ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12


પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(પૂર્વાર્ધ)
(૧)

વન ફેમિલી

ઘેર કે' આપણી વન ફેમિલી,

પછી મારી-તારી, કેમ તંતીલી ?

દાદાશ્રી : બન્ને એક ફેમિલી તરીકે જીવો છોને ? કે જુદી જુદી ?

પ્રશ્શનકર્તા : એક ફેમિલી !

દાદાશ્રી : એમ ?

કોઈ દહાડો ભાંજગડ થાય છે ઘરમાં વાઈફ જોડે ?

પ્રશ્શનકર્તા : કોઈ વાર થાય.

દાદાશ્રી : તો પછી ફેમિલીમાં એવું ? તમારી એક ફેમિલી ન હોય ? એ તો તમારી ફેમિલી કહેવાય. ફેમિલીમાં હઉ એવું થાય ?

પ્રશ્શનકર્તા : હા, જરૂર થાય.

દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? બીજી ફેમિલી જોડે તો થાય.

પ્રશ્શનકર્તા : પોતાની ફેમિલી સાથે પણ થાય.

દાદાશ્રી : તો ફેમિલી જાણતો જ નથી, ફેમિલી શું છે એ. પોતાનું ફેમિલી એટલે પોતાનું. એમાં કશું ડખો ના હોય. તમને શું લાગે છે, ફેમિલીમાં થાય એવું ?

પ્રશ્શનકર્તા : થાય, થાય.

દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? આઈ એન્ડ માય વાઈફ અને મારાં છોકરાં, એ તો તમારી ફેમિલી કહેવાય. એમાં કશું ડખો હોય નહીં. બહારના જોડે, બીજી ફેમિલી જોડે ડખો હોય.

પ્રશ્શનકર્તા : દરેકની જુદી જુદી પર્સનાલીટી હોય એટલે ફેમિલીમાં કોન્ફ્લીક્ટ (ઘર્ષણ) થાયને ?

દાદાશ્રી : તો પછી ફેમિલી કહેવાય નહીં. અને કહો છો તમે 'ધીસ ઈઝ માય ફેમિલી !' અને ફેમિલી કોનું નામ કહેવાય કે ડખો ના હોય.

'મારી ફેમિલી' કરી પ્રેમે જીવો

એવો ધણી ઢૂંઢે લઈ દીવો !

જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. શાંતિમાં જાય, ત્યારે જીવન જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ? આ તો પોષાય જ નહીં ને ? ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાંય ? ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે ? દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. 'દાળ ખારી' પાછું બોલે ! અંડરડેવલપ્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલપ્ડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું ? દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને ! માય ફેમિલીનો અર્થ શું ? કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાની ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એડજસ્ટ એવરીવ્હેર.

ઘેર 'માય ફેમિલી, માય વાઈફ' કહેવાય. અને ત્યાં આપણે જઈએ ત્યારે તો મૂઆ વઢતા હોય ! અલ્યા, મૂઆ, તું આવું જૂઠું બોલે છે ! 'માય ફેમિલી' કોનું નામ કહેવાય કે આ મારી બાઉન્ડ્રી, આમાં તો અમારે ઝગડો જ ના હોય, એનું નામ માય ફેમિલી ! અલ્યા, ઘરમાં પાંસરો રહેને !

'ફેમિલી ઓર્ગેનાઇઝેશન'નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને 'હાઉ ટુ ઓર્ગેનાઇઝેશન ફેમિલી' એ જ્ઞાન જ ખૂટે છે. 'ફોરેન'વાળા તો 'ફેમિલી' જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં ! અમને 'ફેમિલી ઓર્ગેનાઇઝ' કરવાની બહુ ટેવ જ નથીને ? અને એમની 'ફેમિલી' તો ચોખ્ખું જ બોલે. મેરી જોડે વિલિયમ્સને ના ફાવ્યું એટલે 'ડાઇવોર્સ'ની જ વાત ! અને આપણે તો ક્યાં 'ડાઈવોર્સ'ની વાત ? આપણે તો જોડે ને જોડે જ રહેવાનું. કકળાટ કરવાનો ને પાછું સુવાનુંય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવનનો રસ્તો નથી. આ 'ફેમિલી લાઈફ' ના કહેવાય.

મને એવું લાગે છે, મારી વાત તને ગમતી નથી ?

પ્રશ્શનકર્તા : ના, ના, એમાં શું વાંધો છે ? કોઈકે તો કહેવું જ જોઈએને ?

દાદાશ્રી : શું કહેવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : આ ખુલ્લે ખુલ્લું તમે કહો છોને, એવું.

દાદાશ્રી : તો એટલું સારું છે ! તે સમજાય તો પછી કહે.

જાણ જીવન જીવવાની કળા,

પૈણ્યા પે'લાં, ભણ્યો કઈ શાળા ?

પ્રશ્શનકર્તા : એને માટે આપણે ફેમિલીની પરિભાષા શું છે એ લોકોને સમજાવવી જોઈએ.

દાદાશ્રી : નહીં, એક્ઝેક્ટ ફેમિલી જ છે, પણ આમ જીવન જીવતાં નથી આવડતું. જીવન જીવવું એ શીખવાડ્યું નથી લોકોએ, ફોરફાધર્સોએ (બાપદાદાઓએ). અને પોતાને આવડે એવું એ ચાલ્યા જ કરે છે, રેઢિયાળ. રેઢિયાળ શબ્દ સાંભળેલો ? ભઈએ સાંભળેલો. હવે રેઢિયાળ ચાલ્યા જ કરે છે. એવું ના ચાલવું જોઈએ. સમજપૂર્વક ચાલવું જોઈએ. ઘર તો, પોતાનું ફેમિલી તો એવું સુંદર ચલાવવું જોઈએ. એ તો આ જ્ઞાન લઈને પછી બધી તમને આગળ વાત કરું. ફેમિલીમાં તો આપણને જીવતાં નથી આવડતું. તે આમ ભણ્યા બધું પણ પહેલાં આ ના ભણવું જોઈએ કે વાઈફ જોડે કેમ ડીલિંગ (વ્યવહાર) કરવું ? હાઉ ટુ ડીલ વિથ વાઈફ ? હાઉ ટુ ડીલ વિથ ચિલ્ડ્રન ? (પત્ની જોડે, બાળકો જોડે વ્યવહાર કેમ કરવો તે) ના જાણવું જોઈએ ? તેં કઈ ચોપડી વાંચી છે, હાઉ ટુ ડીલ વીથ વાઈફ ?

પ્રશ્શનકર્તા : 'મેરેજ એન્ડ ફેમિલી' એવી કંઈક બૂક વાંચી હતી.

દાદાશ્રી : તોય પણ એવા ને એવા રહ્યાને ! તો એ ચોપડીઓ ખોટી બધી. જે સાબુ ઘસવાથી મેલ ના જાય, એ સાબુ નહોતો એ નક્કી થઈ ગયું. અત્યારે લોકો ધર્મ શીખવાડવા આવે અને અહીંયાંથી આપણું કંઈ ઓછું ના થાય તો જાણવું કે સાબુ ન હોય. આ તો બધા વગર કામના ફરે છે. તરત જ, સાબુ ઘસે એટલે પછી મેલ જવો જ જોઈએ. મહેનત કરેલી ફળે, પાણી વાપરેલું નકામું ના જાય. કેટલાક ડૉક્ટરો તો ત્યાંથી હોસ્પિટલમાંથી ચિડાઈને આવે છેને, તે ઘેર આવીને વાઈફને કહે છે, તમારામાં અક્કલ નથી. અરે ! આ તો બધું ફેમિલીમાં બોલાય એવું ? બહારના જોડે ના ફાવતું હોય તો કહી દેવું કે તારામાં અક્કલ નથી. એટલે વઢવાડ ચાલુ થઈ જાય. પણ આ ઘરમાં ના કહેવાય. ઘરમાં તો આપણને જલેબી ખવડાવે, લાડવા ખવડાવે, ભજિયાં ખવડાવે, એની જોડે, બિચારી જોડે કહેવાય નહીં. એટલે વાઈફ જોડે, છોકરાં જોડે, પહેલાંમાં પહેલું સુધારવા જેવું શું છે, કે પોતાના કુટુંબમાં, ફેમિલીમાં શાંતિ અને સંતોષ રહેવો જોઈએ. પહેલું પોતાની ફેમિલીમાં !

ઘેર હીરાબા છે, તેમની જોડે મતભેદ ઓછા થઈ ગયા બધા, બંધ થઈ ગયા. કારણ કે માય ફેમિલી કહેતાં શીખ્યો. ધીસ ઈઝ માય ફેમિલી. ત્યારે મેં કહ્યું, માય ફેમિલીનો અર્થ શું થાય ? ત્યારે કહે, 'ત્યાં તો ભાંજગડ હોય નહીં. વિચારભેદ હોય પણ ભાંજગડ ના હોય, કલેશ તો ના જ હોય. હા, ડખલો પોતાની ફેમિલીમાં ના હોય, બહાર જઈને ડખલ કરો. જો ડખલ કરવી હોય ને તો બહારવાળા જોડે જઈને કરી આવો, ફેમિલીમાં ના થાય. આ વન ફેમિલી કહેવાય. એટલે કાલથી બંધ કરી દો, એય તમારી જોડે બંધ કરી દેશે.

પ્રશ્શનકર્તા : બહુ વર્ષો થયાં પરણે.

