ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20- 21



પ્રતિક્રમણ

૧. પ્રતિક્રમણનું યથાર્થ સ્વરૂપ

જીવનમાં કરવા યોગ્ય...

પ્રશ્નકર્તા : મનુષ્યે આ જીવનમાં મુખ્યપણે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે જે વાણીમાં બોલવું છે અને મન ખરાબ હોય તો તેને માટે પ્રતિક્રમણ કરવાનું અને પ્રતિક્રમણ કોનું કરવું ? કોની સાક્ષીમાં કરશો ? ત્યારે કહે, 'દાદા ભગવાન'ની સાક્ષીએ પ્રતિક્રમણ કરો. આ દેખાય છે તે 'દાદા ભગવાન' ન્હોય. આ તો ભાદરણના પટેલ છે, એ. એમ. પટેલ છે. 'દાદા ભગવાન' અંદર ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયેલો છે, એટલે એના નામથી પ્રતિક્રમણ કરો. કે હે દાદા ભગવાન, મારું મન બગડ્યું તે બદલ માફી માગું છું. મને માફ કરો. હું પણ એમના નામનું પ્રતિક્રમણ કરું છું.

પ્રશ્નકર્તા : તો પછી આ સંસારમાં આપણું કર્તવ્ય શું ?

દાદાશ્રી : આ સંસાર શું ચાલી રહ્યો છે, તે સાક્ષીભાવે જોયા કરવાનો. અને અહંકાર થાય તો માફી માંગવાની ભગવાનની. કોઈ જગ્યાએ અહંકાર થાય, હું કરું છું, એવો અહંકાર ચઢે, તો પછી માફી માંગવાની. માંગો છો માફી ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કોની માંગો છો ? ભગવાનની ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ભગવાનની માંગવી. એટલો જ ઉપાય છે. કારણ કે માફી માંગો એટલે માફ થાય.

ભૂલ થઈ જાય તો કહેવું કે, હે પ્રભુ ! મારી ભૂલ કરવાની ઇચ્છા નથી, છતાં થઈ જાય છે, માટે ક્ષમા કરશો.

પ્રશ્નકર્તા : ઘણી વખત એવો પ્રશ્શન થતો કે ભગવાનની માફી માંગીએ છીએ, પૂજા કરીએ છીએ, તે શા માટે ?

દાદાશ્રી : એ તો દુનિયાના ગુના થયેલા, તેની માફી માંગીએ છીએ. જેને ગુના નથી તેને માફી શેને માટે માંગવાની ?! સમજાયુંને આપને ?

કર્મથી પર, પરમાત્મા !

પ્રશ્નકર્તા : પરમાત્મા સુધી પહોંચવા માટે ધર્મને બાજુએ રાખી અને સારાં કર્મો જ કરીએ તો પછી પરમાત્માને પહોંચી શકાય કે નહીં ?

દાદાશ્રી : ના, કર્મને ને આને લેવાદેવા નથી. સારાં કર્મો કરો એટલે ધર્મ થાય, બીજું કશું નહીં. ખરાબ કર્મ કરો તો અધર્મ થાય. તમે સારાં કર્મો કરો લોક કહે કે, બહુ સારા માણસ છે.

સારાં કર્મ કરો એટલે ધર્મ કહેવાય અને ખરાબ કર્મ કરો એટલે અધર્મ કહેવાય. અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારાં કર્મ કરો એટલે ક્રેડીટ ઉત્પન્ન થાય અને એ ક્રેડીટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબીટ ઉત્પન્ન થાય. અને એ ડેબીટ ભોગવવા જવું પડે અને જ્યાં ચોપડીમાં ક્રેડીટ-ડેબીટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય. બિલકુલે ય એક ડોલરે ય ક્રેડીટ નથી અને એક ડોલરે ય ડેબીટ નથી તો આત્મા પ્રાપ્ત થાય.

પસ્તાવાથી પ્યોરિટી !

પ્રશ્નકર્તા : આ સંસારમાં આવ્યા એટલે કર્મ તો કરવાં જ પડેને, જાણે-અજાણે ખોટાં કર્મ થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : થઈ જાય તો એનો ઉપાય હોયને પાછો. હંમેશાં ખોટું કર્મ થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે, અને ખરા દિલથી, સિન્સીયારિટીથી પસતાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ. એની પાછળ શું વિજ્ઞાન છે એ તમને ખ્યાલ ના આવે એટલે તમને એમ લાગે કે આ પસ્તાવો કરવાથી બંધ થતું નથી. શાથી બંધ થતું નથી એ વિજ્ઞાન છે. માટે તમારે પસ્તાવો જ કર્યા કરવાનો. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. ખરાબ લાગ્યું એટલે એને પસ્તાવો કરવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં પડે ?

દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી 'હું આત્મા છું' એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું ય જતું રહે, ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની, પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં. કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે.

હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ. કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે. ત્યાર પછી દર્દ ઊભું થાય છે.

આજે દર્દો થયાં છે ને એનો ઉપાયનો જન્મ પહેલો થઈ ગયો હોય, એટલે છોડવો ઊગી નીકળ્યો હોય, ત્યાર પછી પેલાં દર્દ ઊભાં થાય, એટલે દુનિયા તો બહુ એક્ઝેક્ટ છે. તમારે ઉપાય કરવાની જ જરૂર. ઉપાય હોય જ !

ક્રમણ, અતિક્રમણ, પ્રતિક્રમણ !

આ જગત ઊભું કેમ થયું ? અતિક્રમણથી. ક્રમણથી કશો વાંધો નથી. આપણે હોટલમાં કંઈ વસ્તુ મંગાવીને ખાધી ને બે રકાબીઓ આપણા હાથે તૂટી ગઈ, પછી એના પૈસા આપીને બહાર નીકળ્યા, તો તે અતિક્રમણ ના કર્યું, તો પછી તેનું પ્રતિક્રમણ કરવાનું રહેતું નથી. પણ રકાબી ફૂટે એટલે આપણે કહીએ કે તારા માણસે ફોડી છે, તે ચાલ્યું પાછું. અતિક્રમણ કર્યું તેનું પ્રતિક્રમણ કરવું પડે છે. અને અતિક્રમણ થયા વગર રહેતું નથી, માટે પ્રતિક્રમણ કરો. બીજું બધું ક્રમણ તો છે જ. સ્હેજાસ્હેજ વાત થઈ એ ક્રમણ છે, એનો વાંધો નથી, પણ અતિક્રમણ થયા વગર રહેતું નથી. માટે એનું પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ થયું એની પોતાને ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : એ પોતાને ય ખબર પડે ને સામાને ય ખબર પડે. અતિક્રમણ થયું તે સામાને ય ખબર પડે. આપણને ખબર પડે કે એના મોઢા પર અસર થઈ ગઈ છે અને તમને ય અસર થઈ જાય. બન્નેને અસર થાય. એટલે એનું પ્રતિક્રમણ હોય જ.

પોલીસવાળો રોકે ને તું ગાડી ઊભી ના રાખું, તો તે અતિક્રમણ કર્યું. તે તેનું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો કોર્ટમાં જવું પડે.

આપણે ખાઈએ છીએ એ અતિક્રમણ નથી. ત્યારે શું વાળ કપાવીએ છીએ તે અતિક્રમણ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે દાઢી કરીએ છીએ તે અતિક્રમણ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સવારમાં બ્રશ કરીએ છીએ તે અતિક્રમણ છે ?

પ્રશ્નકર્તા : ના. એ ય નહીં.

દાદાશ્રી : અતિક્રમણ તો, ક્રોધ-માન-માયા-લોભ એ બધાં અતિક્રમણ કહેવાય. આનાં પ્રતિક્રમણ કર્યા, એટલે ક્રોધ-માન-માયા-લોભ ગયાં. અતિક્રમણ થયું ને પ્રતિક્રમણ કર્યું, તો ક્રોધ-માન-માયા-લોભ ગયાં.

અજ્ઞાનના ધક્કે, અનંતા પ્રોજેક્શન્સ...

એવું છે જીવમાત્ર પ્રોજેક્ટ કર્યા કરે છે, સ્વભાવિક રીતે નહીં, પણ ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે. ને આપણે પ્રતિક્રમણ કર્યા કરવાં. એટલે અજ્ઞાનતાના ધક્કાથી પ્રોજેક્ટ કર્યા કરે છે, સંજોગવશાત્. એટલે પછી આપણે પ્રતિક્રમણ કરવાં.

