ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14 

સંપાદકીય

અણકલ્પેલાં, અણધારેલાં બનાવો અવારનવાર ટી.વી કે છાપામાં જાણવા મળે છે, જેવાં કે પ્લેનક્રેશ થયું ને ૪૦૦ માણસ મરી ગયાં, મોટો બોમ્બ બ્લાસ્ટ થયો, આગ લાગી, ધરતીકંપ, વાવાઝોડા થયાં હજારો લોકો માર્યા ગયા ! કેટલાંય એક્સિડંટમાં માર્યા ગયા, કેટલાં રોગથી મર્યા ને જન્મતાં જ મર્યાં ! કેટલાંયે આપઘાત કર્યો ભૂખમરાથી ! ધર્માત્મા કાળા કરતૂતો કરતાં પકડાયા, કેટલાંય ભિખારીઓ ભૂખે મર્યા ! ત્યારે સંતો ભક્તો જ્ઞાનીઓ જેવા ઉચ્ચ મહાત્માઓ નિજાનંદમાં જીવી રહ્યાં છે ! દરરોજ દિલ્હીના કૌભાંડો ઉઘાડા પડે આવાં સમાચારોથી પ્રત્યેક માનવીના હ્રદયમાં એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન ખડું થઈ જાય છે કે આનું રહસ્ય શું ? આની પાછળ કશું ગુહ્ય કારણ રહેલું હશે ? નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું ? હ્રદય દ્રવી જાય, ખૂબ મથામણ છતાં સમાધાન નથી થતું અને અંતે સહુ સહુનાં કર્મો એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જવાય છે ! કર્મો કહીએ છતાં ય કર્મ શું હશે ? કેવી રીતે બંધાતું હશે ? એની શરુઆત શું ? પહેલું કર્મ ક્યાંથી થયું ? કર્મમાંથી મુક્તિ મળી શકે ? કર્મના ભોગવટાને ટાળી શકાય ? ભગવાન કરતો હશે કે કર્મ કરાવતું હશે ? મૃત્યુ પછી શું ? કર્મ કોણ બાંધતુ હશે ! ભોગવે છે કોણ ?

આત્મા કે દેહ ?

આપણા લોકો કર્મ કોને કહે છે ? કામ-ધંધો કરે, સત્કાર્ય કરે, દાન-ધરમ કરે એ બધુ કર્મ કર્યું કહે, જ્ઞાનીઓ એને કર્મ નહીં પણ કર્મફળ કહે છે. જે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકાય, અનુભવી શકાય એ બધું સ્થૂળમાં છે તે કર્મફળ એટલે કે ડિસ્ચાર્જ કર્મ કહેવાય. ગયા ભવમાં જે ચાર્જ કર્યું હતું તેનું આજે ડિસ્ચાર્જમાં આવ્યું, રૂપકમાં આવ્યું અને અત્યારે જે નવું કર્મ ચાર્જ કરે છે તે તો સૂક્ષ્મમાં થાય છે એ ચાર્જીંગ પોઈન્ટની કોઈને ય ખબર પડે એમ નથી.

એક શેઠ પાસે એક સંસ્થાવાળા ટ્ર્સ્ટીઓ ધર્માદા માટે દાન આપવા દબાણ કરે છે તેથી શેઠ પાંચ લાખ રૂપિયા દાનમાં આપે છે. ત્યાર પછી એ શેઠના મિત્ર શેઠને પૂછે છે કે 'અલ્યા, આ લોકોને તેં કયાં આપ્યા ? આ બધા ચોર છે, ખાઈ જશે તારા પૈસા.' ત્યારે શેઠ કહે છે, 'એ બધાંને, એકે એકને હું સારી રીતે ઓળખું પણ શું કરું એ સંસ્થાના ચેરમેન મારા વેવાઈ થાય તે તેમના દબાણથી આપવા પડ્યા, નહીં તો હું પાંચ રૂપિયા ય આપું એવો નથી !' હવે પાંચ લાખ રૂપિયા દાનમાં આપ્યા તે બહાર લોકોને શેઠ માટે ધન્ય ધન્ય થઈ ગયું પણ એ એમનું ડિસ્ચાર્જ કર્મ હતું, અને ચાર્જ શું કર્યું શેઠે ? પાંચ રૂપિયા ય ના આપું ! તે મહીં સૂક્ષ્મમાં અવળું ચાર્જ કરે છે. તે આવતા ભવમાં પાંચ રૂપિયા ય નહીં આપી શકે કોઈને ! અને બીજો ગરીબ માણસ એ જ સંસ્થાના લોકોને પાંચ જ રૂપિયા આપે છે ને કહે છે કે મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા જ આપી દેત ! જે દિલથી આપે છે તે આવતા ભવે પાંચ લાખ આપી શકે. આમ બહાર દેખાય છે તે તો ફળ છે ને મહીં સૂક્ષ્મમાં બીજ નંખાય છે તે કોઈને ય ખબર પડે એમ નથી. એ તો અંતર્મુખ દ્રષ્ટિ થાય ત્યારે દેખાય. હવે આ સમજાય તો ભાવ બગાડવાના રહે ?

