|
‘હું જાણું છું’ એ આપઘાતી દોષ સંપાદકીય દરેકને અસ્તિત્વનું ભાન તો હોય છે ને ? એ અસ્તિત્વનું ભાન અહંકારના આધારે છે. અહંકાર તો જીવમાત્રને હોય. કારણ એના જીવનનો આધાર જ છે એ. જીવન વ્યવહારમાં અહંકાર જરૂરી છે ખરો પણ જ્યારે એ અહંકાર વિશેષતા ધારણ કરે ત્યારે એ જોખમરૂપ બની જતો હોય છે અને પડતી કે અધોગતિનું કારણ પણ બની જતો હોય છે. આ અહંકાર શું મનાવડાવે કે ‘હું સમજું છું’ અને ‘હું જાણું છું’ એ જાણપણાનો અહંકાર એ ગાંડપણ જ કહેવાયને ? ખરેખર જાણ્યું એ તો પ્રકાશ કહેવાય અને પ્રકાશ હોય ત્યાં ઠોકર વાગે જ નહીં. આ તો નરી ઠોકરો વાગે છે તો પછી આ જાણપણાનો અહંકાર શું કામનો ? જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે, જ્યાં પોતાના વ્યવહારથી બીજાને દુઃખ થાય છે, અથડામણ થાય છે ત્યાં સુધી ખરેખર કશું જાણ્યું જ નથી. જાણ્યું એનું નામ કહેવાય કે ઉપાધિમાં ના સપડાય. ખરા અર્થમાં જાણ્યું ક્યારે કહેવાય કે અહંકાર નામેય ના રહે. અધ્યાત્મમાં જાણ્યું એનું નામ કહેવાય કે જ્યાં એને પોતાના જ્ઞાનનો કેફ નથી. શાસ્ત્રો વાંચીને કેફ ચઢે એનો કંઈ અર્થ નહીં ને! ‘હું કંઈક જાણું છું’ એ જાણપણાનો કેફ એ બહુ મોટો સ્વચ્છંદ કહેવાય. સ્વચ્છંદ થાય ત્યાં સાચી પ્રગતિ જ ના થાય ને ! જેને અધ્યાત્મમાં આગળ પ્રગતિ માંડવી છે, મોક્ષે જવું છે એના માટે પરમ પૂજ્ય દાદા ભગવાન બે જ વાક્યમાં બધું કહી દે છે. ‘પરમ વિનય અને ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ. વ્યવહારમાં લઘુત્તમ થવાની અને નિશ્વયમાં ગુરુત્તમ થવાની આ માસ્ટર કી છે. જો એ સમજણપૂર્વક વપરાય તો અણસમજણ રૂપી બધા જ તાળા ખુલી જાય. જો ખરા અર્થમાં પ્રગતિ માંડવી હોય તો ‘હું જાણું છું’નો અહંકાર નહીં ચાલે. અહંકાર ચઢ્યો કે પોતે પછડાયો જાણજો. આ જાણપણાના અહંકારની મીઠાશ બહુ જોખમી છે. ‘હું જાણું છું’ એ અંધારાની ભૂલ અને પાછું ‘અને હવે કોઈ વાંધો નહીં’ એ તો મારી જ નાખે. જાણેલું ક્યારે કહેવાય કે જાણેલાની વિરતિ થાય, અટકી જાય. પોઈઝન પીવાથી માણસ મરી જાય છે અને પોઈઝન શું છે એ જાણ્યું પછી પોતે પોઈઝન લે ખરો ? આ પોઈઝન તો એક અવતારનું મરણ લાવે પણ આ જાણપણાના અહંકારરૂપી પોઈઝન તો અનંત જન્મોનું મરણ લાવે. માટે જ જ્ઞાની પુરુષ ચેતવે છે કે વિશેષતા દેખાડવા સત્સંગની વાતચીતમાં પડશો નહીં. હજુ તો જાગૃતિ આવવી જોઈએ, જાગૃતિ પરિણામ પામવી જોઈએ, નાટકીય ઈગોઈઝમ પણ ઉતરી જવો જોઈએ. ત્યાર પછી સ્યાદવાદવાણી નીકળે. માટે ચેતતા રહેજો. (આ આપ્તપુત્રો-પુત્રીઓ સત્સંગ કરે છે તે પણ આત્મજ્ઞાની પાસેથી આજ્ઞા લઈ, આશીર્વાદ પ્રા કરી, એમના કહ્યા મુજબ ટેમ્પરરી લાઈસન્સ (મંજૂરી) લઈ આધીનતાપૂર્વક કરે છે.) આપણે તો આ એક ભવ આધીનતામાં રહી ચૂપચાપ મોક્ષે ચાલ્યા જવા જેવું છે. જો પૂરું હિત કરવું હોય તો મૌન રહેવું સારું. આપણે તો જ્ઞાની પુરુષની સમજણથી સાચી સમજણ મેળવવાની છે. પોતાની સમજણ આમાં કંઈ કામ લાગે એવી નથી. જો સમજણ હોત તો ભગવાન જ થઈ જાતને! પણ આપણે નથી થયા એ જ સાબિત કરે છે કે હજુ બહુ લાંબો રસ્તો કાપવાનો બાકી છે. એ રસ્તો, જાણપણાના અહંકારમાં ફસાયા વગર કેવી રીતે પાર કરી શકાય તેની સાચી સમજણ અત્રે સંકલિત થઈ છે, જે સહુ કોઈ મોક્ષાર્થીને હિતકારી બની રહેશે. જય સચ્ચિદાનંદ ‘હું જાણું છું’ એ આપઘાતી દોષ જાણપણાનો અહંકાર બે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે : એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર. અહંકાર શું મનાવડાવે કે હું બધું સમજું છું અને હું જાણું છું, બસ. એટલું મનાવડાવે ને, એટલે જાણવાની વાત રહી જાય. એ અજ્ઞાનતાથી આ માર્ગ છે બધો. જ્યાં જ્યાં કંઈ પણ અડચણ આવે છે તે અણસમજણથી છે, સમજણ નહીં પડવાથી. સમજણથી અડચણ નીકળી જાય. હવે સમજણ નથી અને અહંકારનો સ્વભાવ એવો કે જેમ મોટો થાય તેમ એ બધાને કહે કે હું તો જાણું બધું, બધું જાણું છું. લોકો મનમાં સમજે કે હું કંઈક જાણું છું. અરે, વાંધો નહીં. તે જીવવા માટે તારું એક સાધન છે. એ સાધન ના હોય તો એ મરી જાય. આપણે કંઈક જાણીએ છીએ, બીજા કરતાં કંઈક સારું છે એમ કરીને જીવે, તેનો વાંધો નહીં. પણ આ જ્ઞાની પુરુષ પાસે તું એવું ના કહી શકે. અમારી પાસે બે જ વસ્તુ લઈને આવજો. એક ‘હું કંઈ જ જાણતો નથી’ ને બીજું ‘પરમ વિનય’. ‘હું કંઈક જાણું છું’, એ તો મૂઆ કેફ છે અને જો ખરેખર જાણ્યું એટલે એ તો પ્રકાશ કહેવાય ને પ્રકાશ હોય ત્યાં ઠોકર ન વાગે. ત્યારે આ તો ઠેર ઠેર ઠોકર વાગે છે, તેને જાણ્યું શી રીતે કહેવાય ? એકેય ચિંતા ઘટી? સાચું જાણ્યું હોય તો એક પણ ચિંતા ના થવી જોઈએ. અહંકાર એ ગાંડપણ કહેવાય. અહંકાર એ ગાંડપણ ના કહેવાય ? શું કંઈ મારી લીધે ચાલતી હશે આ દુનિયા ? આ બધાયે સહુ સહુની મેળે કહેશે, હું છું, હું જ છું, તો ચાલે છે. કર્તાપણાનો અહંકાર એ જ ભ્રાંતિ આ વર્લ્ડમાં કોઈ જીવ કશું કરી શકે એમ છે જ નહીં. જે ‘કરે છે’ એવું કહે છે એ જ ભ્રાંતિ છે ને એ જ અહંકાર છે. આ તો અહંકાર પોતાનો દેખાવ કરે છે. બાકી, આ બધું તો ‘ઈટ હેપન્સ’ છે. બધું થઈ જ રહ્યું છે. થઈ રહ્યાને પાછો કહે છે, ‘મેં કર્યું, હું કરું છું.’ આ જગતમાં ‘હું કરું છું’ ને ‘હું જાણું છું’ બે ભાવ ભેગા કરે, એનું નામ ભ્રાંતિ. જાણ્યું કોનું નામ કહેવાય ? ભ્રાંતિ બહારની વસ્તુ હોય એને જાણ્યું કહેવાય. આ તો આવડી મોટી ડુંગળી હોય એમાં સ્લાઈસ પાડીએ તો બધી ગંધાય. એકુંય સુગંધીવાળી ના નીકળે. એવું આ બધું ભ્રાંતિ જ છે. જગત જ ભ્રાંતિમાં છે. પ્રશ્નકર્તા : ‘હું જાણું છું’ અને ‘હું બધું સમજું છું’ એ ભ્રાંતિ છે ? દાદાશ્રી : હા. આ ‘હું જાણું છું’ ને આ ‘હું સમજું છું’ને એ... પ્રશ્નકર્તા : ખરેખર કંઇ સમજતા જ નથી ! દાદાશ્રી : ના. સમજવાનું તે સમજવાનું છે. આ તો ના જાણવાનું જાણ્યું, એને ના જાણવાનું... જો ચિંતા કરાવે એ જાણ્યાનું શું ફાયદો ? જાણવાનું તો જ્યાં આપણે પોતાનું પદ ભેગું થાય એ જાણવાનું છે. આને જાણીને શું કરવાનું ? આ તો બધો કચરો ! અનંત અવતારથી આનું આ જ જાણ્યું છે. શું જાણ્યું છે? ‘આ મારા સસરા થાય ને આ મારા મામા થાય ને આ મારા ફુઆ થાય.’ આ બધું જાણ્યુંને, તે અનંત અવતાર ભટક ભટક ભટક કરે છે. ‘હું કોણ છું’ એ જાણે ત્યારે નિવેડો આવે. ત્યાં સુધી ભ્રાંતિ જ છે. ‘હું જાણું છું’ એ ડબલ ભ્રાંતિ છે. જો ઠોકર વાગતી હોય અને ‘હું જાણું છું’ એમ માનવું એ બે વિરોધાભાસ છે. કયા સાધને જાય એ ભ્રાંતિ ? હવે ભ્રાંતિ કયા સાધને જાય ? ‘એ પોતે કોણ છે’ એવું જો ‘જ્ઞાની પુરુષ’ એને જણાવડાવે તો એ ભ્રાંતિ જતી રહે, બસ. એટલે ‘જ્ઞાની પુરુષ’ મળી આવે તો એ ભ્રાંતિ જાય. અહંકાર ઉપર તો તારું જીવન જ છે. એને તું શી રીતે કાઢી શકે ? એટલે તારે ‘અમને’ કહેવાનું કે અહંકાર કાઢી આપો. એટલે અમે કાઢી આપીએ! પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. છોકરાં-છૈયાં પરણાવજે, સંસાર ચલાવજે પણ મારી આજ્ઞામાં રહેજે. પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પાસે દ્રષ્ટિ બદલ્યા સિવાય કશું વળે નહીં. દ્રષ્ટિ સન્મુખ કર્યા સિવાય કશું વળે નહીં. દ્રષ્ટિ વિમુખ છે. જગત શેમાં વિમુખ છે ? આત્માથી વિમુખ દ્રષ્ટિ, એ સન્મુખ થયા સિવાય કશું કોઈને વળે નહીં. વ્યવહાર માતા આપે ને નિશ્ચય ‘જ્ઞાની’ આપે. પછી કશું જાણવાનું રહેતું જ નથી. નિર્બળતાથી મુક્ત એ જાણ્યું કહેવાય મનુષ્યોએ કશું જ જાણ્યું નથી. જાણ્યું એનું નામ કે નિર્બળતા ના રહે. જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં કશું જ જાણ્યું નથી, ત્યાં બધી નિર્બળતાઓ જ છે. જાણ્યું તો તેનું નામ કે બધી નિર્બળતાઓ જાય. ‘હું ડાહ્યો છું, મારામાં અક્કલ છે, હું કંઈક જાણું છું’ એમ કહે, એટલે હું કહું કે તો મારે તને શી રીતે જણાવવાનું ? હવે તું જાણું છું તો મારે જણાવવાનું રહેતું નથી. તું કહે કે ‘હું જાણતો નથી’ તો હું તને જણાવું. તું કહું કે ‘મારા ઘડામાં પાણી છે’ તો પછી મારી પાસે શું કરવા રેડાવું ? અને જો નથી તો હું રેડી આપું તને. જો ‘હું કંઈક જાણું છું’ તેમ તું માને છે તો પછી તારા અધૂરા ઘડામાં હું શું રેડું ? તારો ઘડો ખાલી હોય તો હું તેમાં અમૃત ભરી આપું. આ તો કહેશે, ‘હું જાણું છું.’ ત્યારે એક માણસ મને કહે છે કે ‘હું ના જાણતો હોય તો મને કહો. સમજણ પાડો શી રીતે ? ત્યારે મારે કહેવું પડ્યું, ‘સાચું બોલું ? જરા ટૈડકાવું તને.’ ત્યારે કહે, ‘ટૈડકાવો.’ મેં કહ્યું, ‘શું શંકોરું જાણ્યું તેં ? જાણ્યું તો એનું નામ કહેવાય કે કોઈ જગ્યાએ ઉપાધિમાં સપડાય નહીં. આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત થઈ જાય, એનું નામ જાણ્યું કહેવાય.’ લોકો જાણે કે ‘હું કંઈક જાણું છું’, ને એમાં, બફમમાં લોક રહે છે. મિથ્યાત્વનોય પાછો અહંકાર કરે કે ‘હું જાણું છું એ જ ખરું છે !’ પોતાની સ્વતંત્ર શક્તિ કેટલી ? એક મોટા પ્રોફેસર મારી પાસે આવ્યા. તેમને મનમાં જરા કેફ કે ‘હું કંઇક જાણું છું’ અને ‘હું કંઇક પુરુષાર્થ કરું છું.’ તેમને મેં પૂછ્યું, ‘તમે શું કરો છો? શો પુરુષાર્થ કરો છો ?’ તેમણે કહ્યું, ‘આત્મા માટે જ બધો પુરુષાર્થ કરું છું.’ ત્યારે મેં પૂછયું, ‘પણ પુરુષ થયા વગર પુરુષાર્થ શી રીતે થાય ? પ્રકૃતિ નચાવે તેમ તમે નાચો છો અને કહો છો કે ‘હું નાચ્યો.’ આખા વિશ્વને હું ચેલેન્જ આપું છું કે આ બધું તમે જે કરો છો તે તમારી ‘પોતાની’ શક્તિ ન હોય. અરે ! ઝાડે ફરવાની (સંડાસ જવાની) પણ સત્તા તમારામાં નથી. વડોદરાના મોટા મોટા ડૉક્ટરોને ભેગા કરીને મેં પૂછયું કે, તમે કહો છો કે અમે ભલભલાને ઝાડો (સંડાસ) કરાવીએ, પણ તે તમારી સત્તા ખરી? ત્યારે તેમણે કહ્યું કે ‘એ તો અમે જ કરાવીએ ને ?’ ત્યારે મેં તેમને કહેલું કે ‘તમને પોતાને જ ઝાડે ફરવાની તમારી સ્વતંત્ર શક્તિ નથી તો બીજાને શું કરાવશો? એ તો તમને અટકશે ત્યારે ખબર પડશે કે મારી શક્તિ નહોતી ! કોઈની પણ હેલ્પ લેવી પડે તો તમે શક્તિવાન છો જ નહીં. આ તો બધું પ્રકૃતિ કરાવડાવે છે ને અહંકારીઓ અહંકાર કરે છે કે ‘મેં કર્યું !’ કેફ ઉતારે તે આત્મજ્ઞાન મોટા મોટા પંડિતો, શાસ્ત્રો વાંચનાર શાસ્ત્રજ્ઞો, મોટા મોટા સાધુ મહારાજો, આચાર્યો બધા જે જાણે છે તે પ્રાકૃતજ્ઞાન છે, એ આત્મજ્ઞાન નથી; પણ પ્રાકૃતિક જ્ઞાન છે. પ્રાકૃતિક જ્ઞાન અને આત્મજ્ઞાનમાં છાશ અને દૂધ જેટલો ફેર છે. આ બધું પ્રાકૃતજ્ઞાન શું કરે છે ? પ્રકૃતિથી પ્રકૃતિને ધૂએ છે. પ્રકૃતિથી પ્રકૃતિને ધોવાથી તે પાતળી પડી જાય. પાછો એક અવતાર પ્રકૃતિને પાતળી પાડવામાં જાય અને જો કોઇ કુસંગ મળી જાય તો જાડી કરી નાખે ! એટલે એને ભગવાને ગજસ્નાનવત્ કહ્યું છે. ગજસ્નાનવત્ એટલે જેમ પાણીની મહીં હાથી નહાય અને બહાર નીકળીને શરીર પર ધૂળ ઉડાડે, તેવી દશા આ મનુષ્યોની છે ! આત્મજ્ઞાન એ તો દુર્લભ વસ્તુ છે, અત્યંત દુર્લભ, દુર્લભ છે. મોક્ષ તો નામ દે એટલું જ, વાત કરે એટલું જ. બાકી પ્રાપ્તિ થવી એ સહેલું નથી. બધા પ્રકૃતિ જ્ઞાનવાળા મનમાં શું બોલે, ‘હું બધું જાણી ગયો!’ અલ્યા, એ તો પ્રકૃતિજ્ઞાન જાણ્યું તે ! આત્મજ્ઞાન જાણવાનું છે. કેટલાય અવતારથી પ્રકૃતિજ્ઞાન એનું એ જ જાણ્યા કર્યું છે ને બીજું શું કરે છે ? કરે છે પ્રકૃતિ ને કહેશે, ‘મેં કર્યું.’ પ્રકૃતિ એને નચાવે, ઉઠાડે ને કહેશે, ‘હું ઊઠ્યો.’ ઊંઘાડેય પ્રકૃતિ, ઊંઘવું હોય તો ઊંઘાય નહીં ને પ્રકૃતિ ઊંઘાડે તો કહેશે, ‘હું ઊંઘી ગયો !’ બાકી અમે ગેરંટીથી કહીએ છીએ કે આખું જગત પ્રાકૃતજ્ઞાનમાં છે. એ શાસ્ત્ર વાંચતો હોય કે મહાવીરના પિસ્તાળીસ આગમ ધારણ કરતો હોય કે ચાર વેદ ધારણ કરતો હોય તોય અમે એને કહીએ કે તું હજી પ્રાકૃતજ્ઞાનમાં છે ! આત્મજ્ઞાન અને પ્રાકૃતજ્ઞાનમાં દૂધ અને છાશ જેટલો ડિફરન્સ છે. છાશ અને દૂધ બેઉ ધોળા દેખાય. પ્રાકૃતજ્ઞાન કેફ ચઢાવે અને આત્મજ્ઞાન કેફ ઉતારી નાખે. જે પ્રકારનો કેફ હોય તે બધા જ પ્રકારનો કેફ આત્મજ્ઞાન ઉતારી નાખે. કેફ ઘટતો જતો હોય એ જ આત્મજ્ઞાનનું લેવલ. જ્યાં કેફ ચઢે, ત્યાં તે આત્મ-અજ્ઞાન કહેવાય! જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી જ્ઞાનનો કેફ ચડે. પ્રશ્નકર્તા : શાસ્ત્રજ્ઞાનનો કેફ ચઢે ? દાદાશ્રી : શાસ્ત્રજ્ઞાનનો બહુ જ કેફ ચઢે. અને એ કેફ જોખમકારક છે, ઘણો જોખમકારક છે. જે સમજણથી કેફ ચઢે, તો એ વીતરાગની વાત ન હોય! આ તો લોકો બધાને કેફ ચઢે છે. પુસ્તકો વાંચીને કેફ ચઢે છે ઊલટો ને ‘હું કંઇક જાણું છું’ એવું ‘હું જાણું છું’ એ ભાન પેઠું ત્યાંથી એ માણસ મર્યો. પ્રશ્નકર્તા : શું શાસ્ત્ર ભણ્યાથી પણ અહંકાર વધે? દાદાશ્રી : હા, કારણ કે એ પ્રાકૃતજ્ઞાન છે. એટલે એ બધાનો કેફ ચઢે કે ‘હું જાણું છું, હું જાણું છું.’ અલ્યા, શું જાણ્યું તેં ? તારો કઢાપો-અજંપો તો જતો નથી. પ્યાલો ફૂટી જાય છે ત્યારે તારો આત્મા ફૂટી જાય છે ! ને ‘જ્ઞાની પુરુષ’ને એમના હીરા ખોવાય તોય કશુંય ના થાય. આ તો આમનું ક્યાં જ્ઞાન રહે ? ‘હું કંઇક જાણું છું’ એટલું જ. આ કાળમાં તો મોટા-મોટા સાધુઓ એ બધા કેફમાં જ રહે છે. ‘હું જાણું છું’ એ એની જોખમદારી પર બોલે છે ને ! આપણી જોખમદારી ઓછી છે એમાં! પોતપોતાની જોખમદારી પર બોલી રહ્યા છે. બધા માર્ગ ભૂલ્યા છે, પણ શું થાય? એમાં એમનો દોષ નથી. એમની ઇચ્છા તો મોક્ષે જ જવાની છે, ભગવાનની આજ્ઞામાં જ રહેવાની છે. પણ કાળ વિચિત્ર આવ્યો છે, તેથી અણસમજણની આંટી પડી ગઇ છે. આ બધું પ્રાકૃતજ્ઞાન છે. એનાથી કેફ વધતો જાય છે અને આત્મજ્ઞાનથી કેફ ઊતરી જાય. એટલે પોતાને આત્મજ્ઞાન નથી એવું પોતાને નિરંતર ભાન રહે તોય બહુ સારું. આ તો ઊલટાના પોતાનો કેફ ઢાંક ઢાંક કરે. કોઇ સળી કરે ત્યારે ફેણ માંડે પાછો. જ્યારે કેફરહિત થઇશ ત્યારે આ જગતની માલિકી તારી છે. આખા જગતનો માલિક તું છે ! આખા બ્રહ્માંડનો તું પોતે જ સ્વામી છે ! એટલે આત્મજ્ઞાનની વાતમાં ‘હું કંઇ જ જાણતો નથી’ એવું બોલે તોય વહેલો ઉકેલ આવે ! કેફની ખબર ક્યારે પડે ? ‘તમારું ખોટું છે’ એમ કહે ત્યારે. મોક્ષનો માર્ગ નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે ને જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડશે. અરે, દાદર સ્ટેશને જવું હોય તોય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે. તો આ તો મોક્ષની ગલી સાંકડી, અટપટી ને વળી ભૂલભૂલામણીવાળી. જાતે જવા જઈશ તો ક્યાંય અટવાઈ જઈશ ! માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચાલ્યો જા. ‘હું જાણું છું’નો કેફ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું ને, કે પ્રત્યક્ષને ખોળજો. નકામા ફોટા પાછળ પડશો તો અનંત અવતારથી ફોટા પાછળ જ પડ્યા છો, એમાં નિવેડો આવશે નહીં. પણ ટાઈમ જશે એમાં તમારો. એ અહીં સારી જગ્યાએ ટાઈમ જશે તો અવળી જગ્યાએ નહીં પેસી જાય. એટલે રમી રમવા જતો રહે ને, એ તે બધું ઊંધે રસ્તે નહીં જાય. આમાં વખત કાઢશે તો બહુ સારું છે. ખોટ તો નહીં જાય, ભલે નફો ના થાય. છતાંય પાછું એ વાંચવાથી પાછો કેફ ચઢી જાય છે, ‘હું જાણું છું’ એવો કેફ. એ પુસ્તકનો કીડો થઇ ગયો એટલે એના મનમાં એમ કે હું જાણી ગયો. પણ શકોરુંયે ના જાણ્યું હોય ! રોજ ઠોકરો ખાતો હોય, મોઢાં પર દીવેલ ચોપડ્યું હોય એવું મોઢું હોય ! અને પાછો કહેશે, ‘હું જાણું છું.’ એવું કહે કે ના કહે ? એમાં કશુંય જાણ્યું નથી આ લોકોએ. માર ખઇ ખઇને મરી ગયા, ‘જાણ્યાનો’ કેફ ચઢે ઊલટો, એ ખોટું. જાણ્યું તો કોનું નામ કહેવાય? ઠોકર ના વાગે, મોઢાં પર દીવેલ ફરી વળે નહીં. જાણ્યા પછી ઠોકર વાગે? આ તે નરી ઠોકરો વાગે છે ને અમથો જાણી ગયો, જાણી ગયો કર્યા કરીએ. તે ક્યારે આપણને લાભ થાય આમાં ? એના કરતાં કાન ખુલ્લા રાખીને વિનય ખુલ્લો રાખીને (રહીને) આપણે આ જાણવું જ છે, અમારે કંઈ ઈચ્છા છે એવું ખુલ્લું રાખીએ તો કામ થાય. ‘હું જાણી ગયો’ કહે તો પછી શી રીતે કામ થાય ? થાય ખરું ? પ્રશ્નકર્તા : ના થાય એ તો. દાદાશ્રી : જાણ્યું કશું નથી અને જાણ્યાનો રોગ પેસી જાય, તે બહુ મોટો રોગી. જાણ્યાનું ફળ શું ? ભમરડાને રમાડવાના બંધ થાય અને આત્માને રમાડે. રોગી તો જાણ્યાનો અહંકાર જ કરે છે. જાણ્યાનું પરિણામ પ્રશ્નકર્તા : આ જાણું છું એ તો અહમ્ કહેવાયને? એમાં જ ભટક્યાને ? દાદાશ્રી : ‘હું જાણું છું’ એ જ મોટું ભૂત છે! ‘આ મારું છે’ એ મોટી વળગાડ છે ! એક મહારાજ મને કહે છે, ‘કેમ આ અમને કશું દેખાતું નથી ?’ મેં કહ્યું, ‘મહારાજ કેફ ચઢેલો છે?’ ત્યારે કહે, ‘એ તો ઘણો કેફ રહે છે, હું જાણું છું એ.’ મેં કહ્યું, ‘આત્મા જાણ્યો તો જ જાણ્યું કહેવાય. નહીં તો બીજું જાણવાનું જ શું હતું તે ? એટલે આ જે નથી જાણવાનું તેનો કેફ તમે રાખો છો.’ ‘હું જાણું છું’, જે જાણવાનું છે એ તો તમે જાણતા નથી. ત્યાર પછી વગર કામના ઉપાધિ ઘાલી છે. જો આ જાણેલાથી તારી તૃપ્તિ ના વળી, ઠોકર વાગે છે કે નથી વાગતી ? હજુ ઠોકરો વાગે છે ને? ઠોકરો વાગે છે એટલે અંધારું જ છે અને અંધારાને તમે અજવાળું માનો છો એટલું જ છે. આપણને ઠોકર ના વાગે તો આપણે જાણીએ કે પ્રકાશમાં જ છીએ આપણે. જો જાણતો હોય તો અજવાળું કહેવાય. તો અજવાળામાં ઠોકર ના વાગવી જોઈએ અને તું કહું છું કે મને ઠોકર વાગે છે, તો બળ્યું તારું જાણ્યું ! અને જાણું છું તો અહીંયા આવ્યો શું કરવા? તે જાણ્યું હોય ત્યારે દૂધપાક ખાઈને બેસી રહેને! નિરાંતે સૂઈ રહે ને ! ત્યારે કહે, ‘ના, અજંપો થાય છે મહીં.’ ત્યારે મેં કીધું, ‘અમથો, જે જાણવાનું તે જાણ્યું નથી. ના જાણવાનું જાણ્યું અને જે જાણવાનું છે, તે ક્યારેય જાણ્યું નથી.’ પ્રશ્નકર્તા : તો ‘હું કંઈ જાણતો જ નથી’ એવું માનવું ? દાદાશ્રી : બીજું જાણવાની જરૂર જ નથી ને ! જાણવાનું હતું તે ના જાણ્યું. આ બીજું બધું જાણવાથી તો લોક બાઘા બન્યા છે. બહુ જાણવાથી લોક કેવા બન્યા છે તે જાણો છો ? બાઘા. ના જાણવું એ સારું નથી, પણ જાણવું એ બહુ જોખમ છે. એના કરતાં ‘મને સમજણ પડતી નથી અને હું કંઈ જ જાણતો નથી’ એ સૌથી સારામાં સારું. ‘હું જાણું છું’ ને વધારે દુઃખ થાય. જાણ્યું એનું નામ કહેવાય કે પ્રકાશ થાય. પ્રકાશ ન થવો જોઈએ? ગમે એટલું શાસ્ત્રો વાંચીએ પણ પ્રકાશ ના થાય તો શું કામનું? માટે અમે તમને પ્રકાશ કરી આપીએ. જાણવા જેવું માત્ર આત્મા એકલો જ જાણવા જેવો છે. આ જગતમાં બીજું કશું જાણવા જેવું નથી. બીજું જે જાણ્યું તે બધું ‘રિલેટિવ’ છે અને વિનાશી છે. ભૌતિક સુખોની ઇચ્છા હોય તો વિનાશી ધર્મ જાણવો પડે. જાણવા જેવો, આ દુનિયામાં એક આત્મા એકલો જ જાણવાનો. આ બીજું બધું જાણવાનું એ તો એની મેળે સંજોગો અનુસાર થયા કરે છે. આત્મા જ જાણવા જેવો છે. બીજું જાણેલું તો એમાં સાચું પડે નહીં ને! એટલે આ જ્ઞાનનો કેફ તો નકામો લઈને ફરે છે!
