ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21



બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)

સંપાદકીય

જીવનમાં જોખમો તો જાણી જોયાં પણ અનંતા જીવનનાં જોખમોની જડ, જે છે તે જેણે જાણી હોય તો જ તે તેમાંથી છુટકારો પામી શકે ! અને તે જડ છે વિષયની !

આ વિષયમાં તો કેવી ભયંકર પરવશતા સર્જાય છે ?! એમાં આખી જિંદગી કોઈના ગુલામ બની રહેવાનું ! કેમ પોષાય ? વાણી, વર્તન એટલું જ નહીં, પણ એનાં મનને પણ દિન રાત સાચવ્યા કરવાનું ! તેમ છતાં પલ્લે શું આવવાનું ?! સંસારની નરી પરવશતા, પરવશતા ને પરવશતા ! પોતે આખા બ્રહ્માંડનો માલિક બની સંપૂર્ણ સ્વતંત્રપદમાં આવી શકે તેવી ક્ષમતા ધરાવનારો વિષયમાં ડૂબી પરવશ બની જાય છે. આ તે કેવી કરુણાજનક સ્થિતિ !

વિષયની બળતરામાં કારણ વિષય પ્રત્યેની ઘોર આસક્તિ છે ને સર્વ આસક્તિનો આધાર વિષયના વાસ્તવિક સ્વરૂપની 'અજ્ઞાનતા' છે. 'જ્ઞાની પુરુષ' વિના એ અજ્ઞાનતા કઈ રીતે દૂર થાય ?!

જ્યાં સુધી વિષયની મૂર્છામાં વર્તે છે, ત્યાં સુધી જીવના અધોગમન કે ઊર્ધ્વગમનની કોઈ પારાશીશી જો ગણવી હોય, તો તે તેની વિષય પ્રત્યેની અનુક્રમે રુચિ અગર તો અરુચિ છે ! પરંતુ જેને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવું છે, તે જો એક વિષયબંધનથી મુક્ત થયો તો સર્વ બંધનો સહેજે છૂટે છે ! સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલન થકી જ વિષયાસક્તિની જડ નિર્મૂલ થઈ જાય તેમ છે.

યથાર્થ બ્રહ્મચર્ય પાળવામાં, એની શુદ્ધતાને સર્વપણે સાર્થક કરવામાં 'જ્ઞાની પુરુષ'ના આશ્રયે રહીને એક ભવ જાય તો તે અનંત ભવોની ભટકામણનો અંત લાવે એવું છે !!! આમાં અનિવાર્ય કારણ જો કોઈ હોય તો તે પોતાનો બ્રહ્મચર્ય પાળવાનો દ્ઢ નિશ્ચય છે. એને માટે બ્રહ્મચર્યના નિશ્ચયને છેદતાં એકે એક વિચારને પકડી, તેને મૂળથી ઉખેડી નાખ્યા કરવાના છે. નિશ્ચયને છેદતા વિચારો, જેવા કે 'વિષય વિના રહેવાશે કે કેમ ? મારા સુખનું શું ? પત્ની વિના રહેવાશે કે કેમ ? મારે આધાર કોનો ? પત્ની વિના એકલા કેમ નિભાવાશે ? જીવનમાં કોની હૂંફ મળી રહેશે ? ઘરનાં નહીં માને તો ?!' .......ઈ. ઈ. નિશ્ચયને છેદતાં અનેક વિચારો સ્વાભાવિકપણે આવવાના. ત્યાં તેને તુરત ઉખેડી નિશ્ચય પાછો વધારેને વધારે મજબૂત કરી લેવાનો રહે છે. વિચારોને ઉડાડતું યથાર્થ 'દર્શન' મહીં પોતાની જાતને દેખાડવું પડે, કે 'વિષય વિના કેટલાય જીવી ગયા, એટલું જ નહીં પણ સિદ્ધેય થયા. પોતે આત્મા તરીકે અનંત સુખધામ છે, વિષયની પોતાને જરૂર જ નથી ! પત્ની મરી જાય તે શું એકલા નથી જીવતા ? હૂંફ કોની ખોળવાની ? પોતાનું નિરાલંબ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે ને બીજી બાજુ હૂંફ ખોળવી છે ? એ બે કેમ બને ?' અને જ્યાં પોતાનો નિશ્ચય મેરુ પર્વ

તની જેમ અડોલ રહે છે, ત્યાં કુદરત પણ તેને યાર

ી આપે છે ને વિષયમાં લપસવાના સંજોગો જ ભેગા નથી થવા દેતી. એટલે પોતાના નિશ્ચય ઉપર જ બધો આધાર છે.

બ્રહ્મચર્ય પાળવું છે એવો અભિપ્રાય દ્ઢ થાય એનાથી કંઈ પતતું નથી. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ઉત્પન્ન થવી અતિ અતિ મહત્ત્વની વસ્તુ છે. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ક્ષણે ક્ષણે વર્તાતી રહે ત્યારે બ્રહ્મચર્ય વર્તનામાં રહે. એટલે જ્યારે રાત-દિવસ બ્રહ્મચર્ય સંબંધીની જ વિચારણાઓ ચાલતી રહે, નિશ્ચય દ્ઢ થતો રહે, સંસારનું વૈરાગ્ય નિપજાવનારું સ્વરૂપ દિનરાત દેખાતું રહે, બ્રહ્મચર્યનાં પરિણામો સતત દેખાતાં રહે, કોઈપણ સંજોગોમાં બ્રહ્મચર્ય ના ભૂલે, એવી ઉત્કૃષ્ટ દશામાં આવે ત્યારે અબ્રહ્મચર્યની ગાંઠો તૂટવા માંડે. બ્રહ્મચર્યની જાગૃતિ એટલી બધી વર્તતી હોય કે વિષયનો એક પણ વિચાર, વિષય તરફ એક ક્ષણ પણ ચિત્તનું ખેંચાણ તેની જાગૃતિની બહાર જતું નથી, ને તેમ થતાં તત્ક્ષણે પ્રતિક્રમણ થઈ તેનું કોઈ સ્પંદન રહે નહીં, એટલું જ નહીં પણ સામાયિકમાં તે દોષનું ઊંડેથી વિશ્શલેષણ થઈ જડમૂળથી ઉખેડવાની પ્રક્રિયાઓ ચાલતી રહે, ત્યારે વિષયબીજ નિર્મૂલનના યથાર્થ માર્ગે પ્રયાણ થાય.

બ્રહ્મચર્યનો નિશ્ચય દ્ઢ થઈ જાય, ને ધ્યેય જ બની જાય, પછી તે ધ્યેયને નિરંતર 'સિન્સીયર' રહ્યે, ધ્યેયે પહોંચવાના સંયોગો સહેજા સહેજ સામે આવતા જાય છે. ધ્યેય પકડાયા પછી 'જ્ઞાની પુરુષ'ના વચનો પોતાને આગળ લઈ જાય છે, અગર તો ગબડવાની પરિસ્થિતિમાં એ વચનો ધ્યેયને ધરી રાખવામાં સહાયરૂપ બની જાય છે. એમ કરતાં કરતાં અંતે પોતે જ ધ્યેય સ્વરૂપ બને છે. ત્યારે પછી ગમે તેવા ડગાવે તેવાય, અંદરના કે બહારના જબરદસ્ત વિચિત્ર સંયોગો આવે, છતાં જેનો નિશ્ચય ડગતો નથી, જે નિશ્ચયને જ 'સિન્સીયર' વર્તે છે તેને વાંધો નથી આવતો.

શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા 'જ્ઞાની પુરુષ'નું સાન્નિધ્ય, તથા બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે. એ વિના ગમે તેટલી સ્ટ્રોંગ ભાવના હશે તોય સિદ્ધિ સુધી પહોંચવામાં અનેકાનેક અંતરાયો આવી પડે તેમ છે ! 'જ્ઞાની પુરુષ'ના સતત માર્ગદર્શન હેઠળ સાધક, માર્ગમાં આવતી પ્રત્યેક મૂંઝવણો પાર કરી જઈ શકે છે ! વળી ગૃહસ્થીઓના સંગ અસરથી અળગો રહી, બ્રહ્મચારીઓના જ વાતાવરણમાં પોતાના ધ્યેયને ઠેઠ સુધી વળગી રહી ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. 'જ્ઞાની પુરુષ'ના ઉપદેશને ગ્રહણ કરી બ્રહ્મચર્યના દ્ઢ નિશ્ચયમાં આવી ગયેલો સાધક, બ્રહ્મચારીઓના સંગબળથી પણ તરી જઈ શકે તેમ છે !

બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમ જ તેના માટેનો નિશ્ચય દ્ઢ થવો, તે માટેનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, પણ બ્રહ્મચર્યની સર્વ રીતે 'સેફ સાઈડ' રહે તે માટેની પોતાની મહીંલી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે, 'અનસેફ' જગ્યાએથી 'સેફલી' છૂટી જવાની જાગૃતિ ને તેના 'પ્રેક્ટિકલ'માં સમયસૂચકતાની વાડ સાધક પાસે હોવી જરૂરી છે. નહીં તો દુર્લભ એવા બ્રહ્મચર્યના ઊગેલા છોડવાને બકરાં ચાવી જાય !! એક બાજુ મોતને સ્વીકારવાનું બને તો તે સહર્ષ સ્વીકારી લે, પણ પોતાની બ્રહ્મચર્યની 'સેફ સાઈડ'ના ચૂકે, સ્થૂળ સંજોગોના 'ક્રિટિકલ' દબાણ વચ્ચે પણ એ વિષયના ખાડામાં ના જ પડે, બ્રહ્મચર્ય ભંગ ન જ થવા દે. એટલી હદની 'સ્ટ્રોંગનેસ' જરૂરી છે, અને તેના માટે જાગૃતિ લાવવી કેવી રીતે ? પોતાની બ્રહ્મચર્ય પાળવા માટેની ચોખ્ખી દાનત, તેની સંપૂર્ણ 'સિન્સીયારિટી'થી જ એ આવે તેમ છે !

બ્રહ્મચર્યની 'સેફ સાઈડ' માટે આંતરિક તેમજ બાહ્ય 'એવિડન્સ'ને સિફતથી ઉડાવવાની ક્ષમતા પ્રગટવી જરૂરી છે. આંતરિક વિકારી ભાવોને સમજણે કરીને, જ્ઞાને કરીને પુરુષાર્થથી ઓગાળે, જેમાં વિષય એ સંસારનું મૂળ છે, પ્રત્યક્ષ નર્ક સમાન છે, લપસાવનારું છે, જગત કલ્યાણના ધ્યેયને અંતરાય લાવનારું છે તેમજ 'થ્રી વિઝન'ની જાગૃતિ અને અંતે 'વિજ્ઞાન-જાગૃતિ'એ કરીને આંતરિક વિષયને ઉડાડે. 'વિજ્ઞાન જાગૃતિ'માં પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ કેવું છે ? વિષયો શું છે ? તે કોનાં પરિણામ છે ? ઈ. ઈ. પૃથક્કરણના પરિણામે આંતરિક સૂક્ષ્મ વિકારી ભાવો પણ ક્ષય થાય. જ્યારે બાહ્ય સંજોગોમાં દ્ષ્ટિદોષ, સ્પર્શદોષ ને સંગદોષથી વિમુખ રહેવાની વ્યવહાર જાગૃતિ ઉત્પન્ન થવી પણ જરુરી છે. નહીં તો સહેજ જ અજાગૃતિ વિષયના ક્યા ને કેટલા ઊંડા ખાડામાં નાખી દે, તે કોઈથી કહેવાય નહીં !

વિષયનું રક્ષણ, વિષયના બીજને વારંવાર સજીવન કરે છે. 'વિષયમાં શું વાંધો છે,' કહ્યું કે વિષયનું થયું રક્ષણ !!! 'વિષય તો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, મોક્ષે જતાં વિષય કંઈ નડતો નથી, ભગવાન મહાવીરેય પૈણ્યા હતા, પછી આપણને શું વાંધો છે ?' આમ બુદ્ધિ વકીલાત કરીને વિષયનું જબરજસ્ત 'પ્રોટેક્શન' કરાવે. એક ફેરો વિષયનું 'પ્રોટેક્શન' થયું કે તેને જીવતદાન મળી ગયું ! પછી એમાંથી પાછું જાગૃતિની ટોચે જાય ત્યારે પાછો વિષયમાંથી છૂટવાના પુરુષાર્થમાં આવી શકે ! નહીં તો એ વિષયરૂપી અંધકારમાં ખેદાનમેદાન થઈ જાય, તેવો ભયંકર છે !

વિષયી સુખોની મુર્ચ્છના ક્યારેય મોક્ષે જવા ના દે તેવી છે, પરંતુ વિષયી સુખો પરિણામે દુઃખ દેનારાં જ નીવડે છે. પ્રગટ 'જ્ઞાની પુરુષ' થકી વિષયી સુખોની (!) યથાર્થતા ખુલ્લી થાય છે, તે ઘડીએ જાગૃતિમાં આવી જઈને એને સાચા સુખની સમજ ઉત્પન્ન થાય તથા વિષયી સુખમાં અસુખની ઓળખાણ પડે. પરંતુ પછી ઠેઠ સુધી 'જ્ઞાની પુરુષ'ની દ્ષ્ટિએ વર્તી વિષય બીજ નિર્મૂળ કરવાનું છે. એ પંથે સર્વ પ્રકારે 'સેફ સાઈડ' સાચવીને તરી પાર નીકળી ગયેલા એવા 'જ્ઞાની પુરુષે' દર્શાવેલા રાહે જ પ્રવર્તી સાધકે, એ સાધ્ય સિદ્ધ કરવાનું રહે છે.

જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ 'રોંગ બિલિફ' છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ 'રોંગ બિલીફ' સંપૂર્ણ-સર્વાંગપણે ઊડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. સહેજ પણ ઝોકું આવી જાય તે પૂરેપૂરી નિર્જરા થવામાં આંતરો નાખે છે.

વિષય હોવો જ ના જોઈએ. આપણને વિષય કેમ રહે ? અગર તો ઝેર પીને મરીશ પણ વિષયના ખાડામાં નહીં જ પડું. એવા અહંકારે કરીનેય વિષયથી વિખૂટા પડવા જેવું છે. એટલે ગમે તે રસ્તે છેવટે અહંકાર કરીનેય આ વિષયથી છૂટવા જેવું છે. અહંકારથી બ્રહ્મચર્ય પકડાય છે, જેના આધારે ઘણો ખરો સ્થૂળ વિષયભાગ જીતી જવાય છે ને પછી સૂક્ષ્મતાએ 'સમજ' સમજી કરીને અને આત્મજ્ઞાનના આધારે વિષયથી સંપૂર્ણપણે સર્વાંગપણે મુક્તિ મેળવી લેવાની છે.

નિર્વિકારી દ્ષ્ટિ વેદી નથી ત્યાં સુધી ક્યાંય દ્ષ્ટિ મિલાવવી એ ભયંકર જોખમ છે. તેમ છતાં જ્યાં જ્યાં દ્ષ્ટિ બગડે, મન બગડે, ત્યાં ત્યાં તે વ્યક્તિના શુદ્ધાત્માનાં દર્શન કરી, પ્રગટ 'જ્ઞાની પુરુષ'ને સાક્ષીમાં રાખીને મનથી, વાણીથી કે વર્તનથી થયેલા વિષય સંબંધી દોષનો ખૂબ ખૂબ પસ્તાવો કરવો, ક્ષમા પ્રાર્થવી ને ફરી ક્યારેય એવો દોષ ના થાય એવો દ્ઢ નિશ્ચય કરવો. આમ યથાર્થપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય તો વિષયદોષથી મુક્તિ થાય.

જ્યાં વધારે બગાડ થતો હોય ત્યાં તે વ્યક્તિના જ શુદ્ધાત્મા પાસે મનમાં બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરવી પડે ને જ્યાં ખૂબ જ ચીકણું હોય ત્યાં કલાકોના કલાકો પ્રતિક્રમણ કરી ધો ધો કરવું પડે તો એવા વિષયદોષથી છૂટાય.

સામાયિકમાં આજ દિન સુધી પૂર્વે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે થયેલા પ્રત્યેક વિષય સંબંધી દોષોને આત્મભાવમાં રહીને જાગૃતિપૂર્વક જોઈ તેનું યથાર્થ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ત્યારે એ દોષોથી મુક્તિ થાય. આખા દિવસ દરમિયાન થયેલાં અલ્પ પણ વિચારદોષ કે દ્ષ્ટિદોષનું પ્રતિક્રમણ કરી તથા તે દોષનું, વિષયના સ્વરૂપનું, તેનાં પરિણામનું, તેની સામેની જાગૃતિનું, ઉપાયોનું પૃથક્કરણ સામાયિકમાં થાય. ખરેખર તો વિષયદોષનાં પ્રતિક્રમણ 'શૂટ ઓન સાઈટ' કરવાં જ જોઈએ. છતાં અજાગૃતિમાં રહી ગયેલું અગર તો ઉતાવળમાં અધૂરું થયેલું, અગર તો ઊંડાણપૂર્વકનું 'એનાલિસીસ' સામાયિકમાં સ્થિરતાથી સંપૂર્ણપણે થાય ત્યારે એ દોષો ધોવાય.

વિષયની ગાંઠો જ્યારે ફૂટ્યા કરતી હોય, ચિત્ત વિષયમાં ખોવાયેલું ને ખોવાયેલું જ રહે, બાહ્ય સંયોગો પણ વિકારને ઉત્તેજિત કરનારા મળે, એવા સમયે ક્યારેક શ્રુતજ્ઞાન પણ કામ લાગે નહીં, ત્યારે ત્યાં તો 'જ્ઞાની પુરુષ' પાસે પ્રત્યક્ષમાં જ મૂંઝવણોની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, પ્રત્યાખ્યાન કરે તો જ ઉકેલ આવે !

વિષય રોગ આખોય કપટના આધારે ટકેલો છે, અને કપટને કોઈની પાસે ખુલ્લું કરી દેવામાં આવે તો વિષય નિરાધાર બની જાય ! નિરાધાર વિષય પછી કેટલું ખેંચી શકે ? વિષયને નિર્મૂળ કરવા માટે 'આ' મોટામાં મોટી, પાયાની ને અતિ મહત્ત્વની વાત છે. વિષય સંબંધી ગમે તેટલો ભયંકર દોષ થયો હોય પણ તેની 'જ્ઞાની પુરુષ' પાસે આલોચના થાય તો દોષથી છૂટી જવાય ! કારણ કે આમાં પાછલા ગુનાઓ જોવાતા નથી, તેનો નિશ્ચય જોવાય છે ! વિષયમાંથી છૂટવાની જે તમન્ના જાગૃત થાય છે તે ઠેઠ સુધી ટકે, તો તે તમન્ના જ વિષયમાંથી મુક્ત કરાવડાવે છે.

બ્રહ્મચર્ય અખંડ પાળવાનો ધ્યેય, તેમાં બ્રહ્મચર્યની આવશ્યકતા, બ્રહ્મચર્યની સિદ્ધિના પરિણામે પ્રાપ્ત થતી આત્મસિદ્ધિની પરાકાષ્ઠા, આત્માનો સ્પષ્ટ અનુભવ, આત્મસુખનું સ્પષ્ટ વેદન, ઈ. ઈ. નિરંતરની ચિંતવના વિષયની ભ્રાંત માન્યતાઓથી મુક્ત કરાવી સાચું દર્શન ફીટ કરાવે છે. આવાં ચિંતવનોપૂર્વકની સામાયિક વારંવાર કરવી ઘટે, તો દરેક વખતે નવું ને નવું જ દર્શન થયા કરે ને પરિણામે ધ્યેય સ્વરૂપ થવાય તેમ છે.

પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે કે જે સૂક્ષ્મતમ છે ને વિષય માત્ર સ્થૂળ છે. સ્થૂળને સૂક્ષ્મ કઈ રીતે ભોગવે ? આ તો અહંકારથી વિષય ભોગવે છે ને આરોપણ આત્મા પર જાય છે ! કેવી ભ્રાંતિ !!! 'આત્મા સૂક્ષ્મતમ છે ને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મતમ આત્મા સ્થૂળને કઈ રીતે ભોગવી શકે ? 'જ્ઞાની પુરુષ'ના આ વૈજ્ઞાનિક વાક્યને, પોતાના સૂક્ષ્મતમ સ્વરૂપમાં જ નિરંતર અનુભવપૂર્વક રહેવાની દશાએ પહોંચ્યા સિવાય વાપરવા માંડે, તો સોનાની કટાર પેટમાં ઘોંચવા જેવી દશા થાય ! આ વાક્યનો ઉપયોગ જાગૃતિની પરમ સીમાએ પહોંચેલા માટે છે, અને એવી જાગૃતિએ પહોંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વિષયો તો સહેજેય ખરી પડેલા હોય ! વિષયોની બહાર નીકળ્યા વગર આ વાક્ય પોતે 'એડજસ્ટ' કરી લે તેનાં જોખમ તો 'પોતે વિષયથી પકડાયેલો છે, તેનાથી છૂટવા મથે છે' એમ સ્વીકારી લેનારા કરતાં ઘણું ઘણું વધારે છે.

'અક્રમ વિજ્ઞાન' થકી જે જાગૃતિ ઉત્પન્ન થાય છે, તેના થકી વિષયો સંપૂર્ણ જીતી શકાય તેમ છે. વિષયનો વિચાર પણ ના આવે, વિષયમાં સહેજ પણ ચિત્ત ના જાય, ત્યાં સુધીની શુદ્ધિ આ વિજ્ઞાનથી થાય તેમ છે. એમાં 'જ્ઞાની પુરુષ'ની કૃપા તો ખરી અને એ પણ વિશેષ વિશેષ કૃપા જ ખૂબ ખૂબ મોટો ભાગ ભજવે છે. સાધકને તો વિષયથી છૂટવું જ છે એવો દ્ઢ નિશ્ચય જ આમાં જોઈએ છે. બાકી 'જ્ઞાની પુરુષ'નું વચનબળ તથા 'જ્ઞાની પુરુષ'ની વિશેષ કૃપા થકી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય આવા કાળમાં પણ પાળી શકાય છે !

હવે છેલ્લે, 'જ્ઞાની પુરુષ'ની આ શીલ સંબંધી વાણી જુદા જુદા નિમિત્તાધીન, જુદે જુદે ક્ષેત્રે, સંયોગાધીન નીકળેલી છે. તે સર્વે વાણી એકત્રિતપણે અત્રે સંકલિત થઈ આ 'સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય' ગ્રંથ બન્યો છે. આવા દુષમકાળના વિકરાળ મહા મહા મોહનીય વાતાવરણમાં 'બ્રહ્મચર્ય' સંબંધમાં અદ્ભુત વિજ્ઞાન જગતને આપવું એ સોનાની કટાર જેવું સાધન છે અને તેનો સદુપયોગ અંતે આત્મકલ્યાણકારી થઈ પડે તેવું છે. વાચકને તો અત્યંત વિનંતી એટલી જ કરવાની રહી કે સંકલનામાં કોઈ પણ પ્રકારે ભાસતી ક્ષતિઓ પ્રત્યે ક્ષમા પ્રાર્થના બક્ષી આ અદ્ભુત ગ્રંથનું સમ્યક્ આરાધન કરે !

- ડૉ. નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ

ઉપોદ્ઘાત

ખંડ : ૧

વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્ષ્ટિએ

૧. વિશ્શલેષણ, વિષયનાં સ્વરૂપનું !

વિષય કોને કહેવાય ? જેમાં લુબ્ધમાન થાય ત્યારે તે વિષય કહેવાય. બીજું બધું જરૂરિયાત કહેવાય. ખાવું, પીવું એ વિષય નથી.

વિષયનાં કીચડમાં કેમ ઝંપલાવે છે તે જ સમજાતું નથી. પાંચ ઈન્દ્રિયના કીચડમાં મનુષ્ય એટલે કે ઐશ્વર્ય પામેલો જે ઈશ્વર કહેવાય, તે કેમ પડ્યો છે ?! જાનવરોય આને પસંદ નથી કરતા.

મહાવીર ભગવાને બ્રહ્મચર્ય એ પાંચમું મહાવ્રત આ કાળના મનુષ્યોને શા માટે આપ્યું ? કારણ આ કાળના લોકો વિષયનું આવરણ એટલું ભારે લઈને આવેલા છે કે તેમને તેના બેભાનપણામાંથી બહાર કાઢી મોક્ષે લઈ જવા, આ પાંચમું મહાવ્રત વધારાનું આપ્યું !

વિષય એ વિકૃતિ છે ! મનને બહેલાવવાનું સાધન બનાવ્યું છે! આખો દહાડો તાપમાં તપેલી ભેંસો ગંદી ગારવતામાં શા માટે પડી રહે છે ? ઠંડકની લાલચે દુર્ગંધને ભૂલી જાય છે ! તેમ આજના મનુષ્યો આખા દહાડાની દોડધામના થાકથી કંટાળીને, નોકરી-ધંધો કે ઘરનાં ટેન્શનમાં, માનસિક તણાવ ખૂબ ભોગવતા, બળતરામાંથી ડાયવર્ટ થવા વિષયના કાદવમાં કૂદે છે અને એનાં પરિણામો ભૂલી જાય છે ! વિષય ભોગવ્યા પછી ભલભલો ભડવીર મડદા જેવો થઈ જાય છે ! શું કાઢ્યું એમાંથી ?

વિષયને ઝેર છે એમ જાણ્યા પછી કોઈ એને અડે ? જગતમાં ભય રાખવા જેવું જે કંઈ હોય તો તે આ વિષય જ છે ! આ સાપ, વિંછી, વાઘ, સિંહથી કેવા ભય પામે છે ? વિષય તો એથીય વધુ વિષમય છે ! જેનો ભય સેવવાંનો છે તેને જ લોક પરમ સુખ માનીને માણે છે ! વિપરીત મતિની પરિમિતિ ક્યાં ?

અનંત અવતારની કમાણીમાં ઊંચું ઉપાદાન લઈને આવે મોક્ષ માટે, તે વિષયની પાછળ પલવારમાં ખોઈ નાખે !!! અરેરે ! હે માનવ ! તારી સમજણ કેવી રીતે આવરાઈ ?!

માણસ નિરાલંબ રહી શકતો નથી. નિરાલંબ તો એકલા જ્ઞાની પુરુષ જ રહી શકે ! એ સિવાયના ઈતર લોકો બુદ્ધિના આશયમાં સ્ત્રી, પુત્રાદિના ટેન્ડર ભરીને જ લાવે જેથી એના વિના એને ચાલે ના ! માંગી હતી માત્ર સ્ત્રી, પણ જોડે જોડે આવ્યાં સાસુ, સસરા, સાળા, સાળી, મામા સસરા, કાકા સસરા. મોટું લંગર લાગ્યું ! 'અલ્યા, મેં તો એક સ્ત્રી જ માગી હતી ને આ લશ્કર ક્યાંથી આવ્યું ?!' 'અલ્યા, સ્ત્રી કંઈ ઉપરથી ટપકીને આવે છે ! એ આવે એટલે જોડે જોડે આ લશ્કર આવે જ ને ! તને ખબર નહતી ?' આનું નામ બેભાનપણું ! પરિણામનો વિચાર જ ના હોય કે એક વિષયની પાછળ કેટલાં લાંબા લશ્કરની લાઈન લાગે છે !!! અને ઘાણીના બળદની જેમ આખી જીંદગી જાય છે એની પાછળ !

