ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8

દાદા ભગવાન કથિત

પૈસાનો વ્યવહાર

(૧)

લક્ષ્મીજીનું આવન-જાવન !

એકાગ્રતા શેમાં ?

પ્રશ્શનકર્તા : પ્રભુસ્મરણ કરીએ છીએ, પણ એકાગ્રતા મેળવવા માટે શું કરવું ?

દાદાશ્રી : પ્રભુસ્મરણ કરતાં એકાગ્રતા નથી રહેતી ?

પ્રશ્શનકર્તા : બરાબર થતી નથી, એવું લાગે છે.

દાદાશ્રી : બેન્કમાંથી પગાર લેવા જાવ છો ત્યારે ? રૂપિયા ગણતી વખતે એકાગ્રતા થાય છે ? કે નથી થતી ?

પ્રશ્શનકર્તા : થાય.

દાદાશ્રી : રૂપિયા, રૂપિયાની નોટો આપીને, દસ હજારની નોટો આપે, તો ગણો કે ના ગણો ? કે એમને એમ લઈ લો ?

પ્રશ્શનકર્તા : ગણવી પડેને !

દાદાશ્રી : તે ઘડીએ એકાગ્ર રહો ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એમાં એકાગ્રતા થાય છે તો પ્રભુમાં કેમ ના થાય ?

પ્રશ્શનકર્તા : એ ખબર નથી પડતીને !

દાદાશ્રી : ભગવાન ઉપર પ્રેમ ખરો ?

પ્રશ્શનકર્તા : ખરો.

દાદાશ્રી : પૈસા જેટલો ?

પ્રશ્શનકર્તા : પૈસા જેટલો જ.

દાદાશ્રી : અરે, પૈસા જેટલો ય નહીં. જો પૈસા જેટલો પ્રેમ ભગવાન ઉપર રાખતા હોય ને, તોય બહુ કલ્યાણ થઈ જાય. પેલું ગમે છે ને પ્રભુ ગમતા નથી. જ્યાં ગમે ત્યાં એકાગ્રતા થાય. તમને ગમતું થાય ત્યાં એકાગ્રતા થાય. ગમતું નથી એટલે પછી એકાગ્રતા કેમ થાય તે ?

રૂપિયા ગણતા હોય ને, તો છોકરું આવ્યું હોય તો એને જોયું ના જોયું કરી નાખીએ. કારણ કે આપણે ભૂલી જઈએ, સાચી વાત કે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : જો ત્યારે બધું ! પૈસામાં એકાગ્ર થયો. આમાં નથી થતો હજુ. પણ આ તો ભગવાન ઉપર જરાય રુચિ નથી.

ગરજ હોય, તેમાં....

પૈસા ગણતી વખતે ધ્યાન આઘુંપાછું ના થાય, એવું ધ્યાન રહેવું જોઈએ. ધ્યાન શાથી પૈસામાં રહે છે ને બીજામાં નથી રહેતું ? એનું કંઈ કારણ હશેને ? શું કારણ ?

પ્રશ્શનકર્તા : મોહમાયામાં ફસાય છે ?

દાદાશ્રી : જે કામમાં લાગવાનું છે ને, તેમાં ધ્યાન રહે, ભગવાન શું કામમાં લાગવાનો છે ? કામમાં લાગવાના હોય તેમાં ધ્યાન રહે કે ના રહે ? પૈસા કામમાં લાગવાના છે. કાલ સવારે તેલ લાવવાનું છે, ઘી લાવવાનું છે, ફલાણું લાવવું પડે, અને ભગવાન શું કામમાં લાગવાના ? ભગવાન કામમાં લાગવાના નહીં એટલે ધ્યાન ના રહે. જ્યારે એવી ગરજ ફૂટે, ભગવાનમાં જ ગરજ આવે ત્યારે ધ્યાન રહે. ગરજ નથી લાગી, ગરજ પૈસામાં છે.

પ્રીતિ, લક્ષ્મીની કે નારાયણની ?

આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં; નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે.

જ્ઞાની પુરુષ પાસે એક વખત દૂંટીએથી હસ્યા ત્યારથી જ મહીં ભગવાન જોડે તાર જોઈન્ટ થઈ ગયો. કારણ કે તમારી મહીં ભગવાન બેઠેલા છે. પણ અમારી મહીં ભગવાન સંપૂર્ણ વ્યક્ત થયા છે, જ્યારે તમારામાં વ્યક્ત નથી થયા, બસ એટલું જ છે. પણ શી રીતે વ્યક્ત થાય ? જ્યાં સુધી ભગવાન સામે સન્મુખ થયા નથી ત્યાં સુધી શી રીતે વ્યક્ત થાય ? તમે ભગવાનની સન્મુખ થયા હતા કોઈ દહાડોય ?

પ્રશ્શનકર્તા : આમ તો અમે લક્ષ્મી સામે સન્મુખ થયા છીએ.

દાદાશ્રી : એ તો આખું જગતેય લક્ષ્મી સામે સન્મુખ થયું છે ને ?

અને તમે શેઠ લક્ષ્મી સામે સન્મુખ થયા છો કે વિમુખ ?

પ્રશ્શનકર્તા : હું તો એનાથી ઉદાસીન છું.

દાદાશ્રી : એમ ? એટલે તમે સન્મુખે ય નહીં ને વિમુખે ય નહીં એવી રીતે ? ઉદાસીન એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. લક્ષ્મી આવે તો ય ભલે ને ન આવે તો ય ભલે ને ?!

કિંમત કોની વધુ ?

પરાણે ભગવાનની જોડે પ્રીતિ કરવા જઈએ એમાં શું વળે ? અને રૂપિયા જોડે જુઓને, કોઈ કહેતું નથી, તો યે પણ એકાગ્ર એટલો કે કશું તે ઘડીએ બૈરી-છોકરાં બધું ભૂલી જાય !

લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી ! લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભૂલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ?

પ્રશ્શનકર્તા : ખ્યાલ નથી આવતો.

દાદાશ્રી : નહીં ? સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ જે તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા થાય કેવી રીતે ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! જ્યાં રુચિ ત્યાં એકાગ્રતા. કાયદો કેવો ? રુચિ ત્યાં એકાગ્રતા. રુચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ?

માટે પ્રીતિ પૈસા ઉપર છે. જ્યાં પ્રીતિ હોય ત્યાં એકાગ્રતા રહે જ. ભગવાન ઉપર પ્રીતિ નથી. એટલી જ પ્રીતિ જો ભગવાન ઉપર થાય તો તેમાં એકાગ્રતા રહે.

પ્રશ્શનકર્તા : તો પૈસા ઉપરની પ્રીતિ હટાવવી કેવી રીતે ?

દાદાશ્રી : એ તો બેમાંથી કઈ કિંમત વધારે છે, એ કિંમત બધા લોકોને પૂછવી કે પૈસાની કિંમત વધારે છે કે ભગવાનની કિંમત વધારે છે ?! જેની કિંમત હોય ત્યાં પ્રીતિ કરો. અમારે પૈસાની જરૂર નહીં. કારણ કે અમારે ભગવાનની પ્રીતિ; ચોવીસેય કલાક ભગવાનની જોડે રહેવાનું. એટલે અમને પૈસાની પ્રીતિ ના હોય.

લક્ષ્મી વિના, 'ગાડી' ચાલે ?

પ્રશ્શનકર્તા : કોઈ માણસને જરૂરિયાત હોય એટલે પૈસાની પાછળ પડવું પડે છે ને !

દાદાશ્રી : પાછળ પડવાથી જો પૈસો થતો હોયને, તો આ મજૂરોને પૈસા પહેલાં મળે, કારણ કે આ તો પૈસા હારુ બાર કલાક પાછળ પડે છે.

પ્રશ્શનકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે. છતાં પણ એના વગર ચાલતું નથીને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઈએ.

દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી - ના મળવી એ પણ પોતાની સત્તાની વાત નથીને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી કરીને મરી જાય છે. છતાં માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.

લક્ષ્મી, અક્કલનું ઉપાર્જન ?

વાત તો સમજવી પડશે ને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહિ. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે. ખાલી પૈસા કમાવવા માટે નથી. પૈસા શેનાથી કમાતા હશે ? મહેનતથી કમાતા હશે કે બુદ્ધિથી ?

પ્રશ્શનકર્તા : બંનેથી.

દાદાશ્રી : જો પૈસા મહેનતથી કમાતા હોય તો આ મજૂરોની પાસે ઘણા બધા પૈસા હોય. કારણ કે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને ! અને પૈસા બુદ્ધિથી કમાતા હોય તો આ બધા પંડિતો છે જ ને ! પણ તે એમને તો પાછળ ચંપલ અડધું ઘસાઈ ગયેલું હોય છે. પૈસા કમાવા એ બુદ્ધિના ખેલ નથી કે મહેનતનું ફળ નથી. એ તો તમે પૂર્વે પુણ્યૈ કરેલી છે તેના ફળરૂપે તમને મળે છે. અને ખોટ એ પાપ કરેલું તેના ફળરૂપે છે. પુણ્યને અને પાપને આધીન લક્ષ્મી છે. એટલે લક્ષ્મી જો જોઈતી હોય તો આપણે પુણ્ય-પાપનું ધ્યાન રાખવું જોઈએ.

અક્કલવાળા તો, ભૂલેશ્વરમાં અર્ધા ચપ્પલ ઘસાયેલા બધા બહુ માણસો અક્કલવાળા છે. કોઈ માણસ મહિને પાંચસો કમાય છે, કોઈ સાતસો કમાય છે, કોઈ અગિયારસો કમાય છે. કૂદાકૂદ કરી મેલે છે કે 'અગિયારસો કમાઉં છું' કહે છે ! અરે પણ તારું ચંપલ તો અર્ધું ને અર્ધું જ છે. જો અક્કલનાં કારખાનાં ! એ કમઅક્કલના બહુ કમાય છે. અક્કલવાળો પાસા નાખે તો છત્તા પડે કે મૂરખ માણસના પાસા છત્તા પડે ?

પ્રશ્શનકર્તા : જેની પુણ્યૈ એના છત્તા પડે.

દાદાશ્રી : બસ, એમાં તો અક્કલ ચાલે જ નહિં ને ! અક્કલવાળાનું તો ઉલટું ઊંધું થાય. અક્કલ તો એને દુઃખમાં હેલ્પ કરે છે. દુઃખમાં કેમ કરીને સમોવડિયું કરી લેવું, એવી એને હેલ્પ કરે છે.

.... કે પુણ્યનું ઉપાર્જન ?

આ મોટામોટા ચક્રવર્તી રાજાઓ હતા તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તેય સૂર્યનારાયણેય ના જોયો હોય તો ય મોટું રાજ કરતા'તા. કારણ કે પુણ્ય કામ કરે છે.

પ્રશ્શનકર્તા : શાલિભદ્ર શેઠને પેટીઓ આવતી હતી ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : આ શાલિભદ્રને કહે છે કે ઉપરથી દેવો સોના મહોરની પેટીઓ રોજ આપતા તો એ સાચું ?

દાદાશ્રી : આપે. બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના આપે ? પુણ્ય હોય ત્યારે શું ના આપે ? અને દેવ જોડે ઋણાનુબંધ હોય, એમના સગાવહાલા ત્યાં ગયા હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ?

કોણ, કોની પાછળ ?

લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે, અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી પુણ્યૈ વગર લક્ષ્મી ના મળે.

એટલે ખરી હકીકત શું કહે છે કે તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા મારે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ?

પુણ્યશાળી તો કેવો હોય ? આ અમલદારો ય ઓફિસેથી અકળાઈને ઘેર પાછા આવેને, ત્યારે બાઈસાહેબ શું કહેશે, 'દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતા ?' આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાઓ ત્યાં 'આવો આવો ભાઈ' એવી રીતે ઉછરેલાં હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શું છે તે ? પાછું પુણ્યૈ ખલાસ થાયને એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તોય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહિ. ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો.

પ્રશ્શનકર્તા : એ તો પ્રારબ્ધવાદ થયો ને !

દાદાશ્રી : ના, પ્રારબ્ધવાદ નહિ. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી બીજાં તરફડિયાં શું કરવા માર માર કરે છે ? આમ ભેગા કરું ને તેમ ભેગા કરું ! જો તને ઘરમાં માન નથી, બહાર માન નથી, તો શાનો તરફડિયાં મારે છે ? અને જ્યાં જાય ત્યાં એને 'આવો બેસો' કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્યૈ લાવેલા હોય એની વાત જ જુદી હોય ને ?

આ શેઠ આખી જિંદગીના પચ્ચીસ લાખ લઈને આવ્યા હોય તે પચ્ચીસ લાખના બાવીસ લાખ કરે છે. પણ વધારતા નથી. વધે ક્યારે ? હંમેશા ય ધર્મમાં રહે તો. પણ જો પોતાનું મહીં ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે, એને એ જાણે છે કે આ રેતીમાંથી લક્ષ્મી આવે છે. એટલે એ રેતીને પીલ પીલ કરે છે. પણ કશું મળતું નથી. લક્ષ્મી એ તો પુણ્યનું ફળ છે. ખાલી પુણ્યનું જ ફળ છે. મહેનતનું ફળ હોત ને તો તો બધી મજૂરોના હાથમાં જ ગઈ હોત અને અક્કલનું ફલ હોત ને, તો આ લોખંડના વેપારી જેવા કોઈ અક્કલવાળા નહીં, તો બધી લક્ષ્મી ત્યાં ગઈ હોત. પણ એવું નથી. લક્ષ્મી એ તો પુણ્યૈનું ફળ છે.

લક્ષ્મી તો પુણ્યૈની આવે છે. બુદ્ધિ વાપરવાથી ય નથી આવતી. આ મિલમાલિકો ન શેઠિયાઓમાં છાંટો ય બુદ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ આવતી હોય ને એમનો મુનીમ બુદ્ધિ વાપર વાપર કરે, ઇન્કમટેક્ષની ઑફિસમાં જાય, ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય.

અક્કલવાળો મુનીમ કે શેઠ ?

લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યૈની કમાય છે. ગાંડો હોય તો ય પુણ્યૈથી કમાયા કરે.

એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, અમદાવાદમાં સ્તોને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી, એવો પલંગ, સામે ટિપોય ! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું, મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરાં જેવા એ બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે 'બે હજાર ગાંસડી લઈ લો', ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યૈને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યૈથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખો તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્યૈ ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજ્યા તેથી ? ના. ના સમજીને ભજ્યા તેથી ! કોઈની ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું. એ બધાથી પુણ્યૈ બંધાઈ. ભગવાનને ના સમજીને ભજે છતાં, અગ્નિમાં હાથ અણસમજણે ઘાલે તોય દઝાય ને

?

પાંસરી પરોક્ષ ભક્તિ ય પૈસો લાવે !

'પ્રત્યક્ષ' ના મળે ત્યાં સુધી 'પરોક્ષ' કરવું જોઈએ. પણ લોકોનો 'પરોક્ષ'ની સાચી ભક્તિ મળતી નથી. જો પરોક્ષની સાચી ભક્તિ મળતી હોત ને તો ઘેર કશી અડચણ આવે નહિ. કોઈ દહાડો ય એમ ના યાદ આવે કે મારે આ ખૂટી પડ્યું છે અને આ તો દસ દહાડા થાય કે 'આજે ખાંડ નથી, ઘાસલેટ નથી, ફલાણું નથી, એવું સાંભળવું પડે. બાસમતી ચોખા થઈ રહ્યા છે, હવે પેલા જાડા ચોખા લઈ આવો. ત્યારે શું કરીશું ? એટલે પરોક્ષ ભક્તિ પણ સાચી કરી હોય ને, તો કશું ખૂટે નહીં. વિચારવું પણ ના પડે કે મારે આ જોઈએ છે. વિચાર્યા વગર વસ્તુ આપણી ઉપર આવીને પડે અને પરોક્ષ ભક્તિ ના કરી તેથી તેનું ફળ શું આવ્યું ? કે વસ્તુ લેવા જાય, દોડધામ કરી મેલે, તો ય ભેગી થાય નહિ.

મજૂરોની શી દશા ?

કેટલાક મજૂરો આખો દહાડો મહેનત કરે, બિચારો સાંજના શેઠને કહેશે કે 'શેઠ મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે મેં તેમને કહ્યું કે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.' ત્યારે શેઠ કહેશે, 'હા, રોકડા આપીશ કહેલું.' પણ અત્યારે તો મારી પાસે સોની નોટ છે. લાવ પંચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે શું ?' એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો ? મજૂર છે ને ? ત્યારે શેઠનો તો શો દોષ છે ? અત્યારે ભોગવે છે તેનો દોષ છે. શેઠ પાંચ રૂપિયા નથી આપતા પણ ઉપરથી ટૈડકાવે છે. ગાળો દે છે, એમાં કોને ભોગવવું પડ્યું ? મજૂરને. તો મજૂરની ભૂલ છે, અને શેઠને ફળ આપશે ત્યારે શેઠની ભૂલ હશે. મજૂરને ટૈડકાવ્યો, ગાળો દીધી, દુઃખ દીધું, એનું ફળ એને આવશે. પેલાને તો એની ભૂલનું ફળ પાક્યું ને અત્યારે મળી ગયું, શેઠનું તો બંધાયું, તેનું ફળ ઉત્પન્ન થશે, પાકશે પછી વારો આવશે. ત્યાં સુધી શેઠનું તો ચાલ્યું.

સાધ્યો સહકાર, સર્વન્ટ સાથે ?

ત્યાં કેવી લાગણી આપણે રાખવી જોઈએ ? કે ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છુટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ. પેલો બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત કરે અને એના આવતાં પહેલાં આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય. એના આવતાં પહેલાં કહીએ કે લે ભાઈ તારા પાંચ રૂપિયા ! એક મિનિટે ય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય ત્યાર પછી જમવાનું બનાવે. અમારે તો કામ પર મજૂરો હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને બિચારાને તો મહાદુઃખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ મુકાય ?

