ તીવ્ર સંસ્કારો હશે કે જેથી અમે આપનાં ચરણોમાં આવ્યા છીએ.

દાદાશ્રી : સંસ્કારના આધારે તો આ ભેગું થાય છે. પણ તે છોડાવડાવે કોણ ? અટકણ છોડાવડાવે છે, અટકણ છૂટા પાડે છે ! માટે અટકણને ઓળખી કાઢવી કે અટકણ ક્યાં છે ? પછી ત્યાં ચેતતા ને ચેતતા જ રહેવું. તું અટકણને ઓળખી ગયો છું ? ચોગરદમથી ઓળખી ગયો છું ? આમ પૂંઠેથી જતું હોય તોય ખબર પડે કે આ અટકણ ચાલ્યું આપણું ! હા, એટલું ચેતતા રહેવું જોઈએ !

અટકણ તો જ્ઞાનીઓ જ ખોળે. બીજો કોઈ ના ખોળે. ભોળા માણસને અટકણ ભોળી હોય, તે જલદી છૂટી જાય અને કપટી માણસને કપટી અટકણ હોય તે તો બહુ વસમી હોય !

અટકણથી અટક્યું અનંત સુખ

હવે બિલકુલ ‘કલીઅરન્સ’ મહીં થઈ જવું જોઈએ. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યું ને પોતાને નિરંતર સુખમાં રહેવું હોય તો રહી શકાય, એવું આપણી પાસે ‘જ્ઞાન’ છે. માટે હવે કેમ કરીને અટકણ છૂટે, કેમ કરીને એનાથી આપણે છૂટા થઈ જઈએ, એ ઉકેલ લાવવો જોઈએ. તે માટે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરીને પણ ઉકેલ લાવી નાખવાનો. પહેલાં સુખ ન હતું, ત્યાં સુધી તો અટકણમાં જ માણસ પડે ને ? પણ સુખ કાયમનું ઊભું થયા પછી શેને માટે ? સાચું સુખ શાથી ઉત્પન્ન થતું નથી ? તે આ અટકણને લઈને આવતું નથી !

પ્રશ્નકર્તા : પણ દાદા, ચોવીસેય કલાક આત્માનો અનુભવ, લક્ષ

(પા.૨૦૩)

અને પ્રતીતિ રહેતી હોય, તો પછી અટકણનો પ્રશ્ન રહે ખરો ?

દાદાશ્રી : ના, બધાનેય એવું રહે છે. પણ અટકણ તો મહીં હોય ને, અટકણ તો ખોળી કાઢવી જોઈએ કે અટકણ ક્યાં છે ?

અટકણ ગયા પછી જગત આપણી ઉપર આફરીન થતું જાય. જગતના જીવોને આપણને દેખતાં જ આનંદ થતો જાય. આ તો અટકણને લઈને આનંદ થતો નથી.

આ અરીસો છે, તે એક જ જણનું મોઢું દેખાડે કે બધાના મોઢાં દેખાડે ? જે કોઈ મોઢું ધરે તેને દેખાડે. એવું અરીસા જેવું ક્લીઅરન્સ થઈ જાય ત્યારે કામનું !

આ અટકણને લઈને લોકોને ‘એટ્રેક્શન’ થતું નથી. ‘એટ્રેક્શન’ થવું જોઈએ, પછી એનો શબ્દ એ ‘બ્રહ્મવાક્ય’ કહેવાય. એટલે ક્યાં અટકણ છે તે ખોળી કાઢો. અનુભવ, લક્ષ અને પ્રતીતિ તો બીજા બધાનેય રહે છે. પણ શાથી એટ્રેક્શન વધતું નથી ? એટ્રેક્શન થવું તો જોઈએ ને જગતમાં ? રોકડું એટલે રોકડું, તે ઉધાર તો ના દેખાવું જોઈએને ? એટલે મહીં કારણો ખોળી કાઢવાં જોઈએ ! અટકણ તો... દસ દહાડા સુધી હોટલ ના દેખાય, ત્યાં સુધી કશુંય ના હોય. પણ હોટલ દીઠી તો પેસી જાય ! સંજોગ ભેગા થાય કે ગલગલિયાં થઈ જાય !

આપણે એક જણને દારૂ છોડાવડાવ્યો હોય, તો એ પછી બધે સત્સંગમાં બેસે તો શાંતિમાં રહે. ઘણા દહાડા સુધી એ દારૂને ભૂલી જાય, પણ કો’ક દહાડો તમારી જોડે ફરવા આવ્યો ને દુકાનનું બોર્ડ વાંચ્યું કે ‘દારૂચી દુકાન’ કે તરત એનું મહીં બધું ફેરફાર થઈ જાય, એને મહીં ગલગલિયાં થઈ જાય. એટલે એ તમને શું કહે, ‘ચંદુભાઈ, હું ‘મેકવોટર’ કરીને આવું છું.’ અલ્યા મૂઆ, રસ્તામાં મેકવોટર કરવાની વાત કરો છો ? તે આપણે સમજી જઈએ કે આને ગલગલિયાં થઈ ગયાં. કંઈકનું કંઈક સમજાવીને પેલો દુકાનમાં પાછળ રહીને પેસી જાય અને જરા પા-શેર નાખી આવે, ત્યારે જ છોડે !

આ અટકણની તમને સમજણ પડીને ? તે અટકણ આપણને મૂર્છિત

(પા.૨૦૪)

કરી નાખે. એટલે જ્ઞાન-દર્શન બધું જ તેટલો ટાઈમ, પાંચ-દસ મિનિટ સુધી બધું મૂર્છિત કરી નાખે !

જોખમી, નિકાચિત કર્મ કે અટકણ ?

પ્રશ્નકર્તા : નિકાચિત કર્મ કહે છે, એ જ અટકણ ને ?

દાદાશ્રી : અટકણ તો નિકાચિત કર્મથીય બહુ ભારે. નિકાચિત કર્મ તો નીચેનો શબ્દ છે. નિકાચિત કર્મ એટલે તો એ કર્મ ભોગવ્યે જ છૂટકો થાય. અટકણ તો ભોગવ્યે જ છૂટકો થાય એટલું જ નહીં, પણ બીજો ભોગવવાનો લોચો નાખી આપે. નિકાચિત કર્મ તો જ્ઞાન હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય. આપણી ઇચ્છા ના હોય કંઈ ભોગવવાની, તોય ભોગવવું જ પડે. એટલે આ નિકાચિત કર્મનો વાંધો નહીં. નિકાચિત કર્મ તો એક જાતનો દંડ છે આપણને. તે આટલો દંડ થઈ જવાનો એ થઈ જવાનો. પણ આ અટકણનો બહુ વાંધો છે.

પ્રશ્નકર્તા : વેદાંતમાં ક્રિયમાણ કહે છે તે જ ને ?

દાદાશ્રી : ક્રિયમાણ નહીં, કેટલાંક કર્મ એવાં છે કે વિચારવાથી કર્મ છૂટી જાય, ધ્યાનથી કર્મ છૂટી જાય અને કેટલાંક કર્મ એવાં છે કે ના ભોગવવું હોય, ના ઇચ્છા હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય ! એને નિકાચિત કર્મ કહેવાય. એને ચીકણાં કર્મ કહેવાય. અને આ અટકણ તો એવી છે કે તે બીજું તોફાન ઊભું કરી નાખે ! એટલે આ અટકણનો બહુ જોઈ જોઈને રસ્તો લાવવો જોઈએ. તેથી આ છોકરાઓ નાની ઉંમરમાં પુરુષાર્થમાં મંડી પડ્યા છે કે કેમ કરીને આ અટકણ તૂટે ?

અટકણને છેદનાર - પરાક્રમ ભાવ !

પ્રશ્નકર્તા : અટકણને તોડવા એની પાછળ પડે તો જબરજસ્ત પરાક્રમ ઊભું થઈ જાય ને ?

દાદાશ્રી : એ પરાક્રમ હોય તો જ અટકણની પાછળ પડાય. અટકણ પાછળ પડે છે એ જ પરાક્રમ કહેવાય છે. પરાક્રમ સિવાય અટકણ તૂટે એવું નથી. એ ‘પરાક્રમી પુરુષ’નું કામ છે. આ તમને ‘જ્ઞાન’ આપ્યું છે,

(પા.૨૦૫)

તો પરાક્રમ થઈ શકે !

નિકાચિત તો ભોગવે જ છૂટકો થાય. તેમાં કશું ચાલે તેમ નથી. પણ એમાં બીજું તોફાન ઊભું થાય નહીં, કારણ કે એમાં પોતાની ઇચ્છા જેવું રહેતું નથી. કેરી મળી તો ખઈ લે, ના મળી તો કાંઈ નહીં. કેરી ભોગવ્યે જ છૂટકો થાય, ખાવી જ પડે ! ભોગવવું નથી છતાં ભોગવવું પડે, કારણ કે એ પુદ્ગલ સ્પર્શના છે, એમાં કોઈનું કશું ચાલે નહીં. પણ અટકણમાં તો મહીં અંદર છૂપી છૂપી પણ ઇચ્છા રહેલી છે ! માટે આ કાળમાં આ ‘જ્ઞાની પુરુષ’ની હાજરીમાં રહીને, પોતાની જે અટકણ હોય, તેને જડમૂળથી ઊખેડીને ઊંચી મૂકી દેવી. અને એને ઊંચું મૂકી શકાય એમ છે. આ ‘જ્ઞાની પુરુષ’ની હાજરીથી બધા જ રોગ મટી જાય ! તમામ રોગોને મટાડે એ ‘જ્ઞાની પુરુષ’ની હાજરી ! તમને અટકણ પ્રિય છે કે ?

પ્રશ્નકર્તા : ના, અટકણ ખબર પડ્યા પછી તો કણાની જેમ એ ખૂંચે. પછી કંઈથી એ પ્રિય હોય ?

દાદાશ્રી : હા, ખૂંચે ! એને ‘માયાશલ્ય’ કહે છે !

પ્રશ્નકર્તા : એક બાજુ અટકણ ચાલતી હોય ને એનો ખ્યાલ આવે. બીજી બાજુ એક મનને ગમે છે ને એક મનને નથી ગમતું, એવું બધું સાથે થાય છે.

દાદાશ્રી : હા, પણ એ અટકણ એટલે અટકણ. એને ઉખાડીને બાજુ પર મૂકી દેવીં. ફરી બીજરૂપે ઊગે નહીં, એવી રીતે એનું ધોરી મૂળિયું કાઢી નાખવું પડે અને પરાક્રમથી એ થઈ શકે તેમ છે !