કોઈએ સાચું શીખવાડયું જ નથી. નાનપણથી જ મા-બાપ કે વડીલો મગજમાં ઘાલ ઘાલ કરે છે કે વહુ તો આવી લાવીશું ને પૈણ્યા વગર તો ચાલે જ નહીં અને વંશવેલો તો ચાલુ રહેવો જોઈએ.

આત્મસુખ ચાખ્યા પછી વિષય સુખ મોળાં લાગે, જલેબી ખાધા પછી ચા કેવી લાગે ? જીભનો વિષય 'ઓકે', કરાય પણ બીજામાં તો કંઈ બરકત જ નથી, માત્ર કલ્પનાઓ જ છે બધી ! ધૃણા ઉપજાવે એવી વસ્તુ છે વિષય !

વિષય ભોગવવાં પાંચેય ઈન્દ્રિયમાંથી કોઈને આ ગમતું નથી. આંખને જોવું ના ગમે, તેથી અંધારું કરી નાખે. નાકનેય જરાય ના ગમે. જીભની તો વાત જ શું કરવી ? ઉલ્ટું ઉલ્ટી થાય એવું હોય. સ્પર્શેય કરવાનું ના ગમે, છતાં સ્પર્શસુખ માને છે ! કોઈને પસંદ નથી છતાં ક્યા આધારે વિષય ભોગવે છે એ જ અજાયબી છે ને ?! લોકસંજ્ઞાથી જ એમાં પડ્યા છે !

વિષય એ સંડાસ છે, ગલન છે ! આમાં પણ તન્મયાકાર થઈ જાય છે માટે એનાં કૉઝીઝ નવા પડે છે ! વિષયનું પૃથ્થકરણ કરે તો તે ખરજવાને ખંજવાળવા જેવું છે !

અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?!! આ ગટરને કેમ કરીને ઊઘાડાય ? નરી દુર્ગંધ, દુર્ગંધ ને દુર્ગંધ !!! શ્રીમદ્ રાજચંદ્રે વિષયને વમન કરવા યોગ્ય જગ્યા નથી એમ કહ્યું છે ! થૂંકવા જેવું નથી ત્યાં !

વિષય બુદ્ધિથી નથી, મનના આમળાથી છે, માટે બુદ્ધિથી એને દૂર કરી શકાય એમ છે.

ડુંગળીની ગંધ કોને આવે ? જે ના ખાતો હોય તેને ! આહારી આહાર કરે છે તેમ વિષયી વિષય કરે છે ! પણ એ લક્ષમાં રહેવું જોઈએ ને ? પણ અજ્ઞાનતાના આવરણને લઈને લક્ષમાં રહેતું નથી. ચાર દહાડાનો ભૂખ્યો, લીંટવાળો રોટલોય ખઈ જાય ! આજકાલ તો મનુષ્યો એટલા ગંધાતા હોય છે કે આપણું માથું ફાટી જાય જો જરાક નજીક આવ્યા હોય તો ! તેથી આ બધા પરફયુમ્સ છાંટતા હોય છે ચોવીસેય કલાક !

વિષયમાં સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ આટલી બધી રાણીઓ હોવા છતાં બધું છોડીને સાચા સુખની શોધમાં ના નીકળી પડ્યા હોત !

જીવન શાના માટે છે ? સંસાર માંડીને મરવા માટે ?! સુખ માટે કે જવાબદારીઓ ઊભી કરી બિમારીઓ નોતરવા માટે ? આટલું ભણ્યા ગણ્યા પણ ભણતરનો ઉપયોગ શું ? મેનટેનન્સ માટે જ ને ? આ એન્જીન પાસેથી શું કામ કઢાવવું છે ? કંઈ હેતુ તો હોવો જોઈએ ને ? આ મનુષ્યભવનો હેતુ શું ? મોક્ષ ! પણ આપણી દિશા કઈ ને ચાલી રહ્યા ક્યાં ?!!!

આ વાગ્યું હોય ને લોહી વહી જતું હોય તો આપણે એને બંધ શા માટે કરીએ છીએ ? ના બંધ કરીએ તો ? તો તો વીકનેસ આવી જાય ! તેમ આ વિષય બંધ નહીં થવાથી શરીરમાં બહુ વીકનેસ આવી જાય છે ! બ્રહ્મચર્યને પુદ્ગલસાર કહ્યો ! માટે એને સાચવો ! માટે કરકસર કરો વીર્ય અને લક્ષ્મીની ! ખોરાક ખાઈને તેનો અર્ક થઈ વીર્ય થાય છે જે અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. માટે બ્રહ્મચર્ય સેવો !

જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય તે કામનું.

આ અક્રમ વિજ્ઞાન પૈણેલાંઓનેય મોક્ષે લઈ જાય તેવું છે !

જેને પહેલેથી જ બ્રહ્મચર્ય પાળવાની ભાવના હોય તેણે દાદા પાસે શક્તિ માંગવી, 'હે દાદા ભગવાન મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો.' વિષયનો વિચાર આવતાં જ તત્ક્ષણે જ ઉખેડીને ફેંકી દેવાનો. કોઈ સ્ત્રી પ્રત્યે દ્ષ્ટિ માંડવી નહીં. દ્ષ્ટિ ખેંચાય કે તરત જ ખસેડી લેવી અને પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી લેવું. વિષય જોઈએ જ નહીં એવો નિશ્ચય નિરંતર રહેવો જોઈએ અને પ્રખર આત્મસ્થ જ્ઞાની પુરુષની નિશ્રામાં રહીને એમાંથી છૂટી જવાય !

હરૈયા ઢોરની જેમ જીવવું તેના કરતાં એક ખીલે બંધાવું સારું. દ્ષ્ટિ ઠેર ઠેર ના બગડવી જોઈએ. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે ને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. સંડાસમાં શું મોહ રાખવાનો હોય ? બ્રહ્મચર્યનો નિશ્ચય કરતાં કરતાં જાતને ખૂબ ચકાસી જોવી પડે. તાવવી પડે. જો ના પહોંચી વળાય એવું હોય તો પૈણી જવું ઉત્તમ, પણ પછીય કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ.

બ્રહ્મચર્ય આત્મસુખ માટે કેવી રીતે મદદ કરે ? બહુ મદદ કરે. અબ્રહ્મચર્યથી તો દેહબળ, મનોબળ, બુદ્ધિબળ, અહંકારબળ બધુંય ખલાસ થઈ જાય ! જ્યારે બ્રહ્મચર્યથી આખું અંતઃકરણ સુદ્ઢ થઈ જાય !

બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ ને ના પળાય તો અબ્રહ્મચર્ય એ ખોટું છે, એવું જાણે તોય બહુ થઈ ગયું.

બ્રહ્મચર્ય મહાવ્રત વર્ત્યું તેને કહેવાય. વિષય જેને યાદેય નથી આવતો, બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી રહ્યો તેને વ્રત વર્ત્યું કહેવાય.

બાકી આત્મા તો સદા બ્રહ્મચર્યવાળો જ છે. આત્માએ વિષય ક્યારેય ભોગવ્યો નથી. આત્મા સૂક્ષ્મતમ છે અને વિષય સ્થૂળ છે. માટે સ્થૂળને સૂક્ષ્મ ભોગવી જ ના શકે !

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, 'આ જ્ઞાન પછી વિષયનો ક્યારે મને વિચારેય નથી આવ્યો !' ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે !

૨. વિકારોથી વિમુક્તિની વાટ...

અક્રમ માર્ગમાં વિકારી પદ જ નથી. પોલીસવાળો જેમ પકડીને કરાવે એના જેવું હોય. સ્વતંત્ર મરજીથી ના હોય. વિષય છે ત્યાં ધર્મ નથી. નિર્વિકાર હોય ત્યાં જ ધર્મ છે ! કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. હાં, કોઈક વામમાર્ગી હોય.

બ્રહ્મચર્ય એ તો ગતભવની ભાવનાના પરિણામરૂપે કો'ક મહા મહા પુણ્યશાળી મહાત્માને પ્રાપ્ત થાય. બાકી સામાન્યપણે તો અબ્રહ્મચર્ય જ ઠેર ઠેર જોવા મળે ! જેને ભૌતિક સુખોની વાંછના છે, તેણે તો પરણવું જ જોઈએ અને જેને ભૌતિક નહીં પણ સનાતન સુખ જ જોઈએ તેણે પૈણવું નહીં. તેણે બ્રહ્મચર્ય મન-વચન-કાયાથી પાળવું જોઈએ.

ભગવાન મેળવવા વિકારમુક્ત થવું પડે ને વિકારમુક્ત થવા શું સંસારમુક્ત થવું પડે ? ના. મન તો જંગલમાં જાય તોય જોડે ને જોડે જ જવાનું ! એ કંઈ છોડવાનું છે ? જો જ્ઞાની પુરુષ મળી જાય તો નિર્વિકાર સ્હેજે રહેવાય.

તૃષ્ણા એનું નામ કે ભોગવ્યે તો વધતી જ જાય ને ના ભોગવે તો મટી જાય ! તેથી બ્રહ્મચર્યની શોધખોળ થઈ છે ને વિકારથી મુક્ત થવા !

વિષયી કોણ ? ઈન્દ્રિયો કે અંતઃકરણ ? પાડો કોણ ને પખાલી કોણ ? સામાન્ય પણે ઈન્દ્રિયોનો દોષ ગણાય ! ખસી કરવાથી કંઈ વિષય છૂટે ? 'તારી દાનત કેવી છે વિષયમાં ?' ચોર દાનતથી જ વિષય ટક્યો છે ! જ્ઞાનથી બધું જતુ રહે ! વિષયનો વિચાર સરખોય ન રહે !

મનનો સ્વભાવ કેવો ? વરસ, બે વરસ કોઈ વસ્તુથી વેગળા રહ્યા કે એ વસ્તુ વિસરાઈ જાય, કાયમને માટે !

વામમાર્ગી શું શીખવાડે કે જે વસ્તુ ધરાઈને ભોગવી લો તો જ તેનાથી છૂટાય ! વિષયની બાબતમાં ઉલ્ટું વધારે સળગતું જાય. દારૂની બાબતમાં ધરાવો થઈને છૂટાય ?

વિષયની બાબતમાં કંટ્રોલ કરવા જાય તો તે વધારે ઉછળે છે. મનને જાતે કંટ્રોલ કરવા જાય તો નથી થાય તેવું. કંટ્રોલર જ્ઞાની હોવા જોઈએ. ખરેખર તો મનને આંતરવાનું નથી. મનના કારણોને આંતરવાના છે. મન તો પોતે એક પરિણામ છે. એ ના બદલાય. કારણ બદલાય. ક્યા કારણે મન વિષયમાં ચોંટ્યું છે તે ખોળી કાઢી તેનાથી છૂટાય.

જ્ઞાનીઓ વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આત્મજ્ઞાન પછી વાસનાઓ ઊડી જાય છે.

સ્ત્રી તરફની વાસનાઓ કેમ જતી નથી ? જ્યાં સુધી 'હું પુરુષ છું' પેલી સ્ત્રી છે, એવી માન્યતા છે ત્યાં સુધી વાસનાઓ છે. એ માન્યતા જાય એટલે વાસનાને ગયે જ છૂટકો ! એ માન્યતા જાય કેવી રીતે ? જેને વાસનાઓ છે તેનાથી તમે પોતે જુદાં જ છો, પોતે કોણ છો એવું જ્ઞાન થાય, ભાન થાય, તો જ તે છૂટે ! અને જ્ઞાનીની કૃપાથી જ્ઞાન થઈ શકે !

૩. માહાત્મ્ય બ્રહ્મચર્યનું !

બ્રહ્મચર્ય ના પળાય તો કંઈ નહીં, પણ તેના વિરોધી તો ના જ થવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે ! અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. વ્યવહારમાં પણ મન-વાણી ને દેહ નોર્માલિટીમાં રહે, તેથી બ્રહ્મચર્ય આવશ્યક કહ્યું છે. આયુર્વેદ પણ એમ જ સૂચવે છે ! છ જ મહિના જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમ જ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઈ જાય છે !

અબ્રહ્મચર્યથી ઘણાં બધાં રોગો ઉત્પન્ન થાય છે. એમાં મન ને ચિત્ત તો ફ્રેકચર થઈ જાય છે !

કેટલાંક માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી. પણ દાદાશ્રી શું કહે છે કે વિષયનાં અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી. જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઉર્ધ્વગમન થાય જ નહીં. અક્રમમાર્ગમાં તો ડિરેક્ટ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે જ ઉર્ધ્વગમન છે !

જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રકટ થયું હોય જે વિષયનું વિરેચન કરાવે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ 'જ્ઞાની પુરુષ' જ નથી. સામાની ઈચ્છા જોઈએ.

ખંડ : ૨

'ના પરણવાનાં' નિશ્ચયી માટેની વાટ...

૧. વિષયથી કઈ સમજણે છૂટાય ?

અક્રમ વિજ્ઞાન બ્રહ્મચર્યમાં થોડા જ વખતમાં સેફસાઈડ કરી નાખે તેવું છે. ક્યા અવતારમાં અબ્રહ્મચર્યનો અનુભવ નથી કર્યો ? કૂતરાં, બિલાડાં, પશુ, પંખી, મનુષ્યો બધાંએ ક્યારે નથી કર્યો ? આ એક અવતાર બ્રહ્મચર્યનો અનુભવ તો કરી જુઓ !!! એની ખુમારી, એની મુક્તતા, નિર્બોજતા તો માણી જુઓ !

