ભોગવે એની ભૂલ
સંપાદકીય

કંઈ પણ ભૂલ વગર ભોગવવાનું આપણને આવે છે ત્યારે હ્રદય વારંવાર દ્રવી દ્રવીને પોકારે છે કે આમાં મારી શી ભૂલ ? મેં શું ખોટું કર્યું આમાં ? છતાં ય ઉત્તર મળતો નથી એટલે પછી મહીં રહેલા વકીલો વકીલાત કરવાની ચાલુ જ કરી દે કે મારી આમાં કંઈ જ ભૂલ નથી. આમાં તો સામાની જ ભૂલ છે ને ? છેવટે એવું જ મનાવી લે, જસ્ટીફાય કરાવી દે કે 'પણ એણે જો આવું ના કર્યું હોત તો પછી મારે આવું ખરાબ શું કામ કરવું પડત કે બોલવું પડત ?!' આમ પોતાની ભૂલ ઢાંકે ને સામાની જ ભૂલ છે એમ પૂરવાર કરે ! અને કર્મોની પરંપરા સર્જાય !

પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાન્યમાં સામાન્ય માણસને સર્વ રીતે સમાધાન કરાવે એવું એક જીવનોપયોગી સૂત્ર આપ્યું કે આ જગતમાં ભૂલ કોની ? ચોરની કે જેનું ચોરાય એની ? આ બેમાં ભોગવે છે કોણ ? જેનું ચોરાયું એ જ ભોગવે ને ! જે ભોગવે તેની ભૂલ ! ચોર તો પકડાશે ને ભોગવશે ત્યારે એની ભૂલનો દંડ આવશે, આજે પોતાની ભૂલનો દંડ આવી ગયો. પોતે ભોગવે પછી કોને દોષ દેવાનો રહે ? પછી સામો નિર્દોષ જ દેખાય. આપણા હાથથી ટી-સેટ તૂટે તો કોને કહીએ ? અને નોકરથી તૂટે તો ?! એના જેવું છે ! ઘરમાં, ધંધામાં, નોકરીમાં બધે જ 'ભૂલ કોની છે ?' ખોળવું હોય તો તપાસ કરી લેવી કે આમાં ભોગવે છે કોણ ? એની ભૂલ. ભૂલ છે ત્યાં સુધી જ ભોગવટો છે. જ્યારે ભૂલ ખલાસ થઈ જશે ત્યારે આ દુનિયાની કોઈ વ્યક્તિ, કોઈ સંયોગ પોતાને ભોગવટો આપી નહીં શકે.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી એ 'ભોગવે એની ભૂલ'નું વિજ્ઞાન ખૂલ્લું કર્યું છે, જે ઉપયોગમાં લેવાથી પોતાના ગૂંચવાડા પણ ઊકલી જાય તેવું અમૂલ્ય જ્ઞાનસૂત્ર છે !

ડૉ. નીરુબહેન અમીનના

જય સચ્ચિદાનંદ.

ભોગવે એની ભૂલ

કુદરતના ન્યાયાલયમાં....

આ જગતના ન્યાયાધીશ તો ઠેર ઠેર હોય છે પણ કર્મ જગતના કુદરતી ન્યાયાધીશ તો એક જ, 'ભોગવે એની ભૂલ.' આ એક જ ન્યાય છે. તેનાથી આખું જગત ચાલી રહ્યું છે અને ભ્રાંતિના ન્યાયથી સંસાર આખો ય ઊભો છે.

એક ક્ષણવાર જગત કાયદા વગર રહેતું નથી. ઈનામ આપવાનું હોય તેને ઈનામ આપે છે. દંડ આપવાનો હોય તેને દંડ આપે છે. પણ કાયદાની બહાર ચાલતું નથી, કાયદેસર જ છે. સંપૂર્ણ ન્યાયપૂર્વક જ છે. પણ સામાની દ્રષ્ટિમાં નહીં દેખાવાથી સમજાતું નથી. એ દ્રષ્ટિ નિર્મળ થશે ત્યારે ન્યાય દેખાશે. સ્વાર્થ દ્રષ્ટિ હોય, ત્યાં સુધી ન્યાય કેમ દેખાય ?

બ્રહ્માંડના સ્વામીને ભોગવવાનું કેમ ?

આ આખું જગત 'આપણી' માલિકીનું છે. આપણે 'પોતે' બ્રહ્માંડના માલિક છીએ ! છતાં આપણને દુઃખ ભોગવવું કેમ પડ્યું, તે ખોળી કાઢને ?! આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે, પણ ભૂલને લીધે બંધન ભોગવે છે !

આ પોતે જ ન્યાયાધીશ ને પોતે જ ગુનેગાર ને પોતે જ વકીલ, તે ન્યાય કઈ બાજુ લઈ જાય ? પોતાની બાજુ જ. પછી પોતે પોતાને ફાવતો જ ન્યાય કરે ને ! તે પોતે નિરંતર ભૂલો જ કરે. આમ ને આમ જીવ બંધાયા કરે છે. મહીંથી ન્યાયાધીશ બોલે છે કે તમારી ભૂલ થઈ છે. તે પાછો મહીંનો જ વકીલ વકીલાત કરે કે આમાં મારો શો દોષ ? એમ કરીને જાતે જ બંધનમાં આવે ! પોતાના આત્મહિત માટે જાણી લેવું જોઈએ કે, કોના દોષે બંધન છે. ભોગવે એનો જ દોષ. દેખીતી રીતે ચાલુ ભાષામાં અન્યાય છે પણ ભગવાનની ભાષાનો ન્યાય તો એમ જ કહે છે કે, 'ભોગવે તેની ભૂલ.' એ ન્યાયમાં તો બહારના ન્યાયાધીશનું કામ જ નહીં.

જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન લોકોના લક્ષમાં જ નથી અને જેનાથી ભટક ભટક કરવું પડે, એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, તેમાં ભૂલ કોની ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે ભોગવે છે કોણ ? 'ભોગવે તેની ભૂલ !' આ 'દાદા' એ જ્ઞાનમાં 'જેમ છે તેમ' જોયું છે કે, તેની જ ભૂલ છે.

સહન કરવાનું કે સમાવવાનું ?

લોકો સહનશક્તિ વધાવાનું કહે છે, પણ તે ક્યાં સુધી રહે ? જ્ઞાનની દોરી તો ઠેઠ સુધી પહોંચે. સહનશક્તિની દોરી ક્યાં સુધી પહોંચે ? સહનશક્તિ લિમિટવાળી છે. જ્ઞાન અનલિમિટેડ છે. આ 'જ્ઞાન' જ એવું છે કે કિંચિત્માત્ર સહન કરવાનું રહે નહીં. સહન કરવું એ તો લોખંડને આંખથી જોઈને ઓગાળવું. એટલે શક્તિ જોઈએ. જ્યારે જ્ઞાનથી કિંચિત્માત્ર સહન કર્યા વગર પરમાનંદ સાથે મુક્તિ ! પાછું સમજાય કે આ તો હિસાબ પૂરો થાય છે ને મુક્ત થવાય છે !

જે દુઃખ ભોગવે તેની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. એવો કોઈ જગતમાં કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે ! સરકારનો ય કાયદો ભોગવટો ના આપી શકે !

આ ચાનો પ્યાલો તમારી જાતે ફૂટે તો તમને દુઃખ થાય ? જાતે ફોડો તો તમારે સહન કરવાનું હોય ? અને જો તમારા છોકરાથી ફૂટે તો દુઃખ, ચિંતા ને બળતરા થાય. પોતાની જ ભૂલોનો હિસાબ છે એમ જ સમજાય તો દુઃખ કે ચિંતા થાય ? આ તો પારકાંના દોષ કાઢીને દુઃખ ને ચિંતા ઊભી કરે છે ને નરી બળતરા જ રાત-દહાડો ઊભી કરે છે અને ઉપરથી પોતાને એમ લાગે છે કે મારે બહુ સહન કરવું પડે છે.

પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખોને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.

પ્રશ્નકર્તા : આ થિયરી બરાબર સમજાય તો બધા પ્રશ્નોનું મનને સમાધાન રહે.

દાદાશ્રી : સમાધાન નહીં, એક્ઝેક્ટ એમ જ છે. આ ગોઠવી કાઢેલું નથી, બુદ્ધિપૂર્વકની વાત નથી, આ જ્ઞાનપૂર્વકનું છે.

