દુઃખ અપાયું ? ત્યાં અવશ્ય ખપે પ્રતિક્રમણ

સંપાદકીય

અતિ દુર્લભ એવા આ મનુષ્ય જીવનમાં ધ્યેય શું હોવો જોઈએ ? સાંસારિક ધ્યેય ભલે ગમે તે હોય પણ આત્યંતિક ધ્યેય તો સર્વે દોષોથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરવાનો જ હોવો જોઈએ અને તેની શરૂઆત કેવી રીતે કરવાની ? ત્યારે કહે, ‘જીવમાત્રને આપણાથી દુઃખ ન હો’ ત્યાંથી કરવાની કહી છે.

રોજિંદા વ્યવહારમાં સંબંધોમાં આવેલી વ્યક્તિઓને, ઘરનાને, વડીલોને, સગા-સંબંધીઓને, મિત્રોને, આશ્રિતોને, સહાધ્યાયીઓને જાણે-અજાણે મન-વચન-કાયાથી દુઃખ અપાઈ જાય છે. એવા પ્રસંગોમાં ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષરૂપી અતિક્રમણ થઈ જાય છે અને બેઉ પક્ષે કષાયો ને દુઃખની પરંપરા સર્જાય છે.

કર્મના ઉદયે ડિસ્ચાર્જ કર્મ તો ફૂટશે, ત્યાં કવચિત્ આપણા થકી બીજાને દુઃખ થઈ જાય એવું બને પણ ખરું. પરંતુ ત્યાંથી પાછા કેવી રીતે વળવું ? પરમ પૂજ્ય દાદા ભગવાન(દાદાશ્રી) આપણને આ રહસ્યનો ફોડ પાડતા કહે છે કે માણસનો દોષ થવો સ્વાભાવિક છે પણ એનાથી વિમુક્ત થવાનો એકમાત્ર રસ્તો છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે સમજણપૂર્વક પોતાની ભૂલો-દોષોથી પાછા ફરવું તે. જેમ કપડાં પર ચાનો ડાઘો પડતા તરત ધુએ છે તેમ અંતઃકરણમાં ઊભા થતા દોષોનું પણ શૂટ ઓન સાઈટ (દોષ થતા તુરંત જ) પ્રતિક્રમણ હોવું જરૂરી છે અને તો જ આત્માનો સાચો આનંદ અનુભવાશે.

દાદાશ્રી અહીં પ્રતિક્રમણ સાથે જીવનની વાસ્તવિકતા પણ સમજાવે છે કે જેનાથી તમારી બુદ્ધિને સમાધાન થાય. સાથે ઊભા થતા દુઃખોની સામે પ્રતિક્રમણ કરવાનું અંદર દ્રઢપણે નક્કી કરાવે છે અને જ્યારે આ દુઃખદાયી વ્યવહારથી બીજાને કચડે છે ત્યારે એના જોખમો, પરિણામ, જીવનની વાસ્તવિકતા વગેરેની ગુહ્ય સમજણથી બુદ્ધિને સચોટ સમાધાન મળે છે. પરિણામે એની અંતર ગૂંચ ઉકલે છે અને અંતે અંદરથી દ્રઢ નક્કી થાય છે કે હવે મારે કોઈને દુઃખ નથી જ આપવા.

દાદાશ્રી હંમેશાં કહેતા કે અમારા હૃદયમાં નિરંતર એમ ભાવ રહે છે કે ‘જે સુખ હું પામ્યો એ આખું જગ પામો. મારે બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. કેમ કરીને હિન્દુસ્તાન અને સમગ્ર વિશ્વ પર આ અક્રમ વિજ્ઞાનની અસર થાય, સર્વેનું કલ્યાણ થાય, એની માટેની પેરવીમાં છું. એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. આ જગત કલ્યાણના તંબુમાં જેમનાથી ટેકો દેવાય તે દેજો.’

મારે તમને એક જ કહેવું છે કે તમે જે વસ્તુની લાયકાત ધરાવતા હશો તે વસ્તુ તમને ઘેર બેઠા મળશે. તમારી શુદ્ધતા જોઈશે. તમારી શુદ્ધતામાં શું જોઈએ ? આ જગતના કોઈ જીવને તમારાથી દુઃખ ના હો. કોઈ તમને દુઃખ આપી જાય છે તે કાયદેસર છે, હિસાબસર છે.

