ન કરાય રક્ષણ, પોતાપણાનું

સંપાદકીય

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે, કારણ કે એ સંપૂર્ણપણે દેહથી ભિન્નરૂપે વર્તે છે, જે પોતાપણા રહિત છે. પોતાપણા રહિતના શું લક્ષણ હોય ? એ પોટલાની પેઠે વર્તે, નિરંતર સંજોગોને આધીન રહે, કુદરત રાખે તેમ રહે. અને એવા આશ્વર્યની પ્રતિમા સમ પ્રગટ જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાનના આત્મવિજ્ઞાન થકી સ્વરૂપની પ્રાપ્તિ સહજ છે, સુગમ છે.

એવા જ અનુપમ આત્મજ્ઞાની થકી આપણને સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ સહજ થાય છે અને ‘હું શુદ્ધાત્મા છું’ની જાગૃતિ નિરંતર વર્તે છે. પણ તે પદને અનુભવમાં આવતા રોકે છે કોણ ? ત્યારે કહે, પોતાપણું. આત્મજ્ઞાન થયા પછી ‘હું’ અને ‘મારું’ ગયું પણ હજુ પોતાપણુ રહ્યું છે. અહંકાર ને મમતા જતા રહ્યા એ ભાગને પોતાપણું કહે છે.

પોતાપણું એટલે ભરેલો માલ, ડિસ્ચાર્જ અહંકાર. એ ડિસ્ચાર્જ અહંકારમાં પોતે કર્તા થાય છે. બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલે એ પોતાપણું. પ્રકૃતિનું રક્ષણ કરવું, પુદગ્લનું રક્ષણ કરવું એ પોતાપણું. હવે પોતે રક્ષણ તો કરે પણ ઊલટું એટેક હઉ કરે, હવે બીજાને દુ:ખ થાય એવું પોતાપણું શું કામનું ? અને જ્યારે પ્રકૃતિનું કપટ કરીને રક્ષણ કરે એ ગાઢ પોતાપણું, પોતે પ્રકૃતિનું રક્ષણ કરે પછી એ સહજપણું થવા જ ના દે ને !

જો પોતાપણું પકડ સહિત હો તો એ બહુ કઠણ પોતાપણું કહેવાય. એ તો બહુ જોખમી, એ તો આત્માનો ઘાત કર્યાં જ કહેવાય. પોતાપણું જો મોળું હોય તો છૂટતું જાય પણ જો પોતાપણું છોડે નહીં તો એનો કંઈ પાર જ ના આવે ને ! પણ જૂનો ભરેલો માલ નીકળે છે તે ડખલ કરે છે. અવળી સમજણ છૂટતી નથી એટલે ડખલ થઈ જાય છે. પણ ડખલ છોડી દે તો પોતાપણું સહેલાઈથી છૂટી જઈ શકે એમ છે.

આ પોતાપણું એકદમ ના છૂટે પણ જાણવાથી ધીમે ધીમે છૂટ્યા કરે. પોતાપણું એ એક મેલ છે આ ધીમે ધીમે ઘસાતો ઘસાતો જતો રહે. પોતાપણું આંધળું હોય છે, એને પોતાની ભૂલ ના દેખાય અને બીજાના દોષ જુએ ત્યાં સુધી ઉકેલ ક્યાંથી આવે ? પોતાની ભૂલ થઈ રહી છે, એવું ખ્યાલ રહે તો પોતાપણું કાયમનું છૂટે પણ એ ખ્યાલ રહે નહીં ને ! કારણ કે મીઠાશને લઈને ભાન રહેતું નથી. મીઠું લાગેને તે ઘડીએ ‘પોતાને’ ભૂલી જાય છે. માન, ગર્વરસ, પૂજાવાની કામના, હું જાણું છું એ બધા પાછા પોતાપણાને મજબૂત કરવાના સાધનો, એ સાધનોથી ‘સાધ્ય’ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ?

હવે એ પોતાપણું ઓગળે શી રીતે ? જ્ઞાન પ્રાપ્ત થયા પછી ઉદયમાં તન્મયાકાર ના થાય અને જાગૃતિ-ઉપયોગમાં રહે તેમ તેમ આત્માના અનુભવ થતો જાય. અહંકાર ઓછો થતો જાય, એમ બધું રેગ્યુલર થયા કરે અને એ પોતાપણું ઓગળતું ઓગળતું ઝીરો (શૂન્ય) થઈ જાય એટલે એ જ્ઞાની જ કહેવાય.

જો યથાર્થ પુરુષાર્થમાં આવે તો જ્ઞાનીપદને પમાડી શકે એવું આ વિજ્ઞાન છે. અને આપણે ધ્યેય પણ એ જ હોવો જોઈએ ને ? પ્રસ્તુત સંકલનમાં પોતાપણું શું છે ? શેના આધારે ટક્યું છે અને એમાંથી છૂટવાના ઉપાય અને જ્ઞાનીની દશાનું અદભૂતવિજ્ઞાન અહીં ખુલ્લું થાય છે, જે આપણને પોતાપણા સામે સમજણપૂર્વકનો પુરુષાર્થ કરવા એક નવી જ દિશા બક્ષે છે.

- જય સચ્ચિદાનંદ

(પા.૨)

ન કરાય રક્ષણ, પોતાપણાનું

એક જ ધ્યેય, થાવું ‘શુદ્ધ સ્વરૂપ’

તારો ધ્યેય, શું થવું છે ?

પ્રશ્નકર્તા : દાદા જેવા થવું છે.

દાદાશ્રી : એ પાછું ક્યાં ઘાલ્યું ? દાદા જેવા થઈને શું કાઢવું છે ? શુદ્ધ થવાનું રાખને ! આપણે મોક્ષે જવાની વાત કરો. આમ દાદા જેવા થવું છે, આમ થવું છે એવો ભાવ કશો ના કરવો જોઈએ. એ મર્યો જાણો, લટક્યો. આપણી પાસે શુદ્ધ ઉપયોગને એ બધા સાધન છે અને શુદ્ધ થયા એટલે દાદાથી વધ્યા. દાદા જેવા નહીં, દાદાથી વધ્યા. આપણે આમ થવું છે, શા માટે ? આવો હેતુ બાંધવો નહીં. શુદ્ધ જ રહો.

પ્રશ્નકર્તા : પછી જે થાય તે.

દાદાશ્રી : એનું ફળ જે આવે તે. બાકી આમ થવું છે એ ભાવ તો બંધનકારી છે.

પ્રશ્નકર્તા : અમુક ધ્યેય નક્કી કર્યો હોયને તો એ પ્રમાણે થોડું જલદી ચાલ્યા કરે.

દાદાશ્રી : ધ્યેય આ જ નક્કી કરવાનો, શુદ્ધ ઉપયોગ. ને શુદ્ધ જ છીએ આપણે. નહીં તો પેલું પોતાપણું રહ્યા કરે ત્યાં. તમારે શુદ્ધ ઉપયોગ પોતાપણા રહિત કહેવાય.

પોતાપણામાં શું આવે ?

પ્રશ્નકર્તા : પોતાપણામાં શું આવે ?

દાદાશ્રી : આ બધું તું બોલું છું તે જ. તું બોલું છું એ જ પોતાપણું....

કોઈ ઝાલીને તને બીજે ગામ લઈ જાય તો તું જઉં ? ના. એ પોતાપણું. અને ઝાલીને બીજે ગામ લઈ જાય તો પોતાપણું છૂટી ગયું.

પ્રશ્નકર્તા : બીજે ગામે લઈ જાય તે એ કોઈ જાય જ નહીંને એ તો !

દાદાશ્રી : ફરી જાય, તું ના જઉં. પોતાપણું વધારે હોય એ ના જાય. આ જાય, ઓછું હોય તે.

પ્રશ્નકર્તા : ભોળા માણસમાં ઓછું હોય પોતાપણું ?

દાદાશ્રી : હા, ભોળા ભલા માણસોમાં ! તું બધું ધારેલું કરું છુંને કે કોઈના કહેલું કરું છું ?

પ્રશ્નકર્તા : ધારેલું જ કરું છું.

દાદાશ્રી : એ જ પોતાપણું.

દ્રષ્ટાંત, પોતાપણાનું

પ્રશ્નકર્તા : દાદા, પોતાપણાનું એક દ્રષ્ટાંત આપોને !

દાદાશ્રી : આ અહીંથી અમે મુંબઇ જતાં હોઇએ અને કોઈ કહેશે કે નથી જવાનું તમારે. તો બધાના ભાવ જોઈ લઈએ અમે કે બધા શું કહેવા માગે છે ? તો કહે, ના, તો પાછા વળીએ. પછી પાછા ઘરે આવીને કહે કે જાઓ તો પાછા જઈએ. પાછા ત્યાં જઈને કો’ક કહે કે પાછા વળો, તો પાછા વળીએ. એવું સો વખત કરે તો એવું ને એવું કરી આપીએ. હું કહું છું, હું જાણું છું, એવું તેવું ના હોય.

હવે પોતાપણું એટલે શું ? આ બેન કહે છે આપણે શનિવારે જઈએ, ત્યારે આ ભાઈ કહે છે કે ના, સોમવારે જાઓ. અમે કહીએ, તમને બધાને અનુકૂળ આવે તેમ. અમારે આમાં કોઈ ડખલ ના હોય.

અને નહીં તો બીજે બધે કાયદા એવા થાય, દાદાએ શું કહ્યું ? આજ્ઞા છે એટલે કે સોમવારે જવાનું છે તો બધાએ એક્સેપ્ટ કરી લેવું પડે. અમારે અહીં ના થાય. એટલે અમને તો આ અમદાવાદ, વડોદરા લાવે ને, તેય પોટલાની પેઠ લાવે ને પોટલાની પેઠે લઈ જાય. કોઈ પોટલું લાવતું હોય ? જ્યારે પોતાપણું જાય

(પા.૩)

ત્યારે પછી પોટલું થઈ ગયું કહેવાય. તમને સમજાયું ને ? એનું નામ પોતાપણું કહ્યું. એ બુદ્ધિ જતી રહે ત્યારે એક આ પોતાપણું જતું રહે.

‘જ્ઞાની’ને ન હોય પોતાપણું

પોતાપણું રહિતનાં શું લક્ષણ હોય ? પોતાપણું ના હોય એટલે શું ? કે સત્ પુરુષને એમ કહો કે ‘આજે મુંબઈ ચાલો.’ ત્યારે ‘ના’ એવું એ ના બોલે. લોકો એમને મુંબઈ લઈ જાય તો એ પોટલાની પેઠ જાય અને પોટલાની પેઠ આવે. એટલે પોતાપણું નથી. અમને પૂછે કે, ‘દાદાજી, ક્યારે આપણે જઈશું ?’ અમે કહીએ, ‘તમને ઠીક લાગે તેમ.’ અમારે બીજું કશું બોલવાનું નહીં. એટલે એ લોકો પોટલાને લઈ જાય તે ગુનો નથી. અમે જ એવું કહીએ કે, ‘ભઈ, તમને ઠીક લાગે ત્યારે લઈ જજો.’ કારણ કે પોતાપણું ના હોય. અને જેને પોતાપણું હોય એ પોટલાની પેઠ જાય કે ? એ તો કહેશે, ‘આજ નથી આવવાના.’ અને મારું તો પોતાપણું જ નથી જ્યાં આગળ ! પોટલું થવા કોઈ તૈયાર હોય ? હવે એવું એક પણ માણસ બોલે ?

એટલે અમને તો ત્યાં મુંબઈ કે વડોદરા કેટલાંક પૂછે છે કે, ‘દાદા તમે વહેલા આવ્યા હોત તો સારું.’ આમતેમ બોલે. ત્યારે મેં કહ્યું, ‘પોટલાની પેઠ મને તેડી લાવે છે ત્યારે અહીં આવું છું ને પોટલાની પેઠ લઈ જાય છે ત્યારે જાઉં છું.’ ત્યાર પછી એ સમજી જાય. તો કહે કે, ‘આ પોટલાની પેઠ કહો છો ?’ અરે, આ પોટલું જ છે ને, ત્યારે બીજું શું છે તે ? મહીં ભગવાન છે આખા, પણ બહાર તો પોટલું જ છે ને ! એટલે પોતાપણું રહ્યું નહીં ને !

પોતાપણું છૂટ્યું એટલે મોક્ષ

પ્રશ્નકર્તા : આમ લોકો કહે એ પ્રમાણે કરે, પોટલાની પેઠે લઈ જાય એમ જાય, પોતાનું ધાર્યું ના કરાવડાવે પોતે, તો એનું પરિણામ શું આવે?

દાદાશ્રી : મોક્ષ.

પ્રશ્નકર્તા : એનું પરિણામ મોક્ષ. એને આ મોક્ષ ત્યાં જ વર્તાય ? એ મોક્ષ એને એટ એ ટાઈમ વર્તાય ? એ મોક્ષ એને એ જગ્યા પર જ વર્તાય ?

દાદાશ્રી : કાયમનો. જગ્યા ઉપર નહીં કાયમનો. પોતાપણું છૂટ્યું એટલે મોક્ષ જ થયોને ! અત્યારેય મોક્ષ તો વર્તે જ પણ, પોતાપણું જાય ત્યારે એક્ઝેક્ટ.

જ્ઞાની, પબ્લિક ટ્રસ્ટ સમાન

આ જે દેખાય છે ને, એ તો ‘પબ્લિક ટ્રસ્ટ’ છે, ‘એ.એમ.પટેલ’ નામનું. અને એમને જેને ત્યાં સત્સંગ માટે લઈ જવાના હોય તો લઈ જાય, જેવા સંજોગ બાઝે તેવું લઈ જાય. કારણ કે આમાં ‘અમારું’ પોતાપણું નથી.

