જાણીને છેતરાવાની કળાં

સંપાદકીય

‘મને જે ભેગો થયો એને ભલે મારાથી ફાયદો ના થાય પણ નુકસાન તો ના જ થવું જોઈએ’, પોતાના આ એક આગવા પ્રિન્સિપલના આધારે એમણે આખું જીવન વિતાવ્યું. માતુશ્રીના સંસ્કાર સિંચને નાનપણથી જ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના જીવનમાં ઔદાર્યની ભાવના વણાઈ ગયેલી. ઉદાર દિલ, ક્યારેય કોઈનું કાંઈ લેવાની ભાવના નહીં, ફક્ત આપવાની જ ભાવના. એ ભાવનાનો દુરુપયોગ લોકો દ્વારા થતો, તો જાણીને થવા દીધો પણ ક્યારેય કોઈને દુઃખી ના કર્યા. તેમના જીવનના ઘણા પ્રસંગોમાં તેઓ જાણીને છેતરાતા.

દાદાશ્રી કહેતા કે અમે કોઈની દુકાને ખરીદી કરવા જઈએ અને જો એને નિરાશ કરીએ તો પછી અમારી માનવતા લાજે. માટે અમે એ ખુશ થાય એવા ઉપાય કરીએ. એ છેતરતો હોય તો જાણીને છેતરાઈએ પણ કચકચ ના કરીએ. એમાંય એમની સમજ કેવી ? ‘એને તો કચકચ કરવાનો સ્વભાવ છે પણ જો હું એની જોડે કચકચ કરું તો પછી એના જેવો જ થઈ ગયો ને !’ એમને કંઈ લોકો જેવા થવું ન હતું. એમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો, કંઈક વિશેષ પદ અને એથીય આગળ ‘નિર્વિશેષ’ પદે પહોંચવું હતું. એટલે તેઓ હંમેશાં સાંસારિક વિશેષતા અપાવે એવા ઉપાયોથી મુક્ત રહ્યા અને તેથી તો તેઓ મહામુક્ત દશાને પામ્યા.

દાદાશ્રી જાણીને છેતરાવાની કળા પાછળનું રહસ્ય સમજાવતા કહે છે કે ખરી રીતે તો છેતરનારાં એ પોતે જ છેતરાય છે ને છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. તેઓ કહેતા, અમે આખી જિંદગી જાણીને છેતરાયેલા તેનું શું કારણ ? ત્યારે કહે, અમે તો મૂળથી જ બિઝનેસમેન એટલે અમારું બિઝનેસ માઈન્ડ. અમે ખોટનો ધંધો ના કરીએ. છેતરાવામાં બસ્સો-પાંચસો ગુમાવીએ પણ સામે એ એનું મોરલ (નીતિમત્તા) વેચતો હોય તો એ તક હું શું કામ જતી કરું ? એટલે જ બધેથી એવું મોરલ પ્રાપ્ત કરતાં કરતાં એવી જગ્યાએ પહોંચ્યા કે જ્યાં એમના જેવી મોરાલિટી અને સિન્સિયારિટી વર્લ્ડમાં કોઈની ના હોય. તેઓ કહેતા કે અમારી બુદ્ધિ ટોપ લેવલની હોય છતાં જાણીને છેતરાયા તો અબુધ દશાને પામ્યા, વીતરાગ પદને પામ્યા.

દાદાશ્રીની દ્રષ્ટિ પહેલેથી ખૂબ વિશાળ અને હાઈ રિવોલ્યુશન એટલે બધી જ વાતનો તાગ પામી જાય. ગમે તે સંજોગોમાં પોતાનો ધ્યેય ના ચૂકે. એમની મૂળ દ્રષ્ટિ તો વીતરાગોના વિજ્ઞાનને પામવાની હતી અને એટલા માટે જ વિવિધ જ્ઞાનકળાને આધારે જીવનના વિવિધ પ્રસંગોમાં જ્ઞાન ગ્રહણ કરતાં કરતાં સર્વોતમ પદને પામ્યા. અને એટલું જ નહીં, પોતે જે પામ્યા તે જ્ઞાન ભેલાડ્યું જગત કલ્યાણને કાજ. દાદાશ્રી કહેતા કે અમે ઓટીમાં કશું જ જ્ઞાન સંતાડી રાખ્યું નથી. જે હતું તે બધું જ આપી દીધું છે, હવે તારી વારેવાર. મારી તો ઈચ્છા છે કે આ જ્ઞાનને પચાવીને તું મારા કરતાં સવાયો થા. તું ઝળકાટવાળો થા. મારી જે ઈચ્છા છે તે તું થઈ જાને !

દાદાશ્રીની કેવી ઉદ્ધાત ભાવના ! એ ભાવનાની ગહનતાની કલ્પના કરતા હૃદય દ્રવી જાય છે. આવા મહાન જ્ઞાનીની જ્ઞાન દશા અને ગુણોનું વર્ણન કરતાં શબ્દો સિમિત થઈ જાય છે અને બુદ્ધિ થંભી જાય છે. આપણે એટલા પુણ્યશાળી કે એમના સ્વમુખે જ એમના અનુભવો જ્ઞાનવાણી રૂપે પ્રાપ્ત થયા. અહો અહો થાય કે કેવી અદભુત દશા ! બસ આપણે તો એમની આ વાણીનું આરાધન, મનન-ચિંતન-નિદિધ્યાસન સાચી સમજણપૂર્વક કરીએ તો આપણા ધ્યેયનો સાક્ષાત્કાર જરૂર પ્રાપ્ત કરી શકીશું.

જય સચ્ચિદાનંદ

જાણીને છેતરાવાની કળા

બુદ્ધિ વગરનું કોઈ હોય ખરું ?

પ્રશ્નકર્તા : મૂળ સ્વરૂપને ઓળખવા માટે કઈ જાતના પ્રયત્નો હોવા જોઈએ ?

દાદાશ્રી : મૂળ સ્વરૂપ ઓળખવા માટે, મૂળ સ્વરૂપ જેણે જાણ્યું હોય, જે મૂળ સ્વરૂપમાં જ રમણતા કરતાં હોય, ત્યાં જઈએ તો આપણો નિવેડો આવે. હવે એને માટે આપણે તપાસ કરવા જઈએ તો બધા બહુ જણ એમ કહે કે અમે મૂળ સ્વરૂપને જાણીએ છીએ, તો પછી આપણે તપાસ કરવી કે કોનામાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ, બુદ્ધિ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં. શબ્દે કરીને થાય, અનુભવે કરીને નહીં. જ્યારે બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિનો એક સેન્ટ ના હોય, ત્યારે એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય. તે ત્યાં એવો બુદ્ધિ વગરનો માણસ આપણે ખોળી કાઢો. એવા કેટલા હોય દુનિયામાં ? આ અમે એકલા જ બુદ્ધિ વગરના છીએ, તો તમારે જેવું કામ કાઢવું હોય તે અહીં નીકળી જાય.

જ્ઞાનીનો સિદ્ધાંત કેવો ?

દાદાશ્રી : બુદ્ધિનો દુરુપયોગ લોકો કરતા હશે કે નથી કરતા ?

પ્રશ્નકર્તા : આ જમાનામાં બુદ્ધિ જ હેરાન કરે છે ને ? ડખો એ જ કરાવે છે ને ?

દાદાશ્રી : બધા દુકાનદારોએ એ જ ધંધો માંડ્યો છે ને ! આ અમારા જેવા કશું લેવા જાય તો ‘આવો સાહેબ, આવો સાહેબ’ કરીને બે-ત્રણ રૂપિયા વધારે પડાવી લે અને અમે આપીએ પણ ખરા. અમે જાણીએ કે આ લાલચુ છે. અમે એક ફેરો એક દુકાનમાં પેઠા તો અમે ત્યાંથી જે ખરીદવા માટે ગયા હોય તે ખરીદ્યા વગર નીકળીએ નહીં. નહીં તો ‘આવો સાહેબ, આવો સાહેબ’ની એની મહેનત કરેલી નકામી જાય. અમે એની મહેનત નકામી જાય એવું ના કરીએ. ભલે અમે એને ત્યાં છેતરાઈને આવીએ. અમે જાણીએ ખરા કે આ ક્વૉલિટી (વ્યક્તિની પ્રકૃતિ) આવી છે. અમે તરત ઓળખી કાઢીએ.

જાણીને છેતરાવાનું ફળ શું ?

સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. કોઈ જગ્યાએ છેતરાય નહીં, એનું નામ જ્ઞાની. છેતરાય ક્યાં ? જાણીબૂઝીને.

પ્રશ્નકર્તા : એનું ફળ શું ?

દાદાશ્રી : જાણીને છેતરાય એને શું પદ મળે કે ‘દિલ્હીમાં જે કોર્ટ હોય છે ને, તે સુપ્રીમ કોર્ટના જજનેય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.’ એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈ ક્લાસ, પાવરફુલ (શક્તિશાળી) મગજ થઈ જાય ! કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણીજોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી, એનું મગજ એવું હાઈ લેવલ (ઊંચા સ્તર) પર જાય ! પણ એવું જાણીજોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ (સ્વીકાર) થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ?

બુદ્ધિનું ચલણ આવે તો બુદ્ધિ બોસ (ઉપરી) થઈ બેસે અને જાણીજોઈને છેતરાય, એટલે બુદ્ધિ જાણે કે આ વળી મારું ચલણ નથી રહ્યું. નહીં તો બુદ્ધિ જાણીજોઈને છેતરાવા ના દે. એ પ્રોટેક્શન (રક્ષણ) ખોળી જ કાઢે. પણ આપણે જાણીજોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાઢી પડી જાય, ‘યસ મેન’ (હાજી હા કરનાર) થઈ જાય પછી, અંડરહેન્ડ તરીકે રહે.

બુદ્ધિનું ચલણ જાય, છેતરાવાથી

પ્રશ્નકર્તા : જાણીને છેતરાય ત્યારે વ્યવહારનું કામ બગડે નહીંને ?

દાદાશ્રી : કશુંય બગડે નહીં, વ્યવહારનું કામ બગડતું હશે ? વ્યવહારને સુધારવા માટે તો બુદ્ધિ એનું કામ કર્યા જ કરે છે. આ તો વધારાની બુદ્ધિ આપણને ટૈડકાવે છે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો નોર્મલ (સામાન્ય) બુદ્ધિ હોય અને આ જે એક્સેસ (વધારે) બુદ્ધિ છે, એમાં પોતે કેવી રીતે સમજી શકે કે આ એક્સેસ બુદ્ધિ છે ?

દાદાશ્રી : વાતવાતમાં ઈમોશનલ (ભાવુક) કરે તે એક્સેસ બુદ્ધિ. એ સેન્સિટિવ (સંવેદનશીલ) થઈ જાય. બહુ સેન્સિટિવ સ્વભાવનો છે, એવું નથી કહેતા ?

પ્રશ્નકર્તા : એ એક્સેસ બુદ્ધિ છે, એની સામે પોતે કેવી રીતે ‘ફેસ’ કરવું (સામનો કરવો) ? આ જે ઈમોશનલ કરે છે, સેન્સિટિવ કરે છે, ત્યાં કેવી રીતે એ બ્રેક મારવી ?

દાદાશ્રી : આ ભાઈને પોલીસવાળો પકડવા આવે તો તું એને કહી દઉં કે ‘તું આમ જતો રહે, પોલીસવાળા આવ્યા છે.’ એમ પાછલે બારણે કાઢી મૂકે, એનું નામ વધી ગયેલી (એક્સેસ) બુદ્ધિ. પેલા ભાઈને બુદ્ધિ નથી અને સમજણ નહોતી પડતી, ત્યારે આપણે રસ્તો કરવો પડે ને ? પેલો કહેય ખરો કે ‘તમે મને બહાર કાઢ્યો, તે સારું થયું.’ એટલે પોતે મનમાં ફુલાય કે ‘આપણો વ્યવહાર સારો થયો !’ આમ પોતે ગર્વરસ ચાખે, તે વધારે (એક્સેસ) બુદ્ધિ પણ એ પછી બોસ થઈ બેસે ને ? પછી આપણી બાબતમાંય એવું કરે એ, આપણી મર્યાદા ના રાખે.

પ્રશ્નકર્તા : આપણી બાબતમાં એટલે કઈ રીતે ?

દાદાશ્રી : એ બુદ્ધિ આપણી પાસેય કહેશે કે ‘આ કરો, કરો ને કરો જ, બીજું ના કરવા દઉં.

પ્રશ્નકર્તા : બુદ્ધિ આવું બતાડે, એની સામે કેવી રીતે ડીલિંગ (વ્યવહાર) કરવું ?

દાદાશ્રી : કહ્યું ને ભઈ, આવી બુદ્ધિને નોકર બનાવી દો, બોસ નહીં. એક મહિના સુધી છેતરાય છેતરાય કરે તો ધીમે ધીમે બુદ્ધિનું ચલણ ઓછું થઈ જાય. ‘મારું ચલણ નથી’ બુદ્ધિ એમ કહે પછી.

પ્રશ્નકર્તા : આ એક્સેસ બુદ્ધિ જે દેખાય, એને સમજાવીને-પટાવીને કે એના સામા થઈને ફેસ કરી શકાય ?