હું આત્મા થઈને, બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. અતિક્રમણ થવું એ સ્વાભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. હવે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આપણે પ્રતિક્રમણ કરી, એની જવાબદારીમાંથી મુક્ત થઈ મોક્ષે ચાલ્યા જવું છે. એ નિશ્વયને આપણે જ્ઞાની પુરુષે ચીંધેલા માર્ગે પુરુષાર્થ કરી સાર્થક કરી લઈએ.

જય સચ્ચિદાનંદ.

દુઃખ અપાયું ? ત્યાં અવશ્ય ખપે પ્રતિક્રમણ

(પા. 4)

વ્યવસ્થિત કર્તા સમજો, તો નથી જોખમદારી

પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે કોઈનું દિલ ના દુખાય એવી રીતે જીવવું, પણ જ્યારે આપણે કોઈને માનસિક દુઃખ પહોંચાડીએ, ત્યારે અન્યાય કર્યો કહેવાય. ધંધામાં તો માલ એનો એ જ છે, પણ ભાવ વધારીએ તો કમાણી થાય. જ્યારે ભાવ વધારો તો એનાથી બીજાને મનદુઃખ થાય, તો એનાથી આપણને નુકસાન થાય ખરું ?

દાદાશ્રી : તમે ભાવ વધારો તો (બીજાને) દુઃખ થાય. ભાવ વધારો નહીં, તો કશો વાંધો નહીં. આમાં તમે કર્તા થઈને કરો, તો દુઃખ થાય ને જો વ્યવસ્થિતને કર્તા સમજો તો તમારે કશી જવાબદારી નથી. વ્યવસ્થિત કર્તા છે, એ સ્વીકાર કરો, સમજો. તો ખરેખર તમારી જોખમદારી નથી. મેં તમને એવા સ્ટેજ (ભૂમિકા) ઉપર મૂક્યા છે કે તમારી જોખમદારી બંધ થઈ જાય, જોખમદારીનો એન્ડ (અંત) થાય. એટલે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા છે તમને.

છતાંય તમને ઈચ્છા એવી છે કે ‘આવું અકર્મની સ્થિતિ પર મૂક્યા, પણ અમે કરી શકીએ એમ તો છીએ.’ જો તમે કર્તા થાવ તો બંધન થશે ! આ તો જેને જ્ઞાન આપું છું તેને, બીજા બધા તો કર્તા છે જ. મારા જ્ઞાનને સમજી અને પાંચ આજ્ઞા સમજે, તો નિવેડો આવે.

પ્રશ્નકર્તા : આપણે કર્તા નથી પણ આપણે એ કર્મમાં ભાગ લેવાથી બીજાને દુઃખ પહોંચે છે, આપણા કર્મથી.

દાદાશ્રી : આપણે એટલે કોણ પણ ? હુ (Who) ? ચંદુભાઈ કે શુદ્ધાત્મા ?

પ્રશ્નકર્તા : ચંદુભાઈ.

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો ચંદુભાઈ કર્તા છે, તેમાં તમારે શું લેવાદેવા ? ‘તમે’ જુદા ને ચંદુભાઈ જુદા.

પ્રશ્નકર્તા : ચંદુભાઈ કર્તા બનીને તન્મયાકાર  થાય, ત્યારે ખબર પડે કે સામી પાર્ટીને મન દુઃખ થાય છે.

દાદાશ્રી : તે પછી ચંદુભાઈને કહેવું કે ‘ભાઈ, માફી માંગી લો, કેમ આ દુઃખ કર્યું (આપ્યું) ?’ પણ ‘તમારે’ માફી નહીં માગવાની. જે અતિક્રમણ કરે, તેણે પ્રતિક્રમણ કરવાનું. ચંદુભાઈ અતિક્રમણ કરે તો પ્રતિક્રમણ એની પાસે કરાવડાવવું. જો આપણા દોષ કોઈને નુકસાન કરતા હોય તો ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો.’ કોઈને કિંચિતમાત્ર દુઃખ આપીને કોઈ મોક્ષે ગયેલો નહીં.

પ્રશ્નકર્તા : માનસિક પસ્તાવો કરવો એ જ પ્રતિક્રમણ ?

દાદાશ્રી : જે રીતે કહ્યુંને એ રીતે કરો. એને ધોલ મારવાથી દુઃખ થયું, તો હવે ફરી નહીં ધોલ મારું, મારી ભૂલ થઈ, એવી રીતે પસ્તાવો કરો. અગર તો ટૈડકાવ્યો, મેં એને દુઃખ કર્યું (આપ્યું), તો ફરી નહીં ટૈડકાવું, એવી રીતે (પ્રસ્તાવો) કરો. આ વાણીથી જે જે માણસોને દુઃખ થયા હોય તે બધાની ક્ષમા માગું છું, એમ પ્રતિક્રમણ કરાય.

પ્રશ્નકર્તા : એનો અર્થ એમ કે પ્રતિક્રમણ કરતા રહેવું ને તો ધીમે ધીમે આપણી ટેવો જતી રહેને બધી ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી બધું જતું રહે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની પાછળ જેટલો ભાવ વધારે જોરથી હોય એટલું...

દાદાશ્રી : ભાવથી, શબ્દો એ આવડ્યા કે ના

(પા. 5)

આવડ્યા, એ કંઈ નહીં પણ સાચા દિલથી હોવું જોઈએ.

ટકોર કરાય પણ કહેતાં આવડે તો

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે છે, તો તે કરાય કે નહીં ?

દાદાશ્રી : વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એ અહંકાર સહિત થાય છે.

પ્રશ્નકર્તા : ટકોર ના કરીએ તો એ માથે ચઢે ?

દાદાશ્રી : ટકોર તો કરવી પડે, પણ કહેતા આવડવું જોઈએ. કહેતા ના આવડે, વ્યવહાર ના આવડે એટલે અહંકાર સહિત ટકોર થાય. એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાને ટકોર કરો એટલે સામાને ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કર કર કરશો એટલે છ મહિને, બાર મહિને વાણી એવી નીકળશે કે સામાને મીઠી લાગે. અત્યારે તો ‘ટેસ્ટેડ’ (પરીક્ષણ થયેલી) વાણી જોઈએ. ‘અન્ટેસ્ટેડ’ વાણી બોલવાનો અધિકાર નથી. આ રીતે પ્રતિક્રમણ કરશો તો ગમે તેવું હશે તોય સીધું થઈ જશે.

પ્રશ્નકર્તા : આપણે કેટલીક વખતે સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે, તો તે વખતે એને દુઃખ પહોંચે તો ?

દાદાશ્રી : હા, કહેવાનો અધિકાર છે પણ કહેતા આવડવું જોઈએ. આ તો ભાઈ આવે, તેને જોતાં જ કહે કે ‘તું આવો છું ને તું તેવો છું.’ તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાને દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? ફરી આવું નહીં બોલું અને આ બોલ્યો તેનો પશ્ચાત્તાપ કરું છું.’ એટલું પ્રતિક્રમણ કરવું પડે.

સ્પેશ્યિલ રીતો નિકાલ તણી

પ્રશ્નકર્તા : આપણા હાથ નીચે ઑફિસની કોઈ કામ કરતી વ્યક્તિ હોય, એ ઑફિસ ટાઈમે ના આવતી હોય અથવા તો જે ઑફિસનું કામ હોય એ બરાબર ના કરતી હોય, હવે એ ફાઈલને આપણે સમભાવે નિકાલ કરવા જઈએ તો ફરજની રૂએ એને ઠપકો પણ આપવો પડે. એટલે સામો પાછો એનો પ્રત્યાઘાત આપણને મળવાનો જ છે, તો એનું પણ આપણને કર્મબંધન થાય ?

