ભાવના સુધારે ભવોભવ
સંપાદકીય

સવારથી સાંજ સુધી ઘરમાં, વ્યવહારમાં કે બહાર લોકોનાં મોંઢે સાંભળવા મળ્યા જ કરતું હોય છે કે આમ નથી કરવું છતાં થઈ જાય છે ! આમ કરવું છે છતાં થતું નથી ! ભાવના ખૂબ છે, કરવાનો ખૂબ પાકો નિશ્ચય છે, પ્રયત્નોય છે, છતાં થતું નથી !

તમામ ધમ ઉપદેશકોની કાયમી ફરિયાદ સાધકો માટે હોય છે કે અમે જે કહીએ તે તમે પચાવતાં નથી. શ્રોતાઓ પણ હતાશાથી મૂંઝાતા હોય છે કે કેમ વર્તનમાં આવતું નથી, આટલું આટલું ધર્મનું કર્યા છતાંય ! એનું રહસ્ય શું ? ક્યાં અટકે છે ? કઈ રીતે એ ભૂલને ભાંગી શકાય ?

પરમ પૂજ્ય દાદાશ્રીએ આ કાળનાં મનુષ્યોની કેપેસિટી જોઈને તેમને લાયક આનો ઉકેલ નવા જ અભિગમથી તદ્ન વૈજ્ઞાનિક ઢબે આપ્યો છે. પૂજ્ય દાદાશ્રીએ વૈજ્ઞાનિક ફોડ પાડ્યો કે વર્તન એ પરિણામ છે, ઇફેક્ટ છે અને ભાવ એ કારણ છે, કોઝ છે. પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં. એ પણ એની વૈજ્ઞાનિક ઢબથી જ થાય. કારણ બદલાય તો પરિણામ એની મેળે જ બદલાઈને આવે ! કારણ બદલવા હવે આ ભવમાં નવેસરથી ભાવ બદલો. એ ભાવ બદલવા પૂજ્યશ્રીએ નવ કલમો ભાવવાની શીખવાડી છે. તમામ શાસ્ત્રો જે ઉપદેશ આપે છે છતાંય જે પરિણમતું નથી, તેનો સાર પૂજ્યશ્રીએ નવ કલમો દ્વારા ધરમૂળથી ફેરફાર કરવાની ચાવીરૂપે આપી દીધો છે. જેને અનુસરીને લાખો લોકોએ આ જીવનનું તો ખરું જ પણ ભવોભવનું સુધારી લીધું છે ! ખરી રીતે આ ભવમાં બાહ્ય ફેરફાર ના થાય પણ આ નવ કલમોની ભાવના ભાવવાથી મહીંના નવા કારણો સદંતર બદલાઈ જાય છે અને અંતરશાંતિ જબરજસ્ત વર્તાય છે ! બીજાનાં દોષો જોવાના બંધ થાય છે, જે પરમ શાંતિને પમાડવાનું પરમ કારણ બની જાય છે ! અને એમાંય ઘણાંખરાંને તો પૂર્વેની નવ કલમોની નજીકની ભાવના ભાવેલી, તે આજની આ લીંકમાં જ પરિણમીને તુર્ત જ અત્યારે જ વર્તનમાં લાવી નાખે છે !

કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો માત્ર તે માટે પોતાની અંદર રહેલા ભગવાન પાસેથી શક્તિઓ માંગ માંગ કર્યે રાખવાની, જે ચોક્કસ ફળ આપે જ.

પરમ પૂજ્ય દાદાશ્રી પોતા વિશે કહે છે કે 'આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.'

ઘણા સાધકોને મહીં માન્યતા દ્રઢ થઈ જાય છે કે હું આ નવ કલમો જેવું બધું જાણું છું ને એવું જ મને રહે છે. પણ તેને પૂછીએ કે તમારાથી કોઈને દુઃખ થાય છે ? ઘરનાં કે નજીકનાને પૂછીએ તો હા પાડે. એનો અર્થ એ જ કે આ સાચું જાણેલું ના કહેવાય. એ જાણેલું કામ લાગશે નહીં. ત્યાં તો જ્ઞાની પુરુષે પોતાના જીવનમાં જે સિદ્ધ કરેલું હોય, તે અનુભવગમ્ય વાણી દ્વારા આપેલું હોય તો ક્રિયાકારી થાય. એટલે એ ભાવના જ્ઞાની પુરુષની આપેલી ડિઝાઈનપૂર્વકની હોવી જોઈએ, તો જ કામ લાગે ને મોક્ષના માર્ગે સ્પીડી પ્રોગ્રેસ કરાવે ! અને અંતે ત્યાં સુધી પરિણામ આવે કે પોતાનાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન થાય ! એટલું જ નહીં પણ નવ કલમોની ભાવના દરરોજ ભાવવાથી કેટલાંય દોષો ધોવાઈ જાય છે ! અને મોક્ષમાર્ગે આગળ વધાય છે !

- ડૉ. નીરુબહેન અમીન

એનાથી તૂટે અંતરાયો તમામ !

હું એક ચોપડી વાંચવા આપું છું. મોટી ચોપડીઓ વાંચવા નથી આપતો. એક નાની જ તમારા માટે. જરાક જ બોલજો, જરાક અમથું જ.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એકવાર આ વાંચી જાવ ને ! બધું વાંચી જાવ. આ દવા આપું છું, તે વાંચવાની દવા છે. આ નવ કલમો છે તે વાંચવાની જ છે, આ કરવાની દવા નથી. બાકી તમે જે કરો છો એ બરાબર છે. પણ આ તો ભાવના ભાવવાની દવા છે એટલે આ આપીએ છીએ તે વાંચ્યા કરજો. એનાથી તમામ પ્રકારનાં અંતરાય તૂટી જાય.

એટલે એક-બે મિનિટ પહેલાં વાંચી જાવ આ નવ કલમો.

પ્રશ્નકર્તા : નવ કલમો...

૧.હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

૨.હે દાદા ભગવાન ! મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈપણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.

૩.હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી, ઉપદેશક, સાધુ-સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.

૪.હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

૫.હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ, ઋજુ ભાષા બોલવાની શક્તિ આપો.

૬.હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.

૭.હે દાદા ભગવાન ! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો.

૮.હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

૯.હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.

(આ દિવસમાં ત્રણ વખત વાંચવું.)

આટલું તમારે ''દાદા'' પાસે માંગવાનું. આ દરરોજ વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે.

દાદાશ્રી : શબ્દેશબ્દ વાંચી ગયા ?

પ્રશ્નકર્તા : હાજી. બધું બરોબર વાંચી ગયો.

અહમ્્ ન દુભાય...

પ્રશ્નકર્તા : ૧. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિચિંત્માત્ર પણ અહમ્્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.' એ સમજાવો.

દાદાશ્રી : અહમ્્ ન દુભાય એ માટે આપણે સ્યાદ્વાદ વાણી માગીએ છીએ. એવી વાણી આપણને ધીમે ધીમે ઉત્પન્ન થશે. જે હું વાણી બોલું છુંને, એ આ ભાવનાઓ ભાવવાથી જ મને આ ફળ મળેલું છે.

પ્રશ્નકર્તા : પણ આમાં કોઈનો અહમ્્ ના દુભાવવો જોઈએ, તો એનો અર્થ એમ તો નથી થતોને કે કોઈનો અહમ્્ પોષવો ?

દાદાશ્રી : ના. એવો અહમ્્ પોષવાનું નહીં. આ તો અહમ્્ દુભાવવો નહીં એવું જોઈએ. હું કહું કે કાચના પ્યાલા ફોડી ના નાખશો. એનો અર્થ એવો નહિ કે તમે કાચના પ્યાલા સાચવજો. એ એની મેળે સચવાયેલા જ પડ્યા છે એટલે ફોડશો નહિ. પછી એ તો સચવાયેલા એની સ્થિતિમાં જ પડ્યા છે. તમે તમારાં નિમિત્તે ના ફોડશો. એ તૂટતાં હોય તો તમારાં નિમિત્તે ના ફોડશો. અને એ તમારે ભાવના ભાવવાની છે કે મારે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એનો અહંકાર ભગ્ન ના થાય એવું રાખવું જોઈએ. એને ઉપકારી માનીએ છીએ.

પ્રશ્નકર્તા : ધંધામાં સામાવાળાનો અહમ્્ દુભાય નહિ એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકનાં ને કોઈકનાં તો અહમ્્ દુભાયા જ રાખે છે.

દાદાશ્રી : એને અહમ્્ દુભાયું ના કહેવાય. અહમ્ દુભાયું એટલે શું કે એ બિચારો કંઈક બોલવા જાય ને આપણે કહીએ, 'બેસ, બેસ. નથી બોલવાનું.' એવું એના અહંકારને દુભાવવો ના જોઈએ. ને ધંધામાં તો અહમ્ દુભાય એ ખરેખર અહમ્ નથી દુભાતો. એ તો મન મહીં દુભાય છે.

પ્રશ્નકર્તા : પણ અહમ્ એ કંઈ સારી વસ્તુ નથી, બરોબર ? તો પછી એને દુભાવવામાં શો વાંધો ?

દાદાશ્રી : એ પોતે જ અત્યારે અહંકાર છે, માટે એ ના દુભાવાય. એ પોતે જ છે બધું, જેમાં એ કરે તે હું જ છું આ. એટલે દુભાય નહિ. એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહિ. અહંકાર કોઈનો ના દુભાય તેમ રાખવું. અહંકાર કોઈનો દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગાં ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ. 'તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે.' એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરાં. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. માથા પર વાગે તેનો વાંધો નથી, પણ એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ. કોઈનો અહંકાર ભગ્ન ના કરવો જોઈએ.

