જગકલ્યાણી થવા, સાધવું બ્રહ્મચર્ય

સંપાદકીય

આત્મજ્ઞાન પ્રાપ્ત થયે પોતાનું કલ્યાણ થયું એવો અનુભવ થાય છે અને પછી બીજાના કલ્યાણની ભાવના સહેજે ઉદભવે છે. એવી ભાવના ક્યારે ફળદાયી થાય ? જો એમાં બ્રહ્મચર્ય વ્રત ભળે તો ધાર્યો પુરુષાર્થ કરી શકે. ત્યાર પછી તે જગત કલ્યાણનું નિમિત્ત બની શકે.

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) પાસે યુવાન ભાઈઓ-બહેનો આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં. એમાંથી કેટલાંકને આજીવન બ્રહ્મચર્ય પાળવાની ભાવના થતી. દાદાશ્રી પ્રત્યેકની ભાવનાને તાવી જોતા, ટેસ્ટીંગ કરી લેતા અને યોગ્ય લાયકાત હોય તો જ બ્રહ્મચર્યમાં વાળતા. પોતાનો દ્રઢ નિશ્વય હોય તો જ્ઞાની પુરુષના આશીર્વાદ લે તો પછી બ્રહ્મચર્ય વ્રત મન-વચન-કાયાથી પળાય, પછી જગત કલ્યાણનું નિમિત્ત એને કુદરત બનાવે છે.

દાદાશ્રી જગત કલ્યાણના કામ માટે એકદમ દોટ મૂકવા બ્રેક મારે છે અને કહે છે કે પહેલાં બધી જ રીતે પ્યોર થાવ. એક જ ધ્યેય દ્રઢ કરો કે જે પોલ વગરનો, લાલચ વગરનો, પૂજાવાની કામના વગરનો, ચોખ્ખો હોય. જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, તેને આ જગતમાં કોઈ આંતરી નહીં શકે. અને તે જગત કલ્યાણનું અદભૂત નિમિત્ત બનીને રહેશે.

દાદાશ્રીની એક જ ભાવના છે કે જગતનું કલ્યાણ થાવ. તેમનું જ આ મિશન છે. એના નિમિત્તો તૈયાર થયા અને થઈ રહ્યા છે. જ્ઞાની પુરુષ જગત કલ્યાણના નિમિત્તોને ઘડી તૈયાર કરે છે, જેના પરિણામે જગતમાં વીતરાગ માર્ગ ઉત્થાન પામશે અને એ થવાનું જ છે. જે આજે દિન-પ્રતિદિન રૂપકમાં દેખાઈ રહ્યું છે.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીના યુવક-યુવતીઓ સાથે બ્રહ્મચર્ય સંબંધી થયેલા સત્સંગો સંકલિત થયા છે, જેમાં યુવાનોને બ્રહ્મચર્ય પાળવું હોય તો કેવી રીતે બ્રહ્મચર્ય પૂરેપૂરું પાળી શકાય એની સુંદર સમજણ દાદાશ્રી અત્રે સ્પષ્ટ કરે છે. સાથે સાથે લાલબતી ધરતાં કહે છે કે કાં તો બ્રહ્મચર્ય સ્ટ્રોંગપણે પાળી, સિદ્ધ કરી બધી રીતે ચોખ્ખા થઈ જગત કલ્યાણના નિમિત્ત બનો અને જો વિષયવિકારો ખૂબ જ પરેશાન કરતા હોય અને તમારાથી રહેવાતું જ ન હોય તો પરણી જજો પરંતુ કોઈ પણ પ્રકારના લફરાંમાં ના પડશો. કારણ કે પરસ્ત્રી-પરપુરુષ સાથેના અણહક્કના વિષયો તો અધોગતિમાં લઈ જાય. એમાં ફસાઈને તો મનુષ્યપણું પણ ખોવાનો વારો આવે.

આમ દાદાશ્રીની બ્રહ્મચર્ય સંબંધી યથાર્થ સમજણ સંપૂર્ણ રૂપે સમજી એ માર્ગે આગળ વધવાનો અને જગત કલ્યાણના નિમિત્ત તરીકે તૈયાર થવાનો પુરુષાર્થ બધાં આદરે એજ એકમેવ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ

જગકલ્યાણી થવા, સાધવું બ્રહ્મચર્ય

આત્મજ્ઞાની બ્રહ્મચારી, બને ધર્મ ઉદ્ધારક

પ્રશ્નકર્તા : દાદાજી, આપ મને વિધિ કરી આપો. મારે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લેવું છે.

દાદાશ્રી : તને અપાય તેવું છે અને તું પાળી શકે એવું સ્ટ્રોંગપણું તારામાં છે, છતાં અમે વિધિ કરી આપીએ ત્યાં સુધી આ ભાવના કરજે. દાદા તો ગણતરીવાળા છે, અનંત ગણતરીવાળા છે, એટલે હમણાં તું ભાવના કરજે પછી આપીશું. આ કાળમાં તો બ્રહ્મચર્યવ્રત આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને (અમને) પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાંય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, ‘શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું ?’ તે વીતરાગની પાસેય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાનેય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ.

અમે તો કોઈનેય એમ ના કહીએ કે બ્રહ્મચર્ય પાળજે, આ આજ્ઞા પાળજે. એમ કહેવાય જ કેમ ? આ ‘બ્રહ્મચર્ય એ શું વસ્તુ છે’ એ તો અમે જ જાણીએ છીએ ! તારી તૈયારી જો હોય તો વચનબળ અમારું છે, નહીં તો પછી જ્યાં છે ત્યાં જ પડી રહે ને ! જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ (સાચું) પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે.

આનું ફળ પછી શું આવે ? સર્વસંગ પરિત્યાગ ઉદયમાન થાય. એને ત્યાગ કહેવાતો નથી, એ ઉદયમાં આવે છે. ઉદય એટલે વર્તે ! એવો સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે તો પછી એને વીતરાગોની પાટ માટે દીક્ષા અપાય. એવી દીક્ષા મળે તો બહુ શક્તિ ઉત્પન્ન થાય ! દીક્ષાનો સ્વભાવ જ એવો છે. એવું ‘વ્યવસ્થિત’ પણ લાવ્યો હોય. બધાની ભાવના ફળે. અમારા તરફથી આશીર્વાદ મળે એટલે આ બધાની શક્તિ બહુ ઉત્પન્ન થાય ! એવી જો દીક્ષા મળે તો વીતરાગ ધર્મનો ઉદ્ધાર થાય, વીતરાગ માર્ગ ઉત્થાનને પામે અને એ થવાનું છે !

ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તોય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાયને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તોય માન ના જાગવું જોઈએ. મારે તોય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ? જોરથી મારી કે હલકી ? એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ! તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો. તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું.

એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે. લોકોનું કલ્યાણ થાય એ માટે ત્યાગી વેશ, દીક્ષા લેવાની ઇચ્છા છે. મન બગડતું ના હોય પછી દીક્ષા લેવામાં વાંધો નહીં.

જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં. પલક બધું થાય પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય!

બ્રહ્મચર્ય વિના નથી પૂર્ણાહૂતિ

જેને સંપૂર્ણ થવું હોય, તેને તો વિષય હોવો જ ના જોઈએ. નિયાણું એવું રાખવું કે મોક્ષે જતાં સુધી જે બે-ચાર અવતાર થાય, તે પૈણ્યા વગરના જાય તો સારું. એનાં જેવું એકેય નહીં. પછી જે થાય તે દેખ લેંગે ! અને જો આ એક બોજો ગયોને તો બધાય બોજા ગયા ! આ એક છે તો બધુંય છે!

એ તો જે ભાવના આગળ ભાવેલી હોય, જે આગળ ‘પ્રોજેક્ટ’ કર્યું હોય, એ પ્રમાણે અત્યારે ઉદય આવે. તે આ જૈનના છોકરા-છોકરીઓ જે દીક્ષા લે છે, તે જોયું હતું કે ? વીસ વર્ષનો છોકરો હોય છે, ભણેલો હોય છે, શ્રીમંત હોય છે, તે દીક્ષા લે છે. એનું કારણ શું ? ગયા અવતારોમાં એમણે બીજા સાધુ-સાધ્વીઓના સંગથી એવી ભાવનાઓ ભાવેલી અને જૈનોનો રિવાજ એવો છે કે પોતાનો છોકરો કે છોકરી આવી દીક્ષા લે તો બહુ આનંદ પામે, ‘ઓહોહો ! એના આત્માનું કલ્યાણ કરે છે. આપણને તો મોહ છે અને એને મોહ ઊડી ગયો છે.’ એટલે એ લોકો તો છોકરાને હેલ્પ કરે. જ્યારે આપણા લોકો તો હેલ્પ કરે નહીં. આપણે તો છોકરો જો જતો રહેશે ને મારું નામ ઊડી જશે, એવું કહેશે! પણ આપણામાંય પૂર્વે ભાવના ભાવેલી હોય ત્યારે તો ‘મારે બ્રહ્મચર્ય પાળવું છે’ એવું સ્ટ્રોંગ બોલે, નહીં તો મહીં અદબદ થાય.

માથે રાખો જ્ઞાનીને, ઠેઠ સુધી

પંદર વર્ષ જેલમાં ઘાલ્યા હોય તો શું કરીશ ? ‘દાદાની જેલમાં જ છું’, કહીએ. કંઈ શૂરાતન રાખને! શૂરાતન ! એક અવતાર. મોક્ષે જવું છે આ તો. બાકી બધે ભાંગફોડો આની આ જ ચાલી છે ને ! ‘આમાં શું સુખ છે’ અને આ એક વાડ તું ઓળંગીશ, આ મારા કહ્યા પ્રમાણે, પછી છૂટો થઈ જઈશ. એક જ વાડ ઓળંગવાની જરૂર છે. તને દાદા હાજર રહે છે કે નહીં રહેતા ? દાદા હાજર રહે છે, પછી આપણને શું દુઃખ ? બળ્યા, આમાં તે ક્યાં એવાં સુખ હતા, આટલું બધું પકડાઈ ગયો છું ? દાદા તો બધી રીતે રક્ષા કરે એવાં છે. આ આમનો મૂળ આડાઈનો સ્વભાવ છે ને, તે છૂટતો નથી ને ! સ્વપ્નામાં આવે, ત્યારથી કલ્યાણ થઈ ગયું ! સ્વપ્નામાં એમ ને એમ તો કોઈ વસ્તુ આવે કે ? એટલે આ દુનિયાનું જે થવાનું હોય તે થાય, પણ આ દાદાને છોડવાનાં નહીં અને દાદાની આજ્ઞા આ એક પાળી દેવાની અને વશ થઈ જશે બધું. અને નહીં તો તારે પૈણવું હો તો કહેને, વાંધો નહીં. કરી આપીશ પછી રસ્તો.

એક ધ્યેયવાળા પાંચની જ જરૂર

જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારી ભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ ‘દાદા’ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !

કલ્યાણના કાર્યો થાય, બ્રહ્મચર્ય પાલનથી

આ છોકરાઓમાં ક્યાં તેજ દેખાય છે ? કારણ કે આ બધા ‘ઓવર ડ્રાફ્ટવાળા’ (વિષયના દેવાવાળા) છે. એટલે જેટલી બેન્કોએ ધીરેલું એટલું બધુંય લઈને આવેલા છે. તે અત્યારે જે બ્રહ્મચર્ય પાળે છે, તે ઊલટું બેન્કોમાં ભરી ભરીને થાકે છે. હજુ તો બેન્કોમાં ‘પાર વેલ્યુ’ નથી થઈ. ‘પાર વેલ્યુ’ (મૂળ રકમ) થયા પછી મોઢાં પર લાઈટ આવશે. એ લાઈટ આવતાં આવતાં તો ઘણો ટાઈમ લેશે. છતાંય આમને ચોવીસેય કલાક જાગૃતિ રહે છે. કારણ કે આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આત્માની જાગૃતિવાળા છે. પાછું આ બ્રહ્મચર્ય માટેની પણ જાગૃતિ જોઈએ. વખતે આત્માની બાબતમાં જાગૃતિ ના હોય અને જરા ઝોકું આવી જાય તો ચાલે, પણ બ્રહ્મચર્ય માટે તો જરાય ઝોકું ખાય તો ચાલે જ નહીં ને ! ચોગરદમ સાપ પેસી ગયેલા દીઠા, તેમને ઊંઘ આવે નહીં. જેમણે નથી જોયા, તે ઊંઘી જાય. સાપ જોઈ લીધા પછી શી રીતે ઊંઘે ?