પ્રશ્નકર્તા : પેલું ઉજ્જૈન પધારવાની વાત જે કરીને તે કહે છે, એ પ્રશ્નનો દાદાએ જવાબ ના આપ્યો.

દાદાશ્રી : પોતાપણું હોય તો હું કહી શકું ને કે ભઈ, અમુક ટાઈમે આવીશું. તમે માંગણી કરી એટલે હું નેગેટિવમાં નથી, હું પોઝિટિવમાં છું પણ એના એવિડન્સ ગોઠવાવવા જોઈએને બધાય ? ગોઠવાવવું જોઈએ ને ? હું આ લોકોને એમ ના કહું કે અમુક તારીખે હેંડો. એ લોકો મને કહે કે તમે ચાલો અમુક તારીખે. હું તો ફ્રી જ છું પણ બધે બહુ જણની માંગણીઓ હોયને, એમાં આ લોકોને મંજૂર કરતાં વાર લાગેને, નહીં ? પણ થશે ખરું. એય કંઈક થશે, તમારી ઈચ્છા પૂરી થશે.

તેથી વર્તે આધીન નિરંતર

મને જ્યાં ઊંચકીને લઈ જાય ત્યાં અમે જઈએ. ઘણી ચીજો અમારે ના ખાવી હોય તોયે ખાઈએ છીએ, ના પીવી હોય તોયે પીએ છીએ, અમારે ના જોઈતું હોય તેય બધું કરવામાં આવે છે અને એમાં ચાલે નહીં. ફરજિયાત છે ને ! સામાના ‘એન્કરેજમેન્ટ’ માટે અમે તમારી ચા પીએ. એ ચા બહુ કડક હોય,

(પા.૪)

પ્રકૃતિને ના ફાવે એવી હોય, તોય તમને આનંદ થાય ને, કે ‘દાદા’એ મારી ચા પીધી. તે એટલા માટે અમે એ પી જઈએ.

આ આટલા દહાડાની મુસાફરી કરી, તેમાંય બધાના કહેવા પ્રમાણે જ રહેવાનું. એ કહે કે ‘અહીં રહેવાનું.’ ત્યારે હું કહું કે ‘હા, રહેવાનું.’ એ કહે કે ‘અહીંથી ઊઠો હવે’ તો એવું. અમારે ‘અમારાપણું’ ના હોય, ‘અમારાપણા’નું ઉન્મૂલન થઈ ગયું. આ તો બહુ દહાડા ‘અમારાપણા’ કર્યા. અમારે તો પહેલેથી મમતા બહુ જૂજ હતી, એટલે ભાંજગડ જ નહીં કશી.

એવું છે ને, હું તો બધાને આધીન રહું છું, એનું શું કારણ ? મારે પોતાપણું નથી. એટલે હું તો બિલકુલ સંજોગોના આધીન રહું છું. હું તો તમારે આધીન પણ રહું છું, તો વળી સંજોગોના આધીન તો રહું જ ને ! આધીનતા એટલે સંપૂર્ણ નિર્અહંકારતા ! આધીનતા તો બહુ સારી વસ્તુ છે. અમારી જોડે જે છે એ કહે એવું અમારે કરવાનું. અમારો કોઈ અભિપ્રાય નહીં. અમને એમ લાગે કે હજુ એમની વાતમાં કચાશ છે ત્યારે અમે એમને કહીએ કે ‘ભાઈ, આમ કરો.’ પછી અમે આધીન જ રહેવાના નિરંતર.

સાહજિકતા, જ્ઞાનીની

અમારી આ સાહજિકતા કહેવાય. સાહજિકતામાં બધો વાંધો નહીં. ડખલ જ નહીં ને, કોઈ જાતની. તમે આમ કહો તો આમ ને તેમ કહો તો તેમ. પોતાપણું નહીં ને ! અને તમે કંઈ ઓછું પોતાપણું છોડી દો એવા છો ?! અમને તો ‘ગાડીમાં જવાનું છે’ કહે તો તેમ. એ પાછા કાલે કહેશે કે ‘આમ જવાનું છે’ તો તેમ. ‘ના’ એમ નહીં. અમારે કંઈ વાંધો જ નહીં. અમારે પોતાનો મત ના હોય, એનું નામ સાહજિકપણું. પારકાના મતે ચાલવું એ સાહજિકપણું.

અમારે સાહજિકતા જ હોય, નિરંતર સાહજિકતા જ રહે. એક ક્ષણવાર સાહજિકતાની બહાર નહીં જાય. એમાં અમારે પોતાપણું હોય નહીં, તેથી કુદરત જેમ રાખે તેમ રહે. પોતાપણું છૂટે નહીં ત્યાં સુધી ક્યાંથી સહજ થવાય ? પોતાપણું હોય ત્યાં સુધી સહજ શી રીતે થાય પણ ? પોતાપણું મૂકી દે તો સહજ થાય. સહજ થાય એટલે ઉપયોગમાં રહેવાય.

જ્ઞાની, પોતાપણા રહિત

પોતાપણું એટલે હું છું ને આ મારું છે ! જ્ઞાનીને પોતાપણું નથી એટલે આ શરીર એ પોતાનું છે જ નહીં. આ શરીર જ મારું નથી એટલે શરીરને લગતી બધી વસ્તુઓ મારી છે જ નહીં. આ મન મારું નથી, આ વાણી મારી નથી. આ જે બોલે છે ને, તેય મારી વાણી નથી, આ ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. એ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતાદ્રષ્ટા છું. આ આપણા ત્રણનો વ્યવહાર છે. વાણીના અમે માલિક નથી, આ શરીરના અમે માલિક નથી, આ મનના અમે માલિક નથી.

ન અંકાય ગણિતે, જ્ઞાનીને

પ્રશ્નકર્તા : જ્ઞાન થયા પછી બધું પોતાપણું ઊડાડી દીધું.

દાદાશ્રી : ઊડાડાય નહીંને ? હું શું કરવા ઊડાડું ? એની મેળે જ થઈ ગયું.

પ્રશ્નકર્તા : તમે પોતાની સીટમાં બેસી ગયા એટલે પેલું બધું એની મેળે ઊડી ગયું.

દાદાશ્રી : હું બેઠો જ નથી. એ તો જરા આરામ કરવા ગયો હતો. તે જોડેવાળાને કહ્યું’તું, ચોવિયારના વાસણ ધોઈ આવ. ગાડીમાં ચોવિયાર કરી લીધો હતો. એ તો એની મેળે જ થઈ ગયું. મને લોકો પૂછે, શી રીતે ? મેં કહ્યું, આ ગણિત છે કંઈ, આ બધું ? ધીસ ઈઝ બટ નેચરલ (આ કુદરતી છે) ! આ ઈફેક્ટ (પરિણામ) છે, ન્હોય કૉઝ (કારણ) !

પ્રશ્નકર્તા : આપ કહો છોને, જ્ઞાન થતા પહેલાં જ મારે પોતાપણું જરાય સહન ન્હોય થતું, એ સીટ..

દાદાશ્રી : જ્ઞાન થયું ને એ ઊડી ગયું. પોતાપણું

(પા.૫)

જ સહન થતું ન્હોતું એક સેકન્ડેય. સુખ હોય કે દુ: ખ હોય, એ બળ્યું, કડવું ઝેર જેવું લાગે.

પ્રશ્નકર્તા : પોતાની સીટ જડી ગઈ એટલે પેલી બળતરા પછી બંધ થઈ ગઈ એની.

દાદાશ્રી : મારું તો એમ ને એમ ઊડી ગયેલું. ખોડ કાઢવી જ નહીં પડીને કશી. લોકો પૂછે દાદા, કેવી રીતે આ બધું થયું તમારે ? ત્યારે આ ગણિત જેવું લાગે છે કંઈ તને ? એ સીધા જ મહીં પેસાડી દે. અક્રમ વિજ્ઞાન થકી, ક્રમબ્રમ નહીં. થશેને હવે ?

પોતાપણું ના હોય ત્યાં કામ થાય

પ્રશ્નકર્તા : આ જે સિદ્ધ થયેલી હકીકત છે, એ સિદ્ધ થયેલી હકીકત માટેના જે ઋષિમુનિઓ અત્યારે આપણી પાસે નથી.

દાદાશ્રી : એ સિદ્ધ કરેલી વસ્તુ કેવી છે કે સહજ છે સુગમ છે પણ એની પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે પ્રાપ્ત પુરુષ મળવા જોઈએ ત્યારે એની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત પુરુષ કેવા હોય કે પોતે મુક્ત પુરુષ હોય, સ્વતંત્ર પુરુષ હોય, જેને સંસારનો એક પણ વિચાર આવે જ નહીં, સ્ત્રી સંબંધી વિચાર ના આવે, પોતાના અસ્તિત્વ સંબંધી વિચાર ના આવે, પોતાપણું જેનામાં ના હોય. પોતાપણું ના હોય ત્યાં કામ થઈ શકે.

આપના જેવા આવે મને કહે કે, ‘સાકર ગળી છે, એવું અમને ચખાડો.’ એટલે પછી હું મોઢામાં મૂકી આપું કે ‘ધીસ ઈઝ ધેટ.’ (આ તે છે.) એ ત્યાંથી નિરંતર આત્મામય થઈ ગયો પછી, એક ક્ષણવાર આઘુંપાછું નહીં પછી ! નિરંતર આત્મામય, ચોવીસેય કલાક, સંપૂર્ણ જાગૃતિ ! આ તો જગત આખું ઊઘાડી આંખે ઊંઘે છે. ફક્ત તત્ત્વવિચારકો જ આમાં બાદ કરીએ છીએ, બીજું આખું જગત ઊઘાડી આંખે ઊંઘી રહ્યું છે.

જ્ઞાની એ જ મારો આત્મા

શ્રીમદ્ રાજચંદ્રે તો એટલે કહ્યું કે ‘જ્ઞાની પુરુષ એ જ તમારો આત્મા છે. કારણ કે દેહની બહાર છે એટલે તમારો આત્મા જ થયોને ! દેહથી ભિન્નરૂપે વર્તે છે અને પોતાપણું નથી. પોતાપણું નથી એટલે એ જ તમારો આત્મા. પોતાપણાવાળો તો શું કહે ? આ કહેશે, ‘તમારે આજે નીકળવાનું છે.’ ત્યારે કહે, ‘નહીં, આજે નહીં જવાનું.’ તે પોતાના કહ્યા પ્રમાણે કરે ! પોતાના કહ્યા પ્રમાણે બધાને કરવાનું કહે. અમે તો તમારા કહ્યા પ્રમાણે ચાલીએ એટલે પોતાપણું અમારું છે નહીંને !

પોતાપણું જવું એટલે શું ?

કેટલાક તો એમ જ જાણે કે ‘આપણને પોતાપણું છે જ નહીં ને, આપણને મારાપણું છે જ નહીં ને હવે.’ અને આમ કષાયમાં વર્તતો હોય. લે ! વર્તતો હોય કષાયમાં અને કહે છે ‘મારે પોતાપણું નથી રહ્યું હવે.’ પોતાપણા ઉપર તો જીવે છે એ. એ પોતાપણું તો એમનું જાય નહીં. પોતાપણું જવું એ તો મહા મહા મુશ્કેલ. બીજા બધા વખતે ગુણો આવ્યા હોય પણ પોતાપણું ના જાય. એ જાય કંઈ ? હમ્ હમ્ છોડે નહીં.

પોતાપણું જવું એટલે શું ? આપણો અવાજ ના હોય એમાં. ને તમે, બધા જેમ કહે એમ જ કરો કે તમારી મહીં અવાજ તમારો જુદો રાખો ?

પ્રશ્નકર્તા : જુદો રહે.

દાદાશ્રી : એ જ પોતાપણું. અને અમારો તો અવાજ જ નહીં કોઈ જાતનો. અમને કહેશે, ‘દાદા, પેણે બેસો.’ તો અમે ત્યાં બેસીએ. અમને ના ગમતું હોય તોય બેસીએ.

પોતાપણા વગર

થોડું સમજાયું કે નહીં ? તમે જે ભાષામાં પૂછવા માંગો છો તે ભાષામાં સમજાયું કે ના સમજાયું ?

પ્રશ્નકર્તા : સમજાયું દાદા, પણ વ્યવહારની અંદર માણસ જીવતો હોય, એ આવી રીતે વર્તે. કોઈ માણસ પોતાપણું કાઢી નાખીને વર્તે ?

(પા.૬)

દાદાશ્રી : કાઢી નાખવાનું નથી. પોતાપણું એની મેળે જ નીકળી જાય. કાઢી નાખેલું હોય તો એડજસ્ટમેન્ટ ના લે, બીજા બધા કારણો ઊંધા થાય. એટલે પેલા બધા ઘસાતા જાય, તેમ પેલું જતું જાય.

ભારે શોખ, પોતાપણાનો

પ્રશ્નકર્તા : પોતાપણું સામાન્ય રીતે બીજી કઈ કઈ બાબતોમાં કહેવાય ?

દાદાશ્રી : તમારે આઈસક્રીમ ખાવો હોય અને આઈસક્રીમ આપ્યા પછી એ લઈ લે તો તમારું પોતાપણું દેખાય તમને. તમારું ઘડિયાળ પડાવી લે ને, તો તે ઘડીએ તમારું પોતાપણું દેખાય. એવું બધું દરેક વસ્તુમાં તમારું પોતાપણું તમને ઊઘાડું દેખાય.

આ પોતાપણાના શોખ છૂટી જાય એટલે પોતાપણું છૂટી જાય. જ્યાં સુધી શોખ હોય ત્યાં સુધી છૂટે કે ?