પ્રકારો પુણ્યના

પુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે. એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાર્યું, કશું આઘાપાછા ના થયા તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો, એ બધી વ્યાખ્યા બધી ભૂલભરેલી છે.

લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યૈનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્યૈ કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું ? વાણીનીયે માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથીયે આગળ કયું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય. એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઈક જોઈએ.

પ્રશ્શનકર્તા : પણ એ મનુષ્યમાં એમ ન થઈ શકે.

દાદાશ્રી : મનુષ્યમાં હઉ થાય. કેમ ના થાય ? મનુષ્યમાં તો જોઈએ એટલું થાય.

પ્રશ્શનકર્તા : એ તો એમ કહેલું કે દેવલોકમાં એમ થાય ?

દાદાશ્રી : દેવલોકનું બધું સિદ્ધ થાય પણ અહીંયા ય કોઈ કોઈ સંકલ્પસિદ્ધિ થઈ જાય. બધું થાય. આપણું પુણ્ય જોઈએ. પુણ્ય નથી. પુણ્ય ખૂટી પડ્યાં છે.

જેટલી મહેનત એટલો અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે !

દુઃખ કોને કહેવાય ?

સંસાર એ વગર મહેનતનું ફળ છે. માટે ભોગવો, પણ ભોગવતાં આવડવું જોઈએ. આ જગતમાં તો ભગવાને કહ્યું કે જેટલી આવશ્યક ચીજ છે એમાં જો તને કમી થાય તો દુઃખ લાગે, સ્વાભાવિક રીતે. અત્યારે હવા જ બંધ થઈ ગઈ હોય એને શ્વાસોશ્વાસ અને ગુંગળામણ થતી હોય તો આપણે કહીએ કે દુઃખ છે આ લોકોને. શ્વાસોશ્વાસ ને ગુંગળામણ થાય એવું વાતાવરણ થયું હોય તો દુઃખ કહેવાય. બપોર થાય. બે-ત્રણ વાગતાં સુધી ખાવાનું ના થાય તો આપણે જાણીએ કે આને દુઃખ છે કંઈ. જેના વગર શરીર જીવે નહીં એવી આવશ્યક ચીજો, એ ના મળે તો એને દુઃખ કહેવાય. આ તો છે, ઢગલેબંધ છે, બળ્યું એને ભોગવતાં ય નથી ને બીજી વાતમાં જ પડ્યાં છે. એને ભોગવતા જ નથી. ના કશુંય નહીં, એના બાપના સમ જો ભોગવ્યું હોય તો, કારણ કે એક મિલમાલિક જમવા બેસે તો બત્રીસ ભાતની રસોઈ હોય, પણ એ મિલમાં મૂઓ હોય. શેઠાણી કહે કે ભજિયાં શાનાં બનાવ્યા છે ? ત્યારે કહે, મને ખબર નથી, તારે પૂછપૂછ ના કરવું. એવું બધું છે આ.

લક્ષ્મીવાન અંતે, તો....

લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. આમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડે જોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને ! એ આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય, એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈની ય ના પડેલી હોય, લક્ષ્મી એકલાની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી પેલી તિર્યંચ ગતિમાં લઈ જાય કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને. પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે. દાનેશ્વરી છે એટલે આ ફાવ્યા. નહીં તો ભગવાનને ત્યાં આ પણ મજૂર જ ગણાત.

વાપરે એનું નાણું !

આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં ય હોય ને મહેનત કરનારાં ય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનરાંમાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે.

એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્યૈ ભોગવતો હોય એમાં આપણે શું કરવા ડખો કરીએ ?' ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યા નથી કરવા ?' મેં કહ્યું, 'જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક, શેઠ આવ્યા, શેઠ આવ્યા, કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું.

લક્ષ્મીના જાપ જપાય ?

અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી. તે પુણ્ય એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કેમ કહેવાય તે ? સુખ તો પૈસાનો વિચાર ના આવે તેનું નામ સુખ. અમને તો વર્ષમાં એકાદ દિવસ વિચાર આવે કે ગજવામાં પૈસા છે કે નહીં.

પ્રશ્શનકર્તા : બોજારૂપ લાગે ?

દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહિ. પણ અમને એ વિચાર જ ના હોય ને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય છે. જેમ ખાવાપીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ? કે સવારથી વિચાર લઈને બેસો છો ? માળા ફેરવફેરવ કરો છો ? કે 'ખાવાનું થશે કે નહીં થાય ? ખાવાનું મળશે કે નહીં મળે ?' એવું કર્યા કરો છો ? આ ખાવા માટે જાપ નથી કરવો પડતો ? કે સવારના પહોરમાં ઊઠીને જાપ કરો છો ?

પ્રશ્શનકર્તા : કો'કને જાપ થતો પણ હોય.

દાદાશ્રી : કો'કની શું કામ ભાંજગડ કરો છો ? તમને કોઈ દહાડો થયેલો ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આ નાહવાનું પાણી ગરમ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, એ રાતના વિચાર કરીએ, સવાર સુધી, તો એ જાપ કરવાની જરૂર પડે છે ? તો ય સવારના ગરમ પાણી નહાવા માટે મળે છે કે નથી મળતું ?

પ્રશ્શનકર્તા : મળે છે.

દાદાશ્રી : એવું છે, જે નેસેસિટી છે, એ નેસેસિટી એના ટાઈમે આવે જ છે. એનું ધ્યાન કરવાની જરૂર નથી. તેથી તો કહ્યું છે ને, લક્ષ્મી એ તો હાથનો મેલ છે. જેમ પરસેવો આવ્યા વગર રહેતો નથી, તેમ લક્ષ્મી આવ્યા વગર રહેતી નથી. કોઈને વધારે પરસેવો આવે, કોઈને ઓછો પરસેવો આવે, એવું કોઈને લક્ષ્મી વધારે આવે, ને કોઈને ઓછી લક્ષ્મી આવે. વાત તો સમજવી પડશે ને ?

એવો નિયમ, 'વ્યવસ્થિત' નો !

ભગવાન શું કહે છે કે, તારું ધન હશે ને, તો તું ઝાડ રોપવા જઈશ અને તને જડી આવશે. તેના માટે જમીન ખોદવાની જરૂર નથી. આ ધન માટે બહુ માથાકૂટ કરવાની જરૂર નથી. બહુ મજૂરીથી તો માત્ર મજૂરીનું ધન મળે. બાકી લક્ષ્મી માટે બહુ મહેનતની જરૂર નથી. આ મોક્ષ પણ મહેનતથી ના મળે. છતાં, લક્ષ્મી માટે ઓફિસે બેસવા જવું પડે એટલી મહેનત. ઘઉં પાક્યા હોય કે ના પાક્યા હોય, છતાં તારી થાળીમાં રોટલી આવે છે કે નહિ ? 'વ્યવસ્થિત' નો નિયમ જ એવો છે !

સાચી લક્ષ્મી ક્યાં આવે ?

દુનિયાનો કાયદો એવો છે કે, હિન્દુસ્તાનમાં જેમ બરકત વગરનાં માણસ પાકે તેમ લક્ષ્મી વધતી જાય અને બરકતવાળો હોય તેને રૂપિયા ના આવવા દે. એટલે આ તો બરકત વગરના માણસોને લક્ષ્મી ભેગી થઈ છે. ને ટેબલ ઉપર જમવાનું મળે છે. ફક્ત કેમ ખાવું-પીવું એ નથી આવડતું.

આ કાળના જીવો ભોળા કહેવાય. કોઈ લઈ ગયું તોય કશું નહીં. ઊંચી નાત, નીચી નાત, કશું પડેલી નહીં. એવાં ભોળા એટલે લક્ષ્મી બહુ આવે. લક્ષ્મી તો બહુ જાગ્રત હોય તેને જ ના આવે. બહુ જાગ્રત હોય એ બહુ કષાય કર્યા કરે. આખો દહાડો કષાય કર્યા કરે. આ તો જાગ્રત નહીં, કષાય જ નહીં ને, કોઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ્મી આવે ત્યાં, પણ વાપરતાં ના આવડે. બેભાનપણામાં જતી રહે બધી.

ફોરેનવાળા જેવા ભોળા થઈ ગયા છે આપણા લોકો. તેથી લક્ષ્મી આવે. આ સાચી લક્ષ્મી નથી આવતી. ભોળાની લક્ષ્મી ! સાચી લક્ષ્મી તો જાગૃતિમાં રહે, અને દિલદાર ભોળો હોય. એ ભોળો જાણીને જવા દે બધું. એ લક્ષ્મી છે તે પુણ્યાનુબંધી પુણ્યની હોય અને આમને તો ભાન જ નથીને ! આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી. શાંતિ ઘડીવાર ના આપે અને મૂર્ચ્છિત જ હોય આખો દહાડો.

લક્ષ્મી છતાં અશાંતિ શાને ?

આ નાણું જે છે ને અત્યારે, આ નાણું બધું જ ખોટું છે. બહુ જૂજ, થોડું સાચું નાણું છે. બે જાતની પુણ્યૈ હોય છે. એક પાપાનુબંધી પુણ્ય કે જે અધોગતિમાં લઈ જાય, એ પુણ્ય અને જે ઉર્ધ્વગતિમાં લઈ જાય એ પુણ્યાનુબંધી પુણ્ય. તે એવું નાણું બહુ ઓછું રહ્યું છે. અત્યારે આ રૂપિયા જે બહાર બધે દેખાય છે ને, તે પાપાનુબંધી પુણ્યના રૂપિયા છે, અને એ તો નર્યાં કર્મ બાંધે છે, અને ભયંકર અધોગતિમાં જઈ રહ્યાં છે. પુણ્યાનુબંધી પુણ્ય કેવું હોય ? નિરંતર અંતરશાંતિ સાથે જાહોજલાલી હોય, ત્યાં ધર્મ હોય.

આજની લક્ષ્મી પાપાનુબંધી પુણ્યૈની છે, એટલે તે કલેશ કરાવે એવી છે, એના કરતાં ઓછી આવે તે સારું. ઘરમાં કલેશ તો ના પેસે. આજે જ્યાં જ્યાં લક્ષ્મી પેસે છે ત્યાં કલેશનું વાતાવરણ થઈ જાય છે. એક ભાખરી ને શાક સારું પણ બત્રીસ જાતની રસોઈ કામની નહીં. આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે.

આવતી લક્ષ્મીમાં પોતે હકદાર કેટલો ?

અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્યકાળમાં જીવો કેવા હોય તે ? કકળાટવાળા, આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં.

મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું, 'ઘરમાં કલેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !' મેં ક્હયું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યાં નહીં ?' બેન કહે, 'ના તોય કાઢવાનાં, પાઉં ને માખણ ચોપડતાં જવાનું.' તે ક્લેશે ય ચાલુ ને નાસ્તા ય ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાઓ છે ?!

પ્રશ્શનકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ?

દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયો ય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય, ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, 'પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્મકટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે.

લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી. પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય.

સુગંધીસહિતના લક્ષ્મીવાન !

લક્ષ્મીજી હમેશાં સુગંધ સહિતની હોય તો ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો છે. મુંબઈમાં આટલા લક્ષ્મીવાન છે પણ સુગંધ આવી કોઈની ય ?

પ્રશ્શનકર્તા : કોઈક તો હશે ને ?

દાદાશ્રી : 'હશે' એવું બોલવું બહુ જ જોખમકારક છે. કાં તો 'ના' બોલો ને કાં તો 'છે' બોલો. 'હશે' એવું પોલું બોલવું એ ભયંકર જોખમ છે. પોલને લઈને તો જગત આવું રહ્યું છે. 'જેમ છે તેમ' બોલો ને તપાસ તો કરો, ને કહી દો કે ભાઈ, મારી તપાસમાં અત્યાર સુધી કોઈ નથી આવ્યો. આપણને કહેવાનો રાઈટ કેટલો ? કે આજ સુધી મારી જિંદગીમાં ફર્યો પણ મને હજુ કોઈ એવા મળ્યા નથી. બાકી સુગંધી સહિતની લક્ષ્મી હોય નહીં. અત્યારે આ કાળમાં હોય તો બહુ જૂજ હોય, કો'ક જગ્યાએ હોય.

સુગંધ સહિતની લક્ષ્મી !

પ્રશ્શનકર્તા : સુગંધી સહિતની લક્ષ્મી, એ કેવી લક્ષ્મી હોય ?

દાદાશ્રી : એ લક્ષ્મી આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. ઘરમાં સો રૂપિયા પડ્યા હોય ને તો આપણને સહેજે ય ઉપાધિ ના કરાવડાવે. કોઈ કહેશે કે કાલથી ખાંડનો કંટ્રોલ આવવાનો છે, તો ય મનમાં ઉપાધિ ના થાય. ઉપાધિ નહીં, હાયવોય નહીં. આમ વર્તન કેવું સુગંધીવાળું, વાણી કેવી સુગંધીવાળી, અને એને પૈસા કમાવાનો વિચાર જ ના આવે એવું તો પુણ્યાનુબંધી પુણ્ય હોય. પુણ્યાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી હોય તેને પૈસા પેદા કરવાના વિચાર જ ના આવે. આ તો બધી પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. આને તો લક્ષ્મી જ ના કહેવાય ! નર્યા પાપના જ વિચાર આવે, 'કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને ભેગું કરવું' એ જ પાપ છે. ત્યારે કહે છે કે, આગળના શેઠિયાને ત્યાં લક્ષ્મી હતી એ ? એ લક્ષ્મી ભેળી થતી હતી, ભેળી કરવી પડતી નહોતી. જ્યારે આ લોકોને તો ભેળું કરવું પડે છે. પેલી લક્ષ્મી તો, સહજભાવે આવ્યા કરે, પોતે એમ કહે કે, 'હે પ્રભુ ! આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન હો' છતાંય એ આવ્યા જ કરે. શું કહે કે આત્માલક્ષ્મી હો પણ આ રાજલક્ષ્મી અમને સ્વપ્ને પણ ના હો. તોય તે આવ્યા કરે, એ પુણ્યાનુબંધી પુણ્ય. એને લક્ષ્મી તો ઢગલાબંધ આવે, આવવાની કમી ના હોય. વિચાર જ કોઈ દહાડો ના કર્યો હોય ને ઊલટા કંટાળી ગયેલા હો

ય કે હવે જરા ઓછું આવે તો

સારું પણ તોય લક્ષ્મી આવે. તે લક્ષ્મી આવે એનો નિવેડો તો લાવવો પડે ને ? એટલે શું કરવું પડે ? હવે નિવેડો લાવવામાં બહુ મહેનત પડી જાય. એ કંઈ ઓછી રસ્તામાં નાંખી દેવાય ? હવે એ નિવેડો કેવો હોય કે એનાથી લક્ષ્મી પાછી આવીને એવી જાય ને પાછી ફરી ઊગી ઊગીને આવે પાછી.

ખપે રાજલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી ?

આ બધું ડિસ્ચાર્જ છે. થઈ ગયેલું છે. એને હવે તું શું કરવાનો છે ? આ તને ઑર્ડર મળે છે તે બધું પુણ્યૈ છે. અને ઑર્ડર ના મળે એ તો પાપનો ઉદય હોય તો જ ઑર્ડર ના મળે. હવે આમાં પાછું કાવતરાં કરે, જે મળવાનું જ છે, તેમાં કાવતરાં કરે, ટ્રિકો અજમાવે. ટ્રિકો અજમાવે કે ના અજમાવે ? ભગવાનને કંઈ ટ્રિકો આવડતી હશે ? ભગવાને તો આ શું કહ્યું કે, 'આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ના હો,' કારણ કે રાજ જેવી સંપત્તિ હોય, એના માલિક થવા જાય તો પછી મોક્ષે શી રીતે જાય ? એટલે એ સંપત્તિ તો સ્વપ્ને પણ ના હો !

પ્રશ્શનકર્તા : મોક્ષે કેમ ના જવા દે ?

દાદાશ્રી : શી રીતે મોક્ષે જવા દે ? આ ચક્રવર્તીઓ બધું ચક્રવર્તી રાજ છોડીને જતા રહે ત્યારે મોક્ષે જવાય; નહીં તો ચિત્ત તો બધામાં ઘૂસેલું હોય. તે દહાડે કંઈ અક્રમ વિજ્ઞાન હતું ? ક્રમિક માર્ગ હતો. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે નિરાંતે જ્ઞાનની ગોઠવણી કરીને સૂઈ જઈએ ને આખી રાત મહીં સમાધિ રહે.

પ્રશ્શનકર્તા : આપે કહેલું ને કે સારા કુટુંબમાં જન્મેલા હોય એટલે બધું લઈને જ આવ્યા હોય એટલે માથાકૂટ વધારે કરવા માટે રહી નહીં, એવું ખરું ને ?

દાદાશ્રી : હા. બધું લઈને જ આવ્યો હોય પણ તે વ્યવહાર ચલાવવા પૂરતું, પોતાનું બધું ચાલે એટલું જ. બાકી કરોડાધિપતિ તો કોઈક જ થઈ જાય.

પ્રશ્શનકર્તા : ચક્રવર્તી રાજાઓ પણ છેલ્લે મોક્ષે જવાનું જ વધારે ઇમ્પોર્ટન્ટ ગણતા હતા ને ! અગત્યનું મોક્ષ જ છે. ચક્રવર્તીપણામાં સુખ નથીને ?

દાદાશ્રી : અગત્યનો મોક્ષ છે એવું નથી, એ ચક્રવર્તીનું પદ એટલું બધું એમને કૈડે કે મનમાં થાય કે ક્યાંક નાસી જઉં હવે ? તેથી મોક્ષ સાંભરે. કેટલો બધો પુણ્યશાળી હોય તો ચક્રવર્તી થાય, પણ ભાવ તો મોક્ષે જવું એવો જ હોય. બાકી પુણ્યૈ તો બધી ભોગવવી જ પડેને !

ઇચ્છાઓ શેષની શેષ કેમ ?

પ્રશ્શનકર્તા : આટલા બધા ભવમાં આ બધું ભોગવ્યું, રાજેશ્રી થયા, છતાં ઇચ્છાઓ બાકી રહી જાય છે એનું કારણ શું હશે ?

