સામાયિકના વિવિધ પ્રકારો

સંપાદકીય

અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની કૃપાથી મહાત્માઓને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પણ કર્મો ખપાવ્યા વગર. હવે જે માલ ભરેલો છે એ નીકળ્યા વગર રહી નહીંને ! વ્યવહારમાં નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જે અતિક્રમણ થાય તેની સામે પ્રતિક્રમણ કરી લે તો દાદાની આજ્ઞામાં જ છે. પણ દોષોને મૂળમાંથી ઓગાળી નાખવા પરમ પૂજ્ય દાદાશ્રીએ સામાયિકનો પ્રયોગ બતાવ્યો છે. પોતે તો શુદ્ધાત્મા થયા પણ ફાઈલ નં. ૧ માં જે કષાય-વિષયરૂપી દોષો રહેલા છે, તેને સામાયિકમાં જુદા રહી જુએ તો એ દોષો જાય.

સામાયિકમાં જે દ્રશ્યો દેખાય એને જુદા રહી જોવાના જ છે. દ્રશ્યોને જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને જોયા એટલે ચોખ્ખું થઈને ગયા. સામાયિક વખતે પ્રતિક્રમણની જરૂર રહેતી નથી. જેટલા દોષો દેખાશે એટલો છુટકારો થાય. સામાયિકમાં એકના એક દોષો ફરી ફરી દેખાય એવું બને. પરમાણુનો મહીં સ્ટૉક પડ્યો છે તે ખલાસ થતા સુધી સામાયિક કર કર કરવાના. જેમ જેમ સામાયિક થશે તેમ તેમ ઘટતું જાય.

સામાયિકમાં બધાને સરખું ના દેખાય, એમાં ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય, તો કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય. મોહનો છાંયડો પડેને એટલે ક્લિઅર દેખાય નહીં.

એક ગ્રંથિને સામાયિકમાં મૂકીને ઓગાળવા જઈએ ત્યારે મહીં બીજી ગાંઠો ફૂટે, વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે. તે વખતે જે દેખાય તેને જોવું. કશું ના દેખાય તો ઉપયોગપૂર્વક ચરણવિધિ બોલવી.

આપણે અહીં સામાયિક તો શુદ્ધ ઉપયોગ રાખવા માટે જ કરવાની છે. દાદાશ્રી કહે છે, ‘સામાયિકની સહેજ પણ ઓછી કિંમત આંકશે તે ભયંકર માર ખાશે.’ સામાયિક કરવા એકલાને બેસતા ના ફાવે તો દસ-બાર માણસો ભેગા થઈને બેસે તો સામસામી વાતાવરણ ઊભું થાય. મન બૂમો પાડે પણ આપણે સિદ્ધાંતની વિરુદ્ધ ચાલવું નહીં. મનનું ચાલવા દઈએ એટલે બધું ઊંધું ચાલ્યા કરે. એટલે એને કોઈ વઢનાર જોઈએ અને બીજું કોઈ વઢે એ ના ચાલે, પોતે જ ફાઈલ નંબર વનને વઢવું પડે. એ રડે કે ડીપ્રેસ થઈ જાય એવો ઠપકો નહીં આપવાનો, પણ અમથા અમથા જરાક કહે કહે કરવું. બે મિનિટ વઢવું, બે-ચાર મિનિટ પ્રેમથી સમજાવવો. આમ અરીસામાં જોઈને ઠપકો આપે તો બહુ શક્તિ વધી જાય. આ તો મોટું સામાયિક કહેવાય. મહાત્માઓએ એ બાબતની ખાસ નોંધ લેવી કે ઠપકા સામાયિકનો પ્રસંગ માહિતી માટે છે, એ જ્ઞાનીની આજ્ઞાપૂર્વક કરવાનો હોય છે, માટે અણસમજણથી આંધળું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો નહીં.

છૂટાપણાની સામાયિક માટે પણ દાદાશ્રીએ ત્રણ વાક્યો આપ્યા છે, એ પ્રમાણે બોલ્યા કરવાના, એનાથી મહીં છૂટું પડી જાય.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીએ સામાયિક માટેના વિવિધ પ્રશ્નોના ખુલાસા આપ્યા છે સાથે સાથે સામાયિકના પ્રકારો પર છણાવટ પણ કરી છે જે મહાત્માઓને મોક્ષમાર્ગે પુરુષાર્થમાં ઉપયોગી નીવડશે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા. ૪)

સામાયિકના વિવિધ પ્રકારો

દોષો ધોવા જરૂર છે સામાયિકની

પ્રશ્નકર્તા : અક્રમ માર્ગમાં સામાયિકની જરૂર છે ?

દાદાશ્રી : દાદાના જ્ઞાનની જાગૃતિ હોય, અખંડ    જાગૃતિ રહેતી હોય, નિરંતર આજ્ઞામાં રહેતા આવડતું હોય તો સામાયિક ના કરે તો ચાલે.

બાકી તમારે કંઈ અબ્રહ્મચર્ય કે એવા બધા દોષો ક્યાં ક્યાં કર્યા, એવી સામાયિક લેવાની હોય.

ગમતું એ ‘ક્રમણ’, ના ગમતાનું ખપે ‘પ્રતિક્રમણ’

પ્રશ્નકર્તા : સંસારમાં ફાઈલોનો નિકાલ કરવામાં ક્યારેક એટલા અસ્તવ્યસ્ત થઈ જઈએ છીએ કે પ્રતિક્રમણ-સામાયિકનો વિચાર સુદ્ધા આવતો નથી, તે પોલ કહેવાય ખરી ?

દાદાશ્રી : એને પોલ ના કહેવાય. પોલ એને કહેવાય કે આપણી ઈચ્છા હોય ને ના કરીએ.

પ્રશ્નકર્તા : ભૂલો થઈ તે ના ગમે, ત્યારે પ્રતિક્રમણ કરવા પડશે ને ?

દાદાશ્રી : કંઈ વાંધો નહીં. ભૂલો જાણી તો બહુ થઈ ગયું. પ્રતિક્રમણ તો કોઈને દુઃખ થયું હોય ત્યારે કરવું.

આપણો આ અક્રમ માર્ગ, તે કર્મો ખપાવ્યા વગરનો માર્ગ, એટલે આ (કષાય-વિષયરૂપી) નિર્બળતા ઊભી થયા વગર રહે નહીં. હવે જેને એકલી માનસિક નિર્બળતા ઊભી થાયને, તો મનનું એકલું પ્રતિક્રમણ કરવાનું. લાંબું પ્રતિક્રમણ કરવાનું રહ્યું નહીં ને પ્રતિક્રમણ કર્યું એટલે એ ચોખ્ખું થઈ ગયું. પણ જે માલ ભરેલો છે, એ નીકળ્યા વગર રહે નહીંને ! નિર્બળતા ઊભી થાય છે છતાં મન-વચન-કાયાથી પ્રતિક્રમણ કરે, એ ગુનેગાર નથી. પણ પ્રતિક્રમણ કરવાથી એ દાદાની આજ્ઞામાં જ છે. આ તો એકદમ શક્તિ ક્યાંથી લાવે ?

તે અતિક્રમણ તો થાય પણ પ્રતિક્રમણ કરી લેવું. છતાં આપણું જ્ઞાન કેવું છે કે ગમે તેવા સંજોગોમાંથી બચી શકે ખરો, તે એનું નામ જ્ઞાન કહેવાય. એવું છે કે આપણો આ વીતરાગ માર્ગ છે, એમાં ગમતું હોય ત્યાં સુધી ક્રમણ થાય પણ ના ગમતું થયું એટલે પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું.

ગોઠવણી કરી લાભ લેવો

પ્રશ્નકર્તા : અમારી ઈચ્છા છે કે સામાયિક કરવું જોઈએ અને છતાં નથી બેસાતું એ શાથી ?

દાદાશ્રી : બધા ભેગા હોય ત્યારે બેસાય, એકલાને બેસતા ના ફાવે. ભેગાનું વજન થાય સામસામી, વાતાવરણ ઊભું થાય.

પ્રશ્નકર્તા : અમારે એવી ગોઠવણી કેવી રીતે કરવી કે જેથી વધુમાં વધુ લાભ લેવાય ?

દાદાશ્રી : વધારે માણસ ભેગા થાય એટલે વધારે લાભ લેવાય. અસર થાય ને બધી સત્સંગની. સામાયિક કરવું હોય તો દસ-બાર માણસ ભેગા બેઠા હોય તો સામાયિક કરો તો સારું થાય. બધાની અસર થાય, એકલા બેસો તો (સ્થિરતા) ના થાય.

પ્રશ્નકર્તા : મારા મનની નબળાઈ છે એટલે મારાથી આપણી સામાયિકમાં બેસી શકાતું નથી.

દાદાશ્રી : બધાની જોડે બેસીએ તો બેસાય, તેનાથી સામસામી પર્યાયી અસર થાય. (હમણાં) તમારે સામાયિકમાં ગાંઠ ના મૂકવી. તમારે તો મન શું કરે છે, તે બધું જોવામાં જ કાઢવું. મનની નબળાઈ શું કરે છે, તે જોયા કરવું. પણ જ્યારે-ત્યારે એ ગાંઠોને ઓગાળવી તો પડશે ને ? જેટલું ઓગાળીએ તેટલો લાભ થશે. આ ભવમાં ને આ ભવમાં લાભ થશે. સંયમની શક્તિ ખૂબ વધી જશે. આવો માર્ગ, આવો અવસર ફરી ફરી મળે નહીં. માટે કામ કાઢી લો. આ સામાયિકથી ગમે તેવી ગાંઠ હોય તો તે ઊડી જાય !

(પા. ૫)

જ્ઞાનજાગૃતિએ દોષો થાય ચોખ્ખા

પ્રશ્નકર્તા : અમે યુવાન છીએ એટલે અમારી વિષય સંબંધી ગાંઠ મોટી હોય, તો જો અમારો ઉપયોગ સામાયિકમાં હોય તો જ એ ગાંઠ ઓગાળી શકીએને ?

દાદાશ્રી : હં, જોવાથી ઓગળી જાય છે.

પ્રશ્નકર્તા : હા, તે એ જોઈ જોઈને ઓગાળવાનું, એટલા માટે સામાયિકમાં બેસાય તો સારુંને ? અને એ પછી સામાયિકમાં બેસવું છે, એવું નથી થતું.

દાદાશ્રી : સામાયિકમાં ના બેસાય તો આમ જ્યારે ગાંઠ ફૂટે ને વિચાર આવે તો એને જ્ઞાને કરીને ચોખ્ખો કરવો, એનું નામ જાગૃતિ કહેવાય. છેવટે કશું ના આવડે તો એ વિચારોને ‘ન્હોય મારાં’ એમ કહે, તો એ છૂટ્યો. વિચાર આવ્યો કે દ્રષ્ટિ બગડી તો ‘ન્હોય મારું’ એમ કહે તો છૂટ્યો. અને વિષયનો વિચાર જ્યારે ઉત્પન્ન થાય, એને ‘ન્હોય મારો’ એમ કહીએ તોય બંધ થઈ ગયું.

પ્રશ્નકર્તા : એટલે એમાં સામાયિકની જરૂર જ નથી ઊભી થતી કે રીતસર કલાક આપણે બેસવું જોઈએ ?

દાદાશ્રી : સામાયિક થાય તો સારી વસ્તુ છે. ના થાય તો આમ જેમ જેમ દોષો ઉત્પન્ન થાય તેમ તેમ કાઢતા રહેવું. સામાયિકની સહેજ પણ ઓછી કિંમત આંકશે તે ભયંકર માર ખાશે.

શુદ્ધ ઉપયોગમાં રહેવા માટે સામાયિક

પ્રશ્નકર્તા : એમાં હજી રસ જ ઉત્પન્ન નથી થયો ને કે સામાયિક થાય જ !

દાદાશ્રી : સામાયિક કરવું એવું લખી આપ્યું નથી. શુદ્ધ ઉપયોગ રહેતો હોય તો પછી વાંધો નહીં. શુદ્ધ ઉપયોગ રાખવા માટે જ સામાયિક કરવાની છે. સામાયિક માટે શુદ્ધ ઉપયોગ રાખવાનો નથી.