દાદાશ્રી : જ્ઞાન લીધેલું હોયને, તો કર્મબંધન થાય નહીં. પણ પ્રત્યાઘાતી ઈફેક્ટ ન પડે એટલું તમારે સાચવવું પડે. કારણ કે એ મૂર્ખ (અણસમજુ) છે એટલે પ્રત્યાઘાતી ઈફેક્ટ લઈ લે. એટલે તમારે એક કાગળ પર લખી અને કહેવું, ‘ભઈ, આ વાંચીને મને પાછો આપ.’ આપણે ટેબલ આગળ જઈને કહીએ કે ‘વાંચ, બે વખત વાંચ, પછી મને પાછો આપજે.’ તે શું ભાવાર્થ છે તે તમે સમજ્યા ? આ બધા સેન્સિટીવ માઈન્ડ (સંવેદનશીલ મન)ના છે. તે ઉશ્કેરાટ થાય, એટલે અવળા થાય. અમે તને મારીએ તો શું કરું ?

પ્રશ્નકર્તા : કશું ના થાય, મહીં કશું ભાવ ના બગડે.

દાદાશ્રી : ફરી મારીએ તો ?

પ્રશ્નકર્તા : તોય ના બગડે.

દાદાશ્રી : અને અમે કહીએ કે ‘અમે આ મારીએ છીએ એ ખોટું કરીએ છીએ’, ત્યારે શું કહું તું ?

પ્રશ્નકર્તા : તો બીજો વધારે માર ખાવાની ઈચ્છા થાય.

દાદાશ્રી : અમારું સ્યાદ્વાદ હોય. અમે આને કહી કહીને મારીએ કે ‘ભઈ, હવે તને અનુકૂળ આવે છે આ વાત ?’ અને એને કહી કહીને સ્ટેપિંગથી ચઢાવીએ. અમારું સેન્સિટિવ ના હોય આમાં. જ્યાં બુદ્ધિ હોય ત્યાં સેન્સિટિવનેસ હોય અને સેન્સિટિવ એટલે ઉશ્કેરાટ. અને ઉશ્કેરાટ હોય એટલે સામો માણસ છે તે વેર બાંધે. એટલે જ્યાં ઉશ્કેરાટ છે એ

(પા. 6)

લોકોએ એઝ ફાર એઝ પોસિબલ (શક્ય હોય ત્યાં સુધી), જો બીજી રીતે કહેતા ન આવડે તો લેખિત આપવું. લખવામાં ઉશ્કેરાટ હોતો નથી. સામાને આઘાત લાગે એવો ઉશ્કેરાટ ના હોય. એ લખીને આપણે કહેવું, ‘લે, વાંચી લે.’ ‘તને દંડ કરીશ, તને સસ્પેન્ડ કરીશું’, એને એમાં એવું કંઈ કહેવું જોઈએ તમારે. એમાં વાંધો નહીં અને અંદરખાને ભાવ કેવો રાખવો કે એનું બગડે નહીં.

પ્રશ્નકર્તા : હા, એ તો બરાબર છે.

દાદાશ્રી : અંદરખાને એક બાજુ એનું બગડે નહીં એવું રાખવું અને એક બાજુ કહેવું જ જોઈએ, નહીં તો ઊંધે રસ્તે ચાલ્યો જાય.

આપણે એમને કહી દેવું કે ‘હું એક્શન લેવાનો છું આવતી ફેરે’ અને એક્શન એવી લેવી કે એક્શન લીધા પછી વાળી લેવાય એવી સ્થિતિ તો રાખવી. બધો આપણે પ્રયત્ન રાખવો અને તમે વાળી લેવાની સ્થિતિ રાખો, ત્યાં સુધી તમારો ગુનો ગણાતો નથી. તમારી દાનત એનું ખરાબ કરવાની નથી હોતી. એનું સારું કરવાનું એટલું જ જોવામાં આવે છે. પછી એ તમારે હાથે કંડેમ થઈ ગયા (એની પર કોઈ કાર્યવાહી કરી), તોય એની કિંમત નથી.