દાદાશ્રી : કહ્યું ને, જાણીને છેતરાઓ.

ખરીદી કરે પણ છેતરાઈને...

પ્રશ્નકર્તા : આપ સમજીને છેતરાયા હોય, એવા કોઈ પ્રસંગ કહોને !

દાદાશ્રી : અરે, બધી બહુ બાબતોમાં અમે સમજીને છેતરાયેલા. આ વેપારીઓ પણ મને છેતરે. ‘આવો આવો, પધારો-પધારો’ કરે ને છેતરે.

પ્રશ્નકર્તા : દાદા, પેલી ધોતી જોટાની વાત કરોને, અઢાર રૂપિયાનો ધોતી જોટો !

દાદાશ્રી : હા, હા. એ તો બધા વેપારીઓ ઓળખે, આમ અંબાલાલ ના કહે, અંબાલાલભાઈ કહે. એમને એમેય, માલ એમને ત્યાંથી ના લેતા હોય, તોય અંબાલાલભાઈ કહે.

(જ્ઞાન પહેલાં) હું તો મૂળ માની સ્વભાવનો માણસ, એટલે દુકાનમાં પેસું ત્યાંજ એ સમજી જાય કે અંબાલાલભાઈ આવ્યા છે. કન્ટ્રાક્ટર ખરોને, એટલે રોફવાળા ગણાય. અરે, તકિયા હઉ મૂકી આપે, ફલાણું મૂકી આપે. ‘કહો, શું ગમશે ?’ કહેશે. ત્યારે મેં કહ્યું, ‘એક જોટો ધોતિયાનો અને બે-ત્રણ ખમીસનું કપડું લેવાનો વિચાર થયો એટલે આવ્યો છું’, એટલે કાઢી આપે. તરત બિલ ફાડી આપે, ‘સાહેબ, પૈસા નહીં હોય તો ઘેર આવીને લઈ જશે.’ મેં કહ્યું, ‘ના, છે મારી પાસે અત્યારે.’ તે આપણે પૈસા આપી દઈએ ને પૈસા ના હોય તો કહી દઈએ કે ઘરેથી લઈ જજો.

પણ હું જાણું કે પંદર રૂપિયાનો જોટો, પણ મારી પાસેથી એણે જોટાના ત્રણ રૂપિયા વધારે લીધા, કારણ કે અમથા બધા આ તકિયા ને બધું આપતા હશે ? એટલે હું જાણું કે આ બિચારાનો, એનો સ્વભાવ જ એવો છે. તો હું એની જોડે કચકચ ક્યાં કરું કે ‘આટલા બધા અઢાર રૂપિયા હોય ? આમ છે તેમ છે ?’ હવે ત્યાં કચકચ કરનારો હોય તેને એ પંદરે આપે. હું કચકચ ના કરું. એટલે અઢાર રૂપિયા લે.

છેતરાવા પાછળ ભાવના કેવી ?

હવે બીજો કોઈ વેપારી હોય તે પાછો મને મળે તો કહેશે, પેલાના ભાવ દેખાડો જોઈએ. ત્યારે એ મને કહી દે કે ‘આટલો તમારી પાસે ભાવ વધારે લીધો છે.’ ત્યારે હું કહું કે ‘આ તો હું સમજીને છેતરાયો છું.’ હું જાણું કે જો એ વધારે નહીં લે, તો એના મનને ઠંડક નહીં થાય. આવા સારા ઘરાક આવ્યા ને જો એ વધારે ના આપે તો બીજો કોણ ઘરાક આપવાનો છે ? આવા ખાનદાન ઘરાક આવ્યા, તે ના આપે તો બીજા કચકચિયા તો આપવાના જ શું તે ? અમે કોઈ દહાડોય કચકચ ના કરીએ અને આપણાં પગલાં પડે તો એને બિચારાને સંતોષ થવો જ જોઈએ. હવે એક કે બે રૂપિયા વધારે લઇ જાય પણ એને ઊંઘ કેવી સરસ આવે ! કહેવું પડે આજ ઘરાક જોઇને, મોઢું જોયું ને તો આનંદ થયો મને, કહે છે. અને કેટલાકને કહે છે, ‘તમે ક્યાં અમારે ત્યાં આવ્યા ? અમારો આખો દહાડો નકામો જશે. અને જો આપણાં પગલાં થયા અને એનું મોઢું બગડે કે ‘આ ઘરાક ક્યાંથી આવો આવ્યો !’ શું કહેશે કે ‘જોટો લઈ ગયા અને ઉપરથી બે રૂપિયા કાપી ગયા.’ અલ્યા, રૂપિયા પૂરા આપ્યા અને પાછું આવું મોઢું બગાડે છે ? પણ જો આ કચકચ કરીને બે રૂપિયા ઓછા આપ્યા તો એનું મોઢું બગડ્યું ને ! હું જાણું કે આ બિચારાનો સ્વભાવ આવો છે, તો એની જોડે કચકચ કરું, તો હું એના જેવો જ થઈ ગયોને પછી ? નહીં તો પેલા અઢાર રૂપિયા લીધા છે તે બધાય દીપત. આ તો સોળ આપ્યા તે દીપ્યા નહીં. એક સોનાના કળશ માટે આખું મંદિર બગાડ્યું !

આ લોકોના નિયમ કેટલા સુંદર છે ! આ તો બહુ સારા લોકો ! ફોરેનમાં આવા લોકો ના હોય. આ તો આપણું ઇન્ડિયન પઝલ (ભારતીય કોયડો) કહેવાય. આ પઝલ એવું છે કે કોઈ સોલ્વ (ઉકેલ) ના કરી શકે. એનું નામ ઇન્ડિયન પઝલ કહેવાય. ‘અલ્યા, સારા માણસ પાસેથી વધારે લેવાના ? ત્યારે કહે, ‘હા, બાકી નબળો માણસ તો વધારે આપે જ નહીંને ! હવે સારા માણસને લૂંટે નહીં, તો કોને લૂંટવા જોઈએ ? અને લૂંટીનેય શું લઈ જવાના છે ? ત્રણ રૂપિયા. એટલા હારુ તો ‘બેસો સાહેબ, બેસો સાહેબ, ચા મંગાવું’ કર્યા કરે.

એટલે અમે તો આ સમજીને છેતરાઈએ ! આ તો નાનો દાખલો આપું છું, વેપારીઓ પાસે છેતરાયાનો. પણ અમને બધા જ છેતરે, બૂટવાળો પણ છેતરે.

છૂટવા હારુ માન આપી છેતરાય

પ્રશ્નકર્તા : ’માનીને માન આપી, લોભિયાથી છેતરાય, સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય’ એ સમજાવોને.’

દાદાશ્રી : આ આનુંય પુસ્તકમાં આવે છે, દાદા લોભિયા પાસે છેતરાય, માનીને માન આપીને છૂટી જાય. ‘આવો પધારો, પધારો’ એમ તેમ (કહીને), એને બસ દુઃખ ના થાય. એવું છે ને, માન આપીને અમારે એની પાસે કંઇ જોઇતું નથી પણ એને દુઃખ ન થાય, એનો સ્વભાવ જળવાઈ રહે. એ કહેશે, મને એવું કશું દુઃખ થયું નથી. એના સ્વભાવ પર પાટું મારીએ તો એને દુઃખ થાય. એના સ્વભાવ પર આપણે ઘા કરીએ તો દુઃખ થાય. હવે માની સ્વભાવનો છે ને, એને આપણે હમણાં એમ કહીએ કે શું અક્કડ થઈને ફર્યા કરો છો ? તો દુઃખ થાય બિચારાને. એવું શા માટે કહીએ આપણે ? એટલે મને કોઈ માની ભેગા થાય અને હું મારી વાત એને કરવા માગું પણ વાત ઊંડી ઉતરે નહીં. એટલે હું જાણું કે આ માની છે. એટલે પછી હું કહું, ‘તમારી વાત જુદી છે. તમારી આમ છે, તેમ છે.’ એમ કહીને ખસી જઉં. ક્યાં એની જોડે બેસી રહું ? અહીં પાણી મારું ઉતરે એવું નથી, મારી મહેનત નકામી જવાની છે. તે માનીને માન આપીએને (એટલે) મને જવા દે. નહીં તો જવા દે કે ? ‘તમારામાં અક્કલ નથી, કહ્યું કે ‘ઊભા રહો, કોણ તમે કહેનાર ?’ એટલે માન આપીએ તો જવા દે, નહીં તો જવા દે કે ના જવા દે ?

અને લોભિયાથી છેતરાય. લોભિયો જે મળેને, એ હું જાણું કે બસ્સે-પાનસેની લાલચ હારુ આ માણસ કરે છે, માટે ઘસાઈ છૂટોને અને આપણને જવા દે ને અહીંથી ! નહીં તો કોણ જવા દે ? લોભિયાથી છેતરાયો એનું નામ જ ઊંચામાં ઊંચો માણસ. હા, આ તો આપણા લોક શું કહે ? ‘ભલભલા મને છેતરી નથી ગયા, એનું શું ગજું છે ?’ અલ્યા મૂઆ, એનો છેતરનારનો ધંધો છે, એને થવા દેને ! ધંધો ચાલવા દેને ! તમારો કંઈ ધંધો છે છેતરવાનો ? એના બિઝનેસને ના ચાલવા દેવો જોઈએ ? આપણે એને હેલ્પ (મદદ) તો કરવી જ જોઈએને કંઈક, બિઝનેસ (ધંધો) ચાલતો હોય તેમાં ? ના કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : થવા દો. હા, હેલ્પ થવા દો.

અહમ્ પોષી વીતરાગ ચાલી જાય

સર્વનો અહમ્ પોષીને વીતરાગ ચાલ્યા જાય ! એનો બિચારાનો અહમ્ પોષાય અને આપણો છૂટકારો થઈ ગયોને ! નહીં તોય રૂપિયા કંઈ ઠેઠ આવવાના છે ? એના કરતાં અહીં એમ ને એમ છેતરાઈને લોકોને લઈ લેવા દોને ! નહીં તો પાછળ લોક વારસદાર થશે ! એટલે છેતરાવા દો ને ! અને એ છેતરવા આવ્યો છે, તેને કંઈ આપણાથી ના કહેવાય છે ? છેતરવા આવ્યો તેનું મોઢું શું કરવા દબાવીએ ? (આ તો) જેને તરવું હોય તેને અને ડૂબવું હોય તો પોતાનો ધ્યેય કરવો.

છેતરાઈને ખરીદતા મોરલ

લોભી મળે તો અમે છેતરાતા’તા. પચાસ-સો (રૂપિયા) છેતરાઇએ એટલે ખુશ. ઉપાધિ નહીંને પછી ! એ કંઇ આપણું માથું ઓછું લઇ જવાનો હતો ? એ તો એનાં મનમાં એમ કે એમણે પચાસ રૂપિયા આપ્યા ને ફાયદો મેં કર્યો. પચાસ રૂપિયા હારુ એનું મોરલ વેચે છે, તો હું કેમ ના લઇ લઉં ? હું તો ખરીદી કરતો હતો પહેલેથી. શું ખરીદી કરતો હતો ? પચાસ રૂપિયા માટે એનું મોરલ વેચી રહ્યો છે, તે હું લઇ લેતો હતો. બીજો કોઇ લેનાર ન હતો એટલે. હું એનો ગ્રાહક હતો.

પ્રશ્નકર્તા : હા, બીજા કોઇ તો ગ્રાહક મળે જ નહીં. એવા ગ્રાહક બીજા તો થાય જ નહીં.

દાદાશ્રી : બીજા ઘરાક થાય નહીં ને આના. સમજે નહીંને ! વેપાર કરતા આવડે નહીંને ! એય બિઝનેસ પોલિસી (ધંધાકીય નીતિ) છે ને !

પ્રશ્નકર્તા : એટલે એવો વેપાર જ શીખવો છે અમારે.

દાદાશ્રી : આ (વાત) આગવી છે અને પાછી અનુભવની છે. આગવી એટલે બીજો કોઈ રિસ્પોન્સિબલ (જવાબદાર) નથી. રિસ્પોન્સિબલ હું જ છું. જો તમે એ પ્રમાણે કરશો તેની જોખમદારી મારી છે. હું મોરલ વેચાતો લેતો’તો. ચોરી કરે તોય એને ફરી બોલાવતો’તો, ચેતતો રહેતો’તો. ફરી કોટ ત્યાં ના કાઢું પણ એને એમ ના કહું કે તું ચોર છે. મને પુરાવો મળે, બધું મળે તોય ના કહું. કારણ કે હું માણસને ચોર કહેતો નથી, હું ચોરને ચોર કહું છું.

અમને ક્રોધી મળેને તોય અમે એને શાંતિ આપતા હતા. જો (એનાથી) ક્રોધ થઇ જાય ને તો એને એટેક-બેટેક (પ્રતિકાર) કશું કરીએ નહીં. ત્યારે પછી એ પસ્તાતો આવે અમારી પાસે. પછી કહે, તમે કશું બોલતા નથી, પણ મારો સ્વભાવ છે આવો, તે હું બોલી ગયો એવું.

પ્રશ્નકર્તા : દાદા, એમાં એને પ્રોત્સાહન આપ્યું, એ નિમિત્ત ના બન્યા તમે?

