ત્રિમંત્ર

સંપાદકીય

અનાદિ કાળથી દરેક ધર્મના મૂળ પુરુષો હાજર હોય છે જેવાં કે મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન. લોકોને ત્યારે સર્વ ધર્મના મતમતાંતરમાંથી બહાર કાઢી આત્મધર્મમાં સ્થિર કરે છે. અને કાળક્રમે મૂળ પુરુષની ગેર હાજરી થવાથી દુનિયામાં ધીરે ધીરે મતભેદ પડી જઈ ધર્મમાં વાડા-સંપ્રદાયો બની જાય છે. તેનાં પરિણામે સુખ-શાંતિ ગુમાવતા જાય છે.

ધર્મમાં મારા-તારીના ઝઘડા થાય છે. તે દૂર કરવા નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. આ ત્રિમંત્રોનો મૂળ અર્થ જો સમજીએ તો એમાં કોઈ વ્યક્તિને કે સંપ્રદાયને કે કોઈ પંથને લાગુ પડતું નથી. આત્મજ્ઞાનીથી લઈને ઠેઠ કેવળજ્ઞાની અને નિર્વાણ પામીને મોક્ષ ગતિને પામ્યા છે એવાં ઉચ્ચ જાગૃત આત્માઓને જ નમસ્કાર લખ્યાં છે અને જે નમસ્કાર કરવાથી સંસારના વિઘ્નો દૂર થાય, અડચણોમાં શાંતિ રહે અને મોક્ષના ધ્યેય પ્રતિ લક્ષ બંધાય.

કૃષ્ણ ભગવાન આખી જીંદગીમાં બોલ્યા નથી કે હું વૈષ્ણવ છું કે મારો વૈષ્ણવ ધર્મ છે. મહાવીર ભગવાન આખી જીંદગી બોલ્યા નથી કે હું જૈન છું કે મારો જૈન ધર્મ છે. ભગવાન રામચંદ્રજી ક્યારેય બોલ્યા નથી કે મારો સનાતન ધર્મ છે. બધાએ આત્માને ઓળથીને મોક્ષે જવાની જ વાત કરી છે. જેમ કે ગીતામાં કૃષ્ણ ભગવાને, આગમમાં તીર્થંકરોએ અને યોગવશિષ્ટમાં રામચંદ્રજીને વશિષ્ટ મુનિએ આત્મા ઓળખવાની જ વાત કરી છે. જીવ એટલે અજ્ઞાન દશા. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી એ જ જીવમાંથી શિવ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કોઈ વ્યક્તિની વાત નથી.

આત્મજ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાને નિષ્પક્ષપાતી ત્રિમંત્રો આપ્યા. જે સવાર-સાંજ પાંચ-પાંચ વખત ઉપયોગપૂર્વક બોલજો કહ્યું. તેથી સંસારી કાર્યો શાંતિપૂર્વક થશે. અને બહુ અડચણ હોય ત્યારે કલાક-કલાક બોલજો. તો મુશ્કેલીઓ શૂળીનો ઘા સોયે સરી જશે.

નિષ્પક્ષપાતી ત્રિમંત્રનો શબ્દાર્થ, ભાવાર્થ તેમજ કઈ રીતે હિતકારી છે તે સર્વ પ્રશ્નોત્તરી દ્વારા દાદાશ્રીએ સમાધાન આપ્યું છે. તે સર્વ વિગતો પ્રસ્તુત પુસ્તિકામાં સંકલન થઈ છે. આ ત્રિમંત્રોની આરાધના કરવાથી પ્રત્યેકના જીવનના વિઘ્નો દૂર થાય. તેમજ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય.

- ડૉ. નીરુબેન અમીન

ત્રિમંત્ર

રહસ્ય ત્રિમંત્ર ભેળાં તણાં !

પ્રશ્નકર્તા : ત્રણ જાતના મંત્રો, એક જૈનનો મંત્ર, એક વૈષ્ણવનો મંત્ર, એક શિવધર્મનો મંત્ર એ ભેગુ થવાનો શું હેતુ છે ? શું રહસ્ય છે ?

દાદાશ્રી : ભગવાન નિષ્પક્ષપાતી હોય છે. ભગવાનને વૈષ્ણવ સાથે કે શિવ સાથે કે જૈન સાથે કંઈ લેવાદેવા નથી. વીતરાગોને ત્યાં પક્ષાપક્ષી ના હોય. પક્ષવાળા જે છે, એ 'આ તમારો ને આ અમારો' એવાં ભેદ પાડે. 'અમારો' જે બોલે છેેને, તે બીજાને 'તમારો' કહે છે. તે અમારો-તમારો ત્યાં રાગ-દ્વેષ, એ વીતરાગનો માર્ગ ન્હોય. જ્યાં અમારો-તમારો ભેદ પડ્યો છે તે વીતરાગનો માર્ગ ન્હોય. વીતરાગનો માર્ગ ભેદાભેદથી રહિત હોય. તમને સમજાય છે ?

ત્રિમંત્રથી પ્રાપ્ય પૂર્ણ ફળ !

પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રો છે એ બધા માટે છે ? અને બધા માટે છે તો શા માટે ?

દાદાશ્રી : બધા માટે છે આ તો. જેને પાપ ધોવાં હોય ને, એને માટે સારું છે ને પાપ ધોવાં ના હોય તો તેને માટે નથી.

પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રમાં નવકારમંત્ર, વાસુદેવ અને શિવ, આ ત્રણેય મંત્રોને જોડે મૂકવાનું શું પ્રયોજન છે ?

દાદાશ્રી : આખું ફળ ખાય અને ટુકડો ખાય એમાં ફેર નહીં ? એ ત્રિમંત્રો બધા આખા ફળરૂપે છે, આખું ફળ !

મંત્ર જાપો છતાં નથી સુખ...

ઋષભદેવ ભગવાને એક જ વાત કહી હતી કે 'દેરાં છે તે વૈષ્ણવવાળા વૈષ્ણવનાં, શિવધર્મવાળા શિવનાં, જૈનધર્મવાળાં જૈનનાં બધાં પોતપોતાનાં દેરાં વહેંચી લેજો. અને આ છે તે મંત્રો વહેંચી ના નાખશો. મંત્રો વહેંચશો તો એનું સત્વ ઊડી જશે. તે આપણા લોકોએ તો મંત્રો વહેંચી નાખ્યા ને અગિયારસ હઉ વહેંચી નાખી, 'આ શિવની, આ વૈષ્ણવની'. તેથી અગિયારસનું માહાત્મ્ય ઊડી ગયું અને આ મંત્રોનું માહાત્મ્ય ઊડી ગયું છે. આ ત્રણ મંત્રો ભેગાં નહીં હોવાથી નથી જૈનો સુખી થતાં, નથી આ બીજાં લોકો સુખી થતાં. એટલા માટે આ આમાં ભગવાનના કહ્યા પ્રમાણે છે.

ઋષભદેવ ભગવાન એ ધર્મનું મુખ કહેવાય છે. ધર્મનું મુખ એટલે આખા જગતને ધર્મની પ્રાપ્તિ કરાવનાર એ પોતે જ છે ! તે આ વેદાંત માર્ગેય સ્થાપન એમના હાથે થયેલો છે. આ જૈનમાર્ગેય સ્થાપન એમના હાથે થયેલો છે.

અને આ બહારના લોકો જે આદમ કહે છેને, આદમ ? તે આદમ એટલે આ આદિમ તીર્થંકરને જ એ આદિમને બદલે આદમ કહે છે આ લોકો. એટલે બધું જે છે, એ આમનો જ માર્ગ છે.

સંસારની અડચણો માટે !

પ્રશ્નકર્તા : દેરાં વહેંચી લેવાનાં કહ્યા, પણ દેરામાં તો બધા દેવતાઓ તો એક જ છેને ?

દાદાશ્રી : ના, દેવતાઓ બહુ જુદાં જુદાં હોય. શાસનદેવો બહુ જુદાં હોય. આ સંન્યસ્તમંત્રનાં શાસનદેવો જુદાં હોય, પેલાં મંત્રોના દેવો જુદાં હોય, બધા દેવો જુદાં જુદાં હોય.

પ્રશ્નકર્તા : પણ ત્રણેય મંત્રો સાથે બોલવાથી શું ફાયદો ?

દાદાશ્રી : અડચણો જતી રહે ને ! વ્યવહારમાં અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય. પોલીસવાળાની સાધારણ ઓળખાણ હોય તો છૂટી જાય કે ના છૂટી જાય ?

પ્રશ્નકર્તા : હા, છૂટી જઈએ.

દાદાશ્રી : તો આ ત્રિમંત્રમાં જૈનોના, વાસુદેવના અને શિવના, એ ત્રણેય મંત્રો ભેગા કર્યા છે. જો તમારે દેવોનો સહારો જોઈતો હોય તો બધા મંત્રો ભેગા બોલો. એના શાસનદેવો હોય, એટલે એ તમને હેલ્પ કરે. તે આ ત્રિમંત્રો છે ને, તેમાં આ જૈનનો મંત્ર છે એ જૈનના શાસનદેવો છે, એમને ખુશ કરવાનું સાધન છે. વૈષ્ણવનો મંત્ર છે તે એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે અને શિવનો જે મંત્ર છે એ એમના શાસનદેવોને ખુશ કરવાનું સાધન છે. હંમેશાં દરેકની પાછળ શાસન સાચવનારા દેવો હોય પાછાં. એ દેવો આ મંત્રો બોલીએ એટલે ખુશ થાય એટલે આપણી અડચણો નીકળી જાય.

તમને સંસારમાં અડચણો હોયને, તો આ ત્રણેય મંત્રો જોડે બોલવાથી નરમ થાય. તમારા બધા કર્મના ઉદયો આવ્યા હોયને, એ ઉદયો નરમ કરવાના રસ્તા છે આ. એટલે ધીમે ધીમે માર્ગ ઉપર ચઢવાનો રસ્તો છે. જે કર્મનો ઉદય સોળ આની છે, તે ચાર આની થઈ જશે. એટલે આ ત્રણ મંત્રો બોલેને, તો આવતી બધી ઉપાધિઓ હલકી થઈ જાય. તેથી શાંતિ થઈ જાય બિચારાને !

બનાવે ત્રિમંત્ર નિષ્પક્ષપાતી !

પરાપૂર્વથી આ ત્રણ મંત્રો છે જ, પણ આ લોકોએ મંત્રોય વહેંચી નાખ્યા છે. વઢવાડો કરીને કે 'આ અમારું ને આ તમારું.' જૈનોએ નવકાર મંત્ર એકલો જ રાખ્યો અને પેલા બધા કાઢી નાખ્યા. પેલા વૈષ્ણવોએ નવકાર મંત્ર કાઢી નાખ્યો અને એમનો રાખ્યો. એટલે મંત્રો બધાએ વહેંચી લીધા છે. અરે, આ લોકોએ ભેદ પાડવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને તેથી આ દશા હિન્દુસ્તાનની થઈ, ભેદ પાડી પાડીને. જો દેશની વેરણ-છેરણ સ્થિતિ થઈ ગઈ છે ને ! અને આ ભેદ જે પાડ્યા છે તે અજ્ઞાનીઓએ પાડ્યા છે, પોતાનો કક્કો ખરો દેખાડવા માટે. જ્યારે જ્ઞાની હોય ત્યારે બધું પાછું ભેગું કરી આપે, નિષ્પક્ષપાતી બનાવે. તેથી તો અમે ત્રણ મંત્રો ભેગા લખેલા છે. એટલે એ બધા મંત્રો ભેગા બોલેને, તો કલ્યાણ થાય માણસનું.

પક્ષાપક્ષીથી જ અકલ્યાણ !

પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રો કયા સંજોગોમાં વહેંચાઈ ગયા હશે ?

દાદાશ્રી : પોતાના વાડા વાળવા(બાંધવા) માટે. આ અમારું સાચું! અને જે પોતાનું સાચું કહે છેને એ સામાને ખોટું કહે છે. એ વાત ભગવાનને સાચી લાગે ખરી ? ભગવાનને બેઉ સરખાંને ? એટલે ના પોતાનું કલ્યાણ થયું, ને ના સામાનું કલ્યાણ થયું. બધાનું અકલ્યાણ કર્યું આ લોકોએ ! આ વાડાવાળાઓએ બધા લોકોનું અકલ્યાણ કર્યું.

છતાં આ વાડા તોડવાની જરૂર નથી, વાડા રાખવાની જરૂર છે. કારણ કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી મેટ્રિક સુધી જુદા જુદા ધર્મો જોઈએ, જુદા જુદા માસ્તરો જોઈએ. પણ એનો અર્થ એવો નહીં કે આ ખોટું છે કે આ સેકન્ડ સ્ટાન્ડર્ડ ના જોઈએ. મેટ્રિકમાં આવ્યો એટલે એ માણસ 'ફસ્ટ સ્ટાન્ડર્ડ ખોટું છે' એમ કહે તો કેટલું ગેરવ્યાજબી કહેવાય. બધાં સ્ટાન્ડર્ડ સાચા છે, પણ સરખાં નથી !

ત્રિમંત્રો, પોતાને જ હિતકારી !

આ તો એક જણ કહેશે, 'આ અમારો વૈષ્ણવ મત છે'. ત્યારે બીજો કહે કે, 'અમારો આ મત છે.' એટલે આ મતવાળાએ લોકોને ગૂંચવી નાખ્યા છે. તે આ ત્રિમંત્રો એ નિષ્પક્ષપાતી મંત્રો છે. એટલે આમાં છે કશું જૈનોનું કે વૈષ્ણવનું ? ના. હિન્દુસ્તાનનાં તમામ લોકો માટે છે આ. એટલે આ ત્રિમંત્ર બોલશો તો ઘણો ફાયદો થશે. કારણ કે આમાં સારા સારા મનુષ્યો, ઊંચામાં ઊંચી કોટિના જીવો હોયને, તેમને નમસ્કાર કરવાનું શીખવાડેલું છે. આપને સમજાયું કે શું શીખવાડેલું છે ?

પ્રશ્નકર્તા : નમસ્કાર કરવાનું.

દાદાશ્રી : તે એમને આપણે નમસ્કાર કરીએ તો આપણને ફાયદો થાય, ખાલી નમસ્કાર બોલવાથી જ ફાયદો થાય. ત્યારે ખબર પડે કે, 'આ તો મારા પોતાના હિતનું છેને ! આમાં પોતાના હિતનું હોય, એને જૈનનો મંત્ર શી રીતે કહેવાય ?!' પણ મતાર્થનો રોગ હોયને, તે લોકો શું કહે ? 'આ આપણું ન્હોય'. અલ્યા, શાથી આપણું ન્હોય ? ભાષા આપણી છે. બધું આપણું જ છેને ?! શું આપણું નથી ? પણ આ તો ભાન વગરની વાતો છે. એ તો જ્યારે આ એનો અર્થ સમજણ પાડીએને, ત્યારે ભાનમાં આવે.

