ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18



આપ્તવાણી

શ્રેણી-૧૪ ભાગ-૪

[૧]

આત્માના ગુણો અને સ્વભાવ

આત્મગુણ જાણે-પરિણમે, થાય આત્મજ્ઞાન

આત્મા શું હશે ? શબ્દબ્રહ્મથી તો બધાય જાણે છે કે અનંત ગુણવાળો છે. પણ તેનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું પડશે.

પ્રશ્નકર્તા : આત્માના ગુણોનો વિકાસ કરે એ જ જ્ઞાન ને ? બીજું બધું અજ્ઞાન જ કહેવાયને ?

દાદાશ્રી : આત્માના ગુણોનો વિકાસ કરવાનો નથી. એના ગુણોનો વિકાસ આપણે શું કરવાનો ? એ પોતે વિકસિત જ છે. આત્મા તો પરમાત્મા જ છે. આત્માને તો કંઈ કરવાનું જ નથી. એ તો છે જ પૂર્ણ.

પણ યથાર્થ આત્મજ્ઞાન તો આપણને ક્યારે થયું કહેવાય ? જ્યારે તે ગુણો પરિણામ પામે ત્યારે. બાકી ‘હું હીરો છું’ બોલ્યે કંઈ હીરો ના પમાય. આત્મજ્ઞાન થવા આત્મા ગુણધર્મ સહિત જાણે અને તે પરિણામ પામે તો આત્મજ્ઞાન થાય.

એટલે આત્મા તો પરમાત્મા છે, અનંત ગુણનું ધામ ! આત્મા એ પોતાના ‘સ્વાભાવિક’ ગુણોનું ધામ છે. એટલે એ ગુણો કોઈ દહાડો આઘાપાછા ના થાય એવા ગુણનું ધામ છે.

આત્માના અનંત ગુણ પણ મુખ્ય બે

પ્રશ્નકર્તા : આત્માને અનંત ગુણધામ કહ્યો તો એ ગુણો કયા કયા છે ?

દાદાશ્રી : આત્માના મુખ્ય બે ગુણ : જ્ઞાન અને દર્શન. બીજા તો પાર વગરના ગુણો છે.

અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ ને અનંત સુખ, આ ચાર ગુણો મોટા-મોટા, જબરજસ્ત, પછી બીજા બધા નાના-નાના તો બહુ ગુણો જેવાં કે અમૂર્ત, અગુરુ-લઘુ, અવ્યય, અચ્યુત, અરૂપી, અવ્યાબાધ સ્વરૂપ વિગેરે છે.

પછી કોઈની પણ આરપાર નીકળી શકે એમ છે. આ ભીંતની અંદરથી પસાર થઈ જવું હોય તો થઈ શકે. મોટો ડુંગર હોય તો ડુંગરની અંદરથી પસાર થઈ શકે અને મોટી હોળી સળગતી હોય તો હોળીની વચ્ચેથી પસાર થાય તો દઝાય નહીં, એવું સૂક્ષ્મ સ્વરૂપ છે એનું.

એનો કોઈ આકાર હોતો નથી. નિરંજન-નિરાકાર સ્વરૂપમાં છે, કોઈ દેખી શકે જ નહીં. અક્ષય એટલે ક્યારેય ક્ષય ના થાય એવો. અવિનાશી, વિનાશ થાય નહીં તેવો. પોતાની કહેવાતી ચીજો, પોતાની માનેલી ચીજો, મમતાવાળી ચીજો એ બધી વિનાશી છે અને એ ‘પોતે છે’, એમાં કોઈ ચીજ વિનાશી નથી.

ઓહો ! એની અજાયબીનો પાર નથી ! નામ જ સંભારતા જ અંદર શાંતિ, શાંતિ, શાંતિ થાય.

ગુણધર્મ : ગુણ પરમેનન્ટ, ધર્મ ટેમ્પરરી

પ્રશ્નકર્તા : આત્માના અનંત ગુણધર્મો છે, તો એ ગુણધર્મને ધર્મ કહેવાય કે ગુણ કહેવાય ?

