ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19

મા-બાપછોકરાનોવ્યવહાર

(૧)

સિંચન સંસ્કારનાં...

સંસ્કારી હોય તે જ સીંચે સંસ્કાર!

મા-બાપનો પ્રેમ ન જવા દે બહાર!

પ્રશ્નકર્તા : છોકરાઓની ચિંતા થાય છે.

દાદાશ્રી : છોકરાઓની શું ચિંતા થાય છે ?

પ્રશ્નકર્તા : બધી ય, આપણને એમ લાગે કે એમના સંસ્કાર બરાબર નથી.

દાદાશ્રી : હા, એ તમારી વાત બહુ સુંદર છે કે છોકરાને સારા સંસ્કાર મળે એવું હોવું જોઈએ. પણ ચિંતા કરવાથી તો સંસ્કાર સારા થાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો શું કરવાથી થાય ?

પ્રશ્નકર્તા : શિખામણ આપીએ થોડી-ઘણી, બીજું તો શું કરીએ ?

દાદાશ્રી : શિખામણ આપવાથી ના વળે.

પ્રશ્નકર્તા : તો નાના છોકરાને સંસ્કાર આપવા માટે શું કરવું ?

દાદાશ્રી : કેટલા વર્ષની ઉંમરના છે ?

પ્રશ્નકર્તા : આ લગભગ દસ-બાર વર્ષ સુધીના છે.

દાદાશ્રી : હા, પણ સંસ્કાર તે આખા ગામમાં એકાદ માણસ સંસ્કારી હોય ત્યાં લઈ જવાનું કે ભાઈ, આને સંસ્કારરૂપી દવા કરો, કહીએ. પણ પેલા મા-બાપ તો એમ જાણે કે આપણે છીએ ને, વળી પાછા કો'કને ત્યાં શું કરવા જવું ?

પ્રશ્નકર્તા : છોકરાં ઉછેરવાં બહુ કઠીન છે. આ દેશની અંદર (અમેરિકામાં).

દાદાશ્રી : બધે જ, ત્યાં ય કઠીન છે. આ તો અહીંના છોકરાં સારાં. અહીં મા-બાપ જો સંસ્કારી હોય ને તો અહીંનાં છોકરાંની બીજી હરકત આવે એવી નથી. જરા મુશ્કેલી છે ખોરાક-બોરાક પેસી જાય, બહારનું વાતાવરણ અડે, પણ તે જો મા-બાપ સારાં હોય ને તો છોકરાં સારાં થવાનાં, ડાહ્યાં થવાનાં.

પ્રશ્નકર્તા : અહીંયા આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું ?

દાદાશ્રી : પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ. એ છોકરા બહાર જાય જ નહીં. મા-બાપ એવાં હોય કે પ્રેમ જોઈને અહીંથી ખસે જ નહીં. મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો તમે જવાબદાર છો. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તમને સમજણ ના પડી ?

પ્રશ્નકર્તા : પડી.

દાદાશ્રી : તમારે સંસ્કારની ઇચ્છા છે એટલે આપણા છોકરા સુગંધીવાળા હોય, આટલા તમારા વિચાર જ હાઈ લેવલનાં છે, એટલું સારું છે, છોકરાના સંસ્કાર ખોળો છો તમે !

વાતાવરણની અસર બગાડે છોકરાં;

મા-બાપે ઊખેડવા દિનરાત ફોતરા!

પ્રશ્નકર્તા : ધર્મ કર્યા કરે પણ છોકરાઓનું ધ્યાન ના રાખે.

દાદાશ્રી : ક્યાં ?

પ્રશ્નકર્તા : આપણા દેશમાં, ઈન્ડિયામાં. અહીંયાં ય એવું કરે છે.

દાદાશ્રી : અહીંયા ય ક્યાં ધ્યાન રાખે છે ? અહીંયાએ બધું આડે રસ્તે ચઢી જાય છે. ધ્યાન તો શું રાખવાનું ? આપણે સંસ્કારી થવાની જરૂર છે. આપણે સંસ્કારી થઈએ તો એ એની મેળે જોઈને શીખે એ. આપણામાં સંસ્કારનો છાંટો મળે નહીં પછી એ છોકરાઓ શું કરે ?

આપણા લોકોએ છોકરાંઓને સંસ્કાર બહુ ઊંચી જાતના આપવા જોઈએ. ઘણાં માણસો અમેરિકામાં કહેતાં હતાં કે અમારા છોકરાં છે તે માંસાહાર કરે છે અને એ બધું કરે છે. ત્યારે મેં એને પૂછયું, તમે કરો છો ? ત્યારે કહે, હા, અમે કરીએ છીએ. ત્યારે મેં કહ્યું, તે તો હંમેશાં છોકરાઓ કરશે જ. આપણા સંસ્કાર ! અને છતાં આપણે ના કરતાં હોય તો ય કરે, પણ એ બીજી જગ્યાએ. પણ આપણી ફરજ આટલી, આપણે જો સંસ્કારી બનાવવા હોય તો આપણી ફરજ આપણે ચૂકવી ના જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે માંસાહાર ના કરતાં હોઈએ, તો ય એ છોકરાંઓ માંસાહાર શાથી કરે ?

દાદાશ્રી : હા. એને બહારથી તો બહારના સંસ્કાર આવે ને ! એ બધું લઈને આવેલો છે. આ જગતમાં જે દેખાય છે, એમાં નવું કશું બનતું નથી. આપણે તો આપણી ફરજ છે, બાકી એ તો લઈને આવેલા છે બધું. આ એમ ને એમ ગપ્પું નથી આ જગત. એક્સિડન્ટે ય નથી. ઈન્સીડન્ટ જ છે આ જગત !

જે દેખાય છે, એ પોતાની અણસમજણને લઈને દેખાય છે અને બાકી આ જગતમાં એક્સિડન્ટ જેવી વસ્તુ જ નથી. અને 'એન ઈન્સીડન્ટ હેઝ સો મેની કોઝીઝ, એન એક્સિડન્ટ હેઝ ટૂ મેની કોઝીઝ.' પણ તે બધું એક જ છે, ઇન્સીડન્ટ જ છે આ. એટલે વાત જ સમજવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : આવાં છોકરાઓ આપણા દેશમાં નથી હોતાં, અહીં આવાં બની જાય છે.

દાદાશ્રી : વાતાવરણ મળે છે અહીં. દરેક વસ્તુને વાતાવરણની અસર થાય.

પ્રશ્નકર્તા : એટલે મા-બાપ ધારે એવાં તો બાળકો થાય જ નહીં. તો તો પછી મા-બાપનું કશું ચાલતું નથી આમાં ?

દાદાશ્રી : ના. અહીં આગળ આપણે લોખંડ મૂકીએ એમાં ફેર જુદી જાતનો પડે અને આપણે દરિયા કિનારે મૂકીએ તો ફેર. બેઉ વાતાવરણની અસરો થાય. ત્યાં જબરજસ્ત કાટ ચઢી જાય. અહીં સાધારણ જરાક લાગે. એટલે બધી અસરો છે, આ જગત અસરવાળું છે. મા-બાપની ફરજ એટલી કે છોકરાંને ખરાબ રસ્તે ન જાય, એવી એક સંસ્કાર આપવાને માટે ભાવના રાખવી જોઈએ.

પ્રશ્નકર્તા : છતાં ય પછી જે પરિણામ આવે એ પછી આપણે....

દાદાશ્રી : પછી પરિણામ તે તો આપણો પોતાનો હિસાબ છે. ખેતીવાડી હંમેશાં કરનારો માણસ એને સંસ્કાર નહીં આપતો હોય ?

પ્રશ્નકર્તા : આપે.

દાદાશ્રી : આમ ખેડ કરે અને કેવા સંસ્કાર આપીને કેવું સરસ કરે છે. એ પછી વરસાદ ના આવે અને ના પાકે, ઇટ ઇઝ ડીફરન્ટ મેટર. અગર તો કંઈ રોગ પડયો અને બગડી ગયું, તે બીજું !