આ છે ત્રિમંત્રો !

તેથી અમે આ જોશથી બોલાવીએને,

નમો અરિહંતાણં

નમો સિધ્ધાણં

નમો આયરિયાણં

નમો ઉવ્વજ્ઝાયાણં

નમો લોએ સવ્વસાહૂણં

એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો

મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલમ્ ॥૧॥

ૐ નમો ભગવતે વાસુદેવાય ॥૨॥

ૐ નમઃ શિવાય ॥૩॥

જય સચ્ચિદાનંદ

હમણાં આ નવકાર મંત્રનો અર્થ તમને સમજણ પાડું તો તમે જ કહો કે આ તો આપણો જ મંત્ર છે ! એનો અર્થ સમજો તો તમે છોડો જ નહીં. આ તો તમે એમ જ જાણો છો કે આ શિવનો મંત્ર છે કે આ વૈષ્ણવનો મંત્ર છે. પણ એનો અર્થ સમજવાની જરૂર છે. તો એનો અર્થ હું તમને સમજાવું. પછી તમે એવું કહો જ નહીં.

નમો અરિહંતાણં...

પ્રશ્નકર્તા : 'નમો અરિહંતાણં' એટલે શું ? તેનો અર્થ વિગતવાર સમજાવો.

દાદાશ્રી : 'નમો અરિહંતાણં.' અરિ એટલે દુશ્મનો અને હંતાણં એટલે હણ્યા છે જેણે, એવાં અરિહંત ભગવાનને નમસ્કાર કરું છું.

જેમણે બધા દુશ્મનોને નાશ કરી નાખ્યા છે, ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષરૂપી દુશ્મનોને નાશ કર્યા છે એ અરિહંત કહેવાય. દુશ્મનોને નાશ કર્યા ત્યાંથી પૂર્ણાહુતિ થતાં સુધીનાં અરિહંત કહેવાય. એ પૂર્ણ સ્વરૂપ ભગવાન કહેવાય ! એ પછી ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે કોમના હોય, આ બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, પણ એ અરિહંત ભગવાન જ્યાં હોય, તેમને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : અરિહંત દેહધારી હોય ?

દાદાશ્રી : હા, દેહધારી જ હોય. દેહધારી ના હોય તો અરિહંત કહેવાય જ નહીં. દેહધારી ને નામધારી, નામ સાથે હોય.

પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે કે ચોવીશ તીર્થંકરોને ઉદ્દેશીને વાપર્યો છે કે શું ?

દાદાશ્રી : ના, વર્તમાન તીર્થંકર જ અરિહંત ભગવાન કહેવાય. મહાવીર ભગવાન છે તે ત્યાં આગળ મોક્ષમાં જઈને બેઠા. આમ કહે છે કે 'અમારા ચોવીસ તીર્થંકરો' અને એક બાજુ વાંચે છે 'નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં'. આપણે તેમને કહીએ, 'આ બે છે ?' ત્યારે એ કહે, 'હા, બે છે.' મેં કહ્યું, 'અરિહંત દેખાડો જોઈએ.' ત્યારે કહે, 'આ ચોવીસ.' અલ્યા, એ તો સિદ્ધ થયા છે. અત્યારે સિદ્ધ છે એ તો. તમે સિદ્ધને અરિહંત કહો છો પાછાં ? શાને અરિહંત કહેતા હશે આ લોકો ?

પ્રશ્નકર્તા : એ ચોવીસ તીથંકરો તો બધાં સિદ્ધ થઈ ગયા.

દાદાશ્રી : તો પછી તમે કહેતા નથી લોકોને કે ભઈ, આ સિદ્ધ થયેલાને અરિહંત શું કામ કહો છો ?! આ તો બીજા પદમાં, સિધ્ધાણંમાં જાય. અરિહંતનું પદ ખાલી રહ્યું, તેની આ ઉપાધિ છેને ! તેથી અમે કહીએ કે અરિહંતને મૂકો. સીમંધર સ્વામીને મૂકો. શા હારુ કહીએ છીએ તમને સમજાયું ? પેલા ચોવીસ તીર્થંકર ભગવંતો અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય ? એ અત્યારે એમની દશા સિદ્ધ છે કે અરિહંત છે ?

પ્રશ્નકર્તા : અત્યારે સિદ્ધમાં છે.

દાદાશ્રી : સિદ્ધ છેને ? તમને ખાતરી છેને ? સો ટકાની ને ?

પ્રશ્નકર્તા : હા, સો ટકાની.

દાદાશ્રી : તો પછી એ સિધ્ધાણંમાં મૂકેલાં છે. સિધ્ધાણંમાં પહોંચી ગયું. ત્યાર પછી અરિહંતમાં કોણ હવે ? અરિહંત એટલે હાજર હોવા જોઈએ. વાત ગમી ? અત્યારે માન્યતા અવળી ચાલ્યા કરે છે. ચોવીસ તીર્થંકરોને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે 'નમો સિધ્ધાણં' બોલીએ, તેમાં એ આવી જ જાય છે તો અરિહંતનું ખાનું બાકી રહે છે, અરિહંતનો ભાગ બાકી રહે છે. એટલે આખો નમસ્કાર મંત્ર એ પૂર્ણ થતો નથી અને અપૂર્ણ રહેવાથી એનું ફળ મળતું નથી. માટે અત્યારે વર્તમાન તીર્થંકર હોવાં જોઈએ. વર્તમાન તીર્થંકર સીમંધર સ્વામી એમનાં નામથી એમને માની અને કામ લેવું પડશે, તો જ નમસ્કાર મંત્ર પૂર્ણ થાય. ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા, તે બધાં 'નમો સિધ્ધાણં'માં આવી જાય છે. જેમ કોઈ કલેક્ટર હોય અને તે ગવર્નર થયા પછી આપણે કહીએ કે 'એય, કલેક્ટર અહીં આવો.' તો કેટલું બધું ખરાબ લાગે, નહીં ?

પ્રશ્નકર્તા : લાગે જ.

દાદાશ્રી : એવી રીતે આમને અરિહંત માનીએ તો બહુ જ મોટું નુકસાન થાય છે. એમને નુકસાન થતું નથી, કારણ કે એ તો વીતરાગ છે. પણ આપણને બહુ જ નુકસાન થાય છે, જબરજસ્ત નુકસાન થાય છે.

પહોંચે પ્રત્યક્ષ તીર્થંકરને જ !

મહાવીર ભગવાન ને એ બધાં તીર્થંકરો મોક્ષે લઈ જવા કામ નહીં આવે, એ તો મોક્ષે ગયા અને આ આપણે 'નમો અરિહંતાણં' બોલીએ છીએ, તે એમને લાગતું નથી. એમને તો 'નમો સિધ્ધાણં' લાગે. આ 'નમો અરિહંતાણં' ક્યાં પહોંચે છે આપણે બોલીએ છીએ તે ? જ્યાં બીજા ક્ષેત્રોમાં અરિહંતો છે, જ્યાં જ્યાં છે, ત્યાં એમને પહોંચે છે. હંમેશાં પોસ્ટ તો એની જગ્યાએ જ પહોંચવાની. કંઈ ત્યાં આગળ મહાવીર ભગવાનને પહોંચવાની નહીં. ત્યારે લોકો શું સમજે છે, આ 'નમો અરિહંતાણં' બોલીને આપણે મહાવીર ભગવાનને નમસ્કાર પહોંચાડીએ છીએ. એ ચોવીસ તીર્થંકરો તો મોક્ષમાં જઈને બેઠાં છે, એ તો 'નમો સિધ્ધાણં' થયા, એ ભૂત તીર્થંકર કહેવાય. એટલે આજે સિદ્ધ ભગવાન કહેવાય. અને વર્તમાન તીર્થંકર હોય, તેને અરિહંત કહ્યા !

બુદ્ધિથી ય સમજાય તેવી આ વાત !

પ્રશ્નકર્તા : વાત સમજમાં બેઠી આજે. અરિહંતાણં બોલીએ છીએ, પણ અરિહંત તો આ સીમંધર સ્વામી જ છે, એ હવે સમજાયું.

દાદાશ્રી : આખુંય કોળું શાકમાં ગયું ! દૂધીનું શાક સમાર્યું ને તેની મહીં આખું કોળું ગયું ! ચાલ્યા જ કરે છે.... પછી શું કરે ?

તમને, એક વકીલ તરીકે કેમ લાગ્યું ?

પ્રશ્નકર્તા : આ વાત બેસી ગઈ, દાદા. વકીલ તરીકે ઠીક છે પણ હું જૈનધર્મનો ચુસ્ત અનુયાયી એટલે મને બેસી ગઈ વાત. આપે જે વાત કીધી તેના પરથી જો જૈન હોય ને બરોબર સમજતો હોય, તેને બેસી જાય કે વર્તમાનમાં જે વિચરતા હોય તેને જ તીર્થંકર કહેવાય. એટલા માટે તો સિદ્ધ કરતાં અરિહંતને પહેલા મૂક્યા.

એ ગમે ત્યાં, છતાં પ્રત્યક્ષ જ !

પ્રશ્નકર્તા : એ લોકો સીમંધર સ્વામી પરદેશમાં છે એવું માનતા હશેને ?

દાદાશ્રી : એ જોવાનું નહીં. વર્તમાન તીર્થંકર ક્યાં છે ? વર્તમાન તીર્થંકર ! એ પરદેશમાં હોય કે ગમે ત્યાં હોય ! એમ જુઓ તો પહેલાં બિહારમાં હતા, તેમાં આ ચરોતરવાળાને શું લેવાદેવા ? ગાડીઓ નહીં, કશું નહીં તો શું લેવાદેવા ? પણ ના, અહીં બેઠાં બેઠાં નામ ભજ્યા કરે. ખબર મળી હોય. હવે એ આટલું છેટું અને આ આટલું છેટું પણ વર્તમાનમાં છે ખરાં કે નહીં ? કોઈ જગ્યાએ અત્યારે છે ? ત્યારે કહે, 'હા, છે.' તો એ વર્તમાન તીર્થંકર કહેવાય.

આપણે અરિહંતને ન જોયા હોય, મહાવીર ભગવાનના વખતમાં આપણે એમને જોયા ના હોય, ભગવાન મહાવીર એ બાજુ જ હોય અને આપણે આ બાજુ હોઈએ, પણ એ અરિહંત કહેવાય. આપણે જોયાં ના હોય માટે કંઈ બગડી નથી જતું. એટલે અરિહંતને અરિહંત માનીએ તો બહુ ફળ મળશે. નહીં તો પેલું તો ફળ નકામાં જાય છે, મહેનત નકામી જાય છે. નવકાર મંત્ર ફળતો નથી. એનું કારણ જ આ બધું છે.

તીર્થંકર કોને કહેવાય ?

તીર્થંકર ભગવાન એ કેવળજ્ઞાન સહિત હોય. કેવળજ્ઞાન તો બીજા લોકોને ય હોય છે, કેવળીઓને ય હોય છે. પણ તીર્થંકર ભગવાન એટલે તીર્થંકર કર્મનો ઉદય જોઈએ. જ્યાં પગલાં પડે ત્યાં તીર્થ થાય. આખા વર્લ્ડમાં કોઈની એવી પુણ્યૈ હોતી નથી તે કાળમાં જ્યારે તીર્થંકર હોયને, તે કોઈનાં એવાં પરમાણુ ના હોય, એમના બૉડીનાં પરમાણુ, એમની સ્પીચના પરમાણુ, ઓહોહો, સ્યાદ્વાદ વાણી ! સાંભળતા જ બધાના હૈયા ઠરી જાય. એવાં એ તીર્થંકર મહારાજ !

અરિહંત તો બહુ મોટું રૂપ કહેવાય. આખા બ્રહ્માંડમાં તે ઘડીએ એવાં પરમાણુ કોઈના હોય નહીં. બધા ઊંચામાં ઊંચા પરમાણુ એકલા એમના શરીરમાં ગોઠવાઈ ગયેલા. ત્યારે એ શરીર કેવું ! એ વાણી કેવી ! એ રૂપ કેવું ! એ બધી વાત જ કેવી ! એમની તો વાત જ જુદીને ?! એટલે એમની જોટે તો મૂકતા જ નહીં, કોઈનેય ! તીર્થંકરની જોટે કોઈને મૂકાય નહીં એવી ગજબ મૂર્તિ કહેવાય. ચોવીસ તીર્થંકરો થઈ ગયા, પણ ગજબ મૂર્તિ બધી !

બંધન રહ્યું અઘાતી કર્મનું !

પ્રશ્નકર્તા : અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાંની સ્થિતિ ?

દાદાશ્રી : હા, અરિહંત ભગવાન એટલે મોક્ષ પહેલાની સ્થિતિ. જ્ઞાનમાં સિદ્ધ ભગવાન જેવી જ સ્થિતિ છે પણ બંધન તરીકે આટલું રહ્યું છે. જેમ બે માણસને સાઈઠ વર્ષની સજા કરી હતી તે એક માણસને જાન્યુઆરીની પહેલી તારીખે કરી હતી. એ બીજા માણસને જાન્યુઆરીની ત્રીજી તારીખે કરી. પહેલાને સાઈઠ વર્ષ પૂરા થઈ ગયા. પેલો છૂટો થઈ ગયો. બીજો બે દહાડા પછી છૂટો થવાનો છે. પણ એ છૂટો જ કહેવાયને ? એવી એમની સ્થિતિ છે !

નમો સિધ્ધાણં...

પછી બીજા કોણ છે ?

પ્રશ્નકર્તા : 'નમો સિધ્ધાણં.'

દાદાશ્રી : હવે જે અહીંથી સિદ્ધ થઈ ગયા છે, જેને અહીં આગળ દેહેય છૂટી ગયેલો છે ને ફરી દેહ મળવાનો નથી અને સિદ્ધ ગતિમાં નિરંતર સિદ્ધ ભગવાનની સ્થિતિમાં રહે છે, એવાં સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું.

હવે અહીંથી જે ષડરીપુ જીતી અને રામચંદ્રજી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન એ બધા સિદ્ધ ગતિમાં ગયા. એટલે ત્યાં નિરંતર સિદ્ધ દશામાં રહે છે, એમને નમસ્કાર કરું છું. એમાં શું વાંધો છે, બોલો ! આમાં કંઈ વાંધા જેવું છે ?!