આ છોકરાઓ દીક્ષા લેવાની ભાવનાવાળા છે. પોતાનો (કારણ રૂપે) મોક્ષ તો મહીં થઈ ગયેલો હોય. એટલે એ તો ખોળવાની ઇચ્છા જ ના હોય ને! પોતાનો મોક્ષ થયો હોય તો જગતકલ્યાણ કરવાની ભાવના થાય, નહીં તો પોતાનું જ કલ્યાણ ના થયું હોય, ત્યાં જગતકલ્યાણ કરવાની ભાવના શી રીતે થાય ? એટલે આ બ્રહ્મચારીઓ બધા શું કહે છે કે ‘અમારું તો કલ્યાણ થઈ ગયું, હવે અમારે જગતનું કલ્યાણ કરવું છે, તો અમારે શું કરવું જોઈએ ?’ ત્યારે મેં એમને કહ્યું, ‘હવે પૈણી લો.’ ત્યારે એ કહે છે કે ‘ના, અમારે પૈણવું તો છે જ નહીં. જગતનું કલ્યાણ કરવા માટે પૈણવાથી વચ્ચે હરકત થાય એવું છે.’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તો તું બ્રહ્મચર્ય પાળ, તો તું જગતનું કલ્યાણ કરી શકીશ.’

ગૂંચવણમાં ખેંચો દાદા સાંકળ

આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આની પૂર્ણાહુતિ માટે જ શરીર ઘસી નાખવાનું છે. જો આ કર્મો ખપાવેલાં હોત ને આ જ્ઞાન મળે તો એક કલાકમાં જ એનું કામ પૂર્ણ થઈ જાય. પણ આ તો કર્મ ખપાવેલાં નથી, રસ્તે જતાંને જ્ઞાન આપ્યું છે ! એટલે મહીં કર્મના ઉદય ફરે છે ત્યારે બુદ્ધિનું અજવાળું ફેરવી દે છે, તે ઘડીએ ગૂંચાય. હવે ગૂંચાય ત્યારે ‘દાદા’ ‘દાદા’ કર્યા કરવું ને કહીએ, ‘આ લશ્કર ગૂંચવવા આવ્યું છે.’ કારણ કે હજુ એવાં ગૂંચવનારા મહીં બેઠા છે, માટે ચેતતા રહેજો. ને તે વખતે ‘જ્ઞાની પુરુષ’નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં. પણ તે ઘડીએ ‘દાદા’ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો ‘દાદા’ હાજર થઈ જશે.

હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધાં કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષ તો સરળ છે, સહજ છે, સુગમ છે.

વિષયમાં વૈરાગીને ‘અક્રમ’ કલ્યાણકારી

‘અક્રમ વિજ્ઞાન’માં મેં કશો ફેરફાર કર્યો નથી. પણ ‘અક્રમ વિજ્ઞાન’ને માણસો પહોંચી શક્યા નહીં. અનાદિથી પેલામાં જ ટેવાયેલા લોકો. નહીં તો ઠેઠનું કામ થાય એવું આ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનને ક્યારે પહોંચી વળે ? કે વિષય ઉપર વૈરાગવાળો માણસ હોય અને તેને ‘અક્રમ વિજ્ઞાન’ મળે, પછી તો એનું કલ્યાણ જ થઈ ગયું ને ! વિષય જ જેને ગમતા નથી, એ ઊંચી સ્થિતિ કહેવાય છે. જૈનોમાંય જે ઊંચી સ્થિતિએ પહોંચેલા માણસો હોય, તે જ વૈરાગ લે છે. એમને તો નાનપણથી જ કશું ગમે નહીં. એમને તો વિષયની વાત સાંભળતાં જ અરેરાટી છૂટી જાય. ડેવલપ કુટુંબની વીસ-વીસ વર્ષની છોકરીઓ હોય છે, વીસ-વીસ વર્ષના છોકરાઓ હોય છે, એમને વિષયની વાત કરીએ છીએ તો, તેમને તો અરેરાટી છૂટી જાય છે. આ બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એ આનંદ એમને જતોય નથી, પાર વગરના આનંદમાં રહે. કારણ કે મૂળ વિષય કે જેના આધારે જગત ઊભું રહ્યું છે, જેના આધારે ધ્યાન ફ્રેકચર થઈ જાય છે, તે આધાર જ એમને નથી રહેતો. એક જ ફેરો અબ્રહ્મચર્યનો ભાવ ઉત્પન્ન થાય, તે ત્રણ-ત્રણ દહાડા સુધી ધ્યાન ના થવા દે. પછી શી રીતે આત્માનું મૂલ્ય સમજાય ?

બ્રહ્મચર્યની લાગવગ આટલી બધી !

અને આ બ્રહ્મચર્ય વ્રતવાળાને તો આ જ્ઞાન છે એટલે આત્માનો આનંદ તો પામ્યા, પણ એ આનંદ આ વ્રતને લઈને ટકી રહ્યો છે. પછી એ આનંદ ખસતો જ નથી. આ લોકો બાર-બાર મહિનાનું વ્રત લઈને પછી આ અનુભવ કરી જાય છે. પાછાં મને આવીને શું કહી જાય છે કે દાદા, અમે જે આનંદ ભોગવી રહ્યા છીએ, એ અજાયબ આનંદ છે ! એક ક્ષણ પણ કશું થતું નથી. કહેવું પડે ! આટલી બધી બ્રહ્મચર્યની લાગવગ છે, એવી તો મનેય ખબર નહીં.

પ્રશ્નકર્તા : આપની પાસે પણ એ જ હતું ને?

દાદાશ્રી : ના, પણ તે મને આટલી ખબર નહીં કે આ લાગવગ આટલી બધી છે ! હું જાણું નહીં કે આ છોકરાને આટલો બધો આનંદ વર્તે અને તે પણ બ્રહ્મચર્યને લઈને ! કારણ કે જ્ઞાન તો બધાને આપેલું છે અને આત્માનો આનંદ પણ ઊભો થયેલો છે, પણ હવે એ આનંદને કોણ સ્પર્શ થવા નથી દેતું? વિષયભાવ, પાશવતા.

પ્રશ્નકર્તા : આ બહારવાળાઓ જે બ્રહ્મચર્ય પાળે, એમને આવો આનંદ થાય નહીં ને ?

દાદાશ્રી : એમને આત્માનો આનંદ ના થાય. એમને તો પૌદગલિક આનંદ ઊભો થાય અને ત્યાં તો પૌદગલિક આનંદને જ આત્માનો આનંદ માનવામાં આવે છે. છતાં એનાથી એમને આનંદ રહે, મહીં ક્લેશનું વાતાવરણ કરે, એવું બધું ના હોય. કારણ કે એમના હાથમાં પુદગ્લસાર આવી ગયો ને ! બ્રહ્મચર્ય એટલે પુદગ્લસાર અને અધ્યાત્મસાર એટલે શુદ્ધાત્મા. અને આ બે, જેને ભેગું થાય તેનું તો કલ્યાણ જ થઈ ગયું ને! પણ જેને પુદગ્લસાર એકલો હોય તો તેને, થોડોઘણોય આનંદ આવે ને ! એટલે આ બ્રહ્મચર્યના બળ આગળ એને બીજી વૃત્તિઓ હેરાન ના કરે.

પ્રશ્નકર્તા : પેલા બ્રહ્મચારીઓને કષાયો હેરાન ના કરે ?

દાદાશ્રી : ના કરે. બ્રહ્મચારી કોઈ દહાડોય ચિઢાય જ નહીં. આ સંસારના બ્રહ્મચારી હોય તેય કોઈ દહાડો ચિઢાય નહીં. એમનું મોઢું જુઓ તોય આનંદ થાય. બ્રહ્મચર્યનું તો તેજ આવે. તેજ ના આવ્યું તો બ્રહ્મચર્ય શાનું ? એટલે સંસારમાંય બ્રહ્મચર્ય માનવું હોય તો કોનું માનજો કે જેનાં મોઢા પર તેજ હોય. બ્રહ્મચારી તો તેજવાન પુરુષ હોય !

બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટ થવા દે, આત્માનો અનુભવ થવા દે, બધા ગુણોનો અનુભવ થવા દે. અને અબ્રહ્મચર્ય ભાવને લઈને આત્માના બધા ગુણોનો અનુભવ થાય છતાં અનુભવ થયો નથી એવું લાગવા દે, સ્થિરતા ના રહે. ‘આ’ એક વસ્તુમાં અનુકૂળતા આવી તો બધામાં અનુકૂળતા આવી જાય છે, બધું અનુકૂળ થઈ જાય છે.

એક વિષયને જીતતા...

આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ ‘દાદાઈ જ્ઞાન’, ‘અક્રમ વિજ્ઞાન’ અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ? એક તો આ ‘અક્રમ વિજ્ઞાન’ જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !

ધ્યેયીને ધરે હાથ ‘દાદા’ સદા

હું તમને હેલ્પ કરું છું, બાકી ડિસીઝન (નિર્ણય) તમારે લેવાનું. તમારે બધાંએ ફાધર-મધર અને છોકરાંઓએ સમાધાનકારક થઈને ડિસીઝન લેવાનું. તમારે બધાંને સમાધાનકારક આવે એવું તમે ડિસીઝન લો, પછી અમે હેલ્પ કરીએ. તમે જે લાઈનમાં હો, એ લાઈનમાં હેલ્પ કરીએ. પૈણ્યા હોય તોય અમને વાંધો નથી અને ના પૈણો તોય વાંધો નથી, પણ તમારું બધાનું ડિસીઝન સમાધાનપૂર્વકનું હોવું જોઈએ. નહીં તો પછી બધાંની અમારા તરફની બૂમ આવે અને જે માણસને અમારા માટે બૂમ આવે, તો એ માણસને અમારા માટે અભાવ આવે તો એનું અવળું થાય. એટલાં માટે હું આ કશામાં પડતો નથી. સામાનું અવળું થાય, એમાં જવાબદારી મારી છે. મારા પર સહેજ અભાવ આવે તો એને શું થાય ? એટલે અમે અમુક કાયદેસર જ રાખીએ. કાયદેસરની બહાર અમે પડીએ નહીં. કાયદાની બહાર અમે ચાલીએ નહીં. એનાં જે લૉ (કાયદા) એ લૉ, એમાં જ રહેવું પડે.

મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ; બધું દાદાને અર્પણ કરીને ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત બ્રહ્મચર્ય શક્તિવાળો છું’ એવું બધું આપણે બોલાય. કારણ કે આ વિષયમાંથી પાર નીકળવું, આ ઉંમર પસાર કરવી એ બધું બહુ વહમું છે. દાદા તો, તમારે આમ જવું હોય તો આમ મદદ કરે અને આમ પૈણવું હોય તો પૈણવામાં મદદ કરે. દાદાને કશું આમાં લેવાદેવા નહીં. તમે તમારે નક્કી કરો. તમારામાં શુંય માલ ભરેલો હોય એ ? હું ક્યાં ઊંડો ઊતરું અને મને એવો ટાઈમેય ના હોય. એટલે તમારી દુકાનનો માલ તમારે જાણવાનો. એટલે બધાંએ પોતાની મેળે સમજી લેવાનું. હું શું કહું છું કે પૈણજો, તોય આપણો કંઈ મોક્ષ જાય એવો નથી. અને જો ના પૈણવું હોય તો આ નિશ્ચય મજબૂત કરો અને આમાં સ્ટ્રોંગ રહો. બેમાંથી એક તરફની એક્ઝેક્ટનેસ ઉપર આવી જવું જોઈએ, નહીં તો બાકી બધી તો અથડામણ થશે.

તમારે બધાંએ તો રોજ ભેગા મળીને એકાદ કલાક બ્રહ્મચર્યસંબંધી સત્સંગ રાખવો. આપણે તો મોક્ષ સાથે કામ છે ને? અને તમારે પૈણવું એમ જબરજસ્તીય અમે ના કરીએ. અમારે કોઈ જાતનો આગ્રહ ના હોય. કારણ કે તમારે ગયા અવતારમાં બ્રહ્મચર્યનો ભાવ ભરેલો હોય તો ‘પૈણો’ એવું દબાણ પણ અમારાથી કરાય નહીં ને! એટલે અમારે તો ‘આમ જ કરો’ એવું કશું બોલાય નહીં. તમારી મજબૂતી જોઈએ. અમે વારે ઘડીએ તમને વિધિ કરી આપીશું અને અમારું વચનબળ કામ આપશે, હેલ્પ કરશે ! એટલે આમ જવું હોય તો આમ, એ નક્કી તમારે કરવાનું.

