|
મોક્ષમાર્ગે શ્રેણી ચઢાય, નિર્દોષ દ્રષ્ટિથી સંપાદકીય જ્ઞાની પુરુષ થકી આપણને આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ. હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ તેનું સરવૈયું શું કે આ વર્લ્ડમાં કોઈ જીવ દોષિત નથી. જ્ઞાનદ્રષ્ટિ શું કહે છે કે કોઈ દોષિત દેખાય છે એ વાસ્તવમાં આપણો જ દોષ છે પણ સામાના નિમિત્તે ખુલે છે. આ તો સાચી સમજણ ફિટ નહીં થવાથી નિમિત્તને બચકાં ભરે છે. ભગવાન મહાવીર આખા જગતને સંપૂર્ણ નિર્દોષ જોઈને નિર્દોષ થયેલા. આપણે પણ આ રીત શીખી લેવી જોઈએ. કોઈ જીવનો દોષ ના દેખાવો જોઈએ. છતાં દેખાઈ જાય તો હકીકતે એ મારી જ ભૂલ છે એમ સુધારો કરી લેવો જોઈએ. કારણ કે જીવમાત્ર રિયલી શુદ્ધાત્મા સ્વરૂપે છે અને રિલેટિવમાં નિર્દોષ સ્વરૂપે છે. કોઈ આ કરે છે તેમ કહેવું ગુનો છે, કોઈ આ નથી કરતો તેમ કહેવુંય ગુનો છે અને હું કરું છું તેમ બોલવુંય ગુનો છે. કારણ કે કોઈ કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે. જીવમાત્ર ઉદયાધીન ચાલે છે. જન્મે છે ત્યારથી મરતાં સુધી ઉદય જ એને ચલાવે છે. કર્માધીન છે માટે એ દોષિત છે નહીં. એટલે દોષિત ખરેખર ના દેખાવો જોઈએને ! એ દોષિત તો આપણી ભૂલને લઈને દેખાય છે, આપણા જ્ઞાનની કચાશને લઈને દોષિત દેખાય છે, આપણા સિવાય આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. આપણા દોષે આપણે બંધાયા છીએ, એમાં કોઈને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહે છે કે સામાનો સહેજ પણ દોષ જોયો કે વિચાર્યો તો અકલ્યાણ છે. પોતાના કષાયોના લઈને સામો દોષિત દેખાય છે. પોતે નિર્દોષ થાય ત્યાર પછી જગત નિર્દોષ દેખાય. આપણા કોઝિઝનું જ પરિણામ છે એવું જ્ઞાન હાજર રહે તો જગત નિર્દોષ દેખાય. હકીકતે તો આખું જગત નિર્દોષ છે એમ સ્વભાવથી પણ નક્કી થઈ જવું જોઈએ. જીવમાત્રનું વર્તન બધું ડિસ્ચાર્જ છે, મિકેનિકલ ક્રિયા છે. એટલે સામો ક્રિયાનો કર્તા નથી, છતાં કર્તા માનવો એ દ્રષ્ટિદોષ છે. સામાને કર્તા ઠરાવે છે એનાથી પોતે જ કર્તા ઠરે છે, સાયન્ટિફિકલી. એટલે હું, તું અને તે કર્તા નથી તેવું પોતાને જ્ઞાને કરીને ફિટ થઈ જવું જોઈએ. કોઈ ગાળ ભાંડતું હોય અને પોતાને જ્ઞાનમાં દેખાય કે એ શુદ્ધાત્મા છે અને આ છે તે વ્યવસ્થિત કરે છે. ગાળો દે છતાં નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે હવે પૂર્ણ જ્ઞાનના દરવાજામાં પેઠા અને છેલ્લું સ્ટેશન તો ક્યારે આવ્યું કહેવાય કે દોષિત પણ ગમવો જોઈએ. અને એ સ્ટેશને પહોંચવા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે જ્ઞાનીઓની રીત જાણી લેવી જોઈએ. હવે જગતને નિર્દોષ જોવામાં જ્ઞાનીઓની દ્રષ્ટિ કેવી હોય ? પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે અમે જગતના જીવમાત્રને શુદ્ધ સ્વરૂપે જ જોઈએ. આત્માથી આત્મા જોઈએ અને દેહદ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળીએ કે એ ક્રિયાનો કર્તા નથી પણ ઉદય સ્વરૂપ છે અને એનો દોષ નથી. સાદી પણ કેવી ઝીણી વાત ! આ વાત જો એક્ઝેક્ટનેસમાં સમજાઈ જાય તો નિશ્વયપૂર્વકનો પુરુષાર્થ આદરવામાં જરૂર સહાયભૂત બની શકે એમ છે. પ્રસ્તુત સંકલન સહુ કોઈને નિજદોષનું, જ્ઞાનદ્રષ્ટિથી પૃથક્કરણ કરી નિર્દોષ દ્રષ્ટિ કેળવવામાં અત્યંત સહયોગી નીવડશે એજ અભ્યર્થના. - જય સચ્ચિદાનંદ (પા.૨) મોક્ષમાર્ગે શ્રેણી ચઢાય, નિર્દોષ દ્રષ્ટિથી જ્ઞાનદ્રષ્ટિનું સરવૈયું પ્રશ્નકર્તા : ઘણીવાર આપણી સાથે કામ કરનારનું વર્તન આપણા સાથે અવગણનીય હોય છે, તે માટે આપની શું સલાહ છે ? કેવી રીતે સ્વમાનથી રહેવું ? દાદાશ્રી : સ્વમાન હોય નહીં હવે, સ્વમાન તો ગયું. અપમાન ગયું છે તે ઘડીએ તેની જોડે સ્વમાનેય ગયું. બધું જ ગયું હવે. માન, સ્વમાન ક્યાં સુધી હતું ? તમે ચંદુભાઇ છો ત્યાં સુધી. હવે તો બધું સ્વમાનની વાત જ ક્યાં રહી. એટલે આપ શું કહેવા માંગો છો ? એ મને કહો ને. હું સમજણ પાડી દઉં. પ્રશ્નકર્તા : આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઇએ ? દાદાશ્રી : આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઇએ ? હવે તમને મેં જે જ્ઞાન આપ્યું ને જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિનું સરવૈયું શું છે કે આ વર્લ્ડમાં કોઇ જીવમાત્ર દોષિત નથી. જે કંઇ પણ દોષ દેખાય છે એ તમારા દોષથી જ દેખાય છે. એટલે આ દ્રષ્ટિ તમારે રહેવી જોઇએ કે કોઇ દોષિત છે નહીં છતાં મને દેખાય છે એ મારી ભૂલ છે. તે સુધારો કરવો જોઇએ. હમણે તમને ગાળ ભાંડીને તમારી પાસેથી ડૉલર (પૈસા) લઇ લે તો એ દોષિત નથી. જગતની દ્રષ્ટિએ આ દોષિત. બે દ્રષ્ટિઓ ; રિલેટિવ વ્યૂ પોઇન્ટથી આ દોષિત ને રિયલ વ્યૂ પોઇન્ટથી તમે દોષિત ને જેને ચોખ્ખા કરવા હોય ચોપડા, એને આ દ્રષ્ટિએ ચાલવું જોઇએ. દોષ આપણો ને નિમિત્ત સામો પ્રશ્નકર્તા : આપણે રિયલ વ્યૂ પોઈન્ટથી કોઈને દોષિત સામાન્ય રીતે ના ગણી શકીએ. દાદાશ્રી : દોષિત છે જ નહીં. આ દોષિત જે લાગે છે તે જ ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : રિયલ વ્યૂ પોઈન્ટથી તો દોષિત નથી પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દોષિત છે ને ? દાદાશ્રી : ના, રિલેટિવ વ્યૂ પોઈન્ટથીય નથી. એ તો લાગે એવું. દોષિત છે જ નહીં. આ તો નિમિત્તને બચકાં ભરવાની ટેવ છે આપણને, નિમિત્ત છે એ. દોષ આપણો અને એના નિમિત્તે ખુલે એટલે આપણે નિમિત્તને બચકાં ભરવાની ટેવ. બાકી દોષિત કોઈ છે જ નહીં. ભગવાન મહાવીરે જોયું જગત નિર્દોષ કોઈ જીવનો દોષ દેખાવો ન જોઈએ. આખું જગત ભગવાન મહાવીરે એમના જ્ઞાનમાં બધું નિર્દોષ જોયેલું. આ રીત આપણે શોધી કાઢવી જોઈએ. ભગવાન મહાવીરે એમને ગાળો ભાંડનારને નિર્દોષ જોયા, ઢેખાળા મારનારને નિર્દોષ જોયા, ખીલા મારનારનેય નિર્દોષ જોયું’તું. બધાને નિર્દોષ જોયા. જે સાધુઓ સામા થયા તોય એમને નિર્દોષ જોયા. કારણ કે પોતે નિર્દોષ થયા. નિર્દોષ જોઈને નિર્દોષ થયા અને પછી પાછું નિર્દોષ જોયું. જગતને નિર્દોષ જોઈને નિર્દોષ થયા. પ્રશ્નકર્તા : કેટલી અપાર કરુણા ? દાદાશ્રી : હા, અપાર કરુણા. પ્રશ્નકર્તા : અમે તો ગુસ્સે થઈ જઈએ છીએ. નિર્દોષ ઉપરેય ગુસ્સે થઈ જઈએ છીએ. દાદાશ્રી : તો દોષિત ઉપર રાજી થાય છે ? પ્રશ્નકર્તા : ના, દોષિત ઉપર તો ડબલ ગુસ્સે થવાય. દાદાશ્રી : ત્યારે રાજી શેની ઉપર થાઉં ? હંમેશાં, એક જગ્યાએ રાજી થતા હોય તો ગુસ્સો બીજી જગ્યાએ આવે. અમે કોઈ જગ્યાએ એવા રાજી નહીં, ત્યારે ગુસ્સો અમને આવતો નથી. તમે રાજી શેની ઉપર થાવ છો ? જો નિર્દોષ ઉપર ગુસ્સો આવે છે તો રાજી શેની ઉપર થાવ છો ? (પા.૩) પ્રશ્નકર્તા : મનને ગમે એ વસ્તુ ઉપર રાજી થઈ જઈએ. દાદાશ્રી : તો નિર્દોષ ગમતો નથી ? પ્રશ્નકર્તા : પણ એ નિર્દોષ છે એમ ખ્યાલ ન આવે. દાદાશ્રી : ખ્યાલ ના આવે તે ડિફરન્ટ મેટર (જુદી વસ્તુ) છે. પણ નિર્દોષ હોય તો તો તમને ગમે ને? અને મારા જેવો કહે કે આ સાધુઓ બિચારા નિર્દોષ માણસ છે, તો ગમે ખરો નિર્દોષ ? દોષિત ના ગમવો જોઈએ એય વખતે, પણ ખરું, છેલ્લું સ્ટેશન તો એવું છે કે દોષિતેય ગમવો જોઈએ. અમને એક સેકન્ડેય કોઈ ના ગમે એવું બન્યું નથી. અને તેથી અમારું નિદિધ્યાસન લોકોને રહી શકે. એકતા ખરીને ! તે જ્યાં જઉં ત્યાં અમેરિકામાં કેટલાંય માણસો ‘દાદા, દાદા’ જ કર્યા કરતા હોય. અંગત હિત શેમાં ? પ્રશ્નકર્તા : પણ આમાં અંગત હિતની વાત આવે ત્યાં નિર્દોષેય આવી જાય છે વચ્ચે. ત્યારે નિર્દોષ ઉપરેય એમ થઈ જાય કે એય દોષિત છે. દાદાશ્રી : અંગત હિત કરવા ગયેલાને તેનું અંગત હિત કોઈ દહાડો થયેલું નહીં. જેણે જગત નિર્દોષ જોયુંને એનું અંગત હિત થાય એક દહાડો, ખરેખરું. બાકી પેલું તો માનેલું. ઘડીવાર રહે ને પછી જતું રહે. પેલું ઘડીવાર પછી જતું રહે પાછું. અમારું અંગત હિત ખરેખરું થાય અત્યારે. રિલેટિવમાં ના પડે એ ભગવાન પ્રશ્નકર્તા : આ દોષિત અને નિર્દોષ, રિલેટિવ છે ને ? દાદાશ્રી : હા, એ બધું રિલેટિવ. રિયલમાં કશું નહીં. પ્રશ્નકર્તા : તો આપણે રિલેટિવમાં શું કામ પડવાની જરૂર ? દાદાશ્રી : હા, એ તો રિલેટિવમાં ના પડે એટલે ભગવાન થઈ ગયો, સંપૂર્ણ, ભગવાન મહાવીર જેવો જ. અમારી ને તમારી દ્રષ્ટિનો ફેર ભગવાન મહાવીરે કહ્યું’તું કે હું કરું છું, એ કરે છે, તું કરું છું અને તે કરે છે એ ડિક્ષનરી (શબ્દકોશ)માં જ રાખશો નહીં, જો તમારે મોક્ષે જવું હોય તો. અને સંસારનો તમને મોજશોખ હોય તો આ પ્રમાણે કરજો. મોજશોખ હોય તમને, એ કરવો હોય તો વાંધો નથી મને. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ તમારો વ્યવહાર ચાલુ રાખજો. જેને મોક્ષે જવું હોય તે એવું કોઇનેય પણ એમ ના કહી શકે કે તેં આમ કર્યું કેમ ? વ્યવહારથી બોલી શકાય. હવે નિશ્ચયથી એમ ના બોલાય કે તે આમ જ કર્યું. મેં કર્યું તો ગયું. (મેં) કર્યું છે એ વ્યવહારથી બોલો છો પણ સામાનું તમે વ્યવહારથી નથી બોલતા એટલે એમાં કચાશ છે હજુ. પ્રશ્નકર્તા : એ તમે કહેલું એક વખત. દાદાશ્રી : ત્યારે કહે પરિણામે શું ભાસવું જોઇએ? મને પૂછો કે દાદા, તમને શું દેખાય છે ? ત્યારે હું કહું કે મને નિશ્ચયે શુદ્ધાત્મા દેખાય અને વ્યવહારે નિર્દોષ દેખાય છે. પ્રશ્નકર્તા : વ્યવહાર નિર્દોષ દેખાય છે. દાદાશ્રી : આ એક-એક જીવ, ગજવું કાપ્યું હોય, તે ચોરેય મને નિર્દોષ દેખાય છે. આ મારી દ્રષ્ટિ. વ્યવહારમાં નિર્દોષ અને નિશ્ચયમાં શુદ્ધાત્મા. હવે બોલો, એને આપણે પછી રહ્યું શું ? આપણે એને શું કરવાનું રહ્યું ? કોઇ અભિપ્રાય આપવાનો રહ્યો ? વ્યવહારમાં નિર્દોષ દેખાય છે. ગજવું કાપે છે મારું તો એ વ્યવહારથી મને ગુનેગાર દેખાતો નથી. સહેજેય દોષિત નથી. એ નિર્દોષ દેખાય છે મને. તમે એવું નિર્દોષ દેખાડવાનો પ્રયત્ન કરો છો હવે ? એ પુરુષાર્થ કરવાનો. નિશ્ચયથી તો શુદ્ધાત્મા થયા છે એ તમારીય દ્રષ્ટિ (પા.૪) છે. મારી ને તમારી દ્રષ્ટિ અહીં મળતી આવે છે અને ફેર ક્યાં પડે છે ? કારણ મારી દ્રષ્ટિ પેલો નિર્દોષ જુએ છે અને ત્યાં તમને કંઇક ગભરામણ થઇ જાય છે પછી વ્યવસ્થિત કહી, સમભાવે નિકાલ કરીને પછી નિર્દોષ કરો છો. ગજવું કાપે છે એ વ્યવસ્થિત છે અને આ ફાઇલ છે, સમભાવે નિકાલ કરવો છે એમ કરીને નિર્દોષ કરો છો. જ્યારે મારે એવું બધું કર્યા વગર સીધેસીધો જ કાન પકડવાનો, નિર્દોષ દ્રષ્ટિ. એટલે મારી આ દ્રષ્ટિ છે, તમારે જાણી રાખવાની. તમારે આ પ્રમાણે કરવાનું. આ દ્રષ્ટિ છે એટલે તમારે એ પુરુષાર્થ કરવાનો, પરાક્રમ કરવાનું. પુરુષ થયા માટે પુરુષાર્થ, નહીં તો જગતના લોકો પુરુષાર્થ કરી શકે એમ છે જ નહીં. પુરુષ થયો જ નથી એ પુરુષાર્થ શી રીતે કરે ? એ તો ભ્રાંત પુરુષાર્થ છે. ભ્રાંત પુરુષાર્થ એ તો ભમરડો ફર્યા કરે. અને પાછો કહે ‘હું ફર્યો’. ઉપરથી એમ થાય કે હું ફર્યો. ઓહોહોહો! ફર્યા મોટા. સંડાસ જવાની શક્તિ નથી. એને કહીએ કે અમારી દ્રષ્ટિ આવી છે. પછી પરાક્રમ કરવું કે ના કરવું જોઈએ ? ‘હું કરું છું, તે કરે છે ને તેઓ કરે છે.’ એ આમાં છોકરાએ કશું બગાડ્યું ત્યારે તે બધો ધંધો બગાડી નાખ્યો છે કહે. હવે તે ઘડીએ બોલતી વખતે તમે પેલું એક વાર ગીયરમાં નાખ્યા સિવાય ગાડી ચલાવો છો. પેલું ઊંચે ચઢાવતી વખતે કશું કરવું પડેને, ગાડીને ? પ્રશ્નકર્તા : ન્યુટ્રલમાં લાવ્યા વગર નાખી દે, ન્યુટ્રલ કરવો પડે. દાદાશ્રી : ના, આવે છે ને ! ગાડીને શું કરવું પડે? સામાએ બગાડ્યું એમ કહેવું એ સામાન્ય ગીયર નથી. બીજું સામાન્ય ભાવનું બધું બોલેને તે ચાલે. પણ સામાન્ય ગીયર ના હોય. એટલે ગીયરમાં નાખવું પડે. એનો દોષ નથી એવું દેખાવું જોઈએ. અનંત અવતારનું પરિણામ આવ્યું આ પ્રશ્નકર્તા : દાદા, એ આપની આખા જગતને જે નિર્દોષ જોવાની દ્રષ્ટિ છે, એ કઇ રીતે ગેડમાં આવી ગઇ ? દાદાશ્રી : કેટલાય અવતારોથી જોતો જોતો આવ્યો હતો, તે આ બાજુ દોષિત દ્રષ્ટિ ઓછી થતી જાય ને નિર્દોષ દ્રષ્ટિ વધતી જાય. એમ કરતાં કરતાં પૂરી થઈ જાય. એટલે એક દહાડામાં નહીં થયેલી આ. અનંત અવતારનું પરિણામ છે આ. આમ તો મૂળ દ્રષ્ટિ તો દોષિત જ હોય, સંસારમાં જેમ અનુભવ થતા જાય તેમ નિર્દોષતા ઉત્પન્ન થતી જાય. પ્રશ્નકર્તા : અમારે આ ભવમાં થશે કે નહીં, દાદા ? દાદાશ્રી : તમારે જલદી થઇ જાય. મને શીખવાડનાર નહીં ને કોઇ ! ને તમને શીખવાડનાર મળ્યા. પ્રશ્નકર્તા : અને અમને તો શીખવાડનાર કરતાં સાક્ષાત મૂર્તિ જોવાને માટે છે. દાદાશ્રી : જોવામાં આવે છે, એટલે બહુ થઇ ગયું. નિર્દોષ દ્રષ્ટિનો અભ્યાસ રાખવો આમ કોઈ પણ જીવ કંઈ પણ તમને કરે છે એ તમારા કર્મના ઉદયનું જ ફળ છે. એટલે કોઈને ગુનેગાર કહેશો ત્યાંથી તમારો ભવ વધારવાનો રસ્તો જડ્યો. ભવ વધારો થશે નિરાંતે. રૂપિયાનો વધારો નહીં થાય પણ ભવ તો વધશે જ. એક જીવને સહેજ પણ દોષિત જોશો તો મોક્ષે ન જવાય. આપણે પાંસરા થઈને પાંસરું જોવું. આપણે ગમે તેટલા વાંકામાં પણ શુદ્ધાત્મા જ જોવો તો મોક્ષે જવાય. અમે જે દ્રષ્ટિએ જોઈએ તે દ્રષ્ટિએ તમે (પા.૫) જોવાનો અભ્યાસ રાખજો. અમે કઈ દ્રષ્ટિએ જોઈએકે જગત શુદ્ધાત્મારૂપે શુદ્ધ જ છે, જીવમાત્ર શુદ્ધ જ છે એ એક દ્રષ્ટિ. બીજું, વ્યવહારથી નિર્દોષ છે બિચારો એટલે જીવમાત્ર નિર્દોષ છે. આ દ્રષ્ટિ અમારી હોય તે, એ દ્રષ્ટિ તમારે રાખવી. રહે એટલો વખત રાખવી ને ખસી જાય તો પાછી ગોઠવવી. દોષિત લાગે પછી પાછી ખસી જાય તો ગોઠવવી પાછી કે નિર્દોષ જ છે, આપણી ભૂલ થઈ. નિર્દોષનો પુરાવો ત્યારે લોકો મને કહે છે કે કોઈ પુરાવો આપોને, જીવમાત્ર નિર્દોષ છે એવું. તમને દેખાતું હોય પણ અમને દેખાતું નથીને, પુરાવો કંઈ આપો ને ? એનો પુરાવો તો એ રીતે આપણને કહે છે કે પવન દેખાતો નથી, ધર્માસ્તિકાય દેખાતું નથી. આકાસ્તિકાય (આકાશ) દેખાતું નથી. ના દેખાય માટે નથી એમ કંઈ મનાય ? પ્રશ્નકર્તા : એમ નહીં, જગત આખું નિર્દોષ છે એનો પુરાવો... દાદાશ્રી : એનો પુરાવો તો, જગત આખું નિદોષ છે, પછી નિર્દોષતા ક્યાં શોધવી? પ્રશ્નકર્તા : ના. એટલે જગતના જીવમાત્ર નિર્દોષ છે એનો પુરાવો. દાદાશ્રી : શુદ્ધાત્માનો તો પુરાવો મળ્યો ને કે શુદ્ધાત્મા જ છે બધા જીવમાત્રમાં ? પ્રશ્નકર્તા : હા, શુદ્ધાત્મા છે. દાદાશ્રી : હવે રહ્યું શું ? વ્યવહાર. વ્યવહારમાં જ બધી મુશ્કેલીઓ છે ને બધી ? ગૂંચો બધી ? પ્રશ્નકર્તા : હા, વ્યવહારમાં છે. દાદાશ્રી : તે મને કહે છે કે અમને બુદ્ધિથી સમજાય એવું સમજાવો, કે આ જગત આખું નિર્દોષ છે એવું અમારી બુદ્ધિમાં, સમજમાં બેસવું જોઈએ. ત્યારે એવી સમજણ પાડીએ તો બેસેને ? પ્રશ્નકર્તા : બરાબર, પણ હવે બેસતું નથી. પુરાવો અમારે ક્યાં શોધવો? આ અમે બધા બેઠા છીએ અને શુદ્ધાત્મા છે, બસ આ પુરાવો જ છે ને? દાદાશ્રી : ના, પણ વ્યવહારમાં નિર્દોષ છે એવું કેમ કહેવાય ? તમારા બધાથી... પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો નિર્દોષતા કોઈ દહાડો આવતી જ નથી. દાદાશ્રી : ના, એટલે વાત કહું, મને પૂછે છે કે તમને કેવું દેખાય છે ? ત્યારે હું કહું કે ભઈ, શુદ્ધાત્માભાવે બધા, જીવમાત્ર શુદ્ધાત્મા જ છે એવું મને નિશ્ચયથી શુદ્ધ જ દેખાય છે. ત્યારે કહે, વ્યવહારથી કેવું દેખાય છે ? ત્યારે મેં કહ્યું, વ્યવહારથી નિર્દોષ દેખાય છે. ત્યારે કહે, નિર્દોષ તમને દેખાય ને અમને કેમ ના દેખાય ? બુદ્ધિથી અમને સમજાય એવું સમજાવો થોડું ઘણું. ત્યારે મારે એને સમજાવવું પડ્યું. શું સમજાવ્યું મેં કે જીવમાત્ર ઉદયસ્વરૂપથી ચાલે છે. આ જીવ જન્મે છે ત્યાંથી મરતાં સુધી ઉદયસ્વરૂપ જ એને ચલાવે છે અને જે જે ક્રિયા કરે છે તે ઉદયસ્વરૂપ એની પાસે કરાવડાવે છે. માટે ખરી રીતે એ દોષિત છે નહીં. સમજાય એવી વાત છે ? પ્રશ્નકર્તા : હા, ખરી રીતે એ દોષિત નથી, પરંતુ ઉદય પ્રમાણે જ ફેરફાર થયા કરે છે. કર્મના ઉદય જ એને અત્યારે ગુનો કરાવડાવે છે. પણ એ ખરેખર તો એ કરતો નથી એટલે ગુનેગાર નથી ! દાદાશ્રી : ખરી રીતે દોષિત નથી એ, કારણ કે ઉદય સ્વરૂપ એને કરાવડાવે છે. આ લોકો તો ભ્રાંતિથી પેલાનો દોષ ખોળી કાઢે છે કે ના, એ જ કરે છે. અને તમે કહો ને કે એ નથી કરતો, વ્યવસ્થિત કરે છે. કોઈ ‘આ કરે છે’ તેમ કહેવું, તે ગુનો છે. કોઈ ‘આ નથી કરતો’ તે કહેવું, તેય ગુનો છે. અને ‘હું કરું (પા.૬) છું’ તેમ બોલવું તેય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને કહે છે, આણે આમ કર્યું. લોકોએ ‘કર્તા-થિયરી’ જોઈ છે પણ ‘કર્મ-થિયરી’ જોઈ નથી. નગીનભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે ‘કર્તા-થિયરી’! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ ‘કર્મ-થિયરી’. કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય. વ્યવસ્થિતની આજ્ઞાએ ભાળવું નિર્દોષ (મહાવીર ભગવાનને) નિર્દોષ દેખાતું’તું બધું. દુનિયા બધી નિર્દોષ દેખાતી’તી. કાનમાં ખીલ્લા મારતો’તોને, તે ઘડીએ આમ જોયું તો ત્યાં નિર્દોષ દેખાતો’તો એ. હા, તદ્દન નિર્દોષ દેખાતો’તો. ફક્ત મનમાં કરુણા ઉપજી કે બળ્યું જેને જોવાથી, જેના દર્શન કરવાથી મોક્ષ થાય, તેને ખીલા મારવાથી આની શી દશા થશે? એવી કરુણા ઉત્પન્ન થઈ. બાકી નિર્દોષ દેખાતો’તો. મેં તમને (એવી) નિર્દોષ દ્રષ્ટિ આપી છે પણ હવે તમે જુઓ તો તમારી. મેં કહ્યું છે કે વ્યવસ્થિત કર્તા છે. એટલે સામો ગજવું કાપે તોય વ્યવસ્થિતે કાપ્યુંને? ગાળ ભાંડે તોય વ્યવસ્થિતે ભાંડીને? પછી તમારે નિર્દોષ જ દેખાયને બધું. નથી આપ્યું નિર્દોષ જ્ઞાન ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : નિર્દોષ છે બધું. દાદાશ્રી : નિર્દોષ જ દેખાય એવું જ્ઞાન આપ્યું છે. નિર્દોષ દેખાયું, એક અવતાર નિર્દોષ દેખાયું, એક અવતાર નહીં, ચાર વર્ષ નિર્દોષ દેખાયને તોય ઉકેલ આવી ગયો. દોષિત છે જ નહીં કોઈ ખરેખર. આ જે દોષિત દેખાય છે તે જ ભ્રાંતિ છે. વેપારી માલ તોલી આપે અને ઘરાક પૈસા આપે એમાં કોણ દોષિત ? કોઈ નહીં દોષિત. સરખે સરખો માલ તોલે અને સરખે સરખા પૈસા આપે એમાં કોઈ દોષિત ગણાતું નથી, એવું આ છે. ઘરાક ને વેપારી જેવો સંબંધ છે. ગજવું કાપનારો અને જેનું ગજવું કપાયું છે તે બેઉ ઘરાક-વેપારી જેવા સંબંધ છે, હિસાબસર બધુંય. આ ગજવામાં પાંચસો હોય અને આ ગજવામાં બે હજાર હોય તો બે હજારનું કપાય તો આપણે જાણવું કે આ ગજવું કેમ ના કપાયું? હિસાબ. બધું વ્યવસ્થિત છે. છે કંઈ હવે ચિંતા કરવા જેવું કશુંય ? વ્યવસ્થિત છે પછી શું ભાંજગડ ? સાયન્ટિફિક સમજ, નિર્દોષ તણી તને દોષિત લાગે છે કે કોઈ હવે ? પ્રશ્નકર્તા : દોષિત કોઈ નથી પણ પાછો તરત જ ખ્યાલ પણ આવે કે ભૂલ થાય છે એમ. એટલે પછી માંડવાળ જેવું થાય, બીજું કશું નહીં. દાદાશ્રી : માંડવાળ એટલે તો તમારે બસ થઈ ગયું કહેવાય ! પણ સાયન્ટિફિક હોવું જોઈએ. માંડવાળ કરેલું હોય તે તો પછી કાલે ફરી ઊભું કરે. માંડવાળ તમને સમજ પડીને ? કેટલાક જણના દોષ દેખાય છે ? બે-ચાર જણના દેખાય છે કે વધારે ? પ્રશ્નકર્તા : હા, બસ એટલા જ. દાદાશ્રી : હવે ખરેખર દોષ દેખો છો ? પ્રશ્નકર્તા : એટલે પાછળથી ખ્યાલ આવે છે કે આ ખોટું થાય છે. દાદાશ્રી : શાથી ખોટું થાય છે ? ખોટું કેમ છે ? દોષ કરતો નથી એ માણસ ? પ્રશ્નકર્તા : એ તો નથી કરતો. આપણું જ રિફ્લેક્શન છે ને ! આપણો જ આયનો છે સામો માણસ તો ! દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એટલે પછી લાગે કે આમાં એની તો કેટલી ભૂલ છે ! આપણે જેવું મોઢું કરીએ એવું ત્યાં દેખાય. દાદાશ્રી : હા, એ બરોબર છે. આયના કરતા બીજી વાત કરીએ આપણે. વાત કાયદેસરની હોવી જોઈએ. કોર્ટવાળાય કબૂલ કરે એવી હોવી જોઈએ. અજ્ઞાની માણસેય કબૂલ કરે. એટલે શુદ્ધાત્મા તો (પા.૭) સામાનામાં છે એ નક્કી થઈ ગયું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ. પ્રશ્નકર્તા : હા, નક્કી થઈ ગયું. દાદાશ્રી : અને રિલેટિવમાં તો દોષ દેખાય છે ને? પ્રશ્નકર્તા : હા, રિલેટિવમાં. દાદાશ્રી : હવે રિલેટિવ જે છે ને તે કર્માધીન છે માટે નિર્દોષ છે. બધા જીવ માત્ર કર્માધીન છે. જ્ઞાની પણ કર્મને આધીન છે માટે નિર્દોષ છે. એટલે આ અમારી દ્રષ્ટિ કઈ કે અમે શુદ્ધાત્મા જોઈએ અને બહારનો છે તે અમને ગાળો દેતો હોયને તોય એ કર્માધીન દે છે, માટે નિર્દોષ છે. એટલે અમે નિર્દોષને નિહાળીએ, જોઈએ નહીં. શુદ્ધાત્મા જોઈએ અને નિર્દોષને નિહાળીએ અને તે પાછું કાયદેસર છે આ વાત. અનુભવનો પ્રયોગ કરી જોજો એટલે દોષિત ખરી રીતે તો ના દેખાવો જોઈએને! દોષિત દેખાય છે તે આપણી ભૂલને લઈને દેખાય છે ને ? પ્રશ્નકર્તા : હા, આપણી ભૂલને લઈને. દાદાશ્રી : આપણા જ્ઞાનની કચાશ છે માટે દોષિત દેખાય છે. કોઈ દોષિત છે જ નહીં આ જગતમાં. દોષિત આપણે એકલા જ છીએ. જે ભોગવે એની ભૂલ. તમારે ભોગવવું પડે છે તમારી ભૂલ. બાકી કોઈ દોષિત છે નહીં. અને નિર્દોષ જોશો કે તરત જ મહીં શાંતિ થઈ જશે. કોઈપણ માણસને સહેજેય દોષિત જોશો તો મહીં અશાંતિ ઊભી થશે. આ અનુભવનો પ્રયોગ ના કર્યો હોય તો કરી જોજો. તમારે અનુભવ થયેલો એવો ? કોઈને દોષિત જોયા પછી ઉપાધિ થાય ? બહુ ઉપાધિ થાય. નિર્દોષ નિહાળવાનું દાદાએ આમ કહ્યું છે કે રિયલી શુદ્ધાત્મા છે એટલું તમારે એક્સેપ્ટ થઈ ગયેલું છે. બહારની વાત એક્સેપ્ટ થતી (નથી), કચાશ થઈ જાય છે તો તમને દુઃખ થાય છે પણ ખરી રીતે બહારનું જે છે રિલેટિવ એ કર્માધીન હોવાથી નિર્દોષ છે. એના હાથમાં નથી ને, બિચારો ગાળો દઈ દેતો હોય તો ! એને ખબરેય નથી કે આ કોણ જવાબદારી બાંધી રહ્યું છે ! પણ તેમાં આપણે શું કરવા મૂરખ બનીએ ? એક તો ગાળો ખઈએ અને પાછા મૂરખ બનીએ બે કામ થાય, નુકસાન જાય. એમની ગાળો એકલી ખાવી સારી. બે નુકસાન ના ખાવને ? પણ નિર્દોષ જોઈએ એટલે આપણને મહીં અંદર આનંદ ફર્સ્ટક્લાસ. નિર્દોષ જોવાનું નહીં, નિર્દોષ નિહાળવાનું. પ્રશ્નકર્તા : નિર્દોષ નિહાળવાનું. દાદાશ્રી : અને આ શુદ્ધાત્મા જોવાના. અમારી રીત કેવી ડહાપણવાળી હોય ! એવી રીત તમે પકડી લો તો તમારું કામ થઈ જાય. કહે છે કે આ હું જોઉં છું, આ હું જોઉં છું એ તો બુદ્ધિ, આ તો બુદ્ધિજ્ઞાનથી જોવાય છે. જોવાનું આત્માથી હોવું જોઈએ અને બીજું બધું નિહાળવાનું કહેવાય. બુદ્ધિથી જે દેખાય છે એ તો નિહાળવાનું કહેવાય. બુદ્ધિથી જોવાનું કહીએ તો બહાર બુદ્ધિવાળા થઈ જઈએ. નિહાળવાનું, આ જગત નિહાળવાનું છે. ફરક, જોવામાં અને નિહાળવામાં અમને કોઈ કહેશે કે તમારી પાછળ આમ બોલતા હતા, ત્યારે મેં કહ્યું, બોલે બા. એ મારો ઉદય સ્વરૂપ છે અને એનોય ઉદય સ્વરૂપ બિચારાનો. અને ઉદય સ્વરૂપ એને અમે નિહાળીએ. અમે જગતને, બધા જીવમાત્રને શુદ્ધ સ્વરૂપે જ જોઈએ. તમે જુઓ છો એમ અમે પણ જોઈએ અને પ્રકૃતિને ઉદય સ્વરૂપ રીતે નિહાળીએ. એકને જોઈએ અને એકને નિહાળીએ. અને કોઈ દોષિત છે નહીં, નિર્દોષ છે જગત. પ્રશ્નકર્તા : આપે કહ્યુંને એકને અમે જોઈએ (પા.૮) અને એકને નિહાળીએ એ સમજાયું નહીં. એ નિહાળીએ અને જોઈએમાં શું ફરક? દાદાશ્રી : આ આત્માથી જોઈએ, અમે દ્રશ્યને દ્રષ્ટા તરીકે જોઈએ. આત્માથી આત્મા જોઈએ અને આ દેહદ્રષ્ટિથી ઉદય સ્વરૂપને નિહાળીએ કે કો’કને ગાળો ભાંડે છે એ એનું ઉદય સ્વરૂપ છે, એમાં દોષ નથી આજે. હા, સામો એ મૂળ શુદ્ધાત્મા સ્વરૂપ છે, રિયલી. અને રિલેટિવમાં નિર્દોષ સ્વરૂપ છે. કેમ કે જીવમાત્ર કર્માધીન છે માટે નિર્દોષ છે. કર્માધીન હોવાથી નિર્દોષ છે એ જો જ્ઞાન હાજર રહ્યું પછી વાંધો શું રહે ? એ ગાળો ભાંડતો હોય તોય આપણને એ જ્ઞાન દેખાવું જોઈએ કે કર્માધીન બિચારો બોલ્યા કરે છે. એમાં એ નિર્દોષ છે. એટલે આપણે નિર્દોષતા એની નિહાળવી જોઈએ. શુદ્ધાત્મા જોવો પડે. કંઈ વાંધો આવે એવો છે એમાં ? પ્રશ્નકર્તા : ના જી. દાદાશ્રી : કર્માધીન છે એવી આપણે ગોઠવેલી બાજી નથી ને ? વાત સાચી જ છે ને એક્ઝેક્ટલી છે ને? પ્રશ્નકર્તા : હા, એક્ઝેક્ટલી છે. દાદાશ્રી : કાયદેસર જ છે ને ? તો પછી એ કર્માધીન બિચારો બોલી રહ્યો છે. એ એને પોતાને સ્વાધીનતા છે નહીં. તો પછી એને, શાના માટે આ બધું જોખમ લો છો તમે ? તો થયું જ્ઞાન સિદ્ધ પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જગતને દોષિત જોવું નહીં, પણ જગત દોષિત તો છે જ નહીં, એ તો સંજોગોને આધીન છે, તો પછી એને જોવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય ? દાદાશ્રી : ના, જુએ છે ને, લોકો દોષિત દેખે છે ને ? એવી રીતે નિર્દોષ જુઓ એને. જગત દોષિત તો છે એવું લોકોને દેખાય છે. પ્રશ્નકર્તા : પણ ત્યાં જોવાનું શું ? ઊભું કેવી રીતે થયું ? દાદાશ્રી : નિર્દોષ જુઓ. પ્રશ્નકર્તા : દોષિત તો જગત છે જ નહીં, કારણ કે સંજોગોને આધીન છે. દાદાશ્રી : એક જણ માછલા પકડતો હોય તે એનેય નિર્દોષ જુઓ ને માછલાનેય નિર્દોષ જુઓ. આપણને ધોલ કોઈ મારતો હોય તે ઘડીએ સામો દોષિત ન દેખાય, નિર્દોષ દેખાય ત્યારે સાચું. એટલા સારું જ નિર્દોષ જોવાનું કહીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી દોષિત જ ન્હોય. નિર્દોષ જોવાનું રહેને ? દાદાશ્રી : રિલેટિવ એટલે જગત. જગતનો અર્થ જ રિલેટિવ. તે આ બધું રિલેટિવ છે ને, હજુ ક્યાં રિયલ થઈ ગયા છે? રિયલ તો આપણે શ્રદ્ધામાં બેઠું હજુ. રિયાલિટિ ધીમે ધીમે ઉત્પન્ન થાય છે. એટલે બધું રિલેટિવ જ છે. એટલે આપણને ધોલ મારતો હોય તે આપણને એ નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે આપણું જ્ઞાન સિદ્ધ થયું છે આટલું. જેટલું સિદ્ધ થાય એટલો એ પોતે છૂટ્યો. ધોલ મારતી વખતે જુદું. ગજવું કાપતો હોય તોય નિર્દોષ દેખાય. જેમ ભગવાન મહાવીરને એવું દેખાતું હતું, તમને જો એવું દેખાય તો મહાવીર થઈ જવાના! આખું જગત લોકોને જ દોષ આપે છે આવી રીતે, દેખે એને કહે કે આણે મને આમ કર્યું, આણે મને આમ કર્યું, આણે મને આમ કર્યું. કોઈ દોષિત છે જ નહીં. આ જે (દોષિત) દેખાય છે ને, તે ભ્રાંતિથી દેખાય છે. પોતે જો વિચાર કરે તો મારા કર્મના ઉદયે જ આ મને ગાળ ભાંડે છે પણ એ ભૂલી જાય છે એ વખતે. એટલે એનો દોષ દેખાવાનો. દોષ દ્રષ્ટિ નીકળી જાય તો નિર્દોષ દેખાય કોઇએ આપણને ગાળ દીધી હોય તો આપણે (પા.