બ્રહ્મચર્યનો નિશ્ચય થવો એ જ બહુ મોટી વસ્તુ છે ! બ્રહ્મચર્યના દ્ઢ નિશ્ચયીને દુનિયામાં કોઈ કશું નામ દેનાર નથી !

બ્રહ્મચર્યનો નિશ્ચય દેખાદેખી, તાનમાંને તાનમાં તાનના માર્યા કે ભડકાટથી થાય તેમાં દમ ના હોય ! એ ગમે ત્યારે લપસાવી પાડે. સમજણથી અને મોક્ષના ધ્યેય માટે કરવાનો છે અને એ નિશ્ચયને વારે વારે મજબૂત કરવાનો અને જ્ઞાની પાસે નિશ્ચય મજબૂત કરાવવો અને વારેવાર બોલાવવું, 'હે દાદા ભગવાન હું બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય મજબૂત કરું છું. મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.' તો તે મળે જ. જેનાં નિશ્ચય ડગે નહીં. તેનું સફળ થાય જ ને નિશ્ચય ડગે કે ભૂતાં પેસી જાય !

બ્રહ્મચર્યનો દ્ઢ નિશ્ચય ધારણ થયા પછી સાધકને વારેવારે એક પ્રશ્ન મુંઝવતો હોય છે કે મહીં વિષયના વિચાર તો આવે છે. તેના માટે દાદાશ્રી માર્ગ બતાવે છે કે, વિષયના વિચારો આવે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે તેને જોયા કરો અને એના અમલમાં 'તમે' ના ભળો, એ કહે 'સહી કરો !' તોય આપણે સ્ટ્રોંગ્લી ના પાડી દેવી !! એને જોયાં જ કરવાના. આ છે મોક્ષનો ચોથો પાયો તપ ને પછી તેનાં પ્રતિક્રમણ કરાવવાના. મન-વચન-કાયાથી જે જે વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધાં દોષોનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચારથી છૂટે તો કેવો આનંદ આનંદ થઈ જાય છે, તો પછી એનાથી કાયમ છૂટે તો કેટલો બધો આનંદ રહે ?!!!

અબ્રહ્મચર્યનાં વિચારોની સામે બ્રહ્મચર્યની શક્તિઓ જ્ઞાની પાસે માંગ માંગ કરે એટલે બે-પાંચ વર્ષે એવાં ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું તેણે આખું જગત જીત્યું ! સર્વે દેવદેવીઓ ખૂબ ખૂશ રહે !

વિષયના વિચારો આવે તે બે પાંદડે ફૂટે તે પહેલાં જ ઉખેડીને ફેંકી દો ! કૂપણથી આગળ બે પાંદડા સુધી વિચારો ફૂટીને ફાલવા ના જોઈએ. ત્યાં જ તુર્ત જ ઉખેડીને ફેંકી દેવા પડે તો જ છૂટાય ! અને જો એ ઊગી ગયું તો એની અસર આપ્યા વિના નહીં જ જાય !

વિષયની બે સ્ટેજ. એક ચાર્જ અને બીજું ડિસ્ચાર્જ. ચાર્જ બીજને ધોઈ નાખવું.

રસ્તે નીકળ્યા કે 'સીન સીનેરી' આવે કે દ્ષ્ટિ ખેંચાયા વિના ના રહે. ત્યાં દ્ષ્ટિ માંડીએ તો દ્ષ્ટિ બગડે ને ? માટે નીચું જોઈને જ ચાલવું. તેમ છતાં દ્ષ્ટિ મંડાઈ જાય તો દ્ષ્ટિ તરત જ ફેરવી લેવી અને તરત જ પ્રતિક્રમણ કરી લેવાં એ ના ચૂકાય.

બધી સ્ત્રીઓ કંઈ આકર્ષતી નથી. જેની જોડે હિસાબ મંડાયો હોય તે જ આકર્ષે. માટે તેને ઉખેડીને ફેંકી દો. કેટલાંક તો સો-સો વખત પ્રતિક્રમણ થાય ત્યારે છૂટાય.

પ્રતિક્રમણ કરવા છતાંય જો વધારે પડતી દ્ષ્ટિ બગડતી હોય તો પછી ઉપવાસ કે એવો કંઈ દંડ લેવો જોઈએ. જેથી કરીને કર્મ ના બંધાય. સામાન્ય ભાવે જ જોવું. મોઢા સામે ટીકી ટીકીને ના જોવું. તેથી શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળનારાને સ્ત્રીનો ફોટો કે મૂર્તિય જોવાની ના પાડી છે !

દેહનિદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી જોઈએ. આ ટ્રેન સામેથી આવતી હોય ત્યાં કોઈ ઊંઘે ? ટ્રેન તો મારે એક જ અવતાર પણ ભાવનિદ્રા મારે અનંત અવતાર ! જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં તે ચોંટશે. 'જ્યાં ભાવનિદ્રા આવે તે જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવાની કે, 'હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.' જ્યાં મીઠું લાગે ત્યાં ગમે તેટલી જાગૃતિ રાખવા જાય પણ કર્મનો ઝપાટો આવે ત્યાં બધું ભૂલાડી દે ! જ્યાં ગલગલિયાં થયાં કે તરત જ સમજી જવાનું કે અહીં ફસામણ થઈ.

જેને એક આત્મા જ જોઈએ છે તેને પછી વિષય શેનો થાય ?

આપણી મા પર, બેન પર દ્ષ્ટિ કેમ બગડતી નથી ? એય સ્ત્રી જ છે ને ? પણ ત્યાં ભાવ નથી કર્યો તેથી.

શ્રીમદ્ રાજચંદ્રે બ્રહ્મચર્ય ઉપર ખૂબ જ સુંદર ફોડ પાડ્યા છે, પદ્યમાં. સ્ત્રીને કાષ્ટની પુતળી ગણો. વિષય જીતતાં આખું જગતનું સામ્રાજ્ય જીતાઈ જાય છે. આત્મજ્ઞાન માટે બ્રહ્મચર્ય જ પાત્રતા લાવે છે.

આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિર્ગ્રંથ થઈ શકાય ? દાદાશ્રી કહે છે કે 'હા થઈ શકાય.' વિષયનું સ્હેજ ધ્યાન કરે કે બધું જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય.

મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્ય પાળે તે શીલવાન કહેવાય. એના કષાયો પણ ઘણા ઘણા પાતળા પડી ગયા હોય. આપણે બ્રહ્મચર્યનું બળ રાખવાનું. વિષયની ગાંઠ એની મેળે જ છેદાયા કરે.

૨. દ્ષ્ટિ, ઊખડે થ્રી વિઝને !

ચટણી જોવાની ગમે ? લોહી, માંસ જોવાનું ગમે ? ચટણી લીલા લોહીની ને માંસ, વિ. લાલ લોહીનું ! ઢાંકેલું માંસ ભૂલથી ખાઈ જવાય, પણ ઊઘાડું ?! તેમ આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડ માંસ જ છે ને ? બુદ્ધિ બહારનું રૂપાળું જ દેખાડે છે. જ્યારે જ્ઞાન આરપાર, સીધું જ દેખે, આ આરપાર દ્ષ્ટિ કેળવવા માટે દાદાશ્રી દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભૂત હથિયાર આપ્યું છે.

પ્રથમ વિઝને રૂપાળી સ્ત્રી નેકેડ દેખાય. બીજા વિઝને ચામડી વગરની સ્ત્રી દેખાય. ત્રીજા વિઝને પેટ ચીરેલું હોય તેમાં આંતરડાં, મળ માંસ બધું દેખાય. બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ? છેલ્લે આત્મા દેખાય. જે રસ્તેથી દાદાશ્રી પાર નીકળી ગયા તે જ રસ્તો દેખાડે છે આ વિષય જીતવાનો !

કૃપાળુદેવે કહ્યું છે કે, 'દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.'

રૂપાળી સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય તો તેમાં દોષ કોનો ? સ્ત્રીનો દોષ કહેવાય ? ના, આમાં સ્ત્રીનો દોષ જરાય નથી. ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો. પણ ભગવાનને કશું ના અડે ! સ્ત્રીઓના ઉપયોગ ઉપર ખૂબ આધાર છે. સ્ત્રીઓએ કપડા, દાગીના કે મેક-અપ એવાં ના કરવાં જોઈએ કે જેને જોવાથી પુરુષોને મોહ ઉત્પન્ન થાય ! આપણો ભાવ ચોખ્ખો જોઈએ તો કશું બગડે એવું નથી. ભગવાનને કેશનું લોચન શા માટે કરવું પડેલું ? આ જ કારણ ! સ્ત્રીઓ એમના રૂપને જોઈને મોહી ના પડે !

પહલાંના વખતમાં માનમાં, કીર્તિમાં, પૈસામાં બધે મોહ વેરાયેલો હતો. હવે તો બધો જ મોહ વિષય માટે જ ખૂંપી જાય છે ! પછી શું કહીએ ? એકાવતારી થવું હોય તો વિષયમુક્ત થવું જ પડે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈડ કરી છૂટી જવાય. મહીં રુચિનું બીજ અંદર પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. રુચિની ગાંઠ મહીં અનંત અવતારથી પડેલી છે તે કુસંગ મળતાં જ ફૂટી નીકળે. માટે બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે.

બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે. ગમે તેટલાં સ્ટ્રોંગ નિશ્ચય હોય પણ કુસંગ તેને ઊડાડી મૂકે ! કુસંગ કે સત્સંગ માણસનું પરિવર્તન કરી નાખે !

૩. દ્ઢ નિશ્ચય, પહોંચાડે પાર !

નિશ્ચય કોનું નામ કહેવાય કે ગમે તેવું લશ્કર આવે પણ તેને ગાંઠે નહીં ! નિશ્ચય ડગે જ નહીં ! ભાવ અને નિશ્ચયમાં ફેર. ભાવમાંથી અભાવ થાય પણ નિશ્ચય ફરે નહીં. અત્યારે જે બ્રહ્મચર્ય પળાય છે તે પૂર્વભવનાં કરેલાં નિશ્ચય ઓપન થાય છે. જેનાં જેનાં નિશ્ચય કર્યા છે તે પ્રાપ્ત થાય જ. પોલો નિશ્ચય હોય તો ટાઈમીંગ બદલાઈ જાય.

નિશ્ચયનો સ્ક્રૂ રાત દહાડો ટાઈટ કર્યા જ કરવો. એક ફેરો નિશ્ચય જો તૂટ્યો પછી ખલાસ થઈ જાય ! આપણા નિશ્ચયને તોડાવે કોણ ? આપણો જ અહંકાર. મૂર્છિત અહંકાર. સ્ટ્રોંગ અભિપ્રાય એક જ રહેવો જોઈએ. એમાં છૂટછાટ ના ચાલે.

નિશ્ચય સ્ટ્રોંગ રહે તે માટે આટલું સાચવી લો. એક તો કોઈની સામે દ્ષ્ટિ ના મંડાવી જોઈએ, થ્રી વિઝન તરત વપરાવું જોઈએ અને સ્ત્રીનો સ્પર્શ ના થવો જોઈએ. સ્ત્રી સ્પર્શ ઝેરીલો હોય ! અડ્યા હોય તો એ પરમાણુઓ આખી રાત ઊંઘવા ના દે ! પુણ્યૈ આથમે તો બ્રહ્મચર્યનું ઊડાડી દે, ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હશે તો જ તે બચાવી શકશે.

પૂર્વની ભાવના સ્ટ્રોંગ હોય તેનાં આ ભવે સ્ટ્રોંગ નિશ્ચય રહે અને ડગુમગુ થાય તેનું, પૂર્વેનું ભાવના કરી જ નથી. આ તો દેખાદેખી થયું છે. એમાં બહુ બરકત આવે નહીં. તેનાં કરતાં પૈણી જવું સારું. ડગુમગુ નિશ્ચયવાળાથી બ્રહ્મચર્ય ના પળાય. વ્રતેય ના લેવાય. એ પછી ટકે નહીં. બ્રહ્મચર્યમાં અપવાદ ના રખાય. સ્ટીમરમાં અપવાદે કાણું રખાય ? પોલ મારતા મનને કઈ રીતે અટકાવાય ? નિશ્ચયથી. દરેક કાર્યમાં નિશ્ચય જ મુખ્ય છે. આત્મા પ્રાપ્ત થયા પછી નિશ્ચય એક થઈને અહંકારે કરીને નથી કરવાનો પણ જુદા રહીને નિશ્ચય મિશ્રચેતન પાસે કરાવડાવવાનો ! કયારેક જ સ્લિપ થવાય તો ? એક જ ફેર નદીમાં ડૂબી જવાય તો ?!

શાસ્ત્રકારોએ એક ફેરના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. મરવું બહેતર પણ અબ્રહ્મચર્ય મરણતુલ્ય ગણાય.

કર્મોનો ફોર્સ આવે ત્યારે આત્માના ગુણોના વાક્યો મોટેથી બોલીને જાગૃતિમાં આવી જવાનું. એ પરાક્રમ કહેવાય. સ્વવીર્યને સ્ફુરાયમાન કરવું એનું નામ પરાક્રમ ! પરાક્રમે પહોંચેલાને પાછા વાળવાની કોઈને તાકત નથી !

નિશ્ચયને સિન્સિયર રહે તો પાર ઉતરાય. દરરોજ સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે 'આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.' તેને પછી સિન્સિયર રહે. જેટલો સિન્સિયર તેટલી જ જાગૃતિ ! આ સૂત્ર તરીકે પકડી લેવું. સિન્સિયારીટી તો ઠેઠ મોક્ષે લઈ જાય. સિન્સિયારીટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો તે પરમાત્મા થવાનો.

