દાદા ભગવાન પ્રરૂપિત

વાણી, વ્યવહારમાં...(સંક્ષિપ્ત)

સંકલન : ડૉ. નીરુબેન અમીન

Table of Contents
સંપાદકીય
વાણી, વ્યવહારમાં...

સંપાદકીય

સવારે જાગ્યા ત્યાંથી સૂતાં સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે. અરે, ઊંઘમાં ય કેટલાંક બબડતા હોય છે !!! વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો ! મીઠો તો હોંશે હોંશે ઊતરી જાય પણ કડવો ગળે ના ઊતરે ! કડવા-મીઠા બન્નેમાં સમભાવ રહે, બેઉ સરખી જ રીતે ઊતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતાં જ રહેતા હોય છે ! આ કાળને આધીન વ્યવહારમાં વાણી વિશે લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે.

એમને લાખો પ્રશ્નો પૂછયા છે, બધી જ જાતના, સ્થૂળતમથી લઈને સૂક્ષ્મતમ સુધીના, આડા-અવળા, સીધા-વાંકા તમામ પ્રકારે પૂછાયા છે છતાં તે જ ક્ષણે સચોટ ને સંપૂર્ણ સમાધાનકારી જવાબો આપતાં. તેઓશ્રીની વાણીમાં પ્રેમ, કરુણા ને સચ્ચાઈનો સંગમ છલકાતો દેખાય !

પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ જે હોય તેને પ્રેમથી કહે, ‘પૂછો, પૂછો, તમારા તમામ ખુલાસા મેળવીને કામ કાઢી લો.’ તમને ના સમજાય તો ફરી ફરી પૂછો પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી અવિરત પૂછયા જ કરો, સંકોચ વિના ! અને તમને ના સમજાય તેમાં તમારી ભૂલ નહીં, સમજાવનારની અધુરપ છે, કચાશ છે ! અમારાથી બહુ ઝીણી વાત છે, ‘તમને ના સમજાય’ એમ કહીને તમારા પ્રશ્નને ઊડાડી ના દેવાય. એવું કરે તે તો કપટ કર્યું કહેવાય ! પોતાની પાસે જવાબ ના હોય તે પછી સામાની સમજવાની કચાશ કરીને ઊડાડી દે ! દાદાને સાંભળ્યા હોય અગર તો તેમની વાણી વાંચી હોય, ઝીણવટથી તેને મન-વચન-કાયાની એકતાવાળા, કથણી સાથે વર્તનવાળા દરઅસલ જ્ઞાનીની ઈમેજ પડ્યા વગર ના રહે ! તેને પછી બીજે બધે નકલી ઈમેજ પણ લાગ્યા વગર ના રહે ! પ્રસ્તુત ‘વાણી, વ્યવહારમાં...’ પુસ્તકમાં વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવાં ? તેમ જ પોતાની કડુ વાણી, આઘાતી વાણી હોય, તો તેને કઈ સમજણે ફેરફાર કરવો ? કોઈ પ્રત્યે એક નેગેટીવ શબ્દ બોલ્યા, તો તેની પોતાને શી રીએકશનમાં અસર આવશે ? વાણીથી તરછોડ મારવી, વાણી જ એવી કઈ રીતે ફેરવવી કે તરછોડો રૂઝાઈ જાય ? વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ-પત્ની વચ્ચે, માબાપ-છોકરાં વચ્ચે, નોકર-શેઠ વચ્ચે, જે વાણી વપરાય છે, તે કેવી સમ્યક્ પ્રકારે હોવી જોઈએ, તેનાં પ્રેક્ટીકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. એ દાખલા જાણે આપણા જ જીવનનો અરીસો હોય એમ લાગે ! હૃદય સોંસરવું ઊતરી મુક્ત કરાવે !

યથાર્થ જ્ઞાનીને ઓળખવા અતિ અતિ મુશ્કેલ છે. હીરાને પારખવા ઝવેરીપણું જોઈએ તેમ દાદાને ઓળખવા પાકાં મુમુક્ષુની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે ! આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી, એ સ્યાદ્વાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષમાર્ગના પથને અજવાળતી રહેશે. એવી તો જબરજસ્ત વચનબળવાળી આ નિશ્ચય-વ્યવહાર બન્નેને પ્રતિપાદિત કરતી વાણી વહી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરી સ્વરૂપની પ્રાપ્તિ જરૂર થાય તેમ છે, એક કલાકમાં જ !!!

- ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ  

સમર્પણ

અહો અહો ! ગજબની દાદાવાણી;

પાતાળ ફોડી નીકળી સરવાણી !

લાખોના હૃદયમાં જઈ સમાણી;

જે વાંચે, સાંભળે થાય મોક્ષ કમાણી!

ગજબનો પાવર આત્યંતિક કલ્યાણી;

સંસાર વ્યવહારે પણ હિતકારીણી!

ટેપરેકર્ડ કહી વીતરાગે નિજ વાણી;

અહોહો ! હદ કરી આપે જુદાપણાની!

કળિકાળમાં ન કદિ જે સંભળાણી;

અતિ અતિ કિંમતી છતાં માલિકી વિનાની!

ચાર ડિગ્રી કમી છતાંય ભૂલ વિનાની;

તીર્થંકરોના સ્યાદ્વાદની કમી પૂરાણી !

તમામ તીર્થંકરોએ જેને પ્રમાણી;

દૂર અંધાર તત્કાળ અક્રમ જ્યોત જલાણી!

વાદી-પ્રતિવાદી બન્નેથી કબૂલાણી;

કેવું વચનબળ, જ્ઞાનાવરણ ચિરાણી!

ઘેર ઘેર પહુંચી જગાડશે આપ્તવાણી;

વાંચતા જ બોલે, મારી જ વાત, મારા જ જ્ઞાની!

તમામ રહસ્યો, અહીં ખુલ્યાં તણા વાણી;

‘સિદ્ધાંત વાણી’ના જગતને સમર્પાણી!

- જય સચ્ચિદાનંદ

‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

(પા.૧)

વાણી, વ્યવહારમાં...

૧. દુઃખદાયી વાણીના સ્વરૂપો

પ્રશ્નકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં તેમ બોલી જાય.

દાદાશ્રી : એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે, રાત-દહાડો કામ કરે છે. પણ લઢતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર વાંકા છીએ. ભૂલ આપણી છે.

એટલે જીભ તો બહુ સારી છે, આ બત્રીસ દાંત વચ્ચે રહે છે તો કોઈ દહાડો ય એ કચરાય છે ? એ કચરાય ક્યારે ? કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંકા હોઈએ તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.

પ્રશ્નકર્તા : મારી જીભ ઉપર કાબુ થાય, એવું કરો ને ! કારણ કે હું વધારે બોલું છું.

દાદાશ્રી : તે હું ય બોલ બોલ જ કરું છું આખો દહાડો. તમારા

(પા.૨)

બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને, કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું ? ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં. (મૂળ ગ્રંથના પાના નં. ૩૮૩)

પ્રશ્નકર્તા : પણ આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે.

દાદાશ્રી : શબ્દોથી તો જગત ઊભું થયું છે. જ્યારે શબ્દ બંધ થઈ જશે. ત્યારે જગત બંધ થઈ જશે.

બધી શબ્દથી લઢાઈઓ થયેલી છે આ દુનિયામાં, જે થયેલી છે તે ! શબ્દો મીઠા જોઈએ અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે, વઢેલા હોય આપણી જોડે, તેની જોડે ય આપણે મીઠું બોલીએ ને, તો બીજે દહાડે એક થઈ જાય પાછા. (૩૮૪)

સામો મોટી ઉંમરનો હોય તો ય એને કહેશે ‘તમારામાં અક્કલ નથી.’ આમની અક્કલ માપવા નીકળ્યા ! એવું બોલાતું હશે ? પછી ઝઘડા જ થાય ને ! પણ એવું ના બોલવું જોઈએ, સામાને દુઃખ થાય એવું કે ‘તમારામાં અક્કલ નથી.’ સામાન્ય માણસ તો અણસમજણનાં માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે. પણ સમજવાળા હોય, એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને ! પેલો અવળું બોલે, પણ પોતે સવળું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે. પણ પોતાથી અવળું ના બોલાય. જવાબદાર છે પોતે.

સામાને ‘તમે ના સમજો’ એવું કહેવું, એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. ‘તમે ના સમજો’ એવું ના કહેવાય. પણ ‘તમને સમજણ પાડીશ’ એવું કહેવું. ‘તમે ના સમજો’ કહે તો, સામાના કાળજે ઘા વાગે.

આપણે સુખમાં બેઠાં હોય ને સહેજ કો’ક આવીને કહે, ‘તમારામાં અક્કલ નથી.’ એટલું બોલે કે થઈ રહ્યું, ખલાસ ! હવે એ કંઈ પથરો માર્યો છે ? (૩૮૫)

(પા.૩)

શબ્દની જ અસર છે જગતમાં. છાતીએ ઘા લાગે, તે સો સો અવતાર સુધી ના જાય. ‘છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.’ કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે.

કેટલીક બહેનો મને કહે છે, ‘મારા ધણીએ મને કહ્યું’તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષે ય ભૂલાતું નથી.’ ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ?! તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ.

આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં. ત્યારે વચનબાણ જ માર માર કરે. (૩૮૬)

શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા ય અપશબ્દ બોલતો હોય ને, તો ય જોખમ. અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય તો ય હિતકારી છે. પણ ખોટા શબ્દો, અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય ? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધા ય અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કંઈ કહે નહીં. ઘરમાં જ કહે ને ! પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. (!) પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે. ઘરમાં પાઠ કોણ ભણાવડાવે ? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ ને ?! (૩૮૭)

પ્રશ્નકર્તા : વેપારમાં સામો વેપારી જે હોય, તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે. ત્યાં ય ‘ના બોલવા’ની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય

(પા.૪)

એવું છે. પણ એ કળા નથી જલ્દી આવડે એવી, એ કળા બહુ ઊંચી છે. માટે ત્યાં લઢજો ને, હવે ત્યાં જે ફાયદો (!) થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લઢ્યા પછી જે ફાયદો (!) થાય ને, એ ચોપડે જમા કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વઢવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય.

‘ના બોલવા’ની કળા, એ તો બીજાને નથી આવડે એવી. બહુ અઘરી છે કળા.

એ કળામાં તો શું કરવું પડે ? ‘એ તો સામો આવ્યો ને, તે પહેલા એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડું પાડી દેવાનું, ને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું. એટલે આપણું બધું કામ પતી જાય.’ હું તમને ટૂંકમાં કહી દઉં છું. બાકી સૂક્ષ્મકળા છે એ. (૩૮૮)

આ કડક શબ્દ કહ્યો, તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ. પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે. (૩૮૭)

આ શબ્દો જે નીકળે છે ને, એ શબ્દોમાં બે જાત, આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વૉલિટી. સારા શબ્દો શરીરને નીરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગીષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. ‘એ ય નાલાયક.’ હવે ‘એ ય’ શબ્દ નુકસાનકારક નથી. પણ ‘નાલાયક’ શબ્દ બહુ નુકસાનકારક છે.

‘તારામાં અક્કલ નથી’ એમ કહ્યું વાઈફને, એ શબ્દ સામાને

(પા.૫)

દુઃખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી કહે, ‘તમારામાં ક્યાં બરકત છે !’ તો બેઉને રોગ ઊભાં થાય. આ તો પેલી બરકત ખોળે છે અને પેલો આમની અક્કલ ખોળે છે. આની આ દશા બધી ! (૩૮૮)

માટે આપણી સ્ત્રીઓ જોડે ક્શું ના થાય. અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ. કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ.

એક બેનને તો મેં પૂછયું, ‘ધણી જોડે માથાફોડ-વઢવાડ થાય છે કે ? કકળાટ થાય છે કે ?’ ત્યારે એ કહે છે, ‘ના, કોઈ દહાડો નહીં.’ મેં કહ્યું, ‘વર્ષ દહાડામાં કકળાટ જ નહીં ?’ ત્યારે એ કહે છે, ‘ના.’ હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવાં ઘર છે ! પણ એ બેન એવી હતી. એટલે પછી મેં આગળ પૂછયું કે, ‘કંઈક તો થાય. ધણી છે એટલે કંઈક થયા વગર ના રહે.’ ત્યારે એ કહે છે, ‘ના, કો’ક દહાડો ટોણો મારે.’ ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મરાય, પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો ? ટોણો મારે ! ત્યારે મેં કહ્યું, ‘એ ટોણો મારે, તો તમે શું કરો ?’ ત્યારે પેલાં બેન કહે છે, ‘હું કહું કે તમે ને હું કર્મનાં ઉદયે આપણે ભેગાં થયાં, કર્મનાં ઉદયે લગ્ન થયું. તમારા કર્મ તમારે ભોગવવાનાં ને મારા કર્મ મારે ભોગવવાનાં.’ મેં કહ્યું, ‘ધન્ય છે બેન તને !’ અમારાં હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે. એને સતી કહેવાય.

આ બધા ભેગા શેને લીધે થયા ? આપણને ના ગમતું હોય તો ય જોડે શાથી પડી રહેવું પડે ? એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તો ય પણ ક્યાં જાય ? પણ એણે મનમાં સમજી જવું કે ‘મારા કર્મનાં ઉદય છે.’ એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઈફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને ? દોષ કાઢીને કોઈ સુખી થયો ?

(પા.૬)

કોઈ સુખી થાય ખરું ?

અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું.’ ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે’ કહીએ. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. (૩૮૯)

પ્રશ્નકર્તા : વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો.

દાદાશ્રી : અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા જેવી જગ્યાએ વ્યય કરે. વગર કામનો ભસભસ કરે, એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું, વગર કામના ભસભસ કરે એવા હોય છે ને ? એ દુર્વ્યય કહેવાય.

જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી, એ અપવ્યય કહેવાય. જે જ્યાં ફીટ થતું હોય, તે જ્ઞાન નહીં બોલવાનું ને બીજી રીતે બોલવાનું, એ અપવ્યય.

જૂઠું બોલે, પ્રપંચ કરે, એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી રીતે દુરુપયોગ કરે. વકીલો બે રૂપિયા માટે જૂઠું બોલે કે ‘હા, આને હું ઓળખું છું.’ તે અપવ્યય કહેવાય. (૩૯૧)

આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે ?’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં.

‘‘આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફેર ? (આપ્તસૂત્ર)

(પા.૭)

ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા.

‘‘કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે, સમકિતને ય બાધક છે.’’ (આપ્તસૂત્ર)

પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ?

દાદાશ્રી : નિંદા, એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. એ અવર્ણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. તો ય લોકો પાછળથી નિંદા કરે છે. (૩૯૨)

એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે.

કોઈ માણસની નિંદા ના કરાય. અરે, સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાં ય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈની ય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ ‘મહાત્મા’ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે ? સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ છતાં ય કોઈનું એક અક્ષરે ય ના બોલીએ. એક અક્ષરે ય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય. (૩૯૩)

પ્રશ્નકર્તા : જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો ‘એક્ઝેક્ટ’ મિનીંગ

(પા.૮)

શું છે ?

દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમે ય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.

અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથી ય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય. (૩૯૪)

પ્રશ્નકર્તા : ‘‘હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.’’ (નવ કલમો)

દાદાશ્રી : આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને ય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. જોખમ છે એમાં, બહુ મોટું જોખમ છે.

અત્યારે રાવણનું અવળું ના બોલાય. કારણ કે હજુ એ દેહધારી

(પા.૯)

છે. એટલે એને ‘ફોન’ પહોંચી જાય. ‘રાવણ આવો હતો ને તેવો હતો’ બોલે, તે તેને પહોંચી જાય.

તે વખતે પહેલાંના ‘ઓપીનિયન’થી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાવ, તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. (૩૯૫)

એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધાં બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ ‘આંધળાના આંધળા’ આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયુ.ં બીજું તો કોઈ ખાસ કારણ નહોતું. આ જ મુખ્ય કારણ ! દ્રૌપદીએ કહ્યું હતું ને ? ટકોર મારી હતી ને ? હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશાં એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે કે ?

