આમ પ્રતિક્રમણ કરાવો, જુદાપણું રાખીને

સંપાદકીય

અક્રમ વિજ્ઞાન થકી આપણને સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. હવે નિશ્વયમાં રહીને વ્યવહાર પૂરો કરવાનો રહે છે. આ વ્યવહાર ડિસ્ચાર્જરૂપે છે પણ તેમાં બીજી વ્યક્તિ પ્રત્યે રાગ-અપેક્ષા કે પછી કષાયાધીન ક્યારેક અતિક્રમણ થઈ જતા હોય છે. બીજાને દુઃખ થાય તેવો વ્યવહાર થઈ જતો હોય છે. મોક્ષે જતા આદર્શ વ્યવહાર થાય અને અતિક્રમણ ના થાય એવી જાગૃતિ રાખવી આવશ્યક છે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ક્રમણનો વાંધો નથી, પણ અતિક્રમણ ના થવા જોઈએ. અતિક્રમણ થાય તો તેના પ્રતિક્રમણ ચંદુભાઈ (ફાઈલ નં. ૧) પાસે કરાવવા રહ્યા. જ્ઞાન પછી આપણને પુરુષ પદ પ્રાપ્ત થયું એટલે એ પદમાં રહીને પ્રકૃતિ પાસે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે આપણે ચંદુભાઈને કહેવાનું કે તમે આ અતિક્રમણ કર્યું છે માટે પ્રતિક્રમણ કરો. કારણ કે આપણે છુટ્ટા થયા પણ આ ચંદુભાઈ છુટ્ટા થાય તો આપણે છુટ્ટા થઈએ. કારણ કે ચંદુભાઈ એ આપણી પોતાની પહેલાંની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગુનેગારી છે, એનો ઉકેલ તો લાવવો જ પડશેને ? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો ત્યાં સુધી છુટકારો નહીં થાય. આ પુદગ્લ પરમાણુ આપણા નિમિત્તે બગડ્યા છે. એટલે એ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. એટલે ચોખ્ખા થઈ ગયા એટલે આપણને પછી કોઈ બાંધનાર રહ્યું જ નહીંને !

રોજિંદા વ્યવહારમાં આખો દહાડો ક્રમણ જ હોય છે, અતિક્રમણ હોતું નથી. પણ અતિક્રમણ થઈ જાય તો પ્રતિક્રમણ કરાવવું પડે. આપણે તો આત્મા થઈ ગયા, પણ અજ્ઞાનદશામાં આના ઉત્પાદક તો આપણે પોતે જ હતાને! એટલે એ જવાબદારી ભૂંસી નાખવી પડે. એ ના ભૂંસે તો આપણી જોખમદારી. એટલે એક-બે અવતાર વધુ થાય, એ કેમ કરીને પોષાય ? આપણે ચંદુભાઈના કોઈ કાર્ય જોડે લેવાદેવા નથી, પણ મોક્ષમાર્ગથી ઊંધું ચાલે ત્યાં ચેતવવા પડે. ત્યાં ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવવા પડે.

પૂર્વે જેવા ભાવે બંધ પડ્યો હતો તેવા ભાવે આજે નિર્જરા થાય છે. તે નિર્જરાને જોયા કરવાની છે. છતાં નિર્જરામાં એક બાબત એવી હોવી જોઈએ કે કોઈની પર અતિક્રમણ, દુઃખ થાય એવો વ્યવહાર ના બનવો જોઈએ. છતાં થઈ જાય તો નિમિત્ત બન્યા બદલના ચંદુભાઈ પાસે પસ્તાવા લેવડાવવા જોઈએ.

આ અક્રમ વિજ્ઞાનથી સંસારના બધા કામ સરળતાથી થાય એવા છે. ફક્ત દાદાની આજ્ઞાનું આરાધન કરવાનું, પોતાના સ્વરૂપમાં રહેવાનું અને ચંદુભાઈથી અતિક્રમણ થઈ જાય તેનું પસ્તાવા સાથે પ્રતિક્રમણ કરાવવાનું. ચંદુભાઈને કહેવાનું કે પહેલા પ્રતિક્રમણ કરતા નહોતા, તે કર્મોના તળાવડા ભર્યા બધા, હવે આ પ્રતિક્રમણ કરો એટલે બધું ચોખ્ખું થઈ જાય. ચોખ્ખું કર્યા વગર છૂટાય નહીં. જ્યારે ત્યારે ચોખ્ખું કર્યા વગર ચાલવાનું નથી તો પછી એમાં વિલંબ શાને ?

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી સર્વ મહાત્માઓનો ધ્યેય મોક્ષપ્રાપ્તિનો તો છે પણ જ્યાં સુધી પ્રતિક્રમણથી ચોખ્ખું ના થાય ત્યાં સુધી ધ્યેય પૂર્ણતાએ પહોંચી શકાય નહીં. પ્રસ્તુત સંકલન સર્વે મહાત્માઓએ જુદાપણાની જાગૃતિ રાખીને ફાઈલ નં. ૧ સાથે વાતચીતનો પ્રયોગ કરીને, ફાઈલ નં. ૧ પાસે પ્રતિક્રમણ કરાવવાની સચોટ સમજણ પ્રદાન કરશે, જે મોક્ષના પુરુષાર્થ માટે અત્યંત ઉપયોગી નીવડશે.

- જય સચ્ચિદાનંદ

(પા.૨)

આમ પ્રતિક્રમણ કરાવો, જુદાપણું રાખીને

પ્રતિક્રમણ, પાડોશી ભાવે

ઉપરી હતી તમારી ભૂલો અને તમારા 'બ્લન્ડર્સ'. 'બ્લન્ડર્સ' દાદાએ તોડી આપ્યા અને ભૂલો આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દસ કોઈ દા'ડો ભૂલો દેખાય છે ?

પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું છું.

દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ શીખવું પડશે. અત્યારે કોઈ આચાર્ય મહારાજ હોય તે કહેશે કે તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ? પણ આ અક્રમ માર્ગ છે એટલે આપણે શું કરવાનું? પોતાએે નહીં કરવાનું. તમારે 'ચંદુભાઈ'ને કહેવાનું કે 'ચંદુભાઈ, તમે આ અતિક્રમણ કર્યું છે માટે પ્રતિક્રમણ કરો.' કારણ કે આપણે છૂટ્ટા થયા પણ આ 'ચંદુભાઈ છૂટ્ટા થાય તો 'આપણે' છૂટ્ટા થઈએ.' આ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. 'આપણા' નિમિત્તે એવું બગડ્યું છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુદ્ધ કરો.

દાદાશ્રી : હા, તે આ દાદાની વિધિ કરે છે તે આત્મા નથી વિધિ કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ભાઈ, દાદાની વિધિ કરી લો. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે. એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેમ કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું.

નિરંતર જાણવું એ 'આપણું' કામ અને નિરંતર કરવું એ 'ચંદુભાઈનું' કામ. 'ચંદુભાઈ' નોકર અને 'આપણે' શેઠ. હા !

પ્રશ્નકર્તા : સારું થયું, હું શેઠ થઈ ગયો. જામ્યું આ તો !

દાદાશ્રી : હા, અને પાછું 'ચંદુભાઈ' નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ટેબલ પર બેસીને 'ચંદુભાઈ' જમો. હવે અમે છીએ તમારી સાથે. તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યાછે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું છે કે હું જીવ નથી પણ શિવ છું પણ એ જુદું પડતું નથી.

દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ! એ એના હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી-સમજાવીને, પટાવી-પટાવીને કામ લેવું પડે. કારણ કે એ તો ભોળું છે. પુદગ્લનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને આમ કળામય કરીએ તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બન્ને જુદા જ છેને ! હમણાં જીવભાવમાં આવશે તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે!

બે ભાગ પાડી દેવામાં આવ્યા છે, પ્રકૃતિ ને પુરુષ. તે તમે પુરુષ થયા એટલે પુરુષ થઈને પ્રકૃતિને સૂચના આપો કે તમે આ અમારા પાડોશી થાઓ. એટલે તમને સલાહ આપીએ કે તમે અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો.

પાડોશ ભાવ છે આ. પાડોશીનો આપણે ખ્યાલ રાખીએ છીએ, નિકટના પાડોશી 'ફર્સ્ટ નંબર', તે આપણે એને સમજણ પાડવી કે ભઈ, તમે આ અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરજો. નહીં તો જોખમદારી આવશે. અતિક્રમણનું પ્રતિક્રમણ તો કરવું જ પડે. નહીં તો આ અક્રમ માર્ગનું આવ્યું છે, તે કંઈ એમ ને એમ હોલવાઈ ના જાય. કોઈ વસ્તુ એમ ને એમ હોલવાય નહીં. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન સિવાય આ જગતમાં કોઈ વસ્તુ હોલવાય નહીં ને મોક્ષે જાય નહીં.

પ્રતિક્રમણ 'આપણે' પોતાને નથી કરવાના. આત્માને પ્રતિક્રમણ નથી કરવાના. આત્માને કરવાના હોય જ નહીં, આ તો 'ચંદુલાલ'ને આપણે એમ

(પા.૩)

કહેવાનું, પાડોશી તરીકે, કે ભઈ, આવું અતિક્રમણ શું કરો છો ? આપણે કહીએ, 'ચંદુભાઈ' પસ્તાવો કરો. કેમ અતિક્રમણ કર્યું? દાદાનો કાયદો શો છે ? અતિક્રમણ કર્યું માટે તમે પ્રતિક્રમણ કરો, બસ ! આ કાયદેસર છે ને ?

પ્રતિક્રમણથી ગુનેગારીનો ઉકેલ

પ્રશ્નકર્તા : આપણે અકર્તા રહીએ છીએ પણ ચંદુભાઈ જે પણ કંઈ કર્મ કરે છે, એનાથી એના આજુબાજુવાળાને કોઈને દુઃખ પહોંચે છે, તો એમને એમ લાગે છે કે આ ચંદુભાઈ જ એમને દુઃખ પહોંચાડે છે. તો એની આપણને જે અસર પહોંચે તો એના માટે શું કરવું ?

દાદાશ્રી : એ તો મેં કહ્યું છેને, ચંદુભાઈ જો કોઈને અતિક્રમણ કરે, એટલે દુઃખદાયી થઈ પડે, તો ચંદુભાઈને કહેવું કે, 'ભઈ, પ્રતિક્રમણ કરો, એના નામનું.' જો અતિક્રમણ નહીં તો કશું જ નહીં કરવાનું.

પાડોશી (ફાઈલ નં.૧) એ આપણી પોતાની પહેલાંની ભૂલોનું પરિણામ છે. એ આપણી ગુનેગારી છે.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : એ વાત કરું તને, એ વાત સાંભળ. એક છોકરો આ અમદાવાદ શહેરમાં જરા શોખમાં ચઢી ગયો હોય અને બે-એક હજાર રૂપિયા દેવું કરી નાખ્યું હોય. હવે એ છોકરાએ આજથી એમ નક્કી કર્યું હોય કે, મારે એક પાઈ પણ દેવું નથી કરવું. આજે નક્કી કર્યું અને એક્ઝેક્ટલી એમ જ વર્તે, એક પાઈ દેવું ના કરે અને જેટલો પગાર છે તે ઘેર લાવીને આપી દે. છતાં પણ જે પાછલું દેવું છે તે તો ચૂકવવું જ પડશેનેકે નહીં ચૂકવવું પડે ? હવે નથી કરવું છતાં શાથી પાછલું દેવું ચૂકવવું પડે ? એવું આ 'ચંદુલાલ' એ પાછલી ભૂલોનું ફળ છે. એનો ઉકેલ તો લાવવો જ પડશેને?

ખરાબ વિચારનાય પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરવાનું?

