|
કામ કાઢી લો સંપાદકીય પરમ પૂજ્ય દાદા ભગવાન ઉદબોધિત સત્સંગમાં અનેકવાર ‘કામ કાઢી લો’ શબ્દ પ્રયોગ થયેલો છે. આ ‘કામ કાઢી લો’ શબ્દ કોઈ શબ્દકોષમાં જોવા નહીં મળે, કારણ આ તો જ્ઞાનીના હૃદયમાંથી સરેલા શબ્દો છે. એ શબ્દો જ્ઞાનીનું હૃદય જ છે એમ કહીએ તો અતિશયોક્તિ તો ના જ કહેવાય ને ! આ ‘કામ કાઢી લો’ શબ્દ પાછળના ગૂઢ રહસ્યોને તો જ્ઞાની સિવાય કોણ સમજાવી શકે ? એ શબ્દો પાછળ જ્ઞાનીની ભારોભાર કરુણા છલકાતી જોવા મળે છે, કે હે જીવ ! આવું અનેરું વિજ્ઞાન મળ્યું, હવે તો બુઝો ! અનંત અવતાર દેહ અને દેહના સગા પાછળ વેડફયા, હવે આ એક અવતાર જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલો તો કોઈ તમારો મોક્ષ રોકી શકે એમ નથી. ‘કામ કાઢી લો’ શબ્દનો ગૂઢાર્થ સમજાવતા દાદાશ્રી અહીં એક વસ્તુ ઉપર અંગુલિનિર્દેશ કરે છે કે પરીક્ષા એવી આપો કે પાસ થવા માટે કોઈને આજીજી ના કરવી પડે. જ્ઞાન મળ્યાની ખુમારી તો હોય જ પણ સાથે સાથે જાગૃતિપૂર્વક પાંચ આજ્ઞા પાલન માટે પણ એવી જ ખુમારી આવવી જોઈએ. પાંચ આજ્ઞા એ તમામ શાસ્ત્રનો અર્ક છે, હવે બાકી રહ્યું શું ? ‘આજ્ઞા એજ ધર્મ અને આજ્ઞા એજ તપ !’ જે કરોડો અવતારે પ્રાપ્ત ના થાય એવું આત્માનું લક્ષ તે સહજમાં મળી ગયું. હવે તો જ્ઞાનીના જ્ઞાન અને સત્સંગનો પરિચય કેમ કરીને વધે એની જ પેરવીમાં રચ્યા રહેવું. એ માટે શું કરવાનું ? સંસારની ચીજો ઉપર જે ભાવ છે તેનું ડિવેલ્યુએશન કરતા જવાનું. એટલે બધું રાગે પડી જાય. એ માટે દાદાશ્રી સરસ ચાવી સૂચવે છે કે વ્યવસ્થિતના જ્ઞાને જાગતા ઊંઘજો અને જીવતા મરી જજો. આ એક જ ચાવી સર્વ સંજોગોમાં અસરમુક્તિ રાખી જ્ઞાનજાગૃતિ વધારવા માટે અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. અનંત જન્મોની પુણ્યૈના પરિપાક રૂપે આવો અપૂર્વ અવસર મળ્યો છે તો પછી ‘કામ કાઢી લેવા’ માટેના પુરુષાર્થમાં વિલંબ શાને ? હવે તો ભેખ જ માંડવાની છે કે બસ ‘આ એક જ’, બીજું કશું જ નહીં. બસ મોક્ષનું નિયાણું જ કરી નાખવાનું, જેથી લાંબા અવતાર ના થાય. અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગવાની છે તો શું કરવું પડે ? દાદાની પાછળ પડવું જોઈએ, એમના કહેલા શબ્દની પાછળ પડવું જોઈએ. જ્ઞાનીએ ચિંધેલા માર્ગે એક ભવ સિન્સીયરલી, પોલ વગરનો પુરુષાર્થ આદરી લો હવે. તો ચાલો, આપણે સહુ દ્રઢ નિશ્વયપૂર્વક જ્ઞાનીએ ચીંધેલા માર્ગે કામ કાઢી લેવાનો પુરુષાર્થ આદરી લઈએ. અને તે માટેની સચોટ સમજણ પ્રસ્તુત સંકલનમાં આલેખાયેલી છે. જેના જાગૃતિપૂર્વકના ઉપયોગે અવશ્ય કામ નીકળી જશે, તે નિઃસંદેહ છે. જય સચ્ચિદાનંદ કામ કાઢી લો કામ કાઢી લો એટલે શું ? પ્રશ્નકર્તા : દાદા, આપ કાયમ કહો છો ને ‘તમારું કામ કાઢી લો, તમારું કામ કાઢી લો’, એ અમારે અમારું કામ કેવી રીતે કાઢવું ? દાદાશ્રી : કામ કાઢી લો એટલે અમે જે કહીએ છીએને એ રીતે જ ચાલો. પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહો ? દાદાશ્રી : હં. અનંત અવતાર ઢીલાઢીલ કરી છે, તે ના કરશો. નહીં તોય કંઈ વ્યવસ્થિત ફરી જવાનું નથી, તમે આમથી આમ બૂમાબૂમ કરશો તોયે. માટે આ એકલું કરી લો. આ કામ કાઢી લો એટલે શું કહીએ છીએ અમે? અમે એમ નથી કહેતાં કે તમે પૂરી જ આજ્ઞા પાળો. એવું રોજ ગા ગા હું કરું નહીં. પણ કામ કાઢી લો એટલે આપણે સમજી જવું કે આપણને આજ્ઞા વધારે પાળવાની કહે છે, આજ્ઞામાં જાગૃત રહેવાનું કહે છે. એટલે જાગૃત રહો આજ્ઞામાં, એવું હું કહેવા માંગું છું. એટલે આપણું કામ નીકળી ગયું. પરીક્ષામાં પ્રોફેસર શું કહે કે ભઈ, એવી પરીક્ષા આપો કે માર્ક ઉમેરવા ના પડે, કોઈને આજીજી ના કરવી પડે, એવી રીતે પરીક્ષા આપો. એટલે પેલાએ સમજી જવું જોઈએ કે વધારે વાંચવું પડે. બધુંય પદ્ધતિસરનું હોવું જોઈએ. એવું હું કહેવા માંગું છું, કામ કાઢી લો એ! જ્ઞાનીની આજ્ઞા એ તો સચોટ વસ્તુ કહેવાય. ભેળસેળ વગરની, નિર્ભેળ વસ્તુ કહેવાય. આ આજ્ઞા જો પાળેને, તો કામ કાઢી નાખે એવું છે. જ્યારે તીર્થંકરો હાજર હોય છે, ત્યાં સુધી શાસ્ત્ર-ધર્મ-તપની ના પાડે છે. એ જે આજ્ઞા આપે એ આજ્ઞામાં જ રહેજે. આજ્ઞા મોક્ષે લઈ જશે. એમ અમે અત્યારે શાસ્ત્ર વાંચવાની ના કહીએ છીએ. આજ્ઞા પાળજે ને ! કામ થઈ જશે. જો કામ કાઢી લેતા વાર નથી લાગે એવું. અને પુસ્તક વાંચવાનું પણ કહ્યું નથી. મહેનત કરવાની કશી કહી નથી. પુસ્તકેય વાંચવાની જરૂર નથી. જ્ઞાન બધું હાથમાં લખી આપ્યું છે ને!! એક પાંદડા ઉપરને. એક વટ પત્ર ઉપર લખી આપે, એટલું જ લખી આપ્યું છે ને બીજું કંઈ કરવાનું નથી. પ્રશ્નકર્તા : પળાય એટલી દાદાની આજ્ઞા નિષ્ઠાપૂર્વક પાળીએ, છતાં દાદા કહે છે કામ કાઢી લેજો. તો હવે કામ કાઢી લેવા માટે કેટલી ઉતાવળ ને શું કરવું પાછું ? હવે કંઈ બીજો કોઈ રસ્તો છે ? દાદાને જોયા કરીએ, દાદાની પાસે બેસીએ, દાદા નિરંતર હાજર લાગ્યા કરે ! દાદાશ્રી : આ પાંચ આજ્ઞા પાળેને એમાં બધું આવી જાય છે અને સહેલી છે પાછી. છતાંય બીજી વસ્તુ એને હેરાન કરે તેય સમજીએ છીએ. પાછલો ભરેલો માલ એને હેરાન કરે ને? ધક્કા મારેને ? તેય અમે ના નથી કહેતા, ભઈ મારે એ. છતાં તું ડાહ્યો થઈને કામ કાઢી લે. પ્રશ્નકર્તા : એટલે કામ કાઢી લેવું એટલે દાદા, આજ્ઞા પાળવીને? દાદાશ્રી : બધું જ આવી ગયું, આજ્ઞા એકલી પાળવી (એટલું જ) નહીં. કામ કાઢી લેવું એટલે આપણે (કહીએ), દાદા, હવે હું મારું કામ કાઢી લઉં તો કશો તમને વાંધો છે ? ત્યારે હું કહું કે ના, બસ. એ તો પછી હવે નહીં કહું. હું મારું કામ કાઢી લઉં એવું તું કહું એટલે હું ફરી વાત નહીં કહું. હવે બાકીનું કામ કાઢી લો તમે પ્રશ્નકર્તા : પણ દાદા, કામ તો દાદાએ જ કાઢી આપ્યું છે. દાદાશ્રી : હા, કાઢી આપ્યું છે દાદાએ પણ એ કાઢી લો એટલે તમારે કાઢી લેવાનું. કાઢી આપ્યું એ જુદી વસ્તુ ને કાઢી લો એ જુદી વસ્તુ છે. આ તો મેં દેહાધ્યાસ કાઢી આપ્યો છે. શું કાઢી આપ્યું છે? પ્રશ્નકર્તા : દેહાધ્યાસ કાઢી આપ્યો. દાદાશ્રી : આ જે મશીન (સ્વરૂપ જાગૃતિ રૂપી) આપ્યું એ મશીન તમે ચાલુ રાખો તો ફર્સ્ટ કલાસ ચાલે. દેહાધ્યાસ છૂટે તો બંધન જાય. ‘છૂટે દેહાધ્યાસ તો નહીં કર્તા કર્મનો.’ હવે દેહાધ્યાસ છૂટી ગયો, હંડ્રેડ પરસન્ટ છૂટી ગયો. એટલે આ અમે ફરી બોલ બોલ કરીએ છીએ કે આ ભવમાં નિશ્ચય (પાકો) બેસી જાય. નિશ્ચય અદબદ રહેશેને, તો મહીં અદબદ ભેગું થઈ જશે. જેવી સમજણ એવું બહાર થઈ જાય. એટલા હારુ આ તમને કહીએ કે બિલકુલ પ્યૉર છે, જે પ્યૉર (શુદ્ધ) અમારા કહ્યા પ્રમાણે રહેશે. બીજું ગમે તેવું થાય તોય અડે નહીં. એને અડવાનુંય નથી. અડેય નહીં ને નડેય નહીં. આ તો વિજ્ઞાન છે. આત્માથી નિઃશંક થયા પછી... તમને જ્ઞાન લેતી વખતે કલાક જ થયો હતો કે વધારે લાગ્યો હતો ? પણ કેવું ઊગી નીકળ્યું ? નહીં તો કેટલા અવતારે જ્ઞાન પ્રગટ થાય ? આ તો આપણું અક્રમ વિજ્ઞાન છે ! વિજ્ઞાન બહુ ફર્સ્ટ ક્લાસ છે આ! આ તો મોટામાં મોટી અજાયબી છે ! આ તો વર્લ્ડમાં ના મળે એવી અજાયબી અને કલાકમાં આત્મા પ્રાપ્ત થાય છે. નહીં તો વળી આ નોકરી કરતા માણસો આત્મા પામતા હશે ? આ તો તીર્થંકરો સિવાય આત્માથી કોઈ નિઃશંક થયેલો નહીં. ફક્ત ક્ષાયક સમકિતી હતા કૃષ્ણ ભગવાન જેવા, તે આત્માથી નિઃશંક થયેલા અને તમે તો આત્માથી નિઃશંક થઈ ગયા છો. તમને હવે શંકા નથી ને કે આત્મા આવો હશે કે તેવો હશેકે કંઈ શંકા પડે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : માટે આત્માથી નિઃશંક થઈ ગયા. અબજો રૂપિયા આપે તોય આ પદ નથી મળે એવું, તે આજના લોકને એ સમજાતું નથી. આ તો એટલું બધું ઊંચું પદ છે. એ પદનું રક્ષણ કરજો આવું પદ શાસ્ત્રમાં નથી થયું, એ પદ શી રીતે આ પ્રાપ્ત થાય ? આ પદ જે મળ્યું છે તમને, એ અજાયબ પદ મળ્યું છે. માટે એવું સાચવજો, એવું સાચવજો, કારણ કે આવું પદ દુનિયામાં ઉત્પન્ન થયું જ નથી ક્યાંય ! અરે, આ પદ જે તમને મળ્યું છે ને તે બધા સાધુઓ, જૈનોને, વૈષ્ણવોને બધા ભેગાં કરે અને તમારું પદ કહે તો એ કહેશે, આવું પદ હોય જ નહીં. એ તો સત્યુગમાંય નહોતું. આ તમારું પદ જ કોઈની ધારણામાં ના આવે એવું ગજબ પદ છે, ઊંચું પદ છે! કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એનું રક્ષણ કરજો. જ્ઞાનની કિંમત તો સમજો આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છેને, તે પાંચ અબજ રૂપિયા આપો તોય આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. પાંચ લાખ અવતારેય ના થાય, એવું એક કલાકમાં થાય છે. આની ઉપર (વ્યર્થ દલીલો કરી) ટાઈમ બગાડવા જેવું નહીં. આ વિવરણ કરવા જેવી ચીજ ન્હોય. ધીસ ઈઝ ધ કેશ બેંક ઑફ ડિવાઇન સોલ્યુશન. કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ મળશે, એવું તેવું કશું કહેવાય નહીં. આ સમજમાં આવે છેને? અને કેશ બેંક કહ્યું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ? કેમ લાગે છે તમને ? એટલે આ તો અજાયબ વસ્તુ થયેલી છે. કામ જ કાઢી લેવા જેવું છે. અબજો રૂપિયા જતા હોય તો ભલે જાય. છતાં ધંધો ભેલાડી નહીં દેવો. પારકો ભાગ એ નહીં ‘મારો’ ગૂંચવાડાનો ‘એન્ડ’ (અંત) ક્યારે આવે ? રિલેટિવ અને રિયલ આ બે જ વસ્તુ જગતમાં