પ્રકૃતિથી છૂટા રહેવાય આમ

સંપાદકીય

જડ અને ચેતન બે તત્વ ભેગા થવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થયું. એ વિશેષ પરિણામનું પ્રતિષ્ઠિત સ્વરૂપ એટલે પુદગ્લ. એને પ્રકૃતિ કહ્યું અને અંદર આત્મા પોતે પુરુષરૂપે અલગ જ છે. પુરુષ એ પરમાત્મા અને દેહ એ પ્રકૃતિ.

અજ્ઞાનતામાં એટલે કે જ્યાં સુધી ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન નથી થયું ત્યાં સુધી પુરુષ અને પ્રકૃતિ તન્મયરૂપે વર્તે છે અને ‘હું છું’ ને ‘હું કરું છું’ના કર્તા ભાવે આવતા ભવની પ્રતિષ્ઠા થયા કરે છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન થાય છે. પુરુષ અને પ્રકૃતિ છૂટા પડે છે. પોતે પુરુષ પદમાં રહી પ્રકૃતિથી ભિન્નપણે વર્તી શકે છે. આમ તો બન્ને ભિન્ન જ છે પણ પૂર્વેના અભ્યાસના કારણે પોતે પુરુષ, પ્રકૃતિથી છૂટો રહી શકતો નથી અને તેથી જ આત્માનો આનંદ અનુભવી શકતો નથી. તો હવે એ પ્રકૃતિથી જુદા રહેવાનો ઉપાય શું ? તો જાગૃતિપૂર્વક આજ્ઞા પાલન.

આ જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે તો રહેલી છે. પૂર્વે જે ચાર્જ થયેલી તે ડિસ્ચાર્જ થયા કરે છે ને તે ડિસ્ચાર્જ સ્વભાવથી થઈ રહ્યું છે. હવે આપણું આ અક્રમવિજ્ઞાન શું સૂચવે છે કે આ પ્રકૃતિ પરાણે કરાવે છે તેને તું જાણ અને પ્રકૃતિથી છૂટો પડ. હવે તમે ચંદુભાઈ (ફાઈલ નં-૧)ના ઉપરી. ચંદુભાઈ વ્યવસ્થિતના તાબે છે અને વ્યવસ્થિતની પ્રેરણા પ્રમાણે એ ભમરડાની પેઠે ફર્યા કરે. આપણે તેને જુદા રહીને જોવાનું. ચંદુભાઈના ઉદયમાં ભળવાનું નહીં, આ મને થાય છે કે મને આવું કેમ થાય છે ? એ બધી ભાંજગડમાં પડવાનું નહીં.

હવે વ્યવહાર નિકાલી છે. વ્યવહાર ડ્રામેટિક કરવાનો અને કદાચિત બીજાને દુઃખ થાય એવો વ્યવહાર થઈ જાય તો ચંદુભાઈને કહેવાનું કે ‘આવું કર્યે પોષાય નહીં, આવું ના હોવું જોઈએ.’ અને એમની પાસે જ અતિક્રમણના પ્રતિક્રમણ કરાવવાના એટલે બધું ચોખ્ખું થઈ જાય.

પ્રકૃતિથી જુદા પડ્યા એટલે પોતે પુરુષ પદમાં આવ્યા અને પુરુષ થયા પછી જ ખરો પુરુષાર્થ શરૂ થાય છે. પુરુષાર્થ શું ? તો કહે, પ્રકૃતિમાં ભળવાનું નહીં અને પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. ઉદયમાં ચંદુભાઈ તન્મયાકાર થાય પણ પોતે તેમાં ના ભળે એટલે ત્યાં તપ થાય. તપથી જાગૃતિ અનુભવમાં પરિણમે અને એ રીતે પુરુષાર્થ થતા થતા પોતે પુરુષમાંથી પુરુષોત્તમ પદે પહોચી શકે.

પ્રકૃતિ સ્વભાવને નિહાળે તેનું નામ જ્ઞાયકતા. પ્રકૃતિ જ્ઞેય અને પોતે જ્ઞાતા. બસ પ્રકૃતિને નિહાળ્યા જ કરવાનું છે. પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યા તે પરમાત્મા, એ પદે પછી પોતે જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી નિરંતરપણે રહે.

હવે એવી દશાની પ્રાપ્તિ થવી એ આપણું ધ્યેય છે, એ ધ્યેયની પૂર્ણતા માટેના પુરુષાર્થની સમજ પ્રસ્તુત સંકલનમાં રજૂ થાય છે. જે સહુને પુરુષ પદે સ્થિત થઈ પુરુષાર્થ કરવા માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે.

જય સચ્ચિદાનંદ

પ્રકૃતિથી છૂટા રહેવાય આમ

જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ ડિસ્ચાર્જ

પ્રશ્નકર્તા : આત્મા રાગ-દ્વેષ રહિત છે કહ્યું તો પ્રકૃતિ રાગ-દ્વેષ રહિત કેવી રીતે થાય ? ક્યારે થાય? એનો ક્રમ શું ?

દાદાશ્રી : સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં. એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અહંકાર રાગ-દ્વેષ કરે છે. આ એને ગમે છે તેની ઉપર રાગ કરે છે અને નથી ગમતું તો દ્વેષ કરે છે. પ્રકૃતિ તો એના સ્વભાવમાં છે. શિયાળાને દહાડે ઠંડી હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : હોય.

દાદાશ્રી : એ એને ના ગમે તો એને દ્વેષ ચઢે. કેટલાંકને એમાં મઝા આવે. ના આવે ?

પ્રશ્નકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : એવું. પ્રકૃતિ એને શિયાળાને દહાડે ઠંડી લાગે, ઉનાળાને દહાડે ગરમી લાગે. એટલે આ રાગ-દ્વેષ બધું અહંકાર કરે છે. અહંકાર જાય એટલે રાગ-દ્વેષ ગયા.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન આપ્યા પછી પ્રકૃતિ ઓટોમેટિક સહજ થયા જ કરે છેને ?

દાદાશ્રી : હા, જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જરૂપે રહી. એ ડિસ્ચાર્જ થયા કરે ધીમે ધીમે. ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા કરે. (જીવતા) અહંકાર વગર ડિસ્ચાર્જ થયા જ કરે, એની મેળે જ. એને ‘વ્યવસ્થિત છે’ કહીએ છીએ આપણે.

ડિસ્ચાર્જ થઈ રહ્યું સ્વભાવથી

પ્રશ્નકર્તા : પણ અહીં (જ્ઞાન મળ્યા પછી) અહંકાર કરે તો ચાર્જ નથી થતો ?

દાદાશ્રી : ના. અહંકાર કોને કહો છો ? આ જ્ઞાન પછી અહંકાર થતો નથી. અહંકાર થાય એ તો ખલાસ થઈ ગયો છે. આ તો ક્લિયર ડિસ્ચાર્જ છે!

આવું ઘણાં લોકોના મનમાં ખ્યાલ હોય છે કે આ મને અહંકાર તો નથી થતોને ? મેં કહ્યું, ‘ના થાય ભઈ, એમાં અહંકાર શી રીતે થાય ? મને પૂછ્યા વગર તું શી રીતે અહંકાર કરવાનો ? મને પૂછવું પડશે તારે અહંકાર કરવા માટે, ચાવી મારી પાસે છે.’

પ્રશ્નકર્તા : પણ દાદાજી, એ સરખી રીતે ચાવી આપી ના હોય તો?

દાદાશ્રી : ના, એ ગમે તે રીતે ચાલશે. એણે જૂઠી આપી તોય મેં ખેંચી લીધી છે. એટલે કહું છું ને નિર્ભય રહેજો ભઈ, મારી આજ્ઞામાં રહો ફક્ત, બીજું કશું નહીં. મારે ભાંજગડ નથી. મારી આજ્ઞામાં રહો, પછી અહંકાર થાય તેનો વાંધો નથી.

તે હવે ડિસ્ચાર્જ સ્વભાવથી થઈ રહ્યું છે. પાણી ગરમ કરવું એ ચાર્જ કર્યું કહેવાય. અને પછી એ ગરમ પાણીની ટાંકી ઠંડી કરવી હોય તો આપણને કોઈ પૂછે કે ‘સાહેબ, મારે શું ઉપાય કરવાનો ?’ ત્યારે કહે, ‘ના, તું સૂઈ જા બા. એ સ્વભાવથી જ એની મેળે ઠંડું થઈ જશે.’ ડિસ્ચાર્જ એવું આપણે કહેવા માગીએ છીએ.

ના કઢાય ડિસ્ચાર્જની ખોડ કદી

એટલે આ દુનિયામાં બધું ડિસ્ચાર્જ છે. હવે ડિસ્ચાર્જની ખોડ કાઢવી, એમાં કશો સ્વાદ નહીં આવે. ડિસ્ચાર્જની ખોડોથી તો આ જગત ઊભું રહ્યું છે. જેને તમે પરિણામ કહો છો, તેને જગત કોઝીઝ કહે છે અને તેથી જ જગત ગૂંચાઈ રહ્યું છે. અને ‘આ તમે જ કર્યું’ કહેશે અને તમે કહો કે ‘ના, આ પરિણામ છે, આ ડિસ્ચાર્જ છે.’ એટલે તમને ભય નથી. તમારા ડિસ્ચાર્જ એને કોઝીઝ લાગે છે અને કહેશે, ‘આવું કેમ વર્તન કરો છો ?’ અલ્યા, અમને ભય નથી લાગતો ને તને શાનો ભય લાગે છે ? અને લાગે તો દાદાને ભય લાગે કે, ભઈ, આ બધા મારા ફોલોઅર્સ આવા કેવા તે? પણ હું તો જાણું છું કે આ જે માલ ભરેલો છે તે નીકળે છે. નવો ક્યાંથી કાઢવાનો છે ?

કોઈને પણ ના છોડે પ્રકૃતિ

આ દુનિયા પ્રકૃતિવશ છે. આ બધું પ્રકૃતિ પરાણે કરાવડાવે છે બધાને ને એ પોતે પરાણે કરે. આપણે ના કરવું હોય તોય કરાવડાવે. આપણું વિજ્ઞાન એ સૂચવે છે કે આ પ્રકૃતિ પરાણે કરાવે છે તેને તું જાણ અને પ્રકૃતિથી છૂટો પડ, પણ ‘આ પ્રકૃતિ હું છું, આ કરું છું તે હું જ છું.’ એવો દેહાધ્યાસ છૂટી જાય એને માટે આ છે. બાકી નહીં તો આખા જગતને પ્રકૃતિ પરાણે નચાવડાવે છે.

પ્રકૃતિ નચાવે તેમ નાચે

પ્રકૃતિ એટલે ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’. આ તો પ્રકૃતિ નચાવે તેમ નાચે છે ને કહે છે, ‘હું નાચ્યો, મેં ત્યાગ કર્યો.’ પ્રકૃતિમાં ત્યાગ હોય તો થાય, નહીં તો બાયડીય (ત્યાં આવી) ઉપાડી જાય છેવટે !

પ્રકૃતિનો પાર આવે તેમ નથી. જો પોતે પુરુષ (આત્મા) થઈ બેઠો તો પ્રકૃતિ પ્રકૃતિનું કામ કરે ને પુરુષ પુરુષના ભાગમાં રહે. પુરુષ એટલે પરમાત્મા. જો પરમાત્મા ના થયો ત્યાં સુધી પ્રકૃતિ નચાવે તેમ નાચ્યા કરે.

આ તો અનંત અવતારની કુટેવ પડેલી, અટકણ પડેલી, તેથી પ્રકૃતિ સવાર થઇ બેસે છે. પણ આત્મા તેવો નથી. આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન, તમે ઉપર બેસો. પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચઢાવેછે.

આત્મા અને પ્રકૃતિ, બે આમ છે જુદા પણ બે નજીક હોવાથી એવા ચોંટ્યા છે અનાદિકાળથી, તે ઉખડે જ નહીં. એટલે બંનેનો સ્વભાવ ‘એકતા’ લાગે છે. ‘હું મરી જઈશ’ આ આત્માનેય એવું લાગે છે. જોડે એક થયાને! અલ્યા, તું શી રીતે મરું ? પણ એને સ્વભાવ ‘એકતા’ થઈ ગઈ.

સર્વસ્વ પરવશ જ છે પ્રકૃતિ. ૩૬૦ ડિગ્રીથી જ પરવશ છે. આ તો લોકો અહંકાર કરે એટલું જ છે. ‘હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું ને હું આમ કરી નાખું’ એ અહંકાર કરે છે એટલું જ.

