મૃત્યુ

સંપાદકીય

જે મૃત્યુ મનુષ્યોને કેટલો બધો ભય પમાડે છે, કેટલો બધો શોક ઉત્પન્ન કરાવડાવે છે અને નર્યા દુઃખમાં ડુબાડી રાખે છે. અને દરેકને જીવનમાં કોઈને કોઈ મરણના સાક્ષી બનવાનું થાય છે. તે સમયે સેંકડો વિચારો મૃત્યુ વિશે આવી જાય છે કે મૃત્યુના સ્વરૂપની વાસ્તવિકતા શી હશે ? પણ તેનું રહસ્ય નહીં ઉકેલાતાં ત્યાં ને ત્યાં જ એ અટકી જાય છે. આ મૃત્યુના રહસ્યો જાણવા દરેક ઉત્સુક હોય જ. અને તેના વિશે ઘણું ઘણું સાંભળવામાં કે વાંચવામાં આવે છે, લોકવાયકાથી વાતો જાણવા મળે છે. પણ તે માત્ર બુદ્ધિની અટકળો જ છે.

મૃત્યુ શું હશે ? મૃત્યુ પહેલાં શું હશે ? મૃત્યુ સમયે શું હોય ? મૃત્યુ પછી શું ? મૃત્યુના અનુભવો કહેનારો કોણ ? જે મૃત્યુ પામે છે તે એના અનુભવો કહી શકતો નથી. જે જન્મ પામે છે તે તેની આગળની અવસ્થા સ્થિતિ જાણતો નથી. આમ જન્મ પહેલાં ને મૃત્યુ પછીની અવસ્થા કોઈ જાણતો નથી. તેથી મૃત્યુ પહેલાં, મૃત્યુ સમયે ને મૃત્યુ પછી કઈ દશામાંથી પસાર થવું પડે છે તેનું રહસ્ય અકબંધ રહી જાય છે. દાદાશ્રીએ પોતાના જ્ઞાનમાં જોઈને આ સર્વ રહસ્યો જેમ છે તેમ યથાર્થપણે ખુલ્લાં કર્યાં છે જે અત્રે સંકલિત થયાં છે.

મૃત્યુનું રહસ્ય સમજાતાં જ મૃત્યુનો ભય ઊડી જાય છે !

પ્રિય સ્વજનનાં મૃત્યુ સમયે આપણે શું કરવું ? આપણી સાચી ફરજ શું ? એની ગતિ કઈ રીતે સુધારવી ? પ્રિય સ્વજનનાં મૃત્યુ પછી આપણે શું કરવું ? આપણે કઈ સમજણે સમતામાં રહેવું ?

અને લોકમાન્યતાઓ જે છે, જેમ કે શ્રાદ્ધ સરાવવું, સરવણી, બ્રહ્મભોજન, દાન, ગરુડ પુરાણ, વિ.વિ.ની સત્યતા કેટલી ? મરનારને શું શું પહોંચે ? એ બધું કરવું કે નહીં ? મૃત્યુ પછી ગતિની સ્થિતિ, આદિ તમામ ફોડ અત્રે સ્પષ્ટ થાય છે.

એવા ભયભીત રાખનારાં મૃત્યુનાં રહસ્યો જ્યારે ખુલ્લાં થઈ જાય છે ત્યારે માણસને તે પ્રસંગોમાં, એના જીવનકાળ દરમ્યાનના વ્યવહારમાં એવા અવસરે અચૂક સાંત્વના સાંપડે જ.

જ્ઞાનીપુરુષ એટલે જે દેહથી, દેહની સર્વ અવસ્થાઓથી, જન્મથી, મૃત્યુથી જુદા જ રહ્યા છે. એનાં નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા રહે છે, ને અજન્મા અમર આત્માની અનુભવ દશામાં વર્તે છે તે !! જીવન પૂર્વેની, જીવન પશ્ચાતની ને દેહની અંતિમ અવસ્થામાં, અજન્મા અમર એવા આત્માની સ્થિતિની હકીકત શી છે, તે જ્ઞાની પુરુષ જ્ઞાનદ્ષ્ટિએ ખુલ્લંખુલ્લા કહી જાય છે.

આત્મા તો સદાકાળ જન્મ-મરણથી પર જ છે, એ તો કેવળજ્ઞાન સ્વરૂપ જ છે. કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છે. જન્મ-મરણ આત્માને નથી જ ! છતાં બુદ્ધિથી, જન્મ-મરણની પરંપરા સર્જાયા કરે છે તે મનુષ્યોને અનુભવમાં આવે છે. ત્યારે સ્વાભાવિકપણે મૂળ પ્રશ્ન ઉદ્ભવે કે જન્મ-મરણ કેવી રીતે બને છે ? તે વખતે આત્મા અને જોડે જોડે કઈ કઈ વસ્તુઓ હોય છે. તે બધાનું શું થાય છે ? પુનર્જન્મ કોનો થાય છે ? કેવી રીતે થાય છે ? આવન-જાવન કોનાં ? કાર્યમાંથી કારણ અને કારણમાંથી કાર્યની પરંપરા શી રીતે સર્જાય છે ? તે શી રીતે અટકે ? આયુષ્યના બંધ કેવી રીતે પડે છે ? આયુષ્ય શેના આધારે હોય છે ? આવાં સનાતન પ્રશ્નોની સચોટ-સમાધાની વૈજ્ઞાનિક સમજ જ્ઞાની પુરુષ વિના કોણ આપી શકે ?

અને એથી આગળ ગતિઓમાં પ્રવેશવાના કાયદાઓ શું હશે ? આપઘાતનાં કારણો ને પરિણામો કયા ? પ્રેતયોનિ શું હશે ? ભૂતયોનિ છે ? ક્ષેત્ર ફેરફારના કાયદાઓ શું છે ? ભિન્ન ભિન્ન ગતિઓનો આધાર શો છે ? ગતિઓમાંથી મુક્તિ કઈ રીતે મળે ? મોક્ષગતિને પામેલો આત્મા ક્યાં જાય ? સિદ્ધગતિ શું છે ? તે સર્વ વિગતો અત્રે ખુલ્લી થાય છે.

આત્મ સ્વરૂપ અને અહંકાર સ્વરૂપની ઝીણવટભરી સમજ જ્ઞાની વિના કોઈ સમજાવી ના શકે !

મૃત્યુ પછી ફરી મરવું ન પડે, ફરી જન્મવું ન પડે, તે દશાને પ્રાપ્ત થવા તમામ ફોડની અત્રે સૂક્ષ્મતાએ સંકલના થઈ છે, જે વાચકને સંસાર વ્યવહારમાં તેમ જ આધ્યાત્મિક પ્રગતિ માટે હિતકારી થઈ પડશે.

- ડૉ. નીરુબહેન અમીન

દાદા ભગવાન કથિત

મૃત્યુ સમયે, પહેલાં ને પછી...

મુક્તિ, જન્મ-મરણથી !

પ્રશ્નકર્તા : જન્મ-મરણની ઝંઝટમાંથી છૂટવું કેવી રીતે ?

દાદાશ્રી : બહુ સારું પૂછ્યું. શું નામ છે તમારું ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : ખરેખર ચંદુભાઈ છો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ચંદુભાઈ તો તમારું નામ નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો તમે કોણ ? તમારું નામ ચંદુભાઈ છે એ તો અમને બધાને કબૂલ છે, પણ તમે કોણ ?

પ્રશ્નકર્તા : એટલા માટે તો આવ્યો છું ?

દાદાશ્રી : એ જાણે એટલે આ જન્મ-મરણની ઝંઝટ છૂટે.

અત્યારે તો મૂળ એ ચંદુભાઈના નામ ઉપર જ આ બધું ચાલ્યા કર્યું છે ને ? બધુંય ચંદુભાઈના નામ ઉપર ? અરે, દગો થશે આ તો ! તમારા પર થોડુંક રાખવું'તું ને ?

નનામી એટલે કુદરતની જપ્તી ! કેવી જપ્તી ? ત્યારે કહે, નામ પર હોય તે બેંક બેલેન્સેય જપ્તીમાં ગયું, છોકરાં જપ્તીમાં ગયાં, બંગલા જપ્તીમાં ગયા. આ લૂગડાં પછી રહ્યાં હોય ને નામ પરનાં, તેય જપ્તીમાં ગયાં ! બધું જ જપ્તીમાં ગયું. ત્યારે કહે, 'સાહેબ, હવે મારે ત્યાં જોડે શું લઈ જવાનું ?' ત્યારે કહે, 'લોકો જોડે ગૂંચો પાડી હતી, એટલી લઈ જાવ.' એટલે આ નામ પરનું બધું જપ્તીમાં જવાનું. એટલે આપણે પોતાના હારુ (માટે) કશું કરવું જોઈએને ? ના કરવું જોઈએ ?

પાઠવ, પરભવનાં પોટલાં !

આપણા સગાંવહાલાં ના હોયને એવાં પારકાં લોકોને કંઈ સુખ આપ્યું હોય ધક્કો ખાઈને, બીજું કંઈ પણ આપ્યું તો એ 'ત્યાં' પહોંચ્યું. સગાંવહાલાં નહીં પણ બીજાં બહારનાં લોકોને પછી અહીં લોકોને દવાનું દાન આપ્યું હોય ઔષધદાન, બીજું આહારદાન આપ્યું હોય, પછી જ્ઞાનદાન આપ્યું હોય અને અભયદાન એ બધું આપ્યું હોય તો એ ત્યાં બધું આવે. આમાંનું કશું આપો છો કે એવું જ બધું ? ખાઈ જાવ છો ?

જો જોડે લઈ જવાતું હોય તો આ એવો છે કે ત્રણ લાખનું દેવું કરીને જાય ! ધન્ય છેને !! આ જગત જ આવું છે એટલે નથી લઈ જવાતું એ જ સારું છે.

માયાની કરામત !

જન્મ માયા કરાવે છે, લગ્ન માયા કરાવે છે ને મરણ પણ માયા કરાવે છે. ગમતું હોય કે ના ગમતું હોય, પણ છૂટકો નથી. પણ એટલી શર્ત હોય છે કે માયાનું સામ્રાજ્ય નથી. માલિક તમે છો. એટલે તમારી ઇચ્છા પ્રમાણે ગાયા કરેલું છે. ગયા અવતારે તમારી જે ઇચ્છા હતી, તેનું સરવૈયું કાઢેલું ને સરવૈયા પ્રમાણે માયા ચલાવે છે. પછી અત્યારે બૂમાબૂમ કરીએ તે ચાલે નહીં. આપણે જ માયાને કહેલું કે આ મારું સરવૈયું છે.

જિંદગી એક જેલ !

પ્રશ્નકર્તા : આપના હિસાબે જિંદગી શું છે ?

દાદાશ્રી : મારા હિસાબે જિંદગી એ જેલ છે, જેલ ! તે ચાર પ્રકારની જેલો છે.

એક નજરકેદ છે. દેવલોકો નજરકેદમાં છે. આ મનુષ્યો સાદી કેદમાં છે. જાનવરો સખ્ત મજૂરીની કેદમાં છે ને નર્કના જીવો જનમટીપની કેદમાં છે.

જન્મ્યો ત્યારથી ફરે કરવતી !

આ શરીર પણ ક્ષણે ક્ષણે મરી રહ્યું છે, પણ લોકોને કંઈ કશી ખબર છે ? પણ આપણા લોકો તો લાકડાના બે ટુકડા થઈ જાય ને નીચે પડી જાય, ત્યારે કહેશે, 'કપાઈ ગયું'. અલ્યા, આ કપાતું જ હતું, આ કરવતી ફરતી જ હતી.

મૃત્યુનો ભય !

આ નિરંતર ભયવાળું જગત છે. એક ક્ષણવાર નિર્ભયતાવાળું આ જગત જ નથી અને જેટલી નિર્ભયતા લાગે છે, એટલી એની મૂર્છામાં છે જીવો. ઉઘાડી આંખે ઊંઘે છે તેથી આ બધું ચાલી રહ્યું છે.

પ્રશ્નકર્તા : એવું કહેવામાં આવે છે કે આત્મા મરતો નથી, એ તો જીવે જ છે.

દાદાશ્રી : આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી તમે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી તમને ભો લાગ્યા કરેને ? મરવાનો ભો લાગેને ? એ તો હમણે દેહને કશુંક દર્દ થાયને તો 'છૂટી જઈશ, મરી જઈશ' એવો ભય લાગે. દેહની દ્ષ્ટિ ના હોય તો પોતે મરી જાય નહીં. આ તો 'હું જ છું આ, આ જ હું છું' એવું તમને હંડ્રેડ પરસન્ટ છે. તમને આ ચંદુલાલ તે હું જ, એવું હંડ્રેડ પરસન્ટ ખાતરી છે ને ?

યમરાજ કે નિયમરાજ ?

આ હિન્દુસ્તાનના બધા વહેમ મારે કાઢી નાખવા છે. આખો દેશ બિચારો વહેમમાં જ ખલાસ થઈ ગયો છે. એટલે યમરાજ નામનું જીવડું નથી એમ ગેરન્ટીથી કહું છું. ત્યારે કોઈ લોકો પૂછે છે કે 'પણ શું હશે ? કંઈક તો હશેને ?' ત્યારે મેં કહ્યું, 'નિયમરાજ છે'. એટલે આ હું જોઈને કહું છું. હું કશું વાંચેલું બોલતો નથી. આ મારા દર્શનથી જોઈને, આ આંખથી નહીં, મારું જે દર્શન છે એનાથી હું જોઈને આ બધું બોલું છું.

મૃત્યુ પછી શું ?

પ્રશ્નકર્તા : મરણ પછી શી ગતિ આવશે ?

દાદાશ્રી : આખી જિંદગી જે કાર્ય કર્યાં હોય તે, આખી જિંદગી જે ધંધા માંડ્યા હોય-કર્યા હોય અહીં આગળ, તેનું સરવૈયું મરતી વખતે આવે. મરતી વખતે એક કલાક અગાઉ સરવૈયું આવે. અહીં આગળ જે અણહક્કનું બધું પડાવી લીધું હોય, પૈસા પડાવી લે, સ્ત્રીઓ પડાવી લે. બધું અણહક્કનું લઈ લે, બુદ્ધિથી, ગમે તેનાથી પડાવી લે. એ બધાની પછી જાનવરની ગતિ આવે અને જો સજ્જનતા રાખી હોય આખી જિંદગી તો મનુષ્યગતિ આવે. ચાર જ પ્રકારની ગતિઓ, તે મરણ પછી આવ્યા કરે. જે આખા ગામનો માલ બાળી મેલે છે, પોતાના સ્વાર્થને માટે, એવાં હોય છેને અહીં ? તેને પછી નર્કગતિ આવે. અપકાર ઉપરેય ઉપકાર કરે એવા સુપર હ્યુમન હોય, તે પછી દેવગતિમાં જાય.