આજે ગુનેગાર - લૂંટારુ કે લૂંટાનાર ?

આ સમાચારોમાં રોજ આવે કે, 'આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફલેટનાં બાઈસાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હું ય લૂંટાઈ જઈશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એનાં કરતાં તું તારે સહજમાં ફર્યા કરને ! તારો હિસાબ હશે તો લઈ જશે, નહીં તો કોઈ બાપો ય પૂછનાર નથી. માટે તું નિર્ભય થઈને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડાં ઓછાં પ્રમાણમાં ડાઈવોર્સ થાય છે, એ સારું છે. છતાં, વધારે ડાઈવોર્સ થવા માંડે તો બધાંની શંકાને સ્થાન મળે કે આપણે ય ડાઈવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય, ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપો ય ઉપરી નથી.

લૂંટનારો ભોગવે છે કે લૂંટાયેલો ભોગવે છે ? કોણ ભોગવે છે, તે જોઈ લેવું. બહારવટિયા મળ્યા ને લૂંટી લીધા, પછી રડવાનું નહીં ! આગળ પ્રગતિ માંડવાની !

જગત દુઃખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાંક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાંક એકલું દુઃખ જ ભોગવતા હોય છે, એ શાથી ? પોતે એવાં હિસાબ લાવ્યો છે તેથી.

'આ' એક જ શબ્દ ઘેર લખી રાખ્યો હોય ને તો ભોગવતી વખતે જાણજો કે આ ભૂલ કોની ? એટલે આ કેટલાંય ઘરોમાં મોટા અક્ષરે દિવાલો ઉપર લખેલું રાખે છે કે 'ભોગવે એની ભૂલ !' ભૂલાય જ નહીં ને પછી વાત !

આખી જિંદગી જો કોઈ માણસ આ શબ્દ વાપરે, યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુ કરવાની જરૂર નથી ને એ શબ્દ જ એને મોક્ષે લઈ જાય એવો છે.

અજાયબ વેલ્ડિંગ થયું આ !

'ભોગવે એની ભૂલ' એ તો બહુ મોટું વાક્ય કહેવાય. એ સંજોગાનુસાર કોઈ કાળના હિસાબે શબ્દોનું વેલ્ડિંગ થાય છે. વેલ્ડિંગ થયા સિવાય કામ ના આવે ને ! વેલ્ડિંગ થઈ જવું જોઈએ. એ શબ્દ વેલ્ડિંગ સાથે છે જ ! એનાં ઉપર તો મોટું પુસ્તક લખાય એટલો બધો એમાં સાર છે !

એક 'ભોગવે એની ભૂલ' આટલું કહ્યું, તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજું 'વ્યવસ્થિત' કહ્યું, તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય. જે પોતે દુઃખ ભોગવવું પડે છે, એ પોતાનો જ દોષ ! બીજાં કોઈનો દોષ નહીં. જે દુઃખ દે, એની ભૂલ નહીં. દુઃખ દે, એની ભૂલ સંસારમાં અને આ ભોગવે એની ભૂલ, એ ભગવાનને ત્યાંના કાયદામાં.

પ્રશ્નકર્તા : દુઃખ આપનારને ભોગવવું તો પડશે જ ને ?

દાદાશ્રી : પછી એ ભોગવે તે દહાડે એની ભૂલ ગણાશે. પણ આજે તમારી ભૂલ પકડાઈ.

ભૂલ બાપની કે બેટાની ?

એક બાપ છે, એનો છોકરો રાત્રે બે વાગે આવે. આમ પચાસ લાખની પાર્ટી, એકનો એક છોકરો ! બાપ છે તે રાહ જોઈને બેઠો હોય કે ભઈ આવ્યો કે નથી આવ્યો ?! ને ભઈ આવે ત્યારે લથડીયા ખાતો ખાતો ઘરમાં પેસે. તે બાપ પાંચ-સાત વખત કહેવા ગયાને, તે ચોપડેલી. એટલે આવતાં રહેલાં. પછી આપણા જેવાં કહેને, મેલોને પૈડ. મૂઆને પડી રહેવા દોને ! તમે તમારે સૂઈ જાવને નિરાંતે. 'છોકરો તો મારો ને !' કહેશે. લે ! જાણે એની સોડમાંથી ના નીકળ્યો હોય ?!

એટલે પેલો આવીને સૂઈ જાય. પછી મેં એમને પૂછયું, 'છોકરો ઊંઘી જાય છે, પછી તમે ઊંઘી જાવ છો કે નહીં ?' ત્યારે કહે, 'મને શી રીતે ઊંઘ આવે ?! આ ઢોંગરો દારૂ પીને આવીને, ઊંઘી જાય અને હું તો કંઈ ઢોંગરો છું ?' મેં કહ્યું, 'એ તો ડાહ્યો છે !' જો આ ડાહ્યા દુઃખ પામે છે ! તે પછી મેં એમને કહ્યું, 'ભોગવે એની ભૂલ. એ ભોગવે છે કે તમે ભોગવો છો ?' ત્યારે કહે, 'એ ભોગવું છું તો હું ! આખી રાત ઉજાગરો....' મેં કહ્યું, 'એની ભૂલ નથી. આ તમારી ભૂલ છે. તમે ગયા અવતારે ફટવ્યો છે, તેનું ફળ આ મળે છે. તમે ફટવેલોને, તે આ માલ તમને આપવા આવ્યો છે.' આ બીજા ત્રણ દીકરા સારા છે, એનો આનંદ તું કેમ નથી લેતો ? બધી આપણી જ ઊભી કરેલી મુશ્કેલીઓ છે. સમજવા જેવું છે આ જગત !

આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ પૂછયું, 'અલ્યા, તારા બાપાને તો બહુ દુઃખ થાય છે ને તને કશું દુઃખ નથી થતું ?' છોકરો કહે, 'મને શેનું દુઃખ ? બાપ કમાઈને બેઠા છે. એમાં મારે શેની ચિંતા ! હું તો મઝા કરું છું.'

એટલે આ બાપ-દીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ ! ભોગવે તેની ભૂલ. આ છોકરો જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય, એમાં એના ભાઈઓ નિરાંતે ઊંઘી ગયા છે ને ! એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ! અને અક્કરમી આ ડોસો એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? ત્યારે કહે, આ ડોસાએ આ છોકરાને પૂર્વભવમાં ફટવેલો. તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડ્યા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે અને છોકરો એની ભૂલ ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે, એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો !

પછી એ બાપને કહ્યું, હવે એને સવળું થાય એવો રસ્તો આપણે કર્યા કરવો. એને કેમ ફાયદો થાય, નુકસાન ના થાય એવો ફાયદો કર્યા કરવાનો. માનસિક ઉપાધિ નહીં કરવી. દૈહિક કામ એને માટે ધક્કા ખાવા, બધું કરવું. પૈસા આપણી પાસે હોય તો આપી છૂટવા, પણ માનસિકને સંભારવું નહીં.

નહીં તો ય આપણે ત્યાં તો કાયદો શો છે ? ભોગવે તેની ભૂલ છે. દીકરો દારૂ પીને આવ્યો ને નિરાંતે સૂઈ ગયો હોય ને તમને આખી રાત ઊંઘ ના આવે ત્યારે તમે મને કહો કે આ ઢોંગરાની પેઠે સૂઈ રહ્યો છે. અરે, તમે ભોગવો છો તે તમારી ભૂલ છે, એવું હું કહી આપું. એ ભોગવે ત્યારે એની ભૂલ.

પ્રશ્નકર્તા : મા-બાપ ભૂલ ભોગવે છે, એ તો મમતા અને જવાબદારી સાથે ભોગવે છે ને ?

દાદાશ્રી : એકલી મમતા ને જવાબદારી જ નહીં, પણ મુખ્ય કારણ ભૂલ એમની છે. મમતા સિવાય બીજાં પણ અનેક કૉઝીઝ હોય છે. પણ તું ભોગવું છું, માટે તારી ભૂલ છે. માટે કોઈનો દોષ કાઢીશ નહીં. નહીં તો આવતે ભવનો પાછો ફરી હિસાબ બંધાશે !