દાદાશ્રી : હા, એ વિચાર તરત એને પહોંચે ને એનું મન બગડે. પ્રતિક્રમણ કરો તો એનું બગડેલું હોય તોય સુધરે. કોઈનું કશું ખરાબ વિચારાય નહીં.

પ્રશ્નકર્તા : કોઈના માટે ખરાબ વિચાર આવ્યો એ વિચારને તો હું જોઉં છું.

દાદાશ્રી : જોનાર હોય તો વાંધો નહીં. પણ જોવાનું રહી ગયું તો પ્રતિક્રમણ કરવું. જોયું તો એની મેળે ઊડી જાય. એને જ્ઞાનથી 'કરેક્ટ' જોઈ શકતા હોય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : છૂટા રહીને જોઈ શકતા હોય તો આવા વિચાર જ ના આવે.

દાદાશ્રી : આવે, તદ્દન છૂટા રહે તોય આવે. એ તો ભરેલો માલ છે ને ! 'ઇફેક્ટ' આવ્યા વગર રહે નહીં.

આર્તધ્યાન-રૌદ્રધ્યાનના પ્રતિક્રમણ

'દાદા'ના નામથી પસ્તાવો કરજો. તો ત્યાં આગળ એનું ધર્મધ્યાન થઈ જશે. જેટલું આવડ્યું તેટલું તો હેંડ્યું ! રૌદ્રધ્યાન થાય તોય પસ્તાવો કરજો અને આર્તધ્યાન થાય તોય પસ્તાવો કરજો ધર્મધ્યાન તો આવડે એવું નથી આ કાળમાં. માટે આ રૌદ્રધ્યાન અને આર્તધ્યાન પર પસ્તાવો કરીને ધર્મધ્યાન બનાવ્યું, એટલું કારખાનું કરી નાખજો. ધર્મધ્યાન માણસને સીધી રીતે નથી આવડે એવું આજ. કારણ કે ભગવાનના દર્શન કરે ને, તે ઘડીએ ધ્યાન બહાર જોડામાં હોય. એટલે ભગવાન ખુદ જ કહે છે ને કે મારા દર્શન કરે છે, તે ઘડીએ જોડાના દર્શન જોડે કરે છે. એટલે ફોટો જોડે લે છે. હું શું કરું તે ?

એટલે આ કાળમાં ધર્મધ્યાન થઈ શકતું નથી. એટલે આ દાદા શું કહે છે, જેટલાં આર્તધ્યાન થાય

(પા.૪)

તેનો પસ્તાવો કરો, તો ધર્મધ્યાનનું ફળ મળશે. અને ધર્મધ્યાન વગર આ પુદગ્લ છૂટે એવું નથી. આ પુદગ્લને શુક્લધ્યાન થાય નહીં કોઈ દહાડોય !

એટલે આર્તધ્યાન થાય તેનો વાંધો નથી, પણ ધર્મધ્યાનમાં ફેરવી શકાય છે.

આપણે કહીએ, 'હે ચંદુલાલ, શું કરવા તું આર્તધ્યાન કર્યા કરે છે ? હવે આર્તધ્યાન કર્યું, તે માટે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.' એટલે ધર્મધ્યાન થઈ ગયું. મહીં કો'ક આવ્યો અને આપણા મનમાં એમ થાય કે 'આ વળી આટલી ભીડમાં શું કરવા આવ્યા?' એ આપણે એના તરફ વિરાધના કરી, માટે એનો આત્મા મહીં જાણી ગયો બધુંય. એટલે આપણે તરત જ કહેવું કે 'ચંદુભાઈ, આવી કેમ ભાવના કરી ? અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.'

એ પ્રતિક્રમણથી ઉદભવે ધર્મધ્યાન

પ્રશ્નકર્તા : 'આપણે' પોતે છૂટા રહીને પ્રતિક્રમણ કરાવડાવીએ તો એ શું થયું કહેવાય ?

દાદાશ્રી : એવું છે ને, આપણે શુદ્ધાત્મા થયા, પણ આ પુદગ્લનો છૂટકારો થવો જોઈશે ને? એટલે જ્યાં સુધી એની પાસે પ્રતિક્રમણ નહીં કરાવો, ત્યાં સુધી છૂટકારો નહીં થાય. એટલે જ્યાં સુધી પુદગ્લને ધર્મધ્યાનમાં નહીં રાખો ત્યાં સુધી છૂટકારો નહીં થાય. માટે પુદગ્લને ધર્મધ્યાનમાં રાખો. એટલે પ્રતિક્રમણ કરાવ કરાવ કરવા. જેટલી વખત આર્તધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરાવવું.

આર્તધ્યાન થવાનું એ પૂર્વની અજ્ઞાનતા છે. એટલે થઈ જાય તો 'આપણે' એની (ફાઈલ નં. ૧) પાસે પ્રતિક્રમણ કરાવવું.

આપણે તો કશું કરવાનું નહીંને ! તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમારે ચંદુભાઈને કહેવાનું, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? શું કહેવાનું આપણે? 'તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો' આવું કંઈક કોઈને દાન આપ્યું હોય, તેનું પ્રતિક્રમણ આપણે કરવાની જરૂર નથી. કારણ કે અહીં ધર્મધ્યાન સાથેનું છે આ વિજ્ઞાન.

અતિક્રમણ કરનારો જ કરે પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : ઘણી ફેર મનમાં ભાંજગડ થયા કરે છે.

દાદાશ્રી : તેને જોયા કરો.

પ્રશ્નકર્તા : પછી પ્રતિક્રમણ કરીએ ને પાછી ભાંજગડ થયા કરે.

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તેનેય જોયા કરો. જેટલું અખંડ જ્ઞાન-દર્શન ભેગું થાય એટલું ચારિત્ર ઊભું થઈ જાય. હવે એ એને અનુભવ શેમાંથી થાય? ચારિત્રમોહને જોવાથી અનુભવ થાય. એટલે ચંદુભાઈ શું કરી રહ્યા છે, એને બધું જુએ.

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ' શું કરી રહ્યા છે, એ ચારિત્રમોહ જે જોયા કરીએ, તે વખતે કોઈ ખરાબ વિચાર આવે તો ?

દાદાશ્રી : ખરાબ વિચાર આવે તેય ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : માત્ર એને જોયા જ કરવાથી એ જતું રહે કે એનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ નહીં કરવાનું. પ્રતિક્રમણ તો બધું પૂરું થયા પછી, આપણને ઠીક લાગે કે આ અતિક્રમણ કર્યું તો આપણે ચંદુભાઈને કહેવું કે 'પ્રતિક્રમણ કરો.' 'આપણે' નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું હોય તે પ્રતિક્રમણ કરે .

પ્રશ્નકર્તા : તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું?

દાદાશ્રી : ખરાબ કહો છો, તે જ જોખમ છે. ખરાબ હોતું જ નથી કશું. સામાને દુઃખ થાય તો કહેવું કે 'ભઈ, કેમ ચંદુભાઈ, તમે દુઃખ થાય તેવું કર્યું? માટે પ્રતિક્રમણ કરો.' ભગવાનને ત્યાં ખરાબ-સારું છે નહીં. એ બધું સમાજને છે.

(પા.૫)

સારા-ખોટા માલનો પ્રતિક્રમણે નિકાલ

પ્રશ્નકર્તા : તો પછી આ જિંદગી જીવવાની કેવી રીતે ?

દાદાશ્રી : શી રીતે જીવાય છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : તો પછી સાચું-ખોટું એનું ડિસિઝન(નિર્ણય) કેવી રીતે લેવાનું?

દાદાશ્રી : 'ચંદુભાઈ' કરે તે જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : 'ચંદુભાઈ' ખોટું કરે તો વાંધો નહીં?

દાદાશ્રી : 'ચંદુભાઈ' જે કરે એ 'ડિસ્ચાર્જ' સ્વરૂપ છે. એમાં ફેરફાર થાય એવો નથી. 'ડિસ્ચાર્જ' હંમેશાં ફેરફાર થાય નહીં. ઇફેક્ટમાં ફેરફાર ના થાય એવું તમે સાંભળેલું ? પરીક્ષા આપવામાં ફેરફાર કરી શકાય, પણ એના પરિણામમાં ફેરફાર થાય ખરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો આ પરિણામ છે.

પ્રશ્નકર્તા : પણ ખોટું કરે તો પાછું બીજા જન્મમાં તકલીફ પડેને?

દાદાશ્રી : ના પડે. તમારે તો ફક્ત 'ચંદુભાઈ'ને એમ કહેવાનું કે 'પ્રતિક્રમણ કરો.' સારું કર્યું હોય તેય બીજા જન્મમાં આવે પાછું. સારું-ખોટું કશું આપણને લેવાદેવા નથી. આપણે નિકાલ કરી નાખવાનો છે. આ દુકાન કાઢી નાખવાની છે. સારો માલ હોય, રાશી માલ હોય તે દુકાનમાંથી કાઢી નાખવાનો છે. આ પરિણામ છે હવે.

દુઃખ દેવાય ત્યાં જરૂર પ્રતિક્રમણની

પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી, પણ આપણે એ કર્મમાં ભાગ લેવાથી બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી.

દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છોને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવાદેવા ? તમે જુદા ને ચંદુભાઈ જુદા.

તમે શુદ્ધાત્મા છો અને પછી આ ચંદુભાઈ કરે તો યુ આર નોટ રિસ્પોન્સિબલ (તમે જવાબદારનથી).

અને બીજી રીતે કોઈને સામું પ્રત્યક્ષ દુઃખ થયેલું લાગે, એને માટે તો તમારે ચંદુભાઈને કહેવું કે 'ભઈ, તમે અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો.' બાકી મેં તમારી જોખમદારી બિલકુલ નથી રાખી. તમારી જોખમદારી ઊડાડી મેલી છે આ.

પ્રશ્નકર્તા : તમે એ રીતે ચંદુભાઈને છૂટા મૂકી દો તો એ તો ગમે તે કરે?

દાદાશ્રી : ના. એ તેથી જ મેં 'વ્યવસ્થિત' (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) કહેલું કે એક જિંદગી માટે એક વાળ ફેરફાર કરવાનો અધિકાર નથી. 'વન લાઈફ' માટે, હં ! જે લાઈફમાં હું વ્યવસ્થિત આપું છું, એ વ્યવસ્થિતમાં ફેરફાર થઈ શકે એમ નથી. ત્યારે જ હું તમને છૂટા મૂકી દઉં છું. એટલે હું જોઈને કહું છું ને તેથી મારે કશું વઢવુંય ના પડે, કે બૈરી જોડે કેમ ફરતા'તા ? ને કેમ આમતેમ? બીજી લાઈફ માટે નહીં, પણ આ એક લાઈફ માટે યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ (બિલકુલ) ! એટલું બધું કહ્યું છે પાછું.

પ્રતિક્રમણ કરનારને આપણે જાણનાર

પ્રશ્નકર્તા : ખોટું કરતા હોઈએ તે વખતે ભાવ તો એવો થવો જોઈએ ને, કે આવું મને ન હો કે પછી જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવાનું ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું અને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે ને?

(પા.૬)

પ્રશ્નકર્તા : પણ ભાવ તો ન જ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ભાવ થવાનો નહીં. આપણે તો ચંદુભાઈને જાગૃતિ આપવાની કે પ્રતિક્રમણ કરો, અતિક્રમણ શા માટે કર્યું ? આખો દહાડો ક્રમણ હોય છે. અતિક્રમણ આખો દહાડો હોતું નથી. કલાકમાં એકાદ-બે વખતે હોય એનું આપણે પ્રતિક્રમણ કરવું પડે.

આપણી બધી નબળાઈને જાણવી જોઈએ. હવે આપણે પોતે નબળા નથી. આપણે તો આત્મા થઈ ગયા. પણ અજ્ઞાન દશામાં આના મૂળ ઉત્પાદક તો આપણે જ હતાને ? એટલે આપણે પાડોશી તરીકે કહેવું કે 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો.'