પ્રશ્નકર્તા : આ અટકણ જ્યારે આવે છે, ત્યારે ‘દાદા’ પણ હાજર હોય છે ? આપણે કહીએ કે દાદા, જુઓ આ બધું આવે છે, તો ?

દાદાશ્રી : અટકણ તો મૂર્છિત કરી નાખે. એ વખતે ‘દાદા’ લક્ષમાં ન રહે, અટકણ તો દાદા ભૂલાડે. આત્મા ભૂલાડે અને મૂર્છિત કરી નાખે આપણને ! જાગૃતિ જ ના રહે. ‘દાદા’ હાજર રહેતા હોય તો એને અટકણ ના કહેવાય, પણ નિકાચિત કહેવાય.

(પા.૨૦૬)

પ્રશ્નકર્તા : અટકણની પાછળથી ખબર પડે, તો તેનો ઉપાય શો કરવાનો ?

દાદાશ્રી : એ મૂર્છા છે, તે આપણે જોઈ લેવું. એની સામાયિક કરવી પડશે. અહીં આ બધા કરે છે ને, તેવી રીતે સામાયિકમાં સ્ટેજ ઉપર મૂકવું પડશે.

પ્રશ્નકર્તા : નાનાં છોકરાંને બેટ-બોલ ના મળે ત્યાં સુધી મનમાં એ રહ્યા કરે, તોફાન કરે તો એ એની અટકણ કહેવાય ?

દાદાશ્રી : ના, એ એની અટકણ ના કહેવાય. અટકણ તો અનાદિથી જેનાથી ભટક્યો છે તે ! આ બેટબોલ તો તત્પૂરતું છે, એ તો પાંચ-સાત વરસની ઉંમર છે ત્યાં સુધી એ રહેશે ! એ બાળક અવસ્થા છે ત્યાં સુધી જ એને રહે. અને પછી વેપારમાં પડ્યા એટલે એને એનું કશું જ નહીં હોય. અને અટકણ તો નિરંતર રહે, એ પંદર વર્ષથી તે ઘૈડો ડોસો થાય તોય અટકણ રહે !

પ્રશ્નકર્તા : પુરુષાર્થથી, પરાક્રમથી અટકણનો નિકાલ થઈ શકે ને ?

દાદાશ્રી : હા, બધું થઈ શકે. તેથી તો આપણે ચેતવીએ છીએ કે જ્યાં આત્મા પ્રાપ્ત થયો, જ્યાં પુરુષ થયા છે, પુરુષાર્થ છે, પરાક્રમ કરી શકે તેમ છે, માટે હવે કામ કાઢી લો. ફરી અટકવાનું જોખમવાળું છે, ત્યાં ઉકેલ લાવી નાખો !

પોતાનું કોઈ જાતનું સુખ ના હોય ત્યારે ગમે તે અટકણ પડી જાય પણ હવે પોતાનું સ્વયંસુખ ઉત્પન્ન થયું, હવે તમને બીજાં સુખનાં અવલંબનની જરૂર નથી. એટલે પેલાં સુખને બાજુએ મૂકવાનાં. આ સુખને પેલું સુખ બેઉ સાથે ઉત્પન્ન ના થાય. માટે અટકણ ખોળી નાખો.

અનુભવ, લક્ષ અને પ્રતીતિ તો બધાને રહે છે. એ કંઈ પુરુષાર્થનું ફળ નથી. એ તો ‘દાદાઈ’ કૃપાનું ફળ છે. હવે પુરુષાર્થ અને પરાક્રમ ક્યારે કહેવાય ? જેનાથી તમે લટક્યા છો એ લટક્યાની દોરી તૂટી જાય ત્યારે, હવે પરાક્રમ તમારે કરવાનું હોય. આ તો તમને જે પ્રાપ્ત થયું છે, એ તમારી

(પા.૨૦૭)

પુણ્યૈના આધારે જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થઈ ને કૃપાના આધારે આ પ્રાપ્ત થયું છે !

આ અટકણ તમને છૂટે તો તમારી વાત બધાને એટલી બધી ગમે ! વાત ખોટી હોતી નથી, વાત કેમ સારી નીકળતી નથી તો કે અટકણને લઈને ! વાણી અટકણથી ખેંચાયા કરે ! અટકણથી મુક્ત હાસ્ય પણ ઊભું ના થાય. અટકણ ગયા પછી વાણી સારી નીકળશે, હાસ્ય સારું નીકળશે. માટે અટકણ બધી કાઢી નાખીને જગતનું કલ્યાણ કરો !

આ ત્રણ ચીજ મનોહર થવી જોઈએ - વાણી, વર્તન ને વિનય. આ ત્રણ ચીજ આપણામાં મનોહર ઉત્પન્ન થઈ, એટલે કે સામાના મનનું હરણ કરે એવા થયા તો જાણવું કે ‘દાદા’ના જેવા થવા માંડ્યા. પછી વાંધો નથી. પછી ‘સેફ સાઈડ’ છે ! એટલે આ વાણી, વર્તન ને વિનય, આ પ્રત્યક્ષ લક્ષણ દેખાવાં જોઈએ. લક્ષણ વગર તો વસ્તુ સાચી ઓળખાય નહીં ને ?

અટકણનો અંત લાવો

નાસ્તા-બાસ્તા કરો, એ તો કરવાના જ હોય. નાસ્તાનો ‘દાદા’એ વાંધો નથી ઉઠાવ્યો. પણ શા આધારે લટક્યા’તા, એ અટકણની શોધખોળ કરો અને હજુ એ તાર હોય તો મને કહો અને ના કહેવાય એવી હોય તો તમે ખોળી કાઢીને એની પાછળ તમે પરાક્રમ કરશો તો ચાલશે. તેના માટે અહીં વિધિ કરીને મનમાં માગણી કરી લો, તો મહીં શક્તિ ઉત્પન્ન થઈ જાય. બીજું કશું છે નહીં !

નિકાચિત તો છૂટકો જ નહીં થાય. નિકાચિતનો અર્થ એવો છે કે ન આપણી ઇચ્છા હોય, ઘણી-ઘણી ન ઇચ્છા હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય. પોતાને મનમાં ‘મારે હવે કશું જોઈતું નથી.’ એવું હોય છતાં પણ કર્મ ઊંચકીને એને લઈ જાય, એનું નામ નિકાચિત. જેવા ભાવે બંધન કરેલું તેવા ભાવે છૂટ્યું ! માટે નિકાચિત કર્મનોય વાંધો નથી. નિકાચિત તો, આ સંસાર એ બધો નિકાચિત જ છે. હવે તમને સ્ત્રીમાં ઇચ્છા ના હોય કે સ્ત્રીને પુરુષમાં ઇચ્છા ના હોય, તો પણ ભોગવ્યે જ છૂટકો થાય. એ નિકાચિત જ કર્મ કહેવાય છે, પણ અટકણનો વાંધો છે !

(પા.૨૦૮)

ક્યાં હજુ એને ગલગલિયાં થઈ જાય છે એ જોવાની જરૂર છે ! ગલગલિયાં થાય ત્યાં આગળ એ મૂર્છિત થઈ જાય છે ! ગલગલિયાં શબ્દ સમજાયો તમને ?

પ્રશ્નકર્તા : શબ્દ સાંભળેલો છે, પણ ‘એક્ઝેક્ટ’ સમજાયો નથી.

દાદાશ્રી : એક ખાનદાનના છોકરાને નાટકમાં નાચ કરવાની ટેવ પડેલી હોય, તેને આપણે એ છોડાવી દઈએ ને બીજા પરિચયમાં રાખીએ, પછી વર્ષ-બે વર્ષ સુધી કશો વાંધો ના આવે. પણ જ્યારે એ નાટકના થીએટર આગળથી જતો હોય ને એ બોર્ડ વાંચે તો એને ગલગલિયાં થઈ જાય. પેલું અજ્ઞાન બધું ફરી વળે. એને મૂર્છિત કરી નાખે ને ગમે તેમ જૂઠું બોલીનેય મહીં ઘૂસી જાય. તે ઘડીએ શું જૂઠું બોલવું, એનું કશું ઠેકાણું ના હોય.

એટલે જ્યાં સુધી આત્માનું સુખ ના હોય, ત્યાં સુધી કોઈક સુખમાં રાચેલો જ હોય. પણ આત્મજ્ઞાન આપ્યા પછી, તમારું સુખ કેવું સુંદર રહે ! જેવું રાખવું હોય તેવું રહે, સમાધિમાં રહી શકાય એવું છે. એટલે પેલી બધી વસ્તુ ઉડાડી શકાય તેવું છે. આપણું ‘જ્ઞાન’ એવું છે કે જો પાંચ ‘આજ્ઞા’માં નિરંતર રહે તો મહાવીર ભગવાન જેવું રહે એવું છે. તેવું રહેવાતું નથી, તેનું શું કારણ છે ? પૂર્વકર્મના ઉદયના ધક્કા વાગે છે. આપણે જવું હોય ઉત્તરમાં પણ મછવો દક્ષિણ ભણી જાય. તોય આપણે જાણીએ, લક્ષમાં હોય કે આપણે જવું છે ઉત્તરમાં પણ લઈ જાય છે દક્ષિણમાં, એ લક્ષ ક્યારેય ચૂકાય નહીં. પણ રસ્તામાં કોઈ બીજા મછવાવાળો મળે ને શીશીઓ દેખાડે એટલે મહીં ગલગલિયાં થઈ જાય, તેનો વાંધો છે. પછી એ ઉત્તર બધું ભૂલી જાય ને ત્યાં જ મુકામ કરે. એ બધું અટકણ કહેવાય.

એટલે અમે કહીએ છીએ કે બધેથી તમે છૂટી જાવ. હવે ‘પુરુષ’ થયા છો તમે, એટલે પરાક્રમ કરી શકશો. નહીં તો મનુષ્ય આખો પ્રકૃતિને આધીન છે, ભમરડા સ્વરૂપ છે ! એ ભમરડા દશામાંથી મુક્ત થઈને પરાક્રમી થયા છો, સ્વ-પુરુષાર્થ ને સ્વ-પરાક્રમ સહિત છો ! અને ‘જ્ઞાની પુરુષ’ તમારા માથે છે. પછી તમને શો ભો છે ?

પ્રશ્નકર્તા : એના માટે આપની સાથે રહેવાની જરૂર ખરી ?

(પા.૨૦૯)

દાદાશ્રી : ના સાથે રહેવાનો તો સવાલ નથી. પણ વધુ ટચમાં તો રહેવું જ પડે ને ? ટચમાં રહો તો નીકળી ગયું, એ ખબર પડે ને ? તમે છેટે હો, તો શી રીતે ખબર પડે ? અને ટચમાં રહો તો આ રોગ કાઢવાની શક્તિ પણ ઉત્પન્ન થાય ને ? પોતાની શક્તિથી અટકણ કાઢવી ને પરાક્રમ કરવું, એ કંઈ સહેલું નથી. ‘અહીંથી’ શક્તિ લઈને કરો ત્યારે જ પરાક્રમ થાય.