એટલે બેનાં કાયદા જુદેજુદાં છે. કુદરતના કાયદાને માન્ય કરશો તો તમારો રસ્તો સરળ થઈ પડશે અને સરકારના કાયદાને માન્ય કરશો તો ગૂંચાયા કરશો.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ ભૂલ એને પોતાને જડવી જોઈએ ને ?

દાદાશ્રી : ના, પોતાને જડે નહીં. પણ એ દેખાડનાર જોઈએ. એનો વિશ્વાસુ એવો હોવો જોઈએ. એક ફેરો ભૂલ દેખાઈ ગઈ, એટલે બે-ત્રણ વખતમાં એને અનુભવમાં આવે.

તેથી અમે કહેલું કે ના સમજણ પડે તો આટલું લખી રાખજો ઘેર કે ભોગવે એની ભૂલ. આપણને સાસુ બહુ પજવ પજવ કરતી હોય, રાતે ઊંઘ ના આવતી હોય, તે સાસુને જોવા જઈએ તો સાસુ ઊંઘી ગયા હોય, નાખોરા બોલતાં હોય તો ના સમજીએ કે આપણી ભૂલ છે. સાસુ તો નિરાંતે ઊંઘી ગઈ. ભોગવે એની ભૂલ. તમને એ વાત ગમી છે કે નહીં ? તો ભોગવે એની ભૂલ એટલું જ જો સમજાઈ જાય ને તો ઘરમાં એકુંય ઝઘડો રહે નહીં.

પહેલું તો જીવન જીવવાનું શીખો. ઘરમાં ઝઘડાં ઓછાં થાય. પછી બીજી વાત શીખવાની !

સામો ના સમજે તો શું ?

પ્રશ્નકર્તા : કેટલાંક એવા હોય છે કે આપણે ગમે તેટલું સારું વર્તન કરીએ તો ય તે સમજતાં નથી.

દાદાશ્રી : એ ના સમજતાં હોય તો એમાં આપણી જ ભૂલ છે કે એ સમજણવાળો કેમ ના મળ્યો આપણને ! આમનો જ સંયોગ આપણને કેમ બાઝયો ? જે જે વખતે આપણને કંઈ પણ ભોગવવું પડે છે, તે આપણી જ ભૂલનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : તો આપણે એમ સમજવાનું કે મારાં કર્મો એવાં છે ?

દાદાશ્રી : ચોક્કસ. આપણી ભૂલ સિવાય આપણને ભોગવવાનું હોય નહીં. આ જગતમાં એવું કોઈ નથી કે જે આપણને સહેજ પણ કિંચિત્માત્ર દુઃખ આપે અને જો કોઈ દુઃખ આપનાર છે, તો તે આપણી જ ભૂલ છે. તત્ત્વનો દોષ નથી, એ તો નિમિત્ત છે. માટે 'ભોગવે તેની ભૂલ'.

કોઈ સ્ત્રી અને પુરુષ બે જણ ખૂબ ઝઘડતાં હોય અને બેઉ સૂઈ ગયા પછી આપણે છાનામાના જોવા જઈએ તો પેલી બહેન તો ઘસઘસાટ ઊંઘતી હોય અને ભઈ આમ આમ પાસા ફેરવતા હોય તો આપણે સમજવું કે આ ભઈની ભૂલ છે બધી, આ બહેન ભોગવતી નથી. જેની ભૂલ હોય તે ભોગવે અને તે ઘડીએ જો ભઈ ઊંઘતા હોય ને બહેન જાગ્યા કરતા હોય તો જાણવું કે બહેનની ભૂલ છે. 'ભોગવે તેની ભૂલ.' આ તો બહુ ભારે 'સાયન્સ' છે, જગત આખું નિમિત્તને જ બચકાં ભરે છે.

આનો શું ન્યાય ?

આ જગત નિયમને આધીન ચાલી રહ્યું છે, ગપ્પું નથી આ. આનું રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ પણ છે અને નિરંતર આ વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે.

બસ સ્ટેન્ડ ઉપર કોઈ બાઈ ઊભી છે. હવે બસ સ્ટેન્ડ ઉપર ઊભું રહેવું એ કંઈ ગુનો કહેવાય ? એટલામાં સાઈડમાંથી એક બસ આવે છે, એ બસ અહીં બસ સ્ટેન્ડ ઉપર આવે છે, કારણ કે એ ડ્રાયવરના હાથમાંથી સ્ટીયરીંગ પરનો કાબૂ ગયો છે. એટલે આવીને ફૂટપાથ ઉપર ચઢીને એ બઈને કચડી નાખી અને બસ સ્ટેન્ડે ય તોડી નાખ્યું. ત્યાં પાંચસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. આ લોકોને કહીએ કે 'આનો ન્યાય કરો.' તો એ લોકો કહેશે કે, 'બિચારી આ બાઈ વગર ગુને મરી ગઈ. આમાં બાઈનો શો ગુનો ? આ ડ્રાઈવર નાલાયક છે.' તે પછી ચાર-પાંચ અક્કલવાળા બધા ભેગા થઈને કહે છે, 'આ બસવાળા કેવા ડ્રાઈવરો, આમને તો જેલમાં ઘાલવા જોઈએ. આમને આમ કરવા જોઈએ ! બાઈ બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહેલી, એમાં એનો શો ગુનો બિચારીનો ?' મેર ચક્કરો ! અલ્યા મૂઆ, ગુનો એનો તમે નથી જાણતા. એનો ગુનો હતો, તેથી તો એ મરી ગઈ. પછી આ ડ્રાયવરનો ગુનો તો હવે જ્યારે પકડાશે ત્યારે. આનો જ્યારે કેસ ચાલશે ને તે કેસ જો ફળ્યો, તો ફળ્યો. નહીં તો બિનગુનેગાર છોડી દેશે, માટે ગયું. એ બઈનો ગુનો આજ પકડાઈ ગયો. અલ્યા, હિસાબ વગર તો કોઈ મારતું હશે ? બાઈએ પાછલો હિસાબ ચૂકતે કર્યો. સમજી જવાનું, બાઈએ ભોગવ્યું તે બાઈની ભૂલ. પછી પેલો ડ્રાઈવર પકડાશે ત્યારે ડ્રાઈવ

ની ભૂલ. આજે પકડાયો તે ગુનેગાર.

પાછાં કેટલાંક લોકો શું કહે છે ? કે ભગવાન હોય તો આવું થાય જ નહીં. માટે ભગવાન જેવી કાંઈ વસ્તુ જ આ સંસારમાં નથી લાગતી, આ બાઈનો શો ગુનો હતો ? આ ભગવાન હવે છે જ નહીં આ દુનિયામાં ! લ્યો !! આ લોકોએ આવું તારણ કાઢ્યું ! અલ્યા, આવું શા સારું ? આ ભગવાનને શું કરવા વગોવો છો ? એમને ઘર ખાલી શું કરવા કરાવો છો ? ભગવાન પાસે ઘર ખાલી કરાવવા નીકળ્યા છે ! અલ્યા, આ ભગવાન ન હોત તો રહ્યું શું આ જગતમાં ? આ લોક શું જાણે કે ભગવાનનું ચલણ રહ્યું નથી. તે લોકોની ભગવાન ઉપરથી આસ્થા ઉડી જાય. અલ્યા, એવું નથી. આ બધા ચાલુ હિસાબ છે. આ એક અવતારના નથી. આજે એ બઈની ભૂલ પકડાઈ તેથી ભોગવવું પડ્યું. આ બધું ન્યાય છે એ બઈ ચગદાઈ ગઈ, એ તો ન્યાય છે. એટલે આ કાયદેસરનું છે આ જગત. તે આ ટૂંકી જ વાત કરવાની છે.

જો કદી આ ડ્રાઈવરની ભૂલ હોય તો સરકારનો કડક કાયદો હોય, એટલો બધો કડક કે ત્યાં ને ત્યાં એ માણસને ઊભો રાખી ગોળીબાર કરીને ત્યાં ને ત્યાં ખલાસ કરી નાખે. પણ આ તો ત્યાં સરકારે ય ના કહે. કારણ કે ખલાસ કરાય નહીં. ખરેખર ગુનેગાર નથી એ અને એણે પોતે ગુનો પાછો ઊભો કર્યો, તે ગુનો પાછો એ ભોગવશે ત્યારે. પણ તમને ગુનામાંથી મુક્ત કર્યા. તમે ગુનામાંથી મુક્ત થયા. એ ગુનાથી બંધાયો. એટલે આપણે સદ્બુદ્ધિ આપવાની કહી કે ગુનાથી બંધાઈશ નહીં.