હવે પેલાં ઊંચા કે બીજા આ ફરી બોલ્યા તે ઊંચા ? પેલા તો દેહ છોડીને સિદ્ધ થઈ ગયેલા જ છે, સંપૂર્ણ મુક્ત થયા છે ! તે આ બેમાં ઊંચું કોણ ને નીચું કોણ ? તમને શું લાગે છે ? બહુ વિચારવાથી નહીં જડે. એની મેળે સહજભાવે બોલી દો ને !

પ્રશ્નકર્તા : બધાં સરખાં, નમન કરીએ એટલે બધું સરખું. એમાં શ્રેષ્ઠતા અથવા તો ઓછું એ આપણાથી નક્કી કેવી રીતે થાય ?

દાદાશ્રી : પણ આ લોકોએ પહેલો નંબર પેલાનો (નમો અરિહંતાણંનો) લખ્યો અને સિધ્ધાણંનો બીજો નંબર લખ્યો, તેનું કંઈ કારણ તમને સમજાયું ?

એ શું કહે છે કે જે સિદ્ધ થયા તે સંપૂર્ણ છે. એ ત્યાં સિદ્ધગતિમાં જઈને બેઠા છે, પણ તે અમારે કંઈ કામ લાગ્યા નહીં. અમારે તો 'આ' (અરિહંત) કામ લાગ્યા, એટલે એમનો પહેલો નંબર અને પછી તમે સિદ્ધ ભગવાન બીજો નંબર !

અને સિદ્ધ ભગવંતો છે, ત્યાં જવાનું છે. એટલે એ આપણું લક્ષબિંદુ છે. પણ ઉપકારી કોણ હોય ? અરિહંત ! પોતે છ દુશ્મનોને જીત્યા અને આપણને જીતાડવાનો રસ્તો દેખાડે છે, આશીર્વાદ આપે છે. એટલે એમને પહેલાં મૂક્યા. બહુ ઉપકારી માન્યા એમને. એટલે પ્રગટને ઉપકારી માને છે આપણા લોકો !

ફેર, અરિહંત ને સિદ્ધમાં !

પ્રશ્નકર્તા : સિદ્ધ ભગવાનો કઈ રીતે માનવજીવનમાં કલ્યાણ માટે પ્રવૃત્ત થાય ખરાં ?

દાદાશ્રી : સિદ્ધ એ તો તમારો ધ્યેય છે પણ છતાં એ કંઈ તમને હેલ્પ કરે નહીં. એ તો અહીં આગળ જ્ઞાની હોય કે તીર્થંકરો હોય એ હેલ્પ કરે તમને, એ મદદ કરે, તમારી ભૂલ દેખાડે, તમને રસ્તો દેખાડે, તમારું સ્વરૂપ બતાવે !

પ્રશ્નકર્તા : તો આ સિદ્ધો દેહધારી નથી ?

દાદાશ્રી : સિદ્ધ ભગવાન દેહધારી ના હોય, એ તો પરમાત્મા જ કહેવાય. અને આ સિદ્ધ પુરુષો તો માણસો કહેવાય. આમને તમે ગાળ ભાંડોને તો આ સિદ્ધ પુરુષો તો ફરી વળે. નહીં તો તમને શ્રાપ આપે !

પ્રશ્નકર્તા : અરિહંત અને સિદ્ધમાં શું ફેર ?

દાદાશ્રી : સિદ્ધ ભગવાનને શરીરનો બોજો ઊંચકવો પડતો નથી. અરિહંતને બોજો ઊંચકીને ચાલવું પડે છે, બોજારૂપ લાગે છે એમને પોતાને. આવડો મોટો ઘડો માથે મૂકીને ફર ફર કરવું પડે. કેટલાંક કર્મ બાકી છે તે કર્મ પૂરા થયા સિવાય, એ સિદ્ધગતિએ જવાય નહીં. તે એટલાં કર્મ ભોગવવાનાં બાકી છે.

નમો આયરિયાણં...

આ બે થયા. હવે ?

પ્રશ્નકર્તા : 'નમો આયરિયાણં.'

દાદાશ્રી : અરિહંત ભગવાને કહેલા આચાર જે પાળે છે અને તેવા આચાર પળાવે છે, એવાં આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એમણે પોતે આત્મા પ્રાપ્ત કર્યો છે, આત્મદશા પ્રગટ થયેલી છે, સંયમ સહિત હોય. પણ આ અત્યારે અહીં જે આચાર્યો છે એ આચાર્યો નહીં. આ તો બધા આપણે જરાક અપમાન કરીએ ત્યારે હોરા ફેણ માંડે. એટલે એવાં આચાર્યો નહીં. એમની દ્રષ્ટિ ફરી નથી. દ્રષ્ટિ ફર્યા પછી કામનું છે. જે મિથ્યાત્વ દ્રષ્ટિવાળા છે તેમને આચાર્ય ના કહેવાય. સમકિત થઈને આચાર્ય થાય તો તે આચાર્ય કહેવાય.

આચાર્ય ભગવાન કયા ? આ દેખાય છે, જૈનોનાં આચાર્ય તે નહીં, જૈનોમાં અત્યારે આચાર્ય ભગવાન બધા બહુ હોય છે, તેય નહીં. અને વૈષ્ણવોનાં ય આચાર્ય છે, તેય નહીં. મંડલેશ્વરો હોય છે તેય નહીં. સુખોની જેને કોઈ પણ પ્રકારની ઇચ્છા નથી અને પોતાના આત્માના સુખને માટે જ આચાર પાળે છે. આયરિયાણં એટલે જેણે આત્મા જાણ્યા પછી આચાર્યપણું છે ને આચાર પોતે પાળે ને બીજાની પાસે આચાર પળાવડાવે છે, એવાં ભગવાનને નમસ્કાર કરું છું. એમાં વાંધો ખરો ? તમને વાંધા જેવું લાગે છે એમાં ? ગમે તે હોય પછી, ગમે તે નાતનો હોય પણ આત્મજ્ઞાન થયેલું હોય તે આચાર્ય હોય, તો એમને નમસ્કાર કરું છું.

હવે એવાં આચાર્ય અત્યારે જગતમાં અમુક જગ્યાએ નથી, પણ અમુક જગ્યાએ છે. એવાં આચાર્યો અહીં નથી. આપણી ભૂમિકામાં નથી, પણ બીજી ભૂમિકામાં છે. માટે આ નમસ્કાર એ જ્યાં હોયનેે ત્યાં પહોંચી જાય. એટલે આપણને એનું તરત ફળ મળે છે.

પ્રશ્નકર્તા : આ આચાર્યોમાં શક્તિ નહોતી ? આચાર્ય પદ તો ક્યારે મળે ?

દાદાશ્રી : આ આચાર્ય પદ જે છેને, તે મહાવીર ભગવાન પછી હજાર વર્ષ સુધી ઠીક ચાલ્યું. અને ત્યાર પછી આચાર્ય પદ છે એ લૌકિક આચાર્ય પદ છે, અલૌકિક આચાર્ય થયા નથી.

પ્રશ્નકર્તા : અલૌકિક આચાર્યની વાત કરું છું.

દાદાશ્રી : તો અલૌકિક થયા જ નથી. અલૌકિક આચાર્ય તો ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : તો કુંદકુંદાચાર્ય.... ?

દાદાશ્રી : કુંદકુંદાચાર્ય થઈ ગયેલા એ પણ મહાવીર ભગવાન પછી છસ્સો વર્ષે થયેલાં. અને આ હું તો કહું છું કે છેલ્લા પંદરસો વર્ષથી નથી થયાં. કુંદકુંદાચાર્ય તો પૂર્ણ પુરુષ હતા.

પ્રશ્નકર્તા : પણ આ તો આચાર્યોની જે કંઈ કૃતિ છે, તે પાછલાં મહાપુરુષોનાં આગળ હોય કે વેદાંતનાં સૂત્રો હોય, તેની પર જ સિક્કાઓ છે. એને જ આચાર્યો કહ્યાં છે.

દાદાશ્રી : એ તો કહે, પણ ખરા આચાર્ય તો આત્મજ્ઞાન થયા પછી આચાર્ય ગણાય.

આચાર્ય પ્રતાપી સિંહની જ્યમ !

તીર્થંકરો ફક્ત કામ શું લાગે ? દર્શનનાં કામ લાગે અને સાંભળવાના કામનાં ! સાંભળવાનું ક્યારે કે દેશના ચાલુ હોય ત્યારે સાંભળવાના કામમાં લાગે, નહીં તો દર્શનનાં કામના !

તે ય પણ જેને દર્શનની એકલી જ ખોટ રહેલી છે તે એમનાં દર્શન કરીને મોક્ષે જાય. એમના દર્શનથી જ પૂર્ણાહુતિ થઈ જાય. પણ તે ત્યાં સુધી સ્ટેજ પર આવેલો હોય તેને !

આચાર્યની પાસેથી બધા આચારો જાણી લીધેલા છે, એટલે એ સ્ટેજ પર આવી ગયેલો હોયને, તેનું ત્યાં તીર્થંકર ભગવાન પાસે દર્શનથી કામ થઈ જાય. એટલે છેલ્લું પરિપક્વ આચાર્યથી થાય છે. આચાર્યો પરિપક્વ કરે છે. આચાર્ય ભગવાન ! તીર્થંકરો ય એમને મોટામાં મોટા ગણતા. તીર્થંકર ભગવાનને પૂછવામાં આવે કે આ પાંચમાં મોટામાં મોટું કોણ ? ત્યારે તીર્થંકર ભગવાન કહેશે કે આચાર્ય ભગવાન. આ તો તીર્થંકરનો અભિપ્રાય માગે, તે અભિપ્રાય તો એમનો જ કહેવાયને ! 'આમાં મોટામાં મોટું કોણ ? આપ ખરાં ?' ત્યારે એ કહે, 'ના, આચાર્ય ભગવાન મોટા !'

પ્રશ્નકર્તા : પણ કેમ એવું કહે ?

દાદાશ્રી : કારણ કે તીર્થંકર ભગવાનનાં એકસો આઠ ગુણ અને આચાર્ય મહારાજમાં એક હજારને આઠ ગુણ ! એટલે આ તો ગુણનું ધામ કહેવાય ! અને એ તો સિંહ જેવા હોય. એ ત્રાડ પાડે તો બધું હાલી ઊઠે. જેમ આ શીયાળે કંઈ માંસ ખાધું હોય, પણ જો સિંહને દેખી ગયું તો માંસની ઊલટી કરી નાખે, જોતાંની સાથે જ ! એવો આચાર્ય મહારાજનો પ્રતાપ હોય. હા, બધાં પાપ કર્યા હોયને, તે ઊલટી કરી નાખે. તીર્થંકરે ય કહેશે કે, 'હું એમના થકી જ થયેલો છું.' એટલે આચાર્ય ભગવાન તો બહુ મોટું ગુણધામ કહેવાય !

આ પાંચેય નવકાર (નમસ્કાર) એ સર્વશ્રેષ્ઠ પદ છે. એમાંય આચાર્ય મહારાજનાં તો તીર્થંકરોએ ય વખાણ કરવાં પડે.

પ્રશ્નકર્તા : પ્રમાણ, પ્રમાણ, પ્રમાણ !

દાદાશ્રી : કારણ કે તીર્થંકર કેવી રીતે થયા ? આચાર્ય મહારાજના પ્રતાપથી !

ગણધરો વટાવે બુદ્ધિનાં થર !

પ્રશ્નકર્તા : તો આ ભગવાનના ગણધરો છે, એ આચાર્ય કક્ષામાં આવતાં હશે ?

દાદાશ્રી : હા, આચાર્ય પદમાં જ આવે. કારણ કે ભગવાનથી નીચું બીજું કોઈ પદ જ નથી. પણ આમ ગણધર નામ શાથી પાડેલાં કે એ લોકોએ આખી બુદ્ધિને ભેદેલી. અને આચાર્ય મહારાજ એવાં હોય પણ કે ના ય હોય. પણ ગણધર તો આખી બુદ્ધિનો થર વટાવી નાખેલો.

જે થર અમે વટાવી નાખ્યો છે. એક ચંદ્રનો થર એટલે મનનો થર અને સૂર્યનો થર એ બુદ્ધિનો થર, એ સૂર્ય-ચંદ્ર જેણે ભેદ્યા છે એવાં ગણધર ભગવાન, છતાં એ તીર્થંકરનાં આદેશમાં રહે છે. અમે પણ સૂર્ય-ચંદ્ર ભેદીને બેઠાં છીએ !

હિમ જેવો તાપ !

આચાર્યને આખું શાસ્ત્ર મોઢે હોય ને બધું ધારણ કરેલું હોય. અને સાધુ શાસ્ત્ર ભણતો હોય પણ આત્મા પ્રાપ્ત કર્યો છે, એટલે સમકિત પ્રાપ્ત કર્યું છે અને હવે આ ભણે છે. અને ઉપાધ્યાય ભણે છે અને ભણાવડાવે છે. આ ઉપાધ્યાય વળી થોડાક આગળ ભણેલા, પણ તે આચાર્ય મહારાજ આગળ ઉપાધ્યાય તો બાપજી બાપજી કર્યા કરે. જેની ત્રાડથી સાધુ, ઉપાધ્યાય બિલ્લી જેવા થઈ જાય, એનું નામ આચાર્ય ! અને સાધુ ગમે એટલી ત્રાડ પાડે તોય પણ આચાર્ય મહારાજ ચમકે નહીં.

આચાર્ય એવાં હોય કે શિષ્યથી ખોટું થયું હોય તો ત્યાં ઊલટી થઈ જાય. કારણ કે એ મહીં સહન કરી શકે નહીં. એટલું બધું આચાર્ય એવાં તાપવાળા હોય છતાં કડક ના હોય. એ ક્રોધ ના કરે. એમ ને એમ જ એમની કડકાઈ લાગ્યા કરે. બહુ તાપ લાગે !

જેમ આ હિમ પડે છેને, તે હિમનો તાપ કેટલો બધો હોય ? એવું હિમતાપ કહેવાય. છતાં ક્રોધ ના હોય. ક્રોધ હોય તો આચાર્ય કહેવાય જ નહીં ને ! ક્રોધ-માન-માયા-લોભ હોય તો એ આચાર્ય કહેવાય જ નહીં !

નહીં તો આચાર્ય મહારાજ તો કેવાં હોય ?! આમ હેય... એની વાણી બોલે તો ઊઠવાનું મન ના થાય ! આચાર્ય ભગવાન કહેવાય ! એ તો કંઈ જેવાં-તેવાં ના કહેવાય.

