મને જે ભેગો થયો, તેને સુખ જ હો...

સંપાદકીય

જીવનમાં તકલીફ તો કોને ના આવે ? પૂર્વકર્મોના ફળ તો ભોગવવા જ પડે ને ? એમાંથી તો ખુદ ભગવાન પણ બાકાત ના રહી શકે. પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના જીવનમાં પણ સુખ-દુઃખના ઘણા સંયોગો આવ્યા પણ એ સર્વે સંયોગોમાં પોતાની આગવી સમજથી તેઓ જીવનના નિષ્કર્ષ કાઢતા રહ્યા. ફળ ભોગવતી વખતે એમાંય નિરીક્ષણ કરવાનો તેમજ સંશોધન કરવાના આગવા ગુણને પરિણામે કોઈ પણ જીવને પોતાના થકી દુઃખ ન થાય અને પોતે પણ કોઈનાથી દુઃખી ન થાય, એવી સમજણ કેળવી અને તેના પરિણામે મતભેદ કે કષાય રહિત વ્યવહાર કરી, આદર્શ જીવન જીવ્યા. એનું પ્રમાણ એમના જીવન પ્રસંગોમાં આ અંકમાં જોવા મળે છે.

દાદાશ્રીનું આટલું ઊંચું આધ્યાત્મિક ડેવલપમેન્ટ તેઓના કયા ગુણોને આધારે હતું ? તેઓની અહિંસા, પરોપકારી સ્વભાવ, ઉદારતા, નિર્ભયતા, એડજસ્ટમેન્ટ લેવાની ક્ષમતા, ફ્લેક્સિબિલિટી, લઘુત્તમતા, કાઉન્ટરપુલી મૂકવાની કળા, વ્યાપાર શુદ્ધિ, પરિસ્થિતિ સમજીને વર્તે એવી દૂરદર્શીતા, પરગજુ, અપરિગ્રહી આચાર, રસાળવો વ્યવહાર, વિચારશીલ, જગત કલ્યાણની ભાવના, શુદ્ધ પ્રેમ, અભેદ દ્રષ્ટિ, વીતરાગતા, કારુણ્યતા વગેરે વિશેષ ગુણો સભર આ અસામાન્ય પ્રતિભા તેમના બાળપણથી માંડીને જીવનના દરેક પ્રસંગોમાં દ્રષ્ટિગોચર થતી જણાય છે.

તેઓ હંમેશાં કહેતા ‘હું આ દુનિયાના દુઃખો લેવા આવ્યો છું. તમારા સુખ તમારી પાસે રહેવા દો, તમારા દુઃખો મને સોંપી દો’, તમને અમારી પર વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે, મને સોંપ્યા પછી. તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. તમારે કહેવું કે ‘દાદા, આટલા દુઃખો મને છે, તે હું તમને સોંપી દઉં છું. તે હું લઈ લઉં તો નિવેડો આવે.’

આ દુઃખો અમારાથી જોવાતા નથી છતાં ઈમોશનલ થતા નથી. એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ કેવું સહન થતું હતું તે જાણીએને, તે એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે. માટે સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થઈ.

એવા આ અપૂર્વ અક્રમ વિજ્ઞાની દાદાશ્રીના જીવનના પ્રસંગો કે જે તેઓના શ્રીમુખે ઉદ્બોધાયેલા છે, તેનું સંક્ષિપ્ત સંકલન અત્રે રજૂ કરાયેલ છે. જેમાં તેઓની બાળદશાથી જ વર્તતી અદ્ભૂત વિચક્ષણતા, દૂરદર્શીતા, જ્ઞાનદ્રષ્ટિ આ પ્રસંગોમાં ઝળકે છે.

પોતાના આગવા અનુભવથી પૂર્ણપદ પ્રાપ્ત કરીને તેઓ આપણને પણ પહેલું પગથિયું (લેવલ 1) પ્રેક્ટિકલી વ્યવહાર જીવનમાં કેવી રીતે લાવવું એ સમજાવે છે. એટલે કે કોઈને પણ દુઃખ ના થાય તેમજ સર્વેમાં શુદ્ધાત્મા નિહાળી, આદર્શ વ્યવહાર કળાનો પરિચય પ્રાપ્ત કરી, આપણા આધ્યાત્મિક જીવનને આદર્શ બનાવવા આ અંક પ્રેરણારૂપ બની રહેશે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા. 4)

મને જે ભેગો થયો, તેને સુખ જ હો...

મનુષ્ય જીવનનો ધ્યેય

પ્રશ્નકર્તા : મનુષ્ય જીવનનો ધ્યેય શું છે ?

દાદાશ્રી : માનવતાના ફિફટી પરસેન્ટ (પચાસ ટકા) આવવા જોઈએ. જે માનવધર્મ છે, એમાં ફિફટી પરસેન્ટેય માર્ક આવવા જોઈએ. એ માનવ જીવનનો ધ્યેય અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય, તેને નાઈન્ટી પરસેન્ટ (નેવું ટકા) માર્ક આવવા જોઈએ. માનવતાના ગુણો તો આવવા જોઈએને ? જો માનવતા જ નથી, તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો ?

આ તો ‘લાઈફ’ બધી ‘ફ્રેક્ચર’ થઈ ગઈ છે. શેના સાર^ુ જીવે છે, તેનુંય ભાન નથી કે મનુષ્યસાર શું ?

પ્રશ્નકર્તા : તો માનવધર્મ શું છે ?

દાદાશ્રી : માનવધર્મ એટલે શું ? થોડીઘણી વાત કરું. આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે પણ થોડી વાત કરીએ આપણે. ટૂંકમાં તો કોઈ મનુષ્યને આપણા નિમિત્તે દુઃખ ના થાય, એ માનવધર્મ છે.

બાકી, ખરી રીતે તો માનવધર્મ કોને કહેવાય છે ? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય ?

માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું લોકોને આપવું અને ના ગમતું હોય તે બીજાને આપવું નહીં. આપણને કો’ક ધોલ મારે તે નથી ગમતું, તો આપણે બીજાને ધોલ ના આપવી જોઈએ. આપણને કોઈ ગાળ દે તે આપણને નથી ગમતી, માટે બીજા કોઈને આપણે (ગાળ) આપવી નહીં. માનવધર્મ એટલે આપણને જે ના રૂચે તે બીજાની પ્રત્યે કરવું નહીં. આપણને ગમતું હોય તે બીજા પ્રત્યે કરવું, એનું નામ માનવધર્મ.

‘મારે લીધે કોઈને અડચણ ના આવે’ એવું રહ્યું એટલે તો કામ જ થઈ ગયુંને !

અક્કલવાળો તો કોણ કહેવાય ? કોઈનેય દુઃખ ના દે અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. બધાને ઓબ્લાઈઝ (ઉપકાર) કર્યા કરે આખો દહાડો. સવારે ઊઠે ત્યારથી જ એનું લક્ષ લોકોને કેમ કરીને હેલ્પફુલ (મદદરૂપ) થઈ પડું એવું જેને સતત રહ્યા કરે તે માનવ કહેવાય અને તે પછી આગળ ઉપર મોક્ષનો રસ્તો પણ મળી જાય.

માનવતાની વિશેષ સમજ

પ્રશ્નકર્તા : આ માનવતાના લક્ષણ વિશે જરા વિસ્તારથી સમજાવો.

દાદાશ્રી : માનવતાની ગ્રેડ (કક્ષા) જુદી જુદી હોય. દરેક દેશમાં માનવતા છે ને, તેના ડેવલપમેન્ટના આધારે બધા ગ્રેડ હોય.

પોતાને જે અનુકૂળ આવ્યું એવું જ બધા પ્રત્યે અનુકૂળ રાખવું જોઈએ કે મને દુઃખ થાય છે, તો એને દુઃખ કેમ ના થાય ? આપણું કોઈ ચોરી જાય તો આપણને દુઃખ થાય છે, તો કોઈનું ચોરી કરતી વખતે આપણને વિચાર આવવો જોઈએ કે કોઈકને દુઃખ થાય એવું કેમ થાય ? પછી કોઈક આપણી સાથે જૂઠું બોલતો હોય તો આપણને દુઃખ થાય છે, તો આપણે પણ એવું વિચારવું જોઈએ.

માનવતા એટલે પોતાને જે ગમે છે એવું જ બીજા જોડે વર્તન કરવું. આ ટૂંકી વ્યાખ્યા સારી છે પણ દરેક દેશના લોકોને જુદી જુદી જાતનું જોઈએ.

પોતાને અનુકૂળ ના આવ્યું હોય, એવું બીજા

(પા. 5)

પ્રત્યે અવળું વર્તન નહીં કરવાનું. પોતાને અનુકૂળ આવે એવું જ વર્તન બીજા જોડે કરવાનું. તમારે ઘેર હું આવું તો તમે ‘આવો, બેસો’ એવું બોલો, તો મને ગમતું હોય તો મારે ઘેર કોઈ આવે તો મારે એને માટે ‘આવો, બેસો’ એમ બોલવું જોઈએ, એનું નામ માનવતા. પછી આપણે ઘેર કોઈ આવે ત્યારે આપણે એવું બોલીએ નહીં ને એની પાસે આશા રાખીએ, એ માનવતા ના કહેવાય. આપણે કોઈકને ઘેર ગયા હોય અને જમવાની આશા રાખીએ, પછી આપણે મહેમાન થઈને આવ્યા છીએ ને કેવો સારો ખોરાક લીધો (આરોગ્યો), તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે ત્યાં મહેમાન આવે ત્યારે સારો ખોરાક, જેવું જોઈતું હોય તેવું કરવું, એ માનવતા.

પોતાની ઉપરથી પોતાનું બધું વર્તન ફેરવવું એ માનવતા ! આમ પોતાને ઈન્સલ્ટ (અપમાન) ગમતું નથી અને લોકોને ‘ઈન્સલ્ટ’ આપવામાં શૂરો હોય છે, એને માનવતા કેમ કહેવાય ? એટલે બધી બાબતમાં વિચાર કરીને બધું આપે, એનું નામ માનવતા કહેવાય.

ટૂંકમાં, માનવતાની દરેકની રીત જુદી હોય. એ જેટલું ‘ડેવલપમેન્ટ’ હોય એવું જ એ કર્યા કરે. એ ભાગમાં ‘હું કોઈને દુઃખ ના આપું’ એ માનવતાની બાઉન્ડ્રી (હદ) હોય અને એ બાઉન્ડ્રી દરેકની જુદી જુદી હોય પાછી. માનવતા એટલે એક જ પ્રમાણ એવું નથી. મને જેમાં દુઃખ લાગે, એ દુઃખ હું કોઈને ન આપું. મને એવું દુઃખ કરે તો શું થાય ? માટે એ દુઃખ કોઈને ના આપું.

માનવતાથીય ઉપર ‘સુપર હ્મુમન’

માનવથી ઉપર ‘સુપર હ્યુમન’ કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનું નુકસાન કરો, તોય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને ‘હેલ્પ’ (મદદ) કરે ! તમે ફરી એમને નુકસાન કરો, તોય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે. એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવું કે આ ભાઈ ‘સુપર હ્યુમન’ છે. એ દૈવીગુણ કહેવાય. એવાં તો કો’ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીંને ! કારણ કે લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે !

સંસ્કાર સિંચાયા ‘માતા’ના પ્રેમે

મારા માજી (માતુશ્રી) (સંસ્કારી) હતાય એવાને ! માજી તો મને શીખવાડતા’તા. નાનપણમાં હું એક છોકરાંને મારીને ઘેર આવેલો. તે પેલા છોકરાને લોહી નીકળેલું અહીંયા. તે માજીને ખબર પડી. પછી એમણે મને કહ્યું કે ‘ભઈ, આ એને લોહી નીકળ્યું, એવું તને મારે ને લોહી નીકળે તો મારે તને દવા કરવી પડે ને ? અત્યારે પેલાની માને દવા કરવી પડતી હશે ને ? અને કેટલું રડતો હશે બિચારો ? એને કેટલું દુઃખ થતું હશે ? માટે કોઈ દહાડો કોઈને મારીને ના આવીશ, તું માર ખઈને આવજે. હું તારી દવા કરીશ.’ બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ? એટલે સંસ્કાર પણ માજીએ ઊંચા આપેલા.