પ્રશ્નકર્તા : એ નક્કી તો કરી જ લીધું છે.

દાદાશ્રી : હા, નક્કી કર્યું છે અને વ્રતેય લીધું છે. પણ વ્રતમાં ભંગ થયો હોય તો આપણે પશ્ચાત્તાપ લેવો પડે. આપણે અહીં એક-એક કલાક પ્રતિક્રમણ કરે છે. મનનો સહેજ ફેર થયો હોય, મોઢા પર નહીં પણ વિચારથી, અને બીજું કશું કર્યું ના હોય પણ વર્તનમાં સહેજ ટચ થયો હોય અને ટચનો આનંદ થયો હોય, આમ હાથ અડાડવામાં એવું થાય તો તમારે એક કલાક એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે આવું તેવું બધું કરશો તો આમ આગળ ફાવશો અને જો આમાંથી તરી પાર ઊતર્યા અને 35-37 વર્ષ થઈ ગયા તો તમારું કામ થઈ ગયું. એટલે આ દસ-પંદર વર્ષ દુકાળનાં કાઢવાનાં છે ! અને આ આપણું જ્ઞાન છે, તેથી આ બધું કહું ને ! નહીં તો બ્રહ્મચર્ય પાળવાનું કોઈનેય ના કહું. આ કળિયુગમાં બધે જ્યાં ને ત્યાં વિચારો જ મેલા અને તમારું તો ટોળું જ જુદું એટલે ચાલે. તમે બધાં તો એક વિચારનાં અને તમે બધાં જોડે રહો તો તમને બધાંને એમ જ લાગે કે આપણી દુનિયા આ આટલી, બીજી આપણી દુનિયા ન હોય, પૈણનારી દુનિયા આપણી ન હોય.

અંતે મુખ્યપણું આત્માનું જ

પ્રશ્નકર્તા : જ્યારથી બ્રહ્મચર્યની વિચારણા શરૂ થઈ છે, ત્યારથી તે બાજુ મજબૂત બનવા માંડ્યું છે. તો મહીં પાછો આ અહંકારેય સાથે સાથે ઊભો થવા માંડ્યો, એય આમ હેરાન કરે ઘણીવાર.

દાદાશ્રી : કેવો અહંકાર ઊભો થાય ?

પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું, હું કેવું સરસ બ્રહ્મચર્ય પાળું છું.’ એવો.

દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે.

પ્રશ્નકર્તા : મહીં આ બધી ખુમારી ભરી હોય તેવું થઈ જાય.

દાદાશ્રી : હા, પણ તોય એ તો બધો નિર્જીવ અહંકાર કહેવાય. મરેલો માણસ બેઠો થઈ જાય તો આપણે ત્યાંથી નાસી જવું ? બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુદ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. પણ આ તો લોક બ્રહ્મચર્યનો શો અર્થ કરે છે ? નળને દાટો મારી દો. પણ દૂધ પીધું, તેનું શું થશે ? આખા જગતે વિષયોને વિષ કહ્યાં. પણ અમે કહીએ છીએ, ‘વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે.’ નહીં તો મહાવીર ભગવાનને છોડી (દીકરી) શી રીતે થાત? જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, ‘માર ચોકડી’, પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય.

પ્રશ્નકર્તા : બધી બાબત માટે કોઈના દોષ મને ના દેખાય, પણ બ્રહ્મચર્ય માટે મને કોઈ અવળું કહે તો મારી બહુ હટી જાય, તરત જ એનાં દોષ દેખાવા માંડે.

દાદાશ્રી : આ શાથી ? કે આત્મા ઉપર પ્રીતિ નથી, બ્રહ્મચર્ય પર પ્રીતિ છે. પણ બ્રહ્મચર્ય એ પુદગ્લ છે. આત્મા પોતે તો બ્રહ્મચારી જ છે, નિરંતર બ્રહ્મચારી છે ! આ તો આપણે બહારનો ઉપાય કરીએ છીએ અને તે પણ કુદરતી રીતે ડિસ્ચાર્જ રૂપે આવ્યો હોય તો જ થાય. એટલે બ્રહ્મચર્ય એ કંઈ મુખ્ય વસ્તુ નથી. એને મુખ્ય માનીએ તો આત્માનું મુખ્યપણું જતું રહે. મુખ્ય વસ્તુ તો આત્મા છે, બીજું કશું તો મુખ્ય છે જ નહીં. બીજા આ બધા તો સંયોગ છે અને સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. આત્મા ને સંયોગો બે જ છે, બીજું કશું છે જ નહીં જગતમાં ! એટલે મુખ્યપણું બધું એક માત્ર આત્મામાં આવી ગયું, બીજા બધાને સંયોગ કહી દીધા. સંયોગને સારો-ખોટો કરવા જશો તો, તે બુદ્ધિ વાપરી અને બુદ્ધિ વાપરી માટે આત્મા છેટો ગયો. આપણું કેટલું સરસ સાયન્સ (વિજ્ઞાન) છે!

બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે ! નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને! આત્મા તો બ્રહ્મચારી જ છે ને!

જગત કલ્યાણમાં સાથ બ્રહ્મચર્યનો

આ બ્રહ્મચારીઓને બધી પીડા જ મટી ગઈ ને છતાં એમને વ્યવહાર શીખતાં ઘણો ટાઈમ લાગશે. વ્યવહારિકતા આવડવી જોઈએ ને ? આત્મા જાણ્યો પણ તે વ્યવહાર સમેત હોવો જોઈએ. પોતાનું એકલાંનું કલ્યાણ થઈ જાય, એમાં શો દહાડો વળે ? આ લોકો તો કહે છે કે ‘અમારે તો જગત કલ્યાણમાં દાદાને પૂરેપૂરો સાથ દેવો છે.’ તેથી બ્રહ્મચર્ય પાળે છે. આ તો મેં નહીં ધારેલો એવો નવો જ ફણગો ફૂટ્યો છે.

હું તો એવું જાણતો હતો કે આ કાળમાં બ્રહ્મચર્ય રહી શકે જ નહીં. પૂર્વ ભવે ભાવના કરેલી હોય, તેને તો રહી જ શકે અને આપણા સાધુ- આચાર્યોને રહે જ છે ને ! પણ બીજા સામાન્ય માણસોનું ગજું જ નહીં ને ! જ્યાં નિરંતર બળતરામાં બળ્યા કરે છે, ત્યાં આગળ કોઈ બ્રહ્મચર્યની વાતો કરવા જાય ખરું ? અને કરે તો કોઈ સાંભળેય નહીં ! પણ આવા કાળમાં આપણે ત્યાં આ નવું જ નીકળ્યું. આવું બ્રહ્મચર્યનું નીકળશે એવું તો મને સ્વપ્નેય ખ્યાલ નહીં. આ જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે જ આવું ભેગું થાય ને ! નહીં તો આવું બધું ક્યાંથી ભેગું થાય ? અમે તો કોઈ દહાડોય કલ્પ્યું નહોતું કે અમારે આવું જોઈએ છે કે અમારે આવું કરવું છે. આ તો બ્રહ્મચર્ય માટે છોકરાઓ સામેથી આવી આવીને પડે છે.

ઉર્ધ્વ રેત (વીર્યનું ઉર્ધ્વગમન) થાય ને, તો કામ થઈ ગયું. ત્યાર પછી જે વાણી છૂટે, ત્યારે પછી જે સંયમ સુખ હોય, એની તો વાત જ જુદી છે. એટલે હું એવું કરવા માંગું છું આ બ્રહ્મચારીઓને. એને વાળ વાળ કરી અને જ્ઞાને કરીને બ્રહ્મચર્યમાં વળી જાય એવું કરી આપું છું અને વળી શકે છે.

જ્ઞાની વર્તે, વર્તાવે બ્રહ્મચર્ય

પ્રશ્નકર્તા : વળી શકે એ શબ્દ તો યોગ્ય નથી લાગતો. કારણ કે વળી શકે છે, દબાવી પણ શકે અને ઉછળી પણ શકે, પણ જ્ઞાને કરીને આપ એમને કૃપા કરો તો બહુ સરસ થાય.

દાદાશ્રી : હા, કૃપા જ. એ તો આ મોઢે શબ્દ બોલવા પડે, બાકી કૃપાએ કરીને થાય.

પ્રશ્નકર્તા : એ કૃપા વગર સાધ્ય નથી, દાદા.

દાદાશ્રી : અને તૈયાર થાય તો આ દેશનું કંઈક કલ્યાણ કરી શકે. એટલે તૈયાર થઈ જશે આ બધા.

આ બ્રહ્મચર્ય માટે દાદાએ કેવી સુંદર વાડ કરી આપી છે અને એ વાડ ઉપર કેટલા તટસ્થ રહ્યા છે, નિરીક્ષક તરીકે કામ કરે છે ! બોલો હવે, આવું બને? આ કળિયુગમાં બનવા પામે છે તે આની પાછળ કંઈ નવી જ જાતનું સર્જન છે, એવું નક્કી જ છે ને ? આ તો મારી કલ્પનામાંય નહીં કે આવાં અત્યારે બ્રહ્મચારી પાકે. આ દાદામાં એટલો બધો ત્યાગ વર્તે છે કે બધીય જાતના જીવો અહીં ખેંચાઈને આવશે. આ દાદાનું એકેએક અંગ ત્યાગવાળું છે, એકેએક અંગ પવિત્ર છે. એટલે પછી એના હિસાબે બધું ખેંચાઈ આવવાનું. આ ખેંચાણ શાનું છે ? સરખે સરખાનું.

પ્રશ્નકર્તા : કેવી રીતે ?

દાદાશ્રી : ગુણો મળતા આવે ને તેથી ! કારણ કે લોહચુંબક પિત્તળને ના ખેંચે. આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે કે જે આવું સુંદર કામ કરી રહ્યું છે ! જો કે આમને દોરવણી બહુ આપવી પડે છે. હજુ તો જરા ડફડાવવાય પડે છે.

આમને વસ્તુ એક્ઝેક્ટનેસમાં આવી જાય, પણ ત્યારે વ્યવહાર કશું સમજતા જ નથી ને ! એટલે આમને હવે અમે વ્યવહાર શીખવાડ શીખવાડ કરીએ. વ્યવહાર ના હોય તો કોઈ કશું બાપોય સાંભળે નહીં. વ્યવહારમાં પાસ ના થાય તો, એ વ્યવહાર એને ગૂંચવી નાખે. કોઈનું કલ્યાણ કરવું હોય તોય ના થાય. પોતાનું તો કલ્યાણ થઈ જાય પણ બીજા કોઈનું કલ્યાણ ના કરી શકે. એ તો વ્યવહાર હોય તો જ બીજાનું કલ્યાણ કરી શકે. એમની શી ભાવના છે કે હવે અમારે જગત કલ્યાણમાં પડવું છે. એટલે એમને વ્યવહાર મુખ્ય જોઈશે.

વ્યવહાર તો કેવો હોવો જોઈએ કે જ્ઞાની પુરુષ આમ ત્રાડ પાડે તો મહાત્મામાં જે રોગ હોય ને, તે ત્રાડની સાથે જ નીકળી જાય. એવી કહેવત છે ને, કે સિંહ ત્રાડ પાડે ત્યારે શિયાળ ને એવાં બીજાં હિંસક પશુઓએ માંસાહાર કર્યું હોય, તે બધાની ઊલટી થઈ જાય ! એવી રીતે જ્ઞાની પુરુષનો એક શબ્દ સાંભળતાની સાથે બધું ઊલટી થઈ જાય, એવો વ્યવહાર. આમ માથે ટપલી મારે ને હાથ અડાડે તોય શું નું શું કરી નાખે, એનું નામ વ્યવહાર ! વ્યવહાર એટલે શું કે એમના હાથ-પગ બધે અડે, તોય કામ થઈ જાય. પણ એ તો જ્ઞાનીની સિદ્ધિ કહેવાય.

આ તો આપણું જ્ઞાન છે તે ચાલે, નહીં તો ગાડું જ ચાલે નહીં ને ! અટકી જ જાય ગાડું. આ જ્ઞાન એકદમ જાગૃતિ આપે ને પાપો ભસ્મીભૂત કરી નાખે છે.

બ્રહ્મચર્યનો ઉપદેશક કેવો હોય ?