અને પેલું (આત્મજ્ઞાન) સાચું, એ નહીં જાય. એ પરમનન્ટ છે. એ પોતેય સનાતન સ્વભાવનો છે. એનું જ્ઞાનેય સનાતન છે, એનું સુખેય સનાતન છે, એની વાતેય સનાતન છે અને એ પ્રાપ્ત થયા પછી એ માણસને શું પ્રાપ્ત થયું? ત્યારે કહે, N.O.C. (વાંધો નહીંનું પ્રમાણપત્ર) મળી ગયું. એને કોઈ જગ્યાએ ઓબ્જેક્શન કોઈ માણસનું હોય નહીં. ભગવાનેય એને ઓબ્જેક્શન ના કરે, એને N.O.C. આપી દે. સદગુરુ મળ્યે લાયકાત બિનજરૂરી પ્રશ્નકર્તા : સદગુરુ મળ્યા પછી સદ્ગુરુના આદેશ પ્રમાણે સાધના તો કરવી પડે ને ? દાદાશ્રી : સાધના, (પણ) એનો અંત હોય. એ છ મહિના કે બાર મહિના હોય, એમાં ચાલીસ-ચાલીસ વર્ષ ના જતા રહે. પ્રશ્નકર્તા : એ તો જેની જેવી લાયકાત. દાદાશ્રી : લાયકાતની જરૂર જ નથી. જો સદગુરુ મળ્યા તો લાયકાતની જરૂર નથી અને સદગુરુ નથી મળ્યા તો લાયકાતની જરૂર! સદગુરુ જો ગ્.ખ્..થયેલા હોય તો એટલી લાયકાત અને B.A.B.T. થયા હોય તો તેટલી (એમની) લાયકાત (કહેવાય). આમાં આપણી લાયકાતની જરૂર જ ના હોય. પ્રશ્નકર્તા : આ દુનિયાદારીની લાયકાત નહીં, પણ આની લાયકાત જુદી ને ? દાદાશ્રી : ના. સદગુરુ મળ્યા એટલે કોઈ લાયકાતની જરૂર નથી. સદગુરુ મળ્યા એ જ એની મોટી પુણ્યૈ કહેવાય. પ્રશ્નકર્તા : પણ સદગુરુ મળ્યા પછી કોઈ સાધના કરવાની જ નહીં? માત્ર સદ્ગુરુથી જ થાય? દાદાશ્રી : ના, એ સાધન બધા બતાવે એ જ કરવાના હોય પણ લાયકાતની જરૂર નહીં. લાયકાતવાળાને તો મનમાં એમ હોય કે ‘હવે હું તો સમજું જ છું ને !’ લાયકાત તો ઊલટી કેફ ચઢાવે. લાયકાત હોય તો ફેંકી દેવા જેવી નહીં, એ હોય તો સારી વાત છે. પણ આપણે એ સમજવું જોઈએ કે કેફ હોય તો કેફ કાઢી નાખવો જોઈએ. એ લાયકાત અને સદ્ગુરુને બેને ભેગા થવામાં વચ્ચે કેફ નડે છે અને લાયકાતવાળા અતડા રહે. અને પેલો ઓછી લાયકાતવાળો હોય ને, એ તો એમ જ કહે, ‘સાહેબ, મારામાં તો અક્કલ નથી. હવે તમારે માથે પડ્યો છું. તમે ઉકેલ લાવી આપો.’ તો પછી સદગુરુ રાજી થઈ જાય. આટલું જ કહેવાની જરૂર છે. સદગુરુ બીજું કશું માગતા નથી કે બીજી લાયકાતો ખોળતા નથી. આજ્ઞાપૂર્વકની ક્રિયા બનાવે નિષ્કેફી અમે અમદાવાદ ગયેલા ત્યારે એક આચાર્ય મહારાજ ભેગા થયેલા. પછી તેમને અમે પૂછયું કે ‘શાસ્ત્રો વાંચો છો?’ તેમણે કહ્યું, ‘શાસ્ત્રો તો બહુ વાંચ્યા.’ અમે કહ્યું, ‘શાસ્ત્રો તો આપે બહુ વાંચ્યા, પણ એ શાસ્ત્રો ભગવાનની આજ્ઞાપૂર્વક વાંચ્યા કે પછી એમ ને એમ વાંચ્યા ?’ ભગવાન શું કહે છે કે ‘જે શાસ્ત્ર વાંચે છે એનાથી કેફ વધે તો ના વાંચીશ ને કેફ છૂટતો હોય તો વાંચજે.’ જો કેફ વધતો હોય તો નાખી દેજે એ પુસ્તક. શું પુસ્તકનો ગુણ કેફ વધારવાનો છે ? ના. એ તો પોતાની મહીંના બીજનો ગુણ છે ! આ બાવળિયાને શૂળો ચીતરવી પડે ? ના, એ તો બીજગુણથી ડાળે ડાળે શૂળો આવે. પછી આચાર્ય મહારાજને કહ્યું કે ‘એ કેફ ઉતારશો કેવી રીતે ?’ ત્યારે તેમણે કહ્યું, ‘આ ક્રિયાઓ તો કરીએ છીએ ને!’ ત્યારે મેં કહ્યું, ‘જે ક્રિયાથી કેફ ચઢે એ બધી અજ્ઞાન ક્રિયા છે, ભગવાનની કહેલી ક્રિયા નથી. ભગવાનની કહેલી ક્રિયા તો કેફ ઉતારનાર છે, એનાથી કેફ ચડે નહીં !’ મોક્ષે જતાં નિષ્કેફીને પેસવા દે. તમને કોઈ બાપોય પેસવા નહીં દે. છો ને, બધા શાસ્ત્રો અહીં મગજમાં લખી મેલો ને ! નિષ્કેફીનો મોક્ષ થાય છે. ત્યારે મહારાજ કહે છે, હવે નિષ્કેફી શી રીતે થવું? મેં કહ્યું, તમે નિષ્કેફીને શરણે આવો (જાઓ). આ બધું કરવાથી કોઇ દી’ શુક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં ! લીંબોળી વાવી છે તે ફળ આપશે. કેફ એ સૂક્ષ્મ અહંકાર કેટલાક સાધુઓ સંસારીઓની દયા ખાય છે. ‘અરેરે ! આ સંસારીઓનું શું થશે ?’ અલ્યા, એમનું તો જે થશે તે થશે પણ તું એમની દયા ખાવાવાળો કોણ? તારું શું થશે ? હજુ તમારું જ જ્યાં ઠેકાણું નથી પડ્યું, ત્યાં લોકોનું શું ખોળવા જાઓ છો? આ તો ભયંકર કેફ કહેવાય. તે સંસારીઓનો તો કેફ તેલની અને સાકરની લાઈનમાં આઠ કલાક ઊભા રહીને ક્યાંય ઊતરી જાય છે, પણ આમનો કેફ ક્યાંથી ઉતરે ? ઊલટાનો વધતો જ જાય. કેફ એ તો ભયંકરમાં ભયંકર સૂક્ષ્મ અહંકાર છે. એ બહુ જ માર ખવડાવે. આ સ્થૂળ અહંકારને તો કોઈકેય દેખાડી આપશે. કોઈકેય કહેનારો મળી આવશે કે ‘અલ્યા, છાતી કાઢીને શું ફરે છે ? જરા નમને?’ એટલે પેલો ઠેકાણે આવશે. પણ આ સૂક્ષ્મ અહંકાર - ‘મેં કંઈક સાધન પ્રાપ્ત કરી લીધું છે, હું કંઈક જાણું છું’ એવો કેફ તે તો ક્યારેય નહીં જાય. અલ્યા, જાણ્યું કોને કહેવાય? જ્ઞાનપ્રકાશ થાય ત્યારે. અને પ્રકાશમાં ઠોકર વાગે? પોતે જ અજ્ઞાન દશામાં ઠોકરો ખાતો હોય, તેને બીજાની દયા ખાવાનો શો હક? કેટલાક પોતાને નિર્માની કહે છે. પણ એ નિર્માનીનો જે કેફ ચઢે છે તે તો આ સ્થૂળ માની કરતાંય બહુ ભટકાવી મારે તેમ છે. નિર્માનીનું માનીપણું ઊભું થયા વગર રહે જ નહીં. સ્વરૂપજ્ઞાન સિવાય સંપૂર્ણ અહંકાર જાય જ નહીં. તે એક બાજુ તૂટી પડ્યા. નિર્માનીપણું પ્રાપ્ત કરવામાં મંડી પડ્યા. પણ મૂઆ, એનો કેફ વધ્યો તેનું શું ? એનો જે સૂક્ષ્મ અહંકાર ભયંકર ઊભો થયો તેનું શું ? આત્મા જાણ્યા સિવાય કશું વળે નહીં. ભટક ભટક કર્યા જ કરો. કારણ કે પુસ્તકમાં આત્મા હોય નહીં. ક્યાંથી જાણી લાવે ? ‘જ્ઞાની’ પાસેથી જ આત્મા પ્રાપ્ત થશે. પણ ‘જ્ઞાની’ (કાયમ) હોય જ નહીં ને ! કોઈક જ ફેરો હોય. તેથી કૃપાળુદેવે કહ્યું ને, (જ્ઞાની મળવા) દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ છે!!! માટે જ્ઞાની પુરુષ પાસે જઈને એમના ચરણમાં બેસ. કૃપાળુદેવે તેથી જ આ માથાફોડ છોડાવડાવીને બધી. મેલને પૂળો. એમાં તો સપ્તભંગી વિષયમાં (શાસ્ત્રના શબ્દો પર) તો વરસના વરસ દહાડા સુધી ડાયરો ચલાવે. અલ્યા ! ત્યારે મોક્ષ ક્યારે જશો ? કયે ગામ આવ્યા છો તે? બાકી મોક્ષની કોઈને પડેલી જ નથી. મોક્ષનું ભાન જ નથી ને ! હું જાણું છું, હું જાણું છું, એ જાણપણું દેખાડવા માટે તોફાન, તોફાન,તોફાન! આત્મજ્ઞાન થયે છકે નહીં કવિએ લખ્યું છે ને, ‘આત્મજ્ઞાન સરળ-સીધું, સહજ થયે છકે નહીં.’ આ તમને આત્મજ્ઞાન સરળ-સીધું આપેલું છે. એ સહજ જ્યારે થશે એટલે એને કેફ ના ચઢે. છકી ગયેલું ના હોય. લોક કહે ને કે આ છકી ગયું છે. જુઓને, અમથું થોડું થોડું જાણ્યું એમાં એનું છકી ગયેલું. એટલે છકે નહીં, છાકતો ના જાય. જે જાણ્યું તે છકે નહીં. ના જાણ્યું એ મૂઓ બહુ જોર કરે. વીતરાગનું આત્મજ્ઞાન સહજ થયું, સાચું જ્ઞાન થયું તો છાક ચઢે નહીં. વીતરાગનો આપેલો આત્મા, જો એ પ્રગટ થાય તો છાક ના ચઢે ! બાકી બીજાએ આપેલા આત્માથી તો છાક ચઢી જાય ને ‘હું છું, હું છું’નો કેફ રહ્યા કરે, તે રાતે ઊંઘમાંય ના ઊતરે! તેથી ભગવાને કહેલું કે, ‘જે જ્ઞાનથી છાક ચઢે, જે શાસ્ત્રથી છાક ચઢે એ અજ્ઞાન છે.’ આત્મજ્ઞાન દરેક મનુષ્યે મનુષ્યે જુદા હોય, પણ વીતરાગ ભગવાનનું એકલું જ આત્મજ્ઞાન કેફ ચઢાવે નહીં. વીતરાગની વાણી કેફ ઉતારે. આ તો કહે, ‘આમ કરો, તેમ કરો, વૈરાગ્ય કરો, તપ કરો, ત્યાગ કરો.’ એથી તો નર્યો કેફ ચઢે. એ તો દેવગતિ માટે કામનું, મોક્ષ માટે નહીં. આ જગતમાં જે બહાર સાંભળશો, તે બુદ્ધિશાળીઓની વાણી છે. તે મનને સંતોષ થશે અને અહીં આત્મતૃપ્તિ થશે. મનનો સંતોષ અને આત્મતૃપ્તિમાં ફેર ખરો ? પ્રશ્નકર્તા : ચોક્કસ, ઘણો ફેર. દાદાશ્રી : તો અહીં સીધી આત્મતૃપ્તિ થાય એવું છે. જ્યાં સુધી ‘હું કંઈક જાણું છું’, ત્યાં સુધી એ અંદર પેસવા ના દે. કોઈ પણ વસ્તુનો ધર્મ ક્યારે પ્રાપ્ત થાય કે મહાન પુરુષોના વચનોનું આરાધન કરવામાં આવે. તેમાં ‘હું કંઈ જ જાણતો નથી’ એવા ભાવથી કરવામાં આવે તો પુણ્ય બંધાય છે અને ‘હું જાણું છું’ એ ભાવથી કરે તો પાપ જ બંધાય. પ્રશ્નકર્તા : પણ ‘હું જાણું છું’ એ ભાવથી જ થતું હતું. દાદાશ્રી : નહીં તો પણ મારું કહેવાનું કે આ બધું વિરુદ્ધ કહેવાય. આ તો લોકો માને છે કે અમે પુણ્ય કરીએ છીએ. પ્રશ્નકર્તા : પણ પાપ કેવી રીતે થાય ? પાપ તો થાય જ નહીં ને? એનો આશય જ નથી. કોઈને દુઃખ પણ થતું નથી. દાદાશ્રી : દુઃખ થતું નથી (પણ) ગર્વરસ ચાખવો છે આમાં. મોટામાં મોટો ગર્વરસ ચાખે છે. ‘હું જાણું છું, હું સમજું છું !’ અને પછી જે જે કરવામાં આવે એ બધી વાતમાં માલ નહીં. કહેવા જેવું નથી. બહુ ઉઘાડું ના કરવું. હું થોડું ઉઘાડું કરું, તે ખોટું દેખાય પછી. મોઢા પર ‘હું જાણું છું’ એ ભાવ હોય ત્યાં કોઈ દહાડોય ફ્રેશ ના દેખાય. ‘હું કંઈ જ જાણતો નથી’ પ્રશ્નકર્તા : પણ અહમ્ સિવાય પ્રાપ્તિ શી રીતે થાય ? દાદાશ્રી : અહમ્ તો કેવો રાખવાનો છે ? ‘હું કંઈ જ જાણતો નથી’ એવો અહમ્ રાખવાનો છે. ‘હું કંઈ જ જાણતો નથી’ એવો અહમ્ રાખી અને જે કાર્ય કરવામાં આવે તો એ અહમ્ ફળ આપે. નહીં તો ફળ જ ના આપે ને ! નહીં તો ‘પોઈઝન’ ચઢ્યા કરે, ઝેર ચઢ્યા જ કરે. વર્લ્ડમાં કોઈ આખા ચાર વેદના જ્ઞાતા હોય, તે અહીં આગળ આવે, ત્યારે એ મને કહે કે ‘હું જાણું છું.’ ત્યારે હું તેને એક જ શબ્દમાં કહું કે ‘કશું જાણ્યું નથી તેં ! જાણ્યું તો એનું નામ કહેવાય કે કહેવું જ ના પડે.’ પ્રશ્નકર્તા : એ તામસ અહમ્ કહેવાય. એ સાત્વિકઅહમ્ ના કહેવાય ને ? સાત્વિકઅહમ્ હોય તો પ્રાપ્તિ થાય કે ના થાય ? દાદાશ્રી : સાત્વિકઅહમ્ રહેવો મુશ્કેલ છે ને! એની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. સાત્વિક અહમ્ કેવો હોય કે ‘હું કંઈ જ જાણતો નથી.’ પ્રશ્નકર્તા : જે સહજભાવે જ થાય. દાદાશ્રી : ના. એવો અહમ્ જ કે ‘હું કંઈ જ જાણતો નથી.’ એટલે આ બધા લોકો ફાંફા મારે છે, આખી દુનિયા ફાંફા મારી રહી છે. એક અક્ષર જડે એવી વસ્તુ નથી. આ સત્ય જડે એવું નથી. જે સત્ય આ લોકોને જડ્યું છે એ વિનાશી સત્ય છે. પ્રશ્નકર્તા : શાસ્ત્રો વધુ વાંચવાથી તો પછી એમાં ઊંડો ઊતરે ને ? દાદાશ્રી : ના ઊતરે, પણ ઉપર આવરણ ચઢે. ‘હું સમજી ગયો છું, હું જાણી ગયો છું’નું આવરણ ચઢે. એટલે જિજ્ઞાસાવૃત્તિ તૂટી જાય. છતાંય ઊંધે રસ્તે ગયા હોય તેના કરતા ઘણું સારું છે. પણ તેનાથી પાછો રોગ ના વધી ગયો તો સારું. પણ આ તો કેફ બધાને વધી ગયેલા છે અને તેય શાસ્ત્રજ્ઞાનને લઈને કેફ ચઢી ગયો છે. શાસ્ત્રજ્ઞાનનો પારો ચઢી ગયેલો છે પાછો, હું જાણું છું તેનો. શાસ્ત્રજ્ઞાન તો સાધન છે, એ સાધ્ય વસ્તુ નથી. અને સાધ્ય વસ્તુ જેને પ્રાપ્ત હોય, જેને જ્ઞાન હોય, તેને પારોના ચઢે. નહીં તો સાધનનો તો પારો બહુ ચઢે, કેફ ચઢે નર્યો. ‘હું કંઈક જાણું છું’ એ તો બહુ ભારે કેફ કહેવાય. ઊંઘમાંય તે કેફ રહે. મોક્ષ તો નિષ્કેફીનો થાય. કેફીનો ક્યારેય પણ ના થાય. આ શાસ્ત્રો વાંચ્યા, ધારણ કર્યાં તે મોક્ષના સાધન માટે કે કેફ વધારીને ભવોભવ રખડામણનું સાધન કર્યું ? આ દારૂડિયાનો કેફ તો પાણી છાંટે તે તરત જ ઊતરી જાય, પણ ‘હું કંઈક જાણું છું’ તે શાસ્ત્રો વાંચ્યાનો કેફ ક્યારેય પણ ના ઉતરે. માનસિક બોજો એ કેફ છે. જેટલો કેફ ઓછો એટલો વહેલો મોક્ષ થાય. ‘હું જાણું છું’નો બોજો ભગવાન મહાવીરની પાસે આવ્યા પેલા, આમ શાસ્ત્રજ્ઞાની હતા. પંડિત એકલા નહીં, પણ શાસ્ત્ર જ્ઞાનીયે ખરા. તે ચૌદ પૂર્વનો સાર બધોય મોઢે બોલે. એટલે પછી ભગવાનને કહેવા માંડ્યા કે ‘મારે હવે કેટલા અવતાર બાકી છે?’ ત્યારે ભગવાન કહે છે કે ‘કેમ એમ પૂછવું પડ્યું ?’ ત્યારે કહે, ‘આ બધું મેં જાણ્યું ને? હવે મારે કેટલું બાકી રહ્યું ?’ ત્યારે ભગવાન કહે છે, ‘તમે છે તે પેલો મજૂર છે ને પુસ્તક માથે ભાર લે છે, એના બે રૂપિયા મળે છે ને તમે મન ઉપર ભાર લો, છો. તેના સો રૂપિયા.’ હેં ? સો રૂપિયાની કિંમત? ત્યારે કહે, હા, મન ઉપર બોજો લીધો. બીજું શું લીધું છે? પેલાએ માથા પર બોજો લીધો, આણે મન ઉપર બોજો લીધો. તમને સમજાયું ? પ્રશ્નકર્તા : હા, દાદા. હવે એ મન ઉપર જે બોજો લીધો તે એ ઊંચકનાર માણસને કોઈ વખત એવો ખ્યાલ ના આવ્યો કે હું બોજો લઈ લઈને ફર્યા કરું છું? દાદાશ્રી : એ ‘હું જાણું છું’ એનું નામ મન ઉપર બોજો. આ પેલા મહારાજે કહ્યું કે ‘હું જાણું છું, સાહેબ.’ તે મન ઉપર બોજો લીધો એમાં દહાડો વળતો હશે ? આ મજૂર માથા પર શાસ્ત્રનો બોજો લે છે, આમણે એ શાસ્ત્રનો મન ઉપર બોજો લીધો. બોજા રહિત કામ થાય. શાસ્ત્રો અડે નહીં, નડે નહીં, શાસ્ત્રથી નિર્લેપ રહે એનું નામ જ્ઞાની. આવડતવાળાને આવડતની ખુમારી રહે છે. પંડિતોને પંડિતાઇની ખુમારી હોય, ત્યાગીને ત્યાગની ખુમારી હોય, તપસ્વીને તપની ખુમારી હોય; એ જ તો મોટો રોગ, મહારોગ છે ! એ મહારોગી બીજાના રોગ કાઢવા જાય તો શી રીતે બીજાનો રોગ જાય ? સાધુ-સંન્યાસીઓને ખુમારી ચઢે એ રોગ તો ‘ક્રોનિક રોગ’ કહેવાય. આવા કષ્ટસાધ્ય રોગની દવા ના હોય. એ તો અમારે કડક શબ્દોથી ઓપરેશન કરવું પડે. અજાણ્યા દેશમાં ગયા હોય ને ઘર ના જડે, તો આ મોક્ષનો માર્ગ શી રીતે જડે ? સ્વચ્છંદ ના કરાય. જે છૂટી ગયેલા હોય, જેને જડ્યો હોય, એની જોડે... (બેસી રહે તો જડે). આ તો એકલો જ ખોળ ખોળ કરે છે અને કહે છે, હું જાણું છું. ડૉક્ટરના પુસ્તકો વાંચીને દવા પોતે બનાવીને પીએ તો શું થાય ? એમ આ બધા પોઈઝન પી રહ્યા છે. એ તો એના એક્સપર્ટ પાસે જ જવું જોઈએ. મનમાં માને કે હું જાણું છું, હું જાણું છું. પોઈઝનને પોઈઝન ત્યારે જાણ્યું કહેવાય કે તેને લઈએ નહીં ત્યારે. ક્રોધાદિ કરો છો ને પછી કહો કે મને સમજણ છે. એટલે સારી રીતે પોતે જાતે બનાવીને દવા પીએ છે. એને સ્વચ્છંદ ભગવાને કહ્યો છે. સ્વચ્છંદથી પડે અંતરાય સ્વચ્છંદથી અંતરાય પડે. જે ધર્મની બાબતમાં કંઈ જાણતો ના હોય તેને અંતરાય ઓછા પડે અને ધર્મમાં સ્વચ્છંદ કર્યો કે અંતરાય વધારે પડે. ‘હું કંઇક જાણું છું’ એ મોટામાં મોટો અંતરાય. ધર્મમાં જાણ્યું ક્યારે કહેવાય ? આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય, સહેજ પણ રૌદ્રધ્યાનનું પરિણામ ઊભું ના થાય, એવો સંજોગ પણ ભેગો ના થાય, એનું નામ ‘જાણ્યું’ કહેવાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ ના થાય ત્યાં સુધી કંઈ જ જાણ્યું નથી. અત્યાર સુધી જાણેલું-વાંચેલું એ બધું લૌકિક. એમાં અલૌકિકનો એક સેન્ટ નથી. બધું લૌકિક સંસાર ફળ આપે. એમાં બીજું કશું ફળ આપે નહીં. શાંતિ વધે નહીં. આર્તધ્યાન-રૌદ્રધ્યાન જાય નહીં. એટલે ભગવાને શું કહ્યું કે જ્યાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે ત્યાં સુધી ‘હું કંઇ જ જાણતો નથી, જ્ઞાની પુરુષ જાણે’ એમ બોલજે. ત્યાં સુધી માથે જવાબદારી લેશો નહીં, બહુ જોખમ છે, બીજે સ્ટેશને ઊતરી પડાશે. સંસારી બુદ્ધિના અંતરાયોનો બહુ વાંધો નથી, પણ ધાર્મિક બુદ્ધિના અંતરાય તો અનંત અવતાર રખડાવી મારે. તેમાંય ‘રિલેટિવ’ ધર્મના અંતરાયો ઘણાય સાધુ, સાધ્વી, આચાર્યો મહારાજોને તૂટેલા હોય ત્યારે ‘રિયલ’ ધર્મ, આત્મધર્મના અંતરાય બહુ પડેલા હોય. પોતાનો અનિશ્ચય એ જ અંતરાય. નિશ્ચય કરે એટલે અંતરાય તૂટી જાય. આત્માનો નિશ્ચય થાય એટલે બધા અંતરાયો તૂટી જ જાય છેને ! આ બધા અજ્ઞાની માણસોનેય કઢાપો-અજંપો થાય છે અને તમનેય કઢાપો-અજંપો થયો. એટલે પછી શું જાણ્યું તમે ? કશું જ જાણ્યું નથી. એક અક્ષરેય જાણ્યો નથી. થર્મોમિટરથી તો આપણને ખબર પડે ને? થર્મોમિટરથી કેટલો તાવ ચઢ્યો છે એ ના ખબર પડે આપણને ? કઢાપો-અજંપો થાય એટલે એ કંઈ જેવો તેવો તાવ કહેવાય ? મનુષ્યપણાની કિંમત વેદાન્તે જીવ, ઇશ્વર અને પરમેશ્વર એમ ત્રણ ભાગ પાડ્યા. ઇશ્વરની શક્તિ કેવી ? અરધા પરમાત્મા જેવી શક્તિ છે ! મનુષ્યમાં આવ્યો એટલે ઇશ્વર જેવો થયો કહેવાય ! આ મનુષ્યપણું એ તો ઐશ્વર્ય કહેવાય! ત્યાં તો બધા જ, આ ગાયો-ભેંસો પોતાને (મનુષ્યો) માટે દૂધ આપે, આંબો (મનુષ્યો માટે) ફળ આપે ને ત્યાંય જો ઐશ્વર્યપણું ખોઇ બેસે તો એ માણસ કેવો ? મનુષ્યપણામાં તો ‘પોતે’ પરમેશ્વર થવાનું છે, પરમાત્મા થવાનું છે ! ત્યાં આ લોકો પાશવતાના ને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે ! અહીં તો મોક્ષનો માર્ગ ખોળવાનો હોય ત્યાં સંસાર રોગ વધાર્યા કરે છે અને જાણ્યાનો કેફ લઇને ફરે છે! જાણ્યું તો સંસાર રોગ ઘટે, પ્રકાશ થાય ને ઠોકર ના વાગે. જો જાણ્યું ના હોય તો પછી શાનો કેફ લઇને ફરે છે ? જાણ્યું એનું નામ કે દેહાધ્યાસ જાય. આ તો દેહાધ્યાસ ગયો નથી ને ‘હું જાણું છું’નો ‘કેફ’ રહે, તે શી દશા થાય ? તે એક જણ આવ્યા એમને જ્ઞાન લેવું હતું, બહુ સુંદર લાયક માણસ. લાંબા થઈને નમસ્કાર કરે. વિનય, પરમ વિનય ! ત્યારે મેં કહ્યું, ‘પરમ વિનય તો છે પણ બીજી એક આપણી શર્ત છે. એ તમે કરો તો બહુ સારું પડે.’ ત્યારે એ કહે, ‘બીજી શરત શું?’ ત્યારે મેં કહ્યું, ‘ભઈ, આ અમારી શરત છે કે હું કંઈ જાણતો નથી, એ તમારા મનમાં ભાવ રાખવો પડે.’ ત્યારે કહે, ‘એ તો દાદાજી મારે રખાય નહીં, હું તો જાણું છું ને !’ ‘હું નથી જાણતો, કંઇ જાણતો નથી, એ તો મારાથી બોલાય નહીં’, કહે છે. મેં કહ્યું, ‘બોલવાનું નહીં, તમારા મનમાં ભાવ કરવાનો. મારે બોલાવીને તમારી પાસેથી આબરૂ લેવી નથી તમારી. તમારી આબરૂ તમારી પાસે રહેવા દો, પણ તમારે મનમાં ભાવ કરવાનો’. તો કહે, ‘પણ હું જાણું છું ને શી રીતે કરાય ?’ મેં કહ્યું, ‘પ્રકાશમાં ઠોકરો વાગે કે અંધારામાં ?’ પ્રશ્નકર્તા : અંધારામાં જ વાગેને ! દાદાશ્રી : તે મેં કહ્યું, ‘તમને ઠોકર વાગે છે ?’ ‘મને બહુ વાગે છે’, કહે છે. ત્યારે મેં કહ્યું, ‘એ જાણ્યું ના કહેવાય. જાણ્યાનું ફળ ઠોકર ના વાગે’. ઠોકર તો ના જ વાગવી જોઇએ ને ? પ્રકાશમાં ઠોકર વાગે તો આપણે જાણીએ કે અંધારું જ છે. ત્યારે મને કહે છે, ‘પણ હું જાણું છું ને !’ ત્યારે મેં કહ્યું, ‘આજે હવે તમે ઘેર જઇને સૂઇ જાવ, રેશમી ચાદર લાવીને નિરાંતે, ઊંઘી જાવ. પછી તમને ના પોષાય તો આવજો.’ તે દસ-પંદર દહાડા પછી મને કહે છે, ‘કઢાપો-અજંપો બહુ થાય છે.’ ત્યારે મેં કહ્યું, ‘બળ્યું ! આ જો આવું થાય છે, તો તમે શી રીતે આને જાણું છું એમ કહો છો? અને જાણો છોનો અર્થ શું થાય કે તમે જાણો છો, એટલે તમારા ભોટવામાં પાણી છે અને તમે મને શું કહો છો? આમાં પાણી રેડો. થોડુંક પાણી છે ને બીજું તમે કહો છો રેડો. ત્યારે હું શું કહું ? કે આ મિથ્યાત્વ પાણી છે ને આ સમકિતી પાણી રેડવાનું, તે આ બે પાણી ભેગા કરો તો કંઇ તીસરું જ ગુણધર્મ થશે. આ તમારું પાણી ઢોળી આવો બહાર જઇને. એટલે હું કંઇ જાણતો નથી એ ભાવ કરીને તમે આવો તો ઉકેલ થશે.’ નહીં તો તમારું ને આ બે મિક્ષ્ચર કરશો તો, હું નવું રેડીશને તે પોઈઝન થઈ જશે. ‘જ્ઞાની પુરુષ’ની આગળ ‘હું જાણું છું’નો કેફ લઇ આવે તો હું કહું કે ભઇ, તારો ઘડો ભરેલો છે. તેમાં મારું અમૃત નાખવાની શી જરૂર છે ? નાખીશ તોય એમાંથી છલકાઇને નીચે પડી જશે. જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું અને તો એ તને કામ લાગે. સરળને આત્મજ્ઞાન સુલભ આત્મજ્ઞાન વાંચેલામાં હોય નહીં. પ્રશ્નકર્તા : પણ આત્મજ્ઞાન દરેકને લાધી શકે? આત્મજ્ઞાન ગમે તેને લાધી શકે ? દાદાશ્રી : ના, બધાને ના મળી શકે. જેને મળી શકે ને, તેને જ મળી શકે. પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન મેળવવા માટે કેવા લક્ષણો જોઇએ ? દાદાશ્રી : વાઇઝ (ડાહ્યો) હોવો જોઇએ, વાઇઝ. ઓવરવાઇઝ (દોઢડાહ્યો) ના હોવો જોઇએ. ઘણા કાળનો શાસ્ત્રનો પરિચય હોય એટલે પછી આપણને મહીં શંકાઓ ઊભી થાય. એટલે જેટલું જાણે છે એટલું એ તો ઊલટું વધારે ખૂંચે. એ જાણેલાને ભગવાને ‘ઓવરવાઈઝપણું’ (દોઢ ડહાપણ) કહ્યું છે. બહુ વાંચ વાંચ કર્યું હોય ને, તે બધું આગળ આગળ પડઘા પાડ્યા કરે. એટલે માણસ ત્યાં આગળ ગૂંચાઈ જાય, ને ગૂંચાઈ જાય એટલે સંદેહ ઊભા થાય, શંકા ઊભી થાય. એ શંકાઓ જ આ સંસારની બહાર નીકળવા દેતી નથી. પ્રશ્નકર્તા : દાદા, બે જ વસ્તુ, પરમ વિનય અને હું કંઇ જાણતો નથી, એ બે જ ! દાદાશ્રી : જિજ્ઞાસુ. ‘હું કંઇ જાણતો નથી’ એ જાણે ને તેને આત્મજ્ઞાન જાણવાના લક્ષણ. હું કંઇ જાણતો નથી, એવી સરળતા હોય. પાત્ર તો તેનું નામ કે જે સરળ હોય. સરળ, જેમ વાળ્યો વળે એમ એવો હોવો જોઈએ. એનું નામ પાત્ર કહેવાય. અત્યારે ખૂબ પાત્ર કોને કહું છું ? કે ખૂબ દારૂ પીને આવ્યો હોય અને કહે સાહેબ, મારામાં અક્કલ નથી, મારો ઉકેલ લાવી આપો. ત્યારે હું કહું કે તું પાત્ર છું. પાણી રેડે તે એનો નશો ઉતરી જાય પણ આ લોકોનો સૂક્ષ્મ દારૂ ઉતરે નહીં. ‘હું જાણું છું’ એનો દારૂ ઉતરે નહીં. આ સાધુ-સંન્યાસીઓનો ‘હું જાણું છું’ એનો દારૂ ઉતરે ? એ તો નર્યો કેફ. અને કેફથી કલ્યાણ ના થાય, કોઈ દહાડોયે થાય નહીં. ત્યાં તો નિષ્કેફીનું કલ્યાણ છે. ભગવાન તો શું કહે છે ? ‘ભઈ, હું કંઈ જ જાણતો નથી’ એવું તું કહે છે, તો તું જ્ઞાનને લાયક છે અને જો તું જાણે છે, તો તારે પછી પૂછવાની જરૂર જ નથી. ‘હું જાણું છું’ એટલે પ્રકાશ છે તારી પાસે. અને પ્રકાશ છે એટલે ઠોકર ના વાગે અને ઠોકર વાગે નહીં તો પછી તમારે હવે પ્રકાશની જરૂર જ ક્યાં રહી? અને જો ઠોકર વાગે છે તો પ્રકાશ થયો નથી. એ વાત ખાતરી થઈ ગઈ. તો તમારે કહી દેવું કે સાહેબ, ઠોકર વાગે છે. એટલે પછી મેં જાણ્યું જ નથી. માટે એવો કંઈ પ્રકાશ આપો કે જેથી અમને ઠોકર વાગે નહીં. એટલું જ કહેવાનું છે. આમાં બીજું શું કહેવાનું છે ? પ્રશ્નકર્તા : આત્માનો અધિકાર તો જોઇએ ને? દાદાશ્રી : અધિકાર તો, તમે જેનું સાંભળવા જાવ છો ને, એ લોકોનો અધિકાર નથી. સાંભળે છે તેનો અધિકાર છે. તમે તો બધા અધિકારી જ છો. અત્યાર સુધી જેનું જેનું તમે બધા સાંભળવા ગયા છો ને, એમનો અધિકાર નથી. કારણ કે કમાન છટકી ગયેલી છે એ બધાની. તમારી કમાન છટકી નથી ને હજુ ? પ્રશ્નકર્તા : એટલે, શું પણ ? કમાન છટકી એટલે કેવું ? દાદાશ્રી : એ બધા એમની જાતને માની બેઠા છે કે અમે કંઇ જાણીએ છીએ. એમાં એક આંકડોય જાણ્યો નથી. જાણ્યું એનું નામ કહેવાય નહીં. ભગવાનનેય ઉપરી ગણે નહીં (ભગવાન મારું સ્વરૂપ છે), એનું નામ જાણ્યું કહેવાય. પ્રશ્નકર્તા : ‘અમે જાણ્યું છે’ કરી સંભળાવે છે. દાદાશ્રી : ‘જાણ્યું છે’ એનો બિઝનેસ કરે છે એ લોકો, એ લોકો અધિકારી નથી. તમે એ મિજાજ નહીં જોયેલા એવા ? પ્રશ્નકર્તા : જોયા છે. દાદાશ્રી : જો મને ભેગાં થાય તો હું કહી દઉં, અક્ષરેય તમે જાણ્યો નથી. જાણ્યું કોનું નામ કહેવાય ? જેને ભગવાન વશ થઇ જાય. પ્રશ્નકર્તા : એ માટે જીવનો અધિકાર તો જોઇએને ? દાદાશ્રી : અધિકારી જ. આ અધિકારી એનું નામ કે અધિકાર પૂછેને, તેને તો અધિકાર હોય જ. નથી પૂછતા તેમને અધિકાર નથી. આ તો વિશેષ જાણેલું તેનો આ પ્રભાવ ! તે ધક્કા વાગ્યા કરે. પેલું જાણેલું ને, તેથી. એથી અમે કહ્યું ને, કે ‘હું કંઈ જ જાણતો નથી’ એમ કરીને ફ્રેકચર કરી નાખી દો ને, બધો માલ ! આ તો બધા શેરડીના કૂચા છે. કોઈ જાતની ‘હેલ્પ’ કરી જ નથી ને ! આ તો મનમાં માની બેસે છે કે આ આણે ‘હેલ્પ’ કરી. પણ કોઈ જાતની ‘હેલ્પ’ કરી નથી. નથી ચિંતા મટી, નથી અહંકાર ઘટ્યો; નથી ક્રોધ-માન-માયા-લોભ ગયા ! જાણ્યાનું પરિણામ, વિરતિ જાણેલું ક્યારે કહેવાય ? કે જે જાણેલાથી વીરતિ થાય, અટકી જાય. અને ત્યાં સુધી જાણેલું એ જાણ્યું નથી. એ તો પુસ્તકિયા જ્ઞાન ! બધું ગપ્પે ગપ્પ ચુમાળશો ! ત્યાં કશું અક્ષરેય ઘટ્યું નહીં. અજ્ઞાનતા ખસી નહીં, ક્રોધ- માન-માયા-લોભ ઘટ્યા નહીં. અહંકાર વધ્યો ઉલટો, ‘હું કંઈક જાણું છું’નો મોટો ! અક્કલનો કોથળો મોટો! વેચવા જાય તો ચાર આના આવે નહીં. સમજવું પડશેને, એક દહાડો? આ ગપ્પે ગપ્પા ક્યાં સુધી ચાલે ? પ્રશ્નકર્તા : નહીં ચાલે. ગપ્પે ગપ્પા તો નહીં ચાલેને ! દાદાશ્રી : એટલે અનાદિનો જૂનો કકળાટિયો માલ, એને નાખી દો ને ! નહીં તો પછી એવાને એવા જ છે. ઊલટાં વધારે કષાયી થયા છે. ‘હું જાણું છું’ તે વધારે કષાયી થયા છે. એવાય મેં જોયા છે. પણ પેલાં રમી રમવા જાય, તેના કરતા સારું છે પણ કષાયી થયો તેનો માર પડશે. ને પાછું સમજાશે કે મારા કષાયથી માર પડે છે આ. એમ કરતો કરતોય ઉકેલ આવશે. પણ જો રમી રમવા ગયો, તેનું શું ઠેકાણું પડશે ? એટલે જ કહીએ છીએ આપણે કે ‘હું કંઈ જ જાણતો નથી’ એટલો ભાવ કરો ને! આ જાણેલું તો બધું પોક મૂકાવે છે. જેનાથી કષાય જ ગયા નહીં ને! એટલે આ તો કશું જ જાણ્યું નથી. જો જાણેલું હોય તો તો કષાય ઉપશમ થયેલા દેખાય. અને તોય પણ એમાં કશું દહાડો વળતો નથી. કારણ કે એ ઉપશમ થયેલા ક્યારે ચઢી વાગે (બેસે) છે, એનું કંઈ ઠેકાણું નથી. આ તો પોતાની અક્કલથી મહીં નાખ્યા કરે. તે પોતાની અક્કલથી તો માર ખાધા છે, અનંત અવતારથી આના આ જ માર ખાધા છે. એટલે ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ કર્યો હોય ને, તો ઉકેલ આવે. આપણા એક મહાત્માએ શાસ્ત્રો બહુ વાંચ્યા હતા. તે આ જ્ઞાન લેવા આવ્યા ત્યારે મેં કહ્યું કે, ‘આ તમારું ઠીંકરું છે ને તમારો દૂધપાક છે ને, તે મને દેખાડો જોઈએ.’ તે એમણે દેખાડ્યો. ત્યારે મેં કહ્યું, ‘‘આ દૂધપાક લઈને તમે મરચાવાળાને પૂછો કે ‘સાહેબ, આ મહીં નખાય ?’ ત્યારે મરચાવાળો તો એને વેચવું છે, એટલે એમ કહે કે ‘હા, સાહેબ, થોડું નખાય.’ પછી મીઠાવાળાને તમે પૂછો કે ‘સાહેબ, આ નખાય ?’ ત્યારે પેલો કહેશે, ‘આયે નખાય.’ કારણ કે આ લોકોને પૂછવા જાય છે ને, તે પછી પેલા તો નખાવડાવે. એમ તમારો દૂધપાક આ મોઢું બગાડે છે.’’ એમ તમે નાખી નાખીને લાવ્યા, તે મિક્ષ્ચર તો જુઓ અને મોઢું કદરૂપું દેખાય છે. જેણે તત્વરસ પીધો હોય ત્યાં મોઢું તો કદરૂપું દેખાતું હશે ? તત્વરસ ! જ્ઞાનરૂપી તત્વરસ છે ! તેથી અમે આ દૂધપાક નખાવી દઈએ છીએ, ઠીંકરા સાથે નખાવી દઈએ છીએ. એ સુગંધેય ના જોઈએ. એટલે અત્યાર સુધી જાણેલું બધું જ ખોટું હતું. જે જાણ્યાએ આપણને હેલ્પ ના કરી, ક્રોધ-માન-માયા-લોભ ગયા નહીં, જે જાણવાથી આત્મા પ્રાપ્ત ના થયો, તો પછી એ જાણ્યાનો અર્થ જ શું ? અને જે જાણવાથી આત્મા પ્રાપ્ત થયો છે તો બીજું જાણવાની જરૂર નથી. કો’કને એમ લાગતું હોય કે એમના જાણવાથી એમને આત્મા પ્રાપ્ત થઈ ગયો છે, તો પછી આ જાણવાની જરૂર જ નથી. આ અક્રમ વિજ્ઞાન છે, પેલું ક્રમિક છે. એટલે કો’કને પ્રાપ્ત થયો એમ લાગતું હોય તો મિક્ષ્ચર કરવાની જરૂર નથી. આ એકની મહીં બીજું મિક્ષ્ચર કરવાનો ફાયદો નથી. જે જાતની આપણે દવા પીતા હોઈએ એ જ પીધા કરવી સારી છે. પાછું બીજું મિક્ષ્ચર કરીએ તો ઊલટું નવી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે મિક્ષ્ચર કરીને શું કામ છે આપણે ? કૃપાળુદેવે શું કહ્યું કે જે રસ્તે, જેનાથી આપણો સંસારમળ જાય, તે રસ્તો તું સેવજે. તો એ સેવવાનો. કારણ કે આપણે મળ જાય એટલું જ જોવું છે ને ? આપણું કામેય બીજું શું છે? જાણપણાનું પોઈઝન જાણ્યું એનું નામ કહેવાય કે પછી પોઇઝન ન પીવે. પોઇઝનને પોઇઝન જાણે, પોઇઝનથી મરી જવાય છે એવું જ્ઞાન જેણે જાણ્યું છે એ ફરી પોઇઝન પીવે જ નહીં અને જો પોઇઝન પીવે છે માટે કશું જ જાણ્યું નથી, એક આંકડોય જાણ્યો નથી. ખાલી જાણવાનો કેફ ચઢ્યો છે એટલું જ. ‘હું જાણું છું’ એવું ખોટું કેફ લઇને ફર્યા કરે છે અને બેભાનપણે રખડ્યા કરે છે. કોઇ જાતનું ફળ આપતું નથી. ક્રોધ વખતે ક્રોધ કરે છે, લોભ વખતે લોભ કરે છે, માન વખતે માન કરે છે, કકળાટ વખતે કકળાટ કરે છે, મતભેદ વખતે મતભેદ કરે છે, ક્લેશ વખતે ક્લેશ કરે છે. તે કશું જ જાણ્યું નથી. એક આંકડોય જાણ્યો નથી. પ્રશ્નકર્તા : બરોબર છે. પોઇઝન છે એનો એને સતત ખ્યાલ આવી જાય કે આ પોઇઝન છે. દાદાશ્રી : એનું નામ જાણ્યું કહેવાય. આ તો જાણ્યું જ નથી. પ્રશ્નકર્તા : મેં જે જાણ્યું છે તે ઉપરછલ્લું છે ? દાદાશ્રી : ઉપરછલ્લું નહોય, આ જ્ઞાન જ નહોય. આ તો અજ્ઞાનનો એક પ્રકાર છે કે જે કેફ ચઢાવે. કહેવાય જ્ઞાન અને ચઢાવે કેફ બધો. જ્ઞાન જાણવાથી પ્રકાશમાં આવે કે શું કરવાથી પોતે સુખી થાય અને શું કરવાથી દુઃખી થાય છે ? પ્રશ્નકર્તા : હા, પણ જ્યાં સુધી મેં જાણ્યું નથી ત્યાં સુધી મારે એ દુઃખમાં જ રહેવાનું છે ? દાદાશ્રી : દુઃખ, નિરંતર દુઃખ. જેમ જેમ આ જ્ઞાન જાણવા જશો તેમ દુઃખો વધશે. કારણ કે એ દુઃખનું જ છે તે શોધે છે. આ (સંસારનું) જ્ઞાન છે તે દુઃખ વધારનારું જ છે. અહંકાર, ‘હું જાણું છું’નો પ્રશ્નકર્તા : પણ જગતના બધા લોકો અહંકારના જાળામાં ભટકાય છે. દાદાશ્રી : હા, ભટકાય છે, બસ ! અહંકાર એટલે શું ? નિર્બળતા. એ નાનો હતો ત્યારે પગે લાગતો હતો, અંગૂઠા પકડતો હતો. અત્યારે મોટો થયો ત્યારે નથી પકડતો, એ અહંકાર દોઢ શેર થઈ ગયો. પછી કહેશે, ‘હું જાણું છું.’ અલ્યા, શું જાણ્યું? જેમ છે તેમ જાણી જાય તો ટેન્શન રહે નહીંને ! પછી ટેન્શન શાના રહે? ટેન્શન બધા આના જ છે, આ ડખાના જ. ‘એ ભઈ જાણતો નથી ને હું કંઈ જાણું છું’ એ પંચાત કરવાની જરૂર જ ક્યાં રહી ? બસ આ જ ડખો. આ તો ધર્મને જાણતો નથી અને અધર્મનેય જાણતો નથી. જાણ્યું તો કોનું નામ કહેવાય કે આ ઝેરની શીશી છે, એને ઝેર જાણ્યા પછી અડે ખરો? પ્રશ્નકર્તા : ના અડે. દાદાશ્રી : અને અડે તો આપણે જાણીએ કે આ ખાલી જાણ્યાની વાતો કરે છે, અહંકાર કરે છે કે ‘હું જાણું છું, હું જાણું છું’ પણ કશું જ જાણતો નથી. જો જાણતો હોય તો ફરી ઝેરને અડે નહીં. આ તો જાણવાનો લોકોને અહંકાર છે ખાલી ! અને એ બધું શુષ્કજ્ઞાનછે. આ લોકો કહે છેને, હું સ્થિતપ્રજ્ઞ થયો છું, હું આમ છું, તેમ છું, હું જાણું છું, એ બધું લૌકિક છે. એને બજારમાં વેચવા જાય ત્યારે ચાર આનાય ના આવે. એ તો મનમાં માની બેઠો હોય એટલું જ. પ્રશ્નકર્તા : એ તો અહંકારનું જ બીજું સ્વરૂપ છે ? દાદાશ્રી : હા. એટલે એ બધા સૂક્ષ્મ અહંકારો છે. સ્થૂળ અહંકાર ને સૂક્ષ્મ અહંકાર. પણ એટલે સુધી જાય તોય સારું છે. એટલે સુધી ડગલાં માંડે તોય સારું છે. એમ કરતાં કરતાં કો’ક દહાડો પહોંચશે. ‘હું કંઈ જ જાણતો નથી’ એ ભાવ એટલે શું કહેવા માંગે છે ? જો તમે જાણો છો એટલે શું કે તારા ભોટવામાં (માટલીમાં) અંદર પીવાનું પાણી છે, તો પછી શા માટે પાણી લેવા આવ્યો છે ? અને જો પાણી નથી તો લઈ જાવ. આપણે શું કહીએ છીએ જો તમે જાણો છો તો જાણવાનું બીજું રહ્યું જ શું ? અને જો નથી જાણતા તો જાણીને જાવ. આવરણરૂપ તે અહંકાર પ્રશ્નકર્તા : પણ (રિલેટિવ) જ્ઞાનનો અહંકાર શું કરવા નડે છે ? દાદાશ્રી : જાણપણાનો અહંકારને ? એવું છે, અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે આ જાણપણા ઉપર આવરણ આવે છે, એવો અહંકાર છે. જાણપણામાં અહંકારથી અંધ થઈ જાય. જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ નુકસાન કરે. બધી રીતે નુકસાન કરે. જાણપણાનો કેફ લાવે અજાગૃતિ પોતે જાણવાનું બાકી છે તોય કહેશે, ના, હું જાણું છું. એટલે એક તો જાણવાનો કેફ આવ્યો તો આવરણ ચઢે અને પછી નવું જાણવાની જીજ્ઞાસા તૂટી જાય. ‘હું કંઈક જાણું છું’ એવો જરાક વિચાર આવે તો આવરણ આવે એટલે પાછી અજાગૃતિ લાવી નાખે. અસર થાય ઍને જાણ્યું કેમ કહેવાય? એક પણ ઠોકર ના વાગે એનું નામ જ્ઞાન કહેવાય. ભગવાન મળ્યા, સાક્ષાત્કાર થયા, એનું પ્રકાશનું અજવાળું શું મળે ? ત્યારે કહે, ઠોકર ના વાગે. ઠોકરો તો સ્વભાવમાં છે જ, વાગેય ખરી પણ અસર ના થાય એની! આ તો ‘હું જાણું છું, હું જાણું છું’ ગા ગા કરશે. એટલે હળદરની ગાંઠે ગાંધી થઈ બેઠા છે. બાકી જાણ્યું તો એનું નામ કહેવાય કે અહંકાર નામેય ના રહે. ગજવું કપાય તોય ઠોકર ના વાગે (અસર ના થાય), તમાચો મારે તોય ઠોકર ના વાગે, કો’ક ગાળ ભાંડે તોય એને ઠોકર ના વાગે, એનું નામ જાણ્યું કહેવાય. આ તો ગજવું કાપી લેને તો ‘મારું ગજવું કાપી લીધું’, પોલીસવાળાને બોલાવો ! તે બૂમાબૂમ કરી મૂકે. અલ્યા, શેના આધારે કપાયું તેની તને શી ખબર છે ? જ્ઞાની પુરુષ જાણે છે કે શેના આધારે કપાયું છે. ગજવું કાપનારો એમને ગુનેગાર ના દેખાય અને આમને તો ગજવાં કાપનારો ગુનેગાર દેખાય છે. જે ગજવું કાપનારો નિર્દોષ છે છતાં તમને ગુનેગાર દેખાય છે, માટે તમે હજુ તો કેટલાંય અવતાર ભટકશો. જે દેખવાનું તે ના દેખ્યું ને ઊંધું જ દેખ્યું ! જે ગુનેગાર નથી તેને ગુનેગાર દેખ્યો. જો આ ઊંધું જ્ઞાન શીખી લાવ્યા છે! પેલો ગજવું કાપનાર તમને ગુનેગાર દેખાય ને? એ તો બધા પોલીસવાળાનેય ગજવું કાપનારો ગુનેગાર દેખાય છે અને મજૂરોનેય એવું જ દેખાય છે, તો એમાં તમે શું નવું જ્ઞાન લાવ્યા ? એ તો નાના છોકરાંય જાણે છે કે આ ગજવું કાપ્યું છે, માટે ‘આ ગુનેગાર છે’ એવું નાના છોકરાંય કહે, બૈરાયે કહે ને તમેય કહો. તો તમારામાં અને બધાનામાં ફેર શો છે? ‘હું જાણું છું, હું જાણું છું’ કહો છો. પણ લોકો કહે છે એવું જ જ્ઞાન તમારી પાસે છે ને ? એને જ્ઞાન કહેવાય જ કેમ ? બીજું નવું જ્ઞાન તમારી પાસે છે જ ક્યાં તે ? ‘જ્ઞાન’ એવું ના હોય ને! મતભેદ ના થાય એને જાણ્યું કહેવાય જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ કે જે જ્ઞાન આપણને તે રૂપે વર્તાવે. પોઇઝનની શીશી જાણી, ત્યારથી તો આપણે અડીએ જ નહીં પછી ! એવું જ્ઞાન હોવું જોઈએ. એટલે ‘હું સમજું છું ને હું જાણું છું’ એ જે બોલે છે, તે ખાલી ઇગોઇઝમ (અહંકાર) છે. સમજ્યા પછી ઊંધું કરે નહીં. આ તો સમજ્યો જ નથી હજુ. તમે સમજ્યાનો અહંકાર નહીં કરેલો ? કહોને ! ‘આ મેં જાણ્યું’ કહેશે. અલ્યા, જાણ્યું તો એનું નામ કહેવાય કે એ તરત જ ખબર પડે. તરત દેખાય આમ ઊઘાડું. એટલે સમજ્યા જ નથી આ બધું. સમજ્યાનોય અહંકાર કરે છે. જેમાં ને તેમાં અહંકાર જ કર્યા કરે છે. ભક્તિ કરી તોય કહે, ‘મેં ભક્તિ કરી.’ આપણે પરીક્ષા તો કરવી જોઇએને ? ઠોકર વાગે છે કે કેમ ? એ આપણને સમજણ ના પડે કંઇ ? બઇ જોડે કો’ક દહાડો મતભેદ થાય છે કે નથી થતો ? અને મતભેદ થાય છે ત્યાંથી જ મૂઆ તું શું સમજું છું તે ? એક દહાડોય મતભેદ ના થાય એનું નામ જ્ઞાન કહેવાય. જાણ્યું તો તેનું નામ કહેવાય કે કોઈ જોડે મતભેદ ના પડે. પ્રશ્નકર્તા : પણ લોકોને ‘હું જાણું, હું જાણું’ હોય, એવાને આ લાધવા માટે શું કરવું જોઇએ ? એ તો જાણે છે કે એવું નહીં કરવું જોઇએ, છતાં એવો એનો સ્વભાવ હોય તો થઇ નથી શકતું. દાદાશ્રી : કંઇ જાણે છે, તેને આત્મજ્ઞાન ના થાય. આત્મજ્ઞાન એટલે જાણતો ના હોય તેને પ્રાપ્ત થાય. આ (બીજું બધું) જાણેલું ખોટું છે. શાસ્ત્રજ્ઞાન તો ઘણા અનંત અવતારથી વાંચ વાંચ કર્યા પણ કશું દહાડો ના વળ્યો. તેથી કૃપાળુદેવે કહ્યું કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે. માટે જ્ઞાની પાસે જા ને મૂઆ, શું કામ આમ માથા ફોડ ફોડ કરે કે આંખો બગાડે છે ? ગા ગા કરું છું વગર કામનો! મનમાં કેફ વધ્યા કરે પાછો, ‘હું જાણું છું’ એનો કેફ વધે. એ તો મોટો કેફ. ઉપરથી ભગવાન આવે તોય ના ઉતરે. ભગવાનમાંય કલ્પના કરે. કારણ કે ‘હું જાણું છું’ એ વસ્તુ... પ્રશ્નકર્તા : ‘હું જાણું છું’ એ વસ્તુ એનાથી ખસે નહીં. દાદાશ્રી : ક્યારે આ લોકોનો પાર આવે કહો! પ્રશ્નકર્તા : દાદા, એ સારું આપે કીધું, ‘હું કંઇ જાણતો નથી.’ શરૂઆત જ ત્યાંથી કીધી, પત્યું. દાદાશ્રી : બસ, આ બધું જે વાંચી લાવ્યા હોય ને, એ બાજુએ મૂકી દેવાનું. જેને વલોવવાથી જરાય માખણ ના નીકળે, એને શું કરવાનું ? ફેંકી દેવાનું, ઢોળી દેવાનું. ને ઉપરથી આ તો કરેલી મહેનત બધી છૂટી પડી અને મગજમાં તોરી પેઠી, જાણપણાની તોરી! ‘હું કંઈક જાણું છું!’ અલ્યા, શું જાણે છે તે ? ઠોકરો ખાઈ ખાઈને તો દમ નીકળી ગયો ! ઠોકરો ખાય એટલે દમ નીકળી જાય કે ના નીકળી જાય ? ને મનમાં શુંય માની બેસે! પ્રશ્નકર્તા : હું કંઈ જાણતો નથી. દાદાશ્રી : બસ, એ જ ડહાપણનું વાકય કહેવાય, ‘હું કંઈ જાણતો નથી.’ પ્રશ્નકર્તા : હું કંઇ પણ જાણતો જ નથી એટલે... દાદાશ્રી : હા, તે એવું હોય તો આવજે. અને જાણતો હોય તો અહીં આવવાની શી જરૂર છે ? જાણતો હોય એટલે ઠોકર ના વાગતી હોય. અને ઠોકર ના વાગતી હોય તો અહીં આવવાની જરૂર નથી. ત્યારે કહે, ના, ઠોકર તો વાગે છે. તો તું જાણું છું શું તે ? ઠોકરો ખાય ને પાછો કહે હું જાણું છું, એ બે પોષાય ? જાણ્યા પછી ઠોકર ના વાગે. પ્રશ્નકર્તા : એમાંથી તો બહાર કાઢ્યા. દાદાશ્રી : કાઢ્યા ખરાને પણ ? બાકી કમાયા તો કશું નથી. ચાર આનાય નથી કમાયા. અરે, મૂળ જગ્યા ઉપરેય નથી આવ્યા. જ્યાંથી કમાણી શરૂઆત થાય તે જગ્યા ઉપરેય નથી આવ્યા હજુ. કાઢ્યા તે હજુ પૂરી જગ્યાએય આવ્યા નથી. પણ કાઢ્યા ખરાને! એટલો ઉપકાર માનવો જોઈએ. જે આપણને કાઢે તેનો એટલો ઉપકાર, બાકી લોકો મનમાં ભૂસું લઈને ફર્યા કરે. હું કંઈક જાણી ગયો. આવડતની નહીં પણ કૃપાની કિંમત પ્રશ્નકર્તા : હવે એ સત્સંગની અંદર બધા સ્ટાન્ડર્ડના માણસો આવ્યા હોય. પહેલાં ધોરણવાળુંય હોય અને મેટ્રિકવાળુંય હોય. હવે હું જો બીજા ધોરણમાં હોઉં ને મેટ્રિકની વાત ચાલતી હોય તો મને એમાં કંઈ ખબર ના પડે ને ? દાદાશ્રી : હા, સમજાય નહીં. પ્રશ્નકર્તા : અને પહેલા ધોરણની વાત ચાલતી હોય તો મારા માટે એ કંઈ નવું ન હોય. તો પછી એમાં મને સત્સંગનો ફાયદો જ શું ? દાદાશ્રી : તને સત્સંગનો ? એમની જોડે બેઠો તે ફાયદો ઓછો કહેવાય ? ત્યાં બેઠો એ તો એની વાત જ જુદીને ! માણસની દ્રષ્ટિ બધી બદલાઈ જાય. પ્રશ્નકર્તા : હા, પણ અગિયારમા ધોરણની વાત ચાલતી હોય... દાદાશ્રી : એ ધોરણ-બોરણની વાત ના સમજણ પડે તો કશો વાંધો નહીં. પણ જો કૃપા ઉતરી ગઈને, તો કલ્યાણ થઈ જાય ! કશું આવડતું ના હોય તોય કલ્યાણ ! ભગવાનની કૃપા જોડે શું ખોટ હોય ? આ ભગવાન ક્યાં હોય? તો ભગવાન જ્ઞાની પુરુષની અંદર પ્રગટ થયેલા હોય. સંપૂર્ણ, હન્ડ્રેડ પરસન્ટ ભગવાન. હવે ત્યાં આગળ આપણને આવડે કે ના આવડે, એનો શો હિસાબ છે ? હું તો શું કહું છું ? બિલકુલ આવડત ના હોય, જડ જેવા હોય તોય અહીંયા આવો. પ્રશ્નકર્તા : આપે બહુ સરસ બતાવ્યું કે ‘હું કંઈ જ જાણતો નથી.’ દાદાશ્રી : બસ, બીજો ડખો જ નહીં. જાણતો હોત તો મહીં ટાઢક ના હોત ? નડે સ્વચ્છંદ અને કેફ જ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઇને ફરે છે. આ ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ન કહેવાય. જ્યાં ‘જ્ઞાન’ અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે માત્ર તારી આડાઇ જ નડે છે. બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટા ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે ! ‘હું જાણું છું’ એ તો બહુ મોટો સ્વચ્છંદ છે. જાણ્યું તેનું નામ કહેવાય કે એવું કહેવાનો વારોય ના આવે કે મેં જાણ્યું. તેમાં હજુ શાસ્ત્રોનો એક અક્ષરેય સમજ્યો ના હોય, તે પહેલા તો આવું બોલે. અને સમજનારો કોઈ દહાડો એવું બોલે નહીં. સમજદારને તો બોલવાની જરૂર જ નહીં ને ! જ્યાં સુધી પોતાની તૃપ્તિ ના થાય ત્યાં સુધી ‘હું કંઈક જાણું છું’ બોલવું એ ભયંકર ગુનો છે. ‘હું જાણું છું’ બોલવાથી શું ફાયદો? આપને લાગે છે કંઈ ફાયદો એમાં ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : હા, એક ફક્ત જ્ઞાની પુરુષ એકલા જ કહી શકે કે મેં જાણ્યું છે. કારણ કે પેલાને સમજણ ના પડતી એટલે જ્ઞાની પુરુષ પેલાને એમ કહે કે આ ચોખ્ખા સોનાની દુકાન છે અને મફત છે ! એટલે જ્ઞાની પુરુષને એવું કહેવામાં વાંધો નથી પણ બીજા જે ‘હું જાણું છું’ એમ કહે છે, એ તો કેફ છે ખાલી. જ્ઞાની પુરુષમાં કેફ ના હોય. એટલે ફેર છે એ બેમાં. બીજા બોલે કે હું જાણું છું, એ તો પ્યોર (પૂરેપૂરો) સ્વચ્છંદ કહેવાય. જેનું સ્વચ્છંદનું મૂળિયું ગયું તે જ્ઞાની જ કહેવાય. સ્વચ્છંદનું મૂળિયું શું કરે એ ખબર છે ? એ જેને આશરે રહ્યા હોય તેની આધીનતા તોડાવે. એ સ્વચ્છંદનું મૂળ તો બહુ ભારે છે. એ જાય તો તો એ જ્ઞાની જ થઈ ગયો. એ છે ત્યાં સુધી ફૂલાં ના બેસે. જ્ઞાનીમાં ને તારામાં એટલો જ ફેર છે. તમારું સ્વચ્છંદરૂપી મૂળ ગયું નથી. સ્વચ્છંદ તો ભારે રોગ છે. એનું મૂળિયું જાણી લેવાનું છે. જાણેલું હોય તો સારું પડે. નહીં તો એ રઝળાવી મારે. સ્વચ્છંદનું મૂળિયું તો બધાને રહે જ. માટે ઠેઠ સુધી જાગૃત રહેવાનું. કારણ કે સ્વચ્છંદનું ઝાડ થતાં કંઈ વરસ-બે વરસ લાગે ? એ તો ક્ષણમાં મોટું થઈ જાય ! આ સંસારરૂપી વૃક્ષ એ સ્વચ્છંદના આધારે જ ઊભું છે. એના કેટલાય ડાળા ને કેટલાય પાંદડા ફૂટે છે. સ્વચ્છંદ રોકાય એનું નામ સંયમ. સ્વચ્છંદ તો શું કરે કે અભેદ બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય ત્યાં ભેદ પાડી આપે. આમ કરીશ તો જ મારી કિંમત રહેશે એમ કરીને ભેદ પાડી આપે. કોઈ મારી જોડે રિસાયું હોત તો તે શાથી રિસાય ? ભેદ પાડે ત્યારે. આને જ ‘માયા’ કહી. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સિવાયના માણસોનો આપણે સંગ કરીએ તો કયા છંદમાં આવે ? દાદાશ્રી : (આજ્ઞા-આધીનતા સિવાયનું બધું) એ સ્વચ્છંદ કહેવાય. પણ પોતે જ્ઞાનમાં રહેતો હોય અને પછી ગમે ત્યાં જાય ને, તો વાંધો નથી. એટલે જ્ઞાનમાં રહે તેને કશુંય જોખમ નથી. પોતાનું ડહાપણ જ્યાં સુધી છે ત્યાં સુધી જોખમ જ છે. બૈરી-છોકરાંનું, અરે ! પોતાની જાતનુંય જેટલું જતન નથી કર્યું, તેનાથી અનેકગણું આ આડાઈનું જતન કર કર કર્યું છે. તે અનંત અવતારથી આડાઈને લીધે જ ભટક ભટક કરે છે. આડાઈ અંધ બનાવે, સાચો માર્ગ ના સૂઝવા દે. આડાઈઓ જ સ્વચ્છંદી બનાવે અને સ્વચ્છંદ એ તો પ્રત્યક્ષ ઝેર સ્વરૂપ જ છે. સમજદારને એક ઈશારો કાફી કાલે એક ભાઇને મેં કહ્યું, કશું જાણતો નથી ને મનમાં પેસી ગયું છે, હું જાણું છું. એના મનમાં તો એ નિરંતર રહે છે, ‘હું જાણું છું’ એવું. એ જાણું છું, એ સ્થૂળ જાણે છે. શું જાણે બીજું તે ? હજુ અંતર વેદના તો જતી નથી. કષાય તો છે. કપટના કષાય, બીજા કષાય, અપમાન ન થવાના કષાય. અપમાન ના થાય એટલા હારુ તો સાચવ સાચવ કરે, આમ રહીને આમ નીકળે. હજુ આવા ને આવા રહ્યા ને, એટલે પછી હું સમજી ગયો કે આ ઊડી ગયું, કશું આમાં છે નહીં ભલીવાર. મહિના સુધી ભૂલ ના જડે ? તે મેં કહ્યું, અલ્યા, આ તે સ્વરૂપ ? આવું સ્વરૂપ ? વ્યવસ્થિત ના સમજાઇ જાય ? તરત જ ફોડ એનો, વ્યવસ્થિત છે, ના સમજાય ? પણ પછી એ બધું સમજી ગયો. એટલી એનામાં એ સમજણશક્તિ સારી છે. પાછો ફરીને પણ સમજવાનો પ્રયત્ન છે. પ્રશ્નકર્તા : આપે ઇશારો કર્યો કે તરત જ. દાદાશ્રી : હા, પહોંચી જાય. તે દહાડે નહોતું પહોંચતું. પણ તે દહાડે ઇશારો કરતા, કહે કહે કર્યું તોય કાંઇ ગાંઠ્યું નહીં. એટલે મેં કહ્યું, જેમ-તેમ કરીને ટાઢું પાડી દો, નહીં તો આ છૂટું પડી જાય. આમણે મને કાગળ લખેલો કે આ લોકોને જ્ઞાનનુંય છે તે એ ચઢ્યું છે. શું ચઢ્યું છે ? પ્રશ્નકર્તા : કેફ. દાદાશ્રી : (માને છે કે પોતાને) શુદ્ધ ઉપયોગ રહે છે. હવે એ શુદ્ધ ઉપયોગ એમની ભાષાનો, મહાવીર ભગવાનની ભાષાનો નહીં. બધું સ્થૂળ ખાતું, જાડું જ ખાતું આ. પહોંચતા તો હજુ કેટલોય ટાઇમ, આખી જિંદગી નીકળી જાય તોયે પૂરું ના થાય. બોલવામાં વાંધો નહીં, કારણ કે જાડી ભાષામાં એ જ છે ને ! કષાયભાવ તો નહીંને, તે ઘડીએ ! કષાય ભાવનું અસ્તિત્વ નથીને તો શુદ્ધ ઉપયોગ. પણ છેવટે આ (શુદ્ધ) ‘ગોલ્ડ’ (પૂર્ણ શુદ્ધ ઉપયોગ) નથી. ‘ગોલ્ડ’ માનીને બેસેને તો માર ખઇ જાય. સમજણ પડ્યા વગર ‘ગોલ્ડ’ આવી શકે નહીં. કોઇને બહુ આગળ વધેલું છે, પણ તે આગળ વધેલું ના ચાલે ત્યાં. એ બધું સ્થૂળમાં છે, થોડું સૂક્ષ્મમાં ખરું પણ ના ચાલે ત્યાં. ‘ગોલ્ડ’ નથી આ. માટે જે જગ્યાએ બેઠા છો ને, ત્યાંને ત્યાં જ બેસો આપણે. ‘હું જાણું છું’ એ આપઘાતી તત્વ પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં મોટામાં મોટું બાધક કારણ ‘હું જાણું છું, હું સમજું છું’ એ કહી શકાય ? દાદાશ્રી : હા, એ આપઘાતી કારણ છે. પ્રશ્નકર્તા : એનો જરા વધારે ફોડ પાડો. એ છૂટે તો કેવા લક્ષણો હોય ? એ દોષ વર્તતો હોય તો કેવા લક્ષણો હોય ? અને એની સામે કેવી રીતે જાગૃતિ રહી શકે ? દાદાશ્રી : બધા અવળા વ્યવહાર ‘આ’ દોષથી જ બને. અવળા જેને કહેવામાં આવે, તે બધા ‘આ’ દોષના કારણથી જ બને. મુખ્ય આ દોષ કે ‘હું જાણું છું’! બીજા બધા દોષ પછીના. આ દોષમાંથી બધું ઊગેલું. ખેંચ રહે તે આ દોષથી જ. નહીં તો સરળતા હોય. જેટલો અમારી જોડે મેળ પડે છે, એવો લોકોની જોડે મેળ પડી જવો જોઈએ. મારી જોડે કેમ મેળ પડી જાય છે ? જ્યાં કુદરતી રીતે મેળ પડી જાય એ તો સહજ વસ્તુ છે. તેમાં પુરુષાર્થ શો આપણો ? જ્યાં મેળ ના પડતો હોય, ત્યાં મેળ પાડવો એ પુરુષાર્થ. ‘હું કંઈક જાણું છું’ એ રોગ બધાને મહીં હોય. એ કેફ સાથે જ્ઞાન વધતું જાય. આ કેફનો અંતરાય ના હોય તો તો ‘જ્ઞાન’ બહુ સુંદર વધી જાય, ‘ફીટ’ થઈ જાય. એવું કંઈ પરિણામ તો આવવું જોઈએ ને ? આને વિચારજો ને તો એક દહાડો સમજાશે. જાણ્યું એટલે જડે અને નિષ્પક્ષપાતી વલણ હોવું જોઈએ. છતાં મહીં અજાગૃતિને લીધે ના યે જડે, તો પછી ધીમે રહીને કો’ક દહાડો જડે. આ બધા ભય સિગ્નલો જાણવા જ પડશે ને? એમ ને એમ તે કંઈ ચાલતું હશે ? પ્રશ્નકર્તા : ના, મોટામાં મોટા જોખમ છે આ તો. દાદાશ્રી : આપઘાતી તત્વ કહેવાય. પ્રશ્નકર્તા : અને પાછું એ આગળ વધવા પણ ના દે, બીજું નવું જ્ઞાન ઉત્પન્ન થવા પણ ના દે. દાદાશ્રી : થવા જ ના દે ને ! બધું આપઘાત કરી નાખે ને ! જે છે ને, તેને પાછું પાડ પાડ કરે. પ્રશ્નકર્તા : ખૂબી એ છે કે આપના શબ્દો જે નીકળે છે, તે ‘એક્ઝેક્ટ’ (યથાર્થ) ‘એને’ મહીં અડે છે, એ રોગ ઉખડે છે, દ્રષ્ટિ ફેરવે છે ને અંદર ‘એક્ઝેક્ટ’ ક્રિયાકારી થતું દેખાય, બહુ વૈજ્ઞાનિક લાગે બધું ! દાદાશ્રી : વાત બધી વૈજ્ઞાનિક હોય તો જ લોકોને નિવેડો આવે ને, નહીં તો નિવેડો જ ના આવે ને ! ‘મારગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ.’ સંદેહ છૂટી ગયા, સાચો માર્ગ તો મળી ગયો. ભૂલા પડ્યા હશે તો ફરી એક માઈલ ચાલવું પડશે. બીજું શું કરવું પડશે ? પણ જેને જવું છે તેને જડી આવશે. ‘દાદા’ને પૂછવું કે ભૂલા પડ્યા છે કે સાચે રસ્તે છે ? એટલું પૂછવું. ‘મારું જ્ઞાન કેવું છે’ એવું ના પૂછવું. ‘ભૂલો પડેલો છું કે સાચા રસ્તે છું ?’ એટલું જ પૂછવું. દાદા કહે, ‘બરોબર છે રસ્તો’ ત્યારે પછી ચાલ્યા જવું. પ્રશ્નકર્તા : અત્યારે કોઈની સાથે દાદાજીના ‘જ્ઞાન’ વિશે વાત કરતા હોઈએ, તો પહેલાં મનમાં એમ હોય કે ‘હું જાણું છું.’ દાદાશ્રી : હા, બસ એ આ રોગને ! પ્રશ્નકર્તા : તો વાત કેવી રીતે કરવી, દાદાજી? દાદાશ્રી : પણ એ વાત તો, એમાં બરકત ના આવે. મેળ પડે નહીં ને ! સામાને ‘ફિટ’ જ કેમ થાય? ‘હું જાણું છું’ એ મોટો રોગ ! ચેતજો, વિશેષતાના અહંકારથી પ્રશ્નકર્તા : સામાન્ય પ્રસંગમાં જે વાતચીત થતી હોય એમાં બે-ચાર શબ્દો એવા બોલશે, જ્ઞાનના શબ્દો આમ બોલીને ખુશી લેશે, વાતચીતમાં કશું ના હોય. સામાને તો એમ જ લાગે કે આ શું બોલ્યો ? દાદાશ્રી : હા, વિશેષતા દેખાડવા માટે, એ જ પેલા ભાઈ બધા કહે છે ને ! એની મેળે કુદરતી રીતે નીકળે તેનો વાંધો નહીં, કુદરતી રીતે. અમારું એકુય વાક્ય વિશેષ ભાવવાળું ના હોય. કુદરતી રીતે જ નીકળ્યા કરે. કારણ કે રેકર્ડ અમારી હોયને ! તમારી રેકર્ડ થાય પછી વાંધો નહીં. રેકર્ડ થાય એટલે પછી થઈ રહ્યું. પ્રશ્નોના ખુલાસામાં જોખમ પ્રશ્નકર્તા : લોક પ્રશ્ન પૂછે અને એના ખુલાસા આપે તો એમાં વાંધો શો છે ? દાદાશ્રી : પ્રશ્નોના ખુલાસા એ વસ્તુ જુદી છે. હજુ તો જાગૃતિ આવવી જોઈએ, હજુ જાગૃતિ પરિણામ પામવી જોઈએ. પરિણામ પામે ત્યાર પછી, ઘણા ટાઈમ પછી ખુલાસા આપેલા કામના. નહીં તો ખુલાસો એ બે-ખુલાસા થાય ને આપણું જ્ઞાન ‘ડાઉન’ ઊતરી જાય, બુદ્ધિગમ્ય થઈ જાય. પ્રશ્નોના ખુલાસા બોલાય નહીં, એક અક્ષરેય બોલાય નહીં. ફક્ત સહેજાસહેજ વાતચીત થાય. બાકી, બીજામાં ને આપણામાં ફેર ના માનવો. આ તો વિશેષતા દેખાડવા માટે બોલે અને એ જ પેલા બધા કષાય આ કરાવે છે ને ! કોઈ બે જણ વાત કરતા હોય ને, તો ડહાપણ કરવાનું મન થાય. અને ‘જ્ઞાન’ તેનું નામ ના કહેવાય. આ ચડસવાળી વસ્તુ નથી. ચડસ ના હોવી જોઈએ. ચડસવાળી બધી સંસારી વસ્તુઓ ! પ્રશ્નોના જવાબ આપતા પહેલાં તો બધો ‘ઇગોઈઝમ’ ઉતરી જવો જોઈએ. બધો એટલે નાટકીય ‘ઇગોઈઝમ’ પણ ઊતરી જવો જોઈએ. આ તો બધા ‘ફંક્શન’ હજુ કાચા છે. એ ‘ફંક્શન’ પૂરા થયા સિવાય સ્યાદવાદવાણી નીકળે નહીં. એના કરતાં બોલીએ જ નહીં. કારણ કે દોષ બેસે. એ તો જેમ જેમ આ બધા પાસા દબાતા જાય, બુદ્ધિ દબાતી જાય, ‘ઇગોઈઝમ’ ખલાસ થતો જાય, તેમ તેમ એ સ્યાદવાદવાણી નીકળે. પ્રશ્નોની બાબતમાં અત્યારે પડવું નહીં, નહીં તો કાચું કપાશે. પછી પાછું પાકું કરવું હોય તો નહીં થાય. કારણ કે એક ફેરો કેસ ગૂંચાઈ ગયો એટલે ! એટલે ‘ઇગોઈઝમ’નો મહીં રસ ના પડવો જોઈએ, બુદ્ધિનો રસ ના પડવો જોઈએ. એમાં પછી બુદ્ધિનો અભાવ થવો જોઈએ, ‘ઇગોઈઝમ’નો અભાવ થવો જોઈએ. અને તે પણ અભ્યાસ થવો જોઈએ ત્યારે કામનું ! ત્યાં સુધી ધીરજ પકડવી સારી. કોઈ જગ્યાએ કશી વાત કરો છો ? વાતચીતમાં કોઈ જગ્યાએ પડશો નહીં. કારણ કે લોક તો સાંભળે, પણ પોતાની દશા શી થાય ? લોકને તો કાને સાંભળીને કાઢી નાખવાનું છે અને પોતાને પણ ‘ઇન્ટરેસ્ટ’ પડે એમાં. કારણ કે હજુ ‘ઇગોઈઝમ’ છે ને, તે બધા મહીં લઉં-ખઉં કરતાં તૈયાર બેસી જ રહ્યા હોય. તે ધીમે ધીમે એને ખોરાક મળી જાય. પ્રશ્નકર્તા : જે ડિસ્ચાર્જ અહંકારને નિર્મૂળ કરી શકે, એ સત્સંગ કરી શકે, એ બોલી શકે. ડિસ્ચાર્જ અહંકારને નિર્મૂળ કરવો એટલે શું ? એટલે જરા વિગતે કહો. દાદાશ્રી : ડિસ્ચાર્જ અહંકાર નબળો પડ્યો હોયને, એ માણસ કહે કે ‘હે દાદા ભગવાન ! અહીં તમે બોલો.’ એટલે મનમાં ને મનમાં કોઈ લોકો જાણે નહીં. ‘તમે બોલો અને હું તમારી સામે બેસી રહીશ’ કહીએ. એટલે તરત પછી એ અહંકાર નિર્મૂળ થઈ જાય. જેમ પૂંજો વાળીને જગ્યા સ્વચ્છ થાય એવી રીતે. પ્રશ્નકર્તા : ‘હું સત્સંગ કરું છું’ એવું ના રહેવું જોઈએ ? દાદાશ્રી : એ આવ્યું તો પછી શબ્દો તમારા એવા નીકળશે કે એની સામે વાદવિવાદ થશે. પેલો વિવાદ જ ના થાય ને ! એને અસર જ કરે, એના હાર્ટને. એ ‘હું’ ભાન છૂટી જવું જોઈએ. ઊલટો સામો બેસી રહે એવું બોલવું જોઈએ. એની રીતે એ ભાન છૂટી જવું જોઈએ. હજુ મહીં આ અહંકાર ને બધું ઓછું થયા સિવાય શું કરવા ગા ગા કરો છો ? કોઈને ચાર આનાનો ફાયદો થાય નહીં ને અમથા ગા ગા કર્યાનો અર્થ નહીં ને ! તે ઘડીએ શબ્દ બધાને સારા લાગે. લોક કહેય ખરા કે ‘બહુ સારી વાત છે, બહુ સારી વાત છે.’ પણ ત્યાં તો પોતાને ‘ઇગોઈઝમ’ વધી જાય અને પેલા લોકોને તો કામ કશુંય લાગ્યું ના હોય. ખાલી ઉપર સુગંધી આવી પડે એટલું જ ! મોઢામાં જલેબી પેઠીયે નહીં ને સુગંધી આવી એટલું જ ! કંઈક પ્રાપ્તિનો અહંકાર આવ્યો કે પછડાયો જ છે. જ્ઞાનનો અહંકાર આપણા મહાત્માઓને આવે તો ‘દાદા’ છે એટલે પછડાય નહીં પણ જ્ઞાનાવરણ આવે. માટે ચેતતા રહેજો માટે ચેતતા રહેજો. આ તો બહુ ભારે, ગાડું ઊંધું નાખી દે ને ક્યાંનું ક્યાંય જતું રહે. આ જાગૃતિ જતી રહે પણ આ સમકિત હઉ જતું રહે. એ અહંકાર પછી ચઢી બેસે ને બધાય ચઢી બેસે. તેથી ભગવાને કહેલું કે ઉપશમ થયેલા ગુણ ક્ષય થવા પડશે. ઉપશમ થયેલા એટલે ભારેલો અગ્નિ કહેવાય. ક્યારે ભડકો કરી નાખે એ કહેવાય નહીં ! આ ‘દાદા’નું જ્ઞાન જે પામ્યા છે, એ જ્ઞાનથી માલ નીકળે ને, એ સાંભળીને તો જગત બધું ધરી દે. અને ધરી દે એટલે શું થાય ? લપટાયો પછી ! બધા પેલા ઉપશમ થયેલા ને, તે ફટાફટ જાગી ઉઠે. આકર્ષણવાળી વાણી છે આ. આ જ્ઞાન આકર્ષક છે. માટે મૌન રહેવું. જો પૂરું હિત કરવું હોય તો મૌન રહેવું. અને દુકાન કાઢવી હોય તો બોલવાની છૂટ છે અને દુકાન ચાલવાનીયે નથી. દુકાન કાઢશો તોયે નહીં ચાલે, ઊડી જશે. કારણ કે ‘આપેલું જ્ઞાન’ છે ને, તે ઊડી જતાં વાર નહીં લાગે. દુકાન તો પેલા ક્રમિક માર્ગમાં ચાલે. બે અવતાર, પાંચ અવતાર કે દસ અવતાર ચાલે ને પછી એય ઊડી જાય. દુકાન કાઢવી એટલે સિદ્ધિ વેચવી. આવેલી સિદ્ધિને વેચવા માંડી, દુરુપયોગ કર્યો ! એટલે પૂર્ણ કામ કરી લેવું હોય તો વાતચીત બનતાં સુધી કરવી નહીં. લોકોને આ જ્ઞાન સમજાવવા ના જશો. લોકોને કહી દેવું કે ‘મારું આમાં કામ નહીં.’ અક્ષરેય બોલાય નહીં, નહીં તો એમાં પોતાને ઓળનું થઈ જાય ડોળ ! એથી અમે શું કહ્યું કે આ સત્સંગની એકતા છોડશો નહીં. નહીં તો જુદું જવા ફરે. પણ કશુંય નહીં આવડે. લોક ધક્કા મારીને કાઢી મૂકશે! આવું ના ચાલે. ચાલતું હશે ? બનાવટ કરેલો વાઘ કેટલા દહાડા ચાલે? વાઘનું ચામડું પહેરીને ફરે તો ચાલે? એ મૂળિયું જ ઊગે નહીં. એટલા માટે કહી દીધેલું, મૂળિયું જ ના ઊગવું જોઈએ આપણને. એ તો આપણે આ ભવ આધીનતામાં જ કાઢવાનો. આધીનતા છોડશો નહીં. કારણ કે જમાવટ કરે તો માણસો ભેગા થઈ જાય. પણ એમાં પોતાનું અહિત થાય અને પેલાનુંય અહિત થાય. આપણે ત્યાં એક ભાઈ જુદું કાઢીને બેઠો હતો હઉ. બે-ચાર જગ્યાએ ‘દાદા’ના નામ પર કરી આવ્યો બધું. મોટી મોટી સભાઓ ભરી આવ્યો ને બધું કરી આવ્યો. પણ મેં કહ્યું, ‘અલ્યા, માર ખાઈશ છેવટે. કેટલા દહાડા ઓઢેલું ચાલશે ?’ પાછો આમ પાછોય ફરી જાય, આમ આડો ના થઈ જાય પણ લાલચ પેસી જાય, તે ‘કંઈક કરી આવું’ કહેશે. એ પાછો જમાવી દે એવો હતો. એક ફેરો તો હજારો માણસ ભેગા કર્યા હતા. કારણ કે મોઢે જરા આકારવાળો હોય, ભવ્યતા સારી ! પણ એને મેં ચેતવી દીધો, ‘‘સહેજ પણ ‘દાદા’ની આધીનતા તું છોડીશ તો નર્કે જઈશ. તું શબ્દો કંઈથી લાવવાનો હતો ? આ શબ્દ મારા કહેવા પડશે લોકોને. મારા કહેલા શબ્દો ચાલશે, પણ નવે નવાં કહેવા જઈશ તો નર્કે જઈશ !’’ એટલે મારે ચેતવવા પડે. આવીયે લાલચ હોય ‘દાદા’થી સ્વતંત્ર થવા ! અલ્યા, આમાંય સ્વતંત્ર થવું છે ? સ્વતંત્ર તો થઈ ગયા, કંઈ પરતંત્ર છો ? કંઈ મારા દબાયેલા હોય તો વાત જુદી છે. પેલા ગુરુમાં દબાયેલા હોઈએ, તે ત્યાં વખતે સ્વતંત્ર થવા ફરો તો વાત જુદી છે. અહીં કંઈ દબાયેલા નહીં, કશું નહીં અને હું તો કહું છું કે ‘હું તો બધાનો શિષ્ય છું.’ પછી ભાંજગડ શેને માટે ? પણ ટેવ પડેલી અનાદિની, સ્વતંત્રમાં મજા આવે, ‘ઈન્ટરેસ્ટ’ આવે. મેલ પૂળો ઇન્ટરેસ્ટને ! મહીં પડી રહે ને આમાં, આ સત્સંગમાં ને સત્સંગમાં ! પ્રશ્નકર્તા : પણ દાદા, સ્વતંત્રતા કરતાં ‘હું કંઈક જાણું છું’ એવું દેખાડવાની ઇચ્છા હોય. દાદાશ્રી : એ જ ભાંજગડ છે ને ! ‘હું જાણું છું’ એ તો બધું, જાણતો કશુંય ના હોય. હવે એક ભવ આધીનતાથી કાઢવો. પ્રશ્નકર્તા : આધીનતાથી તો સારું ને, કંઈ ઉપાધિ તો નહીં. દાદાશ્રી : હા, ઉપાધિ નહીં. બધા આધીનતાથી જ કાઢે. પણ કો’કનું મહીં મૂળિયું વાંકું હોય તે વેષ ભજવીને ઊભો રહે પાછો, જુદી દંડુકી વગાડે ! ભૂલો ભાંગે આવે ઉકેલ આપણે તો ‘શુદ્ધાત્મા’. ‘શુદ્ધાત્મા’માં એકેય દોષ ના હોય પણ ચંદુલાલ (ફાઈલ નં. ૧)માં જે જે દોષ દેખાય તેમ તેમ તેનો નિકાલ કરવાનો. અંધારાની ભૂલો અને અંધારામાં દટાઈ રહેલી ભૂલો ના દેખાય. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ વધારે વધારે ભૂલો દેખાય. સ્થૂળ ભૂલોય ભાંગે તો આંખનું લાઈટ ફેરફાર થઈ જાય (પ્રભાવશાળી થતો જાય) ! અંધારામાં ભરેલી ભૂલો અંધારામાં ક્યાંથી દેખાય? ભૂલો જેમ જેમ નીકળતી જાય તેમ તેમ વાણીય એવી નીકળતી જાય કે કોઈ બે ઘડી સાંભળતો રહે ! ‘હું જાણું છું’ એ અંધારાની ભૂલ તો બહુ ભારે ભૂલ અને પાછું ‘હવે કંઈ વાંધો નથી’ એ તો મારી જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ બોલી જ ના શકે કે ‘મારામાં એકુય ભૂલ નથી રહી.’ દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. આપણે ‘શુદ્ધાત્મા’ અને બહારની બાબતમાં ‘હું કશું જાણું નહીં’ એમ રાખવાનું, એથી વાંધો જ નહીં આવે. પણ ‘હું જાણું છું’ એવો રોગ તો પેસવો જ ના જોઈએ. સાચી સમજણથી આવે ઉકેલ કોઈ તમને એમ કહે કે તમારું ખોટું છે. ત્યારે કહીએ, ‘આ તમે સારી રીતે સમજી ગયા.’ એને આપણું ખોટું કહેવાનો અધિકાર છે, આપણને એનું ખોટું કહેવાનો અધિકાર નથી. કારણ વિશાળતા નથી ત્યાં આગળ. અહીં વિશાળતા છે. વિશાળતાવાળો સાંભળી શકે ને ? પ્રશ્નકર્તા : હા, પણ એ પોતાની વાતની પકડ કરીને સાચી વાત સ્વીકારતા ન હોય ત્યારે એને બે અક્ષર કહેવા પડે એ કરુણાથી કહેવા પડે એટલા પૂરતું. કે આ વાત તમે કહો છો, પણ એ આ પ્રમાણે છે. આમાં મૂળ વાત નથી. દાદાશ્રી : હા, કહેવાનો વાંધો નહીં, કહેવામાં એની પાછળ આપણી હિતબુદ્ધિ છે. એના હિત માટેની બુદ્ધિ છે, એટલે કહેવામાં વાંધો નથી. મોટાપણું દેખાડવા માટે નથી, હિતબુદ્ધિ માટે છે. હિતબુદ્ધિ માટે ગમે તે કહેવાય. પ્રશ્નકર્તા : એટલા પૂરતું જ. દાદાશ્રી : મોટાપણું દેખાડવા માટે, ‘તારા કરતાં હું વધારે જાણું છું’ એ દેખાડવાની જરૂર નહીં. એ તો આપણે ત્યાં હોય નહીં ને ! અહીં તો ‘જ્ઞાની પુરુષ’ની સમજણથી સમજણ મેળવવાની છે, ‘પેરેલલ ટુ પેરેલલ.’ નહીં તો ‘રેલવે લાઈન’ ઊડી જશે. ‘પોતાની’ સમજણ તો નાખવાની જ નથી. મહીં સમજણ છે જ નહીં ને ! એક આંકડાનીયે સમજણ નથી. પોતાની સમજણ તો આમાં ચલાવવાની છે જ નહીં. પોતાનામાં સમજણ જ નથી ને ! કશું જ સમજણ નથી. જો સમજણ હોત ને, તો ભગવાન થઈ જાત ! જય સચ્ચિદાનંદ |