એટલી જોખમદારી બાકી રહી

પ્રશ્નકર્તા : એટલે દાદા, જ્ઞાનથી વાત બરાબર છે, પણ જ્યારે એ કાર્ય કરતો હોય છે, મનમાં ખરાબ વિચાર આવતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે?

દાદાશ્રી : આપણે નહીં કરવાનું. 'એની' પાસે કરાવડાવાનું. જવાબદારી તો ભૂંસી નાખવી પડે ને ? પ્રતિક્રમણ કરીએ એટલે જવાબદારી ભૂંસી નાખીએ. ચંદુભાઈએ અતિક્રમણ કેમ કર્યું માટે 'પ્રતિક્રમણ કર' કહ્યું. એ જવાબદારી આપણે ભૂંસી નાખવી.

પ્રશ્નકર્તા : અને પ્રતિક્રમણ ના થાય તો જોખમદારી ખરી ?

દાદાશ્રી : એટલું બાકી રહ્યું ફરી પ્રતિક્રમણ કરવાનું. એના કરતાં પ્રતિક્રમણ કરી નાખવું ઊલટું સારું ને ? 'અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર.' બાકી આ જ્ઞાન મળ્યા પછી પ્રારબ્ધકર્મ એકલું જ ભોગવવાનું રહ્યું.

પ્રશ્નકર્તા : પ્રારબ્ધકર્મ ભોગવતા ભોગવતા અતિક્રમણ થઈ જાય ને પણ...

દાદાશ્રી : પછી પ્રતિક્રમણ કરવા જ પડે. એની પાસે જ કરાવડાવવાનું અને એની પાસે જ ધોવડાવવાનું.

પ્રશ્નકર્તા : એ ના ધૂએ તો શું થાય ?

દાદાશ્રી : ફરીથી ધોવું પડે.

પ્રશ્નકર્તા : ફરી એટલે કેટલા અવતાર થાય?

દાદાશ્રી : ફરી એટલે એક-બે અવતાર વધારે થાય. બધી આપણી જ જોખમદારી છે, બીજો કોઈ બહારનો જોખમદાર નથી. 'ચંદુભાઈ'એ ખોટું કર્યું એટલે 'ચંદુભાઈ'ને આપણે કહીએ, કેમ અતિક્રમણ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. આપણે એની પાસે જ ધોવડાવી લેવું. કપડું બગાડ્યું, માટે ધોઈ નાખજે.

ચંદુભાઈના કોઈ કાર્ય જોડે તમારે લેવાદેવા નથી, પણ તમારે ચંદુભાઈનું ધ્યાન રાખવું જોઈએ કે એ શું કરે છે ? અને ચંદુભાઈ અતિક્રમણ કરે તો કહીએ કે પ્રતિક્રમણ કરો. ક્રમણનો અધિકાર છે, અતિક્રમણનો અધિકારનથી.

ભાંગવી ઈફેક્ટને ઈફેક્ટથી

પ્રશ્નકર્તા : આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ કર્મના લીધે જ કરીએ છીએ ને ? પ્રતિક્રમણ આપણે કરીએ છીએ એ આપણા હાથમાં નથી. એ તો ઈફેક્ટ (અસર) છે ને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એ ઈફેક્ટ જ છે, પણ ઈફેક્ટને ઈફેક્ટથી ભાંગવાની છે અને એ ચોખ્ખું થઈ જાય, ધોઈ નાખીએ તરત. આપણે કહેવું કે, 'ભઈ ચંદુલાલ, ધોઈ નાખો. આ પેલું શા માટે કર્યું આવું?

જેવા ભાવે બંધ પડ્યો હતો તેવા ભાવે નિર્જરા થાય છે. તે નિર્જરાને જોયા કરો. છતાં નિર્જરામાં એક બાબત એવી હોવી જોઈએ કે કોઈની પર અતિક્રમણ ન થવું જોઈએ. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. તે પ્રતિક્રમણ ચંદુભાઈએ કરવાનું, આપણે કશું કરવાનું નહીં.

(પા.૭)

દુઃખદાયી થયું તેના પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : હજુ ઘણીવાર ક્રોધ થઈ જાય છે.

દાદાશ્રી : માટે એને આપણે જોવાનું નહીં, આપણે પ્રતિક્રમણ કરવાનું. આપણે કહેવાનું કે 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.' પછી એ જેવું કપડું બગડ્યું એ ધોશે ! બહુ ઘડભાંજમાં ઉતરવાનું નહીં, નહીં તો પાછું આપણું ફરી બગડે.

પ્રશ્નકર્તા : એ બરોબર છે. ક્રોધ આવે તો તે ઘડીએ અંદર ભાવમાં થાય કે આ ખોટું છે. તારે ક્રોધ ના કરવો જોઈએ.

દાદાશ્રી : ગુસ્સો થાય અને સામા માણસને દુઃખદાયી થઈ પડ્યો હોય, ભલે ક્રોધ ના થયો, પણ દુઃખદાયી થઈ પડ્યો તો આ તો પોતે શુદ્ધાત્મા છું એમ માને છે પણ જેણે અતિક્રમણ કર્યું છે, તેની પાસે પ્રતિક્રમણ કરાવો. એટલે અતિક્રમણ કરનાર ચંદુભાઈ, તે ચંદુભાઈને તમારે કહેવું પડે કે પ્રતિક્રમણ કરો. તમારે નહીં કરવાનું. આત્મા થયા પછી પ્રતિક્રમણ હોય નહીં. પણ જેણે અતિક્રમણ કર્યું, તેની પાસે પ્રતિક્રમણ કરાવો, તમારા પડોશી પાસે.

હવે ક્રોધ-માન-માયા-લોભ થવાના નહીં, પણ છોકરી જોડે એકદમ આકરા થઈ ગયા હોય તો તમારે ચંદુભાઈને કહેવું કે 'આટલા બધા આકરા શું કરવા થાવ છો ? બેબીને કેટલું ખરાબ લાગે!' અંદરખાને માફી માગી લો. બેબીને મોઢે કહેવાનું નહીં પણ અંદરખાને માફી માંગી લો. ફરી નહીં કરવું આવું. અને નહીં તો પછી માફી માંગવાની હોતી નથી, આપણે જો કશી કચકચ કે દુઃખ થાય એવું ના કર્યું હોય તો.

પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર થાય, ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મનદુઃખ થાયછે.

દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે 'ભાઈ, માફી માંગી લો, કેમ આ દુઃખ કર્યું ?' પણ તમારે માફી નહીં માંગવાની. જે અતિક્રમણ કરે, તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું.

પ્રશ્નકર્તા : પેલો ક્રોધ આવે તો આ બાજુ અંદર પેલું ઊભું થાય કે આ ચંદુ આવું શા માટે કરે છે? આ ખોટું છે. પણ કો'ક દહાડો એ ક્રોધ આપણને પાડી નહીં નાખે ને? તો શું કરવું ?

દાદાશ્રી : આપણને કોઈ પાડી નહીં નાખે. એ બધા મડદાં છે. જીવતાને શી રીતે પાડે ? પુદગ્લમાત્ર મડદાલ છે. કોઈ નામ ના દે. 'હું તો દાદાનો, મારી પાસે ક્યાં આવો છો ? શરમ નથી આવતી. દાદા, દાદા, દાદા' કહીએ.

નિમિત્ત બન્યા બદલ પસ્તાવો

પ્રશ્નકર્તા : આજે આપણે એક નોકરી પર છીએ, ને આપણા તાબાનો જે માણસ છે, એ કંઈ ભૂલ કરે તો આપણે દંડ આપવો પડે. કારણ કે નોકરીમાં આપણે એ જગ્યા પર બેઠા છીએ.

દાદાશ્રી : ના, પણ તે એવું થયું હોયને તો આપણે ચંદુભાઈ પાસે પસ્તાવો કરાવવો. થઈ ગયા પછી કે આ ન કરવા જેવું થાય છે. આપણા નિમિત્તે પેલાને દુઃખ થયું, તે બદલ પસ્તાવો કરવો કે આપણે ભાગે ક્યાં આવ્યું આ ? આપણે કેમ આવું નિમિત્ત બન્યા ? આપણે આવું નિમિત્ત બનવું ના જોઈએ. પણ અત્યારે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એવું કર્યા વગર ચાલે નહીં. એટલે તમારે હવે એ 'રૂટિન' (રોજિંદું) તો બધું કરવું પડે.

ઠપકો અપાય, વાગે નહીં એવો

પ્રશ્નકર્તા : એક અધિકારી હોય, બોસ હોય એ એના અંડરહેન્ડને ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાયને ? કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરીને ?

દાદાશ્રી : એવું છેને, ઠપકો આપવો એ બહુ

(પા.૮)

જ જવાબદારી છે. ઠપકો આપવો એટલે આપણો હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ. આપણા લોકો એ જોતા-કરતા નથી ને ઠપકો આપી જ દે. એ ઠપકો આપનાર બહુ મોટો ગુનેગાર બને છે. ઠપકો સાંભળનાર માણસનું જે થવાનું હશે તે થશે, પણ ઠપકો આપનાર તો સપડાયો!

ઠપકો આપવાની રીત

પ્રશ્નકર્તા : એની જે ફરજ હોય, એ ફરજની સામે એને કેટલાંક પગલાં લેવા પડે. તો એમાં એ શું કરે ? એને તો છૂટકો જ નહીંને, એને કરવું જ પડેને?

દાદાશ્રી : ના, એ કરવું, પણ એને પદ્ધતિસર એવી શોધખોળ કરો કે સામાને બહુ અસર ના થાય.

પ્રશ્નકર્તા : શોધખોળ તો બીજી શું કરે ? પેલો કામ ના કરતો હોય એટલે એને ઠપકો તો આપવો પડેને ?

દાદાશ્રી : પણ ઠપકો તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? ઠપકો તોલીને આપતા હશે લોકો ? આમ પાશેર તોલીને આપતા હશે ? નહીં? તો એવું તો થતું હશે ?

પ્રશ્નકર્તા : એ તો વગર તોલ્યે આપે પણ એમાં તો એવું છેને, નોકરી કરતા હોય ત્યાં તો નક્કી જ કરેલું હોય કે ભઈ, આ કામ આટલું ના કરે તો તેની સામે આટલા પગલા લેવા. આવું બધું એના કોડ (નિયમો) નક્કી કરેલા હોય છે.

દાદાશ્રી : કાયદેસર પગલાં લેવાને માટે વાંધો નથી પણ ઑન પેપર. પણ તમે તો ઠપકો મોઢે આપી દો છો. એ તોલીને આપો છો કે તોલ્યા વગર આપોછો?

પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો કામ ના કરતો હોય, આપણે એને કામ કહ્યું હોય, તે કામ ના કર્યું હોય અને કામ ટાળ્યું હોય એટલે આપણે ઠપકો આપવો જ પડેને ?

દાદાશ્રી : હા, ઠપકો આપવાનો.

પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે. નહીં તો એને છૂટો કરવો પડે, ડિસમિસ કરવો પડે. પછી આપણને મનમાં દુઃખ થાય કે એના છોકરાં ભૂખે મરશે.

દાદાશ્રી : પણ એવું છેને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે, ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર.

પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે 'તું કામ કરતો નથી, તને ડિસમિસ કરવામાં આવશે, તારું કામ સંતોષકારક નથી.' એવું બધું લખીને આપીએ.

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને છૂટો કરવો પડે. અને છૂટો કરીએ એટલે પછી એના છોકરાં બિચારાં દુઃખી થતા રડતા રડતા ઘેર આવે. આપણને દુઃખ થાય ? એને પણ દુઃખ તો થાયને?

દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો રહેવા દેવાનું. કામ આપણે કરી લેવાનું.

પ્રશ્નકર્તા : એ પગલાં જો ના લે, તો અમને અમારા ઉપરથી પાછો ઠપકો સાંભળવો પડે.

દાદાશ્રી : તે પગલાં લ્યોને. પણ પગલાં એવી રીતે લ્યો કે તમે તો શુદ્ધાત્મા છો. હવે ચંદુભાઈ પગલાં લે, એમાં જોખમદારી નથી હોતી. ચંદુભાઈ છે, તો ડિસ્ચાર્જ છે. એટલે પગલાં લો તેની 'તમને' જોખમદારી નથી હોતી. આપણે ચંદુભાઈને કહેવું કે બને ત્યાં સુધી પગલાં લેવા નથી, આવાં પગલાં લેશો નહીં. છતાં પછી લેવાઈ જાય તે સાચું!

પ્રશ્નકર્તા : એ વાત તમારી સાચી. આપણે અલિપ્તતાથી પગલાં લીધા, પણ એ પગલાં લીધા પછી પેલા માણસને મનદુઃખ જે થયું, એના માટે પ્રતિક્રમણ સિવાય બીજો શું રસ્તો ?

(પા.૯)

દાદાશ્રી : પ્રતિક્રમણ એકલું જ, બીજું કશું કરવાનું નથી.

નાટકીય કહેવું સાથે પ્રતિક્રમણ કરવું

પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ આમ કરવાનું છે, એક વાર, બે વાર, ચાર-પાંચ વાર કહીએ તોય એની એ જ ભૂલ કર્યે રાખે તો પછી ગુસ્સો આવે તો એનું શું કરવાનું ?

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તમને ક્યાં ગુસ્સો આવે છે ? ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું, 'હવે દાદા મળ્યા છે. જરા ગુસ્સો ઓછો કરો ને.'

પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રુવ (સુધારો) નથી થતી, તો એને શું કરવું ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે ! એ કામ બરોબર કરતી નથી.

દાદાશ્રી : તે તો આપણે 'ચંદુભાઈને' કહેવું, એને જરા ટૈડકાવો. તારે આની પાસે કહેવું કે આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે 'આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?' એવું બધું કહેવું.

પ્રશ્નકર્તા : પણ એને તે વખતે સામે દુઃખ થાય ને, આપે કહ્યું છે ને, દુઃખ નહીં આપવાનું બીજાને ?

દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને તો દુઃખ ના થાય એને, ખાલી એને મનમાં જાગૃતિ આવે, એનો નિશ્ચય બદલાય. એ દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે? આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને, કે એને સીધા કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય.

અને પછી આવું કહી અને તરત પાછું 'ચંદુભાઈ'ને કહેવું કે આને જરા કડક કહ્યું તે દોષ થયો, માટે પ્રતિક્રમણ કરો. એટલે પછી એની મનમાં માફી માંગી લેવી. પણ કહેવું અને પ્રતિક્રમણ કરવું, બેઉ સાથે કરવું, સંસારવ્યવહાર તો ચલાવવો પડે ને!

હળવા બને કર્મો હાર્ટિલી પસ્તાવાથી

પ્રશ્નકર્તા : અત્યારે ટેક્સ (કર) એટલા બધા છે કે ચોરી કર્યા વગર મોટા-મોટા ધંધાનું સમતોલન થાય નહીં, બધા લાંચ માંગે, તો એના માટે ચોરી તો કરવી જ પડે ને ?

દાદાશ્રી : ચોરી કર્યા પછી તમને પસ્તાવો થાય છે કે નહીં ? પસ્તાવો થાય તોય એ હળવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી આ સંજોગોમાં શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે જાણીએ કે આ ખોટું થાય છે, ત્યાં આપણે હાર્ટિલી (હ્રદયપૂર્વક) પસ્તાવો કરવો. (ખોટું થયાની) બળતરા થવી જોઈએ તો જ છૂટાય. અત્યારે કંઈ કાળાબજારનો માલ લાવ્યા, તે પછી કાળાબજારમાં વેચવો પડે જ. તો ચંદુલાલને કહેવાનું કે પ્રતિક્રમણ કરો. પહેલાં પ્રતિક્રમણ કરતા ન હતા તેથી કર્મના તળાવડાં બધા ભર્યાં. હવે આ પ્રતિક્રમણ કર્યું એટલે ચોખ્ખું કરી નાખ્યું. લોભ કોના નિમિત્તે થાય છે? લોખંડ કાળાબજારમાં વેચ્યું તો આપણે ચંદુલાલને કહેવું, ચંદુલાલ વેચો તેનો વાંધો નહીં, એ 'વ્યવસ્થિત'ના આધીન છે પણ તેનું હવે પ્રતિક્રમણ કરી લો. અને કહીએ કે ફરી આવું ના થાય.

પ્રશ્નકર્તા : કેટલીક જગ્યાએ માણસો ભૂખે મરે છે અને એક બાજુ હું બ્લેક (કાળા બજાર)માં પૈસા બનાવું છું, એનો સમભાવે નિકાલ કેવી રીતે થાય?

દાદાશ્રી : એ જે કરે છે ને એ જ બરાબર છે. પ્રકૃતિ જે કરે ને એ કૉઝ (કારણ)ની ઈફેક્ટ (પરિણામ) જ છે. પછી આપણે જાણીએ, આપણને સમજણ પડે કે આ ન્યાયમાં નથી થયું. એટલે આપણે 'ચંદુલાલ'ને કહેવાનું કે આ ના કરો. માફી માંગી લેવાની કે આવું ફરી નહીં કરું, એ કહે પણ ફરી એવું જ કરે. કારણ કે

(પા.૧૦)

પ્રકૃતિમાં ગૂંથાયેલું એવું છે ને ! 'આપણે' ધોતા જવાનું પછી પાછળથી.

સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. 'ચંદુભાઈ' જૂઠું બોલે તેય આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું. તે આપણે 'ચંદુભાઈ'ને કહીએ, 'પ્રતિક્રમણ કરી લો.' જૂઠું બોલવાનો પ્રકૃતિ ગુણ છે. એટલે બોલ્યા વગર રહે નહીં.

અનીતિના ખૂબ ખૂબ પ્રતિક્રમણ

એક જણ કહે, 'મને ધર્મ નથી જોઈતો. ભૌતિક સુખો જોઈએ છે.' તેને હું કહીશ, 'પ્રમાણિક રહેજે, નીતિ પાળજે.' મંદિરમાં જવાનું નહીં કહું. બીજાને તું આપું છું એ દેવધર્મ છે. પણ બીજાનું, અણહક્કનું લેતો નથી એ માનવધર્મ છે. એટલે પ્રામાણિકપણું એ મોટામાં મોટો ધર્મ છે. 'ડિસ ઑનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ !!!' ઑનેસ્ટ થવાતું નથી, તો મારે શું દરિયામાં પડવું ? મારા દાદા શીખવાડે છે કે, ડિસઑનેસ્ટ (અપ્રામાણિક) થાઉં તેનું પ્રતિક્રમણ કર. આવતો ભવ તારો ઉજળો થઈ જશે. ડિસઑનેસ્ટીને ડિસઑનેસ્ટી જાણ ને તેનો પશ્ચાત્તાપ કર. પશ્ચાત્તાપ કરનાર માણસ ઑનેસ્ટ છે એ નક્કી છે.

દાન આપે, અનીતિથી પૈસા કમાય, એ બધું જ છે. તે એનો ઉપાય બતાવેલો હોય કે અનીતિથી પૈસા કમાય તો ચંદુલાલને રાત્રે શું કહેવું ? કે પ્રતિક્રમણ કર કર કરો કે, અનીતિથી કેમ કમાયા? માટે પ્રતિક્રમણ કરો. રોજ ચારસો-પાંચસો પ્રતિક્રમણ કરાવડાવે. પોતાને કરવાનું નહીં, 'ચંદુલાલ'ની પાસે કરાવડાવવું. જે અતિક્રમણ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવડાવે.

હમણાં ભાગીદાર જોડે મતભેદ પડી જાય, તો તરત તમને ખબર પડી જાય કે, 'આ વધારે પડતું બોલી જવાયું. એટલે તરત એના નામનું પ્રતિક્રમણ કરવું. આપણું પ્રતિક્રમણ કેશ પેમેન્ટનું (રોકડું) હોવું જોઈએ. આ બેંકેય કેશ કહેવાય છે અને પેમેન્ટેય કેશ કહેવાય છે.

વ્યાજ ખવાય કે નહીં ?

પ્રશ્નકર્તા : વ્યાજ ખવાય કે ના ખવાય ?

દાદાશ્રી : વ્યાજ ચંદુલાલને ખાવું હોય તો ખાય, પણ એને કહેવું કે પ્રતિક્રમણ કરજો પછી.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ શું કામ કરવાનું ? વ્યાજ એ અતિક્રમણ છે ?

દાદાશ્રી : અતિક્રમણ કર્યું માટે. વ્યાજને અતિક્રમણ ક્યારે કહેવાય છે ? સામા માણસને મનદુઃખ થાય ને એવું વ્યાજ હોય તેને અતિક્રમણ કહેવાય છે.

અભિપ્રાય જુદો ના રહે તે ગુનો

પ્રશ્નકર્તા : આપે વાણી પરસત્તા કહી, વાણી પરાધીન છે કહ્યું. તો આપણે નિશ્ચય કરીએ કે આની જોડે ખરાબ બોલવું જ નથી આપણે. ભલે ગમે એટલી ચીકણી ફાઈલ હોય, તો એ કોડ નાનો થઈ જાય ખરો?

દાદાશ્રી : એ તો આપણે એમને એમ કહેવું, ખરાબ બોલાય ત્યારે કે 'ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો' અને પછી 'ચંદુભાઈ'ને શું કહેવું કે, 'હવે ફરી આવું ખરાબ નહીં બોલો.' એટલે એમ કરતાં કરતાં રાગે આવી જશે. પણ કહેવું તો પડે જ. ટકોર ના કરીએ ત્યારે તો અભિપ્રાય એક થઈ ગયો ! અભિપ્રાય જુદો જ રહેવો જોઈએ.

ક્રમણ-અતિક્રમણ-પ્રતિક્રમણ

પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના 'રિલેટિવ' ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે રીયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં

(પા.૧૧)

ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ કરાવવાની જરૂર છે.

કો'કને બહુ દુઃખ થાય એવું બોલાઇ ગયેલું હોય તો આપણે ચંદુભાઈને કહેવું કે 'ચંદુભાઈ, જરા પાંસરા રહો ને ! અને પ્રતિક્રમણ કરો, પશ્ચાત્તાપ કરો. શા માટે આવું કર્યું?' કહેવાય કે ના કહેવાય?

પ્રશ્નકર્તા : કહેવાય, કહેવું જ જોઈએ.

દાદાશ્રી : તારા ફાધરને તારાથી ખરાબ લાગ્યું, એ તેં અતિક્રમણ કર્યંુ. હવે એમને (ફાધરને) ખરાબ લાગ્યું, તેને તારે ઉત્તેજન આપવાનું કે ડિસ્કરેજ કરવાનું? 'ચંદુલાલ'ને તમારે શું કરવો જોઈએ ?

પ્રશ્નકર્તા : હું માનું છું કે એમને ખરાબ લાગે એવું ના જ કરવું જોઈએ.

દાદાશ્રી : ના, એ તો થઈ જાય. અતિક્રમણ થઈ જ જાય એ તો. અતિક્રમણ કોનું નામ કહેવાય? એની મેળે થઈ જાય. કોઈને અતિક્રમણ કરવું જ નથી હોતું.

પ્રશ્નકર્તા : પણ તે આપણે જાણી-બૂઝીને કર્યું હોય તો બરાબર છે.