હવે છોકરાઓને તો બીજી રીતે, સારી રીતે આપણે એ આવું તેવું અહીંનો ખોરાક ન ખાય એ બધું આપણે એનું છે તે ધ્યાન રાખવાનું. અને આપણે જો ખાતા હોઈએ તો હવે આ જ્ઞાન મળ્યા પછી એ આપણે બધું બંધ કરી દેવું જોઈએ. એટલે એમને આપણા સંસ્કાર દેખે એવું એ કરે. પહેલાં આપણા મા-બાપ સંસ્કારી કેમ કહેવાતા હતાં ? એ બહુ નિયમવાળા હતા અને ત્યારે સંયમ હતો બધો. આ તો સંયમ વગરના હોય.

મા-બાપે સંસ્કારી થઈ જવું જોઈએ, જેટલાં કુસંસ્કાર હોય તે એમની ગેરહાજરીમાં થવા જોઈએ. કુસંસ્કાર હોય, જે છોકરાને દુઃખ લાગે એવા સંસ્કાર આપણા ના હોય.

ધર્મ શીખવાડે, ધર્મ સ્વરૂપ જે થાય;

બાપનું જોઈને છોકરાંથી શિખાય!

પ્રશ્નકર્તા : આ છોકરાઓ બધા મોટા થાય તો એ લોકોને આપણે ધર્મનું જ્ઞાન કેવી રીતે આપવું ?

દાદાશ્રી : આપણે ધર્મ સ્વરૂપ થઈ જઈએ એટલે થઈ જાય. આપણા જેવા ગુણ હોય ને તેવા છોકરા શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. શીખે આપણું જોઈ જોઈને. જો આપણે સિગારેટ પીતા હોય તો સિગરેટ પીતા શીખે, આપણે દારૂ પીતા હોય તો દારૂ પીતા શીખે. માંસ ખાતા હોય તો માંસ ખાતા શીખે, જે કરતા હોય એવું શીખે એ. એ જાણે કે એનાથી સવાયો થઉં એવું કહે. છોકરાની ઇચ્છા શું હોય ?

પ્રશ્નકર્તા : બાપથી સવાયો થઉં.

દાદાશ્રી : મારા ફાધરથી સવાયો થઉં ત્યારે ખરો. એ દારૂમાં ય સવાયો થાય ને માંસાહારમાં ય સવાયો થાય. તો આપણે જે કરીએ છીએ એ કરશે. છોકરાઓને સુધારવાની ઇચ્છા બહુ છે, નહીં ? તમે માંસાહાર કરો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : દારૂ-બારૂ પીઓ છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે વાંધો નહીં, તો છોકરાઓ બગડે નહીં. છોકરાને એક જ કહેવાનું કે ભઈ, મારાથી સવાયો થજે, હું કરું છું એમાં. છોકરાની ઇચ્છા શું હોય કે મારા બાપથી સવાયું થવું છે. એવું કરતા નથી ને, એવું લફરું નથી ને કશું ?

પ્રશ્નકર્તા : ના, બીજું કંઈ નથી.

દાદાશ્રી : ત્યારે સારું છે. નહીં તો છોકરાઓ સવાયા થશે. આપણને જોઈને શીખે એ કે ઓહોહો, મારા ફાધર તો કશું જો.... બ્રાન્ડી નથી લેતા, સીગરેટ નથી પીતા, એ જોઈને શીખે અને પેલો ફાધર બ્રાન્ડી લેતો હોય ને, છોકરાને કહે, જો દારૂને અડીશ નહીં. એટલે છોકરો સમજે કે આમાં ટેસ્ટ છે ને મને લેવા નથી દેતા. છોકરાને શંકા પડે કે પોતે સુખ ભોગવે છે અને મને ભોગવવા નથી દેતાં. હું તો પીશ જ. તે ના પીતો હોય તો ય પીવે. એટલે આપણે સંસ્કારી થવું જોઈએ. આપણે ઈન્ડીયન બ્લડ, આપણે આર્યપ્રજા, અનાડી જેવા થઈએ, એ કેમ પોસાય ?

પ્રશ્નકર્તા : આપણા બાળકોને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે શું કરવું જોઈએ, મા-બાપે ?

દાદાશ્રી : એમને ડિસીપ્લિનમાં લાવવા માટે આપણે ડિસીપ્લિન્ડ થવું જોઈએ. જો હું ડિસીપ્લિન્ડ થઈ ગયો છું તમને બધાને દેખાય છે કે નથી દેખાતું. જો મારામાં કોઈ વ્યસન નથી. કોઈ હરકત રહી નથી મારામાં. અને નો સીક્રેસી, આખું જગત સીક્રેસીવાળું ! અહીં નો સીક્રેસી, એટલે તમે કેવાં ડાહ્યા થઈ ગયા છો બધા ! આ ડૉકટર કેવા ડાહ્યા થઈ ગયા છે ! એટલે તમારે ડાહ્યા થવાનું તો છોકરા તમારા ડાહ્યા, પહેલાં છોકરાંને ડાહ્યા કરીને પછી તમે ડાહ્યા થાવ એવું ના ચાલે. તમારું જોઈને શીખે છે છોકરાઓ તો ! એમની સ્વતંત્ર ગાંઠો લાવ્યા હોય, પણ એ આગળ બહારનું જોઈને જ તૈયાર થાય. બહારનું સારું દેખાય અને પોતાની પાસે અવળી હોય તો મનમાં એમ લાગે કે સાલું આ આવું કેમ, મારામાં ખરાબ છે, એવું સમજી જાય. એ ફેરફાર કરી જુઓ, ડૉકટર ને તમે બેઉ જણા, છોકરાં તો આમ ઓલરાઈટ થઈ જાય. હવે વાંધા જેવું નથી ને ?!

પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં તો અડધો વાંક મા-બાપનો ને અડધો વાંક આ ટેલિવિઝનનો. આ ટેલિવિઝન એમાંથી છોકરાઓ બધું ઘણું ઊંધું-ઊંધું શીખી જાય છે.

દાદાશ્રી : ટેલિવિઝનનો દોષ નથી. ટેલિવિઝન તો એ ઊંધું શીખવાડવા આવ્યું છે ને, તે પણ છતું શીખવાડવામાં ય જોર કરશે. એક બાજુ ફરશે પહેલાં ને છત્તું શીખવાડશે. એ વસ્તુ જુદી વસ્તુ છે, એ આપણી ઇચ્છા ન હોવા છતાં આવી પડયું છે. પણ આ તો આપણે ઘેર તો સુધારીએ ને.

પ્રશ્નકર્તા : આ છોકરાઓ ઇંડાં અને માંસને બધું નથી ખાતા, પણ.... એમની માઓ પણ એવું કહે કે ના ખાશો, પણ જ્યારે સ્કૂલમાં જાય, ત્યારે સ્કૂલમાં એ લોકોને ખાતાં શીખવાડી દે છે અને પછી ખાતાં થઈ જાય છે.

દાદાશ્રી : ના, પહેલી માથાકૂટ આ ઘરની ટાળો. આ તો સંજોગો ગૂંચવે છે, તેનો ઉપાય થઈ રહેશે પાછળ, પણ તમે જો પહેલું તમારું ઘર સુધારો તો બધું સુધરે. આ તો સંજોગો ગૂંચવે એમાં તો ઉપાય જ નથી ને. જેનો ઉપાય ના હોય, તેને આપણે શું કરીએ ! તે ય પછી ઉપાય છે. મેં અહીં કેટલા ય છોકરાંઓને માંસાહાર છોડાવી દેવડાવ્યું. કારણ કે શીખી ગયો એેટલે પછી મને કહેતાં આવડે છે. હું કહું એટલે છોડી દે બિચારા.

મા-બાપ, માસ્તરો પડ્યા કમાણીમાં;

નથી પડી, માસૂમ શું કરશે જિંદગાનીમાં?!

પ્રશ્નકર્તા : આ પબ્લિક નર્સરીમાં છોકરાંઓ જાય છે એટલે આવું થાય છે ?

દાદાશ્રી : તેને લીધે નથી થતું. મા-બાપની નર્સરી નથી. સંસ્કાર મા-બાપના જોઈએ. બહારના સંસ્કાર શું કરવાનાં ! બહાર ગયા વગર છૂટકો જ નથી. એમાં આપણને ચાલી શકે એમ નથી. આપણા હાથમાં નથી. પણ ફર્સ્ટ મા-બાપના સંસ્કારની જ જરૂર છે છોકરાંને, પહેલી નર્સરી ઘરમાં હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : સારી સ્કૂલમાં મૂકવાથી સારા સંસ્કાર નથી આવતા !