યોગ ઉપયોગ પરોપકારાય !

મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ લોકોને માટે કર. તારે માટે વાપરીશ તો રાયણાનો (રાયણનું ઝાડ) અવતાર આવશે. પછી પાંચસો વર્ષ ભોગવ્યા જ કર. પછી તારું ફળ લોક ખાશે, લાકડાં બાળશે. પછી લોકો માટે તું કેદીરૂપે વપરાઈશ. માટે ભગવાન કહે છે કે તારાં મન-વચન-કાયા અને આત્માનો ઉપયોગ બીજાને માટે કર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.

બીજે જાય ક્યાં ?

પ્રશ્નકર્તા : દેહ છૂટી ગયા પછી પાછું આવવાપણું રહે ખરું ?

દાદાશ્રી : બીજે કયાંય જવાનું જ નથી. અહીંનું અહીં જ આપણી પાડોશમાં જે બળદ-ગાયો બધાંય છે, કૂતરાં જે નજીકમાં રહે છેને, આપણા હાથે જ ખાય-પીવે છે, આપણા સામું જ જોયા કરે છે, આપણને ઓળખે છે, એ આપણા જ મામા છે, કાકા છે, ફુઆ છે, બધા આના આ જ અહીંના અહીં જ છે. માટે મારશો નહીં એમને. ખવડાવજો. નજીકમાં તમારા જ છે. તમને ચાટવા હઉ ફરે, બળદ ચાટે.

રીટર્ન ટિકિટ !

પ્રશ્નકર્તા : ગાય-ભેંસનો અવતાર વચમાં કેમ આવે ?

દાદાશ્રી : આ બળ્યું અનંત અવતાર, આ લોકો બધા આવ્યા તે ગાયો-ભેંસોમાંથી જ આવેલા છે. અને અહીંથી બધા જવાના છેને, તેમાં પંદર ટકા સિવાય બીજા બધા ત્યાંની જ ટિકિટો લઈને આવ્યા છે. કોણ કોણ ત્યાંની ટિકિટ લઈને આવ્યા છે કે જે ભેળસેળ કરે છે, જે અણહક્કનું પડાવી લે છે, અણહક્કનું ભોગવે છે, અણહક્કનું આવ્યું ત્યાં જાનવર અવતાર થવાનો.

પાછલા ભવોની વિસ્મૃતિ !

પ્રશ્નકર્તા : આપણને ગયા જન્મનું યાદ કેમ રહેતું નથી ? અને યાદ રહે તો શું થાય ?

દાદાશ્રી : એ કોને યાદ આવે કે મરતી વખતે જરાય દુઃખ ન પડ્યું હોય. અને અહીં આગળ સારા આચાર-વિચારનો હોય તો એને યાદ આવે. કારણ કે એ માતાના ગર્ભમાં તો પાર વગરનું દુઃખ છે. પણ એ દુઃખ પ્લસ પેલું દુઃખ હોય - મરતી વખતનું; એ બે થાય એટલે પછી એ છે તે બેભાન થઈ જાય દુઃખને લઈને, એટલે યાદ ના રહે.

અંત પળે પોટલાં સંકોરને...

એક એંસી વર્ષના કાકા હતા, એમને દવાખાનામાં દાખલ કર્યા હતા. હું જાણતો હતો કે આ બે-ચાર દહાડામાં જવાના છે અહીંથી, તોય મને કહે છે કે, 'પેલા ચંદુલાલ તો આપણે ત્યાં જોવાય નથી આવતા.' આપણે કહીએ કે, 'ચંદુલાલ તો આવી ગયા'. તો કહેશે કે 'પેલા નગીનદાસનું શું ?' એટલે પથારીમાં પડ્યો પડ્યો નોંધ કર્યા કરે કે કોણ કોણ જોવા આવ્યું છે. અલ્યા ! તારા શરીરની કાળજી રાખને ! આ બે-ચાર દહાડામાં તો જવાનું છે. પહેલાં તું તારા પોટલાં સંભાળ. તારી અહીંથી લઈ જવાની દાબડી તો ભેગી કર. આ નગીનદાસ ના આવે તે એને શું કરવો છે ?

તાવ આવ્યો ને ટપ !

ઘૈડા કાકા માંદા હોય ને તમે ડૉક્ટરને બોલાવો, બધી દવાઓ કરી, પણ તોય છતાં ખલાસ થઈ ગયા. પછી બેસવા આવનારા હોયને પાછાં એ આશ્વાસન આપવા આવે. પછી પૂછે કે, 'શું થઈ ગયું હતું કાકાને ?' ત્યારે તમે કહો કે, 'મૂળ તો મેલેરિયા તાવ જેવું લાગતું હતું; પણ પછી ડૉક્ટર કહે કે આ તો જરા ફ્લુ જેવું છે !' પેલા પૂછશે પછી કે, 'કયા ડૉક્ટરને બોલાવ્યો હતો ?' ત્યારે તમે કહો, 'ફલાણાને'. ત્યારે કહેશે, 'તમે અક્કલ વગરના છો. પેલા ડૉક્ટરને બોલાવવાની જરૂર હતી.' પાછો બીજો આવીને એ તમને ટૈડકાવશે, 'આમ કરવું જોઈએને ! આવી અક્કલ વગરની વાત કરો છો ?' એટલે આખો દહાડો લોક ટૈડકાવ ટૈડકાવ કરે ! એટલે આ લોક તો ઊલટાં ચઢી બેસે; તમારી સરળતાનો લાભ ઊઠાવે. તે હું તમને શું સમજણ પાડું કે લોક બીજે દહાડે પૂછવા આવે તો તમારે શું કહેવું કે, 'ભઈ, કાકાને જરા તાવ આવ્યો ને ટપ થઈ ગયા; બીજું કશું થયું નથી.' પેલો પૂછે એટલો જવાબ. આપણે જાણીએ કે વિગતવાર કહેવા જઈશું તો ભાંજગડ થશે, એના કરતાં રાતે તાવ આવ્યો ને સવારના ટપ થઈ ગયા કહીએ. પછી ભાંજગડ જ નહીંને !

સ્વજનની અંતિમ કાળે સાચવણી !

પ્રશ્નકર્તા : કોઈ સ્વજનનો અંતકાળ નજીક આવ્યો હોય તો તેના તરફ આજુબાજુનાં સગાંસંબંધીઓનું વર્તન કેવું હોવું જોઈએ ?

દાદાશ્રી : જેનો અંતકાળ નજીક આવ્યો હોય, એમને તો બહુ સાચવવા જોઈએ. એમના બોલે બોલ સાચવવા પડે. એમને 'બેક' ના મરાવવું જોઈએ. બધાએ એમને ખુશ રાખવા અને એ અવળું બોલે તોય તમારે 'એક્સેપ્ટ' કરવું કે, 'તમારું ખરું છે !' એ કહેશે, 'દૂધ લાવો' તો તરત દૂધ લાવી આપીએ. ત્યારે એ કહેશે, 'આ તો પાણીવાળું છે, બીજું લાવી આપો !' તો તરત બીજું દૂધ ગરમ કરી લઈ આવીએ. પછી કહીએ કે, 'આ ચોખ્ખું-સારું છે.' પણ એમને અનુકૂળ આવે એવું કરવું જોઈએ, એવું બધું બોલવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે એમાં સાચા-ખોટાની ભાંજગડ નથી કરવાની ?

દાદાશ્રી : આ ખરું-ખોટું તો દુનિયામાં હોતું જ નથી. એમને ગમ્યું એટલે બસ, એવી રીતે બધું કર્યા કરીએ. એમને અનુકૂળ આવે એવી રીતે વર્તવું. એ નાના બાબા જોડે આપણે કેવી રીતે વર્તીએ છીએ ? બાબો કાચનો પ્યાલો ફોડી નાખે તો આપણે એને વઢીએ ? બે વર્ષનો બાબો હોય, તેને કશું કહીએ કે કેમ ફોડી નાખ્યો કે એવું તેવું ? બાબા જોડે વર્તન કરીએ એવી રીતે, એમની જોડે વર્તન કરવું.

અંતિમ પળે ધર્મધ્યાન !

પ્રશ્નકર્તા : આ છેલ્લા કલાકમાં અમુક લામાઓને અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે મરણ પથારીએ માણસ હોય છે ત્યારે તિબેટના લામાઓમાં એમ કહે છે કે એ લોકો એના આત્માને કહે છે કે તું આવી રીતે જા. અથવા તો આપણામાં જે ગીતાના પાઠ કરાવે છે, કે આપણામાં કોઈ સારા કંઈ શબ્દ એને સંભળાવે છે, એનાથી એની પર કોઈ છેલ્લા કલાકમાં બધી અસર થાય ખરી ?

દાદાશ્રી : કશું વળે નહીં. બાર મહિનાના ચોપડા તમે લખો છો, તે ધનતેરસથી તમે નફો માંડ માંડ કરો અને ખોટ કાઢી નાખો તો ચાલે ?

પ્રશ્નકર્તા : ના ચાલે.

દાદાશ્રી : કેમ એમ ?

પ્રશ્નકર્તા : એ તો આખા વર્ષનું જ આવેને !

દાદાશ્રી : ત્યારે પેલું આખી જિંદગીનું સરવૈયું આવે. આ તો લોકો છેતરે છે. લોકોને મૂર્ખ બનાવે છે.

પ્રશ્નકર્તા : દાદા, માણસની છેલ્લી અવસ્થા હોય, જાગૃત અવસ્થા હોય, હવે તે વખતે કોઈ એને ગીતાનો પાઠ સંભળાવે અગર તો કંઈક બીજું શાસ્ત્રનું સંભળાવે, એના કાને કાન કંઈ કહે....

દાદાશ્રી : એ પોતે કહેતો હોય તો, એની ઇચ્છા હોય તો સંભળાવવું.

મર્સી કિલિંગ !

પ્રશ્નકર્તા : જે રીબાતો હોય તેને રીબાવા દઈએ અને એને મારી નાખીએ તો પછી એનો આવતો ભવ રીબાવાનું બાકી રહે એ વાત બરોબર નથી લાગતી. એ રીબાતો હોય તો એનો અંત લાવવો જ જોઈએ, એમાં શું ખોટું ?

દાદાશ્રી : એવો કોઈને અધિકાર જ નથી. આપણે દવા કરવાનો અધિકાર છે, સેવા કરવાનો અધિકાર છે પણ કોઈને મારવાનો અધિકાર જ નથી.

પ્રશ્નકર્તા : તો એમાં આપણું શું ભલું થયું ?

દાદાશ્રી : તો મારવાથી શું ભલું થયું ? તમે એ રીબાતાને મારી નાખોને તો તમારું મનુષ્યપણું જતું રહે અને એ રીત માનવતાના સિધ્ધાંતની બહાર છે, માનવતાની વિરુદ્ધ છે.

સથવારો, સ્મશાન સુધી જ !

આ ઓશીકું હોય છે, તે એનું ખોળિયું બદલાયા કરે પણ ઓશીકું તેનું તે જ. ખોળિયું ફાટી જાય ને બદલાયા કરે, એવું આ ખોળિયું પણ બદલાયા કરવાનું.

બાકી આ જગત બધું પોલમપોલ છે. છતાં વ્યવહારથી ના બોલે તો પેલાના મનમાં દુઃખ થાય, પણ સ્મશાનમાં જોડે જઈને ત્યાં ચિતામાં કોઈ પડ્યું નહીં. ઘરના બધાંય પાછાં આવે. બધા ડાહ્યાંડમરાં જેવાં છે, એની મા હોય તો એય રડતી રડતી પાછી આવે.

પ્રશ્નકર્તા : પાછું એના નામનું કૂટે કે કશું મૂકી ના ગયા અને બે લાખ રૂપિયા મૂકી ગયા હોય તો કશું બોલે નહીં.

દાદાશ્રી : હા, એવું. આ તો નથી મૂકી ગયો તેનું રડે છે કે, 'મરતો ગયો અને મારતો ગયો' એવું હઉ અંદર અંદર બોલે ! 'કશું મેલ્યું નહીં ને અમને મારતો ગયો !' હવે પેલાએ ના મૂક્યું એમાં પેલી બઈનું નસીબ કાચું એટલે ના મૂક્યું, પણ પેલાને ગાળો ખાવાની લખેલી તે ગાળોય ખાધીને ! આવડી આવડી ચપોડે !

અને આપણાં લોકો સ્મશાનમાં જતાં હશે, તે પાછાં નથી આવતાંને કે બધાંય પાછાં આવે ? એટલે આ તો એક જાતનો ફજેતો છે ! અને ના રડે તોય દુઃખ ને રડે તોય દુઃખ. બહુ રડે ત્યારે લોક કહેશે કે, 'લોકોને ત્યાં નથી મરી જતાં, તે આવું તમે રડ રડ કર્યા કરો છો ? કેવા, મગજના ચક્કર છો કે શું ?' અને ના રડે તો કહેશે કે, 'તમે પથરા જેવા છો, હ્રદય પથ્થર જેવું છે તમારું !' એટલે કઈ બાજુ ચાલવું તે જ મુશ્કેલી ! બધું રીતસરનું હોય, એવું કહેશે.

ત્યાં આગળ સ્મશાનમાં બાળશેય ખરાં અને બાજુમાં હોટલમાં બેઠાં બેઠાં ચા-નાસ્તો કરશે, એવું નાસ્તા કરે છે કે લોકો ?

પ્રશ્નકર્તા : નાસ્તો લઈને જ જાય છેને !

દાદાશ્રી : એમ ! શું વાત કરો છો ? એટલે આવું છે આ જગત તો બધું ! આવા જગતમાં શી રીતે મેળ પડે ?