પ્રશ્નકર્તા : આપે કહ્યું હતું કે સરપ્લસ ટાઈમ(વધારાના સમય)માં એક સામાયિક એવી રીતે

કરવાની કે ચંદુભાઈ સવારથી શું કરતા હતા એ બધું જોવું. તો પછી એવી રીતે આપણે આ જોયું, એ શેમાં જાય ? એમાં પછી બધા પેલા દોષો પણ દેખાય, એ દોષો જોવાની પ્રક્રિયા, પ્રતિક્રમણ કરવાની ક્રિયા...

દાદાશ્રી : હા, એ બધું આત્મામાં જાય.

પ્રશ્નકર્તા : એ શુદ્ધ ઉપયોગ કહેવાય ?

દાદાશ્રી : હા, આત્મા પક્ષમાં જાય એટલે પછી શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મામાં રહેવું એમાં ફેર એટલો જ કે પેલું ઉપયોગપૂર્વક છે, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે પેલો સામો માણસ ધોલ મારે તોય ‘એ શુદ્ધ આત્મા છે’ એવું આપણને ના જવું જોઈએ.

પ્રશ્નકર્તા : અને આત્મામાં રહેવું એટલે ?

દાદાશ્રી : આત્મામાં રહેવું એટલે આ હમણે વાત કરી, તે આત્મામાં રહેવું કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે આંખો બંધ કરીને આ બધું અંદર દોષો જોતા હોય, એ બધું.

દાદાશ્રી : એ બધું આત્મામાં રહેવાનું.

દોષો હોય પડવાળા

પ્રશ્નકર્તા : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય, તે ટાઈમે તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : સામાયિકમાં જે દ્રશ્યો દેખાય એનું પ્રતિક્રમણ ના હોય. જે દેખાય એ તો ગયા. પ્રતિક્રમણ તો જે દેખાય નહીં (દ્રષ્ટા થઈને જોયા નહીં ને બીજાને દુઃખ થયું હોય), તેનું કરવાનું હોય. દ્રશ્ય જોયું એ તો ગયું. જોયું એટલે ચોખ્ખું થઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ ફરીથી દેખાયને એ ?

દાદાશ્રી : ફરી તે બીજા દેખાય છે. આ ડુંગળી હોય તેવું, એક પડ જતું રહે જોવાથી. પણ પાછું ડુંગળી ને ડુંગળી દેખાય.

પ્રશ્નકર્તા : પણ એના એ દ્રશ્યો દેખાય છે ને ?

(પા. ૬)

દાદાશ્રી : દ્રશ્યો એના એ ના દેખાય, બે વખત ના દેખાય.

પ્રશ્નકર્તા : કોઈ જીવ સાથે વેર હોય, એનું પ્રતિક્રમણ કર્યું, પાછું એના એ જ જીવનું પ્રતિક્રમણ કરવાનું રહે છે ?

દાદાશ્રી : હા, આપણો મોટો દોષ હતો તે પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ તૂટ્યું. બીજા બધા લાખો પડ રહ્યા. (પ્રતિક્રમણથી) એના પડ ઊડે છે. એટલે જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે. કોઈ માણસની જોડે આપણે મહિના-બે મહિનાના પ્રતિક્રમણથી બધું પૂરું થઈ જાય, હિસાબ ચૂકતે. કોઈ માણસનો આખી જિંદગી સુધી હિસાબ ચાલ્યા કરે, ગ્રંથિ બહુ મોટી હોય તો. આ ડુંગળી હોય છે તેનું એક પડ જાય એટલે પાછી ડુંગળી દેખાયને ? એવી રીતે આ દોષોમાં પડ હોય છે બધા, પણ એક ફેરો પ્રતિક્રમણ કર્યું એટલે એક પડ જાય જ. એટલે તમારે બીજી વખત ના કરવું પડે. એક પડનું પ્રતિક્રમણ એક જ હોય.

દોષો મહીં ખલાસ થતા સુધી દેખાય

પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ?

દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માગવાની, ક્ષમાપના કરવાની, એના પર પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું.

પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ?

દાદાશ્રી : એ તો આવેને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી.

દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણા કાળ સુધી રહેશે. હજુય દસ-દસ વરસ સુધી રહેશે, પણ

તમારે બધો કાઢવાનો. પરમાણુ આ મહીં સ્ટૉકમાં પડ્યા છે ને, તે બધા ખાલી કરવા પડે. નહીં તો તેના આધારે આવતો ભવ બાંધે એ.

પ્રશ્નકર્તા : એકવાર પ્રતિક્રમણ કરીએ તો ફરી આવ્યા કરે ?

દાદાશ્રી : બહુ જાડું હોય તો આવ્યા કરે. લાંબું હોય તો ઠેઠ સુધી રહ્યા કરે. એટલા માટે જ ફરી કરવાનું ને ખલાસ થતા સુધી કર કર કરવાનું. અને તે ઘડીએ આ સામાયિકમાં આત્માનું ચારિત્ર જોવાનું મળ્યુંને આપણને ! આ ચારિત્ર કહેવાય, પ્યૉર (શુદ્ધ) ચારિત્ર કહેવાય ! જોનાર આત્મા છે. જોનાર છે તે સ્પષ્ટ આત્મા અને આ જ્ઞેય અને તમે જ્ઞાતા છો. જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ આપણે જોવામાં આવે, એ સામાયિક નિશ્ચય સામાયિક કહેવાય.

એ (સામાયિકમાં) તો બધું (દોષો) જુએ. દેખાતા જાય તેમ ઘટતું જાય. આ તો બધા પહેલાના પડેલા હતાને ? એ કર્મ પછી ફળ આપવાને લાયક રહ્યા નહીં.

પ્રશ્નકર્તા : હવે આ બીજીવાર સામાયિકમાં બેસે તો પછી દેખાય નહીંને ?

દાદાશ્રી : દેખાય, બીજા દેખાય.

પ્રશ્નકર્તા : એ જ દેખાય ? એ આવેને ફરી ?

દાદાશ્રી : કેમનું આવે ?

પ્રશ્નકર્તા : અમુક જે મોટા-મોટા થયાં હોય, એ આવે ફરી, બાકી બીજા બધા ના આવે ?

દાદાશ્રી : ઘણાના ચીકણા હોય તો ફરી આવે.

જેટલા પ્રતિક્રમણ એટલો છુટકારો

બધા દોષ દેખાશે તેમ પ્રતિક્રમણ થશે, ત્યારે છૂટ્યા. તમારે જેટલા પ્રતિક્રમણ થયા એટલો છુટકારો થઈ ગયો. જેટલા બાકી રહ્યા, એટલા રહ્યા, તે ફરી પ્રતિક્રમણ કર્યા જ કરવાના.

(પા. ૭)

પ્રશ્નકર્તા : આપણે આખા જગતના જીવોની ક્ષમા માગી લઈએ તો પ્રતિક્રમણ થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો ક્યારે થયું કહેવાય ? એ છૂટક છૂટક કરીએ ત્યારે.

પ્રશ્નકર્તા : આપણે જ્ઞાન પહેલા જે કર્મ કર્યા છે, હવે એનું સરવૈયું કાઢવા બેઠા કે આવું કર્યું છે, તે ક્યારે પ્રકાશમાં આવશે ?

દાદાશ્રી : એ યાદ આવે તો પ્રતિક્રમણ કરવું. જેટલા યાદ આવે એટલા પ્રતિક્રમણ કરવા. નહીં તો પછી અહીં આગળ અમે સામાયિક કરાવીએ છીએ તે દહાડે બેસવું. તે આખું એક્ઝેક્ટ કરવું. તે દહાડે થોડું ધોવાઈ જાય. એમ કરતું કરતું બધું ધોવાઈ જાય.

દોષો જોવાથી જ થવાશે શુદ્ધ

પ્રશ્નકર્તા : દાદા, શુદ્ધાત્મા તરીકે, જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જ્યારે-જ્યારે ચંદુને જુએ છે, ત્યારે ચંદુની અંદરની બહુ ખામીઓ દેખાય છે.

દાદાશ્રી : હા, પણ તે એ ખામીઓ જુએ છે ને, માટે શુદ્ધાત્મા સંપૂર્ણ દશામાં છે. નહીં તો ખામી દેખાય નહીં. પહેલા તો ખામી દેખાતી જ ન હતી. હવે જે ખામીઓ દેખાય તે શુદ્ધાત્મા સંપૂર્ણ સ્વચ્છ થઈ રહ્યો છે. એટલે ખામીઓ વધારે દેખાય છે.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જે છે એને એ ચંદુને જે થયું તો ખબર પડે કે ચંદુનો આ વાંક છે ?  એ ખોળવા શુદ્ધાત્મા પ્રયત્ન કરે છે ?

દાદાશ્રી : તે શુદ્ધાત્મા એ બરોબર છે. શુદ્ધાત્મા એટલે શુદ્ધાત્માનું કહેવું આપણે. એ આપણી જાતનું ચોખ્ખું થવા માંડ્યું, ત્યારથી શુદ્ધાત્મા પ્યૉર થવા માંડ્યો. આ ચંદુના દોષ, નહીં તો દેખાતા હતા જ ક્યાં એકુંય ? મોટા-મોટા, માંડ એક-બે દેખાય. બાકી હજારો-લાખો દોષો પડ્યા છે ! નર્યા દોષના જ પૂતળા બધા, આ બધાય ! એટલે જેટલા દોષો જોયા એટલા જતા રહે. જેટલા જોયા એટલા જતા રહે. બીજા વધારે દેખાય એમ સારું.

પ્રશ્નકર્તા : અત્યાર સુધી હું, આ કેમ થાય છે અને મારો શું વાંક છે એ જોતો હતો. હવે એવું જોવાનું કે એ થાય, હજુ વધારે થાય.

દાદાશ્રી : એટલે એ શુદ્ધ થઈને ચાલ્યા જાય એટલે નિવેડો આવી ગયો. આ જ ફાઈલો, આનું નામ જ ફાઈલો. આ ફાઈલોનો નિકાલ કરી નાખવો.

શુદ્ધાત્મા તરીકે જ્ઞાતા-દ્રષ્ટા થઈને ચંદુની ખામીઓ જોયા કરો. પછી પ્રતિક્રમણ નહીં કરો તોય વાંધો નથી, વધારે દેખાય તો. દેખ્યા એટલા જાય. જેટલા દેખવામાં રહી ગયા, એટલા ફરી જોવા પડશે. કારણ કે એ શું કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા પણ અમારું શું ? અમે શુદ્ધ જ હતા, તમે અમને બગાડ્યા છે. તો આપણે કહીએ કે તે હવે અમારે શું કરવાનું ? ત્યારે કહે, અમને શુદ્ધ કરીને કાઢો. એટલે આપણે એને જોઈએ, એટલે જે દોષો હતા તે દોષોને જોઈએ એટલે શુદ્ધ થઈને ચાલ્યા જાય. એ જ એનો રસ્તો. અને આ આત્માનું સામાયિક, આત્માનું શુદ્ધપણું-સ્વભાવ બતાવે.

પોતાનો સાચો માનેલો વેશ દેખાયો ખોટો

પ્રશ્નકર્તા : સામાયિકમાં કેટલાક પ્રસંગોમાં એવું લાગતું’તું કે હું પોતે સાચો છું પણ હવે એમાં પોતાના જ દોષ દેખાયા. વ્યવહારિક પ્રસંગો આવ્યા એમાં પોતાના દોષ દેખાયા, જેને પોતે સાચું માનતો હતો.

દાદાશ્રી : જેને સાચું માનતા હતા એ ખોટું દેખાયું. એ બરોબર છે પણ એવો કંઈ અનુભવ થયો ખરોને ?

પ્રશ્નકર્તા : પહેલા બીજાના દોષ જોતા હતા એને બદલે પોતાનો દોષ દેખાયો એમાં જ.

દાદાશ્રી : પોતાનો દોષ દેખાયો, એ જાતનો અનુભવ થયોને ? બીજાને પોતાના અનુભવ વર્ણન કરવા હોયને તો બોલોને ! ઊભા થઈને વર્ણન કરો.

ભારે અજાયબી ! આખી જિંદગીનું દેખાય. એ

(પા. ૮)

અજાયબી કહેવાયને ? એક્ઝેક્ટ પાછું, જે બન્યું તે બધુંય, એની જોડે કોણ કોણ હતું તે હઉ સાથે.

પ્રશ્નકર્તા : એ પ્રસંગ વખતે પોતાના સૂક્ષ્મ ક્રોધ-માન-માયા-લોભ કેવી રીતે કામ કરી ગયા એ પણ દેખાડે, દાદા.

