|
આત્મ-અનુભવ કક્ષાની પારાશીશી સંપાદકીય આપણે રસ્તામાં જતાં હોઈએ અને પગમાં કાંટો વાગે તો ? કોઈ સ્વજનના માંદગીના સમાચાર આવે તો ? કોઈ કંઈ અપમાનજનક વાણી બોલે તો કોઈ અસર થાય ખરી ? સામાન્ય રીતે જોઈએ તો અસર થાય એ સ્વાભાવિક છે. કારણ કે મન-વચન-કાયા ઈફેક્ટિવ છે એટલે બાહ્ય પરિબળોના આધારે અસર તો થાય. પણ એ પછી ચિંતા, બળતરા, ભોગવટામાં આવી પોતે પોતાના સુખ અને આનંદથી વિમુખ થઈ દુઃખ અને વેદનામાં ધકેલાઈ જાય છે ત્યાં જ મુસીબતો સર્જાય છે. અધ્યાત્મ દ્રષ્ટિએ જોઈએ તો આત્મા અને સંયોગ બે જ વસ્તુ છે અને બન્ને એકબીજાથી ભિન્ન છે. એટલે હકીકત સ્વરૂપે પોતે શુદ્ધ આત્મા છે અને દેહ તો જડ પરમાણુઓનું બનેલું છે, તો અસર જે થાય છે એ કોને થાય છે ? ત્યારે કહે, અહંકારને અસર થાય છે. ચેતનભાવ અને જડભાવ ભેગા થઈને મિક્ષ્ચર ઊભું થઈ ગયું છે, એને મિશ્રચેતન કહે છે. અહંકાર એ મિશ્રચેતન છે અને મિશ્રચેતનનો સ્પર્શ થાય છે એટલે અસર થાય છે. પોતે ગમતામાં રાગ કરે છે અને ના ગમતામાં દ્વેષ કરે છે. હવે આ રાગ-દ્વેષની જે અસરો થાય છે એ તે ખરેખર કોને થાય છે ? તો અંતઃકરણમાં બુદ્ધિને એની અસર થાય છે અને પછી અહંકાર પકડી લે છે. અહંકાર માને છે કે મને થયું અને એ અજ્ઞાન માન્યતાની અસરથી અહંકાર જ પછી ભોગવે છે. એ ભોગવટો પછી મન-દેહ અને વાણીમાં વિસ્તરે છે. જેટલો વિસ્તાર વધારે એટલી અસરો વધારે અને પરિણામે એટલો ભોગવટો પણ વધુ રહેવાનો. હવે આ જે અસરો અને અસરોના પરિણામ ઊભા થાય છે, એનાથી મુક્ત રહેવાનો ઉપાય શું ? તો અહંકારથી મુક્તિ એ જ એક માત્ર ઉપાય છે. અને આ અહંકારથી મુક્ત કેવી રીતે થવાય ? ત્યારે કહે, ‘હું કોણ છું’ની અજ્ઞાન માન્યતા જાય તો પછી પોતે અહંકારથી મુક્ત પણ વર્તી શકે. પછી આ અસરો-ભોગવટા ‘પોતાને’ ના સ્પર્શે. જેમ બહાર ગમે તેટલો વરસાદ પડતો હોય પણ પોતે જો પોતાના ઘરમાં રહે તો વરસતા વરસાદની અસર પોતાને ના થાય. એ રીતે આ અસરો જેને થાય છે એનાથી ‘પોતે’ જુદો છે એ જ્ઞાન સહિત ‘પોતે’ પોતાના સ્વરૂપમાં સ્થિર રહે તો અસરોને જાણી, અસરોના પરિણામથી મુક્ત રહી મુક્તિનો આસ્વાદ માણી શકે. હવે સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી આપણો ધ્યેય એ જ છે કે કેમ કરીને અસરોથી મુક્ત રહી સ્વ-સ્વરૂપના આનંદની અનુભૂતિ કરી શકીએ ! પ્રસ્તુત સંકલન આપણને સહુને અસરોના વિજ્ઞાનને સમજી, અસરોથી મુક્ત રહેવાના પુરુષાર્થ માટે ખૂટતી કડી સમાન બની રહે એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ આત્મ-અનુભવ કક્ષાની પારાશીશી અસરોમાં વિસરાયો આત્મા પ્રશ્નકર્તા : મેં મારા આત્માને ઓળખ્યો હોય, તો મારામાં કયા લક્ષણોની શરૂઆત થશે ? મારામાં કેવું પરિવર્તન થશે કે જેથી હું સમજી શકું કે હું મોક્ષના રસ્તા ઉપર છું ? દાદાશ્રી : પહેલું તો ‘ઇગોઇઝમ’ (અહંકાર) બંધ થઈ જાય. બીજું ક્રોધ-માન-માયા-લોભ જતા રહે, તો જાણવું કે તમે આત્મા થઈ ગયા ! એવા લક્ષણ તમને થયા છે ? પ્રશ્નકર્તા : ના, એ તો હજુ નથી થયા. દાદાશ્રી : એટલે એ લક્ષણો ઉત્પન્ન થાય તો પછી જાણવું કે તમે આત્મસ્વરૂપ થયા છો. અત્યારે તમે ‘ચંદુભાઈ’ (દેહ) સ્વરૂપ છો ! તો આ ‘રૂટ કોઝ’ (મૂળ કારણ) છે, ભૂલ મોટી આ છે. બીજી બધી ભૂલ છે જ નહીં. ભૂલ મૂળમાં આ જ છે કે ‘તમે’ જે છો એ જાણતા નથી ને નથી તે આરોપ કરો છો. લોકોએ નામ આપ્યું એ તો ઓળખવાનું સાધન કે ‘ભઈ, આ ચંદુભાઈ અને ઈન્કમટેક્ષ ઑફિસર.’ એ બધું ઓળખવાનું સાધન. પણ ‘પોતે ખરેખર કોણ છે’ એ જાણતા નથી, તેની જ આ બધી મુશ્કેલી છે ને ! અત્યારે કોઈ બોલે કે ‘આ ડૉક્ટર ચંદુભાઈએ મારો કેસ બગાડ્યો.’ એટલે તમને અહીં બેઠા બેઠા અસર થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : અસર તો થાય. દાદાશ્રી : માટે તમે ‘ચંદુભાઈ’ છો ! અને આ ‘અંબાલાલ’ (દાદા ભગવાનનું રિલેટિવ નામ) ને કોઈ ગાળ દે, તો ‘હું’ આ ‘અંબાલાલ’ને કહું કે ‘જુઓ, તમે કહ્યું હશે, તેથી આ તમને ગાળો દે છે !’ અમને તદ્દન જુદાપણું જ અનુભવમાં આવે છે. તમારુંય જુદું પડી જાય એટલે પછી ‘પઝલ’ (કોયડો) સોલ્વ થઈ ગયું. નહીં તો રોજ ‘પઝલ’ ઊભા થયા જ કરે! પ્રશ્નકર્તા : આ ‘પઝલો’ છે, એ બધા જીવન સાથે વણેલા છે કે કર્મ ભોગવવા માટે એ છે ? દાદાશ્રી : એ અણસમજ છે. આ મનુષ્યો બેભાન છે ! શેનાથી બેભાન છે ? ‘પોતાના સ્વરૂપથી બેભાન છે !’ ‘પોતે કોણ છે’ એનું જ ભાન નથી ! કેટલી બધી અજાયબી કહેવાય ? આ વાત સાંભળતા તમને શરમ ના લાગી ? પોતે પોતાથી અજાણ છે. એ શરમ આવે એવું છે ને? અને ત્યાં બહાર પાછો નીકળે, ત્યારે કેટલો બધો રોફ મારે છે. અલ્યા, તને સ્વરૂપનું ભાન નથી, તે શું વગર કામનો કૂદાકૂદ કરે છે ? પોતે પોતાથી ગુપ્ત રહી શકે જ નહીં ને ! તમે તમારા પોતાથી ગુપ્ત થયા છો, તે આ કઈ જાતનું કહેવાય? એટલા માટે, ભાનમાં લાવવા માટે હું આ ‘વિજ્ઞાન’ આપવા માગું છું. ‘આ’ જ્ઞાન નથી, ‘આ’ વિજ્ઞાન છે. જ્ઞાન ક્રિયાકારી ના હોય, આ ‘વિજ્ઞાન’ ક્રિયાકારી હોય. અસરો, રોંગ બિલીફથી જ આ તો તમને ખાલી ‘રોંગ બિલીફ’ જ બેઠેલી છે. ખરી રીતે ‘એક્ઝેક્ટલી ફિગર’ (યથાર્થ ચિત્ર) જોવા જાય તો આત્માને આખી સંસાર દશામાં ‘રોંગ બિલીફ’ જ હતી, બીજું કશું નથી. આ ‘રોંગ બિલીફ’ નીકળી ગઈ કે બીજું કશું જ થયું નથી. કર્મ આત્માને ચોંટતા નથી. ‘રોંગ બિલીફ’થી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. અને પ્રકૃતિ ‘ઇફેક્ટિવ’ છે. આ મન-વચન-કાયા ‘ઇફેક્ટિવ’ છે અને તે ‘ઇફેક્ટિવ’ની ‘આત્મા’ને અસર થાય છે. કારણ કે ‘પોતાની’ ‘બિલીફ રોંગ’ બેઠેલી છે. ‘જ્ઞાની પુરુષ’ એ ‘રોંગ બિલીફ’ ફેરવી આપે, પછી ‘એને’ આ બધી અસર થતી નથી. અંદર માની બેઠાની અસરો કોઈ કહેશે, ‘આ ચંદુભાઈમાં અક્કલ નથી’, તો અસર થાય તમને કશી ? પ્રશ્નકર્તા : થાય તો ખરીને ! દાદાશ્રી : કેમ ? અક્કલના કોથળા છો તમે ? પ્રશ્નકર્તા : નથી એટલે જ થાય. દાદાશ્રી : અને કોઈ કહે કે આ ચંદુભાઈ ક્યાંના કલેક્ટર છે? ત્યારે તમે એમ કહો કે હું કલેક્ટર છું ? પ્રશ્નકર્તા : નથી તો કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : ત્યારે એમાં અસર નથી થતી, કલેક્ટરમાં અને આમાં કેમ અસર થાય છે ? તમે અંદર માની બેઠા છો કે હું કંઈક છું, અક્કલવાળો. શબ્દો બહાર, અસરો મહીં કોઈ સો ગાળો ભાંડતો હોય, હવે ગાળો એ કંઈ પથ્થર નથી. પથ્થર લાગે ત્યારે મને થાય કે એને વાગ્યું છે, લોહી નીકળ્યું, તો એને દુઃખ ગણાય. પણ આ ગાળો કંઈ પથ્થર નથી કે વાગે ને લોહી નીકળે! પ્રશ્નકર્તા : છતાં મહીં વચ્ચે સ્વીકાર થઈ જાય છે ને અસર આવી જાય છે. દાદાશ્રી : પણ મારું કહેવાનું કે ગાળ એ કંઈ આપણને અડે ખરી આમ ? પ્રશ્નકર્તા : છતાં મહીં ઘા વાગી જાય છે. દાદાશ્રી : પણ એ શી રીતે તને અડે ? એ બોલ્યો ત્યાં આગળ ને તને અહીં આગળ એ શી રીતે વાગી? (એ તો) શબ્દો જ છે. પથરો માર્યો હોય તો આપણે સમજીએ કે ભઈને વાગ્યું એટલે એને લ્હાય બળે છે. અહીં આગળ વાગ્યું તે, પણ આ તો વગર પથ્થરે વાગ્યું. પ્રશ્નકર્તા : શબ્દોમાં એટલી બધી અસર હોયછે? દાદાશ્રી : તે એની જ અસર છે આ બધી. શબ્દની જ અસર છે. જગતમાં છાતીએ ઘા લાગે, તે સો-સો અવતાર સુધી ના જાય. ‘છાતીએ ઘા લાગ્યા છે, તેમ બોલ્યા છો.’ કહેશે. અસર જ છે આ ! જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે. કેટલીક બહેનો મને કહે છે, ‘મારા ધણીએ મને કહ્યું’તું, તે મારી છાતીએ ઘા લાગ્યો છે. તે મને પચ્ચીસ વર્ષેય ભૂલાતું નથી.’ ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે ? તે ઘા પછી રૂઝાતા નથી. તે ઘા ના મારવા જોઈએ. જગત આખાને મહીં પાર વગરની બળતરા, નિરંતર અંતરદાહ થયા કરે છે. કો’કે કહ્યું કે તમારામાં અક્કલ નથી’, તે મહીં અસર થઇ જાય. તે અંતરદાહ લાગે. અંતરદાહ એટલે શું ? મહીં પરમાણુ જલે અને એક જલી રહેવા આવે ત્યારે બીજાને સળગાવે, બીજો ત્રીજાને સળગાવે, એવું નિરંતર ચાલ્યા કરે, ‘ઇલેક્ટ્રિસિટી’ની પેઠ જલ્યા કરે, વેદનાની જેમ ભોગવવું પડે. વિશેષ પરમાણુ સળગે ત્યારે લોકો કહે છે કે ‘મારો જીવ બળ્યા કરે છે.’ એ શી રીતે સહન થાય ? અવસ્થાના ગર્ભમાં જન્મેલી અસરો આત્માના જે જે પર્યાય ઉત્પન્ન થાય, તેમાં જ તન્મયાકાર. ગયા અવતારે પુરુષ હોય અને આ અવતારમાં સ્ત્રી થયો હોય, તો આપણે એને સાચેસાચ કહીએ, એને ઓળખાણ પાડીએ કે તું ગયે અવતાર પુરુષ હતો. તોય એને સ્ત્રી થયો છું, એ બદલ શરમ ના આવે. કારણ કે પર્યાયમાં રત (મગ્ન) હોય. એવું આ જગત છે. અમારા જ્ઞાનમાં દેખાય આ બધું. કેવી કેવી લોકોને અસર થાય, એ અમને દેખાય બધી. જે જે અવસ્થા થાય તેવું નામ થાય. પગ ભાંગે ત્યારે લંગડો, તેનું નામ થોડું લંગડો છે ? ટાઈપ કરે ત્યારે ટાઈપિસ્ટ. આ અવસ્થાઓ તો પત્તાનો મહેલ છે, ભાંગીને ભૂક્કો થઈ જાય છે. બધા અવસ્થાઓમાં બેઠક લે છે. જે અવસ્થામાં પડ્યો ને, તે અવસ્થાનું જતન કર્યા કરે છે. આખી જિંદગી મુક્ત હોય ને છેક છ મહિના જો જેલમાં ઘાલ્યા હોયને, તો ‘હું કેદી થઈ ગયો, હું કેદી’ એવું કહે. પૈણાવે ત્યારે સૌભાગ્યવંતીનું સુખ વર્તે છે ને પછી રાંડે ત્યારે રંડાપાના દુઃખ ઊભા થાય છે. અવસ્થાઓ બદલાય છે, આત્મા તેના તે જ સ્વરૂપે રહે છે. આત્મામાં કંઈ ફેરફાર થતો નથી. પાછા ભૂલીયે જાય છે. પરમ દહાડે છે તે ઝઘડા થયા હોય તે ભૂલી જાય છે ને આજ પાછા સિનેમામાં ફરવા જતા હોય. આપણે જાણીએ કે પરમ દહાડે હું ગયો ત્યારે તો બે જણાના ઝઘડાનો નિકાલ થયો ને આજ સિનેમા જોવા નીકળ્યા ? પોલંપોલ બધું જગત. છતાંય સાચું છે, રિલેટીવ કરેક્ટ છે અને આત્મા રિયલ કરેક્ટ છે. આ દુનિયામાં રિયલ કરેક્ટ એ બધી વસ્તુઓ છે અને રિલેટીવ કરેક્ટ એ બધી વસ્તુની અવસ્થાઓ છે. ચા ફર્સ્ટ ક્લાસ બનાવી આપી હોય પણ પહેલી મીઠાઇ ખાઇને પછી ચા પીઓ તો પછી શું થાય ? ચા મોળી લાગે. અલ્યા, ચામાં ખાંડ ઓછી નહોતી. આ તો તને અસર છે આગળની, કોઇ મીઠાઇની, એટલે આ અસરોથી કોઇ માણસ મુક્ત થઇ ના શકે, પણ આનું કોઇને ભાન જ નથી ને ! આ તો આવા બંગલા, મોટરો બધા સાધનો હોય છે તોય અસર થાય છે, તો સાધન તૂટી જાય તો શું થાય? માણસ કલ્પાંત કરી કરીને જિંદગી કાઢે! માટે આજુબાજુ શું છે એ પહેલું જાણી લીધું હોય તો પછી આપણને એ અસરકારક રહે નહીં અને જાણ્યા વગર આપણે બધું માથે લેવું પડે. રાત્રે લોકો દુઃખો માથે મૂકીને સૂઈ જાય છે ને ઊંઘ આવતી નથી. જ્યારે શરીર થાકે છે ત્યારે ઊંઘ આવે છે. એ ‘લાઈફ’ (જિંદગી) કેમ કહેવાય? પાપ-પુણ્યની અસરો આખું જગત ભગવાન સ્વરૂપ જ છે. હવે આ બધું દુશ્મન દેખાય છે અને મિત્ર દેખાય છે એ બધી ભ્રાંતિ છે. એ ભ્રાંતિજ્ઞાન દૂર થઈ જાય એટલે બધે શુદ્ધાત્મા જ છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ગધેડો છે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ શુદ્ધાત્મા છે. એટલે કોઈ પણ જીવનેકિંચિતમાત્ર્ર સુખ કે દુઃખ પહોંચાડ્યું તો એનાથી આપણને પુણ્ય કે પાપની અસર થાય છે અને એ અસર પછી આપણે ભોગવવાની. પ્રશ્નકર્તા : પણ મેં પાપ કર્યું કે પુણ્ય કર્યું એવું જ્ઞાન ના હોત તો પાપ-પુણ્ય થાય ? એને જ્ઞાન જ ના હોય કે આ મેં પાપ કર્યું અને આ મેં પુણ્ય કર્યું, તો એની બિલકુલ અસર એને ન જ થાય ને ? દાદાશ્રી : કુદરતનો નિયમ એવો છે કે તમને જ્ઞાન હોય અગર જ્ઞાન ના હોય, તોય એવી અસર તો થયા વગર રહે નહીં. આ ઝાડને કાપો એટલે તમે આમાં કંઈ પાપ કે પુણ્ય સમજતા ના હો, પણ તેથી કરીને ઝાડને દુઃખ તો થયું જ ને ? માટે તમને પાપ લાગ્યું. તમે ખાંડની થેલી લઈને જતા હોય અને થેલીમાં કાણું હોય તો એમાંથી ખાંડ વેરાતી હોય તો એ ખાંડ કોઈકને કામ લાગે કે ના લાગે ? નીચે કીડીઓ હોય એ ખાંડને લઈ જાય. હવે આને તમે દાન કર્યું કહેવાય. ભલે અણસમજણથી, પણ દાન થાય છે ને ? આપણી જાણમાં નથી, છતાં દાન થયા કરે છે ને ? અને કીડીને સુખ પડે ને ? એનાથી તમને પુણ્ય બંધાય. એટલે આ પુણ્ય ને પાપ, એ બેની અસરો થયા કરે છે. પુણ્ય હોય તો પુણ્યની અસર શું કહેવાય ? એનાથી આપણી ઇચ્છા પ્રમાણે થયા કરે. પુણ્યની અસર શું ? કે આપણા ધારેલા પ્રમાણે બધું થયા કરે અને પાપની અસર શું ? કે ધારેલું હોય તેનાથી અવળું જ થયા કરે. એવા અવળા કોઈ સોગઠાં પડેલા ? હવે એમાં નાખનારની ભૂલ છે ? નાખનારની ભૂલ નથી. એના એ જ સોગઠાં નાખનારો હતો, પણ જ્યારે પુણ્યની અસર હતી ત્યારે સોગઠાં સાચા પડતા હતા ને પાપની અસર આવી ત્યારે સોગઠાં બધા ઊંધા પડે. જ્યારે પુણ્યની અસર થાય ત્યારે લોકો ‘આવો, આવો, આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ શેઠ’ કહે અને પાપની અસર થાય ત્યારે ‘જવા દો ને એમની વાત!’ એવું કહે. હવે એ ને એ જ ચંદુભાઈ છે, પણ એમના પાપ-પુણ્યની અસર લોકોના ઉપર પડે છે ! અસરો એ જ દુઃખના પડઘા આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે. પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને ! દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની. અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો. તમે ઑફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ? જેનાથી કોઈનેયકિંચિતમાત્ર્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં. માટે કોઈની અસર છોડે નહીં. અને છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાના ને કાચના વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાના ને કાચના વાસણને એક સમજો છો ? તાંબાના વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય, પણ કાચનું તો ભાંગી જાય. છોકરાંની તો આખી જિંદગી ખલાસ થઈ જાય. આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો. પણ કહેવાથી એને જે દુઃખ થયું, તેની અસર તમારી ઉપર આવશે. પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડે ને ? દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈનેકિંચિતમાત્ર્ર દુઃખ દેવું નથી. પ્રેમના પરિણામ ઓગાળે અસરો પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો તે કેવી રીતે એનો નિકાલ કરવો ? દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએને ! કહેતા આવડવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : કઈ રીતે ? દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.’ આવું બોલીએ તો પછી શું થાય તે? એનેય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે ‘તમારામાં અક્કલ નથી, ગધેડો છું.’ એવું કહે તો શું થાય? ના કહેવાય આવું. ટકોર કરતાં આવડવી જોઈએ. પ્રશ્નકર્તા : કઈ રીતે ટકોર કરવાની ? દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિંદુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણે, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો માર, લેફ્ટ એન્ડ રાઈટ, લેફ્ટ એન્ડ રાઈટ લઈ લો તે ચાલતું હશે? પ્રેમથી કર્યા સિવાય પરિણામ આવે નહીં. એક છોડવો ઉછેરવો હોયને, તોય તમે પ્રેમથી ઉછેરો, તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડોને, બૂમાબૂમ કરો તો કશું ના, થાય એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો, સરસ થયો છોડવો ! તે એને સારું લાગે છે. એય સરસ ફૂલાં આપે મોટા મોટા ! તો આ પછી મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે ? આપણે અહીં દુઃખ કરીએ (દુઃખી થઈએ) એની અસર એને પહોંચ્યા વગર રહે નહીં. આ જગતમાં તો બધું ફોનની પેઠ છે, ટેલિવિઝન જેવું છે આ જગત ! સામાને અસર, અહંકાર છે ત્યાં સુધી આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો ‘સેન્સિટિવનેસ’નો ગુણ છે. ‘સેન્સિટિવનેસ’ એ એક જાતનો આપણો ‘ઈગોઈઝમ’ (અહંકાર) છે. એ ‘ઈગોઈઝમ’ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુઃખ નહીં થાય. આપણો ‘ઈગોઈઝમ’ હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ. દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનો ‘ઈગોઈઝમ’ છે ત્યાં સુધી સામાને નિયમથી અસર થયા કરવાની. એ ‘ઈગોઈઝમ’ ઓગળી જ જવો જોઈએ. આ તો ‘ઈફેક્ટસ્’ છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો ‘રોંગ બિલીફ’ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી. ‘હું જ છું’ની અસરો પ્રશ્નકર્તા : શરીરને દુઃખ થાય એટલે જીવને દુઃખ થાય ? દાદાશ્રી : હા, શરીરને દુઃખ થાય એટલે જીવને દુઃખ થાય. કારણ કે આ શરીરને પોતે ‘મારું માને છે’ એ જીવ અને પાછો ‘હું જ છું આ’ એમ કહે છે, એટલે એને અસર થયા વગર રહે જ નહીં. હવે ‘આ’ (આત્માનું-સ્વરૂપનું) જ્ઞાન હોય, તેને મનની અને વાણીની આ બે અસરો ના થાય, દેહની અસર તો એનેય થાય. હમણે દાઢ દુઃખતી હોયને તો જ્ઞાનીનેય ખબર પાડી દે ! પ્રશ્નકર્તા : તો પછી આત્મા છૂટ્યા પછી શરીરને દુઃખ કેમ થતું નથી? દાદાશ્રી : પછી શરીરને દુઃખ શી રીતે થાય ? અત્યારે તો આમાં હજુ અહંકાર છે. એ શરીરને ‘હું છું અને મારું છે’ એમ કહે