'જજો-આવજો' એવું બાંધે ખરાં પણ માથે ના લે. તમે લો છો માથે હવે ? માથે લો છો ? વહુનું કે કોઈનુંય નહીં ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શું વાત કરો છો ? અને એ તો હજુ તો વહુને સોડમાં ઘાલીને બેસાડ બેસાડ કરે છે. કહેશે, તારા વગર મને ગમતું નથી. અને સ્મશાનમાં કોઈ જોડે આવે નહીં. આવે કોઈ ?

મૃત્યુતિથિ સમયે !

પ્રશ્નકર્તા : કુટુંબમાં કોઈની મરણતિથિ આવે તો તે દિવસે કુટુંબીજનોએ શું કરવું ?

દાદાશ્રી : ભગવાન પાસે પ્રાર્થના કરવી કે એનું ભલું થાય.

પછી ઠેકાણું જડે ના !

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિનું અવસાન થાય, તો આપણે જાણવું હોય કે એ વ્યક્તિ અત્યારે ક્યાં છે, તો એ કેવી રીતના ખબર પડે ?

દાદાશ્રી : એ તો અમુક જ્ઞાન વગર દેખાય નહીંને ! અમુક જ્ઞાન જોઈએ એને માટે. અને જાણીને એનો અર્થ નહીં. પણ આપણે ભાવના કરીએ તો પહોંચે ખરી ભાવના. આપણે યાદ કરીએ, ભાવના કરીએ તો પહોંચે. એ તો જ્ઞાન વગર બીજું કશું જડે નહીંને !

તારે કોઈ વ્યક્તિનું ખોળી કાઢવું છે ? કોઈ ગયું છે તારું સગુંવહાલું ?

પ્રશ્નકર્તા : મારો સગો ભાઈ જ હમણાં એક્સપાયર્ડ થઈ ગયો.

દાદાશ્રી : તો તને એ યાદ નથી કરતો ને તું યાદ કર્યા કરે છે ? આ એક્સપાયર્ડ થવું એટલે શું તે જાણું છું ? ચોપડાના હિસાબ પૂરા થવા તે. એટલે આપણે શું કરવું, આપણને બહુ યાદ આવે તે, તો વીતરાગ ભગવાનને કહેવું કે એને શાંતિ આપો. યાદ આવે માટે એમને શાંતિ મળે એમ કહેવું. બીજું શું આપણાથી થાય ?

અલ્લાકી અમાનત !

તમારે જે કંઈ પૂછવું હોય તે પૂછો. અલ્લાને ત્યાં પહોંચવા માટે જે કંઈ અડચણ આવે તે અમને પૂછો, તે અમે તમને દૂર કરી આપીએ.

પ્રશ્નકર્તા : મારા દીકરાનું અકસ્માતથી મરણ થયું, તો તે અકસ્માતનું કારણ શું ?

દાદાશ્રી : આ જગતમાં જે બધું આંખથી જોવામાં આવે છે, કાનથી સાંભળવામાં આવે છે, એ બધું 'રિલેટિવ કરેક્ટ' છે, તદ્દન સાચી નથી એ વાત ! આ દેહ પણ આપણો નથી, તો છોકરો આપણો કેમ કરીને થાય ? આ તો વ્યવહારથી, લોકવ્યવહારથી આપણો છોકરો ગણાય છે, ખરેખર એ આપણો છોકરો હોતો નથી. ખરેખર તો આ દેહ પણ આપણો નથી. એટલે જે આપણી પાસે રહે એટલું જ આપણું અને બીજું બધું જ પારકું છે ! એટલે છોકરાને પોતાનો છોકરો માન માન કરીએ તો ઉપાધિ થાય અને અશાંતિ થાય ! એ છોકરો હવે ગયો, ખુદાની એવી જ ઇચ્છા છે, તો તેને હવે 'લેટ ગો' કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, અલ્લાની અમાનત આપણી પાસે હતી તે લઈ લીધી !

દાદાશ્રી : હા, બસ. આ બધી વાડી જ અલ્લાની છે.

પ્રશ્નકર્તા : આ પ્રમાણેનું એનું મૃત્યુ થયું તે આપણાં કુકર્મો હશે ?

દાદાશ્રી : હા, છોકરાનાંય કુકર્મ ને તમારાંય કુકર્મ, સારા કર્મો હોય તો તેનો બદલો સારો મળે.

પહોંચે માત્ર ભાવનાં સ્પંદન !

છોકરાં મરી ગયા પછી એની પાછળ એની ચિંતા કરવાથી એને દુઃખ પડે છે. આપણાં લોકો અજ્ઞાનતાથી આવું બધું કરે છે. એટલે તમારે જેમ છે તેમ જાણીને શાંતિપૂર્વક રહેવું જોઈએ. ખોટી માથાકૂટ કરીએ એનો અર્થ શો છે તે ? બધે જ છોકરાં મર્યા વગર કોઈ હોય જ નહીં ! આ તો સંસારના ઋણાનુબંધ છે, હિસાબ લેવાદેવાના છે. અમારેય બાબા-બેબી હતાં, પણ તે મરી ગયાં. મહેમાન આવ્યો હતો તે મહેમાન ગયો, એ આપણો સામાન જ ક્યાં છે ? આપણે હઉ નથી જવાનું ? આપણે પણ જવાનું ત્યાં, આ શું તોફાન તે ? એટલે જીવતા હોય એને શાંતિ આપો. ગયું એ તો ગયું, એને સંભારવાનુંય છોડી દો. અહીં જીવતાં હોય, જેટલાં આશ્રિત હોય એને શાંતિ આપીએ, એટલી આપણી ફરજ. આ તો ગયેલાંને સંભારીએ અને આમને શાંતિ ના અપાય, એ કેવું ? એટલે ફરજો ચૂકો છો બધી. તમને એવું લાગે છે ખરું ? ગયું એ તો ગયું. ગજવામાંથી લાખ રૂપિયા પડી ગયાને પછી ના જડે એટલે આપણે શું કરવાનું ? માથું ફોડવાનું ?

આપણા હાથના ખેલ નથી આ અને એને બિચારાને ત્યાં દુઃખ થાય છે. આપણે અહીં દુઃખી થઈએ એની અસર એને ત્યાં પહોંચે છે. તે એનેય સુખી ના થવા દઈએ ને આપણેય સુખી ન થઈએ. એટલે શાસ્ત્રકારોએ કહ્યું કે, 'ગયા પછી ઉપાધિ ના કરશો.' તેથી આપણાં લોકોએ શું કર્યું કે ગરૂડ પુરાણ બેસાડો, ફલાણું બેસાડો, પૂજા કરો ને મનમાંથી ભૂલી જાવ.' તમે એવું કશું બેસાડ્યું હતું ? તોય ભૂલી ગયા, નહીં ?

પ્રશ્નકર્તા : પણ એ ભૂલાતું નથી. બાપ અને દીકરા વચ્ચે વ્યવહાર એવો હતો કે વ્યવસ્થિત ચાલતો હતો. એટલે એ ભૂલાય એવું નથી.

દાદાશ્રી : હા, ભૂલાય એવું નથી, પણ આપણે ન ભૂલીએ તો એનું આપણને દુઃખ થાય અને એને ત્યાં દુઃખ થાય. એવું આપણા મનમાં એને માટે દુઃખ કરવું એ આપણને બાપ તરીકે કામનું નહીં.

પ્રશ્નકર્તા : એને કઈ રીતે દુઃખ થાય ?

દાદાશ્રી : આપણે અહીં દુઃખ કરીએ એની અસર ત્યાં પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધું ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત ! અને આપણે અહીં ઉપાધિ કરીએ તો એ પાછો આવવાનો છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : કોઈ રસ્તે આવવાનો નથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ઉપાધિ કરીએ તો એને પહોંચે છે અને એના નામ ઉપર આપણે ધર્મ-ભક્તિ કરીએ તોય એને આપણી ભાવના પહોંચે છે ને એને શાંતિ થાય છે. એને શાંતિ કરવાની વાત તમને કેમ લાગે છે ? અને એને શાંતિ કરીએ એ તમારી ફરજ છેને ? માટે એવું કંઈક કરોને કે એને સારું લાગે. એક દહાડો સ્કૂલનાં છોકરાંઓને જરા પેંડા ખવડાવીએ એવું કંઈક કરીએ.

એટલે જ્યારે તમારા દીકરાની યાદ આવે ત્યારે એમના આત્માનું કલ્યાણ થાવ એવું બોલજો. 'કૃપાળુદેવ'નું નામ લેશો, 'દાદા ભગવાન' કહેશો તોય કામ થશે. કારણ કે 'દાદા ભગવાન' અને 'કૃપાળુદેવ' આત્મા સ્વરૂપે એક જ છે ! દેહથી જુદું દેખાય છે, આંખોમાં જુદા દેખાય પણ વસ્તુ તરીકે એક જ છે. એટલે મહાવીર ભગવાનનું નામ દેશો તોય એકનું એક જ છે. એમના આત્માનું કલ્યાણ થાવ એટલી જ આપણે નિરંતર ભાવના કરવાની. આપણે એના જોડે નિરંતર રહ્યા, જોડે ખાધું-પીધું, તો આપણે એમનું કેમ કલ્યાણ થાવ એવી ભાવના ભાવીએ. આપણે પારકાં માટે સારી ભાવના ભાવીએ, તો આ તો આપણા પોતાના માણસને માટે તો શું ના કરીએ ?

રડે સ્વ અર્થે કે જનારા અર્થે ?

પ્રશ્નકર્તા : આપણા લોકોને પૂર્વજન્મનું ભાન છે તો પછી ઘરનાં કોઈ મરી જાય તે વખતે આપણાં લોકો કેમ રડે છે ?

દાદાશ્રી : એ તો પોતપોતાના સ્વાર્થ માટે રડે છે. તદ્દન નિકટના સગાં હોય તો તે સાચું રડે, પણ બીજાં બધાં તો જે સાચું રડે છેને તે તો એમનાં સગાંને સંભારીને રડે છે તેય અજાયબી છેને ! આ લોકો ભૂતકાળને વર્તમાનકાળમાં લાવે છે, આ ઈન્ડિયનોનેય ધન્ય છેને ! ભૂતકાળને વર્તમાનકાળમાં લાવે છે ને એ પ્રયોગ આપણને દેખાડે છે !

પરિણામ કલ્પાંતનાં...

આ એક ફેરો કલ્પાંત કર્યું તો 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થઈ ગયું. એક આખા 'કલ્પ'ના અંત સુધી ભટકવાનું થયું આ !

એ 'લીકેજ' ના કરાય !

પ્રશ્નકર્તા : નરસિંહ મહેતાને એમનાં પત્ની મરી ગયાં ત્યારે 'ભલું થયું ભાંગી જંજાળ' બોલ્યા તો એ શું કહેવાય ?

દાદાશ્રી : પણ એ ઘેલછામાં બોલ્યા કે 'ભલું થયું ભાંગી જંજાળ'. આ વાત મનમાં રાખવાની હોય કે 'જંજાળ ભાંગી ગઈ'. એ મનમાંથી 'લીકેજ' નહીં થવું જોઈએ. પણ આ તો મનમાંથી 'લીકેજ' થઈ બહાર નીકળી ગયું. મનમાં રાખવાની ચીજ ઉઘાડી કરી દે, તો એ ઘેલા માણસો કહેવાય.

જ્ઞાની હોય બહુ વિવેકી !

અને 'જ્ઞાની' ઘેલા ના હોય, 'જ્ઞાની' બહુ ડાહ્યા હોય. મનમાં બધુંય હોય કે 'ભલું થયું ભાંગી જંજાળ' પણ બહાર શું કહે ? અરેરે ! બહુ ખોટું થયું. આ તો હું એકલો હવે શું કરીશ ?' એવું હઉ કહે. નાટક ભજવે ! આ જગત તો પોતે નાટક જ છે. એટલે અંદરખાને જાણવાનું કે, 'ભલું થયું ભાંગી જંજાળ' પણ વિવેકમાં રહેવું જોઈએ. 'ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ' એવું ના બોલાય. આવો અવિવેક તો કોઈ બહારનોય ના કરે. દુશ્મન હોય તોય વિવેકમાં બેસે, મોઢું શોકવાળું કરીને બેસે ! અમને શોક કે કશુંય ના થાય પણ બાથરૂમમાં જઈને પાણી ચોપડી આવીને નિરાંતે બેસીએ. એ અભિનય છે. ધી વર્લ્ડ ઈઝ ધી ડ્રામા ઈટસેલ્ફ; તમારે નાટક જ ભજવવાનું છે ખાલી, અભિનય જ કરવાનો છે પણ અભિનય 'સિન્સિયરલી' કરવાનો.

જીવ ભટકે તેર દિવસ ?

પ્રશ્નકર્તા : મૃત્યુ પછી તેર દિવસનો રેસ્ટહાઉસ હોય છે એવું કહેવાય છે ?

દાદાશ્રી : તેર દિવસનો તો આ બ્રાહ્મણોને હોય છે. મરનારને શું ? એ બ્રાહ્મણો એમ કહે કે રેસ્ટહાઉસ છે. આ ઘરની ઉપર બેસી રહેશે, અંગૂઠા જેવડો અને જોયા કરશે. અલ્યા મૂઆ, જોયા શું કરવા કરે છે ? પણ જો તોફાન, જો તોફાન ! આવડો અંગૂઠા જેવડો જ છે. કહેશે તે નળિયાં ઉપર બેસી રહેશે. અને આપણા લોક સાચું માને છે અને એવું સાચું ના માને તો સરવણી કરેય નહીં આ લોકો. આ લોકો સરવણી-બરવણી કશુંય કરે નહીં.

પ્રશ્નકર્તા : ગરૂડ પુરાણમાં લખેલું છે કે અંગૂઠા જેટલો જ આત્મા છે ?