પ્રશ્નકર્તા : વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય ?

દાદાશ્રી : એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી. લોકોને બીવડાવવા માટે, ફફડાવવા માટે. (૩૯૬)

સામો કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ. કારણ કે આપણે છૂટવું છે.

હે દાદા, કંઠે બિરાજો. એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું નિદિધ્યાસન કરીએ તો ય વાણી સુધરી જાય. (૩૯૭)

પ્રશ્નકર્તા : તંતીલી ભાષા એટલે શું ?

દાદાશ્રી : રાતે તમારે વાઈફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો મારે. એટલે આપણે સમજી ગયા કે ‘ઓહોહો, રાત્રે બન્યું તે ભૂલ્યા નથી !’ એ તાંતો. (૩૯૮)

(પા.૧૦)

હમણે કો’ક આવે કહેશે, ‘બધા અક્કલ વગરનાં અહીં બેસી રહ્યા છો ? ઊઠોને, જમવા.’ ત્યારે પેલાં કહેશે, ‘અલ્યા, જમી રહ્યા અમે. હવે આ તે અહીં જમાડ્યા, તે ઓછું છે આ ?!’ એને દુઃસ્વર કહેવાય.

કેટલાક ખીચડી ખવડાવે, તે એવું મીઠું બોલે કે ‘ભઈ, જરા જમવા પધારોને.’ તે આપણને ખીચડી એવી સુંદર લાગે. ભલેને ખીચડી એકલી હોય, પણ એ સુસ્વર.

એક ભાઈ મને પૂછે કે, ‘તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે ?’ ત્યારે મેં કહ્યું કે ‘આ નેગેટીવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે.’ કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.

હંમેશાં પોઝિટીવ બોલો. મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે પોઝિટીવ બોલો. પોઝિટીવમાં નેગેટીવ ના બોલાય. પોઝિટીવ થયું, એમાં નેગેટીવ બોલીએ એ ગુનો છે અને પોઝિટીવમાં નેગેટીવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાંની સાથે મહીં કેટલો ય ફેરફાર થઈ જાય. માટે પોઝિટીવ બોલો.

મન છે તે વર્ષોનાં વર્ષો ગયા, પણ એક સહેજે ય નેગેટીવ થયું નથી મારે. સહેજે ય, કોઈપણ સંજોગોમાં નેગેટીવ થયું નથી. આ મન જો પોઝિટીવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટીવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટીવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટીવ અને નિશ્ચયમાં પોઝિટીવ નહીં ને નેગેટીવ ય નહીં ! (૩૯૯)

૨. વાણીથી તરછોડો-અંતરાયો !

પ્રશ્નકર્તા : કેટલાંક ઘર એવાં હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી

(પા.૧૧)

થયા કરે, પણ મન અને હૃદય સાફ હોય છે.

દાદાશ્રી : હવે વાણીથી ક્લેશ થતો હોય, પણ સામાને હૃદય ઉપર અસર થાય. બાકી જો ઉપલક રહેતું હોય તો તો વાંધો નથી. બાકી એવું છે ને, બોલનાર તો હૃદયથી અને મનથી ચોખ્ખો હોય, એ બોલી શકે. પણ સાંભળનાર તો, એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને ત્યાં ક્લેશ થાય. (૪૦૧)

બોલ એ તો લક્ષ્મી છે. તેને તો ગણી ગણીને આપવાં જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે ? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય.

કોઈને સહેજે ય તરછોડ ના વાગે ને, એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો કે ના ઓળખો ? બહુ ઓળખો ? સારી રીતે ? કો’કને વાગી જાય ખરી ?

પ્રશ્નકર્તા : મહીંથી સૂક્ષ્મ રીતે વાગી જાય.

દાદાશ્રી : તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નહીં. સૂક્ષ્મ વાગે, તે તો આપણને નુકસાનકર્તા છે. જો કે સામાને વિરોધ કર્તા તો છે જ. કારણ કે સામો એકતા નહીં અનુભવે.

પ્રશ્નકર્તા : ધારો કે સ્થૂળ તરછોડ વાગી ગઈ હોય તો ય પ્રતિક્રમણ તરત થઈ જ જાય.

દાદાશ્રી : હા, તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના. અને બીજું, ફરી પાછાં એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું.

(પા.૧૨)

અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો, તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોને ય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈને ય કૈડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડનાં પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : એના માટે બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કર કરવાં. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવાં. અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે, ‘ભઈ, મારી તો બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રૂઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રૂઝાય.

પ્રશ્નકર્તા : પગે પડીને ય માફી માગી લેવાની.

દાદાશ્રી : ના. પગે પડીએ તો ગુનો થાય. એવું નહીં. બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને, તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એ પાછો મનમાં તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. (૪૦૨)

મને બહુ જાતના લોક મળે. પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે, ત્યાં સુધી એની શક્તિ છે. એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ, ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને ! (૪૦૪)

પ્રશ્નકર્તા : આ અંતરાયો કેવી રીતે પડે છે ?

(પા.૧૩)

દાદાશ્રી : આ ભાઈ નાસ્તો આપતા હોય તો તમે કહો કે, ‘હવે રહેવા દેને, નકામું બગડશે.’ તે અંતરાય પાડ્યો કહેવાય. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે, ‘આને ક્યાં આપો છો ? આ તો મારી ખાય એવાં છે.’ તે તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ વસ્તુ જુદી રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઈ દુઃખમાં ય દાતા ન મળે.

તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસીસ્ટન્ટને ‘અક્કલ વગરનો’ કહો એ તમારી અક્કલ પર અંતરાય પડ્યો !

બોલો, હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે ! તમને ‘રાઈટ’ જ નથી સામાને અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને ય અંતરાય પડે ! બોલો હવે, આ અંતરાયમાં જગત શી રીતે અટકે ? કોઈને તમે નાલાયક કહો, તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરો તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય. (૪૦૪)

પ્રશ્નકર્તા : વાણીથી અંતરાય ના પાડ્યા હોય, પણ મનથી અંતરાય પાડ્યા હોય તો ?

દાદાશ્રી : મનથી પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજે અવતારે અસર કરે. અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. (૪૦૪)

પ્રશ્નકર્તા : જ્ઞાનાંતરાય, દર્શનાંતરાય શેનાથી પડે છે ?

દાદાશ્રી : ધર્મમાં આડું-અવળું બોલે, ‘તમે કંઈ જ સમજતા નથી ને હું જ સમજું છું.’ એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય

(પા.૧૪)

પડે. કોઈ કહે કે, ‘જ્ઞાની પુરુષ’ આવ્યા છે, ચાલો આવવું હોય તો. ત્યારે તમે કહો કે, હવે એવા તો ‘જ્ઞાની પુરુષ’ ઘણાં ય જોયા છે. આ અંતરાય પડ્યો ! હવે મનુષ્ય છે, એટલે બોલ્યા વગર તો રહે જ નહીંને ! તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે ‘જ્ઞાની પુરુષ’ આવ્યા છે, પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજણથી અંતરાય પાડે છે, તેની તેને ખબર નથી.

કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે ! આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે. ચિંતારહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલાં બધાં છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય !

કેટલાંક કહે કે, ‘આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે ? કલાકમાં મોક્ષ તે હોતો હશે ?’ એવું બોલ્યા કે તેમને અંતરાય પડ્યા. આ જગતમાં શું ના બને, એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી. કારણ કે આ બન્યું છે એ હકીકત છે. ‘આત્મવિજ્ઞાન’ માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે. (૪૦૫)

પ્રશ્નકર્તા : સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે.

દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. ‘હું ચંદુભાઈ છું’ બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, ‘તું મને ચંદુ કહે છે ?’ આ અણસમજણથી બોલ્યો તો ય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ?

પ્રશ્નકર્તા : બે જણા વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય ? કે આપણું ડિસ્ચાર્જ છે એ ?

દાદાશ્રી : ડખલ કરવાથી ડખો થઈ જાય.

(પા.૧૫)

પ્રશ્નકર્તા : ડખો કરવાથી એટલે કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ કહે કે, ‘તમે શું કરવા બોલ્યા ?’ ત્યારે આપણે કહીએ, ‘હવે નહીં બોલું.’ તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે ‘હું નહીં બોલું તો નહીં ચાલે આ ગાડું, બગડશે બધું.’ એ ડખો. વચ્ચે બોલાઈ જવાય એ ડખો કહેવાય, પણ તે ડખો ય ડિસ્ચાર્જ છે. હવે તે ડિસ્ચાર્જ ડખામાં ય નવો ડખો થઈ ગયો હોય.

ડખોડખલ એ જ અંતરાય છે. તમે પરમાત્મા છો, ને પરમાત્માને શાના અંતરાય હોય ? પણ આ તો ડખોડખલ કરે છે, કે ‘એ ય આમ કેમ કર્યું ? એ ય આમ કર.’ અરે, આમ શું કરવા કરો છો તે ? (૪૦૭)

કોઈને ખોટું કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે.

આપણને જેવું ગમે છે, તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.

અમે કોઈને ય ‘તું ખોટો છે’ એમ ના કહીએ. ચોરને ય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે ‘જેમ છે તેમ’ તેને સમજાવીએ. (૪૦૮)

૩. શબ્દોથી સર્જાતાં અધ્યવસનો...

આ પેલાં તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલાં અવાજ થાય છે મહીં ?

(પા.૧૬)

પ્રશ્નકર્તા : ઘણાં વાગે.

દાદાશ્રી : એક જ ખખડાવો તો ય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભાં થઈ જાય છે. એને ભગવાને અધ્યવસન કહ્યા. અધ્યવસન એટલે ના બોલવા હોય, તો ય તે ઊભાં થઈ જાય બધાં. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલાં એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઇચ્છા નથી તો ય ! અધ્યવસન એટલાં બધાં ઊભાં થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલનો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.

‘તમે નાલાયક છો’ એવું બોલીએને, એ શબ્દ એને તો સાંભળીને દુઃખ થયું જ. પણ આનાં જે પર્યાય ઊભાં થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો. તો તમને મહીં અંદર શાંતિ આપશે. તમારું બોલેલું પેલાને શાંતિ થઈ ગઈ. તમને ય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને ! (૪૦૯)

તમે એક શબ્દ બોલો કે ‘આ નાલાયક છે’, તો ‘લાયક’નું વજન એક રતલ હોય ને ‘નાલાયક’નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે ‘લાયક’ બોલશો એનાં સ્પંદન બહુ ઓછાં થશે, હલાવશે ઓછું અને ‘નાલાયક’ બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એનાં પરિણામ !

પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું.

દાદાશ્રી : છૂટકો જ નહીં ને !

પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું ?

(પા.૧૭)

દાદાશ્રી : ‘આ વાણી ખોટી છે’ એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય. (૪૧૦)

એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા’ કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય. માટે શબ્દ બોલાય જ નહીં તો ઉત્તમ છે અને બોલાય તો પ્રતિક્રમણ કરો. (૪૧૧)

મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવો, એ શું હોય ? એ ચેતન ભાવો નથી. એ બધા પ્રાકૃતિક ભાવો, જડ ભાવો છે. લેપાયમાન ભાવો એટલે આપણે લેપાવું ના હોય તો ય એ લેપાયમાન કરી દે. એથી અમે કહીએ છીએ ને, કે ‘મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.’ એ લેપાયમાન ભાવોએ જગત આખાને લેપાયમાન કર્યું છે અને એ લેપાયમાન ભાવો એ ખાલી પડઘા જ છે. અને તે નિર્જીવ છે પાછાં. એટલે તમારે એનું સાંભળવાનું નહીં.

પણ તે એમ ને એમ જાય એવાં ય નથી. એ બૂમો પાડ્યા જ કરશે. તો ઉપાય શો કરશો ? આપણે શું કરવું પડે ? પેલા અધ્યવસન બંધ કરવા માટે ? ‘એ તો મારા ઉપકારી છે’ એવું તેવું બોલવું પડે. હવે તમે એવું બોલશો ત્યારે એ અવળા ભાવો બધા બંધ થઈ જાય, કે આ તો નવી જાતનું ‘ઉપકારી’ કહે છે પાછા. એટલે પાછા ટાઢા પડી જશે. ! (૪૧૨)

તમે કહોને, કે ‘આ ખોટ જાય એવું છે.’ એટલે તરત જ લેપાયમાન ભાવો જાતજાતની બૂમો પાડે, ‘આમ થઈ જાય ને તેમ થઈ જાય.’ ‘અલ્યા ભાઈ, તમે બેસોને બહાર હમણે, મેં તો કહેતાં કહી દીધું, પણ તમે શું કરવા ભસ ભસ કરો છો ?’ એટલે આપણે કહીએ કે, ‘ના,

(પા.૧૮)

ના. એ તો લાભદાયી છે.’ ત્યાર પછી એ બધા ભાવો બેસી જાય પાછાં.

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવાં એવાં કેટલાંય સાધનો અત્યારે થયાં છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરા ય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે ‘આ નાલાયક છે’ તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનું ય ના બોલાય, અક્ષરે ય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે ‘સાહેબ, તમે બહુ સારા માણસ છો.’ સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

જેટલું પ્રેમમય ડિલિંગ હશે એટલી જ વાણી આ ટેપરેકર્ડમાં પોષાય એવી છે, તેનો જશ સારો મળે. (૪૧૩)

ન્યાય-અન્યાય જોવાવાળો તો બહુ જણને ભાંડે. એ તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઊતરી ગયો ને કેટલો ચઢ્યો ?! જગત ક્યારે ય ન્યાયી બનવાનું નથી અને અન્યાયી ય થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.

આ જગત છે, ત્યારથી આવું ને આવું જ છે. સત્યુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા. તો અત્યારે ના હોય ? આ તો ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી,

(પા.૧૯)

પોતાની જવાબદારીઓનું ભાન નથી, માટે બેજવાબદારીવાળું બોલશો નહીં. બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં. બેજવાબદારીવાળું ક્શું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહીં ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશો ય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ! ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે. (૪૧૪)

ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે કોઈએ સાંભળ્યું જ નથી ને ! આ તો એમ ને એમ જ છે ને ! નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે, તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે ! (૪૧૫)

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી. પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું. આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.

પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : ખરાબ ભાવ ના આવવો જોઈએ, એ વાત ખરી છે. ભાવમાં આવે છે, તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય અને એવું, ત્યાં સુધી તમારે પણ

(પા.૨૦)

આવવાનું છે.

એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે. (૪૧૫)

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતનાં ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?

દાદાશ્રી : ના. એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.

પ્રશ્નકર્તા : પાછું અત્યારે બોલીએ, તે વખતે જાગૃતિ રાખીએ તો ?

દાદાશ્રી : અત્યારે તમે કોઈને દફડાવો. પછી મનમાં એવું થાય કે ‘આને દફડાવ્યો, તે બરાબર છે.’ એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો. અને ‘આને દફડાવ્યો, તે ખોટું થયું.’ એવો ભાવ થયો, તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. ‘આ દફડાવ્યો, એ બરોબર છે.’ એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. અને ‘આ બહુ ખરાબ થઈ ગયું, આવું ના બોલવું જોઈએ, આવું કેમ થાય છે ?’ એવું થાય તો કોડ નાનો થઈ ગયો. (૪૧૭)

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય. ઝાડનું ય પ્રમાણ

(પા.૨૧)

ના દુભાય. એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય. (૪૧૮)

પ્રશ્નકર્તા : જેને ટેપ જ ના કરવું હોય, તેના માટે શું રસ્તો ?

દાદાશ્રી : ક્શું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આ ય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય. (૪૧૮)

આ ‘સચ્ચિદાનંદ’ શબ્દ બોલવાથી ઘણી ઈફેક્ટ થાય છે. સમજ્યા વગર બોલે તો ય ઈફેકટ થાય છે. સમજીને બોલે તો તો ઘણો લાભ થાય. આ શબ્દો બોલવાથી સ્પંદનો થાય છે ને બધું વલોવાય છે. બધું સાયન્ટિફિક છે.