'રીજ પોઈન્ટ' એટલે છાપરાની ટોચ ! જુવાનીનું 'રીજ પોઈન્ટ' હોય, એ પસાર થઈ ગયું કે જીત્યો. એટલો જ પોઈન્ટ સચવાઈ જવો જોઈએ.

તમારી બ્રહ્મચર્ય માટેની દ્ઢ પ્રતિજ્ઞા હોવી જોઈએ. એટલું જ નહીં પણ પ્રતિજ્ઞા પ્યૉર, લાલચ વગરની, ઘડભાંજ વગરની હોવી જોઈએ. જેની દાનત ચોર, તેનો નિશ્ચય કહેવાય જ નહીં. ક્ષત્રિયપણુ હોય ત્યાં દાનત ચોર ના હોય.

જેમ વિષના પારખાં ના કરાય તેમ વિષયના પારખાં ના કરાય. એને તો ઉગતાં જ દાબી દેવાય.

ઉદય કોને કહેવાય ? સંડાસ લાગી હોય તો છૂટકો થાય ? તેવું ઉદયમાં હોય. સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષયમાં લપસી જ નથી પડવું, તેમ છતાંય લપસી પડાય તેને ઉદય કહેવાય. સાવધાનીપૂર્વક રહેવું, પછી વાંધો નહીં આવે. પાણીમાં પડી ગયો તે બચવા માટે શું ના કરે ? તેવું બ્રહ્મચર્ય માટે ઘટે. દ્ઢ નિશ્ચય આગળ તમામ અંતરાયો ઝૂકી પડે છે !

બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય હોય છતાં વિષયના વિચારો પજવે ત્યારે સાધકે શું સાવધાની રાખવી ? એક તો આ વિચારોને જુદા રાખવાના અને તેમાં ભળવું નહીં, સહી ના કરવી. આ પાછલો ભરેલો માલ છે તે ફૂટે છે તે જાણી મૂંઝાવું નહીં. તેમાં તન્મયાકાર ના થવું. મોટું પ્રતિક્રમણ કરી નાખવું. વિચારો ફરી વળે તો શું વાંધો ? હોળીમાં હાથ ના નાખે તેને શું દાઝવાનું ? ગમે એટલા મચ્છરાં ફરતા હોય, તેને ઊડાડતાં વાર કેટલી ? માત્ર જાગતા રહેવું પડે ! જેટલી જુદાપણાની જાગૃતિ હશે તેટલો વિષય જીતાશે !

બ્રહ્મચર્યનું પુસ્તક ખૂબ જ હેલ્પફૂલ રહેશે ને તેને રોજ વાંચવું.

૪. વિષય વિચારો પજવે ત્યારે...

મન તો પોલ મારવામાં એક્સપર્ટ. ત્યાં ખૂબ જાગૃતિ રાખી જીતી જવાનું છે !

બ્રહ્મચર્ય માટે સુંદર પરિણતિઓ રહેતી હોય ત્યાં મહીં બુદ્ધિ પાછી વકીલાત કર્યા વગર રહે નહીં કે વિષયમાં શું વાંધો છે ? આને તો તરત ઉખેડીને ફેંકી દેવું. નહીં તો એ પોલ નિરાંતે પૈણાવી દે !

મન જડ છે. તેની આગળ કળાથી કામ કાઢી લેવું. જેમ નાના બાબાને લૉલી પૉપ આપીને પટાવીને ધાર્યું કરાવી લઈએ છીએ, તેમ મનને સમજાવી પટાવીને વિષયમાંથી બ્રહ્મચર્ય માટે વારંવાર વાળી લેવું.

૫. ન ચલાય, મનના કહ્યા પ્રમાણે !

બે રોટલી ખાવાનો નિયમ કર્યો હોય પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ એટલે નિયમ તૂટી જાય. એટલે મન ઘણું કહે, 'ખાવ ખાવ' પણ નહીં. એનું માની લઈએ તો પછી મન લપટું પડી જાય. મનના કહ્યા પ્રમાણે ચાલે તેનું બ્રહ્મચર્ય ટકે જ નહીં. તેથી કબીર સાહેબે કહેલું, 'મનકા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.' મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો ના કરાય. એની લૉ-બુક જ જુદી હોય. સ્વછંદ હોય.

મન સામાયિક પ્રતિક્રમણ કરવા ના દે. પોલ મારે. ધ્યેય પ્રમાણે ચાલવું, મનના કહ્યા પ્રમાણે નહીં ! મનને ને ધ્યેયને શું લાગે વળગે ! સ્ટ્રોંગ નિશ્ચયવાળાને મન ગાંઠે નહીં.

બ્રહ્મચર્યનો નિશ્ચય હોય પણ લગ્નનું કર્મ પાછળ પડે તો ? પૈણાવી નાખે ને ! ત્યાં જ્ઞાનથી જ રાગે પડે. જ્ઞાન તો ભલભલાં કર્મને પતાવી પાડે !

બ્રહ્મચર્ય પાળનારાનું માઈન્ડ વેવરીંગ હોય તોય એમાં બરકત ના આવે. મનનું માનવાનું જ નહીં. આપણા અભિપ્રાય પ્રમાણે ચાલવાનું. બ્રહ્મચર્યની બાબતમાં તો નાનામાં નાના અવરોધોમાં જાગૃતિ રાખવાની. ત્યાં સ્ટ્રોંગ રહેવાનું. એક પણ પોલ ત્યાં ના ચાલે. નહીં તો ધ્યેયને ઉડાડી મૂકશે ! મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાય ધ્યેયની સામે પડ્યા હોય તોય સ્ટ્રોંગ જ ના રહે તો બધાંને ટાઢું પડવું પડે. પણ સિદ્ધાંતને વળગી રહેવા પ્રથમથી જ સજાગતા જરૂરી છે. આપણે ચેતન ને મન જડ, તે મનનું તે કંઈ સંભળાતું હશે ?!

મન સમાધાન ખોળે, માટે સમાધાની વલણ અપનાવું. પૈણવામાં શું નુકસાન છે તે વારેવારે દેખાડવું. મનનો સ્વભાવ વિરોધાભાસી છે. તે બ્રહ્મચર્યનુંય સુખ એકસ્ટ્રીમ બતાડે અને વિષયનું પણ સુખ એકસ્ટ્રીમ બતાડે. એનો કંઈ નિયમ નથી. ત્યાં આપણે આપણા સિદ્ધાંત પ્રમાણે મનને વાળવું. મન પાછું જીદ્દી પણ નથી. વાળો તેમ વળી જાય તેવું છે.

મનના આધારે થયેલાં નિશ્ચયો અને જ્ઞાનના આધારે થયેલાં નિશ્ચયોમાં ફેર શું ? જ્ઞાને કરીને કરેલા નિશ્ચયો ખૂબ સુંદર હોય. મનની સામે જીતવાની તમામ ચાવીઓ હોય. પાયા બહુ મજબૂત હોય. મનનું ત્યાં ના ચાલે.

બ્રહ્મચારી આપ્તપુત્રો કેવા હોવા જોઈએ ? ઉપદેશ આપી શકે કે ના પણ આપી શકે તેનો વાંધો નહીં. પણ સિદ્ધાંતને વળગી રહેવું પડે. બીજું આપ્તપુત્રોથી કોઈની જોડે કષાય ના થવા જોઈએ. બધાં જોડે અભેદતા હોવી ઘટે, સામો ભેદ પાડ પાડ કરે ત્યારે આપણે અભેદતા જ ખોળો.

૬. 'પોતે' પોતાને વઢવો !

'આપણે' આપણી જાતને સદાય પંપાળ પંપાળ કરી છે. ભયંકર ભૂલો કરે તોય છાવર છાવર કરીએ એને ! પછી શું દશા થાય ?! કોઈ દહાડો 'આપણે' આપણી જાતને ટૈડકાવી છે ? પ્રકૃતિના અટકણ સ્વરૂપે થયેલા વિષયદોષને કાઢવા તો કંઈ કેટલુંય એને ઠપકારવું પડે ! રડાવવું પડે ! જુદા રહીને પોતે જ પોતાની જાતને ટૈડકાવી નાખીએ તો એનું રાગે પડી જાય ને ?! 'આપણે' જાત જોડે ભેગા રહીને એટલે કે એક થઈને કામ કરીએ તો આપણને પણ ભોગવવાનું આવે અને જુદા રહીને કામ લઈએ તો ભોગવવાનું ના આવે.

પરમ પૂજ્ય દાદાશ્રીએ જાત જોડે જુદા પડવા માટે ખૂબ જ સુંદર વિવિધ પ્રયોગો દર્શાવ્યા છે. એમાંય 'અરીસા સામાયિક' એટલે કે અરીસામાં જોઈને જાત જોડે વાતચીત કરવાનો પ્રયોગ, પ્રકૃતિને ઠપકારવી ઈ. ઈ.

૭. પસ્તાવા સહિતનાં પ્રતિક્રમણો !

એક વખત બીજ પડ્યું તે રૂપકમાં આવે જ. પણ એ જામ થઈ જાય ત્યાં સુધી, મરતા પહેલાં ઓછું વત્તું કે ચોખ્ખું થઈ જાય. તેથી દાદાશ્રી વિષયદોષવાળાને રવિવારે ઉપવાસ કરીને, આખો વખત પ્રતિક્રમણ કરી દોષને ધો ધો કરવાની આજ્ઞા આપતા જેનાથી ઓછું થઈ જાય !

વિષય વિકાર સંબંધી દોષોનું સામાયિક, પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? સામાયિકમાં બેસીને અત્યાર સુધી જે જે દોષો થયા છે તેને જોવાનાં, તેનાં પ્રતિક્રમણ કરવાનાં અને ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો !

સામાયિકમાં ફરી ફરી એના એ જ દોષો દેખાયા કરે તો શું કરવું ? ફરી ફરી દેખાય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યે રાખવાનાં. એની ક્ષમા માંગવાની, એનો પસ્તાવો કરવાનો. આમ ખૂબ કર કર કરવાથી વિષય ગાંઠ ઓગળતી જાય. જે જે ઓગાળવું હોય તે તે આ રીતે ઓગળી શકે છે ! અહીં જે સામાયિકો થાય છે તેમાં ગાંઠો ઓગળે છે.

વિષયમાં સુખબુદ્ધિ કોને થાય છે ? અહંકારને. ફરી ફરી એની એજ વસ્તુ આપવામાં આવે તો પાછું તેમાંથી જ દુઃખ બુદ્ધિ ઊભી થઈ જાય ! માટે એ પુદ્ગલ છે, પુરણ-ગલન છે.

વિષયનું સાયન્સ શું છે ? જેમ લોહચુંબક આગળ ટાંકણી આકર્ષાય તેમ મહીં વિષયના પરમાણુંઓનું આકર્ષણ સામેની વ્યક્તિના વિષયના પરમાણુઓ જોડે થાય છે. આ માત્ર પરમાણુઓનું જ આકર્ષણ છે ને પોતે તો આનાથી વેગળો શુદ્ધાત્મા જ છે એવું લક્ષમાં રહે તો કંઈ જ અડે એમ નથી. પણ એવી જાગૃતિ એકઝેક્ટલી કોને રહે ?

વિષયની ગાંઠ ફૂટે ને એમાં એકાગ્રતા થઈ જાય, તેને વિષય કહ્યો. એકાગ્રતા ના થઈ તો તેને વિષય ના કહેવાય. એ ગાંઠ જેની ઓગળી ગઈ, તેને પછી ટાંકણી ને લોહચૂંબકનો સંબંધ જ ના રહ્યો. વિષય સ્થૂળ સ્વભાવી છે ને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવી જાગૃતિ રહે નહીં ને ! એમાં તો જ્ઞાનીનું જ કામ. આ ગાંઠો એ તે આવરણ છે ! આ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ચાખવા ના મળે. જેના વધારે વિચારો આવે, જ્યાં દ્ષ્ટિ વધુ ને વધુ ખેંચાય ત્યાં ગાંઠ મોટી છે. અક્રમ માર્ગમાં સામાયિકનું ખૂબ જ મહત્વ દાદાશ્રીએ આપ્યું છે. અહીં તો આત્મસ્વરૂપ થઈને દોષોને જોયા કરવાનું. તેનાથી દોષો ઓગળે એ એક ફાયદો ને બીજું પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહ્યો એટલું આત્મામાં રહેવાનું ફળ મળે ! આનંદ આનંદ થઈ જાય ! સામાયિકમાં તમામ પ્રકારના દોષોને મૂકીને તેનાથી મુક્ત થઈ શકાય છે ! એ સિવાય આટલી બધી ગાંઠો ઓગળી શકે એમ નથી. અક્રમની આ સામાયિક સહેલી, સરળ અને રોકડું ફળ આપનારી છે ! સમુહમાં કરેલી સામાયિક ખૂબ જ પ્રભાવશાળી હોય છે ! પૂજ્ય દાદાશ્રી સામાયિક કરવા ખૂબ ભાર મૂકતા.

વિષય જોઈતા ના હોય, પણ વિષયો કંઈ છોડે ? ખાડામાં કોને પડવું હોય ? છતાં ખાડો સામો આવે તો તે કંઈ છોડે ? ખાડાથી બચવા શું કરવું ? દરરોજ એક કલાક દાદા પાસે માંગણી કરવી કે, 'હે દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.' એટલે શક્તિ મળી જાય ને સાથે સાથે પ્રતિક્રમણેય થઈ જાય. પછી એની ચિંતા કે ભાર મગજ ઉપર નહીં રાખવાનો. ખાડામાં પડ્યો કે તરત સામાયિક કરી ધોઈ નાખવાનું.