દાદા, ખટપટિયા વીતરાગ !

અમારું આ આચાર્ય પદ કહેવાય. સંપૂર્ણ વીતરાગ પદ ના કહેવાય આ. પણ વીતરાગ કહેવું હોય તો ખટપટિયા વીતરાગ કહેવાય. એવી ખટપટ કે 'આવજો તમેે, આપણે સત્સંગ કરીએ ને આમ કરી આપીએ તમને, તેમ કરી આપીએ.' એવું સંપૂર્ણ વીતરાગમાં ના હોય. ડખોય નહીં ને ડખલેય નહીં. એ તમારું હિત થતું હોય કે અહિત થતું હોય એ બધું જોવા બેસી રહે નહીં. એ પોતે જ હિતકારી છે. એમની હવા હિતકારી છે, એમની વાણી હિતકારી છે, એમના દર્શન હિતકારી છે. પણ એ તમને એમ ના કહે કે તમે આમ કરો. અને હું તો તમને કહું કે, 'તમારી જોડે હું સત્સંગ કરું ને તમે કંઈક મોક્ષ ભણી ચાલો !' તીર્થંકરો તો એક જ ચોખ્ખું વાક્ય બોલે કે ચાર ગતિ ભયંકર દુઃખદાયી છે. માટે હે મનુષ્યો, અહીંથી મોક્ષ થવાનું સાધન પ્રાપ્ત થાય એવું તમારું મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. માટે મોક્ષની કામના કરો. આટલું જ બોલે. તીર્થંકરો એમની દેશનામાં બોલે !

અત્યારે તીર્થંકર અહીં છે નહીં અને સિદ્ધ ભગવાન તો એમનાં દેશમાં જ રહે છે. એટલે તીર્થંકરનાં અત્યારે રીપ્રેઝેન્ટેટીવ તરીકે અમે છીએ. હા, એ ના હોય તો સત્તા બધી અમારા હાથમાં. તે વાપરીએ છીએને નિરાંતે, કોઈને પૂછયા કર્યા વગર ! પણ અમે તીર્થંકરોને બેસાડીએ, તે બેસાડ્યા છેને ?!

ઉપાધ્યાયમાં વિચાર ને ઉચ્ચાર બે જ હોય છે અને આચાર્યમાં વિચાર, ઉચ્ચાર ને આચાર એ ત્રણ હોય છે. એમને આ ત્રણની પૂર્ણાહુતિ એ આચાર્ય ભગવાન !

નમો ઉવજ્ઝાયાણં...

પ્રશ્નકર્તા : 'નમો ઉવજ્ઝાયાણં.'

દાદાશ્રી : ઉપાધ્યાય ભગવાન ! એનો શું અર્થ થાય ? જેને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે અને જે પોતે આત્મા જાણ્યા પછી શાસ્ત્ર બધાં ભણે ને પછી બીજાને ભણાવડાવે, એવાં ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર કરું છું. ઉપાધ્યાય એટલે પોતે સમજે ખરાં છતાં આચાર સંપૂર્ણ નથી આવ્યા. એ વૈષ્ણવોનાં હોય કે જૈનોનાં હોય કે ગમે તેનાં હોય અને આત્મા પ્રાપ્ત કરેલો હોય. આજના આ સાધુઓ છે એ બધા ચાલે નહીં. આમાં આત્મા પ્રાપ્ત કરેલો નથી. આત્મા પ્રાપ્ત કરે એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, નબળાઈઓ જતી રહે. અપમાન કરીએ તો ફેણ ના માંડે. આ તો અપમાન કરે તો ફેણ માંડે ખરા ? તે એ ફેણ માંડે તે ના ચાલે ત્યાં.

પ્રશ્નકર્તા : ઉપાધ્યાય એટલે જાણે ખરાં કહ્યું, તો શું જાણે એ ?

દાદાશ્રી : ઉપાધ્યાય એટલે આત્મા જાણે, કર્તવ્યને જાણે, આચારને પણ જાણે, છતાં આચાર કેટલાક આવ્યા હોય ને કેટલાક આચાર ના આવ્યા હોય. પણ સંપૂર્ણ આચાર મહીં નહીં થવાથી તે ઉપાધ્યાય પદમાં છે. એટલે પોતે હજુ ભણે છે ને બીજાને ભણાવે છે.

પ્રશ્નકર્તા : એટલે આચારમાં પૂર્ણતા ના આવી હોય ?

દાદાશ્રી : હા, ઉપાધ્યાયને આચારની પૂર્ણતા ના આવે. આચારની પૂર્ણતા પછી તો આચાર્ય કહેવાય !

પ્રશ્નકર્તા : એટલે ઉપાધ્યાય પણ આત્મજ્ઞાની હોવાં જોઈએ.

દાદાશ્રી : આત્મજ્ઞાની નહીં, આત્મપ્રતીતિવાળા. પણ પ્રતીતિની ડિગ્રી જરા ઊંચી હોય, પ્રતીતિ !

અને પછી ?

નમો લોએ સવ્વસાહૂણં...

પ્રશ્નકર્તા : 'નમો લોએ સવ્વસાહૂણં.'

દાદાશ્રી : લોએ એટલે લોક, તે આ લોકમાં જેટલા સાધુઓ છે એ બધા સાધુઓને હું નમસ્કાર કરું છું. સાધુઓ કોને કહેવા ? ધોળાં કપડાં પહેરે, ભગવાં કપડાં પહેરે, એનું નામ સાધુ નહીં. આત્મદશા સાધે એ સાધુ. એટલે સંસારદશા-ભૌતિકદશા નહીં, પણ આત્મદશા સાધે એ સાધુઓને હું નમસ્કાર કરું છું. એટલે દેહાધ્યાસ નહીં, બિલકુલ દેહાધ્યાસ નહીં એવાં સાધુઓને હું નમસ્કાર કરું છું. હવે એવાં સાધુ તો જડે નહીંને ! અત્યારે ક્યાંથી લાવે ? એવાં સાધુ હોય ? પણ આ બ્રહ્માંડમાં જ્યાં જ્યાં એવાં સાધુઓ છે એમને નમસ્કાર કરું છું.

સંસારદશામાંથી મુક્ત થઈને આત્મદશા માટે પ્રયત્ન કરે છે અને આત્મદશા સાધે છે એ બધાને નમસ્કાર કરું છું. બાકી યોગ ને બધું કરે છે એ બધી સંસારદશા છે. આત્મદશા એ જુદી વસ્તુ છે. કયા કયા યોગ સંસારદશા છે ? ત્યારે કહે, એક તો દેહયોગ, જેમાં આસનો બધાં કરવાનાં હોય તે બધાં દેહયોગ કહેવાય. પછી બીજો મનોયોગ, અહીં ચક્રો ઉપર સ્થિરતા કરવી એ મનોયોગ કહેવાય. અને જપયોગ કરવો એ વાણીનો યોગ કહેવાય. આ ત્રણેવ સ્થૂળ શબ્દ છે અને એનું ફળ છે તે સંસારફળ આવે. એટલે અહીં મોટરો મળે, ગાડીઓ મળે. અને આત્મયોગ હોય તો મુક્તિ મળે, સર્વ પ્રકારનાં સુખ મળે. એ છેલ્લો, મોટો યોગ કહેવાય. સવ્વસાહૂણં એટલે જે આત્મયોગ સાધીને બેઠા છે, એવાં સર્વ સાધુઓને નમસ્કાર કરું છું.

એટલે સાધુ કોણ ? એમને આત્માની પ્રતીતિ બેઠેલી છે એટલે એને સાધુઓ ગણ્યા આપણે. એટલે આ સાહૂણંને પહેલી પ્રતીતિ અને ઉપાધ્યાયને પ્રતીતિ, પણ વિશેષ પ્રતીતિ અને આચાર્યને આત્મજ્ઞાન. અને અરિહંત ભગવાન એ પૂર્ણ ભગવાન. આ રીતે નમસ્કાર કરેલા છે.

પાંચેય ઈન્દ્રિયો સાંભળે ત્યારે...

પ્રશ્નકર્તા : ભગવંતોએ નવકારનાં પાંચ પદની જે રચના કરી, એમાં પહેલાં ચાર તો બરોબર છે, પણ પાંચમામાં નમો લોએ સવ્વસાહૂણંને બદલે સવ્વસાહૂણં કેમ ન મૂક્યું ?

દાદાશ્રી : કાગળ લખોને તમે ! એવું છે, એમણે જે કહ્યું છેને, તે કાનો માતર સાથે બોલવાનું કહ્યું છે. કારણ કે શ્રીમુખે વાણી નીકળી છે. એનું ગુજરાતી કરવાનું ના કહ્યું છે. ભાષા ફેરવશો નહીં. એટલે એમનાં શ્રીમુખેથી નીકળી છે, મહાવીર ભગવાનનાં મોઢેથી અને એ વાણી બોલેને તો એ પરમાણુ જ એવાં ગોઠવાયેલાં છે કે માણસને અજાયબી ઉત્પન્ન થાય. પણ આ તો બોલે એવું કે પોતાને પણ સંભળાય નહીં, ત્યારે ફળેય એવું જ મળેને, ફળ સંભળાય નહીં પોતાને ! બાકી પાંચેય ઇન્દ્રિયો સાંભળે એવું બોલે ત્યારે ખરું ફળ મળે ! હા, આંખેય દેખ્યા કરે, કાનેય સાંભળ્યા કરે, નાક સૂંઘ્યા કરે...

પ્રશ્નકર્તા : આપ કંઈ રહસ્યમય વાણી બોલ્યા !

દાદાશ્રી : હા, એ નવકાર એમ ને એમ બોલ્યા કરે, તે કાન સાંભળે નહીં, કાન ભૂખ્યો રહે, આંખ ભૂખી રહે, જીભ એકલી મોઢામાં ફર્યા કરે. તે કેવું ફળ મળે ? એટલે પાંચેય ઇન્દ્રિયો જ્યારે ખુશ થાય ત્યારે નવકાર મંત્ર પરિણામ પામ્યો કહેવાય. બોલે તો ખરાં પણ કાન સાંભળે, આંખો જુએ, નાક સુગંધી ભોગવે, તે ઘડીએ ચામડીને સ્પર્શ થાય એનાં, એવી રીતે જોઈએ બધું ! તેથી તો અમે આ જોશથી બોલાવીએ છીએને !

કેવળ સાધક, નહિ બાધક !

આત્માની દશા સાધવા જે સાધના કર્યા કરે એ સાધુ. એટલે જગતના સ્વાદની માટે સાધના કરે એ સાધુ નહીં. સ્વાદને માટે, માનને માટે, કીર્તિને માટે, એ બધી સાધના એ જુદી અને આત્માની સાધનામાં પેલું ના હોય. એવાં બધા સાધુને નમસ્કાર કરું છું. બીજા બધા સાધુ ના કહેવાય.

આત્મદશા સાધે એ સાધુ કહેવાય. બીજા બધા સાધુ ના કહેવાય. દેહદશા, દેહના રોફ માટે, દેહના સુખને માટે ફરે છે પણ એ ચાલે નહીંને ! એ બધાને નમસ્કાર કરું છું. એટલે હિન્દુસ્તાનનો ભાગ્યે કોઈ એકાદ સંત આમાં આવતો હોય. એકુંય ના આવે. એવાં સાધુઓ બીજા ક્ષેત્રમાં છે. એ બીજી જગ્યાએ છે, એટલે ત્યાં પહોંચે છે આપણું અને તો આપણને ફળ મળે.

આ આપણા લોકોએ જેટલું નક્કી કર્યું છે, તેટલું બ્રહ્માંડ નથી. બહુ મોટું બ્રહ્માંડ છે, વિશાળ છે. તે બધા સાધુઓને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : લોએ એટલે શું ?

દાદાશ્રી : નમો લોએ સવ્વસાહૂણં. લોએ એટલે લોક. આ લોક સિવાય બીજું અલોક છે, ત્યાં કશું છે નહીં. એટલે લોકમાં સર્વ સાધુઓ છે, એને નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : હવે આત્મદશા સાધે એટલે આત્માનું જ્ઞાન થાય ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : અને આત્મદશા સાધે એટલે આત્માનો અનુભવ થાય ?

દાદાશ્રી : એ આત્મદશા સાધે એટલે અનુભવ તરફ દોટ મૂકે, સાધના કરે. એટલે સાધનાનો શો અર્થ છે ? 'આતમ્ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે !' પણ આત્મભાવના એ એને લાધવી જોઈએ ને ! અમે અહીં જે આ જ્ઞાન આપીએ છીએને એ આત્મદશા જ સાધે છે એ અને સાધ્યા પછી એને આગળ પછી દશા પ્રાપ્ત થાય છે ને તેમાંથી પછી જેમ જેમ આગળ વધે તેમ ઉપાધ્યાય દશા કોઈને પ્રાપ્ત થઈ હોય. પછી આ છેલ્લું પદ કયું અત્યારે જઈ શકે છે, આપણે અહીં આગળ ? કે આચાર્યપદ સુધી જઈ શકે છે. એથી આગળ જઈ શકતાં નથી.

પ્રશ્નકર્તા : આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ આત્મદશા સાધે છે કે નહીં ?

દાદાશ્રી : હા, તે આપણે એના બાધક ગુણ જોઈ લઈએ તો ખબર પડી જાય. આત્મદશા સાધનારો માણસ સાધક એકલો જ હોય, બાધક ના હોય. સાધુઓ હંમેશા સાધક હોય અને આ સાધુઓ જે છે અત્યારના, એ તો દુષમકાળને લઈને સાધક નથી, સાધક-બાધક છે. સાધક-બાધક એટલે બૈરી-છોકરાં છોડ્યા, તપ-ત્યાગ બધું કરે છે, તે સામાયિક-પ્રતિક્રમણ કરીને આજ સો રૂપિયા કમાય છે, પણ પછી શિષ્ય જોડે કંઈ ભાંજગડ પડી તે શિષ્ય જોડે આકરો થઈ જાય, તો દોઢસો રૂપિયા ખોઈ નાખે પાછો ! એટલે બાધક છે ! અને સાચો સાધુ બાધક ક્યારેય પણ ના થાય. સાધક જ હોય. જેટલા સાધક હોયને તે જ સિદ્ધદશાને પામે !