દાદાશ્રી : કોઈ દહાડો ભોગવેલું છે ?(!) આ ખાલી દેખાય છે એટલું જ છે, જ્યારે સામે જોઈએ છીએ ત્યારે ભોગવાતું નથી. આપણને પાવાગઢ ક્યાં સુધી સારો લાગે ? કે આપણે નક્કી કર્યું, અમુક દહાડો પાવાગઢ જવું છે. ત્યારથી મહીં પાવાગઢને માટે બહુ આકર્ષણ રહ્યા કરે. પણ પાવાગઢ જઈએ ને જોઈએ એટલે આકર્ષણ તૂટી જાય.

પ્રશ્શનકર્તા : એટલે આપણને આ ટેસ્ટ હજુ થયો નથી ? આજે લક્ષ્મી ભોગવવાનો કે વિષય ભોગવવાનો ટેસ્ટ હજુ પૂરો થયો નથી ? એથી એના વિચારો આવે છે ?

દાદાશ્રી : એવું છે, આ ગયા અવતારે શ્રીમંતનો અવતાર હોય, હવે શ્રીમંત એટલે સ્ત્રી, લક્ષ્મી બધું ત્યારે જ હોય, ત્યારે મનમાં કંટાળી ગયેલો હોય કે આના કરતાં ઓછી ઉપાધિ હોય ને જીવન સાદું હોય તો સારું. એટલે વિચારો બધા પાછા એવા હોય અને પાછો ગરીબીમાં જન્મ્યો હોય તો એને લક્ષ્મી ને વિષય ને એ બધું સાંભર્યા કરે એવો માલ ભર્યો હોય.

હતો લક્ષ્મીનો બોજો 'અમને ય' !

અમનેય નહોતું ગમતું સંસારમાં. મને તો, મારી વિગત જ કહું છું ને. મે પોતાને કોઈ ચીજમાં રસ જ નહોતો આવતો. પૈસા આપે તોય બોજો લાગ્યા કરે. મારા પોતાના રૂપિયા આપે તો ય મહીં બોજો લાગે. લઈ જતાં ય બોજો લાગે, લાવતાં ય બોજો લાગે. દરેક બાબતમાં બોજો લાગે, આ જ્ઞાન થતાં પહેલાં.

આયુષ્યનું એક્સ્ટેન્શન કરાવ્યું ?

પ્રશ્શનકર્તા : અમારા વિચારો એવા છે કે ધંધામાં એટલા ઓતપ્રોત છીએ કે લક્ષ્મીનો મોહ જતો જ નથી, એમાં ડૂબ્યા છીએ.

દાદાશ્રી : તેમ છતાં પૂર્ણ સંતોષ થતો નથી ને ! જાણે પચ્ચીસ લાખ ભેગા કરું, પચાસ લાખ ભેગા કરું, એવું રહ્યા કરે છે ને ?! એવું છે. પચ્ચીસ લાખ તો હું પણ ભેગા કરવામાં રહેત પણ મેં તો હિસાબ કાઢી જોયેલો કે આ અહીં આયુષ્યનું એક્સ્ટેન્શન કરી આપે છે. આયુષ્યમાં એક્સ્ટેન્શન હોતું નથી ને ! તે પછી આપણે શું કરવા ઉપાધિ કરીએ ? સોને બદલે હજારેક વર્ષ જીવવાનું થતું હોય તો જાણે ઠીક કે મહેનત કરેલી કામની. આ તો એનું કંઈ ઠેકાણું નથી.

પૈસો પ્રધાન કેમ ?

પ્રશ્શનકર્તા : અત્યારે પૈસો પ્રધાનપણે છે એ કેમ ?

દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને કે પૈસાથી વિષયો મળશે, બીજુંય મળશે. પણ એનોય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવાં કરેલાં તેનાં આ ફળ આવ્યાં કરે છે.

કરો છો કે ઇટ હેપન્સ ?

પ્રશ્શનકર્તા : અમુક પ્રકારના લોકો પૈસા કમાઈને સિક્યોરિટી મેળવવા વ્યસ્ત હોય છે, અને બીજા પ્રકારના લોકો સદ્ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, આત્મદ્ષ્ટિ મેળવવાની સિક્યોરિટીમાં રત હોય છે. તો સાધકે જ્ઞાન સમજવા માટે શું સાચો વ્યવસાય કરવો જોઈએ ? જ્ઞાની પ્રગતિ માટે શું કરવું ?

દાદાશ્રી : તો તો તમારે જાણવું જોઈએ કે પૈસા ખરેખર તમે કમાવ છો કે ઇટ હેપન્સ છે ! એ તમારે જાણવું જોઈએ પહેલેથી !

આ બધું તમે કરો છો કે કોઈ કરાવે છે ? તમને કેવું લાગે છે ?

પ્રશ્શનકર્તા : બધું આપણે જ કરીએ છીએ ને ! કોઈ કરાવતું નથી.

દાદાશ્રી : ના, આ કોઈક કરાવે છે, અને તમારા મનમાં ભ્રાંતિ છે કે હું કરું છું. આ તો રૂપિયા કોઈકને આપો છો, એ પણ કોઈક કરાવડવા છે, અને નથી આપતા તે પણ કોઈક કરાવડાવે છે. બિઝનેસ છે તે પણ કોઈક કરાવડાવે છે. ખોટ જાય છે તે પણ કોઈક કરાવડાવે છે, નફો આવે છે તે પણ કોઈક કરાવડાવે છે. તમને એમ લાગે છે કે હું કરું છું ? એ ઈગોઈઝમ છે. એ કોઈ કરાવે છે એ ઓળખવું પડશે ને ? અમે એ ઓળખાણ કરાવી આપીએ છીએ. જ્ઞાન આપીએ છીએ ત્યારે બધું સમજણ પાડીએ છીએ કે કરે છે કોણ ?

એક સ્વસત્તા છે, બીજી પરસત્તા છે. સ્વસત્તા કે જેમાં પોતે પરમાત્મા થઈ શકે છે. જ્યારે પૈસા કમાવાની તમારા હાથમાં સત્તા નથી, પરસત્તા છે તો પૈસા કમાવા સારા કે પરમાત્મા થવું સારું ? પૈસા કોણ આપે છે એ હું જાણું છું. પૈસા કમાવાની સત્તા પોતાના હાથમાં હોય ને તો ઝઘડો કરીને પણ ગમે ત્યાંથી લઈ આવે. પણ એ પરસત્તા છે. એટલે ગમે તે કરો તો ય કશું વળે નહીં. એક માણસે પૂછ્યું કે લક્ષ્મી શેના જેવી છે ? ત્યારે મેં કહ્યું કે ઊંઘ જેવી. કેટલાને સૂઈ જાય કે તરત ઊંઘ આવી જાય અને કેટલાકને આખી રાત પાસાં ઘસે તો ય ઊંઘ ના આવે. ને કેટલાક ઊંઘ આવવા માટે ગોળીઓ ખાય. એટલે આ લક્ષ્મી એ તમારી સત્તાની વાત નથી, એ પરસત્તા છે. અને પરસત્તાની ઉપાધિ આપણે શું કરવાની જરૂર ?

એ તો નૈમિત્તિક છે !

એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ 'ઈટ હેપન્સ' છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી.

આ તો મનમાં એમ માની બેઠા કે ના, હું ના હોઉં તો ચાલે જ નહીં. આ કોર્ટો બંધ થઈ જાય એવું માની બેઠાં છો. એટલે એવું કશું નથી.

સંજોગો જ કમાઈ આપે !

આ લક્ષ્મી ભેગી થવી તે ય કેટલાંય કારણો ભેગાં થાય ત્યારે એ લક્ષ્મી ભેગી થાય તેમ છે. કોઈ ડૉક્ટરના ફાધરને અહીં ગળે ગળફો બાઝ્યો હોયને, તે ડૉક્ટરને કહીએ કે આવડાં આવડાં મોટા ઓપરેશનો કર્યાં તો આ ગળફો કાઢી નાખને. ત્યારે કહે, ના. કાઢી નાખીશ તે પહેલાં મરી જશે. એટલે આમાં આટલું ય ચાલે નહીં. એવીડન્સ ભેગા થયાં, બધા ! હું જ્ઞાની બન્યો એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડનસના આધારે. આ લોકો કરોડાધિપતિ યે જાતે નથી બન્યા. પણ એ મનમાં માને છે કે 'હું બન્યો', એટલી જ ભ્રાંતિ છે, અને જ્ઞાની પુરુષને ભ્રાંતિ ના હોય. જેવું હોય એવું કહી દે કે ભાઈ આવું થયું હતું. હું સુરતના સ્ટેશન ઉપર બેઠો હતો, ને એવું થઈ ગયું અને પેલો માને કે હું બે કરોડ કમાયો અને મેં ત્રણ સ્ત્રીઓ કરી ! પણ આ બધું તમે લઈને આવ્યા છો. આ તો તમારા મનમાં માની બેઠાં છો કે 'ના, હું કરું છું' એટલું જ છે. ઈગોઈઝમ છે અને તે ઈગોઈઝમ શું કરે છે ? આવતા ભવને માટે તમારી યોજના ઘડી રહ્યા છો. એમ ભવ પછી ભવની યોજના કર્યા જ કરે છે જીવ, એટલે એને કોઈ દહાડો ભવ અટકતો જ નથી. યોજના બંધ થઈ જાય ત્યારે એને મોક્ષે જવાની તૈયારી થાય.

સુખ શેમાં ?

એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તે ય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે, આમાં લક્ષ્મીજીનો દોષ નથી. એનો પોતાનો જ દોષ છે.

તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો ?

પ્રશ્શનકર્તા : એ ય પાછી ઉપાધિ છે ને ?

દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ !

અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મૂકીશું ? પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય.

જગતની બધી વસ્તુઓ અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ, ત્યાં દુઃખ જ ના હોય. જગતના તો પૈસા આપતો હોય તે ય અપ્રિય થાય. ક્યાં મૂકવા પાછા, ઉપાધિ થઈ પડે.

જ્યાં જ્યાં નજર કરે, ત્યાં ત્યાં દુઃખ !

એટલે પૈસા હોય તો ય દુઃખ, ના પૈસા હોય તો ય દુઃખ, મોટા પ્રધાન થયા તો ય દુઃખ, ગરીબ હોય તો ય દુઃખ. ભિખારી હોય તો ય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ. દુઃખ, દુઃખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓને ય દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્શનકર્તા : એને સંતોષ નથી.

દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો ય કહેશે, હા મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે, તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !

આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ છે ખાલી.

નાણાંનો બોજો રાખવા જેવું નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.

પોતાની પાસે મિલકત કેટલી ?

માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો. નાદાર થઈ ગયો. મેં પૂછ્યું, 'દેવું કેટલું હતું ?' તે કહે, 'દેવું ન હતું.' તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, 'વાઈફ તો છે ને ?' તે કહે કે વાઈફ કંઈ વેચાય ?' મેં કહ્યું, 'ના પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ? આ આંખો, આ હાથ, પગ, મગજ એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસો ય ના હોય તો ય તું કરોડાધિપતિ છે. તારી કેટલી બધી મિલકત છે, તે વેચ જો, હેંડ. આ બે હાથે ય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટંકે ખાવાનું મળવું જોઈએ.

દુઃખ છે જ ક્યાં ?

પ્રશ્શનકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે ?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તે પછી એે દુઃખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે. અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

દાદાનું નામ લે ત્યાં પૈસાના ઢગલા !

પ્રશ્શનકર્તા : જીવનમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે શું કરવું ?

દાદાશ્રી : એક વરસ વરસાદ ના પડે તો ખેડૂતો શું કહે છે કે અમારી આર્થિક સ્થિતિ ખલાસ થઈ ગઈ. એવું કહે કે ના કહે ? પછી પાછું બીજે વરસે વરસાદ આવે ત્યારે એનું સુધરી જાય, એટલે આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ. ખર્ચ ઓછો કરી નાખવો જોઈએ અને ગમે તે રસ્તે મહેનત - પ્રયત્નો વધારે કરવા જોઈએ. એટલે નબલી પરિસ્થિતિ હોય ત્યારે જ આ બધું કરવાનું, બાકી પરિસ્થિતિ સારી હોય ત્યારે તો એની મેળે ગાડું ચાલ્યા કરે. અત્યારે બહુ નબળી સ્થિતિ છે ? શી શી અડચણ પડે છે ?

પ્રશ્શનકર્તા : કોઈ પણ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવી હોય તે વાર લાગે.

દાદાશ્રી : ઓહો ! ઇચ્છિત વસ્તુ !! પણ આ શરીરને કઈ વસ્તુ જોઈએ છે તે તમે જાણો છો ?

પ્રશ્શનકર્તા : આમ તો ભગવાનની પ્રાપ્તિ જ મુખ્ય વસ્તુ છે.

દાદાશ્રી : ભગવાનની પ્રાપ્તિ માટે આ શરીર છે પણ એને જરૂર શું શું છે ? રાતે આટલી ખીચડી આપી હોય તો તમને આખી રાત ધ્યાન ધરવા દે કે ના દે ? એટલે આ શરીર બીજું કંઈ માગતું નથી, બીજું બધું તો મનનાં તોફાન છે. બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું ?

પ્રશ્શનકર્તા : મળે છે.

દાદાશ્રી : આ દેહને જરૂર પૂરતો ખોરાક જ આપવાની જરૂર છે, એને બીજું કશું જરૂરી નથી અને નહીં તો પછી આ ત્રિમંત્રો રોજ કલાક કલાક બોલજો ને ! આ બોલશો એટલે આર્થિક પરિસ્થિતિ સુધરી જાય. એનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કરીએ એટલે સુધરી જાય. તમને આ ઉપાય ગમશે ?

આ દાદા ભગવાનનું એક કલાક નામ લે તો પૈસાના ઢગલા થાય. પણ એવું કરે નહીં ને બાકી હજારો લોકોને પૈસા આવ્યા. હજારો લોકોની અડચણો ગઈ ! 'દાદા ભગવાન' નું નામ લે ને, પૈસા ના આવે તો તે દાદા ન્હોય ! પણ આ લોકો આવું નામ દે નહીંને, પાછા ઘેર જઈને !!

એબોવ નોર્મલ, ત્યાં શું સુખ ?

લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુઃખ, સાચવતાં દુઃખ, રક્ષણ કરતાં દુઃખ અને વાપરતાં ય દુઃખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઈ જાય. કઈ બેન્કમાં આની સેફસાઈડ છે એ ખોળવું પડે ને પાછાં સગાં-વહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે, કહે અરે યાર મારા પર આટલોય વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઈએ છે, તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તો ય દુઃખ ને ભીડ થાય તો ય દુઃખ. આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાં ય દુઃખ થાય.

લક્ષ્મી ભોગવતાં આવડી ?

લક્ષ્મીને સાચવતાં ય આપણા લોકોને નથી આવડતું અને ભોગવતાં ય નથી આવડતું. ભોગવતી વખતે કહેશે કે આટલું બધું મોઘું ? આટલું મોઘું લેવાય ? અલ્યા, છાનોમાનો ભોગવને ! પણ ભોગવતી વખતે ય દુઃખ, કમાતાં ય દુઃખ. લોકો હેરાન કરતાં હોય તેમાં કમાવાનું, કેટલાક તો ઉઘરાણીના પૈસા આપે નહીં એટલે કમાતાં ય દુઃખ અને સાચવતાં ય દુઃખ. સાચવ સાચવ કરીએ તો ય બેન્કમાં રહે જ નહીં ને ! બેન્કના ખાતાનું નામ જ ક્રેડિટ અને ડેબિટ, પૂરણ ને ગલન ! લક્ષ્મી જાય, ત્યારે ય બહુ દુઃખ આપે. આ કેરી આટલી બધી મોંઘી તે લેવાતી હશે ? આ શાક આટલું બધું મોઘું કેમ લીધું ? અલ્યા, બધાયમાં તું મોઘું મોઘું બોલ બોલ કરે છે ? મોઘું કોને કહે છે તે ? તો સોંઘું કોને કહે છે ? આ તો એક જાતની કટેવ પડેલી હોય છે. એની દ્ષ્ટિ બેસી ગઈ હોય છે, એટલે શું થાય ? આપણે શું કહીએ છીએ કે જે આવ્યું, જે મોંઘા ભાવે આવ્યું એ બધું કરેક્ટ જ છે. વ્યવસ્થિત જ છે. પણ એને સમજાય નહીં ને ! એને પહેલાંની દ્ષ્ટિ બેસી ગયેલી તે છૂટે નહીં ને !

લીધી રિટર્ન ટિકિટ, તીર્યંચની !

કેટલાક તો ઈન્કમટેક્ષ પચાવીને બેસી ગયેલા હોય છે. પચ્ચીસ-પચ્ચીસ લાખ રૂપિયા દબાવીને બેઠા હોય છે. પણ એ જાણતા નથી કે બધા રૂપિયા જતા રહેશે. પછી ઈન્કમટેક્ષવાળા નોટિસ આપશે ત્યારે રૂપિયા ક્યાંથી કાઢશે ? આ તો નરી ફસામણ છે. આ ઊંચે ચઢેલાને બહુ જોખમદારી, પણ એ જાણતો જ નથી ને ! ઉલટું આખો દહાડો કેમ કરીને ઈન્કમટેક્ષ બચાવું એ જ ધ્યાન. તેથી જ અમે કહીએ છીએ ને કે આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લાવ્યાં છે.

પાછું, આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા કહેવાઈએ. આર્ય પ્રજામાં આવું શોભે નહીં ! આર્ય પ્રજામાં ત્રણ વસ્તુ હોય, - આર્ય આચાર, આર્ય વિચાર ને આર્ય ઉચ્ચાર. તે અત્યારે ત્રણે ય અનાડી થઈ ગયાં છે, અને મનમાં શું ય માને કે સમક્તિ થઈ ગયું છે. ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા તું જે કરી રહ્યો છે, તેનાથી તો લાખ અવતારે ય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી.