દાદાશ્રી : ગુણો એ પરમેનન્ટ છે અને ધર્મ ટેમ્પરરી છે.

‘હું અનંત જ્ઞાનવાળો છું’ એ એનો ‘પરમેનન્ટ’ ગુણ છે. ‘હું અનંત દર્શનવાળો છું’ એ એનો ‘પરમેનન્ટ’ ગુણ છે. ‘હું અનંત શક્તિવાળો છું’ એ એનો ‘પરમેનન્ટ’ ગુણ છે. ‘હું અનંત સુખધામ છું’ એ એનો ‘પરમેનન્ટ’ ગુણ છે.

આત્માના ગુણ ‘પરમેનન્ટ’ છે અને એના ધર્મ વપરાઈ રહ્યા છે. જ્ઞાન ‘પરમેનન્ટ’ છે અને જોવું-જાણવું એ ‘ટેમ્પરરી’ છે. કારણ કે જેમ અવસ્થા બદલાય છે તેમ જોનારની અવસ્થા બદલાય છે. જેમ સિનેમામાં અવસ્થા બદલાય છે તેમ જોનારની અવસ્થા પણ બદલાય છે.

મહાત્મા અનુભવે આત્મગુણો

પ્રશ્નકર્તા : દાદા, આત્માના ગુણો કેમ અનુભવાય ?

દાદાશ્રી : આ તમે અનુભવો છો ને, આત્માના ગુણો જ્ઞાન લીધા પછી !

પ્રશ્નકર્તા : હા, હા. એટલે આમ કયો ગુણ ?

દાદાશ્રી : એટલે આમ નિરાકુળતા નામનો ગુણ. આકુળ નહીં, વ્યાકુળ નહીં. નિરાકુળતા નામનો એક અષ્ટમાંશ ભાગ, જે સિદ્ધનો ગુણ છે તે અહીં આગળ વર્તે છે. નિરાકુળતા ! પછી અનંત જ્ઞાન, કોઈ પણ વસ્તુ મૂંઝવે નહીં. તમને જ્ઞાન હાજર થઈને તે ખબર આપે. અનંત દર્શન, કોઈ વસ્તુ તમને અડચણ ના કરે. ત્યારે સમજણ ઊભી થઈને નિકાલ કરી નાખે. અનંત શક્તિ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સમભાવથી નીકળી જાવ, ચિંતા-વરિઝ કર્યા વગર.

પ્રશ્નકર્તા : આ સમભાવથી નીકળી જવું એ અનંત શક્તિઓ છે, દાદા ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : કાયમની કે ?

દાદાશ્રી : ના, આ બધા અંશ ભેગા કરે ત્યારે મૂળ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી આત્માનું ધ્યાન વધારે કેવી રીતે કરાય ?

દાદાશ્રી : આત્મા પોતે થઈ ગયો, પણ પોતાના ગુણોનું ધ્યાન ધરે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, આ બધા ગુણોનું ધ્યાન ધરે, એ ધ્યેયની મહીં રહે, બોલે એટલે ધ્યાન ઉત્પન્ન થાય.

આત્મસ્વભાવ : જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી

પ્રશ્નકર્તા : આત્માનો સ્વભાવ એટલે શું ?

દાદાશ્રી : આત્માનો સ્વભાવ, ભાવ એટલે અસ્તિત્વ. સ્વભાવ એટલે સ્વનું અસ્તિત્વપણું. પોતાનો સ્વભાવ એટલે પોતાની બાઉન્ડ્રી. એટલે પોતાના ગુણધર્મો અને બાઉન્ડ્રીમાં જ હોય છે. ગુણધર્મ અને બાઉન્ડ્રીની બહાર જતો નથી આત્મા.

એટલે જોવા-જાણવાનો એનો સ્વભાવ. ત્યારે એનું ફળ શું ? ત્યારે કહે, પરમાનંદ, બસ ! એ સાથે જ છે બધું. જોવું-જાણવું ને પરમાનંદ. આત્માનો સ્વભાવ જ એવો છે કે એને જાણ્યો કે તરત ફળ આપે.