પહેલાં તો આ અટકણો ઓળખાય જ નહીં કે એનાં રૂપ કેવાં હોય, એનાં ચરિતર કેવાં હોય ! એટલે આપણે એ અટકણ ખોળવી કે આ ગલગલિયાં ક્યાં થઈ જાય છે, સાન-ભાન ક્યાં ખોવે છે ? એટલું જ જોઈ લેવાનું. ‘તમારે’ ધ્યાન કેટલું રાખવાનું આ ચંદુલાલનું ? એમને કહીએ કે ‘તમે બધું જ ખાજો, પીજો. આ દાદાની આજ્ઞા પ્રમાણે ચાલજો. એમાં કચાશ રહે તો જોઈ લઈશું.’ પણ ચંદુલાલને ક્યાં ગલગલિયાં થાય છે, એ ‘આપણે’ ધ્યાન રાખવાનું. એ તપાસ આમ C.I.D.ની પેઠે બહુ રાખવી. કારણ કે અનાદિ કાળથી અટકણથી જ આ જગતમાં લટકેલો છે, અને એ અટકણ છૂટતી નથી પાછી ! તે અત્યારે આ ‘જ્ઞાની પુરુષ’ છે એ અટકણ છોડાવી દે !

મોટામાં મોટી અટકણ, વિષય સંબંધી !

કૃપાળુદેવને લલ્લુજી મહારાજે સુરતથી કાગળ લખેલો કે અમારે તમારાં દર્શન કરવા મુંબઈ આવવું છે. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે ‘મુંબઈ એ મોહમયી નગરી છે. સાધુ-આચાર્યોને માટે આ કામની નથી. અહીં તો જ્યાંથી ત્યાંથી મોહ ગરી જશે. તમારા મોઢેથી નહીં પેસી જાય તો કાનથી પેસી જશે, આંખથી પેસી જશે. છેવટે આ હવા જવાનાં છિદ્રો છે તેમાંથીય મોહ પેસી જશે !!! માટે અહીં આવવામાં ફાયદો નથી.’ આનું નામ કૃપાળુદેવે શું પાડ્યું, ‘મોહમયી નગરી !’ એમાં મેં તમને આ જ્ઞાન આપ્યું છે. હવે શું એ મોહમયી કંઈ ઊડી ગઈ ? કંઈ બી-ઓ-એમ-બી-એ-વાય બોમ્બે થઈ ગયું ? ના. મોહમયી જ છે એટલે અમે તમને કહીએ કે બીજા પાંચ ઇન્દ્રિયોના વિષયના નહીં, પણ સ્ત્રીઓને ને પુરુષોને એક જ કહીએ કે જ્યાં આગળ સ્ત્રીવિષય કે પુરુષવિષય સંબંધી વિચાર આવ્યો કે તરત

(પા.૨૧૦)

જ ત્યાં ને ત્યાં તમારે પ્રતિક્રમણ કરી નાખવાં. ‘ઓન ધ સ્પોટ’ તો કરી જ નાખવું. પણ પછી પાછાં એનાં સો-બસો પ્રતિક્રમણો કરી નાખવાં.

વખતે હોટલમાં નાસ્તો કરવા ગયા હો ને તેનું પ્રતિક્રમણ નહીં કર્યું હોય તો ચાલશે. હું તેનું પ્રતિક્રમણ કરાવી લઈશ. પણ આ વિષય સંબંધી રોગ ના ઘૂસી જાય. આ તો ભારે રોગ છે. આ રોગ કાઢવાનું ઔષધ શું ? ત્યારે કહે કે દરેક માણસને જ્યાં અટકણ હોય, ત્યાં આગળ આ રોગ હોય. અમુક પુરુષને, અમુક સ્ત્રી જતી હોય તો એને એ જુએ ને તરત એને મહીં વાતાવરણ ફેરફાર થઈ જાય. હવે આ બધાં આમ છે તો તડબૂચાં જ, પણ એણે તો વિગતવાર એનું રૂપ ખોળી કાઢેલું હોય છે ! આ ચીભડાંના ઢગલા ઉપર એને કંઈ રાગ થાય છે ? પણ મનુષ્યો છે એટલે એને રૂપ ઉપર પહેલેથી આદત છે. ‘આ આંખ કેવી સરસ છે ! આવડી આવડી આંખ છે !’ આમ કહે છે. અલ્યા, આવડી આવડી સરસ આંખ તો પેલા ભેંસના ભાઈનેય હોય છે ! કેમ ત્યાં રાગ નથી થતો તને ?’ ત્યારે કહે કે, ‘એ તો પાડો છે ને આ તો મનુષ્ય છે. ’ અલ્યા, આ તો ફસામણની જગ્યાઓ છે !

કામ કાઢી લો

માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય, એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે, તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માંગણી કરવી કે મને આ અબ્રહ્યચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમ ને એમ તમે છૂટવા માટે ડાફાં મારો એ ચાલે નહીં, એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિધિથી છોડાવનાર છે !

હવે આવી આપણને બહુ ‘દુકાનો’ ના હોય. થોડી જ ‘દુકાનો’ હોય છે, જેને બહુ ‘દુકાનો’ હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી જ ‘દુકાનો’ હોય તેણે તો ચોખ્ખું કરી ‘એક્ઝેક્ટલી’ કરી લેવું. ખાવા-પીવામાં કશો વાંધો નથી પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રી-વિષય અને પુરુષ-વિષય, એ બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે, માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો ?

(પા.૨૧૧)

દાદાશ્રી : ત્યારે બીજું શું તે ? આ બધા જે રોગો છે તે કાઢી નાખવા ! આમાંનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી. ખાલી જાણવાનું જ કહું છું. આ ‘જ્ઞાન’ જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું, તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, વીતરાગ ધર્મમાં ‘કરોમિ, કરોસિ ને કરોતિ’ ના હોય. આપણી આ અટકણ છે, તેની ખબર પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : તરત જ ખબર પડે.

દાદાશ્રી : જેમ લફરાને લફરું જાણીએ, ત્યારે એ છૂટું પડી જાય. તેમ અટકણને અટકણ જાણીએ ત્યારે એ છૂટું પડી જાય. ભગવાને કહ્યું કે ‘તેં અટકણને જાણી ?’ ત્યારે કહે, ‘હા.’ ત્યારે ભગવાન કહે, ‘તો તું છૂટો.’ પછી આપણે કઈ ‘રૂમમાં’ બેસવું, એ આપણે જોવાનું ! બહાર કાંકરા ઊડતા હોય તો ‘આપણે’ આપણી ‘રૂમમાં’ બેસી જવું ને ‘કલીયરન્સ’નો બેલ વાગે ત્યારે બહાર નીકળવું.

પ્રશ્નકર્તા : પુરુષાર્થ ભાગ જે છે તે, એમાં સૂક્ષ્મ સમજનો ભાગ, એ જ પુરુષાર્થ કહેવાય ? ઇન્દ્રિયોની લગામ છોડી દેવી, તે આ એમાં આવી જાય ?

દાદાશ્રી : તમે સવારથી બોલો કે આજે ઇન્દ્રિયોના ઘોડાની લગામ છોડી દઈએ છીએ, એવું પાંચ વખત શુદ્ધભાવે બોલો. પછી એની મેળે લગામ છૂટેલી જુઓ તો ખરા, એક રવિવારનો દહાડો પસાર તો થવા દો ! આ તો ‘શું થઈ જશે, શું થઈ જશે ?’ ‘અલ્યા, કશુંય નથી થવાનું, તું તો ભગવાન છું. શું થઈ જવાનું છે ભગવાનને ?’ પોતાની જાતની એટલી હિંમત ના આવવી જોઈએ કે હું ભગવાન છું ? ‘દાદા’એ મને ભગવાન પદ આપ્યું છે ! આવું જ્ઞાન છે, પછી ભગવાન થઈ ગયા છો. પણ હજુ એનો પૂરેપૂરો લાભ મળતો નથી ! એનું શું કારણ, કે આપણે એને અખતરારૂપે લેતા જ નથી ને ! એ પદ વાપરતા જ નથી ને થોડું ઘણું એવું રહેતા હોય તો ?

પ્રશ્નકર્તા : આપણે આ પાંચ ઇન્દ્રિયોના વિષયમાં અરુચિપણે રહેવું

(પા.૨૧૨)

એટલે અભિપ્રાય વગર રહેવું એવું ?

દાદાશ્રી : અભિપ્રાય તો આખોય છૂટી જવો જોઈએ. અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત્માત્ર અભિપ્રાય હોય, કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય, તો એ તોડી નાખવો ! ‘આ સંસારમાં સુખ છે, આ પાંચ ઇન્દ્રિયોમાં સુખ છે’, એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ ! અને એ અભિપ્રાય, એ આપણા ન હોય ! એ અભિપ્રાય બધા ચંદુભાઈના ! ‘હું તો દાદાએ આપેલો એવો શુદ્ધાત્મા છું’ અને શુદ્ધાત્મા તે જ પરમાત્મા છે ! એટલું સમજી જવાની જરૂર છે ! આ પાંચ આજ્ઞા આપી છે, એ ‘શુદ્ધાત્મા’ના ‘પ્રોટેક્શન’ માટે છે !

વેરનું કારખાનું

આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે નિકાલ કરી નાખ ! વેરથી મુક્ત થઈ જા ! આપણે અહીં તો એક જ કરવા જેવું છે, કે વેર ના વધે ! અને વેર વધારવાનું મુખ્ય કારખાનું કયું છે ? આ સ્ત્રી-વિષય અને પુરુષ-વિષય !

પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેરબીજ પડે છે, એ કેવી રીતે ?

દાદાશ્રી : એવું છે ને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય, તો એમ માને ને કે એમાં કોઈ દવાઓ ભરીને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય, તો એની જોડે વાંધો નહીં. એની જોડે વેર નહીં બંધાય, કારણ એ જીવતું નથી અને આ તો જીવતું છે, ત્યાં વેર બંધાય છે.

પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?

દાદાશ્રી : અભિપ્રાય ડિફરન્ટ છે તેથી ! તમે કહો કે ‘મારે અત્યારે સિનેમા જોવા જવું છે.’ ત્યારે એ કહેશે કે ‘ના, આજ તો મારે નાટક જોવા જવું છે !’ એટલે ટાઈમિંગ નહીં મળી રહે ! જો એક્ઝેક્ટ ટાઈમિંગે

(પા.૨૧૩)

ટાઈમિંગ મળી રહે, તો જ પૈણજે !