ગયા ભવમાં, ખાઈ પીને મઝા કરવી છે એવા કર્મ બાંધીને લાવ્યો તે સંચિત કર્મ. તે સૂક્ષ્મમાં સ્ટોકમાં હોય છે તે ફળ આપવા સન્મુખ થાય ત્યારે જંગ ફૂડ (કચરો) ખાવા પ્રેરાય અને ખાઈ નાખે તે પ્રારબ્ધ કર્મ અને એનું પાછું ફળ આવે એટલે કે ઈફેક્ટની ઈફેક્ટ આવે કે એને મરડો થઈ જાય, માંદો પડે એ ક્રિયમાણ કર્મ !

પરમ પૂજ્ય દાદાશ્રીએ કર્મના સિધ્ધાંતની આગળ વ્યવસ્થિત શક્તિને જગત નિયંતા કહી છે, જેનો કર્મ તો અંશ માત્ર કહેવાય. 'વ્યવસ્થિત'માં કર્મ સમાય પણ કર્મમાં 'વ્યવસ્થિત' ના સમાય. કર્મ તો બી સ્વરૂપે આપણે સૂક્ષ્મમાં પૂર્વભવથી બાંધીને લાવ્યા તે. હવે એટલાથી કંઈ ના પતે. એ કર્મનું ફળ આવે એટલે કે બીમાંથી ઝાડ થાય ને ફળ આવે ત્યાં સુધી બીજા કેટલાં ય સંયોગોની એમાં જરૂર પડે છે. બી માટે જમીન, પાણી, ખાતર, ટાઢ, તડકો, ટાઈમ બધાં સંજોગો ભેગાં થાય પછી કેરી પાકે ને આંબો મળે ! દાદાશ્રીએ ખૂબ જ સુંદર ફોડ પાડ્યો કે આ બધું તો ફળ છે. કર્મબીજ તો મહીં સૂક્ષ્મમાં કામ કરે છે !

ઘણાંને પ્રશ્ન એ થાય છે કે પહેલું કર્મ કેવી રીતે બંધાયું ? પહેલા દેહ કે પહેલું કર્મ ? પહેલું ઇંડુ કે પહેલી મરઘી ? એના જેવી આ વાત થઈ ! ખરેખર વાસ્તવિકતામાં પહેલું કર્મ જેવી વસ્તુ જ નથી વર્લ્ડમાં કોઈ ! કર્મ અને આત્મા બધા અનાદિ કાળથી છે. જેને આપણે કર્મ કહીએ છીએ એ જડ તત્ત્વનું છે અને આત્મા ચેતન તત્ત્વ છે. બન્ને તત્ત્વો જુદા જ છે અને તત્ત્વ એટલે સનાતન વસ્તુ કહેવાય. જે સનાતન હોય તેના આદિ ક્યાંથી ? આ તો આત્મા ને જડ તત્ત્વનો સંયોગ થયો ને તેમાં આરોપીત ભાવોનું આરોપણ થયા જ કર્યું. તેનું આ ફળ આવીને ઊભું રહ્યું. સંયોગ વિયોગી સ્વભાવના છે. તેથી સંયોગો આવે ને જાય. તેથી જાત જાતની અવસ્થાઓ ઊભી થાય ને જાય. તેમાં રોંગ બિલીફ ઊભી થાય છે કે 'આ હું છું ને આ મારું છે.' તેનાથી તેનું આ રુપી જગત ભાસ્યમાન થાય છે. આ રહસ્ય સમજાય તો શુધ્ધાત્મા ને સંયોગ બે જ વસ્તુ છે જગતમાં. આટલું નહીં સમજાવાથી જાત જાતની જાડી ભાષામાં કર્મ, નસીબ પ્રારબ્ધ બધું કહેવું પડ્યું છે. પણ વિજ્ઞાન આટલું જ કહે છે. માત્ર સંયોગો જે છે બધાં એમાંથી પર થાય તો આત્મામાં જ રહી શકે ! તો પછી કર્મ જેવું કશું જ નથી.

કર્મ કેવી રીતે બંધાય ?

કર્તાભાવથી કર્મ બંધાય.

કર્તાભાવ કોને કહેવાય ?

કરે કોઈ ને માને 'હું કરું છું' એનું નામ કર્તાભાવ.

કર્તાભાવ શેનાથી થાય ?

અહંકારથી.

અહંકાર કોને કહેવાય ?

જે પોતે નથી ત્યાં આરોપ કરે 'હું'પણાનો, એનું નામ અહંકાર. આરોપિત ભાવ એનું નામ અહંકાર, 'હું ચંદુભાઈ છું' એવું માને છે એ જ અહંકાર છે. ખરેખર પોતે ચંદુલાલ છે ? કે ચંદુલાલ નામ છે ? નામને 'હું' માને છે, શરીરને 'હું' માને છે, હું ધણી છું, આ બધી રોંગ બિલીફો છે. ખરેખર તો પોતે આત્મા જ છે, શુધ્ધાત્મા જ છે પણ એનું ભાન નથી, જ્ઞાન નથી તેથી હું ચંદુલાલ, હું જ દેહ છું એવું માને છે. એ જ અજ્ઞાનતા છે ! અને એનાથી જ કર્મ બંધાય છે.

છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા તું કર્મ

નહીં ભોક્તા તું તેહનો એ છે ધર્મનો મર્મ.

- શ્રીમદ્ રાજચંદ્ર   

જો તું જીવ તો કર્તા હરિ,

જો તું શીવ તો વસ્તુ ખરી.

- અખા ભગત   

'હું ચંદુલાલ છું' એવું ભાન છે તેને જીવદશા કહી અને હું ચંદુલાલ નથી પણ ખરેખર હું તો શુધ્ધાત્મા છું એનું ભાન, જ્ઞાન વર્તે તેને શીવ પદ કહ્યું. પોતે જ શીવ છે, આત્મા એ જ પરમાત્મા છે અને એનો સ્વભાવ સંસારી કોઈ ચીજ કરવાનો નથી. સ્વભાવથી જ આત્મા અક્રિય છે, અસંગ છે. 'હું આત્મા છું' ને હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહે તેને જ્ઞાની કહ્યા અને તે પછી એકુંય કર્મ નવું બંધાતું નથી. જૂનાં ડિસ્ચાર્જ કર્મ ફળ આપીને ખલાસ થયા કરે છે.

કર્મબીજ ગયા ભવમાં વાવે છે, તે કર્મનું ફળ આ ભવમાં આવે છે. ત્યારે એ ફળ કોણ આપે છે ? ભગવાન ? ના. એ કુદરત આપે છે. જેને પરમ પૂજ્ય દાદાશ્રી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ- 'વ્યવસ્થિત શક્તિ' કહે છે. જે ચાર્જનું ડિસ્ચાર્જ નેચરલી અને ઓટોમેટીકલી થાય. એ ફળ ભોગવતી વખતે પાછો ગમો-અણગમો, રાગ-દ્વેષ અજ્ઞાનતાને કારણે કર્યા વગર રહેતો નથી. જે નવું બીજ નાખે છે. જેનું ફળ આવતા ભવે ભોગવવું પડે. જ્ઞાનીઓ નવું બીજ પડતું અટકાવે છે, જેથી પાછલાં ફળ પૂરા થઈ મોક્ષ પદને પમાય છે !

કોઈ આપણું અપમાન કરે, નુકસાન કરે, એ તો નિમિત્ત છે, નિર્દોષ છે. કારણ વગર કાર્યમાં કેવી રીતે આવે ? પોતે અપમાન ખાવાનાં કારણો બાંધીને લાવ્યો છે તેનું ફળ, તેની ઈફેક્ટ આવીને ઊભી રહે છે ત્યારે બીજા કેટલાંય દેખાતાં નિમિત્તો એમાં ભેગાં થવાં જોઈએ. એકલા બી થી જ ફળ ના પાકે પણ બધું જ નિમિત્તો ભેગાં થાય તો બીજમાંથી વૃક્ષ થાય ને ફળ ચાખવાં મળે. એટલે આ જે ફળ આવે છે તેમાં બીજા નિમિત્તો વિના ફળ શી રીતે આવે ? અપમાન ખાવાનું બીજ આપણે જ વાવેલું તેનું ફળ આવે, અપમાન મળે તે માટે બીજા નિમિત્તો ભેગાં થવાં જ જોઈએ. હવે એ નિમિત્તોને દોષિત દેખી કષાય કરી નવાં કર્મો બાંધે છે મનુષ્યો, અજ્ઞાનતાથી અને જ્ઞાન હાજર રહે કે સામો નિમિત્ત જ છે, નિર્દોષ છે અને આ અપમાન મળે છે તે મારા જ કર્મનું ફળ છે, તો નવું કર્મ ના બંધાય અને એટલું મુક્ત રહેવાય અને સામો દોષિત દેખાઈ જાય તો તુર્ત જ તેને નિર્દોષ જોવો અને દોષીત જોયાના પ્રતિક્રમણ શૂટ એટ સાઈટ કરી નાખવાં, જેથી બીજ શેકાઈ જાય ને ઉગે જ નહીં.

બીજા બધા નિમિત્ત ભેગા થઈને પોતે નાખેલા બીજનું ફળ આવવું ને પોતાને ભોગવવું પડે, એ આખી પ્રોસેસ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તેને જ દાદાશ્રીએ કહ્યું કે 'વ્યવસ્થિત શક્તિ' ફળ આપે છે.

આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને પોતાના જ્ઞાનમાં અવલોકન કરીને દુનિયાને 'કર્મનું વિજ્ઞાન' આપ્યંુ છે, જે દાદાશ્રીની વાણીમાં અત્રે સંક્ષિપ્તમાં પુસ્તક રૂપે મૂક્યું છે, જે વાચકને જીવનમાં મૂંઝવતા કોયડા સામે સમાધાની ઉકેલ બક્ષશે !

- ડૉ. નીરુબહેન અમીનના

જય સચ્ચિદાનંદ.

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  -  13  -  14