પ્રશ્નકર્તા : પણ આ જે બધા જ્ઞેયોને જોવાની-જાણવાની આત્માની ક્રિયા છે, જ્ઞાતા અને દ્રષ્ટા, એ પણ એની એક ક્રિયા જ થઈને ? તો એ એનું એક કર્મ થયુંને ?

દાદાશ્રી : જોવા-જાણવાનો પોતાનો મૂળ સ્વભાવ છે. સ્વભાવથી બહાર નીકળવું એ કર્મ કહેવાય. સ્વભાવની વિરુદ્ધ કરવુંને એ કર્મ કહેવાય. સ્વભાવને કર્મ ના કહેવાય. પાણી નીચું ચાલ્યું જાય તો એને કર્મ ના કહેવાય, એ સ્વભાવ કહેવાય અને ઉપર ચઢાવવું પડે તો કર્મ કરવું પડે.

તેરસ-ચૌદસ સુધી ગુણ, પૂનમે કહેવાય સ્વભાવ

પ્રશ્નકર્તા : આ અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો આ બધા આત્માના ગુણો કહેવાય અને હું મારા સ્વ-સ્વભાવવાળો શુદ્ધાત્મા છું, તો એ સ્વભાવ અને આ ગુણ એમાં શું ફેર છે ?

દાદાશ્રી : ગુણ જુદા જુદા બોલવા પડે. સ્વભાવ એક જ બોલે તો બધાય આવી ગયા મહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ ના સમજાયું. સ્વભાવ અને ગુણ આ તો બોલવાની વાત થઈ પણ એ ગુણ કોને સ્પર્શે છે અને સ્વભાવ કોને સ્પર્શે છે ?

દાદાશ્રી : ગુણો બધા જુદા જુદા બોલાય, ભેગા નહીં. ભેગા કરીએ એટલે સ્વભાવ કહેવાય. ગુણો બે થયા હોય ને એક ત્રીજો ના પણ થયો હોય, ત્યાં સુધી સ્વભાવ કહેવાય નહીં. સ્વભાવ ક્યારે કહેવાય ? પૂર્ણ દશાએ. સ્વભાવ એટલે ફુલ દશા. એટલે બધા ગુણો ભરાઈ જાય ત્યારે એ સ્વભાવ કહેવાય, પણ છતાં ગુણનું નામ દેવું હોય તો નામ દેવાય. છૂટા કહેવા હોય તો ગુણ કહેવાય અને જથ્થાબંધ કહેવું હોય તો સ્વભાવ કહેવાય.

પ્રશ્નકર્તા : એક ગુણ, ધારો કે ‘અનંત જ્ઞાન’, એનામાં પૂરો આવી ગયો, તો બધા આવી જ જાયને, દાદા ?

દાદાશ્રી : ના, બધા જ આવી જવા જોઈએ. એક-બે ગુણો હોયને જ્યાં સુધી, ત્યાં સુધી સ્વભાવમાં ના કહેવાય એ.

તેરશ હોય ત્યાં સુધી ગુણ કહેવાય, ચૌદશ હોય ત્યાં સુધી ગુણ કહેવાય અને પૂનમ હોય ત્યારે ગુણ ના કહેવાય, સ્વભાવ કહેવાય. ચૌદશને દહાડે સ્વભાવ ના કહેવાય. પૂનમને દહાડે સ્વભાવ કહેવાય કે ચંદ્ર એના સ્વભાવમાં આવી ગયો. પછી ચૌદશ છે, તેરસ છે એવું તેવું ના બોલીએ તો ચાલે અને જો બોલીએ તો ચાલેય નહીં. લોકો એ એક્સેપ્ટ ના કરેને ! (કારણ કે) એ સ્વભાવ કહેવાય.

બધી ફાઈલોના નિકાલ થયે, થશે પૂનમ

પ્રશ્નકર્તા : આપણા થોડા ગુણો બાકી જ કહેવાય ને ? હજુ પૂર્ણ ગુણ થયા ના કહેવાય ને ?