ભગવાનને બહાર બેસાડી ફરજ પાળો

પ્રશ્નકર્તા : ફરજ બજાવતા ખોટું થયું હોય, તે પ્રત્યે અંગુલિનિર્દેશ કરવામાં, થોડુંક શિક્ષાત્મક પગલું ભરી લેવામાં આવે, ત્યારે ખોટું કરનારને દુઃખ થાય. આપણા માટે મનમાં ઘૃણા પણ કદાચ ઉપજે, તો ત્યાં શું કરવું ? કેવી ભાવના ભાવવી ?

દાદાશ્રી : જે ભાઈ હોય એના શુદ્ધાત્માને બહાર બેસાડીને આપણે કહેવું કે ‘દેહધારી ભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ! બહાર બેસો. મારે આ પુદ્ગલ ગુનો કરે છે, એટલે પુદ્ગલને જરા શિક્ષા આપવી છે.’ એટલે પછી વાંધો નહીં ! અને શિક્ષા તો આપવી જ પડે ને ! શિક્ષા વગર ચાલે નહીંને ! ફરજોથી બંધાયેલા છીએ ને ! આ બેંક સાચવનારા ગુરખા હોય, તે બધાને જવા દે તો શું થાય ?

પ્રશ્નકર્તા : ચોરી વધારે થાય.

દાદાશ્રી : હા, ડ્યુટીવાળી જોબ. ફરજ તો પાળવી જ જોઈએ. એટલે વાંધો નહીં, પણ આ (શુદ્ધાત્મા) ભગવાનને બહાર બેસાડવાના !

પ્રશ્નકર્તા : એ સામી વ્યક્તિ પછી આપણા માટે ઘૃણા કરે, તો આપણને કશું નહીંને ?

દાદાશ્રી : આપણને કશું નહીં. એના આત્માને બહાર બેસાડીએ એટલે આપણે કશું લેવાદેવા નહીં. અને પછી ઘૃણા કરેને, તો એના આત્મા વગર કરે, એમાં ભલીવાર હોય નહીંને ! આત્મા બહાર બેઠેલો છે ! આત્મા થઈને કરે ત્યારે જવાબદારી આવે.

સ્વરૂપમાં રહી ફરજો બજાવો

પ્રશ્નકર્તા : આજે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રિપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રિપોર્ટ તો મેં કર્યો. તેથી નિમિત્ત હું થયોને ?

દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથીને ? આ તો ચંદુભાઈ કરે છે ને ? તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં કરવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટીન (રોજિદું કામકાજ) કરવું. જે રૂટીન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો, શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી ફરજો તો બજાવવી જ પડેને ?

અંડરહેન્ડને ટૈડકાવ્યા તેના કરો પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતા મેં બહુ કડકાઈથી લોકોના અપમાન કરેલા, ધુત્કારી કાઢેલા.

(પા. 7)

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નથી. તમારે પોતાને માટે નથી, સરકારને માટે. એ સિન્સિઆરિટી (વફાદારી) કહેવાય.

પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાને તો દુઃખ થયું હશે ને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું. એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હા, તમારે આવું (પ્રતિક્રમણ) કરવાનું કે ‘આ મારા સ્વભાવને લઈને સરકારનું કામ કરવામાં જે જે દોષો થયા, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું.’ એવું રોજ બોલવું.

ફરજ બજાવતા સાથે પશ્ચાતાપ કરો

પ્રશ્નકર્તા : સર્વિસના હિસાબે કોઈની સાથે કષાયો થઈ જાય કે કરવા જ પડે તો, તેથી આત્માને કંઈ લાગે ખરું ?

દાદાશ્રી : ના, પણ પછી પસ્તાવો થાયને ?

પ્રશ્નકર્તા : ફરજ બજાવવામાં કષાયો કરવા પડે તો શું કરવું ?

દાદાશ્રી : તમારી વાત બરાબર છે. એવો સંપૂર્ણ સંયમ ના હોય કે ફરજ બજાવતાય પણ સંયમ રહે, છતાંય કોઈને બહુ દુઃખ થાય તો મનમાં એમ થવું જોઈએ કે બળ્યું, આપણા હાથે આવું ના થાય તો સારું.

પ્રશ્નકર્તા : પણ ફરજ તો બજાવવી જ જોઈએ ને ? આ પોલીસવાળા શું કરે ?

