ચિંતા
સંપાદકીય

ચિંતા કોને નહીં થતી હોય ? જે સંસારથી સાચા અર્થમાં સંપૂર્ણ વિરક્ત થયા હોય, તેને જ ચિંતા ના થાય. બાકી બધાને થાય. આ ચિંતા શાથી થાય છે ? ચિંતાનું પરિણામ શું ? અને ચિંતારહિત શી રીતે થવાય ? એની યથાર્થ સમજણ તેમજ તેની પ્રાપ્તિની ચાવી પરમ પૂજ્ય દાદાશ્રીએ બતાવી છે, જે અત્રે પ્રકાશિત થાય છે.

ચિંતા એટલે પ્રગટ અગ્નિ ! નિરંતર બાળ્યા જ કરે ! રાત્રે ઊંઘવા ય ના દે. ભૂખ-તરસ હરામ કરે ને કેટલાંય રોગને નોતરે. એટલું જ નહીં પણ આવતો જન્મ જાનવર ગતિનો બંધાવે ! આ ભવ-પરભવ બન્નેવને બગાડે.

ચિંતા એ અહંકાર છે. શા આધારે આ બધું ચાલી રહ્યું છે એ વિજ્ઞાન નહીં સમજવાથી, પોતે માથે લઈને કર્તા થઈ બેસે છે ને ભોગવે છે. ભોગવટો માત્ર અહંકારને છે. કર્તા-ભોકતાપણું અહંકારને જ છે.

ચિંતા કરે તે કાર્ય બગડે એવો કુદરતનો નિયમ છે. ચિંતામુક્ત થાય તે કાર્ય સ્વયં સુધરી જાય !

મોટા માણસોને મોટી ચિંતા, એરકંડીશનમાં ય ચિંતાથી રેબઝેબ હોય ! મજૂરોને ચિંતા ના હોય, નિરાંતે ઊંઘે ને આ શેઠિયાઓને ઊંઘની ગોળીઓ ખાવી પડે ! આ જાનવરોને કોઈ દિ’ ચિંતા થાય ?

દીકરી દસ વરસની થાય ત્યારથી તેને પરણાવાની ચિંતા ચાલુ ! અરે, એના માટે મુરતિયો જન્મી ચૂક્યો હશે કે જન્મવાનો બાકી હશે ?

ચિંતાવાળાને ત્યાં લક્ષ્મી ના ટકે. ચિંતાથી અંતરાય કર્મ બંધાય.

ચિંતા કોને કહેવાય ?

વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચારો વમળે ચઢે એટલે ચિંતા શરૂ થાય. વિચારોનો આમળો થવા માંડે એટલે ત્યાં બંધ કરી દેવું.

ખરેખર ‘કર્તા કોણ છે’ એ નહીં સમજાવાથી ચિંતા થાય છે. કર્તા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, વિશ્વમાં કોઈ સ્વતંત્ર કર્તા છે જ નહીં. નિમિત્ત માત્ર છે.

ચિંતા કાયમની ક્યારે જાય ? કર્તાપણું છૂટે ત્યારે ! કર્તાપણું છૂટે ક્યારે ? આત્મજ્ઞાન પામે ત્યારે.

- ડૉ. નીરુબહેન અમીન

ચિંતા

ચિંતા આવે ક્યાંથી ?

દાદાશ્રી : ચિંતા કોઈ દહાડો કરેલી ખરી ?

પ્રશ્નકર્તા : ચિંતા તો માનવ સ્વભાવ છે, એટલે ચિંતા એક યા બીજા કોઈ સ્વરૂપે એ હોય જ.

દાદાશ્રી : માણસનો સ્વભાવ કેવો છે કે પોતાને કોઈ ધોલ મારે, એને સામે ધોલ મારે. પણ જોડે જોડે કોઈ સમજણવાળો હોય તો એ વિચાર કરે કે આ મારે કાયદો હાથમાં ન લેવો જોઈએ. કેટલાક લોકો કાયદો હાથમાં ય લે. હવે આ ચિંતા કરવી એ કાયદો હાથમાં લેવા બરોબર છે. કાયદો હાથમાં લેવો ગુનો કહેવાય. ચિંતા કેમ કરાય માણસને ? દરેક ભગવાન એમ કહીને ગયા કે કોઈ ચિંતા કરશો નહીં. બધું અમારે માથે જોખમદારી રાખજો.

પ્રશ્નકર્તા : પણ એ બોલવું અને વ્યવહારમાં મૂકવું એની વચ્ચે બહુ જબરજસ્ત ફેર છે.

દાદાશ્રી : ના, હું વ્યવહારમાં છોડવાનું નથી કહેતો. આ તો વિગત કહું છું. એમ કંઈ છૂટે નહીં ચિંતા, પણ આ ચિંતા એ નથી કરવાની, છતાં થઈ જાય છે બધાને.

હવે આ ચિંતા થાય ત્યારે દવા શું ચોપડો છો ? ચિંતાની દવા નથી આવતી ?

ચિંતા, ત્યાં અનુભૂતિ ક્યાંથી ?

પ્રશ્નકર્તા : ચિંતાથી પર થવા માટે ભગવાનના આશીર્વાદ માંગીએ કે આમાંથી હું ક્યારે છૂટું, એટલા માટે ‘ભગવાન, ભગવાન’ કરીએ. એ માધ્યમથી આપણે આગળ વધવા માંગીએ છીએ. છતાં હજી મને મારા અંદર રહેલા ભગવાનની અનુભૂતિ થતી નથી.

દાદાશ્રી : શી રીતે અનુભૂતિ થાય ? ચિંતામાં અનુભૂતિ થાય નહીં ને ! ચિંતા અને અનુભૂતિ, બે સાથે ના હોય. ચિંતા બંધ થાય તો અનુભૂતિ થાય.

પ્રશ્નકર્તા : ચિંતા કેવી રીતે મટે ?

દાદાશ્રી : અહીં સત્સંગમાં રહેવાથી. સત્સંગમાં કોઈ દહાડો આવ્યા છો ?

પ્રશ્નકર્તા : બીજે સત્સંગમાં જાઉં છું.

દાદાશ્રી : સત્સંગમાં જવાથી જો ચિંતા બંધ ના થતી હોય તો એ સત્સંગ છોડી દેવો જોઈએ. બાકી, સત્સંગમાં જવાથી ચિંતા બંધ થવી જ જોઈએ.

પ્રશ્નકર્તા : ત્યાં બેસીએ એટલી વાર શાંતિ રહે.

દાદાશ્રી : ના, એને કંઈ શાંતિ ના કહેવાય. એમાં શાંતિ નથી. આવી શાંતિ તો આપણે ગપ્પાં સાંભળીએ તો ય શાંતિ થાય. સાચી શાંતિ તો કાયમ રહેવી જોઈએ, ખસવી જ ના જોઈએ. એટલે ચિંતા થાય એ સત્સંગમાં જવાય જ કેમ કરીને ? સત્સંગવાળાને કહી દેવાનું કે, ‘ભઈ, અમને ચિંતા થાય છે, માટે હવે અમે અહીં આવવાના નથી, નહીં તો તમે કંઈક દવા એવી કરો કે ચિંતા ના થાય.’

પ્રશ્નકર્તા : ઓફિસમાં જઉં, ઘેર આવું, તો ય કશે મન ના લાગે.

દાદાશ્રી : ઓફિસમાં તો આપણે નોકરી માટે જઈએ છીએ અને પગાર તો જોઈએ છે ને ! ઘરસંસાર ચલાવવાનો છે, એટલે ઘર છોડી નહીં દેવાનું, નોકરી છોડી નહીં દેવાની. પણ ફક્ત જ્યાં આગળ ચિંતા મટે નહીં એ સત્સંગ છોડી દેવો. નવો બીજો સત્સંગ ખોળવો, ત્રીજા સત્સંગમાં જવું. સત્સંગ બધા બહુ હોય છે, પણ સત્સંગથી ચિંતા જવી જોઈએ. બીજા કોઈ સત્સંગમાં ગયેલા નહીં ?

પ્રશ્નકર્તા : પણ અમને એવું કહેવામાં આવે છે કે ભગવાન તમારી અંદર જ છે. તમને શાંતિ અંદરથી જ મળશે, બહાર ભટકવાનું બંધ કરી દો.

દાદાશ્રી : હા, બરાબર છે.

પ્રશ્નકર્તા : પણ એ અંદર જે ભગવાન બિરાજેલા છે, એનો અનુભવ જરા ય પણ નથી થતો.

દાદાશ્રી : ચિંતામાં અનુભવ ના થાય. ચિંતા હોય તો અનુભવ થયો હોય તે ય જતો રહે. ચિંતા તો એક જાતનો અહંકાર કહેવાય છે. ભગવાન કહે છે કે, ‘તું અહંકાર કરે છે ? તો અમારી જોડેથી જતો રહે !’ જેને ‘આ હું ચલાવું છું,’ એવો ચલાવવાનો અહંકાર હોય તે જ ચિંતા કરે ને ?’ ભગવાન ઉપર વિશ્વાસ જરા ય ના હોય તે જ ચિંતા કરે ને ?

પ્રશ્નકર્તા : ભગવાન ઉપર તો વિશ્વાસ છે.

દાદાશ્રી : વિશ્વાસ હોય તો આવું કરે જ નહીં ને ! ભગવાનના વિશ્વાસે છોડીને નિરાંતે ઓઢીને સૂઈ જાય. એ ચિંતા વળી કોણ કરે ? એટલે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ભગવાન થોડ઼ું ઘણું સંભાળતો હશે કે નહીં તમારું ? આ અંદર ખાવાનું નાખો છો પછી ચિંતા કરો છો ? પાચકરસ પડ્યા કે નહીં, પિત્ત પડ્યું, એવી બધી ચિંતા નથી કરતા ? ‘આનું લોહી થશે કે નહીં થાય ? આનું સંડાસ થશે કે નહીં ?’ એવી ચિંતા કરો છો ? એટલે આ અંદરનું બધું બહુ ચલાવવાનું છે, બહાર તો શું ચલાવવાનું છે, તે ચિંતા કરો છો ? પછી ભગવાનને ખોટું જ લાગે ને ! અહંકાર કરો એટલે ચિંતા થાય. ચિંતા કરનાર માણસ એ અહંકારી કહેવાય. એક અઠવાડિયું ભગવાન ઉપર છોડી દઈ ચિંતા કરવાનું બંધ કરી દો. પછી અહીં કોઈક દહાડો ભગવાનનો સાક્ષાત્કાર કરાવી દઈશું, તે કાયમની ચિંતા મટી જાય !