એક્સિડન્ટ એટલે તો...

આ કળિયુગમાં એક્સિડન્ટ (અકસ્માત) અને ઈન્સિડન્ટ (ઘટના) એવાં હોય છે, તે માણસ મૂંઝાઈ જાય છે. એક્સિડન્ટ એટલે શું ? કે 'ટુ મેની કૉઝીઝ એટ એ ટાઈમ' (અસંખ્ય કારણો એક જ વખતે) અને ઈન્સિડન્ટ એટલે શું ? કે 'સો મેની કૉઝીઝ એટ એ ટાઈમ' (ઘણાં કારણો એક જ વખતે) તેથી જ અમે શું કહીએ છીએ કે 'ભોગવે તેની ભૂલ' અને પેલો તો પકડાશે, ત્યારે એની ભૂલ સમજાશે.

આ તો પકડાયો, તેને ચોર કહે છે. આ ઓફિસમાંથી એક જણને પકડે એને ચોર કહે, પણ તેથી કરીને શું ઓફિસમાં બીજા કોઈ ચોર નથી ?

પ્રશ્નકર્તા : બધા જ છે.

દાદાશ્રી : પકડાયા નથી ત્યાં સુધી શાહુકાર. કુદરતનો ન્યાય તો બહાર પાડ્યો જ નથી કોઈએ. તેથી ટૂંકો ને ટચને ! ઊકેલ તેથી આવે ને ! શોર્ટ કટ ! આ એક જ વાક્ય સમજવાથી સંસારનો બોજો ઘણો ખરો ઊડી જાય.

ભગવાનનો કાયદો તો શું કહે છે કે જે ક્ષેત્રે, જે કાળે, જે ભોગવે છે, તે પોતે જ ગુનેગાર છે. એમાં કોઈને, વકીલને ય પૂછવાની જરૂર નથી. આ કોઈનું ગજવું કપાય તો એ કાપનારની આનંદની પરિણતી હોય, એ તો જલેબી ખાતો હોય, હોટલમાં ચા-પાણી ને નાસ્તો કરતો હોય ને એ કાળે પેલો કે જેનું ગજવું કપાયું તે ભોગવતો હોય. માટે ભોગવનારની ભૂલ. એણે ક્યારેક પણ ચોરી કરી હશે, તો આજે પકડાયો માટે તે ચોર ને પેલો તો જ્યારે પકડાશે ત્યારે ચોર કહેવાશે.

હું તમારી ભૂલ ખોળવા રહું જ નહીં. જગત આખું સામાની ભૂલ જુએ છે. ભોગવે છે પોતે પણ ભૂલ સામાની જુએ છે. તે ઊલટાં ગુના ડબલ થતાં જાય છે અને વ્યવહાર ગૂંચવાડો પણ વધતો જાય છે. આ વાત સમજી ગયાં એટલે ગૂંચવાડો ઓછો થતો જાય.

મોરબીનુંં પૂર, શું કારણ ?

આ મોરબીમાં જે પૂર આવ્યું ને જે બન્યું, એ કોણે કર્યું, એ ખોળી કાઢો જોઈએ ? કોણે કર્યું આ ?

એટલે એક જ શબ્દ અમે લખ્યો છે કે આ દુનિયામાં ભૂલ કોની છે ? પોતાને સમજવા માટે એક વસ્તુને બે રીતે સમજવાની છે. ભોગવે તેની ભૂલ એક રીતે ભોગવનારને સમજવાની છે અને જોનારે 'હું એને મદદ કરી શકતો નથી, મારે મદદ કરવી જોઈએ.' એવી રીતે જોવાનું છે.

આ જગતનો નિયમ એવો છે કે આંખે દેખે, તેને ભૂલ કહે છે અને કુદરતનો નિયમ એવો છે કે કોણ ભોગવે છે, તેની ભૂલ છે.

અસર થાય ત્યાં... જ્ઞાન કે બુદ્ધિ ?

પ્રશ્નકર્તા : છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર ના થાય એની, તો એ જડતા કહેવાય ?

દાદાશ્રી : અસર ના થાય, એનું નામ જ જ્ઞાન.

પ્રશ્નકર્તા : અને અસર થાય, એને શું કહેવાય ?

દાદાશ્રી : એ બુદ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુદ્ધિથી ઈમોશ્નલ થાય. પણ ધોળવાનું કશું ય નહીં.

આ અહીં આગળ છે તે, ત્યાંથી બધા આવતા'તા, બોમ્બ નાખવા માટે પાકિસ્તાનથી, તે આપણા લોકો, પેપરમાં વાંચે કે ત્યાં આગળ આમ પડ્યું તો અહીં ગભરામણ થાય. આ બધી જે અસરો કરે છે, એ એમની બુદ્ધિ છે ને બુદ્ધિ જ આ સંસાર ઊભો કરે છે. જ્ઞાન અસરમુક્ત રાખે, પેપર વાંચે, છતાં અસરમુક્ત રહે. અસરમુક્ત એટલે આપણને અડે નહીં. આપણે તો જાણવાનું-જોવાનું જ છે.

આ પેપરને શું કરવાનું ? જાણવાનું અને જોવાનું, બસ ! જાણવાનું એટલે ખુલ્લું જે વિગતવાર લખ્યું હોય, એનું નામ જાણ્યું કહેવાય અને વિગતવાર ના હોય ત્યારે એ જોયું કહેવાય. એમાં કોઈનો દોષ છે નહીં.

પ્રશ્નકર્તા : કાળનો દોષ ખરોને !

દાદાશ્રી : કાળનો ય દોષ શેનો ? ભોગવે એની ભૂલ. કાળ તો ફર્યા જ કરવાનો ને ? કંઈ સારા કાળમાં નહોતા આપણે ? ચોવીસ તીર્થંકર હતા ત્યારે નહોતાં આપણે ?

પ્રશ્નકર્તા : હતા.

દાદાશ્રી : તો તે દહાડે આપણે ચટણી ખાવામાં પડી રહ્યા. એમાં કાળ શું કરે બિચારો ! કાળ તો એની મેળે આવ્યા જ કરવાનો ને ! દહાડે કામ ના કરીએ તો રાત આવીને ઊભી રહે કે ના રહે ?

પ્રશ્નકર્તા : રહે.

દાદાશ્રી : પછી રાતે બે વાગે ચણા લેવાં મોકલીએ, ડબલ ભાવ આપીએ તો ય કોઈ આપે ?

લોકોને લાગે, આ ઊંધો ન્યાય !

હમણે એક સાઈકલવાળો જાય છે, તે પોતાના રાઈટ વે(સાચા રસ્તા) ઉપર છે અને એક સ્કૂટરવાળો ઊંધે રસ્તે આવ્યો, રોંગ વે(ખોટા રસ્તા)થી અને પેલાનો પગ તોડી નાખે. હવે ભોગવવાનું કોને આવ્યું ?

પ્રશ્નકર્તા : સાઈકલવાળાને. જેનો પગ તૂટ્યો હોય એને.

દાદાશ્રી : હા. આ બે જણમાં કોને ભોગવવું પડે છે આજે ? ત્યારે કહે, પગ તૂટ્યો તેને. એને આજે આગળનો હિસાબ મળ્યો, આ સ્કૂટરવાળાના નિમિત્તે. હવે પેલાને અત્યારે કશું દુઃખ નથી. એ તો જ્યારે પકડાશે ત્યારે એનો ગુનો જાહેર થશે. પણ જે ભોગવે એની ભૂલ.

પ્રશ્નકર્તા : જેને વાગ્યું, એનો શું ગુનો ?

દાદાશ્રી : એનો ગુનો, આગળનો હિસાબ એનો, તે આજે ચોખ્ખો થયો. કોઈ પણ હિસાબ વગર કોઈને પણ કંઈ પણ દુઃખ ના થાય. હિસાબ ચોખ્ખા થાય ત્યારે દુઃખ થાય. આ એનો હિસાબ આવ્યો, તેથી પકડાયો. નહીં તો આટલી બધી દુનિયા પકડાતી નથી. તમે કેમ નીડર થઈને ફરો છો ? ત્યારે કહે, આપણો હિસાબ હશે તો થશે. નહીં હિસાબ હોય તો શું થવાનું ? એવું કહે છે ને આપણા લોકો ?