દાદાશ્રી : પણ એ બધા સંસ્કાર નથી. છોકરાંને સંસ્કાર તો, મા-બાપ સિવાય કોઈના સંસ્કાર ના પામે. સંસ્કાર મા-બાપનાં, ગુરુનાં. અને એનું સર્કલ થોડું ઘણું હોય, ફેન્ડસર્કલ, સંયોગો એના. બાકી મોટામાં મોટા સંસ્કાર મા-બાપનાં ! મા-બાપ સંસ્કારી હોય તો તે છોકરાં સંસ્કારી થાય. નહીં તો સંસ્કાર હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : આપણે સ્કૂલ ચલાવતા હોઈએ, તો શું કરવું જોઈએ કે જેથી છોકરાંઓને સારા સંસ્કાર પડે ?

દાદાશ્રી : ત્યાં સારા સંતોને બોલાવવા જોઈએ. માસ્તરો સારા હોય તો જ એવા વિચાર આવેને. જે ખ્યાતિવાળા હોય એવા સારા સંતોને બોલાવવા જોઈએ. ખ્યાતિવાળા, પ્રોપેગન્ડાવાળા નહીં.

પ્રશ્નકર્તા : દરેકને સ્કૂલમાં મોટામાં મોટો સવાલ છે કે કઈ રીતે છોકરાને સંસ્કાર આપવા સ્કૂલોમાં.

દાદાશ્રી : હા, એ ભાવ બહુ છે લોકોનાં, પણ શું થાય એનો રસ્તો ? અત્યારે તો માસ્તરો ય સંસ્કારી નથી પાછાં. માસ્તરો ય છે તે પૈસા ભેગા કરવામાં પડ્યાં છે. એટલે સહુ કોઈ બધામાં એ પેસી ગયું છેને ! એ સંસ્કારી લોકો હતાં તે ય કુસંસ્કારી થઈ ગયાં, પછી રહ્યું જ શું ? એટલે આનાં માટે હવે કુદરત આવી રહી છે. કુદરત આમને રાગે પાડી દેશે. આ હવે જે બગડી ગયું છેને, એને કુદરત સિવાય કોઈ સુધારનાર નથી. એટલે કુદરત આવી રહી છે. તે કુદરત મારી ફટકારીને સીધું કરી નાખશે !

આજનાં છોકરા ભણે, પણ ન ગણે;

એકાંગી ચિત્ર ભણતરમાં, નવીશું લણે!

આ તો હમણે કુદરતી આફતો આવશે, તે રાગે પડી જશે બધું હડહડાટ. અને એ કુદરત સીધું કરી આપશે તમે તમારે ભાવના કર્યા કરો. એ થાય છે ને રોજ ?

આજના છોકરાંઓને ભણતર કેમ આવડે છે ? કારણ કે બીજું કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી. એકાંગી થઈ ગયાં છે. ઘરનું શું ચાલે છે, બહારનું શું ચાલે છે, બીજું શું કરવાથી ઘેર ફાયદો થાય, ને શું નહીં ? એ કશું વિચાર જ નથી. એકલો વાંચ વાંચ કરેને, ભણભણ કર્યા કરે, બસ અને બીજો મોહ પાર વગરનો એટલે ભણતા આવડે છે. નહીં તો ભણતાએ ના આવડે.

પ્રશ્નકર્તા : ભણવાનો શું ધ્યેય હોવો જોઈએ ?

દાદાશ્રી : ઊંધે રસ્તે ના જાય તે. અભણ હોય તે ક્યાં ક્યાં જતો હોય ? અભણને ટાઈમ મળે, તે કઈ બાજુ જાય ? એ ભાંગફોડિયામાં પેસી જાય બધું. એટલે ભણવાથી આપણી આટલી સ્થિરતા રહે છે અને થોડુંક એમનામાં ય ભણવાથી વિનય તો સહેજ આવે જ છે. હાઉ ટુ એડજસ્ટ વીથ પબ્લીક એ આવે છે અને પોતાના મોહની જ પડેલી. કોઈ જાતની એને કુટુંબને ફાયદો થાય કે એવું તેવું કંઈ જ પડેલી નથી, સહેજે ય. હું બધાને તપાસ કરું ને, બધું મારા હિસાબમાં આવી જાય.

એકલું ભણભણ કરવાની દાનતમાં હોય એને વેદિયો કહે છે. વેદિયો શબ્દ આપણામાં કહે છે ને ?

પ્રશ્નકર્તા : બૂકવર્મ, ચોપડીનો કીડો કહે છે.

દાદાશ્રી : ના, બૂકવર્મ જુદાં ને વેદિયા જુદા પાછા. વેદિયો એટલે શું ? જે એક કામ ઝાલ્યું તેમાં જ મુંઓ હોય અને બૂકવર્મ એટલે બૂકમાં જ હોય એ. આ વેદિયો તો બધામાં વેદિયો હોય અને જગત શું માગે છે ? સાત હમાલિયો માગે છે, વેદિયો નહીં. એવરી ડાયરેકશનવાળા માગે છે. બધી ડાયરેકશનમાં જાગૃતિ જોઈએ.

ત્યારે પહેલાનાં લોકોને ભણતા આવડતું નહોતું અને બહુ ઓછા માણસો પાસ થતા હતા અને આજે ગમે તે નાતનાં, ગોલાનાં, ઘાંચીના બધા છોકરાંઓ ગ્રેજ્યુએટ થાય છે, ડૉકટરો થાય છે.

તે મને એક જણે પૂછયું કે 'શું છોકરાઓ હોંશિયાર થયાં છે, આ જમાનો કેવો આવ્યો છે !' ત્યારે મેં કહ્યું, 'પહેલાં ડફોળ છોકરાંઓ હતા એવું તમે કહો છો ? અને તેમાંના અમે હતા ! આજના છોકરા હોશિયાર અને અમે નાપાસ થયા એટલે ડફોળ ?' પણ આજના છોકરાઓને ભાન જ નથી, એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે. એ ગણેલા નથી અને અમારા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તે ય એક જ લાઈન, પછી આવડી જ જાયને ! એમાં શું કરવાનું બીજું ? ભણતર એ બધું થિયેરીટકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે !

છોકરાઓ ભારતમાં ભણવા મૂકાય?

મા-બાપ, છોકરાંના વર્તનથી મુંઝાય!

પ્રશ્નકર્તા : આપણે છોકરાંઓને 'ઈન્ડિયા' ભણવા મોકલી દઈએ, તો આપણે આપણી જવાબદારી નથી ચૂકતાં ?

દાદાશ્રી : ના. ચૂકતાં નથી. આપણે એનો ખર્ચો-બર્ચો બધો આપીએ, ત્યાં આગળ તો, ત્યાં તો એવી સ્કૂલો છે કે જ્યાં હિન્દુસ્તાનનાં લોકો ય છોકરાને ત્યાં મૂકે છે. જમવા કરવાનું ત્યાં અને રહેવાનું ય ત્યાં. એવી સરસ સ્કૂલો છે !!!

પ્રશ્નકર્તા : માની ફરજ હોય કે, છોકરું માંદું-સાજું થાય ત્યારે માએ એની કાળજી લેવી. પણ એ હવે ત્યાં હોય તો, એ પછી ફરજ ચૂક્યા ના કહેવાય ?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. બધું એના હિસાબો જ ગોઠવેલા હોય છે. તમારે ગભરાવવાનું કોઈ કારણ નથી. અહીંથી ગયો એટલે એનો બધો હિસાબ હોય છે જ. તમારે એને માટે પ્રેમ રાખવો. 'ડોન્ટ વરી'. એનું બધું લઈને આવેલો હોય છે. તમારે 'વરી' કરવાની હોય નહીં.

પ્રશ્નકર્તા : આપણે છોકરાઓને ત્યાં રહેવા મોકલીએ, એ પણ કર્મની યોજના જ હશે ને ?