ચિંતા એટલે પ્રગટ અગ્નિ !

એટલે આ બધું સમજવું પડે. એમ ને એમ ચોપડવાની પી જઈએ તો શું થાય પછી ? આ બધી ચોપડવાની પી ગયા છે, નહીં તો ચિંતા હોતી હશે માણસને, હિન્દુસ્તાનના માણસને ચિંતા હોતી હશે !? તમને ચિંતાનો શોખ છે ?

પ્રશ્નકર્તા : ના, શાંતિ જોઈએ છે.

દાદાશ્રી : ચિંતા તો અગ્નિ કહેવાય, આમ થશે ને તેમ થશે ! કો’ક કાળે સંસ્કારી મનુષ્ય થવાનું આવે ને ત્યારે ચિંતામાં રહ્યા તો મનુષ્યપણું ય જતું રહે. કેટલું બધું જોખમ કહેવાય ?! તમારે શાંતિ જોઈતી હોય તો ચિંતા કાયમની બંધ કરી આપું.

ચિંતા બંધ થાય ત્યારથી જ વીતરાગ ભગવાનનો મોક્ષમાર્ગ કહેવાય ! વીતરાગ ભગવાનનાં જે દર્શન કરે ત્યારથી જ ચિંતા બંધ થવી જોઈએ, પણ દર્શન કરતાં ય નથી આવડતું. દર્શન કરવાનું તો જ્ઞાની પુરુષ શીખવાડે કે આવી રીતે દર્શન કરજો ત્યારે કામ થાય. આ ચિંતામાં તો અગ્નિ સળગ્યા કરે. શક્કરિયાં જોયેલાં ? શક્કરિયાં ભરહાડમાં મૂકે ને બફાય એના જેવું થાય !

જ્ઞાની કૃપાથી ચિંતામુક્તિ !

પ્રશ્નકર્તા : તો ચિંતાથી મુક્ત થવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : તમારી પેઠ આ ભઈ પણ બહુ ફર્યા પણ ભલીવાર ના આવ્યો. તે પછી એમણે શું કર્યું. એ પૂછી જુઓ. એમને એકુંય ચિંતા છે ? અત્યારે ગાળો ભાંડે તો અશાંતિ થાય ખરી ? એમને પૂછો.

પ્રશ્નકર્તા : પણ ચિંતા બંધ કરવા મારે શું કરવું ?

દાદાશ્રી : એ તો ‘જ્ઞાની પુરુષ’ની પાસે આવીને કૃપા લઈ જવાની, પછી ચિંતા બંધ થઈ જાય અને સંસાર ચાલ્યા કરે.

ચિંતા જાય, ત્યારથી સમાધિ !

ચિંતા ના થાય તો સાચો ગૂંચવાડો ગયો. ચિંતા ના થાય, વરિઝ ના થાય અને ઉપાધિની મહીં સમાધિ રહે તો જાણવું કે સાચો ગૂંચવાડો ગયો.

પ્રશ્નકર્તા : એવી સમાધિ લાવવી હોય તો પણ ના આવે.

દાદાશ્રી : એ તો આમ લાવવાથી ના આવે ! જ્ઞાની પુરુષ ગૂંચવાડો કાઢી આપે, બધું ચોખ્ખું કરી આપે ત્યારે નિરંતર સમાધિ રહે.

ચિંતા ના થાય એવી જો લાઈફ હોય તો સારી કહેવાય ને ?

પ્રશ્નકર્તા : એ તો સારી જ કહેવાય ને !

દાદાશ્રી : ચિંતા વગરની લાઈફ કરી આપીએ પછી તમને ચિંતા નહીં થાય. આ એક મોટું આશ્ચર્ય છે આ કાળનું. આ કાળમાં આ ના હોય. પણ જો આ બન્યું છે ને !

પોતે પરમાત્મા પછી ચિંતા શાને ?

ખાલી વાત જ સમજવાની છે, તમે પણ પરમાત્મા છો, ભગવાન જ છો, પછી શેને માટે વરિઝ કરવાની ? ચિંતા શેને માટે કરો છો ? એક ક્ષણવાર પણ ચિંતા કરવા જેવું આ જગત નથી. હવે પેલી સેફસાઈડ રહી શકે નહીં. કારણ કે જે સેફસાઈડ નેચરલ હતી, તેમાં તમે ગૂંચવાડો કર્યો અને હવે ચિંતા શું કરવા કરો છો ? ગૂંચવાડો આવે તો તેની સામા થાવ ને ઉકેલ લાવો.

પ્રશ્નકર્તા : જો આપણે પ્રતિકૂળતાની સામા થઈએ, એનો અવરોધ કરીએ, પ્રતિકાર કરીએ તો તેમાં વધારે અહંકાર થાય.

દાદાશ્રી : ચિંતા કરવા કરતાં સામું થવું સારું. ચિંતાના અહંકાર કરતાં સામા થવાનો અહંકાર નાનો છે. ભગવાને કહેલું છે કે, ‘એવી પરિસ્થિતના સામા થજો, ઉપાય કરજો, પણ ચિંતા ના કરશો.’

ચિંતા કરનારને બે દંડ !

ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક દંડ છે. એકનો એક જવાન છોકરો અઢાર વર્ષનો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડો ય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે, પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે ‘વ્યવસ્થિત’ (એટલે ઓન્લી સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે) કહીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું.

આ એક દંડ તે આપણો પોતાનો હિસાબ જ છે. માટે ગભરાવાનું કોઈ કારણ નથી. તેથી મેં ‘વ્યવસ્થિત’ કહ્યું છે, એક્ઝેક્ટ ‘વ્યવસ્થિત’ છે. માટે થઈ ગયું છે એને તો ‘બન્યું તે કરેક્ટ’ એમ કહીએ !

જેની ચિંતા તે કાર્ય બગડે !

કુદરત શું કહે છે કે કાર્ય ના થતું હોય તો પ્રયત્ન કરો, જબરજસ્ત પ્રયત્ન કરો. પણ ચિંતા ના કરો. કારણ કે ચિંતા કરવાથી એ કાર્યને ધક્કો વાગશે અને ચિંતા કરનાર એ લગામ પોતે પોતાના હાથમાં લે છે. ‘હું જ જાણે ચલાવું છું.’ એવી લગામ પોતે હાથમાં લે છે. એનો ગુનો લાગુ થાય છે.

પરસત્તા વાપરવાથી ચિંતા થાય છે. પરદેશની કમાણી પરદેશમાં જ રહેશે. આ મોટર-બંગલા, મિલો, બૈરી-છોકરાં બધું જ અહીં મૂકીને જવું પડશે. આ છેલ્લે સ્ટેશને તો કોઈના ય બાપનું ચાલે તેમ નથી ને ! માત્ર પુણ્ય અને પાપ સાથે લઈ જવા દેશે. બીજી સાદી ભાષામાં સમજાવું તો અહીં જે જે ગુના કર્યા તેની કલમો સાથે આવશે. એ ગુનાની કમાણી અહીં જ રહેશે અને પછી કેસ ચાલશે. તે કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી ફરીથી નવેસરથી કમાણી કરી ને દેવું ચૂકવવું પડશે ! માટે મૂઆ પહેલેથી જ પાંસરો થઈ જાને ! સ્વદેશ(આત્મા)માં તો બહુ જ સુખ છે, પણ સ્વદેશ જોયો જ નથી ને !

ઊઘરાણી યાદ આવે ત્યાં....

રાત્રે બધાય કહે કે, ‘અગિયાર વાગ્યા છે, તમે હવે ઊંઘી જાવ.’ શિયાળાનો દહાડો છે ને તમે મચ્છરદાનીની અંદર પેસી ગયા, ઘરના બધા સૂઈ ગયા છે. મહીં મચ્છરદાનીમાં પેઠા પછી તમને, એક જણનું ત્રણ હજારનું બિલ બાકી હોય અને તેની મુદત ગઈ હોય. તો કહેશે, ‘આજે સહી કરાવી હોત તો મુદત મળત, પણ આજે સહી ના કરાવી તે પછી આ બધી આખી રાત ચિંતા થાય. તે રાતે ને રાતે મહીં સહી થતી હશે ? થાય નહીં ને ? તો નિરાંતે ઊંઘી જાવ તો આપણું શું બગડે ?

ચિંતાનું રૂટ કોઝ ?

જીવ બાળ્યા કરે એવી ચિંતા તો કામની જ નહીં ! જે શરીરને નુકસાન કરે અને આપણી પાસે જે આવવાની વસ્તુ હતી, તેને પણ પાછું આંતરે. ચિંતાથી જ સંજોગો એવાં ઊભાં થઈ જાય. અમુક વિચાર કરવાના છે સારાસારના કે એવાં, પણ આ ચિંતા એટલે શું ? કે એને ઈગોઇઝમ કહ્યો છે. એ ઇગોઈઝમ ના હોવો ઘટે. ‘હું કંઈક છું અને હું જ ચલાવું છું’, એનાથી એને ચિંતા હોય અને ‘હું હોઈશ તો જ આ કેસનો નિકાલ થશે.’ એનાથી ચિંતા થતી હોય છે. એટલે ઇગોઇઝમ ભાગનું ઓપરેશન કરી નાખવાનું; પછી જે વિચાર રહ્યા સારાસારના, તેનો વાંધો નહીં. એ પછી મહીં લોહી ના બાળે, નહીં તો આ ચિંતા તો લોહી બાળે, મન બાળે. ચિંતા થતી હોય ને, તે ઘડીએ બાબો કશું કહેવા આવ્યો હોય તો એની પર પણ ઉગ્ર થઈ જાય, એટલે બધી રીતે નુકસાન કરે છે. આ અહંકાર એવી વસ્તુ છે કે પૈસા હોય કે પૈસા ના હોય. પણ કોઈ કહેશે કે, ‘આ ચંદુભાઈએ મારું બધું બગાડ્યું.’ તો પણ પાર વગરની ચિંતા ને પાર વગરની ઉપાધિ ! અને જગત તો આપણે ના બગાડ્યું હોય તો ય કહેને ?