છે. અને એ જ આ બધું દુઃખ ભોગવે છે. એટલે અહંકારનું જ આ બધું છે. પ્રશ્નકર્તા : પણ અહંકાર તો જડ છે. દાદાશ્રી : અહંકાર એ જડ નથી, એ મિશ્રચેતન છે. પ્રશ્નકર્તા : આ મિશ્રચેતન એટલે શું, એ સમજાયું નહીં. દાદાશ્રી : મિશ્રચેતન એટલે ચેતનના ભાવ આની મહીં પડેલા છે. તે ચેતનના ભાવ ને આ જડ બેઉ ભેગું થઈને, ‘મિક્ષ્ચર’ થઈ ગયું, એટલે મિશ્રચેતન કહેવાય. અને મન એ જડ છે. મન વિચાર કરે છે, એ બધું જડ છે. પણ અહંકાર મિશ્રચેતન છે. આ શરીર એ તો જડ છે. પણ મિશ્રચેતનનો થોડોક સ્પર્શ થાય છે, એટલે એને અસર થાય છે. ‘હું કંઈક છું’ની અસરો કોઈ ગાળ ભાંડે તો કશું થાય તમને ? પ્રશ્નકર્તા : અહંકાર ઘવાય તો થાય તો ખરુંને! દાદાશ્રી : અહંકાર ઘવાય ? અહંકાર ઘવાય તો સારું, ઓછું થાય એટલું. ઘવાતું ઘવાતું પડી જાયને ! અહંકારને તાજો રાખવો છે તમારે? ફ્રેશ? તમને અહંકારની બહુ જરૂર છે ? પ્રશ્નકર્તા : એ તો આપણી સાથે રહેલો જ હોયને? દાદાશ્રી : હા, જોડે ને જોડે રહે. એ કંઈ ખસે જ નહીંને ! એને લીધે છે આ બધું. એક જણ ફ્રેન્ચ કટ રાખતો હતો. તે આટલે સુધી આમ વાળ રાખે. તે હેરકટીંગ સલુનવાળાથી સહેજ વધારે કપાઈ ગયું, તે ચીડાઈને પેલાને બે-ચાર ધોલ મારી દીધી ! ‘અલ્યા, થોડુંક વધારે કપાઈ ગયું, એમાં શું બગડી ગયું ?’ પણ આ અહંકાર કેવો કામ કરે છે ને ? તમારે એવો અહંકાર કરે કે ? તોફાન માંડે કે ? ડાહ્યો છેને ? કોઈકનો અહંકાર ડાહ્યો હોય, કોઈનો અહંકાર ગાંડો હોય ! એ અહંકારના બેઝમેન્ટ (પાયા) પર પડી રહેલા હોય. લોકોને ‘અક્કલ વગરના’ કહે અને એ અક્કલનો કોથળો ! તે સાવ ખલાસ થઈ જાય, પથ્થર થઈ જાય માણસ! કોઈને અક્કલ વગરના કહેવાય નહીં, એની મહીં આત્મા છે. એટલે જોખમદારી કેટલી ? આ અહંકાર તો ક્રોનિક રોગ કહેવાય. એ અમારી પાસે રહે તો નીકળે, નહીં તો લોક તો ઊલટો વધારી આપે એ રોગ ! મારાથી અમારાના વિસ્તારની અસરો ‘કોઈ ‘ઈન્સ્યોરન્સ’વાળો જોતો હોય કે આ સ્ટીમર ડૂબી રહી છે, તે પોતે આમ જુએ છતાં પણ એને અસર શું થાય ? અને સ્ટીમર ડૂબી જાય એટલે ‘ઇન્સ્યોરન્સ’વાળાએ પૈસા તો આપવા પડશે ને ? પ્રશ્નકર્તા : હા, પૈસા તો આપવા પડે. દાદાશ્રી : પણ એને કંઈ અસર થાય ખરી ? પ્રશ્નકર્તા : એને અસર ના થાય. દાદાશ્રી : કેમ એમ ? એટલે કંપનીની વસ્તુ હોય તે ખોવાઈ જાય તો કોને કોને ઉપાધિ થાય ? બધા ‘અમારું, અમારું’ કહે, પણ છે કશી મમતા કોઈ જાતની? એવી બે જાતની મમતા હોવી જોઈએ. શરીર ઉપર પૂરી મમતા હોવી જોઈએ અને બહારની મમતા, જે વિસ્તારેલી મમતા છે, તે આવી હોવી જોઈએ. ‘આ ઘર અમારું, આ ઘડિયાળ અમારું, આ વીંટી અમારી’ કહે છે એ બધી વિસ્તારેલી મમતા છે. પણ ‘જતી વખતે’ તો આ લોકો કાન તોડી લે ને દાગીના કાઢી લે. એટલે મમતાની ‘બાઉન્ડરી’ હોવી જોઈએ. દરેકની ‘બાઉન્ડરી’ હોવી જોઈએ ને ? મમતાની ‘બાઉન્ડરી’ ના હોવી જોઈએ ? પ્રશ્નકર્તા : એટલે વિસ્તારેલી મમતાવાળી વસ્તુઓ ઉપર રાગ-દ્વેષ ના રાખવો, એવું થયું ને ? દાદાશ્રી : આ ‘ઇન્સ્યોરન્સ’વાળાને જેમ કશી અસર ના થાય, એવી રીતે રહેવું જોઈએ. ગજવું કાપે તો અસર ના થાય તો નિશ્ચયની હદમાં પેઠો. વ્યવહારની હદમાંથી નીકળી અને નિશ્ચયની હદમાં શરૂઆત કરી. અહંકારની અસરો ના જંપવા દે પ્રશ્નકર્તા : કોઈને પણ રાગ-દ્વેષની અસરો થાય તો એ પુદગલ ના કયા ભાગથી થાય ? દાદાશ્રી : અહંકારના. અહંકારને જ્યાં આગળ ગમતું હોય તો રાગ કરે ને ના ગમતું હોય ત્યાં દ્વેષ કરે. એને ગમતું-ના ગમતું રહેવાનું. શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે પણ અહંકારની ફાચર ‘એને’ જંપવા દેતી નથી. એ ઓગળી જશે એટલે જંપ પડે. પછી શુભાશુભ સંયોગ, એ બધા શુદ્ધ થશે. આ તો અહંકારની ફાચર એ એને જુદો પાડે છે. આ તો બોલે એટલું જ કે હું પૈણ્યો. અહંકાર કરે એટલું જ, બીજું કશું નહીં. પૈણે પેલા કષાયો, ભોગવે છેય કષાયો અને આ તો મેં ભોગવ્યું, એટલું જ બોલે. બે વસ્તુ છે જગતમાં, અહંકાર પોષવો યા ભગ્ન કરવો. આ જગતમાં આ બધાનો અહંકાર પોષાય છે કે ભગ્ન થાય છે. બેમાંથી ત્રીજું કશું બનતું નથી. દુઃખ ભોગવ્યું તેનો અહંકાર કરે છે. એમણે તો મને બહુ દુઃખ દીધું છે, તેનો પણ અહંકાર કરે છે. એ દુઃખ ભોગવતો નથી. એ અહંકાર કર્યો છે કે એ બધી અસર થઈ ગઈ. છે પોતે પરમાત્મા, પણ જો દશા થઈ છે આમની તો! શક્તિ અનંત છેને, એટલે અનંત ભાવોય હોય. એવું છે, મૂળમાં આ વસ્તુ છે કે જ્ઞેય ને જ્ઞાતા બે જ છે આ જગતમાં, અને વચ્ચે અજ્ઞાનને લઈને અહંકાર ઊભો થઈ ગયો છે. અહંકાર એટલે આમાં જ્યાં સુધી રસ છેને, તેની પર રાગ છે અને જ્યાં આગળ રસ એને ગમતો નથી, ત્યાં દ્વેષ થાય છે. પ્રશ્નકર્તા : એ વચ્ચે અજ્ઞાન છેને ? દાદાશ્રી : પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે અને ‘અહંકાર હું છું’ એમ જ ‘પોતે’ જાણે છે. અજ્ઞાન બધું કરે છે. અહંકાર-બુદ્ધિથી ઊભી અસરો તમને જ્ઞાન તો નથી ને ? પ્રશ્નકર્તા : જ્ઞાન તો છે ને ! દાદાશ્રી : શેને તમે જ્ઞાન કહો છો ? પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે સમજ. દાદાશ્રી : જ્ઞાન એટલે સમજ નહીં. જ્ઞાન એટલે પ્રકાશ. જો પ્રકાશ તમને હોય તો ઠોકર ના વાગે. પ્યાલા ફૂટી જાય કે ગમે તે થાય તો આપણને અસર ના થાય. તમને અસર થાય છે ? પ્રશ્નકર્તા : હા, થાય છે. દાદાશ્રી : તો એ પ્રકાશ નથી. આ તો બધું અંધારું છે. હવે અહંકારનો શો ધર્મ છે ? પ્રશ્નકર્તા :અહમ્ ભાવ રાખવો તે. દાદાશ્રી : ના. જ્યાં જુએ ત્યાં અહમ્ ‘મેં કર્યું’ કરે. બસ ! અહંકાર, ખાલી અહંકાર જ કરે છે કે ‘મેં કર્યું, મેં ભોગવ્યું !’ આ કેરી ખાધી તે વિષય જીભ ભોગવે છે, બુદ્ધિ ભોગવે છે કે અહંકાર ભોગવે છે? પ્રશ્નકર્તા : અહંકાર ભોગવે છે. દાદાશ્રી : હવે જીભ સ્વાદ લે છે ને અહંકાર ખાલી કહે છે કે ‘મેં આવું કર્યું !’ આત્મામાં અહંકાર નામની વસ્તુ જ નથી, પણ આ ઊભી થયેલી છે. અહંકાર કરવાની જગ્યાએ નિરંતર અહંકાર કર્યા જ કરે છે. કોઈ અહંકાર ઉપર ઘા કરે, અપમાન કરે તો તરત અહંકાર ભગ્ન થાય કે ના થાય ? માન-અપમાન બન્નેની અસર થાય છે ને ? એટલે અહંકાર, અહંકારના ધર્મમાં છે. એટલે કાન કાનના ધર્મમાં છે, આંખ આંખના ધર્મમાં છે, નાક નાકના ધર્મમાં છે, સહુ સહુના ધર્મમાં છે. હવે મહાવીર ભગવાનને પણ આંખ, કાન, નાક બધા સહુ સહુના ધર્મમાં હતાં. તેમનું પણ મન મનના ધર્મમાં, ચિત્ત ચિત્તના ધર્મમાં હતું. તેમને બુદ્ધિ અને અહંકાર ખલાસ થઈ ગયેલા. તમારેય સહુ સહુના ધર્મમાં છે. ‘આત્મા’ એકલો જ એના ધર્મમાં નથી. ‘આત્મા’ એના ધર્મમાં આવે તો બુદ્ધિ ને અહંકાર ખલાસ થાય. એનું કારણ તમને સમજાવું. આત્મા અને બુદ્ધિમાં ફેર ખરો કે નહીં ? આત્મા એ પ્રકાશ છે અને બુદ્ધિ પણ પ્રકાશ છે. બુદ્ધિ એ ‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ છે ને આત્મા તો ‘ડાયરેક્ટ’ પ્રકાશ છે. ‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ એટલે સૂર્યનું અજવાળું અરીસા ઉપર પડ્યું ને અરીસામાંથી પ્રકાશ રસોડામાં ગયો. આ ‘ઈનડાયરેક્ટ’ પ્રકાશ થયો. એવી રીતે આત્માનો પ્રકાશ અહંકાર ઉપર પડે છે અને ત્યાંથી બહાર નીકળે છે તે બુદ્ધિ થઈ. અરીસાની જગ્યાએ અહંકાર છે ને સૂર્યની જગ્યાએ આત્મા છે. આત્મા મૂળ પ્રકાશવાન છે, સંપૂર્ણ સ્વ-પર પ્રકાશક છે. તે પરને પ્રકાશે ને પોતાને પણ પ્રકાશે. આત્મા બધા જ જ્ઞેયોને પ્રકાશ કરે. એટલે અહંકારના ‘મીડિયમ’થી બુદ્ધિ ઊભી થઈ છે. અહંકારનું ‘મીડિયમ’ ખલાસ થઈ જાય, તો બુદ્ધિ રહે નહીં. પછી ‘ડાયરેક્ટ’ પ્રકાશ આવે. મને ‘ડાયરેક્ટ’ પ્રકાશ મળે છે. તમારે હવે કરવાનું શું બાકી રહ્યું? અહંકાર ને બુદ્ધિને ખલાસ કરવાના રહ્યા. હવે એ ખલાસ શી રીતે થાય? ‘આત્મા’ પોતાના ધર્મમાં આવે તો એ બન્ને નીકળી જાય. બીજા બધા તો પોતપોતાના ધર્મમાં જ છે, બીજો કશો ફેરફાર કરવાની જરૂર નથી. બુદ્ધિના પ્રાંગણમાં ઉછરતી અસરો હવે બુદ્ધિ એના ધર્મમાં છે. બુદ્ધિનું કામ શું છે કે નફો ને ખોટ દેખાડે. તમે ગાડીમાં બેસો કે તરત બુદ્ધિ દેખાડે કે પેલી જગ્યા સારી છે અને દુકાનમાં પેસો ત્યાંય નફો-ખોટ દેખાડે. બુદ્ધિનો આ સિવાયનો બીજો પણ એક ધર્મ છે, તે શું છે કે બુદ્ધિ ‘ડિસિઝન’ (નિર્ણય) લે છે. જો કે ‘ડિસિઝન’ લેવાનો બુદ્ધિનો સ્વતંત્ર ધર્મ નથી. બુદ્ધિ ‘ડિસાઈડ’ કરે, એના પર અહંકાર સહી કરે તો જ એ પૂરું થાય. અહંકારની સહી વગર ‘ડિસિઝન’ રૂપકમાં આવે જ નહીં. એટલે આ અંતઃકરણમાં ‘પાર્લામેન્ટરી’ પદ્ધતિ છે. એના ચાર ‘મેમ્બરો’ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. જો મન અને બુદ્ધિ એક થયા તો અહંકારને સહી કરવી જ પડે. ચિત્ત અને બુદ્ધિ એક થઈ ગયા તોય અહંકારને સહી કરી આપવી પડે. એટલે જેના પક્ષમાં ત્રણ થયા એની વાત માન્ય થાય. આ સંપૂર્ણ તત્ત્વજ્ઞાનની વાતો છે. પણ તે તમને તમારી બુદ્ધિથી સમજાવું જોઈએ. ‘અસરો’ને ઝીલનાર પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી ‘ઇફેક્ટ’ થાય છે? દાદાશ્રી : પહેલી બુદ્ધિને ‘ઇફેક્ટ’ થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય. પ્રશ્નકર્તા : ભારે વિકટ સંયોગોમાં અંતઃકરણથી આગળ કયા ભાગને ‘ઇફેક્ટ’ થાય છે? દાદાશ્રી : આગળ કોઈને અસર થતી નથી. પ્રશ્નકર્તા : ‘પ્રતિષ્ઠિત આત્મા’ને થાય છે ? દાદાશ્રી : એ ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય. અંતઃકરણમાં ક્રોધ-માન-માયા-લોભ, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર તે બધાને ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ કહેવાય. પ્રશ્નકર્તા : તો પછી ‘પ્રતિષ્ઠિત આત્મા’ અને અંતઃકરણ, એ જુદું કેમ પાડ્યું ? દાદાશ્રી : જુદું નથી કહ્યું. ‘શુદ્ધાત્મા’ સિવાય આખોય ‘પ્રતિષ્ઠિત આત્મા.’ પછી પૂછો એટલે અંતઃકરણ જુદું, ઈન્દ્રિયો જુદી, મન જુદું એમ જવાબ તો આપવો પડે ને ! પ્રશ્નકર્તા : બુદ્ધિને અસર થાય છે, તો મનને અસર નથી પહોંચતી? દાદાશ્રી : બુદ્ધિમાંથી મનને પહોંચે. જો બુદ્ધિ વચ્ચે ના હોય તો કોઈ કશી અસર ના થાત. અમને બુદ્ધિ નહીં એટલે અમને કશી અસર ના થાય. અમને ‘મથુરા’ મહીં જાતજાતના હોય, તે જાતજાતનું કહી જાય. પણ વચ્ચે બુદ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ થાયને ! બુદ્ધિ સ્વીકારે પછી મન પકડી લે ને મન કૂદાકૂદ કરી મૂકે ! પ્રશ્નકર્તા : બુદ્ધિએ ઝીલ્યું પછી વાગોળવાની ક્રિયા કોણ કરે છે? દાદાશ્રી : બુદ્ધિ ઝીલે છે ને મનને પછી પહોંચે છે. હવે મન જ કૂદાકૂદ કરે છે, તે વાગોળવાનું કામ પણ મન જ કરે છે. મન વિરોધાભાસી છે. તે ઘડીમાં આમ લઈ જાય ને ઘડીકમાં પેલે ખૂણે લઈ જાય. હલાય હલાય કરીને તોફાન કરી મૂકે! બુદ્ધિ હલાવે આંધળા અહંકારને પ્રશ્નકર્તા : આ બધાની અસર તો, એ જે કંઈ બહાર અસરો છે, બુદ્ધિની, મનની, એ વ્યક્ત કોણ કરે છે ? વ્યક્ત તો અહંકાર જ કરેને? દાદાશ્રી : વ્યક્ત કરે નહીં. પણ બુદ્ધિની અસરો હોય ને, એ આપણે સમજી જઈએ કે આ બુદ્ધિની અસરો છે. મહીં થાય કે આ લોકો નહીં ઊઠે તો ? મહીં એવી જાગૃતિ ઉત્પન્ન થઈ જાય, પણ તે આપણે ઈમોશનલ થઈએ તો ભાંજગડ છે ને ? પ્રશ્નકર્તા : તો બુદ્ધિની અસર કોને થાય ? દાદાશ્રી : એ તો જેને આ નથી ગમતું, તેને અસર થાય. ‘આ બધા બેસી રહ્યા છે, ઊઠતા નથી’ એવું ગમતું નથી, એને અસર થાય. પ્રશ્નકર્તા : પણ એ છે કોણ ? દાદાશ્રી : એ જ છે, જે આ ભોગવે છે. આ બંધન ભોગવે છે, મુક્ત થવા ફરે છે, એ જ છે. એકલો જ છે આ. બીજું બધું છે તે એના રિલેટિવ (સગાવહાલાં) છે બધા. પ્રશ્નકર્તા : પાછા એનાય સગાંવહાલાં છે ? દાદાશ્રી : હા, કેટલાય રિલેટિવ બધા. આ અહંકાર તો આંધળો છે. એ એકલો ઓછો છે, એની પાછળ પછી આ બુદ્ધિ... બુદ્ધિથી ઊભી થાય અસરો પ્રશ્નકર્તા : છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી એની કંઈ પણ અસર ના થાય, તો એ જડતા કહેવાય ? દાદાશ્રી : અસર ના થાય, એનું નામ જ જ્ઞાન. પ્રશ્નકર્તા : અને અસર થાય, એને શું કહેવાય? દાદાશ્રી : એ બુદ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુદ્ધિથી ઈમોશનલ (ભાવુક) થાય. પણ ધોળવાનું કશુંય નહીં. આ અહીં આગળ છે તે, પાકિસ્તાનથી બોમ્બ નાખવા માટે આવતા’તા, તે આપણા લોકો પેપરમાં વાંચે કે ત્યાં આગળ આમ બોમ્બ પડ્યો તો અહીં ગભરામણ થાય. આ બધી જે અસરો કરે છે, એ એમની બુદ્ધિ છે ને બુદ્ધિ જ આ સંસાર ઊભો કરે છે. જ્ઞાન અસરમુક્ત રાખે. પેપર વાંચે છતાં અસરમુક્ત રહે. અસરમુક્ત એટલે આપણને અડે નહીં. પ્રશ્નકર્તા : તો સંજોગોની અસર ના થાય એ ખરી અનાસક્તિ ? દાદાશ્રી : ના, અહંકાર ખલાસ થયા પછી અનાસક્ત થાય એટલે અહંકાર ને મમતા બન્ને જાય ત્યારે અનાસક્તિ ! તે (સમાન્ય રીતે) કોઈ એવો હોય નહીં. અસરોમાં કાઢ્યું તારણ અમારે ધંધા ઉપર એક ફેરો એવું થયું કે એક સાહેબે દસ હજાર રૂપિયાનું એકદમ અણધાર્યું નુકસાન કર્યું, એક કામ અમારું સાહેબે અણધાર્યું નાપાસ કરી દીધું. એ વખતમાં દસ હજારની કિંમત તો બહુ અને અત્યારે તો દસ હજારની કંઈ કિંમત જ નહીં ને ! મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી હતી, ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું હતું. એટલે તરત જ એની સામે મને મહીંથી જવાબ મળ્યો કે ‘આ ધંધામાં આપણી પોતાની પાર્ટનરશીપ (ભાગીદાગી) કેટલી ?’ તે દહાડે અમે બે જણા પાર્ટનર (ભાગીદાર) હતા, પણ પછી મેં હિસાબ કાઢ્યો કે બે જણા પાર્ટનર તો કાગળ ઉપર છીએ, પણ ખરી રીતે તો કેટલા છે ? ખરી રીતે તો છોકરાંઓ, છોકરીઓ, એમના વાઇફ અને મારે ઘેરથી, આ બધાય પાર્ટનર જ ને ! ત્યારે મને થયું કે આ બધામાંથી કોઈ ચિંતા કરતું નથી, હું એકલો જ ક્યાં આ માથે ઓઢવા બેસું? એ દહાડે આ વિચારે મને બચાવેલો. વાત તો ખરીને? તમને કેમ લાગે છે મારી વાત? મારો વિચાર બરોબર છે ને ? પ્રશ્નકર્તા : જ્ઞાન થતાં પહેલાંની વાત છેને ? દાદાશ્રી : હા, જ્ઞાન થતાં પહેલાંની વાત છે. એક જણ મારા ઓળખાણવાળા હતા, તેમને ત્યાં બહારગામ ઉતર્યો હતો. તે મને કહે કે, ‘મારા બનેવીની તબિયત હમણાં બહુ બગડી ગયેલી છે, જરા સિરિયસ (ગંભીર) છે, એટલે મને તો આખો દહાડો ચેન પડતું નથી. પરમ દહાડે જ ત્યાંથી ખબર જોઈને પાછો આવ્યો છું, તે આમ ચિંતા કર્યા કરતો હતો. તેમની આ વાત સાંભળીને મનેય ચિંતા થવા માંડી, કારણ કે એમને જવાન ઉંમરના બહેન અને તે વખતે મને ‘જ્ઞાન’ થયેલું નહીં. પછી રાત્રે અગિયાર થયા ને વાતો કરતાં કરતાં પેલો ભાઈ તો નસકોરાં બોલાવવા માંડ્યો ! અને એના બનેવીની ચિંતાથી મને આખી રાત ઊંઘ ના આવી !! આ દુનિયા આવી હોય ? એના બનેવી હારુ હું જાગું છું, હું ઉપાધિ કરું છું અને એ નસકોરાં બોલાવે છે ! પછી મેં મારી જાતને કહ્યું, ‘હું ક્યાં આ ડફોળ બન્યો?’ જેનો બનેવી માંદો હતો તે ઊંઘી ગયો ને મેં વાત સાંભળી તો મને અસર થઈ ગઈ ! આ તો આપણે જ ડફોળ છીએ ! ત્યારથી હું દુનિયાને ઓળખતો થયો કે દુનિયા શું છે ? પછી સમજી ગયો કે આ જગત પોલંપોલ છે. જગતની પોલંપોલમાં રહીએ સુપરફ્લુઅસ એક વૈદ્ય હતો. તેણે તેના એક દર્દીને બહુ સરસ દવા આપી. તેણે માત્ર એક મરચાંની ચરી પાળવાની કહી. કારણ કે એ રોગ જ એક્સેસ (વધારે) મરચાં ખાવાથી ઉત્પન્ન થતો હતો. વૈદે બિચારાએ બહુ મહેનત કરી, સારામાં સારી દવા આપી. આમ બદલી ને તેમ બદલી. પણ મહિનો-બે મહિના થયા તોય દરદમાં કંઈ ફેર પડે નહીં. એક દા’ડો વૈદ્ય અચાનક એ દર્દીને ઘેર જઈ પહોંચ્યો. તે તેણે જોયું કે દર્દી જમવા બેઠો હતો ને થાળીમાં બે મોટા લીલા મરચાં હતા. તે વૈદ્ય એકદમ રોષે ભરાયો અને એકદમ ઈમોશનલ થઈ જતા ત્યાં ને ત્યાં તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું ! આમાં દોષ કોનો ? મૂઆ, દર્દી તો ઝેર પીએ પણ તેં શું કામ ઝેર પીધું? આ તો પોલંપોલ છે. કોઈ સ્ટેશને ચોંટી રહેવા જેવું જ નથી. નહીં તો ફસાયો જ સમજ. આ તો મરચાં દર્દી ખાય ને મગજમાં પારો ચઢીને નસ ફાટી જાય વૈદ્યની! આ તો દેખ્યાનું જ ઝેર છે ને ! જો ચામાં લીંટ પડેલી જુએ તો ઝેર ચઢે, પણ ના જાણ્યું હોય તે ટેસથી મૂઆ પી જાય. આ તો દેખે ત્યારે એને લાગે કે ખોટું થયું, એનું જ નામ પોલંપોલ. સાચી વાત જાણે ત્યારે ભડકે ને ના જાણે તો કશું જ નહીં. એક માણસ મારી પાસે આવતો. તે તેને એક છોડી હતી. તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે. એમાં કળિયુગની અસર છોડીનેય થાય. માટે ચેતતો રહેજે. તે એ માણસ સમજી ગયો. અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ ત્યારે એ માણસે મને યાદ કર્યો ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો, ‘તમે કહી હતી તે વાત સાચી. જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર જ પીવું પડત.’ આવું છે આ જગત ! પોલંપોલ. જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે. એમાં તે કંઈ ઝેર પીવાય ? ને મૂઆ, એ તો તું ગાંડો ગણાઈશ. આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન ! જ્યારે જ્ઞાની પુરુષ બહુ ડાહ્યા હોય. આખું સડી જાય તે પહેલાં જ કાપી નાખે. આ જગતને કમ્પ્લીટલી પોલંપોલ જોવું એ શું જેવી તેવી વાતછે? આ જગત આખું પોલંપોલ છે. તે અમે અમારા જ્ઞાનથી જોઈને કહીએ છીએ. તું જો જગતને ચોક્કસ માનીને ચાલે તો તે તારી જ ભૂલ છે. પોલંપોલ એટલે અવકાશ-આકાશ. કડવી-મીઠી અસરોમાં જ્ઞાનીની સ્થિરતા અમે આખા બજાર વચ્ચે ભગવાન તરીકે ફર્યા, કોઈ જાતની હરકત સિવાય (શોભાયાત્રા દરમિયાન)! મહીં કેટલાકે જે’ જે’ કર્યા હશે, કેટલાકે મોઢું બગાડ્યું હશે, કેટલાકે આંખો કાઢી હશે ! પ્રશ્નકર્તા : એ બધા પ્રતિક્રમણ પહેલા કરી નાખ્યા હોય ? દાદાશ્રી : ના, અમને અસર જ ના થાય. એની તો અસર અમને થાય જ નહીં. અમારી અસર એને ના પડવી જોઈએ, તેવું અમારે કરવું પડે. તે અમારી બહુ એવી ખાસ અસર પડેલી ના હોય. એની અસર પાડતો હોય, જો આંખો કાઢતો હોય તો અમે હસીએ ઊલટા એના સામું! પ્રશ્નકર્તા : ‘આપણી અસર એને ના પડે’ એ જરા સમજાવો ને? દાદાશ્રી : એવું દેખાય ત્યારે તો અસર પડે ને બધાને ! સામાને દુઃખ થાય. અમે અમથા વઢીએ ખરા, ‘તું અક્કલ વગરનો છે, મૂરખ છે’ એ બધું કહીએ પણ તે સુપરફ્લુઅસ (ઉપલક) બધું. મારીએ તોય સુપરફ્લુઅસ. પ્રશ્નકર્તા : આ સુપરફ્લુઅસની અસર પેલાને થાય ને પણ ? દાદાશ્રી : ના, કશું નહીં. પેલો ગાળો ભાંડે છે તે કોને ભાંડે છે એ મારા ખ્યાલમાં હોય, તે મહીં મને પેસે નહીં. પ્રશ્નકર્તા : કોઈ ફુલહાર પહેરાવે, સન્માન કરે ત્યારેય પણ એવું જ રહે? દાદાશ્રી : ના, તે ઘડીએ મોઢું હસે, તેનેય અમે જાણીએ. મોઢું હસે, મહીં લાગણીઓ ઊભરાય તેય જાણીએ. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમને કંઈ અસર જ ના થાય, તો તે અસર થતી નથી, તે સંપૂર્ણ જુદાપણું રહે છે તેથી કે અંદર પ્રક્રિયા થાય છે તેથી? દાદાશ્રી : પ્રક્રિયા-બ્રક્રિયા કશું જ નહીં. પહેલાંશું થતું હતું કે જ્ઞાતા-જ્ઞેય એક થઈ જાય અને હવે જુદું રહે. પ્રશ્નકર્તા : જ્ઞાની હોય, તેને ફુલહાર ચઢાવે ત્યારે મોઢું હસે તેનેય પોતે જાણે. દાદાશ્રી : હસે એટલું જ નહીં પણ લાગણીઓ-બાગણીઓ બધી જ પેલા અજ્ઞાની જેવી દેખાય અને તેનેય પોતે જુએ ને જાણે. પ્રશ્નકર્તા : આ લાગણીઓ પણ પૂર્વના કર્મનો ઉદય ગણાય ? દાદાશ્રી : હા, પૂર્વકર્મનો ઉદય ગણાય. પહેલાંના જ્ઞાનની શું અસર થાય છે, તેને આજનું જ્ઞાન જુએ છે. પ્રકૃતિની અસરોને ના જોવાય દોષિત લોક જાણે કે દાદા નિરાંતે ઓરડીમાં જઈને સૂઈ જાય છે, એ વાતમાં માલ નથી. પદ્માસન વાળીને એક કલાક સુધી અને આ સિત્યોતેરમે વર્ષે પદ્માસન વાળીને બેસું છું. પગ હઉ વળી જાય અને તેથી કરીને આંખોની શક્તિ, આંખોનો પ્રકાશ, એ બધું જળવાઈ રહેલું. કારણ કે (પોતાની) પ્રકૃતિને મેં કોઈ દહાડો વગોવી નથી. એનું વગોણું કોઈ દહાડો કર્યું નથી. એનું અપમાન કર્યું નથી. લોકો વગોવીને અપમાન કરે છે. પ્રકૃતિ જીવતી છે, એનું અપમાન કરશો તો એની અસર થશે. આને (જડને) અપમાન કરો તો અસર થાય છે. શું અસર થાય છે? ત્યારે કહે, બીજો પડઘો તમને જ પડે છે અને પ્રકૃતિ થોડી જીવતી છે, મિશ્રચેતન, એટલે થોડો ઓછો પડઘો પડે. એટલે અપમાન તો ન કરાય. જ્ઞાનીને ના હોય પ્રકૃતિની અસરો પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય? દાદાશ્રી : ના, ના હોય. પણ પ્રકૃતિની એમની ઉપર અસર ના હોય. પોતાની સ્વતંત્રતા પર પ્રકૃતિની અસર ના હોય, પણ પ્રકૃતિને આધીન તો ‘મહાવીર ભગવાન’નેય રહેવું પડતું હતું. પ્રશ્નકર્તા : આપ એવું કહો છોને, અમારે નિરંતર અંતર તપ હોય. દાદાશ્રી : હોય જ અમારે. અમારે નિરંતર તપ હોય. અમારું તપ કોઈ દુઃખમાંય પરિણામ ના પામે, સ્વાદમાંય પરિણામ ના પામવા દે, કોઈ સુખ પરિણામ ના પામવા દે એવું હોય. અમારું તપ ખૂબ સૂક્ષ્મમાં હોય. પ્રશ્નકર્તા : પરિણામ ના પામે એટલે શું ? દાદાશ્રી : વસ્તુ અમને અસર ન કરે. આ જગતની બધી વસ્તુઓ જે છે, અમે ત્યાં આગળ એ વસ્તુઓથી છેટા જ રહીએ. સ્વાદમાંય ના પરિણામ પામીએ, દુઃખ વેદનામાંય પરિણામ ના પામીએ. દાંત દુખવાની વેદના થતી હોય, તે વેદનામાં પરિણામ ના પામીએ. એને અમે જાણીએ. લઘુપદમાં ના જડે અસરોના સ્પંદન અહીંથી તમને એક ગાડીમાં લઈ જતા હોય અને બીજા ઓળખાણવાળા આવ્યા એટલે તમને પછી કહેશે, ‘હવે ઊતરી જાવ.’ એટલે કંઈ પણ ‘ઇફેક્ટ’ સિવાય ઊતરી જવું. ફરી પાછો થોડીવાર પછી કહેશે, ‘ના, ના. તમે આવો.’ ફરી પાછા તમને બેસાડ્યા તો તમે બેસી જાવ. ફરી બીજા ઓળખાણવાળા મળે ત્યારે તમને કહે, ‘ઊતરી જાવ.’ તો કંઈ પણ ‘ઇફેક્ટ’ સિવાય ઊતરી પડવું. ને કંઈ પણ ‘ઇફેક્ટ’ સિવાય ચઢવું, આને રિલેટિવમાં લઘુત્તમ થવું કહેવાય. એવું આઠ-દસ વખત થાય તો શું થાય ? આ માણસોને શું થાય ? ફાટી જાય. જેમ દૂધ ફાટી જાય એમ ફાટી જાય ! પ્રશ્નકર્તા : એક જ વખતમાં ફાટી જાય. દાદાશ્રી : અને મને સત્યાવીસ વખત કરે તોય એવો ને એવો! અને પાછો જઈને પાછો હઉ આવું. એ કહેશે, ‘ના, ના. તમે પાછા આવો.’ તો પાછો હઉ આવું. કારણ કે અમે લઘુતમ થયા છીએ. વ્યવહારમાં જ્ઞાનીની અદભુત અસર મુક્તતા હીરાબા મારા વાઈફ (પત્ની) છે, એ એક્ઝેક્ટ મારી માન્યતા હોય, નિશ્ચય-વ્યવહારથી, તો મને રડવું આવ્યા વગર રહે નહીંને ! પણ આમાં તો હું હસુંય નહીં અને રડુંય નહીં, લોકોએ ઠેઠ સુધી હીરાબાની પાછળ મને જોયો, સામે જોયું. કશું દેખે નહીંને ! લોકો એમ જાણે કે દાદાને બહુ દુઃખ થયું હશે. દાદાનો ‘તાવ’ (આંતરિક સ્થિતિ) જુએ ત્યારે ખબર પડે કે હીરાબા ગયા કે રહ્યા છે, એ બન્ને સ્થિતિ સરખી જ હોય. રહ્યા તોય સરખી, ગયા તોય સરખી, બન્ને સ્થિતિ સરખી હોય. હજુ પેટમાં પાણીમાં હાલ્યું નથી અમને. એક ક્ષણવાર અમે ચૂકીએ નહીં, નહીં તો અમને ડૂસકું ભરાય. અમને મરેલા પર રડવું ના આવે, જીવતા માણસને રડતા દેખીએ ત્યારે મનમાં ડૂસકું ભરાય. એ જોઈ શકાય નહીં અમારાથી. એટલે આમાં (આ પ્રસંગમાં) અમે જીવતા માણસને રડતાં જોઈએને, પણ કશું અસર ના થાય. પણ વ્યવહારમાં અમે કહીએ કે મહીં થાય તો ખરું જ ને ! તમને બધાને ના કહીએ, પણ બહાર તો અમે કહીએ. એ કહેશે, ‘હીરાબાનું તમને થાય ને ?’ મેં કહ્યું, ‘હા, થાય તો ખરુંને! ના થાય એવું હોય ?’ નહીં તો એને ગણતરી ઊંધી લાગે. કહેશે, ‘આ કઈ જાતની ગણતરી ? આવું શી રીતે બને ?’ તમને કહું તે સાચું લાગે કે અસર જ ના હોય કોઈ જાતની. એવું બધું જ્ઞાનથી તાળું મારી દઈએ. ઠેઠ સુધી, સ્મશાનમાં બેઠા તોય નહીં. અસર જ નહીં, નો ઇફેક્ટ. સાચા પ્રેમમાં ના જડે અહંકારની અસરો હું અહીં આગળ બધા છોકરાંઓને પ્રસાદ આપું છું. તે પ્રેમથી પ્રસાદ આપો, તેને દુઃખ લાગતું નથી અને સહેજ જ છે તે મોઢું બગાડીને આપો તો એને અસર થાય છે. એનું કારણ કે એમાં અહંકાર ભળેલો છે. પેલા પ્રેમમાં ખાનારનેય અહંકાર નથી ભળેલો અને આપનારનેય અહંકાર નથી ભળેલો. અહંકારની અસ્તિ જ નથી ત્યાં આગળ, એટલે સારું લાગે છે. એટલે આમાં આપણે જો ભળીએ વેદકમાં, તો બહુ દુઃખ થાય. એટલે જો જ્ઞાયક રહેવાય તો દુઃખ બિલકુલ ઓછું થઈ જાય. જેમ પેલું પ્રેમથી આપવાનું ને, એના જેવું થાય જાણવામાં રહે તો ! પ્રશ્નકર્તા : આ જે કારણો સારા કે ખોટા, જે કંઈ ભૂતકાળમાં આપણે પાડ્યા કે વીંટ્યા હોય, એ રૂપકમાં આવતા પહેલાં નિર્મૂળ થઈ શકે ખરા ? દાદાશ્રી : ના, એ તો એવા ને એવા જ ભાવે રહે. હા, ફક્ત આપણે એટલું કરી શકીએ કે હોળીની પાસે જઈએ તો આપણને ગરમી બહુ લાગે, નહીં તોય હોળી તો એના એ જ ભાવે રહેવાની. આપણે કશું ચોપડીને ગયા હોય તો બહુ ગરમી ના લાગે, બાકી હોળી તેના તે જ ભાવે રહેવાની. એટલે હોળી એના ભાવ છોડે નહીં. એટલે આપણે મહીં એવું કશું કરીને ત્યાં હોળી પાસે ગયા હોય તો અસર ના થાય, એવું બને કે ના બને ? આ વરસાદ ધોધમાર પડતો હોય, પણ આપણે એક એવી છત્રી લઈ ગયા, તો મહીં આપણને એક છાંટોય પાણી અડે નહીં. એટલે વરસાદ બંધ નહીં થાય. આપણા લોક એવિડન્સ બંધ કરવા જાય છે, એ નહીં બંધ થાય. એ કારણો ભાંગી ના શકે, પણ એ કારણોની આપણને અસર ઓછી થાય એવું કરી શકીએ. માન-અપમાનની અસરોમાં જાગૃતિ કોઈ અપમાન કરે ત્યારે મોઢું બગડી ગયું છે, એવી ખબર પડે, તો નફો-ખોટ ના જાય, નો લોસ, નો પ્રોફિટ. અને બહાર મોઢું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદગલ ને, આત્માને નહીં. અને બહાર મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાયને ! પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદગલ ને શું ખોટ જાય? દાદાશ્રી : પુદગલ ને તો ખોટ ગયેલી જ ને ! પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોઢું ના બગડ્યું. દાદાશ્રી : કેટલાક ને અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો એને પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે, હા, પડી છે. પણ શી રીતે સમું કરે? છતાં એ સમું કરવું. (એ માટે જ્ઞાન ગોઠવવું.) છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે. પ્રશ્નકર્તા : ગાળો ભાંડતો હોય તો એના કમ્પાઉન્ડમાં ફરીથી જવું, પણ શું કરવા જવું જોઈએ? દાદાશ્રી : આપણે કોઈને ભાડે લાવીએને તો ગાળો ભાંડે નહીં અને ભાડે લાવેલું ભાંડે તો અસર ના થાય. એમાં ભલીવાર ના આવે. એ કુદરતી રીતે ગાળો ભાંડતો હોયને, તો ઉત્તમ શક્તિ આવે ને ! એટલે એવી શક્તિ કાચી રહેતી હોય તો તમારે લેવાની જરૂર. પ્રશ્નકર્તા : અપમાનની સામે ઉપયોગ બતાવ્યો આપે હમણાં, એ અમે સમજ્યા, પણ માનની સામે જે ઉપયોગ છે એ બાબતમાં થોડું પ્રકાશ પાડો. દાદાશ્રી : માન આપે ત્યારે તો ઉપયોગપૂર્વક એટલે શું કે આ માન કોને આપે છે એ જાણવું જોઈએ. મને નહીં, આ તો મારા પાડોશી (ફાઈલ નં.