બન્યું તે જ ન્યાય !
સંપાદકીય

બદ્રી-કેદારની જાત્રાએ લાખો લોકો ગયા ને એકાએક હીમ પડ્યું ને સેંકડો લોકો દટાઈને મરી ગયા. ત્યારે સાંભળીને દરેકને મહીં અરેરાટી વ્યાપી જાય કે કેટલાંય ભક્તિભાવથી ભગવાનના દર્શન કરવા જાય, તેને જ ભગવાન આમ મારી નાખે ?! ભગવાન ભયંકર અન્યાયી છે ! બે ભાઈઓ વચ્ચે મિલ્કતની વહેંચણીમાં એક ભાઈ બધું પચાવી જાય છે, બીજાને ઓછું મળે ત્યાં બુદ્ધિ ન્યાય ખોળે છે, છેવટે કોર્ટનો આશરો લે છે ને સુપ્રિમ કોર્ટ સુધી ઝઘડે છે. પરિણામે દુઃખીદુઃખી થતા જાય છે. નિર્દોષ વ્યક્તિ જેલ ભોગવે છે, ગુનેગાર વ્યક્તિ મોજ કરે છે ત્યારે આમાં ન્યાય શું રહ્યો ? નીતિવાળા માણસો દુઃખી થાય, અનીતિવાળા બંગલા બાંધે, ગાડીમાં ફરે ત્યાં કઈ રીતે ન્યાય સ્વરૂપ લાગે ?

આવાં તો ડગલે ને પગલે પ્રસંગો બને છે, જ્યાં બુદ્ધિ ન્યાય ખોળવા બેસી જાય છે અને દુઃખીદુઃખી થઈ જવાય છે ! પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભૂત આધ્યાત્મિક શોધ છે કે આ જગતમાં ક્યાંય અન્યાય થતો જ નથી. બન્યું એ જ ન્યાય ! કુદરત ક્યારેય ન્યાયની બહાર ગઈ નથી. કારણ કે કુદરત એટલે કોઈ વ્યક્તિ કે ભગવાન નથી કે કોઈનું એના પર ચલણ હોય ! કુદરત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સિસ. કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક કાર્ય બને છે ! આટલાં બધામાં અમુક જ કેમ માર્યા ગયા ?! જેનો તેનો હિસાબ હતો તે તો ભોગ બન્યા, મૃત્યુના ને દુર્ઘટનાના ! એન ઇન્સિડન્ટ હેસ સો મેની કૉઝીઝ અને એન એક્સિડન્ટ હેસ ટુ મેની કૉઝીઝ ! પોતાને હિસાબ વગર એક મચ્છર પણ કરડી શકે નહીં ! હિસાબ છે તો જ દંડ આવ્યો છે. માટે જેને છૂટવું છે, તેણે એ જ વાત સમજવી કે પોતાની સાથે જે જે બન્યું તે ન્યાય જ છે !

'બન્યું એ જ ન્યાય' એ જ્ઞાનનો ઉપયોગ જેટલો જીવનમાં થશે એટલી શાંતિ રહેશે ને તેવી પ્રતિકૂળતામાં મહીં પરમાણુ પણ નહીં હાલે !

ડૉ. નીરૂબહેનના જય સચ્ચિદાનંદ

બન્યું તે જ ન્યાય

વિશ્વની વિશાળતા, શબ્દાતીત...

આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે એટલું જગત નથી. શાસ્ત્રો તો એક અમુક ભાગ જ છે. બાકી, જગત તો અવક્તવ્ય ને અવર્ણનીય છે કે જે શબ્દોમાં ઊતરે એવું નથી. પછી તમે શબ્દોની બહાર ક્યાંથી લાવશો ? શબ્દોમાં ઊતરે નહીં તો શબ્દની બહાર તમે એનું વર્ણન ક્યાંથી સમજશો ? એવડું મોટું વિશાળ છે જગત. અને હું જોઈને બેઠો છું. એટલે હું તમને કહી શકું કે કેવી વિશાળતા છે !

કુદરત તો ન્યાયી જ સદા !

જે કુદરતનો ન્યાય છે તે એક ક્ષણ પણ અન્યાય થયો નથી. એક ક્ષણ પણ આ કુદરત જે છે તે અન્યાયને પામી નથી, કોર્ટો થઈ હશે, કોર્ટમાં બધું ચાલે ! પણ કુદરત અન્યાયી થઈ જ નથી. કુદરતનો ન્યાય કેવો છે ? કે તમે જો ચોખ્ખા માણસ હો અને આજે જો તમે ચોરી કરવા જાવ, તો તમને પહેલાં જ પકડાવી દેશે. અને મેલો માણસ હોય, તેને પહેલાં દિવસે એને એન્કરેજ (પ્રોત્સાહિત) કરશે. કુદરતનો આવો હિસાબ હોય છે કે પેલાંને ચોખ્ખો રાખવો છે. એટલે એને ઊડાડી મારે, હેલ્પ નહીં કરે અને પેલાને હેલ્પ જ કર્યા કરશે. અને પછી જો માર મારશે, તે ફરી ઊંચો નહીં આવે. એ બહુ અધોગતિમાં જશે, પણ કુદરત એક મિનિટ પણ અન્યાયી થઈ નથી. લોકો મને પૂછે છે કે આ પગે તમને ફ્રેક્ચર થયું તે ? ન્યાય જ કર્યો છે આ બધું કુદરતે.

કુદરતના ન્યાયને જો સમજે-'બન્યું તે ન્યાય' તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો કે તમારું જગતમાં ગૂંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી, એનું નામ જ્ઞાન. 'જેમ છે તેમ' જાણવું, એનું નામ જ્ઞાન અને 'જેમ છે તેમ' નહીં જાણવું, એનું નામ અજ્ઞાન.

એક માણસે બીજા માણસનું મકાન બાળી મેલ્યું, તો તે વખતે કોઈ પૂછે કે ભગવાન આ શું ? આનું મકાન આ માણસે બાળી મેલ્યું. આ ન્યાય છે કે અન્યાય ? ત્યારે કહે, 'ન્યાય. બાળી મેલ્યું એ જ ન્યાય.' હવે તેની ઉપર પેલો અજંપો કરે કે નાલાયક છે ને આમ છે ને તેમ છે. એ પછી એને અન્યાયનું ફળ મળે. ન્યાયને જ અન્યાય કહે છે ! જગત બિલકુલ ન્યાય સ્વરૂપ જ છે. એક ક્ષણવાર અન્યાય એમાં થતો નથી.

આ જગતમાં ન્યાય ખોળશો નહીં. જગતમાં ન્યાય ખોળવાથી તો, આખા જગતને લડાઈઓ ઊભી થઈ છે. જગત ન્યાય સ્વરૂપ જ છે. એટલે જગતમાં ન્યાય ખોળશો જ નહીં. જે બન્યું એ ન્યાય. જે બની ગયું એ જ ન્યાય. આ કોર્ટો ને બધું થયું, તે ન્યાય ખોળે છે તેથી ! અલ્યા મૂઆ, ન્યાય હોતો હશે ?! એના કરતાં શું બન્યું એ જો ! એ જ ન્યાય છે !

ન્યાય સ્વરૂપ જુદું છે અને આપણું આ ફળ સ્વરૂપ જુદું છે. ન્યાય-અન્યાયનું ફળ એ તો હિસાબથી આવે છે અને આપણે ન્યાય એની જોડે જોઈન્ટ કરવા જઈએ છીએ, પછી કોર્ટમાં જ જવું પડે ને ! અને ત્યાં જઈને થાકીને પાછાં જ આવવાનું છે છેવટે !

કોઈને આપણે એક ગાળ ભાંડી દીધી તો પછી એ આપણને બે-ત્રણ ભાંડી દે. કારણ કે એનું મન ઉકળતું હોય આપણી પર. ત્યારે લોક શું કહે ? તેં ત્રણ ગાળ ભાંડી, આણે એક જ ભાંડી હતી. તો એનો ન્યાય શું છે ? આપણને ત્રણ જ ભાંડવાની હોય. પાછલો હિસાબ ચૂકતે કરી લે કે ના કરી લે ?

પ્રશ્નકર્તા : હા, કરી લે.