અને મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપણને એનું કામ ના હોય તો આપણે તેને કહીએ, 'ભાઈ, મને તારું કામ નથી' અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો પાંચ રૂપિયા આપીનેય પણ એને છૂટો કરવો. પૈસા તો મળી આવશે પણ એનો અહમ્ ના દુભાવવો જોઈએ. નહિ તો એ વેર બાંધે, જબરજસ્ત વેર બાંધે ! આપણું શ્રેય થવા ના દે, વચ્ચે આવે.

બહુ ઊંડી વાત છે આ તો. હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે હવે એનો 'ઓપીનિયન' ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે 'ઓપીનિયન' હતો, તે આ માગણી કરવાથી એનો 'ઓપીનિયન' જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : 'ઓપીનિયન'થી જુદો થઈ ગયો એટલે શું ?

દાદાશ્રી : 'દાદા ભગવાન' તો સમજી ગયાને, કે આને હવે બિચારાને કોઈનો અહમ્ દુભાવવાની ઇચ્છા નથી. પોતાની ખુદની એવી ઇચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ઇચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.

એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહિ, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ.

પ્રશ્નકર્તા : શક્તિ માગવાની. વાત બરાબર છે, પણ આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને બીજાનો અહમ્ ના દુભાય ?

દાદાશ્રી : ના, એવું કશું કરવાનું નથી. આ કલમ પ્રમાણે તમારે બોલવાનું જ, બસ. બીજું કશું કરવાનું નથી. અત્યારે જે અહમ્ દુભાય જાય છે એ ફળ (ડિસ્ચાર્જમાં) અવશ્ય આવેલું છે. અત્યારે થયું એ તો 'ડીસાઈડેડ' થઈ ગયું છે, એ અટકાવી શકાય પણ નહિ. ફેરવવા જવું એ માથાકૂટ છે ખાલી. પણ આ બોલ્યા એટલે પછી જવાબદારી જ નથી રહેતી.

પ્રશ્નકર્તા : ને આ બોલવું એ સાચા હ્રદયથી હોવું જોઈએ.

દાદાશ્રી : એ તો સાચા હ્રદયથી જ બધું કરવું જોઈએ. અને જે માણસ કરેને, એ ખોટા હ્રદયથી ના કરે, સાચા હ્રદયથી જ કરે. પણ આમાં પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો, આ મોટામાં મોટું વિજ્ઞાન છે એક જાતનું.

આ પ્રમાણે કરવાનું નહિ, તમારે તો આ નવ કલમો બોલવાની જ. શક્તિ જ માગવાની કે 'દાદા ભગવાન', મને શક્તિ આપો. મારે આ શક્તિ જોઈએ છે. તે શક્તિ તમને પ્રાપ્ત થાય ને જવાબદારી મટી જાય. જ્યારે જગત કયું જ્ઞાન શીખવાડે છે ? 'આમ ના કરો'. અરે ભાઈ, મારે નથી કરવું છતાં થઈ જાય છે. એટલે તમારું જ્ઞાન અમને 'ફીટ' થતું નથી. આ તમે કહો છો, તેનાથી આગળનું બંધ થાય નહિ અને આજનું રોકાય નહિ, તે બેઉ બગડે છે. એટલે 'ફીટ' થાય એવું હોવું જોઈએ.

ભાવ પ્રતિક્રમણ, તત્ક્ષણે જ !

પ્રશ્નકર્તા : જ્યારે સામાનો અહંકાર દુભાવ્યો, ત્યારે એમ થઈ જાય છે કે આ મારો અહંકાર બોલ્યો ને ?

દાદાશ્રી : ના, એવો અર્થ કરવાની જરૂર નહીં. આપણી જાગૃતિ શું કહે છે આ ? આપણો મોક્ષમાર્ગ એટલે અંતરમુખી માર્ગ છે ! નિરંતર અંદરની જાગૃતિમાં જ રહેવું અને સામાનું અહમ્ દુભાવ્યું તો તરત એનું પ્રતિક્રમણ કરી લેવું એ આપણું કામ. તો તમે પ્રતિક્રમણ તો આટલાં બધાં કરો છો તેમાં એક વધારાનું ! અમારેય જો કદી કોઈનો અહમ્ દુભાવવાનું થયું હોય તો અમે હઉ પ્રતિક્રમણ કરીએ.

એટલે સવારના પહોરમાં એવું બોલવું કે, 'મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો' એવું પાંચ વખત બોલીને નીકળવું અને પછી જે દુઃખ થાય તે આપણી ઇચ્છા વિરુદ્ધ થયું છે. એનું પ્રતિક્રમણ કરવાનું, સાંજે.

પ્રતિક્રમણ એટલે શું ? ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખીએ. પછી વાંધો નહિ. પછી ભાંજગડ શી ? પ્રતિક્રમણ કોણ ના કરે ? જેને બેભાનપણું છે, એ મનુષ્યો પ્રતિક્રમણ ના કરે. બાકી, પ્રતિક્રમણ તો મેં જેને જ્ઞાન આપ્યું છે એ માણસો કેવાં થયેલા છે ? વિચક્ષણ પુરુષો થયેલા છે. ક્ષણે ક્ષણે વિચારનારા, બાવીસ તીર્થંકરોના અનુયાયીઓ વિચક્ષણ હતા, તે 'શૂટ ઑન સાઈટ' જ પ્રતિક્રમણ કરતા હતા. દોષ થયો કે તરત જ 'શૂટ' ! અને આજના મનુષ્યો એવું કરી શકશે નહિ એટલે ભગવાને આ રાયશી-દેવશી, પાક્ષિક, પર્યૂષણમાં સંવત્સરી પ્રતિક્રમણ મૂક્યા.

સ્યાદ્વાદ વાણી, વર્તન, મનન...

પ્રશ્નકર્તા : હવે 'કોઈનું પણ અહમ્ ના દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની શક્તિ આપો.' ત્રણ જરા સમજાવો.

દાદાશ્રી : સ્યાદ્વાદનો અર્થ એવો કે બધાં કયા ભાવથી, કયા 'વ્યુ પોઈન્ટ'થી કહે છે એ આપણે જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : સામાનો 'વ્યુ પોઈન્ટ' સમજવો એ સ્યાદ્વાદ ગણાય ?

દાદાશ્રી : સામાનો 'વ્યુ પોઈન્ટ' સમજીએ અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનું નામ સ્યાદ્વાદ. એનાં 'વ્યુ પોઈન્ટ'ને દુઃખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. ચોરના 'વ્યુ પોઈન્ટ'ને દુઃખ ના થાય એવી રીતે તમે બોલો, એનું નામ સ્યાદ્વાદ !

આ અમે વાત કરીએ, તે મુસ્લિમ હોય કે પારસી હોય, બધાને એકસરખું જ સમજાય. કોઈનું પ્રમાણ ના દુભાય કે 'પારસી આવા છે કે સ્થાનકવાસી આવા છે' એવું દુઃખ થવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : અહીં તો કોઈ ચોર બેઠો હોય, એને આપણે કહીએ કે ચોરી કરવી એ સારું નથી, તો એનું મન તો દુભાય જ ને ?

દાદાશ્રી : ના. એવું નહિ કહેવાનું. આપણે એને કહેવું જોઈએ કે 'ચોરી કરવાનું ફળ આવું આવે છે. તને ઠીક લાગે તો કરજે.' એવું બોલાય. એટલે વાત રીતસર બોલવી જોઈએ. તો પેલો સાંભળવાય તૈયાર થાય. નહીં તો પેલું તો એ સાંભળશે જ નહીં અને ઊલટો તમારો શબ્દ નકામો જશે. આપણું બોલેલું નકામું જાય અને એ ઊલટો વેર બાંધે કે આ મોટાં આવ્યા પાછાં ! એવું ના હોવું જોઈએ.

લોકો કહે કે ચોરી કરવી એ ગુનો છે. પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઈ ચોરને તેડી લાવે તો અમે એને ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે 'ભઈ, આ બીઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?' પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જૂઠું બોલે છે. પછી એને સમજાવીએ કે 'આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે તેની તને ખબર છે ?' અને 'તું ચોરી કરે છે' એવું અમારાં મનમાંય ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય, એનું નામ સ્યાદ્વાદ વાણી. સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તોય સ્યાદ્વાદ વાણી કોઈની પણ પ્રકૃતિને હરકત ના કરે.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ મનન એટલે શું ?

દાદાશ્રી : સ્યાદ્વાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાંય કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાંય ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદું અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવાં. કારણ કે મનના જે વિચારો હોય છે એ સામાને પહોંચે છે. તેથી તો આ લોકોનાં મોઢાં ચઢેલાં હોય. કારણ કે તમારું ત્યાં પહોંચીને અસર કરે.

પ્રશ્નકર્તા : કોઈનાં પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, નહીં તો પછી એનું મન બગડે. અને પ્રતિક્રમણ કરો તો એનું મન બગડેલું હોય તોય સુધરી જાય પાછું. કોઈનું ખરાબ કે એવું તેવું વિચારાય નહીં. કશું જ કરાય નહીં. 'સબ સબકી સમાલો.' પોતપોતાનું સંભાળો, બસ. બીજી કોઈ ભાંજગડ નહીં.

ધર્મનું પ્રમાણ ન દુભાય...

પ્રશ્નકર્તા : ૨. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ ધર્મનું કિચિંત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એની પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : કોઈનુંય પ્રમાણ ના દુભાવવું જોઈએ. આ કોઈ ખોટો છે, એવું ના લાગવું જોઈએ. આ 'એક' એ પણ સંખ્યા કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો 'બે' એ સંખ્યા કહેવાય કે ના કહેવાય ?

પ્રશ્નકર્તા : હા, કહેવાય.