મારી હોટલમાં કોઈને દુઃખ ના હોજો

અમારા મધર (માતુશ્રી) મારાથી છત્રીસ વર્ષ મોટાં. મેં મધરને પૂછયું કે ‘ઘરમાં માકણ થયા છે તે તમને કૈડતા નથી ?’ ત્યારે મધર કહે છે, ‘ભઈ, કૈડે તો ખરાં, પણ એ ઓછું બીજા બધાની જેમ કંઈ ફજેટીયું (ટિફિન) લઈને આવે છે કે ‘આપો, અમને મા-બાપ ?’ એ બિચારો કશું વાસણ લઈને આવતો નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !’ મેં કહ્યું, ધન્ય છે માજી ને અને આ દિકરાનેય ધન્ય છે !

એ પછી અમે માંકણને જાણીજોઈને કૈડવા દેતા હતા. એને પાછો તો ના કઢાય બિચારાને ! હવે એ ફળ શું આપે ? એ માંકણમાં રહેલા વીતરાગ અમારી મહીં રહેલા વીતરાગને ફોન કરે કે ‘આવા દાતા કોઈ જોયા નથી, માટે આમને છેલ્લામાં છેલ્લું પદ આપો.’ આ માંકણ હોય છે તે ક્યારેય ભૂખે મરતા નથી, રોજેય જમી લે છે. આ લોકો ઊંઘે છે ત્યારે એ જમી જ લે છે ને ? પણ અમે શું કર્યું કે જાગતા જમી લેવા

(પા. 6)

દો. લોકો ઊંઘતા જમવા દે છે અને અમે જાગતા જમવા દઈએ છીએ અને પાછું એને મારવા-કરવાની વાત જ નહીં. આમ હાથમાં તરત આવે, પણ અમે એને પાછા પગ ઉપર મૂકી દઈએ. જો કે હવે મારી પથારીમાં માંકણ આવતા જ નથી, બિચારાનો હિસાબ પૂરો થઈ ગયો છે. જો હિસાબ અધૂરો રાખીએ તો હિસાબ કાચો રહે.

આ કેટલાંક લોકો માંકણને મારે નહીં, ત્યારે બહાર જઈને નાખી આવે, પણ હાથમાં આવ્યો એટલે છોડે નહીં. પછી હું એને પૂછું કે આ તને ચોક્કસ મહીં ખાતરી થઈ ગઈ છે કે આ એક ઓછો થઈ ગયો હવે ? એવી કઈ ગેરેન્ટીથી તું સમજી ગયો કે આ એક ઓછો થયો ? અને એવા ઓછા થતા હોય તો તો રોજ ઓછા જ થતા જાય. પછી મેં કહ્યું કે માંકણને મારવાની જરૂર નથી. એની સિઝન આવે છે, ત્યાર પછી એની મેળે એ ખલાસ થઈ જાય છે, નહીં તો ખલાસ કરવા માગો તોય ખલાસ થાય નહીં. અહીં તમે મારીઝૂડીને ખલાસ કરો ત્યારે પડોશીને ઘેરથી પેસી જાય. હવે માંકણ કૈડે, ત્યારે આપણને પ્રેમ ક્યાં છે એ ખબર પડે. જો દેહ ઉપર હજુ પ્રેમ છે, તો આત્મા ઉપર પ્રેમ ક્યારે આવશે ?

અમે તો માંકણનેય લોહી પીવા દેતા હતા કે અહીં આવ્યો છે તો હવે જમીને જા. કારણ કે મારી હોટલ એવી છે કે આ હોટલમાં કોઈને દુઃખ આપવાનું નહીં, એ અમારો ધંધો. હવે ના જમાડીએ તો એમાં કંઈ આપણને સરકાર દંડ કરવાની છે ? ના. અમને તો આત્મા પ્રાપ્ત કરવો હતો. કાયમ ચોવિહાર, કાયમ કંદમૂળ ત્યાગ, કાયમ ગરમ પાણી, એ બધું કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું ! ને ત્યારે જો પ્રગટ થયું, આખું ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું, જે આખી દુનિયાને સ્વચ્છ કરી નાખે એવું વિજ્ઞાન પ્રગટ થયું છે !

જે મને મળે એને સુખ થાવ

એટલે હું તો નાનપણથી એક જ શીખેલો કે ‘ભઈ, તું મને મળ્યો છે ને જો તને કંઈ પણ સુખ ના થાય તો મારું મળેલું તને ખોટું છે’, એવું હું કહેતો હતો એને ! એ ગમે એટલો નાલાયક હોય, તેનું મારે જોવાનું નથી પણ હું તને ભેગો થયો પણ જો કદી મારા તરફની સુગંધી ના આવી તે કેમ ચાલે ? આ અગરબત્તી નાલાયકોને સુગંધી આપે કે ના આપે ?

પ્રશ્નકર્તા : બધાયને આપે.

દાદાશ્રી : એવી રીતે મારી સુગંધી જો તને ના આવી તો પછી મારી સુગંધી જ ના કહેવાય. એટલે કંઈક લાભ થવો જ જોઈએ. એવો નિયમ મારો પહેલેથી છે.

જીવમાત્ર ભય ના પામે એવી જ્ઞાનજાગૃતિ

કોઈ પણ જીવને દુઃખ ના થાય એવી રીતે હું રહું છું. આપણાથી કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય એનો દાખલો આપું. હું સિનેમા જોવા જતો હતો, બાવીસ-પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બાર-સાડા બાર વાગેલા હોય. તે આવું એટલે પેલા બૂટ ખખડે. તે અમે પેલી ચકતીઓ નખાવીએ એટલે ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતા હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. આપણે લીધે ચમક્યુંને !

પ્રશ્નકર્તા : હા, એની ઊંઘમાં પણ વિક્ષેપ પડ્યોને ?

દાદાશ્રી : હા, પાછું તે ચમક્યું ને તે એનો સ્વભાવ નાયે છોડે. પછી કોઈ ફેરો ભસેય ખરું, સ્વભાવ પડેલો છે. એટલે એના કરતા ઊંઘવા દઈએ તો શું ખોટું ? તેમાં પોળવાળાને ના ભસે.

માટે અભયદાન ! અભયદાન એટલે તો કોઈ

(પા. 7)

જીવમાત્રને ત્રાસ ના થાય એવું વર્તન રાખવું, એ અભયદાન. કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય એવા ભાવ પહેલા રાખવા અને પછી એ પ્રયોગમાં આવે. ભાવ કર્યા હોય તો પ્રયોગમાં આવે, પણ ભાવ જ ના કર્યા હોય તો ? એટલે આને બહુ મોટું દાન કહ્યું ભગવાને. એમાં પૈસાની કોઈ જરૂર નથી. ઊંચામાં ઊંચું દાન જ આ છે, પણ એ માણસોનું ગજું નથી. લક્ષ્મીવાળા હોય તોય આવું કરી શકે નહીં. માટે લક્ષ્મીવાળાએ લક્ષ્મીથી પતાવી દેવું.

કોઈને દુઃખ ન થાય એવો ઉચ્ચ વ્યવહાર

અમારા મોટાભાઈ અહીં આગળ વડોદરા રહે. તે હું વડોદરા આવું ત્યારે આજુબાજુવાળા કોઈ કહેશે, ‘અમારું ગંજી પહેરણ લાવજો, અમારું આ લાવજો, અમારી બે ચડ્ડીઓ લેતા આવજો.’ મિત્રો બધા કહે ને ? અને મારો સ્વભાવ કેવો ? જેની લારી આગળ ઊભો રહ્યો અને પૂછયું એટલે એને ત્યાંથી જ લેવાનું. પછી વધતું-ઓછું હોય તોય નભાવી લેવાનું. કારણ કે એને દુઃખ ના થાય એટલા માટે એને ત્યાંથી જ લેવાનું. એટલે હું મારો સ્વભાવ સમજું. અને જે લોકોએ વસ્તુઓ મંગાવેલી, તે લોકો સાત જગ્યાએ પૂછી પૂછીને, બધાનું અપમાન કરી કરીને પણ લઈ આવે. એટલે હું જાણું કે આ લોકો મારા કરતા બે આને ફેર લાવે એવા છે અને મારી પાસે મંગાવ્યું તો મારા બે આના વધારે જવાના છે. એટલે હું બે આના એ અને એક આનો વધારાનો, એમ કરીને ત્રણ આના બાદ કરીને હું પેલાને રકમ કહું. બાર આના આપ્યા હોય તો ‘નવ આના મેં આપ્યા છે’ એવું એને કહું. એટલે એ એમ ના કહે કે ‘મારામાંથી કમિશન કાઢી ગયા. હું તો દસ આને લાવતો હતો ને મારે તમને બાર આના આપવા પડ્યા. માટે તમે બે આના કાઢી લીધા.’ એવું લોક મારી ઉપર ‘કમિશન’નો આરોપ ન કરે એટલા માટે આ ત્રણ આના ઓછા લઉં, ત્રણ આના કાઢી નાખું. હા, નહીં તો કહેશે, ‘બે આના કમિશન કાઢી લીધું !’ લે ! અલ્યા, નથી કાઢ્યું ‘કમિશન’. ‘કમિશન’ કાઢવાનું હું શીખ્યો નથી, મારી જાતે.

પરિસ્થિતિ સમજીને વર્તે એવી ઝીણી સમજણ

અમારે તો કામ પર મજૂરો હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો (ખજાનચીની) ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને (મજૂરો) બિચારાને તો મહા દુઃખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ કરીને મૂકાય ?

ત્યાં આપણે કેવી લાગણી રાખવી જોઈએ કે ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છૂટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ. પેલો બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત કરે અને એના આવતા પહેલા આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય ! એના આવતા પહેલા કહીએ કે લે ભાઈ, તારા પાંચ રૂપિયા ! એક મિનિટેય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય, ત્યાર પછી જમવાનું બનાવે.

કોઈને દુઃખ ન થાય એવી વ્યવહાર કળા

undefinedઅમે તો શું કરતા કે ધંધામાં એકદમ મુશ્કેલી આવી જાય તો ઘરમાં વાત જ નહીં કરવાની ને હીરાબાને બહારથી ખબર પડે કે ધંધામાં મુશ્કેલી છે. તે અમને પૂછે કે શું ખોટ ગઈ છે ? અમે કહીએ કે ના, ના, લો, આ રૂપિયા આવ્યા છે તે તમારે જોઈએ છે ? ત્યારે હીરાબા કહે કે ‘આ લોકો તો કહે છે કે ખોટ આવી.’ ત્યારે હું કહું કે ‘ના, ના, આ તો વધારે કમાયા છીએ પણ આ વાત ખાનગી રાખજો.’