પ્રશ્નકર્તા : અત્યારે વિષય સંબંધી બહાર કોઈ બોલતું જ નથી.

દાદાશ્રી : ‘મેરી ભી ચૂપ ઔર તેરી ભી ચૂપ’ એવું પોલંપોલ ચાલ્યું છે. હું બ્રહ્મચર્ય સંબંધી વાત કરું છું ત્યારે મોટા મોટા આચાર્ય મહારાજોને આશ્ચર્ય થાય છે કે આ કાળમાં આવી વાત શી રીતે થાય ? મેં કહ્યું, ‘આ કાળમાં આવું ના હોય તો આ કાળમાં તો માણસ નર્કે જશે.’ કારણ કે પહેલા તો લોકોની એકાદ જગ્યાએ દ્ષ્ટિબગડતી. આજે તો ઠેર ઠેર દ્ષ્ટિબગડે છે! તે પછી હિસાબ ચૂકવવા જવું જ પડે. એટલે એ જ્યાં જાય, હલકી નાતમાં જાય તો આપણે પણ હલકી નાતમાં જવું પડે. છૂટકો જ નહીં. હિસાબ ચૂકવવો જ પડે. હવે આ બધાં બાળકોને બિચારાને આની ખબર જ ના હોયને કે આની જવાબદારી શું છે ! તમે જાણો કે આ લોકો આવું કરે છે, તે આપણેય એવું કરીએ છીએ. વીંછી જો ડંખ મારે તો તરત કેમ છેટા રહો છો? આમાં ડંખ મારનારું છે એમ કોઈ દેખાડનાર નથી ને!

આ બ્રહ્મચર્ય ઉપર હિન્દુસ્તાનમાં કોઈ બોલ્યું જ નથી. કારણ કે આ લોકો બ્રહ્મચર્ય પાળી શક્યા નથી. જે લોકોએ પાળ્યું છે, તે આગલા ભવની ભાવનાના ફળ રૂપે પળાયેલું છે. પણ તે લીકેજવાળું એટલે પોતે ઉપદેશ આપી શકે નહીં. બ્રહ્મચર્ય ઉપર ઉપદેશ હિન્દુસ્તાનમાં અપાયો નથી.

બ્રહ્મચર્ય સંબંધી વાણી કોણ બોલી શકે ? જે એક સમય પણ અબ્રહ્મચર્યને નથી પામ્યા, એક સમય પણ અબ્રહ્મચર્યનો વિચાર જેને નથી, તો એ બોલી શકે. નહીં તો બીજાનું તો ગજું જ નહીં ને ! અને જ્યાં અબ્રહ્મચર્ય દશા છે, તે અને પાશવતામાં ફેર શું છે ? અબ્રહ્મચર્ય પોતે જ પાશવતા છે. એ તો અબ્રહ્મચર્યનો ફોટો પાડે ત્યારે ખબર પડે ! અબ્રહ્મચર્ય એ તો ઉઘાડી પાશવતા છે.

બ્રહ્મચર્ય માટે બોલવું એટલે બોલનાર પોતે કમ્પ્લિટ બ્રહ્મચારી હોવો જોઈએ. આ તો બ્રહ્મચર્યની વાત આવી કે ચૂપ ! પાછા બ્રહ્મચર્ય ઉપર ભાર મૂકે ખરાં પણ ત્યારે એના ઉપાય બરોબર બતાવેલા ના હોય. બાકી ઉપાય પણ જાણે શી રીતે ? જ્યાં સુધી પોતે બ્રહ્મચર્ય સંપૂર્ણ પાળ્યું નથી ત્યાં સુધી ઉપાય શી રીતે આપી શકે ? વખતે પોતે બ્રહ્મચારી હોય પણ તોય બધા લોકોને ઉપાય શી રીતે આપે ? પોતે અભિપ્રાય આપે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ પણ એમ કંઈ પાળી શકે નહીંને ! એટલે એ વાક્ય કંઈ યુઝફૂલ (ઉપયોગી) નથી થતું. જે વાણી આપણને બ્રહ્મચર્ય પાળવા માટે હેલ્પ કરે, બ્રહ્મચર્ય પળાવડાવે એ વાણી કામની. આવું બોલે કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ત્યારે એ તો એક આશય થયો કે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, પણ એને કેવી રીતે પાળવું, એના માટે સાધન તો જોઈએ ને ? લોકો વિષય સંબંધી ઉપદેશ આપતા જ નથી, એનું શું કારણ?

પ્રશ્નકર્તા : એ લોકો ઉપદેશ આપે, તો પણ અસર થાય જ નહીં ને?

દાદાશ્રી : હા, અસર થાય, જો કદી એ પોતે વિષય સંબંધી ચારિત્ર પાળતો હોય. પછી ભલે તેમને આત્માનું જ્ઞાન ના હોય ને ઉપદેશ આપે તો તે ફળે. ચારિત્ર વગર બધું નકામું છે.

પ્રશ્નકર્તા : લૌકિક બ્રહ્મચર્યની એ લોકો બાધા આપે છે તે ?

દાદાશ્રી : બાધા આપવાની જરૂર નથી. ‘બ્રહ્મચર્ય કેમ રખાય’ તેનાં કારણો દેખાડવાં જોઈએ. નહીં તો બાધા રાખે તોય તેવો ને તેવો થઈ જાય!

પ્રશ્નકર્તા : કેટલાક લોકો વિષય છોડવાનો ઉપદેશ આપે છે.

દાદાશ્રી : એવા ઉપદેશને શું કરવાના ? એ ઉપદેશ જ ના કહેવાય ને ? ઉપદેશક તો, એવો બોલ બોલે ને, તો આપણને વિષય ઉપર વૈરાગ આવે કે આવું હોય ? વિષયનું સ્વરૂપ તો જો જ્ઞાની પુરુષ પાસે સાંભળેને, તો એ તો જીવતું નર્ક છે. વિષયને જો જ્ઞાની પુરુષ પાસે સમજી લે, કે ઓહોહો, આખા જગતની દુર્ગંધ એમાં છે ! આખા જગતનું દુઃખ એમાં છે!! આખા જગતની બધી મુશ્કેલીઓ એમાં છે !!! આ તો લોક કશું જાણતા જ નથી. તેથી મૂર્ખાઈને લઈને આ બધું ઊંધું ચાલ્યા કરે છે.

ઉપદેશક બે જાતના હોવા જોઈએ; કાં તો જ્ઞાની હોવો જોઈએ ને અજ્ઞાની હોય પણ શીલવાન હોય તો ચાલે. શીલ ના હોય તો તો કશું કોઈનો દહાડોય ના વળે. ઊલટાં એમને મળવાથી દુઃખ વધી જાય. સંપૂર્ણ ચારિત્ર તો કોને કહેવાય ? શીલને ચારિત્ર કહેવાય. શીલ એટલે વિષયનો વિચાર ના આવે. અમને વિષયનો એક પણ વિચાર ના આવે. અમારું ચારિત્ર એ ચારિત્ર કહેવાય. સંયમ પરિણામી એને કહેવાય કે જેને વિષયનો વિચાર જ ના આવે!

‘આ’ પબ્લિક ટ્રસ્ટ (દાદાનું સ્થૂળ શરીર) એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય તે કાઢી શકાય એમ છે! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય, નહીં તો એ જ પાળતા ના હોય, એમની મહીં ગુપ્ત ડિફેક્ટ હોય, તો ત્યાં પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે બ્રહ્મચર્યની વાત કોઈ કરતું જ નથી ને ! આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ! હું જેમાં ‘હન્ડ્રેડ પરસેન્ટ’ (સો ટકા) કરેક્ટ હોઉં તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ ‘ડિફેક્ટ’ (ઉણપ) હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ?

વિષયની જોખમદારી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય તો તે વિષયની છે. એનાથી પાંચેય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે?

દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે, દહાડે. નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તોય કશું ના વળે.

પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ?

દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! જુલાબ આપે એવા શબ્દ હોય, એમ કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે !

પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ?

દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય. ‘જ્ઞાની પુરુષ’નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી.

આજ્ઞા જોડે નિશ્ચય પહોંચાડે પાર

પ્રશ્નકર્તા : આ બધા યુવાનોને દાદાએ જે બ્રહ્મચર્યની શક્તિનું પ્રદાન કર્યું છે. તો ભવિષ્યમાં એમને જ્યારે પૂર્વજન્મના સંસ્કારોને લીધે કામ-વિકારો જાગશે, ત્યારે એ લોકો કઈ રીતે એ સંયોગોમાં અડગ રહી શકશે ? એમને શું કરવાનું રહેશે, એ બધું ફોડ પાડો. બધાને લાભ થશે.

દાદાશ્રી : આ ‘જ્ઞાન’ આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ, ત્યારે અમારું વચનબળ કામ કરે છે. એનો નિશ્ચય ડગવો ના જોઈએ.

પ્રશ્નકર્તા : આમનું જે નિશ્ચયબળ છે, તે ‘વ્યવસ્થિત’ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ?

દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ જોવાનું નહીં. ‘વ્યવસ્થિત’ એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે ‘વ્યવસ્થિત’ ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ ‘વ્યવસ્થિત’ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દીવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તારો નિશ્ચય ના તૂટે તો, અમારું વચનબળ કામ કર્યા કરે. પણ જો એ લોકોનો નિશ્ચય તૂટે તો ?

દાદાશ્રી : ‘પોતાનો પુરુષાર્થ મંદ છે’ એમ કહેવાય.

પ્રશ્નકર્તા : આમાં ‘વ્યવસ્થિત’ ના આવે ?

દાદાશ્રી : અજ્ઞાની માણસને માટે ‘વ્યવસ્થિત’ છે એમ કહેવાય અને જ્ઞાની તો પોતે ‘પુરુષ’ (આત્મા) થયો છે, એ હવે પુરુષાર્થ સહિત છે.

પ્રશ્નકર્તા : પોતાનો નિશ્ચય એટલે આપણે જો એમ કહીએ કે આપણે જ બધું કરી શકીએ એમ છે, તો પછી અહંકાર ના થઈ ગયો કહેવાય ? તો પછી આ પુરુષાર્થ કહેવાય કે અહંકાર જોડાયેલો કહેવાય?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો એ શું કહેવાય ?

દાદાશ્રી : કશું કહેવાય નહીં. નિશ્ચય એટલે નિશ્ચય ! અને તે આપણે પોતે ક્યાં કરવાનો છે, એ આત્માને કરવાનો નથી. આ પ્રજ્ઞા કહે છે કે ચંદ્રેશ, તમે નિશ્ચય બરોબર સ્ટ્રોંગ રાખો. એવું છે ને, કે જ્યારથી આ લોકોએ આ વ્રત લીધું, ત્યારથી એમની દ્ષ્ટિએ બાજુ જતી જ નથી. નહીં તો અમુક ઉંમરે તો સો-સો વખત દ્ષ્ટિબગડ્યા કરે.

પ્રશ્નકર્તા : આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ?

દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે.

ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવીનાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કો’ક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બૂમો પાડતા હોય કે ‘હમ માર ડાલેંગે’ તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ છોને બૂમો પાડે. એવી રીતે જો આમાંય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછુંપેલું ચોંટી પડે. એટલે ગમે તેવાં કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક ‘આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું’ એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં.

આ છોકરાઓને અમારે બે-પાંચ વખત વિધિ કરી આપવી પડે, ત્યારે એમને મોહનું વાતાવરણ લગભગ ઊડી જાય. નહીં તો નર્યા મોહના વાતાવરણમાં જ્યારે ‘રિજ પોઈન્ટ’ પર આવે, ત્યારે એને સડસડાટ ઉડાડી મૂકે. એટલે અમુક પાંત્રીસ વર્ષ સુધી તો એનું રક્ષણ કરવું પડે. આ તો છોકરાઓના સંસ્કાર સારા, પાછું આ જ્ઞાનના પ્રતાપે એટલું શુદ્ધિકરણ થઈ ગયું છે, એટલા માટે આ બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ. કારણ કે જેટલી પવિત્રતા જળવાય એટલું તો પાંસરુંરહે.

પ્રશ્નકર્તા : ‘રિજ પોઈન્ટ’ પર જો એમને ઊડી જવાનું થાય, તો પછી જ્ઞાનનું બીજ રહે કે પછી બીજ પણ ચાલ્યું જાય ?