દાદાશ્રી : પાછાં વાળી લો કે ના વાળી લો ? એના બાપને રૂપિયા આપેલા હોય આપણે, પણ પછી એ લાગમાં આવે તો આપણે વાળી લઈએ ને ?! પણ પેલો તો સમજે કે અન્યાય કરે છે. એવો કુદરતનો ન્યાય શું ? પાછલો હિસાબ હોય એ બધો ભેગો કરી આપે. અત્યારે ધણીને સ્ત્રી હેરાન કરતી હોય, તે કુદરતી ન્યાય છે. આ બૈરી બહુ ખરાબ છે અને બૈરી શું જાણે, ધણી ખરાબ છે. પણ કુદરતનો ન્યાય જ છે આ.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને ફરિયાદો કરવા આવો તમે. હું ફરિયાદ નથી સાંભળતો, એનું કારણ શું ?

પ્રશ્નકર્તા : હવે ખબર પડી કે આ ન્યાય છે.

ગૂંથણી ઊકેલે, કુદરત !

દાદાશ્રી : આ અમારી શોધખોળ છે ને બધી ! ભોગવે એની ભૂલ. જો શોધખોળ કેવી સરસ છે ! કોઈની અથડામણમાં આવીશ નહીં. પછી વ્યવહારમાં ન્યાય ખોળીશ નહીં.

નિયમ કેવો છે કે જેવી ગૂંથણી કરેલી હોય, એ ગૂંથણી તેવી રીતે જ ઉકલે પાછી. અન્યાયપૂર્વક ગૂંથણી કરેલી હોય તો અન્યાયથી ઉકલે ને ન્યાયથી કરેલી હોય તો ન્યાયથી ઉકલે. એવી આ ગૂંથણીઓ ઉકલે છે બધી અને પછી લોક એમાં ન્યાય ખોળે છે. મૂઆ, ન્યાય શું ખોળે છે કોર્ટના જેવો ?! અલ્યા મૂઆ, અન્યાયપૂર્વક ગૂંથણી તેં કરી અને હવે ન્યાયપૂર્વક તું ઉકેલવા જાઉં છું. શી રીતે બને એ ?! એ તો નવડાથી ગુણેલું નવડાથી ભાગે તો જ એની મૂળ જગ્યા ઉપર આવે. ગૂંથણીઓ કંઈ ગૂંચઈને પડ્યું છે બધું. તેથી આ મારા શબ્દ જેણે પકડ્યા હોય, એનું કામ કાઢી નાખે ને !

પ્રશ્નકર્તા : હા દાદા, આ બે-ત્રણ શબ્દો પકડી ગયો હોય અને ખપી માણસ હોય, તેનું કામ થઈ જાય.

દાદાશ્રી : કામ થઈ જાય. બહુ દોઢ ડાહ્યો ના થાય ને, તો કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં 'તું ન્યાય ખોળીશ નહીં' અને 'ભોગવે એની ભૂલ.' આ બે સૂત્ર પકડ્યા છે.

દાદાશ્રી : ન્યાય ખોળીશ નહીં. એ તો વાક્ય જો પકડી રાખ્યું ને તો એનું બધું ઓલરાઈટ થઈ જાય. આ ન્યાય ખોળે છે, તેથી જ બધો ગૂંચવાડો ઊભો થઈ જાય છે.

પુણ્યોદયે ખૂની પણ છૂટે નિર્દોષ....

પ્રશ્નકર્તા : કોઈ કોઈનું ખૂન કરે, તો એ પણ ન્યાય જ કહેવાય ?

દાદાશ્રી : ન્યાયની બહાર ચાલતું નથી. ન્યાય જ કહેવાય, ભગવાનની ભાષામાં. સરકારની ભાષામાં ના કહેવાય. આ લોકભાષામાં ના કહેવાય. લોકભાષામાં તો ખૂન કરનારને પકડી લાવે કે આ જ ગુનેગાર છે અને ભગવાનની ભાષામાં શું કહે ? ત્યારે કહે, આ જેનું ખૂન થયું તે ગુનેગાર છે. ત્યારે કહે, આ ખૂન કરનારનો ગુનો નથી ? ત્યારે કહે, ના, ખૂન કરનાર જ્યારે પકડાશે, ત્યારે પાછો એ ગુનેગાર ગણાશે ! અત્યારે તો એ પકડાયો નથી અને આ પકડાઈ ગયો ! તમને સમજમાં ના આવ્યું ?

પ્રશ્નકર્તા : કોર્ટમાં કોઈ માણસ ખૂન કરીને નિર્દોષ છૂટી જાય છે, એ એનાં પૂર્વકર્મનો બદલો લે છે કે પછી એની પુણ્યૈથી એ આવી રીતે છૂટી જાય છે ? શું છે આ ?

દાદાશ્રી : એ જ પુણ્યૈ ને પૂર્વકર્મનો બદલો એક જ કહેવાય. એની પુણ્યૈ તે છૂટી ગયો અને કોઈએ ના કર્યું હોય તો ય બંધાઈ જાય, જેલમાં જવું પડે. એ એનો પાપનો ઉદય. એમાં છૂટકો જ નહિ.

બાકી, આ જે દુનિયા છે, આ કોર્ટોમાં કોઈ વખતે અન્યાય થાય, પણ આ દુનિયામાં અન્યાય કુદરતે કર્યો નથી. ન્યાયમાં જ હોય છે. ન્યાયની બહાર કુદરત કોઈ દહાડો ગઈ નથી. પછી વાવાઝોડા બે લાવે કે એક લાવે, પણ ન્યાયમાં જ હોય છે.

પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિએ વિનાશ થતાં દ્રશ્યો જે દેખાય છે, એ આપણાં માટે શ્રેય જ છે ને ?

દાદાશ્રી : વિનાશ થતું દેખાય, એને શ્રેય શી રીતે કહેવાય ? પણ વિનાશ થાય છે એ પદ્ધતિસર સાચું જ છે. કુદરત પેણે વિનાશ કરે છે તે ય બરોબર છે અને કુદરત જેને પોષે છે તે ય બરોબર છે. બધું રેગ્યુલર કરે છે, ઓન ધી સ્ટેજ ! આ તો પોતાના સ્વાર્થને લઈને લોકો બૂમો પાડે છે કે મારાં કપાસ બળી ગયા. ત્યારે પેલા નાના કપાસવાળા કહે છે, અમે ફાવ્યા. એટલે લોક તો પોતપોતાના સ્વાર્થને જ ગાય છે.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે કુદરત ન્યાયી છે, તો પછી ધરતીકંપો થાય છે, વાવાઝોડા થાય છે, વરસાદ ખૂબ પડે છે. એ શા માટે ?

દાદાશ્રી : એ બધું ન્યાય કરે છે. વરસાદ વરસે છે, બધું અનાજ પકવે છે. આ બધું ન્યાય થઈ રહ્યું છે. ધરતીકંપ થાય છે એ ય ન્યાય થઈ રહ્યો છે.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : જેટલાં ગુનેગાર હોય એટલાંને જ પકડે. બીજાને નહીં. ગુનેગારને જ પકડે છે આ બધું ! આ જગત બિલકુલ ડિસ્ટર્બ થયેલું નથી. એક સેકન્ડ પણ ન્યાયની બહાર કશું ગયું નથી.

જગતમાં જરૂર ચોર-સાપની !

ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોરલોકો શું કરવા આવ્યા હશે ? એ બધા ગજવા કાપનારાની શી જરૂર છે ? ભગવાને શું કામ આમને જન્મ આપ્યો હશે ? અલ્યા, એ ના હોય તો તમારા ગજવા કોણ ખાલી કરી આપે ? ભગવાન જાતે આવે ? તમારું ચોરીનું ધન કોણ પકડી જાય ? તમારું ધન ખોટું હોય તો કોણ લઈ જાય ? એ નિમિત્ત છે બિચારા. એટલે આ બધાની જરૂર છે.

પ્રશ્નકર્તા : કોઈની પરસેવાની કમાણી પણ જતી રહે છે.