પ્રશ્નકર્તા : આ ના સમજાયું. બધા શોખ છૂટે ત્યારે પોતાપણાનો શોખ છૂટે ?

દાદાશ્રી : એકલો પોતાપણાનો જ શોખ છૂટે ત્યારે. બીજા બધા શોખ ના છૂટે તો વાંધો નહીં. પોતાપણાનો શોખ બહુ ભારે હોય છે. ‘મારું કહેલું જ કરવું પડશે’ કહેશે.

પોતાપણું એટલે ધાર્યું કરાવવું

પ્રશ્નકર્તા : પોતાપણાનો શોખ એટલે એમાં પોતાનું ધાર્યું કરાવવું એ ?

દાદાશ્રી : પોતાપણું એટલે ધાર્યું કરાવવું એવું નહીં. પાછું ધાર્યું કરાવવા ઉપરેય શોખ એવુંય નહીં.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : પોતાપણું ! આખા જગતમાં બધાને હોય. એ પોતાપણું જાય એટલે ભગવાન થઈ ગયા કહેવાય. જેને પોતાપણું નહીં એ ભગવાન ! આ તમને બધાને ‘જ્ઞાન’ આપ્યું છે, પણ તમારી પાસે પોતાપણું છે જ. જ્યારે તમારું પોતાપણું નહીં હોય તે દહાડે તમે ભગવાન જ થઈ ગયા. અત્યારેય ભગવાન જ છો, પણ થઈ ગયા નથી. કારણ કે તમને પોતાપણું છે. પણ જ્યારે પોતાપણું નહીં રહે ત્યારે તમે ભગવાન થઈ ગયા હશો.

બુદ્ધિ આપે આધાર પોતાપણાને

પ્રશ્નકર્તા : દાદા, આ પોતાપણું શેના આધારે રહી જાય છે ? પોતાપણું જે રહી જાય છે, એનો આધાર શું છે ?

દાદાશ્રી : બુદ્ધિથી. બુદ્ધિ એને કહે છે કે આપણું આવું સરસ મૂકીને આપણે શું કામ છે ? અલ્યા મૂઆ, ના બોલાય. એ તો પોતાપણું કહેવાય. બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલે. એ તો ‘હું ચંદુ’ હતોને ત્યારે હતી બુદ્ધિ તારી. એટલે પાછલી સત્તા છોડતો નથી. કોઈ કહે, ‘આમ ના કરીશ.’ તો કહેશે, ‘હું કરીશ.’

પ્રશ્નકર્તા : આ બુદ્ધિ છે તો ભરમાવી મારે છે, પાછલી જે સત્તા છે તે છૂટતી નથી. એ એને છોડવી નથી.

દાદાશ્રી : કર્તાપણું છૂટ્યું એવું એના મનમાં લાગે છે, પણ છતાં મનમાં માને છે કે આવું આ તો મારું છે અને ભલભલાને એ (મહાત) કરી નાખું. પહેલા હરિફાઇ કરેલીને, તે વિઘ્ન થાય છે. હજુ હરિફાઇ રહી જાય છે. એટલે આપણે તો હવે પોતાપણું એટલે શું ? હું આ ચંદુ જ ન્હોય, એને ને મારે હવે શું લેવાદેવા રહી ?

પહેલાની આદતો પડી હોયને, તેને તે આદતો ચાલુ રહે. એ ભલે આદત ચાલુ રહે તેનો વાંધો નથી, એ દેહને આદત રહેવી જોઇએ. તેને બદલે પોતે સાચવ સાચવ કરે, એ આદતને બહાર ના પડવા દે.

બુદ્ધિ ગઈ કે પોતાપણું મીટે

પ્રશ્નકર્તા : પોતાપણું ને બુદ્ધિ વચ્ચે શું સંબંધ હોય ?

(પા.૭)

દાદાશ્રી : એ બુદ્ધિ છે ત્યાં સુધી જ પોતાપણું છે, ‘હું છું’ એ. બુદ્ધિ ગઈ એટલે પોતાપણું મટી જાય.

બુદ્ધિ એ પોતાપણું સૂચવે છે. પોતાપણું જેમ જેમ જાય, જેમ જેમ ઓછું થતું જાય તેમ બુદ્ધિ કમી થાય.

પ્રશ્નકર્તા : આ સમ્યક્ બુદ્ધિ થઈ એટલે પોતાપણું જાય ?

દાદાશ્રી : ના, સમ્યક્ બુદ્ધિ થાય એટલે પોતાપણું જાય તો નહીં પણ પોતાપણુંનું રક્ષણ બહુ ના કરે પછી. પોતાપણું જાય ક્યારે ? બુદ્ધિ હપૂચુ બિલકુલ વિદાયગીરી લે ત્યારે.

પ્રશ્નકર્તા : બાકી સમ્યક્ બુદ્ધિ પણ જાય ત્યારે ?

દાદાશ્રી : હા. જ્યાં સુધી બુદ્ધિ હોય ત્યાં સુધી પોતાપણું છોડે નહીં ને ! ને બુદ્ધિ હોય ત્યાં સુધી બુદ્ધિ ભેદ પાડે છે ને ! એ પોતાપણું જાય તો અભેદ થવાય. પોતાપણું ગયું એનો અર્થ જ જુદાઈ જતી રહી.

ફેર, મારાપણા અને પોતાપણામાં

પ્રશ્નકર્તા : મારાપણું અને પોતાપણું એ બેમાં ફેર શું હશે ?

દાદાશ્રી : મારાપણું છે તે મમત્વ સૂચવે છે અને પોતાપણું જે છે ને, તે ઊંચો અહંકાર છે, મોટો અહંકાર છે. એ કંઈ નોમિનલ (સામાન્ય) અહંકાર નથી.

આ ‘જ્ઞાન’ લીધા પછી ‘હું’ ને ‘મમતા’ ‘તમે’ છોડી દીધા પણ પોતાપણું નથી છોડ્યું. તમારે ‘હું’ ને ‘મમતા’ છૂટી ગયા એમાં બે મત નહીં. કારણ કે (ચીજ વસ્તુઓ) ખોવાઈ ગયા પછી ચિંતા નથી કરતો. મમતા કોનું નામ કહેવાય ? ખોવાઈ ગયા પછી ચિંતા કરે, એનું નામ મમતા. એટલે તમને ‘હું’ ને ‘મારું’ ગયું છે, છતાંય પોતાપણું રહ્યું.

હું અને મારું ગયું પણ પોતાપણું રહ્યું

અહંકાર ને મમતા જતા રહ્યા એ ભાગને અત્યારે ‘પોતાપણું’ કહીએ છીએ આપણે.

પ્રશ્નકર્તા : પોતાપણું એટલે ઈન્ડિવિજ્યુઆલિટી ? હું બીજાથી કંઈક જુદો છું એ ?

દાદાશ્રી : ‘ઇન્ડિવિજ્યુઆલિટી’ તો ગઈ. ‘હું’ ને ‘મારું’ બેઉ ગયું, પણ પોતાપણું રહ્યું છે. કારણ કે કોઈ ગમે એટલો ક્રોધ કરે, ગમે એટલું અપમાન કરે, તો સામસામી બાઝાબાઝ કરીને છેવટે એ એનો રાત્રે નિકાલ લાવીને સૂઈ જાય. છેવટે તો એનો નિકાલ લાવે. એટલે અહંકાર ગયો છે એ ખાતરી. નહીં તો અહંકાર આખી રાત ચલાવ્યા કરે. અને આ તો થોડો બાઝાબાઝ કરે વખતે, પણ (છેવટે) નિકાલ લાવે ને ? પેલો અહંકારવાળો નિકાલ ના લાવે. એ આગળ વેર વધાર્યે જ જાય. અને મમતાવાળો તો ગજવું કપાયું તેના ત્રણ દહાડા પછીયે બૂમાબૂમ કરતો હોય. કોઈક સંભારે ને, ત્યારે તરત ‘અરેરે, શું કરું ?’ એમ કરે. અને આ તમને તો ગયું એ ગયું. એટલે અહંકાર ને મમતા, બે ગયા છે, પોતાપણું રહ્યું છે. એ જુઓ ને !

તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે ‘જ્ઞાની પુરુષ’માં પોતાપણું ના હોય. કૃપાળુદેવે ‘પોતાપણું’નો શબ્દ લખ્યો છે, કંઈક ભારે લખ્યું છે ! તમને કેમ લાગે છે ? કૃપાળુદેવે આ શબ્દ સરસ લખ્યો છે ને ? હવે આ કોણ સમજાવે ? જે ભાષામાં કહેવા માગે છે એ ભાષા કોણ સમજાવી શકે અહીં આગળ ?

પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ’ સમજાવી શકે ને !

દાદાશ્રી : હા, કારણ કે બીજા કોઈનું કામ જ નહીં ને !

પ્રકાર, પોતાપણાના

પ્રશ્નકર્તા : દાદા, પોતાપણા માટે આપે કહેલું કે બે પ્રકારે પોતાપણું હોય છે, એક તો આક્રમણ સ્વરૂપે, બીજું રક્ષણ સ્વરૂપે, એનો ફોડ પાડો.

દાદાશ્રી : તારે પોતાપણું છોડવાની ઈચ્છા છે ?

પ્રશ્નકર્તા : હા.

(પા.૮)

દાદાશ્રી : પણ પહેલું તો આપણાથી કોઈકને દુ: ખ થતું અટકશે ત્યાર પછી પેલા પડળ જાય.

પ્રશ્નકર્તા : કયા પડળ ?

દાદાશ્રી : પોતાપણાના ને બીજા બધા પડળો. અને આ તો પોતાપણું કરે છે ખરું, પણ પાછું ‘એટેક’વાળું પોતાપણું. રક્ષણવાળું પોતાપણું જુદું ને ‘એટેક’વાળું પોતાપણું જુદું.

પ્રશ્નકર્તા : આ મોટી વાત નીકળી, એક રક્ષણવાળું ને બીજું ‘એટેક’વાળું.

દાદાશ્રી : હા, એટલે ‘એટેક’વાળું જાય તો પછી રક્ષણવાળું આવે. ત્યારે પોતાપણું ખરું કહેવાય. નહીં તો ત્યાં સુધી એને હિંસકભાવ જ કહેવાય. અને ‘એટેક’વાળું પોતાપણું છૂટે ત્યાર પછી પેલું રક્ષણવાળું પોતાપણું છૂટવાની શરૂઆત થાય.

પ્રશ્નકર્તા : ‘એટેક’વાળું પોતાપણું એ જરા વધારે સમજાવો ને !

દાદાશ્રી : કોઈકને દુ: ખ થાય એવું પોતાપણું શું કામનું ? પોતાપણું આપણી પ્રકૃતિના રક્ષણ કરવામાં હોત તો વાત જુદી છે. એને પોતાપણું કહેવાય. નહીં તો પેલું તો પોતાપણુંયે ના કહેવાય.

લોકોનું તો હજુ પોતાપણું કેવું છે ? પ્રકૃતિનું રક્ષણ કરવાની તો વાત છે જ, પણ ઊલટું ‘એટેક’ હઉ કરે છે, સામા ઉપર પ્રહાર હઉ કરે છે. એટલે આ મોટું પોતાપણું કાઢવાનું છે ને ! પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આપણા મહાત્માઓ કરતા હશે ખરા ? તેથી જ સહજ થતું નથી, બળ્યું. આ તો જરાક અપમાન કરે તે પહેલા રક્ષણ કરે, જરાક બીજું કંઈ કરે ત્યાં રક્ષણ કરે. એ બધું સહજપણું થવા જ ના દે ને !

પ્રકૃતિનું રક્ષણ એ જ પોતાપણું

પોતાપણાને અમે શું કહ્યું ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિનું રક્ષણ કરે એ જ પોતાપણું.

દાદાશ્રી : તો પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : આપણે તો જોનારા છીએ, કરવાનું શું ને ન કરવાનું શું ?

દાદાશ્રી : હા, ‘જોનારા’ને તો પોતાપણું હોતું જ નથી ને ! ‘જોનારા’ને પોતાપણું હોય જ નહીં ને ! પણ આ તો જ્યાં હજુ પ્રકૃતિનું રક્ષણ કરે છે, તેને માટે વાત છે.

તમે આમ રહીને જતાં હોય અને પેણે સુધી ગયા ત્યાર પછી કોઈ કહે, ‘ના, આમ રહીને જવાનું.’ તે ઘડીએ જરા મહીં આંચકો લાગે છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ જ પ્રકૃતિનું રક્ષણ ! નહીં તો એટલી જ ‘સ્પીડ’થી પાછું આ બાજુ વળી જાય. એવી ‘સ્પીડ’થી અને એવા જ ‘ટોન’થી અને એવા જ ‘મુડ’થી. જે ‘મુડ’ હતો ને, તેનો તે જ ‘મુડ’. આ તો છેલ્લી દશાની વાત કરી !

અગર તો હમણે કશે ગાડીમાં જવાનું હોય ને તમને કહ્યું ‘આવો.’ ને બેસાડ્યા પછી બીજા એક જણે કહ્યું કે ‘ઉતરો અહીંથી. હમણે એક જણ બીજા આવવાના છે.’ તે વખતે શું કરો ? બેસી રહો ને ? ‘નહીં ઊતરું’ એવું કહો ને ?

પ્રશ્નકર્તા : પોતે ઊતરી જાય.

દાદાશ્રી : તરત ?

પ્રશ્નકર્તા : તરત જ. ઊતરી જ જાય ને !

દાદાશ્રી : ‘નહીં ઊતરું’ એવું ના કહે ? પણ પછી આગળથી થોડેક છેટે જઈએ અને પછી બોલાવે ‘આવો.’ તો આવે ને ? મોઢા પર ફેરફાર કશો ના થાય ને ?