દાદાશ્રી : જાણી-બૂઝીને તો કોઈ કરે નહીં. જાણી-બૂઝીને થાય એવુંય નથી. એ કરવું હોય તોય નથી થાય એવું.

પ્રશ્નકર્તા : તો દાદા, અતિક્રમણ કર્યું જ કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : તારા ફાધરની જોડે વધારે પડતું બોલી ગયો. આ બોક્સિંગ (લડાઈ) કરી તો પ્રતિક્રમણ કરો કે ના કરો ? પ્રતિક્રમણ ના કરો, તો તમે અતિક્રમણના પક્ષના છો એમ ઠરશે અને પ્રતિક્રમણ કરો તો તમારો પક્ષ શેમાં છે ? પ્રતિક્રમણમાં.

તમારો વ્યવહાર એ ક્રમણ છે ને વધારે બોલાયું તે અતિક્રમણ છે. તે તમારે ચંદુભાઈને કહેવું કે અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કર. અતિક્રમણ થાય તેની પર પ્રતિક્રમણ કરવંુ.

અભિપ્રાય છૂટે નહીં તો ફળ આપે જ

પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવા પડે, અટકાવવા પડે, તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?

દાદાશ્રી : હા. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, 'હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.' એટલું પ્રતિક્રમણ કરવું પડે.

કહેવાનો અધિકાર છે પણ કહેતા આવડવું જોઈએ. આ તો ભાઈ આવે તેને જોતા જ કહે કે 'તું આવો છું ને તું તેવો છું', તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય અને તેનું પ્રતિક્રમણ કરવું પડે.

આપણે પુરુષ (આત્મા) થયા છીએ અને પુરુષાર્થ આપણો ધર્મ છે ! સામો પેલો દેખાયો ને કે અભિપ્રાય તો અપાયા વગર રહેવાનો નથી, એટલે અભિપ્રાય બંધાઈ જાય તો તરત 'આ તો ખરાબ કહેવાય, આવું શેને માટે ?' એટલે એવી રીતે આપણે ભાગી નાખો કે છૂટું થઈ ગયું. બાકી, અભિપ્રાય તો બંધાઈ જ જવાના. અને અભિપ્રાય બંધાઈ જાય એટલે એ ફળ આપે, એનું ફળ આપીને જ જાય.

પ્રશ્નકર્તા : એનું ફળ આપીને જાય એટલે વેદના આપીને જાય?

દાદાશ્રી : ફળ આપે એટલે શું, કે તમે કોઈને માટે અભિપ્રાય બાંધોને તો પેલાનાં મન પર આવી અસર કુદરતી રીતે જ થયા કરે છે. એટલે પેલાય સમજી જાય કે આમને મારે માટે આવું છે. પણ જો આપણે એ અભિપ્રાય ભાંગી (ભૂસી) નાખીએ તો પછી પોતાના મન પર એની અસર ના થાય.

(પા.૧૨)

અભિપ્રાય પડ્યો કે તરત ને તરત સાતે ભાગી નાખીએ તો ત્યાં અસર પડતાં પહેલાં ભાંગી જાય. નહીં તો કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને તેની અસર આવ્યા વગર રહેતી જ ના હોય. અમારી જોડે બધાનું જુદી જુદી જાતનું વર્તન હોય પણ અમારે અભિપ્રાય ના હોય. અમે જાણીએ કે આ તો આવું જ હોય. કળિયુગમાં સાસુ આવી જ હોય, એવું વહુ જાણતી હોયને કે ના જાણતી હોય ? એટલે એમાં શું અભિપ્રાય બાંધવાનો? કળિયુગ છે એટલે આવું જ હોય.

અભિપ્રાય છૂટે કેવી રીતે ?

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવા કેવી રીતે ?

દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે 'આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ખોટો છે, આપણાથી આવું કેમ બંધાય ?' એવું કહીએ તે અભિપ્રાય છૂટી જાય. આપણે જાહેર કરીએ કે 'આ અભિપ્રાય ખોટો છે, આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? આ તે તમે કેવું કરો છો ?' એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય.

આમ કરજો પ્રતિક્રમણ

અરે, તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. 'ફલાણા આવા, ફલાણા તેવા' તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને એકને આનો તિરસ્કાર કરે. ને પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી 'એ. એમ. પટેલ'ને કહી દીધું કે આ તિરસ્કાર કર્યા તે ધોઈ નાખો બધા હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધા ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુનાં કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાના (તિરસ્કાર) ધોઈ નાખ્યા.

પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું ? સામે જઈને નહીં ?

દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે આ તમે ઊંધા કર્યા છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધાં કરેલા ધોઈ નાખો ! એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાના ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. નગીનભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને 'હે નગીનભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! આ નગીનભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું' એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.

પ્રતિક્રમણ કરે, અતિક્રમણ કરનારો

જ્યારે અમે જ્ઞાન આપીએ ત્યારે પોતાના દોષ બધા દેખાતા થાય. ત્યાં સુધી બીજાના દોષ દેખાય પણ પોતાનો દોષ દેખાય નહીં. બીજાના ખોળવા હોય તો બધા સો ખોળી આપે. પોતાના તો મોટા-મોટા બે-ત્રણ હોય તે દેખાય, બીજા દેખાય નહીં. હવે જ્ઞાન મળ્યા પછી, બરાબર પોષાયને છોડવો મોટો થયો, કે તરત દોષ બધા દેખાતા શરૂ થાય. આ તમને શું દેખાય છે રોજ ? પોતાના દોષ દેખાય છે કે બીજાના ?

પ્રશ્નકર્તા : પોતાના જ.

દાદાશ્રી : એટલે પોતાના દોષ દેખાય એ મોટા હોય તો પ્રતિક્રમણ કરવાનું અને નાનો હોય તોય પ્રતિક્રમણ કરવાનું. 'જેણે' દોષ કર્યા'તા 'તેણે' જ પ્રતિક્રમણ કરવાનું. એટલે 'ચંદુલાલે' પ્રતિક્રમણ કરવાનું. તમારે કશું કરવાનું ના હોય. આપણે ચંદુલાલને

(પા.૧૩)

કહેવાનું કે પ્રતિક્રમણ કરો. અને બીજા દોષ તો જોવા માત્રથી જતા રહે, બીજા હલકા પ્રકારના દોષ હોય તે. પણ દોષો બધા દેખાય ત્યારે જાય, ત્યારે નિર્દોષ થાય.

એક પણ દોષ તમને આ દુનિયામાં કોઈનો દેખાય નહીં, તમને મારે તોય તમને દોષ ના દેખાય એવી દ્ષ્ટિ મેં આપેલી બધી. તમને દોષ દેખાય છે?

પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે.

દાદાશ્રી : અને બીજાનો કોઈ દોષ દેખાઈ ગયો હોય તો પ્રતિક્રમણ કરો તરત ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

પરદોષ જોવાની હેબિટ, પ્રતિક્રમણથી છૂટે

પ્રશ્નકર્તા : બીજાના દોષ દેખાતા હોય, પોતાના દોષ દેખાતા હોય તો તે જોયા કરવાના ? શું કરવાનું?

દાદાશ્રી : પોતાના દોષ દેખાતા હોય તો અમુક માણસને કહેવાના, અમુક માણસને ના કહેવાય અને અમુક માણસના દોષ દેખાતા હોય તેનું પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકવા, આમ ત્રણ રસ્તા છે. કાં તો દોષ દેખાતા હોય તો પ્રતિક્રમણ કરીને ઊંચા મૂકી દેવા અને પ્રતિક્રમણ નહીં કરો તો દોષ દેખાતા હોય તો કોના કહેવા, પોલીસવાળાના, મેજિસ્ટ્રેટોના, એમના બધા દોષ કહેવા, કે તમે બધા આવા છો. પણ આ બધા અન્ડરહેન્ડ (આશ્રિત) છે, એના દોષ ના કહેવા. સમજાયુંને ?

દરેક વસ્તુ ભૂલથી જ ભરેલી હોય. એટલે બધી ભૂલ તો હોય જ ને ? ભૂલ વગર તો કોઈ ના હોય, કો'કની ભૂલ કાઢવી એ મૂરખનું કામ છે. તને ભૂલ કાઢવી ગમે ?

પ્રશ્નકર્તા : બીજાનો દોષ દેખાયોને એ જે ભૂલ થઈ, એનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : લોકોનો દોષ દેખાય એટલે પડતું મૂકે પછી આગળ. આપણે શું કરવાનું, કે 'ઓહોહો! હજુ તમે બીજાના દોષ જુઓ છો? એના પ્રતિક્રમણ કરો', એ આપણો દોષ જોયો કહેવાય. એવા પચાસ થાય તો બહુ થઈ ગયું.

બીજાના દોષ જોવાનો અધિકાર જ નથી. એટલે એ દોષની માફી-ક્ષમા માંગવી, પ્રતિક્રમણ કરવું. પરદોષ જોવાની તો પહેલેથી હેબીટ (ટેવ) હતી જ ને! એમાં નવું છે જ નહીં. એ હેબીટ છૂટે નહીં એકદમ. એ તો આ પ્રતિક્રમણથી છૂટે પછી. જ્યાં દોષ દેખાયા ત્યાં પ્રતિક્રમણ કરો. શૂટ ઑન સાઈટ!

કર્મ ઉદયે એક ખોટ, બીજી શા માટે ?

બધું કર્મના ઉદયે છે. એ ગાળ ભાંડે તેય આપણા કર્મના ઉદયે છે. ચંદુભાઈને એક માણસ સો માણસોની રૂબરૂમાં ચાર ગાળ ભાંડી ગયો, હવે કર્મના ઉદયે એ ભાંડી ગયો. એટલે આપણે જાણીએ કે આ મારા કર્મના ઉદયે છે અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ ? એના માટે ભાવ બગાડવો નહીં. પણ એનું સારું થજો. એણે આ કર્મમાંથી મને મુક્ત કર્યો, છોડાવ્યો.

છતાં એટલું ખરું, એક વાત ખરી કે આપણા ઘરનું કોઈ માણસ હોય, તો એના માટે ચંદુલાલને કહેવું કે 'ભઈ, પ્રતિક્રમણ કર્યા કર.' પહેલાનું સામસામું ઘર્ષણ છે અને એ ઘર્ષણ પરિણામ છે, આ અહંકાર પરિણામ નથી. 'આ' જ્ઞાન પરિણામ છે. એટલે આપણે એટલું કહેવું કે પહેલાનું છે તેનું પ્રતિક્રમણકરો.

પ્રશ્નકર્તા : આપણા કર્મના ઉદયને લીધે જે ભોગવવું પડે, એ પ્રતિક્રમણ કર્યા કરીએ તો ઓછું થાયને ?

દાદાશ્રી : ઓછું થાય. અને 'આપણને' ભોગવવું નથી પડતું. 'આપણે' 'ચંદુભાઈ'ને કહીએ, 'પ્રતિક્રમણ કરો' એટલે ઓછું થાય. જેટલું જેટલું પ્રતિક્રમણ કરીએ એટલું એ ઓછું થાયને ! પછી રાગે પડી જશે.

(પા.૧૪)

આ તો કર્મના ઉદયથી બધા ભેગા થયેલા છે. આને અજ્ઞાની કંઈ ફેરવી શકવાનો નથી ને જ્ઞાનીયે ફેરવી શકવાના નથી, તો આપણે શા માટે બે ખોટ ખાવી?

