દાદા ભગવાન કથિત

વર્તમાન તીર્થંકરશ્રી સીમંધર સ્વામી

સંકલન : ડૉ. નીરુબેન અમીન

Table of Contents
સમર્પણ
વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

સમર્પણ

ભેદ પ્રત્યક્ષ-પરોક્ષની ભજના તણો;

ફળનાં પ્રાપ્તિનો સાધકને અંતર ઘણો.

કાગળ પર દોરેલો દીવો દે પ્રકાશ અંધારે ?

શાસ્ત્રની આરાધના એમ આતમ ના ઊઘાડે !

હાજર ‘જ્ઞાની’ જગાડે આત્મ પ્રકાશ,

અર્જુનનું જાગે, ન વળે સંજયનું કે ધૃતરાષ્ટ્ર.

પ્રત્યક્ષ તીર્થંકરનું દર્શન આરાધન પમાડે,

નિશ્ચે મોક્ષ તત્ ભવમાં ન શંકા લગારે.

ભરત ક્ષેત્રે ન મળે કોઈ તીર્થંકર હાલ,

મહાવિદેહ ક્ષેત્રે વિચરે સીમંધર હાલ.

ભક્તિ સીમંધરની બાંધે ઋણાનુબંધ,

છૂટે બંધનો અહીંના તો બંધાય ત્યાંનો સંબંધ.

એકાવતારી પદની પ્રાપ્તિ ‘અક્રમ જ્ઞાન’ થકી,

આત્મજ્ઞાનની પ્રાપ્તિ બે ઘડીની ‘જ્ઞાનવિધિ’ થકી.

‘દાદા’એ સાંધો સંધાવ્યો સીમંધર સંગે,

નિશ્ચે પરભવ સીમંધરના સુચરણે.

રોમે રોમે સીમંધરનું ગુંજન ભજન,

ઘીંગ ધણી વિણ ખપે ન અન્ય સ્વજન.

પ્રભુ ચરણે દિલથી સર્વ સમર્પણ,

ભક્તિ પ્રભુ કાજે જગને આ ગ્રંથ સમર્પણ.


‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતા સુરતના સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ?’ ઈ. જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતા, એમના અદ્ભુત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટ કટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતાં કહેતાં કે ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતા હતા. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપી હતી. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતાં હતાં. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપી હતી. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

પ્રસ્તાવના

મુક્તિનો ઉપાય આ કાળમાં

જીવનમાં મુક્તિની ઈચ્છા કોને નહીં થતી હોય ? જીવનના અંતિમ ધ્યેયરૂપ મોક્ષની અભિલાષા કોને ના હોય ? પણ મોક્ષનું સાચું સ્વરૂપ સમજી, તે રાહ ઉપર પ્રયાણ કરનારા કેટલા ? અને વળી એ માર્ગનું સાચું માર્ગદર્શન આપી મુક્તિમાર્ગ ઉપર જીવને પ્રયાણ કરાવનાર કોઈ પથદર્શક તો જોઈએ ને ?

શાસ્ત્રોમાં વર્ણન છે કે આ પંચમ આરામાં ભરતક્ષેત્રથી મોક્ષ નથી. તીર્થંકર હાજર નથી તો પછી શું આ ક્ષેત્રના જીવોની મુક્તિ માટે કોઈ ઉપાય જ નથી ? પૂર્વે તીર્થંકરો-જ્ઞાનીઓ થઈ ગયા અને અનેકોની મુક્તિનું કારણ બની ગયા. પણ હાલમાં જ્યારે તેઓ સિદ્ધક્ષેત્રે બિરાજે છે ત્યારે વર્તમાનમાં મુક્તિની લિંક શું ? મુક્તિપિપાસુ જીવો માટે પુણ્યોદયે જ્ઞાની પુરુષનું પ્રાગટ્ય હોય છે અને તેઓ થકી આ પંચમ આરામાં પણ મુક્તિનો માર્ગ ખુલ્લો થાય છે. વર્તમાને આ કાળમાં ભવિજીવોના અનંત કાળના પુણ્યાનુબંધી પુણ્યના પરિણામે એવો જ આ શોર્ટ કટ માર્ગ જ્ઞાની પુરુષ શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલને પ્રાપ્ત થયો, જે અક્રમમાર્ગ તરીકે ઓળખાયો. આ અક્રમમાર્ગના પ્રણેતા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલની મહીં પ્રગટેલા પરમ પૂજ્ય દાદા ભગવાને આત્મવિજ્ઞાન થકી માત્ર બે જ કલાકમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી, અનેકોને મોક્ષપંથ પર પ્રયાણ કરાવી મુક્તિમાં રાચતા કરી દીધા અને આજે પણ એ મુક્તિના માર્ગે અનેક મુમુક્ષુઓ પ્રયાણ કરી રહ્યા છે.

જ્ઞાની પુરુષ કે જેઓ નિરંતર મોક્ષાનુભવથી મુક્તિમાં રાચે છે તેમ જ જગતનાં તમામ રહસ્યોના તાગ પામી ચૂક્યા છે, તેઓ મુમુક્ષુઓને અંગુલીનિર્દેશ કરે છે કે મુક્તિ અભિલાષીઓ માટે પ્રત્યક્ષ-પ્રગટ તીર્થંકરની ઓળખાણ થવી, તેમના પ્રત્યે અનન્ય ભક્તિ ઉદ્ભવવી, તેમનું નિરંતરનું અનુસંધાન કરી લેવું અને તેમનું શરણું પ્રાપ્ત કરી તેમનાં પ્રત્યક્ષ દર્શનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લેવું એ જ એકમાત્ર અંતિમ ઉપાય છે.

હવે જો આ ક્ષેત્રથી મોક્ષ નથી કે આ ક્ષેત્રે વર્તમાનમાં તીર્થંકર ભગવાન વિહરમાન નથી તો પછી એ ધ્યેયપ્રાપ્તિનો ઉપાય શો ?

તો વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાનનું અનુસંધાન પ્રાપ્તિ એ એકમાત્ર ઉપાય જે હાલમાં ઉપલબ્ધ છે.

તો ઉપકારી કોણ ?

વર્તમાનમાં તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામી હયાત છે. ભલે આ ક્ષેત્રે નથી પણ બીજા ક્ષેત્રમાં છે અને આપણા ભરતક્ષેત્ર માટે અત્યંત ઉપકારી હોવા છતાં લોકો તેમનાથી અજાણ છે તે જોઈ હૃદય દ્રવી ઊઠે છે. હા, જૈન સંપ્રદાયમાં અમુક લોકોને શ્રી સીમંધર સ્વામી વિશે જાણ છે પણ તે ખાલી સામાયિક વિધિ પૂરતી જ સીમિત હોય છે પણ શ્રી સીમંધર સ્વામી હાલ અરિહંત છે. ભરતક્ષેત્રના જીવોના કલ્યાણના મોક્ષના નિમિત્ત છે. તેમનો પૂર્ણ પરિચય નથી, તેથી તેમની અનન્ય ભક્તિ પણ ઉત્પન્ન થતી નથી. અને તેમના થકી આ કલિયુગમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે એમ છે છતાં તેનો પૂરતો લાભ લઈ શકાતો નથી.

જૈન સંપ્રદાયમાં નવકાર મહામંત્રની આરાધના તો ઘણી થાય છે પણ આવા મહામંત્રનું જોઈએ તેવું પૂર્ણ ફળ મળતું નથી તો શું મંત્રમાં ભૂલ હશે કે પછી બોલનારમાં ? સમજીને તેની આરાધના થાય તો પરિણામ જુદું જ આવે ને ? તેનો ફોડ પાડતાં દાદાશ્રી કહે છે કે મંત્રની ખરા અર્થમાં સમજપૂર્વક આરાધના થતી નથી. પત્ર તો લખીએ છીએ પણ સાચું સરનામું ખબર નહીં હોવાથી તે ડેડ લેટર બોક્ષમાં જતો રહે છે. હવે શી ભૂલ થતી હશે ? તો જ્ઞાની તેનો ફોડ પાડતાં કહે છે કે મંત્રનું પ્રથમ ચરણ નમો અરિહંતાણં, ગત્ ચોવીશીના તીર્થંકર માટે નથી પણ પ્રત્યક્ષ દેહધારી અરિહંત ભગવાન શ્રી સીમંધર સ્વામી માટે છે. ગત્ ચોવીસીના તીર્થંકરો તો નમો સિદ્ધાણં પદમાં આવી જાય છે, કારણ તેઓ હાલ સિદ્ધગતિમાં બિરાજમાન છે. એટલે ‘નમો અરિહંતાણં’માં તો પ્રત્યક્ષ ઉપકારી શ્રી સીમંધર સ્વામીની જ ભજના થવી જોઈએ.

વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીર્થંકર બિરાજમાન છે, તો પછી ફક્ત શ્રી સીમંધર સ્વામી ભગવાનની જ આરાધના શા માટે કરવી જોઈએ ? તો જ્ઞાની પુરુષ તેનો વિશેષ ફોડ પાડતાં કહે છે કે તેઓને આ ક્ષેત્ર જોડે ઋણાનુબંધ છે. તે કોઈ ફેરો એમનો જન્મ આ ક્ષેત્રે થઈ ગયેલો હોય, તે ક્ષેત્રને તેઓ અત્યારે પણ ભૂલે નહીં ! હવે આવી સચોટ સમજણ અનુભવી જ્ઞાની સિવાય કોણ આપી શકે ?

એવા અત્યંત ઉપકારી શ્રી સીમંધર સ્વામી તો (ભરતક્ષેત્રમાં) અઢારમા તીર્થંકર હતા ત્યારના ભગવાન છે અને એમને બધા તીર્થંકરોએ માન્ય કરેલા છે. તો આપણે પણ તેમને માન્ય કરીએ તો આપણને પણ અલભ્ય ફળ પ્રાપ્તિ થઈ શકેને !

સીમંધર સ્વામીનો પરિચય

પરમ પૂજ્ય દાદાશ્રી જાણે પ્રત્યક્ષ જોઈને-અનુભવીને વર્ણન કરતા હોય તેમ નાનામાં નાની હકીકત ઉપર પ્રકાશ પાડતાં વર્ણવે છે કે સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વર્ષની ઉંમરના છે અને હજુ સવા લાખ વર્ષ રહેવાના છે. એમનું દેહ પ્રમાણ મોટું (પાંચસો ધનુષ્ય જેટલું), ખાવા-પીવાનું આપણાં કરતાં જુદું, વાણી દેશનારૂપે હોય, સંપૂર્ણ અહંકારરહિત, માલિકી વગરની વાણી, વીતરાગ ભાવે બોલાયા કરે અને સહુ પોતાની ભાષામાં સમજી જાય. નિરંતર જીવો માટે કરુણા હોય, કલ્યાણની જ ભાવના હોય. કેવળજ્ઞાન સ્વરૂપ નિમિત્ત ભાવે કલ્યાણ કરતા હોય, તીર્થસ્વરૂપ હોય. જ્યાં જ્યાં વિચરણ કરે તે તીર્થ બની જાય. એમના દેહના પરમાણુ એકદમ ચોખ્ખા હોય. તેઓને બીજા વિશિષ્ટ પ્રકારના ચોવીસ અતિશય હોય. આખા વર્લ્ડમાં કોઈ જીવ પુણ્યશાળી ના હોય એટલા એ પુણ્યશાળી હોય. તેઓનું ચરમ શરીર હોય, સંપૂર્ણ લાવણ્યવાળું, જોતા જ અનન્ય ભક્તિભાવથી મુગ્ધ બની જાય અને જેને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય તેવાને તો દર્શન માત્રથી જ કેવળજ્ઞાન થઈ જાય. ભગવાનની દ્રષ્ટિ પડતા મુક્તિનો સિક્કો વાગી જાય. સ્વયંબુદ્ધ હોય, જન્મથી જ ત્રણ પ્રકારનાં જ્ઞાન હોય (મતિ, શ્રુતિ અને અવધિ) અને દીક્ષા અંગીકાર કર્યા પછી ચોથું મનઃપર્યાય જ્ઞાન લાધ્યા પછી કેવળજ્ઞાનીનું પદ પામી, બાકીનાં ડિસ્ચાર્જ કર્મોની નિર્જરા થયા કરતી હોય અને તેઓ કેવળજ્ઞાન પદમાં રહી અનેકોનું કલ્યાણનું નિમિત્ત બની રહ્યા હોય એવા પૂર્ણ કલ્યાણકારી પ્રગટ અરિહંત ભગવાનને આપણે હૃદયથી કોટી કોટી વંદન કરી તેમનાં પ્રત્યક્ષ દર્શનની અભિલાષા નિરંતર કરી જીવન સાર્થક કરી લઈએ.

શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોસઠ ગણધરો, દશ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ-સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો ને નવસો કરોડ શ્રાવિકાઓ છે તેમ જ તેમના શાસન રક્ષક દેવોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણ યક્ષદેવ અને યક્ષિણીદેવી શ્રી પાંચાગુલી દેવી છે.

તીર્થંકર ભગવાન શ્રી સીમંધર સ્વામીનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે પણ જે વાત જ્ઞાનીના હૃદયમાં છે તે બીજે ક્યાં જોવા મળે ? જે તીર્થંકરના હૃદયની વાત શાસ્ત્રોમાં નથી તે આપણને જ્ઞાની પુરુષની વાણીના આધારે સહેજે સમજમાં આવે છે. તીર્થંકર પદની પ્રાપ્તિ એ કાંઈ એક ભવના પુરુષાર્થનું પરિણામ નથી પણ અનેક જન્મોની લોકોની કલ્યાણની ભાવનાના ફળરૂપે તીર્થંકર ગોત્ર બંધાય છે. ક્યારેય પોતાના સુખનો વિચાર નહીં, ખાવા-પીવાની, સૂવાની કશાની પડેલી નહીં પણ કેવળ લોક કલ્યાણની જ ભાવના હોય, તે આ ભવે ઉદયમાં આવી હોય. તેમની વાણીના કોડ એવા ચાર્જ થયેલા હોય કે વાણીથી કોઈપણ જીવને દુઃખ ના થાય, કોઈ જીવનું પ્રમાણ પણ ના દુભાય. એટલે સમજાય છે કે કોઈને દુઃખ ન આપવાનો નિશ્ચય અને લોકોના કલ્યાણની ભાવના કયા પદ સુધી જીવને પહોંચાડી શકે છે ! એવા કલ્યાણકારી ભગવાનનાં દર્શન માત્રથી મોક્ષનો સિક્કો લાગી જાય છે પરંતુ જ્ઞાની પુરુષ અંગુલીનિર્દેશ કરે છે કે કેવળ દ્રષ્ટિ માત્રથી જ મુક્તિ આપવાને સમર્થ એવા તીર્થંકર ભગવાનને ઓળખીને અનન્યતા પ્રાપ્ત કરવા માટેની વિશેષ દ્રષ્ટિ અને સમજ આપણને જોઈશે તો જ એમની વીતરાગતાનાં યથાર્થ દર્શન થશે અને આપણું કામ થશે.

રૂપરેખા મહાવિદેહ ક્ષેત્રની

સમગ્ર બ્રહ્માંડને પ્રકાશમાન કરનાર, કેવળજ્ઞાની ભગવાન શ્રી સીમંધર સ્વામી જ્યાં વિદ્યમાન છે તે મહાવિદેહ ક્ષેત્ર કેવું હશે ? ક્યાં હશે વગેરેનું વર્ણન શાસ્ત્રોમાં તો વર્ણવેલ છે. પરંતુ પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી પણ આપણને જે વિશ્વાસપૂર્વકનું વર્ણન મળે છે ત્યારે જરૂર અહો! અહો! થાય છે કે પ્રત્યક્ષ ત્યાં ગયા વગર માત્ર શાસ્ત્રના આધારે આવું વર્ણન શક્ય ના બને. જ્ઞાનીઓ એમના સૂક્ષ્મ શરીરના માધ્યમથી એ ક્ષેત્રનો પરિચય પ્રાપ્ત કરતા હોય છે. પણ ભૌતિક વિજ્ઞાનથી તાગ મેળવી શકાય તેમ નથી. સ્થૂળ રીતે પહોંચી શકાય તેમ નથી. જ્ઞાની વર્ણવે છે કે પૃથ્વી વચ્ચે એવા ઠંડીના ઝોન (પ્રદેશો) આવે છે કે જેથી ત્યાં જવું શક્ય જ નથી.

શાસ્ત્રના વર્ણન પ્રમાણે આપણા ભારત વર્ષની ઉત્તર દિશામાં ૧૯,૩૧,૫૦,૦૦૦ (ઓગણીસ કરોડ, એકત્રીસ લાખ, પચાસ હજાર) કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. આ બ્રહ્માંડમાં કુલ પંદર ક્ષેત્રો છે. જ્યાં માનવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, સજ્જનો છે, દુર્જનો છે, રાજા છે, પ્રજા છે, ઘર-બાર બધું જ છે. પણ મનુષ્યોની ઊંચાઈ, પહોળાઈ તથા આયુષ્ય વગેરેમાં નોંધનીય ફરક છે. આ પંદર ક્ષેત્રમાંથી પાંચ ભરત ક્ષેત્રોમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પાંચમા આરામાં તીર્થંકરોની પ્રગટ હાજરી નથી. પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં કુલ વીસ તીર્થંકરો વિચરી કરોડો જીવોને પરમપદની પ્રાપ્તિ કરાવી, આ સંસારના સમસરણ માર્ગની ભયંકર ભટકામણમાંથી મુક્ત કરાવી શાશ્વત મોક્ષના અધિકારી બનાવી રહ્યા છે.

મહાવિદેહ ક્ષેત્રની વિશેષતા એ છે કે ત્યાં કાયમ ચોથો આરો ચાલે છે. ત્યાં કાયમ તીર્થંકર ભગવાનની હાજરી હોય છે તેમ જ મન-વચન-કાયાની એકતા હોય છે. તેથી તે ક્ષેત્રથી મોક્ષનો માર્ગ કાયમ ચાલુ જ રહે છે. જ્યારે અહીં ભરતક્ષેત્રમાં અત્યારે પાંચમો આરો ચાલે છે. મન-વચન-કાયાની એકતા નથી, તેથી આ ક્ષેત્રથી હાલમાં મોક્ષમાર્ગ ખુલ્લો નથી પણ વાયા મહાવિદેહ ક્ષેત્ર જરૂરથી જઈ શકાય છે.

નિયમ, ક્ષેત્ર પરિવર્તનનો

પરમ પૂજ્ય દાદાશ્રી ભરત ક્ષેત્રમાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો નિયમ સમજાવતાં કહે છે કે જે આરાના જીવનો સ્વભાવ થાય, ત્યાં જીવ નિયમથી જ ખેંચાઈ જાય છે. ભરતક્ષેત્રમાં વસતા પુણ્યાત્માને એવો કોઈ ક્ષયોપશમનો યોગ કે જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ યોગ થઈ જાય કે જેથી કરીને તેના સ્વભાવમાં ફેરફાર થઈ જાય. દરેક કર્મોદયનો સમતાભાવે નિકાલ કરી નાખે, રાગ-દ્વેષ કરે નહિ, કોઈની સાથે કિંચિત્માત્ર વેર ના બાંધે, કોઈને કિંચિત્માત્ર દુઃખ ના દે કે કોઈને કિંચિત્માત્ર દુઃખ નહિ દેવાનો નિરંતર ભાવ વર્તાતો હોય, કોઈ કિસ્સામાં વર્તનથી દુઃખ દેવાઈ જાય તો તેનું તુરત જ પ્રતિક્રમણ કરી લે, તો તે જીવ ચોથા આરામાં જન્મ લેવા લાયક થયો ગણાય. વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રત્યે ગજબનું આકર્ષણ થાય, રાત-દિવસ તેમની અનન્ય ભક્તિ થાય તો આ ક્ષેત્રનો જીવ તેમની જોડે ઋણાનુબંધ બાંધી તેની પાસે પહોંચી જાય. આ બધું નિયમથી બને છે.

કલ્યાણ અભિલાષી મુમુક્ષુઓ-મહાત્માઓ માટે

જેમને પરમ પૂજ્ય દાદાશ્રીનું આત્મજ્ઞાન પ્રાપ્ત થયેલ છે, તેવા મહાત્માઓને પણ તેઓ જણાવે છે કે હું તો માત્ર નિમિત્ત છું. ખરા ઉપકારી તો સીમંધર સ્વામી જ છે. મારે જ એમની પાસે જવાનું છે અને તમને પણ તેમની આરાધના કરી તેમની પાસે પહોંચવા નિર્દેશ કરું છું. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી ભૂતકાળના તીર્થંકરોની આરાધના એ નિકાલી કર્મ છે. પણ વર્તમાન તીર્થંકરની આરાધના એ ચાર્જ કર્મ છે, જેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે ને સીમંધર સ્વામી પાસે જઈ મોક્ષ પ્રાપ્તિનાં સર્વે સાધનો સુલભ બને, એમ લિંકવાર ગોઠવી આપવા માટે કારણરૂપ બને છે.

મહાત્માઓને પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી દ્રઢ વિશ્વાસપૂર્વકની પ્રતીતિ થાય છે કે જ્ઞાન લીધા પછી પાંચ આજ્ઞાના પાલન થકી અને સીમંધર સ્વામી પ્રત્યેના પ્રશસ્ત રાગથી તેમનો આવતો ભવ જાણે કે નિયમથી જ મહાવિદેહ ક્ષેત્ર માટે ઘડાઈ રહ્યો છે. પાંચ આજ્ઞાના પાલનથી એક-બે ભવ પૂરતું કર્મ ચાર્જ થાય છે પણ તે કેવું કે પુણ્યાનુબંધી પુણ્ય, જે સીમંધર સ્વામી ભગવાનની નિશ્રામાં પહોંચાડી દે. આના માટે કશી લૌકિક ક્રિયા કરવાની જરૂર નથી. ખાલી આજ્ઞા પાળે તો એ આજ્ઞાપાલનથી ઊભી થતી શક્તિ જ બધું કામ કરી લે એવી છે.

આની પાછળનું વિજ્ઞાન એટલું જ છે કે શુદ્ધાત્માપદ પ્રાપ્ત થયા પછી સ્વપદમાં રહી કર્મોનો નિકાલ કરે. એટલે પછી નવું કર્મ બંધાય નહીં, ફક્ત આજ્ઞા પાળવા પૂરતું કર્મ બંધાય પણ તે તો કલ્યાણકારી છે એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય નહીં, જૂનાં કર્મોનો સમતા ભાવે નિકાલ થાય. પ્રતિક્રમણથી દોષો ધોવાય. કર્મબંધ ને ગાંઠોથી મુક્તિ થાય અને નિયમથી જ બીજા ક્ષેત્રને લાયક થાય એટલે અહીં રહી ના શકે અને જ્યાં ચોથો આરો ચાલે છે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં ચાલ્યો જાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે અમારે સીમંધર સ્વામી જોડે સંબંધ છે. જે કોઈ આજ્ઞા પાળે તેની મોક્ષે લઈ જવાની બાંહેધરી લઈએ છીએ. દાદાશ્રીની કરુણા તો જુઓ કહે છે કે અમને તો મોક્ષ વર્તે જ છે. અમારે એ અંતિમ મોક્ષની ઉતાવળ નથી. અમે તો બધાને મોક્ષે પહોંચાડીને પછી મોક્ષે જઈશું. આવી નિઃસ્વાર્થ કરુણા બીજે ક્યાં જોવા મળે ? જે નિરંતર લોકોનું કેમ કરીને કલ્યાણ થાય એ જ ભાવના ભાવતા હોય તેવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ જ્ઞાની પુરુષને કોટી કોટી વંદન સહેજે થઈ જાય છે.

કોટી કોટી જન્મોની પુણ્યના પ્રતાપે આવું અલભ્ય જ્ઞાન અને જ્ઞાની મળે છે તો હવે દ્રઢ નિશ્ચય કરી લઈએ કે પરમ પૂજ્ય દાદાશ્રીએ પ્રબોધેલી આજ્ઞાના પાલન થકી તેમ જ મન-વચન-કાયાની એકતા કરીને મુક્તિદાતા શ્રી સીમંધર સ્વામી ભગવાનનું અનન્ય શરણું સ્વીકારી મુક્તિપંથે પ્રયાણ કરી લઈએ.

મુક્તિમાર્ગના પ્રણેતા, જ્ઞાની પુરુષ દાદા ભગવાન

ભક્તિ તો ઘણી કરતા હોઈએ છીએ પણ ધ્યેય અને પરિણામલક્ષી ખરી ભક્તિ થાય એ અત્યંત આવશ્યક છે. એટલે જ આત્યંતિક મુક્તિનો અનુભવ અહીંયા જ કરાવી આપનાર તેમ જ વર્તમાન તીર્થંકરનું અનુસંધાન કરાવી આપનાર ઉત્તમ નિમિત્ત એવો જ્ઞાનીનો પરિચય પ્રાપ્ત કરી તેમના માર્ગદર્શન હેઠળ ધ્યેય સિદ્ધિનો પુરુષાર્થ કરી લેવો મુમુક્ષુ માટે અત્યંત આવશ્યક બની જાય છે. જ્ઞાની એ તીર્થંકર ભગવાનના રિપ્રેઝન્ટેટિવ (પ્રતિનિધિ) કહેવાય છે. તેઓ તેમના વિશેષ કૃપાપાત્ર હોય છે અને તેમનું જગત કલ્યાણનું કામ નિમિત્ત ભાવે કરતા હોય છે. જ્ઞાની પુરુષને સીમંધર સ્વામી ભગવાન સાથે અનુસંધાન હોય છે અને અહીં રહીને પણ સૂક્ષ્મદેહે ભગવાન પાસે જઈ પ્રશ્નોના ખુલાસા મેળવી શકવાનું સામર્થ્ય ધરાવતા હોય છે.

આવું અદ્ભુત સામર્થ્ય ધરાવતા હોવા છતાં જ્ઞાની તીર્થંકર ભગવાનને જ ઉપરી તરીકે રાખતા હોય છે અને તેમનો પરમ વિનય ક્યારેય ચૂકતા નથી. લઘુતમ પદમાં રહી સીમંધર સ્વામીને જ પ્રાધાન્ય આપી, લોકોને તેઓની સાચી સમજ આપી વિશિષ્ટ પ્રકારે અનુસંધાન કરાવી આપે છે, જેથી કરીને તેઓ પ્રત્યેની ભક્તિ થકી તે જીવ કલ્યાણને પામે અને તે માટે તેઓના બધા જ પ્રયત્નો કેવળ લોકોના કલ્યાણ માટે જ હોય છે. પૂજાવાની ભાવના વગર સીમંધર સ્વામી ભગવાનને પૂજનીયપદે સ્થાપી જગતના લોકો માટે એક આદર્શ ઉદાહરણ રૂપ બની જતા હોય છે.

આરાધના, દેવી-દેવતાઓની

જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન નિષ્પક્ષપાતીપણે સર્વે દેવ-દેવીઓની આરાધનાને પ્રાધાન્ય આપે છે. પરમ વિનયપૂર્વક સર્વે ધર્મોના દેવ-દેવીઓને માન્ય કરે છે, તેમની ભક્તિ-આરતી કરવા સમજાવે છે. તેઓની ભક્તિ કરીએ એટલે પૂર્વે કોઈ વિરાધના થઈ હોય તો તેનો નિકાલ થઈ જાય એટલે કોઈનો ક્લેઈમ બાકી ના રહે અને મોક્ષમાર્ગના અંતરાયો દૂર કરવામાં સહાયભૂત થાય. વળી બધાને તત્ત્વદ્રષ્ટિથી આત્મારૂપે જોઈને શુદ્ધાત્મા સ્વરૂપે નમસ્કાર કરવાથી મિથ્યાત્વી થઈ જવાનો પ્રશ્ન અસ્થાને રહી જાય છે.

મોક્ષમાર્ગમાં સહાયભૂત સર્વે દેવ-દેવીઓની આરાધના કલ્યાણકારી હોવાથી આપણે અત્યંત ભક્તિપૂર્વક સર્વેને નમસ્કાર કરી તેઓની આશિષકૃપાની ભાવના ભાવી લઈએ.

પ્રત્યક્ષની ભજના, ત્રિમંદિરના માધ્યમ થકી

મંદિરો, મૂર્તિઓની રચના પાછળ તો હિન્દુસ્તાનનું બહુ મોટું સાયન્સ રહેલું છે. મંદિરો નામ કાઢવા માટે નહીં પણ સમજીને કામ કાઢી લેવા માટે છે. મંદિરો છે તો લોકો થોડી ઘણી ભક્તિ કરશે તો તેમનું કંઈક તો કલ્યાણ થશે અને ઊંધા માર્ગે જતા અટકશે.

પરમ પૂજ્ય દાદાશ્રીનો ખાસ પ્રોપેગેન્ડા હતો કે હિન્દુસ્તાનના લોકો શ્રી સીમંધર સ્વામી ભગવાનને ઓળખી તેમની ભક્તિ કરે, તેમનું શરણું પ્રાપ્ત કરે તો તેઓનું કલ્યાણ થાય. તેઓ મંદિરનું વિજ્ઞાન સમજાવતાં કહે છે કે આ મંદિરો તો મતાર્થ જવા માટે અને વાડા-સંપ્રદાયથી મુક્ત થવા માટે છે. પણ હકીકતે ઊંધું જ થઈ રહ્યું છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા, અમારાથી આ લોકોનાં દુઃખ જોઈ શકાતાં નથી. અમારી ભાવના છે કે લોકો કેમ કરીને વાડા-સંપ્રદાયમાંથી બહાર નીકળી નિષ્પક્ષપાતી બની કલ્યાણના માર્ગે આગળ વધે ! લોકોને સત્માર્ગે પ્રેરવા, નિષ્પક્ષપાતી બનાવવા ત્રિમંદિરની રચના એ સીમંધર સ્વામીનો સંકેત છે. આ સીમંધર સ્વામી કે જે પ્રત્યક્ષ છે, એમનું મંદિર બંધાય તો લોકો પ્રત્યક્ષને ઓળખે, પ્રત્યક્ષની આરાધના કરે, તો જ લોકોનું કલ્યાણ થાય. જે દિવસે ઘેર-ઘેર સીમંધર સ્વામી ભગવાનની આરાધના થશે, ઠેર ઠેર સીમંધર સ્વામીનાં મંદિરો બંધાશે ત્યારે હિન્દુસ્તાનનો નકશો કંઈ ઓર જ હશે !

મંદિરમાં મૂર્તિ ઉપાસના પરોક્ષ છે પણ સીમંધર સ્વામી પ્રત્યક્ષ હાજર હોવાથી તેમની ભક્તિથી પ્રત્યક્ષ ભક્તિ જેટલું જ ફળ મળે છે. અમુક જગ્યાએ સીમંધર સ્વામીના મંદિર છે પણ વાડા-સંપ્રદાયના બંધનથી મુક્ત રહી શક્યા નથી. હિન્દુસ્તાનની પ્રજાના કલ્યાણ માટે કોઈ પણ ભેદ-ભાવ વગર વાડા-સંપ્રદાયથી મુક્ત પ્રત્યક્ષ સીમંધર સ્વામીનાં મંદિરોની રચના અત્યંત કલ્યાણકારી છે. એટલે જ પરમ પૂજ્ય દાદાશ્રી ત્રિમંદિર બંધાવવાના હિમાયતી હતા. એવા મંદિર બને કે જેમાં દરેક સંપ્રદાયના લોકો કોઈ પણ જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર અંદર પ્રવેશી શકે, ભગવાનની આરાધના કરી શકે. ભગવાનનાં ચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવી શકે. મંદિરમાં આવનાર દરેકને લાગવું જોઈએ કે આ મારા જ ભગવાન છે.