એટલે મેં શું કહ્યું છે ? આવું નવ વખત રહે તો હું કહું કે તું ‘દાદો’ થઈ ગયો જા. આવું નવ વખત કરે ને નવ વખત ઊતરી જાય અને નવેય વખત

(પા.૯)

ઉતારનારને તું કર્તા ના માને, બોલાવનારનેય કર્તા ના માને, ‘વ્યવસ્થિત’ને જ કર્તા માને. અને પાછા બોલાવે તોય મનમાં કશુંયે નહીં, પણ હસતા હસતા પાછા આવવાનું ને હસતા હસતા ઊતરવાનું. જો મઝા આવે, જો મઝા આવે ! ત્યારે શું કહેવાય એ ? કે આ ભઈ પ્રકૃતિનું રક્ષણ કરતો નથી અને એટલે આનું પોતાપણું ગયું.

પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું, પુદગ્લનું રક્ષણ કરવું એ પોતાપણું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે તેનું જ રક્ષણ કરે છે.

પ્રશ્નકર્તા : આ તો પોતાપણું છોડવું નથી અને પોતાપણું છોડ્યા વગર વસ્તુ પ્રાપ્ત કરવાની જે વાત રાખે છે, એ કેવું ?

દાદાશ્રી : હા, એટલે અમે શું કહીએ છીએ કે પોતાપણું છૂટી જાય તો એની મેળે ચાલ્યા કરે એવું છે. વગર કામનો શું કરવા પકડી રાખે છે ? છોડી દે ને, અહીંથી. પણ તે છોડે નહીં ને ! કહેશે, ‘આમ થઈ જશે ને આમ થઈ જશે.’

આ ‘જ્ઞાન’ લીધું એટલે ‘પોતે’ આત્મા થઈ ગયો. ‘પ્રકૃતિ મારી ન્હોય’ એમ કહે છે, પણ પછી પાછો શું કરે ? પ્રકૃતિનું રક્ષણ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવામાં શૂરો. કરે કે ? કોઈ ના કરે ? કોઈ રક્ષણ કરતા હશે ખરા ?

પ્રશ્નકર્તા : એ જ કરે છે ને !

દાદાશ્રી : શું વાત કરો છો ! રક્ષણ કરે ! આ રક્ષણ થઈ જાય એ જ જાણવાનું છે. આ જાણે એટલે એની મેળે ધીમે ધીમે બધું છૂટ્યા કરે. એકદમ છૂટે એવું કરવાની જરૂર નથી. એકદમ કશું થાય નહીં. (નહીં તો તાવ ચઢી જાય.) એ તો આ જાણવાથી ધીમે ધીમે છૂટ્યા કરે.

પોતાપણું ને કપટના સૂક્ષ્મ ફાંટા

પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણામાં જાય કે કપટમાં જાય ?

દાદાશ્રી : પ્રકૃતિનું રક્ષણ તો કે બન્નેને અધિકાર. એ તો પ્રકૃતિનું રક્ષણ પુરુષેય કરે ને સ્ત્રીએય, બન્ને કરે.

પ્રશ્નકર્તા : એટલે પોતાપણામાં જાય કે કપટમાં જાય ?

દાદાશ્રી : પોતાપણામાં જાય. એ બધું કપટમાં ક્યારે જાય કે સ્પેશ્યાલિટી હોય ત્યારે. પ્રકૃતિનું રક્ષણ કરે તો પોતાપણામાં જાય. પોતે છે તો પ્રકૃતિનું રક્ષણ કરે.

પ્રશ્નકર્તા : દાદા, સ્પેશ્યાલિટી ખબર ના પડી. શું કહ્યું ?

દાદાશ્રી : જરૂરિયાત ના હોય છતાંય તૃતીયમ કરીને પોતાનું સ્વાર્થ કાઢવા માટે કરે.

પોતાપણા માટે મારે વાંધો નથી. પ્રકૃતિ આવી ત્યાંથી પોતાપણું હોય જ.

દાન વખતેય પોતાપણું ?

આપણે આ ભાઈએ વાત કરી તે સાંભળી ? આ ભાઈ વાત કરતા હતા, તું સાંભળતો હતો ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : શું વાત કરતા હતા કે આમ (અહીં દાન) આપવાની ભાવના થાય છે.

દાદાશ્રી : હં. ત્યારે મેં ના કહ્યું. મેં કહ્યું, તમે ઘણું બધું આપેલું છે. તમે આપશો નહીં. હવે આટલા તો એમણે આપ્યા છે. એટલે મેં કહ્યું, હમણાં બંધ રાખો, હમણાં તમે આપશો નહીં. તો કહે છે, મારે આપવા છે. હવે આ કપટમાં જાય કે શેમાં જાય ? પોતાપણામાં. હવે અહીં આગળ છે તે પોતાપણું રહે, કારણ કે અહીં આગળ તો પોતે આત્મા થયો છે તોય પોતાપણું રહ્યું. જો આત્મા ન થયો હોત તો શામાં જાત ?

(પા.૧૦)

પ્રશ્નકર્તા : પોતાપણામાં.

દાદાશ્રી : પોતાપણામાં જ જાય પણ એની પુણ્યૈ બંધાય. અને એટલું લોકોની પાસે લઈ લે તો પાપ બંધાય. હવે આપણે ના કહીએ તોય એમણે આપવું છે. કેટલાક આપણે કહીએ તોય ના આપે. શું કારણ ? કોણ આમાં હેરાન કરતું હશે ?

પ્રશ્નકર્તા : એ જ પોતાપણું !

દાદાશ્રી : ના. પોતાપણું તો બધામાં હોય જ, પોતાપણું તો કોમનમાં હોય જ. એ ગ્રંથિઓ લોભની. એક રૂપિયો આપવો હોય અપાય નહીં. એથી ભગવાને કહ્યુંને કે આ લોભની ગ્રંથિ તોડાવજે. નહીં તો મોક્ષે શી રીતે જશે કે ? કારણ કે તેમાં ને તેમાં ચિત્ત હોય. ત્યાં ને ત્યાં જ ચિત્ત હોય.

એટલે એક ભાઈ કહેતા હતા કે, ‘મને જૈન ભાગીદાર મળી ગયા, એટલે એ સંસ્કારથી પછી મારા વિચારો બધા ફરી ગયા. નહીં તો પહેલા અપાતું ન હતું’, કહે છે. હવે આ જ પ્રકૃતિ છેને ? આમાં કંઈ બીજું છે, પણ આમાં કપટ નથી. ત્યારે શું કહેવાય ? પોતાપણું કહેવાય.

પકડ એ જ પોતાપણું

પ્રશ્નકર્તા : પોતાપણું હોવું અને કોઈ પણ વસ્તુની પકડ હોવી, એટલે છોડે જ નહીં એ વસ્તુ, એ બેમાં ફેર ખરો ?

દાદાશ્રી : એ બહુ કઠણ પોતાપણું કહેવાય. એ તો મારી નાખે માણસને. એ પોતાપણું મોળું હોયને તો એને જોયા કરે તો છૂટતું જાય. બાકી પોતાપણું છોડે નહીં. એનો કંઈ પાર જ ના આવેને !

પ્રશ્નકર્તા : અને પકડ હોય છે એ તો માણસ જુએ જ નહીંને, એને...

દાદાશ્રી : મારી જ નાખેને માણસને ! એ જ આપઘાતી સ્વભાવ. આત્માનો ઘાત કર્યો કહેવાય.

પ્રશ્નકર્તા : આપે તો આ વિજ્ઞાનથી અમારી બધાની પકડો છોડાવી દીધી, ખબર ના પડે એવી રીતે.

દાદાશ્રી : હા, તે પકડો ઊડી ગઈને તેનું કામ થઈ જાયને ! ગમે તેવી પરિસ્થિતિમાં ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહેને તો બહુ થઈ ગયું. (પછી ભલે) પરિસ્થિતિ ગમે તેવી હોય.

મેલ તે જ પોતાપણું

પ્રશ્નકર્તા : અને દાદા, આપની પાસે અમે આવ્યા, આપની પાસેથી અમને બહુ જ ફાયદો મળ્યો છે પણ, એક વસ્તુ અમે સમજીએ છીએ કે હજુ અમારામાંથી પોતાપણું અને વિશેષતા ગઈ નથી.

દાદાશ્રી : એ પોતાપણું ને વિશેષતા એ શું છે ? ત્યારે કહે, મેલ. સાબુ અને કપડું બે જોઈન્ટ થયાને એટલે મેલ ખસે. તે પોતાપણું એ મેલ છે. એ તો ખસશે ધીમે ધીમે, આ ઘસાતો જશે ને જતો જશે.

પ્રશ્નકર્તા : એ બરોબર છે, દાદા. અમારો પૂરેપૂરો પ્રયત્ન.. એ થઈ જાય. વિશેષતા જતી રહી પણ કો’ક કો’ક વખત તર્ક શું થાય છે કે પેલું કોઈ બાબતમાં કંઈક દિશાસૂચન કે એવું કંઈ ના હોય ત્યારે તે વખતે પેલું પોતાપણું કે વિશેષપણું પણ નીકળી આવે છે અંદરથી.

દાદાશ્રી : એ નીકળેને. છોને નીકળે, નીકળે છે તો ઘસાઈ જશે. કારણ કે...

પ્રશ્નકર્તા : દાદા, એ આપની પ્રત્યક્ષતામાં નીકળે તો એ બધું નીકળી જાય પણ પછી એ નીકળે ?

દાદાશ્રી : પોતાપણું તો નીકળે જ નહીં ખરી રીતે. કોઈ પણ એવો ઉપાય નથી કે જેનાથી પોતાપણું નીકળે. આ બધું પોતાપણું તો આપણે ત્યાં, અહીંયા આગળ નીકળે એવું છે. કારણ કે આપણું વિજ્ઞાન જ એવું છે કે પોતાપણું નિરંતર ઘટાડ્યા જ કરે. કારણ કે આપણા આ વિજ્ઞાને અહંકારને દૂર કરી દીધેલો છે. ત્યાં તો (ક્રમિકમાં) અહંકારને ઘટાડ્યા

(પા.૧૧)

કરે. અહીં પોતાપણાને ઘટાડે. ત્યાં શું કરે ? દિનરાત અહંકાર ઘટાડે. એ ઘસ ઘસ ઘસ કર્યા કરે, તોય સાંજે સિલ્લક રહે. ચાલીસ ટકા, ત્રીસપચ્ચીસ ટકા, વીસ ટકા !

આંધળું પોતાપણું

પ્રશ્નકર્તા : પણ એ દાદા, આપે જે કીધું તે ખરું. એ પોતાપણું જે હોય છેને, એ પોતાપણાના લીધે બીજા કોઈની વાત સ્વીકારવા તૈયાર થતા નહોતા.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : હવે પોતાપણું એ કેટલું પણ ? આપણને પછી એ લાગે કે આ મૃદુતા ને ઋજુતા જેવો કોઈ ગુણ ના મળે.

દાદાશ્રી : ભગવાને પોતાપણું કાઢવાનું કહ્યું, ત્યારે આ લોકોએ મજબૂત કર્યું. એટલું જ કામ કર્યું છે. સાધારણ માણસને પોતાપણું ઢીલું હોય, આ તો મજબૂત.

પ્રશ્નકર્તા : આ તો બહુ અને હવે આપે કીધું તે મને બેઠું કે ઉપાદાન વધ્યું હોય અને જો પોતાપણું હોય તો આડે માર્ગે જતો રહે.

દાદાશ્રી : હં ?

પ્રશ્નકર્તા : ઉપાદાન બહુ સારું હોય અને પોતાપણું હોય અને આવું જો હોય તો આડા માર્ગે ચાલ્યા જાય.

દાદાશ્રી : એ તે જ હું કહું છું કે પેલી જાગૃતિ હોય, ઉપાદાન હોય અને તેમાં ‘હું આ કંઈ જાણું છું’ (થયું કે) આત્મા હેંડ્યો પેલી બાજુ.

પોતાપણું આંધળું હોય છે. આંધળાને ખબર ના પડે કે આ (હું કોનું લઉં છું), મારી ભૂલ છે કે સામાની ભૂલ છે એય ખબર ના પડે. પોતાની ભૂલ ના દેખાય એને. એટલે કૃપાળુદેવનું વાક્ય યાદ રાખે તો કલ્યાણ થાય કે ‘દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય ?’ તારા દોષ દેખાતા નથી તો તરવાનો માર્ગ જ ક્યાં છે ?

આદતોના રક્ષણથી ટકે પોતાપણું

પ્રશ્નકર્તા : દેહની, મંગળદાસની જે જે આદતો છે, તે પોતે એ આદતોનું રક્ષણ કરે છે.

દાદાશ્રી : બચાવ કરે, બચાવ. કોઇ કહેશે, તમે ખાધું ? ના, હું તો ખાતો જ નથી. પોતે જાણતો હોય છતાંય કહેશે, ના. હવે કહી દેવું જોઇએ કે આવું આવું બની ગયું છે. સમજાય છે મારી વાત ? એને લીધે પોતાપણું રહી ગયું છે.

પ્રશ્નકર્તા : રક્ષણ કરવાથી પોતાપણું રહી જાય છે.

દાદાશ્રી : બધું રક્ષણ જ કરે છે. એટલે ખબર નથી, નહીં તો એ છોડી દે. ખબર નથી એટલે કોઇ સમજણ પાડે કે આ તો ભૂલ થઇ રહી છે, અને જો એ ખ્યાલ રહે તો કાયમનું પોતાપણું છૂટે. પણ ખ્યાલ રહે નહીં એવી વસ્તુ છે આ. કારણ કે મીઠાશ છે એમાં. એટલે છોડે નહીં. મોંઢામાં મીઠાશ છે એટલે છોડતો નથી એ. એટલે એ એને ભાન આવતું નથી. એ બેભાન થઇ જાય છે મીઠાશને લઇને.