દાદાશ્રી : એ તો આ ભવની પરસેવાની કમાણી પણ પહેલાંનો બધો હિસાબ છે ને ! ચોપડા બાકી છે તેથી, નહીં તો કોઈ દહાડો આપણું કશું લે નહીં. કોઈથી લઈ શકે એવી શક્તિ જ નથી. અને લઈ લેવું એ તો આપણો કંઈક આગળ-પાછળનો હિસાબ છે. આ દુનિયામાં કોઈ જન્મ્યો નથી કે જે કશું કોઈનું કરી શકે. એટલું બધું નિયમવાળું જગત છે. બહુ નિયમવાળું જગત છે. સાપ પણ અડે નહીં. આટલું આ ચોગાન સાપથી ભરાયું હોય, પણ અડે નહીં. એટલું નિયમવાળું જગત છે. બહુ હિસાબવાળું જગત છે. આ જગત બહુ સુંદર છે, ન્યાય સ્વરૂપ છે, પણ છતાં લોકોને ન સમજાય.

જડે કારણ, પરિણામ પરથી !

આ બધું રીઝલ્ટ છે. જેમ પરીક્ષામાં રીઝલ્ટ આવે ને, આ મેથેમેટિક્સ(ગણિત)માં સો માર્કમાંથી પંચાણું માર્ક આવે અને ઈંગ્લિશમાં સો માર્કમાંથી પચ્ચીસ માર્ક આવે. તે આપણને ખબર ના પડે કે આમાં ક્યાં આગળ ભૂલ રહે છે ? આ પરિણામ ઉપરથી, શું શું કારણથી ભૂલ થઈ એ આપણને ખબર પડે ને ? એવાં આ બધાં પરિણામ આવે છે. આ સંયોગો જે બધાં ભેગાં થાય છે, એ બધાં પરિણામ છે. અને એ પરિણામ ઉપરથી શું કૉઝ હતું, તે આપણને જડે.

અહીં રસ્તામાં બધાં ય માણસો આવતાં-જતાં હોય અને બાવળની શૂળ આમ ઊભી પડેલી હોય. લોક એટલું આવતું-જતું હોય, પણ શૂળ એમની એમ જ પડેલી હોય. અને આપણે કોઈ દહાડો બૂટ-ચપ્પલ વગર નીકળીએ નહીં, પણ તે દહાડે કોઈકને ત્યાં ગયા હોય ને ત્યાં બૂમ પડે કે એય ચોર આવ્યો, ચોર આવ્યો. તે આપણે ઊઘાડે પગે નાઠાં. તે શૂળ આપણને પગે વાગે. તે હિસાબ આપણો ! પાછી આમ આરપાર નીકળી જાય એવું વાગે ! હવે આ સંયોગ કોણ ભેગું કરી આપે છે ? આ 'વ્યવસ્થિત' ભેગું કરી આપે છે.

કાયદા બધા કુદરત તણા....

મુંબઈમાં ફોર્ટ એરિયામાં તમારું સોનાની ચેઈનવાળું ઘડીયાળ પડી જાય અને ફરી તમે ઘેર આવીને આશા ના રાખો કે ભઈ, હવે આપણા હાથમાં આવે. છતાં બે દહાડા પછી પેપરમાં આવે કે જેનું ઘડીયાળ હોય, તે અમારી પાસે પુરાવા આપીને લઈ જવું અને છપામણના પૈસા આપવા. એટલે જેનું છે, તેને કોઈ હલાવી શકતું નથી. જેનું નથી, તેને મળવાનું નથી. એક સેન્ટ પણ કોઈ રીતે આઘુંપાછું ન કરી શકે. આ એવું, એટલું બધું નિયમવાળું જગત છે. કોર્ટો ગમે તેવી હશે, કોર્ટો કળિયુગના આધારે હશે ! પણ આ કુદરત નિયમના આધીન છે. કોર્ટના કાયદા ભાંગ્યા હશે તો કોર્ટના તરફથી બહુ ગુનો લાગશે. પણ કુદરતના કાયદા ના તોડશો.

આ તો છે નીજનાં જ પ્રોજેક્શન !

બસ, આ બધું પ્રોજેક્શન બધું તમારું જ છે. શા માટે લોકોને દોષ દેવો ?

પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે આ.

દાદાશ્રી : એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછાં એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ હોય.

આ તો દાખલો આપીએ છીએ, સીમીલી આપીએ છીએ. તમારું જ પ્રોજેક્શન છે આ. બીજા કોઈનો હાથ નથી એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજ્યા પછી ઘરમાં વર્તન કેવું હોય ?

પ્રશ્નકર્તા : એના જેવું વર્તન કરવું જોઈએ.

દાદાશ્રી : હા. જવાબદારી પોતાની સમજે. નહિ તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલમ્પોલ ! ભગવાનના નામથી પોલ મારી લોકોએ. જવાબદારી પોતાની છે. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ. પ્રોજેક્શન જ પોતાનું છે ને !

કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવાં જોઈએ. માટે જમે કરી લેવું.

જગતમાંથી નાસી છૂટવું છે તેને....

પછી કોઈ ફેરો દાળમાં મીઠું વધારે પડ્યું હોય તે ય ન્યાય !

પ્રશ્નકર્તા : શું બને તે જોવાનું, એવું આપે કહ્યું છે. તો પછી ન્યાય કરવાનો જ ક્યાં આવ્યો ?

દાદાશ્રી : ન્યાય, હું જરા જુદું કહેવા માંગું છું. જુઓને, એમનો હાથ જરા ઘાસતેલવાળો હશે, તે હાથે લોટો ઝાલેલો હશે. તેથી ઘાસતેલવાળું સોડે બધું. હવે હું તો પાણી સ્હેજ પીવા ગયો, તો મને ઘાસતેલવાળું સોડ્યું. એટલે અમે 'જોઈએ ને જાણીએ' કે શું બન્યું તે ! પછી ન્યાય શો હોવો જોઈએ કે આપણે ભાગે ક્યાંથી આવ્યું ? આપણને કોઈ દહાડો ય નથી આવ્યું ને તે આજ ક્યાંથી આવ્યું ?! માટે આ આપણો જ હિસાબ છે. એટલે આ હિસાબને પતાવી દો. પણ એ કોઈ જાણે નહીં એ રીતે પતાવી દેવાનો. પછી સવારમાં ઊઠ્યા પછી એ બેન આવે ને પાછું એ જ પાણી મંગાવીને આપે તો અમે તે પાછું પી જઈએ. પણ કોઈ જાણે નહીં. હવે અજ્ઞાની આ જગ્યાએ શું કરે ?

પ્રશ્નકર્તા : બૂમાબૂમ કરી મૂકે.

દાદાશ્રી : ઘરનાં બધાં ય માણસો જાણી જાય કે ઓહોહો ! આજે શેઠનાં પાણીમાં ઘાસતેલ પડ્યું !

પ્રશ્નકર્તા : આખું ઘર હાલી જાય !

દાદાશ્રી : અરે, બધાંને ગાંડા બનાવી દે ! અને બૈરી તો બિચારી પછી ચામાં ખાંડ નાખવાનું ય ભૂલી જાય ! એક ફેરો હાલ્યું એટલે શું થાય ? બીજી દરેક વસ્તુમાં હાલી જાય !

પ્રશ્નકર્તા : દાદા, એમાં આપણે ફરિયાદ ના કરીએ એ બરોબર, પણ પછી શાંત ચિત્તે ઘરનાંને કહેવાય ખરું ને કે ભાઈ, પાણીમાં ઘાસલેટ આવ્યું હતું. હવેથી ધ્યાન રાખજો !

દાદાશ્રી : એ કહેવાય ક્યારે ? ચા-નાસ્તો કરતાં હોય, હસતાં હોય, ત્યારે હસવામાં ને હસવામાં આપણે વાત કરી દેવાય.

અત્યારે અમે આ વાત ખુલ્લી ના કરી ?! એવું હસતાં હોય તો વાત ખુલ્લી કરી દેવાય.

પ્રશ્નકર્તા : એટલે સામાને ચોંટ ના લાગે એવી રીતે કહેવાનું ને ?

દાદાશ્રી : હા, એ રીતે કહેવાય. તો તે સામાને હેલ્પ કરે. પણ સૌથી સારામાં સારો રસ્તો એ જ કે મેરી ભી ચૂપ અને તેરી ભી ચૂપ !!! એના જેવું તો એકુંય નહીં. કારણ કે જેને નાસી છૂટવું છે એ જરા ય બૂમ ના પાડે.

પ્રશ્નકર્તા : સલાહના હિસાબે પણ કહેવાનું નહીં ? ત્યાં શું ચૂપ રહેવાનું ?