પાછું એક જાતનું પ્રોજેક્ટ નથી, અનંત જાતનાં પ્રોજેક્ટ. જ્યાં જેવો ભેગો થાય ત્યાં આગળ કર્યા વગર રહે નહીં. ફરી બ્રીજ (પૂલ) ઉપર જો કદી વાત નીકળે ત્યારે કહેશે, 'આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?' એવું યે મહીં પૂછે. અલ્યા, તારે આમાં શું લેવા-દેવા, કંઈ બ્રીજે આપણી જોડે શાદી કરી છે ?! બ્રીજ ઉપર આવ્યો, તેથી તેને આવું ચક્કર યાદ આવ્યું ! આ તો બ્રીજ ઉપર ગયાં. અને પેલી બાજુ ઊતરી ગયાં. એટલે કશું લેવાદેવા નથી. તોયે પણ ત્યાં આગળ શું કરે. 'આ બ્રીજ આટલો બધો ઊંચો કેમ બાંધ્યો હશે ?' એવું લોક બોલે કે ના બોલે ?

પ્રશ્નકર્તા : બોલે પણ એ તો પાંચ જ મિનિટમાં પાંચ હજાર પર્યાય ઊઠે.

દાદાશ્રી : પાંચ હજાર તું બોલે છે, પણ પાંચ મિનિટ એટલે ત્રણસો સેકન્ડ થઈ. ને સેકન્ડના સમય કેટલા પાર વગરના થાય. એટલે એક સેકન્ડમાં તો કેટલા બધા પર્યાય ઊભા થઈ જાય, આવાં પાર વગરનાં અતિક્રમણ કર્યા જ કરે છે.

અતિક્રમણથી આ સંસાર ઊભો થયેલો છે અને પ્રતિક્રમણથી નાશ થાય.

પ્રતિક્રમણની પરિભાષા....

પ્રશ્નકર્તા : આપણને અણગમતું એવું કંઈક બનતું હોય અને એ સહી લેવું એને પ્રતિક્રમણ કહો છો આપ ?

દાદાશ્રી : ના. સહન ના કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન લેવું જોઈએ. તો અપમાન કરનાર એ બિલકુલે ય ગુનેગાર નથી હોતો. એક સેન્ટે ય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે. અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવાં જોઈએ. એના તરફ નાલાયક છે, લુચ્ચો છે, એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એનાં જ ઝઘડા છે બધાં.

અવળા ચાલ્યા તે અતિક્રમણ !

આખા દહાડામાં જે વ્યવહાર કરીએ છીએ તેમાં જ્યારે કંઈક અવળો થઈ જાય છે, તો આપણને ખબર પડે છે કે આની જોડે અવળો વ્યવહાર થઈ ગયો. ખબર પડે કે ના પડે ? તે આપણે વ્યવહાર કરીએ છીએ, એ બધું ક્રમણ છે. ક્રમણ એટલે વ્યવહાર. હવે કો'કની જોડે અવળું પડી ગયું. એવું આપણને ખબર પડે કે આની જોડે મારે કડક શબ્દ બોલાયો કે વર્તનમાં અવળું થયું. ખબર પડે કે ના પડે ? તો એ અતિક્રમણ કહેવાય.

અતિક્રમણ એટલે આપણે અવળા ચાલ્યા. એટલું જ સવળા પાછા આવ્યા એનું નામ પ્રતિક્રમણ. અવળા ચાલ્યા એનું નામ અતિક્રમણ અને પાછા આવીએ એનું નામ પ્રતિક્રમણ.

આમ તરત ધોવાઈ જાય !

જ્યાં ઝઘડો છે ત્યાં પ્રતિક્રમણ નથી, ને જ્યાં પ્રતિક્રમણ છે ત્યાં ઝઘડો નથી.

તમને 'ગમે' તે બીજાને આપો. તેનાથી પુણ્ય બંધાશે. પોતાને ગાળ સહન થતી નથી ને બીજાને પાંચ આપે છે. નથી ગમતું તે બીજાને આપે તે ભયંકર ગુનો છે. એ ના હોવું જોઈએ. અને કો'ક આપણને આપી જાય તે કાયદેસર છે. એને કેમ આપે છે એમ પૂછવા ના જશો. એને જમે જ કરી દેવાનું.

પ્રશ્નકર્તા : ઉઘરાણી કરવી જઈએ તો શું થાય ?

દાદાશ્રી : બીજી બે આલે. અને એને કહીએ કે બે જ કેમ આપી ? ત્રણ નહીં, ચાર નહીં, એક નહીં. ત્યારે કહે કે 'હું કંઈ નવરો છું ?' એટલે કાયદેસર છે. જમે કરી લો. તમે આપશો નહીં. અને અપાઈ જાય તે તમે પ્રતિક્રમણ કરો.

છોકરાને મારવાનો કંઈ અધિકાર નથી. સમજાવવાનો અધિકાર છે. છતાં, છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં કર્મ ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઈએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને, ક્રોધ, માન, માયા, લોભને લઈને, કષાયો થકી ધીબી નાખ્યો. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, 'દાદા' એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તો ય ધોવાઈ જાય, તરત ને તરત ધોવાઈ જાય એવું છે.

પ્રતિક્રમણ કોણે નથી કરવાનાં ?

દાદાશ્રી : તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ?

પ્રશ્નકર્તા : એક પણ નહીં.

દાદાશ્રી : તો અતિક્રમણ કેટલાં કરો છો ? અતિક્રમણ હોય ત્યાં પ્રતિક્રમણ હોય જ. અતિક્રમણ ના હોય ત્યાં પ્રતિક્રમણની જરૂર નથી. 'હું ચંદુભાઈ' એ જ અતિક્રમણ. છતાં વ્યવહારમાં એ લેટ ગો કરીએ. પણ કોઈને દુઃખ થાય છે તમારાથી ? ના થાય તો એ અતિક્રમણ થયું નથી. આખા દહાડામાં કોઈને પોતાનાથી દુઃખ થયું એ અતિક્રમણ થયું. એનું પ્રતિક્રમણ કરો. આ વીતરાગોનું સાયન્સ છે. અતિક્રમણ અધોગતિમાં લઈ જશે ને પ્રતિક્રમણ ઊર્ધ્વગતિમાં લઈ જશે અને ઠેઠ મોક્ષે જતાં પ્રતિક્રમણ જ હેલ્પ આપશે.

પ્રતિક્રમણ કોને ના કરવાનું હોય ? જેણે અતિક્રમણ ના કર્યું હોય તેને.

અતિક્રમણની ઓળખાણ...

પ્રશ્નકર્તા : આપણને કોઈ દુઃખ દેવાનો ભાવ નથી. છતાં દુઃખ નિમિત્તરૂપે અપાઈ જાય છે તો એવો અભિપ્રાય બાંધવાની જરૂર ખરી કે અતિક્રમણ થયું ને તેનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : કો'કને ખોટું લાગે એવું તમે બોલ્યા હોય, કો'કને દુઃખ થાય એવું કંઈક બોલી ગયા હોય, કો'કને દુઃખ થાય એવો તમારો ધક્કો વાગ્યો હોય, ત્યારે એ અતિક્રમણ કર્યું કહેવાય. ત્યારે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. અતિક્રમણ કર્યું એટલે ભૂલ કરી. અને તેથી કર્મ બંધાશે.

પ્રશ્નકર્તા : જો સામી વ્યક્તિ નિમિત્ત જ હોય તો એને દુઃખ કેમ લાગે ? તો પ્રતિક્રમણ કરવાની કેમ જરૂર ?

દાદાશ્રી : એને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવું પડે. દુઃખ ના થાય એવું થયું હોય તો અતિક્રમણ ના કહેવાય. એટલે અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું.

એવું છે ને, આ બધું ખાય, પીવે, વાતો-ચીતો કરે એ બધું ક્રમણ છે. આખો દહાડો ક્રમણ જ હોય છે. વહેલું ઊઠવું, મોડું ઊઠવું, એ બધું ક્રમણ જ હોય છે.