દાદાશ્રી : તો આપણા 'સો'વાળા શું કહે ? 'અમારું સાચું, તમારું ખોટું' એવું ના કહેવાય. બધાનું સાચું છે. 'એક'નું 'એક'ના પ્રમાણમાં, 'બે'નું 'બે'ના પ્રમાણમાં, દરેકનું એનાં પ્રમાણમાં સાચું છે. એટલે દરેકનું જે સ્વીકાર કરે છે, એનું નામ સ્યાદ્વાદ. એક વસ્તુ એના ગુણધર્મમાં હોય, પણ આપણે એ અમુક જ ગુણનો સ્વીકાર કરીએ ને બીજાનો સ્વીકાર ના કરીએ, ખોટું છે. સ્યાદ્વાદ એટલે દરેકનું પ્રમાણપૂર્વક. ૩૬૦ ડિગ્રી હોય તો બધાનું સાચું, પણ એની ડિગ્રી સુધી એનું સાચું અને આની ડિગ્રી સુધી આનું સાચું.

એટલે મુસ્લિમ ધર્મેય ખોટો છે એવું આપણાથી બોલાય નહીં. દરેક ધર્મ સાચા છે, ખોટા નથી. આપણે કોઈને ખોટું કહી શકીએ જ નહીં ને ! એ એનો ધર્મ છે. માંસાહાર કરતો હોય, એને આપણે ખોટા કેમ કરીને કહી શકીએ ?! એ કહેશે, માંસાહાર કરવો એ મારો ધર્મ છે. તો આપણાથી 'ના' ન કહેવાય. એ એમની માન્યતા છે, બિલિફ છે એમની. આપણે કોઈની 'બિલિફ' તોડી ના શકીએ. પણ આપણા માણસો જો માંસાહાર કરતાં હોય તો આપણે એમને કહેવું જોઈએ કે, 'ભાઈ, આ સારી વસ્તુ નથી.' પછી એને કરવું હોય તેને આપણાથી વાંધો ના ઊઠાવાય. આપણે સમજાવવું જોઈએ કે આ વસ્તુ 'હેલ્પફૂલ' નથી.

સ્યાદ્વાદ એટલે કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાય. જેટલા પ્રમાણમાં સત્ય હોય એટલા પ્રમાણમાં સત્ય એને કહે અને બીજાં જેટલાં પ્રમાણમાં અસત્ય હોય તેને અસત્ય પણ કહે. એનું નામ પ્રમાણ દુભાવે નહીં. ક્રિશ્ચિયન પ્રમાણ, મુસ્લિમ પ્રમાણ, કોઈ પણ ધર્મનું પ્રમાણ દુભાવાવું ના જોઈએ. કારણ કે બધાં ૩૬૦ ડિગ્રીમાં જ આવી જાય છે. રિયલ ઈઝ ધી સેન્ટર અને ઑલ ધીઝ આર રિલેટિવ વ્યુઝ. સેન્ટરવાળાને માટે રિલેટિવ વ્યુઝ બધા સરખા છે. ભગવાનનું સ્યાદ્વાદ એટલે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય !

એટલે એ સ્યાદ્વાદ માર્ગ એવો હોય. દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. સામો બે ધોલ મારે તે પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું.

અવર્ણવાદ, અપરાધ, અવિનય...

પ્રશ્નકર્તા : ૩. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી, ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.' આમાં જે અવર્ણવાદ શબ્દ છેને, એનો 'એકઝેક્ટ' 'મિનીંગ' શું છે ?

દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમેય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય. કોઈ માણસમાં થોડું સારું હોય કે ના હોય ? ને થોડું અવળુંયે હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. 'આવી બાબતમાં જરા એવા, પણ આ બીજી બાબતમાં બહુ સારા', એવું હોવું જોઈએ.

અવર્ણવાદ એટલે આપણે એનું જાણીએ, એની અમુક બાબતો જાણીએ, છતાંય એની વિરુદ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી. એવા ગુણોની આપણે બધી વાત કરીએ તો બધો અવર્ણવાદ. વર્ણવાદ એટલે શું કે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી એ બોલવું. એ તો બહુ વિરાધના કહેવાય, મોટામાં મોટી વિરાધના કહેવાય. બીજા સામાન્ય માણસોની નિંદા કહેવાય, પણ મોટા પુરુષોનો તો અવર્ણવાદ કહેવાય. મોટા પુરુષ એટલે જે અંતર્મુખી થયા તે. મોટા પુરુષો એટલે આ વ્યવહારમાં મોટા નહિ, પ્રેસિડન્ટ હોય તેને માટે નહિ, અંતર્મુખી પુરુષોનું એ અવર્ણવાદ બોલાય. એ તો મોટું જોખમ ! અવર્ણવાદ મોટું જોખમ !! વિરાધનાથીય વધે.

પ્રશ્નકર્તા : ઉપદેશક, સાધુ, આચાર્યોને કહ્યું છેને ?

દાદાશ્રી : હા, એ બધા. એ ભલેને રસ્તે હો કે ના રસ્તે હોય, જ્ઞાન હોય કે ન હોય, તે અમારે જોવાનું નથી, એ ભગવાન મહાવીરની પાછળ પડ્યા છેને ? મહાવીરના નામ પર કરે છેને ? જે કરે, ખરું કે ખોટું, પણ મહાવીરના નામ પર કરે છેને ? તેથી એમનો અવર્ણવાદ ના બોલાય.

પ્રશ્નકર્તા : અવર્ણવાદ ને વિરાધનામાં ફેર શું ?

દાદાશ્રી : વિરાધનાવાળો તો ઊંધો જાય, નીચે જાય, નીચલી ગતિમાં અને અવર્ણવાદ તો, પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર થઈ જાય. કોઈનું અવર્ણવાદ બોલ્યા, પણ પછી પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું થઈ જાય.

પ્રશ્નકર્તા : અવિનય અને વિરાધના વિશે જરા સમજાવો.

દાદાશ્રી : અવિનય એ વિરાધના ના ગણાય. અવિનય એ તો નીચલું સ્ટેજ છે અને વિરાધના તો, પદ્ધતિસર સામો થયો કહેવાય. અવિનય એટલે મારે કંઈ લેવાદેવા નહિ, એવું. વિનય ના કરે, તેનું નામ અવિનય.

પ્રશ્નકર્તા : અપરાધ એટલે શું ?

દાદાશ્રી : માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચઢે અને વિરાધના કરતો હોય તો નીચે ઊતરે. પણ અપરાધ કરતો હોય, તે બેઉ બાજુ માર ખાય. અપરાધવાળો પોતે આગળ વધે નહિ ને કોઈને વધવા દે નહિ. એ અપરાધી કહેવાય.

પ્રશ્નકર્તા : અને વિરાધનામાંય કોઈને આગળ વધવા ના દેને ?

દાદાશ્રી : પણ વિરાધનાવાળો સારો. કોઈકે જાણ્યું તો પછી એ કહેને કે, 'શું જોઈને તમે આમ ચાલ્યા ? આ બાજુ અમદાવાદ હોતું હશે ?!' તો પાછો ય ફરે પણ અપરાધી તો પાછો ય ના ફરે ને આગળ વધે ય નહીં. વિરાધનાવાળો તો ઊંધો ચાલે પણ પડી જાયને !

પ્રશ્નકર્તા : પણ પાછા ફરવાનો ચાન્સ ખરો વિરાધનાવાળાને ?

દાદાશ્રી : હા, પાછા ફરવાનો ચાન્સ તો ખરોને !

પ્રશ્નકર્તા : અપરાધવાળાને પાછા ફરવાનો ચાન્સ ખરોને ?

દાદાશ્રી : એ તો પાછો જ નથી ફરતો ને આગળેય વધતો નથી. એનું કોઈ ધોરણ જ નહીં. આગળ વધે નહીં ને પાછળ જાય નહીં. જ્યારે જુઓ ત્યારે ત્યાં ને ત્યાં જ, એનું નામ અપરાધ.

પ્રશ્નકર્તા : અપરાધની ડેફિનેશન શી છે ?

દાદાશ્રી : વિરાધના એ ઇચ્છા વગર થાય અને અપરાધ ઇચ્છાપૂર્વક થાય.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે થાય, દાદા ?

દાદાશ્રી : તંતે ચઢ્યો હોય તો એ અપરાધ કરી બેસે. જાણે કે અહીં વિરાધના કરવા જેવું નથી છતાં વિરાધના કરે. જાણે છતાં વિરાધના કરે એ અપરાધમાં જાય. વિરાધનાવાળો છૂટે, પણ અપરાધવાળો ના છૂટે. બહુ તીવ્ર ભારે અહંકાર હોય, તે અપરાધ કરી બેસે. એટલે આપણે પોતાની જાતને કહેવું પડે કે, 'ભાઈ, તું તો ગાંડો છે. અમથો પાવર લઈને ચાલે છે. આ તો લોક નથી જાણતા પણ હું જાણું છું કે તું કેવો છે ? તું તો ચક્કર છે.' આ તો આપણે ઉપાય કરવો પડે. પ્લસ અને માઈનસ કરવું પડે, એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ !

પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય ?

દાદાશ્રી : નિંદા એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. તોયે લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય છે બધું. કશું એક શબ્દ પણ કોઈનાં માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ. કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ.

એટલે કોઈની નિંદામાં ના પડવું. કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈનીય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.

અહીં નિંદા જેવી વસ્તુ જ ના હોય. આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું ? કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની. જ્ઞાનીની પાસે જ જ્ઞાન સમજાય.

અભાવ, તિરસ્કાર ન કરાય...