ત્રિમંદિરમાં સીમંધર સ્વામી ભગવાનની પ્રતિમા એ પ્રગટ પરમાત્માની પ્રતિકૃતિ છે. ભગવાન પ્રત્યક્ષ છે એટલે એમના પરમાણુ પણ ખૂબ કામ કરે અને ભગવાનનાં રક્ષક દેવ-દેવીઓ પણ લોકોના કલ્યાણ માટે ખૂબ મદદ કરે છે, આશીર્વાદ પાઠવે છે.

આ ત્રિમંદિરમાં દરેક દર્શનાભિલાષી મુમુક્ષુઓને કોઈ પણ રોકટોક વગર કોઈ પણ જાતના જડ નિયમ વગર પ્રવેશ સહેજે ઉપલબ્ધ બની રહે છે. અને તે આજે પરમ પૂજ્ય દાદા ભગવાનની લોકકલ્યાણની જબરજસ્ત ભાવનાના ફળરૂપે શક્ય બન્યું છે તે નિર્વિવાદ છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ત્રિમંદિરમાં આવી દર્શન કરનાર પુણ્યાત્મા નિષ્પક્ષપાતી થવાનો સંદેશો અચૂક મેળવી ખરા દર્શન કર્યાની તૃપ્તિ અનુભવે છે.

પૂજનીય છતાં ન પૂજાવાની કામના

અનેક લોકોને જેમના માટે પૂજ્યભાવ છે એવા આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન માટે લોકોને સહેજે ભાવના થાય કે તેમના પછી જગત તેમને ઓળખી શકે તે માટે તેમની મંદિરમાં મૂર્તિ મૂકાય પણ જ્ઞાની પુરુષે ચોખ્ખી ના પાડી કે મંદિરમાં જેમની મૂર્તિ છે એમની જ રહેવા દો. અમારી મૂર્તિ મૂકશો નહીં. અમારે એ મૂર્તિપ્રથા જોઈએ નહીં ! અને શેના માટે મૂર્તિ મૂકવાની ? હું તો અનંત અવતારથી પૂજાઈ-પૂજાઈને ધરાઈ ગયો છું. મને પૂજાવાની કામના બિલકુલ રહી નથી. જો તમારે મૂકવી જ હોય તો સીમંધર સ્વામી ભગવાનને પગે લાગતી મૂર્તિ મૂકજો તેય પ્રતીક તરીકે કે તેઓ પૂજવાના કામી છે પણ પૂજાવાના નહીં ! કેટલો લઘુતમ ભાવ ! કેટલો વિનય !! કેટલી કારુણ્યતા !!!

મોક્ષપ્રાપ્તિની લિંક આજે પણ ચાલુ છે

પરમ પૂજ્ય દાદાશ્રીની અત્યંત કરુણાસભર ભાવના હતી કે દસ લાખ વર્ષે પ્રગટ થયેલો આ અક્રમમાર્ગ રૂંધાઈ ના જવો જોઈએ. મોક્ષમાર્ગ ચાલુ જ રહેવો જોઈએ. જેટલાં જીવો લાયક છે તે બધા જ મહાવિદેહ ક્ષેત્રે આત્મજ્ઞાન પામી ખેંચાઈ જવા જોઈએ. એટલે કહેતા કે ‘‘હું કેટલાકને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. કારણ પાછળ લોકોને માર્ગ તો જોઈશે જ ને ?’’

આજે પણ આત્મજ્ઞાનીની પ્રત્યક્ષ લિંક દ્વારા અનેક લોકો માત્ર બે જ કલાકમાં આત્મજ્ઞાન પામી, મુક્તિમાર્ગે પ્રયાણ કરી રહ્યા છે.

આપણે સહુ ભાવના ભાવી લઈએ કે સહુ જીવો કલ્યાણને પામે, મુક્તિને પામે...

કેવી અનન્ય ભક્તિ ! કેવું સમર્પણ !!

સન ૧૯૭૬માં પરમ પૂજ્ય દાદાશ્રીની માંદગી પ્રસંગે મામાની પોળમાં તેમના રહેઠાણે તેમની સેવા કરવાની તક મને મળી ગયેલી. બપોરે સાડાબાર વાગ્યે તેઓશ્રી જમીને નિયમ મુજબ એક બેંચ પર બેઠા હતા. હું તેમની સામે સોફા પર બેઠી હતી. બરાબર મારી સામેના જ ભાગમાં દીવાલ પર શ્રી સીમંધર સ્વામીનો ફોટો ટાંગેલો હતો. વાતો કરતાં કરતાં પરમ પૂજ્ય દાદાશ્રીને કોણ જાણે કશી પ્રેરણા થઈ હોય કે પછી મારા પર પોતાની અસીમ કૃપા વરસાવવાનો સમય થઈ ગયો હોય-મારું શ્રી સીમંધર સ્વામી સાથે વિશેષ પ્રકારે સંધાન કરી આપ્યું. એ સમયની પરમાનંદની સ્થિતિનું વર્ણન કરવા માટે મારી પાસે શબ્દો નથી ! ત્યારથી માંડીને આજ પર્યંત ચિત્ત નવરું પડતાં જ શ્રી સીમંધર સ્વામીના ચરણકમળમાં વ્યસ્ત બની જાય છે. એ દિવસે શ્રી સીમંધર સ્વામી પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવ ઉત્પન્ન થયો, જેના પરિણામે વીતરાગ પ્રભુની આરતી રચાઈ ગઈ. આ આરતીમાં એ અદ્ભુત સંધાનનાં સર્વ રહસ્યો સમાઈ ગયાં છે !

આમ વીતરાગનું રહસ્ય પરમકૃપાળુ શ્રી દાદા ભગવાને સમજાવ્યું અને શ્રી સીમંધર સ્વામીનું સંધાન કરાવી આપ્યું. આ ઘટના પછી અપૂર્વ આનંદની અનુભૂતિ થવા લાગી અને હૃદયમાં એવી ભાવના પ્રબળ બની કે ભારતમાં ઘેર ઘેર શ્રી સીમંધર સ્વામીનાં કીર્તન-ભક્તિ, પૂજા ને આરતી થાય તથા તેમની છબી બિરાજે.

હૃદયમાં એવા ભાવોનો પ્રવાહ સતત વહ્યા કરે છે કે આ યુગના મનુષ્યો શ્રી સીમંધર સ્વામીનું સંધાન કરી તેમનાં ચરણોમાં સ્થાન મેળવી લે. અન્યથા આ કાર્ય આકાશ-કુસુમવત્ બની રહેશે. આ ધરતી એટલો સમય તીર્થંકરવિહોણી રહેવાની છે. એટલે મહાવિદેહ ક્ષેત્રમાં જો વહેલાસર ‘ટ્રાન્સફર’ થઈ જાય તો ત્યાંથી શ્રી સીમંધર સ્વામીનાં દર્શન પામી મોક્ષે જતું રહેવાય. મનમાં આવી ધૂન સવાર થઈ ગઈ છે. લોકો ઘેર ઘેર શ્રી સીમંધર સ્વામીના ગુણગાન ગાય, ભજન-કીર્તન કરે, આરતી કરે તથા પોતાના હૃદયાસને બેસાડી દે. ને આવું થશે પણ ખરું એવી અડગ શ્રદ્ધા છે. કારણ કે આની પાછળ શ્રી સીમંધર સ્વામી પ્રભુનાં શાસન દેવદેવીઓ ચાંદ્રાયણ યક્ષદેવ અને પાંચાગુલિ યક્ષિણી દેવી છે ! જગતનું કલ્યાણ થવું જ જોઈએ અને તે કેમ ન થાય ? આપણા માથે શ્રી સીમંધર સ્વામી જેવા તીર્થંકર છે ને વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં વિચરતા અક્રમમાર્ગી જ્ઞાની પુરુષ છે. માટે તેમ થવું જ ઘટે અને તેવું થયું પણ ખરું ! આજે સીમંધર સ્વામી ભગવાન ઘેર-ઘેર પહોંચી ગયા છે અને લાખો લોકો સીમંધર સ્વામી ભગવાનનું અનુસંધાન પામી ધન્યતા અનુભવી રહ્યા છે.

- ડૉ. નીરુબેન અમીન

(પા.૧)

વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી

[1] હાજર અરિહંત ભગવાન

ભજના, સાચી સમજ સાથે

દાદાશ્રી : મોક્ષે જવું નથી ? મોક્ષે જવાનો વિચાર થાય છે ?

પ્રશ્નકર્તા : જવું તો હોય જ ને !

દાદાશ્રી : તો પછી કેમ ખટપટ કરતા નથી ? કશી સિફારસ લાવો ને !

પ્રશ્નકર્તા : ભગવાનનું નામ લઈએ એ સિફારસ.

દાદાશ્રી : કયા ભગવાનનું નામ લો છો ?

પ્રશ્નકર્તા : આખો દહાડો નવકાર મંત્રનો જાપ કરીએ છીએ.

દાદાશ્રી : એ બરોબર છે. નવકાર મંત્ર તો શાંતિ આપે. પણ નવકાર મંત્રનો અર્થ સમજીને કરો છો કે સમજ્યા વગર ?

પ્રશ્નકર્તા : એ ચોપડી વાંચી પણ યાદ ના રહે.

દાદાશ્રી : ‘નમો અરિહંતાણં’ એટલે શું ?

પ્રશ્નકર્તા : એ તો ખબર નથી, સાહેબ. સર્વ દેવોને નમસ્કાર થાય

(પા.૨)

એટલી અમને ખબર છે, બીજી ખબર નથી. આપણને નવકાર મંત્રમાં વિશ્વાસ. એ ગણ્યા કરીએ. બીજું કંઈ ઊંડો હું ઊતર્યો નથી.

દાદાશ્રી : જુઓ તો, આ કહે છે, ‘અમે બધું જાણીએ છીએ.’ પણ કશું જ જાણતા નથી. સાચું જાણે તો કેટલો ફાયદો થાય ?

પ્રશ્નકર્તા : અરિહંત એટલે તીર્થંકર.

દાદાશ્રી : હા, તે કોણ પણ ? શું નામ ?

પ્રશ્નકર્તા : ચોવીસેય તીર્થંકરો આવી ગયા એમાં.

દાદાશ્રી : પણ હવે એ ચોવીસ તીર્થંકરો હતા ને, તે અત્યારે સિદ્ધ થઈ ગયા. તે તમે એમને ‘નમો અરિહંતાણં’ કહો, તે ગુનો છે. એટલે એ તો એમને ખરાબ લાગે. એ તો બહુ નુકસાન થાય, આપણને દોષ બેસે. ખરેખર તો એમને ખરાબ ના લાગે પણ એનો પડઘો આપણને પડે, આપણને દોષ બેસે. કારણ કે એ પોતે સિદ્ધ થઈ ગયા તોય એમને આપણે અરિહંત કહ્યા. કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે એમને કહીએ, ‘હેય... કલેક્ટર ! અહીં આવો.’ તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?

પ્રશ્નકર્તા : લાગે જ.

દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ, તે બહુ જ નુકસાન થાય છે, એટલે જેનું જે પદ છે, તેનું તે પદ શોભે.

અરિહંત કોને કહેવાય ? જે સિદ્ધ થયેલા ના હોય અને અહીં આગળ દેહધારી, કેવળજ્ઞાની હોય તેને અરિહંત કહેવાય. ક્રોધ- માન-માયા-લોભ(રૂપી) દુશ્મનોનો જેણે નાશ કર્યો છે એવા કેવળજ્ઞાની, એને અરિહંત કહેવાય. તો અરિહંતને નમસ્કાર કરતા નથી ? કયા અરિહંતને નમસ્કાર કરો છો ? શી ભૂલ થઈ જાણો છો ?

ચોવીસ તીર્થંકરો જે થઈ ગયા, એને અરિહંત કહેવામાં આવે છે.

(પા.૩)

પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે ‘નમો સિદ્ધાણં’ બોલીએ તેમાં એ આવી જ જાય છે. તો અરિહંતનો ભાગ જ રહે છે બાકી. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી. અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી, માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવા જોઈએ.

એક આચાર્ય મહારાજ હતા. એમને મેં પૂછયું, ‘નવકાર મંત્ર બોલો છો ?’ ત્યારે કહે, ‘એ તો રોજ બોલીએ જ છીએ.’ મેં કહ્યું, ‘શું ફળ મળે છે ?’ ત્યારે કહે, ‘એ તો જેવું જોઈએ, એવું ફળ મળતું નથી.’ મેં કહ્યું, ‘ભૂલ શું છે મહીં, એ જાણો છો ?’

મહીં ભૂલ હશે ખરી, નવકાર મંત્રમાં ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : નવકાર મંત્રમાં ભૂલ ના હોય.

દાદાશ્રી : મંત્રમાં ભૂલ ના હોય, પણ મંત્ર બોલનારમાં ભૂલ તો હોય ને ? આ તો મંત્ર સમજવામાં ભૂલ થઈ છે.

ભૂત તીર્થંકરો, વર્તમાનમાં સિદ્ધ

પ્રત્યક્ષ ઉપકારીને ‘નમો અરિહંતાણં’ કહ્યું, તે તો આ ભરતક્ષેત્રમાં છે નહીં ને લોકો ગાયા કરે છે. કોને ગાયા કરે છે ? આ ટપાલ કોને પહોંચશે તે ? આ એક જણની ભૂલ છે ? બધા જ આવી ભૂલ કરે ? ‘ઈઝ ધીસ ધ વે ?’ મારી વાત સમજાઈ તમને ?

પ્રશ્નકર્તા : હા, સમજાઈ.

દાદાશ્રી : મહાવીર હતા ત્યાં સુધી તીર્થંકરોને અરિહંત કહેવાનો અધિકાર હતો. એ ચોવીસી ચાલુ હતી ત્યાં સુધી એના પર્યાયો પણ ચાલુ હતા. હવે ભગવાન મહાવીરે ચોવીસી બંધ કરી અને બધા જ ‘એન્ડ પોઈન્ટ’ બંધ કરીને પછી ચાલ્યા ગયા ! હવે બીજા હમણે થોડા વખત પછી થવાના હોય તો બોલાય, ‘નમો અરિહંતાણં.’ તો ચોવીસી ચાલુ

(પા.૪)

કહેવાય.... અત્યારે ચોવીસી જ બંધ છે એટલે પ્રગટ થવાના નથી. અને તીર્થંકરો કહેતા ગયા કે ‘હવે ચોવીસી બંધ થાય છે, હવે તીર્થંકર થવાના નથી એટલે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર છે તેને ભજજો. ત્યાં આગળ વર્તમાન તીર્થંકરો છે. તો ત્યાં આગળ હવે ભજના કરજો.’ પણ એ તો હવે લોકોના લક્ષમાં જ નથી. અને બધાય લોકો પાછા આ ચોવીસ તીર્થંકરને જ અરિહંત કહે છે. બાકી ભગવાન તો બધું બતાવી ગયા છે. પણ આ લોકોની સમજણ વાંકી, તે શું થાય ? તેથી ફળ નથી મળતું ને !

ભૂલ તો સુધારવી જોઈએ ને

પ્રશ્નકર્તા : એ તો પહેલાંથી એવું ચાલતું આવ્યું છે. તેથી બધા એ જ પ્રમાણે કર્યા કરે છે. કોઈએ વિચાર કર્યો નથી કે આ અરિહંત એટલે પ્રત્યક્ષ દેહે વિચરતા હોવા જોઈએ.

દાદાશ્રી : હા, જુઓને, હવે કેવડી મોટી ભૂલ ચાલુ છે ! તમને કેમ લાગે છે ? હવે કંઈ સુધરવું જોઈએ કે ના સુધરવું જોઈએ ? આ જાણ્યા પછી લોકોએ ભૂલ સુધારવી જોઈએ ને ?

પ્રશ્નકર્તા : હા, અને પાછું એમ તો માને છે જ કે મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન તીર્થંકર છે.

દાદાશ્રી : હા, માને છે પણ એમને ભજતા નથી, એમને અરિહંત કરીને ભજતા નથી. ‘નમો અરિહંતાણં’ આ ચોવીસ તીર્થંકરોને જ કહે છે.

વર્તમાન તીર્થંકરની ભજનાથી ‘મોક્ષ’

ત્રણ પ્રકારના તીર્થંકરો. એક ભૂતકાળના તીર્થંકરો, એક વર્તમાનકાળના તીર્થંકરો અને એક ભવિષ્યકાળના તીર્થંકરો ! એમાં ભૂતકાળના તો થઈ ગયા. એમને સંભારવાથી આપણને પુણ્યફળ થાય. તે ઉપરાંત જેનું શાસન હોય ને, તેમની આજ્ઞામાં રહીએ તો ધર્મ ઉત્પન્ન થાય. એ મોક્ષ ભણી લઈ જનારું બને.

(પા.૫)

પણ જો કદી વર્તમાન તીર્થંકરને સંભારીએ તો એની વાત જ જુદી ! વર્તમાનની જ કિંમત બધી, રોકડા રૂપિયા હશે તેની કિંમત. પછી આવશે એ રૂપિયા ભાવિ અને ગયા એ તો ગયા એટલે રોકડી વાત જોઈએ આપણને ! તેથી રોકડી ઓળખાણ કરાવી આપું છું ને ! અને આ વાતેય બધી રોકડી છે. ધીસ ઈઝ ધી કૅશ બેંક ઑફ ડિવાઈન સોલ્યુશન ! રોકડું જોઈએ, ઉધાર ના ચાલે. અને ચોવીસ તીર્થંકરનેય આપણે નમસ્કાર કરીએ છીએ ને !

બાકી ચોવીસ તીર્થંકરોને સંયતિ પુરુષો શું કહેતા હતા ? ભૂત તીર્થંકરો કહેતા હતા. ભૂતકાળમાં થઈ ગયેલા તે પણ વર્તમાન તીર્થંકરોને ખોળી કાઢો. ભૂત તીર્થંકરોને ભજવાથી આપણી સાંસારિક પ્રગતિ થાય, પણ બીજું કશું મોક્ષફળ આપે નહીં. મોક્ષફળ તો આજે જે હયાત છે તે આપે.

ઓળખાણ, અરિહંત ભગવાનની

ત્યારે કહે છે કે ‘અત્યારે અરિહંત હયાત ક્યાં છે ?’ ત્યારે મેં કહ્યું, ‘આ સીમંધર સ્વામીને નમસ્કાર કરો.’

સીમંધર સ્વામી એ બ્રહ્માંડમાં છે. એ આજે અરિહંત છે, માટે એમને નમસ્કાર કરો. હજુ એ હાજર છે. અરિહંત તરીકે હોવા જોઈએ, તો આપણને ફળ મળે. એટલે આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું એવું સમજીને બોલે તો એનું ફળ બહુ સુંદર મળે છે. મહાવીર ભગવાન અત્યારે આજે

(પા.૬)

અહીં દિલ્હીમાં હોય, પણ અહીંથી નામ દઈએ તો પહોંચી જાય. એવું આ પણ પહોંચી જાય છે. આ જરા અરધી મિનિટ ફોન મોડો પહોંચે, પણ પહોંચી જાય છે.

તીર્થંકર શ્રી ‘સીમંધર’ સ્વામી

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એ કોણ છે તે સમજાવવા કૃપા કરશો ?

દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર સાહેબ છે. તેઓ બીજા ક્ષેત્રમાં છે. એ પોતે હાજર છે, પણ આપણી દુનિયામાં નથી, જુદી દુનિયામાં છે. જેમ ઋષભદેવ ભગવાન થયા, મહાવીર ભગવાન થયા.... એવા સીમંધર સ્વામી એ તીર્થંકર છે.

ખ્યાલમાં તો સીમંધર સ્વામી જ

લોકો મને કહે છે કે તમે સીમંધર સ્વામીનું કેમ બોલાવો છો ? ચોવીસ તીર્થંકરોનું કેમ નથી બોલાવતા ? મેં કહ્યું, ‘ચોવીસ તીર્થંકરોનું તો બોલીએ જ છીએ. પણ અમે રીતસરનું બોલીએ છીએ. આ સીમંધર સ્વામીનું વધારે બોલીએ છીએ. એ વર્તમાન તીર્થંકર કહેવાય અને આ ‘નમો અરિહંતાણં’ એમને જ પહોંચે છે.

નવકાર મંત્ર બોલતી વખતે સાથે સીમંધર સ્વામી ખ્યાલમાં આવવા જોઈએ, તો તમારો નવકાર મંત્ર ચોખ્ખો થયો કહેવાય.

પ્રશ્નકર્તા : પણ વર્તમાનમાં વિહરમાન વીસ તીર્થંકરો ખરા ને ?

દાદાશ્રી : હા, તે વર્તમાન વીસને અરિહંત માનો તો તમારો

(પા.૭)

નવકાર મંત્ર ફળશે, નહીં તો નહીં ફળે. આજે વર્તમાન જોઈએ તો જ આ ફળ મળે. બધા વીસ તીર્થંકરો છે. પણ બીજા કંઈ નામ આપણને ખ્યાલમાં રહે ? તેના કરતાં આ જે મહત્વ છે, આપણા હિન્દુસ્તાનને માટે ખાસ મહત્ત્વના ગણાયા છે તે આ સીમંધર સ્વામીની ભજના જરૂરી છે, તો મંત્ર ફળે. તે કેટલાક લોકો આ વીસ તીર્થંકરનું જાણતા નહીં હોવાથી અગર તો ‘એમને ને આપણે શી લેવાદેવા ?’ એમ કરીને આ ચોવીસ તીર્થંકરોને જ ‘આ અરિહંત છે’ એમ માને છે. આવી તો કેટલી બધી ભૂલો થવાથી આ નુકસાન થઈ રહ્યું છે.

દર્શનથી થવાય નિષ્પક્ષપાતી

આ નવકારમાં આ જે અરિહંત એ સીમંધર સ્વામી છે, એવું માનીને બોલજો હવે અને બીજા મંત્રો છે, ત્રણેય મંત્રો, તે બધાય જોડે બોલજો. એમના દેરાસરમાં દર્શન કરવા ગયેલા ?

પ્રશ્નકર્તા : ના. અમે સ્થાનકવાસી છીએ.

દાદાશ્રી : તમે સ્થાનકવાસી હો તો પણ એમનાં દર્શન તો કરવાં તમારે. સ્થાનકવાસી એક મત છે. એટલે આપણે મતની બહાર નીકળવું છે, હવે ક્યાં સુધી આ મતમાં પડી રહેવું ? મોક્ષે જવું છે ને કે મોક્ષે નથી જવું ?

સાચાં દર્શનની રીત

ભગવાનના મંદિરમાં કે દેરાસરમાં જઈને સાચાં દર્શન કરવાની ઇચ્છા હોય તો, હું તમને દર્શન કરવાની સાચી રીત શીખવાડું. બોલો, છે ઇચ્છા ?

પ્રશ્નકર્તા : હા, છે. શીખવાડો દાદા. કાલથી જ તે પ્રમાણે દર્શન કરવા જઈશું.

દાદાશ્રી : ભગવાનના દેરાસરમાં જઈને કહેવું કે ‘‘હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી

(પા.૮)

થઈ તેથી તમારાં દર્શન કરું છું. મને આ ‘જ્ઞાની પુરુષ’ દાદા ભગવાને શીખવાડ્યું છે, તેથી આ પ્રમાણે તમારાં દર્શન કરું છું. તો મને મારી પોતાની ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.’’ જ્યાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો. આ તો જુદાં જુદાં નામ આપ્યાં. ‘રિલેટિવલી’ જુદા જુદા છે, બધા ભગવાન ‘રિયલી’ એક જ છે.

મંદિરમાં જવા નીકળે ત્યારે ધર્મના વિચાર કરતા નથી ! દુકાનના વિચાર કરે છે. કેટલાકને તો રોજ મંદિરે જવાની ટેવ પડી ગયેલી હોય છે. અલ્યા, ટેવ પડી છે, માટે તું ભગવાનનાં દર્શન કરે છે ? ભગવાનનાં દર્શન તો રોજ નવાં નવાં જ લાગવાં જોઈએ ને દર્શન કરવા જતી વખતે મહીં ઉલ્લાસ ‘ફ્રેશનો ફ્રેશ’ જ હોવો જોઈએ.

પ્રત્યક્ષ-પરોક્ષની સ્તુતિમાં ફેર

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાનની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ અને સીમંધર સ્વામીની આપણે સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ તો એ બન્નેની ફલશ્રુતિમાં શો ફેર પડે ?

દાદાશ્રી : સીમંધર સ્વામીનું નામ ના દેતો હોય અને મહાવીર ભગવાનનું નામ દેતો હોય તોય સારું પણ ભગવાન મહાવીરની સ્તુતિ કોણ સાંભળે ? એ પોતે તો સિદ્ધગતિમાં જઈને બેઠા, એમને અહીં લેવાદેવા ના હોય ને ! એ તો આપણે આપણી મેળે રૂપકો બનાવી બનાવીને મૂક મૂક કરીએ, એ તો સિદ્ધમાં જઈને બેઠા. એ તીર્થંકરેય ના કહેવાય. એ તો હવે સિદ્ધ જ કહેવાય. આ સીમંધર સ્વામી એકલા જ ફળ આપે.

પ્રશ્નકર્તા : તો પછી ‘નમો અરિહંતાણં’નું ફળ શું મળે ? અને ‘નમો સિદ્ધાણં’ બોલવાથી, બન્નેના ફળમાં ફેર શો પડે ?

દાદાશ્રી : ‘સિદ્ધાણં’ ના બોલે તો ચાલે, પણ પેલું ‘નમો અરિહંતાણં’ તો બોલવું પડે. મોક્ષ થવા માટે ‘નમો અરિહંતાણં’ બોલવું પડે.

(પા.૯)

પ્રશ્નકર્તા : એટલે જે ફળ મળે છે તે આ આમનું જ, ‘નમો અરિહંતાણં’નું જ ફળ મળે છે, એવું થયું ને ? ‘નમો સિદ્ધાણં’નું કશું ફળ નહીં ?

દાદાશ્રી : બીજું કશું ફળ મળે નહીં, એ તો આપણે એમ નક્કી કરી નાખીએ કે ‘ભઈ, કયે સ્ટેશને જવું છે ?’ ત્યારે કહે, ‘ભઈ, આણંદ જવું છે.’ તે આણંદ આપણા લક્ષમાં રહ્યા કરે. એટલે મોક્ષમાં જવાનું, સિદ્ધગતિમાં જવાનું, તે એ લક્ષમાં રહ્યા કરે. બાકી સર્વશ્રેષ્ઠ ઉપકારી અરિહંત કહેવાય. અરિહંત કોને કહેવાય ? જે હાજર હોય તેને. ગેરહાજર હોય, તેને અરિહંત ના કહેવાય. પ્રત્યક્ષ-પ્રગટ હોવા જોઈએ. માટે સીમંધર સ્વામીની ઉપર બધું લઈ જાવ હવે. અને એમને માટે જીવન અર્પણ કરો હવે.

બન્નેની ભજનાના ફળમાં ફેર ?

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને આપણે ભજીએ છીએ એ બરોબર છે પણ ચોવીસ તીર્થંકર હતા, એમાં કોઈને પણ ભજીએ તો તેનું ફળ ના મળે ?

દાદાશ્રી : કશું ના કરે તેના કરતાં કરે એ સારું. પણ તે ખરું ફળ, તીર્થંકરનું ફળ મળે નહીં. જે તીર્થંકર માનીને કરે પણ તીર્થંકર નથી એ, એ સિદ્ધ છે. તમને સમજાયું એ સિદ્ધ છે એવું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અહીં પ્રગટ હોય તો. ભગવાન મહાવીર એમના સમયમાં તીર્થંકર હતા. હવે સમય પૂરો થઈ ગયો એટલે સિદ્ધ થઈ ગયા. ચોવીસેય તીર્થંકર સિદ્ધ થઈ ગયા અને આ તો આપણે જઈશું તોય આ તીર્થંકર રહેવાના.

વર્તમાન તીર્થંકરો વીસ

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી વર્તમાન તીર્થંકર

(પા.૧૦)

છે. વર્તમાનમાં એવા બીજા તીર્થંકરો પણ ત્યાં છે તો બધાને નમસ્કાર પહોંચાડવાના ?

દાદાશ્રી : હા. એવા અત્યારે વર્તમાનમાં વીસ તીર્થંકરો છે. એ હોય છે જ ને આ સીમંધર સ્વામી છે, બીજા ઓગણીસ તીર્થંકરો છે, પણ બીજા તીર્થંકરોની મૂર્તિ નથી બેસાડી. કારણ કે આમનું આપણા ક્ષેત્ર સાથે અનુસંધાન છે.

વીસ તીર્થંકરોમાં સીમંધર સ્વામીને ખાસ ભજવાનું એટલા માટે કે આપણા ભરતક્ષેત્રની નજીકમાં નજીક તેઓ છે અને ભરતક્ષેત્રની જોડે એમનું ઋણાનુબંધ છે.

આપણે એક તીર્થંકર ખુશ થઈ જાય, તો બહુ થઈ ગયું ! એક ઘેર જવાની જગ્યા હોય તોય બહુ થઈ ગયું ને ? બધે ઘેર ઘેર ક્યાં ફરીએ ? અને એકને પહોંચ્યું, તો બધાને પહોંચી ગયું અને બધાને પહોંચાડવાવાળા રહી ગયેલા. આપણે તો એક સારા, સીમંધર સ્વામી ! બધે પહોંચી જાય. આ વીસનાં નામ છે.

પ્રશ્નકર્તા : બસ, બસ, આ તો એક ખાલી જાણવા માટે પૂછયું.

દાદાશ્રી : જોઈ લો ને, એક વખત નામ તો જોઈ લો. વાત કાઢી ત્યારે નામનાં દર્શન કરી લો ને !

(૧) શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું.

(૨) શ્રી યુગમંધર સ્વામીને નમસ્કાર કરું છું.

(૩) શ્રી બાહુ સ્વામીને નમસ્કાર કરું છું.

(૪) શ્રી સુબાહુ સ્વામીને નમસ્કાર કરું છું.

(૫) શ્રી સુજાત સ્વામીને નમસ્કાર કરું છું.

(૬) શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું.

(૭) શ્રી ઋષભાનન સ્વામીને નમસ્કાર કરું છું.

(પા.૧૧)

(૮) શ્રી અનંતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું.

(૯) શ્રી સુરપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૦) શ્રી વિશાલપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૧) શ્રી વજ્રધર સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૨) શ્રી ચંદ્રાનન સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૩) શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૪) શ્રી ભૂયંગ સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૫) શ્રી ઇશ્વર સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૬) શ્રી નમિપ્રભ સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૭) શ્રી વીરસેન સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૮) શ્રી મહાભદ્ર સ્વામીને નમસ્કાર કરું છું.

(૧૯) શ્રી દેવયશ સ્વામીને નમસ્કાર કરું છું.

(૨૦) શ્રી અજિતવીર્ય સ્વામીને નમસ્કાર કરું છું.