એ બહુ ઝીણી, બહુ ઊંડી વાત નથી. બધું સમજણ પડે પણ પોતાપણું હજુ છોડવું જ નહીં, જાણ્યા પછીએ નહીં છોડવાની ઈચ્છા. કારણ કે મીઠું લાગે, તે ઘડીએ પછી ભૂલી જાય છે. જોયેલું તમે ?

પ્રશ્નકર્તા : હા... બહુ. એ જરાક પણ અડવું ના જોઇએ, એ મીઠાશ જોઇએ જ નહીં.

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : એવું વિચાર કરતો હતો, દાદા.

દાદાશ્રી : નક્કી કરવું જોઇએ. એ નક્કી કરવું જોઇએને ?

(પા.૧૨)

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જો મોક્ષ જોઇએ છે કે આ જોઇએ છે, એમ કહેવું એને. મોક્ષ જોઇએ તો આ નહીં હોય અને આ હશે તો મોક્ષ નહીં હોય. એવું કહેવું આપણે. પછી નિશાની કેમની થવા માંડી, આપણે તે જોઈ નિશાનીઓ. સમજ્યા તમે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : નિશાની એટલે શું ? શું બનવાનું છે એના ઉપર ખબર પડશે, પોતાપણું નહીં છોડે તો.

પ્રશ્નકર્તા : ઘણા લક્ષણો ઉપરથી ખબર પડે.

દાદાશ્રી : હા, અમે તો બહુ રક્ષણ કરે એટલે છોડી દઇએ. એ જાણીએ કે હેબીટ (ટેવ) જ પડેલી છે.

પ્રશ્નકર્તા : હા, દાદા. છોડી દેવું જ સારું છે ને !

દાદાશ્રી : મારે છોડી દેવું જ સારું ને !

પ્રશ્નકર્તા : તમારે તો છૂટેલું જ છે ને, દાદા !

દાદાશ્રી : ના, એમ નહીં. અમારી જોડે તમે બહુ ખેંચાખેંચ કરો એટલે પછી હું એ વાત છોડી દઉં એ વધારે સારું ને !

પ્રશ્નકર્તા : હા, દાદા. અમારે છોડવું જોઇએ પણ ના છૂટે તો તમે તો છોડો જ ને !

દાદાશ્રી : ના પણ મારે છોડી દેવું જોઇએ કે રહેવા દેવું ?

પ્રશ્નકર્તા : તમે છોડી જ દો છોને, દાદા.

દાદાશ્રી : એટલે પછી તમે એમ ને એમ રહ્યા. તમને સમજાયું નહીં, હું શું કહેવા માંગુ છું તે ?

પ્રશ્નકર્તા : હા, દાદા. મને સમજાઇ ગયું.

પોતાપણું છોડીને કરે તો

પ્રશ્નકર્તા : દાદા, કેટલીક વખત એવા ભાવ આવે છે કે આ હું કંઈ કરતો નથી, આ તો દાદા કરાવે છે. દાદાનું ઈન્સ્ટ્રુમેન્ટ (સાધન) છે.

દાદાશ્રી : હા, એ એનો વાંધો નહીં, એ તો બહુ સારું કહેવાય.

પ્રશ્નકર્તા : તો એમાં કોઈ ઠેકાણે કંઈ ભૂલ થાય ?

દાદાશ્રી : ના, એમાં ભૂલ ના થાય.

આપણાથી જે થાય એ કામ ઝાલી લીધું દાદાનું. હવે ઘણાખરા કામ ફાવતા આવી ગયા. અક્રમનું ભવિષ્ય આગળનું સારું થશે. પણ તે બધું પોતાપણું છોડીને કરેને તો !

પોતાપણું વગરનાની વાણી કેવી ?

એવું છે, આ ‘જ્ઞાન’ લીધું એટલે જે આખું પોતાપણું હતું, તે ધીમે ધીમે ઓગળતું ઓગળતું પછી ધીમે ધીમે ઝીરો થાય. ‘ઝીરો’ (શૂન્ય) થાય એટલે એ ‘જ્ઞાની’ કહેવાય. પછી એમની વાણીમાં બધો ફેર પડી જાય. પોતાપણું જાય ત્યાર પછી વાણી નીકળે. જેટલું પોતાપણું ઘટે એટલી વાણી ઉત્પન્ન થઈ જાય અને તે વાણી સાચી હોય ! બાકી, ત્યાં સુધી બધી વાણી ખોટી. આ બહાર તો, આપણા ‘જ્ઞાન’ લીધેલા સિવાય બીજે બધે તો પોતાપણું હોય અને વાણી બોલે છે. પણ એ વાણી તો વાપાણી જેવી, વાણી જ નહીં. એ લૌકિક બધું કહેવાય ને આપણા ‘જ્ઞાન’ લીધેલા હોય એમને પોતાપણું જાય પછી જ બોલાય, નહીં તો બોલાય નહીં.

અને આપણા ‘જ્ઞાન’ લીધેલા મહાત્માઓમાં કોઈ એકુંય માણસ પોતાનું સ્વતંત્ર એક વાક્ય બોલી શકે છે ? નહીં. ત્યાં સુધી કોઈ ‘મૂળ વસ્તુ’ને પામ્યો નથી. એક વાક્ય ના બોલાય. અને એક વાક્ય બોલે તો હું સજ્જડ થઈ જાઉં. બસ, થઈ ગયું ! એટલે હું

(પા.૧૩)

કહું કે બસ થઈ ગયું ! એક જ વાક્ય મારા સાંભળવામાં આવેને, તો હું સમજી જઉં કે કહેવું પડે આ ! પણ એવું હોય નહીં ને ! વાક્ય શી રીતે નીકળે ? વાણી એની નીકળે શી રીતે ?

પ્રશ્નકર્તા : આપનું કહેલું પણ જો પદ્ધતિસર કહેતા હોય તોય બહુ થઈ ગયું.

દાદાશ્રી : અહીં પદ્ધતિસર કહેતા હોય તો તો સોનું કહેવાય.

ત્યારે ઉદભવે વચનબળ

પ્રશ્નકર્તા : અમારી વાણી સ્યાદવાદ કેવી રીતે થાય?

દાદાશ્રી : વાણીના કેટલાય કાયદા પાળો ત્યારે વાણી સ્યાદવાદ થાય. કેટલીય રીતે વાણી નિર્મળ રાખે, ત્યારે એ વાણી વચનબળવાળી થાય. વચનને કેટલી બધી રીતે સાચવ્યું હોય ત્યારે વચનબળ થાય.

પ્રશ્નકર્તા : ‘જ્ઞાન’ થયા પછી વચનબળ આવે ને ?

દાદાશ્રી : ના. ‘જ્ઞાન’ ના થયું હોય તોય વચનબળ હોય ખરું. જેણે વાણીના બધા કાયદા સાચવ્યા હોય, તેનેય વચનબળ હોય, ભલે અજ્ઞાનદશામાં હોય.

પ્રશ્નકર્તા : એ વચનબળ વ્યાવહારિક ને ? વ્યવહારમાં એ કામ આવે ને ?

દાદાશ્રી : હા, ઘણું કામ લાગે. વચનબળ એટલે તો વાત જ ઓર હોય. એના જેવું કોઈ બળ નથી. એનાથી તો બધા યુદ્ધો જીતી શકાય. હથિયારોથી યુદ્ધો ના જીતી શકાય.

પ્રશ્નકર્તા : પોતાપણું જાય તો વચનબળ આવે ?

દાદાશ્રી : પોતાપણું જાય તો તો ભગવાન થઈ ગયો. પણ આ તો પોતાપણું જાય નહીં, તે પહેલાં વચનબળ આવે. વચન ચોખ્ખા થયા પછી વાણી મીઠી થાય, પછી વચનબળ ઉત્પન્ન થાય.

ખૂણે ખૂણે પોતાપણાની ખેંચ

પ્રશ્નકર્તા : દાદાની પાસે આવ્યા પછી બધાના દીવાનખાના તો ઘણાખરાના ચોખ્ખા થઈ ગયા પણ બધા ખૂણા જે છે એ ત્યાં કંઈ અભિનિવેષ છે, કંઈક આવું તેવું બધું મહીં ભરાઈ રહ્યું છે.

દાદાશ્રી : ઘણું ચોખ્ખું થઈ ગયું છે. ચોખ્ખું થઈ ગયુંને ?

ક્રમિક માર્ગમાં આચાર સંહિતાના આધારે પુરુષાર્થ છે અને અહીં અક્રમમાં આચાર સંહિતા એ કાઢી નાખવા જેવી ચીજ છે.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જની વાત છે.

દાદાશ્રી : ડિસ્ચાર્જ એટલે કાઢી નાખવા જેવી ચીજ. નો વેલ્યુ અને ત્યાં (ક્રમિકમાં) સંપૂર્ણ વેલ્યુ. એના ઉપર બધો આ પુરુષાર્થ છે. પુરુષાર્થના આધારે પણ મનવચનકાયાની એકતા હોય તો.

પ્રશ્નકર્તા : હા પણ ત્યાં મનવચનની એકતા નથી એટલે બધું...

દાદાશ્રી : હવે એ આચાર બધા નકામા થયા.

પ્રશ્નકર્તા : નકામા બધા, દેખાવના બધા હોય.

દાદાશ્રી : કીર્તિ ફળ આપે. લોકો અહીંનું અહીં રોકડું ભોગવી લે, ખુશ થઈ જાય.

પ્રશ્નકર્તા : હા, માનપાન મળી જાય.

દાદાશ્રી : ખુશ થઈ જાય. જ્યાં પોતાપણું માની બેઠો છે, જે એને આ સુખ નથી આવવા દેતું.

પ્રશ્નકર્તા : હા, એ સુખ અંતરાય છે એને લીધે.

દાદાશ્રી : એટલે પોતાપણું જે જગ્યાએ માની બેઠો છેને ! એ જગ્યા ન્હોય મારી, આ હું ન્હોય, એવું કાયમને માટે થઈ જાય અને હું શુદ્ધાત્મા, બસ. આ ચેન્જ મારી દે, આટલું જ શીખે. નહીં તો પોતાપણું છોડી દેવાનું છે. માની બેઠેલોને ! રોંગ બિલીફને !

(પા.૧૪)

છૂટવું હોય તો આ રસ્તો છે, બીજો કોઈ નહીં. એ પોતાપણાને લીધે આ ખેંચોબેંચો બધી છે એને, નહીં તો ખેંચ હોતી હશે આ ? નહીં તો આ મહાવીરના માર્ગમાં ખેંચ હોય ? ભગવાન ખેંચ વગરના અને તે ખેંચ હોય તેનેય આપણે કહીએ કે ના, એ મારી ભૂલ થઈ. સાચી ખેંચ હોય. તદ્દન સાચી (‘હું શુદ્ધાત્મા છું’ એ ખેંચ) હોય તોય પણ કહેવાનું કે મારી ભૂલ થઈ. ખેંચ શબ્દ એટલે અસત્ય જ થઈ ગયું, પોઈઝન થયું. એ છોડાવા સારું ફરીએ, અમારે બીજી કંઈ ભાંજગડ જ નહીંને ! અને ના છૂટે તો પછી અમારી પાસે ક્યાં સુધી છોડાવાના હતા ? અમે કંઈ માથાકૂટો કરીએ વારેઘડીએ ? આ તમે પૂછો, ઉદય આવે ત્યારે અમે બોલીએ આવું. એનો ઉદય આવે, આ ઉદય આવે ત્યારે. નહીં તો બોલાય ?

પ્રશ્નકર્તા : ના બોલાય.

થાય મજબૂત પોતાપણું, પૂજાવાની કામનાથી

દાદાશ્રી : ધર્મનું પુસ્તક હાથમાં આવ્યું અને કોઈકે એને બેસાડ્યો કે ‘હવે વાંચવાનું રાખો.’ ત્યારથી એને મહીં કામના ઉત્પન્ન થઈ જાય કે હવે મને લોકો પૂજશે. ત્યારે જો તમને પૂજાવાની કામના ઉત્પન્ન થઈ, માટે તમને ડિસમિસ કરી દેવા જોઈએ. કારણ કે જ્ઞાની પુરુષના પુસ્તકને અડ્યા પછી કામના કેમ ઉત્પન્ન થઈ ? ઊલટું, કામના હોય તેય નાશ થવી જોઈએ ! આ તો કામનાઓ ઉત્પન્ન થાય છે. તમને એવી સમજણ પડે છે કે લોકોનેે મહીં પૂજાવાની ને બધી કામનાઓ ઊભી થઈ છે એવું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પાછું મહીં હરિફાઈઓ ચાલે ! લોકો બીજાને વધારે પૂજતા હોય તો આને ગમે નહીં પાછું. એટલે જાણે પૂજાવાનું એ જ મોક્ષ (!) હોય એવું માની લીધું છે આ લોકોએ ! આ તો મોટી જોખમદારી છે. બાકી, જેને આ જગતમાં કોઈ જોડે વઢવાડ ના થાય તો એને પૂજેલો કામનો !

આ ગુરુઓને તો પૂજાવાની કામનાઓ ઊભી થાય. ગુરુ થવાની કામના રહેલી હોય. ત્યારે કૃપાળુદેવને કામના કેવી હતી કે ‘પરમ સત્ જાણવાનો કામી છું !’ બીજી કોઈ ચીજની જેમને કામના નથી !! મને તો પૂજાવાની કામના આખી જિંદગીમાં ક્યારેય ઊભી નહીં થયેલી. કારણ કે એ તો બોધરેશન (બોજો) કહેવાય. પૂજવાની કામના જોઈએ, આપણાથી કોઈ મોટા હોય એને ! એક કાનો કાઢી નાખવાનો છે ને ? બસ !