દાદાશ્રી : હા, એમાં મહીં શું શું થયું એ બધો વેશ. એ અહંકાર ને બુદ્ધિનો વેશ જેટલો છે એટલો બધો વેશ ખુલ્લો કરે. છેતરીને ભોગવી લીધું હોય તો (એવું) દેખાડે. સમજાવીને કર્યું હોય તો (એવું) દેખાડે બધું. જેવો વેશ છે એવો દેખાય. પણ દેખાડે છે અવશ્ય, તેય તાજું-ફ્રેશ હોય. તે હમણે કાલે થયું હોયને એવું દેખાડે.

પ્રશ્નકર્તા : હવે બુદ્ધિ ખલાસ થાય એવા પ્રતિક્રમણ દેખાડો.

દાદાશ્રી : એના પ્રતિક્રમણ ના હોય. એ (બુદ્ધિ)ના હોય એવી ઈચ્છા હોવી જોઈએ. ‘બુદ્ધિ હોવી જોઈએ’ એવી ઈચ્છાથી બુદ્ધિ ઊભી થઈ.

દેખાય નહીં ત્યારે શું ?

(આ સામાયિક કરતા હતા ત્યારે) નવરાશેય લાગતી નહતીને ? નવરાશ લાગતી’તી, ભાઈ ?

પ્રશ્નકર્તા : સહેજે નહીં, પાછળ લાઈન લાગે. આજે તો ટાઈમ ઓછો પડ્યો. પૂરું થયું નહીં, (દોષો જોવાનું) પિક્ચર પૂરું થયું નહીં.

દાદાશ્રી : હા. તારે પાછળ લાઈન લાગતી’તી ? આમની ક્યુ લાગે એવું કોઈ દહાડો દેખાયેલું નહીંને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : હજી નવેનવું છે. કો’કને બરોબર ના થયું હોય, પણ આ બહુ સુંદર ઉપાય છે.

હવે આ દેખાય છે તે આમાં બધાને ફેર હોય. કોઈને બિલકુલ પ્યૉર દેખાતું હોય, કોઈને સહેજ આવરણવાળું દેખાતું હોય.

પ્રશ્નકર્તા : સામાયિકમાં પહેલા થોડા વખતમાં પંદર-વીસ મિનિટમાં આખી ફિલ્મ પતી ગઈ.

દાદાશ્રી : હા, એ પતી જાય.

પ્રશ્નકર્તા : તો પછી શું કરવાનું ?

દાદાશ્રી : પછી એમને એમ સ્થિર રહેવાનું, એમાં કંઈ વાંધો નહીં. અગર તો બીજો કોઈ પણ ઉપયોગ લેવાનો. આવરણ જાડું આવેને તો ના દેખાય.

પ્રશ્નકર્તા : પછી એ ફિલ્મ મેં બે વાર જોઈ લીધી.

દાદાશ્રી : એનો વાંધો નહીં, સારું. જેટલું જોવાય એટલું ચોખ્ખું કરવાનો ટાઈમ મળેને ! આ તો શુદ્ધ-ચોખ્ખો-પ્યૉર આત્મા છે.

જે કોઈને જરા ઠીક પ્રમાણમાં દેખાયું તે આંગળી ઊંચી કરજો. તમને હઉ દેખાયું ? પાટીદારને હઉ દેખાયું ?

પ્રશ્નકર્તા : હા, ચોખ્ખું દેખાયું.

દાદાશ્રી : સાપ મળ્યો હોય તોય માર્યા વગર જવા ના દે એવા પાટીદારો, એમને પણ દેખાય ત્યારે એ આત્મા કેવો પ્રાપ્ત થયો કહેવાય !

આ વર્લ્ડની અજાયબી કહેવાય ! એક કલાક પુણિયા શ્રાવકનું સામાયિક ! માટે શ્રેણિક રાજાનું રાજ દલાલીમાં જાય, તે આ એક કલાકની કિંમત કેટલી ? આ દાદાએ શું આપ્યું છે એ તમને સમજાઈ ગયુંને ?

જે ગાંઠ ફૂટે એ જોવી

પ્રશ્નકર્તા : સામાયિકમાં ગાંઠ મૂક્યા પછી બીજું દેખાય ને ગાંઠ દેખાતી બંધ થાય તે શું ?

દાદાશ્રી : એ છો ને આવે ને જાય. જનાવરા (જાનવર) આવતા-જતા હોય, તેથી કંઈ ઓછું પોતાનું જોવાનું જતું રહે છે ?

ગ્રંથિઓ છે એમ ખબર પડે પણ વ્યવહારમાં સમજાય તેમ નથી. માટે અમે એ ગ્રંથિને સામાયિકમાં

(પા. ૯)

મૂકવા કહીએ છીએ. સામાયિકમાં એક ગ્રંથિને મૂકીને ઓગળવા જઈએ પણ મહીં બીજી ગાંઠો ફૂટે, વિચારો દેખાય. તે પેલી ગાંઠ પર ઉપયોગ મૂકવા ના દે, ત્યારે જે દેખાય તેને જોવું.

પ્રશ્નકર્તા : આ સામાયિકમાં આપણે બેઠા હોઈએ, તે જ્યારે મનમાં આવો ખરાબ વિચાર આવે તો એ સમયે જ પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, એ સમયે જ કરવું બધું અને તે ‘આપણે’ કરવાનું નથી. ‘આપણે’ જાણકાર છીએ અને ચંદુભાઈને ભાન નથી, ચંદુભાઈ કર્તા છે. એટલે કર્તાને આપણે એમ કહેવું કે ‘આમ કરો, તમે આમ કેમ કર્યું ?’ આપણે જ્ઞાતા છીએ ને એ કર્તા છે.

આત્માની ક્રિયાથી દેખાય

પ્રશ્નકર્તા : આ પોતાની ફિલ્મ જોતા હોઈએ અને એ વખતે એમાં મન ચોંટતું હોય, ગમતું હોય, એમાં કંઈ ખરાબ કર્યું છે કે કંઈ ખોટું થયું છે, એવા ભાવ ન થતા હોય તો એ કેવું દેખાય ?

દાદાશ્રી : સામાયિકમાં તે ઘડીએ મન હોય જ નહીં. મનનું અસ્તિત્વ જ ના હોય. આ તો જોવાનું જ હતું. સારું કે ખોટું એવું કશું જોવાનું નહીં, ખાલી જોવાનું જ હતું.

પ્રશ્નકર્તા : જોઈને એવું કહેવાનું નહીં કે માફી માગું છું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એ જુદી વસ્તુ છે. પણ આ આવું-તેવું અટકી રહેતું હતું, એવું ના બોલાય. આમાં અટકનારું કોઈ છે જ નહીં. આ મનની ક્રિયા નથી, આ આત્માની ક્રિયા છે. આ આત્માની ક્રિયા છે એટલે આમ દેખાય ખરું, તેથી મનને એમાં કશું લેવાદેવા નથી.

આ પ્રતિક્રમણ વખતે માઈન્ડ એબ્સન્ટ (મન ગેરહાજર) હોય છે, બીજું કશું નહીં. વિચારો જોડે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ, પ્રતિક્રમણ વખતે વિચારો આવતા જ નથી, વિચારો બંધ થઈ જાય અને જો કોઈને

વિચારો આવતા હોય તો એ જુએ, એ જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ.

આ તો આત્માથી જ આત્મા સામાયિક. બહારની સાથે તો સ્વતંત્ર, કશું લેવાદેવા નહીં. સંપૂર્ણ લેવાદેવા નહીં. મન જોડેય લેવાદેવા નહીં. મન-બુદ્ધિ બધું આઈડલ (નિષ્ક્રિય).

મોહ ઓછો તો દોષો જડે વિગતવાર

પ્રશ્નકર્તા : આગલા જન્મમાં અમે અતિક્રમણ કેટલા કર્યા, કેવા કર્યા, શું કર્યું, એ તો અમને ખ્યાલ જ નથી. એ ખ્યાલ કેમ આવે ?

દાદાશ્રી : આગલા ભવનું આપણે શું કામ છે તે ? અત્યારે કેટલા અતિક્રમણ કરીએ છીએ ? તે ધોવાના છે.

પ્રશ્નકર્તા : આ ભવમાંય અતિક્રમણ કર્યા હોય, તેનોય બધો ખ્યાલ ન આવે ને કંઈ ?

દાદાશ્રી : એ તો સામાયિકમાં બેસીએ ને એ બાજુ પડીએ કે મારે આ બધું ખોળી કાઢવું છે, તો બધું જડી આવે, વિગતવાર જડી આવે. વિધિપૂર્વક અંતર્મુખી થઈએ એટલે આત્મા પોતાનું કામ ચાલુ જ કરી દે.

પ્રશ્નકર્તા : ભૂલો બધી સમજાય છે પણ પહેલા બધું કહી દેવાય, બોલી દેવાય બધું, પછી ખ્યાલ આવે કે આ મારી ભૂલ થઈ ગઈ, મારે ન્હોતું કહેવું.

દાદાશ્રી : ત્યાં બે-પાંચ સામાયિક કરજે ને એનું ફળ તો જોજે.

પ્રશ્નકર્તા : દાદા, ઝીણા ઝીણા દોષો તો  આપણને સામાયિક કરીએ કે એવું કરીએ ત્યારે ખબર પડે, પણ મોટા દોષો કેમ ખબર નથી પડતી ? કેવી રીતે જોવાના એ ?

દાદાશ્રી : એ બધા દેખાય જ મહીં, પણ તે આપણને પેલા મોહને લઈને દેખાય નહીં. મોહનો છાંયડો પડેને એટલે દેખાય નહીં આપણને. ધીમે ધીમે મોહ ઓછો થશે તેમ તેમ દેખાશે.

(પા. ૧૦)

જોનાર કોણ ? આત્મા

પ્રશ્નકર્તા : દાદા, ઘણીવાર છે તે પેલું મૂવીમાં આપણે જોતા હોઈએને, પીક્ચરમાં, પીક્ચર પડી ગયેલું આપણે જોતા હોઈએને, એવા ઘણીવાર અમને દ્રશ્યો દેખાય છે કે હવે આવું થઈ રહ્યું હોવું જોઈએ. અથવા આવું થશે અથવા આ પ્રમાણે મારો સમય વીતશે. એવું બધું અમને દેખાયા કરે ઘણીવાર. એવું અમને ઘણીવાર ભાસ થાય અને એ વસ્તુ જો થાય તો અમને નવાઈ ન લાગે કે ઓહોહો, આ તો અમે જોયેલું હતું એમ ! એવું ઘણીવાર થઈ જાય છે મને.

દાદાશ્રી : આ તો એવું છે ને કે આત્મા પરથી આવરણ તૂટવા માટે કોઈને કંઈ દ્રશ્ય દેખાય, કોઈને કંઈ દેખાય. જે બાજુ તૂટ્યું તે બાજુનું દેખાય. પાતળું હોય તો જલદી તૂટી જાય. આ વાદળા હોય, તે અમુક જગ્યાએ સૂર્ય દેખાશે એવો કંઈ નિયમ નથી. જ્યાં પાતળું હોય ત્યાં દેખાય.

દેખાવાનું ક્યારે શરૂ થાય ? એ તું આ બધી સામાયિક કરુંને, ત્યારે અત્યારથી નાનપણ સુધીનું દેખાય બધું. આમ યાદ કરવા જાય તો હમણાં કશું યાદ ના આવે પણ દેખાય ખરું ત્યારે જાણવું કે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. કરેલું સામાયિક તે ?

પ્રશ્નકર્તા : હા, કરેલું, દાદા.

દાદાશ્રી : હા, પણ દેખાતું હતું તને ?

પ્રશ્નકર્તા : બધું ક્લિયર (ચોખ્ખું).

દાદાશ્રી : હા, એ દેખાતું કહેવાય. જોનાર કોણ ? તો કહે, આત્મા સિવાય કોઈ વસ્તુ જોનાર નથી. જોવાની શક્તિ ખરી પણ આ પહેલા જોવા ગયા હતા આવું ? જોવા જાય તો દેખાય નહીં કશુંય. આ તો જુએ ચોખ્ખું.

પ્રગટના ધ્યાને થાય નિજનો ધ્યાતા

હજુ ક્લિઅર થાશે ત્યારે વધુ સમજાશે.

પ્રશ્નકર્તા : ક્લિઅર થવા માટે શું કરવાનું ?