દાદાશ્રી : હા, તે એનું નામ જ ગરૂડ પુરાણને ! પુરાણું કહેવાય. અંગુઠા જેવડો આત્મા, પછી પામે જ નહીં ને અને દહાડો વળે નહીં. શક્કરવાર વાળ્યો નહીં. એવરી ડે ફ્રાયડે ! કરવા ગયા સાયન્ટિફિક, હેતુ સાયન્ટિફિક હતો, પણ થિન્કિંગ બધું બગડી ગયું. આ લોકો એ નામે ક્રિયાઓ કરે અને ક્રિયાઓ કરે તે પહેલાં બ્રાહ્મણને દાન આપે અને એ દાન આપવા જેવા જ બ્રાહ્મણો હતા. તે બ્રાહ્મણને દાન આપે એટલે પુણ્ય બંધાય. અત્યારે તો આ બધું ખખડધૂસ થઈ ગયું છે. બ્રાહ્મણો અહીંથી પલંગ ઉપાડી જાય, ને તે પલંગ અહીંથી લઈને ત્યાં સોદો કર્યો હોય કે બાવીસ રૂપિયામાં તને આપીશ. ગોદડાંનો સોદો કર્યો હોય, ચાદરનો સોદો કર્ર્યો હોય. આપણે બીજું બધું આપીએ સાધન-કપડાં બધું તેય વેચી દેવાના બધા. એમ ત્યાં શી રીતે આત્માને પહોંચવાનું માન્યું લોકોએ ?

પ્રશ્નકર્તા : દાદા, હવે તો કેટલાક લોકો એવું કહે છે કે બ્રાહ્મણને કહે છે કે, તું લઈ આવજે અને ઉચ્ચક પૈસા આપી દઈશું.

દાદાશ્રી : એ તો હવે નહીં, કેટલાંય વર્ષોથી કરે છે. ઉચ્ચક પૈસા આપી દઈશું, તું લઈ આવજે. અને કો'કનો આપેલો ખાટલો હોય તે લઈ આવે ! બોલો હવે તોય લોકોને માન્યામાં નથી આવતું, તોય ગાડું તો એવું ચાલ્યા જ કરે છે. જૈનો એવું ના કરે. જૈનો પાકા ખરા ને એવું તેવું ના કરે. એવું તેવું કશું છેય નહીં. અહીંથી આત્મા નીકળ્યો એટલે સીધો એની ગતિમાં જાય છે, યોનિ પ્રાપ્ત થાય છે.

મરનારને ન કો' લેવા-દેવા !

પ્રશ્નકર્તા : મરનારની પાછળ કંઈ ભજન-કીર્તન કરવું કે નહીં ? તેનાથી શો ફાયદો ?

દાદાશ્રી : મરનારને કંઈ લેવા-દેવા નથી.

પ્રશ્નકર્તા : તો પછી આ આપણી ધાર્મિક વિધિઓ છે મરણ પ્રસંગે, જે બધી વિધિઓ કરાય છે તે સાચી કે નહીં ?

દાદાશ્રી : કશું આમાં અક્ષરેય સાચો નથી. આ તો પેલા ગયા એ ગયા. લોક એની મેળે કરે છે અને જે એમ કહે કે તમે કંઈક તમારા હારુ કરોને ! ત્યારે કહે, 'ના, ભાઈ, નવરાશ નથી મને.' અને બાપાના હારુ કરવા કહેને, તોય ના કરે એવા છે આ. પણ તે પાડોશી કહે, અલ્યા, મૂઆ તારા બાપનું કરને, તારા બાપનું કર. એ તો પાડોશી મારી-ઠોકીને કરાવડાવે !

પ્રશ્નકર્તા : તો આ ગરૂડપુરાણ બેસાડે છે એ શું ?

દાદાશ્રી : એ તો ગરૂડપુરાણ તો પેલાં રડતાં હોયને તે આ ગરૂડપુરાણમાં જાય એટલે પછી ટાઢું પાડવા હારુ એ બધા રસ્તાઓ છે.

એ બધું વાહ વાહ માટે !

પ્રશ્નકર્તા : આ મૃત્યુ પછી બારમું કરે છે, તેરમું કરે છે, વાસણો વહેંચે છે, જમણવાર કરે છે, એનું મહત્ત્વ કેટલું ?

દાદાશ્રી : એ ફરજિયાત વસ્તુ નથી. એ તો પાછળ વાહ વાહ કરાવડાવવા માટે કરે છે. અને જો ખર્ચ ના કરે ને તો એ લોભી થયા કરે. બે હજાર રૂપિયા અપાવ્યા તો ખાય-પીવે નહીં ને બે હજારની પાછળ ઉમેર ઉમેર કર્યા કરે એટલે આવો ખર્ચો કરે એટલે પાછું મન ચોખ્ખું થઈ જાય ને લોભ ના વધે. પણ તે ફરજિયાત વસ્તુ નથી. પાસે હોય તો કરવું, ના હોય તો કંઈ નહીં.

શ્રાદ્ધની સાચી સમજ !

પ્રશ્નકર્તા : આ શ્રાદ્ધમાં તો પિતૃઓને જે આહ્વાન થાય છે, તે બરોબર છે ? તે વખતે શ્રાદ્ધપક્ષમાં પિતૃઓ આવે છે ? અને વાસ નાખે છે તે શું છે ?

દાદાશ્રી : એવું છેને, કે છોકરા જોડે જો સંબંધ હોય તો આવે. આખો સંબંધ પૂરો થાય ત્યારે પછી તો દેહ છૂટો પડે. કોઈ જાતનો ઘરવાળા જોડે સંબંધ ના રહ્યો, એટલે આ દેહ છૂટો પડી જાય. પછી કોઈ ભેગા થાય નહીં. પછી નવો સંબંધ બંધાયેલો હોય તો ફરી જન્મ થાય ત્યાં આગળ. બાકી કોઈ આવે-કરે નહીં. પિતૃ કોને કહેવાય ? છોકરાને કહેવો કે બાપને કહેવો ? છોકરો પિતૃ થવાનો ને બાપેય પિતૃ થવાનો ને દાદોય પિતૃ થવાનો. કોને કહેવા પિતૃ ?

પ્રશ્નકર્તા : યાદ કરવા માટે જ આ ક્રિયાઓ રાખેલી એમ ને ?

દાદાશ્રી : ના. યાદ કરવા માટેય નહીં. આ તો આપણા લોકો પાછળ ધર્માદાના ચાર આનાય ખર્ચે એવા ન હતા. એટલે પછી એને સમજણ પાડી કે ભઈ, તમારા પિતાશ્રી મરી ગયા છે તો કંઈ ખર્ચો કરો, કંઈક આમ કરો, તેમ કરો. એટલે તમારા પિતાશ્રીને પહોંચશે. ત્યારે લોકોય પછી એને વઢી વઢીને કહે, કંઈક બાપ હારુ કરને ! શ્રાદ્ધ કરને ! કંઈ સારું કરને ! તે એમ કરીને બસો-ચારસો જે ખર્ચ કરાવડાવે ધર્માદા પાછળ, એટલું એને ફળ મળે. બાપના નામે કરે ને પછી ફળ મળે. જો બાપનું નામ ના કહ્યું હોય તો આ લોકો ચાર આના ખર્ચે જ નહીં. એટલે અંધશ્રધ્ધા પર આ વાત ચાલી રહી છે. તમને સમજ પડીને ? ના સમજાયું ?

આ ટાણાં-બાણાં કરે છે તે બધુંય આયુર્વેદિકના માટે છે, આયુર્વેદને માટે. આ બધાં ટાણાં-બાણાં લીધાં છે અને આયુર્વેદમાં કેમ ફાયદો થાય, એટલા માટે ગોઠવણી કરેલી છે આ. આગળના લોકોએ ગોઠવણી સારી કરેલી છે. આ મૂર્ખ માણસોને પણ ફાયદો થશે એટલે આઠમો, અગિયારશો, પાંચમો એવું બધું કર્યું છે અને આ શ્રાદ્ધ કરે છે ને ! એટલે શ્રાદ્ધો એ તો બહુ સારા માટે કામ કર્યું છે.

પ્રશ્નકર્તા : દાદા, એ વાસ મૂકે એનું શું તાત્પર્ય ? અજ્ઞાનતા કહેવાય એ ?

દાદાશ્રી : ના, અજ્ઞાનતા નહીં. આ એક જાતનું લોકોએ શીખવાડેલું કે આ હિસાબે સરાદ(શ્રાદ્ધ) સરાવે. તે આપણે ત્યાં શ્રાદ્ધ સરાવાનો તો મોટો ઇતિહાસ છે. સરાવવાનું શું કારણ હતું ? શ્રાદ્ધ ક્યારથી ગણાય કે ભાદરવા સુદ પૂનમથી માંડીને ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ કહેવાય. સોળ દિવસનાં સરાદ ! હવે આ શ્રાદ્ધનું શા માટે આ લોકોએ ઘાલ્યું ! બહુ બુદ્ધિશાળી પ્રજા ! એટલે શ્રાદ્ધ જે ઘાલેલાંને, એ તો બધી વૈજ્ઞાનિક ઢબ, તે આપણા ઈન્ડિયામાં આજથી અમુક વર્ષ ઉપર ગામડામાં દરેક ઘેર એક તો ખાટલો પડેલો હોય, મેલેરિયાથી એક-બે માણસો ખાટલે હોય જ. કયા મહિનામાં ? ત્યારે કહે, ભાદરવા મહિનામાં. એટલે આપણે ગામમાં જઈએ તો દરેક ઘરની બહાર એકુકો ખાટલો પડ્યો હોય ને તેની મહીં સૂઈ રહ્યો હોય, પેલો ઓઢીને. તાવ હોય, મેલેરિયસ તાવ ને બધી અસરો હોય. એ ભાદરવા મહિનામાં મચ્છરાં બહુ થાય એટલે આટલો બધો મેલેરિયા ફેલાતો, તે મેલેરિયસ એટલે પિત્તનો તાવ કહેવાય. એ વાયુનો કે કફનો તાવ નહીં. પિત્તનો તાવ, તે એટલું બધું પિત્ત વધી જાય. ચોમાસાનો દિવસ અને પિત્તનો તાવ અને પાછાં પેલાં મચ્છરાં કૈડે. જેને પિત્ત વધારે હોય તેને કૈડે. એટલે માણસોએ તે આ શોધખોળવાળાએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનમાં કંઈ રસ્તો કા

ઢો. નહીં તો આ લ

ોકોની વસ્તી અડધી ઓછી થઈ જશે. અત્યારે તો આ મચ્છરાં ઓછાં થઈ ગયા છે, નહીં તો માણસ જીવતો ન હોય. એટલે આ પિત્તના તાવને શમાવવા માટે એવી શમનક્રિયા કરવા માટે શોધખોળ કરેલી કે આ લોકોને દૂધપાક અગર ખીર, દૂધ અને ખાંડ એવું ખાય તો પિત્ત શમે ને મેલેરિયાનું રાગે પડે. હવે આ લોકો ઘરનું દૂધ હોય તો ખીર-બીર બનાવે નહીં, દૂધપાક ખાય નહીં એવા આ લોક ! બહુ નોર્મલને (!) એટલે શું થાય, તે તમે જાણો છો ? હવે આ દૂધપાક રોજ ખાય શી રીતે ?

હવે બાપને અક્ષરેય પહોંચતો નથી. પણ આ લોકોએ શોધખોળ કરેલી કે આ હિન્દુસ્તાનના લોકો ચાર આનાય ધર્મ કરે એવા નથી. એવા લોભિયા છે કે બે આનાય ધર્મ ના કરે, તો આમ ને આમ કાનપટ્ટી પકડાવેલી કે 'તારા બાપનું સરાદ તો સરાય ?' એવું બધાં કહેવા આવેને ! એટલે સરાદનું નામ આ રીતે ઘાલી દીધેલું. એટલે લોકોએ પછી શરૂ કરેલું કે બાપનું સરાદ તો સરાવવું પડેને ! અને મારા જેવો અડિયલ હોય, તે ના સરાવતા હોય ત્યારે શું કહે ? 'બાપનું સરાધેય સરાવવા લાગતો નથી.' એટલે આજુબાજુ બધાં કચકચ કરે એટલે પછી સરાવી નાખે. તે પછી જમાડી દે.

તે પૂનમને દહાડેથી દૂધપાક જમવાનો મળે, તે પંદરેય દહાડા દૂધપાક જમવાનો મળે. કારણ કે આજે મારે ત્યાં, કાલે તમારે ત્યાં અને લોકને માફક આવી ગયું કે, 'હશે, ત્યારે, વારાફરતી ખાવાનું છેને ! છેતરાવાનું નહીં અને પછી વાસ નાખવાની કાગડાને.' તે આ શોધખોળ કરેલી. તેનાથી પિત્ત બધું શમાઈ જાય. તે એટલા માટે આ લોકોએ આ વ્યવસ્થા કાઢેલી. એટલે આપણા લોક તે ઘડીએ શું કહેતા હતા કે સોળ સરાદ પછી જો જીવતો રહ્યો, જીવ્યો તો નવરાત્રિમાં આવ્યો !

સહી વિણ મરણ પણ નહીં !

પણ કુદરતનો નિયમ એવો છે કે કોઈ પણ માણસને અહીંથી લઈ જવાય નહીં. મરનારની સહી વગર એને અહીંથી લઈ જવાય નહીં. લોકો સહી કરતાં હશે કે ? એવું કહે છે ને કે, 'ભગવાન, અહીંથી જવાય તો સારું'. હવે આ શાથી બોલે છે, તે તમે જાણો છો ? કો'ક ફેરો એવું મહીં દુઃખ થાય, તે પછી દુઃખનો માર્યો બોલે કે, 'આ દેહ છૂટે તો સારું હવે'. તે ઘડીએ સહી કરાવી લે.

તે પહેલાં કરજે 'મને' યાદ !

પ્રશ્નકર્તા : દાદા, એવું સાંભળ્યું છે કે આપઘાત પછી આવી રીતે સાત ભવ થાય, એ વાત સાચી છે ?

દાદાશ્રી : જે સંસ્કાર પડે તે સાત-આઠ ભવ પછી જાય છે. એટલે આ કોઈ ખોટા સંસ્કાર પડવા ના દેશો. ખોટા સંસ્કારથી દૂર ભાગજો. હા, અહીં ગમે એટલું દુઃખ હોય તો તે સહન કરજો પણ ગોળી ના મારશો, આપઘાત ના કરશો એટલે વડોદરા શહેરમાં આજથી થોડાં વરસ ઉપર બધાંને કહી દીધેલું કે આપઘાત કરવાનું થાય ત્યારે મને યાદ કરજે ને મારી પાસે આવજે. એવા માણસ હોયને, જોખમવાળા માણસ, એમને કહી રાખું. તે પછી મારી પાસે આવે, તેને સમજ પાડી દઉં. બીજે દહાડે આપઘાત કરતો બંધ થઈ જાય. ૧૯૫૧ પછી એ બધાને ખબર આપેલી કે જે કોઈને આપઘાત કરવો હોય તો મને ભેગો થાય ને પછી કરે. કોઈ આવે કે મારે આપઘાત કરવો છે તો એને હું સમજાવું. આજુબાજુનાં 'કૉઝીઝ', 'સર્કલ' આપઘાત કરવા જેવો છે કે નથી કરવા જેવો, બધું એને સમજાવી દઉં ને એને પાછો વાળી લઉં.