પ્રશ્નકર્તા : છતાં કો’ક એવો હોય કે એ કહે એવું થાય પણ ખરું.

દાદાશ્રી : એ તો કોઈ ગજબના પુણ્યશાળી હોય તો, એની સ્ત્રી નિરંતર એને આધીન રહે ! એ સ્ત્રીને પછી બીજું કશું પોતાનું ના હોય, પોતાનો અભિપ્રાય જ ના હોય, એ નિરંતર આધીન જ રહે !

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો ‘સમભાવે નિકાલ’ કરો, કહ્યું છે! અને પ્રતિક્રમણ કરો. આ બે ઉપાય બતાવ્યા છે ! આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં ! ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીં ને ? કિનારા પર જોખમ છે !

તમારે વાઈફ જોડે મતભેદ પડતો હતો, તે ઘડીએ રાગ થતો હતો કે દ્વેષ ?

પ્રશ્નકર્તા : એ તો બંને વારાફરતી થાય. આપણને ‘સ્યુટેબલ’ હોય તો રાગ થાય ને ‘ઑપોઝિટ’ હોય તો દ્વેષ થાય.

દાદાશ્રી : એટલે એ બધું રાગ-દ્વેષને આધીન છે. અભિપ્રાય એકાકાર થાય નહીં ને ? કો’ક જ એવો પુણ્યશાળી હોય કે જેની સ્ત્રી કહેશે કે ‘હું તમારા આધીન રહીશ, ગમે ત્યાં જશો, ચિતામાં જશો તોય આધીન તમને જ રહીશ ! એ તો ધનભાગ જ કહેવાય ને ? પણ એવું કો’કને હોય !! એટલે આમાં મજા નથી. આપણે કંઈ નવો સંસાર ઊભો નથી કરવો ! હવે મોક્ષે જ જવું છે. જેમ તેમ કરીને, ખોટ-નફાનાં બધાં ખાતાં નિકાલ કરીને માંડવાળ કરીને ઉકેલ લાવી નાખવાનો છે !

આ ખરેખર મોક્ષનો માર્ગ છે ! કોઈ કાળે કોઈ નામ ના દે, એવું આ જ્ઞાન આપેલું છે ! પણ જો તમે જાણી જોઈને ઊંધું કરો તો પછી બગડે ! તોય અમુક કાળે ઉકેલ લાવી જ નાખશે ! એટલે એક ફેરો આ પ્રાપ્ત થયું છે, એ છોડવા જેવું નથી !

(પા.૨૧૪)

લોકસંજ્ઞાએ અભિપ્રાય અવગાઢ

આખું જગત અભિપ્રાયને લીધે ચાલે છે. અભિપ્રાય વસ્તુ તો એવી છે ને કે આપણે અહીં કેરી આવી, બીજી બધી ચીજો આવી. તે ઇન્દ્રિયોને આપણી પ્રકૃતિ પ્રમાણે બધું ગમે અને ઈન્દ્રિયો બધું ખાય, વધુ ખાઈ જાય પણ ઈન્દ્રિયોને એવું નથી કે અભિપ્રાય બાંધવો. આ તો બુદ્ધિ મહીં નક્કી કરે છે કે આ કેરી બહુ સરસ છે ! એટલે એને કેરીનો અભિપ્રાય બેસી જાય. પછી બીજાને એમ કહે પણ ખરો કે ભાઈ, કેરી જેવી ચીજ કોઈ નથી દુનિયામાં. પાછું એને યાદેય આવ્યા કરે, ખૂંચ્યા કરે કે કેરી મળતી નથી. ઈન્દ્રિયોનો બીજો કોઈ વાંધો નથી, એ તો કોઈ દહાડો કેરી આવે તો ખાય, ના આવે તો કશું નહીં. આ અભિપ્રાય જ છે તે બધા પજવે છે ! હવે આમાં બુદ્ધિ એકલી કામ નથી કરતી ! લોકસંજ્ઞા આમાં બહુ કામ કરે છે ! લોકોએ માનેલું એને પહેલાં પોતે બીલિફમાં બાંધે છે, આ સારું ને આ ખરાબ. પાછું પોતાનો પ્રિયજન હોય તે બોલે, એટલે એની બીલિફ વધારે બંધાતી જાય !

એવું આ અભિપ્રાય કોઈ બેસાડતું નથી, પણ લોકસંજ્ઞાથી અભિપ્રાય બેસી જાય છે કે આપણા વગર કેમ થાય ? આવું આપણે ના કરીએ તો કેમ કરીને ચાલે ? એવી સંજ્ઞા બેસી ગયેલી, તે પછી અમે તમને ‘વ્યવસ્થિત’ કર્તા આપ્યું. એટલે તમારો અભિપ્રાય ફરી ગયો કે ખરેખર આપણે કર્તા નથી, ‘વ્યવસ્થિત’ કર્તા છે !

લોકસંજ્ઞાથી અભિપ્રાય બેઠા છે, તે જ્ઞાનીની સંજ્ઞાએ તોડી નાખવાના છે ! મોટામાં મોટો અભિપ્રાય, ‘હું કર્તા છું’ એ તો જે દહાડે જ્ઞાન આપ્યું, તે દહાડે ‘જ્ઞાની પુરુષ’ તોડી આપે. પણ બીજા નાનાં નાનાં, સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે અભિપ્રાય બેઠા હોય. તે કેટલાકને બહુ મોટા અભિપ્રાય હોય એ અટકણ કહેવાય. આમ તો કરવું જ પડે ને ! એ અભિપ્રાય હજી બધા ઊભા રહ્યા છે એ અભિપ્રાય બધા કાઢે ને, તો વીતરાગ માર્ગ ખુલ્લેખુલ્લો થઈ જાય.

જ્યારે ‘ચંદુ’ અહીં રૂમમાં પેસે કે તરત જ આપણને એના તરફ

(પા.૨૧૫)

અભાવ ઉત્પન્ન થાય, શાથી ? કારણ કે ‘ચંદુ’નો સ્વભાવ જ નાલાયક છે, એવો અભિપ્રાય બેસી ગયો છે. તે ‘ચંદુ’ આપણને સારું કહેવા આવ્યો હોય, તોય પણ પોતે એને અવળું મોઢું દેખાડે. એ અભિપ્રાય બેસી ગયા છે, જે બધા કાઢવા તો પડશે જ ને ?

એટલે અભિપ્રાય કોઈ જાતના રાખવાના નહીં. જેના તરફ ખરાબ અભિપ્રાય બેસી ગયા હોય, એ બધા તોડી નાખવાના. આ તો બધા વગર કામના અભિપ્રાય બેઠેલા હોય છે, ગેરસમજણથી બેઠા હોય છે.

કોઈ કહેશે કે, ‘આપણો અભિપ્રાય ઊઠી ગયો તોય એની પ્રકૃતિ કંઈ ફરી જવાની છે ?’ ત્યારે હું શું કહું કે પ્રકૃતિ ભલેને ના ફરે, એનું આપણે શું કામ છે ? તો કહેશે કે, ‘આપણને પછી અથડામણ તો ઊભી રહેશે ને ? તો હું શું કહું કે, ‘ના, આપણા જેવા સામા માટે પરિણામ હશે, તેવા સામાનાં પરિણામ થઈ જશે.’ હા, આપણો એના માટે અભિપ્રાય તૂટ્યો ને આપણે એની જોડે ખુશી થઈને વાત કરીએ, તો એ પણ ખુશી થઈને આપણી જોડે વાત કરે. પછી તે ઘડીએ આપણને એની પ્રકૃતિ ના દેખાય !

એટલે આપણા મનની છાયા એની ઉપર પડે છે ! અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે !! ઘનચક્કર હોય, તોય ડાહ્યા થઈ જાય ! આપણા મનમાં ‘ચંદુ’ ગમે નહીં, એમ હોય તો ચંદુ આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય ને તેનો ફોટો એની ઉપર પડે ! એને તરત મહીં ફોટો પડે કે આમને મહીં શું ચાલી રહ્યું છે ! એ આપણા મહીંના પરિણામો સામાને ગૂંચવે ! સામાને પોતાને ખબર ના પડે, પણ એને ગૂંચવે ! એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ ! આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા.

બાકી બધાને માટે આપણને કઈ કશું હોતું નથી. રોજ ચોરી કરતો હોય તો આપણે એને ચોર છે, એવો અભિપ્રાય બાંધવાની જરૂર જ શી છે ? એ ચોરી કરે છે, એ એના કર્મનો ઉદય છે ! અને જેનું લેવાનું હોય તે તેના કર્મનો ઉદય છે, આમાં આપણે શું લેવાદેવા ? પણ આપણે એને

(પા.૨૧૬)

ચોર કહીએ તો એ અભિપ્રાય જ છે ને ? અને ખરેખર તો એ આત્મા જ છે ને ?

ભગવાને સહુને નિર્દોષ જોયેલા. કોઈને દોષિત તેમણે જોયેલા નહીં અને આપણી એવી ચોખ્ખી દ્રષ્ટિ થશે ત્યારે ચોખ્ખું વાતાવરણ થશે. પછી જગત આખું બગીચા જેવું લાગ્યા કરે. ખરેખર કંઈ લોકોમાં દુર્ગંધ નથી. લોકોનો પોતે અભિપ્રાય બાંધે છે. અમે ગમે તેની વાત કરીએ પણ અમારે કોઈનો અભિપ્રાય ના હોય કે, તે આવો જ છે !

પાછું અનુભવેય થાય કે આ અભિપ્રાય કાઢી નાખ્યા તેથી આ ભાઈમાં આ ફેરફાર થઈ ગયો ! અભિપ્રાય બદલવા માટે શું કરવું પડે કે એ ચોર હોય તો આપણે શાહુકાર છે, એવું કહીએ. મેં આમને માટે આવો અભિપ્રાય બાંધ્યો હતો, તે અભિપ્રાય ખોટો છે, હવે એ અભિપ્રાય હું છોડી દઉં છું. એવું ‘ખોટો છે, ખોટો છે’ કહેવું. આપણો અભિપ્રાય ‘ખોટો છે’ એવું કહેવાનું, એટલે આપણું મન ફરે. નહીં તો મન ફરે નહીં !

કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે હોય છે. અભિપ્રાયને લીધે વાણી કઠોર નીકળે, તંતીલી નીકળે ! તંતીલી એટલે પોતે એવું તંતીલું બોલે કે સામો પણ લતે ચઢે !

