|
જાગૃતિનો પુરુષાર્થ, ઓગાળે પોતાપણું સંપાદકીય મનુષ્ય સંસારમાં ભટકે છે શાના કારણે ? અહંકારને લઈને. એ અહંકારનો વિલય થાય તો મોક્ષ થાય. વસ્તુત્વ એટલે ‘હું શું છું’, એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. ‘હું કોણ છું ?’ એ વસ્તુ નહીં સમજવાથી ‘હું’માંથી બીજી વસ્તુમાં આરોપ કર્યો એટલે વિકલ્પ ઊભો થયો. એ વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. દરેક જીવ સમસરણ માર્ગમાં દરેક લેવલે અનુભવ કરતા કરતા આગળ વધે છે. આ અનુભવ ભેગો થાય છે એ પોતાપણું છે. આત્મજ્ઞાન પછી અહંકાર તો જાય છે પણ પોતાપણું બાકી રહે છે. હુંપણું ગયું, સત્તા ઊડી ગઈ પણ એ પોતાની સીટ છોડતો નથી અને એ સીટ છૂટવી સહેલી પણ નથી. પરમ પૂજ્ય દાદાશ્રી આ વાતને હું, વકીલ, મંગળદાસના સરળ ઉદાહરણથી સમજાવે છે કે જ્ઞાનપ્રાપ્તિ પછી ‘વકીલ’ ‘મંગળદાસ’ જતું રહ્યું પણ ‘પોતે’ રહ્યું છે એ જ પોતાપણું. આ પોતાપણું પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થયું છે. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે પણ તે હજુ પોતાપણું જતું નથી ને ! ઉપયોગ ચૂક્યા એ પોતાપણું, અહંકારના પક્ષમાં બેસવું એ પોતાપણું. તેથી તો પ્રકૃતિનું રક્ષણ થઈ જાય છે. ત્યાં જ્ઞાને કરીને ઉપાય શો ? પ્રકૃતિને આપણે જોયા કરવાની છે. કારણ કે પોતે (આત્મા) જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો છે. એટલે પોતાપણાને નિહાળે ત્યારે પોતાપણું ધીમે ધીમે ઓછું થતું જાય. પોતે ખસી જાય તો અંત: કરણથી આત્મા જુદો જ છે. પણ અનાદિના કર્તાપણાના અધ્યાસથી એ અનુભવની કક્ષાએ પહોંચી શકાતું નથી. જ્ઞાન પછી રિયલી કર્તાભાવ રહ્યો નથી પણ રિલેટિવલી કર્તાભાવ રહ્યો છે. એટલે એ ડિસ્ચાર્જ કર્તાભાવના પરિણામે ઉદયમાં ડખલ થઈ જાય છે. એના પરિણામે તો બધા ભોગવટા આવે છે ને ! રિલેટિવની સીટ પર બેસે અને શૉક લાગે અને વેદના થાય એટલે તરત સમજી જવું કે આ આપણી સીટ ન્હોય, એટલે તરત આપણે ત્યાંથી ઊઠીને પોતાની સીટ ઉપર આવી જવાનું. પોતાની સીટ ક્યારે થઈ કહેવાય ? પાંચ આજ્ઞા એક્ઝેટ પાળે ત્યારે. આજ્ઞા પાલન એજ પોતાની સીટ છે અને એને જ સાચો પુરુષાર્થ કહ્યો છે. એટલે પુરુષાર્થ એવો હોવો ઘટે કે કેમ કરીને પોતાપણું નીકળે જેથી કરીને જ્ઞાનીએ ચીંધેલા માર્ગે પ્રગતિ સાધી પરિણામ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી છે તો બધું નિકાલી પણ ઉદયકર્મોમાં તન્મયાકાર થઈને વ્યવસ્થિત પ્રમાણે કરવું પડે, તે મૂળ જ્ઞાનને પ્રગટ કરવામાં બહુ નુકસાન કરનારું છે. એટલે ઉદયમાં તન્મયાકાર થાય તેવું વ્યવસ્થિત હોય ત્યાં તન્મયાકાર ના થવા દેવું તે જ પોતાનો પુરુષાર્થ. ‘આ (રિયલ) હું છું’ અને ‘આ (રિલેટિવ) હું ન્હોય’ એવી જાગૃતિ રહેવી જોઈએ. જેટલું જાગૃતિનું પ્રમાણ હોય એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય અને જેટલા ટકા પોતાપણું ખલાસ થાય એટલા પ્રમાણમાં જાગૃતિ વધતી જાય. પ્રસ્તુત સંકલન પોતાપણાની શરૂઆતથી માંડીને તેનાથી મુક્તિ પામવા સુધીના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડે છે જે સહુ મહાત્માઓને પોતાપણા સામે જાગૃતિપૂર્વકના પુરુષાર્થ આદરવામાં સહાયભૂત બની રહેશે, એજ અભ્યર્થના. - જય સચ્ચિદાનંદ (પા.૨) જાગૃતિનો પુરુષાર્થ, ઓગાળે પોતાપણું પ્રારંભે અહંકાર પોતાપણાના માર્ગે સંસારમાં બીજું કંઈ જ કરવા જેવું નથી. ફક્ત ‘હું’ ‘હું’ની જગ્યાએ નથી, તેને જ પોતાની જગ્યાએ મૂકવાનું છે. મન મનની જગ્યાએ છે, બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ છે, ચિત્ત ચિત્તની જગ્યાએ છે, પણ અહંકાર અહંકારની જગ્યાએ નથી. અહંકાર એટલે શું ? એની ડેફિનેશન (વ્યાખ્યા) જાણવી જોઈએ. અહંકાર એટલે પોતે જે હોય તે પોતાને ખબર નહીં હોવાથી બીજા લોકોએ કહ્યું કે તમે આમ છો, તે આપણે માની લેવું. એ આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. અહંકારને લીધે જ સંસારમાં ભટકે છે. એક ઉત્પાત કરતો અહંકાર ને બીજો સમાઈ જતો અહંકાર છે. પાછો ફરતો અહંકાર, ઉતરતો અહંકાર એ જ મોક્ષે જાય છે. અહમ્ એ નથી અહંકાર પ્રશ્નકર્તા : આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું-જુદું છે ? દાદાશ્રી : જુદું-જુદું છે. શબ્દો જ જુદા છે ને! પ્રશ્નકર્તા : એનો ભેદ શું છે ? દાદાશ્રી : કોઈ અહમ્ આત્મા કહે તો વાંધો નહીં, પણ અહંકાર આત્મા કહે તો ? શું થાય ? અહમ્નો વાંધો નથી, અહંકારનો વાંધો છે. અહમ્ એ અહંકાર નથી. અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને ! કારણ કે અહમ્ તો હોવો જોઈએ, પણ શાનો ? પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. જે નથી તેનો અહમ્ કેમ હોવો જોઈએ? અહમ્ પોઈઝન નથી, અહંકાર પોઈઝન છે. અહમ્ એટલે હું. પ્રશ્નકર્તા : એને અસ્તિત્વપણું કહેવાય ? દાદાશ્રી : હા, અસ્તિત્વ જ કહેવાય. એનું અસ્તિત્વ તો છે જ. અસ્તિત્વનું તો બધા જીવમાત્રને ભાન છે કે હું છું, પણ વસ્તુત્વનું ભાન નથી એને. ‘હું શું છું’ એ ભાન નથી એટલે અહંકાર ઊભો થયો. પોતાનું સ્વરૂપ છે ત્યાં ‘હું છું’ બોલવું એ અહંકાર નથી. આ સોનું છે તે એક દહાડો એને વાણી આપે કોઈ માણસ અને એ બોલે કે, ‘હું સોનું છું’, તો આપણે કહીએ કે ‘અહંકાર કરે છે ?’ કહીએ ખરા? ના. અને લોખંડ બોલે કે ‘હું સોનું છું’ તો ? એટલે ‘આપણે કોણ છીએ’, એટલું જાણવું જોઈએ. ‘હું ચંદુભાઈ છું’ એ આરોપિત ભાવ છે. જ્યાં છે ત્યાં બોલે ને, તો અસ્તિત્વ તો છે જ તમારું. ‘હું છું’, એવો બોલવાનો તમને રાઈટ, અધિકાર છે જ, પણ ‘હું કોણ છું’ ને ‘હું શું છું’ એ ભાન નથી. પ્રશ્નકર્તા : અહંકારમાંય પોતે તો છે જ ને? દાદાશ્રી : હા, પોતે છે, પણ પોતાપણું શું છે તે ખબર નથી એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતે છે એ વાત નક્કી છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું ? પોતાપણું શું છે ? હું ખરેખર કોણ છું ? એનું ભાન ના હોય. અને એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. એટલે ‘પોતે કોણ છે’ એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિર્અહંકાર કહેવાય. એવિડન્સથી ઊભું થયું પોતાપણું પ્રશ્નકર્તા : આ પોતાપણામાં દુ: ખ છે, તો પોતાપણું શા માટે ઉત્પન્ન થયું છે ? દાદાશ્રી : ઉત્પન્ન તો આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી ઊભું થઇ ગયું છે. સૂક્ષ્મ ફોડ અહમપણું ને પોતાપણાનો પ્રશ્નકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ? દાદાશ્રી : બહુ ફેર. અહમ્ તો માનેલું જ રહ્યું (પા.૩) અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. ‘હું’પણું માનેલું એ જતું રહે, પણ પછી વર્તનમાં રહે ને ! ‘હું’ વસ્તુ નહીં સમજાવાથી, ‘હું’માંથી બીજી વસ્તુમાં આરોપ કર્યો. એટલે વિકલ્પ ઊભો થયો. એટલે વિકલ્પનો આખો ગોળો એનું નામ પોતાપણું. વિકલ્પનો આખો ગોળો ભેગો થયો. આમથી વિકલ્પ ને તેમથી વિકલ્પ એ પોતાપણું. એમાં જેટલા વિકલ્પ ઓછા કરે એટલા ઓછા થાય ને જેટલા વધારે એટલા વધે, પણ એ ગોળો રહ્યા કરે. એ ગોળો બહુ વસમો. એ ગોળો હોય છે ને પોતાપણાનો. પ્રશ્નકર્તા : એ આરોપ કોણ કરે છે ? દાદાશ્રી : એ જ મહીં છે. એને અજ્ઞાન કહેવામાં આવે છે. હવે અજ્ઞાન એ શું, કે ‘હું’થી પણ પહેલાંની વસ્તુ છે, ‘હું’ને આરોપ કરનારી વસ્તુ જ અજ્ઞાન છે અને ‘હું’નું આરોપણ છોડી દે તો એનું બધું ચાલ્યું જાય. ‘હું’નું આરોપણ છોડી દીધું, ‘હું’ શુદ્ધાત્મા થયો, એનો ‘અહંકાર’ જતો રહ્યો. પ્રશ્નકર્તા : આ પોતાપણું ‘હું’ને લીધે મનાય છે, દાદા ? ‘હું’ તમે કહ્યુંને, ‘હું’ એ આ પોતાપણું મનાવડાવે છે ? દાદાશ્રી : ‘હું’ તો જુદી વસ્તુ છે. ‘હું’નો આરોપ કરવો કોઈ પણ જગ્યાએ, ‘હું’ને અવળી જગ્યાએ વાપર્યું, એ ઘડીએ પોતાપણું ઊભું થાય. પ્રશ્નકર્તા : એ વિકલ્પ થાય ત્યારે ? દાદાશ્રી : હા, બીજી જગ્યાએ (અજ્ઞાને) વાપર્યું તો વિકલ્પ. પણ તેમાં ‘હું’ને શું લેવાદેવા? ‘હું’ તો ચોખ્ખું ને ચોખ્ખું. અહીં લાવો તો અહીં એ પાછું. એને કશું લેવાદેવા નથી. એનાથી પોતાપણું ઊભું થાય છે, તે લેવાદેવા છે. તમારે પોતાપણું થયેલું કે ન’તુંથયેલું? પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને પોતાપણું હોય ? દાદાશ્રી : પોતાપણું તો જબર-જસ્ત હોય. ભોળો હોય ને, તેને ઓછું હોય. પ્રશ્નકર્તા : દાદા, જરા દાખલો આપીને સમજાવોને ! સમજાયું નહીં ‘હું’ અને ‘પોતાપણું’, બન્ને ડિફરન્ટ કેવી રીતે ? દાદાશ્રી : ‘હું’ તો એવરીવ્હેર એડજસ્ટેબલ કે ‘હું’ તો જમાઈ થઉં, તો તે જમાઈએય થાય અને સસરો થઉં તો એય થાય. ‘હું’ શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માય થાય અને ‘હું’ પુદગ્લ છું તો પુદગ્લેયથાય. એ ‘હું’ કેવું સરસ હશે ! અને ‘પોતે’ એડજસ્ટેબલ થાય એવો હોત તો તો બહુ સારું કહેવાયને! ત્યાં બીજે બધે તો પોતાપણું કરે છે. ‘હું આ છું’ એટલે આરોપ થયો, એટલે એમાંથી પોતાપણું ઊભું થયું. હવે એ ‘હું’ નથી કરતો એવું પણ ‘હું એ છું’ એવો આરોપ કર્યો, માટે આરોપ કરનારને પોતાપણું ઉત્પન્ન થાય છે. પ્રશ્નકર્તા : એટલે તમે જ્ઞાન આપો, ત્યારે આરોપણ છોડાવડાવો છો ? દાદાશ્રી : તો જ છૂટે, નહીં તો છૂટે નહીંને! પછી આપણે કહીએ, અરે, તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ?’ ત્યારે કહે, ‘ના, હું શુદ્ધાત્મા છું.’ તે ઘડીએ વળગી રહે કે ‘ના, હું ચંદુભાઈ છું’, તો આપણે જાણીએ કે આરોપણ છૂટ્યું નથી. પણ તે ઘડીએ બધાંય કહે છે કે ‘હું શુદ્ધાત્મા છું’, નહીં? પ્રશ્નકર્તા : હા. એટલે દાદા, અનંત અવતારનું આરોપણ એક કલાકમાં છૂટીને પાછું હતું તે મૂળ જગ્યાએ આવી જાય છે, તો એ ‘હું’ પણ કેટલો ફ્લેક્સિબલ (સહેજે વાળી શકાય એવો) છે ને ? દાદાશ્રી : ‘હું’ તો એવરીવ્હેર એડજસ્ટેબલ છે. પ્રશ્નકર્તા : પણ એક વખત ‘હું શુદ્ધાત્મા છું’, એમાં જો એડજસ્ટ થઈ ગયો, પછી નથી ખસતું એ. એમાં પછી સ્થિર થઈ જાય છે. (પા.૪) દાદાશ્રી : થઈ જ જાયને પછી. પ્રશ્નકર્તા : એ શાથી ? દાદાશ્રી : મૂળ જગ્યાએ બેઠું એટલે થઈ જ જાયને ! લોકોનેય મૂળ જગ્યાએ બેસાડવું છે, પણ બેસતું નથીને ! શી રીતે બેસે ? એ તો બધા પાપો ભસ્મીભૂત થાય એટલે હલકાફૂલ થઈ જવાય. પાપો ભસ્મીભૂત થાય ત્યારે ‘હું’ મૂળ જગ્યાએ બેસે. એ તો ‘એને’ પછી ઠંડક વળેને ! એટલે પછી કહે, ‘ના, અહીં જ રહીશું.’ હવે છૂટે નહીં. પ્રશ્નકર્તા : દાદા, જ્ઞાન આપો છો ત્યારે, એ ‘હું’પણું છૂટું થઈ જાય છે, પણ જે ‘હું’પણું છે, એ જાગૃતિ જેટલી વધારે, એ પ્રમાણે રહેને કે જાગૃતિ ઓછી હોય એ પ્રમાણે રહે ? એમાં જાગૃતિ કામ કરે ખરી? દાદાશ્રી : જાગૃતિ જ છે ને ! (ભાવ) નિદ્રાથી ‘હું’પણું અવળી જગ્યાએ વપરાય અને જાગૃતિ થાય ત્યારે સવળી જગ્યાએ વપરાય, જાગૃતિથી. પોતાપણાની ડેન્સિટિ (ઘનતા) પ્રશ્નકર્તા : પોતાપણાની ડેન્સિટી કહીએ આપણે, તો એ જુદી જુદી ડેન્સિટી છે બધાયની અંદર. તો એ ગાઢ થતું ગયું અથવા ઝાંખું રહ્યું, એ કંઈ પણ કારણને લઈને ને ? દાદાશ્રી : એ (ગાઢમાંથી ઝાંખું થયું એ) તો એના પોતાના જ પુરુષાર્થ ઉપર. પોતાનો સ્વ પુરુષાર્થ જાગૃતિ પર આધાર રાખે છે. પ્રશ્નકર્તા : એટલે મૂળ પાછો એને પ્રશ્ન આવે છે કે જાગૃતિને કર્મ નથી. દાદાશ્રી : કર્મનો વાંધો નહીં, કર્મ તો આવ્યા જ કરે. પ્રશ્નકર્તા : એને જાગૃતિ સાથે કંઈ લેવાદેવા નથી. દાદાશ્રી : જાગૃતિ હોય તો સમતા રાખે, નહીં તો ના રાખે. પ્રશ્નકર્તા : હા, પણ એ જાગૃતિ આવી ક્યાંથી. દાદાશ્રી : એ તો સાથે છે જ, બે વસ્તુ સાથે. એક સૂઝ સાથે છે. ગમે એવો કર્મનો ગૂંચવાડો આવ્યો હોય, માણસ ગાંડો થઈ જાય એવો હોય તોય પણ એ સૂઝ એકદમ પડે, તે પાછું ખુલ્લું થઈ જાય. પ્રશ્નકર્તા : પણ એ સૂઝના લેવલ પણ જુદા-જુદા છે ? દાદાશ્રી : હા, જુદા-જુદા પણ એ સૂઝ દરેકને પડે. પ્રશ્નકર્તા : પડે ખરી છતાંય એક માણસની સૂઝ અને બીજા માણસની સૂઝમાં ફેરને ? દાદાશ્રી : એ જુદી વસ્તુ પણ, એ સૂઝ એને પડે. એને આ કર્મના ઉદયથી છૂટકારો કરી આપે. સૂઝ પડે એ પુરુષાર્થ છે. હા, એ વૈજ્ઞાનિક કારણ જુદું, જુદી જગ્યા છે એટલે. જગ્યા જુદી જુદીને ! એટલે એ પ્રમાણે જુદું-જુદું હોય આ બધું. એકસરખું ના હોય. સરખી જગ્યા ના હોય. કો’ક અઢારમા માઈલનો હોય, કોઈ પંદરમા માઈલ હોય, કોઈ બારમા માઈલમાંનો અને તે માઈલમાંય પાછી જુદી જુદી જગ્યાઓ. પ્રશ્નકર્તા : તો દરેક જીવ એ સ્પેસમાંથી ગમે ત્યારે પાસ થતો જ હશેને ? દાદાશ્રી : હોયને, થાય. એ સોળમા માઈલમાં આવે ત્યારે પેલાની સ્થિતિ હતી એવી જ એની થાય. પ્રશ્નકર્તા : એટલે એક્ઝેક્ટ એ સ્પેસમાંથી દરેક જીવો પાસ થતા હોય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એવું ખરું દાદા, કે દરેકને એ (પા.૫) જગ્યાએ એ માઈલમાંથી પસાર થાય ત્યારે દરેકને એ માઈલમાંથી પસાર થવું જ પડે અને દરેકને સરખો જ અનુભવ થાય. દાદાશ્રી : હા, સોળમા માઈલમાં અમુક સ્ટેપમાં આવેને, પેલો માણસ આવે તેને એ સ્ટેપમાં, બીજાને એ સ્ટેપમાં, એવી રીતે બધાને સરખો જ અનુભવ. બધા અનુભવ કરતાં કરતાં કરતાં અનુભવ ભેગો થાય છે, એ એનું પોતાપણું છે. અનુભવ ભેગો થાય છે એ પોતાપણું છે, ને એ પોતાપણાને લીધે કામ કરે છે. અને સંપૂર્ણ અનુભવ થયો એટલે મોક્ષ થશે. ‘સત્તા’ ગઈ પણ ‘સીટ’ રહી પ્રશ્નકર્તા : ‘પોતે’ કોણ ? એ ‘પોતા’ની ‘ડેફિનેશન’ આપોને ! દાદાશ્રી : એ જ પોતાપણું છે. અમે કહીએ ‘હેંડો બગીચામાં.’ તો તમે ના પાડો કે ‘ના. મને નહીં ફાવે ત્યાં આગળ, હું નહીં આવું.’ એ જ પોતાપણું. અને ‘જ્ઞાની પુરુષ’ને પોતાપણું ના હોય. તે આપણે જેમ કહીએ ત્યાં આવે. પ્રશ્નકર્તા : એ પોતાપણું કોણ બજાવે છે ? દાદાશ્રી : એ જ, મૂળ હતો તેનો તે જ. હજુ એ ‘સીટ’ છોડતો નથી. સત્તા ઊડી ગઈ પણ ‘એ’ ‘સીટ’ છોડતો નથી. એટલે ધીમે ધીમે એ ‘આપણે’ છોડાવી દેવાની. ‘એને’ સત્તા ઊડી ગયેલી છે, એટલે વાંધો નહીં. પણ આ ‘સીટ’ છોડવી સહેલી નથી. પોતાપણું છૂટવું સહેલું નથી. પોતાપણું તમને સમજાયું કે ના સમજાયું ? જે ‘ડિસ્ચાર્જ’ થયેલો છે, પણ એમાં પોતાપણાના મહીં એવા ભાવ વર્ત્યા કરે છે. નરી ‘ઈફેક્ટ’ જ છે. સત્તા ગઈ છે, સત્તા તો આખી ચાલી ગઈ છે પણ પેલું મૂળ સ્વરૂપ જતું નથી. એ ધીમે ધીમે મૂળ જાય, તદ્દન જાય નહીં ને ! અમને પોતાપણું ના હોય. એટલે એવું (તમારે) થવાનું છે. તમારેય આ ‘જ્ઞાન’ પછી ‘એની’ સત્તા જતી રહી છે, એટલે જ્યારે ત્યારે એવું જ થશે. પણ આ શું થયા છે એ જાણવું જોઈએ. ‘હું’પણું ગયું છે, સત્તા ગઈ છે. સત્તા ગઈ એટલે ખલાસ થઈ ગયું, પણ ‘પોતે’ રહ્યો છે. ‘પોતે’ ત્યાં રહ્યું પોતાપણું આ ‘પોતે’ એટલે તમને સમજાવું. એક વકીલ આવ્યા હતા. મેં કહ્યું, ‘શું નામ ?’ ત્યારે એ કહે છે, ‘મંગળદાસ.’ ‘ધંધો શો ?’ ત્યારે એ કહે છે, ‘વકીલનો.’ ‘એટલે હું વકીલ છું બોલો છો કે ?’ ત્યારે એ કહે છે, ‘એ તો હું જ વકીલ છું ને.’ ‘અને મંગળદાસ કોણ?’ ત્યારે એ કહે છે, ‘હું.’ ‘અને વકીલ કોણ ?’ ત્યારે એ કહે છે, ‘હું.’ ત્યારે મેં કહ્યું, ‘હું વકીલ મંગળદાસ, એવું બોલવાનું ને, તમારે ?’ એવું એક જણ બોલતો હતો. રાતે ઘરના બધા સૂઈ ગયા હતા ને, તો બહાર સાંકળ ખખડાવી. ‘અલ્યા, અત્યારે રાત્રે બે વાગે કોણ ખખડાવે છે ?’ ત્યારે એ કહે છે, ‘હું.’ ‘અલ્યા, પણ હું કોણ ? ઓળખાણ પાડો તો બારણું ઊઘાડીએ, નહીં તો બારણું નહીં ઊઘાડું.’ ત્યારે એ કહે છે, ‘હું બાવો.’ ‘અલ્યા, પણ કયો બાવો ? બોલ ને.’ ત્યારે એ કહે છે, ‘હું બાવો મંગળદાસ.’ ત્યારે પેલાએ બારણું ઊઘાડ્યું. એવું આ ‘હું વકીલ મંગળદાસ’ છે. તમે આ ‘જ્ઞાન’ લીધું એટલે એ ‘વકીલ’ ને ‘મંગળદાસ’ જતું રહ્યું, પણ ‘પોતે’ રહ્યું. તે હજી તમને પોતાપણું છે. કોર્ટમાં કોઈ વકીલ ઊંધું બોલે ને, તે ઘડીએ પોતાપણું ઊભું થઈ જાય. પ્રકૃતિ ગુણે ઊભું રહ્યું પોતાપણું પ્રશ્નકર્તા : પોતાપણું. પ્રકૃતિ ગુણે ઉત્પન્ન થાય? દાદાશ્રી : પ્રકૃતિ ગુણોથી જપોતાપણું. ઉત્પન્ન થયું છે. પણપોતાપણું. એ જે થયું છે એ નાશ થવું જોઈએ. એટલેપોતાપણું. તો જવું જ પડશે ધીમે ધીમે. (પા.૬) પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું પોતાપણું છે કે નથી ? પ્રશ્નકર્તા : કોઈ વાર ઊભું થઈ જાય. દાદાશ્રી : નહીં તો શું રહે ? આત્મા તરીકે રહે? પોતાપણું ના રહે એ નિરંતર જાગૃત હોય. જેટલી જાગૃતિ નથી એટલું બધુંય પોતાપણું જ છે. કોઈ તમને કહે કે ‘તમે ખરાબ છો.’ તો તરત પોતાપણું ઊભું થાય ને ? પ્રશ્નકર્તા : કોઈક વાર થઈ જાય. દાદાશ્રી : કોઈક વાર થાય કે રોજેરોજ થાય? ક્યારે ના થયું એ કહો ને ! આ તો બધું પોતાપણું જ છે ને ! જે પોતે રક્ષણ કરે ત્યાંથી પોતાપણું, પોતાનું રક્ષણ કરે ત્યાંથી પોતાપણું. આ પ્રકૃતિનું રક્ષણ કરે એ બધું પોતાપણું. પ્રકૃતિનું એ માલિકીપણું આમ શ્રદ્ધાએ તૂટ્યું છે, પણ તે હજુ પોતાપણું જતું નથી ને! રક્ષણથી રક્ષાયું પોતાપણું પ્રકૃતિનું રક્ષણ અમુક રીતે રહે, પણ બીજું બધું પોતાપણું જવું જોઈએ. ‘તમારામાં અક્કલ નથી’ કહ્યું ત્યાં રક્ષણ નહીં કરવાનું. આનો સ્વામી કોણ છે? અહંકાર. પ્રતિકાર કરે તે અહંકાર. આનો પ્રતિકાર કોણ કરે છે ? અહંકાર. પણ અહંકાર તો ગયો છે ને ખાલી ખોટું રક્ષણ કરે છે ને! એ તો જેટલું થાય એટલું સાચું. પણ આવી વાત શાસ્ત્રમાં હોય નહીં, પ્રકૃતિનું રક્ષણ કરવાની વાત હોય નહીં. કારણ કે પ્રકૃતિનું રક્ષણ કોણ ના કરે? ભગવાન સિવાય બીજા બધાય પ્રકૃતિનું રક્ષણ કરે. અને તમે પ્રકૃતિ પારકી છે છતાંય રક્ષણ કરો છો. પારકી છે એવું જાણો છો, છતાંય એને પૈણવાની તૈયારી કરો છો એય અજાયબી છે ને! અહંકાર ને મમતા ગયા છે પણ પોતાપણું રહ્યું છે. જુઓ ને, આ અજાયબી જ છે ને ! પ્રશ્નકર્તા : ‘મારું ખરું છે’ એ જ્યાં સુધી છે ત્યાં સુધી પોતાપણું જ રહે ને ? દાદાશ્રી : ખરુંખોટું હોતું જ નથી. એ પોતાપણાનો વાંધો નહીં. બીજા બધા બહુ પોતાપણાં હોય ને ! સહેજ કહેતા પહેલા તો ફાટી જાય. પ્રકૃતિનું રક્ષણ કરે, તે રક્ષણ તો કરે પણ કપટ કરીને અવળું હઉ ફેરવી નાખે. ત્યાં આગળ પોતાપણું ડબલ થઈ ગયું. પોતાની તનતોડ રક્ષા કરવી, એનું નામ પોતાપણું. અત્યારે તો પોતાપણું સાચવે, પણ પાછા કળા કરીનેય ખસી જવા માગે એવું હઉ કરે. એટલે ઉપરથી કળા હઉ કરે. કળા એટલે કપટ. પોતાપણાનો અર્થ સમજી ગયાને ? હજુ પોતાની જાતની રક્ષા કરે છે અને તે કપટ કરીને, કળા કરીનેય રક્ષા કરે છે. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિનું રક્ષણ કરે એ પોતાપણું કહ્યું, તો પછી એ ભાગ કપટમાં ક્યારે જાય? દાદાશ્રી : બધું પોતાપણું પ્રકૃતિના રક્ષણમાં જ જાય પણ અમુક કપટપણું ના હોય એ પોતાપણું સારું કહેવાય, સુંવાળું કહેવાય ને પેલું કપટવાળું એ ખરાબ કહેવાય. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. કળા કરીનેય રક્ષણ કરે, કપટ કરીનેય રક્ષણ કરે, એ ડબલ પોતાપણું. દાદાશ્રી : હા, એ ડબલ પોતાપણું. છોકરાઓ પણ રક્ષણ કરે છે પણ કળા કરીને ના કરે. પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ કપટ કર્યું, કળા કરીનેય પોતાની પ્રકૃતિનું રક્ષણ કર્યું તો એ શું કહેવાય ? દાદાશ્રી : તે એટલું પાતળું કપટ હોય તો ખબર પડે કપટીનેય ખબર પડે. જાડું કપટ હોય તો ખબરેય ના પડે. (પા.૭) નિહાળવાથી ઓછું થાય પોતાપણું પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહેવાથી એ પોતાપણું ધીમે ધીમે જાયને, દાદા ? દાદાશ્રી : પોતાપણાને નિહાળે ત્યારેપોતાપણું. ધીમે ધીમે ઓછું થાય. એની બહુ ઉતાવળ કરવા જેવી નથી. એપોતાપણું. જવું એટલે તો જેવી તેવી વાત નથી.પોતાપણું. ગયું એટલે ભગવાન થઈ ગયો. પ્રશ્નકર્તા : પોતાપણામાં શું શું નિહાળવાનું? દાદાશ્રી : આખી પ્રકૃતિ જ નિહાળવાની. આખી પ્રકૃતિપોતાપણું. જ છે. ત્યાં જ માનતો હતો ને ‘હું છું આ.’ ‘જે’ પ્રાકૃતભાગથી મુક્ત છે, એવું ‘જેને’ ‘જ્ઞાન’ છે એ ‘જ્ઞાની’. ડખોડખલ ના જ્ઞાનીને અત્યારે મારી જોડે આપણા સત્સંગ સંબંધી કે બીજા કોઈ સંબંધી મહીં મોટી લાંબી વાત લઈને આવ્યો હોય તો દોઢ કલાક ભલે ચાલે પણ ડખોડખલ અમારે ના હોય ને ! અને બીજે તો એવું થાય તો મતભેદ હઉ થઈ જાય. અમારે ડખોડખલ ના હોય. સો કલાકનું કામ એક કલાકમાં કરી આપીએ, હંડ્રેડ અવર્સનું કામ. પણ ડખોડખલ નહીં ને ! કારણ કે અમારે પોતાપણું જ નથી ને ! પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં વાક્ય છે ‘જ્ઞાનીનું અંત: કરણ કેવી રીતે કામ કરતું હશે? ‘પોતે’ ખસી જાય તો અંત: કરણથી આત્મા જુદો જ છે.’ એ સમજાવો. દાદાશ્રી : એ અંત: કરણ એક બાજુ સંસાર કાર્ય કરે અને એક બાજુ આત્મા આત્માનું કાર્ય કરે. ‘જ્ઞાની’ને ડખોડખલ હોય નહીં. અંત: કરણ કોને કહેવાય કે જેમાંથી કર્તાભાવ ઉત્પન્ન થાય છે, ‘હું કંઈક કરું છું’ એ ભાવ ઉત્પન્ન થાય છે. એ અંત: કરણથી ‘જ્ઞાની’ જુદા હોય. આ ‘જ્ઞાન’ આપ્યું એટલે તમારે ‘રિયલી’ કર્તાભાવ રહ્યો નથી, પણ ‘રિલેટિવલી’ કર્તાભાવ રહ્યો છે. એટલે કે ‘ડિસ્ચાર્જ’ કર્તાભાવ રહ્યો છે. પણ તમારે હજુ મહીં સહેજ ડખલ રહે છે અને ‘જ્ઞાની પુરુષ’ને પેલી ડખલ ના રહે. ‘પોતે’ ખસી જાય તો ‘અંત: કરણ’થી ‘આત્મા’ જુદો જ છે. આ ‘અંત: કરણ’માં ‘પોતે’ રહેલો છે એ ‘પોતે’ ખસી જાય. દુ:ખ ના થાય એ ખુરશી આપણી પ્રશ્નકર્તા : આ બાજુ (દોષો) સળગે છે ને પોતે જુદો રહે છે, એ જુદા રહેવાનું વ્યવસ્થિતના તાબામાં ગણાય? દાદાશ્રી : ના, ના, વ્યવસ્થિતના તાબામાં હોતું હશે ? વ્યવસ્થિત તો એને પેલી બાજુ બેસાડે ને પુરુષાર્થ આ બાજુ બેસાડે. વ્યવસ્થિત તો એને ત્યાં જ લઈ જાય. પ્રશ્નકર્તા : એવું કેમ ? એવું શાથી ? દાદાશ્રી : વ્યવસ્થિત પુદગ્લને લાગીને છે, આત્માને લાગીને નથી. એટલે ત્યાં જાય તો એ વ્યવસ્થિતના તાબામાં છે. અહીં (આત્મામાં) રહે તો વ્યવસ્થિતના તાબામાં નથી, સ્વતંત્ર છે. તે આપણે રિલેટિવ ઉપર બેસીએ, તે તરત ખબર ના પડે કે શૉક લાગે છે ? એટલે ઊઠીને ત્યાં પેલી શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જવું. માટે સ્વભાવને ઓળખો. શૉક લાગે ત્યાં જ બેસીએ પછી બૂમાબૂમ કરીએ. ‘દાદા, મને મહીં થાય છે...’ ‘અલ્યા મૂઆ! તું ઊઠને અહીંથી. ત્યાં તારી ખુરશી ઉપર બેસને ! તને રિલેટિવ ને રિયલના ભાગ પાડી આપ્યા કે આ તારી ખુરશી ને આ પેલાની ખુરશી. પારકી સીટની મીઠાશ તકલાદી પ્રશ્નકર્તા : એટલે પેલી પોતાપણાની સીટ ઉપર જતા નથી રહેવાનું, એ નિરંતર એ જ જાગૃતિ રહ્યા કરવી જોઈએ ? દાદાશ્રી : ગોદા મહીં લાગે છે, શૉક લાગે છે (પા.૮) તોય પણ ત્યાં જ બેસી રહે છે. ઇલેક્ટ્રિક શૉક લાગે તો તમે ખેંચી લો ? પ્રશ્નકર્તા : ખેંચી જ લે છે. દાદાશ્રી : એ કેમ કર્યું ? ત્યારે કહે, શૉક લાગે છે. એવું આ ખુરશીમાં શૉક લાગ્યો. કમ ટુ ધી ઇઝી. ખબર પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : શૉક લાગે છે ત્યાંથી તો તરત પાછો ખસે, પણ હવે મીઠાશ ઊભી થાય ત્યાં સીટ ડાઉન થઈ જાય. પણ પારકી સીટ એટલે મીઠાશ પણ લાગે અથવા શૉક લાગે એવું પણ બને છે. દાદાશ્રી : મીઠાશ લાગે, પણ શૉક તો લાગ્યા વગર રહે જ નહીં. મીઠાશ હોય તોય શોક લાગે. ઊલટું પુરુષોને તો શૉક લાગે જ, સ્ત્રીઓને ના લાગે. સ્ત્રીઓ મીઠાશ હોય ત્યાં બેસી રહે. એને શૉકની અસર ના ઉદભવે. ઇફેક્ટ ખબર ના પડે. સ્વ-સીટનો આનંદ પોતાની સીટ થઈ ક્યારે કહેવાય કે એક્ઝેક્ટ (યથાર્થ રીતે) પાંચ આજ્ઞા પાળો ત્યારે. પ્રશ્નકર્તા : એ પાળે ત્યારે પોતાની સીટ પર આવ્યા કહેવાય ? દાદાશ્રી : એ આ આજ્ઞા એ જ પોતાની સીટ છે ને આજ્ઞાની બહાર ગયા કે બીજી પેલી સીટ ઉપર બેસી જાય. આ ઇઝી અને પેલી અનઇઝી! સહેજ અનઇઝીમાં જાવ કે શૉક લાગ્યો. ત્યાં શૉક લાગે તરત ખેંચી લે. જ્યારે અહીં શૉક એને સમજાતો નથી. અત્યાર સુધી શૉક લાગવાની ટેવ પડી ગયેલીને ! શેની ટેવ પડેલી છે ? પ્રશ્નકર્તા : એ શૉક એ જ વસ્તુ કરેક્ટ માનેલી. દાદાશ્રી : તે આ તો સુંવાળો બહુને, સહેજ દુ: ખ થાય તો સહન ના થાય. એ મેં કહ્યુંને, ત્યારે તરત ઊઠી જવા માંડ્યો. મારી ગેરહાજરી એનાથી સહન થતી ન્હોતી. એટલે પછી આ કહ્યું કે આમાં રહેજે. પછી આમાં રહેવા માંડ્યો. પ્રશ્નકર્તા : પોતે પોતાની સીટ પર ના આવે, તો ત્યાં સુધી પેલી પારકી સીટ ઉપર ત્યાં છેને ? એવું ખરુંને ? દાદાશ્રી : એ ખોળવું જ નહીં, એની મેળે ત્યાં જ હોય. એ તો કુદરત જ બેસાડી દેને ! તારે ખોળવાનું નહીં. ન છૂટકે બેસાડી દે તો બેસવું. પ્રશ્નકર્તા : પણ ત્યાંથી પોતે ઊઠીને પોતાની સીટ પર બેસવું. દાદાશ્રી : આ પુરુષાર્થ ને પેલું વ્યવસ્થિત. નિશ્ચય જોઈશે અને પેલું વ્યવહાર તો છે જ, વ્યવસ્થિતમાં. અને તે વ્યવહારનિશ્ચયના જેને ભેદ પાડ્યા નથી, તેને માટે આ વ્યવહાર ને આ નિશ્ચય. આપણા માટે વ્યવહારનિશ્ચય નથી. આપણા માટે એકલું નિશ્ચય જ છે. જે ગામ જવાનું તેની જ ભાંજગડ, બીજી શી આપણને ભાંજગડ ? અને તું શું કહું છું કે વ્યવહાર સાચવવો જ પડશેને ? પ્રશ્નકર્તા : ના, એ સાચવવાનો નહીં, પણ એ વ્યવહાર એની મેળે બની જ જવાનો ને ત્યાં. દાદાશ્રી : એ થયા જ કરવાનું. હમણાં ના ગમતો હોય તોય થયા કરવાનો. કૉઝ કર્યા છે એટલે ઇફેક્ટ આવ્યા વગર રહેશે ? પરીક્ષા આપી છે, એ પાસ કે નાપાસનું રિઝલ્ટ તો આવશે જ ને ? છૂટકો છે ? પ્રશ્નકર્તા : એટલે પોતે પેલી સીટ ઉપરથી ખસી ગયા, પછી પણ પેલો વ્યવહાર તો બન્યા જ કરે છે પેલી બાજુ. દાદાશ્રી : પછી બન્યા કરે. તમે ખસી જાવ એટલી જ વાર. ઊલટું નથી ખસતો તેથી બગડ્યો છે. પ્રશ્નકર્તા : એટલે એક ખુરશી ત્યાં છે અને એક ખુરશી અહીં એવું હોય છે એમ ? આ ખુરશીમાં (પા.