હમણે એક જણ ઊઠી અને કો'કને ગાળ ભાંડે એટલે તમે બધાં ય સમજી જાવ કે, ગાડું સીધું ચાલતું હતું, તે આવું અતિક્રમણ શું કરવા કરે છે ? એને અતિક્રમણ કહેવાય. કોઈને દિલ દુઃખ થાય એવું કશું કર્યું હોય, એ અતિક્રમણ સહજભાવે હોય, તો ય પ્રતિક્રમણ કરવું પડે. આમ મોઢે ના બોલે ને મન બગડ્યું હોય તો ય કરવું પડે. પ્રતિક્રમણ એટલે તમને સમજણ પડે એ રીતે એની માફી માંગવાની છે. આ દોષ કર્યો એ મને સમજાયો, ને હવે ફરી આવો દોષ નહીં કરું એવું ડીસાઈડ કરવું જોઈએ. આ આવું કર્યું તે ખોટું કર્યું, આવું ના થાય, અને આવું ફરી નહીં કરું, એવી પ્રતિજ્ઞા લેવાની. છતાં ય પાછું ફરી થાય, પાછો એનો એ જ દોષ આવે તો ફરી પસ્તાવો કરવાનો, પણ જેવું દેખાયું એનો પસ્તાવો કર્યો, એટલું ઓછું થઈ ગયું, એમ ધીમે ધીમે બધું ખલાસ થઈ જાય છેવટે.

જે ધર્મથી કર્મનો નાશ ના થાય, એને ધર્મ કેવી રીતે કહેવાય ? નવા કર્મ ક્યારે અટકે ? પ્રતિક્રમણથી.

રીત શક્તિઓ માંગવાની....

પ્રશ્નકર્તા : ઊંચે ચઢવા માટે આ શક્તિઓ કઈ રીતે માગવી ને કોની પાસે માંગવી ?

દાદાશ્રી : પોતાના શુદ્ધાત્મા પાસે, 'જ્ઞાનીપુરુષ' પાસે શક્તિઓ મંગાય અને જેને સ્વરૂપનું જ્ઞાન ના હોય તે પોતાના ગુરુ, મૂર્તિ, પ્રભુ જેને માનતો હોય તેની પાસે શક્તિઓ માંગે. જે જે પોતાનામાં ખોટું દેખાય તેનું 'લિસ્ટ' કરવું જોઈએ ને તે માટે શક્તિઓ માંગવી. શ્રદ્ધાથી, જ્ઞાનથી જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે. તેનાં પ્રતિક્રમણ કરો, 'જ્ઞાની' પાસે શક્તિઓ માંગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો હોય તે સામાયિકથી ઓગાળાય ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઊડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઊડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે. પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડી જાય. લપસી પડવું સહેલું છે ને ચઢવું અધરું છે. કારણ કે લપસવામાં પૌદ્ગલિક શક્તિઓ હોય છે.

જ્ઞાનીના જ્ઞાનથી, નિવેડો કર્મો થકી !

પ્રશ્નકર્તા : ઘણી વખત વ્યવહારમાં જુદી જુદી જાતનાં કર્મો કરવાં પડે છે, જેને ખરાબ કર્મો અથવા પાપકર્મ કહે છે. તો એ પાપકર્મથી કેવી રીતે બચી શકાય ?

દાદાશ્રી : પાપકર્મનું જેટલું જ્ઞાન હોય એમને, એ જ્ઞાન હેલ્પ કરે. આપણે અહીંથી સ્ટેશને પહોંચવું હોય, તો સ્ટેશને જવાનું જ્ઞાન આપણને હોય તો તે આપણને પહોંચાડે. પાપકર્મોથી કેવી રીતે બચી શકાય ? એટલે જ્ઞાન જેટલું હોય, આમાં પુસ્તકમાં જ્ઞાન કે બીજા કોઈની પાસે જ્ઞાન હોતું નથી. એ તો વ્યાવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચયજ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય. એ પુસ્તકમાં નિશ્ચયજ્ઞાન હોતું નથી. જ્ઞાનીઓના હ્રદયમાં છુપાયેલું હોય છે. એ નિશ્ચયજ્ઞાન જ્યારે આપણે સાંભળીએ, વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણો નિવેડો આવે. નહીં તો પુસ્તકમાં વ્યાવહારિક જ્ઞાન હોય છે. એ ય પણ ઘણા ખુલાસા આપી શકે છે. એનાથી બુદ્ધિ વધે છે. મતિજ્ઞાન વધતું જાય. શ્રુતજ્ઞાનથી મતિજ્ઞાન વધે ને મતિજ્ઞાન એનો નિવેડો લાવે. પાપથી કેમ છૂટવું તે !! બાકી બીજો કોઈ ઉપાય છે નહીં. અને બીજી પોતાની ભાવના, પ્રતિક્રમણ કરે તો છૂટે. પણ પ્રતિક્રમણ કેવું હોય ? 'શૂટ ઑન સાઈટ' હોવું જોઈએ. દોષ ઉત્પન્ન થતાંની સાથે જ પ્રતિક્રમણ કરવામાં આવે તો નિવેડો આવે.

અન્યાયી વ્યવહારનું પ્રાયશ્ચિત્ત...

પ્રશ્નકર્તા : વ્યવહાર, વ્યાપાર ને અન્યપ્રવૃત્તિમાં અન્યાય થતો લાગે અને તેથી મનને ગ્લાનિ થાય, તેમાં જો વ્યવહાર જોખમાય તેના માટે શું કરવું ? આપણાથી જો આવો કોઈ અન્યાય થતો હોય તો તેનું શું પ્રાયશ્ચિત્ત ?

દાદાશ્રી : પ્રાયશ્ચિત્તમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હોવું જોઈએ. જ્યાં જ્યાં કોઈને અન્યાય થાય ત્યાં આલોચના પ્રતિક્રમણ હોવું જોઈએ અને ફરી અન્યાય નહીં કરું એવું નક્કી કરવું જોઈએ. જે ભગવાનને માનતા હો, ક્યાં ભગવાનને માનો છો ?

પ્રશ્નકર્તા : શિવને.

દાદાશ્રી : હા, તો તે શિવની પાસે, ત્યાં આગળ પશ્ચાત્તાપ લેવો જોઈએ. આલોચના કરવી જોઈએ કે મારાથી આ મનુષ્યો જોડે આવો ખોટો દોષ થયો છે, તે હવે ફરી નહીં કરું એવો. આપણે વારેઘડીએ પશ્ચાત્તાપ કરવો પડે. અને ફરી એવો દોષ થાય તો ફરી પશ્ચાત્તાપ લેવો જોઈએ. એમ કરતાં કરતાં દોષ ઓછો થાય. તમારે ના કરવો હોય તો પણ અન્યાય થઈ જશે. થઈ જાય છે. એ હજુ પ્રકૃતિદોષ છે. આ પ્રકૃતિદોષ એ તમારો પૂર્વભવનો દોષ છે, આજનો આ દોષ નથી, આજે તમારે સુધરવું છે, પણ આ થઈ જાય છે એ તમારો પહેલાનો દોષ છે. એ તમને પજવ્યા વગર રહેશે નહીં. માટે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કર કર કરવું પડે.

પ્રશ્નકર્તા : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ?

દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ-બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, તેં મને કર્મમાંથી મુક્ત કર્યો. મારું જે કર્મ હતું, તે મને ભોગવડાવ્યું અને મને મુક્ત કર્યો. માટે એનો ઉપકાર માનવો. એ સહન કંઈ મફત કરવું પડતું નથી, આપણા જ દોષનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : મને આ આલોચના, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લખી આપોને, જ્ઞાનીપુરુષનું કન્ફર્મેશન કરાવી આપો કે, આ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન હું કરતો થઉં.

દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને ? એ તમને અહીં શીખવાડશે.

ઓહો, એનાં ય પ્રતિક્રમણ !!!

પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ તો બીજાના દોષ જોવાય, એના ઉપર જ પ્રતિક્રમણ ?

દાદાશ્રી : બસ. બીજાના દોષ એકલા નહીં, દરેક બાબત, ખોટું બોલાયું હોય, અવળું થયું હોય, જે કંઈ હિંસા થઈ ગઈ હોય, ગમે તે પાંચ મહાવ્રત તોડાયાં હોય, એ બધાં ઉપર પ્રતિક્રમણ કરવાનાં.

પ્રશ્નકર્તા : ખોટું કરનારો જુદો છે પછી કેમ પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : જુદો છે એમ નહીં, પોતે નથી કરતો. ખોટું કરનાર પાસે પ્રતિક્રમણ કરાવડાવે છે. પ્રતિક્રમણ શુદ્ધાત્મા પોતે નથી કરતો.

૨. પ્રત્યેક ધર્મે પ્રરૂપ્યું પ્રતિક્રમણ

સર્વોત્તમ વ્યવહાર ધર્મ !