દાદાશ્રી : એ એનો હિસાબ બધો લઈને આવ્યો છે. ડાહ્યા થવા માટેનો પણ એ બધો હિસાબ લઈને જ આવેલો છે.

અમે શું કહીએ છીએ કે જો અહીંથી જવું હોય તો નાસી છૂટ ! અને નાસી છૂટવું હોય તો કશું બોલીશ નહીં. રાત્રે જો નાસી છૂટવું હોય ને આપણે બૂમાબૂમ કરીએ તો પેણે પકડી લે ને !

ભગવાનને ત્યાં હોય કેવું ?

ભગવાન ન્યાય સ્વરૂપ નથી ને ભગવાન અન્યાય સ્વરૂપે ય નથી. કોઈને દુઃખ ના હો એ જ ભગવાનની ભાષા છે. માટે ન્યાય-અન્યાય એ તો લોકભાષા છે.

ચોર ચોરી કરવામાં ધર્મ માને છે. દાનેશ્વરી દાન આપવામાં ધર્મ માને છે. એ લોકભાષા છે. ભગવાનની ભાષા નથી. ભગવાનને ત્યાં આવું તેવું કશું છે જ નહીં. ભગવાનને ત્યાં તો એટલું જ છે કે 'કોઈ જીવને દુઃખ ન થાય, એ જ અમારી આજ્ઞા છે !'

ન્યાય-અન્યાય તો એક કુદરત જ જુએ છે. બાકી, આ જે અહીં જગતનો ન્યાય-અન્યાય, તે દુશ્મનોને, ગુનેગારોને હેલ્પ કરે. કહેશે, 'હશે બિચારો, જવા દો ને !' તે ગુનેગાર હઉ છૂટી જાય. 'એમ જ હોય' કહેશે. બાકી, કુદરતનો એ ન્યાય એ તો છૂટકો જ નહીં. એમાં કોઈનું ના ચાલે !

નીજદોષો દેખાડે અન્યાય !

ફક્ત પોતાના દોષને લઈને જગત બધું ગેરકાયદેસર લાગે છે. ગેરકાયદેસર થયું જ નથી કોઈ ક્ષણે. બિલકુલ ન્યાયમાં જ હોય. અહીંની કોર્ટના ન્યાયમાં ફેરફાર પડી જાય. એ જૂઠ્ઠો નીકળે પણ આ કુદરતના ન્યાયમાં ફેર નહીં.

પ્રશ્નકર્તા : કોર્ટનો ન્યાય એ કુદરતનો ન્યાય ખરો કે નહીં ?

દાદાશ્રી : એ બધું કુદરત જ છે. પણ કોર્ટમાં આપણને એમ લાગે કે આ જજે આવું કર્યું. એવું કુદરતમાં લાગે નહીં ને ? પણ એ તો બુદ્ધિની લઢવાડ છે !

પ્રશ્નકર્તા : આપે કુદરતના ન્યાયને કોમ્પ્યુટર સાથે સરખાવ્યો પણ કોમ્પ્યુટર તો મિકેનિકલ હોય છે.

દાદાશ્રી : એનાં જેવું સમજાવવાનું સાધન બીજું કશું હોતું નથી ને એટલે આ મેં સીમીલી આપેલી. બાકી, કોમ્પ્યુટર તો કહેવા માટે છે કે ભઈ આ કમ્પ્યુટરમાં આ બાજુ ફીડ કર્યું, એવું આમાં પોતાનાં ભાવ પડે છે. એટલે એક અવતારનાં ભાવકર્મ છે તે ત્યાં પડ્યા પછી બીજા અવતારમાં એનું પરિણામ આવે છે. એટલે એનું વિસર્જન થાય. તે આ 'વ્યવસ્થિત'ના હાથમાં છે. તે એક્ઝેક્ટ ન્યાય જ કરે છે. જેવું ન્યાયમાં આવ્યું એવું જ કરે છે. બાપ પોતાનાં છોકરાને મારી નાખે એવું હઉ ન્યાયમાં આવે. છતાં એ ન્યાય કહેવાય. ન્યાયમાં ન્યાય જ કહેવાય. કારણ કે જેવો બાપ-દીકરાનો હિસાબ હતો, એવાં તે હિસાબ ચૂકવ્યાં. તે ચૂકવણી થઈ ગઈ. આમાં ચૂકવણી જ હોય છે, બીજું કશું હોતું નથી.

કોઈક ગરીબ માણસ લોટરીમાં એક લાખ રૂપિયા લઈ આવે છે ને ! એ ય ન્યાય છે ને કોઈનું ગજવું કપાયું તે ય ન્યાય છે.

કુદરતના ન્યાયનો આધાર શું ?

પ્રશ્નકર્તા : કુદરત ન્યાયી છે, એનો આધાર શું ? ન્યાયી કહેવા માટે કોઈ બેઝમેન્ટ તો જોઈએ ને ?

દાદાશ્રી : એ ન્યાયી છે. એ તો તમારે જાણવા પૂરતું જ છે. તમને ખાતરી થશે કે ન્યાયી છે. પણ બહારનાં લોકોને કુદરત ન્યાયી છે એવું ક્યારેય પણ ખાતરી થવાની નથી. કારણ કે પોતાની દ્રષ્ટિ નથી ને !

બાકી, અમે શું કહેવા માંગીએ છીએ ? આફટર ઓલ, જગત શું છે ? કે ભઈ આમ જ છે. એક અણુ પણ ફેરફાર ના થાય એટલું બધું ન્યાય સ્વરૂપ છે, તદ્દન ન્યાયી છે.

કુદરત બે વસ્તુની બનેલી છે. એક સ્થાયી, સનાતન વસ્તુ અને બીજી અસ્થાયી વસ્તુ, જે અવસ્થા રૂપે છે. તેમાં અવસ્થા બદલાયા કરવાની અને એ એનાં કાયદેસર બદલાયા કરવાની. જોનાર માણસ પોતાની એકાંતિક બુદ્ધિથી જુએ છે. અનેકાંત બુદ્ધિથી કોઈ વિચાર કરતો જ નથી, પણ પોતાના સ્વાર્થથી જ જુએ છે.

કોઈને એકનો એક છોકરો મરી જાય, તો ય ન્યાય જ છે. એ કંઈ કોઈએ અન્યાય કર્યો નથી. આમાં ભગવાનનો, કોઈનો અન્યાય છે નહીં. આ ન્યાય જ છે ! એટલે અમે કહીએ છીએ ને જગત ન્યાય સ્વરૂપ છે. નિરંતર ન્યાય સ્વરૂપમાં જ છે.

કોઈનો એકનો એક છોકરો મરી ગયો, તો એમાં ઘરનાં માણસો જ રડે છે. બીજાં આજુબાજુવાળા બધા કેમ રડતાં નથી ? તે પોતાનાં સ્વાર્થથી રડે છે. જો સનાતન વસ્તુમાં આવો તો કુદરત ન્યાયથી જ છે !

તાળો મળે છે આ બધી વાતમાં ?! તાળો મળે તો જાણવું કે બરોબર છે. કેટલાં દુઃખ ઓછાં થઈ જાય ?! જ્ઞાન ગોઠવી જુએ તો ?!

અને એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહેશે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે તેથી આ બધું ઊભું થયું છે.

પ્રેક્ટિકલ ખપે, થિયરી નહીં !

હવે શાસ્ત્રકારો શું લખે, 'બન્યું એ ન્યાય' કહે નહીં. એ તો ન્યાય એ જ ન્યાય કહે. અલ્યા મૂઆ, તારાથી તો અમે રખડી મર્યા ! એટલે થિયરેટિકલ એવું કહે કે ન્યાય એ જ ન્યાય, ત્યારે પ્રેક્ટિકલ શું કહે છે, બન્યું એ જ ન્યાય. પ્રેક્ટિકલ વગર દુનિયામાં કશું કામ થાય નહીં. એટલે આ થિયરેટિકલ ટક્યું નથી.

એટલે શું બન્યું ત્યારે એ જ ન્યાય. નિર્વિકલ્પી થવું છે તો શું બન્યું છે એ ન્યાય. વિકલ્પી થવું હોય તો ન્યાય ખોળ. એટલે ભગવાન થવું હોય તો આ બાજુ જે બન્યું એ ન્યાય અને રખડેલ થવું હોય તો આ ન્યાય ખોળીને રઝળપાટ કર્યા જ કરવાનું નિરંતર.