અને આ તો બાધક, તે સળી કરતાં પહેલાં ચીઢાતા વાર નહીંને ! એટલે આ સાધુઓ નથી, ત્યાગીઓ કહેવાય. તે અત્યારના જમાનાના હિસાબે આમને સાધુ કહેવાય. બાકી અત્યારે તો સાધુ-ત્યાગીઓનો ક્રોધ ઊઘાડો દેખાઈ જાય છેને ! અરે, સંભળાય છે હઉ ! જે ક્રોધ સંભળાય એવો હોય એ ક્રોધ કેવો કહેવાય ?

પ્રશ્નકર્તા : અનંતાનુબંધી ?!

દાદાશ્રી : હા, જે ક્રોધ ખખડાટ કરે, સંભળાય આપણને એ અનંતાનુબંધી કહેવાય.

ૐનું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : ૐ એ આ નવકાર મંત્રનું ટૂંકું ફોર્મ છે ?

દાદાશ્રી : હા, એ સમજીને બોલીએ તો ધર્મધ્યાન થાય.

પ્રશ્નકર્તા : નવકાર મંત્રને બદલે ૐ એટલું કહીએ તો ચાલે ?

દાદાશ્રી : હા. પણ તે સમજીને કરે તો ! આ લોકો બોલે છે એ તો અર્થ વગરનું છે. ખરો નવકાર મંત્ર તો બોલાય ત્યાર પછી ઘરમાં ક્લેશ થતો અટકી જાય. અત્યારે ક્લેશ બધાં અટકી ગયેલાં છેને, બધાંને ઘેર ઘેર ?!

પ્રશ્નકર્તા : ના અટકે.

દાદાશ્રી : ચાલુ જ છે ? તો એ ક્લેશ થતો અટકી ના જાય તો જાણવું કે હજુ આ નવકાર મંત્ર સારી રીતે સમજીને બોલતાં નથી.

આ નવકાર મંત્ર છે તે બોલજે એટલે ૐ ખુશ થઈ જશે, ભગવાન ખુશ થઈ જશે. આ એકલું ૐ બોલવાથી ૐ ખુશ ના થાય કોઈ દહાડોય ! માટે આ નવકાર મંત્ર બોલજેને ! આ નવકાર મંત્ર એ જ ૐ છે ! એ બધાનું ટૂંકાક્ષરી છે, એ ૐ શબ્દ મૂકેલો છે. આ બધું ભેગું આની મહીં આવી ગયું, તે એનું નામ ૐ મૂક્યો. લોકોને લાભ થવા માટે કર્યું આ કરનારાઓએ, પણ લોકોને સમજણ નહીં તે ઊંધું બફાઈ ગયું.

એ પહોંચે અક્રમના મહાત્માઓને !

ભગવાને ૐ સ્વરૂપ કોને કહ્યું ? જેને અહીં હું જ્ઞાન આપું છુંને, તે દહાડેથી એ 'હું શુધ્ધાત્મા છું' બોલવા માંડ્યો, ત્યારથી એ સાધુ થયો. શુધ્ધાત્મ દશા સાધે એ સાધુ. એટલે આપણા આ મહાત્માઓ, જેટલાંને મેં જ્ઞાન આપેલું છેને, એમને આ નવકાર પહોંચે છે. હા, લોકો નવકાર મંત્ર બોલશે તેની જવાબદારી તમારે માથે આવે છે. કારણ કે તમે નવકારમાં આવી ગયા. આત્મદશા સાધે એ સાધુ. ત્યાર પછી બીજે દહાડેથી થોડુંક થોડું પોતે સમજતો થયો અને થોડું થોડું કોઈકને સમજાવી શકો એવાં થયા. એટલે તમે તો સાધુથી આગળ ગયા. ત્યારથી ઉપાધ્યાય થવા માંડ્યો. અને આચાર્યપદ આ કાળમાં મળે એવું નથી, જલ્દી ! અમારા ગયા પછી નીકળશે એ વાત જુદી છે.

નવકારનું માહાત્મ્ય !

'ઐસો પંચ નમુક્કારો' - ઉપર જે પાંચ નમસ્કાર કર્યા,

'સવ્વ પાવપ્પણાસણો' - બધા પાપોને નાશ કરવાવાળો છે. આ બોલવાથી સર્વ પાપ ભસ્મીભૂત થઈ જાય.

મંગલાણં ચ સવ્વેસિં - બધા મંગલોમાં,

પઢમં હવઇ મંગલમ્ - પ્રથમ મંગલ છે. આ દુનિયામાં બધાં મંગલો જે છે એ બધામાં પહેલામાં પહેલું મંગલ આ છે, મોટામાં મોટું ખરું મંગલ આ છે એવું કહેવા માગે છે.

બોલો હવે, એ આપણે છોડી દેવો જોઈએ ? પક્ષાપક્ષીની ખાતર છોડી દેવો જોઈએ ? ભગવાન નિષ્પક્ષપાતી હશે કે પક્ષપાતી હશે ?

પ્રશ્નકર્તા : નિષ્પક્ષપાતી.

દાદાશ્રી : ત્યારે ભગવાન કહે છે તેવું આપણે એના નિષ્પક્ષપાતી મંત્રોને ભજીએ.

ત્રિમંત્રથી હળવો ભોગવટો !

પ્રશ્નકર્તા : ત્રિમંત્રોમાં સવ્વ પાવપ્પણાસણો આવે છે, આ સર્વ પાપોને નાશ કરનાર છે, તો પછી ભોગવટા વગર પણ એ નાશ થઈ જાય ?

દાદાશ્રી : એ ભોગવટો તો થાય. એવું છેને, તમે અહીં આગળ મારી જોડે ચાર દહાડા રહ્યા હોયને, તો તમારે કર્મનો ભોગવટો તો થયા કરવાનો પણ તે ભોગવટો મારી હાજરીમાં હલકો થઈ જાય. એવું ત્રિમંત્રની હાજરીથી ભોગવટામાં બહુ ફેર પડી જાય. તમને બહુ અસર લાગે નહીં પછી !

અત્યારે જેમ એક માણસને જ્ઞાન ના હોય, તેને ચાર દહાડા જેલમાં ઘાલો તો કેટલી બધી અકળામણ થાય ? અને જ્ઞાન હોય તેને જેલમાં ઘાલો તો ? એનું કારણ શું કે ભોગવટો એનો એ જ છે પણ ભોગવટો અંદર અસર ના કરે !

વ્યવસ્થિતમાં હોય તો જ જપાય !

પ્રશ્નકર્તા : આપ કહો છો કે ત્રિમંત્રો આપણી બધી અડચણ દૂર કરે. આપ એ પણ કહો છો કે બધું 'વ્યવસ્થિત' જ છે, તો પછી ત્રિમંત્રમાં શક્તિ ક્યાંથી આવી ?

દાદાશ્રી : વ્યવસ્થિત એટલે શું કે જો અડચણ દૂર ના થવાની હોય ત્યાં સુધી આપણાથી ત્રિમંત્રો બોલાય નહીં એવું 'વ્યવસ્થિત' સમજી લેવાનું.

પ્રશ્નકર્તા : પણ ત્રિમંત્ર બોલીએ અને છતાંય અડચણ દૂર ના થાય તો શું સમજવું ?

દાદાશ્રી : એ અડચણ તો કેવડી મોટી હતી અને તે કેટલી ઓછી થઈ ગઈ, એ તમને ખબર ના પડે. એની અમને ખબર પડે.

નવકાર એટલે નમસ્કાર !

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો નમો લોએ સવ્વસાહૂણં સુધી જ બોલે છે અને બીજાં કેટલાંક એસો પંચ નમુક્કારો ને ઠેઠ બધું જ બોલે છે. એ ચાલે ?

દાદાશ્રી : પાછળના ચાર ના બોલે તો વાંધો નથી. મંત્રો તો પાંચ જ છે અને પાછળના ચાર તો એનું માહાત્મ્ય સમજવા માટે લખ્યું છે.

પ્રશ્નકર્તા : આ નવ પદને હિસાબે નવકાર મંત્ર કહેવાય ?

દાદાશ્રી : ના, ના, એવું નથી. આ નવ પદ જ નથીને ! આ નમસ્કાર મંત્ર છે, તેને બદલે નવકાર થઈ ગયો. આ મૂળ શબ્દ નમસ્કાર મંત્ર છે, તેને બદલે માગધિ ભાષામાં નવકાર બોલાય, એટલે નમસ્કારને જ આ નવકાર બોલાય છે. એટલે નવ પદને આ લેવા-દેવા નથી. આ પાંચ જ નમસ્કાર છે.

ૐ નમો ભગવતે વાસુદેવાય...

પ્રશ્નકર્તા : પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' સમજાવો.

દાદાશ્રી : વાસુદેવ ભગવાન ! એટલે જે વાસુદેવ ભગવાન નરનાં નારાયણ થયા, તેમને હું નમસ્કાર કરું છું. નારાયણ થાય ત્યારે વાસુદેવ કહેવાય.

પ્રશ્નકર્તા : શ્રીકૃષ્ણ, મહાવીર સ્વામી એ બધાં શું છે ?

દાદાશ્રી : એ તો બધાં ભગવાન છે. એ દેહધારી રૂપે ભગવાન કહેવાય છે. એ ભગવાન શાથી કહેવાય છે કે મહીં સંપૂર્ણ ભગવાન પ્રગટ થયા છે. માટે દેહ સાથે આપણે એમને ભગવાન કહીએ છીએ.

કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા, એમાં તો બેમત નહીંને ? વાસુદેવ એટલે તો નારાયણ કહેવાય. નરમાંથી જે નારાયણ થયેલા એવાં ભગવાન પ્રગટ થયેલા. અને આપણે ભગવાન કહીએ છીએ.

અને જે મહાવીર ભગવાન થયા, ઋષભદેવ ભગવાન થયા એ પૂર્ણ ભગવાન કહેવાય. કૃષ્ણ ભગવાન એ વાસુદેવ ભગવાન કહેવાય. એમને હજુ એક અવતાર રહ્યો. પણ એ ભગવાન જ કહેવાય.

વાસુદેવ એ ભગવાનમાં ગણાય. શિવ એ ભગવાનમાં ગણાય ને સચ્ચિદાનંદ એ પણ ભગવાનમાં ગણાય. અને આ પાંચેય પરમેષ્ટિઓ ભગવાનમાં જ ગણાય. કારણ કે આ સાચા સાધક હોય, એ બધા ભગવાનમાં ગણાય ! પણ આ પાંચે પરમેષ્ટિ એ કાર્ય ભગવાન કહેવાય અને આ વાસુદેવ અને શિવ એ કારણ ભગવાન કહેવાય. કાર્ય ભગવાન થવાના કારણો સેવી રહ્યા છે !

નરમાંથી નારાયણ !

પ્રશ્નકર્તા : 'ૐ નમો ભગવતે વાસુદેવાય'નું જરા વિશેષ રીતે સ્પષ્ટીકરણ કરો.

દાદાશ્રી : આ વાસુદેવ છે તે ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીમાં નવ વાસુદેવ થયા. તે વાસુદેવ એટલે નરમાંથી નારાયણ થાય એ પદને વાસુદેવ કહે છે. તપ-ત્યાગ કશું જ નહીં. એમનાં તો માર-ઝઘડાં-તોફાન અને સામા છે તે પ્રતિવાસુદેવ જન્મે. અહીં વાસુદેવનો જન્મ થાય, એટલે એક બાજુ પ્રતિવાસુદેવ જન્મે. એ પ્રતિનારાયણ ! તે બેના થાય ઝઘડાં. અને તેમાં પાછાં નવ બળદેવેય હોય. વાસુદેવનાં બ્રધર, ઓરમાઈ બ્રધર. કૃષ્ણ છે એ વાસુદેવ કહેવાય અને બળદેવ જે છે એ બળરામ કહેવાય. પછી રામચંદ્રજી વાસુદેવ ના કહેવાય. રામચંદ્રજી બળરામ કહેવાય. લક્ષ્મણ એ વાસુદેવ કહેવાય અને રાવણ પ્રતિવાસુદેવ કહેવાય. રાવણ પૂજ્ય છે. ખાસ પૂજા કરવા જેવાં રાવણ છે. તેનાં આપણા લોકો પૂતળાં બાળે છે, ભયંકર રીતે બાળે છેને ! જુઓને ! આ દેશનું શી રીતે ભલું થાય તે ?! આવું જ્ઞાન જ્યાં ઊંધું ફેલાયેલું છે, ત્યાં એ દેશનું શી રીતે ભલું થાય તે ?! રાવણના પૂતળાં બળાતાં હશે ?! કોણ રાવણ ?!

આ કાળના વાસુદેવ એટલે કોણ ? કૃષ્ણ ભગવાન. એટલે આ નમસ્કાર કૃષ્ણ ભગવાનને પહોંચે છે. એમના જે શાસનદેવો હોયને, તેમને પહોંચી જાય !

વાસુદેવ પદ અલૌકિક !

એ વાસુદેવ તો કેવા હોય ? એક આંખથી લાખ માણસ ભડકી જાય એવી તો આંખ હોય, વાસુદેવની. વાસુદેવ બીજ પડે ક્યારે ? એની આમ આંખ દેખીને જ ભડકીને મરી જાય. તે વાસુદેવ થવાના હોય તે કેટલાંય અવતાર પહેલેથી આવું હોય. એ વાસુદેવ તો ચાલતો હોય તો ધરતી ખખડે ! હા, ધરતી નીચે અવાજ કરે. કેટલાંય અવતાર પહેલાં ! એટલે એ બીજ જ જુદી જાતનું હોય. એની હાજરીથી જ લોક આઘું પાછું થઈ જાય, એ વાત જ જુદી છે ! વાસુદેવ તો મૂળ જન્મથી જ ઓળખાય કે વાસુદેવ થવાનો છે. કેટલાંય અવતાર પછી વાસુદેવ થવાનાં હોય તે આજથી જ ઓળખાય. તીર્થંકર ના ઓળખાય પણ વાસુદેવ ઓળખાય, એનાં લક્ષણ જ જુદી જાતનાં હોય ! એ પ્રતિવાસુદેવેય એવાં જ હોય.

પ્રશ્નકર્તા : તો તીર્થંકર એ આગલા અવતારોમાં કેવી રીતે ઓળખાય ?

દાદાશ્રી : તીર્થંકર તો સાદા હોય. એમની લાઈન જ સીધી હોય. એને વાંક જ ના આવે, એમની લાઈનમાં વાંક જ ના આવે અને વાંક આવે તો ગડમથલ થઈને પણ પાછાંં ત્યાં ને ત્યાં આવી જાય. એ લાઈન જુદી છે. અને આ વાસુદેવ ને પ્રતિવાસુદેવ તો કેટલાંય અવતાર પહેલાં ય એવાં ગુણ હોય. અને વાસુદેવ થવું એટલે નરના નારાયણ કહેવાય ! નરના નારાયણ એટલે કયા ફેઝથી કે જેમ આ પડવો થાય છેને, ત્યાંથી પૂનમ સુધી થાય. એટલે પડવો થાય ત્યારથી ખબર ના પડે કે આ પૂનમ થવાની છે. એવું એના કેટલાય અવતાર પહેલાં ખબર પડે કે આ વાસુદેવ થવાનાં છે.