દાદાશ્રી : ફરજ બજાવવી જ પડે, એમાં ચાલે નહીં. એ તો પોલીસવાળાએ બે-ત્રણ ચોર ફરતા હોય તો પકડવા જ પડે, એમાં ચાલે નહીં. એ વ્યવહાર છે. પણ હવે એમાં બે ભાવ રહે છે, એક તો ફરજ બજાવતા ક્રૂરતા ના રહેવી જોઈએ. ક્રૂરભાવ જે પહેલા રહેતો હતો, તે હવે રહેવો ના જોઈએ. આપણો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) ના બગડે તેમ રાખવું. બાકી ફરજ તો બજાવવી જ પડે, ગુરખો હોય તેનેય બજાવવી પડે, અને બીજું, મનમાં એમ પશ્ચાતાપ રહેવો જોઈએ કે આવું આપણે ભાગ ના આવે તો સારું !

સમજી-સમજાવીને લાવો ઉકેલ

પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે, નહીં તો એને છૂટો કરવો પડે, ડિસમિસ કરવો પડે, પછી આપણને મનમાં દુઃખ થાય કે એના છોકરાં ભૂખે મરશે.

દાદાશ્રી : પણ એવું છે ને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે, ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર.

પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે ‘તું કામ કરતો નથી, તને ડિસમિસ કરવામાં આવશે, તારું કામ સંતોષકારક નથી.’ એવું બધું લખીને આપીએ.

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને છૂટો કરવો પડે. અને છૂટો કરીએ એટલે પછી એના છોકરાં બિચારાં દુઃખી થતા રડતા રડતા ઘેર આવે. ત્યારે આપણને દુઃખ થાય. એને પણ દુઃખ તો થાયને ?

દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો રહેવા દેવાનો. કામ આપણે કરી લેવાનું.

સામાને વાગે નહીં તે રીતે ઠપકો આપવો

પ્રશ્નકર્તા : કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરીને ? ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાયને ?

દાદાશ્રી : એવું છે ને, ઠપકો આપવો એ બહુ

(પા. 8)

જ જવાબદારી છે. એટલે આપણો હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ.

પ્રશ્નકર્તા : પોતે પોતાની જાતને જ બધું (નુકસાન) કરે છે.

દાદાશ્રી : ત્યારે બીજું શું ? સામાને જાણતા કે અજાણતા એના અહંકારને ‘એ’ કરીએ (છંછેડીએ) તો બીજું એ (વેર) બાંધે. અને જે પછી આવે વેરનું ફળ, એવું આવે કે જિંદગી ભુલાડી દે, એવું દુઃખ આવે. કોઈ જીવને ત્રાસ ના અપાય. એ તમને ત્રાસ આપતો હોય તો તમારો હિસાબ છે. માટે જમે કરી લો. અને નવેસરથી આપવાનું બંધ કરી દો, જો આનાથી છૂટા થવું હોય તો.

એડજસ્ટમેન્ટ લઈને દુઃખ ટાળો

પ્રશ્નકર્તા : આપણે અમુક ‘લેવલ’ ઉપર આવી ગયા અને બીજા એ ‘લેવલ’ ઉપર નથી. હવે એની સાથે કામ તો કરવાનું છે જ. એટલે ઘણી વખત ત્યાં પછી મેળ ખાતો નથી.

દાદાશ્રી : એ મેળ તો ના પડે ને ! એ મેળ પડે નહીં, પણ આપણે એને ‘એડજસ્ટ’ થવાનું છે. તેથી જ મેં કહ્યુંને કે ત્યાં ‘સમભાવે નિકાલ’ કરજો. મનમાં નક્કી રાખો કે મારે સમભાવે નિકાલ કરવો છે. તો એની પર અસર પડે તો એનું મન આવું સુધરે, અને તમે મનમાં નક્કી કરો કે આને આમ કરી નાખું કે તેમ કરી નાખું. તો એનું મન એવું જ રિએક્શન (પ્રતિક્રિયા) લે. તમે અમુક ‘સ્ટેપ’ પર છો. એ સ્થિતિ પોતાને માટે હોય, બીજાને એ સ્થિતિ લાગુ ના પડાય. એ જુદા ‘સ્ટેપ’ પર છે. એટલે કોઈ માણસને દબાણ ના કરાય, એનું ‘ઑબ્જેકશન’ (વાંધો) ના લેવાય.