કમાય કોણ ! ભોગવે કોણ ?

જ્યાં આગળ અંતર શાંતિ નથી, ત્યાં સુખ શું હોય ? પેલું ગમે તેટલું કરે પણ અંતરશાંતિ ના હોય. બાહ્યમાં એનો ભપકો બહુ મોટો દેખાય. તમને એમ લાગે કે આ તો ઘણો સુખિયો છે, પણ બહુ દુઃખિયો હોય એ. કારણ કે એને અંતરશાંતિ ના હોય. અંતરશાંતિને આપણે સુખ કહીએ છીએ. મોટા મોટા દસ લાખના ફ્લેટ હોય છે, પણ મહીં તમે જાવ તો સ્મશાન જેવું લાગે. આને સુખ કહેવાય જ કેમ ? કારણ કે અંતરશાંતિ ના હોય. અંતરશાંતિ બંગલામાં કોને કોને હોય ? એક રસોઈયાને, બે નોકરોને હોય. પઠ્ઠા જેવા હોય, જે ખાય પીએ ને મોજ કરે અને શેઠને શરદી થઈ ગયેલી હોય તે શી રીતે ખાય ? ફ્રૂટ આવે ખરાં ઘરમાં, પણ કોઈથી ખવાય નહીં ને પેલા નોકરો બધા ખાય તે હોય આવા તગડા થઈ ગયેલા ! મેં જોયેલું છે, ત્યારે થયું કે ધન્ય ભાગ કહેવાય ને ! આ રસોઈયા ને નોકરોનું યે પુણ્ય જાગ્યું છે ને !

મનુષ્યપણું શેમાં વેડફ્યું ?

મનુષ્યપણાની એક મિનિટની કિંમત તો કહેવાય એવી નથી, એટલી બધી કિંમત છે. આ હિન્દુસ્તાનના મનુષ્યોની વાત છે. હિન્દુસ્તાનના મનુષ્યોમાં કેમ ફેર પાડીએ છીએ કે જે લોકોની બિલીફમાં પુનર્જન્મ આવી ગયો છે. હિન્દુસ્તાન સિવાય બહારના લોકોની બિલીફમાં પુનર્જન્મ આવ્યો નથી, એટલે હિન્દુસ્તાનના માણસની એક મિનિટની પણ બહુ કિંમત છે, પણ આ તો હફેદફે વપરાઈ જાય છે. આખો દહાડો ભાન વગર હફેદફે બેભાનપણામાં વપરાઈ જાય છે. તમારી કોઈ ક્ષણ નકામી ગયેલી ?

પ્રશ્શનકર્તા : ઘણી નકામી ગયેલી.

દાદાશ્રી : એમ ? તો કેટલી કામમાં લાગી ? શેમાં કામમાં લાગી ?

વધુ મિલકત, વધુ ગૂંચવાડો !

ગૂંચવાડામાં માણસો આખો દહાડો ગૂંચાયા કરે. સાધુ-સંન્યાસી બધા ય ગૂંચાયા કરે, મોટો રાજા હોય કે વકીલ હોય, પણ એ ત્યાં ગૂંચાયા કરે, જેની પાસે મિલકત ઓછી હોય, તે ય ગૂંચાય અને વધારે મિલકત હોય તે વધારે ગૂંચાય; તે આ બધો સંસાર ગૂંચવાડો છે. તો આ ગૂંચવાડામાંથી નીકળવું કેમ ? એના સવાલ પૂછીને જવાબ મેળવવા જોઈએ, અને તમારે આ ગૂંચવાડામાંથી નીકળવાના રસ્તા ખોળવા જોઈએ. ગૂંચવાડામાંથી જે નીકળ્યા હોય તે આપણને ગૂંચવાડામાંથી બહાર કાઢી આપે. બાકી કોઈ આ ગૂંચવાડામાંથી નીકળેલો જ ના હોય એ જ આપણને ગૂંચવાડામાં નાખે ને ! આપણને કોઈ દહાડો ગૂંચવાડામાંથી નીકળવાની ઇચ્છા થાય છે ખરી ?

પૈસાની પથારી કરીએ તો ય કંઈ ઊંઘ આવે નહીં અને એનાથી કંઈ સુખ પડે નહીં; ગમે એટલા પૈસા હોય તો ય દુઃખ. એટલે જ્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે. જન્મ્યા ત્યારે એક બાજુના સગા હોય, ફાધર, મધર ને શાદી કરી ત્યારે સસરો, સાસુ, વડસાસુ, માસીસાસુ એ બધું ભેગું થયું. તે ગૂંચવાડો ઓછો હતો તે પાછો વધાર્યો !

બેંકમાં કેટલા ભેગા થયા ?

દાદાશ્રી : ધોરાજીથી અહીં કલકત્તામાં શું કામ તમે આવેલા ?

પ્રશ્શનકર્તા : જીવનનિર્વાહ માટે.

દાદાશ્રી : જીવનનિર્વાહ તો જીવ માત્ર કરી જ રહ્યા છે. કૂતરાં, બિલાડાં બધાં જ પોતપોતાના ગામમાં જ રહીને જીવનનિર્વાહ કરે છે. આ મથુરાનાં વાંદરાં હોય છે ને તે પણ ત્યાં ને ત્યાં ગમે તેના ચણા લઈને પણ એમનો નિર્વાહ કર્યા જ કરે છે, એ બહારગામ જતા નથી, મથુરામાં ને મથુરામાં જ રહે છે અને આપણા લોકો બધે જાય છે.

પ્રશ્શનકર્તા : લોભદ્ષ્ટિ છે ને, એટલે.

દાદાશ્રી : હા, એ લોભ હેરાન કરે છે, નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે, એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. 'આમથી લઉં કે તેમથી લઉં, આમાંથી લઉં કે તેમાંથી લઉં' કર્યા કરે છે. અહીં કલકત્તા સુધી આવ્યા છતાં કોઈ એમ નથી કહેતો કે હું ધરાઈને બેઠો છું !

પ્રશ્શનકર્તા : સંતોષ હોય તો દુઃખ શેનું છે ?

દાદાશ્રી : ના, ના. સંતોષની વાત નથી. અહીં સુધી કમાવા આવ્યા હતા. હવે કમાઈને કોઈ એમ નથી કહેતો કે 'મારી પાસે પાંચ અબજ થઈ ગયા છે, હવે મારે કોઈ જરૂરિયાત નથી, એવું કોઈ મને કહેનાર મળ્યો નથી. પાંચ અબજ નહીં તો એક અબજ થઈ ગયા છે, એવું બોલતો હોય તો ય હું જાણું કે ભાઈ, કલકત્તા આવેલા, તે શાબાશ ! બેન્કમાં તમારે કેટલા છે ? પચાસેક લાખ રૂપિયા છે ?

પ્રશ્શનકર્તા : શું વાત કરવી સાહેબ ?

દાદાશ્રી : શું કહો છો, શેઠ ?! જો ધોરાજીથી અહીં આવ્યા તો ય બેન્કમાં કશું ના મળે ?! જુઓ, શરમાવા જેવું બન્યું. ત્યાંથી અહીં આવ્યા ને ફસાયા ઉલટા ! ના અહીંના રહ્યા, ના ત્યાંના રહ્યા !

ભગવાનની ભાષામાં સંપત્તિ કોને કહેવાય છે ? જે સંપત્તિ ગુણાકારવાળી હોય તેને ! ગુણાકારવાળી સંપત્તિ જોડે લઈ જાય અને પોતાને સંતોષ પણ રહે. જે સંપત્તિ ભાગાકારવાળી હોય તેને ભગવાને સંપત્તિ ગણી નથી. ભાગાકારવાળી સંપત્તિ તો અહીં ટૈડ થઈને મરી જાય અને એની સંપત્તિ પણ જાય. સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. હવે મારે પૈસાની જરૂર નથી એવું કોઈ કહેતું નથી ને ? કોઈ ધરાયેલું નથી ? ઝવેરીઓ ધરાયા હશે ? આ ઝવેરીઓ નહીં ધરાયા ?!

શું નાણે જ નાથાલાલ ?

પ્રશ્શનકર્તા : પૈસા ના હોય તે વખતે તો એ લોકો નોનસેન્સમાં ગણાયને ? ને પૈસા હોય, પછી તો પૈસાની ખુમારી આવે ને ?

દાદાશ્રી : પૈસા વગરનો નોનસન્સમાં જ ગણાય. અક્કલવાળો હોય તો ય કહેશે, 'એય ઘરમાં ના આવીશ !' અક્કલવાળાનું ચાલે નહિ ને. નોનસેન્સમાં જતું રહે ! ને પછી સેન્સિબલ. સેન્સવાળા અને પછી આઉટ સેન્સ, અમે આઉટ ઓફ સેન્સ કહેવાઈએ. અમારામાં સેન્સ ના હોય, બિલકુલે ય બુદ્ધિ જ માત્ર ના હોય.

પ્રશ્શનકર્તા : પૈસા વગર કોઈ આપણને પૂછતું નથી. પૈસો ના હોય તો આપણને કંઈ પૂછેય નહીં ને કંઈ વાત કરે ય નહીં.

દાદાશ્રી : આ મારી પાસે ચાર આનાય નથી. મારા ગજવામાં જોઈ આવો, તો ય મને બધા જ પૂછે છે.

પૈસાની જરૂર તમારે ના રહેને, ત્યારે તમારી પાસે બહુ પૈસા હોય. આ તો જ્યાં સુધી મન ભિખારી છે કે મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયા છે. તે એની ઉપર જ રમ્યા કરે. અલ્યા શું એ ધૂળ આપવાનું છે તને તે ? અને કંઈક દસેક લાખ રૂપિયા ભેગા કર્યા છે ? ત્યારે કેટલા ભેગા કર્યા છે ?

આંધળો વણે ને ચાવે કોણ ?

એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલે બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તો ય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે.

આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વણ્યા કરતો હોય, આગળ આગળ વણ્યા કરતો હોય, અને પાછળ દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાવ્યા કરે. તેમ અજ્ઞાનની ક્રિયા બધી નકામી જાય છે, અને પાછો મરીને આવતો ભવ બગાડે તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહેશે, 'આ શું થઈ ગયું ? અલ્યા પેલો વાછડો બધું ચાવી ગયો !'

આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે, પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે.

ઈનામ પહેલાને જ, ને બાકીનાને ?!....

રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લુગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં.

પ્રશ્શનકર્તા : પામેલો વધુ પામવા માટે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર કેમ હોય છે ?

દાદાશ્રી : શું પામવાની વાત છે આમાં ?

પ્રશ્શનકર્તા : આ આર્થિક વાત છે, ભૌતિક વાત છે. જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?

દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?

પ્રશ્શનકર્તા : પહેલા ઘોડાને.

દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ પહેલો નંબર કોઈનો ય લાગતો નથી, અને આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. તે હાંફી હાંફીને મરી જવાનું અને ઈનામ તો એકને મળવાનું. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?

પ્રશ્શનકર્તા : જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?

દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું. ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

જીવન મરણાં પણ ફરજ્યિાત !

આખી જિંદગી શક્કરિયું ભરહાડમાં બફાયને, એમ આ મનુષ્યો બફાઈ રહ્યા છે.

પ્રશ્શનકર્તા : હા, બફારામાં જ જીવે છે.

દાદાશ્રી : ના જીવે તો શું કરે ? ક્યાં જાય તે ? આ જીવવાનું ય ફરજ્યિાત છે પાછું ને મરવાનું ય કોઈના હાથમાં સત્તા નથી. મરવા જાય ત્યારે ખબર પડશે. પોલીસવાળો પકડીને કેસ કરશે. જેમ જેલમાં ગયેલા માણસને ફરજ્યિાત બધું કરવું પડે છે ને, એવું આ જીવવાનું ફરજ્યિાત ને, પૈસાય ફરજ્યિાત છે.

એટલે લક્ષ્મીની હાય હાય તો હોતી હશે ? અને એની હાય હાય કરીને કોઈ ધરાયો ? આ દુનિયામાં કોઈનો ય પહેલો નંબર આવેલો એવું લાગ્યું ? અહીં મુંબઈની મ્યુનિસિપાલિટીમાં કોઈનું નામ નોંધાયેલું છે કે આ ફર્સ્ટ નંબર આવ્યો ને આ સેકન્ડ નંબર આવ્યો. એવાં નામ નોંધાયેલા છે ? આ તો જન્મે છે, કરોડ રૂપિયા કમાય છે, ને પાછો મરી જાય છે. કૂતરાને મોતે મરી જાય છે, કૂતરાને મોતે શાથી કહું છું કે ડૉક્ટરો પાસે જવું પડે છે. પહેલાં તો લોકો મનુષ્યને મોત મરતાં હતાં. એ શું કહેશે કે 'ભાઈ, મારે હવે જવાનો ટાઈમ થયો છે, એટલે ઘરનાં પછી દીવો કરે અને અત્યારે તો છેલ્લી ઘડીએ બેભાન થઈ ગયો હોય. કૂતરાં ય મરતી ઘડીએ બેભાન નથી થતાં.

આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમનાં મોત તો જુઓ ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહકના વિષયો ભોગવ્યા તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.

અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો મહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને ? કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા !

'દાદા' નું ગણિત !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચા યે ના પાય પછી. તમને કેમ લાગે છે ?

પ્રશ્શનકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.

દોડ, દોડ, દોડ, પણ શેના હારું ? નંબર લાગવાનો હોય તો હેંડ ચાલ, હેંડોને, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરે ય નહીં, ઈનામે ય નહીં, કશું ય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં !

આ ગણિત શીખવા જેવું નથી લાગતું ?

પ્રશ્શનકર્તા : અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી ! એવું જ થઈ ગયું છે !!

દાદાશ્રી : એટલે આ તો અનુભવની વાત કરું છું ને ! મને જે અનુભવ થયો છે તે જ !

જ્ઞાની, રેસકોર્સથી દૂર....

તે લગ્નમાં એવું થતું'તું. અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગન હોય એટલે એ આમ ભત્રીજા થાયને એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો, ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસે ય ખરા. તે પછી ઝવેરચંદ લક્ષ્મીચંદ આવ્યા. એટલે 'આવો, આવો પધારો' કહેશે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું. આમ કરીને તે આઠમો નંબર પહોંચે, ખસી ખસીને. મેં કહ્યું, 'આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા ન્હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-બ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે કાકા ક્યાં ગયા ? કાકા ક્યાં ગયા ? તે કાકા પેલી બાજુ સિગરેટ પીયા કરતા હોય. બધું જાય ત્યાર પછી આવીને છેટે બેસીને જોયા કરું. આપણે સિગરેટ પીતા જવું ને કયો ઘોડો પહેલો આવે છે તે જોવું.

એટલે અમારો ભત્રીજો કહે છે, 'કાકા અહીં બેસતા નથી. આ ખોટું દેખાયને !' મેં કહ્યું, 'ભાઈ આ રેસકોર્સ મને નથી ફાવતું, મારાથી દોડાતું નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી.' ત્યારે કહે, 'આ તો લુચ્ચાઈ કહેવાય તમારી. આ તો મનેય આવડે છે, આમ મજાક કરતા તો.' મેં કહ્યું, 'જે છે તે આ છે મારું તો. આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું, એટલે પછી જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએને તે લગનમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતા-દ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા !

ઘોડદોડના ઘોડાની દશા !

એક જૈન ધર્મના સંઘના પ્રેસિડેન્ટ હતા. એ એમનાં મંદિરોના પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગનમાં આવ્યા એટલે 'આવો, આવો ચંદુભાઈ આવો' કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેર લક્ષ્મીચંદ આવ્યા, તે 'આવો આવો' કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોઢું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઉતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું તે હું જોયા કરું. મેં કહ્યું, 'આની શી દશા થઈ આ બિચારાની. અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાં ય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવાં સારાં સારાં છે ને મોઢાં જોવામાં ય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે. પછી એ ઊઠી જાય એટલે હું એમને ભેગો થઈ જાઉં. મેં કહ્યું, 'ચંદુભાઈ સાહેબ કેમ...' ત્યારે કહે 'તમારા પટેલનું કામ બહુ ખરાબ....' મેં કહ્યું, 'હું એવો નથી.' પછી મને કહે છે, 'આ આવ્યો તે આવ્યો. બધાને આગળ બેસાડ બેસાડ કરે છે, તે એમ નહીં

સમજે કે આ કોણ છે ને કોણ નહીં એવું તેવું સમજવું જોઈએને ! મેં કહ્યું, 'એમને જરાક કચાશ ખરીને !' એટલે ખુશ થઈ ગયા. કહે છે, 'હેંડો ચા-બા પીને જાવ' પણ તો ય આગળની સીટ છોડે નહીં. તે ય મનમાં એમ નહીં કે બીજી વખત જરા ચેતીએ આપણે. અહીં તો આ રેસકોર્સમાં નંબર નહીં લાગે ને વગર કામનાં હાંફ હાંફ કરવાનું. નથી ઘરમાં રસ રહ્યો, નથી ચા-પાણીમાં ય રસ રહ્યો. આ જ રસ !!

મેં પુસ્તકમાં લખ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જે મેં વિચાર્યા વગર બાકી રાખ્યું હોય. આવું ચાલતું હશે ? હાંફી હાંફીને મરી ગયા તો યે હજી સીટ છોડતા નથી. હેય પછી સરસ મજાનું ખાવા-પીવાનું હોય. બીજા કશામાં રસ જ ના આવે ને !

વાત જરા અનુભવમાં આવે એવી છે ને ?

પ્રશ્શનકર્તા : બહુ જ સારી મજા આવી.

દાદાશ્રી : એટલે વાત વ્યાવહારિક તમે સમજી જાવને, તો વ્યવહાર પેલો પાકો થઈ ગયો. આદર્શ થઈ ગયો એટલે ઓલ રાઈટ થઈ ગયો.

ખરી જરૂરિયાત શેની ?

પ્રશ્શનકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે, એટલે, લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ?