લોભિયાને ખૂંચે નુકસાન !

આ જગત ગપ્પું નથી. જગત ન્યાય સ્વરૂપ છે. બિલકુલ ક્યારે ય અન્યાય કર્યો નથી કુદરતે. કુદરત જે પેણે માણસને કાપી નાખે છે, એક્સિડન્ટ થઈ જાય છે, એ બધું ન્યાય સ્વરૂપ છે. ન્યાયની બહાર કુદરત ચાલી નથી. આ વગર કામનાં અણસમજણથી ઠોકાઠોક..... અને જીવન જીવવાની કળા પણ નથી અને જો વરીઝ વરીઝ... માટે જે બન્યું એને ન્યાય કહો.

તમે દુકાનદારને સોની નોટ આપી. પાંચ રૂપિયાનો સામાન એણે આપ્યો. અને પાંચ પાછાં આપ્યા તમને. એ નેવું આપવાનું ભૂલી ગયો આખું ય ધમાલમાં, એને ત્યાં કેટલીય સોની નોટો, કેટલીય દસની નોટો ગણતરી વગરની. એ ભૂલી ગયો ને પાંચ આપણને પાછાં આપે તો આપણે શું કહીએ ? 'મેં તમને સોની નોટ આપી હતી.' ત્યારે કહે, 'નહીં.' એને એવું જ યાદ છે, એ ય જૂઠું બોલતો નથી. તો શું કરવાનું આપણે ?

પ્રશ્નકર્તા : પણ પેલું પાછું ખૂંચ ખૂંચ કરે છે, આટલાં પૈસા ગયા. મન બૂમાબૂમ કરે.

દાદાશ્રી : એ ખૂંચે છે, તો જેને ખૂંચે છે, તેને ઊંઘ ના આવે. 'આપણે' શું ? આ શરીરમાં જેને ખૂંચે છે, તેને ઊંઘ ના આવે. બધાને કંઈ ઓછું ખૂંચે એવું છે ? લોભિયાને ખૂંચે મૂઆને ! ત્યારે એ લોભિયાને કહીએ, ખૂંચે છે તો સૂઈ જાને ! હવે તો આખી રાતે ય સૂવું જ પડશે !

પ્રશ્નકર્તા : એને ઊંઘે ય જાય ને પૈસા ય જાય.

દાદાશ્રી : હા, એટલે ત્યાં બન્યું એ કરેક્ટ. એ જ્ઞાન હાજર રહ્યું તો આપણું કલ્યાણ થઈ ગયું.

બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. આ દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી. ન્યાય જ થઈ રહ્યો છે. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એટલે બુદ્ધિ આમાં ફસાવે છે. એક ફેરો જાણી લીધા પછી બુદ્ધિનું માનીએ નહીં આપણે. બન્યું એ ન્યાય. કોર્ટના ન્યાયમાં ભૂલચૂક હોય બધી. ઊંધું-ચત્તું થઈ જાય, પણ આ ન્યાયમાં ફેર નહીં, હડહડાટ કાપી દેવાનું.

ઓછી-વત્તી વહેંચણી, એ જ ન્યાય !

એક ભઈ હોય, એનો બાપ મરી જાય તો બધા ભઈઓની જમીન છે, તે પેલા મોટા ભઈની પાસે હાથમાં આવે. હવે મોટા ભઈ છે તે પેલાને દબડાય દબડાય કરે, આપે નહીં. પચાસ-પચાસ વીઘા આપવાની હતી. અઢીસો વીઘા જમીન હતી. તે ચાર જણને પચાસ-પચાસ વીઘા આપવાની હતી. તે કોઈ પચ્ચીસ લઈ ગયો હોય, કોઈ પચાસ લઈ ગયો હોય, કોઈ ચાલીસ લઈ ગયો હોય અને કોઈને પાંચ જ આવી હોય.

હવે તે વખતે શું માનવાનું ? જગતનો ન્યાય શું કહે કે મોટાં ભઈ નાગા છે, જૂઠ્ઠા છે. કુદરતનો ન્યાય શું કહે છે, મોટો ભઈ કરેક્ટ છે. પચાસવાળાને પચાસ આપ્યા. વીસવાળાને વીસ આપી. ચાલીસવાળાને ચાલીસ ને આ પાંચવાળાને પાંચ જ આપી. બીજું, બીજા હિસાબમાં પતી ગયું ગયા અવતારનાં. મારી વાત સમજાય છે તમને ?

એટલે જો ઝઘડો ના કરવો હોય તો કુદરતની રીતે ચાલવું, નહીં તો આ જગત તો ઝઘડો છે જ. અહીં ન્યાય હોઈ શકે નહીં. ન્યાય તો જોવા માટે છે કે મારામાં પરિવર્તન, કંઈ ફેરફાર થયો છે ? જો મને ન્યાયી મળતું હોય તો હું ન્યાયી છું એ વાત નક્કી થઈ ગઈ. ન્યાય તો એક આપણું થર્મોમીટર છે. બાકી, વ્યવહારમાં ન્યાય હોઈ શકે નહીં ને ! ન્યાયમાં આવે એટલે માણસ પૂર્ણ થઈ ગયો. ત્યાં સુધી આમનો પડેલો હોય, કાં તો એબોવ નોર્માલિટી હોય કે બીલો નોર્માલિટી હોય !

એટલે પેલો ભઈ નથી આપતો પેલાંને, પાંચ જ વીઘા આપે છે ને ! એને આપણાં લોકો ન્યાય કરવા જાય અને પેલા મોટા ભઈને ખરાબ ઠરાવે. હવે એ બધો ય ગુનો છે. તું ભ્રાંતિવાળો, તે મૂઆ ભ્રાંતિને પાછું સાચું માન્યું. પણ છૂટકો જ નહીં અને સાચું માન્યું છે એટલે પછી, આ વ્યવહારને જ સાચો માન્યો છે, તે માર ખાય જ ને ! બાકી, કુદરતના ન્યાયમાં તો કોઈ ભૂલચૂક જ નથી.

હવે ત્યાં અમે કહીએ નહીં કે, 'તમારે આવું નહીં કરવાનું. આમને આટલું કરવાનું છે.' નહીં તો અમે વીતરાગ ના કહેવાઈએ. આ તો અમે જોયા કરીએ, પાછલો શું હિસાબ છે !

અમને કહે કે તમે ન્યાય કરો. ન્યાય કરવાનું કહે. તો અમે કહીએ કે ભઈ, અમારો ન્યાય જુદી જાતનો હોય અને આ જગતનો ન્યાય જુદી જાતનો. અમારે કુદરતનો ન્યાય છે. વર્લ્ડનું રેગ્યુલેટર છે ને, તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે. એક ક્ષણવાર અન્યાય થતું નથી. પણ લોકોને અન્યાય શી રીતે લાગે છે ? પછી પેલો ન્યાય ખોળે. અલ્યા મૂઆ, જે આપે છે એ જ ન્યાય. કેમ તને બે ના આપ્યા, તે પાંચ કહ્યા ? આપે છે એ જ ન્યાય. કારણ કે પહેલાંના હિસાબ છે બધાં સામસામી. ગૂંચવાડો જ છે, હિસાબ છે. એટલે ન્યાય તો થર્મોમીટર છે. થર્મોમીટરથી જોઈ લેવાનું કે પહેલાં ન્યાય મેં કર્યો નથી, માટે મને અન્યાય થયો છે આ. માટે થર્મોમીટરનો દોષ નથી. તમને કેમ લાગે છે ? આ મારી વાત કંઈ હેલ્પ કરે ?

પ્રશ્નકર્તા : ઘણી હેલ્પ કરે.

દાદાશ્રી : જગતમાં ન્યાય ખોળશો નહીં. જે થઈ રહ્યું છે એ ન્યાય. આપણે જોવું કે આ શું થઈ રહ્યું છે. ત્યારે કહે, 'પચાસ વીઘાને બદલે પાંચ વીઘા આપે છે.' ભાઈને કહીએ, 'બરોબર છે. હવે તું ખુશ છે ને ?' ત્યારે કહે, 'હા.' પછી બીજે દહાડે ભેગાં જમવા બેસીએ-ઊઠીએ. એ હિસાબ છે. કોઈ હિસાબની બહાર તો કોઈ નથી. બાપ છોકરાં પાસે હિસાબ લીધાં વગર છોડે નહીં. આ તો હિસાબ જ છે, સગાઈ નથી. તમે સગાઈ માની બેઠાં હતા ?!