આપઘાતનું ફળ !

પ્રશ્નકર્તા : કોઈ માણસ આપઘાત કરે તો એની કઈ ગતિ થાય ? ભૂતપ્રેત થાય ?

દાદાશ્રી : આપઘાત કરવાથી તો પ્રેત થવાય અને પ્રેત થઈને રખડવું પડે. એટલે આપઘાત કરીને ઊલટી ઉપાધિઓ વહોરે છે. એક વખત આપઘાત કરે, એના પછી કેટલાય અવતાર સુધી પડઘા પડ્યા કરે ! અને આ જે આપઘાત કરે છે એ કંઈ નવા કરતો નથી. પાછલા આપઘાતો કરેલા, તેના પડઘાથી કરે છે. આ જે આપઘાત કરે છે, એ તો પાછલા કરેલા આપઘાત કર્મનું ફળ આવે છે. એટલે પોતાની જાતે જ આપઘાત કરે છે. એ એવા પડઘા પડેલા હોય છે કે એ એવું ને એવું જ કરતો આવ્યો હોય છે. એટલે પોતાની મેળે આપઘાત કરે છે અને આપઘાત થયા પછી અવગતિયો થઈ જાય. અવગતિયો એટલે દેહ વગર રખડતો હોય. ભૂત થવાનું કંઈ સહેલું નથી. ભૂત તો દેવગતિનો અવતાર છે, એ સહેલી વસ્તુ નથી. ભૂત તો અહીં આગળ કઠોર તપ કર્યાં હોય, અજ્ઞાન તપ કર્યાં હોય ત્યારે ભૂત થાય; જ્યારે પ્રેત એ જુદી વસ્તુ છે.

વિકલ્પ વિના જીવાય નહીં !

પ્રશ્નકર્તા : આપઘાતના વિચારો કેમ આવતા હશે ?

દાદાશ્રી : એ તો અંદર વિકલ્પ ખલાસ થઈ જાય છે તેથી. આ તો વિકલ્પના આધારે જીવાય છે. વિકલ્પ ખલાસ થઈ જાય પછી હવે શું કરવું તેનું કશું દર્શન દેખાતું નથી, તેથી પછી આપઘાત કરવાનું વિચારે છે. એટલે આ વિકલ્પોય કામના જ છે !

સહજ વિચાર બંધ થઈ જાય ત્યારે આ બધા ઊંધા વિચાર આવે. વિકલ્પ બંધ થાય એટલે જે સહજ વિચાર આવતા હોય તે પણ બંધ થઈ જાય, અંધારું ઘોર થઈ જાય, પછી કશું દેખાતું નથી ! સંકલ્પ એટલે 'મારું' ને વિકલ્પ એટલે 'હું' એ બેઉ બંધ થઈ જાય ત્યારે મરી જવાના વિચાર આવે.

આત્મહત્યાનાં કારણો !

પ્રશ્નકર્તા : એ જે એને વૃત્તિ થઈ, આત્મહત્યા કરવાની એનું રૂટ(મૂળ) શું ?

દાદાશ્રી : આત્મહત્યાનું રૂટ તો એવું હોય છે કે એણે કોઈ અવતારમાં આત્મહત્યા કરી હોયને તો એના પડઘા સાત અવતાર સુધી રહ્યા કરે. જેમ એક બોલ નાખીએને આપણે, ત્રણ ફૂટ ઊંચેથી નાખીએ એટલે બીજું એની મેળે અઢી ફૂટ આવીને પાછો પડે. પછી એક ફૂટ આવીને પડે પાછો, એવું બને કે ના બને ? ત્રણ ફૂટ આખો ના આવે પણ પોતાના સ્વભાવથી અઢી ફૂટ આવીને પાછો પડે. ત્રીજો બે ફૂટ આવીને પાછો પડે, ચોથો દોઢ ફૂટ આવીને પાછો પડે. પછી એક ફૂટ આવીને પાછો પડે. એવો એનો ગતિ નિયમ હોય છે. એવા કુદરતના નિયમ હોય છે. તે આ આપઘાત કરેને, એટલે આ આપઘાત સાત અવતાર સુધી કરવા જ પડે. હવે એમાં વત્તા-ઓછા પરિણામથી આપઘાત આપણને આખોય દેખાય, પણ પરિણામ ઓછી જાતનાં હોય, તે ઓછાં થતાં થતાં પરિણામ ખલાસ થઈ જાય.

અંતિમ પળોમાં...

મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે પછી દેહ બંધાઈ જાય. તે બે પગમાંથી ચાર પગ થઈ જાય. અહીં રોટલી ખાતાં ખાતાં ત્યાં રાડાં ખાવાનું. આ કળિયુગનું મહાતમ છે એવું. તે આ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે એવો આ કળિયુગનો કાળ... !

પ્રશ્નકર્તા : અંતિમ સમયે કોને ખબર છે કે કાન બંધ થઈ જાય ?

દાદાશ્રી : અંતિમ સમયે તો આ જે જે ચોપડામાં જમે છેને, તે આવે. મરણ સમયનો કલાક, જે ગુંઠાણું આવે છેને તે સરવૈયું છે અને તે સરવૈયું તે આખી જિંદગીનું નહીં પાછું, આગળ જન્મ પડ્યો અને પછી તે વચલા ભાગનું સરવૈયું. તે મરતી ઘડીએ આપણાં લોક ઘણાય કાન આગળ બોલાવે કે 'બોલો રામ, બોલો રામ', અલ્યા મૂઆ, રામ કેમના બોલાવે છે તે ? રામ તો ગયા ક્યારનાય !

પણ લોકોએ શીખવાડેલું આવું કે આવું કંઈ કરવું. પણ એ તો મહીં પુણ્યૈ જાગી હોયને તે એડજસ્ટ થાય અને પેલો તો છોડીને પૈણાવાની ચિંતામાં જ પડ્યો હોય. આ ત્રણ છોડી પૈણાવી ને આ ચોથી રહી ગઈ. આ ત્રણ પૈણાવી ને નાની એકલી રહી ગઈ. રકમ કરી કે તે આગળ આવીને ઊભી રહેશે. અને તે નાનપણમાં સારું કરેલું નહીં આવે, ઘૈડપણમાં સારું કરેલું આવશે.

કુદરતનો કેવો સુંદર કાયદો !

એટલે અહીંથી જાય છે તેય કુદરતનો ન્યાય બરોબરને ! પણ વીતરાગો ચેતવે છે કે ભઈ પચાસ વર્ષ થયાં હવે ચેતને !

પોણો સો વર્ષનું આયુષ્ય હોય તો પચાસ વર્ષે પહેલો ફોટો પડે અને સાઇઠ વર્ષનું આયુષ્ય હોય તો ચાલીસ વર્ષે ફોટો પડે. એક્યાસી વર્ષનું આયુષ્ય હોય તો ચોપ્પન વર્ષે ફોટો પડી જાય. પણ ત્યાં સુધી એટલો ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ (મફત) મળે છે, બે તૃતીયાંશ ભાગ ફ્રી ઓફમાં મળે છે અને એક તૃતીયાંશ ભાગ એના પછી ફોટા પડ્યા કરે છે. કાયદો સારો છે કે જોરજુલમવાળો છે ? જોરજુલમી નથીને ? ન્યાયનો છેને ? બે તૃતીયાંશ કૂદાકૂદ કરી હોય, તેનો અમને વાંધો નથી પણ હવે પાંસરો મર, કહે છે !

ક્ષણે ક્ષણે ભાવમરણ !

પ્રશ્નકર્તા : દેહનું મરણ તો કહેવાયને ?

દાદાશ્રી : અજ્ઞાની માણસોનું તો બે જાતનું મરણ થાય છે. રોજ ભાવમરણ થયા કરે. ક્ષણે ક્ષણે ભાવમરણ અને પછી છેવટે દેહનું મરણ થયું. પણ રોજેય એમનાં મરણાં, કાણ રોજની. ક્ષણે ક્ષણે ભાવમરણ. તેથી કૃપાળુદેવે લખ્યું ને,

'ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહ્યો !'

આ બધા જીવી રહ્યા છે તે મરવા હારુ કે શેને હારુ જીવી રહ્યા છે ?

સમાધિ મરણ !

એટલે મરણને કહીએ કે, 'તારે વહેલું આવવું હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ 'સમાધિ મરણ' આવજે !'

સમાધિ મરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય. પોતાના સ્વરૂપ શુધ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું હાલમહાલ હોય નહીં ! નિરંતર સમાધિ ! દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિવાળો ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એકલો ઉપાધિવાળો જ નહીં, વ્યાધિવાળોય ખરો કે નહીં ? જ્ઞાનીને ઉપાધિ અડે નહીં. વ્યાધિ થઈ હોય તો અડે નહીં. અને અજ્ઞાની તો વ્યાધિ ના થઈ હોય તો વ્યાધિ બોલાવે ! સમાધિ મરણ એટલે 'હું શુધ્ધાત્મા છું' એવું ભાન રહે ! આપણા કેટલાય મહાત્માઓનાં મરણ થયાં તે બધાને 'હું શુધ્ધાત્મા છું, હું શુધ્ધાત્મા છું' એવું ભાન રહ્યા કરે.

ગતિની નિશાની !

પ્રશ્નકર્તા : મૃત્યુ સમયે એવી કોઈ નિશાની છે કે કોઈવાર ખબર પડે કે આ જીવની સારી ગતિ થઈ ગઈ કે નહીં ?

દાદાશ્રી : તો તે વખતે મારી છોડી પૈણી કે નહીં ? આમ થયું નહીં. તે બધી ઘરની જ માથાકૂટ કર્યા કરે છે. ઉપાધિ કર્યા કરે છે. એટલે જાણવું કે આને થઈ ગઈ અધોગતિ. અને આત્મામાં રહેતો હોય એટલે ભગવાનમાં રહેતો હોય તો સારી ગતિ થઈ.

પ્રશ્નકર્તા : પણ અન્કોન્શિયસ રહે થોડા દિવસ તો ?

દાદાશ્રી : બેભાન હોય તો પણ અંદર જો જ્ઞાનમાં હોય તો ચાલે. આ જ્ઞાન લીધેલું હોવું જોઈએ. પછી એ બેભાન હોય તોય ચાલે.

મૃત્યુનો ભય !

પ્રશ્નકર્તા : તો મૃત્યુનો ભય કેમ રહે છે બધાને ?

દાદાશ્રી : મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ.

એ દ્ષ્ટિથી જુઓ તો ખરા !

એવું છેને, ભગવાનની દ્ષ્ટિમાં આ જગતમાં શું ચાલી રહ્યું છે ? ત્યારે કહે, એમની દ્ષ્ટિમાં તો કોઈ મરતું જ નથી. ભગવાનની જે દ્ષ્ટિ છે એ દ્ષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દહાડો આપે એ તમને તો અહીં ગમે એટલા માણસ મરી જાય તોય તમને અસર કરે નહીં. કારણ કે ભગવાનની દ્ષ્ટિમાં કોઈ મરતું જ નથી.

જીવ તો મરણ, શિવ તો અમર !

જ્યારે ત્યારે સોલ્યુશન લાવવું પડશેને ? જીવન-મરણનું સોલ્યુશન નહીં લાવવું પડે ? ખરી રીતે પોતે મરતોય નથી ને ખરી રીતે જીવતોય નથી. આ તો માન્યતામાં જ ભૂલ છે કે પોતાની જાતને જીવ માની બેઠો છે. પોતાનું સ્વરૂપ શિવ છે. પોતે શિવ છે, પણ તે પોતાને સમજાતું નથી ને પોતાને જીવસ્વરૂપ માની બેઠો છે !

પ્રશ્નકર્તા : એવું દરેક જણને સમજાતું હોત તો આ દુનિયા ચાલે નહીંને !

દાદાશ્રી : હા, ચાલે જ નહીંને ! પણ ત્યારે દરેક જણને એ સમજાય એવુંય નથી ! આ તો પઝલ છે બધું. અત્યંત ગુહ્ય, અત્યંત ગુહ્યતમ. એ ગુહ્યતમને લઈને તો આ બધું આવું ને આવું પોલંપોલ જગત ચાલ્યા કરે છે.

જીવે-મરે એ કોણ ?

આ જન્મ-મરણ આત્માનાં નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઇઝમના છે. ઇગોઇઝમ જન્મ પામે છે અને ઇગોઇઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી. અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે.

મૃત્યુ સમયે, પહેલાં ને પછી...

આત્માની સ્થિતિ

જન્મ-મરણ શું છે ?

પ્રશ્નકર્તા : જન્મ-મરણ શું છે ?

દાદાશ્રી : જન્મ-મરણ તો થાય છે, આપણે જોઈએ છીએ કે એમાં શું છે, એમાં પૂછવા જેવું નથી. જન્મ-મરણ એટલે એનાં કર્મનો હિસાબ પૂરો થઈ ગયો, એક અવતાર જે હિસાબ બાંધ્યો હતો, તે પૂરો થઈ ગયો એટલે મરણ થઈ જાય.

મૃત્યુ શું છે ?

પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ?

દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ ખમીસ સીવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયોને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં ! કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું. એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ !

પ્રશ્નકર્તા : મૃત્યુ શા માટે છે ?

દાદાશ્રી : મૃત્યુ તો એવું છેને, આ દેહનો જન્મ થયોને એ એક સંયોગ છે, એનો વિયોગ થયા વગર રહે જ નહીંને ! સંયોગ હંમેશાં વિયોગી સ્વભાવના જ હોય. આપણે સ્કૂલમાં ભણવા ગયા હતા. તે શરૂઆત કરી હતી કે નહીં, બિગિનિંગ ? પછી એન્ડ આવ્યો કે ના આવ્યો ? દરેક વસ્તુઓ બિગિનિંગ અને એન્ડવાળી જ હોય. અહીં આગળ તે આ બધી જ વસ્તુઓને બિગિનિંગ ને એન્ડ હોય. ના સમજાયું તને ?