છે. ઑલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ અને રિયલ ઈઝ ધી પરમેનન્ટ. હવે પરમેનન્ટ (કાયમી) ભાગ કેટલો અને ટેમ્પરરી (હંગામી) ભાગ કેટલો, એની વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન (ભેદરેખા) નાખી આપે, તો ગૂંચવાડો બંધ થાય, નહીં તો ગૂંચવાડો બંધ થાય નહીં. ચોવીસેય તીર્થંકરોએ એ ડિમાર્કેશન લાઈન નાખેલી. હવે આ રિયલ અને રિલેટિવનો ભેદ પાડવો, તે જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈનું કામ જ નહીંને! કુંદકુંદાચાર્યએ આ લાઈન નાખેલી અને અત્યારે અમે આ ડિમાર્કેશન લાઈન નાખી દઈએ છીએ કે તરત એને રાગે પડી જાય છે. રિલેટિવ અને રિયલ, આ બેના ગૂંચવાડા વચ્ચે લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપીએ કે આ ભાગ તારો અને આ પારકો ભાગ છે. હવે પારકા ભાગને ‘મારો’ માનીશ નહીં, એવું એને સમજાવી દઈએ કે એનો ઉકેલ આવી ગયો. શુદ્ધાત્માના લક્ષે કામ કાઢી લો એટલે આ જગતનું લક્ષ બેસે પણ પોતાના સ્વરૂપનું લક્ષ ક્યારેય ના બેસે, એવો એ અલખ નિરંજન છે. એ લક્ષ જ્ઞાની પુરુષ બેસાડે, ત્યારે પછી છૂટકારો થાય. નહીં તો છૂટકારો થાય નહીં અને સંસારનું લક્ષ તો સહેજ વાત વાતમાં બેસી જાય. આપણે એમ કહીએ કે આ તમારા ભાગીદાર, તે બીજે દા’ડે લક્ષ બેસી જાય કે આ મારા ભાગીદાર આવ્યા. કંઈ ચૂકે-કરે નહીં. દા’ડે પગ ભાંગી ગયો હોય અને રાતે ઊઠતી વખતે તરત લાકડી યાદ આવે. અલ્યા મૂઆ, આ એક દા’ડામાં તને કેવી રીતે યાદ આવ્યું કે આ પગ ભાંગી ગયો છે ? ત્યારે કહે, ‘ના, એ લક્ષ બેસી ગયું.’ રાતે કહેશે, ‘મારી લાકડી લાવ.’ ‘અલ્યા, શાની લાકડી કહો છો ?’ ત્યારે કહે, ‘મારો પગ તૂટેલો છે ને !’ તે મૂઆ, એક દા’ડામાં ભૂલી નથી જતો? ના ભૂલે, એનું નામ લક્ષ બેઠું કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ બેસે, એને બહુ મોટામાં મોટી વસ્તુ ભગવાને કહી છે. ત્યાં ક્રમિક માર્ગમાં તો શબ્દની પ્રતીતિ હોય, તેની બહુ કિંમત છે. શુદ્ધાત્માના જે ગુણ છે એ ગુણ ઉપર પ્રતીતિ બેસે કે ‘આ હું છું.’ એની બહુ મોટી કિંમત ગણી છે, એને સમકિત કહ્યું છે, તેય પાછી શબ્દની પ્રતીતિ. અને તમારે તો ‘વસ્તુ’ (આત્મા)ની પ્રતીતિ થઈ, સ્વાભાવિક પ્રતીતિ છે એટલે ક્ષાયક પ્રતીતિ કહેવાય ! આ જ્ઞાન બહુ કામ કરનારું છે. હવે પછી અમારી આજ્ઞા પાળ્યા કરવી. આજ્ઞા સહેલી ને સરસ છે, રિલેટિવ ને રિયલ આખા દહાડામાં એક કલાક જોવું જ પડે ને ! અમે પાંચ આજ્ઞા આપીએ છીએને, તે આજ્ઞા જેટલી પાળો એટલો લાભ. ઓછી પાળો તો જરા લાભ ઓછો રહે. પણ તે ક્રોધ-માન-માયા-લોભ તો જતાં જ રહે છે, નબળાઈઓય જતી રહે છે. આ જ્ઞાન આપ્યા પછી મેં તમારામાં હિંસકભાવ ઉત્પન્ન થયેલો જોયો જ નથી. આ વિજ્ઞાન જ એટલું બધું સુંદર છે કે ઠેઠ સુધીનું કામ કાઢી નાખશે. વિજ્ઞાનનો લાભ ઉઠાવી લો હવે ‘હું ચંદુભાઈ છું’ એ જ્ઞાન ઉપર તો તમને શંકા પડી ગઈનેકે શંકા નથી પડી ? પોતાની જાત પર શંકા પડે એવું બહાર છે નહીં ને ? દસ્તાવેજમાંય લખે કે વકીલસાહેબે સહી કરી, કે તરત ‘એક્સેપ્ટ’! આટલા બધા લોક કબૂલ કરે છે, પછી એને શંકા જ શી રીતે પડે ? પ્રશ્નકર્તા : (અહીં) શંકા પડી છે. એટલે ‘હું’ આત્મારૂપ છું અને ‘ચંદુભાઈ’ એ પરસત્તા છે, પાડોશી છે. દાદાશ્રી : હા, ચંદુભાઈ એ પાડોશી છે. હવે એક ‘પ્લોટ’ હોય, તે જ્યાં સુધી તે બે ભાઈઓનો ભેગો હોય તો ત્યાં સુધી આખા ‘પ્લોટ’માં જે કંઈ થાય તે બન્નેને નુકસાન કહેવાય. પણ પછી બન્નેએ વહેંચણ કરી નાખ્યું હોય કે આ બાજુ ચંદુભાઈનું અને આ બાજુ બીજા ભાઈનું. તો તમારું વહેંચણ થયા પછી પેલા ભાગના તમે જવાબદાર નથી. એટલે એવું આત્મા અને અનાત્માની વહેંચણ થઈ છે. એમાં વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ મેં નાખેલી છે, ‘એક્ઝેક્ટ’ નાખેલી છે. એવું તો આ કાળમાં વિજ્ઞાન ઊભું થયું છે, તેનો લાભ આપણે ઉઠાવી લેવાનો છે. કોઈ દહાડો આ અહંકાર ઉપર વહેમ નથી પડ્યો. બધી વસ્તુ ઉપર વહેમ પડ્યો છે પણ અહંકાર ઉપર વહેમ નથી પડ્યો. ‘આ ચંદુભાઈ, તે હું છું’ એની ઉપર વહેમ પડ્યો એટલે અહંકાર ઉપર વહેમ પડ્યો કહેવાય. ભજવો રોલ નાટકનો, ‘ડ્રામેટિક’ અને ‘ચંદુભાઈ’ પર વહેમ પડ્યો, એ કાઢી નાખવાનો નથી આપણે. એને ‘ડ્રામેટિક’ (નાટકીય) રાખવાનો છે. કોઈ ભર્તૃહરિનો ખેલ કરતો હોય, તે આમ બધો પાઠ ભજવે. બૂમો પાડે, વૈરાગ લાવે, આંખમાં પાણી લાવે, રડે, અભિનય કરે. લોકો જાણે કે એને બહુ દુઃખ છે અને આપણે એને પૂછવા જઈએ કે ‘કેમ તમને બહુ દુઃખ હતું ?’ ત્યારે એ કહે, ‘ના, હું તો લક્ષ્મીચંદ છું. આ તો મારે ભર્તૃહરિનો પાઠ ભજવવાનો આવ્યો.’ એવું આ તમારે ‘ચંદુભાઈ’નો પાઠ ભજવવો પડશે. અને ‘પોતે કોણ છે’ એ જાણી ગયા, એટલે કામ થઈ ગયું! સંકલ્પ-વિકલ્પથી રહેજો દૂર અમારા શબ્દો જે અમે આપેલા હોય, તે જો પકડી રાખે ને તો ઠેઠ (મોક્ષ) સુધી પહોંચાડે. મેં ટિકીટ આપેલી હોય કે અહીંથી જાવ અમદાવાદ, તે પછી ટિકિટ ઘેર મૂકીને જાય, એવી બેકાળજી રહે તો શું થાય? અને મેં જે આપેલું હોય, તેમાં સંકલ્પ-વિકલ્પ આવે તો તે બગાડી નાખે. મેં દૂધમાં દહીં નાખીને, હલાવીને તમને આપ્યું હોય પણ રાત્રે એના મનમાં એમ થાય કે દહીં થયું હશે કે નહીં થયું હોય ? તે રાત્રે બે વાગે ઊઠી હોય ને મહીં જઈને દહીં હલાવે તો ઊલટો ડખો થાય ! રોકડામાં શું પૂછવાનું હોય ? જ્યાં ઉધાર હોય ત્યાં પૂછવાનું હોય. આપણે આપણું કેમ (કામ) થાય એ જ જોવાનું ને ? મહાવીર ભગવાન શું કરતા હતા ? કેમ એક સ્ત્રી પરણ્યા હતા? ત્રીસ વરસે એમને બેબી કેમ હતી ? તેવું પૂછવાનો શો અર્થ ? આપણે તો આપણું કામ કરી લો ! આપણે ભૂખ્યા હોઈએ તો જમી લઈએ. એટલે ભૂખ મટી જાય કે નહીં ? સાંજ સુધીનું દુઃખ મટ્યું કે ના મટ્યું ? એવું આ તો રોકડું છે. એમાં સંકલ્પ-વિકલ્પ ના કરાય. ધંધો રોકડનો, ઉઘાર નહીં અત્યારે તમે મારી જોડે અહીં બેઠા છો, તેય રોકડું ફળ મળે. અહીંનું જે કરો, એ બધું રોકડું ફળ મળે, ઉધાર નામેય નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. હવે અહીંનો એક ધક્કો તમે ખાવ તો તમને રોકડું ફળ મળ્યા વગર રહે નહીં. આ તો વિજ્ઞાન છે, જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે. આ તો એક આશ્ચર્ય છે ! અગિયારમું આશ્ચર્ય ઊભું થયું છે. આ દાદાની પાસે અનંત પ્રકારની સિદ્ધિઓ છે, નહીં તો વળી ધર્મમાં તે કેશ (રોકડું) તો બોલાતું હશે ? સાંધો મેળવી લો હવે અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ એટલે પ્રજ્ઞાને બેસાડી દઈએ, પછી એ પ્રજ્ઞા તમને ક્ષણે ક્ષણે ચેતવે. ભરત રાજાને તો ચોવીસેય કલાક ચેતવવા નોકરો રાખવા પડતા હતા ! ગમે તેવા વિકટ સંયોગો આવે ત્યારે અમારું જ્ઞાન હાજર થઈ જાય, અમારી વાણી હાજર થઈ જાય, અમે હાજર થઈ જઈએ અને તમે જાગૃતિમાં આવી જાવ ! ક્ષણે ક્ષણે જાગૃત રાખે તેવું અમારું આ ‘અક્રમ જ્ઞાન’ છે. આ કામ કાઢી લેવા જેવું છે. સાંધો જો એક ફેર મેળવી લીધો હોય તો કાયમી ઉકેલ આવી જાય! ‘હું શુદ્ધાત્મા છું’ એવું લક્ષ રહે છે, નિરંતર ? પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા. દાદાશ્રી : એ આત્મધ્યાન કહેવાય છે, શુક્લધ્યાન કહેવાય છે. શુક્લધ્યાન પ્રત્યક્ષ મોક્ષનું કારણ, માટે કામ નીકળી ગયું હવે. ‘દાદા, દાદા’ કર્યા કરો, ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કર્યા કરો. દાદા એ જ શુદ્ધાત્મા છે. અમે હઉ દાદા ભગવાનને નમસ્કાર કર્યા કરીએ. એ દાદા ભગવાન ચૌદ લોકના નાથ છે, પ્રગટ થયેલા છે! રોજ રાતે ‘હું શુદ્ધાત્મા છું’ બોલતા બોલતા સૂઈ જવું, અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો, સંસારી દુઃખ અડે નહીં હવે. આ ભૂલશો નહીં ને ? સાંસારિક મુશ્કેલીઓ આવે, હાથની-પગની, બહુ મુશ્કેલી થતી હોય તે ઘડીએ ‘છોને થાય, હું છું ને, ગભરાશો નહીં’ કહીએ અને નહીં તો બહુ શરીરને કંઈ અડચણ થતી હોય તો ‘મારું ન્હોય’ એમ કહો કે છૂટું રહે. કારણ કે લાઈન ઑફ ડિમાર્કેશન પાડી છે. આ તમારું ને આ તમારું ન્હોય, એવું બધું. એટલે આને રેગ્યુલર કોર્સમાં જરા સમજી લેવાની જરૂર છે. આ ભૂલશો નહીંને, હું બોલું છું તે ? એ પરમાત્મા યોગમાં જ રહો હવે આ પરમાત્મયોગ તમને આપ્યો છે. હવે ફરી ચૂકશો નહીં. કોઈ અવતારમાં નથી મળતું આ. આ અવતારમાં જ બન્યું છે આ ! આ અગિયારમું આશ્ચર્ય છે આ કાળનું ! માટે યોગ બાઝી ગયો છે. આ તો તમને પુણ્યૈથી યોગ બાઝી ગયો છે, તે ઉપર સુધી જોઈ આવ્યા છો, અમુક હદ સુધી તો બધું જોઈ નાખ્યું છે તમે અને તમારા લક્ષમાં છે ને કે શું શું જોયું છે તે ? આ જે પરમાત્મયોગ મેં તમને આપ્યો છે તે યોગમાં જ જેમ બને તેમ રહો. તમે પોતે પરમાત્મા બનો એવો યોગ આપ્યો છે ! વચ્ચે કોઈ અટકાવી શકે નહીં અને સંસારની બધી જ રામાયણ પૂરી થાય, અઢાર કોઠા યુદ્ધ જિતાય. કારણ કે શુદ્ધાત્મા એ જ કૃષ્ણ છે અને એ જ જિતાડનાર છે. આજ્ઞા આરાધને મુક્તિ સરળ અમારી આજ્ઞા એ ‘અમે’ જ છીએ, ‘પોતે’ જ છીએ. અમારી પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો. અમારી આજ્ઞામાં રહે તો કામ કાઢી નાખે એવું છે અને આજ્ઞા સહેલી છે, અઘરી નથી. ખાવા-પીવાની છૂટ, મુંબઈ શહેરમાં મોહમયી નગરમાં મોહ અડે નહીં, હવે ફોર્ટ એરિયામાં જાય તો કોઈ ચીજ લેવાની ઇચ્છા જ ના થાય, આકર્ષણ જ ના થાય. પહેલાં તો આમ ડાફાં મારે, આમ ડાફાં મારે. હવે એ આકર્ષણ ઊડી જાય! સંસાર ચાલે પણ અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. પાંચ આજ્ઞા પાળે તેને સંસારી દુઃખ અડે નહીં. આ વિજ્ઞાન એવું છે કે સંસારી દુઃખ જ અડે નહીં, એ પહેલી મુક્તિ અને પછી નિર્વાણ થાય ત્યારે બીજી મુક્તિ. મુક્તિના બે ભેદ. પહેલી મુક્તિ થઈ ગઈ, સર્વ દુઃખોથી મુક્ત થયા. જો અમારી આજ્ઞા પાળો તો દુઃખ અડે નહીં. દુઃખ હોવા છતાંય ના અડે. હા, ઉપાધિમાં સમાધિ રહે. આધિ-વ્યાધિ-ઉપાધિની અંદર, સખત ઉપાધિ હોય તો પણ સમાધિ રહે એવું આ ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે, અત્યંત કલ્યાણકારી ! ફક્ત અમારી આજ્ઞા આરાધન કરવાની છે. ભૂલ ભાંગે એનું કામ થઈ જાય અમારે તો અહીં કેટલાંય લોકોને જ્ઞાન આપ્યું છે, તે નિરંતર સમાધિમાં જ રહે છે. કારણ કે ડખો નહીંને ! એણે નક્કી કર્યું કે જે વાત આપણે માનતા હતા એ વાત દાદાના કહેવાના હિસાબે બધી ખોટી નીકળી. માટે એ વાત બાજુએ મૂકી દો. જે આપણને દુઃખદાયી લાગતું હતું, તે સુખદાયી થઈ પડ્યું. ઓહોહો આવું ! આ સુખદાયીને આપણે દુઃખદાયી માનતા હતા, એ ભૂલ હતી. એ ભૂલ ભાંગી જાય, એનું કામ થઈ જાય! ઉકેલ લાવી નાખો હવે અહીં કશું ના સમજતો હોય તો તેનો વહેલો ઉકેલ આવી જાય. આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે ! હવે આ સંસારનો કાયમ ઉકેલ લાવી નાખવાનો. આ સંસાર તો કોઈ દહાડોય સુખિયો જ ના થવા દે. દાદા કેટલો વખત યાદ આવે ? પ્રશ્નકર્તા : રોજ. દાદાશ્રી : તારે દાદા યાદ રહ્યા કરે છે કે ? પ્રશ્નકર્તા : દસ ટકા વ્યવહાર-ધંધો કરું, બાકી નેવું ટકા દાદાનું નિદિધ્યાસન રહ્યા કરે છે. દાદાશ્રી : બરોબર. એટલે નેવું ટકા રહે અહીં ને દસ ટકા જેવું જ સર્વિસમાં રહેતા હોય છેને ! ત્યારે ખરું. કામ કાઢી નાખ્યું છેને ! પ્રશ્નકર્તા : દાદા, આપના સ્મરણ અને નિદિધ્યાસનમાં કંઈ ફેર ખરો ? દાદાશ્રી : નિદિધ્યાસન તો મુખારવિંદ સાથે રહે અને સ્મરણ મુખારવિંદ વગર રહી શકે. નિદિધ્યાસન, મુખારવિંદ સાથેનું બહુ કામ કાઢી નાખે. ‘દાદા’ ‘એક્ઝેક્ટ’ ના દેખાય તેનો વાંધો નથી, આંખો ના દેખાય તોય વાંધો નથી, પણ મૂર્તિ દેખાવી જોઈએ. જેનું નિદિધ્યાસન કરીએ તે રૂપ થવાય. જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલો ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્માછે. અને આ દાદા યાદ રહે ને એ જ આત્મા. નહીં તો યાદ રહે શી રીતે ? જ્ઞાની પુરુષ એ તમારો આત્મા છે. માટે તમારો આત્મા જ્યાં સુધી તમને પ્રત્યક્ષ અનુભવ ના થાય, ત્યાં સુધી જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલો. આ તો તમને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે કે રાત-દહાડો તમને ચેતવે છે. નથી ચેતવતો? હવે ‘ચંદુભાઈ’ ગુસ્સે થયા કરે ને અકળાયા હોય તો મહીં ‘તમે’ ના પાડો. ‘નહીં, આ ન થવું જોઈએ.’ એ આ શું છે? આ બે કોણ ? પહેલા બે હતા નહીં. એ આત્મા હાજર છે નિરંતર. અક્રમ વિજ્ઞાનનો આત્મા એ, લાખ અવતારેય આવો આત્મા પ્રગટ ન થાય અને પ્રગટ થાય તો ચિંતા ન થાય. આ વર્લ્ડમાં કોઈ માણસ ચિંતા રહિત થયેલો નહીં, તે હું તમને ચિંતા રહિત કરું છું ! પણ તે મારી દશાએ બેસાડું ત્યારે જ ચિંતા રહિત થાય ને? એમ ને એમ થાય નહીં ને ! હવે પ્રેક્ટિસ કરવા માંડો ચિંતા બંધ થઈ જાય તો જાણવું કે હવે એ (એક) અવતારમાં મોક્ષે જવાના છીએ. આપણને ચિંતા જ ના થાય, સંસારમાં રહેવા છતાં, બૈરી-છોકરાં સાથે રહેવા છતાં, આ બધો વ્યવહાર કરવા છતાં ચિંતા ના થાય તો જાણવું કે એક અવતારમાં મોક્ષે જવાના છે, એ ખાતરી થઈ ગઈ. પ્રશ્નકર્તા : એ સ્થિતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. દાદાશ્રી : મુશ્કેલ તો છે પણ આ અક્રમ વિજ્ઞાન નીકળ્યું છેને, તે મોક્ષ તો ખીચડી કરતાય સહેલો થઈ પડ્યો છે ! એટલે આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ છે, એવી પુણ્યૈ જાગવી મુશ્કેલ છે અને પ્રાપ્ત થાય તો આપણું કલ્યાણ થઈ જાય. કારણ કે પુણ્યૈ જાગ્યા પછી તમારે કશું કરવાનું નથી. તમારે લિફ્ટમાં બેસવાનું, ફકત હાથ-પગ બહાર ના કાઢો, એટલા માટે આજ્ઞા આપેલી છે, તે પાળવાની ! અમે તો શું કહ્યું ? આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી. પણ આ આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો. હવે આ પાંચ આજ્ઞાઓ સહેલી ને સરળ છે. ઘર છોડવાનું નથી, બહાર છોડવાનું નથી, છોડીઓ-છોકરાં પૈણાવવાની છૂટ આપે છે. જીવતા મરી જાવ ને જાગતા ઊંઘો જગત વ્યવહાર ચલાવવા માટે આપણે કશું કરવાનું હોતું જ નથી. વ્યવહાર વ્યવસ્થિત ચલાવી જ લે છે, ‘એક્ઝેક્ટ’ ચલાવી જ લે છે. આપણે ઊંઘી જઈએ તોય મહીં ખાવાનું પચે છે, તો પછી જગતમાં નહીં ચાલે? એટલે આપણે શું કહ્યું કે થોડું ઘણું જાગતા ઊંઘવું પડે. જાગતા ઊંઘવું એટલે શું કે આપણે જાગતા હોઈએ અને પ્યાલો ફૂટે તો તે આપણે ઊંઘતા હોય ને પ્યાલો ફૂટે એવી અસર થવી જોઈએ. અસરમાં ફેર ના પડવો જોઈએ. આપણે ઊંઘતા હોય ને પ્યાલો ફૂટે ત્યારે કેવા ડાહ્યા રહીએ છીએ ? અને જાગતા ફૂટે ત્યારે કોણ વચ્ચે આમાં ભૂત પેઠું ? એ અહંકાર ને મમતાનું ભૂત પેઠું. એ ભૂતને આપણે ઓળખો એટલે પછી જાગતા ઊંઘાય એટલે ઉઘાડી આંખે ઊંઘવું, તો કશી ભાંજગડ જ નહીંને! અને તે શું ખોટું છે ? એવું છે, હવે ચંદુભાઈને એમનું કામ કાઢી નથી લેવું, હવે તો આપણે આપણું કામ કાઢી લેવાનું છે. તમારા સ્વરૂપમાં રહો નિરંતર એટલે વ્યવસ્થિત જ બધું તમારું ચલાવી લે છે. તમને જે જોઈશે એ તમારી પાસે આવીને ઊભું રહેશે. તમને જે ચીજની ઇચ્છા થાય તે ચીજ તમારી પાસે આવીને ઊભી રહે, તમારે મહેનતેય ના કરવી પડે એવું આ ‘જ્ઞાન’ છે. આ તો અલૌકિક વિજ્ઞાન છે. એટલે આપણે તો અહીં કામ કાઢી લેવાનું છે. પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત સમજ્યા પછી કોઈ વાતનો તાંતો નથી રહેતો. દાદાશ્રી : પછી તો ડખો જ ના રહેને ! આ વ્યવસ્થિત અમે જોઈને બોલ્યા છીએ. એટલે બહારની વાતમાં તમારે ચિંતા જ કરવાની નથી. તમે તમારા સ્વરૂપમાં રહો, નિરંતર ! તમારા હિસાબસર બધું તમારી પાસે આવશે. મારે પણ બધું હિસાબસર જ આવે છે. આવો કળિયુગ છે, દુષમકાળ છે, મુંબઈ જેવી મોહનગરી છે છતાં પણ મને કશું અડતું નથી ને વીસ વર્ષથી નિરંતર સમાધિ રહ્યા કરે છે. બોલો હવે, અત્યારે આ મોહમયી નગરીમાં આવું હોતું હશે ? પણ આ વિજ્ઞાન જ જુદું છે, અક્રમ વિજ્ઞાન છે, તરત જ મોક્ષફળ આપનારું છે. જ્ઞાનને સમજે તો કામ થઈ જાય આ તો વિજ્ઞાન છે. અપૂર્વ વિજ્ઞાન ક્યારેય પણ ઊભું ના થાય એવું દસ લાખ વર્ષે પ્રગટ થાય છે. નહીં તો બૈરી-છોકરાં સાથે કંઈ મોક્ષે જવાતું હશે ? ચિંતા બંધ થાય ? કોઈ જ્ઞાનીનેય ચિંતા બંધ નહીં થયેલી. આ તો અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ! એકનો એક છોકરો મરી જાય તોય સંતોષ રહે. વ્યવસ્થિત સમજી ગયો હોય, જ્ઞાનને સમજે તો કામ થઈ જાય, ના સમજે તો પછી એવું. આ વ્યવસ્થિત જો સમજે તો એની પર સંતોષ રહે. આ પાંચ અબજનો હીરો, આપણને સમજણમાં, ભાનમાં આવે, જ્ઞાનમાં આવે ત્યારે એ કામ ચાલે. વર્તમાનમાં રહો હવે પ્રશ્નકર્તા : દાદા પાસે આવ્યા પછી ખાત્રી થઈ ગઈ કે હવે આ દેહધારી પરમાત્મા છે, એટલે પછી જો તીવ્ર પુરુષાર્થ જો એનો હોય... દાદાશ્રી : બસ, તો બહુ થઈ ગયું. છૂટી ગયો એ, બીજો વાંધો નથી. નુકસાનકારક નથી અને સંસાર ચાલે એને માટે ઓળંબો આપ્યો. કારણ કે ત્યાં સુધી પેલું સંસાર ચલાવવાની ચિંતા રહેતી’તી. પણ આ તો ઓળંબો આપ્યો કે એય વ્યવસ્થિત ચલાવી લેશે. બધા ઓળંબા સાથે આપ્યું છે. તે કોઈ જાતની વરીઝ રાખ્યા સિવાય બધું આપ્યું અને ક્રમિક માર્ગમાં તો ઘર ચલાવવાની પછી ઉપાધિ, ધંધો ચલાવવાની ઉપાધિ, ભવિષ્યની ચિંતા પાછી. આ તો ભવિષ્યની ચિંતા-બિંતા કશુંય નહીં. ભૂતકાળ ગોન, ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાબામાં છે. એટલે આપણે વર્તમાનમાં, નિરંતર રહીએ. જેમ આ દાદા રહે છે ને વર્તમાનમાં એવી રીતે. એટલે ફ્રેશ દેખાય પછી દાદા. થાકેલા દાદા પણ ફ્રેશ દેખાય. એનું કારણ શું ? ત્યારે કહે, વર્તમાનમાં જ હોય. એટલે આ વ્યવસ્થિત તો બહુ હેલ્પીંગ છે. માટે કામ કાઢી લો. અત્યારે તમને કોઈ પરીક્ષા નથી, ટેસ્ટ એક્ઝામિનેશન નથી. આત્મા ભાને કરીને તમને પ્રાપ્ત થયો છે. એમાં તમારે કંઈ ટેસ્ટ એક્ઝામિનેશન આપવી પડતી નથી. આવો તાલ બેસે નહીં. મફતમાં, વગર મહેનતે મોક્ષ ! કામ કરે જાવ, નિશ્ચિંત થઈ ‘વ્યવસ્થિત’નો જો અર્થ સમજે તો તો કામ કાઢી નાખે. અને ભ્રાંતિવાળો હોય એ ક્યારે અર્થ એનો બગાડી નાખે એ કહેવાય નહીં. એ ફોડ જો સમજી જાય ને તો કામ થઈ જાય એવું છે અને સમજવું હોય તો અહીં સમજી શકે છે. વ્યવસ્થિત તો બહુ ઊંચી વસ્તુ છે. આ વ્યવસ્થિત જો સમજે ને, તો તેને આખો દહાડો સમાધિ રહે. વ્યવસ્થિત તો શું કહે છે કામ કરે જાવ. પછી પ્યાલા ફૂટી જાય તો વ્યવસ્થિત, એમ કરીને આગળ જાવ. કામ કરે જા તારી મેળે અને પછી પરિણામ આવ્યું તે વ્યવસ્થિત. કામ કાઢી લેવા જેવું ‘આ’ એક જ સ્ટેશન આવ્યું છે. માટે ખાવ, પીઓ અને પ્રાપ્ત સંયોગોને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગડ ના કરશો. સમતા ભાવે નિકાલ કરો પ્રાપ્ત સંયોગો વિના જગતમાં કોઈ વસ્તુ નથી. ‘પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખીને સમતા ભાવે નિકાલ કરો.’ આ ગજબનું વાક્ય નીકળી ગયું છે. આ એક જ વાક્યમાં જગતનાં તમામે તમામ શાસ્ત્રોના જ્ઞાન સારરૂપે આવી ગયા. પ્રાપ્ત સંયોગોના આપણે જ્ઞાતા-દ્રષ્ટા, અપ્રાપ્તના નહીં. અગિયાર વાગે કોર્ટમાં જવાનું હોય અને અગિયાર વાગે જમવાની થાળી આવી તો તે વખતે તે સંયોગ પ્રાપ્ત થયો કહેવાય. એનો પહેલાં સુમેળ રાખીને સમભાવે નિકાલ કરવો પડે. તે શાંતિથી જમી લેવાનું. ઓછું બે હાથેથી જમાય છે ? શાંતિથી જમવાનું એટલે ચિત્ત તે વખતે કોર્ટમાં ના જવું જોઈએ. તે ધોકડું અહીં ખાય ને તમે કોર્ટમાં હો. પહેલાં શાંતિથી જમો ને પછી કોર્ટમાં નિરાંતે જાવ. લોક શું કરે છે, કે પ્રાપ્ત સંયોગને ભોગવી જ નથી શકતાં ને અપ્રાપ્તની પાછળ રઘવાયા થઈને પડે છે. તે બેઉને ખોઈ નાખે છે. મૂઆ, જમવાનું પ્રાપ્ત થયું છે તેનો સુમેળ કર, તેને ભોગવ. તો જ તેનો નિકાલ થશે. કોર્ટ તો હજી દૂર છે, અપ્રાપ્ત છે. તે એની પાછળ ક્યાં પડ્યો ? સંયોગ પ્રમાણે કામ કાઢી લેવાનું. જ્ઞાની પુરુષનો સંયોગ મળે ત્યારે કામ ના કરી લે, તો થઈ જ રહ્યું ને ! આવી સાચી ને સરળ સમજણ કોણ આપે ? એ તો આત્મ-અનુભવીનું જ કામ. તો ઉકેલ આવી જાય તમે ‘સમભાવે નિકાલ કરવાનું’ નક્કી કરશો તો તમારું બધું રાગે પડશે. એ શબ્દમાં જાદુ છે. તે એની મેળે બધો નિવેડો લાવી આપશે. સમભાવ આખા જગત જોડે આપણને છે જ. ફક્ત આપણી જોડે જે બસ્સો-પાંચસો માણસ છે, જે આપણા ઋણાનુબંધવાળા છે ને, એની જોડે જ ભાંજગડ છે. એની જોડે જ સમભાવે નિકાલ કરવાનો છે. આ આટલાં હારુ અનંત અવતાર ભમીએ છીએ ને આખી દુનિયાની જોખમદારી લઈએ છીએ. પ્રશ્નકર્તા : દાદાએ મોટામાં મોટી શોધ આપી છે કે આખા જગત જોડે તમે વીતરાગ છો અને તમારી બસ્સો-પાંચસો ફાઈલ જોડે જ તમારે રાગ-દ્વેષ છે. દાદાશ્રી : બસ, બીજી ભાંજગડ છે જ નહીં. બસ, આટલું જ છે. આટલા હારુ બેસી રહ્યા છો ! જો બધાની જોડે હોતને, તો તો આપણે જાણીએ, ‘ચાલવા દો ને ! હઉ થશે, જે થાય એ ખરું’ પણ આટલા બસ્સો-પાંચસો માણસ હારુ અટક્યું છે. પાંચ અબજની વસ્તી છે, તેમાં બધા જોડે આપણે કશી ભાંજગડ નથી. બસ્સો-પાંચસો જોડે જ ને ? તે એટલા હારુ સમભાવે નિકાલ કરો ને! મારો અક્ષર માનો ને ! તો ઉકેલ આવી જાય ને ! દાદાઈ બેન્કથી ચૂકવો કેશ પેમેન્ટ પ્રશ્નકર્તા : જે કંઈ ફાઈલો છે, તેનો વહેલી તકે નિકાલ થઈ જાય તો સારું એવો ભાવ રહ્યા કરે છે. દાદાશ્રી : એ તો રહે જ ને ! એવું છે કે આપણી ભાવના છે ને વહેલું થવાની, એટલે વહેલો ઉકેલ આવી જશે અને કેટલાક માણસ શું કહે છે કે ‘સાહેબ, હમણાં અડચણ ના આવે તો સારું.’ ત્યારે એને એ મોડી આવશે, મરતી વખતે આવશે. મરતી વખતે જ્યારે શરીર મજબૂત હશે નહીંને, ત્યારે અડચણો આવશે. એટલે અલ્યા, મોડું ના બોલાવીશ. બધાને કહો કે ‘આજે હજુ છે મારામાં શક્તિ. શરીર મજબૂત છે. બધા આવે તો હું પેમેન્ટ કરી દઉં. દાદાઈ બેંક ખુલ્લી છે. લઈ જાવ બધા, હવે મારામાં શક્તિ છે. હવે હું તમને ધક્કા નહીં ખવડાવું.’ આ તો દાદાઈ બેંક છે, ધક્કા બેંક નથી. આ તો કેશ પેમેન્ટ. ધીસ ઈઝ ધ કેશ બેંક ઈન ધી વર્લ્ડ. માટે આપણે હવે ઉકેલ લાવી નાખવાનો છે. અટાવી-પટાવીને ઉકેલ લાવી નાખો દુકાન કાઢી નાખવાની નક્કી કરે ત્યારથી હવે શું ખરીદી કરવાની છે, એ બધું જાણતા હોય પોતે. હવે શું કરવાનું છે એય જાણતા હોય. ના જાણતા હોય કે ભઈ હવે ઉઘરાણી પતાવી દો. જેટલી પતે એવી હોય એ પતાવી દો, ના પતે એવી હોય તો આપણે ઝઘડા-બગડા કરવા નથી. લોકોની અહીં થાપણો હોય તે આપી દો. થાપણ એટલે લોકોની આપણે ચોપડે જે રકમ જમે હોય તે બધાને આપી દેવાની અને ના આપીએ તો રાત્રે બે વાગે પેલા બૂમો પાડે. જ્યારે ઉઘરાણી તો પેલો આપણને આપે કે નાય આપે. એ તો એના હાથની વાત છે. કોઈ ઉઘરાણી ના આપે ત્યારે કોર્ટમાં દોડો, વકીલો કરો ને બધા તોફાનમાં ક્યાં પડીએ? આપણે દુકાન કાઢી નાખવાની છે, તે હવે ખરીદી બધી જ બંધ કરી દેવી પડેને ? ને પછી વેચ-વેચ કર્યા કરવાનું છતાં માલ ના વેચાય તો તપાસ કરવી પડે કે ભઈ હમણે ઘરાકી કેમ નથી આવતી. તો પછી ખબર પડે કે ખાંડ નથી, ગોળ નથી એટલે લોકો આવતા નથી. ગોળ ને ખાંડ જોડે ના જોઈએ? એ ના હોય તો આપણે એ વેચાતા મંગાવવા પડે. કારણ ખાંડ થઈ રહી હોય, ગોળ થઈ રહ્યો તો લોકો પછી કહેશે, ત્યાં ખાંડ-બાંડ કશું મળતું નથી, હવે બીજી દુકાને હેંડો. લોકો બીજો બધો સામાન જ્યાં ખાંડ મળે ત્યાંથી લે, એટલે આપણે એટલા ખાંડના કોથળા મંગાવવા પડે. પણ દુકાન કાઢી નાખવાની છે. એ એને લક્ષમાં જ હોય કે રાતે ભૂલી જાય ? જ્યારથી નક્કી કર્યું ત્યારથી દુકાન કાઢવા જ માંડે ! રસ્તામાં કોઈ માલ વેચવાવાળો મળી જાય કે અરે ! તમને પંદર ટકા કમિશન આપીશ. આ માલ ખરીદી લો. ત્યારે કહેશે, કે ના ભઈ, મારે માલ નથી જોઈતો. હવે દુકાન કાઢવાનું નક્કી કર્યું છે એવું નક્કી કર્યા પછી દુકાન ફરી ના જમાવે ને ? એવું આપણે આ દુકાન કાઢી નાખવાની છે. હવે બધા હિસાબ ઉકેલ લાવી નાખવાના છે. અટાવી-પટાવીનેય ઉકેલ લાવી નાખવાના છે. શુદ્ધાત્માના બળે, કરો હિસાબ ચોખ્ખા પછી ઉઘરાણીવાળા આવે, થાપણવાળાયે આવે. એટલે આપણે કહેવું કે બીજા જે હોય, જેનું બાકી હોય તે બધા લઈ જાઓ જલદી. અમારે હવે આપી દેવું છે. એટલે પછી આપણે ત્યાં ભીડ તો થાય. ભીડ થાય, ગુંગળામણેય થાય. પણ આપણે આપી દીધા એટલે પછી છૂટા થઈ ગયા. ગુંગળામણ તો થાય, ભલે ને થાય પણ એક ફેરો આપી દીધા એટલે પછી ઉકેલ આવી ગયોને ! આમ ટપલે ટપલે માથું કાણું થાય, તેના કરતાં માર એક હથોડો, તે ઉકેલ આવી ગયો. એક જ હથોડે ઉકેલ આવી જાયને ? અને ટપલે ટપલે મારે તે માથું રૂઝાય નહીં અને લ્હાય બળ્યા કરે, એના કરતા એક હથોડો મારી દે તો ઉકેલ આવી જાય. ને સોનું તો એટલું ને એટલું જ રહેને કે સોનું ઓછું થાય? ઘાટ-ઘડામણ એકલી જાય. એટલે હવે ગુંગળામણ થાય તો વાંધો નહિ રાખવો. આવે તો સારું, ઉકેલ આવી જાય. બે-પાંચ આવે તો કહીએ, હજુ બીજા હોય તો આવી જાવ. હવે બધાને પેમેન્ટ કરી દઈશું. કારણ હવે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે બધું પેમેન્ટ થઈ શકે. દેવું તો હોય. દેવું તો કો’કને લાખનું હોય ને કોઈને પાંચ લાખનું હોય. પણ જેણે વાળવા માંડ્યું છે, જેને વાળવું જ છે, એને વાર નહીં લાગે. એટલે હવે આ ભવમાં કામ કાઢી લેવાનું છે. છતું થાય એની મેળે, કરવાથી થાય ઊંધું પ્રશ્નકર્તા : પણ દાદા, અમુક અમારી કુટુંબની ફાઈલો છે તેનો નિકાલ નથી થતો, પૂંછડે અટકી ગઈ છે, તો અમારે શું કરવું ? દાદાશ્રી : સ્ટેશને રાહ જોયા કરીએ પણ ગાડી તો એના ટાઈમે જ જવાની. બહાર જો જો કરીએ તો મૂર્ખ કહેવાઈએ. આ વીતરાગોનું વિજ્ઞાન છે, મોક્ષમાં રહીને કામ કરો. બધું કામ થઈ જશે ! વીતરાગ વિજ્ઞાન હોય ત્યાં કંઈ પણ પ્રિય ના હોય, ત્રાસ ના હોય, દુઃખ ના હોય, કશુંય નહીં. કેવું વિજ્ઞાન ! ચોવીસ તીર્થંકરો કેવા થઈ ગયા ! લોકો જો સમજ્યા હોત તો કલ્યાણ થઈ જાત ! એક અક્ષરે જો મહાવીરને ઓળખ્યા હોત તો કામ થઈ જાત ! છતું કરવાના વિચાર નહીં કરવાના, એની મેળે છતું થયા જ કરે. અને બહુ ઉપાધિ થતી હોય તો અહીં આવીને આશીર્વાદ લઈ જવા એટલે થઈ જાય. છતું કરવાનું ના હોય, કરવાથી ઊંધું જ થાય. હંમેશાં કંઈ પણ ‘કરવું’ તે ઊંધું જ થાય અને છતું એની મેળે થાય એવો નિયમ. પ્રશ્નકર્તા : ‘બ્યુટીફુલ’ ! કેવું સુંદર આપ્યું ! આ તો સાવ સહેલું કરી નાખ્યું, દાદા. દાદાશ્રી : ત્યારે શું બધું ? છતું એની મેળે થાય, કરવાથી ઊંધું થાય. પ્રશ્નકર્તા : આ તો મોટું રહસ્ય બહાર પાડ્યું, દાદાએ. લોકો તો બધા છતું કરવા જાય છે. દાદાશ્રી : કરવાથી તો બધા ઊંધું કરી રહ્યા છે ને ! ઊંધું કરવું હોય તો ‘કરો’. છતું કરવું હોય તો જ્ઞાતા-દ્રષ્ટા રહો, આજ્ઞામાં રહો. કામ કાઢી લો, આ ભવમાં જ પ્રશ્નકર્તા : દાદા, તમારી કૃપા વગર અમારાથી એ ગ્રંથિઓ ના ભેદાય. દાદાશ્રી : એ તો ભેદાઈ જાય બધી. કૃપા હોય ને, તો બધું ભેદાઈ જાય. કૃપાથી શું ના થાય ? ભયંકર કર્મો ભસ્મીભૂત કરે છે, એ જ્ઞાની પુરુષ શું ના કરે? પ્રશ્નકર્તા : આપની હાજરીમાં આ બધું એકદમ ચોખ્ખું થઈ જાય એવા બધાને આશીર્વાદ આપજો. દાદાશ્રી : આશીર્વાદ અમે એવા આપીએ છીએ, પણ આ તો ચોખ્ખું કરે તો ને ? પ્રશ્નકર્તા : ચોખ્ખું કરી નાખીશું. હવે ચેતતા રહેજો દાદાશ્રી : આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આની પૂર્ણાહુતિ માટે જ શરીર ઘસી નાખવાનું છે. જો આ કર્મો ખપાવેલા હોત ને આ જ્ઞાન મળે તો એક કલાકમાં જ એનું કામ પૂર્ણ થઈ જાય. પણ આ તો કર્મ ખપાવેલાં નથી, રસ્તે જતાંને જ્ઞાન આપ્યું છે! એટલે મહીં કર્મના ઉદય ફરે છે ત્યારે બુદ્ધિનું અજવાળું ફેરવી દે છે, તે ઘડીએ ગૂંચાય. હવે ગૂંચાય ત્યારે ‘દાદા’ ‘દાદા’ કર્યા કરવું ને કહીએ, ‘આ લશ્કર ગૂંચવવા આવ્યું છે.’ કારણ કે હજુ એવાં ગૂંચવનારા મહીં બેઠા છે, માટે ચેતતા રહેજો ને તે વખતે ‘જ્ઞાની પુરુષ’નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં ! પણ તે ઘડીએ ‘દાદા’ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો ‘દાદા’ હાજર થઈ જશે ! હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધા કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે અને સુગમ છે. સમભાવી માર્ગ છે, કશી મહેનત વગર ચાલે એવું છે. માટે કામ કાઢી લો. અનંત અવતારેય ફરી આ જોગ ખાય એવો નથી. પાછળ પડીને નિકાલ લાવો ઝટપટ પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી એને દબાણ કેમ વળગી પડતા હશે? દાદાશ્રી : આ જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, તે તમારા બધા કર્મોનો નિકાલ કર્યા પછી પ્રાપ્ત થાય તો કશું મહીં પેસે નહીં. આ તો કર્મ તમારા ખપાવ્યા સિવાયના ઊભાં રહ્યા છે અને આ પ્રાપ્ત થઈ ગયું છે. હું શું કહું છું કે આવું પ્રાપ્ત થયા પછી આ કર્મોનો નિકાલ કરી નાખો ઝટપટ. આ બધું દેવું વાળી દો. નહીં તો આત્મા, શુદ્ધાત્મા પ્રાપ્ત થયા સિવાય દેવું વળે એવું નહોતું કોઈ રસ્તે ! એટલે આ તો નાદારી ઉપરથી સાદાર થવાનું છે, આ દેવું પાર વગરનું છે. ને હવે જે રખડ્યા ને તે 81,000 વર્ષ સુધી રખડવાના છે. માટે અત્યારે ઊંચકી લઈએ છીએ, તે જેને યોગ પ્રાપ્ત થઈ જાય તે કામ કાઢી લો, નહીં તો લપસણો કાળ છે. પાર વગરના તમારા દેવા હતા, તેની મહીં તમને જાગૃત કરી દીધા. ડખોડખલ કરશો નહીં અજાયબ માર્ગ છે આ. એટલે કામ કાઢી લેવા જેવું છે આપણે, ઝટપટ આની પાછળ પડીને ! બીજી ઇચ્છાઓ અત્યારે ઊભી થાયને, તે મોળી કરી નાખવી એને જેમતેમ કરીને અને તે બધો ચારિત્રમોહ છે. ઇચ્છા એ કંઈ ખરેખર મોહ નથી, ચારિત્રમોહ છે. ભગવાનનેય ચારિત્રમોહ હતો. ઘેરથી બહાર નીકળ્યાને, તે કેવળજ્ઞાન થતાં સુધી જે મોહ રહ્યો તે બધો ચારિત્રમોહ. આ તમે છે તે વેઢમી-જલેબી ખાતા હોય, તો હું તમને વઢવા ના આવું. હું જાણું કે આમનો ચારિત્રમોહ છે અને તમે તેનો નિકાલ કરો છો. ફરી આવે નહીં એવી રીતે એનો સમભાવે નિકાલ કરી નાખવાનો. અત્યારે જે આવ્યું એ વ્યવસ્થિત, ના આવ્યું તેય પણ વ્યવસ્થિત. વેઢમી કાચી આવી તેય વ્યવસ્થિત, સરસ આવી તેય વ્યવસ્થિત. બધું વ્યવસ્થિત છેને ! વ્યવસ્થિત શું કહેવા માંગે છે કે ડખોડખલ કરશો નહીં. વ્યવસ્થિત જ છે, આમ જ છે, એ જ ખરું છે, તમે માનો છો એ ખોટું છે એવું કહેવા માંગે છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે. દાદાશ્રી : તેમાંય લખ્યું છે ને, કે એક વ્યવસ્થિત (સંપૂર્ણ) સમજમાં આવ્યું હોત તો અમે તરીને પાર ઉતરી જાત. દાદાનું વ્યવસ્થિત સમજણપૂર્વક આવ્યું હોત તો, દ્રષ્ટિપૂર્વક, પણ દ્રષ્ટિ હોય ક્યાંથી ? તપ કર્યા સિવાય દ્રષ્ટિ ઉત્પન્ન થાય નહીં અને એ દ્રષ્ટિ કાયમ રહે નહીં. છૂટી જાવ, આજ્ઞાના બળે પ્રશ્નકર્તા : દાદા, છૂટવું છે, પણ છૂટાતું નથી. દાદાશ્રી : બળ્યું ! છૂટવું છે પણ છૂટાતું નથી તે એ તો તમે જાણો છોને ? તો એની મેળે જ, ધીમે ધીમે આપણે એની પાછળ કર્યા કરશો તો છૂટી જશે. આપણે જાણવું જોઈએ કે અહીં આગળ આ પટ્ટી ચોંટેલી તે ઉખડતી નથી. પાણી ચોપડીએ, બીજું ચોપડીએ, એમ કરતાં કરતાં ઉખડશે. ઉખડ્યા વગર છૂટકો જ નથીને! પ્રશ્નકર્તા : તો આશા રાખીને બેસી રહેવાનું ? દાદાશ્રી : આશા રાખવાની જ નહીં, બેસી રહેવાનું જ નહીં. આપણે ‘જોયા’ કરવાનું, છૂટતું નથી તે. આશા વળી કોણે રાખવાની ? આશા હોય નહીં આત્માને. આ તો કંઈ એક જ કલાકમાં બધી ખોટ જાય? અનંત અવતારની ખોટ, બે-ત્રણ અવતાર જશેને ! આ પહેલાં તો લાખ અવતારેય ના જાય. એ દાદાના જ્ઞાનથી આટલું સરળ થઈ પડ્યું ! તે ઊલટું દાદાના જ્ઞાનનું એ બોલવું જોઈએ કે ધન્ય ભાગ્ય ! મને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને દાદા ભેગા થયા. પ્રશ્નકર્તા : એવું નથી રહેતું. હવે એવું લાગે છે, હવે એવું રહે છે કે આપણે કેટલા હતભાગી છીએ કે આવા દાદા મળ્યા તોય કામ કાઢી લેતા નથી આવડતું. દાદાશ્રી : હં, દાદા મળ્યા તો કામ કાઢી લેવાનું. ફરી કંઈ આ તો જોવાય નહીં મળે. ના ચલાવી લેને, તો એ ખોટ છે તે પૂરી થઈ જશે. એની મેળે જ પૂરી થશે. પણ આપણે દાદાની પાછળ, એમની આજ્ઞા પાળી કે આપણું કામ જ થઈ જવાનું. એનો વિચારેય કરશો નહીં, ખોટ કેટલી તે જોવાની નહીં, આપણે તો આજ્ઞા કેમ કરીને પળાય અને આપણે આજ્ઞા ભૂલાય નહીં એટલું જ. આમાં તે શું ખોટ વળી ? અહંકાર ભગ્ન થઈ જાય તો શું કરવું? જબરજસ્ત અહંકાર તોડી નાખે તો ? આજુબાજુ શસ્ત્રોથી ઘા ઊંડો કરે, પણ આત્માને અનંત શક્તિ છે એટલે અનંત શક્તિવાળો છું, તારે જે કરવું હોય તે કર્યા કર ને ! આપણે હઠ લઈને બેસવાનું, તપ કરવાનું. એટલે પછી ધીમે ધીમે ઓછાં થઈ જાય પોતે જ અને ટોળાં ઓછા થાય. એટલે પછી એનું બળ તૂટી ગયું. શક્તિ બહુ જબરજસ્ત છેને ! અમારી હાજરીમાં બધું તૂટી જાય. એટલે ઉકેલ આવી ગયો પ્રશ્નકર્તા : આપની હાજરીમાં જે આ નિશ્ચય કર્યો છે, એ આપની હાજરીમાં જ પૂરો કરવો છે. દાદાશ્રી : પૂરો થઈ જશે, બસ, બસ ! તમને તો એમ લાગશે કે આ તો બહુ શક્તિ વધી. પ્રશ્નકર્તા : હા, દાદા. એ પહેલા કરતાં ઇન્ટેન્સિટી (તીવ્રતા) એ ઘટી ગઈ છે. પહેલા જેટલી તીવ્રતાથી વિચાર આવતા હતા એવી તીવ્રતા હવે નથી રહેતી. દાદાશ્રી : હા, બસ. એ તો એની મેળે ઊડી જાય. આપણે સ્ટ્રોંગ રહીએને એટલે કોઈ બીજું કશું નડે નહીં અને આત્માની અનંત શક્તિ છે, એથી કોઈ શક્તિવાન બીજો વિશેષ છે જ નહીં. પછી બીજા શું કરવાના હતા? અને છે ન્યુટ્રલ. નથી સ્ત્રી જાતિ, નથી પુરુષ જાતિ. પ્રશ્નકર્તા : બરાબર છે. પહેલા જેવી મહીંથી હવે ઇચ્છાપૂર્વક સહી નથી થતી હવે. દાદાશ્રી : ના થાય. એ જ મોટામાં મોટું આશ્ચર્યને! તેને લીધે આ શક્તિ છેને, જબરજસ્ત શક્તિ તેની જ છે. નહીં તો રહેતી હશે કે ? એક દહાડો ઊડી ગયું એટલે ખલાસ. પ્રશ્નકર્તા : અક્રમ વિજ્ઞાન સિવાય બની શકે એવું નથી આ. દાદાશ્રી : વિચાર આવે, તો કોઈ વિચાર મહત્વનો હોતો નથી. જ્યાં સુધી એ વિચાર એની મેળે ચાલે ત્યાં સુધી ચાલવા દેવો. ના ચાલે ને પાછો મોકલે તો પાછો વાળી દેવો. એ પ્રમાણે જ હોય છે વ્યવસ્થિત. શું બને છે એ જ કરેક્ટ. એટલે બીજી ભાંજગડમાં નહીં પડવાનું. ‘હું અનંત શક્તિવાળો’ કહ્યું કે બધું બંધ થઈ ગયું. ગમે તેવું હોય તોય ‘અનંત શક્તિવાળો છું’ એટલે ઉકેલ આવી ગયો. પ્રાપ્ત તપને ભોગવજે આ જ્ઞાની પુરુષ ફોડ પાડી આપે. કળિયુગમાં પ્રાપ્ત તપને ભોગવજો. જે આવી પડે તપ, એટલા ભોગવો તો બહુ થઈ ગયું. આ બહારના તપ તો લોકોને દેખાય અને અંતર તપ તો આપણે એકલા જ જાણીએ. ના ગમતું હોય ત્યાં આગળ સ્થિર થવું. ના ગમતું હોય છતાંય કોઈને હેરાન ના થાય એવી રીતે શાંતિથી રહેવું. અને લોકો તપ આવે એટલે સામા થઈ જાય, પોતાનો બચાવ કરે. આપણે બચાવ નહીં કરવાનો. બચાવવાનો ભાવ થયો એટલે એ તપનો પૂરેપૂરો લાભ લીધો નહીં. એ લાંચ લીધી આપણે. ગમે તે સ્થિતિમાં સમતા જ રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું જ પોતાનું છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. એટલે એમાં પ્યૉર રહેવાનું. પ્યૉર થવાનું છે. ઇમ્પ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાયને, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે. એ તમે ફેરફાર નહીં જોયેલો ? નિવેડો લાવો, સમ્યક્ તપે પ્રશ્નકર્તા : દાદા, દેહથી ને વાણીથી એટેક હવે ના થાય પણ માનસિક એટેક તો થઈ જાય છે. દાદાશ્રી : થઈ જાય તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. ખરી રીતે ના થાય, પણ બહુ તપ્યું હોયને ત્યારે જરા માનસિક થઈ જાય તો પછી પાછા પ્રતિક્રમણ કરવાના. આને સમ્યક્ તપ કહેવાય. કોઈની ડખલ વગરનું તપ, આપણે તે કર્યા કરવાનું. એ તપ તો બધાનેય આવે. કોઈને છૂટકો જ ના થાયને! એક ફેરો તપવું પડે તે બાબતમાં, એ તપ ગયા પછી ફરી તપવું નહીં પડે. એટલે જેટલા તપ ઓછા થઈ ગયા એટલો નિવેડો આવી ગયો. ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી, તે ઘેર બેઠાં અનાડી ક્ષેત્ર છે ! કેવા ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો. તપનો પુરુષાર્થ માંડો તપની વાત જ આજે નીકળીને, તે આ તપ પકડી લો એકવાર. તપનો પુરુષાર્થ માંડો. મહાવીર ભગવાને આ તપ કહ્યું છે. મેં કહ્યું તેને, ત્યારે લોકો સમજે છે કે બહારના તપ કર્યા વગર મોક્ષે શી રીતે જવાય? તે આ ન્હોય (મોક્ષનું) તપ. તપ કરવાની ભાવના થાય છે કોઈને ? આંગળી ઊંચી કરો. શૂરવીર દેખાય છે ? કંઈક શૂરવીરતા રાખો. આ ફરી ફરી તાલ મળવાનો નથી. ફરી આ દર્શન મળવાના નથી. આ દાદો ફરી ભેગો થવાનો નથી! પ્રશ્નકર્તા : ‘આવો દાદો હવે પછી ભેટવાનો નથી’, તો એમાં અમારે શું સમજવું ? દાદાશ્રી : ફરી નહીં મળે એટલે આ મળ્યા છે, તેની પાસેથી જેટલું શીખવું હોય એટલું કામ કાઢી લો. ફરી નહીં શીખવાડે કોઈ આવું એક આંકડોય, કોણ આવો નવરો હોય તે ? કોણ નવરું હોય આવું ? આવું તપ કરાવનારું કોણ હોય તે ? ‘પરપોટો’ ફૂટી જાય એ પહેલા... આ તો તપની વાતો તો બહુ કાઢીએ નહીં, (કારણ કે) માણસનું ગજુ નહીં. નહીં તો પછી આ કો’ક ફેરો કહીએ ત્યારે. માણસનું ગજુ શું આ ? આ તો શાક બગડી ગયું હોય તો આખો દા’ડો કચકચ કર્યા કરે. સમભાવે નિકાલ એટલે શું ? તપ કરવું. સામું ઐશ્વર્ય કેટલું બધું મોટું પ્રગટ થાય છે ! એક મોટું સામ્રાજ્ય મળે છે ! જેટલું આ બાજુ જવા દો છો, એટલું