ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19 


સંપાદકીય

હિંસાના સાગરમાં હિંસા જ હોય, પણ હિંસાના સાગરમાં અહિંસા પ્રાપ્ત કરવી હોય તો પરમ પૂજ્ય દાદાશ્રીના મુખે વહેલી અહિંસાની વાણી વાંચી, મનન કરી ફોલો થાય તો જ થાય તેમ છે. બાકી, સ્થૂળ અહિંસા ખૂબ ઊંડે સુધી પાળનારા પડ્યા છે પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહિંસા જાણવી જ અઘરી છે. તો તેની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી ?

સ્થૂળ જીવોની હિંસા તેમજ સૂક્ષ્માતીસૂક્ષ્મ જીવોની હિંસા, જેમ કે વાયુકાય-તેઉકાય વિગેરેથી માંડીને ઠેઠ ભાવહિંસા, ભાવમરણ સુધીની સાચી સમજ જો ના વર્તે તો તે પરિણમતું નથી ને માત્ર શબ્દમાં કે ક્રિયામાં જ અહિંસા અટકે છે.

હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે ! 'પોતે' 'આત્મસ્વરૂપ'માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય ! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના !!! હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસકપણે વર્તે છે એવા જ્ઞાની પુરુષ થકી પ્રકાશમાન થયેલું હિંસા સંબંધનું, સ્થૂળહિંસા-અહિંસાથી માંડીને સૂક્ષ્મતમ હિંસા-અહિંસા સુધીનું સચોટ દર્શન અત્રે સંકલિત કરી એ અંતર-આશયથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, કે જેથી કરીને ઘોર હિંસામાં જકડાયેલાં આ કાળના મનુષ્યોની દ્રષ્ટિ કંઈક બદલાય ને આ ભવ-પરભવનું શ્રેય તેમના થકી સંધાય !

બાકી દ્રવ્ય હિંસાથી તો કોણ બચી શકે ? ખુદ તીર્થંકરોએ પણ નિર્વાણ પહેલાં છેલ્લો શ્વાસ લઈને છોડેલો ત્યારે કેટલાંય વાયુકાય જીવો મરેલા ! તેવી હિંસાનો દોષ તેમને જો ત્યારે લાગતો હોય તો તેમને તે પાપ માટે ફરી પાછાં કોઈને ત્યાં જન્મવું જ પડે. તો મોક્ષ શક્ય ખરો ? માટે એમની પાસે એવી તે કઈ પ્રાપ્તિ હશે કે જેના આધારે તે સર્વ પાપોથી, પુણ્યોથી ને ક્રિયામાત્રથી મુક્ત રહ્યા ને મોક્ષે ગયા ? એ તમામ રહસ્યો પ્રગટ જ્ઞાની, કે જેના હ્રદયમાં તીર્થંકરોના હ્રદયનું જ્ઞાન જેમ છે તેમ પ્રકાશ્યું હોય તે જ કરી શકે અને તે અત્રે જેમ છે તેમ પ્રકાશિત થાય છે. આ કાળના જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી અહિંસાના ગ્રંથ દ્વારા સંકલિત થઈ છે, જે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે.

- ડૉ. નીરુબહેન અમીન

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14  -  15  -  16  -  17  -  18  -  19