દાદાશ્રી : તે કંઈ આ એને રિપેર કરી કરીને કેટલુંક રિપેર કરશો ? જૂનું મશીન થયું હોય તો રિપેર કરીને કેટલુંક રિપેર થાય ? નવું તો ના જ થઈ જાયને. ભલેને ઘરડી ઉંમરના થયા છે, પણ આવું થોડુંક વિચારવાની જરૂર છે કે આમ કેમ ચાલે છે. આટલી બધી ભૂલ અને ભણીને આવેલા છો તમે, અભણ માણસો નથી. તમને સમજાય એવી વાત છે કે આપણે કેવું હોવું જોઈએ ? વધારે નહીં, બધો ધર્મ વધારે નથી કરવો આપણે, વન ફેમિલી એટલું જ વિચાર કરવાનો, શોખ હોય મારવાનો કરવાનો, ટૈડકાવવું હોય તો બહારના લોકોને ટૈડકાવીને આવો, અહીં ટૈડકાવવાનું હોય, ઘરમાં ? વન ફેમિલીમાં, ન શોભે આવું.

ઘાલ્યો ડૉક્ટરનેય ફેમિલીમાં,

'આમને' મૂકું કઈ સિમિલીમાં ?

અને ત્યાં ઈન્ડિયામાં તો ફેમિલી ડૉક્ટર હઉ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે ?

આ લોકો ફેમિલી ડૉક્ટર રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, 'અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા !' તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, 'અમારા ફેમિલી ડૉક્ટર છે ને !' એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે !

તે મેં, એક અમારો ભત્રીજો, ફેમિલી ડૉક્ટર કરીને લાવેલો. મેં કહ્યું, આ ડૉક્ટર તો ફેમિલી રખાતા હશે મૂઆ, એ કંઈ ભૂત ઘાલ્યું ઘરમાં ! એ તો ના રોગ હોય, તોય કહેશે, 'જરા મહીં પ્રેશર વધી ગયું છે.' એ તો ભૂત ઘરમાં જ નહીં ઘાલવાનું. જરૂર હોય ત્યારે બોલાવી લાવવાના, અને ઈન્ડિયામાં તો ચોંટી પડે છે બધા, ફેમિલી થઈ જાય છે. નહીં તો સ્વતંત્રતા જતી રહે આપણી. આ મારી પાસે ડૉક્ટર આવે ને, પહેલો અહીંથી બાંધે, ફટાક ફટાક... મૂઆ, શું કરવા જુએ છે તું, હું તો કેટલાય વર્ષથી જાણું છું આ. એ ત્રણ દાદરા એકદમ જોરથી ચઢ્યા હોય તો મહીં ફટાકા બોલે. આ કહે કે પ્રેશર વધી ગયું. મેં કહ્યું, 'ના ડૉક્ટર, તમારા મશીનમાં આવશે પણ મને નથી વધ્યું.' હું સમજતો હોઉં કે ત્રણ દાદરા ચઢ્યો તેને લીધે આ છે, ગભરાવવાનું નહીં. આ તો શંકા પેસી જાય. મને વાંધો નહીં. તમે જેટલા ડૉક્ટર આવો ને. પણ ડૉક્ટરોને શંકા પડે, મને ના પડે. હું તો આઉટ ઓફ ડેટ (સમયથી પર) થયેલો ને ! પોતાની જાતની શ્રદ્ધા. પારકાનાં કહેવાથી ગભરામણ ના થાય.

ફેમિલી ડૉક્ટર તો આપણા ઈન્ડિયામાં રાખે છેને, તે મનમાં શું સમજે છે કે આપણો રોફ વધી ગયો હવે. પેલા ડૉક્ટરના મનમાં શું થાય કે આપણે ખીલે બંધાયા આ એક. આપણા ઘરાકો આટલા બંધાઈ ગયા. કારણ કે ત્યાં બધા ડૉક્ટરો થયેલા તે આજે આને ત્યાં જાય, આજે આને ત્યાં જાય. પણ એની જોડે ફેમિલી ના રખાય. નહીં તો વારેઘડીએ જતાં આવતાં આવે અને પાછું જુએ એ બધું. આ શરીર દેખાડવા જેવું નહીં. કોઈ દહાડોય. ખાસ મુશ્કેલીમાં મુકાય ત્યારે શરીર દેખાડવું. એવું ખાસ મુશ્કેલીમાં આવેને. બાકી કુદરત મહીં કામ કરી જ રહી છે. મહીં જે છે ને તે કામ કરી રહી છે. આ ડૉક્ટરો એને હેલ્પ આપે. પણ અટકી પડ્યું હોય ત્યારે જવું. અટકી ના પડ્યું હોય તે નહીં કામનુંને !

તેં વાત તારી ના કરી કશી. તારી વાત કરને ! તારે શું ગૂંચવાડા છે એ કહે બધા. તમને વાતો ગમે છે આ બધી કે નકામો ટાઈમ જાય છે ?

પ્રશ્શનકર્તા : ના, ના બહુ ગમે છે.

દાદાશ્રી : હવે કંઈ પૂછ, બધી હરકત હોય તે બધી પૂછ અને એક જ ફેમિલી હોય ને એવું જીવન જીવવું જોઈએ. વન ફેમિલી તરીકે તો જીવો.

ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લડીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યારપછી થોડીવાર પછી કહી દેવું, 'તું ગમે તે વઢું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને. તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથીને. મનમાં રાખીએ પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું.

કરો ક્લીન ઘરનો વ્યવહાર

પછી બન જગનો ભરથાર !

ફેમિલી જ ચોખ્ખું કરો, બીજું કંઈ નહીં. તમારી ફેમિલીને જ ચોખ્ખું કરો. તમારી બુદ્ધિથી સમજાય એવું છે કે નહીં ? અને વન ફેમિલીમાં શું હોવું જોઈએ, તમે બીજાને શું સલાહ આપો ? કોઈ મહીં લડંલડા ના કરશો. મહીં કચકચ ના કરશો, એવું કહોને ? અને તમે સલાહ આપનારા અને તમારા ઘેર કચકચ. એટલું જ કહું છું. વધારે નહીં કહેતો. વળી મોક્ષની વાત જવા દો અત્યારે, આટલું કરો તો મહીં કલેશ ના રહે ઘરમાં.

પહેલો ધર્મ જે છે એ ઘરમાંથી શરૂ કરો. ઘરમાં કિંચિત્માત્ર ડખો ના રહે અને દુઃખ ના થાય કોઈને, એવી રીતે ફેમિલી મેમ્બર તરીકે થઈ જાવ.

બેનો કશી વાતચીત કરજો. બેનો ! દુઃખનો અંત તો આવવો જોઈએ. આમ ક્યાં સુધી આવું ને આવું રહે, આપણું જીવન ! આટલા બધા ડૉલર પગાર મળે છે. આટલાં બધાં મકાનો સરસ છે, અડચણ કોઈ જાતની નથી, છતાં દુઃખ ક્યાંથી આવ્યું ? ક્યાંથી પેસી ગયું ? કયા ખૂણામાંથી પેસી ગયું ?

પ્રશ્શનકર્તા : મોઢું ચડેલું હોય છે. ઘેર આવીએ તો મોઢું ચડેલું હોય છે.

દાદાશ્રી : શા માટે ? આ અણસમજણ જ છે બધી. અણસમજણો ભાંગો... બીજો ધર્મ નહીં કરો તો ચાલશે, ભગવાનને એના પર વાંધો નથી, પણ એવી અણસમજણ કાઢી નાખોને. આપણી સેફ સાઈડ તો કરો. વધારે ના થાય તો આપણા ઘરની ફેમિલી સેફસાઈડ તો કરો. એ પહેલો ધર્મ અને પછી મોક્ષધર્મ. આપણે કોણ છીએ એ પછી જાણવું જોઈએ, એ મોક્ષધર્મ. બે ધર્મો જાણવા જોઈએ. ઘરમાં દુઃખ આપીને આપણે સુખી થઈએ એવું બને નહીંને ! અને છોકરાય ખરાબ થઈ જાય. એટલે બેન કંઈક સારું જીવન જીવો. હવે ધણીને કહી દેવું કે આપણે ફેમિલીમાં છીએ. ફેમિલીને અન્યાય ના કરશો, કહીએ.

જોઈન્ટ ફેમિલીને માનો એક,

મારી-તારીનો બુદ્ધિ પાડે ભેદ !

પ્રશ્શનકર્તા : આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ, તો મારું તારું બહુ થયા કરે, એનું શું કારણ ?

દાદાશ્રી : આપણે તો જોઈન્ટ ફેમિલીમાં બધુંય મારું છે એવું જો સમજવામાં આવે, તો મારું-તારું ના થાય. પણ આ તો આટલું મારું અને આટલું એનું એ ભેદબુદ્ધિ છે. બુદ્ધિને લીધે ભેદ પડ્યો. બુદ્ધિ ભેદ પાડી આપે કે નહીં ? સામું માણસ કહે કે આ તો મારું, તોય આપણે કહીએ કે, ના, આ તો તમારું ને આ મારું ! ના, આ બધું આપણું જ છે, કહીએ. એમ વિશાળ બુદ્ધિ રાખીએ તો જ નિવેડો આવે નહીં તો નિવેડો કેવી રીતે આવે ?

આ બધી તમારી પોતાની જ વાત છે. મારી વાત નથી આ. તમારી પોતાની જ વાત છે અને તમને હું જુદો લાગું છું, પણ મને તમે જુદા નથી લાગતા, કારણ કે હું આત્મસ્વરૂપે જોઉં છું બધું અને મારા પોતાના રૂપે જ જોઉં છું, મને જુદું ના લાગે, તમે અવળું-સવળું બોલો તોય જુદું ના લાગે. કારણ કે હું વન ફેમિલી રીતે જોઉં છું. અને તમે તમારી ફેમિલીને જ ફેમિલી નથી ગણતા. હું આવડી મોટી ફેમિલીને, એક ફક્ત અમારા વાઈફ હીરાબાને છોડી અને બેઠો એટલે આ બધી આખી ફેમિલી મારી થઈ ગઈ. નહીં તો એમની એકલી ફેમિલી રાખીને બેસી રહ્યો હોત, તો શું થાત ? આ તો આખી દુનિયા મારી ફેમિલી થઈ ગઈ.