દાદાશ્રી : ના. લક્ષ્મી એ બલિકુલે ય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલે ય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠાં છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે ના, હવાની જરૂરિયાત છે, કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે, કારણ કે બે મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાને ય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીને ય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરને ય લક્ષ્મી જોઈએ છે. ત્યારે સુખી કોણ આમાં ? આ રાંડેલી યે રડે ને માંડેલી યે રડે ને સાત ભાયડાવાળી યે રડે. આ તો રાંડેલી તો રડે તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે. પણ આ તો માંડેલી, તું શું કરવા રડે છે ? ત્યારે એ કહેશે કે, 'મારો ધણી નઠારો છે, અને સાત ભાયડાવાળી તો મોઢું જ ના ઉઘાડે એવી આ લક્ષ્મીની બાબત છે એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે !!

પૈસાની પ્રાપ્તિમાં પુરુષાર્થ ક્યાં ?

પ્રશ્શનકર્તા : આ પુણ્યૈની લક્ષ્મી આપણી પાસે આવવાની છે કે નહીં, એની માટે સહજ પુરુષાર્થ તો કંઈક હોવો જોઈએ ને ?

દાદાશ્રી : પુણ્યૈની લક્ષ્મી માટે પુરુષાર્થ કેવો હોય ? આમ સરળ ને સુંવાળો પુરુષાર્થ હોય. આ તો સરળ ને સુંવાળો હોય તેને આપણે અણસમજણથી કઠણ બનાવીએ છીએ.

પ્રશ્શનકર્તા : આપણને એમ લાગે કે સરળ ને સુંવાળો નથી અને કઠણ છે તો પછી એને પડતું મૂકી દેવું ? આપણને એમ લાગે કે આપણી પુણ્યૈ એટલી બધી નથી કે સરળ રસ્તેથી લક્ષ્મી આવે, તો પછી ત્યાં આપણે સહજ થઈ જવું ?

દાદાશ્રી : ના, ના. ધીરજ રાખો તો બધું એની મેળે સરળ જ નીકળે છે ! પણ આ તો ધીરજ નથી રહેતી અને દોડધામ કરી મેલે છે ને બધું બગાડે છે.

પ્રશ્શનકર્તા : ધીરજ નથી રહેતી ને, આમ કરું તેમ કરું એમ થઈ જાય છે.

દાદાશ્રી : હા અને આમ કરી નાખું, તેમ કરી નાખું એનાથી બધું ગૂંચવી નાખે છે. ટ્રેન પકડવાની હોય ત્યાં ય એને ધીરજ ના રહેતી હોય, ત્યાં નિરાંતે ચા પીએ ખરો ? ના. એને તો ગાડી હમણાં આવશે, ગાડી હમણાં આવશે. એમાં જ હોય. એને કહીએ કે 'જરા ભાઈ, અહીં આવો, વાતચીત કરવી છે.' પણ તો ય એ સાંભળે નહીં, તેવું આ અધીરજથી આમ કરી નાખું તેમ કરી નાખું કરે છે, પછી એવો જ ક્લેશ ને થાક અનુભવે છે.

પ્રશ્શનકર્તા : એવું છે, ધંધામાં આપણા માથે સ્વાભાવિક રીતે કંઈક તલવારો લટકતી હોય કે ઈન્કમટેક્ષ ભરવાનો છે, સેલટેક્ષ ભરવાનો છે. પગારો વધારવાના છે, તો એના દબાણને લઈને એ ફાંફાં મારતો હોય કે આમ કરી લઉં ને તેમ કરી લઉં !

દાદાશ્રી : તો ય કશું વળે નહીં, ફાંફાંવાળાને ફાંફાં જ મારવાનાં રહે.

પ્રશ્શનકર્તા : એટલે આપે કહ્યું તેમ ધીરજ પકડે તો એની મેળે ગોઠવણી થઈ શકશે ?

દાદાશ્રી : ધીરજથી જ બધું થાય. શાંતિથી બધું આવે. એ ઘેર બેઠાં બોલાવવા આવે. પાછું એવું નહીં કે આપણે બજારમાં ખોળવું પડે. બાકી મહેનત કરીને મરી જાય, બુદ્ધિ વાપરીને મરી જાય તો પણ આજે ચાર આના ય મળે નહીં, અને આવું એકલો ક્યાં ઝાલી પડ્યો છે ? આખી દુનિયા લક્ષ્મી પાછળ પડી છે !

સ્મશાનમાં પૈસા ખોળાય ?

પૈસાની પાછળ જ પડ્યા છે તે ક્યાંથી પૈસો લેવો, ક્યાંથી પૈસો લેવો. અલ્યા, સ્મશાનમાં શાના પૈસા ખોળો છો ? આ સંસાર તો સમશાન જેવું થઈ ગયું. પ્રેમ જેવું કશું દેખાતું નથી. પૈસા જે રીતે આવવાના છે, એનો રસ્તો કુદરતી છે. 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારું ને બાપ !!!

લક્ષ્મી 'લિમિટેડ' છે અને લોકોની માગણી 'અનલિમિટેડ' છે !

પૈસો આવવો, પરસેવા પેઠ !

કોઈને વિષયની અટકણ પડેલી હોય, કોઈને માનની અટકણ પડેલી હોય, એવી જાતજાતની અટકણ પડેલી હોય છે. કોઈને 'ક્યાંથી કમાવું, ક્યાંથી કમાવું' એવી અટકણ પડેલી હોય છે. એટલે આવી રીતે પૈસાની અટકણ પડેલી હોય છે, તે સવારમાં ઊઠ્યો ત્યારથી પૈસાનું ધ્યાન રહ્યા કરે ! એ ય મોટી અટકણ કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ પૈસા વગર ચાલતું નથી ને !

દાદાશ્રી : ચાલતું નથી, પણ પૈસા શેનાથી આવે છે તે લોકો જાણતાં નથી અને પાછળ દોડ દોડ કરે છે. પૈસા તો પરસેવાની પેઠે આવે છે. જેમ કોઈને પરસેવો વધારે આવે અને કોઈને પરસેવો ઓછો આવે અને જેમ પરસેવો થયા વગર રહેતો નથી તેવી રીતે આ પૈસા આવે જ છે લોકોને !

મારે તો મૂળથી પૈસાની અટકણ જ નહોતી. બાવીસ વર્ષનો હતો ત્યારથી હું ધંધો કરતો હતો તો ય મારે ઘેર જે કોઈ આવ્યો હોય તે મારા ધંધાની વાત કોઈ જાણતા જ નહોતા. ઊલટો હું એને પૂછ-પૂછ કરું તમે શી અડચણમાં આવ્યા છો ?

શું જોઈએ જગતને ?

દાદાશ્રી : તમને રાત-દહાડો સ્વપ્નાં આ લક્ષ્મીનાં આવે છે ?

પ્રશ્શનકર્તા : સ્વપ્નું આવતું નથી પણ એ સ્વપ્નાની ઇચ્છા રાખું ખરો.

દાદાશ્રી : તો કોઈ અડચણવાળો હોય ને તમારી પાસે સો રૂપિયા માંગવા આવે ત્યારે તમારી શું દશા થાય ? હાય બાપ, ઓછા થઈ જશે તો ? એવું થઈ જાય ? ઓછા કરવા માટે તો આ રૂપિયા છે, એ કંઈ જોડે લઈ જવાના નથી. જો જોડે લઈ જવાના હોય ને, તે વાણીયા તો બહુ અક્કલવાળા લોક, પણ તમારી નાતમાં પૂછી જુઓ, કોઈ લઈ ગયેલા ? મને લાગે છે કે એ ઓટીમાં ઘાલીને લઈ જતા હશે ? આ પૈસા જોડે લઈ જવાતા હોય તો તો આપણે એનું ધ્યાને ય કરીએ પણ એ જોડે લઈ જવાના નહીંને ?

પ્રશ્શનકર્તા : તો પછી મનુષ્યમાત્રની પૈસા મેળવવા તરફ વૃત્તિ કેમ રહેતી હશે ?

દાદાશ્રી : આ લોકોનું જોઈને કર્યા કરે છે. આ આવું કરે ને હું રહી ગયો, એવું એને થયા કરે છે. બીજું એના મનમાં એમ છે કે પૈસા હશે તો બધું આવશે. પૈસાથી બધું મળે છે. પણ બીજો કાયદો એ જાણતો નથી કે પૈસા શા આધારે આવે છે ? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે.

પ્રશ્શનકર્તા : છતાં પણ અત્યારે તો મોક્ષ કોઈને ય જોઈતો નથી, ફક્ત પૈસો જોઈએ છે.

દાદાશ્રી : તેથી તો ભગવાને કહ્યું છે ને, કે આ પ્રાણીઓને મોતે મરે છે. કૂતરાં, ગધેડાં, જેમ પ્રાણીઓ મરે છે ને તેમ આ માણસો મરી જાય છે, કમોતે મરે છે. હાય પૈસો ! હાય પૈસો !! કરતાં કરતાં મરે છે !

ભજના ભગવાનની કે પૈસાની ?

પૈસો તો યાદ આવવો તે ય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ?

પ્રશ્શનકર્તા : ઈ સમજાણું, પણ એમાં જોખમ શું ઈ સમજાણું નથી. એમાં તો તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર, બંગલા, બધું પ્રાપ્ત થાય છે ને ?!

દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ?

પ્રશ્શનકર્તા : એ જ કરતા હોય છે ને ?

દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે તે હવે શું થાય ? પણ એટલે સારું છે કે અત્યારે માણસને પૈસા જોડે લઈ જવાની છૂટ આપી છે. આ સારું છે ને ?

પ્રશ્શનકર્તા : પૈસા ક્યાં ભેગા લઈ જાય છે ? બધું અહીંયા મૂકીને તો જાય છે, કોઈ જોડે આવતું નથી.

દાદાશ્રી : એમ ?! પણ લોકો જોડે લઈ જાય છે ને ? ના, તમે એ કળા જાણતા નથી (!) એ કળા તો પેલા બ્લડપ્રેશરવાળાને પૂછી જો કે તેની કળા કેવી છે ? તે તમે જાણો નહીં.

જો જોડે લઈ જવાતું હોત તો ?.....

એક શેઠ મળેલા. આમ લાખોપતિ હતા. મારા કરતાં પંદર વર્ષે મોટા, પણ મારી જોડે બેસે-ઊઠે. એ શેઠને એક દહાડો મેં કહ્યું કે, 'શેઠ, આ છોકરાં, બધાં કોટ-પાટલૂન પહેરીને ફરે છે ને તમે એક આટલી ધોતી ને બેઉ ઢીંચણ ઉઘાડા દેખાય એવું કેમ પહેરો છો ?' એ શેઠ દેરાસર દર્શન કરવા જતા હોય ને, તો આમ ઉઘાડા દેખાય. આટલી ધોતી તે લંગોટી મારીને જાય એવું લાગે. આટલી બંડી ને સફેદ ટોપી, તે દર્શન કરવા દોડધામ કરતા જાય. મેં કહ્યું કે, 'મને લાગે છે કે આ બધું જોડે લઈ જશો ? ત્યારે મને કહે કે 'ના લઈ જવાય અંબાલાલભાઈ. જોડે ના લઈ જવાય !' મેં કહ્યું કે, 'તમે તો અક્કલવાળા, અમને પટેલોને સમજણ નહીં. ને તમે તો અક્કલવાળી કોમ, કંઈ ખોળી કાઢ્યું હશે !' તો કહે કે, 'ના કોઈથી ય ના લઈ જવાય.' પછી એમના દીકરાને પૂછ્યું કે, 'બાપા તો આવું કહેતા હતા', ત્યારે એ કહે છે કે, 'એ તો સારું છે કે જોડે લઈ નથી જવાતું. જો જોડે લઈ જવાતું હોય ને તો મારા બાપા ત્રણ લાખવું દેવું અમારે માથે મૂકીને જાય એવા છે ! મારા બાપા તો બહુ પાકા છે. એટલે નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો બાપા તો ત્રણ લાખનું દેવું મૂકીને અમને રખડાવી મારે. મારે તો કોટપાટલૂને ય પહેરવાનાં ના રહે. જોડે લઈ જવાતું હોત ને, તો

અમને પરવારી દેવડાવે એવા પાકા છે !'

પ્રશ્શનકર્તા : દેવું કરીને ય લઈ જાય ?!

દાદાશ્રી : પૈસા દેવું કરીને ય પોતે જોડે લઈ જાય પણ જો પેલો કહે છે ને કે 'નથી લઈ જવાતું એ જ સારું છે, નહીં તો મારા બાપા તો ત્રણ લાખનું દેવું મૂકી જાય એવા છે !'

બે નંબરના પૈસાથી કર્મબંધ કયો ?

પ્રશ્શનકર્તા : મુંબઈના શેઠિયા બે નંબરના પૈસા ભેગા કરતા હોય એનાથી શું ઇફેક્ટ થાય ?

દાદાશ્રી : એનાથી કર્મનો બંધ પડે. એ તો બે નંબરના ને એક નંબરના હોય. તે ખરા-ખોટા પૈસા એ બધા કર્મનો બંધ પાડે. કર્મનો બંધ તો એમ ને એમ પણ પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કર્મનો બંધ પડે છે. બીજું કશું પૂછવાનું છે ? બે નંબરના પૈસાથી ખરાબ બંધ પડે. આ જાનવરની ગતિમાં જવું પડે, પશુયોનિમાં જવું પડે.

સંતોષ કેમનો રહે !

પ્રશ્શનકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે તો સંતોષ કેમ નથી રાખતા ?

દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાં યે કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી. એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે ! જુઓને સંડાસમાં ય બે કામ કરે છે. દાઢી ને બેઉ કરે ! એટલો બધો લોભ હોય ! આ તો બધું ઈન્ડિયન પઝલ કહેવાય ! એટલે જ ઈન્ડિયન પઝલ કહ્યું ને !

બે કામ, એટ એ ટાઈમ !

તે મહીં વકીલો તો સંડાસમાં બેસીને દાઢી કરે છે અને એમનાં વાઈફ મને કહેતાં હતાં કે અમારી જોડે કોઈ દહાડો બોલ્યા નથી. ત્યારે કેવાં એ એકાંતિક થઈ ગયેલાં. એક જ બાજુ, આ જ ખૂણો અને પછી દોડ-દોડ હોય છે ને ! લક્ષ્મી આવે ને તો ત્યાં નાખી આવે પાછાં. લે ! અહીં આગળ ગાય દોહીને ત્યાં ગધેડાને પાઈ દે !

છે લોભને કદી થોભ ?

આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે, ને મનુષ્યપણામાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે, આ કંઈ સાવ ભિખારી નહોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ઘરાયેલું હોય, તેને કશું ય ના આપો તો ય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી દ્ષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.

પણ પૈસા 'વ્યવસ્થિત' ને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે અધર્મમાં રહેશે તો ય પૈસા તો આવ્યા જ કરશે ?

એની ચિંતવના કરાય ?

પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તો ય એટલા આવશે ને અધર્મમાં પડશે તો ય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે, અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારનું. બાકી પૈસા તો આટલા જ આવવાના.

પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. એ કેવી કુટેવ છે ? કે એક માણસને તાવ બહુ ચઢ્યો હોય અને આપણે તેને વરાળ આપીને તાવ ઉતારીએ. વરાળ આપી એટલે તેને પરસેવો બહુ થઈ જાય, એવું પછી પેલાં રોજ વરાળ આપીને પરસેવો કાઢ કાઢ કરે તો એની સ્થિતિ શું થાય ? પેલો આમ જાણે કે આ રીતે એક દહાડો મને બહુ ફાયદો થયેલો, મારું શરીર હલકું થઈ ગયેલું, તે હવે આ રોજની ટેવ રાખવી છે. રોજ વરાળ લે ને પરસેવો કાઢ કાઢ કરે તો શું થાય ?

પ્રશ્શનકર્તા : શરીરમાંથી પાણી બધું નીકળી જાય.

દાદાશ્રી : પછી આ લાકડું થઈ જાય. આ ડુંગળીને જેમ સૂકવે છે ને ? એવી રીતે આ લક્ષ્મીનું ચિંતવન કરવું એ એના જેવું છે. જેમ આ પરસેવો પ્રમાણમાં જ નીકળે છે, એવી રીતે લક્ષ્મી પ્રમાણસર આવ્યા જ કરે છે. તમે તમારે કામ કર્યે જવાનું છે. કામમાં ગાફેલ નહીં રહેવાનું. લક્ષ્મી તો આવ્યા જ કરશે. લક્ષ્મીના વિચાર નહીં કરવાના કે આટલી આવજો ને તેટલી આવજો, કે આવે તો સારું, એવું વિચારવું નહીં. એનાથી તો લક્ષ્મીજીને બહુ રીસ ચઢે છે. મને લક્ષ્મીજી રોજ મળે છે ત્યારે હું તેમને પૂછું છું કે તમે કેમ રીસાણાં છો ? ત્યારે લક્ષ્મીજી કહે છે કે 'આ લોકો એવાં થઈ ગયાં છે હવે કે તમારે મારે ત્યાંથી જવાનું નહીં એવું કહેશે. ત્યારે લક્ષ્મીજી શું એના પિયર ના જાય ? લક્ષ્મીજીને ઘરની મહીં આંતરી રખાય ?

ભેલાયાં ઘર, તેનું શું ?

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત તે તેના ઘરનાં છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઈ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઈએ.

'આવન-જાવન' હિસાબસર જ !