દાદાશ્રી : લે, સત્સંગમાં પડી રહેવું પડે. આજ્ઞા નિરંતર પાળવી પડે. આજ્ઞા તો ઘેર બેઠાય પળાય. જેને ઓછી પળાતી હોય તેણે એક સામાયિક કરવું. ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ એટલું પચાસ મિનિટ સામાયિક કરવું, બસ અને પૂરી-સારી રીતે પાળી શકતા હોય તો વાંધો નહીં.

ધીસ ઈઝ ધ કેશ બેંક (આ રોકડ બેંક છે). આ વાક્ય છે ને ! કેશ બેંક એટલે મહીં તમારામાં અવ્યક્તરૂપે રહ્યા છે દાદા ભગવાન ને આ અહીં વ્યક્ત, પ્રગટ થયા છે. તે આ પ્રગટનું ધ્યાવન (ધ્યાન) કરે ને, તો પોતાનું પ્રગટ થયા કરે. આનંદઘનજીએ ગાયું છે કે ‘પ્રગટ તત્ત્વના ધ્યાવતા, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે.’ એટલે આ તમે બોલોને રોજ, તે ક્યારે બોલવાનું ? રાત્રે જમ્યા પછી બૈરી-છોકરાંને બધાને બેસાડી ને તમારે બોલવાનું ને એ બધાં બોલે. એ તમારું મહીં પ્રગટ થયા કરશે, વ્યક્ત થયા કરશે. આ પ્રગટનું ધ્યાવન કરો છો માટે મહીં વ્યક્ત થાય. અને આ વાક્ય એકલું જ, ‘દાદા ભગવાનનો જય જયકાર’ એ કેશ જ છે, તરત જ ફળ આપનારું છે. આનંદ-બાનંદ, બધી રીતે, અને મહીં પચાસ મિનિટ જો બોલશોને જે દહાડે, એટલે આખું સામાયિક કરશો (ત્યારે એ અનુભવ થશે).

ત્યારે રહેવું ચરણવિધિના ઉપયોગમાં

પ્રશ્નકર્તા : ઘણી વખત સામાયિક કરું તો મને કશું દેખાય નહીં, ખાલી અંધારું જ દેખાય. એ લીસોટા દેખાય કે ધારાઓ દેખાય એવું તેવું દેખાયા કરે. એ શું હશે, દાદા ?

દાદાશ્રી : એ તો એને કોઈ પણ વસ્તુ દેખાય ને ! ઉપયોગ ના હોય એટલે વસ્તુ સામી જ્ઞેય (તરીકે) ના દેખાય તો બીજી બધી આડી-અવળી વસ્તુઓ દેખાય. એ તો રહે જ ને ? જોનારને કંઈનું કંઈ દેખાય તો ખરુંને ?

પ્રશ્નકર્તા : ખાલી બસ આમ ઝાળ છે તો મોટી દેખાય, નાની દેખાય. નાની-મોટી થયા કરે, સ્થિર રહ્યા કરે.

(પા. ૧૧)

દાદાશ્રી : હા, એ તો દેખાય. દેખાય બધું. એ બધા ચિત્તના ચમત્કાર દેખાય. એનો કોઈ અર્થ જ નહીંને ! કોઈ જરૂર નહીંને !

પ્રશ્નકર્તા : તો પછી શું કરવું તે વખતે ?

દાદાશ્રી : એ તો આપણે ચરણવિધિ બોલીએ. મોઢે આવડેને ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : છૂટથી બોલવી, સારી રીતે, તો બહુ થઈ ગયું.

આત્માનો ઉપયોગ સામાયિકમાં

પ્રશ્નકર્તા : દાદા, આપે ત્રિમંત્ર વંચાયેલો કે આંખો બંધ કરીને સામાયિક કરીએ અને વંચાય એવી રીતના અમે કરેલો. એટલે એ રીતે હવે સત્સંગમાં એ સામાયિક કરવાના છીએ.

દાદાશ્રી : બહુ સારું, અને ત્રિમંત્રનો બધો અભ્યાસ થાય છે ?

પ્રશ્નકર્તા : હા. દાદાજી, બધાંને સમજાયું હતું કે કઈ રીતે વંચાવો જોઈએ આખો ત્રિમંત્ર અને હવે તો છોકરાઓ બધાં બેસે છે, એ સામાયિકમાં.

દાદાશ્રી : એને આત્માનો ઉપયોગ કહેવાય. આમ છે તે મોટલ યાદ આવે તો મોટલમાં ઉપયોગ જાય એ અને આમાં આત્માનો ઉપયોગ રહે. ચંદુભાઈનો મોટલમાં ઉપયોગમાં જતો હોય ને તમે જુદા રહી શકો છો, પણ જાગૃતિ હોય તો.

અને ક્રમિક માર્ગમાં તો, આ લોકો બધા આખો દહાડો જંજાળો બંધ કરી બેસે એક જગ્યાએ સામાયિક કરવા, પણ એ વ્યવહાર સામાયિક કહેવાય. ત્યાં બેસી અને મનમાં દુકાનનો વિચાર આવ્યો, એને ધક્કો મારે કે તું કેમ આવ્યો ? દરેક વિચારને ધક્કા માર-માર-માર-માર કરે. એટલે કશાને ટચ ના થાય.

પ્રશ્નકર્તા : આત્માના ઉપયોગમાં જ રહે એમ ?

દાદાશ્રી : હા, એટલે ઉપયોગમાં રહે તે એ વ્યવહાર આત્મા ઉપયોગમાં રહે. સાચો આત્મા એની પાસે છે નહીં એટલે અહંકારના ઉપયોગમાં રહે. અને આ નિશ્ચય આત્માના ઉપયોગમાં રહેવાનું, આપણો શુદ્ધાત્મા. બસ ખાલી જોવું. મનમાં જે વિચાર આવે એ જોયા, બીજા વિચાર આવે તે જોયા, એ સામાયિક કહેવાય. આખો દહાડો સમતા રહે એ સામાયિક. પોતે ઉપયોગમાં જ રહે એ સામાયિક. આ સંસારમાં વ્યવહારિક ઉપયોગમાં રહે તેય સામાયિક કહેવાય ને અહીંયે નિશ્ચયથી ઉપયોગ રહે, તેય સામાયિક કહેવાય.

પ્રશ્નકર્તા : હું સામાયિકમાં મારા દોષ જોવા માટે બેઠો હોઉં તો બીજા બધાને જેવા પોતાના દોષો દેખાય, એવું મને (મારા) દોષો નથી દેખાતા પણ આવું બ્લેન્ક (કોર^ું) દેખાયા કરે, તો એવું કેમ ?

દાદાશ્રી : એ દેખાશે. એ હજુ આ ફરીવાર કોઈ કરાવશે ને એટલે દેખાય. આ બધું પદ્ધતસર જોવું. ખુલ્લું થયું નથી દોષ દેખાવાનું. એ ફરીવાર ખુલ્લું થશે એટલે ફરી દેખાશે. એ તો મારી હાજરીમાં કરાવીશું એ.

સમજીને પ્રેક્ટિસની જરૂર

પ્રશ્નકર્તા : દાદા, આ દોષો બધાને દેખાય કે કોઈને ના પણ દેખાય, એવું બને ?

દાદાશ્રી : હા, એવું બનેને. એ એને આમાં પ્રેક્ટિસ મળે ત્યારે આ શીખવું પડે એકવાર. પોતાને કેવી રીતે વલણ રાખવું છે તે યાદ રહે. ખોળવાનું નહીં, પોતે ખોળવા જશે તો આત્મા ખસી જશે.

પ્રશ્નકર્તા : મને એવું ના દેખાયું કંઈ.

દાદાશ્રી : હા, એવું કેટલાય જણને નથી દેખાયું, તમને એકલાને નહીં. પણ આ દેખાય છે, એવું આ બધા કહે છે. માટે તમે એવો પુરુષાર્થ કરો, કે કંઈ એમાં દેખાય. ‘હું દેખવા જઉં છું’ થયું તો બગડ્યું પાછું.

‘હું શુદ્ધાત્મા’ એમ બોલીએ કે તરત જ ‘તમે જુઓ’ એમ કહીએ. એટલે જોવાનું શરૂ થશે અને દેખાશે એમાં.

(પા. ૧૨)

દોષ થતા જ દેખાય જ્ઞાનદ્રષ્ટિથી

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધું, જ્ઞાનથી દ્રષ્ટિ બદલાણી, હવે તો એ થઈ ગયું ને કે એક પણ દોષ થાય કે તરત જ દેખાય ?

દાદાશ્રી : એ દેખાય. એ તો પહેલાના પડેલા હોય, નાની ઉંમરથી (મહીં) પડેલા, તેના માટે (પ્રતિક્રમણ) કરવાના.

પ્રશ્નકર્તા : એ તો હું સમજ્યો, દાદાજી. પણ આ જે પ્રક્રિયા ચાલુ હોય, તે તરત જ બધું દેખાય.

દાદાશ્રી : આ તો તમને એક-એક દેખાય. તમે ઉકેલ લાવો. (તેનો) વાંધો નહીં. એમાં કોઈ કાચું પડે જ નહીંને ?

પિક્ચરની જેમ દેખાય એટલે શું ?

પ્રશ્નકર્તા : (સામાયિકમાં) ચંદુ કેવો દેખાતો હતો તે પણ દેખાય. એવું કશું દેખાય નહીં તો અંધારું પણ રહે.

દાદાશ્રી : દેખાયું નહીં ? આ બધાને દેખાયું  એવું તને દેખાયું, પણ તારું ધ્યાનમાં નથી આવતું. સમજાય છે ?

પ્રશ્નકર્તા : પિક્ચર દેખાતું હોય એ તો ખબર પડેને ! આ તો કશું દેખાય નહીં. આમ આંખ બંધ કરીએ એટલે અંધારું.

દાદાશ્રી : શી રીતે ખબર પડી તને ?

પ્રશ્નકર્તા : ખબર તો પડે અંધારું દેખાય કે બીજું કશું દેખાય છે.

દાદાશ્રી : પહેલા દેખાયા તે ?

પ્રશ્નકર્તા : દાદા, આ દોષો તો ખબર પડે કે ગઈકાલે આ થયું’તું, એના પહેલા આ થયું’તું, એના પહેલા આ ભૂલ થયેલી.

દાદાશ્રી : એ શી રીતે ખબર પડેલી ? દેખાયા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

જાણ્યું એ જ કહેવાય દેખાયું

પ્રશ્નકર્તા : દોષ દેખાવા એટલે એક્ઝેક્ટ પિકચર આવવું જોઈએને ? પિક્ચર કશું આવે નહીં. દોષ થયો હોય એ વખતે સિચ્યુએશન (પરિસ્થિતિ) આખી જે દેખાયને...

દાદાશ્રી : શું થયું, ના દેખાયું તો ?

પ્રશ્નકર્તા : આ તો દાદા, ખબર પડેલી કે આવું આવું થયેલું એમ.

દાદાશ્રી : શી રીતે ખબર પડેલી તને ? જોયા વગર ખબર શી રીતે પડે ?

પ્રશ્નકર્તા : એ તો જાણે કે એ વખતે આવા સંજોગો હતા એમ, દેખાય નહીં.

દાદાશ્રી : જાણે એટલે દેખાયુંને ? દેખાયું તે તારી ભાષામાં શું સમજું છું ? ના પડી સમજણ ? તું પહેલેથી આવું બોલુંને એટલે કશું દેખાય નહીં અને કશું દેખાતું હોય તો મોળું દેખાય બધું. તું દેખવાનું જુદી રીતે ખોળું છું. કોઈને આવું હોય નહીંને ! તે શી રીતે દેખાયું ? આટલું જે દેખાયું જાણ્યું, તે શી રીતે જાણ્યું ? જાણનાર હોવો જોઈએ ને ?

પ્રશ્નકર્તા : જાણનાર તો છે. દાદાજી કહે છે ને, જાણનાર તો છે.

દાદાશ્રી : એટલે જાણ્યું.

‘ફિલ્મ’ શબ્દ તો ફક્ત સમજવા કાજે

પ્રશ્નકર્તા : જાણ્યું એટલે એ સ્મૃતિનો ભાગ હશેને ? એ જે દેખાય છે આપણને, તે સ્મૃતિમાંથી પાછું આવતું હશેને ?