જૈનધર્મનું ઊંચામાં ઊંચું ગુઢતત્ત્વ હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન, એ મોટામાં મોટું છે. જો કે બીજા લોકોના ધર્મમાં છે, પણ તે કેવું ? બાધે ભારે ક્ષમા માંગવામાં આવે છે. એવું દરેક ધર્મમાં છે, પણ તે કેવું ? મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે, ક્ષમા માંગવાનો રીવાજ તો બધેથી ચાલ્યો આવ્યો છે, પણ જે વીતરાગોએ બતાવ્યો છે. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન એટલે ગુરુની હાજરી થકી આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયંટીફિક-વૈજ્ઞાનિક વસ્તુ છે. તરત ફળ આપનારી છે.

પેલાં ક્ષમા માંગવાથી તો પાપ ઓછાં થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય.

ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કૅશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહાર-નિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી ત્યાં સુધી કરવું હોય તોયે ના થાય. તે સમક્તિ થતું યે નથી ને ! છતાં ય કોઈ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય, તોયે કામ કાઢી નાંખે. ભલે નોંધારું શીખી જાય તોયે વાંધો નથી. એને સમકિત સામું આવીને ઊભું રહેશે !!!

જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં.

પ્રશ્નકર્તા : કંઈ પણ પોતાનાથી પાપ થઈ જાય, ત્યાર પછી એને પ્રાયશ્ચિત માટે વ્રત કે એવું કંઈક કરે, ત્યાર પછી આત્માનું શુદ્ધીકરણ થઈ જાય, તો એવો ઉપાય આપો.

દાદાશ્રી : એ બધું અમે અહીં જોડે જોડે આપીએ છીએ. બધી દવા આપું છું. તમામ પ્રકારની દવા, એનું આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન બધા જ પ્રકારનું !

પ્રતિક્રમણ એટલે પાપથી પાછા પરતવું...

દાદાશ્રી : પ્રતિક્રમણનો અર્થ શું ? એ તમે જાણો છો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તમે જેવું જાણતા હો તેવું કહો.

પ્રશ્નકર્તા : પાપથી પાછા વળવું.

દાદાશ્રી : પાપથી પાછા વળવું ! કેવો સરસ ભગવાને ન્યાય કર્યો છે કે ભઈ, પાપથી પાછા વળવાનું એનું નામ પ્રતિક્રમણ ! પણ હજુ પાપ તો ઊભાં જ રહ્યાં છે. તેનું શું કારણ ?

પ્રશ્નકર્તા : એ તો તમે જ સમજાવો. એ ક તો આલોચના, બીજું પ્રતિક્રમણ અને ત્રીજો છે પ્રત્યાખ્યાન, આ ત્રણ શબ્દો કમ્પ્લીટ હજી મને ક્લિયર નથી થતા.

દાદાશ્રી : પ્રત્યાખ્યાન એટલે હું એ વસ્તુને આજે છોડી દઉં છું, ત્યાગ કરું છું એ એનો ભાવાર્થ છે. વસ્તુને છોડી દેવી હોય તો પ્રત્યાખ્યાન કરું છું.

પ્રશ્નકર્તા : પસ્તાવો કરું છું એ પ્રતિક્રમણ અને કહે આ પ્રમાણે નહીં કરું એ પ્રત્યાખ્યાન ?

દાદાશ્રી : હા. પસ્તાવો એ પ્રતિક્રમણ કહેવાય. હવે પ્રતિક્રમણ કર્યું તો પછી ફરી એવું અતિક્રમણ ન થાય. તો 'ફરી હવે નહીં કરું' એનું નામ પ્રત્યાખ્યાન. ફરી નહીં કરું, એનું પ્રોમિસ આપું છું, એવું મનમાં નક્કી કરવાનું અને પછી ફરીવાર એવું થાય તો એક પડ તો ગયું, તે પછી બીજું પડ આવે, તો એમાં ગભરાવાનું નહીં, વારેઘડીએ આ કર્યા જ કરવાનું.

પ્રશ્નકર્તા : મનમાં માફી જ માંગી લેવાની.

દાદાશ્રી : હા, માફી માંગી લેવાની.

આલોચના !

પ્રશ્નકર્તા : આલોચના એટલે શું ?

દાદાશ્રી : હા, આલોચના એટલે આપણે કોઈ ખરાબ કામ કર્યું હોય, તો જે આપણા ગુરુ હોય અગર તો જ્ઞાની હોય તેમની પાસે એકરાર કરવો. જેવું થયું હોય એવા સ્વરૂપે એકરાર કરવો. કોર્ટમાં શું કહે છે ?

પ્રશ્નકર્તા : કન્ફેશન કરવું.

દાદાશ્રી : હા, તે ગુરુ પાસે કે જ્ઞાની પાસે, આપણે જે થયું હોય એવું કહી દેવું, બીક રાખ્યા વગર ! ગુરુ મહારાજ શું કહેશે એવો ભય નહીં રાખવાનો. ભય એટલે મારેય ખરા ! પણ આપણે નિર્ભય થઈને કહી દેવું જોઈએ કે આમ થઈ ગયું છે. પછી એ ગુરુમહારાજ કહેશે કે પ્રતિક્રમણ કરજો. એટલે આપણને એ શીખવાડે કે આવી રીતે પ્રતિક્રમણ કરજો. એટલે આપણે પ્રતિક્રમણ શાનું કરવાનું ? ત્યારે કહે, 'જેટલું અતિક્રમણ કર્યું હોય, જે લોકોને પોષાય એવું નથી. જે લોકમાં નીંદ્ય થાય એવાં કર્મ, સામાને દુઃખ થાય એવું થયું હોય તે અતિક્રમણ. તે થયું હોય તો, પ્રતિક્રમણ કરવાની જરૂર.

પ્રશ્નકર્તા : આલોચના પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ ફરી ના થાય એના માટે જાગૃત તો રહેવું જોઈએને !

દાદાશ્રી : એ દોષ થાય જ નહીં ફરી. સાચું પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે દોષ ફરી થાય જ નહીં. અગર તો દોષ ધીમે ધીમે ખલાસ થઈ જાય.

તમે જે કહો છો કે પ્રતિક્રમણ કર્યા પછી એ દોષ થાય છે. તો તે આ તો બજારોમાં જે ચાલે છે. વ્યવહારમાં અત્યારે જે ચાલે છે એ પ્રતિક્રમણ લૌકિક છે, લોકિક એટલે સંસાર-ફળ આપનારું. એટલો ટાઈમ ખાલી આપણો અધર્મમાં ના ગયો અને પુણ્ય બંધાયું.

અને પ્રતિક્રમણ તો કોનું નામ કહેવાય ? 'શૂટ ઑન સાઈટ' જોઈએ. આપણે ત્યાં અહીં કાયદો છેને 'શૂટ ઑન સાઈટ'નો ? એવું પ્રતિક્રમણ હોવું જોઈએ.

ગુરુમહારાજે કહ્યું હતું કે પ્રતિક્રમણ કરો, પછી પ્રતિક્રમણ કર્યા પછી પાછું પ્રત્યાખ્યાન, તો કરવું જ જોઈએ. 'આ ફરી હવે નહીં કરું' એમ ગુરુમહારાજની મૂર્તિને સંભારીને પ્રત્યાખ્યાન કરવું જ જોઈએ. જે દોષ થઈ ગયો તેનું પ્રત્યાખ્યાન એટલે ફરી નહીં કરું એટલે આ ત્રણેય સાથે હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : અને જાગૃત રહેવું જોઈએ ફરી ના થાય એવું ?

દાદાશ્રી : નિરંતર જાગૃત ! જાગૃત એટલે અડધો કલાક નહીં, ચોવીસે ય કલાક ! નિરંતર ! આ લોકો અમે જ્ઞાન આપ્યું ત્યારથી નિરંતર જાગૃત રહે છે. એક ક્ષણવાર એ ઊંઘ્યા નથી.

સંસારના લોકમાંથી કોઈ જાગૃત હોય તે પ્રતિક્રમણ કરે તો એટલા દોષ ઓછા થાય ને પાછા નવા શુભ બંધાય. દર્શન મોહનીય હોય ત્યાં સુધી દોષ બંધાયા જ કરે.

આલોચના હમેશાં પ્રતિક્રમણ સહિત જ હોય. અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે ? એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તો ય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું. આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી. એટલા ગુનામાંથી મુક્ત થઈ ગયાં. આ કંઈ છે અધરું ? દાદા, કંઈ અપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી ? માટે અપવાસ કરજો ?! એવું કહે તો તો લોક જાણે કે દાદાએ અમને ભૂખે મારી નાખ્યાં, પણ દાદા એવું ભૂખે નથી મારતા ને ? કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે ! આ જ મોક્ષે લઈ જાય ! આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે ! બીજું બધું શું કરવાનું ?