પ્રકૃતિ છે પરિણામે સ્વતંત્ર

પ્રશ્નકર્તા : પ્રકૃતિ જો પૂરેપૂરી સ્વતંત્ર નથી તો કોના ઉપર આધારિતછે ?

દાદાશ્રી : નહીં, પરિણામે સ્વતંત્ર છે. આ જન્મથી તે મરતાં સુધી પરિણામ કહેવાય છે, એ સ્વતંત્ર છે. એમાં પ્રકૃતિ સ્વતંત્ર, આપણું કશું ચાલે નહીં. પણ અંદર જે કોઝીઝ બંધાઈ રહ્યા છે ત્યાં આપણું ચાલે. એ આપણે ફેરફાર કરવો હોય તો થઈ શકે થોડો-ઘણો, તેય સંપૂર્ણ તો ના જ થાય. થોડો-ઘણો ફેરફાર આપણે કરી શકીએ કે ભઈ, કો’કની ઉપર આપણને આમ કુદરતી રીતે વેર આવતું હોય છતાં મહીં આપણે અંદર નક્કી કરીએ કે ભઈ, આપણે વેર કરીને શું ફાયદો કાઢવાનો છે! એટલે એટલું મહીં અંદર ફેરફાર કરવાનો રાઈટ (હક) છે, કોઝીઝમાં. ઇફેક્ટમાં રાઈટ નથી. ઇફેક્ટ તો એક્ઝેક્ટ (યથાર્થ) આવશે જ.

કાયદેસર આવે દરેક કૉઝની ઈફેક્ટ

અહીં આગળ આખી જિંદગી ‘કોઝીઝ’ ઊભા કરેલા હોય એ તમારા ‘કોઝીઝ’ કોને ત્યાં જાય ? અને ‘કોઝીઝ’ કરેલા હોય એટલે એ તમને કાર્ય ફળ આપ્યા વગર રહે નહીં. ‘કોઝીઝ’ ઊભા કરેલા, એવું તમને પોતાને સમજાય ?

દરેક કાર્યમાં ‘કોઝીઝ’ ઊભા થાય છે. તમને કોઈએ નાલાયક કહ્યું તે તમને મહીં ‘કોઝીઝ’ ઊભા થાય કે ‘તારો બાપ નાલાયક છે.’ એ તમારું ‘કોઝીઝ’ કહેવાય. તમને ‘નાલાયક’ કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું એ ના સમજાયું આપને ? કેમ બોલતા નથી ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે ‘કોઝીઝ’ આ ભવમાં થાય છે, એની ‘ઇફેક્ટ’ આવતે ભવ ભોગવવી પડે છે.

જ્ઞાનથી બદલાય અભિપ્રાયો

પ્રશ્નકર્તા : ગીતામાં જ્યારે અર્જુન કહે છે કે હું લડીશ નહીં ત્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે તારા સ્વભાવથી, તારી પ્રકૃતિથી તું લડવાનો જ છે.

દાદાશ્રી : હં, એ પ્રકૃતિને અનુસર્યા વગર રહે જ નહીંને કોઈ. કૃષ્ણ ભગવાનેય એમની પ્રકૃતિને અનુસર્યા છે ને ! કોઈનું ચાલે જ નહીં ને ! પ્રકૃતિ છોડે જ નહીં કોઈને ! ફક્ત પોતાના અભિપ્રાય બદલી નાખે જ્ઞાનથી. પ્રકૃતિ આધીન રાગ-દ્વેષ થયા વગર રહે નહીં. પોતાનો અભિપ્રાય બદલાઈ જાય કે આ ના શોભે, તો છૂટ્યો.

જાગૃતિ વગર પ્રકૃતિ ના પકડાય

પ્રકૃતિને અનુસર્યા વગર રહે જ નહીંને કોઈ? તને એવો અનુભવ થયેલો કોઈ ?

પ્રશ્નકર્તા : હા, ખરુંને, દાદા. નહાવામાં પહેલું દોડવાનું ને, જાત્રામાં વધારે દેખાય.

દાદાશ્રી : એ ચડવામાં, ઉતરવામાં, બધામાં સ્વાર્થી. એનો એક્કો જુદો જ હોય.

પ્રશ્નકર્તા : એની નજર જ ત્યાં હોય, એનું લક્ષ્ય જ ત્યાં હોય.

દાદાશ્રી : એ પ્રકૃતિને ભલે હોય, પણ એને ગમે છે માટે. હજુ તો એને ખબર જ નહીં પડી હોય. આ તો મેં સમજણ પાડી ત્યારે. તે દરેક વખતે સમજણ પડવી જોઈએ. આમ ન હોવું જોઈએ. એમ કેમ થાય છે ? તો જે થાય છે એ પ્રકૃતિ. પણ તમને ખબર પડવી જોઈએ કે આમ કેમ થાય, આમ ન થવું જોઈએ હવે.

પ્રશ્નકર્તા : તો એ પ્રકૃતિ.

દાદાશ્રી : હા. હજુ નહાવાની કેમ ઉતાવળ થાય છે, વહેલું ખઈ લઉં એ કેમ ઉતાવળ થાય છે, એ બધું ભાન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ? તો એ ભાન નહીં રહ્યું, તેની આ ભૂલ થયેલી. ભાન રહે તો પ્રકૃતિને થાયને ! એ જે પ્રકૃતિ લાવ્યો છે, એની રીતે આ પ્રકૃતિ ઉકલે છે.

સાડા છએ ઉઠનારો ભઈ, આજ સાડા પાંચમાં કેમ આઘાપાછો થયા કરે છે. ત્યારે જાણવું કે આ સ્વાર્થી છે મૂઓ ! વહેલો સંડાસ જઈ આવું નહીંતર આ લોકો પેસી જશે. ખબર પડેને આપણને. હવે સ્વાર્થી છે એનોય વાંધો નથી, પણ તેની જાગૃતિ જોઈએ. આ થાય છે એ ખોટું થાય છે. એની (ફાઈલ નં. ૧ની) પ્રકૃતિ એવી છે. પ્રકૃતિય ના દેખાય એવું છે બધું. ધીમે ધીમે સત્સંગમાં રહેવાથી સેવાભાવથી આગળ વધશે.

ભાવસત્તાથી નવું સુધારો

પ્રશ્નકર્તા : પણ પ્રકૃતિનો માલ ઓળખાવી દો ત્યારે એ પકડાયને?

દાદાશ્રી : હંઅ.

પ્રશ્નકર્તા : એ પ્રકૃતિના પદચ્છેદ થાય ત્યારે મૂળમાંથી જાય ને ?

દાદાશ્રી : આપણું વિજ્ઞાન તો બધું ખબર પાડી દે કે આ લોભ આવ્યો, આ ફલાણું આવ્યું છે. કારણ કે જુદા પડીને જોનાર છે ને ! તે ચંદુભાઈનો લોભ છૂટે નહીં, પણ આપણને સમજણ પડે કે આ ચંદુભાઈનો લોભ છૂટતો નથી. એટલે આપણે સળી કરી આપીએ ને પછી ! આડુંઅવળું સમજાવીને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા અપાવી દેવડાવીએ ને કોઈ જગ્યાએ!

વિજ્ઞાનમાં ના હોય કંટ્રોલ

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી, બાકી શુદ્ધાત્માભાવ બરોબર રહે છે.

દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસવાળાને સોંપી દેવું. પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે. તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ? તમે માલિક નથી. તમે હવે ‘ચંદુભાઈ’ નથી અને જે કરે છે તે બધું ‘વ્યવસ્થિત’ કરે છે. હવે તમે એમાં કેમનું કંટ્રોલ લાવશો ?

પ્રશ્નકર્તા : દોષો દેખાય છે તે જશે ને ?

દાદાશ્રી : જે દેખાવા માંડ્યા, એ તો ચાલ્યા જ ગયા જાણો ને ! જગતને પોતાના દોષ દેખાય જ નહીં, પારકાંના દોષ દેખાય. તમને પોતાના દોષ દેખાયા ને ?

પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે, પણ તે ટાળી શકાતા નથી.

દાદાશ્રી : ના, એવું કશું ના કરતા. એવું ‘આપણે’ નથી કરવાનું. આ વિજ્ઞાન છે. આ તો તમારે ‘ચંદુભાઈ’ શું કરે છે, એ તમારે જોયા કરવાનું. બસ, આટલું જ તમારે કરવાનું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુભાઈના ઉપરી તમે. ચંદુભાઈ તો ‘વ્યવસ્થિત’ના તાબે છે. ‘વ્યવસ્થિત’ પ્રેરણા આપે ને ચંદુભાઈ ભમરડાની પેઠે ફર્યા કરે ! અને ચંદુભાઈની બહુ મોટી ભૂલ હોય ત્યારે તમારે કહેવાનું કે ‘ચંદુભાઈ! આવું કર્યે નહીં પોસાય.’ આટલું આપણે કહેવું.

નથી પ્રકૃતિ આપણી સત્તામાં

પ્રશ્નકર્તા : પણ જે જડતા છે સ્વભાવમાં, ઉંમર થવાને કારણે દ્રઢ થઈ ગયો છે. કોઈ ક્રોધી છે, કોઈ લોભી છે. એટલે જ્યાં સુધી સ્વભાવ સુધારવાનો દરેક વ્યક્તિ પ્રયત્ન ન કરે ત્યાં સુધી એનાથી કદી સત્સંગ થવાનો નથી.

દાદાશ્રી : એવું છે ને, પ્રકૃતિ સ્વભાવ, આપને નાની ઉંમરમાં જે સ્વભાવ હતો અત્યારે કેટલો ફેરફાર થયો છે ?

પ્રશ્નકર્તા : સારો એવો થયો છે.

દાદાશ્રી : તે એના ડેવલપમેન્ટના આધારે થઈ રહે. આપણે કરવા જઈએ તો નથી થાય એવો. એ સંજોગો બદલાતા રહે તેમ તેમ પ્રકૃતિ સ્વભાવ બદલાતો જાય. બાકી પ્રકૃતિ છોડે નહીં. પ્રકૃતિનો સ્વભાવ આપણે બદલી શકીએ નહીં. એ તો સંજોગો બદલ્યા કરે. સંજોગો બાઝવા જોઈએ એવા. અહંકારી પ્રકૃતિ હોય તે ગમે ત્યારે તમે જુઓ ત્યારે અહંકારમાં જ હોય અને લોભી પ્રકૃતિ હોયને તે જન્મ્યો ત્યારથી હોય તે છેલ્લા સ્ટેશને જાય તોય એ લોભ હોય એનો. છેલ્લા સ્ટેશને જવા માટે લાકડાંઓ કરી રાખ્યા હોયને, તે એ કહે કે ભઈ, આ પેલા લાકડાં ને આટલા જ મારે માટે વાપરજો, હંઅ. બીજા છે તે આપણા ઘરના માટે છે. પાછો એવું બધું ચોખ્ખું કહીને મરે. કારણ કે એને લોભ છે ને ! એટલે એ એનો પ્રકૃતિ સ્વભાવ.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઓછી થાય ?

દાદાશ્રી : ઓછી થાય તેય તમે નથી કરનાર. તમારા પુરુષાર્થથી નથી થતી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઓછી થાય છે અગર વધી પણ જાય. એ એવિડન્સના આધારે વધી પણ જાય કે ઓછી થઈ જાય. એ પ્રકૃતિ આપણી સત્તામાં નથી. એટલે તમારે તો એ જોવાનું કે ઓહોહો! આટલી બધી લોભી પ્રકૃતિ છે તો આખી જિંદગી આ પ્રકૃતિ છોડવાની નથી. એટલે આપણે ભાવના શું કરવાની કે જેમ બને તેમ જગતના કલ્યાણ માટે મારી જે કંઈ મિલકત હોય તે વપરાઓ. એવી ભાવના કરીએ તો એ ભાવનાનું ફળ, તે આવતો ભવ તમારું મન મોટું હોય. આ (ભવમાં) તો બગડી. આ અવતાર તો ગયો પણ હવે નવો તો સુધારો, બળ્યો. એટલે આ પ્રકૃતિ જોઈને તમારે નવી સુધારવાની, આ તમને ચેતવે છે કે નવું સુધારો, ના ગમતું હોય તો અને ગમતું હોય તો, રહેવા દો. એટલે ભાવના જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી.

પ્રકૃતિની જોડે વાતચીતનો વ્યવહાર

પ્રશ્નકર્તા : હવે એ કશું કરવાનું નથી. આપે એ જે આજ્ઞા આપી કે હવે કશું તમારે કરવાનું નથી. હવે કોઈ માણસને વાંચવાનું મન થતું હોય, કોઈ માણસને ક્રિયા કરવાનું મન થતું હોય તોય પણ આ ઉપયોગ તે વખતે રહે છે કે આ મારે કરવાનું નથી, આ તો મારો ઉદયકર્મ છે અને મારે ડિસ્ચાર્જ કરીને કાઢવાનો છે.