કચડી માર્યો એ ય ન્યાય !

રાઈટ સાઈડમાં ઊભેલો માણસ બસમાં ચઢવા માટે, તે રોડની નીચે ઊભેલો છે. આ રોંગ સાઈડમાં એક બસ આવી. તે છેક અહીં ઉપર ચઢી ગઈ અને પેલાને મારી નાખ્યો. આને શો ન્યાય કહેવાય ?

પ્રશ્નકર્તા : ડ્રાઈવરે કચડી માર્યો, લોકો તો એમ જ કહે.

દાદાશ્રી : હા, એટલે અવળે રસ્તે આવીને માર્યો, ગુનો કર્યો. સવળે રસ્તે આવીને માર્યો હોત તો પણ એ જાતનો ગુનો કહેવાત. આ તો વળી ડબલ ગુનો કરે, એને કુદરત કહે છે, કરેક્ટ કર્યું છે. બૂમાબૂમ કરશો તો નકામી જશે. પહેલાંનો હિસાબ ચૂકવી દીધો. હવે આ સમજે નહીં ને ! આખી જિંદગી ભાંગફોડમાં જ જાય. કોર્ટો ને વકીલોને.... ! તેમાં પાછો વકીલે ય ગાળો ભાંડે. બહુ દહાડા વહેલું-મોડું થઈ જાય ને, તો તમારામાં અક્કલ નથી, ગધેડા જેવાં છો....ટૂંપા ખાય મૂઓ ! એનાં કરતાં ન્યાય કુદરતનો સમજી લીધો, દાદાએ કહ્યું છે એ ન્યાય. તો ઉકેલ આવી જાય ને ?!

અને કોર્ટમાં જવાનું વાંધો નથી, કોર્ટમાં જાવ પણ એની જોડે બેસીને ચા પીવો. બધું એ રીતે જાવ. એ ના માને તો કહીએ, અમારી ચા પી. પણ જોડે બેસ. કોર્ટમાં જવાનો વાંધો નથી પણ પ્રેમપૂર્વક...

પ્રશ્નકર્તા : એવાં માણસ આપણને દગો પણ કરે ને ! એવાં માણસ જે હોય...

દાદાશ્રી : કશું કરી શકે એમ નથી. મનુષ્ય કશું કરી શકે એમ નથી. જો તમે ચોખ્ખા છો, તમને કંઈ પણ કરી શકે એમ નથી. એવો આ જગતનો કાયદો છે, પ્યૉર હોય તો પછી કોઈ કરનાર કશું રહે નહીં. માટે ભૂલ ભાંગવી હોય તો ભાંગી નાખવાની.

ખેંચ છોડે, તે જીતે !

આ જગતમાં તું ન્યાય જોવા જાય છે ? બન્યું એ જ ન્યાય. તમાચા માર્યા તો આણે મારી ઉપર અન્યાય કર્યો એવું નહીં. પણ એ બન્યું એ જ ન્યાય. એવું જ્યારે સમજાશે ત્યારે આ બધો નિવેડો આવશે.

'બન્યું એ ન્યાય' નહીં કહો તો બુદ્ધિ કૂદાકૂદ, કૂદાકૂદ કરશે. અનંત અવતારથી આ બુદ્ધિ લોચા વાળે છે, મતભેદ પાડે છે. ખરી રીતે બોલવાનો વખત જ ના આવે. અમારે કશું બોલવાનો વખત જ ના આવે. જે છોડી દે એ જીત્યો. એ પોતાની જોખમદારી પર ખેંચે છે. બુદ્ધિ ગઈ એ શી રીતે ખબર પડે ? ન્યાય ખોળવા ના જઈશ. જે બન્યું એને ન્યાય કહીએ એટલે એ બુદ્ધિ જતી રહી કહેવાય. બુદ્ધિ શું કરે ? ન્યાય ખોળ ખોળ કરે. ને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. માટે ન્યાય ના ખોળો !

ન્યાય ખોળવાનો હોતો હશે ? જે બન્યું એ કરેક્ટ, તરત તૈયાર. કારણ કે 'વ્યવસ્થિત' સિવાય કશું બનતું જ નથી. નકામી હાયવોય ! હાયવોય !!

મહારાણીએ નહીં, ઊઘરાણીએ ફસાવ્યા !

બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, 'શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને ?' એ 'શા બદલ' પૂછયું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઊઘરાણી કર્યા કરવી. કહેવું, 'અમારે પૈસાની બહુ જરૂર છે, ને અમારે અડચણ છે.' ને પાછાં આવી જવું. પણ 'શા બદલ ના આપે એ ?' કહ્યું એટલે પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી ? જે બન્યું એ ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે.

મહીં એવી શ્રધ્ધા રાખવાની કે જે બને છે એ ન્યાય. છતાં ય વ્યવહારમાં આપણે પૈસાની ઊઘરાણીએ જવું પડે. તો એ શ્રધ્ધાને લીધે આપણું મગજ બગડે નહીં. એનાં પર ચીઢિયા ના ખાય અને આપણને અકળામણે ય થાય નહીં. જાણે નાટક કરતાં હોય ને એમ ત્યાં બેસીએ. કહીએ, 'હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યૈ હો કે મારી પુણ્યૈ હો, પણ આપણે ભેગાં થયાં કહીએ.' એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઊઘરાણી કરીએ. 'અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, 'તમને શું મુશ્કેલી છે ?' ત્યારે કહીએ, 'મારી મુશ્કેલી તો હું જ જાણું. ના હોય તો કોઈકની પાસેથી મને અપાવડાવો.' આમતેમ વાત કરીને કામ કાઢવું. લોકો તો અહંકારી છે તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએ ને, તો બધું કરી આપે. 'પાંચ-દસ હજાર અપાવડાવો.' કહીએ. તો ય 'હા, અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવો જોઈએ. સો ધક્કા ખાય ને ના આપ્યું તો કંઈ નહીં. બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઊઘરાણી હશે ?

પ્રશ્નકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય !

દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી, ઊઘરાણીથી સપડાયું છે. જે ને તે મને કહે કે 'મારી ઊઘરાણી દસ લાખની આવતી નથી.' પહેલાં ઊઘરાણી આવતી હતી. કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે ! ઊઘરાણીનો શબ્દ તમે સાંભળેલો કે ?

પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે, એ ઊઘરાણી જ છે ને ?

દાદાશ્રી : હા, ઊઘરાણી જ છે ને ! એ ચોપડે, તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવાં ય શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં એવાં મગજ ફરેલા હોય છે ! પણ એમની જવાબદારી પર બોલે છે ને ! એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે.

તમને રૂપિયા ના આપે તે ય ન્યાય છે, પાછાં આપે છે તે ય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો. એટલે રૂપિયા ના આપે, એમાં કોઈનો દોષ નથી. એવી રીતે પાછાં આપવા આવે છે, એમાં એનો ઉપકાર શો ?! આ જગતનું સંચાલન તો જુદી રીતે છે !

વ્યવહારમાં દુઃખનું મૂળ !

ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં એમ થાય કે આ મેં શું બગાડ્યું છે, તે મારું આ બગાડે છે.

પ્રશ્નકર્તા : એવું થાય છે. આપણે કોઈનું નામ લેતાં નથી, તો અમને લોક શું કરવા દંડા મારે છે ?

દાદાશ્રી : હા. તેથી તો આ કોર્ટો, વકીલો બધાનું ચાલે છે. એવું ના થાય તો કોર્ટોનું શી રીતે ચાલે ? વકીલનો કોઈ ઘરાક જ ના થાય ને ! પણ વકીલો ય કેવાં પુણ્યશાળી, ને અસીલો ય સવારમાં ઊઠીને વહેલા વહેલા આવે ને વકીલ સાહેબ હજામત કરતા હોય. તો પેલો બેસી રહે થોડીવાર. સાહેબને ઘેર બેઠાં રૂપિયા આપવા આવે. સાહેબ પુણ્યશાળી છે ને ! નોટિસ લખાવી જાય ને પચાસ રૂપિયા આપે. એટલે ન્યાય ખોળશો નહીં તો બધું ગાડું રાગે પડશે. તમે ન્યાય ખોળો છો એ જ ઉપાધિ છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એવો વખત આવ્યો છે ને કોઈનું ભલું કરતાં હોય, તો એ જ દંડા મારે.