સીમંધર સ્વામી કે યુગમંધર સ્વામી જે શબ્દ છે એ આપણી ભાષામાં અર્થ કરીને નથી મૂકેલા. ત્યાંનો જ શબ્દ છે અને ‘નમસ્કાર કરું છું,’ એ આપણી ભાષાનો શબ્દ છે. વર્તમાન તીર્થંકર વીસ તીર્થંકરો છે, તેમાંથી એક તીર્થંકર શ્રી સીમંધર સ્વામીને ભરતક્ષેત્ર જોડે હિસાબ છે. તીર્થંકરોનેય હિસાબ હોય છે. પાછા સીમંધર સ્વામી તો આજે હાજરાહજૂર છે.

એટલે તમારે હવે અરિહંત કોને માનવા ? આ સીમંધર સ્વામીને અને જે બીજા ઓગણીસ તીર્થંકરો છે, એ બધા તીર્થંકરો સાથે સંબંધ રાખવાની જરૂર નથી. એકની સાથે રાખીએને તો બધા આવી જાય. એટલે સીમંધર સ્વામીનાં દર્શન કરજો. ‘હે અરિહંત ભગવાન ! અત્યારે તમે જ સાચા અરિહંત છો’ એમ કરીને નમસ્કાર કરજો.

(પા.૧૨)

આ ક્ષેત્રે ઋણાનુબંધ શાને ?

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને ભરત ક્ષેત્ર જોડે શું ઋણાનુબંધ છે ?

દાદાશ્રી : મોટા માણસોને જ્યાં કોઈ ફેરો જન્મ થઈ ગયો હોય ત્યાં લાગણીઓ હોય. એટલે અહીં આ (ભરત) ક્ષેત્રે પહેલાંની લાગણી હોય, તે ભૂલે નહીં.

સીમંધર સ્વામી તો (ભરતક્ષેત્રમાં) અઢારમા તીર્થંકર હતા ત્યારના છે ભગવાન ! બધા તીર્થંકરોએ અનુમોદના કરેલી. તે આ અનુમોદનારૂપ એમની કૃપા ઊતરતી જ ચાલે છે. એટલે બધું અહીંનું કામ જ જાણે એમનું હોય એવી રીતના ચાલે છે. બાકી છે તો વીસ તીર્થંકરો, પણ આ તીર્થંકર બધાય વધારે એક્સેપ્ટ કરે છે, તે ઋણાનુબંધી હિસાબ હશે. પહેલાંનો હિસાબ હશે ને, તે છૂટે હંમેશાં. વીતરાગમાં નવો હિસાબ ના હોય. હિસાબ પહેલાંનો છૂટતો હોય. જે દ્રવ્યકર્મના આઠ કર્મ છૂટેને, એવી રીતે એ છૂટે, તેની મહીં ભેગા હિસાબ છૂટે. એમને બધા તીર્થંકરોએ માન્ય કરેલા અને અત્યારે એમને માન્ય કરીએ તો આપણને ફળ મળે.

પ્રશ્નકર્તા : જે હાલમાં વિચરી રહ્યા છે ને ?

(પા.૧૩)

દાદાશ્રી : હા, વિચરી રહ્યા છે. હજુ ઘણા કાળ સુધી રહેવાના છે, તાર જોઈન્ટ કરીએ તો કામ નીકળી જાય.

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી સાક્ષાત્ હોય એવા અનુભવ થાય છે.

દાદાશ્રી : થાય. સાક્ષાત્ છે જ. ભાવે કરીને સંપૂર્ણ વીતરાગ જ છે, તીર્થંકર જ છે. પણ જે મૂળ છે તે તીર્થંકર નામકર્મના આધારે આ કર્મ ભોગવે છે અત્યારે. સીમંધર સ્વામી એ તો કૅશ (રોકડા) કહેવાય. ભલે બીજા ક્ષેત્રમાં હોય પણ હાજર છે એ, એમની જોડે અમારે તાર ને બધું (અનુસંધાન) ચાલવાનું. તે આખા જગતનું કલ્યાણ થવું જ જોઈએ. અમે તો નિમિત્ત હોઈએ. એટલે ‘દાદા ભગવાન’ થ્રુ દર્શન કરાવું છું ને તે ત્યાં પહોંચી જાય છે. એટલે આપણે એક અવતાર કહ્યું છે ને, તે અહીંથી પછી ત્યાં જ જવાનું છે ને એમની પાસે બેસવાનું છે. પછી છુટકારો થશે. એટલા માટે આજથી ઓળખાણ કરાવીએ છીએ અને ‘દાદા ભગવાન’ થ્રુ નમસ્કાર કરાવીએ છીએ.

પૂર્ણનાં દર્શન થકી પૂર્ણતા

પ્રશ્નકર્તા : તમારા થકી આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી જે લોકો આત્માને અને આ શરીરને જુદા જોતાં શીખ્યા, ‘શુદ્ધાત્મા’ને જોતાં શીખ્યા એ પછી ક્યાં જવાના ?

દાદાશ્રી : એ તો બધા અહીંથી બીજા મનુષ્યલોક, મહાવિદેહ ક્ષેત્રમાં જવાના. ત્યાં તીર્થંકર ભગવાન છે, એમની ભક્તિ ત્યાં આગળ થાય ને એક અવતાર રહી, બે અવતાર રહીને મોક્ષે ચાલ્યા જવાનું.

પ્રશ્નકર્તા : આપે અમારા કૉઝિઝ કર્મો બંધ કરી દીધાં, તો હવે બધાં ડિસ્ચાર્જ કર્મો પતી જાય તો અમે મોક્ષે જઈશું. તો વચ્ચે સીમંધર સ્વામીને મળવાની શી જરૂર ?

દાદાશ્રી : પણ અમે શું કહીએ છીએ કે અમારું જ્ઞાન ૩૫૬ ડિગ્રીનું છે. ચાર બીજા ઉમરેવા મારે પણ ત્યાં જવાનું. અમે અમારું જેટલું

(પા.૧૪)

છે એટલું આપી શકીએ. બીજું જ્ઞાન લેવાનું રહેતું નથી. જ્ઞાન તો સંપૂર્ણ આપી દીધેલું જ છે. પણ એમનાં (પ્રત્યક્ષ) દર્શન કરવાથી જ, એ મૂર્તિ જોવાથી જ આપણે એવા થઈ જઈએ, બસ. એટલે ખાલી દર્શન જ બાકી રહ્યાં. તીર્થંકર ભગવાનનાં દર્શન કર્યા વગર મોક્ષે ના જવાય.

સીમંધર સ્વામીને નમસ્કાર, નિશ્ચયથી

પ્રશ્નકર્તા : અહીં આપણે સીમંધર સ્વામીનાં દર્શન કરીએ તે નિશ્ચયથી કે વ્યવહારથી ?

દાદાશ્રી : એ તો નિશ્ચયથી. સીમંધર સ્વામીને તો આપણે નિશ્ચયથી નમસ્કાર કરીએ છીએ. મહાવીર ભગવાનને, ચોવીસ તીર્થંકરોને વ્યવહારથી.

[2] પરિચય, સીમંધર સ્વામીનો

આખા બ્રહ્માંડના ભગવાન

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં દર્શનનું અમને વર્ણન કરો ને.

દાદાશ્રી : સીમંધર સ્વામી અત્યારે પોણા બે લાખ વરસની ઉંમરના છે. હજુ સવા લાખ વર્ષ જીવવાના છે. એય ઋષભદેવ ભગવાન જેવા છે. ઋષભદેવ ભગવાન આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય, તેવા આ આખા બ્રહ્માંડના ભગવાન કહેવાય. જ્ઞાનીઓ પોતાની શક્તિને ત્યાં મોકલે છે. તે પૂછીને પછી પાછી આવે છે. ત્યાં સ્થૂળ દેહે કરીને ના જવાય, પણ અવતાર ત્યાં થાય ત્યારે જવાય.

પ્રશ્નકર્તા : એ અંતર્યામી છે ?

દાદાશ્રી : એ આપણને જુએ છે. આપણે એમને જોઈ શકતા નથી. એ આખી દુનિયા જોઈ શકે છે.

સીમંધર સ્વામી એ બીજા ક્ષેત્રમાં છે, એ બુદ્ધિની બહારની વાત છે બધી, પણ મારા જ્ઞાનમાં આવેલી છે. આ લોકોને સમજાય નહીં પણ

(પા.૧૫)

અમને એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજાય. હવે એમનાં દર્શન કરવાથી લોકોનું બહુ કલ્યાણ થઈ જાય.

એમનું સ્વરૂપ કેવું ?

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામીનું સ્વરૂપ કેવું છે ? દેહ સ્વરૂપ છે કે નિરંજન-નિરાકાર છે ?

દાદાશ્રી : દેહ સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : દેહ કેવો ?

દાદાશ્રી : દેહ તમને દેખાય અને અમને આત્મા દેખાય. તમને આત્મા ના દેખાય અને અમને આત્મા દેખાય.

પ્રશ્નકર્તા : એમનો દેહ કેવો હોય, મનુષ્ય જેવો ? આપણા જેવો ?

દાદાશ્રી : દેહ આપણા જેવો જ. દેહ માણસ જેવો જ છે.

પ્રશ્નકર્તા : એમના દેહનું પ્રમાણ શું ?

દાદાશ્રી : પ્રમાણ બહુ મોટું હોય. હાઈટ બહુ ઊંચી છે. બધી વાત જ જુદી છે. એનું આયુષ્ય જુદું છે. એ એમનું ખાવા-પીવાનું જુદું હોય, બધું જ જુદું હોય. કેટલુંક કામ દેહ જ કર્યા કરે. ખવડાવનાર-પીવડાવનાર જુદા હોય, અંદર ચલાવનાર જુદા હોય. એ ઠેઠ મોક્ષે પહોંચાડનારા ય જુદા હોય.

ત્યાં પણ માણસની લાગણીઓ આપણા જેવી જ બધી. મહાવિદેહ ક્ષેત્રમાંય માણસો છે તે આપણાં જેવાં છે, દેહધારી જ છે.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : તો એ દેહધારી છે, તોય આપણને કેમ દેખાતા નથી ? પ્રત્યક્ષ કેમ થતા નથી ?

દાદાશ્રી : તમને આ જોડેની રૂમમાં કશું પલંગ છે, એ દેખાય છે અહીંથી ?

પ્રશ્નકર્તા : પલંગ છે, એ ખબર છે.

દાદાશ્રી : હા, પણ દેખાતો નથી. શાથી નથી દેખાતો ? એટલે એ તો કેવળજ્ઞાન થવું જોઈએ.

એ કરતા શું હશે ?

પ્રશ્નકર્તા : આ સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં શું કરે છે ?

દાદાશ્રી : એમને કશું કરવાનું જ ના હોય ને ! કર્મના ઉદય પ્રમાણે બસ. પોતાનાં ઉદયકર્મ જે કરાવડાવે એવું કર્યા કરે. પોતાની જાતનો ઈગોઈઝમ (અહંકાર) ખલાસ થઈ ગયો હોય ને આખો દહાડો જ્ઞાનમાં જ રહે, મહાવીર ભગવાન રહેતા હતા એવું. એમને ફોલોઅર્સ (અનુયાયીઓ) બહુ હોય ને બધા. બસ, લોકો દર્શન કરે અને એ વીતરાગ ભાવે બધી વાણી બોલે.

ઉપદેશ નહીં પણ ‘દેશના’

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી પ્રવચન આપે ખરા ?

દાદાશ્રી : એમની પાસે પ્રવચન ના હોય, એમની પાસે દેશના હોય. એમને પ્રવચન ના હોય. પ્રવચન અહંકારી આપે. છઠ્ઠું ગુણસ્થાનક ઓળંગે એ પ્રવચન આપી શકે.

પ્રશ્નકર્તા : તો સીમંધર સ્વામીની દેશના લોકો કેવી રીતે સાંભળે ?

દાદાશ્રી : એ છે તે ઉપદેશ ના આપે, પ્રવચન ના કરે. એમની દેશના હોય. દેશના નીકળે ને ત્યારે લોકો સાંભળે. દેશના એટલે એમને

(પા.૧૭)

પોતાને બોલવું ના પડે, ટેપરેકર્ડ બોલી દે. આ અમારી દેશના છે, જે ટેપરેકર્ડની જેમ નીકળે છે. ભગવાન માલિક ના હોય. અમેય ના માલિક હોઈએ. ઉપદેશક કે પ્રવચનવાળાને માલિકી હોય કે ‘આ મારી વાણી’, ‘માય સ્પીચ’ એમ બોલે. એટલે આ ‘માય સ્પીચ’ ના હોય, આયે મારી વાણી નથી. આ ટેપરેકર્ડની વાણી છે. ભગવાનને છે તે દેશના હોય. ઉપદેશક છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય, એટલે થોડો અહંકાર હોય. અમુક બાકી રહી ગયો એટલે અહંકાર સહિત બોલે એટલે હું બોલું છું, કહે.

પ્રશ્નકર્તા : ભગવાન દેશના આપે, એ કયું કર્મ કહેવાય ?

દાદાશ્રી : આખી ટેપરેકર્ડ ઉકલ્યા જ કરે ને ટેપ વાગ્યા જ કરે. અમુક વિષય ઉપર, એવું તેવું કશું નહીં.

પ્રશ્નકર્તા : એટલે એની મેળે જ નીકળ્યા કરે ?

દાદાશ્રી : એની મેળે જ નીકળ્યા કરે. ત્યાં સાંભળવાનું જ હોય. દેશના એનું નામ કે કેવળ સાંભળવાની જ.

અમારીય દેશના હોય છે, પણ અમારી દેશના ઉપદેશ-આદેશના ડંખવાળી (સહિત) હોય. પેલી દેશના તો કોઈ જાતની ખેંચ નહીં. બધી જ જ્ઞાતિઓના લોકો સાંભળે. બધા જ પોતાની ભાષામાં સમજે, જાનવરો પણ પોતાની ભાષામાં સમજે. એ તો અમેય અનુભવ કર્યો છે કે અમારી ભાષા જાનવરો સમજે છે પણ અમારી ઓછી સમજે અને તીર્થંકરોની પૂરી સમજી જાય.

વાણી : કેવળીની, તીર્થંકરોની

પ્રશ્નકર્તા : સામાન્ય કેવળી ભગવંતની અને તીર્થંકરની વાણી, એ બેમાં શો ફેર રહ્યો ?

દાદાશ્રી : બહુ ફેર. તીર્થંકર ભગવાનની વાણી તો ‘અતિશય’ સહિત હોય અને કેવળીની વાણી તો મારા જેવી જ હોય. હું જેવું બોલું

(પા.૧૮)

છું ને, તે મારા કરતાં ચાર ડિગ્રી તેમની વાણી વધારે ચઢેલી હોય. મારે ત્રણસો છપ્પન ડિગ્રીને બદલે ત્રણસો સાઠ ડિગ્રી થાય ને, તો હું જે બોલું એવું જ એ કેવળી બોલે. પણ કેવળી કોઈનું કલ્યાણ ના કરે. પોતે એકલા બૂઝે (પામે), પણ બીજાનો દીવો સળગાવી આપે નહીં. તીર્થંકર સિવાય કે ભેદવિજ્ઞાની સિવાય બીજાને કોઈ બૂઝાડે (પમાડે) નહીં.

કરુણા નીતરતી વીતરાગતા

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીને કરુણા આવતી હશે ને ?

દાદાશ્રી : વીતરાગો કરુણા દર્શાવે છે કે કહેવું પડે. આની પુણ્યને કહેવું પડે ! જેણે આ નથી જાણ્યું તેની પરેય કરુણા છે અને આમની પરેય કરુણા છે ! આ લોકોએ શું કર્યું કે એનું ફળ આ પ્રાપ્ત થયું અને શું નથી કર્યું કે એનું ફળ પ્રાપ્ત નથી કર્યું, એ બધી કરુણા. બધા પામો એવી ઈચ્છા. પણ આપણે કરીએ એટલે આપણને ફળ મળે. એ અહીં આ ક્ષેત્રમાં આવે નહીં.

તમે સંભારો એટલે તમને ફળ મળે. ત્યાંવાળાને (સિદ્ધને) તમે સંભારો તો ફળ ના મળે.

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનાં આપ દર્શન કરવા જાવ છો, તે આવા ફોટામાં છે એવા જ છે કે બીજા દેખાવમાં છે ?

દાદાશ્રી : આ ચિત્રપટને જુઓ છોને, એમાં અને પેલામાં ફેરફાર હોય. પણ ચિત્રપટમાં ફેરફાર જોવાનો નથી, આપણે મૂળ વસ્તુ સાથે જોવાનું છે. ચિત્રપટમાં ફેરફાર હોય. અને અમારે દર્શન ફોટાથી નહીં થયેલા, અમારે એમનાં પોતાનાં સ્વાભાવિક ભાવથી દર્શન થયેલાં. આપણે તો તીર્થંકરનાં દર્શન કરવાં છે, મહીં બેઠા છે એમના ! એમાં આપણે સમજીએ કે આ ભગવાન દેખાય છે, એ કેવળજ્ઞાની છે. મહીં શું સામાન ? ત્યારે કહે, ‘કેવળજ્ઞાન,’ બસ, આટલું જ ટૂંકું સમજીએ.

(પા.૧૯)

સૂચવે સંપૂર્ણ અકર્તાપદ

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામીનું પ્રતીક છે, તે શું સૂચવે છે ?

દાદાશ્રી : એ કહે છે કે આમ બેસજો (પદ્માસન) અને કશું કરશો નહીં. કશું કરવા જેવું છે નહીં આ જગતમાં, નિરાંતે બેસજો. આખો દહાડો બળદિયાની પેઠ દોડ દોડ શું કામ કરો છો ? જગત સહજ છે. એટલે આમ પદ્માસન ન થાય તો પલાંઠી વાળીને બેસજો, પણ આમ હાથમાં હાથ વાળીને બેસજો નિરાંતે. બધું કામ થઈ ગયું !

પ્રશ્નકર્તા : એ જાગૃતિનું પ્રતીક કહેવાય ?

દાદાશ્રી : પ્રતીક હોય જ નહીં ને !

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી એટલે સીમાના ધારણ કરનાર એમ કેમ કહ્યા ?

દાદાશ્રી : એ તો કોઈએ લખેલું હશે, બાકી એ સીમા-બીમા ધારણ ના કરે.

આ જાતે જે હાજર છે એની પર ટીકા કશી ના થાય. અલ્યા, કશું ના બોલાય. એમનાં દર્શન કરો. આ તો હાજર છે. કશું ટીકા ના કરાય. આવું જોવાયેય નહીં. આપણાં માબાપની મૂર્તિઓમાં ઊંડા ઊતરતા નથી, એવું આમાં ઊંડું નહીં ઊતરવાનું. આવું આની પર વિવરણ ના થાય, બુદ્ધિ ના ચલાવાય. આ બુદ્ધિ ચલાવવાની ચીજ ન હોય. બહુ દોઢડાહ્યો થાય તો તેનો દુરુપયોગ થાય. બુદ્ધિ તો અમારી પર પણ ચલાવવાની ના કહી છે.

એમાં પ્રતીક શબ્દ ના જોઈએ. એમ માનો કે આપણા બાપા બહુ ઊંચા હોય તો પ્રતીક શું હશે ? આમ જો જો કરીએ તો બાપ કહેશે, ‘મૂઆ મૂરખો છે, તે જો જો કરે છે ! મારામાં ના જોવાય.’ કોઈ જગ્યાએ પ્રતીક ના દેખાય. પ્રતીક તો જડ વસ્તુમાંથી દેખાય અને આ તો ભગવાન ! એમાં તો બુદ્ધિ ગાંડાં કાઢે.

(પા.૨૦)

આમને તો આવો વિચાર જ ના આવે. આ વિચાર આવે ને તે આ બધી ગાંડછા (ગાંડપણ) કહેવાય.

અનંત કોણ ?

પ્રશ્નકર્તા : આપે એમ કહ્યું કે સીમંધર સ્વામીનું એક લાખ વર્ષનું આયુષ્ય છે ને પછી ફરી પાછો એમનો જનમ થવાનો છે ?

દાદાશ્રી : ના, એમને જનમ-બનમ હોતો હશે ? એ તો તીર્થંકર ભગવાન ! જગતનું કલ્યાણ કરવા માટે આવેલા.

પ્રશ્નકર્તા : પણ એ તો અનંત હોયને, એમને કોઈ મર્યાદા જ ના હોયને ?

દાદાશ્રી : ના, એ તો હાજર છે માટે દેહધારીરૂપે છે. રામ મોક્ષે ગયા માટે અનંત હોય. કારણ કે એમને દેહ નથી. દેહધારી છે ત્યાં સુધી દેહ આટલાં વરસ ટકવાનો છે એવું આપણે કહીએ છીએ. બાકી એ પોતે તો અનંત જ છે. અમર તો આપ છો, પેલાય અમર છે અને આ બધા અમર તો મારી જોડે કેટલાય બન્યા છે. જે મરવાના નથી, પણ દેહ તો મરવાનો ને ! દેહ તો કપડાંની પેઠે મરવાનો.

પ્રશ્નકર્તા : એ દ્રષ્ટિએ જોઈએ તો બધા દેહોમાં જે આત્મા છે એ બધા અમર છે. ફક્ત દેહનો નાશ થવાનો છે.

દાદાશ્રી : હા, પણ પોતે દેહને ‘હું છું’ એવું માનતો નથી, એમને દેહાધ્યાસ નથી ને જગતના લોકોને દેહાધ્યાસ છે. જેને દેહાધ્યાસ જાય, તે અમર થઈ ગયા.

અંધારામાં રહ્યું જગત

પ્રશ્નકર્તા : રામ, કૃષ્ણ, અલ્લા, ક્રાઈસ્ટ આવા કેટલાય થઈ ગયા. પણ દોઢ લાખ વર્ષથી જો સીમંધર સ્વામી છે, તો એના માટેનું આટલું બધું અજ્ઞાન કેમ છે ?

(પા.૨૧)

દાદાશ્રી : એમના એકલા માટે નહીં, બધા બહુ જણ માટે અજ્ઞાન છે. બધું અજ્ઞાન જ છે આ ! જગત અંધારામાં જ છે. આ તો જેટલું દેખાયું એટલું અજવાળું થયું. બાકી બધું અંધારું જ છે. જગત તો બહુ વિશાળ છે અને સીમંધર સ્વામી જેવા પાછા બીજા છે. આ તો ટૂંકી દ્રષ્ટિથી-શોર્ટ સાઈટથી આવું અંધારામાં દેખાય છે. મોટા મોટા ઇન્દ્ર લોકોય છે. તેમને બે-બે લાખ વર્ષનાં આયુષ્ય છે. નરકગતિમાંય જીવો છે, તેમનેય બે-બે લાખ વર્ષનાં આયુષ્ય છે. ત્યાં આયુષ્યની ખોટ જ નથી. અહીં મનુષ્ય એકલામાં જ આયુષ્યની ખોટ છે. અહીં જ ભાંજગડ બધી !

એમના ગુરુ કોણ ?

પ્રશ્નકર્તા : શ્રી સીમંધર સ્વામી સાકારી છે. ભગવાનને સ્વરૂપનું જ્ઞાન થયું, તે તેમને કોઈ ગુરુ હતા કે કેમ ? સાચા ગુરુ વિના કોઈ રસ્તો બતાવતા નથી.

દાદાશ્રી : આ વાત બહુ કરવા જેવી નથી. આ તો તીર્થંકર ગોત્ર ! એમને આ ભવમાં ગુરુ ના હોય. ગુરુ તો કેટલાય અવતાર કર્યા ! એમના પૂર્વભવોના ગુરુપદથી આ પ્રાપ્ત થઈ ગયું ! પણ આ ભવમાં તેમને ગુરુ ના હોય.

પ્રશ્નકર્તા : પણ શરૂઆતમાં તો ગુરુ હોય ને ? અત્યારે ના હોય પણ પહેલાં તો ખરા ને ? એમની આગળ મુખ્ય વસ્તુ શું ?

દાદાશ્રી : એવું છે ને કે આ સીમંધર સ્વામી લગભગ દોઢ લાખ વરસથી છે અને આ અવતારમાં તેમને ગુરુ થયા નથી. એમના આગલા અવતારમાંય ગુરુ થયા નથી. એમના આગળના ત્રીજા અવતારમાં ગુરુ થયેલા હોય. તેનાં ફળસ્વરૂપે આ બધું આવ્યું.

પ્રશ્નકર્તા : શ્રી સીમંધર સ્વામી અત્યારે સાધુવેશે હોય?

દાદાશ્રી : એમને સાધુ ના કહેવાય. એ નિર્ગ્રંથ હોય.

(પા.૨૨)

કેમ કરીને થાય દર્શન અહીંથી ?

પ્રશ્નકર્તા : અહીંથી સીમંધર સ્વામીનાં દર્શન થઈ શકે ?

દાદાશ્રી : તમારાથી ના થાય. તેનું મીડિયમ (માધ્યમ) જોઈએ ને ? મીડિયમ દાદા ભગવાન થ્રુ થઈ શકે. અગર સીમંધર સ્વામીના દેરાસર બંધાવે તો થઈ શકે. કારણ કે જીવતા તીર્થંકર છે, હાલ વર્તમાન તીર્થંકર છે એનું દેરાસર બાંધે તો દર્શન સીધાં થાય. બંધાવવું છે દેરાસર ? એટલા કરોડ રૂપિયા તો હશે નહીં ને તમારી પાસે ? દેરાસર બંધાવે તે શી રીતે બંધાવે ?

પ્રશ્નકર્તા : એ તો આ કમાય પછી બંધાવાય, કહે છે.

દાદાશ્રી : કમાઈનેય બંધાવે તો સારું. આખું ના બંધાવે તો થોડું બંધાવજે કે ભઈ, આ પગથિયાંનો ખર્ચ મારો.

મારો એ જ પ્રોપેગેન્ડા છે કે તમે તીર્થંકરને જાણો. ‘અરિહંત કોણ છે ?’ એને જાણો તો તમારાં દર્દ ઓછાં થશે. અરિહંત જ આ દુનિયાના રોગ મટાડે છે, સિદ્ધો ના મટાડે.

પ્રશ્નકર્તા : અરિહંત ઉપકારી.

દાદાશ્રી : અગર તો મારા જેવા જ્ઞાની પુરુષ એ ઉપકારી. બીજું કોઈ ઉપકારી આ જગતમાં હોય નહીં. એટલે આ અરિહંતને ઓળખવા માટે તો મોટું દેરાસર બંધાય છે.

રખે એમને પરોક્ષ માનતા

સીમંધર સ્વામીનાં મંદિર થવાં જોઈએ તો આ દેશનો બહુ

(પા.૨૩)

ભલીવાર થાય.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ભલીવાર થાય ?

દાદાશ્રી : વર્તમાન તીર્થંકર છે એટલે. વર્તમાન તીર્થંકરના પરમાણુ ફરતા હોય. વર્તમાન તીર્થંકરનો બહુ લાભ થાય.

સીમંધર સ્વામી જે વર્તમાન તીર્થંકર છે, તેને મૂર્તિરૂપે ભજે. એમ માનોને કે મહાવીર હોત, મહાવીરના વખતમાં આપણે હોત તો અને એ આ બાજુ વિહાર કરતા કરતા આવી શકે નહીં, આપણાથી ત્યાં જવાય નહીં, તો આપણે અહીં ‘મહાવીર, મહાવીર’ કરીએ, તો આપણને એટલો જ લાભ છે ને ? લાભ ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : ખરો. હું ઘેર બેસીને સીમંધર સ્વામીને યાદ કરું ને મંદિરે જઈને યાદ કરું, એમાં ફરક ખરો ?

દાદાશ્રી : ફરક પડે.

પ્રશ્નકર્તા : કારણ કે પેલી પ્રતિષ્ઠા કરેલી છે, પ્રાણપ્રતિષ્ઠા કરી છે એટલે ?

દાદાશ્રી : પ્રતિષ્ઠા કરેલી છે અને ત્યાં આગળ દેવલોકોનું વધુ રક્ષણ ખરું ને ! ત્યાં વાતાવરણ હોય, એટલે અસર વધારે થાય. એ તો તમે દાદાનું મનમાં કરો ને અહીં કરો, એમાં ફેર તો બહુ પડે ને ?

પ્રશ્નકર્તા : દાદા, તમે તો જીવંત છો.

દાદાશ્રી : નહીં, જેટલા જીવંત આ છે, એટલું જ જીવંત પેલું છે. અજ્ઞાનીઓને આ જીવંત છે, જ્ઞાનીને તો પેલું એટલું જ જીવંત છે. કારણ કે એમાં જે ભાગ દ્રશ્ય છે, એ બધો મૂર્તિ જ છે. મૂર્તિ સિવાય બીજું કશું છે નહીં. પાંચ ઇન્દ્રિયગમ્ય છે, તેમાં અમૂર્ત નામેય નથી. એ બધું જ મૂર્ત છે ને આ મૂર્તિમાં ફેર નથી, ડિફરન્સ નથી. (પણ આ મૂર્તિમાં જ્ઞાનીથી પ્રતિષ્ઠા થયેલી છે અને જીવતા ભગવાનની મૂર્તિ છે.)

(પા.૨૪)

પ્રશ્નકર્તા : પણ આપમાં તો અમૂર્ત છે અને ત્યાં મૂર્તિમાં તો અમૂર્ત નથી એમ માને છે ને ?

દાદાશ્રી : ત્યાં અમૂર્ત નથી, પણ તેમની પ્રતિષ્ઠા કરેલી હોય છે. તે જેવું જેવું પ્રતિષ્ઠાનું બળ ! આ જ્ઞાનીથી થયેલી પ્રતિષ્ઠાની તો વાત જ જુદી છે ને ! પ્રગટ જ્ઞાનીની વાત જુદી. પ્રગટ જ્ઞાની ના હોય તો શુંનું શું થાય ?

પ્રશ્નકર્તા : અને પ્રગટ જ્ઞાની હોતા જ નથી, ઘણો કાળ તો.

દાદાશ્રી : અને એ ના હોય તો ભૂતકાળના તીર્થંકરો, આપણા ચોવીસ તીર્થંકરો તો છે જ ને !

પુણ્યાનુબંધી પુણ્ય, તેય અનુસંધાનપૂર્વક

પ્રશ્નકર્તા : આપણે તીર્થંકરોની કે વીતરાગ ભગવાનની સ્તુતિ કરીએ, સ્તવન કરીએ તો એમાં કર્મની નિર્જરા થાય છે કે પુણ્ય બંધાય છે ?

દાદાશ્રી : જ્ઞાન લીધા બાદ ડિસ્ચાર્જ કર્મ છે એ તો. તીર્થંકરો એટલે ભૂત તીર્થંકરોનું તમે જે કરો એ બધું ડિસ્ચાર્જ કર્મ છે. વર્તમાન તીર્થંકરોનું જો કરો તો એ થોડુંક ચાર્જ કર્મ છે. એક અવતારનું જે ચાર્જ છે, તેમાં જાય છે એ. એક-બે અવતારનું જે ચાર્જ બાકી રહ્યું છે તેમાં વર્તમાન તીર્થંકરનું જાય છે અને ભૂતકાળના તીર્થંકરોનું એ ડિસ્ચાર્જ કર્મ છે.

પ્રશ્નકર્તા : એમાંથી કર્મની નિર્જરા થાય ?

દાદાશ્રી : બધાં નિર્જરા થવા માટે જ આવે છે.

પ્રશ્નકર્તા : પણ બંનેમાં નિર્જરા થાય અને વર્તમાનની કરે તો વધારામાં પુણ્ય બંધાય.

