|
‘આત્મા’ - નિશ્ચયથી અકર્તા, વ્યવહારથી કર્તા સંપાદકીય કર્મબંધનું કારણ શું ? કર્તાભાવ. ‘હું કરું છું’ એ અજ્ઞાન માન્યતાને કર્તાભાવ કહ્યો. આ કર્તાભાવ છૂટે તો કર્મ બંધાતા અટકે ને મોક્ષ થાય. લૌકિક જગતમાં આત્મા કર્તા છે એવું જે મનાય છે તે ભૂલ છે. ખરેખર આત્મા કર્મનો કર્તા નથી. ભગવાને કહ્યું કે આત્મા બે પ્રકારના છે. એક મૂળ આત્મા છે અને મૂળ આત્માને લઈને ઊભો થયેલો બીજો વ્યવહાર આત્મા છે. વ્યવહાર આત્માને પ્રતિષ્ઠિત આત્મા કહ્યો. હવે લૌકિક જગતમાં આ વ્યવહાર આત્માને નિશ્વય આત્મા મનાયો. હકીકત સ્વરૂપમાં મૂળ આત્મા શુદ્ધ ચેતન છે અને જગત જેને ચેતન માને છે તે નિશ્વેતન ચેતન છે. વ્યવહારમાં આ ચેતન સક્રિય છે પણ મૂળ ચેતન અક્રિય છે, અકર્તા છે. જેમ સૂર્યના પ્રકાશમાં ઊર્જા ઉત્પન્ન થાય છે તેમાં સૂર્યને લેવાદેવા નથી પણ ફક્ત એની હાજરીથી ઉત્પન્ન થાય છે. તે રીતે આત્માની હાજરીથી અહંકાર ઊભો થાય છે અને તે અહંકાર અજ્ઞાન માન્યતાથી કર્તા થાય છે. લોકોને સમજાય તે માટે વીતરાગોએ કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્વયથી અકર્તા છે. વ્યવહારથી કર્તા એટલે ડ્રામેટિકલી કર્તા છે, ખરી રીતે કર્તા નથી. રીલેટિવ વ્યૂ પોઈન્ટથી આત્મા કર્મનો કર્તા છે અને તેય ભાવકર્મનો કર્તા છે. આ દેખાય છે તે કર્મને ‘વ્યવસ્થિત’ કરે છે. આત્મા અનુપચારિક વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચારિક એટલે એમાં ઉપચાર નથી કર્યો પણ વૈજ્ઞાનિક (સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ) વ્યવહાર છે. એટલે સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા અને પરપરિણતિ ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા થાય છે. આત્મા નિજ સ્વરૂપનો કર્તા એટલે જ્ઞાનક્રિયા-દર્શનક્રિયાનો કર્તા છે. જ્ઞાનક્રિયા એટલે પોતાના સ્વરૂપમાં રહેવું ને જાણવું, દર્શનક્રિયામાં જોવું. જોવાનું અને જાણવાનું એ જ આત્માની ક્રિયા છે. જ્ઞાન મળ્યા પછી વ્યવહાર એ વ્યવહાર છે અને નિશ્ચય એ નિશ્ચય છે. વ્યવહાર નાટકીય છે બધો. જ્ઞાન પછી આપણે અકર્તા ભાવે છીએ. એટલે નિશ્ચયમાં રહીને ‘ચંદુભાઈ’ (ફાઈલ નં. ૧)ના નામની લીલા કરવાની છે. સ્વરૂપજ્ઞાન પછી પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેય થઈ જાય છે અને જાગૃતિ જ્ઞાતા થાય છે. પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું’ હતો તે હવે જાગૃતિ તરીકે ‘હું’ થાય છે. એ વધતા વધતા સંપૂર્ણ જાગૃત થાય એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે. એટલે આપણે હવે જેમ મહાવીર ભગવાન એક પુદગ્લને જોયા કરતા હતા તેમ એક જ પુદગ્લ જોવાનું છે. ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે, એ બધું નિરંતર જોયા કરવું એ જ કમ્પ્લિટ શુદ્ધાત્મા. એ પૂર્ણ દશા પ્રાપ્ત કરવી એ આપણો ધ્યેય છે. એ ધ્યેયપ્રાપ્તિની પૂર્ણતા માટેના પુરુષાર્થની ખૂટતી કડીઓ આપણને પ્રસ્તુત સંકલનમાંથી ઉપલબ્ધ થશે એજ અભ્યર્થના. - દીપક દેસાઈ (પા.૨) ‘આત્મા’ - નિશ્ચયથી અકર્તા, વ્યવહારથી કર્તા કર્મ, રોંગ બિલીફથી પ્રશ્નકર્તા : કર્મ એટલે શું ? એનું મૂળ શું ? શેનાથી કર્મ બંધાય છે ? દાદાશ્રી : કર્તાભાવથી કર્મ બંધાય. ‘હું કરું છું’ એ કર્તાભાવ છે. કરે છે બીજો ને આરોપ કરે છે કે ‘મેં કર્યું.’ કોલેજમાં પાસ થાય તે બીજી શક્તિના આધારે થાય છે ને કહે છે કે હું પાસ થયો. એ આરોપિત ભાવ છે, તેનાથી કર્મ બંધાય છે. ‘હું ચંદુભાઈ છું’ એ જ કર્મ છે. પ્રશ્નકર્તા : તો કર્મ કોણ કરે છે ? આત્માને કર્મ લાગે કે પુદગ્લને ? દાદાશ્રી : જો તું જ્ઞાની છે તો તારા કર્મ નથી ને અજ્ઞાની છે તો તારા કર્મ છે. એવું છે, ‘આત્મા કર્મનો કર્તા છે’ એવું જે માને છે તે ભૂલ છે, ખરેખર આત્મા કર્મનો કર્તા નથી. આત્મા જો કર્મનો કર્તા હોયને તો છૂટે જ નહીં કોઇ દહાડો. મોક્ષમાં ગયેલા સિદ્ધો પણ ત્યાંય કર્મ બાંધ્યા જ કરે, જો આત્મા કર્મનો કર્તા હોત તો. કોઇ બાપોય કર્મ બાંધનાર નથી કે કોઇ બાપોય છોડાવનાર નથી, જે છે તે તું જ છે. આ ‘જ્ઞાની પુરુષે’ જ્ઞાનમાં શું જોયું ? એવું તે શું જોયું કે આત્માને અકર્તા કહ્યો ? તો કર્તા કોણ? આ જગત કેવી રીતે ચાલે છે, આ ક્રિયાઓ કઇ રીતે થાય છે એ જ્ઞાનમાં જોયું ત્યારથી સચોટ થઇ ગયું. સંસારનો કર્તા આત્મા નથી, આત્મા તો એના જ્ઞાનનો કર્તા છે, સ્વાભાવિક અને વિભાવિક જ્ઞાનનો કર્તા છે. એ તો પ્રકાશનો જ કર્તા છે. એની બહાર કોઇ દહાડો ગયો નથી. ક્રિયાનો કર્તા એ આત્મા નથી. પોતે જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાનો જ કર્તા છે, બીજે ક્યાંય એનું સક્રિયપણું નથી. માત્ર આત્માની હાજરીથી બીજા બધા તત્ત્વોની સક્રિયતા ઉત્પન્ન થઇ જાય છે. પોતાની ‘રોંગ બિલીફ’ ઉત્પન્ન થાય છે કે ‘હું ચંદુભાઈ છું’ ! એટલે આ ‘રોંગ બિલીફ’થી કર્મ લાગે છે. પુદગ્લ એકલું કર્મ ના કરી શકે, ‘આત્મા’ની હાજરી જોઇએ. આત્માની હાજરીથી જે અહંકાર ઊભો થાય છે એ જ કામ કરે છે. જો ‘ઇગોઇઝમ’ (અહંકાર) ‘ફ્રેક્ચર’ થઇ ગયો તો ખલાસ થઇ ગયું. આ અહંકાર કર્મ બાંધે છે ને કુદરત છોડે છે. ‘ટાઇમિંગ’ મળે, બીજા ‘એવિડન્સીસ’ મળે ત્યારે કુદરત એ કર્મ છોડાવડાવે છે. એ કર્મ જ્યારે છૂટે છે ત્યારે ‘ઇગોઇઝમ’ એને ભોગવે છે ને પાછો એ નવું કર્મ બાંધે છે. પ્રશ્નકર્તા : આત્મા પુદગ્લને ચોંટ્યો છે કે પુદગ્લ આત્માને ચોંટ્યું છે ? દાદાશ્રી : એવું છે ને, કોઈ કોઈને ચોંટ્યું જ નથી, બધું નૈમિત્તિક છે. આ તો વ્યવહારમાં લોકો કહે છે કે, ‘આત્મા ચોંટી પડ્યો છે.’ એટલે તો લોક એવું કહે છે કે ‘આ ઝાડને તેં ઝાલ્યું છે, તું છોડી દે.’ પણ એમ તો છોડી દીધે કંઈ છૂટતું હશે ? આ તો ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે. પ્રશ્નકર્તા : પણ એમ દેખાય છે કે આત્મા આ પુદગ્લને ચોંટ્યો છે. આત્મા પુદગ્લમાં તન્મયાકાર થાય એટલે આમ થયું છે. દાદાશ્રી : એ તો ફરજિયાત થવું પડે છે. પ્રશ્નકર્તા : આત્માને ફરજ શા માટે પડી ? કોણે ફરજ પાડી ? દાદાશ્રી : એ બધું એવું છે ને, આત્મા એ ચૈતન્ય છે અને આ પુદગ્લ એ જડ છે. કોઈ કશું કરતું નથી, પણ બેઉના ભેગા થવાથી વિશેષભાવ ઉત્પન્ન થાય છે અને વિશેષભાવ થવાથી સંસાર ચાલુ (પા.૩) થઈ જાય છે. પછી જ્યારે મૂળ ભાવમાં આત્મા આવે ને પોતે જાણે કે ‘હું કોણ છું’, ત્યારે એ છૂટે. ત્યાર પછી પુદગ્લ છૂટે છે. અમલ, અજ્ઞાનનો જ પ્રશ્નકર્તા : તો ચૈતન્ય જો શુદ્ધ થઈ જાય, તો ફરી એને આવવું પડે? દાદાશ્રી : આવવું જ ના પડે ને ! એકે ફેરો શુદ્ધતામાં આવી ગયો એટલે અહંકાર ગયો, એટલે પછી આવવું જ ના પડે. અહંકાર હોય ત્યાં સુધી બીજ નાખે કે ‘મેં કર્યું’ ને એમાંથી ફરી પાછો અહંકાર ઊભો થાય. ‘મેં કર્યું’ એવું માને છે ત્યાં સુધી અહંકાર ફરી ઊભો થશે. પ્રશ્નકર્તા : તો આત્મા પહેલેથી અશુદ્ધ જ હોવો જોઈએ ? દાદાશ્રી : ના, આત્મા શુદ્ધ જ છે. પ્રશ્નકર્તા : તો પછી આત્મા અશુદ્ધ થયો જ કેવી રીતે ? દાદાશ્રી : એ તો લોકોએ ‘ચંદુ, ચંદુ’ કહ્યું ને! આ લોકો અજ્ઞાનનું પ્રદાન કરે છે ને, તેનાથી દર્શન બદલાઈ જાય છે. આખું દર્શન ફરે છે, તેનો અમલછે. વિભાવ, સંજોગોના દબાણથી પ્રશ્નકર્તા : આત્મા એના મૂળ સ્વભાવમાં તો શુદ્ધ છે, તો એને આ બધા કષાયો કેવી રીતે લાગ્યા હશે ? ને કર્મ કેવી રીતે બંધાણાં ? દાદાશ્રી : એ ‘સાયન્સ’ (વિજ્ઞાન) છે ! આપણે અહીં લોખંડ મૂકી રાખીએ અને તે લોખંડ જો જીવતું હોય ને તો કહેશે કે ‘મને કાટ ચઢશો નહીં.’ પણ ‘સાયન્સ’નો નિયમ છે, એને બીજા સંજોગોનો સ્પર્શ થાય તો એને કાટ ચઢ્યા વગર રહે નહીં. એવી રીતે આત્મા મૂળ સ્વભાવથી તો શુદ્ધ જ છે, પણ એને આ સંજોગોના દબાણથી કાટ (આવરણો) ચઢ્યો છે. પ્રશ્નકર્તા : આત્મા અત્યારે કર્મથી આવરાયેલો છે, પણ આત્મા એ કર્મોને ખપાવી દે તો પછી એને કાટ લાગે ખરો ? દાદાશ્રી : એવું છે ને, જ્યાં સુધી પોતે સ્વભાનમાં ના આવે ત્યાં સુધી કાટ લાગ્યા કરે, નિરંતર કાટ લાગ્યા જ કરે. પોતાનું ભાન ગયું, પોતે આરોપિત ભાવમાં છે માટે કાટ લાગ્યા કરે છે. ‘હું ચંદુભાઈ છું’ એ આરોપિત ભાવ છે એટલે નિરંતર કાટ લાગ્યા કરે છે. એ આરોપિત ભાવ ગયો અને ‘સ્વભાવ’માં આવે, એટલે કે પોતાના સ્વરૂપમાં આવે, ક્ષેત્રજ્ઞ દશામાં આવે, એટલે પછી એને કાટ ના લાગે! પ્રશ્નકર્તા : શરૂઆતમાં આત્મા મૂળ પદાર્થે કરીને શું હશે કે જેથી કરીને આ કાટ લાગ્યો ? દાદાશ્રી : આ બધા તત્ત્વો લોકમાં છે ને લોકમાં જ્યાં સુધી છે ત્યાં સુધી બીજા તત્ત્વોની અસર થયા કરવાની. આને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા) કહેવાય. આત્મા જ્યારે લોકથી પર જશે, સિદ્ધગતિમાં જશે ત્યારે ત્યાં એને કાટ નહીં લાગે. ઉકેલ, રાઈટ બિલીફથી એવું છે ને, કર્મ બીજા કશા લાગ્યા નથી. ભાન ખોયું છે એ જ કર્મ લાગ્યા છે. બાકી પોતે શુદ્ધ જ છે. અત્યારેય તમારો આત્મા શુદ્ધ જ છે. દરેકનો આત્મા શુદ્ધ જ છે, પણ આ જે બાહ્યરૂપ ઊભું થયું છે તે રૂપમાં પોતાને ‘રોંગ બિલીફ’ ઊભી થઈ છે. જન્મથી જ પોતાને અહીં તે રૂપમાં અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. સંસાર છે, એટલે બાબો જન્મ્યો ત્યારથી જ એને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે કે ‘બાબો આવ્યો, બાબો, બાબો’ કહેશે. પછી ચંદુ નામ પાડવામાં આવે તે લોકો પછી એને ‘ચંદુ, ચંદુ’ કહે, ત્યારે પોતે માની લે કે ‘હું ચંદુ છું.’ પછી એને પપ્પાની ઓળખાણ કરાવે, મમ્મીની ઓળખાણ કરાવે, બધું અજ્ઞાનનું જ પ્રદાન કરવામાં આવે છે. ‘તું ચંદુ, (પા.૪) આ તારા મમ્મી, આ તારા પપ્પા’ એવી ઓળખાણ કરાવે એટલે એને ‘રોંગ બિલીફ’ બેસી ગયેલી છે, તે ઊખડતી જ નથી. એ ‘રોંગ બિલીફ’ ‘જ્ઞાની પુરુષ’ તોડી આપે ત્યારે ‘રાઇટ બિલીફ’ બેસે, ને ત્યારે ઉકેલ આવી જાય ! એટલે આત્મા તો શુદ્ધ જ છે, આ તો ખાલી દ્રષ્ટિફેર જ છે ! આ તો ફક્ત મિથ્યાદર્શન ઊભું થયું છે. જ્યાં સુખ નથી ત્યાં સુખની માન્યતા ઊભી થઈ છે. અમે જ્ઞાન આપીએ એટલે એને સાચી દિશામાં પછી રસ્તો મળી જાય છે. રસ્તો મળી જાય એટલે ઉકેલ આવી જાય. મિથ્યાદર્શન ફેરવી આપીએ અને સમ્યક્દર્શન કરી આપીએ એટલે એનો ઉકેલ આવે, ત્યાં સુધી ઉકેલ ના આવે. પ્રશ્નકર્તા : પણ આની શરૂઆત કેવી રીતે થઇ? દાદાશ્રી : આ તો અવિનાશી વસ્તુઓ ભેગી થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઇ છે. આ સંસાર એટલે સમસરણ માર્ગ અને સમસરણ એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. આ પરિવર્તનથી તમારો આત્મા અશુદ્ધ જ છે એવું તમને તમારા માટે લાગે છે, પણ મને તમારો આત્મા શુદ્ધ જ દેખાય છે. ફક્ત તમારી ‘રોંગ બિલીફો’ બેઠી છે, તેથી તમને અશુદ્ધતા મનાય છે. એ ‘રોંગ બિલીફો’ હું ‘ફ્રેકચર’ કરી આપું અને તમને ‘રાઇટ બિલીફ’ બેસાડી આપું, એટલે તમને પણ શુદ્ધ દેખાય. આત્મા શુદ્ધ જ છે. અત્યારેય તમારો આત્મા શુદ્ધ જ છે, ફક્ત ‘બિલીફો’ તમારી ‘રોંગ’ બેઠેલી છે. તે તમે આ ‘ટેમ્પરરી’ વસ્તુમાં સુખ માની બેઠા છો. જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, જીભે ચખાય છે એ બધી, ‘ઓલ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્’ છે અને તે ‘ટેમ્પરરી’માં તમે સુખ માન્યું. અત્યારે તમને એ ‘રોંગ બિલીફ’ની અસર થઈ છે. એ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ થઈ જાય એટલે ‘ટેમ્પરરી’માં સુખ ના લાગે, ‘પરમેનન્ટ’માં સુખ લાગે. ‘પરમેનન્ટ’ સુખ એ સનાતન સુખ છે, એ આવ્યા પછી જાય નહીં અને એનું નામ જ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય. એ સ્વાનુભવ પદ કહેવાય. એ સ્વાનુભવ પદથી આગળ વધતા વધતા પૂર્ણાહૂતિ થાય પછી. વ્યવહાર આત્મા - નિશ્ચય આત્મા તમને મૂળ હકીકત કહી દઉં. બે પ્રકારના આત્મા છે; એક મૂળ આત્મા છે ને એ મૂળ આત્માને લઈને બીજો ઊભો થયેલો આ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા નિશ્ચય આત્મા છે, તેમાં કશો ફેરફાર થયો જ નથી. એ જેવો છે તેવો જ છે અને તેનાં અંગે વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ‘ચંદુભાઈ’ દેખાય કે ના દેખાય ? પ્રશ્નકર્તા : હા, બે દેખાય. દાદાશ્રી : એવું આ વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. એને અમે ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો. એમાં પોતાની પ્રતિષ્ઠા કરેલી છે. માટે જો હજુ ‘તમે’ પ્રતિષ્ઠા કરશો, ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું’ કરશો તો ફરી આવતા ભવ માટેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થશે. આ વ્યવહારને સત્ય માનશો તો ફરી વ્યવહાર આત્મા ઊભો થશે. નિશ્ચય આત્મા તો તેવો ને તેવો જ છે. જો એનો સ્પર્શ થઈ જાય ને, તો કલ્યાણ થઈ ગયું ! અત્યારે તો વ્યવહાર આત્માનો જ સ્પર્શ છે. રીલેટિવ આત્મા - રીયલ આત્મા પ્રતિષ્ઠિત આત્મા એ ‘રીલેટિવ આત્મા’ છે અને બીજો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એ ‘રીયલ આત્મા’. અને ‘રીલેટિવ આત્મા’ એ ‘મિકેનિકલ આત્મા’ છે, એ પૂરણ-ગલન સ્વરૂપ છે. તમે અહીંથી ખાવાનું પૂર્યું એટલે તમારે સવારમાં સંડાસ જવું પડે, અહીં પાણી પૂર્યું એટલે બાથરૂમમાં જવું પડે, શ્વાસ લીધો એટલે (પા.૫) ઉચ્છ્વાસ થયા કરે, એ પૂરણ-ગલન અને શુદ્ધાત્મા બે જ વસ્તુ છે. પ્રશ્નકર્તા : ‘રીલેટિવ આત્મા’ અને ‘રીયલ આત્મા’, એ બેમાં શું ફેર છે ? દાદાશ્રી : ‘રીલેટિવ આત્મા’ એ પોતાની ‘રોંગ બિલીફ’થી ઊભો થયેલો છે. એ રોંગ બિલીફ ફ્રેકચર થઈ જાય એટલે પોતે ‘રીયલ આત્મા’માં આવે. ‘રોંગ બિલીફો’ બધી ‘જ્ઞાની પુરુષ’ ફ્રેકચર કરી આપે અને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. એને સમ્યક્ દર્શન કહેવાય. એટલે પોતાનાં શુદ્ધાત્માની પ્રતીતિ બેસે. પ્રશ્નકર્તા : અહમ્ અને પ્રતિષ્ઠિત આત્મામાં કંઈ ભેદ ખરો ? દાદાશ્રી : ના. પ્રતિષ્ઠિત આત્મા તે જ અહંકાર છે. ‘આપણે’ પ્રતિષ્ઠા કરી માટે તો એ ઊભો થયો છે. ફરી પાછો પ્રતિષ્ઠા કર્યા જ કરે છે કે ‘દેહ તે હું, ચંદુભાઈ તે હું, આ બાઈનો ધણી તે હું, આ છોકરાનો બાપો તેય હું, આનો ભઈ તેય હું.’ આવા કેટલા પ્રકારના હું, હું, હું, હું..... ... ને નવી પ્રતિષ્ઠા ઉત્પન્ન થાય પ્રશ્નકર્તા : એટલે એક પ્રતિષ્ઠિત આત્મા અને બીજો શુદ્ધાત્મા ? દાદાશ્રી : નિશ્ચય આત્મા એ શુદ્ધાત્મા અને જે વ્યવહારમાં ચાલે છે એ વ્યવહાર આત્મા, એ પ્રતિષ્ઠિત આત્મા ! કારણ કે ‘આપણે’ એની પ્રતિષ્ઠા કરીએ છીએ. હમણાં કોઈ ‘જ્ઞાન’ પામેલો માણસ ના હોય ને એનું નામ નગીનભાઈ હોય, તો ‘હું નગીનભાઈ છું, હું આનો મામો થઉં, આનો કાકો થઉં’ એ જે બોલી રહ્યો છે એ પહેલાનું કર્મ છે, એ આ કર્મ રૂપકમાં બોલે છે. પહેલા જે યોજના રૂપે હતું ને તે આ રૂપકમાં આવ્યું. હવે રૂપકમાં આવ્યું તેનો વાંધો નથી, પણ ફરી એવું ને એવું જ એને શ્રદ્ધામાં છે માટે એનું બીજ પડે છે પાછું. એટલે આમ પ્રતિષ્ઠા કરે છે, દેહમાં જ પ્રતિષ્ઠા કરે છે કે ‘આ હું છું.’ એટલે ફરી પાછો દેહ ઉત્પન્ન થાય છે, મૂર્તિ ઉત્પન્ન થાય છે. એટલે આમ પ્રતિષ્ઠા કરી કરીને નવી મૂર્તિ ઉત્પન્ન કરે છે અને જૂની મૂર્તિ ઊડી જાય છે. અને તે પ્રતિષ્ઠા કરેલી એટલે ફળ આપ્યા જ કરે. પ્રતિષ્ઠિત આત્માની માન્યતા જ છે, એ ‘રોંગ બિલીફ’ ઊભી થઈ ગઈ છે એટલે પ્રતિષ્ઠા જ કર્યા કરે છે કે ‘આ હું છું, આ હું છું.’ તે પેલું પાછલી પ્રતિષ્ઠા ઊડે છે અને નવી પ્રતિષ્ઠા ઊભી થાય છે. આશ્રવ - નિર્જરા - સંવર એક તો કહે છે કે ‘હું ચંદુભાઈ છું’, પછી ‘આનો મામો થઉં, આ વિચાર મને આવ્યો.’ હવે પાછલી પ્રતિષ્ઠાનું આશ્રવ છે. તે આશ્રવ પછી નિર્જરા થાય છે. તે નિર્જરા થતી વખતે ફરી એવું જ ઘાટ ઘડી અને નિર્જરા થાય છે. હવે આ જ્ઞાન આપેલું હોય, તે શું કહે કે ‘હું ચંદુભાઈ છું અને આનો મામો થઉં’ એ બોલે છે, તે પાછલી પ્રતિષ્ઠાનું જ. પણ આજે જ્ઞાન છે એટલે ‘ખરેખર હું ચંદુભાઈ છું’ એ શ્રદ્ધા ઊડી ગયેલી છે, એટલે નવી પ્રતિષ્ઠા નથી કરતો. એટલે એ સંવર કહેવાય છે, બંધ થતો નથી અને આ નિર્જરા થયા કરે. બંધ કોનું નામ કહેવાય ? જ્ઞાન ના હોય ત્યારે બંધ પડે. એટલે જેવું આપણે પ્રતિષ્ઠા કરીએ, એવી જ પાછી ફરી પ્રતિષ્ઠા ઊભી થઈ ગઈ. ‘વ્યવહાર આત્મા’, મનાયો ‘નિશ્ચય આત્મા’ પ્રશ્નકર્તા : વ્યવહારિક આત્મા ને નિશ્ચય આત્મા, એ બન્નેના જુદા જુદા ગુણ થયા ? દાદાશ્રી : એ જુદા જ હોય ને ! નિશ્ચય આત્મા એટલે મૂળ આત્મા. પ્રશ્નકર્તા : એમાં આત્મા એક જ અને ગુણ જુદા, એવું છે ? દાદાશ્રી : એવું નથી. એક માણસ ખારેકનો મોટો એજન્ટ છે, સહુ લોક એને કહે કે ‘આ ખારેકવાળા (પા.૬) શેઠ છે.’ પણ કોર્ટમાં એ વકીલ ગણાતા હોય. એ વકીલાત કરતા હોય તો વકીલ ગણાય ને? એવી રીતે ‘તમે’ વ્યવહારિક કાર્યમાં જો મસ્ત છો તો ‘તમે’ વ્યવહારિક આત્મા છો અને નિશ્ચયમાં મસ્ત છો તો ‘તમે’ ‘નિશ્ચય આત્મા’ છો. મૂળ તમે ને તમે જ છો પણ કયા કાર્યમાં છો, એનાં ઉપર આધાર છે. એટલે વ્યવહારિક આત્માને આ લોકોએ નિશ્ચય આત્મા માન્યો. બોલે ખરાં કે વ્યવહારિક આત્મા, પણ એમના જ્ઞાનમાં તો એને નિશ્ચય આત્મા જ જાણે. એ જાણે કે ‘આત્મા તે આ જ આત્મા અને આત્મા ના હોય તો આવું બોલાય શી રીતે ? ચલાય શી રીતે ?’ આ હાલવું-ચાલવું, વાતચીત કરવી, સ્વાધ્યાય કરવો, વાંચું છું ને મને યાદ રહે છે, એ બધાને કહેશે કે ‘આ જ આત્મા છે. બીજો તો આત્મા હોય જ નહિ.’ એવું એ જાણે. અને આ બધો તો આત્માનો પડછાયો જ છે. આ પડછાયો પકડે તો કરોડો અવતારેય તને મૂળ આત્મા ના જડે. અક્રમ વિજ્ઞાને તો ખુલ્લું પાડ્યું કે પડછાયો શું કરવા પકડો છો ? છતાં એ ક્રમિક માર્ગ, એ લાઈન ખોટી નથી. પણ પડછાયાને જ આત્મા માને છે. આત્માને આત્મા માનો અને પડછાયાને પડછાયો માનો, એવું હું કહેવા માગું છું. પ્રશ્નકર્તા : માન્યતામાં જ મોટી ભૂલ થઈ. દાદાશ્રી : માન્યતામાં ભૂલ થાય એટલે બધુંય ભૂલ. પછી રહ્યું જ શું ?! આત્માની હાજરીથી ભરાયો પાવર પ્રશ્નકર્તા : તે આપે જે વાત કરી કે આ બધું પુદગ્લ છે, તો આ પુદગ્લની શક્તિ અને આત્માની શક્તિ એ બન્નેને કેટલો મેળ છે? દાદાશ્રી : પુદગ્લનો પાવર તો જેમ આ બેટરીમાં પેલા સેલ હોય છે પાવર ભરેલા, તે જ્યાં સુધી બેટરીમાં તમે નાખો ત્યાં સુધી બેટરી ચાલુ રહે. પાવર ખલાસ થાય ત્યારે ઊડી ગયા. એવી રીતે આને આમાં આત્માની હાજરીથી પાવર જે ભરાયેલો છે તે મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ છે. તે ત્રણેય બેટરી ભરેલી છે ત્યાં સુધી લાઈટ અને એ મહીં પાવર ખલાસ થઈ ગયો તે ઊડીય જાય. ફરી પાછો નવો પાવર ભરાયા કરે છે. જૂની બેટરીઓ ખલાસ થાય છે ને નવી બેટરીઓ ભરાયા કરે છે. એ બેટરીઓ ખલાસ થાય, નવી ભરાય નહીં તો વાંધો નથી પણ આ તો જગતના લોકોને જૂની ડિસ્ચાર્જ થયા કરે ને નવી ચાર્જ થાય છે. પુદગ્લ શક્તિ - આત્મ શક્તિ પ્રશ્નકર્તા : એટલે આ તો પરિવર્તનની વાત કરી, પણ એમાં એ પુદગ્લમાં પાવર કેટલો છે, પુદગ્લની શક્તિ કેટલી છે ? દાદાશ્રી : પુદગ્લની તો પૌદ્ગલિક શક્તિ છે, નહીં કે આત્મ શક્તિ છે. એટલે એની શક્તિ જુદી છે. પુદગ્લ તો ફક્ત આ પાવર ના ભરાયો હોત તો પુદગ્લ પરમાણુ તો છૂટા જ હતા. આ તો પાવર ભરાયો એટલે ચેતનના જેવું કામ કરે છે. જાણે ચેતન ના હોય, એવું સરસ કામ કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ બધું હોય છે. આમ ચેતન જેવું કામ કરે છે, પણ એમાં ચેતન બિલકુલ છે નહીં. આ પાવર જ છે, પાવર આત્મા જ છે. વ્યવહાર આત્મા એટલે પાવર આત્મા અને પેલો નિશ્ચય આત્મા એ રીયલ આત્મા. એ નિશ્ચય આત્મા જે છે એ કંઈ જ કરતો નથી આ શરીરમાં. એ જીવમાત્રને પ્રકાશ એકલો જ આપ્યા કરે છે. બીજું કંઈ જ કરતો નથી. કરવાપણું એના સ્વભાવમાં જ નથી. જે કંઈ કરે છે આ પુદગ્લની દશા છે. પાવર આત્મા જ કરી રહ્યો છે. નિશ્ચેતન ચેતન એટલે ? હકીકત સ્વરૂપમાં શું છે ? મૂળ આત્મા જે છે, યથાર્થ આત્મા, એ શુદ્ધ ચેતન છે અને એ જ પરમાત્મા છે, ને જગત આખું જેને ચેતન માને છે તે નિશ્ચેતન ચેતન છે. લોખંડનો ગોળો તપ્યો હોય તે અગ્નિ જેવો થાય, તેવું આ નિશ્ચેતન ચેતન છે. (પા.૭) નિશ્ચેતન ચેતન એટલે ? મૂળ ચેતનની હાજરીમાં જે ‘ચાર્જ’ થઇ રહ્યું છે, એ પછી ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે, એને નિશ્ચેતન ચેતન કહ્યું. ભાવ-અભાવ કરનાર કોણ ? પ્રશ્નકર્તા : આ શુભ-અશુભ ભાવ થાય છે તે કોને થાય છે ? પ્રતિષ્ઠિત આત્માને ? દાદાશ્રી : એવું છે કે શુભ અને અશુભ ભાવ પ્રતિષ્ઠિત આત્મા કરે તે વખતે તે પ્રતિષ્ઠિત આત્મા ગણાતો નથી, તે ઘડીએ ‘વ્યવહાર આત્મા’ ગણાય છે. પ્રતિષ્ઠિત આત્મા તો જેને સ્વરૂપજ્ઞાન મળ્યા પછી બાકી રહ્યું તે પ્રતિષ્ઠિત આત્મા. જે પ્રતિષ્ઠા દેહમાં ‘હું’પણાની કરી હતી તે પ્રતિષ્ઠાનું ફળ રહ્યું છે. સ્વરૂપજ્ઞાન પહેલાં પ્રતિષ્ઠિત આત્મા કહેવાય નહીં, વ્યવહાર આત્મા કહેવાય. પ્રશ્નકર્તા : જ્યારે વ્યવહાર આત્મા શુભ-અશુભ ભાવ કરે, ત્યારે ચૈતન્ય આત્માને વળગણ કેવી રીતે લાગે ? દાદાશ્રી : આ શુભ-અશુભ ભાવ થાય છે તેમાં વ્યવહાર આત્મા એકલો નથી, નિશ્ચય આત્મા ભેગો હોય છે, ‘એની’ માન્યતા જ એ છે કે આ જ હું એક છું. પ્રશ્નકર્તા : નિશ્ચય આત્મા એટલે શું ? દાદાશ્રી : નિશ્ચય આત્મા એટલે શુદ્ધાત્મા. એવું છે કે, આ ‘વ્યવહાર આત્મા’ છે તે વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી આત્મા અકર્તા છે. પ્રશ્નકર્તા : નિશ્ચય આત્મા ભાવનો તો કર્તા ખરો ને ? દાદાશ્રી : એ ભાવનોય કર્તા નથી. ભાવનોય કર્તા સ્વરૂપની અજ્ઞાનતા! પ્રશ્નકર્તા : ભાવો ક્યારે થાય ? દાદાશ્રી : સ્વરૂપની અજ્ઞાનતા હોય ત્યારે ભાવ ને અભાવ થાય. પ્રશ્નકર્તા : જ્ઞાન હોય તો ભાવ હોય ? દાદાશ્રી : જ્ઞાન હોય તો ભાવ જ ના હોય. જ્ઞાન હોય ત્યાં સ્વભાવ-ભાવ હોય અને જ્યાં જ્ઞાન નથી ત્યાં ભાવ હોય. મિથ્યાત્વ છે ત્યાં ભાવ કે અભાવ છે, સમક્તિ હોય ત્યાં તે નથી. પ્રશ્નકર્તા : જ્ઞાન હાજર હોય તો જ ભાવ-અભાવ થાય ને ? દાદાશ્રી : હા, આત્મા હોય તો જ ભાવ-અભાવ થાય, નહીં તો આ ‘ટેપરેકર્ડ’ (વાણી) માં ભાવાભાવ ના થાય. પ્રશ્નકર્તા : શુદ્ધાત્માએ પરલક્ષ કર્યું એટલે ભાવ-અભાવ થયા ? દાદાશ્રી : શુદ્ધાત્મા પરલક્ષ કરતો જ નથી. ‘શુદ્ધાત્મા’ એ ‘શુદ્ધાત્મા’ જ રહે છે, નિરંતર જ્ઞાનસહિત, સંપૂર્ણ જ્ઞાનસહિત છે. પરલક્ષને પણ એ પોતે જાણે છે કે આ પરલક્ષ કોણે કર્યું ! પ્રશ્નકર્તા : પરલક્ષ કરનારો કોણ ? દાદાશ્રી : એટલું જ ‘જ્ઞાની પુરુષ’ પાસે સમજી જાય તો આ સંસારના બધા ફોડ ઉકલી જાય. આ અહીં જ ગેડ બેસવી જોઇએ કે આ પ્રેરણા કરનાર કોણ ? હોય ન ચેતન પ્રેરણા પ્રશ્નકર્તા : ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે કર્મ ?’ એ સમજાવો. દાદાશ્રી : આ તો એવું છે ને, એ ક્રમિક માર્ગ છે. હવે એ ક્રમિક માર્ગ શેને ચેતન ગણે છે ? વ્યવહાર આત્માને ચેતન ગણે છે. એટલે એ ચેતનની પ્રેરણા છે આ, તો આપણે શું કહીએ છીએ કે બધું (પા.૮) ઈગોઈઝમનું છે ! અને એ એને આત્મા કહે છે કે એ ચેતન પ્રેરણા કરે છે. હવે એ ચેતન તો ચેતન છે જ, પણ આપણે તો હિસાબ કાઢી નાખ્યો કે આ પાવર ચેતન છે, ઑલરાઈટ ચેતન (મૂળ, શુદ્ધ ચેતન) નથી. અને જો ઑલરાઈટ ચેતન હોત તો એ પ્રેરણા થયેલી તો એ પ્રેરક તો કાયમનો રહે, જ્યાં જાવ ત્યાં. પ્રશ્નકર્તા : એટલે આ જે પુદગ્લનું પરિવર્તન બને છે, એમાં એને કોણ ગ્રહે ? ગ્રહવાનું શું આની અંદર ? દાદાશ્રી : હા, ખરું કહે છે, ‘હોય ન ચેતન પ્રેરણા, તો કોણ ગ્રહે કર્મ?’ આ ‘હું કરું છું’ એ કર્મ ગ્રહે છે. પ્રશ્નકર્તા : એટલે કંઈ ગ્રહતું નથી, પણ આ તો માન્યતા છે. દાદાશ્રી : એ માન્યતા જ છેને બધી ! આ રોંગ બિલીફો જ છે બધી. એય માન્યતા જ છે અને એવું સ્વરૂપ પુદગ્લનું થઈ જાય. જેવું ‘આપણે’ બોલીએ ને એવું સ્વરૂપ પુદગ્લનું થઈ જાય. ભાવ એનું ફળ દ્રવ્ય સ્વરૂપ થઈ જાય. પુદગ્લનો ગુણ છે એવો અને ‘હું કર્તા નહીં’ તો પછી એ પુદગ્લને કશું ના થાય. હોય તોય છૂટાં થઈ જાય. જ્ઞાતા-દ્રષ્ટા થયા કે છૂટા થઈ જાય. કર્તા છે ત્યાં સુધી નવા પુદગ્લ ગ્રહણેય કરે અને જૂના છોડેય ખરા. છોડનારોય ‘એ’ ને ગ્રહણ કરનારોય ‘એ’. અને આ તો ગ્રહણ કરનારો બંધ થયો ને છોડનાર વ્યવસ્થિત, ‘પોતે’ વચ્ચે નવરો થઈ ગયો. હવે એ ભારે વસ્તુ લોકોને શી રીતે સમજાય? આમાં મેળ પડે નહીં, એટલે એમ જ જાણે કે મૂળ ચેતન જ આ બધું કરે છે ! એટલે પાવર (ચેતન)ની પ્રેરણા છે, આ (મૂળ) ચેતનની નથી. જો ચેતનની પ્રેરણા હોત તો ચેતન બંધાય. આત્મા, વ્યવહારથી કર્મનો કર્તા પ્રશ્નકર્તા : પાવર અને ચેતન બે જુદા જુદા છે? દાદાશ્રી : જેમ સૂર્યને લઈને અહીં આગળ ઊર્જા ઉત્પન્ન થાય, એટલું જુદું છે પાવર. એમાં સૂર્યનું કંઈ કર્તાપણું નથી. બીજી વસ્તુ ભેગી થઈ એટલે ઊર્જા ઉત્પન્ન થાય. જો તમે અહીં મોટો કાચ મૂકી દો જાડો તો એ કાચના આધારે, બીજી વસ્તુ ભેગી થઈ એટલે એનાથી બધું સળગે નીચે. એમાં સૂર્યને કંઈ લેવાદેવા નથી. આ વસ્તુ બીજી ભેગી થઈ તે એને લીધે છે. એ ખસેડી લો એટલે કશું નથી પાછું. હવે ખસે શી રીતે? પ્રશ્નકર્તા : આત્મા ‘શુદ્ધાત્મા’ છે તો પછી કર્મ કોને લેપાયમાન કરે છે ? દાદાશ્રી : કરનારને. પ્રશ્નકર્તા : જો પુદગ્લ કરે તો એ તો અહીં જ રહે છે ને ? દાદાશ્રી : કર્મ પુદગ્લેય નથી કરતું ને આત્માય નથી કરતો. એ તો આત્માની હાજરીથી અહંકાર ઊભો થાય છે. એ અહંકાર જ કર્મ કરે છે. એ અહંકાર જ કહે છે, ‘આ મેં કર્યું, મને સુખ પડ્યું, મને દુઃખ પડ્યું, મને જ્ઞાન થયું, મને અજ્ઞાન થયું.’ એ બધું અહંકાર જ કર્યા કરે છે. અહંકાર ગયો એટલે ‘પોતે’ ‘તે’ રૂપ થઇ ગયા. લોકોને સમજાય તેથી વીતરાગોએ કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. વ્યવહારથી કર્તા એટલે ડ્રામેટિક્લી કર્તા છે, ખરી રીતે કર્તા નથી. ‘બાય રીલેટિવ વ્યૂ પોઇન્ટ’ આત્મા કર્મનો કર્તા છે. તેય પાછો, આ દેખાતા કર્મોનો કર્તા નથી, ભાવકર્મનો કર્તા છે. આ દેખાય છે તે કર્મને તો કુદરત, ‘વ્યવસ્થિત’ કરે છે. અને ‘બાય રીયલ વ્યુ પોઇન્ટ’ આત્મા સ્વભાવકર્મનો કર્તા છે. (પા.૯) ચોપડવાની પી ગયા, એમાં દોષ કોનો ? તીર્થંકરોએ શીખવાડ્યું કે આ દવા ચોપડવાની છે. અને બીજી એક પીવાની કહી. તે પીવાની હતી તે આ લોકો ચોપડે છે અને ચોપડવાની પી જાય છે! એમાં તીર્થýંકરોનો દોષ શો? ચોપડવાની પી જાય તો શું થાય ? પ્રશ્નકર્તા : લેબલ માર્યું હોય તો ના પીવે ને પછી. દાદાશ્રી : ના, પણ લેબલ મારેલું છે તેનેય આવું પીવે છે. એવું છે, વૈષ્ણવો છે તે આત્માને કર્તા માનતા નથી, શિવધર્મી આત્માને કર્તા માનતા નથી, વેદાંતધર્મી આત્માને કર્તા માનતા નથી, જૈનો એકલા આત્માને કર્તા માને છે. આ છે તે તીર્થંકરોએ કહ્યું કે ‘આત્મા વ્યવહારથી કર્તા છે’. બાય રીલેટિવ વ્યૂ પોઇન્ટ આત્મા કર્તા છે. તો આપણે પૂછીએ કે સાહેબ પણ રીયલ વ્યૂ પોઈન્ટથી, કહો ને? ત્યારે કહે, રીયલ વ્યૂ પોઈન્ટથી કર્તા નથી. હવે લોકો રીલેટિવને બદલે રીયલ સમજી ગયા. હવે એને જ સ્યાદ્વાદ હું બોલું છું. પણ કઈ અપેક્ષાએ છે તે આ ? લ્યો, વેદાંત અપેક્ષાએ ના કહ્યું અને એમ કહ્યું કે આત્મા શુદ્ધ જ છે. હવે એનાથી શુદ્ધ થતું નથી. કારણ કે આત્મા શુદ્ધ છે ને હું દુઃખી શું કરવા થઉં છું ? જો આત્મા શુદ્ધ છે, તો એને દેહ શું કરવા ધારણ કરવો પડે છે ? તે અહીં પોતે રહ્યો જ શું કરવા? શું ભગવાનની ભૂલ કાઢી છે ! આ તીર્થંકર મહારાજ શું કહે છે કે અમુક અપેક્ષાએ શુદ્ધ છે, અમુક અપેક્ષાએ અશુદ્ધ ! એટલે આપણે સ્યાદ્વાદ કહ્યું કે માણસ જો પૂરી સમજણ સમજીને આગળ ચાલે, તો ફરી વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. એટલે વેદાંતમાં કોઈ માણસ એવું નહીં માને કે ‘આત્મા કર્તા છે’ એવું. ‘આત્મા શુદ્ધ જ છે, અક્રિય છે’ એવું સમજે છે. ત્યારે લોકો શું કહે છે ? ભગવાને કહ્યું છે, ‘આત્મા કર્તા છે’ તમે ના કહો છો ? મેં કહ્યું, ‘‘ભગવાને ‘કર્તા-ભોક્તા’ કહ્યું, પણ એ ચોપડવાની દવા કહી’તી, તમે પી ગયા. શું થાય પછી ?’’ પ્રશ્નકર્તા : એને સાચું માન્યું ? દાદાશ્રી : માન્યું જ છે ને, સાચું. તેમ જ કહે છે ને, ‘હું કરું છું.’ બીજો કોઈ કરે છે ? બીજો કોણ કરે ? બીજો કોઈ છે જ કોણ તે ? આત્મા વ્યવહારથી કર્તા-ભોક્તા એટલે ? કર્તાભાવ કોઈનો છૂટ્યો નથી. અને ઊલટું શાસ્ત્રોએ તો એવું સમજાવ્યું છે કે ‘આત્મા કર્તા છે, આત્મા ભોક્તા છે.’ હવે એ કર્તાપણું શી રીતે છૂટે? પ્રશ્નકર્તા : પણ એનો ફોડ નથી આપ્યો. ‘આ વ્યવહારથી કર્તા છે, વ્યવહારથી ભોક્તા છે’ એવી એમાં ક્લિયરન્સ (સ્પષ્ટતા) નથી, એટલે લોકો વધારે ગૂંચાયને? દાદાશ્રી : ના. આમને વ્યવહારથી કર્તા કહો, પણ આમને વ્યવહારની જ ખબર નથી ત્યાં આગળ પછી શું ગૂંચાવાનું ? ગૂંચાયેલાં જ છે, એમને શું ગૂંચાવાનું ? ‘વ્યવહાર શું છે’ એ જ ખબર નથી. વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. પણ વ્યવહાર જ સમજણ પડી નહીં ત્યાં શું? વ્યવહાર જ બધો ગૂંચાયેલો છે અને ‘આત્મા ક્યાં છે’ તે જ ખબર નથી. એ તો આ મિકેનિકલને આત્મા માને છે અને ‘આને સ્થિર કરું તો મોક્ષ થઈ જાય’, કહે છે. પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં એ જ છે, પછી બીજું શું કરે ? દાદાશ્રી : ક્રમિક માર્ગમાં એ છે, એ વાત સાચી છે, એમાં ખોટું નથી. પણ જ્યારે ત્યારે પાછું, અમુક પ્રમાણમાં આવે છેને એટલે છૂટું પડી જાય છે. એટલે ત્યારે વ્યવહાર સમજાય છે. વ્યવહાર ક્યાં સુધી સમજાય છે કે જ્યાં સુધી એને બે ભાગ (આત્મા-અનાત્મા) જુદા સમજાય નહીંને ત્યાં સુધી વ્યવહાર (પા.૧૦) બધો ચાલુ જ રહેવાનો. ‘વ્યવહારથી કર્તા છે’ એ વસ્તુ જ મુખ્ય સમજવા જેવી છે. ‘વ્યવહારથી કર્તા છે’ એ વાક્ય જો સમજેને, તો બહુ કલ્યાણ કરી નાખે. એટલે ભગવાને શું કહ્યું ? આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા. એટલે વ્યવહારથી કર્તા એટલે શું ? કે ભાઈ, સ્થાનકવાસી વ્યવહારથી આપણે, પણ બિલીફમાં એવું નહીં, બિલીફમાં કર્તા નહીં. આટલું ભગવાનનું વાક્ય સમજે તો ફોડ પડે, નહીં તો શી રીતે ફોડ પડે ? એટલે બિલીફમાં ના હોવું જોઈએ. પણ આ તો બિલીફ સાથે બોલે છે. બિલીફ સાથે બોલે છે ને? ‘હું જ છું’ એમ બોલે છે ને ? જેમ તમે ચંદુભાઈ છો, તમને કો’ક પૂછે કે ‘તમે ચંદુભાઈ છો’? ત્યારે કહે, હા, પણ તમારી બિલીફમાં એવું ના હોય. તમારી બિલીફમાં હું શુદ્ધાત્મા છું. તમે ચંદુભાઈ છો પણ બિલીફમાં છે તમને? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : આ બાઈનો ધણી થઉં, એવું બિલીફમાં છે તમને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બોલે ખરા કે ‘હું બાઈનો ધણી થઉં’, બિલીફમાં નહીં. આ લોકોને તો, હું છું, ‘હું આચાર્ય મહારાજ છું’ અને બિલીફમાંય એ છે. ઉપાધ્યાય હોય તો ઉપાધ્યાય કહેવામાં વાંધો નથી, એ વ્યવહાર છે. પણ બિલીફમાં નથી એટલે વ્યવહારથી હોય તો ઊંચ-નીચ રહ્યું નહીં. બિલીફને લઈને ઊંચ-નીચ થાય છે. ‘હું છપ્પન વર્ષનો છું’ એ બિલીફમાં છે ? ધોળા હોતા હશે આત્માને ? તે બિલીફમાં બધું ઊડી ગયું ને ! બિલીફ ગઈ ! ‘હું સ્ત્રી છું’ એવી બિલીફ છે તમને? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : સરસ અને લોક પૂછે કે તમે કોણ છો, સ્ત્રી છો ? ત્યારે કહે, હા, સ્ત્રી તો છીએ ને ! વ્યવહારમાં કહેવું પડે, પણ બિલીફમાં એવું ના હોય. હવે ભગવાને એમ કહ્યું કે વ્યવહારથી કર્તા છે એટલે, આ લોક કહેશે કે ‘તમે કર્યું’ ત્યારે આપણે કહેવું પડે, ‘હા, મેં કર્યું.’ પણ બિલીફમાં ના હોય. લોક પૂછે કે તમે આ સ્વાધ્યાય કર્યો અને ઉપદેશ આપ્યો ત્યારે કહે, હા ભાઈ, મેં કર્યો. પણ બિલીફમાંના હોય. ભગવાનની વાતો ડહાપણવાળી! કેવી ડાહી વાત ! સૈદ્ધાંતિક ઈક્વેશન, જ્ઞાનીનું પ્રશ્નકર્તા : જડની ક્રિયાનો કર્તા જડ જ છે તે? દાદાશ્રી : એ તો ઉઘાડી જ વાત છે. જડની ક્રિયાનો કર્તા જડ જ છે. પ્રશ્નકર્તા : નિશ્ચયે આત્મા કર્તા નથી. દાદાશ્રી : ભગવાને એક વાક્ય આપ્યું હતું કે આત્મા વ્યવહારથી કર્તા છે. પછી બીજો બધો ખુલાસો આગળ કર્યો નહોતો. વ્યવહારથી કર્તા કહ્યો આત્માને. આ તો સાહેબ અમને કબૂલ છે. હવે આગળ આનું ઈક્વેશન માંડો. ઈક્વેશન એટલે શું ? કે જે સિદ્ધાંતિક હોય. હવે વ્યવહારથી આત્મા કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. ત્યારે કહે છે, તો કર્તા કોણ ? તો પછી બીજી ત્રિરાશી મૂકો. નિશ્ચયથી અકર્તા છે, તો નિશ્ચયથી કર્તા કોણ ? વ્યવહારથી કર્તા કહેવાય છે. ત્યારે બીજી ત્રિરાશી મૂકો કે પુદગ્લ વ્યવહારથી અકર્તા છે અને નિશ્ચયથી કર્તા છે. આ સોલ્યુશન એલજીબ્રામાં કરાવે છે, એ જોયું છે કે નહીં ? એટલે આત્મા વ્યવહારથી કર્તા છે તો નિશ્ચયથી શું છે ? તો કહે, નિશ્ચયથી અકર્તા છે. નિશ્ચયથી એટલે રીયલી અકર્તા છે અને રીલેટિવ રીતે કર્તા છે. ત્યારે ઇક્વેશન બીજું માંડો તો કોણ નિશ્ચયથી કર્તા છે આ દુનિયાનો ? ત્યારે કહે, નિશ્ચયથી પુદગ્લ કર્તા (પા.૧૧) છે અને વ્યવહારથી અકર્તા છે એમ ઇક્વેશન માંડીએ તો જડે કે ના જડે સાંધો ? પ્રશ્નકર્તા : એમ જ જડે એ. દાદાશ્રી : હા, એટલે ભગવાને શું કહ્યું કે જ્યાં સુધી તારે વ્યવહારની જરૂર છે, તને વ્યવહાર ગમે છે ત્યાં સુધી આનો કર્તા છું. પણ તને ‘સ્વરૂપ’ ગમે છે અને અરૂપમાં જ રહેવું છે તો તું અકર્તા છું. તું વ્યવહારથી કર્તા છું, ખરેખર કર્તા નથી. વ્યવહારથી એટલે લોકો કહેશે કે તમે જ કર્યું આ. એટલે મારે વ્યવહારથી કર્તા છે એમ એક્સેપ્ટ (સ્વીકાર) કરવું પડે છે. કારણ કે લોકો વ્યવહાર દેખશે એવું બોલશે. માટે છેવટે વ્યવહારેય શુદ્ધ કરવો પડશે. વ્યવહારમાં ના ચાલે. આને કહેવાય, વ્યવહારથી કર્તા પ્રશ્નકર્તા : નિશ્ચયથી જો અકર્તા હોય તો જીવનો સંસાર કેવી રીતે વધ્યો ? દાદાશ્રી : એટલે પોતે કર્તા નથી, વ્યવહારથી કર્તા એટલે એને વ્યવહાર કબૂલ કર્યો. ‘હું જ ચંદુભાઈ છું’ તેનો આ કર્તા રહ્યો છે. હું ચંદુભાઇ છું છૂટ્યું કે બધું છૂટી ગયું. એટલે આનો ખરેખર કર્તા કોણ છે? એ પુદગ્લ છે. પણ એવું જ્ઞાનીએ જાણવું જોઈએ. અજ્ઞાનીને કહેવાય નહીં. અત્યારે હું જ્ઞાની હોઉં તોય પણ અહીં આગળ બહાર જઉં અને કોઈ માણસને જરાક મારી ઠોકર વાગી અને એ માણસે પોલીસવાળાને ખબર આપી કે આ ભાઈએ મને ઠોકર મારી, એટલે પોલીસવાળો મને પૂછે કે કેમ તમે ઠોકર મારી ? તો મારાથી એવું ના કહેવાય કે જ્ઞાની છું અને આ ઠોકર તો આ પુદગ્લે મારી છે. ત્યાં મારે એમ કહેવું પડે કે ભઈ, મેં જ ઠોકર મારી છે. આ વ્યવહાર છે. નિશ્ચયથી એવું નથી, નિશ્ચયથી પુદગ્લ જ કર્તા છે. પણ વ્યવહાર છે એટલે મારે એમ વ્યવહારમાં કહેવું જ પડે, નહીં તો લોક કહેશે, તમે જ્ઞાની એટલે છૂટી ગયા કંઈ ? અહીં બતાવો, તમારું નામ લખાવો. એનાં કરતા આપણે જ ડાહ્યા થઈને કહી દઈએ કે હું એ.એમ.પટેલ છું અને મારો આ ગુનો થયેલો છે. અંદર તમેય એમ જાણો કે દાદાનો કશો ગુનો નથી, પણ અહીં લખાવું તો પડે જ ને! વ્યવહાર છે ને ! એટલે વ્યવહારથી કર્તા છે. જ્ઞાનીને એમ લાગે કે ‘હું કર્તા નથી’, પણ અજ્ઞાનીને તો એમ જ લાગે ને કે ‘આ કર્તા છે.’ એટલે વ્યવહારથી કર્તા નથી, છતાંય કર્તા કહેવું પડે આપણે. કારણ કે વ્યવહારથી કહે છે, એ નિશ્ચયથી કહેતો નથી. નિશ્ચયથી અકર્તા જ છે. ભગવાન કહે છે કે ‘વ્યવહારના વાક્યો કોઈ દહાડો નિશ્ચય થવાના જ નથી. અમે બધા જ વાક્યો વ્યવહારથી બોલ્યા છીએ, નિશ્ચયથી બોલ્યા નથી. તમે નિશ્ચયના માની લો, તેમાં અમે શું કરીએ ? તપ કરવાથી મોક્ષ થશે, એમ તમે નિશ્ચયથી માન્યું તેમાં અમે શું કરીએ ?’ પ્રશ્નકર્તા : તો શ્રીમદ્ તો એમ કહે છે ને કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, કર્મોનો ભોક્તા છે. મોક્ષ છે ને મોક્ષનો માર્ગ છે... દાદાશ્રી : હા. શ્રીમદ્ રાજચંદ્ર એમ કહેવા માગે છે કે આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી કર્તા નથી. શેનાથી કર્તા છે ? તમે શું વાંચેલું, કાયમને માટે કર્તા છે? પ્રશ્નકર્તા : જ્યાં સુધી મોક્ષમાં ના ગયા હો ત્યાં સુધી કર્મોનો કર્તા-ભોક્તા છે જ ને ? દાદાશ્રી : કોણ આત્મા ? એવું ના કહેશો. અહીં આગળ આટલી માંકણ મારવાની દવા પી જાય ને તો મરી જાય, એમાં આત્મા શું કરે બિચારો ? એનું શું કરવા આત્મા બિચારાને વગોવો છો ? આટલી માંકણ મારવાની દવા પી જાય, એમાં આત્મા શું કરે? આત્માએ કર્યું કહેવાય એ ? (પા.