જ્ઞાનીઓ ખાડામાં પડી જવાય તેનો વાંધો નથી લેતા, પણ તેનો ઉપાય કરજે. સામાયિક એ જ એકમેવ ઉપાય છે !

૮. સ્પર્શ સુખની ભ્રામક માન્યતા !

સ્ત્રીના અંગોને જોવાનાં સુખ છે, એ માન્યતા સાવ ખોટી છે ! નર્યો ગંદવાડો જ છે ! પણ આ તો રોંગ બિલિફવાળું મન છે તે એ તરફ ખેંચી જાય છે. પણ આજનું જ્ઞાન અટકાવે છે એમાંથી ! સો વખત રોંગ બિલીફને સાચી માની તો સો વખત એને ભાંગવી પડે. સ્ત્રીના સ્પર્શ સમયે જાગૃતિ રહેતી નથી ને સુખ ભોગવાઈ જાય અને સ્ત્રી સ્પર્શ પણ એટલો જ પોઈઝનસ હોય છે. એ એટલો બધો પોઈઝનસ હોય છે કે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, બધાં જ ઉપર આવરણ ફરી વળે ! બેભાન કરી નાખે ! મૂર્છિત ! તે ઘડીએ જાનવર જ કરી નાખે ! દારૂ પીધા પછી મૂર્છિત થાય તેમ. પણ દારૂ પીધા પછી બેભાન થતાં થતાં તો અડધો કલાક કે કલાક નીકળી જાય અને આ તો અડતાંની સાથે જ ઈલેક્ટ્રિસિટીની જેમ અસર કરી નાખે ને મહીં વિષય ચઢી જાય ! વાર જ નહીં ! દાદાશ્રી નીજ અનુભવ કહે છે, 'નાનપણમાં જ અડતાંની સાથે મહીં ગભરામણ થઈ ગયેલી કે 'અરેરે ! આ શું થઈ જાય છે ? આ તો ઈન્સાનમાંથી હેવાન થઈ જવાય છે ! આની પછી 'નો લિમિટ' ! અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે આ ગમે નહીં, પણ ના છૂટકે થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો પણ અરુચિપૂર્વક, પ્રારબ્ધવશાત્ આ તે કંઈ શોભતું હશે ?!'

સ્પર્શ સુખ વખતે શું કરવું ? આ રોંગ બિલીફ છે, તેવું સતત ટકોરવું અને સ્પર્શ ઝેર જેવો લાગવો જોઈએ. પણ આ તો પૂર્વભવની માન્યતા કે આમાં સુખ છે એના આધારે સુખ લાગે છે ! માટે હવે એ માન્યતાને ઉડાડવાની છે ! પછી જ્ઞાનની પરાકાષ્ટાએ સ્પર્શ સહજ લાગે.

સ્ત્રીમાં દોષ નથી આપણી માન્યતાનો દોષ છે ! વિષયમાં સુખ છે એ બિલીફ કેવી રીતે બેસી ગઈ ? લોકસંજ્ઞાથી. લોકોના કહેવાથી. માટે આ માત્ર સાયકોલોજીકલ ઈફેક્ટ છે.

દ્ષ્ટિ ખેંચાવાનું સાયન્સ શું છે ? જ્યાં પૂર્વભવનો કંઈક હિસાબ છે ત્યાં દ્ષ્ટિ ખેંચાય છે. દ્ષ્ટિ ખેંચાઈને તેમાં આકર્ષણ ને વિષયની રમણતા થઈ કે પરમાણુઓની જબરજસ્ત અસરો થવા માંડે. પછી ખેંચાણ ને આકર્ષણ વધવા માંડે. એનું પીક પોઈન્ટ આવે પછી વિકર્ષણ કુદરતી રીતે થવા જ માંડે. આકર્ષણ શરુ થયું ત્યારથી વિકર્ષણનાં કારણો સેવાવાં ચાલુ થઈ ગયાં ગણાય. આવું છે પરમાણુઓનું એટ્રેકશન (આકર્ષણ) ! પરમાણુના આકર્ષણ કામ કરે બધું. આકર્ષણ પછી સત્તા પોતાની રહી જ નહીં કશી. પછી વિકર્ષણ થાય જ. છૂટકો જ નથી. એ પરમાણુઓ પોતે જ વિકર્ષણ કરાવીને છૂટાં પાડે ! એનો અમલ ફળ આપીને !

મન અને ચિત્ત વિષયમાં ખૂબ ભાગ ભજવે છે. ચિત્ત વારેવારે ત્યાં જ રમણતા કરે. પછી એનું ગલન થયા વિના ના જ રહે. એક ફેરો વિષયને અડ્યો તે પછી રાતદા'ડો એના એ જ સ્વપ્ના આવે એટલી બધી તો પકડ આવે છે ચિત્ત ઉપર વિષયની !

વિષયના વિચારો આવે છે તે મનની ગ્રંથીમાંથી. એને અને ચિત્તને કંઈ લેવાદેવા નથી. ચિત્ત જો વિષયને સ્પર્શ્યુ તો કંઈ કેટલાંય કાળ સુધી ધ્યાનમાં સ્થિરતા ના રહે. દાદાશ્રી કહે છે કે અમારું ચિત્ત કેવું હશે કે કોઈ સમય સ્થાનમાંથી ખસ્યું જ નથી !!! તેથી જ સ્તો દાદાની આંખોમાં સદાય વીતરાગમય પ્રેમ ને કરુણા જ દેખાય !

ચિત્તવૃત્તિઓ જ્યાં જ્યાં ભટકે ત્યાં આત્માને ભટકવું પડે ! ચિત્તવૃત્તિઓ આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરે છે. ચિત્ત એ મિશ્રચેતન છે. માટે ભટકાવનારું છે, જ્યાં જ્યાં ચોંટે ત્યાં, ત્યાં ! હવે જ્યાં જાય ત્યાં તુર્ત જ પ્રતિક્રમણથી ધોઈ નાખે તો તે વિષય દોષ થયેલો ગણાતો નથી.

ચિત્તને ડગાવે તે બધાં જ વિષય. આત્માની બહાર ચિત્તને જકડી રાખે તે બધાં જ વિષય. વિચારની નહીં પણ ચિત્તની ભાંજગડ મોટી છે ! મનમાં વિષયના વિચારો ગમે તેટલા આવે, તેને ખસેડ ખસેડ કરો. તેની જોડે વાતોચીતો કરો, તે વાંધો નહીં આવે. પણ ચિત્ત બહાર જવું જ ના જોઈએ. પૂર્વે જે પર્યાયોનું વેદન ખૂબ કર્યું હોય ત્યાં ચિત્ત અત્યારે વધારે જાય. ત્યાં ચોંટી રહે. એને અટકણ કહ્યું. એને જુદુ રાખીને કહેવું, 'તું જ્ઞેય ને હું જ્ઞાતા' એનાથી તરત મુક્ત થઈ જશે. આ ચિત્ત ફેકચર થવાથી વિષયમાં લપટાયો છે જેનું ફળ જાનવરગતિ !

૯. ફાઈલો સામે કડકાઈ !

સ્ત્રી જો મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ? જ્યાં ફસામણ હોય તો ત્યાં આપણે દ્ષ્ટિ જ માંડવી નહીં. તેમ જ આંખે આંખ ના મિલાવવી. ભેગા જ ના થવું. કેટલીક વાર એવા સંજોગોમાં મૂકાઈ જવાય કે આપણા ઓળખાણવાળા કે સગાં-સબંધીની જ ખરાબ દ્ષ્ટિ હોય તો ત્યાં શું કરવું ? જાણે કંઈ આપણને એના ભાવોની કંઈ ખબર જ નથી, 'નો રીસ્પોન્સ' એમ રાખવું ને નીચું જોઈને બને તેટલું તેને ટાળવું ! ખેંચાણમાં તણાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી આઘા રહેવું. નિકાચિત વિકારી માલવાળો, સત્સંગમાંય લપસે તે ભયંકર ખોટ ખાય. એણે જ્ઞાનીને પૂછીને ચોખ્ખું કરી લેવું.

'ફાઈલ' ખુલી એનું નામ કહેવાય કે થોડી જ વારમાં ખેંચાઈ જવાય. ભૂતની પેઠ વળગી જાય ! 'ફાઈલ' સામી આવે કે મહીં કૂદાકૂદ કરી મૂકે ! ઉપર જાય, નીચે જાય, ...... મહીં ચંચળતા ઊભી થઈ જાય ! અકારણ મુખ પર લાલી આવી જાય, હસુ હસુ થઈ જાય ને એની દ્ષ્ટિ 'ક્યાં ફરે છે' તે ખોળવામાં જ પોતાની દ્ષ્ટિ ખોવાઈ જાય ! અને 'ફાઈલ' ગેરહાજર હોય ને યાદ આવે તે તો બહુ ભારે જોખમ, હાજરીમાં અસર કરે તેના કરતાં ! ત્યારે તો આપણી લગામ જ ના રહે. મન ચંચળ થઈ જાય ને દુઃખ થાય.

કૃપાળુદેવે 'લાકડાની પુતળી છે એમ ગણજે', કહ્યું છે. સંડાસ કરતી સ્ત્રીને જુએ તો ત્યાં ચિત્ત ફરી જાય ? એવું ગોઠવી દેવું. અગર તો 'ન્હોય મારું, ન્હોય મારું' કરે તોય જતું રહે.

અગ્નિ અને 'ફાઈલ' બેઉ સરખાં. દઝાડી ને મારી નાખે. અડતા જ દઝાડે. 'ફાઈલ' આગળ આપણે કડક આંખથી જ રહેવુ. એને ખરાબ લાગે અપમાન થાય એવું વર્તવું. ત્યાં બહુ ભયંકર જોખમ રહ્યું.

ફાઈલ ઉપર તિરસ્કાર આવે તોય તેનો વાંધો નહીં. તેનો ઉપાય છે. પણ તિરસ્કાર ના આવે તો સમજી જવું કે હજી અંદર પોલ છે, દાનતચોર છે ! જે 'ફાઈલ' જોડે બહુ ચીકણું થઈ ગયું હોય ત્યાં 'ન્હોય મારી, ન્હોય મારી' કરીને ઘણા ઘણા પ્રતિક્રમણ કરવા. રૂબરૂમાં મળે તો અપમાન કરી દેવું. એટલે એ ફરી ફરકે નહીં.

અને આપણે કોઈના માટે 'ફાઈલ' થઈ પડ્યા હોય તો તો બહુ સહેલું છે ત્યાંથી છૂટવાનું. જરા અપમાન કરીએ કે ગાંડું બોલીએ તો એ છોડી દે આપણને. ત્યાં આપણે સમભાવે નિકાલ કરવું કહીને દુઃખ ના થાય એવું વર્તવા જાઓ તો વધારે વિષયમાં બગડે બેઉનું. ત્યાં સમભાવે નિકાલ એટલે એને અપમાન કરીને તોડી નાખીએ તે ! આપણું મોળું હશે ત્યાં સુધી એ ચીતર ચીતર કરશે. માટે સામેનાનું ચિતરામણ મૂળથી જ બંધ થઈ જાય તેના માટે આપણે જ કડક થઈ આપણા માટે અભાવ એને થઈ જાય, એવું વર્તન ને વાણી ગોઠવી દેવા, અથવા મિત્રો જોડે કહેવડાવવું કે તારા જેવી બીજી બે ત્રણને પ્રોમીસ કરેલું છે. આપણને કોઈના માટે વિષયના વિચાર વારંવાર આવ આવ કરે એટલે પછી સામેનાને પણ એની અસર પડે ને તેને પણ વિચારો ચાલુ થઈ જ જાય.

૧૦. વિષયી વર્તન ? તો ડિસમીસ !

સત્સંગમાં ક્યાંય દ્ષ્ટિ ના બગડવી જોઈએ. દ્ષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરીને ઊડાડી મૂકવાનું, તોય ચાલે. પણ અહીં વર્તનમાં તો ના જ આવવું જોઈએ. એવું જે કોઈને થાય તે ના જ ચલાવી લેવાય. તેને પછી ડિસમીસ કરવા પડે. ફરી ક્યારેય સત્સંગમાં પેસવાનું નહીં. 'ધર્મ ક્ષેત્રે કૃતમ્ પાપમ્, વ્રજલેપમ્ ભવિષ્યતિ.' ધર્મક્ષેત્રમાં કરેલું પાપ વ્રજલેપ જેવું હોય છે, જે નર્કે જ લઈ જાય ! અહીં પાશવતા કરવી એના કરતાં પરણી જવું સારું. હક્કનું તો કહેવાય. બ્રહ્મચર્યવાળો એક જ ફેર લપસ્યો કે ખલાસ થઈ ગયો ! સંયોગ સબંધ થયો તે આપઘાત થયા બરાબર છે. એનું બહુ જોખમ. એ ના જ ચાલે. બીજી બધી ભૂલો ચલાવાય પણ આ ના ચલાવીએ. ત્યાં દાદાની નજર બહુ જ કડક થઈ જાય, આંખો લાલ જ હોય તેની પર. તેથી બ્રહ્મચારીઓ પાસે બે નિયમો લખાવેલા એક તો વિષય સંયોગ થાય તો જાતે જ અહીં સત્સંગ છોડી કાયમ દૂર જતા રહેવું અને બીજું પૂજ્ય દાદાશ્રીની હાજરીમાં કોઈથી ઝોકાં ના ખવાય. ઝોકાં ખાય તેણે જાતે જ રૂમ છોડી જતું રહેવું.

૧૧. સેફસાઈડ સુધીની વાડ...