અનંત અવતારથી લોકસંજ્ઞાથી ચાલ્યા છે, તેનો આ બધો ભરેલો માલ છે ! એટલે અભિપ્રાય જે ભર્યા છે, તેની ભાંજગડ છે. જે અભિપ્રાય નથી રાખ્યા, તેની ભાંજગડ હોતી નથી !

કમિશન ચૂકવ્યા વિણ તપ

આપણે તપ કરવાનાં ખરાં, પણ ઘેર બેઠાં આવી પડેલાં, બોલાવવા જવું ના પડે ! પુણ્યશાળીને બધી ચીજો ઘેર બેઠાં આવે. ગાડીમાં કો’ક ફેરો કોઈ સામો આવીને બાઝી પડે તો, આપણે જાણવું કે આ આવી પડેલું તપ આવ્યું ! કે ‘ઓહોહો ! મને ખોળતું ખોળતું ઘેર આવ્યું !’ માટે તપ કરવાનું તે વખતે. ભગવાન મહાવીર પ્રાપ્ત તપ સિવાય બીજું કોઈ તપ કરતા નહોતા. જે પ્રાપ્ત તપ આવી પડ્યું હોય, તે તપને ખસેડવાનું નહીં ! આ

(પા.૨૧૭)

તો શું કરે, ના આવ્યું હોય તેને બોલાવે કે પરમ દહાડાથી મારે ત્રણ ઉપવાસ કરવા છે અને આવ્યું હોય તેને ‘છીટ્ છીટ્’ કરે. કહેશે, ‘મારો પગ રહેતો નથી, શી રીતે સામાયિક કરું ? આ પગ જ આવો છે.’ તે પગને ગાળો હઉ દે પાછા ! ‘મારો પગ આવો છે’ એવું કેમ કરીને કોઈ જાણે ? કોઈનેય જાણવા દીધું, એટલે એ તપ ના કહેવાય. એવું જાણી ગયો એટલે એ તપમાં ભાગ પડાવી ગયો કહેવાય. તપ આપણે કરવાનું. ને બે આની પેલો નફામાંથી ખાઈ જાય એ કામનું શું ? એણે આપણી વાત સાંભળી તે બદલ એને બે આની મળી જાય. એવું આશ્વાસન લઈને કમિશન કોણ આપે ?

મુંબઈથી વડોદરા કારમાં આવવાનું હતું ને બેસતાં જ કહી દીધું કે, ‘સાત કલાક એકની એક જગ્યાએ બેસી રહેવાનું છે. તપ આવ્યું છે ! અમે તમારી જોડે તો વાતો કરીએ, પણ અમારે મહીં અમારી વાત ચાલુ જ હોય કે ‘આજે તમને પ્રાપ્ત તપ આવ્યું છે. એટલે એક અક્ષરેય બોલવાનો નહીં.’ લોક તો દિલાસો આપવા માગે કે, ‘દાદા, તમને ફાવ્યું કે નહીં ?’ તો કહીએ, ‘બહુ સરસ ફાવ્યું.’ પણ કમિશન અમે કોઈને આપીએ નહીં, કારણ ભોગવીએ અમે ! એક અક્ષરેય બોલે એ દાદા બીજા ! એને પ્રાપ્ત તપ કર્યું કહેવાય !

ઉદ્દીરણા, પરાક્રમે પ્રાપ્ય !

પ્રશ્નકર્તા : આ ઉદ્દીરણા કરે છે ને, એ ખરા તપમાં ના કહેવાય ?

દાદાશ્રી : ઉદ્દીરણા, એ તો પુરુષાર્થ ગણાય છે ! પણ પુરુષ થયા પછીનો પુરુષાર્થ છે ! ખરેખર તો એ પરાક્રમમાં જાય છે ! સાતમા ગુંઠાણા નીચે કોઈ કરી શકે નહીં, એ પરાક્રમભાવ છે ! તમારે આ જ્ઞાન પછી હવે બધી ઉદ્દીરણા થઈ શકે ! તમને કંઈ વીસ વર્ષ પછી કર્મ આવવાનાં છે, તો આજે તમે એ બધા ભસ્મીભૂત કરી શકો !

પ્રશ્નકર્તા : પણ એ કેવી રીતે ખબર પડે, વીસ વર્ષ પછી આવવાનું છે ?

દાદાશ્રી : કેમ, એ ગાંઠ ઓગળી ગઈ એટલે પછી ખલાસ, પછી તો ‘એવિડન્સ’ ભેગો થાય એટલું જ, પણ દુઃખકારક ના રહ્યું !

(પા.૨૧૮)

પ્રશ્નકર્તા : આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ, એ ઉદ્દીરણા થાય છે ને ?

દાદાશ્રી : એમાં ઉદ્દીરણા જ થવાની. કારણ આજે અડચણ નથી આવી, છતાં પણ શાને માટે કરું છું ? એ મોજ-શોખ માટે નથી ! છતાં પ્રતિક્રમણ કરતાં કરતાં જે આનંદ થાય એ વધારાનો લાભ.

આપણી આ ‘અક્રમ’ની ‘સામાયિકો’ તમે કરો છો, તેમાં બધી કર્મની ઉદ્દીરણાઓ થઈ જાય એવું છે. આપણે ચરમ શરીરી નથી, એટલે જેને આ કર્મો રહેવા દેવાં હોય તે રહેવા દેજો. પણ ચરમ શરીરીને તો ઉદ્દીરણા કરવી જ પડે. કારણ કે એને લાગતું હોય કે હવે આયુષ્ય નજીકમાં આવે છે ને દુકાનમાં માલ ઢગલે બંધ પડેલો દેખાય ! હવે એ માલ ખપાવ્યા વગર શી રીતે જવાય ? એક બાજુ મુદત પૂરી થાય છે, માટે ભગવાન કંઈક ઉપાય કરો. ત્યારે ભગવાન કહે, ‘કર્મનો વિપાક કરો. વિપાક એટલે એને પકવો. જેમ આપણે કેરીને પરાળમાં ઘાલીને પકવીએ છીએને, તેમ કર્મને તમે પકવો. એટલે એ ઉદયમાં આવશે. ઉદ્દીરણા એટલે કર્મોનો ઉદય આવ્યા પહેલાં કર્મોને બોલાવીને ખપાવી દેવાં.

પ્રશ્નકર્તા : એને પરાક્રમ કહેવાય ને ?

દાદાશ્રી : એ મોટું પરાક્રમ કહેવાય. પુરુષાર્થમાં તો પોતે છે જ, પણ આ પરાક્રમ કહેવાય. આ તો વધારાનું છે.

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું ને કે કર્મોનો નાશ કરી નાખીએ છીએ, તો સંચિત કર્મો છે, એનું શું કરવું ?

દાદાશ્રી : સંચિત કર્મ તો ટાઈમ થાય એટલે એની મેળે પરિપક્વ થાય એટલે સામું આવીને ઊભું રહે. આપણે એને કશી ખોળવાની જરૂર નથી. સંચિતકર્મ એનું ફળ આપીને જતું રહે. અને પુરુષ થયા હોય તે અમુક યોગ માંડીને અમુક કર્મોને ઉડાડી શકે છે, પણ તે પુરુષ થયા પછી જ. તમે અત્યારે જે દશામાં છો તે દશામાં તેવું ના થાય. અત્યારે તમને તેવો તાલ ના ખાય. અત્યારે તો તમને પ્રકૃતિ નચાવે છે ને તમે નાચો છો. પુરુષ થયા પછી જે યોગ માંડીને કર્મો ઉડાડે તેને ઉદ્દીરણા કહેવાય.

(પા.૨૧૯)

ઉદ્દીરણા એટલે શું ? કાચાને પકવીને ખંખેરી નાખવા. કર્મનો વિપાક થયા સિવાય, ખીચડી કાચી હોય તો શું કરીએ ? તેવું કર્મ કાચાં હોય ને જવાનું થાય તો શું કરે ? એટલે એને પછી પકવી નાખે. ને એ કર્મોની ઉદ્દીરણા થાય છે. પણ પુરુષ થયા પછી જ આ પુરુષાર્થ થઈ શકે. પુરુષાર્થ થયા પછી આટલો રાઈટ છે એને !

ઉદ્દીરણાથી બે લાભ થાય. એક તો ઉદ્દીરણા કરવા માટે તમારે આત્મસ્વરૂપ થવું પડે. ને બીજું કર્મોની ઉદ્દીરણા થાય છે !

આત્મસ્વરૂપ થવાય ક્યારે ? સામાયિક અને કાયોત્સર્ગ, બેઉ થઈ જાય ત્યારે આત્મસ્વરૂપ થવાય. આપણે તો અહીં આ એકલું જ સામાયિકથી આત્મસ્વરૂપ થઈ જાય છે, તેથી ઉદ્દીરણા થઈ જાય છે. આ ‘અક્રમ જ્ઞાન’ છે, તેથી તમે આત્મસ્વરૂપ થઈ શકો છો અને ત્યારે જ પુરુષાર્થ ને પરાક્રમ થાય !

બાકી જગત જે પુરુષાર્થ માને છે, તેને આ દાદા કહે છે કે, તેને તો જરા વિચારો. આ લીમડો પાને પાને કડવો હોય છે, ડાળે ડાળે કડવો હોય છે, એમાં લીમડાનો શું પુરુષાર્થ ? તેમ આ તપ, ત્યાગ કરે છે, તેમાં શો એનો પુરુષાર્થ ?

પોતે છે ભમરડો, તે ઉદ્દીરણા કરવા કેમનો બેઠો ? પુરુષ થયા નથી, એટલે ભમરડો કહ્યો. પછી ભમરડાને અને ઉદ્દીરણાને, બેનો મેળ કેમનો જામે ?

નિકાચિત કર્મ તો હંમેશાં કડવાં લાગે. મીઠું નિકાચિત કર્મ હોય પણ તે જ્યારે છેવટે કંટાળીને કડવું લાગે, ત્યારે ભાન થાય કે આ અહીંથી હવે ખસે તો સારું !

નિકાચિત કર્મ બે પ્રકારનાં હોય : એક કડવું અને બીજું મીઠું. મીઠું કર્મેય બહુ આવે એટલે ફસામણ થાય. આઈસ્ક્રીમ અતિશય આપે તો, તમે કેટલો ખાવ ? છેવટે એનોય કંટાળો આવે ને ? અને કડવામાં તો બહુ જ કંટાળો આવે. તેમાં તો પૂછવાનું જ ના રહ્યું ને ! પણ ભોગવ્યે જ છૂટકો થાય.