બૈરી છોકરાં ભલે પડે કાચાં,

વન ફેમિલી જેમ જીવે સાચાં !

આ બીજું ફેમિલી અને આ અમારું વન (એક) ફેમિલી. જો વન ફેમિલી છે તો આમાં બીજી ભાંજગડ ના હોય, વન એટલે વન. તેમાં બે ના હોય. આ તો વાઈફે છે તે કંઈ ભૂલ કરી હોય, તો તરત કકળાટ !! આવું વન ફેમિલી ને આ કકળાટ ના હોવો જોઈએ. આપણે સમજવું કે આપણી ફેમિલી છે આ તો. છોકરાઓ મહીં ફેમિલી કહેવાય. ફેમિલી એટલે હું જ ! તેમાં બાળક વખતે કચાશ કરે, વાઈફ કચાશ કરે, પણ ભઈએ ના કચાશ કરવી જોઈએ. તમને કેમ લાગે છે ?

તમને જો આ ન બની શકે એવી વાત લાગતી હોય તો હું આશીર્વાદ આપું પછી તમારાથી થઈ શકશે. અને માણસ બધું કરી શકે એમ છે. તમે કૉલેજમાં ભણી ભણીને અહીંયાં આગળ અમેરિકા સુધી આવ્યા છો તે કંઈ જેવું તેવું કાર્ય કર્યું છે ? આમાં પ્રારબ્ધે યારી આપી છે. એવું આમાંય પણ પ્રારબ્ધ યારી આપશે. જો તમે નક્કી કરશો તો પ્રારબ્ધ યારી આપશે. નક્કી ના કરો ત્યારે યારી કેમ કરીને આપે ?

ર્ીર્ ીર્ ી

(૨)

ઘરમાં કલેશ

જે ઘરમાં કલેશ ને કકળાટ

ત્યાં ન રહે પ્રભુનો વસવાટ !

કોઈ દહાડો ઘરમાં કલેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં કલેશ થાય તે ગમે ?

પ્રશ્શનકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.

દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં કલેશ છે ત્યાં ભગવાન ના રહે.

પ્રશ્શનકર્તા : એ તો પણ કોઈ કોઈક વાર તો થવું જોઈએ ને એવું, કકળાટ.

દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં ? કકળાટ શેને માટે હોય ? અને કલેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, કલેશ હોય તો ?

પ્રશ્શનકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : મહિનોય ના ફાવે, નહીં ?

ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી. એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે. એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે.

દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જ્યારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું એને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ગડભાંજ, ગડભાંજ, દુઃખ, દુઃખ ને દુઃખ ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું ? કલેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ કલેશ કોને કહેવાય ?

દાદાશ્રી : ઓહો.... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ કલેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે એનું નામ કલેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે કલેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત કલેશમાં જાય. ટકરાયેલો ના હોય ?

પ્રશ્શનકર્તા : મનનો કલેશ પોતાનો હોય, તો બહાર ક્યાં જોવા જવાનું ?

દાદાશ્રી : એ પોતાનો તો હોય જ દરેકને, પણ બહારનાં ટકરાયને, ટકરાયા વગર રહે નહીંને ! ટકરાયેલું જોયેલું નહીં ?

પ્રશ્શનકર્તા : એવું કો'ક વાર તો થાયને.

દાદાશ્રી : આમ શોખ ખરો ?

પ્રશ્શનકર્તા : શોખ નહીં. શોખ તો કોઈને ના હોયને !

દાદાશ્રી : અરે, કેટલાકને તો શોખ હોય છે. એના વગર ચાલે નહીં એમને. એમને શોખ હોય.

પ્રશ્શનકર્તા : એ તો થઈ જાય તો પાણી રેડી દઈએ પાછા.

દાદાશ્રી : હા, પાણી રેડી દોને. બપોરે ધણીને ખોટું લાગ્યું હોય, તો સાંજે ફર્સ્ટ ક્લાસ રસોઈ કરી જમાડે એટલે ખુશ થઈ જાય. હવે એક જણ કહે છે, મારે રોજ ઘરમાં કકળાટ થઈ જાય. તે મારો કકળાટ મિટાવી આપો. મેં કહ્યું, તારો કકળાટ શી રીતે થાય ને શેમાં થતો હશે એ મને શું ખબર પડે ! શી રીતે તને મટાડી આપું ! ત્યારે કહે, 'રોજ સામસામી કકળાટ થયા કરે. વધી જાય છે. પછી મતભેદ બહુ પડી જાય છે.' ઘરમાં કલેશ ના રહેવો જોઈએ. ઘરમાં કલેશ રહેને ત્યાં સુધી સંસાર જ કામનો નહીં.

મુખ્ય વસ્તુ જ એ છે. કલેશ જાય તો ધર્મમાં આગળ વધાય અને આત્મજ્ઞાન તો હજુ બધી બહુ આગળ લાંબી વાત રહી. કલેશ પહેલાં જવો જ જોઈએ. કોઈને ઘેર કલેશ ગયેલો નહીં. સાધુ-સંન્યાસીઓ બધાય ને. મોટામાં મોટી વસ્તુ કલેશ જવો તે. નર્યું કલેશમાં જ જીવે છે બિચારાં. મોઢાં ઉપર દિવેલ ચોપડી ફરતા હોય એવું લાગે પછી.

પ્રશ્શનકર્તા : કલેશ વગરનું જીવન કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો અમે સમજ પાડીએ, અમારી પાસે સત્સંગમાં બેસો, તો તમને કલેશ જતો રહે એવું બધું સમજ પાડીએ. આ અંધાધૂંધીથી કલેશ ઊભો થયો છે. અણસમજણથી આ બધાં દુઃખો છે બાકી દુઃખો બિલકુલેય નથી અમેરિકામાં આવ્યા પછી, તોય દુઃખો બધા ઇન્વાઇટ કરેલાં છે. તમારે કોઈ દહાડો મતભેદ થાય છે ?

પ્રશ્શનકર્તા : મતભેદ તો, ઘરમાં રહેવાના. દરેકના વિચારો સરખા ન હોયને !

દાદાશ્રી : હા, એવા મતભેદનો વાંધો નથી. પણ મતભેદમાંથી કલેશ ઊભા થાય તેનો વાંધો છે. એટલે આપણે મતભેદનું નામ લઈએ છીએ ને ! એવો મતભેદ તો હોય, સ્વભાવિક રીતે. આ કહેશે, ખોટું થયું. ત્યારે પેલા કહેશે, ના, નથી ખોટું ! પણ એમાંથી કલેશ ન થવો જોઈએ. ગમે તે રસ્તે કલેશને હાંકી મેલજો બહાર. મતભેદને પછી મિટાવી દેવો. મતભેદ થઈ ગયો હોય વખતે, તો પછી આપણે એવો કંઈક રસ્તો કરીને પાછો કો'ક વખતે મટાડી દેવો ઝટ.

પ્રશ્શનકર્તા : એ કઈ રીતે જરા કહો. જરા સમજાવો ને વધારે ક્લીયર કે મતભેદ પડ્યો ક્યારે કહેવાય ? પછી કઈ રીતે આપણે એને ટાળી દેવો ?

દાદાશ્રી : આપણે જેની જોડે રહીએ તેની પ્રકૃતિ ના ઓળખવી જોઈએ ?

પ્રશ્શનકર્તા : એ નથી ઓળખાતી.

દાદાશ્રી : અરે, ના શું ઓળખાય ! આપણે પ્રયત્ન કરીએ તો ના ઓળખાય ?

પ્રશ્શનકર્તા : દસ વર્ષ થયાં પણ હજુ નથી ઓળખાઈ.

દાદાશ્રી : એમ ! આ જ્ઞાન લીધા પછી ઓળખવા માટે પ્રયત્ન કરજો. ઓળખાશે. એ તો જેમ જેમ દ્ષ્ટિ વધશે તેમ ઓળખાશે.

પુરુષ શરૂ કરે કલેશ ઘરે,

સ્ત્રી પકડી રાખી કંકાસ કરે !

ઘરમાં મતભેદ રહે નહીં એટલું કરી દો. ખાવ, પીઓ, મજા કરો પણ કલેશ ના હોવો જોઈએ, કંકાસ ના હોવો જોઈએ. તમે કંકાસ જોયેલો ?

પ્રશ્શનકર્તા : હં, આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?

દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ.

પ્રશ્શનકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે કલેશ થઈ જાય. કલેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને સ્ત્રી વચ્ચે કલેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તોય પેલી એને ઝટ છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પુરુષો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી. અને કલેશનો કરી દે કંકાસ. અને તે મોઢું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે.

પ્રશ્શનકર્તા : એટલે જ દાદા અમે છેને ચેકબુક જ આપીએ કે એ લોકોને જે જોઈએ તે પોતે જ લઈ લે.

દાદાશ્રી : એથી કંઈ દા'ડો વળે નહીં. એ એમ દા'ડો વળતો હશે ! આપણે આ પાંચ હજાર રૂપિયાનો ઘોડો હોય, પણ કંઈ લગામ છોડી દેવાથી સારું થાય ? અને તમે તો લગામ છોડી દેવા જેવી વાત કરો છો. લગામ છોડી દેવાથી ફાયદો થાય, ઘોડો હોય એને ?

પ્રશ્શનકર્તા : ના, ફાયદો ન થાય.

દાદાશ્રી : હં, એની લગામ તો આપણે હાથમાં રાખવી અને એના હોઠ ન ખેંચાય એવી લગામ આપણે પકડી રાખવી, ઘોડાની.

પ્રશ્શનકર્તા : ચેકબુક પણ ન આપવી હવે ?

દાદાશ્રી : હવે તો એય કમાઈ લાવે છે પાછાં જોડેજોડેને. એવું ના આપવી, આપણાથી કેમ કહેવાય તે !

પ્રશ્શનકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?

દાદાશ્રી : કંકાસ તો, આપણે કલેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ કલેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોઢું બગડી ગયું મારું તો, આમ તેમ કરીને કલેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.