જ સામ્રાજ્ય મળે છે. અને શું જવા દેવાનું છે આ આમાં? હતું જ નહીં તમારું કંઈ ! હમણાં મરી જશો ટૈડ થઈને, તો ત્યાં મૂકી આવશે સડસડાટ, ચાર નારિયેળ બાંધીને, કોઈ બાપોય પૂછનાર નથી. તો કામ કાઢી લેજે. આ દેહે કામ કાઢવા જેવી જગ્યા મળી છે. તો આ કામ કાઢી લોને! તમારે નથી કાઢવું ? તો ઊભા થઈને બોલો, શૂરાતનમાં બોલોને, શું આમ બોલો છો ? કાઢવું છે કે નથી કાઢવું? પ્રશ્નકર્તા : કામ કાઢવું છે, દાદા. દાદાશ્રી : હા, તો કામ કાઢી લો હવે. નકામા ટૈડ થઈને મરી જવાનું. કોઈ બાપોય જોવા ના આવે. અરે, જોઈને આવીને દેહ જોવાનો છે, આત્માને કંઈ જોવાનો છે ? નકામી હાય હાય હાય ! અનંત અવતારથી ભિખારીપણું કર્યું’તું ને આપણે આપણી દુનિયામાં. જ્ઞાન ના હોય તેને ના કહેવાય, અક્ષરેય ના કહેવાય. (કારણ) એ જ એમનું સર્વસ્વ. આ તો જ્ઞાન છે તેને જ કહેવાય અને તે જ તપ કરી શકે, બીજો કોઈ કરે નહીંને ! યોગ પૂરેપૂરો કરી લો આખું બ્રહ્માંડ હાલે એવી શક્તિ મહીં ભરેલી છે. મેં જાતે જોઈ, ત્યારે તો મેં ઉઘાડ્યું ! પણ તમે શેની લાલચોમાં પડી ગયા છો ? શેને માટે ? આખું બ્રહ્માંડ સામું આવે તોય એની લાલચ કેમ હોય ? માટે બરોબર યોગ જમાવો, રાત ને દહાડો ! હવે ઊંઘ કેવી (કેમ) આવે? હવે યોગ પૂરેપૂરો કરી લો. દસ લાખ વર્ષે આ સહેજાસહેજ યોગ પ્રાપ્ત થયો છે, બૈરાં-છોકરાં, કપડાં-લત્તાં સાથે. ફરી ફરી આવો યોગ પ્રાપ્ત થાય એવો નથી. આ તો પરમાત્મયોગ છે ! આ કંઈ જેવો તેવો યોગ નથી ! એકાવન ટકાએ કામ કાઢી લેજો હું તો એટલે સુધી કહું કે ફરી ફરી આ દાદા મળવાના નથી અને આ દાદાનું જ્ઞાનેય મળવાનું નથી. આ અક્રમ વિજ્ઞાન ફરી ફરી જોવાનું નહીં મળે, માટે આનું એકાવન ટકાએ (આજ્ઞા પાળી) કામ કાઢી લેજો. નહીં તો આ દુનિયામાં કોઈ આરો નથી. હવે તો એટલું જ કે મોક્ષનો બીજનો ચંદ્રમા થયો છે, હવે એની ત્રીજ-ચોથ થવી જોઈએ. માટે હવે કામ કાઢી લો. આ ‘દાદા’ની ગાડીમાંથી ઊતારીને કાઢી મૂકે, મારે તોય પેસી જજો પાછળથી. અહીંથી કાઢી મૂકે તો આપણે બીજા ડબ્બામાં પેસી જવું. પાછા ત્યાં કોઈ કાઢી મૂકે તો ત્રીજા ડબ્બામાં જવું. પાછા ત્યાંથીય કાઢી મૂકે ત્યારે ચોથા ડબ્બામાં જવું. લોકોનો ધંધો શું ? કાઢી મેલવું. પણ આપણે તો ફરી કોઈ ડબ્બામાં પેસી જવું, આ ગાડી ચૂકી જવી નહીં. આ લ્હાવો પૂરો કરી લ્યો હવે નહીં તો એક વાર તો લાખો અવતારેય આ સમ્યક્ દર્શન ના થાય. તે આ સહેજાસહેજ સમ્યક્ દર્શન મફતમાં મળી ગયું છે ! આનંદમાં રહો છો, જપ-તપ કશું કર્યા નથી, ત્યાગ કર્યા નથી, સ્ત્રી સાથે રહીને ! એટલે આ લ્હાવો છે, તે પૂરો કરી લ્યો હવે. આ લ્હાવો અક્રમનો છે. આ કહ્યુંને, કરોડો અવતારેય ન બને, એવું અહીં એક કલાકમાં બને છે. માટે કામ કાઢી લેજો. ફરી ફરી આ તાલ બેસવાનો નથી. એક મિનિટ પણ ફરી ફરી દાદાનો તાલ બેસે નહીં, બીજું બધું બેસશે. ‘સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાનવર્ષા ને અસહ્ય ઉનાળે.’ આખું બ્રહ્માંડ જે ‘જ્ઞાન’ના વરસાદની ઇચ્છા કરે છે તે ‘જ્ઞાન’નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં ‘જ્ઞાનવર્ષા’ થઇ. જ્યાં મનુષ્ય માત્ર, સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધા તરફડે છે એવા કાળમાં ! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય. તાર જોડ્યો કે કામ થઈ ગયું અમે જ્ઞાની પુરુષ પરમ સુખીયા કહેવાઈએ. ખાલી અમારું નામ સંભારતા જ સુખી થઈ જાય. તાર જોડ્યો કે કામ થઈ ગયું. હવે તાર જોડજોને ! જ્યારે જોડશો ત્યારે અમે હાજર. આ સંસારની અડચણો માટે ‘દાદો’ સંભારશે તોય એની અડચણો જતી રહેશે. આટલી બધી સિદ્ધિઓ લઈને આવેલો છે ‘દાદો’ ! બધાની જતી રહી અત્યાર સુધી. જો સાચા દિલથી બરાબર કરશે તો! માટે આ કામ કાઢી લો ને ! ફરી ફરી આવું નહીં થાય. દાનત ખોરી ના રાખશો આ ‘દાદા’ એક એવું નિમિત્ત છે, કે જેવું દાદાનું નામ દેને, તો પથારીમાં હલાતું-ચલાતું ના હોય તોય ઊભું થઈ જવાય. માટે કામ કાઢી લો. એટલે આ નિમિત્ત એવું છે. તમારે જે કામ કરવું હોય તે થાય એવું છે, પણ એમાં દાનત ખોરી ના રાખશો. કોઈકને ત્યાં લગનમાં જવા માટે શરીર ઊભું થાય એવું ના કરશો. અહીં સત્સંગમાં આવવા માટે ઊભું થાય એવું કરજો. એટલે દાદાનો ઉપયોગ સારી રીતે કરજો. એમાં દુરુપયોગ પછી ના થવો જોઈએ. કારણ કે દુરુપયોગ ન થાય તો પછી એ દાદા ફરી મુશ્કેલીના ટાઈમે કામ લાગશે. માટે આપણે એમને એમ વાપરવા નહીં. આ બેઠા છે મહીં પ્રત્યક્ષ, જે માંગો એ આપનાર છે. આ દુનિયામાં કોઈ પણ ચીજ માંગો અધ્યાત્મ સંબંધમાં, તે બધી જ ચીજ, અહીં કેશ બેંક તરીકે રોકડું આપીદે. એ સાયન્સ છે ને આપણું આ બધું. માટે કામ કાઢી લેજો. હું તો એટલું કહું, મેં કામ કાઢી લીધું છે, તમે કામ કાઢી લેજો. ચેતો ! ફરી આવો જોગ નહીં બેસે નહીં સમજવાથી જગત આખું ગૂંચાયું જ છે ને? મારી ગૂંચામણ નીકળી ગઈ છે તે હું જ જાણતો હોઈશ ને ! અને તમારી નીકળશે ત્યાર પછી તમારી સ્થિતિ બદલાશેને પછી. આ નિર્ભેળ સત્ય છે. નિર્ભેળ સત્ય એટલે વ્યવહારનુંય સત્ય છે અને નિર્ભેળ સત્ેય છે. એટલે આ આત્માય નિર્ભેળ છે. માટે અહીં કામ નીકળી જશે એટલું હું તમને કહું. મારું નીકળી ગયું છે અને તમને કહું છું તે તમે કાઢી લો બધા. ફરી ફરી આ જોગ બેસે એવો નથી, અક્રમ વિજ્ઞાન ! દ્રઢ નિશ્ચયે કાઢી લેવું કામ હવે આવું સરળ કોઈ દહાડો ઉત્પન્ન થયું નથી ત્યારે લોક સરળતાનો લાભ લેતા નથી. શું થાય તે? કેટલું સરળ છે ! તમે ગાડીમાં મારી જોડે બેઠાં હતા, તે ઘડીએ વાતચીત ના કરે તો ના ચાલે? આમ બધું શુદ્ધ ઉપયોગથી દર્શન કરતા કરતા જતાં હોય, પણ એવો દ્રઢ નિશ્ચય નથી. એવું કશું નથીને! તે ઘેર જઈને ગાંઠ વાળે અને આમ જો કદી ઉપયોગ બહાર જાયને તો પ્રતિક્રમણ કરે. નહીં તો આ સ્થિતિ હોય? આ તો કામ કાઢી નાખે એવી સ્થિતિ છે. ઉપયોગ બહાર ગયો કે પ્રતિક્રમણ કરે ! બહુ જ જાગૃતિની જરૂર છે, સંપૂર્ણ જાગૃતિ ! જાગૃતિ પરની જાગૃતિ કે જે છેલ્લા પ્રકારની જાગૃતિ છે, તે આપણે અહીં છે ! જગત જ્યાં જાગે છે ત્યાં આપણે ઊંઘતા રહેવું જોઈએ. આપણે જ્યાં જાગ્યા છે ત્યાં જગત ઊંઘતું જ છે. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ ! કોઈ કમી ના રહે એવી જાગૃતિ ! બસ, જાગૃતિની જ જરૂર છે. જેટલી જાગૃતિ વધી એટલો કેવળજ્ઞાનની નજીક આવ્યો. જાગૃતિમાં પોતાના બધા દોષ દેખાય, પણ પોતે નિષ્પક્ષપાતી થયો હોય તો ! પોતે શુદ્ધાત્મા થયો એટલે નિષ્પક્ષપાતી થયો. પોતાના જ્ઞાયક સ્વભાવમાં રહેવું એનું નામ પુરુષાર્થ અને કર્મના જોરે બીજી બાજુએ ખેંચાઈ જવું ત્યાં આગળ તે પોતે જે ધક્કો નથી મારતો અને ખેંચાઈ જાય છે સંપૂર્ણ, એ પ્રમાદ છે. પ્રશ્નકર્તા : પણ એનોય જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ? દાદાશ્રી : તો તો પછી થઈ રહ્યું, બસ. એટલું જ પોતાના સ્વભાવમાં રહે. એ રહેવાની જરૂર. પોતાનો સ્વભાવ જ છે. પણ આ શુદ્ધ ઉપયોગ જો સમજી જાયને, તો કામ થઈ ગયું. શુદ્ધ ઉપયોગ માણસ સમજી ના શકે, કારણ કે બીજો નિર્દોષ દેખાય જ નહીં. દોષિત માણસ નિર્દોષ દેખાય, એનું નામ શુદ્ધ ઉપયોગ. ઉઠાવી લ્યો આ છેલ્લી તક આ અમારી પાસે જે જ્ઞાન સાંભળ્યું છે ને, તે આ જ્ઞાન જ કામ કર્યા કરે. અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તમે સાંભળો છો, તે રસ્તો જ તમારું કામ કાઢી નાખશે. આપણે તો કહીએ, ‘દાદા, તમારી પાછળ પાછળ આવવું છે.’ એટલે પછી અમે અમારો રસ્તો તમને દેખાડી દઈએ. ‘દાદા’ જે રસ્તે ગયા છે, એ જ રસ્તો તમને બતાવ્યો છે. એ જ રસ્તે ‘દાદા’ તમારાથી આગળ છે. કંઈ રસ્તો જડશે કે નહીં જડે ? પ્રશ્નકર્તા : જડશે. દાદાશ્રી : સો ટકા ? નક્કી ? પ્રશ્નકર્તા : હા, સો એ સો ટકા, નક્કી ! દાદાશ્રી : ‘દાદા’ તો બધા રોગ કાઢવા આવ્યા છે. કારણ કે ‘દાદા’ સંપૂર્ણ નીરોગી પુરુષ છે. એમનાં આધારે જે રોગ કાઢવા હોય, તે જતા રહેશે. સંસારનો એક પણ રોગ એમનામાં નથી. ‘આ’ પબ્લિક ટ્રસ્ટ એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટૉપમૉસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય તે કાઢી શકાય એમ છે ! એટલા માટે અમે તમને કહીએ છીએ કે પછી પોતાની મેળે તમે પોલ મારશો તો તમને માર પડશે. અમે તમને ચેતવી દઈએ. અત્યારે રોગ નીકળશે, પછી નહીં નીકળે. જો મારામાં સહેજ પણ પોલ હોત તો તમારો રોગ ના નીકળે. હિંમત આવે છે કાંઈ ? પ્રશ્નકર્તા : આ તમે જ્યારથી બે દિવસથી બોલ્યા છો ને, તો આમ જાણે પરાક્રમ જેવું ઊભું થઈ ગયું છે કે આમ જેટલી પોલંપોલો ચાલતી હતી, એ બધી બંધ થઈ ગઈ છે. દાદાશ્રી : હા, બંધ થઈ જાય. એ તો દાદાના આ શબ્દો, પોલંપોલ બધું બંધ થઈ જાય. તમે (આવું સુંદર) સાચવી રાખો તો બહુ સરસ છે. મહીં ચોક્કસ ને આમાંય ચોક્કસ, પણ એટલું જો આમાં ચોક્કસ રહે તો આમાં ફર્સ્ટ ક્લાસ થઈ જાય. એ આવડત છે ને એક જાતની! અને કહ્યા પ્રમાણે કરીએ તો. ફરી ફરી તાલ નહીં પડે આ. આ છેલ્લી તક છે. ઊઠાવી લ્યો આ છેલ્લી તક ! જ્ઞાનીની પૂંઠે પૂંઠે વહ્યા જાવ હવે આ બધું મારા અનુભવપૂર્વકનું જ્ઞાન છે. આ તો મારા અનુભવ જ મૂક્યા છે બધા, અને તેય ‘એપ્રોપ્રિયેટ’ (યોગ્ય) ! આ મારી ક્ષણે ક્ષણે જાગૃતિના અનુભવો મૂક્યા છે. અને આ એકલી