પ્રશ્નકર્તા : ૪. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : હા, બરોબર છે. આપણને કોઈનો અભાવ થાય, જેમ કે ઓફિસમાં તમે બેઠા હો ને કોઈ માણસ આવ્યો તો અભાવ થાય, તિરસ્કાર થાય. એટલે તમારે મહીં વિચારીને પછી એને માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ન થવું જોઈએ.

આ તિરસ્કારથી કોઈ દહાડોય છૂટાય નહીં. એમાં તો નર્યા વેર બંધાય. ગમે તેની સાથે સહેજ તિરસ્કાર હશે, આ નિર્જીવ જોડે તિરસ્કાર હશે તોય તમે છૂટો નહીં. એટલે કોઈનો સહેજ પણ તિરસ્કાર ના ચાલે. અને જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય !!

કઠોર-તંતીલી ભાષા ન બોલાય...

પ્રશ્નકર્તા : ૫. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.' કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ, ઋજુ ભાષા બોલવાની શક્તિ આપો.

દાદાશ્રી : કઠોર ભાષા નહિ બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહેવું કે, 'ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, માફી માગું છું' અને રૂબરૂમાં ના કહેવાય એવું હોય તો પછી અંદર પસ્તાવો કરવો કે ભાઈ, આવું ના બોલાય.

પ્રશ્નકર્તા : અને ફરી વિચાર કરવો જોઈએ કે આવું ના બોલાય.

દાદાશ્રી : હા. એ વિચાર કરવો જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરે તો જ એ બંધ થાય. નહીં તો એમ ને એમ બંધ થાય નહીં. ખાલી બોલવાથી બંધ ના થાય.

પ્રશ્નકર્તા : મૃદુ, ઋજુ ભાષા એટલે શું ?

દાદાશ્રી : ઋજુ એટલે સરળ હોય અને મૃદુ એટલે નમ્રતાવાળી. અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય. એટલે સરળ ભાષા અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માગવી, તો એમ કરતાં કરતાં એ શક્તિ આવશે. કઠોર ભાષા બોલ્યા ને દીકરાને ખરાબ લાગ્યું તો તેનો પસ્તાવો કરવો. અને દીકરાનેય કહી દેવું કે 'હું માફી માગું છું. હવે ફરી આવું નહીં બોલું.' આ જ વાણી સુધારવાનો રસ્તો છે અને 'આ' એક જ કૉલેજ છે.

પ્રશ્નકર્તા : તો કઠોર ભાષા ને તંતીલી ભાષા અને મૃદુતા ને ઋજુતા એ ભેદ શું ?

દાદાશ્રી : ઘણાં કઠોર ભાષા બોલે છેને કે, 'તું નાલાયક છે, બદમાશ છે, ચોર છે.' જે શબ્દો આપણે સાંભળ્યા ના હોયને ! કઠોર બોલની સાથે આપણું હ્રદય સ્તંભિત થઈ જાય. એ કઠોર ભાષા જરાકે પ્રિય ના પડે. ઊલટું મનમાં બહુ થાય કે આવું ક્યાંથી આ પાછું !! કઠોર ભાષા, એ અહંકારી હોય.

અને તંતીલી ભાષા એટલે શું ? સ્પર્ધામાં જેમ તંત હોય છેને ? 'જો મેં કેવી સરસ રસોઈ બનાવી અને એને તો આવડતી જ નથી.' એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે. એ તંતીલી ભાષા બહુ ખરાબ હોય.

કઠોર ને તંતીલી ભાષા બોલાય નહીં. ભાષાના બધા જ દોષો, આ બે શબ્દોમાં આવી જાય છે. એટલે નવરાશનો ટાઈમ આવે તો 'દાદા ભગવાન' પાસે આપણે શક્તિઓ માગ માગ કરવી. કઢંગુ બોલાતું હોય તો એની પ્રતિપક્ષી શક્તિ માગવી કે મને શુદ્ધ વાણી બોલવાની શક્તિ આપો, સ્યાદ્વાદ વાણી બોલવાની શક્તિ આપો, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આવું માગ્યા કરવું. સ્યાદ્વાદ વાણી એટલે કોઈને દુઃખ ના થાય એવી વાણી.

... નિર્વિકાર રહેવાની શક્તિ આપો !

પ્રશ્નકર્તા : ૬. 'હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિંરતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : આપણી દ્રષ્ટિ બગડે તો તરત જ મહીં તમારે 'ચંદુભાઈ' ને કહેવું, 'આવું ના હોય. આવું આપણને શોભે નહીં. આપણે ખાનદાન ક્વૉલિટીના છીએ. જેવી આપણી બેન હોય છે, એવી એ બીજાની બેન હોય ! આપણી બેન ઉપર કોઈની દ્રષ્ટિ ખરાબ થાય તો આપણને કેટલું દુઃખ થાય ! એવું બીજાને દુઃખ થાય કે ના થાય ? એટલે આપણને આવું શોભે નહિ.' એટલે દ્રષ્ટિ બગડે તો પસ્તાવો કરવો.

પ્રશ્નકર્તા : ચેષ્ટાઓ, આનો અર્થ શું ?

દાદાશ્રી : દેહની ક્રિયા કરતો હોય ને ફોટા પડે. એ બધી ચેષ્ટાઓ કહેવાય. તમે મશ્કરી કરતા હો એ ચેષ્ટા કહેવાય. આમ હસતા હોય એ ચેષ્ટા કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે કોઈની હાંસી ઉડાવવી, કોઈની ટીખળ કરવી એ ચેષ્ટાઓ ?

દાદાશ્રી : બધી બહુ જાતની ચેષ્ટાઓ છે.

પ્રશ્નકર્તા : તો આ વિષય સંબંધી ચેષ્ટાઓ કેવી રીતે છે ?

દાદાશ્રી : વિષયની બાબતમાં દેહ જે જે કાર્યો કરે એનો ફોટો લઈ શકાય, માટે એ ચેષ્ટા બધી. કાયાથી ના થાય એ ચેષ્ટાઓ નહિ. ક્યારેક આ ઇચ્છાઓ થાય, મનમાં વિચાર થાય, પણ ચેષ્ટાઓ ના થયેલી હોય. વિચાર સંબંધી દોષો એ મનનાં !

'મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.' આટલું તમારે 'દાદા' પાસે માગવાનું. 'દાદા' દાનેશ્વરી છે.

રસમાં લુબ્ધપણું ન કરાય...

પ્રશ્નકર્તા : ૭. 'હે દાદા ભગવાન ! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું કહેવાય. ટામેટા જમવાનો વાંધો નથી, પણ ફરી યાદ ના આવવું જોઈએ. નહીં તો આપણી શક્તિ બધી લુબ્ધપણામાં જતી રહે. એટલે આપણે કહેવાનું કે 'જે આવે એ મને કબૂલ છે.' લુબ્ધપણું કોઈ જાતનું નહીં હોવું જોઈએ. થાળીમાં જે જમવાનું આવે, રસ-રોટલી આવે તો રસ-રોટલી નિરાંતે ખાવી. કોઈ જાતનો વાંધો નહીં. પણ જે આવે તે 'એક્સેપ્ટ' કરવાનું, પેલું બીજું યાદ કરવાનું નહીં.

પ્રશ્નકર્તા : પછી આ સમરસી એટલે ?

દાદાશ્રી : સમરસી એટલે વેઢમી, દાળ, ભાત, શાક બધું જ ખાવ, પણ એકલી વેઢમી જ ઠોક ઠોક ના કરાય.

અને આ લોકો ગળપણ છોડે છે. તે ગળપણ તેમની પર દાવો માંડશે. એ શું કહે છે કે મારી જોડે તારે શું છે ? પાડાને વાંકે પખાલીને ડામ ! અલ્યા, જીભને તો ચોંટી પડાતું હશે ? વાંક પાડાનો છે. પાડાનો વાંક એટલે અજ્ઞાનતાનો વાંક.

પ્રશ્નકર્તા : પણ સમરસી ખોરાક એટલે શું ? એમાં સરખો ભાવ કેવી રીતે પડે છે ?

દાદાશ્રી : તમારા લોકોની નાત હોય, એમાં જે જમવાનું બનાવેને, તે તમારી 'નાત'ને સમરસી લાગે એવો ખોરાક બનાવે. અને બીજાને તમારી 'નાત'નું ખવડાવે, તેને સમરસી ના લાગે. તમે લોકો મરચું-બરચું ઓછું ખાવાના. સમરસી ખોરાક એટલે દરેક જ્ઞાતિનો જુદો જુદો હોય. સમરસી ખોરાક એટલે ટેસ્ટફુલ, ટેસ્ટવાળું ફૂડ. મરચું વધારે નહીં, ફલાણું વધારે નહીં, બધું સરખા પ્રમાણમાં નાખેલી વસ્તુ. કેટલાંક કહે છે, 'હું તો દૂધ એકલું પીને પડી રહીશ.' ત્યારે સમરસી ખોરાક ના કહેવાય. સમરસી એટલે છ પ્રકારના રસ ભેગા કરીને ખાવ સારી રીતે, ટેસ્ટફૂલ રીતે ખાવા. કડવું ના ખવાય તો કારેલાં ખાવ, કંકોડા ખાવ, મેથી ખાવ પણ કડવું હઉ લેવું જોઈએ. તે કડવું નથી લેતા, તે બધા રોગ ઊભા થાય છે. તેથી પછી 'ક્વીનાઈન' લેવી પડે ! એ રસ ઓછો લે એટલે આ ઉપાધિ થાય છેને વળી ! બધા રસો લેવા જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે રસ લેવા માટે થઈને શક્તિ માગવાની કે દાદા ભગવાન ! શક્તિ આપો કે હું સમરસી ખોરાક લઉં.