લક્ષ્મી તો હાથનો મેલ છે, એ તો નેચરલ આવવાનો. તમારે આ સાલ પાંચ હજાર સાતસો ને પાંચ રૂપિયા અને ત્રણ આના એટલો હિસાબ આવવાનો હોય ને, તે હિસાબની બહાર કોઈ દહાડો જતું નથી અને છતાં આ વધારે આવતા દેખાય છે એ તો પરપોટાની પેઠે ફૂટી પણ જાય. પણ જેટલો હિસાબ છે એટલો જ રહેશે. આ અરધી તપેલી દૂધ હોય, ને નીચે લાકડાં સળગાવ્યાં ને દૂધની તપેલી ઉપર મૂકી, તો દૂધ આખી તપેલી થાય ને, ઊભરાયાથી આખી તપેલી ભરાઈ, પણ તે ભરાઈ રહેલું ટકે છે ? એ ઉભરાયેલું ટકે નહીં. એટલે જેટલો હિસાબ છે એટલી જ લક્ષ્મી રહેશે. એટલે લક્ષ્મી તો એની મેળે જ આવ્યા કરે. હું 'જ્ઞાની' થયો છું, અમને સંસાર સંબંધનો વિચારે ય નથી આવતો, તો ય લક્ષ્મી આવ્યા કરે છે ને ! તમારે પણ એની મેળે આવે છે, પણ તમે કામ કરવા માટે બંધાયેલા છો. તમારે ફરજ્યિાત શું છે ? વર્ક છે.

લક્ષ્મીના ધ્યાનમાં પડાય ?

લક્ષ્મી એ તો બાય પ્રોડક્ટ છે. જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે ? એનો રાતદહાડો વિચાર કરવો પડે છે ? ના, શાથી ? હાથપગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એ ય આપણને અહીં આગળ હાથ દુઃખતો હોય તે એની મરામત પૂરતો વિચાર કરવો પડે છે, એવું કોઈ વખત વિચાર કરવો પડે તે તાત્કાલિક પૂરતો જ, પછી વિચાર જ નહીં કરવાનો, બીજી ભાંજગડમાં નહીં ઉતરવાનું. લક્ષ્મીના સ્વતંત્ર ધ્યાનમાં ઉતરાતું હશે ? લક્ષ્મીનું ધ્યાન એક બાજુ છે, તો બીજી બાજુ બીજું ધ્યાન ચૂકીએ છીએ. સ્વતંત્ર ધ્યાનમાં તો લક્ષ્મી શું, સ્ત્રીના ય ધ્યાનમાં ના ઉતરાય. સ્ત્રીના ધ્યાનમાં ઉતરે તો સ્ત્રી જેવો થઈ જાય ! લક્ષ્મીના ધ્યાનમાં ઉતરે તો ચંચળ થઈ જાય. લક્ષ્મી ફરતી ને એ ય ફરતો ! લક્ષ્મી મોટું રૌદ્રધ્યાન છે એ તો, એ આર્તધ્યાન નથી, રૌદ્રધ્યાન છે ! કારણ કે પોતાના ઘેર ખાવાપીવાનું છે, બધું ય છે, પણ લક્ષ્મીની હજી વધુ આશા રાખે છે, એટલે એટલું બીજાને ત્યાં ખૂટી પડે. બીજાને ત્યાં ખૂટી પડે એવું પ્રમાણભંગ ના કરો. નહીં તો તમે ગુનેગાર છો. એની મેળે સહજ આવે એના ગુનેગાર તમે નથી ! સહજ તો પાંચ લાખ આવે કે પચાસ લાખ આવે. પણ પાછું આવ્યા પછી લક્ષ્

મીને આંતરી રખાય નહીં. લક્ષ્મી તો શું કહે છે

! અમને આંતરાય નહીં જેટલી આવી એટલી આપી દો.

સંભારે ત્યાંથી એ ભાગે !

એક ભાઈ આવેલા તે બિચારાને ધંધામાં દર મહિને ખોટ જાય, તે પૈસાની હાય હાય કરતા હતા. મેં એમને કહ્યું પૈસાની શું કરવા વાત કરો છો ? પૈસા તો સંભારવાના બંધ કરી દો. પણ ત્યારથી એમને પૈસા વધવા માડ્યા. તે દર મહિને ત્રીસ હજાર રૂપિયા નફો થવા માંડ્યો. નહીં તો પહેલાં વીસ હજાર રૂપિયાની ખોટ આવતી હતી. ને પૈસાને તો સંભારાતા હશે ? લક્ષ્મીજી એ તો ભગવાનની સ્ત્રી કહેવાય. એનું નામ તો દેવાતું હશે ?

નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.

ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે.

એ આવે કે લાવવી પડે ?

પૈસા ભેગા કરવાની ઇચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછ્યું કે, 'દાદા, કેવી રીતે લક્ષ્મી આવે ?' મેં કહ્યું, 'જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.' હા, કેટલાકને ઊંઘ બિલકુલે ય નથી આવતી ને ? તો એવું ત્યાં રૂપિયા યે ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે, ને તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો પ્રયત્ન કરશો તો વધારે આઘી જશે. ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો દૂર જશે. આજે કરી જો જો ને !

આ મુંબઈ શહેર આખું દુઃખી છે, કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે, એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારી ને બેઠા છે !

જિંદગીની જરૂરિયાતનું ધોરણ શું ?

આ તો ચિંતા કરે તો ય પડોશીઓનું જોઈને. પડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવનજરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાત છે. દા.ત. ઘરમાં ખાવાપીવાનું પૂરતું જોઈએ. રહેવા માટે ઘર જોઈએ. ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ, પણ જો પડોશીએ બેન્કમાં દશ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે. એક જમીનદાર મારી પાસે આવ્યો તે મને પૂછવા લાગ્યો કે 'જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘાં જમીન છે, બંગલો છે. બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?'

મેં કહ્યું, 'જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એકસેસમાં જાય છે અને એકસેસ તો ઝેર છે, મરી જઈશ !'

ચિંતા ત્યાં લક્ષ્મી ટકે ?

પ્રશ્શનકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય, ને ચિંતા જ ના કરે.

દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ ય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે, અને મોઢે અહંકાર કરે છે, કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. પાછું એ ય દેખાદેખીથી કે ફલાણાભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો. તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવા થઈ જાય, અને છોડી પૈણાવવાની હોય ત્યારે ચાર આનાય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મીજી મુકામ કરે. બાકી ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય એને ત્યાં લક્ષ્મીજી જાય.

શું સસ્તું ? શું મોઘું ?

પ્રશ્શનકર્તા : અત્યારે પૈસો સસ્તો થયો છે.

દાદાશ્રી : પૈસો સસ્તો થયો છે. પૈસો સસ્તો તો માણસ સસ્તો થઈ જાય. પૈસો મોઘોં થાય ત્યારે માણસ મોંઘો થાય. માણસની કિંમત ક્યાં સુધી ? પૈસો મોંઘો હોય ત્યાં સુધી થાય. પૈસો સસ્તો થાય એટલે માણસની કિંમત સસ્તી થઈ ગઈ ! એટલે પછી વાળ કપાવાનું ય મોંઘું થઈ જાય.

૧૯૪૨ની સાલથી ગવર્નમેન્ટે જે દહાડે રૂપિયો પહેલી વખત કાઢ્યો ત્યારથી જ આ પૈસો રદ્દી થવા માંડ્યો. એક રૂપિયાની નોટ કાઢી હતી, વિધાઉટ પ્રોમિસ ટુ પે વાળી નોટ, ત્યારથી જ આ રદ્દી થવા માંડ્યું હતું.

બે રૂપિયામાં બાદશાહી જોયેલી !

જ્યારે લક્ષ્મીના ભાવની કિંમત વધી જાય એની સાથે માણસના ભાવની કિંમત વધી જાય. જ્યારે લક્ષ્મીનો ભાવ વધે ત્યારે આ રૂપિયો, રૂપિયા જેવું ફળ આપે ત્યારે તે દા'ડે આ માણસો સારાં થશે. અત્યારે આ રૂપિયો ફળ જ નથી આપતો ને ! નહીં તો અમારે ત્યાં તો કંટ્રાક્ટનો ધંધો, તે બે રૂપિયા લઈને હું નીકળું, અમથા બે રૂપિયા ગજવામાં હોય તો સાત ભાઈબંધો પાછળ ફર્યા કરે, આખો દહાડો ય ! ચા પાઈએ, ઘોડાગાડીમાં, ફેંટીનમાં બેસાડીએ. આખો દહાડો બધા જોડે ને જોડે ફર્યા કરીએ બેજ રૂપિયામાં ! અને અત્યારે સોએ પૂરું ના થાય. એવી મઝા ના આવે. અત્યારે એવા ઘોડા જ જોવામાં નથી આવતા ને ! એ જે ઘોડાગાડીમાં અમે બેઠેલા ને ! એ ઘોડા જોવામાં નથી આવતા. ઘોડા આમ દેખાય, રાજશ્રી જેવા દેખાય ! એટલે બધું ય ગયું હવે.

પ્રશ્શનકર્તા : એ જમાના ગયા.

દાદાશ્રી : ફરી આવશે પણ !

અનોખો હિસાબ !

પ્રશ્શનકર્તા : આપણને આજે એમ લાગે છે કે આપણી પ્રજા કેટલા બધા પૈસા વાપરે છે, પણ આપણા જમાનામાં રૂપિયે મણ બાજરી હતી, અને અત્યારે ?!

દાદાશ્રી : વાત ખરી છે ! એવું છે ને, હું તમને ખરી વસ્તુ કહી દઉં. એ હકીકત જાણવા જેવી છે કે આવી જો મોંઘવારી થાય તો 'પબ્લિક' ખાવાપીવાનું કશું ના પામે, એટલે પછી મેં જ્ઞાનથી જોયું કે 'આ શું છે તે ? આમ માણસો શી રીતે તેલ લાવીને ખાય છે ? આટલી મોંઘી વસ્તુઓ તે કેવી રીતે ખાતા હશે ?' એ બધો હિસાબ કાઢ્યો. છેવટે જ્ઞાનથી જોયું ત્યારે ખબર પડી કે ત્યાં આગળ રૂપિયાની ભાંજગડ નથી હોતી. કેટલું ઘી, કેટલું તેલ, કેટલું દૂધ, આ બધાનો હિસાબ તમારી જોડે 'જોઈન્ટ' થયેલો છે. તેથી આ બધી વસ્તુઓ મળે છે, નહીં તો આ તો કોઈને ય મળે નહીં, શ્રીમંતોને ય મળે નહીં.

હિસાબ બંધાય શેનાથી ?

પ્રશ્શનકર્તા : આ લૌકિક વ્યવહાર જે થયો એ વિજ્ઞાનનું જ પરિણામ છે ?

દાદાશ્રી : કયો વ્યવહાર ?

પ્રશ્શનકર્તા : આપણે કોઈને આપવું, લેવું, વધવું, ઘટવું.

દાદાશ્રી : એ હિસાબ જ છે. વિજ્ઞાન એટલે હિસાબ જ છે એ તો. એટલે ડિસ્ચાર્જ સ્વરૂપે ગોઠવાયેલું છે. એ પ્રમાણે બધું આવે છે. એ કંઈ રૂપિયા લીધેલા-ધીરેલા નથી, રૂપિયા લઈને આપણે. ઋણાનુબંધ રૂપિયા નથી હોતું, પેલાને ભાવ છે કે મારે આવા બાપા મળે તો સારું. એટલે આમ બાપ જોઈએ નહીં, પણ આવા વિચારોવાળા બાપ મળે, આવા વિચારોવાળા છોકરા મળે, એટલે તેવું થાય. બસ, બીજું કશું નહીં.

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિના આશય પ્રમાણે ભેગું થાય.

દાદાશ્રી : હા, ભેગું થાય બધું. બાકી રૂપિયા આપવા - દેવાનું કંઈ ત્યાં આગળ નથી એવું. ફક્ત રાગ-દ્વેષના આધીન છે. રાગ-દ્વેષ ખરો એટલે એવા આશયનાં ચાર જણ હોય તેમાં રાગ-દ્વેષ કોની જોડે છે, તેનું છે આ, તેની જોડે જોઈન્ટ થાય છે. બીજો રાગ-દ્વેષ વગરનો હોય તે ના ચાલે. હિસાબસર જ છે, એટલે કુદરતી રીતે જ થાય છે. બધું નેચરલ, બસ આમાં કોઈને કશું કરવા આવવું પડતું નથી.

શેઠ-નોકર ભેગા, શા આધારે ?

આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે ? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યૈને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠને ય કર્મચારીઓ મારે.

પ્રશ્શનકર્તા : શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો, આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી તેથી આ ભેગું થયું ?

દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.

પ્રશ્શનકર્તા : તો એ લેણદેણ હશે ?

દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.

પ્રશ્શનકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?

દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણે ય નહીં, ને પારખાણે ય નહીં. શેઠની બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ. અને નોકરની બુદ્ધિના આશયમાં હોય કે મારે આવા શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !

આમાં વાંક કોનો કાઢવો ?

શેઠ ઈનામ આપતા હોય તે આપણું વ્યવસ્થિત, અને આપણું વ્યવસ્થિત અવળું આવે ત્યારે શેઠના મનમાં થાય કે આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ. એટલે શેઠ પગાર કાપી લે, એટલે પેલાને મનમાં એમ થાય કે આ નાલાયક શેઠિયો છે. આ નાલાયક મને મળ્યો. પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે આ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી. આ તો આપણું 'વ્યવસ્થિત' ફરે છે.

પુણ્યૈની વહેંચણી કેવી ?

એટલે આ પુણ્યૈ છે ને તે આપણે જેમ માંગણી કરીએને, તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે મારે આટલો દારૂ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, તો તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે મોટર જોઈએ અને ઘર ? ત્યારે કહે, બે રૂમ હશે તો ચાલશે. ઘર બે રૂમમાં એને સંતોષ હોય અને મોટર વાપરવાની મળે.

આ લોકોને સંતોષ રહેતો હશે, નાની નાની છાપરડીઓમાં રહેતા હશે, તે બધાંને ? ખરો સંતોષ તેથી તો એને એ ઘર ગમે. એ હોય તો જ ગમે. હમણે પેલા આદીવાસીને આપણે ત્યાં તેડી લાવો જોઈએ. ચાર દહાડા રાખો જોઈએ ! એમને ચેન ના પડે એમાં, કારણ કે એનો બુદ્ધિનો આશય છે ને તો તે પ્રમાણે પુણ્યનું ડિવિઝન થાય. ટેન્ડરના બદલે આઈટમ મળે.

એ 'સાયન્સ' શું હશે ?

દરેક માણસને પોતાના ઘરમાં આનંદ આવે. ઝૂંપડાવાળાને બંગલામાં આનંદ ના આવે અને બંગલાવાળાને ઝૂંપડામાં આનંદ ના આવે. એનું કારણ એની બુદ્ધિનો આશય. જે જેવું બુદ્ધિના આશયમાં ભરી લાવ્યો હોય તેવું જ તેને મળે. બુદ્ધિના આશયમાં જે ભરેલું હોય તેના બે ફોટા પડે : (૧) પાપફળ અને (૨) પુણ્યફળ. બુદ્ધિના આશયનું દરેકે વિભાજન કર્યું તે ૧૦૦ ટકામાંથી મોટા ભાગના ટકા મોટર, બંગલા, છોકરા-છોકરીઓ અને વહુ એ બધાં માટે ભર્યું. તે એ બધું મેળવવા પુણ્ય એમાં ખર્ચા ગયું અને ધર્મને માટે માંડ એક કે બે ટકા જ બુદ્ધિના આશયમાં ભર્યા.

બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે. એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુદ્ધિના આશયમાં તો બન્ને ય ચોર લાવ્યા હતા. પણ એમાં જે પકડાઈ ગયો તે તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો તેનું પુણ્ય તેમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુદ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કામ કરે છે. બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો. તે એનું પુણ્ય વપરાયું તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ તેમાં પુણ્ય કામે લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોઢું જ ના દેખાડે. અલ્યા, આ તો આટલો બધો ચોખ્ખે ચોખ્ખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્યૈ વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુદ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુદ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર, બંગલા, રેડિઓ એ બધાની ભજના કરી તેના જ માટે બુદ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ - આત્મધર્મ માટે જ બુદ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર

આશય ફેરવીને સંપૂર્ણ ૧૦૦ ટકા ધર્મ મ

ાટે જ રાખો.

અમે અમારા બુદ્ધિના આશયમાં ૧૦૦ ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાં ય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, છોકરી, ક્યાં ય નહીં.

અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે - મુક્તિને માટે નાખેલા, તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' મળ્યું છે.

ઇચ્છાઓ બંધાઈ કેમની ?

તમારું જ છે. આમાં કોઈ કરનાર નથી, આ બધું તમારી ઇચ્છા પ્રમાણે જ વહેંચાયેલું છે. ઇચ્છા પ્રમાણે થયા કરે. પહેલાં જે ઇચ્છા હતી તે નવમા માઈલમં તમારી ઇચ્છા હતી. તે આ જગત પ્રવાહરૂપે છે. તે ઇચ્છા હતી નવમા માઈલમાં અને એ ઇચ્છા ભોગવતી વખતે આવ્યા બારમા માઈલમાં, એટલે તે ઘડીએ પાછો તમને ફેર પડી જાય છે કે આ તો સાલું અહીંયા આવું જોઈતું હતું ! ઇચ્છા નવમા માઈલની, અને આવ્યા બારમા માઈલમાં ! નવમા માઈલના આધારે ઇચ્છા શું કરી ? લાંચ-રુશ્વત કશું જ લેવાય નહીં. લાંચ લેવા જેવી રીત જ નહીં. ખોટું કરાય જ નહીં. હવે એ સંજોગો તે દહાડે તેવા હતા, નવમા માઈલમાં. હવે બારમા માઈલમાં સંજોગો એવા હોય કે ત્યારે બધા ય લાંચ લે અને આપણે એકલા જ એવા કે લાંચ ના લઈએ. તે બેરી કહે કે બધા યે બંગલા બાંધ્યા, તેમાં તમારામાં બરકત નથી. હવે બિચારો લાંચ લેવા જાય તો ય લાંચ લેવાય નહીં, કારણ કે પેલી પ્રકૃતિ બંધાઈ ગયેલી છે, અને મનમાં ભાવ કર્યા કરે છે કે લેવા જોઈએ, લેવા જોઈએ. તે ઊલટો આવતે ભવે ચોર થયો. આ જગત આવું છે બધું અને પૂરું સમજ્યા વગર બહુ માર ખાય છે.