સ્ત્રીને સુખ આપતાં સુખ મળે,

ઘર મંદિર, જો કદિ ન ઝઘડે.

પ્રશ્શનકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાને કહેવું જોઈએ કે 'ભઈ, આપણે બધા ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી, વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એજ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને, ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણીય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે.

આ તો કેટલી ચિંતા-ઉકળાટ ! કશોય મતભેદ જતો નથી, તોય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછોય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ? અલ્યા શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું એનું નામ ધર્મ કહેવાય. આ તો કલેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે !

વાઈફથી તૂટી ડિશો કાચની,

'રેડિયા'ની કિંમત કોડી પાંચની !

વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસ-વેર હતાં તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ?

પ્રશ્શનકર્તા : મને ના થાય.

દાદાશ્રી : શું થાય ! આનંદ થાય ?

પ્રશ્શનકર્તા : તૂટી જાય તો બીજાં લેવાય.

દાદાશ્રી : ના પણ, આનંદ થાય તે ઘડીએ કે દુઃખ થાય ?

પ્રશ્શનકર્તા : સાફ કરવું પડે એનું દુઃખ તો થાય.

દાદાશ્રી : તો દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને, આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુઃખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુઃખ થાય પછી. ત્યાર પછી પેલીય શું કહે, હં... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધો હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને. શું કહેવાનું ? કાચ વાગ્યા નથીને, એવું કહેવાનું ?

પ્રશ્શનકર્તા : તું સુઈ જા, હું સાફ કરી આપીશ.

દાદાશ્રી : હા, આ તો કઢી ઢળી ગઈ, સાણસી છટકી અને જો ઓવર ટર્ન થઈ જાય, તો કહેશે, 'તારામાં અક્કલ નથી'. આ અક્કલનો કોથળો મોટો, વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, આવું ના કહેવાય. એ સ્ત્રી છે તે કોઈ દહાડો આપણે જમવા આવીએ તો એ કઢી ઢોળતી હશે ? એ કંઈ કપ-રકાબીઓ ભાંગી નાખે ? નોકરને હઉ ના વઢાય. આ બધું અજ્ઞાનતા છે, ઘોર અજ્ઞાનતા ! કશું ભાન જ નથી માણસ તરીકે જીવવાનું, કકળાટ કરવા જેવું છે જ નહીં આ જગત, અને જે કકળાટ છે તે અણસમજણ ને અજ્ઞાનતાને લઈને છે. આ સમજવા જેવી વાત છે. અમે કહીએ છે તે, હં !

પ્રશ્શનકર્તા : હા, આપણે જાણીએ છીએ કે કકળાટ ના કરવો જોઈએ.

દાદાશ્રી : એમ માનો કે એક કબાટમાં બધું ગ્લાસવેર મૂક્યું છે અને એકદમ એવું કંઈક વાગ્યું અને બધું પડ્યું. હવે ત્યાં કકળાટ કરી મેલીએ, તે હન્ડ્રેડ પરસેન્ટ રોંગ છે, કકળાટ કરનારો ગુનેગાર છે ત્યાં આગળ. એને છ મહિનાની જેલ આપવી જોઈએ. ઊલટું એણે એમ કહેવું જોઈએ કે તને કાચ વાગ્યો નથી ને ! એવું પૂછવું જોઈએ, તેને બદલે આપણે એની જોડે પાછું તોડી પાડીએ ! ને વાસણ તો બીજા લઈ આવીશું, જાણી જોઈને ભાંગે ખરી એ ! અરે, કો'કે ભાંગ્યું હોયને તો આવડી આવડી દે ! તો એ ભાંગે ખરી ? આપણા કરતાં વધારે કાળજી એને હોય, પુરુષ તો મોટા મનના હોય. હવે ત્યાં આપણે ભૂલ નહીં કરતા ?

પ્રશ્શનકર્તા : કરીએ છીએ.

દાદાશ્રી : એટલે આ આખો દહાડો જે કકળાટ છેને તે ખોટો વિખવાદ છે, કંઈ અર્થ વગરનો છે, સમજણ વગરનો છે. કારણ કે બની ગયું એમાં કોઈ ઉપાય જ નથી અને જેનો ઉપાય ના હોય તેને માટે કકળાટ કરે એ ગુનેગાર કહેવાય છે. એ કાચ ભાંગી ગયા ફરી પાછા આવે, આપણે કકળાટ કરીએ તો ? ઘર છે તે ફેમિલી મેમ્બર થઈ જાય તો બહુ સારું કહેવાય. ઘરમાં કકળાટ ના થવો જોઈએ. આપણા કરતાં સ્ત્રી વધારે સારી રીતે ઘરને સાચવવા ફરે છે ઊલટી.

પ્રશ્શનકર્તા : સાચી વાત છે.

ફેંક સોફો જો કરાવે ઝગડો,

બૈરી ના સાચવી તો તું લંગડો !

દાદાશ્રી : જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ, એનો ઝગડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા, મૂઆ નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને, એ વસ્તુ બહાર નાખી આવ.

જે ઘરમાં કલેશ નહીં, ત્યાં ભગવાન હાજર હોય. આ ફોટામાં નથી ભગવાન, પણ જ્યાં કલેશ નથી ત્યાં હાજર હોય. ત્યારે આ સોફા હારુ કલેશ કરવો આપણે હવે ? નાખી આવો બહાર.

આ ડિશો ભાંગી નાખે છે ? તે મેં વાત કરી, તે એની બુદ્ધિ શું કહે છે, ના કહે છે. મનાય નહીં ?

પ્રશ્શનકર્તા : મનાય ને !

દાદાશ્રી : જેટલું મનાય એટલી શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે, શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એય સુખી થાય. અરે કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આલતાં ?

પ્રશ્શનકર્તા : કરી આપે છે.

દાદાશ્રી : હા, તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે, આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાંય પાર્ટનરશીપમાં, કંઈ એની એકલીનાં ઓછાં છે ? સુવાવડ એણે કરી છે માટે એની એકલીનાં છે ? આપણા બેઉનાં હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ?

પ્રશ્શનકર્તા : બેઉનાં.

દાદાશ્રી : હં. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.

જો કોઈ ઉપાયે થાય ના શાંતિ,

સાક્ષી કે જ્ઞાતા રહી, કાઢ ભ્રાંતિ !

ભાન જ નથી આ તો, ખાય છે, પીવે છે, તેય ભાન નથી. આ ભાન વધારવાની જરૂર છે આપણે. આ તો ભાન અહંકારમાં જ બધું પેસી ગયું છે. હું આમ છું ને તેમ છું એવું નહીં આપણે, મારે બધું જાણવાનું બહુ બાકી છે એવું સમજાવું જોઈએ. જ્ઞાનને માટે ખુલ્લું રાખવું જોઈએ. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પછી કોણ પાણી રેડે ? તમને ગમી વાત ? કઈ વાત ગમી તમને, કહો ?

પ્રશ્શનકર્તા : ઘડા પર ઢાંકણું ન ઢાંકવું જોઈએ એમ. એ વાત ગમી.

દાદાશ્રી : બેનોએ પણ કલેશ ના કરવો જોઈએ, ને પુરુષોય બેઉ એક દહાડો સંપી લેવું જોઈએ, કે આ દાદાજી કહે છે એ આપણે કોન્ટ્રાક્ટ નવેસરથી કરી લો. ક્યાંય ભાંજગડ નહીં. એ અકળાય તો તમારે શાંત થઈ જવાનું ને બેસી રહેવાનું. અને પછી અકળામણ ઠંડી થવા આવે તે ઘડીએ ચા લઈને આવવાનું.

પ્રશ્શનકર્તા : પણ દાદા કોન્ટ્રેક્ટ કર્યો હોય ને બેસી રહેવું હોય ને બેસે નહીં તેનું શું ? શાંત ના રહેવાય ને ઝઘડી પડાય તો શું કરવું ?

દાદાશ્રી : ઝઘડી પડાય તોય આપણે એમને કહેવું કે આ બે પૂતળાં ઝઘડે છે. આ તમને જ્ઞાન હોય એટલે બે પૂતળાં ઝઘડે છે એ જુઓ આપણે, એની ફિલમ જોઈ લો.

આપણે આર્ય ભારતીય રતન,

ઘરમાં શોભે અનાડી વર્તન !

ઘરમાં કલેશ ના થવો જોઈએ. કોઈનાં ઘરમાં કલેશ થતો હશે ?

પ્રશ્શનકર્તા : કલેશ તો થાય જ ને ?

દાદાશ્રી : એ તો આપણા આર્ય લોકોના ઘરે તો થાય નહીં. અનાર્યને ત્યાં થાય. આપણે તો આર્ય લોકો. આપણે ત્યાં કલેશ ક્યાંથી થાય ?

પ્રશ્શનકર્તા : પણ એ હકીકત છે ને કલેશ થાય છે તે.

દાદાશ્રી : ના થવો જોઈએ.

પ્રશ્શનકર્તા : ના થવો જોઈએ એ બધી વાત બરાબર, પણ થાય છે એનું શું ?

દાદાશ્રી : એટલી અણસમજણ કાઢી નાખશો તો નીકળી જાય એવો છે કલેશ.

જગત આફરીન થાય એવું જીવન જીવાય આપણું ! આપણે ઈન્ડિયાના, આર્ય પ્રજાના પુત્રો, એનું અનાડી વર્તન દેખાય તો કેવું ખરાબ દેખાય ? આ ફોરેનવાળાનું અનાર્ય વર્તન જોવામાં આવે છે. પણ અનાડી નહીં. આપણે તો આર્ય પ્રજા. પણ અત્યારે અનાડી જ થઈ ગઈ. અનાડી શબ્દ સાંભળેલો છે ? 'એની વાત જવા દોને, છે અનાડી જેવો' કહે છે.