દાદાશ્રી : આ ‘હું’ કરતો નથી, આ ‘ચંદુભાઈ’ કરે છે એવું ચંદુભાઈના નામથી જ વ્યવહાર રાખવો આપણે. ઉદયકર્મ બોલવું જ ના પડે. ‘ચંદુભાઈ કેમ છો ? તમારી તબિયત સારી છે કે નહીં ?’ સવારમાં ઊઠીને પૂછીએ-ગાછીએ બધું. કારણ કે આપણા પાડોશી છેને ! વાંધો શો છે ? એમ કરીને તમે કામ તો લેજો. જુઓ, કેવું સુંદર કરે છે ! પ્રકૃતિની જોડે...

પ્રશ્નકર્તા : લડવાની જરૂર નથી.

દાદાશ્રી : નહીં. પ્રકૃતિની જોડે એડજસ્ટ થતાં આવડવું જોઈએ. પ્રકૃતિ તો સુંદર સ્વભાવની છે.

પ્રકૃતિ બહુ સુંદર હોય પણ આપણે એને ગૂંચવીએ છીએ. એટલે આપણે એમેય કહેવાય, ‘હવે તો તમે આ પુત્રોના ફાધર (પિતા), દીકરીઓના ફાધર, તમારી તો વાત જ જુદીને! તમે મોટા વકીલ થયા.’ એવી વાતચીત કરવામાં વાંધો નહીં (ફાઈલ નં.૧ જોડે) રૂમ વાસીને વાતચીત કરવી. આપણે તો બોલ્યા કોનું નામ કહેવાય કે આપણા કાન સાંભળે એવું. બીજો ન સાંભળે ને આપણા કાન સાંભળે. પણ એ બોલતા જ નથીને ! આપણે થયા છીએ છૂટા અને તેથી છૂટાપણું પ્રત્યક્ષ અનુભવાય છે. કેટલાંક તો આવું બોલે છે ને મહીં પ્રત્યક્ષ છૂટાપણું અનુભવે છે. પણ તમારે ‘કેમ છો-કેમ નહીં’ એ પૂછવામાં શું વાંધો, પાડોશી થઈને વાંધો શું છે ? અને તોય ચા તો પીવાના જ છે અને કંઈ આપણી ચા છે ? એ એમની જ ચા છે. આપણી છે જ નહીંને! ‘જરા દોઢ કપ ચા-બા પીઓ’ કહીએ. પેલાને કહીએ, ‘આપો, ચંદુભાઈને ચા આપો.’ હસતા-રમતા મોક્ષે જવાય એવો માર્ગ છે!

પ્રકૃતિ જોડે લેવું કામ સમજાવીને

આ જ્ઞાન મળ્યું છે માટે હવે એક ક્ષણવાર પણ પ્રમાદનું સેવન કરવા જેવું નથી. એને (ફાઈલ નં.૧ને) વઢવાનું નહીં, ઠપકો આપવાનો નહીં. એને કહીએ કે તારે જે ખાવું હશે તે બધી જ ચીજો તને સપ્લાય કરીશું પણ તું આટલું અમારું માન. દેહને કહીએ કે આટલું અમારું માન. ઇગોઇઝમ (અહંકાર) બહુ કૂદાકૂદ કરતો હોય તો તેને કહીએ કે અમારું આટલું માન.

પ્રશ્નકર્તા : જો એની સામાવાળિયા થઇએ તો, દાદા? એની સામા પડીએ તો શું થાય ?

દાદાશ્રી : ના, પ્રકૃતિના સામા થઇએ તો એય સામે થાય. એ તો એને જોઇતું જ છે. એવું તો એને જોઇએ છે કે સામા પડે કે લાગમાં લઉં. આપણે સામા પડવાનું ના હોય. એને તો સમજાવી પટાવીને કામ લેવાનું. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની છેવટે બાળક અવસ્થા છે. ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે, એ કહેવાય નહીં! માટે એને સમજાવી-પટાવીને, ગોળીઓ ખવડાવીને, લાલચ આપીને, ભજિયાં ખવડાવીને પણ ઉકેલ લાવવો.

પ્રશ્નકર્તા : એટલે એને પંપાળીને ઉકેલ લાવવો?

દાદાશ્રી : ના, પંપાળીને નહીં, સમજાવીને. પંપાળીને એ અર્થ ખોટો કહેવાય, એને સમજાવવું. એ પોતે યસ (હા) કરે, એક્સેપ્ટ (સ્વીકાર) કરે ત્યાં સુધી સમજાવવું. સમજાવ્યા સિવાય કામ ના થાય, સામું ના થવું. સામું થાય એટલે ઊલટું આપણું ગાડું એ ઊંધું નાખી દે. આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊંધું નાખી દે. એ મારીએ ત્યારે દોડે ખરા, એટલે આપણને એમ લાગે છે કે મારવાથી જ દોડે છે, ચાલે છે એમ શ્રદ્ધા બેસે પણ ક્યારે એ ગાડું ઊંધું નાખી દે એ કહેવાય નહીં. પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલા વર્ષો થાય, છતાં સ્વભાવથી એ બાળક છે. આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાળક અવસ્થા ક્યારે થઇ જાય એ કહેવાય નહીં. રડી ઊઠે, દીન થઇ જાય, કાલાવાલા કરે, બધું જ કરે. કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : પ્રકૃતિ બાળક અવસ્થા કહેવાય તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે. નથી સહેલું ?

પ્રકૃતિ પાસે સમજાવી-પટાવીને કામ લેવા જેવું છે. સમજાવવું તો અવશ્ય જોઇએ. એ ‘યસ’ ના કહે ત્યાં સુધી બધું નકામું છે અને ‘યસ’ કહે એવું એ છે.

આ છ મહિનાથી ના કહેતું હોય, તે પા કલાકમાં સમજાવીએ તો ‘યસ’ કહે એવું છે ! પાછું બાળક જેવું છે અને હઠે ચઢે તો લાખ (ઘણા) વર્ષ સુધી ઠેકાણું ના આવે. હઠે ચઢે અને સમજાવીએ એ બેમાં બહુ ફેર છે. સમજાવવાને માટે બહુ કીમિયો જોઇએ. ગમે તેટલું હઠે ચઢેલું છોકરું હોય તેને સમજાવતાં આવડતું હોય તો તે સમજી જાય, નહીં તો એ બૂમાબૂમ કરી મૂકે, તોફાન કરી મૂકે. એને સમજાવતા આવડવું જોઇએ. આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે. બધા કીમિયા આવડે, જો ખોળે તો ! પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય. પણ પોતે શોધખોળ કરે તો. શોધખોળ ના કરે, જાણતા જ ના હોય, મારીને ઠોકાઠોક કરે.

પ્રકૃતિ એ મિશ્ર ચેતન

પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એવું કહ્યું છે તો એ કઇ દ્રષ્ટિએ ?

દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમ્મે તેટલા મોટા લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે અને છોડી દે તો સહજમાં છોડી દે. એ ‘અમે’ જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે.

‘મિશ્ર ચેતન’ એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને ‘મિશ્રસા’ કહેવાય. ‘મિશ્રસા’ જ્યારે રસ આપીને જાય ત્યારે એને ‘વિશ્રસા’ કહેવાય છે. ચોખ્ખા પરમાણુને ‘વિશ્રસા’ કહેવામાં આવે છે અને તેમાં ભાવ કર્યો તે વખતે ‘પ્રયોગસા’ થઇ ગયા. આ પ્રકૃતિના પરમાણુનો ગુણ ચેતન ભાવને પામેલો છે. માટે તેને કહી શકાય, સમજાવી શકાય. આ ‘ટેપરેકર્ડ’ (મશીન)ને કહીએ, બૂમો પાડીએ, સમજણ પાડીએ તો શું સમજાવાય ?

લોકો આત્મા જાણતા નથી ને તેના વગર ચાલે જ છે ને તેમને ! કારણ કે પ્રકૃતિ એવું મિશ્ર ચેતન છે. આપણા છોકરાં મોટા હોય, બધાને છેતરે એવા હોય પણ છેતરાવાના ના હોય તોય તે સહેજમાં છેતરાઇ જાય છે કે નહીં ? એનું શું કારણ? એ પ્રકૃતિ છે, એને સમજાવનારા જોઇએ.

ઠપકા કરતાં સમજણ વધુ હિતકારી

પ્રશ્નકર્તા : કોઇ વખત સમજાવતા છતાં એ કામ નથી થતું.

દાદાશ્રી : એનો અર્થ એ કે સમજાવતા નથી આવડતું.

પ્રશ્નકર્તા : ઘણી વખતે પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું ત્યારે એને ઠપકો આપવો જ પડે છે. દ્રષ્ટાંત તરીકે, ડૉક્ટરે બે જ પૂરી ખાવાનું કહ્યું હોય પણ આમ્રરસ (કેરીનો રસ) હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે કે ત્રણ ખા. ત્યારે એને સમજાવીએ તો એ નથી માનતી, ત્યારે એને ઠપકો આપવો જ પડે. એ વખતે પંપાળીને નથી થતું.

દાદાશ્રી : એવું છે ને, જો સમજાવતા આવડે તો તો બહુ જ સારું છે. તે ના આવડે પછી ઠપકો આપવાનો. પણ એ સેકન્ડરી સ્ટેજ કહેવાય. પણ તે દેહની બાબતમાં ચાલે, મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં. દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં. મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે. દેહને પણ જો સમજાવતાં આવડતું હોય તો સમજાવવું સારું. દેહ પણ અમારું તો કહેલું માને.

પ્રશ્નકર્તા : એ પણ દાદા, પ્રકૃતિ જેટલી સહજ થઇ છે એટલું એ સહેલાઇથી માને, એ ખરું ?

દાદાશ્રી : હા, એ વાત ખરી છે. આ બધા પરમાણુ શું કહે છે ? ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા આવ્યા નથી. ઠપકાનું ફળ તમને તરત જ મળશે. આ બધું સાયન્સ છે !

પ્રશ્નકર્તા : આપણે એને બહુ કહીએ, ચંદુભાઈને આપણે ઠપકો બહુ આપીએ તોય એ આડા થાય તો શું કરવું ?

દાદાશ્રી : તો આડા થયા, તે ‘જોયા’ કરવાના. કરવાનું કશું હોય નહીં. આત્મામાં કરવાની શક્તિ જ નથી. આત્મા અક્રિય સ્વભાવનો છે ને જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી છે. બધું કરવાનું છે તે આ પુદગ્લનું છે. જે જડ વસ્તુ છે, એની છે ને ક્રિયા બધી.

પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને બીજાને ગોથું વાગી જાય તો શું કરવું પછી ?

દાદાશ્રી : માફી મંગાવવી. ‘આડા થઈ ગયા, એની માફી માગો’ કહીએ. આ અક્રમ વિજ્ઞાન કેટલું સુંદર છે કે તમારે કશું કરવાનું નહીં અને ઊલટું ચંદુભાઈને કહેવાનું, ઠપકો આપવાનો, ‘તમે આની જોડે શું કરવા ચિડાયા ? આવું કેમ કરો છો ?’ કહીએ. ચંદુભાઈને કહેવું કે ‘તારું કહ્યું હું બધું કરીશ પણ એક કલાક અમારા કહ્યા પ્રમાણે રહેજે.’ એક કલાક દાદાની આજ્ઞામાં રહેવાનું ને પછી ચંદુભાઈના કહ્યા પ્રમાણે કરવાનું. એનુંય પાછું જોવાનું. ધ્યેયથી વિરૂદ્ધ કરાવતા હોય તો નહીં માનવાનું.

લાંચ હોય ત્યાં વાત માને નહીં

મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવા કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ.

તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં?

પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે.

દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરા ? તરત જ ?

પ્રશ્નકર્તા : તરત જ.

દાદાશ્રી : તરત ? વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે’ લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.

ક્રોધ એ ડિસ્ચાર્જ પરિણામ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પણ ક્રોધ આવે તો એ પણ ડિસ્ચાર્જ કહેવાય ?

દાદાશ્રી : ક્રોધ કોને આવે છે, એ ‘જોઈ’ લેવું.

પ્રશ્નકર્તા : બહુ વખત આવ આવ કરે તોય ડિસ્ચાર્જ કહેવાય ?