દાદાશ્રી : ન્હોય સ્મૃતિ. સ્મૃતિને લેવાદેવા નહીં. સ્મૃતિ તો આટલી બધી હોય જ નહીં.

પ્રશ્નકર્તા : તો ફિલ્મ ક્યાં પડી છે ?

દાદાશ્રી : ફિલ્મની જરૂર નહીં, એ તો દેખાય. ફિલ્મ તો આપણે શબ્દ કહીએ.

(પા. ૧૩)

પ્રશ્નકર્તા : કયા ભંડારામાંથી નીકળે ? સ્ટોર હાઉસ કયું છે કે જેની અંદર આ પિક્ચર તરીકે રહેલું છે ?

દાદાશ્રી : પિક્ચર તરીકે નહીં. મહીં જે થયેલા છે ઈન્સિડન્સ(પ્રસંગ) બધા, એને આત્મા જોઈ શકે છે કે આ આડત્રીસની સાલમાં થયા, છત્રીસની સાલમાં થયા, પાંત્રીસની સાલમાં થયા. એને જોઈ શકે છે અને જાણી શકે છે.

અણસમજણથી ગૂંચવાડો

પ્રશ્નકર્તા : એ બે જુદી ચીજ છે બરાબર. એ બે ક્રિયાઓ જુદીને ? જોઈ શકે છે ને જાણી શકે છે, એ બન્ને ક્રિયા જુદી થઈને ?

દાદાશ્રી : જુદી હોતી હશે ?

પ્રશ્નકર્તા : જુએ અને જાણે.

દાદાશ્રી : એકદમ ટોળું આવ્યું હોય ને બધું દેખીએ, તો આ કોણ છે ને આ કોણ છે એ તપાસ ના કરીએ, એટલે એનું નામ જોયું કહેવાય. અને આ તપાસ કરીએ કે ઓહો, આ તો લલ્લુભાઈ આવ્યા છે. તે જાણ્યું કહેવાય. એ નથી દેખાતું તને ? ઓળખું નહીં ? મહીં જે આવતા હતા તે ?

પ્રશ્નકર્તા : હા, દાદા, એ જાણ્યું કહેવાય. જોયું-જાણ્યું, આત્મા જ્ઞાતા-દ્રષ્ટા થયો.

ચાલો પોતાના સિદ્ધાંત પ્રમાણે

પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે, ગુલ્લી મારવાનું મન થઈ જાય એ શું ?

દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવાદેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો હજુય ચલણ એનું છે. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે.

પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઈચ્છા એટલી સ્ટ્રોંગ (મજબૂત) નહીં.

દાદાશ્રી : ઓહો ! તો તો આ બધો ધર્મ કરવાની ઈચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહીંને પાછો.

સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટ ઠેકાણે બેસે નહીં તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતા છાનોમાનો પૈણી જાય તો સારું. ને આ તમે તો બળદના ચલાવ્યા ગાડા ચલાવો (મન કા ચલતા ચાલો) છો. ‘એ આ બાજુ જાય છે તો હું શું કરું’ કહે છે ! તો એના કરતા પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહીંને ! નિશ્ચયબળ છે નહીં. પોતાનું કશું છે નહીં. પોતાની કશી લાયકાત છે નહીં. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ?

પ્રશ્નકર્તા : ના જવા દેવાય.

દાદાશ્રી : તો કેમ આ ગાડા જાય છે ?

સમજીને કામ લો, મનના ફેઝને

પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું, નહીં તો ખબર જ નથી પડતી.

દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે ‘મને મહીંથી એવું જાગ્યું, એટલે ઊઠી ગયો સામાયિક કરતા કરતા !’

પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી.

દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહીં પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય.

પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે એટલે એવું થાય કે હવે બેસવું નથી.

(પા. ૧૪)

દાદાશ્રી : પણ આમ ‘મનના કહ્યા પ્રમાણે ચાલવું છે’ એવી ઈચ્છા નહીં ને તારી ?

પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડીને !

દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઈન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઈન્ટરેસ્ટ ઓછો છે. (આનો)ઈન્ટરેસ્ટ તો અમે કરી આપીએ.

પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતા રહીએ.

દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝાને ને મનને લેવાદેવા નથી.

પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી બેસવું.

દાદાશ્રી : મઝા શાથી નથી આવતી તે હું જાણું છું.

ટૂટે આવરણો નિશ્ચયબળથી

પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.

દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધા લોચા વાળે છે ત્યાં !

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાયને ?

દાદાશ્રી : ના, પણ પહેલું તો પોતાને સમજણ જ પહોંચી નથી ને ત્યાં એની. તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે તે જ સમજણ પહોંચી નથીને ? તેમાં દાખલા આપું છું, ગાડાનો દાખલો આપું છું, મિકેનિકલનો દાખલો આપું છું પણ એકુંય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે તે ?

પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ?

દાદાશ્રી : શી રીતે દેખે પણ તમે જોનાર નથી તો ? ગાડાના માલિક નથીને ? માલિક થાય તો

દેખાય. અત્યારે તો તમે બળદના (મનના) કહ્યા પ્રમાણે ચાલો છો. તે બળદના કહ્યા પ્રમાણે ચાલે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું. આ બીજાને શું ફિલમ દેખાતી નથી ? (તને) ના દેખાયને !

પ્રશ્નકર્તા : સામાયિક કરવામાં ઈન્ટરેસ્ટ નથી એટલે એવું થાયને ?

દાદાશ્રી : ઈન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના ચલાવી લેવાય. આના જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈને કરતો હશે ?

પ્રશ્નકર્તા : ‘આવું હું કરું છું’ એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી.

દાદાશ્રી : સમજાતું જ નથી, નહીં ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. સમજાતું જ નથી, કહે છે !

આ ગાડાનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે, એમ ?

પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી.

દાદાશ્રી : શું જોવાનું હોય તે દેખાય ?

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું.

દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઉતરવાનું કહીએ ત્યારે દેખાય. મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાંડા જ ને ? પછી દેખાય શી રીતે ? ‘દેખનારો’ જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો ! અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું, તેને લીધે આ બધું આવરણ આવેલું.

પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ?

(પા. ૧૫)

દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય.

પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતા નથીને ?

દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. નિશ્ચય હોય તો મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય તોય કરવું.

બાકી, વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે, તે આપણે જોવું. એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરૂ થઈ ગયું !

ઠપકા સામાયિક એ એક પ્રકાર

એક ભઈ આવીને કહે છે મને, ‘મારાથી એવું ખોટું કાર્ય થઈ ગયું છે તે ભૂલાતુંય નથી.’ હવે જ્ઞાન લીધેલો માણસ, ભૂલાતું નથી ને મહીં કૈડ્યા કરે છે ! આ કઈ જાતનું ? મેં જ્ઞાન આપ્યું છે ને તોય તને આવું બધું થાય. ત્યારે કહે, ‘મને આવું થાય છે. હકીકતમાં જે થાય છે એ કહું છું.’ મેં કહ્યું, ‘અગાસીમાં જઈને તારી ફાઈલ નંબર વનને કહેજે.’ ત્યારે કહે, ‘શું કહેવાનું ?’ ‘અલ્યા, તમે નાલાયક છો, બદમાશ છો, લુચ્ચા છો, ચોર છો. સારું કરીને ઠપકો આપજે, અડધો કલાક. જેણે ગુનો કર્યો તેને ઠપકારવો. તું ઠપકાર, જો ના મટે તો પછી મારી જવાબદારી.’ તે મટી ગયું ! એક જ ફેરામાં મટી ગયું.

પાંસરો ના થાય તો ટૈડકાવજે, એવું એને કહેલું એટલે પછી એણે તો અગાસીમાં જઈને શું કર્યું ? બીજી વ્યક્તિને જેમ ખખડાવે તેમ એટલું તો ખખડાવ્યો, પણ એથીય વધારે ખખડાવ્યો. તે ફાઈલ (નં.૧) રડે અને એ જુએ. ખૂબ રડે, પોકે પોકે રડે ને પેલો એ જોયા કરે. એટલે લોક નીચેથી જતા-આવતા હોય તે કહે છે, ‘અલ્યા, કોણ લઢંલઢા કરે છે ? અરે, કોણ વઢે છે આને ?’ પછી ડાહ્યો થઈ ગયો !

છૂટાપણાના અનુભવ માટેનો પ્રયોગ

પ્રશ્નકર્તા : હવે ઠપકો આપું છું, ભૂલ કર્યા પછી પણ ને કર્યા પહેલા પણ ખ્યાલ આવી જાય. એટલે એમ થાય કે ‘ચંદુભાઈને આ વસ્તુ ના શોભે.’ પણ થઈ જાય.

દાદાશ્રી : થઈ જાય એ તો બીજું પડ છે. એવા તો હજાર પડ આવે ને કોઈને બે જ પડ હોય, પણ તમારે ઠપકો આપવાનો. મે ઠપકો આપો એટલે તમે છૂટા ને એ છૂટા. એનો અનુભવ થયો તમને. અને ઠપકો આપવો જ જોઈએ આપણે. અને એ પડ તો આવ્યા જ કરવાના. છે તો આવેને ! ને ના હોય તો શી રીતે આવે ? એટલે જેટલું ચીકણું એટલા પડ વધારે. એટલે એ ઠપકો આપવાનો કે ‘આવું શું કરો છો ?’ આપણે શુદ્ધાત્મા, ચંદુભાઈને કહીએ, ‘એટલો બધો શો તમારો રોફ પડી ગયો, તે આટલી બધી રીસ ચઢાવો છો ?’ આપણે ચંદુભાઈને વઢીએ ઊલટા. આપણે શુદ્ધાત્મા, આપણે શું લેવાદેવા ?

આ પેલો ભાઈ વઢ્યો હતો, ને રડતો હતો બિચારો. તોય એ શું કહે છે કે ‘હવે તું રડીશ તોય હું તારાથી કન્વિન્સ (સહમત) નહીં થઉ. તને નહીં છોડું હું.’ એ પછી એના દોષો જતા રહ્યા. રડવું આવે એટલો બધો દબડાવ્યો ! એ તો બે શબ્દો કહેવા પડે.

પ્રશ્નકર્તા : પોતે ધ્યાન ના આપે એટલે એમ જ ચાલે પછી.

દાદાશ્રી : ધ્યાન નહીં, આપણે મનનું ચાલવા દઈએ એટલે પેલું ઊંધું ચાલ્યા કરે. એટલે બીજું કોઈ વઢે એ ના ચાલે, તારે જ તારી ફાઈલ નંબર વનને વઢવું પડે. આ તો વઢવાનો માર્ગ જ નહીં ને, અમે વઢીએ જ નહીંને આવું ! અમે ક્યાં વઢીએ ? અને કોને વઢીએ અમે ? તમે તો શુદ્ધાત્મા છો, તમને તો અમારે વઢાય નહીં. એટલે તમારે ચંદુભાઈને વઢવું પડે, તો અમારે વઢવું પડે નહીં.

(પા. ૧૬)

ટૈડકાવવું પણ આજ્ઞા લઈને

પ્રશ્નકર્તા : એ વઢવાનું કેમ મન નહીં થતું હોય ? બીજો કોઈ ભૂલ કરે તો એને વઢી કાઢે બરોબર.

દાદાશ્રી : આ તો જાણતા નથીને ! જાણે તો વઢે. બીજાને કરતો દેખે એવું કરે. આ તો પેલો ભાઈ જે આંખો કાઢી કાઢીને કહેતો હતો ! એ રડી ઉઠ્યો. પોતે ટૈડકાવનાર ને પોતે રડી પડ્યો અને આત્મા જુદો થઈ ગયો ઊલટો ! ટૈડકાવે ત્યાં આત્મા જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : એ વઢવાનો પ્રયોગ બહુ સુંદર છે.

દાદાશ્રી : એ તો બહુ નહીં વઢવું. એ તો અમને પૂછીને વઢવું જોઈએ. બીજા બધાને વઢવાની જરૂર ના પડે. આના જેવાને જરૂર પડે. આની ઈચ્છા દ્રઢ છે ને ! એટલે બધાની આરપાર નીકળી જાય એવો છે. આ બધાય નીકળી જાય, રસ્તો જડી જાય.