'ચંદુભાઈ ભૂલ કરે છે' એમ કોઈ કહે કે 'તારી ભૂલ છે' તો આપણેય કહેવું, 'ચંદુભાઈ, તમારી ભૂલ થઈ હશે ત્યારે જ એ કહેતા હશે ને? નહીં તો એમ ને એમ તો કોઈ કહેતું હશે ?' કારણ કે એમને એમ કોઈ કહે નહીં. કંઈકેય ભૂલ હોવી ઘટે. એટલે આપણે એમાં કહેવામાં વાંધો શો? ભઈ, તમારી કંઈક ભૂલ હશે માટે કહેતા હશે. માટે માફી માંગી લો અને 'ચંદુભાઈ' કોઈને દુઃખ દેતા હોય તો આપણે કહેવું કે 'પ્રતિક્રમણ કરી લો !' કારણ કે આપણે મોક્ષે જવું છે. હવે ગમે તેમ એવું કરવા જઈએ તે ચાલે નહીં.

પ્રતિક્રમણ કરીને કરો ફાઈલ ચોખ્ખી

પ્રશ્નકર્તા : કોઈએ આપણને ગાળ આપી ત્યારે આપણને એમ થાય કે (આપણે સામી) આપવી ના જોઈએ. પણ ચંદુભાઈ એમ કહેતા હોય કે ના, આપવી જ જોઈએ. અને પછી ચંદુભાઈ જઈને આપી આવે. તોય મહીં એમ થતું હોય કે આ ખોટું કર્યું છે અને આપણે એમ જોતા હોઈએ પણ ચંદુભાઈને રોકી ના શકીએ.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. તારે જવાબદારી નહીં, ચંદુભાઈને જવાબદારી ખરી. તે પેલો માણસ ચંદુભાઈને ટૈડકાવે કે કેવા નાલાયક છો ને શું બોલ બોલ કરો છો ? અગર તો ધોલ મારી દે. જે જોખમદાર છે એને માર ખાવો પડે.

પ્રશ્નકર્તા : એટલે એ 'ચાર્જ' કર્યું કહેવાય?

દાદાશ્રી : ના, પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. 'આપણે' પ્રતિક્રમણ નહીં કરવાનું, એ ચંદુભાઈ કરે. આપણે કહીએ કે 'અતિક્રમણ' કેમ કર્યું? માટે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : પણ ધારો કે ચંદુભાઈએ પ્રતિક્રમણ ના કર્યું તો ?

દાદાશ્રી : તો એ ચાલી શકે.

પ્રશ્નકર્તા : તો એ 'ચાર્જ' થયું ને ?

દાદાશ્રી : ના, 'ચાર્જ' તો થાય નહીં.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવું જોઈએ ?

દાદાશ્રી : કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલા કપડાં ધોઈએને, એટલા ચોખ્ખા કરીને મૂકી દેવાં.

'મારું નથી' એ કોને થાય ?

પ્રશ્નકર્તા : દાદા, એમ થાય કે આ મારું નથી તો પણ ત્યાં પકડાઈ જાય.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. તે કોણ પકડાયા?

પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય.

દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાયને પણ ! આપણે ક્યાં કરીએ છીએ ?

પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ નાલાયકી 'ચંદુભાઈમાં' કેટલી ભરી છે ?

દાદાશ્રી : ના, ના, 'ચંદુભાઈ' પકડાઈ જાય. કારણ કે 'ચંદુભાઈ'એ કર્યું છે એટલે પકડાઈ જાય. એટલે બળજબરી કરીને 'પ્રતિક્રમણ કરો' કહેવું. અતિક્રમણ કેમ કર્યું ? માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય, 'તમે' તો ના પકડાઓ ને ?

ત્યારે જુદાપણું રહેશે

તમારે તો પાડોશી તરીકે ચંદુભાઈને એમ કહેવું કે 'આવા દોષ કરીને તમે શું છૂટા થવાના? 'તમારે' અમારાથી છૂટા થવાનું છે અને 'તમારે

(પા.૧૫)

ચોખ્ખા થવાનું છે. માટે તમે પ્રતિક્રમણ કરો.' અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું, સારા-સારાનું પ્રતિક્રમણ કરવાનું નહીં.

હજારો માણસોની રૂબરૂમાં કોઈ કહે કે 'ચંદુભાઈમાં અક્કલ નથી' તો આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે ઓહોહો ! આપણે જાણતા હતા કે ચંદુભાઈનામાં અક્કલ નથી, પણ આ તો એ હઉ જાણે છે, ત્યારે જુદાપણું રહેશે!

જોયા કરવું, એજ ખરો ઉપાય

તારે બહુ ડખો થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : કો'ક વખત થઈ જાય.

દાદાશ્રી : કો'ક વખત માણસ મરી જાય તો પછી ?

પ્રશ્નકર્તા : ડખો થઈ જાય એ વ્યવસ્થિતને આધીન હશે ને ?

દાદાશ્રી : 'થઈ ગયું' એ ભાગ વ્યવસ્થિતને આધીન, પણ થવાનું છે એ વ્યવસ્થિતને આધીન નથી. થઈ ગયું એની ચિંતા ના કરો. એનું પ્રતિક્રમણ કરો. ખોટું થાય તે અને જેણે કર્યું હોય તેને કહો કે 'પ્રતિક્રમણ કર.' ચંદુભાઈએ કર્યું તો ચંદુભાઈને કહીએ કે 'તું પ્રતિક્રમણ કર.'

પ્રશ્નકર્તા : આપણે વ્યવસ્થિતને તાબે મૂકી દઈએ છીએ તો આપણે પુરુષાર્થ શું કરવાનો ?

દાદાશ્રી : પુરુષાર્થ તો આ આપણે 'ચંદુભાઈ' શું કરે છે એ જોયા કરવું, એ આપણો પુરુષાર્થ. ચંદુભાઈનું પૂતળું (પુદગ્લ) શું કર્યા કરે છે, આખો દહાડો એ જોયા કરવું એ પુરુષાર્થ !

તે જોયા કરતાં કરતાં એમ વચ્ચે એવું કરાય ખરું કે 'કેમ ચંદુભાઈ', 'તમે દીકરા જોડે આટલું કડક થઈ ગયા છો ?' માટે તમે પ્રતિક્રમણ કરો. તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. એવું વચ્ચે વચ્ચે કરાય.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ તો પાછું થઈ જાય છે.

દાદાશ્રી : પ્રતિક્રમણ થઈ જાય છે તે જ કહું છું ને ! પ્રતિક્રમણ જોડે થઇ જ જાય છે, આપમેળે થઈ જાય છે. એટલે જોયા જ કરવાનું છે. પ્રતિક્રમણ થઈ રહ્યું છે તે 'આપણે' જોયા કરવાનું.

ચોપડા ચોખ્ખા કરવા આમ

આપણે શુદ્ધાત્માનો ચોપડો ચોખ્ખો રાખવો. તે રાત્રે ચંદુભાઈને કહેવું કે જેનો જેનો દોષ દેખાયો હોય તેની જોડે ચોપડો ચોખ્ખો કરી નાખવો. મનના ભાવો બગડી જાય તો પ્રતિક્રમણથી બધું શુદ્ધિકરણ કરી આપે. બીજો કોઈ ઉપાય નથી. ઇન્કમટેક્ષવાળોય દોષિત ના દેખાય એવું રાત્રે કરીને સૂઈ જવાનું. આખું જગત નિર્દોષ જોઈને પછી ચંદુભાઈને સૂઈ જવા કહેવું.

પ્રશ્નકર્તા : સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે, ત્યાં પ્રતિક્રમણનો અવકાશ નથી રહેતો ?

દાદાશ્રી : પ્રતિક્રમણનો અવકાશ ક્યારે રહે, કે સામા સંયોગને દુઃખ થતું હોય ત્યારે આપણે કહેવું પડે કે 'હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો. ભઈ વેર બાંધશે, ભાઈની જોડે અતિક્રમણ થયું લાગે છે. ભાઈનું મોઢું આપણી જોડે કડક લાગે છે તે માટે પ્રતિક્રમણ કરી લો.' ત્યારે એ કહેશે, 'એક પ્રતિક્રમણ કરું ?' ત્યારે કહીએ, 'ના, પાંચ-પચીસ-પચાસ કર, જેથી કરીને કાલે મોઢું સારું દેખાય.' આપણે પ્રતિક્રમણ કરીએ અને પેલાનું મોઢું સારું દેખાય, બીજે દા'ડે. એક ફેરો કરી જોઈએ. એવું તમને અનુભવમાં આવેલું કોઈ દહાડો ?

ઋણાનુબંધી સાથેનો ઉપાય

પ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ?

(પા.૧૬)

દાદાશ્રી : એ તો પહેલાંના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય.

પ્રશ્નકર્તા : હવે મારે કોઈની સાથે નથી ટકરાવાતું, બધે સાચવી લઉં પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે, પણ એમની સાથે આંતરિક તપ ના થાય, એમને કહેવાઈ જ જાય.

દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને! એમણે નિકાલ કરવો, પછી તમારે નિકાલ કરવો, ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની નહીં કહેવાય, બે જણની જ ભૂલ હોય. કોઈકની ચાળીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય, એ બેની કંઈક હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં.

દાદાશ્રી : એ આવી જાય.

પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં.

દાદાશ્રી : પણ એટલે એ ધીમે ધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે.

પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, અણીને ચૂક્યો સો વર્ષ જીવે. એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ !

દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે.

એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય કે 'ચંદુલાલ, કેમ છે, કેમ નહીં', એ વાતો કરવા જેવી, એ જ ઉપાય, શું કહેવું જોઈએ?

પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?

દાદાશ્રી : એવું કહેવાય, એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરાવવું જ પડે. નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે.

ક્રમિક માર્ગમાં શુદ્ધાત્મા અનુભવ થયા પછી પ્રતિક્રમણ કરવાના હોતા નથી અને આપણો આ અક્રમ માર્ગ ખરોને, એટલે માલ બધો જથ્થાબંધ ભરેલો ને આપણે શુદ્ધાત્મા થઈ ગયા. એટલે આપણે આ માલ ખાલી થવાનો, તે પ્રતિક્રમણ કરે તો ધોવાઈ જાય. પણ પ્રતિક્રમણ આપણે જાતે કરવાનું નહીં. આપણે શુદ્ધાત્મા થયા એટલે આપણે ચંદુભાઈને કહેવાનું કે ભઈ, તમે આ બગાડ્યું છે, માટે તમે સુધારો. આ પ્રતિક્રમણથી લોકો જોડે વેરભાવ બંધ થઈ જાય. તમારે આ ભાઈ જોડે કંઈ ભાંજગડ હોય, એ ભાઈ કંઈ ઊંધું-છતું બોલી ગયા હોય તો તમને મનમાં દુઃખ થયું હોય ને તેથી તમારા વિચારો એને માટે બગડ્યા હોય, ખરાબ ધ્યાન થયું હોય તો તમારે એના શુદ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું. એને નહીં, એના શુદ્ધાત્મા જોડે સીધું પ્રતિક્રમણ કરવાનું અને એ દોષથી મુક્ત થવાનું. 'ફરી નહીં કરું' એવું પ્રત્યાખ્યાન કરાવવાનું એટલે એ દોષ ધોવાઈ જાય.

'અમે' આમ કરેલું નિવારણ વિશ્વથી

'ચંદુભાઈ'ને 'તમારે' એટલું કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરના બધા જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાના. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય

(પા.૧૭)

તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું, આવું ઘરના દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુના, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે ! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય. એટલે આલોચના મારી રૂબરૂમાં નહીં કરવાની, પણ તમે શુદ્ધાત્મા છો તે વખતે તમારા શુદ્ધાત્માની રૂબરૂમાં ચંદુભાઈ આલોચના કરે. ચંદુભાઈને કહીએ, આલોચના કરી લો. પછી પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરાવડાવો. તે કલાક-કલાક કરાવડાવો. ઘરના દરેક માણસના કરાવડાવો. જેની જોડે સંબંધ હોય તેનાય કરવા પડે.