દાદાશ્રી : સો વખત આવે કે પાંચસો વખત આવે તે બધુંય ડિસ્ચાર્જ જ કહેવાય ને ! આપણે એવું કહેવું જોઈએ કે ‘ચંદુભાઈ, બહુ અકળાય અકળાય કરો છો, તે બધાની માફી માગો.’ તમે કહેતા નથી એવું? ભૂલ તો એક્ઝેક્ટ થઈ ગયેલી.

પ્રકૃતિ કરે વાંકું, આપણે કરવું સીધું

પ્રકૃતિ વાંકું કરે પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે ‘આપણે’ ‘ચંદુભાઈ’ને શું કહેવું પડે ? ‘ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.’ એટલે ‘તમારું’ કામ પૂરું થઈ ગયું ! પ્રકૃતિ તો કાલે સવારે અવળીય નીકળે ને સવળીય નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ભગવાન શું કહે છે કે ‘તું તારું બગાડીશ નહીં.’

મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ !’ અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને! પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ (જવાબદારી) નથી! આટલું બધું આ ‘સાયન્સ’ છે !!! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી’ જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માંગું છું તે ?

પ્રશ્નકર્તા : હા, સમજણ પડી.

દાદાશ્રી : શું સમજણ પડી ?

પ્રશ્નકર્તા : ખાલી જોવાનું, એની જોડે તાદાત્મ્ય નહીં થવાનું.

દાદાશ્રી : એવું નહીં, તાદાત્મ્ય થઈ જાય તોય આપણે તરત કહેવું, ‘આમ ના હોવું જોઈએ. આ તો બધું ખોટું છે !’ પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ આટલું બોલ્યા કે તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?

પ્રશ્નકર્તા : વાંધો ના આવે પણ જ્યારે ક્રોધ થાય ત્યારે તે વખતે ભાન ન આવે.

દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે ભાનમાં રાખે. પ્રતિક્રમણ કરે, બધું જ કરે. તમારે ભાન રહે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : રહે છે, દાદા.

દાદાશ્રી : દરેક વખતે રહે છે ?

પ્રશ્નકર્તા : હા, દરેક વખતે રહે છે.

દાદાશ્રી : આપણું જ્ઞાન એવું છે કે નિરંતર જાગૃતિ ને જાગૃતિમાં જ રાખે અને જાગૃતિ એ જ આત્મા છે.

પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી, આ ‘દાદા’એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે ‘આપણો’ ભાગ જુદો ભજવવો. આ ‘પારકી પીડા’માં ઊતરવું નહીં.

પોતે ના ભળે તો પ્રકૃતિ થાય ઢીલીઢસ

પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાનથી પ્રકૃતિ નરમ તો પડેને ?

દાદાશ્રી : ઢીલીઢસ થઈ જાય. કારણ કે આપણા જ્ઞાનનું જે લાઈટ ના જાયને મહીં. આત્માની હાજરીથી આ બધું ચાલે છે. હવે આત્મા છે, હાજરી છે પણ પોતાની લાઈટ મહીં ના જાયને !

પ્રશ્નકર્તા : ના જાય એટલે પ્રકૃતિ...

દાદાશ્રી : ઢીલી થઈ જાય. પ્રકૃતિ ચાલે ખરી આત્માની હાજરીથી, પણ લાઈટ ના જાય.

પ્રશ્નકર્તા : લાઈટ અંદર ન જાય એટલે શું ?

દાદાશ્રી : પાવર ઊડી ગયો બધો. પ્રકૃતિનો પાવર બધો ટાઢો થઈ ગયો, ઢીલો થઈ ગયો. ગુસ્સો કર્યો, તે પ્રકૃતિ એકલી. આપણે મહીં ના કહ્યા કરતા હોઈએ ને પ્રકૃતિ ગુસ્સે થતી હોય, એને ગુસ્સો કહીએ છીએ આપણે. અને પ્રકૃતિ ને અહંકાર બે ભેગા થઈને કરે તો એને ક્રોધ કહીએ છીએ. એટલે અહંકાર જતો નથી, એ એનો પાવર છે. પેલામાંય અહંકાર જતો નથીને ! એ પાવર નહીં. પાવર વગરનો ક્રોધ તે બાળી ના મેલે, લ્હાય ના બાળે.

રહી માત્ર ઈફેક્ટ, કોઝીઝ બંધ થયે

આ તો ‘ઇફેક્ટિવ’ મોહને ‘કોઝીઝ’ મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે ‘હું ક્રોધ કરું છું.’ પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો ‘ઇફેક્ટ’ છે. અને ‘કોઝીઝ’ બંધ થઇ જાય એટલે ‘ઇફેક્ટ’ એકલી જ રહે છે અને ‘કોઝીઝ’ બંધ કર્યા એટલે ‘હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઇફેક્ટ’ (પરિણામ માટે તે જવાબદાર નથી) અને ‘ઇફેક્ટ’ એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.

ચંદુભાઈ ગમે તેટલો ક્રોધ કરતા હોય પણ જો તમને છે તે ‘મને થાય છે’ એવું ભાન ના ઉત્પન્ન થાય તો તમે જોખમદાર જ નથી, એવું આ વિજ્ઞાન છે. બહુ ચોક્કસ રહેવું જોઈએ અને તે વખતે એનાથી કોઈને દુઃખ થાય, આપણા ભાવોથી સામા માણસને કંઈ દુઃખ થાય તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, અતિક્રમણ કેમ કર્યું ?’ ‘આપણે’ જુદા ને ‘ચંદુભાઈ’ જુદા ! એક ગુસ્સો કરે છે ને બીજો ના કહે છે. જે ના કહે છે એ આત્મ વિભાગ અને આ કરે છે એ પુદગ્લ વિભાગ.

કોઈને દુઃખ ના થાય એટલું જોવાનું

મહીં ભાવો, પુદગ્લ ભાવો ઉત્પન્ન થાય છે, તેને સંસાર ભાવો કહેવાય છે. મહીં જાત જાતના ભાવો ઉત્પન્ન થાય એ બધા પણ પુદગ્લ ભાવ છે. જે ભાવ આવે ને પછી વિનાશ થઈ જાય એ બધા પુદગ્લ ભાવમાં છે. તે આપણે ચોંટી પડીએ કે ‘મને ઉત્પન્ન થયું આવું’, તો માર ખાવો પડે.

પ્રશ્નકર્તા : પણ જે પુદગ્લ ભાવો આવે, આપણે જે જાણ્યા તો એ ચાર્જ રૂપે છે કે ડિસ્ચાર્જ રૂપે છે ?

દાદાશ્રી : ડિસ્ચાર્જ રૂપે.

પ્રશ્નકર્તા : ગમે તે સારા આવે, ખરાબ આવે, કોઈ પણ આવે?

દાદાશ્રી : સારા-ખોટા તો સમાજે પાડેલા, ભગવાનને ત્યાં નથી. આ તો સારા-ખોટાનું સૌ-સૌના સમાજ પ્રમાણે. આપણે છે તે કોઈ બકરાને કાપવો એને પાપ ગણીએ છીએ ને કેટલાક લોકો એને પાપ નથી ગણતા. એટલે એ સમાજની વ્યવસ્થા છે સારું-ખોટું. ભગવાનને ઘેર બધું હવે એક જ સરખું. જ્યારે મોક્ષે જવું હોય ત્યારે સારા-ખોટા વિચારને જોવાની જરૂર નથી. હા, આપણા વિચારથી કોઈને દુઃખ થતું હોય તો તારે ફાઈલ નં. એકને કહેવું પડેને, ‘ભઈ, હજુ ક્ષમા કરી લો. માફી માંગી લે.’ કોઈને દુઃખ ના થાય એટલું જ જોવાનું. આપણા થકી કોઈને ધક્કો મારવાની જરૂર નથી. ન શોભે આપણને. ધક્કો મારીને આપણે મોક્ષે જઈએ એવું બનેય નહીં. કિંચિંત્ માત્ર દુઃખ કોઈને ન અપાય.

ઉદ્વેગ થાય ચંદુભાઈને, તમને નહીં

પ્રશ્નકર્તા : પણ હજી અમારામાં ઉદ્વેગભાવ પાછો પ્રગટ થયા કરે છે ને ?

દાદાશ્રી : ઉદ્વેગ થાય અને વેગેય થાય, બેઉ થાય પણ ‘ચંદુભાઈ’ને થાય, ‘તમને’ ના થાય. ‘તમને’ ખબર પડે કે ‘ચંદુભાઈ’ને ઉદ્વેગ થયો. જો ‘ચંદુભાઈ’એ ઉદ્વેગનો વેપાર કર્યો હોય તો ઉદ્વેગ થાય. નહીં તો આવેગ આવે, નહીં તો વેગ આવે. તેની ખબર પડે બધી.

પ્રશ્નકર્તા : પણ ઉદ્વેગમાં ફસાયેલા રહીએ છીએ ને !

દાદાશ્રી : ના, એમ નહીં. ફસાયેલા તો, તમે તમારી જાતને ફસાયેલા માનો છો કે ‘ચંદુભાઈ’ ફસાયેલો લાગે છે ?

પ્રશ્નકર્તા : પણ ‘ચંદુભાઈ’ ફસાયેલો રહે છે ને ?

દાદાશ્રી : એ તો ફસાયેલો હોય, તેમાં આપણે શું છે ? એ તો જેટલું ડિસ્ચાર્જ છે એ તો થયા વગર છૂટકો જ નથી. એમાં ચાલે જ નહીં ને ! આપણી જાત ઉપર ના આવવું જોઈએ કે હું ફસાયો. કારણ કે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ છે. એને કશું અડે નહીં, એનું નામ શુદ્ધાત્મા.

‘આ મારું ન્હોય’ કહે રહેવાય પ્રકૃતિથી ભિન્ન

આ કષાયો એ ખાલી વ્યવહાર કષાયો છે, ખરેખર નિશ્ચય કષાયો નથી આ. પણ તે મોળા થતાં જાય. છેવટે વ્યવહાર કષાયેય ન હોવા જોઈએને ?

પ્રશ્નકર્તા : આ જે વ્યવહાર કષાયો છે એ જ બહુ મૂંઝવેછેને !

દાદાશ્રી : ના, આપણા જ્ઞાન પછી કષાયો મૂંઝવતા હશે ?

પ્રશ્નકર્તા : એ કષાયો થાય છે આ ફાઈલ નંબર એકમાં, એ બહુ મૂંઝવે છે. એટલે આકુળતા થાય, ક્લેશ થયા રાખે પછી.

દાદાશ્રી : એ તમને થતો નથી ને પણ ?

પ્રશ્નકર્તા : માન્યતામાં તો એમ છે જ કે મને નથી થતો. પણ તોય અનુભવ જે છે ને, એ અનુભવ ગમતો નથી.

દાદાશ્રી : એ તમે એટલું જ કહો કે આ ‘મારું ન્હોય’, એટલે તમને અડે જ નહીં. જે માન્યતામાં છે એ જ તમે બોલો તો અડે નહીં કે આ ‘મારું ન્હોય’. એ તમે ‘મારું નહીં’ નહીં બોલો તો મહીં પેસી જશે.

પ્રશ્નકર્તા : પણ એ ઘડી ઘડી બોલવું પડે ?

દાદાશ્રી : હા, એ તો બોલવું જ પડેને તે ઘડીએ. પેલાં મહીં પેસવાની તૈયારી કરે તો આપણે ના સમજીએ કે ‘એય, મારું નહીં. પારકા ઘરનું અહીં ક્યાં પેસવા આવ્યો છું ?’ આવી રીતે બોલવું પડે. વ્યવહાર એનું નામ કે શબ્દેશબ્દ બોલવો પડે.

પ્રશ્નકર્તા : કલાક પછી ખ્યાલ આવે કે આ ‘મારું નથી’.

દાદાશ્રી : પણ એ બોલીએ તો ફરી આવે જ નહીંને ! ‘જતો રહું છું’ જ કહે. આપણને અડે નહીં.

સુટેવો-કુટેવો એ પ્રાકૃતિક ગુણો

આ લોકો તો પ્રકૃતિના ગુણોને છોડાવે છે. અલ્યા, આ ક્યારે પાર આવે ? આપણે તો કહીએ છીએ કે સુટેવો અને કુટેવોથી શુદ્ધ ચેતન સર્વથા મુક્ત જ છે ! આપણે આ દુકાનમાંથી ઊતરી ગયા અને કહ્યું કે ‘આ દુકાન મારી ન હોય !’ આ તો દુકાનમાંથી એક-એક ચીજ ખાલી કરીએ તો ક્યારે પાર આવે ? એના કરતા તો ‘ન હોય મારી દુકાન’ કરીને નીકળી ગયા એટલે પત્યું !