૯) કહીએ કે તે મને ગાળ કેમ દીધી ? તો આપણું અજ્ઞાન છે. એને કર્તા ઠરાવો છો ? ગાળ દીધી એ, ગાળનો કર્તા છે એ ? એ ઠરાવો માટે અજ્ઞાન તમારું છે. એને તો અજ્ઞાન હશે કે નહીં હોય તેની ખાતરી નથી અને અજ્ઞાન ના પણ હોય. ગાળ દેનારનું અજ્ઞાન ન પણ હોય, પણ ગાળ સાંભળનારનું અજ્ઞાન હોય. એ એમ કહે કે તમે કેમ મને ગાળ દીધી એમ. પ્રશ્નકર્તા : સામાને નિર્દોષ જ જોવો પડે ને ? દાદાશ્રી : છે જ નિર્દોષ. અમે કહીએ છીએ, કે આખા વર્લ્ડના જીવમાત્ર નિર્દોષ જ છે. તારા દોષે કરીને દોષિત દેખાય છે. તારે દ્રષ્ટિ દોષ છે, દર્શનનો દોષ છે. દર્શનનો દોષ નીકળી જાય એટલે નિર્દોષ જ દેખાય. શરીરના દોષનો વાંધો નહીં. આ તમે કો’કને ધોલ મારો તેનો વાંધો નથી, દ્રષ્ટિનો દોષ છે તેનો વાંધો છે. તમે ધોલ મારો એ દ્રષ્ટિનો દોષ નથી. એ તો એક-એક મિકેનિકલ ક્રિયા છે અને તેને જગતે એક્સેપ્ટ કરી દીધું છે કે આ આચાર જ મુખ્ય વસ્તુ છે. અલ્યા, મિકેનિકલ ક્રિયાને શું આચાર કહો છો તે ? ધોલ તો ના મારવી હોય તોય મારી દેવાય કે ના મારી દેવાય ? પછી પસ્તાવો કરે કે મારે નહોતી મારવી તોયે મરાય ગઈ, એ મિકેનિકલ ક્રિયા છે. એટલે દ્રષ્ટિનો દોષ ના રહેવો જોઇએ. આ દોષ મિકેનિકલ દોષ રહે, વર્તનમાં દોષનો વાંધો નથી પણ દ્રષ્ટિ દોષ ના રહેવો જોઇએ. એથી અમે કહ્યું ને, વર્તન તો બધું ડિસ્ચાર્જ છે. દ્રષ્ટિ દોષ ન રહેવો જોઇએ, તેં મને કેમ નુકસાન કર્યું ? ત્યાંથી આપણે જાણીએ કે આનામાં હજી દ્રષ્ટિ દોષ ગયો નથી. હવે એને દષ્ટિ દોષ ના ગયો હોય, તો એને પાછો હું કહું કે તું આવું કેમ બોલ્યો ? એટલે મારો દ્રષ્ટિ દોષ ગયો નથી. એટલે હું બોલું જ નહીં ને ! પેલાએ તો દ્રષ્ટિનો દોષ એનો દેખાડ્યો પણ પાછું એને મારો દેખાડું, દ્રષ્ટિનો દોષ ? આ સમજાય એવી વાત છે ? એટલે આ તમે કર્યું એમ તો બોલાય જ નહીં. આપણું વિજ્ઞાન ના પાડે છે. બીજું બધું વિજ્ઞાન ગમે તે કહે ! અધકચરું ખરું છેવાડે, કે એ પોતે નથી કર્તા છતાં સામાને કર્તા ઠરાવે છે એ. પણ પોતે કર્તા ઠરે છે આનાથી, સાયન્ટિફિકલી રીતે. સામાને કર્તા ઠરાવો તો સાયન્ટિફિક રીતે પોતે કર્તા જ ઠરે છે. પ્રશ્નકર્તા : પોતે કર્તા નથી અને સામોય કર્તા નથી, એવું જ્યારે બેસી જાય. દાદાશ્રી : હું, તું ને તે, કર્તા નથી. કરોમિ, કરોસિ ને કરોતિ આપણા વિજ્ઞાનમાં છે નહીં. પછી ડ્રામેટિકલી બધી વાત બોલવાની. તમે કેમ આમ બગાડ્યું એમ તેમ બધું ડ્રામેટિકલ. ‘મને તાવ આવ્યો છે’ એવું બોલાય પણ મને જ તાવ આવ્યો છે, એવું વાક્ય ના હોવું જોઇએ. બધાં ડ્રામેટિકલી બોલ હોવા જોઇએ. પ્રશ્નકર્તા : પણ દાદા, ડ્રામેટિકલી બોલતી વખતે અંદર તો સજાગ હોય છે કે આ બધો ડ્રામા ચાલે છે. દાદાશ્રી : ડ્રામા ચાલે છે જ. એને પોતાને ખબર પડે. ડ્રામા જોઇ શકે એવો આત્મા આપ્યો છે, પણ છતાં પોતાની કચાશને લઇને તન્મયાકાર કરી નાખે છે. છતાંય એક ફેરો વલોવ્યા પછી, એક ફેરો દહીંને વલોવી અને માખણ કાઢ્યા પછી છાશમાં પાછું માખણ નાખીને વલોવ વલોવ કરે તોય છાશ ને માખણ એક ના થાય. છાશને વલોવ વલોવ કરીને, છાશ ને માખણ એક થઇ જાય ? તે પેઠા પૂર્ણજ્ઞાનના દરવાજામાં પૂર્ણજ્ઞાનના દરવાજામાં પેઠા ક્યારે માલમ પડે? કે જ્યારે બીજો ગાળો ભાંડતો હોય ને એને જ્ઞાનમાં એવું દેખાય કે એ શુદ્ધાત્મા છે, આ છે તે વ્યવસ્થિત કરે છે. એવું જ્ઞાનમાં દેખાય ને નિર્દોષતા દેખાય. ગાળો દે છતાં નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે હવે દરવાજામાં પેઠા, પૂર્ણ જ્ઞાનના દરવાજામાં. બીજું તો પછી આગળેય દોઢ-બે માઈલ લાંબું છે. નિજદોષ દેખે, શરૂઆત નિર્દોષતાની પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પોતે નિર્દોષ થાય ત્યાર (પા.૧૦) પછી જગત નિર્દોષ દેખાય. એવું ના થઈ શકે કે જ્યારે બધા નિર્દોષ દેખાય ત્યારે પોતે નિર્દોષ થાય ? દાદાશ્રી : એવું કોઈ દહાડો ના થાય. બહારનો નિર્દોષ થાય નહીં ને દહાડો વળે નહીં. પ્રશ્નકર્તા : નિર્દોષ દેખાય, નિર્દોષ થાય નહીં. પોતાને બીજો નિર્દોષ દેખાય, આપણને બીજા માણસ નિર્દોષ દેખાય ત્યારે આપણા દોષ દેખાય ? દાદાશ્રી : હા, એટલે (પોતાના) દોષ દેખાય, એ શરૂઆત થાય. પ્રશ્નકર્તા : શરૂઆત થાય પછી દોષ આપણા ધોવાઈ જાય ? દાદાશ્રી : પછી પોતે નિર્દોષ થયો એટલે પછી બીજો તો નિર્દોષ છે જ. બુદ્ધિ વગરનો થઈ જાય. પહેલી શરૂઆત થઈ ગઈ હવે. બીજો નિર્દોષ દેખાય ત્યારે આપણને આપણો દોષ દેખાય. એમ કરતા કરતા જગત આખું નિર્દોષ દેખાવાની શરૂઆત થઈ. દોષિત દેખાડનાર આપણા જ દોષો પ્રશ્નકર્તા : પછી આપણને જગત આખું નિર્દોષ ક્યારે દેખાય, જ્યારે આપણે નિર્દોષ થયા હોય તો ? દાદાશ્રી : નિર્દોષ થયા હોય તો. આપણે શું કાઢીએ તો ? પ્રશ્નકર્તા : દોષો જે આપણામાં છે એ બધા વીણી કાઢીએ આપણે તો. આપણને ખ્યાલ આવે કે આ જગત નિર્દોષ છે કે દોષિત છે. દાદાશ્રી : હા, એટલે આપણા દોષને લઈ, આપણા દોષો જ દેખાડે છે કે આ દોષિત છે. આપણામાં જ્યારે દોષ નહીં હોય ત્યારે દોષિત કોઈ દેખાશે જ નહીં. દેખાડનારા આપણા દોષો જ છે. એટલે મને નથી દેખાડતા. એટલે મને લાગ્યું કે જગત નિર્દોષ છે. અને હું તમને કહું છું પહેલેથી કે જવાબ જાણી રાખો તો સારું, કારણ કે ગણતા ગણતા પણ હિસાબ જવાબ ભણી જાય છે. તે જાણવું કે હવે આવી ગયું, નજીકનું. એટલે અમે તમને જવાબ પહેલેથી કહી રાખીએ કે જગત નિર્દોષ છે. એટલે તમારે કોઈ જગ્યાએ ન્યાય કરવા બેસો અને ન્યાય નથી કરવાનો. ન્યાય શાને ? ન્યાયમાં તો એક જણને દોષિત ઠરાવશો. છતાંય વ્યવહારનો ન્યાય કરવો હોય તો કરવો પણ મનમાં સમજી જવું કે જગત નિર્દોષ છે. બધું આપણા દોષથી દોષિત છે. બધું આપણા દોષે બંધન છે. જ્યારે ભ્રાંતિથી શું સમજાયું કે આ લોકોય મને દુઃખ દે છે, એટલું જ ફેર. એટલે ખરેખર પઝલ (કોયડો) છે. કોયડો થઈ ગયો છે, એ આમ એવો ગૂઢ કોયડો થયો છે કે આ ઉકલે જ નહીં. પ્રશ્નકર્તા : દાદા, એક વાક્ય આપનું છે આપ્તવાણીમાં, ‘પોતે દોષિત હોવાથી સામાનામાં પોતાનો દોષ દેખાયછે પણ પોતાનામાં જે દોષ છે તે સામાનામાં જુએ છે’, એ જરાક સમજાવો. દાદાશ્રી : હા, એ કષાયો દેખાડે. એ તો પોતાના કષાયો બીજાને દોષિત દેખાડે છે. પ્રશ્નકર્તા : એટલે એ કેવી રીતે ? દાદાશ્રી : પોતાના કષાયો બીજાના દોષ દેખાડે છે. ખરેખર એ દોષ છે નહીં, પણ કષાયો ઉશ્કેરે છે આપણને, કે જુઓ પેલાએ આવું કર્યું, પેલાએ આમ કર્યું. પણ કષાયો એ એમ નથી કહેવા દેતા કે એણે કેમ એમ કર્યું ? એનું મૂળ કારણ ક્યાં આગળ તે જડવા જ નહીં દેતા. મૂળ કારણ આપણે જ છીએ. કોઝિઝ આપણા છે તેનું આ પરિણામ છે. આ સામો કરે છે એ તો બધા પરિણામ છે ને પરિણામને આ ગુનેગાર છે, એવું કહે છે કષાયો. પ્રશ્નકર્તા : પોતાનો દોષ એટલે પોતે અહંકારી હોય તો સામાનો અહંકાર લાગે. મારામાં ક્રોધ હોય તો સામાનો ક્રોધ લાગે. મારામાં લોભ હોય એ સામાનો લોભ લાગે એમ ? દાદાશ્રી : એ તો સ્વાભાવિક વસ્તુ છે. (પા.૧૧) પોતપોતાના દોષો જે હોય ને, એ પેલાને દોષો પોતાનામાં જેવું જીવતું હોય... પ્રશ્નકર્તા : મારામાં નથી એમ અને એનામાં છે ? દાદાશ્રી : પોતે ચોર હોય તો પેલાને ચોર લાગ્યા કરે બધા. પ્રશ્નકર્તા : એ કેવી રીતે પણ ? દાદાશ્રી : એ તો એક વ્યવહારિક વસ્તુ છે, એ ખરેખર એક્ઝેક્ટલી નથી વસ્તુ. કેટલાકને તો પોતે ચોર ના હોય છતાં બીજા ચોર લાગતા હોય. એટલે એ તો વ્યવહારિક વસ્તુ છે પણ ખરેખર એનો પડઘો પડે છે. પ્રશ્નકર્તા : પડઘો ખરોને ? દાદાશ્રી : પડઘો પડે છે. એ જો પોતામાં દોષ હોય તો જ પેલા સામાનો દોષ દેખાય, એવો પડઘો પડે છે. એ વાત સાચી છે પણ બુદ્ધિશાળીઓ ફેરવીય નાખે છે. પ્રશ્નકર્તા : હા, એ બને. તે અમે એક લોજમાં જમવા ગયા હતા. પછી અમારા એક મિત્ર હતા એ જમ્યા પછી એ બહાર નીકળ્યા એટલે કહે છે કે આ લોજના માલિકને અહંકાર બહુ છે. આ લોજ બરાબર નથી, માલિક બરાબર નથી. અમારા એ મિત્ર હતા, એનેય અહંકાર બહુ હતો. એટલે એનો અહંકાર પેલાએ સંતોષ્યો નહીં, એટલે એ કહે કે પેલાનામાં અહંકાર બહુ છે. એટલે મેં કીધું કે તમારો બરાબર ભાવ ના પૂછયો, આપ શાક લેશો! કે દાળ લેશો એટલે ? (અપમાન થવાથી સામાનું નેગેટિવ જુએ છે.) દાદાશ્રી : એ તો સામાનો દોષ જુએ. જ્ઞાનીનામાં દોષ પોતાનામાં નથી એટલે દોષ કોઈનામાં દેખાય નહીં. કારણ કે એ જે ગાળ ભાંડે છે એ એનો દોષ નથી, એ તો પરિણામ છે. પરિણામ કહો કોનું ? ત્યારે કહે, આપણું પરિણામ છેએ. એનું કોઝિઝ હોય એ અને આપણું પરિણામ હોય. પ્રશ્નકર્તા : તે દેખાવું જોઈએ ને કે હા, આપણું પરિણામ છે એમ. એ એમ દેખાતું નથી. દાદાશ્રી : દેખાય શી રીતે ? તે એવું એ કષાયો દેખવા ના દે ને ! પ્રશ્નકર્તા : હા, એ તો એમ જ લાગે કે એ જ દોષિત છે. દાદાશ્રી : એટલે આ જ્ઞાન હોય તો પરિણામ દેખવા દે. તે ઘડીએ આપણું જ્ઞાન હાજર થાય કે નુકસાન કોણે કર્યું ? ત્યારે કહે, વ્યવસ્થિત કર્યું! વ્યવસ્થિતે કેમ કર્યું ? ત્યારે કહે, મારો હિસાબ હશે તે ચૂકવ્યો ને પેલો તો નિમિત્ત છે! જગત ચાલી રહ્યું કાયદેસર નહીં તો સાબિત થવું જોઈએ કે ભઈ, તમારા જ કર્મનો ઉદય છે. એવી સમજણ હોવી જોઈએ એને ! અત્યારે જ મને કોઈ ધોલ મારે તો તરત જ હું તો તેને આશીર્વાદ આપું. એનું શું કારણ કે એ ધોલ મારે છે? આ દુનિયામાં કોઈ ધોલ મારી શકે જ નહીં. એવું પહેલા તો મેં ઈનામ કાઢ્યું’તું. આજથી ત્રીસેક વરસ ઉપર ઈનામ કાઢ્યું’તું કે મને કોઈપણ માણસ ધોલ મારશે એને પાંચસો રૂપિયા રોકડા આપીશ, (સાલ ૧૯૫૦-૫૫ના સમયમાં) પણ કોઈ ધોલ મારનાર નીકળ્યો નહીં. કોઈ દુઃખી હોય કે ભઈ, દુઃખનો માર્યો તું મારવા આવજે, ઉછીના ખોળવા જાય એ કરતા મારીને આ લઈ જાને. તો કહે, ના ભઈ, એ ઉછીના ખોળવા સારા પણ તમને ધોલ મારું પછી મારી શી દશા થાય ? આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે, સ્ટ્રોંગ કાયદેસર. ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર. ભગવાનની હાજરીથી ચાલે છે આ. ભગવાનની હાજરીથી સ્ટ્રોંગ કાયદેસર ચાલે. એટલે આ કોઈ પણ તમારી જોડે દોષ કરેને તો તમારો જ પડઘો છે એ. (પા.૧૨) દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને આખું જગત, બસ જીવમાત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે. ત્યાં શોધવી ભૂલ આપણી પ્રશ્નકર્તા : બીજાના પર દોષારોપણ કરીએ, આરોપ મૂકીએ તો એ બંધન ખરું કે નહીં ? આપણે કહીએ કે આ સાલો કપટી છે. દાદાશ્રી : છે નહીં. છે નહીં ને આરોપણ કરીએ તો વધારે જોખમ બધું. દોષ તો નહીં, જોખમ બધું. એ જોખમને લઈને તો આ બધા ગાયો-ભેંસો બધું છે ને ! જોખમ ના હોય તો ગાયો-ભેંસો હોય જ નહીંને ! પછી અહીં આગળ દુનિયા શી રીતે ચાલે ? આ ગધેડા કંઈથી લઈ આવે લોક ? પ્રશ્નકર્તા : કોઈ નિર્દોષ ઉપર આપણે દોષ મૂકીએ, આરોપ મૂકીએ તો પરિણામ શું ? દાદાશ્રી : તો વધારે જોખમ, સામાના દોષ લાગે ત્યારે આપણે સમજવું કે મારી એમાં શી ભૂલ રહી ગઈ છે તે આ દોષ દેખાય છે. એટલે આપણી ભૂલ જડે આપણને. એ ઉપરથી આપણી ભૂલ રહી છે એવું જડે. દોષિત દ્રષ્ટિ કરાવે શંકા આપણું જ્ઞાન એવું કહે છે, કોઈ દોષિત છે નહીં. તેને દોષિત દેખાડે છે તે આપણું અજ્ઞાન છે. કોઈ કર્તા જ છે નહીં ને કર્તા માનીએ છીએ તે ગુનો છે. કો’કને એ આવું કરે છે ને એણે આમ કર્યું ને તેમ કર્યું, એ કર્તા જ નથી બિચારો. સામાને કર્તા માન્યો એટલે આપણે આત્મા શુદ્ધ માનતા જ નથી. પ્રશ્નકર્તા : આ નિર્દોષ દ્રષ્ટિ મને ઘણીવાર આ ખ્યાલમાં આવે છે કે આ નિર્દોષ જોવાનું છે. એમાં હું ઘણીવાર કાચો પડી જઉં છું. પાછળથી ખ્યાલ આવે પણ તે વખતે તો જે પરિણામ ઊભા થાય એમાં કાચો પડી જઉં છું. દાદાશ્રી : એ તો આ સંસારી લોકોને એવું જ થાય છે ને ! એ તો અણસમજણ છે બિચારાની. એટલે હું કર્તા છું ને એય કર્તા છે, એને આ ભૂલ થયેલી છે. તો આપણે એમ કહીએ કે કર્તા હુંય નથી ને એય નથી. અને આ ભૂલ એની નથી. પ્રશ્નકર્તા : તો દાદા, પછી એમાં એવું થાય છે, તે વખતે મહીં એવું બતાવે કે આ વ્યવહારમાં તો વ્યવહારની રીતે કહેવું જ પડેને ! આપણે પૈસા માંગતા હોઈએ એને વ્યવહારની રીતે તો કહેવું જ પડેને કે આ આવો વ્યવહાર ના શોભે, એવું તો કહેવું જ પડેને ? દાદાશ્રી : હા, એવું કહેવાય. વ્યવહાર આવો શોભે નહીં. આવો જોઈએ, આમ તેમ, તે બધું કહેવાય. જેમાં એને દુઃખ થાય એવો વ્યવહાર ના હોય. પ્રશ્નકર્તા : એટલે એને તો પેલા પૈસા આપવાના હોય અને આપણે માંગતા હોય તેને દુઃખ તો થવાનું જ ને? દાદાશ્રી : એ દુઃખની વાત જુદી. આપણા નિમિત્તે વાણી એવી ના નીકળે કે એનો બિચારાનો અહંકાર ભગ્ન થાય. આ જગત આખું નિર્દોષ છે. સામો માણસ કર્માધીન હોય તો એનો શું દોષ ? પ્રશ્નકર્તા : સમજણમાં બેસી ગયું છે કે આ દોષિત નથી પણ જ્યારે પ્રસંગ પડે છે, ત્યારે સહેજ કાચા પડી જવાય છે એટલે. દાદાશ્રી : પાછળ તો પહેલાની ટેવ છે, પહેલાની પ્રેક્ટિસ છે. આક્ષેપો-આરોપો નહીં કરવા, વિચારવાય નહીં, એને માટે વિચારીએ તો આપણું બગડે, આપણામાં અશુદ્ધતા થાય. પ્રશ્નકર્તા : તે મેં કહ્યું કે ત્યાં પૈસા માંગવા જઈશને તો પછી આવી રીતે બહાના કાઢશે. દાદાશ્રી : જો પાછો બોલ્યો, બહાના. બહાના કાઢવાની એની શક્તિ ખરી? આપણા જ્ઞાને તો એવું કહ્યું છે કે કાલે ગજવામાંથી ચોરી ગયો હોય તોય છે તે આજે એની પર શંકા ના કરીશ, યાદ આવે એટલે. (પા.૧૩) કારણ કે કર્મના ઉદય આધીન કાલે એવું થયું પણ આજે ના ય થાય. તમારે બહુ ભય લાગતો હોય તો કોટને જુદો મૂકવો, નીચે મૂકી દેવો, અંદર મૂકી દેવો. અને ભય ના લાગતો હોય તો કોટને રહેવા દોને ! કોઈ લેતો નથી ને લેવાનું કોઈ છોડવાનુંય નથી. એ તો આમના ગયા છે એવું નહીં, બીજાના હઉ જાય. બીજાના નહીં જતા હોય ? પ્રશ્નકર્તા : જાય છે ને ! સામાનો દોષ વિચાર્યો તોય અકલ્યાણ દાદાશ્રી : આપણે કોઈની ભૂલચૂક ગણવી નહીં. એનું નામ સુમેળ રાખ્યો કહેવાય. સામાનો સહેજ દોષ જોયો કે વિચાર્યો તો અકલ્યાણ છે. જોયા તોય અકલ્યાણ ને વિચાર્યો તોય પણ અકલ્યાણ. વિચાર્યો એ તમને એકલાને નુકસાન કરશે અને જોયો તે એ બન્નેને નુકસાન કરે, એનેય નુકસાન કરે ને તમને નુકસાન કરે. ફેર, દોષ જોવામાં ને વિચારવામાં પ્રશ્નકર્તા : એ જોવામાં અને વિચારવામાં ફેર શું રહ્યો ? દાદાશ્રી : ઓહોહોહો ! કંઇ વિચારવું ને કંઇ જોવું ! ભગવાનને જોવા ને ભગવાનને વિચારવા, ફેર નહીં ? કોઇ કહેશે, મેં ભગવાનને જોયા અને કોઇ કહે, મેં વિચાર્યા, એમાં ફેર નહીં ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો કેમ પૂછું છું ? પ્રશ્નકર્તા : વધારે ક્લિયર થાય ને ! દાદાશ્રી : હા પણ જોવામાં તો આપણો દોષ બેઠો એક તો એવું જોયું તે બદલનું. અને પેલાનું જોયું, તેથી એને ડાઘ પડી ગયો. એટલે એને ડાઘ કાઢવો રહ્યો બિચારાને ! એમાં આપણને દોષ બેસે અને વિચારવામાં તો આપણને એકલાને દોષ બેસે, એને શું લેવાદેવા ? એને કશું નહીં. પ્રશ્નકર્તા : નહીં, એટલે કોઇ દાખલા તરીકે કંઇ કહો. દાદાશ્રી : આ દાખલો તો મેં આ કહ્યોને ભગવાનનો ને એમનો. પ્રશ્નકર્તા : નહીં, એટલે સામી વ્યક્તિનો દોષ જોવો અને સામી વ્યક્તિનો દોષ વિચારવો, એ કેવી રીતે હોય છે એમ ? દાદાશ્રી : વિચારવાથી પોતાને એકલાને નુકસાન, કંઇ એની ઉપર નાખ્યું નથી આપણે. આ તો એનું આપણે પૃથક્કરણ કર્યું. એટલે આપણો દોષ સંપૂર્ણ અને દોષ જોયો એટલે એનો પણ દોષ ને આપણો પણ દોષ, બન્ને ભેગા, ઈરાદાપૂર્વક દોષ જોયો એટલે. પ્રશ્નકર્તા : એટલે એ દોષ જોયા પછી જ એના વિચારો આવે ને ! એટલે આ માણસ બરોબર નથી અથવા આણે આવી રીતે ભૂલ કરી છે, તો એવું વિચારવું અને એવું જોવું એ કેવી રીતે એમ ફેર પડે છે ? દાદાશ્રી : વિચારવાનું તો જોયું ના હોય તોય વિચારવાનું આવે એનું નામ વિચારવું કહેવાય. જોયા પછી વિચારવું એનું નામ વિચારવું ના કહેવાય. પ્રશ્નકર્તા : એ જોયું જ કહેવાય ? દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : ના, એટલે એમાં સામાને ચોંટી જવું એ કહ્યું ને, કે જોવાથી સામાને પણ નુકસાન થયું અને પોતાને પણ નુકસાન થયું. દાદાશ્રી : જોયું માટે. પ્રશ્નકર્તા : પણ જોયું તો પોતે ? દાદાશ્રી : હા, જોયું એટલે એનું જે છે, જે દોષ છે, એ મજબૂત થયો. પ્રશ્નકર્તા : પણ એમાં સામાને એ કેવી રીતે પહોંચ્યું ? (પા.૧૪) દાદાશ્રી : સામાને એ અસર થઈને મજબૂત થયો ને, આપણે જોયું એટલે. પ્રશ્નકર્તા : એક દોષનો પ્રસંગ એવું કંઇક દાખલો આપોને ! દાદાશ્રી : શું અત્યારે તરત ને તરત દાખલો આપું તે ? પ્રશ્નકર્તા : ના પણ આમાં કંઇ વિચારવું અને જોવું બે વસ્તુ જુદી જ છે. દાદાશ્રી : જોવું એ પ્રત્યક્ષ થવું કહેવાય અને વિચારવું અપ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં બન્નેનો દોષ થાય. પેલાને દોષ થયેલો છે એ દેખાય છે અને દોષ વિચારવો એ તો આપણને દેખાતો નથી. એ તો આપણી ભૂલ છે. પેલો દોષ દેખાય ત્યારે દોષિત જુએ ને! પ્રશ્નકર્તા : હં. દાદાશ્રી : એ દોષ એનો નિબિડ (મજબૂત) થાય તે ઘડીએ. દેખાય એટલે એને ચેતવણી આપવી જોઇએ કે આ તમારો દોષ છે, નહીં તો નિબિડ થાય. આ તો તીર્થંકરોના બહુ ઝીણા ઝીણા કાયદા. તને ગમે છે આ તીર્થંકર મત ? પ્રશ્નકર્તા : એ જ માન્ય છે ને ! એ જ સર્વસ્વ માન્ય છે. વ્યવહાર જ્ઞાનથી દોષિત, નિશ્ચય જ્ઞાનથી નિર્દોષ પ્રશ્નકર્તા : દોષ દેખાવો એનાથી જે કહ્યું કે એનો દોષ મજબૂત થશે, તો દોષિત દેખાતું હોય છતાં જ્ઞાને કરીને એ નિર્દોષ ઠરાવે છે ? દાદાશ્રી : જ્ઞાને કરીને નિર્દોષ ઠરાવે તેથી કંઇ દોષ જતો રહેતો નથી વ્યવહારમાં. એ તો નિશ્ચય જ્ઞાનથી દોષ નિર્દોષ ઠરાવે છે પણ વ્યવહાર જ્ઞાનથી તો દોષિત દેખાય છે. પ્રશ્નકર્તા : તો નિર્દોષ દેખાવું બનવું પડશે ને ? દાદાશ્રી : નિશ્ચય જ્ઞાનથી. વ્યવહાર જ્ઞાનથી નિર્દોષ દેખાય જ નહીં ને વ્યવહાર જ્ઞાનથી દોષિત દેખાય, એ જ વ્યવહાર જ્ઞાન. પ્રશ્નકર્તા : એ જ વ્યવહાર જ્ઞાન, તો પછી નિર્દોષ ઠરાવવાનું રહ્યું કે નહીં ? દાદાશ્રી : નિશ્ચય જ્ઞાનથી. એ તમારે નિશ્ચય જ્ઞાનથી જોવાનું. પ્રશ્નકર્તા : હં. અને નિશ્ચય જ્ઞાનથી નિર્દોષ ઠરાવે, તો જે પેલો ડાઘ સામાને લાગતો હતો, એ ઊડી જાયને? દાદાશ્રી : નિર્દોષ ઠરાવીએ નિશ્ચય જ્ઞાનથી તો આપણને અડે નહીં એનો દોષ. પ્રશ્નકર્તા : હં, બરોબર. અને જેમ દોષિત જોવાથી એને પણ નુકસાન થતું હતું, તો નિર્દોષ જોવાથી એને કંઇ ફાયદો થાય ? દાદાશ્રી : ચોક્કસ વળી. ચોક્કસ ફાયદો જ થાય, તરત જ. પ્રશ્નકર્તા : એને પણ ? દાદાશ્રી : એને, બાળકને હઉ. કોઇ પણ નિર્દોષ જુઓ કે તરત ફાયદો થાય. દોષિત હોય છતાં એને નિર્દોષ જુઓ તો એને ફાયદો થાય. પ્રશ્નકર્તા : નિર્દોષ જોવાનું બરાબર છે પણ વ્યવહાર જ્ઞાન થોડું ઊડી જાય છે? વ્યવહાર જ્ઞાન તો ખરું જ ને ! દાદાશ્રી : વ્યવહાર તો કહેવું જોઇએ ને ! પણ કહેતા આવડવું જોઇએ. એ શુદ્ધાત્મા છે, અત્યારે એ નિર્દોષ છે. આ પહેલાના દોષનો આ દોષ દેખાય છે. એટલે ડિસ્ચાર્જ દોષ દેખાય છે ને ! પહેલા થયેલો દોષ, આજે દોષ છે નહીં. એટલે આ બધું ધ્યાનમાં રહીને પછી બોલીએ, તો વાણી પેલી કકરી ના નીકળે. તારી વાણી કકરી નીકળે છે ? તરછોડીવાળી વાણી નીકળે કોઇ દહાડો ? (પા.