કર્તાભાવ ત્યાં સુધી અતિક્રમણ !

કર્મ બાંધે છે કોણ ? તેને આપણે જાણવું પડે, તમારું નામ શું ?

પ્રશ્નકર્તા : ચંદુલાલ.

દાદાશ્રી : તો 'હું ચંદુલાલ છું' એ જ કર્મનો બાંધનાર. પછી રાતે ઊંઘી જાય, તો યે આખી રાત કર્મ બંધાય છે. 'હું ચંદુલાલ છું' તે ઊંઘતાં ય કર્મ બંધાય છે. એનું શું કારણ ? કારણ કે, એ આરોપિત ભાવ છે. એટલે ગુનો લાગુ થયો. 'પોતે' ખરેખર ચંદુલાલ નથી. અને જ્યાં તમે નહીં ત્યાં 'હું છું' એવો આરોપ કરો છો. કલ્પિતભાવ છે એ, અને નિરંતર એનો ગુનો લાગુ થાય ને !! આપને સમજમાં આવે છે ?! પછી હું ચંદુલાલ આમનો સસરો થઉં, આમનો મામો થઉં, આમનો કાકો થઉં, આ બધા આરોપિત ભાવો છે, એનાથી નિરંતર કર્મ બંધાયા કરે છે. રાતે ઊઘમાં ય કર્મ બંધાયા કરે છે. રાતે કર્મ બંધાય, તેમાં તો હવે છૂટકો જ નથી પણ 'હું ચંદુલાલ છું' એ અહંકારને જો તમે નિર્મળ કરી નાખો, તો તમને કર્મ ઓછાં બંધાય.

અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે ? કે સવારે તમારે છોકરાંની વહુ જોડે, એનાથી કપરકાબી તૂટી ગઈ, એટલે તમે કહ્યું કે, 'તારામાં અક્કલ નથી.' એટલે એને જે દુઃખ થયું, તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે આ મેં એને દુઃખ દીધું. ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.

એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તો યે એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ, એવું નહીં 'શૂટ ઑન સાઈટ' હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય. નહીં તો દુઃખ જાય નહીં.

આમ થાય પ્રતિક્રમણ !

એની મેળે આવડે એનું નામ અતિક્રમણ. અને પ્રતિક્રમણ શીખવું પડે. અતિક્રમણ તો એની મેળે આવડે. કોઈકને ગોદો મારવો હોય તો શીખવા ના જવું પડે, એ તો કોઈકનું જોઈને શીખેલો જ હોય. હવે અતિક્રમણ કરીે તો પ્રતિક્રમણ કરવું પડે. આમ આ વ્યવહારમાં બધા બેઠાં છે, એમાં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આ તો કોઈકને ગોદો માર્યો હોય કે કોઈની મશ્કરી કરી હોય, એ અતિક્રમણ કર્યુ, તો એનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : આપણે જો જ્ઞાન લીધું હોય તો એના આત્માની આપણને ખબર પડે. એટલે આત્માને ઉદ્દેશીને કરવાનું, નહીં તો ભગવાનને ઉદ્દેશીને કરવાનું, હે ભગવાન ! પશ્ચાત્તાપ કરું છું, માફી માગું છું અને ફરી નહીં કરું હવે. બસ એ પ્રતિક્રમણ ! ખોટું થયું હોય તો તરત ખબર પડી જાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એનું પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું.

પ્રશ્નકર્તા : ધોવાઈ જાય ખરું એ ?

દાદાશ્રી : હા, હા, ચોક્કસ વળી !! પ્રતિક્રમણ કર્યું એટલે પછી રહે નહીં ને ?! બહુ મોટું કર્મ હોય તો આમ બળેલી દોરી જેવું દેખાય પણ હાથથી અડીએ તો ખરી પડે.

પ્રશ્નકર્તા : એ પસ્તાવો કેવી રીતે કરું ? બધાંને દેખતાં કરું કે મનમાં કરું ?

દાદાશ્રી : મનમાં. મનમાં દાદાજીને યાદ કરીને કે આ મારી ભૂલ થઈ છે હવે ફરી નહીં કરું - એવું મનમાં યાદ કરીને કરવાનું એટલે ફરી એમ કરતાં કરતાં એ બધું દુઃખ ભુલાઈ જાય. એ ભૂલ તૂટી જાય છે. પણ એવું ના કરીએ તો પછી ભૂલો વધતી જાય. આ મેં તમને હથિયાર આપ્યું છે, આ પ્રતિક્રમણ એ મોટું હથિયાર આપ્યું છે. કારણ કે આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે. બસ આ જ છે. અતિક્રમણ થયું એ દોષ થયો. એ તને ખબર પડી. એટલે દોષ 'શૂટ ઍટ સાઈટ' કરવો જોઈએ આપણે. દોષ દેખાયો કે શૂટ કરો.

આ એકલો જ માર્ગ એવો માર્ગ છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય, એમ કરતાં કરતાં દોષ ખલાસ થતા જાય.

પસ્તાવો બનાવટી ન હોય કદી !

પ્રશ્નકર્તા : આવાં તમે કેટલાં પ્રતિક્રમણ કરો છો ?

પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય તો તરત પસ્તાવો કરું છું.

દાદાશ્રી : પસ્તાવો એ વેદના થાય છે તે છે. પસ્તાવો એ પ્રતિક્રમણ ના કહેવાય. છતાં એ સારું છે.

પ્રશ્નકર્તા : પાપ કર્યા પછી આપણે પસ્તાવો લઈએ તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે ? એવું તો પછી કર્યા જ કરે.

દાદાશ્રી : એ બધો રસ્તો હું કરી આપીશ.

પ્રશ્નકર્તા : એક બાજુ પાપ કર્યા કરે ને એક બાજુ પસ્તાવો કર્યા કરે. આવું તો ચાલ્યા જ કરે.

દાદાશ્રી : એવું નથી કરવાનું. જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે. હમેશાં પસ્તાનો નકામો જતો નથી. દરેક ધર્મે પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચિયનને ત્યાં ય પસ્તાવો જ કરવાનો કહ્યો છે.

સો ટકા સાચો રસ્તો !

પ્રશ્નકર્તા : એટલે માફી માંગવાથી આપણા પાપનું નિવારણ થઈ જાય ખરું ?

દાદાશ્રી : એનાથી જ પાપનું નિવારણ થઈ જાય. બીજો કોઈ રસ્તો જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી ઘડીએ ઘડીએ માફી માંગે ને ઘડીએ ઘડીએ પાપ કરે.

દાદાશ્રી : ઘડીએ ઘડીએ માફી માંગવાની છૂટ છે. ઘડીએ ઘડીએ માફી માંગવી પડે. હા ! સો ટકાનો રસ્તો આ ! માફી માંગવા સિવાય બીજા કોઈ રસ્તે છૂટે જ નહીં આ જગતમાં. પ્રતિક્રમણથી બધાં પાપો ધોવાઈ જાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે. તેની પાછળ સાયન્સ શું છે ?

દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે, ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે.

પ્રશ્નકર્તા : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ?

દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માંગવી એ જ કર્મનો નિયમ !!

પ્રશ્નકર્તા : તો તો બધા પાપ કરતાં જાય ને માફી માંગતા જાય.

દાદાશ્રી : હા. પાપ કરતાં જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે.

પ્રશ્નકર્તા : પણ ખરા મનથી માફી માંગવાનીને ?

દાદાશ્રી : માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તો ય ચલાવી લેવાશે. તોય માફી માંગજો.

પ્રશ્નકર્તા : તો તો પછી એને ટેવ પડી જાય ?

દાદાશ્રી : ટેવ પડી જાય તો ભલે પડી જાય. પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો !!! માફીનો શો અર્થ છે ? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય ? અતિક્રમણ.

કર્મનો નિયમ શું છે ? અતિક્રમણ કરે તો એનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે માફી અવશ્ય માંગો. ને આ ડાહ્યા, દોઢ ડાહ્યાની વાત જવા દો ! કોઈ ખોટું કરતો હોય ને માફી માંગતો હોય તો કરવા દોને ! 'ધીસ ઈઝ કમ્પ્લીટ લૉ.'

કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. મારે છોડી દેવી છે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે.