પ્રશ્નકર્તા : ‘કામ નથી કરવું’ એમ બોલે, તો એમાં શું થઈ જાય ?

દાદાશ્રી : પછી આળસ આવી જાય. એની મેળે જ આળસ આવે અને ‘કરવું છે’ કહે તો આળસ બધું ક્યાંય જતું રહે. (૪૨૧)

હું ‘જ્ઞાન’ થતાં પહેલાંની વાત કહું છું. હું પચ્ચીસ વર્ષનો હતો, ત્યારે મારી તબિયત નરમ હોય ત્યારે કોઈ કહે કે, ‘કેમ છે તમારી તબિયત ?’ હું કહું કે, ‘બહુ સારી છે.’ અને બીજાને તબિયત સારી હોય અને આપણે પૂછીએ કે, ‘કેમ છે તમારી તબિયત ?’ ત્યારે એ કહે, ‘ઠીક છે.’ મેર અલ્યા, ‘ઠીક છે’ કહે છે, તે આગળ નહીં જાય.

એટલે પછી મેં ‘ઠીક’ શબ્દ ઊડાડી દીધો. આ શબ્દ નુકસાન કરે છે. આત્મા ‘ઠીક’ થઈ જાય પછી. ‘બહુ સરસ’ કહીએ, તે ઘડીએ આત્મા ‘સરસ’ થઈ જાય. (૪૨૨)

(પા.૨૨)

બાકી લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે. એ વાતમાં માલ નથી. પદ્માસનવાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસનવાળીને બેસવું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું.

કારણ કે પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દહાડો કર્યું નથી. અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. (૪૨૪)

૪. વિતાડતી વાણી વખતે, સમાધાન !

પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડમાં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં ક્શું ડખલ કરી શક્યો હોય. કોઈનામાં કોઈ ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે, એ તમારે માટે નિમિત્ત છે. પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે. (૪૨૬)

એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું ક્શું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : કોઈ આપણને કંઈ બોલી જાય, એ પણ નૈમિત્તિક જ ને ? આપણો વાંક ના હોય તો પણ બોલે તો ?

(પા.૨૩)

દાદાશ્રી : આ જગતમાં કોઈ માણસને તમારો વાંક ના હોય, તો બોલવાનો એવો અધિકાર નથી. માટે આ બોલે છે, તો તમારી ભૂલ છે, તેનો બદલો આપે છે આ. હા, તે તમારી ગયા અવતારની જે ભૂલ છે, એ ભૂલનો બદલો આ માણસ તમને આપી રહ્યો છે. એ નિમિત્ત છે અને ભૂલ તમારી છે. માટે જ એ બોલી રહ્યો છે.

હવે એ આપણી ભૂલ છે, માટે આ બોલી રહ્યો છે. તો એ માણસ આપણને એ ભૂલમાંથી મુક્ત કરાવડાવે છે. એના તરફ ભાવ ન બગાડવો જોઈએ. અને આપણે શું કહેવું જોઈએ કે પ્રભુ, એને સદ્બુદ્ધિ આપજો. એટલું જ કહેવું. કારણ કે એ નિમિત્ત છે.

અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો, ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.

પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો ?

દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે ‘આ મને કેમ અવળું બોલે છે ?’ એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?

જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં, ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ. (૪૨૮)

(પા.૨૪)

પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?

દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતાં લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના. અને એનો અંત આવશે. જો જો ને, મારા કહ્યા પ્રમાણે ચાલો ને !

પ્રશ્નકર્તા : આટલાં વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.

દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતાં મારા કહ્યા પ્રમાણે કરજો ને, અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા !

આપણા પાડોશીને કહીએ કે ‘તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.’ ત્યારે એ શું કહેશે કે ‘હું કંઈ નવરો છું ?’ એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીં ને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી. (૪૨૯)

હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે ‘હસતે મુખે ઝેર પીવો.’ કો’ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય તો પછી જે ‘પ્યાલો’ આપી જાય, તે પીવો તો પડે ને ! રડી રડીને ય પણ પીવો તો પડે જ ને ? એ ‘પ્યાલો’ કંઈ ઓછો એના માથામાં મરાય છે ? પીવો તો પડે જ ને ?

પ્રશ્નકર્તા : હા, પીવો પડે.

દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે. આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. (૪૩૦)

(પા.૨૫)

સામો શું બોલ્યો, કઠણ બોલ્યો, તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા, તેના ય ‘આપણે’ જ્ઞાતા-દ્રષ્ટા. (૪૩૧)

કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તમારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે’ જે’ કરતો હોય તો તે અથવા ગાળ ભાંડતો હોય તો તે એ તમારો બધો જ, તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો. અને વ્યવહાર એક્સેપ્ટ (કબૂલ) કરવો. ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ.

પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?

દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે, તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઈ પણ જાતની અસર થઈ, તે હિસાબ વગર ના થાય. અસરો એ બીજનું ફળ છે. ઈફેક્ટ(અસરો)નો હિસાબ તે વ્યવહાર.

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?

ન્યાય શું કહે છે ? નવ ને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. (૪૩૧)

જેવા વ્યવહારે વીંટાયું છે, તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા. તો હું કહું કે, તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી

(પા.૨૬)

જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. (૪૩૨)

કોઈ કહેશે, ‘આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?’ એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે.

હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું, તેનું શું ?

દાદાશ્રી : એ વ્યવહારાધીન છે.

પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?

દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. ભૂલ જ્યારે સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તો ય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરો. જેને સ્વરૂપજ્ઞાન ના હોય, તેણે વ્યવહાર, વ્યવહાર-સ્વરૂપ જ રાખવો હોય તો, સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો,

(પા.૨૭)

એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે. (૪૩૨)

તમને અત્યારે રસ્તામાં જતાં કોઈ કહે કે ‘તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે, ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા. અને તમે જગતથી જીતી ગયા એટલે પછી આખા ય-પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈની ય જોડે મતભેદ પડે નહીં. (૪૩૩)

અથડામણ થઈ એટલે આપણે જાણવું કે ‘એવું કેવું હું બોલી ગયો કે આ અથડામણ થઈ !’ એટલે થઈ ગયો ઊકેલ, પછી પઝલ સોલ્વ થઈ ગયું. નહીં તો જ્યાં સુધી આપણે ‘સામાની ભૂલ છે’ એવું ખોળવા જઈશું તો કોઈ દહાડો ય આ પઝલ સોલ્વ નહીં થાય. ‘આપણી ભૂલ છે’ એમ માનીશું ત્યારે જ આ જગતથી છેડો આવશે. બીજો કોઈ ઉપાય નથી. બીજા બધા ઉપાયો ગૂંચવનારા છે. અને ઉપાયો કરવા એ આપણો અંદરખાને છૂપો અહંકાર છે. ઉપાયો શાને માટે ખોળો છો ? સામો આપણી ભૂલ કાઢે તો આપણે એમ કહેવું કે ‘હું તો પહેલેથી જ વાંકો છું.’ (૪૩૫)

પ્રશ્નકર્તા : ‘આપ્તવાણી’માં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે’ એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.

દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે ક્શાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે. માટે ઉપકાર માનું.

આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ. તો તમારે ય ઉપકાર માનવો જોઈએ ને ?! અને તો

(પા.૨૮)

જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી. (૪૩૫)

૫. વાણી, છે જ ટેપરેકર્ડ !

વાણીની ઉપર તો બધી ભાંજગડ છે. વાણીને લીધે જ તો આ બધી ભ્રાંતિ જતી નથી. કહેશે કે ‘આ મને ગાળો દે છે.’ અને એટલે પછી વેર જાય જ નહીં ને !

પ્રશ્નકર્તા : આટલાં બધા ઝઘડા થાય, ગાળો ભાંડે તો ય લોક મોહને લઈને બધું ભૂલી જાય છે અને મને તો દસ વરસ પહેલાં કહેલું હોય તો ય લક્ષમાં રહે. અને પછી હું એની જોડે કટ કરી નાખું.

દાદાશ્રી : પણ હું કંઈ જુદું ના કરી નાખું. અમે જાણીએ કે આની નોંધ રાખવા જેવી નથી. રેડિયો વાગતો હોય એવું મને લાગ્યા કરે. ઊલટું મહીં મનમાં હસવું આવે.

તેથી મેં ખુલ્લે છોગે આખા વર્લ્ડને કહ્યું છે કે આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. આ બધા ય રેડિયા છે. કોઈ મને સાબિત કરી આપે કે ‘આ ટેપરેકર્ડ નથી’ તો આ આખું જ્ઞાન જ ખોટું છે. (૪૩૭)

કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો, તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે જગત આખું ય રાખે છે.

પ્રશ્નકર્તા : બોલતાં હોય ને, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ કરે છે.

દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. ટેપરેકર્ડ ગાયા કરે.

(પા.૨૯)

અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને ! અને ટેપરેકર્ડે ય ના વાગે. (૪૩૯)

કોઈ શબ્દ આપણને કહે કે ‘તમે ગધેડા છો, મૂર્ખા છો’ એ આપણને હલાવે નહીં. ‘તમારામાં અક્કલ નથી’ એવું મને કહે તો, હું કહું કે, ‘એ વાતને તું જાણી ગયો એટલું સારું થયું. હું તો પહેલેથી જાણું છું. તેં તો આજે જાણ્યું.’ એટલે ફરી કહું કે, ‘હવે બીજી વાત કર.’ તો નિવેડો આવે કે ના આવે ?

આ અક્કલનો જોખ કરવા બેસીએ તો ત્રાજવા કોને ત્યાંથી લાવવાં ? કાટલાં કોને ત્યાંથી લાવવાં ? વકીલ ક્યાંથી લાવવા ?! એનાં કરતાં આપણે કહી દઈએ કે, ‘ભઈ, હા, અક્કલ નથી, એ વાત તો તેં આજે જાણી. અમે તો પહેલેથી જાણીએ છીએ. ચાલ, આગળની વાત કર હવે.’ તે નિવેડો આવે આમાં.

સામાની વાત પકડી બેસવા જેવી ન્હોય અને શબ્દો તો બધી ટેપરેકર્ડો બોલે છે. (૪૩૯)

અને કારણ ખોળવાથી શું થયું છે ? આ કારણ ખોળવાથી જ જગત ઊભું થયું છે. કારણ ક્શામાં ખોળશો નહીં. આ તો ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ની બહાર કોઈ ક્શું બોલવાનો નથી. અમથા એના ઉપર તમે જે મનમાં ધારણ કરો ને, તે તમારી ભૂલ. જગત આખું નિર્દોષ છે. નિર્દોષ જોઈને હું તમને કહું છું કે નિર્દોષ છે. શાથી નિર્દોષ છે જગત ? શુદ્ધાત્મા નિર્દોષ ખરાં કે નહીં ?

ત્યારે દોષિત ક્યું લાગે છે ? આ પુદ્ગલ. હવે પુદ્ગલ ઉદયકર્મને આધીન છે, આખી જિંદગી. હવે ઉદયકર્મમાં હોય એવું આ બોલે, એમાં તમે શું કરો તે ?! જુઓ તો ખરાં, આવું સરસ દાદાએ વિજ્ઞાન આપ્યું કે કોઈ દહાડો વઢવાડ જ ના થાય.

(પા.૩૦)

વાણી જડ છે, રેકર્ડ જ છે. આ ટેપરેકર્ડ વાગે છે, તે તેની પહેલાં પટ્ટી ઊતરે છે કે નહીં ? તેવી જ રીતે આ વાણીની પણ આખી પટ્ટી ઊતરી ગયેલી છે. ને તેને સંયોગ મળતાં જ, જેમ પીન વાગે ને રેકર્ડ શરૂ થઈ જાય તેમ વાણી શરૂ થઈ જાય છે. (૪૪૦)

ઘણીવાર એમ બને છે કે નહીં કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હોય કે સાસુની સામે કે ધણીની સામે નથી બોલવું, છતાં બોલાઈ જાય છે કે નહીં ? બોલાઈ જાય છે. એ શું છે ? આપણી તો ઇચ્છા નહોતી. ત્યારે શું ધણીની ઇચ્છા હતી કે વહુ મને ગાળ દે ? ત્યારે કોણ બોલાવે છે ? એ તો રેકર્ડ બોલે છે અને ઊતરી ગયેલી રેકર્ડને કોઈ બાપો ય ફેરવી ના શકે. (૪૪૦)

ઘણીવાર કોઈ મનમાં નક્કી કરીને આવ્યું હોય કે આજે તો પેલાને આમ સંભળાવું ને તેમ કહી નાખું. અને જ્યારે તેની પાસે જાય ને બીજા બે-પાંચ જણને જુએ, તો અક્ષરે ય બોલ્યા વિના પાછો આવે કે નહીં ? અરે, બોલવા જાય પણ બોબડી ના વળે. એમ બને કે નહીં ? જો તારી સત્તાની વાણી હોય, તો તું ધારે તેવી જ વાણી નીકળે. પણ એવું બને છે ? ક્યાંથી બને ? (૪૪૧)

આ વિજ્ઞાન એવું સુંદર છે ને કે કોઈ રીતે બાધક જ નથી ને ઝટપટ ઊકેલ લાવે એવું છે. પણ આ વિજ્ઞાનને લક્ષમાં રાખે કે દાદાએ કહ્યું છે કે વાણી એટલે બસ રેકર્ડ જ છે, પછી કોઈ ગમ્મે તેવું બોલ્યો હોય કે ફોજદાર ટૈડકાવતો હોય પણ એની વાણી એ રેકર્ડ જ છે, એવું ફીટ થઈ જવું જોઈએ તો આ ફોજદાર ટૈડકાવતો હોય તો આપણને અસર ના કરે.

કોઈ પણ માણસ બહુ વધારે બોલ બોલ કરતો હોય તો ય આપણે સમજી જવું કે આ રેકર્ડ બોલી. રેકર્ડને રેકર્ડ જાણીએ તો આપણે ગબડી

(પા.૩૧)

ના પડીએ. નહીં તો તન્મયાકાર થઈએ તો શું થાય ?

આપણા જ્ઞાનમાં આ ‘વાણી એ રેકર્ડ છે’ એ એક કૂંચી છે અને એમાં આપણે ગપ્પું મારવાનું નથી. એ છે જ રેકર્ડ. અને રેકર્ડ માનીને જો આજથી આરંભ કરે તો ? તો પછી છે ક્શું દુઃખ ? આપણી ઊંચી નાતોમાં લાકડી લઈને મારંમારા નથી કરતાં. અહીં તો બધાં વાણીના જ ધડાકા ! હવે એને જીતી ગયા પછી રહ્યું ક્શું ? વાણી એ રેકર્ડ છે, તેથી મેં એ બહાર પાડેલું. આ બહાર ખુલ્લું પાડવાનું કારણ શું ? તેને લીધે તમારા મનમાંથી વાણીની કિંમત જતી રહે. અમને તો કોઈ ગમે તેવું બોલેને તો ય એની અક્ષરે ય કિંમત નથી. હું જાણું કે એ શી રીતે બિચારો બોલવાનો છે ? એ જ ભમરડો છે ને ! અને આ તો રેકર્ડ બોલી રહી છે. એ તો ભમરડો છે, દયા ખાવા જેવો !

પ્રશ્નકર્તા : ‘આ ભમરડો છે’ એટલું તે વખતે લક્ષમાં નથી રહેતું.

દાદાશ્રી : ના, પહેલું તો ‘વાણી એ રેકર્ડ છે’ એવું નક્કી કરો. પછી ‘આ બોલે છે એ વ્યવસ્થિત છે. આ ફાઈલ છે, એનો સમભાવે નિકાલ કરવાનો છે.’ આ બધું જ્ઞાન જોડે જોડે હાજર રહે ને, તો આપણને ક્શું અસર ના થાય. જે બોલે છે એ ‘વ્યવસ્થિત’ છે ને ? અને રેકર્ડ જ બોલે છે ને ? એ પોતે નથી બોલતાને આજે ? એટલે કોઈ માણસ જોખમદાર છે જ નહીં અને ભગવાનને એવું દેખાયું છે કે કોઈ જીવ કોઈ જાતનો જોખમદાર છે જ નહીં. એટલે કોઈ ગુનેગાર છે જ નહીં, એ ભગવાને જોયેલું. એ દ્રષ્ટિથી ભગવાન મોક્ષે ગયા. અને જગતે ગુનેગાર છે એમ જોયું, તેથી જગતમાં અથડાય છે. બસ, આટલી જ દ્રષ્ટિનો ફેર છે ! (૪૪૧)

પ્રશ્નકર્તા : હા, પણ આ જે દ્રષ્ટિ છે એ મહીં ફીટ થઈ જાય, એના માટે શું પુરુષાર્થ કરવો ?