પ્રકૃતિને વઢવાથી શું વળે ?

પ્રશ્નકર્તા : એટલે આપણે એમાં એવું ખંખેરી નાખવાનું કે આપણે એમાં કંઈ લેવાદેવા નથી.

દાદાશ્રી : લેવાદેવા નથી અને આપણે એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. વધારે પડતું કંઈક કોઈને મૂંઝવણ કરે ને કોઈને દુઃખ થઈ જાય તો આપણે કહેવું, ‘તમે શા સારુ આમ કરો છો વગર કામના ? તે હવે કેટલા દહાડા બંધાવું છે ?’ આમતેમ જરા કહી છૂટવું. તેય ચીડાવું નહીં એની જોડે. એની જોડે ચીડાયા તો શો અર્થ ? પ્રકૃતિ, જેમ પમ્પ મારી મારીને ચેતન ભરેલું. એમાં શું ખોળો છો ? અને થઈ જાય તો એને વઢવાથી શું વળે?

મહીંના ભાવો એ જ ખરો વ્યવહાર

પ્રશ્નકર્તા : આપે સુંદર દ્રષ્ટાંત આપેલું. તાનસા (ડેમ)નું પેલું પાણી જે છે, ત્યાંથી બંધ કરી દીધો પેલો કૉક. પાઈપમાં ભરેલું પાણી નીકળે છે.

દાદાશ્રી : આ લોકોને આવકનો કાઙ્ખક તો બંધ થઈ ગયો, પણ જાવકનું તો રહ્યુંને ! હવે પાણી જતું હોય, તેમાં થોડો ડામર પડ્યો હોય તો ડામરવાળું નીકળે. એમાં કંઈ હવે તે ઘડીએ એને વઢવાનું હોય? એ તો પહેલા ભર્યું હતું તે અત્યારે નીકળ્યું છે, તેમાં તું શું કરવા વઢું છું ? ખાલી તો કરવું પડશેને ?

એટલે આ બધાનો ઉચિત વ્યવહાર. કારણ કે તમને ગુસ્સો થતાંની સાથે અંદર શું થાય છે ? આ ના થવું જોઈએ. એવું થાય છેને ? આ એક બાજુ છે તે ગુસ્સો કરે છે અને એક બાજુ એ પોતે છે તે ‘આમ ન થવું જોઈએ’ એવો મહીં પસ્તાવો થયા કરે. એ અભિપ્રાય ફેરફાર થઈ ગયો, એ વ્યવહાર તમારો. આમ ન થવું જોઈએ, એનું નામ ઉચિત વ્યવહાર.

વ્યવહાર ડિસ્ચાર્જ ત્યાં ભાંજગડ શી ?

પ્રશ્નકર્તા : દાદાનું જ્ઞાન લીધા પછી કેટલાક વ્યવહારના જે ડિસ્ચાર્જ હોય છે એ ગમતા નથી હોતા, તો એને કઈ રીતે મનાવવું ?

દાદાશ્રી : એ ગમતા હોય તે આપણા, તો ના ગમતા હોય તે પારકાં? ના ગમતા ને ગમતા આ બેઉનો સમભાવે નિકાલ કરવાનો અને ના ગમતા હોય તેને તો ઉપર અગાસીમાં જઈને બૂમ પાડવી, કે ‘બધા આવો ભેગાં થઈને.’ બાકી ચિંતા જ કરવાની નહીં ચાર્જનીતો.

પ્રશ્નકર્તા : તમે બોલ્યા હતા કે ડિસ્ચાર્જની ચિંતા ના કરવી કોઈએ.

દાદાશ્રી : આ ડિસ્ચાર્જને આ લોકો શું કહે છે? ‘કેમ મને આમ થાય છે, તે આવો હજુ ક્રોધ થાય છે, આવું થાય છે’. અરે, આ તો ડિસ્ચાર્જ થયું, તે સારું થાય છે. એ જો ડિસ્ચાર્જ ના થાય, તો તેની ભાંજગડ છે. આપણે એમ કહીએ છીએ કે ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ત્યારે તમે છે તે કંટાળો છો. તો આપણે તો ખરી રીતે તો ડિસ્ચાર્જ વહેલામાં વહેલું થઈ જાય એવું રાખવું જોઈએ, એવું કહેવા માગીએ છીએ. એટલે ડિસ્ચાર્જ થાય છે તે ઊલટું આપણને ખુશી થવી જોઈએ કે ઓહોહો ! બહુ સારું થયું, જલદી નીકળી ગયું. ના થતી હોય તેની ઊલટી ભાંજગડ કરવી જોઈએ કે આ ના થયું, તો ઊભું કરવું આપણે. એટલે એવું કહેતો હતો, ઉપરથી બોલાવો, ‘આવો પધારો’ કહીએ.

જાણનારને ન્હોય ખોટ

પ્રશ્નકર્તા : અહીં સત્સંગમાં બેઠા હોઈએ છતાં આપણું ચિત્ત બહાર જઈ આવે તો એ અજાગૃતિ છે કે પ્રકૃતિની ખોડ છે ?

દાદાશ્રી : એ પ્રકૃતિનું કામ છે, એ અજાગૃતિ નથી. જઈને પાછું આવતું રહે એય તમે જાણીજાવને?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો તમે જાણનાર છો. એ તો બહાર જઈને પાછું આવે. કોઈ બકરું બહાર નીકળી જાય, પછી બહાર જઈને પાછું આવે, એમાં જાણનારને શું ખોટ ? બકરાવાળાને તો એમ માનો કે ગયું ને નીકળી ગયું, તે પાછું ના આવે તો શું થાય ? પણ આ તો બધા પાછાં આવવાનાં જ. જેટલાં અહીંથી નીકળીને બહાર ગયાં ને, તે ભૂખ લાગે એટલે એની મેળે પાછાં આવે. ક્યાં જવાનાં છે ? એટલે આપણે જોયા કરવું. ‘ઓહોહો ! તમે બહાર ફરો છો?’ કહીએ. ‘ક્યાં ભૂલેશ્વરમાં ફરો છો? શું કરવા ? કેમ કંઈ જોઈએ છે ?’ એવું આપણે કહીએ. કોઈ ભૂલેશ્વરમાં ફરતું હોય, તો કોઈ ઝવેરી બજારમાં હઉ ફરે! એ ચિત્ત ક્યાં જાય છે ?

પ્રશ્નકર્તા : આ તો કોઈવાર જાય.

દાદાશ્રી : તે જાય તો શો વાંધો છે ? એ દોષ પ્રકૃતિનો છે. જાગૃતિ તો છે, ત્યારે તો ખબર પડે તમને. એમાં કંઈ નુકસાનકારક નથી. એ જાય તેની જોડે ‘આપણે જઈએ’ ત્યારે મુશ્કેલી થાય.

સ્વપદમાં રહે, ના પડે કોઈ ડાઘ

જો તમે આત્મા થઈને રહો છો તો બધા કર્મની નિર્જરા છે ને આત્મા થઈને નથી રહેતા, તે જરાક ડખરાયા કે એ કર્મના જરાક કંઈક ડાઘ પડશે. કારણ કે જે છે એ માન્યતા નથી તમારી, ભૂલ થાય છે ત્યાં.

પ્રશ્નકર્તા : સ્વપદમાંથી પરપદમાં ખસી જાય?

દાદાશ્રી : ના, ખસી જતો નથી, પરપદમાં જતો નથી. પણ એના મનમાં એમ થાય છે કે ‘આ કોણ છે તે ? મારી જ ભૂલ છે ને આ ?’ પણ તે ‘મારી ભૂલ’ તો ક્યારે ? જ્યાં સુધી ‘આપણે’ ‘ચંદુભાઈ’ હતા, ત્યાં સુધી ભૂલ હતી. હવે તો ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ થયા. શુદ્ધાત્મા તો એવી ભૂલવાળો છે જ નહીં. એટલે બહુ એ થાય તો ‘આપણે’ કહેવું કે, ‘ચંદુભાઈ, ઓહોહો, બહુ ભૂલો કરી છે, ભારે કરી છે.’ તેનાથી એ શું થઈ જાય છે? એ ‘આપણે’ બોલીએ ને, એ જ છૂટાપણું દર્શાવે છે અને ‘તમારી’ જવાબદારી એન્ડ (અંત) થાય ત્યાં આગળ !

જરૂર, જાગૃતિ વધારવાની

આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે કે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા. ત્યારે કહીએ કે ‘ભઈ, ઘડિયાળ ચોરી ગયો એ તમને જે લાગે એ ખરું.’ આપણે આત્મસ્વરૂપ થઈને જવાબ આપવાના. પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાવ, પાછું આત્મા આપેલો જતો રહે (પોતે તન્મયાકાર થઈ જાય છે). એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં આ ઉપાધિ છે.

પ્રશ્નકર્તા : ઉપાધિ હોવા છતાંય જાગૃતિ તે વખતે કેળવાતી જાય. જાગૃતિ કેળવવા માટેનો આ માર્ગ છે.

દાદાશ્રી : હા, જાગૃતિ એકદમ વધી જાય. જાગૃતિ તો બહુ ઊંચી જતી રહે. જાગૃતિ તો બહુ વધે છે. પણ વસ્તુસ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે. ‘મેં ક્યાં ચોરી કરી છે?’ અલ્યા, રક્ષણ શું કરવા કરો છો તે ? તારું નથી, તેનું તું રક્ષણ શું કરવા કરે છે? જે તારી વાત જ નથી, તેનું રક્ષણ તારે કરવાની જરૂર નથી. સ્વીકારી લઈએ પછી આપણી ભૂલ કહેવાયને ? પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ. પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે.

આ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું છે. પણ તમારી જાગૃતિથી એને બહુ હેલ્પ કરવી જોઈએ પછી, પુરુષાર્થ કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : પુરુષ અને પ્રકૃતિ બન્ને જુદા પડી ગયા, પછી તો પુરુષાર્થની જરૂર જ નહીંને ?

દાદાશ્રી : ના, ખરો પુરુષાર્થ ત્યારથી શરૂ થાય છે.

પ્રશ્નકર્તા : એ પછી પુરુષાર્થ શેના માટે કરવાનો ?

દાદાશ્રી : પ્રકૃતિથી કાયમને માટે છૂટા થવા માટે. કારણકે પ્રકૃતિ શું કહે છે કે તમે તો પુરુષ થઈ ગયા, પણ હવે અમારું શું ? તમે અમને બગાડ્યા હતાં. અમારા મૂળ સ્થાન ઉપર પહોંચાડી દો તો તમે છૂટા થશો, નહીં તો છૂટા નહીં થાવ. એટલે પુરુષાર્થ ત્યારે કરવાનો.

પુરુષ થયા પછી જ સાચો પુરુષાર્થ

પુરુષ થયા પછી પુરુષાર્થ હોય. પ્રકૃતિ ને પુરુષ બે જુદા થયા. જ્યાં સુધી તમે ‘ચંદુભાઈ’ હતા, ત્યાં સુધી પ્રકૃતિ હતી. તે પ્રકૃતિ જેમ નચાવે તેમ તમે નાચતા હતા. તમે પુરુષ થયા ને પ્રકૃતિ જુદી થઈ ગઈ. પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થમાં એ જાગૃતિ તો છે જ. પુરુષાર્થમાં તો ફક્ત બીજું શું ? આપણે નક્કી કરવું જોઈએ. સ્થિરતાપૂર્વક બધી વાતચીત કરવી જોઈએ.

પ્રશ્નકર્તા : આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું, એનો આગ્રહ નહીં રાખવો.

દાદાશ્રી : ખોટું-સાચું તો જાણે છે જ નહીં. એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દહાડો ચાખેલું નહીં અને તમને કહે કે તમે ચોરી કરી, એટલે સાંભળેલું નહીં ને કોઈ દહાડો પ્રેક્ટિસ નહીં થયેલીને, એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય ? એટલે ઇમોશનલ (લાગણીશીલ) થાય. એટલે આપણે ચંદુભાઈને કહેવું પડે કે ‘ભઈ, ચોર જ છો. કો’ક ચોર કહે તો ગભરાશો નહીં.’ એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, ‘કોઈ કહે તો ગભરાશો નહીં. કોઈ ધોલ મારે તોય ગભરાશો નહીં’ એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કો’ક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તોય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે, એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે ? કરાવી રાખેલું સારું. કો’ક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ, રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો બધા, કેટલાય માણસોને સમાધિ આપે છે,નિરંતર !