ન બોલાય અવળું કૃષ્ણ કે રાવણનું !

આ ત્રેસઠ શલાકા પુરુષ કહેવાય. જેને ભગવાને મહોર મારી કે ભગવાન થવાને લાયક છે આ બધા. એટલે આપણે એકલા અરિહંતને ભજીએ અને આ વાસુદેવને ના ભજીએ તો વાસુદેવ ભવિષ્યમાં અરિહંત થવાના છે. આ વાસુદેવનું અવળું બોલીએ તો આપણું શું થાય ? લોક કહે છેને, 'કૃષ્ણ ભગવાનને આમ થયું છે, તેમ થયું છે...' અલ્યા, ના બોલાય. કશું બોલીશ નહીં. એમની વાત જુદી છે અને તું સાંભળી લાવ્યો એ વાત જુદી છે. જોખમદારી શું કરવા વહોરે છે ? જે કૃષ્ણ ભગવાન આવતી ચોવીશીમાં તીર્થંકર થવાના છે, જે રાવણ આવતી ચોવીશીમાં તીર્થંકર થવાનાં છે, તેમની જોખમદારી શું કરવા વહોરો છો ?

ત્રેસઠ શલાકા પુરુષો !

શલાકા પુરુષ એટલે મોક્ષે જવા લાયક શ્રેષ્ઠ પુરુષો. મોક્ષમાં તો બીજા પણ જવાનાં પણ આ શ્રેષ્ઠ પુરુષો ! એટલે ખ્યાતિ સહિત છે. સંપૂર્ણ ખ્યાતનામ થઈને મોક્ષે જાય. હા, તેમાં ચોવીસ તીર્થંકરો હોય અને બાર ચક્રવર્તી હોય. પછી વાસુદેવ હોય, પ્રતિવાસુદેવ હોય અને બળરામ હોય. વાસુદેવના મોટાભાઈ ! તે પાછાં હંમેશાં મહીં હોય જ. નેચરલ એડજસ્ટમેન્ટ છે આ ! એમાં ચાલે નહીં. નેચરલમાં કશું ફેરફાર ના થાય. ૨ણ્ ને બ્ જ જોઈએ. એના જેવી વસ્તુ છે આ.

આ સાયન્ટિફિક વસ્તુ છે ! નહીં તો ત્રેસઠ મારો શબ્દ નથી, ત્રેસઠને બદલે ચોસઠે ય મૂકત. પણ આ કુદરતની ગોઠવણી કેવી સુંદર છે અને વ્યવસ્થિત ગોઠવણી છે !

બોલતી વખતે ઉપયોગ...

આપણે કેવું બોલીએ ? ૐ નમો ભગવતે વાસુદેવાય. તે કૃષ્ણ ભગવાન હઉ દેખાય ને શબ્દ બોલીએ આપણે. હવે કૃષ્ણ ભગવાન જે ભલે આપણી ફીલમમાં આવેલા હોયને, જે ચિત્ર પડેલું હોય તે, મોરલીવાળા હો કે બીજા હો, પણ આપણે આ બોલીએ કે તરત એ દેખાય. બોલીએ કે સાથે દેખાય. બોલીએને અને સાથે દેખાય નહીં, એનો અર્થ શું છે ?!

નામ એકલું બોલીએ તો નામ એકલાનું ફળ મળે. પણ જોડે જોડે એમની મૂર્તિ જોઈએ, તો બન્ને ફળ મળે. નામ અને સ્થાપના બે ફળ મળે તો બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : 'નમો અરિહંતાણં'ના જાપ સમયે મનમાં કયા રંગનું ચિંતન કરવું જોઈએ ?

દાદાશ્રી : 'નમો અરિહંતાણં'ના જાપ વખતે કોઈ રંગનું ચિંતન કરવાની કંઈ જરૂર નથી. અને જો ચિંતન કરવું હોય તો આંખો મીંચીને ન....મો...અ....રિ....હં...તા....ણં એમ દેખાવું જોઈએ. એનાથી બહુ ફળ મળે. આંખો મીંચીને બોલો જોઈએ, ન મો અ રિ હં તા ણં, આ અક્ષરો બોલતી ઘડીએ ના વંચાય ? અભ્યાસ કરજો, તો વંચાશે તમને પછી.

પછી 'ૐ નમો ભગવતે વાસુદેવાય' એ પણ આંખો મીંચીને તમે બોલોને તો અક્ષરે અક્ષર દેખાશે. અક્ષર સાથે બોલાશે. તમે બે દહાડા અભ્યાસ કરશો, ત્રીજે દહાડે બહુ જ સુંદર દેખાશે.

મંત્રોનું આ રીતે ચિંતન કરવાનું છે. એને ધ્યાન કહેવાય. આ ત્રિમંત્રનું આવું ધ્યાન કરેને, તો બહુ સુંદર ધ્યાન થઈ જાય.

ૐ નમઃ શિવાય...

પ્રશ્નકર્તા : 'ૐ નમઃ શિવાય.'

દાદાશ્રી : આ દુનિયામાં જે કલ્યાણ સ્વરૂપ થયેલા હોય અને જે જીવતા હોય, જેનો અહંકાર જતો રહેલો હોય, એ બધા શિવ કહેવાય. શિવ નામનો કોઈ માણસ નથી. શિવ તો પોતે કલ્યાણ સ્વરૂપ જ છે. એટલે જે પોતે કલ્યાણ સ્વરૂપ થયા છે અને બીજાને કલ્યાણનો માર્ગ બતાવે છે, એમને નમસ્કાર કરું છું.

જે કલ્યાણ સ્વરૂપે થઈને બેઠા છે, તે હિન્દુસ્તાનમાં હોય કે ગમે ત્યાં હોય તે બધાને નમસ્કાર ! કલ્યાણ સ્વરૂપ કોને કહેવાય ? જેને માટે મોક્ષલક્ષ્મી તૈયાર થયેલી હોય. મોક્ષલક્ષ્મી વરવા તૈયાર થયેલી હોય એ કલ્યાણ સ્વરૂપ કહેવાય.

શાથી શંકર, નીલકંઠ ?

શાથી હું જ શંકર ને હું જ નીલકંઠ કહ્યું ? કે આખું જગતે જેણે જેણે ઝેર પાયુંને તે બધું જ પી ગયા. અને તમે પી જાવ તો તમે પણ શંકર થાવ. કોઈ ગાળ ભાંડે, કોઈ અપમાન કરે, તો બધું જ સમભાવથી ઝેર પી જાવ આશીર્વાદ આપીને, તો શંકર થાવ. સમભાવ રહી શકે નહીં, પણ આશીર્વાદ આપીએ ત્યારે સમભાવ આવે. એકલો સમભાવ રાખવા જાય તો વિષમભાવ થઈ જાય.

અમે ત્યાં આગળ મહાદેવજીના મંદિરમાં જઈને બોલીએ,

'ત્રિશૂળ છતાં યે જગત ઝેર પીનારો,

શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું.'

મહાદેવજી ઝેરના બધા પ્યાલા પી ગયેલાં. જેણે પ્યાલા આપ્યા, તેનાં લઈને પી ગયા. તે અમે ય એવાં પ્યાલા પીને મહાદેવજી થયા. તમારે મહાદેવજી થવું હોય તો એવું કરજો. હજુ ય શું નાસી ગયું છે ?! પાંચ-દશ વર્ષ પીવાય તો ય બહુ થઈ ગયું, તો મહાદેવજી થઈ જવાય. તમે તો એ પ્યાલો પાય તે પહેલાં તો એને પાઈ દો છો ! 'લે, મારે મહાદેવજી થવું નથી, તું મહાદેવજી થા' કહે છે !

શિવોહં બોલાય ક્યારે ?

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો 'શિવોહં, શિવોહં' એ પ્રમાણે બોલે છે, તે શું છે ?

દાદાશ્રી : એવું હતુંને કે જે પહેલાં શિવસ્વરૂપ થયા હતા, આ કાળમાં નહીં, આગલા કાળમાં શિવસ્વરૂપ થયેલા હોય તે 'શિવોહં' બોલે. તેની નકલો આ લોકોએ, એમના પાછળ શિષ્યોએ કરી અને એની નકલ આ શિષ્યોનાં શિષ્યોએ તેનાં શિષ્યોએ કરી. તે બધાં નકલ કરે છે. તેથી કરીને શિવ થઈ જાય ? ઘેર રોજ બૈરી જોડે વઢવાડ થાય છે અને પેણે 'શિવોહં શિવોહં' કરે છે. અલ્યા, શિવને શું કરવા વગોવે છે ? બૈરી જોડે વઢવાડ કરતો હોય ને 'શિવોહં' બોલતો હોય. તો શિવ વગોવાય કે ના વગોવાય ?!

પ્રશ્નકર્તા : જેટલો વખત 'શિવોહં' બોલે એટલો વખત તો બૈરી જોડે નથી લઢતોને ?

દાદાશ્રી : ના, 'શિવોહં' બોલાય જ નહીં. એ તો પછી એને આગળ જવાના માર્ગદર્શનની જરૂર જ ના રહીને ? કારણ કે છેલ્લા સ્ટેશનની વાત ચાલી એટલે પછી હવે બીજાં સ્ટેશને જવાની જરૂર જ ના રહીને ?! બોલાય નહીં. જ્યાં સુધી પોતાની પાસે છેલ્લા સ્ટેશનનું લાયસન્સ આવે નહીં ત્યાં સુધી 'શિવોહં' બોલાય નહીં. 'હું શુધ્ધાત્મા છું' એવું ય ના બોલાય. એ ભાન થવું જોઈએ. જે કંઈ બોલો છો, તેનું ભાન થવું જોઈએ. બેભાનપણાથી તો આપણા ઘણાં લોકો બોલ્યા, 'અહમ્ બ્રહ્માસ્મિ' ! અલ્યા, શાનો પણ ?! બ્રહ્મ શું ને બ્રહ્માસ્મિ શું ?! તું શું સમજ્યો, તે બોલ બોલ કરે છે ?! પેલા લોકોએ એવું જ શીખવાડ્યું હતું 'અહમ્ બ્રહ્માસ્મિ'. પણ તેનો અનુભવ થવો જોઈએ. તમે શુધ્ધાત્મા છો પણ શુધ્ધાત્માનો પોતાને અનુભવ થવો જોઈએ. એમ ને એમ બોલાય નહીં. શિવોહં બોલાય ખરું ? તમને કેમ લાગે છે ? અનુભવ થયા સિવાય બોલાય નહીં. એ તો આપણે સમજવાનું કે છેવટે આપણું સ્વરૂપ શિવનું છે. પણ એવું બોલાય નહીં. નહીં તો બોલવાથી પછી બીજા વચલાં સ્ટેશન બધા રહી જાય.

પ્રશ્નકર્તા : 'શિવોહં' બોલે તો પણ એ અજ્ઞાનતામાં જ બોલેને ? સમજતો નથી માટે એ બોલે છે.

દાદાશ્રી : હા, અજ્ઞાનતાથી બોલે છે. પણ મનમાં તો એમ જ રહેને કે 'આપણે શિવોહં' એટલે 'હું શિવ જ છું'. એટલે હવે કશી પ્રગતિ કરવાની રહી નહીં. એટલું તો સમજે મહીં પાછું અને સોહ્મ બોલે છે તે બોલાય. સોહ્મનું ગુજરાતી શું થાય ?

પ્રશ્નકર્તા : 'તે હું છું.'

દાદાશ્રી : 'તે હું છું' એ બોલાય પણ શિવોહં ના બોલાય. 'તે હું છું' એટલે જે આત્મા છે કે ભગવાન છે, 'તે હું છું' એવું બોલાય. 'તુંહી, તુંહી' બોલાય. પણ 'હુંહી, હુંહી' ના બોલાય. 'હું જ છું' એવું ના બોલાય, 'તુંહી, તુંહી' બોલાય. કારણ કે ત્યારે અજ્ઞાનતામાં 'હું' ને 'તું' બે જુદું છે જ પહેલેથી. અને તે બોલે છે એમાં ખોટું ય શું છે ? તે હું છું, એ બે જુદું જ છે !

પ્રશ્નકર્તા : શિવોહં એટલે શું ?

દાદાશ્રી : મારે શિવ થવાનું છે, એ લક્ષે પહોંચવાનું એવું એ કહે છે, કે હું શિવોહં ! શિવ એટલે પોતે જ કલ્યાણ સ્વરૂપ થઈ ગયા, એ પોતે જ મહાદેવજી !

ફેર છે શિવ ને શંકરમાં !

પ્રશ્નકર્તા : શિવ અને શંકર એમાંય ફેર ખરો ? શિવ એ તો કલ્યાણકારી પુરુષ કહ્યા, તો શંકર એ દેવલોકમાં છે ?

દાદાશ્રી : શંકર તો બધાં એક નથી. બધાં બહુ શંકરો છે. જ્યારે સમતામાં આવ્યાને, ત્યારથી સમ્ કર એટલે શંકર કહેવાય ! એટલે બધાં બહુ શંકરો છે પણ તે બહુ ઊંચી ગતિમાં છે. જે સમ્ કરે છેને, એ શંકર !

'ૐ નમઃ શિવાય' બોલતાંની સાથે શિવનું સ્વરૂપ દેખાય ને એક બાજુ આપણે બોલીએ.

આ છે પરોક્ષભક્તિ !

તમે મહાદેવજીને ભજો. એ મહાદેવજી પાછાં કાગળ લખીને આમને, તમારી મહીં બેઠાં છે એ શુધ્ધાત્માને લખે કે લ્યો, આ તમારો માલ આવ્યો છે. આ મારો તો નહીંને ! આનું નામ પરોક્ષ ભક્તિ. એવું કૃષ્ણને ભજે કે ગમે તેને ભજે, એ પરોક્ષ ભક્તિ થાય. એટલે મૂર્તિઓ ના હોત તો શું થાત ? એ સાચા ભગવાનને ભૂલી જાત અને મૂર્તિનેય ભૂલી જાત. એટલે આ લોકોએ ઠેર ઠેર મૂર્તિઓ મૂકાવી. તે મહાદેવજીનું દેરું આવ્યું કે દર્શન કરે. દેખે તો દર્શન થાયને ! દેખે તો યાદ આવે કે ના આવે ? અને યાદ આવે એટલે દર્શન કરે. એટલા માટે આ મૂર્તિઓ મૂકી છે. પણ સરવાળે છેવટે તો માંહ્યલાને ઓળખવા માટે છે આ બધું.