૧) ને માન આપે છે, પુદગલ ને આપે છે. પ્રશ્નકર્તા : માન આપે ત્યારે આપણને મીઠું લાગેને ! એટલે મીઠાઈની જેમ મારી પાડે છે આપણને એ ! દાદાશ્રી : પુદગલ નું કહ્યું એટલે આપણને અડ્યું નહીંને! લેવાદેવા નહીંને આપણે. માન-અપમાન તે પુદગલ ને આપે છે, આપણને નહીં. એનું નામ જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક. ચંદુભાઈને માન આપે છે, એમાં તમને શું લેવાદેવા ? એટલે માન-અપમાન આપે તો એને માથે ઘાલી દેવું. તો હિતકારી થઈ પડે, નહીં તો હિતકારી થાયનહીં. નાટકીય, ત્યાં અસર શું ? જગતને ભાવતું છે એ તમને આપે. તમને એ ટેવ પડવી ના જોઈએ. માન આપે તોય નહીં, અપમાન આપે તોય નહીં. અપમાન કરવા માટે માણસ રાખો તો એની મજા આવે ? પ્રશ્નકર્તા : ના, એ મજા ના આવે. દાદાશ્રી : અને નાટકમાં ગાળો ભાંડે તો એની અસર થાય ? ‘તું નાલાયક છું, તું આમ છું, ચોર છું, બદમાશ છું’ એમ કહે તો અસર થાય? ના થાય. કારણ કે ગોઠવણી કરેલી છે. નાટકની (જેમ) ખોટ અસર ના કરે તો સમજવું કે છેલ્લો નાટકીય અવતાર રહ્યો. નાટકમાં ગાળ ભાંડે, પણ અસર ના કરે તે (રીતે) જોવાનું. અમે જે આજ્ઞા આપીએ છીએ, તે તમે સર્વ દુઃખથી મુક્ત થાવ, એવી આજ્ઞા આપીએ છીએ અને આજ્ઞા પાળતાં તમને કશી જ હરકત ના આવે. અમારી આજ્ઞા કશી હરકત વગરની છે. અસરોને માપવાનું થર્મોમિટર પ્રશ્નકર્તા : દાદા, અસર ન કરે એ ખરેખર આત્મા જાણ્યાના કારણે છે કે અન્ય કોઈ કારણે ઉદાસીનભાવ જાગવાથી એ વસ્તુ બનેલી છે. દાદાશ્રી : કેટલુંક આત્મા જાણવાને લીધે થોડુંક એ ફિટ થાય છે. પછી થોડોક અનુભવ થાય છે ને, ત્યાર પછી અમુક ભાગ બંધ થઈ જાય છે અને અનુભવ કાચો હોય તે ભાગ હજુ કાચો રહી જાય છે. પ્રશ્નકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ? દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે ‘હજુ બરોબર નથી. આટલે સુધી અનુભવ બરોબર છે.’ આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે. માર મારે, લૂંટી લે તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએને ? રડે તેનો વાંધો નથી, રાગ-દ્વેષ ન થવા જોઈએ. જો કોઈને મારીએ અને એ રડે એ તો દેહ સુંવાળો હોય તો રડે અને દેહ કઠણ હોય તો એ હસે, એ જોવાનું નથી. આપણે રાગ-દ્વેષ ગયા (થયા) કે નહીં? પ્રશ્નકર્તા : તો દાદા, એનો અર્થ એવો થયોને કોઈ આપણને ગાળ દે અને આપણું મોઢું બગડી જાય, પણ અંદર એના પ્રત્યે રાગ-દ્વેષ ના થાય. દાદાશ્રી : એ હજુ કચાશ છે. પછી તો મોઢું પણ નહીં બગડે. અત્યારે મોઢું બગડે એનો વાંધો નહીં, રડે તોય વાંધો નહીં. માર સહન ના થતો હોય ને રડતો હોય તોય વાંધો નહીં. પ્રશ્નકર્તા : મોઢું બગડી જાય છે એ નબળાઈ છે ? દાદાશ્રી : નબળાઈ જ ને ! ત્યારે બીજું શું ? ઈન્વોલ્વમેન્ટથી ઊભી થતી અસરો પ્રશ્નકર્તા : આપણા ઉપર કોઈ મમતા રાખે, તેની આપણા ઉપર શું અસર થાય ? દાદાશ્રી : આપણે મહીં ઈન્વોલ્વ થઈએ (ભળીએ) તો થાય. આપણે ધ્યાનમાં ના લઈએ તો કશું અસર ના થાય. એટલે તમારું કોઈ નામ લેનાર નથી, જો તમે સીધા હો તો. તમે ઈન્વોલ્વ ના થાવને. આ સંસારમાં જ્યાં માલિક નથી, કશું નથી, ત્યાં પરોણા થઈને આવ્યા છે ! તે પાછાં જતા રહેવાનું છે. મમતાવાળા-ના મમતાવાળા બધા જતા રહેવાના! આમાં એક ‘મિનિટ’ પણ બગાડશો નહીં. હા, પાંચ-દસ હજાર વર્ષ જીવવાના હો તો સમજ્યા! વિચારોની અસરોના ઉપાય એક જણ મને કહે કે ‘એક મોટા સંત પુરુષ છે, તેમને ત્યાં હું જાઉં છું. એમના દર્શન કરું છું. હવે પાછા મને મનમાં એમને માટે ખરાબ વિચારો આવે છે.’ મેં એમને પૂછ્યું, ‘તમને શું વિચાર આવે છે ?’ ત્યારે એમણે મને કહ્યું, ‘આ મહારાજ નાલાયક છે, દુરાચારી છે એવા વિચારો આવે છે. હું એમને પગે પણ લાગું છું.’ ત્યારે મેં કહ્યું, ‘તને આવા વિચારો કરવાના ગમે છે ?’ ત્યારે એ કહે કે ‘નથી ગમતું છતાંય એવા વિચારો આવે છે તો આનું શું થાય ?’ હવે આ શી રીતે નીકળે? તમે આનો શું ઉપાય કરો ? તમને આવું થતું હોય તો તમે શું કરો ? આમાં દોષ કોનો ? એટલે મેં એને કહ્યું, ‘ભઈ, જો તને આવા ખરાબ વિચાર આવે કે આ ખરાબ છે, નાલાયક છે, તે વખતે તારે શું કરવું એ તને સમજાવું.’ એક બાજુ આવો વિચાર આવે છે તે આપણા હાથના ખેલ નથી. તો આપણા હાથના ખેલ શું છે ? ત્યારે આપણે બોલવાનું કે ‘આ તો બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે.’ મન ‘ખરાબ છે, ખરાબ છે’ એમ બોલ્યા કરે અને આપણે ‘બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે’ એમ બોલ્યા કરીએ એટલે બધું પ્લસ-માઈનસ (સરવાળા-બાદબાકી) થઈને ખલાસ થઈ જશે. આ એકદમ આપણને જચે તો નહીં. પ્રશ્નકર્તા : આપણે એની સામે આવા વિચારો કરીએ તો એની અસર થાય છે ? દાદાશ્રી : હા, એવું કરો તો તરત અસર થઈ જાય. આ હું બધા અસરના જ ઉપાય બતાવું છું. વિકલ્પો ઊડાડે, ઊડે અસરો કો’ક કહેશે, ‘તમે બહુ કાળા છો’, પણ આપણે એ વિકલ્પ મટાડી દીધો હોય તો આપણને અસર ના થાય. પણ આપણે જ સામાને ‘કાળો, કાળો’ કહેતા હોય ત્યાં સુધી વિકલ્પની િંકમત છે આપણને. તે આપણે એ કિંમતની ડિવેલ્યુએશન કરી નાખવાની. સામાને આપણે ‘કાળો’ કહીએ નહીં અને આપણને કોઈ ‘કાળો’ કહે તો અસર ના થાય, એ ડિવેલ્યુએશન થયું એટલે ખલાસ થઈ ગયું. વેલ્યુ (કિંમત) વધારવી-ઘટાડવી એ આપણા હાથની વાત છે. ‘મને કાળો કેમ કહ્યો’, કે વેલ્યુ વધી. આ કાળાપણું, ગોરાપણું, લાલ, પીળો, બધા જે રંગ છે એ બધા જડના ગુણ છે અને પોતામાં આરોપ કરે છે કે ‘હું કાળો છું.’ ‘અલ્યા મૂઆ, તું ન્હોય કાળો.’ પછી કડવો, ખાટો, મોળું, મીઠું, ખારું, તીખું, ગળ્યું એ બધા જડના ગુણ છે. હવે જડના ગુણોને પોતાનો આરોપ કરીએ છીએ, તેને લીધે આ ઉપાધિ થઈ જાય છે. નેચરના એડજસ્ટમેન્ટથી છૂટાય એક બેન આવેલી. તે કહે છે, ‘મારું લગ્ન થયું છે પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.’ ત્યારે મેં કહ્યું, ‘હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?’ ત્યારે એ બેન કહે છે, ‘પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.’ મેં કહ્યું, ‘પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?’ ત્યારે એ બેન કહે છે, ‘હા.’ મેં કહ્યું કે જે રહેવાનું હોય તે ‘પસંદ નથી’ એવું ના બોલવું. ‘મને બહુ ગમે છે’, મારું લગ્ન થયું એ. ‘મને બહુ ગમે છે’ એવું બોલવામાં શું વાંધો? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે ‘બળ્યું, આ દુઃખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.’ તેનાથી દુઃખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે ‘ના, અહીં અનુકૂળ છે, સારું અનુકૂળ છે.’ તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું. આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો તો તમારો છૂટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તો તમારો છૂટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું કશું છે. જે છે, દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ અડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય કશો ? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : ત્યારે દેવતાને વગોવ વગોવ કરીએ તો ? એના કરતા આપણે ભાંજગડ જ મૂકી દો ને! ન ખાય જ્ઞાની, બે ખોટ કદી આ તો લોખંડના ભાવ બજારમાં બેઠા, એવું ખબર પડે તો શું થાય? બહુ આનંદ થાયને ? પ્રશ્નકર્તા : બ્લડપ્રેશર (લોહીનું દબાણ) વધી જાય. દાદાશ્રી : હા, આપણને બ્લડપ્રેશર વધી જાય, એવા આપણા લોક! એના બદલામાં ત્યાં નફો મળે ને ? તેય ખોટ ગઈ ને આય ખોટ ગઈ, બેય ખોટ સાથે ખાવ ! અને આ ખોટ જાય તો, પેલી ખોટ બંધ ના થાય ? થતી હશે, મને લાગે છે ? પ્રશ્નકર્તા : એમાં ત્યાં કંઈ ફેરફાર ના થાય. દાદાશ્રી : એટલે મહાવીર ભગવાને કહ્યું હતું કે એક ખોટ ખાજો, બે ખોટ ના ખાશો. તમને કયું પસંદ? એક ખોટ ખાવી તેપસંદને, તે બે ખોટ શું કામ ખાવાની જરૂર આપણે ? હવે એ શાથી બે ખોટ ખાય છે ? પોતાની નબળાઈઓ છે. તમારી ઇચ્છા ના હોય, આ બ્લડપ્રેશર વધે એવું તમારે કરવું નથી અને ડૉક્ટરેય કહ્યું હોય કે બહુ વિચાર કરશો નહીં. ત્યારે આ કહેશે, ‘સાહેબ, તમે ના કહો છો, પણ મને મહીં એની મેળે જ થયા કરે છે. મારે નથી કરવાનો તોય વિચાર થયા કરે છે. કારણ કે મહીં નબળું થઈ ગયું છે. મહીં મન લપટું પડી ગયું છે.’ લપટું તમે સમજ્યા ? આ શીશી હોય છે ને, એને બૂચ મારીએ, તે બૂચ લપટો પડી ગયો હોય તો આમ શીશી આડી થાય ત્યારે બૂચ એની મેળે નીકળી જાય. તેવું મન લપટું પડી ગયું છે. તે રિપેર (સમું) નથી કરાવી લાવતા ? નહીં તો મારી પાસે આવજો, તમને રિપેર કરી આપીશું. પછી તમને દુઃખ નહીં થાય. પછી છોને લોખંડના ભાવ બેસે તો લોખંડને ખોટ જશે, આપણને શી ખોટ જવાની છે તે ? ક્યાં સુધી આ બળાપો કરીએ? છોકરો માંદો પડ્યો તેનો બળાપો; લોખંડ માંદું પડ્યું તેનો બળાપો; ઇન્કમટેક્ષવાળાનો કાગળ આવ્યો તો તેનોય બળાપો, કોનો કોનો બળાપો કરવાનો આપણે? બધાય બળાપા કરવાના ને ? જો, આ બધું નર્યો ખોટનો જ વેપાર કર્યો છે. એટલે આ ખોટ કોણે કાઢી, તે તમને હું દેખાડી દઉં. એટલે તમને પછી અસર જ ના થાય ને ! તમે કોણ ? આ ચલાવે છે કોણ ? કોના હાથની સત્તા ? અને આપણે મહીં ક્યાં ભાંજગડ કરીએ? ‘કોમનસેન્સ’ ઓગાળે અસર એટલે આ બધાને શું કહું છું કે ‘કોમનસેન્સ’થી પ્રશ્નો ઉકેલો. કોઈ માણસ ગમે એવું બોલીને ઊભો રહેશે, એના મગજ ઉપર આધાર રાખે છે ને ! અને કંઈક તમારું પુણ્ય (!) હશે ત્યારે જ બોલે ને ! નહીં તો પુણ્ય (!) વગર કોઈ બોલતું હશે? ‘કોમનસેન્સ’ તો બહુ મોટી વસ્તુ છે. એક સાહેબને એક માણસ આવીને ગમે તેવું કહેવા માંડ્યો. તે સાહેબને ‘કોમનસેન્સ’થી જરાય અસર ના થઈ. જો ‘કોમનસેન્સ’ હતી તો ! એટલે ‘કોમનસેન્સ’નો દાખલો આપણને જોવા મળે કે આ સાહેબે ‘કોમનસેન્સ’ વાપરી. બીજો માણસ તો ત્યાં આગળ ‘ડિસ્કરેજ’ (નાહિંમત) જ થઈ જાય ને, એની મેળે જ ! જબરજસ્ત ‘ડિપ્રેશન’ (હતાશા) આવી જાય. પણ મેં તો એમનામાં ડિપ્રેશન જોયું નથી. હું એ જ જોયા કરતો હતો કે ડિપ્રેશન આવે છે કે નહીં ? પેલો માણસ શુંયે કહી ગયો તોય ‘ડિપ્રેશન’ ના આવ્યું. પ્રેક્ટિસથી પાતળી થતી અસરો આપણું જ્ઞાન તો કેવું છે કે કોઈ કહે કે તમે અમારું ઘડિયાળ ચોરી ગયા. ત્યારે કહીએ કે ‘ભઈ, તમને જે લાગે એ ખરું.’ આપણે આત્મસ્વરૂપ થઈને જવાબ આપવાના. પછી તે ઘડીએ તમે ચંદુભાઈ થઈ જાવ, પાછું આત્મા આપેલો જતો રહે. (જાગૃતિ જતી રહે.) એટલે આપણા અક્રમ વિજ્ઞાનમાં આ ઉપાધિ છે. વસ્તુસ્થિતિમાં અત્યારે જરાક સહેજ ડખો રહેતો હોય તો તરત સ્વીકારી લે છે. ‘મેં ક્યાં ચોરી કરી છે?’ અલ્યા, રક્ષણ શું કરવા કરો છો તે ? તારું નથી, તેનું તું રક્ષણ શું કરવા કરે છે? જે તારી વાત જ નથી, તેનું રક્ષણ તારે કરવાની જરૂર નથી. સ્વીકારી લઈએ પછી આપણી ભૂલ કહેવાયને ? પછી એને ખબર પડી જાય કે આપણી ભૂલ થઈ ગઈ. પછી ખબર પડે પણ એટલી જાગૃતિ તો છે. પ્રશ્નકર્તા : આનો અર્થ એ થયો કે આ ખોટું કે સાચું, એનો આગ્રહ નહીં રાખવો. દાદાશ્રી : ખોટું-સાચું તો જાણે છે જ નહીં. એ તો આગ્રહ રાખવાનો જ નથી. પણ આપણે કોઈ દહાડો ચાખેલું નહીં અને તમને કહે કે તમે ચોરી કરી એટલે સાંભળેલું નહીં ને કોઈ દહાડો પ્રેક્ટિસ નહીં થયેલીને, એકદમ સાંભળવાનું થાય ત્યાં આગળ શું થાય ? એટલે ઇમોશનલ થાય. એટલે આપણે ચંદુભાઈને કહ્યું કે, ‘ભઈ ચોર જ છો. કો’ક ચોર કહે તો ગભરાશો નહીં.’ એવું પહેલેથી આપણે કહી રાખવું પડે. હા, ‘કોઈ કહે તો ગભરાશો નહીં. કોઈ ધોલ મારે તોય ગભરાશો નહીં’ એવું આપણે કહી રાખીએ. નહીં તો પછી કો’ક ધોલ ના મારે ને અમથો અમથો આમ આમ કરે તોય છે તે અસર થઈ જાય. એટલે એવી પ્રેક્ટિસ પાડી રાખવી પડે. એવું રિહર્સલ કરાવી રાખવું. ના કરાવવું પડે ? કરાવી રાખેલું સારું. કો’ક ફેરો મુશ્કેલી આવે તે ઘડીએ, રિહર્સલ કરેલું ફળ આપે. નહીં તો આ જ્ઞાન તો બધા, ઘણાખરાને, કેટલાય માણસોને સમાધિ આપે છે, નિરંતર ! અસર ઓગાળવાનું વિજ્ઞાન આપણે તો જાણવાનું-જોવાનું જ છે. જોવાથી-જાણવાથી કોઈ અસર અડે નહીં. અપમાન આપે ને અભાવ થાય, એ અભાવને જે જુએ એ મહાવીર. માન આપે ને ભાવ થાય, એ ભાવને જુએ તે મહાવીર. તમે તો કહો છો કે આ થાય જ નહીં, ભાવ ને અભાવ, એ કામનું જ નહીં. જોનારો ને જોવાની વસ્તુ એક થાય નહીં. એક થાય તો આત્મા કહેવાય નહીં, કોઈ દહાડોય. પ્રશ્નકર્તા : એટલે બે કામ એટ-એ-ટાઈમ હોવા જોઈએ એમ ? દાદાશ્રી : બે કામ હોય તો જ આત્મા ગણાય ને, નહીં તો ગણાય કેવી રીતે ? પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : એકલો જ જોનાર હોય, પણ દ્રશ્ય ના હોય તો જુએ શું તે ? એટલે જોનાર ત્યાં બંધ થઈ જાય છે. એટલે બે જોઈએ, જોવાની ચીજ અને જાણનાર-જોનાર બે હોવા જોઈએ. એકલાથી કામ થાય જ નહીં ને ! આપણે આ અંદર વાંચીએ, કે એક્સિડન્ટ થશે તો ? તો આપણે (એ વિચાર) જોયો ક્યારે કહેવાય ? એ આપણને અસર ન કરે અને ‘નોટેડ’ કહીએ એટલે જોયો કહેવાય. અને અસર થઈ ગઈ એટલે તન્મયાકાર થઈ ગયો. અવળી અસર આપણી ન્હોય આપણું નહીં તેને આપણું માનીએ ત્યાંથી ભૂલ થાય છે. આપણું વિજ્ઞાન શું કહે છે કે આ લાઈન ઓફ ડિમાર્કેશન (ભેદરેખા) પડી. પછી આ છોડવો આપણો નહીં. એને આપણો માનીએ તો દુઃખ થાય. આ છોડવો કેમ સૂકાયો ? અલ્યા ભઈ, પણ ન્હોય આપણો. આ તો બીજાનો છે. પ્રશ્નકર્તા : હવે ખ્યાલ આવ્યો કે એને છોડી જ દેવું કે આપણું છે નહીં પછી શું ? એ તો માલિકી લઈને બેઠા હતા. દાદાશ્રી : આપણે માલિકી છોડી દેવાની. વગર કામનો આ બોજો.... પ્રશ્નકર્તા : દાદા, આપે અમને જ્ઞાન આપ્યું તે વખતે તો અમે સમર્પણ કરી દીધેલું છે, પણ છાનાછપનાં અમે લઈ જઈએ પાછા. દાદાશ્રી : કારણ કે અવળો અભ્યાસ છે. દાક્તરે કહ્યું હોય કે જમણા હાથે જમશો નહીં. જરા અહીંયા થયું છે એ દુખાવો વધી જશે. તોય પાછું જમતી વખતેય મહીં જમણો હાથ પેસી જાય. એટલે લાઈન ઓફ ડિમાર્કેશન નાખેલીને, કે એ ‘આપણું ન્હોય’. અને એટલું ખ્યાલમાં રાખવું કે જે કંઈ દુઃખ આપે, કંઈ અવળી અસર કરે એ ‘આપણું ન્હોય’ અને આપણું એ અવળી અસર કરે નહીં. બસ, આ બે વાત સમજી લો. સહેલી છે ને, બસ ! અસરોથી મુક્ત, પરાક્રમથી જગત આખું પ્રતિપક્ષી ભાવથી કર્મ બાંધે છે. સ્વરૂપજ્ઞાનીને પ્રતિપક્ષી ભાવ ના હોય. અસર થાય પણ કર્મ ના બંધાય. અને જ્યારે પરાક્રમ ઊભું થાય ત્યારે તો અસર પણ ના થાય. અસરમાં શું થાય કે કોઇ ગાળ ભાંડે તો ‘આ મને આવું બોલ્યા જ કેમ?’ એમ થાય. પણ પરાક્રમ શું કહે છે કે ‘તે તારી ભૂલ હશે માટે જ કહે છે, ને ખોટ ગઇ તે વેપાર કરતાં આવડતું નથી તેથી.’ આમ, પોતે પોતાની જોડે વાતચીત કરીએ તો પોતાની ઓળખાણ થાય, ‘પોતાની’ ગાદી પર, શુદ્ધાત્માની ગાદી પર બેસવાનો પરિચય થાય. આ તો ગાદી પરથી તરત ઊઠી જાય છે ! એ અનાદિકાળનો પરિચય છે તેથી અને ભોગવટો બાકી રહ્યો છે તેથી!! ડિપ્રેશનની અસરો પણ પુદગલ ની લાખો માણસ ડિપ્રેશન કરાવવા આવે તો સહેજ ડિપ્રેશન ના થાય. લાખો નહીં, કરોડો માણસ ભલે હોય પણ ડિપ્રેશન થાય નહીં. ડિપ્રેશન શેને માટે આવવું જોઈએ ? અત્યારેય ડિપ્રેશન ‘તમને’ નથી આવતું. ડિપ્રેશન જે આવે છે તે ‘ચંદુભાઈ’ને આવે છે, તમને પોતાને તો આવતું નથી. પણ તે ખરી રીતે લોક એક્સેપ્ટ (સ્વીકાર) કરે નહીં ને ! લોક એક્સેપ્ટ ક્યારે કરશે ? ચંદુભાઈને પણ ના આવે ત્યાં સુધી ‘તમારે’ પુરુષાર્થ કરવાનો. હજુ ચંદુભાઈને ડિપ્રેશન આવે છે ને, એ આવે નહીં એનું નામ પૂર્ણાહુતિ. આ અત્યારે ‘તમને’ પોતાને ડિપ્રેશન નથી આવતું એવું હું યે જાણું છું કે આત્મસ્વરૂપે તમને ડિપ્રેશન નથી. પણ આ બાહ્ય સ્વરૂપમાં ડિપ્રેશન આવે છે, આની અસર થાય છે. એટલે મોઢું પડી જાય છે. અને મહીં ડિપ્રેશનમાં આવી ગયા હોય તો આપણે ચંદુભાઈને કહેવું કે ‘અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં.’ પુદગલ ની અસરો, એ ન્હોય પોતાની તું કેમ હમણાંનો પાછો પડી ગયો છું ? શું ભૂલ થાય છે ? પ્રશ્નકર્તા : એનું સંશોધન કરું છું, ભૂલ પકડાતી નથી. દાદાશ્રી : એમાં તને શા માટે અસર થાય ? પછી પકડાયું ? પકડાયું તેય પુદગલ , નથી પકડાયું તેય પુદગલ અને પકડનારો તેય પુદગલ . ‘તું’ તો જાણનારો, આમાં તારે શી લેવા-દેવા ? તું તો પકડવા ગયેલોને? એવું થયું ? પ્રશ્નકર્તા : એવું જ થયેલું છે. ચારેય બાજુની ફાઈલો આવી એટલે એકદમ જરા ફાઈલનું એ(એનાલિસીસ) કરું, તો વધારે સફોકેશન થઈ ગયું. પછી એનું આ કયા આધારે છે એ હજી પકડાતું નથી. દાદાશ્રી : પણ આ આધાર પકડનારો તું શું કરવા થઉં છું ? તું જાણ. તું તો પકડનારો થયો એટલે બોજો આવ્યો, એટલે મોઢું બગડી ગયું. પ્રશ્નકર્તા : પણ ઊભું થયું કેવી રીતે, એ જોવાં જઉં છું. દાદાશ્રી : અરે, ઊભું થયું પુદગલ માંથી, ઊભું પુદગલ માંથી થશે. એ હતું તે જ સામાન પાછો. કંઈ નવો સામાન આવવાનો છે નહીં. એટલું તો કહ્યું છે. છતાં આમ કેમ કરે છે ? પ્રશ્નકર્તા : હવેથી એવી ભૂલ નહીં થાય. દાદાશ્રી : પણ ચંદુભાઈનો શો દોષ ? ‘આપણે’ મહીં પેસી જઈએ છીએને ! એ ખોળવા ગયો મહીં કે આનું મૂળ કારણ શું છે ? એ જાણવાની જરૂર, આપણે કંઈ ખોળવા જવાનું નહીં. એ તો ડી.એસ.પી.ને જ મોકલી દેવાના. ડી.એસ.પી.ને કહીએ, જાવ, તપાસ કરો. ડી.એસ.પી.ને બદલે આપણે જઈએ તો શું થાય? અને પગાર ડી.એસ.પી. મહીં ખાયા કરે આખો દહાડો, આઈસ્ક્રીમ ખાય, ફલાણું ખાય. હવે નહીં થાયને ભૂલ? વાળી લઈએ સ્પંદનો, પ્રતિક્રમણથી કોઈને આપણાથી કિંચિતમાત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચા થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીય ભૂલ. કેમ દાદાને ભોગવટો નથી આવતો ? કારણ કે એમની એકેય ભૂલ રહી નથી. આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય ને જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે, એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે (પ્રતિક્રમણ કરી) જમે કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તે ઉધાર થાય, પણ તરત જ કઙ્ખશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે ‘જોઈએ’ ત્યારે. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઈફેક્ટ થાય કે પેલાને જે દુઃખ થયેલું છે તેની એને અસર રહી જાય, તો એ વેર બાંધે. એ અસર આપણા નિમિત્તે ન કરવી જોઈએ બનતાં સુધી. તો આપણે ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.’ એટલે સામાને અસર ના રહે, બસ. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે. પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ? દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદગલ ને પણ ધકેલે છે કે ‘ભઇ, ફોન આવ્યો તારો.’ આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી. આત્મદ્રષ્ટિની અસર સ્વને જ પ્રશ્નકર્તા : પણ આપણા આત્માના જે ભાવ હોય, તે સામાના આત્માના ભાવને અસર ના કરે? દાદાશ્રી : આત્મા ઉપર તો કશી ઈફેક્ટ અડે જ નહીં. ઈફેક્ટ થાય તો સંજ્ઞી કહેવાય. આ તો આત્મા છે એ હંડ્રેડ પરસેન્ટ ડિસાઈડેડ (સો ટકા નક્કી) છે. જ્યાં મેમરી ના પહોંચે ત્યાં આત્માના પ્રભાવથી થાય છે. આત્મા અનંત શક્તિવાળો છે. એ એની પ્રજ્ઞાશક્તિ પાતાળ ફોડીને દેખાડે છે. આ પ્રતિક્રમણથી તો પોતાને હલકા થયેલા ખબર પડે, કે હવે હલકો થઈ ગયો અને વેર તૂટી જાય, નિયમથી જ તૂટી જાય. આ સહીઓ અંદરની છે, રાગ-દ્વેષની સહીઓ છે. સામાને ને આપણે કશું લેવાદેવા જ નથી. ફક્ત જો લેવાદેવા હોય તો તમે પ્રતિક્રમણ કરો છો તે. પ્રતિક્રમણેય સમજાવું જોઈએ. કારણ કે આત્મા વીતરાગી સ્વભાવનો હોવાથી એ પ્રતિક્રમણ પહોંચે છે. એ અમારી જાત અનુભવીને મૂક્યું છે આ. તમનેય થોડાઘણા અનુભવ તો થયા હશે ? આપણે શુદ્ધાત્મા છીએ અને એય શુદ્ધાત્મા છે. આપણે લૂગડાં જોડે શું લેવાદેવા ? લૂગડાં તો રેશમીય હોય ને કકરાંય હોય. આ શરીર એ તો બધા લૂગડાં છે! અટાવી-પટાવી કામ કાઢી લો પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું. દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ ના થાય એ રીતે. કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાને સુખ આપીએ તો બધા જવા દે. બધાને રાજી રાખવાના. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને ‘કેમ છો સાહેબ ?’ કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ ‘ટેસી’વાળા છે! તે પાછું તોફાન માંડે! કોઈનો આપણને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે. પાંચ આજ્ઞાથી અસર મુક્તિ આપણે તો આ જે પાંચ આજ્ઞા છે ને, એ તમારી સેફસાઈડ છે બધી રીતે. એમાં તમે રહોને, તો કોઈ તમને હેરાન નહીં કરે, વાઘ-સિંહ કશુંય. વાઘને જેટલો વખત તમે શુદ્ધાત્મા તરીકે જુઓ, તેટલો વખત એ એનો પાશવી ધર્મ, પશુયોનિનો જે ધર્મ છે તે ભૂલી જાય. એનો ધર્મ ભૂલ્યો એટલે થઈ રહ્યું, કશું કરે નહીં. પ્રશ્નકર્તા : એટલે સામામાં શુદ્ધાત્મા જોવાથી એનામાં કોઈ પરિવર્તન આવતું હશે ? દાદાશ્રી : ઓફકોર્સ (ચોક્કસ), તેથી જ હું કહું છું કે ઘરના માણસોને શુદ્ધાત્મા તરીકે જુઓ. કોઈ દહાડો જોયા જ નથીને ! તમે ઘરમાં પેસતા છે તે મોટા છોકરાને જુઓ તો તમને આમ દ્રષ્ટિમાં કશું ના હોય. દ્રષ્ટિમાં કેમ છો, કેમ નહીં, બધું કરો પણ અંદરખાને કહે, સાલો નાલાયક છે. એવું જુઓ તો એની અસર થાય. જો શુદ્ધાત્મા જોયા તો એની અસર થાય. પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહીએ છીએ કે નહીં એ કેવી રીતે ખબર પડે? દાદાશ્રી : એ તો બધુંય ખબર પડે કે આ આજ્ઞામાં જ રહે છે. એટલે સમાધિ રહે નિરંતર. કોઈ ગાળો ભાંડે કે બીજું કંઈ ભાંડે, તેને પણ કશું અસર જ ના રહેને ! આજ્ઞામાં રહે એની તો વાત જ જુદીને! એ તો એની વાત પરથી ખબર પડી જાય, એની વાતોમાં કષાય ના હોય. બહુ જ જાગૃતિ હોય. આ જગત નરી અસરવાળું છે. એ એટલું બધું ઇફેક્ટિવ (અસરવાળું) છે કે ન પૂછો વાત. આ વિધિઓ કરીએ છીએ તે અમે એવું જ કરીએ છીએ, અસર મૂકીએ છીએ, વિટામીન મૂકીએ છીએ. એટલી શક્તિ ઉત્પન્ન થઈ, નહીં તો શક્તિ કેમ કરીને થાય તે ? હું અનંત અવતારની કમાણી લઈને આવ્યો છું અને તમે એમ ને એમ રસ્તે હેંડતા આવ્યા. ના ફાવતો માણસ આવે એટલે મહીં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ કૂદાકૂદ કરે. તે ઘડીએ આપણે કહીએ કે સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બધું ચૂપ થઇ જાય. સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ સામા માણસ પર એની અસર પડે ને સામો પણ ઠંડો થઇ જાય. કોઇ વખત બહુ ચીકણો હિસાબ હોય તો ઠંડો ના પણ થાય ! તે આપણે જોવાનું નહીં, આપણે તો દ્રઢ નિશ્ચય કરવાનો કે સમભાવે નિકાલ કરવો જ છે. મોડો-વહેલોય એ નરમ પડ્યા વગર રહે જ નહીં. બધું ‘વ્યવસ્થિત’ પ્રમાણે થાય જ. આ તો બધો સંસાર હિસાબ છે અને વ્યવસ્થિત છે એક્ઝેક્ટ. તમે નિર્ભય રહેજો. જે ભય આવે તેને જોયા કરજો. ‘દાદા, દાદા’ બોલ્યા કરશો, તો કશું અસર થશે નહીં. પરમાત્મા શક્તિ એ જ સ્વસત્તા તમને મેં તમારી પરમાત્મશક્તિ ‘ઓપન’ (પ્રગટ) કરી આપી છે. એ જ સંપૂર્ણ સત્તા છે. જે સત્તા પરથી કોઇ ઉઠાડી મેલે એને સત્તા જ કેમ કહેવાય ? સ્વસત્તા આગળ તો પરમાત્મા પણ નામ ના દઇ શકે. અત્યારે તમારી પાસે જે ધન છે તે પરમાત્મા પાસે પણ નથી. પ્રશ્નકર્તા : એ કઇ રીતે ? દાદાશ્રી : પરમાત્મા પાસે રેકર્ડ (વાણી) નથી. બોલવા-ચાલવાની બીજી મિકેનિકલ શક્તિ નથી. એટલે એ બીજાનું કંઇ જ કલ્યાણ ના કરી શકે! જ્યારે તમે સ્વસત્તા સાથે લોકોનું કલ્યાણ કરી શકો ! માટે વાતને સમજો. કરવાનું કંઇ જ નથી. જ્યાં જ્યાં કરવાનું છે એ મરે છે ને સમજવાનું છે ત્યાં મુક્ત છે. આપણું કોઇ ઘોર અપમાન કરે તો તે બીજાની સત્તા આપણી ઉપર ચઢી બેસવી ના જોઇએ. અપમાન તો શું પણ નાક કાપી લે તોય બીજાની સત્તા માન્ય ના કરીએ! એની અસર ના થવા દઇએ. ના પોષાય હવે, અસરોની નિર્બળતા આ અસર થાય છે ત્યાં સુધી નિર્બળતા છે. ભયંકર નિર્બળતા ! માણસને અસર ના જ થવી જોઈએ. જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, તે એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ અને જેટલી બાબતમાં જ્યાં જ્યાં અસર કરે, તે હજુ કક્ષા બાકી રહી છે. જ્યારે આ જગતમાં કોઈ પણ દ્વંદ્વ અસર ના કરે, કોઈ પણ વસ્તુ અસર ના કરે, ‘હું પરમાત્મા છું’ એવું ભાન થઈ જાય કે થઈ ગયું કલ્યાણ ! જય સચ્ચિદાનંદ |