વિષય-વિકારના પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ માટે ખરાબ વિચાર ના આવે, પણ મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું?

દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? તો આપણે જોયા કરવાનું. ફિલમમાં જુએ છે તેથી આપણને દુઃખ થાય ? એટલે દેખાય તો ખરો જ ને ! મહીં ચોખ્ખું થાય એટલે વધારે દેખાય ઊલટું, પ્યૉર દેખાય. તે દેખાય એને આપણે જોયા કરવાનું પ્રતિક્રમણ કરીને, બસ!

પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ અંદર ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે.

દાદાશ્રી : એ દેખાય તે બરોબર છે. પણ દેખાવું તો જોઈએ, ના દેખાય એવું કામનું જ નહીં. ના દેખાય તો પ્રતિક્રમણ થયું કહેવાય નહીં. એટલે દેખાય એટલે પ્રતિક્રમણ થાય. અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.

પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ?

દાદાશ્રી : ના, (જ્ઞાનદ્ષ્ટિએ) કશુંય ખરાબ નથી. આપણે સ્ટ્રોંગ (દ્ઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે. નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ માટે ના આવે. આ કંઈ બધાને માટે આવે છે? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ? અમુક જોયા હોય ને તેની પર દ્ષ્ટિ પડી હોય, તે જ આવે.

પ્રશ્નકર્તા : એવો ખોટો વિચાર આવે તે વખતે માણસે એવી પરિસ્થિતિમાં શું કરવું ?

દાદાશ્રી : તે છોને આવે. વિચાર આવે તે ફૂલહાર લઈને કહીએ, બહુ સારું તમે આવ્યા. એ અમને ગમ્યું. આટલોય આનંદ થાયને ! કાણ-મોકાણના વિચાર લાવે તેના કરતાં આવાં વિચાર લાવે છે!

કોના નિમિત્તે આ ખરાબ વિચાર આવ્યો ? એટલે જેના નિમિત્તે આવ્યો તેના નામનું પ્રતિક્રમણ કરવાનું. અને એ બેનના શુદ્ધાત્માને... મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, આ બેન માટે મને ખરાબ વિચાર આવ્યો તેની હું દાદા ભગવાન પાસે આલોચના કરું છું કે મને આવું થયું. એ જાહેર કરવું, એનું નામ આલોચના કહેવાય. એટલે મને ત્યાં બોલાવવાની જરૂર નહીં. ત્યાં તમારે ચિંતવનથી જાહેર કરી દેવા. પછી પ્રતિક્રમણ કરવું. એ શુદ્ધાત્માને કહેવું

(પા.૧૮)

કે મને કોઈ દેહધારી ઉપર આવા વિચાર ના આવે, એવી મને શક્તિ આપો અને આ વિચાર આવ્યા તેની હું ક્ષમા માગું છું. ફરી આવું કોઈ દેહધારી પર મને વિષયોનો વિચાર જ ના આવે, એવી મને શક્તિ આપો. અને ફરી આવો વિચાર ક્યારેય પણ નહીં કરવાની મારી ઇચ્છા છે, એનું નામ પ્રત્યાખ્યાન કહેવાય.

ભરેલા રાગ સામે જાગૃતિ

પ્રશ્નકર્તા : આપણે અત્યાર સુધીના પ્રતિક્રમણ કરીએ છીએ, તે કોઈની સાથે કંઈ ગુસ્સો કર્યો, દ્વેષ થયો એટલે દ્વેષના પ્રતિક્રમણ કર્યા, તો રાગના પણ આપણે પ્રતિક્રમણ કરવા કે કેમ ?

દાદાશ્રી : એ તો પછી પ્રતિક્રમણ કરવાના ના હોય. આ રાગ થાય છે, એ આપણે બંધ કરવાની જરૂર છે, બસ એટલું જ.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે બંધ કરવું ?

દાદાશ્રી : મારે વીતરાગ થવું છે માટે રાગ બંધ કરી દેવાનો. મારે જે સ્ટેશન પર પહોંચવું છે જલદી, એટલે ત્યાં આગળ બેઠા હોય ત્યાંથી ઊઠવાનું એવું જ હોય ને ? એ રીતે બંધ કરી દેવાના.

કારણ કે એ રાગ-દ્વેષ બેઉ ડિસ્ચાર્જ સ્વરૂપે છે, જ્ઞાન લીધા પછી. અને જો સામા પર દ્વેષ થાય તો એને દુઃખ થાય, ઈફેક્ટ (અસર) આવે. એટલે આપણે પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ ધોવાઈ જાય અને રાગ તો કોઈને કશું થવાનું નહીં. અને ડિસ્ચાર્જ છે એટલે એ તો ઊડી જવાનું છે. એટલે પ્રતિક્રમણ ના થાય તોય ઊડી જવાનું છે, એટલે પ્રતિક્રમણ ના થાય તોય કશું ના થાય.

જેમ આપણે વ્યાપાર કરતા હોઇએ, આપણે બીજા લોકો પાસે દસ લાખ રૂપિયા માંગતા હોઈએ અને લોકો પાંચ લાખ રૂપિયા આપણી પાસે માંગતા હોય, તો લોકોને એમ લાગે કે આમને ત્યાંથી લઇ આવો. હવે એ તો રાતે બે વાગે ઊઘરાણીમાં આવે. હવે આપણે તો મોક્ષે જવું છે, એટલે એને આપી દેવાના. અને આપણા છે તે પેલા ના આવે તો આપણે માંડવાળ કરી શકીએ. એવી રીતે આ રાગ ને દ્વેષનું કરવાનું.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગનો વાંધો નથી, દ્વેષનો વાંધો છે. પણ રાગથી આત્માના પ્રોગ્રેસ (પ્રગતિ)માં અંતરાય આવે ?

દાદાશ્રી : એ તો જે રાગ ભરેલો છે એ આવ્યા વગર રહે નહીં ને, અને રાગ આપણો વધવાનો નથી, એ ડિસ્ચાર્જ છે. એ આપણને હરકતકર્તા નથી. એ ભરેલો છે માલ, એ આવ્યા વગર રહે નહીં ને! આપણે રાગ કરતા નથી, આ તો ભરેલો માલ છે. એ રાગ થાય છે. એટલે આપણે એની જોડે મીઠાશથી બોલીએ એટલું જ ! એ બધુંય ડિસ્ચાર્જ છે. અવરોધ તો કરવાનો જ હતો પણ એ ડિસ્ચાર્જ થયું એટલે આજ્ઞા પાળવી જોઈએ ને ! એટલે તમે જો આજ્ઞા પાળોને તો નિરંતર આત્મામાં જ છો. તમે નોકરી કરતા હો કે ગમે તે પણ આજ્ઞા પાળો ને તો નિરંતર આત્મામાં જ છો.

પ્રશ્નકર્તા : રાગ હોય ત્યાં આગળ કેવી રીતે આજ્ઞામાં રહેવાય?

દાદાશ્રી : એ રાગ ને જે દ્વેષ છે બેઉ, એ કોને કહેવાય છે? કોઝિઝ રાગને રાગ કહેવાય છે, ઇફેક્ટિવ રાગને રાગ નથી કહેવાતો. તે આ અત્યારે જે રાગ છેને, એ કોઝિઝ રાગ નથી, ઇફેક્ટિવ છે. કારણ કે તમે શુદ્ધાત્મા થઈ ગયા અને શુદ્ધાત્માને રાગ-દ્વેષ હોય નહીં અને ઇફેક્ટ છે તે ચંદુલાલની છે આ.

રાગ-દ્વેષમાં તન્મયાકાર ત્યાં પ્રતિક્રમણ

ઇફેક્ટ રાગ હોય કે દ્વેષ હોય તો આપણે 'ચંદુલાલ'ને એમ કહેવું પડે કે ખરાબ થાય એમાં આને 'એટેક' કેમ કરો છો ? માટે પ્રતિક્રમણ કરો. અને રાગને માટે કશુંય નહીં.

(પા.૧૯)

રાગ વખતે જુદાપણાની જાગૃતિમાં ના રહે, આજ્ઞામાં ના રહે, તો પછી તેનું પ્રતિક્રમણ કરવું પડે.

કોઈ પણ ક્રિયા રાગથી થાય કે દ્વેષથી થાય. જ્ઞાન પછી રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ નથી ત્યાં પુદગ્લ સામસામી ટકરાય તેને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા તે આત્મા ! તેમાં જો તન્મયાકાર થાય તો માર ખાય. તન્મયાકાર ક્યારે થાય કે એમાં બહુ વણાઈ ગયેલું હોય તો તન્મયાકાર થાય, પણ પછી તમારે ચંદુભાઈને પ્રતિક્રમણ કરવા કહેવું, જેથી ચોખ્ખું થઈ જાય.

જાગૃતિ હોય તો જ જ્ઞાતા-દ્રષ્ટા હોય ને જાગૃતિમાં જ પ્રતિક્રમણ થાય. તે પ્રતિક્રમણ હવે 'તમારે' કરવાનું નથી. 'જ્ઞાતા-દ્રષ્ટા' છે તે 'કરે' નહીં અને 'કરે એ જ્ઞાતા-દ્રષ્ટા' નહીં. એટલે પ્રતિક્રમણ ચંદુભાઈને જ કરવાનું. જેણે અતિક્રમણ કર્યુંને, તેને જ 'આપણે' કહીએ 'તમે' પ્રતિક્રમણ કરો. આક્રમણખોર હોય તેને જ કહીએ તમે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈને પ્રતિક્રમણ કરવાનું તમે કહો તો તમે શુદ્ધાત્મા હો તો જ થાય.

શારીરિક વેદના વખતે

પ્રશ્નકર્તા : સામાને દુઃખ થાય ત્યારે તો આપણે પ્રતિક્રમણ કરીએ, પણ જ્યારે પોતે પોતાની જ શારીરિક વેદના ભોગવતો હોય અને દુઃખ થાય તો તેનુંય પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : એને જોયા કરવાનું. તન્મયાકાર થાય તેનેય જોવાનું. ભોગવવાનું, વેદવાનું થાય તેને જોયા કરવાનું. વેદ એટલે જાણવું અને વેદ એટલે ભોગવવું. તે ભોગવવાથી માંડીને જાણવા સુધીના પદમાં જ્ઞાનીઓ હોય છે.

પ્રશ્નકર્તા : બહુ દુઃખે ત્યારે તો પુદગ્લ ઠેકડા મારવા મંડે.

દાદાશ્રી : હા. તમે ઠેકડા મારતા હો, તે બધાને ખબર પડી જાય. પણ બીજાને દુઃખ ના થાય એ જોવાનું. અને વખતે દુઃખ થાય, દુઃખ પહોંચે એવું ખરાબ બોલી ગયા અને પેલાને દુઃખ થયું તો તમારે 'ચંદુભાઈ'ને કહેવું કે તમે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : એ તો એમાં પૂરતું પ્રતિક્રમણ થયું. પણ શરીરની વેદનામાં મનમાં ભાવોનું પરિવર્તન બહુ આવે છે. એ વખતે એમ સમજોને કે, એ આર્તધ્યાન-રૌદ્રધ્યાન જેવું જ પરિવર્તન આવે છે.

દાદાશ્રી : આ જ્ઞાન જ એવું છે કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય જ નહીં. પણ તે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય છે તે બાહ્ય વિભાગમાં થાય છે. એટલે તે ખરેખર ચોંટતું નથી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન તો કોને કહેવાય? કે હિંસકભાવ હોય, હિંસકભાવ તો તમારામાં દેખાતો નથી.