પ્રશ્નકર્તા : માન પૂજાદિ, ગર્વરસ એ બધા પોતાપણાની મહેફિલો ને ?

દાદાશ્રી : એ બધી વસ્તુઓ પોતાપણાને મજબૂત કરનારી ! અને પોતાપણાને મજબૂત કરેલું પછી કો’ક દહાડો ઝળકે ને, કો’કની જોડે ! ત્યારે લોક કહેશે, ‘જો પોત પ્રકાશ્યુંને !’ પોતાપણું એનું પ્રકાશ્યું એટલે ભલીવાર ના આવે કોઈ દહાડોય ! એટલે એ પૂજાવાની કામના છૂટતી નથી, અનાદિકાળથી આ ભીખ છૂટી નથી.

સીંચ્યું પારકા ખેતરને

પોતાપણું કાઢવા તૈયાર થયા છે કે ઉપરાણું લેવા તૈયાર થયા છે ? સમજણ પડે ? ના પડે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે, દાદા.

દાદાશ્રી : પોતાપણાનું ઉપરાણું લેવા ફરતો હોય. એ કશી બરકત નથી એમ ત્યાં કહીએને ! શું કરવું જોઇએ ? છે એને કોઇ લઇ જવાનું ?

એટલે આ હું તમને ચેતવું છું, બીજું કોણ ચેતવે ? રોજ રોજ ભય સિગ્નલ બતાવ્યા પછી ત્યાં તો નિરંતર જાગૃતિ રહેવી જોઇએ. તને સમજાયું ? કોનું નામ જાગૃતિ ?

પ્રશ્નકર્તા : એક વખત બતાડ્યું હોય ભય સિગ્નલ, તો ત્યાં નિરંતર જાગૃત રહે.

(પા.૧૫)

દાદાશ્રી : ભય સિગ્નલ ત્યાં નિરંતર જાગૃત જ રહે. બીજે જાગૃતિમાં જાણે કચાશ પડી જાય.

એટલું તમારે તો ચોક્કસ થવું પડશે ને કે મારે ચોક્કસ થવાનું ને તમારે રાગે પડી જાય ?

પ્રશ્નકર્તા : બહુ જ જરૂરની વાત છે આ તો. આ ખૂબ જ જરૂરી વાત છે.

દાદાશ્રી : તો અત્યારે સુધી શું કરતો હતો ? એટલું બીજાના ખેતરમાં પાણી જતું હતું. આ તો મેં કહ્યું તે બીજાના ખેતરમાં પાણી ના જાય, નહીં તો એ તો બીજાના ખેતરમાં પાણી જતું હતું. માન્યતા માની લીધેલી. તેને પાણી પાતો હતો. પોતાનું ખેતર, પારકું ખેતર બતાડ્યું. આ તારું ખેતર ને આ પારકા ખેતર પાણી પીવે છે.

તેય જોયેલું કે પારકું ખેતર ? હવે કંઇ પારકું ખેતરને પાણી ના પાવાનું, તે નક્કી કર્યું ? થોડું પાવાની શરૂ થઇ ગઇ ? વળી પાછું પાળ તૂટી જાય તો પછી પેસી જાય પાણી. આપણા ખેતર સુકાઇ ગયા બધા. તે આ તો ભય સિગ્નલ બતાડ્યું આટલું બધું... એક જ વખત બોલેલાને તો તે ક્યારેય ભૂલાય નહીં.

ઉદયાધીનમાં પેઠું પોતાપણું

પ્રશ્નકર્તા : અને એ પોતાપણું તો ઉદય આવશે ત્યારે દેખાશે ?

દાદાશ્રી : હા. તેથી કહ્યું ને, જેમ જેમ ઉદય આવતા જાય, તેમ આત્માનો અનુભવ આવતો જાય, તેમ તેમ અહંકાર ઓછો થતો જાય. એવી રીતે આ બધું ‘રેગ્યુલર’ થયા કરે. એને અનુભવ પછી વધતો જાય.

પ્રશ્નકર્તા : આ બધું ફરજિયાત.

દાદાશ્રી : આ તો ફરજિયાત છે. છૂટકો જ નહીં. ના હોય તો ઉપરથી બીબી મારે, ક્યું બૈઠ રહા હૈ અભી તક ? કમાને કો જાવ, કહેશે. ઐસે બોલે. યે સબ ફરજિયાત, યહ અકેલા મરજિયાત. આ કરે તો જ કામ થાય.

પ્રશ્નકર્તા : કર્મને આધીન કહેવાય.

દાદાશ્રી : પોતાના સ્વાધીન નહીં, પોતાનો મત નહીં. પોતાપણું એ તો પોતાના મતવાળો, કહે કે મારે જવું પડશે, ચાલશે નહીં.

પ્રશ્નકર્તા : હા, એ બધું નીકળી જવું જોઈએ.

દાદાશ્રી : હા, એ પોતાનો મત કહેવાય.

પ્રશ્નકર્તા : એની નિર્જરા કેવી રીતે થાય ?

દાદાશ્રી : હજુ પોતાપણું જીવતું છે.

પ્રશ્નકર્તા : હા, એનો એન્ડ (અંત) કેવી રીતે આવે ?

દાદાશ્રી : એટલે પછી ઉદયના આધીન થયું એટલે ખલાસ. જગતના લોકો ઉદયના આધીન છે ને એમાં પાછું પોતાપણું બેસે છે.

પોતાપણા રહિતનો વ્યવહાર, જ્ઞાનીનો

‘જ્ઞાની પુરુષ’ પોતાના ઉદય આધીન જ વર્ત્યા કરવાના. એમાં પોતાપણું ના રાખે. આજુબાજુના સંજોગો બધું શું કામ કરે છે, તે ઉદયના આધીન બધા સંજોગો ભેગા થાય, ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા થાય ને તે આધારે બધું વિચરે.

પ્રશ્નકર્તા : એ તો આ જે દરખાસ્ત આવી અને એનો સ્વીકાર થયો એ પ્રસંગમાં અમે દાદાનું જોયું કે દાદાનું કિંચિત્માત્ર પોતાપણું નથી અને હંમેશાં સામી વ્યક્તિની જ અનુકૂળતા જુએ છે દાદાજી.

દાદાશ્રી : એ તમારેય એ ધીમે ધીમે પોતાપણું જતું રહેશે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનું આ અમે જોયું, એટલે અમારું પોતાપણું જતું રહેશે ?

(પા.૧૬)

દાદાશ્રી : અહંકાર ગયેલો છેને ! અહંકાર હોય ત્યાં સુધી પોતાપણાનું રક્ષણ. એ જ્ઞાની પુરુષનું પોતાપણું ગયેલું જુએ એટલે પોતે એ પ્રમાણે... (થતો જાય.)

પ્રશ્નકર્તા : દાદાજીએ ક્યારેય પોતાની અનુકૂળતા જોઈ નથી, હંમેશાં સામાની પ્રતિકૂળતા જોઈને એને જ અનુકૂળ થયા છે. હંમેશાં દરેક વ્યક્તિ પોતાની જ અનુકૂળતા જોતી હોય છે, ભલે પછી બીજાને ગમે તે પ્રતિકુળતા ઉત્પન્ન થાય. મારી અનુકૂળતા સચવાવવી જોઈએ. મારી પથારી ક્યાં છે ? મારું જમવાનું કેમ નહીં ?

દાદાશ્રી : આ પોતાપણું એટલે તો શું કરે ? અહીંથી જવાનું હોય તો કોઈનું માને નહીં, પોતાનું કહ્યું કરાવડાવે.

હિસાબ ચૂકવાય એટલું પોતાપણું ઓગળે

પ્રશ્નકર્તા : જ્ઞાનીઓ જ ઉદય આધીન વર્તે, તો બીજા બધાને કેવું હોય ?

દાદાશ્રી : બીજાનેય ઉદય આધીન હોય, પણ પેલું પોતાપણું મહીં રહે એમને.

પ્રશ્નકર્તા : પણ આપ કહો છો કે દરેક માણસ ઉદયાધીન વર્તે છે, તો એમાં એણે પોતાપણું રાખવું હોય તો રાખી શકે ખરો ?

દાદાશ્રી : પોતાપણું જ રાખે છે.

પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધેલા મહાત્માઓ માટે ?

દાદાશ્રી : મહાત્માઓ હઉ પોતાપણું રાખે છે.

પ્રશ્નકર્તા : તો પછી અમે પોતાપણું કેવી રીતે રાખીએ છીએ ?

દાદાશ્રી : રહે જ ! રાખતા નથી, રહે જ ! પણ હવે ધીમે ધીમે ઓગળતું જાય. જેટલા આપણા હિસાબ બધા ચૂકવાય ને, એટલું પોતાપણું ઓગળતું જાય. એ જેટલું ઓગળ્યું એટલું પછી પોતાપણું ના રહે. એટલે આ બધાને પોતાપણું જ છે ને ! પોતાપણું રહે જ. પણ આ ‘જ્ઞાન’ લીધું છે એટલે એમનું પોતાપણું હજુ ઓગળે છે.

પ્રશ્નકર્તા : પોતાપણું રહે તો પછી ‘ચાર્જ’ થાય ને, એવું થયું ને ?

દાદાશ્રી : ના, ‘ચાર્જ’ ના થાય. આ પોતાપણું ‘ચાર્જ’ થાય એવું નથી. આ પોતાપણું ‘ડિસ્ચાર્જ’ છે, ઓગળી જાય એવું છે.

પોતાપણાથી આવરાય જાગૃતિ

પોતાપણું આવતો ભવ નક્કી કરી આપે છે ને ઉદય આધીન આ ભવમાં નક્કી છે.

પ્રશ્નકર્તા : તો અમારે પોતાપણું હોય એટલે આવતો ભવ પાછો ઊભો થાયનેે ?

દાદાશ્રી : ના, તમારે પોતાપણું છે એટલે તમને થોડું દેખાતું બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : અને જગતના લોકોને આવતો ભવ ઊભો કરે ?

દાદાશ્રી : એ તો આવતો ભવ ચીતરે જ છે પોતાપણું કરીને. અમે ભમરડા કહ્યા. તે ભમરડા રહેતા હોય તોય બહુ સારું. તોય પોતાપણું ના થાયને ! ચીતરે નહીંને !

પ્રશ્નકર્તા : એ ભમરડો ઉદયકર્મને આધીન છે.

દાદાશ્રી : હંઅ, ઉદયકર્મને આધીન.

પ્રશ્નકર્તા : અને એમાં પાછું પોતાપણું રાખે છે.

ડખલ છૂટે તો છૂટે પોતાપણું

દાદાશ્રી : એ પોતાપણું છોડવું નથી અને દહાડો લાંબો કરવો છે એ શી રીતે થાય ? પોતાપણું

(પા.૧૭)

છોડવું નથી. જ્ઞાની પુરુષ તો પોતાપણું છોડીને બેઠા હોય.

પ્રશ્નકર્તા : આપે આટલું બધું સુખ ચખાડ્યું. આ તો પરિણામ પણ થોડું થોડું બધાને થવા માંડ્યું. તો પછી એ પોતાપણું છોડવામાં અંદરની શું બધી હરકતો નડતી હશે ?

દાદાશ્રી : એક તો જૂનો માલ ભરેલો તે એને ડખલ કરે છે. છતાંય ડખલને છોડી દે, ડખલ ઉપર ધ્યાન ના આપો તો પોતાપણું છૂટી જાય. પણ ડખલ ઉપર ધ્યાન આપો છો. ડખલ મંજૂર કરે છે.

પ્રશ્નકર્તા : એ ડખલ લાગતી નથી કે આ ડખલ પોતે કરે છે એવું એને લાગતું નથી.

દાદાશ્રી : એવું લાગતું હોય તો કલ્યાણ થઈ જાય. પણ એવુંય લાગતું નથી. આ તો ઘરના માણસો આપણને ચાપાણી માટે બોલાવે અને ભેગા બેસીને ચા પીએ, એના જેવું જ ચાલે છે. ડખલવાળું ખબર પડે, તો જુદું પડી જાય.

દાદા છોડાવશે પોતાપણું

પ્રશ્નકર્તા : પણ એ પોતાપણું કઈ રીતે છૂટે ?

દાદાશ્રી : તમારે પોતાપણું છોડી દેવું છે ? તો શું સિલક શું રહેશે ?

પ્રશ્નકર્તા : પછી તો કશું રહે જ નહીંને ! ખરેખર તો કશું જ ન રહે એ વ્યવહારમાંય સારું છે. હું તો કહું છું કે એ બીજી વાત જવા દો. વ્યવહારમાંય સારું છે, જો કશું લાગતુંવળગતું ન હોય તો.

દાદાશ્રી : હા, લાગતું ને વળગતું ના હોય તો વ્યવહારમાંય સારું છે.

પ્રશ્નકર્તા : પણ એ વળગતું ના જોઈએ. પેલું જેમ પેલું જળકમળ કહે છે પછી પેલું સેવા ને આ એવું અલગ રહે છે. એવું અલગ રહેવું જોઈએ અને એના માટે શું કરવું જોઈએ અને કઈ રીતે થઈ શકે ?

દાદાશ્રી : ના, એ તો હું કરી આપીશ. તમારે લાગતુંવળગતું રહે નહીં એવું હું કરી આપીશ. પોતાપણું જાય એવું કરી આપીશું.