અને વાઈફ જોડે તો કકળાટ થાય નહીં. જેની જોડે કાયમનું રહેવાનું, ત્યાં કકળાટ કરે બેઉ, તો બન્ને સુખી થઈ જાયને, પછી ?

પ્રશ્શનકર્તા : ના થાય. દુઃખી થાય.

દાદાશ્રી : બન્નેય ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : અને આ તો એક જણ જો કકળાટ કરે તો એ એકલો જ દુઃખી. આમાં સાંભળનારને દુઃખ થયું કે ના થયું, દુઃખ થવું તે પોતાની અણસમજણ છે.

પ્રશ્શનકર્તા : કલેશ ન કરવો હોય તોય થાય તો આને કોણ પહોંચી વળે ?

દાદાશ્રી : સોનું પહોંચી વળે. સોનું પહોંચી ના વળે ? સોનું પહેરાવે એટલે ઠંડા થઈ જાય. જોડે રહેવાનું અને પાછો કલેશ વગર રહેવું એનું નામ જીવન કહેવાય. કલેશ ના થવો જોઈએ. કોઈને દુઃખ ના થવું જોઈએ ઘરમાં. રોજ ધણીને પૂછવું કે તમારે કશું દુઃખ થતું હોય તો મને કહો. એવી રીતે તનેય પૂછે એ.

પ્રશ્શનકર્તા : હું તો રોજ પૂછું છું.

દાદાશ્રી : તમે શું પૂછો, કંઈ દુઃખ થતું હોય તો કહો, એમ ?

પ્રશ્શનકર્તા : કહે જ નહીં ને. પડવા ના દઈએ ને એવું દુઃખ.

દાદાશ્રી : એ તો ધણી સારા હોયને તો દુઃખ ના દે. ત્યારે છોકરાં દુઃખ દેતાં હોય. પોતાનું પેટ પાકે, એવાં દુઃખ દે કે ખરેખરાં દે.

કકળાટિયો માલ જ કચરો,

રાંડ્યાનો ના, પૈણ્યાનો દિ' સંભારો!

જ્યાં કકળાટ છે, કલેશ છે, ત્યાં આગળ એ ઘર સારું ના લાગે. અને કકળાટ કરવાનું કારણ ઘરમાં હોતું જ નથી, આપણા ભારતીયોને તો હોતું જ નથી. પણ આ અણસમજુ માણસ શું કરે ? મેડનેસ (ગાંડપણ) ને લઈને કકળાટ જ કર્યા કરે.

પ્રશ્શનકર્તા : જેમ કે અમુક માણસોનો સ્વભાવ જ એવો હોય કકળાટ કરવાનો, તો ?

દાદાશ્રી : એટલે જ કહું છુંને કે દુઃખ નથી પણ દુઃખ ઊભાં કરે છે. ઇન્વાઇટ (આમંત્રિત) કરે છે. કોઈને દુઃખ જ નથી કોઈ જાતનું. ખાવા-પીવાનું બધુંય છે, કપડાં-લત્તાં છે, રહેવાનું ફ્રી (મફત) છે, બધું સાધન છે, પણ દુઃખ ઊભાં કરે છે. બહુ થોડા ટકા પાંસરો માલ છે. બાકી રબીશ મટીરિયલ (કચરો માલ) છે. બધા, રબીશ છતાં વિચારશીલ છે, ડહાપણવાળો છે, બુદ્ધિ છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે, થોડીક બુદ્ધિ ડેવલપ (વિકાસ) થયેલી છે તે અવ્યભિચારિણી થઈ શકે એમ છે. સારા ટચમાં આવે તો ફેરફાર થઈ જાય. સંસ્કારની જરૂર છે. સાવ જડ નથી આ. ખોટી ખોટી પણ ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ. પહેલાં તો ખરાબેય નહોતી. ખરાબ થઈ હોયને તો એને સંસ્કારી કરી શકાય. બુદ્ધિ ડેવલપ થયેલી હોયને તેથી !

કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે. અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખાં ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક. જિંદગી સરળ છે. છતાંય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી.

આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ! પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ! આપણે પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો એ આપણને હિતકારી છે. રાંડ્યા તેના શોકને શું કરવાનું છે ? બે જણ પૈણવા બેસે છે ત્યાં જ બે જણમાંથી એક જણે રાંડવાનું તો છે જ. આ પૈણ્યાનો સોદો જ એવો કર્યો છે અને એમાં કકળાટ શો પછી ? જ્યાં સોદો જ એવો હોય ત્યાં કકળાટ હોતા હશે ? બેમાંથી એકે નહીં રાંડવાનું ?

પૈણતી વખતે આવ્યો વિચાર,

બેમાંથી કો' રાંડશે છે નિર્ધાર !

અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલા હોય. અને કાંડું તો જોરદાર હોય. આવું કાંડું ના હોય. તે દહાડે તો બહુ જોરદાર કાંડું, તે આ તો બધું સુકાઈ ગયું, જાણે દૂધિયું સુકાઈ જાયને. તે ૧૫ વર્ષે પૈણવા બેઠેલો. અને ધામધૂમથી પૈણેલો. પૈઠણ લીધેલી એટલે. એ ટાઈમમાં 'થ્રી થાઉઝન્ડ રૂપીઝ' લીધેલા. '૨૩ની સાલમાં પૈણેલો. તે દહાડે બહુ મંદી, જબરજસ્ત, તોય ધામધૂમથી ચાર ઘોડાની ફેટીન હતી. અને ફેટીનને લાવીએ ને બધું વગાડે. અને પેલા દીવા હતા. ચૂનો ને બધું નાંખીને સળગાવે. પછી પૈણવા બેઠો તે માહ્યરામાં બેઠો એટલે પછી માહ્યરામાં હીરાબાને પધરાવી ગયા. એમના મામા કન્યાને પધરાવી જાયને ત્યારે એ ૧૩ વર્ષનાં અને હું ૧૫ વર્ષનો. તે ફેંટા ઉપર મોટો એ મૂકેલો ફૂલોનો, પેલું શું કહે છે એને ? ખૂંપ. એ ઉપર મૂકેલોને, તે એના ભારથી ફેંટો પેલો સુંવાળો એટલે ખસી ગયો. તે અહીં આંખ ઉપર આવી ગયો. એટલે હીરાબા દેખાયા નહીં. હું જાણું કે વહુને બેસાડીને જશે. પણ પેલું દેખાયું નહીં, એટલે મે

ં ખસેડી ખસેડીને જોયું. ત્યારે મહીંથી વિચાર આવ્યો, કે અરે છે તો રૂપાળાં. અને મેં પહેલેથી જોયેલાં. મારી સહમતી ફાધર મધર સમજી ગયેલાં. તે એક ફેરો મેં એમને જોયેલાં. એટલે પછી આ લોકો વાત કરેને, એટલે મનમાં હા, ના કશું બોલે નહીં. એટલે પેલા સમજી જાય કે છોકરો સમજે છે આ. એટલે એમનો માલેય વેચાયો. એમને ત્રણ હજાર રૂપિયા આવવાના થયા. અને મનેય વાંધો ના આવ્યો !

પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને !

પ્રશ્શનકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?

દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો ભાંગેને પૈડું, બળ્યું ? મંડાયું એ રંડાયા વગર રહે નહીં.

પ્રશ્શનકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય. એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?

દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે કાં તો મને આવશે.

પ્રશ્શનકર્તા : એટલે પછી લગ્નનો આનંદ જતો રહ્યો એ વિચારથી ?

દાદાશ્રી : આનંદ તો હતો જ નહીં. અહંકારનો જ આનંદ હતો. હું કંઈક છું, તેનો આનંદ હતો. લોકોને મોહનો આનંદ હોય. અમારાં સાસુ તો જો જો જ કર્યા કરે. ૧૫ વર્ષે મને ઊંચકી લીધેલો એ બઈએ. કેડમાં ઘાલેલા. સાસુને વહાલા લાગ્યા. આવા જમાઈ મળે નહીં. ગોળ ગોળ મોઢું લાડવા જેવું છે, એવું હઉ બોલેલા. એટલે હવે એ એના મોહમાં ને આપણે અહંકારના. પણ આ પૈડું ભાંગી જવાનું, આમાં રંડાપો આવવાનો જ. પછી શું થાય આપણને !!

'સમય વર્તે સાવધાન' સૂત્ર,

કલેશ સમે સાવધ તે આર્યપુત્ર!

બધાની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે 'સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, 'સમય વર્તે સાવધાન' તે ગોર સમજે, પરણનારો શું સમજે ? સાવધાનનો અર્થ શું ? તો કહે બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે. 'સમય વર્તે સાવધાન', તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. પણ લોકોને તો દાળમાં મીઠું વધારે પડ્યું, તે બધા ઉપર રો-કકળાટ, એમ નહીં કે આપણે એડજસ્ટ થઈએ. ત્યારે મુખ્ય વાત એ જ કે ભઈ આજ દાળમાં મીઠું વધારે છે, તો આપણે સમય આવ્યો એટલે સાવધ થઈ જવાનું અને જરા ઓછી ખાવાની પણ બુમાબૂમ નહીં કરવાની ને સમય વર્તે સાવધાન થવાનું એટલા સારું કહે છે, પણ સમય પ્રમાણે વર્તતા જ નથીને. બોલી ઊઠે તરત. અલ્યા મૂઆ, નાના છોકરાનેય ખબર પડશે, ખારી છે તે. ના ખબર પડે ? તે આ પહેલો બોલી જાય !

કલેશનું મૂળ કૉઝ અજ્ઞાનતા,

પરિણામે ત્યાં બરકત ખોતા!

પ્રશ્શનકર્તા : કલેશ થવાનું મૂળ કારણ શું ?

દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી.

પ્રશ્શનકર્તા : પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી ?

દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ 'જ્ઞાન' મળે તો તેને એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર !'.