પ્રશ્નકર્તા : અશાતા વેદનીય કર્મ ઉદય આવ્યા, એ કર્મ ભોગવવા પડે છે. એ ભોગવતી વખતે, અરેરે! મરી ગયો, મરી ગયો એમ કરે. મેં કોઈ ખરાબ કામ કર્યું નથી. મને આ કર્મ ઉદયમાં કેમ આવ્યું ? તો આવા સંજોગોની અંદર એ વ્યક્તિએ કઈ ભાવના ભાવવી જોઈએ?

દાદાશ્રી : આનાથી હું છૂટો છું, એવી ભાવના ભાવે તો હલકું લાગે. અને 'મને થઈ જાય છે' કહે તો વધારે લાગે.

પ્રશ્નકર્તા : એટલે એ જ્યારે વેદનાથી ઉદ્વેગ ભોગવે છે ત્યારે એ આર્તધ્યાનથી છે કે રૌદ્રધ્યાનથીછે?

દાદાશ્રી : આર્તધ્યાનથી. એમાં ધ્યાનનો સવાલ જ નથી. એ જો 'જ્ઞાન'માં હોય ને તો આ વેદના ભોગવે છે તે કોણ ભોગવે છે તે આપણે જાણવું જોઈએ અને આપણે કોણ છીએ, એ જાણવું જોઈએ. એટલે આપણે એમ કહેવું કે 'ભઈ, ચંદુભાઈ તમે જ ભોગવો. હવે તમારા કરેલા છે તે ભોગવો.' તેમાં આપણે છૂટા રહીએ તો છૂટાપણાનો લાભ થાય. નહીં તો 'મને બહુ દુઃખ પડ્યું' કહીએ તો ખૂબ પડશે જબરજસ્ત, અનેકગણું થઈને પડશે.

(પા.૨૦)

મરનાર મારનારને ખોળે

પ્રશ્નકર્તા : ગઈકાલે હું કાર ડ્રાઈવ કરતો'તો ને, ત્યારે ગાડી નીચે કબૂતર આવી ગયું તો બહુ દુઃખ થયું.

દાદાશ્રી : તે ચંદુભાઈને દુઃખ થયુંને ? તો ચંદુભાઈને કહીએ કે પસ્તાવો કરો, પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : બધું કર્યું.

દાદાશ્રી : કર્યું ને ? સારું.

પ્રશ્નકર્તા : પણ ખબર ન પડી કે કેવી રીતે ક્યાંથી રસ્તામાં એ આવી ગયું.

દાદાશ્રી : એવું છે ને કે એના કોઈ ગુનાથી એ મરવાનું હતું પણ મારનારને ખોળતું હતું એ. કોઇ હિંસક જનાવર છે ? ત્યારે કહે, આ ચંદુભાઈ આવા ભાવવાળા છે, એવા મારનારને ખોળતું હતું.

અને જેણે નક્કી કર્યું છે કે મારે કોઈ જીવને મારવો નથી, તેને એ અડે નહીં. મારવો છે એવો ભાવ ના હોય, પણ ગાડી નીચે આવે તો મરીયે જાય, એમાં અમે શું કરીએ ? એવું કહે, તો એને એવું ભેગું થાય. સાચવવું હોય તેને એવું ભેગું થાય. જેવો ભાવ એવો તમારો હિસાબ. એ અત્યારે ભાવ થોડો મળી ગયો. જૈન થઈને ઉતાવળ કરે ને વચ્ચે કોઈ આવે તેને 'હું શું કરું' કહે.

ગમે ત્યારે પણ સ્ટ્રોંગ પોલિસી રાખવી જોઈએ. ના, કોઈપણ સંજોગોમાં મારે મારવું નથી.

હવે આપણે અહીં પ્રતિક્રમણ કરાવીશું ને, તો એ તો બધું ચોખ્ખું થઈ જાય. આ તો મોટા જીવ દેખાય છે, બીજા નાના જીવ તો કેટલાય વટાઈ જાય. એનું એ 'ચંદુભાઈ' પાસે પ્રતિક્રમણ કરાવવું.

પ્રશ્નકર્તા : મનમાં એવું થયેલું કે વ્યવસ્થિતમાં એનો પણ એ રીતનો હિસાબ હશે, એવું નહીં?

દાદાશ્રી : હિસાબ ખરો ને, એનો હિસાબ ને નિમિત્ત આપણે. પણ આપણા મહાત્માઓ એ નિમિત્ત ના થાય. એ ગાડી હાંકતા હોય ને તોય ના થાય કે મનમાં ભાવ ના હોય કે મારે કોઈને મારવું છે.

પ્રશ્નકર્તા : એમાં મનના વિચારો કેવી રીતે બદલવા હવે ?

દાદાશ્રી : હવે એ કશું કરવાનું નથી. હવે તો આની પાસે પ્રતિક્રમણ કરાય કરાય કરવાનું. પણ ચોખ્ખું થઈ ગયું ને ?

પ્રતિક્રમણ કરાવનાર પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કોણ કરે છે ?

દાદાશ્રી : અતિક્રમણ કરે છે તે.

પ્રશ્નકર્તા : પણ અતિક્રમણ કોણ કરે છે ?

દાદાશ્રી : અતિક્રમણ એ અહંકાર કરે છે.

પ્રશ્નકર્તા : અતિક્રમણ અહંકાર કરે છે તો પ્રતિક્રમણ અહંકારે જ કરવાનું?

દાદાશ્રી : હા, પ્રતિક્રમણેય અહંકારે જ કરવાનું.

પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો તો એ કહેનાર કોણ ? કોણ એવું કહે?

દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો.

પણ ચેતવણી કોની ? પ્રજ્ઞાની. પ્રજ્ઞા કહે છે, 'અતિક્રમણ કેમ કર્યું ?' પ્રજ્ઞા શું ચેતવે? 'અતિક્રમણ કેમ કર્યું ? તો પ્રતિક્રમણ કરો.'

શૂટ ઑન સાઈટ પ્રતિક્રમણ

એ પોતે શુદ્ધાત્મા, મહીં આ ક્રિયા કરનાર છે તે, પ્રજ્ઞાભાવ કહેવાય છે. અને એ પ્રજ્ઞાભાવથી એમને કહે, 'તમે પ્રતિક્રમણ કરો.' એમ જુદી રીતે વાત થાય. એ પોતે ચંદુભાઈને કહે કે તમે પ્રતિક્રમણ કરો, તમે આવું કર્યંુ, અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ

(પા.૨૧)

કરો. અતિક્રમણ એટલે તમે આવતા હોય ને એમનો ભાવ સહેજ બદલાયો હોય. તમને ખબર ના પડી હોય, કોઈનેય ખબર ના પડી હોય પણ પોતે જાણે ને કે આ ભાવ મારો બદલાયો હતો. એટલે તરત જ કહે છે કે 'પ્રતિક્રમણ કરો એમના નામનું.' તમારા નામનું પ્રતિક્રમણ કરે, 'શૂટ ઑન સાઈટ.' એક પ્રતિક્રમણ બાકી રહી જાય નહીં.

સમકિત બળ ચેતવે નિરંતર

જ્ઞાન પછી મહીં સવળું જ ચાલ્યા કરે. પહેલાં તો આખો દહાડોય મહીં અવળું ચાલ્યા કરે. આ જ્ઞાન સવળું જ કર્યા કરે. તું સામાને ધોલ ચોપડી દઉં તોય પણ મહીં કહેશે, 'ના, ના, એમ કરાય નહીં, પ્રતિક્રમણ કરો.' અને પહેલાં તો જ્ઞાન ના લીધું હોયને ત્યારે તું ચોપડી દઉંને, તેની જોડે એ કહેશે, 'વધારે આપવા જેવી છે. આમ કરવા જેવો જ છે.' એટલે આ તમને જે અંદર ચાલ્યા કરે છે ને, તે સમકિત બળ છે, જબરજસ્ત બળ છે ! એ રાત-દહાડો ચાલ્યા કરે, નિરંતર ચાલ્યા કરે !

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરી રહી છે?

દાદાશ્રી : હા, પ્રજ્ઞા કામ કરી રહી છે. મોક્ષે લઈ જવા માટે આ બધું બિસ્તરાં-પોટલાં ઘસેડીને મોક્ષમાં લઈ જાય.

કરો વાતચીત, ચંદુભાઈ જોડે

હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈને બેસાડીને એમની જોડે વાતચીત કરવી પડે કે 'તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો!' પણ જોડે બીજી સમજણ પાડવી ને સલાહ આપવી કે 'દેહનું બહુ ધ્યાન શું કામ રાખો છો? દેહમાં આ આમ થાય છે તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.' એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ સામે બેસાડ્યા હોય તો તમને 'એક્ઝેક્ટ' દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે.

દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને!

પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું?

દાદાશ્રી : તું 'ચંદુભાઈ'ને સામે બેસાડીને વઢ વઢ કરતા હોય તો 'ચંદુભાઈ' બહુ ડાહ્યો થઈ જાય. તું જાતે જ વઢું કે 'ચંદુભાઈ, આવું તે હોય? આ તેં શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડ ને!' આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો'ક લપકાં કરતું હોય, તે સારું લાગતું હશે? તેથી અમે તને 'ચંદુભાઈ'ને વઢવાનું કહીએ, નહીં તો હપૂચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદગ્લ શું કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ અમારું શું ? એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે. એ પણ ઈચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવીપટાવી લેવું. એ તો ભોળું છે. ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યું થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો દાવો છોડે તેવું નથી.

અંતે સિદ્ધ થાય પ્રયોગ

તારે 'ચંદુભાઈ'ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે 'ચંદુભાઈ'ને કહીએ, 'તેં આમ કેમ કર્યું? તારે આમ નથી કરવાનું. વાઈફ જોડે મતભેદ કેમ કરે છે ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?' આવું બધું કહેવું પડે.

અરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામા ઊભા છે એ ચંદુભાઈ છે. આપણે એમને કહ્યું કે 'ચંદુભાઈ, આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ?'

(પા.૨૨)

આપણે અરીસામાં ચંદુભાઈને સામાં બેસાડીને કહીએ કે 'તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શાને માટે કરો છો ?' આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે એના કરતાં તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય? દાદા મારી જોડે પાડોશમાં છે તેમને નથી કહેતા ને મને શું કરવા કહે છે?

પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો તે ના થઈ શકે ?

દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તને ચંદુભાઈ દેખાવવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું એ તો 'જ્ઞાની પુરુષ'નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને! અને આ અરીસો છે તે સારું છે, નહીં તો લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો સસ્તા અરીસા છે ! ઋષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસાભવન બનાવેલું! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય !

આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથી ને ! અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય.

પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગ બતાવો છોને, અરીસામાં સામાયિક કરવાની, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બતાવો ત્યારે સારો લાગે છે, પછી બે-ત્રણ દિવસ સારું ચાલે છે. પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે ત્યારે ફરીથી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધી કચાશ જ આવે. પુદગ્લનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય. પાછી નવી કરીને મૂકી દેવાની.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જે કાર્ય સિદ્ધ થવું જોઈએ, એ થતું નથી અને એ પ્રયોગ અધવચ્ચે પૂરો થઈ જાય છે.

દાદાશ્રી : આપણે એ પ્રયોગ ફરી પૂરા કરવા ધીમે ધીમે કરીને. એ એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય.

જુદો દોષ ને દોષનો જાણકાર

પ્રશ્નકર્તા : દોષને જાણીએ તો દોષ કહેવાય કેમ ?

દાદાશ્રી : 'તમે' જાણકાર છો તો જાણકારનો દોષ નથી. પણ ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. ક્રમણનો વાંધો નથી પણ ચંદુભાઈ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને તમારો દોષ છે, એને ધોઈ નાખો એમ કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય પછી અશુભનોય શું વાંધો ?

દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ.

આ ખોખું છે એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખુંય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને!

- જય સચ્ચિદાનંદ