દાદાશ્રી : હા. યોજના જ છે. એટલે આપણા મનમાં એક જાતનો અહંકાર છે કે મેં મોકલ્યો. એ યોજના જ છે બધી અને એ યોજનામાં હાથ ઘાલવો નહીં. એની મેળે સેફસાઈડ જ હોય છે. આ તો વધુ પડતા વિચાર કરીએ. આ ડૉકટર 'નોર્મલ' કોને કહે ? નાઈન્ટીએઈટ ડીગ્રી ઈઝ ધી નોર્મલ. એવું કહોને તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને '૧૦૦' એ 'એબોવ નોર્મલ' કહે. એટલે 'એબોવ નોર્મલ' વિચાર કરવા એ 'ફીવર' છે અને 'બીલો નોર્મલ' વિચાર કરવા તે ય 'ફીવર' છે. તમને 'ફીવર' આવે છે, આ વિચારનો ફીવર ?

પ્રશ્નકર્તા : ઘણો.

દાદાશ્રી : ડૉકટર દવા કરજો એમની. આપણા ડૉકટરોને જ 'એબોવ નોર્મલ'ના 'ફીવર' આવે છે ને !!

પ્રશ્નકર્તા : બધાને વિચાર તો આવે જ ને ?

દાદાશ્રી : નહીં, વિચાર કરવાની 'નોર્માલિટી', નાઈન્ટી એઈટ ઇઝ ધ નોર્મલ. નાઈન્ટીનાઈન ઈઝ ધ એબોવ નોર્મલ. નાઈન્ટી સેવન ઈઝ ધ બીલો નોર્મલ. એમ ગપ્પે ગપ્પા ચાલતાં હશે ?! ત્યારે આપણા લોકો ઠોકાઠોક, ઠોકાઠોક કરે છે.

કેટલાય વર્ષથી મારી બેગ છે ને, તે એની મહીં શું છે એ હું જાણતો નથી. એનો શું અર્થ ? શી રીતે ચાલતું હશે મારું ?

પ્રશ્નકર્તા : તમને મોહ નથી, માયા નથી એની.

દાદાશ્રી : ના, પણ મારું શી રીતે ચાલે ?

પ્રશ્નકર્તા : કર્મની યોજના હશે.

દાદાશ્રી : એ બધું હિસાબ છે. પદ્ધતિસર. આ દુનિયા 'એક્ઝેક્ટ' છે. તેને આપણા લોકો ડખો કરે છે ઊલટો.

આ લોકો 'વાઈઝ' રહે તો ય સારા. 'વાઈઝ' રહે તો બહુ સારું કહેવાય. પણ 'ઓવરવાઈઝ' થાય છે પાછા. તમે ડૉકટર, જોયેલા કોઈને 'ઓવરવાઈઝ' થયેલા ?

પ્રશ્નકર્તા : ઘણાં જોયા છે.

દાદાશ્રી : આ 'ઓવરવાઈઝ' થયેલા તે તેનાં દુઃખ છે બધાં. એને ગુજરાતીમાં શું કહે 'ઓવરવાઈઝ'ને, બેન ?

પ્રશ્નકર્તા : દોઢડાહ્યો.

દાદાશ્રી : હા. દોઢડાહ્યો કહે. પાછો ડાહ્યો હતો, તેનો હવે દોઢડાહ્યો થયો, તેના દુઃખ છે આ બધાં !

બાબો તમારી પાસે છે, ત્યાં સુધી બાબાના વિચાર તમારે કરવાના. બાબો અહીંથી તમે દેશમાં મોકલો એટલે બાબાના વિચાર તમારે છોડી દેવાના અને પછી કાગળ લખવો. તો લખવું કે ભઈ, તું એનો જવાબ આપજે અમને, તેટલું જ. બીજી ભાંજગડમાં નહીં ઊતરવાનું અને તારે શું શું જોઈએ છે, અમને લખી મોકલજે. કોઈ જાતની 'વરીઝ' રાખીશ નહીં. એ તો આપણી ફરજો બજાવવાની છે. તો એનો પ્રેમ રહે, આપણી ઉપર ! પછી તમારે વહુને હઉ ઘેર રાખવી છે અને છોકરાને ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ? એક છ મહિનામાં કકળાટ ઊભો થશે ! એવી વસ્તુ જ ના કરશો. મોટો થાય તો આપણે આ ફોરેનવાળાની પેઠ રાખવું, અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી તું જુદો રહે, કહીએ. આપણું ડિલિંગ બહુ ઊંચું છે ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડિલિંગ રાખીએ છીએ. પેલા ફોરેનવાળા નહીં રાખતા બરાબર. આ જમાનો જુદી જાતનો છે. જમાના પ્રમાણે ના વર્તીએ તો મૂર્ખ થઈએ.

પ્રશ્નકર્તા : પણ અહીંયા એ મા-બાપ રહે અને છોકરાં ત્યાં આગળ ઈન્ડિયામાં રહે, તો એમાં શું ફેર પડી જાય ?

દાદાશ્રી : અહીંના મા-બાપોને તો છોકરું વશ જ રહેતું નથી, કારણ કે બહારના સંસ્કાર જ એવા મળી આવે છે. બહારના સંસ્કારના આધારે જ છોકરો મોટો થાય છે. પોતાના મા-બાપનાં સંસ્કાર જેવા જોઈએ એવા છે નહીં. એટલે બહારના સંસ્કાર છે. બહારના છોકરાઓ જે આધારે ઉછરે છે, એ આધારે જ ઉછરે છે આ અને આપણે ત્યાં તો બહારના સંસ્કારી છોકરાઓ... ખોરાક-બોરાક બીજી બધી રીતે ખરાબ નહીં ને ! આમ અમુક બાબતમાં ખરાબ ખરા અને આ અમેરિકામાં જડ થતા જાય છે અને પેલા ઈન્ડીયામાં છે તે ખરાબ વિચારના થતા જાય. પણ ખરાબ વિચાર એ સારા કરી શકાય, જડને સારો કરવો મુશ્કેલ છે.

પ્રશ્નકર્તા : પણ એ લોકો ખાય નહીં એવું, પીએ નહીં એવું, અને એવું જ આપણા ઇન્ડીયાના જેવું જ ખાય તો એ લોકો એવા જ રહેવાના છે !

દાદાશ્રી : થોડી હવાની અસર છે, એટલી રહેશે. બાકી બીજું બધું ખાવાની જે અસરો, બીજી બધી અસરો નહીં થાય. એમ અહીં કેટલાય અમને ભેગા થાય છેને છોકરાઓ, એમની લાઈફ બગડી ગયેલી હોય, એટલે છોકરા અમે સુધારી આપીએ છીએ !

પ્રશ્નકર્તા : અમારા છોકરાંઓ ચર્ચમાં જવા માટે જીદ કરતા હોય છે, તો શું કરવું એમને જવા દેવા કે નહીં ?

દાદાશ્રી : છોને જાય એમાં વાંધો શું છે !

પ્રશ્નકર્તા : પછી આપણો ધર્મ ના પાળે તેનું શું ?

દાદાશ્રી : આપણો ધર્મ જ ક્યાં છે તે ! એના કરતાં જે ચર્ચમાં જતા હોય તો જવા દો ને ! આપણો ધર્મ તો અંદર છે, તે કો'ક સારો માણસ ભેગો થશે, તે ઘડીએ ઊગી નીકળશે. પણ ચર્ચમાં જશે તો ચોરીઓ તો ના કરે ને, ચર્ચમાં જઈને ! છોને જાય ! બોધરેશન ના રાખીશ. મીટ ખાતો નથી ને ?

પ્રશ્નકર્તા : ખાય છે.

દાદાશ્રી : ત્યાર પછી મીટ ખાતો થયો, તો ત્યાં ચર્ચમાં જ જાય ને ! તું ખઉં છું કે નહીં ?

પ્રશ્નકર્તા : હું પણ ખઉં છું.

દાદાશ્રી : ત્યાર પછી એ તો શું રહ્યું ? તો તું એના કરતાં ચર્ચમાં જતી હોઉં તો શું ખોટું છે ! જેને મર્યાદા જ નથી કોઈ જાતની, લિમિટ જ નથી.

પ્રશ્નકર્તા : આપણા બાળકો ઘણી વખત આપણા ધર્મની બાબતમાં પૂછે તો એ બાળકોને સારી સમજ કેવી રીતે આપવી ?

દાદાશ્રી : બાપા જાણતા હોય તો વાત કરે. બાપ કશું જાણતો ન હોય તો ધર્મ વિશે વાત કરે જ નહીં ને ! એમને પછી બીજી બાબતનું અવળું શીખી જાય એની નાની ઉંમરમાં. આપણે જો સારી સમજ પાડીએ નહીં તો અવળું તો ભર્યા જ કરે. વેપાર તો કંઈ કરે જ ને ! આ વેપાર ના કરે તો પેલો કરે.