આ તો વિજ્ઞાન છે !! ઉગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે. 'ધીસ ઈઝ ધ કૅસ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન' 'કૅશ બેન્ક' આ જ ! દસ લાખ વર્ષથી નીકળી જ નથી ! બે કલાકમાં મોક્ષ લઈ જાવ !! અહીં આગળ તું જે માગું એ આપવા તૈયાર છું. માંગતો ભૂલે.

આવ્યા અમે સુખ આપવા જ !

અતિક્રમણ એટલે કોઈને સહેજ પણ દુઃખ થાય, આમ ના થતું હોય વખતે, પણ ગર્ભિત દુઃખ રહેતું હોય. ગર્ભિત એટલે અંદરખાને દુઃખ હોય, સામાને ના સમજણ પડે, ના પહોંચે પણ એનો અર્થ એવો ન થવો જોઈએ. ગર્ભિત એ ય દુઃખ ન હોવું જોઈએ. અમારી લાઈફમાં કોઈને પણ કિંચિત્માત્ર દુઃખ નહીં આપેલું. પણ ગર્ભિત દુઃખ થયેલું હોય તેની સામે માફી માંગી લઈએ. અમે દુઃખ આપવા નથી આવ્યા. અમે સુખ આપવા આવ્યા છીએ.

કયું ફરજિયાત, કયું મરજિયાત ?

દાદાશ્રી : આ અમે અહીં આવ્યા તે ફરજિયાત કે મરજિયાત ?

પ્રશ્નકર્તા : મરજિયાત.

દાદાશ્રી : ના. આ તો લમણે લખેલું ફરજિયાત હતું અને મરજિયાત શું છે ? આ ભાઈએ ગોદો માર્યો. તેય ફરજિયાત અને તેનું પ્રતિક્રમણ કરવું કે ના કરવું એ મરજિયાત છે.

૫૦૦૦ રૂપિયા આપ્યા તે મેયરના દબાણથી આપ્યા. તેનો 'અહીં' જશ મળે. પણ 'ત્યાં' કશું નહીં. ને મરજીથી આપે તો તેનું ત્યાં ફળ મળે. એ મરજિયાત.

મરજિયાત શું છે ? આ બધું ફરજિયાત જ છે. બહાર ક્રિયા કરી એ ફરજિયાત છે. મહીં કયા ભાવે ક્રિયા કરી તે મરજિયાત છે. બહાર કોઈએ બે ધોલ મારી તે ફરજિયાત ને મહીં પસ્તાવો કર્યો તો તે મરજિયાત સુધર્યું. નેેમહીં ભાવ બગાડ્યો, તે મરજિયાત બગડ્યું.

કોઈ દોષ થયો હોય તો તેનો ખૂબ પસ્તાવો કરે, ખૂબ પસ્તાવો કરે, તો તે દોષ જાય. પણ એને છોડાવનાર જોઈએ.

ભાવસત્તા, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરવાની !

હવે કોઈના ખેતરમાંથી ગલકું લઈ લેવાની ઇચ્છા ના કરશો. જોઈએ તો માગીને લેવું. અમે ય નાના હતા. બાર-તેર વર્ષના, ત્યારે લોકોનાં ખેતરોમાંથી વરિયાળી ચોરી લાવતા. તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું.

'પ્રતિક્રમણ' ને 'પ્રત્યાખ્યાન' કરવાની જ ભાવસત્તા છે, ક્રમિક માર્ગમાં !

દ્રવ્ય કોઈના તાબામાં નથી. ભાવ જ આપણા તાબામાં છે. માટે ખોટું થાય તો પસ્તાવો કરી લો. અમારું દ્રવ્ય સારું હોય ને ભાવે ય સારા હોય. તમારું સ્વછંદપૂર્વકનું દ્રવ્ય હોય એટલે પસ્તાવા કરવા પડે.

ભગવાન આવામાં તે હાથ ઘાલતા હશે ? એ તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી. બધું જ જુએ અને જાણે. ત્યારે એ શું પ્રેરણા કરતા હશે ? મૂઆ, એ તો મહીંથી ચોરી કરવાની ગાંઠ ફૂટે છે ત્યારે તને ચોરી કરવાનો વિચાર આવે છે. મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે. અને પાછો કહે છે કે મેં કેવી ચાલાકીથી ચોરી કરી ! એવું કહે, એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય. પોષણ મળે એટલે નવાં બીજ પડ્યા કરે, ને ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે. જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો પણ સાથે સાથે એને મહીં ડંખ્યા કરે કે આ ચોરી થાય તે બહુ ખોટું થાય છે, પણ શું કરું. પેટ ભરવા કરવું પડે છે. તે હ્રદયપૂર્વક પશ્ચાત્તાપ કરતો રહે એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે. અને આવતા ભવ માટે ચોરી ના કરવી એવાં બીજ નાખે છે, તે બીજે ભવ ચોરી ના કરે.

હાર્ટિલી પસ્તાવો !

એક માણસને ચોરી કર્યા પછી પસ્તાવો થાય છે, એને કુદરત જતો કરે છે. પશ્ચાતાપ કર્યો. એનો ભગવાનને ત્યાં એ ગુનો નથી. પણ જગતનાં લોકો દંડ કરે એ આ ભવમાં ભોગવી લેવો પડે.

પ્રશ્નકર્તા : પણ એ તો બધાય એવું માને છે કે ખોટું બોલવું એ પાપ છે, માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે. તેમ છતાં લોકો ખોટું કર્યે જ જાય છે, તે કેમ ?

દાદાશ્રી : આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધાં બોલે છે, તે ઉપલક બોલે છે. 'સુપરફ્લુઅસ' બોલે છે. 'હાર્ટિલી' નથી બોલતાં બાકી જો એવું 'હાર્ટિલી' બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ 'હાર્ટિલી' પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.

પ્રશ્નકર્તા : એટલે માણસ સુધરે એવી શક્યતા ખરી ?

દાદાશ્રી : હા, બહુ જ શક્યતા છે. પણ સુધારનાર હોવો જોઈએ. એમાં એમ.ડી., એફ.આર.સી.એસ. ડૉક્ટર ના ચાલે. ગોટાળિયું ના ચાલે, એના તો 'સુધારનાર' જોઈએ.

હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાં ય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે, આ આમ કેમ થયું ? એટલો બધો પસ્તાવો થયો તો ય ? ખરેખર તો 'હાર્ટિલી' પસ્તાવો થાય તેનાથી દોષ અવશ્ય જાય છે !!

પ્રતિક્રમણથી હળવાશ થાય. ફરી એ દોષ થતાં એને પસ્તાવો થયાં કરે.

સંસ્કાર ક્યારે બદલવાય ? રાત-દિવસ પશ્ચાતાપ કરે ત્યારે. અગર તો આપણું જ્ઞાન મળે તો સંસ્કાર બદલાય.

પસ્તાવો એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. પશ્ચાતાપ થવો જોઈએ.

પ્રશ્નકર્તા : આખો દિવસ આડું-અવળું આમ-તેમ કરીએ ને પછી રાત્રે પશ્ચાતાપ કરીએ તો ?

દાદાશ્રી : હા, પશ્ચાતાપ સાચા દિલના કરે તો.

પ્રશ્નકર્તા : પશ્ચાતાપ કરે ને બીજે દિવસે પાછો તેનું તે જ કરે તો ?

દાદાશ્રી : હા, પણ સાચા દિલથી કરે તો કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : આ પસ્તાવો થાય છે, તે ગયા જન્મના આયોજનને કારણે થાય છે ?

દાદાશ્રી : એ આ જન્મના જ્ઞાનને કારણે પસ્તાવો થાય.

પ્રશ્નકર્તા : જીવનમાં આપણે કંઈક ખોટાં કામો કર્યા હોય, તો એનું દુઃખ થાય, પણ પશ્ચાતાપ ના થાય, તો શું કરવું ?

દાદાશ્રી : એનું દુઃખ થાય છે એ જ પશ્ચાતાપ છેને ? કોઈ પણ તાપ વગર દુઃખ થાય નહીં. ઠંડકમાં દુઃખ હોતું હશે ? આ તાપ એ જ દુઃખ છે. દુઃખ થાય એટલે બહુ થઈ ગયું. પણ ફરી નહીં કરું એવું બોલો છો કે નથી બોલતાં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તમને બધાને શેમાં શેમાં પસ્તાવો થાય છે તે લખી લાવજો. કયે સ્ટેશને ગાડી અટકે છે તેની ખબર પડે એટલે પછી ત્યાં આગળ આપણે ગાડી મોકલીએ. પસ્તાવો થાય, ત્યાંથી સમજવું કે પાછો વળવાનો થયો.

કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે.

પસ્તાવાથી માંડીને પ્રતિક્રમણ સુધી !

જગતના લોકો માફી માંગી લે છે, એથી કંઈ 'પ્રતિક્રમણ' થતું નથી. એ તો રસ્તામાં 'સોરી', 'થેન્કયુ' કહે એના જેવી વાત છે. એમાં કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ 'આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન' ને છે.

સંસારમાં અને મોક્ષમાર્ગમાં આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનની જરૂર છે. ક્રિશ્ચિયનો ય 'કન્ફેશન' (કબૂલાત) રવિવારને દહાડે કરે છે.

પ્રશ્નકર્તા : આપણે કરેલાં પાપો ભગવાનના મંદિરમાં જઈને દર રવિવારે કબૂલ કરી દીધાં હોય તો પછી પાપ માફ થઈ જાયને ?

દાદાશ્રી : એવાં જો પાપ ધોવાતાં હોતને તો કોઈ માંદા-સાજાં હોય જ નહીંને ? પછી તો કશું દુઃખ હોય જ નહીંને ? પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માંગવાનો અર્થ શું કે તમે માફી માંગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડેને ?

પ્રશ્નકર્તા : કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફૂટી નીકળે.

દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યાં કરે. બાકી મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવાં પડે ! કૃષ્ણ ભગવાનને ય અહીં તીર વાગ્યું હતું ! એમાં ચાલે નહીં. મારે હઉ ભોગવવું પડે !

દરેકના ધર્મમાં માફીનું હોય છે, ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ બધામાં હોય, પણ જુદી જુદી રીતે હોય.

દરેક ધર્મમાં પસ્તાવાથી શરૂઆત છે. ક્રાઈસ્ટ, મુસ્લીમ બધામાં ! ને આપણે અહીં પ્રતિક્રમણ હોય.

બાકી આ બધું જગત વિકલ્પ છે ! મુસલમાનો ય કાનમાં આંગળી ઘાલીને બૂમાબૂમ કરી મેલે છે, તે ય ખરું છે અને અંગ્રેજો શું કરે ? ચર્ચમાં ગયેલાં કે નહીં ? કેમ વાંધો શો હતો તે ? તમે કાળો કોટ પહેરીને મહીં પેઠાં કે કોઈ પૂછનાર જ નહીંને ?

એ લોકો રવિવારનો દહાડો આવે ને ? તે છ દહાડાની જે ભૂલો થઈ હોયને, તે રવિવારે માફી માંગ માંગ કરે. પશ્ચાતાપ કર્યા કરે.

પશ્ચાતાપ તો આપણા લોકો જ કરતા નથી. આપણા લોકો કરે છે, તે બાર મહિનામાં એક ફેરો કરે છે. તે દહાડે તો લૂગડાં નવાં લઈ આવીને, ફર્સ્ટક્લાસ લાવીને પહેરેને ?!!

પ્રશ્નકર્તા : માનસિક પસ્તાવો કરવો એ જ પ્રતિક્રમણ ?

દાદાશ્રી : જે રીતે કહ્યુંને એ રીતે કરો. એને ધોલ મારવાથી દુઃખ થયું તો, હવે ફરી નહીં ધોલ મારું. મારી ે ભૂલ થઈ. એવી રીતે કરો. એવો પસ્તાવો કરો. અગર તો ટૈડકાવ્યો. મેં એને દુઃખ કર્યું, તો ફરી નહીં ટૈડકાવું. એવી રીતે કરો.

એ થયું ધર્મધ્યાન !

પ્રશ્નકર્તા : અને આ પ્રતિક્રમણ, પાપનું પ્રાયશ્ચિત, એ જરા સમજાવો.

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે શું ? દોષ થયો કે દોષને તરત શૂટ ઑન સાઈટ કરી નાખો. એનું પ્રતિક્રમણ. તમે તો બાર મહિને કરો છોને ?

પ્રશ્નકર્તા : મને પ્રતિક્રમણ કરતાં ખાસ આવડતું નથી. પણ ભાવ-પ્રતિક્રમણ કરી લઉં.

દાદાશ્રી : ભાવ-પ્રતિક્રમણમાં શું કરો છો ?

પ્રશ્નકર્તા : એમ લાગે કે આ દોષ થયો છે, તો પછી આત્માની સાક્ષીએ પ્રાયશ્ચિત કરી લેવાનું.

દાદાશ્રી : એમ ! એવું કેટલાં થાય દહાડામાં ?

પ્રશ્નકર્તા : રાત્રે સૂતી વખતે કરું. ચાર-પાંચ થાય.

દાદાશ્રી : એટલું તમારું ધર્મધ્યાનમાં જાય. ફક્ત એટલી સેકંડ તમારું ધર્મધ્યાનમાં જાય. જો તમે કહ્યા પ્રમાણે કરતાં હોય તો ધર્મધ્યાનમાં જાય.

પ્રશ્નકર્તા : પાપનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવાનું ? હું જે રીતે કરું છું તે બરોબર છે ?

દાદાશ્રી : એ ગમે તે રીતે હો પણ કાચું છે. પણ તોય એનાથી ધર્મધ્યાન થોડું થાય. તમારી દાનત શું છે એ જોવામાં આવે છે.

પ્રશ્નકર્તા : પણ કરવું જોઈએ કે નહીં ?

દાદાશ્રી : અત્યારે તમે કરો છો એ બરાબર છે, પણ અમે શીખવાડ્યા પછી નવું શીખવાડે તે નવું શીખજો. અત્યારે તમારું બરોબર છે.

પ્રશ્નકર્તા : કવિ કલાપીએ કહ્યું છે :

હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.

એના માટે આપ શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : એ તો આ સ્થૂળ પાપીઓ માટે છે. એ કલાપી જેવા, એ બધાં સ્થૂળ પાપ થયાં એટલે એનો પસ્તાવો કરે.

પ્રશ્નકર્તા : એમાં આત્માનું લક્ષ ખરું ?

દાદાશ્રી : ના. એમાં આત્માનું લક્ષ ના હોય. આમાં વ્યાવહારિક લક્ષ ! સરળ હોયને તેને ના ગમે આ બધું એટલે પસ્તાવો કરે. દરેક ધર્મવાળાં પસ્તાવો કરવાનાં. એવું તમેય પસ્તાવો કરો છો.

પ્રશ્નકર્તા : વ્યવહારશુદ્ધિ થાયને ?

દાદાશ્રી : ના. ખરેખર તો પ્રતિક્રમણ હોવું જોઈએ.

નવ કલમોથી સર્વશ્રેષ્ઠ પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : પાપ દૂર કરવા પ્રાયશ્ચિત સિવાય બીજો કોઈ ઉપાય ખરો ?

દાદાશ્રી : પાપ દૂર કરવા બીજો કોઈ ઉપાય પ્રાયશ્ચિત સિવાય નથી. આ બધાં પાપ એ શું છે ? આ પાપ જે છેને, એ શેને પાપ કહીએ છીએ આપણે ? ત્યારે કહે કે, જો તમે આ બધું કરો છો. તે કરવાને માટે વાંધો નથી. આ બધાં બેઠાં છે. અત્યારે કોઈ જણને વાંધો નથી. કોઈ એમાં એક જણ કહે કે, 'કેમ તમે આ મોડા આવો છો ?' આપણને એવું કહે, ત્યારે એમણે અતિક્રમણ કર્યું કહેવાય. જે લોકોને ગમે નહીં કે, આવું ક્યા બોલે છે ? એ અતિક્રમણ કર્યું કહેવાય.

એ અતિક્રમણ કરે તેને માટે જ ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. એટલે પશ્ચાતાપ કેટલાનો કરવાનો છે ? કે જે લોકોને ન ગમે, લોકોને દુઃખ થાય, એવી વાત માટે પશ્ચાતાપ કરજે. શું કહે છે ? ગમતું હોય તેને માટે નહીં.

તે પ્રાયશ્ચિત કરવું પડે. તું કરે છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : દાદા ભગવાનના નામથી પ્રતિક્રમણ કરું છું કે નથી કરતો ?

પ્રશ્નકર્તા : પેલી ચોપડી આપેલી ને ?! એનું કરું છું, નવ કલમો કરું છું.

દાદાશ્રી : કરું છું ને ? એ પ્રતિક્રમણ જ છે. મોટામાં મોટું પ્રતિક્રમણ દાદા ભગવાનની નવ કલમો મુકાઈ છે ને, એ આખા જગતને કલ્યાણકારી એવું પ્રતિક્રમણ છે.