૧૨) આત્મા કર્તા નથી, ભોક્તા નથી. આત્મા તો વ્યવહારથી કર્તા છે અને નિશ્ચયથી અકર્તા છે. પુદગ્લ વ્યવહારથી અકર્તા છે, અને નિશ્ચયથી કર્તા છે. હમણે મહીં અંદર કોઇ મરચાંનો વઘાર કરે... તો પછી આપણે ના છીંકવું હોય તોયે છીંકવું પડે. એ કોણ છીંકાવડાવે છે ? એ પુદગ્લ. એ જીવંત નથી વસ્તુ. આ બાજુ ઉધરસ ખાઈ ખાઈને મરી જાય છે. આ બધું પુદગ્લ જ કર્તા છે. પણ સમજવું પડશે, આત્મા વ્યવહારથી કર્તા છે. લોક વ્યવહારને સ્વીકારવો પડે લોકો એમ કહે કે આ ચંદુભાઈએ કર્યું. હવે તમને એમ લાગે કે આમાં તો મારી ઈચ્છા નથી. મારું ચિત્ત બીજી જગ્યાએ હતું અને આ દેહથી જે કંઈ એ થયું, એમાં મારી ઇચ્છા નથી. છતાં આ લોકો એમ કહે છે, ચંદુભાઈએ કર્યું. એનું કારણ શું? ત્યારે કહે, ‘વ્યવહાર તો એવું જ કહેશે. વ્યવહાર તો જેવું દેખશે તેવું કહેશે.’ વ્યવહાર એક્ઝેક્ટ ફીગર આપી શકે નહીં. એટલે વ્યવહારમાં કર્તા છે અને ખરેખર વાત ‘પોતે’ સમજે તો ‘પોતે’ અકર્તા છે. એટલે વ્યવહારથી કર્તા કહ્યો, પણ આ તો લોકોએ ‘પોતે’ કર્તાપણું માની લીધું કે ‘હું જ કર્તા છું.’ એટલે આ રોંગ બિલીફ બેઠી કે ‘હું કર્તા છું’. એટલે વ્યવહારથી આત્મા કર્મનો કર્તા કહેવાય. સહુ લોક કહે કે ભઈ, આણે કર્યું. તો આપણાથી ના ન કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું, મેં નથી કર્યું’ એવું ના બોલાય. વ્યવહારને આપણે કબૂલ કરવો જ જોઈએ. પોલીસવાળો કહે કે ‘ચાલો ચંદુભાઈ, આ ગુનો કેમ કર્યો ?’ ત્યારે કહે કે ‘ભઈ, હું શુદ્ધાત્મા છું’ એવું ના ચાલે. ‘હું ચંદુભાઈ છું’ એવું કહેવું પડે. એટલે વ્યવહારમાં આપણે કર્તા છીએ અને નિશ્ચયમાં, ખરેખર, ખરી રીતે આપણે કર્તા નથી. વ્યવહારમાં તો ‘હા’ પાડવી પડે આપણે. કારણ કે પેલાને શું ખબર કે તું ચંદુભાઈ છે કે શું છે ? અને એણે જોવાની જરૂરેયશું? અનુપચારિક વ્યવહારથી, ઉપચારથી... પ્રશ્નકર્તા : ‘આત્મા પણ ક્રિયા સંપન્ન છે. સર્વ પદાર્થ ક્રિયા સહિત જ જોવામાં આવે છે. પરિણામ ક્રિયા સહિત, આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. અનુપચારિક વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે અને સ્વભાવ પરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે.’ - શ્રીમદ્ રાજચંદ્ર. આ જરા વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : હવે કર્તામાં વિવેચન કરીએ કે જો તમે સ્વભાવમાં આવી જાવ, સમ્યક્ દર્શનમાં, તો પછી નિજસ્વરૂપનો કર્તા થાય અને જ્યાં સુધી દેહાધ્યાસમાં છો ત્યાં સુધી તમે છે તે આ સંસારના કર્તા છો. પ્રશ્નકર્તા : તો એમાં આત્મા કર્તા કહેવાય ? દાદાશ્રી : પણ વ્યવહારથી કર્તા કહ્યું છે ને ! પ્રશ્નકર્તા : પણ નિજસ્વરૂપનો કર્તા કહ્યો એ કેવી રીતે ? દાદાશ્રી : હા, નિજસ્વરૂપનો કર્તા એટલે ત્યાં બીજા શેનો કર્તા? પોતાની જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા નિરંતર ચાલ્યા જ કરે છે, પોતાના સ્વરૂપનો કર્તા છે. એટલે જ્ઞાન-દર્શનની ક્રિયાનો કર્તા છે પોતે. કારણ કે દ્રવ્ય-ગુણ-પર્યાય સહિત હોવાથી, પર્યાય ઉત્પન્ન થાય ને વિનાશ થાય, પર્યાય ઉત્પન્ન થાય ને વિનાશ થાય. એટલે ત્યાં સિદ્ધસ્થિતિમાં રહીને પણ આ બધું જ્ઞાન એને ઉદય થયેલું દેખાય, પછી નાશ થયેલું દેખાય, પર્યાયો જ દેખાય બધા. પ્રશ્નકર્તા : એટલે એ દ્રષ્ટા છે, પણ કર્તા કેમ કહેવાય ? દાદાશ્રી : નિજસ્વરૂપનો કર્તા, આ લોકોને સમજાવવા માટે બોલવું તો પડે ને ! બીજો કોઈ શબ્દ તો મૂકવો પડે ને ! પછી પોતે તે રૂપ થશે ત્યારે સમજી (પા.૧૩) જશે કે શું કહેવું છે. તે પણ ત્યાં સુધી કંઈક એને સાંકેતિક તો કહેવું પડે ને ! તે આ સાંકેતિક ભાષાછે. એટલે અનુપચારિક વ્યવહારથી એ આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચારિક વ્યવહાર એટલે શું? આ આઠ કર્મો, એ જે દેહ બંધાઈ ગયો છે, એમાં તમે કોઈ જાતનો ઉપચાર કરેલો ખરો ? કે આંખો કરવા માટે, કાન કરવા માટે કોઈ ઉપચાર કરવો પડેલો ? નહીં કરવો પડેલો ને ! આ વ્યવહાર અનુપચારિક છે. અનુપચારિક વૈજ્ઞાનિક વ્યવહાર છે આ. ઉપચાર નથી કર્યો, પણ કોઈએ કંઈક તો કર્યું ને ! ત્યારે કહે કે આ વૈજ્ઞાનિક વ્યવહાર છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે અનુપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. એટલે આઠ પ્રકારના કર્મોનો કર્તા છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, વેદનીય, નામ, ગોત્ર ને આયુષ્ય એનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ઉપચારથી કોઈ માણસ ઘડો બનાવતો હોય, તો આપણે કહીએને કે આ કુંભારે જ ઘડો બનાવ્યો! ના કહીએ? આ ભાઈએ ઘર બાંધ્યું. આ કડિયાએ અમારું ઘર બાંધી આપ્યું, ઉપચારથી. પ્રશ્નકર્તા : એટલે ઉપચારથી એટલે વ્યવહારથી. દાદાશ્રી : ઉપચાર એટલે વ્યવહાર તો ખરો. આ ઉપચારિક વ્યવહારથી આ અને અનુપચારિક વ્યવહારથી આ. ઉપચારિક વ્યવહાર એટલે એને કામ ઉપચાર કરતો આપણે જોયો. અને આ અનુપચારિક ઉપચાર કરતો કોઈએ જોયો નથી. તો આ શી રીતે થયું ? ત્યારે કહે, વૈજ્ઞાનિક રીતે અને પેલા ઉપચારથી તો આપણે જોઈ શકીએ છીએ કે ઘર બાંધવા માંડ્યું એણે. ઉપચારથી આપણે જોઈએ છીએ કે બેને દાળ, ભાત, રોટલી, શાક બધું બનાવી લીધું. એ ઉપચાર વ્યવહારથી કર્મનો કર્તા છે. હવે સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. આ સ્વપરિણતિ એનાથી નિજસ્વરૂપનો કર્તા થાય અને પરપરિણતિથી, અનુપચારિક વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા થાય અને પરપરિણતિથી, ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા થાય. પરપરિણતિ એટલે કરે છે બીજો અને પોતે કહે ‘હું કરું છું આ’, એ પરપરિણતિ કહેવાય. એક મિનિટ પણ સ્વપરિણતિમાં આવે ત્યાંથી એનો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ ગયો. અજ્ઞાનતામાં આત્મા (વ્યવહાર આત્મા) અનુપચારિક વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે. અનુપચારિક વ્યવહાર એટલે જેમાં ઉપચાર પણ કરવો નથી પડતો, એવા વ્યવહારથી દ્રવ્યકર્મનો કર્તા છે અને સ્વરૂપનું ભાન થયે કાયમ સ્વપરિણામી છે. એમાં એ કંઈ વિકૃત થયા નથી. વિકૃતિ જો થાય તો બદલાઈ જ જાય, ખલાસ થઈ જાય. આટલું જ સમજાય તો કામ થાય. આ ‘હું કરું છું’ એવું માને છે. અલ્યા, તું ક્યાં અહીં આગળ છે? આ તો સચર છે, ‘મિકેનિકલ’ આત્મા છે. એની મહીં અચળ છે એ શુદ્ધાત્મા છે. બહાર પ્રકૃતિ એ સચર વિભાગ છે અને અચળ આત્મવિભાગ છે. લોકો સચરને સ્થિર કરવા માંગે છે. પ્રકૃતિ તો મૂળ સ્વભાવથી જ ચંચળ છે. જગત ઘડીવારેય વિસ્મૃત થાય તેવું નથી. આપણે ઉપચરિત-અનુપચરિત કશું રહ્યું જ નહીં ને ! એ તો ક્રમિક માર્ગમાં શીખવાડે છે શબ્દો. કયા આધારે ‘તું ચંદુભાઈ છું’ અને કયા આધારે તેં ઘર બાંધ્યું અને આ કર્યું ને તે કર્યું એ બધું કયા આધારે? એ ઉપચાર વ્યવહારથી. અને અનુપચરિત વ્યવહાર, જેનો ઉપચાર થયેલો નથી કોઈ જાતનો, એની યોજના થઈ નથી, ડિઝાઈન થઈ નથી તે અનુપચરિત વ્યવહારથી આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. આઠ કર્મો ફળ આપે છે એ ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા છે. ‘હું જઉં છું ને આવું છું’ એ ઉપચાર છે. કારણ કે ચરિત થઈ ગયું છે તે ઉપચરિત થાય છે. અને ફંક્શન (કાર્ય) કરવું હોય તો ઔપચારિક કરવું પડે. (પા.૧૪) ઉપચરિતનું પછી ઔપચારિક. ચરિત તો થઈ ગયેલું છે અને હવે ઉપચરિત. (એટલે) એ કહે છે ને, ઉપચાર માત્ર છે આ બધું. ઉપચારથી ઘર-નગર આદિનો કર્તા સમજાયું ને તમને અને અનુપચર્ય (અનુપચાર) તે સમજાયું ને ? આ નાક-બાક ઘડવાનું આપણે માથે હોત તો કેટલી મુશ્કેલી ઊભી થાત ! ઘર-નગર બધું કરી આપીએ પણ આ માથે જોખમદારી હોત તો કેટલી બધી મુશ્કેલી થાત! માટે જોને, વગર જોખમદારીએ છેને! ભાવ પોતાના : રૂપ પુદગ્લના ‘પોતે’ ભાવકર્મ કર્યા કરે છે ને દેહ બંધારણ બંધાઈ જાય છે. તે ભાવકર્મ કરનારાને પુદગ્લ જોડે લેવાદેવા નથી. પણ ભાવ કરે છે કે તરત જ પેલું પુદગ્લ બંધાય છે એ પ્રમાણે. પ્રશ્નકર્તા : પેલાં પુદગ્લ ખેંચાય છે ? દાદાશ્રી : હા, ખેંચાઈને પાછાં. ખેંચાઈને તો તૈયાર થયેલા છે. ખેંચાયેલા તો છે જ. હવે ભાવ કરે કે બંધાઈ જાય. એટલે જેવા જેવા ભાવ કરે એવા બંધાઈ જાય. એટલે આ ખ્યાલમાં ન આવે ને કે આ શી રીતે બંધાય છે આ બધું ! પુદગ્લની આ ડિઝાઈન શી રીતે થઈ ગઈ ? આત્મા જે ભાવની ડિઝાઈન કરે ને, તે ડિઝાઈન થઈ જાય. ‘આ’ ભાવની ડિઝાઈન કરે છે અને પુદગ્લ છે તે પુદગ્લની ડિઝાઈનીંગ કરે છે. આ ભાવ કરે, એના ઉપરથી તરત પેલું થઈ જાય. જેમ આપણે અરીસામાં હાથ ઊંચો કરીએ કે પેલું દેખાડે છે ને, એવું જ બસ. એવું તરત જ થઈ જાય. આપણે હાથ ઊંચો કરીએ કે તરત જ દેખાડે છે ને? એવું થઈ જાય. એટલે આ શબ્દ બહુ સમજવા જેવો, બહુ ઊંડો શબ્દ છે પણ ક્રમિક માર્ગમાં ! અહીં આમાં (‘અક્રમ’માં) તો જરૂર નથીને આપણે તો. મેં તમારું ઉપચાર-બુપચાર બધું કાઢી નાખ્યું. કશું ગોખવાનું રાખ્યું નથી. બીજે દહાડે આત્માના અનુભવ સહિત ફરતા હોય. આત્મા, સ્વભાવનો કર્તા આત્મા શેનો કર્તા છે એ જાણ્યું કે છૂટ્યો. સ્વભાવનો કર્તા છે, ભોક્તાયે તેનો છે. આ તો તીર્થંકરેય કહ્યું કે આત્મા વ્યવહારથી કર્તા છે. એટલે લોકોની સમજમાં ગેડ બેઠી નહીં. લોકોની દ્રષ્ટિ એટલી બધી ખરાબ છે કે વ્યવહારને નિશ્ચય કરી નાખે છે. વ્યવહાર એ વ્યવહાર છે અને નિશ્ચય એ નિશ્ચય છે. વ્યવહાર નાટકીય છે બધો. પ્રશ્નકર્તા : નાટકીય લીલા. દાદાશ્રી : નાટકીય લીલા. આ ખાલી તમારે ચંદુભાઈના નામની લીલા કરવાની છે. તેને બદલે હું ચંદુભાઈ, મેં આમ કર્યું ને તેમ કરી નાખ્યું. નિશ્ચય કરી નાખે. વ્યવહારમાં નિશ્ચય સાધ્યો લોકોએ અને નિશ્ચયમાં કશુંયે સાધ્યું નથી. પ્રશ્નકર્તા : ‘આત્મા સ્વભાવ કર્મનો કર્તા છે, અન્યથા અકર્તા છે.’ એ કેવી રીતે ? એ ના સમજાયું. દાદાશ્રી : પોતાના સ્વસ્વભાવના કર્મનો કર્તા છે, બીજા કોઈ કર્મનો કર્તા આત્મા નથી. આ પ્રકાશ જેવો આત્મા છે. એ પોતાનો સ્વભાવ કરે. આ લાઈટ હોય, એ પોતાના સ્વભાવ કર્મનું કર્તા છે. અજવાળું આપે બહુ ત્યારે. એ કંઈ આપણને અહીં આગળ આમ મોઢામાં જમાડે નહીંને કે પંખો ના નાખેને ? પંખો તો પંખો ફેરવે ત્યારે. આ લાઈટ પંખો ના નાખે, કેમ ? પ્રશ્નકર્તા : એ એનો સ્વભાવ એવો એટલે. દાદાશ્રી : તેવું છે આ. આત્મા એ છે તે આવું ખાય-પીએ નહીં, આવું-તેવું કશુંય કરે નહીં. પ્રશ્નકર્તા : આમાં સ્વભાવ કર્મનો કર્તા એટલે શું? દાદાશ્રી : આત્મા પોતાના સ્વભાવ, મૂળ જે સ્વભાવ, સ્વભાવિક સ્વભાવ તેનો જ કર્તા છે. આ તો સંસારમાં કર્તા કહ્યો તે વિભાવ કર્મનો કહ્યો. બહુ ઊંડું (પા.૧૫) લાગે છે, નહીં ? સંસારનો કર્તા કહ્યો તે તો ભ્રાંતિથી કહ્યો. જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આ સંસારનો કર્તા છે. જ્યારે ભ્રાંતિ જાય ત્યારે સ્વરૂપનો કર્તા છે. પોતાનો સ્વભાવનો કર્તા, અન્યથા અકર્તા છે. કોઈ બાબતમાં કર્તા છે જ નહીં. કશું આવું કરે નહીં. આ જે કરીએ છીએને આપણે, કહીએ છીએ કે આમ કર્યું, તેમ કર્યું, એ આત્મા કરે નહીં. પ્રશ્નકર્તા : અનુભવ વગર સમજાય એવું નથી. દાદાશ્રી : તારે અનુભવ જોઈતો હોય તો અહીં આવવું પડે. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે પર તરફના વલણના જે ભાવો છે, એ બધા અસ્વભાવભાવ અને પોતાના સ્વ તરફના જે ભાવો છે તે સ્વભાવભાવ? દાદાશ્રી : હા, પર સ્વભાવ હોય છે, તે જ્યાં સુધી આત્મા પરમાં વર્તે છે, ત્યાં સુધી તો આ સંસાર છે જ ને ! સ્વ સ્વભાવભાવમાં આવે ને, એટલે સંસાર છૂટી ગયો. અને પર સ્વભાવભાવ એટલે પરપરિણતિ. બીજો કરે છે અને પોતે કહે છે, ‘હું કરું છું’. અકર્તા છતાં નૈમિત્તિક કર્તા આ વિશેષભાવ શો છે, પ્રકૃતિ કેવી રીતે એની મેળે ઊભી થાય છે, આ બધું ‘મેં’ જોયેલું છે. ‘હું’ એ બધું જોઈને કહું છું. એટલે આ ‘વિજ્ઞાન’ ખુલ્લું થાય છે. કોઈ ચીજનો કોઈ (સ્વતંત્ર) કર્તા જ નથી ને (નૈમિત્તિક) કર્તા વગર કશું થયું નથી !!! સંસારને ચીતરે છે ‘પોતે’. પછી વિચિત્રતા લાવવાનું ‘નેચર’ (કુદરત) ના હાથમાં છે. ચિત્રના વિશેષ પરિણામને લઈને વિચિત્ર કરવાનું કામ નેચરનું છે. પછી એમાં કોઈ હાથ ઘાલી ના શકે, ડખોડખલ ના કરી શકે! અમે ખુલ્લું જેમ છે તેમ કહીએ છીએ કે આ જગતને બનાવનારો ઉપર કોઈ બાપો છે નહીં. છતાં કર્તા વગર થયું નથી જગત. કર્તા કોને કહેવાય ? સ્વતંત્ર પાવરવાળો. આમ ભાવના કરે ને બધું ઊભું થઈ જાય, બધું તૈયાર. એને કર્તા કહેવાય. એટલે આ જગતનો કોઈ કર્તા છે નહીં ખરેખર અને કર્તા વગર થયું નથી. શું કહું છું? તો પછી બે વાક્યો શી રીતે સાથે રહી શકતા હશે? પ્રશ્નકર્તા : એ સમજવું પડશે. દાદાશ્રી : હા, એટલે આ જગત કોઈએ કર્યું નથી અને કર્તા વગર થયું નથી. પેલા ભાઈનો ધક્કો એમને વાગ્યો ને, એમનો ધક્કો તમને વાગ્યો. આમને જોખમદાર તરીકે પકડે, એમાં એમનો શું ગુનો ? પ્રશ્નકર્તા : એમનો ગુનો નથી. દાદાશ્રી : ધક્કો બીજી જગ્યાએથી આવ્યો છે, એમાં આમનો શો દોષ બિચારાનો ? એવી રીતે ભગવાન પોતે સપડાયા આમાં, કો’કના ધક્કાથી ! તમને સમજ પડીને ? ભગવાન નૈમિત્તિક કર્તા છે આના. નૈમિત્તિક એટલે પોતે સ્વતંત્ર કર્તા કોઈ છે નહીં. સ્વતંત્ર કર્તા હોત તો બંધાત. નૈમિત્તિક કર્તાથી બંધાયો, પણ નિમિત્તથી છૂટી જશે. નિમિત્તથી કર્તાપણું થયું છે અને નિમિત્તથી પાછો છૂટી જશે. પણ જો સ્વતંત્ર કર્તા હોત તો છૂટવાનો વારો જ ન્હોતો. ભગવાને લોકોને લાભ થાય એટલા માટે વ્યવહારથી આત્મા કર્તા કહ્યો. ત્યારે લોકોએ ગેરલાભ કર્યો. નિશ્ચયથી આત્મા માન્યો. એના કરતા ના કહ્યું હોત તો સારું. આ વેદાંતની પેઠ, વૈષ્ણવોમાં આત્મા કર્તા છે એવું ક્યારેય માને નહીં, વ્યવહારથી કે નિશ્ચયથી. એટલે એમને ઓછા પાપ લાગે. કર્મો ઓછા બંધાય. આ તો સચોડો આત્મા જ કર્તા થઈ બેઠો. આત્મા પોતે અક્રિય છે, આ મેં જાતે જોયેલું છે. આ ચાર્જ થાય છે, હાજરીથી જ ચાર્જ થાય છે. (પા.૧૬) અડવાથી જ ચાર્જ થાય છે. ઈલેક્ટ્રિકને કશું ના કરીએ ને અડ્યા હોય તો નુકસાન કરે એવું આપણે જાણીએ છીએ ને ? અડ્યા હોય તેની ઈફેક્ટ થાય છે ને ? નહીં થતી ? પ્રશ્નકર્તા : શાઙ્ખક લાગે છે, દાદા. દાદાશ્રી : તો આત્માનામાં કેટલી શક્તિ હશે? વ્યવસ્થિત એટલે જ પુદગ્લ કર્તા જ્ઞાનદશામાં આત્મા અકર્તા છે, અજ્ઞાનદશામાં આત્મા કર્તા છે. આત્મા વ્યવહારથી કર્તા છે, નિશ્ચયથી અકર્તા છે. એટલે પુદગ્લ વ્યવહારથી અકર્તા અને નિશ્ચયથી કર્તા છે. મૂળ કર્તા પુદગ્લ છે ને આત્મા નૈમિત્તિક કર્તા છે. નિશ્ચયથી તો અક્રિય, અકર્તા છે, વ્યવહારથી આત્મા કર્તા છે, ત્યારે કહે, નિશ્ચયથી કર્તા કોણ ? એ આપણે પાડ્યું છે કે નિશ્ચયથી કર્તા પુદગ્લ છે. અને વ્યવહારથી પુદગ્લ કર્તા નથી. પુદગ્લ એટલે વ્યવહારથી જે પુદગ્લ છે, બધા ભેગા થયેલા તે કર્તા છે. શરૂઆતમાં તો વ્યવહારના લોકોને ધર્મ આપવાનોને, એટલે આત્મા કર્તા છે એમ કહેવું જ પડે. નહીં તો કહેશે કે ક્રોધ કર્યો, તે કહે, મેં નથી કર્યો. હોય ભ્રાંતિ અને નથી કહે તે ચાલે નહીં. જો જ્ઞાન હોય ને તમે કહો કે ‘મેં નથી કર્યો’, તે વાત ચાલે. કારણ કે તમને છે તે ‘ચંદુભાઈ’ ગુસ્સો કરે, તો તમને એની પાછળ હિંસક ભાવ ના હોય અને પેલા અજ્ઞાનીને તો હિંસક ભાવ જ હોય, ચોખ્ખો જ ક્રોધ હોય, તન્મયાકાર ક્રોધ. હવે એ કહેશે, ‘હુંય નથી કરતો’ એવું બોલે. એટલે કર્તા જ છે. જે જે ક્રિયા કરે, એનો કર્તા એ છે. જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી. એટલે અકર્તા થયો, જ્ઞાન થયા પછી. આપણને જ્ઞાન થયું એટલે ‘આપણે’ અકર્તા ભાવે છીએ. પ્રશ્નકર્તા : તો પુદગ્લ કર્તા છે ? દાદાશ્રી : આ તો તમને એટલા માટે કહીએ કે અત્યારે કોણ કર્તા છે આનો ? આ તો રિઝલ્ટ (પરિણામ) છે, આત્માનું કશું કરવાપણું રહ્યું નથી. એ આધારી શબ્દ છે. પ્રશ્નકર્તા : તો ખરેખર કોઈ કર્તા નથી. દાદાશ્રી : ખરેખર તો જગતનું પુદગ્લ જ કર્તા છે. પણ એવું બોલાય એવું નથી. આજે કોઈ એક્સેપ્ટ નહીં કરે બહાર. તેને સમજાય નહીં ને દહાડો વળે નહીં. એ તો એમ જ કહે, ‘હું જ તો કર્તા છું ને !’ પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પેલું ‘પુદગ્લ નિશ્ચયથી કર્તા છે’ એ સમજાયું નહીં. કારણ કે જ્ઞાન લીધા પછી આપણે માનીએ છીએ, ‘વ્યવસ્થિત શક્તિ કર્તા છે’. ‘પુદગ્લ કે આત્મા કર્તા નથી’, એમ અમે સમજ્યા છીએ અને આપે હમણાં કહ્યું કે ‘નિશ્ચયથી પુદગ્લ કર્તા છે.’ એ નથી સમજાતું. દાદાશ્રી : તમે વ્યવસ્થિત કર્તા છે એવું જ માનો છો ? સો ટકા એવું માનો છો ? તો વ્યવસ્થિત કર્તા એ જ પુદગ્લ કર્તા. વ્યવસ્થિતમાં ચેતન કોઈ સત્તા નથી, બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય છે. એમાં કોઈ ચેતન સત્તા નથી હોતી. એ જ માનો છો ને તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આત્મા કર્તા માનતા નથીને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એટલે પુદગ્લ કર્તા માનો છે એ કરેક્ટ થઈ ગયું ને ? આ તો બધું જગત આખુંય આત્માને કર્તા માની બેઠા છે, ‘હું કર્તા છું જ, હું કરું છું તો જ થાય છે’. વ્યવસ્થિત એ જ છે તે પુદગ્લ કર્તા છે. ભેગું થવું અને વિખરાઈ જવું એનું નામ વ્યવસ્થિત, અને તે જ પુદગ્લ છે. પ્રશ્નકર્તા : પુદગ્લ છે એટલે નિશ્ચેતન-ચેતનને? (પા.૧૭) દાદાશ્રી : હા, નિશ્ચેતન-ચેતનની જ વાત હોય આ બધી. પુદગ્લ એટલે આ જે પરમાણુ છે ને એ પરમાણુ જુદા છે. અને આ પુદગ્લ એ તો વિભાવિક પુદગ્લ છે. પેલા પરમાણુ સ્વભાવિક પુદગ્લ છે. તો આ આંખે જેટલું દેખાય છે, આ કાને સંભળાય છે, આ જેટલું અનુભવાય છે, એ બધું વિભાવિક પુદગ્લ છે. આમાં સ્વભાવિક પુદગ્લ તો તમને જોવામાંય નથી આવતું. એટલે વિભાવિક પુદગ્લની વાત છે. એ જ નિશ્ચેતન-ચેતન છે. આપણું પહેલા પાનાનું વાક્ય હોયને, તે આઠસો પાનમાં એનું એ જ વાક્ય એને હેલ્પ કરતું હોય, એક અક્ષરેય કોઈ જગ્યાએ વિરોધાભાસ ના હોય, એનું નામ વિજ્ઞાન કહેવાય. એને એમ લાગે ખરું કે આ આજે દાદાએ એમ કેમ કહ્યું, ‘આ પુદગ્લ નિશ્ચયથી કર્તા છે ?’ પણ જો એ વાત આમ સમજવા જાય તો તરત સમજી જાય, પછી ફિટ થઈ જાય. એટલે પ્રશ્ન ઊભા થાયને તે આપણે પોતે પોતાની મેળે મૂકવા કે આ આવું કેમ બને તો પછી તમને પોતાને જ સોલ્યુશન (નિરાકરણ) થાય. ‘વ્યવસ્થિત એ જ નિશ્ચયથી પુદગ્લ કર્તા છે’, એવું જો જગતને સમજમાં હોતને તો આજ જગતની તો દશા બહુ ઊંચી હોય. પણ એ સમજમાં બેસે એવી વસ્તુ નથી અને તે એ જ્ઞાન ખુલ્લુંય થયું નથી. અત્યાર સુધી એક જ પ્રકારનું જ્ઞાન ચાલ્યું આવે છે કે આત્મા વ્યવહારથી કર્તા છે. બસ, નિશ્ચયથી કોણ કર્તા છે ? એવું તપાસ જ નથી કરવામાં આવેલી અને તે બધું કોઈએ ખુલ્લુંય નથી કર્યું. તેથી કરીને તીર્થંકરોના જ્ઞાનમાં આ બધું હતું. પણ તમે પૂછો તો જવાબ નીકળે ને? પૂછો જ નહીં તો શેનો જવાબ મળે ? પુદગ્લ કર્તા ક્યારે કહેવાય ? જ્ઞાની થયા પછી. એ પહેલાં ના કહેવાય. તે તો સાધુ-આચાર્યો બોલે કે પુદગ્લ કર્તા છે, એટલે ઊંધે રસ્તે ચાલે બધા. જ્ઞાન થયા પછી આજ્ઞામાં રહે, પછી બધું પુદગ્લ કર્તા. પછી તમારી જોખમદારી નથી, એમ કહીએ છીએ. પ્રશ્નકર્તા : વ્યવસ્થિતની પ્રેરણાથી પુદગ્લ કર્તા બને છે ને ? દાદાશ્રી : હા, વ્યવસ્થિતની પ્રેરણાથી. આમ દેખીતું આપણને પુદગ્લ કર્તા લાગે પણ વ્યવસ્થિતના એવિડન્સથી છે. પ્રશ્નકર્તા : આત્માની હાજરી હોય તો જ બને, નહીં તો બને નહીં. દાદાશ્રી : આત્માની હાજરી ના હોય તો કશું થાય નહીં. પ્રશ્નકર્તા : આત્માની હાજરી વગર સ્વયં પુદગ્લ એકલું કર્તા બની શકે નહીં ? દાદાશ્રી : નહીં. પ્રશ્નકર્તા : આત્માની હાજરીની જરૂર છે. દાદાશ્રી : આત્માની હાજરી હોય તો જ. અને પુદગ્લ કર્તા એટલે શું ? પરિણામ, આપણે પરિણામ કહીએ છીએ, આપણે પુદગ્લ કર્તા કહેતા નથી. આપણી ભાષામાં બહાર લોકભાષાનું બોલીએ છીએ. બાકી પરિણામ છે, આ રિઝલ્ટ છે. આપણા કોઝિઝનું આ પરિણામ છે, તેમાં પછી બીજું શું પૂછવાનું રહ્યું? વ્યવસ્થિતને આ લોકો છે તે ભગવાન કહે છે, આપણા દેશના લોકો, બધા ફોરેન-બોરેન બધાય કે એ જ કર્તા છે અને પછી છે તે રાગ-દ્વેષ ચીતર્યા. કર્તા, પુદગ્લની કરામત આ બધું પુદગ્લ કરી રહ્યું છે અને આ લોકો માને છે કે હું કરું છું. એ ‘હું’ય પુદગ્લ છે. એટલું બધું પુદગ્લ કરી રહ્યું છે. એ પુદગ્લની કરામત તીર્થંકરો અને જ્ઞાની સિવાય કોઈનેય ના સમજાય. ક્રમિક માર્ગના જ્ઞાનીઓનેય એ કરામત ના સમજાય. (પા.૧૮) કરામત એ તો અમે જોયેલી હોય, પણ એ વર્ણન ના કરી શકાય. એનો આકાર, એની રીત, અમે એ જોયેલી હોય પણ તેનું વર્ણન થાય નહીં ને! એ અવર્ણનીય વસ્તુ છે. શબ્દોની તો સીમા છે, પણ આ તો અસીમ વસ્તુ છે. ‘કરે છે કોણ એ સમજે, તો ઊકલે કાયમી કોયડો; કરામત પુદગ્લની બાજી, સ્વભાવિક જ્ઞાનનેત્રે જો.’ સ્વભાવિક જ્ઞાનનેત્રે એટલે દિવ્યદ્રષ્ટિથી જો, કે આ કોણ કરે છે તે જો, પછી કહે છે કે આ બધી પુદગ્લની બાજી છે. આ કરામત જે છે, તે પુદગ્લની છે. પુદગ્લ કરામત ખૂબ ઝીણી વાત છે. એ સમજાય તેમ નથી. અમે જે જોયું છે ને જે જાણ્યું છે તે અપૂર્વ છે. હું દાખલો આપું. અહીં બધા બેઠા હોઈએ ત્યારે કોઈનેય છીંક ખાવાની ઈચ્છા ના હોય પણ ત્યાં અંદર વઘાર થાય તો બધા છીંક ખા ખા કરે. તો જો તું કર્તા છું તો બંધ કરી દે ને છીંકો! પણ બંધ ના થાય. તે પુદગ્લની કરામત છે. પાછું કોઈ કહેશે, પુદગ્લનું કર્તાપણું દેખાડો. બેન બારણા વાસીને વઘાર કરતી હોય, એની ઈચ્છા નથી ને ખાનારની ઈચ્છા નથી છતાં ઉધરસ ખવડાવે છે ને લોકોને ! અને આ કહે છે, ‘મેં ઉધરસ ખાધી.’ આ બધું ઈગોઈઝમ છે. અહીં બેઠા બેઠા મને દરેક પુદગ્લની કરામતો દેખાય છે. તેમ ન હોય તો દૂધ પીજે, અમૃત પીજે, દારૂ પીજે અને ઝેર પીજે તો ખબર પડશે કે પુદગ્લની કરામત કેવી છે ! તમારી પાસેથી કોઈ દશ હજાર લૂંટી લે, તે વખતે તમને ભાન રહે કે આ પુદગ્લ જોરદાર છે તે આ પુદગ્લ પાસેથી દશ હજાર લૂંટી લે છે. તે વખતે પુદગ્લની કરામત છે તેવું તમને ભાન રહે તે કેવળ દર્શન. કોઈ આ જગતમાં સમજ્યું નહોતું. ‘આ જગતમાં જે કંઈપણ કરવામાં આવે છે તે જગતને પોષાય યા ન પણ પોષાય છતાં ‘હું’ કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે.’ પુદગ્લની કરામતની ગેડ બેસી જાય તો કેવળ દર્શન. પુદગ્લની કરામતની ક્રિયા જાણવામાં આવે તો કેવળ જ્ઞાન. પુદગ્લની કરામતને વર્તવામાં આવે તો કેવળ ચારિત્ર. કરવાનું શું ? કર્યું શું ? ભગવાને આત્મા વ્યવહારથી કર્તા કહ્યો છે. તે લોકોએ નિશ્ચયથી માની લીધો તેની આ મુશ્કેલી ઊભી થઈ છે. અત્યારે આત્માને નિશ્ચયથી કર્તા જ માનવામાં આવે છે. આમ આપણે કહીએ, નિશ્ચયથી? ત્યારે કહે, ‘નિશ્ચયથી અકર્તા છે, પણ વ્યવહારથી કર્તા.’ પણ એમના રૂપકમાં ‘નિશ્ચયથી જ કર્તા છે’ એવું માની બેઠા છે. એટલે કહેશે, ‘આ છોડવું પડશે ને આ છોડવું પડશે ને આ છોડવું પડશે’. ‘અલ્યા, તેં બાંધ્યું હતું કે તું છોડું છું? તે બાંધ્યું જ ન હતું, ત્યાં છોડવાનું ક્યાં રહ્યું તે ? ભ્રાંતિ જાય એવું કામ કરજે.’ એટલે છૂટું જ છે. આ તારી ભ્રાંતિ છે કે ‘હું જ છું ચંદુભાઈ અને હું જ કર્તા છું.’ ‘હું ચંદુભાઈ છું’ એ ભ્રાંતિ ગઈ, તો તારે છૂટું જ છે. એટલે ‘ભ્રાંતિ કાઢ’ કહે છે. ભગવાને ભ્રાંતિ કાઢવાની કહી હતી, તે હવે લોકો કર્મ કાઢે છે. આ છોડે છે ને તે છોડે છે. હવે છોડવાનો અધિકાર પુદગ્લના હાથમાં છે, વ્યવસ્થિતના હાથમાં. ત્યારે પોતે છોડવા ગયો. ફક્ત પોતાને ભ્રાંતિ કાઢવાનો અધિકાર છે ત્યારે તે કાઢવાનું કરતો નથી. ઈફેક્ટમાં પોતાની સત્તા કેટલી ? અલ્યા મૂઆ, તે કર્યું છે શું અત્યાર સુધી, કહે! વગર કામનો, કરવાનું-કરવાનું ! આ તો તું કહું છું કે ‘આ મેં કર્યું.’ પણ એ છે તે પૂર્વકર્મ છે! ત્યારે કહેશે, ‘મેં કશું કર્યું જ નથી?’ ત્યારે કહે, ‘ના, ભાવકર્મ કર્યું ફક્ત, બીજું તો બધું પરસત્તાના હાથમાં (પા.૧૯) છે.’ એ કર્તાપણામાં બીજી કોઈ વસ્તુની જરૂર નથી. સ્વભાવનો કર્તા છે, તેને બદલે વિભાવનો કર્તા થયો, એટલું જ. તેમાં કશું કર્યું નથી. પછી આવ્યું આ, હિસાબ પરિણામ આવ્યું. ભાવકર્મનું રિઝલ્ટ આવ્યું આ ઈફેક્ટ અને ઈફેક્ટ છે તે પારકી સત્તાના હાથમાં છે, પરસત્તા! ‘હું ચંદુભાઈ છું’ એ માની અને જે કરવામાં આવે એ બધા ભાવકર્મ છે. એટલે કર્મ બંધાયા. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ સ્વભાવ. આમાં આત્મા સ્વભાવમાં છે. પણ ભાવકર્મ એટલે વિભાવમાં, એટલે ‘હું ચંદુભાઈ છું’ એ વિભાવકર્મ, એ જ ભાવકર્મ. ઊંધું દેખાય તે બધા ભાવકર્મ કહેવાય ને છતું દેખાય એ સ્વભાવકર્મ કહેવાય. એટલે ભાવ વસ્તુ એમાંથી ઊંધું દેખાય એટલે બધા ભાવકર્મ ઉત્પન્ન થાય. ‘આ કરું ને તે કરું ને ફલાણું કરું’ એ બધા ભાવકર્મ. પ્રશ્નકર્તા : એ જે ભાવકર્મ થાય, આ કરું ને તે કરું, એ ભાવો ચાર્જ ભાવ કે ડિસ્ચાર્જ ભાવ ? દાદાશ્રી : એ તો જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ ભાવો. બીજા બધાને તો એ ચાર્જ જ ભાવ છે ને ! ‘હું કરું છું’ એ જ ચાર્જ ભાવ. હા, નાટકીય ‘હું’ એ વાત જુદી છે. એ તો કો’ક જ હોયને, નાટકીય ‘હું’વાળો. બાકી ‘કરું છું’ એ ચાર્જ બધું. લોકો આ કરે છેને બધું, વેપાર ચલાવે છે એ બધું, પૈસા કમાય છે, એ ‘હું કરું છું’ એ જ ભાવકર્મ છે. ‘પ્રતિષ્ઠિત’ નિર્જરે, સ્વરૂપ જ્ઞાનથી હવે આવી વાત પુસ્તકોમાં તો લખેલી હોય નહિ. એટલે શી રીતે માણસ ફરે ? પુસ્તકમાં લખેલું તો કેવું હોય કે કઢીમાં મરચું, મીઠું, હળદર, ગોળ બધું નાખજો. પણ શું શું વસ્તુ ને કઈ રીતે એનું પ્રમાણ લેવું, એ તો ના હોય ને ! એટલે આ વસ્તુ એને અંદરખાને સમજાય નહીં ને ! એટલે આ પ્રતિષ્ઠિત આત્માને જ જગત આખું આત્મા માની બેઠું છે અને એને સ્થિર કરવા માગે છે. અને તેય ખોટી વસ્તુ નથી, સ્થિર તો કરવું જોઈએ. અને સ્થિર કરવાથી એને આનંદ થાય. જેટલો વખત આ પ્રતિષ્ઠિત આત્મા સ્થિર થાય, રાત્રે ઊંઘમાં તો સ્થિર થાય છે, પણ દહાડેય જેટલો વખત સ્થિર થાય એટલો વખત એને આનંદ થાય. પણ એ આનંદ કેવો કે બસ, સ્થિરતા તૂટી કે હતો તેવો ને તેવો જ થઈ જાય. હવે જો એ જોડે જોડે એમ જાણે કે મૂળ આત્મા તો સ્થિર જ છે, તો ‘પોતે’ ‘એડજસ્ટમેન્ટ’ લઈ શકે. પણ મૂળ આત્માની વાત લોકોને ખબર જ નથી. આ પ્રતિષ્ઠિત આત્માને જ આત્મા સ્વીકારવામાં આવેલો છે અને આ ખરેખર આત્મા છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા એ પુદગ્લ છે, એમાં ચેતન જ નથી. જેમાં જગત ચેતન માની બેઠું છે, એમાં ચેતન નથી. આ મારી શોધખોળ છે. અમે જાતે જોઈને કહીએ છીએ. એ શાસ્ત્રમાં લખ્યું નથી. શાસ્ત્રોમાં તો આને (પ્રતિષ્ઠિત આત્માને) સુધારવાનું કહ્યું છે, ‘સુધાર સુધાર કરો’ એવું કહ્યું છે. એટલે કંઈ પદ્ધતિ તો હોવી જોઈએ ને ? સુધારવાની પદ્ધતિ હોય છે ને ? શાસ્ત્રમાં પદ્ધતિ બતાડવામાં આવી છે એ લોકોના લક્ષમાં નથી, બહુ સૂક્ષ્મ રીતે બતાવવામાં આવી છે. પણ એ તો શબ્દથી બતાવવામાં આવી હોય ને ? એટલે શું કે શબ્દથી બતાવવામાં આવ્યું કે મુંબઈ જાવ તો મુંબઈમાં આવું છે, આમ છે, ત્યાં આગળ જુહુનો કિનારો આમ છે, તેમ છે પણ શબ્દથી. તેમાં તમને શું લાભ થયો? એટલે શાસ્ત્રો શું બતાવે ? શબ્દોથી બતાવે. એ અનુભવથી ના હોય ને ? શાસ્ત્રમાં અનુભવથી ઉતરે નહીંને ! એટલે ‘જ્ઞાની પુરુષ’ની હાજરી સિવાય કશું આનો ફોડ પડે નહીં. પ્રશ્નકર્તા : સમસ્યાઓ અને પ્રશ્નો જે કંઈ થાય છે, એ પ્રતિષ્ઠિત આત્માના જ હશે ને ? દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્માનું જ છે બધું. પ્રતિષ્ઠિત આત્મા આપણે પ્રકૃતિને જ કહીએ છીએ. પણ પ્રકૃતિ એકલીને આપણે કહીએ છીએને તો (પા.