દાદાશ્રી : જ્ઞાનનું બીજ પણ ઊડી જાય પણ નકામું ના જાય, બીજા ભવમાં પાછું ‘હેલ્પ’ કરે. એટલે ‘હેલ્પ’ તો કરે જ. અને આ ભવમાં જ જો ત્રણ-ચાર વખત પાછું ‘જ્ઞાન’ લે અને પાછો પાંત્રીસ વર્ષની ઉંમરે ફરી જ્ઞાન લઈ લે તો પાછું રાગે પડેય ખરું, અમારા નામથી અને વચનબળથી બે-ત્રણ વર્ષ રહ્યું તો એટલું ચોખ્ખું તો રહેશે અને જ્યારે પૈણવાનું આવે ત્યારે જોઈ લેવાશે, પણ એ પહેલાં બગડી તો ના જાય. અત્યારનો જમાનો વિચિત્ર છે. એટલાં માટે અમે આ બધા છોકરાઓને આ બ્રહ્મચર્ય વ્રત આપી દઈએ છીએ અને એ દબાણથી અને અમારા વચનબળથી એટલો તો ચોખ્ખો રહે. પછી પૈણાવે તોય એને ચોખ્ખું રહે ને ! નહીં તો આ તો માણસ ગૂંચાઈ જાય એવો વિચિત્ર જમાનો છે. કેટલાંકે તો સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને જ્ઞાનેય લીધું છે. એટલે એમનો આનંદ ઓર જ ને !

અમે બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ, પણ સ્ટેબિલિટી (સ્થિરતા) આવ્યા પછી આપીએ. પછી તમારા કર્મના ઉદય પેલા આવે તો પણ અમારું વચનબળ કામ કરે, પણ તમારી ચોકસાઈમાં ખામી ના આવવી જોઈએ.

પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે ?

દાદાશ્રી : ના. જ્ઞાનીઓનું વચનબળ ભયંકર કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી નાખે. એટલે એ જ્ઞાનીઓની વચનસિદ્ધિ કહેવાય. પણ તે કોઈને વ્રત આપે નહીં. આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એનો ચોગરદમનો ટેસ્ટ કરી પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય.

પણ આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચન-કાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને !

જ્ઞાની કૃપા મટાડે અનંત કાળના રોગો

તમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી. આખી દુનિયા સામી થશે તોય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશુંય ગભરાશો નહીં, જરાય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી. આપણે ચોખ્ખા રહેવું. આપણે ચોખ્ખા છીએ તો તમારે માટે આ દાદા દુનિયાને પહોંચી વળશે. પણ તમે મહીં મેલા હોય, તો હું કેમ કરીને પહોંચી વળું? નહીં તો પછી પૈણો. બેમાંથી એક ડિસીઝન તમારી મેળે લઈ લો. હું આમાં હેલ્પ કરીશ ને પૈણશો તો એમાંય તમને હેલ્પ કરીશ. હેલ્પ કરવી એ મારી ફરજ છે. પછી જો તમારો નિશ્ચય નહીં ડગી જાય એવું હશે તો હું તમને વાણીનું વચનબળ આપીશ. આ સત્સંગમાં રહેશો તો તમે પહોંચી વળશો, એની સો ટકાની ગેરન્ટી !

દાદા છે ત્યાં સુધીમાં બધા જ રોગ નીકળી જશે. કારણ કે દાદામાં કોઈ રોગ નથી. માટે જેને જે રોગ કાઢવા હોય તે નીકળશે. મારામાં પોલ હોત તો તમારું કામ ના થાત. વિષયદોષ થવો એ મોટામાં મોટી જોખમદારી છે. બધા અણુવ્રત, બધા મહાવ્રત તૂટે છે. કરોડો અવતારેય વિષય છૂટે એવો નથી. આ તો એક જ્ઞાની પુરુષ પાસે એમની આજ્ઞામાં રહેવાથી છૂટે તેમ છે. અને અમને જો વિષયનો જરાક વિચાર આવતો હોય તોય તમારો વિષય ના છૂટે. પણ જ્ઞાની પુરુષને વિષયનો વિચાર પણ ક્યારેય નથી આવતો. માટે જેવું બ્રહ્મચર્ય પાળવું હોય એવું પાળી શકાશે. સાચો ભાવ છે ને ! સાચું નિમિત્ત અને સાચો ભાવ, એ બે જો ભેગા થાય તો આ જગતમાં કોઈ એને તોડનાર નથી.

ભયંકર કૃપાને પાત્ર થવાય એવું છે. તમે તમારે ઘેર રહો અને દાદા એમને ઘેર રહે, તોય તમારે કૃપા રહ્યા કરે એવું છે, પણ તમને તાર જોડતાં આવડવું જોઈએ! એક જ તારમાં સહેજ ભૂલ હોય, તો પંખાને દબાવ દબાવ કરો તોય પંખો ના ફરે. માટે ફયુઝ બદલી લો ! તારમાં તો બહુ બગડી જવાનું નથી, કો’ક ફેરો સડી જાય છે, પણ ફયુઝ બદલવો પડે. આ તો કામ કાઢી લેવા જેવો અવસર આવ્યો છે.

આ પતંગનો દોર તમને હાથમાં સોંપ્યો ! હવે પતંગ ગુલાંટ ખાય તો આમ દોર ખેંચજો. આ તો પતંગનો દોર હાથમાં નહોતો, ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો આપણે શું કરવાના હતા ? આ તો હવે પતંગનો દોર હાથમાં આવ્યો પછી વાંધો નહીં.

બહેનો જ્ઞાનીની ‘ટકોર’ પકડી લેજો

ખપે મનની મજબૂતી, બ્રહ્મચર્ય માટે

આ (નીરુ) બહેનનો તો નિશ્ચય છે કે ‘એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.’ તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ.

પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું?

દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરેય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને એ અમે જલદી આપતાંય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ.

નિર્મોહી માર્ગે, સંસ્કારી પહેરવેશ

આજે સત્સંગમાં સાડી પહેરી છે, તે કેવું ડહાપણવાળું દેખાય છે. કાલે લગનમાં જવાની હતી ત્યારે સાડી પહેરેલી, તે કોઈ જુએ તો કહેત કે અફલાતૂન દેખાય છે. આવું લોકોને આશ્ચર્ય લાગે એવું ના પહેરીએ. સાદું પહેરીએ, એની કિંમત કહેવાય. પેલું તો મોહી કહેવાય. સાદું ને પદ્ધતિસરનું જેને કહેવાય, તેવું પહેરીએ. હુંય નવાં કપડાં પહેરું છું ને! પણ તે પદ્ધતિસરનું કહેવાય. પેલાં કપડાં તો પહેરેલાં હોય તો લોક જાણે કે આ મૂર્છિત છે. તું આવાં કપડાં પહેરું તો લોક જાણે કે આ સત્સંગમાં ગઈ જ નહીં હોય, માટે સિમ્પલ સાડી સારી. સાડીના આધારે દેહ કે દેહના આધારે સાડી ? સિમ્પલ સાડી જ પ્રભાવશાળી કહેવાય. છોકરાંઓ પણ અફલાતૂન કપડાં પહેરે છે ને? તમારે મોક્ષે જવું છે કે આમ લાલ-પીળી સાડીઓ પહેરવી છે, તે ફરી સંસારમાં પેસવું છે ? આ લાલ, પીળી, વાદળી સાડી આપણને ના હોય, એ તો બધી મોહવાળી ચીજ કહેવાય. જ્યારે ત્યારે તો મોહ છોડવો જ પડશે ને ? કંઈ સાડી એકલીને છોડી દેવાની છે? જ્યારે ત્યારે દેહનેય છોડવો જ પડશે ને ?

પર પુરુષના ખેંચાણ, નોંતરે અધોગતિ

એટલે આમાં સાચું સુખ જ નથી. આ તો બધું કલ્પિત સુખ કહેવાય. વિષયોમાંય કલ્પિત સુખ છે અને બીજી વસ્તુઓમાંય કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે. સનાતન સુખ, એ ક્યારેય જાય નહીં. આ અમારે ક્યારે સુખ જતું જ નથી ને ! જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : આપે કહેલું મિશ્ર ચેતનથી ચેતજે.

દાદાશ્રી : બસ, એ મિશ્ર ચેતનથી જે ચેત્યો, એનું કલ્યાણ થઈ ગયું! એક શુદ્ધ ચેતન છે અને એક મિશ્ર ચેતન છે. તે મિશ્ર ચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથીય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યારે પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ?

ભવોભવની ઈન્સિક્યુરિટી ટાળે, જ્ઞાની

ચારિત્ર સંબંધી વાતચીત મા-બાપ પોતાની છોકરીને શી રીતે કરી શકે ? તો એની સાથે કોણ વાતચીત કરી શકે ? એક ‘જ્ઞાની પુરુષ’ એકલાં જ વાતચીત કરી શકે. કારણ કે જ્ઞાની કોઈ લિંગમાં ના હોય. એ પુરુષ લિંગમાં ના હોય, સ્ત્રી લિંગમાં ના હોય કે નપુંસક લિંગમાં ના હોય. એ તો આઉટ ઑફ લિંગ (એટલે કે આત્મામાં) હોય. જમાનો બહુ વિચિત્ર આવ્યો છે, લપસણો કાળ છે, છોકરીઓને કોઈ જ્ઞાન છે નહીં, આગળનું માર્ગદર્શન નથી. આ છોકરીઓને કેટલી બધી મુશ્કેલીઓ છે ! એટલે આ માર્ગદર્શન આપું છું.

તેથી આ જ્ઞાન નીકળ્યું. મારી ઘણાં વખતથી ઇચ્છા હતી કે આવું જ્ઞાન નીકળે, પણ તેનો ટાઈમ બાઝવો જોઈએ ને ? આ જ્ઞાન આટલાંને તો મળ્યું. બધાંનેય જરૂર તો ખરી ને ? આ જ્ઞાનની તો બધાંને જરૂર હોય!

આ તો બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એ કંઈ નાનાં છોકરાંના ખેલ નથી! વિષય વિચાર જ ના આવવો જોઈએ અને આવે તો તેને તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાનું. વિચાર તો આવે જ. આ કળિયુગમાં તો નર્યા એવા વિચારો આવે જ ! પણ એને ધોઈ નાખવાના.

આત્મ સુખ ચાખ્યે, વિષય સુખ છૂટે

પ્રશ્નકર્તા : વિષયમાં આનંદનું આપણે આરોપણ કરેલું છે, એટલે એ આવે છે, પણ આપણને બ્રહ્મ (આત્મા)ના આનંદની અનુભૂતિ થાય તો પેલો આનંદ ઓટોમેટિક છૂટી જાય.

દાદાશ્રી : હા, કારણ કે જલેબી ખાધા પછી ચા પીવો, તો એની મેળે જ ન્યાય થઈ જશે ને ! એમ આત્માનો આનંદ ચાખ્યા પછી વિષયો એની મેળે જ મોળા પડી જાય. આ છોકરીઓને મોળું જ પડી ગયું ને! ત્યારે જ તો રાગે આવ્યું ને ! આ છોકરીઓને બ્રહ્મનો આનંદ ઉત્પન્ન થયો અને આરોપિત આનંદ ફ્રેકચર થઈ ગયો ! તેથી જ પોતાના દોષ ઉપર રડવું આવ્યું ને ! અને છોકરીઓ તો અહીં આવીને મને કહે કે બહુ જ શક્તિ વધી ગઈ, જબરજસ્ત શક્તિ વધી ગઈ ! પોતાનું સુખ પોતાની પાસે છે, એવું લોક સમજ્યા જ નથી ને ! અને સુખ બહાર ખોળવા જાય છે !

પ્રશ્નકર્તા : પણ સુખને કોઈ ને કોઈ આધાર છે જ, મનનો, વચનનો....

દાદાશ્રી : પરાવલંબી સુખને સુખ કહેવાય જ કેમ કરીને ?

પ્રશ્નકર્તા : એકલી બહેનોની શિબિર કરાવો.

દાદાશ્રી : તો તો બહુ પ્રભાવ પડી જાય. એ જ્યારે સાચું બ્રહ્મચર્ય પાળશે, એ લાઈટ (તેજ) જુદી જાતનું હોય. આ તો જન્મ્યા ને મરી ગયા અહીંયા આગળ, જાનવરની પેઠ એ શું કામનું ? બેનો સાંભળો છો કે ? મારી વાત કડવી લાગે તોય મહીં ઉતારજો. ભલે કડવી લાગે પણ છેવટે મીઠી નીકળશે. મીઠી નીકળે કે ના નીકળે ?

પ્રશ્નકર્તા : નીકળે.

