ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12  

પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર

સંપાદકીય

પરણ્યા ને ફ્રી ઓફ કોસ્ટ મળી રસોયણ;

મફત ઝાડુવાળી, પોતાવાળી ને વળી ધોબણ !

ચોવીસ કલાક નર્સરી ને પતિને સિન્સિયર,

અપનાવે સાસરું, મૂકી મા-બાપ ભાંડુ પિયર !

ન માંગે પગાર - બોનસ - કમીશન કે બક્ષિસ;

ક્યારેક માંગે સાડી તેમાં શાને પતિને ચઢે રીસ ?

છોકરાં અડધા ભાગીયે છતાં ડીલીવરી કોને ?

નામ પાછળ પતિનું છતાં શાને નવાજે ટોણે ?

બે જ ભૂલ સ્ત્રીની કઢાય, ચારિત્ર કે ભેંલાડે ઘર;

કઢી ખારી કે તોડ્યાં કાચ, નજીવી ભૂલ ન ધર !

પત્ની વંકાય ત્યારે એના ગુણ બલિદાન ગણ,

ઘર, વહુ સંભાળ સદા, પુરુષ તારું મોટું મન !

પતિને ક્યાં સુધી માનીશ ભોળો ને અક્કલ વિણો;

જોઈ જાણી જાતે તું પસંદ કરી લાવી મનગમણો !

પસંદગીમાં પતિ માંગ્યો પોતાથી વયમાં મોટો,

ઊઠ-બેસ કરત, જો કેડમાં લાવી હોત છોટો !

રૂપ ઊંચાઈ ભણતરે માંગ્યો સુપીરિયર;

ન ચલાવ્યો બબૂચક-બાવરચી ખપે સુપર !

પરણ્યા પછી તું આવો-તું તેવો, કેમ કરાય ?

રાખ સુપીરિયર છેક સુધી, તો સંસાર શોભાય !

મિયાં ને બીબીની શાદી, માણે જીવનમાં આબાદી;

હિંદુમાં જુઓ જ્યાં ત્યાં, પરણ્યા પછી બરબાદી !

મિયાંભાઈ સાચવે બીબી જગ જોડે છો ઝઘડો,

હે ઝુલાવે હિંડોળે, રાખે પ્રેમ સંબંધ તગડો !

હિંદુ ઘરમાં શૂરા, મારે ખીલે બાંધેલી ગાયને;

અંતે વિફરે ગાય જ્યારે, વાઘણનો વેહ થાય ને !

પચાસ વરસ સુધી ડાઘીયો, ભસ્યા કરે દિનરાત,

કુરકુરીયાં ડાઘીયણ પક્ષે કરે વસૂલાત !

'અપક્ષ'માં મૂઓ રહ્યો પછી, ખાય ખત્તા ઘરનાંના;

મરને પાંસરો, મેળવ સદ્ગતિના પરવાના !

પતિ જાડો, ખોળે 'ફીગર', રૂપાળીનો વટ,

જેણે વખાણી વહુ, ભોગવાઈ મનથી લંપટ !

પહેલાં ગુરુ સ્કૂલમાં, પછી બનાવી વહુને ગુરુ;

પહેલાં નડતા ચશ્મા, પછી બનાવી 'ચશ્મા વહુ' !

નિજ પાત્રની પસંદગીમાં કર્યો કચ્ચરઘાણ,

પરણ્યા પછી પસ્તાયા, પસંદગીમાં ઠગાણ ?

બહુ ક્લેશ વહુ સંગે, તો કર વિષય બંધ;

વર્ષાન્તે રિઝલ્ટ જો, દ્રષ્ટિ ખુલે વિષય અંધ !

બ્રહ્મચર્યના નિયમો ખપે, પૈણેલા લહે લક્ષ,

દવા પીવાય ક્યારે, જ્યારે તાવ ચઢે બન્ને પક્ષ !

મીઠી દવા માટે વારે વારે ન પીવાય દર્દી;

ત્યારે પી પ્રમાણસર બન્નેને ચઢે તાવ-સર્દી !

જ્યાં એક પત્નીવ્રત, દ્રષ્ટિ પણ ન બગડે બીજે;

આ કાળનું બ્રહ્મચર્ય ગણ, જ્ઞાની પુરુષ દાદા કથે !

વાંકી પત્ની ને હું ડાહ્યો, બેમાં કોની પુણ્યાઈ ?

ડાહ્યો મળ્યો પુણ્યૈથી ને તારા પાપે પત્ની વંકાઈ !

કોનો ગુનો ? કોણ જજ ? અહીં ભોગવે તેની ભૂલ,

કુદરતી ન્યાય સમજ્યો જ્યાં, ઊડે ભૂલનું મૂળ !

સાચવે મિત્રને, ગામને, ઘરમાં લઠ્ઠાબાજી;

અલ્યા સાચવે જે જિંદગીભર, ત્યાં ચૂક્યો તે પાજી !

આબરૂ સાચવે બહાર, ઘરમાં બને બેઆબરૂ,

ઊંધો ન્યાય, સુંદર જમણમાં બને કાંકરું !

'મારી વહુ મારી'ના માર્યા મમત આંટા માંહ્યરે !

'ન્હોય મારી' કરતાં ઊકલે ભોગવટો અંતરે !

પતિ કહે પરણીને, તુજ વીણ કેમ જીવાય ?!

મર્યા પછી ન કો' થ્યો સતો, સતિ ય હવે ન દેખાય !

આ તો આસક્તિ પુદગલની, ન્હોય કદિ સાચો પ્રેમ !

ન દેખે દોષ, ન અપેક્ષા, ન દ્વેષ, ત્યાં શુધ્ધ પ્રેમ !

તું આવો, તું તેવી, અભેદ ટોળીમાં ક્યાં આવ્યો ભેદ ?

જરીકે ભેદ પેઠો, બળતરા-શાંતિનો ત્યાં છેદ !

એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ;

બન્ને આંખથી જુએ પત્ની, જાય સંસાર જીતાઈ !

'વન ફેમિલિ' કરી જીવો, ન કરાય મારી-તારી,

નીકળ્યો વહુને સુધારવા, શું જાતને તેં સુધારી ?

આર્યનારી કપાળે ચાંલ્લો, એક પતિનું જ ધ્યાન;

કરવા પડે આખા કપાળે, મોંઢે પરદેશણ !

ભૂલો નભાવે અન્યોન્ય તે પ્રેમનું લગ્નજીવન,

ન ઘટ, ન વધ, જે થાય તે સાચો પ્રેમ દર્શન.

- ડૉ. નીરુબેન અમીનનાં જય સચ્ચિદાનંદ

ભાગ
 1 -  2  - 3  -  4  -  5  -  6  -  7  - 8  -  9  -  10  -  11  -  12