દાદાશ્રી : હા, એ તો તમારે શક્તિ માગવાની. તમારી ભાવના શું ? સમરસી ખોરાક લેવાની તમારી ભાવના થઈ એ તમારો પુરુષાર્થ. અને હું શક્તિ આપું એટલે તમારો પુરુષાર્થ થયો મજબૂત !

પ્રશ્નકર્તા : કોઈપણ રસમાં લુબ્ધપણું ના થવું જોઈએ, એ પણ બરાબર છે ?

દાદાશ્રી : હા, એટલે એને એમ તો ના જ લાગવું જોઈએ કે મને ખટાશ વગર બીજું ભાવતું નથી. કેટલાંક કહે છે કે, 'મને ગળ્યા વગર ના ફાવે.' ત્યારે તીખાએ શું ગુનો કર્યો ? કેટલાંક કહે, 'મને ગળ્યું ભાવતું જ નથી.' 'તીખું એકલું જ જોઈએ.' એ આ બધું સમરસી ના કહેવાય. સમરસી એટલે બધું 'એક્સેપ્ટેડ'. ઓછાવત્તા પ્રમાણમાં, પણ બધું એકસેપ્ટેડ.

પ્રશ્નકર્તા : સમરસી ખોરાક અને જ્ઞાન એ બેને કંઈ કનેકશન છે ? જ્ઞાનની જાગૃતિમાં સમરસી ખોરાક ના હોય તે ના લેવાય ?

દાદાશ્રી : સમરસી ખોરાક માટે તો એવું છેને કે આપણા મહાત્માઓને જ્યાં 'વ્યવસ્થિત' આવ્યું, ત્યાં પછી ક્યાં આપણને ઝઘડો છે ? આ તો બહારનાં લોકોને કહેલું છે અને આપણા મહાત્માઓને જરા એટલું વિચારમાં તો આવેને કે સમરસી ખોરાક બને એટલો લેવો જોઈએ. હું કહું કે, 'ભઈ, જરા મરચું લાવો જોઈએ અને પાછો કહું એ ખરો કે ઉધરસની દવા કરું છું ! પછી દવા એની થાય તેય 'જાણું', 'કારણ કે પ્રકૃતિ છેને !'

પ્રકૃતિના ગુણાકાર-ભાગાકાર !

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિને સમરસી હોવું જોઈએ એમ ?

દાદાશ્રી : પ્રકૃતિ એટલે શું ? તેરે ગુણેલી ચીજ તેરથી ભાગે ત્યારે પ્રકૃતિ પૂરી થાય. હવે કોઈએ સત્તરે ગુણેલી ચીજને તેરથી ભાગે તો શું થાય ? એટલે મેં જુદો ગુણાકાર કર્યો.

પ્રશ્નકર્તા : એટલે તેરે ગુણેલાને તેરથી ભાગાકાર...

દાદાશ્રી : એમ કરીએ તો શેષ વગરનું થાયને !

પ્રશ્નકર્તા : એનો દાખલો કઈ રીતે લેવાય ?

દાદાશ્રી : પ્રકૃતિ એટલે પહેલાં જે ભાવ કરેલાં છે, એ શેના આધારે કે બીજા જે ખોરાક ખાધા તેના આધારે ભાવ કર્યા. હવે એ ભાવ તેરે ગુણ્યા. હવે એ ભાવને ઉડાડી દેવા હોય તો તેને તેરે ભાગી નાખીએ એટલે ઊડી જાય. અને નવેસર ભાવ ઉત્પન્ન ના થવા દે એટલે એ ખાતું બંધ થઈ ગયું. નવી ઇચ્છાઓ છે નહીં એટલે ખાતું બંધ થઈ ગયું. ખાતું સીલ કરવું જોઈએ.

... ત્યાં પ્રકૃતિની શૂન્યતા !

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું જ્ઞાન તો આપ્યું. હવે આ પ્રકૃતિ શૂન્યતાને પામવા માટે આ નવ કલમો બોલીએ, તે હેલ્પ કરે છે ?

દાદાશ્રી : એ તો થાય. જેટલાએ ગુણેલું એટલાએ ભાગવું. મને ડૉક્ટર કહે છે, 'આ ખાજો.' મેં કહ્યું, 'ડૉક્ટર, આ વાત બીજા દર્દીને કહેજો. આ અમારો ગુણાકાર જુદી જાતનો છે. તે મને ભાગાકાર કરવા આપે, તે શી રીતે મેળ પડે ?

પ્રશ્નકર્તા : આપ તો એ મરચું વધારે ઉપરથી લઈને ભાગાકાર કરો છો ?

દાદાશ્રી : મરચું લેતી વખતે હું બધાને કહું છું કે આ ઉધરસની દવા કરું છું અને ઉધરસ થાય તે દેખાડું કે જો થઈને ઉધરસ ?

પ્રશ્નકર્તા : એમાં ભાગાકાર ક્યાં આવ્યો ?

દાદાશ્રી : એ જ ભાગાકાર. મરચું ના લીધું હોતને તો ભાગાકાર પૂરો ના થાત.

પ્રશ્નકર્તા : એટલે પહેલાં પ્રકૃતિમાં જે ભર્યું છે, એ હવે પૂરું કરવું છે.

દાદાશ્રી : હા, પૂરું કરી લેવાનું.

આ નીરુબેનને હું કહું છું, 'તમે કહેતાં હો તો સોપારી ખઉં.' પણ સોપારી ખાતી વખતે કહું કે આ ઉધરસ થવાની દવા છે. તે એ ઘણી ફેર તો 'ના' કહે તો રહેવા દઉં અને પછી કહે કે, 'લો', ત્યારે હું લઉં. તે ઉધરસ થાય અને હું નથી સોપારી ખાતો. મારે નથી કોઈ ચીજની ટેવ. પણ માલ ભરેલો ત્યારે ખવાયને ?

આપણું આ 'અક્રમ વિજ્ઞાન' છે ! તે પાછલી આદતો પડેલી છે, તેથી થાય છે. તે આ શક્તિ માગો. પછી લુબ્ધ ખોરાક લેવાય, તેનો વાંધો નથી પણ આ બોલવાથી કરાર છૂટા થાય છે.

પ્રશ્નકર્તા : જે આપણી પ્રકૃતિ છે, જો ગુણાકાર કરશો તો એ વધી જશે. એને ભાગવી જોઈએ. પ્રકૃતિને પ્રકૃતિથી ભાગવી જોઈએ તો એ સમજાવો.

દાદાશ્રી : એટલે આ કલમ બોલ બોલ કરે, એમાં ભાગાકાર થાય ને ઓછું થઈ જાય. આવી કલમ બોલીએ નહીં એટલે છોડવો એની મેળે જ ઊગ્યા કરવાનો. એટલે આ બોલ બોલ કરીએ એટલે ઓછું થઈ જાય. એ જેમ જેમ બોલશોને, તે મહીં જે પ્રકૃતિના જે ગુણાકાર થયા છે, તે તૂટી જશે ને આત્માના ગુણાકાર થશે ને પ્રકૃતિના ભાગાકાર થશે. એટલે આત્મા પુષ્ટ થતો જાય. નવ કલમો રાતદિવસ બોલ બોલ કરો, ટાઈમ મળે તો ! નવરાશ મળે કે બોલવી. અમે તો બધી દવા આપી છૂટીએ, સમજણ પાડી છૂટીએ, પછી જે કરવું હોય તે...

પ્રત્યક્ષ-પરોક્ષ, જીવંત-મૃત્યુ પામેલાનો...

પ્રશ્નકર્તા : ૮. 'હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.'

દાદાશ્રી : અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખેલું, એને અવર્ણવાદ કહેવાય. એનું ઊંધું બોલવું.

પ્રશ્નકર્તા : આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમાપના કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ, એ એને પહોંચે ખરું ?

દાદાશ્રી : એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માગે છે. એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા - ના પહોંચાડવાનો સવાલ નથી. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ભૂંડું પછી ના બોલવું.

અત્યારે રાવણનું અવળું ન બોલાય. કારણ કે હજુ એ દેહધારી છે. એટલે એને 'ફોન' પહોંચી જાય. 'રાવણ આવો હતો ને તેવો હતો' બોલે, તેને પહોંચી જાય.

આપણા કોઈ સગાવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું. વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય, એનેય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. એમાં બહુ મોટું જોખમ છે.

તે વખતે પહેલાંના 'ઓપીનિયન'થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. આ હુક્કો પીતા જઈએ અને બોલતા જઈએ કે 'ના પીવાય, ના પીવડાવાય ને કર્તા પ્રત્યે ન અનુમોદાય તેવી શક્તિ આપો.' તો એનાથી કરારો છૂટા થાય, નહીં તો પુદ્ગલનો સ્વભાવ ગુલાંટ મારવાનો છે. એટલે આ ભાવના ભાવવાની.

જગત કલ્યાણ કરવાની શક્તિ આપો !

પ્રશ્નકર્તા : ૯. 'હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.' આપણે આ કલ્યાણની ભાવના કરીએ, તો એ કઈ રીતે કામ કરે ?

દાદાશ્રી : તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : પૌદ્ગલિક કે 'રિયલ'નાં કલ્યાણની આપ વાત કરો છો ?

દાદાશ્રી : પુદ્ગલનું નહીં, આપણે તો 'રિયલ' ભણી જાય તેની જ જરૂર. પછી 'રિયલ'ના સહારાથી આગળ થઈ જાય. આ 'રિયલ' મળે તો પેલું 'રિલેટિવ' મળે જ ! આખા જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવાનું નહીં, ભાવના ભાવવી. આ તો લોકો ગાવા ખાતર ગાય, જેમ શ્શલોક બોલતા હોય એવું.

પ્રશ્નકર્તા : સાવ નવરો બેઠો હોય તો એના કરતાં આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાયને ?

