ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19 


સંપાદકીય

- ડૉ. નીરુબહેન અમીન

લૌકિક જગતમાં બાપ-બેટો, મા-દીકરો કે દીકરી, પતિ-પત્ની વિ. સંબંધો હોય છે. તેમાં ગુરુ-શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી તેને જ વફાદાર રહી, પરમ વિનય સુધી પહોંચી, ગુરુ આજ્ઞા પ્રમાણે સાધના કરી સિધ્ધિ પ્રાપ્ત કરવાની રહે છે. ત્યાં સાચા ગુરુના લક્ષણો તેમજ સાચા શિષ્યના લક્ષણો કેવા હોય તેની સુંદર છણાવટ અત્રે રજૂ થાય છે.

જગતમાં વિવિધ વિવિધ માન્યતાઓ ગુરુ માટે પ્રવર્તે છે અને ત્યારે આવા કાળમાં યથાર્થ ગુરુ કરવા માટે લોક મુંઝાઈ જાય છે. અત્રે એવી મુંઝવણોની પ્રશ્નકર્તા દ્વારા 'જ્ઞાની પુરુષ'ને પૃચ્છા થઈ છે અને સમાધાની ફોડ રૂપી ઉત્તરોની પ્રાપ્તિ થઈ છે.

'જ્ઞાની પુરુષ' એટલે જગતના વ્યવહાર સ્વરુપની તેમજ વાસ્તવિક વિજ્ઞાન સ્વરૂપની ઓબ્ઝર્વેટરી ! એવા 'જ્ઞાની પુરુષ'ના શ્રીમુખે - ગુરુ પદ એટલે શું ? ગુરુની અધ્યાત્મમાં જરૂર ખરી ? જરૂર હોય તો કેટલી ? ગુરુનાં લક્ષણો શાં શાં હોવાં જોઈએ ? ગુરુતમ કે લઘુતમ ? ગુરુકિલ્લી સાથે છે ? લોભ લાલચમાં કે મોહમાં ગુરુ ફસાયેલા છે ? લક્ષ્મી વિષય કે શિષ્યોની ભીખ હજી છે એમનામાં ? ગુરુની પસંદગી કઈ રીતે થાય ? ગુરુ કોને કરવા ? કેટલા કરવા ? એક કર્યા પછી બીજા કરાય ? ગુરુ નાલાયક નીકળ્યા તો શું કરવું ? આમ ગુરુપદના જોખમોથી માંડીને, શિષ્યપદ એટલે શું ? શિષ્ય કેવા હોવા જોઈએ ? અને શિષ્યપદની સુક્ષ્મ જાગૃતિ સુધીની તમામ સમજણ તથા ગુરુના કેવા વ્યવહારથી પોતાનું અને શિષ્યનું હિત થાય અને શિષ્યે પોતાના હિત માટે કઈ દ્રષ્ટિપૂર્વક ગુરુ પાસે રહેવું જોઈએ, તેમ જ શિષ્યે ગુરુપદ કયાં સ્થાપન કરવું જોઈએ કે જેથી એને જ્ઞાન પ્રાપ્તિ થઈ પરિણમે અને ગુરુમાં કયા કયા રોગ ન હોવા જોઈએ, જેથી એવા ગુરુ એના શિષ્યનું હિત કરવાને સમર્થ થાય, એકલવ્ય જેવી ગુરુ ભક્તિ કળિકાળમાં ક્યાંથી જડે ? તેમ જ 'જ્ઞાની પુરુષે' ગુરુ કર્યા છે કે નહીં, એમણે શિષ્યો બનાવ્યા છે કે નહીં, પોતે કયા પદમાં વર્તે છે, વિ. વિ. તમામ પ્રશ્નોના સંપૂર્ણ સમાધાન વર્તાવનારા પ્રત્યુત્તરો સંપૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી દ્વારા મળે છે !

સામાન્ય સમજમાં ગુરુ, સદ્ગુરુ અને જ્ઞાની પુરુષ ત્રણેવને એકમેકમાં ભેળવી દેવામાં આવે છે. જ્યારે અત્રે આ ત્રણે વચ્ચેનો એક્ઝેક્ટ ફોડ પડે છે.અધ્યાત્મની વાટ ભોમિયા વિણ શીદને કપાય ? એ ભોમિયા એટલે કે ગાઈડ એટલે જ

મોક્ષ માર્ગસ્ય નેત્તારં ભેત્તારં સર્વ કર્માણામ્
જ્ઞાતારમ્ સર્વ તત્વાનામ્ તસ્મૈ શ્રી સદ્ગુરુ નમઃ

આટલામાં મોક્ષ માર્ગના નેતા, ગુરુ કેવા હોવા જોઈએ ? તે સમજાય.

ગુરુ અને શિષ્ય બન્ને કલ્યાણના માર્ગે પ્રયાણ કરી શકે તે અર્થે તમામ દ્રષ્ટિકોણોથી ગુરુ-શિષ્યના અન્યોન્ય સંબંધની સમજણ, લઘુતમ છતાં અભેદ એવા ગજબના પદમાં વર્તતા 'જ્ઞાની પુરુષ'ની વાણી દ્વારા પ્રકાશમાન થઈ, તે અત્રે સંકલિત થઈ છે, જે મોક્ષમાર્ગે ચાલતા પથિકને માર્ગ-દર્શક (ગુરુ) થઈ પડશે.

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
 1 23 4 5 6 7  - 8 9 10 11 12 13 14 15 16 17 18 19