દાદાશ્રી : અત્યારે તો કડવી લાગે. મેં કહ્યું છે આ એકલી જ સેફસાઈડ, બીજી બધી ફસામણ છે.

ના પૈણવાનો આધાર, નિશ્ચય પર

પ્રશ્નકર્તા : ના પૈણવાનો અમે નિશ્ચય કરીએ, તો પછી ‘વ્યવસ્થિત’ એવું આવે ?

દાદાશ્રી : ના પૈણવાનો જબરજસ્ત નિશ્ચય હોય તો પૈણવાનું ના આવે. તે પણ નિશ્ચય પાછો બીજે દહાડે ભૂલી જઈએ એવો ના હોવો જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય કે નિરંતર યાદ રહ્યા કરે. નિશ્ચય ભૂલી ગયા એટલે પછી પૈણવાનું આવશે એ વાત નક્કી છે. નિશ્ચય ભૂલાયો નહીં, તો પૈણવાનું નહીં આવે એની હું ગેરન્ટી લખી આપું. કારણ કે જે ગામ આપણે જવું છે એ તો ભૂલાવું ના જોઈએ ને? આપણે બોમ્બે સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે ‘નથી પૈણવું’ એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં, એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવવા ફરે, છોકરો ખોળી લાવે, તોય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુઃખનો સમુદ્ર જ છે, એનો પાર ના આવે.

આકર્ષણ અમુકનું જ શાને ?

પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના કરવા, અને મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો દેખાયા કરે છે તો શું કરવું ?

દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? આપણે જોયા કરવાનું, પ્રતિક્રમણ કરીને ઉખેડી નાખવાનું, બસ!

પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે.

દાદાશ્રી : એ દેખાય એટલે પ્રતિક્રમણ થાય અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય.

પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ?

દાદાશ્રી : આપણે સ્ટ્રોંગ (દ્રઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે હજુ ખરાબ વિચાર આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે, નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલાં બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ? અમુક જોયા હોય ને તેની પર દ્ષ્ટિપડી હોય તો જ આવે.

બ્રહ્મચર્ય પહોંચાડે ભગવાન પદે

અમે તો બધાંને કહીએ કે પૈણો. પછી તમે ના પૈણો તે તમારી વાત. ના પૈણીને પછી ચારિત્ર બગડે તેના કરતાં પૈણવું સારું. લોકનિંદ્ય થાય એ બધું નકામું. એના કરતાં મેરેજ કરેલાં સારાં, નહીં તો પછી હરૈયા ઢોર જેવું કહેવાય.

પ્રશ્નકર્તા : લોકનિંદ્ય થાય એ તો બહારની વાત રહી, પણ પોતાનું બગડે ને ?

દાદાશ્રી : એટલે પોતાનું તો બગડે જ, પણ પાછું લોકનિંદ્ય થાય ત્યાં સુધીનું બગાડે. એ કંઈ થોડું ઘણું બગાડે નહીં. લપસ્યો એટલે પછી વાર જ ના લાગે ને ? જો બ્રહ્મચર્ય સચવાય તો ભગવાન થવાનો કીમિયો છે એમાં ! જ્ઞાની બધી કળા દેખાડે, બધા રસ્તા દેખાડે પણ એ પોતે સ્ટ્રોંગ રહેવો જોઈએ.

નિશ્ચય પોતાનો, ત્યાં રક્ષે કૃપા જ્ઞાનીની

પ્રશ્નકર્તા : પોતે સ્ટ્રોંગ રહે, પણ પછી આગળ વાંધો ના આવે ?

દાદાશ્રી : ના, કશું ના થાય. જ્ઞાની પુરુષની કૃપા જોડે રહે ને ! પોતે સ્ટ્રોંગ રહ્યો તો જ્ઞાની પુરુષની કૃપા રહ્યા કરે, વચનબળ રહ્યા કરે, એટલે બધું કામ થયા કરે. પોતે કાચો પડ્યો એટલે બધું બગડી જાય. ‘શું થશે, હવે શું થશે’ એવું થયું તો બગડ્યું. ‘કશું જ થાય નહીં’ કહ્યું કે બધું જતું રહે. શંકા પડી એટલે લપસ્યો.

અમારી વિધિ તો તમને બહારથી નુકસાન ના થવા દે. પણ જેને જાતે જ બગાડવું હોય તેને શું થાય? એટલે નિશ્ચય કરી નાખું તો રાગે ચાલે બધું.

પ્રશ્નકર્તા : નિશ્ચય એ તો બરોબર છે પણ કચાશ ક્યાં થાય છે કે આજ્ઞા છે, જ્ઞાન છે પણ પુરુષાર્થમાં કચાશ આવે છે.

દાદાશ્રી : એ તો બધું કરી આપીએ અમે. તારી ઈચ્છા હોય તો અમે એ બધો સાંધો મેળવી આપીએ. આ છોકરાઓને સાંધો મેળવી આપ્યો, તે જરાય વિચાર ના આવે, એવું કરી આપીએ અમે. પણ તારું નક્કી થઈ જાય પછી અમને કહેવું. જુઓને, પેલી બેન કહેતી’તી, પૈણીને છેવટે !

પ્રશ્નકર્તા : મારે આપ્તપુત્રી થવું છે પણ આ બધા જે મારા ભાવ પહેલાં થઈ ગયા હોય લગ્ન કરવાનાં, નોકરી કરવાનાં. તે મારે પાછાં પૂરા કરવા પડે કે ધોવાઈ જાય બધાં?

દાદાશ્રી : થઈ ગયા હોય, તેનો વાંધો નહીં. થઈ ગયા હોય, તેનો રસ્તો અમે કરી આપીએ. પણ હવે ના હોવાં જોઈએ અને જોબ (નોકરી) કરવામાંય વાંધો નથી પણ બ્રહ્મચર્ય એકલું જ આપ્તપુત્રી માટે જરૂરી છે.

સંસારમાં પ્રેમ ભૂખ્યા કે વિષય ભૂખ્યા ?

તમે પૈણ્યા નથી એટલે તમને કોઈ પૂછે કે તમારે કેટલાં છોકરાં છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શાથી ? પૈણ્યા નથી એટલે. મૂળમાં ધણી જ નથી તો બીજ ક્યાંથી નાખવાના ? ને બીજ નથી નાખ્યા તો છોડવો ઊગે જ શી રીતે ?

ધણી, ધણી જેવો હોય કે, તે ગમે ત્યાં જાય તોય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ? ખરો ધણી મળે તો એની જોડે એકાંત શૈયાશન આપણે છોડીએ. એની જોડે એકાંત લાગે. કારણ કે એની ચિત્તવૃત્તિઓ આપણી જોડે રહે, તો આપણી ચિત્તવૃત્તિઓ બીજા જોડે વાતો કરતા હોઈએ તોય જ્યાં ધણી હોય ત્યાં જાય. એટલે થઈ ગયુંને એકનું એક ! એકાંત !!! અત્યારે એવું નથી મળતું ને ! તો બીજો બધો માલ તો સડેલો કહેવાય. એવું સડેલું શાક ખાવા કરતાં ના ખાધેલું સારું. આ સડેલું ખાવા જઈએ તો ઊલટીઓ થાય. આ પ્રેમ વગરનો સંસાર છે, ખાલી આસક્તિ જ છે. પહેલાં તો પ્રેમવાળી આસક્તિ હતી, પ્રેમ એટલે લગની લાગેલી હોય. આ તો લગની જ નથી લાગતી ને ! ટિકિટને ગમે તેટલો ગુંદર ચોંટાડીએ તોય ટિકિટ ચોંટતી જ નથી. કાગળ જ એવો છે, તે પછી માણસ કંટાળી જાય ને !

એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તોય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યા છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભૂખ છે. એ નથી જવા મળતું તે ક્યૂ (લાઈન) નથી લાગતી ? તેં જોયેલી કોઈ જગ્યાએ ક્યૂ ? ક્યાં જોયેલી ?

પ્રશ્નકર્તા : અમારે ચાલીમાં તો લાઈનમાં જ ઊભા રહેવું પડે.

દાદાશ્રી : તે ચાલીમાંય ક્યૂઓ લાગે છે ! અમે અમદાવાદમાં પહેલાં ક્યૂઓ જોયેલી. તે મારે એક ફેરો ક્યૂમાં જઈને ઊભા રહેવાનું થયું. મેં કહ્યું, ‘મારે આ વખતે સંડાસ નથી જવું.’ એનાં કરતાં બહેતર આપણે એમ ને એમ બેસી રહીશું. આપણે આવું ક્યૂમાં સંડાસ નથી જવું. જ્યાં સંડાસની આવડી બધી કિંમત વધી ગઈ ! કિંમત તો લૉજમાં વધી ગઈ હોય, પણ અહીં સંડાસની પણ કિંમત વધી ગઈ ? મારે ક્યૂમાં ઊભા રહેવાનું થયું ! પેલા ભાઈ કહે કે ‘હમણે થોડીવાર પાંચેક મિનિટ ઊભું રહેવું પડશે.’ મેં કહ્યું, ‘ના, એક મિનિટેય નહીં, ચાલો પાછો આવું છું. બંધકોષ થશે તો પરમ દહાડે ફાકી લઈશું, પણ આ ના પોષાય. આ શી રીતે પોષાય?’ ત્યાં ઊભા રહીને શાની રાહ જુઓ છો ? આની પણ કિંમત! મને તો શરમ લાગે. હું તો જમવામાંય ક્યૂ હોય તો ઊભો ના રહું. એના કરતાં તારી રોટલી તારે ઘેર રહેવા દે. થોડા ચણા ફાકી લઈશું. હા, મોક્ષ આપતો હોય તો ચાલોને, આપણે રાત-દહાડો ક્યૂમાં ઊભા રહીએ.

એટલે આજના વિષયો સંડાસ સમાન થઈ ગયા છે. જેમ સંડાસ માટે ઊભો રહે છે ને ! તેવું આ વિષયો માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સંડાસ થયું કે ભાગ્યો.

આને પ્રેમ કહેવાય જ કેમ ? પ્રેમ તો એનું નામ કે વિષય ના મળે તોય રીસ ના ચઢે. આ તો જંગલીપણું કહેવાય. આનાં કરતાં બાવા થઈને મોક્ષે ચાલ્યા જવાનો વિચાર કરવો સારો. આપણે આપણું ગામ સારું! આપણે ગામ સ્વતંત્ર તો રહી શકીએ. એવું તે કંઈ ફાવતું હશે?

અમદાવાદના શેઠિયા મેં જોયેલા. ઑફિસમાં આમ બધા જે’ જે’ કરતા હોય અને એને ઘેર ક્યૂમાં ઊભા રહ્યા હોય, આ તો સ્વમાન જેવું ના રહ્યું ને ? આ તો સામાન્ય જનતા કહેવાય. અમારે તો કુદરતી રીતે જ ક્યૂ ભેગી નહીં થયેલી. ક્યૂ આપણને કંઈ શોભે, મહીં ત્રિલોકનો નાથ છે ત્યાં ?

જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તોય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત !

પરપુરુષ દોષનું જોખમ

પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે ! આ લગ્ન એ તો બધું સંડાસ છે. સ્ત્રીએ એક જ વખત પરપુરુષ જોડે દોષ કર્યો હોય તો તેણે પાંચસો-હજાર અવતાર સ્ત્રી થવું પડે. વિષયમાં લપસ્યા એટલે નર્કની વેદના ભોગવવી પડે. માટે દ્ષ્ટિમાંડવી જ નહીં. બીજા દોષ ચલાવી લેવાય, પણ આ અત્યંત દુઃખદાયી છે. નર્કમાં પડ્યા જેવું દુઃખ લાગે. અરે, આનાં કરતાં નર્કમાં પડવું સારું. એની મેળે લગ્ન સામું આવે તો તે ઘડીએ પૈણવું. જગતનાં લોકો નિંદ્ય ગણે એનાં તો ભયંકર દુઃખો પડે, એ હોવું ના જોઈએ. માટે પ્રતિક્રમણ તરત કરી લેવું જોઈએ. પણ જો શક્તિ હોય તો સંયમ લો ને શક્તિ ના હોય તો પૈણજો. પૈણ્યાનો કંઈ દોષ નથી. બાકી વિષયના જેવો માર જ જગતમાં બીજો કોઈ નથી. વિષયનો વિચાર આવ્યો કે ત્યાંથી વેદના ઉત્પન્ન થઈ, બળતરા ઊભી થયા કરે. વિષય જીત્યો એટલે બધું જીત્યું.