અમારે કંપનીમાં ખોટ આવેલી તે જરા ઠંડું પડેલું. તે વડોદરા જઈએ ત્યારે લોકો પૂછે કે ‘બહુ ખોટ આવી છે ?’ ત્યારે મેં કહ્યું કે ‘કેટલી લાગે છે

(પા. 8)

તમને ?’ ત્યારે કહે કે ‘લાખેક રૂપિયાની ખોટ આવી લાગે છે.’ ત્યારે મેં કહ્યું કે ‘ત્રણ લાખની ખોટ ગઈ છે.’ હવે ધંધાને અરધા લાખની કે પોણા લાખની ખોટ આવી હોય, પણ હું તેને ત્રણ લાખની કહું, કારણ કે પેલો ખોળવા આવેલો હોય ! એ શું ખોળવા આવ્યો છે એ હું જાણું કે આને જો હું (ત્રણ) લાખની કહીશ તો ખુશ રહેશે ને બિચારાને ઘેર ખાવાનું ભાવશે. એટલે હું કહું કે ત્રણ લાખની ગઈ એટલે તે દહાડે એ જમે નિરાંતે. અને બીજો કો’ક લાગણીવાળો આવે ને પૂછે કે ‘ખોટ બહુ ગઈ છે ?’ ત્યારે હું કહું કે ‘ના, પચાસેક હજારની ખોટ ગઈ છે.’ એટલે એનેય ઘેર જઈને શાંતિ રહે. લાગણીવાળા અને પેલા, બેઉ જાતના લોક આવવાના. બેઉને ખુશ કરીને કાઢવાના. હું કહું કે ‘ત્રણેક લાખની ખોટ ગઈ છે.’ એટલે પેલો તો બહુ ઉછાળે ચઢે. એને કહું પાછો કે ચા પીને જાવ ને ?’ ત્યારે કહે કે ‘ના, મારે જરા કામ છે’, કારણ કે પેલો આનંદ આવી ગયો ને, એટલે આ બધું આવી ગયું. એને એનો ખોરાક મળી ગયો, કારણ કે દ્વેષ છે ને !

આ સ્પર્ધા એવી વસ્તુ છે કે સ્પર્ધાના માર્યા ચાહે સો કરી નાખે માણસ. સ્પર્ધા હોય કે ‘મારા કરતા આગળ વધી ગયો ? હવે પાછળ પાડવા જ જોઈએ.’ એટલે પાછા પાડવાનો પ્રયત્ન કર્યા કરે. એવાને હું એવું ચોખ્ખું જ કહી દઉં ને, કે વધારે ખોટ ગઈ છે. જો એને નિરાંતે ખાવાનું ભાવ્યું ને ! એનો આપણને વાંધો નથી. પણ લોકોને તો શું કે જવાબ તો આપવા પડે ને ! તેને જો કહી દઈએ કે ‘ના, કશી ખોટ નથી ગઈ’ એટલે પેલો વધારે ખોળી લાવે પાછો કે આ તો નન્નો ભણે છે. એટલે એને કહેવું પડે, ‘નન્નો નહીં, હા ભણું છું. ત્રણ ગણી ખોટ ગઈ છે. જેણે તને કહ્યું હોય તેને પૂછી જોજે. તેને ખબર નહીં હોય પણ મને ખોટ સારા પ્રમાણમાં ગઈ છે.’ પછી થોડા દિવસે પાછો ફરી આવે ને કહે કે ‘હવે ધંધાનું કેમનું છે તમારે ? બંધ કરવું પડશે ?’ ત્યારે મેં કહ્યું કે ‘આ તો સાત લાખની મિલકત હતી, તેમાંથી ત્રણ લાખ ઓછી થઈ ગઈ’ એટલે એને નવી જાતનું બોલીએ. ‘અલ્યા, તું મને ક્યાંથી પહોંચી વળવાનો હતો ?’ હું જ્ઞાની પુરુષ છું, તને દુઃખ નહીં આપું, પણ તું આ રીતે ખોળ ખોળ કરીશ નહીં. આ તો વગર કામના પાછળ ફર્યા કરે ! તે મેં તો આવા બધા બહુ જોયેલા. જગત છે ને, બધી જાતનું લોક હોય !

એડજસ્ટ થવું એ જ ધર્મ

માણસ તો કોનું નામ ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ.

એક વખત અમે નહાવા ગયા ને (બાથરૂમમાં) પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી પાણી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, ‘આજે દાદાને નહાતા બહુ વાર લાગી.’ તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈનેય ‘આ લાવો ને તે લાવો’ એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો અમે કહીએ, ‘હા, બરાબર છે.’ તે તુર્ત માઈનસ કરી નાખીએ.

વાંકા જોડેય એડજસ્ટ થાય ‘જ્ઞાની’

‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તોય તેની જોડે ‘એડજસ્ટ’ થાય. ‘જ્ઞાની પુરુષ’ને જોઈને ચાલે તો બધી જાતના એડજસ્ટમેન્ટ કરતા આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને

(પા. 9)

જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તોય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે, અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખે ને ?

જગત ના કામનું નથી, પણ કામ લેતા આવડવું જોઈએ. બધા જ ભગવાન છે અને દરેક જુદા જુદા કામ લઈને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં.

કાઉન્ટરપુલી મૂકી દુઃખ દેવાનું બંધ કર્યું

આ મજૂરોને મિનિટે પચાસ રિવૉલ્યુશન હોય, જ્યારે મને મિનિટે એક લાખ રિવૉલ્યુશન હોય. એટલે મજૂરોમાં ને મારામાં ફેર કેટલો ? એને પચાસ રિવૉલ્યુશન એટલે તમે એને વાત કહો, તો એ વાત પહોંચતા બહુ વાર લાગે. તમે સાદી વ્યવહારની વાત કહો તો એને સમજણ ના પડે. એટલે પછી તમે બીજી રીતે સમજાવો, ત્યારે એને પહોંચે એ. હવે મારા રિવૉલ્યુશન બહુ એટલે મારી વાત આ ઊંચી નાતવાળાનેય સમજતા બહુ વાર લાગતી હતી. આપણે સમજાવીએ ને એ સમજે નહીં. એટલે હું શું કહું કે ‘અક્કલ વગરનો છે.’ તે પછી મહીં પાવર બહુ વધી જાય. એય, હું કહું છું ને સમજતો નથી ? કેવો મૂરખ માણસ છે ?’ આમ કહીને બધું એની પર ગુસ્સો કર્યા કરું. પછી મને સમજાયું કે આ રિવૉલ્યુશન્સ છે, એ સામાને પહોંચતો નથી. હવે આપણે સામાનો ગુનો કહીએ તે આપણો ગુનો છે. એટલે પછી મેં કાઉન્ટર પુલીઓ દેવા માંડી.

કારણ કે પંદરસો રિવૉલ્યુશનનો પંપ હોય અને ત્રણ હજારનું ઈન્જિન હોય તો પંપ તોડી નાખે. તે એના માટે કાઉન્ટર પુલી નાખવી પડે. આ ત્રણ હજારનું ભલે હોય અને પેલું પંદરસોનું ભલે હોય, પણ વચ્ચે પેલી પુલીઓ નાખવી પડે કે જેથી કરીને પેલાને પંદરસો મળી રહે. આપની સમજમાં આવે છે ને, કાઉન્ટર પુલી ? એવું પછી મેં લોકોની જોડે વાત કરતા કાઉન્ટર પુલી રાખવા માંડી. એટલે પછી મારે ગુસ્સે થવાનું બંધ થઈ ગયું. એને વાત સમજાય એવી રીતે કાઉન્ટર પુલી નાખવાની !

જ્ઞાનીની ફ્લેક્સિબિલિટી

પ્રશ્નકર્તા : રમકડા જેવા નાના છોકરા જોડે તમને કેમનું ફાવે છે ?

દાદાશ્રી : અમે ‘કાઉન્ટર પુલી’ઓના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે ‘કાઉન્ટર પુલી’ ગોઠવી દેવાની. એટલે આવું નાનું બાળક આવે ને મને જે’ જે’ કરે, તો મારે એની જોડે વાતચીત કરવી પડે. અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે.

અમને ટ્રેનમાં કોઈ મળે ને અમે ‘જ્ઞાની’ છીએ એમ એ જાણતો ના હોય, તોય અમે પુલી ગોઠવી દઈએ, અમે પેસેન્જર છીએ એવી.

પ્રશ્નકર્તા : આપની સમકક્ષાનું કોઈ આવે તો શું કરો ?

દાદાશ્રી : આની સમકક્ષા હોતી જ નથી. આ અજોડ પદ ગણાય છે. શાસ્ત્રકારોએ જ આને ‘અજોડ’ કહ્યું છે.

અમારી સમકક્ષાનો આવે તો તો હું એનો શિષ્ય થઈ જાઉં. અમે તો પહેલેથી નક્કી કરેલું છે કે દરેકના શિષ્ય થઈ જવું. એટલે એને અડચણ ના પડે. જે શિષ્ય થાય તે જ (કાળક્રમે) પોતાનો ગુરુ થશે, માટે ચેતીને ચાલજો. માટે ગુરુપણું કરી બેસશો નહીં. અને પેલાના શિષ્ય થઈએ તો અમને શું ફાયદો થાય ? અમે પેલાના જ ગુરુ થઈ બેઠાં હોઈએ ! અડચણ આવે તો પૂછવા આવવું પડે !

પ્રશ્નકર્તા : એ બેઠું નહીં, દાદા.

દાદાશ્રી : અમે શિષ્ય થયા એટલે સંબંધ બંધાયો. એટલે ફરી એ અમારી પાસે શિષ્ય થઈને આવશે. અમે શિષ્ય ન થયા હોત તો એ અમારી પાસે આવત નહીં અને લાભ ઉઠાવે નહીં.

(પા. 10)

મતભેદ વાળી લઈને, ટાળ્યા દુઃખ

હું તો આ તમને બધાને કહું છું ને, તે મારી જાત ઉપર ટ્રાયલ લીધા વગર કહેતો નથી. બધી ટ્રાયલ લઈને પછી કહું છું. કારણ કે મારે વાઈફ જોડે, જ્ઞાન નહોતું તોય મતભેદ નહોતો. મતભેદ એટલે ભીંતમાં માથું અથડાવું. ભલે લોકોને સમજણ નથી, પણ મને પોતાને તો સમજણ પડી કે આ ઉઘાડી આંખે ભીંતમાં અથડાયો, મતભેદ પડ્યો એટલે.

અમારે હીરાબા જોડે ક્યારેય વાણીમાં ‘મારી-તારી’ થયું નથી. પણ એક ફેરો અમારે મતભેદ પડી ગયેલો (પડતાં પડતાં રહી ગયેલો). એમના ભાઈને ત્યાં પહેલી દીકરીના લગ્ન હતા. તે તેમણે મને પૂછયું કે ‘એમને શું આપવું છે ?’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમને ઠીક લાગે તે, પણ ઘરમાં આ ચાંદીના વાસણો પડેલા છે, તે આપજો ને ! નવું બનાવશો નહીં.’ ત્યારે એમણે કહ્યું કે ‘તમારા મોસાળમાં તો મામાની દિકરી પરણે તો મોટા-મોટા તાટ બનાવીને આપો છો !’ એ ‘મારા’ ને ‘તમારા’ શબ્દો બોલ્યા ત્યારથી હું સમજી ગયો કે આજ આબરૂ ગઈ આપણી ! આપણે એકના એક, ત્યાં મારા-તમારા હોય ? હું તરત સમજી ગયો ને તરત હું ફરી ગયો, મારે જે બોલવું હતું તે ઉપરથી આખોય હું ફરી ગયો. મેં તેમને કહ્યું, ‘હું એવું નથી કહેવા માગતો. તમે આ ચાંદીના વાસણ આપજો ને ઉપરથી પાંચસો એક રૂપિયા આપજો, એમને કામ લાગશે.’ ત્યારે એ કહે, ‘હં... એટલા બધા રૂપિયા તે કંઈ અપાતા હશે ? તમે તો જ્યારે ને ત્યારે ભોળા ને ભોળા જ રહો છો, જેને તેને આપ આપ જ કરો છો.’ મેં કહ્યું, ‘ખરેખર, મને તો કશું આવડતું જ નથી.’