દાદાશ્રી : આ દુનિયામાં પ્રોત્સાહન કોણ આપે છે તે જાણો છો ? જે સળી કરશે તે.

છેતરાઈ છેતરાઈને શું લઈ જવાના ?

આ (મારો હેતુ) મોક્ષે જવાનો હતોને, એટલે આ બીજી કોઈ બાબતમાં બહુ પડેલી નહોતી. એટલે શું માનતો’તો કે છેતરનાર હોય એનેય અસંતોષ ના થાય, એટલા માટે એક વખત છેતરી ગયો, તે ફરી પણ છેતરાવાની જગ્યા રાખતો કે ભલે બિચારાને સંતોષ થાય. ગમે તે રીતે માન ખાવાની આદત હોય એટલે માન-તાન આપીને પણ મારો રસ્તો નીકળ્યા કરેને ! હું અપમાન કરું તો મને પકડી રાખે લોકો બધા. ક્યાં મોક્ષે જવાનું છે ? નહીં જવાનું. એટલે જે તે રસ્તે આ લોકોને માન આપીને, તાન આપીને, પૈસા આપીને પણ અહીં આ છે તે સહી કરો. આ બધું અહીં જ પડી રહેવાનું. નહીં આપો તો છેવટે લઈ લેશે મારીઠોકીને. લઈ લે કે ના લઈ લે ?

પ્રશ્નકર્તા : હા, લઈ લે, નહીં તો પડાવી લે.

દાદાશ્રી : તો તે ઘડીએ માબાપ કહેવું તેના કરતા પહેલેથી માબાપ કહોને ! પણ શું થાય ? કર્મમાં વાંધા લખેલા હોયને, તે છૂટે નહીં. જશ મળે નહીં અને વાંધા કાઢે. છેતરાઈને શું લઈ જવાનો છે ? આ બધો એંઠવાડો છે બધું શું લઈ જવાનો છે ? આપણું સંડાસ કંઈ ઓછું લઈ જાય છે ? ત્યારે આય બધા લઈ જાય છે એ બધાય સંડાસ છે ! પણ પોતાને પોતાની ભાષામાં સમજાય તેને. કામ લાગે એવી વાત છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : મેં તો નાનપણમાંથી જ ચારેવ બારા ખુલ્લા જ રાખેલા. દરેકનો રાજીપો લેતો. માનીને માન આપતો, લોભીને છેતરાઈ જઈને અને કપટીને તેનું કપટ લેટ ગો કરતો અને ફરી કરવા દઈને સંતોષેલા.

સ્વાર્થીઓને તેનો સ્વાર્થ સધાવીને ખુશ રાખું. કપટવાળાને કપટ, ચોરીવાળાને ચોરી પણ કરવા દઉં. તે લોકો મને ભોળો જાણે પણ હું બધું જ જાણું.

આ દુનિયામાંથી કશું જ લઈ જવાનું નથી, તો પછી આપણે સામાને શું કામ રાજી ના રાખીએ ? જેનું મન રાજશ્રી તે રાજા !

પણ એમાં હેતુ મોક્ષનો જ

પ્રશ્નકર્તા : આપ તો સમજીને છેતરાયા પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો, એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ?

દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. અમે તો એની વૃત્તિ પોષી છે. હક્કનું ખાવા આવ્યો તો ભલે અને અણહક્કનું ખાવા આવ્યો તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાય ને ! એણે તો અણહક્કનું લીધું એટલે એને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયો ને ! ‘સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.’ આ અહમ્ ના પોષીએ તો આ લોકો આપણને આગળ જવા જ ના દે ! ‘અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું’ એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દે ને ! એ તો ‘તેં મારું કશું ધોળ્યું નહીં’ કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે, નહીં તો માબાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ માબાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછા હોય ને ?

પ્રશ્નકર્તા : ના હોય.

દાદાશ્રી : ત્યારે એમને મોક્ષનો માર્ગ પણ મળી આવે ને !

પ્રશ્નકર્તા : સામાને છેતરવાનો ચાન્સ (તક) આપે છે એ ખોટું નહીં ?

દાદાશ્રી : આ તો પોતાના એડવાન્સ માટે છે ને ! છેતરવાનો ચાન્સ એના એડવાન્સ માટે છે ને આપણે આપણા એડવાન્સ માટે છેતરાવાનો ચાન્સ છે. પેલો એની પૌદ્ગલિક પ્રગતિ કરે છે ને આપણે આત્માની પ્રગતિ કરીએ, એમાં ખોટું શું છે ? એને આંતરે ત્યારે ખોટું કહેવાય.

પહેલેથી હું તો જાણીજોઈને છેતરાતો. એટલે લોક મને શું કહેતા કે ‘આ છેતરનારને ટેવ પડી જશે, એની જોખમદારી કોના માથે જાય ? તમે આ લોકોને જતા કરો છો, તેથી બહારવટિયા ઊભા થાય છે.’ પછી મારે એને ખુલાસો આપવો જ પડે ને ! અને ખુલાસો પદ્ધતિસર હોવો જોઈએ. એમ કંઈ મારીઠોકીને ખુલાસો અપાય ? પછી મેં કહ્યું કે ‘તમારી વાત સાચી છે કે મારે લીધે બહારવટિયા જેવા અમુક માણસો થયા છે.’ તેય બધા માણસો નહીં, બે-પાંચ માણસો, કારણ કે એમને એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) મળ્યું ને ! પછી મેં કહ્યું કે ‘મારી વાત જરા સ્થિરતાથી સાંભળો. મેં પેલાને એક ધોલ મારી હોય, જે મને છેતરી ગયો તેને તો, અમે તો દયાળુ માણસ, તે ધોલ કેવી મારીએ એ તમને સમજમાં આવે છે ?’ પેલા ખુલાસા માંગનારને મેં પૂછયું ત્યારે પેલો કહે, ‘કેવી મારે ?’ ત્યારે મેં કહ્યું, ‘પોલી મારે.’ એનાથી એન્કરેજમેન્ટ વધારે થાય કે ‘ઓહોહો, બહુ ત્યારે આટલીક જ ધોલ મારશે ને ? તો હવે આ જ કરવા દે.’ માટે દયાળુ માણસ છોડી દે, એ જ બરોબર છે.

આપણને છેતરી ગયો પણ પાછો એને કોઈ માથાનો મળે પછી. પેલાને આમ છેતરતા બીજું-ત્રીજું સ્ટેશન આવશે, એમાં કોઈ એકાદ એવો એને ભેગો થઈ જશે કે એ એને મારી-મારીને ફૂરચા કાઢી નાખશે, તે ફરી આખી જિંદગીમાં ખો ભૂલી જશે. એને છેતરવાની ટેવ પડી છે એ પેલો એની ટેવ ભાંગી આપશે. ‘અલ્યા, તું મને છેતરે છે ?’ એવું કહીને પેલાને મારે ! બરોબરનું માથું તોડી નાખે. ખુલાસો બરોબર છે ને ? અમે છેતરાઇએ પણ અમે બેલ મારીએ, ઘંટ મારીએ અને ચેતવીએ તે પણ શુદ્ધાત્મભાવે ઘંટ મારીને (કેમ ભઇ ફરી છેતરે છે) ! આ તો જાણીજોઇને જ્ઞાનમાં રહીને શુદ્ધાત્મભાવે ફરી છેતરાવાનું, ટાઇમ વેસ્ટ (સમય બરબાદ) નહીં કરવાનો. ફાઇલનો નિકાલ કરાવવાનો.

જાણીને છેતરાવું એ એક કળા

જાણીને છેતરાવું એ બહુ મોટામાં મોટી પુણ્યૈ ! અજાણથી તો સહુ કોઈ છેતરાયેલા. પણ અમે તો આખી જિંદગી આ જ ધંધો માંડેલો કે જાણીને છેતરાવું ! સરસ બિઝનેસ છે ને ? છેતરનાર મળે એટલે જાણવું કે આપણે બહુ પુણ્યશાળી છીએ, નહીં તો છેતરનાર મળે નહીં ને ! આ હિન્દુસ્તાન દેશ, એમાં બધા કંઈ પાપી લોકો છે ? તમે કહો કે મને તમે છેતરો જોઈએ, તો આ જોખમદારીમાં હું ક્યાં હાથ ઘાલું ? અને જાણીને છેતરાવા જેવી કોઈ કળા નથી. લોકોને તો ગમે નહીંને આવી વાત ? લોકોનો કાયદો ના પાડે છે ને ? તેથી તો છેતરવાની આદત પાડે છે ને ! ટીટ ફોર ટેટ (ઇંટનો જવાબ પથ્થરથી) એવું શીખવાડે છે ને ? પણ આપણાથી શું ધોલ મરાય ? અને હું ધોલ મારું તો પોલી મારું. એક જગ્યાએ ઉઘરાણી કરવા ગયો હતો, ત્યારે એને ત્યાં બીજા કોઈની જપ્તી આવેલી. હું તો થોડીવાર બેઠો, તે પેલાને જપ્તીમાં કંઈક વીસ રૂપિયા ભરવાના હશે, તેટલા રૂપિયા પણ એની પાસે નહોતા, બિચારો આમ આંખમાંથી પાણી કાઢવા માંડ્યો. ત્યારે મેં કહ્યું કે ‘લે, વીસ (રૂપિયા) હું આપું છું.’ તે વીસ રૂપિયા હું આપીને આવ્યો ! તે ઉઘરાણીએ ગયેલો વીસ રૂપિયા આપીને આવતો હશે ?

ત્યાં ઉપાય સમભાવે નિકાલ

આમ આપણે હોટલમાં પાંચસો રૂપિયા ખર્ચી નાખીએ. ખર્ચીએ કે ના ખર્ચીએ ? મુંબઈ ગયા હોય અને સારી હોટલ હોય તો બે દહાડા રાખીને (રહીને) પણ પાંચસો રૂપિયા ખર્ચી નાખીએ અને આમ પાંચસો ગયા તે આપણને છાતીએ ઘા લાગે. કારણ કે પેલું આપણે સમાધાન વૃત્તિ ખોળીએ છીએ. કોઈ દહાડો સમાધાન ના થાય. આ સાવ આવું ઊંધું જ બોલે તેને કેમ થાય ? એટલે સમભાવે નિકાલ કરી નાખો. ખરું કે ખોટું પણ કેસ ઊંચો મૂકી દેવાનો. વેર ના બાંધે ને કશુંય નહીં. ઊંધો ચોંટી પડે તો ઊંધો ચોંટી પડ, છતો તો છતો ચોંટી પડ. અમે લોભિયો હોયને ત્યાં છેતરાઈને એને ખુશ કરીએ. માની માણસ હોય તેને માન આપીને ખુશ કરીએ. જેમ તેમ ખુશ કરીને આગળ જઈએ. અમે આ લોકોની જોડે ઊભા ના રહીએ. એડજસ્ટ એવરીવ્હેર, એવી કોઈ જગ્યા નથી કે અમે એડજસ્ટ ન થઈએ.

જગત સાવચેત ત્યાં જ્ઞાની અચેત

હું આખી જિંદગી જાણીજોઈને છેતરાયેલો, નાનપણમાંય એ જાણે કે કાકા રાજા જેવા છે, ઓલિયા છે. મને એમાં ટેસ્ટ આવી ગયેલો કે એને આનંદ થાય છે ને ! જતી વખતે આનંદ થાય છે ને ! નહીં તો મોઢું બગડી ગયેલા મેં જોયેલા. એટલે પછી મેં ફેરફાર કરેલો. મેં કહ્યું, આ આપણે મોઢાં બગડી જાય, જતી વખતે. ‘આવજો’ય ના કહે. આપણને ‘આવજો’ કહેવાય ના આવે અને ઊલટો મનમાં વિચાર કરે કે ‘આજ કોનું મોઢું જોયું હતું તે આ ભેગા થયા વળી !’ અલ્યા મૂઆ, અમે કાળમુખા છીએ ?

પ્રશ્નકર્તા : દાદા, આપણે છેતરાઈએ તો એ ‘આવજો’ ત્રણ-ચાર વખત કરે.

દાદાશ્રી : હા, માટે અમે આ શોધખોળ કરેલી છે. આ બધી જ શોધખોળ, અક્રમની જ શોધખોળ નાનપણમાંથી જ કરેલી છે. કેટલાય અવતારથી શોધખોળ કર્યા પછી આ મૂક્યું બહાર. જગત જેમાં સાવચેત છે ત્યાં અમે અચેત છીએ.

જગત જ્યાં આગળ પોતાની એ (આવડત) ગણે છે ત્યાં જ અમે મૂર્ખાઈ કહીએ છીએ. તેનાથી જ જગત વધારે ઊભું થયું છે.

તમને સમજ પડી આ ? આ કામ લાગે એવી વસ્તુ છે. બહુ સારી કામ લાગે. અમને નાનપણમાંથી આ સમજ પડી ગયેલી, ગેડ બેસી ગયેલી. અને માનીને અમે તો ‘આવો, પધારો’ એવું બોલતા પહેલેથી. કારણ કે મને એક ટેવ એવી નાનપણમાંથી. જો એને ઘેર જઉં ને એ ‘આવો પધારો’ એવું કશું બોલે નહીં, તો ફરી એને ઘેર ના જઉં. એટલે મેં કહ્યું, ભઈ, આપણે જેવું બોલીએ એવું સામો બોલે.