જ્ઞાની સમીપે નિસરે પોતાપણું

પ્રશ્નકર્તા : પોતાપણું કાઢી નાખવા માટે જ્ઞાની પુરુષની પાસે રહેવું એ સિવાય બીજો કોઈ અસરકારક ઉપાય નથી ?

દાદાશ્રી : બધાય ઉપાયો જ્ઞાની પુરુષની પાસે રહેવાથી જ. આ (આપ્તપુત્રો બધા) જોડે રહેવાથી બધું કમાણી છેને એમની ! આખો દહાડો સાંભળ સાંભળ એ જ કરેને !

પ્રકૃતિના રક્ષણે રક્ષાયું પોતાપણું

હવે હું એવું નથી કહેતો કે તમારે તમારી પ્રકૃતિનું રક્ષણ ના કરવું. પણ એટલું તમારા મનમાં એમ લાગવું જોઈએ કે આ જ્ઞાન અમને આવું હોવું જોઈએ. વર્તન હું નથી માગતો. વર્તન તો ક્યારે આવે ? એ શ્રદ્ધાપ્રતીતિ ફિટ થઈ જાય, પછી એ જ્ઞાન પરિણામ પામે. જ્ઞાન એને અનુભવમાં આવતું જાય દહાડે દહાડે, ત્યારે વર્તનમાં આવે.

એક ફેરો ઉતારી પાડ્યા હોય તો અસર થઈ જાય, તે વળી પાછું મહીં જરા ટાઢું પડ્યું ત્યારે જ્ઞાન યાદ આવે. એમ કરતું કરતું ફિટ થઈ જાય. પહેલું પ્રતીતિમાં આવે, પછી અનુભવમાં આવતા આવતા તો પહેલા થોડીવાર જ્ઞાનમાં ગોથાં ખાયા કરે ને પછી વર્તનમાં આવે. પણ થોડું ઘણું અનુભવમાં આવ્યું તોય બહુ થઈ ગયું ને !

એકાદબે ફેરાય જો ગાડીમાંથી ઊતરીને પાછો બેસવા આવે, મોઢું ઉતર્યા સિવાય તોય ઘણું સારું કહેવાય. હા, નહીં તો મોઢું કઢી ઊતરી ગયા જેવું થઈ જાય ને ? તમને એવું ના થાય મને લાગે છે,

(પા.૧૮)

નહીં ? એક ફેરો ઊતરી જો જો. એવો વખત આવે તો ઊતરી જો જો ને ફરી મોઢું બગાડ્યા સિવાય બેસવાનું.

પ્રશ્નકર્તા : આપ કહો છો એવું સહેલું નથી.

દાદાશ્રી : સહેલું હોય નહીં. પણ આ શું છે ? આ વાત શા સારુ કરીએ કે આ વાત એને શ્રદ્ધામાં બેસી જાય ને, તો ધીમે ધીમે અનુભવ થતા જાય.

આ કરવાનું અમે નથી કહેતા. આ જાણી રાખવાનું છે કે આવી રીતે આપણે પ્રકૃતિનું રક્ષણ કરતું બંધ થવું પડશે. જેટલું પ્રકૃતિનું રક્ષણ કરીએ એટલું ખોટું ને ! પાડોશી તરીકે એની ફરજ બજાવવાની. પણ કંઈ આવું રક્ષણ ઓછું કરાય ? કોઈ ઉતારી પાડે તો ઉતરી જવાનું કહીએ ને ફરી બોલાવે તો બેસવાનું કહીએ.

પ્રશ્નકર્તા : દરેક પ્રસંગોએ આ પ્રકૃતિ છે એ ખ્યાલ નથી રહેતો ઘણી વખત.

દાદાશ્રી : એ જાગૃતિ એટલી બધી ના રહે ને ! એટલા માટે તો આ અમે હલાવ હલાવ કરીએ આવું કે જેથી જાગતાં રહે. પણ આ તો આપણે ઊઠાવીએ ત્યારે એ ‘હા ઊઠ્યો, હા ઊઠ્યો’ કહીને પાછું પાસું ફેરવીને સૂઈ જાય.

વ્યવસ્થિતના જ્ઞાને છૂટે પોતાપણું

આપણી પાસે ‘વ્યવસ્થિત’નું આટલું સરસ જ્ઞાન છે ને ! સાધન નથી ‘વ્યવસ્થિત’નું ?

પ્રશ્નકર્તા : છે સાધન, બહુ સરસ છે.

દાદાશ્રી : નિવેડો આવશે ને ? નિવેડો આવશે એ ખાતરી થઈ ગઈ ને ?

પ્રશ્નકર્તા : પણ આપણા જ્ઞાનમાં ‘વ્યવસ્થિત’ની બરોબર સમજણ પડે તો પોતાપણું છૂટી જાય ?

દાદાશ્રી : છૂટી જાય ને ! ‘વ્યવસ્થિત’ એ પોતાપણું છોડવા માટે જ મેં આપેલું છે ને એક્ઝેક્ટ’ છે એ. ‘વ્યવસ્થિત’ એટલે ‘સાયન્ટિફિક’ વસ્તુ છે. એ કંઈ તમને અડસટ્ટે આપેલી વસ્તુ નથી. અવલંબન ખોટું આપ્યું નથી, ‘એક્ઝેક્ટ’ છે.

અણસમજણથી ટક્યું પોતાપણું

પ્રશ્નકર્તા : આ પોતાપણું જેને છે અને જે કહે છે ને ‘આ હું છું, હું ચંદુભાઈ છું’ અને ‘હું શુદ્ધાત્મા છું’ એવુંય કહે છે પાછો. પછી જે રક્ષણ કરે છે પાછો, એ બધું કોણ છે એમ ? ખરેખર કોણ છે એ ?

દાદાશ્રી : ના, ના, કોઈ છે જ નહીં. આ તો જ્ઞાન છે તે ‘હું શુદ્ધાત્મા’ બોલે છે અને હવે પેલો પક્ષ લે છે, એ અજ્ઞાન છે. પોતાપણું રખાવે છે એ અજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : એ કોણ રખાવે છે પોતાપણું ?

દાદાશ્રી : એ અણસમજણ. આ હજુ એટલો અહંકાર તૂટ્યો નથી. હજી અવળી સમજણ છે. હજુ આ છૂટતી નથી.

પ્રશ્નકર્તા : અહંકાર કોને ? એ કોણ છે ?

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા’ કહે તે શુદ્ધાત્મા જ છે, એ જ્ઞાન જ છે અને જે અવળું કરે છે એ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે બુદ્ધિ અને અહંકાર એટલે ‘હું ચંદુભાઈ છું’ તેનો તે જ !

પ્રશ્નકર્તા : એને તમે બાવો કહો છો ?

દાદાશ્રી : ત્યારે ચંદુભાઈનો જ ને ! ‘હું ચંદુભાઈ છું’ એ હજુ પોતાનો પક્ષ રાખે છે, ‘એને’ ‘હું શુદ્ધાત્મા’ થવું છે. શુદ્ધાત્મા થયા છો તોય ચંદુભાઈનો પક્ષ છોડતા નથી. માટે એ ચંદુભાઈનો પક્ષ નહીં છોડે, ત્યાં સુધી એ કાચું રહેશે.

પ્રશ્નકર્તા : એ બાવો ?

દાદાશ્રી : એ જ બાવો ને ! એને બેય બાજુ રહેવું છે.

(પા.૧૯)

પ્રશ્નકર્તા : એ બાવાને છોડીને શુદ્ધાત્મા સાથે જોઈન્ટ કરી નાખવાનું છે ?

દાદાશ્રી : નહીં, શુદ્ધાત્મા જ છીએ આપણે !

સમજણથી છૂટે એ પદ

પોતાપણું છૂટી જવું સહેલી વસ્તુ નથી. એ સમજણ આવવી મુશ્કેલ છે, એમાં બહુ પેલું (જાગૃતિનો પુરુષાર્થ) કરેલું નહીં. જોર કરવા જાય તો તૂટી જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા મળ્યા ને દાદાના સાંનિધ્યમાં હોય, એટલે આપણે ભાવ કરીએ કે આપણે છૂટવું છે, એટલે સમજણ તો આવશે ને ? પોતાપણું છૂટી જાય એની સમજણ તો આવેને દાદા પાસે રહેવાથી ?

દાદાશ્રી : સમજણ આવે તો છૂટી જાય.

પ્રશ્નકર્તા : તો એ સમજણ કેવી રીતે ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : કૃપાથી. બધામાં કૃપા જોઇએ. પણ જેને છોડવું હોય તેને કૃપા મળીય રહે. છોડવાની ઇચ્છા, સાચી ભાવના થાય તો છૂટવા માંડે. એ કિંમતી પદ કહેવાય !

રક્ષણ ના કરે જ્ઞાની કદી

અમને કહે કે ‘તમારામાં બરકત નથી’, તો હું કહું, ભઇ, હું તો પહેલેથી જાણું છું પણ તમે હમણે જાણ્યું.

પ્રશ્નકર્તા : તમે હમણે કહો છો પણ હું તો પહેલેથી જાણું છું. બહુ સુંદર કહેવાય, દાદા.

દાદાશ્રી : તમને તો હમણે ખબર પડી પણ હું તો પહેલેથી જાણું છું. નાના હતા ત્યારથી જાણું છું. એ તો કેમ પૈણાવ્યા કોઈએ ? પૈણવાય ના દે ! પોતાપણું છૂટી જ ગયેલુંને ! કોઇ કહે કે તમે તો સ્ત્રી છો તો હું કહું કે બરાબર છું. તે આજે જાણ્યુંને ? એટલે પોતાપણું છૂટી જાય. પોતાપણું છૂટવું સહેલું નથીને ? તમને લાગે છેને, છૂટવું સહેલું નથીને ?

પ્રશ્નકર્તા : જ્ઞાની સિવાય કોઇનું કામ નહીં.

દાદાશ્રી : તારામાં અક્કલ નથી કહ્યું તો ફરી ભેગા નહીં થાવ, મોઢું નહીં દેખાડે. મોઢું સરખું નહીં દેખાય, હં. આવું અક્કલ વગરનો બોલો છો ? કેમની લાગે મારી વાત ?

પ્રશ્નકર્તા : બરાબર છે. દાદા જેવા જ્ઞાની સિવાય પોતાપણું કોઇનું છૂટે નહીં અને જેનું પોતાપણું છૂટી ગયું એ જ્ઞાની કહેવાય.

દાદાશ્રી : એટલે હવે આખું પોતાપણું નહીં છોડી દેવાનું. પોતાપણું ભલે રહે પણ એની રક્ષા ના કરે. રક્ષા કરવાના ટાઇમે રક્ષા ના કરવી એ સ્થિતિ ચંદુભાઈની આવશે, ત્યારે પોતાપણું છૂટે, જ્ઞાની કહેવાય એ.

ખૂંચે તો જાય સંપૂર્ણ પોતાપણું

પ્રશ્નકર્તા : સંપૂર્ણપણે પોતાપણું ક્યારે જાય ?

દાદાશ્રી : ખૂંચ્યા કરતું હોય તેને જાય.

પ્રશ્નકર્તા : હા, ખૂંચ્યા કરતું હોય તેને. કારણ કે આ બધાની અંદર સંસ્કારના ઉછાળામાં પોતાપણું જ એને...

દાદાશ્રી : એ લોકોને ખૂંચતું જ નથી. યાદ જ નહીં આવતું, આપણે કહીએ ત્યારે યાદ આવે. ખૂંચે ત્યારે જાય. શું ખૂંચે છે ? ત્યારે કહે, આ પોતાપણું ખૂંચ્યા કરે છે. ખૂંચે તો જાય. પણ ખૂંચતું જ નથીને ! પોતાપણું કરવામાં ખુશી જ હોય.

પ્રશ્નકર્તા : એ માલ એવો ભરેલો દેખાય છે. એ નીકળતો હોય ત્યારે એ માલ દેખાય છે કે જો આ પોતાપણાનો માલ નીકળ્યો.

દાદાશ્રી : મમતા ગયા પછી ટકે નહીં. અહંકાર-મમતા ગયાને એટલે એ બહુ લાંબો કાળ ટકે નહીં. એના માબાપ, મમતા ને અહંકાર છે, પોતાપણાના.

(પા.૨૦)

ના ગમતાથી છૂટે પોતાપણું

પ્રશ્નકર્તા : પોતાની સેફસાઈડ ના જુએ તો પોતાપણું જતું રહે ?

દાદાશ્રી : પોતાની સેફસાઈડથી ના જુએ તો પોતાપણું જતું રહે, ખરું છે.

પ્રશ્નકર્તા : એ ગમતું પછી ના ગમતું શી રીતે થાય ? ગમવાપણું છે એ ના ગમવાપણામાં કઈ રીતે પરિવર્તન પામે ?

દાદાશ્રી : એનું પરિણામ જોઈ લે તો પછી ના ગમતું થાય. એનું પરિણામ જોઈએ તો ના ગમતું થાય.

પ્રશ્નકર્તા : એટલે ના ગમતું થાય પછી પોતાપણું ઘટે ?

દાદાશ્રી : ચોક્કસ.

પ્રશ્નકર્તા : એટલે જે જે ગમતા હતા તે ના ગમતા થઈને ઊભા રહેશે ત્યારે પોતાપણું ઘટતું જશે.

દાદાશ્રી : હં.