પ્રશ્નકર્તા : સમજાયુંને !

દાદાશ્રી : આ બધી વસ્તુઓ બિગિનિંગ-એન્ડવાળી, પણ બિગિનિંગ ને એન્ડને જાણે છે, એ જાણનાર કોણ છે ?

બિગિનિંગ-એન્ડવાળી વસ્તુઓ બધી જ છે તે ટેમ્પરરી વસ્તુઓ છે. જેનું બિગિનિંગ હોયને એનો એન્ડ હોય, બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય. એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે, પણ ટેમ્પરરીને જાણનાર કોણ છે ? તું પરમેનન્ટ છું. કારણ કે તું આ વસ્તુઓને ટેમ્પરરી કહું છું માટે તું પરમેનન્ટ છું. જો બધી જ વસ્તુ ટેમ્પરરી હોય તો પછી ટેમ્પરરી કહેવાની જરૂર જ ન્હોતી. ટેમ્પરરી સાપેક્ષ શબ્દ છે. પરમેનન્ટ છે તો ટેમ્પરરી છે.

મૃત્યુનું કારણ !

પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ?

દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ મન-વચન-કાયા એ ત્રણ 'બેટરી'ઓ છે, એ ગર્ભમાંથી 'ઇફેક્ટ' (પરિણામ) આપતી જાય છે. તે 'ઇફેક્ટ' પૂરી થાય, 'બેટરી'થી હિસાબ પૂરો થઈ જાય, ત્યાં સુધી એ 'બેટરી' રહે અને પછી એ ખલાસ થઈ જાય, એને મૃત્યુ કહે છે. પણ ત્યારે પાછી આવતા ભવને માટે મહીં નવી 'બેટરી'ઓ ચાર્જ (પાવર ભરાય) થઈ ગઈ હોય. આવતા ભવના માટે અંદર નવી 'બેટરી' 'ચાર્જ' થયા જ કરે છે અને જૂની 'બેટરી'ઓ 'ડિસ્ચાર્જ' થાય છે. આમ 'ચાર્જ'-'ડિસ્ચાર્જ' (ખાલી) થયા જ કરે છે. કારણ કે એને 'રોંગ બિલિફ' (ઊંધી માન્યતા) છે. એટલે 'કૉઝિઝ' (કારણ) ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી 'રોંગ બિલિફ' છે, ત્યાં સુધી રાગ-દ્વેષ ને 'કૉઝિઝ' ઉત્પન્ન થાય છે અને એ 'રોંગ બિલિફ' બદલાય ને 'રાઈટ બિલિફ' બેસે એટલે રાગ-દ્વેષ ને 'કૉઝિઝ' ઉત્પન્ન થાય નહીં.

પુનર્જન્મ !

પ્રશ્નકર્તા : જીવાત્મા મરે પછી પાછો આવે છેને ?

દાદાશ્રી : એવું છેને, ફોરેનવાળાને પાછો આવતો નથી, મુસ્લિમોને પાછો આવતો નથી પણ તમારો પાછો આવે છે. તમારા ભગવાનની એટલી કૃપા છે કે તમારો પાછો આવે છે. અહીંથી મર્યો કે ત્યાં બીજી યોનિમાં પેસી ગયો હોય અને પેલાને તો પાછા નથી આવતા.

હવે ખરેખર પાછા નથી આવતા એવું નથી. એમની માન્યતા એવી છે તે અહીંથી મર્યો એટલે મર્યો, પણ ખરેખર પાછો જ આવે છે, પણ એમને સમજણ પડતી નથી. પુનર્જન્મ જ સમજતા નથી. તમને પુનર્જન્મ સમજાય છેને !

શરીર મૃત્યુ પામે એટલે આ જડ થઈ જાય એનાં પરથી સાબિત થાય કે આમાં જીવ હતો એ નીકળીને બીજે ગયો. ફોરેનવાળા તો કહે છે કે આ તે જ જીવ હતો ને તે જ જીવ મરી ગયો. આપણે એ કબૂલ કરતા નથી. આપણે લોકો પુનર્જન્મને માનીએ છીએ. આપણે ડેવલપ (વિકસિત) થયા છીએ. આપણે વીતરાગ વિજ્ઞાનને જાણીએ છીએ. વીતરાગ વિજ્ઞાન કહે છે પુનર્જન્મના આધારથી આપણે ભેગા થયા છીએ, એવું હિન્દુસ્તાનમાં સમજીએ છીએ. તેના આધારે આપણે આત્માને માનતા થયા છીએ. નહીં તો જો પુનર્જન્મનો આધાર ના હોય તો આત્મા માની શકાય જ કેવી રીતે ?

તો પુનર્જન્મ કોનો થાય છે ? ત્યારે કહે, આત્મા છે તો પુનર્જન્મ થાય છે કારણ કે દેહ તો મરી ગયો, આપણે બાળી મૂકેલા દેખીએ છીએ.

એટલે આત્માની સમજ બેસતી હોય તો ઉકેલ જ આવી જાયને ! પણ એ સમજ બેસે એવી નથીને ! તેથી તમામ શાસ્ત્રોએ કહ્યું કે, 'આત્મા જાણો !' હવે એ જાણ્યા સિવાય બધું જે કંઈ કરવામાં આવે છે, એ બધું જ એને ફાયદાકારક નથી, હેલ્પિંગ નથી. પહેલું આત્મા જાણો તો બધું સોલ્યુશન (ઉકેલ) આવી જશે !

પુનર્જન્મ કોનો ?

પ્રશ્નકર્તા : પુનર્જન્મ કોણ લે છે ? જીવ લે છે કે આત્મા લે છે ?

દાદાશ્રી : ના, કોઈને લેવો પડતો નથી, થઈ જાય છે. આ આખું જગત 'ઈટ હેપન્સ' (એની મેળે ચાલી રહ્યું) જ છે !

પ્રશ્નકર્તા : હા, પણ એ કોનાથી થઈ જાય છે ? જીવથી થઈ જાય છે કે આત્માથી ?

દાદાશ્રી : ના, આત્માને કશી લેવા-દેવા જ નથી, બધું જીવથી જ છે. જેને ભૌતિક સુખો જોઈએ છે, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' (અધિકાર) છે. ભૌતિક સુખો ના જોઈતાં હોય, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' જતો રહે છે.

સંબંધ જનમ-જનમનો !

પ્રશ્નકર્તા : મનુષ્યના દરેક જન્મને પુનર્જન્મ સાથે સંબંધ ખરો ?

દાદાશ્રી : એ તો દરેક જન્મ પૂર્વજન્મ જ હોય છે. એટલે દરેક જન્મનો સંબંધ પૂર્વજન્મથી જ થાય છે.

પ્રશ્નકર્તા : પણ પૂર્વજન્મ અને આ જન્મ સાથે શું લેવાદેવા છે ?

દાદાશ્રી : અરે, આવતા અવતાર માટે આ પૂર્વજન્મ થયો. ગયો અવતાર એ પૂર્વજન્મ, તો આ જન્મ છે, એ બીજા આવતા અવતારનો પૂર્વજન્મ કહેવાય.

પ્રશ્નકર્તા : હા, એ વાત સાચી છે. પણ પૂર્વજન્મની અંદર એવું કંઈક થતું હોય, જેને આ જન્મ સાથે કંઈ સંબંધ ખરો ?

દાદાશ્રી : બહુ જ સંબંધ, નર્યો ! પૂર્વજન્મમાં બીજ પડે છે ને બીજા જન્મમાં ડૂંડું આવે છે. એટલે એમાં બીજમાં ને ડૂંડામાં ફેર નહીં ? સંબંધ ખરો કે નહીં ?! આપણે બાજરીનો દાણો નાખીએ એ પૂર્વજન્મ અને ડુંડું આવે એ આ જન્મ, પાછું આ ડુંડામાંથી બીજરૂપે દાણો પડ્યો તે પૂર્વજન્મ અને એમાંથી ડૂંડું આવે એ નવો જન્મ. સમજાયું કે ના સમજાયું ?

પ્રશ્નકર્તા : એક માણસ રસ્તા ઉપર આમ ચાલ્યો જાય છે અને બીજા ઘણાય રસ્તા ઉપર ચાલ્યા જાય છે, પણ કોઈ સાપ અમુક માણસને જ નડે છે એનું કારણ પુનર્જન્મ જ ?

દાદાશ્રી : હા, અમે એ જ કહેવા માંગીએ છીએ ને કે પુનર્જન્મ છે. તેથી એ સાપ તમને કરડે છે, પુનર્જન્મ ના હોય તો તમને સાપ ના કરડત. પુનર્જન્મ છે, એ તમારો હિસાબ તમને ચૂકવે છે. આ બધા હિસાબો ચૂકવાય છે. જેમ ચોપડાના હિસાબો ચૂકવાય છેને, એવી રીતે બધા હિસાબો ચૂકવાય છે. અને 'ડેવલપમેન્ટ'ને લીધે તે આ હિસાબ બધા આપણને સમજાય છેય ખરા. તેથી આપણે ત્યાં કેટલાક લોકોને 'પુનર્જન્મ છે' એવી માન્યતાય થઈ ગયેલી છેને ! પણ તે પુનર્જન્મ છે જ એવું ના બોલી શકે. 'છે જ' એવો કોઈ પુરાવો આપી શકે નહીં. પણ એની પોતાની શ્રધ્ધામાં બેસી ગયેલું છે, આવા બધા દાખલાઓથી કે પુનર્જન્મ છે ખરો !

આ બેન કહેશે, આમને સાસુ કેમ સારાં મળ્યાં અને મને આવાં સાસુ કેમ મળ્યાં ? એટલે સંજોગો બધા જાતજાતના મળવાના.

બીજું શું જોડે જાય ?

પ્રશ્નકર્તા : એક જીવ બીજા ખોળિયામાં જાય છે. ત્યાં સાથે પંચેન્દ્રિયો અને મન એ બધું દરેક જીવ લઈને જાય છે ?

દાદાશ્રી : ના, ના, કશું જ નહીં. ઇન્દ્રિયો તો બધી એક્ઝોસ્ટ (ખાલી) થઈને ખલાસ થઈ ગઈ, ઇન્દ્રિયો તો મરી ગઈ. એટલે એની જોડે ઇન્દ્રિયો એવું કંઈ જ જવાનું નહીં. ફક્ત આ ક્રોધ-માન-માયા-લોભ જવાનાં. એ કારણ શરીરમાં ક્રોધ-માન-માયા-લોભ બધુંય આવી ગયું. અને સૂક્ષ્મ શરીર એ કેવું હોય ? જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી સાથે જ હોય. ગમે ત્યાં અવતાર થાય પણ આ સૂક્ષ્મ શરીર તો જોડે જ હોય.

ઈલેક્ટ્રિકલ બૉડી !

એટલે આત્મા દેહ છોડીને એકલો જતો નથી. આત્મા જોડે પછી બધાં કર્મો, કારણ દેહ કહેવાય એને, પછી ત્રીજું 'ઇલેક્ટ્રિકલ બૉડી' (તેજસ શરીર) આ ત્રણે સાથે નીકળે છે. જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી દરેક જીવમાં આ ઇલેક્ટ્રિકલ બૉડી હોય જ ! કારણ શરીર બંધાયું કે ઇલેક્ટ્રિકલ બૉડી જોડે જ હોય. ઇલેક્ટ્રિકલ બૉડી દરેક જીવમાં સામાન્ય ભાવે હોય જ અને તેના આધારે આપણું ચાલે છે. ખોરાક ખાઈએ છીએ તે પચાવવાનું કામ એ ઇલેક્ટ્રિકલ બૉડી કરે છે. એ લોહી બધું થાય છે, લોહી શરીરમાં ઉપર ચઢાવે, નીચે ઉતારે, એ બધું અંદર કામ કર્યા કરે. આંખે દેખાય છે તે લાઈટ બધું આ ઇલેક્ટ્રિકલ બૉડીના લીધે હોય છે અને આ ક્રોધ-માન-માયા-લોભ એય આ 'ઇલેક્ટ્રિકલ બૉડી'ને લીધે થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ છે જ નહીં. આ ગુસ્સોય એ બધું 'ઇલેક્ટ્રિકલ બૉડી'ના શૉક (આઘાત) છે.

પ્રશ્નકર્તા : એટલે 'ચાર્જ' થવામાં 'ઇલેક્ટ્રિકલ બૉડી' કામ કરતું હશેને ?

દાદાશ્રી : ઇલેક્ટ્રિકલ બૉડી હોય તો જ ચાર્જ થાય. નહીં તો આ ઇલેક્ટ્રિકલ બૉડી ના હોય તો આ કશું ચાલે જ નહીં. 'ઇલેક્ટ્રિકલ બૉડી' હોય ને આત્મા ના હોય તોય કશું ના ચાલે. આ બધાં સમુચ્ચય 'કૉઝીઝ' છે.

ગર્ભમાં જીવ ક્યારે પ્રવેશે ?

પ્રશ્નકર્તા : સંચાર થાય ત્યારે જ જીવ આવે છે, પ્રાણ આવે એવું વેદોમાં કહે છે.

દાદાશ્રી : ના, એ બધી વાતો છે તે અનુભવની નહીં, સાચી વાત નહીં આ બધી. એ લૌકિક ભાષાની. જીવ વગર કોઈ દહાડોય ગર્ભ બંધાય નહીં. જીવની હાજરી હોય તો ગર્ભ બંધાય, નહીં તો બંધાય નહીં.

એ પહેલાં છે તે ઈંડાંની પેઠ બેભાન અવસ્થામાં રહે છે.

પ્રશ્નકર્તા : મરઘીનાં ઈંડાંમાં કાણું પાડીને પછી જીવ પેઠો ?

દાદાશ્રી : ના, એ તો આ લૌકિકમાં એવું. લૌકિકમાં તમે કહો છો, એવું જ લખેલું છે. કારણ કે ગર્ભ બંધાવો તે કાળ, બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, કાળ હઉ ભેગો થાય ત્યારે બંધાય છે.