પ્રશ્નકર્તા : પણ એમને ધાર્મિક શું સમજાવવું ?

દાદાશ્રી : જ્ઞાન વગર શું સમજાવો તે ?

પ્રશ્નકર્તા : અહીંયા બાળકોને ધર્મ સમજાવવા માટે એક તો લેંગ્વેજનો પણ ભાગ છે અને બીજું ધર્મની સમજ મા-બાપને પણ ઘણી ઓછી છે, તો આવા સંજોગોમાં બાળકોને ધર્મનું માર્ગદર્શન કેવી રીતે આપવું ? તો એનો ઉકેલ બાળકો સાથે કઈ રીતે લાવવો ?

દાદાશ્રી : કેમ કરીને આવે, આ બાળકનો ઉકેલ જ ના આવે ને ! એક તો પોતે સંસ્કારી થવું જોઈએ, બાળકોની જોડે ફ્રેન્ડશીપ કરવી જોઈએ. આ બે બાળક હોય, એમની જોડે ફ્રેન્ડશીપ કરવામાં શું નુકસાન છે ? એને આપણા વગર ગમે નહીં એવું કરવું જોઈએ અને માંસાહાર ઉપર ચઢે નહીં. માંસાહારથી પછી માણસના મન ઉપર આવરણ ફરી વળશે ને તે પછી સારાસારનો વિચાર રહેતો નથી. આ હિતકારી કે અહિતકારીનું બિચારાને ભાન રહેતું નથી. આવરણ ફરી વળે. માંસાહારનું મોટું ગાઢ આવરણ છે. એટલે બ્રાન્ડી, માંસાહાર ઉપર ન ચઢે એ જોવું જોઈએ અને તે બદલ આપણે પણ ચેતતા રહેવું જોઈએ. આપણે પણ એને અડાય નહીં. હવે આપણે લઈએ ને છોકરાને ના પાડીએ એ ખોટું છે. એટલે બધું પોતે સંયમમાં હોય તો પછી આગળ વધાય. સંયમ સિવાય ચાલે નહીં. હું બીડી પીતો હોઉંને લોકોને કહું કે ના પીવી જોઈએ, એ ચાલે નહીં. આ વર્લ્ડમાં કોઈ ચીજ હું લેતો ના હોઉં, મને કોઈ પણ એ ના હોય. વિષયનો વિચાર થતો ના હોય અમને, લક્ષ્મીનો વિચાર અમને ના હોય. લક્ષ્મી અડીએ નહીં, અબજો રૂપિયા આપો તો ય મારે કામનાં નહીં. ત્યારે અમારા એક એક શબ્દથી બધી આખી મિલ આમ ધરી દેનારા હોય પણ અમારે જરૂર જ નહીં ને !

બાકી તમારે બંને જણાએ, તમારા વાઈફ અને તમારે બન્નેએ સંયમમાં આવી જવું જોઈએ. કંઈક ભોગ ના આપવો જોઈએ છોકરાઓ માટે !!

પ્રશ્નકર્તા : અહીંયા જે ભાષાના પ્રશ્ન છે, બાળકો નાનપણથી પેલું અંગ્રેજીમાં શીખે. એટલે આ આપણો આ ધર્મ છે તે લોકોને શીખવા માટેનું આપણું ભાષાનું માધ્યમ એમની પાસે રહેતું નથી. તો એ પ્રશ્ન કેવી રીતના સોલ્વ કરવો ?

દાદાશ્રી : એમને ગુજરાતી શીખવાડી દો. લોકો ફોરેનવાળા બધા ગુજરાતી શીખવા આવ્યા છે અમારી પાસે. આ ગુજરાતી શીખશો તો આ વિજ્ઞાન સમજશો. આ વર્લ્ડનું ભારે અજાયબ વિજ્ઞાન છે-'અક્રમ વિજ્ઞાન', આખા વર્લ્ડનું કલ્યાણકારી છે. એને સમજો ! અવિરોધાભાસ છે, સિદ્ધાંતિક છે. બુદ્ધિને ગાંઠતું નથી. ભલભલા બુદ્ધિશાળીઓની બુદ્ધિનાં પડીકાંઓ વાળી દેવડાવ્યા છે, ધૂળધાણી કરી નાખ્યા આ વિજ્ઞાને તો.

પ્રશ્નકર્તા : આપણા ભારતમાં પણ, મુંબઈમાં જોઈએ તો ૭૦ ટકા જૈનના છોકરાઓ ઇગ્લીંશ મીડીયમમાં ભણે છે.

દાદાશ્રી : હા, તે એ બધું નુકસાન જ થઈ જાય છે ને ! પોતપોતાને સુધારો, મારું કહેવાનું એમ છે. બીજો આમ કરે છે તેથી, બીજો કૂવામાં પડતો હોય તો આપણે કૂવામાં પડવું એવું કંઈ લખી આપ્યું નથી ! પોતપોતાને સુધારવામાં વાંધો નથી. આ તો પહેલેથી આવું ચાલે છે, આ આજનું નથી, મહાવીરના વખતમાં ય આવું હતું. પોતે પોતાનું સુધારવું. પોતાને માથે જે જોખમદારી છે, એટલી સમજી લેવી.

પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં આપ ફરી આવો ત્યારે હું બધાને ભેગા કરીશ. ત્યારે આપ એવું કંઈક જ્ઞાન બધાને આપો કે જેથી કરીને બધાના જીવનમાં પરિવર્તન થઈ જાય.

દાદાશ્રી : એ હું ફેરફાર થાય એવું કરી આપીશ. ઘણાં ખરામાં ફેરફાર થઈ ગયો, ઘણાં માણસોમાં ફેરફાર થઈ ગયો.

એવું છોકરાને માટે એવી હાઈસ્કૂલ ને કોલેજ બાંધો અને ત્યાં આગળ બધું રહેવાનું કરવાનું વ્યવસ્થા કરો, તો બધું આપણા ઈન્ડિયાથી આવીને બધું કરાવે અને જ્યાં છોકરાઓને રહેવાનું હોય તો ખોરાક પણ દેશી આપણો ઈન્ડિયન ફૂડ લાવીને કરવું પડે. પણ તે કંઈ કરે ત્યારે ને!

મા-બાપ તપથી જીવે તો સંસ્કાર સીંચે;

દારૂ-માંસ લેતા જોઈને બાળક ઢીંચે!

જેને ઘેર ક્લેશ થાય એટલે ભગવાને ય કહેશે, 'બળ્યું, આ ઘરમાં તો અવાય નહીં, હેંડો બીજી જગ્યાએ જઈએ.' એટલે ઘરમાં પછી બરકત આવે નહીં કશી બાબતમાં. પછી કહેશે, આટલું આટલું કમાયો પણ કંઈ બરકત આવતી નથી. એ તો મહીં ઘરમાં કલેશ-કંકાસ ના થાય તો લક્ષ્મીદેવી રાજી થાય. ડૉલર નહીં લાવતા ? કેટલા ડૉલર લાવું છું તું ? રોજના સો ડૉલર લાવે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : હવે તો પછી શું અડચણ છે ? કશી અડચણ છે નહીં. તું કંઈ લાવું છું થોડું ઘણું ? કેટલું લાવું છું ? પચ્ચીસ ડૉલર ?

પ્રશ્નકર્તા : હા, એટલું જ.

દાદાશ્રી : હવે, સવાસો ડૉલર આવે, પછી હવે તો શું ! બધું ખઈ-પી અને આનંદ કરો, છોકરા ડાહ્યા બનાવો અને છોકરાને એવો ખોરાક આપો કે બહારનો પેલો ખોરાક ખાય નહીં. ના ખવાય કહીએ.

અહીં અમેરિકામાં ડૉલર મળે, પણ છોકરાઓની ભાંજગડ છે ને ?

પ્રશ્નકર્તા : એ તો બધાને રહેવાનો જ અહીંયા. આ દેશમાં બધાને એ પ્રશ્ન રહેવાનો. પૈસા-ડૉલર મળવાના પણ છોકરા ગુમાવાના.