દાદાશ્રી : તો તો પછી પૂનમ થઈ જાય ! એટલે ફાઈલો શી રીતે નિકાલ કરો ? પૂનમ થાય એટલે ફાઈલનો નિકાલ ના થાય. પડી રહે ફાઈલો, પછી કોને ખાતે જમે કરવી ? માટે કહે, ફાઈલોનો નિકાલ થયા પછી એની મેળે પૂનમ થાય કુદરતની રીતે. તમે જો પૂનમ પહેલા કરવા જશો તો ઉપાધિમાં સપડાશો.

પ્રશ્નકર્તા : પણ પછી શું વાંધો દાદા, પૂનમ થઈ ગયા પછી ? ફાઈલોને જે થવાનું હોય એ થાય.

દાદાશ્રી : પહેલી પૂનમ કરી નાખીએ, પછી ફાઈલોનું શું થાય ?

પ્રશ્નકર્તા : જે થવાનું હોય એ થાય, પછી શું ?

દાદાશ્રી : ના. એમ ને એમ જતી ના રહે. એ તો નિકાલ માગે એ. એટલે કાયદો એવો છે કે નિકાલ થઈ રહે કે, તમે પૂનમ એની મેળે થઈ જશો. તમારે પૂનમ થવાની જરૂર નથી, તમે ફાઈલોનો નિકાલ કરો એની જરૂર છે.

લક્ષણ-ગુણ-વેદનથી જાણ્યો આત્મા

પ્રશ્નકર્તા : દાદા, પેલી જે વાત છે ને કે જ્ઞાની પુરુષ આત્માને લક્ષણથી, ગુણથી અને વેદનથી જાણે, તો એ લક્ષણથી કેવી રીતે જાણે, ગુણથી કેવી રીતે જાણે અને વેદનથી કેવી રીતે જાણે છે ?

દાદાશ્રી : વેદનથી જાણે એટલે પરમાનંદ હોય. સ્વસંવેદન, પરમાનંદ. તને ત્યારે આનંદ નહીં થયેલો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ વેદન કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે અંદર જે આનંદ ઉત્પન્ન થાય છે તો પોતે યથાર્થ આત્માને કેવી રીતે ઓળખી શકે ?

દાદાશ્રી : તું ઓળખું છું તે જ આ યથાર્થ આત્મા જ છે. તે ઓળખ્યો છે તે. એમાં શંકા કાંઈ થઈ ?

પ્રશ્નકર્તા : ના, એટલે એ વસ્તુ આમ પ્રેક્ટિકલમાં કેવી રીતે હોય છે ?

દાદાશ્રી : વેદનથી આનંદ થાય છે તે. ચિંતા થાય, કંટાળો આવે એ બધું આત્મા ન્હોય. આનંદ રહે, અને તે આનંદ પાછો ખૂટે નહીં, એટલે જતો ના રહે. એ આનંદ એટલે આત્મા છે. એ આનંદથી આત્મા જાણે, કે ભઈ, આ હવે આત્મા છે. પછી ગુણે કરીને, જ્ઞાની પુરુષની પાસે ગુણ જાણી લેવા.

પ્રશ્નકર્તા : ગુણથી કેવી રીતે છે ?

દાદાશ્રી : ગુણ એટલે આત્માના છે તે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખધામ, અવ્યાબાધ. આ તે બધા ગુણો બતાવ્યા છે ને !

પ્રશ્નકર્તા : અને લક્ષણ ?

દાદાશ્રી : લક્ષણ ? લક્ષણ તો આપણને ખબર પડે છે ને, કે આ અત્યારે પહેલા છે તે આ લક્ષણ કોના હતા ? દેહાધ્યાસના હતા. હવે આત્મા (આત્મા પ્રાપ્ત કર્યો)ના લક્ષણ થયા !

પ્રશ્નકર્તા : એટલે એ કેવી રીતે ? દાખલા તરીકે ?

દાદાશ્રી : અહંકાર ના દેખાય, ક્રોધ ના થાય, લોભ ના થાય.