ઉપરાણું એ મોટી નબળાઈ

પ્રશ્નકર્તા : આપે અમને દોષો ધોવાની દ્રષ્ટિ આપી તોય પ્રકૃતિનું ઉપરાણું કેમ લેવાઈ જવાય છે?

દાદાશ્રી : એ તો હજુ પ્રકૃતિ પક્ષના છો એટલે જ. અમારાથી તો પ્રકૃતિનું ઉપરાણું ના લેવાય. પ્રકૃતિનો તો જ્યાંથી દોષ દેખાયો કે તરત માફ ક્યારે થઈ જાય એના માટેની તૈયારી હોય. હજુ ઉપરાણું લેવાયને, એ તો ભયંકર ગુનો છે. એ છાવરેને તોય ઉપરાણું, એય ગુનો. તમે કહો કે હા દાદા, આ ખોટું છે. એટલે મારે કહી દેવું જોઈએ કે ભઈ, ખોટું છે. હું બચાવ કરવા માટે બીજા શબ્દો વાપરું, વકીલાત કરું તે ગુનો છે.

પ્રશ્નકર્તા : એ છાવરવું એ નબળાઈ છે.

દાદાશ્રી : એ ગુનો જ કહેવાય.

વીતરાગ થયે પ્રકૃતિથી પાર

પ્રશ્નકર્તા : પ્રકૃતિને માફ કેવી રીતે કરી શકાય?

દાદાશ્રી : એની ઉપર ચીડ નહીં કે કંઈ નહીં, પોતાની પ્રકૃતિ ઉપર ચીડ નહીં ખાવી, ઉપરાણું લેવાનું નહીં. અને માફ કરી દેવું એટલે એના તરફ રાગ નહીં, દ્વેષ નહીં, વીતરાગતા. ખરાબ તો નીકળે જ. જ્ઞાનીનેય ખરાબ નીકળે કોઈ વખત, પણ એના તરફ અમે વીતરાગ થઈ જઈએતરત !

પ્રકૃતિથી જે જે બને છે, એ શેમાં છે ? ઉદયમાં આવ્યું છે. પ્રકૃતિને જે ભોગવવાનું આવ્યું, તે ભોગવો છો. આ હું જે બોલું, તે પાછું મનમાં એમ થાય કે આ શા સારું બોલ્યો’તો ? પણ તે ચાલે નહીં આપણું, કારણ કે પ્રકૃતિમાં વણાયેલું છે તે એ બોલે જ, તે આપણે જોયા જ કરવાનું. હું શું કહેવા માગું છું એ સમજાયું કે ના સમજાયું ? કમ્પ્લિટ. સમજાય તો બહુ કામ થઈ જાયને !

જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ વ્યવસ્થિત

શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગુનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે, ‘તું જોશથી કર’ એમેય નહીં કહેવાનું અને ‘ના કરીશ’ એમેય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, તો ‘વ્યવસ્થિત’.

અને કોઈ ફેરો જ પહેલું પ્રકૃતિને ઠંડક રહે એટલા માટે કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. કારણ કે મહીં જાતજાતના ગૂંચાળા (ગૂંચવાડા) ઊભા થાય, લૌકિક જ્ઞાન હાજર થઈ જાય, એટલે આપણે આ જ્ઞાન પહેલેથી કહી દેવું પડે કે વ્યવસ્થિત છે. બાકી વ્યવસ્થિતનો અર્થ એ છે કે પ્રકૃતિના કાર્યમાં ડખો નહીં કરવાનો.

આજ્ઞા એ જ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : પ્રકૃતિ લઈને આવ્યા છે તે તો દુઃખદાયી જ છે. હવે વીતરાગની પાસેથી જ્ઞાન મળ્યું. હવે પ્રકૃતિ પ્રકૃતિનો ભાગ ભજવે અને એને સુખ-દુઃખ થયા કરે છે એ ક્યારે ઓછું થઈ જાય, પાતળું થઈ જાય ?

દાદાશ્રી : એ બધું પાતળું નહીં, અડશે જ નહીં પછી. જ્યારે પરભાર્યું છે એવું જાણશે તો પૂરેપૂરો અનુભવ થશે. હજુ તો અનુભવ થતો નથી ને પરભાર્યું છે એવું.

આત્મા જુદો પડ્યા પછી પુરુષાર્થ રહ્યો. જ્યાં સુધી દેહાધ્યાસ હતો, ત્યાં સુધી પુરુષાર્થ ખુલ્લો થયો ન હતો. પુરુષાર્થ તો, પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડ્યા પછી પુરુષાર્થ શરૂ થાય. તે પુરુષાર્થ થતાં થતાં પુરુષોત્તમ થાય! પુરુષમાંથી પુરુષોત્તમ થાય. પુરુષોત્તમ યોગ ઉત્પન્ન થાય. તે પુરુષાર્થ શો કરવાનો છે ? ‘મારું નહીં’, ‘મને કશું અડે નહીં’, ‘યે હમારા નહીં’, કહેતાંની સાથે ના ચોંટે. કારણ કે એ કાયદો છે કે આ તારું કે પેલું, એનો ગૂંચવાડો ઊભો થતો હોયને તો ‘મારું નહીં’ કહી દેવાનું. તે એની મેળે ભાગી જાય. ઊભું જ ના રહે. કહેવાય ના રહે કે હું તમારું હતું. ‘આ મારું નહીં’ કહ્યું કે ચાલ્યું.

એ પુરુષાર્થનું પરિણામ શું ?

ભેદવિજ્ઞાનથી પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડી જાય છે. ત્યાર પછી પુરુષ થયા પછી છે તે આ આજ્ઞા પાળે એટલે પુરુષોત્તમ થઈને ઊભો રહે. એ છેલ્લી દશા પુરુષોત્તમ. પુરાણ પુરુષ પુરુષોત્તમ ભગવાન કહેવાય. જેને પોતાપણું પણ ના હોય. આ દેહે પોતાપણું ના હોય કે હું કહું છું ને મારું કેમ સાંભળતા નથી !

પ્રશ્નકર્તા : પોતે એક સેકન્ડ પણ પુરુષ થાય તો બહુ થઈ ગયું.

દાદાશ્રી : એક સેકન્ડ પણ કોઈ પુરુષ થયો નથી. પેલા આનંદઘનજી મહારાજ જેવાએ શું કહ્યું? ‘હે અજિતનાથ ભગવાન ! તમે તો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ જીત્યા એટલે પુરુષ કહેવાયા, પણ એ લોકોએ મને જીતી લીધો, હું પુરુષ કેમ કહેવાઉં ?’ ત્યારે પુરુષ શી રીતે થાય તે ? એક સેકન્ડ માટે પુરુષ થઈ જાય ને, તો પરમાત્મા થઈ ગયો.

તું તારા સ્વભાવમાં ત્યાં જ પરમાત્મા પદ

પ્રશ્નકર્તા : હવે ‘તું તારા સ્વભાવમાં આવી જા’ એવું જ્યારે કહીએ છીએ ત્યારે એ કોને કહીએ છીએ ?

દાદાશ્રી : પરમાત્મ સ્વભાવમાં આવી જા, એવું કહે છે. આ તો તું બીજી દશામાં છું, ઊંધી દશાએ છું, સંસારી દશામાં છું, પ્રાકૃત દશામાં છું. તું તારા સ્વભાવમાં આવી જા. પોતાની પરમાત્મા દશામાં આવી જા. ‘તું પરમાત્મા છે’ એ દશામાં આવી જા. એવું ભગવાનને કે કોઈને લાયસન્સ નથી કે આ બધાનું લાઈસન્સ લે. જે પોતાના સ્વભાવમાં આવે એ પરમાત્મા થાય !

જ્ઞાનીનો પુરુષાર્થ કેવો ?

અમે એક વખત રસ્તામાં આવતા હતા, તો એક બસ બળતી હશે. તે મેં જોઈ. મેં કહ્યું, ‘બસ બળે છે આ.’ ભડ, ભડ, ભડ, હેય... મોટી મોટી હોળીના પેઠ સળગ્યા કરે. ત્યારે મેં જાણ્યું, ‘આ બસ બળે છે.’ એટલે પછી હું એ દ્રષ્ટિ ઊતારું ને કે આ પ્રકૃતિ એટલે કેટલે સુધી ચાલી કે ‘અરેરે બા, આ છોકરાંઓએ શું માંડ્યું છે? આ અનામત વિરોધીઓ ! મૂઆને પોતાની ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ !’ એવી આ પ્રકૃતિ મહીં જે ચાલવા માંડી, તેને હું જોયા કરતો હતો કે પ્રકૃતિ શું ચાલે છે !

પ્રકૃતિ તો બોલ્યા વગર રહે નહીં ને ! ‘આ બસ બળે છે અને આમ થાય છે’ ને તે આપણા બાપનું કંઈ જતું રહ્યું ? પ્રકૃતિ જાણે આપણું જ છે, તેમ એ ડહાપણ કર્યા વગર રહે નહીં. પ્રકૃતિ એ બધું ડહાપણ જ કર્યા કરે. એને અમે જોયા કરીએ, બસ. બીજું શું ? અમે સમજી ગયા કે ‘ઓહોહો! પ્રકૃતિ શું કરે છે ?’ ‘છોકરાંઓએ આવું ન કરવું જોઈએ. છોકરાંઓને આ સમજણ નથી, તેથી આવું કરી રહ્યા છે. છોકરાઓને ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ !’ પણ એ બધાને પાછું અમે જાણીએ. હું જાણતો જ હોઉં અને એક બાજુ પ્રકૃતિ તો એની વાતો કરતી જતી હોય.

અને આ પ્રકૃતિમાં મહીં કોઈ ગાંડો હોય તો પૂછે કે ‘તમે કોણ છો?’ ત્યારે પાછાં કહીએ કે ‘અમે કેવળજ્ઞાન સ્વરૂપ છીએ. તારે જે કરવું હોય તે કરજે બા. એની પર જેટલાં દાવા કરવાં હોય તે કરજે !’

પ્રકૃતિ જોવી તે જ જ્ઞાતા-દ્રષ્ટાપણું

પોતાની પ્રકૃતિને જોવી, એ જ છે તે જ્ઞાતા-દ્રષ્ટાપણું. તમે જ્ઞાતા-દ્રષ્ટા થઈ ગયા કહેવાય. પછી પ્રકૃતિ જોડે વાતોચીતો કરવી. ચંદુભાઈના નામથી જ વ્યવહાર રાખવો આપણે. ઉદયકર્મ બોલવું જ ના પડે. ‘ચંદુભાઈ, કેમ છો ? તમારી તબિયત સારી છે કે નહીં?’ સવારમાં ઊઠીને પૂછીએ બધું. કારણ કે આપણા પાડોશી છે ને ! વાંધો શો છે ? અને પાછાં જૈનના જૈન પાડોશી હોય અને બ્રાહ્મણના બ્રાહ્મણ હોય, પછી વાંધો શો આવે ? એટલે એમને ‘કેમ છો, કેમ નહીં ! એ આજે જરા ચા દોઢ કપ પીઓ’ એમ કહીએ. એમ કરીને તમે કામ તો લેજો. જુઓ, કેવું સુંદર કરે છે પ્રકૃતિ ! પ્રકૃતિની જોડે એડજસ્ટ થતાં આવડવું જોઈએ. પ્રકૃતિ તો સુંદર સ્વભાવની છે.

પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને ઓળખાય કેવીરીતે ?

દાદાશ્રી : જોવાથી ઓળખાય, નિરીક્ષણ કરવાથી ઓળખાય.

પ્રકૃતિને જોનાર માણસ પ્રકૃતિથી તદ્દન જુદો હોય તો જ જુએ. સંસાર વ્યવહારમાં પ્રકૃતિના જોનાર ના હોય, પ્રકૃતિના સ્ટડી કરનાર હોય. જ્ઞાન પછી ‘પોતે’ પ્રકૃતિને આત્મા થઈને જુએ, આની કેવી કેવી ટેવો છે? મન-વચન-કાયાની ટેવો અને એના સ્વભાવને જુએ.

લગામ છોડવાનો પ્રયોગ

પ્રશ્નકર્તા : પ્રકૃતિનું ‘એનાલિસીસ’ (વિશ્લેષણ) કઈ રીતે કરવું તે સમજાવો.

દાદાશ્રી : સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે ‘જરાક નાસ્તો, ચેવડો કંઈક લાવજો.’ એ પણ ખબર પડે ને ? આવું આખો દહાડો પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું ‘એનાલિસીસ’ થઈ જાય. એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ. આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે.

પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ?

દાદાશ્રી : એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું. આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : છૂટા રહીને ‘જોવું’ એ જાતની પ્રેક્ટિસ કરવી પડે ?