દાદાશ્રી : મારી પાસે કેટલાક છોકરાઓએ નિયમ લીધો ને, તે નથી મીટ કે કશું ખાતા. મારી પાસે ત્યાં ન્યુજર્સીમાં કેટલાય છોકરાં લઈ ગયા. એ મારી પાસે નિયમ લઈ લે તો છૂટી જાય.

પ્રશ્નકર્તા : આ પ્રશ્ન બધા અહીંયા પૂછતા હોય છે. આ છોકરાઓનો પ્રશ્ન જે છે, એ બધાને આ પ્રશ્ન છે. પણ જો આ જ્ઞાનીપુરુષનાં આશિર્વાદ લઈ લે, તો આ પ્રશ્ન રહેતો નથી કોઈને.

દાદાશ્રી : ના, એ તો અમુકને જ આશિર્વાદ ફળવાના. એ કંઈ બધાનાં કર્મમાં લખેલું ન હોય એ. એ કંઈ કાયદો નથી એવો.

ખોટા સંસ્કારમાં રહેવું, એ બગડવાનું જ સાધન. સારા સંસ્કારમાં જ જવું જોઈએ. છતાં ના જવાય તો હરકતે ય નહીં રાખવી. જો જવાય તો ઠીક છે ને ના જવાય તો હરકત નહીં રાખવાની. જે બન્યું એ કરેક્ટ.

ન્યાય ખોળશો નહીં કે ભઈ આ આમ થયું અને તેમ થયું, કશું ન્યાય આ જગતમાં ખોળશો નહીં. ન્યાય જે થઈ રહ્યો છે એ ન્યાય. સમજ પડીને ?

પ્રશ્નકર્તા : પણ દાદા, સંસારમાં હઉ રહેવાનું ને !

દાદાશ્રી : પણ એ તો એની મેળે જ જોશેને દુનિયા ! બગડી ગયેલું હશે તો બગડી ગયેલું કહેશે અને સુધર્યું હશે તો સુધરેલું કહેશે. મા-બાપ ટેબલ ઉપર આમ રેડીને પીતા હોય ને છોકરાને કહેશે, તું પીશ નહીં ! પછી એમાં દારૂવાળા થાય ને ! મા-બાપે તો બહુ સંસ્કાર બતાવા જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, ઘરસંસાર બધો શાંતિથી રહે ને અંતરાત્માનું સચવાય એવું કરી આપો.

દાદાશ્રી : ઘરસંસાર શાંતિથી રહે એટલું જ નહીં, પણ છોકરાં પણ આપણું જોઈને વધારે સંસ્કારી થાય એવું છે. આ તો બધું મા-બાપનું ગાંડપણ જોઈને છોકરાં પણ ગાંડા થઈ ગયાં છે. કારણ કે મા-બાપના આચાર-વિચાર પદ્ધતિસર નથી. ધણી-ધણિયાણી ય છોકરાં બેઠાં હોય ત્યારે ચેનચાળા કરે એટલે છોકરાં બગડે નહીં તો શું થાય ? છોકરાને કેવા સંસ્કાર પડે ? મર્યાદા તો રાખવી જોઈએ ને ? આ દેવતાનો કેવો ઑ પડે છે ? નાનું છોકરું ય દેવતાનો ઑ રાખે છે ને ? મા-બાપનાં મન 'ફ્રેકચર' થઈ ગયાં છે. મન વિહ્વળ થઈ ગયાં છે. વાણી ગમે તેવી બોલે છે, સામાને દુઃખદાયી થઈ પડે તેવી વાણી બોલે છે, એટલે છોકરાંઓ ખરાબ થઈ જાય. આપણે એવું બોલીએ કે ધણીને દુઃખ થાય ને ધણી એવું બોલે કે આપણને દુઃખ થાય. હિન્દુસ્તાનના મા-બાપ કેવા હોય ? તે છોકરાને ઘડે તે બધા સંસ્કાર તો તેને પંદર વર્ષમાં જ આપી દીધા હોય.

પ્રશ્નકર્તા : હવે એ જે એનું આ સંસ્કારનું છે ને, પડ ઓછું થવા માંડ્યું છે. એની આ બધી ભાંજગડ છે.

દાદાશ્રી : ના, ના. સંસ્કાર જ ઊડી જવા માંડ્યા. આમાં પાછાં દાદા મળ્યા એટલે ફરી મૂળ સંસ્કારમાં લાવશે. સત્યુગમાં હતાં એવાં સંસ્કાર પાછાં. આ હિન્દુસ્તાનનું એક છોકરું આખા વિશ્વનું વજન ઊંચકી શકે એટલી શક્તિ ધરાવે છે. ફક્ત એને પોષણ આપવાની જરૂર છે. આ તો ભક્ષક નીકળ્યા, ભક્ષક એટલે પોતાનાં સુખને માટે બીજાને બધી રીતે લૂંટી લે ! જે પોતાનું સુખ ત્યાગીને બેઠો છે, એ સર્વસ્વ બીજાને સુખ આપી શકે !

પણ આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે, 'શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘર બધું ભેલાઈ ગયું છે ! છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો !' ત્યારે શેઠે પૂછયું, 'મારે કરવું શું ?' મેં કહ્યું, 'વાતને સમજો ને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો. નહીં તો હાર્ટ-ફેઈલ થશે. શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો, હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?' માટે એમની જોડે સારું વર્તન, ઊંચા સંસ્કારી બનાવો. આ છોકરાઓને ઊંચા સંસ્કારી બનાવો. આપણે પોતે તપ કરો. પણ સંસ્કારી બનાવો.

મા વિહોણા પ્રત્યે બન આદર્શ પિતા;

જાગૃત રહેવું ને સિંચવી સંસ્કારિતા!

પ્રશ્નકર્તા : જો ઘરમાં મધર ના હોય, મરી ગયાં હોય અને ફાધર એકલાં જ હોય અને એને આદર્શ પિતા તરીકે, એની પુત્ર માટેની બધી ડ્યુટી, ફરજો શું ? એ કહો.

દાદાશ્રી : હા, એ ફરજો બધી એક્ઝેક્ટ હોવી જોઈએ. છોકરાની જોડે ક્યાં આગળ એને એન્કરેજ કરવો, ક્યાં આગળ ડિસ્કરેજ કરવો, કેટલાં પ્રમાણમાં ડિસ્કરેજ કરવો, કેટલા પ્રમાણમાં એન્કરેજ કરવો-આ બધું એણે સમજવું જોઈએ. અત્યારના આ સમજણ છે નહીં. તેને લીધે છોકરાં બધા એવી ઘરેડમાં પાકે છે, પછી છોકરાને કોઈ સંસ્કાર જ નથી મળેલા, એટલે બિચારાંની આવી દશા થઈ છે હિન્દુસ્તાનમાં.

પ્રશ્નકર્તા : છોકરાં તો જે પોતાનાં સંસ્કાર લઈને આવેલાં છે તે તો છે જ, હવે એ સંસ્કારમાં પણ....

દાદાશ્રી : છોકરાં એનાં તો સંસ્કાર લઈને આવે. પણ હવે તમારે ફરજો બજાવવાની રહી.

પ્રશ્નકર્તા : એમાં આદર્શ પિતાની શું ફરજો ?

દાદાશ્રી : હા, તે કયા કયા સંસ્કાર એનાં ખોટા છે, એ આપણે જાણી લેવું જોઈએ. ક્યાં સારા છે ? એમાં વખતે ત્યાં આગળ ઊંઘીશું તો ચાલશે, પણ જ્યાં ખરાબ હોય ત્યાં જાગૃત રહેવું જોઈએ. અને એને કેમ કરીને હવે ફેરવવો જોઈએ, એ બધું આપણે લક્ષમાં રાખવું જોઈએ. પૈસાની પાછળ પડ્યાં છે લોકો !

પ્રશ્નકર્તા : આપણે પ્રયત્નો તો બધાં કરીએ છીએ, એને સુધારવા માટે તેમ છતાં ય પેલો ના સુધરે, તો પછી એનું પ્રારબ્ધ કરીને છોડી દેવું, આદર્શ પિતાએ ?

દાદાશ્રી : ના, પણ પ્રયત્ન તે, તમે તમારી રીતે કરો છો ને ? સર્ટિફિકેટ છે તમારી પાસે ? મને દેખાડો ?