દાદાશ્રી : એનું ભલું કર્યું અને એ પછી દંડા આપે છે, એનું નામ જ ન્યાય. અને એ મોઢે કહેવાનું નહીં. મોઢે કહીએ ત્યારે પાછું એના મનમાં એમ થાય કે આ લીહટ થઈ ગયા છે.

પ્રશ્નકર્તા : આપણે કોઈની જોડે બિલકુલ સીધા ચાલતા હોઈએ, તો ય આપણને લાકડી મારે.

દાદાશ્રી : લાકડી મારી તે જ ન્યાય ! શાંતિથી રહેવા નથી દેતા ?

પ્રશ્નકર્તા : બુશકોટ પહેર્યો, તો કહેશે, બુશકોટ કેમ પહેર્યો ? અને આ ટીશર્ટ પહેર્યું, તો કહે, ટીશર્ટ કેમ પહેર્યું ? એ ઉતારી નાખીએ તો ય કહે, કેમ ઉતારી નાખ્યું ?

દાદાશ્રી : એ જ ન્યાય આપણે કહીએ છીએ ને ! અને તેમાં ન્યાય ખોળવા ગયા, તેનો માર પડે છે આ બધો. એટલે ન્યાય ખોળવો નહીં. આ અમે સાદી-સીધી શોધખોળ કરેલી છે. ન્યાય ખોળીને તો આ બધાને સોળા પડી ગયા. ને બન્યું એનું એ જ પાછું. સરવાળે તો એનું એ જ આવ્યું હોય. તો પછી શા માટે પહેલેથી ના સમજીએ. આ તો અહંકારની ડખલ છે ખાલી !

બન્યું એ જ ન્યાય ! માટે ન્યાય ખોળવા જશો નહીં. તારા ફાધર કહે, 'તું આવો છે, તેવો છે.' એ બન્યું અને એ જ ન્યાય છે. એની પર દાવો નહીં આપવાનો કે તમે આ શા સારું આમ બોલ્યા ? આ વાત અનુભવની છે અને નહીં તો ય ન્યાય તો કરવો જ પડશે ને છેવટે થાકીને ય ! સ્વીકારતા હશે કે નહીં લોકો ? એટલે આમ ફાંફાં મારે, પણ હતો તેનો તે જ ? તો રાજીખુશીથી કરી લીધું હોય તો શું ખોટું ? હા, મોઢે એમને કહેવાનું નહીં, નહીં તો પાછાં ઊંધે રસ્તે ચાલે. મનમાં જ સમજી જવાનું કે બન્યું એ જ ન્યાય.

બુદ્ધિને વાપરો નહીં હવે, જે બને છે એ ન્યાય કહો. આ તો કહેશે, 'તમને કોણે કહ્યું હતું, જઈને ઊનું પાણી મૂક્યું ? 'અલ્યા, બન્યું એ જ ન્યાય.' આ ન્યાય સમજાય તો, 'હવે હું દાવો નહીં માંડું.' કહેશે. કહે કે ના કહે ?

આપણે કોઈને જમવા બેસાડીએ, ભૂખ્યા હોય એટલે અને પછી એ કહે, 'તમને કોણે કહ્યું હતું જમાડવાનું ? નકામા અમને ઉપાધિ કરી, અમારો ટાઈમ ગયો !' એવું બોલે તો આપણે શું કરવું ? વાંધો ઉઠાવવો ? આ બન્યું એ જ ન્યાય છે.

ઘરમાંથી બેમાંથી એક જણ બુદ્ધિ સમાવી દે ને, તો રાગે પડી જાય. એ એની બુદ્ધિમાં હોય તો પછી શું થાય ? રાતે ખાવાનુંય ના ભાવે પછી ?

વરસાદ વરસતો નથી, એ ન્યાય છે. ત્યારે ખેડૂત શું કહે ? ભગવાન અન્યાય કરે છે. એ એની અણસમજણથી બોલે છે. તેથી કરીને કંઈ વરસાદ વરસી જશે ? નથી વરસતો એ જ ન્યાય. જો કાયમ વરસાદ પડતો હોય ને, દર સાલ ચોમાસું સારું કરતો હોયને તો વરસાદને શું ખોટ જવાની હતી ? એક જગ્યાએ ધૂમધડાકા કરીને ખૂબ પાણી રેડી દે અને પેણે દુકાળ પાડી દે. કુદરતે બધું 'વ્યવસ્થિત' કરેલું છે. તમને લાગે છે કુદરતની વ્યવસ્થા સારી છે ?! કુદરત બધું ન્યાય જ કરે છે.

એટલે સૈધ્ધાંતિક વસ્તુ છે આ બધી. બુદ્ધિ જતી રહેવા માટે આ એક જ કાયદો છે. જે બને છે એ ન્યાય માનીશ એટલે બુદ્ધિ જતી રહેશે. બુદ્ધિ ક્યાં સુધી જીવતી રહે ? બને છે તેમાં ન્યાય ખોળવા જાય, તો બુદ્ધિ જીવતી રહે. આ તો બુદ્ધિ એ પછી સમજી જાય. બુદ્ધિ લજવાય પછી. એને ય લાજ આવે, બળ્યું કે હવે આ ધણી જ આવું બોલે છે, એનાં કરતા આપણે ઠેકાણે પડવું પડશે.

ના ખોળશો ન્યાય આમાં !

પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે.

દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ જતી ના રહે. બુદ્ધિ તો આપણે એનાં કારણોને કાઢીએને તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણો શું ? જે બન્યું, વાસ્તવિકતામાં શું બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે ? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.

એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એનાં કારણો ના સેવીએ તો બુદ્ધિ, એ કાર્ય ના થાય.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એનાં કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.

દાદાશ્રી : એનાં કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો ? ત્યારે પેલી વહુ શું કહે ? 'પણ તું મારી સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી તો એ દુઃખ દે છે. એમાં મારો શો ગુનો ?'

કોઈ ઓળખ્યા વગર દુઃખ દેતું હશે ? એમાં ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, 'પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.' 'અરે, પણ તે આ ભવમાં નથી જોયું. પણ આગલા ભવના ચોપડા શું કહે છે ?' માટે જે બને એ જ ન્યાય !

ઘેર છોકરો દાદાગીરી કરે છે ને ? એ દાદાગીરી એ જ ન્યાય. આ તો બુદ્ધિ દેખાડે છે, છોકરો થઈને બાપની સામે દાદાગીરી ?! આ જે બન્યું એ જ ન્યાય !

એટલે આ 'અક્રમ વિજ્ઞાન' શું કહે છે ? જુઓ આ ન્યાય ! લોક મને કહે છે, 'તમે બુદ્ધિ શી રીતે કાઢી નાખી ?' ન્યાય ખોળ્યો નહીં એટલે બુદ્ધિ જતી રહે. બુદ્ધિ ક્યાં સુધી ઊભી રહે ?! ન્યાય ખોળીએ અને ન્યાયને આધાર આપીએ તો બુદ્ધિ ઊભી રહે, તો બુદ્ધિ કહેશે, 'આપણા પક્ષમાં છે ભાઈ.' કહેશે, 'આટલી સરસ નોકરી કરી અને આ ડાયરેક્ટરો શા આધારે વાંકું બોલે છે ?' આ આધાર આપો છો ? ન્યાય ખોળો છો ? એ બોલે છે તે જ કરેક્ટ છે. અત્યાર સુધી કેમ નહોતાં બોલતા ? કયા આધારે નહોતા બોલતા ? અત્યારે કયા ન્યાયના આધારે એ બોલે છે ? વિચારતાં ના લાગે કે એ બોલી રહ્યા છે, તે સપ્રમાણ છે ? અલ્યા, પગારવધારો નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ?

બુદ્ધિ ખોળે ન્યાય !