પ્રશ્નકર્તા : આ વાત સાચી કે પશ્ચાતાપના ઘડામાં ગમે તેવું પાપ હોય તો...

દાદાશ્રી : હલકું થઈ જાય ! પશ્ચાતાપને લઈને.

પ્રશ્નકર્તા : સાવ બળીને ખાખ ના થઈ જાય ?

દાદાશ્રી : સાવ બળીયે જાય. એવાં કેટલાંક પાપ તો બળીયે જાય. ખલાસ થઈ જાય. પશ્ચાતાપનો સાબુ એવો છે કે ઘણાં ખરાં કપડાંને લાગુ થઈ જાય.

પ્રશ્નકર્તા : અને એમાં આપની સામે કરે. એટલે પછી શું રહે ?

દાદાશ્રી : કલ્યાણ થઈ જાય. એટલે પશ્ચાતાપના સાબુ જેવો કોઈ દુનિયામાં સાબુ નથી.

પસ્તાવાથી ઘટે દંડ !

પ્રશ્નકર્તા : પાપને નિર્મૂળ કરવા માટે તો ઉત્તમ માર્ગ પ્રાયશ્ચિત છે. આ બહુ સુંદર વાત છે. તેમ પુરાણમાં સંતપુરુષોએ કહ્યું છે. શું ખૂની માણસ ખૂન કર્યા બદલ પસ્તાવો કરે તો તેને માફી મળી શકે ?

દાદાશ્રી : ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશી થાય તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય. એ ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ મહિનાનો થઈ જાય. કોઈ પણ ખોટું કાર્ય કરીને પછી ખુશી થશો તો તે કાર્ય ત્રણગણું ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશે કે ખોટું કાર્ય કર્યું. તો દંડ ઘટી જાય. અને સારું કાર્ય કર્યા પછી ખુશી થશો તો બધાને વધુ લાભ થશે.

મંત્રો એ છે વૈજ્ઞાનિક વસ્તુ !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથીીકદાચ નવાં પાપ બંધાય નહીં, પમ જૂનાં પાપ ભોગવવાં તો પડેને ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી નવા પાપ થાય નહીં એ તમારું કહેવું બરોબર છે એ જૂનાં પાપ તો ભોગવ્યે જ છૂટકો છે. હવે ભોગવટો એ ઘટે ખરો, એ માટે મેં પાછો રસ્તો કહ્યો છે કે ત્રણ મંત્રો ભેગા બોલજો તોય ભોગવટાનું ફળ હલકું કરી આપે. કોઈ માણસને દોઢ મણનું વજન માથે હોય અને બિચારો આમ કંટાળી ગયો હોય, પણ એને કોઈ વસ્તુ આમ એકદમ જોવાની આવી ગઈ અને દ્રષ્ટિ ત્યાં ગઈ તો પેલો એનું દુઃખ ભૂલી જાય, વજન છે છતાં એને દુઃખ ઓછું લાગે. એવું આ ત્રિમંત્રોનું છેને, એ બોલવાથી પેલું વજન જ લાગે નહીં. એટલે આ મંત્રો એ હેલ્પિંગ વસ્તુ છે. તમે કોઈ દહાડો ત્રિમંત્ર બોલ્યા હતાં ? એક જ દહાડો ત્રિમંત્ર બોલ્યાં હતાં ? તે જરા વધારે બોલેને એટલે બધું હલકું થઈ જાય, અને તમને ભય લાગતો હોય તે ય બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માણસ કોઈ પાપ કરે કે ભૂલ કરે, તો એની એને સજા મળવી જોઈએ, તો મંત્રથી એ પાપનો નાશ કેવી રીતે થાય ?

દાદાશ્રી : મંત્રો શું છે કે આ પુરુષોની આપણે ભક્તિ કરીએ છીએ. ક્યા પુરુષોની ? વર્લ્ડમાં સર્વશ્રેષ્ઠ પુરુષોની ભક્તિ કરીએ છીએ, તે ઘડીએ મહીં કેટલી શક્તિ ઉત્પન્ન થાય !

પ્રશ્નકર્તા : તમે એમની બહુ ભક્તિ કરી, એમનાં વખાણ કર્યા, એમનાં વાઈબ્રેશન લીધાં, પણ પાપ તો બાજુએ જ રહ્યા ને ? પાપ તો જૂદું રહ્યું જ ને ?

દાદાશ્રી : આ એમની ભક્તિ કરવાથી, એમની કીર્તન-ભક્તિ કરવાથી સર્વ પાપો ભસ્મીભૂત થાય. તમારે પાપો નાશ કરવાં છે ? હું એક કલાકમાં કરી આપીશ. તમારાં બધા પાપો 'વીધીન વન અવર.'

પાપ ચપ્પાથી કાપવાનું ના હોય. એની સ્લાઈસ પાડવાની ના હોય, એ તો ભસ્મીભૂત થાય.

પ્રશ્નકર્તા : પાદરીઓ પણ કહે છે કે અમારી પાસે કન્ફેશન કરી જાવ તો બધાં પાપો નાશ થઈ જાય.

દાદાશ્રી : એ કન્ફેસ કરવું સહેલું છે ? તમારાથી કન્ફેસ થાય ખરું ? એ તો અંધારી રાતમાં અંધારામાં કરે છે, પેલો માણસ અજવાળામાં મોઢું નથી દેખાડતો. રાતે અંધારું હશે તો કન્ફેશન કરીશ.

અને મારી પાસે તો ચાળીસ હજાર માણસોએ છોકરીઓએ એમનું બધું કન્ફેશન કરેલું છે. એકે એક ચીજ કન્ફેસ ! આમ લખી આપેલું છે. ઊધાડા છોગે કન્ફેસ તો પછી પાપ નાશ થઈ જ જાયને ?!! કન્ફેસ કરવું સહેલું નથી.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણ કરે છે એ ને એ કન્ફેસ સરખું જ થયું ને પછી ?

દાદાશ્રી : ના, એ સરખું ન હોય, પ્રતિક્રમણ તો અતિક્રમણ થાય અને પછી ધો-ધો કરવું અને પાછું ડાધ પડે, પાછું ધોવું અને પાપ કન્ફેસ કરવાં, જાહેર કરવા તો એ વસ્તુ જુદી છે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર તો ?

દાદાશ્રી : પશ્ચાત્તાપ એ બાધે ભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધે-ભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે ! 'શૂટ ઑન સાઈટ' - તેને ધોઈ નાખે !!

પ્રશ્નકર્તા : આત્માને નિંદવો કહે છે તે શું ?

દાદાશ્રી : એટલે પોતાની ભૂલ એકસેપ્ટ કરવાની માફી માંગવાની, પસ્તાવો કરવો તે નિંદવો. હવે મૂળ આત્માને નિંદવાનો નથી. પ્રતિષ્ઠિત આત્માને નિંદવાનો છે.

ચતુર્ગતિના દોષ આંકડા, પ્રતિક્રમણથી છેદાય !

પ્રતિક્રમણ વગર મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં પ્રતિક્રમણ નથી ત્યાં માર્ગ જ ખોટો છે. જૈનો જો સાચાં પ્રતિક્રમણ કરે તેનાથી કષાયની ગાંઠ વળી ગઈ હોય તેને ઢીલી કરે અને તે આવતા ભવે જલદી નીકળી જાય. અમે જૈન કોને કહીએ કે ક્રોધ-માન-માયા-લોભ થાય ને તેનું તરત પ્રતિક્રમણ કરી લે, એ ભગવાનની આજ્ઞા પાળે તે. તીર્થકરો આ મૂકતા ગયા છે. કારણ કે મનુષ્ય જાતિ દોષ કર્યા વગર રહે નહીં. દેવલોકો દોષ કરે, મનુષ્ય જાતિ દોષ કરે. ચતુર્ગતિ દોષ કરે. દોષિત થયા વગર રહે નહીં. એના દોષ ભાંગવા માટે ઉપાય શો ? ત્યારે કહે, 'આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન.'

જગત શા આધારે ઊભું રહ્યું છે ?

અતિક્રમણ દોષને લઈને આ જગત ઊભું રહ્યું છે ! રોજ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરે એ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કહેવાય. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાનને આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય.

આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન મહાવીર ભગવાનના સિદ્ધાંતનો સાર છે અને અક્રમમાં જ્ઞાની-પુરુષ એ સાર છે, એટલું જ સમજવું જોઈએ. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ છે. પણ એ ડખો કર્યા વગર રહે નહીં ને ! અનાદિની કટેવ પડી છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21