પ્રશ્નકર્તા : અમારી બુદ્ધિમાં જેટલાં આવે એવા પ્રયત્નો કરીએ.

દાદાશ્રી : તમારી બુદ્ધિ એટલે જો હું તમને કહી દઉં કે એક માણસ જજ પોતે હોય, આરોપી પોતે હોય, અને વકીલ પોતે હોય, તો કેવો ન્યાય કરે ?

બાકી છોડી ના દેવું જોઈએ, કોઈ દા'ડો ય. એની પાછળ ધ્યાન રાખ્યા કરવું જોઈએ. છોડી દઈએ તો તો પછી એ ખલાસ થઈ જાય.

પોતાનાં સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું. પણ એમાં તમારે હેલ્પ કરી અને આ સંસ્કારને રંગ આપવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : હા, તો એ કરીએ છીએ પછી લાસ્ટ સ્ટેજે, એ પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ ?

દાદાશ્રી : ના, છોડાય નહીં. એ છોડવાનું થાય ત્યારે મારી પાસે તેડી લાવજો. હું ઓપરેશન કરી આપીશ. છોડી ના દેવાય, જોખમદારી છે.

બાપની મૂંછ ખેંચે ત્યાં કર ડીસ્કેરજ;

ભણવા માટે ઈનામ, કર એન્કરેજ!

એક બાપને તો છોકરો મૂછો ખેંચતો હતો, તે બાપા ખુશ થઈ ગયા. કહે છે, કેવો બાબો ! જુઓને, મારી મૂછો ખેંચી ! લે ! પછી એનું કહેલું કરીએ તો છોકરો મૂછો ઝાલે ને ખેંચ ખેંચ કરે તો ય આપણે કશું ના બોલીએ, ત્યારે શું થાય પછી ? બીજું કશું ના કરીએ, તો જરા ચૂંટી ખણીએ, ચૂંટી ખણવાથી એ જાણે કે આ વાત ખોટી છે. હું જે કરી રહ્યો છું આ વર્તન, 'એ ખોટું છે' એવું એને જ્ઞાન થાય. બહુ મારવાનું નહીં. સાધારણ ચૂંટી ખણવાની.

એટલે એને જ્ઞાન થવું જોઈએ કે આ મૂછો ખેંચીએ છીએ ત્યારે એક બાજુ આ ચૂંટી વાગે છે. એ જ્ઞાન ખોળે છે. આવું કરવાથી જ્ઞાન શું થાય છે ? જો ત્યાં આગળ એન્કરેજ કરે કે બહુ સરસ, બાબા કેવા સરસ, એન્કરેજમેન્ટ થઈ ગયું. પછી વધારે ખેંચશે ફરીવાર કે !

આપણે દરેક બાબતમાં છોકરાંઓને સમજણ પાડવી જોઈએ કે આ ખોટું છે. એ એમને ખ્યાલમાં આવવું જોઈએ. નહીં તો એ બધા શું માની લે છે કે હું કરું છું એ બધું ખરું કરું છું. એટલે પછી અવળે રસ્તે ચઢે છે. એટલે છોકરાંને કહી દેવાનું.

આ અમારી જોડે જે બધા રહે છે ને, તે બધાંને અમારે વઢવાનું. એ તો હું ના સમજું ? શું કરવા આત્મા બગાડું ? પણ વઢવાથી શું આત્મા બગડી જવાનો છે ? ના વઢું તો મારા પર જોખમદારી છે. અને સારું કરતો હોય તો આપણે કહેવું કે ભઈ..., થાબડવો આમ. તો એને એન્કરેજમેન્ટ મળે.

પ્રશ્નકર્તા : એટલે આપનું કહેવું એવું છે કે દરેકને શાબાશી આપીને કરાવવું ?

દાદાશ્રી : ખોટા કામમાં શાબાશી ન અપાય. એને સમજાવવું જોઈએ કે આમ ન હોવું જોઈએ. આપણે કોણ છીએ, તું કોનો છોકરો ?

પ્રશ્નકર્તા : સારું કામ એણે કર્યું હોય તો ?

દાદાશ્રી : સારું કામ એણે કર્યું હોય, તો એને શાબાશી આપવી જોઈએ અને તે કંઈ આગળ ઠોકવાનું ? આપણે પાછળ ટપલો મારીએ છીએ ને ત્યારે અહંકાર એન્કરેજ (ઉત્સાહ) થાય એટલે પછી સારું કામ કરે ફરી.

શાબાશ બાબા, પાછળ નીચે આપીએ ને, તો જ્યાં આગળ ટપલી મારે છે ને, ત્યાં અહંકાર છે. એટલે અહંકારને ત્યાંથી ઉત્તેજન મળે છે. તેથી આપણા લોકો પાછળ ટપલી મારે છે. પણ મારતા આવડતી નથી. કઈ જગ્યાએ છે એ ખબર નથી રહી હવે.

નાના છોકરાને અહંકાર સુષુપ્ત દશામાં હોય. અહંકાર તો હોય પણ તે કોમ્પ્રેસ થઈને રહેલો હોય. એ તો જેમ જેમ મોટો થતો જાય તેમ ફુટે. નાનાં છોકરાંને ખોટા અહંકારનાં પાણી ના પાઈએ તો જ ડાહ્યા થાય. તેમના અહંકારને પોષવા તમારા થકી ખોરાક ના મળે તો છોકરા સુંદર સંસ્કારી થાય.

પપ્પો કહે, જો બાબો ખીસામાં ઘાલે હાથ;

મૂઆ, છોરાને ચોર થવામાં દીધો સાથ?!

મા-બાપ તરીકે કેમ રહેવું તેનું ય ભાન નથી. હવે એક બાપ તો એવું કહેતો હતો, એનાં છોકરાંએ શું કર્યું ? પગ ઊંચા કરી, પગની એડીઓ ઊંચી કરી અને કોટના ગજવામાંથી પચ્ચીસ પૈસા કાઢ્યા એણે. પચ્ચીસ પૈસાનો સિક્કો આવે છે ને, ત્યાં હિન્દુસ્તાનમાં, તે કાઢ્યા એણે. એટલે એનો બાપ બેઠો હતો તે જોઈ ગયો કે હવે શું હોશિયાર થઈ ગયો છોકરો તો ! એટલે એના બાપે બાબાની મમ્મીને બોલાવી. ત્યારે પેલી રોટલી વણતી હતી. તે કહે છે, 'શું કામ છે ? હું રોટલી વણું છું.' 'તું અહીંયા આય, જલ્દી આય, જલ્દી આય, જલ્દી આય.' પેલી દોડતી દોડતી આવી. શું છે ? ત્યારે કહે, 'જો, જો, બાબો કેટલો હોશિયાર થઈ ગયો. જો પગની એડીઓ ઊંચી કરી અને મહીંથી આ પચ્ચીસ પૈસા કાઢ્યા'. એટલે બાબો જોઈને કહે, 'સાલું, આ સરસમાં સરસ કામ મેં આજે કર્યું. આવું કામ હું શીખી ગયો હવે.' એટલે પછી ચોર થયો, પછી શું થાય ?! ફરી 'ગજવામાંથી કાઢવું એ સારું છે' એવું એને જ્ઞાન પ્રગટ થઈ ગયું. તમને કેમ લાગે છે ? કેમ બોલતાં નથી ? આવું કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આવું ને આવું બધું કેમ ચાલે તે ! તે બાબો શું આમ જોયા કરે. ઓહોહો, કે મેં એવું શું સરસ કામ કર્યું છે. આ મારા પપ્પાજી ને મમ્મી વખાણ કરી રહ્યાં છે. મેર ચક્કર, છોકરાંને ચોર બનાવી રહ્યો છે આ. તે મૂઆ, આવું સમજણ વગર શું કામ પૈણ્યો ? સમજણ જોઈએ આ તો. આવા લોકોને પૈણાવવા ય ના જોઈએ. છોકરાંનો બાપ થઈ જઉં છું તું ? આ તે કંઈ રીત છે ?

મેર ચક્કર, ઘનચક્કર આવા કંઈથી પાક્યા ! આ બાપ થઈ બેઠા ! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે ? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું ! આવું આવું લૂંટાઈ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું 'એન્કરેજમેન્ટ' થાય ને શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઈએ ને ? આ તો, 'અન્ટેસ્ટેડ ફાધર' ને 'અન્ટેસ્ટેડ મધર' છે. બાપ મૂળો ને મા ગાજર. પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઈ સફરજન ઓછાં થાય ?!