સચ્ચિદાનંદમાં સમાય સર્વ મંત્રો !

આ ત્રિમંત્ર છે, એમાં આ પહેલું જૈન લોકોનું છે, આ વાસુદેવનું અને આ શિવનું છે. અને આ સચ્ચિદાનંદમાં બધા મુસ્લીમ, યુરોપીયન બધાય આવી ગયા.

એટલે સચ્ચિદાનંદમાં બધાય લોકોના મંત્રો આવી જાય.

એટલે આ બધા મંત્રો ભેગાં બોલીએ, આ મંત્રો નિષ્પક્ષપાતીપણે બોલીએ ત્યારે ભગવાન આપણા પર રાજી થાય. એક જણનો પક્ષ લઈએ કે 'નમઃ શિવાય, નમઃ શિવાય' એકલું બોલ્યા કરીએ તો પેલાં બધાં રાજી ના થાય. આ તો બધા દેવ રાજી થાય.

એટલે મતમાં પડ્યા હોય તેનું કામ નહીં. આ મતમાંથી બહાર નીકળે ત્યારે કામનું છે.

કેવા કેવા માણસો હિન્દુસ્તાનમાં છે હજુ. કંઈ હિન્દુસ્તાન ખલાસ થઈ ગયું નથી ! ના ખલાસ થાય આ તો ! આ તો મૂળ આર્યોની ભૂમિ. અને જ્યાં તીર્થંકરોનાં જન્મો થયાં ! તીર્થંકરો એકલા નહીં, ત્રેષઠ શલાકા પુરુષ જે દેશમાં જન્મે છે, તે દેશ છે આ !

બોલો પહાડી અવાજે...

અને આ મહીં મનમાં 'નમો અરિહંતાણં' ને બધું બોલે પણ ગોળ ગોળ બધું, મહીં મનમાં ચાલતું હોય. આમાં કશું વળે નહીં. એટલા માટે કહેલું એકાંતમાં જઈને, મોટેથી પહાડી અવાજથી બોલો. મારે તો હું મોટેથી ના બોલું તો ચાલે પણ તમારે તો મોટેથી બોલવું જોઈએ. અમારું તો મન જ જુદી જાતનું હોય ને !

હવે એવી એકાંત જગ્યાએ જ્યાં જઉં, તો ત્યાં આગળ આ નવકાર મંત્ર બોલવો જોશથી. ત્યાં નદી-નાળા પાસે જઉં તો ત્યાં જોશથી બોલવું, મગજમાં ધમધમાટ થાય એવું !

પ્રશ્નકર્તા : મોટેથી બોલવાથી જે વિસ્ફોટ થાય છે એની અસર બધે પહોંચે છે. એટલે આ ખ્યાલ આવે છે કે મોટેથી બોલવાનું શું પ્રયોજન છે !

દાદાશ્રી : મોટેથી બોલવાથી ફાયદો ઘણો જ છે. કારણ કે મોટેથી જ્યાં સુધી ના બોલે ત્યાં સુધી માણસની અંદર બધી મશીનરી બંધ થતી નથી. છતાં દરેક માણસને માટે આ વાત છે. અમને તો મશીનરી બંધ જ હોય. પણ આ બીજા લોકોને તો મોટેથી ના બોલેને, તો મશીનરી બંધ થાય નહીં. ત્યાં સુધી એકત્વને પામે નહીં. ત્યાં સુધી પેલું ફળ આપે નહીં. એટલે અમે કહીએ છીએ કે અલ્યા ભઈ, મોટેથી બોલજો. કારણ કે મોટેથી બોલે એટલે પછી મન બંધ થઈ ગયું, બુદ્ધિ ખલાસ થઈ ગઈ અને જો ધીમેથી બોલોને, તો મન મહીં ચૂન ચૂન કર્યા કરતું હોય, એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : બુદ્ધિ હઉ મહીં આમ ડખા કર્યા કરે. માટે અમે કહીએ છીએ કે મોટેથી બોલો. પણ એકાંતમાં જાવને, તો એવું મોટેથી બોલો કે જાણે આકાશ ઊડાડી મેલવાનું હોય એવું બોલો. કારણ કે બોલે કે મહીં બધું સ્ટોપ.

મંત્રથી ન થાય સર આત્મજ્ઞાન !

પ્રશ્નકર્તા : મંત્ર ગણવાથી આત્માનું જ્ઞાન જલ્દી થાય ખરું ? મંત્ર ગુરુએ આપેલો હોય તો ?

દાદાશ્રી : ના. સંસારમાં અડચણો ઓછી થાય, પણ આ ત્રણ મંત્રો ભેગા બોલશો તો.

પ્રશ્નકર્તા : તો આ મંત્રો અજ્ઞાનતા દૂર કરવા માટે જ છેને ?

દાદાશ્રી : ના. ત્રિમંત્રો તો તમારા સંસારની અડચણો દૂર કરવા હારુ છે. અજ્ઞાનતા દૂર કરવા માટે મેં જે જ્ઞાન આપ્યું હતું તે.

ત્રિમંત્રથી, શૂળીનો ઘા સોયે સરે !

જ્ઞાની પુરુષો વગર કામની મહેનતમાં ઉતારે નહીં. ઓછામાં ઓછી મહેનત કરાવડાવે. એટલાં માટે તમને આ ત્રિમંત્રો પાંચ-પાંચ વખત સવાર-સાંજ બોલવાનું કહ્યું.

આ ત્રિમંત્ર શાથી બોલવા જેવાં કે આ જ્ઞાન પછી તમે તો શુધ્ધાત્મા થયા પણ પાડોશી કોણ રહ્યું ? ચંદુભાઈ. હવે ચંદુભાઈને કંઈ અડચણ આવેને એટલે આપણે કહેવું કે 'ચંદુભાઈ, એકાદ ફેરો કંઈ આ ત્રણ મંત્ર બોલોને, કંઈ અડચણ આવતી હોય તો ઉપાધિ ઓછી થાયને !' કારણ કે એ વ્યવહારમાં છે, સંસાર વ્યવહારમાં છે. લક્ષ્મી, લેવા-દેવા બધું છે, દરેક પ્રકારના વ્યવહારમાં છે. એટલે આ ત્રણ મંત્રો બોલવાથી આવતી ઉપાધિ ઓછી થાય. છતાં ઉપાધિ એનો નિમિત્તરૂપે ભાગ ભજવી જાય, પણ આવડો મોટો પથરો વાગવાનો હોયને, તે આવી કાંકરી જેવી વાગે. એટલે આ ત્રિમંત્ર અહીં મૂકેલાં છે.

દુકાન પર જરા વિઘ્ન આવવાનું હોયને તો અડધો અડધો કલાક, કલાક-કલાક સુધી બોલવું. આખું ગુંઠાણું પૂરું કરી નાખવું. નહીં તો રોજ થોડુંક આ પાંચ વખત બોલી નાખવું. પણ બધા મંત્રો ભેગા બોલવા ને સચ્ચિદાનંદ હઉ જોડે બોલવું. સચ્ચિદાનંદમાં બધા લોકોના, મિયાંભાઈના ય મંત્રો આવી ગયા !

આ ત્રિમંત્રનું રહસ્ય તો એ છે કે તમારા સંસારની બધી અડચણો નાશ થશે. તમે રોજ સવારમાં બોલશો તો સંસારની બધી અડચણો નાશ થશે. તમારે બોલવા માટે પુસ્તક જોઈતું હોય તો હું અકેકુ પુસ્તક આપું. એની મહીં લખેલું છે. એ પુસ્તક અહીંથી લઈ જજો.

પ્રશ્નકર્તા : આ ત્રિમંત્રોથી ચક્ર જલ્દી ચાલતા થાય ?

દાદાશ્રી : આ ત્રિમંત્રો બોલવાથી બીજા નવા પાપ ને એવું તેવું ઊંધે રસ્તે ના જાય, બસ એટલું જ. અને જૂનાં કર્મો હોય તો જરાક શમી જાય.

એટલે અડચણ આવે તો જ વધારે બોલવાનું. નહીં તો રોજ તો બોલવાનું જ, સવાર-સાંજ પાંચ-પાંચ વાર !

આ ત્રણે મંત્રો એવાં છે કે અણસમજણવાળો બોલે તોય ફાયદો થાય અને સમજણવાળો બોલે તોય ફાયદો થાય. પણ સમજણવાળાને વધુ ફાયદો થાય અને અણસમજણવાળાને મોઢે બોલ્યો તે બદલનો જ ફાયદો થાય. એક ફક્ત આ રેકર્ડ બોલે છેને, તેને ફાયદો ના થાય. પણ જેમાં આત્મા છેને, એ બોલ્યો તો એને ફાયદો કરે જ !

આ જગતનું એવું છે કે શબ્દથી જ આ જગત ઊભું થયું છે. અને ઊંચા માણસનો શબ્દ બોલો તો તમારું કલ્યાણ થઈ જાય અને ખોટા માણસના શબ્દ બોલો તો અવળું થાય. એટલા માટે આ બધું સમજવાનું છે.

લક્ષ તો ખપે મોક્ષનું જ !

કંઈ પૂછવું હોય તો પૂછજો બધું, હં. બધું પૂછાય. મોક્ષે જવું છેને ? તો મોક્ષમાં જવાય એવું બધું પૂછાય પૂછવું હોય તો ! મનનું સમાધાન થાય તો મોક્ષે જવાય ને ! નહીં તો શી રીતે મોક્ષે જવાય ?! ભગવાનના શાસ્ત્રો તો બધા છે, પણ શાસ્ત્રની ગેડ બેસવી જોઈએ ને ?! એ અનુભવી જ્ઞાની પુરુષના સિવાય ગેડ બેસે જ નહીં અને ઊલટો ઊંધે માર્ગે ચાલ્યો જાય.

પ્રશ્નકર્તા : નવકારમંત્રના જાપ કયા લક્ષથી કરવાનાં ?

દાદાશ્રી : એ તો મોક્ષના લક્ષથી જ. બીજું કોઈ લક્ષ, હેતુ ના હોવો જોઈએ. 'મારા મોક્ષ માટે કરું છું' એવાં મોક્ષના હેતુ માટે કરોને તો બધું મળે. અને સુખના હેતુ માટે કરો તો સુખ એકલું મળે, મોક્ષ ના મળે. નવકારમંત્ર તો મદદકર્તા છે, મોક્ષે જતાં. અને નવકારમંત્ર વ્યવહારથી છે, કંઈ નિશ્ચયથી નથી.

એ નવકાર મંત્રને શાથી ભજવાનો ? આ પાંચ પરમેષ્ટિ ભગવંતો જ મોક્ષનું સાધન છે. આ જ તારો ધ્યેય રાખજે. આ લોકોની પાસે ભજના કરજે. આ લોકોની પાસે બેસી રહેજે અને મરું તોય અહીં મરજે. હા, બીજી જગ્યાએ ના મરીશ. માથે પડે તો આમને માથે પડજે. આ અક્કરમીઓને માથે પડીએ, તો શુંનું શું થાય ?! અને આ પાંચેપાંચ સર્વશ્રેષ્ઠ પદ છે.

મંત્ર આપનારની યોગ્યતા !

પ્રશ્નકર્તા : આજના યુગમાં મંત્ર સાધના જલ્દી ફળતી નથી કેમ ? મંત્રમાં ખામી છે કે સાધકની ખામી છે ?

દાદાશ્રી : મંત્રમાં ખામી નથી. પણ મંત્રોની, એની ગોઠવણીમાં ખામી છે. એ મંત્રો બધાં નિષ્પક્ષપાતી હોવા જોઈએ. પક્ષપાતી મંત્રો ફળ નહીં આપે. નિષ્પક્ષપાતી મંત્રો ભેગા હોવા જોઈએ. કારણ કે મન પોતે જ નિષ્પક્ષપાતને ખોળે છે. તો જ એને શાંતિ થાય. ભગવાન નિષ્પક્ષપાતી હોય. એટલે મંત્રોની સાધના તો જ ફળે કે એ મંત્ર આપનાર માણસ શીલવાન હોવા જોઈએ. મંત્ર આપનાર ગમે તેવા, ગમે તે માણસ ના હોવો જોઈએ. લોકપૂજ્ય હોવા જોઈએ. લોકોનાં હ્રદયમાં બેઠેલા હોવા જોઈએ.

તો મંત્રથી આત્મશુદ્ધિ શક્ય ?

પ્રશ્નકર્તા : સંસારમાં નવકાર મંત્ર સાથ આપે કે નહીં ?

દાદાશ્રી : નવકાર મંત્ર સાથ આપે જ ને ! એ તો સારી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : એ બોલવાથી આત્માની ધીમે ધીમે શુદ્ધિ કરે ?

દાદાશ્રી : પણ આત્માની શુદ્ધિ કરવાની નથી. આત્મા શુદ્ધ જ છે. નવકાર મંત્ર તો તમને સારા માણસોના નામ દર્શન કરવાથી, નમસ્કાર કરવાથી ઊંચે લઈ જાય. પણ સમજીને બોલે તો ! પણ સમજવું પડે. નવકાર મંત્રનો અર્થ સમજવો પડે. એ તો પોપટ 'રામ રામ' બોલે તેથી કંઈ 'રામ' સમજે ખરો ? શું પોપટ બોલતો નથી રામ રામ ? એવી રીતે આ લોકો નવકાર મંત્ર બોલે એનો શો અર્થ ? નવકાર મંત્ર તો જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ.

કઈ સમજણે નવકાર ભજાય ?

નવકારમંત્ર શું છે, એ સમજણવાળા કેટલાં હશે ? નહીં તો આ નવકારમંત્ર તો એવો મંત્ર છે કે એક જ ફેરો નવકાર ગણ્યો હોયને તો એનું ફળ આવતાં કેટલાંય દહાડા સુધી મળ્યા કરે. એટલે રક્ષણ આપે એવું ફળ નવકારનું છે પણ એકુંય નવકાર સાચો સમજીને ગણ્યો નથી કોઈએ. આ તો જાપ જપ જપ કર્યા કરે છે. સાચો જાપ જ થયો નથીને !

વળી, નવકારમંત્ર તો તમને બોલતા આવડે છે જ ક્યાં તે ? અમથા બોલો છો ! નવકારમંત્ર બોલનારાને ચિંતા ના થાય. નવકારમંત્ર એટલો સરસ છે કે ચિંતા એકલી જ નહીં, પણ ક્લેશ પણ જતો રહે એના ઘરમાંથી. પણ બોલતાં આવડતું જ નથીને ! આવડ્યું હોત તો આ બનત નહીં !

