ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11 

મા-બાપ છોકરાંનો વ્યવહાર

સંપાદકીય

ડૉ. નીરુબહેન અમીન

કયા અવતારમાં છોકરાં નથી થયાં ? મા-બાપ વિના કોનું અસ્તિત્વ હોઈ શકે ? ભગવાનો પણ માને પેટે જ જન્મ્યા હતા. આમ મા-બાપ છોકરાંનો વ્યવહાર અનાદિ અનંત છે. એ વ્યવહારમાં આદર્શતા કેમ કરીને આવે તે માટે બધા દિન-રાત મથતા દેખવામાં આવે છે. તેમાં ય આ કળિકાળમાં તો વાત વાતમાં મા-બાપ છોકરાં વચ્ચે મતભેદ ભાળવામાં આવે છે ત્યારે અરેરાટી વ્યાપી જાય. સત્યુગમાં ય ભગવાન રામ અને લવ-કુશનો વ્યવહાર કેવો હતો ? ઋષભદેવ ભગવાનથી અળગો પંથ કાઢનાર મરીચિ ક્યાં ન હતા ? ધૃતરાષ્ટ્રની મમતા ને દુર્યોધનનો સ્વચ્છંદ ક્યાં જાણીતો નથી ? મહાવીરના વખતમાં શ્રેણિક રાજા અને પુત્ર કોણીક મોગલોની યાદ અપાવે તેમ હતું. મોગલ બાદશાહો જગપ્રખ્યાત થયા ત્યારે એક બાજુ બાબર હતો કે જેણે હુમાયુના જીવન માટે પોતાના જીવનને સાટામાં આપવાની અલ્લાને બંદગી કરેલી ? ત્યારે બીજી બાજુ શાહજહાંને જેલમાં નાખીને ઔરંગઝેબ ગાદી પર બેઠેલો. તો રામ બાપને ખાતર જ વનવાસ ચાલ્યા ગયા હતા. શ્રવણે મા-બાપને કાવડમાં બેસાડી જાતે ઊંચકીને જાત્રા કરાવેલી. (મુખપૃષ્ઠ) આમ રાગ-દ્વેષની વચ્ચે ઝોલાં ખાતો મા-બાપ અને છોકરાંનો વ્યવહાર દરેક કાળમાં હોય છે. આ કાળમાં દ્વેષનો વ્યવહાર વિશેષ વિશેષ જોવામાં આવે છે.

આવા કાળમાં સમતામાં રહી આદર્શ વ્યવહાર કરી નીકળી જવાનો રસ્તો અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદાશ્રીએ અત્રે પ્રરૂપ્યો છે. આજના યુવાવર્ગનું માનસ સંપૂર્ણપણે જાણી તેમને જીતવાનો રસ્તો સૂઝાડ્યો છે. પરદેશમાં વસતા ભારતીય મા-બાપો તેમ જ બાળકોની બે દેશના ભિન્ન ભિન્ન કલ્ચર વચ્ચે જીવન જીવવાની કઠીન સમસ્યાનો સુંદર ઉકેલ પ્રસંગે પ્રસંગે વાતચીત કરતાં ખુલ્લો કર્યો છે. જે સુજ્ઞ વડીલ વાંચકોને તેમજ યુવાવર્ગને ખૂબ ખૂબ ઉપયોગી બનશે, એમનાં આદર્શ જીવન જીવવા માટે.

પ્રસ્તુત ગ્રંથ બે વિભાગમાં સંકલન થઈ પ્રકાશિત થાય છે.

પૂર્વાર્ધ : મા-બાપનો છોકરાં પ્રત્યે વ્યવહાર.

ઉત્તરાર્ધ : છોકરાંનો મા-બાપ પ્રત્યે વ્યવહાર.

પૂર્વાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી મા-બાપ સાથે સત્સંગ કરે છે. મા-બાપની અનેક મૂંઝવણો સંપૂજ્યશ્રી સામે અનેક પ્રસંગોએ રજૂ થયેલી. જેના સચોટ સોલ્યુશન પૂજ્યશ્રીએ આપ્યાં છે. જેમાં મા-બાપને વ્યવહારિક ગૂંચવાડાનાં સમાધાન મળે, તેમનાં પોતાના અંગત જીવનમાં જાતને સુધારવાની ચાવીઓ મળે તેમજ બાળકો સાથે વ્યવહારમાં પડતી મુશ્કેલીઓમાં અનેક ઉકેલ પ્રાપ્ત થાય છે અને જેથી સંસાર વ્યવહાર સુખમય પૂરો થાય. મા-બાપ અને છોકરાં વચ્ચે જે રિલેટિવ સંબંધ છે, તત્ત્વ દ્રષ્ટિએ જે જે વાસ્તવિકતાઓ છે, એ સમજ પણ જ્ઞાની પુરુષ આપે છે. જેથી મોક્ષ માર્ગે આગળ વધવામાં મા-બાપને મૂર્ચ્છા ઊડી જાય અને જાગૃતિ ખીલે. તે સર્વ ગ્રંથના પૂર્વાર્ધમાં સંકલિત થયું છે.