પ્રશ્નકર્તા : હા, એ તો છે.

દાદાશ્રી : એટલે પછી મેં શોધખોળ કરી. મેં કહ્યું, ‘આવો, પધારો’ એવું આપણે બોલવું, તો એ આપણને કહેશે. ‘પધારો’ નહીં બોલે તો ‘આવો’ એકલું કહેશે તો બહુ થઈ ગયું આપણે. કેટલાક તો બોલે નહીં. આપણે એના ઘરમાં જઈને બેસીએ-ઊઠીએ તોય કશું બોલે-ચાલે નહીં. અલ્યા મૂઆ, કોથળા છોડને આ બધા. કોથળા શું કરવાના, રાખી મેલવાના છે ? કોથળા છોડી છોડીને વહેંચને થોડું થોડું. મફતનો માલ છે આપવાનો.

જાણીને છેતરાય, કઈ ગણતરીએ ?

અમારા મોટાભાઈ અહીં આગળ વડોદરા રહે. તે હું વડોદરા આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહેશે, ‘અમારું ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો, અમારી બે ચડ્ડીઓ લેતા આવજો.’ મિત્રો બધા કહે ને ! અને મારો સ્વભાવ કેવો ? જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછ્યું એટલે એને ત્યાંથી જ લેવાનું. પછી વધતું-ઓછું હોય તોય નભાવી લેવાનું. કારણ કે એને દુઃખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. એટલે હું મારો સ્વભાવ સમજું અને જે લોકોએ વસ્તુઓ મંગાવેલી, તે લોકો સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાંને અપમાન કરી કરીને પણ લઈ આવે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતાં બે આને ફેર લાવે એવા છે અને મારી પાસે મંગાવ્યું તો મારા બે આના વધારે જવાના છે. એટલે હું બે આના એ અને એક આનો વધારાનો, એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. બાર આના આપ્યા હોય તો ‘નવ આના મેં આપ્યા છે’ એવું એને કહું. એટલે એ એમ ના કહે કે ‘મારામાંથી કમિશન કાઢી ગયા. હું તો દશ આને લાવતો હતો ને મારે તમને બાર આના આપવા પડ્યા. માટે તમે બે આના કાઢી લીધા.’ એવું લોક મારી ઉપર ‘કમિશન’નો આરોપ ન કરે એટલા માટે આ ત્રણ આના ઓછા લઉં, ત્રણ આના કાઢી નાખું. હા, નહીં તો કહેશે, ‘બે આના કમિશન કાઢી લીધું !’ લે ! અલ્યા, નથી કાઢ્યું ‘કમિશન’. હું ‘કમિશન’ કાઢવાનું શીખ્યો નથી મારી જાતે.

ખાનદાન કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : પણ આ બધું તો ‘નેચરલ’ (સહજ) છે ને ?

દાદાશ્રી : શું નેચરલ ? પૈસા ખવાતા હશે ? પૈસા ખવાય નહીં. એ તો ખાનદાની છે. હવે અજ્ઞાનદશામાંય જો ખાનદાનીનો અહંકાર નહીં હોય તો ખાનદાનીની નાદારી નીકળશે. આપણે તો ખાનદાન ! ખાનદાન માણસથી ખોટું કશું થાય જ નહીં. કશું ખોટું ના કરવું, એનું નામ ખાનદાન. લોક નિંદા કરે અને ખાનદાન કહેવાય, એ બે ગુણાકાર મળે જ નહીં ને !

હવે જે કામ કરીએ અને કહી દઈએ કે ‘મેં કર્યું’, તો ખાનદાની જતી રહે. ખાનદાન તો બેઉ બાજુ ઘસાય, આવતાંય ઘસાય ને જતાંય ઘસાય અને કરવતી જેવો માણસ તો બેઉ બાજુ વે’રે, આપતાંય વે’રે ને લેતાંય વે’રે !

પોતાનાને પરાયું ગણે તે જ કાચી સમજણ કહેવાય. મને તો નાનપણથી જ કોઇનેય દુઃખ દેવું ના ગમે. હું છેતરાઇ જાઉં પણ તેને (સામાને) દુઃખ ના દઉં.

છેતરાવાનો ઘા રૂઝાઇ જશે પણ દુઃખ દીધું તેના ઘા ના રૂઝાય. તમે છેતરાજો પણ કોઇનેય છેતરશો નહીં.

પ્રિન્સિપલ જ એ કે સમજીને છેતરાવું

નાનપણથી મારો ‘પ્રિન્સિપલ’ (સિદ્ધાંત) એ હતો કે સમજીને છેતરાવું. બાકી, મને મૂરખ બનાવી જાય અને છેતરી જાય એ વાતમાં માલ નથી. આ સમજીને છેતરાવાથી શું થયું ? બ્રેઈન (મગજ) ટોપ ઉપર પહોંચી ગયું, મોટા-મોટા જજોનું બ્રેઈન કામ ના કરે, એવું કામ કરતું થઈ ગયું. જજો હોય છે એ પણ આમ તો સમજીને છેતરાયેલા. અને સમજીને છેતરાવાથી બ્રેઈન ટોપ ઉપર પહોંચી જાય. પણ જોજે, તું આવો પ્રયોગ ના કરીશ. આપણે તો જ્ઞાન લીધું છે ને ! આ તો જ્ઞાન ના લીધું હોય ત્યારે આવો પ્રયોગ કરવાનો.

એટલે સમજીને છેતરાવાનું છે. પણ એ કોની જોડે સમજીને છેતરાવાનું ? જેની જોડે રોજનો જ વ્યવહાર હોય એની જોડે અને બહાર પણ કોઈકની જોડે છેતરાવાનું પણ સમજીને. પેલો જાણે કે મેં આમને છેતર્યા અને આપણે જાણીએ કે એ મૂરખ બન્યો.

અમારી હોટલમાં કોઈને દુઃખ ન હો

અમે માકણને જાણીજોઈને કૈડવા દેતા હતા, એને પાછો તો ના કઢાય બિચારાને ! આપણી હોટલમાં આવ્યો ને જમ્યા વગર જાય ? મારી હોટલ (પુદગલ) એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં. એ અમારો ધંધો છે. હવે એ ફળ શું આપે ? એ માકણમાં રહેલા વીતરાગ અમારી મહીં રહેલા વીતરાગને ફોન કરે કે ‘આવા દાતા કોઈ જોયા નથી, માટે આમને છેલ્લામાં છેલ્લું પદ આપો.’ આ માકણ હોય છે તે ક્યારેય ભૂખે મરતા નથી, રોજેય જમી લે છે. આ લોકો ઊંઘે છે ત્યારે એ જમી જ લે છે ને ? પણ અમે શું કર્યું કે જાગતા જમી લેવા દો. લોક ઊંઘે ત્યારે જમવા દે કે ના જમવા દે ? એટલે આ માકણ એ ભૂખે મરે એવી જાત નથી. લોકો ઊંઘતા જમવા દે છે અને અમે જાગતા જમવા દઈએ છીએ અને પાછું એને મારવા-કરવાની વાત જ નહીં. આમ હાથમાં તરત આવે, પણ અમે એને પાછું પગ ઉપર મૂકી દઈએ. જો કે હવે મારી પથારીમાં માકણ આવતા જ નથી, બિચારાનો હિસાબ પૂરો થઈ ગયો છે. જો હિસાબ અધૂરો રાખીએ તો હિસાબ કાચો રહે.

પ્રેમ ક્યાં ? દેહ ઉપર કે આત્મા ઉપર

આ કેટલાક લોકો માકણને મારે નહીં, ત્યારે બહાર જઈને નાખી આવે, પણ હાથમાં આવ્યો એટલે છોડે નહીં. પછી હું એને પૂછું કે આ તને ચોક્કસ મહીં ખાતરી થઈ ગઈ છે કે આ એક ઓછો થઈ ગયો હવે ? એવી કઈ ગેરેન્ટી (ખાતરી)થી તું સમજી ગયો કે આ એક ઓછો થયો ? અને એવા ઓછા થતા હોય, તો તો રોજ ઓછા જ થતા જાય. પછી મેં કહ્યું કે માકણને મારવાની જરૂર નથી. એની સીઝન (ઋતુ) આવે છે, ત્યાર પછી એની મેળે એ ખલાસ થઈ જાય છે, નહીં તો ખલાસ કરવા માંગો તોય ખલાસ થાય નહીં. અહીં તમે મારીઝૂડીને ખલાસ કરો, ત્યારે પડોશીને ઘેરથી પેસી જાય. હવે માકણ કૈડે, ત્યારે આપણને પ્રેમ ક્યાં છે, એ ખબર પડે. જો દેહ ઉપર હજુ પ્રેમ છે, તો આત્મા ઉપર પ્રેમ ક્યારે આવશે ?

અને માકણ બિચારા જમવા આવે છે, ત્યારે અહીં કંઈ ડબ્બો લઈને નથી આવતા. એ ખાય એટલું જ, પણ જોડે ટિફિન કશું લઈ જવાનું નહીં. ટિફિન ભરી જતા હશે ? પણ એ જમે એટલું બધું કે બિચારાને આમ હાથ અડાડે તો પેટ ફૂટી જાય એનું, તે મરી જાય બિચારો ! ને આપણો હાથ પાછો ગંધાય !!

આવો સંસાર કેમ કરીને પોષાય ?

તને આ બધો સંસાર ગમે ? શી રીતે ગમે તે ? હું તો આ બધું જોઈને જ કંટાળી ગયેલો ! અરેરે, કઈ જગ્યાએ સુખ માન્યું છે આ લોકોએ ! અને શી રીતે સુખ માન્યું છે આ ? વિચાર્યું જ નથી ને ! જ્યાં કશું બને છે, એમાં કંઈ વિચાર જ નથી કર્યો ! આ સંબંધી વિચાર જ કશો કોઈ જાતનો નહીં ? ત્યારે વિચાર તો આખો દહાડો પૈસામાં ને પૈસામાં કે કેવી રીતે પૈસા મળે અને નહીં તો વહુ પિયર ગઈ હોય તો ત્યાં આગળ એ વિચાર આવ્યા કરે કે આજ એક કાગળ લખું કે જલદી આવી જાય ! બસ, આ જ બે વિચાર, બીજું કશું વિચાર જ નહીં ! એટલે પાશવતાના વિચાર કે કોનું લઈ લઉં ને ક્યાંથી ભેગું કરું ? અલ્યા, આ તો ફ્રી ઑફ કોસ્ટ (મફત) છે, એને શું કરવા માથાકૂટ કરે છે ? એ તો હિસાબ તારો નક્કી થઈ ગયેલો છે, તને આટલા પૈસા આવશે. આ પેશન્ટ (દર્દી) આટલા પૈસા આપશે, અને આ પેશન્ટ એક આનોય નહીં આપે.

આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુઃખ હોય

પ્રશ્નકર્તા : કબીરજી કહે છે,

‘‘કબીર આપ ઠગાઇએ, ઔર ઠગે ન કોઇ;

આપ ઠગે સુખ ઉપજે, ઔર ઠગે દુઃખ હોય.’’

આ સિદ્ધાંત વાસ્તવિક રીતે, લૌકિક રીતે, કોઇ દુનિયાદારીને ગમતો નથી, તો એ યથાર્થ શું છે ?

દાદાશ્રી : આ વાણી સાચી છે.

આ દુનિયામાં કોઈ છેતરાયા વગર રહેલું નહીં. બધાય મોટી-મોટી વાતો કરે પણ આખી દુનિયામાં કોઈ છેતરાયા વગર રહેલો નહીં.

એટલે મેં નક્કી કરેલું કે લોક અજાણથી છેતરાય, તો આપણે જાણીજોઈને છેતરાવું. બસ, એટલો જ ફેર. હું જાણું કે આ છેતરવાનો છે, તોય હું છેતરાઉ એની જોડે. એટલે એ એના મનમાં બહુ ખુશ થઈ જાય.

આખી જિંદગી અમે આજ ધંધો માંડેલો. છેતરાય છેતરાય કર્યાં આ લોકોની જોડે. અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું બા. નહીં તો પાંચ હજાર રૂપિયા આપોને તોયે કોઇ છેતરે નહીં આપણને. હું તમને પાંચ હજાર રૂપિયા આપુંને તોયે તમે છેતરો નહીં. આ જોખમદારી હું શું કરવા લઉં અને આ મૂર્ખા એમ ને એમ લે છે. જોખમદારી કોણ લે ? ફૂલિશ લોકો. તમારી કોઇએ જોખમદારી લીધી, ખુદાને તો કોઇ છેતરે જ નહીંને પણ ?

પ્રશ્નકર્તા : બહુ લોકો છેતરી ગયા. ગામડીયાય પાછા છેતરી જાય. એવું કહી જાય કે આને ઑફિસર કોણે બનાવ્યો ?

દાદાશ્રી : એમ ! જે છેતરાયાને, એનું કલ્યાણ થવાનું.

છેતરનારો જ છેતરાય

પ્રશ્નકર્તા : જાણીને છેતરાવામાં શું મળે, દાદા ?