'ગજવામાંથી પૈસા કાઢ્યા. કેટલો હોશિયાર થઈ ગયો છે.' આ વાત હેલ્પીંગ છે કે નુકસાનકારક છે ? હવે આમાં 'હેલ્પીંગ' શું હશે ? બાબો ચોરી કરતાં શીખે. અને આવાં લોકો, આવું બાપ થવાનું અને આવી મા ! અલ્યા મૂઆ, માર, લાફો તો માર એક. એટલે એ સમજે કે આ ગજવામાંથી પૈસા કાઢ્યા એ ખોટું જ્ઞાન છે. અને પછી સારું કામ કરે. તો પછી એને એન્કરેજ કર. તો આ તો એવું બોલતાં હશે ખરાં ? કે મારી જોડી કાઢેલી વાત હશે ?

પ્રશ્નકર્તા : હકીકત છે !

દાદાશ્રી : પગ ઊંચા કરીને પૈસા કાઢે ? કે મેં જોડી કાઢેલું છે ?

પ્રશ્નકર્તા : ના, જોડી કાઢેલું નહીં.

દાદાશ્રી : આવો માલ છે આ. બધો માલ રબીશ માલ છે, તે ય આ ચારે કાળનો. પહેલો સત્યુગમાં ચાળેલો અને પછી જે ના ચળાયેલો (ચઢે એવો) માલ, એ નાખ દ્વાપરમાં. દ્વાપરમાં ચાળ્યો. તે પછી ના ચળાય, તે ત્રેતામાં નાખ. ત્રેતામાં ના ચળાયો તે કળિયુગમાં આવ્યો. આ ચળામણ છે, આમાંથી આપણે આ ચાળણો મૂક્યો છે, જેટલું ચળાયું એટલું સાચું, પછી રામ તારી માયા ! આપણા ચારણે એ ચળાશે, એ એક અવતારી થશે. બે અવતારે, પાંચ અવતારે પણ કંઈ ઉકેલ આવશે !

આ હું જેટલી વાત કરું છું એટલી બધી મને જાગૃતિ હશે ને નહીં હોય ?

પ્રશ્નકર્તા : હોય જ.

દાદાશ્રી : બધી જ જાગૃતિ હોય. હજુ તો બધી બહુ જાગૃતિ. આ જેટલા માથાના વાળ છે ને એટલી જાગૃતિ મને વર્તે છે. પછી શી રીતે ફસાય ? જેને ચોગરદમની બધી જાગૃતિ વર્તે છે ! લોકોને તો જરા પવન આવે ને, તો ય આ લોકો ઊંઘી જાય !

એટલે આ કળિયુગનાં મા-બાપને તો બધું આવડતું ય નથી આવું તેવું. એને ખોટું એન્કરેજમેન્ટ આપે છે કેટલુંક તો. લઈ લઈને ફરે છે. પેલી બઈ કહે ને આમને કે, બાબાને ઊંચકી લો. ભઈને કહે, તો બાબાને લઈ લે. શું થાય તે ? અને એ તે પાછો કડક હોય ને ના લેતો હોય. તે બઈ કહેશે, 'કંઈ મારાં એકલીનાં છે કે ત્યારે ? સહિયારાં રાખવાનાં'. એવું તેવું બોલે. તે પછી બાબાને ઊંચકી લેવો જ પડે ને, પેલાને. છૂટકો છે ક્યાં જાય તે ? જાય ક્યાં ? ઊંચકી ઊંચકીને સીનેમા જોવાના, દોડધામ કરવાની તે ! છોકરાંને શી રીતે સંસ્કાર પડે ?

ઘરમાં ફૂંફાડો મારવો એ છે અહિંસા!

નહિ તો વંઠશે ઘરના, યે બાપ કૈસા?

તમારા ઉશ્કેરાટથી છોકરાં અવળે રસ્તે ચઢ્યા. ખરી કે નહીં જવાબદારી ? માટે દરેકમાં 'નોર્માલિટી' લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઈ રાખવી. કડકાઈથી સામાને બહુ નુકશાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકશાન થાય છે. કડકાઈ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઈએ એટલે ફૂંફાડો મારીએ, 'કેમ આમ કરો છો ? કેમ કામ નથી કરતાં ?' વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો એ વ્યવહાર બગાડ્યો કહેવાય.

એક બેન્કનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.

એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, 'તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.' પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ 'દાદા' મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે 'કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.' એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે 'કરેક્ટ' જ છે. કારણ કે બાપાએ 'એક્સેપ્ટ' કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયાં છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે, પણ હલાવવું પડે. તેમને હલાવવામાં કશો ગુનો છે ?

ઘરમાં આરતી-પ્રાર્થના સીંચે સંસ્કાર!

વાતાવરણથી શુદ્ધિ અંદર-બહાર!

નાનાં છોકરાં-છોકરીઓને સમજાવું કે સવારે નાહીધોઈને ભગવાનની પૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે, 'મને તથા જગતને સદ્બુધ્ધિ આપો, જગતકલ્યાણ કરો.' આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય, અને મા-બાપનું કર્મબંધન છૂટ્યું. બીજું છોકરાંને આ તમારે 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' રોજ બોલાવવું જોઈએ. એટલા બધાં હિન્દુસ્તાનનાં છોકરાં સુધરી ગયા છે કે સિનેમામાં જતા નથી. પહેલું બે-ત્રણ દહાડા જરા વાંકા-ચૂકાં થાય, પણ પછી બે-ત્રણ દહાડા પછી રાગે પડ્યા પછી મહીં જો સ્વાદ ઉતર્યા પછી એ ઉલ્ટાં સંભારે.

પ્રશ્નકર્તા : ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું ?

દાદાશ્રી : આરતી કરીએ, એનું મહત્વ બીજું કંઈ નહીં, આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ, અહીં મારી હાજરીમાં જે મળે ને એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પણ પેલું તો આપણું ગોઠવણીવાળું. પણ તો ય આરતીનું ફળ બહુ ઊંચું મળશે, ઘરે કરશે તો ય. એટલે બધાએ ગોઠવી દીધેલું બધું. આખો દહાડો દૂષિત વાતાવરણ ઊભું ના થઈ જાય ને. નર્યા ક્લેશના વાતાવરણવાળા ઘરો છે. હવે તેમાં આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો કંઈક છોકરાં, બધામાં ફેર પડી જાય. અને આરતીમાં છોકરાં-બોકરાં બધાં ઊભાં રહે. એ છોકરાંનાં મન સારાં રહે પછી. અને અકળાયેલાં છોકરાં હોય ને, તે છોકરાંને શું ? આ તાપ, અકળામણ અને બહારનાં કુસંગ. તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આપણું આ છે ને, તે ઠંડક આપે, તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે. આ, બહુ સુંદર છે. કેટલાંક તો બે વખત કરે છે. સવારમાં ને સાંજે, બે વખત. છોકરાં ઊભાં રહે ને ? અને મોટાઓને ક્લેશ ના થાય. નર્યું ક્લેશનું જ વાતાવરણ છે. અત્યારે તો ના ઊભો કરવો હોય, પૈસા હોય, બધું ય સાધન હોય, તેને ક્લેશ તો મહીં પેસી જ જાય. ટેબલ ખખડાવે, જમવા બેઠા પછી. ખખડાવે કે ના ખખડાવે ? તમે આમ કર્યું ને તમે આમ કર્યું, ચાલ્યું પછી. ના ચાલે ? એટલે ક

ેટલાંકે ઘરમાં એવું નક્કી કરેલું કે આપણે જમ્યા પછી બધાં, બે છોકરાં-બૈરી અને ધણી બધાં સાથે બોલવું. આપણી 'વિધિ-આરતી-અસીમ જય જયકાર હો' એ બધું. એટલે છોકરાંં બધાં રેગ્યુલર થઈ જાય ને ! ડાહ્યાં થઈ જાય ! બીજે દહાડે બહાર ફરવા જવાનું કહેતો હોય ને, તો કહે, 'આપણે પેલું બોલો, પેલું બોલો.' એવું કહે. ફરવા જવાનું રહેવા દે અને સંસ્કાર પડે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19