નવ મહિના મહીં જીવ રહે ત્યારે પ્રગટ થાય અને સાત મહિનાનો જીવ હોય તો અધૂરે માસે આવ્યું માટે કાચું હોય, એનું મગજ-બગજ બધું કાચું હોય છે. બધાં અંગ કાચાં હોય, સાત મહિને આવ્યો એટલે અને અઢાર મહિને આવ્યો તો એ વાત જ જુદી, બહુ હાઈ લેવલ મગજ હોય. એટલે નવ મહિનાથી વધારે જેટલા મહિના થાયને, એટલું એનું ટોપ મગજ હોય, જાણો છો એવું ?

કેમ બોલતા નથી ? તમે સાંભળેલું નહીં કે આ અઢાર મહિનાનો છે એવું ! સાંભળેલું ? પહેલાં સાંભળ્યું નહીં હોય, નહીં ? કે જવા દો એની મા તો, અઢાર મહિનાનો છે, કહે છે ! એ તો બહુ હોંશિયાર હોય. એની માના પેટમાંથી બહાર નીકળે જ નહીં. અઢાર મહિના સુધી રોફ મારે ત્યાં.

વચ્ચે સમય કેટલો ?

પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ?

દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીંયાં પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઈમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય, એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય. નહીં તો એ અહીંથી જાય જ નહીં, એટલે માણસ મર્યા પછી એ આત્મા અહીંથી સીધો જ બીજી યોનિમાં જાય છે. એટલે આગળ શું થશે, એની કોઈ ચિંતા કરવા જેવી નથી. કારણ કે મર્યા પછી બીજી યોનિ પ્રાપ્ત થઈ જાય છે જ અને એ યોનિમાં ત્યાં પેઠો કે તરત જ જમવા કરવાનું બધું મળે છે.

એનાથી સર્જાય કારણ દેહ !

જગત ભ્રાંતિવાળું છે તે ક્રિયાઓને જુએ, ધ્યાનને જુએ નહીં. ધ્યાન આવતા અવતારનો પુરુષાર્થ છે અને ક્રિયા એ ગયા અવતારનો પુરુષાર્થ છે. ધ્યાન એ આવતા અવતારમાં ફળ આપનારું છે. ધ્યાન થયું કે એ વખતે પરમાણુ બહારથી ખેંચાય છે અને તે ધ્યાન સ્વરૂપ થઈ મહીં સૂક્ષ્મતાએ સંગ્રહ થઈ જાય છે અને કારણ દેહનું સર્જન થાય છે. જ્યારે ઋણાનુબંધથી માતાના ગર્ભમાં જાય છે ત્યારે કાર્યદેહનું બંધારણ થઈ જાય છે. માણસ મરે છે ત્યારે આત્મા, સૂક્ષ્મ શરીર તથા કારણ શરીર સાથે જાય છે. સૂક્ષ્મ શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ શરીર દરેકનાં પોતે સેવેલાં કૉઝીઝ પ્રમાણે જુદાં જુદાં હોય છે. સૂક્ષ્મ શરીર એ ઇલેક્ટ્રિકલ બૉડી છે.

કારણ-કાર્યની શૃંખલા !

મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે ? ત્યારે કહે, 'કૉઝીઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી 'ઇફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે !

અહીં આગળ આખી જિંદગી 'કૉઝીઝ' ઊભાં કરેલાં હોય, એ તમારા 'કૉઝીઝ' કોને ત્યાં જાય ? અને 'કૉઝીઝ' કરેલાં હોય એટલે એ તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં. 'કૉઝીઝ' ઊભાં કરેલાં, એવું તમને પોતાને સમજાય ?

દરેક કાર્યમાં 'કૉઝીઝ' ઊભાં થાય છે. તમને કોઈએ 'નાલાયક' કહ્યું તો તમને મહીં 'કૉઝીઝ' ઊભાં થાય છે. 'તારો બાપ નાલાયક છે' એ તમારું 'કૉઝીઝ' કહેવાય. તમને 'નાલાયક' કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું. એ ના સમજાયું આપને ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઇફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે !

આ તો 'ઇફેક્ટિવ' (પરિણામ) મોહને 'કૉઝીઝ' (કારણ) મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે 'હું ક્રોધ કરું છું' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો 'ઇફેક્ટ' છે. અને 'કૉઝીઝ' બંધ થઈ જાય એટલે 'ઇફેક્ટ' એકલી જ રહે છે અને તે 'કૉઝીઝ' બંધ કર્યાં એટલે 'હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ' (પરિણામનો પોતે જવાબદાર નથી) અને 'ઇફેક્ટ' એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.

કારણ બંધ થાય ?

પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ તો ખરોને ?

દાદાશ્રી : આ દેહ છે તે આત્માની અજ્ઞાન દશાનું પરિણામ છે. જે જે 'કૉઝીઝ' કર્યાં તેની આ 'ઇફેક્ટ' છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ અને તમને ગાળ દે એટલે તમે ચિડાઈ જાવ. તે ચિડાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતરભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે ભવે 'ડિસ્ચાર્જ' થાય છે. તે વખતે તે 'ઇફેક્ટિવ' છે. આ મન-વચન-કાયા ત્રણેય 'ઇફેક્ટિવ' છે. 'ઇફેક્ટ' ભોગવતી વખતે બીજાં નવાં 'કૉઝીઝ' ઊભાં થાય છે. જે આવતા ભવે પાછાં 'ઇફેક્ટિવ' થાય છે. આમ 'કૉઝીઝ' એન્ડ 'ઇફેક્ટ', 'ઇફેક્ટ' એન્ડ 'કૉઝીઝ' એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.

મનુષ્યજન્મ એકલામાં જ 'કૉઝીઝ' બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી 'ઇફેક્ટ' જ છે. અહીં 'કૉઝીઝ' એન્ડ 'ઇફેક્ટ' બંને છે. અમે જ્ઞાન આપીએ ત્યારે 'કૉઝીઝ' બંધ કરી દઈએ છીએ. પછી નવી 'ઇફેક્ટ' થાય નહીં.

ત્યાં સુધી ભટકવાનું...

'ઇફેક્ટિવ બૉડી' એટલે આ મન-વચન-કાયાની ત્રણ 'બેટરી'ઓ તૈયાર થઈ જાય છે અને એમાંથી પાછાં નવાં 'કૉઝીઝ' ઉત્પન્ન થયા કરે છે. એટલે આ ભવમાં મન-વચન-કાયા 'ડિસ્ચાર્જ' થયા કરે છે અને બીજી બાજુ મહીં નવું 'ચાર્જ' થયા કરે છે. જે મન-વચન-કાયાની 'બેટરીઓ' ચાર્જ થયા કરે છે તે આવતે ભવને માટે છે અને આ ગયા ભવની છે તે અત્યારે ડિસ્ચાર્જ થયા કરે છે. 'જ્ઞાની પુરુષ' નવું 'ચાર્જ' બંધ કરી આપે એટલે જૂનું ડિસ્ચાર્જ થયા કરે.

એટલે મૃત્યુ પછી આત્મા બીજી યોનિમાં જાય છે. જ્યાં સુધી પોતાનું 'સેલ્ફનું' 'રિયલાઈઝ' (આત્મઓળખ) ન થાય ત્યાં સુધી બધી યોનિઓમાં ભટક ભટક કરે છે. જ્યાં સુધી મનમાં તન્મયાકાર થાય છે, બુદ્ધિમાં તન્મયાકાર થાય છે ત્યાં સુધી સંસાર ઊભો રહ્યો છે. કારણ કે તન્મયાકાર થવું એટલે યોનિમાં બીજ પડવું અને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યોનિમાં બીજ પડે છે ને તેનાથી આ સંસાર ઊભો રહ્યો છે. યોનિમાં બીજ પડતું બંધ થઈ ગયું કે એનો સંસાર ખલાસ થઈ ગયો.

વિજ્ઞાન વક્રગતિવાળું !

પ્રશ્નકર્તા : 'થિયરી ઓફ ઇવોલ્યુશન'ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ 'ડેવલપ' થતો થતો મનુષ્યમાં આવે છે અને મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં જાય છે. તો આ 'ઇવોલ્યુશન'ની 'થિયરી'માં જરા વિરોધાભાસ લાગે છે એ જરા સ્પષ્ટ કરી આપો.

દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ જેવું નથી. 'ઇવોલ્યુશન'ની 'થિયરી' બધી બરોબર છે. ફક્ત મનુષ્ય સુધી જ 'ઇવોલ્યુશન'ની થિયરી 'કરેક્ટ' (સાચી) છે, પછી એની આગળ એ લોકો જાણતા જ નથી.

પ્રશ્નકર્તા : મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો ? એમ પ્રશ્ન છે.

દાદાશ્રી : એવું છે, પહેલું ડાર્વિનની 'થિયરી'થી આમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે 'ડેવલપ' થતો થતો મનુષ્ય સુધી આવે છે અને મનુષ્યમાં આવ્યો એટલે 'ઇગોઇઝમ' (અહંકાર) સાથે હોવાથી કર્તા થાય છે, કર્મનો કર્તા થાય છે એટલે પછી કર્મ પ્રમાણે એને ભોગવવા જવું પડે છે. 'ડેબિટ' (પાપ) કરે ત્યારે જાનવરમાં જવું પડે અને 'ક્રેડિટ'(પુણ્ય) કરે ત્યારે દેવગતિમાં જવું પડે અગર તો મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં આવ્યા પછી 'ક્રેડિટ' અને 'ડેબિટ' ઉપર આધાર રાખે છે.

પછી નથી ચોર્યાસી યોનિ !

પ્રશ્નકર્તા : પણ એવું કહે છેને, માનવજન્મ જે ચોર્યાસી લાખ ફેરા ભટકીને આવ્યા પછી મળ્યો છે, તે ફરી પાછું એટલું ભટકવાનું થાય ને પછી માનવજન્મ મળેને ?

દાદાશ્રી : ના, એવું કશું નથી. એક ફેર મનુષ્યજન્મમાં આવ્યો ને પછી આખી ચોર્યાસી ફરવી પડતી નથી. એને જે પાશવતાના વિચાર આવે તો વધુમાં વધુ આઠ ભવ એને પશુયોનિમાં જવું પડે, તેય પાછું સો-બસો વર્ષ માટે. પછી પાછો અહીંનો અહીં મનુષ્યમાં આવે છે. એક ફેરો મનુષ્ય થયા પછી ચોર્યાસી લાખ ફેરા ભટકવાનું હોતું નથી.

પ્રશ્નકર્તા : એક જ આત્મા ચોર્યાસી લાખ ફેરા ફરેને ?

દાદાશ્રી : હા, એક જ આત્મા.

પ્રશ્નકર્તા : પણ આત્મા તો પવિત્ર છેને ?

દાદાશ્રી : આત્મા પવિત્ર તો અત્યારેય છે. ચોર્યાસી લાખ યોનિમાં ફરતાંયે પવિત્ર રહ્યો છે ને પવિત્ર હતો ને પવિત્ર રહેશે !!

વાસના પ્રમાણે ગતિ !

પ્રશ્નકર્તા : મરતાં પહેલાં જેવી વાસના હોય, એ રૂપે જન્મ થાય છેને ?

દાદાશ્રી : હા, એ વાસના, આપણા લોક જે કહે છેને કે મરતાં પહેલાં આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવવી લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કર્યુંને, એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે અને સરવૈયાં પ્રમાણે એની ગતિ થઈ જાય છે.

શું મનુષ્યમાંથી મનુષ્ય જ ?

પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ?

દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે માણસ જ જન્મે. ત્યાં કંઈ ગધેડું ના જન્મે. પણ એ એમ સમજી બેઠો કે આપણે મરી જઈશું તોય માણસમાં જ જન્મીશું તો એ ભૂલ છે. અલ્યા મૂઆ, તારા વિચાર તો ગધેડાના છે અને પછી માણસ શી રીતે થવાનો છે ? તને વિચાર આવે છે, કોનું ભોગવી લેવું, કોનું લઈ લેવું, અણહક્કના ભોગવી લેવાના વિચાર આવે છે તે વિચારો જ લઈ જાય છે, પોતાની ગતિમાં !

પ્રશ્નકર્તા : જીવનો એવો કોઈ ક્રમ છે કે મનુષ્યમાં આવ્યા પછી મનુષ્યમાં જ આવે કે બીજે ક્યાંય જાય ?

દાદાશ્રી : હિન્દુસ્તાનમાં મનુષ્ય જન્મમાં આવ્યા પછી ચારેય ગતિઓમાં ભટકવું પડે. ફોરેનના મનુષ્યને એવું નથી. એમાં બે-પાંચ ટકા અપવાદ હોય. બીજાં બધાં ઊંચે ચઢ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : આ લોકો જેને વિધાતા કહે છે એ કોને કહે છે ?

દાદાશ્રી : એ કુદરતને જ વિધાતા કહે છે. વિધાતા નામની કોઈ દેવી નથી. 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) એ જ વિધાતા છે. આપણા લોકોએ નક્કી કરેલું કે છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખી જાય. વિકલ્પોથી આ બધું બરોબર છે અને વાસ્તવિક જાણવું હોય તો આ બરાબર નથી.

અહીં તો કાયદો એ છે કે જેણે અણહક્કનું લીધું, તેને બે પગના ચાર પગ થશે. પણ તેય કાયમનું નથી. વધારેમાં વધારે બસો વર્ષ અને બહુ ત્યારે સાત-આઠ અવતાર જાનવરમાં જાય અને ઓછામાં ઓછો તો પાંચ જ મિનિટમાં જાનવરમાં જઈને પાછો મનુષ્યમાં આવી જાય. કેટલાક જીવ એવા છે કે એક મિનિટમાં સત્તર અવતાર બદલાય, એટલે એવાય જીવ છે. માટે જાનવરમાં ગયા એ બધાયને સો-બસો વર્ષનું આયુષ્ય નહીં મળવાનું.

એ સમજાય લક્ષણ પરથી !

પ્રશ્નકર્તા : આ જાનવર યોનિમાં જવાના એની સાબિતી તો કહો કંઈક, એ સાયન્ટિફિક રીતે કેવી રીતે માનવું ?