ચિંતાના પરિણામ શાં ?

આ સંસારમાં બાય પ્રોડક્ટનો અહંકાર હોય છે જ અને તે સહજ અહંકાર છે, જેનાથી સંસાર સહેજે ચાલે એવો છે. ત્યાં આખા અહંકારનું જ કારખાનું કાઢ્યું ને મોટો અહંકાર વિસ્તાર્યો, તે એટલો વિસ્તાર્યો કે એનાથી ચિંતાઓનો પાર ના રહ્યો ! અહંકારને જ વિસ્તાર વિસ્તાર કર્યો. સહજ અહંકારથી, નોર્મલ અહંકારથી સંસાર ચાલે એવો છે, પણ ત્યાં અહંકાર વિસ્તારી ને પછી કાકા આટલી ઉંમરે કહેને કે, ‘મને ચિંતા થાય છે.’ એ ચિંતા થાય એનું ફળ શું ? આગળ જાનવર ગતિ આવશે, માટે ચેતો, હજુ ચેતવા જેવું છે. મનુષ્યમાં છો ત્યાં સુધી ચેતજો, નહીં તો ચિંતા હશે ત્યાં તો પછી જાનવરનું ફળ આવશે.

ભક્ત તો ભગવાનને ય ટૈડકાવે !

ભગવાનના સાચા ભક્તને તો ચિંતા થાય, તો ભગવાનને ય ટૈડકાવે. તમે ના કહો છો ને મને ચિંતા કેમ થાય છે ? જે ભગવાનને વઢતો નથી, તે સાચો ભક્ત નથી. જો કંઈ ઉપાધિ આવે તો તમારા મહીં ભગવાન બેઠેલો છે તેમને ભાંડજો-દબડાવજો. ભગવાનને પણ ટૈડકાવે, તે સાચો પ્રેમ કહેવાય. આજે તો આ ભગવાનનો સાચો ભક્ત જડવો ય મુશ્કેલ છે. સહુ પોતપોતાના ઘાટમાં ફરે છે.

શ્રી કૃષ્ણ ભગવાન કહે છે :‘જીવ તું શીદને શોચના કરે,

કૃષ્ણને કરવું હોય તે કરે.’

ત્યારે આ લોક શું કહે છે ? કૃષ્ણ ભગવાન તો કહે, પણ આ સંસાર ચલાવવાનો, તે ચિંતા કર્યા વગર ઓછું ચાલે ? તે લોકોએ ચિંતાનાં કારખાનાં કાઢ્યાં છે ! એ માલે ય વેચાતો નથી. ક્યાંથી વેચાય ? જ્યાં વેચવા જ્યા ત્યાં ય તેનું કારખાનું તો હોય જ ને ! આ જગતમાં એક પણ એવો માણસ ખોળી લાવો કે જેને ચિંતા ના થતી હોય.

એક બાજુ કહે છે ‘શ્રી કૃષ્ણઃ શરણં મમ’ ને જો કૃષ્ણ ભગવાનનું શરણું લીધું છે તો પછી ચિંતા શેની ? મહાવીર ભગવાને ય ચિંતા કરવાની ના કહી છે. તેમણે તો એક ચિંતાનું ફળ તિર્યંચ ગતિ કહ્યું છે. ચિંતા એ તો મોટામાં મોટો અહંકાર છે. ‘હું જ આ બધું ચલાવું છું’ એમ જબરજસ્ત રહ્યા કરે ને, તેનાં ફળ રૂપે ચિંતા ઊભી થાય.

મળ્યો એક જ તાળો બધેથી !

ચિંતા એ આર્તધ્યાન છે. આ શરીર જેટલો શાતા-અશાતાનો ઉદય લઇ આવ્યું છે, એટલું ભોગવ્યે જ છૂટકો છે. એટલે કોઇનો દોષ જોઇશ નહીં, કોઇના દોષ ભણી દ્રષ્ટિ ના કરીશ અને પોતાના દોષે જ બંધન છે એવું સમજી જા. તારાથી ફેરફાર કશો થશે નહીં.

અને તે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ ત્યારે જૈનો શું કહે છે ? કે ‘એ તો કૃષ્ણ ભગવાને કહ્યું, મહાવીર ભગવાને એવું નથી કહ્યું.’ મહાવીર ભગવાને એવું શું કહ્યું ? કે ‘રાઈ માત્ર વધઘટ નહીં, દેખ્યા કેવળજ્ઞાન, એ નિશ્ચય કર જાણીએ, ત્યજીએ આર્તધ્યાન.’ ચિંતા ધ્યાન છોડી દે, પણ ભગવાનનું માનવું હોય તો ને ? ના માનવું હોય, તેને આપણાથી કેમ વઢાય ?

હું તો માની ગયો’તો, મને આવું કહ્યું’તું. મેં કહ્યું, હા પણ ભઈ, આ એક એવું છે એટલે મેં બીજી બાજુ તપાસ કરી. મહાવીર ભગવાને કહ્યું, આ કૃષ્ણ ભગવાને કહ્યું, એવું ત્યારે મેં કહ્યું, આ તાળો મળતો આવે છે. તો ય વખતે કોઈની ભૂલ થતી હોય તો આગળ તપાસ કરો.

ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, ‘મારી મરજી વિના રે, કોઈથી તરણું ના તોડાય !’ ઓત્તારી ! તમે ય જબરાં છો ?! આ ‘તમારી વગર એક તરણું ય નહીં તૂટે ?’ ત્યારે કહે, ચાલો, ત્રણ તાળા મળ્યા. ત્યારે મેં કહ્યું, હજુ તાળો મેળવો.

ત્યારે કબીર સાહેબ શું કહે છે, ‘પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર, કબીર અચંબા યે હૈ, મન નહીં બાંધે ધીર !’ મનને ધીરજ નથી રહેતી એ જ મોટું આશ્ચર્ય છે. આ બધા તાળા મેળવ મેળવ કર્યા, બધાને પૂછ પૂછ કર્યું ! ‘તમારો શું તાળો ?’ બોલો, કહી દો.

હા, એક જણની ભૂલ થાય પણ વીતરાગોનું ખોટું તો કહેવાય જ નહીં, પણ એ લખનારની ભૂલ થઈ હોય તો ! વીતરાગની તો ભૂલ માનું નહીં કોઈ દહાડોય. ગમે તેવો મને ફેરવવાં આવે તો વીતરાગની ભૂલ મેં માની નથી. નાનપણમાંથી યે, જન્મે વૈષ્ણવ હોવા છતાં મેં એમની ભૂલ નથી માની. કારણ કે આવાં ડાહ્યા પુરુષો ! જેનું નામ સ્તવન કરવાથી કલ્યાણ થઈ જાય !! અને જો આપણી દશા તો જુઓ ! તો રાઈ માત્ર વધઘટ નહીં. અરે, એક રાઈનો દાણો તમે જોયેલો ? ત્યારે કહે, લ્યો ! નહીં જોયો હોય રાઈનો દાણો ? એક રાઈના દાણા જેટલો ફેરફાર નહીં થવાનો અને જો લોકો કેડ કસીને જ્યાં સુધી જગાય ત્યાં સુધી જાગે છે ! શરીરને ખેંચી ખેંચીને જાગે છે અને પછી તો ફેઈલની તૈયારી કરે છે !

આમને કિંમત શેની ?

એક ઘૈડા કાકા આવ્યા હતા. તે મારા પગમાં પડી ખૂબ રડ્યા ! મેં પૂછયું, ‘શું દુઃખ છે તમને ?’ ત્યારે કહે, ‘મારા દાગીના ચોરાઈ ગયા, જડતાં જ નથી. હવે પાછા ક્યારે આવશે ?’ ત્યારે મેં એને કહ્યું, ‘એ દાગીના કંઈ જોડે લઈ જવાના હતા ?’ ત્યારે કહે, ‘ના, એ જોડે ના લઈ જવાય, પણ મારા દાગીના ચોરાઈ ગયા ને, તે હવે પાછાં ક્યારે આવશે ?’ મેં કહ્યું, ‘તમારા ગયા પછી આવશે !!!’ દાગીના ગયા, એને માટે આટલી બધી હાય, હાય, હાય ! અરે, ગયું એની ચિંતા કરવાની જ ના હોય. વખતે આગળની ચિંતા, ભવિષ્યની ચિંતા કરે, એ તો આપણે જાણીએ કે બુદ્ધિશાળી માણસને ચિંતા તો થાય જ; પણ ગયું તેની ય ચિંતા ? આપણા દેશમાં આવી ચિંતા હોય છે, ઘડી પહેલાં થઈ ગયું, તેની ચિંતા શું ? જેનો ઉપાય નથી, તેની ચિંતા શું ? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો, માટે એની ચિંતા કરવાની ના હોય.

પેલા કાકા રડતા હતા, પણ મેં એમને બે મિનિટમાં જ ફેરવી નાખ્યા. પછી તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવા માંડ્યા ! તે આજે સવારમાં ય ત્યાં રણછોડજીના મંદિરમાં મળ્યા, ત્યારે ય બોલી ઊઠ્યા, ‘દાદા ભગવાન !’ મેં કહ્યું, ‘હા, એ જ.’ પછી કહે, ‘આખી રાત હું તો આપનું જ નામ બોલ્યો !’ આમને તો આમનું ફેરવો તો આમનું, આમને એવું કશું જ નથી.