પરાક્રમ, સ્ત્રી પ્રકૃતિ સામે

એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે ! પણ સ્ત્રીને સ્ત્રી-જાતિનો જબરજસ્ત અવરોધ, એટલે શ્રેણી બહુ ઊંચે ચઢે પણ સ્ત્રી-જાતિ એટલે અટકી જાય ને ! એટલે સ્ત્રી-જાતિ કેટલી બધી બાધક છે ! સ્ત્રી-જાતિને બાધકતા ઉત્પન્ન થાય, તે ક્યારે એનું લેવલ ખસી જાય, તે કહેવાય નહીં. જ્યારે પુરુષને તો પોતે ‘એક્ઝેક્ટનેસ’માં આવી ગયેલો હોય, એ પછી ખસે નહીં એની ગેરેન્ટી!

તને સારું રહે છે ?

પ્રશ્નકર્તા : આમ સારું છે, પણ દાદા સ્ત્રી-પ્રકૃતિ તો ખરી ને ! ઉપર નહીં આવવા દે એવું થાય.

દાદાશ્રી : પણ એ તો બહુ જો પ્રતિક્રમણ કરશે ને સ્ટ્રોંગ રહે તો કશું ન થાય. સ્ટ્રોંગ રહેવું જોઈએ. એક ફેરો લપસ્યા પછી માર ખઈ-ખઈને મરી જાય. એક જ વખત લપસ્યા તો ખલાસ થઈ ગયું. એટલે વિષય એ ભોગવવાની ચીજ જ ન્હોય એવું માની લેને તો ચાલે! બહાર ભોગવવાની ઘણી ચીજો છે. આ તો નર્યો એંઠવાડો, ગંદવાડો બધો. આંખને ગમે નહીં, કાનને ગમે નહીં, જીભને ગમે નહીં.

પેલું વાંચું છું (બ્રહ્મચર્યનું પુસ્તક) ?

પ્રશ્નકર્તા : વાંચન નથી થતું ખાસ.

દાદાશ્રી : એ તો વાંચવાથી બધી પ્રકૃતિ છૂટી થઈ જાય, નહીં તો પછી લગ્ન કરવું સારું. તારે તો ચાલે એવું છે ને ?

પ્રશ્નકર્તા : પ્રકૃતિ ટેન્શનવાળી ખરીને એટલે જ્ઞાનનું પરિણામ જોઈએ એવું નથી આવતું.

દાદાશ્રી : એ તો જ્ઞાનનું પરિણામ સત્સંગ હોય ને તો જ આવે. એ તો સત્સંગ નહીં એટલે. એ તો આપણે ત્યાં આગળ (અલગ રહેવા માટે સંકુલ) બંધાશે તો આ બધાની જોડે રહેવાથી વિચાર જ ના ઊભા થાય અને આનંદ થાય ઊલટો. તે આ બંધાશે ત્યાં આગળ બ્રહ્મચારિણીઓ રહેશે, નહીં તો પછી લગ્ન કરવાનું કહી દેવું.

સારા સત્સંગમાં આવે તોય ટેન્શનવાળી પ્રકૃતિ કાયમ હોતી નથી, એ તો બધું વળી જાય. એ તો કુસંગમાં પેસી જાય તો જ નડે બધું.

વિષય ગમતો જ ના હોય તો...

આ વિષય ગમતો જ ના હોય તો છૂટકારો થાય. છતાં કોઈની ઉપર દ્ષ્ટિખેંચાય તો પ્રતિક્રમણથી ઊડી જાય. પણ અંદરખાને વિષય ગમતો હોય તો પૈણવું સારું.

પ્રશ્નકર્તા : પોતાના હિતનું ના વિચારે.

દાદાશ્રી : હિત તો હોય જ નહીંને ! ભાન જ ના હોય. ગલીપચીમાં જે માણસ ભેરવાઈ જાય, એનું તો હિતનું જ ઠેકાણું ના હોય ને !

પ્રશ્નકર્તા : એ વખતે પોતે નિશ્ચય કરેલો એ ક્યાં જતો રહે ?

દાદાશ્રી : જેવો પોતે થઈ જાય એવો નિશ્ચય થઈ જાય. પોતે કાચો થઈ જાય, તો થઈ ગયો અનિશ્ચય.

પ્રશ્નકર્તા : પણ આ બાજુનો નિશ્ચય કરતાં આટલી બધી વાર લાગે અને પેલો નિશ્ચય તરત જ ફરી જાય એવું કેમ ?

દાદાશ્રી : ના, અહીં વાર લાગે જ નહીં. અહીંયા એ વાર લગાડ્યા સિવાયનું જ છે.

પ્રશ્નકર્તા : અહીંયા એ વાર લગાડ્યા સિવાય?

દાદાશ્રી : હા. એ તાત્કાલિક, એવું તાત્કાલિક આ. અહીં વાર લગાડેલું હોય તો એનો નિશ્ચય ફરે જ નહીં ને ! ના ફરે કોઈ દહાડો, મારી નાખે તોય ના ફરે.

પ્રશ્નકર્તા : અમારે બધાને આ બરાબર સમજપૂર્વકનો નિશ્ચય સ્ટ્રોંગ કરવો હોય, તો સમજ તો પૂરેપૂરી તો અમે લાવ્યા જ નથી ને ! તો પછી એ સ્ટ્રોંગનેસ કેવી રીતે આવે ?

દાદાશ્રી : તારો ધ્યેય હોય તો બધું આવે.

પ્રશ્નકર્તા : એટલે જેને સ્ટ્રોંગ કરવો છે, એનો થશે જ ?

દાદાશ્રી : ધ્યેય નક્કી કર્યો હોય ને તો સ્ટ્રોંગ રહે તો પછી થઈ જાય. આ ધ્યેય નથી એને કશોય ધ્યેય નથી.

પ્રશ્નકર્તા : આપે દાદા એકવાર કીધેલું કે નિશ્ચય મજબૂત કરવો હોય તો નિશ્ચયની વિરુદ્ધનો એક પણ વિચાર આવવો ના જોઈએ.

દાદાશ્રી : હા. અને એ ધ્યેયને કંઈ પણ નુકસાન કરતું આવે તો એને ખસેડી નાખવું.

આંખના આકર્ષણ, અવતારો બગાડે

હવે આ જ્ઞાન બધું હાજર રહેશે ને ? એ તો આપણને હાજર જ રહેવું જોઈએ કે આ છોલે (ચામડી) તો શું દેખાય ? આ આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. રૂપાળી મૂર્તિ દેખેને, તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું ? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે, આપણે આકર્ષણ ના કરવું હોય તોય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે? એટલે વૈરાગ આવે ને પછી મન તૂટી જાય, નહીં તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે, લફરાં જ વળગી જાય. લફરાં વળગે એટલે પછી છૂટે નહીં. સાત-સાત અવતાર સુધી ના છૂટે, એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવા લફરાવાળો વેપાર પોષાય જ નહીં. જે માલ આપણને જોઈતો નથી, બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય, તો આપણે એને જો જો કરીએ છીએ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની (વસ્તુ) નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું?

દ્રષ્ટિદોષના વેધક ઉપાયો

એક ફેરો એક મોટા સંત અગાસીમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. કોઈ સામા મકાનની બારીમાં એક બહેન ઊભી હશે, તે એમણે એને જોઈ. એટલે એમની આંખ ખેંચાઈ અને એ તો વિચારશીલ માણસ, એટલે મનમાં થયું કે આ કેમ થાય છે ? આમ ના થવું જોઈએ. પછી પાછું વાંચવા માંડ્યું, પણ પાછી આંખ ખેંચાઈ. એટલે એમને થયું કે આ તો બહુ ખોટું કહેવાય. એટલે તરત ત્યાંથી ઊઠીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને લાલ મરચું વાટેલું હતું તે આંખમાં નાખ્યું. આ એમણે સારું કર્યું ? એ આંખનો દોષ છે ? કોનો દોષ છે?

પ્રશ્નકર્તા : મનનો દોષ છે.

દાદાશ્રી : ના, અજ્ઞાનતાનો દોષ છે. અજ્ઞાન છે તેથી ને ? હવે આંખમાં મરચું નાખ્યું તેવું એમના કોઈ શિષ્યો શીખ્યા નહીં. શિષ્યો જાણતા હતા કે ગુરુ મહારાજ ઈમોશનલ (ભાવુક) થઈ ગયા હશે ને મરચું નાખ્યું હશે, આપણે ના નંખાય, બાપ ! આંખમાં મરચું નાખ્યે ફાયદો શો થાય?

એનાં કરતાં મારી વાત યાદ રહી હોય તો મોહ જ ઉત્પન્ન ના થાય ને ? અને ખરેખર એમ જ છે. આ કંઈ ગપ્પું છે ?

પ્રશ્નકર્તા : આંખ ખેંચાય પણ વિકારી ભાવ ના હોય તો ?

દાદાશ્રી : તો વાંધો નહીં. વિકારી ભાવ તો આપણામાં ના હોય, પણ સામાનામાં હોય ત્યારે શું થાય ? માટે ખેંચાણમાં ફસાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે બધે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધો વહેવાર કરવો. આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. આપણામાં વિકારી ભાવ ના હોય, પણ પેલા સામાનું શું થાય ? બધે ખેંચાણ નથી થતું ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં.

આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, ‘ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે!’ એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય. શેનું રૂપ ? આ છોલે તો શું નીકળે ? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તોય ખરાબ ના નીકળે. આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે. એને છોલીએ તો કશુંય ના થાય, એમાં ગંદવાડો નહીં ને! સોનાનું, ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. એટલે આ ધાર્મિક ગુણો, જ્ઞાનના ગુણો વખાણે, તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી, એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે.

ફસાયા પછી છૂટકારો થવો મુશ્કેલ

નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય. કોઈની જોડે આપણે ફ્રેન્ડશિપ (મિત્રતા) પણ ના કરીએ, બહુ ઘાલ-મેલ ના રાખીએ. આ તો એક ફેરો લફરું વળગ્યા પછી લફરું છૂટું ના થાય.

‘જેનું નિદિધ્યાસન કરે, તેવો આત્મા થાય.

જે જે અવસ્થા સ્થિત થયે, વ્યવસ્થિત ચિતરાય.’

નિદિધ્યાસન એટલે કે ‘આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે’ એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખુંય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો ‘એન્ડ’ જ નથી ! પૈણ્યા વગર તો ચાલે એમ નથી અને પૈણવાનું તો જાણે કે મળશે, પણ આ બીજાં લફરાં તો ઊભાં ના કરીએ. લફરામાં બહુ દુઃખ છે. પૈણવામાં કંઈ એટલું બધું દુઃખ નથી. પૈણવાનું તો એક જાતનો વેપાર માંડ્યો કહેવાય. કેટલીક સ્ત્રીઓ નથી કહેતી કે વેપાર માંડ્યો ? તે વેપાર પાછો પૂરો થઈ જાય; એટલે પૈણવાનું તો એક જગ્યાએ હોય જ, હિસાબ લખેલો જ હોય, પણ બીજા લફરાંનો પાર ના આવે.

આ જે બધી દાદાજીએ વાત કરી એ ભૂલાશે કે તને ? ઘેર જાય તોય ના ભૂલાય.

પ્રશ્નકર્તા : મહીં ટેપ કરવાનો નિશ્ચય કર્યો છે.

દાદાશ્રી : હા, બરાબર છે. અમે તો તમને મહીં ઠોકર ના વાગે એટલે સુધી બધું દેખાડીએ. પછી તમે જાણી-જોઈને અમારા શબ્દો ઓળંગો તો ઠોકર વાગે, પછી તો આ જ્ઞાન પણ જતું રહે. આ જ્ઞાન ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. આ સંસારમાં તે સુખ હોતું હશે? સુખ તો આ આત્માની વાત કરીએ છીએ, એમાં આવે છે ને ? એમાં સુખ છે.

કેળવાયેલા મન વિનાના ...