જ્યાં કલેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, 'સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !!' જ્યાં કલેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું 'ગેરન્ટી' આપું છું. કલેશ થયો કે ભગવાન જતા રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. તમને ગમે છે કકળાટ ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તોય થઈ જાય છે ને ?

પ્રશ્શનકર્તા : કો'ક વાર.

દાદાશ્રી : તો એ તો દિવાળીય કો'ક દા'ડો જ આવે ને, કંઈ રોજ આવે છે એ !

પ્રશ્શનકર્તા : પછી પંદર મિનિટમાં ઠંડું પડી જાય, કકળાટ બેસી જાય.

દાદાશ્રી : આપણામાંથી કલેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં કલેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણા પુણ્યથી માણસપણું આવે, તેય હિન્દુસ્તાનનું માણસપણું અને તે પાછા અહીં (અમેરિકામાં) તમને, એ ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ઘી ખોળે છે તોય જડતું નથી અને તમને રોજ ચોખ્ખું જ મળે છે, મેલું ખોળો તોય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! તે પુણ્ય પણ, ખોટું દુરુપયોગ થાય પછી તો.

આપણા ઘરમાં કલેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, 'કલેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે કલેશ નથી કરવો !' ને આપણે નક્કી કરવું કે કલેશ નથી કરવો. નક્કી કર્યા પછી કલેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ કલેશ કરતો હોય તોય ઓઢીને સૂઈ જવું. એય થોડી વાર પછી સૂઈ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ?

કલેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે. ત્રણ દિવસના ઉપવાસ કરે છેને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધા ભેગાં થઈને નક્કી કરો કે 'દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે કલેશ આજથી ભાંગીએ !' પછી જુઓ.

પ્રશ્શનકર્તા : હિન્દુસ્તાનમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને આજુબાજુ, આડોશી-પાડોશી, એ બધાને લીધે ધણી-બૈરીમાં કકળાટ ને કલેશ વધારે હોય છે. જ્યારે અમેરિકામાં તો બીજું કોઈ નહીં, ધણી-ધણીયાણી બે જ. એટલે એકબીજાની જોડે વધારે એટેચમેન્ટ રહે છે અને સારી રીતે રહે છે, હિન્દુસ્તાન કરતાં.

દાદાશ્રી : ઘણું સારું કહેવાયને ! એ તો વખાણ કરવા જેવી વાત છે. એવું સારી રીતે રહેતા હોય તો ઘણું સારું કહેવાય.

પ્રશ્શનકર્તા : ભારતમાં એવું શા માટે ?

દાદાશ્રી : ભારતમાં તો ત્યાં કકળાટ જ રહેવાનો છે. કકળાટ જવા માટે અમારી જોડે બહુ ટચમાં રહેવું પડે ત્યારે અમુક માણસો કકળાટથી રહિત થયા પણ એકદમ કકળાટ નહીં જાય ભારતનો તો. કારણ કે સાસુ હોય, વડસાસુ હોય, કાકીસાસુ હોય, પાછા કો'ક દહાડો આવીને કહેશે, 'આ વહુ તો બોલાવતાંય નથી, હું તો માસીસાસુ થાઉં તારી...' મારે તારું શું કામ છે વગર કામનું. હું મારા ધણીને પૈણી છું. તું શું કરવા અહીં આગળ. મારે મારા ધણીનું કામ છે કે તમારું કામ છે તે ? પણ ત્યાં પેસી જાય, માસીસાસુ ને ફોઈસાસુ, બધા કેટલી જાતનાં લફરાં !

કમાતી પત્ની પૈસાનો પાવર,

ભીંત બની માણ પ્રેમનો 'શાવર'!

પ્રશ્શનકર્તા : અહીંયાં અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.

દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો ! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલા હોય તો સારું કે પાવરવાળા ?

પ્રશ્શનકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતા હોય તો સારું.

દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.

પ્રશ્શનકર્તા : તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.

દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને ?

પ્રશ્શનકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતા હોય ત્યારે.

દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.

પ્રશ્શનકર્તા : હં... નહીં તો વધારે વંઠે.

દાદાશ્રી : આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય, સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. અને આવી દશા કરી નાંખી, આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ? ગ્રીન કાર્ડવાળાને ! આવું કરવા હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં કલેશ હોય તે સંસ્કારી કહેવાય કે કલેશ ના હોય તે ?

પ્રશ્શનકર્તા : કલેશ ના હોય તે !

દાદાશ્રી : ત્યાર પછી આવું ? આપણે સંસ્કારી. પૈણવા જઈએ તો પૈઠણ આપે લોકો. કોના પર પૈઠણ આપે છે ? એના હારુ આપતા હશે કે ઘરમાં વાઈફને તમે બાંધીને મારવા હારુ આપતા હશે ? પહેલાં તો પૈઠણો શેની આપતા'તા, કે આ ઘરમાં તો કકળાટ જ નહીં બિલકુલ ! ઘરમાં કોઈ કકળાટ નહીં, કોઈને દુઃખ ના આપે, એ સ્થિતિ આપણને હોવી જોઈએ ને !

આ તો પહેલેથી નાનપણમાંથી છોકરાને ઉછેરતી વખતે લોકો એવું કહે, ચેક મલ્યો. એટલે આ ગાંડા ચક્કર થઈ જાય. આ તમે જાણો નહીં આ બધું ? આ ચેકો જોયેલા નહીં ?

પ્રશ્શનકર્તા : એ ના સમજાયું કે, એ ચેક એટલે શું ?

દાદાશ્રી : બીજા નાના ગામવાળા આવશે ને એ પૈઠણ બધી આપશે. ભલે છોકરાવાળા પાસે મિલકત નથી, ભલે ઓછી મિલકત છે, પણ ખાનદાન કુળ છે, કુળ સારું છે. અને સુગંધીય ખરી એમાં, ખોટું તો ના કહેવાય. ચોરી-બોરી ના કરે, લુચ્ચાઈઓ, કોઈને ફસવે કે એવું તેવું આ હોય નહીં. હલકાં કામ ના કરે. તે એના પૈસા આપે છે. એમ ને એમ આપે છે ? એ મોઢું જોવાના પૈસા આપે છે ? ના આ તો ખાનદાની હોય એની ! ખાનદાન એટલે શું ? કે બે બાજુ ઘસાય એનું નામ ખાનદાન. બે બાજુ ઘસાય એટલે શું ? ખરીદી કરવા જાય તો ત્યાં મનમાં એમ થાય કે શું આ ઓછું આપે છે ? પણ એ બિચારો કમાશે ને ! ઓછું લઈ આવે. અને પોતે, કો'ક લેવા આવ્યો હોય તેને વધારે આપે તે વખતે. વધારે થોડું જાય તો સારું બિચારાને ! એટલે બેઉ બાજુ ઘસાય એનું નામ ખાનદાન એટલે આ પૈઠણ તેની આપે છે.

એટલે આ નાનપણથી આવું પાણી પાય છે આ પાટીદારો છોકરાઓને. તમે સાંભળેલું નહીં એવું પાણી ? લોકો 'ચેક' બોલે એવું સાંભળેલું નહીં ?

પ્રશ્શનકર્તા : સાંભળેલું ને !

દાદાશ્રી : હં... એટલે પેલું મસ્તીમાં કૂદયા કરતું હોય. ખોટું પાણી આપે છે. યુઝલેસ પાણી ! એ તો માલ વેચ્યા બરાબર છે. એ તો આ માલ વેચ્યો ત્યાં આગળ. એ તો પછી મારા મનમાં એમ થયું કે આ તો વેચાયા કહેવાય ?

ગમ્મે તેવું નુકસાન કરતાં,

કલેશનો લોસ, બમણો ભરતાં!

એટલે બધા કોમન પ્રશ્શનો પૂછી લો, તમારા સંસાર વ્યવહારમાં ચાલુ પ્રશ્શનો પૂછી લેજો. બીજું, 'આ' જ્ઞાન આપીશ ત્યારે બધું નીકળી જશે, પણ કોમન પૂછી લો, કોમનની બહુ ભાંજગડ ના થાય. ઘરમાં કલેશ ઊભો થાય એવો હોયને, તોય એને કેમ કરીને ઉડાડી મેલવો, એ પૂછી લો !

પ્રશ્શનકર્તા : કલેશ ના થાય તેના માટે શું કરવાનું ? એનો રસ્તો શું ?

દાદાશ્રી : શેના માટે કલેશ થાય છે, એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.

પ્રશ્શનકર્તા : પૈસા માટે થાય છે, છોકરાઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.

દાદાશ્રી : પૈસા બાબતમાં શું થાય ?

પ્રશ્શનકર્તા : બચતા નથીને, વપરાઈ જાય છે બધા.

દાદાશ્રી : એમાં ધણીનો શો ગુનો ?

પ્રશ્શનકર્તા : કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈ વાર.

દાદાશ્રી : એટલે કલેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તોય કલેશ ના કરવો. કારણ કે કલેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતાં ડબલ કિંમતનો કલેશ થાય છે અને ચારસો ડૉલરનો કલેશ કરવો તેના કરતાં બસો ડૉલર ગયા એ ગયા. પછી કલેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.

કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્યૈ પાકે તો વારેય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહોને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ કલેશ કરીએને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો કલેશ થઈ જાય. એટલે કલેશ તો કરવો જ ના જોઈએ.

ઘરમાં એક તો કલેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું કલેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? કલેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું, પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએય આવું ના કરવું જોઈએ. તમારો કલેશ હોયને, તો છોકરાંનાં જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે કલેશ જવો જોઈએ. કલેશ જાય ત્યારે ઘરનાં છોકરાંય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયાં છે !

જે ઘેર ન કલેશ તેને નમસ્કાર,

ગાય જ્યાં દાદાના અસીમ જે' જે'કાર!