ટૈડકાવનાર ટૈડકાવ્યા કરે છે ને રડનાર રડ્યા કરે છે. મોટી અજાયબીને ! પછી મેં બીજા લોકોને કહેલું કે આવું ટૈડકાવશો નહીં. મને પૂછ્યા સિવાય કોઈ ટૈડકાવવા ના જશો. અમે આજ્ઞા આપીએ તો જ એ કરવાનું. કારણ કે જોખમ છે આ તો. પાંસઠ વર્ષના આ વકીલ થયેલા માણસ, એને ટૈડકાવતા શું શું દાવો માંડી દે એ કહેવાય નહીંને ?

પ્રશ્નકર્તા : દાદા, અત્યારે એ ભાઈ આવ્યા’તા ને એ કહેતા’તા કે ફાઈલ નંબર એક એટલી બધી ભડકી ગઈ છે ને કે હવે આડું કરતી જ નથી.

દાદાશ્રી : હા, એ ભડકી જાયને ! એને ટૈડકાવનાર કોઈ મળ્યું જ નથી અને જે ટૈડકાવે તેની પર દાવા માંડે છે, ક્લેઈમ કરે છે. જ્ઞાની પુરુષ જો જબરજસ્ત ટૈડકાવેને તો અહીંથી જ એનું હિતેય છોડીને જતો રહે. માટે એ આપણે પોતે જ ટૈડકાવીએ, તો ક્યાં જતા રહે એ ?

ત્યારે જાણવું આત્મા ભણી વળ્યા

પ્રશ્નકર્તા : દાદા, એવું કંઈ કરવું હોય તો પહેલા તમારી પાસે આવીને આજ્ઞા લઈને કરવું, તો બરાબર એનો ફાયદો-લાભ થાય, ખરુંને ?

દાદાશ્રી : એ આશીર્વાદ આપીએને, પછી તમારે શું ? કારણ કે હું આશીર્વાદ આપુંને, તે આત્મા એકલો જ હોય. એટલે પ્રજ્ઞાશક્તિ એકલી જ કામ કરે, નહીં તો બીજું મહીં જોડે જોડે કોઈ ચોંટી ગયું હોય તો વેષ થઈ પડે.

વઢો ત્યારે વિરોધપક્ષવાળા જુદા પડી જાય. આ તો વિરોધપક્ષની પાટલી ઉપર બેસવું છે અને સરકારને વગોવવી છે. વિરોધપક્ષની પાટલીએ બેસે એ પૂર્વકર્મના આધારે. પણ વિરોધપક્ષના અભિપ્રાયમાં રહેવું કે ના રહેવું એ આજનો પુરુષાર્થ છે. એટલે આપણે સરકારને (આત્માને) જ અભિપ્રાય આપવો જોઈએ. વિરોધપક્ષમાં બેસીને પણ સરકારને મત આપે ત્યારે જાણવું કે હવે આત્મા ભણી વળ્યો. હવે આત્મપક્ષના રહો.

કહેનાર કોણ છે ? કોને કહે છે ? એ જે જાણે છે તે શુદ્ધાત્મા સંપૂર્ણ છે. કહે છે કોણ ? એ પ્રજ્ઞા સમિતિ. કોને કહે છે ? અજ્ઞા સમિતિને. અજ્ઞા સમિતિમાં અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ. એ સમિતિ જુદી, આ સમિતિ જુદી. જો એક કલાક, ગુંઠાણું આવું ચંદુભાઈને ઠપકો આપે, તો બોલો, એની શક્તિ કેટલી વધી જાય !

ઉપયોગમાં રહેવાની રીત

હું તો નીરુબેન હોય તોય બોલું છું. શું બોલું હું ? અંબાલાલભઈ, શું તમે કોન્ટ્રાક્ટર ? તમે કેવા માણસ છો તે ? શું તમે માની બેઠા છો પોતાની જાતને ? એવું કહું. નીરુબેન કહે, ‘તમે વાતો કરો છો ?’ ત્યારે મેં કહ્યું, ‘શું કરું ત્યારે બળ્યુ ? બધી વાતો કંઈ ખાનગી રહી ઓછી થાય છે ?’

પ્રશ્નકર્તા : દાદા, તમે તો નિર્ભેદીને એટલે ભેદ વગરના, એટલે તમે છૂટા પડીને બોલો.

(પા. ૧૭)

દાદાશ્રી : છૂટું છે જ, છે જ છૂટું. મેં છૂટું જ કરી આપ્યું છે. તદ્દન છૂટું કર્યું. હવે તમે એનો ઉપયોગ ના કરો તો, તમે એની (ફાઈલ નં.૧ની) જોડે બેસી રહો અડીને. વઢીએ એટલે એની મેળે થાય છૂટા. જેમ સાસુ-વહુ લડે તેવી રીતે. સાસુ ને વહુ લડે જ ને ? ના પણ, વહુને સાસુના કેટલા દોષ દેખાય બિચારીને ? આ તો મૂળ પોતે પોતાને લડે, એટલે બધા જ દોષ દેખતો હોયને !

હવે રોજ તમારે એવો ઠપકો ના આપવો, રડે એવો. પણ અમથા અમથા જરાક રોજ કહે કહે કરીએ. સાસુએ કચકચ કરવા માંડી, એટલે વહુ સમજી જાય કે આમની જોડે મેળ નહીં પડે આપણે.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : એ જુદું થવાનો, વધારે જુદું થવાનો રસ્તો !

જુદા રહી વઢવાનું રાખો જરા

દાદાશ્રી : તારે કઈ બાજુ ચાલે છે હમણે ?

પ્રશ્નકર્તા : આ બાજુ, રિયલમાં પુરુષાર્થ, હવે આ બાજુ શુદ્ધાત્મા તરફ ચાલે છે.

દાદાશ્રી : શી રીતે કરો છો ?

પ્રશ્નકર્તા : ચંદુને વઢીને.

દાદાશ્રી : તું વઢે તેથી ચંદુ રિસાતો નથી ?

પ્રશ્નકર્તા : રિસાતો નથી પણ જલદી વઢવાનું યાદ ના આવે. પછી યાદ આવે ત્યારે વઢી કાઢીએ. પછી માને ખરો કે હા, વાત સાચી છે એમ.

દાદાશ્રી : એટલું એ માને છે ?

પ્રશ્નકર્તા : અને એ માને કે ના માને, એ વઢવાનું એટલે પછી વઢવાનું જ. પછી ધીરે ધીરે માનતા શીખશે.

દાદાશ્રી : બરાબર છે.

મગન, તું શું કરી આવ્યો ?

પ્રશ્નકર્તા : પણ બહુ ધીરું બોલતો’તો.

દાદાશ્રી : તું શાનો ફાસ્ટ બોલું ? તું તો દયાળુ માણસને !

તારે સૂતી વખતે (સામાયિક કરે ત્યારે) એમ કહેવું જોઈએ કે મગન, શું જોઈને આમ ઢીલાં બેસો છો, શરમ નથી આવતી ? તે એવું પાંચ-દસ મિનિટનું કહેવામાં તને શો વાંધો આવે ?

પ્રશ્નકર્તા : કશો વાંધો નહીં.

દાદાશ્રી : તે કહેજેને. આપણે વઢવામાં શું ખોટ જવાની ? જોને, પેલો ભાઈ આવું વઢતો’તોને, તે એક દહાડો તો અગાસી હઉ ધ્રુજી ગઈ’તીને ? ઉપાય ન્હોતો સારો ?

પ્રશ્નકર્તા : બહુ સરસ ઉપાય, દાદા.

દાદાશ્રી : પણ ફરી કરતા નહીં, ને પાછા ભૂલી જાવ છો એવા મોળા લોકો.

પ્રશ્નકર્તા : આપે ના પાડેલી કે મારી આજ્ઞા સિવાય નહીં કરવાનું.

દાદાશ્રી : રોજ ના કરશો. વળી નફ્ફટ થઈ જાય.

માથે લઈએ તો પીડા

પ્રશ્નકર્તા : હા, પણ સામાયિક કરવાનું આમ એ (મન) નથી થતું. કંઈક કરો, દાદા.

દાદાશ્રી : કરવાનો ભાવ ખરોને ?

પ્રશ્નકર્તા : હા. આ પહેલાં છે ને દાદા, માલ એટલો બધો ફૂટતો’તો કે સામાયિક ના કરીએ તો ચાલે નહીં એમ. અને હવે પેલું બધું ઓછું થઈ ગયુંને એટલે પહેલાં જેટલું આમ સામાયિકમાં બેસવાનું એ (મન) નથી થતું. પછી એ સામાયિકમાંથી અધવચ્ચે ઉઠાડે.

દાદાશ્રી : હા, આપણે ઊલટું કહેવું જોઈએ કે મગન, પાંસરો બેસજે. જો આજ ઊઠાડે તો તારી દશા, તારી વાત તું જાણ, કહીએ.

(પા. ૧૮)

પ્રશ્નકર્તા : આજે બરાબર નક્કી કરીને બેઠો’તો, કે ‘આજે બરાબર બેસજે શાંતિથી, બરાબર એલર્ટ રહીને બેસજે.’

દાદાશ્રી : ‘તારી વાત તું જાણ. આ આવી બન્યું તારું’, એમ કહેવું આપણે. એ આપણે કશુંય નહીં અને ચાલે ગાડું. પેલું માથે લઈ લે છે. આ ફેરે નક્કી જ કરવું છે કે આજે આઘુંપાછું નથી થવું, આજે આમ કરવું છે, તો થઈ ગયો મગન.

પ્રશ્નકર્તા : હા, બસ આમ નથી કરવું, આમ કરવું છે, એ માથે લઈ લીધું કહેવાય ?

દાદાશ્રી : વગર કામની પીડા. મેં આત્મા ચોખ્ખો આપ્યો છે, તેમાં રહેતા હોય તો નિરાંત થઈ જાય. 

અરીસા સામાયિકથી જુદાપણાની જાગૃતિ

પ્રશ્નકર્તા : (આ ફાઈલ ૧ને વઢવાનું, તે) દરેકે પોતાની ફાઈલ જોઈને કરવું જોઈએ ? દરેકની ફાઈલને જુદી જુદી દવા માફક આવે. એકસરખી દવા ના માફક આવે. મારી ફાઈલને એવું વઢવાની કડક દવા માફક ના આવે.

દાદાશ્રી : હા, કોઈને પ્રેશર વધી જાય, કોઈને કશું એવું થઈ જાય.

પ્રશ્નકર્તા : તો આ બધા એકબીજાનું જોઈ જોઈને કરવા જાય આમ...

દાદાશ્રી : ના, જોઈ જોઈને કરશો નહીં. મને પૂછવું. એ મેં કહ્યું છે. અલ્યા, કોઈ (પોતાની મેળે) કરશો નહીં. ‘ગેટઆઉટ, ગેટઆઉટ’ કહીએ તો બ્લડપ્રેશર વધી જાય. એટલે તમારે તો અરીસામાં જોઈને કહેવું કે ‘ભઈ, હું છું તારી સાથે. તું ગભરાઈશ નહીં.’ એમાં પ્રેશર ના થઈ જાય. નિશ્ચય જોઈએ આમાં, નિશ્ચય.

અરીસામાં ચંદુભાઈ સામા દેખાય. એમાં એક આત્મા છે અને સામા ઊભા છે એ ચંદુભાઈ છે.

આપણે એમને કહ્યું કે ‘ચંદુભાઈ, આવી આવી ભૂલો ક્યાં સુધી કરશો ?’ ‘જરા તમને ઠપકો આપવા જેવો છે’ એમેય કહીએ.

તમે કોઈ દહાડો અરીસામાં જોઈને ચંદુભાઈને ઠપકો આપો છો ? આપણે અરીસામાં ચંદુભાઈને સામા બેસાડીને કહીએ કે ‘તમે ચોપડીઓ છપાવી, જ્ઞાનદાન કર્યું, એ તો બહુ સારું કામ કર્યું, પણ તમે બીજું આમ કરો છો, તેમ કરો છો, તે શા માટે કરો છો ?’ આવું પોતાની જાતને કહેવું પડે કે નહીં ? દાદા એકલા જ કહે કહે કરે, એના કરતા તમે પણ કહો તો એ બહુ માને, તમારું વધુ માને ! હું કહું ત્યારે તમારા મનમાં શું થાય ? મારી જોડે પાડોશમાં છે ‘તે’ મને નથી કહેતા ને આ દાદા મને શું કરવા કહે છે ? માટે આપણે જાતે જ ઠપકો આપીએ.