અત્યારની ‘લાઈફ’ (ભવ)નું નથી, પણ અનંત અવતારની ‘લાઈફ’નું છે! અને તેય પાછું મૌલિક છે. શાસ્ત્રમાં નહીં જડે તોય વાંધો નથી, પણ મૌલિક છે ! એટલે હું તમને કહું છું ને, મારી પાછળ પાછળ, પૂંઠે પૂંઠે વહ્યા આવો. આગળ જશો તો વાંધો નથી પણ બહુ પાછળ ના પડી જશો, એમ કહું છું. પ્રશ્નકર્તા : પાછળ રહીએ એટલું બસ છે, દાદા. દાદાશ્રી : ના, એ બહુ પાછળ ના પડી (રહી) જશો. મારે રાહ જોવી ના પડે. આમ પાછળ જોઉં તો દેખાય, બધાય દેખાવા જોઈએ. આગળ જશો તો વાંધો નહીં. આગળ જશો તો હું તો લગામ હઉ આપી દેવા તૈયાર છું. મારે તો આમાં કશું નહીં અને એ લગામ જે છે તેય આપી દેવા તૈયાર. પરિચયમાં રહી જ્ઞાન સમજી લો પ્રશ્નકર્તા : એટલે આપ ઘણી વખતે કહો છો કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ કરી લો (કામ કાઢી લો). દાદાશ્રી : એ જ અમે કહીએ છેને કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ એટલે તમને તમારો અનુભવ થયો હોય, એ તમારો અનુભવ ગૂંચાતો હોય એટલે અમારા અનુભવથી પૂછી લો એટલે તમારો અનુભવ ગૂંચાતો નીકળી જાય. એ અનુભવ તમને ફિટ થઈ ગયો. બસ એ જ કરી લેવાનું છે. અમારી પાસે અનુભવનો સ્ટૉક છે. તમારે અનુભવ થતાં આવે છે હવે, આ સાચું કે તે સાચું એ પૂછી લીધું, એટલે નિવેડો આવી ગયો. તમારો આત્મ અનુભવેય તમારી દ્રષ્ટિએ સાચો છે, ખોટો નથી પણ એ અંશ અનુભવ છે. અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય, પણ હજુ પ્રગતિ માંડશે ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. (માટે) પરિચયમાં રહી અને જ્ઞાન સમજી લેવાનું છે બધું. આ જ્ઞાનમાં અમે જે જોયું છે તે હકીકત અમારી પાસે છે. ‘જ્ઞાની પુરુષ’ કો’ક દહાડો ભેગા થાય ત્યારે જે પૂછવાનું હોય તે પૂછી નાખો, ત્યારે જો પોતાનું કામ કાઢી ના લે તો શું કામનું ? ‘જ્ઞાની પુરુષ’ એટલે એમને કશું જ જાણવાનું બાકી ના હોય. મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. સારભૂત ખોળી ગેડ બેસાડી લ્યો અમારી વાતોમાંથી સારભૂત ખોળી કાઢવું કે આમાં શું સારભૂત છે ? એટલું વાક્ય આપણે પકડી લેવું. હું શું કહેવા માગું છું એ ‘ફુલ્લી’ (પૂરું) સમજમાં આવી જાય અને એ ‘ટુ ધી પોઈન્ટ’ પહોંચી જાય, એને હું ગેડ પડી કહું છું. લોકો નથી કહેતા કે, ‘હજી ગેડ નથી બેસતી?’ એટલે ‘હું’ સમજાવવા માગું છું, તે જ ‘વસ્તુ’ એને તે જ સ્વરૂપે સમજાય, એનું નામ ગેડ બેઠી કહેવાય. હવે મારો ‘વ્યૂ પોઈન્ટ’ જુદો, એનો ‘વ્યૂ પોઈન્ટ’ જુદો, એટલે ગેડ બેસતા વાર લાગે. પણ ગેડ બેસવી જોઈએ, તો કામ થાય ! એટલે ગેડ બેઠા વગર તો કોઈ કામ થાય જ નહીં. આમાં બધાને ગેડ બેસે જ છે ને ! ગેડ બેઠી કે પછી ચાલુ થઈ ગયું. જે વાત સમજમાં બેઠી એ કાયમને માટે રહે પછી અને હું તો છેલ્લી વાત કરું છું. એથી આગળની નવી વાત નહીં નીકળે કોઈ જગ્યાએ. છેલ્લી વાતની આગળ પછી છેલ્લી વાત હોય જ નહીંને ! આ ‘અક્રમ વિજ્ઞાન’ છે ! આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે ! જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે. આ ભવમાં પૂરું કરી લો આ અક્રમ વિજ્ઞાન આટલું બધું ફળદાયી છે, એક મિનિટેય ટાઈમ કેમ ખોવાય ? ફરી આવો જોગ કોઈ અવતારમાં ના હોય. માટે આ ભવમાં પૂરું કરી લેવાનું. આ ‘એડમિશન’ લેવા જાય ને લઈ લે એટલું જ નથી અને ‘એડમિશન’ લઈને પછી ના આવીએ એટલું પણ નથી આ. આ તો પૂરું કરી લેવા જેવું છે. આ એક ‘કોર્સ’ આખો પૂરો કરી લેવા જેવો છે. અનંત અવતારમાં આ ‘કોર્સ’ પૂરો કર્યો નથી, ને જો કર્યો હોત તો નિર્ભયતા! એની તો વાત જ જુદી છે ને! પ્રશ્નકર્તા : દાદા, આ પૂરું કરી લેવાનું કહ્યું, તે કેવી રીતે ? દાદાશ્રી : અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી ટાઈમ બીજે બગડવો ના જોઈએ. અમે વડોદરા જઈએ અને જેને એવા સંયોગ અનુકૂળ હોય અને પૈસા હોય તેણે ત્યાં આવવું જોઈએ. અમારો જેટલો બને એટલો વધારે ટાઈમ લેવો. ખાલી અમારા સત્સંગમાં આવીને બેસી રહેવાનું. બીજું કંઈ જ કરવાની જરૂર નથી. રહેવું ‘દાદા’ની વિઝિનિટીમાં અહીં બેઠા એટલે કંઈ ન કરો તોય મહીં ફેરફાર થયા જ કરે. કારણ કે સત્સંગ છે. સત્ એટલે આત્મા, એનો સંગ ! આ પ્રગટ થયેલું સત્, તે તેના સંગમાં બેઠા એ છેલ્લામાં છેલ્લો સત્સંગ કહેવાય. બીજા બધા સત્સંગ ખરા પણ છેલ્લામાં છેલ્લો સત્સંગ નહીં. જેમ આ બોમ્બે સેન્ટ્રલ છે, પછી આ ગાડી આગળ જવાની નહીં. પ્રશ્નકર્તા : મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે? દાદાશ્રી : જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની વિઝિનિટીમાં (દ્રષ્ટિ પડે એમ) રહેવું. પ્રશ્નકર્તા : આપની હાજરીમાં વિશેષ શાંતિ વર્તાય છે. દાદાશ્રી : એ તો આ હાજરીની તો વાત જ જુદીને ! આ તો મારી હાજરી તમને દેખાય છે, પણ મને જેની હાજરી દેખાય છે તે હાજરી તમને હઉ વર્તે છે. ચૌદ લોકનો નાથ, આખા બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો છે અંદર, એ મનેય લાભ મળે છે અને તમનેય લાભ મળે છે. આટલી નજીકતા (નિકટતા) જોઈએ, બસ. જેટલો નજીક એટલો લાભ અને આજુબાજુ વાતાવરણ તો સારું રહે જ. એમાં પાછો વાતાવરણનો ફેર ! પણ નજીકનો લાભ મળવાનો અને તે સમજીને પાછું, સમજ્યા વગરનો લાભ નહીં. પાપો ધોવાય, જ્ઞાની પુરુષના દર્શનથી અમારી પાસે આવોને તો અહીં તો હૃદયમાં જ પેસે. સમ્યક્ બુદ્ધિ થઈ કે હૃદયમાં જ પેઠો હડહડાટ. કારણ કે અમારી વાણી કેવી હોય ? હૃદયને સ્પર્શતી! પ્રશ્નકર્તા : હૃદય સુધી પહોંચવા માટે સત્સંગ અને દર્શન એની જરૂર છે ને ? દાદાશ્રી : હા, દર્શન ને સત્સંગની જરૂર. એ દર્શન તો કામ કાઢી નાખે. દર્શન જો કરે ને તો બહુ કામ કાઢી નાખે. આ દર્શન કરવાથી મન સારું થાય. આ મન મજબૂત થાય, વાણી સારી થાય, વિચાર સારા થાય, દર્શનથી જ પાપો ધોવાઈ જાય. જ્ઞાની પુરુષની હાજરીથી જ ફેરફાર થઈ જાય. આ કંઈ ઉપદેશ નથી આપી દીધો છતાં વાતાવરણથી જ ફેરફાર થઈ જાય. એમનું વર્તન બધું મનોહર હોય, વાણી મનોહર હોય, એમનો વિનય પણ મનોહર હોય. મનોહર એટલે આપણા મનનું હરણ કરી લે એવું હોય. પ્રશ્નકર્તા : સદૈવ આહલાદ્કર, જ્ઞાની પુરુષનું! દાદાશ્રી : હા, આહલાદ્કર. હા, હૃદયનું આહલાદ્કર. એટલે શાસ્ત્રોને શીખવાની જરૂર નથી, ‘દાદા’ને (એમના વિજ્ઞાનને) શીખવાની જરૂર છે. દાદાને જોયા જ કરવાનાં છે. જોવાથી એક જ અવતારમાં બધું દ્રવ્ય પરિવર્તન થઈ જાય. ખાલી જોવાથી જ ભાવ એવા થાય કે આવી વાણી, આવું વર્તન, આવું મન ! તે એવાં આપણા ભાવ થાય ! અને આ બધું તો ઓગળી જવાનું. જ્ઞાનીના પરિચયની સ્ટ્રોંગ ભાવના સત્સંગમાં પડી રહેવાથી એ બધું ખાલી થઈ જશે. કારણ કે જોડે રહેવાથી, અમને જોવાથી અમારી ડિરેક્ટ (સીધી) શક્તિઓ પ્રાપ્ત થાય, એટલે જાગૃતિ એકદમ વધી જાય ! કામ કાઢી લેવાનું છે. પછી ભલે આપણું મન જાડું હોય તો આપણે વધારે બેસી રહેવું. પણ ઉકેલ લાવોને ! કળિયુગનો માલ છેને, તે બહુ માલ ભરેલો હોય. આપણે તો આ જ્ઞાન પામ્યા તે જ મોટી પુણ્યૈ કહેવાય, જબરજસ્ત પુણ્યૈ કહેવાય ! જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા. છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતા-જતાં ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ ! કામ કાઢી લો, જ્ઞાની સંગ-સત્સંગે સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા ? કેટલા વર્ષ ગયેલા ? પ્રશ્નકર્તા : દસ વર્ષ. દાદાશ્રી : ત્યારે શું શીખ્યા એમાં ? ભાષા ! આ અંગ્રેજી ભાષા હારુ દસ વર્ષ કાઢ્યા, તો અહીંયા મારી પાસે તો છ મહિના કહું છું. છ મહિના મારી પાછળ ફરેને તો કામ થઈ જાય. કૉલેજમાં ડિગ્રી લેવા જવા કેટલા વર્ષો ગયેલા? પ્રશ્નકર્તા : છ. દાદાશ્રી : એટલા વરસોની મારે જરૂર નથી. હું તો કહું છું છ જ મહિના તમે મારી જોડે રહોને, બહુ થઈ ગયું ! પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થૂળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો ? દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે. પ્રશ્નકર્તા : સ્થૂળ પરિવર્તન એટલે શું ? દાદાશ્રી : સ્થૂળ પરિવર્તન એટલે બહારના ભાગની એને મુશ્કેલીઓ બધી ઊડી ગઈ, અંદરની રહી ફક્ત! પછી ફરી જો એટલો સત્સંગ થાય તો અંદરનીય મુશ્કેલીઓ ઊડી જાય. બેઉ ખલાસ થઈ ગયું, તો સંપૂર્ણ થઈ ગયો. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક, જેટલા જમે કર્યા એટલો તો લાભ. કામ કાઢી લો, જ્ઞાની દર્શને સત્સંગને ભાગે રહેવાય એવું કરવું જોઇએ. ‘આ’ સત્સંગનો ભીડો રહ્યો એટલે કામ થઇ ગયું. કામ કાઢી લેવાનું એટલે અમારી આજ્ઞામાં બરાબર રહેવાતું હોય તો બે-ચાર મહિને એકાદવાર આવીને દર્શન કરી જાય તો ચાલે ને જો ના રહેવાતું હોય તો અહીં આવીને દર્શન કરી જાઓ વારેઘડીએ, રોજ. કામ કાઢી લેવાનું એટલે શું ? જેટલું બને તેટલું દર્શન વધારે કરવા. જેટલું બને એટલું સત્સંગમાં રૂબરૂનો લાભ લેવો, હાજરીનો સત્સંગ. ના બને તેનો ખેદ કરવો છેવટે ! જ્ઞાની પુરુષના દર્શન કરવા અને એમની પાસે, સંગમાં બેસી રહેવું. એમને જો જો કર્યાં કરવું તો ઘણું બધું કામ થઈ જાયને ! સંસારી ચીજોનું ડિવેલ્યુએશન કરો સંસારની ચીજો ઉપર જે ભાવ છે ને તેને ડિવેલ્યુએશન કરતા જવું પડે. તો સાથે રહેવાયને ! પ્રશ્નકર્તા : હંઅ, ખરી વાત છે. ડિવેલ્યુએશન કરો તો થાય. દાદાશ્રી : આ બ્રિટિશ ગવર્મેન્ટ આવડા મોટા પાઉન્ડનું ડિવેલ્યુએશન કરે છે. તે આપણે આમાં શું વાંધો ? આપણને શું એમાં ફાયદો? રોજ ખબર આવે છે કે દસ પૈસા ડિવેલ્યુએશન થઈ ગયું. ત્યારે એમને ગમતું હશે બિચારાને ? શું થાય ? એવા સંજોગો ઊભા થાય ત્યારે શું કરવું પડે? રાગે પડે નહીં ત્યાં સુધી આશરો રાખજો લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં! પણ (હજી) પરિવર્તન તો થયું જ નથી. કેટલાકને તો રાગે પડી ગયું એટલે બહુ નથી આવતા, કો’ક કો’ક દહાડો આવે. પોતાને જોઈતું રાગે પડી ગયુંને ! એને કહેલું જ છે કે રાગે પડતાં સુધી અહીં ફેરો માર માર કરજે. તોયે જ્ઞાની પાસે બેસે એના જેવી ઉત્તમ વસ્તુ જ નથી. તે છતાં પણ ના બેસાય તો વાંધો નથી પછી. પણ રાગે પડતાં સુધી તો બહુ ભાવના રાખવી જોઈએ. સંયમ પરિણામ ઊભાં ના થાય, ત્યાં સુધી રાગે પડ્યું કહેવાય નહીં. સંયમ પરિણામ ઉત્પન્ન થવાનું મુખ્ય સાધન જ જ્ઞાની પુરુષ છે. આ તો ઠેઠ સુધી કામ કાઢી લેવાનું છે. શાસ્ત્રકારોએ તો જ્ઞાની પુરુષની પાછળ પડી રહેવાનું કહ્યું છે, પણ અત્યારે તો ફાઈલો એટલી બધી છે, તે શી રીતે માણસ (અમારી) જોડે પડી રહે ? પણ ભાવના ભાવીએ એટલે આપણને જેટલો ટાઈમ મળ્યો એટલો તો સાચો ! અને સંયમ સુખ તો એનું કંઈ કહેવાપણું જ ના કહેવાય ! આખી જિંદગીમાં, કોઈ કાળમાં જોયું ના હોય એવું સંયમ સુખ ઉત્પન્ન થાય! આજ બે કલાક બેઠો અને પાછું કાચું કપાયું ને પાછાં બીજે દા’ડે બે કલાક નકામા જાય, એના કરતા આખું લાંબા સમય સુધી અખંડ બેઠો હોયને, તો ઉકેલ આવે. અનંત અવતારની ખોટ વળી જાય. અનંત અવતારની ખોટ વાળી દ્યો અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગવાની છે. એટલે કાળજી તો રાખવી પડશે ને ? કેટલા અવતારની ખોટ છે ? અનંત અવતારની ખોટ! અનંત અવતારની ખોટો છે ને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે ? દાદાની પાછળ પડવું જોઈએ. દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દોની પાછળ પડવું જોઈએ. એની પાછળ પડીને, અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની. કેટલા અવતારની ખોટ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા, એ બધી ખોટ તો ખરીને? એ ખોટ કાઢવી પડે કે ના કાઢવી જોઈએ ? નિયાણું કરી લો, મોક્ષનું હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. ના હોય તો (છેવટે) મોક્ષનું નિયાણું કરી નાખવાનું એટલે લાંબા અવતાર ના થાય. બધાય અવતારમાં ભટકી ભટકીને આવ્યો છે, ક્યાંય સાચું સુખ મળ્યું નથી. ત્યાં અહંકારની ગર્જનાઓ અને વિલાપ જ કર્યા છે. છૂટવાની ઇચ્છા તો છે પણ માર્ગ મળતો નથી. માર્ગ મળવો અતિ અતિ દુર્લભ છે. ‘આ જ્ઞાની પુરુષનો’ સંયોગ ભેગો થવો જ મુશ્કેલ છે. બધા જ સંયોગો ભેગા થઈને વીખરાઈ જવાના પણ જ્ઞાની પુરુષના સંયોગથી ‘કાયમની ઠંડક’ પ્રાપ્ત થાય. હવે તો કામ કાઢી લેવાનું છે. જ્ઞાની પુરુષ પાસે પડ્યા રહેવું છે એવી ભાવનાથી પરાક્રમ ઊભું થાય. પછી ગમે તેવો સંયોગ આવે તો પણ પરાક્રમથી પહોંચી વળાય. અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક ‘કામ’ કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી. પછી જે થાય તે ખરું. એની એવી ભાંજગડ નહીં રાખવાની ને ના થયું એનીયે બહુ ભાંજગડ નહીં રાખવાની. એ તો બધું મળી આવે. આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે આ (જ્ઞાન મળ્યા પછી) નિઃશંક થયા, હવે આજ્ઞામાં રહો. ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે, કાન કાપી લે તો કાપી લે, પુદગલ નાખી દેવાનું જ છે. પુદગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો એનો ટાઈમ હશે, વ્યવસ્થિતનો ટાઈમ હશે, તે દહાડે જ્યારે હો ત્યારે લઈ લે. ભય રાખવાનો નહીં. આપણે કહીએ, લઈ લો તેથી કોઈ લેનારું નવરું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાવ, કહીએ. આત્મા સિવાય બધી સડેલી વસ્તુ છે. આત્મા એકલો જ સડે નહીં. એને કશું થાય નહીં એવો છે. તે આપણે આત્મસ્વરૂપ થઈ ગયા તો કામ થઈ જશે. નહીં તો કામ બધું નકામું. આત્મસ્વરૂપ થવાની જરૂર છે, બીજું કશું નહીં. આ દેહ કપાય કે ગમે તે થાય, આપણે દેહસ્વરૂપ થવું નહીં. પરક્ષેત્રમાં પેસે તો સંસાર કડવો ઝેર જેવો લાગે. હવે દેહને આપણે કહેવું, ‘તારે જવું હોય તો જા, અમે અમારા મુકામમાં રહીશું.’ એની બહુ હાયવોય ના કરવી. અનંત અવતારથી દેહની સુવાવડ (દેખભાળ) જ કર કર કરી છે. એક અવતાર જ્ઞાની પુરુષને દેહ સોંપી દે અને સુવાવડ ના કરે તો થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. દેહ સાચવીને પણ કામ કાઢી લો જે દેહે આત્મકલ્યાણ ના થયું એ બધું માર્કેટ મટેરીયલ (કિંમત વગરનું) થયું. જે દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા એ દેહને દવાઓ કરી, એને પલંગમાં સુવાડીને પણ સારો રાખવો. એવું છે, આ ચંદુભાઈ નામનો દેહ, આપણને મહામિત્ર સમાન થઈ પડ્યો છે કે આ દેહે આપણે અક્રમ જ્ઞાનીને ઓળખ્યા અને અક્રમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને તે અનુભવમાં સિદ્ધ થયું. માટે હવે આ દેહને કહીએ કે ‘હે મિત્ર, તારે જે દવા કરવી હશે તે હું કરીશ. અગર તો હિંસક દવા હશે તો તેય કરીને પણ તું રહે.’ એવી આપણી ભાવના હોવી જોઈએ. આ દેહ નહીં એવા બધા બહુ દેહ ગયા બળ્યા ! બધાય દેહ નકામા ગયાને! અનંત અવતાર દેહ નકામા ગયા. પણ આ દેહે તો આપણને યથાર્થ ફળ દેખાડ્યુંને ! અને ચંદુભાઈના નામ પર દેખાડ્યુંને! માટે આ દેહ સાચવજો અને હવે કામ કાઢી લો. સમજણ ના પડે ને તો સારામાં સારું શરણું, કે જે દાદાનું થાય એ મારું થજો. દાદાના કહ્યા પ્રમાણે રહેવું. એ કહેશે, ઊભો થઈ જા, તો ઊભા થઈ જવું. એ કહેશે, ના પૈણીશ, ત્યારે કહે, નહીં પૈણું. એ કહેશે, બે પૈણ. ત્યારે કહીએ, બે પૈણીશું. ત્યાં એવો ડખો ના કરે કે સાહેબ, શાસ્ત્રમાં ના કહ્યું છે ને તમે બે પૈણવાનું કહો છો તે ? નહીં તો મોક્ષ માટે તું અનફિટ થઈ ગયો. વિજ્ઞાન હાથમાં આવ્યું છે તો પૂરું કરી લો આ તો અલૌકિક વિજ્ઞાન છે. આ કંઈ ધર્મ નથી, આ તો વિજ્ઞાન છે. તરત જ ફળ આપનારું છે. માટે કહીએ છીએ કે હવે કામ કાઢી લો. અક્રમ વિજ્ઞાનની કેટલી અજાયબી છે કે માણસને પોઝિટીવ સાઈડમાં મૂકી દે છે ! પોઝિટીવ સાઈડમાં આવતા આવતા માણસને કરોડો અવતાર થાય. આ નેગેટિવ ધીમે ધીમે કાઢતા કાઢતા કાઢતા ક્યારે પાર આવે? પ્રશ્નકર્તા : જેટલો વખત નેગેટિવ પૂર પૂર કર્યું હોય એટલો વખત લાગે. દાદાશ્રી : એટલો બધો વખત બસ, એમાં ને એમાં જાય. અને દોસ્તારોય નેગેટિવવાળા મળી ગયા. સગાવહાલા, દોસ્તાર બધું ઊંધું, સંયોગો બધા નેગેટિવવાળા. પ્રશ્નકર્તા : બધું નેગેટિવમાં. દાદાશ્રી : તે નેગેટિવ પ્રોર્શન (નકારાત્મક ભાગ) જ ઊડી ગયો આખો. એ કંઈ જેવી તેવી વસ્તુ છે ? દેહાધ્યાસ હોય ત્યાં સુધી નેગેટિવ સાઈડ જ હોય. નેગેટિવપણું ગયું બધું. એક માણસ માટે જરા ખરાબ વિચાર આવવો તે પણ નેગેટિવ, આપણને ગાળ ભાંડતો હોય એના માટે ખરાબ વિચાર આવે તોય નેગેટિવ કહેવાય. એય પાછું પેલા માણસ પર નથી જતું, ખુદ ભગવાન પર જાય છે. એને (મહીં) એના ભગવાન રહેલા જ છે ને! આટલી બધી જવાબદારીઓ ઉપાડે છે. માટે કહીએ છીએ કે આ (વિજ્ઞાન) હાથમાં આવ્યું છે ને પૂરું કરી લો ને કામ કાઢી લો. ચા પીઓ છો તેનો વાંધો નહીં, સ્ટેશન પર ભજિયા ખાઓ છો તેય વાંધો નહીં પણ આટલું ધ્યાનમાં લક્ષમાં રાખજો કે આ જે સામાન છે તે પૂરેપૂરું કામ કાઢી લેવા જેવો છે એ. આપણા અનુભવમાં આવેલું છે પાછું કે આ નેગેટિવમાં જતું નથી. સમાધાને વર્તો સદા જાગૃત ‘આ’ તો કામ કાઢી લેવાની જગ્યા છે. ‘આ’ કોઇ ધર્મનું સ્થળ નથી. પોતાનું બધી જ રીતનું કામ થાય. મોક્ષ હાથમાં આવી જાય ત્યાં કામ પૂર્ણ થાય. જ્યાં સર્વ સમાધાની જ્ઞાન છે કે જે કોઇ પણ સંજોગોમાં, કોઇ પણ સ્થિતિમાં સમાધાન આપે. સમાધાન થવું જ જોઇએ. અસમાધાન ના રહેવું જોઈએ. એનું નામ અક્રમ વિજ્ઞાન. નિરંતર સમાધાન રહેવું જોઈએ. ગાળો ભાંડે તોય સમાધાન રહેવું જોઈએ, ગજવું કાપે તોય સમાધાન રહે, ફુલ ચઢાવે તોય સમાધાન રહેવું જોઈએ. જો આ જ્ઞાન સમાધાન ના કરાવે તો એનો અર્થ એ કે તમને સમાધાન કરતા આવડતું નથી. નહીં તો સમાધાન અવશ્ય થવું જ જોઇએ. અમારી આજ્ઞામાં રહે તો સમાધાન થાય જ. અહીં આવડત-અન્આવડતનું જોવાનું નથી. હવે આપણે આપણું કામ કાઢી લો આવું કોઈ દહાડો બનેલું જ નહીં. આ નવી જ જાતનું છે આ. માટે આપણે આપણું કામ કાઢી લેવા જેવું છે. અમે એક જ વાત કરીએ છીએ, કાઢી લેજો કામ. આ ઓર જ જાતનું થયેલું છે, ન બને એવું બન્યું છે અને તે દુષમકાળમાં. દુષમકાળ એટલે દુઃખમુખ્ય કાળ. મુખ્યતાએ દુઃખ જ હોય, એ કાળમાં બન્યું છે તો આપણે આપણું કામ કાઢી લેવું. પ્રશ્નકર્તા : જગત માને યા ના માને એ જુદી વાત છે, બાકી અનંત કાળે ‘આ’ મળે એવી ચીજ નથી. દાદાશ્રી : અનંત કાળમાં ન પ્રાપ્ત થાય એવી વસ્તુ છે આ. આ દસ લાખ વર્ષે પ્રગટ થયેલું છે ! તો આપણું કામ કાઢી લેવાનું છે. હું શું કહેવા માગું છું ? કામ કાઢી લો. જય સચ્ચિદાનંદ
|