દાદાશ્રી : એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે.

એટલે અમે એક રવિવારને દહાડે લગામ છોડી દેવાનો પ્રયોગ કરવાનો કહીએ છીએ. એનાથી આપણા મનમાં એમ થાય કે ‘આપણે આ લગામ ઝાલી છે, તો જ આ ચાલે છે.’ એ નીકળી જાય.

પ્રશ્નકર્તા : લગામ ઝાલી એમ કહ્યું, એટલે એ અહંકાર થયો ને ?

દાદાશ્રી : હા, પણ એ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. અહંકારને આપણે જાણી લેવો જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે આ શેના આધારે ચાલે છે ? છતાં હજુ પાછો એનો ભાવ અવળો રહે છે કે મારે લીધે ચાલે છે! એટલે આવો પ્રયોગ કરીએ ને, તો એ બધું બહાર નીકળી જાય !

‘ચંદુભાઈ શું શું કરે છે’ એને જોયા કરે એ પુરુષાર્થ તમારો. ‘ચંદુભાઈ શું કરે છે એ, ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, અહંકાર શું કરે છે’, એ બધાને જોયા કરો, ડખલ ના કરો મહીં, એ પુરુષાર્થ. એથી આ બધું તમે સ્વચ્છતાથી જોયું માટે સ્વચ્છ થઈ ચાલ્યું જાય.

પ્રશ્નકર્તા : પછી આ પુદગ્લ સ્વચ્છ થાય ને?

દાદાશ્રી : હા, પુદગ્લ, જે બગડેલું છે, વિકારી થયું છે એ નિર્વિકાર થઈને સ્વચ્છ થઈને ચાલ્યું જાય. એટલે આપણી ગુનેગારી ગણાય છે કે આપણે ઊભું કર્યું હતું, ત્યારે થયું ને એ, એ પછી દાવો માંડે. એટલે ખરો પુરુષાર્થ ત્યાર પછી શરૂ થાય છે.

લગામ છૂટેલી જુઓ તો ખરા

પ્રશ્નકર્તા : પુરુષાર્થ ભાગ જે છે, એમાં સૂક્ષ્મ સમજનો ભાગ એ જ પુરુષાર્થ કહેવાય ? ઇન્દ્રિયોની લગામ છોડી દેવી તે એમાં આવી જાય ?

દાદાશ્રી : તમે સવારે બોલો કે આજે ઇન્દ્રિયોના ઘોડાની લગામ છોડી દઈએ છીએ. એવું પાંચ વખત શુદ્ધ ભાવે બોલો. પછી એની મેળે લગામ છૂટેલી જુઓ તો ખરા, એક રવિવારનો દહાડો પસાર તો થવા દો ! આ તો ‘શું થઈ જશે, શું થઈ જશે!’ અલ્યા, કશુંય નથી થવાનું! તું તો ભગવાન છો. શું થઈ જવાનું છે ભગવાનને ? પોતાની જાતને એટલી હિંમત ના આવવી જોઈએ કે હું ભગવાન છું! ‘દાદા’એ મને ભગવાન પદ આપ્યું છે ! આવું જ્ઞાન છે. પછી ભગવાન થઈ ગયા છો, પણ હજુ એનો લાભ પૂરેપૂરો મળતો નથી. એનું શું કારણ ? કે આપણે એને અખતરારૂપે લેતાં જ નથી ને ! એ પદ વાપરતા જ નથી ને ! થોડું ઘણું એવું રહેતા હોય તો!

આ મન, વાણી ને વર્તન, જે ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે, તેને ખાલી હવે જોયા જ કરવાનું છે. ‘ડિસ્ચાર્જ’ આપણી સત્તામાં નથી. ત્યાં આપણે ડખો કરવા જઇએ તો તેમાં કશો ભલીવાર આવે નહીં. ‘આપણે’ તો ‘ચંદુભાઇ’ શું કરી રહ્યા છે તેને જોયા જ કરવાનું છે. ભગવાન મહાવીર આ એક જ કરતા હતા. જે પોતાનું પુદગ્લ હતું, તેમાં શું ચાલી રહ્યું છે તેને જ જોતા હતા. એક પુદગ્લને જ જોતા હતા, બીજું કશું જ જોતા નહોતા. કેવા ડાહ્યા હતા એ ! જેની વાત કરતા જ આનંદ થાય!!!

પ્રશ્નકર્તા : પણ સંસારમાં ડ્રામેટિકમાં પણ પોતાને કરવું તો પડેને ?

દાદાશ્રી : ‘ડ્રામેટિક’માં તો કરવું પડે નહીં, બધું થયા જ કરે છે. અને કશું કરવા જેવુંય નથી, એની મેળે જ થયા જ કરે ! ઊંઘવાના ટાઇમે ઊંઘ આવી જાય, જાગવાનાં ટાઇમે જાગી જાય. બધું થયા જ કરે છે. આમાં ‘કરવું પડે કે કરવા જેવું છે’ એવુંય ના બોલાય ને ‘નથી કરવું કે કરવા જેવું નથી’ એવુંય ના બોલાય. કારણ કે કર્તાપણું આપણામાં છે જ નહીં. આત્મા અકર્તા છે.

પ્રકૃતિ સ્વભાવને જાણે એ જ્ઞાયકતા

પ્રકૃતિ સ્વભાવને નિહાળે, એનું નામ જ્ઞાયકતા. તે બીજાની નહીં, પોતાની જ. પ્રકૃતિ સ્વભાવને વેદે એ વેદકતા કહેવાય અને પ્રકૃતિ સ્વભાવને જાણે એ જ્ઞાયકતા કહેવાય.

અનાદિથી પરિચય છે ને એટલે માથું દુઃખ્યું એ તો ખરેખર તો પોતે જાણે જ છે. બીજું કશું કરતો જ નથી અને તમને જ્ઞાયકતા આપેલી છે કે પ્રકૃતિને જુઓ. તો પ્રકૃતિને માથું દુઃખ્યું તે જોવાનું, એને બદલે મને દુઃખે છે એવું એ ત્યાં આગળ અજાગૃતિ થઈ જાય છે. એટલે પેલું દુખવાનું શરૂ થઈ જાય છે. અને જો જાણે, તો આ કોને દુઃખે છે એ જાણતો હોય. સામાના દુઃખનેય જાણે.

વિજ્ઞાન આપણું બહુ જુદી જાતનું છે. ઘણાં ફેરો અમે હઉ, અમારેય પેલું દુઃખથી છેટું ના થઈ શકે અમુક બાબતમાં. અમુક બાબતમાં છેટું જ હોય પણએઅમુક દુઃખની બાબતમાં મહીં ચોંટેલું હોય કોઈ જગ્યાએ. ચોંટ્યું હોય તે, તેને અમે ઉખાડ ઉખાડ કરીએ.

પ્રશ્નકર્તા : ત્યાં વધારે ઉપયોગ મૂકો ?

દાદાશ્રી : ઉપયોગ મૂકીએ વધારે પણ છતાં ઉપયોગ મૂકવો પડે. જ્યારે પેલો સહજ ઉપયોગ હોય.

દાંત દુઃખે ત્યારે પોતે જાણતો જ હોય. જાણનારો તો ફક્ત જાણ્યા જ કરે, અંદર દુઃખે નહીં. દુઃખે પ્રકૃતિને, ચંદુભાઈને દુઃખે અને પોતે કહે કે મને દુઃખ્યું એટલે ચોંટ્યું, જેવો ચિંતવે એવો તરત થાય. પણ હવે એ બહુ ઊંડા ઉતરવાની ના પાડું છું. એ તો આવતો ભવ રહ્યો જ છે ને એક. એ બધું નીકળી જશે.

ખાલી થઈ રહ્યો ચારિત્રમોહ

આ ચંદુભાઈનો ચારિત્રમોહ નીકળે. એમને આ સ્થિતિમાંય પણ ચારિત્રમોહ તો નીકળવાનો જ. આખો ચારિત્રમોહ જે ભરેલો છે, એ જોયા કરવાનો. એ ચારિત્રમોહ નીકળે. એટલે એ કોઈની જોડે ગુસ્સે થયા હોય, તે ઘડીએ અંદર સાવ જુદા હોય આનાથી કે આમ ન હોવું જોઈએ. તે બહાર ગુસ્સો હોય તેના કરતા અંદર એ વધારે જોર હોય. એટલે એ છૂટા રહે છે. એટલે આ ચારિત્રમોહ શુદ્ધ થયો કહેવાય અને જોઈને જવા દીધો કહેવાય. એ જોઈને જાય ત્યારે શુદ્ધ થઈ જાય. અજાણપણે જાય એ શુદ્ધ ના કહેવાય.

ચારિત્રમોહને જોયા કરવાનું ક્યારે બને ? જગત વિસ્મૃત હોય ત્યારે. જગત વિસ્મૃત ક્યારે બને? તો એ જ્ઞાની પુરુષના ટચમાં ને ટચમાં રહીએ ત્યારે, પેલા બધા ચોપડા ભૂંસાઈ જાય. ટચ (પરિચય) એટલે કાયમ આખી જિંદગી નહીં, પણ અમુક કાળ સુધી ટચમાં રહ્યા એટલે ભૂંસાઈ જાય બધું. ભૂંસાઈ ગયા પછી ફરી ઊભું ના થાય.

આજ્ઞાપાલને ચારિત્રમોહ નિર્જરે

પ્રશ્નકર્તા : એટલે આ જોયા કરવાથી ચારિત્રમોહ ઊડી જાય અને આ પાંચ આજ્ઞામાં રહેવાથી પણ ઊડેને ?

દાદાશ્રી : એ જોવાનું એ જ પાંચ આજ્ઞાને ! રિલેટિવ ને રિયલ જોવું એ આજ્ઞામાં આવે. એટલે ચારિત્રમોહ કાઢવા માટે આ કહેલું જુદું. આંખે પાટા બાંધીને ચારિત્રમોહ ઊભો કર્યો અને ઊઘાડી આંખે જોઈને ચારિત્રમોહને રજા આપી.

પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને દર્શનમોહ કાઢી આપ્યો અને ચારિત્રમોહ રહ્યો હવે. ચારિત્રમોહ આખા દિવસમાં જે બધું બને, તે બધું ચારિત્રમોહ જ ગણાય. ઊઠ્યો એય ચારિત્રમોહ, ચા પીધી એય ચારિત્રમોહ, એ બધું ચારિત્રમોહમાં જ જાય. એટલે નિરંતર પેલું ચારિત્રમોહને ચારિત્રમોહના સ્વરૂપે જ જુએ, એવી એક્ઝેક્ટ જાગૃતિ કઈ હોય ?

દાદાશ્રી : કહ્યું છેને કે વ્યવસ્થિત છે, જોયા કરજો. એ આજ્ઞાથી મોક્ષ. ગમે તેવું કાર્ય કરતો હોય તોય તેને (વ્યવસ્થિત) જોયા કરવાનું.

ઉકલે એમાં રાગ-દ્વેષ ના કરીશ

તું ચોપડી લખું છું એય ચારિત્રમોહ છે. કારણ કોઈ લે તો મોહ ઊભો થાય, તને ના ગમે એ મોહ. મહીં આ લોકો સત્સંગ સાંભળે છે તેય ચારિત્રમોહ. આમાં મોહ છેને કોઈ પણ પ્રકારનો, અહીં આવે છે તેય ચારિત્રમોહ છે. આ ક્રિયાનો વાંધો નથી, ક્રિયામાં મોહ છે તેનો વાંધો છે. ક્રિયાનો વાંધો ના હોય. તમે ચાવી ચાવીને ખાવ તેનો વાંધો નથી ને ના ચાવ્યા વગર ખાવ તો તેનો વાંધો નથી. કડવી દવા ઝટપટ ઊતારી જાવ તેનો વાંધો નથી અને મોઢે ધીમે ધીમે પીવો તોય વાંધો નથી. પણ એના પર મોહ છે. એ કહેશે, ‘ભલભલી કડવી હોય તોય હું ધીમે ધીમે ગટગટાવીને પીવું’, તો એનેય ચારિત્રમોહ કહેવાય અને કોઈ કહેશે, ‘મારાથી આ કડવું ના પીવાય’ એય ચારિત્રમોહ. એક પ્રકારનો મોહ છે એ ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : એટલે જે વીંટાળીને લાવ્યા છીએ એ ઉકેલ આવે છે, એને ચારિત્રમોહ કહેવાનો ?

દાદાશ્રી : હા. જે માલ વીંટાળીને લાવ્યા છોને, એ પાછો ઉકલે, એને ચારિત્રમોહ કહેવાય. અને ભગવાન કહે છે, ‘પાછો ઉકલે એમાં રાગ-દ્વેષ ના કરીશ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે.’