જુઓ, આ મારે મતભેદ પડતો હતો પણ કેવો સાચવી લીધો ફરી જઈને ! સરવાળે મતભેદ ના પડવા દીધો. છેલ્લા ત્રીસ-પાંત્રીસ વર્ષથી અમારે નામેય મતભેદ નથી થયો. બા પણ દેવી જેવાં છે ! અમે કોઈ જગ્યાએ મતભેદ પડવા ના દઈએ. મતભેદ પડતા પહેલા જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો, ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતા આવડે, પણ ગાડું રાગે પાડી દઈએ. મતભેદ થવા ના દઈએ. આપણા સત્સંગમાં વીસેક હજાર માણસો ને ચારેક હજાર (નિયમિત) મહાત્માઓ, પણ અમારે કોઈ જોડે એકુંય મતભેદ નથી. જુદાઈ માની જ નથી મેં કોઈની જોડે !

જ્યાં મતભેદ નથી ત્યાં વિજ્ઞાન

અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે ‘તમારા પૈસા પડી ગયા.’ તે જોયું કે ના જોયું ? ઘરની કોઈ બાબતમાંય અમારે હાથ ઘાલવાનો નહીં. એ પણ અમારી બાબતમાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે આવીએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ પણ બાબતમાં ક્યારે પણ એ અમને ના પૂછે. અને કો’ક દહાડો અમને કહે કે ‘આજે વહેલા નાહી લો.’ તો અમે તરત ધોતિયું મગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો’ ધરે છે, માટે કંઈક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લો ને, કે કોઈ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.

જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાંશ જ્ઞાન છે. ‘સેન્ટર’માં બેસે તો જ મતભેદ ના રહે, ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસો ને ‘અમારું-તમારું’ રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય !

(પા. 11)

અમારે મતભેદ પહેલા જ ‘જ્ઞાન’ હાજર રહે

આપણામાં કલુષિત ભાવ રહ્યો જ ના હોય, તેને લીધે સામાને પણ કલુષિત ભાવ ના થાય. આપણે ના ચિડાઈએ એટલે એય ઠંડા થાય. ભીંત જેવા થઈ જવું એટલે સંભળાય નહીં. અમારે પચાસ વરસ થયા પણ કોઈ દહાડો મતભેદ જ નહીં. હીરાબાને હાથે ઘી ઢોળાતું હોય તોય હું જોયા જ કરું. અમારે તે વખતે જ્ઞાન હાજર રહે કે એ ઘી ઢોળે જ નહીં. હું કહું કે ઢોળો તોય એ ના ઢોળે. જાણી જોઈને કોઈ ઘી ઢોળતું હશે ? ના. છતાં ઘી ઢોળાય છે એ જોવા જેવું છે. માટે આપણે જુઓ ! અમારે મતભેદ થતાં પહેલાં જ્ઞાન ઓન ધ મોમેન્ટ (તત્ક્ષણે) હાજર રહે.

અમે ઘરમાં ગેસ્ટની પેઠ રહીએ

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીંને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને ? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઈફ’ (પત્ની) જોડે ‘ફ્રેન્ડ’ (મિત્ર) તરીકે રહેવાનું. એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ’ ! અને અહીં કોઈ નોંધ કરતું નથી કે ચલણ તમારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલિટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય એડજસ્ટ ના થાત. આ તો કોઈ બાપોય નોંધ કરતું નથી !

અમે વડોદરા જઈએ તો ઘરમાં હીરાબાના ગેસ્ટ(મહેમાન)ની પેઠ રહીએ. ઘરમાં કૂતરું પેસી ગયું તો હીરાબાને ભાંજગડ થાય, ગેસ્ટને શી ભાંજગડ ? કૂતરું પેસી ગયું ને ઘી બગાડ્યું તો જે માલિક હોય એને ચિંતા થાય, ગેસ્ટને શું ? ગેસ્ટ તો આમ જોયા કરે. પૂછે કે શું થઈ ગયું ? ત્યારે કહેશે, ‘ઘી બગાડી ગયું.’ ત્યારે ગેસ્ટ કહેશે, ‘અરે, બહુ ખોટું થયું.’ એવું મોઢે બોલે પણ નાટકીય. પાછું બોલવું તો પડે કે ‘બહુ ખોટું થયું.’ નહીં તો આપણે કહીએ કે ‘સારું થયું’ તો આપણને કાઢી મૂકે. આપણને ગેસ્ટ તરીકે રહેવા જ ના દે.

એડજસ્ટમેન્ટ લેતા ‘દુઃખ’ ન દેવા કાજ

અમેય છે તે કઢી ખારી આવેને, તો ઓછી ખાઈએ અગર તો કોઈ ફેરો કઢી ખાધા વગર ચાલે એવું ના હોય તો ધીમે રહીને જરા પાણી કઢીમાં રેડી દઈએ. ખારી થયેલી, તે સહેજ પાણી રેડીએ એટલે તરત ખારાપણું ઓછું થઈ જાય. તે એક દહાડો હીરાબા જોઈ ગયા, ‘આ શું કર્યું ? આ શું કર્યું ? ઢોળી દો, આ મહીં પાણી રેડ્યું ?’ ત્યારે મેં કહ્યું કે ‘આ ચૂલા ઉપર (મૂકીને) પાણી રેડીએ ત્યારે પછી થોડીવારે બે ઊભરા આવે એટલે તમે જાણો કે આ પાકી થઈ ગઈ ને આ અહીં જ પાણી રેડ્યું તે કાચી છે એવું તમે માનો છો ? એવું કશું નહીં આ !’ પણ તે ના ખાવા દે બળ્યું, ઉપરેય પાણી જ રેડવાનું છે ને ?

પ્રશ્નકર્તા : પણ દાદા, એ જે તમે કર્યું, એ કેટલી જાગૃતિ કે પાણી નાખ્યું. એમને નથી કહેવું કે આમાં મીઠું વધારે પડ્યું છે. એ એમને દુઃખ થાય, માટે પાણી રેડ્યું.

દાદાશ્રી : હા, અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોયને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોકો કહે છે કે ‘આવું કરશોને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે ‘તમે કાલે જોજોને !’ તે પછી બીજે દહાડે કહે કે ‘કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે કશું કહ્યું નહીં અમને ?’ મેં કહ્યું કે ‘મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશેને ! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છોને, પછી મારે કહેવાની જરૂર શી ?’

પ્રશ્નકર્તા : પણ કેટલી જાગૃતિ રાખવી પડે છે, ક્ષણે ક્ષણે !

(પા. 12)

દાદાશ્રી : ક્ષણે ક્ષણે, ચોવીસેય કલાક જાગૃતિ, ત્યાર પછી આ જ્ઞાન શરૂ થયું હતું. આ જ્ઞાન એમ ને એમ થયું નથી !

પ્રોમિસ એટલે પ્રોમિસ

મારે અમારા ઘરમાં વાઈફ જોડે પિસ્તાલીસ વર્ષથી મતભેદ પડેલો નથી. એય મર્યાદાપૂર્વકની વાત કરે, તો હુંય મર્યાદાપૂર્વકની વાત કરું અને એ કો’ક દહાડો અમર્યાદ થઈ જાય તો હું સમજી જાઉં કે એ અમર્યાદ થઈ ગયા છે. એટલે હું કહું કે તમારી વાત બરોબર છે, પણ મતભેદ ના પડવા દઉં. એમને એમ ના લાગે કે એક મિનિટેય મને દુઃખ દીધું છે. અમનેય એમ ના લાગે કે એમણે દુઃખ દીધું છે.

હીરાબાની એક આંખ ’૪૩ની સાલમાં જતી રહી. એમને ઝામરનું દર્દ હતું, તે ડૉક્ટર જરા કશું ઝામરનું (ઓપરેશન) કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું.

એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો’ વર ઊભો થયો, ફરી પૈણાવો. (ત્યારે) કન્યાની બહુ છૂટને. અને કન્યાના મા-બાપની ઈચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે, તેટલા માટે આવ્યા. મેં કહ્યું, ‘શું છે તમારે ?’ ત્યારે એ કહે, ‘આવું તમારું થયું ?’ હવે તે દહાડે ચુમ્માલીસમાં મારી ઉંમર છત્રીસ વર્ષની. ત્યારે મેં કહ્યું, ‘કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?’ ત્યારે એ કહે, ‘એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા કશું નથી.’ મેં કહ્યું, ‘(મારે) પ્રજા (સંતાન) નથી પણ મારી પાસે કશું બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલુંય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય અને તેય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે.’ વળી તેમને મેં કહ્યું કે ‘હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ? (એમની) બે જતી રહેશે તોય હાથ પકડીને હું દોરવીશ.’ એ કહે, ‘તમને પૈઠણ (દહેજ) આપીએ તો સારું ?’ મેં કહ્યું, ‘કૂવામાં નાખવી છે તમારી છોડીને ? આ હીરાબા દુઃખી થઈ જાય. હીરાબા દુઃખી થાય કે ના થાય કે મારી આંખ ગઈ ત્યારે આ થયુંને ?’ અમે તો પ્રોમિસ ટુ પે (વચન) કર્યું. મેં એમને કહ્યું, ‘હું કોઈ દહાડો ફરું નહીં, દુનિયા આઘીપાછી થઈ જાય તોય પ્રોમિસ એટલે પ્રોમિસ !’ કારણ કે મેં પ્રોમિસ આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી ફરી ના જવાય. આપણે એક અવતાર એના માટે, એમાં શું બગડી જવાનું હતું ? બીજા બધા બહુ અવતાર મળવાના છે ! લગ્નમાં ચોરીમાં હાથ આપ્યો હતો, તે પ્રોમિસ કર્યું આપણે. અને બધાની હાજરીમાં પ્રોમિસ કર્યું છે. એ પ્રોમિસ આપણે ક્ષત્રિય તરીકે એમને આપ્યું હોય, તો એ પ્રોમિસ માટે એક અવતાર મૂકી દેવો પડે !

આમ અંદરવાળા ભગવાન રાજી થાય

ઘરમાં બેસવાનું ગમે નહીં તોય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે.

પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ?

દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુય કહું છું ને ?

આ અમે હઉ, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મનેય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને. મને કહે છે. ‘હું હઉ તમને સાંભરું ?’ મેં કહ્યું, ‘સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?’ અને ખરેખર સાંભરેય ખરાં, ન સાંભરે એવું નહીં !

આદર્શ હોય અમારી લાઈફ, હીરાબાયે કહે, તમે વહેલા આવજો.

(પા. 13)

પ્રશ્નકર્તા : આપે હીરાબા પાસે રજા માંગેલી ખરી ? અમે હવે જઈએ ?

દાદાશ્રી : હા, એ આપે. ‘વહેલા આવજો’ એવુંય કહે અને કહે, બધા લોકોનું ભલું થાય એવું કરો.

મને સિત્યોતેર પૂરા થવા આવ્યા અને ઘરમાં અમારે હીરાબાને છે તે પંચોતર પૂરા થવા આવ્યા પણ અમારે મતભેદ જ નહીં કોઈ દહાડો. અત્યારેય એ સંભાર સંભાર કરતા હશે. આખો દહાડો આનંદમાં રહે છે. આખો દહાડો મસ્તીમાં, કારણ કે બીજો વિચાર જ નહીંને કોઈ જાતનો.

એ પ્રેમથી પછી જે એમનામાં રહેલા ભગવાન મારી પર એટલા બધા ખુશ થઈ જાય કે તમે જે માગો એ ફળ આપું, કહેશે. અને ભગવાન તમારી પાસે જ છે, છેટા નથી ગયા. એમનામાં ભગવાન રહેલા છે. તમારા ભગવાન તમને (ફળ) ન આપે પણ એના ભગવાન તમને આપે. તમારા ભગવાન એને આપે. તમારું ડીલિંગ છે એ પર આધાર. અને ભગવાન કંઈ આપતા-લેતા નથી. તમે જો આવી રીતે એને દુઃખ ન આપો તો એનું ફળ આવું જ આવે. એક્ઝેક્ટલી આ તો સાયન્ટિફિક ધોરણની વાત કરું છું. અહીં સમજાવવા પૂરતું નથી આ વાત. આ બાહ્ય વિજ્ઞાન વિનાશી છે અને આંતર વિજ્ઞાન આપણું છે તે અવિનાશી છે. આ બાહ્ય વિજ્ઞાન તો અમુક હદ સુધી સારું અને હદથી ઉપર ગયું એટલે સામો આવીને બધાને મારી નાખી ખલાસ કરી નાખે. જે જ્ઞાને સુખી થયા એ જ જ્ઞાન એબોવ નોર્મલ થયું એટલે મારી નાખે. એ બાહ્ય વિજ્ઞાન કહેવાય.