પ્રશ્નકર્તા : ભોગવવું ના પડે, એને માટેનો શો ઉપાય ?

દાદાશ્રી : મોક્ષમાં જવાનું. કિંચિત્માત્ર કોઈને દુઃખ ના આપીએ, પોતે દુઃખ જમે કરી લઈએ કો'ક આપે તે, તો ચોપડા આપણા ચોખ્ખા થઈ જાય. કોઈને આપીએ નહીં, નવો વેપાર શરુ કરીએ નહીં અને જૂનો હોય તે માંડવાળ કરી દઈએ, તો ચૂકતે થઈ જાય.

પ્રશ્નકર્તા : તો જેનો પગ ભાંગ્યો એ ભોગવનારે એમ માનવાનું કે મારી ભૂલ છે, એટલે એણે પેલા સ્કૂટરવાળા સામે કંઈ કરવું જ નહીં જોઈએ ?

દાદાશ્રી : કરવું નહીં જોઈએ, એવું નહીં. આપણે શું કહીએ છીએ કે માનસિક પરિણામ ના બદલાવા જોઈએ. વ્યવહારિક જે થતું હોય, તે થવા દો પણ માનસિક રાગ-દ્વેષ ના થવાં જોઈએ. જેને 'મારી ભૂલ છે' એવું સમજાય છે, તો એને રાગ-દ્વેષ ના થાય.

વ્યવહારમાં આપણને પોલીસવાળો કહેશે કે નામ લખાવો તો આપણે લખાવવું પડે. વ્યવહાર બધો કરવો પડે પણ નાટકીય, ડ્રામેટીક, રાગ-દ્વેષ નહીં કરવાના. આપણને 'આપણી ભૂલ છે' એવું સમજાયું પછી, એ સ્કૂટરવાળા બિચારાનો શો દોષ ? આ જગત તો ઊઘાડી આંખે જુએ છે, એટલે એને પૂરાવા તો આપવા પડેને, પણ આપણને એની પ્રત્યે રાગ-દ્વેષ ના હોવાં જોઈએ. કારણ કે એની ભૂલ છે જ નહીં, આપણે એવો આરોપ કરીએ છીએ કે એની ભૂલ છે, એ તમારી દ્રષ્ટિથી અન્યાય દેખાય છે. પણ ખરેખર તમારી દ્રષ્ટિનો ફેર હોવાથી અન્યાય દેખાય છે.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : કોઈ તમને દુઃખ દેતો હોય તો એની ભૂલ નથી. પણ તમે જો દુઃખ ભોગવતા હોય તો તમારી ભૂલ. આ કુદરતનો કાયદો. જગતનો કાયદો કેવો ? દુઃખ દે, એની ભૂલ.

આ ઝીણી વાત સમજે તો ફોડ પડેને, તો માણસનો ઉકેલ થાય.

ઉપકારી, કર્મમાંથી મુક્ત કરાવનારા !

આ તો એના મનમાં અસર થઈ જાય કે, મારા સાસુ મને પજવે છે. એ રાત-દહાડો યાદ રહે કે ભૂલી જાય ?

પ્રશ્નકર્તા : યાદ રહે જ.

દાદાશ્રી : રાત-દહાડો યાદ રહે. એટલે પછી શરીર પર અસર થાય બધી. એટલે બીજી સારી વસ્તુ પેસે નહીં પછી. એટલે એને શું સમજણ પાડીએ ? કે આને સારી સાસુ મળી ? આને ય કેમ સારી સાસુ મળી ? તમને કેમ આવી મળી ? આ પૂર્વભવનો તમારો હિસાબ છે, એ ચૂકતે કરો. તો કેવી રીતે ચૂકતે થાય એ બતાડીએ. તો એ સુખી થઈ જાય. કારણ કે દોષિત એની સાસુ નથી. ભોગવે છે એની ભૂલ છે. એટલે સામાનો દોષ ઉડી જાય.

કોઈનો દોષ નથી. દોષ કાઢનારાનો દોષ છે. જગતમાં દોષિત કોઈ છે જ નહીં. સહુ સહુના કર્મના ઉદયથી છે. બધા ભોગવી રહ્યા છે, તે આજે ગુનો કરતો નથી. ગયા અવતારના કર્મના ફળમાંથી આ થાય છે બધું. આજ તો એને પસ્તાવો થતો હોય પણ પેલું થઈ ગયું હોય, કોન્ટ્રેક્ટ થઈ ગયો હોયને, કોન્ટ્રેક્ટ કરી નાખેલો એટલે શું થાય ? થયે જ છૂટકો છે.

આ દુનિયામાં જો તમારે કદિ કોઈની ભૂલ ખોળી કાઢવી હોય તો જે ભોગવે છે, તેની ભૂલ છે. વહુ સાસુને દુઃખ દે છે કે સાસુ વહુને દુઃખ દે છે, એમાં કોને ભોગવવું પડે છે ? સાસુને. તો સાસુની ભૂલ છે. સાસુ વહુને દુઃખ દેતી હોય, તો વહુએ એટલું સમજી જવું જોઈએ કે મારી ભૂલ. આ દાદાના જ્ઞાનના આધારે સમજી જવું કે ભૂલ હશે, તેથી જ આ ગાળો દે છે. એટલે સાસુનો દોષ નહીં કાઢવો જોઈએ. આ સાસુનો દોષ કાઢવાથી ગૂંચાયું વધારે. કોમ્પ્લેક્સ થયા કરે છે અને સાસુને વહુ પજવતી હોય તો સાસુએ દાદાના જ્ઞાનથી સમજી જવું જોઈએ કે ભોગવે એની ભૂલ, એ હિસાબે મારે નભાવી લેવું જોઈએ.

સાસુ વહુને વઢે તો ય વહુ સુખમાં હોય અને સાસુને જ ભોગવવાનું હોય ત્યારે ભૂલ સાસુની જ ! જેઠાણીને સળી કરીને ભોગવવું પડે તે આપણી ભૂલ અને સળી ના કરી છતાં ય એ આપવા આવે તો તે પાછલાં ભવનું કશુંક બાકી હશે, તે ચૂકવવા આપ્યું. ત્યારે તમે પાછી ફરીથી ભૂલ ના કરતાં, નહીં તો ફરીથી ભોગવવું પડશે ! માટે છૂટવું હોય તો જે જે કંઈ કડવું-મીઠું આવે (ગાળો વગેરે), તે જમે કરી લેજો. હિસાબ ચૂક્તે થઈ જશે. આ જગતમાં હિસાબ વગર તો આંખે ય ભેગી ના મળે ! તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ? તમે જેટલું જેટલું જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું તમને તે પાછું આપશે ત્યારે તમે જમે કરી લેજો ખુશ થઈને, કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું પડશે જ !

આપણે 'ભોગવે એની ભૂલ' બહાર પાડ્યું છે, લોકો બહુ અજાયબી માને છે કે ખરી શોધખોળ છે આ.

ગીઅરમાં આંગળી, કોની ભૂલ ?

જે કડવાટ ભોગવે તે જ કર્તા. કર્તા તે જ વિકલ્પ. આ મશીનરી હોય તે પોતે બનાવેલી હોય અને તેમાં ગીઅર વ્હીલ હોય, તેમાં પોતાની આંગળી આવી જાય તો તે મશીનને તમે લાખ કહો કે ભાઈ, મારી આંગળી છે, મેં જાતે તને બનાવ્યું છે ને ! તો શું એ ગીઅર વ્હીલ આંગળી છોડે ? ના છોડે. એ તો તમને સમજાવી જાય છે કે ભાઈ, આમાં મારો શો દોષ ? તે ભોગવ્યું માટે તારી ભૂલ ! આવી જ બહાર બધે ય ચાલતી મશીનરી માત્ર છે. આ બધા ય ગીઅર માત્ર છે. ગીઅર ના હોત તો આખા મુંબઈ શહેરમાં કોઈ બાઈ તેના ધણીને દુઃખ ના દેત અને કોઈ ધણી તેની બૈરીને દુઃખ ના દેત. પોતાનું ઘર તો બધાં ય સુખમાં જ રાખત, પણ એમ નથી. આ છોકરાં-બોકરાં, ધણી-બૈરી બધાં જ મશીનરી માત્ર જ છે, ગીઅર માત્ર છે.