જ્યારે ઉત્તરાર્ધમાં પરમ પૂજ્ય દાદાશ્રી બાળકો, યુવાન છોકરા-છોકરીઓ જોડે સત્સંગ કરે છે અને તેમણે પોતાના જીવનની અંગત મૂંઝવણોના સમાધાન મેળવ્યાં છે. મા-બાપ સાથે કેવો વ્યવહાર કરવો તેની સમજણ પ્રાપ્ત થાય છે, પરણવાની બાબતમાં સમજ એવી સરસ પ્રાપ્ત થાય છે કે યુવાનો પોતાના જીવનમાં સાચી વાત સમજીને પછી વ્યવહારનો પૂરેપૂરો ઊકેલ લાવી શકે. બાળકો પોતાના મા-બાપની સેવાનું મહાત્મ્ય અને પરિણામ સમજે તેની સમજણ ગ્રંથના ઉત્તરાર્ધમાં સમાવેશ થાય છે.

-----------------

મા-બાપની મૂંઝવણો જેવી કે છોકરાં માટે આટલું બધું કર્યું છતાં છોકરાં સામાં થાય છે તેનું શું ? છોકરાં મોટાં થઈને આવાં સંસ્કારી થશે તેવાં થશે વિ. વિ. સ્વપ્ના ભાંગી જતાં જુએ ત્યારે જે આઘાત અનુભવે તેનું સમાધાન કેવી રીતે લેવું ? કેટલાંક છોકરાં તો મા-બાપના લગ્નજીવનનું સુખ(!) જોઈને પરણવાની જ ના પાડે ત્યાં શું કરવું ? મા-બાપે કઈ રીતે સંસ્કાર સીંચન કરવું ? પોતે કઈ રીતે એનું જ્ઞાન મેળવવું ? ક્યાંથી મેળવવું ? બગડેલા બાળકોને કઈ રીતે સુધારવા ? વાતે વાતે મા-બાપ છોકરાં વચ્ચેની અથડામણોથી અટકાય શી રીતે ? છોકરાંને મા-બાપ બોસીઝમ કરતાં લાગે છે ને મા-બાપને છોકરાં વંઠી ગયેલાં લાગે છે; હવે આનો રસ્તો શું ? છોકરાંને સારું શીખવાડવા કહેવું તો પડે જ, તેને છોકરાં કચકચ માનીને સામાં આર્ગ્યુમેન્ટસ કરે ત્યાં શું કરવું ? નાના છોકરાં, મોટાં છોકરાં સાથે કઈ રીતે જુદો જુદો વ્યવહાર ગોઠવવો ?

ઘરની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓનો સાચો માળી કઈ રીતે બનાય ? એનો લાભ કઈ સમજણથી ઊઠાવી શકાય ? કોઈ લોભી તો કોઈ લાફો, કોઈ ચોર, તો કોઈ ઑલિયો, આવી ભિન્ન ભિન્ન ઘરમાં છોકરાંઓની પ્રકૃતિઓ હોય તેનાં વડીલે શું સમજવું ને શું કરવું ?

બાપને દારૂ, બીડીનું વ્યસન પડી ગયું હોય ત્યાં કઈ રીતે તેનાંથી છૂટવું કે જેથી કરીને છોકરાંને તેની ખરાબ અસરથી બચાવી શકાય ?

છોકરાં દિવસે, મોડી રાત સુધી ટી.વી. સીનેમા જોયા કરે ત્યાં કઈ રીતે તેમને બચાવવાં ? નવી જનરેશનની કઈ સારી વસ્તુને ધ્યાનમાં લઈ તેનો કઈ રીતે લાભ ઊઠાવવો ? કાલના કષાયી અને વર્તમાનના વિષયી જનરેશનની ગેપ કઈ રીતે પૂરવી ? એકબાજુ આજની જનરેશનનું 'હેલ્ધી માઈન્ડ' જોઈ ગરદન ઝૂકી જાય તેમ લાગે ને બીજી બાજુ વિષયાંધ દેખાય, ત્યાં શું થઈ શકે ?

મોડાં ઊઠનાર છોકરાંને કઈ રીતે સુધારવાં ? ભણવામાં 'ડલ' છોકરાંને કઈ રીતે 'ઈમ્પ્રુવ' કરવાં ? એમને કઈ રીતે ભણવામાં 'એન્કરેજ' કરવાં ? છોકરાં જોડે વ્યવહાર કરતાં પટ્ટા તૂટી જાય તો કઈ રીતે 'કાઉન્ટર પુલીઓ' ગોઠવવી ?