પૈણ્યા વગર તો છૂટકો જ નહીં ને ! એવું તું સમજે કે નહીં ? આપણાં માબાપ અને બધાં ભેગાં થઈને પૈણાવી જ દે. આપણી ઇચ્છા ના હોય તોય પૈણાવી દે. આપણી શાથી ઇચ્છા ના હોય ? કે આપણે એક સેમ્પલ (કોઈ વ્યક્તિ) જોયું હોય, તે સેમ્પલ આના કરતાં જરા રૂપાળું દેખાતું હોય એટલે પેલું ગમે અને આ ના ગમે. અલ્યા, એ પણ સેમ્પલ છે અને આ પણ સેમ્પલ છે. બેઉને છોલે ત્યારે મહીં શું નીકળે ? તે પોતાને પેલા સેમ્પલમાં જ જીવ રહ્યા કરે કે પેલું કેવું સરસ હતું અને મારા ફાધર આ લાવ્યા, તે કેવું કદરૂપું !

પ્રશ્નકર્તા : શરીરની વાત જવા દઈએ પણ જો માણસનું મન સારું કેળવાયેલું હોય તો એમાં ફેર ના પડે?

દાદાશ્રી : એ કેળવાયેલું મન તો અમુક જ માણસનું હોય. બધાં લોકોનાં મન કેળવાયેલાં હોય નહીં ને ! આ બધા લોકો ફરે છે તેમના મન કશાં કેળવાયેલાં નહીં, એ તો દગડુ મન. તેથી અમે આ કેળવણી કરીએ. ત્યાર પછી ફસાય નહીં. નહીં તો કેળવણી ના હોય તો પછી ફસાઈ જાય. આ જગત તો શિકારી છે, શિકાર ખોળે છે. આખું જગતેય શિકાર કરવાને નીકળ્યું છે. લક્ષ્મીના, વિષયોના, બધાના જ્યાં ને ત્યાં શિકાર જ ખોળ ખોળ કરે છે.

લફરાથી છૂટકારો કેવી રીતે ?

આ બહેનોની ઉંમર નાની ને આ જ્ઞાન ના મળે તો કેટલું બધું જોખમ છે ! એક ફેર ફસાયા પછી આમાંથી નીકળવું મહામુશ્કેલ છે. પછી તો લફરું વળગ્યું. હવે આ ફસામણ છે, લફરું છે એવું જાણી ગયા ને? ‘લફરું જો જાણી કહ્યું, તો છૂટું પડતું જાય.’ એનો શો અર્થ તમને સમજાયો?

એક ભાઈ કૉલેજમાં ભણતો હતો. તે પારસી લેડી જોડે ફરવા માંડ્યો. એ જૈન હતો એટલે એના બાપે શું કહ્યું, ‘આ તે લફરું ક્યાંથી વળગાડ્યું છે ?’ એટલે છોકરો કહે કે, ‘મારી ફ્રેન્ડને તમે લફરું કહો છો? તમે કેવા માણસ છો ?’ આવું છોકરો કહે છે, એનું કારણ ? જ્યાં સુધી તેને ‘આ લફરું છે’ એ સમજણ પડી નથી, ‘આ ફ્રેન્ડ જ છે’ એવું જાણવામાં આવે છે ત્યાં સુધી લફરું ભેગું થયા કરે. પણ એક દહાડો જ્યારે તેણે જોયું કે એ પારસણ બીજા એક જણની જોડે ફરતી હતી, એટલે પેલાના મનમાં વહેમ પડ્યો કે ‘આ તો લફરું છે.’ મારા પપ્પા કહેતા હતા, તે સાચી વાત છે. જ્યારથી એણે જાણ્યું કે ‘આ લફરું છે’, ત્યારથી એ એની મેળે છૂટું પડી જાય. આ જ્ઞાન કેવું હશે ? કે લફરું જાણે ત્યારથી છૂટું પડતું જાય. કૉલેજમાં લોકો લફરાં વળગાડે એવાં હોય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તને ખબર પડે ને, કે પેલાને અહીં લફરું છે ? બધી ખબર પડે. એટલે આપણે આ બાજુ એટલું શીખી જવું જોઈએ કે આપણી સેફસાઈડ શેમાં છે ? આ દાદાએ જે કહ્યું, એ સેફસાઈડ. આ બધા ‘દૂધિયા’ કાપો તો મહીંથી નર્યો કચરો નીકળે.

એટલે આ સત્સંગમાં જ રહેવા જેવું છે. બીજે કશે ભાઈબંધી કરવા જેવી નથી. સત્યુગમાં ભાઈબંધી હતી, તે ઠેઠ સુધી, આખી જિંદગી સુધી ભાઈબંધી પાળે. અત્યારે તો દગા દે છે.

કરુણા છાંટી રહ્યા જ્ઞાની

વૈરાગ લાવવા માટે લોકોએ પુસ્તકો લખ લખ કર્યાં. એંસી ટકા પુસ્તકો વૈરાગ લાવવાનાં લખ્યાં, તોય કોઈને વૈરાગ દેખાયો નહીં. વૈરાગ તો આ જ્ઞાની પુરુષ એક કલાક બોલેને તો ભવોભવ વૈરાગ યાદ રહે. આ જ્ઞાનથી વૈરાગ રહે કે ન રહે?

પ્રશ્નકર્તા : હા, રહે. આજના સત્સંગથી ઘણો જ ફેર પડી ગયો.

દાદાશ્રી : આ સત્સંગ ના હોય ત્યાં સુધી માણસ મૂંઝાયેલો રહે. આવું પઝલ ઊભું થાય ત્યાં શું કરવું, તે ખબર ના હોય. આ તો પઝલ ઊભું થાય, એટલે દાદાજીના શબ્દો યાદ આવે.

કૉલેજમાં તો ઘણાં રોગ ઉત્પન્ન થઈ જાય છે. નર્યા રોગ જ કૉલેજમાં ઊભા થાય છે. બધું જોખમ છે. આપણે આપણી મેળે જ ભણવું, આપણી સેફસાઈડ રાખવી. આપણે સેફસાઈડ રાખીને કામ લેવું, નહીં તો બધે લપસવાનાં સાધન છે. એક ફેરો લપસ્યા પછી ઠેકાણું ના પડે. દરિયામાં ઊંડો ઊતર્યો પછી ક્યારે પાર આવે ? બહેનો તો બધી કમળ જેવી કહેવાય અને પછી દુઃખ થાય, તે તો દાદાજીના નામ પર દુઃખ થયું કહેવાય. તે દાદાજી ચેતવે નહીં? અને દાદાજી પર આવો ભરોસો થયો તોય દુઃખ આવ્યું ? એટલે દાદાજી તો ચેતવે. દાદાજી બૉર્ડ મારે કે ‘બીવેર’ (ચેતો). આ બૉર્ડ મારે છે ને, ‘બીવેર ઑફ થીવ્ઝ’, ‘ચોરો પાસુન સાવધ રહા ?’ એવું આ ‘બીવેર’નું બોર્ડ મારીએ છીએ.

પૈણે તો રાંડવું પડે, તેવું જગત

અમેય પૈણી ને રાંડેલા જ છીએ ને ! માંડે એ રાંડે. પૈણતી વખતે વિચાર આવેલો મને કે આ માંડીએ છીએ પણ રાંડવું પડશે એક દહાડો. પૈણતી વખતે ચોરી ઉપર જ વિચાર આવેલો. પંદર વર્ષની ઉંમરે. તે મેં પુસ્તકમાં જાહેર કરેલું તે લોકો હસે છે! બળ્યું, માંડીએ એટલે રાંડવું જ પડે ને ? એ બેમાંથી એક જણને તો રાંડવું પડે ને ? તું જાણતી ન્હોતી, પૈણે એ રાંડે, માંડે એ રાંડે ?

પ્રશ્નકર્તા : તે ઘડીએ, પૈણતી વખતે તો એમ જ હોય કે જન્મ જન્મ કા સાથ હો.

દાદાશ્રી : હા. પણ વૈરાગી મન થયા પછી આવું ખબર પડે ને ! સરવૈયું કાઢે ને, બળ્યું ! એક દહાડો સરવૈયું કાઢતાં આવડે કે ના આવડે, બળ્યું?

પ્રશ્નકર્તા : આવડે.

દાદાશ્રી : આ જગતનું સરવૈયું કાઢવું. સરવૈયું કાઢતા આવડે તો નરી ખોટ જ કાઢે ને ! પણ લોકો ના જ કાઢે ને કોઈ દહાડોય. સરવૈયું કાઢતા ના આવડતું હોય, એ તો નફો જ જુએ આમાં. ‘બેફામ નફો છે’, કહેશે.

પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં એડજસ્ટમેન્ટ (ગોઠવણી) કરી લેવાનું.

દાદાશ્રી : હા. આ તો આપ્તપુત્રો તો જ્ઞાનને લઈને બ્રહ્મચર્ય રાખી ગયા, નહીં તો બ્રહ્મચર્ય રાખવું એ તો મહામુશ્કેલ વસ્તુ છે. આ તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા, શું ના કરી શકે ? એટલે મનમાં વિચાર અવળો નહીં આવવાનો.

મારી પાસે સોએક છોકરાં છે. હા, બ્રહ્મચર્ય પાળે છે, જબરજસ્ત. કડક બ્રહ્મચર્ય પાળે છે. સ્ત્રી પર દ્ષ્ટિના કરે, દ્ષ્ટિથઈ તો તરત પ્રતિક્રમણ.

છોકરીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળનારી છે એવી મજબૂત. અમુક ના પાળી શકે, અમુક જ. સ્ત્રીઓને મોહ વધારે હોય, છોકરીઓ તે ના પાળી શકે. જેને મોહ ઓછો અને અમે પછી જે એને દવા આપીએ, તે ઓલરાઈટ (બરાબર) થઈ જાય.

કલ્યાણ કરવા માટે થવું કલ્યાણ સ્વરૂપ ?

પ્રશ્નકર્તા : આ દીક્ષા લેનારી બહેનો છે, એમને ધર્મનું રહસ્ય એવું કંઈક સમજાવો કે જેથી કરીને એમનું કલ્યાણ થાય અને સમાજને, લોકોને પણ ફાયદો થાય.

દાદાશ્રી : કલ્યાણ કરવામાં એક જ વસ્તુ છે કે જે પોતાનું કલ્યાણ કરે છે તે બીજાનું કલ્યાણ વગર બોલ્યે કરી શકે છે ! એટલે કરવાનું કેટલું છે ? ‘જ્ઞાની પુરુષ’ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણસ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે ! ‘જ્ઞાની પુરુષ’ની પાસે રહી તે રૂપ થવું. આવી પાંચ જ છોકરીઓ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ, અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે !

આત્મજ્ઞાનથી સિદ્ધ થાય બ્રહ્મચર્ય

આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓય તૈયાર થાય છે. એમનાં મોઢાં ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડરો ચોપડવાની જરૂર નહીં રહે. હેય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય ! આ તો વીતરાગ વિજ્ઞાન છે, એટલે એમ ને એમ સિંહ જેવો દેખાય. હજુ આ લોકો કંઈ સિંહ જેવા મને તો નથી દેખાતા, પણ એ લોકોનો પુરુષાર્થ જોરદાર છે ને ! ને સાચો પુરુષાર્થ છે એટલે એ આવી જ જાય, બધું પ્રાપ્ત થઈ શકે અને પાછું જ્ઞાન સાથે પ્રાપ્ત થાય !

આ જવાન સ્ત્રી, જવાન પુરુષો બ્રહ્મચર્ય વ્રત લે છે. તો એમને કેવું સુખ વર્તતું હશે કે આમાંથી છૂટવાનાં ભાવ થાય છે ! આ બધાં છોકરાઓને કેવું સુખ વર્તતું હશે ! આવાં પાંચ જ છોકરાઓ તૈયાર થઈ જાય તો, તે આખા હિન્દુસ્તાનમાં બધે ફરી વળે, દરેક મોટાં શહેરમાં ફરી વળે, તો બધું બહુ કામ થઈ જાય ! કોઈ જગ્યાએ ભાવબ્રહ્મચર્ય ના હોય. બહારના લોકો જે બ્રહ્મચર્ય પાળે છે તેય વચનનું અને કાયાનું, મનનું નહીં. આત્મજ્ઞાન સિવાય મનનું બ્રહ્મચર્ય ના રહે. એટલે આપણું આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે, દરઅસલ વિજ્ઞાન છે. આ તો આશ્ચર્ય કહેવાય! આવું જો કોઈ બ્રહ્મચર્ય પાળે ને એમનાં દર્શન કરે તોય કલ્યાણ થઈ જાય. કારણ કે જ્ઞાની છે અને જોડે બ્રહ્મચારી છે, બે સાથે છે. એમને કેટલો આનંદ વર્તે છે ! જરાય આનંદ ઓછો થતો નથી.

- જય સચ્ચિદાનંદ