ડુંગરાને વળતો પથરો મરાય ?

પ્રશ્નકર્તા : કોઈ પથરો તમને મારે ને વાગ્યું તો એનાથી આપણને ઈજા થાય અને વધારે ઉદ્વેગ થાય.

દાદાશ્રી : ઈજા થાય છે એટલે ઉદ્વેગ આવે, નહીં ? અને ડુંગર ઉપરથી ઢેખાળો ગબડતો ગબડતો માથા ઉપર પડે, ને લોહી નીકળ્યું તો ?

પ્રશ્નકર્તા : એ પરિસ્થિતિમાં કર્મના આધીનથી આપણને વાગવાનું હશે તો વાગી ગયું, માનીએ.

દાદાશ્રી : પણ ડુંગર ઉપર એને ગાળ ના ભાંડો ? ગુસ્સો ના કરો તે ઘડીએ ?

પ્રશ્નકર્તા : એમાં ગુસ્સો આવવાનું કારણ આવતું નથી. કારણ કે સામે કોણે કર્યું, એને આપણે ઓળખતા નથી.

દાદાશ્રી : કેમ ત્યાં ડહાપણ આવે છે ?! સહજ ડહાપણ આવે કે ના આવે ? એવું આ બધા ડુંગરો જ છે. આ હંમેશાં ય ઢેખાળો નાખે છે, ગાળો ભાંડે છે, ચોરીઓ કરે છે, એ બધા ડુંગરો જ છે, ચેતન નથી. આ એ સમજાઈ જાય તો કામ નીકળી જાય.

ગુનેગાર દેખાય છે, તે તમારી જોડે ક્રોધ-માન-માયા-લોભ, મહીં જે શત્રુઓ છે ને, તે દેખાડે છે. પોતાની દ્રષ્ટિથી ગુનેગાર નથી દેખાતો, ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ ગુનેગાર દેખાડનાર છે જ નહીં ને એને કોઈ ગુનેગાર દેખાતું ય નથી. ખરી રીતે ગુનેગાર જેવું કોઈ છે જ નહીં. આ તો ક્રોધ-માન-માયા-લોભ પેસી ગયા છે અને તે 'હું ચંદુભાઈ છું' એ માનવાથી પેસી ગયા છે. એ 'હું ચંદુભાઈ છું'ની માન્યતા છૂટી ગઈ એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહેશે. છતાં ઘર ખાલી કરતાં એમને જરા વાર લાગે. બહુ દહાડાનાં પેસી ગયેલાં ને !

આ તો સંસ્કારી રિવાજો !

પ્રશ્નકર્તા : એક તો પોતે દુઃખ ભોગવતો હોય, હવે એ પોતાની ભૂલથી ભોગવે છે. ત્યાં પછી બીજાં લોકો બધા દોઢડાહ્યા થઈને આવે, અરે, શું થયું, શું થયું ? પણ આમાં એમ કહેવાય કે એને આમાં શું લાગે-વળગે છે ? પેલો એની ભૂલથી ભોગવે છે. તમારાથી એનું દુઃખ લઈ લેવાતું નથી.

દાદાશ્રી : એવું છે ને, જે પૂછવા આવે છે ને. આ જે બધા જોવા આવે છે તે, એ આપણા બહુ ઊંચામાં ઊંચા સંસ્કારનાં નિયમનાં આધારે આવે છે. એ જોવાં જવું એટલે શું છે ? ત્યાં જઈને પેલા માણસને પૂછે, 'કેમ છો ભાઈ, હવે તમને કેમ લાગે છે ?' ત્યારે પેલો કહેશે, 'સારું છે હવે.' પેલાના મનમાં એમ થાય કે ઓહોહો.... મારી આટલી બધી વેલ્યુ, કેટલાં બધા લોક મને જોવા આવે છે. એટલે પોતાનું દુઃખ ભૂલી જાય.

ગુણાકાર-ભાગાકાર !

સરવાળા ને બાદબાકી, એ બેઉ નેચરલ એડજસ્ટમેન્ટ છે અને ગુણાકાર-ભાગાકાર આ મનુષ્યો બુદ્ધિથી કર્યા કરે છે. એટલે રાત્રે સૂઈ જાવ પછી મનમાં વિચારે કે આ પ્લોટ બધા મોંઘા પડી જાય છે, માટે અમુક જગ્યાએ સસ્તા છે તે લઈશું આપણે. તે ગુણાકાર કરતો હોય મહીં. એટલે સુખના ગુણાકાર કરે અને દુઃખના ભાગાકાર કરે. એ સુખના ગુણાકાર કરેને એટલે ફરી છે તે ભયંકર દુઃખો પ્રાપ્ત થાય અને દુઃખના ભાગાકાર કરે છતાં દુઃખ ઘટતાં નથી ! સુખના ગુણાકાર કરે ખરાં કે નહીં ?! આવું હોય તો સારું, આવું હોય તો સારું, કરે કે ના કરે ?! અને આ પ્લસ-માઈનસ થાય છે. ધીસ ઈઝ નેચરલ એડજસ્ટમેન્ટ. એ જે બસો રૂપિયા ખોવાઈ થઈ ગયા અગર તો પાંચ હજારનું ધંધામાં નુકસાન થઈ ગયું, માઈનસ થઈ ગયું, એ નેચરલ એડજસ્ટમેન્ટ છે. પેલા બે હજાર રૂપિયા ગજવામાંથી કાપીને લઈ ગયા, એ પણ નેચરલ એડજસ્ટમેન્ટ છે ! ભોગવે એની ભૂલ, આ ગેરન્ટીથી અમે જોઈને કહીએ છીએ.

પ્રશ્નકર્તા : એમ કહે છે સુખનાં ગુણાકાર કરે છે, એમાં ખોટું શું ?

દાદાશ્રી : ગુણાકાર કરવા હોય તો દુઃખનાં કરજો, સુખના કરશો તો ભયંકર આફતમાં આવી જશો. ગુણાકાર કરવાનો શોખ હોય તો દુઃખનાં કરજો કે એક ભઈને ધોલ મારી, તે એણે મને બે મારી તો સારું થયું, આવું બીજો કોઈ મારનાર મળે તો સારું. એટલે આપણું જ્ઞાન વધતું જાય. પણ જો દુઃખના ગુણાકાર ના ફાવે તો બંધ રાખજો, પણ સુખના ગુણાકાર તો ના જ કરજો !

બન્યા પ્રભુના ગુનેગાર !

ભોગવે એની ભૂલ. એ ભગવાનની ભાષા ! અને અહીં ચોરી કરી ગયો, એને લોક ગુનેગાર ગણે. કોર્ટો હઉ, ચોરી કરે તેને જ ગુનેગાર ગણે.

એટલે આ બહારના ગુનાઓ અટકાવવા માટે લોકોએ અંદરના ગુના ચાલુ કર્યા. જે ભગવાનના ગુનેગાર થાય, એ ગુના ચાલુ કર્યા. અલ્યા મૂઆ, ભગવાનનો ગુનેગાર ના થઈશ. આ ગુનો થાય તો કશો વાંધો નહીં. બે મહિના જેલમાં જઈને પાછું અવાશે. પણ ભગવાનનો ગુનેગાર તું ના થઈશ. આપને સમજાયું ને આ ? આ વાત, જો ઝીણી વાત સમજાઈ જાય તો કામ નીકળી જાય. આ ભોગવે એની ભૂલ તો ઘણાં માણસોને સમજાઈ ગઈ. કારણ કે આ બધા કંઈ જેવાં તેવાં છે, બહુ વિચારશીલ લોકો છે. આપણે એક ફેરો સમજણ પાડી દીધી. હવે સાસુને વહુ દુઃખ દે દે કરતી હોય તો સાસુએ એક શબ્દ સાંભળ્યો હશે કે 'ભોગવે એની ભૂલ', એટલે વારે ઘડીએ દુઃખ દેતી હોય તો તરત જ એ સમજી જાય કે મારી ભૂલ હશે ત્યારે જ એ દે છેને ? તો એ નિવેડો આવશે, નહીં તો નિવેડો નહીં આવે ને વેર વધ્યા કરશે.

સમજાવું અઘરું છતાં વાસ્તવિકતા !