૨૦) લોકોને બરોબર સમજાતું નથી. એટલે આપણે એને પ્રતિષ્ઠિત આત્મા કહ્યો. આત્મા તો શુદ્ધાત્મા જ છે પણ આપણને જ્યાં સુધી ‘રોંગ બિલીફ’ હતી કે ‘હું ચંદુભાઈ છું’, લોકોએ તમને કહ્યું કે ‘તમે ચંદુભાઈ છો’. તે તમે એ માનીને જ કામ કરવા માંડ્યા. એટલે શું થયું ? આ મૂર્તિમાં ‘હું છું’ એમ માની એની પ્રતિષ્ઠા કરો છો અને તેથી નવી મૂર્તિ ઘડાઈ રહી છે. એટલે ‘પ્રતિષ્ઠિત આત્મા’ ફરી પાછો પ્રતિષ્ઠિત થઈ રહ્યો છે. તે આવતા ભવે ‘તમે’ ને ‘પ્રતિષ્ઠિત આત્મા’ એ બે સાથે રહે. ‘સ્વરૂપ જ્ઞાન’ પછી નવો ‘પ્રતિષ્ઠિત આત્મા’ બંધાતો નથી ને જૂનો ‘એક્ઝોસ્ટ’ (ખલાસ) થયા કરે ! ત્રણ યોગે પ્રતિષ્ઠિત આત્મા પ્રશ્નકર્તા : દાદા, આપ જ્યારે જ્ઞાન આપો છો એટલે એ જ્ઞાનમાં જે ભેદજ્ઞાન થાય છે, તે વખતે શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા બે ભાગ પડે છે. હવે શુદ્ધાત્મા જે છે તે જોનારો અને જાણનારો રહ્યો અને પ્રતિષ્ઠિત આત્મા તે ગલન (થનારો) રહ્યો. દાદાશ્રી : ગલન એટલે કરનારો અને ભોગવનારો. પ્રશ્નકર્તા : કરનારો અને ભોગવનારો એ. એટલે આ પ્રતિષ્ઠિત આત્મા જે કંઈ પણ કરતો હોય, એને શુદ્ધાત્મા નિહાળ્યા કરે છે. દાદાશ્રી : હા, બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા જે કરે, એને શુદ્ધાત્મા જુએ. આ પ્રતિષ્ઠિત આત્મા એટલે શું ? કે ત્રણ યોગે કરીને પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. મનોયોગ, વચનયોગ અને કાયયોગ. અને ત્રણેય શું કરી રહ્યાં છે, એને જુએ એ જ આ શુદ્ધાત્માનું કાર્ય. પ્રતિષ્ઠિત જ્ઞેય અને ‘હું’ જ્ઞાતા પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જાગૃતિ હોય તો તન્મયાકાર ના થાય ? દાદાશ્રી : પછી ભાન રહે છે એ એક જાગૃતિ છે ને જાગૃતિ એના સ્વભાવમાં આવશે એટલે એ તન્મયાકાર થાય નહીં. આ તો પાછલો ફોર્સ છે ત્યાં સુધી ખસી જાય. ફોર્સ ઓછો થાય પછી તન્મયાકાર ના થાય. જે ડિસ્ચાર્જ છે એ બધું ટાંકીનું પાણી, ભરેલો માલ છે. પ્રશ્નકર્તા : એટલે શું સમજવાનું ? જાગૃતિ થઈ, એટલે તમે તન્મયાકાર ના થાવ એવું તમે કહ્યું, એટલે કેવી રીતે સમજવું ? દાદાશ્રી : તમે એટલે શું ? મૂળ આત્મા નહીં. હજુ છે તે ‘હું’ તો રહેલું જ છે, પહેલાં છે તે પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું’ હતું, હવે જાગૃતિ તરીકે ‘હું’ છે. એ ‘હું’ તન્મયાકાર ના થઈ જાય. પ્રશ્નકર્તા : આપણે તન્મયાકાર ના થઈએ, એટલે પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર નથી થતો, એનો અર્થ એ થયો ? દાદાશ્રી : ના, આપણે એટલે કોણ ? તે વખતે હાજર જે છે તે! તે વખતે જે આપણી બિલીફમાં છે. હજુ શુદ્ધાત્મા સંપૂર્ણ થયા નથી. મૂળ પ્રતિષ્ઠિત આત્મા પાછો છૂટી ગયો. હવે જાગ્રત આત્મા, એટલે જાગૃતિ. જાગૃતિ જે પરિણામ છે, એ ત્યાં અત્યારે આમ તન્મયાકાર નથી થતી. પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી પ્રતિષ્ઠિત આત્મા તો છે જ, તો એ શું કરે છે ? એની સ્થિતિ શું પછી? દાદાશ્રી : પછી એની કશી સ્થિતિ નથી. એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે. એટલે નિશ્ચેતન ચેતન છે. એ જ્ઞેય સ્વરૂપે રહે છે. પછી જ્ઞેય સ્વરૂપે ‘શું કરે છે ને શું નહીં?’ તેને જાણનાર જાગૃતિ છે. સ્વરૂપનું ભાન થતાં પહેલા પ્રતિષ્ઠિત આત્માને જ આપણે જ્ઞાતા માનતા હતા. સ્વરૂપ જ્ઞાન પછી એ પ્રતિષ્ઠિત આત્મા પોતે જ્ઞેય થઈ જાય છે અને ત્યાં આગળ જાગૃતિ પોતે જ જ્ઞાતા થાય છે. એટલે કે (પા.૨૧) પહેલા પ્રતિષ્ઠિત આત્મા તરીકે ‘હું’ હતું, તે હવે જાગૃતિ તરીકે ‘હું’ થાય છે. અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ. આ જાગૃતિમાં આવી ગયું. સંપૂર્ણ જાગ્રત થયો એટલે મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ ના થાય ત્યાં સુધી જુદું રહે છે. ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મ દશા પૂરી થાય કે પરમાત્મા પદ પ્રાપ્ત થાય ! મૂળ સ્વભાવ, જોવા-જાણવાનો પ્રશ્નકર્તા : પણ આ જે બધા જ્ઞેયોને જોવાની-જાણવાની જે આત્માની ક્રિયા છે, જ્ઞાતા અને દ્રષ્ટા, એ પણ એની એક ક્રિયા જ થઈને? તો એ એનું એક કર્મ થયું ને ? દાદાશ્રી : જોવા-જાણવાનો પોતાનો મૂળ સ્વભાવ છે. સ્વભાવથી બહાર નીકળવું એ કર્મ કહેવાય. સ્વભાવની વિરુદ્ધ કરવું એ કર્મ કહેવાય. સ્વભાવને કર્મ ના કહેવાય. પાણી નીચું ચાલ્યું જાય, તો એને કર્મ ના કહેવાય, એ સ્વભાવ કહેવાય અને ઉપર ચઢાવું પડે તો કર્મ કરવું પડે. એટલે જોવા-જાણવાનો તો એનો સ્વભાવ. ત્યારે એનું ફળ શું ? ત્યારે કહે, પરમાનંદ ! બસ. એ સાથે જ છે બધું. જોવું-જાણવું ને પરમાનંદ. બીજા અનંતા ગુણો ખરા. આત્માની ફક્ત જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા પ્રશ્નકર્તા : જોયા કરવાનું એય કરવાનું તો ખરું ને ? દાદાશ્રી : ના, એ કરવાપણું નથી. એ જ્ઞાનક્રિયા કહેવાય. એનો કર્તા ના હોય, અહંકાર ના હોય. અને બીજી બધી ક્રિયાઓ અહંકારની હોય. ભાવકર્મ એ બધાય અહંકારના ! પ્રશ્નકર્તા : પછી વ્યવહારમાં માત્ર જ્ઞાતા-દ્રષ્ટા તરીકે છું એવું કેવી રીતે રહેવાય ? દાદાશ્રી : વ્યવહારમાં પોતે કર્તારૂપે છે અને ખરી રીતે છે તે જ્ઞાતા-દ્રષ્ટા છે. હવે વ્યવહારમાં કર્તા શાનો ? ત્યારે કહે, સંસારનો કર્તા છે અને ખરી રીતે જ્ઞાતા-દ્રષ્ટા એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયાનો કર્તા. બીજી કોઈ ક્રિયા નહીં, ત્યાં સાંસારિક ક્રિયા નહીં. જ્ઞાન ઉપયોગ એ જ્ઞાનક્રિયા કહેવાય અને દર્શન ઉપયોગ એ દર્શનક્રિયા કહેવાય. હવે જ્ઞાન ઉપયોગ શું ? ત્યારે કહે, આ જે ક્રિયાવાળું પુદગ્લ છે તે પોતાની ક્રિયામાંપરિણમન કરે છે, એ બધી ક્રિયાઓને જોનાર (જાણનાર) આ જ્ઞાન ઉપયોગ! કોઈ પૌદ્ગલિક ક્રિયાનો કર્તા નથી. એ પોતાના સ્વભાવનો કર્તા છે, નહીં કે પરભાવનો કર્તા છે. મોક્ષને માટે જ્ઞાનક્રિયાની જરૂર છે. અજ્ઞાનક્રિયા એ બંધન છે. ક્રિયા કોને કહેવાય છે ? અહંકારી ક્રિયાને અજ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે અને જે નિર્અહંકારી ક્રિયા એને જ્ઞાનક્રિયા કહેવામાં આવે છે. એટલે શું કે જે ચારિત્ર્ય મોહનીય કર્મ છે. અત્યારે જમવા જાય એ બધું ડિસ્ચાર્જ કર્મ. હવે એને જો જો કર્યા કરવું, એનું નામ જ્ઞાનક્રિયા કહેવાય. એ જ્ઞાનક્રિયાથી, જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ. અત્યારે તમે કરો છો ને, તે ચંદુભાઈ કરે છે એવું તમે જાણો છો, ‘વ્યવસ્થિત’ કર્તા છે એવું જાણો છો. ‘તમે’ જોયા કરો છો એ જ્ઞાનક્રિયા છે. ‘જ્ઞાનક્રિયા’ એટલે શું ? પોતાના સ્વરૂપમાં જ રહેવું ને જાણવું. દર્શન ક્રિયામાં જોવું. જોવું અને જાણવું, એ જ આત્માની ક્રિયા છે. જ્યારે આત્મા સિવાય બીજા કોઈ પણ તત્ત્વમાં જ્ઞાન-દર્શન ક્રિયા ના હોય. બીજી બધી જ ક્રિયા હોય! પ્રશ્નકર્તા : દાદા, ક્રમિકમાં જ્ઞાન અને ક્રિયા બેઉ સાથે રહેતી હશે ? જ્ઞાન ક્રિયા ત્યાં મોક્ષ એમ જે વાત કરી. દાદાશ્રી : એવું છેને, એ વ્યવહાર જ્ઞાનક્રિયા છે. વ્યવહાર જ્ઞાનક્રિયા એટલે શાસ્ત્ર જ્ઞાનક્રિયા. (પા.૨૨) પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શન થયા પછીની વાત કરું છું. પાંચમા ગુણસ્થાને આવ્યા પછીની વાત કરું છું. દાદાશ્રી : હા, પછી એ છે તે વ્યવહાર જ્ઞાન, વ્યવહાર જ્ઞાનક્રિયા અને આપણી આ નિશ્ચય જ્ઞાનક્રિયા કહેવાય છે. ચંદુભાઈ ટેસથી ચા પીએ ને તમે એ જાણો, એ જ્ઞાનક્રિયા કહેવાય અને તે નિશ્ચય જ્ઞાનક્રિયા કહેવાય. પ્રશ્નકર્તા : તો ક્રમિક માર્ગમાં જે સમ્યક્ મળ્યું એ શું મળ્યું કહેવાય ? દાદાશ્રી : સમ્યક્નું તો એને ભાન થયું. ભાન થયું કે આ ખોટું કહેવાય ને આ ખરું અને આ આત્મસ્વરૂપ. આ ખરું, આ ખોટું અને આ આત્મસ્વરૂપ. ખોટું છોડી દેવાનું, ખરું કરવાનુંને. આત્મસ્વરૂપ રાખવાનું. એટલે ઠેઠ સુધી શુભ જોડે ને જોડે હોય તો જ કામ ચાલશે. આ શુભ એની પથારી છે, નહીં તો ક્યાં સુધી જાય? પ્રશ્નકર્તા : હા, એ રસ્તો જ ન રહ્યો. એને સુખ જોઈએ જ ક્યાં ? બરોબર છે. દાદાશ્રી : આ શુભમાં થોડું અશુભ પેઠા વગર રહે નહીં. એટલે પછી કાંકરા પથારી નીચે આવે આખી રાત બૂમાબૂમ કરશે. પછી એને ભગવાને કહ્યું કે બાવીસ પ્રકારના પરિષહ સહન કરો. હા, પથારી નીચે કાંકરા આવે, તે ઘડીએ ધ્યાન ના કરશો કે આપણે ગાદીમાં સૂઈ જતા હતા, તે કેવું હતું ને અત્યારે આવું છે. એવું-તેવું કશું ધ્યાન કરશો નહીં. હવે ત્યાં આગળ અત્યારનું બધું લોકોની સમજમાં કેવું વર્તે છે કે ‘જ્ઞાન અને ક્રિયા, જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ. એટલે આ શાસ્ત્રના આધારે અમને જ્ઞાનેય છે અને અમે આ ક્રિયા પણ કરીએ છીએ.’ પણ એ ક્રિયા તો અજ્ઞાનક્રિયા કહેવાય છે અને તમે જ્ઞાનક્રિયા કરો છો. તમે જે નિકાલ કરો છો એ બધી જ્ઞાનક્રિયા કહેવાય. તે જ્ઞાનક્રિયાથી મોક્ષ. જ્ઞાન સહિત જે કંઈ ક્રિયા થાય, તેના આધારે મોક્ષ થાય. જ્ઞાન ઉપયોગ એ જ્ઞાનક્રિયા કહેવાય. અને જ્ઞાનક્રિયાથી આ બધો ઉકેલ આવી ગયો. - જય સચ્ચિદાનંદ |