દાદાશ્રી : અને વર્તમાન તીર્થંકરોનું કર્મ બંધાવા માટે આવે છે. એક અવતાર ને બે અવતારના જે બંધાય છે. એટલે નિકાલી નથી એ, પણ

(પા.૨૫)

ગ્રહણીય છે એ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી તેથી આપણે બોલીએ છીએ ને કે આપણે એમની પાસે જવું છે. તો ભલે કર્મ બંધાય પણ ત્યાં જવું છે.

પ્રશ્નકર્તા : આ જે કર્મ બંધાય એ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ?

દાદાશ્રી : પુણ્યાનુબંધી પુણ્યને તે પાછું અનુસંધાનપૂર્વક. એટલે બધું ઊંચામાં ઊંચું.

[3] ભૂમિકા, તીર્થંકર ગોત્રની

તે તીર્થંકર થાય

પ્રશ્નકર્તા : તીર્થંકર કેવી રીતે બને ?

દાદાશ્રી : એ જગતનું કલ્યાણ કરવાની જ ભાવના, બીજી કોઈ ભાવના જ ના હોય. પોતાનું કલ્યાણ થાય કે ના થાય. પોતાના દુઃખને રડે નહીં, લોકોનાં જ દુઃખને રડ્યા કરે. એ ધીમે ધીમે ધીમે તીર્થંકર થવા માંડે. જે પોતાના સુખને રડ્યા કરે, એ કોઈ દહાડો કશું થાય નહીં. લોકોનાં દુઃખ એને સહન ના થાય, આખા જગતનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય, પછી એ તીર્થંકર થાય.

ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તોય નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય ! હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય.

પ્રશ્નકર્તા : પણ મને એમ થાય કે વીતરાગ દશા પામ્યા પછી ભાવના કેમ થાય ? એ તો સંપૂર્ણ ઈચ્છારહિત થઈ જાય ને ?

દાદાશ્રી : એમને હવે કલ્યાણ કરવાની ભાવના ના હોય. એમને કલ્યાણ કરવાની જે ભાવના હતી, તે એનું એ અત્યારે ફળ ભોગવે છે,

(પા.૨૬)

તીર્થંકરપણું ભોગવે છે. મને કલ્યાણ કરવાની ભાવના ખરી, એટલે હું ખટપટિયો વીતરાગ કહેવાઉં ને એ સાચા વીતરાગ કહેવાય.

જેમ એક માણસ પરીક્ષા આપ્યા પછી ક્યારેય પણ સ્કૂલમાં ના જતો હોય તોય પરિણામ તો આવે જ ને ? એના નામથી પરિણામ આવે કે ના આવે ?

પ્રશ્નકર્તા : આવે.

દાદાશ્રી : એવું આ તીર્થંકરના નામથી પરિણામ આવેલું છે અને આ હું પરીક્ષા આપું છું. એટલે આ મને ભાવ ખરો કે આ લોકોનું કલ્યાણ થાય. મારું કલ્યાણ થયું એવું લોકોનું કલ્યાણ કેમ કરીને થાય એવી મારી ભાવના ખરી. એમને એવું ના હોય. એમણે પહેલાંના અવતારમાં કરેલું, તે દહાડે જ આ તીર્થંકર ગોત્ર બાંધેલું. તે આ તીર્થંકર ગોત્ર ખપાવે છે ખાલી. એનું ડિસ્ચાર્જ જ થયા કરે છે. એટલે એમને કેવળ કરુણા !

તીર્થંકર ભગવાન એ જે ક્રિયા કરી રહેલા હોય તે દેખાતી હોય, પોતે એમાં હોય નહીં. અને હું આમાં હોઉં, હું કારણમાં હોઉં અને એ કાર્યમાં હોય. કાર્ય એટલે પૂર્ણ થઈ ગયા. એ બોલે તો જ કાર્ય પૂરું થાય. બહુ ઝીણી વાત છે આ બધી.

વિચરે તે ભૂમિ તીર્થ

તીર્થને કરે એ તીર્થંકર. તીર્થંકર એટલે જ્યાં જ્યાં ફરે ત્યાં બધે તીર્થ થઈ જાય, એ તીર્થ સ્વરૂપ કહેવાય. જ્યાં જ્યાં પગ પડે ત્યાં એ તીર્થ, એનું નામ તીર્થંકર. બધાં તીર્થો જ ઊભાં કરે એ.

પ્રશ્નકર્તા : જ્ઞાનીને જંગમ તીર્થ કહે છેને !

દાદાશ્રી : જ્ઞાનીયે એમના જેવા ખરાને ! પણ એમના તો પાછળ તીર્થ જ કહેવાય અને અમારું એમના જેવું નહીંને ! એ તો ફૂલ સ્ટેજના

(પા.૨૭)

(પૂર્ણ દશાના) પુરુષ કહેવાય. અત્યારે ફૂલ સ્ટેજના પુરુષ પાકવાના નહીં. એટલે જ્ઞાનીની કિંમત ! નહીં તો જ્ઞાનીની કિંમત એટલી બધી ના હોય. આ તો અત્યારે ફૂલ સ્ટેજના પાકવાના નહીં એટલે જ્ઞાનીને ફૂલ સ્ટેજના કહ્યા. સૂબાની જગ્યા જ કાઢી નાખે, પછી જે હોય એ ખરો !

ભાવનાની ફળશ્રુતિ આ

ખરી રીતે ગુણથી તીર્થંકર, એમણે બે અવતાર પહેલાં ભાવના કરેલી કે આ જગતનું કેમ કરીને કલ્યાણ થાય, કેમ કરીને જગત સુખી થાય ! હું જે જ્ઞાન પામ્યો છું, જે સુખ પામ્યો છું એ સુખ જગત કેમ પામે, એ ભાવનાઓ કરેલી. તેનું આ અવતારમાં ઉદયમાં આવ્યું. એનું ફળ આવ્યું એટલે પછી જે બોલે ને તે દેશના હોય. તે એવી બોલે કે મીઠી દ્રાક્ષ જેવી ! તે સાંભળતાં જ ફેરફાર થઈ જાય માણસમાં. તીર્થંકર એટલે જેને જોવાથી જ કલ્યાણ થઈ જાય !

પ્રશ્નકર્તા : તમને જોઈએ ત્યારે થાય કે દાદા તમે આવા છો, તમારામાં કેટલો પ્રેમ ભરેલો છે. તો તીર્થંકરો ક્યાં ! મહાવિદેહ ક્ષેત્રમાં તો આનાથી શુંય હશે !

દાદાશ્રી : એ પ્રેમ આવો ના હોય. આ ખટપટિયો પ્રેમ, એ ખટપટિયો પ્રેમ ના હોય.

તીર્થંકર તે કર્મફળ

પ્રશ્નકર્તા : તીર્થંકર જન્મથી ભગવાન હોય કે પછી પુરુષાર્થથી ભગવાન બને ?

દાદાશ્રી : ના, ના, જન્મથી જ ત્રણ જ્ઞાનના ધર્તા હોય.

પ્રશ્નકર્તા : ત્રણ જ્ઞાન હોય, પણ બીજાં બે જ્ઞાન તો બાકી રહ્યાં ને ?

દાદાશ્રી : એમાં કશું કરવાનું ના હોય. એ એની મેળે જ ઉઘાડ

(પા.૨૮)

થાય ! રાતથી રાહ જોઈએ આપણે કે સવાર ક્યારે થાય ? એનો પુરુષાર્થ કરવાનો હોય કે એની મેળે થશે ? મોક્ષ તો એની મેળે જ થાય, માર્ગ ઉપર આવવું જોઈએ. આ લોકોના માર્ગ તો અન્ય માર્ગ ઉપર છે, પરાયા માર્ગ ઉપર છે, ઊંધા રસ્તે છે.

તીર્થંકર ગોત્ર બંધાય આમ

પ્રશ્નકર્તા : તીર્થંકર થવા માટે શું કરવું પડે ?

દાદાશ્રી : એ તો બધું બહુ કરવું પડે. એ વાત આપણે પૂછવાનો અર્થ જ નહીં ને !

અવળો પ્રવાહ ચાલે છે, તેમાં કોઈ સવળો કરી આપશે, તેને તીર્થંકર ગોત્ર બંધાશે.

તીર્થંકર ગોત્રની ભાવના એ એવી ભાવના નથી કે જે ગમે તે ભાવે તો થાય. એ ભાવના તો સતત હોવી જોઈએ, સાતત્ય હોવું જોઈએ. કોઈ ભાવ અસર ના કરે. જગત કલ્યાણના ભાવને બીજા કોઈ ભાવ ઓબ્સ્ટ્રક્ટ (અવરોધ) ના કરે ત્યારે થાય.

તીર્થંકર પદ એ કંઈ જેવી તેવી વસ્તુ છે ? એ કો’કને ઉદય આવે, બધાને ના આવે.

તીર્થંકરની સોળ કારણ ભાવના હોય, તે ભાવનાનો સારાંશ આપણા વર્તનમાં હોવો જોઈએ. કારણ કે ભાવનાની જરૂર નથી પણ એનો સારાંશ આવવો જોઈએ.

કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવું વલણ હોવું જોઈએ. બીજા દુઃખ દે તો પોતાની જ ભૂલ કબૂલ કરી લે આટલામાં જ સોળ ભાવના આવી જાય છે. આટલામાં, ટૂંકામાં સમજી જાવ.

કોણ પામે તે પદ ?

પ્રશ્નકર્તા : મને વારંવાર એવું થયા કરે કે તીર્થંકર અમારાથી કેમ

(પા.૨૯)

ના થવાય ? કે પછી સીધા જ મોક્ષમાં જવાય ? પછી આપની પાસે જાણવા મળેલું કે તીર્થંકર ગોત્ર બાંધ્યું હોય તો જ તીર્થંકર થવાય, તો અમારાથી કેવી રીતે હવે ગોત્ર બંધાય ?

દાદાશ્રી : હજુ તારે ફરી લાખેક વરસ અવતાર કરવા હોય તો બંધાય. તો ફરી બંધાવી આપું અને પાછું સાતમી નરકમાં બહુ વખત જવું પડે. કેટલીય વખત નરકમાં જાય, ત્યાર પછી છે તે આવાં સારાં પદ મળે.

પ્રશ્નકર્તા : પણ એવાં સારાં પદ લેવા હોય તો, નરકમાં જવામાં શો વાંધો ?

દાદાશ્રી : તારું ડહાપણ રહેવા દે છાનોમાનો, ડાહ્યો થઈ જા. જરા તપ કરવાનું આવશે ને, તે ઘડીએ ખબર પડશે અને ત્યાં તો એવાં તપ કરવાં પડે છે. એ તો નરકનીય વાત તને કહું ને તે સાંભળતા માણસ મરી જાય એટલું દુઃખ છે ત્યાં તો ! સાંભળતા જ આજના માણસો મરી જાય ! કે અરેરે.... થઈ રહ્યું. પ્રાણની હવા નીકળી જાય. માટે ના બોલીશ આવું, નહીંતર એનું નિયાણું થઈ જશે.

તીર્થંકર માત્ર, ક્ષત્રિય

તીર્થંકર થવું હોય તો ક્ષત્રિયોનું કામ. મોક્ષમાં તો આ બધાને, બધી નાતો, બ્રાહ્મણ, વાણિયા આ બધાને જવાની છૂટ.

પ્રશ્નકર્તા : એમાં કંઈ સંસ્કારનું કારણ છે ? અમુક સંસ્કારને લીધે અમુક કુટુંબમાં જ પાકે, એમ......

દાદાશ્રી : ફક્ત તીર્થંકરો એકલા જ ગુણને માટે ભેદ છે. બીજા બધા માટે તો સમાન છે. ક્ષત્રિયોમાં પ્રતાપ હોય કે કરવું જ છે એટલે પછી એમાં બીજું થાય નહીં. પ્રોમિસ એટલે પ્રોમિસ. એનું મન ઝાવાં-દાવા ના માંડે, એ ક્ષત્રિયપણું. જેનું બ્લડ એકદમ ગરમ જ હોય. કોઈનું દુઃખ જોવાય નહીં, એવું બ્લડ હોય. એ ગુણો હોય તો જ બધું કામ થાયને ! તમારામાં એ ગુણો બધા ઉત્પન્ન થવા માંડ્યા છે, અને અમારો

(પા.૩૦)

(એ ગુણોનો) ઘડો ભરાઈ ગયો છે, એના જેવું છે. ક્ષત્રિયોનો ધર્મ જ છે, એ તો સાંભળતાની સાથે જ સાચું લાગે એટલે માથું મૂકીને કામ જ કરવા માંડે. બીજા બધા તો ઢચુપચુ, ઢચુપચુ થયા કરે. જબરો નબળાને મારતો હોય, ત્યાં આગળ ક્ષત્રિય તરત ઓળખાઈ જાય. ક્ષત્રિય ત્યાં રહીને જતો હોય તોય તરત ઓળખાઈ જાય. ઊભો રહે ને નબળાનું ઉપરાણું લે. જબરાનો થોડો માર ખાય પોતે. આ તો મોક્ષનો માર્ગ છે, જો પાર નીકળ્યો તો બધું કામ થઈ જાય એવું છે.

કળિકાળમાં ભેળસેળિયું

પ્રશ્નકર્તા : આજ દિન સુધી ઘણા બધા ભગવાન, સંત પુરુષોએ ક્ષત્રિય કે બ્રાહ્મણકુળમાં વધુ જન્મ લીધો છે, તેમાં આપનું શું માનવું છે ?

દાદાશ્રી : બરોબર છે, પણ આ કળિયુગમાં તો બધે થોડા થોડા સંતો પાક્યા છે. આ કળિયુગ છે એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે. સંત પુરુષો હરિજનમાંયે પાક્યા છે, વૈશ્યમાંયે પાક્યા છે. આ પહેલાંની વાત તમારી બરાબર છે. અત્યારે મોટા ક્ષત્રિયોના સંસ્કાર ઘણા ફેરા વૈશ્યોમાં દેખવામાં આવે છે. કારણ કે ક્ષત્રિયોએ જ પોતે અવતાર લીધો છે ત્યાં વૈશ્યમાં. એટલે બધું ભેળસેળ થઈ ગયું છે. જેમ આ ઘીમાં ભેળસેળ આવે છે ને એવું બધું. એટલે પછી સંતો ત્યાં પાકે. પહેલાં તો એવું હતું નહિ. જ્યાં સુધી ભેળસેળ નહોતું ને, ત્યાં સુધી ક્ષત્રિયોમાં અને બ્રાહ્મણોમાં બધું પાકતું.

આ તો ચોળિયાનું ચોળિયું, ચળામણ ચાળતાં ચાળતાં પાંચમા આરાનું બધું ચોળિયું છે. તેમાં ચપટી માટી ચોંટી હોય, તે તાપ પડે તો નીકળી જશે.

અદ્ભુત સંગમ, વિશિષ્ટતાનો

પ્રશ્નકર્તા : દાદા, તીર્થંકરના બીજા વિશેષ ગુણો વિશે પ્રકાશ પાડો ને !

(પા.૩૧)

દાદાશ્રી : તેઓને બીજા વિશિષ્ટ પ્રકારના ચોત્રીસ અતિશય હોય. બધા મનુષ્યોથી જુદા જ પડતા હોય. એ આ ખોરાક ન ખાય, એ સૂક્ષ્મ ખોરાક લે. આ ખોરાક ખાય તો ઊલટી ગંધ આવે.

પ્રશ્નકર્તા : જી.

દાદાશ્રી : હા. એમનો તો સૂક્ષ્મ ખોરાક, કોઈને દેખાય નહીં એવો. એટલે એમની વાત બહુ જુદી ! એ તો આખા વર્લ્ડમાં કોઈ જીવ આટલો પુણ્યશાળી ન હોય એટલા એ પુણ્યશાળી હોય. એટલે બધા પરમાણુ હાઈક્વૉલિટીના હોય, તેથી આપણા લોકો એમના પ્રક્ષાલનું પાણી નીચે પડતું હોય તો તે પી જાય છે ને !

તીર્થંકર ભગવાનનું ચરમ શરીર તે ‘ફૂલ’ (પૂર્ણ) લાવણ્યવાળું હોય. કેવળીનું ચરમ શરીર છે પણ લાવણ્ય ના હોય. અને તીર્થંકર ભગવાનનું શરીર ગજબનું લાવણ્યવાળું હોય, વર્લ્ડમાં અજાયબી કહેવાય. એમના લાવણ્યની તો વાત જ ના થાય, વર્ણન ના કરી શકાય ! આપણે જોયેલું છે, પણ તમે ભૂલી ગયા છો ને મને યાદ છે !

તીર્થંકર સાહેબને દેહધારી કહેવાય નહીં. દેહધારી હોવા છતાં એ પોતે દેહધારી છે નહીં. પોતાના લક્ષમાં જ છે કે હું આ શું છું. લક્ષમાં, જ્ઞાનમાં, અનુભવમાં, બધામાં તે જ છે. દેહધારી તો કોને કહેવાય ? જેને કિંચિત્માત્ર દેહાધ્યાસ રહ્યો હોય તે દેહધારી. જેને દેહાધ્યાસ કિંચિત્માત્ર ન રહ્યો હોય, તે દેહ છતાં દેહધારી નથી.

સ્વયંબુદ્ધેય સાપેક્ષ

પ્રશ્નકર્તા : આ તીર્થંકરો તો સ્વયંબુદ્ધ કહેવાય છે ને ?

દાદાશ્રી : હા, તીર્થંકરો બધા સ્વયંબુદ્ધ હોય. પણ આગલા અવતારોમાં ગુરુ થકી એમને તીર્થંકર ગોત્ર બંધાયેલું હોય છે. એટલે સ્વયંબુદ્ધ તો એ અપેક્ષાએ કહેવાય છે કે આ અવતારમાં એમને ગુરુ ના મળ્યા એટલે સ્વયંબુદ્ધ કહેવાયા. એ સાપેક્ષ વસ્તુ છે. અને આજે

(પા.૩૨)

જે સ્વયંબુદ્ધ થયેલા, એ બધા આગલા અવતારમાં પૂછી પૂછીને આવેલા. એટલે જગત બધું પૂછી પૂછીને જ ચાલ્યા કરે છે. આપોઆપ કો’કને જ, સ્વયંબુદ્ધને થાય છે તે અપવાદ છે. બાકી ગુરુ વગર તો જ્ઞાન જ નથી.

એમની દેશના, ઉદયવર્તી

પ્રશ્નકર્તા : તીર્થંકરો એક જ વાર દેશના આપે ને ? પછી નહીં ને ?

દાદાશ્રી : એ તો જેટલો વખત નીકળે, ટેપરેકર્ડ વાગે, પછી બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ એ પાંચ દિવસ, સાત દિવસ, પછી નહીં ને ?

દાદાશ્રી : એ તો વારેઘડીએ ચાલ્યા જ કરે. સમોવસરણ રચાય એમાં એમની વાણી દેશનારૂપે એની મેળે જ આમ નીકળ્યા કરે, પ્રયત્ન સિવાય.

પ્રશ્નકર્તા : તીર્થંકરોને તો કો’ક પ્રશ્ન પૂછે તો જવાબ આપે ?

દાદાશ્રી : હા, પ્રશ્ન પૂછે તો જવાબ આપે.

પ્રશ્નકર્તા : પછી એ તો બોલાવે એટલું જ બોલે ને ?

દાદાશ્રી : ના, એ તો બોલાવે એટલુંય ના બોલે. એ તો ઉદય આવે તેમ વર્તે. ‘ભમરડો’ ફર્યા કરે, એને ‘એ’ ‘જોયા’ કરે, બસ ! દેશના નીકળે એય સંજોગો અનુસાર હોય.

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીનો જેને જેટલો યોગ છે, તે મુજબ એવી વાણી નીકળે છે, બાકી નથી નીકળી. એટલે ઉદય સાબિત થાય છે.

દાદાશ્રી : એવું છે ને, અરિહંતને-તીર્થંકરોને પોતાની વાણી હોતી

(પા.૩૩)

જ નથી ને ! એ ઉદયમાં આવેલો ભાવ એ દેશના કહેવાય. તીર્થંકરોને એવું બોલવું નહીં પડેલું. એમાં કોઈનું કલ્યાણ થવાનું હોય તો થાય કે ના થવાનું હોય તો ના થાય. એ મૂર્તિ એમ ને એમ બેસી રહે. એ દેશના આપે પણ તે સામાના ઉદય જો થયા તો જ દેશના નીકળે, નહીં તો દેશનાય ના નીકળે. દેવલોકો બધી તૈયારી કરે ને ત્યાં ભગવાન એની મેળે આવે. આવવું-જવું એમના પોતાના હાથમાં નથી. ઉદયને આધીન ફર્યા કરે છે. આ અમે જ ઉદયના આધીન ફર્યા કરીએ છીએ ને !

વાણી, તીર્થંકરોની

પ્રશ્નકર્તા : તીર્થંકરની દેશનાને મૌન કહ્યું. ગુણે કરીને એનું પ્રાધાન્ય સમજાવો.

દાદાશ્રી : એમની દેશના પોતે બોલતા ન હતા, ટેપરેકર્ડ બોલતી હતી. ટેપરેકર્ડ બોલે એટલે એમને બોલવાનું નહીં ને ! એટલે મૌન જ કહેવાય.

ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હેય, જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાંય ઉત્તમ ગણાયું છે ! બીજી હરેક મીઠાશ કરતાં ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે.

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનુંય પ્રમાણ ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.

પછી વિધિ નહીં, દર્શન જ

પ્રશ્નકર્તા : તીર્થંકરો વિધિ કરાવે કે દર્શન જ ?

દાદાશ્રી : વિધિ-બિધિ તે ક્યાં સુધી કે કેવળજ્ઞાન ના થાય ત્યાં

(પા.૩૪)

સુધી. કેવળજ્ઞાન થયા પછી નહીં. એમને પોતાને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી વિધિ કરો. એમને પોતાને કેવળજ્ઞાન થયું એટલે પછી વિધિ નહીં. એમનાં દર્શનથી જ આપણને ફળ મળે. કારણ કે એ ફૂલ દર્શન છે, ખટપટિયું દર્શન જ નથી. આ જુઓને, અમારે કેટલું ખટપટિયું ? છતાંય મનમાં એમ નથી કે ‘હું કરું છું.’ એવાય ભાવ નથી. ‘આ મારે કરવું છે’ તેવાય ભાવ નથી અને છે ખટપટિયું.

ચારિત્ર મોહ, ભગવાનનો

પ્રશ્નકર્તા : તીર્થંકરોને કેવળજ્ઞાન થયા પછી ચારિત્રમોહ ના હોય ને ? તે પહેલાં જ હોય ને ?

દાદાશ્રી : તે પહેલાં જ હોય. બારમા ગુંઠાણા સુધી હોય. અને તેરમું ગુંઠાણું એ કેવળજ્ઞાન થયું. પછી દેશના હોય. પછી તો કોઈ સામે આવીને ઊભો રહ્યો હોય ને એ આમ જે’ જે’ કરે, હવે એ નરકે જવાનો હોય તોય ભગવાન એને એમ ના કહે કે તું આમ થઈ જઈશ. કારણ કે એ ખટપટ ના કરે. એકની પર રાગ અને એકની પર દ્વેષ, એવું નહીં.

પ્રશ્નકર્તા : એ તો બરોબર. પણ એવો જે પાપી હોય, તે ત્યાં આવીને તીર્થંકરને પગે લાગે, તો એનાં પાપ હળવાં થઈ જાય ને તરત ?

દાદાશ્રી : ઘણાં બળીને ખલાસ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો તીર્થંકરો એમને આત્મા પમાડે નહીં ?

દાદાશ્રી : બોલવાની સત્તા જ નહીં ને ! ખટપટ નહીં ને ! ટેપરેકર્ડ જેટલી વાગે એટલી વાગે.

પ્રશ્નકર્તા : એ વાગવાથી કોઈને આત્મા પ્રગટ થઈ જાય ?

દાદાશ્રી : એની મેળે, એ તો નિમિત્ત હોય. છેલ્લો સિક્કો વાગે કે મોક્ષે ચાલ્યો જાય. ઘણા માણસો મોક્ષે ચાલ્યા જાય. બધો તૈયાર થયેલો માલ, છેલ્લી સહી એમની.

(પા.૩૫)

પ્રશ્નકર્તા : એટલે તીર્થંકરોનો સિક્કો લાગે પછી જ મોક્ષે જવાય ?

દાદાશ્રી : મોક્ષમાં જવું એટલે શું ? તીર્થંકરનાં દર્શન કરેલાં હોય તો જ એ મોક્ષમાં જઈ શકે.

પ્રશ્નકર્તા : તો એનો મીનિંગ એવો કે તીર્થંકરોનાં દર્શનથી ઘણાં પાપો બળી જતાં હશે ?

દાદાશ્રી : એ ખુમારી આવી જાય. અમારાં દર્શન કરે તો એ એક-બે અવતાર બાકી રહે એટલી ખુમારી આવે ને એમનાં દર્શન કરે એટલે સિદ્ધાણં (સિદ્ધપદ પ્રાપ્ત થઈ જાય) !

પ્રશ્નકર્તા : તે તો અમે અનુભવી, ખુમારી આવે.

દાદાશ્રી : પેલાને તીર્થંકરોનાં દર્શન કરતા પૂરી ખુમારી આવે. શું એમનું રૂપ ને રંગ ને શું એમની વાણી ને એ બધુંય, એની વાત જ જુદી ને !

પ્રશ્નકર્તા : હાસ્તો વળી, દાદા.

દાદાશ્રી : આ દર્શનથી છેલ્લો મોક્ષ ના થાય. એટલે એટલું બાકી રહ્યું, એક-બે અવતાર કે એ ભગવાનનાં દર્શન કરી, સીમંધર સ્વામીના દર્શન કરી પછી મોક્ષે ચાલ્યો જાય.

સમ્યક્ દ્રષ્ટિ એ જ વિઝા

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે ને, તીર્થંકરનાં દર્શન કરે તો માણસને કેવળજ્ઞાન થઈ જાય.

દાદાશ્રી : ખાલી દર્શનથી નહીં, કારણ કે તીર્થંકરનાં દર્શન તો બહુ લોકોએ કરેલાં. આપણે બધાએય કરેલાં પણ તે ઘડીએ આપણી તૈયારી નહીં, દ્રષ્ટિ ફરેલી નહીં. મિથ્યા દ્રષ્ટિ હતી. તે મિથ્યા દ્રષ્ટિમાં, તીર્થંકર શું કરે તે ? સમ્યક્ દ્રષ્ટિ હોય તેને તીર્થંકરની કૃપા ઊતરી જાય.

(પા.૩૬)

પ્રશ્નકર્તા : એટલે આપણી તૈયારી હોય તો એમનાં દર્શન થાય તો મોક્ષ થાય.

દાદાશ્રી : તેથી આપણે તૈયાર થઈ જવાનું. કારણ આટલું જ કે તૈયાર થઈને પછી વિઝા લઈને જાવ. પછી ગમે ત્યાં જશો ત્યાં કોઈ ને કોઈ તીર્થંકર મળી આવશે.

પ્રશ્નકર્તા : આપે એ જ કહેલું કે તીર્થંકરને જોવાની દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે પોતાની દ્રષ્ટિ કામ કરે છે.

દાદાશ્રી : જોવાની દ્રષ્ટિ કામ કરે છે.

પ્રશ્નકર્તા : એટલે એવી દ્રષ્ટિથી જુએ કે એનું કલ્યાણ થઈ જાય !

દાદાશ્રી : મહીં છૂટું થઈ જાય. નહીં તો ભગવાનને તો ત્રણસો સાઠેય ડિગ્રી છે, પણ પોતાની દ્રષ્ટિ હોવી જોઈએ.

તીર્થંકરોએ હકીકત પ્રકાશી

પ્રશ્નકર્તા : ઘણી વાર આપણને એમ કહેવામાં આવે છે કે ભગવાન મહાવીરનો ત્રીજો જન્મ હતો. આ બધું જે લખેલું છે, એ બધી હકીકત કઈ રીતે ? આ બધી કોણે લખેલી હોય ?

દાદાશ્રી : એ તીર્થંકરોએ બહાર પાડેલી વાત આ. જોઈને બહાર પાડેલી અને આવતી ચોવીસીમાં કોણ તીર્થંકર થશે, તે આ વાત ભગવાન મહાવીરે બહાર પાડેલી. છેલ્લા તીર્થંકર હોય, તે આવતી ચોવીસીના તીર્થંકરો પાછા પોતે જાહેર કરીને જ જાય.

સીમંધર સ્વામીનું પણ મહાવીર ભગવાને બધું ખુલ્લું કર્યું હતું. મહાવીર ભગવાન જાણતા હતા કે હવે અરિહંત નથી. આ લોકો કોને ભજશે ? એટલે એમણે ખુલ્લું કર્યું કે વીસ તીર્થંકરો છે અને એમાં સીમંધર સ્વામી પણ છે. ખુલ્લું કર્યું એટલે પછી એ ચાલુ થયું. માર્ગદર્શન મહાવીર ભગવાનનું, પછી કુંદકુંદાચાર્યને તાલ મળેલો હતો.

(પા.૩૭)

દેશના વેળાએ દશા

પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ છેલ્લી દેશના આપી, તો તે વખતે પણ એમને વિચાર હતા ?

દાદાશ્રી : ભગવાન મહાવીરને પણ ઠેઠ સુધી વિચાર રહેવાના પણ તેમના વિચાર કેવા હોય કે સમયે સમયે એક વિચાર આવે ને જાય, એને નિર્વિચાર કહી શકાય. આપણે લગ્નમાં ઊભા હોઈએ, ત્યારે બધા જે’ જે’ કરવા આવે છે ને ! જે’ જે’ કરીને આગળ ચાલવા માંડે એટલે એક કર્મનો ઉદય થયો અને તેનો વિચાર આવે પછી એ કર્મ જાય. પછી પાછું બીજું કર્મ ઉદયમાં આવે. આમ ઉદય અને અસ્ત થયા કરે. કોઈ જગ્યાએ અટકે નહીં. એમની મનની ગ્રંથિ બધી ખલાસ થઈ ગયેલી હોય. એટલે એમને વિચાર હેરાન ના કરે. અમને પણ વિચાર હેરાન ના કરે.

તીર્થંકરોના પરમાણુ

પ્રશ્નકર્તા : એ સાચી વાત છે કે ભગવાન મહાવીરના શરીરમાંથી કંઈક અદ્ભુત સુવાસ આવતી હતી ? મેં એવું સાંભળ્યું છે, મને ખબર નથી.

દાદાશ્રી : એ સુવાસનો અર્થ એવો નહીં કે આ ચમેલી જેવું સોડે કે રાતરાણી જેવું સોડે (સુગંધ આવે) ! એવું કશું નહીં. સુવાસ એટલે એમની જોડે બેસીએ તે એમના જે પરમાણુ ઊડે, તે આપણને અંદર સુગંધી વર્તતી હોય, એવું સાધારણ લાગ્યા કરે. એ કંઈ ગુલાબનું ફૂલ નથી કે સુગંધીદાર હોય !

[4] રૂપરેખા, મહાવિદેહ ક્ષેત્રની

મહાવિદેહ ક્ષેત્ર ક્યાં ? કેવું ?

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ભગવાન વિચરે છે, એ મહાવિદેહ ક્ષેત્ર ક્યાં આવેલું છે ?

(પા.૩૮)

દાદાશ્રી : એ તો આપણા આ ક્ષેત્રથી બિલકુલ જુદું છે. બધાં ક્ષેત્રો જુદાં જુદાં છે. ત્યાં આમ સદેહે જઈ શકાય એવું નથી.