ગમે તેણે નવકારમંત્ર આપ્યો ને આપણે બોલીએ એનો અર્થ નહીં.

પ્રશ્નકર્તા : એ તો આપની પાસેથી લઈશું.

દાદાશ્રી : લાયસન્સવાળી દુકાન હોય અને ત્યાંથી લીધેલું હોય તો ચાલે. આ લાયસન્સ વગરના લોકો પાસેથી લઈએ તો શું થાય ? એ માલ ખોટો, બનાવટી માલ પેસી જાય. શબ્દો એના એ હોય પણ માલ બનાવટી હોય. તમને બનાવટી ગમે કે ચોખ્ખો માલ ગમે ?

નવકાર મંત્ર સમજીને બોલવો જોઈએ. સમજીને બોલીએ તો પહોંચે અને આપણું તરત સ્વીકાર થઈ જાય. આ 'દાદા ભગવાન'ના થ્રુ બોલ્યા કે પહોંચી જ જાય અને ફળ આવે ! આ તો પહેલી સાલ વેપાર કર્યો તો આટલું ફળ મળે છે, તો દશ વર્ષ સુધી વેપાર ચાલ્યા કરે તો ? એ પેઢી કેવી જામી જાય ?!

'નમો અરિહંતાણં' કહેતાંની સાથે સીમંધર સ્વામી દેખાતાં હોવાં જોઈએ. પછી 'નમો સિધ્ધાણં' એ દેખાય નહીં પણ લક્ષમાં હોવું જોઈએ કે હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, એ ગુણો લક્ષમાં હોવા જોઈએ. 'નમો આયરિયાણં' એ આચાર્ય ભગવાન, પોતે આચાર પાળે ને બીજાને પળાવડાવે. તે આ બધું લક્ષમાં રહેવું જોઈએ.

પમાડે એક્ઝેક્ટ ફળ !

આ બધા નવકારમંત્ર ભજે તે એક તો એનું ફળ પ્રાકૃતિક આવે, ભૌતિકમાં સુંદર ફળ આવે. પણ હું તો આ બધાને જે પેલું 'પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા...' એ બોલાવું છુંને, એ નમસ્કાર એ જ નવકારમંત્રમાં અહીં લીધા છે. એ જે નમસ્કાર બોલાવું છું, એ પેલાં એક્ઝેક્ટ પહોંચે છે અને એ એક્ઝેક્ટ તરત ફળ આવે છે. અને પેલું તો એનું જ્યારે ફળ આવે ત્યારે સાચું !

લાખો માણસો આ નવકાર મંત્ર બોલે છે, તે કોને પહોંચે છે ? જેનું છે તેને ત્યાં પહોંચે છે. કુદરતનો નિયમ એવો છે પણ સાચા ભાવથી બોલે તો.

ત્યારે નિદિધ્યાસન કરવું કોનું ?

પ્રશ્નકર્તા : ત્રિમંત્ર બોલતી વખતે દરેક પંક્તિએ કોનું નિદિધ્યાસન હોવું જોઈએ તે વિગતવાર કહો.

દાદાશ્રી : અધ્યાત્મની બાબતમાં તમને કોઈની પર પ્રેમ આવ્યો છે ? તમને ઉછાળો આવ્યો છે કોઈની પર ? કોની પર આવ્યો છે ?

પ્રશ્નકર્તા : તમારી પર, દાદા.

દાદાશ્રી : તો એમનું જ ધ્યાન ધરવું આપણે. જેનો ઉછાળો આવેને તેનું ધ્યાન ધરવું.

ઉપયોગપૂર્વક કરવાથી ફળ પૂરેપૂરું !

આ તો નવકારમંત્ર એમની ભાષામાં લઈ ગયા. મહાવીર ભગવાને એમ કહેલું કે આને કોઈ પણ પ્રાકૃત ભાષામાં ના લઈ જશો, અર્ધ માગધી ભાષામાં રહેવા દેજો.

ત્યારે આ લોકોએ એનો અર્થ શો કર્યો કે પ્રતિક્રમણ અર્ધ માગધી ભાષામાં જ રહેવા દીધું ને આ મંત્રના શબ્દોના અર્થ કર કર કર્યા ! પ્રતિક્રમણ એમાં તો 'ક્રમણ' છે અને આ તો મંત્ર છે. પ્રતિક્રમણ એ જો સમજવામાં ના આવે તો એ ગાળો દે અને પ્રતિક્રમણ કર્યા કરે !

વાતને સમજ્યા નહીં ને એવી એવી હઠો લઈને બોલે છે. આ મંત્ર છે, ગમે તેવો ગાંડો માણસ લઈને બોલશે તો એનું ફળ મળશે. છતાં અર્થ કરીને વાંચે તો સારું છે !

આ તો નવકારમંત્ર ય ભગવાનના વખતથી છે અને તદ્દન સાચી વાત છે. પણ નવકારમંત્ર સમજ પડે તો ને ?! અર્થ સમજે નહીં ને ગાયા કરે. એટલે એનો ફાયદો ના મળે જેવો જોઈએ એવો. પણ છતાં લપસી ના પડે. મારા ભઈ, સારું છે. નહીં તો નવકારમંત્ર તો એનું નામ કહેવાય કે નવકાર મંત્ર હોય તો ચિંતા કેમ હોય ? પણ હવે નવકાર મંત્ર શું કરે બિચારો ? આરાધક વાંકો !

પેલી કહેવત નથી આવતી કે 'માલા બિચારી ક્યા કરે, જપનેવાલા કપૂત' ?! એવું આવે છેને !

આ મંત્ર બધા બોલે છે, એમાંથી કેટલા ઉપયોગપૂર્વક બોલે છે, પૂછી લાવો જોઈએ ?! માળા ફેરવે છે, તે કેટલા ઉપયોગપૂર્વક માળા ફેરવે છે ? તે નાસ મણકા મણકો આવ્યો, નાસ મણકા મણકો આવ્યો, અને તેટલા માટે તો કોથળીઓ બનાવી, પછી બધાં ગપોટતા હતા. આમ લોક દેખી જતા હતા, તેથી કોથળી બનાવી. ઊઘાડું ગપોટાય નહીંને !

ભગવાને શું કહ્યું છે કે 'તું જે જે કરીશ, માળા ફેરવીશ, નવકાર મંત્ર બોલીશ, જે જે ક્રિયા કરીશ તે ઉપયોગપૂર્વક કરીશ તો તેનું ફળ મળશે. નહીં તો અણસમજણે કરીશ તો તું 'કાચ' લઈને જઈશ ઘરે ને હીરા તારા હાથમાં આવશે નહીં. ઉપયોગવાળાને હીરા ને ઉપયોગ નહીં તેને કાચ. અને આજ ઉપયોગવાળા કેટલાં તે તમે તપાસ કરી લેજો !

દ્રવ્યપૂજાવાળા ને ભાવપૂજાવાળા માટે !

આ સાધુ-આચાર્યો કહે છે, 'અમને એ કહો કે આ નવકારમંત્ર, અને આ બીજા બધાય મંત્રો સાથે બોલવાનું કારણ શું ? એકલો નવકારમંત્ર બોલે તો શું વાંધો ?' મેં કહ્યું, 'જૈનોથી આ એકલો નવકારમંત્ર ના બોલાય. એકલો નવકારમંત્ર બોલવું એ કોને માટે છે ? કે જે ત્યાગી છે, જેને સંસારી જોડે લેવા-દેવા નથી, છોડીઓ પૈણાવવાની નથી, છોકરાં પૈણાવવાના નથી, એણે આ મંત્ર એકલો બોલવાનો.

બે હેતુ માટે લોકો મંત્રો બોલે છે. જે ભાવપૂજાવાળા છે તે ઉપર ચઢવા માટે જ બોલે છે ને બીજા આ સંસારની અડચણો છે તે ઓછી થવા માટે બોલે છે. એટલે જે સંસારી અડચણોવાળા છે તે બધાને દેવલોકોનો રાજીપો જોઈએ. એટલે જે એકલી ભાવપૂજા કરતાં હોય, દ્રવ્યપૂજા ના કરતાં હોય, તેણે આ એક જ મંત્ર બોલવાનો. અને જે દ્રવ્યપૂજા ને ભાવપૂજા બન્ને ય કરતાં હોય, તેણે બધા મંત્ર બોલવાના.

મૂર્તિના ભગવાન દ્રવ્ય ભગવાન છે, દ્રવ્ય મહાવીર છે અને આ અંદર ભાવ મહાવીર છે. એમને તો અમે હઉ નમસ્કાર કરીએ છીએ !

મનને તર કરે મંત્ર !

જ્યાં સુધી મન છે ત્યાં સુધી મંત્રોની જરૂર છે અને મન ઠેઠ સુધી રહેવાનું જ. શરીર છે ત્યાં સુધી મન છે. મંત્ર ઇટસેલ્ફ કહે છે કે મનને તર કરવું હોય તો મંત્ર બોલ. હા, આખું મન જો ખુશ કરવા માટે આ સરસ રસ્તો છે.

એટલે પદ્ધતસર એની ગોઠવણી જ એવી છે કે તમે તમારે બોલો એટલે એનું ફળ મળ્યા વગર રહે નહીં.

ત્રિમંત્ર ભજાય ગમે ત્યાં !

પ્રશ્નકર્તા : ત્રિમંત્ર માનસિક રીતે ગમે તે સમયે અને ગમે તે સ્થળે કરી શકાય કે નહીં ?

દાદાશ્રી : ચોક્કસ. ગમે ત્યારે કરી શકાય. ત્રિમંત્ર તો સંડાસમાં પણ થઈ શકે. પણ આ કહેવાનો દુરુપયોગ કરે ત્યારે લોકો પછી સંડાસમાં જ કર્યા કરે ! આમાં એવું નહીં કે કો'ક દહાડો અડચણ હોય ને આપણને આજે ટાઈમ ના મળ્યો હોય તો સંડાસમાં કરીએ એ વાત જુદી છે. પણ આપણા લોક પછી અવળું લઈ જાય છે. એટલે આપણા લોકોને પાળ બાંધવી પડે છે, છતાં અમે પાળ નથી બાંધતા !

નવકાર મંત્રના સર્જક કોણ ?

પ્રશ્નકર્તા : નવકાર મંત્ર બનાવ્યો છે કોણે ? એનો સર્જક કોણ છે ?

દાદાશ્રી : આ તો પહેલેથી જ પ્રોજેક્ટ છે. આ કંઈ આજનો પ્રોજેક્ટ નથી. આ પહેલેથી જ છે, પણ બીજા રૂપે હોય છે. બીજા રૂપે એટલે ભાષા ફેરફાર હોય છે. પણ એનો એ જ અર્થ ચાલ્યો આવે છે.

ત્રિમંત્રમાં નથી કોઈ મોનિટર !

પ્રશ્નકર્તા : આ બધા મંત્રોમાં કોઈ આગેવાન, મોનિટર તો ખરોને ?

દાદાશ્રી : મોનિટર કોઈ ના હોય. મંત્રોમાં મોનિટર ના હોય. મોનિટર તો લોકો પોતપોતાનું આગળ ધરે કે 'મારો મોનિટર'.

પ્રશ્નકર્તા : પણ હું બધાને કહું કે 'તમે મારું કામ કરો', બીજાને કહું કે 'તમે મારું કામ કરો', તો કોણ મારું કામ કરે ?

દાદાશ્રી : આ નિષ્પક્ષપાતી સ્વભાવ હોય ત્યાં બધા જ કામ કરવા તૈયાર થાય, બધાં જ ! એક પક્ષમાં પડ્યો કે તરત પેલા વિરોધી થઈ જાય. પણ નિષ્પક્ષપાતી થાય એટલે બધાય કામ કરવા તૈયાર થાય. કારણકે એ બહુ નોબલ હોય છે. આપણી સંકુચિતતાને લઈને એમને સંકુચિત બનાવીએ છીએ. એટલે નિષ્પક્ષપાતથી બધું જ કામ થાય. અહીં કોઈ દિવસ હરકત આવી નથી. અમારે ત્યાં ચાલીસ હજાર માણસો આ બોલે છે. કોઈને કોઈ હરકત આવી નથી. સહેજ પણ હરકત ના આવે.

કામ કરે એવી આ દવા !

પ્રશ્નકર્તા : ત્રણ મંત્રો જોડે બોલવા સારા. એ ધર્મના સમભાવ ને સદ્ભાવને માટે સારી વાત છે.

દાદાશ્રી : એમાં દવા મૂકેલી હોય, કામ કરે એવી.

જેને છોડીઓ પૈણાવવાની, છોકરાં પૈણાવવાનાં હોય, સંસારની જવાબદારી, ફરજો બજાવવાની છે, એણે બધા મંત્રો બોલવાના ! અલ્યા, બધા નિષ્પક્ષપાતી મંત્રો બોલને ! આ પક્ષપાતમાં ક્યાં પડે છે ?

આ નવકાર મંત્ર છે કોઈના માલિકીભાવવાળો ? આ તો જે નવકાર મંત્ર ભજે તો એના બાપનું છે ! જે મનુષ્યો પુર્નજન્મ સમજતા થયા હોય એનાં કામનું છે. જે પુર્નજન્મ ન સમજતા હોય એવાં ફોરેનના લોકો છે, એમને માટે આ કામનું નથી. હિન્દુસ્તાનના લોકો માટે આ વાત કામની છે !

મંત્ર માત્ર છે ક્રમિક !

પ્રશ્નકર્તા : નવકાર મંત્ર છે, એ ક્રમિક મંત્ર છેને ?

દાદાશ્રી : હા, બધું ક્રમિક છે.

પ્રશ્નકર્તા : તો પછી અક્રમ માર્ગમાં એને અહીંયા સ્થાન કેમ આપ્યું બહુ ?

દાદાશ્રી : એમનું સ્થાન તો વ્યવહાર તરીકે છે. વ્યવહારમાં જીવતા છોને હજુ અને વ્યવહારનું ચોખ્ખું કરવાનું છેને ? એટલે મંત્રો તમને વ્યવહારમાં અડચણ ના થવા દે. આ મંત્રોથી તમને વ્યવહારિક અડચણ આવતી હોય તો ઓછી થઈ જાય.

એટલે આ ત્રિમંત્રનું રહસ્ય આપને કહ્યું. એથી આગળ વિશેષ જાણવાની કંઈ આમાં જરૂર લાગતી નથી ને ?!