પરિણામે ભાગીદારે ભાળ્યા ભગવાન

ભાગીદાર જોડે અમે પિસ્તાળીસ વર્ષ ભાગીદારી કરી, પણ એક મતભેદ નથી પડ્યો. ત્યારે કેટલી મહીં મુશ્કેલી વેઠતા હઈશું ? અંદરની મુશ્કેલી તો ખરી કે નહીં ? કારણ કે આ દુનિયામાં મતભેદ એટલે શું કે મુશ્કેલીનો સામનો કરવો.

એટલે જ્ઞાન થતા પહેલાય અમે મતભેદ નહીં પડવા દીધેલો.

પ્રશ્નકર્તા : પણ તમે જે એડજસ્ટમેન્ટ લેતા હતા, એ પૂર્વનું સેટલમેન્ટ (પતાવટ) થતું હશે કે નહીં થતું હોય, એની શી ખાતરી ?

દાદાશ્રી : સેટલમેન્ટ જ ! એ કંઈ નવું નથી આ ! પણ સેટલમેન્ટનો સવાલ નથી, અત્યારે નવો ભાવ ના બગાડવો જોઈએને ! પેલું તો સેટલમેન્ટ છે, ઈફેક્ટ છે. પણ અત્યારે નવો ભાવ ન બગડે. નવો ભાવ અમારો મજબૂત થાય કે આ કરેક્ટ જ છે.

કંઈ ગમ્યું તમને કે થોડો કંટાળો આવ્યો ?

પ્રશ્નકર્તા : પણ ક્લેશમાંથી મુક્તિ રહે.

દાદાશ્રી : હા, સહન કરવામાં ક્લેશમાંથી મુક્તિ રહે અને ક્લેશમાંથી મુક્તિ એકલી નહીં, સામો માણસ, ભાગીદાર અને એમનું કુટુંબ આખુંય ઉર્ધ્વગતિએ જાય. અમારું આવું જોઈને એમનું મન પણ મોટું થઈ જાય. સંકુચિત મન મોટાં થઈ જાય. ભાગીદારેય રાત-દહાડો જોડે રહ્યા તોય છેવટે એમ જ કહેતા હતા કે ‘દાદા ભગવાન આવો, તમે તો ભગવાન જ છો.’ જો ભાગીદારને મારી ઉપર પ્રેમ ઉત્પન્ન થયો ને ! જોડે રહ્યા, મતભેદ ના પડ્યો ને પ્રેમ ઉત્પન્ન થયો ! ત્યારે કેટલું બધું કામ કાઢી જાય એ !

દાદાનો આદર્શ વ્યવહાર

અમારો આદર્શ વ્યવહાર હોય. અમારા થકી કોઈનેય અડચણ થઈ હોય એવું બને નહીં. કોઈના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઈ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારામાં ને તમારામાં ફેર શો ? અમે સરળ હોઈએ, સામાને ઓટીમાં ઘાલીને સરળ હોઈએ ! તે સામો જાણે કે ‘દાદા, હજી કાચા છે.’ હા, કાચા થઈને છૂટી જવું સારું, પણ પાકા થઈને એની જેલમાં જવું ખોટું. એવું તે કરાતું હશે ? અમને અમારા ભાગીદારે કહ્યું

(પા. 14)

કે ‘તમે બહુ ભોળા છો.’ ત્યારે મેં કહ્યું કે ‘મને ભોળો કહેનાર જ ભોળો છે.’ ત્યારે તેમણે કહ્યું કે ‘તમને બહુ જણ છેતરી જાય છે.’ ત્યારે મેં કહ્યું કે ‘અમે જાણી-બૂઝીને છેતરાઈએ છીએ.’

અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય. જેના વ્યવહારમાં કંઈ પણ કચાશ હશે, તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય.

પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ?

દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. એક મિલ માલિક ને તેનો ડ્રાયવર અહીં આવે તો શેઠને સામે બેસાડું ને ડ્રાયવરને મારી જોડે બેસાડું, એટલે શેઠનો પારો ઊતરી જાય ! અને વડાપ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને બેસાડું, એમનો વ્યવહાર ના ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું, અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું. લોકમાન્યને વ્યવહાર કહ્યો અને મોક્ષમાન્યને નિશ્ચય કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે ‘એક્સેપ્ટ’ (સ્વીકાર) કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય.

જ્ઞાનીનો શુદ્ધ વ્યવહાર

અમારો વ્યવહાર સુંદર હોય. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. આજુબાજુ પૂછવા જાવને તો બધાય કહેશે, ‘કોઈ દહાડો એ લડ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી.’ એવું બધા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ? મારે ઘેર વાઈફને પૂછવા જાવ તો કહે કે ‘એ તો ભગવાન જ છે !’ અરે, એ તો અમારા દર્શન હઉ કરે. અહીં પગે માથું અડાડીને દર્શન કરે. વ્યવહાર આદર્શ-શુદ્ધ લાગે, પછી શું ભાંજગડ છે ?

તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે ‘તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય.’ મેં કહ્યું કે ‘ભઈ, તમે તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે’ ત્યારે કહે કે ‘ના, નાનપણમાં એવા નહોતા, હમણે થયા છો.’ એટલે આ બધું પોતપોતાની સમજણથી છે. એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે કાચા જ છીએ પહેલેથી ! એટલે અથડામણ થાય જ નહીંને ! પેલાનેય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીં ને દુઃખેય થવાનું રહ્યું નહીં !

અમારો વ્યવહાર શુદ્ધની બિલકુલ નજીકનો હોય. એને શુદ્ધ કહે તો ચાલે.

પ્રશ્નકર્તા : ત્યારે પરફેક્ટ (સંપૂર્ણ) શુદ્ધ કેવો હોય, પહેલા એ કહો.

દાદાશ્રી : િંકચિત્માત્ર શબ્દથી પણ કોઈને નુકસાન ના થાય, મનથી નુકસાન નહીં, મનથી નુકસાન તો તમેય નથી કરતા પણ શબ્દથી અને દેહથી નુકસાન ન કરે એ બિલકુલ શુદ્ધ વ્યવહાર.

પ્રશ્નકર્તા : ત્યારે તમે જે કહો છો, તમારો લગભગ શુદ્ધ, તો એ અને સંપૂર્ણ શુદ્ધ, એ બેનો તફાવત શું ?

દાદાશ્રી : આ કોઈ ફેરો અમે કહીએ છીએને, ચાર ડિગ્રી ઓછી, તે એનો ફેર પડે.

દાદાની વ્યવહાર શુદ્ધિ

અહીં કોઈ આવ્યો હોય અને આચાર જરા અવળો હોય, તે બીજાને ખસેડી નાખીને વિધિ કરી લે. પણ એમાંય કષાય નથી. તે આચાર અવળો-સવળો હોય. અહીં ખસેડી નાખવું એ ખોટું ના કહેવાય ? અમે બધું સમજીએ, અહીં બેઠાં બેઠાં બધું જ જાણીએ કે કોણ શું કરે છે ? ભલેને તારો આચાર વાંકો છે પણ મહીં કષાય નથીને ? અવળો આચાર

(પા. 15)

એ પ્રકૃતિ છે, પ્રકૃતિ ગુણ છે. એટલે નામ ના લઈએ તોય ગોથું માર્યા વગર રહે નહીં. એટલે અહીંથી આમ બે જણને ખસેડી નાખીને વિધિ કરવા બેસી જાય.

અમારે તો કેટલાંય પ્રસંગ થવાનાને ! અરે, હું તો દાઢી કરતો હોઉં ત્યારે આમ પગ નીચે રાખ્યો હોયને, તો લોકો વિધિ કરવા બેસી જાય. એમ નહીં કે આ હલશે તો શું થશે ? અરે, જમતી વખતે વિધિ નથી છોડતાને ? છતાંય શુદ્ધ વ્યવહાર છે. અમે જાણીએને કે આ કષાયરહિત પરિણામ છે. મન બગડ્યા વગર એને કહ્યું હોય, કે હમણે વિધિ નહીં કરવાની, જતા રહો, તોય કશું નહીં.

અમારો વ્યવહાર આદર્શ જ હોય. જગતે જોયો ના હોય એવો અમારો વ્યવહાર હોય. અમારો વ્યવહાર મનોહર હોય, વર્તન પણ મનોહર હોય, વિનય પણ મનોહર હોય. વ્યવહારને ખસેડીને કોઈ છે તે આત્મા પામેલો નહીં. અને જે (એ રીતે) પામવાની વાતો કરે છે તે શુષ્કજ્ઞાન છે. તરછોડ્યો એટલે રહ્યું જ ક્યાં ? નિશ્ચય ક્યાં રહ્યો ?

પ્રશ્નકર્તા : વ્યવહારને તરછોડે તો ઓટોમેટિક નિશ્ચયને તરછોડાય જ જાય છે.

દાદાશ્રી : નિશ્ચય ઉત્પન્ન જ ના થાયને, વ્યવહાર તરછોડેલો હોય તો. નિશ્ચય નથી એમ મનાય. સમભાવે નિકાલ કરતો ના હોય અને પછી કહેશે, ‘અમને નિશ્ચયથી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે.’ એ ચાલે નહીં, બેઝમેન્ટ (પાયો) જોઈશે. આજુબાજુવાળા બૂમ પાડે અને આ કહેશે, ‘હું આત્મા થયો’, શી રીતે ચાલે ? મારી જોડે રહેનાર બધા હોય એને પૂછીએ, ‘દાદાજી, તમને હેરાન કરી નાખતા હશે ?’ ત્યારે કહે, ‘ના.’

શુદ્ધ વ્યવહાર-શુદ્ધ નિશ્ચયનો ફોડ આપે દાદા

નિશ્ચય શુદ્ધ છે, પણ વ્યવહાર શુદ્ધિ શેને કહેવી ? કષાયરહિત વ્યવહાર એ વ્યવહારશુદ્ધિ છે. પછી જાડો હોય કે પાતળો હોય કે ઝીણો હોય, કાળો હોય કે ગોરો હોય એ એમને જોવાની જરૂર નથી પણ કષાયરહિત છે કે ? ત્યારે કહે, હા, ત્યારે એ શુદ્ધ વ્યવહાર છે.

હવે કષાય ક્યાં ઊભા થાય ? જ્યાં કાયદા હોય, ત્યાં કષાય થાય. ‘એય જમતી વખતે જવાનું નહીં, ત્યાં ગડબડ કરશો નહીં.’ મન મહીં અવળું ફરે, પછી કષાય બચાવ ખોળે. એટલે અહીં તો કષાય જ નહીંને ! જ્યારે આવવું હોય ત્યારે પાછા આવે.

કોઈ છે તે માળા ચડાવવા આવે, પગે લાગે તેય આપણો હિસાબ અને પછી કોઈ મારતો હોય તેય આપણો હિસાબ. તમને કોઈ ગાળ ભાંડે, તે ફેરો એનામાં શુદ્ધાત્મા જ તમને દેખાવા જોઈએ. પેલો વ્યવહાર ના દેખાય. આ વ્યવહાર તમારો હિસાબ છે. તમારો જે હિસાબ હતો ભોગવવાનો, તે પૂરો થઈ રહ્યો છે. તેથી એ એનો વ્યવહાર કરી રહ્યો છે, પણ એ પોતે તો શુદ્ધ જ છે. એટલે એમના તરફ શુદ્ધતાની દ્રષ્ટિ રહે તો એ શુદ્ધ નિશ્ચય કહેવાય. આપણે શુદ્ધ અને જગત શુદ્ધ. જેટલો શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નિશ્ચય, એ જ શુદ્ધ આત્મરમણતા અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય, એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા.