(પા.૨૨૦)

નિકાચિત કર્મ એટલે ભોગવ્યે જ છૂટકો. ને બીજાં બધાં ઊડી જાય એવાં કર્મ કહેવાય. જે ઉદ્દીરણા કહે છે, તેને તપ કહીએ તો ચાલી શકે. એ તપ પણ નૈમિત્તિક તપ છે. જો તપ એ જાતે કરી શકતો હોય તો તો એ કર્તા થયો કહેવાય. એટલે એ નૈમિત્તિક તપ છે. એટલે કે ઉદયમાં તપ આવે તો પેલાં કર્મ ઊડી જાય, નહીં તો તેમ થાય નહીં. એ તપ કરવા જાય કે કાલે કરીશું. તો તે ના થાય ને એમ કરતાં કરતાં નનામી નીકળી જાય ! ને પાછાં કો’કના ખભે ચઢીને જવું પડે. ઉદ્દીરણા ના થાય તો ઋણ વાળવા આવવું પડે.

ઉદ્દીરણાનો અર્થ શો કે વિપાક ના થયો હોય એવાં કર્મને વિપાક કરીને ઉદયમાં લાવવાં. તે ચરમ શરીરી હોય તે લાવી શકે. જો ચરમ શરીરીને કર્મો વધારે હોય તો, તે આ ઉદ્દીરણા કરી શકે. પણ તે કેવો હોવો જોઈએ ? સત્તાધીશ હોવો જોઈએ. પુરુષાર્થ સહિતનો હોવો જોઈએ. પુરુષ થયા વગરના બધા ભમરડા કહેવાય. નામધારી માત્ર ભમરડા કહેવાય. આ ભમરડાને અહીંથી શ્વાસ પેઠો કે ભમરડો ફર્યો, પછી એની દોરી ખૂલતી જાય. તે આપણને દેખાય હઉ કે દોરી ખૂલે છે. એટલે તો અમે આખા વર્લ્ડને ભમરડા છાપ કહ્યું છે. એનો ખુલાસો જોઈતો હોય તો કરી આપીએ. અમે જેટલા શબ્દો બોલીએ છીએ, એ બધાના ખુલાસા આપવા માટે બોલીએ છીએ. આ દાદાએ જે જ્ઞાન જોયું છે, એ જ્ઞાન ને અજ્ઞાન, બેઉ જુદે જુદું જોયું છે.

પુરુષાર્થ ઉદય આધીન ના હોય, પુરુષાર્થ તો જેટલો કરો એટલો તમારો. આપણા મહાત્માઓ પુરુષ થયા એમને મહીં નિરંતર પુરુષાર્થ થઈ રહ્યો છે. પુરુષ, પુરુષ ધર્મમાં આવી ગયેલો છે ને તેથી જ પ્રજ્ઞા ચેતવે છે ! જગત આખાને અમે ભમરડો કહીએ છીએ. ભમરડાને એનો શો પુરુષાર્થ ? આ અહીંથી શ્વાસ પેઠો એટલે ભમરડો ફર્યા કરશે અને જો શ્વાસ દબાઈ ગયો તો ભમરડો પડી જશે ! અને આપણા મહાત્માઓ તો પુરુષ થયેલા, તે આ શ્વાસ ના ચાલ્યો તો મહીં ગુંગળામણ થાય. એટલે પછી પોતાની ગુફામાં પેસી જાય કે ચાલો, આપણે આપણી ‘સેફસાઈડ’ વાળી જગ્યામાં. એટલે પોતે અમરપદનું ભાનવાળા છે આ !

(પા.૨૨૧)

પરાક્રમભાવ

પ્રશ્નકર્તા : ‘ચાર્જ પોઈન્ટ’ સિવાયની પેલી સર્જક શક્તિ છે, એ શું છે ? પુરુષાર્થ છે ?

દાદાશ્રી : સર્જક શક્તિ એટલે શું કહેવા માંગીએ છીએ કે સૂર્યોદય ક્યારે થાય કે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ઊભા થાય ત્યારે ઉદય થાય. આ ઘડિયાળ ચાર વગાડે, પેલાનાં ઘડિયાળમાં ચાર વાગે, મુંબઈના મોટા ઘડિયાળમાં ચાર વાગે ને અહીં સૂર્યનારાયાણ આવે એવું બને નહીં. સૂર્યનારાયણને ઉતાવળ હોય તોય એમનાથી અહીં અવાય નહીં ! એમનો સૂર્યોદય ક્યારે થાય ? જ્યારે બધા જ ‘એવિડન્સ’ ભેગા થાય ત્યારે ! એટલે ઉદયકર્મ છે તે સર્જક શક્તિના આધીન છે. સર્જક શક્તિ એને અમે ‘ચાર્જ’ કહીએ છીએ. એને પુરુષાર્થ નથી કહેતા.

પ્રશ્નકર્તા : ભાવને જ પુરુષાર્થ કહેવાય ને ? આપણો સાચો ભાવ જાણ્યો, સ્વભાવને ગુણોથી જાણ્યો, એ જ પુરુષાર્થ ને ?

દાદાશ્રી : ભાવાભાવ આપણે બધું ભમરડાછાપમાં ઘાલી દીધું અને આપણે તો સ્વભાવ-ભાવ છે. ભાવાભાવ એ કર્મ છે. અને સ્વભાવ-ભાવમાં જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ હોય. આપણા મહાત્માઓ સ્વભાવ ભાવમાં રહે છે, તેથી મહીં આનંદ એમને રહ્યા જ કરે. પણ એ ચાખતા નથી. એ ચાખવાનું આવે ત્યારે એ ગયા હોય બીજે હોટલમાં, તેથી ખબર ના પડે.

પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓ એ કયા લક્ષણથી ચાખે છે ? વગર જાણ્યે ચાખે છે, એ પુરુષાર્થ લક્ષણથી કે ઉદય લક્ષણથી ?

દાદાશ્રી : પુરુષાર્થ તો એમને ચાલુ જ છે, પણ પરાક્રમની દ્રષ્ટિથી ચાખે છે.

પ્રશ્નકર્તા : મહાત્માઓને પરાક્રમ ઊભું થયું નથી. એટલે એનો અર્થ એ કે એમને યથાર્થ પુરુષાર્થ નથી.

દાદાશ્રી : પુરુષાર્થ છે જ બધા મહાત્માઓને, પણ તે હજી પરાક્રમ

(પા.૨૨૨)

ભાવમાં નથી આવ્યા. કેટલાક સામાયિક કરીને પરાક્રમમાં આવે. પુરુષ થયા પછી પુરુષાર્થ હોય જ ને ! એ તો સ્વાભાવિક થાય.

પ્રશ્નકર્તા : આમાં કોઈ નિયમ નથી ને ? ઘણી વખત સામાયિકમાં બેઠા હોઈએ, ત્યારે બિલકુલ એકાકાર ના થવાય અને રસ્તામાં ઓચિંતું જ એકાકાર થઈ જવાય ને આનંદ આનંદ થઈ જાય. તો એ કેવી રીતે આવ્યું ? એ ઉદયથી આવ્યું ?

દાદાશ્રી : આય ઉદયથી આવે છે ને પેલુંય ઉદયથી આવે છે. બંને ઉદયથી જ આવે છે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે પરાક્રમભાવ એકદમ જુદો છે ?

દાદાશ્રી : હા, પરાક્રમભાવ જુદો જ છે. પરાક્રમમાં પોતાને કશું જ કરવાનું નથી. પોતાનો ભાવ પરાક્રમભાવ ઉત્પન્ન થાય છે. એટલે પછી પ્રજ્ઞા તે ભાવ પ્રમાણે બધું કરી આપે છે.

પ્રશ્નકર્તા : પરાક્રમભાવ એટલે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ?

દાદાશ્રી : પરાક્રમભાવ એટલે શું ? ‘મારે પરાક્રમભાવમાં આવવું છે’ એવો ભાવ એમને હોતો નથી. મૂળ જે ભાવ હોય છે, તેનાથી આ પરાક્રમભાવ જુદી વસ્તુ છે. એ ‘એલર્ટનેસ’ છે. મારે ‘એલર્ટનેસ’માં જ રહેવું છે. એવું જેને નક્કી હોય, તેને પછી પ્રજ્ઞા બધી વ્યવસ્થા કરી આપે.

પ્રશ્નકર્તા : પરાક્રમભાવ સ્ટ્રોંગ નિશ્ચયમાં આવે છે ?

દાદાશ્રી : હાસ્તો ને, નિશ્ચય આપણો હોવો જ જોઈએ ને ? મારે સ્વભાવમાં જ રહેવું છે. પછી જે થાય તે, એને પછી કોણ રોકનાર છે ? પછી છે તે પ્રજ્ઞાશક્તિ એમાં જોર કરશે. તેની મહીં અજ્ઞાશક્તિ એનુંય જોર કરે. પણ છેવટે અજ્ઞાશક્તિ હારશે. કારણ કે ભગવાન આમના પક્ષમાં છે.

(પા.૨૨૩)

[28]

‘જોવું’ અને ‘જાણવું’ છે જ્યાં,

પરમાનંદ પ્રગટે છે ત્યાં !

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન ‘ડીપ્રેસ’ થઈ જાય છે, તેનું શું કારણ ?

દાદાશ્રી : આપણું જ્ઞાન તો શું કહે છે કે ‘ચંદુભાઈ’ને શું થાય છે તે જોયા કરો. બીજો કોઈ ઉપાય જ નહીં ને ? વધારે કચરો ભરી લાવ્યો છે, તેવી આપણને ખબર પડી જાય ને ?

પ્રશ્નકર્તા : તે વખતે જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રહેતો નથી. અને ‘આ મન-વચન-કાયાથી હું જુદો જ છું’ એવું તે વખતે નથી રહેતું.

દાદાશ્રી : એ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ ના રહે, તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે ! આ ખબર કોને પડે છે ? માટે આ તો તદ્દન જુદું રહે છે તને ! મિનિટે મિનિટની ખબર પડે.

પ્રશ્નકર્તા : પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને ? અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને ?

દાદાશ્રી : એ વળ્યું વળે એમ નથી. તમે શું વાળો એવા છો ?

પ્રશ્નકર્તા : એટલે દાદા, આ રીતે ‘મશીનરી’ અવળે રસ્તે ચાલ્યા જ કરે ને આપણે એને જોયા જ કરવાનું ફક્ત ?

દાદાશ્રી : ત્યારે બીજું શું કરવાનું ? અવળો રસ્તો ને સવળો રસ્તો બેઉ રસ્તા જ છે, એને જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : પણ અવળે રસ્તે આખો ભવ નકામો જાય ને ?

(પા.૨૨૪)

દાદાશ્રી : પણ તેમાં આમ કકળાટ કરો તો શું થાય ? એને ‘જોયા કરવું’ એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાવ છો. આ તો ખાલી ‘સફોકેશન’ જ છે.