ત્યાં ટેન્ડર ક્યાં રહ્યું ?

પ્રશ્શનકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું ?

દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે 'ટેન્ડર' ભરો, પણ હું જાણું કે શેના આધારે 'ટેન્ડર' ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી.

હું ઘણા જણને મારી પાસે 'ટેન્ડર' ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા, અને થોડું થોડું સાધારણ કામ કર, અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠા સામસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય ! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ.

વાત ખાલી સમજવાની જરૂર છે.

પુણ્ય-પાપની 'લિન્ક' કેવી હોય ?

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, 'હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.' એટલે હું કહું, 'અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઊછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.'

અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, 'હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તો ય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?'

મેં એને કહ્યું, 'એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ ગુરુને પથરો મારું !'

આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળે ને ! એટલે પછી એણે મને પૂછ્યું કે, 'મારે શું કરવું ?' મેં કહ્યું, 'દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તા ઊઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઊઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, 'વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.' એવું કરે. તે તને ૧૦૭ સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી ૧૧૧ આવશે ! તે લોક વિઠ્ઠલને બુદ્ધુ કહેશે. માટે આ દાદાનું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ.

પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી-બૈરી બંનેએ માંકણ મારવાની દવા પી લીધી ! તે દાદાનું નામ જ લેવાનું ભૂલી ગયેલો. પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉક્ટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, 'આ દાદાનું નામ લીધા કરજે, ને ફરી આવું ક્યારે ય ના કરીશ.'

ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું.

'દાદા' બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતાં સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય.

પાપ-પુણ્યનું ગલન થાય ત્યારે ?

પાપનું પૂણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠાં હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તે ય જવાનો તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રોદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ?

પૂરણનું ગલન, સ્વભાવથી જ !

આ તો પૂરણ ગલન છે. એમાં પૂરણ થાય ત્યારે હસવા જેવું નથી અને ગલન થાય ત્યારે રડવા જેવું નથી. જ્યારે દુઃખનું પૂરણ થાય ત્યારે કેમ રડે છે ? પૂરણમાં જો તારે હસવું હોય તો હસ. પૂરણ એટલે સુખનું પૂરણ થાય તો ય હસ અને દુઃખનું પૂરણ થાય તો ય હસ. પણ આમની ભાષા જ જુદી છે ને ! ગમતી ને ના ગમતી બે રાખે છે ને ! સવારે ના ગમતી હોય તેને સાંજે ગમતી કરે પાછો ! સવારમાં કહેશે, 'તું અહીંતી જતી રહે' અને સાંજે એને કહેશે 'તારા વગર મને ગમશે નહિ !' એટલે ભાષા જ અનાડી લાગે છે ને ?

જગતનો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. જો બધા જ પૈસા ભેગા કર કર કરતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ બૂમ પાડી શકે કે 'હું સહુથી શ્રીમંતમાં શ્રીમંત છું' પણ એવું કોઈ ધરાયેલો બોલતો નથી કારણ કે નિયમ જ નથી એવો !

ભોગવટો, રૂપિયાનો કે વેદનીયનો !

કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો.

જરૂર કઈ, મહીંલી કે બાહ્યલી ?

અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે, 'હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ !' અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય ઊભી થાય ! 'અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !' ત્યારે કહેશે કે, 'ના એ તો મહીં રકમ ઓછી થાય ને !' ત્યારે.' અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી ? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો 'મહીં' બેઠી છે એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને મૂડી આખી ધોઈ નાખવા ફરે છે !! હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં ?

પ્રશ્શનકર્તા : થઈ જાય.

દાદાશ્રી : ત્યારે આ બધું શેના હારુ ? ત્યારે પેલી કહે કે 'પણ મારે તો પેલી પૈસાની મૂડી કીંમતી છે !' અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ?

પાપનુબંધી પુણ્ય !

દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે 'હવે હું આધ્યાત્મિક જીવન જીવું ! ત્યારે હવે, એ છોકરો કાયમ દારૂમાં, માંસાહારમાં, શેરબજારમાં બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે, તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું જ નાણું, સાચી મહેનતનું જ નાણું રહેતું નથી, તે ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યૈનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય, દાનત ચોખ્ખી હોય. એવું નાણું હોય તો તે જે સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું, એ ય પુણ્યૈનું જ કહેવાય છે, પણ પાપાનુબંધી પુણ્યનું, તે નર્યાં પાપ જ બંધાવે ! એના કરતાં એ લક્ષ્મીને કહીએ કે, 'તું આવીશ જ નહીં, એટલેથી જ છેટી રહેજે.' એમાં અમારી શોભા સારી છે ને તારી ય શોભા વધશે.' આ બંગલા બંધાય છે એ બધું ય પાપાનુબંધી પુણ્ય ઉઘાડું દેખાય છે. આમાં અહીં કો'ક હશે, હજારે એકાદ માણસ કે જેની પુણ્યાનુબંધી પુણ્યૈ હોય. બધી આ પાપાનુબંધી પુણ્યૈ છે. આટલી લક્ષ્મી તો હોતી હશે કોઈ દહાડો ય ? નર્યું પાપ જ બાંધે છે, કશું ભોગવતાં - કરતાં નથી ને પાપ જ બાંધે છે. આ તો તિર્યંચની રીર્ટન ટિકિટ લઈને આવેલો છે !

એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરજસ્ત પુણ્યૈ હોય છે તો પણ મહીં અંતરદાહ શમાતો નથી; અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે ! ચોગરદમથી બધા ફર્સ્ટ કલાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ હોય, તે હવે કેમ મટે ? પુણ્યૈ પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્યૈ ખલાસ થાય એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંદરદાહ છે. પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે તે ઘડીએ તારી શી દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે.

લક્ષ્મી તો 'ચલતી' ભલી !

આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. ને ગલન ના થાત ને તો ય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલે પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું એ ઉચ્છવાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ ગલન સ્વબાવનું છે એટલે અમે શોધખોળ કરી છે કે 'ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં !' ભીડવાળા સુકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે.

ભીડ નહીં, ભરાવો નહીં.

અમારા ગામમાં અમને સત્સંગ માટે બોલાવેલા, તે ત્યાં એ સત્સંગ કરતા હતા. તે એક ભાઈ ગામના ખરાને, તે બધા પિતરાઈ થાય, તે આડું બોલે. એવું બોલ્યા કે, તમે નીચે દબાવીને બેઠા છો, મોટી રકમ ખૂબ દબાવીને બેઠા છો, તે હવે સત્સંગ નિરાંતે થાય જ ને ! હું સમજી ગયો કે આ પિતરાઈના ગુણથી બોલ્યો છે. એને સહન થાય નહીં ને ! પછી મેં કહ્યું કે 'હું શું દબાવીને બેઠો છું તે તમને શું ખબર પડે ? બેન્કમાં શું છે તે તમને શું ખબર પડે ?' ત્યારે કહે છે, 'અરે, દબાવ્યા વગર તો આવું નિરાંતે સત્સંગ થાય જ શી રીતે ?' મેં કહ્યું કે 'બેન્કમાં જઈને તપાસ કરી આવો.'

મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. લાખ આવતાં પહેલાં તો કંઈ ને કંઈ બોમ્બ આવે ને તે વપરાઈ જાય. એટલે ભરાવો તો થતો જ નથી કોઈ દહાડો, અને ભીડ પણ પડી નથી. બાકી કશું દબાવ્યું - કર્યું નથી, કારણ કે અમારી પાસે ખોટું નાણું આવે તો દબાય ને ? એવું નાણું જ ના આવે તો દબાવે શી રીતે ? અને એવું આપણે જોઈતું પણ નથી. આપણે તો ભીડ ન પડે અને ભરાવો ના થાય એટલે બહુ થઈ ગયું ! ભરાવો થાય તો બહુ ઉપાધિ થાય, પાછા બેન્કમાં મૂકવાનું ને બધી ઉપાધિ. પાછા સાળા આવે કે, તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, તે દસ-વીસ હજાર આપો. પાછા મામાનો દીકરો આવે, પાછો જમાઈ આવે કે, 'મને લાખ રૂપિયા આપો.' મહીં ભરાવો હોય તો કહે કરે ને ? પણ ભરાવો જ ના હોય તો ? ભરાવો થયા પછી લોકોને કકળાટ થાય.

ભરાવો કરાવે ઉપાધિ !

મને લોકો આવીને કહી જાય કે જુઓને અમારા જમાઈ આવ્યા તે લાખ રૂપિયા માંગે છે. જમાઈ તો આને માટે આવીપડ્યા છે. તે બધાંને આપ-આપ કરું તો મારી પાસે શું રહે ? એની વાતે ય ખરી છે ને ? બધાને આપ આપ કરે તો એની પાસે કશું રહે ય નહીં ને ! એટલે ભરાવો થયો તો લેવા આવ્યા ને ! હવે ત્યાં એની જોડે જમાઈ ઝગડો માંડે, ગાળો ભાંડે ! ત્યારે છેવટે કહેશે. 'મારી પાસે પૈસા વધારે નથી. લો આ વીસ હજાર લઈ જાવ ને હવે પાછા ના આવશો.' અલ્યા આપવા હતા ત્યારે કકળાટ કરીને આપ્યા તેના કરતાં સમજાવીને તો આપવા હતા ને ! નહીં તો એક ફેરો જૂઠું બોલીએ કે, 'આ બધા લોકો કહે છે કે મારી પાસે દસ લાખ આવ્યા છે, પણ મારું મન જાણે છે કે કેટલા આવ્યા છે ! એમ તેમ કરીને જૂઠું બોલીને પણ જમાઈને સમજાવી દઈએ કે જેથી લઢવાડ તો ન થાય ને ! ઝગડો ય ના થાય, પણ એવું આવડે નહીંને ? અને પછી પેલો જમાઈ તો લાખ માટે ચોંટે, વીસ હજાર લઈ જાય નહીં. એટલે આ વધારે રૂપિયા લાવ્યા તે પછી ભઈ જોડે વઢે, સાળા જોડે વઢે, જમાઈ જોડે વઢે. વધારે રૂપિયા આવ્યા તો વધારે વઢવાડ હોય, અને ના હોય ત્યારે બધાં ભેગાં બેસીને ખાય, પીવે ને મઝા કરે. એવું છે આ પૈસાનું કામ. માટે ભરાવો થાય તે ય ઉપાધિ અને ભીડ ના પડે એટલે બહુ થઈ ગયુ

ં.

આ જુઓ નોટો ગણનારાને તાદ્રશ્ય !

આ શરીરમાં ય ભીડ પડે ત્યારે માણસ કંતાઈ જાય અને ભરાવો થાય ત્યારે સોજો ચઢે. સોજો ચઢે ત્યારે એ જાણે કે હું હવે જાડો થયો. અલ્યા, આ તો સોજા ચઢ્યા છે ! એટલે ભરાવો ના થાય તે ઉત્તમ અને એના જેવું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. ભેગા થાય તો ગણવાની ભાંજગડ થયા કરે ને ! દસ હજાર રૂપિયા હોય, તો રૂપિયે રૂપિયે દસ હજાર ગણવા જાય, તો ક્યારે પાર આવે ? એ પછી એક બેની બૂલ આવી તો ફરી પાછા ગણે. બરોબર ગણી રહે પછી સૂઈ જાય. ત્યારે એક જણ મને કહે કે, 'તમે શું કરો ?' મેં કહ્યું કે, 'આ તો દસ હજારની વાત કરે છે, પણ સોની નોટના છૂટા કો'ક દુકાનેથી લેવાના હોય, તો દુકાનદાર કહેશે, 'સાહેબ, ગણી લો.' હું કહું કે, 'તમારી પર મને બહુ વિશ્વાસ છે.' વખતે નવ્વાણું હશે તો ત્યારે રૂપિયો તો ગણવાની મહેનતનો જાય, પણ એ ગણવામાં ટાઈમ બલ્યો જતો રહે ને ! એટલે ભલે રૂપિયો ઓછો હશે, પણ ભાંજગડ નહીં ને ! એટલે હું કોઈ દહાડો ય રૂપિયા ગણતો જ નથી. સોની નોટમાં તો સો રૂપિયા હોય અને ગણતાં ગણતાં તો દસ મિનિટ જતી રહે. પાછાં જીભને અંગૂઠો આમ અડાડ અડાડ કરે ! એ વાઘરીવેડા કરવા કરતાં બે રૂપિયા ઓછા હશે તો ચાલશે. તેમાં પાછા જો એક-બે ઓછા હોય ને, તો સો રૂપિયા છૂટા આપનાર જોડે લઢી પડે કે, 'આ તમે, સો અ

ાપ્યા, પણ પૂરા નથી. આમાં તો બે ઓછા છે.' ત્યારે પેલો કહશે કે, 'તમે પાછા ગણો, અમથા કચકચ ના કરશો, વધારે માથાકૂટ ના કરશો, નહીં તો લાવો મારા રૂપિયા પાછા. ત્યારે પેલો પાછા ના આપે ને ફરી ગણવા બેસે ! અલ્યા, લેતી વખતે કકળાટ, કો'કને આપે ત્યારે ય કકળાટ, ને કકળાટ !! આવ્યો ત્યારે ઊંવા કરે અને જતી વખતે 'ડૉક્ટર સાહેબ મને બચાવજો, બચાવજો !' કરશે. ક્યારે તું કકળાટ વગરનો રહ્યો છે તે ?! તારો એક દહાડો ય આનંદમાં નથી ગયો ! છતાં પોતે પરમાત્મા છે. એ કકળાટ કરે, પણ આપણે તો દર્શન કરવાં પડે ને ! એવું આ જગત છે. એટલે ભીડ ના પડે ને ભરાવો ના પડે ને, એ સારામાં સારું.

શું પોષાય ! અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ?

એક બેન કહેતાં હતાં કે, 'આ સાલ આટલો બધો વરસાદ પડે છે, તો આવતી સાલ શું થશે ? પછી ભીડ પડશે !' લોક ભીડમાં ય આશા રાખે છે કે આ સાલ તો બે-ત્રણ લાખ રૂપિયા આવી જાય તો સારું. અલ્યા, હવે પછી તો બધાં વર્ષોમાં દુકાળ પડશે ! માટે આશા ના રાખીશ. લક્ષ્મીનો વરસાદ સામટો પડી ગયો, હવે તો પાંચ વર્ષ સુધી દુકાળ પડશે. એનાં કરતાં એના જે હપતાથી આવે છે ને, એ હપતાથી આવવા દે એ બરાબર છે. નહીં તો આખી મૂડી આવશે તો બધી વપરાઈ જશે. એટલે આ હપતા બાંધેલા છે તે બરાબર છે. આપણે તો સામાને સંતોષ થાય તેવું કરવું, 'વ્યવસ્થિત' જેટલી લક્ષ્મી મોકલે તેટલો સ્વીકાર કરવો. ઓછી આવે ને દિવાળી પર બસો-ત્રણસો ખૂટી પડ્યા તો આવતી દિવાળીએ વધારે વરસાદ પડશે. માટે એનો વાંધો રાખવો નહીં.

લક્ષ્મી ખૂટે શાથી ?

પ્રશ્શનકર્તા : લક્ષ્મી શાથી ખૂટે છે ?

દાદાશ્રી : ચોરીઓથી. જ્યાં મન-વચન-કાયાથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે. લક્ષ્મીનો અંતરાય ચોરીથી છે. ટ્રિક અને લક્ષ્મીને વેર. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરી એટલે કે ટ્રિકો કરે એ તો હાર્ડ રૌદ્રધ્યાન છે. ટ્રિકો તો હોવી જ ના જોઈએ. ટ્રિકો કરી કોને કહેવાય ? 'બહુ ચોખ્ખો માલ છે' કહીને ભેળસેળવાળો માલ આપીને ખુશ થાય. ને જો આપણે કહીએ કે, 'આવું તો કરાતું હશે ?' તો એ કહે કે, 'એ તો એમ જ કરાય.' પણ પ્રામાણિકપણાની ઇચ્છાવાળાએ શું કહેવું જોઈએ કે 'મારી ઇચ્છા તો સારો માલ આપવાની છે. પણ માલ આવો છે એ લઈ જાવ.' આટલું કહે તો પણ જોખમદારી આપણી નહીં !

એટલે આ બધા ક્યાં સુધી પ્રામામિક છે ? કે જ્યાં સુધી કાળાબજારનો એને અધિકાર પ્રાપ્ત થયો નથી. જો એને કાળાબજારનો અધિકાર પ્રાપ્ત થાય, ત્રણ ગણાં નાણાં ઉપજે અને વેચવાો માલ પાંચ-પચ્ચીસ હજારનો પડ્યો હોય. હવે એ અધિકાર એને વેચવાનો છે અને લેનાર ઘરાક ઘેર બેઠાં આવતાં હોય અને કોઈ મુશ્કેલી ના હોય, પેલાં લઈ જનારા શું કહે ? કે જવાબદારી અમારી, કહેશે. તો તું પાંસરો રહે તો હું જાણું.

મન-વચન-કાયાથી કિંચિત્ ચોરી કરે તે ઘણી ય મહેનત કરે તો ય માંડ લક્ષ્મી મળે. લક્ષ્મી માટેનો આ મોટામાં મોટો અંતરાય છે ચોરી. આ તો શું થાય કે મનુષ્યપણામાં જે જે મનુષ્યની સિદ્ધિ લઈને આવ્યા હોય તે સિદ્ધિ વટાવીને દેવાળિયા બનતા જાય છે. આજે પ્રમાણિકપણે ઘણી મહેનત કરીને પણ લક્ષ્મી ના મેળવી શકે. એનો અર્થ એ કે આગળથી જ મનુષ્યપણાની સિદ્ધિ અવળી રીતે વટાવીને જ આવ્યો છે તેનું આ પરિણામ છે. મોટામાં મોટી સિદ્ધિ કઈ તો કે' મનુષ્ટપણું. અને તે પણ ઊંચી નાતમાં જન્મ લેવો એ તેય હિન્દુસ્તાનમાં. આને મોટામાં મોટી સિદ્ધિ કહી ? કારણ કે આ મનુષ્યપણાથી મોક્ષે જવાય ?