પ્રશ્નકર્તા : આપે એને શું કહ્યું ?

દાદાશ્રી : મેં કહ્યું, ‘એ દાગીના પાછાં આવે એવું નથી, બીજી રીતે દાગીનો આવશે.’

પ્રશ્નકર્તા : આપ મળ્યા એટલે મોટો દાગીનો જ મળી ગયો ને !

દાદાશ્રી : હા, આ તો અજાયબી છે ! પણ હવે એને સમજાય શી રીતે આ ?! એને તો પેલા દાગીનાની આગળ આની કિંમત જ ના હોય ને ! અરે, એને ચા પીવી હોય તો તેને આપણે કહીએ કે ‘હું છું, ને તારે ચાનું શું છે ?’ ત્યારે એ કહેશે, ‘મને ચા વગર ચેન નહીં પડે, તમે હો કે ના હો !’ આમને કિંમત શેની ? જેની ઈચ્છા છે તેની !

કુદરતના ગેસ્ટની સાહેબી તો જુઓ !

આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ જે કિંમતીમાં કિંમતી હોય, એ ફ્રી ઓફ કોસ્ટ જ હોય. એની પર સરકારનો વેરો-બેરો કશું જ ના રખાય. કઈ ચીજ કિંમતી છે ?

પ્રશ્નકર્તા : હવા, પાણી.

દાદાશ્રી : હવા જ. પાણી નહીં. હવા પર બીલકુલે ય સરકારનો વેરો નહીં, કશું નહીં, જ્યાં જુઓ ત્યાં, તમે જ્યાં જાવ એની વ્હેર, એની પ્લેસ, તો તમને એ પ્રાપ્ત થાય. કુદરતે કેટલું બધું રક્ષણ કર્યું છે તમારું ! તમે કુદરતના ગેસ્ટ છો અને ગેસ્ટ થઈને તમે બૂમો પાડો છો, ચિંતા કરો છો ! એટલે કુદરતનાં મનમાં એમ થાય છે કે અરે, મારા ગેસ્ટ થયા તો ય આ માણસને ગેસ્ટ થતાં ય નથી આવડતું ?! તે પછી રસોડામાં જઈ કહેશે, ‘કઢીમાં જરા મીઠું વધારે નાખજો.’ અલ્યા મૂઆ, રસોડામાં જાય છે ગેસ્ટ થઈને ! એ જેવું આપે એ ખઈ લેવાનું. ગેસ્ટ થઈને રસોડામાં જવાતું હશે આપણાથી ? એટલે આ કિંમતીમાં કિંમતી હવા એ ફ્રી ઓફ કોસ્ટ. એનાથી સેકન્ડ નંબર શું આવે ? પાણી આવે. પાણી થોડા ઘણાં પૈસાથી મળે અને ત્રીજું પછી અનાજ આવે, તે ય થોડા ઘણાં પૈસાથી.

પ્રશ્નકર્તા : પ્રકાશ.

દાદાશ્રી : લાઈટ તો હોય છે જ ને ! લાઈટ તો, સૂર્ય તમારી જાણે સેવામાં જ બેઠા હોય ને એવું સાડા છ વાગે આવીને ઊભા રહે છે.

ક્યાંય ભરોસો જ નહીં ?!

આ તો આપણા હિંદુસ્તાનના લોક તો એટલી બધી ચિંતાવાળા છે કે આ સૂર્યનારાયણ એક જ દહાડાની રજા લે, ‘ફરી કોઈ દહાડો રજા નહીં લઉં’ એમ કહે, તે રજા લે તો બીજે દહાડે આ લોકો શંકા કરે કે કાલે સૂર્યનારાયણ આવશે કે નહીં આવે, સવાર પડશે કે નહીં પડે ? એટલે નેચરની ઉપરે ય ભરોસો નથી, પોતાની જાત ઉપરે ય ભરોસો નથી, ભગવાન ઉપરે ય ભરોસો નથી. કોઈ ચીજ ઉપર ભરોસો નથી, પોતાની વાઈફ ઉપરે ય ભરોસો નથી !

પોતે જ આમંત્રેલી ચિંતા !

ચિંતા કરે તે ય પાડોશીઓનું જોઈને. પાડોશીના ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવન જરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાતો છે. દા.ત. ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ. પણ જો પાડોશીના બેંકમાં દસ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભાં થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે.

જીવવાનો આધાર, અહંકાર !

વ્યાકુળ તો જ્યારે પૈસા બહુ આવેને તો જ વ્યાકુળ હોય, ચિંતિત હોય આ અમદાવાદના મિલવાળા શેઠીયાઓની વિગત કહું તો તમને એમ લાગે કે હે ભગવાન ! આ દશા એકુંય દિવસ આપશો નહીં. આખો દહાડો શક્કરીયું ભરહાડમાં મૂકયું હોય એમ બફાયા કરતો હોય. ફક્ત જીવે છે શા આધારે ? મેં એક શેઠને પૂછયું ? ‘શા આધારે તમે જીવો છો ?’ ત્યારે કહે, ‘એ તો મને ય ખબર પડતી નથી.’ ત્યારે મેં કહ્યું, ‘કહી આપું ? બધાથી મોટો તો હું જ છું ને ! બસ, આનાથી જીવી રહ્યા છે.’ બાકી કશું ય સુખ ના મળે.

ન કરો અપ્રાપ્તની ચિંતા

કેટલાંક અમદાવાદના શેઠ મળ્યા’તા. તે જમતી વખતે મિલમાં ગયા હોય, મારી જોડે જમવા બેઠાં હતા. તે શેઠાણી સામા આવીને બેઠાં. તો પૂછયું શેઠાણી, ‘તમે કેમ સામે આવીને બેઠાં ?’ તો કહે, ‘સમી રીતે જમતા નથી શેઠ કોઈ દહાડો ય.’ એટલે હું સમજી ગયો. ત્યારે મેં શેઠને પૂછયું, ત્યારે કહે, ‘મારું ચિત્ત બધું ત્યાં જતું રહે છે.’ મેં કહ્યું, ‘એવું ના કરશો. વર્તમાનમાં થાળી આવી એને પહેલું એટલે પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો. જે પ્રાપ્ત વર્તમાન હોય એને ભોગવો.’

ચિંતા થતી હોય તો પછી જમવા માટે રસોડામાં જવું પડે ? પછી બેડરૂમમાં સૂવા જવું પડે ? અને ઓફિસમાં કામ પર ?

પ્રશ્નકર્તા : એ પણ જઈએ.

દાદાશ્રી : એ બધાં ડિપાર્ટમેન્ટ છે. તો આ એક જ ડિપાર્ટમેન્ટની ઉપાધિ હોય, તે બીજા ડિપાર્ટમેન્ટમાં ના લઈ જવી. એક ડિવિઝનમાં જઈએ ત્યારે તે પૂરતું બધું સંપૂર્ણ કામ કરી લેવું. પણ બીજામાં ડિવિઝનમાં જમવા ગયા એટલે પેલી ઉપાધિ પેલા ડિવિઝનમાં અને આ જમવા ગયા તો ટેસથી જમવું. બેડરૂમમાં ગયા તો પેલી ઉપાધિ ત્યાંની ત્યાં રાખવી. આમ ગોઠવણી નથી એ માણસ માર્યો જાય. જમવા બેઠો હોય, તે ઘડીએ ચિંતા કરે કે ઓફિસમાં શેઠ વઢશે ત્યારે શું કરીશું ? અલ્યા, વઢશે ત્યારે દેખ લેંગે ! અલ્યા, જમને નિરાંતે !

ભગવાને શું કહેલું કે, ‘પ્રાપ્તને ભોગવો, અપ્રાપ્તની ચિંતા ના કરો.’ એટલે શું કે જે પ્રાપ્ત છે એને ભોગવો ને !

એરકંડિશનમાં ય ચિંતા !

પ્રશ્નકર્તા : બીજી ચિંતાઓ હોયને મગજ ઉપર.

દાદાશ્રી : જમવાનું જમતા હોય તો ય ઉપર ચિંતા હોય જ. એટલે પેલો ઘંટ લટકેલો જ હોય ઉપર, તે ક્યારે પડશે, ક્યારે પડશે, ક્યારે પડશે !! હવે બોલો, આવાં ભયના સંગ્રહસ્થાનની નીચે આ બધા ભોગવવાનાં ! એટલે કેમ કરીને પોષાય આ બધું ? છતાં ય લોકો નફ્ફટ થઈને ભોગવે ય છે. જે થવાની હશે તે થશે પણ ભોગવો ! આ જગતમાં ભોગવવા જેવું કશું ખરું ?

ફોરેનમાં આવું તેવું ના હોય. કોઈ દેશમાં આવું ના હોય. આ બધું અહીં આગળ. બુદ્ધિનો જથ્થો, જથ્થાબંધ બુદ્ધિ. ચિંતા ય જથ્થાબંધ, કારખાનાઓ કાઢે બધાં. હેય, મોટાં મોટાં કારખાના, જબરજસ્ત પંખા ફરે પાછાં, બધું ય ફરે. ચિંતા ય કરે છે ને ઉપાય કરે છે. પાછું પેલું ઠંડું કરે છે, એ શું કહે છે ?

પ્રશ્નકર્તા : એરકંડિશન.

દાદાશ્રી : હા, એરકંડિશન ! હિન્દુસ્તાનમાં અજાયબી જ છે ને !

પ્રશ્નકર્તા : હમણાં ચિંતાઓ બધી એરકંડિશનમાં જ હોય.

દાદાશ્રી : હા. એટલે એ જોડે જ હોય. આ ચિંતાઓ જોડે એરકંડિશન ! આપણને એરકંડિશનની જરૂર ના પડે.

આ અમેરિકનોની છોડી બધી જતી રહે, તેની ચિંતા એમને ના હોય બહુ અને આપણાં લોકોને ? કારણ કે દરેકની માન્યતા જુદી છે.

આયુષ્યનું એકસ્ટેન્શન મળ્યું ?