(પા.૩૨)

દાદાશ્રી : પુરુષાર્થ ક્શો ય કરવાનો નથી. આમાં તો ‘દાદાજી’ની આ વાત તદ્દન સાચી છે ને એના પર ઉલ્લાસ જેમ જેમ આવે તેમ તેમ મહીં ફીટ થતું જાય.

એટલે હવે એવું નક્કી કરી નાખો કે દાદાએ કહ્યું છે એમ જ છે કે આ વાણી એ ટેપરેકર્ડ જ છે. હવે એને અનુભવમાં લો. એ ટૈડકાવતો હોય તો તે ઘડીએ આપણે મનમાં હસવા લાગીએ એવું કંઈક કરો. કારણ કે ખરેખર વાણી એ ટેપરેકર્ડ જ છે અને એવી તમને સમજણ પડી ગઈ છે. કારણ કે ના બોલવું હોય તો ય બોલી જવાય છે, તો પછી ‘આ ટેપરેકર્ડ જ છે’ એ જ્ઞાન ફીટ કરી નાખો.

પ્રશ્નકર્તા : ધારો કે સામાની રેકર્ડ વાગતી હોય ને તે વખતે આપણે કહીએ કે આ રેકર્ડ વાગી રહી છે. પણ અંદર પાછું ‘આ કહે છે તે ખોટું છે, આ બરોબર નથી, આવું કેમ બોલે છે ?’ એવું રીએક્શન પણ થઈ જાય છે.

દાદાશ્રી : ના, પણ એવું શેને માટે થવું જોઈએ ? જો એ રેકર્ડ જ બોલે છે, તમે જો જાણી ગયા છો કે આ રેકર્ડ જ બોલે છે, તો પછી એની અસર જ ના હોયને ?!

પ્રશ્નકર્તા : પણ પોતે નિશ્ચિત રૂપે માને છે, સો એ સો ટકા માને છે કે આ રેકર્ડ જ છે, છતાં એ રીએક્શન કેમ આવે છે ?

દાદાશ્રી : એવું છે કે એ રેકર્ડ જ છે, એવું રેકર્ડ તરીકે તો બધું તમે નક્કી કરેલું છે, પણ ‘રેકર્ડ છે’ એવું એકઝેકટ જ્ઞાન તે ઘડીએ રહેવું જોઈએ. પણ તે એકદમ રેકર્ડ પ્રમાણે રહી ના શકે. કારણ કે આપણો અહંકાર તે ઘડીએ કૂદે છે. એટલે પછી ‘એને’ ‘આપણે’ સમજાવવાનું કે ‘ભઈ, આ રેકર્ડ વાગે છે, તું શું કામ બૂમાબૂમ કરે છે ?’ એવું આપણે કહીએ ત્યારે પાછું મહીં ટાઢું પડે. (૪૪૨)

(પા.૩૩)

આ તો મારી પચ્ચીસ વરસની ઉંમર, ત્યારની વાત છે. મારે ત્યાં એક જણ આવ્યો. તે દહાડે મને આ રેકર્ડની ખબર ન હતી. તે મને બહુ જ ખરાબ શબ્દ બોલી ગયો, એ સગોવહાલો હતો. પેલાં સગાવહાલાંની જોડે ઝઘડો ર્ક્યે ક્યાં પાલવે ?! મેં એમને કહ્યું, ‘બેસોને હવે, બેસોને, હવે એ તો ભૂલ થઈ ગઈ હશે ? વખતે ભૂલ થઈ હોય આપણી.’ પછી ચા પીવડાવી એમને ટાઢા પાડ્યા. પછી એ મને કહે છે ‘હું જાઉં છું હવે.’ ત્યારે મેં કહ્યું, ‘પેલી પોટલી લેતાં જાવ તમારી. આ જે મને તમે પ્રસાદ આપ્યો હતો, તે મેં ચાખ્યો નથી. કારણ કે તોલ્યા વગરનો હતો, એ તે મારાથી લેવાય નહીં. મારે તો તોલાયેલો માલ હોય તો કામનું. વણતોલ્યો માલ અમે લેતાં નથી. એટલે તમારો માલ તમે લેતા જાવ.’ એટલે પેલાં ટાઢાં પડી ગયાં. (૪૪૩)

શબ્દ તો ઠંડકે ય આપે અને સળગાવે ય ખરું. એટલે ઇફેક્ટિવ છે. અને ઇફેક્ટિવ વસ્તુ બધી નિશ્ચેતન હોય. ચેતન ઇફેક્ટિવ ના હોય. વિનાશી ચીજ હોય, તે વસ્તુ ઇફેક્ટિવ હોય. આપણું ‘જ્ઞાન’ મળ્યા પછી ગમે તેવી વાણી હોય તો વાણી ઇફેક્ટિવ ના થાય. છતાં હજુ થાય છે, એનું શું કારણ ? પહેલાની અવસ્થાઓ ભૂલ્યા નથી. બાકી ઇફેક્ટ થાય છે, એને તમે જાણ્યું કે સામાની વાણી છે તે રેકર્ડ સ્વરૂપ છે અને એ ‘ચંદુભાઈ’ને કહે છે, ‘તમને’ નથી કહેતો. એટલે કોઈ પણ રસ્તે ‘તમને’ અસરકારક ન હોય. (૪૪૬)

એણે કંઈ આવું ન બોલવું જોઈએ, એવું એના હાથમાં નથી. એના ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ. એ ધર્મ છે. હા. બોલ તો ગમે તેવા હોય. એ કંઈ બોલને એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી’ એ બોલે તો ? (૪૪૭)

અને આપણા લીધે સામાને ડખો થાય એવું બોલવું એ, મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ

(પા.૩૪)

માણસ કહેવાય ! (૪૪૭)

વાણી બોલે તેનો વાંધો નથી. એ તો કોડવર્ડ છે. તે ફાટે ને બોલ્યા કરે, તેનું આપણે રક્ષણ ના કરવું જોઈએ. વાણી બોલો તેનો વાંધો નથી, પણ ‘અમે સાચા છીએ’ એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. પોતાની વાતનું રક્ષણ કરવું તે જ મોટામાં મોટી હિંસા છે. પોતાની વાત સાચી જ છે એવું ઠસાવવા જાય તે જ હિંસા છે.

‘અમે સાચા છીએ’, એનું નામ જ રક્ષણ કહેવાય અને રક્ષણ ના હોય તો ક્શું જ નથી. ગોળા બધા ફૂટી જાય અને કોઈને ય વાગે નહીં બહુ. અહંકારનું રક્ષણ કરે, તેનાથી બહુ વાગે છે. (૪૪૮)

પ્રશ્નકર્તા : આંતરિક સ્થિતિમાં, એટલે અંતરવિજ્ઞાનમાં એ બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે ?

દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે બધા. સામાને જેટલું આપવાનું હોય એટલું નીકળે આપણે. અને ના આપવાનું હોય તો આપણે ત્યાં બંધ થઈ જાય. મેં એક ભાઈને કહ્યું’તું દાદરમાં. એ ભાઈ કહે છે, ‘દાદાની રેવડી દાણે દાણ કરીશ.’ એમ કહેતો’તો. એ આવ્યો ત્યારે મેં કહ્યું, ‘બોલોને કંઈક.’ ફરી કહ્યું, ‘બોલોને કંઈક.’ પછી એણે તો ચોખ્ખું કહ્યું ‘અહીં સુધી આવે છે પણ બોલાતું નથી.’ લે બોલને ?! આ બોલવાવાળા આવ્યા !! અહીં સુધી આવે છે પણ બોલાતું નથી, મને ચોખ્ખું કહ્યું, એટલે સમજી ગયો. અક્ષરે ય ના બોલાય, મારો હિસાબ ચૂકતે છે. પછી તારું ગજું જ શું છે ? (૪૪૯)

૬. વાણીનાં સંયોગ, પર-પરાધીન !

પ્રશ્નકર્તા : આપ એવું કહો છો કે, ‘સ્થૂળ સંયોગો સૂક્ષ્મ સંયોગો,

(પા.૩૫)

વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.’ તો એ સમજાવો.

દાદાશ્રી : સ્થૂળ સંયોગો એટલે તમને આ હરતા-ફરતા હવા ભેગી થાય, ફલાણુ ભેગું થાય, મામા ભેગા થાય, કાકા ભેગા થાય, સાપ ભેગો થયો, એ બધા સ્થૂળ સંયોગો. કો’કે ગાળો આવડી આપી તે ય ભેગું થાય. એટલે આ બહારના સંયોગો ભેગા થાય, એ બધા સ્થૂળ સંયોગો.

સૂક્ષ્મ સંયોગો એટલે મહીં મનમાં જરા વિચાર આવે, આડા આવે, ઊંધા આવે, ખરાબ આવે, સારા આવે અથવા એવા વિચાર આવે કે ‘હમણે એકસીડન્ટ થશે તો શું થશે ? એ બધા સૂક્ષ્મ સંયોગો. મહીં મનમાં બધા આવ્યા જ કરે.

અને વાણીના સંયોગો એટલે આપણે બોલ બોલ કરીએ છીએ કે પછી કોઈક બોલ્યા ને આપણે સાંભળીએ, એ બધા વાણીના સંયોગો ! (૪૫૧)

‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.’ આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તો ય આપણને જરા ય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે ‘એક્ઝેક્ટ’ છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ‘એક્ઝેક્ટ’ આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો.

પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?

(પા.૩૬)

દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ?! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?

હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે.

પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય છતાં બોલી જવાય. પછી પસ્તાવો થાય.

દાદાશ્રી : વાણીથી જે કંઇ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા.’ પણ જેને એ દુઃખ પહોંચાડે, તેનું પ્રતિક્રમણ ‘આપણે’ ‘બોલનારા’ પાસે કરાવવું પડે.

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે આ ‘અંબાલાલ પટેલ’ને ગાળો ભાંડે છે. પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે અમે સ્વીકારીએ નહીં, ‘અમને’ અડે નહીં. અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય.

અમારા ‘જ્ઞાની’ના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને ‘અમે’ ‘જોઇએ’. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે ‘શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં !’ અને જગત ના લોકો તન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે.

જગતના લોકો જુએ છે તેવું જ્ઞાની પણ જુએ છે, પણ જગતના

(પા.૩૭)

લોકોનું જોયેલું કામ નહીં લાગે. કારણકે તેમનું ‘બેઝમેન્ટ’ અહંકાર છે. ‘હું ચંદુલાલ છું’ એ એનું ‘બેઝમેન્ટ’ છે અને ‘આપણું’ ‘બેઝમેન્ટ’ ‘હું શુદ્ધાત્મા છું’ છે. એટલે આપણું જોયેલું કેવળજ્ઞાનના અંશમાં જાય. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છૂટી દેખી, વાણીને છૂટી જોઇ, આ ‘ચંદુભાઇ’ શું કરે છે તે જોયું, તેટલા અંશે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.

અમને કોઇ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય, ‘આ રેકર્ડ શું બોલે છે’ તે ય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય, તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદ્દન જાગૃતિ રહ્યા કરે. અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે, તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે.

અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે કયાં કયાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે ‘જોયા’ કરવાનું કે, ‘ઓહોહો, ચંદુભાઇ કડક બોલ્યા !’

પ્રશ્નકર્તા : પણ જયાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને ?

દાદાશ્રી : ‘બોલવું, ના બોલવું’ એ આપણા હાથમાં રહ્યું નથી, હવે.

બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા,

(પા.૩૮)

સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. (૪૫૬)

૭. સચ્ચા-જૂઠામાં વાણી વપરાઈ !

પ્રશ્નકર્તા : મસ્કા મારવા, એનું નામ સત્ય ? ખોટી હા પુરાવવી ?

દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ.

પ્રશ્નકર્તા : કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો ?

દાદાશ્રી : હા, એને સુખ થાય !

પ્રશ્નકર્તા : એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે. કેમ કે, કોઈ બહુ મીઠા બોલો હોય અને કોઈ સાચા બોલો હોય તો, આપણે એમ કહીએ ને કે આ મીઠુ બોલે છે પણ એનાં કરતા ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે.

દાદાશ્રી : સાચા બોલો કોને કહેવાય ? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો. અને મધરને શું કહે છે ? ‘તમે મારા બાપાનાં વહુ થાવ’ કહે છે, એ સત્ય નથી ? ત્યારે મધરે શું કહ્યું ? તારું મોઢું ફરી ના દેખાડીશ, બા. હવે તું જા અહીંથી ! મને તારા બાપની વહુ બોલું છું. (૪૬૦)

એટલે સત્ય કેવું હોવું જોઈએ ? પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તો ય ના ચાલે એને હિતકર હોવું જોઈએ

(પા.૩૯)

એટલાથી ય ના ચાલે. હું સત્ય, પ્રિય અને હિતકારી ય બોલું, તો ય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે કહો કે ‘હવે કાકા બંધ થઈ જાવ. હવે મને જમવા ઉઠવા દો ને.’ એટલે તે મિત જોઈએ, પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું ? એટલે આવું સત્ય-પ્રિય-હિતકર ને મિત, ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય. નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય.

વાણી કેવી હોવી જોઈએ ? હિત-મિત-પ્રિય ને સત્ય, આ ચાર ગુણાકારવાળી હોવી જોઈએ. ને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ. ચારે ય ગુણાકારવાળી વાણી એક ‘જ્ઞાની પુરુષ’ની પાસે જ હોય, સામાનાં હિત માટે જ હોય, સહેજ પણ પોતાનાં હિત માટે વાણી ના હોય. ‘જ્ઞાની’ને ‘પોતાપણું’ હોય જ નહીં, જો ‘પોતાપણું’ હોય તો તે જ્ઞાની ના હોય. (૪૬૧)

સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય. એ મોટામાં મોટું સત્ય છે. મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રીયલ સત્ય નથી. આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે.

પ્રશ્નકર્તા : માણસ જૂઠું શું કામ બોલે ?

દાદાશ્રી : મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે, દસ-બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે પચાસ વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે પચાસ વર્ષ સુધી મેં શું શું કર્યું બાર વર્ષથી તે બધું મને ખુલ્લું લખી આપે છે, નહીં તો આ દુનિયામાં બન્યું નથી, એવું. કોઈ સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું. (૪૬૩)

(પા.૪૦)

પ્રશ્નકર્તા : મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે. આની પાછળ કયું કારણ કામ કરતું હશે ?

દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભને લીધે કરે છે એ. કોઈ પણ વસ્તુ મેળવવી છે. કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે. એટલા સારું જૂઠું બોલે છે અગર તો ભય છે, ભયનાં માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે ‘કોઈ મને શું કહેશે ?’ એવું કંઈ પણ ભય હોય. પછી ધીમે ધીમે જૂઠાની ટેવે ય પડી જાય. પછી ભય ના હોય તો ય બોલી જાય.

પ્રશ્નકર્તા : આ સમાજમાં ઘણાં લોકો જૂઠું બોલે છે અને ચોરી-લબાડી બધું કરે છે, ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે, એને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી ? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું ?

દાદાશ્રી : એવું છેને, પહેલા જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાંતે(!) પેલો થોડું સાચું બોલ્યો હતો, તેનું ફળ એને આવ્યું છે. હવે અત્યારે જૂઠું બોલે છે, તો એનું ફળ એને આવશે. તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે. ન્યાય છે, બિલકુલ ન્યાય છે.

એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ને એ પાસ થયો. અને આપણે નાપાસ થયા. પાસ થનારો માણસ આજે રખડ રખડ કરતો હોય, પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય. એટલે આ બધું જે આવે છે, એ ફળ આવે છે. તે ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું, એનું નામ પુરુષાર્થ. (૪૬૪)

પ્રશ્નકર્તા : કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને

(પા.૪૧)

કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ?!

દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એનાં પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય.

પ્રશ્નકર્તા : તો એને કંઈ નુકસાન નહીં ?

દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે ! (૪૬૦)

પ્રશ્નકર્તા : જાણી-જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે ?

દાદાશ્રી : ના. જાણી-જોઈને ના કરવું. પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય.

પ્રશ્નકર્તા : બીજાના ભલા ખાતર ખોટું બોલવું એ પાપ ગણાય ?

દાદાશ્રી : મૂળ તો ખોટું બોલવું એ જ પાપ ગણાય. તો બીજાના ભલા ખાતર બોલીએ તો એક બાજુ પુણ્ય બંધાયું અને એક બાજુ પાપ બંધાયું. એટલે આમાં થોડુંકે ય પાપ રહે છે.

જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે ? વિશ્વાસ ઊઠી જાય આપણા પરથી. ને વિશ્વાસ ઊઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ ! (૪૬૫)

(પા.૪૨)

પ્રશ્નકર્તા : અને જૂઠું પકડાઈ જાય ત્યારે શી દશા થાય ?

દાદાશ્રી : આપણે કહેવું ને, કે ‘પકડાઈ ગયું અમારું’ અને હું તો કહી દઉં કે ‘ભઈ, હું પકડાઈ ગયો.’ વાંધો શો છે ? પછી પેલો ય હસે અને આપણે ય હસીએ. એમાં પેલો સમજે કે આમાં કંઈ લેવાદેવા નથી કે નુકસાન થાય એવું નથી.

પ્રશ્નકર્તા : અમારું જૂઠું ધારો કે તમે પકડી લીધું, તો પછી તમને શું થાય ?

દાદાશ્રી : કશું ના થાય. ઘણા ફેરા જૂઠું હું પકડું. હું જાણું કે આવું જ હોય. એથી વધારે આપણે આશા કેમ કરીને રખાય ? (૪૬૬)

અનંત અવતારમાં જૂઠું જ બોલ્યા છે. સાચું બોલ્યા છે જ ક્યારે ? આપણે પૂછીએ ‘ક્યાં ગયા હતા ?’ ‘રસ્તામાં ફરવા ગયો હતો’ એમ કહે. અને ગયો હોય સિનેમામાં. હા, પણ એ તો માફી માગી લેવાની. (૪૬૮)

પ્રશ્નકર્તા : પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે ?

દાદાશ્રી : પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે, એનો દોષ લાગતો નથી. અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે અને સારું કરવામાં આવે તો ગુણ લાગે. આત્મહેતુ હોયને, એનાં જે જે કાર્ય હોય, તેમાં કોઈ દોષ નથી. સામાને આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે !

જૂઠું બોલીને ય આત્માનું કરતા હશો તો વાંધો નથી અને સાચું બોલીને ય દેહનું હિત કરશો તો વાંધો છે. સાચું બોલીને ભૌતિકનું હિત કરશો તો ય વાંધો છે. પણ જૂઠું બોલીને આત્મા માટે કરશો ને, તો

(પા.૪૩)

હિતકારી છે.

પ્રશ્નકર્તા : કોઈનું સારું કામ કરવા માટે આપણે જૂઠું બોલીએ તો કોને દોષ લાગે ? આવું કરી શકાય ?

દાદાશ્રી : જૂઠું બોલે તેને દોષ લાગે.

પ્રશ્નકર્તા : કોઈ જૂઠું બોલવાનું દબાણ કરે તો ? બીજા કોઈનું સારું થાય છે એટલે તમે જૂઠું બોલો, એમ કોઈ દબાણ કરે તો ?

દાદાશ્રી : તો એમ કહેવું કે, ‘ભઈ, હું તમારા દબાણથી બોલીશ. હું તો પોપટ છું. આ તો તમારા દબાણથી પોપટ થઈને બોલીશ. બાકી, હું નહીં બોલું.’ પછી પોપટ બોલે એવી રીતે બોલજો. તમે જાતે બોલી ના ઊઠશો. પોપટ થઈને બોલો. આપણે કહીએ ‘આયા રામ’ તો પોપટ કહેશે, ‘આયા રામ.’ એવું બોલવું. (૪૬૮)

મને ‘જ્ઞાન’ નહીં થયેલું ને, ત્યારે કોર્ટમાં એક ફેરો જવાનું થયું હતું. સાક્ષી આપવાની હતી. ત્યારે વકીલ કહે છે કે, ‘આ હું તમને કહું એવું તમારે બોલવાનું.’ મેં કહ્યું, ‘ના, ભાઈ. હું જાણું છું એટલું બોલીશ. હું કંઈ તમારું કહેલું બોલવાનો નથી.’ ત્યારે એ કહે છે, ‘મને આ ક્યાં તમારામાં ઊભો રાખ્યો ? હું ખોટો દેખાઉં. મારી આબરૂ જાય. આવા સાક્ષી મળે તો અમારો તો આખો કેસ ઊડી જાય.’ ત્યારે મેં કહ્યું, ‘આનો ઉપાય શો ?’ ત્યારે વકીલ કહે છે, ‘અમે કહીએ છીએ એટલું બોલવાનું.’ પછી મેં કહ્યું, ‘કાલે વિચાર કરીને કહીશ.’ પછી રાતે મહીંથી જવાબ મળ્યો, કે આપણે પોપટ થઈ જાવ. વકીલના કહેવાથી કહું છું, એવો ભાવ રહેવો જોઈએ ને પછી બોલો.

બાકી કોઈના માટે સારા કામ કરો તો બને ત્યાં સુધી જૂઠું બોલવાનું નહીં. કોઈના સારા માટે ચોરી ના કરવી, કોઈના સારા માટે

(પા.૪૪)

હિંસા ના કરવી. બધી આપણી જ જોખમદારી છે. (૪૬૯)

જૂઠું બોલવાની તમારી ઇચ્છા ખરી અંદરખાને, મોળી પણ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : છતાં બોલાય છે એ હકીકત છે ને ! તે જ્યારે જૂઠું બોલાય ને તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત ‘દાદા’ની પાસે માફી માગવાની કે ‘દાદા, મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું. મને માફ કરો. હવે ફરી જૂઠું નહીં બોલું.’ અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો. માફી માગ માગ કર્યા કરવાની. એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય. (૪૬૧)

પ્રશ્નકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા તેથી. અમે એકું ય દહાડો કોઈને કશું ય કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય, તો ય ચેતે તે ઘડીએ.

પ્રશ્નકર્તા : આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને ?

દાદાશ્રી : ચોક્કસ વળી ! પણ જૂઠું બોલ્યા હોયને, તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલાવનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું ? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને ? શું હેલ્પ કરશે ?

(પા.૪૫)

પ્રશ્નકર્તા : જૂઠું બોલતાં અટકવું જોઈએ.

દાદાશ્રી : ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે ‘શું કરું ?! આવું જૂઠું ના બોલવું જોઈએ.’ પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. ‘હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.’ એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો, તો તમારાં જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એનાં ‘રિએક્શન’ (પ્રતિક્રિયા) છે એટલાં બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાત્તાપ કરી લેજો. હવે પશ્ચાત્તાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા, તે કર્મફળનું ય ફળ તો આવશે અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, ‘શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા ?! એમની આ લાયકાત છે ?!’ એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાત્તાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, ‘કૉઝિઝ’ જ બંધ કરી દેવામાં આવે, તો પછી ‘કૉઝિઝ’નું ફળ અને તેનું પણ ફળ ના હોય.

એટલે આપણે શું કહીએ છીએ ? જૂઠું બોલાઈ ગયું પણ ‘એવું ના બોલવું જોઈએ’ એવો તું વિરોધી છેને ? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથીને, તો તારી જવાબદારીનો ‘એન્ડ’ (અંત) આવી જાય છે. (૪૭૨)

પ્રશ્નકર્તા : પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે ?

દાદાશ્રી : એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી પડે. અને પ્રતિક્રમણ કરે, તો પછી જોખમદારી અમારી છે.

(પા.૪૬)

એટલે અભિપ્રાય બદલો ! જૂઠું બોલવું એ જીવનનાં અંત બરોબર છે, જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ‘ડિસાઈડ’ (નક્કી) કરવું પડે. અને પાછું સત્યનું પૂંછડું ના પકડશો. (૪૭૩)

પ્રશ્નકર્તા : બોલવામાં જન્મથી જ તકલીફ છે.

દાદાશ્રી : જીભાજોડી ગયા અવતારે કરેલીને. જ્યાં ને ત્યાં ગાળો દીધીને, તેની જીભ જતી રહે પછી. પછી શું થાય ? બોલવામાં કાંઈ બાકી રાખે છે ? ઓછા કર્મ હશે તો, ફૂટશે પાછી. પાંચ-સાત વર્ષ પછી એવું કશું ય નહીં.

ખોટી વાણી બોલવાથી તો આ જીભ જતી રહેલી ને ! જીભનો જેટલો દુરુપયોગ કરો એટલી જીભ જતી રહે. (૪૬૯)

પ્રશ્નકર્તા : મારો સ્વભાવ, મારા વચન કડક છે. કોઈને પણ ચોંટી જાય, દુઃખ લાગી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું.

દાદાશ્રી : દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે.

પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ?

દાદાશ્રી : રોફ પાડવા હારું ! બીજા ઉપર રોફ પડી જાય ને, એટલાં હારુ.

પ્રશ્નકર્તા : આપણે રોફ પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે, એ શેના આધારે સહન કરે છે ?

(પા.૪૭)

દાદાશ્રી : એક તો, એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકળાટ ના કરવા હારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા હારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું, એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો. (૪૭૦)

૮. દુઃખદાયી વાણીનાં ખપે પ્રતિક્રમણો !

ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય, બેઉ હોતું જ નથી. આ તો અહીં સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું અસત્ય થાય ને મુસલમાનોનું સત્ય, તે હિન્દુઓને અસત્ય થાય. આ બધી સમાજ વ્યવસ્થા છે. ભગવાનને ત્યાં સાચું-ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું કહે છે કે, કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું. દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે ‘ચંદુભાઈ’ હતા, એ અહીંયા દુનિયામાં સાચા. બાકી ભગવાનને ત્યાં તો એ ‘ચંદુભાઈ’ ય નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે.

સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. ‘ચંદુભાઈ’ જૂઠું બોલે, તે ય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે ‘ચંદુભાઈને’ કહીએ, ‘પ્રતિક્રમણ કરી લો.’ જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય, તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મધ્યાન હોય છે. લોક ધર્મધ્યાન શું છે એને ખોળે છે. જૂઠું બોલાય, ત્યારે ‘દાદા’ પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહિ તેવી શક્તિઓ માગવી.

પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ

(પા.૪૮)

થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે, તે ચૂકવાઈ ગયો.

પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને ?

દાદાશ્રી : હા. એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગેને. હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડેને. એમાં છૂટકો જ ના થાય.

પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.

દાદાશ્રી : હા. એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરવું. એવું નક્કી કરવું જોઈએ.

પછી નવરાં પડીએ એટલે એનાં પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાનાં. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે એટલી જ નરમ કરવાની છે, તે બે-ચાર ફાઈલ કઠણ હોય, વધારે ના હોયને ! (૪૭૫)

પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં ક્લેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું ?

દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય બસ. ખોટું થાય તો આટલો

(પા.૪૯)

જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે ય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવે ય થાય અને ઊંધું કાર્ય થાયે ય ખરું, બેઉ થાય. (૪૭૭)

પ્રશ્નકર્તા : હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને. અને વ્યવહારમાં લોકો કહેશેને, જો આ બાઈ કેવી ધણીને દબડાવે છે. પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય, તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય, પણ શું કામનો ? એ ચાલે નહીં હેતુ. હેતુ સાવ સોનાનો હોય તો ય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે. એ બધા ય મહાત્માઓની ઇચ્છા છે, હવે જગતકલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તો ય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડા ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છોને ? એવાં આ કપડા ઉપરના ડાઘ છે.

આ ‘અમારી’ ટેપરેકર્ડ વાગે, તેમાં કંઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો. નહિ તો ના ચાલે. ટેપરેકર્ડની પેઠે નીકળે છે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તો ય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને, કે, ‘પણ સાહેબ, ટેપ તો તમારી જ ને ?’ એવું કહે કે ના કહે ? કંઈ બીજાની ટેપ હતી ? એટલે એ શબ્દો અમારે ધોવા પડે. ના બોલાય અવળા શબ્દો. (૪૭૮)

પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂલ માલમ પડે. એટલે મારે તમારા નામનું

(પા.૫૦)

પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : એટલે વાણી બોલતી વખતે, આપણને આપણા વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું હોય, સામાને એનાં વ્યુપોઈન્ટથી કરેક્ટ લાગતું ના હોય તો ?

દાદાશ્રી : એ બધી વાણી સાવ ખોટી છે. સામાને ફીટ થઈ, એનું નામ કરેક્ટ વાણી ! સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ. (૪૭૮)

પ્રશ્નકર્તા : આપણે સામાને કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં તે છતાં આપણે એને કહીએ, તો એને એમ લાગે કે ‘આ બરાબર નથી કહેતાં, ખોટું છે.’ તો એને અતિક્રમણ કહેવાય ?

દાદાશ્રી : એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું. આપણને શું એમાં મહેનત જવાની છે ? કોઈકને દુઃખ કરીને આપણે સુખી થઈએ નહીં. (૪૭૯)

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય, તેને ટકોર કરવી પડે છે. તો તે કરાય કે નહીં ?

દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે. માટે એનું પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?

દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતાં આવડવું જોઈએ. કહેતાં ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને

(પા.૫૧)

ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. (૪૭૯)

પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે. તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?

દાદાશ્રી : હા. કહેવાનો અધિકાર છે. પણ કહેતાં આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું.’ તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘હે ચંદુભાઈ પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.’ એટલું જ પ્રતિક્રમણ કરવું પડે. (૪૮૦)

પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતાં હોય કે ખોટું કરતાં હોય તો ય આપણે બોલવું નહીં ?

દાદાશ્રી : બોલવાનું. એવું કહેવાય, ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.’ આપણે એવું કહેવાય. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય, એને વિનયથી કહેવા જોઈએ.

પ્રશ્નકર્તા : ખરાબ શબ્દ બોલતાં વિનય જળવાઈ શકે ?

દાદાશ્રી : એ જળવાય, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ‘ડ્રામેટિક’ (નાટકીય) છે ને ! હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, ‘હું ભર્તુહરી રાજા છું, આ રાણીનો ધણી થઉં, પછી ભિક્ષા દેને મૈયા પીંગળા.’ કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે ‘અલ્યા, તું તો લક્ષ્મીચંદ છેને ? તું સાચું રડે છે ?’ ત્યારે કહેશે, ‘હું શું કરવા સાચું રડું ? આ તો મારે અભિનય કરવો જ પડે. નહીં તો મારો પગાર કાપી લે.’ એવી રીતે અભિનય

(પા.૫૨)

કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે. (૪૮૦)

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવાનાં હોય, તે મનથી કરવાં કે વાંચીને અથવા બોલીને ?

દાદાશ્રી : ના. મનથી જ. મનથી કરીએ, બોલીને કરીએ, ગમે તેનાથી કે મારો એના પ્રત્યે જે દોષ થયો છે, તેની ક્ષમા માગું છું. તે મનમાં બોલીએ તો ય ચાલે. માનસિક એટેક થયો એટલે એનાં પ્રતિક્રમણ કરવાનાં બસ.

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રીએકશનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે, આ ખોટું છે. તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી કરે ને, એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે. તરત એનું ફળ મળી જાય. અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે, એ અત્યારે બીજ રોપ્યું. એટલે કોઝીઝ કહેવાય. એટલે કોઝીઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું. (૪૮૨)

૯. વિગ્રહ, પતિ - પત્નીમાં !