૯) બેસું તો પેલી ખુરશી ખાલી રહીને એક જગ્યાએ એવું હોય છે એમ ? દાદાશ્રી : પેલી તો રહેવાની જ. આપણે છૂટકો જ નહીં, કુદરત બેસાડે ત્યાં, આપણી ઇચ્છા ના હોય તોય. પ્રશ્નકર્તા : એટલે ત્યાંથી ઊઠવાનો પુરુષાર્થ કરવાનો છે. દાદાશ્રી : હા, આનંદ થવાનો હોય તો બેસાડે અગર દુ: ખ થવાનું હોય તોય બેસાડે, વ્યવસ્થિતમાં. એટલે આપણે તો એ સીટને અડ્યું કે ત્યાં સમજી જવું, આ ન્હોય મારી સીટ, કિંચિત્માત્ર અન્ઇઝી ના હોય. ઇઝી! હું શું કહેવા માંગું છું તે વાત સમજાય છેને? રહ્યો આ જ પુરુષાર્થ પ્રશ્નકર્તા : આ ઉદયમાં તન્મયાકાર રહેવું એવું ‘વ્યવસ્થિત’ ઘડાયેલું હોય છે ? દાદાશ્રી : એવું ‘વ્યવસ્થિત’ હોય જ, એનું નામ જ ઉદય ! ઉદયમાં તન્મયાકાર એવું ‘વ્યવસ્થિત’ હોય જ અને એમાંથી પુરુષાર્થ કરવો. તે ઘડીએ તપ થયા વગર રહે નહીં. આ બધી ઝીણી વાતો ક્યારે એ કાંતે ? એ તો જેમ કાંતે ત્યારે ખબર પડે. પ્રશ્નકર્તા : હવે અજ્ઞાનતા હતી ત્યારે પોતે પ્રકૃતિમાં તન્મયાકાર થતો હતો. દાદાશ્રી : થતો હતો જ નિયમથી અને રાજીખુશી થઈને થતો હતો. એને ગમે પાછું. દારૂ પીવાનો વિચાર આવ્યો કે તરત તન્મયાકાર થઈ જવાનો. એ ગમે એને. અને હવે ‘જ્ઞાન’ પછી શું થાય? મહીં ‘પોતે’ છૂટો રહે. એટલે ના ગમતું થાય. આ ના ગમતું થાય એનું આ તપ ઊભું થાય. પ્રશ્નકર્તા : એટલે પહેલાં ગમતું હતું, તે જ હવે ના ગમતું થયું ? દાદાશ્રી : હા. ગમતું પ્રકૃતિને બાંધે અને ના ગમતું પ્રકૃતિને છોડે. ઉદયકર્મો (તન્મયાકાર થઈને) ‘વ્યવસ્થિત’ પ્રમાણે કરવા પડે, તે બહુ નુકસાન કરનારા છે. આમ બધું છે નિકાલી, પણ ‘મૂળ જ્ઞાન’ને પ્રગટ કરવામાં બહુ નુકસાન કરનારું છે. પ્રશ્નકર્તા : એ બરોબર ના સમજાયું. દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ એવું હોવું જોઈએ કે પુરુષાર્થને અનુકૂળ થાય એવું. પુરુષાર્થના વિરુદ્ધ થાય એ બધું ‘વ્યવસ્થિત’ ઊંધું કહેવાય. ભલે ના ગમતું છે. ના ગમતું છે એટલે એ આત્મા છે એ વાત નક્કી થઈ ગઈ. ‘નથી ગમતું’ ત્યાં એ આત્મા તરીકે છે. પ્રશ્નકર્તા : પણ ‘વ્યવસ્થિત’ તો જે આવી ગયું એ આવી ગયું. પણ હવે ત્યાં આગળ શું કરવાનું ? દાદાશ્રી : જે છે એમાં પુરુષાર્થ કરવો પડે. ત્યાં બળ પ્રજ્ઞાતણું પ્રશ્નકર્તા : એટલે જ્યારે ‘વ્યવસ્થિત’ને આધીન તન્મયાકાર થાય ત્યારે એને તન્મયાકાર ના થવા દેવું. હવે આ જુદું રાખવાનું.... દાદાશ્રી : એ જે પ્રક્રિયા છે એ જ પુરુષાર્થ છે. પ્રશ્નકર્તા : એ જુદું રાખવાનું એ કોણ રાખે ? દાદાશ્રી : એ આપણે રાખવાનું. કોણે રાખવાનું એટલે ? જે રાખતું હશે એ રાખશે. પણ આપણે નક્કી કરવું કે મારે રાખવું છે. એથી આપણે જો પ્રજ્ઞા હોઈશું તો આ બાજુ કરશે ને અજ્ઞા હોઈશું તો પેલી બાજુ કરીશું. પણ આપણે નક્કી કરવું. આ બાજુ થયું એટલે જાણવું કે પ્રજ્ઞાએ કર્યું અને પેલી બાજુ થયું તો અજ્ઞાએ કર્યું. આપણે તો નક્કી જ કે ‘મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો. દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદા પાડ્યા છે. હું પુરુષ થયો છું. માટે પુરુષાર્થ કરવો છે.’ એવું નક્કી કરવું. (પા.૧૦) આ તો આખો દહાડો પ્રકૃતિમાં જતું રહે ઘણુંખરું તો, એમ ને એમ વહ્યું જ જાય છે પાણી ! સમજવી જ્ઞાનભાષાની ઝીણી વાતો પ્રશ્નકર્તા : તો પછી અહંકાર ખલાસ કરવાની માથાકૂટ કરવાની જરૂર નથી. એની મેળે જ ક્રમ પ્રમાણે ઉદયમાં આવશે ને એને આપણે જોયા કરવાનું? દાદાશ્રી : નહીં, આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. ‘કશું કરવા જેવું નથી’ એવું નહીં. ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો. પ્રશ્નકર્તા : પણ એ ‘જોયા’ કરવા સિવાય બીજો શો પુરુષાર્થ ? દાદાશ્રી : એ જોયા કરવાનું, પણ એ જોવાતું નથી એવું. જોવાય એવું સહેલું નથી એ. પુરુષાર્થ કરવાનો આપણે. પુરુષાર્થ કરીએ તો જોવાય. પ્રશ્નકર્તા : એટલે કેવો પુરુષાર્થ કરવાનો ? દાદાશ્રી : એ જ પુરુષાર્થ કરવાનો કે આ શું મહીં બળી રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે. પ્રશ્નકર્તા : એ જોવાનું થયું ને ? દાદાશ્રી : પણ જોવાનું સહેલું નથી. જોવાય નહીં માણસથી. માણસ જોઈ શકે નહીં. પુરુષાર્થ કરે તો જોવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય, તન્મયાકાર થવા ના દે. આ તો તન્મયાકાર થઈને એને જુએ, એનો અર્થ જ નહીં ને ! ‘મીનિંગલેસ’ (અર્થ વગરની) વાત ને ! છેલ્લી માલિક, રોંગ બિલીફો પ્રશ્નકર્તા : કમ્પ્લીટ વ્યવસ્થિત માને તો જ પોતે પોતાનામાં રહી શકે ને, નિ: શંક થઈને રહી શકેને? દાદાશ્રી : બધું ફેક્ટ જ થઈ ગયું. અમારી આજ્ઞામાં આવ્યોને ! ચોખ્ખું જ્ઞાન લીધુંને એણે ! આ તો લીધેલામાં પોતે ડહાપણ કરે છે. અનંત જ્ઞાન શી રીતે રહેશે ? મારામાં જ્ઞાન છે નહીં ને આ અનંત જ્ઞાન કહે છે ! કોની જોડે માપે એ ? પોતાપણું બદલે નહીં. આ તો અમે જ્ઞાનમાં એવી રીતે મૂક્યું છે કે એની મેળે બદલાઈ જાય. નહીં તો એને કહ્યું હોય કે બદલજો, તો હવે ના બદલે. અમે જ્ઞાનમાં જ એવું મૂક્યું છે કે બદલાઈ જાય. મૂક્યું છે એવું લાગે છે તમને ? પ્રશ્નકર્તા : હા. એટલે આ પોતાની રોંગ માન્યતાઓ એ જ બધું પોતાપણું કીધું ? દાદાશ્રી : તો બીજું શું ત્યારે ? પ્રશ્નકર્તા : એટલે એ રોંગ માન્યતા છૂટે તો પોતાપણું ગયું કહેવાય ? દાદાશ્રી : પોતાપણું આમ તો પાર વગરનું છે બધું. પણ એનો માલિક કોણ ? એનો માલિક કોણ? એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? એનો માલિક કોણ ? છેવટે છેલ્લા માલિક કોણ રહ્યા ? ત્યારે કહે કે બિલીફો. પ્રશ્નકર્તા : છેલ્લી માલિક બિલીફો, કરેક્ટ ? દાદાશ્રી : નહીં તો આમ તો પોતાપણું બધું બહુ જગ્યાએ વેરાઈ ગયું છે. પ્રશ્નકર્તા : અને એ પાછી રોંગ બિલીફો હોય છે બધી. એ રોંગ બિલીફો છેદાય તો પોતાપણું પણ જાય અને રાઈટ બિલીફના આધારે જ એને છેદી શકાય ને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : અને રાઈટ બિલીફ પ્રાપ્ત થઈ હોય તો જ એ રોંગ બિલીફ છેદી શકાયને ? દાદાશ્રી : હા. કર્માધીન નથી પોતાપણું દાદાશ્રી : દરેક વિષયનો સ્વભાવ શું છે કે (પા.૧૧) જેટલો સ્ટ્રોંગ એટલા વિષય ઓછા. હં. એમાં જેટલો નબળો એટલા વિષય વધ્યા. સાવ નબળો હોય તેને બહુ વિષય હોય. એટલે નબળાને ફરી ઊંચો જ ના આવવા દે, એટલા બધા વિષય વળગ્યા હોય. ઊંચો જ આવવા ના દે અને જબરાને અડે નહીં. પ્રશ્નકર્તા : એ નબળાઈ શેના આધારે ટકી રહી છે? દાદાશ્રી : પોતે છે તે મહીં એમાં પ્રતિજ્ઞા ના હોય. કોઈ દહાડો એ સ્ટ્રોંગ ના હોય, સ્થિરતા ના હોય. એટલે લપસતો જાય. લપસતો લપસતો ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : પણ એ પણ કર્માધીન તો ખરોને? એ કર્માધીન વાત ખરીને ? દાદાશ્રી : કર્માધીન તો આખું જગત છે, પણ પોતે સ્થિરતા રાખવી કે પોતે ન લપસવું એવું કંઈ નિશ્ચય તો હોવો જોઈએને ? પોતાપણું કંઈ જતું રહ્યું છે ? પોતાપણું તો છે જ ને ? પ્રશ્નકર્તા : પોતાપણું પણ એના ઉપર આધારિત નથી, કર્મના ઉદય ઉપર ? દાદાશ્રી : ખરું પણ, પોતાપણું એટલે અમુક અમુક તો પોતાની સત્તા રહીને ! કર્મનો આધાર હોય, કેમ કોઈ કૂવામાં પડતો નથી ? પ્રશ્નકર્તા : એને પડવાનું હોય તો જઈને પડે જ છે, દાદાજી. દાદાશ્રી : ના, ના, એ જાગૃતિ પોતાની સત્તાછે. પ્રશ્નકર્તા : તો આપણે ગમે એ, કોઈ પણ માણસને જાગૃત કરી શકીએ ખરા? દાદાશ્રી : તે આ બુદ્ધિ એટલે બુદ્ધિની જાગૃતિ હોય પણ એ સત્તા છે પોતાની. તમને જ્ઞાન જાગૃતિ હોય, એને બુદ્ધિની હોય. પેલા કર્મના ઉદયમાં સત્તા પોતાની છે. પ્રશ્નકર્તા : પણ તોય કર્મના ઉદય આવરી નહીં લેતી હોય એ સત્તાને ? કારણ કે આપની સભામાં બધા બેઠા છીએ. આપ બધાને એક સાદી જ વાત સમજાવો છો આપ, બહુ ગુઢ પણ ન હોય છતાં પણ, જે રીતે આપ કહો છો એ રીતે સમજણ પહોંચતી નથી અને પહોંચવા દેતી નથી. હવે કેટલાયને આપ જ્ઞાન આપો છો, લે છે, સમજી જાય છે આપની પાસેથી. પણ પાછો એ આમાંથી છૂટી જાય છે. એ બધું કર્મને ? કર્મનું કવરિંગ તો ખરું કે નહીં ? દાદાશ્રી : કર્મને લેવાદેવા નહીં. કર્મ તો બધાની પર જ હોયને ! પોતે જાગૃતિનો શું ઉપયોગ (કરે) છે તે ઉપર આધાર. પ્રશ્નકર્તા : પણ એમાં એને સ્વતંત્રતા છે એમ નક્કી થયું. દાદાશ્રી : છે જ, છે જ ને ! એનું નામ ઉપાદાન કહેવાય છે. જ્યાં સુધી આ આત્મા પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ઉપાદાન તો છે જ. ને આત્મા પ્રાપ્ત થયો, આત્માનો પુરુષાર્થ.... પ્રશ્નકર્તા : પણ ઉપાદાન આપણે કહીએ છીએ ને સહુનું ઉપાદાન પણ જુદું-જુદું જ છે ને ? દાદાશ્રી : જુદું-જુદું હોય બેનું પણ, એ ઉપાદાન છે ને ! પ્રશ્નકર્તા : એ ઉપાદાન પણ લઈને આવ્યો હોય છે ને ? દાદાશ્રી : ના પણ, ઉપાદાન તો એનું સ્વતંત્ર કામ કરનારું છે ને ! પ્રશ્નકર્તા : પણ દાદાજી, એ ઉપાદાન છે, એ ઉપાદાન બન્યું કેવી રીતે ? દાદાશ્રી : સ્વપુરુષાર્થ છે એ. પોતાનો પુરુષાર્થ, પોતાની મિલકત છે એ તો. (પા.