આ બ્રહ્માંડમાં છે, પણ ત્યાં આગળ જતાં વચ્ચે ખૂબ ઠંડી ને એ બધું લાગવાથી ત્યાં પ્લેન ના જઈ શકે, માણસ જઈ શકે નહીં. એટલે એ બધાં ક્ષેત્રો જુદાં પડેલાં છે. વચ્ચે એવા ઠંડા ઝોન (ભાગ) છે ને, તે કોઈપણ ત્યાં જઈ શકે નહીં !

પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્ર આપણા બ્રહ્માંડની સોલર સિસ્ટમની બહાર છે કે અંદર છે ?

દાદાશ્રી : બ્રહ્માંડની અંદર છે. બ્રહ્માંડની બહાર કશું છે નહીં.

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર બ્રહ્માંડમાં ક્યાં છે ?

દાદાશ્રી : ઈશાનમાં.

પ્રશ્નકર્તા : આ ઈશાન એટલે કઈ બાજુ ? ઈશાન એ તો રિલેટિવ (સાપેક્ષ) વસ્તુ થઈ ને !

દાદાશ્રી : આ જગત જ આખું રિલેટિવ છે. આ ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે, એ રિયલ (નિર્પેક્ષ) છે જ નહીં.

એવું છે ને, આપણે જે ગામમાં રહેતા હોઈએ ને, તે ગામમાં જ નોર્થ-સાઉથ બધું હોય છે. આ જગતમાં નોર્થ-સાઉથ જેવી કશી વસ્તુ જ નથી. આ તો જે ગામમાં તમે રહોને, તે નોર્થ-સાઉથ કહેવાય છે. સૂર્યનારાયણ જે તમારે પૂર્વમાં ઊગે, તે ઘડીએ બીજાને પશ્ચિમમાં હોય છે. એટલે કરેક્ટ વસ્તુ નથી. જે આંખે દેખાય છે એ બધું કરેક્ટ નથી આ.

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ?

દાદાશ્રી : આ ભૂમિ જેવી છે, મનુષ્યોવાળી વસ્તી, બધું અહીં જેવું

(પા.૩૯)

દેખાય છે એવું જ મહાવિદેહ ક્ષેત્રમાં પણ બધે દેખાય. મનુષ્યોને રહેવા લાયક આવાં પંદર ક્ષેત્રો છે. તે એકથી બીજા ક્ષેત્રમાં સામસામી જઈ શકે નહીં, વાતાવરણ નહીં એટલે. દરેક ક્ષેત્રની આજુબાજુ એનું વાતાવરણ ‘એન્ડ’ થયેલું હોય. પેલાંનું ‘એન્ડ’ થયેલું હોય ને આ યે ‘એન્ડ’ થયેલું હોય. તે જઈ શકે નહીં. જ્ઞાનીઓને દેખાય ખરું.

મહાવિદેહમાં વ્યવહાર-વ્યાપાર

પ્રશ્નકર્તા : આપને મહાવિદેહ ક્ષેત્રનો કંઈ અનુભવ થયો છે ? તે થયો હોય તો ત્યાં શું છે ?

દાદાશ્રી : જેમ આપણે અહીં ભગવાન મહાવીરના વખતમાં ચોથો આરો હતો ને, એવા ચોથા આરાના મનુષ્યો ત્યાં છે. ત્યાં આવી રીતે દુકાનો છે, ખેતીવાડી, વ્યાપાર બધું જ છે. બાકી ત્યાંના માણસોય આપણા જેવા છે અને આપણા જેવું જ બધું કાર્ય છે. આપણા જેવું જ ત્યાં બધું, સાસુ ને વહુ ને રાજા, સુપાળ, સરસુપાળ....

પ્રશ્નકર્તા : ત્યાં પણ આવી સભા ભરાતી હશેને ?

દાદાશ્રી : અરે, ત્યાં તો બહુ મોટી સભા ! આ સભા તો શું ? અને ક્યાં ત્યાંની સભાની વાત ! ત્યાંની સભાની વાત જ જુદી છે !

પ્રશ્નકર્તા : ત્યાં આયુષ્ય લાંબુંને, દાદા ?

દાદાશ્રી : હા, આયુષ્ય લાંબું હોય, બહુ મોટું હોય. બાકી આપણા જેવા માણસો છે, આપણા જેવા વ્યવહાર છે. પણ તે આપણા અહીં ચોથા આરામાં જેવો વ્યવહાર હતો એવો છે. આ પાંચમા આરાના લોકો હવે તો આવું ગજવાં કાપતાં શીખ્યા ને માંહ્યોમાંહ્ય સગાંવહાલાંમાંય ઊંધું બોલતા શીખ્યા. એવો ત્યાં વ્યવહાર નથી.

કાયમનો ચોથો આરો ત્યાં

પ્રશ્નકર્તા : ત્યાં હંમેશાં ત્રીજો ને ચોથો જ આરો હોય છે ?

(પા.૪૦)

દાદાશ્રી : કાયમને માટે ચોથો આરો, ત્રીજો નહીં. ચોથો એક જ.

પ્રશ્નકર્તા : પણ આના જેવો જ બધો સંસાર ?

દાદાશ્રી : હા, આવું જ બધું. એય કર્મભૂમિ બધી, ત્યાંય ‘હું કરું છું’ એવું ભાન હોય. અહંકાર-ક્રોધ-માન-માયા-લોભ ખરાં. ત્યાં આગળ અત્યારે તીર્થંકર હોય. ચોથા આરામાં તીર્થંકર હોય. બાકી બીજું બધું આપણા જેવી જ દશા હોય. આ રામચંદ્રજી ચોથા આરામાં હતા ને !

પ્રશ્નકર્તા : ત્યાં ચોથો આરો કાયમ કેમ રહે છે ?

દાદાશ્રી : આપણે અહીં આગળ જેમ કોઈ જગ્યાએ છ મહિના રાત્રી-દિવસ કાયમ રહે છે. એવી રીતે ત્યાં આગળ ચોથો આરો કાયમ રહે છે. એ ભૂમિકા એવી છે. આ આખું બ્રહ્માંડ ગોળ છે. તે ગોળમાં એની જગ્યા, આ અમુક જગ્યાએ હોય ત્યારે ત્યાં કાયમ એવું રહે ને અહીં આગળ આવું રહે. સમજાય એવી વાત છે ને ?

પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર, એ આપણા ભરતક્ષેત્ર કરતાં બીજી કઈ રીતે જુદું ગણાય છે ?

દાદાશ્રી : હા, જુદું. એક આ મહાવિદેહ ક્ષેત્ર છે, જ્યાં કાયમને માટે તીર્થંકરો જન્મ્યા જ કરે છે અને આપણા ક્ષેત્રમાં અમુક ટાઈમે જ તીર્થંકરો જન્મે, પછી ના રહે. આપણે અહીં અમુક ટાઈમે તીર્થંકર નાય હોય. પણ અત્યારે આ સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં છે, એ આપણા માટે છે. એ હજુ ઘણા કાળ સુધી રહેવાના છે અને અઢારમા તીર્થંકરના વખતે એમનો જન્મ થયો હતો !

ભૂગોળ, મહાવિદેહ ક્ષેત્રની

પ્રશ્નકર્તા : હવે મહાવિદેહ ક્ષેત્ર વિશે થોડું ડિટેલમાં જણાવો ને. આટલાં જોજન દૂર, આ મેરુ પર્વત, એ જે બધી વસ્તુ શાસ્ત્રમાં લખેલી છે, એ બરાબર છે ?

(પા.૪૧)

દાદાશ્રી : બરાબર છે, એમાં ફેર નથી. ગણતરીબંધ વસ્તુ છે. તે એટલાં વર્ષનું આયુષ્ય, હજુ કેટલાં વર્ષ રહેશે, બધું ગણતરીબંધ છે. આખું બ્રહ્માંડ છે એમાં મધ્યલોક છે. હવે આમાં પંદર પ્રકારનાં ક્ષેત્રો છે. આ મધ્યલોક આમ રાઉન્ડ (ગોળ) છે. પણ લોકોને બીજી કંઈ સમજણ ના પડે આ. કારણ કે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈ ના શકાય એવાં ક્ષેત્રો છે મહીં, એટલે મનુષ્યને જન્મ પામવાની અને મનુષ્ય લોકને રહેવાની પંદર ભૂમિઓ છે. આપણી એમાંની આ એક ભૂમિ છે. આ સિવાયની બીજી ચૌદ છે. એમાં આપણા જેવા જ માણસો જ્યાં જુઓ ત્યાં છે. આપણા કળિયુગના છે અને પેલા સત્યુગના હોય. કોઈ કોઈ જગ્યાએ (પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં) કળિયુગ ખરો અને કોઈ જગ્યાએ સત્યુગ ખરો. એવી રીતે મનુષ્યો છે અને ત્યાં આગળ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે સીમંધર સ્વામી પોતે બિરાજમાન છે.

પ્રશ્નકર્તા : આ મહાવિદેહ ક્ષેત્ર આપે કહ્યું, ત્યાં પણ વિજ્ઞાનની આટલી પ્રગતિઓ છે, આવા વિમાન ને મોટરગાડી એવું બધું ?

દાદાશ્રી : ત્યાં આવા યાંત્રિક વિમાનો નથી, માંત્રિક વિમાનો છે બધાં. અહીં યાંત્રિક છે ને એમને ત્યાં માંત્રિક છે, એટલે એને કંઈ તેલ કશાની જરૂરિયાત ના પડે. અને યાંત્રિકને તો તેલ ખૂટી પડે તો નીચે બેસી જાય અગર તો ‘મશીન બંધ થઈ ગયું’ કહેશે. એટલે તો આપણા લોકો ચાર મશીન રાખે છે ને ! ચારમાંથી ચારેય ના ચાલે તો વિમાન બેસી જાય.

ભાષા, મહાવિદેહ ક્ષેત્રમાં

પ્રશ્નકર્તા : એ મહાવિદેહ ક્ષેત્રમાં સંસ્કૃત ભાષા ચાલે છે ?

દાદાશ્રી : એ સંસ્કૃત ચાલતી હોય કે પ્રાકૃત ચાલતી હોય, પણ મૂળ સંસ્કૃત હોવી જોઈએ. એટલે અત્યારે પ્રાકૃતમાં ચાલે છે કે જે ચાલતી હોય, આપણે જાણતા નથી. આપણે તો આ એમના નામ પર ગુજરાતી ભાષા વાપરીએ છીએ, પણ તોય પહોંચે છે. એ નામ પર ભાવ

(પા.૪૨)

છે ને ! અને આપણી પાસે નામ તો ચોક્કસ છે ને ! એટલે લોક કહેશે, ત્યાં આવા જ નામ હશે ? હા, ત્યાં નામ આવાં જ છે, આ જ નામ છે.

પ્રશ્નકર્તા : એ નામ આપે જ્ઞાનમાં જાણેલાં ?

દાદાશ્રી : બધાં નામ જાણ્યાં નથી. જેટલાં જાણ્યાં એની વાત મેં કહી દીધી છે. બીજાં નામ જાણેલાં નથી, બીજાં તો ગ્રહણ કરેલાં છે.

પ્રશ્નકર્તા : તો બીજાં નામ આપ શાસ્ત્રોના આધારે કહો છો ?

દાદાશ્રી : એ ગમે ત્યાંથી, પણ એ ગ્રહણ કરીને આવેલાં. અમુક બાબત જાણેલી, પણ બીજી લાંબી નહીં જાણેલી. બીજું ગ્રહણ કરેલું, પણ ગ્રહણ કરેલું ખોળી કાઢ્યું, જોઈને કે શી હકીકત છે, આમાં વાસ્તવિકતા શી છે ? એવું છે ને, આપણને એની જોડે સંબંધ હોય એટલું જ આપણે ઓળખીએ. બીજે સંબંધ ના હોય તો આપણે ફોન કરીને પૂછી લેવું પડે ને ? પણ એ બધી વાત હકીકત છે, વાસ્તવિક છે.

મુખ્ય હેતુ, ‘કામ’ સાધી લઈએ

પ્રશ્નકર્તા : આપણું ભરતક્ષેત્ર જંબુદ્વીપમાં આવ્યું, તો એવાં તો ઘણાં ક્ષેત્રો હશે ને ?

દાદાશ્રી : ના, એવાં બીજાં નહીં. આ પંદર ક્ષેત્રો છે ને, એ જ. બીજાં ક્ષેત્રો નથી. આપણે પંદર ક્ષેત્રો કહીએ છીએ ને, એ પણ બહુ મોટાં વિશાળ છે. અને આખું બ્રહ્માંડ બહુ મોટું વિશાળ છે. એ તો બોલીએ એટલે લોક શું સમજી જાય છે, કે આપણા પંદર રાજ્યો જેવું હશે, આ ગુજરાત સ્ટેટ છે એના જેવું હશે ! ના, એવું નથી, બહુ મોટું વિશાળ છે. એકબીજાને કનેક્શને (અનુસંધાને)ય નથી. આ ભરતક્ષેત્ર અને બીજાં ભરતક્ષેત્રનેય કનેક્શન નથી.

પ્રશ્નકર્તા : તો આવાં બીજાં ક્ષેત્રો કેટલાં ?

દાદાશ્રી : આ બધાં પંદર ક્ષેત્રો જ છે. એને બધાને જાણીને શું

(પા.૪૩)

કરવાનું ? આપણે તો એક વાત સમજી લેવાની કે મહાવિદેહ ક્ષેત્ર છે, એ આપણે કામનું છે. બીજી તો દુનિયા બહુ મોટી છે. આપણને કોઈ પૂછે કે ‘આ વાળ કેટલા છે ? એ જાણીને શું કામ છે, ભાઈ ? જેટલા પણ છે, અને તેં રેઝર ફેરવ્યું હશે તો ફરી ઊગી નીકળશે. આપણે કામનું હોય એટલી વાત કરવી. આ વેપાર શા હારુ કરીએ છીએ ? પૈસા કમાવવા માટે કે મારા ઘઉં સારા છે એવું દેખાડવા માટે ? પૈસા કમાવવા માટે છે, એટલે કામ નીકળવું જોઈએ એટલો આપણો હેતુ.

આપણે તો આ તીર્થંકરો અને આ પંચ પરમેષ્ટિ ભગવંતો એ બધાના નમસ્કાર બોલશેને તો બહુ થઈ ગયું. આપણે તો કામ સાથે કામ છે ને !

વિહરમાન તીર્થંકર સાહેબો

પ્રશ્નકર્તા : ક્ષેત્ર તો પંદર છે અને બ્રહ્માંડમાં તીર્થંકર તો વીસ છે, તો કેવી રીતે બને ?

દાદાશ્રી : એ બહુ ગણતરી કરવાની નહીં. એ વીસેય હોય છે ને કોઈ ફેરો સિત્તેરેય હોય છે. પાછું એવું નક્કી નથી કે વીસ જ હોય.

પ્રશ્નકર્તા : એક ક્ષેત્રમાં બીજું ક્ષેત્ર હોય એટલે એવું હોય ?

દાદાશ્રી : તે આ અમુક ક્ષેત્રમાં હોતા જ નથી એ. દસ ક્ષેત્રમાં તો બિલકુલ હોતા જ નથી. પાંચ ક્ષેત્રમાં જ હોય છે અત્યારે. હિસાબ  કાઢ કાઢ ના કરીશ, નહીં તો મગજ બગડી જશે બધું !

છે, મહાવિદેહ ક્ષેત્રમાં જ

પ્રશ્નકર્તા : નમસ્કાર વિધિમાં લખ્યું છે કે મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, તો તીર્થંકર વર્તમાનકાળે મહાવિદેહ ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં છે ?

દાદાશ્રી : હા, અન્ય ક્ષેત્રોમાં છે ને ! એ પાંચ મહાવિદેહમાં

(પા.૪૪)

એટલે એ અન્ય. અન્ય એટલે આ એક મહાવિદેહ ક્ષેત્ર ને એવાં બીજાં ચાર ખરાંને, એ અન્ય ક્ષેત્ર.

પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. એ અન્ય ક્ષેત્ર તરીકે બરોબર છે. તો એમાં એવો શબ્દ ગોઠવવાની જરૂર હતી ?

દાદાશ્રી : ના. એ પાછું બહુ ઊંડા ઊતરવાની જરૂર નહીં અને આ ઉપલક સારું. આપણે ભોળા થઈને, કામ કરીએને, તો વહેલો મોક્ષ થાય. ભોળપણ જતું રહે, એમાં ફાયદો નહીં. થોડું ભોળપણ સારું.

પ્રશ્નકર્તા : એટલે આમાં જે અન્ય ક્ષેત્ર શબ્દ છે, એમાં ભરત ક્ષેત્રને એ લોકોને જે ધારવું હોય તે ધારી શકે ?

દાદાશ્રી : લોકોમાં એટલી બધી સમજણ નથી. અને અન્ય ક્ષેત્રો જો ના લખીએ તો એક જ ક્ષેત્રમાં છે એવો અર્થ થાય, પણ ના, એ અમુક જ માણસને લાગે, બધાને નહીં. અને તે પાંચ ક્ષેત્રો છે ને, એ અન્ય કહેવાયને ! એક સિવાય બીજું અન્ય જ ગણાયને !

મહાવિદેહની સાબિતી શું ?

પ્રશ્નકર્તા : આપણે મહાવિદેહ ક્ષેત્રની વાત કરીએ, તો અમે કોઈ દિવસ જોયું નથી અને અમને એમાં બહુ ખ્યાલ નથી તો એનું કંઈ પ્રૂફ છે કે મહાવિદેહ ક્ષેત્ર છે ? એની કોઈ સાબિતી છે ?

દાદાશ્રી : ચોક્કસ સાબિતી છે. હું એક-એક શબ્દ બોલું છું તે ચોકસાઈના શબ્દ બોલું છું. હું કાચી માયા નથી કે એક વાળ પૂરતી ચોકસાઈ કર્યા વગર રહું ! અને મારી ચોકસાઈ કરવાની શક્તિ તમારા કરતાં વધારે છે. આ જે હું બોલું છું તે ચોકસાઈનું જ કહું છું. આ મહીં દાદા ભગવાન પ્રગટ થયા છે, તેય હંડ્રેડ પરસન્ટ ! વર્લ્ડમાં કોઈ વખત આવું બન્યું નથી, એવું આ થયું છે !

પ્રશ્નકર્તા : તો અમને કેવી રીતે ખબર પડશે કે આ મહાવિદેહ

(પા.૪૫)

ક્ષેત્ર આવ્યું ? કે જે અમે તો કોઈ દિવસ જોયું નથી. એ કોઈ વાર દેખાય તો એની કેમની ખબર પડે કે આ ખાલી ભ્રમણા છે કે રિયલ છે ?

દાદાશ્રી : એ તો તમારો હિસાબ જ તમને ત્યાં લઈ જાય. તમારે જવાની જરૂર નથી કે તમારે વિચારવાનીય જરૂર નથી કે મારે મહાવિદેહ ક્ષેત્રે જવું છે. તમે જે સ્ટાન્ડર્ડ (ધોરણ)ને લાયક છો એ સ્ટાન્ડર્ડ જ તમને ત્યાં ખેંચી લે, અહીં આગળ રહેવા ના દે. જે જ્ઞાન આપ્યું છે ને, તે ત્યાંના સ્ટાન્ડર્ડને લાયક થઈ જવાના.

વિશેષતા, મહાવિદેહ ક્ષેત્રની

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ‘ડાઉન ફોલ’ થાય ? પતન થાય ?

દાદાશ્રી : એ ‘અપ’ જેવું છે જ નહીં. ત્યાં ઊંચું સ્ટેશન જવાય, નીચું સ્ટેશન જવાય, એવું તેવું છે જ નહીં.

પ્રશ્નકર્તા : એમને ત્યાં આગળ કર્મ ના બંધાયને ?

દાદાશ્રી : ત્યાં બધાનેય કર્મ બંધાવાનાં, (આત્મજ્ઞાની સિવાય) કોઈ કર્મથી મુક્ત થઈ શકે નહીંને !

પ્રશ્નકર્તા : ત્યાં ગયા પછી એની ગતિ તો, એ મોક્ષે જ જાયને ?

દાદાશ્રી : ના, એવો કંઈ નિયમ નથી. બધા કેટલાય રખડી પડેલા. આ બધું તો રખડનારી જ પ્રજા છે. મહાવિદેહ ક્ષેત્રમાં તો અહીંથી કોઈ તૈયાર થઈને ગયો હોયને તો એનું કામ થઈ જાય. પણ ત્યાંની પ્રજા તો ઘણી રખડ્યા જ કરે છે.

એ મહાવિદેહ ક્ષેત્ર કેવું છે ? આપણે અહીં જ્યારે ચોથો આરો હતો તેના જેવું છે. એ ચોથા આરામાં આપણે ત્યાં અમુક જ માણસો મોક્ષે ગયા છે, બાકી કોઈ ગયું નથી, આમાં કોઈ પાસ જ થતું નથીને ! મોક્ષનો માર્ગ મળતો જ નથીને ! અને ચોથા આરામાં ભૂખ લાગતી જ નથી ને પાંચમા આરામાં ભૂખ લાગે છે, ત્યારે મોક્ષનો માર્ગ હોતો

(પા.૪૬)

નથી. ત્યાં પછી ‘રૂટિન’ની પેઠ કામ ચાલ્યા કરે છે, ધીમે ધીમે ધીમે.

ત્યાં છે મન-વચન-કાયા તણી એકતા

બીજું, ચોથા અને પાંચમા આરામાં ફેર શો પડે છે ? ત્યારે કહે, ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હોય છે અને પાંચમા આરામાં આ એકતા તૂટી જાય છે. એટલે મનમાં જે હોય એવું વાણીમાં બોલતા નથી ને વાણીમાં હોય એવું વર્તનમાં લાવતા નથી, એનું નામ પાંચમો આરો. અને ચોથા આરામાં તો મનમાં જે હોય એવું જ વાણીમાં બોલે અને એવું જ કરે. કોઈ માણસ ત્યાં આગળ ચોથા આરામાં કહે કે મને આખું ગામ સળગાવી મેલવાનો વિચાર આવે છે, એટલે આપણે જાણવું કે આ રૂપકમાં આવી જવાનું છે અને આજે કોઈ બોલે કે હું તમારું ઘર સળગાવી મેલીશ, તો આપણે જાણવું કે હજુ તો વિચારમાં છે, તું મને ભેગો ક્યારે થવાનો ? મોઢે બોલ્યો હોય તોય બરકત નથી. હું તમને મારી નાખીશ કહેને પણ તે શેના આધારે ? આધાર નથી, મન-વચન-કાયાની એકતા નથી, તો બોલ્યા પ્રમાણે શી રીતે કાર્ય થાય ? કાર્ય જ થાય નહીંને ! આજથી ત્રણ હજાર વર્ષ પહેલાં આવું ન હતું. ત્રણ હજાર વર્ષ પહેલાં હતું, તેવું ત્યાં રહે છે. અત્યારે તો મન જુદું હોય, વાણી જુદી હોય ને વર્તન જુદું હોય એવો કોઈ તમે જોયેલો ? દરેક પોતાનો જાત અનુભવ કહો જોઈએ.

હવે ત્યાં કેવું હોય ? મનમાં જેવું હોય તેવું જ વાણીમાં બોલે ને તેવું જ વર્તે. અને અહીં તો મનમાં એવું હોય કે મારે નુકસાન કરવું છે, પણ મોઢા પર મીઠું મીઠું બોલે કે હું તમારા માટે તમે કહો એટલું કરવા તૈયાર છું. એટલો ફેરફાર થઈ ગયો. એટલે અહીંથી બધા અધોગતિમાં જાય અને ત્યાંથી ઊર્ધ્વગતિમાં જાય. ત્યાં તો એવું કહે કે તમારી છોડી ઉઠાવી જઈશ, એવું બોલે એટલે સમજી જ જવાનું કે ઉઠાવી જ જવાનો. અને આપણે અહીં કહે કે હું તમને મારી નાખીશ, પણ કશુંય નહીં. આ તો મોઢે બોલે એટલું જ, આ લોકોનું વર્તનમાં આવતું જ નથી ને !

(પા.૪૭)

ત્યાં બોલ્યા હોય તો ચોક્કસ મારી નાખે. અહીં તો ઠેકાણા વગરનો, અમથો ચિડાય એટલું જ, ચીડિયાં ખાય એટલું જ. અહીં પાંચમો આરો છે, એટલે દુષમ કાળ છે આ. દુષમ એટલે જરાક સમતા રાખવી હોય તો મહા દુઃખે કરીને સમતા રહે, બાકી સમતા જ રહે નહીં. અને ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં સુષમ કાળ છે.

પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું, કે મહાવિદેહ ક્ષેત્રમાં પણ ઈર્ષા-દ્વેષ-પ્રેમ, એ ભાવ રહે છે ને !

દાદાશ્રી : અહીંના જેવું જ, આમાં ને તેમાં ફેર નહીં.

પ્રશ્નકર્તા : એ બધા કષાયો ના કહેવાય ?

દાદાશ્રી : કષાયો ખરા જ ને !

પ્રશ્નકર્તા : તો પછી મહાવિદેહ ક્ષેત્રમાં કેમ એવું હોવું જોઈએ ? અહીંયાં કરતાં ફરક તો હોવો જોઈએ ને ?

દાદાશ્રી : ના, એવું ના હોય. આપણે અહીં ચોથો આરો હતો તોય બધા કષાયો જ હતા અને રામચંદ્રજીની પત્નીનેય લઈ ગયા’તા, રામચંદ્રજી તો રાજા હતા તોય ! એમ તો ચાલ્યા જ કરવાનું.

કાયમ ચોથો આરો, મહાવિદેહમાં

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ થાય એટલે મોક્ષે જવાય એવું કંઈ છે ?

દાદાશ્રી : ના, ના, એવું કશું જ નથી. ત્યાંય ગજવાં કાપનારા છે, હરણ કરી જનારા બધુંય છે. પણ ત્યાં કાયમ ચોથો આરો રહે છે, એટલે ત્યાં આગળ તીર્થંકર ભગવાન કાયમ હોય છે. અને ચોથા આરામાં મન-વચન-કાયાની એકતા હતી, તે જૂઠા-લબાડ બધું આવું ને આવું જ, પણ ત્યાં એકતા ને અહીંયાં એકતા નહીં. મહાવિદેહ ક્ષેત્રમાંય આવું જ. આના જેવા જ બધા, ગજવાં હઉ કાપી લે. માણસોય આપણા

(પા.૪૮)

જેવા જ બધા, નામેય આપણા જેવાં પાછાં ! પણ હવે અહીં એકતાવાળા થાય, તો પછી ક્ષેત્રનો સ્વભાવ છે તે ખેંચી લે. તે ત્યાં લઈ જાય ને ત્યાં આગળ એકતા તૂટી ગયેલી હોય એવા માણસ હોય તે ક્ષેત્ર સ્વભાવથી અહીં ખેંચાઈ આવે.

પ્રશ્નકર્તા : આપણામાં મન-વચન-કાયાની એકતા નથી એવું આપણે જાણીએ છીએ. આ મનમાં છે એવું જ બોલાય છે, એવું એ લોકો કંઈ જાણે છે ? એ લોકોમાં એવી અવલોકન શક્તિ ખરી ?

દાદાશ્રી : હા, ખરીને ! બધી શક્તિ ખરી અને બહુ જ જાગૃતિ. આપણા અહીંના લોકોને જાગૃતિ જ ક્યાં ?

પ્રશ્નકર્તા : તો ત્યાંના લોકોને ડખોડખલ ના હોય ?

દાદાશ્રી : ડખોડખલ તો બહુ જ.

પ્રશ્નકર્તા : બહુ ડખોડખલ હોય તો મન-વચન-કાયાની એકતા કેવી રીતે રહે ?

દાદાશ્રી : ના, એ તો એકતા રહે પણ ડખોડખલ તો કરવાના જ.

મહાવિદેહ ક્ષેત્રમાં જવાનો હેતુ

પ્રશ્નકર્તા : જ્યારે માણસ કંઈ બોલે છે ને તે જ પ્રમાણે કરે છે ને એવું જ્યારે થાય છે, ત્યારે એમાં કર્તાપદ એ લોકોને કેવી રીતે છૂટે ? અજ્ઞાન જ ગ્રહણ થાય ને ?

દાદાશ્રી : એ દ્રઢ જ થવાનું.

પ્રશ્નકર્તા : તો અહીંના બધા લોકો તો મહાવિદેહ ક્ષેત્રની આશા રાખે છે કે ત્યાં જવું છે.

દાદાશ્રી : મહાવિદેહ તો, શેને માટે ત્યાં આગળ જવાનું કે અહીં જેને કર્તાપદ છૂટેલું હોયને એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય. ત્યાં આગળ

(પા.૪૯)

તીર્થંકર સાહેબ મળેને, તો એનો મોક્ષ થઈ જાય. બસ, એટલું જ છે. એને તીર્થંકરનાં દર્શન કરવાની જ જરૂર છે અને ત્યાં તીર્થંકર છે, છતાં લોકો દર્શન કરતા જ નથી, ત્યાં કોઈને પડેલી નથી. અમુક માણસોને જ મોક્ષની પડેલી છે, બધા લોકોને નથી પડેલી.

પ્રશ્નકર્તા : કારણ કે અહીં તો ઘણા લોકો એવો જ ભાવ કરે છે કે અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જવું છે.

દાદાશ્રી : હા, પણ એ મહાવિદેહ ક્ષેત્રમાં એમને તો મોક્ષને માટે જવાનું છે ને ! ત્યાં એ મોક્ષનું સાધન મળી આવે.

પ્રશ્નકર્તા : અહીંથી ડિરેક્ટ (સીધું) મોક્ષમાં નથી જવાતું ?

દાદાશ્રી : ના, સીધું નથી જવાતું. અહીંથી સીધા મોક્ષે જવાનું બંધ થઈ ગયું છે. કારણ કે અહીં તો મન-વચન-કાયાની એકતા નથીને એટલે મોક્ષ ઊડી ગયો.

અહીંથી એક અવતાર થઈને પછી મોક્ષ થાય. એક અવતાર બાકી રહે એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જવાનું. ત્યાં આપણને તીર્થંકર મળે ને ! દર્શન કરવાથી જ મુક્તિ થાય. બીજું કશું ઉપદેશેય શીખવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : ત્યાં જેને મન-વચન-કાયાની એકતા છે, એ લોકો દર્શન કરી શકતા નથી, તો અહીંયાં તો મન-વચન-કાયાની એકતા નથી, એ લોકો કેવી રીતે દર્શન કરી શકશે ?

દાદાશ્રી : પણ આ લોકો કરી શકે. કારણ કે એમની ભાવના એવી છે અને તેથી ‘અક્રમ જ્ઞાન’ મળ્યું છે ને ! એકતા નથી રહેતી, એ તો કાળને આધીન છે. ત્યાં આગળ કાળ સારો છે એટલે એકતા રહે.

કઈ ભૂમિકાથી જવાય ત્યાં ?

પ્રશ્નકર્તા : ત્યાં જવું હોય તો કઈ સ્થિતિમાં માણસ જઈ શકે ?

(પા.૫૦)

દાદાશ્રી : એ ત્યાંના જેવો થઈ જાય, ચોથા આરા જેવો માણસ થાય, આ પાંચમા આરાના દુર્ગુણો જતા રહે, તો ત્યાં જાય. કોઈ ગાળ ભાંડે તોય મનમાં એના માટે ખરાબ ભાવ ના આવે તો ત્યાં જાય.