૧૫) પ્રશ્નકર્તા : હા, નીકળે. દાદાશ્રી : એટલે એવી દ્રષ્ટિથી જોવાનું હોયને ! જેમ સારા ગુણને માટે વાત કરીએ છીએને, એવું આ ખરાબ ગુણને માટે વાત કરી. એવી રીતે કરવાની હોય તો તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બરોબર છે. દાદાશ્રી : તો એ કહેવાથી ફાયદો થશે, નહીં તો નુકસાન છે. જ્યાં સુધી એવી વાણી બોલતા નથી આવડતી, ત્યાં હુંય ઘણી જગ્યાએ નથી બોલતો ને ! વાણી ફીટ ના થાય એવું હોય તો બંધ રાખું. પછી ફીટ થાય એવી હોય ત્યારે વાત કરું. નહીં તો એના મનમાં વીંટ્યા કરે, પેલો કહેશે, જાવ, કરવાનો. મોંઢે કહે કે નહીં કરું અને અંદર કહે કે કરવાનો. ચઢે કે ના ચઢે અવળે ? પ્રશ્નકર્તા : ચઢે. દાદાશ્રી : આ લોકોને અહીંથી આ બધું ઊંધું ચઢી ગયેલું છે. નહીં તો શું કરવું પડે ? પ્રશ્નકર્તા : તો મૌન રહેવાનું એમ ? બોલતા ના ફાવે તો મૌન રહેવાનું ? દાદાશ્રી : હં. અને બોલતાય તમને ફાવે, નથી ફાવતું એવું નહીં. મારી જોડે બોલો છો તો કેવું સરસ બોલો છો ! મારો દોષ દેખાડે છે ને પછી બોલે છે કેવી રીતે? શાથી એવું ? તમને આવડે છે, અહીં આવડે છે ને પેણે નથી આવડતું ? આ બડેખા (મોટા માણસ) છે અને આ નીચેખા (નાના માણસ) છે. મનમાં એ અહંકાર છે. કંઈ દાદા બડેખા થઇ ગયા? વ્યવહારમાં તો વ્યવહારના ને ! જગત આખું બડેખા થાય, દાદા બડેખા થાય કોઇ દહાડો ? થયેલા દેખાય તમને ! પ્રશ્નકર્તા : એટલે આપ ના થાવ પણ અમારી દ્રષ્ટિમાં ઊંચા જ હોય ને ! દાદાશ્રી : પણ મેં કહ્યું, ભઇ, તારો શું દોષ ? કેમ તમને ગમતું નથી ? એક જણ મને કહે છે, દાદા, મને બહુ ખરાબ વિચાર આવે છે, હું આવવાનો નથી અહીં. મેં કહ્યું પણ ખરાબ વિચાર આવે છે તે મને કહે ને ! ત્યારે કહે, કહેવાય એવા નથી. મેં કહ્યું, તે કહે તો આ સેફસાઇડ કરીને આપું, ગમે તેવા હશે. મારી પર ગમે તેવા આક્ષેપ કરીશ તોય વાંધો નહીં. ત્યારે કહે, તમને બંદૂક મારવાનો વિચાર આવે છે. મેં કહ્યું, ઓહોહોહો, પણ એનું કંઇક કારણ તો હશેને ? કંઇક બન્યું હશેને ? ત્યારે કહે, હા, તે દહાડે વિધિઓ કરાવતા હતા, તે મને ત્રણ વખત તમે ખસેડી નાખ્યો આમ. મેં કહ્યું, બરાબર છે, એ તો ગોળી મારવા જેવા જ કહેવાય. પુરાવો કરી આપું ને ! ત્યારે કહે, ના, એ કંઇ તમારો દોષ નથી. એ સંજોગોના આધીન છે. ત્યારે મેં કહ્યું, ત્યારે પણ મન આવું કૂદાકૂદ કરે. એનો ખોટો વિચાર છે કંઇ? પણ બીજી જગ્યાએ આ બડેખા શું કરે ? બીજી જગ્યાએ બડેખા મૂંછો દેખાડી દે અને દાઢી હઉ! આપણે ત્યાં રક્ષણ આપવાનું. દોષિત સામે જ્ઞાનીની કરુણા કેવી ? સામાના દોષ તીર્થંકરો એકલા જ કહી શકતા હતા. એ કેવળજ્ઞાનીનું કામ છે, જેમ છે એમ દોષ કહી દેવું ! બાકી અમેય કહી શકતા નથી. મેં જો આ આમના દોષ કહ્યા હોત, તો એ આવ્યા હોત અત્યારે ? અમે કહીએ ને જતા રહે તો ? તે એકલા તીર્થંકરોના શબ્દોનો જુલાબ ના થાય. તીર્થંકરોના શબ્દોથી રોગ બધા નીકળ્યા કરે. આ તો અમે કહીએ ને જો જતા રહે તો એનું પ્રારબ્ધ બગાડે. એટલે અમે લાગમાં આવે ત્યારે કહી દઈએ. તે ઘડીએ બોલતા આવડે, અમને કહેતા આવડે, કારણ કે વીતરાગતાથી બોલીએ અમે. એટલે એને અસર ના થાય. એને લાગમાં લઈએ. લઈએ નહીં, એની મેળે જ આવી પડે. મારી જોડે રહ્યો અને જેને દોષ કાઢવા છે, એ નીકળી જાય. ગમ્મે તેવા દોષો નીકળી જાય. આ સંપૂર્ણ નિર્દોષ પુદગ્લ છે. સંપૂર્ણ, હંડ્રેડ પરસેન્ટ પ્યૉર પુદગ્લ છે આ, તો નીકળી જાય, નહીં તો ના નીકળે. કેટલાક વખત ઉપદેશ આપેલો નકામો જાય અને (પા.૧૬) ઊલટો અવળો થઈ બેસે. મારું એવું નથી કે અમુકને દોષ હોય તેને ના કહેવું. ઝીણા ઝીણા દોષ હોયને, તો બહુ દહાડે પણ એમને કહ્યા વગર રહીએ જ નહીં. અમારી હાજરીમાં દોષને અમે ચાલવા દઈએ, નાના નાના હોય એટલે અમે એને ના કહીએ. એટલે તમને દોષ દેખાય નહીં એટલે મારે કહેવું તો પડે જ છેવટે. અમે જાણીએ કે હવે બીજા બધા નીકળી ગયા અને હવે આ એકલા જ કાઢવાના છે ને ! તે આ કહી દઈએ અમે. કહેવું તો જોઇએ ને ? નહીં તો બીજો કોણ સગોવહાલો કહેશે ? બીજો કોઇ સગોવહાલો નથી કે જે કહેવા આવે. છે કોઇ સગોવહાલો ? એ દાદા જ કહે. કોઇ કહેવા આવે ? પ્રશ્નકર્તા : ના આવે, કોઈ કહેવા ના આવે. દાદાશ્રી : અને જગત સબ સબકી સંભાલે એવું છે. હું તો આ બધું મારું છે, મારું અંગ છે એમ માનીને સંભાળું છું. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે હુંય પોતાનું જ સંભાળું છું, આ લોકોય પોતાનું સંભાળે. પણ મારું પોતાનું.....વિશાળતા છે. જેમ એક માણસ કુટુંબના બધાને પોતાના માનીને કરે, એ વિશાળતા કહેવાય. બીજાના દોષ કેમ દેખાય હજુ ? પ્રશ્નકર્તા : આટલા વર્ષોથી આપણે આ બધું કરીએ છીએ છતાંય હજુ બીજાના દોષ કેમ દેખાય છે ? દાદાશ્રી : દોષ પોતાના દેખાતા નથી એટલે જ બીજાના દેખાય છે. પ્રશ્નકર્તા : એ કેમ નથી દેખાતા ? પોતાના કેમ નથી દેખાતા ? દાદાશ્રી : બીજાના જુએ છે માટે. બીજો કોઈ દોષિત છે નહીં જગતમાં તેને દોષિત જોઈએ એટલે આપણા દોષ દેખાતા બંધ થઈ ગયા. પ્રશ્નકર્તા : એ નથી જોવા તોય દેખાય છે દાદાજી, એ જોવું નથી એવી રીતે નથી કરવું. દાદાશ્રી : તો બુદ્ધિને જરા બેસાડીએ. કહીએ, બેસ હવે તો જંપીને થોડીવાર... પ્રશ્નકર્તા : એવું બધું ઘણીવાર ડાયલોગ તો માર્યા પણ નથી થતું. દાદાશ્રી : સામો માણસ જે કંઈ આપણી જોડે કરે છે અને તેથી આપણને એનો દોષ દેખાય છે, એ એનો ખરેખર દોષ નથી. એ કર્મના ઉદયને આધીન કરી રહ્યા છે બિચારા. પ્રશ્નકર્તા : દાદા, એવી સમજણથી વ્યવહારમાં ઘણો ફરક પડ્યો છે, પણ આમ કમ્પ્લીટ હજી બંધ નથી થઈ ગયું એમ. દાદાશ્રી : ફેર પડ્યો કંઈ એટલે ત્યાં આગળ મટી જ જશે. ફેર નહોતો પડતો ત્યાં સુધી ના મટે, પણ ફેર પડવા માંડ્યો છે ! પ્રશ્નકર્તા : હા, એ તો ઘણો પડ્યો છે. પણ આ તો કમ્પ્લીટ થવું જોઈએ ને હવે કેટલા વરસ સુધી ખેંચશું? હવે કેટલા વરસ સુધી ખેંચવું આવું ? દાદાશ્રી : આ તો કેટલાય વર્ષનું આ દેવું ! કેટલા અવતારોનું દેવું કરેલો માલ! ‘હજુ તમારા હજારો અવતાર આવા થશે ત્યાગના ત્યારે કંઈક સમકિત પ્રાપ્ત થશે’, એવું શાસ્ત્રકારો કહે છે. હવે એ એટલા બધા ધીરજ રાખે છે ને તમારે તો આ એક અવતારમાં જ ધીરજ નહીં રહેતી એય અજાયબી છે ને! આપણા જ પરિણામ, એમાં કોણ દોષિત ? આપણી ભૂલોનું જ પરિણામ છે. કોઈ માણસની ભૂલ હોતી જ નથી. આક્ષેપ આપીએ છીએ એ જ ગુનો છે. આક્ષેપ આપ્યા તેથી તો આ દશા થઈ છે ! અને ફરી આક્ષેપ આપીએ. કોઈનો દોષ હોતો જ નથી. એ આપણી જ ભૂલો ને એને લઈને ભોગવવું પડે છે. ભોગવે (પા.