દાદાશ્રી : અહીં કોઈ ભસ ભસ કરે એવો માણસ મળ્યો છે તમને ? 'શું ભસ ભસ કરે છે' એવું તમે એને બોલેલા ખરા ? એ ત્યાંથી કૂતરામાંથી આવેલો છે. કોઈ છે તે વાંદરા જેવા ચેનચાળા કરે એવા હોય છે ! તે ત્યાંથી આવેલા હોય છે. કોઈ બિલાડીની પેઠ આમ તાકીને બેસી રહેલા હોય છે, તમારું લઈ લેવા માટે, પડાવી લેવા માટે. એ ત્યાંથી આવેલા હોય છે. એટલે અહીં ક્યાંથી આવેલા છે એ, તેય ઓળખાય અને ક્યાં જવાના છે તેય ઓળખાય અને તેય પાછું કાયમને માટે નહીં. આ લોકો તો કેવા છે, આમને પાપ કરતાંય આવડતું જ નથી.

આ કળિયુગના લોકોને પાપ કરતાં આવડતું નથી અને કરે છે પાપ જ ! એટલે એમના પાપનું ફળ કેવું હોય ? બહુ ત્યારે પચાસ-સો વર્ષ જાનવરમાં જઈને પાછો અહીંનો અહીં આવે, હજારો વર્ષ કે લાખો વર્ષ નહીં. અને કેટલાક તો પાંચ જ વર્ષમાં જાનવરમાં જઈને પાછા આવે. એટલે જાનવરમાં જવું, એને ગુનો ના ગણશો. કારણ કે એ તો તરત જ પાછા આવે છે બિચારા. કારણ કે એવાં પાપ જ કરતા નથીને ! આમનામાં શક્તિ જ નથી એવાં પાપ કરવાની.

નિયમ હાનિ-વૃદ્ધિનો !

પ્રશ્નકર્તા : આ માણસોની વસ્તી વધતી જ ગઈ છે, એનો અર્થ એ કે જાનવરો ઓછાં થયાં ?

દાદાશ્રી : હા, ખરું છે. જેટલા આત્મા છે, એટલા જ આત્માઓ છે પણ કન્વર્ઝન (રૂપાંતર) થયા કરે છે. કોઈ ફેરો મનુષ્યો વધી જાય છે ત્યારે જાનવરોમાં ઓછાં થાય છે અને કોઈ ફેરો જાનવરમાં વધી જાય છે ત્યારે મનુષ્યો ઓછાં થાય છે. એમ કન્વર્ઝન થયા કરે છે. હવે પાછા મનુષ્યો ઓછા થશે. હવે ૧૯૯૩ની સાલથી શરૂઆત થશે ઓછા થવાની !

ત્યારે લોકો કેલ્ક્યુલેશન (ગણતરી) માંડે છે કે ૨૦૦૦ની સાલમાં આમ થઈ જશે ને તેમ થઈ જશે, હિન્દુસ્તાનની વસ્તી વધી જશે ને આપણે શું ખાઈશું ? એ કેલ્ક્યુલેશન માંડે છે, તે નથી માંડતા ? એ શેના જેવું છે ? સિમિલી કહું ?

એક ચૌદ વર્ષનો છોકરો હોય, તે ચાર ફૂટ ને ચાર ઈંચ ઊંચો હોય અને અઢાર વર્ષમાં પાંચ ફૂટ થાય. ત્યારે કહે છે, ચાર વર્ષમાં આઠ ઈંચ વધ્યો. આ તો સિત્તેર વર્ષે કેટલો થશે ? એવું કેલ્ક્યુલેશન માંડીએ એના જેવું આ વસ્તીનું કેલ્ક્યુલેશન માંડે છે !

બાળકોને ભોગવટો કેમ ?

પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે તેનું શું કારણ ?

દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને 'મધરે' (માતા)એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં 'મધર'ની અનુમોદના હતી, એટલે 'મધર'ને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું - આ ત્રણ કર્મબંધના કારણો છે.

મનુષ્યભવનું મહાતમ !

મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે. અને ભટકામણનો અંત પણ મનુષ્યદેહમાંથી જ મળે છે. આ મનુષ્યદેહ જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને ન આવડે તો ભટકવાનું સાધન વધારી આપે તેમ પણ છે ! બીજી ગતિમાં કેવળ છૂટે છે. આમાં બન્નેય છે, છૂટે છે ને સાથે સાથે બંધાય પણ છે. માટે દુર્લભ મનુષ્યદેહ પ્રાપ્ત થયો તો તેનાથી કામ કાઢી લો. અનંત અવતાર આત્માએ દેહ માટે ગાળ્યા. એક અવતાર જો દેહને આત્મા માટે ગાળે તો કામ જ થઈ જાય !

મનુષ્યદેહે જ જો જ્ઞાનીપુરુષ મળે તો મોક્ષ ઉપાય થાય. દેવલોકો પણ મનુષ્યદેહ માટે તલસે છે. જ્ઞાનીપુરુષનો ભેટો થયે, સાંધો મળ્યે અનંત અવતાર સુધી શત્રુ સમાન થયેલો દેહ પરમ મિત્ર બની જાય છે ! માટે આ દેહે તમને જ્ઞાનીપુરુષ મળ્યા છે તો પૂરેપૂરું કામ કાઢી લો. આખોય સાંધો મેળવી તડીપાર ઊતરી જાવ.

અજન્મા-અમરને આવાગમન ક્યાંથી ?

પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો કોને છે ?

દાદાશ્રી : જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !

પછી મરણનો ય ભય નહીં !

પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ?

દાદાશ્રી : ના. એ તો પરમેનન્ટ થઈ ગઈ એ તો. પછી કર્તા જ ના રહ્યો એટલે કર્મ બંધાય નહીં. એકાદ અવતારમાં કે બે અવતારમાં મોક્ષ જ થવો પડે. છૂટકો જ નહીં, ચાલે જ નહીં. જેને મોક્ષે ના જવું હોય, તેને આ ધંધો જ કરવો નહીં. આ લાઈનમાં પડવું જ નહીં. જેને મોક્ષ ના ગમતો હોય તો આ લાઈનમાં પડવું નહીં.

પ્રશ્નકર્તા : આ બધું 'જ્ઞાન' છે એ બીજા જનમમાં જાય તો યાદ હોય ખરું ?

દાદાશ્રી : બધું તે જ રૂપ હોય. ફેરફાર જ ના થાય. કારણ કે કર્મ બંધાય નહીંને એટલે ફરી ગૂંચવાડો જ ઊભો ના થાયને !

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થાય કે આપણા ગયા જનમમાં એવાં કર્મો હોય એને લઈને ગૂંચવાડો-ગૂંચવાડો જ ચાલ્યા કરે છે ?

દાદાશ્રી : ગયા અવતારે અજ્ઞાનતાથી કર્મો બંધાયાં, એ કર્મોની આ ઇફેક્ટ છે હવે. ઇફેક્ટ ભોગવવી પડે છે. ઇફેક્ટ ભોગવતાં ભોગવતાં ફરી જો કદી જ્ઞાની મળે નહીં તો ફરી નવાં કૉઝિઝ અને એટલે નવી ઇફેક્ટ ઊભી થયા કરવાની. ઇફેક્ટમાંથી પાછાં કૉઝિઝ ઉત્પન્ન થયા જ કરવાનાં અને એ કૉઝિઝ પાછાં આવતા ભવમાં ઇફેક્ટ થશે. કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કૉઝિઝ, કૉઝિઝ એન્ડ ઇફેક્ટ એ ચાલ્યા જ કરે છે. એટલે જ્ઞાનીપુરુષ જ્યારે કૉઝિઝ બંધ કરી આપે એટલે ઇફેક્ટ એકલી જ ભોગવવાની રહી. એટલે કર્મ બંધાતા બંધ થઈ ગયા.

એટલે બધું 'જ્ઞાન' યાદ રહે જ એટલું નહીં, પણ પોતે તે સ્વરૂપ જ થઈ જાય. પછી તો મરવાનોય ભો ના લાગેને ! કશાનો ભો ના લાગે, નિર્ભયતા હોય.

અંતિમ સમયની જાગૃતિ !

જીવતાં છીએ ત્યાં સુધી !

પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન લીધા પહેલાંના આ ભવના જે પર્યાય બંધાઈ ગયા હોય, એનું નિરાકરણ કેવી રીતે આવે ?

દાદાશ્રી : હજુ આપણે જીવતાં છીએ, ત્યાં સુધી પશ્ચાતાપ કરીને એને ધોઈ નાખવા, પણ એ અમુક જ, આખું નિરાકરણ ના થાય. પણ ઢીલું તો થઈ જ જાય. ઢીલાં થઈ જાય એટલે આવતે ભવ હાથ અડાડ્યો કે તરત ગાંઠ છૂટી જાય !

પ્રશ્નકર્તા : પ્રાયશ્ચિતથી બંધ છૂટી જાય ?

દાદાશ્રી : હા, છૂટી જાય. અમુક જ પ્રકારના બંધ છે તે કર્મો પ્રાયશ્ચિત કરવાથી ઘોડાગાંઠમાંથી ઢીલાં થઈ જાય. આપણા પ્રતિક્રમણમાં બહુ શક્તિ છે. દાદાને હાજર રાખીને કરો તો કામ થઈ જાય.

આ જ્ઞાન મળ્યા પછી હિસાબ મહાવિદેહનો !

કર્મના ધક્કાના અવતાર થવાના હોય તે થાય, વખતે એક-બે અવતાર. પણ તે પછી સીમંધર સ્વામી પાસે જ જવું પડશે. આ અહીં આગળ ધક્કો, હિસાબ બાંધી દીધેલો પહેલાનો, કંઈક ચીકણો થઈ ગયેલોને, તે પૂરો થઈ જશે. એમાં છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાથી કર્મના ધક્કા ઓછા થાય ?

દાદાશ્રી : ઓછા થાય ને ! ને જલદી નિવેડો આવી જાય.

'અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી !

જેટલી ભૂલ ભાંગી પ્રતિક્રમણ કરી કરીને, તેટલો મોક્ષ પાસે આવ્યો.

પ્રશ્નકર્તા : એ ફાઈલો પાછી ચીટકે નહીંને બીજા જન્મમાં ?

દાદાશ્રી : શું લેવા ? આપણે બીજા જન્મની શું લેવા ? અહીં ને અહીં પ્રતિક્રમણ એટલાં કરી નાખીએ. નવરા પડીએ કે એને માટે પ્રતિક્રમણ કર કર કરવાં. 'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક એક માણસનું, આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમ ને એમ હલકો થાય નહીં.

અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય.

મૃત્યુ પામેલાનાં પ્રતિક્રમણો ?

પ્રશ્નકર્તા : જેની ક્ષમાપના માંગવાની છે તે વ્યક્તિનો દેહવિલય થઈ ગયો હોય તો તે કેવી રીતે કરવું ?

દાદાશ્રી : દેહવિલય પામી ગયેલો હોય, તોય આપણે એનો ફોટો હોય, એનું મોઢું યાદ હોય, તો કરાય. મોઢું સહેજ યાદ ના હોય ને નામ ખબર હોય તો નામથીય કરાય, તો એને પહોંચી જાય બધું.

પ્રશ્નકર્તા : એટલે મરી ગયેલી વ્યક્તિ માટે પ્રતિક્રમણો કેવી રીતે કરવાનાં ?

દાદાશ્રી : મન-વચન-કાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, મરેલાનું નામ તથા તેના નામની સર્વ માયાથી નોખા એવા એના શુધ્ધાત્માને સંભારવાના, ને પછી 'આવી ભૂલો કરેલી' તે યાદ કરવાની (આલોચના). તે ભૂલો માટે મને પશ્ચાતાપ થાય છે અને તેની માટે મને ક્ષમા કરો (પ્રતિક્રમણ). તેવી ભૂલો નહીં થાય એવો દ્ઢ નિશ્ચય કરું છું, એવું નક્કી કરવાનું (પ્રત્યાખ્યાન). 'આપણે' પોતે ચંદુભાઈના જ્ઞાતા-દ્રષ્ટા રહીએ, અને જાણીએ કે ચંદુભાઈએ કેટલાં પ્રતિક્રમણ કર્યાં, કેટલાં સુંદર કર્યાં અને કેટલી વાર કર્યાં.

રુ રુ રુ રુ રુ

અંતિમ સમયની પ્રાર્થના !

હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું મન-વચન-કાયા તથા ના નામની સર્વમાયા, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ આપ પ્રગટ પરમાત્મ સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.

હે દાદા ભગવાન, હે શ્રી સીમંધર સ્વામી પ્રભુ, હું આપનું અનન્ય શરણું લઉં છું. મને આપનું અનન્ય શરણું હોજો. છેલ્લી ઘડીએ હાજર રહેજો. મને આંગળી ઝાલીને મોક્ષે લઈ જજો. ઠેઠ સુધીનો સંગાથ કરજો.

હે પ્રભુ, મને મોક્ષ સિવાય આ જગતની બીજી કોઈ પણ વિનાશી ચીજ ખપતી નથી. મારો આવતો ભવ આપના ચરણમાં ને શરણમાં જ હોજો.

'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલ્યા કરવું.

(અંતિમ સમય જેનો આવી ગયો તેવી વ્યક્તિ, પોતાનું નામ લે.)

(આ પ્રમાણે તે વ્યક્તિએ વારંવાર બોલવું અથવા કોઈએ એ વ્યક્તિ પાસે વારંવાર બોલાવવું.)

મૃત્યુ પામેલી વ્યક્તિ પ્રત્યે પ્રાર્થના !

પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, પ્રત્યક્ષ સીમંધર સ્વામીની સાક્ષીએ, દેહધારી ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે શુધ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે જ્યાં હોય ત્યાં સુખ-શાંતિને પામો. મોક્ષને પામો.

આજ દિનની અદ્યક્ષણ પર્યંત મારાથી પ્રત્યે રાગ-દ્વેષ, કષાયો થયાં હોય, તેની માફી માગું છું. હ્રદયપૂર્વક પસ્તાવો કરું છું. મને માફ કરો અને ફરી એવાં દોષો ક્યારેય પણ ના થાય એવી શક્તિ આપો.

મૃત્યુ પામેલી વ્યક્તિનું નામ લેવું.

(આ પ્રમાણે પ્રાર્થના વારંવાર કરવી. પછી જેટલી વખત મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ આવે ત્યારે ત્યારે આ પ્રાર્થના કરવી.)