જ્ઞાની ન તરછોડે વ્યવહારને

જુઓને, અમે મંચ પર બેઠા હતાને ! અમારે (એનો) દ્વેષ હોય નહીં. આવા વ્યવહારમાં તો અમારે આવવાનું ના હોય બનતા સુધી, પણ હોય તેને અમે તરછોડીએ નહીં. ત્યાંય બધું એવું નાટક ભજવીએ. અમારે આમ કરવું ને તેમ કરવું એવું હોય નહીં. આપણે વ્યવહારને તરછોડવાનો નથી. જે વ્યવહાર બન્યો, એમાં ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહાર સત્તાને આધીન છે, ‘અમે’ નિશ્ચય સત્તાને આધીન છીએ. ‘અમે’ તો નિશ્ચય સત્તામાં જ છીએ, સ્વસત્તાધારી છીએ. એટલે વ્યવહારને કિંચિતમાત્ર તરછોડ ના વાગવી જોઈએ. એટલે કે વ્યવહાર ઉદયકર્મને આધીન

(પા. 16)

છે પણ વ્યવહાર સત્તા અમે ક્યારે કબૂલ કરીએ કે આદર્શ હોય તો, નહીં તો નહીં. એટલે વ્યવહારને કિંચિતમાત્ર છંછેડાય નહીં.

જ્ઞાનીના વાડ સહિત પ્રતિક્રમણ

અમારાથીય કોઈ કોઈ માણસને દુઃખ થઈ જાય છે, અમારી ઈચ્છા ના હોય તોય. હવે એવું (સામાન્ય રીતે) અમારે બનતું જ નથી પણ કોઈ માણસની આગળ થઈ જાય છે. અત્યાર સુધીમાં પંદર-વીસ વર્ષમાં બે-ત્રણ માણસોનું થયું હશે. એય નિમિત્ત હશે ત્યારેને ? અમે પાછળ પછી એનું બધું પ્રતિક્રમણ કરી એની પર પાછી વાડ મૂકીએ, જેથી એ પડી ના જાય. જેટલો અમે ચઢાવ્યો છે, ત્યાંથી એ પડે નહીં. એની વાડ, એનું બધું રક્ષણ કરીને પાછી મૂકી દઈએ. એને પડવા તો ના જ દઈએ. સામું બોલી ગયો, ગાળો દઈ ગયો હોય તોય ના પડવા દઈએ. એને બિચારાને ખ્યાલ જ નથી, બેભાનપણે બોલી રહ્યો છે. એનો અમને વાંધો નથી. પડવા દઈએ તો આપણે ચઢાવેલો ખોટો.

અમે સૈદ્ધાંતિક હોઈએ કે ભાઈ, આ ઝાડ રોપ્યું, તે રોપ્યા પછી રોડની એક લાઈનદોરીમાં આવતું હોય તો રોડ ફેરવીએ પણ ઝાડને કશું ના થાય ! અમારો સિદ્ધાંત હોય બધો. એવું કોઈને પડવા ના દઈએ. એની એ જ જગ્યાએ રહે એ પછી. અમે એના વિચારો જ બધા ફેરવી નાખીએ. અમે અહીં ઘેર બેઠા બેઠા એના વિચારો જ ફેરવી નાખીએ. ત્યાં અમે વધારે મહેનત કરીએ જરા. મહેનત વધારે કરવી પડે. તમારે માટે, બધાને માટે મહેનત ના કરવી પડે. એને માટે બહુ મહેનત કરવી પડે. એના વિચારો જ બધા અમારે પકડી લેવા પડે. આથી આગળ વિચાર કરી શકે નહીં, એવું કરવું પડે. એવો કો’ક જ કેસ હોયને ! બધા કેસ ના હોયને !

પ્રશ્નકર્તા : આ વાડ-બાડ મૂકવાનું એ બધું શું છે ? એ બધું શું કરવાનું એને ?

દાદાશ્રી : એનું અંતઃકરણ પકડી લેવાનું, એનું વ્યવસ્થિત અમારા હાથમાં લઈ લેવાનું.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : એ અમે બધું લઈ લઈએ, એવું ના લઈએ તો તો પડી જાયને !

જ્ઞાનીનો રસાળવો વ્યવહાર

અક્રમ વિજ્ઞાન શું કહે છે કે વ્યવહાર તો બધાય રાખે છે, પણ વ્યવહાર રસાળવો રાખો, રસાળવો.

ઘરમાં કેવો વ્યવહાર હોય છે ? રસાળવો વ્યવહાર ! એટલે મારો સ્વભાવ એવો, તે હું નિરંતર વ્યવહાર રસાળવો જ રાખતો. જોડે બેઠો હોય તેની જોડેય રસાળવો. કોઈને ખોટ ગઈ નથી કોઈ જાતની. રસાળવા વ્યવહારમાં મને ખોટ આવી નથી. વ્યાપારીને ત્યાં જઉં તોય વ્યાપારીની જોડે રસાળવો વ્યવહાર.

પ્રશ્નકર્તા : રસાળવો વ્યવહાર એટલે કેવો હોય ? જરા વધારે વિગતવાર સમજાવો.

દાદાશ્રી : એ ગપોટી ના જાય મારી પાસે. ગપોટે શબ્દ વાપરો કે ના વાપરો ? એ બહુ જૂના જમાનાનો શબ્દ છે. ગપોટે એટલે દશ લાઈન બોલવાની હોય ને, એમાં ચાર લાઈન ભૂલી જઈને આગળની બોલે. ત્યારે બીજા છોકરાં શું કહે કે આણે ગપોટી ચાર લાઈન. એટલે બોલવાનું હોયને, તેમાં આટલું ગપોટ્યું.

એટલે આપણો વ્યવહાર રસાળવો હોવો જોઈએ એવું મારું કહેવાનું. સામો માણસ કેવો વ્યવહાર રાખે છે, એને હું સમજી જઉં કે આ ગપોટ્યું એણે. પણ આપણે તો રસાળવો રાખવો, એ મુખ્ય વાત. આ ઘરમાં વ્યવહાર રસાળવો જ હોય છે. નથી હોતા ? ઘણા કાયદા જોતા નથી. રસાળવો એટલે શું ? અંદર કપટ વગરનો, શુદ્ધતાવાળો. એટલે આપણો વ્યવહાર રસાળવો હોવો જોઈએ. સમભાવે નિકાલ કરવાથી રસાળવો ગુણ ઉત્પન્ન થાય છે. તે આપણા મહાત્માઓને રસાળવો છે જ. પગ-બગ ખૂબ દબાયો હોયને તોય અવળું ના

(પા. 17)

બોલે એનું. સમભાવે નિકાલ તો કરે રોજ. આટલા બધા લોકો છે પણ કંઈ અથડામણ થઈ નથી કોઈની.

અમારો રસાળવો વ્યવહાર હોય. એટલે તમને શું લાગે કે આ કોઈ આપ્તજન લાગે છે. બીજા વાત કરે તો આપ્તજન નહીં લાગે. હું આમને ટૈડકાવુંને તોય રસાળવો વ્યવહાર. એ રસાળવો શબ્દ જો યાદ રહે તો કામ કાઢી નાખશે. રસાળવો, એટલું મહીં યાદ રહેશેને તોય બહુ થઈ ગયું !

વીતરાગની વાણી નિમિત્તાધીન

આ તમે મને પૂછો કે તમે મને કેમ નથી વઢતા, તો હું કહું કે તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા. અમારે જ્ઞાની પુરુષને કઠણ વાણી જ ના હોય અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. છતાં એવી નીકળી એટલે અમે તરત જ સમજી જઈએ કે આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઈ પણ પ્રકારની કામના નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ પણ પ્રકારનો રાગ-દ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુઃખદાયી ના થાય. જ્ઞાની પુરુષને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં કોઈ મહા પુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે ક્યાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે, એને વળી ગાળો આપવાની ક્યાંથી હોય ? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે કે

‘મૂઆ જેને કહે, એ તો અજર-અમર તપે,

ગાળ્યું જેણે ખાધી, એના પૂરવના પાપોને બાળે.’

કોઈ કહેશે, ‘આ ભાઈને દાદા કેમ કઠણ શબ્દો કહે છે ?’ એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યો હોય, તે અમારી પાસે કઠણ વાણી દેખે.

હવે આપણાથી વાણી અવળી નીકળે, તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જ જન્મમાં જ ?

દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે. વ્યવહાર શુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહાર શુદ્ધિ પહેલી હોવી જોઈએ.

જે જે બોલે છે, જેટલું જેટલું બોલે છે, એ બધો જ ખુલ્લો અહંકાર છે. જ્ઞાની પુરુષેય ફક્ત સ્યાદ્વાદ જે વખતે બોલે, તે વખતે એમનો અહંકાર નહીં, પણ એ જો કંઈ બીજું બોલે ને, તો એમનો અહંકાર જ નીકળે છે. એ નીકળતો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર કહ્યો છે. જેટલું બોલે છે, એ બધું અહંકાર જ છે. બોલવાની જરૂર ના હોય તોય બોલી ઊઠે છે, નહીં ?

પ્રશ્નકર્તા : બીજાનું કલ્યાણ થાય એમાં.

દાદાશ્રી : એ બરાબર છે. બીજાનું કલ્યાણ થાય એનો વાંધો નહીં, પણ જ્યાં કલ્યાણ ના થવાનું હોય ને બીજી બાબત હોય ને ત્યાંય બોલી ઊઠે, ‘ના, આમ કરવાનું, તમે નથી જાણતા.’ મહાવીર ભગવાનની સ્યાદ્વાદ વાણી હતી અને જ્ઞાની પુરુષની સ્યાદ્વાદ વાણી હોય. સ્યાદ્વાદ એટલે શું કે બધા સાંભળે પણ કોઈને એમ ના લાગે, અમારી વિરુદ્ધનું બોલ્યાં. મુસ્લિમ હોય, બીજા હોય, બધાને ગમે. એ સ્યાદ્વાદ કહેવાય. નિરાગ્રહીવાળી અને સર્વ સાપેક્ષને લેનારી. તે ભગવાનની વાણી કેવી સરસ !

(પા. 18)

વીતરાગના સ્પર્શથી સુખની અનુભૂતિ

વીતરાગ પુરુષોએ સ્વામીપણાના દસ્તાવેજ છે તે ફાડી નાખેલા હોય. ‘આ મન મારું છે, બુદ્ધિ મારી છે, વાણી મારી છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. વાણીને એ શું કહે ? ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર.’

‘આ દેહેય મારો છે’ એ દસ્તાવેજ ફાડી નાખેલા હોય. એટલે પછી શું કહે ? આ ‘પબ્લિક ટ્રસ્ટ’ છે. એટલે પછી અમને અત્યારે દાઢ દુખતી હોય તો અસર થાય, પણ તેને ‘અમે’ ‘જાણીએ’, વેદીએ નહીં. જ્યારે કોઈ અમને ગાળો ભાંડે, અપમાન કરે, પૈસાની ખોટ જાય, તેની અમને જરાય અસર ના થાય. અમને માનસિક અસર બિલકુલ હોય નહીં. શરીરને લગતું હોય તો તે તેના ધર્મ મુજબ અસર બતાડે, પણ ‘અમે’ પોતે તેના ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ હોઈએ. એટલે અમને દુઃખ અડે નહીં.

પ્રશ્નકર્તા : આને વીતરાગ પુરુષનું તાદાત્મ્યપૂર્વકનું તાટસ્થ્ય કહેવાય કે એકલી તટસ્થતા કહેવાય ?