૧૭) એની ભૂલ મેં કહી દીધી. બધું પોતાના દોષને લીધે છે આ. પારકાનો દોષ છે જ નહીં. બુદ્ધિ પારકાના દોષ દેખાડે અને જ્ઞાન પોતાના દોષ દેખાડે. બુદ્ધિ પોતાની સાચવણી કરે, વકીલાત કરે હઉ. જજમેન્ટ પણ પોતાની તરફ લાવે. પ્રશ્નકર્તા : દાદા, પણ આપે તો નિર્દોષ દ્રષ્ટિ આપી છે કે કર્મના ઉદયને લીધે બધા આવે છે અને છતાં એ નિર્દોષ છે. દાદાશ્રી : છે જ નિર્દોષ પણ આ તો નિર્દોષને દોષિત જોઇને પોતે દોષિત થયો. એક કેદી માણસ હોય, તે પોલીસ દ્વારા બધી ક્રિયા એની પાસે કરાવડાવે અને પોલીસ ના હોય તોય એમ ને એમ એને ક્રિયાઓ કરવી પડે એ તમે જાણોને ? પ્રશ્નકર્તા : હા, સજાને લીધે કરવી પડે છે, એમાં એનો શું વાંક ? દાદાશ્રી : એ બધી ક્રિયા કરી રહ્યો છે, તેમાં એ નિર્દોષ છે કે નથી ? પ્રશ્નકર્તા : એ નિર્દોષ છે. એમાંય ક્રિયા કરે છે છતાં એ નિર્દોષ છે. ક્રિયા કરવી પડે ! દાદાશ્રી : કાયદાથી કરવી પડે છે એને, પોતાની ઇચ્છાથી કરતો નથી. પ્રશ્નકર્તા : કરતો નથી પણ કરવી પડે છે. દાદાશ્રી : એ કરવી પડે છે, એવી રીતે આ. હવે આ જગત આટલું બધું ઊંધું જોઇ શકે નહીંને ! સીધું જ જોઇ શકતો નહીંને, તો વાંકું શી રીતે જોઇ શકે ? મોહનો માર્યો... આંધળોને આંધળો. મોહાંધમાંથી કેટલા બધા અંધ થયેલા ? લોભાંધ. (ક્રોધાંધ-માનાંધ-વિષયાંધ વિગેરે) સ્વભાવના પ્રદર્શનમાં કોણ ગુનેગાર ? પ્રશ્નકર્તા : હવે અમે મહાત્માઓ બધા ભૂલો કરતા હોઇએ, તે તમને અમારી ભૂલ તો દેખાય પણ એ દોષરૂપે ના દેખાય, તો ત્યાં કયું ડિમાર્કેશન હોય છે? અમારા બધાની ભૂલો આપને જ્ઞાનમાં દેખાય તો ખરી જ ને ? દાદાશ્રી : દેખાય પણ અમે દ્રષ્ટિ જ નિર્દોષ કરી નાખેલી એટલે પછી દોષ દ્રષ્ટિ નહીં. ગુનેગાર કોઈને ગણતા જ ના હોય, પછી ગુનો એને લાગુ શી રીતે થાય તે ? આપણે ગુનેગાર કે બિનગુનેગાર એનું સ્ટાન્ડર્ડ નક્કી કર્યું નથી એટલે પછી દોષ લાગુ થઇ જાય. આ આખું નિર્દોષ છે, એવું સ્વભાવથી પણ નક્કી થઇ જવું જોઇએ. સ્વભાવથી ચાલે છે બધું. સૂર્ય ગરમી આપતો નથી, સૂર્ય એના સ્વભાવમાં છે. પાણી દરિયામાં વહ્યું જાય છે તે વહ્યું જતું નથી, એના સ્વભાવમાં છે. એ જો પાણી કંઈ કરતું હોય, જો આમ વહ્યું જતું હોય તો કહીએ ઉપર ચડ, ત્યારે કહે, ના. ત્યારે કહે, આમ કેમ ? તો કહે, એ સ્વભાવમાં છે. આખું જગત સ્વભાવમાં છે. સૂર્ય, ચંદ્ર, તારા, દરિયો-નદીયો બધું. મનુષ્યો, જાનવરો, સાપ, વીંછી બધા પોતાના સ્વભાવમાં. અને આ સ્વભાવનું પ્રદર્શન થઈ રહ્યું છે. તે તને સમજ પાડી કે આ સ્વભાવ તું જોઈશ નહીં, આ સ્વભાવમાં મહીં રહ્યા છે તેને જો. આ સ્વભાવ તો જાતજાતના હોય. એટલે સ્વભાવમાં છે, એને નિર્દોષ જોજે. છે જ નહીં કોઈ દોષિત. આ દોષિત દેખાય છે તે જ પોતાની અક્કલ વાપરવાથી દેખાય છે. અક્કલ ના વાપરો તો કશું (દોષિત) દેખાય નહીં. પ્રશ્નકર્તા : એમાં કઈ રીતની અક્કલ વાપરે, કે દોષિત દેખાય ? જરા ફોડ પાડોને કે શાથી દોષિત દેખાય છે બધા. દાદાશ્રી : એ તો બધા પોતાના દોષને લઈને દોષિત દેખાય છે. હમણાં નાનું છોકરું બે વર્ષનું હોય, એના ઘરમાંથી કોઈ એના ફાધરનો કોટ આમ ભરાવેલો હોય, છોકરું જોતું હોય આમ અને કો’ક પૈસા મહીંથી કાઢી લેતો હોય તો છોકરાને એવું કશું દોષિત લાગે નહીં. બુદ્ધિ હોય તો લાગે ને ! જેટલા દોષ દેખાય છે એ પોતાનામાં જેટલા દોષ છે એટલા દેખાય. બધો પોતાનો (પા.૧૮) જ ફોટો છે આ દોષ જોયા તે. બાકી પોતે નિર્દોષ થાય એટલે પછી નિર્દોષ દેખાય બધા. જ્ઞાની જુએ કઈ દ્રષ્ટિથી ? પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને વ્યવહાર જ્ઞાનની અપેક્ષાએ નિર્દોષ જ દેખાય ને ? દાદાશ્રી : નિર્દોષ, જગત આખુંય નિર્દોષ દેખાય. ‘મને’ પોતાને જ દેખાય છે ને, ‘જ્ઞાની પુરુષ’ને શું કરવા ? મને પોતાને જ આખું જગત નિર્દોષ દેખાય છે ને ! અને તેના સાબિતી-પુરાવા સાથે, નિર્દોષ શાના આધારે તે કંઇ ગપ્પું નથી. અમારી આંખમાં કરકર પડી છે માટે દેખાય છે, એવું નહીં ! કાયદેસરના આધારે. પ્રશ્નકર્તા : કાયદેસરના આધારે. દાદાશ્રી : નિર્દોષ છે જ પણ દેખાતું નથી એટલી ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જગત નિર્દોષ જ દેખાય છે, તો જ્ઞાની બીજાના દોષ કાઢે છે, એટલે બીજાના દોષ કાઢી આપે છે, એ કઇ દ્રષ્ટિએ? દાદાશ્રી : અમે દોષ કાઢતા જ નથી. તમે મને કહો કે મારો દોષ હોય તો મને કહેજો, તો હું કાઢું, નહીં તો હું કંઈ નવરો નથી. છતાંય કોઇ વખત લાગણી થાય ને કાઢું, જોડે ને જોડે તમે બધું મને ચા પાતા હોય, પાણી પાતા હોય, એટલે પુદગ્લ પોતાનું છે તે રિલેટિવ સંબંધ ખરોને, તે રિલેટિવના આધારે લાગણી બતાવા માટે દોષ દેખાડે કોઇ વખત. એ દોષ દેખાતો ના હોય, એને કાઢવા માટે. એને (દોષ) જાય ત્યારે મુશ્કેલી જાય એની, ઓછી થાય. બાકી દોષ અમને દેખાય નહીં, દોષ છે જ નહીં ત્યાં આગળ ! મૂળમાં દોષ જ નથી ને પુરાવા સહિત એટલે એ ગણિતના આધારે. કેલક્યુલેશનથી કે દોષ છે જ નહીં. પ્રશ્નકર્તા : કયું ગણિત એ ? દાદાશ્રી : એ તો ભ્રાંતિથી. એ નથી છતાં દેખાય છે એ ભ્રાંતિ. પ્રશ્નકર્તા : હા, અને એ નિર્દોષ દેખાય છે એ કયા ગણિતના આધારે? દાદાશ્રી : એ એક્ઝેક્ટ જ્ઞાનથી, એ કેલક્યુલેશનથી. બે ગુણ્યા બે ચાર એ કહેવું જ પડેને આખી દુનિયાને ! એવા જ્ઞાનથી. પ્રશ્નકર્તા : એ કેલક્યુલેશનવાળા એક-બે પોઇન્ટ ખુલ્લા કરો ને ! દાદાશ્રી : જ્ઞાની એક પણ શબ્દ વગર કેલક્યુલેશને વાપરે નહીં. એ કંઇ અડસટ્ટે બોલે નહીં કોઇ દહાડોય ! અડસટ્ટે બોલે કે જગત નિર્દોષ જ છે, એ નિર્દોષ એને વહેમ પડે. અમારું વહેમ ના પડે એવું રેગ્યુલેશનવાળું (નિયમસર) હોય. તમને વહેમ પડે વખતે કે સાલું દોષિત હશે કે નહીં હોય તે ? અમને વહેમ ના પડે. વ્યવહારથી ઉદયાધીન, નિશ્ચયથી શુદ્ધ પ્રશ્નકર્તા : કયાં કેલક્યુલેશનથી એવું પૂછવાનું છે ? દાદાશ્રી : કેલક્યુલેશનમાં જો, નિશ્ચય દ્રષ્ટિથી એ ખરેખર શુદ્ધાત્મા છે. એમાં કંઇ એનો દોષ નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અને વ્યવહાર દ્રષ્ટિ એ પોતાના સ્વાધીન નથી, ઉદયાધીન છે. એમાં ઉદયાધીનમાં એ શું કરે ? એનો શો દોષ બિચારાનો ? આ દુનિયામાં કોઇ એવો જીવ જન્મયો નથી કે જેનો વ્યવહાર ઉદયાધીન ન હોય. એટલે દોષિત કોઇ હોઇ શકે નહીં ને ! હતોય નહીં ને, છે નહીં. કોઇ માણસ જે જે કરે છે, કંઇ પણ ક્રિયા કરશે એ બધું ઉદયના આધીન છે. હા, વ્યવહારથી ઉદય આધીન જ છે અને નિશ્ચયથી તો શુદ્ધ જ છે. એવું કેલક્યુલેશન અમારી પાસે હોય, નહીં તો કેલક્યુલેશનવાળું અમારું જ્ઞાન ના હોયને તો વહેમ પડે, તમને વહેમ પડે. કારણ કે તમારું કેલક્યુલેશન નથી કે આવું હશે કે તેવું હશે ? અને અમારું સચોટ હોય. પ્રશ્નકર્તા : એટલે આ કેલક્યુલેશન એટલે આ બે પોઇન્ટ કહ્યા, બીજા કયા કેલક્યુલેશનો ? (પા.૧૯) દાદાશ્રી : બીજા કેલક્યુલેશનની જરૂર જ શું છે? આ એટલું જ બહુ છે, ઉદય આધીન, એટલે કોઇ પણ જીવ ઉદયાધીન એમાં પોતાની સત્તા ના હોય, એટલે એ જે કંઇ ક્રિયા કરે છે, સારી અગર ખોટી, બન્નેનો જોખમદાર એ નથી. ગુણનો ધામેય નથી અને અવગુણનો ધામેય નથી. નિર્દોષ છે બિચારો. પોતાનું દોષિતપણું નથી ત્યાં. પ્રશ્નકર્તા : હવે આપણે સામાને નિર્દોષ જોવો હોય તો આ બે રીતો છે, એ નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને વ્યવહારથી... દાદાશ્રી : આ રીતો નથી, એક્ઝેક્ટ આમ જ છે. પ્રશ્નકર્તા : હા, એક્ઝેક્ટ આમ છે. દાદાશ્રી : રીતો હોય તો ફરીય જાય. દાદાની રીતેય જુદી અને હિમાલયવાળાની રીત જુદી કહે. એક્ઝેક્ટ આમ જ છે. દોષ પ્રકૃતિનો જે ઉદયાધીન પ્રશ્નકર્તા : હવે પોતાના દોષોથી છૂટવા માટે એટલે કે પોતાના દોષો દેખાય, એ શું હોય છે ? એટલે આપણી નિર્દોષ દ્રષ્ટિ થવા માટે એક્ઝેક્ટ આ દ્રષ્ટિ છે ? દાદાશ્રી : નિર્દોષ જગતને જોવા માટે આ. પછી હવે શું આગળની વાત છે? પ્રશ્નકર્તા : હવે આપે જે કહ્યું ને કે સામો કહે મારા દોષો કાઢી આપજો તો અમે એને દેખાડીએ, તો એની મુશ્કેલી દૂર થઇ જાય, હવે આપ તો નિર્દોષ જુઓ જ છો એને, પણ એને પોતાના દોષો મૂંઝવે છે. તો પોતાના દોષો શું છે એ ? દાદાશ્રી : આ દોષો એ તો એય છે તે મારી પેઠ જ જુએ છે એ. હુંય પ્રકૃતિના દોષ છે એવું જાણું છું અને એય જાણે છે આ પ્રકૃતિના દોષ છે. અને પ્રકૃતિના દોષને એ દોષ કહે છે. જો જ્ઞાની છે તો પ્રકૃતિના દોષને દોષ કહે છે એ, નહીં તો ‘મારા દોષ છે’ એમ કહે. પ્રશ્નકર્તા : એટલે ત્યાં ડિવિઝન કેવી રીતે પડ્યું દ્રષ્ટિનું ? એટલે જોવાનું એ દ્રષ્ટિનો ઉપયોગ કેવી રીતે રહ્યો આપને ? દાદાશ્રી : સરખો જ, તારી ને મારી, આ ચંદુભાઈમાં દોષ દેખાય, એ તને જે દ્રષ્ટિએ દેખાય એ મનેય દેખાય. કારણ કે આ ચંદુ ઉદયાધીન છે અને જોનારો તું છું કે આ દોષ થયો, એ મને દેખાય. પણ તને આખો ન દેખાય, મને આખો દેખાય. જે દેખાય દોષ, એના મોઢું-બોઢું બધા સાથે તને ના દેખાય. જોનારો જુદો, દોષ કરનારથી પ્રશ્નકર્તા : પ્રકૃતિ જે ઉદય આધીન છે, એના દોષો છે, એને મારા દોષો ગણવામાં આવે છે, એ મૂળ ભૂલ છે? દાદાશ્રી : ભૂલ તો નહીં, એ મારા દોષ કહે છે એટલે શું કે પ્રકૃતિના દોષોને જ કહે છે. પોતાના દોષ હોય તો દેખાય નહીં. પોતાના દોષ દેખાય નહીં. જોનારો જુદો હોવો જોઇએ. દોષ કરનારથી દોષ જોનારો જુદો હોય, ત્યારે એ કહી શકે કે મારા આ બધા દોષો દેખાય છે. એટલે આરોપ કરેલા કહેવાય. આરોપ કરેલાનો મારો ગુણ હતો, તેને આરોપ કરેલાના દોષ ઊભા થયા છે. હવે મારાથી એને છૂટવું છે બસ. એ દેખાય એટલે છૂટી જ જાય. પ્રશ્નકર્તા : એટલે આ મારી પ્રકૃતિ પણ ઉદયને આધીન છે, કમ્પ્લીટ ઉદયને આધીન છે, એવું જ્ઞાન મને રહેવું જોઇએ, એવું કહેવા માંગો છો ? એટલે એ ન રહે એ ભૂલ કહેવાય એવું ? દાદાશ્રી : ના, એને પોતાને ખબર જ છે કે આ પ્રકૃતિ દોષ છે. પણ અત્યારે તો એ મારો પોતાનો જ છે ને! પ્રશ્નકર્તા : હા, એ શું કહેવા માંગો છો ? દાદાશ્રી : જ્યાં સુધી મારો માને, ત્યાં સુધી એ જાય નહીં ! (પા.