પારકાની ભૂલો કાઢતા બધીય આવડે અને પોતાની એકુંય ભૂલ કાઢતા નથી આવડતી. પણ તમારે તો ભૂલો કાઢવાની નથી. તમારે તો ‘ચંદુભાઈ’ને વઢવાનું જ છે જરા. તમે તો તમારી બધી ભૂલો જાણી ગયા છો. એટલે હવે ‘તમારે’ ચંદુભાઈને ઠપકો આપવાનો છે, એ નરમ પણ છે, પાછા ‘માની’ પણ એવા જ છે, બધી રીતે ‘માનવાળું’ છે. એટલે એને જરા પટાવીએ તો બધું કામ થાય.

હવે આ વઢવાનો આપણે ક્યારે અભ્યાસ કરીએ ? આપણે ઘેર એક-બે માણસો વઢનારા રાખીએ, પણ એ સાચું વઢનારા ના હોયને ? સાચું વઢનારા હોય તો કામનું, તો જ પરિણામ આવે. નહીં તો જૂઠું-બનાવટી વઢનારું હોય તો કામનું પરિણામ ના આવે. આપણને કોઈ વઢનારું હોય તો આપણે તેનો લાભ લેવો જોઈએ ને ? આ તો આવું ગોઠવતા આવડતું નથીને !

પ્રશ્નકર્તા : વઢનારા હોય તો આપણને ગમે નહીં.

દાદાશ્રી : એ નથી ગમતા. પણ રોજના વઢનારા લાગુ થયા હોય, પછી તો આપણને નિકાલ કરતા

(પા. ૧૯)

આવડે ને બળ્યું કે આ રોજનું લાગ્યું છે, તો ક્યાં પત્તો પડશે ? એના કરતા આપણે આપણી ‘ગુફામાં’ પેસી જાવને !

હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે કે ‘તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો, તે બહુ સારું કામ કરો છો !’ પણ જોડે જોડે બીજી સમજણ પાડવી ને સલાહ આપવી કે ‘દેહનું બહુ ધ્યાન શું કામ રાખો છો ? દેહમાં આ આમ થાય છે, તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.’ એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ અરીસા સામે બેસાડ્યા હોય તો, તે તમને ‘એક્ઝેક્ટ’ દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે.

દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ. એટલે કોઈ બીજો ફોન લે જ નહીંને !

પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવા ?

દાદાશ્રી : તું ‘ચંદુભાઈ’ને સામે બેસાડીને વઢ વઢ કરતો હોય તો ‘ચંદુભાઈ’ બહુ ડાહ્યા થઈ જાય. તું જાતે જ વઢું કે ‘ચંદુભાઈ, આવું તે હોય ? આ તમે શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડોને !’ આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો’ક લપકા કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તને ‘ચંદુભાઈ’ને વઢવાનું કહીએ, નહીં તો હપુચું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! 

તારે ‘ચંદુભાઈ’ને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોઢું બધું જ દેખાય. પછી આપણે ‘ચંદુભાઈ’ને કહીએ, ‘તમે આમ કેમ કર્યું ? તમારે આમ નથી કરવાનું. પત્ની જોડે મતભેદ કેમ કરો છો ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા

પછી આમ શું કરવા કરો છો ?’ આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપે એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તમને ચંદુભાઈની બધી જ ભૂલોની ખબર પડેને ? જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુલાલને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક !

પ્રશ્નકર્તા : આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ, તો તે ના થઈ શકે ?

દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તમને ચંદુભાઈ દેખાવા જોઈએ. એકલા એકલા મનમાં કરીએ તો આવડે નહીં. એકલા એકલા કરવાનું, એ તો ‘જ્ઞાની પુરુષ’નું કામ. પણ તમને તો આમ આ બાળભાષાનું શીખવાડવું પડેને ? અને આ અરીસો છે તે સારું છે, નહીં તો (પહેલાં તો) લાખ રૂપિયાનો અરીસો વેચાતો લાવવો પડત. આ તો (અત્યારે) સસ્તા અરીસા છે ! ઙ્ગષભદેવ ભગવાનના વખતમાં ભરત ચક્રવર્તીએ એકલાએ જ અરીસા ભવન બનાવેલું ! અને અત્યારે તો એય મોટા મોટા અરીસા બધે દેખાય !

આ બધી પરમાણુની થિયરી છે. પણ જો અરીસા સામું બેસાડીને કરે ને, તો બહુ કામ નીકળી જાય એવું છે. પણ કોઈ કરતું નથીને ! અમે કહીએ ત્યારે એક-બે વખત કરે ને પછી પાછો ભૂલી જાય !

ભરત રાજાને ઙ્ગષભદેવ ભગવાને ‘અક્રમ જ્ઞાન’ આપ્યું ને છેવટે તેમણે અરીસા ભવનનો આશરો લીધો, ત્યારે તેમનું રાગે પડ્યું. અરીસા ભવનમાં વીંટી નીકળી ગયેલી, આંગળીને અડવી દીઠી ત્યારે તેમને થયું કે બધી આંગળીઓ આવી દેખાય છે ને આ આંગળી કેમ આવી દેખાય છે ? ત્યારે ખબર પડી કે વીંટી નીકળી પડી છે તેથી. વીંટીને લીધે આંગળી કેટલી બધી રૂપાળી દેખાતી હતી, એ ચાલ્યું મહીં તોફાન ! તે ઠેઠ ‘કેવળ’ થતા સુધી ચાલ્યું ! વિચારણાએ

(પા. ૨૦)

ચઢ્યા કે વીંટીને આધારે આંગળી સારી દેખાતી હતી ? મારે લીધે નહીં ? તો કહે કે તારે લીધે શાનું ? તે પછી ‘આ ન હોય મારું, ન હોય મારું, ન હોય મારું’ એમ કરતા કરતા ‘કેવળ જ્ઞાન’ને પામ્યા. એટલે આપણે અરીસા ભવનનો લાભ લેવો. આપણું ‘અક્રમ વિજ્ઞાન’ છે. જે કોઈ આનો લાભ લે, તે કામ કાઢી નાખે. પણ આની કોઈને ખબર જ ના પડેને ? ભલે આત્મા જાણતો ના હોય, છતાંય અરીસા ભવનની સામાયિક ફક્કડ થાય !

છૂટાપણાની સામાયિક

આજે છૂટું પાડવાની સામાયિક બતાડીએ છીએ. ચંદુભાઈ અને શુદ્ધાત્માને જુદા પાડવાની આ ઊંચામાં ઊંચી રીત છે. એ સામાયિકમાં તમારે આ પ્રમાણે બોલ્યા કરવાનું,

1. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે જુદા છો ને ચંદુભાઈ જુદા છે.’

2. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે રીયલ છો અને ચંદુભાઈ રિલેટિવ છે.’

3. ‘હે શુદ્ધાત્મા ભગવાન ! તમે પરમનન્ટ છો અને ચંદુભાઈ ટેમ્પરરી છે.’

આટલું અડતાલીસ મિનિટ બોલ્યા કરવું.

‘હું’ અને ‘ચંદુભાઈ’ બે જુદા જ છીએ, એવું મને જુદા રહેવાની શક્તિ આપો. મને તમારા જેવું જુદા રહેવાની શક્તિ આપો અને ચંદુભાઈ જુદા રહે. હે દાદા ભગવાન ! તમારી કૃપા વરસો. ‘ચંદુભાઈ શું કરે છે’ એને હું જોઉ અને જાણું એ જ મારું કામ.

એમાં તમારે જે કાંઈ શક્તિઓ ખૂટતી લાગતી હોય, તે સામાયિકમાં શુદ્ધાત્મા ભગવાન પાસે મંગાય. આનાથી તદ્દન છૂટું જ પડી જશે. દિવસમાં જ્યારે પણ યાદ આવે ત્યારે પાંચ-પચીસ વાર આ ત્રણ વાક્યો બોલી નાખશો, તોય તરત મહીં બધું છૂટું પડી જશે ને ક્લિયર (ચોખ્ખું) થઈ જશે બધું.

પ્રયત્નોથી અંતે પ્રયોગ થશે સિદ્ધ

પ્રશ્નકર્તા : તમે જે આ બધા પ્રયોગો બતાવો છો ને, અરીસા સામાયિક કરવાનું, પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય છે.

દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસરથી કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. પણ એ થતું નથી ને અધવચ્ચે પ્રયોગ પૂરો થઈ જાય છે.

દાદાશ્રી : એમ કરતા કરતા સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય.

પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો હોય અને પછી બીજો પ્રયોગ કરીએ. એ અધૂરો મૂકીએ ને ત્રીજો પ્રયોગ કંઈ બતાવે. એમાં અધૂરો મૂકે, એટલે આમ બધા અધૂરા રહે છે.

દાદાશ્રી : એ આપણે ફરી પૂરા કરવા, ધીમે ધીમે એક-એક લઈને. અરીસાનો પ્રયોગ પૂરો નથી કર્યો ?

પ્રશ્નકર્તા : ના, એટલે જ્યારે કરીએ એટલો લાભ થાય. પણ આપણે પછી જે છૂટાપણું રહેવું જ જોઈએ, આ ભાઈને જે છૂટો જોઉં છું, એમ પછી પરમેનન્ટ નથી જોવાતું. પ્રકૃતિને જાણીએ ખરા, જુદી છે.

દાદાશ્રી : કેટલું વઢ્યો’તો એ ! રડ્યો ત્યાં સુધી વઢ્યો’તો. તે બોલો હવે, કેટલું છૂટું પડી ગયું ! તું કંઈ વઢ્યો હતો એવું કોઈ દહાડો ? રડે એવો ?

પ્રશ્નકર્તા : રડ્યો નહોતો, પણ ઢીલો થઈ ગયો’તો.

(પા. ૨૧)

દાદાશ્રી : ઢીલો થઈ ગયો’તો. તું ટૈડકાવું તો સીધો થઈ જાય ખરો ! ત્યારે પછી એ પ્રયોગ કેટલો કિંમતી પ્રયોગ છે ! લોકોને આવડે નહીં. જુઓને, આ ભઈ બેસી રહે ઘેર, પણ આવો પ્રયોગ ના કરે.

પ્રશ્નકર્તા : અમે હઉ બેસી રહીએ છીએ. એટલે એમાં કચાશ છે કે પછી પ્રયોગનું મહત્ત્વ સમજાયું નથી કે પછી આમાં હકીકત શું બને છે ?

દાદાશ્રી : એટલો ઉલ્લાસ ઓછો છે.

નિજસ્વરૂપની જાગૃતિ એ શુદ્ધ સામાયિક

આપણે તો નિજસ્વરૂપની જાગૃતિમાં રહેવું. જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદમાં રહેવું, એ જ આપણું શુદ્ધ સામાયિક કહેવાય.

તારે શુદ્ધાત્માનો ઉપયોગ કેટલો વખત રહે ? ગુંઠાણું ? એક કલાક તો હોવું જોઈએ, ગુંઠાણું.

પ્રશ્નકર્તા : એવું કન્ટિન્યુસ (સતત) નથી હોતું, આમ ટુકડે ટુકડે ટુકડે હોય.

દાદાશ્રી : હા, પણ એ કન્ટિન્યુસ કરવામાં વાંધો શું છે ? એક ગુંઠાણું કરે તોય બહુ થઈ ગયું. તોય મોટું સામાયિક પુણિયા શ્રાવકનું સામાયિક કહેવાય.

વધારે નહીં તો, કલાક તો રહેવું જોઈએ ને ? જ્ઞાની પુરુષને આખો દિવસ રહે. થોડો વખત પા કલાક કે દસ મિનિટ કંઈ જતો રહે વખતે. આમ ચોવીસે કલાક રહે, ચૂકે જ નહીંને ! એમની લાઈનમાંથી ચૂકે નહીં. જ્યારે ત્યારે તો એવું થવું પડશે ને ? જ્યારે ત્યારે તો એ ગામ જવું જ પડશે ને ? છેલ્લું સ્ટેશન તો એ જ છે ને ? સેન્ટ્રલ સ્ટેશન તો જવું પડશે ને ? વચલા સ્ટેશને ઊતરીએ એનો શો અર્થ ?