દાદાશ્રી : જાણીને છેતરાય ત્યારે ભગવાન થાય એ માણસ.

ખરી રીતે છેતરનારા એ જ છેતરાય છે ને ! છેતરાયેલો અનુભવને પામે છે, ઘડાય છે. જેટલું ખોટું નાણું હોય, તેટલું જ લૂંટાઈ જાય ને સાચું નાણું હોય, તો તેનો સદ્ઉપયોગ થાય !

આપણે જાણીએ કે આ છેતરવાનો છે તોય એને એમ ચા-પાણી કરીએ, જમાડીએ પછી છેતરાઈએ. હું તો એવી રીતે જ છેતરાયેલો છું અને એ રીતે મને લોકોએ મુક્ત કર્યો છે. એમના થકી, એમની ઓળખાણ થકી.

ભોળપણ કે સમજણ ?

અમારા ભાગીદાર કાંતિભાઈ તે મને કહેતા’તા કે દાદા બહુ ભોળા છે. તે પચ્ચીસ વર્ષે મને કહ્યું હતું. મિત્રાચારીમાં કંઈક પાંચ-સાત-દસ હજાર રૂપિયા આપ્યા હશેને બીજાને, તે એમના મનમાં એમ લાગે કે આ લોકો છેતરી ગયા મને. એટલે એમને મહીં લ્હાય બળ્યા કરે કે આમને (દાદાને) છેતરી જાય છે. આપણા જ માને ને એટલે એમને લ્હાય બળે. મને લ્હાય ના બળે ને એમને લ્હાય બળે. એટલે પછી મને કહે છે તમે બહુ ભોળા છો. જરા ભોળપણ ઓછું કરો. ત્યારે મેં એમને કહ્યું, આ દુનિયામાં મને ભોળો કહેનારો માણસ એ પોતે જ ભોળો છે. એવું મેં પચ્ચીસ વર્ષે કહ્યું એમને. મને કહે છે, હું ભોળો તો નથી જ. મેં કહ્યું, ભોળા જ ને. ત્યારે તમને મને ઓળખતા ના આવડ્યાને ? હું જાણીને જવા દઉં છું.

હું જાણું કે આ બિચારાની મતિ આવી છે. એની દાનત આવી છે. માટે એને જવા દો. લેટ ગો કરોને (છોડી દો) ! આપણે કષાયથી મુક્ત થવા આવ્યા છીએ. આપણે કષાય ન થવા છેતરાઈએ છીએ એટલે ફરી હઉ છેતરાઈએ. સમજીને છેતરાવામાં મજા ખરી કે નહીં ? સમજીને છેતરાવાવાળા ઓછા હોય, નહીં ?

પ્રશ્નકર્તા : હોય જ નહીં, દાદા. એવા સમજીને છેતરાવાવાળા ના હોય.

દાદાશ્રી : અમે સમજીને ભોળા થઇએ. આ આને બિચારાને દુઃખ થતું હોય એમ સમજીને ભોળા થયેલા છે. એક આટલીયે અણસમજમાંથી ના જાય અમારું.

અજાણમાં અમારે એક આટલુંય, એક પઈ નથી ગઈ અત્યાર સુધીમાં. જાણીને જવા દીધેલું, જાણીબૂઝીને. એના સંજોગો જોઈને, બધું લેટ ગો કરી દીધેલું.

સમજવામાં ભૂલ છે કે ગમે તેમ, જ્ઞાન નહોતું પણ આમાં જરાય કાચા ન પડીએ કે આ છેતરી ગયો. એ તો નફામાં જાય, પણ જાણીને છેતરાવાની જ ટેવ હતી પહેલેથી. તે એના સ્વભાવથી એ કર્યા વગર રહે નહીં. બિચારાને સંતોષ તો થવો જોઈએને ? મારો હિસાબ.

‘મને જો ભોળો કહે, તો હું તેમને મૂર્ખા કહું. હું તો આખી દુનિયાને ગજવામાં ઘાલીને ફરું છું. એક વાત પણ જાણ બહાર જવા ના દઉં. એ તો પેલાને દુઃખી જોઇને, જાણીને જવા દઉં. જ્યારે તેમણે આવું જાણ્યું ને ત્યારે તે મને પગે લાગવા લાગ્યા. આ તો સુપર હ્યુમન (મહામાનવ) છે !

અમે તો બધુંય અવળું જાણીએ પણ વાપરીએ નહીં.

જગતને ઓટીમાં ઘાલી છેતરાયા

બાવીસ વર્ષની ઉંમર હતીને ત્યારે હું, કો’કની જોડે વાત બોલેલો, તે વાત અહીંયા આગળ આ પેપરમાં આવી છે.

પ્રશ્નકર્તા : તે આજે આટલા વર્ષે નીકળી બહાર.

દાદાશ્રી : આટલા વર્ષે બહાર પડે છે ને પણ તે દહાડે હું બોલેલો છું. ‘હું આખા જગતને ઓટીમાં ઘાલીને બેઠેલો છું.’ હું જાણીબૂઝીને છેતરાઉ છું. બિચારાની એની દશા આવી છે અને ઉપરથી મોઢે એને વઢીએ કે ઠપકો આપીએ તો ખોટું દેખાય, એને દુઃખ થાય. એક તો એની પોતાની દશા આવી છે ત્યારે તો આવું કામ કરે છે, અધમ કામ ! સારા માણસોને કોણ છેતરે ? એની કેટલી ખરાબ દશા હોય ત્યારે બિચારો આવું કરેને ! એ પોતે જાણે કે આ બહુ સારામાં સારા માણસ.

લાવ્યા શું ને લઈ જવાનું શું ?

પ્રશ્નકર્તા : જાણીને છેતરાય એવું હોય કંઈ ? વખતે એક-બે વાર હોય, વારે-વારે તો ના જ હોય.

દાદાશ્રી : મેં કહ્યું, લેવા દ્યોને લાભ. લાભ હોય તો લાભ લઇ જાયને, ના હોય તો શી રીતે લઇ જાય ? મિલ હતી તો લઇ ગયાને ! મારી ઝૂંપડીમાં શું લઇ જવાનું હોય ? આ તો રહેશેને નિરાંતે ! અને આવ્યા ત્યારે શું લઇને આવ્યા હતા ? કશું હાથમાં હતું નહીં. આમ (મૂઠી બંધ) જ. જતી વખત લઇ જાય છે ને ? મિલના શેઠિયાઓ તો લઇ જાયને ? લઇ જતા હશે ? તમે જાણતા હશો, ઉઘાડું કરી દો ને શેઠ ! કશું ના લઈ જાય ? ખાલી હાથ ?

પ્રશ્નકર્તા : ખાલી જ હાથને...

દાદાશ્રી : વગર કામની સુવાવડ છે ને !

હીરાબા કહે ભોળા, પણ દાદા છે ચોક્કસ

પ્રશ્નકર્તા : હીરાબાને પૂછયું’તું મેં, કે દાદાએ ઘડિયાળ આપી દીધું’તું ? તો બા કહે, હા, એ તો જે હોય બધું આપી આવે, ભોળા !

દાદાશ્રી : હીરાબા કહેશે, આવું ના આપો. મને તમારી પાસે રાખો, હું નહીં આપું.

પ્રશ્નકર્તા : દાદા, પણ તમે મને ભોળા નથી લાગ્યા. કાલે વાત સાંભળી એના પરથી ભોળા ના લાગ્યા મને. તમે ભોળા નથી, બહુ ચોક્કસ છો.

દાદાશ્રી : ચોક્કસ, તમારા બધા કરતા વધારે ચોક્કસ.

પ્રશ્નકર્તા : હા, તે આપ છો.

દાદાશ્રી : બહુ પાકો, આ બધાય કરતા. પણ કેવું ? પેલા સામાને એમ જ લાગે કે એમના પોતાના સ્વાર્થ કરતાય મારો સ્વાર્થ જોયો દાદાએ. એટલે એમને એમ લાગે કે ભોળા છે જરા. ભોળાને આ જ્ઞાન ના થાય. ભોળો તો અહીં જ ભટકાઈ મરે. દાદા જાણીને જવા દે છે. એક તલભારેય અજાણ્યે જતું ન્હોતું.

પ્રશ્નકર્તા : દાદા ભોળા છે એ કેમનું ?

દાદાશ્રી : ભોળા છે, ભલા છે પણ આ ચણિયારે ચોક્કસ. દુકાનના ચણિયારા બધા પોલા ક્યારે પડી જાય, કહેવાય નહીં. ઘરના ચણિયારે ચોક્કસ, તે દુકાનને શું કરીએ ? દુકાન તો કાઢી નાખવાની છે ને ? આ સંઘરી રાખવાની છે ? મોક્ષે જતા લઈ જાવ જોડે દુકાન ? જ્ઞાનમાં ભોળા નથી કામના. સંસારમાં ચાલે, ભોળાના ભગવાન.

જે છેતરનારા હોયને, એમને ખુશ કરવા જોઈએ. આપણે ભોળા માણસ, સીધા માણસ, આપણને કોઈ કહે કે ત્યાં ચાલો, તે છેતરાઈ જઈએ ને ત્યાં ખાડો હોય તે ખબર નહીં. તે આ છેતરનારાને જમાડ્યો એટલે એટલા છેતરનારા ઓછા. અમારે એવી ચાલાકી નહીં. બચાવે એ તો પુણ્યૈ બચાવે છે. બાકી અમારે ધર્મ બાબતમાં કોઈ નંગોડ હોય તો સમજી જઈએ.

છેતરાઈને રાખ્યા મિત્રોને ખુશ

અમારે નાગર મિત્રો હતા, તેની પાસે છેતરાઈને ખૂબ ખુશ કરી નાખેલા. કારણ કે એને તો આવડત બધી હોયને ? એટલે હું છેતરાઉં એટલે એ જાણે કે આ દાદા, બહુ સારા માણસ અને આપણા તરફનો ભય નહીં. એવું તો કહી જ દીધેલું કે અમારા તરફનો ભય કોઈએ રાખવો નહીં, નિર્ભય રહેજો.

નીરુબેનને તો એમ લાગે કે આ દાદા શી રીતે બધું જાણી ગયા છે આ બધાનું ? કારણ કે સૌથી ભોળામાં ભોળો માણસ હું. ભોળા માણસને બધું માલમ પડી જાય. ભોળો માણસ ટચમાં વધારે આવેને ! છેતરાય વધારે, બધું વધારે, એમ કરતા કરતા ખબર પડી જાય કે આ આવો જ માલ છે. છેતરાતા છેતરાતા સમજણ વધે. અમે મૂળથી ભલા માણસને એટલે છેતરાઇ જઇએ, ભલાને બધાની પર તરત વિશ્વાસ બેસી જાય ને બધે વિશ્વાસ રાખીએ એટલે કોઇ છેતરીયે જાય !

એવા પાકા છે દાદા

પ્રશ્નકર્તા : અમારાય કાન કાપી લે એવા પાકા છે દાદા.

દાદાશ્રી : ઓટીમાં ઘાલીને ફરું. કારણ કે તમને જેટલી સમજણ હોયને એટલો એને સ્વાર્થ કરતા આવડે. સ્વાર્થી અણસમજુ હોય. તે તો એમ જ જાણે કે આ જ બધો સ્વાર્થ છે જગતમાં. સમજણવાળો હોય તે કહેશે, ખરો સ્વાર્થ તો મારી જાતનું લઈ જઉં તે જ. બાકી આ તો ગૂંચાયેલા અને હું તો ખરો સ્વાર્થ સમજી ગયેલો. મોહ જ નહીંને એટલે તમારા કરતા વધારે સમજણ.

પ્રશ્નકર્તા : દાદા ભોળા ખરા, એમાં ના જ નહીં પણ સમજણ સાથેના ભોળા છો. તમને બધી જ સમજણ છે.

દાદાશ્રી : અને છતાં આખી દુનિયાને બનાવીને બેઠા છીએ.

પ્રશ્નકર્તા : દુનિયાને બનાવીને ભોળા થયા.

દાદાશ્રી : હા, દુનિયા મૂરખ બની ગઇ ને અમે મૂરખ ના બન્યા. અમે ફસામણમાંથી છૂટી ગયેલા અને હવે જેને ફસામણથી છૂટવું હોય તેણે અમારી પાસે આવવું.

મહીં લાઇટ બહુ છે ને માથે દાદો છે એટલે કોઇ વાંધો ના આવે. દાદાને માથે રાખવા. નીચે ઉતાર્યા તો વેહ (વેશ) થઇ પડે.

પ્રશ્નકર્તા : દાદા, આપવામાં ભોળા છે, બાકી કંઇ ભોળા નથી.

દાદાશ્રી : અમે દેખાઈએ ભોળા, અમે બાળક જેવા દેખાઈએ, દોઢ વર્ષનું બાળક હોયને એવા, પણ બહુ પાકા હોઈએ. બેસી ના રહીએ, અમે ચાલવા માંડીએ. અમે અમારો પ્રોગ્રેસ (પ્રગતિ) ક્યાં છોડીએ ?