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે, તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ.

(પા.૫૩)

અને બીબી ય જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે, કે જરા આ બાબાને હીંચકો નાંખતા પણ નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે ! ત્યારે પાછો ધણી કહેશે, ‘તારા પેટમાં હતો ત્યાં સુધી હું કંઈ હીંચકો નાખવા આવ્યો હતો ! તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.’ કહેશે. આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે ? (૪૮૩)

પ્રશ્નકર્તા : ડખો નહીં કરો કહ્યુંને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ ? ઘરમાં બહુ માણસો હોય તો ય ?

દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખો ય ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?

દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય !

પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે આટલું કરજો એમ ?

દાદાશ્રી : પણ કહેવા કહેવામાં ફેર હોય.

પ્રશ્નકર્તા : ઈમોશન વગર કહેવાનું. ઈમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?

દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !

પ્રશ્નકર્તા : આ કડક વાણી-કર્કશ વાણી હોય, એને શું કરીએ ?

દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોયને ! કર્કશ વાણી

(પા.૫૪)

એમાં શબ્દ ઉમેરવો પડે કે ‘હું વિનંતી કરું છું, આટલું કરજો.’ ‘હું વિનંતી......’ એટલો શબ્દ ઉમેરીને કરે.

પ્રશ્નકર્તા : હવે આપણે એમ કહીએ કે, ‘એ ય થાળી અહીંથી ઊંચક’ અને આપણે ધીમા કહીએ ‘તું થાળી અહીંથી ઊંચક.’ એટલે એ જે બોલવાનું જે પ્રેસર છે....

દાદાશ્રી : એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું.

દાદાશ્રી : ના, એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તો ય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું ‘હું વિનંતી કરું છું, તે આટલું કરજોને !’ મહીં શબ્દ ઉમેરવો પડે. (૪૮૪)

પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ?

દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે વઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.

ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?’ તો બઈ જવાબ આપે કે,

(પા.૫૫)

‘ફલાણી જગ્યાએ મૂકો.’ તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?’ એટલે બઈ કહે કે, ‘અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.’ આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! (૪૮૫)

પ્રશ્નકર્તા : પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય, દાદા ! વિચારો સરખા ના હોય. આપણે સારું કરીએ તો ય કોઈ સમજે નહીં. એનું શું કરવાનું ?

દાદાશ્રી : એવું કશું ય નથી. વિચાર સમજણ પડે છે બધાં ય. પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચાં છે એવું. તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતાં આવડતું નથી. ભાન જ નથી ત્યાં. માણસ તરીકે ય ભાન નથી બળ્યાં. આ તો મનમાં બેઠાં છે કે હું બી.એ. અને ગ્રેજ્યુએટ થયો. પણ માણસ તરીકે ભાન હોય તો કલેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે. આ બારણાં ખખડે તો ય ગમતું નથી આપણને, બારણું હવામાં ઠોકાઠોક થાય, તો તમને ગમે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે ? કૂતરાં વઢતાં હોય તો ય ના ગમે આપણને.

આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે, બે ધોલો મારો તો સારું. પણ આ તમે જે બોલો છોને તે મારી છાતીએ ઘા વાગે છે ! હવે લ્યો અડતું નથી અને કેવાં ઘા વાગે છે ! (૪૮૬)

(પા.૫૬)

પોતે વાંકો મૂંઓ છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે. લોહી નીકળે ત્યાં કેમ નથી બોલતો ? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે. એમ ધણીપણું બતાવવું છે. પછી ઘૈડપણમાં તમને સારું (!) આપે. પેલો કશુંક માંગે તો, ‘આમ શું કચકચ કર્યા કરો છો, સૂઈ પડી રહોને અમથા.’ કહેશે. એટલે જાણી જોઈને પડી રહેવું પડે. એટલે આબરુ જ જાયને. એનાં કરતાં મર્યાદામાં રહો. ઘેર ઝઘડો બગડો કેમ કરો છો. લોકોને કહો, સમજણ પાડજો કે ઘરમાં ઝઘડા ના કરશો. બહાર જઈને કરજો અને બહેનો તમે ય કરો નહીં હો !

પ્રશ્નકર્તા : વાણીથી કશો ય કલેશ ના હોય. પણ મનમાં કલેશ ઉત્પન્ન થયો હોય, વાણીથી કહ્યું ના હોય, પણ મનમાં હોય બહું. તો એ કલેશ વગરનું ઘર કહેવું ?

દાદાશ્રી : એ વધારે કલેશ કહેવાય. મન બેચેની અનુભવે તે ઘડીએ કલેશ હોય જ અને પછી આપણને કહે, ‘મને ચેન પડતું નથી.’ તે કલેશની નિશાની. હલકા પ્રકારનું હોય કે ભારે પ્રકારનું હોય. ભારે પ્રકારના કલેશ તો એવા હોય છે કે હાર્ટ હઉ ફેઈલ થઈ જાય. કેટલાક તો એવું બોલ બોલે છે ને હાર્ટ તરત ખાલી થઈ જાય. પેલાને ઘર ખાલી જ કરવું પડે, ઘરધણી આવે પછી !! (૪૮૬)

પ્રશ્નકર્તા : કોઈએ જોઈને આ વસ્તુ ફેંકી દીધી તો ત્યાં આગળ ક્યું ‘એડજસ્ટમેન્ટ’ લેવું ?

દાદાશ્રી : આ તો ફેંકી દીધું, પણ છોકરો ફેંકી દે તો ય આપણે ‘જોયા’ કરવાનું. બાપ છોકરાને ફેંકી દે તો આપણે જોયા કરવાનું. ત્યારે શું આપણે ધણીને ફેંકી દેવાનો ? એકને તો દવાખાનું ભેગું થયું. હવે પાછા બે દવાખાના ઊભાં કરવાં ?! અને પછી જ્યારે એને લાગ આવે

(પા.૫૭)

ત્યારે એ આપણને પછાડે. પછી ત્રણ દવાખાનાં ઊભાં થયાં.

પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?

દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું, જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.

પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?

દાદાશ્રી : ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ? ત્યારે એ કહેશે કે, જાણી જોઈને હું કંઈ ફેકું ? એ તે મારા હાથમાં છટકી ગયો ને ફેંકાઈ ગયો ?

પ્રશ્નકર્તા : એ તો એ ખોટું બોલ્યા ને ?

દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે. એ આપણા આધીન નથી. એ એની મરજીમાં આવે તેવું કરે. એને જૂઠું બોલવું હોય કે આપણને ખલાસ કરવા હોય એ એના તાબામાં છે. રાત્રે આપણા માટલામાં ઝેર નાખી આવે તો આપણે તો ખલાસ જ થઈ જઈએને ! માટે આપણા તાબામાં જે નથી તે આપણે જોવાનું નહીં. સમ્યક્ કહેતાં આવડે તો કામનું છે કે, ‘ભઈ, આમાં શું તમને ફાયદો થયો ?’ તો એ એની મેળે કબૂલ કરશે. સમ્યક્ કહેતા નથી અને તમે પાંચ શેરની આપો તો પેલો દશ શેરની આપે !

પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?

દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ?’ સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો

(પા.૫૮)

અધિકાર, બાકી જે કહેવાથી ક્કળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે. (૪૮૭)

પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?

દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તે કેમ છો ? કેમ નહીં ? એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને ‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને, અમારી કંઈ ભૂલ હોય તો મને કહો, મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોશિયાર, ભણેલા તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.’

પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?

દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો’ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો.

પ્રશ્નકર્તા : આપણે સામાને અબોલા તોડવા કહીએ કે મારી ભૂલ થઈ, હવે માફી માગું છું, તો ય પેલો વધારે ચગે તો શું કરવું ?

દાદાશ્રી : તો આપણે કહેવાનું બંધ કરવું. એનો સ્વભાવ વાંકો છે

(પા.૫૯)

એમ જાણીને બંધ કરી દેવું આપણે. એને એવું કંઈક ઊધું જ્ઞાન થઈ ગયું હોય કે ‘બહુત નમે નાદાન’ ત્યાં પછી છેટા રહેવું. પછી જે હિસાબ થાય તે ખરો. પણ જેટલાં સરળ હોયને ત્યાં તો ઉકેલ લાવી નાખવો. આપણે ઘરમાં કોણ કોણ સરળ છે અને કોણ કોણ વાંકું છે, એ ના સમજીએ ? (૪૮૮)

પ્રશ્નકર્તા : સામો સરળ ના હોય તો એની સાથે આપણે વ્યવહાર તોડી નાખવો ?

દાદાશ્રી : ના તોડવો. વ્યવહાર તોડવાથી તૂટતો નથી. વ્યવહાર તોડવાથી તૂટે એવો છે ય નહીં. એટલે આપણે ત્યાં મૌન રહેવું કે કો’ક દહાડો ચીઢાશે એટલે આપણો હિસાબ પતી જશે, આપણે મૌન રાખીએ એટલે કો’ક દહાડો એ ચિઢાય ને જાતે જ બોલે કે ‘તમે બોલતા નથી, કેટલા દહાડાથી મૂંગા ફરો છો !’ આમ ચિઢાય એટલે આપણું પતી જશે. ત્યારે શું થાય તે ? આ તો જાતજાતનું લોખંડ હોય છે, અમને બધાં ઓળખાય. કેટલાંકને બહુ ગરમ કરીએ તો વળી જાય. કેટલાકને ભઠ્ઠીમાં મૂકવું પડે, પછી ઝટ બે હથોડા માર્યા કે સીધું થઈ જાય. આ તો જાત જાતનાં લોખંડ છે ! આમાં આત્મા એ આત્મા છે, પરમાત્મા છે અને લોખંડ એ લોખંડ છે, આ બધી બીજી ધાતુ છે. (૪૮૯)

આપણે એક દા’ડો તો કહી જુઓ કે ‘દેવી’ આજ તો તમે બહુ સરસ રસોઈ જમાડો, એટલું બોલી તો જુઓ.

પ્રશ્નકર્તા : ખુશ, ખુશ !

દાદાશ્રી : ખુશ ખુશ થઈ જાય. પણ આ તો બોલતાં ય નથી. વાણીમાં ય જાણે કે મફતની વેચાતી લાવવી પડતી હોયને વાણી ! વાણી વેચાતી લાવવી પડે છે ?

(પા.૬૦)

પ્રશ્નકર્તા : ના, પણ ધણીપણું ત્યાં જતું રહેને !

દાદાશ્રી : ધણીપણું જતું રહે છે, ધણીપણું !! ઓહોહો ! મોટો ધણી થઈ બેઠો !! અને અન્સર્ટિફાઈડ ધણી પાછો જો સર્ટિફિકેટ લઈને આયો હોત તો ઠીક છે !!

બૈરી ને એનો ધણી, બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો’ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહયો-માહીં જ્યારે ઝઘડે ને, ‘તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.’ .....પછી ઘરમાં જામે ને, ત્યારે કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં, કહેશે ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયો અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય ‘મારી તારી’ થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !’ ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?’ એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. (૪૯૦)

ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી..... તારા વગર મને ગમતું નથી એમ કહેવું, એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું ‘તું ગમે તે વઢું, તો ય પણ તારા વગર મને ગમતું નથી.’ એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથી, તમને બોલવામાં વાંધો શું ? મનમાં રાખીએ પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું કરવું. (૪૯૧)

(પા.૬૧)

એટલે અમારું બધું ડ્રામા જ હોય. હીરાબા ૭૩ વર્ષનાં તો ય મને કહે છે, તમે વહેલા આવજો. મેં કહ્યું, મને ય તમારા વગર ગમતું નથી ! એ ડ્રામા કરીએ તો કેટલો એમને આનંદ થઈ જાય. વહેલા આવજો, વહેલા આવજો કહે છે. તે એમને ભાવ છે એટલે એ કહે છે ને ! એટલે અમે ય આવું બોલીએ. બોલવાનું હિતકારી હોવું જોઈએ. બોલ બોલેલો જો સામાને હિતકારી ના થઈ પડ્યો તો આપણે બોલ બોલેલો કામનો જ શું તે ?!

એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે. એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે ‘વહુ મને આમ કેમ કરે છે ?’ વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?’ એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !’ ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યો હતો.’ ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે. એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? (૪૯૨)

કશું જગતમાં કોઈ એક અક્ષરે ય કોઈને કશો કહેવું નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો ! બધાં પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે ? અક્ષરે ય બોલવાનો બંધ કરી દેજો. આ તેટલા માટે તો અમે ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે. (૪૯૩)

એટલે એક જ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુ સહુનાં કામ પર, કામ કર્યા કરવાનું. બોલશો કરશો નહીં. તું બોલતી નથી ને છોકરાં જોડે,

(પા.૬૨)

ધણી જોડે ? (૪૯૫)

બોલવાનું ઓછું કરી નાંખવું સારું. કોઈને કશું કહેવા જેવું નથી, કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે, ‘ગાડીએ વહેલો જા’, તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઈમે જાય. આપણે ના હોઈએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાને ખાવાનું પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ?

પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.

દાદાશ્રી : જવાબદારી ‘વ્યવસ્થિત’ની છે, તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી. તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાં ય ગાંડું કાઢે.

પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઈથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય તો બધાનું સારું થાય.

એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો ‘‘જ્ઞાની પુરુષ’’ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના

(પા.૬૩)

બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતો જ મરેલાંની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ ‘અમારાથી’ થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ? (૪૯૭)

પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા ?

દાદાશ્રી : સામા માણસને તમે વઢો તો ય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તો ય એને તમારામાં પ્રેમ દેખાય કે ‘ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !’ ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે. આ કોલેજોમાં જો પ્રોફેસરો ઠપકો આપવા જાય તો પ્રોફેસરોને બધા મારે !

સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઇએ. પણ જે પ્રયત્નો ‘રીએક્શનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઇએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઇએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઇએ કે, ‘આપણને આ શોભે નહીં.’ બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે પણ કહેવાની રીત હોય.

પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા, તેનાથી લોકો ઊલટાં બગડ્યા. સુધારવા જાય કે બગડે જ. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે. આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ એ મિનિંગલેસ છે. (૪૯૯)

વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ

(પા.૬૪)

વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને ? કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ જોડે ઝાપટ ઝાપટ કરવાનાં. આખો દહાડો ‘તેં આમ કર્યું, તેં આમ કર્યું’ કહ્યા કરે. તે એમાં આખી વાણી બધી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ. આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે. (૫૦૦)

૧૦. ઉછેરો ‘છોડવાં’ આમ બગીચામાં....

એક બેન્કનો મેનેજર કહે છે, દાદાજી, હું તો કોઈ દહાડો ય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરે ય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.

એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે સરસ ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ?! અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે આ ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ સાચવતાં નથી આવડતી ! તે એ તો ગભરાઈ ગયો બિચારો. પણ મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે

(પા.૬૫)

કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ’ જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ’ કર્યું છે. (૫૦૧)

ઘણા લોકો છોકરાને કહે છે, ‘તું મારું કહ્યું માનતો નથી.’ મેં કહ્યું, ‘તમારી વાણી ગમતી નથી એને. ગમે તો અસર થઈ જ જાય.’ અને પેલો પપ્પો કહે છે, ‘તું મારું કહ્યું માનતો નથી.’ અલ્યા મૂંઆ, પપ્પો થતાં તને આવડ્યું નથી. આ કળિયુગમાં દશા તો જુઓ લોકોની ! નહીં તો સત્યુગમાં કેવા ફાધર ને મધર હતા ! (૫૦૨)

એક માણસ મને બાવનની સાલમાં કહેતો હતો કે ‘આ ગવર્નમેન્ટ ખરાબ છે ને જવી જ જોઈએ.’ તે બાવનથી બાસઠની સાલ સુધી બોલ બોલ કર્યા કર્યું. એટલે પછી મેં એને કહ્યું કે, ‘રોજ તમે મને આ વાત કરો છો, પણ ત્યાં કંઈ ફેરફાર થાય છે ? આ તમારું બોલેલું ત્યાં કંઈ ફળે છે ?’ ત્યારે એ કહે છે, ‘ના. એ ફળ્યું નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તો શું કરવા ગા ગા કર્યા કરો છો ? તમારા કરતાં તો રેડિયો સારો.’

આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂર્ખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે તે ? (૫૧૧)

પ્રશ્નકર્તા : દીકરો બાપનું ના માને તો શું કરવું ?

દાદાશ્રી : ‘આપણી ભૂલ છે’ એમ માનીને મૂકી દેવાનું ! આપણી ભૂલ હોય તો જ ના માને ને ! બાપ થતાં આવડ્યું હોય, એનો છોકરો ના માને એવું હોતું હશે !? પણ બાપ થતા આવડતું જ નથી ને !

પ્રશ્નકર્તા : એક વાર ફાધર થઈ ગયા પછી કંઈ ગલુડીયાં છોડે ?

(પા.૬૬)

દાદાશ્રી : છોડતાં હશે ? ગલુડીયાં તો આખી જિંદગી એવા ડૉગ ને ડૉગીનને, બેઉને જોયા જ કરે, કે આ ભસ ભસ કરે છે અને આ (ડૉગીન) બચકાં ભર ભર કર્યા કરે. ડૉગ ભસ્યા વગર રહે નહીં. પણ છેવટે દોષ પેલા ડૉગનો નીકળે. છોકરાં એના મા તરફી હોય. એટલે મેં એક જણને કહેલું, ‘મોટાં થઈને આ છોકરાં તને મારશે. માટે ધણીયાણી જોડે પાંસરો રહેજે !’ એ તો છોકરાં જોયા કરે તે ઘડીએ, એમનો પગ ના પહોંચે ને ત્યાં સુધી અને પગ પહોંચે એટલે તો ઓરડીમાં ઘાલીને મારે. તે એવું બન્યું હઉં લોકોને ! છોકરાએ તે દહાડાથી નિયાણું જ કરેલું હોય કે હું મોટો થાઉં કે બાપને આપું ! મારું સર્વસ્વ જજો પણ આ કાર્ય થાવ, એ નિયાણું. આ ય સમજવા જેવું છે ને ?!

પ્રશ્નકર્તા : એટલે બધો દોષ બાપનો જ ?

દાદાશ્રી : બાપનો જ ! દોષ જ બાપનો. બાપનામાં બાપ થવાની બરકત ના હોય ત્યારે વહુ સામી થાય. બાપનામાં બરકત ના હોય ત્યારે જ આવું બને ને ! મારી-ઠોકીને ગાડું રાગે પાડે. ક્યાં સુધી સમાજની બીકના માર્યા રહે. (૫૦૪)

આ છોકરાંઓ અરીસો છે. છોકરાંઓ ઉપરથી ખબર પડે કે આપણામાં કેટલી ભૂલ છે ! (૫૦૫)

પ્રશ્નકર્તા : મૌનવ્રત લઈએ તો કેવું ? મૌન લઈએ તો, બોલવું જ નહીં.

દાદાશ્રી : એ મૌન આપણા હાથની વાત નથીને. મૌન થાય તો સારી વાત છે. (૫૦૬)

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે. તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ

(પા.૬૭)

કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને. કહેતા આવડવું જોઈએને, શું ?

પ્રશ્નકર્તા : કઈ રીતે ?

દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.’ આવું બોલીએ તો પછી શું થાય તે ! એને ય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે ‘તમારામાં અક્કલ નથી, ગધેડો છું.’ એવું કહે તો શું થાય ? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે કરવાની ટકોર ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમ તેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો, તે ચાલતું હશે ? (૫૦૮)

પ્રશ્નકર્તા : અહીંના બાળકો દલીલબાજી બહુ કરે છે, આર્ગ્યુમેન્ટ બહુ કરે છે. આ તમે શેના લેકચર મારી રહ્યા છો, કહે ?

દાદાશ્રી : દલીલબાજી બહુ કરે. છતાં પ્રેમથી શીખવાડોને તો દલીલબાજી ઓછી થઈ જશે. આ દલીલબાજી તમારું રિએકશન છે. તમે અત્યાર સુધી એને દબડાય દબડાય કર્યો છે ને. એ એના મગજમાંથી જતું નથી, ભૂંસાતું જ નથી. એટલે પછી એ દલીલબાજી એને લીધે કરે છે. મારી જોડે એકુંય છોકરું દલીલબાજી નહીં કરતું. કારણ કે હું સાચા પ્રેમથી આ તમારી બધા જોડે વાતો કરી રહ્યો છું. (૫૦૯)

(પા.૬૮)

સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. (૫૧૦)

એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરોને.

પ્રશ્નકર્તા : શું કરવાનું ?

દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને ?

પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.

દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો તે ઘડીએ પછી કલેક્ટરના પેઠ બોલો છો. ‘તમે આમ કરો. તમારામાં અક્કલ નથી, આમ તેમ.’ એવું હઉં કહો છો ને ? (૫૧૧)

હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોયને તો આ ગવર્નમેન્ટ ડેમોક્રેસી... સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે એને જેલમાં ઘાલી અને ફાંસી કરે.

પ્રશ્નકર્તા : છતાં છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?

દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય, તો ય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં ભાવ નક્કી કરવો, અને પ્રભુને પ્રાર્થના કરવી કે આના પર કૃપા કરો.

‘રિલેટિવ’ સમજી ઉપલક રહેવું ! છોકરાંને તો નવ મહિના પેટમાં રાખવાનાં. પછી ચલાવવાનાં, ફેરવવાનાં, નાનાં હોય ત્યાં સુધી. પછી

(પા.૬૯)

છોડી દેવાનાં. આ ગાયો-ભેંસો ય છોડી દે છે ને ? છોકરાંને પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય. (૫૧૨)

પ્રશ્નકર્તા : છોકરાંઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?

દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. આ બેનને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે બેનને કહેવું કે, માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. (૫૧૩)

પ્રશ્નકર્તા : છોકરાં જોડે છોકરાં થઈ જવું અને એ રીતે વર્તવું, તો એ કઈ રીતે !

દાદાશ્રી : છોકરા તરીકે અત્યારે છોકરા જોડે વર્તન રાખો છો ? આપણે મોટાં હોય તો એનો ભય લાગ્યા કરે. એ ભય ના લાગે એવી રીતે વર્તવું જોઈએ આપણે. એ સમજણ પાડીને એનો દોષ કાઢવો જોઈએ, બીવડાવીને ના કાઢવો જોઈએ. નહીં તો બીવડાવીને કામ લાગે નહીં. તમે મોટી ઉંમરના, એ નાની ઉંમરના, ભડકી જાય બિચારા ! પણ તેથી કંઈ દોષ જાય નહીં, દોષ તો વધ્યા કરે અંદર. પણ જો સમજાવીને કાઢો તો જાય, નહીં તો જાય નહીં.

પ્રશ્નકર્તા : એવું થાય છે, આ તો મારો પોતાનો અનુભવ છે એ જ કહું છું, મારો જે પ્રશ્ન છે એ જ વાત છે. આ મારો પોતાનો જ પ્રશ્ન છે અને વારે ઘડીએ મારે આવું બની જ જતું હોય છે.

દાદાશ્રી : હા, એટલે હું આ દાખલો આપું છું કે બાબો તમારો હોય તો એ બાર વર્ષનો હોય, હવે એને તમે બધી વાત કરો. તો બધી

(પા.૭૦)

વાતમાં કેટલીક વાત એ સમજી શકે અને કેટલીક વાત ના સમજી શકે ? તમે શું કહેવા માગો છો તે એની સમજમાં આવતું નથી. તમારો વ્યુ પોઈન્ટ શું છે એની સમજમાં નથી આવતું એટલે તમારે ધીમે રહીને કહેવું કે મારો હેતુ આવો છે. મારો વ્યુ પોઈન્ટ આવો છે. હું આવું કહેવા માગું છું. તને સમજાય કે ના સમજાય, મને કહેજે. અને તારી વાત મને નહીં સમજમાં આવે તો હું સમજવા પ્રયત્ન કરીશ, કહીએ. (૫૧૬)

તેથી આપણે લોકોએ કહ્યુંને કે ભઈ, સોળ વર્ષ પછી, અમુક વર્ષ પછી ફ્રેંડ તરીકે સ્વીકારજો એમ કહ્યું, નથી કહ્યું ? ફ્રેંડલી ટોનમાં હોય તો આપણો ટોન સારો નીકળે. નહીં તો રોજ બાપ થવા જઈએ ને, તો ભલીવાર આવે નહીં. ચાલીસ વર્ષનો થઈ ગયો હોય અને આપણે બાપ થવા ફરીએ, તો શું થાય ?! (૫૧૮)

પ્રશ્નકર્તા : છોકરો ખરાબ શબ્દ બોલ્યો, સામો થયો હોય, તે નોંધી રાખ્યું. તો એ અભિપ્રાયથી લૌકિક વર્તનમાં ગાંઠ પડી જાય. આનાથી સામાન્ય વ્યવહાર ગૂંચાઈ ના જાય ?

દાદાશ્રી : નોંધ જ આ દુનિયામાં નકામી છે. નોંધ જ આ દુનિયામાં નુકસાન કરે છે. કો’ક બહુ માન આપે તે નોંધ ના રાખીએ. અને કો’ક ગાળો ભાંડે, તમે નાલાયક છો, અનફીટ છો. તે સાંભળી ને નોંધ નહીં રાખવાની. નોંધ એણે રાખવી હોય તો રાખે. આપણે આ પીડા ક્યાં લઈએ પાછી ?! ચોપડા-બોપડા લાવીને પાછી નોંધો રાખવા માંડીએ !! (૫૧૯)

વહુ જાણે કે સસરા પેલા રૂમમાં બેઠાં છે. એટલે વહુ બીજા જોડે વાત કરે કે ‘સસરામાં જરાક અક્કલ ઓછી છે.’ હવે આપણે તે ઘડીએ ત્યાં આગળ ઊભા હોય તો આપણને આ સાંભળવામાં આવે. તો આપણી મહીં એ રોગ પેઠો. તો ત્યાં આપણે શો હિસાબ કાઢવાનો કે આપણે પેલા

(પા.૭૧)

રૂમમાં ત્યાં બેઠા હોત તો શું થાત ? તો કશો રોગ ઊભો ના થાત. એટલે અહીં આવ્યા તે ભૂલનો રોગ છે ! આપણે એ ભૂલ ભાંગી નાખીએ. આપણે એમ માનોને કે ત્યાં જ બેઠા હતાં. ને આ નહોતું સાંભળ્યું એટલે એ ભૂલ ભાંગી નાખીએ.

આપણો છોકરો મોટો થયો હોય ને સામો થઈ જતો હોય તો જાણવું કે આ આપણું ‘થર્મોમીટર’ છે. આ તમારે ધર્મ કેટલો પરિણામ પામ્યો છે, એના માટે ‘થર્મોમિટર’ ક્યાંથી લાવવું ? ઘરમાં ‘થર્મોમિટર’ મળી આવે તો પછી બહાર વેચાતું લેવા ના જવું પડે !

છોકરો ધોલ મારે, તો પણ કષાય ઉત્પન્ન થાય નહીં, ત્યારે જાણવું કે હવે મોક્ષમાં જવાના આપણે. બે-ત્રણ ધોલો મારે તો ય પણ કષાય ઉત્પન્ન ના થાય, એટલે જાણવું કે આ છોકરો જ આપણું થર્મોમીટર છે. એવું થર્મોમીટર બીજું લાવીએ ક્યાંથી ? બીજો કોઈ મારે નહીં. એટલે આ થર્મોમીટર છે આપણું. (૫૨૦)

આ તો નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમનાં કરી લઈએ તે કંઈ ચાલી શકે ? નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે, ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.’ પણ બધું ઉપલક, ‘સુપરફ્લુઅસ’ નાટકીય. આ બધાંને સાચાં માન્યાં તેનાં જ પ્રતિક્રમણ કરવાં પડે છે. જો સાચું ના માન્યું હોત તો પ્રતિક્રમણ કરવાં ના પડત. જ્યાં સત્ય માનવામાં આવ્યું ત્યાં રાગ ને દ્વેષ શરૂ થઈ જાય, અને પ્રતિક્રમણથી જ મોક્ષ છે. આ ‘દાદા’ દેખાડે છે તે ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન’થી મોક્ષ છે. (૫૨૨)

એક ફેરો એક માણસ જોડે મારુ મગજ જરા તપી ગયેલું, રસ્તામાં હું તેને વઢતો હતો. તે લોક તો મને ટકોર મારેને કે આ બજારમાં વઢવાડ તમારાથી થાય ? એટલે હું તો ઠંડો પડી ગયો કે શી ભૂલ થઈ ? પેલો

(પા.૭૨)

આડું બોલે છે અને આપણે વઢીએ છીએ એમાં તે શી મોટી ભૂલ થઈ ? પછી મેં એમને કહ્યું કે આ આડું બોલતો હતો તેથી મારે જરા વઢવો પડ્યો. ત્યારે પેલા કહે છે કે એ આડું બોલે તો ય તમારાથી વઢવાનું ના થાય. આ સંડાસ ગંધાય તો બારણાને લાતો માર માર કરીએ તો એ સંડાસ ક્યારે સુગંધીવાળું થાય ? એમાં કોને નુકસાન ગયું ? તેનો સ્વભાવ જ ગંધાવાનો છે. તે દહાડે મને જ્ઞાન નહીં થયેલું. એ ભઈએ મને આવું કહ્યું, તે મેં તો કાનની બુટ્ટી પકડી. મને સરસ દાખલો આપ્યો કે એ સંડાસ ક્યારે સુધરે ? (૫૨૪)

૧૧. મશ્કરીનાં જોખમો...

પ્રશ્નકર્તા : વચનબળ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : એક પણ શબ્દ મશ્કરી માટે વાપર્યો ના હોય, એક પણ શબ્દ ખોટા સ્વાર્થ કે પડાવી લેવા માટે ના વાપર્યો હોય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, પોતાનું માન વધે એટલા માટે વાણી ના બોલ્યા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : પોતાના માનને માટે અને સ્વાર્થને માટે બરોબર છે પણ મશ્કરી કરી, તેમાં શો વાંધો છે ?

દાદાશ્રી : મશ્કરી કરી તે તો બહુ ખોટું. એના કરતાં માન આપો,તે સારું ! મશ્કરી તો ભગવાનની થઈ કહેવાય ! તમને એમ લાગે છે કે આ ગધેડા જેવો માણસ છે ‘આફટર ઓલ’ એ શું છે, એ તપાસ કરી લો !! ‘આફટર ઓલ’ એ તો ભગવાન જ છે ને ! (૫૨૫)

મને મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાન-કારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે

(પા.૭૩)

વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈની ય ના થાય. (૫૨૮)

છતાં ય એવી મશ્કરી કરવામાં વાંધો નથી કે જેનાથી કોઈને દુઃખ ના થાય અને બધાને આનંદ થાય. એને નિર્દોષ ગમ્મત કહી છે. એ તો અમે અત્યારે ય કરીએ છીએ, કારણ મૂળ જાય નહીં ને ! પણ એમાં નિર્દોષતા જ હોય !

અમે ‘જોક’ કરીએ, પણ નિર્દોષ ‘જોક’ કરીએ. અમે તો એનો રોગ કાઢીએ ને એને શક્તિવાળો બનાવવા માટે ‘જોક’ કરીએ. જરા ગમ્મત આવે, આનંદ આવે ને પાછું એ આગળ વધતો જાય. બાકી એ ‘જોક’ કોઈને દુઃખ ના કરે. આવી આ ગમ્મત જોઈએ કે ના જોઈએ ? પેલો ય સમજે કે આ ગમ્મત કરે છે, મશ્કરી નથી કરતા.

હવે આ અમે કોઈની ગમ્મત કરીએ, તો એના ય અમારે પ્રતિક્રમણ કરવાં પડે. અમારે એમ ને એમ એવું ચાલે નહીં. (૫૨૬)

બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો બધાંની, સારા સારા માણસોની, મોટા મોટા વકીલોની, ડોકટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે.

પ્રશ્નકર્તા : મને તો હજુ ય મશ્કરી કરવાનું મન થયા કરે છે.