એટલે અત્યારે તો આપણે આ અવતારે એવો કંઈક ઉકેલ લાવો કે જેથી કરીને ક્ષેત્ર બદલાય. એવી લોકોની જોડે અપેક્ષા ના રહે. એટલે આવું કંઈક કરજો. જેમ જેમ નિકાલ કરતા જાય એમ એમ એ ક્ષેત્રને લાયક થતા જઈએ.

અહીં આગળ આપણા ગુણધર્મ બદલાયા હોય તો એ મહાવિદેહ ક્ષેત્રમાં જાય. એવું અહીં આગળ પાંચમો આરો ચાલે છે. એટલે ચોથા આરાના મનુષ્યો હતા, એના કરતાં આ પાંચમાં આરામાં લોકોના સ્વભાવ બગડી ગયા. હવે એ સ્વભાવ જો અહીં આગળ ‘જ્ઞાન’ આપીએ ને સુધરે, પછી ડખલ ના કરે, કોઈને ત્રાસ ના આપે એવો થઈ જાય, તો પછી ક્ષેત્રોનો સ્વભાવ એવો છે કે અહીંથી ખેંચાઈને જ્યાં ચોથો આરો ચાલે છે ત્યાં જાય. ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં કાયમ ચોથો આરો ચાલે છે. અને ચોથો આરો હોય તો જ તીર્થંકર હોય, નહીં તો પાંચમા આરામાં તીર્થંકર કોઈ જગ્યાએ હોય નહીં. એટલે ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર મળે, અહીં માણસના સ્વભાવ બદલાઈ જાય તે પછી.

આ જ્ઞાન છે ને, તેના પ્રતાપે પછી સ્વભાવ બદલાઈ જાય. એટલે અહીંના લોકો જોડે મેળ ના પડે. કારણ કે આપણા જેવા સ્વભાવવાળા જતા રહ્યા અને બીજા અહીં આગળ હોય તેની જોડે આપણને મેળ પડે નહીં. એટલે આપણે તો અહીં ઊભા રહીએ તે શું કામ આવે ? આપણું ટોળું ત્યાં જતું રહ્યું, એટલે આપણે અહીં આગળ કોની જોડે માથાકૂટ કરીએ ? એટલે આપણા જ્ઞાન આપ્યા પછી આ બધામાંથી ઘણા ખરા મહાત્માઓ ત્યાં ખેંચાઈ જવાના. પણ તે પછી એકદમ એવું કહેવાય નહીં, એકાદ અવતાર અહીં કરે ને પછી ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં જાય.

(પા.૫૧)

એમનાં દર્શન થકી મોક્ષ

અને મહાવિદેહ ક્ષેત્રમાં શાથી જવાના ? કારણ કે ત્યાં કાયમ તીર્થંકરનાં દર્શન થયા કરે. એટલા પૂરતું જ હિતકારી છે. અને અહીંનો જીવ ત્યાં જાય તે તીર્થંકર ભગવાન માટે જ જાય, બીજો કોઈ ભાવ નહીં. એટલે અહીંના જે જવાનાને, એ તો તીર્થંકર ભગવાન પાછળ જ પડે ને, એક- બે અવતારમાં કામ કાઢી લે !

અમે જેમને જ્ઞાન આપીએ છીએને, તે એક-બે અવતારી થાય. પછી એમણે ત્યાં સીમંધર સ્વામી પાસે જ જવાનું છે. એમનાં, તીર્થંકરનાં દર્શન કરવાનાં એકલાં જ બાકી રહ્યાં. બસ, દર્શન થવાથી જ મોક્ષ. આ છેલ્લાં દર્શન કરેને, આ દાદાથી આગળનાં દર્શન એ છે. એ દર્શન થઈ ગયાં કે તરત મોક્ષ !

પાછો આવે અહીં ?

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલો જીવ અહીં પાછો આવી શકે ?

દાદાશ્રી : આવે અહીં, પણ આપણા મહાત્માને ના આવવું પડે. બીજા બધા ઘણા જીવો અહીંયાં આવે જ છે ને !

પ્રશ્નકર્તા : પણ સીમંધર સ્વામીની હાજરી ખરીને ત્યાં તો ? તો

(પા.૫૨)

પછી આવું બધું કેમ થાય ? ભગવાનનો પ્રભાવ તો પડેને પછી ?

દાદાશ્રી : ભગવાનનેય ગાંઠે નહીં એવા લોકો છે. અરે ! ભગવાન મહાવીર હતા ને, તો તેમનેય આવડી આવડી ગાળો ચોપડે. ‘તમે મહાવીર છો તો અમે ક્યાં કાચા છીએ ?’ એમ કહે. બધી જાતનાં લોક આ તો ! મહાવિદેહ ક્ષેત્રમાં તો આપણા જેવું જ બધુંય. ગોરા-શામળા બધોય માલ ભેળો ! એમાં કશી વિશેષતા નથી. ફક્ત વિશેષતા એટલી કે તીર્થંકર ભગવાન હોય.

જેવા માર્ક્સ છે ને, એવા ગુણ છે, તે હિસાબે ત્યાં ઉત્પન્ન થાય. મહાવિદેહ ક્ષેત્ર માટે લાયક થયેલો જીવ અહીં આગળ ટકેય નહીં, એ અહીં જીવી ના શકે, માટે ત્યાં જાય. અને મહાવિદેહ ક્ષેત્રમાં અહીંના જેવો જીવ હોય, દુષમકાળના જેવો હોય, તો એ અહીં આવે. એટલે મહીં કયા ગુણ ભર્યા છે, એ હિસાબે ક્ષેત્ર છે, ગતિ છે. પ્રકૃતિ ગુણ કયા છે, તેના હિસાબે ગતિ છે.

આ અત્યારે જે દુષમ કાળનો આવો માલ છે ને, એવો માલ મહાવિદેહ ક્ષેત્રમાં ના હોય અને આપણે અહીં જે ચોથા આરામાં હતો તેવો જ બધો માલ છે ત્યાં અત્યારે. આપણો અહીંનો માલ જે છે એ બધો સડી ગયેલો માલ કહેવાય. એ તો અહીંનો અહીં જ ધોવાયા કરશે. એ તો પાંચમો આરો પૂરો કરશે ને છઠ્ઠોય પૂરો કરશે. બધું એનું એ જ ચાલ્યા કરશે. આમાંથી અમુક અમુક મહાવિદેહ ક્ષેત્રમાં જતા રહેશે.

પ્રશ્નકર્તા : એટલે લાખેકમાંથી એકાદ મહાવિદેહ ક્ષેત્રમાંથી અહીં આવતા હશે ને ?

દાદાશ્રી : ના, થોડાક વધારે, લાખે સોએક આવ્યા કરે ને ! કારણ કે માલ તો બગડ્યા કરેને ! તે બગડેલો માલ હોય, ડાઘવાળો માલ, તે અહીં આવે પણ આ અહીંનો ડાઘવાળો માલ ઉપર શી રીતે જાય ? છતાં અહીંથી કોઈક જીવ એવા હોય તે અમુક ઊંચે જાય. મહાવિદેહ ક્ષેત્રમાં, મહાવીર ભગવાન ગયા પછી જાય છે પણ બહુ જૂજ જીવો જવાના.

(પા.૫૩)

મહાવિદેહ ક્ષેત્ર માટે જ લાયક

એટલે આપણા મહાત્માઓ લાયક થવાના. સામો અવળું કરે તોય એને માટે ખરાબ વિચાર નહીં કરે એટલે લાયક થઈ ગયા. તમને ગાળો ભાંડે તો તમે એને માટે ખરાબ વિચાર કરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે તમે લાયક થઈ ગયા ! સમભાવે નિકાલ કરવાનો કંઈ જેવી તેવી વાત છે ?

પ્રશ્નકર્તા : ત્યાં પણ નાલાયક થવાના ખરા ?

દાદાશ્રી : બધે થવાના. જીવનો સ્વભાવ તો ચૂકે નહીં ને ! દેહધારીનો સ્વભાવ તો બદલાય નહીં ને ! અહીં આપણને આત્મસ્વરૂપ થઈ ગયું એટલે એની મેળે જ પેલો યોગ થાય. આપણે કહીએ કે ‘મારે નથી આવવું.’ ત્યારે એ કહે, ‘ના, પણ તમને બીજે ક્યાં મૂકાય ? મહાવિદેહ ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રને કામના જ નથી ને !

[5] ઉકેલ, મહાત્માઓની મૂંઝવણનો

વિઝા મળ્યા મહાવિદેહના

પ્રશ્નકર્તા : દાદા, સીમંધર સ્વામીને યાદ કરવાથી, સીમંધર સ્વામી પાસે જવાય એવું નક્કી થાય ખરું ?

દાદાશ્રી : જવાનું એ તો નક્કી હોય જ. એમાં નવું નથી પણ સતત યાદ રહેવાથી બીજું કંઈ નવું મહીં પેસે નહીં.

દાદા યાદ રહ્યા કરતા હોય કે તીર્થંકર યાદ રહ્યા કરતા હોય તો માયા ઘૂસે નહીં. અત્યારે અહીં માયા ના આવે.

આ જ્ઞાન લીધા પછી તમારો આ અવતાર જ મહાવિદેહ ક્ષેત્ર માટે ઘડાઈ રહ્યો છે. મારે કંઈ કરવાની જરૂર નથી. કુદરતી નિયમ જ છે.

(પા.૫૪)

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુણ્યથી ?

દાદાશ્રી : આજ્ઞા પાળવાથી ધર્મધ્યાન થાય છે, તે બધું ફળ આપશે. આ અમારી આજ્ઞા પાળે તેનાથી આ ભવમાં પુણ્ય બંધાઈ જ રહી છે. તે મહાવિદેહ ક્ષેત્રમાં લઈ જાય છે. તે પછી ત્યાં આગળ તીર્થંકરની પાસે ભોગવવી પડશે.

પ્રશ્નકર્તા : આપણે મહાવિદેહ ક્ષેત્રની અંદર જન્મ લેવો છે, તો એ મળી શકે ખરો ?

દાદાશ્રી : હા, કેમ ના મળે ? બધા ફોર્થવાળાને જ ફિફ્થમાં બેસાડેને ? પાસ થાય તેને. એવી રીતે એક અવતાર અહીંથી ક્ષેત્રસ્વભાવ લઈ જાય છે માણસને. એટલે ચોથા આરાને લાયક સ્વભાવ થાય તે ચોથો આરો જ્યાં ચાલતો હોય, ત્યાં એ ક્ષેત્ર એને ખેંચી લે અને ચોથા આરામાં પાંચમા આરાને લાયક જીવો હોય, તેને આ પાંચમો આરો ત્યાંથી ખેંચી લે. એટલે તમારે સીમંધર સ્વામી પાસે બેસવાનું અને ત્યાં આગળ તમને આ પ્રાપ્તિ થઈ જશે. એ છેલ્લાં દર્શન થાય. અમારાથી ઊંચાં દર્શન એ. અમે ત્રણસો છપ્પન ડિગ્રીએ, એમની ત્રણસો સાઠ ડિગ્રી, એટલે ત્યાં એ દર્શન થશે. એ દર્શનની જ જરૂર છે હવે, એટલે બધું આવી ગયું. એ દર્શન થાય એટલે મોક્ષ થાય.

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી અમારા મહાત્માઓના કચરા જેવા આચાર છે તે જોઈને અમને ત્યાં સંઘરશે ખરા ?

દાદાશ્રી : તે ઘડીએ આવા આચાર નહીં રહે. અત્યારે તમે જે આજ્ઞા મારી પાળો છો, તેનું ફળ તે વખતે આવીને ઊભું રહેશે ને અત્યારે જે કચરો માલ છે તે મને પૂછયા વગર ભર્યો હતો, તે નીકળે છે.

પ્રશ્નકર્તા : અમે તો દાદાનો વિઝા બતાવીશું.

દાદાશ્રી : વિઝા દેખાડતાં જ એની મેળે કામ થાય. તીર્થંકરને જોતાં જ તમને આનંદનો પાર નહીં રહે, જોતાં જ આનંદ ! બધું જગત વિસ્મૃત

(પા.૫૫)

થઈ જશે. જગતનું કશું ખાવાનું-પીવાનું નહીં ગમે. તે ઘડીએ પૂરું થઈ જશે. નિરાલંબ આત્મા પ્રાપ્ત થશે ! પછી કશું અવલંબન રહ્યું નહીં.

મહાત્માઓ ક્યાં જવાના ?

પ્રશ્નકર્તા : બધા મહાત્માઓ સીધા મહાવિદેહ ક્ષેત્રમાં જવાના ને ?

દાદાશ્રી : કેટલાકને અહીં આવીને પછી જવાનું થાય, એકાદ અવતાર કરીને. મહીં બધો હિસાબ પડ્યો હોય લોકોનો, તે બધો આપી દેવો પડે ને ! બંધ પડ્યો હોય તે પૂરો કરવાનો. દસ-પંદર વર્ષનો હિસાબ પતાવવાનો બાકી હોય, તે પતાવીને પછી જવાના. હિસાબ તો ચૂકવવો પડેને ! આ જ્ઞાન લેતાં પહેલાં એવું કંઈક ખરાબ કર્મ બાંધી લીધું હોય, તે દંડ થયેલો હોય, તે દંડ તો આપણે ભોગવવો જ પડે ને ! અને એક અવતારનો દંડ ભોગવી લઈને છૂટો.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી કોઈ રખડી પડે ખરો ?

દાદાશ્રી : ના રખડી પડે.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી કોઈ કાયમને માટે રખડી પડે ?

દાદાશ્રી : ના. પણ જ્ઞાન પામે નહીં અને પછી અવળું ચાલે, બધાનું અવળું બોલ બોલ કરે, તો પછી ઠેકાણું નહીં !

પ્રશ્નકર્તા : જેટલા લોકો સીમંધર સ્વામીનાં દર્શન કરે, એ બધા પછી મોક્ષે જાયને ?

દાદાશ્રી : એ દર્શન કરવાથી બધાં મોક્ષે જાય એવું કશું હોતું નથી. એમની કૃપા પ્રાપ્ત થવી જોઈએ. ત્યાં આગળ હૃદય ચોખ્ખું થાય પછી એમની કૃપા ઊતરતી જાય. આ તો સાંભળવા માટે આવે અને કાનને બહુ મીઠું લાગે. એટલે સાંભળીને પછી પાછા હતા ત્યાંના ત્યાં. એને તો ચટણી ને ચટણી ગમતી હોય. આખો થાળ ના જમે, એક ચટણી સારુ જ થાળમાં બેસી રહ્યો હોય.

(પા.૫૬)

પ્રશ્નકર્તા : તો અમે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમંધર સ્વામીનાં દર્શન કરીએ તો પછી અમારો મોક્ષ થાય કે નહીં ?

દાદાશ્રી : એ તો થાય જ ને ! કારણ કે તમે તો આ જ્ઞાન લીધેલું છે ને, એટલે મહાવિદેહ ક્ષેત્રમાં જાવ એટલે પછી ત્યાં સંજોગો ભેગા થઈ જાય તો રાગે પડી જાય. કારણ કે તમારે જે બે-ત્રણ કે ચાર અવતાર બાકી રહેવાના છે તે અમારી આજ્ઞા આપી છે તેનાં ફળરૂપે રહેવાના અને જબરદસ્ત પુણ્ય હોય એટલે અહીંથી જતાં જ બંગલો બાંધવો પડે નહીં, બંગલાવાળાને ત્યાં બંગલો તૈયાર થયેલો હોય. બંગલો તૈયાર થયા પછી ભઈનો જન્મ થાય ! પુણ્યશાળીને કશું મહેનત કરવાની ના હોય. મહેનત તો બિચારા પેલાં મા-બાપ કર્યા કરે.

પ્રતિકૃતિથી અહીં જ પમાય

તમે એક અવતારમાં પણ ત્યાં જઈ શકો અને એમના દેહને તમે હાથ પણ અડાડી શકશો.

પ્રશ્નકર્તા : હા, દાદા. અમને ચાન્સ મળશે ને !

દાદાશ્રી : બધોય મળવાનો. કેમ ના મળે ? સીમંધર સ્વામીના નામની તો તમે બૂમો પાડો છો. સીમંધર સ્વામીના નામના તમે નમસ્કાર કરો છો. ત્યાં તો આપણે જવાનું જ છે, એટલા હારુ આપણે એમને કહીએ છીએ કે ‘સાહેબ ! તમે ભલે ત્યાં બેઠા, અમને નથી દેખાતા, પણ અહીં તમારી અમે પ્રતિકૃતિ કરીને પણ અમે તમારી પાસે દર્શન કર્યા કરીએ છીએ.’ એ બાર ફૂટની મૂર્તિ મૂકીને પણ આપણે

(પા.૫૭)

એની પાસે દર્શન કરીએ, મોઢેથી સંભારીએ પણ એ મૂર્તિ જીવતાની પ્રતિકૃતિ હોય તો સારું પડે. જે ગયા એની સહી કામ લાગતી જ નથી, તેની પ્રતિકૃતિ કરીને શું કામ ? આ તો કામ લાગે. આ તો અરિહંત ભગવાન !

પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં અમારે ક્રમિક હોય કે અક્રમ ?

દાદાશ્રી : તમારે અક્રમ જ રહેવાનું. અહંકાર ઊભો થાય નહીં.

આજ્ઞાથી સામું આવે મહાવિદેહ ક્ષેત્ર

પ્રશ્નકર્તા : હવે જેણે ‘જ્ઞાન’ લીધું, એને મોક્ષે જવું હોય, સીમંધર સ્વામીનાં દર્શન કરવા ત્યાં આગળ પહોંચવું હોય, તો એણે બીજું શું કરવું જોઈએ ?

દાદાશ્રી : કશુંય કરવાનું નહીં. અમારી આજ્ઞા પાળે. આજ્ઞા જ મોક્ષે લઈ જશે. કશું જ કરવા જેવું નથી. અને આજ્ઞા પાળો છો તે તો સંજોગ, મારો સંજોગ ભેગો થાય જ. એય ખોળવાનો ના હોય.

જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરનાં દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય. એવો સહેલો-સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું રહે. પૂરેપૂરું રહે તો મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તે તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય.

આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાળે તો, ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ

(પા.૫૮)

છીએ ને ! જે રસ્તે અમે ચાલ્યા છીએ એ રસ્તો જ તમને બતાવી દીધો છે ને જે ગુંઠાણું અમને મહીં પ્રગટ થયું છે તે ગુંઠાણું તમારુંય થયું છે !

પ્રશ્નકર્તા : દાદા, તમારી વાણી, તમારી સરસ્વતીથી અમે સ્પર્શ પામીએ અને તમારા શુદ્ધ ચેતનની સાક્ષીએ અમે સીમંધર સ્વામીને નમસ્કાર પહોંચાડીએ છીએ તો એમને પહોંચે ?

દાદાશ્રી : અમે તમને જ્ઞાન આપીએ ને, તે અમે ત્યાં (તમારી મહીં) બેસી જઈએ છીએ. એટલે તમારા નમસ્કાર પહોંચી જ જાય છે. જેને જ્ઞાન મળ્યું, જે આજ્ઞામાં રહ્યો, એનું પહોંચી જ જાય. પછી આજ્ઞા ઓછી-વત્તી પળાય એ જુદી વસ્તુ છે, તો પણ આજ્ઞા પાળે છે ને ! કોઈને પ્રમાણ જરા ઓછું હોય.

આ જ્ઞાન પછી હવે તમને કર્મ બંધાય નહીં. કર્મ કરતો હતો, તે હવે કરનારો જ છૂટી ગયો. એટલે કર્મ બંધાય નહીં. એટલે સંવર જ રહેશે, નિરંતર. સંવરપૂર્વક નિર્જરા થયા કરે. ફક્ત એક અવતાર કે બે અવતારનાં કર્મ બંધાશે, તે મારી આજ્ઞા પાળવાને લીધે. અને તે તો તમારે અહીંથી સીમંધર સ્વામીની પાસે જ જવું પડશે. મહાવિદેહ ક્ષેત્ર જ તમને ખેંચી લેશે. કારણ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય તે અહીંયાં આ ક્ષેત્રમાં રહી શકે નહીં. એને મહાવિદેહ ક્ષેત્ર જ ખેંચી લે. કોઈ લઈ જનારો નથી. ક્ષેત્ર જ ખેંચે !

પ્રશ્નકર્તા : અમને અહીંથી લઈ જવાના છો ને ?

દાદાશ્રી : ક્યાં ?

પ્રશ્નકર્તા : ભગવાન સીમંધર સ્વામી પાસે.

દાદાશ્રી : હા. એ તો લઈ જવાના જ ને ! બધાને લઈ જવા સારુ તો અમે બેઠા છીએ. હું એકલો જઈને ત્યાં શું કરું ? અને ભગવાન આપણા પર ખુશ છે. સીમંધર સ્વામી આપણા મહાત્માઓ પર, અક્રમ વિજ્ઞાન પર ખુશ છે. તમને ખુશ લાગે છે ને ?

(પા.૫૯)

પ્રશ્નકર્તા : એકદમ.

પ્રશ્નકર્તા : આપણા મહાત્મા ત્યાં જશે, એ પાછા અહીં આવવાના ?

દાદાશ્રી : એ ના આવે. એ તો આવે જ નહીં. આ વિજ્ઞાનના આધારે તો ઉપર ચઢ્યા. પછી પાછા ના પડે.

ત્યાં જવાય, પણ સદેહે નહીં

પ્રશ્નકર્તા : સીમંધર સ્વામી ત્યાં છે. આપ તો રોજ દર્શન કરવા જાવ છો, તો એ કઈ રીતે ? એની અમને સમજણ પાડો.

દાદાશ્રી : એ અમે જઈએ, પણ અમારે રોજ દર્શન કરવા જઈ શકાય નહીં. અમારે જ્ઞાની પુરુષને અહીંથી (ખભા પરથી) એક લાઈટવાળું અજવાળું નીકળે અને નીકળીને જ્યાં તીર્થંકર હોય ત્યાં જાય, તે પ્રશ્નનું સોલ્યુશન કરીને પછી પાછું આવે. જ્યારે સમજણમાં ફેર પડી જાયને, કંઈક સમજણમાં ભૂલ થાય ત્યારે પૂછીને આવે. બાકી અમારે જવાય-અવાય નહીં, મહાવિદેહ ક્ષેત્ર એવું નથી.

એ અધિકાર તો જ્ઞાનીને જ

પ્રશ્નકર્તા : જે શરીર સીમંધર સ્વામી પાસે જાય છે, તેમાં આત્મા હોય ખરો ?

દાદાશ્રી : એ પ્રતિષ્ઠિત આત્મા હોય. મૂળ આત્મા જતો રહે તો આ દેહનું શું થાય, પણ એ તો આત્માનો જ ભાગ છે. આત્માના પ્રકાશ સ્વરૂપે, આત્માનો પ્રકાશ જાય છે. એટલે જો કદી કંઈક પૂછવું હોયને, તો બધો ખુલાસો આવી જાય. બનતા સુધી બહુ પૂછવું ના પડે. પણ કંઈક એવું હોય, ગૂંચાય તો પૂછવું પડે તો બધા ખુલાસા આવી જાય.

પ્રશ્નકર્તા : તો એટલું આત્માનું ક્ષેત્ર લંબાય ખરું ?

દાદાશ્રી : એ તો દેહ તરીકે નીકળે છે, પૌદ્ગલિક ભાવ છે.

(પા.૬૦)

એટલે મિશ્રચેતન છે, તે ત્યાં આગળ જાય પછી પ્રશ્નોના ખુલાસા લઈને પાછું આવે. તે જ્ઞાનીઓ એકલાને જ, બીજા કોઈને અધિકાર નહીં.

અમારે સીમંધર સ્વામી સાથે તાર જોઈન્ટ થયેલો છે. અમે જે પ્રશ્નો ત્યાં પૂછીએ ને એ બધાના જવાબ આવી જાય. એટલે અત્યાર સુધીમાં અમને લાખો પ્રશ્નો પૂછાયા હશે ને એ બધાના અમે જવાબ આપ્યા હશે. પણ આ બધા સ્વતંત્ર નહીં, જવાબ અમારે બધા ત્યાંથી આવેલા. બધા જવાબ આપી શકાય નહીં ને ! જવાબ આપવો એ કંઈ સહેલી વસ્તુ છે ? એકુંય માણસ પાંચ જવાબ ના આપી શકે. જવાબ આપે ત્યાર હોરા તો વાદવિવાદ શરૂ થઈ જાય. આ તો એક્ઝેક્ટ જવાબ આવે. તેથી સીમંધર સ્વામીને ભજે છે ને !

એ તો જ્ઞાનીઓની જ સમર્થતા

પ્રશ્નકર્તા : પહેલાંના યોગી પુરુષો સૂક્ષ્મ દેહે બીજા ક્ષેત્રમાં જઈ શક્તા હતા ખરા કે ?

દાદાશ્રી : કોઈ ના જઈ શકે. એ તો જ્ઞાનીઓને અહીં ખભેથી એક ‘બોડી’ નીકળે છે, તે જઈ આવે છે.

પ્રશ્નકર્તા : એ કયું બોડી ?

દાદાશ્રી : એ જુદી જાતનું બોડી છે, પ્રકાશરૂપી છે એ બોડી, એ નીકળે તે સમાધાન કરીને પાછું આવે, બીજું કશું ત્યાં આગળ જરૂર નહીં ને ! બીજે કંઈ ત્યાં આગળ જમવા નથી જતા. પૂછવા જાય ને કેવળજ્ઞાનીને પૂછે અને પાછા આવે.

પ્રશ્નકર્તા : પણ એ પાછું શરીર જોડે બરોબર એડજસ્ટમેન્ટ લઈ શકે ખરું ?

દાદાશ્રી : શમાઈ જ જાય ને એ તો. એ શરીર જુદી જાતનું છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ વસ્તુ શક્ય ખરી ?

(પા.૬૧)

દાદાશ્રી : હા, શક્ય ખરીને ! અને સાયન્ટિફિક છે. એટલે સાયન્સથી પ્રૂફ થાય એવું છે. આ ગપ્પું નથી. તેને આપણાં લોક ‘સદેહે ગયા’ કહે છે. પણ તે સદેહનો અર્થ લોકો એમની ભાષામાં સમજે કે આ દેખાય છે એ દેહ સાથે, એવું નથી.

દર્શન કરવાની લાયકાત

પ્રશ્નકર્તા : મારે સીમંધર સ્વામીનાં દર્શન આજની તારીખમાં, આજે તમે અહીંયાં કહો એટલો વખત સત્સંગ કરીને કરવાં છે. આપ મને આજે વચન આપો કે તારું આજનું કામ આજે થશે જ. કારણ કે હું ચોક્કસ વિચાર કરીને આવ્યો છું. તમારી પાસે એક વિનંતી કરું છું, આજીજી કરું છું, કે મને જે માર્ગદર્શન હોય તે આપો.

દાદાશ્રી : દર્શન કરીને શું કરશો ?

પ્રશ્નકર્તા : દર્શન કર્યા એટલે પછી બીજું શું બાકી હોય ?

દાદાશ્રી : કોઈ દારૂડિયો હોય તેને રાજાનાં દર્શન કરાવવાં છે, તો રાજાની પાસે તેડી જઈએ તો દારૂડિયો શું દર્શન કરે ? અરે, વળી કંઈ અવળું બોલે. એટલે આ દારૂડિયાને રાજાનાં દર્શન ના કરાવાય. એમ આ મનુષ્યોને જે જે મોહને આધીન જીવે છે, મોહનો દારૂ પીધો છે, એમને ભગવાનનાં દર્શન ના કરાવાય. નહીં તો અધોગતિ નોતરે. એટલે યોગ્યતા આવ્યા પછી દર્શન કરાવાય. કાયમ દારૂ છૂટી ગયો હોય, મોહ છૂટી ગયો હોય ત્યારે દર્શન કરાવાય. યોગ્યતા આવે તે પહેલાં દર્શન કરવા લઈ જઈએ તો ઊંધું બોલી આવે કે આ મોટા સીમંધર સ્વામી આવડા મોટા દેખાય છે, લૂગડાં પહેરેલાં નથી. યોગ્યતા આવે પછી આ બધું કામનું. હમણાં ‘દાદા ભગવાન’ને નમસ્કાર કરો.

[6] જ્ઞાની, તીર્થંકરના પ્રતિનિધિ

મોક્ષનું ઘડતર, જ્ઞાની થકી

તીર્થંકરોનું મોઢું ક્યારે બહુ ખુશમાં આવે ? ત્યારે કહે, જ્ઞાનીઓને

(પા.૬૨)

જુએ ત્યારે બહુ ખુશમાં આવે કે આ કોમ સારામાં સારી છે, બધાને તૈયાર કરીને એમને ત્યાં મોકલે. મહેનત જ્ઞાની કરે. તીર્થંકરોને મહેનત કરવાની નહીં. તૈયાર મસાલો એમની પાસે જાય. ઘડતર અમારે કરવાનું. એના બદલામાં એ અમારી પર બહુ ખુશ હોય, બહુ ખુશ ! એટલે જ આ દાદા ભગવાન થ્રુ નમસ્કાર કરીએ છીએ ને, તે ઠેઠ પહોંચી જાય. બાકી કોઈનો એક નમસ્કાર સ્વીકાર ના થાય. કારણ કે થ્રુ વગરનાને શું કરે ?

અમારે સીમંધર સ્વામી જોડે સંબંધ છે. અમે બધા મહાત્માઓની મોક્ષની જવાબદારી લીધી છે. અમારી આજ્ઞા જે પાળશે, તેની અમે જવાબદારી લઈએ છીએ.

બીજો દેહધારણ ક્યાં ?

પ્રશ્નકર્તા : આપ હમણાં જગત કલ્યાણ કરો છો, હવે એ ઈચ્છાઓ અમુક વખત પછી ઓછી થશે તો ખરી જ ને ? અથવા એ પૂરી થઈ જશે, તે પછી તમારો જન્મ ક્યાં થશે ?

દાદાશ્રી : પૂરું થાય જ નહિ. જ્યારે દેહ છૂટે ત્યારે આનું પરિણામ આવે. તે પાછું તે ઘડીએ થોડું બાકી હોય તે પૂરું થઈ જાય અને પૂરું થાય એટલે મોક્ષે જાય. આ છેલ્લી ઈચ્છા છે, પોતાને લેવાદેવા નથી, છતાં એ ઈચ્છા છે. એક પણ ઈચ્છા છે, ત્યાં સુધી સંસારમાંથી છૂટે નહિ. જો કે આ અમારી ભરેલી ઈચ્છા છે. આજની ઈચ્છા નથી. પણ ભરેલી ઈચ્છા પૂરી થવી જોઈએ. ભરેલી ઈચ્છા જે હોય ને તે પૂરી થવાની, નિકાલ થઈ જવાની.

પ્રશ્નકર્તા : આપનું એ ચાર્જ થયેલું કહેવાય ?

(પા.૬૩)

દાદાશ્રી : ના, આ જે ઈચ્છાઓ છે તે ડિસ્ચાર્જ રૂપે છે, ચાર્જ રૂપે નથી આ. હવે ખલાસ થવા આવે, આ દેહના બધા હિસાબ પૂરા થઈ ગયા એટલે ખલાસ, ડિસ્ચાર્જ ખલાસ થઈ જાય. પહેલાં ચાર્જ કરેલું, તે આ ડિસ્ચાર્જ થાય છે. મને ગમે કે ના ગમે, પણ ડિસ્ચાર્જ થયે જ છૂટકો.