આ તો બધું વહોરી લીધેલું દુઃખ છે અને થોડું ઘણું જે દુઃખ છે, તે બુદ્ધિને લીધે છે. બુદ્ધિ હોયને દરેકમાં ? એ ડેવલપ બુદ્ધિ દુઃખ કરાવડાવે. ના હોય ત્યાંથી દુઃખ ખોળી લાવે. મારે તો બુદ્ધિ ડેવલપ થયા પછી જતી રહી. બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ ! બોલો, મઝા આવે કે ના આવે ? બિલકુલ એક સેન્ટ બુદ્ધિ રહી નથી. ત્યારે એક માણસ મને કહે છે કે, 'બુદ્ધિ શી રીતે જતી રહી ? તું જતી રહે, તું જતી રહે કરે તેનાથી ?' મેં કહ્યું, 'ના. અલ્યા, એવું ના કરાય.' એણે તો અત્યાર સુધી આપણો રોફ રાખ્યો. મૂંઝાયા હોય ને ત્યારે ખરે ટાઈમે 'શું કરવું, શું નહીં ?' એનું બધું એ માર્ગદર્શન આપે. એને કાઢી મૂકાતી હશે ? ત્યારે મેં કહ્યું, 'જે ન્યાય ખોળે છેને, એને ત્યાં બુદ્ધિ કાયમને માટે રહે છે.' 'જે બન્યું એ ન્યાય' એવું કહે તો બુદ્ધિ જતી રહે. ન્યાય ખોળવા ગયા એ બુદ્ધિ !

પ્રશ્નકર્તા : પણ દાદા, જે આવ્યું એ સ્વીકારી લેવું જીવનમાં ?

દાદાશ્રી : માર ખાઈને સ્વીકારી લેવું, તેનાં કરતાં રાજીખુશીથી સ્વીકારી લેવું સારું.

પ્રશ્નકર્તા : સંસાર છે, છોકરાં છે, છોકરાંની વહુ છે, આ છે, તે છે. એટલે સંબંધ તો રાખવો પડે.

દાદાશ્રી : હા, બધો રાખવાનો.

પ્રશ્નકર્તા : તો તેની અંદર માર પડે તો શું કરવું ?

દાદાશ્રી : સંબંધ બધા રાખી અને માર પડે, એ સ્વીકારી લેવો આપણે. નહીં તો ય માર પડે તો શું કરવું પડે ? બીજો ઉપાય છે ?

પ્રશ્નકર્તા : કંઈ નહીં. વકીલો પાસે જવાનું.

દાદાશ્રી : હા, બીજું શું થાય ? વકીલો રક્ષા કરે કે એની ફીઓ લે ?

'બન્યું તે ન્યાય', ત્યાં બુદ્ધિ 'આઉટ' !

ન્યાય ખોળવાનો થયો એટલે બુદ્ધિ ઊભી થઈ જાય, બુદ્ધિ જાણે કે હવે મારા વગર ચાલવાનું નથી અને આપણે કહીએ કે એ ન્યાય છે, એટલે બુદ્ધિ કહેશે, 'હવે આ ઘેર આપણો રોફ પડે નહીં', એ વિદાયગીરી લે અને જાય. કોઈ એવા હોય ત્યાં પેસી જાય. એની આસક્તિવાળા તો બહુ લોક હોય ને ! બાધાઓ રાખે, મારી બુદ્ધિ વધે એવી ! અને તેટલો સામો ત્રાજવામાં બળાપો વધતો જ જાય. બેલેન્સ તો પકડે ને હંમેશાં ? બેલેન્સ એનું સામું જોઈએ જ ! અમારે બુદ્ધિ ખલાસ એટલે બળાપો ખલાસ !

વિકલ્પોનો અંત એ જ મોક્ષમાર્ગ !

એટલે બન્યું એને ન્યાય કહેશો ને તો નિર્વિકલ્પ રહેશો અને લોક નિર્વિકલ્પ થવા માટે ન્યાય ખોળવા નીકળ્યા છે. વિકલ્પોનો એન્ડ આવે એ રસ્તો મોક્ષનો ! વિકલ્પો ઊભા ના થાય એવો છે ને આપણો માર્ગ ?

મહેનત કર્યા વગર આપણા અક્રમ માર્ગમાં માણસ આગળ વધી જાય. આપણી ચાવીઓ જ એવી છે કે મહેનત કર્યા વગર આગળ વધી જાય.

હવે બુદ્ધિ જ્યારે વિકલ્પો કરાવડાવે ને, ત્યારે કહી દેવું, જે બન્યું એ ન્યાય. બુદ્ધિ ન્યાય ખોળે કે મારાથી નાનો થયો, મર્યાદા રાખતો નથી. એ રાખી એ જ ન્યાય અને ના રાખી તે ય ન્યાય. જેટલો બુદ્ધિનો નિર્વિવાદ થશે એટલે નિર્વિકલ્પ થાય પછી !

આ વિજ્ઞાન શું કહે છે ? ન્યાય તો આખું જગત ખોળી રહ્યું છે. એના કરતાં આપણે જ સ્વીકારી લોને કે આ બન્યું એ જ ન્યાય. પછી જજો ય ના જોઈએ ને વકીલે ય જોઈએ નહીં. અને નહીં તો ય છેવટે એવું જ રહે ને પાછું માર ખાઈને ?

કોઈ કોર્ટમાં ન મળે સંતોષ !

અને વખતે એમ માનોને કે કોઈ ભાઈને ન્યાય જોઈએ છે. તો આપણે નીચલી કોર્ટમાં જજમેન્ટ કરાવડાવ્યું. વકીલો લઢ્યા, પછી જજમેન્ટ આવ્યું, ન્યાય આવ્યો. ત્યારે કહે છે, ના, પણ આ ન્યાયથી મને સંતોષ નથી. ન્યાય આવ્યો તો ય સંતોષ નહીં. ત્યારે હવે શું કરવું ? ઉપલી કોર્ટમાં ચાલો. તે ડિસ્ટ્રિક્ટમાં ગયા. ત્યાં જજમેન્ટ ઉપર સંતોષ ના થયો. ત્યારે કહે, હવે ? ત્યારે કહે, ના. ત્યાં અમદાવાદમાં હાઈકોર્ટમાં ! ત્યાં ય સંતોષ ના થયો. તો સુપ્રીમ કોર્ટમાં જઈએ, ત્યાં ય સંતોષ ના થયો. છેવટે પ્રેસિડન્ટને કહ્યું. તો ય ન્યાય થતો નથી, માર ખાઈને મરે ! આ ન્યાય જ ખોળીશ નહીં કે આ મને કેમ ગાળો ભાંડી ગયો કે, અસીલ મને મારા વકીલાતની મહેનતાણાનાં કેમ નથી આપતો ? નથી આપતો એ ન્યાય છે. પછી આપી જાય તો ય ન્યાય છે. ન્યાય તું ખોળીશ નહીં.

ન્યાય : કુદરતી ને વિકલ્પી !

બે પ્રકારના ન્યાય. એક વિકલ્પોને વધારનારો ન્યાય અને એક વિકલ્પોને ઘટાડનારો ન્યાય. તદ્દન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે, કે બન્યું એ ન્યાય જ છે. હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ. તું તારી બીજી વાત સંભાળ હવે, આની પર દાવો માંડીશ એટલે બીજી વાતો તારી જતી રહેશે.

ન્યાય ખોળવા નીકળ્યા એટલે વિકલ્પો વધતા જ જાય અને આ કુદરતી ન્યાય વિકલ્પોને નિર્વિકલ્પ બનાવતો જાય. બની ગયું, બને તે ન્યાય. અને તેમ છતાં ય પછી પાંચ માણસ લવાદ મૂકે તે ય પણ પેલાની વિરુદ્ધમાં જાય. તે પેલો એ ન્યાયને ગાંઠે નહીં એટલે કોઈને ગાંઠે નહીં. પછી વિકલ્પો વધતા જ જાય. પોતાની આજુબાજુ જાળું જ વીંટી રહ્યો છે એ માણસ કશું પ્રાપ્ત નથી કરતો. દુઃખી થયો પાર વગરનો ! એનાં કરતાં પહેલેથી જ શ્રધ્ધા રાખે કે બની ગયું એ ન્યાય.

અને કુદરત હંમેશાં ન્યાય જ કર્યાં કરે છે, નિરંતર ન્યાયને જ કરી રહી છે અને એ પુરાવા આપી શકે નહીં. પુરાવા 'જ્ઞાની' આપે કે ન્યાય કઈ રીતે ? એ બન્યું, 'જ્ઞાની' કહી આપે. એને સંતોષ કરી આપે અને તો નિવેડો આવે. નિર્વિકલ્પી થાય તો નિવેડો આવે.