બ્રહ્મચર્ય પાળવા આટલાં કારણો તો હોવાં જોઈએ. એક તો આપણું આ જ્ઞાન હોવું જોઈએ. બીજુ બ્રહ્મચારીઓનું સંગબળ જોઈએ. શહેરથી દૂર રહેઠાણ જોઈએ. બહારનો કુસંગ અડવો ના જોઈએ. જેને દાદાનું નિદિધ્યાસન નિરંતર રહે એને કુસંગ અડે જ નહીં !

પરમ પૂજ્ય દાદાશ્રી પોતાના સિદ્ધાંત માટે શું કહે છે 'આપણે કંઈ પેઢી કાઢવા ઓછા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ.'

૧૨. તિતિક્ષાનાં તપે કેવળો મન-દેહ !!

તિતિક્ષા એટલે શું ? ઘાસ કે પરાળમાં સૂવાનું થાય, કાંકરા ખૂંચતા હોય, તે ઘડીએ ઘર યાદ આવે તો તે તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખૂંચે તેય સરસ લાગવું જોઈએ.

રાત્રે બે વાગે સ્મશાનમાં મૂકી આવે તો શું થાય ? ચિત્તા જોઈને ? ભડકાટ પેસી જાય ? તાવ ચઢી જાય ?

મનોબળ મોક્ષમાર્ગમાં જબરજસ્ત જોઈએ ! ગમે તેવા વિકટ સંયોગોમાંય 'હવે મારું શું થશે ?' એવું ક્યારેય ના થાય. સ્થિરતાથી પાર નીકળી જાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે મેં મારી જિંદગીમાં એક પણ ઉપવાસ નહીં કરેલો ! પિત્ત પ્રકૃતિ એટલે એમનાથી ઉપવાસ ના થાય. ચોવીયાર, કંદમૂળ ત્યાગ, ઉણોદરી તપ વિ. કરેલું. ઉપવાસથી જાગૃતિ વધે મહીં કચરો જામી ગયો હોય તે બળી જાય. વાણીય ઓછી થાય. ને બ્રહ્મચારીઓએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો.

જ્ઞાનીઓ ઉણોદરી તપને વધુ મહત્વ આપે. દાદાશ્રીએ કાયમ ઉણોદરી કરેલું. ઉણોદરી એટલે પેટને અડધું ખાલી રાખવું. એનાથી જાગૃતિ ખૂબ વધે. વચ્ચે વચ્ચે ફાકા મારવાના ના હોય. ખોરાકથી મહીં મેણો ચઢે, દારૂ થાય. ચરબીવાળો, મીઠાઈ, તળેલો ખોરાક ના લેવાય. આપણાં રોટલી-દાળ-ભાત-શાક એ આદર્શ ખોરાક ગણાય. ઊંઘેય ખૂબ ઓછી હોય. ઘી, તેલથી માંસ વધે ને માંસ વધે એટલે વીર્ય વધે. નાના છોકરાંઓને મગસ કે શીયાળુ પાક ના ખવડાવાય. પછી મોટાં થતાં ખૂબ જ વિકારી થઈ જશે ! મા-બાપ જ બગાડે એમને ! નહાવાથીય વિષય જાગૃત થઈ જાય. તેથી સ્પંજ કરી લે. માંદા માણસને વિષય સાંભરે ? ત્રણ દહાડાનો ભૂખ્યો હોય તેને વિષય સાંભરે ? આ કંદમૂળ ખાવાથી બ્રહ્મચર્ય ટકે નહીં. માટે એ ના ખવાય.

૧૩. ન હો અસાર, પુદ્ગલસાર !

બ્રહ્મચર્ય એ પુદ્ગલ સાર છે. ખોરાકનો સાર શું ? વીર્ય. માટે બ્રહ્મચર્ય એ મોક્ષમાર્ગનો આધાર છે. જ્ઞાન સાથે બ્રહ્મચર્ય હોય તો સુખનો પાર નથી. લોકસાર એ મોક્ષ અને પુદ્ગલસાર એ વીર્ય છે. મોંઘામાં મોંઘી વસ્તુ વીર્ય છે. એને કેમ કરીને મફતમાં વેડફાય ? વીર્ય ઉર્ધ્વગામી થાય એવા ભાવ રાખવા જોઈએ. અક્રમજ્ઞાન વીર્યનું ઉર્ધ્વગમન કરાવનારું છે ! વીર્યને અજ્ઞાન અધોગામી કરાવે ને જ્ઞાન ઉર્ધ્વગામી કરાવે ! છે તો બન્ને રિલેટીવ. પણ વીર્યનાં પરમાણુઓ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, પછી અધોગામી થતું નથી. વીર્ય કાં તો સંસારરૂપે પરિણમે કાં તો ઐશ્વર્યરૂપે !

સાધકને વ્યવહારમાં રીવોલ્યુશન ફરતાં અટકે છે. એનું શું કારણ ? આત્મવીર્ય પ્રગટ થતું નથી. તેથી મન વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી. એટલે ભાગેડુ બને છે. તેના કરતા આત્મામાં પેસી જવા જેવું. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરી શકે. આત્મવીર્ય ક્યારે પ્રગટ થાય ? આત્મ સિવાય બીજે ક્યાંય રૂચિ ના રહે. દુનિયાની કોઈ ચીજ લલચાવી ના શકે ત્યારે.

વીર્ય ઉર્ધ્વગમન થાય તેનાં લક્ષણો શું ? મોઢાં ઉપર તેજી આવે. બ્રહ્મચર્યનું નુૂર ઝળકે ! વાણી, વર્તન, મીઠું બને, મનોબળ ખૂબ વધે !

સ્વપ્નદોષનું શું કારણ ? ટાંકી છલકાઈને ઉભરાય એના જેવું. ખોરાકનો કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. એમાંય રાતના ખોરાક ના લેવો જોઈએ. ઉણોદરી ચા-કોફી ના લે વિ. છતાંય સ્વપ્નદોષને એવો ગુનો નથી ગણ્યો. પણ જાણી જોઈને ના કરાય. એ ભયંકર ગુનો છે. આપઘાત કહેવાય. જાણી જોઈને ડિસ્ચાર્જની છૂટ ના હોય. કૂવામાં જાણી જોઈને કોઈ પડે ?

સામાન્ય રીતે એવું લૌકિકમાં પ્રચલિત છે કે વીર્યનું ગલન એ પુદ્ગલ સ્વભાવ જ છે. એ લીકેજ નથી. જ્ઞાનીઓની જ્ઞાનદ્ષ્ટિ શું કહે છે કે, આપણી દ્ષ્ટિ બગડી કે વિચારો બગડ્યા એટલે વીર્યનો અમુક ભાગ 'એક્ઝોસ્ટ' થઈ ગયો કહેવાય. પછી તે ડિસ્ચાર્જ થયા કરે. સ્વપ્નદોષને ગુનેગાર ના ગણાય. પણ છતાંય સવારના એનું પ્રતિક્રમણ કરવું પડે. પસ્તાવો કરવો પડે. દાદાની પાંચ આજ્ઞા પાળે તેને વિષય-વિકાર થાય એવું નથી. બાહ્ય ઉપાયોમાં ઉપવાસ, આંબેલ, શરીરને હ્રષ્ટપુષ્ટ ના થવા દેવું, ટાઢ તડકાને ખમી શકે અને સાદો સાત્વિક આહાર લે. વીર્ય ઉર્ધ્વગામી થાય તે જ્ઞાન ધારણ કરી શકે, જૈન શાસ્ત્રમાં નવ વાડના નિયમો આપ્યા છે બ્રહ્મચારીઓને માટે. નિરોગી વિષયી ના હોય. પૂરેપૂરા નિરોગી તો તીર્થંકરો જ હોય.

આત્મજ્ઞાનની અપેક્ષાએ વિચારો સારા ખોટા હોતા નથી. બન્નેવ જ્ઞેય છે. તેને જ્ઞાતા રહીને જોયા કરે તો તે પૂરાં થાય છે. પણ તેમાં તન્મયાકાર થઈ જાય તો કર્મ ઝમવા માંડ્યું. પણ તુર્ત જ પ્રતિક્રમણ કરી લે તો એ ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવધિ પૂરી થઈ જાય તો બંધ પડે, પણ તે પહેલાં પ્રતિક્રમણથી ભૂંસી નાખે તો બંધ ના પડે.

વિષયની બાબતમાં ઇન્દ્રિયો પરની ઈફેક્ટ અને મન બન્ને જુદું પણ હોઈ શકે. સ્થૂળ વિષય ભોગવતાં પહેલાં મન વિષય ભોગવે કે ના પણ ભોગવે. ચિત્તથી ભોગવવું એટલે તરંગોથી, ફિલ્મથી ભોગવવું. ચિત્તથી કે મનથી ભોગવે તેને ભોગવ્યું કહેવાય. મનથી મંથનમાં જતું રહ્યું એટલે સાર બધો મરી જાય. તે મરેલું પડી રહેશે ને તે પછી ડિસ્ચાર્જ થવાનું જ. વિષયના વિચારમાં તન્મયાકાર થયો એ જ મંથન. તન્મયાકાર ના થાય તો પાર ઉતરી ગયો બ્રહ્મચર્યના સાયન્સમાં ! મંથન થવા માંડે કે તર્ત જ પ્રતિક્રમણ કરી લેવું. પ્રતિક્રમણનું ટાઈમીંગ સાચવવું અગત્યનું છે ! જો થોડોક વધુ ટાઈમ જતો રહે તો પછી મંથન થઈ જ જાય. માટે વિચાર આવતાં ની સાથે જ, ઑન ધી મોમેન્ટ પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. વિચાર આગળને પ્રતિક્રમણ પાછળ જ થવું જોઈએ. ઝેર પીધું પણ ગળા નીચે ઉતરે એ પહેલાં જ જો ઉલ્ટી કરી નાખે તો બચે ! તેમ આ પ્રતિક્રમણ તરત જ થવું ઘટે. સ્હેજ જો અટકી ગયો વિચારોમાં તો પછી મંથન શરૂ થઈ જાય. પછી સ્ખલન થયા વિના ના રહે. અડધો કલાક ઊંધો ચાલતો હોય પણ જાગૃત થયો કે પ્રતિક્રમણથી બધું ધોઈ નાખી શકે ! એવું ગજબનું છે આ અક્રમ વિજ્ઞાન !!!

૧૪. બ્રહ્મચર્ય પમાડે, બ્રહ્માંડનો આનંદ !

બ્રહ્મચર્યમાં અપાર આનંદ આવે. બીજા કશામાં ક્યારેય ચાખ્યો ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! મહા મહા પુણ્યાત્માને પ્રાપ્ત થાય બ્રહ્મચર્ય ! સાચું બ્રહ્મચર્ય જ્ઞાનીની આજ્ઞાપૂર્વકનું હોવું ઘટે. અને ભૂલ થાય તો તેમની પાસે માફી માગવાની. સંપૂર્ણ બ્રહ્મચર્યમાં આવે તેની અનંત અવતારની બધી જ ખોટ પૂરી થઈ ગઈ ગણાય. નિર્ભય થાયને બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! જેને શુદ્ધાત્માનો વૈભવ જોઈતો હોય તેણે બહ્મચર્ય પાળવું આવશ્યક છે. જ્ઞાનમાં ખૂબ મદદ કરે એ ! બ્રહ્મચર્ય એ મહાવ્રત છે એનાથી આત્માને સ્પેશ્યલ અનુભવ થાય !

બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તોડવું એ ભયંકર દોષ લાગે. માર્યો જ જાય એ. વ્રત આપનાર નિમિત્તને પણ દોષ લાગે. માટે એના માટે બહુ ઊતાવળ કરવાની જરૂર નહીં. બ્રહ્મચર્યનું અંતિમ ફળ છે સર્વસંગ પરિત્યાગ !

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે. જગત કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગ્રહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં. ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લીક ના પામે. ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લીક ના પામે. ત્યાગ પાછો આપણો, અહંકાર વગરનો જોઈએ ! અક્રમનું ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય ! ગજબનું સુખ વર્તે.

'હું શુદ્ધાત્મા છું' એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા એનું નામ રિયલ બ્રહ્મચર્ય.

વિષયમાંથી છૂટ્યો ક્યારે કહેવાય ? વિષય સબંધી કોઈ પણ વિચાર ના આવે, દ્ષ્ટિ ના ખેંચાય ત્યારે.

૧૫. વિષય સામે, વિજ્ઞાનની જાગૃતિ !

આકર્ષણ થાય તેનો વાંધો નથી, પણ તેમાં ચોંટ્યો, તન્મયાકાર થયો તે વાંધાજનક છે. આકર્ષણ થાય તેની સામે આપણો વિરોધ એ જ તન્મયાકાર ના થવાની વૃત્તિ. તન્મયાકાર થયા એટલે ગોથું ખાઈ ગયા જાણવું. કોઈ જાણી જોઈને લપસી પડે ? ચીકણી માટી આગળથી ઉતરતાં કેવાં પગનાં આંગળા દબાવીને ચાલે છે ? પડવાના વિરોધમાં આપણે કેટલા બધા હોઈએ છીએ ?

એક જણ દાદાશ્રીને પૂછે કે દ્ષ્ટિ પડતાં જ મહીં ચંચળ પરિણામ ઊભાં થઈ જાય છે, ત્યાં શું કરવું ? તેને દાદાશ્રી વિજ્ઞાન આપે છે, દ્ષ્ટિ એ 'આપણા'થી જુદી વસ્તુ છે. તો પછી દ્ષ્ટિ પડે તેમાં આપણને શું થયું ? આપણે ના ચોંટીયે તો દ્ષ્ટિ શું કરે ? હોળીને જોવાથી આંખ દાઝે ખરી ? 'પોતાના' મહીંના વાંકે આકર્ષણ થાય છે.