આખી જિંદગી બેઉ કકળાટ કરતાં હોય તે બેઉ નરકે જાય.

પ્રશ્શનકર્તા : બેમાંથી એક જ્ઞાન પામેલું હોય તો ?

દાદાશ્રી : એ તો ચેતી જાય. પેલો ભમરડો પછી નરમ પડી જાય. સામું, 'રીએક્શન' ના આવેને, પછી નરમ પડી જાય. એટલે એનુંય કલ્યાણ થાય. પણ બેઉ કકળાટ જ માંડતાં હોય તો કલ્યાણ ક્યારેય ના થાય.

પ્રશ્શનકર્તા : તેથી કૃપાળુદેવે લખ્યુંને જે ઘરમાં એક દિવસ પણ કલેશ ના હોય એને અમારા નમસ્કાર.

દાદાશ્રી : હા, નમસ્કાર.

પ્રશ્શનકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય એને ત્યાં પણ કલેશ ના થતો હોય, એ શું કહેવાય ?

દાદાશ્રી : એને દેવ જેવું કહેવાય, પણ એ શક્ય નથી આ કાળમાં ! કારણ કે કલેશ છેને, તે ચેપી રોગની પેઠ અસર કરે છે. ચેપી રોગ હોયને, એવી રીતે અસર કરે છે. ઘેર ઘેર પેસી ગયો છે કલેશ !

પ્રશ્શનકર્તા : જ્ઞાન ન લીધું હોય, તો એને ત્યાં જે કલેશનો અભાવ હોય અને અહીંયાં જ્ઞાન લીધા પછી જે કલેશનો અભાવ થાય એ બેમાં ફેર શું ?

દાદાશ્રી : પેલો તો કલેશનો જે અભાવ હતોને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતાં હતાં અને જ્ઞાન પછી આ સહજભાવે અભાવ રહે, પેલું કર્તાપણું છૂટી જાય.

પ્રશ્શનકર્તા : એવું બને નહીં કે કલેશ વગરનું હોય જ નહીં કોઈ દહાડો !

દાદાશ્રી : હવે માનો કે એકાદ હોય, તોય એ કર્તા હોય પોતે. ગોઠવણી કર્યા કરતાં હોય અને આખા ઘરમાં ચાર માણસ સારાં હોય ને એક જ જો કાબરીયું પેઠું તો એના ગોદાગોદથી બધાને કલેશ થઈ જાય પછી.

જ્યાં કલેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે ત્યાં કલેશ ના થાય. આ ઘેરઘેર કલેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઈએ છે કે શું કરવાથી કલેશ ના થાય, એટલું જ જો આવડી જાય તોય ધર્મ પામ્યા ગણાય. કલેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો સ્વર્ગની નજીકનું તો થવું જોઈએને ? ક્લેશરહિત થવું જોઈએ. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી. જેલની અવસ્થા હોય ત્યાં 'ડિપ્રેશન' નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં 'એલિવેશન' નહીં, એવું હોવું જોઈએ. કલેશ વગરનું જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો, તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઈએ છે. કારણ કે બંધન કોઈને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું.

અમે તો જ્ઞાન થયું, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ. પણ એનાં વીસ વર્ષ પહેલાંય ક્લેશ ન હતો, પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત.

ન રહે ક્લેશ તે સાચો ધર્મ,

ક્લેશિત ધર્મ બાંધે કુકર્મ !

આવા બધા રસ્તા છે ને ઊંધા રસ્તા પણ છે, પણ હાઈવેની વાત જુદી છે. બધા રસ્તા બીજા બહુ હોય હાઈવે કરતાં. હાઈવેની અંદર તો ઘરમાં બૈરી-છોકરાં બધાં હોય, તોય કલેશ ના થાય, ત્યારે જાણવું કે આપણે હાઈવે ઉપર છીએ. નહીં તો આડા ફાંટે ! રસ્તા બધા બહુ છે. એનું લેવલ કંઈક હોવું જોઈએને. અને ત્યાં આગળ હાઈવેમાં રહેવું આપણે. તમને બેન ખબર પડે કે ના પડે, કલેશ છે કે નહીં તે ?

પ્રશ્શનકર્તા : પડે.

દાદાશ્રી : એટલું જ જોઈ લેવાનું. અને કલેશ ના થાય તો જાણવું કે આપણે આ સાચા માર્ગ ઉપર છીએ, મુક્તિનો ધર્મ જુદો છે અને સંસારનો ધર્મ જુદો છે. સંસારનો ધર્મ સાચો ખરો. પણ એના ઘરમાં કલેશ ના રહે. અને જો કલેશ છે ને પછી કહે છે કે અમારો ધર્મ સાચો તો એ મતાર્થીઓ છે. મતનું જ રક્ષણ કરે છે. પોતાના આત્માનું રક્ષણ કરતા નથી. એટલે કલેશ ઘરમાં ના રહે ત્યારે જાણવું કે આપણે કંઈક ધર્મ પામ્યા. આ તો નકામું મનમાં માથે બોજો લઈને ફર્યા કરે છે. હું કંઈક કરું છું. હું ફલાણા ધર્મનો છું, વળી ફલાણા સંપ્રદાયનો છું. અલ્યા મૂઆ, ઘરમાં તો કલેશ બહુ છે. તમારાં મોઢાં દિવેલ પીધેલાં જેવાં દેખાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં મોઢાં ઉપર દિવેલ હોય ? પેલું મહીં કૈડ્યા કરે છે. તે આ ધર્મ સમજ્યા નથી એટલે !

કલેશ ને ધર્મ બે સાથે ચાલતા હોય તો કલેશ ઓછો થતો જવો જોઈએ. જો ઓછો થતો જાય તો જાણવું કે ધર્મની અસર થાય છે. પણ ઓછો જ ના થતો હોય તો શું ? અને જ્યાં કલેશ થાય ત્યાં અધર્મ જ છે. કમ્પલીટ અધર્મ, ધર્મના નામે તે અધર્મ જ કરી રહ્યા છે. તોય આવી દુનિયા ચાલે છેને !

એવું છે ને કે આ દુનિયામાં કલેશ અને કંકાસ એને લઈને આ દુનિયા ઊભી રહી છે. એ કલેશ ને કંકાસ બંધ થઈ જાય આપણા ઘરમાં તો પછી દુનિયાનો કંઈ નિવેડો આવી જાય. કલેશ-કંકાસ, તે આપણા મહાત્મા, ઘણા મહાત્માઓને ઘેર તપાસ કરી, બધાને પૂછી આવ્યો. ત્યારે કહે, અમારે ત્યાં કલેશ-કંકાસ હવે રહ્યો નથી. થોડો-ઘણો જરા સળગતા સળગતા પહેલાં ઓલવી નાખીએ છીએ. તે કોઈને ખબર ના પડે કે થઈ ગયો.

એક મહિનામાં બે દહાડા જ કલેશ થાય તોય બહુ થઈ ગયું. કલેશ-કંકાસ દુનિયામાં હોવો ના જોઈએ. અમદાવાદમાં પૂછી જોઈએ તો કેટલાંય ઘરો નીકળશે, કલેશ-કંકાસ વગરનાં આપણા મહાત્માઓનાં !

પહેલાં તો હેંડતા-ચાલતાંય બહાર કોઈકની જોડે વઢીને આવ્યો હોય, અગર બોસે એને ટૈડકાવ્યો હોય તો અહીં ઘેર આવીને બૂમો પાડે. અલ્યા, સારું સારું જમવાનું છે તે જમી લે ને પછી બોલ. પણ ના, આ પહેલાં જ પગ પછાડે મૂઓ. તે વાંકો જ મૂઓ છે ને ! તમે જોયેલા કે નહીં એવા કોઈ જગ્યાએ ?

પ્રશ્શનકર્તા : એ તો જોયેલા, બધે જોયેલા મેં. પોતાનુંય જોયેલું. સહુને ત્યાં વાસણ ખખડે જ ને !

દાદાશ્રી : એ મને એ બહુ કંટાળો આવે કે બળ્યું જીવનમાં ખાઓ પીઓ ને આ શું ? ઘરનું ખાઈને ઘરમાં કચકચ કરવી....

અમારા મોટાભાઈ, તે અમારાં ભાભી છે તે સ્ટવ સળગાવવા ગયાં, મહેમાન આવેલા. તે ભાઈને કંઈ સહેજ ઉતાવળ હશે, એટલે ચા જલદી મુકાવી. ભાભી સ્ટવમાં પીન નાખે અને કંઈ ભરેલું હશે એટલે નીકળ્યો નહીં કચરો. મહીં ફૂંકાફૂંક કરે, પણ તે દહાડે સ્ટવ બરોબર ચાલ્યો નહીં. આ તો સાઈઠ વર્ષ (પહેલાં)ની વાત કરું છું. પછી અમારા ભઈએ શું કર્યું ? એ તો ગુસ્સે થઈને સ્ટવ ને બધું બહાર ફેંકી દીધું, હડહડાટ ! સળગતો સ્ટવ ફેંકી દીધો. અને કપરકાબીય ફેંકી દીધા. બધા મહેમાન તો અંદર બેઠેલા, તે મેં કહ્યું, હવે શું કરશો ત્યારે કહે, શું કરીશું હવે ચાનું પેલું ? તો ચા પાછલે બારણેથી જઈને લઈ આવ હૉટલમાંથી, ક્યાંકથી. મેં કહ્યું, હૉટલમાંથી ના લાવું અહીં, સ્ટવ લઈ આવું છું જોડેવાળાનો. પણ આ કપરકાબી ફોડી નાખી તે ના ફોડી નાખત તો ચાલત જ ને ! આવું બધું કર્યું. બધાં કપરકાબી નાખી દીધાં. શું આમને શોભે ? અને ભાભી, એય શું કરે તે ? સ્ટવ ખરાબ હોય તો શું કરે ?

પ્રશ્શનકર્તા : પણ એ સમજે નહીંને !