સમજણથી છેતરાય એ સિદ્ધાંત ઊંચો

અજ્ઞાની તો ભોળા માણસો હોય છે ને, ઘણાય હોય છે. આમ વાળીએ તો આમ હેંડે, આમ વાળીએ તો આમ. જે સમજીને છેતરાય એવી સરળતાવાળા જોઇએ.

હું સમજીને છેતરાઉં છું કે ભાઇ, હા, લે ને ! એની ભાવના જ આવી છે, તો જવા દો ને આપણે અહીંથી. પણ ખુશી રહેને પછી ? બિચારો રાજી રહેને ? તો બીજું શું લઇ જઇને રાજી રહેવાનો ? આટલું જ ને ? માટે સમજીને સરળતા.

પ્રાજ્ઞ સરળતા જોઇએ, સમજણપૂર્વકની સરળતા. છેતરાઇને આપે. જાણીજોઇને, સમજીને છેતરાય. સમજીને છેતરાય એ પ્રાજ્ઞ સરળતા કહેવાય. બહુ જીવો હશે ને દુનિયામાં, સમજીને છેતરાય એવા ?

પ્રશ્નકર્તા : એવા ના મળે.

દાદાશ્રી : ત્યારે મોક્ષે જવું (હોય) તો આવું જોઈશે, સમજીને છેતરાવું.

એટલે સમજવા જેવું છે આ. બહુ ઝીણી, ઊંડી વાત છે આ બધી. જાતે અનુભવ કરેલો છે મેં આ તો. જાતે અનુભવ પર લીધેલું છે અને છેતરાવું જાણીજોઈને, અજાણતાથી તો બધાયે છેતરાયેલા.

જેવો પોતે એવો નફો

એક અમારો મિત્ર હતો. મને કહે છે કે પિસ્તાલીસ વર્ષ થવા આવ્યા. હવે થોડા બે-ચાર વર્ષમાં પચાસ વરસના થઈશું. જિંદગી જવા આવી તોયે હજુ છેતરાવાનું થાય છે મારે. મૂઆ, કરોડો અવતાર છેતરાતો આવ્યો છું. છેતરાવાનું બંધ જ નહીં થાય, કહ્યું. આ બધા લોકો છેતરાઈને છેતરાયા જ કરે છે. છેતરનારોય છેતરાયા કરે છે, ચોરેય છેતરાયા કરે છે, લુચ્ચાય છેતરાયા કરે છે. બધું આખું જગત છેતરાયા કરે છે પણ જો સમજીને છેતરાય તો મોક્ષ તરફ જાય. અજાણથી છેતરાય તોયે પુણ્યફળ તો મળે જ એને, છોડે નહીં. ભોળાપણાનો લાભ લીધો એનો. ભદ્રિકતાનો લાભ લીધો. ના લેવાય કોઈનો લાભ. જે છેતરાય નહીંને એને, માલેય જથ્થાબંધનો આવે નફો. રઘા સોનીના કાંટા જેવો એનો માલ નફો આવે. કેવું ?

પ્રશ્નકર્તા : ચોખ્ખો નફો.

દાદાશ્રી : રઘા સોનીનો કાંટો જ જોઈ લોને ! નોબલ હોય એનો નફો નોબલ, ચીકણો હોય એનો નફો ચીકણો, લુચ્ચો હોય તેનો નફો લુચ્ચો. એટલે જેવો પોતે છે એવો એનો નફો.

છેતરાવાનું શીખ્યા, માતાના સંસ્કારે

અમે તો નાનપણથી છેતરાવાની સીસ્ટમ (પદ્ધતિ) રાખેલી. અમારા માજી (માતુશ્રી)એ શિખવાડેલી, એ પોતે પણ જાણીને છેતરાય ને બધાંને સંતોષ આપે. મને એ બહુ ગમેલું કે આ તો બધાંને બહુ સરસ સંતોષ આપે છે ! અને છેતરાઈને શુંયે મૂડી હતી, તે જતી રહેવાની છે ? મૂડીમાં શી ખોટ જતી રહેવાની છે ? અને મૂડીમાં ખોટમાં નથી જતી રહેતી ?

પ્રશ્નકર્તા : જાય છે, દાદા. જાય જ છે ને ! પણ હજુ સમજીને છેતરાવાની હિંમત નથી આવતી.

દાદાશ્રી : છેતરાવાની હિંમત ? અરે, મને તો જરાય વાર લાગે નહીં અને મને છેતરવા આવે એટલે હું સમજી જાઉં કે આ છેતરવા આવ્યો છે. માટે આપણે છેતરાઈ જાવ, ફરી આવો ઘરાક મળવાનો નથી. ફરી આવો ઘરાક ક્યાંથી મળે ? ને જો તારી હિંમત જ નથી ચાલતીને !

જ્ઞાનીની સમજણ કેવી ?

પ્રશ્નકર્તા : આ વેપારમાં શું થાય છે કે આપણને ખબર છે કે આ માલની માર્કેટ પ્રાઈસ (બજાર ભાવ) આ છે. પેલો માણસ એક ટને હજાર રૂપિયા વધારે ચાર્જ કરે છે (ભાવ લે છે), તો એમ સમજીને એક હજાર રૂપિયા વધારે આપતાં હિંમત થાય નહીં. એટલે પછી પેલાને કહેવાઈ જાય કે ‘નહીં, આ પ્રાઈસ તો હોવી જ જોઈએ.’ એની જોડે પહેલાં થોડું ઘણું બોલવું પડે. આપણને મનમાં એમ લાગે કે આ મને બનાવી જાય છે.

દાદાશ્રી : અરે, એ જ બને છે. એ આપણી ભ્રાંતિ છે એક જાતની કે મને બનાવી જાય છે. એ અક્કલનું યુદ્ધ છે ત્યાં આગળ. એ યુદ્ધમાં ઉતરવું નહીં. એ યુદ્ધમાં ક્યાં પાછા પડ્યા ? આપણે તો સરળ છીએ. ફરી એ છેતરી જવાનો છે, એના કરતા પહેલાથી છેતરી જાય તો સારું. હું તો બહુ સરળ, મને તો છેતરી છેતરીને જ પાંસરો કરી નાખ્યો લોકોએ અને છેતરાયો એ કહું તો વ્યવસ્થિત હતું, કંઇ ગપ્પું હતું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ‘આ મને છેતરી ગયો’ તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે, એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઇએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઊલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે. છેતરી ગયા તે ગેરકાયદેસર હોય છે ?

અહીં તો છેતરાવા જેવી કશી વસ્તુ જ નથી પણ છેતરાઈને આવે તો બહુ ઉત્તમ ! પણ એને આની કિંમત શી આવશે, એની સમજણ જ નથી ને ! છેતરાઈને આવવાની કિંમત આટલી બધી આવે એવું જાણે લોકો ?

છેતરાઈને કોમનસેન્સની કમાણી

પ્રશ્નકર્તા : જાણીને છેતરાવાથી ‘કોમનસેન્સ’ (સૂઝ) વધે ને ?

દાદાશ્રી : હા, બહુ વધે. સરળતાથી છેતરાય ખરો પણ ‘કોમનસેન્સ’ બહુ વધે. પૈસા વધારે લઈને આપણને છેતરી જાય પણ એના બદલામાં આપણને ‘કોમનસેન્સ’ વધે. આ દુનિયામાં બદલા સિવાય કોઈ ચીજ થતી નથી. કોઈ ને કોઈ બદલો અપાઈ જાય.

પ્રશ્નકર્તા : પણ ‘કોમનસેન્સ’ એટલે તો ‘એવરીવ્હેર એપ્લીકેબલ’ (દરેક જગ્યાએ કામ લાગે એવું) હોય ને ? તો પછી કેવી રીતે છેતરાય જાય ?

દાદાશ્રી : ગૂંચાય નહીં, પણ છેતરાય ખરો. સરળતા છે તેથી છેતરાય ને ! છેતરાઈને પણ પોતે એ ગૂંચ કાઢી નાખે. બે-ત્રણ જગ્યાએ ના છેતરાય, પણ એક-બે જગ્યાએ છેતરાય પાછો. પણ છેતરાય તે ઘડીએ એને ‘કોમનસેન્સ’ ખીલે, આ વકીલો ‘એક્સપર્ટ’ (નિષ્ણાંત) હોય, બીજા જાતજાતના ‘એક્સપર્ટ’ હોય. પોતાની લાઈનમાં એ ‘એક્સપર્ટ’ હોય પણ એ (બીજામાં) છેતરાઈ જાય. જેટલો વધારે વિશ્વાસુ હોય એટલી ‘કોમનસેન્સ’ વધારે ખીલે. છેતરાય વધારે એટલે કોમનસેન્સ વધી જાય, નિઃસ્વાર્થપણું વધતું જાય.

છેતરાશે એનું કામ થશે

પ્રશ્નકર્તા : કોઈ કહે અને આપણે માનીએ ને, એમાં ઘણી વખત આપણને ગોથાં ખાવાનોય વખત આવે ને ?

દાદાશ્રી : ગોથાં ખાવા સારાં. એવું છે ને, એક સંતે કહ્યું કે, ‘હું માણસ જાતનો વિશ્વાસુ છું.’ ત્યારે કોઈ કહે, ‘કોઈ તમને છેતરી જશે તો ?’ ત્યારે એ કહે, ‘એક છેતરશે, બે છેતરશે પણ કોઈક દહાડો એવો માણસ મને મળી આવશે કે મારું કામ થઈ જશે.’ એટલે એ શું કહે છે ? છેતરાતાં છેતરાતાં કામ સારું થશે અને જે છેતરાવા ના રહ્યા એ તો ભટકી ભટકીને મરી જશે, તોય ઠેકાણું નહીં પડે. કારણ કે વિશ્વાસ જ ના બેસે ને ! શંકાશીલ થયા એનો ક્યારે પાર આવે ? તમને સમજાય છે આ ‘થિઅરી’ (સિદ્ધાંત) ?

આ અમને કોઈ કહે, ‘દાદા, આ બધાંને પગે લાગો.’ તો બધાંને પાંચ-પાંચ વખત પગે લાગી આવું. અમે તો બધાનેય પગે લાગીએ. જે રીતે પગે લાગવું હોય ને, તે રીત અમારી પાસે હોય. એક આત્માને પગે લાગવું અને પેલાને પગે લાગવું, બન્ને રીત અમારી પાસે હોય. એટલે નમ્રતા હોવી જોઈએ. તદ્દન નમ્ર, એવો ઓગળી ગયો પાણીમાં તેનું કલ્યાણ થશે. અને જ્યાં સુધી મહીં ગાંગડું હશે ત્યાં સુધી ઓગળ્યો નથી, ત્યાં સુધી ચક્કર ફર્યા કરશે.

જેમ ‘મોટા માણસ’ની સ્થાપના થઈ તેમ નમ્ર વધારે હોય, અકડાઈ ના હોય. અકડાઈ તો હલકા માણસનામાં હોય. આ ‘જ્ઞાન’ મળ્યા પછી અકડાઈ કોને હોય ? હલકા માણસને ! નહીં તો અકડાઈ હોતી હશે ?

સાચી વાત હોય તો તરત માની જાય, એને સરળ કહેવાય.

સરળને મોક્ષ સરળ

સરળતા બે પ્રકારની : એક અજ્ઞાન સરળ ને બીજા જ્ઞાનથી સરળ. અજ્ઞાન સરળ ભોળા હોય ને અજ્ઞાનતાથી છેતરાઈ જાય. જ્યારે જ્ઞાન સરળ તો જાણીને છેતરાય !

સરળતા એટલે બીજા કહે કે તરત માની લે, ભલે છેતરાવાનું થાય. એક છેતરશે, બે છેતરશે, પાંચ છેતરશે પણ સાચો માણસ પછી ત્યાં મળશે એને ! નહીં તો સાચો મળે જ નહીં ને ! ‘સીસ્ટમ’ સારી છેને ? છેતરાય, એ તો આપણા પ્રારબ્ધમાં લખ્યું હશે તો છેતરશે, નહીં તો શી રીતે છેતરશે ? એટલે છેતરાતાં છેતરાતાં આગળ જશો તો પેલું સાચું મળી આવશે.

છેતરાવું એ જ અમારો ધ્યેય

એ તો એવું છે ને કે અમે જાણીજોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણીજોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી લોકોને જાણીજોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો એ ધ્યેય હતો કે જાણીજોઈને છેતરાવું.

તમે કોઈ દહાડો જાણીબૂઝીને છેતરાયા હતા ? જાણીબૂઝીને છેતરાય એ મોટામાં મોટું મહાવ્રત કહેવાય છે આ દુષમકાળનું. જાણીજોઈને છેતરાવું એના જેવું મહાવ્રત કોઈ નથી આ કાળમાં !

છેતરાનારને થાય કમાણી આત્મશક્તિની

માણસને કોઈ છેતરી જાય તો છેતરનારો એની આત્મશક્તિ એને આપી દે છે અને એની આ શક્તિ એ પોતે લઈ લે છે. એટલે સૂક્ષ્મમાં અપાઈ રહ્યું છે બધું. એટલે હું છેતરાવા જ માંગતો’તો. છેતરાઈને તો આ કમાણી થઈ છે મારી. આમ તો વેચાતું લેવા જઈએ, તો આપે નહીં કોઈ એટલે આ રીતે વેચાઈને લઈ લઈએ.