રાખવું લક્ષ પૂર્ણતાની જાગૃતિનું

પ્રશ્નકર્તા : દાદા, તમે પેલો દાખલો આપો છો ને કે ગાડીની લાઈટ બંધ કરીને ચાલે (અજ્ઞાન દશામાં)

તો બધા મચ્છર મરી જાય, તે દેખાય નહીં એટલે મોજમાં રહેવાય. પણ જેમ લાઈટ ઑન (ચાલુ) કરીને (જ્ઞાન દશામાં જાગૃતિથી) બધું દેખાય, એટલે પછી અંદર જબરદસ્ત એ રહે. એવું જ લાગે છે કે તલવારની ધાર ઉપર જીવીએ છીએ. એટલે ક્યારે મોક્ષે જઈએ, ક્યારે મોક્ષે જઈએ એવું રહે અંદર.

દાદાશ્રી : એ તલવારની ધાર જેવો માર્ગ છે આ. પણ હવે અજ્ઞાનના જેવું દુઃખ નહીં લાગે. જાગૃતિથી તલવારની ધારનું તો જરા દુઃખ રહે એ રહે ને ફક્ત બહુ ઝીણું રહેવું પડે, જાગ્રત રહેવું પડે. પણ લક્ષમાં બધું રાખવું પડે કે ચંદુ હવે શું કરે છે ? હવે શું પૂરું થયું ?

એ બધું લક્ષમાં રહે કે આપણે અહીં શું કરવાનું છે ? બસ, એટલે એ કામ એની મેળે ઉકલ્યા જ કરે, એ પ્રમાણે થાય. કરવું છે એ નક્કી. આ જ કરવું છે. આ લક્ષવાળું જ કામ એ, બીજું નહીં.

સ્વરૂપ ચિંતવે એ શુદ્ધ ઉપયોગ

પ્રશ્નકર્તા : એટલે પોતાની ક્યાંય પણ ભૂલ રહે છે એમ જોઉં છું.

દાદાશ્રી : એ શુદ્ધ ઉપયોગ કહેવાય. અને સામાયિકમાં વ્યવહારેય બંધ કરવો પડેને ? તું કેટલો વખત કરે છે ?

પ્રશ્નકર્તા : તે પેલું આમ ટ્રેનમાં આવવા-જવાનો કલાક થાય. એ એક કલાક આમ સ્થિરતાપૂર્વક આખું એનાલિસિસ(પૃથક્કરણ)માં જાય. રાત્રે પોણો કલાક, અડધો કલાક બેસીને થાય, બસ.

દાદાશ્રી : ગાડીમાં આવતા-જતા ખરું ?

પ્રશ્નકર્તા : એ દોઢ કલાક મળે.

આમ તો એકધારું રહે છે.

દાદાશ્રી : કશું આઘુંપાછું ના થાય ?

પ્રશ્નકર્તા : એટલે સહેજ પેલું ચૂકાય, પાછું તરત ધોવાય ને પાછું ચાલ્યા કરે એ ઉપર.

(પા. ૨૨)

દાદાશ્રી : કેટલા વાગ્યા સુધી રાત્રે વિચાર આવે આવા બધા ?

પ્રશ્નકર્તા : ઠેકાણું નહીં, કેટલા વાગ્યા સુધી કંઈ નક્કી નહીં એનું.

દાદાશ્રી : એવું છે ને, એટલા બધા કર્મો ભસ્મીભૂત કરી નાખે આ વિચારો આવે તો. કારણ કે સામાયિકેય આની તોલે ના આવે. એ આત્મહેતુ છે. સામાયિક એ જુદી વસ્તુ છે, કરેલી વસ્તુ છે અને આ વિચારો જો આવેને, તે ભસ્મીભૂત કરી નાખે બધું હડહડાટ. અને વિચારોમાં વચ્ચે વચ્ચે સંસાર સાંભરે છે મહીં કે વિચારોની લિંક જ ચાલુ રહે છે ?

પ્રશ્નકર્તા : વિચારવાની જે આ લિંક હોય  ત્યારે કોઈ એને ને સંસારને સંબંધ ના હોય.

દાદાશ્રી : બીજું આવે નહીં એટલે કહું છું કે આ સામાયિક કરતા પણ ઊંચું છે. વિચાર સંસાર હેતુ માટે નથી બિલકુલેય. આત્મહેતુ માટે છે, પ્યૉરલી (પૂરેપૂરું).

જગત કલ્યાણની ભાવનારૂપી સામાયિક

અમે બધાએ ભાવના કરી કે લોકોને શાંતિ થાવ, શાંતિ થાવ, સત્ પુરુષનું યોગબળ, જગતનું કલ્યાણ કરો, સંત પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.

પ્રશ્નકર્તા : એવું સામાયિક હું રોજ કરું છું.

દાદાશ્રી : બધાએ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો એ પરમાણુ આખા ચેન્જ થઈ જાય. એ પરમાણુ ફેલાય. જો એક અડધો કલાક પણ, પા કલાક-અડધો કલાક સામાયિક બધા મહાત્માઓ કરે, તો એ પ્રમાણે ઘણો ફરક પડી જાય.

દાદાશ્રી : એવું બધું કરાવવું જોઈએ આપણે ત્યાં, નીરુબેન.

પ્રશ્નકર્તા : બહુ ભયંકર કર્મો ખરી પડે. આ સામાયિક જો અડધો કલાક, પોણો કલાક આપણે

કરીએ તો આ પરમાણુ ઘણા ફરક પડી જાય, અસર કરી જાય.

દાદાશ્રી : તમારા બધાનો તો કાળ જ એમાં જાય છે, પણ આ બધાનું જો કદી જોર થાય ને આવી ભાવના ભાવે તો કામ કાઢી નાખે.

પ્રશ્નકર્તા : દાદા તો પોતાનું બધું કરે જ છે.  આ છતાંય મહાત્માઓ જો એટલું કરે, તો દાદા જે ધ્યેય માટે, જે સિદ્ધાંત માટે આ બધું કરી રહ્યા છે, એને કેટલો, સપોર્ટ મળી જાય !

દાદાશ્રી : નહીં તો આ કાળમાં તો પાંચ બચે નહીં એવો કાળ છે. પણ કેટલા બચ્યા છે આપણા મહાત્માઓ જુઓને, નિરાંતે આટલી ભરહાડમાં !

પ્રશ્નકર્તા : તો હવે દાદાના જગત કલ્યાણના ધ્યેય માટે બધા મહાત્માઓએ એવું કરવું જોઈએને બધું.

દાદાશ્રી : એ બધું કરે. તમે કરનાર-કરાવનાર નથી આમાં, કોઈ આંગળી કરનાર નથી.

પ્રશ્નકર્તા : દાદા એકલા હાથે કેટલું કરે, બીજા બધાયે કરવું જોઈએને ?

દાદાશ્રી : હા, તે જ કહું છું ને હું. ટેકો જોઈએને આમ.

પ્રશ્નકર્તા : ટેકો હોવો જ જોઈએ.

દાદાશ્રી : પારકું છે જ નહીં ત્યાં.

પ્રશ્નકર્તા : બરોબર છે. અત્યારે બધાયે કંઈક તો કરવું, જે દાદાને કરવું છે એ બધાયે કરવું તો જોઈએ જ ને ?

દાદાશ્રી : હા, એ તો બધા તૈયાર જ છે પણ (કોઈ) સંકોરનાર નથી, સંકોરનાર જોઈએ.

પ્રશ્નકર્તા : હા, સંકોરનાર જોઈએ.

દાદાશ્રી : હા, કારણ કે જ્ઞાન આપેલું ને બીજી રીતે ચોખ્ખા. જ્યાં પોતાનો સ્વાર્થ હોય ત્યારે ભાવનાઓ

(પા. ૨૩)

વચ્ચે નડે. આપણા મહાત્માઓને એવો સ્વાર્થ નથી. (એટલે આપણા મહાત્મા) હવે એ ભાવના કરે, તો ફળ્યા વગર રહે નહીંને !

સાફ કરનાર ચંદુ, જોનાર તમે

ચોખ્ખું કરવા માંડ્યા કે બધું ? રૂમ બધા ચોખ્ખા કરવા માંડ્યા ?

પ્રશ્નકર્તા : હા, ચોખ્ખા કરવા માંડ્યા. જાળા-બાળા બધા બહુ છે. હવે દેખાય છે કે જાળા ક્યાં છે એમ. અંદર ખૂણે-ખાચરે ભરાઈ ગયેલા બધા હવે દેખાય છે.

દાદાશ્રી : એ દેખનારા તમે છો અને સાફ કરનારા પેલા છે, ઘર માલિક. સાફ કરી રહે એટલે  પાછા એ કહે કે ‘હવે હું આરામ કરું ?’ ત્યારે કહે, ‘ના હજુ તો આ બાકી છે. બધું પૂરું થાય પછી આરામ કરજો.’

પ્રશ્નકર્તા : દાદા, તમે પેલું બધું જાગ્રત કરો છો ને, હમણાંથી બરાબર જાગૃતિ આપો છો ને, તે મહીં હવે એવું થયું છે કે બહાર જોવાનો કશો ટાઈમ જ નથી. મહીંનું જ પાર આવે એવો નથી.

દાદાશ્રી : મહીં પાર નહીં આવે એવું...

પ્રશ્નકર્તા : એટલે બહાર કંઈ ખૂંપે એવું જ નથી. લાગે કે આ મહીં જ જુઓ. બહાર કંઈ ખૂપે એવું છે જ કંઈ ?

દાદાશ્રી : બહાર કશું છે જ નહીં. કામ જ નહીં બહાર તો. કામ તો બધું અંદર છે.

પ્રશ્નકર્તા : એટલે બહાર જોવા જઈએને તો અંદર પહોંચી ના વળાય.

દાદાશ્રી : એ બહાર જ્યાં સુધી કરે છે, ત્યાં સુધી અંદર એની જગ્યા જ નથી. પણ અંદર જઈએ...

પ્રશ્નકર્તા : અંદર જઈએ તો બહાર...

દાદાશ્રી : બંધ થઈ ગયું.

પ્રશ્નકર્તા : બંધ થઈ જાય, એની મેળે બંધ થઈ જાય. એટલે વૈરાગ લાવવાની કે કંઈ જરૂર જ ના પડે. એની મેળે જ મોહ-બોહ છૂટી જાય.

દાદાશ્રી : હંઅ. સામાયિક એટલે આંતર દ્રષ્ટિ કરવાની. અંદરનું દેખાય એનું નામ સામાયિક ને બહારનું દેખાય એનું નામ સંસાર. અંદર ઉતર્યા પછી બહારની ચીજ ના દેખાય. બધું અંદરનું દેખાય. એ બધું સામાયિક કહેવાય.

સમત્વમાં રહેવું એ સામાયિક

આ આત્મા સમત્વ શ્રેણીને ચૂકે નહીં, એનું નામ સામાયિક. ચંદુભાઈ બહાર અકળાયા હોય પણ તમે અંદર છે તે થાય કે આવું નહીં એટલે એ સમત્વ શ્રેણી ઊભી થઈ. એકનું પ્લસ ને એકનું માઈનસ એટલે થઈ ગયું સમત્વ.

પ્રશ્નકર્તા : હા, સમત્વ, પ્લસ-માઈનસ થઈ ગયું.

દાદાશ્રી : આત્માની સમત્વ શ્રેણી એ જ સામાયિક.

હવે આ જ્ઞાન પૂર્ણતાએ પહોંચાડી દેવું જોઈએ. પૂર્ણતાએ પહોંચાડવાના ધ્યેયમાં રહેવું જોઈએ. એટલે એકે ખૂણો કાચો ના રહી જાય. પછી પૂર્ણતા થાય પણ તે પૂર્ણતાનો પાયો દરેક કોર્નરથી તરત જોવો જોઈએ. કોઈ કોર્નર કાચો ના રહી જવો જોઈએ.

પ્રશ્નકર્તા : એકે ખૂણો કાચો ના રહેવો જોઈએ.

દાદાશ્રી : પૂરું ના થાય તેનો વાંધો નથી. દરેક કોર્નરથી આગળ વધવું જોઈએ. તમારે તો સારું જામી ગયું છે.

પ્રશ્નકર્તા : દાદા, દિવસે દિવસે આનંદનું પ્રમાણ વધતું જાય છે.

દાદાશ્રી : વધેને ત્યારે તો બીજું શું થાય ? સમત્વ શ્રેણી વધતી જાય ને એ આનંદ પ્રગટ (થતો જાય), આનંદ વધતો જાય દહાડે દહાડે.

જય સચ્ચિદાનંદ