લક્ષ્મીજી શું કહે છે ?

પ્રશ્શનકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ?

દાદાશ્રી : આ એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ, આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, 'તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા તે આવતા જુલાઈમાં મળશે.' અને જો કહે કે, 'મારે પૈસા નથી જોઈતા એ ય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારે ય નહીં ને, ઇચ્છા ય નહીં કરવી જોઈએ. એમને તો નમસ્કાર કરવા જોઈએ. એમને તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ, અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે બધાં જ ટાઈમસર આવી જશે. પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ, બીજું લક્ષ્મીજી શું કહે છે ? કે, 'તારે મોક્ષે જવું હોય તો

હકની લક્ષ્મી મળે તે

જ લેજે, કોઈની ય લક્ષ્મી ઝૂંટવીને ઠગીને ના લઈશ.

કયા કાયદાઓથી લક્ષ્મી ?!

પ્રશ્શનકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ?

દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લક્ષ્મીજી ધોને ? બધાય ધૂએ છે !! ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે ?

પ્રશ્શનકર્તા : ના, દાદા, ત્યાં કોઈ લક્ષ્મીજીને ધોતું નથી.

દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ? એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે, દહીંમા ય ધૂએ છે અહીં હિન્દુસ્તાનમાં. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને કોઈ કાચા નથી. મને ય લોકો કહેવા આવે કે, 'તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં ?' મેં કહ્યું, 'શાના માટે ? આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે. પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. એમ એવું ત્યાં આગળ ના કહીએ કે 'અમારે એની જરૂર નથી.' તમે ય ઘેર રાત્રે જઈને બોલજો કે 'હે લક્ષ્મીજી દેવી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે મારે ઘેર આવજો અને જ્યારે અનુકૂળ હોય ત્યારે જજો. પણ આ ઘેર આવજો. તમે ધ્યાન રાખજો', એવું કહેવાયને ?

પ્રશ્શનકર્તા : આવતાં-જતાં રહેજો.

દાદાશ્રી : ના, એવું નહીં. 'આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે આવજો. અમારી ઇચ્છા છે કે આવજો.' એટલું બોલીને પછી સૂઈ જવાનું. શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કરતાં પછી એમાં સંકલ્પ-વિકલ્પ કરે તો ભયંકર દોષ બેસે. પછી કેસ ઊંચો મૂકી દેવાનો. એ ગૂંચવાડો રહ્યો નહિ ને કોઈ ?

પ્રશ્શનકર્તા : ના, ના.

દાદાશ્રી : થયું ત્યારે, બસ.

લક્ષ્મીજીને આંતરાય ?

અમને તો લક્ષ્મીજી ક્યારે ય સાંભરે નહિ. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને. પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. આપણામાં કહેવત છે ને કે 'બાબો હશે તો વહુ આવશે ને !' 'નારાયણ' છે ત્યારે લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલા આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ? લક્ષ્મીજી કોઈની આંતરી આંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનની પત્ની છે. તેનેય મૂઆ, તું આંતર આંતર કરે છે ? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી હોય ને પછી પિયર જવા ના દે તે શી દશા થાય બિચારીની ! તેવું લોકોએ આ લક્ષ્મીજી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજી ય હવે કંટાળ્યાં.

એને તરછોડ કેમ મરાય ?

બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમ કો નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી. પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલા ય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો 'વીતરાગ' છે, 'અચેતન વસ્તુ' છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ કરી, પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. અમે 'અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ 'લક્ષ્મીજીને ક્યારે ય નહીં અડું' તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત' ના નિયમના આધારે બધાં દેવદેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય.

એ તરછોડનાં પરિણામ શાં ?

લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલા ય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ. નહીં તો અડવાય નહીં મળે. તરછોડ ના મરાય. કોઈ વસ્તુને તરછોડ ના મરાય એવું નથી. નહીં તો આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં ય જય સચ્ચિદાનંદ ને જતાં ય જય સચ્ચિદાનંદ કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. અમને લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે. તે એમના પગ છોલાઈ ગયા છે, તે પાછળ દોડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું, આમાં તો ઢીંચણ છોલાય છે. પણ ત્યારે તો ફરી ઈશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે. એટલે એમને અમારે મારમાર કરવાના છે. એમને બધે છોલીને લોહીલુહાણ કરી નાંખવા છે. એમને સોજા ચઢ્યા છે. છતાં સમજણ નથી ખુલતી ! બહુ પાકાં છે લક્ષ્મીજી તો !

ત્યાં લક્ષ્મીજી ય કંટાળ્યાં...

તે હવે મને એ કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું. ત્યારે ય ફૂલહાર લઈને સ્વાગત કરે છે, અને પાછી જાઉં ત્યારે ય ફૂલહાર પહેરાવીને વિદાય આપે છે. જે જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં જાઉં અને જે જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંતભવ સુધી હું નહીં જઉં ! રૂપિયા તો આવે ને દસ વરસ પછી તે લક્ષ્મી ના રહે. એ તો ફેરફાર થયા જ કરે. સંસરણ થયા કરે.

લક્ષ્મીજી માટે નિઃસ્પૃહી થાય ?

લક્ષ્મી માટે કેટલાક લોકો નિઃસ્પૃહી થઈ જાય છે, તો નિઃસ્પૃહ ભાવ એ કોણ કરી શકે ? જેને આત્માની સ્પૃહા હોય તે જ નિઃસ્પૃહભાવ કરી શકે. પણ આત્મા પ્રાપ્ત થયા સિવાય આત્માની સ્પૃહા શી રીતે થાય ? એટલે એકલો નિઃસ્પૃહ થાય. અને એકલો નિઃસ્પૃહી થયો તો તો રખડી મર્યો ! માટે સસ્પૃહી - નિઃસ્પૃહી હોય તો મોક્ષે જશે. અમે લક્ષ્મીના વિરોધીઓ નથી કે અમે લક્ષ્મીનો ત્યાગ કરીએ. લક્ષ્મીનો ત્યાગ નથી કરવાનો, પણ અજ્ઞાનતાનો ત્યાગ કરવાનો છે. કેટલાક લક્ષ્મીનો તિરસ્કાર કરે છે. તે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો તે ક્યારે ય પાછી ભેગી જ ના થાય, નિઃસ્પૃહ એકલો થાય એ તો મોટામાં મોટું ગાંડપણ છે.

ત્યાં જ્ઞાનીને કેવું વર્તે ?

અમે સસ્પૃહ-નિઃસ્પૃહ છીએ. ભગવાન સસ્પૃહ-નિઃસ્પૃહ હતા. તે તેમના ચેલા નિઃસ્પૃહ થઈ ગયા છે ! નેસેસિટી એરાઈઝ થાય તે પ્રમાણે કામ લેવું.

પ્રશ્શનકર્તા : સસ્પૃહ-નિસ્પૃહ એ કેવી રીતે ? તે ના સમજાયું.

દાદાશ્રી : સંસારી ભાવોમાં અમે નિઃસ્પૃહી અને આત્માના ભાવોમાં સસ્પૃહી. સસ્પૃહી નિઃસ્પૃહી હશે તો જ મોક્ષે જશે. માટે દરેક પ્રસંગને વધાવી લેજો. વખત પ્રમાણે કામ લેજો, પછી તે ફાયદાનો હોય કે નુકસાનનો હોય. ભ્રાંત બુદ્ધિ 'સત્ય'નું અવલોકન ના થવા દે. ભગવાન કહે છે કે તું ભલે જરાક થિયરી ઓફ રિલેટીવિટીમાં રહે, તેનો વાંધો નથી, પણ જરાક અવિરોધાબાસ જીવન રાખજે. લક્ષ્મીના તો કાયદા પાળવાના. લક્ષ્મી ખોટા રસ્તાની ના લેવી. લક્ષ્મી માટે સહજ પ્રયત્ન હોય. દુકાને જઈને રોજ બેસવું, પણ તેની ઇચ્છા ના હોય. કોઈના પૈસા લીધા તો લક્ષ્મીજી શું કહે છે કે, પાછા આપી દેવાના રોજ ભાવ કરવા જોઈએ કે આપી દેવા છે. તો તે અપાશે જ.

બંને ફીવર નહિ તો શું ?

ભગવાને શું કહેલું કે નર્મદાજીમાં પાણી આવે તો નર્મદાજીના પટના ગજા પ્રમાણે જ હોય. પણ જો એના ગજા કરતાં વધારે પાણી આવે તો ? તો તે કિનારો-બિનારો બધું તોડી નાખે, અને આજુબાજુનાં ગામો તાણી જાય. લક્ષ્મીજીનું પણ એવું જ છે. નોર્મલ આવે ત્યાં સુધી સારું. લક્ષ્મીજી બિલો નોર્મલ આવે તો પણ ફીવર અને એબોવ નોર્મલ પણ ફીવર છે. એબોવ નોર્મલ તો ફીવર વધારે છે. પણ બંને રીતના સ્ટેજીસમાં લક્ષ્મી ફીવર સ્વરૂપ થઈ પડે છે.

કાળા નાણાનાં પરિણામ શાં ?

પ્રશ્શનકર્તા : પણ લોકોને હમણાં પૈસાની જરૂર છે ને ?

દાદાશ્રી : હા, પણ તેથી આવાં સજ્જડ દુર્ધ્યાન કરાતાં હશે ? આ નહાવાનું ય રોજની જરૂરિયાત છે છતાં ત્યાં કેમ નહાવા માટે ધ્યાન નથી બગાડતા ? અત્યારે તો પાણી નથી મળતું તે તેમાં ય ધ્યાન બગાડે છે, પણ આપણે તો નક્કી જ હોવું જોઈએ કે પાણી મળ્યું તો નાહીશું, નહીંતર નહીં, પણ ધ્યાન બગડવું ના જોઈએ. પાણીનો સ્વભાવ છે કે આવ્યા કરે, તેમ લક્ષ્મીનો સ્વભાવ છે કે આવ્યા કરે ને ટાઈમ થાય એટલે ચાલતી થાય. આખા વર્લ્ડમાં કોઈને ઝાડે ફરવાની સત્તા એની 'પોતાની' નથી, આ તો માત્ર નૈમિતિક ક્રિયા કરવાની હોય. પણ ત્યાં ધ્યાન બગાડીને પડાવી લેવાની ઇચ્છા રાખે તો તો પછી ફળ કેવાં આવે ?

આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલનું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો.

લક્ષ્મી મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?

જ્યાં સુધી કોઈ દિવસ આડો ધંધો શરૂ ના થાય ત્યાં સુધી લક્ષ્મીજી જાય નહીં. આડો રસ્તો એ લક્ષ્મી જવા માટેનું નિમિત્ત છે !

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે, પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો. ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોતો તો તો મજૂરને ય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાયપ્રોડક્શનનાં કારખાનાં ખોલ્યાં છે. બાયપ્રોડક્શનનું ના ખોલાય મેઈન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન 'જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય-પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય !

જ્ઞાની કૃપા શું ના કરે ?

આ તો લોક આર્તધ્યાન ને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો આટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી એ રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાંની પુણ્યૈ જો હશે તો જ મળશે. આ 'દાદા'ની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું ? તેમની 'કૃપા'થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી, તે અંતરાયો 'અમારી' કૃપાથી તૂટે તે પછી બધું ભેગું થાય. 'દાદા'ની કૃપા તો મનના રોગોના અને વાણીના રોગોના, દેહના રોગોના એ સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય.

ગણનારા ગયા ને પૈસા રહ્યા !

આ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઉલટો ! જે દહાડે પચાસ હજારનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવાપીવાનું ગમે નહીં. કારણ કે મારે ય વકરો આવતો હતો, તે મેં બધો જોયેલો, આ મગજમાં કેવું થઈ જતું તે ! આ તો મારા અનુભવની બહાર નથી ને કંઈ ? હું તો આ સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહે, અજંપો અજંપો અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારાં ગયાં ! તો ય કહે છે કે, 'તારે સમજવું હોય તો સમજી લે જે, અમે રહીશું ને તું જઈશ !' માટે આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, આવો બા, એની જરૂર છે ! બધાંની જરૂર તો છે ને ? પણ એની પાછળ જ તન્મયાકાર રહે ! તો ગણનારા ગયા અને પૈસા રહ્યા. છતાં ગણવું પડે તે ય છૂટકો જ નહીં ને ! કો'ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે કે, 'ભઈ, મને તો ખાતી વખતે અડચણ કરશો નહીં, તમારા પૈસા નિરાંતે ગણીને તિજા

ેરીમાં મૂકવા ને તિજોરીમાંતી લેવા. એમાં ડકો ના કરે એવો કો'ક શેઠિયો હોય ! હિન્દુસ્તાનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા !! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં !! આ શું ડખો ! આ લક્ષ્મીજીને આજે મેં વીસ વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યાં તો જ આટલો આનંદ રહે ને !

લક્ષ્મીજીનો વ્યવહાર છે ત્યાં સુધી પણ જરૂર રહે છે, તેની ના નથી. તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ, લક્ષ્મીજી એકલાંની પાછળ પડીએ તો નારાયણ ચિઢાયા કરે. લક્ષ્મીનારાયણનું તો મંદિર છે ને ! લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ?

તમને ગમી કંઈ આ વાત ?

રૂપિયા કમાતાં જે આનંદ થાય છે તેવો જ આનંદ ખર્ચ કરતી વખતે થવો જ જોઈએ. ત્યારે એ બોલે કે આટલા ખર્ચાઈ ગયા !!

પૈસા વપરાઈ જશે એવી જાગૃતિ રખાય જ નહીં. જે વખતે જે ઘસાય તે ખરું તેથી પૈસા વાપરવાનું કહેલું, કે જેથી કરીને લોભ છૂટે ને ફરી ફરી અપાય.

ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ?!

એની યે એક્સપાયરી ડેટ !

રૂપિયાનો નિયમ કેવો છે કે અમુક દિવસ ટકે ને પછી જાય, જાય ને જાય જ. એ રૂપિયો ફરે ખરો, પછી એ નફો લઈ આવે, ખોટ લઈ આવે કે વ્યાજ લઈ આવે, પણ ફરે ખરો. એ બેસી ના રહે, એ સ્વભાવનો જ ચંચળ છે. એટલે આ ઉપર ચઢેલો તે પછી ઉપર એને ફસામણ લાગે. ઊતરતી વખતે ઉતરાય નહીં, ચઢતી વખતે તો હોંશે હોંશે ચઢી જવાય. ચઢતી વખતે તો હોંશમાં આમ ઝાલી ઝાલીને ચઢે, પણ ઊતરતી વખતે તો પેલી બિલાડી મોઢું માટલીમાં ઘાલે, જોર કરીને ઘાલે ને પછી કાઢતી વખતે કેવું થાય ? તેવું થાય.

આ અનાજ છે તે ત્રણ-પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં.

અગિયાર વરસે પૈસા બદલાય, પચીસ કરોડનો આસામી હોય પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની 'એક્સપાયરી ડેટ' લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય છે.

પ્રશ્શનકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ?

દાદાશ્રી : આજે '૭૭ની સાલ થઈ તો આજે આપણી પાસે '૬૬ પહેલાંની લક્ષ્મી ના હોય.

પ્રશ્શનકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ.

દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની 'એક્સપાયરી ડેટ' હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય, તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય.

નાદારીથી કેવી રીતે બચાય ?

લક્ષ્મીજી જંગમ મિલકત કહેવાય છે. ૨૦૦ વર્ષ પહેલાંના વાણિયા હતા. તેમની પાસે લાખ રૂપિયા હોય તો પચીસ હજારની મિલકત લઈ લે. પચીસ હજારનું સોનું ને જણસો લે, પચીસ હજાર કોઈ જગ્યાએ શરાફને ત્યાં વ્યાજે મૂકે ને પચીસ હજાર વેપારમાં નાખે. વેપારમાં જરૂર પડે તો પાંચ હજાર વ્યાજે લાવે. આ એમની 'સિસ્ટમ' હતી. એટલે એ શી રીતે જલદી નાદાર થાય ? અત્યારના વાણિયાને તો આવું કસું આવડતું ય નથી.

આપણી હિન્દુસ્તાનની જણસોમાં કશો ભલીવાર રહેતો જ નથી. જડતરમાં ૭૫ ટકા જ સોનું રહે.

એ વાસ્તવિકતાથી વિમુખ થવાય ?

પહેલાં તો લક્ષ્મી પાંચ પેઢી તો ટકે, ત્રણ પેઢી તો ટકે. આ તો લક્ષ્મી એક પેઢી જ ટકતી નથી, આ લક્ષ્મી કેવી છે ? એક પેઢી યે ટકતી નથી. એની હાજરીમાં ને હાજરીમાં આવે ને હાજરીમાં જતી રહે. એવી આ લક્ષ્મી છે. આ તો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી છે. થોડી ઘણી મહીં પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી હોય, તે તમને અહીં આવવા પ્રેરણા કરે, અહીં ભેગા કરે ને તમને અહીં ખર્ચ કરાવડાવે. સારા માર્ગે લક્ષ્મી જાય. નહીં તો આ ધૂળધાણીમાં જતું રહેવાનું. બધું ગટરમાં જ જતું રહેશે. આ છોકરાંઓ આપણી લક્ષ્મી જ ભોગવે છે ને, આપણે છોકરાંઓને કહીએ કે તમે અમારી લક્ષ્મી ભોગવી. ત્યારે એ કહેશે, 'તમારી શેની ? અમે અમારી જ ભોગવીએ છીએ.' એવું બોલે. એટલે ગટરમાં જ ગયું ને બધું !

આ દુનિયાને યથાર્થ - જેમ છે તેમ - જાણીએ તો જીવન જીવવા જેવું છે, યથાર્થ જાણીએ તો સંસારી ચિંતા ઉપાધિ હોય નહીં. એટલે જીવવા જેવું લાગે પછી !

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8