દાદાશ્રી : મશ્કરી કરવામાં બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી

(પા.૭૪)

કરવાની શક્તિ હોય છે જ અને એનું જોખમે ય એટલું જ છે પછી. એટલે અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું.

પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતનાં જોખમ આવે ?

દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટથી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી, તેનો આ લ્હાવો લે છે ?’ ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામોવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો તો એ સમજી ગયો. એટલે પોતે માલિક થાય. પણ આ તો બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે ‘ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે, તેને તું સપડાવે છે ?! આવી જા.’ સામાવળિયો એને બદલે ભગવાન થઈ બેસે, એ તો પછી આપણા સાંધા તોડી નાખે. (૫૨૮)

૧૨. મધુરી વાણીના, આમ સેવો કારણો !

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ ?

દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે. અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ. (૫૩૦)

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

(પા.૭૫)

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?

દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના ‘શુદ્ધાત્મા’ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમ ને એમ બેફ્ટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?

પ્રશ્નકર્તા : એમ વારે ઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?

દાદાશ્રી : વારે ઘડીએ જરૂરે ય નથી પડતી ને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે. (૫૩૧)

ચીકણી ફાઈલ સાથે કંઈ બોલવું હોય તો, પહેલાં એના શુદ્ધાત્મા જોઈ લેવા પછી મનમાં વિધિ બોલવી કે (૧) હે દાદા ભગવાન, (ફાઈલનું નામ) જોડે એના મનનું સમાધાન થાય એવું બોલવાની શક્તિ આપો. પછી (૨) બીજું આપણાં મનમાં બોલવું પડે કે હે ચંદુભાઈ, (ફાઈલ)ના મનનું સમાધાન થાય એવી વાણી બોલજો અને પછી (૩) ત્રીજું બોલવાનું કે, હે પદ્માવતી દેવી, (ફાઈલ)ના મનનું સમાધાન થાય, એમાં સર્વ વિધ્નો દૂર કરો. (૫૩૨)

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યુપોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ?

(પા.૭૬)

દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! ‘ખરાબ છે, ખરાબ છે’ એવો પૂર્વગ્રહ થયેલો તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને !

જેને મોક્ષે જવું હોય, તેણે ‘આમ કરવું જોઈએ કે તેમ ના કરવું જોઈએ’ એવું ના હોય. જેમ તેમ કરીને પતાવટ કરીને ચાલવા માંડવાનું. એમાં પકડી ના રાખે. જેમ તેમ કરીને ઉકેલ લાવે.

એક જણને વાણી સુધારવી હતી. આમ ક્ષત્રિય હતો અને બંગડીઓનો વેપાર કરતો’તો. હવે એ બંગડીઓ અહીંથી બહારગામ લઈ જાય. તે શેમાં ? ટોપલામાં લઈ જાય. ટોપલો માથે ઊંચકીને ના લઈ જાય. એક ગધેડી હતી ને, તેની પર આ ટોપલું બાંધીને બહારગામ લઈ જાય. ત્યાં આગળ એ ગામમાં બધાને બંગડીઓ વેચીને પછી રાતે વધી એ પાછો લઈને આવતો રહે. એ વારે ઘડીએ પેલી ગધેડીને કહે છે ‘હત્ ગધેડી, ચાલ જલદી’ આમ કરતો કરતો હાંકીને જાય ને, તે એક જણે એને સમજણ પાડી કે, ‘ભઈ, તું આ ત્યાં આગળ ગામોમાં ક્ષત્રિયાણીઓને બંગડીઓ ચઢાવે છે. તે અહીં તને આ ટેવ પડી જશે ને ત્યાં કોઈક દહાડો ગધેડી બોલીશ તો મારી મારીને તારું તેલ કાઢી નાખશે તે લોકો.’ ત્યારે એ કહે છે, ‘વાત તો સાચી છે. એક ફેરો હું એવું બોલી ગયેલો. મારે પસ્તાવું પડ્યું’તું.’ ત્યારે પેલો કહે છે, ‘તો તું એ ટેવ જ બદલી નાખ.’ ‘શી રીતે બદલી નાખું ?’ ત્યારે પેલો કહે છે, ‘ગધેડીને તારે કહેવું કે હેંડ બા, હેંડ બા, બેની હેંડો.’ હવે એવી ટેવ પાડી એટલે ત્યાં આગળ ‘આવ બા, આવ બા’ એમ તેમ એણે ફેરવી નાખ્યું પણ. ‘આવ બા, આવ બા’ કરવાથી ગધેડીને એની પર આનંદ થઈ જવાનો છે ? પણ એ ય સમજી જાય કે આ સારા ભાવમાં છે. ગધેડી ય એ બધું સમજે. આ જાનવરો બધું સમજે, પણ બોલે નહીં બિચારાં.

એટલે આમ ફરે ને ! પ્રયોગ કંઈ કરીએ તો વાણી ફરે. આપણે

(પા.૭૭)

જાણીએ કે આમાં ફાયદો છે ને આ નુકસાન થઈ પડશે તો ફેરફાર થાય પછી. (૫૩૩)

આપણે નક્કી કરીએ કે ‘કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે. કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ.’ ત્યારે એ વાણી સારી નીકળે. ‘સ્યાદ્વાદ વાણી બોલવી છે’ એવો ભાવ કરે તો સ્યાદ્વાદ વાણી ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા : પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે ‘બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે’ તો તે થઈ જાય ખરી ?

દાદાશ્રી : પણ આ ‘સ્યાદ્વાદ’ સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.

કોની વાણી સારી નીકળે ? કે ઉપયોગપૂર્વક બોલતો હોય. હવે ઉપયોગવાળો કોણ હોય ? જ્ઞાની હોય. એ સિવાય ઉપયોગવાળા હોય નહીં. આ મેં ‘જ્ઞાન’ આપેલું છે, તેને ‘જ્ઞાન’ હોય, તેને ઉપયોગપૂર્વક નીકળી શકે. એ પુરુષાર્થ માંડે તો ઉપયોગપૂર્વક થઈ શકે. કારણ કે ‘પુરુષ’ થાય પછીનો પુરુષાર્થ છે. ‘પુરુષ’ થયા પહેલાં પુરુષાર્થ છે નહીં. (૫૩૫)

પ્રશ્નકર્તા : આ ભવની સમજણ કેવી રીતે વાણી સુધારવામાં હેલ્પ કરે છે. એ દાખલો આપી જરા સમજાવો.

દાદાશ્રી : અત્યારે તને એક ગાળ ભાંડે, તે મહીં અસર થઈ જાય. થોડું ઘણું મનમાં ને મનમાં બોલું ય ખરો કે ‘તમે નાલાયક છો.’ પણ એમાં તું ના હોય. જુદો પડ્યો એટલે તું આમાં ના હોય. આત્મા જુદો પડી ગયો છે એટલે પેલું એકાકાર ના હોય. પેલું માંદું માણસ હોય એવું બોલે, એવું કરી નાખે.

(પા.૭૮)

પ્રશ્નકર્તા : હવે અહંકાર નથી ગયો, આત્મા નથી છૂટો પડ્યો, એને એની સમજણ હેલ્પ કરે ?

દાદાશ્રી : હા. પણ એ જેવું છે એવું બોલી જાય અને પછી પસ્તાવો કરે. (૫૩૮)

વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તો ય વાણી સુધરી જાય. (૫૪૦)

પ્રશ્નકર્તા : હવે વાણીમાં સુધારો કરવો હોય તો કેમ કરવું ?

દાદાશ્રી : વાણી પોતે પોતાની મેળે સુધારી ન શકે, એ ટેપરેકર્ડ થઈ ગયેલી છે.

પ્રશ્નકર્તા : હા, એટલે જ ને ! એટલે વ્યવસ્થિત થયેલું છે.

દાદાશ્રી : વ્યવસ્થિત થયેલું છે, એ હવે અહીં આગળ ‘જ્ઞાની પુરુષ’ની કૃપા ઉતરે તો ફેરફાર થઈ જાય. કૃપા ઉતરવી એ મુશ્કેલ છે.

જ્ઞાનીની આજ્ઞાથી બધું સુધરી શકે. કારણ કે ભવમાં દાખલ થવાને માટે એ વાડ સમાન છે. ભવની અંદર દાખલ ના થવા દે.

પ્રશ્નકર્તા : ભવની અંદર એટલે શું ?

દાદાશ્રી : ભવમાં ઘૂસવા ના દે. ભવમાં એટલે સંસારમાં આપણને ઘૂસવા ના દે.

માલિકી વગરની વાણી જગતમાં હોઈ શકે નહીં. બધું જ તોડી નાખે, પણ એણે જ્ઞાનીને ખુશ કરતાં આવડવા જોઈએ, રાજી કરતાં

(પા.૭૯)

આવડવાં જોઈએ. બધું ભસ્મીભૂત કરી નાંખે. જો એક કલાકમાં આટલું બધું ભસ્મીભૂત થાય છે લાખો અવતાર જેટલું, તો પછી બીજું શું ના કરી શકે ? કર્તાભાવ નથી. આ માલિકી વગરની વાણી હોઈ શકે નહીં અને માલિકી વગરની વાણીને કોઈએ હાથ ના દેવો જોઈએ કે આમ ન બને, એવું. ખરેખર આટલો આ અપવાદ નથી, પણ આ વસ્તુસ્થિતિ છે. પછી હિસાબ કાઢવો હોય તો એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, એ ય વ્યવસ્થિત, કાઢીને પછી નીકળે. પણ એ એનો લાભ ના મળે જેવો જોઈએ એવો.

પ્રશ્નકર્તા : આવતા ભવમાં આ બધું સ્મૃતિમાં લાવજો.

દાદાશ્રી : હા. તમે નક્કી કરો કે મારે દાદા ભગવાનના જેવી જ વાણી જોઈએ. અત્યારે આવી મારી વાણી ગમતી નથી. એટલે એ પ્રમાણે થશે. તમારા નક્કી કરવા ઉપર આધાર રાખે છે.

ટેન્ડર ભરતી વખતે નક્કી કરો. જેવાં વાણી-આચાર જોઈતા હોય તેવાં અને ટેન્ડરમાંથી બધું તમારું ડિસીઝન આવશે. (૫૪૬)

પ્રશ્નકર્તા : કેટલાંકની વાણી એટલી મીઠી હોય છે. લોકો એની વાણીથી મુગ્ધ થઈ જાય. તો એ શું કહેવાય ?

દાદાશ્રી : એ ચોખ્ખા માણસ હોય અને બહુ પુણ્ય કર્યું હોય ત્યારે એવું થાય અને પોતાના માટે પૈસા ના લે. પારકા માટે જીવન કાઢે. એ ચોખ્ખા માણસ કહેવાય. એટલે એ સારું છે !

મનુષ્ય તો કેવો હોય કે એની વાણી મનોહર હોય, આપણા મનનું હરણ કરે એવી વાણી હોય, એનું વર્તન પણ મનોહર હોય અને વિનય પણ મનોહર હોય. આ તો બોલે એવું કે તે ઘડીએ આપણને કાન બંધ

(પા.૮૦)

કરી દેવા પડે ! વાણી બોલે તો ઊલટો પેલો ચા આપતો હોય તો ય ના આપે. ‘તમને નહીં આપું’, કહેશે. (૫૫૧)

વાણીમાં મધુરતા આવી કે ગાડું ચાલ્યું. એ મધુર થતી થતી છેલ્લા અવતારમાં એટલી મધુર થાય કે એની જોડે જોડે કોઈ ‘ફ્રૂટ’ને સરખાવી ના શકાય, એટલી મીઠાશવાળી હોય ! અને કેટલાક તો બોલે તો એવું લાગે કે પાડાઓ બોંગેડે છે ! આ ય વાણી છે ને તીર્થંકર સાહેબોની ય વાણી છે !!! (૫૫૨)

જેની વાણીથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન. શીલવાન વગર વચનબળ ઉત્પન્ન ના થાય. (૫૫૩)

પોતાની વાણી પોતે જ્યારે સાંભળ્યા કરશે ત્યારે મોક્ષ થશે. હા, વાણી બંધ થયે દહાડો નહીં વળે. વાણી બંધ થવાથી મોક્ષ નહીં થાય. કારણ કે આમ બંધ કરવા ગયા એટલે પછી બીજી શક્તિ પાછી ઊભી થાય. બધી શક્તિઓને એમ ને એમ ચાલવા દેવાની. પ્રાકૃત શક્તિ છે આ બધી. પ્રાકૃત શક્તિમાં હાથ ઘાલવા જેવો નથી. એટલે આ અમારી વાણીને તેથી કહીએ ને, કે આ ટેપરેકર્ડ વાગ્યા કરે છે, અમે જોયા કરીએ છીએ. બસ, આ મોક્ષ ! આ ટેપરેકર્ડને જુએ, એ બધો મોક્ષ !!

એટલે આપણે દરેક કાર્ય ગલન થતી વખતે શુદ્ધિકરણ કરીને કાઢવાના, ને તે નિકાલ કરવાનો. હા, સમતાભાવે નિકાલ કરવાનો. સમજે તો વાત અઘરી નથી અને ના સમજે તો એનો પાર નથી આવે એવો. (૫૫૪)

આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને છે પાછું સૈદ્ધાંતિક, જે બધી રીતે સહેજે ય વિરોધાભાસ કોઈ જગ્યાએ કંઈ પણ

(પા.૮૧)

ન હોય અને વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઊકેલ આવે.

આપણું આ ‘અક્રમ વિજ્ઞાન’ જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી. વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. આમાં કોઈ જગ્યાએ વિરોધાભાસ ના થાય. પણ હવે આ ‘અક્રમ વિજ્ઞાન’ બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય !

પ્રશ્નકર્તા : એનો સંજોગ પણ આવશે ને ?

દાદાશ્રી : હા, આવશે ને ! (૫૫૫)

દાદા ભગવાનના આપ્તસૂત્રો

સાહજિક વાણી એટલે જેમાં કિંચિંત્માત્ર અહંકાર ના હોય !

આ જે જે બોલું છું, તે ‘હું’ નથી બોલતો. ‘ઓરિજીનલ ટેપરેકર્ડ’ બોલે છે. આ વાણીનો ‘હું’ એક સેકંડ પણ માલિક થતો નથી. તેથી ગમે તેવો ખુલાસો થઈ જાય.

વાણીનું માલિકીપણું, એ જ મોટામાં મોટો અહંકાર છે. દેહનું માલિકીપણું તો સહેજેય સાધારણ રહે પણ ‘મૂળ આત્મા’ જ વાણીમાં વર્તે !

આ જગતમાં અચળની કોઈ નકલ જ ના કરી શકે. વાણી એ ચંચળ છે. તેમાં ચેતન-અચળના ગુણ ન હોય.

કોઈ માણસ અવળી વાણી બોલતો હોય તો તમે તમારી વાણી ના બગાડો.

કડવું કહેનારો જ આ દુનિયામાં કોઈ મળે નહીં. આ મીઠાશથી જ બધા રોગ અટક્યા છે. તે કડવાશથી રોગ જશે, મીઠાશથી રોગ વધશે. કડવું વેણ સાંભળવાનો વખત ના આવે તેવું આપણું જીવન હોવું જોઈએ. છતાંય કડવું વેણ સાંભળવાનું આવે તો સાંભળવું. તે તો હંમેશાં હિતકર જ હોય.

વાણી બોલો તેનો વાંધો નથી, પણ અમે સાચા છીએ એમ એનું રક્ષણ ના હોવું જોઈએ.

જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે, એ હિંસક વાણી છે. જ્યાં નિષ્પક્ષપાતી વાણી છે ત્યાં અહિંસક વાણી છે.

વીતરાગ અને વીતરાગની વાણી સિવાય બંધન છોડાવનાર માર્ગ જ નથી.

સ્યાદ્વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય, કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિંત્માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.

સંસારી મીઠી વાણી સ્લીપ કરાવે અને સ્યાદ્વાદી માધુર્ય વાણી ઊર્ધ્વગામી બનાવે !

સ્યાદ્વાદ વાણી છે ત્યાં આત્મજ્ઞાન છે. જ્યાં એકાંતિક વાણી છે ત્યાં આત્મજ્ઞાન નથી.

www.dadabhagwan.org