પ્રશ્નકર્તા : છેવટે પછી કંટાળો આવે છે કે આ બધું શું થાય છે ?

દાદાશ્રી : કંટાળો આવે તો ચંદુભાઈને આવે. ‘આપણને’ ઓછો આવે છે ? અને આપણે ચંદુભાઈને ઠપકો આપવો એની પાસે સાંજે પ્રતિક્રમણ કરાવડાવવું.

આત્માનો સ્વભાવ એવો છે કે આટલુંય જાણ્યા વગર રહે નહીં. શું શું થયું તે બધું જ એ જાણે ! આ બહારના બીજા કોઈ કેમ ફરીયાદ કરવા નથી આવતા કે મને આજે આવું થાય છે, તેવું થાય છે ?

પ્રશ્નકર્તા : એમને સમાધિ રહેતી હશે ?

દાદાશ્રી : આત્મા પ્રગટ છે જ નહીં ત્યાં પછી સમાધિ શી રીતે થાય ? અહંકાર જ કામ કર્યા કરતો હોય ત્યાં આત્મા પ્રગટ જ નથી. તમારે તો આત્મા પ્રગટ થઈ ગયો છે ! તેથી આ બધી ખબર પડે છે. નહીં તો બીજો કોઈ કેમ આવું બોલતો નથી ?

પ્રશ્નકર્તા : પછી પોતાનો પરમાનંદ, પોતાનું અનંત સુખ, એ ના જવું જોઈએ ને ?

દાદાશ્રી : પણ આ અંતરાયો આવે એટલે સુખ ઊડી જાય.

પ્રશ્નકર્તા : કયા અંતરાયો, દાદા ?

દાદાશ્રી : આ ધંધા પર તું જાય, ત્યાં ચંદુભાઈ શું શું કરે છે, તેને ‘તું’ બરોબર ‘જોઉં’ નહીં એટલે બધું તૂટી જાય. બધું જો પદ્ધતિસર થતું હોય તો કશું ના થાય.

પ્રશ્નકર્તા : ‘જોઉં’ નહીં એટલે શું ?

દાદાશ્રી : તું એને ‘જાણે’ છે ખરો, પણ ‘જોતો’ નથી ને !

(પા.૨૨૫)

પ્રશ્નકર્તા : આપણે જોઈએ ને જાણીએ તો શું થઈ જાય પછી ?

દાદાશ્રી : ‘જાણવું’ અને ‘જોવું’, એ બે ભેગું થાય ત્યારે પરમાનંદ થાય.

પ્રશ્નકર્તા : ‘જાણવું’ અને ‘જોવું’, એ કઈ રીતે હોય ?

દાદાશ્રી : તને આખા ચંદુભાઈ દેખાય. ‘ચંદુભાઈ શું કરે છે’ તે બધું જ દેખાય. ચંદુભાઈ ચા પીતો હોય તો દેખાય, દૂધ પીતો હોય તો દેખાય, રડતો હોય તો દેખાય. ગુસ્સે થયો હોય તેય દેખાય, ચિડાતો હોય તો તેય દેખાય, ના દેખાય ? આત્મા બધું જ જોઈ શકે. આ તો ‘જાણવું’ અને ‘જોવું’ બેઉ સાથે થતું નથી, તેથી પરમાનંદ તને ઊભો થતો નથી.

પ્રશ્નકર્તા : ‘જાણવું’ ને ‘જોવું’, એ બેઉ કેવી રીતે થઈ શકે ?

દાદાશ્રી : એનો આપણે અભ્યાસ પાડીએ એટલે થાય. દરેક બાબતમાં ઉપયોગ રાખીએ, ઉતાવળ કે ધાંધલ ના કરીએ વખતે ગાડીમાં ચડતી વખતે, ભીડ હોય તો ભુલચૂક થઈ જાય ને ‘જોવાનું’ રહી જાય, તો તેને ‘લેટ ગો’ કરીએ. પણ બીજે બધે તો રહી શકે ને ?

પરમાત્મયોગની પ્રાપ્તિ

પ્રશ્નકર્તા : દાદા, આપનું ‘જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી માયા મૂંઝવે છે, એને કાઢો ને ?

દાદાશ્રી : ‘સ્વરૂપનું જ્ઞાન’ પ્રાપ્ત કર્યા પછી માયા કોઈ દહાડોય આવે નહીં. માયા પછી ઊભી જ ના રહે. પણ તમે તો તેને બોલાવો છો ને, ‘માસી, અહીં આવજો. માસી, અહીં આવજો !’

પ્રશ્નકર્તા : તમે માયાને મારો ને ?

દાદાશ્રી : હું મારવા આવું કે તમારે મારવાનું હોય ? મારે તો તમારું અમુક જ સાચવવાનું હોય. બીજું બધું તમારે સાચવવાનું. હવે તમે પુરુષ થયા અને પુરુષ થયા પછી તમે પુરુષાર્થમાં આવ્યા. પુરુષ થયા પછી માયા આવે કેમ ? એક કલાકનો યોગ માંડ્યો હોય તો જગત ઊંચું-નીચું થઈ

(પા.૨૨૬)

જાય, એવો તો યોગ મેં તમને આપ્યો છે ! આખું બ્રહ્માંડ ઊંચું-નીચું થઈ જાય એવો યોગ મેં તમને આપ્યો છે !!! પણ એવા યોગનો તમે ઉપયોગ ના કરો તો શું થાય ?

પ્રશ્નકર્તા : બ્રહ્માંડ ઊંચું-નીચું નથી થતું, પણ હું ઊંચો-નીચો થઉં છું.

દાદાશ્રી : આ યોગ હાથમાં આવે તો કોઈ છોડે નહીં. એક કલાકમાં તો કંઈનું કંઈ ઉડાડી મૂકે !

પ્રશ્નકર્તા : આજ સુધી મને એમ હતું કે દાદા મને કોઈ દહાડો જાતે જ કહેશે, એટલે હું કશું કહેતો જ ન હતો.

દાદાશ્રી : દાદા બધું જ કંઈ કરે, પણ એ તો કો’ક સાવ ગળિયો થઈ ગયો હોય તો ત્યાં રક્ષણ મૂકવું પડે. એમ તો પાર પણ ના આવે ને ! દાદાને બહુ કામ કરવાનું હોય છે. દાદાને આખો દહાડો યોગ કરવાનો હોય છે. અમેરિકામાં ફરવું પડે છે. ઇંગ્લેન્ડમાં ફરવું પડે છે, દહાડે-રાત્રે ફરવું પડે છે. આખા વર્લ્ડ ઉપર યોગ ચાલી રહ્યો છે. આખા વર્લ્ડમાં શાંતિ થવી જોઈએ. ધર્મની વાત તો જવા દો, પણ શાંતિ તો થવી જોઈએ.

પ્રશ્નકર્તા : અમારે તો જ્યાં નથી કરવાનું ત્યાં થાય છે અને જે કરવાનું છે તે થતું નથી.

દાદાશ્રી : ત્યાં જ પુરુષાર્થ છે, પુરુષ થયા પછી પુરુષાર્થ કેમ થતો નથી ? હવે દિશામૂઢ ના થવાય. હવે તો એક જ દિશા, બસ પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ !

અનંતશક્તિ વ્યક્ત થાય એવો આ યોગ આપ્યો છે. માટે ધમધમાવો ઘેર જઈને ! બીજાં બધાં મછરાંને કહીએ કે ‘ગેટ આઉટ ! નોટ એલાઉડ !’

આખું બ્રહ્માંડ હાલે એવી શક્તિ મહીં ભરેલી છે. મેં જાતે જોઈ, ત્યારે તો મેં ઉઘાડ્યું ! પણ તમે શેની લાલચોમાં પડી ગયા છો ? શેને માટે ? આખું બ્રહ્માંડ સામું આવે તોય એની લાલચ કેમ હોય ? માટે બરોબર યોગ જમાવો, રાત ને દહાડો ! હવે ઊંઘ કેવી આવે ? હવે યોગ પૂરેપૂરો કરી

(પા.૨૨૭)

લો. દસ લાખ વર્ષે આ સહજાસહજ યોગ પ્રાપ્ત થયો છે, બૈરાં-છોકરાં, કપડાં-લત્તાં સાથે. ફરી ફરી આવો યોગ પ્રાપ્ત થાય એવો નથી. આ તો પરમાત્મયોગ છે ! આ કંઈ જેવો તેવો યોગ નથી !

બહુ જ જાગૃતિની જરૂર છે, સંપૂર્ણ જાગૃતિ ! જાગૃતિ પરની જાગૃતિ કે જે છેલ્લા પ્રકારની જાગૃતિ છે, તે આપણે અહીં છે ! જગત જ્યાં જાગે છે ત્યાં આપણે ઊંઘતા રહેવું જોઈએ. આપણે જ્યાં જાગ્યા છે ત્યાં જગત ઊંઘતું જ છે. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ ! કોઈ કમી ના રહે એવી જાગૃતિ !! બસ, જાગૃતિની જ જરૂર છે. જેટલી જાગૃતિ વધી એટલો કેવળજ્ઞાનની નજીક આવ્યો. જાગૃતિમાં પોતાના બધા દોષ દેખાય, પણ પોતે નિષ્પક્ષપાતી થયો હોય તો ! પોતે શુદ્ધાત્મા થયો એટલે નિષ્પક્ષપાતી થયો. ‘હું ચંદુભાઈ છું’ ત્યાં પક્ષપાત છે. પોતે વકીલ, પોતે જજ અને પોતે આરોપી. પછી જજમેન્ટ કેવું આવે ?

પ્રશ્નકર્તા : મેં તો એવું નક્કી કરેલું કે મારે આ બધી ચિંતા કરવાની શી જરૂર ? માથે દાદા છે, પછી શું ?

દાદાશ્રી : આ તો બધા કષાયો પેસી જાય ! એ જાણે કે અહીં આ પોલું છે ! તમને પુરુષ બનાવ્યા હવે. પુરુષ ના બનાવ્યા હોય ત્યાં સુધી દાદા છે. હવે તો પુરુષાર્થ તમારા હાથમાં મૂકેલો છે. દાદા વખતે, અડચણની વખતે હાજર થાય. પણ રોજ રોજ કંઈ હાજર ના થાય.

આ પરમાત્મયોગ તમને આપ્યો છે. હવે ફરી ચૂકશો નહીં. કોઈ અવતારમાં નથી મળતું આ. આ અવતારમાં જ બન્યું છે આ ! આ અગિયારમું આશ્ચર્ય છે આ કાળનું ! માટે યોગ બાઝી ગયો છે. આ તો તમને પુણ્યૈથી યોગ બાઝી ગયો છે, તે ઉપર સુધી જોઈ આવ્યા છો, અમુક હદ સુધી તો બધું જોઈ નાખ્યું છે તમે અને તમારા લક્ષમાં છે ને કે શું શું જોયું છે તે ?