ચીડવાળો ચારિત્રમોહેય નીકળી જવાનો અને રાગવાળોય નીકળી જવાનો. તેને ‘જોવાના’ છે કે ચારિત્રમોહમાં શું શું નીકળે ? રાગ-દ્વેષનાં પરિણામવાળો માલ નીકળે, તેને ‘આપણે’ જોયા કરવાનો. ચંદુભાઈએ કો’કને ટૈડકાવ્યો, તેની પર તમને દ્વેષ ના થાય. વખતે ‘આમ ન હોવું ઘટે’ એમ કહો પણ દ્વેષ ના થાય. દ્વેષવાળો માલ નીકળે ત્યાં આપણે હાલી ઊઠીએ એ ચાલે નહીં.

ત્યાં છૂટવું પ્રતિક્રમણ કરીને

પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે, એ ચારિત્રમોહ જે જોયા કરીએ, તે વખતે કોઈ ખરાબ વિચાર આવે તો ?

દાદાશ્રી : ખરાબ વિચાર આવે તેય ચારિત્રમોહ.

પ્રશ્નકર્તા : તો એવો ખરાબ ભાવ ઉત્પન્ન થાય તો માત્ર જોયા જ કરવાનું?

દાદાશ્રી : ખરાબ કહો છો, તે જ જોખમ છે. ખરાબ હોતું જ નથી કશું. સામાને દુઃખ થાય તો કહેવું કે ‘કેમ ચંદુભાઈ, તમે દુઃખ આપ્યું? માટે પ્રતિક્રમણ કરો.’ ભગવાનને ત્યાં ખરાબ-સારું છે નહીં, એ બધું સમાજને છે.

ચારિત્રમોહને જાણવું તે ઉપયોગ

પ્રશ્નકર્તા : આપનું એક વાક્ય છે, જ્ઞાની પુરુષના જ્ઞાનથી દર્શનમોહ જાય અને આજ્ઞા પાળવાથી ચારિત્રમોહ જાય.

દાદાશ્રી : ખરું છે, આ બેઉ રહે તો કામનું. તમે જો ચારિત્રમોહને પકડો તો તમારો ને ના પકડો તો તમારો નહીં. તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો તમારો નહીં અને કહો કે ‘મને આમ કેમ થાય છે’ તો તમારો. જે રીતે ફાવે તે રીતે કરજો.

પ્રશ્નકર્તા : એ ચારિત્રમોહનીયને જે જાણે છે તે જ ઉપયોગ છેને?

દાદાશ્રી : ચારિત્રમોહને જાણવું તે જ ઉપયોગ. જાણે તેને અડે નહીં.

શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : એટલે આ જેટલો વખત જ્ઞાતા-દ્રષ્ટા રહીએ એ પુરુષાર્થ !

દાદાશ્રી : અગર તો બીજાનામાં શુદ્ધાત્મા જુઓ અગર આજ્ઞા પાળો તો પુરુષાર્થ. મારી જે પાંચ આજ્ઞા છેને, એ પાળો તો તે ઘડીએ પુરુષાર્થ હોય જ. એટલે પાંચ આજ્ઞામાં રહેને, એ શુદ્ધ ઉપયોગ જ છે. નહીં તો પ્રકૃતિને નિહાળવી. હમણે છે તે ચંદુભાઈ કોઈની કચકચ કરતા હોય, તે ઘડીએ એ ‘પોતે’ ચંદુભાઈને જુએ કે ઓહોહો, આ કહેવું પડે ! અત્યારે એવા ને એવા જ છો તમે, ફેરફાર થયો જ નથી. એવું જુએ તો આ શુદ્ધ ઉપયોગ કહેવાય ! શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ આપણો.

પ્રકૃતિને નિહાળે તે પુરુષ

‘પ્રકૃતિ’ પરાધીન છે, આત્માધીન નથી. ‘પ્રકૃતિ’ને ઓળખે તે પરમાત્મા થાય. ‘પુરુષ’ને ઓળખે તો ‘પ્રકૃતિ’ ઓળખાય. જ્ઞાની થયા પછી (આત્મજ્ઞાન થયા પછી) પુરુષ થાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ શરૂ થયો અને પુરુષનો પુરુષાર્થ શું હોય ? ત્યારે કહે કે પ્રકૃતિ છે, એને નિહાળ્યા જ કરે.

પ્રકૃતિને નિહાળે તે પુરુષ. પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા. ત્યારે પ્રકૃતિમાં શું શું નિહાળવાનું? ત્યારે કહે, મન શું વિચાર કરી રહ્યું છે તે નિહાળે, બુદ્ધિ શા શા નિર્ણય કરે છે તેય નિહાળે, અહંકાર ક્યાં ક્યાં ગાંડપણ કરે છે તેય નિહાળે. ક્યાં અથડાય છે તેય નિહાળે. કારણ કે અહંકાર આંધળો છે. એ તો બુદ્ધિની આંખે ચાલે છે. એને બુદ્ધિ સિવાય તો કોઈ સંઘરે નહીં. આ તો બુદ્ધિ છે એટલે રોફ પડે છે આ બધો. મોટા પ્રેસિડન્ટ બનીને બેઠાં છે, બુદ્ધિ છે એ વડોપ્રધાન બને છે. એટલે આ અહંકારને, આ બધાને નિહાળે, એનું નામ શુદ્ધાત્મા. એને ખાલી નિહાળવાનુંછે.

પ્રકૃતિને નિહાળવી એ સ્વરમણતા. એટલે પ્રકૃતિમાં મહીં શું શું આવ્યું ? ત્યારે કહે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, ઈન્દ્રિયો એ બધું પ્રકૃતિમાં આવી ગયું. અને ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ, તમારામાં અક્કલ નથી, કોન્ટ્રાક્ટનો ધંધો બરોબર કરતા નથી.’ અને જો મોઢું દિવેલવાળું થઈ ગયું અને તેને એ પોતે નિહાળે તો બસ થઈ ગયું. તમને પોતાને ખબર પડે કે આ મોઢું દિવેલ પીધા જેવું થાય એનો તમને વાંધો નથી, એ લોકોને વાંધો છે. તમારે વાંધો નથી પણ તે નિહાળો એને.

પ્રશ્નકર્તા : પહેલાં તમે એક વાક્ય કહેલું કે તું વિકલ્પ કરીશ નહીં, પણ જો વિકલ્પ થાય તો વિકલ્પ અને વિકલ્પી બેઉને જોજે. એટલે છૂટો થઈ જઈશ.

દાદાશ્રી : જોજે, બરોબર છે. એ જ સ્વરમણતા!

પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા

પ્રશ્નકર્તા : ‘પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા’ એ વિશેષ સમજાવો.

દાદાશ્રી : એટલે ચંદુભાઈની પ્રકૃતિ, ચંદુભાઈ શું કરી રહ્યા છે, એ બધું નિહાળે એ પુરુષ કહેવાય અને નિહાળી રહ્યો એટલે પરમાત્મા.

પ્રશ્નકર્તા : પુરુષ અને પરમાત્મામાં શું ફરક?

દાદાશ્રી : પુરુષ છે તે, એ હજુ પરમાત્મા થઈ રહ્યો છે. અને પરમાત્માને કશું ક્રિયા રહી નહીં પછી. પોતે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી અને તમારે ફાઈલોનો નિકાલ કરવાનો રહ્યો, બસ.

એટલે પુરુષ હજુ જોવાનો અભ્યાસ કરે કે આ પ્રકૃતિ કરે છે, આ એ પોતે નથી કરતો. એ બધું આ પ્રકૃતિ કરે છે, એ પુરુષ કહેવાય. સામો ગાળો બોલે ત્યારે મનમાં એમ થાય, ‘ઓહોહો ! આ તો એ કર્તા નથી, આ તો એની પ્રકૃતિ કરે છે.’ ત્યારે એ પુરુષ થયો કહેવાય. પણ હજુ સ્થિરતા નથી આવી પુરુષ તરીકેની એટલે હાલી જાય. બાકી, પુરુષ જ છે. હવે આ નિહાળવાનું કામ એને રહ્યું નહીં, તરત જ આમ સાંભળતાની સાથે જ પ્રકૃતિ દેખાય એ પરમાત્મા થયો.

ભૂલ કાઢે છે માટે એ પ્રકૃતિ નિહાળતો નથી. પછી એને ખબર પડે છે કે આ ભૂલ થઈ. આ જગતમાં કોઈની ભૂલ છે નહીં અને જે ભૂલ થાય છે એ પ્રકૃતિની ભૂલ છે. અને પ્રકૃતિની ભૂલને (લઈને) આપણે ‘એને’ ભૂલવાળો કહીએ છીએ એ ભયંકર ગુનો છે. એટલે અમે શું કહ્યું ? પ્રકૃતિ જોડે પ્રકૃતિ લઢતી હોય એને જુઓ !

પ્રશ્નકર્તા : એ નિહાળ્યા કરે.

દાદાશ્રી : તો વાંધો નથી, પણ બીજી પ્રકૃતિ લઢતી હોય, એને આપણાથી દુઃખ થતું હોય તો તે આપણી ભૂલ છે. કારણ કે પેલો પ્રકૃતિને જાણતો નથી. એ તો ‘હું જ છું’ એવું જાણે છે. એટલે એને તો કશું કહેવાય જ નહીં. કોઈને દુઃખ ના થાય એવું જ જોઈએ અને ફેરફારેય કશો થવાનો નથી, તમે કકળાટ માંડો કે ના માંડો. અનંત અવતારથી કકળાટ જ માંડ્યા છે. બીજું કશું કર્યુંય નથી અને પોતે એવું માને છે કે આનાથી કંઈ ફેરફાર થશે. પણ કશું ફેરફાર ના થાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિની સામે આપણે જે પ્રતિક્રમણ કરીએ, એનાથી થોડો ફેરફાર તો થઈ શકે ખરો ને ?

દાદાશ્રી : એ ફેરફાર કરવાનું એને આપણે જ્ઞાન આપ્યું. એ જ્ઞાન જ્યારે પરિણામ પામે ત્યારે ફેરફાર થશે.

ધ્યેય તો કિનારે પહોંચવાનો જ

હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો અને જો લટાકા-પટાકા ચાખવા હોય તો આમાં જાવ થોડીવાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય એ વાત જુદી છે. કર્મનો ઉદય ઢસેડી જાય તોય આપણે આ બાજુનું રાખવું. નદી આ બાજુ ખેંચે ને આપણે છે તે કિનારે જવાનું જોર રાખવું. ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું ?

પ્રશ્નકર્તા : એટલે એનો નિશ્ચય જો પાકો હોય તો સિન્સિયર રહેને ?

દાદાશ્રી : પાકો હોય તો જ રહેવાયને ! નહીં તો તો પછી નિશ્ચય જ નથી, તેને શું પછી ? નદી એ બાજુ ખેંચે તે બાજુ જાય, કિનારો તો ક્યાંય રહી ગયો ! અને આપણે તો કિનારા તરફ ખેંચવું જોઈએ, નદી આમ ખેંચે. આપણે બાથોડિયા આમના મારવા જોઈએ. થોડું ઘણું જે ખસ્યું એ ખરું. ત્યારે હોરું તો મહીં જમીનમાં આવી જાય !

દરિયામાં આપણે ઊતરીએ તો આટલું પાણી હોય, જ્યાં સુધી નીચે પગ અડે નહીં ત્યાં સુધી તો એ કરવું પડેને! અને એ તો બધું થઈ રહ્યું છે, હવે ત્યારે આનું કશું કરવાનું નથી. આ તો વાત જ જાણવાની છે. એ જાણો એટલે ફિટ થયા જ કરે, એની મેળે. જાણીને સમજી લેવાની છે. હકીકતમાં જ્ઞાન એટલે શું કે જાણવું ને સમજવું. એની મેળે જ થયા કરે મહીં.

પ્રશ્નકર્તા : જાણીએ છીએ છતાં મૂર્છાનું એક જબરજસ્ત મોજું આવે તો પાછું તે ફરી વળે. જાણવા છતાંય આવું થઈ જાય.

દાદાશ્રી : એવું છે ને, અમારે તો આ પાછલા કેટલાય અવતારનું આ મંડાણ અને આ તમારે કેટલા અવતારનું મંડાણ ? ત્યારે કહે, હમણે થોડાક જ વરસનું. થોડા વરસના મંડાણે જો આટલું બધું જોર કર્યું છે, તો પેલા ઝપાટાબંધ ઊડી જશે, એ વાતની ખાતરી થઈ ગઈને ?

જય સચ્ચિદાનંદ