બીજા કોઈની ભૂલ છે નહીં. જે કંઈ ભૂલ છે, તે ભૂલ આપણી જ છે. આપણી ભૂલને લઈને આ બધું ઊભું રહ્યું છે. આનો આધાર શું ? ત્યારે કહે, આપણી ભૂલ.

પ્રશ્નકર્તા : મોડું મોડું પણ સમજાય.

દાદાશ્રી : મોડું સમજાયને તે બહુ સારું. એક બાજુ ગાતર ઢીલાં થતાં જાય ને પાછું સમજાતું જાય. કેવું કામ નીકળી જાય ! અને ગાતર મજબૂત હોય, તે ઘડીએ સમજાયું હોય તો ? મોડું મોડું સમજાયું, પણ ?

અમે 'ભોગવે એની ભૂલ' આપ્યું છે ને, તમામ શાસ્ત્રોનો સાર આપ્યો છે. તે મુંબઈમાં જશો તો હજારો ઘરોમાં મોટા અક્ષરે 'ભોગવે એની ભૂલ' લખેલું હોય છે. એટલે પ્યાલા પડી જાય તે ઘડીએ, છોકરા સામાસામી જોઈ લે. હેં મમ્મી, તારી જ ભૂલ છે. છોકરા હઉ સમજી જાય, હંકે ! મમ્મીને કહે, 'તારું મોઢું પડી ગયંુ છે. એ તારી ભૂલ છે !' કઢી ખારી થઈ એટલે આપણે જોઈ લેવાનું કે કોનું મોઢું બગડ્યું ? હા, તારી ભૂલ છે. દાળ ઢળી ગઈ તો જોવાનું, કોનું મોઢું બગડ્યું ? તો એની ભૂલ છે. શાક તીખું થઈ ગયું એટલે આપણે મોઢાં જોઈ લેવાં કે કોનું મોઢું બગડ્યું ? તો એની ભૂલ છે આ. આ ભૂલ કોની છે ? ભોગવે એની ભૂલ !!

સામાનું મોઢું તમને ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ. ત્યારે તેનાં 'શુધ્ધાત્મા'ને સંભારી એનાં નામની માફી માગ માગ કરીએ તો ઋણાનુબંધમાંથી છૂટાય.

વાઈફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે, તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ વીતરાગ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !

પોતાની ભૂલના જ માર ખાય છે. પથ્થર નાખ્યો તેની ભૂલ નહીં, જેને વાગ્યો તેની ભૂલ ! તમારી આજુબાજુનાં છોકરાં-છૈયાંની ગમે તે ભૂલો કે કુકૃત્યો હશે પણ તમને તેની અસર થશે નહીં, તો તમારી ભૂલ નહીં અને તમને અસર થાય તો તમારી એ ભૂલ એવું નક્કી સમજી લેજો !

જમા-ઉધારની નવી રીત !

બે માણસ મળે ને લક્ષ્મીચંદ પર આરોપ આપે કે તમે મારું ખોટું કર્યું છે. તો લક્ષ્મીચંદને રાતે ઊંઘ ના આવે, ને પેલો નિરાંતે ઊંઘી ગયો હોય. માટે ભૂલ લક્ષ્મીચંદની. પણ દાદાનું વાક્ય 'ભોગવે તેની ભૂલ' યાદ આવ્યું તો લક્ષ્મીચંદ નિરાંતે સૂઈ જશે, નહીં તો પેલાને કેટલીય ગાળો ભાંડશે !

આપણે કોઈ સુલેમાનને પૈસા આપ્યા હોય અને તે પછી છ મહિના સુધી સુલેમાન પૈસા પાછા આપે નહીં, તો ? અલ્યા, આપ્યું કોણે ? તારા અહંકારે. એણે પોષણ આપ્યું તેથી તેં દયાળુ થઈને પૈસા આપ્યા, માટે હવે માંડ વાળ કર સલિયાને ખાતે અને અહંકાર ખાતે ઉધાર.

આવું પૃથ્થકરણ તો કરો !

જેનો વધારે દોષ તે જ આ જગતમાં માર ખાય છે. માર કોણ ખાય છે ? તે જોઈ લેવું. જે માર ખાય છે, તે જ દોષિત છે.

ભોગવ્યું એના પરથી હિસાબ નીકળી જાય કે કેટલી ભૂલ હતી ! ઘરમાં દસ માણસો હોય, તેમાં બેને ઘર કેમ ચાલતું હશે તેનો વિચાર સરખો ય નથી આવતો, બેને ઘરમાં હેલ્પ કરીએ તેવો વિચાર આવે છે, ને બે જણા હેલ્પ કરે છે અને એક તો આખો દહાડો ઘર શી રીતે ચલાવવું તેની જ ચિંતામાં રહે છે અને બે જણ આરામથી ઊંઘે છે. તે ભૂલ કોની ? મૂઆ, ભોગવે એની જ, ચિંતા કરે એની જ. જે આરામથી ઊંઘે છે, તેને કશું જ નહીં !

ભૂલ કોની છે ? ત્યારે કહે કે કોણ ભોગવી રહ્યું છે, એની તપાસ કરો. નોકરના હાથે દસ પ્યાલા ફૂટી ગયાં તો એની અસર ઘરનાં માણસો પર પડે કે ના પડે ? હવે ઘરનાં માણસોમાં છોકરાં હોય, તેમને તો કંઈ ભોગવવાનું હોય નહીં. એનો બાપો ને મમ્મી અકળાયા કરે. એમાં મમ્મી પણ થોડીવારે નિરાંતે ઊંઘી જાય પણ બાપો ગણતરી કર્યા કરે. દાયે પાંચે પચાસ, આટલા રૂપિયા થયા ! એ એલર્ટ, એટલે એને વધારે ભોગવવાનું. એના પરથી ભોગવે તેની ભૂલ.

ભૂલને આપણે ખોળવા ના જવું પડે. મોટાં જજો ને વકીલોને ય ખોળવા ના જવું પડે. એના કરતાં આ વાક્ય આપ્યું, એ થર્મોમિટર કે ભોગવે એની ભૂલ. એ જો એટલું પૃથ્થકરણ કરતો કરતો આગળ વધે તો સીધો મોક્ષે જાય.

ભૂલ ડૉકટરની કે દર્દીની ?

ડૉકટરે દર્દીને ઈન્જેકશન આપ્યું, પછી ડૉક્ટર ઘેર જઈને નિરાંતે ઊંઘી ગયો ને પેલાને તો ઈન્જેકશન આખી રાત દુઃખ્યું, માટે આમાં ભૂલ કોની ? દર્દીની ! ને ડૉકટર તો જ્યારે એની ભૂલ ભોગવશે, ત્યારે એની ભૂલ પકડાશે.

બેબીને માટે ડૉકટર બોલાવીએ અને ડૉકટર આવીને જુએ કે નાડી ચાલતી નથી, એટલે ડૉકટર શું કહેશે ? 'મને શું કામ બોલાવ્યો ?' અલ્યા, તે હાથ અડાડ્યો તે જ ઘડીએ ગઈ. નહીં તો નાડી તો આમ ચાલતી'તી. પણ પાછો ડૉકટર ટૈડકાવે ને પાછો ફીના દસ રૂપિયા લઈ જાય. અલ્યા, ટૈડકાવાનો હોઉં તો પૈસા ના લઈશ ને પૈસા લઉં છું તો ટૈડકાવીશ નહીં. પણ ના, ફી તો લેવાની ને ! તે પૈસા આપવા પડે. આવું જગત છે. માટે ન્યાય ખોળશો નહીં આ કાળમાં !

પ્રશ્નકર્તા : આવું ય બને, મારી પાસે દવા લે અને મને ટૈડકાવે.

દાદાશ્રી : હા. એવું ય બને. છતાં સામાને ગુનેગાર ગણશો તો તમે ગુનેગાર થશો. અત્યારે કુદરત ન્યાય જ કરતી રહી છે.

ઓપરેશન કરતાં પેશન્ટ મરી ગયો તો ભૂલ કોની ?!