દાદાશ્રી : બહુ સરસ. ખરાબ ભાવ તો ઊડી ગયા ! એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા !

પ્રશ્નકર્તા : એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય ?

દાદાશ્રી : ના. મિકેનિકલ કેમ કહેવાય ? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી !

આમાં કરવાનું કશું નથી !

પ્રશ્નકર્તા : આમાં લખ્યું છે કે 'મને શક્તિ આપો, શક્તિ આપો', તો એવું વાંચીએ તો આપણને શક્તિ મળી જાય ?

દાદાશ્રી : ચોક્કસ ! આ 'જ્ઞાની પુરુષ'ના શબ્દો છે !! વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના એક વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં ?! કેમ બોલ્યા નહીં તમે ? હા, એટલે આ 'જ્ઞાની પુરુષ'નું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે.

પ્રશ્નકર્તા : પણ અમલમાં લાવવા માટે એમાં લખેલું છે, એવું કરવું પડશે ને ?

દાદાશ્રી : ના. આ વાંચવાનું જ. અમલ, એની મેળે જ આવી જશે. એટલે આ ચોપડી તમારે જોડે ને જોડે મૂકવી અને વાંચવી રોજ. તમને બધું આમાંનું જ્ઞાન આવડી જશે. આ રોજ વાંચતાં વાંચતાં એની પ્રેક્ટિસ થઈ જશે. તે રૂપ થઈ જશો. આજે એવું ના ખબર પડે કે આમાં મને શું ફાયદો થયો ! પણ ધીમે ધીમે તમને 'એક્ઝેક્ટ' થઈ જશે.

આ શક્તિ માગવાથી પછી એનું ફળ આવીને ઊભું રહેશે વર્તનમાં. એટલે તમારે 'દાદા ભગવાન' પાસે શક્તિઓ માગવાની. અને પાર વગરની અનંતી શક્તિ છે 'દાદા ભગવાન' પાસે, જે માગો એ મળે એવી ! એટલે આ માગવાથી શું થશે ?

પ્રશ્નકર્તા : શક્તિ મળશે !

દાદાશ્રી : હા. આ પાળવાની શક્તિ આવશે ને ત્યારે પછી પળાશે. એ એમ ને એમ નહીં પળાય. એટલે તમારે આ શક્તિ માગ માગ કરવાની. બીજું કશું કરવાનું નથી, લખ્યું છે એવું એકદમ થાય નહીં અને એ થશે પણ નહીં. તમારાથી જેટલું થાય એટલું જાણવું કે થાય છે ને આટલું નથી થતું, તેની ક્ષમા માગવી. અને જોડે જોડે આ શક્તિ માગવાની એટલે શક્તિ મળશે.

શક્તિ માંગી સાધો કામ !

એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ વાંચજો !' પછી એ કહે છે, 'પણ આ થાય નહીં.' મેં કહ્યું, 'હું કરવાનું નથી કહેતો, બળ્યું.' થાય નહીં એવું ક્યાં કહો છો ? તમારે તો એટલું કહેવાનું કે 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો.' શક્તિ માંગવાનું કહું છું. ત્યારે કહે, 'આ તો મજા આવશે !' લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે.

પછી મને કહે છે, 'એ શક્તિ કોણ આપશે ?' મેં કહ્યું, 'શક્તિઓ હું આપીશ.' તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમને પોતાને માગતા જ ના આવડે, ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માગજો. ના શીખવવું પડે ? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું ? આ મારું શીખવાડેલું જ છે ને ? એટલે એ સમજી ગયા, પછી કહે છે આટલું તો થાય, આમાં બધું આવી ગયું !

આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા બે રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માંગજો. ત્યારે મને કહે છે, 'એ વાત મને ગમી.'

પ્રશ્નકર્તા : પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માગે તો મળે કે નહીં ?

દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માગ્યા કરે છે ને ! એટલે એ તમારે શક્તિ મહીં ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. 'હું કરવા જઉં છું ને પછી થતું નથી' એવું થશે પાછું. એટલે પેલી શક્તિ માગો.

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય, એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એનાં માટે છે આ ?

દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.

પ્રશ્નકર્તા : આ વાંચ્યુંને એ બધું, એક જબરજસ્ત વાત છે આ તો. નાનો માણસેય સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.

દાદાશ્રી : હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય.

આ નવ કલમો છે, એમાં એની મેળે આપણાથી જેટલી પળાતી હોય તેનો વાંધો નથી. પણ ના પળાતી હોય, તેનો મનમાં ખેદ રાખવાનો નહીં. ફક્ત તમારે તો એ કહેવાનું કે મને શક્તિ આપો. તે શક્તિ ભેગી થયા કરશે. અંદર શક્તિ જમે થયા કરશે. પછી કામ એની મેળે થશે. એ તો બધી નવેય કલમો સેટઅપ થઈ જશે, શક્તિ માગશો એટલે ! એટલે ખાલી બોલશે તોય બહુ થઈ ગયું. બોલ્યો એટલે શક્તિ માગી ને એટલે શક્તિ મળી.

'ભાવના'થી ભાવશુદ્ધિ !

પ્રશ્નકર્તા : આપે તો કહ્યુંને, કે હુક્કો પીતાં જઈએ પણ અંદર પેલું ચાલતું હોય કે ન પીવાય, ન પીવડાવાય કે પીતાં પ્રત્યે ન અનુમોદાય...

દાદાશ્રી : હા, એટલે એનો અર્થ એટલો જ કે, 'આપણે આમાં સહમત નથી' એવું કહેવા માગીએ છીએ. એટલે છૂટાં છીએ. અને હુક્કો જ્યારે એની મેળે ખરી પડે ત્યારે ખરું. પણ હવે આપણે એને વળગ્યા નથી, એ આપણને વળગ્યું છે. એની મુદત પૂરી થશે એટલે જતું રહેશે એવું કહેવા માગીએ છીએ. એક બાજુ હુક્કો પીતા હોય અને એક બાજુ આ ભાવના બોલો, તો પીધેલું ઊડી જાય ને આ ભાવની શરૂઆત થઈ ગઈ.

ત્યારે લોકો કહે કે, 'આવો સાહેબ, આવો સાહેબ'. ત્યાં પણ મનમાં શું હોય કે 'અત્યારે ક્યાંથી મૂઆ ?' જ્યારે આ શું કહે છે ? હુક્કો પીવે છે પણ 'આ ન હોવું જોઈએ'. એટલે પેલો એથી ઊંધું કહે છે. બહાર 'આવો પધારો' કહે છે, ને પાછો મહીં કહે છે કે 'આ ક્યાંથી મૂઆ ?' તે એ સુધરેલું બગાડે છે. આપણે બગાડેલું સુધારીએ છીએ.

પ્રશ્નકર્તા : આખા 'અક્રમ વિજ્ઞાન'ની અજાયબી જ આ છે કે બહાર બગડેલું છે અને અંદર સુધારી રહ્યા છે.

દાદાશ્રી : હા, એટલે સંતોષ રહેને આપણને ! કે ભલે આ બગડી ગયું તો બગડી ગયું, પણ આ નવો ઘાણ તો સારો થવાનો. એક ઘાણ બગડ્યો એ ગયો, પણ નવો સારો થશેને ? ત્યારે પેલાં લોકો શું કહે છે ? 'આ છે એ ઘાણને જ સુધારવો છે.' અલ્યા, મેલ છાલ. જવા દેને, અહીંથી. નવુંયે બગડી જશે. આ તો ઘાણેય ગયો ને તેલેય ગયું.

પ્રશ્નકર્તા : અત્યારે બગડેલું છે, એના જવાબદાર અત્યારે આપણે નથી. એ ગયા અવતારનું પરિણામ છે.

દાદાશ્રી : હા, અત્યારે આપણે જવાબદાર નથી. અત્યારે એ સત્તા બીજાના હાથમાં છે. જવાબદારી આપણા હાથમાં નહિને ! આ તો ફરવાનું નથી ને હાય હાય શું કરવા કરે છે વગર કામનો ?! પણ ત્યાં તો પછી ગુરુ મહારાજેય કહેશે, 'આમ એવું નહિ થાય તો પેસવા નહીં દઉં.' ત્યારે પેલો શું કહેશે, 'પણ સાહેબ, ઘણુંય મારે કરવું છે પણ થતું નથી, તેને શું કરું ?' એટલે આ સમજ્યા વગરનું ઠોકાઠોક ચાલે છે.

પ્રશ્નકર્તા : આ તો પેલું પ્રકૃતિ એકદમ ઊંધું-ચત્તું કરી નાખેને, ત્યારે એને અંદર સફોકેશન થાય જબરજસ્ત.

દાદાશ્રી : અરે, એ બધું એવું થાય છે કે પાંચ-પાંચ દહાડા સુધી ખાય નહીં. અલ્યા તે ગુનો કોનો, ને કોને માર માર કરે છે ! પેટને શું કરવા મારે છે ! ગુનો મનનો અને મારે છે પેટને. કહેશે, 'ખાને કા નહિ તુમ્હે.' તો આ શું કરે બિચારો ?! શક્તિ જતી રહેને, બિચારાની. એણે ખાધું હોય તો બીજુ કંઈ કાર્ય કરી શકે. એટલે પછી આપણા લોકો કહે છે, પાડાના વાંકે પખાલીને શું કરવા ડામ દે છે ?! વાંક પાડાનો છે, મનનો છે અને આ પખાલીનો, દેહનો બિચારાનો શું ગુનો ?!