તમે હજુ આ દુનિયા પર બસ્સોએક વર્ષ રહેશોને ? એકસ્ટેન્શન લીધું નથી ?

પ્રશ્નકર્તા : એકસ્ટેન્શન મળે કેવી રીતે ? આપણા હાથમાં તો, કાંઈ નથી, મને તો નથી લાગતું.

દાદાશ્રી : શું વાત કરો છો ?! જો જીવવાનું હાથમાં હોય તો મરે નહીં. આ તો મારી-ઠોકીને લઈ જવાનું. જો આયુષ્યનું એક્સ્ટેન્શન ના મળતું હોય તો શું જોઈને ચિંતા કરે છે ? જે મળ્યું છે, એને જ નિરાંતે ભોગવને !

મનુષ્ય સ્વભાવ ચિંતા વહોરે !

ચિંતા એ તો કામને નુકસાન કરે છે. જે ચિંતા છે એ કામને સો ટકાને બદલે સિત્તેર ટકા કરી નાખે છે. ચિંતા કામને ઓબ્સ્ટ્રક્ટ કરે છે. જો ચિંતા ના હોય તો બહુ સુંદર ફળ આવે.

જેમ ‘આપણે મરણ પામવાના છે’ તેવું જાણે છે બધા. મરણ સાંભરે છે, તેને શું કરે છે આ લોકો ? યાદ આવે છે ત્યારે શું કરે છે ? એને ધક્કો મારી દે છે. આપણને કશું થઈ જશે તો, યાદ આવે ત્યારે ધક્કો મારી દે છે. એવી આ ચિંતાઓ જેને મહીં થાય ને ત્યારે ધક્કો મારી દેવો કે અહીં નહીં બા.

હંમેશાં ચિંતાથી બધું બગડે છે. ચિંતાથી જો મોટર ચલાવો તો અથડાય. ચિંતાથી વેપાર કરે ત્યાં કામ ઊંધું નાખી દે. ચિંતાથી આ બધું બગડ્યું છે જગતમાં.

ચિંતા કરવા જેવું જગત જ નથી. આ જગતમાં ચિંતા કરવી એ બેસ્ટ ફૂલીશનેસ છે. ચિંતા કરવા માટે આ જગત જ નથી, આ ઈટસેલ્ફ ક્રિયેશન છે. ભગવાને આ ક્રિયેશન કર્યું નથી, માટે ચિંતા કરવા માટે આ ક્રિયેશન નથી. આ મનુષ્યો એકલાં જ ચિંતા કરે છે, બીજી કોઈ જીવાત ચિંતા કરતી નથી. બીજી ચોર્યાસી લાખ યોનિઓ છે, પણ કોઈ ચિંતા-વરિઝ કરતું નથી. આ મનુષ્ય નામનાં જીવો તે બહુ દોઢડાહ્યા છે, તે જ આખો દહાડો ચિંતામાં બફાયા કરે છે !

ચિંતા એ પ્યૉર ઈગોઇઝમ છે. આ જાનવરો કોઈ ચિંતા નથી કરતાં અને આ મનુષ્યોને ચિંતા ? ઓહોહોહો ! અનંતા જાનવરો છે, કોઈને ચિંતા નથી ને આ મનુષ્યો એકલાં જ ડફોળ એવાં છે કે આખો દહાડો ચિંતામાં શેકાયા કરે છે.

પ્રશ્નકર્તા : જાનવરથી પણ ગયાં ને એ ?

દાદાશ્રી : જાનવર તો બહુ સારાં છે. જાનવરને ભગવાને આશ્રિત કહેલાં છે. આ જગતમાં નિરાશ્રિત એકલાં હોય તો આ મનુષ્યો જ છે અને તે ય હિન્દુસ્તાનનાં જ મનુષ્યો સો ટકા નિરાશ્રિત છે, પછી આમને દુઃખ જ હોય ને ? કે જેને કોઈ જાતનો આશરો જ નથી !

મજૂરો ચિંતા નથી કરતાં ને શેઠિયા લોકો ચિંતા કરે છે. મજૂરો એકુંય ચિંતા નથી કરતા. કારણ કે મજૂરો ઊંચી ગતિમાં આવવાના છે અને શેઠિયાઓ નીચી ગતિમાં જવાનાં છે. ચિંતાથી નીચી ગતિ થાય, માટે ચિંતા ના હોવી જોઈએ.

નરી વરિઝ, વરિઝ, વરિઝ ! શક્કરિયાં ભરહાડમાં બફાય એમ જગત બફાઈ રહ્યું છે !! માછલાં તેલમાં તળાય એવો તરફડાટ તરફડાટ થઈ રહ્યો છે !!! આને લાઈફ કેમ કહેવાય ?

‘હું કરું’ તેથી ચિંતા !

પ્રશ્નકર્તા : ચિંતા ન થવી એનું ભાન હોવું, એ ચિંતાનું બીજુ રૂપ નથી ?

દાદાશ્રી : ના. ચિંતા તો ઈગોઈઝમ છે ખાલી, ઈગોઈઝમ. પોતાના સ્વરૂપથી જુદા પડી અને તે ઈગોઈઝમ કરે છે કે હું જ ચલાવનારો છું. સંડાસ જવાની શક્તિ નથી ને ‘હું ચલાવું છું’ એમ કહે છે.

ચિંતા એ જ અહંકાર. આ બાબાને ચિંતા કેમ નથી થતી ? કારણ કે એ જાણે છે કે હું નથી ચલાવતો. કોણ ચલાવે છે, તેની તેને પડી જ નથી.

‘હું કરું છું, હું કરું છું’ એમ કર્યા કરે છે તેથી ચિંતા થાય છે.

ચિંતા એ મોટામાં મોટો અહંકાર !

પ્રશ્નકર્તા : ચિંતા એ અહંકારની નિશાની છે, એ જરા સમજાવવા વિનંતી છે.

દાદાશ્રી : ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે ? કે એના મનમાં એમ લાગે છે કે, ‘હું જ આ ચલાવી લઉં છું.’ તેથી એને ચિંતા થાય છે. ‘આનો ચલાવનાર હું જ છું’ એટલે એને ‘આ છોડીનું શું થશે, આ છોકરાંનું શું થશે, આમ કામ પૂરું નહીં થાય તો શું થશે ?’ એ ચિંતા પોતે માથે લે છે. પોતે કર્તા માને પોતાની જાતને કે ‘હું જ માલિક છું ને હું જ કરું છું.’ પણ એ પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતાઓ વહોરે છે.

સંસારમાં હોય ને ચિંતામાં જ રહે અને એ ચિંતા ના મટે, તો પછી એને કેટલાંય અવતાર રહ્યા ! કારણ કે ચિંતાથી જ અવતાર બંધાય.

આ ટૂંકી વાત તમને કહી દઉં છું, આ ઝીણી વાત તમને કહી દઉં છું કે આ વર્લ્ડમાં કોઈ પણ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય ! તો પછી આ લોકોએ ઈગોઈઝમ કરવાનો શો અર્થ છે ? આ બીજી શક્તિ કામ કરી રહી છે. હવે એ શક્તિ આપણી નથી, એ પરશક્તિ છે અને સ્વશક્તિને જાણતો નથી એટલે પોતે પણ પરશક્તિને આધીન છે; અને આધીન એકલો જ નહીં, પણ પરાધીન પણ છે, આખો અવતાર જ પરાધીન છે.

છોડી પૈણાવાની ચિંતા !

એવું છે, કે આપણે અહીં તો ત્રણ વર્ષની છોડી હોય ત્યારથી જ વિચાર કરે કે આ મોટી થઈ ગઈ, આ મોટી થઈ ગઈ ! પૈણાવવાની તો વીસમે વર્ષે હોય પણ અત્યારથી જ ચિંતા કરવા માંડે ! ક્યારથી છોડી પૈણાવવાની ચિંતા શરૂ કરવી જોઈએ, એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? આમ વીસમે વર્ષે પૈણતી હોય તો આપણે ચિંતા ક્યારથી શરૂ કરવી જોઈએ ? બે-ત્રણ વર્ષની થાય ત્યારથી ?

પ્રશ્નકર્તા : છોકરી ચૌદ-પંદર વર્ષની થાય, પછી તો મા-બાપ વિચાર કરે છે ને !

દાદાશ્રી : ના. તો ય પાછાં પાંચ વર્ષ રહ્યા ને !! એ પાંચ વર્ષમાં ચિંતા કરનારો મરી જશે કે જેની ચિંતા કરે છે એ મરી જશે, એ શું કહેવાય ?! પાંચ વર્ષ બાકી રહ્યાં, તે પહેલાં ચિંતા શી રીતે કરાય ?

પાછું એ ય દેખાદેખીથી કે ફલાણા ભાઈ તો જુઓને, છોડી પૈણાવવાની કેટલી બધી ચિંતા રાખે છે ને હું ચિંતા નથી રાખતો ! તે ચિંતામાં ને ચિંતામાં પછી તડબૂચા જેવો થઈ જાય ! અને છોડી પૈણાવવાની થાય ત્યારે ચાર આના ય હાથમાં ના હોય. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ?

આપણે ચિંતા ક્યારે કરવાની છે ? કે જ્યારે આજુબાજુના લોકો કહે છે, ‘છોડીનું કંઈ કર્યું ?’ એટલે આપણે જાણવું કે હવે વિચાર કરવાનો વખત આવ્યો અને ત્યારથી એને માટે પ્રયત્નો કર્યા કરવાના ! આ તો આજુબાજુવાળા કોઈ કહેતા નથી ને ત્યાર પહેલાં આ તો પંદર વર્ષ પહેલાંથી ચિંતા કરે ! પાછો એની બૈરીને હઉ કહેશે કે, ‘તને યાદ રહેશે કે આપણી છોડી મોટી થાય છે, એને પૈણાવવાની છે ?!’ અલ્યા, પાછો વહુને શું કામ ચિંતા કરાવું છું ?!

....કટાઈમે ચિંતા ?!