અનુભવ પ્રમાણથી ઓગળે પોતાપણું

આ તો એમની લૉ બુકથી માને કે ‘આપણે સંપૂર્ણ થઈ ગયા.’ ત્યારે મેં એમને કહ્યું, ‘કશુંય થયા નથી, ફાંફાં ના મારશો. હજુ તો બધું બહુ થવાનું બાકી છે. સંપૂર્ણ થવું એ કંઈ લાડવા ખાવાના ખેલ છે ?’ પછી મને કહે છે, ‘પણ અહંકાર તો જતો જ રહ્યો છે.’ મેં કહ્યું, ‘ન્હોય ગયેલો. બધું પૂરેપૂરું જ છે. હજી તપાસ નથી કરી.’

પણ ધીમે ધીમે જાય એ તો. જેમ જેમ અનુભવના ખત્તા ખાઈએ, જેટલું અનુભવનું પ્રમાણ એટલું પોતાપણું તૂટ્યું. (ડિસ્ચાર્જ) અહંકાર જવો એટલે તો પોતાપણું ખલાસ થઈ જાય ને ! હજુ તો કેટલા બધા અનુભવ થશે ત્યારે પોતાપણું છૂટવાનો અંશ આવશે.

મૂળ અહંકાર જતો રહ્યો, ‘ચાર્જ’ અહંકાર જતો રહ્યો. એને જ અહંકાર કહેવામાં આવે છે. પણ પેલો ‘ડિસ્ચાર્જ’ અહંકાર જવો એ લાડવા ખાવાના ખેલ નથી. અહંકાર જતો રહ્યો, એને શું કહેવાય ? ગર્વ નહીં, ગારવતા નહીં, પોતાપણું નહીં. એ બધું ના જવું જોઈએ ? આ ‘જ્ઞાન’ પછી અહંકાર તો જતો જ રહ્યો છે, તે ‘ચાર્જ’ અહંકાર તો જતો રહ્યો. પછી રહ્યો કયો અહંકાર ? ‘ડિસ્ચાર્જ.’ એ જેટલા અનુભવ પ્રમાણ થાય એટલો ‘ડિસ્ચાર્જ’ અહંકાર ઓછો થાય, ને ત્યાર પછી પોતાપણું ધીમે ધીમે ઘટે. એમ ને એમ ઘટે નહીં. ત્યારે એ કહે છે, ‘એવું આખી જિંદગીમાં ના થાય ?’ મેં કહ્યું, ‘એકબે અવતારમાં મોક્ષે જવાશે. બીજી ખોટી આશાઓ રાખવાનો શો અર્થ ?’ ખોટી આશાઓ રાખીએ એમાં ફાયદો થાય ? આ મળ્યું તેમાં ધન્યતા જ છે ને !

અટક્યા પોતાપણાના સંપેતરાથી

એક પણ સંપેતરું રાખે ત્યાં સુધી આત્મા પૂર્ણતાએ નહીં પહોંચે.

પ્રશ્નકર્તા : એ સંપેતરું જરા વધારે સમજાવોને, દાદા. એ સંપેતરું કેવું એમ ?

દાદાશ્રી : આ જેને આધારે આ અટકી ગયા છે એ સંપેતરા જ છેને !

પ્રશ્નકર્તા : સંપેતરું એટલે એને અટકણ કહી શકાય ?

દાદાશ્રી : અટકણ નહીં, એ કષાયોના કઠણપણાથી અટકી ગયેલું, એ પેસી રહેલું. પેસી રહેલા, ઈચ્છાઓ ને બધા.

હા, જે ચોખ્ખો હોય ને, ચોખ્ખાવાળાને સંપેતરું રહે નહીં, કરેક્ટ, આરપાર કરેક્ટ ! જેટલું આરપાર થયો એટલું સંપેતરું ગયું, ક્લિયરન્સ ! આ જ્ઞાન એવું છે કે તે તો જો એની પાછળ પડશે તો કામ નીકળશે. ધીમે ધીમે બધી જાતનો રોગ નીકળી જશે. કાઢવો છે એને નીકળશે.

(પા.૨૧)

પોતાપણું અને આપોપું

પ્રશ્નકર્તા : પોતાપણું અને આપોપું, આપાપણું જે કહે છે, એ બે એક જ ?

દાદાશ્રી : આપાપણું જરા મોટું કહેવાય, પોતાપણું હલકું કહેવાય. આપાપણું તો ભારે કહેવાય.

જ્યાં સુધી પોતાપણું જાય નહીં, ત્યાં સુધી આપાપણું હોય.

અને આપાપણું ગયા પછી પોતાપણું જવાની શરૂઆત થાય ?

દાદાશ્રી : આપાપણું ગયા પછી પોતાપણું ઝળકે નીકળવા માટે.

પ્રશ્નકર્તા : પણ અમે બધાએ જ્ઞાન મેળવ્યું તો પછી જ્ઞાનથી એ આપોપું વધતું જાય. કારણ કે પછી આપણને ભાન આવે કે આ તો આપોપું ઘટવાને બદલે વધવા માંડ્યું.

દાદાશ્રી : એ આપોપું નથી. આપોપું તો જ્યારે જવાનું થાય છે ને, ત્યારે એ આપોપું ગણાય છે. જ્યારે ‘પ્યૉર’ (સ્થૂળસૂક્ષ્મ દોષો ઓછા થાય ત્યારે) થઈ જાય છે ત્યારે આપોપું ગણાય છે, પોતાપણું ગણાય છે.

ઓળખનારો જ પામે

પ્રશ્નકર્તા : આવી ઝીણી વાત નીકળે ને, ત્યારે આપની ઓળખાણ બહુ ઊંચી પડે છે તે વખતે, આપની દશાની બહુ અદભૂતતતા લાગે, ‘અક્રમ વિજ્ઞાન’ની અજાયબી લાગે.

દાદાશ્રી : બધાને ઓળખાણ સમજાય નહીં. ઓળખાણ સમજાય એ સહેલી વાત છે ? ઓળખાણ સમજણ પડી ને, તેને તે રૂપ થઈ જાય. ઓળખાણ પડવી સહેલી વાત નથી ને ! હા, અમારું આપોપું ગયેલું જેને દેખાય છે તેને બહુ મોટી વાત સમજાઈ. એ ‘આપોપું’ સમજી ગયો ?

આપોપું ગયું, થયો પરમાત્મા

હવે એ આપોપું જાય કેવી રીતે ? કે એ આપોપું જેનું ગયું હોય તેના દર્શન કરાવી દઈએ ને, એ જ એની ‘ફીટનેસ’, બીજું કશું નહીં.

પ્રશ્નકર્તા : દર્શન કરવાથી જ પતે છે ?

દાદાશ્રી : દર્શન કરવાથી બધું જ થાય. આજે જ વાત નીકળી. આપોપું શબ્દ નીકળ્યો છે કંઈ ? એ તો જ્યારે કંઈ પ્રકરણ ખુલ્લું થાય ત્યારે ‘ઓપન’ થાય.

અને આ આપોપું જાય, તેનું ભગવત્ ચલાવી લે. પોતાપણું જાય તો ભગવત્ ચલાવી લે. પછી શી ભાંજગડ છે, બોલો. અમારું આપોપું ચાલ્યું ગયું, પછી બીજું બધું ભગવત્ ચલાવી લે. મારે ક્યાં આ બધી ભાંજગડ છે ? હેય, કૃષ્ણ ભગવાન ઘોડા હાંક્યા કરે છે. આપણે તો અંદર બેઠા બેઠા જોયા કરવાનું. એટલે ભગવાન ક્યારે સંભાળી લેશે ? એ તો આપોપું છોડશે ત્યારે. તેથી કૃપાળુદેવે કહ્યું ને, કે ભગવત્ ભગવત્નું સંભાળી લેશે પણ આપોપું છોડશે તો.

આપોપું હોય ત્યાં સુધી ભગવાનની જવાબદારી નહીં. પોતાપણું ના હોય ત્યારે ભગવાનની જવાબદારી. હા, ‘ફુલ’ જવાબદારી એમની !

આપોપું જતાં તો ઘણો ટાઈમ લેશે. આ તો બીજા બધા બહારના પાડોશીઓ જોડે હજુ નિકાલ તો કરો. બાકી, આપોપું જવું અને ભગવાન થવું એમાં ફેર નથી. છેવટે ‘અમારું’ આપોપું ગયું એટલે ‘ભગવાને’ માથે ભાર લીધો. હવે અમને ભાર નથી. અમારું આપોપું ગયું ત્યારથી ભાર એમણે માથે લીધો. ત્યારે જ તો અમે આ લહેર કરીએ છીએ ને ! અને આ તો એવું છે ને, મેં તો ઘણા કાળનું કર્યું હતું ને તમને સહેજમાં થાય છે, એટલે લાભ ઉઠાવી લેવાનો. છેવટે આપોપું જશે ત્યારે કામ થશે.

‘પરમાત્મા’ થવું અને ‘આપોપું જવું’ એ બેમાં ફેર નથી. જો આપોપું ગયું ત્યાં પરમાત્મા સિવાય બીજું કશું છે નહીં.

(પા.૨૨)

આપાપણું સોંપી દીધું

જુઓ, હું તમને કહી દઉં. આમ કરતાં કરતાં ઘણો કાળ અમારો ગયો. તેથી તમને તો હું સહેલો રસ્તો બતાડું છું. મારે તો રસ્તા ખોળવા પડેલા. તમને તો હું જે રસ્તે ગયેલો એ રસ્તો દેખાડી દઉં છું, તાળાં ઊઘાડવાની ચાવી આપી દઉં છું.

આ ‘અંબાલાલ મૂળજીભાઈ પટેલ’ છે ને, એમણે પોતાનું આપાપણું છોડીને ભગવાનને જ સોંપી દીધું છે. તે ભગવાન એમનું બધું સંભાળી લે છે. અને એવું સંભાળે છે ને, ખરેખરું ! પણ પોતાનું આપાપણું છૂટી ગયું, અહંકાર ગયો ત્યાર પછી. બાકી, અહંકાર જાય એવો નથી.

એ પોતાપણું છે ત્યાં સુધી જ ભેદ છે અને ત્યાં સુધી જ ભગવાન છેટા છે. પોતાપણું છોડ્યું કે ભગવાન તમારી પાસે જ છે. છોડી દો ને, તદ્દન સહેલું ! પોતાપણું છોડ્યું તો ભગવાન જ ચલાવી લેશે તમારું. તમારે કશું કરવાનું ના હોય, તમે પોતાપણું છોડી દો તો.

પોતાપણું છૂટે તો...

અમે અંતરાય નથી પાડ્યા, અમારું કોઈ નામ જ નથી લેતું. અને ઉપર અમારો ઉપરી યે કોઈ નથી. અને જે ઉપરી છે ભગવાન, તે તો અમને વશ થઈ ગયેલો છે. કોને વશ થાય ? પોતાપણું છૂટે તેને. તમેય પોતાપણું જ્યારે છોડશો, છૂટી જશે બધું ત્યારે તમને વશ થઈ જશે. એમાં કંઈ પોતાપણું છૂટવું એ સહેલું નથીને? ના, પણ છૂટશે હવે. આ માર્ગ છે એટલે છૂટવાનું. માર્ગ છે એટલે છૂટવાનું કે નહીં છૂટવાનું ? આશ્ચર્યની પ્રતિમા ! પોતાપણું નથી, જેને ગર્વ નથી, ગારવતા નથી, સ્પૃહા નથી કોઈ પણ જાતની, ભીખ નથી કોઈ જાતની. માનની, કિર્તીની, લક્ષ્મીની, વિષયની જેને વર્લ્ડમાં સહેજ પણ ભીખ નથી. વર્લ્ડમાં કોઈ ચીજ જેને ખપતી નથી, એને ભગવાન વશ ના થાય તો બીજું કોણ વશ થાય ?

હવે તમે એ માર્ગ ઉપર ચાલ્યા છો તે તમનેય વશ થઈ જશે. મને કંઈ વશ થયા એવું નહીં, તમનેય, દરેકને વશ થઈ જાય. અને દરેક ભગવાન થઈ શકે છે. માણસ ભગવાન થાય છે. ક્રમિક ઈવોલ્યુશનમાં (એ ડેવલપ) થતો થતો થતો એનું છેલ્લું રૂપ ભગવાનનું જ છે.

પણ આ કાળમાં ભગવાનપદ ત્યાં આગળ કાચું રહે છે. અગર લોકો ભગવાન થઈ બેઠા હોય તે તો એમની જોખમદારી પર થઈ બેઠા, એમાં આપણને લેવાદેવા નથી. આ કાળમાં ભગવાનપદ છે નહીં.

એટલે પ્રકૃતિ ભગવાન સ્વરૂપ થઈ જાય

પ્રશ્નકર્તા : એટલે આ આખું રિલેટિવ પાસું ભગવાન જેવું થાય એમ ?

દાદાશ્રી : જો ક્ષમા એવી દેખાય, નમ્રતા એવી દેખાય, સરળતા એવી દેખાય, સંતોષ એવો દેખાય. કોઈ ચીજની ઈફેક્ટ જ નહીં. પોતાપણું ના હોય એ બધું લોકોના દેખાવમાં આવે. બધા બહુ ગુણો ઉત્પન્ન થઈ જાય. એ આત્માના ગુણ નથી ને આ પુદગ્લનાય ગુણ નથી, એવા ગુણો ઉત્પન્ન થઈ જાય.

આ ‘વર્લ્ડ’માં કોઈ માણસ એવો ના હોય કે જેને પોતાપણું ના હોય. બ્રહ્માંડમાં બધું જુદી વાત છે. ત્યાં તો બધા તીર્થંકરો છે, બધુંય છે. જ્યારે આપણી દુનિયામાં પોતાપણું ના હોય એવો કોઈ માણસ હોય નહીં. પોતાપણું ના હોય એવા તો ફક્ત તીર્થંકર ગોત્રમાં નાપાસ થયેલા હોય એટલા જ હોય.

- જય સચ્ચિદાનંદ