અને બહાર ખંખેર ખંખેર કરવાથી શું દહાડો વળે ? જે આપણી સત્તામાં જ નથીને ! પછી વગર કામની બૂમાબૂમ કરીએ એનો શો અર્થ ? પણ અંદર બધો પૂંજો વાળવો પડે, અંદરનું બધું ધોવું પડે. આ તો બહારનું ધોઈ નાખે છે, ગંગાજીમાં જાય તોય દેહને ઝબકોળ ઝબકોળ કરે. અલ્યા, દેહને ઝબકોળીને શું કામ છે ?! મનને ઝબકોળને ! મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, એ બધાંને, અંતઃકરણને ઝબકોળવાનું છે. આમાં સાબુ ય કોઈ દહાડો ઘાલ્યો નથી. પછી બગડી જાયને કે ના બગડી જાય ?

નાની ઉંમર હોય ત્યાં સુધી સારું રહે. પછી દહાડે દહાડે બગડે ને પછી કચરો પડે. એટલે આપણે શું કહ્યું કે તારા આચાર બહાર મૂકતો જા અને આ લેતો જા. આ બધું જૂઠ છે તે બહાર મૂકતો જા ને આ કલમો ભાવતો જા, તો આવતો ભવ થઈ ગયો ઉત્તમ !

પ્રશ્નકર્તા : આ 'જ્ઞાન' ના લીધું હોય એ લોકો પણ આવી રીતે આચારનું ફેરવી શકેને ?

દાદાશ્રી : હા, બધુંય ફેરવી શકે. ગમે તેને બોલવાની છૂટ છે.

પ્રશ્નકર્તા : અવળું કંઈ બને તો એની પાછળ એ ધોઈ નાખવા માટે આ કલમો એ જબરજસ્ત ઉપાય છે.

દાદાશ્રી : મોટો પુરુષાર્થ છે આ તો. એટલે મોટામાં મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું છે આ. પણ હવે લોકોને મહીં સમજણ પડવી જોઈએને ! એટલે ફરજિયાત કર્યું પછી કે આટલું તમારે કરવાનું. ભલે સમજણ ના પડે પણ પી જા ને !

પ્રશ્નકર્તા : અંદરના રોગ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : હા, ખલાસ થઈ જાય. 'દાદા' કહે કે 'વાંચજો' એટલે વાંચવાનું એકલું જ. બહુ થઈ ગયું ! આ તો પચાવવા માટે નથી. આ તો પડીકું ઓગાળીને પી અને પછી રોફથી ફરવા જેવું છે !

પ્રશ્નકર્તા : એવી વાત ખરી કે ભાવ કરવાથી પાત્રતા વધે ?

દાદાશ્રી : ખરો પુરુષાર્થ જ ભાવ છે. આ બીજી બધી ઠેકાણા વગરની વાતો છે. કર્તાપદ એ તો બંધનપદ છે અને આ ભાવ એ છોડાવનારું પદ છે. 'આમ કરો, તેમ કરો, ફલાણું કરો', તે લોક બંધાયાને એનાથી !

ભાવના ફળે આવતા ભવે !

પ્રશ્નકર્તા : તે જ્યારે એવો પ્રસંગ બને કે આપણાથી કોઈના અહંકારનું પ્રમાણ દુભાયું, એવા પ્રસંગે ત્યાં એ કલમ વપરાય કે કોઈ પણ અહમ્નું પ્રમાણ ન દુભાય.. ?

દાદાશ્રી : ત્યારે તો આપણે 'ચંદુભાઈ'ને કહેવું કે, 'ભાઈ પ્રતિક્રમણ કરો, એને દુઃખ થયું તે બદલનાં.' અને બીજી નાની નાની બાબતમાં તો ભાંજગડ નહીં કરવાની. બાકી એવું અહમ્ દુભાય એવાં લક્ષણો બહુ ભારે ના હોય. અને થોડુંક દુઃખ થાય એવું હોય તો આપણે પ્રતિક્રમણ કરાવવું.

આ તો ભાવનાઓ ભાવવાની છે. હજુ તો એક અવતાર રહ્યોને, તે આ ભાવના ફળ આપશે. ત્યારે તો ભાવનારૂપ જ થઈ ગયા હશો તમે. જેવી ભાવનાઓ લખેલી છે એવું જ વર્તન હશે, પણ આવતે ભવ ! અત્યારે બીજ નાખ્યું, એટલે હમણા તમે કહો કે 'લાવ, ખોતરીને ખાઈ જઈએ મહીંથી.' એ ના ચાલે.

પ્રશ્નકર્તા : પરિણામ આ ભવમાં નહીં, આવતા ભવમાં થાય ?

દાદાશ્રી : હા, હજુ એક-બે અવતાર રહ્યા બાકી. એટલા માટે આ બીજ નાખીએ છીએ, તે આવતા ભવે 'ક્લિયર' આવે. આ તો બીજ નાખવું હોય તેને માટે છે.

પ્રશ્નકર્તા : તો આ નિરંતર એટલે જ્યારે જ્યારે પ્રસંગ બને તે પ્રમાણે ?

દાદાશ્રી : ના, એ પ્રસંગને અને આ ભાવવાને લેવાદેવા નથી. પ્રસંગને શું લેવાદેવા ?! પ્રસંગ નિરાધાર છે બિચારો ! અને આ ભાવના તો આધારી વસ્તુ છે. આ ભાવનાઓ તો જોડે આવનારી છે ને પ્રસંગ તો જતો રહેવાનો.

પ્રશ્નકર્તા : પણ પ્રસંગના આધારે જ આ ભાવના કરી શકાયને ?

દાદાશ્રી : ના. પ્રસંગને કશું લેવાદેવા નહીં. ભાવના વસ્તુ જ જોડે આવવાની. આ પ્રસંગ નિરાધાર છે, એ જતો રહેવાનો છે. ગમે એવો સારો પ્રસંગ હશે તોયે જતો રહેશે. કારણ કે એ સંયોગ થયેલો છે અને આ ભાવના ભાવવાની છે. હજુ એનો સંયોગ જામવાનો બાકી છે.

પ્રશ્નકર્તા : પણ એ પ્રસંગથી જે પોતાના ભાવ બદલાય છે, ત્યારે આ ભાવના વાપરીને ફરી ભાવ ફેરવવાનોને ?

દાદાશ્રી : પણ એ કંઈ હેલ્પ ના કરે. પૂર્વે જેટલું કરેલું હોય, એ અત્યારે હેલ્પ કરે. હા, એવું બને કે થોડું પૂર્વે કરેલું હોય ત્યારે જ આ ભવમાં પાછું આખું ફરે.

પ્રશ્નકર્તા : એટલે પ્રસંગ તો આગલા ભવના ભાવ હોય, તે જ પરિણામ આવે અત્યારે ?

દાદાશ્રી : તે જ પરિણામ આવે. બીજું ના આવે. ભાવ એટલે બીજ અને દ્રવ્ય એટલે પરિણામ, ડુંડું. એક બાજરીનો દાણો નાખે, તો આવડું મોટું ડુંડું થાય !

આ કલમો તો ખાલી બોલવાની જ છે. રોજ ભાવના જ ભાવવાની છે. આ તો બીજ રોપવાનું છે. રોપ્યા પછી જ્યારે ફળ આવે ત્યારે જોઈ લેવાનું. ત્યાં સુધી ખાતર નાખવાનું. બાકી, આ પ્રસંગમાં કંઈ આમ ફેરવવાનું નથી કશુંય. અને આ જે છે એ જૂનું છે એ જ છે.

એટલે આ નવ કલમો શું કહે છે ? 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો'. હવે લોક શું કહે છે ? 'આ તો પળાય એવું નથી.' પણ આ કરવાનું નથી. અલ્યા, શું કરવા ગાંડા કાઢે છે ! આ જગતમાં બધાએ કહ્યું કે, 'કરો, કરો, કરો'. અલ્યા, કરવાનું હોય જ નહીં, જાણવાનું જ હોય. અને પછી 'મારે આવું નથી કરવું અને તેનો હું પસ્તાવો કરું છું.' એમ 'દાદા ભગવાન' પાસે માફી માગવાની. હવે 'આ નથી કરવું' એવું કહ્યુંને, ત્યાંથી જ આપણો અભિપ્રાય જુદો પડી ગયો. પછી કરતો હોય તેનો વાંધો નથી. પણ અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો ! આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, તે જગતનાં લક્ષમાં હોય નહિને !

પ્રશ્નકર્તા : 'ડિસ્ચાર્જ'માં જ ફેરફાર માગે છે, પરિણામમાં ફેરફાર કરવા માગે છે આ લોકો ?

દાદાશ્રી : હા. એટલે જગતને આ લક્ષની ખબર જ નથી, આ ભાન જ નથી. હું એને અભિપ્રાયથી મુક્ત કરવા માગું છું. અત્યારે 'આ ખોટું છે' એવો તમારો અભિપ્રાય બેસી ગયો. કારણ કે પહેલા 'આ ખરું છે' એવો અભિપ્રાય હતો અને તેથી સંસાર ઊભો રહ્યો અને હવે 'એ ખોટું છે' એવો અભિપ્રાય થયો, તો મુક્ત થયો. હવે આ અભિપ્રાય બદલાવો ના જોઈએ, ફરી કોઈ પણ સંજોગમાં !

આ નવ કલમો રોજ બોલશોને, તો ધીમે ધીમે કોઈની સાથે ઝઘડા-તોફાન કશું નહીં રહે. કારણ કે પોતાનો ભાવ તૂટી ગયો છે. હવે જે 'રીએક્શનરી' છે, એવું એકલું જ રહ્યું છે. તે ધીમે ધીમે ઓછું થતું જાય.

મહાત્માઓ માટે, એ ચાર્જ કે ડિસ્ચાર્જ ?

પ્રશ્નકર્તા : ભાવ અને ભાવના એ બે વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : એ ચંદુભાઈમાં બેઉ આવી ગયું ! પણ ખરું કહે છે, ભાવ અને ભાવનામાં ડિફરન્સ છે.