પ્રશ્નકર્તા : એ વેચવા જ નીકળ્યો ને પોતાનું, જે છેતરવા નીકળ્યો એ પોતાની આત્મશક્તિ વેચવા જ નીકળ્યો ને ?

દાદાશ્રી : એ વેચવા નીકળ્યો, તે આપણે તૈયાર મળી જાય છે ઘેર બેઠા. એટલે આ કોઈએ સમજાવેલું નહીં, પણ આ મને પોતાને સમજાઈ ગયેલું. એટલે પછી લોકો મને કહે કે તમે તો છેતરાઈ જાવ, ભોળા છો, તો હું અંદરખાને સમજું. છેતરાઈને છેવટે ‘હું’ તો રહ્યો ને ? આત્મા આપી ગયા અને ‘હું’ રહ્યો. દેહ લઈ ગયા ? હું કાંઈ લઈ ગયો છે ?

પ્રશ્નકર્તા : ના એ તો રહ્યો છે, આત્મા તો રહ્યો.

શંકા કરે ના ફાયદો કાંઈ

અમે ‘જ્ઞાન’ થતાં પહેલાં પહેલેથી એક વાત સમજેલા. અમને એક જગ્યાએ શંકા આવી હતી કે ‘આ માણસ આવું કરશે, દગો-ફટકો કરશે.’ એટલે પછી અમે નક્કી કર્યું કે શંકા કરવી તો આખી જિંદગી સુધી કરવી, નહીં તો શંકા કરવી જ નહીં. શંકા કરવી તો ઠેઠ સુધી કરવી. કારણ કે એને ભગવાને ‘જાગૃતિ’ કહી. જો શંકા કરીને બંધ થઈ જવાની હોય તો કરીશ નહીં. આપણે કાશીએ જવા નીકળ્યા ને મથુરાથી પાછા આવીએ, એના કરતાં નીકળ્યા ના હોત તો સારું. એટલે અમને એ માણસ જોડે શંકા આવી કે આ માણસ આવો છે. તે પછી, અમને શંકા પડ્યા પછી (હવે) અમે શંકા રાખતા જ નથી. નહીં તો ત્યાર પછી એની જોડે વ્યવહાર જ નહીં, પછી તો ના છેતરાઈએ. જો શંકા રાખવી હોય તો આખી જિંદગી વ્યવહાર જ ના કરીએ.

આ (કળયુગી) જીવો જ ઠેકાણા વગરના છે. આઠ આના માટે શંકા ઊભી કરે, બાર વર્ષની ઓળખાણ હોય તોય. તે એના કરતા આપણે પહેલેથી ચોખ્ખા રહીએ.

પ્રશ્નકર્તા : પણ આપણે બીલ આપી દઈએ ને એને.

દાદાશ્રી : ના, ના, બીલ તો તે દા’ડે કોણ આપતા’તા ? એ લારીઓમાંથી માલ લેવાનો, બીલ કોણ રાખે તે દા’ડે ? અને આના-આનાનો હિસાબ ગણે. એક આનાનો ફાયદો થાય એટલા હારુ વડોદરેથી મંગાવે. હવે મારા જેવા સ્વભાવનો, હું તો છેતરાઉ બળ્યું ! એટલે પેલા ચાર-છ આના, આઠ આના ઓછા લઈને આપતો’તો. ત્યારે કહે, આ તો બહુ સસ્તી મળી. મેં કહ્યું, હા, ઘણી સસ્તી મળી.

સાચવજો, ક્યાંય વેર ના બંધાય

મહીં માણસોને સારી રીતે બોલાવીએ એટલે એ આપણને જવા દે, નહીં તો એય જવા ના દે. એને જો સળી કરીએ ને, તો જવા ના દે. આવી જા, તું મારા ઘાટમાં તો આવી જા, કહેશે. આ તો બધું વેર બાંધે મૂઆ, ઘડીવારમાં ! વેર બાંધવામાં વાર જ ના લાગે.

પ્રશ્નકર્તા : આ જગતમાં વેર ના બંધાય એવી એકેય જગા મને બતાવો.

દાદાશ્રી : નહીં, વેર ના બંધાય એવી રીતે વર્તવું જોઈએ. હું વેર બંધાય નહીં એવી રીતે વર્તુ છું.

પ્રશ્નકર્તા : એટલે પોતે ઘસાઈને પણ ?

દાદાશ્રી : એ ગમે તે, ઘસાઈને, ફસાઈને ગમે તે રસ્તે પણ વેર ના બંધાય એવી રીતે પહેલેથી વર્તેલો. નહીં તો તમારા બાપુજી (દાદાજીના ભાગીદાર) ને મારે છે તે ચાલીસ વર્ષ સુધી મતભેદ નહીં પડેલો, એનું કારણ શું હશે ?

પ્રશ્નકર્તા : આ એકાત્મ ભાવ.

દાદાશ્રી : નોબિલિટી ઑફ માઈન્ડ મારું.

પ્રશ્નકર્તા : તમે કહેતા’તાને, તમે મારી જગ્યાએ હો ને હું તમારી જગ્યાએ હોઉં તો કેટલા વખત ભાગીદારી ટકે ? તો કહે, એક કલાક.

દાદાશ્રી : નુકસાન થયું એટલે સંબંધ છોડી દે ને પાછો બીજો બાંધે, બસ્સેના નુકસાન હારુ.

પ્રશ્નકર્તા : અને તમે પચાસ હજાર ગયા તોય કહો પ્લેનમાં આવ.

દાદાશ્રી : (પૈસા તો) કાલે આવી મળે. આ બધા સંબંધો બગાડવા એ તો ભયંકર ગુનો છે. એ તો કોઇ લોભીયો હોય, કોઇ એવો હોય, બધું એ તો જાત જાતનો માલ આ તો.

છેતરાવાની જગ્યા, ચીજો અહીં પડી રહેવાની છે અને વગર કામના વેર બાંધવા નકામા આ લોકોની જોડે. તેમાં બે રૂપિયા એના રહી ગયા હોય આપણી પાસે, તો આખી જિંદગી સુધી યાદ રહ્યા કરે, મારા બે રહ્યા છે, મારા બે રહ્યા છે. શું થાય આનું ? જીવ એમાં ને એમાં.

જાણીને છેતરાય પણ ક્યારે ?

મને તો બહુ છેતરી જાય બધા. ત્યારે મને છેતરવાના રસ્તા માટે એણે શું કરવું પડે ? એકદમ ડાઉન (નીચું) થઈ જવું પડે એને. એટલે અમેય છેતરાઈ જઈએ. વટમાં આવ્યો હોય ને છેતરી જાય એવું ના બને.

પ્રશ્નકર્તા : વટ મારીને ન છેતરી જાય.

દાદાશ્રી : ના, વટ મારીને નહીં. ડાઉન થઈને છેતરી જાય કે દાદા, તમારી વાત તો ઑલરાઈટ (બરાબર) છે. આમ છે, તેમ છે કરીને છેતરી જાય. પછી એના તરફ નરમ થઈ જાય, પ્રકૃતિના સ્વભાવ એવા. અને કડક કરીને લઈ જા જોઈએ ? લે જોઈએ ચાર આનાય ? સંપૂર્ણ જાગૃતિ હોય ને પેલાને તો અજાગૃતિ છે.

દીઠું સુખ છેતરાવામાં

હું તો છેતરાવામાં બહુ સુખ માનતો હતો. છેતરાવામાં બહુ સુખ કહેવાય. હું તો એમ જ માનતો છેતરાવાનું મળે ક્યાંથી આપણને ? બહુ પુણ્ય હોય તો આપણને છેતરાવાનું મળે ! આ કાળમાં જ છેતરનારા મળ્યા. પહેલા તો આપણે બાધા રાખીએ તોય છેતરનારા નહોતા મળતા.

હિસાબી જગત ત્યાં ભય શાને ?

પ્રશ્નકર્તા : તમે તો હવે એવું કહો છો કે ગમે ત્યાં, જ્યાં સો માણસ છેતરાયા હોય ત્યાં તમારે જવું. એ તમારું કંઇ (હિસાબ) નહીં હોય તો તમે નહીં છેતરાવ.

દાદાશ્રી : હં, ના છેતરાય.

પ્રશ્નકર્તા : હા, એટલે છેતરવાનું એ પણ તદ્દન વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : વ્યવસ્થિત છે, ભડકવાની જરૂર નથી. એટલે આપણે કહેવું કે ભઈ, જ્યાં છેતરનાર હોય તો છેતરાજો.

આ જેટલું ડિસાઈડેડ (નક્કી) છે એટલું જ થશે. અન્ડિસાઈડેડ (અનિર્ણિત) કશું થવાનું નથી. તમારી પાસેથી કોઈ લાભ લઈ શકે નહીં. આ જ્ઞાન આપતાં પહેલાં ડિસાઈડેડ થઈ ગયેલું છે. એટલે અમે ‘વ્યવસ્થિત’ કહેલું આ. એટલે તમે (એમ ને એમ) જરાય છેતરાઓ નહીં. માટે નિર્ભય થઈને આ કામ કર્યે જાઓ. નિર્ભય થઈને પણ તમારા શુદ્ધ ઉપયોગમાં રહ્યા કરો.

છેતરે છે નિયમને આધીન

કોઈ મને મારી આખી જિંદગી છેતરે એવો મળ્યો નથી. છેતરવાની કંઈ હદ હોય છે, બાઉન્ડ્રી હોય છે ! માટે છેતરાવાનો તો આપણે નિયમ જ લેવો જોઈએ. સારા માણસ છો તો તમે નહીં છેતરાવ તો બીજા કોણ છેતરાવાના છે ? નાલાયક તો છેતરાય નહીં. નાલાયક તો નાગો, ઉપર ઊઘાડો પડ્યો. અગર સાપને ઘેર સાપ ગયો, જીભ ચાટીને પાછા આવે. (જાણીને છેતરાય) તે કંઈક આપણી ખાનદાની ત્યારે જ કહેવાયને !

મારે મોક્ષે જવું છે, મારે અહીં આગળ પૈસા ભેગા કરવા નથી આવ્યો. પાછું એમેય જાણું કે નિયમના આધીન છેતરે છે કે અનિયમથી ? ત્યારે કહે, નિયમને આધીન. એ હું જાણનારો છું એટલે વાંધો નહીં.

છેતરાયા રાજીખુશીથી

પ્રશ્નકર્તા : આ છેતરાવું એક બંધન તો નથીને ?

દાદાશ્રી : છેતરાવું બંધન નથી, છેતરાવું તો એ ચોખ્ખા જ થાય છે. હા, છેતરાવા દેવાનું. છેતરાવા માટે જ આ જગત છે. છેતરાઈ જશો તો આ ચોખ્ખા થશે, નહીં તો ચોખ્ખા શી રીતે થશો ? લોક પોતે ગંદવાડો વેઠીને સામાને ચોખ્ખો કરી આપે છે. અમે તો બહુ છેતરાયેલા. અંદર રાજીખુશીથી છેતરાતા’તા. આપણે શું જોઈએ ? આપણે બે ટાઈમ ખાવાનું જોઈએ. તે તો એનું આ બધું શરીર છે, એ તો એ હિસાબે ગોઠવણી કરીને આવેલો હોય.

છેતરનાર ઉપર પણ પ્રેમ

અમારી પાસે પ્રેમ સિવાય બીજી વસ્તુ નથી. છેતરનારો છેતરવા રાહ જુએ છે, પણ એ મૂરખ બની જાય.

પ્રશ્નકર્તા : છેતરનારો પણ મૂરખ બની જાય ?

દાદાશ્રી : હા, મૂરખ બને કે આ ઘેર ક્યાં ફસાયો, કહે. કારણ કે એની મહીં હોયને તે મને ખબર પડી જાય, મહીં કેમનું ચાલે છે તે ! મહીં વાંકું છે કે ચૂંકું છે ! અહીંયા છે તો બધી ખબર પડી જાય મને.

પ્રશ્નકર્તા : બરાબર છે.

તર્યા તીર્થંકરોના અવલંબને

એક અહંકાર એકલો મને નડતો’તો, બાકી પૈસાની બાબતમાં મન ચળતું જ નહીં. ગમે એટલું છેતરી જાય તો હું જોઉં કે આપણે તો મુંબઇ શું લઇને આવ્યા’તા ? એ તો છે આપણી પાસે. જેટલું લઇને આવ્યા’તા એટલું તો છે જ. બીજો એવો હું હિસાબ કાઢું જ નહીંને ! નહીં તો છેવટે બધું જ જાય તો હું કહું કે આપણે જીવતા તો છીએ. અને જીવન જતું રહે ત્યારે શું કરીએ ? એવું અવલંબન ના આવડે ? અમને તો તીર્થંકરોના જેવું અવલંબન આવડે.

ના કાળજીવાળા જીતી ગયા

ખોટા આક્ષેપો કરે તેવા લોકોના કર્મ હોય છે. પણ ખોટા આરોપ આપે તે કેમ પોષાય ? આવા જગતમાં રહેવાનું કેમ પોષાય ? અમે તો લોકોના આક્ષેપો, આરોપોને માર ખાઈને અને છેતરાઈને પછી અમે તો બારણાં વાસીને જ બેસી ગયા છીએ.