૨૦) પ્રશ્નકર્તા : ઉદય આધીન તો અત્યારે આવ્યું, આ ભવમાં, પણ પૂર્વે દોષ થયો છે માટે, પૂર્વે ભાવ થયો છે માટે અત્યારે ઉદય આધીન આવે છે ને ? દાદાશ્રી : એ તો જ્ઞાની હોય તેને દોષ દેખાય, અજ્ઞાનીને દોષ દેખાય નહીં. અને જેને દોષ દેખાય એ દોષને જોનારો જુદો છે અને દોષનો કરનારો આજે જુદો છે. મૂળ કરનારો પોતે હતો અજ્ઞાન દશામાં. હવે આજે કર્તા છે તે આ ઉદયકર્મ છે, વ્યવસ્થિત કર્તા છે. આજે કર્તા જુદો છે. દ્રવ્યદોષ પ્રકૃતિનો, ભાવદોષ અજ્ઞાનતાનો પ્રશ્નકર્તા : સામો નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને એનો આખો વ્યવહાર ઉદય આધીન છે. એવી દ્રષ્ટિ ન રહે, એવી જાગૃતિ ન રહેવી, એ દોષ કહેવાય ? દાદાશ્રી : એવી દ્રષ્ટિ રહે એટલે છે તો જગત નિર્દોષ જોયું. પ્રશ્નકર્તા : અને ન રહી દ્રષ્ટિ તો ? એવી દ્રષ્ટિ નથી રહેતી એ દોષ? દાદાશ્રી : તો દોષિત થાય. ખરેખર એનો દોષ દેખાય, જેમાં એનો દોષ છે, આજે દોષ એનો નથી, દ્રવ્યદોષ પ્રકૃતિનો છે અને ભાવદોષ એ અજ્ઞાનતાનો છે. ભાવદોષનો કર્તા ‘પોતે’ ગણાય છે. અને દ્રવ્યદોષનો કર્તા ‘વ્યવસ્થિત’ કહેવાય છે. પ્રશ્નકર્તા : હં. એટલે પ્રકૃતિ જે ક્રિયા કરે છે, એ દોષો નથી પણ પ્રકૃતિના દોષોનું જે આરોપણ થાય છે, એ દોષ છે, એવું કહો છો ? દાદાશ્રી : પ્રકૃતિ ક્રિયા કરે છે એ જ દોષો છે. પ્રશ્નકર્તા : એ જ દોષો છે અને આપણને જે દેખાય છે ? દાદાશ્રી : એ જ દેખાય છે. પ્રકૃતિ ક્રિયા કરે છે ને તેમાં જો કો’કની જોડે ચિઢાય એટલે તમને તેવું દેખાય. પ્રશ્નકર્તા : હવે એ સામો માણસ ચિઢાય, એટલે આપણી વાત પેલી હતી કે સામો માણસ ચિઢાય તો હવે એમાં બે વસ્તુ છે કે આપને નિર્દોષ દ્રષ્ટિ છે, તો આપને કેવું દેખાય અને અજ્ઞાની હોય, એને કેવું દેખાય? દાદાશ્રી : એને દોષિત દેખાય. પ્રશ્નકર્તા : હં, એટલે ચિઢાવું એ દોષ છે કે આ ચિઢાય છે, એટલે જે પ્રકૃતિ ઉદયને આધીન છે અને એ શુદ્ધાત્મા છે, એ ન રહેવું, એ દોષ છે? દાદાશ્રી : ના, એ તો પોતે નિર્દોષ છે, પણ આ પ્રકૃતિનો દોષ છે ત્યાં સુધી પોતે એને માટે જોખમદાર છે ને ! પ્રશ્નકર્તા : એ તો સામી વ્યક્તિ, જે ચિઢાય છે એ. દાદાશ્રી : તું ચિઢાઉં ને, એટલે તું તો પોતે નિર્દોષ છું, છતાં ચિઢાયો માટે દોષિત છે, એનો જવાબદાર તું છું. એટલે ફરી ચિઢાવું તો ન જ જોઇએ. પ્રશ્નકર્તા : આ જ્ઞાન હોય પછી પણ ? દાદાશ્રી : આ જ્ઞાન હોય તોય પોતે શુદ્ધ થયો, પણ આ પુદગ્લ કહે છે, મને શુદ્ધ કરી દો ને ! મને બગાડનાર તમે છો. એટલે મને શુદ્ધ કરશો તો તમે છૂટા થશો, નહીં તો છૂટા થાવ નહીં લાખ અવતારે! એટલે મને શુદ્ધ કરો. ત્યારે કહે, તમને શી રીતે શુદ્ધ કરીએ અમે હવે ? ત્યારે કહે, ખરાબ ભાવથી અમને ભેગા કર્યા હતા, હવે શુદ્ધ ભાવથી દર્શન કરીને અમને છૂટા કરો. એટલે અમે તમને શું કહીએ છીએ, દોષને જુઓ. જોયું એટલે છૂટા બિચારા. અને અંધ હતા તેથી તો ભેગા થયા હતા અને જોયું ત્યારથી જતા રહ્યા. પ્રશ્નકર્તા : એટલે ચિઢાયો એમાં શુદ્ધ જોવું કેવી રીતે ? એટલે હું ચિઢાઇ ગયો, એટલે કે પ્રકૃતિ ચિઢાઇ ગઇ હોય અને મારે શુદ્ધ જોવું હોય, મારે શુદ્ધ દ્રષ્ટિ રાખવી હોય, તો કેવી રીતે ? દાદાશ્રી : પોતે શુદ્ધ જ છે ને ! છે જ શુદ્ધ પોતે ત્યાં ! (પા.૨૧) પ્રશ્નકર્તા : તો આની જે ચિઢાવાની પ્રક્રિયા બની એનું ? દાદાશ્રી : એ ચિઢાય છે એને જુએ છે, એ જ દોષ છે. એની જવાબદારી પોતાની છે. એ ચિઢાય છે એ જોખમદારી પહેલા પોતાની ભૂલને લઇને આ ઊભી થયેલી છે એટલે એ પણ મટવી જોઇએ. એ ચિઢાવું ન જ જોઇએ બિલકુલેય. અંદરથીય શુદ્ધ ને બહારથીય શુદ્ધ. પ્રશ્નકર્તા : તો ચિઢાવાની પ્રક્રિયા એનો અંત આવે ને ? દાદાશ્રી : એ તો આવે જ ને, એનો અંત આવે. પ્રશ્નકર્તા : હં, તો એની સામે પોતાની જાગૃતિ જોઇએ ને ? દાદાશ્રી : એ તો આવે જ ને, એની મેળે જ ઉકેલે. એ જ ક્રિયા કરતો હોય. શુદ્ધતાની જ ક્રિયા કરતો હોય. પ્રતિક્રમણ કરે, બીજું કરે. પ્રશ્નકર્તા : હવે એટલે આ, મારી પ્રકૃતિ ચિઢાઇ, એને હું પ્રતિક્રમણ કરી અને ‘હું શુદ્ધ છું’ એવી જાગૃતિમાં રહું, હવે બીજો પ્રશ્ન એવો છે કે સામી વ્યક્તિ ચિઢાતી હોય અને એનું ચિઢાવું દેખાવું એ દોષ છે ? એ કેવી રીતે ? ત્યાં દોષ દ્રષ્ટિ કઇ કામ કરે છે ? દાદાશ્રી : એ જે ચિઢાય છે ને, એ એનો દોષ જ નથી, એનો દોષ દેખાય છે એ આપણો દોષ છે. એ ધોલ મારે છે તે આપણા દોષને આધીન કરે છે. ત્યાં આપણા દોષને પકડવાનો છે. (ચંદુને કહેવું) કે એવું તે તમે શું ગુનો કર્યો કે તમારી ઉપર ચિઢાય છે, કોઇની ઉપર નથી ચિઢાતા ! અને એવું તમે શું કર્યું, કે લાખ રૂપિયાની લોટરી લાગી ? આ ઇનામ લાગે છે તેનું કારણ શું ? વ્હોટ આર ધી કોઝિઝ? એટલે તમે જવાબદાર છો. એ જે જે કરે છે, પારકો જીવ, કોઇ પણ જીવ, મચ્છર તમને કૈડે છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. કેમ કરીને કૈડ્યું એ ? કાયદેસરના રાજમાં. મચ્છર તમને કેમ કરીને અડી શકે? હાઉ કેન હી ટચ ? જ્યાં ‘નો ટચ’ છે, કોઇ કોઇને ટચ ન કરી શકે, એટલું બધું કાયદેસર, ત્યાં તમને કેવી રીતે ટચ થયું ? માટે યુ આર રિસ્પોન્સિબલ (તમે જવાબદાર છો). બધું જગત બિલકુલ કશું અડે નહીં તમને. વીંછી ઉપર નાખે ને આપણી ઉપર, તોય વીંછી ભડકીને ખસી જાય. તાપ લાગે, ભયંકર તાપ લાગે. જ્ઞાની પુરુષ અહિંસક કેટલા હોય ? કે હિંસાવાળાને તાપ જ લાગે એની પાસે. અને વિરોધી સ્વભાવનો હોય ને, તે એનો સ્વભાવ જ ભૂલી જાય. વાઘ વાઘનો સ્વભાવ ભૂલી જાય અને બકરી બકરીનો સ્વભાવ ભૂલી જાય અને બેઉ પાણી (સાથે) પીવે. કોઇ મગજનો ખરાબ માણસ હોય ને, તે તને મારું, મારું કરતો આવ્યો હોય કોઇની પાછળ અને એ મહાત્મા હોય, તે મહાત્મા અહીં આવીને પેસી ગયો અને પેલો આવ્યો ધારીયું લઇને. એટલે મને જોતાની સાથે જ બંધ, મારે કહેવું ના પડે કે બંધ. સ્વભાવ ફરી જાય આખો. સ્વભાવ વિસ્મૃત થઇ જાય. પછી પાછો નીચે ઉતર્યો તો હતો તેનો તેજ. એક મચ્છર પણ ટચ ન કરી શકે એવું આ જગત ન્યાયાધીન, ન્યાયવાળું, એમાં લોકો બૂમાબૂમ કરે છે એ શા માટે કરે છે ? સાંભળનાર તમારો બાપોય કોઇ નથી. વગરકામની બૂમાબૂમ શું કરવા કરો છો ? શા હારુ બૂમાબૂમ કરે છે એ ! કે કોઇ ન્યાય કરનારો મળી આવે. અલ્યા મૂઆ ન્હોય કોઈ, આ બધાય સહુ સહુના પેંતરામાં જ છે. ન્યાયવાળાને ખોળે છે. અને જગત પોતે જ ન્યાય છે, ખોળીશ નહીં. જગત બિલકુલ, કમ્પ્લીટ ન્યાય સ્વરૂપ છે. જમઇ ભગવાનને હઉ પજવે એવું આ ન્યાય સ્વરૂપ છે. સમજવું તો પડશે જ ને, ગપ્પા ક્યાં સુધીચાલશે? એટલે હું તમને એવું કહેવા માંગું છું કે ગપ્પા, જ્ઞાનને કામમાં લાગશે નહીં. લાંબા માઈલો જવાનું, દોષિત જોવાથી નિર્દોષ જોવાય નહીં, ત્યાં સુધી જાણવું દોષિત જોવાય છે. ત્યાંથી આપણે જાણીએ કે હજુ બહુ લાંબું (પા.૨૨) જવાનું છે. હજુ માઈલો ચાલવાનું છે. દોષિત જોવાય નહીં તોય છે તો કો’કને દુઃખ લાગે તો પ્રતિક્રમણ કરવું. દોષિત તો કોઈને જોતા ના હોય, એવું બધું થાય ત્યારે સરવૈયું પૂરું થઈ ગયું. દુઃખ આપનારનેય દુઃખ ન આપવું અને સુખ આપનારનેય દુઃખ ન આપવું. કોઇને દુઃખ આપવું નહીં. ત્યારથી એ બધું ચોખ્ખું થઇ જાય ખાતું. દુઃખ આપનાર આપે છે, તે આપણું આપેલું છે તે પાછું આપવા આવ્યો છે. એમાં એનો શો ગુનો ? અને આજ તમે આપશો, ફરી પાછું લેવું પડશે. તમારી જ ડખલ છે આ બધી. કોઇની ડખલ નથી. ભગવાનની કંઇ ડખલ નથી. અને પારકો માણસ આમાં ડખલ કરી શકે નહીં. આપણે ડખલ કરીએ તો એ સામો જવાબ આપે. તે બધું આપણા જ દોષે જ બધું છે આ તો. છૂટાય વિજ્ઞાનથી જ વિજ્ઞાન જાણે તો આ દુનિયામાં કોઇ ભૂલ જ કરતું નથી ને ! વિજ્ઞાન જો જાણે તો આ દુનિયામાં કોઇ ગુનેગાર છે જ નહીં. આ ગુનો દેખાય છે તે જ ભ્રાંતિ છે ને ! નહીં સમજાવાથી અથડામણ છે ને વઢંવઢા છે અને ઘરમાં અંદર ક્લેશ થયા કરે. સંસાર નથી નડતો, એની ઊંધી સમજણ, તે જ નડે છે. પોતાની ભૂલ ન રહે તો કશું જ છે નહીં. બધી પોતાની જ ભૂલો છે. કોઇની ભૂલ હોતી જ નથી. કોઇની ભૂલ હોતી નથી એવું લાગે છે તમને ? પ્રશ્નકર્તા : હા, હા, ખરી વાત છે. એવું જ લાગે છે. દાદાશ્રી : તો એ વિજ્ઞાન સમજ્યો કહેવાય. પોતાની ભૂલો કંઇ એમને એમ મારી-ઠોકીને બેસાડીએ તો થાય નહીં. એ તો સમજણમાં આવવું જોઈએ કે કઇ રીતે મારી ભૂલ છે. કોઇ આપણને ધોલ મારે અને ભૂલ પોતાની તે શી રીતે સમજાય ? એ સમજમાં આવવું જોઇએ. એ લાડવા ખાવાના ખેલ નહીં. એ તો આ વિજ્ઞાન જાણવું પડે. આ અક્રમ વિજ્ઞાન જાણે તો બધા ફોડ પડી જાય !!! - જય સચ્ચિદાનંદ |