છોકરાં અંદરોઅંદર લડે તો કઈ રીતે તટસ્થ રહી ન્યાય તોળવો ? છોકરાં રીસાય ત્યારે શું કરવું ? છોકરાંના ક્રોધને બંધ કરવા શું કરવું ? છોકરાંને ટકોર કરાય ? છોકરાંને વઢાય ? વઢાય કે ટકોર કરાય તો કઈ રીતે ? છોકરાને વઢે તો કયું કર્મ બંધાય ? એમને દુઃખ થાય તેનો ઉપાય શું ? છોકરાંને મરાય ? મારી દેવાય તો શું ઉપાય ? કાચ જેવા બાલમાનસને કેવી 'કેર'થી 'હેન્ડલ' કરાય ? મા-બાપ કાળી મજૂરી કરી કમાય ને છોકરાં ઊડાવે તો શું એડજસ્ટમેન્ટ લેવું ? બાળકોને સ્વતંત્રતા અપાય ? અપાય તો કેટલી હદ સુધીની ? છોકરો દારૂડિયો હોય તો શું પગલાં લેવાં ? વહુ ગાળો દે તો શું કરવુ ? મોક્ષનો ધ્યેય લક્ષમાં રાખીને અધ્યાત્મ અને મા-બાપ છોકરાંનો વ્યવહારનો કઈ રીતે સમન્વય કરવો ? મા-બાપ છોકરાથી જુદાં થાય તો ?

છોકરીઓ રાત્રે મોડી આવે તો ? લફરાંવાળી થઈ ગઈ હોય તો શું કરવું ? પરનાતમાં છોડી પૈણી ગઈ તો શું કરવું ? છોડી પર શંકા રહ્યા કરે તેનું શું ?

વીલ કરવું ? કેવું કરવું ? કોને કેટલું આપવું ? મરતાં પહેલાં આપવું કે પછી ? છોકરા પૈસા માગે તો શું કરવું ? ઘરજમાઈ કરાય ?

છોકરાં પર કેટલો મોહ રખાય ? લાગણી, મમતા એનું શું રહસ્ય છે ? કેટલી ફાયદાકારક ? 'ગુરુ' આવતાં જ દીકરો પાટલી બદલી દે ત્યારે શું કરવું ?

જેને છોકરાં ના હોય તેનું કર્મ કેવું કહેવાય ? છોકરાં ના હોય તો ? શ્રાધ્ધ સરાવી મુક્તિ કોણ કરાવે ? નાની ઉંમરમાં ભૂલકાં મરી જાય ત્યાં મા-બાપે કેમ કરીને સહી લેવું ? તેના માટે શું કરવું ? પૂજ્ય દાદાશ્રીનાં બાળકો મરી ગયા ત્યારે તેમણે શું કરેલું ? રીલેશન ફાટતાં હોય તો કઈ રીતે સાંધવું ? જ્ઞાનીઓ કયા જ્ઞાનથી સંસાર સાગર તરવાનો એ રસ્તો બતાવે છે ?

----------------

કળીને ખીલવવાની કળા જ્ઞાનીની કેવીક હોય તે ઉત્તરાર્ધમાં જોવા મળે છે અહીં બે વર્ષથી બાર વર્ષના ભૂલકાંને ખીલવતાં જોઈએ તો ખૂબ ખૂબ શીખવા મળે ! પ્રેમ, સમતા ને આત્મીયતાના રંગે !

છોકરાંને ભણતર, ગણતર ને ઘડતર ત્રણે ય કઈ રીતે અપાય ?

છોકરાં પરણવાલાયક થાય ત્યારે મોટો પ્રશ્ન આવીને ખડો થાય છે, પાત્રની પસંદગી કેવી ને કઈ રીતે કરવી ? પૂજ્યશ્રી, છોકરાઓને તેમજ છોકરીઓને ખૂબ જ સુંદર માર્ગદર્શન આપે છે જેથી મા-બાપ, છોકરાં વચ્ચે સુમેળ રહી પાત્રની પસંદગી થાય !

છોકરીઓને સાસરીમાં બધાંને પ્રેમથી વશ કરવાની સુંદર ચાવીઓ પૂજ્યશ્રી પૂરી પાડે છે.

મા-બાપની સેવા, વિનય, એમનો રાજીપો લેવો, તેનું મહત્વ શું ને કઈ રીતે લેવાય ?

અંતમાં ઘરડાંઓની વ્યથા ને તેના ઉકેલમાં ઘરડાંઘરની જરૂરિયાત ને અધ્યાત્મ જીવન કેમ જીવવું તેનું સુંદર માર્ગદર્શન પ્રસ્તુત ગ્રંથમાં સંકલિત થાય છે જે વાંચીને સમજતા મા-બાપ અને છોકરાંઓ બન્નેને આદર્શ વ્યવહારમાં મૂકી દે છે.

- જય સચ્ચિદાનંદ

 

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11