દસ ગુણો* રૂપી લક્ષણો ઊભા થાય. ક્ષમા, આર્જવતા (સરળતા), ઋજુતા, શૌચ, એ બધા ઉત્પન્ન થાય લક્ષણો. આવા લક્ષણો હોય તેને આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય.

એટલે લક્ષણો તો પારિણામિક છે. એટલે એનામાં સહજ ક્ષમા, સહજ મૃદુતા, સહજ ઋજુતા, સત્ય, સહજ શૌચ હોય.

પ્રશ્નકર્તા : એટલે કે આ સહજ ક્ષમા, એ તો બધા પેલા ગુણો થયાને ? આત્મા પ્રાપ્ત થયો હોય તેને આવા ગુણો પ્રગટે એવું થયુંને કે પછી આવા લક્ષણો હોય ?

દાદાશ્રી : આવા લક્ષણો હોય, નહીં તો લક્ષણ ના હોય એવા.

પ્રશ્નકર્તા : એ પ્રકૃતિમાં જ થાયને, દાદા ? આ દસ ગુણો તો પ્રાકૃત વિભાગમાં પ્રગટ થાયને, પરિણામે ?

દાદાશ્રી : ના, પ્રકૃતિના શાના ? આ ગુણો, નથી પ્રકૃતિના, નથી આત્માના. વ્યતિરેક ગુણો છે આ બધા.

પ્રશ્નકર્તા : એ વ્યતિરેક ગુણોને લક્ષણ કહ્યા ?

દાદાશ્રી : લક્ષણ આ દેખાય છે તે આપણે આમ સામાસામી લક્ષણો દેખીએ એટલે આપણે ના સમજીએ કે આમણે આત્મા પ્રાપ્ત કર્યો છે ? અને ક્રોધ-માન-માયા-લોભ હોય તો આપણે જાણીએ ‘નથી કર્યો !’ એમ ના સમજીએ ? ના સમજ પડે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : આવા લક્ષણ હોય તો નથી પ્રાપ્ત કર્યો, ને આવા લક્ષણ હોય તો પ્રાપ્ત કર્યો છે. કૃપાળુદેવેય એ લક્ષણોને લક્ષણ કહે છે. બીજા લક્ષણ એનામાં છે નહીં.

પ્રશ્નકર્તા : મૃદુતા, ક્ષમા, સરળતા એ દસ ગુણો કહ્યા છે અને આપ કહો છો તે લક્ષણ છે ?

દાદાશ્રી : મૃદુતા, આર્જવતા એ બધા લખ્યા છે ને દસ ગુણો, એ આત્માના ગુણ નથી. એનાથી આપણને ઓળખાય કે ભઈ, આમને ક્ષમા રહે છે માટે એમને આત્મા પ્રાપ્ત થયો લાગે છે. એ લક્ષણ છે, ગુણ નથી. જેને આત્મા પ્રાપ્ત થયો હોય એનામાં સહજ ક્ષમા હોય. ક્ષમા કરવી ના પડે. સહજ ક્ષમા હોય, સહજ માર્દવતા હોય, સહજ મૃદુતા હોય.

પ્રશ્નકર્તા : ગુણની જેમ લક્ષણ પણ પરમેનન્ટ ને ?

દાદાશ્રી : ના, લક્ષણ તો આ અજ્ઞાનીઓને સમજવા માટેનું છે અને ગુણ તો એના કાયમના છે. ત્યાં લક્ષણ-બક્ષણ એકુંય નથી, સિદ્ધગતિમાં. ત્યાં લક્ષણ-બક્ષણ નહીં. લક્ષણ તો કોને, આ લોકોને સમજાવવા માટે કે આ ભાઈ કેવો ? આ ભાઈએ પછી આત્મા પ્રાપ્ત કર્યો છે પણ એમનામાં બિલકુલેય ક્ષમા તો દેખાતી નથી તો કહે, પછી આત્મા નથી પ્રાપ્ત કર્યો ? એ લક્ષણ નથી દેખાતા, માટે પ્રાપ્ત નથી કર્યો. એને ઓળખવા માટેનું છે કે આત્મા પ્રાપ્ત કરેલો છે કે નહીં. તમને સમજાયું ?

 

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18