બન્ને દ્ષ્ટિ એટ એ ટાઈમ રાખવાની. રિયલમાં શુદ્ધાત્મા જોવાના ને રિલેટીવમાં થ્રી વિઝન જોવાનું.

દ્ષ્ટિ મલીન થાય કે તરત જ દાદાએ આપેલા જ્ઞાનના ઉપાયો કરી તરત નિર્મળ કરી નાખવી.મહીં ફોર્સફુલી પાંચ-દસ વખત બોલી નાખીએ કે, 'હું શુદ્ધાત્મા છું... તોય પાછું ઠેકાણે આવી જાય. અથવા 'દાદા ભગવાન જેમ હું નિર્વિકારી છું, નિર્વિકારી છું' બોલવું. આનો ઉપયોગ કરવો આ તો વિજ્ઞાન છે. તરત ફળ આપનારું છે. નહીં તો ગાફેલ રહ્યા તો ઊડાડી મૂકે બધું !

જો એક કલાક કોઈ પણ સ્ત્રી સંબંધી વિષયી ધ્યાન રહે તો આવતા ભવે એ મા થાય, વાઈફ થાય ! માટે ચેતો. માટે વિષયનો વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. એના એ જ વિચારમાં રમણતા કરવી એનું નામ ધ્યાનરૂપ. તેને ઉખાડીને ફેંકી દેવાનું. વિચારોને જોવાથી જ ગાંઠો ઓગળે, પુદ્ગલ શુદ્ધ થઈ જાય. સ્ત્રીને જોતાં જ મહીં સ્પંદન આવે તો તેનું તરત પ્રતિક્રમણ કરવું.

જાગૃતિ જરાક મંદ પડી કે વિષય પેસી જ જાય. એનું આવરણ આવી જ જાય !

એક ફેરો સ્લિપ થયા, પછી સ્લિપ નહીં થવાની શક્તિ ઘસાઈ જાય. તે પાછું સ્લિપ કરે એટલે એ લપટી પડી જાય. અસંયમ થયો કે લપટું પડી જાય. સંયમ વધઘટ થાય તેનો વાંધો નહીં પણ સંયમ તૂટી જાય કે પછી થઈ રહ્યું !

બ્રહ્મચર્યના આગ્રહી થવાની છૂટ, પણ બ્રહ્મચર્યના દુરાગ્રહી ના થવાય. અંતે તો આત્મરૂપ થવાનું છે. બ્રહ્મચર્યના નિમિત્તે કષાય થઈ જાય તે ના ચાલે. આત્મામાં રહેવાનું કે બ્રહ્મચર્યમાં ?

બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે. નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ? આત્મા તો સદા બ્રહ્મચારી જ છે ને !!

૧૬. લપસનારાંઓને, ઊઠાડી દોડાવે...

વિષયના ગુનાનું શું ફળ છે એ પ્રથમ જાણવું જોઈએ. એની સમજ પડે તો જ એ ગુનામાંથી અટકે. જ્ઞાનીને જે વળગી રહ્યો, તે છૂટે એક દહાડો.

જેને દાદાનું નિદિધ્યાસન રહે તેનાં તમામ તાળાં ખુલે છે. દાદાના નિદિધ્યાસનું સાક્ષાત્ ફળ મળે છે !

જગત કલ્યાણનો નિમિત્ત બનવાનો જેણે ભેખ લીધો છે એને જગતમાં કોણ આંતરી શકે ? દેવલોકોય પુષ્યવૃષ્ટિ કરે છે.

આ માર્ગમાં આગળ વધ્યા છે ત્યાંથી પૂર્ણાહુતિ થઈ શકે ! તમે ચોખ્ખા છો તો તમારું કોઈ નામ દેનારું નથી.

૧૭. અંતિમ અવતારમાંય બ્રહ્મચર્ય તો આવશ્યક !

મોક્ષ અને બ્રહ્મચર્યને શું લાગે વળગે ? ઘણુ બધું લાગે વળગે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પુદ્ગલનું છે, એ ખબર જ ના પડે ને ! હવે કેટલાંય અબ્રહ્મચારી મોક્ષે ગયેલા. ત્યાં શું હોય કે બ્રહ્મચર્ય માટે પોઝીટીવ હોવો જોઈએ. નિગેટીવવાળાને કોઈ દહાડો આત્મા પ્રાપ્ત ના થાય. પરણીને બ્રહ્મચર્ય પાળે તે ઊંચુ કે ના-પરણીને પાળે તે ? જ્ઞાનીઓએ પરણીને પાળે તેને ઊંચું કહ્યું ! છતાં મોક્ષે જનારાઓને છેલ્લા દસ પંદર વર્ષ તો સર્વસંગ પરિત્યાગ વર્તવું જ જોઈએ. બ્રહ્મચર્ય વિના તો મોક્ષે જવાય જ નહીં !

બ્રહ્મચર્યમાં કોઈને દબાણ ના કરાય. બ્રહ્મચર્ય વ્રત એકદમ કોઈને અપાય નહીં. એકાદ વર્ષ માટે આપી ધીમે ધીમે વધાય. તમારો નિશ્ચય ને અમારું વચનબળ વિષયને ઊડાડે. અંતરાયો તોડી નાખે.

અક્રમ માર્ગમાં આશ્રમ જેવું ના હોય. પણ બ્રહ્મચારીઓ થયા તેમના માટે જોઈએ. બ્રહ્મચારીઓના સંગમાં રહેવું પડે.

દાદાશ્રી પોતાના વિષે કહે છે, 'અમારે બ્રહ્મચર્ય પાળવાનું ના હોય. અમને તો તે વર્તે, વિષય જેવી વસ્તુ કંઈ છે એવું યાદેય ના આવે. શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! અને પોતેય પૂર્વભવોથી માલ ખાલી કરતાં કરતાં આવેલા. એટલે નાનપણથી જ વિષયમાં રુચિ નહીં.

પહેલાંના જમાનામાં બાળલગ્ન થતાં. તેથી બીજે ક્યાંય દ્ષ્ટિ બગડવાનો પ્રશ્ન જ ના રહે ને !! જીવન કેવું સુંદર ને પવિત્ર જાય ? એની અસર બાળકો પર કેવી સુંદર પડે. છોકરાંઓ પણ સંસ્કારી ને એકધારાં પાકે !

પરણવામાં આટલાં બધો જોખમો છે. છતાંય કોડથી ઘોડે ચઢીને પૈણે છે એ જ શું અજાયબી નથી ?! એનું કારણ એ કે એ જાણતો જ નથી એનાં પરિણામોને ! થોડુંક દુઃખ પણ સરવાળે તો સુખ જ છે એવી માન્યતાના આધારે જ બધાં પરણે છે.

જેને પુદ્ગલસાર (બ્રહ્મચર્ય) અને અધ્યાત્મસાર (શુદ્ધાત્મા) બેઉ પ્રાપ્ત થઈ ગયો એનું તો થઈ ગયું કલ્યાણ જ ને !

બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટ થવા દે, આત્માનુભવ થવા દે, આત્માના ગુણોનો અનુભવ થવા દે.

બ્રહ્મચર્ય અને પરફેક્ટ વ્યવહાર બેઉ ભેગું થાય તો બ્રહ્મચારીઓ જગતનું કલ્યાણ કરવામાં ખૂબ જ હિતકારી થઈ શકે.

દાદાશ્રીએ પોતાનો વ્યવહાર કેવો છે એ જણાવતાં કહ્યું છે, 'એક ત્રાડ અમે પાડીએ કે મહાત્માઓના રોગ તુર્ત જ નીકળી જાય. એમનો હાથ અડે ને સામાનું કામ થઈ જાય. એવી બધી સિદ્ધિઓ પ્રગટે.'

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ બેઉ ભેગું થાય તો 'વ્યવસ્થિત' આખું ફેરફાર થાય ! અહીં જ એક અપવાદ સર્જાય છે !

બ્રહ્મચારીઓને પાંત્રીસ વર્ષ સુધી વિષયની સામે સતત સજાગ રહેવું પડે. નહીં તો મોહનું વાતાવરણ 'રીજ પોઈન્ટ' પર આવે ત્યારે એને ઊડાડી મૂકે ! ત્યારે જ્ઞાન બીજનેય ઊડાડી મૂકે !!! પણ આવતા ભવમાં આ જ્ઞાન પાછું સહાયરૂપ થાય.

પરણાવાની ના પાડી તેથી કંઈ અંતરાયકર્મ બંધાય ? મુંબઈ જઈએ તેથી કરીને કંઈ બીજો ગામો જોડે ઓછાં અંતરાય પાડ્યા કહેવાય ?!

બ્રહ્મચર્ય પાળે તેનાથી કર્મ બંધાય ?

અજ્ઞાનદશામાં બ્રહ્મચર્ય પાળવાથી પુણ્ય બંધાય ને અબ્રહ્મચર્યથી પાપ બંધાય. પણ અક્રમજ્ઞાનથી તો કર્મ જ ના બંધાય. બન્નેવ ડિસ્ચાર્જ ગણાય. આમાં જ્ઞાનીની આજ્ઞાથી પાળીએ છીએ, કર્તા થઈને, એટલું ચાર્જ છે. બ્રહ્મચર્ય ઈટસેલ્ફ ડિસ્ચાર્જ છે, પણ તેની પાછળ જે ભાવ છે તે 'ચાર્જ' ગણાય. આજ્ઞા પાળવા પુરતું ચાર્જ ગણાય. એનું ફળ સમ્યક્ પુણ્ય મળે. જેનાથી સીમંધર સ્વામી પાસે પડી રહેવાની સવલતો સરળતાથી મળે. આ બધી વૈજ્ઞાનિક શોધખોળો છે દાદાની !

સંપૂજ્ય દાદાશ્રી બ્રહ્મચર્યની મજબૂતી માટે દર રવિવારે સંપૂર્ણ ઉપવાસ પાળવાનો નિયમ આપતા, જેનાથી વિષયનો સામાવાળિયો થાય. ને બ્રહ્મચર્યમાં ખૂબ પુષ્ટિ મળે.

જેને લક્ષ્મી કે વિષય સંબંધી વિચાર જ ના આવે, દેહથી છૂટો રહે તેને જગત ભગવાન કહ્યા વિના નહીં રહે !!!

૧૮. દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓને

પરમ પૂજ્ય દાદાશ્રીએ બહેનોને પુષ્ટિ આપી બ્રહ્મચર્યના માર્ગે વાળી છે.તેમના હાથે આપ્તપુત્રીઓનું ઘડતર થયેલું છે.

સારાં કપડાં પહેરેલાં, અપ ટુ ડેટ યુવાન જોઈ છોકરીઓ મૂર્છિત થઈ જાય, પણ મહીં માલ કેવોય કચરાવાળો હશે તે ના દેખી શકે ! રૂપાળો જોઈને જ મૂર્છિત થઈ જાય એટલે ત્યાં ફસાવું નહીં, નહીં તો ભવ બગાડી નાખે એ ! આવતા ભવની ગાંઠ પડે. દાદાશ્રીએ છોકરીઓ માટે બ્રહ્મચર્યની મુશ્કેલીઓ વધારે દર્શાવી છે. નિશ્ચય ડગે નહીં તો ગેરન્ટીથી બ્રહ્મચર્યને પહોંચી વળાશે ! થ્રી વિઝનની જાગૃતિ રહે તે મોહને કાઢે.

યુવાનોને પૈણવાનું કહીએ તો ના પાડે છે. ઘેર મા-બાપનું સુખ (!) જોઈને એમને જબરજસ્ત વૈરાગ આવી જાય છે.

ગમે તેટલું આકર્ષણ થાય પણ પ્રતિક્રમણ ખૂબ કર્યે રાખવાથી તેમાંથી છૂટી જવાય.

આજકાલ ધણી તે કેવા હોય છે ? ધણી તો તેનું નામ કે એક ક્ષણ પણ આપણને ના ભૂલે ! આ તો બધા કચરો ! બહાર કેટલીય સ્ત્રીઓ જોડે સોદા પાડતા ફરે ! આ કાળમાં પ્રેમ નહીં પણ આસક્તિ જ જોવા મળે. પ્રેમ ભૂખ્યા નહીં પણ વિષય ભૂખ્યા હોય. આ એક જાતનું સંડાસ જ કહેવાય, વિષય એટલે પૈણ્યા એટલે ઘરનું સંડાસ આવી ગયું, નહીં તો બહાર જયાં ને ત્યાં જતા ફરે ! એના વિના છૂટકો જ નહીં ને, માટે !

જેને એકાવતારી પદ મેળવી મોક્ષે જ જવું છે તેને પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે જ્ઞાની પાસેથી. પછી આજ્ઞામાં આવીને બ્રહ્મચર્ય પાળે તો જ થાય. સ્ત્રીઓને માટે વધારામાં મોહ ને કપટથી સંપૂર્ણ છૂટવું પડે. પરપુરુષ માટે વિચાર પણ ના જોઈએ. અને આવે તો તરત પ્રતિક્રમણ કરી ધોવું પડે. જે મિશ્રચેતનથી ચેત્યો એનું કલ્યાણ થઈ ગયું ! મિશ્રચેતન સંગે જે વિકારી સંબંધીથી લપટાયા તો જાનવરગતિમાં ખેંચી જાય !

જ્ઞાની પુરુષ પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું. પોતે કલ્યાણ સ્વરૂપ થયો. તેનાથી વગર બોલ્યે બીજાનું કલ્યાણ થાય. બોલ બોલ કરવાથી કે ભાષણો કરવાથી કશું વળતું નથી. ચારિત્રની મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય ! માટે પ્યૉર થવાનું છે, શીલવાન થવાનું છે !!!

- ડૉ. નીરુબેન અમીન

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21