૧૨) પ્રશ્નકર્તા : ઉપાદાન મિલકત થઈ પણ, એ મિલકત... દાદાશ્રી : એક માણસને એ મિલકત ના હોય તો એ બસ કોઈની જોડે લઢાઈ થાય તો લઢવાના જ વિચારો ઉદયકર્મના આધારે આવે. બીજાને લઢાઈ થાય તો લઢવાના વિચારો આવે પણ, ઉપાદાન હોય એટલે સમતા રાખે. એટલે એની પાસે સાધન છે. પ્રશ્નકર્તા : સાધન છે દાદાજી પણ, એ જુદા-જુદા લેવલ ઉપર જુદા-જુદા માણસોને જુદું-જુદું છે. દાદાશ્રી : હા, પણ એ જુદું-જુદું પણ એ સાધન છે. પોતાપણું છે એ કોઈ કર્મને વશ નથી. અનુભવથી અહમ્ ઓગળે પ્રશ્નકર્તા : અહમ્ (અહંકાર) શેનાથી ઓગળે? દાદાશ્રી : એ તો ખત્તા ખાયને, એ તો એના બધા કર્મોના પરિણામ ભોગવે ત્યારે અનુભવ થતો જાય. જેટલો અનુભવ થયો એટલો અહમ્ ઓગળે. પ્રશ્નકર્તા : પણ એ પહેલાં ઓગાળીને આવેલા હોય તો ? દાદાશ્રી : એ ઓગાળ્યું જ નથી. પણ એને ખબર પડે નહીં. એકઝટકામાં, એક મિનિટમાં જ ઓળખાય. અહમ્ ઓગળેલું જ નહીં. એનો અહંકાર ક્યાંથી ઓગળે ? એ જાગૃતિ છે. અહંકાર ઓગળ્યો હોત તો ભગવાન કહેવાત. કેમનું, આ તમને આમાં સમજણ ના પડે ? પ્રશ્નકર્તા : ના, એટલે આપ જે ભગવાનની દશાનું કહો છો એ તો બરાબર છે, એવું નથી. આપ જે અપેક્ષાએ કહો છો એ... દાદાશ્રી : જરાય અહમ્ નથી ઓગળેલો, આ બધાય લોકોને છે એવી રીતે એને ઊભો રહેલો છે. શેનો ઓગળે ? ઊલટો બીજાને ઓછો હશે, એનામાં વધારે છે. પ્રશ્નકર્તા : એ કઈ રીતનો ? દાદાશ્રી : એ તમને ના ખબર પડે. પ્રશ્નકર્તા : એ તો હું જાણવા માગું છું. દાદાશ્રી : નહીં. જાણીને શું કામ છે ? ઊંડા ઉતરીએ નહીં. અહમ્ ઓગળે એવી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : તો દાદા એનું તો જવા દો હવે, એની વાત બાજુએ, પણ બધાને એ ઓગાળવો તો પડશે જ ને, એ અહમ્ને ? દાદાશ્રી : એ તો ઓગાળતા વાર લાગેને, ઘણો ટાઈમ લાગે એ તો પેલો અહમ્ તો. મેં (ચાર્જ અહંકાર) ઓગાળી આપ્યો છે. હવે પેલો ડિસ્ચાર્જ અહંકાર... પ્રશ્નકર્તા : હા, એ ડિસ્ચાર્જ અહંકાર રહ્યોને! દાદાશ્રી : હં. (એને જતાં તો) ઘણો ટાઈમ લાગે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે આમ અનુભવમાં આવે, ખત્તા ખાય, ઘડાય, ત્યાર પછી એ ઓગળે. એ કહ્યું આપે, ડિસ્ચાર્જ અહમ્ એ બધો ખત્તા ખાય... દાદાશ્રી : હા, અનુભવ થાય. પ્રશ્નકર્તા : હા, પણ એ તો આખો ક્રમ થઈ ગયોને ? દાદાશ્રી : ક્રમ ખરોને ! એમને એમ એકદમ ઓગળે નહીં. પ્રશ્નકર્તા : ક્રમ પ્રમાણે. દાદાશ્રી : અહમ્ ઓગાળવો એટલે અનુભવ જેટલો થતો જાય એટલો અહમ્ ઓગળ્યો. પ્રશ્નકર્તા : પણ એ જાગૃતિથી અહમ્ એ ના કરી શકાય ? દાદાશ્રી : જાગૃતિ તો આ કૃપાનું પરિણામ છે, (પા.૧૩) બીજું કશું નથી. એમાં એનું કશું નથી, પુરુષાર્થ નથી એનો. પ્રશ્નકર્તા : ના, એ વસ્તુ જુદી દાદા, પણ જે ઉત્પન્ન થઈ ગઈ, એના આધારે ના થઈ શકે એમ? દાદાશ્રી : શું ? પ્રશ્નકર્તા : ઉત્પન્ન થઈ શેના આધારે તે વસ્તુ જુદી, પણ હવે જે ઉત્પન્ન થઈ, એ જાગૃતિના આધારે? દાદાશ્રી : આ જિજ્ઞાસાવૃત્તિ એને જરાક ફાયદો કરશે, હેલ્પ કરશે. બાકી ખરી રીતે તો એના કરતાં બીજા બધા મહાત્માઓ વધે. ઉદયમાં પોતાપણું વર્તે જ પ્રશ્નકર્તા : એ પોતાપણામાં, એટલે અહંકાર અને પોતાપણું એક કહેવાય? દાદાશ્રી : અહંકાર તો જતો રહ્યો. પ્રશ્નકર્તા : અહંકાર ગયો કહેવાય ? દાદાશ્રી : અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે અહંકાર ને મમતા બધું જતું રહે છે. પ્રશ્નકર્તા : હા, તો પછી પોતાપણું એટલે ? દાદાશ્રી : જે અહંકાર જીવતો નથી તે. પ્રશ્નકર્તા : એ પોતાપણું ? દાદાશ્રી : એની એ જ વસ્તુનો લાડવો વાળ્યો તો લાડવા કહેવાય અને ચકતા પાડ્યા તો બરફીચૂરમો કહેવાય. અને એમ ને એમ ચકતાયે ના પાડ્યા ને લાડવા ના વાળ્યા, એમને એમ ચોળું તે પેલું ચૂરમું કહેવાય. એની એ જ વસ્તુ. વસ્તુ એકની એક જ આ. એવી રીતે આ પોતાપણું ને એ બધું એકનું એક જ. અહંકાર ને મમતા જતા રહ્યા એટલે એ ભાગને અત્યારે પોતાપણું કહીએ છીએ આપણે. પ્રશ્નકર્તા : તો અહંકાર અને પોતાપણામાં શું ફરક છે, દાદા ? દાદાશ્રી : અહંકાર તો ખસે નહીં, ઓછો થાય જ નહીં. પ્રશ્નકર્તા : તો આ પોતાપણું ખસી જાય ? દાદાશ્રી : પોતાપણું તો ઓછું થતું જ જાય. પોતાપણું એટલે ભરેલો માલ અહંકાર, ભરેલો અહંકાર, તે નીકળ્યા કરે. અને આ તો અહંકાર કેવો છે ? ભરેલો છે અને નવો ભરાતોય છે, બેઉ ભેગા છે. અને પેલો ભરાતો આપણામાં નીકળી ગયો અને ભરેલો રહ્યો. ભરેલો પેલા લોકોનેય ખાલી થાય અને અહીંયે ખાલી થઈ જાય. પ્રશ્નકર્તા : પણ અહીં હવે નવો નથી ભરાતો. દાદાશ્રી : ના, અહીં નવો ભરાતો નથી. પ્રશ્નકર્તા : એટલે આ પોતાપણું તો જેટલા પેલા ઉદય આવે છે એટલા વખત સુધી પોતાપણું તો ટકવાનું જ ને એની જોડે ? એવું નહીં? દાદાશ્રી : પોતાપણું ખલાસ થયા પછી બધું ઉદય આવે જ ને ! (પણ) એમાં પોતાપણું ના હોય, એ ઉદયમાં. પ્રશ્નકર્તા : હા, એ તો પોતાપણું ખલાસ થાય ત્યારે ? દાદાશ્રી : ત્યાર પછીયે ઉદય તો આવ્યા જ કરવાનો ને ! પ્રશ્નકર્તા : પણ એમાં પોતાપણું ના હોય. દાદાશ્રી : પોતાપણું ના હોય. પ્રશ્નકર્તા : એટલે અત્યારે મહાત્માઓને ઉદય પણ છે અને ઉદયમાં પોતાપણું પણ છે. દાદાશ્રી : ઉદય તો મારેય હોયને ! પ્રશ્નકર્તા : તો આપને પોતાપણું ના હોયએમાં. (પા.૧૪) દાદાશ્રી : ના હોય. પ્રશ્નકર્તા : અને મહાત્માઓને ? આ બધાને, જ્ઞાન લીધું છે એમને ? દાદાશ્રી : એમને તો પોતાપણું છે જ ને ! પ્રશ્નકર્તા : એટલે ઉદયમાં પોતાપણું જ છે એમને ? દાદાશ્રી : હા, બસ, બીજું કશું નહીં. પ્રશ્નકર્તા : એટલે ઉદયમાં જે પોતાપણું વર્તતું છે અત્યારે, એ પોતાપણાને ખસેડવાનું છે, એવું છે? દાદાશ્રી : ઉદયમાં પોતાપણું વર્તે જ. જાગૃતિ મુજબ ખાલી થાય પોતાપણું પ્રશ્નકર્તા : એટલે આ ‘જ્ઞાન’ લીધા પછી પોતાપણું એ ‘ડિસ્ચાર્જ’ ભાવ કહેવાય ? દાદાશ્રી : એ ‘ડિસ્ચાર્જ’ ભાવ છે, ભરેલો માલ છે. એ માલ નીકળી જશે એમ પોતાપણું ખલાસ થતું જશે, પોતાપણું ઊઠી જશે. પ્રશ્નકર્તા : એટલે પોતાપણું આ માલના આધારે ટક્યું છે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : ને માલ ખાલી થશે તેમ પોતાપણું ખલાસ થશે ? દાદાશ્રી : હા, માલ ખાલી થશે તેમ પોતાપણું ખૂટતું જશે. પોતાપણું એમને એમ નથી ખૂટે એવું. ટાંકીમાંથી માલ ખાલી થઈ ગયો એટલે પોતાપણું ખલાસ થયું. પોતાપણું નીકળ્યું એટલું જતું જ જાય. પણ ઓછું નીકળ્યું હોય તો એટલું વધારે રહ્યું ને વધારે નીકળ્યું હોય તો એટલું ઓછું થઈ ગયું. ત્યાં જેટલી જાગૃતિ એ પ્રમાણે પોતાપણું નીકળી જાય. જાગૃતિનું પ્રમાણ હોય, એટલા પ્રમાણમાં પોતાપણું નીકળી જાય. જાગૃત વધારે હોય તો પોતાપણું વધારે પ્રમાણમાં નીકળી જાય ને જલદી નીકળી જાય. જાગૃતિ ઓછી હોય તો પોતાપણું ધીમે રહીને નીકળે. પણ આ ‘જ્ઞાન’ પછી પોતાપણું અત્યારે તમને સોએ સો ટકા છે. તેમાંથી જાગૃતિ વધારે હોય તો એકદમ દસ ટકા પોતાપણું નીકળી જાય ને જાગૃતિ ઓછી હોય તો બે ટકા જ નીકળે. પ્રશ્નકર્તા : પછી બાકીના નેવું ટકા પોતાપણાના તો રહે જ ને ? દાદાશ્રી : હા. વધારે જાગૃતિવાળાને નેવું ટકા રહે ને પેલા ઓછી જાગૃતિવાળાને અઠ્ઠાણું ટકા રહે. પ્રશ્નકર્તા : હવે બાકીનું રહ્યું એ પાછું કઈ રીતે ખાલી થતું જાય? દાદાશ્રી : પછી ફરી વખતે પાછું નીકળે એ તો. પ્રશ્નકર્તા : એટલે જેમ જેમ ઉદય આવે તેમ તેમ પોતાપણું નીકળે? દાદાશ્રી : હા, પણ એમાં જેટલું જાગૃતિનું પ્રમાણ હોય એટલું ‘સ્પીડી’ પોતાપણું નીકળી જાય. અને જેટલા ટકા પોતાપણું ખલાસ થાય એટલા પ્રમાણમાં જાગૃતિ વધતી જાય. યથાર્થ જાગૃતિ, જુદાપણાની પ્રશ્નકર્તા : ઉદય આવે, એમાં જાગૃતિ વર્તે, તો દસ ટકા અગર તો બે ટકા પોતાપણું ખલાસ થયું, તો એ જાગૃતિ કેવી હોય ? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય ? દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ, પછી આ આજ્ઞાઓની એ બધી જાગૃતિ રહે. ‘આ કોણ, હું કોણ’ એ બધી જાગૃતિ રહે. મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે એવી બધી જાગૃતિ રહે. (પા.૧૫) ‘આ (ચંદુ) હું ન્હોય, આ (આત્મા) હું’ એ જે જાણે છે તે આત્મા ! ‘આ હું અને આ ન્હોય’ એવી બધી જાગૃતિ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : કઈ કઈ બાબત પોતે ન્હોય અને કઈ કઈ બાબત પોતે છે ? એમાં શું શું જુએ ? દાદાશ્રી : બધીય બાબત. એ તો અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ને! ‘જ્ઞાન’ આપતી વખતે અમે આપીએ છીએ ને, કે આ તું ન્હોય. પ્રશ્નકર્તા : એ જુદું પાડ્યા કર્યું એ આત્મા કહ્યો? દાદાશ્રી : બસ, એ જ આત્મા ! પ્રશ્નકર્તા : હવે એવું નિરંતર રહેવું જોઈએ ને? દાદાશ્રી : લક્ષમાં ભૂલાય જ નહીં એ જુદું પાડવાનું. પછી જ્યારે હોય ત્યારે જુદું પાડવાનું, એનું એ. પછી એ આત્મા જ થઈ ગયો. ખમીસને બટન વાસે તેથી કરીને ખમીસ કાઢી શકે એમ છે, એવું જાણે છે ને, કે આ ભાગ ખમીસ છે ને આ હું, કે એવું ના જાણે? કે ત્યાં બધું સરખો જ ભાગ જાણે ? પ્રશ્નકર્તા : ના, એ જુદું સરસ રીતે જાણે. પણ હવે આ મનવચનકાયાની અવસ્થા નિરંતર ઉત્પન્ન થયા કરવાની ને ? તો ત્યાં જ જાગૃતિ અવિરતપણે માગે છે ને, કે આ હું ન્હોય અને આ હું ? દાદાશ્રી : આ બધું આટલું હોતું જ નથી. પણ આમાં ક્યાંક રહી ગયું હોય કે આપણે મહીં ‘ઈન્ટરેસ્ટ’ લઈએ, ત્યારે આપણે કહીએ, ‘ભઈ, આપણું ન્હોય આ.’ બાકી, ‘જ્ઞાન’ આપ્યા પછી છૂટો જ રહે છે. પણ પછી મહીં ભેળસેળ થઈ જાય થોડોઘણો. પ્રશ્નકર્તા : એટલે ગમે તેવા પરિણામ આવે એ આપણા ન્હોય, એવું મહીં લક્ષમાં રાખવાનું ? દાદાશ્રી : હા, કે આ હું ને આ હું ન્હોય ! પ્રશ્નકર્તા : પણ આમાં આ ખમીસ જુદું અને હું જુદો, એવું પેલામાં એને શું દેખાય છે ? દાદાશ્રી : એવું આ મહીં હઉ એવું જુદું દેખાય ને! પ્રશ્નકર્તા : આમ દર્શનમાં શું આવે એને ? એક દાખલા તરીકે કહો કશું. દાદાશ્રી : આ પથરો જુદો ને મારો હાથ જુદો, એમ ખબર ના પડે આપણને ? પછી, આ પથરાનો ગુણ છે ને આ મારો ગુણ છે એવું? પ્રશ્નકર્તા : હા. પથરાના ગુણને બધી રીતે જાણે કે આ વજનવાળો છે, ઠંડો છે, ચોરસ છે... દાદાશ્રી : સુંવાળો છે. પ્રશ્નકર્તા : તો આ ગુણધર્મ ન્હોય મારા અને મારા આ ગુણધર્મ, એમાં એને કેવી રીતે રહેવાનું ? દાદાશ્રી : કે આ ઠંડું મારું ન્હોય, આ સુંવાળું મારું ન્હોય, આ ગુસ્સો થયો તે મારો ન્હોય, કપટ કર્યું તે મારું ન્હોય, દયા કરી તે મારું ન્હોય ! આપણે પથારીમાં સૂઈ જઈએ, તો હું જુદો છું એ ના ખબર પડે? પ્રશ્નકર્તા : ત્યાં તો સમજાય કે પથારી અને સુનાર ખરેખર જુદા જ છે. પણ એને આ આત્મા અને આ પૌદ્ગલિક અવસ્થા એ જુદા છે, એ જે લક્ષમાં રહેવું જોઈએ અથવા જે ઉપયોગ જાગૃતિ રહેવી જોઈએ, ત્યાં વાંધો છે ને ? દાદાશ્રી : પથારીની બાબતમાં કંઈક જાગૃતિ છે પણ આત્માની બાબતમાં તો જાગૃતિ ઊડી જ ગયેલી છેને ! પથારીની વાત એના ખ્યાલમાં રહે છે. પ્રશ્નકર્તા : એ પણ એને નોંધ કરાવીએ ત્યારે કહેશે, ‘હા, બે જુદા છે.’ દાદાશ્રી : એ તો પુરાવા સાથે આપું ત્યારે એ માને. (પા.૧૬) પ્રશ્નકર્તા : તો એવું અંદરની વસ્તુઓમાં બધા ‘ફેઝિઝ’ને ‘ન્હોય મારા અને હું શુદ્ધાત્મા’ એવું સમજવા માટે અથવા એવું યથાર્થ જાગૃતિમાં રહેવા માટે આ બધા પુરાવાની જરૂર પડે ને ? દાદાશ્રી : પુરાવા તો મુખ્ય વસ્તુ છે. પ્રશ્નકર્તા : એ પુરાવા કયા કયા હોય, અંદરનું સમજવા માટે ? દાદાશ્રી : જેમાં અનેક વસ્તુ ભેગી થઈને કાર્ય થાય એ બધું આપણું ન્હોય. ત્રણ જ વસ્તુ ભેગી થઈ અને કાર્ય થયું તોય આપણું ન્હોય. બે વસ્તુ ભેગી થઈને કાર્ય થયું તોય આપણું ન્હોય. કેરી ચપ્પાથી ના કાપી અને દાંતથી કાપી. હા, એ બધું ભેગું થઈને થયું માટે એ આપણું ન્હોય! ઝીણું સમજવું પડશે ને ? ચાલે ખરું જાડું ? પ્રશ્નકર્તા : મૂળ વસ્તુ તો સૂક્ષ્મતમ છે. દાદાશ્રી : હા, મૂળ વસ્તુ સૂક્ષ્મતમ છે અને વાત જાડી કાંતે તો શું થાય ? પ્રશ્નકર્તા : પણ આ વાત નવી જ કહી. દાદાશ્રી : નવી નહીં, છે જ પહેલેથી આ ! આ તો તીર્થંકરોની પાસે હતું, પહેલેથી જ હતું અને આજેય છે. તમે તમારી મેળે તમારી લૉ બુકથી ‘નવું’ કહો, તેનું હું શું કરું તે ? જ્ઞાની વર્તે ઉદયાધીન કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ ઉદયકર્મને આધીન રહે. એનો અર્થ શું તમને સમજાય છે ? પોતાપણું ના હોય. આ પૂર્વકર્મ ને (ભ્રાંતિનો) પુરુષાર્થ એ બે પોતાપણું છે. પોતાપણાથી આ નિયતિ બગડે છે, નહીં તો મોક્ષે જ જાય સીધો. ત્યાંથી નીકળ્યો કે સીધો મોક્ષે જ ચાલ્યો જાય. પણ પોતાપણું આવે છે ને ! જોયેલું કે નહીં પોતાપણું ? પાંચ લાખ કમાયો કે છાતી કાઢીને ફરે અને ખોટ ગઈ ત્યારે ભગવાને ઘાલી. માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ, મારો ઉદયકર્મ, નસીબ અને કમાયો ત્યારે ઉદયકર્મ નથી બોલતો ! જ્ઞાનીથી માંડીને તીર્થંકર સુધીના બધા ઉદયાધીન વર્તતા હોય,પોતાપણું. ના હોય. એટલે જેમ ઉદય આવે તેમ વર્તે. એમને એવું નથી કે આમ જ કરવું. ઉદયકર્મ જ કરી રહ્યું છે અમે ઉદયકર્મને જોઈએ છીએ કે ઉદયકર્મ શું કરી રહ્યું છે ! એને દોષ નથી દેતા. એનું નામ જ દઈએ એટલું જ, બાકી ઉદયકર્મ જ કરી રહ્યું છે આ. તેવું આપણે જોઈએ છીએ ને બોલીએ છીએ. પ્રશ્નકર્તા : પણ તમારા એ ઉદયકર્મને જોઈને બોલવાની જે ભાષા છે ને, એ ભાષામાં સ્વબચાવ નથી. દાદાશ્રી : હોય જ નહીં ને ! પણ પોતાપણું જ ના હોય ને ! એટલું જ જોઈ લેવાનું ને ! અહીં છે જ નહીં પોતાપણું. પ્રશ્નકર્તા : હવે સામે સાંભળનારામાં પોતાપણું હોય છે. સામે જે સાંભળે છે ને ત્યાં પોતાપણું હોય છે. એટલે આ મેળ જામતો નથી. દાદાશ્રી : પણ પોતાપણું ધીમે ધીમે કાઢવાનું છે એવું પોતાને ખબર પડે પછી. પેલું તો ભાન જ નથી પોતાપણું ને પારકાપણું. જગત આખાને ભાન જ નથી ને ! પ્રશ્નકર્તા : એ તો આપે સત્સંગમાં કહેલું ને ઉદયકર્મ મારા છે એવું જાણે પણ માને નહીં, તો વાંધો નથી. દાદાશ્રી : નહીં, ‘ઉદયકર્મ મારા છે’ પહેલાની સ્ટેજમાં જાણવાની જરૂર છે, એટલું જ છે. ઉદયકર્મ રૂપાળા કરવા હોય તેને. બાકી ઉદયકર્મ, એ ઉદયકર્મ છે અને ‘પોતે’ ‘પોતે’ છે. (પા.૧૭) ફિલ્મ અને ફિલ્મનો જ્ઞાતા, ફિલ્મને જોનાર. બે જેવી સ્થિતિ છે, એવી સ્થિતિ ઉદયકર્મને અને જોનારને હોય. એટલે આપણા સત્સંગમાં બધા શું કરે છે એજ જોવાનું હોય, પોતાનું ડહાપણ મૂકવાનું નહીં. પુદગ્લ પુદગ્લમાં જ પરિણામ પામવું જોઈએ. પુદગ્લમાં જ રહેવું જોઈએ ને ? જ્ઞાનીની ઉદયમાં જાગૃતિ આવતા ભવનું ચીતરામણ એપોતાપણું.. અમારે પોતાપણું. ના હોય. તમે કહો એમ કર્યા કરીએ. જ્યારે તમારી ભૂલો કાઢું છું તે અમારું ઉદયકર્મ બોલે. (અમારા કહ્યા પ્રમાણે) ના ચાલો તે (પણ અમારું)પોતાપણું. નથી ત્યાં. પ્રશ્નકર્તા : એટલે બધાએ ‘ચાલો’ કહે એ વખતે આપનો ઉદયકર્મ છે એમ? દાદાશ્રી : હા. ત્યારે બધા કહેશે કે દાદાએ જાતે જ કર્યું. એ પણપોતાપણું. નથી એમાં. પાછા કહેશે, બેસો, તો બેસે પાછા. (પછી) કહે ચાલો થોડુંઘણું. ચાલ્યા પછી બધા કહેશે, ‘બેસો.’ ત્યારે કહે, બેસો ત્યારે. પોતાપણાથી મુક્ત છે. પ્રશ્નકર્તા : ગર્વ નથી, ગારવતા નથી,પોતાપણું. નથી. દાદાશ્રી : કેવો આનંદ ને કેવી મજા રહેતી હશે તો ! બધો ભાર જ પોતાપણાનો છેને, વગરકામનો માથા પર બોજો. મી, મી, મી કર્યા કરે, આમ્હી (અમે) ને તુમ્હી (તમે), તુમ્હી ને આમ્હી એવું કર્યાર્ કરે. અમે તો બોલીએ ખરા પણ, એની પકડ ના હોય. ‘કેટલી વાર છે’ એમ પૂછયા કરીએ. એ કહેશે, પાંચ મિનિટ તમે બેસો. પછી બે કલાક સુધી બેસી રહીએ અમે. પૂછતા જઈએ ને બે કલાક સુધી બેસીએ. પ્રશ્નકર્તા : એટલે અંદર કશું ના હોય પાછું. દાદાશ્રી : ના, એ પાંચ મિનિટ કહે તોય બે કલાક બેસી જઈએ. ફરી પાંચ મિનિટ કહે તો ફરી. જ્ઞાની પાસે રહેવાનીય મજા આવે ! ડ્રામેટિકને બધું. તોફાન નહીંને ! પ્રશ્નકર્તા : આ મનુષ્યો પેલું મરવાનો સમય તો દેખે કે ‘હવે બે કલાક રહ્યા કે ચાર કલાક.’ પણ જ્ઞાની તો મરણ સામે રાખીને જ ચાલતા હોય ને ? ગમે તે ઘડીએ એ આવી જાય. દાદાશ્રી : એ તો સંસારમાં તો મરેલા જ હોય એ. મરવાનું સામે રાખે નહીં, (સંસારમાં) મરેલા જ હોય એ. નિશ્ચયમાં જીવતા હોય ને સંસારમાં મરેલા હોય અને પોતાપણું નહીં ને ! પોતાપણું (હોય) એ જીવતા કહેવાય. ડ્રામેટિક જીવન, જ્ઞાનીનું ‘પોતાપણું’ તો બહુ મોટો શબ્દ છે. એક સહેજ પણ પોતાપણું, કોઈ પણ જાતનું પોતાપણું અમારામાં ના હોય. અને છતાંય હીરાબાને જોડે બેસાડીએ. લોક કહેશે, ‘આ કોણ ?’ ત્યારે અમે કહીએ, ‘અમારા ધણિયાણી થાય.’ બધુંય કહીએ અમે. અને એમેય કહીએ કે ‘તમારા વગર મને ગમતું નથી.’ એવું કહું એટલે એમને કેટલો આનંદ થાય ! પ્રશ્નકર્તા : આયે નાટક જ ને ? દાદાશ્રી : નાટક જ ! અને નહીં તો યે આખો દહાડો અમારું નાટક જ હોય છે. આખો દહાડો નાટક જ કરું છું ! તમારે ત્યાં દર્શન કરવા તેડી ગયા ને ત્યાં પધરામણી કરી તેય નાટક. અને નાટક ના હોત તો તો મારું પોતાપણું હોત અહીં. પોતાપણું નથી માટે નાટક થાય છે. નહીં તો ‘મારે પધરામણી માટે જવું પડશે. મારે પધરામણી કરવાની છે’ એ બધું હોત. પણ એવું કશું નથી. એટલે આ ‘ડ્રામા’ જ છે. આખો દહાડો હું ‘ડ્રામા’ જ કરું છું. ત્યાં આગળ સત્સંગમાં બેસું, આ (પા.૧૮) જવાબ આપું, તેય ‘ડ્રામા’ જ છે. આખો દહાડો ‘ડ્રામા’ જ છે. પણ પોતાપણું ઓછું થઈ જાય ત્યાર પછી જ ડ્રામા શરૂ થાય. એમને એમ થાય નહીં. જ્ઞાનીની મમતા અમારી મમતા તો ગયા અવતારથી નથી, કેટલાય અવતારથી નથી. આ તો બધું એની મેળે ચાલ્યા કરે છે, ઉદયના આધીન. મારે કશું કરવું નથી પડતું. અમારે કશું આમાં કરવું ના પડે. કોઈ દહાડો ઇચ્છાય નહીં. અહંકાર ને મમતા વગરના હોય, તેમને તો જેમ કુદરત રાખે તેમ રહે. તેમાંપોતાપણું. ના હોય. વિચાર સરખોય નહીં અને તે પેલું એય નહીં,પોતાપણું. નહીં. વર્લ્ડમાંપોતાપણું. ના જાય. એવા માણસ હોય નહીં,પોતાપણું. ગયું એ ભગવાન કહેવાય. આ તો લોકોને વિરાધના થાય એટલા માટે નથી કહેતા. ના પાડી છે કે (અમે) ભગવાન છીએ એમ બોલશો નહીં. મહીં છે એને ભગવાન કહો, નહીં તો લોક વિરાધના કરે અને નકામા પાપ બાંધે એ. અમને ભગવાન થવાનો કંઈ સ્વાદ આવતો નથી. અમે જે જગ્યા પર છીએ ત્યાં ઘણો સ્વાદ છે. પોતાપણું ગયું એનું જગત માથે લઈ લે તમારે શું જોઈએ ? જેની પાસે ના હોયને એનું જગત માથે લઈ લે ! કહેવા જવું પડે નહીં. એની મેળે માથે લઈ લે. દુનિયાનો સ્વભાવ બહુ જુદી જાતનો છે. મારાથી ચલાતું નથી, કેટલા વર્ષથી ? પ્રશ્નકર્તા : આઠ વર્ષથી. દાદાશ્રી : છતાં તમારા કરતાં હું વધારે ફરતો હોઈશ ? પ્રશ્નકર્તા : ઘણું. દાદાશ્રી : શાના આધારે ? બધા સંજોગો મળી આવે. જેનેપોતાપણું. ગયું એ જે માગે એ, માગવાનો વિચારેય ના કરતા હોય, પણ એને આવી મળે. આ તો એને ભય લાગે છે કે હું શું કરીશ ? એ ભય કાઢવા માટે અમે (આ ગોઠવણી) કરવા જઈએ ! આટલું છોડીને, આટલા આને ને આપણે ભાગે કંઈ નહીં ! અગર તો સંઘને કહીએ કે આ તમને બધાને આપી દીધું, હવે મારી પાસે કંઈ છે નહીં. હવે મારે માટે જરૂર હશે ત્યારે લઈશ, સંઘ પાસેથી. અગર તો એવું કંઈ જેટલા આવશે, એટલા ત્યાં સોંપી દઈશ. અમારું ઉદયાધીન હોય, અને તમે આ રીતે કરો તોય ઉદયાધીનની નજીકમાં આવો. આ દેશનાપૂર્વક કર્યું કહેવાય. લાખ કે બે લાખ બચે તો સંઘને કહીએ કે આ તમને સોંપ્યા પછી આ આડખીલીઓ ના કરવી પડેને! હવે લાવ ભઈ, આપણે બેન્કમાં મૂકીએ, ડબલ કરીએ, એ બધું વિચાર જ ના આવેને ! પ્રશ્નકર્તા : પછી જવાબદારી દાદાની, મારે શું? દાદાશ્રી : બધી જ જવાબદારી દાદાની ! લખી આપું હઉ ! તાર વગરનો તંબૂરો અમારો તંબૂરો, કેવો તંબૂરો છે ? પ્રશ્નકર્તા : તાર વગરનો તંબૂરો. દાદાશ્રી : એવું થવાનું છેને ? પ્રશ્નકર્તા : હા દાદા, હા. દાદાશ્રી : નહીં તો તારવાળો, તે આ વાગે પાછો તંબૂરો. તાર વગરનો તંબૂરો, ટ્રાન્સપેરન્ટ માલ છે. પ્રશ્નકર્તા : ટ્રાન્સપેરન્ટ માલ છે. દાદાશ્રી : અહંકાર એમનો શૂન્ય થઇ ગયો. એ ડિસ્ચાર્જમાં હઉ શૂન્ય. (પા.૧૯) જ્ઞાનીનું છેલ્લું સ્ટેશન અને તાર વગરનો તંબૂરો એ આગલું સ્ટેશન. પ્રશ્નકર્તા : ચાર્જ અહંકાર બંધ થયો એ આગલું સ્ટેશન અને ડિસ્ચાર્જ અહંકાર પણ બંધ થયો એ છેલ્લું સ્ટેશન ? દાદાશ્રી : ચાર્જ અહંકાર તો તમારો બધાનો બંધ થઇ ગયો છે. માટે ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. હવે ડિસ્ચાર્જ અહંકાર બંધ થઇ જાય એ છે તે તંબૂરો... પ્રશ્નકર્તા : તાર વગરનો તંબૂરો. દાદાશ્રી : સમજાયુંને ? પ્રશ્નકર્તા : હા, દાદા. ડિસ્ચાર્જ અહંકાર બંધ થયો એની નિશાની કઇ ? દાદાશ્રી : તાર વગરનો તંબૂરો થાય તે. આપણે કહીએ કે ચંદુભાઈ, તમારામાં છાંટોય અક્કલ નથી ને આમતેમ બધું. એ ઓળખાણવાળા, સગાવહાલાની રૂબરૂ આપણે કહી દઇએ, તે એ મોઢા પર કશી અસર ના થાય તો જાણવું કે તાર વગરનો તંબૂરો થયા. નિશાની તો હોયને ! દરેકને લક્ષણ હોય ! એને લક્ષણ કહેવાય. લખ્ખણ સારા છે, કહેશે. કંઇ નુકસાન થઇ જાય, તરત ઇફેક્ટ ના થાય. હવે નવ વખત ગાડીમાંથી ઉતારી પાડે, ચઢાવે... એ જો બે ફેરા ઉતારે ને બોલાવે તો પણ મોઢું ચઢી ગયેલું હોય. એ બીજી વખતમાં મહીં નક્કી કરે છે કે ‘ઉતરીને જતું રહેવું છે, હવે જવું જ નહીં, બોલાવે તોય.’ એક ફેરો ગયો, તોય પાછો પાછો આવે. એ હજુ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. સહેલી વાત છે કે અઘરી ? પ્રશ્નકર્તા : દાદા, આપના જ્ઞાન પછી સહેલી વાત છે ને પહેલા બહુ અઘરી હતી. દાદાશ્રી : પહેલા તો ઠેકાણું જ નહોતુંને, કરોડોઅબજો અવતારો થયા તોય. ડિસ્ચાર્જ અહંકાર બંધ થયો હોયને તો એના શબ્દો ટૉપના હોય. નિયમથી ઘસાય પોતાપણું પ્રશ્નકર્તા : (કૃપાળુદેવ અંદરવાળા આત્માને) એને ‘પુરાણ પુરુષ’ કેમ કહે છે? દાદાશ્રી : મૂળ પુરુષને બદલે પુરાણ પુરુષ કહે. આપણે મૂળ પુરુષ કહીએ છીએ ને એ જ પુરાણ પુરુષ. ગર્વ નથી, ગારવતા નથી, સ્પૃહા નથી, પોતાપણું નથી. છે તે સ્હેજ આવે તો મહીં ઉન્મત્તતા થઈ જાય. જ્યાં ને ત્યાં ઉન્મત્તતા દેખાય છે. ઉન્મત્તતા રહી છે કે નથી રહી, એ જોવું ? તો કહે, નથી રહી. સ્પૃહા તો કોઈ જાતની રહી નથી. હવે પોતાપણું જરા તો ધીમે ધીમે ઘસાઈ જશે. પોતાપણું હંમેશાં નિયમથી ઘસાયા કરે. પોતાપણું શેના આધારે ઊભું રહ્યું ? પેલા બધાના આધારે ઊભું રહ્યું. પ્રશ્નકર્તા : સ્પૃહા અને... દાદાશ્રી : આના આધારે. એ બધુંં ગયુંને, પછી એનો વાંધો જ શું તે ? પ્રશ્નકર્તા : દાદા. હું તો એવું સમજતો હતો કે પોતાપણું જાય તો પેલું બધું જતું રહે. દાદાશ્રી : ના, ના, ના, પહેલા પેલું જાય, ત્યાર પછી પોતાપણું ઘસાય. એ જેમ જાય તેમ ઘસાતું જાય પોતાપણું. એટલે પોતાપણું કાઢવાનું નથી. એ તો પેલી જાય વસ્તુ એટલે ઘસાતું જ જાય. ખાલી થતો માલ ના સ્પર્શે પોતાને પ્રશ્નકર્તા : તો દાદા, અમારે એવું સમજવું કે આપની પાસે આવીને જેમ અમે વધારે ખાલી થઈ જઈએ તેમ અમારો ઉત્કર્ષ વધારે... દાદાશ્રી : ખાલી જ થઈ જાઓ. જો તમારું પોતાપણું ના રાખવું હોય, તો તમે ખાલી જ થઈ જાવ. (પા.