પ્રશ્નકર્તા : ભાવના પવિત્ર હોય અને ભાવ તો સારો પણ હોય, ખરાબ પણ હોય.

દાદાશ્રી : ના. ભાવના પવિત્ર હોય એવું નહીં. ભાવના તો અપવિત્રનેય લાગુ થાય. કો'કનું મકાન બાળી મેલવાનીય ભાવના થાય અને કો'કનું મકાન બંધાવી આપવાનીય ભાવના થાય. એટલે ભાવના બેઉ બાજુ વપરાય, પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે.

આપણને જે મહીં થાય છે કે મારે આ આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે. એ પણ ભાવના છે, એ ભાવ નથી. ખરેખર ભાવ તો ચાર્જ હોય તે.

એટલે ભાવકર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય, તો પણ ભાવ તો રાખવો જ એવો. એ આપણે ત્યાં ભાવ ઉડાડી મેલ્યો છે. બહારના લોકોને ભાવકર્મ કરવું જોઈએ. એટલે શક્તિ માગવી જોઈએ. જેને જે જોઈતી હોય એ દાદા ભગવાનની પાસે શક્તિ માગવી જોઈએ.

પ્રશ્નકર્તા : બહારનાં જે જગતનાં લોકો છે, એને આ શક્તિ માગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માગે છે, ભાવના કરે છે એ શેમાં જાય ?

દાદાશ્રી : મહાત્માઓ માગે છે, એ ડિસ્ચાર્જમાં છે. કારણ કે ભાવના બે પ્રકારની છે, ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ. જગતના વ્યવહારમાં લોકોનેય ભાવના હોય અને આપણેય અહીં ભાવના હોય. પણ આ ડિસ્ચાર્જરૂપે છે આપણી. અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેઉ રૂપે ભાવના હોય. પણ શક્તિ માગવામાં નુકશાન શું છે ?

પ્રશ્નકર્તા : બહારના લોકો આ શક્તિઓ માગે નવ કલમોની, તો તે ભાવ કહેવાય તો મહાત્માઓ શક્તિ માગે તે ભાવ ના કહેવાય ?

દાદાશ્રી : બહારના લોકો માટે એ ભાવ કહેવાય અને આપણા મહાત્માઓ માટે આ ભાવના. વાત ખરી છે. પેલા ભાવ કહેવાય એ ચાર્જ કહેવાય. અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવ ના કહેવાય !

ભાવ, એકઝેક્ટ ડિઝાઈનપૂર્વક !

પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે, અભિપ્રાયથી ય છે.

દાદાશ્રી : પહેલાં કરતો હતો એ રીતે એવું લાગે ખરું પણ એ એવું હોતું નથી આ. એ બાજુ વલણ છે એ વાત નક્કી. પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ. ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ. વલણ તો હોય, સાધુ-સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઇચ્છા હોય જ ને ! પણ તે ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : ડિઝાઈનપૂર્વક એટલે કઈ રીતે, દાદા ?

દાદાશ્રી : એમાં જે લખ્યું છે એ પ્રમાણે, એકઝેક્ટનેસ. બાકી આમ તો સાધુ-સંતોને મારે હેરાન નથી કરવા એવું હોય, પણ છતાં એ હેરાન કરે છે જ. એનું કારણ શું છે ? ત્યારે કહે, ડિઝાઈનપૂર્વક નથી એનું. એ ડિઝાઈનપૂર્વક હોય તો ના થાય.

પ્રશ્નકર્તા : આ જે નવ કલમો છે એ સમજપૂર્વક જીવનમાં લાવવી જોઈએ ?

દાદાશ્રી : ના, એવું કશું સમજપૂર્વક લાવવાની નહીં. અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માગો ફક્ત. શક્તિ તમને એક્ઝેક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજપૂર્વક કરવાનું ના હોય. આ થાય જ નહીં, માણસ કરી શકે નહીં. સમજપૂર્વક, જો સમજીને કરવા જાયને તો થાય નહીં. કુદરતને સોંપી દેવાનું. એટલે 'હે દાદા ભગવાન, શક્તિ આપો.' શક્તિ ઇટસેલ્ફ ઊગે. પછી એક્ઝેક્ટ આવે.

બહુ ઊંચી વસ્તુ છે આ. સમજાય નહીં ત્યાં સુધી બહુ એવું જ !

શાથી એવું હું બોલ્યો હોઈશ કે શક્તિ માંગજો, શક્તિ આપો એમ ? પોતે કરી શકે નહીં ડિઝાઈન. મૂળ ડિઝાઈન શી રીતે કરી શકે ?! એટલે આ ઇફેક્ટ છે. શક્તિ જે આ માંગીએ છીએ એ કોઝ છે અને આવશે ઇફેક્ટ. તે ઇફેક્ટ પણ કોની મારફત આવે છે ? દાદા ભગવાનની મારફત ગોઠવેલી. ઇફેક્ટ ભગવાનના થ્રુ આવવી જોઈએ.

એટલે નવ કલમો પ્રમાણે શક્તિ માંગ માંગ કરે તો એની મેળે જ નવ કલમોમાં પછી રહે. નવ કલમમાં જ રહે પછી, ઘણા વર્ષે.

જગ સંબંધોથી છૂટવા માટે...

પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ?

દાદાશ્રી : ના, ના. આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય અનંત અવતારના બધાંની જોડે, એ હિસાબ છૂટી જવા માટે આપી છે. ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે.

એટલે એ નવ કલમો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે તાર જે બંધાયેલા છે, તે ઋણાનુબંધ તમને મોક્ષ કરવા દેતું નથી. તે આ તાર છૂટવા માટે નવ કલમો છે.

આ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને, એ બધા ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય.

પ્રશ્નકર્તા : દોષોનાં પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે ?

દાદાશ્રી : તમે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષનાં પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય, તેનાં પ્રતિક્રમણ તો રોજેય કરવાનાં.

આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય, તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય. એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારા દેશમાં જતાં રહેવાના ને !

વર્તી નવ કલમો જિંદગીભર દાદાને !

એવું છેને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે, તેને આવતે ભવ મનુષ્યપણું જતું નહીં રહે એની ગેરેન્ટી આપું છું. નહીં તો આજે એંસી ટકા મનુષ્યપણું રહે નહીં એવું થઈ ગયું છે.

આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.

પ્રશ્નકર્તા : અત્યારે તો અમે 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો.' એમ કરીને બોલીએ છીએ. તો આ નવ કલમો આપ કોને કહેતા હતા ?

દાદાશ્રી : એ 'દાદા ભગવાન' નહીં હોય, તે બીજું નામ હશે. પણ નામ હશે જ. તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ 'શુદ્ધાત્મા' કહો કે જે કહો તે. એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા.

ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ કલમો બોલે, બહુ થઈ ગયું ! નવ કલમોમાં એટલી બધી શક્તિ મૂકી છે. એટલી બધી ગજબની શક્તિ છે, પણ એ સમજાય નહીંને ! એ તો અમે સમજણ પાડીએ ત્યારે સમજાય. ને આની કિંમત સમજાયેલી કોને કહું કે મને આવીને એ કહે કે, 'આ નવ કલમો, મને બહુ ગમી' અને સમજવા જેવી છે બધી આ નવ કલમો.

આ નવ કલમો એ શાસ્ત્રમાં નથી. પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ, તે રીતે આ કલમો લખી છે. આ નવ કલમો પ્રમાણે અમારું વર્તન હોય, છતાં અમે ભગવાન ના ગણાઈએ. ભગવાન તો, મહીં ભગવાન છે તે જ ! બાકી, માણસ આવું વર્તી ના શકે.

ચૌદ લોકનો સાર છે આટલામાં. આ નવ કલમો લખી છે, એ ચૌદ લોકનો સાર છે. આખા ચૌદ લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આ મેં મૂક્યું છે. એટલે આ બધાં કેવા પુણ્યશાળી છે કે લિફ્ટમાં બેઠાં બેઠાં મોક્ષમાં જાય છે. હા, ફક્ત હાથ કાઢવાનો નહીં બહાર એટલી શરત !

આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય જ નહીંને, એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય.

વીતરાગ વિજ્ઞાનનો સાર !

અને આ ભાવના કરતી વખતે કેવું હોવું જોઈએ ? વાંચતી વખતે શબ્દેશબ્દ આમ દેખાવો જોઈએ. જો 'તમે વાંચતા હો' એવું 'દેખાય' તો તમે બીજી જગ્યાએ ગૂંથાયેલા નથી. આ ભાવના ભાવતી વખતે તમે બીજી જગ્યાએ ના હોવાં જોઈએ. અમે એક ક્ષણ પણ બીજી જગ્યાએ જતાં નથી. તે માર્ગ પર તમારે આવવું પડશે ને ? જે જગ્યાએ છીએ ત્યાં જ ! એ ભાવના ભાવે એટલે પૂર્ણ થવા માંડે. ભાવના તો એટલી જ કરવા જેવી છે.

હા, મન-વચન-કાયાની એકતાથી બોલો એ ભાવના. માટે આ ખાસ કરજો. માટે હવે તમે નવ કલમો તો ખાસ કરજો. આખા વીતરાગ વિજ્ઞાનનો સાર છે આ નવ કલમો ! અને પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન બધું એમાં આવી ગયું. આ આવી કલમ નીકળેલી નહીં કોઈ જગ્યાએ. જેમ આ બ્રહ્મચર્યનું પુસ્તક નીકળેલું નહીં, એમ આ કલમોય નહીં નીકળેલી. કલમો તો જો વાંચેને, એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે. લેવા જેવું છે.