પ્રશ્નકર્તા : દાદાજી, ગમે તેટલી કાળજી રાખીએ, પણ વ્યવસ્થિતના હાથમાં હોય તો ત્યાં જવાનું જ ને ?

દાદાશ્રી : છોડે નહીંને; કાળજી રાખો તોય ! એ ના કાળજીવાળા જીતેલા અને કાળજીવાળા માર્યા ગયેલા.

ચેતીને ચાલ્યા ત્યારે થયો છૂટકારો

આ અમારે જેમ તેમ કરીને છૂટકારો થયો હોય. કોઇ એમ ના કહે કે આ કચકચિયા છે. વેપારી એવું ના કહે જ્ઞાન નહોતું તોયે. એટલે આ લોકો ઓછી બુદ્ધિવાળા પાસે લાભ ઉઠાવી લે, અગર સાવ સીધા માણસ પાસે, કચકચિયાની પાસે લાભ જ ના લે ને !

પ્રશ્નકર્તા : આવી રીતે સમભાવે નિકાલ કરવાથી પેલી બાજુ કચકચ કરવામાં બુદ્ધિનો ઉપયોગ જ ના વપરાય.

દાદાશ્રી : ના, ઉપયોગને જ તાળા વાગી જાય અને મારી ઇચ્છા એ જ કે અહીં તાળા વાસી દેવા.

તે શી રીતે ? એ ખોળ ખોળ કરું, રસ્તો ખોળું, બંધાયા તે બંધાયા પણ હવે છૂટવું છે. તરછોડીને છોડાય નહીં. પછી શોધખોળ કરી કે જે આપણી પાસે છે તે બધા, આપણાથી અપાય એવા બધા પૈસા કોઈ ઉછીના ખોળતો હોય તો આપવા. મારો માંગવાનો સ્વભાવ નહીં. એ આપી જાય તો વાંધો નહીં, વ્યાજ-બ્યાજ કંઇ નહીં. એટલે એ તો કંઇ માગ્યા વગર આપી ના ગયા એટલે મેં જાણ્યું હાશ ! હવે આપણે એની જોડે બંધ થઇ ગયું ભાડું. ફરી આપી જાય તો ફરી આપવા પડેને ! તે મારા મંતવ્યનો આવ્યો. પૈસા તો ફરી આવી મળશે. એટલે આવી રીત ચેતીને દિન કાઢેલા, ચેતી ચેતીને. તને વાત ગમી, ચેતીને ચાલવાની ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

કામ કાઢવા માટે છેતરાઈને શીખો

‘માટે છેતરાઈને શીખો.’ એ મને બહુ ગમેલું અને ગાંધીજીએ એમાં મને હેલ્પ કરી. ગાંધીજી કહે છે, ‘હું તો માણસ જાત ઉપર વિશ્વાસુ છું. છેતરાવાની જ મજા માણું છું’ કહે છે. શું કહે છે ? છેતરાશો નહીં તો તમને મહાન પુરુષ મળશે નહીં.

પ્રશ્નકર્તા : છેતરાવાની જ મઝા માણું છું.

દાદાશ્રી : પણ મને તો આ જડેલું કે છેતરાવામાં કો’ક દહાડો કોઈ માણસ મળી આવે છે આપણને.

પ્રશ્નકર્તા : હં.

દાદાશ્રી : પણ છેતરાવાનું જે બંધ કરી દે, કોરો-ચોખ્ખો રહે છે, તે ચોખ્ખો ત્યાં આગળ લાકડામાં જતો રહેશે. લાકડામાં ચોખ્ખો જ જતો રહે ને ?

પ્રશ્નકર્તા : હા, જતો રહે, દાદા.

દાદાશ્રી : હં ? અને અહીંથી કો’ક મળી આવે, કશું કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : કામ કાઢી નાખે.

દાદાશ્રી : અને છેતરાવાનું બંધ કરી દઈએ, દુકાનની જો એ ઘરાકી જ બંધ કરી તો ?

પ્રશ્નકર્તા : તો ના આવે, દાદા.

દાદાશ્રી : હં, માટે સો-સો જગ્યાએ છેતરાયા પણ એક માણસ એવો મળી આવશે કે તારું કામ નીકળી જશે.

સમજીને છેતરવું, અધોગતિ લાવે

એટલે સમજીને છેતરાવું એ પ્રગતિ આપે છે અને અણસમજણથી છેતરાવું એમાં લાભ નથી, એમાં છેતરનાર માર ખાય છે. આ આદિવાસીને શેઠિયાઓ શું કરે છે ? શેઠિયા-વેપારી હોય અને એ આદિવાસી જોડે બુદ્ધિનો દુરુપયોગ કરે કે ના કરે ? પોતાની વધારે બુદ્ધિથી પેલા ઓછી બુદ્ધિવાળાને છેતરે ! તેમાં આદિવાસી તો એનો જે હિસાબ બનવાનો હતો તે બની ગયો પણ પેલો વેપારી તો આદિવાસી થાય નહીં, પણ (એથીય ભૂંડું) જાનવરપણું આવે. એટલે લોકો પોતે પોતાની જાતને છેતરી રહ્યા છે ને ! બીજા કોઈને છેતરી શકે નહીં ને !

સમજીને છેતરાવું, પ્રગતિ લાવે

એટલે આપણે તો છેતરાઈને આગળ જવું. સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. આ સિદ્ધાંત બહુ ઊંચો છે. મનુષ્યજાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે. દસ જણાના વિશ્વાસઘાત થાય તો બધાંને છોડી દેવા ? ના છોડી દેવાય. આપણા લોક તો શું કરે છે ? બે-પાંચ ભાઈબંધોએ દગો દીધો હોય તો ‘આ બધા દગાખોર છે, બધા દગાખોર છે’ કહેશે. અલ્યા, ના બોલાય. આ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા, આમ આડવંશ દેખાય છે આવી, પણ પરમાત્મા જેવા છે ! ભલેને સંજોગોને લીધે આવી દશા થઈ છે, પણ મારું (આ) જ્ઞાન આપું તો એક કલાકમાં તો કેવા થઈ જાય છે ! એટલે પરમાત્મા જેવા છે, પણ એમને સંજોગ બાઝ્યો નથી.

વીતરાગો છેતરાય પણ રસ્તો ના ચૂકે

વીતરાગ કંઇ કાચી માયા નથી. બધાય કાચા હશે પણ વીતરાગ જેવા કોઇ પાકા નહીં, એ તો અસલ પાક્કા ! આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ? ભોળા કહેતા હતા. આ વીતરાગો જન્મેલાને, તે એમના ભાઇબંધો એમને કહેતા હતા કે ‘આ તો ભોળા છે, મૂરખ છે.’ અલ્યા, વીતરાગોને તો કોઇ વટાવી શકશે જ નહીં એવા એ ડાહ્યા હોય. પોતાનો રસ્તો ચૂકે નહીં. એ જાતે છેતરાય ને રસ્તો ના ચૂકે. એ કહેશે કે ‘હું છેતરાઇશ નહીં, તો આ મારે રસ્તે જવા નહીં દે.’ તે પેલો શું જાણે કે આ કાચો છે. અલ્યા, ન હોય એ કાચો, એ તો અસલ પાકો છે ! આ દુનિયામાં જે છેતરાય, જાણીજોઇને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઇ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા તે વીતરાગ થયેલા.

જાણીબૂઝીને છેતરાય, વીતરાગો એકલા જ

માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો. અજાણે તો આખી દુનિયા છેતરાઇ રહી છે. સાધુ, સંન્યાસી, બાવો, બાવલી સહુ કોઇ છેતરાઇ રહેલ છે, પણ જાણીબૂઝીને છેતરાય તે આ વીતરાગો એકલા જ ! નાનપણથી જાણીબૂઝીને ચોગરદમથી છેતરાયા કરે, પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું, નહીં તો મારી આંખ તું વાંચી જાઉં. એ તો આંખમાં ના વાંચવા દે, આવા વીતરાગો પાકા હોય ! એ જાણે કે આનો પુદગલનો વેપાર છે, તે બિચારાને તો પુદગલ લેવા દોને, મારે તો પુદગલ આપી દેવાનું છે ! લોભીયો છે તેને લોભ લેવા દે, માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે. પોતાનો રસ્તો ના ચૂકવા દે. પોતાનો મૂળ માર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચૂકે નહીં, એવા વીતરાગ ડાહ્યા હતા. અને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે એના મોક્ષને વાંધો જ શો આવે ?

છેતરાઈને થયા ભગવાન

અમે આખી જિંદગી છેતરાવાનો જ ધંધો માંડેલો, છેતરાયા કરે એનું નામ ભગવાન કહેવાય. કાયમ છેતરાયા કરે. હવે હું આખી જિંદગી છેતરાયેલો, તેથી મને આ ભગવાન હાજર થયા, નહીં તો થાય કે ?

‘જ્ઞાની પુરુષ’નું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઇ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, ‘ના, જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઇપણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઇને છેતરાવું છે એવાં કેટલાંક લક્ષણો એના પોતાનામાં હશે ને તો એનો મોક્ષ કોઇ રોકનારો નથી; એમ ને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઇને એ મોક્ષે ચાલ્યો જશે !’

ઊઠાવી લો આ છેલ્લી તક

જગતથી છેતરાઇને પણ મોક્ષે ચાલ્યા જવા જેવું છે. વખત ખરાબ આવી રહ્યો છે. બ્યાશી હજાર વર્ષ સુધી તો માણસને ઊંચું જોવાનો વખત નહીં મળવાનો. એટલા ભયંકર દુઃખોમાં, યાતનામાં રહેશે બધા માણસ, માણસ થશે તોય.

પ્રશ્નકર્તા : બ્યાશી હજાર વર્ષ ?

દાદાશ્રી : હા. તેથી અમે કહીએ ને ચેતો, ચેતો, ચેતો. જે જાણીબૂઝીને છેતરાય તે મોક્ષનો અધિકારી ! તેથી કવિએ કહ્યું ને કે ‘ઊઠાવી લ્યો આ છેલ્લી તક.’ છેલ્લી તક ઊઠાવી લ્યો, કહે છે. પછી ફરી (બીજાં કોઈ) આવતા હશે એ આવશે.

મારી ઈચ્છા છે એ તું થઈ જા

તેથી કવિએ લખ્યું, દાદા જ એવા ભોળા તે ભેલાડ્યું જ્ઞાન.

નીરુમા : ભેલાડ્યું છે જ્ઞાન ગહન !

દાદાશ્રી : એવું કવિએ લખ્યું, દાદા જ ભોળા છે તે ભેલાડયું બધું. આ બધું જ્ઞાન ભેલાડ્યું, કહે છે. અરે મૂઆ, ભેલાડી દો ને ! લોકોને શાંતિ થાય, ટાઢક થાય મૂઆ. અહીં મારી પાસે રાખીને હું શું કરું ? ખાટલામાં દબાવીને સૂઈ જઉં એને ? પણ ગુરુઓનો મત એવો હોય છે કે આપણે દસ ટકા આપણી પાસે અનામત રાખવી અને પછી આપવું.

મેં કશું મારી પાસે રાખ્યું નથી. બધું આપી દીધું છે. હવે તમારું ગજું આટલું છે. મેં ગજવામાં કશું રાખી મેલ્યું નથી. જે હતું એ બધું જ આપી દીધું, સર્વસ્વ. પૂર્ણદશાનું આપેલું છે બધું.

એટલે ફરી આ સંજોગ ભેગો નહીં થાય એટલા માટે બૂમ પાડું છું. આ જે સંજોગ છે ને એ ટોપમોસ્ટ સંજોગ છે. ફરી ભેગો નહીં થાય એટલા માટે કહેલું. કારણ કે તું જાણતો નથી, હું જાણું છું આ સંજોગ કેવો છે !

હું તો મારી પાસે ૯૫ ટકા છે, ૯૫ આપી દઉં છું. પણ તમને સદ્યું તો સદ્યું, નહીં તો જુલાબ થઈ જશે. પણ તે સહેજ થશે તો ખરું ને, કંઈ ! હું તો શું કરું છું કે મારી જોડે ચાલો બધા ? ત્યારે કહે, ના. હું કહું કે પછી એક ડગલું આગળ ચાલો પણ મારી જોડે ચાલો બધા.

આવું કોઇ ભેલાડે જ નહીંને જ્ઞાન. ઓટીમાં થોડું રાખે મેલે ને શિષ્ય સામો થાય ત્યારે શું કરું ? એટલે અત્યારે રાખી મેલે ઓટીમાં અને હું કહું છું કે ‘સામો થઇને મારી સામો આય, પણ તું શિષ્ય થા બરાબર.’ સામો થઇને મને માર, પણ તું ઝળકાટવાળો થા. મારે જે ઇચ્છા છે એ તું થઇ જા ને ! હું તો પોણો સો વર્ષનો થયો છું પણ તું પાંત્રીસ વર્ષનો થઇ જા.’

હું તમને શિષ્ય બનાવવા માગતો નથી, હું તમને ભગવાન બનાવવા માગું છું. એમાં મારે શું સિફારસ બીજી કરવાની ?

જય સચ્ચિદાનંદ