૨૦) પ્રશ્નકર્તા : અને ખાલી થવા માટે આ જગ્યા સિવાય બીજી કોઈ ઉત્તમ જગ્યા છે નહીં. દાદાશ્રી : એનો ઉપાય છે જ નહીં અને પોતાનું પકડવા જેવું તો છે નહીં. પોતાનું પકડેલું તે તો તમને અત્યાર સુધી દુ: ખ જ આપ્યાને ! અને કશુંય બે આનાય ફાયદો નથી કર્યોને ? પ્રશ્નકર્તા : હવે દાદા, જે ખાલી થવાની વાત થાય છે, ખાલી થવું જોઈએ આપની પાસે, તો જ અમારો ‘એ’ છે. હવે ખાલી થવાની અંદર અમે તો આટલા બધા વર્ષો સુધી ઘણી સારી વસ્તુઓ પણ ભરેલી હોય ? દાદાશ્રી : તેનો વાંધો નહીં, (એ તો) ખાલી થવાનું. પ્રશ્નકર્તા : એ સારી વસ્તુ પણ કાઢી નાખવી જોઈએને ? દાદાશ્રી : નહીં, કાઢી નાખવાની જરૂર નહીં. કાઢી નાખો તો કરે કોણ એ ? મહેનત કોણ કરે ? કર્તા રહ્યો નહીં, તો મહેનત કોણ કરે ? ખાલી થઈ રહ્યું છે. પ્રશ્નકર્તા : પણ એટલું તો સમજાયું કે બધું નિકાલી છે. એવું સમજાઈ ગયું પછી એ સારી વસ્તુ... દાદાશ્રી : ના, ના. ખાલી થઈ રહ્યું છે. જે ખાલી થઈ રહ્યું છે, એમાં એ પોતાને સ્પર્શે એવું જ નથી. એટલું બધું અલિપ્ત થઈ જવું જોઈએ ! જાણે પારકાની પાઈપનું પાણી નીકળતું હોય તો જેમ આ અલિપ્ત રહે છે, એવી રીતે. હવે બહુ પરિચય કરવાથી એ પરિચય ઉત્પન્ન થાય કે અલિપ્ત રહે. સમજી શકે ખરો કે આટલું પાણી જાય છે, ફલાણું જાય છે. જ્યાં સુધી અલિપ્ત ના રહે ત્યાં સુધી મને આવું થાય છે એવું લાગે. પછી તને નથી થતું, એ તો ચંદુભાઈને થાય છે. રમતો મૂકો દેહને વાતોચીતો બધું થાય, રાગ-દ્વેષ ન થાય. દેહને રમતો મૂકવાનો. જેમ ભમરડાને આપણે ફેરવીએ ને પછી એની મેળે ફર્યા કરતો હોય, એ રીતે રમતો મૂકવાનો. એટલે રાગ-દ્વેષ થાય નહીં ને ! ‘હું’ ને ‘મારું’ ગયું એટલે રાગ-દ્વેષ ગયા. ‘હું’ ને ‘મારું’ જતાંની સાથે જ વીતદ્વેષ થઈ જાય. પછી એ પેલો ફાઈલોનો નિકાલ કરેને સમભાવે ત્યારે વીતરાગ થઈ જાય એ. પ્રશ્નકર્તા : દેહને રમતો મૂકવાનો એટલે શું? દાદાશ્રી : આ ભમરડો નાખ્યા પછી જે રમત કરે એ બરોબર. પછી હવે ફરી એને દોરી વીંટવાની જરૂર નહીં. પછી ભમરડો પાછો આમ ફરેહરે, પાછો ઊંચો થઈને કૂદે, એ પાછો એક જગાએ બેસી જાય. પાછું આમ આમ થાય. એટલે આપણે જાણીએ કે દવાખાનામાં હેંડ્યા, દવાખાનામાંથી પાછો આવે તે સીધો થઈ જાય. ઘાત ગઈ ખબર પડે ને ? પ્રશ્નકર્તા : પાછો થોડો ઊંધો હઉ ફરે. દાદાશ્રી : હા, ઊંધો હઉ ફરે. એને કહેવાય નહીં, ભમ્મરડો ! પ્રશ્નકર્તા : જે તે રસ્તે રાગદ્વેષથી રહિત થવું એ વીતરાગ માર્ગ. દાદાશ્રી : કિંચિત્માત્ર રાગ નહીં અને કિંચિત્માત્ર દ્વેષ નહીં. એકદમ થઈ ના જવાય, પણ એ ભાવના કરવાથી એમ કરતાં કરતાંય ધીમે ધીમે જ્ઞાન મળ્યું હોય તો થાય, નહીં તો થાય નહીં, લાખ અવતારેય થાય નહીં. એ પુદગ્લ શું કહે છે કે તું શુદ્ધાત્મા થઈ ગયો માટે તું છૂટો થઈ ગયો એવું માનીશ નહીં. તેં મને બગાડ્યો હતો, માટે તું અમને શુદ્ધ કર. એટલે તું છૂટો અને અમે છૂટા. ત્યારે કહે, શી રીતે છૂટા કરું ? ત્યારે કહે, અમે જે કરીએ એ તું જો. બીજું ડખલ ના કરીશ. રાગ-દ્વેષ રહિત જોયા કર, બસ. એટલે અમે છૂટા. તારા રાગદ્વેષને લઈને અમે મેલા થયેલા છીએ, તારી વીતરાગતાથી અમે છૂટા. (પછી એ) શુદ્ધ પરમાણુથાય. (પા.૨૧) આજ્ઞાથી નાશ પોતાપણાનો પ્રશ્નકર્તા : દાદા, હવે એમાં એવું છે કે પોતાપણામાં અભિનિવેષ હોવાને લીધે સ્વચ્છંદે કરીને પોતાપણું કાઢવા જાય છે, ત્યારે દ્રઢ થાય છે. પોતાપણામાં પ્રસ્થાપિત થયેલો છે તો પોતે કરીને પોતાપણું કાઢવા જાય છે તો દ્રઢ થાય છે પણ, સજીવન માણસ જો મળે કે જેનું પોતાપણું ગયું છે.... દાદાશ્રી : પણ તે નીકળે જ નહીંને પોતે કરીને, પોતાપણું નીકળે કેવી રીતે ? પ્રશ્નકર્તા : એના સત્સંગથી તૂટે છે. દાદાશ્રી : પોતાપણું તો અમારી આજ્ઞા જેમ પાળે, તેમ પોતાપણું ઘટતું જાય. ‘પોતાપણું’ નાશ ક્યારે થાય ? જ્યારે સંપૂર્ણ આજ્ઞામાં રહેવાય ત્યારે ! આજ્ઞામાં રહ્યા એટલે સ્વચ્છંદ રહ્યો જ નહીં ને ! ‘ભાવ’ થકી આદરવો પુરુષાર્થ ‘જ્ઞાન’ હોય તો પોતાપણું જાય, નહીં તો પોતાપણું જાય નહીં. પ્રશ્નકર્તા : આ પોતાપણું ગયેલું હોય પણ છતાંય ઘણી વખત પાછો ડખો થઈ જાય છે. દાદાશ્રી : પણ ગયું જ ક્યાં છે તે, ડખો થાય છે તમે કહો છો? કોઈનુંય ગયેલું દેખાતું નથી. એ ગયા પછી તો ફરી ડખો કરે નહીં. એક ફેરો પોતાપણું ગયા પછી એ આમ ડખો નહીં કરવાના. એ ચઢતી-ઉતરતી વસ્તુ નથી. એ તો યથાર્થ વસ્તુ છે. એ ગયું એટલે ગયું, ફરી પાછું ના દેખાય. આ અડધું તમને થઈ ગયું ને અડધું ના થઈ ગયું, એવું તમને લાગ્યું? ના, એમ નથી. આ પોતાપણું એવી વસ્તુ નથી કે જે એક ફેરો ગયા પછી ફરી એ પાછું આવે. પહેલું તો, પોતાપણું જાય એવું જ નથી ને ! આ ‘પોતાપણું જવું’ એ વાત પહેલી વખત જ નીકળે છે. અમારે પોતાપણું ના હોય. પ્રશ્નકર્તા : આપને પોતાપણું લાવવું હોય તો શું થાય ? દાદાશ્રી : આવે નહીં ને ! એક ફેરો નીકળી ગયા પછી શી રીતે આવે ? પ્રશ્નકર્તા : આ પોતાપણું આપના ‘જ્ઞાન’થી જવાનું તો ખરું જ, એ નિશ્ચિત વાત છે, પણ એ ઝડપથી કેવી રીતે જાય ? દાદાશ્રી : ઝડપ તો, આ ટ્રેનની ‘સ્પીડ’ વધારીએ, એ તો એના સાધન મંગાવીએ ત્યારે થાય. પણ આમાં ના ઢીલ ખોળવી, ના ઝડપ ખોળવી. કારણ કે એ બધું વિકલ્પ છે. હા, આપણે ભાવ કરવો કે પોતાપણું કાઢવું છે, બસ. એ ભાવ એટલું બધું કામ કરે છે કે પોતાપણું નીકળ્યા જ કરે નિરંતર. અને તમે ભાવ કરો કે ‘ના, હજુ આ સંસાર છે ત્યાં સુધી પોતાપણું કાઢવાની જરૂર નથી’ ત્યારે એવું. આ ‘જ્ઞાન’ આપ્યા પછી ‘તમારું’ ચલણ છે આ બધા ભાવ ઉપર. અને આ ‘નિકાલી બાબત’માં ‘તમારું’ ચલણ નથી. ત્યાં તો તમારે નિકાલ કરી નાખવાનું. તમારું ક્યાં ક્યાં ચલણ છે એ સમજાયું ? ભાવ ઉપર તમારું ચલણ છે, કે ‘હવે પોતાપણું કાઢવું છે, પોતાપણું ના જોઈએ હવે’ તો, તેવું ! કારણ કે જે પોતાનું નથી તેનું પોતાપણું કરીએ, ક્યાં સુધી એવું રહીએ ? આપણને ‘જ્ઞાન’થી સમજાઈ ગયું કે આ પોતાનું નથી. હવે ત્યાં પોતાપણું કરીએ, એ ભૂલ જ છે ને ! અમારે એવું પોતાપણું જ ના હોય. પોતાપણા જોડે મતભેદ પ્રશ્નકર્તા : આ બાજુ પોતાપણું ઊડે ત્યારે આ ગુણો પ્રગટ થાય, એવું થયું ને ? દાદાશ્રી : એક બાજુ પોતાપણું ઊડે, પછી બધા ગુણો ઉત્પન્ન થાય. એને લઈને બધું અટક્યું છે ને ! અને જો એ (પોતાપણા)ની જોડે મતભેદ પડી ગયો, તો કલ્યાણ થઈ ગયું! હવે પોતાપણું જો ના (પા.૨૨) ગયું હોય એમ માનોને એટલે જુદાપણું દેખાતું ના હોય પણ નિ: શંકપણું તો અવશ્ય થયું જ હોય. નિ: શંકપણું અવશ્ય થયું છે. પોતાપણું તો જતા વાર લાગે. માલ ભરેલો છે બધોય પણ પોતાપણાનો કાઢી નાખવો પડે. એ નીકળી જાય ત્યારે આ એક અવતાર પછી રહ્યો. ત્યારે ખરા એવિડન્સથી ઊભું થયું પોતાપણું જુદાપણું સમજાય. અત્યારે જુદા છે એનું ભાન વર્ત્યા કરે. પ્રશ્નકર્તા : એટલે એ પોતાપણું જાય ત્યારે જુદાપણું સંપૂર્ણ આવે. દાદાશ્રી : આવે. નિ: શંકપણા જોડે લેવાદેવા નથી. નિ: શંકપણું તો આ બધા મહાત્માઓને હોય. ‘વિજ્ઞાન’માં વાત જ સમજવી રહી પ્રશ્નકર્તા : આ પુરુષાર્થની વાત બહુ મોટી વસ્તુ છે. ‘જ્ઞાન’ પછી રહી આ જ વસ્તુ ! દાદાશ્રી : આ ઝીણી વાત બધાએ સમજેલી ના હોય ને ! આ તો બધું ઠોકાઠોક ચાલ્યા કરે. કેટલી બધી ઝીણી વાત હોય, પણ તે જાણેલું જ ના હોય ને! સાંભળેલું જ ના હોય ને ! પ્રશ્નકર્તા : હજુ તો ‘મૂળ આત્મા’ આકાશ જેવો સૂક્ષ્મ, ત્યાં સુધી એવી સૂક્ષ્મ વાતને પકડવાની છે ને ? દાદાશ્રી : હા, એવી ચીજને પકડવાની છે. પણ બહુ દોડવાની જરૂર નહીં. પેટ દુ: ખે એવું દોડવાનું નહીં. વાત જ સમજવાની છે. ‘ઈઝીલી’, સહજ રીતે કરવાનું છે. એટલે વાત જ સમજવાની છે, કરવાનું કશું નથી. આવું ઝીણું કાંતવાની દરેકની ઈચ્છા હોય જ ને ! ધનવાન થવાની કોને ઇચ્છા ના હોય ? આ લોક આટલા વર્ષ બજારમાં શા હારુ દોડધામ કરે છે ? આ લક્ષ્મી માટે જ દોડધામ છે ને, જગતની ! પ્રશ્નકર્તા : પણ આપની પાસે શબ્દાવલંબનથી પછી પ્રગતિમાં ચઢાય ને ? આ શબ્દો પકડી પકડીને ધીમે ધીમે ‘મૂળ વસ્તુ’ સુધી ચલાય ને ? દાદાશ્રી : હા. એટલે પહેલું આમાંથી ઘૂસે ધીમે ધીમે ! આ દરવાજામાંથી ઘૂસે, પછી બીજા દરવાજા સુધી જવાય. પણ પહેલા દરવાજામાં ઘૂસ્યો જ ના હોય, તેને શું થાય ? ત્યારે (આત્મા) પહોંચે નિરાલંબ પદે ‘વસ્તુ’ (આત્મા) નિરંજન-નિરાકાર છે. એ તો અમે આ વિજ્ઞાનથી બતાવીએ અને તમે નિરંજન-નિરાકારને જોઇ શકો છો બુદ્ધિથી. અમે વિજ્ઞાનથી બતાવીએ, માટે એ વસ્તુ શું છે કે અમે નિરંજન-નિરાકાર જોયેલું છે. એ આખું નિરંજન-નિરાકાર છે એ જોયેલું છે, અનુભવેલું છે. પહેલું અનુભવ થાય ત્યાર પછી જોવામાં આવે. અનુભવ તો આ બધાય મહાત્માઓ બૂમો પાડે કે અમને અનુભવ થયો છે, અનુભવ થયો છે પણ અમે તો જોયેલું છે. એટલે ત્યાર પછી છે તે પોતાપણું તૂટી જાય. જ્યાં સુધી જુએ નહીં ત્યાં સુધી પોતાપણું ના તૂટે. અમારે ગમે તેવી આફત આવેને, બહુ મોટી આફત, ચોગરદમ બધી જ જાતની આફતો આવે, ત્યારે અમે જે જોયેલું છે એ જ સ્વરૂપમાં જ રહીએ. એટલે એ સ્વરૂપ કશાને ટચ થતું જ નથી. દુનિયામાં એવી કોઈ ચીજ નથી કે એને ટચ થતું હોય. એટલે બિલકુલ નિર્ભય પદ છે છેલ્લું, એ જોયેલું અને આ બધાએ જોયું નથી એ. અનુભવેલો છે આત્મા (શુદ્ધાત્મા સ્વરૂપે), (પણ કેવળજ્ઞાન સ્વરૂપ) જોયેલો નથી. એટલે આમને શબ્દ આત્મા છે, શબ્દનું અવલંબન છે ને અમારે નિરાલંબ આત્મા હોય. - જય સચ્ચિદાનંદ |