સત્તર વર્ષ પહેલાં છોકરી પૈણાવાની ચિંતા કરે છે, તો મરવાની ચિંતા કેમ નથી કરતો ? ત્યારે કહેશે કે, ‘ના, મરવાનું તો સંભારશો જ નહીં.’ ત્યારે મેં કહ્યું કે, ‘મરવાનું સંભારવામાં શો વાંધો છે ? તમે નથી મરવાના ? ત્યારે કહે કે, ‘પણ મરવાનું સંભારશોને, તો આજનું સુખ જતું રહે છે, આજનો સ્વાદ બધો અમારો બગડી જાય છે.’ ‘ત્યારે છોડીનું પૈણવાનું શું કરવા સંભારે છે ? તો ય તારો સ્વાદ જતો રહેશે ને ? અને છોડી બધું એનું પૈણવાનું લઈને આવેલી છે. મા-બાપ તો આમાં નિમિત્ત છે.’ આ છોડી એનું પૈણવાનું, બધું જ સાધન લઈને આવેલી હોય છે. બેંક બેલેન્સ, પૈસો, બધું લઈને આવેલી છે. વધારે કે ઓછો જેટલો ખર્ચો હોય એ એક્ઝેક્ટલી બધું લઈને આવેલી હોય છે.

છોડીની ચિંતા તમારે કરવાની નહીં. છોડીના તમે પાલક છો, છોડી એને માટે છોકરો ય લઈને આવેલી હોય છે. આપણે કોઈને કહેવા ના જવું પડે કે છોકરો જણજો. અમારે છોકરી છે તેને માટે છોકરો જણજો, એવું કહેવા જવું પડે ? એટલે બધો સામાન તૈયાર લઈને આવેલી હોય છે. ત્યારે બાપા કહેશે, ‘આ પચ્ચીસ વર્ષની થઈ, હજી એનું કંઈ ઠેકાણું પડતું નથી. આમ છે, તેમ છે.’ તે આખો દહાડો ગા ગા કર્યા કરશે. અલ્યા, ત્યાં આગળ છોકરો સત્તાવીસ વર્ષનો થયેલો છે, પણ તને જડતો નથી, તો બૂમાબૂમ શું કરવા કરે છે ? સૂઈ જાને, છાનોમાનો ! એ છોડી એનું ટાઈમિંગ બધું ગોઠવીને આવેલી છે.

સત્તામાં નહીં એ ચીતરવું નહીં. ગયા અવતારની બે-ત્રણ નાની છોડીઓ હતી, છોકરાં હતાં, એ બધાં આવડાં આવડાં નાનાં નાનાં મૂકીને આવ્યા’તા, તે એ બધાની કઈ ચિંતા કરે છે ? કેમ ? અને આમ મરતી વખતે તો બહુ ચિંતા થાય છે ને, કે નાની બેબીનું શું થશે ?! પણ અહીં પછી નવો જન્મ લે છે, તે પાછળની કશી ચિંતા જ નહીં ને ! કાગળ-બાગળ કશું જ નહીં !! એટલે આ બધી પરસત્તા છે, એમાં હાથ જ ના ઘાલવો. માટે જે બને એ ‘વ્યવસ્થિત’માં હો તે ભલે હો, ને ના હો તે પણ ભલે હો.

ચિંતા કરવા કરતાં, ધર્મમાં વાળો !

પ્રશ્નકર્તા : ઘરના જે મુખ્ય માણસ હોય, એને જે ચિંતા હોય એ કઈ રીતે દૂર કરવી ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને શું કહ્યું છે કે ‘જીવ તું શીદને શોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે.’ એવું વાંચવામાં આવ્યું છે ? તો પછી ચિંતા કરવાની શું જરૂર છે ?

એટલે બચ્ચાનો કકળાટ શું કરવા કરો છો ? ધર્મને રસ્તે વાળી દો એમને, સારાં થઈ જશે.

કેટલાંક તો ધંધાની ચિંતાઓ કર્યા જ કરે છે. એ શાથી ચિંતા કરે છે ? મનમાં એમ લાગે છે કે ‘હું જ ચલાવું છું’ તેથી ચિંતા થાય છે. ‘એ કોણ ચલાવનાર છે’ એવું કંઈ સાધારણ પણ, કોઈ પણ જાતનું અવલંબન લેતો નથી. ભલે, તું જ્ઞાનથી ના જાણતો હોઉં, પણ બીજું અવલંબન તો કોઈ પણ પ્રકારનું લે ! કારણ કે તું ચલાવતો નથી એવું તને કંઈક અનુભવમાં તો આવેલું છે. ચિંતા એ મોટામાં મોટો ઈગોઈઝમ છે.

વધુ ચિંતાવાળા કોણ ?

પ્રશ્નકર્તા : રોજનાં બે ટાંટીયા મળતાં ન હોય, એને તો રોજની ચિંતા હોય ને કે ‘આનું આવતીકાલે શું કરશું ? આવતીકાલે શું ખાશું ?’

દાદાશ્રી : ના, ના એવું છે ને સરપ્લસની ચિંતા હોય, ખાવાની ચિંતા કોઈને ય ના હોય. સરપ્લસની જ ચિંતા હોય. આ કુદરત એવી ગોઠવાયેલી છે કે સરપ્લસની જ ચિંતા ! બાકી, નાનામાં નાનો છોડવો ગમે ત્યાં ઉગ્યો હોય, ત્યાં જઈને પાણી છાંટી આવે. એટલી બધી તો વ્યવસ્થા છે. આ રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ છે. તે વર્લ્ડને રેગ્યુલેશનમાં જ રાખે છે નિરંતર. એવું આ ગપ્પુંવાળું નથી. એટલે સરપ્લસની જ ચિંતા છે. એને ખાવાની ચિંતા નથી.

પ્રશ્નકર્તા : આપને બધા એવા સરપ્લસવાળા જ મળ્યા લાગે છે કે જે લોકોને ચિંતા કંઈ હોય જ ડેફિસિટવાળા કોઈ મળ્યા નથી લાગતા !

દાદાશ્રી : ના, એવું નહીં, ડેફિસિટવાળા બહુ મળેલા છે, પણ એમને ચિંતા ના હોય. એમને સહેજ મનમાં એમ થાય કે આજે આટલું લાવવું. તે લઈ આવે. એટલે ચિંતા-બિંતા કરે એ બીજાં અને ભગવાનને માથે નાખે. ‘એને ગમ્યું એ ખરું’ એમ કરીને ચાલવા દે અને આ તો ભગવાન નહીં, આ તો પોતે કર્તાને ?! કર્મનો કર્તા હું અને ભોક્તા પણ હું એટલે પછી ચિંતા માથે લે.

ચિંતા ત્યાં લક્ષ્મી ટકે ?

પ્રશ્નકર્તા : એવું જો હોય તો તો પછી લોકો કમાવા જ ના જાય, ને ચિંતા જ ના કરે.

દાદાશ્રી : નહીં, કમાવા જાય છે એ ય એમના હાથમાં જ નથી ને ! એ ભમરડા છે. આ બધા નેચરના ફેરવ્યા ફરે છે અને મોઢે અહંકાર કરે છે, કે હું કમાવા ગયેલો. અને આ વગર કામની ચિંતા કરે છે. ચિંતાવાળો રૂપિયા લાવે ક્યાંથી ? લક્ષ્મીજીનો સ્વભાવ કેવો છે ? જે આનંદી હોય એને ત્યાં લક્ષ્મી મુકામ કરે. બાકી, ચિંતાવાળાને ત્યાં મુકામ કરે નહીં. જે આનંદી હોય, જે ભગવાનને યાદ કરતા હોય, એને ત્યાં લક્ષ્મીજી જાય.

ચિંતાથી ધંધાનું મોત !

પ્રશ્નકર્તા : ધંધાની ચિંતા થાય છે, બહુ અડચણો આવે છે.

દાદાશ્રી : ચિંતા થવા માંડે કે સમજો, કાર્ય વધારે બગડવાનું. ચિંતા ના થાય તો સમજવું કે કાર્ય બગડવાનું નથી. ચિંતા કાર્યની અવરોધક છે. ચિંતાથી તો ધંધાને મોત આવે. જે ચઢ-ઉતર થાય એનું નામ જ ધંધો, પૂરણ-ગલન છે એ. પૂરણ થયું એનું ગલન થયા વગર રહે જ નહીં. આ પૂરણ-ગલનમાં આપણી કશી મિલકત નથી અને જે આપણી મિલકત છે, તેમાંથી કશું જ પૂરણ-ગલન થતું નથી ! એવો ચોખ્ખો વ્યવહાર છે ! આ તમારા ઘરમાં તમારાં વહુ-છોકરાં બધા જ પાર્ટનર્સ છે ને ?

પ્રશ્નકર્તા : સુખ-દુઃખના ભોગવટામાં ખરાં.

દાદાશ્રી : તમે તમારી બૈરી-છોકરાંના વાલી કહેવાઓ. એકલા વાલીએ શા માટે ચિંતા કરવી ? અને ઘરનાં તો ઊલટું કહે છે કે તમે અમારી ચિંતા ના કરશો. ચિંતાથી કશું વધી જાય ખરું ?

પ્રશ્નકર્તા : નથી વધતું.

દાદાશ્રી : વધતું નથી ? તો પછી એ ખોટો વેપાર કોણ કરે ? જો ચિંતાથી વધી જતું હોય તો તે કરવું.

એ સમજણે ચિંતા ગઈ.....

ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.

પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે, ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના ય કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉં. અને બૈરાં-છોકરાં બધાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતાં જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધું ય ! એટલે પછી મને અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તો ય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું.

વિચારો પણ ચિંતા ના કરો !

ચિંતા એટલે શું એ જાણવું જોઈએ કે આ મનનો વિચાર આમ ઉઠે. આપણે કોઈ પણ બાબતમાં, ધંધા સંબંધમાં, બીજાં ગમે તે સંબંધમાં કે કોઈ માંદગી હોય અને એને માટે વિચાર થયો, અને અમુક લેવલ આવ્યું અને પછી એ વિચાર આપણને વમળ ખવડાવે અને વમળે ચઢાવે તો જાણવું કે આ અવળે રસ્તે ચાલ્યું એટલે બગડ્યું. ત્યાંથી પછી ચિંતા ઉઠે.

વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચાર એટલે શું ? એક વિચાર ચાલુ થયા તે અમુક હદની ઉપર ગયા એટલે ચિંતા કહેવાય. હદ સુધી વિચાર કરવાનાં. વિચારોની નોર્માલિટી કેટલી ? મહીં વળ ચઢે નહીં ત્યાં સુધી. વળ ચઢે એટલે બંધ કરી દેવું. વળ ચઢે પછી ચિંતા શરૂ થઈ જાય. આ અમારી શોધખોળ છે.

ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો અધિકાર છે, કે ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ. એ એબોવ નોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવ નોર્મલ થયું ને ગૂંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.

પ્રશ્નકર્તા : સામાન્ય રીતે મહીં જોતા રહ્યા ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ?

દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી અને છે ય એવું જ. આ તો બધા મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી ? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબીચ્યુએટેડ.

પ્રશ્નકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને !

દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે નીકળે, પણ એકદમ ના જાય ને પાછી !

પરસત્તા ઝાલે ત્યાં ચિંતા થાય !

તમારે કેમનું છે ? કોઈક ફેરો ઉપાધિ થાય છે ? ચિંતા થઈ જાય છે ?

પ્રશ્નકર્તા : આ અમારી મોટી બેબીની સગાઈનું નથી પતતું, તે ઉપાધિ થઈ જાય છે ને !

દાદાશ્રી : તમારા હાથમાં હોય તો ઉપાધિ કરો ને, પણ આ બાબત તમારા હાથમાં છે ? નથી ? તો ઉપાધિ શેને માટે કરો છો ? ત્યારે કંઈ આ શેઠના હાથમાં છે ? આ બેનના હાથમાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો કોના હાથમાં છે તે જાણ્યા વગર આપણે ઉપાધિ કરીએ, તે શેના જેવું છે ? કે એક ઘોડાગાડી ચાલતી હોય, એમાં આપણે દસ માણસો બેઠા હોઈએ, મોટી બે ઘોડાની ઘોડાગાડી હોય. હવે એને ચલાવનારો ચલાવતો હોય અને આપણે અંદર બૂમાબૂમ કરીએ કે, ‘એય આમ ચલાવ, એય આમ ચલાવ’ તો શું થાય ? જે ચલાવે છે એને જોયા કરો ને ! ‘કોણ ચલાવનાર છે’ એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. એવું ‘આ જગત કોણ ચલાવે છે’ એ જાણીએ તો ચિંતા આપણને હોય નહીં. તમે રાત-દહાડો ચિંતા કરો છો ? ક્યાં સુધી કરશો ? એનો આરો ક્યારે આવશે ? તે મને કહો.

આ બેન તો એનું લઈને આવેલી છે, તમે તમારું બધું લઈને નહોતા આવ્યા ? આ શેઠ તમને મળ્યા કે ના મળ્યા ? તો શેઠ તમને મળ્યા, તો આ બેનને કેમ નહીં મળે ? તમે જરા તો ધીરજ પકડો. વીતરાગ માર્ગમાં છો અને આવી ધીરજ ના પકડો તો તેનાથી આર્તધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય.

પ્રશ્નકર્તા : એવું નહીં પણ સ્વાભાવિક ફિકર તો થાય ને !

દાદાશ્રી : એ સ્વાભાવિક ફિકર તે જ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કહેવાય, મહીં આત્માને પીડા કરી આપણે. બીજાને પીડા ના કરતો હોય તો ભલે, પણ આ તો આત્માને પીડા કરી.

ચિંતાથી બંધાય અંતરાય કર્મ

ચિંતા કરવાથી તો અંતરાય કર્મ પડે છે ઊલટું, એ કામ લાંબું થાય છે. આપણને કોઈકે કહ્યું હોય કે ફલાણી જગ્યાએ છોકરો છે, તો આપણે પ્રયત્ન કરવો. ચિંતા કરવાની ભગવાને ના પાડી છે. ચિંતા કરવાથી તો વધારે અંતરાય પડે છે. અને વીતરાગ ભગવાને શું કહ્યું છે કે, ‘ભઈ, ચિંતા તમે કરો છો, તો તમે જ માલિક છો ? તમે જ દુનિયા ચલાવો છો ?’ આને આમ જોવા જાય તો ખબર પડે કે પોતાને સંડાસ જવાની પણ સ્વતંત્ર શક્તિ નથી, એ તો જ્યારે બંધ થાય ત્યારે ડૉક્ટરને બોલાવવો પડે. ત્યાં સુધી એ શક્તિ આપણી છે એવું આપણને લાગ્યા કરે, પણ એ શક્તિ આપણી નથી. એ શક્તિ કોને આધીન છે, એ બધું જાણી રાખવું ના પડે ?

આનો ચલાવનારો કોણ હશે ? બેન, તમે તો જાણતા હશો ? આ શેઠ જાણતા હશે ? કોઈ ચલાવનારો હશે કે તમે ચલાવનારા છો ?

ચલાવનારા સંજોગો....

કર્તા કોણ છે ? આ સંજોગો કર્તા છે. આ બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો કાર્ય થાય એવું છે. તો આપણા હાથમાં સત્તા નથી, આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે ! સંજોગો ભેગા થાય એટલે કાર્ય થઈ જ જાય. કોઈ માણસ માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય અને જૂનની પંદરમી તારીખ થઈ એટલે એ સંજોગો ભેગાં થયા, કાળનો સંજોગ ભેગો થયો, પણ વાદળાનો સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ પડે ? પણ વાદળાં ભેગા થયા, કાળ ભેગો થયો; પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ ભેગા થયા એટલે વરસાદ પડે જ. એટલે સંજોગ ભેગા થવા જોઈએ. માણસ સંજોગોને આધીન છે, પણ પોતે એમ માને છે કે હું કંઈક કરું છું, પણ એ કર્તા છે એ પણ સંજોગના આધીન છે. એક સંજોગ વિખરાયો, તો એનાથી એ કાર્ય ના થઈ શકે.

‘હું કોણ છું’ જાણ્યે કાયમી ઉકેલ !

અને ખરેખર તો હું કોણ છું એ જાણવું જોઈએને ? પોતાની જાત ઉપર બીઝનેસ કરીએ, તો જોડે આવે. બીઝનેસ નામ પર કરીએ તો આપણા હાથમાં કશું રહે નહીં. થોડું ઘણું જાણવું પડે કે નહીં ? ‘હું કોણ છું’ એ જાણવું પડે ને ?

અહીં તમને ઉકેલ લાવી આપીએ, પછી ચિંતા-વરિઝ કશું થાય નહીં કોઈ દહાડો. ચિંતા થાય છે તે ગમે છે ? શાથી નથી ગમતી ?

અનંતકાળથી ભટક ભટક કરે છે આ જીવો, અનંતકાળથી. ત્યારે કો’ક ફેરો આવાં પ્રકાશરૂપી જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય, ત્યારે છૂટકારો કરાવડાવે.

ટેન્શન જુદું ! ચિંતા જુદી !

પ્રશ્નકર્તા : તો એ ચિંતા જોડે અહંકાર કેવી રીતે ?

દાદાશ્રી : હું ના હોઉં તો ચાલે નહીં, એવું એને લાગે. ‘આ હું જ કરું છું. હું નહીં કરું તો નહીં થાય, હવે આ થશે ? સવારે શું થશે ?’ એમ કરીને ચિંતા કરે.

પ્રશ્નકર્તા : ચિંતા કોને કહેવામાં આવે છે ?

દાદાશ્રી : કોઈ પણ વસ્તુને સર્વસ્વ માનીને ચિંતવન કરવું એ ચિંતા કહેવાય. વહુ માંદી થયેલી હોય, હવે એને પૈસા કરતાં ય એમાં, વહુમાં સર્વસ્વ લાગતું હોય, તો ત્યાંથી જ એને ચિંતા પેસી જાય. એમાં બધાય કરતાં વધારે પડતું માન્યું છે એને. એટલે ચિંતા પેસી જાય. અને જેને સર્વસ્વ આત્મામાં છે, એને પછી શેની ચિંતા હોય ?

પ્રશ્નકર્તા : ટેન્શન એટલે શું ? ચિંતાનું તો સમજાયું, હવે ટેન્શન એની વ્યાખ્યા કહોને કે ટેન્શન કોને કહેવું ?

દાદાશ્રી : ટેન્શન એના જેવો જ ભાગ છે. પણ એમાં સર્વસ્વ ના હોય, બધી રીતના તણાવ હોય. નોકરીનું ઠેકાણું નહીં પડે ? શું થશે ? એક બાજુ બૈરી માંદી છે, તેનું શું થશે ? છોકરો સ્કૂલમાં બરાબર જતો નથી, તેનું શું ? આ બધું, બધો તણાવ, એને ટેન્શન કહેવાય. અમે તો સત્યાવીસ વર્ષથી ટેન્શન જ જોયેલું નહીંને !

હવે કાળજી અને ચિંતામાં બહુ ફેર. કાળજી એ જાગૃતિ છે અને ચિંતા એટલે જીવ બળ્યા કરવો.

નોર્માલિટીથી મુક્તિ !

પ્રશ્નકર્તા : પરવશતા ને ચિંતા બે સાથે ના જાય.

દાદાશ્રી : ચિંતા એ તો એબોવ નોર્મલ ઈગોઈઝમ છે અને પરવશતા એ ઈગોઈઝમ નથી, પરવશતા એ લાચારી છે અને ચિંતા એ એબોવ નોર્મલ ઈગોઈઝમ છે. એબોવ નોર્મલ ઈગોઈઝમ થાય તો ચિંતા થાય, નહીં તો થાય નહીં. આ ઘરમાં રાતે ઊંઘ કોને ના આવતી હોય ? ત્યારે કહે, જેને ઈગોઈઝમ વધારે છે તેને.

ઈગોઈઝમ વાપરવાનું કહ્યું, એબોવ નોર્મલ ઈગોઈઝમ વાપરવાનું કહ્યું નથી. એટલે ચિંતા કરવી એ ગુનો છે અને એનું ફળ જાનવરપણું આવે છે.

પ્રશ્નકર્તા : ચિંતા ન થાય એને માટે ઉપાય શું ?

દાદાશ્રી : પાછું ફરવું. બાદ કરાવી નાખીને પાછું ફરવું જોઈએ. અગર તો ઈગોઈઝમ બિલકુલ ખલાસ કરવો જોઈએ. જ્ઞાની પુરુષ હોય તો જ્ઞાની પુરુષ જ્ઞાન આપે તો બધું થઈ જાય.

ચિંતા કેવી રીતે જાય ?

પ્રશ્નકર્તા : ચિંતા કેમ છૂટતી નથી ? ચિંતાને છોડવાને માટે શું કરવું ?

દાદાશ્રી : ચિંતા બંધ થયેલી હોય, એવો માણસ જ ના હોય. કૃષ્ણ ભગવાનના ભક્તને ય ચિંતા બંધ થયેલી ના હોય ને ! અને ચિંતાથી જ્ઞાન બધું આંધળું થઈ જાય, ફ્રેકચર થઈ જાય.

વર્લ્ડમાં એક માણસ એવો ના હોય કે જેને ચિંતા ના થતી હોય. બાવો-બાવલી બધાને કો’ક દહાડો તો થતી હોય. બાવાને ય છે તે ઈન્કમટેક્ષ ના હોય, સેલટેક્ષ ના હોય, ભાડું ના હોય, નાડું ના હોય તો ય કો’ક દહાડો ચિંતા થાય. શિષ્ય જોડે માથાકૂટ થઈ જાય તો યે ચિંતા થઈ જાય. આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં.

એક કલાકમાં તો તારી બધી જ ચિંતાઓ હું લઈ લઉં છું અને ગેરન્ટી આપું છું કે એકે ય ચિંતા થાય તો વકીલ કરીને કોર્ટમાં મારા પર કેસ ચલાવજે. આવાં અમે હજારો લોકોને ચિંતા રહિત કર્યા છે. મૂઆ માગ, માગું તે આપું તેમ છું પણ જરા પાંસરું માગજે. એવું માગજે કે જે કદી તારી પાસેથી જાય નહીં. આ નાશવંત ચીજો ના માગીશ. કાયમનું સુખ માગી લેજે.

અમારી આજ્ઞામાં રહે તો એક ચિંતા થાય તો દાવો માંડવાની છૂટ આપી છે. અમારી આજ્ઞામાં રહેવાનું. અહીં બધું મળે એવું છે. આ બધાને શરત કઈ કરી છે, જાણો છો તમે ? એક ચિંતા થાય તો મારી ઉપર બે લાખ રૂપિયાનો દાવો માંડજો.

પ્રશ્નકર્તા : આપની પાસે જ્ઞાન મળ્યું, મન-વચન-કાયા તમને અર્પણ કર્યા પછી ચિંતા થતી જ નથી.

દાદાશ્રી : થાય જ નહીં.

ચિંતા ગઈ, એનું નામ સમાધિ. એનાથી પછી પહેલાં કરતાં કામે ય વધારે થાય, કારણ કે ગૂંચારો ના રહ્યો ને પછી ! આ ઓફિસે જઈને બેઠાં કે કામ ચાલ્યું. ઘરના વિચાર ના આવે, બહારના વિચાર ના આવે, બીજા કશા વિચાર જ ના આવે ને સંપૂર્ણ એકાગ્રતા રહે.

વર્તમાનમાં વર્તે તે સાચું !

માણસોને ત્રણ વર્ષની એકની એક છોડી હોય તો મનમાં એમ થાય કે આ મોટી થશે ત્યારે એને પૈણાવી પડશે, એનો ખરચ થશે. એવું ચિંતા કરવાની ના કહી છે. કારણ કે એનો ટાઈમીંગ ભેગો થશે ત્યારે બધા એવિડન્સ ભેગા થશે. માટે એના ટાઈમીંગ આવતાં સુધી તમે એમાં હાથ ઘાલશો નહીં. તમે તમારી મેળે છોડીને ખાવાનું-પીવાનું આપો, ભણાવો-ગણાવો બધું. બીજી બધી આગળની ભાંજગડ નહીં કરો. આજના દિવસ પૂરતી જ ભાંજગડ કરો, વર્તમાનકાળ પૂરતી. ભૂતકાળ તો વહી ગયો. જે તમારે ભૂતકાળ છે એને ક્યાં ઉથામો છો ? નથી ઉથામતાને એટલે ભૂતકાળ વહી ગયો. એને કોઈ મૂર્ખ માણસે ય ઉથામે નહીં. ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે તો પછી આપણે વર્તમાનમાં રહેવું. અત્યારે ચા પીતાં હોયને તો ચા નિરાંતે પીવી, કારણ ભવિષ્યકાળ વ્યવસ્થિતના હાથમાં છે. આપણે શું ભાંજગડ ? એટલે વર્તમાનમાં રહેવું, ખાતાં હોય તે ઘડી એ તો ખાવામાં પૂર્ણ ચિત્ત પરોવીને ખાવું. ભજિયાં શેનાં છે એ બધું નિરાંતે જાણવું. વર્તમાનમાં રહેવું એનો અર્થ શું કે ચોપડો લખતા હોય તો બિલકુલ એક્યુરેટ, એમાં જ ચિત્ત રાખવું જોઈએ. કારણ કે ભવિષ્યકાળમાં ચિત્ત જાય છે, તેથી આજનો ચોપડો બગડે છે. ભવિષ્યનાં વિચારો પેલા કચકચ કરતાં હોય તેથી આજના લખાણનાં ચોપડા પેલાં બગડી જાય છે, ભૂલચૂક થઈ જાય છે. પણ જે વર્તમાનમાં રહે છે તેની એક પણ ભૂલ થતી નથી, ચિંતા થતી નથી.

ચિંતા એ નથી ડિસ્ચાર્જ !

પ્રશ્નકર્તા : ચિંતા એ ડિસ્ચાર્જ છે ?

દાદાશ્રી : ચિંતા એ ડિસ્ચાર્જમાં હોય નહીં, ચિંતા એમાં ‘કરનાર’ હોય.

જે ચાર્જ રૂપે ચિંતા હતી, તે હવે ડિસ્ચાર્જ રૂપે થાય તેને આપણે સફોકેશન કહીએ છીએ. કારણ કે મહીં અડવા ના દે ને ! અહંકારથી આત્મા જુદો વર્તે છે ને ! એકાકાર થાય ત્યારે એ ચિંતા હતી.

હવે સફોકેશન છે એ ચાર્જ થયેલી ચિંતા છે. ડિસ્ચાર્જ થતી વખતે તો સફોકેશન થાય. જેમ ચાર્જ ક્રોધ થયો હતો અને ડિસ્ચાર્જ થતી વખતે છે તે આત્મા જુદો એટલે ગુસ્સો થઈ ગયો. એવી રીતે, આત્મા જુદાપણાથી વર્તે એ બધું જુદું.

એટલે આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય જ નહીં, એ સફોકેશન છે ખાલી ! ચિંતાવાળું મોઢું ખબર પડી જાય. આ જે થાય છે, એ તો સફોકેશન ગૂંગળામણ થાય છે.

આપણને રસ્તો ચિતરી આપ્યો હોય, અને તેમાં આપણે સમજવામાં ભૂલ થઈ હોય તો પછી આપણે ગૂંચાઈએ, એને ચિંતા ના કહેવાય, ગૂંગળામણ કહેવાય. એટલે ચિંતાઓ ના થાય. ચિંતાઓ તો તડ તડ તડ લોહી બળ્યા કરતું હોય !

‘વ્યવસ્થિત’નું જ્ઞાન ત્યાં ચિંતા પલાયન !

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત જો બરાબર સમજાય તો ચિંતા કે ટેન્શન કશું જ ના રહે.

દાદાશ્રી : સ્હેજે ના રહે. વ્યવસ્થિત એટલે સાયંટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. વ્યવસ્થિત એટલે સુધી સમજતા જવાનું છે, કે છેલ્લું વ્યવસ્થિત કેવળજ્ઞાન ઊભું કરશે. અને વ્યવસ્થિત સમજાઈ જાય તો કેવળજ્ઞાન સમજાઈ જાય. આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે. આ અજાયબ શોધખોળ છે.

અનંત અવતાર સંસાર કોણ ઊભું કરતું’તું ! કર્તા થઈ બેઠા’તા તેની ચિંતા !

પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ને લઈને મને હવે ભવિષ્યની ચિંતા નથી રહેતી.

દાદાશ્રી : તમે તો ‘આ વ્યવસ્થિત છે’ તેમ કહી દો ને ! વ્યવસ્થિત તમને સમજાઈ ગયું છે ને ! કશો ફેરફાર થવાનો નથી. આખી રાત જાગીને બે વર્ષ પછીનો વિચાર કરશો તો ય તે યુઝલેસ વિચારો છે. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી છે.

પ્રશ્નકર્તા : આપે જે રિયલ અને રિલેટિવ એ સમજાવ્યું, ત્યાર પછી ચિંતા ગઈ.

દાદાશ્રી : પછી તો ચિંતા જ થાય નહીં ને ! આ જ્ઞાન પછી ચિંતા થાય એવું નથી. આ માર્ગ સંપૂર્ણ વીતરાગી માર્ગ છે. સંપૂર્ણ વીતરાગી માર્ગ એટલે શું કે ચિંતા જ ના થાય. આ તમામ આત્મજ્ઞાનીઓનો, ચોવીસ તીર્થંકરોનો માર્ગ છે, આ બીજા કોઈનો માર્ગ નથી.

- જય સચ્ચિદાનંદ