પ્રશ્નકર્તા : એ ઈચ્છાઓ જ્યારે પૂરી થશે, પછી આ દેહ કાયમ રહેશે ?

દાદાશ્રી : ના. એ દેહ બીજો મળવાનો છે, એ ત્યાં મહાવિદેહ ક્ષેત્રમાં થઈ અને મોક્ષે જતાં પહેલા એકાદ-બે અવતારમાં એની પુણ્ય પાછી ભોગવીને પછી મોક્ષે જશે. પુણ્ય તો બંધાય ને ! જગત કલ્યાણ કર્યું, એનું ફળ તો એ જ આવે પછી અને તીર્થંકર નામકર્મેય બંધાય. તીર્થંકર ફળેય આવે પણ એ ભોગવવું પડે.

પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ

પ્રશ્નકર્તા : આપણે સીમંધર સ્વામીને નમસ્કાર કરીએ છીએ, તો દાદા ભગવાનની સાક્ષીએ બોલીએ અને ડાયરેક્ટ બોલીએ, ‘સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું’ એવું બોલીએ તેમાં ફરક શો પડે છે ?

દાદાશ્રી : અહીં દર્શન કર્યા પછી એનું ફળ સારું મળે.

પ્રશ્નકર્તા : દાદા મળ્યા પહેલાં પણ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું એવું બોલતા હતા અને દાદા મળ્યા પછી બોલીએ છીએ, એમાં શો ફરક પડે ?

દાદાશ્રી : બહુ ફેર પડે.

પ્રશ્નકર્તા : જરા ડિટેલમાં સમજાવોને !

દાદાશ્રી : તમે રાજાને જોયા ના હોય અને રાજાને નમસ્કાર કર્યા કરો પણ રાજાને પ્રધાને તો જોયેલા હોયને, એવા પ્રધાનની હાજરીમાં

(પા.૬૪)

કહો તો ફેર ના પડે ? ત્યાં ખબર આપે ને કે તમારા નામનું રટણ રટે છે.

પ્રશ્નકર્તા : પણ હમણાં તો સીમંધર સ્વામી વિચરે છે, એમને કોઈ પણ દેરાસરમાં જઈને નમસ્કાર કરીએ, તો ડાયરેક્ટ લાઈન થઈ શકે ને ?

દાદાશ્રી : ના થાય, કોણ કરનાર ?

પ્રશ્નકર્તા : અંદર આત્માને, પરમાત્માને ના થાય ?

દાદાશ્રી : ના, કશું ના થાય. તમે આત્મા થાવ તો થાય. આત્મા થયા ના હોય તો કેવી રીતે થાય ? આત્મા થઈ ગયા હો તો પહોંચે. દેહાધ્યાસ છૂટી ગયો હોય, એનું પહોંચે.

પ્રશ્નકર્તા : એટલે આપણે ‘પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ’ જ કરવાનું ?

દાદાશ્રી : થ્રુ જ કરવાનું. નહીં તો કશો અર્થ જ નહીં. સીમંધર સ્વામી તો બધા બહુ જણના નામ હોય છે.

દર્શન, બુદ્ધિથી પર

પ્રશ્નકર્તા : દાદા સીમંધર સ્વામીની ભક્તિ કરતા હશે, એમનો જે તાર જોઈન્ટ થયો છે એ કેવી જાતનો તાર હશે ? દાદા એ ભક્તિ કેવી રીતે કરતા હશે ત્યાં ?

દાદાશ્રી : એની રીત ના હોય.

પ્રશ્નકર્તા : એ કેવું દર્શન ?

દાદાશ્રી : દર્શન બુદ્ધિથી પર વસ્તુ છે. પછી એની વાત ક્યાં ? વાતો કરે એનો અર્થ જ નથીને !

પ્રશ્નકર્તા : પણ એ શું ? જરાક સમજ પડેને, થોડુંક...

(પા.૬૫)

દાદાશ્રી : ના બુદ્ધિથી પર, એટલે સમજાય નહીં. એનો અર્થ જ નહીંને ! એ તો આપણે થ્રુ કરવું એટલે ચાલ્યું.

પ્રશ્નકર્તા : નહીં. જરાક એ સ્પષ્ટીકરણ થાયને તો ખ્યાલ આવે.

દાદાશ્રી : એનું સ્પષ્ટીકરણ એથી વધારે ના હોય. બુદ્ધિથી પર એટલે સ્પષ્ટીકરણ કામમાં જ ના લાગેને. અદ્રશ્ય જે વસ્તુ કહેવાય. અદ્રશ્ય જે અજ્ઞેય વસ્તુ એનો અર્થ જ નહીં.

ફેર, ચૌદશ અને પૂનમમાં

પ્રશ્નકર્તા : પણ આ તો પછી અહંકાર સાવ નિર્મૂળ થઈ જાય, સમૂળગો જાય, જો આપ ત્રણસો ઓગણસાઠ ડિગ્રીએ પહોંચ્યા, તો પછી તીર્થંકરમાં ને આપનામાં ફેર શું રહ્યો ?

દાદાશ્રી : બહુ ફેર. એક ડિગ્રી તો બહુ કામ કરે. એક ડિગ્રીમાં તો કેટલા બધા ‘અતિશયો’ હોય, એ તીર્થંકરની વાણીમાં ! મારે ‘અતિશયો’ ના હોય. એમની વાણીમાં તો બધા ‘અતિશયો’ ખરા.

પ્રશ્નકર્તા : એટલે દાદા, ચૌદશ અને પૂનમમાં આટલો ફેર પડી જાય છે, એમ ? આટલો બધો તફાવત ? એમ ?

દાદાશ્રી : ઘણો તફાવત. આ તો આપણને પૂનમ જેવા લાગે, પણ તે ઘણો તફાવત ! અમારા હાથમાં તો કશું છે જ શું તે ? અને એમના તીર્થંકરોના હાથમાં તો બધું જ. અમારા હાથમાં શું છે ? છતાં પણ અમને સંતોષ રહે, પૂનમ જેટલો. અમારી શક્તિ પોતાના માટે એટલી કામ કરતી હોય કે પૂનમ આપણને થયેલી હોય એવું લાગે.

... આટલો જ એકમેવ ભાવાર્થ

અમારો સિક્કો માર્યા પછી તીર્થંકર એકલાને જોવાના રહ્યા ! અને એ જુએ એટલે મુક્તિ ! તીર્થંકર, વીતરાગ, છેલ્લી દશાનાં દર્શન કર્યાં એટલે મુક્તિ ! બીજું બધું તો અહીં આગળ જ્ઞાની પુરુષે તૈયાર કર્યું.

(પા.૬૬)

હવે પેલા વરખ ચોંટાડનારા રહ્યા ! મીઠાઈ કોણ કરે ને વરખ કોણ ચોંટાડે ?

વિના માધ્યમે, પહોંચે નહીં

પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું, એ સીમંધર સ્વામીને કેવી રીતે પહોંચે છે ? એ જોઈ શકે છે એ હકીકત છે ને ?

દાદાશ્રી : એ જોવામાં સામાન્ય ભાવે જુએ છે. એટલે એ તીર્થંકરો વિશેષ ભાવે જોતા નથી. એટલે આ દાદા ભગવાન થ્રુ કહેલું છે, તો ત્યાં આગળ પહોંચે છે. એટલે આ માધ્યમ વગર પહોંચે નહીં ને !

હવે દાદા ભગવાન ને તીર્થંકરમાં ફેર કેટલો ? ચાર ડિગ્રીનો ફેર. એમાં લાંબો ફેર નથી. અને હું તો ‘ભગવાન છું’ એવુંય નથી કહેતો, ‘હું તો પટેલ છું.’

પ્રશ્નકર્તા : તમારી વાત નથી, આ દાદા ભગવાનની વાત છે.

દાદાશ્રી : હા, એ બરોબર છે. દાદા ભગવાનની વાત જુદી છે અને હું ‘એ.એમ.પટેલ’ મારી જાતને કહું છું. ‘હું ભગવાન છું’ એમ ક્યારે કહું ? ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી થાય ત્યારે ‘હું ભગવાન છું’ એમ કહું.

પ્રશ્નકર્તા : ચાર ડિગ્રીનો, ચારની સંખ્યાનો શું મેળ ?

દાદાશ્રી : અમારે ૩૫૬ ડિગ્રી છે. એક તો આ કાળ છે ને, તે આધારે, મારાં કપડાં ખસ્યાં નહીં. આ કપડાં છે, આ બધો જે વેષ છે, એ ખસ્યો નહીં. આમ વ્યવહારમાં દસમા ગુંઠાણાથી આગળ ખસે એવું નથી. નિશ્ચયમાં બારમું છે.

પ્રશ્નકર્તા : દસમું કે બારમું, ઉપશમ ભાવે છે કે ક્ષાયિક ભાવે ?

દાદાશ્રી : ક્ષાયિક ભાવે જ છે. આપણામાં તો ક્ષાયિક ભાવ જ

(પા.૬૭)

છે. આપણામાં ઉપશમ ભાવ નામેય નથી. ઉપશમ ભાવ જેવી વસ્તુ જ નથી અહીં આગળ.

જુદા, ‘હું’ ને ‘દાદા ભગવાન’

પુસ્તકમાં જેમ લખ્યું છે કે અમે ‘એ.એમ.પટેલ’ છીએ અને મહીં ‘દાદા ભગવાન’ પ્રગટ થયેલા છે અને તે ચૌદ લોકનો નાથ છે. એટલે જે ક્યારેય સાંભળવામાં ના આવ્યું હોય એવા આ અહીં પ્રગટ થયેલા છે.

એક ભાઈ મને કહેતા’તા, કે તમારી પાસે બેસવાથી એકદમ શાંતિ થઈ ગઈ. ત્યારે કહ્યું, ચૌદ લોકના નાથની જોડે હું બેઠો છું ને તમે મારી જોડે બેઠા છો. ત્યાં શાંતિ તો શું, આનંદ વર્તે !

એટલે જ જાતે ‘ભગવાન છું’, એવું અમે કોઈ દહાડોય કહીએ નહીં. એ તો ગાંડપણ છે, મેડનેસ છે. જગતના લોકો કહે, પણ અમે ના કહીએ કે અમે આમ છીએ. અમે તો ચોખ્ખું કહીએ.

અમે તો કહીએ છીએ કે અમે તો નિમિત્ત છીએ. અમારે બીજું કશું જોઈતું નથી. અમારે તો મહીં અપાર સુખ વર્તતું હોય. જ્યાં આગળ મહીં સુખ નથી, તેને બીજા બહારથી લોકોના કહેવાથી સુખ પડે. એને શું કરવું છે ? જેને અપેક્ષા જ ના હોય, જે નિરપેક્ષ દશા છે.

એટલે દાદા ભગવાન જુદા છે. હું જુદો છું. હું દાદા ભગવાનને નમસ્કાર કરું છું. કારણ કે મારે ત્રણસોને સાઠ ડિગ્રી પૂરી કરવાની છે.

હવે આ ભેદની લોકોને લાંબી સમજણ પડે નહીં, અમે ‘એ.એમ.પટેલ’ છીએ. ‘દાદા ભગવાન’ જુદા છે. દાદા ભગવાન પ્રગટ થયેલા છે. જે જોઈતું હોય તે કામ કાઢી લો, એમ એક્ઝેક્ટ કહું છું. કો’ક જ વખત આવો ચૌદ લોકનો નાથ પ્રગટ થાય છે. હું જાતે જોઈને કહું છું, માટે કામ કાઢી લો.

(પા.૬૮)

[7] ભજના, દેવ-દેવીઓની આ મોક્ષમાર્ગમાં

ટળે વિરાધના, આરાધનાથી

પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ એ મુક્તિનો માર્ગ છે, એમાં કશી અપેક્ષા ના હોઈ શકે, તો પછી આમાં શાસન દેવ-દેવીઓને રાજી રાખવાની શી જરૂર છે ?

દાદાશ્રી : આ શાસન દેવ-દેવીઓને રાજી એટલા માટે રાખવાનું કે આ કાળના મનુષ્યો પૂર્વવિરાધક છે. પૂર્વવિરાધક એટલે કોઈને સળી કરીને આવેલા, તેથી તો અત્યાર સુધી રખડી મરેલા. આપણે દેવ-દેવીઓનું આરાધન એટલા માટે કરવાનું કે એમના તરફનો કોઈ ‘ક્લેઈમ’ (દાવો) ના રહે, આપણા માર્ગમાં વચ્ચે તેઓ અંતરાય ના નાખે અને આપણને પસાર થવા દે અને ‘હેલ્પ’ કરે. આપણને આ ગામ જોડે પહેલાંનો ઝઘડો થયેલો હોય ને એ ગામના લોકો જોડે આરાધનાનો ભાવ રાખીએ તો ઝઘડો મટી જાય ને ઊલટું સારું કામ થાય. એમ આખા જગત જોડે આરાધનાથી એકલા શાસન દેવ-દેવીઓ જ નહીં, પણ જીવમાત્ર જોડે આરાધનાથી સારું થાય.

શાસન દેવ-દેવીઓ નિરંતર શાસન ઉપર, ધર્મ ઉપર કંઈ પણ

(પા.૬૯)

અડચણ આવે તો તે હેલ્પ કરે અને આ અક્રમ માર્ગ તો નિમિત્ત છે. એમાં શાસન દેવ-દેવીઓ જ કામ કરી રહ્યાં છે. હું તો નિમિત્ત બની ગયો છું. કોઈ વરરાજા જોઈએ કે ના જોઈએ ? અને આ મોક્ષમાર્ગ એવો છે કે અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષે ના જવાય, એક-બે અવતાર બાકી રહે એવો આ માર્ગ છે. આ કાળમાં અહીંથી ‘ડિરેક્ટ’ મોક્ષ થતો નથી.

એટલે આપણે કોઈ જાતનો વિરોધ નથી. કોઈ વાતમાં વિરોધવાળા સપડાઈ ગયા છે. આપણે સપડાઈએ નહીં ને ! આખું જગત ક્રમિક માર્ગ હોવાથી નીચલાને નમસ્કાર નહીં કરે ને ફક્ત ઉપરવાળાને નમસ્કાર કરશે એવો આમનો સ્વભાવ. અને આપણું અક્રમ નીચલા-ઉપલા બધાય પદને નમસ્કાર કરે છે. આ જગતમાં એક જીવ એવો બાકી નથી રહ્યો, જેને આપણા ‘અક્રમ’ માર્ગવાળો દર્શન ના કરતો હોય ! કારણ કે ક્રમિકમાર્ગે શું કહે ? એય નરકના જીવોને નમસ્કાર ના કરાય, તિર્યંચના જીવોને નમસ્કાર ના કરાય, ભુવનવાસી, વ્યંતર દેવોને નમસ્કાર ના કરાય. એ બધાંને તો પર્યાય દ્રષ્ટિએ જુએ છે.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આપણે તો કહીએ છીએ કે અમે તીર્થંકરોને, વ્યંતર દેવોને, ભુવનવાસીને, બધાને, નમસ્કાર કરીએ છીએ, અમે રિયલ દ્રષ્ટિથી જોઈએ છીએ.

પ્રશ્નકર્તા : રિયલ દ્રષ્ટિથી ?

દાદાશ્રી : હા, રિયલ દ્રષ્ટિ, તે અમારે જીવમાત્ર જોડે કોઈ જાતનો ઝઘડો નહીં. અને તેનું આ જ્ઞાન પ્રગટ થયું છે. ફુલ્લી જ્ઞાન પ્રગટ થવાનું કારણ એ છે કે આપણે કોઈ જીવને કિંચિત્માત્ર સદેહે દુઃખ ન હો. અને આ ક્રમિકમાર્ગવાળાને શું ? એ ઉપર જોશે. આ પૂજ્ય ને આ અપૂજ્ય. પૂજ્ય ઉપર પ્રેમ છે અને અપૂજ્ય ઉપર દ્વેષ છે. એય તું દેવીઓને નમસ્કાર કરું છું. તું મિથ્યાત્વી થઈ ગયો. અલ્યા મૂઆ, શું કરવા વચ્ચે પડો છો ? સમજણ ના પડે એવું બોલશો નહીં. એ દેવ-

(પા.૭૦)

દેવીઓ, ભૂત, વ્યંતર બધું છે. ગપ્પું નથી આ. અને સૌ સૌના સ્થાને રહ્યા છે. એને શું કરવા છંછેડો છો, તારું નામ લેતાં નથી તો ? મૂઆ, વગર કામનો અહંકાર કર્યાં કરું છું ! આપણે તો બધા એક્સેપ્ટેબલ. કોઈ ના જ ના કહે.

આરતી, સીમંધર સ્વામીની

પ્રશ્નકર્તા : આપણા મંદિરમાં આરતી કરવાનું પ્રયોજન શું ?

દાદાશ્રી : હાલમાં જે ભગવાન બ્રહ્માંડમાં હાજર છે, તેમની આરતી આ બધા કરે છે તે મારા થ્રુ (માધ્યમ દ્વારા) કરે છે ને હું તે આરતી તેમને પહોંચાડું છું. હું પણ તેમની આરતી કરું છું. દોઢ લાખ વરસથી ભગવાન હાજર છે, તેમને પહોંચાડું છું.

આરતીમાં બધા દેવો હાજર હોય છે. જ્ઞાની પુરુષની આરતી સીમંધર સ્વામીને ઠેઠ પહોંચે. દેવલોકો શું કહે છે કે જ્યાં પરમહંસની સભા હોય ત્યાં અમે હાજર હોઈએ. આપણી આરતી ગમે તે મંદિરમાં ગાઓ તો ભગવાનને હાજર થવું પડે.

નમસ્કાર કરે કોણ-કોને ?

પ્રશ્નકર્તા : હવે આપણે નમસ્કાર વિધિ શા માટે કરીએ છીએ ?

દાદાશ્રી : આપણી આ નમસ્કાર વિધિમાં તો બધા દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધા જીવમાત્રને નમસ્કાર બોલી ગયા, તે આપણે શુદ્ધાત્મા નમસ્કાર નથી કરતા જે બોલે છે તેની પાસે નમસ્કાર કરાવીએ

(પા.૭૧)

છીએ. આપણે જાણીએ કે બોલનારાએ આટલા આટલા બધાને નમસ્કાર કર્યા. હવે દેવ-દેવી, તિર્યંચ, નારકી, બધાને નમસ્કાર કર્યા એટલે એ લોકો કહેશે કે ‘ભઈ, આ તમને અમે લેટ ગો કરીએ (જવા દઈએ) છીએ, તમે અમને એમ કહેતા હતા ને કે અમે નથી. પણ અમે છીએ ને !’ ‘હા ભઈ, તમે છો. અમે જાણતા નહોતા, તેથી અમે કહેતા હતા કે તમે નથી. પણ એ અમે સાધુ-આચાર્યોના સંગથી એવું કહેતા હતા કે તમારાં દર્શન કરવાથી અમે મિથ્યાત્વી થઈ જઈશું. પણ અમે હતા જ ક્યાં સમકિતી, તે મિથ્યાત્વી થઈ જવાના હતા તે ?’

આ નમસ્કાર વિધિ બોલજો. એ બધા આજે આ ભૂમિ પર નથી પણ બીજી ભૂમિ ઉપર છે જ ને પૂર્ણ સ્વરૂપે પહોંચેલા એવા પુરુષોનાં નામ લખેલાં છે. અમે તેમને જોયેલા છે. એટલે તમારે ‘દાદા ભગવાન થ્રુ’, ‘દાદા ભગવાનની સાક્ષીએ’ બોલો એટલે બધું દર્શન ત્યાં પહોંચે છે. તે આ બોલજો.

આ તો કૅશ (રોકડું) છે ! કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે. પેલું ક્રમિક વિજ્ઞાન છે. ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે ચઢવાનું. અને અક્રમ એટલે લિફટ ! લિફટ સારી કે પગથિયાં સારાં ?

પ્રશ્નકર્તા : લિફટ જો સીધા પહોંચાડતી હોય તો લિફટ સારી.

દાદાશ્રી : તોય આમાં છેલ્લાં બે પગથિયાં ચઢવાં પડે છે. છેલ્લાં બે પગથિયાં બાકી રહે છે, તો તેય એક અવતાર પૂરતું.

આ અવતારમાં સીધું ડિરેક્ટ મોક્ષે જવાય એવું નથી. એટલે લિફટ એક-બે અવતાર જેટલી બાકી રહે છે. તે આપણને ત્યાં આગળ સીમંધર સ્વામી પાસે મહાવિદેહ ક્ષેત્રમાં બેસાડી દે.

હિન્દુસ્તાનમાં જો ઘેર ઘેર સીમંધર સ્વામીના ફોટાઓ હોય તો કામ જ થઈ જાય. કારણ કે હયાત છે. વખતે અમારો ફોટો નહીં હોય તોય ચાલશે પણ એમનો રાખજો. ભલેને, લોકો એમને ઓળખે નહીં ને એમ

(પા.૭૨)

ને એમ દર્શન કરશે તોય કામ થઈ જશે. આ સીમંધર સ્વામીના ચિત્રપટ બહુ સારાં કાઢ્યાં છે અને ઠેર ઠેર પહોંચી જશેને, વૈષ્ણવો-જૈનો બીજે બધે ઘેર પહોંચી જશે તો કામ થઈ જશે કારણ કે હાજર છે એ ફળ રોકડું આપે !

ટાઈમ ડિફરન્સનું શું ?

પ્રશ્નકર્તા : આપણે સવારના તમે સીમંધર સ્વામીને ચાલીસ વખત નમસ્કાર કરવાનું કહ્યું છે, તો તે વખતે અહીં સવાર હોય ને ત્યાંનો ટાઈમ ડિફરન્ટ હોય ને ?

દાદાશ્રી : એવું આપણે જોવાનું નહીં. સવારનું કહેવાનો ભાવાર્થ એટલે કે બીજા કામ-ધંધા પર જતાં પહેલાં. ધંધો ના હોય તો ગમે ત્યારે દસ વાગે કરોને, બાર વાગે કરોને ! સવારમાં કહેવાનો ભાવાર્થ એટલો જ, ગમે તે ટાઈમે ચિત્તની એકાગ્રતાથી કરો.

એ દર્શન, તુર્ત જ પહોંચે

સવારનું સાડા ચારથી સાડા છ, એ તો બ્રહ્મમુહૂર્ત કહેવાય, ઊંચામાં ઊંચું મુહૂર્ત એ. એમાં જેમણે જ્ઞાની પુરુષને સંભાર્યા, તીર્થંકરોને સંભાર્યા, શાસન દેવ-દેવીઓને સંભાર્યા, તે બધું જ પહેલું એક્સેપ્ટ થઈ જાય બધાંને. કારણ કે પછી દર્દી વધ્યાં ને ! પહેલો દર્દી આવ્યો, પછી બીજો આવે. પછી ભીડ થવા માંડે ને ! સાત વાગ્યાથી ભીડ થવા માંડે. પછી બાર વાગે જબરદસ્ત ભીડ હોય. માટે પહેલો દર્દી જઈને ઊભો રહ્યો, એને ભગવાનનાં ફ્રેશ દર્શન થાય. ‘દાદા ભગવાનની સાક્ષીએ સીમંધર સ્વામીને નમસ્કાર કરું છું’ બોલ્યા કે તરત ત્યાં સીમંધર સ્વામીને પહોંચી જાય. તે વખતે ત્યાં કોઈ ભીડ હોય નહીં. પછી ભીડમાં ભગવાનેય શું કરે તે ? માટે સાડા ચારથી સાડા છ, એ તો અપૂર્વ કાળ કહેવાય. જેની જુવાની હોય, તેણે તો આ છોડવું ના જોઈએ.

એમને નમસ્કાર કેટલી વખત ?

પ્રશ્નકર્તા : અમારે દાદા ભગવાનને નમસ્કાર કેટલી વાર કરવા

(પા.૭૩)

જેથી કરીને અમારો તાર તમારી જોડે રોજ જોડાય ?

દાદાશ્રી : એ તો પછી ગણવામાં ઘણો વખત જશે. સો વખત કહીએ તો પાછો ગણ ગણ કરશે.

પ્રશ્નકર્તા : તો દાદાજી, આ સીમંધર સ્વામીનું તો ગણવું જ પડે છે ચાલીસ વાર.

દાદાશ્રી : એમના માટે ગણજો. દાદા તો નિરંતર રહેવા જ જોઈએ.

પ્રશ્નકર્તા : નિરંતર રહેવા જોઈએ. બરોબર છે, એ રહે જ છે.

દાદાશ્રી : સીમંધર સ્વામી માટે રાખવું હોય તો ચાલીસ વખત, એક-બે-ત્રણ-ચાર... બોલવું.

પ્રશ્નકર્તા : આપણે નમસ્કારવિધિ બોલીએ, પંચ પરમેષ્ટિ ભગવાનને, ૐ પરમેષ્ટિ, તીર્થંકર સાહેબોને, શાસન દેવ-દેવીઓને નમસ્કાર કરીએ, ત્યારે અંદર દ્રષ્ટિ સામે શું હોવું જોઈએ ?

દાદાશ્રી : નજર સામે દાદાની મૂર્તિ હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : ફોટો ?

દાદાશ્રી : ચિત્રપટ, ફોટો.

પ્રશ્નકર્તા : અમે બધા દાદા પ્રત્યેનો રાગ જેટલો ભેગો કરીએ છીએ, તે પછી બીજા ભવમાં એ રાગ પાછો ખાલી થશે ને ?

દાદાશ્રી : મારા પર રાગ છે ને એ સીમંધર સ્વામી ઉપર જ પહોંચે છે.

મહાત્માઓ : જય સચ્ચિદાનંદ ! (આત્મોલ્લાસથી)

પ્રશ્નકર્તા : પણ દાદાય સીમંધર સ્વામી જેવા થશે ને ?

(પા.૭૪)

દાદાશ્રી : એવું થઈને મારે શું કામ છે ? એ છે જ ને પછી, આપણે થઈને શું કામ છે ?

પ્રશ્નકર્તા : દાદા, તમે થઈ ગયેલા કહેવાઓ ?

દાદાશ્રી : આપણે તો આ લોકોનું કલ્યાણ થાય, એ આપણી ભાવના.

[8] ત્રિમંદિરનું નિર્માણ, જગત કલ્યાણ અર્થે

મતાર્થ છૂટે તો નિષ્પક્ષપાતી બને

પ્રશ્નકર્તા : આજના પેપરમાં આવ્યું છે કે આપણે સીમંધર સ્વામીનું, કૃષ્ણ ભગવાનનું અને શંકર ભગવાનનું ભેગું મંદિર બનાવવાના છીએ, તો એ સમજણ ના પડી. એ સમજાવો.

દાદાશ્રી : આ મતાર્થ જવા માટે ! ત્યાં ત્રણ મંદિર બંધાય છે. આ સીમંધર સ્વામીનું, જે જીવતા છે તેમના માટે બંધાય છે. કૃષ્ણ ભગવાન જીવતા છે, એમનું બંધાય છે અને ‘શિવ’ એટલે કલ્યાણ સ્વરૂપ જ્ઞાની, તે પણ જીવતા હોય છે. એટલે ત્રણેય મંદિરો બંધાય છે, એય ભેગાં નહીં પણ જુદાં જુદાં. પણ બધા લોકો દર્શન કરી જાય. એનાથી આ લોકોનો મતાર્થ બધો જતો રહેશે. આ મૂર્તિઓમાં એવી પ્રતિષ્ઠા કરીશ ! મૂર્તિઓ બોલશે તમારી જોડે ! મૂર્તિઓ વાતો કરશે ! પ્રતિષ્ઠા તો જેનામાં અહંકાર ન હોય ને, તે જ પ્રતિષ્ઠા કરી શકે અગર તો અહંકાર ઉપશમ થયેલો હોય તે કરી શકે.

હિન્દુસ્તાનમાં મતાર્થ ના રહેવો જોઈએ. કૃષ્ણ ભગવાનને જે ભજે એ સીમંધર સ્વામીને ભજે અને આ બાજુ શિવને ભજે. જગ્યા એક, પણ દેરાસર સેપરેટ એવું આ સંકુલ બંધાઈ રહ્યું છે. અત્યારે જગતના મતાર્થ કાઢવા માટે આ નિષ્પક્ષપાતી ધર્મ છે. આખો અવસર્પિણીકાળ ગયો. અત્યાર સુધી તો મતાર્થમાં ચાલ્યા ! ભગવાન મહાવીરનું શાસન છે, ત્યાં સુધી જ ધર્મ છે. પછી ધર્મનો અંશ રહેવાનો નથી, મંદિર-પુસ્તક

(પા.૭૫)

કશું જ રહેવાનું નથી. માટે અઢાર હજાર વર્ષ જો ચેતી જાય અને મતાર્થમાંથી છૂટી જાય અને ઋષભદેવ ભગવાને જેવું નિષ્પક્ષપાતી વલણ કહ્યું હતું, એવું નિષ્પક્ષપાતી વલણ પાછું થાય.

સહુસહુના દેરાં જુદાં રાખે, પણ મંત્રો તો બધાના ભેગા બોલવા જોઈએ, કોઈ કોઈને સામસામું વેરઝેર ના હોવું જોઈએ. મંત્રો ભેગા બોલે એટલે બધું પહોંચી ગયું. આપણા મનમાં જુદાઈ નથી, તો કશું જુદું છે જ નહીં. એટલે આ ત્રણેય મંદિરો ભેગાં થાય એટલે હિન્દુસ્તાનમાંથી મતાર્થ ઊડી જાય તો શાંતિ થાય ! આ શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી. એવું આ લોક ચોગરદમથી બળી રહ્યું છે. તું અમદાવાદમાં, મુંબઈમાં, જો તો ખરો ! અહીં તો ઓછું બફાયેલું છે. અહીં મોહરાજાનું બળ જરા ઓછું છે, તેથી ઓછું બળે. ત્યાં તો મોહરાજાનું બળ જો તો ખરો ! કરોડો રૂપિયા હોવા છતાં માછલાં તરફડે એમ લોક તરફડી રહ્યું છે ! એટલા માટે આ ઉપાય છે. તને આમાં કશો વાંધો લાગે છે ? તું પણ આમાં તારો મત આપીશ ને ? તારો રાજીપો આપીશ ને ?

પ્રશ્નકર્તા : હા, હવે સીમંધર સ્વામી સાથે કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન પણ મૂક્યા છે. સીમંધર સ્વામી તો વીતરાગ ગણાય ને ?

દાદાશ્રી : હા, વીતરાગ જ ગણાય અને પેલાય છે તે શલાકા પુરુષો છે. કૃષ્ણ ભગવાન તો વાસુદેવ, નારાયણ કહેવાય. નરમાંથી નારાયણ થયેલા હતા એ. એ ત્રેસઠ શલાકા પુરુષોમાં ગણાય અને પાછા આવતી ચોવીસીમાં તીર્થંકર થવાના છે. તીર્થંકરોએ એક્સેપ્ટ (સ્વીકાર)

(પા.૭૬)

કરેલા. અને શિવને જ્ઞાની તરીકે એક્સેપ્ટ કરેલા છે. જે કોઈ પણ જ્ઞાની થાય, એ શિવ કહેવાય. એટલે આ બધાને એક્સેપ્ટ કરેલા છે. એ બધાના મતભેદ ચાલ્યા જશે.

આ ત્રણ મંદિરોમાં મૂર્તિ જોશો ત્યારે તમને ભવ્યતા લાગશે.

આ ઈચ્છા છે ‘અમારી’

આપણે જગતમાં મતભેદ ઓછા કરી નાખવા છે. લોકો મતભેદથી દૂર થશેને, ત્યારે આ વાત સાચી સમજતા થશે. આ મતભેદો તો એટલા કરી નાખ્યા છે કે આ શિવની અગિયારસ ને આ વૈષ્ણવની અગિયારસ, અગિયારસેય જુદી જુદી ! ત્યાં મેં મંત્રો ભેગા કરી નાખ્યા છે અને મંદિર જુદા જુદા રાખો. કારણ કે એ એક જાતની બિલીફ છે. શિવમાં કૃષ્ણને ના ઘાલો. પણ આ મંત્રો છે, તે ભેગા રાખો. કારણ કે મન છે તે હંમેશાં શાંત થવું જોઈએ ને ! તે આ લોકોએ આ બધાં મંત્ર વહેંચી નાખેલા અને આ ભેગું કરીને હું પ્રતિષ્ઠા એવી કરીશ કે લોકોને ધીરે ધીરે મતભેદ બધા વિસારે પડી જાય. આ ઈચ્છા છે અમારી, બીજી કોઈ ઇચ્છા નથી.

મંદિરની રચના શા માટે ?

પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં કેટલા બધા ભગવાનનાં કેટલાં બધાં મંદિરો બન્યાં છે અને નવાં નવાં બન્યાં જ કરે છે તે...

દાદાશ્રી : પણ હવે જે બનાવ્યાં હોય, એને આપણાથી કેમ કરીને

(પા.૭૭)

ના કહેવાય ? જે હકીકત બની ગઈ છે.

અને આપણે જે મંદિર બનાવવાના છીએ, એ ફરજિયાતમાં આવી પડ્યાં છે, બનાવવાં જ પડે. આ તો સીમંધર સ્વામીનું છે. જેનું મંદિર બનાવો તે જીવતા હોવા જોઈએ. આ તો તીર્થંકર સાહેબ છે. આ જગતના લોકોના કલ્યાણ માટે બંધાય છે, મતભેદ જવા માટે.

પ્રશ્નકર્તા : આ જે સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે, એની વાત નથી કરતો. આ તો બીજાનાં મંદિરો છે, તેની વાત કરું છું.

દાદાશ્રી : એ બરોબર છે. એ જે બધાં મંદિરો બંધાય છે, એમાં આપણે હાથ ઘલાય નહીં ને ! આપણે તેમાં અનુમોદના ન આપી શકીએ કે એમાં કંઈ પણ ન કરી શકીએ. પણ લોકો કરતા હોય, તેમાં આપણાથી અંતરાય કરાય નહીં ને ! બાકી તમારું કહેવું બરોબર છે. આટલાં બધાં મંદિરો છે, મંદિરોની મહીં દર્શન કરવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : આને લોક ધરમ માની લે, તો રિયલ ધરમને નહીં ચૂકી જાય ?

દાદાશ્રી : એવું છે કે ઊંધે રસ્તે જતા હોય, એના કરતાં આ સારું છે. જે ધર્મ કરતો હોય તે ‘ખોટો છે’ કહીશું તો અવળે રસ્તે જતો રહે. એ ધર્મ છોડાવડાવીએ તો ઊંધે રસ્તે જતો રહે. આને વાર શી લાગે ? છોડાવવા જેવું નથી. આપણે આપણું પોતપોતાનું કરી લેવા જેવું છે. પારકાની ભાંજગડ કરવા જેવું નથી. આ જગત તો બહુ મોટું તોફાન છે !

મંદિરનું મહત્ત્વ

પ્રશ્નકર્તા : જો દેરાસર ના હોત, મંદિરો ના હોત, તો પછી જેવી

(પા.૭૮)

રીતે આપણે માટે દાદાશ્રી ઊભા થયા છે, પ્રગટ થયા છે, એવી રીતના એમના માટે કોઈ ને કોઈ ઊભું થયું હોત ને ?

દાદાશ્રી : એ તો બરોબર છે. એ એક જાતનો વિકલ્પ છે. આમ બન્યું છે, એ ના હોત તો બીજા કોઈ ઉપાય તો હોત ને ?

બીજું કંઈનું કંઈ મળત. પણ આ મંદિરોનો ઉપાય ઘણો જ સારો છે. મૂર્તિ એ તો હિન્દુસ્તાનનું આ મોટામાં મોટું ‘સાયન્સ’ છે. એ સારામાં સારી પરોક્ષ ભક્તિ છે, પણ જો સમજે તો. મંદિર હોય તો ભગવાનને ‘પધારો’ એમ કહેવાય ! નહીં તો ભગવાન ક્યાં પધારે ? હવામાં ઊડે એ કામ ના આવે. એક જગ્યાએ સ્થિર થયેલું હોય ત્યાં ‘પધારો’ કહેવાય.

મૂર્તિ શાથી મૂકી છે ? એની પાછળ શી ભાવના છે ? ‘‘સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી’ સુખવાળો છું. મારેય સનાતન સુખની ઇચ્છા છે.’’ ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તોય આપણા કરતાં રૂપાળા દેખાય છે, જાણે જોયા જ કરીએ !

આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ, ત્યારે મૂર્તિ શું કહે છે ? ‘ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ શુદ્ધાત્માનો છે.’ એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય !

સમકિતીને છૂટ બધે દર્શનની

પ્રશ્નકર્તા : મારા જેવાએ જ્ઞાન લીધું છે, તો હવે મંદિરમાં જઈએ

(પા.૭૯)

તો શું કરવું ?

દાદાશ્રી : હવે ‘ચંદુલાલ’ (વાચકે પોતાનું નામ સમજવું) ને જ કહીએ કે જે’ જે’ કરજે, બા ! અંદર ભાવ થાય તો, ને ના થાય તો કંઈ નહીં. પણ એના તરફ ઘૃણા નહીં રહેવી જોઈએ, અભાવ નહીં રહેવો જોઈએ. એ રિલેટિવ (વ્યવહાર) છે. રિલેટિવનો વાંધો નહીં. રિલેટિવમાં મસ્જિદમાં જઈએ તોય દર્શન કરાય.

એટલે રિલેટિવમાં નિષ્પક્ષપાતી અને રિયલમાં (નિશ્ચય) આ શુદ્ધાત્મા એકલું જ. રિયલ ભક્તિ એક જ છે.

સીમંધર સ્વામીને જ પૂજો

આ દેરાસર એટલા માટે છે કે જગત સીમંધર સ્વામીને ઓળખી શકે. ‘સીમંધર સ્વામી કોણ છે’ એ ઓળખી શકે. ઘેર ઘેર સીમંધર સ્વામીના ફોટા પૂજાશે ને આરતીઓ થશે ને ઠેર ઠેર સીમંધર સ્વામીનાં દેરાસરો બંધાશે ત્યારે દુનિયાનો નકશો કંઈ ઓર જ હશે !

હજુ ઘણું કામ થવાનું છે, મારા હાથે તો ઘણું કામ થવાનું છે !

આવું કંઈક થશે તો આ લોકોનું કલ્યાણ થશે, નિમિત્ત જોઈશે. એટલે આ સીમંધર સ્વામીનો સંકેત અવશ્ય ફળવાળો છે. એટલે આપણા લોકોએ જ્ઞાન નહીં લીધું હોય ને, ત્યાં સીમંધર સ્વામીનાં દર્શન કરે તોય એમાં ફળ છે, એટલે આ બધું બાંધવાનું થાય છે, નહીં તો આપણે આ તો હોતું હશે ? આપણને આ બધું શોભેય નહીં. અને આ તો જીવતા તીર્થંકર છે, એટલે વાત કરીએ છીએ. બીજા ભૂતકાળના તીર્થંકરની વાત

(પા.૮૦)

જ કરવાનો અર્થ નથી. આપણને બીજાં જોઈએ એટલાં દેરાસર છે જ. એની જરૂર છે. આપણે એની ના નથી કહેતા. કારણ કે એ મૂર્તિપૂજા છે ને ! અને ભૂત તીર્થંકરોની છે ને ! એ તીર્થંકરો હતા, એ વાત તો સાચી છે ને ! એટલે કેટલાક લોકો એમ કહે કે દાદા યે આ પ્રમાણે દેરાસર બંધાવવામાં ચાલ્યા. પણ અમે હવે આવા સંજોગોમાં મૂકાયા. અમારી આમાં કશી આવી ઈચ્છા જ ના હોય.

એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર બંધાય છે, એ આ વ્યવહાર છે. ભવિષ્યની પ્રજાને ઉગારવા માટે છે આ. અને આ આપણનેય, મારો ફોટો હોય તો હેલ્પફુલ ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : ઘણી હેલ્પ કરે.

દાદાશ્રી : કારણ કે દાદા પોતે છે. એવું સીમંધર સ્વામી પોતે છે, ત્યાં સુધી એ હેલ્પફુલ છે. અને આ તો આપણે જે કરીએ છીએ, એ તો ઈટ હેપન્સ છે. ‘ઈટ હેપન્સ’ થઈ રહ્યું છે. સીમંધર સ્વામીને ભજીએ તો હિન્દુસ્તાનમાં ફેરફાર થાય, નહીં તો કેમનો ફેરફાર થાય ?

પ્રશ્નકર્તા : દાદા, હિન્દુસ્તાનમાં હમણાં જોઈએ તો હડહડતો કળિયુગ છે.

દાદાશ્રી : તે છોને રહ્યું હડહડતું ! આ બધું જ્યાં સુધી સીમંધર સ્વામી રાજી છે, જ્યાં બધા દેવલોકો રાજી છે, ત્યાં શું બાકી રહે ?

મંદિર નહીં પણ કલ્યાણનું ધામ

આ મંદિરોને માટે આ બધી સંજ્ઞા થઈ એટલે બંધાયું છે. જગત કલ્યાણ માટેની અમારી સંજ્ઞા છે.

આ સીમંધર સ્વામીનું દેરાસર થઈ જાય તો સારું. લોકોના હિતનું છે. સીમંધર

(પા.૮૧)

સ્વામીના અહીં લોકો જેટલાં દર્શન કરશે ને એટલું વિશેષ ફળદાયી થઈ પડશે. કારણ કે આ હાજર તીર્થંકર કહેવાય, બહુ હેલ્પફુલ !

પ્રશ્નકર્તા : આ સીમંધર સ્વામીનું દેરાસર બીજે છેને ? પછી નવું બાંધવાની શી જરૂર ?

દાદાશ્રી : આ બીજે સીમંધર સ્વામીનાં દેરાસર છે ને તે બધાં લોકોને એક્સેપ્ટ નથી થતાં. વીતરાગો બધા લોકોને એક્સેપ્ટ થવા જોઈએ. પક્ષપાતી ના હોવા જોઈએ. એટલે આ સીમંધર સ્વામીનું દેરાસર જે બંધાય છે, તેમાં ચાર મૂર્તિઓ આપણા થઈ ગયેલા તીર્થંકરોની રહેશે. પહેલા ને બીજા - ઋષભદેવ ને અજિતનાથ અને ત્રેવીસમા ને ચોવીસમા - પાર્શ્વનાથ ને મહાવીર. અને સીમંધર સ્વામીની મોટી મૂર્તિ અહીં મહેસાણા જેવી, બાર ફૂટની અને જોડે છે કૃષ્ણ વાસુદેવનું મંદિર અને આ બાજુ શિવલિંગ. એટલે આ બધા ધર્મોનું અહીં આગળ સંકલન કરવામાં આવે છે અને એ મોટામાં મોટું જાત્રાનું સ્થાન થવાનું છે અને તેથી લોકોનું કલ્યાણ થવાનું છે.

(પા.૮૨)

અમૂર્તનું દેરાસર આ

આ આમની મૂર્તિ નથી પધરાવતા, સીમંધર સ્વામી જાતે હાજર છે. એમની મૂર્તિ એટલે પોતે જાતે એના પ્રતિનિધિ કહેવાય. જેમ આ દાદા અહીં આગળ છે, એમની મૂર્તિ બધા ભજે છે. તે મૂર્તિ એમની પ્રતિનિધિ કહેવાય. હું ના હોઉં ત્યારે મૂર્તિ કહેવાય. મૂર્તિનાં ક્યાં સુધી દર્શન કરવાનાં છે ? અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી. અમૂર્ત પ્રાપ્ત થતાં સુધી મૂર્તિનું અવલંબન છે. પછી મૂર્તિ છોડી દેવાની ? ભગવાને કહેલું કે ના. મૂર્તિ છોડી નહીં દેવાની, નહીં તો લોકો પણ છોડી દેશે. એટલે વ્યવહાર ધર્મ છે એ, અમે હઉ જઈએ. વર્ષમાં બે-ત્રણ વખત મારે હઉ ત્યાં જવાનું. તો પોળના નાકાવાળા બધાને સમજાય કે દાદા જાય છે. વ્યવહાર ધર્મ બધોય ખુલ્લો રાખવાનો.

પ્રશ્નકર્તા : હમણાંના બધા લોક વ્યવહારમાં છે અને ભાવિક પ્રજાને માટે તો એ મૂર્તિ પરોક્ષ છે, તો ભક્તિ લોકો કરશે જ ને ?

દાદાશ્રી : ના, આ મૂર્તિ પરોક્ષ નથી.

પ્રશ્નકર્તા : પણ ભવિષ્યની પ્રજા, એને માટે પરોક્ષ જેવું થઈ જશે ને ?

દાદાશ્રી : એકલું એને માટે જ નહીં. પહેલું આપણે માટે છે આ. આપણે માટે શું છે ? સીમંધર સ્વામી આજે હાજર છે. હજુ તો સવા લાખ વરસ સુધી હાજર છે. એક કલેક્ટર ત્યાં આગળ ખુરશી ઉપર હોય, ત્યાં સુધી કામ થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : એક કલેક્ટર તમારું કામ ના કરતો હોય, તો તમે ઘેર બેઠા એના ફોટા આગળ એનાં પ્રતિક્રમણ કર્યા કરો તો તમારું કામ થઈ જાય. એના ફોટા પાસે તમે પ્રતિક્રમણ કર્યા કરો તોય ચાલે. હવે કલેક્ટરને જોયા છે જાણ્યા છે એટલે એના ફોટાની જરૂર નહીં, જ્યારે

(પા.૮૩)

આમાં ફોટાની જરૂર અને ભવિષ્યની પ્રજા માટે, આખા જગતના કલ્યાણ માટે છે. આ દેરાસરનું સંકુલ તો મતાર્થ જવા માટે છે. મતભેદ બધા જતા રહેશે ને લોકોને ફળ આપશે.

મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી ભગવાન બિરાજે છે. તે તેમની મૂર્તિ અહીં મૂકવાની છે, જીવતાની મૂર્તિ હોય ! કેટલું બધું ફળ આપે ? સીમંધર સ્વામીનું દેરાસર, તે મૂર્તિનું દેરાસર નથી, એ અમૂર્તનું દેરાસર છે.

એમનું ચિત્રપટ કે મૂર્તિ બધું કામ કરે. એટલે આપણા મહાત્માઓએ ત્યાં દર્શન જ કર્યા કરવાનાં. સામે બેસી રહેવાનું, તમે સીમંધર સ્વામી પાસે બેસી રહો, એ મૂર્તિ પાસે બેસી રહોને, તોય હેલ્પ થાય.

હું હઉ બેસી રહું છુંને ! મારે તો મોક્ષ મળી ગયો છે, તોય હું બેસી રહ્યો છું. નહીં તો મારે એમનું શું કામ હતું ? મોક્ષ મને મળી ગયો છે તોય હું બેસી રહ્યો છું. કારણ કે હજુ એ ઉપરી છે. એમનાં દર્શન કરીએ, એ કોનાં દર્શન ? મોક્ષ સ્વરૂપનાં. દેહ સાથે જેનું સ્વરૂપ મોક્ષ છે. એમનાં દર્શન કરે ત્યારે મોક્ષ થાય, નહીં તો મોક્ષ થાય નહીં.

હિતકારી વર્તમાન તીર્થંકર જ

પ્રશ્નકર્તા : દાદા, આ દેરાસર ને એ બધું બને છે, તેમાં ખરો ભાવ બધો આત્માનો કરવાનો છે ? ખરું તો આપણે આત્માનો જ રસ્તો ખોળવાનો છે ને ?

દાદાશ્રી : આપણે મોક્ષમાં જવાનું છે ત્યાં આગળ. મોક્ષમાં જવાય એટલું પુણ્ય જોઈએ. આ અનંત અવતારની ખોટ ભાંગવાની છે અને એક જ અવતારમાં ભાંગવાની છે. એટલે ખરી રીતે મારી પાછળ પડવું જોઈએ, પણ એ તો તમારું ગજું નહીં. આ એમની જોડે તાર-સાંધો મેળવી આપું છું, કારણ કે ત્યાં જવાનું છે. હજી એક અવતાર બાકી રહેશે. અહીંથી સીધો મોક્ષ થવાનો નથી. એમની પાસે બેસવાનું છે એટલે

(પા.૮૪)

સાંધો મેળવી આપું છું અને આ ભગવાન આખા વર્લ્ડનું કલ્યાણ કરશે. એટલે એમના નિમિત્તથી આખા વર્લ્ડનું કલ્યાણ થશે.

અહીંયાં તમે સીમંધર સ્વામીનું જેટલું કરશો, એટલામાં બધું તમારું આવી ગયું. બહુ થઈ ગયું. એમાં એવું નથી કે આ ઓછું છે. એમાં તો તમે જે (આપવા માટે) ધાર્યું હોય ને એ બધું કરો. એટલે બધું થઈ ગયું. પછી આથી વધારે કરવાની જરૂર નથી. પછી દવાખાના બાંધો કે બીજું બાંધો. એ બધું જુદે રસ્તે જાય. એય પુણ્ય ખરું પણ સંસારમાં જ રાખે અને આ પુણ્યાનુબંધી પુણ્ય, જે મોક્ષે જવા હેલ્પ કરે !

વાળો વહેણ લક્ષ્મીનાં ‘ત્યાં’

મંદિર માટે લક્ષ્મી જો કાઢો તોય જ્ઞાનના જેવી આ, કારણ કે સીમંધર સ્વામીને માટે છે. પુસ્તકો દાન આપોને તેના કરતાંય વિશેષ વધે એવું. હા, સીમંધર સ્વામીને માટે જે કંઈ કરવામાં આવે એની વાત જુદી. ગણતરી જ થાય એવી નથી. ચોવીસ તીર્થંકરોની મૂર્તિ પણ એ ગયા તે તીર્થંકરો, આ હાજર તીર્થંકર કહેવાય. હાજર તીર્થંકરની આપણે અહીં મૂર્તિ કે મંદિરો પહેલેથી બનાવતા નથી. આપણા ભારત દેશમાં પારસનાથ હાજર હતા તે ઘડીએ એમનું મંદિર થયેલું.

પ્રશ્નકર્તા : એટલે એ જ્યાં સુધી એમનો દેહ છે અને વિચરે છે ત્યાં સુધી હેલ્પ કરે ?

દાદાશ્રી : હા પણ ક્યાં સુધી એમનો દેહ ?

પ્રશ્નકર્તા : દોઢ લાખ વર્ષનું આયુષ્ય છે ત્યાં સુધી.

દાદાશ્રી : હજુ બાકી હોય એટલું આયુષ્ય પૂરું થશે ત્યાં સુધી લોકોને લાભ થશે અને આપણે પ્રતિષ્ઠાયે એવી સરસ કરીશું. એટલે લોકોનું કલ્યાણ થવાનું.

પ્રશ્નકર્તા : લાભ થાય એટલે શું થાય ? આ જીવોમાં જાગૃતિ ઉત્પન્ન

(પા.૮૫)

થાય ?

દાદાશ્રી : ધર્મને રસ્તે ચડી જાય. સારો સત્ ધર્મ, મોક્ષમાર્ગનો રસ્તો જડી જાય.

જાગૃતિ, બધું જ વધે. ઊંચામાં ઊંચી ચીજ મળ્યા કરે પણ મારી ભાવના છે કે હિન્દુસ્તાન આ સ્થિતિમાં ન રહેવું જોઈએ. લોકો આ સ્થિતિમાં ના રહેવા જોઈએ.

સીમંધર સ્વામીના રિપ્રેઝન્ટેટિવ

પ્રશ્નકર્તા : અમે રોજ સીમંધર સ્વામીને પ્રાર્થના કરીએ છીએ, કે એકાદ દેવ મોકલે અને અમને ત્યાં આગળ લઈ જાય.

દાદાશ્રી : એ પ્રાર્થના ફળવાની. તે માટે મને મોકલેલ છે.

પ્રશ્નકર્તા : જય સચ્ચિદાનંદ !

દાદાશ્રી : અને હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?

કામના પૂજવાની, ન પૂજાવાની

હિન્દુસ્તાનમાં બધા લોકોએ મને કહ્યું કે અમારે મંદિરમાં તમારી મૂર્તિ મૂકવી છે. મેં કહ્યું, ‘ના, મૂર્તિ મૂકવાની નહીં. હું મૂર્તિ મૂકાવીશ તો પાછળવાળાને ફાવતું આવી ગયું. એટલે પછી એમના પછી એય મૂકાવડાવે. કોઈ ફરી પાછો બીજો મૂકાવતો જાય એ રીતે.

એટલે હું અહીંથી કાપી નાખું તો પછી વાંધો-ભાંજગડ નહીંને ! પછી લાલચ ના રહેને ! પછી એ કેમની એની મૂર્તિ મૂકાવડાવે ?

પ્રશ્નકર્તા : મૂળ ધ્યેય ચૂકી જવાય.

દાદાશ્રી : એટલે મારી મૂર્તિ મૂકવાની જરૂર નથી. હું તો મૂર્ત 

(પા.૮૬)

જ છું, જ્યારે જુઓ ત્યારે. આ મૂર્તિ તો બધા આગળના લોકોની મૂકેલી. બે જાતના લોકોની મૂર્તિ મૂકાયેલી. સાચા પુરુષો, મૂળ પુરુષો, જેની આપણા લોકોએ મૂર્તિ મૂકી. અને મારી પછી તો શું થશે ? પછી તો પ્રથા ચાલશે કે મારા પછી જે હોય ને, એ પછી દાદાની મૂકે, એટલે મેં કહ્યું છે કે મારી મૂર્તિ મૂકવી હોય તો સીમંધર સ્વામીની સામે હું આમ કરીને (પગે લાગતાં) બેસી રહ્યો હોઉં તેવી મૂર્તિ મૂકજો.

પ્રશ્નકર્તા : મૂર્તિ મૂકવી જ પડે એવું હોય તો એવી કરાવાય તો ખરી ને ?

દાદાશ્રી : તો તેનો વાંધો નહીં. એટલે લોકોને થાય કે આ દાદાને પૂજાવાની કામના નથી, પૂજવાની કામના છે. આ સીમંધર સ્વામી પૂજવા માટે છે અને એમને પૂજવાનું છે, એ બતાવે છે !

હું તો બહુ બહુ પૂજાયેલો છું. અનંત અવતારથી ધરાઈ ગયો છું, પૂજાઈ, પૂજાઈને ! એ મારી કોઈ જાતની ભીખ નથી રહી. એ તો એક જાતની ભીખ છે માનની, પૂજાવાની કામના. આ બધી કામના છોડીએ, તો જ એનો ઉકેલ આવે.

- જય સચ્ચિદાનંદ

વર્તંમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને પ્રાર્થના

પ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થંકર ભગવાન ‘શ્રી સીમંધર સ્વામી’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.

હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક, પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાનીપુરુષ શ્રી દાદા ભગવાનની સાક્ષીએ, આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી આપનું અનન્ય શરણું સ્વીકારું છું. હે પ્રભુ ! આપના ચરણકમળમાં મને સ્થાન આપી અનંતકાળની ભયંકર ભટકામણનો અંત લાવવા કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો !

હે વિશ્વવંદ્ય એવા પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુ, આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. પણ અજ્ઞાનતાના કારણે મને મારું પરમાત્મ સ્વરૂપ સમજાતું નથી, તેથી આપના સ્વરૂપમાં જ હું મારા સ્વરૂપનાં નિરંતર દર્શન કરું, એવી મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !

હે પરમતારક દેવાધિદેવ, સંસારરૂપી નાટકના આરંભકાળથી આજના દિવસની અદ્યક્ષણ પર્યંત, કોઈપણ દેહધારી જીવાત્માના મન-વચન-કાયા પ્રત્યે, જાણ્યે-અજાણ્યે જે અનંત દોષો કર્યા છે, તે પ્રત્યેક દોષોને જોઈને, તેનું પ્રતિક્રમણ કરવાની મને શક્તિ આપો. આ સર્વે દોષોની હું આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરું છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો ! અને મારાથી ફરી આવા દોષો ક્યારેય ન થાય તેવો દ્રઢ નિર્ધાર કરું છું. આ માટે મને જાગૃતિ અર્પો; પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !

પોતાના પ્રત્યેક પાવન પગલે તીર્થ સ્થાપનાર હે તીર્થંકર શ્રી સીમંધર સ્વામી પ્રભુ ! જગતના સર્વે જીવો પ્રત્યે સંપૂર્ણ અવિરાધકભાવ અને સર્વે સમકિતી જીવો પ્રત્યે સંપૂર્ણ આરાધક ભાવ મારા હૃદયમાં સદા સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો ! ભૂત, ભવિષ્ય ને વર્તમાન કાળના સર્વ ક્ષેત્રોના સર્વ જ્ઞાની ભગવંતોને મારા નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો ! હે પ્રભુ, આપ મારા પર એવી કૃપા વરસાવો કે જેથી કરીને મને આ ભરતક્ષેત્રમાં આપના પ્રતિનિધિ સમાન કોઈ જ્ઞાની પુરુષનો, સત્પુરુષનો સત્ સમાગમ થાય અને એમનો કૃપાધિકારી બની આપના ચરણ કમળ સુધી પહોંચવાની પાત્રતાને પામું.

હે શાસન દેવદેવીઓ ! હે પાંચાગુલિ યક્ષિણીદેવી તથા હે ચાંદ્રાયણ યક્ષ દેવ ! હે શ્રી પદ્માવતી દેવી ! અમને શ્રી સીમંધર સ્વામીના ચરણ કમળમાં સ્થાન પામવાના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે, એવું અભૂતપૂર્વ રક્ષણ આપવાની કૃપા કરો અને કેવળજ્ઞાન સ્વરૂપમાં જ રહેવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !

- જય સચ્ચિદાનંદ

શ્રી સીમંધર સ્વામીની આરતી

જય ‘સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન

મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (૨) ભરત ઋણાનુબંધ .....જય

‘દાદા ભગવન’ સાક્ષીએ, પહોચાડું નમસ્કાર.....(સ્વામી)

પ્રત્યક્ષ ફળ પામું હું, (૨) માધ્યમ જ્ઞાન અવતાર.....જય

પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે......(સ્વામી)

ઉદાસીન વૃત્તિ વહે, (૨) કારણ મોક્ષ સેવે.............જય

બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે......(સ્વામી)

પરમહંસ પદ પામી, (૨) જ્ઞાન અજ્ઞાન લણે..........જય

ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે........(સ્વામી)

નિરાશ્રિત બંધન છૂટે, (૨) આશ્રિત જ્ઞાની થયે.......જય

ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવિ...........(સ્વામી)

સ્વામી સત્તા ‘દાદા’ કને, (૨) ભરત કલ્યાણ કરે......જય

પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે.........(સ્વામી)

પરમજ્યોતિ ભગવંત ‘હું’, (૨) અયોગી સિદ્ધપદે.....જય

એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે.....(સ્વામી)

અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિ પદને વરે.......જય

શ્રી સીમંધર સ્વામીનું જીવનચરિત્ર

આપણા ભારત વર્ષની ઇશાન દિશામાં કરોડો કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. તેમાં ૩૨ વિજયો (ક્ષેત્રો) છે. આ વિજયોમાં આઠમી વિજય ‘પુષ્પકલાવતી’ છે. તેનું પાટનગર શ્રી પુંડરિકગિરી છે. આ નગરીમાં ગત ચોવીસીના સત્તરમા તીર્થંકર શ્રી કુન્થુનાથ ભગવાનનો શાસનકાળ તથા અઢારમા તીર્થંકર શ્રી અરહનાથજીના જન્મ પૂર્વેના સમયમાં શ્રી સીમંધર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો. તેમના પિતા શ્રી શ્રેયાંસ પુંડરિકગિરી નગરીના રાજા હતા. ભગવાનની માતાનું નામ સાત્યકી હતું.

યથાસમયે મહારાણી સાત્યકીએ અદ્વિતીય રૂપ-લાવણ્યવાળા, સર્વાંગ સુંદર, સુવર્ણ કાંતિવાળા તથા વૃષભના લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો. (વીર સંવતની ગણના મુજબ ચૈત્ર વદી ૧૦ની મધ્યરાત્રિના) બાળ જિનેશ્વર કે જે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિજ્ઞાન સાથે જ જન્મ્યા હતા. તેમનું દેહમાન પાંચસો ધનુષ જેટલું છે. રાજકુમારી શ્રી રુક્મિણી પ્રભુનાં અર્ધાંગના બનવા માટે પરમ સૌભાગ્યશાળી બન્યાં હતાં. ભરત ક્ષેત્રમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી તથા એકવીસમા તીર્થંકર શ્રી નેમીનાથજીના પ્રાગટ્ય કાળની વચ્ચે, અયોધ્યામાં રાજા દશરથના શાસનકાળ દરમિયાન તથા રામચંદ્રજીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામીએ મહાભિનિષ્ક્રમણના ઉદયયોગે ફાગણ સુદી ત્રીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કરતાં જ તેમને ચોથું મનઃપર્યવ જ્ઞાન લાધ્યું. દોષકર્મોની નિર્જરા થતાં હજાર વર્ષના છદ્મસ્થકાળ પછી બાકીનાં ચાર ઘાતી કર્મોનો ક્ષય કરીને ચૈત્ર સુદી તેરસના દિવસે ભગવાન કેવળજ્ઞાની તથા કેવળદર્શની બન્યા. એમનાં દર્શન માત્રથી જ જીવો મોક્ષમાર્ગી બનવા લાગ્યા.

શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તોમાં ચોર્યાસી ગણધરો, દસ લાખ કેવળજ્ઞાની મહારાજાઓ, સો કરોડ સાધુઓ, સો કરોડ સાધ્વીજીઓ, નવસો કરોડ શ્રાવકો ને નવસો કરોડ શ્રાવિકાઓ છે. તેઓશ્રીના શાસન રક્ષકોમાં યક્ષદેવ શ્રી ચાંદ્રાયણદેવ તથા યક્ષિણીદેવી શ્રી પાંચાંગુલિદેવી છે.

આવતી ચોવીસીના આઠમા તીર્થંકર શ્રી ઉદયસ્વામીના નિર્વાણ પછી તેમ જ નવમા તીર્થંકર શ્રી પેઢાળસ્વામીના જન્મ પૂર્વે શ્રી સીમંધર સ્વામી તથા અન્ય ઓગણીસ વિહરમાન તીર્થંકર ભગવંતો શ્રાવણ સુદી ૩ના અલૌકિક દિવસે ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂરું કરી નિર્વાણપદને પામશે.

www.dadabhagwan.org