પ્રશ્નકર્તા : હા, છે.

દાદાશ્રી : અને આ ભરહાડ તો હતી જ ને ? ક્યાં ન હતી ? આ એંઠવાડો તો છે જ ને ?

(પા.૨૨૮)

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી એને દબાણ કેમ વળગી પડતાં હશે ?

દાદાશ્રી : આ જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, તે તમારા બધાં કર્મોનો નિકાલ કર્યા પછી પ્રાપ્ત થાય તો કશું મહીં પેસે નહીં. આ તો કર્મ તમારાં ખપાવ્યાં સિવાયનાં ઊભાં રહ્યાં છે અને આ પ્રાપ્ત થઈ ગયું છે. હું શું કહું છું કે આવું પ્રાપ્ત થયા પછી આ કર્મોનો નિકાલ કરી નાખો ઝટપટ. આ બધું દેવું વાળી દો. નહીં તો આત્મા, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા સિવાય દેવું વળે એવું નહોતું કોઈ રસ્તે ! એટલે આ તો નાદારી ઉપરથી સાદારમાં થવાનું છે, આ દેવું પાર વગરનું છે. ને હવે જે રખડ્યા ને તે ૮૧,૦૦૦ વર્ષ સુધી રખડવાના છે. માટે અત્યારે ઊંચકી લઈએ છીએ, તે જેને યોગ પ્રાપ્ત થઈ જાય તે કામ કાઢી લો, નહીં તો સ્લીપકાળ છે, લપસણો કાળ છે. પાર વગરનાં તમારાં દેવાં હતાં, તેની મહીં તમને જાગૃત કરી દીધા. તમને જાગૃતિ વર્તે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : વર્તે છે.

દાદાશ્રી : એ જાગૃતિ સંપૂર્ણ ટોચ ઉપર બેસીને જોઈએ. મહીં કશું ય હાલ્યું હોય તે ખબર પડી જાય કે મહીં અંદર શું હાલ્યું ? અને તે આપણા હિતનું કે આપણા વિરોધી છે, તે તરત સમજી જવું જોઈએ.

આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. કારણ કે એ શેમાં જાગે છે ? પૈસામાં, વિષયમાં જાગે છે. જગત આખું તાળો મેળવીને થાક્યું છે, કશું વળતું નથી. માટે તમને હું શું કહું છું કે, બધું ‘વ્યવસ્થિત’ છે. એટલે કે તમારો હિસાબ છે. એને કોઈ ફેરફાર કરનારો નથી. માટે તાળો મેળવશો નહીં. તમે તમારું કામ કર્યા કરો. ‘વ્યવસ્થિત’ તમને બધી જ યારી આપ્યા કરશે.

હવે માયા દૂર રહેવી જોઈએ. માયા ઘૂસવી ના જોઈએ. આ તો નાની નાની ચીજ આપી, તમને અજગરની પેઠે ગળે છે. જ્યારે મોટી બાબત આવે ત્યારે જ તમે શુદ્ધાત્મામાં પેસો છો ! એટલે બધી જ બાબતમાં જાગૃતિ રહેવી જોઈએ. આમાં ભૂલ થાય તે ચાલે નહીં.

(પા.૨૨૯)

પ્રશ્નકર્તા : પણ દાદા, ફરીથી એ ભૂલો ના પડવો જોઈએ ને ?

દાદાશ્રી : ભૂલો ના પડવો જોઈએ, પણ માયા હજુ એને મૂંઝવે. માયા ક્યાં સુધી મૂંઝવે ? ત્રણ વર્ષ સુધી. હવે આ ક્રોધ-માન-માયા-લોભ રૂપી માયા ત્રણ વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહી શકે એમ છે ને ભૂખી રહી શકે તેમ છે. અમે એમના હાથની સત્તા ઉડાડી દેવડાવીને તમારા હાથમાં સોંપી, એટલે એ બધાં અંડરગ્રાઉન્ડ ગયાં. હવે એ ફરી પાછાં તૈયારીઓ કર્યા કરે, એટલે ત્રણ વર્ષ સુધી આ યોગ રહે. દાદાથી આઘોપાછો ના થાય તો એ પેસે નહીં, જતાં રહે. પછી ‘સેફ સાઈડ’ થાય ! પછી તો અમારી આજ્ઞામાં સહેજે રહી શકાય. અમે જાણીએ કે શાથી આવું બને છે, એટલા માટે પહેલેથી ચેતવાનું કહીએ.

પ્રશ્નકર્તા : દૈવીશક્તિ અને આસુરીશક્તિ, બેઉ હંમેશાં લડે જ છે ?

દાદાશ્રી : હા, એ લડે જ છે. પણ તેમાં તમારે કૃષ્ણ તરીકે કામ લેવું જોઈએ કે હું તારા પક્ષમાં છું.

પ્રશ્નકર્તા : આપ અમને સુદર્શન આપી દો ને ?

દાદાશ્રી : સુદર્શન તમને આપેલું જ છે. એક આંગળીનું નહીં, પણ દસેય આંગળીઓના આપેલાં છે. તે બધું કાપીને એક કલાકમાં તો આખો કૌરવવંશ નાશ કરી નાખે એમ છે !

મૂળ પુરુષની મહત્તા

પ્રશ્નકર્તા : કોઈ યોગ્ય વ્યક્તિને તમે તમારી શક્તિઓ આપીને જશો ને ?

દાદાશ્રી : પણ એના આધારે આપણે શું બેસી રહેવું ? એ આપીને જાય, એના કરતાં અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો ને ? પાછળ તો વારસદારો ‘ઈન્ટેલિજેન્શિયા’ હોય. એ મૂળ વાતને આઘીપાછી કરે ! માટે મૂળ પુરુષ હોય ત્યારે તેમની પાસે કામ કાઢી લેવું ને એને માટે સંસારને બાજુએ મૂકી દેવાનો !

(પા.૨૩૦)

આવું ‘રિયલ’ કો’ક ફેરો હોય ત્યાં સંપૂર્ણ પદ પ્રાપ્ત થાય. ત્યાં સચ્ચી આઝાદી મળે. ભગવાન પણ ઉપરી નહીં, એવી આઝાદી પ્રાપ્ત થાય.

પુરુષ થયા પછીનો પુરુષાર્થ એટલે એક ત્રાડ પાડે તો કેટલાય સિંહ ને સિંહણો ભાગી જાય ! પણ આ તો કૂરકૂરિયાં હઉં મોઢું ચાટી જાય છે !!!

અમે જ્ઞાન આપીએ છીએ, પછી વાસ્તવિકતા ‘ઓપન’ થાય છે. પછી પોતે પુરુષ થાય છે. પછી તમને ‘હું પરમાત્મા છું’ એવું ભાન થાય. અમે પાપો ભસ્મીભૂત કરાવડાવીએ છીએ, દિવ્યચક્ષુ આપીએ એટલે બધામાં પરમાત્મા દેખાય ! એટલે આવું પદ આપ્યા પછી, પરમાત્મયોગ આપ્યા પછી તમને પાંચ આજ્ઞા આપીએ છીએ.

એટલે તમે પરમાત્મપદ, પરમાત્મસુખ બધું જોયેલું છે. એ તમારા લક્ષમાં છે, ત્યાં સુધી તમે ફરી પાછા અસલ સ્ટેજમાં આવી જશો. માટે ફરી આવો યોગ જમાવી લો. સંસારનું જે થવાનું હોય તે થાય. ‘વ્યવસ્થિત’ના તાબામાં બધું સોંપી દેવાનું. અને વર્તમાનયોગમાં જ રહેવું. ભવિષ્ય તો ‘વ્યવસ્થિત’ને તાબે છે.

સ્થૂળ વટાવો, સૂક્ષ્મતમમાં પ્રવેશો !

પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં એકાગ્રતા આઘીપાછી થઈ જાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : જ્યાં સુદી દાદા જાતે હોય ત્યાં સુધી તે સ્થૂળ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળ તો મળ્યું, પણ હવે સૂક્ષ્મમાં જવું જોઈએ અને દાદા હાજર ના હોય ત્યારે તો સૂક્ષ્મનો જ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જવાનો પ્રયોગ કરવો જોઈએ. અને આઘુંપાછું થતું જ નથી. રોજ રોજ આ રેકર્ડ વગાડવાની તે કંઈ સારું કહેવાય ?

આ જે પરમાત્મયોગ મેં તમને આપ્યો છે તે યોગમાં, જેમ બને તેમ એ યોગમાં જ રહો. તમે પોતે પરમાત્મા બનો એવો યોગ આપ્યો છે ! વચ્ચે કોઈ અટકાવી શકે નહીં અને સંસારની બધી જ રામાયણ પૂરી થાય,

(પા.૨૩૧)

અઢાર કોઠા યુદ્ધ જિતાય. કારણ કે શુદ્ધાત્મા એ જ કૃષ્ણ છે અને એ જ જિતાડનાર છે.

અમારી આજ્ઞા એ ‘અમે’ જ છીએ, ‘પોતે’ જ છીએ. અમારી પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો.

સામા આવ્યા છે મોક્ષ સ્વરૂપ

કરોડો અવતારેય ના થાય એવા આ ‘એક્સપર્ટ’ મળ્યા છે, તો અહીં તમારું કામ થઈ જાય તેમ છે. આ તો ‘હું’ કેવળજ્ઞાનમાં નાપાસ થયો, તે તમારે માટે કામ લાગ્યો, મોનિટર તરીકે !

આ તમારું જ તમને આપું છું. જ્ઞાન તો તમારું જ છે. મારું જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું વચ્ચે. આ તમારું ‘પોતાનું’ જ જ્ઞાન છે. હવે આ ઠંડક વધે છે, તે ય તમારી જ. જાગૃતિ વધતી જશે તે ય તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ન હોય. આ બધું તમારું પોતાનું જ છે !

આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે ! આ સમજાય છે આપને, ના સમજાય તો ના કહી દો. આપણને ઉતાવળ નથી. આપણે સમજવા માટે બેઠા છીએ. આપણે કંઈ ‘થિયરી’ ‘એડોપ્ટ’ કરવા માટે નથી બેઠા. આ થિયરી એવી નથી કે જે તમને ‘એડોપ્ટ’ કરાવવાની હોય ! ‘સાચી વાત’ ‘સમજ’માં આવી જાય એ જ આપણી થિયરી !

- જય સચ્ચિદાનંદ

www.dadabhagwan.org