દાદાશ્રી : અમને તાદાત્મ્ય બિલકુલ ના હોય. અમને આ દેહ જોડેય પાડોશી જેવો સંબંધ હોય. એટલે દેહને અસર થાય તો અમને કંઈ અડે નહીં. મન તો અમને આવું હોય જ નહીં. એ કેવું હોય ? ક્ષણે ક્ષણે ફર્યા જ કરે, એક જગ્યાએ સ્થિર ના હોય.

પ્રશ્નકર્તા : એટલે કે ‘પડોશી’ના દુઃખે પોતે દુઃખી ના થાય.

દાદાશ્રી : કોઈનાય દુઃખે દુઃખી ના થાય. ‘પોતાનો’ દુઃખનો સ્વભાવ જ નથી, ઊલટું એના સ્પર્શથી સામાને સુખ થઈ જાય.

જ્ઞાનીના હૃદય ભાવની ઝલક

અમારા એક-એક શબ્દમાં ‘કોઈને દુઃખ ન થાવ, જીવમાત્રને દુઃખ ન થાવ’ એવો ભાવ નિરંતર અમને રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન-વચન-કાયા થકી કિંચિતમાત્ર પણ દુઃખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતા, ફૂલાં કામ નથી કરતા, પણ ભાવ કામ કરે છે. માટે આપણે બધાએ ભાવ કેવા રાખવા જોઈએ કે સવારના પહોરમાં નક્કી કરવું કે ‘જીવમાત્રને આ મન-વચન-કાયાથી કિંચિતમાત્ર દુઃખ ન હો’ - એવું પાંચ વખત જો સાચા ભાવથી બોલીને નીકળ્યા અને પછી જો તમારાથી ગુનો થઈ ગયો તો યુ આર નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ, એવું ભગવાને કહ્યું છે. કેમ એવું કહ્યું ? ત્યારે કહે, ‘સાહેબ, મારી તો આવી ભાવના નહોતી.’ તો ભગવાન કહે કે ‘યસ, યુ આર રાઈટ !’ આવું જગત છે ! ને તમે છે તે કશુંય, એક જીવડુંય માર્યું ના હોય અને તમે એમ કહો કે ‘જેટલા જીવડાં આવે એટલા મારવા જ જોઈએ’, તે આખા દહાડાના જીવહિંસાના એ ભાગી થયા કરે. એટલે આવું છે જગત !

અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તોય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલા ઈફેક્ટિવ નથી, જેટલી ઈફેક્ટિવ ભાવના છે !

જ્ઞાનીમાં ન હોય સ્થૂળ-સૂક્ષ્મ ભૂલો

‘જ્ઞાની પુરુષ’માં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય અને સૂક્ષ્મ ભૂલો પણ ના હોય. અમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો હોય પણ તેના ‘અમે’ જ્ઞાતા-દ્રષ્ટા રહીએ. આ દોષની તમને વ્યાખ્યા આપું : સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઈક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઈક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠાં હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો

(પા. 19)

જ દેખાય ! છતાં કોઈને નુકસાન કરતા નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે. જે અન્ય કોઈને કિંચિતમાત્ર પણ હરકતકર્તા ના હોય. અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દ્રષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે.

પણ એકધારો પ્રેમ રહે સદા

તમારા દોષો પણ અમને દેખાય, પણ અમારી દ્રષ્ટિ તમારા શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય, પણ એની અમને અસર થાય નહીં.

તમારી નિર્બળતા અમે જાણીએ અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. (અમારે તમને) સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું જ નહીં, પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધે-ઘટે, એ પ્રેમ નહોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે નહીં ને ઘટેય નહીં. એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે !

પ્રેમથી પ્રેમ જાગૃત થાય

અત્યારે હું મોટી ઉંમરનાને મારુંને, તો એને રીસ નહીં ચઢતી, એનું શું કારણ ? પ્રેમથી મારું છું. તમારામાં પ્રેમ હોય નહીં. પ્રેમ જ ક્યાંથી લાવે ? પ્રેમવાળો માણસ કોઈ જોયેલો ? ક્યાં જોયેલો ?

આ છોકરાને હું માર માર કરું છું ને, તોય ખુશ થાય છે અને તું માર જોઈએ ? મારામાં પ્રેમ છે, એટલે એને પ્રેમ જાગૃત થાય. એ તો હું ગમે એટલું મારું તોય મને કશું ના હોય. મારી ઉપર એ ખુશ થઈ જાય, કારણ કે હું પ્રેમથી જોઉં છું અને તારામાં તો અહંકાર ભરેલો છે, એટલે પછી તે છોકરામાં અહંકાર જાગે એટલે બેનો અહંકાર લડે પછી, ‘આવી જા’ કહેશે.

અને તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ ? એને વાગ્યું તેથી ! ના, એને વાગ્યાનું દુઃખ નથી. એનું અપમાન કર્યું તેનું એને દુઃખ છે. આ જગતે ‘પ્રેમ’ શબ્દ જ જોયો નથી. કંઈક પ્રેમ જોયો હોય કો’ક જગ્યાએ, તો મધર(મા)નો પ્રેમ હશે. તેય કંઈક પ્રેમ !

દાદા ખોલે સુખની દુકાન

એક જણ મને કહે કે ‘મને કશી સમજણ પડતી નથી. મને કશાક આશીર્વાદ આપો.’ તેના માથે હાથ મૂકીને મેં કહ્યું, ‘જા, આજથી સુખની દુકાન કાઢ. અત્યારે તારી પાસે જે છે તે દુકાન કાઢી નાખ.’ સુખની દુકાન એટલે શું ? સવારથી ઊઠ્યા ત્યારથી બીજાને સુખ આપવું, બીજો વેપાર ના કરવો. હવે એ માણસને તો આની બહુ સમજણ પડી ગઈ. એણે તો બસ આ શરૂ કરી દીધું, એટલે તો એ ખૂબ આનંદમાં આવી ગયો ! સુખની દુકાન કાઢે ને, એટલે તારે ભાગેય સુખ જ રહેશે અને લોકોને ભાગેય સુખ જ જશે. આપણે હલવાઈની દુકાન હોય પછી કોઈને ત્યાં જલેબી વેચાતી લેવા જવું પડે ? જ્યારે ખાવી હોય ત્યારે ખવાય. દુકાન જ હલવાઈની હોય, ત્યાં પછી શું ? માટે તું સુખની જ દુકાન કાઢ. પછી કશી ઉપાધિ જ નહીં.

મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખ કી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ. આપણો હિસાબ છે તો આપવા તો આવે ને ? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી.

આ ‘દાદા’ તો ‘જ્ઞાની પુરુષ’, એમની દુકાન કેવી ચાલે ? આખો દિવસ ! આ ‘દાદા’ની સુખની દુકાન, તેમાં કોઈએ ઢેખાળો નાખ્યો હોય તોયે પાછા એને ગુલાબજાંબુ ખવડાવીએ. સામાને ઓછી ખબર

(પા. 20)

છે કે આ સુખની દુકાન છે એટલે ત્યાં ઢેખાળો ના મરાય ? એમને તો, નિશાન તાક્યા વગર જ્યાં આવ્યું ત્યાં મારે.

આપણે ‘કોઈને દુઃખ નથી આપવું’ આવું નક્કી કર્યું તોય આપનારો તો આપી જ જાયને ? ત્યારે શું કરીશ તું ? જો હું તને એક રસ્તો બતાવું. તારે અઠવાડિયામાં એક દહાડો ‘પોસ્ટ ઑફિસ’ બંધ રાખવાની. તે દા’ડે કોઈનો મનીઓર્ડર સ્વીકારવો નહીં ને કોઈને મનીઓર્ડર કરવાનો નહીં. અને કોઈ મોકલે તો તેને બાજુએ મૂકી રાખવાનું ને કહેવાનું કે ‘આજે પોસ્ટ ઑફિસ બંધ છે. કલ બાત કરેંગે.’ અમારે તો કાયમ પોસ્ટ ઑફિસ બંધ જ હોય છે. ‘વ્યવસ્થિત’નો નિયમ એ છે કે તેં જે નક્કી કર્યું હોય, તે પ્રમાણે તને ઘરાક મોકલી આપે.

આમ થઈ કારુણ્યતાની શરૂઆત

કોઈને પણ દુઃખ ના થાય એવું જોવું પડે, ભલેને એ નુકસાન કરી ગયો હોય. કારણ કે એ પૂર્વનો કંઈક હિસાબ હશે. પણ આપણે એને દુઃખ ના થાય એવું કરવું જોઈએ.

મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ ‘જ્ઞાન’ પ્રગટ થાય.

શુદ્ધ થયે શક્તિ ઉત્પન્ન થાય

પ્રશ્નકર્તા : દાદા, આપ જેવી રીતે બીજાના સુખને માટે પ્રયત્ન કરો છો અને કેટલાયને ભયંકર દુઃખની યાતનામાંથી પરમ સુખી બનાવી દો છો, તો એવું અમારે થવું હોય તો થઈ શકીએ કે નહીં ?

દાદાશ્રી : હા, થઈ શકો, પણ તમારી એટલી બધી ‘કેપેસિટી’ (ક્ષમતા) આવવી જોઈએ. તમે નિમિત્ત રૂપ બની જાવ, એટલા માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. બાકી તમે કરવા કે બનવા જાવ, તો કશું બને એવું નથી !

પ્રશ્નકર્તા : તો નિમિત્ત રૂપ બનવા માટે અમારે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આ જ બધું જે હું કહું છું તે અને નિમિત્ત રૂપ બનતા પહેલા અમુક જાતનો ‘કાટ’ નીકળી જવો જોઈએ.

એમાં કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈની પર ચિડાવાનો એવા બધા હિંસકભાવ થવા ના જોઈએ. જો કે ખરેખર તમને આ હિંસકભાવ નથી, આ તમારા ‘ડિસ્ચાર્જ’ હિંસકભાવ છે. પણ જે ‘ડિસ્ચાર્જ’ હિંસકભાવ છે તે ખલાસ થશે ત્યારે આ બધી શક્તિઓ છે તે ‘ઓપન’ (ખુલ્લી) થશે. ‘ડિસ્ચાર્જ ચોરીઓ’, ‘ડિસ્ચાર્જ અબ્રહ્મચર્ય’ એ બધા ‘ડિસ્ચાર્જ’ ખાલી થાય, ત્યાર પછી પારકાને માટે નિમિત્ત બનવાની શક્તિ ઉત્પન્ન થાય. આ બધું ખાલી થાય એટલે તમે પરમાત્મા જ થયા ! આ અમારે ખાલી થઈ ગયું છે, તેથી તો અમે નિમિત્ત બન્યા છીએ.

પ્રશ્નકર્તા : એટલે પહેલા અમારે ‘કાટ’ ખાલી કરવાની વાત કરવી.

દાદાશ્રી : પુરુષાર્થ કરીને બધું થાય ! પુરુષ થયો એટલે પુરુષાર્થમાં આવી શકે, એવું અમે બધું કરી આપ્યું છે ! હવે તમે તમારી મેળે જેટલો પુરુષાર્થ માંડો એટલો તમારો !

પ્રશ્નકર્તા : તો પછી સામાના માટે આપણને જે ખોટા ભાવ છે, ખરાબ ભાવ છે, તે પ્રતિક્રમણ કરવાથી ઓછા થાય ખરા ?

દાદાશ્રી : આપણા ખરાબ ભાવ તૂટી જાય. આપણા પોતાના માટે જ છે આ બધું. સામાને આપણી જોડે કશી લેવાદેવા નથી.

(પા. 21)

પ્રતિક્રમણ કરી, કર્યું બધું ચોખ્ખું

તે વખતે અજ્ઞાન દશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણાં તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર.... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને એકને આનો તિરસ્કાર કરે. પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ.એમ.પટેલ’ને કહી દીધું કે આ તિરસ્કાર કર્યા, તે ધોઈ નાખો બધા હવે સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધા ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુના કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય, બળ્યા ! તે બધા ધોઈ નાખ્યા.

પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું, સામે જઈને નહીં ?

દાદાશ્રી : મેં અંબાલાલ પટેલને કહ્યું કે ‘આ તમે ઊંધાં કર્યાં છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધાં કરેલા ધોઈ નાખો !’ એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાના ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. નગીનભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘હે નગીનભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! નગીનભાઈના શુદ્ધાત્મા ભગવાન ! આ નગીનભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું.’ એટલે પછી તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ લેશો. એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય.

વર્તી નવ કલમો જિંદગીભર પૂર્ણ પુરુષને

આપણે આ નવ કલમો છે ને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે. બધો આખો સાર આવી જાય છે. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિક(લોકો)નું કલ્યાણ થાય એટલા સારુ. ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.

પ્રશ્નકર્તા : અત્યારે તો અમે ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો’ એમ કરીને બોલીએ છીએ, તો આ નવ કલમો આપ કોને કહેતા હતા ?

દાદાશ્રી : એ ‘દાદા ભગવાન’ નહીં હોય, તે બીજું નામ હશે પણ નામ હશે જ. તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ ‘શુદ્ધાત્મા’ કહો કે જે કહો તે, એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા.

આ નવ કલમો એ શાસ્ત્રમાં નથી. અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ, તે રીતે આ કલમો લખી છે. આ નવ કલમો પ્રમાણે અમારું વર્તન હોય, છતાં અમે ભગવાન ના ગણાઈએ. ભગવાન તો, મહીં ભગવાન છે તે જ ! બાકી, માણસ આવું વર્તી ના શકે.

ચૌદ લોકનો સાર છે આટલામાં. આ નવ કલમો લખી છે, એ ચૌદ લોકનો સાર છે. આખા ચૌદ લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આ મેં મૂક્યું છે. એટલે આ બધા કેવા પુણ્યશાળી છે કે લિફ્ટમાં બેઠાં બેઠાં મોક્ષમાં જાય છે ! હા, ફક્ત હાથ બહાર કાઢવાનો નહીં એટલી શરત !

આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય જ નહીંને ! એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય !

દાદા : કલ્યાણકારી, શ્રદ્ધાની મૂર્તિ

તમે જેને પૂછો છો એ વીતરાગ નથી અત્યારે ! અત્યારે તો અમે ખટપટિયા વીતરાગી છીએ. ખટપટિયા એટલે કેવું કે જગતનું કલ્યાણ થાવ અને કલ્યાણ માટે

(પા. 22)

ખટપટ કરે. બાકી વીતરાગીને ને જનસંપર્કને કશું લેવા-દેવા જ નથી ! વીતરાગી તો ફક્ત દર્શન આપ્યા કરે. બીજી ખટપટ કે કશું ના કરે.

પ્રશ્નકર્તા : પણ વીતરાગી જે લોકસંપર્ક કરે છે એ પોતાના કર્મ ખપાવવા ?

દાદાશ્રી : પોતાનો હિસાબ ચોખ્ખો કરવા માટે, બીજાને માટે નહીં. એમને બીજી ભાવના નથી. અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય. વીતરાગીને એવું ના હોય. બિલકુલ ભાવના નહીં, સંપૂર્ણ વીતરાગ ! અને અમારે તો આ ભાવના છે એક જાતની. પછી સવારે વહેલા ઊઠીને બેસીએ છીએ ને નિરાંતે ! સ્કૂલ (સત્સંગ) ચાલુ કરી દઈએ છીએ ને ! તે ઠેઠ રાતના સાડા અગિયાર વાગ્યા સુધી હોય છે ને ! એટલે એ ભાવના છે અમારી. કારણ કે અમારા જેવું સુખ હરેકને હો ! શા માટે આટલા બધા દુઃખ ? દુઃખ છે નહીં ને નકામા દુઃખો ભોગવી રહ્યા છે. એ અણસમજણ નીકળી જાય તો દુઃખો જાય. હવે અણસમજણ નીકળે ક્યારે ? કહેવાથી ના નીકળે, દેખાડો તો નીકળે. તમે કરી બતાવો તો નીકળે ! તે અમે તો કરી બતાવીએ. એ મૂર્ત સ્વરૂપ કહેવાય. એ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય.

આપ્ત પુરુષના લક્ષણો

પ્રશ્નકર્તા : આપ્ત પુરુષના વાણી, વર્તન ને વિચારો કેવા હોય ?

દાદાશ્રી : એ બધું મનોહર હોય, મનનું હરણ કરે એવાં હોય, મન ખુશ થઈ જાય. એમનો વિનય જુદા પ્રકારનો હોય, એ વાણી જુદા પ્રકારની હોય ! વિધાઉટ ઈગોઈઝમ (અહંકાર રહિત) વર્તન હોય. ઈગોઈઝમ સિવાયનું વર્તન જગતને જોવાનું કોઈક ફેરો મળી આવે, નહીં તો મળે નહીંને !

કોઈ પણ જીવને મનથી, વાણીથી, કાયાથી, કષાયથી, અંતઃકરણથી ક્યારેય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે ! એને જગતમાં કોઈ દુઃખ કેમ આપી શકે ? કિંચિતમાત્ર દુઃખ દેવાના ભાવ ના હોય. પોતાના દુશ્મનને પણ કિંચિત્ દુઃખ દેવાના ભાવ ન હોય. એની મહીં છે તે સિન્સિયારિટી હોય, મોરાલિટી હોય, બધા જ ગુણો ભેગા થાય. કિંચિતમાત્ર હિંસકભાવ ના હોય, ત્યારે ‘શીલ’ કહેવાય. ત્યાં વાઘ પણ ઠંડો થઈ જાય.

શીલ ક્યારે હોય કે ક્યારેય જીવમાત્રને મનથી, અહંકારથી, અંતઃકરણથી જરાય દુઃખ ના થાય. એ ભાવ રહે તેને શીલ ઉત્પન્ન થાય. જેની વાણીથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના વર્તનથી કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય, જેના મનમાં ખરાબ ભાવ ના થાય, તે શીલવાન !

જ્ઞાની હૃદયે નિરંતર કલ્યાણની ભાવના

નિરંતર જગત કલ્યાણની ભાવના, બીજી કોઈ જ ભાવના ના હોય. ખાવાનું જે મળે, સૂવાનું જે મળે, જમીન પર સૂવાનું મળે તોય પણ નિરંતર ભાવના શી હોય ? જગતનું કેમ કરીને કલ્યાણ થાય ! હવે એ ભાવના ઉત્પન્ન કોને થાય ? પોતાનું કલ્યાણ થઈ ગયું હોય, તેને એ ભાવના ઉત્પન્ન થાય. પોતાનું કલ્યાણ થયેલું ના હોય એ જગતનું કલ્યાણ શી રીતે કરે ? ભાવના ભાવે તો થાય. ‘જ્ઞાની પુરુષ’ મળે તો એને ‘સ્ટેજ’માં લાવી નાખે અને સ્ટેજમાં આવ્યા પછી એમની આજ્ઞામાં રહે તો ભાવના ભાવતા આવડે.

મને જે સુખ થયું, તે સર્વને થાઓ

મને લોકો કહે છે, ‘તમે કેવી રીતે જગત કલ્યાણનું નિયાણું પૂરું કરશો, આ ઉંમર તો થઈ હવે ? સવારમાં ઊઠો છો, ત્યાર પછી ચા પીતા પીતા દસ વાગી જાય છે.’ અરે ભઈ ! અમારે આ સ્થૂળ નથી કરવાનું, સૂક્ષ્મ થઈ રહ્યું છે બધું. ફક્ત આ સ્થૂળ દેખાવ કરવાનો છે. સ્થૂળના ટેકા દેવા પડશે ! આપણે આ દુઃખમાંથી શોધખોળ શી કરવાની ? સનાતન સુખની. આ સુખ તો ઘણું ભોગવ્યું. એનાથી સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય.

(પા. 23)

પૂર્ણતાની પ્રાપ્તિના લક્ષણ શું ?

પ્રશ્નકર્તા : આધ્યાત્મિક સ્ટડી કરનારો પૂર્ણતાએ પહોંચ્યો, એની કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની વાણી વીતરાગ હોય, વાત વીતરાગ હોય, વર્તન વીતરાગ હોય. એની દરેક બાબતમાં વીતરાગતા હોય. ગાળ ભાંડે તોય વીતરાગતા અને ફૂલો ચઢાવે તોય વીતરાગતા હોય, એમની વાણી સ્યાદ્વાદ હોય એટલે કે કોઈ ધર્મનું, કોઈ જીવનું પ્રમાણ ના દુભાય.

આ તીર્થંકરોનો માલ છે

કોઈનું પ્રમાણ ના દુભાય એવી અમારી વાણી હોય. આ ૩૬૦ ડીગ્રીમાં આ વર્લ્ડનું કોઈ એવું પ્રમાણ નથી કે જે દુભાય. કોઈ પણ ધર્મનું, કોઈ પણ માણસના અભિપ્રાય, પ્રમાણ ના દુભાય એવી અમારી વિચારણા હોય. એ સ્યાદ્વાદ કહેવાય અને એવી વીતરાગોની વસ્તુ છે. મારી પાસે આ તીર્થંકરોનો માલ છે, મારો પોતાનો માલ નથી. લોકો કહે છે કે ‘હવે તો તમારું, દાદા ભગવાનનું ચાલશે ને ?’ મેં કહ્યું, ‘ના ભાઈ, આ શાસન તો (ભગવાન) મહાવીરનું જ ચાલ્યા કરવાનું. અમે તો આમાં, આ કાળમાં સોનાના કળશરૂપે કામ કરીએ. લોકોને શાંતિ બહુ થઈ જાયને !

કોઈને સહેજે દુઃખ ના થાય એ છેલ્લી લાઈટ

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે ‘ભાઈ, આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ. એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર બધા માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદ લાખ યોનિઓ છે. બોલો, કેટલા ‘એડજસ્ટ’ થઈ શકે આપણને ? અમુક જ યોનિ ‘એડજસ્ટ’ થઈ શકે, બધી ના થઈ શકે.

આદર્શ વ્યવહાર કરી, તરી ઉતરો પાર

પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.  વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જો વ્યવહારમાં ચીકણા થયા તો કષાયી થઈ જવાય. આ સંસાર તો મછવો છે. તે મછવામાં ચા-નાસ્તો બધું કરવાનું પણ જાણવાનું છે કે આનાથી કિનારે જવાનું છે. તમને ઠીક લાગતું હોય તો આ પ્રમાણે કરજો, નહીં તો તમને જે ગમતું એ કરજો. મારે કંઈ તમને દબાણ નથી આ. હું તો તમને સમજણ પાડું કે આ રીતે કરશો તો લાઈફ બહુ સારી જશે અને ભગવાન તમારે ઘેર રહેશે અને બરકત આવશે. એટલે વ્યવહારને કિંચિતમાત્ર તરછોડ ના વાગવી જોઈએ.

હવે આપણે શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્મા તો નિરંતર શુદ્ધ જ રહે છે, કાયમને માટે. એ પદ આપણે આજુબાજુના એના આધારે જોઈ શકીએ કે ઓહોહો, આ કોઈને દુઃખ થતું નથી, કોઈને એ થતું નથી, માટે આપણે શુદ્ધ થયા છીએ. જેટલી અશુદ્ધિ એટલી સામાને અડચણ અને પોતાને અડચણ. પોતાની અડચણ મટી જાય ક્યારે ? ‘આ’ જ્ઞાન મળે ત્યારે. અને પોતાનાથી સામાની અડચણ મટી જાય ત્યારે આપણે પૂર્ણ થયા.

જય સચ્ચિદાનંદ