દાદાશ્રી : ના, પણ એવા કેવા મહેમાન, કે ભગવાન કરતાંય મોટાં ? મહેમાનને કહી દઈએ, કે ભઈ સ્ટવ સળગતો નથી. કોઈ હોશિયાર છો, મને જરા સળગાવી આલોને, કહીએ. અલ્યા કંઈ ગોઠવી નાખ ને. આપણો ભાવ છે એને ચા પાવાનો. મહેમાન આગળ આબરૂ જાય, તે આબરૂ સ્થિર કરવા શું ઘરમાં કલેશ કરવો ?

આ નકશા એમ કંઈ ભૂલી જઉં ઓછો ? આ નકશા કંઈ ભૂલી જવાય ? આ બધા નકશા જોયેલા હોયને !

પ્રશ્શનકર્તા : જોયેલા હોય.

દાદાશ્રી : તે સળગતો સ્ટવને બહાર પડેલો જોયેલો. ને કપરકાબીને ફૂટી ગયેલાં જોયેલાં !

પ્રશ્શનકર્તા : ફેંકવાથી બધો કચરો નીકળી જાય ઘણીવાર.

દાદાશ્રી : અમારા ભઈએ કર્યું એવું પણ કચરો ના નીકળ્યો, પછી ભાભી કહે છે, એ તો ના કહે છે, પણ તમે લઈને આવો ને બળ્યા ! કપ તો લઈ આવો, મહીં કપરકાબી, કપ તો લાવવા પડેને. સ્ટવ તો સમો કરાવીને પછી વાપરતાં'તાંને. ત્યારેય કંઈ એમ ને એમ મફત આપતા'તા ? સાત રૂપિયા લેતા હતા પિત્તળના સ્ટવના !

પ્રશ્શનકર્તા : તે દિવસે સાત રૂપિયા સહેલા નહોતા.

દાદાશ્રી : હા.

જ્યાં લે 'દાદા ભગવાન'નું નામ,

ન રહે કલેશ જ્ઞાનીથી મુક્તિધામ!

કલેશથી કોઈ મુક્ત થાય નહીં જગતમાં. જ્ઞાની પુરુષ એકલા જ મુક્ત કરાવડાવે.

એ તમે આવડા મોટા થયા ત્યારે ઉપાય ખોળી કાઢેલો નહીં ?

પ્રશ્શનકર્તા : ના દાદા, હું સાચી વાત કરું છું.

દાદાશ્રી : મારી પાસે તો બધાય સાચી વાત કરે. પણ કલેશ કાઢવો પડે ને, એનો નિકાલ કરવો જ પડે ને.

પ્રશ્શનકર્તા : હા, કાઢવો પડે.

દાદાશ્રી : હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે.

એ ના કરે તો તું કલેશ નહીં કરું ને !

પ્રશ્શનકર્તા : તો હું નહીં કરું.

દાદાશ્રી : હા, ત્યારે બસ થયું. બસ બેઉ જણનું સમાધાન થઈ ગયું.

એજ્યુકેટેડ લોકો જ અત્યારે ઘેર ઝઘડો વધારે કરે છે ! એજ્યુકેટેડ કોનું નામ કહેવાય, કે સવારથી સાંજ સુધી એના ઘરમાં સહેજ ક્લેશ ના હોય !

પ્રશ્શનકર્તા : તો એવું ના થાય કે એક પાર્ટી સમજ્યા જ કરે અને એક છે તે ડોમિનેટ કર્યા કરે એટલે વન વે જેવું ના થઈ જાય ?

દાદાશ્રી : ના, એવું ના થાય. બેઉ સમજી જાય. અને તે આપણે ધીમે રહીને વાતચીત કરીએ કે જો હું સમજી ગયો છું અને તમે હજુ પૂરેપૂરું સમજી નથી લીધેલું લાગતું, તો સમજી લો પૂરેપૂરું આપણે. ફરી આપણી ભાંજગડ ન થાય. અને દાદાજી કહેતા હતા એવું ક્લેશ ના થાય. ઘરમાં ક્લેશ નહીં ત્યાં ભગવાન અવશ્ય હોય જ, ભગવાન ત્યાંથી ખસે નહીં. કો'ક ફેરો એમ કરતાં સ્લિપ થઈ ગયું અને ક્લેશ થઈ ગયો તો બેઉ જણે બેસી અને ભગવાનના નામ પર પસ્તાવો કરવો કે ભઈ, હવે નહીં કરીએ. અમારાથી ભૂલચૂક થઈ. માટે તમે અહીંથી ઊઠશો નહીં હવે, જશો નહીં, કહીએ.

ખોટ, ઉદયકર્મને આધીન,

કલેશ થવો અજ્ઞાન-આધીન!

પ્રશ્શનકર્તા : ઉદયકર્મને આધીન હશે, કંકાસ થવાનું ?

દાદાશ્રી : ના, અજ્ઞાનથી ઉભો થાય છે, ક્લેશ ! ક્લેશ ઉભો થાયને, તે બધા નવાં કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી.

પ્રશ્શનકર્તા : ઉદયકર્મ ક્લેશવાળું નથી હોતું ?

દાદાશ્રી : એ હોઈ શકે જ નહીંને. અજ્ઞાનતાથી, પોતે અહીં કેમ વર્તવું એ જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય છે. અત્યારે મારે અહીં ખાસ ફ્રેન્ડ હોય, તો ઓફ થઈ ગયા એવી ખબર અહીં આવીને મને આપે, એટલે તરત જ શું થયું, આ જ્ઞાનથી એને નિવેડો આવી જાય, એટલે પછી ક્લેશ થવાનું કંઈ કારણ જ નહીંને. આ તો અજ્ઞાનથી મૂંઝાય કે મારો ભાઈબંધ મરી ગયો ને બધું પછી કલેશ થઈ જાય. કલેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી કલેશ બધો ઊભો રહ્યો છે. અજ્ઞાનતા જાય એટલે કલેશ દૂર થઈ જાય.

પ્રશ્શનકર્તા : એટલે કલેશ ઉત્પન્ન થાય એ પહેલાં જ ઉદયકર્મને આપણે જોઈ લેવા જોઈએ ?

દાદાશ્રી : જોઈ લેવાનો સવાલ નથી. મહીં છે તે આ શું છે એ જાણી લેવું જોઈએ. આ શું છે ? હું કોણ ? આ બધું શું છે ? એ જાણી લેવું જોઈએ, સાધારણ રીતે. આપણે એક માટલી હોય, તે માટલી હોય તે છોકરો ફોડી નાખે, તોય આપણને કોઈ કલેશ કરતું નથી ઘરમાં અને કાચનું આવડું વાસણ હોય તે બાબો ફોડી નાખે તો ? ધણી શું કહે બૈરીને, કે તું સાચવતી નથી આ બાબાને. તે મૂઆ, માટલીમાં કેમ ન બોલ્યો. કારણ કે એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ નથી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતા ને કિંમતવાળામાં જ કલેશ કરીએ છીએને ! વસ્તુ તો બેય ઉદયકર્મને આધીન છે, ફુટે છે તે. પણ જો આપણે માટલી પર ક્લેશ નથી કરતાં એનું શું કારણ ? એટલે ક્લેશ ઉદયકર્મને આધીન નથી. એ અજ્ઞાનતાને આધીન છે.

પ્રશ્શનકર્તા : હા, અજ્ઞાનતાને આધીન છે ! પણ ક્લેશ થવો અથવા એવી કોઈ પ્રક્રિયા થવી એ માનસિક પ્રક્રિયા નથી ?

દાદાશ્રી : ક્લેશ એ માનસિક છે, પણ અજ્ઞાનને આધીન છે એટલે શું ? કે એક માણસને બે હજાર રૂપિયા ખોવાઈ જાય તે એને માનસિક ચિંતા ઉપાધિ થાય તે બીજા માણસને ખોવાઈ જાય તો બીજો કહેશે, મારા કર્મના ઉદય હશે તે પ્રમાણે થયું હવે. તે આમ જ્ઞાન હોય, સમજણ હોય તો નિવેડો લાવે ! નહીં તો ક્લેશ પૂર્વ જન્મનો કંઈ ઉદયકર્મનો ક્લેશ નથી હોતો. ક્લેશ તો અજ્ઞાનતાનું ફળ છે.

પ્રશ્શનકર્તા : એકઝેક્ટલી, બન્નેના જાય છે બે હજાર તો પણ કષાય એકને નથી થતો.

દાદાશ્રી : કેટલાક માણસોને બે હજાર જતા રહે તોય કશું અસર ના થાય એવું બને કે ન બને ? કેટલાક માણસો બે હજાર જતા રહે, તે ખૂબ અસર થાય, તેવું જાણો ? એટલે કોઈ દુઃખ ઉદયકર્મને આધીન હોતું નથી. દુઃખો એ આપણા અજ્ઞાનતાનું ફળ છે.

કેટલાક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે અને એ શાંત રહી શકે છે. બહાર અને અંદર પણ શાંત રહી શકે છે. અને કેટલાકને એવું, અંદરેય દુઃખ ને બાહ્ય પણ દુઃખ દેખાડે. મૂળ અજ્ઞાનતા ને અણસમજણ ! એ તો સળગવાનું જ હતું. એમાં નવાઈ છે જ નહીં. માથા ફોડીને મરી જાય તોય એમાં ફેરફાર થવાનો નથી.

પ્રશ્શનકર્તા : કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય ?

દાદાશ્રી : પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે. નહીં તો નેગેટીવ જ જુઓને. આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે. આ પોતાની મિલો હોવા છતાંય ! માટે સમજવાની જરૂર છે.

જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને. કંઈ બધાને મોક્ષ હોતો નથી. પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને. ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો. કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છેને, તો સુખ ક્લેશમાં હોય ખરું ? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે, દુઃખ હોય ને તો એને બહાર કાઢે.

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12