ચીકણી માટીમાં બૂટ પહેરીને ફરે ને લપસે તેમાં દોષ કોનો ? મૂઆ, તારો જ ! સમજણ નહોતી પડતી કે ઊઘાડા પગે ફરીએ તો આંગળા ભરાય ને પડાય નહીં ! આમાં દોષ કોનો ? માટીનો, બૂટનો કે તારો ?! ભોગવે તેની ભૂલ ! એટલું જો પૂરેપૂરું સમજાયને તો ય એ મોક્ષે લઈ જાય ! આ જે લોકોની ભૂલ જુએ છે, એ તો સાવ ખોટું છે. પોતાની ભૂલને લઈને નિમિત્ત મળે છે. આ તો પાછું જીવતું નિમિત્ત મળે તો તેને બચકાં ભરે ને આ કાંટો વાગ્યો હોય તો શું કરે ? ચાર રસ્તા પર કાંટો પડ્યો હોય ને હજારો માણસો જાય પણ કોઈને ય અડે નહીં, પણ ચંદુભાઈ જાય, તે કાંટો વાંકો હોય તો ય તેને પગે વાગે. 'વ્યવસ્થિત' તો કેવું છે ? જેને કાંટો વાગવાનો હોય, તેને જ વાગે. બધા જ સંયોગો ભેગા કરી આપે. પણ એમાં નિમિત્તનો શો દોષ ?!

જો કોઈ પણ માણસ દવા છાંટીને ઉધરસ ખવડાવે તો તેને માટે વઢમ્વઢા થઈ જાય, જ્યારે મરચાંનો વઘાર ઊડે ને ઉધરસ આવે તો કાંઈ વઢમ્વઢા કરે છે ? આ તો પકડાયો તેને વઢે. નિમિત્તને બચકાં ભરે. જો હકીકત જાણીએ કે કરનાર કોણ અને શાથી થાય છે, તો પછી રહે કશી ભાંજગડ ? તીર મારનારની ભૂલ નથી. તીર વાગ્યું કોને, તેની ભૂલ છે. તીર મારનારો જ્યારે પકડાશે ત્યારે એની ભૂલ. અત્યારે તો તીર વાગ્યું એ પકડાયો છે. જે પકડાયો એ પહેલો ગુનેગાર. પેલો તો પકડાશે ત્યારે એની ભૂલ.

છોકરાંની જ ભૂલો કાઢે બધાં !

તમે ભણતાં ભણતાં કશી અડચણ ભોગવેલી ?

પ્રશ્નકર્તા : અડચણો તો ભોગવેલી.

દાદાશ્રી : એ તમારી જ ભૂલને લઈને. એમાં માસ્તરની કે બીજા કોઈની ભૂલ નથી.

પ્રશ્નકર્તા : આ છોકરાં શિક્ષકની સામે થઈ જાય છે, તે ક્યારે સુધરશે ?

દાદાશ્રી : જે ભૂલના પરિણામ ભોગવે તેની ભૂલ છે. આ ગુરુઓ જ ઘનચક્કરો પાક્યા છે તે શિષ્યો સામા થાય છે. આ છોકરાં તો ડાહ્યા જ છે, પણ ગુરુઓ ને મા-બાપ ઘનચક્કર પાક્યાં છે ! અને વડીલો જૂની પક્કડ પકડી રાખે પછી છોકરાં સામા થાય જ ને ? અત્યારે મા-બાપનું ચારિત્ર્ય એવું હોતું નથી કે છોકરાં સામા ના થાય. આ તો વડીલોનું ચારિત્ર્ય ઘટી ગયું છે, તેથી છોકરાં સામા થાય છે.

ભૂલો સામે દાદાની સમજણ !

'ભોગવે તેની ભૂલ' એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ? તો અમે એને શીખવાડીએ કે તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઈ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે ? આ તો આખો દહાડો ભોગવટો આવે છે, તે ખોળી કાઢવું જોઈએ કે શી શી ભૂલ થઈ છે !

ભોગવટાની સાથે જ ખબર પડી જાય કે આ ભૂલ આપણી. જો કદિ અમારી ભૂલ થાયને તો અમને ટેન્શન ઊભું થાય ને !

અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઈએ.

મહીંની પાર વગરની વસ્તી છે, તેમાં કોણ ભોગવે તે ખબર પડે. કોઈ ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઈક વખતે મન ભોગવે છે, તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે, તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી 'પોતે' છૂટો રહી શકે તેમ છે. વાત સમજવી પડશેને ?

મૂળ ભૂલ ક્યાં છે ?

ભૂલ કોની ? ભોગવે તેની ! શું ભૂલ ? ત્યારે કહે છે, 'હું ચંદુભાઈ છું' એ માન્યતા જ તારી ભૂલ છે. કારણ કે આ જગતમાં દોષિત જ કોઈ નથી. એટલે કોઈ ગુનેગાર પણ નથી, એમ સાબિત થાય.

બાકી, આ દુનિયામાં કોઈ કશું કરી શકે એમ છે જ નહીં. પણ જે હિસાબ થઈ ગયો છે, એ છોડવાનો નથી. જે ગોટાળિયો હિસાબ થઈ ગયો છે, તે ગોટાળીયું ફળ આપ્યા વગર રહેવાનું નથી. પણ હવે નવેસરથી ગોટાળો કરશો નહીં, હવે અટકી જાવ. જ્યારથી આ જાણ્યું ત્યારથી અટકી જાવ. જૂના ગોટાળા થઈ ગયા, એ તો આપણે ચૂકવવા પડશે, પણ નવા ના થાય એ જોજો. જવાબદારી સંપૂર્ણ આપણી જ છે ! ભગવાનની જવાબદારી છે નહીં. ભગવાન આમાં હાથ ઘાલતા નથી. એટલે ભગવાન પણ આને માફ કરી શકે નહીં. કેટલાંય ભકતો માને છે કે, 'હું પાપ કરું છું ને ભગવાન માફ કરશે.' ભગવાનને ત્યાં માફી ના હોય. બીજા લોકો, દયાળુ લોકોને ત્યાં માફી હોય. દયાળુ માણસને કહીએ કે 'સાહેબ, મેં તો બહુ ભૂલ કરી તમારી.' કે એ તરત જ માફ કરે.

આ દુઃખ દે છે, એ તો માત્ર નિમિત્ત છે પણ મૂળ ભૂલ પોતાની જ છે. જે ફાયદો કરે છે એ ય નિમિત્ત છે અને જે નુકસાન કરાવે છે એ ય નિમિત્ત છે. પણ એ આપણો જ હિસાબ છે તેથી આમ થાય છે !

અમે તમને ખુલ્લી રીતે કહીએ છીએ કે તમારી 'બાઉન્ડ્રી'માં કોઈને આંગળી ઘાલવાની શક્તિ નથી અને તમારી ભૂલ છે તો ગમે તે આંગળી ઘાલી જશે. અરે, લાકડી પણ મારી જશે ! 'અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું તમારું ને તમારું જ છે ! તમારો વ્યવહાર કોઈએ બગાડ્યો નથી. તમારો વ્યવહાર તમે જ બગાડ્યો છે. યુ આર હૉલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યૉર વ્યવહાર.

ન્યાયાધીશ છે 'કમ્પ્યુટર' સમ !

ભોગવે એની ભૂલ એ 'ગુપ્ત તત્ત્વ' કહેવાય. અહીં બુદ્ધિ થાકી જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત 'જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે 'જેમ છે તેમ' હોય. આ ગુપ્ત તત્ત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ. ન્યાય કરનારો ચેતન હોયને તો, તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કમ્પ્યુટર જેવું છે. આ કમ્પ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કમ્પ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિશ્ચેતન ચેતન છે, પાછો 'વીતરાગ' છે ! 'જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાની પુરુષનો ! એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે, કે કોની ભૂલ આમાં ? 'ભોગવે એની ભૂલ.'

આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરે ય ભૂલ નથી. વિજ્ઞાન એટલે તદ્દન વિજ્ઞાન જ છે આ તો. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ અમુક ઇન્ડિયાને માટે જ છે, એવું નથી. ફોરેનમાં બધાને માટે છે આ !!

જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાન્યાયનું વહેંચાણ ક્યાં કરવાનું રહે ? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો 'ત્યાં'નું જજમેન્ટ(ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝેક્ટ કહું છું કે, 'ભોગવે એની ભૂલ.' 'ભોગવે એની ભૂલ' આ વાક્ય બિલકુલ એક્ઝેક્ટ નીકળ્યું છે અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે.