સેવા-પરોપકાર

સંપાદકીય

આ મન-વચન-કાયા પારકાંના સુખને માટે વાપરો તો પોતાને સંસારમાં કોઈ દહાડો સુખની કમી નહીં પડે. અને પોતાની જાતનું-સેલ્ફનું રીયલાઈઝેશન કરે, તેને સનાતન સુખની પ્રાપ્તિ થાય. મનુષ્યજીવનનો ધ્યેય આટલો જ છે. આ ધ્યેયના રસ્તે જો ચાલવા માંડે તો મનુષ્યપણામાં જીવનમુક્ત દશાને પામે. એથી ઉપર પછી આ જીવનમાં કંઈ જ પ્રાપ્તિ બાકી રહેતી નથી !

આંબો પોતાની કેરી કેટલી ખાઈ જતો હશે ? એના ફળ, લાકડાં-પાંદડા બધું પારકાં માટે જ વપરાય છે ને ! તેનું ફળ એ ઉર્ધ્વગતિને પામ્યા કરે છે. ધર્મની શરૂઆત જ ઓબ્લાઈઝીંગ નેચરથી થાય છે. બીજાને કંઈ પણ આપો ત્યારથી જ પોતાને આનંદ શરૂ થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડોય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને આત્મસાક્ષાત્કારી ગુરૂની સેવા કરે એ મોક્ષે જાય !

દાદાશ્રીએ પોતાની આખી જિંદગીનો એ જ ધ્યેય રાખ્યો હતો કે મને ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુધ્ધા નહીં કરેલા. પણ સામાને શી અડચણ છે, એની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં જ નિરંતર રહેલા. અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટેલી. અદ્ભૂત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયેલું.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવો, જે સેવા-પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ-સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફીટ કરાવે છે, જે ધ્યેયરૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે !

- ડૉ. નીરુબહેન અમીન

સેવા-પરોપકાર

મનુષ્ય જન્મની વિશેષતા !

પ્રશ્નકર્તા : આ મનુષ્ય અવતાર એળે ના જાય, એના માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : 'આ મનુષ્ય અવતાર એળે ના જાય' એનું જ આખો દહાડો ચિંતવન કરે તો તે સફળ થાય. આ મનુષ્ય અવતારની ચિંતા કરવાની ત્યારે લોકો લક્ષ્મીની ચિંતા કરે છે ! કોશિશ કરવાનું તમારા હાથમાં નથી, પણ ભાવ કરવાનું તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે. ભાવનું ફળ આવે. ખરી રીતે તો ભાવે ય પરસત્તા છે, પણ ભાવ કરો તો તેનું ફળ આવે છે.

પ્રશ્નકર્તા : મનુષ્ય જન્મની વિશેષતા શું ?

દાદાશ્રી : મનુષ્ય જીવન પરોપકાર માટે છે અને હિન્દુસ્તાનના મનુષ્યોનું જીવન 'એબ્સોલ્યુટીઝમ' માટે, મુક્તિ માટે છે. હિન્દુસ્તાન સિવાય બહાર બીજા ઈતર દેશોમાં જે જીવન છે એ પરોપકાર માટે છે. પરોપકાર એટલે મનનેય પારકાં માટે વાપરવાનું, વાણીયે પારકાં માટે વાપરવાની અને વર્તનેય પારકાં માટે વાપરવાનું ! મન-વચન-કાયાએ કરીને પરોપકારો કરવા. ત્યારે કહેશે, મારું શું થશે ? એ પરોપકાર કરે તો એને ઘરે શું રહે ?

પ્રશ્નકર્તા : લાભ તો મળે જ ને !

દાદાશ્રી : હા, પણ લોકો તો એમ જ જાણે ને કે હું આપું તો જતું રહે મારું.

પ્રશ્નકર્તા : નીચલી કક્ષાના માણસો હોય તે એવું માને.

દાદાશ્રી : ઊંચી કક્ષાવાળો એવું માને કે પારકાંને આપી શકાય.

જીવન પરોપકાર માટે...

આનું ગુહ્ય સાયન્સ શું છે કે મન-વચન-કાયા પરોપકારે વાપરો તો તમારે ત્યાં હરેક ચીજ હશે. પરોપકાર માટે જો વાપરો અને પછી ફી લઈને વાપરો તો ?

પ્રશ્નકર્તા : તકલીફ પેદા થાય.

દાદાશ્રી : આ કોર્ટમાં ફી લે, સો રૂપિયા પડશે, દોઢસો રૂપિયા પડશે. ત્યારે કહેશે, 'સાહેબ, દોઢસો લઈ લો.' પણ પરોપકારનો કાયદો તો ના લાગે ને !

પ્રશ્નકર્તા : પેટ લાગી હોય તો એમ કહેવું જ પડેને ?

દાદાશ્રી : પેટ લાગી છે, એ વિચાર કરશો જ નહીં. કોઈ જાતના પરોપકાર કરશોને તો તમને કોઈ અડચણ નહીં આવે, હવે લોકોને શું થાય છે ? હવે અધૂરું સમજીને કરવા જાયને, એટલે અવળી 'ઈફેક્ટ' આવે એટલે પાછું મનમાં શ્રધ્ધા ના બેસે ને ઊડી જાય. અત્યારે કરવા માંડે તો બે-ત્રણ અવતારેય રાગે પડે એ. આ જ 'સાયન્સ' છે.

સારા-ખરાબ માટે, પરોપકાર સરખો !

પ્રશ્નકર્તા : માણસ સારા માટે પરોપકારી જીવન જીવે, લોકોને કહે પણ ખરો, પણ એ જે સારા માટે કહે છે, તે લોકો આપણા પોતાના સારા માટે કહે છે એવું સમજવાને કોઈ તૈયાર નથી તેનું શું ?

દાદાશ્રી : એવું છે, પરોપકાર કરનાર સામાની સમજણ જોતો નથી અને પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ તો વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય.

આ ઝાડ હોય છે ને બધા આંબા છે, લીમડા છે એ બધું, ઝાડ ઉપર ફળ આવે છે તે આંબો કેટલી કેરીઓ એની ખાતો હશે ?

પ્રશ્નકર્તા : એકેય નહીં.

દાદાશ્રી : કોના માટે છે એ ?

પ્રશ્નકર્તા : પારકાં માટે.

દાદાશ્રી : હા તે એ જુએ છે કે આ લુચ્ચો છે કે સારો છે એવું જુએ છે ? જે લઈ જાય તેની, મારી નહીં. પરોપકારી જીવન એ જીવે છે. આવું જીવન જીવવાથી એ જીવોની ધીમે ધીમે ધીમે ઉર્ધ્વગતિ થાય.

પ્રશ્નકર્તા : પણ ઘણી વખત ઉપકાર જેની ઉપર થાય છે તે વ્યક્તિ ઉપકાર કરનાર સામે દોષારોપણ કરે છે.

દાદાશ્રી : હા, તે જોવાનું ત્યાં જ છે ને ? તે એ ઉપકાર કરે છે ને, તેની ઉપર પણ અપકાર કરે.

પ્રશ્નકર્તા : અણસમજણને કારણે !

દાદાશ્રી : એ સમજણ તે ક્યાંથી લાવે ? સમજણ હોય તો કામ જ થઈ જાયને ! સમજણ એવી લાવે ક્યાંથી ?!

પરોપકાર એ તો બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ છે. આ પરોપકારની લાઈફ, આખા મનુષ્યના જીવનનો ધ્યેય જ એ છે.

જીવનમાં, મહત્ કાર્ય જ આ બે !

અને બીજું આ હિન્દુસ્તાનના મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, 'એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાંના સારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે !

સરળતાના ઉપાયો !

પ્રશ્નકર્તા : જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો કયા ?

દાદાશ્રી : તે લોકોને તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝિંગ નેચર કરીને આપ આપ કર્યા કર. એમ ને એમ જીવન સાત્ત્વિક થતું જશે. ઓબ્લાઈઝિંગ નેચર કરેલો તેં ? તને ઓબ્લાઈઝિંગ નેચર ગમે છે ?

પ્રશ્નકર્તા : અમુક અંશે કરેલો !

દાદાશ્રી : એ વધારે અંશે કરીએ તો વધારે ફાયદો થાય. ઓબ્લાઈઝ જ કર્યા કરવા. કોઈનો ધક્કો ખઈએ, ફેરો ખાઈએ, પૈસા આપીએ, કોઈ દુઃખીયો હોય એને બે કપડાં સીવડાવી આપીએ એવું ઓબ્લાઈઝિંગ કરવું.

ભગવાન કહે છે કે મન-વચન-કાયા અને આત્માનો (પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.

ધર્મની શરૂઆત જ 'ઓબ્લાઈઝિંગ નેચર'થી થાય છે. તમે તમારા ઘરનું પારકાંને આપો ત્યાં જ આનંદ છે. ત્યારે લોકો લઈ લેવાનું શીખે છે ! તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.

ભાવમાં તો સો ટકા !

આ કોઈ ઝાડ પોતાનાં ફળો પોતે ખાય છે ? ના. એટલે આ ઝાડો મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને આપો. તમને કુદરત આપશે. લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે ખરા. કારણ કે એનાં બીજા લાભ છે, નહીં તો છોડવો ઉખાડી જ નાખે. પણ એ બીજી રીતે લાભકારી છે. એ ઠંડક આપે છે, એની દવા હિતકારી છે, એનો રસ હિતકારી છે. સત્યુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. આખો દહાડો 'કોને ઓબ્લાઈઝ કરું' એવાં જ વિચારો આવે.

બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો કે મારી પાસે પૈસા છે, તો મારે કોઈના દુઃખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે. જે પોતાને સિલ્લક હોય તે હેલ્પ કરવાની, નહીં તો ઓબ્લાઈઝિંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝિંગ નેચર એટલે શું ? પારકાંનું કરવા માટેનો સ્વભાવ !

ઓબ્લાઈઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય ! કંઈ પૈસા આપી દેવા એ ઓબ્લાઈઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે ના ય હોય. પણ આપણી ઈચ્છા, એવી ભાવના હોય કે આને કેમ કરીને હેલ્પ કરું ! આપણે ઘેર કો'ક આવ્યો હોય, તેને કંઈ કેમ કરીને હેલ્પ કરું, એવી ભાવના હોવી જોઈએ. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.

પૈસાથી જ કંઈ 'ઓબ્લાઈઝ' કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને 'ઓબ્લાઈઝ' કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.

જીવનનો ધ્યેય !

જેનાથી કંઈક આપણા ધ્યેય તરફ પહોંચી શકાય. આ ધ્યેય વગરનું જીવન, એનો અર્થ જ નથી. ડોલર આવે છે અને ખઈ-પીને મોજ કરીએ અને આખો દહાડો ચિંતા-વરીઝ કર્યા કરીએ, એ જીવનનો ધ્યેય કેમ કહેવાય ? મનુષ્યપણું મળ્યું એ એળે જાય એનો શો અર્થ છે ? એટલે મનુષ્યપણું મળ્યા પછી આપણા ધ્યેયને પહોંચવા માટે શું કરવું જોઈએ ? સંસારના સુખો જોઈતા હોય, ભૌતિક સુખો, તો તમારી પાસે જે કંઈ હોય તે આપો લોકોને. કંઈ પણ લોકોને સુખ આપો તો તમે સુખની આશા રાખી શકો છો. નહીં તો સુખ તમને મળે નહીં અને જો દુઃખ આપો તો તમને દુઃખ મળશે.

આ દુનિયાનો કાયદો એક જ વાક્યમાં સમજી જાવ, આ જગતના તમામ ધર્મોનો કે જે માણસને સુખ જોઈતાં હોય, તો બીજાં જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે આપો. હવે કોઈ કહેશે કે સુખ લોકોને અમે કેવી રીતે આપીએ, અમારી પાસે પૈસા નથી. તો પૈસાથી અપાય છે એવું એકલું જ નથી, એની જોડે ઓબ્લાઈઝિંગ નેચર કરી શકાય, એનો ધક્કો ખઈ શકાય અને સલાહ આપી શકાય, બધી અનેક રીતે ઓબ્લાઈઝ કરી શકીએ એમ છે.

ધર્મ એટલે કંઈ ભગવાનની મૂર્તિઓ પાસે બેસી રહેવું, એનું નામ ધર્મ નથી. ધર્મ તો આપણે ધ્યેયને પહોચવું, એનું નામ ધર્મ છે. જોડે જોડે એકાગ્રતાને માટે આપણે કોઈ પણ સાધન કરીએ એ વાત જુદી વસ્તુ છે, પણ એકાગ્રતા આમાં કરો તો બધું એકાગ્ર જ છે આમાં. ઓબ્લાઈઝિંગ નેચર રાખો, નક્કી કરો કે મારે ઓબ્લાઈઝ જ કરવા છે હવે, તો તમારામાં ફેરફાર થઈ જશે. નક્કી કરો કે મારે વાઈલ્ડનેસ કરવી નથી.

સામો વાઈલ્ડ થાય તો ય મારે થવું નથી, તો એવું થઈ શકે છે. ના થઈ શકે ? નક્કી કરો ત્યારથી થોડું થોડું ફેરફાર થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : મુશ્કેલ છે પણ.

દાદાશ્રી : ના, મુશ્કેલ હોય તો પણ નક્કી કરીએને, કારણ કે તમે માણસ છો અને ભારત દેશના માણસ છો. જેવા તેવા છો ? ઋષિ-મુનિઓના પુત્રો છો તમે ! ભયંકર શક્તિઓ તમારી પાસે પડી રહી છે. તે આવરેલી પડી રહી છે તે તમને શું કામ લાગે ? તે તમે આ મારા આ શબ્દ પ્રમાણે જો નક્કી કરો કે મારે આ કરવું જ છે, તો એ અવશ્ય ફળશે, નહીં તો આમ વાઈલ્ડનેસ કયાં સુધી કર્યા કરશો ? અને તમને સુખ પડતું નથી, વાઈલ્ડનેસમાં સુખ પડે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ઊલટું દુઃખ જ નોતરો છો.

પરોપકારથી પુણ્યૈ સથવારે !

જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે. અને મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું. જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે, એટલે અમે તેને કહીએ કે, જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મઝા કરજે, પછી આગળની વાત આગળ ! અને પુણ્યરૂપી મિત્ર જોઈતો હોય તો અમે બતાડી દઈએ કે ભાઈ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઈ ઝાડ એનું ફળ પોતે ખાઈ જાય છે ? કોઈ ગુલાબ એનું ફૂલ ખાઈ જતું હશે ? થોડુંક તો ખાઈ જતું હશે, નહીં ? આપણે ના હોઈએ ત્યારે રાત્રે એ ખાઈ જતું હશે, નહીં ? ના ખાઈ જાય ?

પ્રશ્નકર્તા : ના ખાય.

દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડોને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે અને મનુષ્યો આગળ વધે છે એમની હેલ્પ લઈને ! એમ માનો ને, કે આપણે કેરી ખાધી એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ, તેનાથી આપણે સો રૂપિયા જેટલું આધ્યાત્મિકમાં કમાઈએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પાંચ ટકા પડાવે ને એ બિચારા ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ-ફૂલ ભોગવો.

યોગ ઉપયોગ પરોપકારાય !

માટે આ જગત તમને પોષાતું હોય, જગત જો તમને ગમતું હોય, જગતની ચીજોની ઈચ્છા હોય, જગતના વિષયોની વાંછના હોય તો આટલું કરો, 'યોગ ઉપયોગ પરોપકારાય'. યોગ એટલે આ મન-વચન-કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવું એ બધું જ પારકાંને માટે વાપર અને પારકાંને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે, તેનાથી એને બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને કયાંથી ખોરાક મળે છે ? આ ઝાડોએ કંઈ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરા ય 'ઈમોશ્નલ' નથી. એ કોઈ દહાડો 'ઈમોશ્નલ' થાય છે ? એ તો કોઈ દહાડો આઘાંપાછાં થતાં જ નથી. એમને કોઈ દહાડો થતું નથી કે લાવ અહીંથી માઈલ છેટે વિશ્વામિત્રી છે, તે ત્યાં જઈને પાણી પી આવું !

પ્રમાણિકતા ને પરસ્પર 'ઓબ્લાઈઝિંગ નેચર'. બસ, આટલાની જ જરૂર છે. પરસ્પર ઉપકાર કરવાનો, આટલો જ મનુષ્યજીવનનો લ્હાવો છે ! આ જગતમાં બે પ્રકારનાને ચિંતા મટે, એક જ્ઞાની પુરુષ ને બીજા પરોપકારીને.

પરોપકારની સાચી રીત !

પ્રશ્નકર્તા : આ જગતમાં સારાં કૃત્યો કયા કહેવાય ? એની વ્યાખ્યા આપી શકાય ?

દાદાશ્રી : હા, સારાં કૃત્યો તો આ ઝાડ બધાં કરે છે, એ તદ્દન સારાં કૃત્યો કરે છે. પણ એ પોતે કર્તાભાવે નથી. આ ઝાડ જીવવાળાં છે. બધાં પારકાં માટે પોતાનાં ફળ આપે છે. તમે તમારાં ફળ પારકાંને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય - દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ, 'ફ્રી ઓફ કોસ્ટ' લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે. તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્માત્ર અડચણ નહીં પડે અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઈ જશો તો અડચણ આવી મળશે. આ આંબો એનાં ફળ ખાઈ જાય તો એનો માલિક જે હોય તે શું કરે ? એને કાપી નાખે ને ? તેમ આ લોકો પોતાનાં ફળ પોતે જ ખાઈ જાય છે, એટલું જ નહીં ઉપરથી ફી માંગે છે !

એક અરજી લખી આપવાના બાવીસ રૂપિયા માંગે છે ! જે દેશમાં 'ફ્રી ઓફ કોસ્ટ' વકીલાત કરતાં અને ઉપરથી ઘરનું જમાડીને વકીલાત કરતાં ત્યાં આ દશા થઈ. આ ગામમાં વઢવાડ થઈ હોય, તો નગરશેઠ હોય તે પેલા બે લડવાવાળાને કહેશે, 'ભાઈ ચંદુલાલ, તમે આજે સાડા દસ વાગે ઘેર આવજો અને નગીનદાસ, તમે પણ તે ટાઈમે ઘેર આવજો.' અને નગીનદાસની જગ્યાએ કોઈ મજૂર હોય કે ખેડૂત હોય કે જે વઢતા હોય તેમને ઘેર બોલાવી જાય. બેઉને બેસાડે, બેઉને સહમત કરે. જેના પૈસા ચૂકવવાના હોય તેને થોડા રોકડા અપાવી, બાકીના હપ્તા બંધાવી આપે. પછી બેઉ જણને કહેશે, 'ચાલો, મારી જોડે જમવા બેસી જાઓ.' બન્નેને જમાડીને પછી ઘેર મોકલી આપે ! છે અત્યારે આવાં વકીલ ? માટે સમજો અને સમયને ઓળખીને ચાલો. અને જો પોતાની જાત ને પોતા માટે જ વાપરે તો મરણ વખતે દુઃખી થવાય. જીવ નીકળે નહીં ને બંગલા-મોટર છોડીને જવાય નહીં !

સલાહના એની પાસે પૈસા માંગવાના નહીં. આમતેમ કરીને પતાવી આપે. પોતે ઘરનાં બે હજાર આપે અને અત્યારે તો સલાહ લેવા ગયો હોય, તો સલાહની ફીનાં સો રૂપિયા લઈ લેશે ! 'અરે, જૈન છો તમે.' ત્યારે કહે, 'એ તો જૈન છે, પણ ધંધો જોઈએ કે ના જોઈએ અમારે ?' 'સાહેબ, સલાહની ય ફી ?' અને તમે જૈન ? ભગવાનને ય શરમાવડાવ્યા ? વીતરાગોને ય શરમાવડાવ્યા ? નો - હાઉની ફી ? આ તો કયા તોફાન કહેવાય ?

પ્રશ્નકર્તા : આ વધારાની બુદ્ધિની ફી એમ કહો છો ને !

દાદાશ્રી : કારણ કે બુદ્ધિનો વાંધો નથી. આ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ છે. પોતાનું જ નુકસાન કરનારી બુદ્ધિ છે. વિપરીત બુદ્ધિ ! ભગવાને બુદ્ધિને માટે વાંધો નથી ઉઠાવ્યો. ભગવાન કહે છે, સમ્યક્ બુદ્ધિ પણ થઈ શકે છે. તે બુદ્ધિ વધી હોય ને તો મનમાં એમ થાય, કોને કોને નિકાલ કરી આપું, કોને કોને હેલ્પ કરી આપું, કોને કોને સર્વિસ ના હોય એને સર્વિસ મળે એવું કરી આપું.

ઓબ્લાઈઝિંગ નેચર !

પ્રશ્નકર્તા : હવે મારી દ્રષ્ટિએ કહું છું કે એક કૂતરો હોયને, તે કોઈ કબૂતરને મારે તે આપણે બચાવવા જઈએ તો મારી દ્રષ્ટિએ આપણે ઓબ્લાઈઝ કર્યું, તો એ તો આપણે વ્યવસ્થિતના માર્ગમાં આવ્યાને ?

દાદાશ્રી : એ ઓબ્લાઈઝ થાય જ ક્યારે ? એનું 'વ્યવસ્થિત' હોય તો જ થાય આપણાથી, નહીંતર થાય જ નહીં. આપણે ઓબ્લાઈઝિંગ નેચર રાખવો. એનાથી બધા પુણ્ય જ બંધાય એટલે દુઃખ ઉત્પન્ન થવાનું સાધન ના રહ્યું. પૈસાથી ના થાય તો ધક્કો ખાઈને કે બુદ્ધિ આપીને, સમજણ પાડીને પણ ગમે તે રસ્તે ઓબ્લાઈઝ કરવા.

પરોપકાર, પરિણામે લાભ જ !

અને આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની.

એટલે ઓબ્લાઈઝિંગ નેચર કર્યો કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો'કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહેશે, મને તારી પર વિશ્વાસ નહીં આવતો. ત્યારે કહીએ, ભઈ, પગે લાગીએ છીએ. પણ બીજાને વિશ્વાસ આવે છે તેને તો લઈ જઈએ.

આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઓબ્લાઈઝિંગ નેચર અને પચ્ચીસ વર્ષે મારા બધા ફ્રેન્ડ સર્કલ મને સુપર હ્યુમન કહેતા'તા.

હ્યુમન કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય.

એટલે જે સામાનું સુખ લઈ લે છે એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવાં આપી દે છે એ દેવગતિમાં જાય છે, સુપરહ્યુમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુઃખીયાને, એ દેવગતિમાં જાય.

એમાં ઈગોઈઝમ નોર્મલ !

પ્રશ્નકર્તા : પરોપકારની સાથે 'ઈગોઈઝમ'ની સંગતિ હોય કે ?

દાદાશ્રી : હંમેશાં પરોપકાર જે કરે છે, તેનો 'ઈગોઈઝમ' નોર્મલ જ હોય, તેનો વાસ્તવિક 'ઈગોઈઝમ' હોય અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઈને બીજાનું કામ કરતાં હોય, તેનો 'ઈગોઈઝમ' બહુ વધી ગયેલો હોય.

આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો.

નવો ધ્યેય આજનો, રીએકશનો પાછલાં !

પ્રશ્નકર્તા : તો પરોપકાર અર્થે જ જીવવું જોઈએ ?

દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઈન તરત જ બદલો તો આમ કરતાં પાછલા રીએકશનો તો આવે, એટલે પાછા તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે ! પણ થોડો વખત સહન કરવું પડશે, ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલા રિએક્શન તો આવવાના જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેનાં ફળ તો આવે જ ને ?

અંતે ઉપકાર જાત ઉપર કરવાનો !

હંમેશાં કોઈની પર ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોય એટલો આપણને લાભ થાય, પણ એ ભૌતિક લાભ થાય, એનું ભૌતિક ફળ મળવાનું.

પ્રશ્નકર્તા : કોઈક પર ઉપકાર કરવાને બદલે જાત ઉપર ઉપકાર કરે તો ?

દાદાશ્રી : બસ, જાત ઉપર ઉપકાર કરવા માટે જ બધું કરવાનું છે. જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એને માટે પોતાની જાત (પોતાના આત્માને) જાણવી પડે, ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે 'આપણે કોણ છીએ' એ જાણવું પડે. ખરેખર આપણે પોતે શુધ્ધાત્મા છીએ. તમે તો અત્યાર સુધી 'હું ચંદુભાઈ છું' એટલું જ જાણો છો ને કે બીજું કશું જાણો છો ? આ 'ચંદુભાઈ' એ 'હું જ છું' એવું કહેશો. આનો ધણી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં, આમ બધી ઘટમાળ ! એવું જ છે ને ? એ જ જ્ઞાન તમારી પાસે છે ને ? એથી આગળ ગયા નથી ને ?

માનવસેવા, સામાજિક ધર્મ !

પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં એવું હોય છે ને કે દયાભાવ રહે છે, સેવા રહે છે, કોઈના પ્રત્યે લાગણી રહે છે કે કંઈક કરી છૂટું, કોઈને નોકરી અપાવવી, બિમારને હોસ્પીટલમાં જગ્યા અપાવવી, એટલે એ બધી ક્રિયાઓ એ એક જાતનો વ્યવહાર ધર્મ જ થયો ને ?

દાદાશ્રી : એ તો બધી સામાન્ય ફરજો કહેવાય.

પ્રશ્નકર્તા : તો માનવસેવા એ તો એક વ્યવહારિક થયું, એવું જ સમજવું ને ? એ તો વ્યવહાર ધર્મ થયો ને ?

દાદાશ્રી : એ વ્યવહાર ધર્મ પણ નહીં, એ તો સમાજ ધર્મ કહેવાય. જે સમાજને અનુકૂળ હોય તે લોકોને અનુકૂળ પડે ને એ જ સેવા બીજા સમાજને આપવા જઈએ તો તે પ્રતિકૂળ પડે. એટલે વ્યવહાર ધર્મ ક્યારે કહેવાય કે જે બધાને સરખુ પડે તેને ! અત્યાર સુધી તમે જે કર્યું તે સમાજસેવા કહેવાય. દરેકની સમાજસેવા જુદા જુદા પ્રકારની હોય. દરેક સમાજ જુદા પ્રકારનો, તેમ સેવા પણ જુદા પ્રકારની હોય.

લોકસેવા, બીગીન્સ ફ્રોમ હોય !

પ્રશ્નકર્તા : જે લોકો લોકસેવામાં આવ્યા, એ શેના લીધે આવ્યા હશે ?

દાદાશ્રી : એ તો ભાવના સારી. લોકોનું કેમ કરીને સારું થાય, એટલા માટે ઈચ્છા. લાગણીઓ સારી ત્યારે ને !

એ તો ભાવના-લાગણીઓ લોકોના તરફ કે આ લોકોને જે દુઃખ થાય છે, તે ના થાય તેવી ભાવના છે તેની પાછળ. ઊંચી ભાવનાને બહુ. પણ લોકસેવકોનું મેં એ જોયું, સેવકોને ઘેર જઈને પૂછીએ છીએ ને, ત્યારે પાછળ ધૂમાડા નીકળે છે, એટલે એનું નામ સેવા ના કહેવાય. સેવા ઘરથી હોવી જોઈએ. બીગીન્સ ફ્રોમ હોમ. પછી નેબરર્સ. પછી આગળની સેવા. આ તો ઘેર જઈને પૂછીએ ત્યારે ધૂમાડા નીકળે છે. કેમ લાગે છે તમને ? માટે પહેલેથી ઘરથી હોવી જોઈએ ને ?

પ્રશ્નકર્તા : ભાઈ કહે છે, એમના કેસમાં ઘરે ધૂમાડા નથી.

દાદાશ્રી : આનો અર્થ એ થયો કે એ સાચી સેવા છે.

કરો જનસેવા, ચોખ્ખી દાનત રાખીને !

પ્રશ્નકર્તા : લોકસેવા કરતાં કરતાં એમાં ભગવાનના દર્શન કરીને સેવા કરી હોય તો બરાબર ફળ આપે ને ?

દાદાશ્રી : ભગવાનના દર્શન કર્યા હોય તો લોકસેવામાં પછી પડે નહિ, કારણ કે ભગવાનના દર્શન થયા પછી કોણ છોડે ભગવાનને ? આ તો લોકસેવા એટલા માટે કરવાની કે ભગવાન જડે એટલા સારુ. લોકસેવા તો હ્રદયની હોવી જોઈએ, હ્રદયપૂર્વકનું હોય તો બધે પહોંચે. લોકસેવા અને પ્રખ્યાતિ બે ભેગી થાયને તો મુશ્કેલીમાં મૂકી દે, માણસને. ખ્યાતિ વગરની લોકસેવા હોય ત્યારે સાચું. ખ્યાતિ તો થાય જ જાણે કે, પણ ખ્યાતિની ઈચ્છારહિત થાય એવું હોવું જોઈએ.

જનસેવા તો લોક કરે એવા નથી. આ તો મહીં અંદરખાને કીર્તિનો લોભ છે, માનનો લોભ છે, બધા જાતજાતના લોભ રહ્યા છે, તે કરાવડાવે છે. જનસેવા કરનારા માણસો તો કેવા હોય ? એ અપરિગ્રહી પુરુષ હોય. આ તો બધાં નામ કાઢવા માટે, 'ધીમે ધીમે કોઈક દહાડો પ્રધાન થઈશ' એમ કરીને જનસેવા કરે. મહીં દાનત ચોર હોય એટલે બહારની આફતો, વગર કામના પરિગ્રહો, એ બધું બંધ કરી દો તો બધું રાગે પડી જશે. આ તો એક બાજુ પરિગ્રહી, સંપૂર્ણ પરિગ્રહી રહેવું છે અને એક બાજુ જનસેવા જોઈએ છે, એ બન્ને શી રીતે બની શકે ?

પ્રશ્નકર્તા : અત્યારે તો હું માનવસેવા કરું છું, ઘેર ઘેર બધાની પાસે ભીખ માંગી ગરીબોને આપું છું. એટલું હું કરું છું અત્યારે.

દાદાશ્રી : એ તો બધું તમારે ખાતે-ચોપડે જમા થશે. તમે જે આપો છો ને... ના, ના, તમે જે વચ્ચે એ કરો છો, તેની રકમ કાઢશે, અગિયાર ગણી રકમ કરી અને પછી જે દલાલી છે તે તમને મળશે. આવતે ભવ દલાલી મળશે અને એની શાંતિ રહેશે તમને. આ કામ સારું કરો છો એટલે શાંતિ અત્યારે રહે અને ભવિષ્યમાં ય રહેશે. એ કામ સારું છે.

બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે. એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે, એને સેવા ના કહેવાય.

સુરતમાં અમે એક ગામમાં ગયા'તા. એક જણ કહે છે, 'મારે સમાજસેવા કરવી છે.' મેં કહ્યું, 'શું સમાજસેવા તું કરીશ ?' ત્યારે કહે છે, 'આમ શેઠીયાઓ પાસેથી લાવીને લોકોને આપું છું.' મેં કહ્યું, 'આપ્યા પછી તપાસ કરું છું કે શેમાં વાપરે છે એ ?' ત્યારે કહે, 'એ આપણે જોવાની શી જરૂર ?' પછી એને સમજ પડી કે, 'ભઈ, હું તને રસ્તો દેખાડું એ રીતે કર. શેઠીયાઓ પાસેથી પૈસા લાવું, તે એને સો રૂપિયાની લારી લઈ આપજે. પેલી હાથલારી આવે છે ને, ટુ ટાયરની હોય છે, તે સો-દોઢસો કે બસ્સો રૂપિયાની એની લારી લઈ આપજે અને એક પચાસ રૂપિયા બીજા આપજે ને કહેજે, તારે શાકભાજી લાવી અને વેચીને, મને મૂડી સાંજે રોજ પાછી આપી દેવી. નફો તારો અને લારી પેટે આટલાં પૈસા રોજ આપવા.' 'બહુ ગમ્યું, બહુ ગમ્યું. આ તમે ફરી સુરત આવતાં પહેલાં તો સો-પચાસેક માણસ ભેગાં કરી નાખીશ.' ત્યારે આવું કંઈ કરો ને, અત્યારે લારીઓ-બારીઓ લઈ આપો. આ બધા ગરીબોને, એને કંઈ મોટા ધંધા કરવાની જરૂર છે ? એક લારી લઈ આપો, તો સાંજે વીસ રૂપિયા ઊભાં કરી દે. તમને કેમ લાગે છે ? એને આવું આપીએ તો આપણે પાકાં જૈન ખરાં કે નહીં ? એવું છે ને, અગરબત્તી ય બળતાં બળતાં સુગંધી આપીને બળે છે, નહીં ? આખો રૂમ સુગંધીવા

ળો કરી જાય ને ? તો આપણાથી સુગંધી જ ના થાય ?

આવું કેમ હોય આપણને ? હું તો પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પણ અહંકાર કરતો'તો ને તે ય વિચિત્ર પ્રકારનો અહંકાર કરતો. આ ભઈ મને મળ્યા અને જો એમને લાભ ના થાય તો મારું મળવું ખોટું હતું. એટલે દરેક માણસ મારી પાસે લાભ પામેલો. હું મળ્યો ને જો એમને લાભ ન થાય તો કામનું શું ? આંબો શું કહે છે કે મને ભેગા થયો ને કેરીની સીઝન હોય અને જો સામાને લાભ ના થાય તો હું આંબો જ નહીં. ભલે નાની હોય તો નાની, તને ઠીક લાગે તે, તને એનો લાભ તો થાય ને ! એ આંબો કંઈ લાભ ઉઠાવતો નથી. એવાં કંઈ વિચાર તો હોવાં જોઈએ ને આમ. આ આવું મનુષ્યપણું કેમ હોવું જોઈએ ? આવું સમજાવે તો બધાં ડાહ્યા છે પાછાં. આ તો ગેડ પડી ગઈ, પેલાએ આમ કર્યું, ચાલ્યું બધું ગાડું. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, આપ વાત કરો છો, આવી મહાજનની સંસ્થા દરેક ઠેકાણે હતી.

દાદાશ્રી : પણ અત્યારે એ ય મુશ્કેલીમાં મૂકાયાને ! એટલે કોઈનો દોષ નથી. હવે બનવાનું તે બની ગયું, પણ હવે જો સુધારે આવું વિચારોથી તો હજુ સુધરી શકે એમ છે અને બગડેલું સુધારવું, એનું નામ જ ધર્મ કહેવાય. સુધરેલાને તો સુધારવા તૈયાર હોય જ બધાય પણ બગડ્યું તે સુધારવું, એનું નામ ધર્મ કહેવાય.

માનવસેવા એ પ્રભુસેવા ?!

પ્રશ્નકર્તા : માનવસેવા એ તો પ્રભુસેવા છે ને !

દાદાશ્રી : નહીં. પ્રભુસેવા નહીં. બીજાની સેવા ક્યારે કરે છે ? પોતાને પોતાને મહીં દુઃખ થાય છે. તમને કોઈ પણ માણસ ઉપર દયા આવે એટલે તમને અંદર દુઃખ થાય એની સ્થિતિ જોઈને અને એ દુઃખ મટાડવા માટે તમે આ બધું સેવા કરો છો. એટલે આ બધું પોતાનું દુઃખ મટાડવા માટે છે. એક માણસને દયા બહુ આવે છે. તે કહે છે કે, 'મેં દયાને લઈને આ લોકોને મેં આમ આપી દીધું ને તેમ આપી...' ના, અલ્યા, તારા દુઃખને મટાડવા માટે આ લોકોને તું આપે છે. તમને સમજાય વાત આ ? બહુ ઊંડી વાત છે આ, છીછરી વાત નથી આ. પોતાના દુઃખને મટાડવા માટે આપે છે. પણ એ વસ્તુ સારી છે. કો'કને આપશો તો તમે પામશો ફરી.

પ્રશ્નકર્તા : પણ જનતા જનાર્દનની સેવા એ જ ભગવત્ સેવા છે કે પછી અમૂર્તને મૂર્ત સ્વરૂપ આપી પૂજા કરવી એ ?

દાદાશ્રી : જનતા જનાર્દનની સેવા કરવાથી આપણને સંસારમાં બધા સુખો મળી આવે, ભૌતિકસુખો અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ મોક્ષ તરફ જાય. પણ તે દરેક અવતારમાં એવું થાય નહીં. કો'ક જ અવતારમાં સંજોગો મળી જાય. બાકી દરેક અવતારમાં થાય નહીં એટલે એ સિધ્ધાંતરૂપ નથી.

... કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન !

સમાજકલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવા સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે.

સમાજસેવા પ્રકૃતિ સ્વભાવ !

સમાજસેવા તો જેણે ભેખ બાંધી છે ને ભેખ લીધી છે, એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને બહારનાં જ લોકોની સેવામાં એ પડેલો છે, એ સમાજસેવા કહેવાય અને આ બીજા તો પોતાના આંતરિક ભાવો કહેવાય, એ ભાવો તો પોતાને આવ્યા જ કરે. કોઈના પર દયા આવે, કોઈના પર લાગણીઓ થાય અને આવું બધું તો પોતાની પ્રકૃતિમાં લાવેલો જ હોય, પણ છેવટે આ બધો જ પ્રકૃતિ ધર્મ જ છે. પેલી સમાજસેવા એ પણ પ્રકૃતિ ધર્મ છે, એને પ્રકૃતિ સ્વભાવ કહે છે કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. કોઈનો દુઃખ દેવાનો સ્વભાવ હોય છે, કોઈનો સુખ આપવાનો સ્વભાવ હોય છે. આ બેઉના સ્વભાવ એ પ્રકૃતિ સ્વભાવ કહેવાય, આત્મ સ્વભાવ નહીં. પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે, એવો એનો માલ નીકળે છે.

સેવા - કુસેવા, પ્રાકૃત સ્વભાવ !

આ તમે જે સેવા કરો છો એ પ્રકૃતિ સ્વભાવ છે અને એક માણસ કુસેવા કરે છે તે પણ પ્રકૃતિ સ્વભાવ છે. આમાં આપનો પુરુષાર્થ નથી ને પેલાનો ય પુરુષાર્થ નથી, પણ મનથી એમ માને છે કે 'હું કરું છું.' હવે 'હું કરું છું' એ જ ભ્રાંતિ છે. અહીં 'આ' જ્ઞાન આપ્યા પછી પણ તમે સેવા કરવાના તો છો જ, કારણ કે પ્રકૃતિ એવી લાવ્યા છો પણ એ સેવા પછી શુદ્ધ સેવા થશે, અત્યારે શુભ સેવા થઈ રહી છે. શુભ સેવા એટલે બંધનવાળી સેવા, સોનાની બેડી પણ બંધન જ છે ને ! આ જ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય, પણ તમને દુઃખ થાય નહીં ને એનું દુઃખ દૂર થાય, પછી તમને કરુણા રહેશે. આ અત્યારે તો તમને દયા રહે છે કે બિચારાને શું દુઃખ થતું હશે, શું દુઃખ થતું હશે ? એની તમને દયા રહે છે. એ દયા હંમેશાં આપણને દુઃખ આપે. દયા હોય ત્યાં અહંકાર હોય જ. દયાના ભાવ સિવાય પ્રકૃતિ સેવા કરે જ નહીં અને આ જ્ઞાન પછી તમને કરુણા ભાવ રહેશે.

સેવાભાવનું ફળ ભૌતિક સુખો છે અને કુસેવાભાવનું ફળ ભૌતિક દુઃખો છે. સેવાભાવથી પોતાનું 'હું' ના જડે. પણ જ્યાં સુધી 'હું' ના જડે ત્યાં સુધી ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખશો.

સાચો સમાજસેવક !

તમે કોને મદદ કરો છો ?

પ્રશ્નકર્તા : એટલે સમાજની સેવામાં ઘણો સમય આપું છું.

દાદાશ્રી : સમાજસેવા તો અનેક પ્રકારની હોય છે. જે સમાજસેવામાં, જેમાં કિંચિત્માત્ર 'સમાજસેવક છું' એવું ભાન ના રહેને એ સમાજસેવા સાચી.

પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે.

દાદાશ્રી : બાકી, સમાજસેવકો તો ઠેર ઠેર દરેક ભાગમાં બબ્બે- ચચ્ચાર હોય છે, ધોળી ટોપી મેલી અને ફર ફર કર્યા કરે, સમાજસેવક છું. પણ એ ભાન ભૂલી જાય, ત્યારે એ સાચો સેવક !

પ્રશ્નકર્તા : કંઈક સારું કામ કરીએ તો મહીં અહમ્ આવી જાય કે મેં કર્યું.

દાદાશ્રી : એ તો આવી જાય.

પ્રશ્નકર્તા : તો એ ભૂલવા શું કરવું ?

દાદાશ્રી : પણ આ સમાજસેવક છું, એનો અહંકાર ના આવવો જોઈએ. સારું કામ કરે ને તેનો અહંકાર આવે, તો પછી તમારા ઈષ્ટદેવ કે ભગવાનને જેને માનતા હોય, તેમને કહેવું કે હે ભગવાન, મારે અહંકાર નથી કરવો, તો ય થઈ જાય છે, તે માફ કરજો ! એટલું જ કરજો. થાય એટલું?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : એટલું કરજો ને !

સમાજસેવાનો અર્થ શો ? એ ઘણું ખરું 'માય' તોડી નાખે છે. 'માય' (મારું) જો સંપૂર્ણ ખલાસ થઈ જાય તો પોતે પરમાત્મા છે ! એને પછી સુખ વર્તે જ ને !

સેવામાં અહંકાર !

પ્રશ્નકર્તા : તો આ જગતને માટે આપણે કંઈ જ કરવાનું રહેતું નથી?

દાદાશ્રી : તમારે કરવાનું હતું જ નહીં, આ તો અહંકાર ઊભો થયેલો છે. આ મનુષ્યો એકલા જ અહંકાર કરે છે કર્તાપણાનો.

પ્રશ્નકર્તા : આ બેન ડૉકટર છે. એક ગરીબ 'પેશન્ટ' આવ્યો, તેના તરફ અનુકંપના થાય છે, સારવાર કરે છે. આપના કહેવા પ્રમાણે તો પછી અનુકંપા કરવાનો કોઈ સવાલ જ નથી રહેતોને ?

દાદાશ્રી : એ અનુકંપા પણ કુદરતી છે, પણ પાછો અહંકાર કરે કે, 'મેં કેવી અનુકંપા કરી !' અહંકાર ના કરે તો કોઈ વાંધો નથી. પણ અહંકાર કર્યા વગર રહે નહીં ને !

સેવામાં સમર્પણતા ?!

પ્રશ્નકર્તા : આ જગતની સેવામાં પરમાત્માની સેવાનો ભાવ લઈને સેવા કરે એ ફરજમાં આવેને ?

દાદાશ્રી : હા. એનું ફળ પુણ્ય મળે, મોક્ષ ના મળે.

પ્રશ્નકર્તા : એનો શ્રેય સાક્ષાત્કારી પરમાત્માને સોંપી દે તો ય મોક્ષ ના મળે ?

દાદાશ્રી : એમ ફળ સોંપી દેવાય નહીંને કોઈથી.

પ્રશ્નકર્તા : માનસિક સમર્પણ કરીએ તો ?

દાદાશ્રી : એ સમર્પણ કરે તો કોઈ ફળ લે નહીં ને કોઈ આપે ય નહીં. એ તો ખાલી વાતો જ છે. સાચો ધર્મ તો 'જ્ઞાની પુરુષ' આત્મા આપી દે ત્યારથી જ એની મેળે ચાલ્યા કરે અને વ્યવહાર ધર્મ તો આપણે કરવો પડે, શીખવો પડે.

ભૌતિક સમૃદ્ધિ, બાય પ્રોડકશનમાં !

પ્રશ્નકર્તા : ભૌતિક સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા-પ્રયત્ન, આધ્યાત્મિક વિકાસમાં બાધક કરે ખરી કે ? અને બાધક કરે તો કઈ રીતે ને ના બાધક કરે તો કઈ રીતે ?

દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ મેળવવી હોય તો આપણે આ દિશામાં જવાનું, આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવી હોય તો આ બીજી દિશામાં જવાનું. એટલે આપણે આમ જવાનું તેને બદલે આપણે આમ બીજી દિશામાં જઈએ તો બાધક ખરું કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, એ બાધક કહેવાય !

દાદાશ્રી : એટલે સંપૂર્ણ બાધક છે. આધ્યાત્મિક આ દિશા હોય તો ભૌતિક સામી દિશા છે.

પ્રશ્નકર્તા : પણ ભૌતિક સમૃદ્ધિ વગર ચાલે કેવી રીતે ?

દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ આ દુનિયામાં કોઈએ કરેલી ખરી ? બધા લોકો ભૌતિક સમૃદ્ધિ પાછળ પડ્યા છે. થઈ ગઈ ખરી કોઈની ?

પ્રશ્નકર્તા : અમુક, કો'કની જ થાય છે, બધાની નથી થતી.

દાદાશ્રી : માણસનાં હાથમાં સત્તાની વાત નથી એ, જ્યાં સત્તા નહીં હોય ત્યાં નકામી બૂમાબૂમ કરવી, એનો અર્થ શું છે ? મીનીંગલેસ !

પ્રશ્નકર્તા : જ્યાં સુધી એની કોઈ કામના, ત્યાં સુધી અધ્યાત્મમાં કઈ રીતે જઈ શકે ?

દાદાશ્રી : હા, કામના હોય એ બરાબર છે. કામના હોય, પણ આપણા હાથમાં સત્તા નથી એ.

પ્રશ્નકર્તા : એ કામના કઈ રીતે મટે ?

દાદાશ્રી : એની કામના માટે એવું બધું આવે જ પાછું. તમારે બહુ એની માથાકૂટ નહીં કરવાની. આધ્યાત્મિક કર્યા કરો. આ ભૌતિક સમૃદ્ધિ તો બાય પ્રોડક્ટ છે. તમે આધ્યાત્મિકનું પ્રોડક્શન માંડો, આ બાજુ દિશામાં જાવ અને આધ્યાત્મિકનું પ્રોડક્શન માંડો, એટલે ભૌતિક સમૃદ્ધિઓ બાય પ્રોડક્ટ, તમને ફ્રી ઓફ કોસ્ટ મળે.

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક રીતે જવું હોય તો શું કહેવા માંગો છો ? કઈ રીતે જવું ?

દાદાશ્રી : ના, પણ પહેલંુ આ સમજમાં આવે છે કે આધ્યાત્મિક એટલે, આધ્યાત્મિકનું તમે પ્રોડક્શન કરો તો ભૌતિક એ બાય પ્રોડક્ટ છે, એવું તમને સમજમાં આવે છે ?

પ્રશ્નકર્તા : એમ માનું છું તમે કહો છો, એ મને સમજમાં નથી આવતું.

દાદાશ્રી : એટલે માનો તો પણ આ બધંુ બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ એટલે ફ્રી ઓફ કોસ્ટ. આ સંસારના વિનાશી સુખો બધું ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે. આધ્યાત્મિક સુખને પ્રાપ્ત કરવા જતાં રસ્તાનું આ બાય પ્રોડક્શન મળ્યું છે આ.

પ્રશ્નકર્તા : આપણે ઘણાં લોકો એવા જોયા છે કે જે લોકો આધ્યાત્મિકમાં જતાં નથી, પણ ભૌતિક રીતે બહુ સમૃદ્ધ છે તો એમાં એ સુખી છે.

દાદાશ્રી : હા, પણ એ અધ્યાત્મમાં જતાં નથી દેખાતા, પણ એમણે અધ્યાત્મ કર્યું છે તેનું ફળ છે આ.

પ્રશ્નકર્તા : એટલે આ જન્મમાં અધ્યાત્મ કરે એટલે આવતા જન્મમાં ભૌતિક સુખ મળે ?

દાદાશ્રી : હા, તેનું ફળ આવતા ભવમાં મળે તમને. ફળ દેખાય અત્યારે અને અત્યારે અધ્યાત્મમાં ના પણ હોય.

કાર્યનો હેતુ, સેવા કે લક્ષ્મી ?

દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્યતા પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખા એ લક્ષ્મીને જ પ્રોડક્શન કરી એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી.

એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એમાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો, 'નિરંતર સેવાભાવ', તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમારે આવી લક્ષ્મી જોઈએ છે કે ઑનની લક્ષ્મી જોઈએ છે ? ઑનની લક્ષ્મી નથી જોઈતી ?! ત્યારે સારું ! આ ફ્રી ઓફ કોસ્ટ મળે એ કેવી સારી !

એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્ય માત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું એટલે આપણે જે વિદ્યા જાણતા હોય તે વિદ્યા સેવાભાવમાં વાપરવી, એ જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળરૂપે બીજી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે અને પછી લક્ષ્મી તો કોઈ દહાડો ય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીં ને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્શનનું ! એટલે આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે.

જગત કલ્યાણ એ જ પ્રોડક્શન !

આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્ટ મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, 'જગત પરમ શાંતિને પામો અને કેટલાંક મોક્ષને પામો.' મારું આ પ્રોડકશન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે. આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતના આવે છે, એનું શું કારણ કે તમારા કરતાં મારું પ્રોડકશન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે. દરેક કામનો હેતુ હોય. જો સેવાભાવનો હેતુ હશે તો લક્ષ્મી 'બાય પ્રોડક્ટ'માં મળે જ.

સેવા પરોક્ષ રીતે ભગવાનની !

બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઈઝીલી મળ્યા કરે. જુઓને, આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઈઝીલી મળતાં નથી. દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવા-પીવાનું છે, કેવી સગવડ છે, રસ્તા કેવા સરસ છે, રસ્તા ઉપર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલા છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી.

તમે મનુષ્યોના ડૉકટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું, જાનવરોનાં ડૉકટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાનું કહંુ. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યોમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે !

સેવા-પરોપકારથી આગળ મોક્ષમાર્ગ !

પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગ સમાજ સેવાના માર્ગ કરતાં કેવી રીતે ચઢિયાતો છે, એ જરા સમજાવો.

દાદાશ્રી : સમાજ સેવકને આપણે પૂછીએ કે તમે કોણ છો ? ત્યારે કહે, હું સમાજસેવક છું. શું કહે ? એ જ કહેને કે બીજું કશું કહે છે ?

પ્રશ્નકર્તા : એ જ કહે !

દાદાશ્રી : એટલે જે 'હું સમાજસેવક છું' બોલવું એ ઈગોઈઝમ છે અને આ ભાઈને કહું કે 'તમે કોણ છો ?' ત્યારે કહે, 'બહાર ઓળખવા માટે ચંદુભાઈ ને ખરેખર હું તો શુધ્ધાત્મા છું.' તો એ ઈગોઈઝમ વગર છે, વિધાઉટ ઈગોઈઝમ.

સમાજસેવકનો ઈગો સારા કાર્ય માટે છે, પણ ઈગો છે. ખરાબ કાર્ય માટે ઈગો હોય ત્યારે એને રાક્ષસ કહેવામાં આવે. સારા કાર્ય માટે ઈગો હોય તો દેવ કહેવાય. ઈગો એટલે ઈગો. ઈગો એટલે ભટક ભટક કરવાનું અને ઈગો ખલાસ થઈ ગયો. એટલે અહીં જ મોક્ષ થઈ જાય.

'હું કોણ છું' જાણવંુ એ ધર્મ !

પ્રશ્નકર્તા : દરેક જીવે શું કરવું જોઈએ, એનો ધર્મ શું ?

દાદાશ્રી : જે કરી રહ્યો છે એ એનો જ ધર્મ છે. પણ આપણે કહીએ છીએ કે મારો ધર્મ એટલું જ. જે આપણે ઈગોઈઝમ કરીએ છીએ, કે મેં કર્યું આ. એટલે આપણે હવે શું કરવુ જોઈએ કે 'હું કોણ છું' એટલું જાણવું, એને માટે પ્રયત્ન કરવો, તો બધા પઝલ સોલ્વ થઈ જાય. પછી પઝલ ઊભું થાય નહીં અને પઝલ ઊભું ના થાય એટલે સ્વતંત્ર થવા માંડ્યું.

લક્ષ્મી, એ તો બાય પ્રોડકશનમાં !

પ્રશ્નકર્તા : કર્તવ્ય તો દરેક માણસનું, પછી વકીલ હોય કે ડૉકટર હોય, પણ કર્તવ્ય તો એવું જ હોય ને કે મનુષ્ય માત્રનું સારું કરવું ?

દાદાશ્રી : હા, પણ આ તો 'સારું કરવું છે' એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસીઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામ ઉતરવાનું છે તેનું ય ઠેકાણું નથી, રસ્તામાં ક્યાં ચા-નાસ્તો કરવાનો છે તેનું ય ઠેકાણું નથી. બસ, દોડ દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કાર્ય કરીએ.

આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જીનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે. એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ.

'પોતાની' સેવામાં સમાણા સર્વ ધર્મ !

બે પ્રકારના ધર્મ, ત્રીજા પ્રકારનો કોઈ ધર્મ હોતો નથી. જે ધર્મમાં જગતની સેવા છે, તે એક પ્રકારનો ધર્મ અને જ્યાં પોતાની (સ્વની-આત્માની) સેવા છે એ બીજા પ્રકારનો ધર્મ. પોતાની સેવાવાળા હોમ ડિપાર્ટમેન્ટમાં (આત્મ સ્વરૂપમાં) જાય અને આ જગતની સેવા કરે, એ એનો સંસારી લાભ મળે કે ભૌતિક મઝા કરે. અને જેમાં જગતની કોઈ પણ પ્રકારની સેવા સમાતી નથી, જ્યાં પોતાની સેવા સમાતી નથી એ બધું એક જાતના સામાજિક ભાષણો છે ! અને પોતાની જાતને ભયંકરપણે કેફ ચઢાવનારા છે. જગતની કંઈ પણ સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે. જગતની સેવા ના થાય તો પોતાની સેવા કરો. જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાં ય વધારે છે. કારણ કે પોતાની સેવા કરનારો કોઈને ય દુઃખ ના દે !

પ્રશ્નકર્તા : પણ પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને !

દાદાશ્રી : એ સૂઝવું સહેલું નથી.

પ્રશ્નકર્તા : એ કેમ કરવું ?

દાદાશ્રી : એ તો પોતાની સેવા કરતાં હોય એવા જ્ઞાની પુરુષને પૂછવું કે 'સાહેબ, આપ પારકાંની સેવા કરો છો કે પોતાની ?' ત્યારે સાહેબ કહે છે કે 'અમે પોતાની કરીએ છીએ.' ત્યારે આપણે એમને કહીએ, 'મને એવો રસ્તો દેખાડો !'

'પોતાની સેવા'નાં લક્ષણો !

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં લક્ષણો કયાં ?

દાદાશ્રી : 'પોતાની' સેવાનાં એટલે કોઈને દુઃખ ન દે એ પહેલામાં પહેલું લક્ષણ. એમાં બધી જ ચીજ આવી જાય. એમાં એ અબ્રહ્મચર્યે ય ના સેવે. અબ્રહ્મચર્ય સેવવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર છે. અગર એમ માનો કે રાજીખુશીથી અબ્રહ્મચર્ય થયું હોય, તો કેટલાં જીવો મરી જાય છે ! માટે એ દુઃખ દીધા બરાબર છે. એટલે એનાથી સેવા જ બંધ થઈ જાય છે. પછી જૂઠું બોલાય નહીં, ચોરી ના કરાય, હિંસા ના કરાય, પૈસા ભેળા ના કરાય. પરિગ્રહ કરે, પૈસા ભેળા કરવા એ હિંસા જ છે. એટલે બીજાને દુઃખ દે છે, આમાં બધું આવી જાય છે.

પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં બીજાં લક્ષણો કયા કયા ? પોતાની સેવા કરી રહ્યો છે એમ ક્યારે કહેવાય ?

દાદાશ્રી : 'પોતાની' સેવા કરનારાને આ જગતના તમામ માણસો દુઃખ દે, પણ એ કોઈને ય દુઃખ ના દે. દુઃખ તો આપે નહીં, પણ એને ખોટા ભાવ પણ ના કરે કે તારું ખરાબ થજો ! 'તારું સારું થજો' એમ કહે.

હા, છતાં સામો બોલે તો વાંધો નહીં. સામો બોલે કે તમે નાલાયક છો, બદમાશ છો, તમે દુઃખ દો છો, એનો આપણે વાંધો નથી. આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. સામો તો રેડિયાની પેઠ બોલ્યા જ કરશે, જાણે રેડિયો વાગતો હોય એવું !

પ્રશ્નકર્તા : જીવનમાં બધા લોકો આપણને દુઃખ આપે ને છતાંય દુઃખ સહન કરીએ એ તો બની નથી શકતું. ઘરના માણસો થોડુંક અપમાન જેવું વર્તન કરે તો ય નથી સહન થતું તો !

દાદાશ્રી : તો શું કરવું ? આમાં ના રહે તો શામાં રહેવું ? એ કહો મને. આ હું કહંુ છું એ લાઈન ના પસંદ પડે તો એ માણસે શેમાં રહેવું ? સેફસાઈડવાળી છે જગ્યા ? કોઈ હોય તો મને દેખાડો.

પ્રશ્નકર્તા : ના, એમ નહીં. પણ આપણો 'ઈગો' તો છે જ ને ?

દાદાશ્રી : જન્મથી જ બધામાં 'ઈગો' અટકાવે, પણ 'આપણે અટકવું નહીં.' 'ઈગો' છે તે જેમ ફાવે એમ નાચે. 'આપણે' નાચવાની જરૂર નહીં. આપણે એનાથી જુદા છીએ.

એ સિવાય બીજા ધાર્મિક મનોરંજનો !

એટલે બે જ ધર્મ હોય, ત્રીજો ધર્મ નહીં. બીજા તો ઓર્નામેન્ટો છે બધા ! ઓર્નામેન્ટ પોર્શન અને લોક 'વાહ વાહ' કરે !

જ્યાં સેવા નથી, કોઈ પણ જાતની સેવા નથી, જગત સેવા નથી, તે બધા ધાર્મિક મનોરંજન છે અને ઓર્નામેન્ટલ પોર્શન છે આ બધો !

બુદ્ધિનો ધર્મ ત્યાં સુધી સ્વીકારવામાં આવે કે જે બુદ્ધિ સેવાભાવી હોય, જીવોને સુખ આપવાવાળી હોય, એ બુદ્ધિ હોય તે સારી. બાકી બીજી બુદ્ધિ નકામી છે. બીજી બધી બુદ્ધિ બાંધે છે ઊલટી. બાંધીને મરાવ મરાવ કરે અને જ્યાં જુઓ ત્યાં નફો-ખોટ જુએ. બસમાં પેઠો તો પહેલા જોઈ લે કે જગ્યા ક્યાં છે ? આમ બુદ્ધિ જ્યાં ને ત્યાં ભટકાય ભટકાય કર્યા કરે ! બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી. નહીં તો પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહીં ! જે 'પોતાની' સેવા કરે છે એ આખા જગતની સેવા કરી રહ્યો છે.

જગતમાં કોઈને દુઃખ ન હોજો !

એટલા માટે અમે બધાને કહીએ છીએ કે ભઈ, સવારના પહોરમાં બહાર નીકળતી વખતે બીજું કશું ના આવડે તો એટલું બોલજો ને કે 'આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર મન-વચન-કાયાથી દુઃખ ન હો.' એવું પાંચ વખત બોલીને નીકળજે. બીજી જવાબદારી મારી ! જા, બીજું નહીં આવડે તો હું જોઈ લઈશ ! આટલું બોલજેને ! પછી કોઈને દુઃખ થઈ ગયું, એનું હું જોઈ લઈશ. પણ આટલું તું બોલજે. આમા વાંધો છે ?

પ્રશ્નકર્તા : આમા કોઈ વાંધો નથી.

દાદાશ્રી : તું બોલજે જ. ત્યારે એ કહે કે 'મારાથી દુઃખ દેવાઈ જાય તો ?' એ તારે જોવાનું નહીં. એ હું હાઈકોર્ટમાં પછી બધું કરી લઈશ. એ વકીલને જોવાનું છે ને ? તે હું કરી આપીશ બધું. તું આ મારું વાક્ય બોલજે ને સવારના પહોરમાં પાંચ વખત ! વાંધો ખરો આમાં ? કંઈ ભારે ખરું ? સાચા દિલથી 'દાદા ભગવાન'ને યાદ કરીને બોલો ને, પછી વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : અમે એવું જ કરીએ છીએ.

દાદાશ્રી : બસ, એ જ કરજે. બીજું કરવા જેવું નથી આ દુનિયામાં.

ટૂંકમાં, વ્યવહાર ધર્મ !

સંસારના લોકોને વ્યવહાર ધર્મ શીખવાડવા અમે કહીએ છીએ કે પરાનુગ્રહી થા. પોતાની જાતનો વિચાર જ ના આવે. લોકકલ્યાણ માટે પરાનુગ્રહી બન. જો તારી જાતને માટે તું વાપરીશ તો તે ગટરમાં જશે અને બીજાને માટે કંઈ પણ વાપરવું તે આગળનું એડજસ્ટમેન્ટ છે.

શુધ્ધાત્મા ભગવાન શું કહે છે કે જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું.

જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે.

સંસારનું સ્વરૂપ કેવું છે ? જગતના જીવમાત્રમાં ભગવાન રહેલા છે એટલે કોઈ પણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. કોઈ પણ જીવને સુખ આપશો તો ધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઈચ્છા વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે છે.

'રિલેટિવ ધર્મો' છે એ સંસાર માર્ગ છે, સમાજસેવાનો માર્ગ છે. મોક્ષનો માર્ગ સમાજસેવાથી પર છે, સ્વ રમણતાનો છે.

ધર્મની શરૂઆત !

મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ 'જ્ઞાન' પ્રગટ થાય.

ત્યારે ઓનરરી પ્રેસીડન્ટ થાય, ઓનરરી એ થાય. અલ્યા મૂઆ, આફતો શું કામ વ્હોરે છે, હવે રીટાયર્ડ થવાનો થયો તો ય ? આફતો જ ઊભી કરે છે. આ બધી આફતો ઊભી કરેલી છે.

અને સેવા ના થાય, તો કોઈને દુઃખ ના થાય એવું જોવું પડે. ભલેને નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ.

બસ, આ જ શીખવા જેવું !

પ્રશ્નકર્તા : બીજાને સુખ આપીને સુખી થવું એ.

દાદાશ્રી : હા, બસ, એટલું જ શીખજો ને ! બીજું શીખવા જેવું જ નથી. દુનિયામાં બીજો કશો ધર્મ જ નથી. આ આટલો જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. બીજાને સુખ આપો એમાં જ સુખી થશો.

આ તમે વેપાર-ધંધા કરો છો, ત્યારે કંઈક કમાવ છો, તો કોઈ ગામમાં દુઃખીયા હોય તો એને થોડું ઘણું અનાજ-પાણી આપીએ, છોડી પૈણતી વખતે કંઈક રકમ આપીએ, પણ એનું ગાડું રાગે પાડી આપવું જોઈએ ને ! કોઈનું દિલ ઠારીએ તો ભગવાન આપણું દિલ ઠારે.

જ્ઞાની આપે ગેરન્ટી લેખ !

પ્રશ્નકર્તા : દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે.

દાદાશ્રી : ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ તો આવશે જ, એની સો ટકા ગેરન્ટી લેખ હઉ કરી આપંુ. આ અમે આપેલું હશે તેથી અમારે અત્યારે સુખ આવે છે. મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખકી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ. આપણો હિસાબ છે તો આપવા તો આવે ને ? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી.

માટે સુખની દુકાન એવી કાઢો કે બસ, બધાને સુખ આપવું. દુઃખ કોઈને આપવું નહીં અને દુઃખ આપનારાને તો કોઈક દહાડો કોઈક ચાકુ મારી દે છે ને ? એ રાહ જોઈને બેસી રહ્યો હોય. આ જે વેર વાળે છે ને, એ એમ ને એમ વેર નથી વાળતા, દુઃખનો બદલો લે છે.

સેવા કરીએ તો સેવા મળે !

આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ.

મા-બાપની સેવા કરે તો શાંતિ જતી ના રહે. પણ આજે સાચા દિલથી મા-બાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને 'ગુરુ' (પત્ની) આવ્યા. તો કહે છે, મને નવે ઘેર લઈ જાવ. ગુરુ જોયેલા તમે ? પચ્ચીસ-ત્રીસ વર્ષે 'ગુરુ' મળી આવે અને 'ગુરુ' મળ્યા એટલે બદલાઈ જાય. ગુરુ કહે કે, બાને તમે ઓળખતા જ નથી. એ એક ફેરો ના ગાંઠે. પહેલી વખત તો ના ગાંઠે પણ બે-ત્રણ વખત કહે, તો પછી પાટો વાળી લે.

બાકી, મા-બાપની શુદ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ કંઈ જગત કાઢી નાખવા જેવંુ નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને છોકરા સેવા નથી કરતાં મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય.

એટલે હું એ બનાવડાવું છું એકેએક ઘેર, છોકરા બધા ઓલરાઈટ થઈ ગયા છે. મા-બાપે ય ઓલરાઈટ ને છોકરાં ય ઓલરાઈટ !

વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છેે ? મૂર્તિઓનાં કંઈ પગ દુઃખે છે ! સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય, તેમની કરવાની હોય.

સેવા તરછોડીને ધર્મ કરાય ?

મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતાં જ નથી.

એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછયું કે, 'અહીં ક્યાંથી તમે ?' ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે 'તમારા મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, 'એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.' આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે, બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ?

તમારે મા-બાપ છે કે નથી ?

પ્રશ્નકર્તા : મા છે.

દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, 'હું દુઃખી છું' તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુઃખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય ?

મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, મૂઆ, આવાં તો કેટલાંય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે હોય તો તું એમની સેવા કર, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે.

ખરી જરૂરિયાત, ઘૈડિયાઓને સેવાની !

અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોયને, તો એક તો સાઈઠ-પાંસઠ વર્ષની ઉંમરના ઘરડાં માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે એ ? છોકરાઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલા, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો ય ના છોડે.

પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહે ને !

દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત. એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જો રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યુ હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને બીજા સામાજીકતામાં સોંપી દઈએ તો ચાલે. પણ જ્ઞાન આપ્યું હોય તો દર્શન કર્યા કરે તો ય કામ તો ચાલે. ને આ 'જ્ઞાન' આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ?

ઘરડાપણું અને સાઈઠ-પાંસઠ વર્ષની ઉંમરનો માણસ હોય ને, ઘરમાં રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધા કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે તે એ વ્યવસ્થા ખોટી નથી, હેલ્પીંગ છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે માનભેર લાગે.

સેવાથી, જીવનમાં સુખ-સંપત્તિ !

પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી જોઈએ.

પ્રશ્નકર્તા : અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું ? તો કઈ ગતિ થાય ?

દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણો ય ના આવે, મા-બાપની સેવાથી !

આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો. જેથી કરીને તમને જિંદગીમાં ય ધનનું દુઃખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને !

પ્રશ્નકર્તા : મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે ?

દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરાં જો ફરજ બજાવે ને તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતાં નથી ને ? તે બધા લોકો દુઃખી થવાના.

મહાન ઉપકારી, મા-બાપ !

જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારેય પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ.

આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તો ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી.

'જ્ઞાની'ની સેવાનું ફળ !

આપણું સેવ્યપદ છૂપું રાખીને સેવકભાવે આપણે કામ કરવું. 'જ્ઞાની પુરુષ' એ તો આખા 'વર્લ્ડ'ના સેવક અને સેવ્ય કહેવાય. આખા જગતની સેવા પણ 'હું' જ કરું છું ને આખા જગતની સેવા પણ 'હું' લઉં છું. આ જો તને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ છે !

'અમે' એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ, અમને મળવા આવ્યો તો એને 'દર્શન'નો લાભ થવો જ જોઈએ. 'અમારી' કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે.

- જય સચ્ચિદાનંદ