એવું છે ને, આપણને વધુ ‘લાઈટ’ હોય તો એને ‘ડીમ’ (ઓછું) કરી શકાય. પણ ‘ડીમ’ લાઈટવાળાને વધુ ન કરી શકાય. આપણું વધુ લાઈટ છે ને, એટલે ‘ડીમ લાઈટ’ કરીને એની જોડે બેસવું. તમારે ‘લાઈટ’ વધી જાય તો આ ભાઈ જોડે કેવી રીતે કામ લેવું, એ ફિટ કરી દો છો ને ? એવું બધે ‘ફિટ’ કરી દેવાનું. આપણે ‘ફિટ’ કરી દેવાનું છે. બધી અનંતશક્તિ છે ! તમે ‘દાદા’નું નામ દઈને કહો કે ‘હે દાદાજી, મને ફિટ થજો’, તો ‘ફિટ’ થઈ જાય તરત. અને આપણા ભાવમાં નક્કી છે કે કોઈને કિંચિતમાત્ર દુઃખ ના હો. એવું આપણે નક્કી કરેલું હોય તો તેને દુઃખ થાય જ નહીં. એટલે આપણે નક્કી કરવું જોઈએ.

દુઃખની અસર ઝળકે મોઢા પર

પ્રશ્નકર્તા : સામા માણસને દુઃખ થયું એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો એનું મોઢું-બોઢું તરત ખબર પડી જાય. મોઢા ઉપરથી હાસ્ય જતું રહે, એનું મોઢું બગડી જાય. એટલે તરત ખબર પડેને, કે સામાને અસર થઈ છે એવી. ખબર ન પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : માણસમાં તો એટલી શક્તિ હોય જ કે સામાને શું થયું તે ખબર પડે !

પ્રશ્નકર્તા : પણ ઘણા એવા ડાહ્યા હોય છે કે જે મોઢા ઉપર એક્સ્પ્રેશન (હાવભાવ) ના લાવે.

દાદાશ્રી : તો પણ આપણે જાણીએ કે આ શબ્દો ભારે નીકળ્યા છે આપણા. એટલે એને વાગશે તો ખરું. માટે એમ માનીને પ્રતિક્રમણ કરી નાખવું. ભારે નીકળ્યું હોય તો આપણને ના ખબર પડે કે એને વાગ્યું હશે ?

પ્રશ્નકર્તા : ખબર પડેને.

દાદાશ્રી : તેય કરવાનું એને માટે નથી. એ આપણો અભિપ્રાય આમાં નથી. આપણે અભિપ્રાયથી દૂર થવા માટે છે. પ્રતિક્રમણ એટલે શું ? એ પહેલાના

(પા. 9)

અભિપ્રાયથી દૂર થવા માટે છે અને પ્રતિક્રમણથી શું થાય કે સામાને જે અસર થતી હોય તે ના થાય, બિલકુલેય ના થાય.

ડાઘ ચોખ્ખા કરવા પડશે

પ્રશ્નકર્તા : આપણા નિમિત્તે દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ?

દાદાશ્રી : હા, અહંકારને દુઃખ થાય છે.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ?

દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યોને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમને એમ મેલું થાય તેનો વાંધો નથી, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો.

પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ’ ચોખ્ખું રાખવું જરૂરી છે ?

દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ’ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તોય પ્રતિક્રમણ કરો. અને તે કો’ક વખત થાય છે, રોજ થતું નથી. અને પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ, પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી, તો આ પ્રતિક્રમણ કરવાની (સત્તા) આપણા હાથમાં કેવી રીતે હોય ?

દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે, મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ તે ચેતવે.

આપણી ભૂલે જ સામાને દુઃખ થાય

પ્રશ્નકર્તા : દાદા, હવે ઘરના વ્યવહારમાં કો’ક વાર મારી ભૂલની મને ખબર પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ જ થતી નથી, પણ ‘એમનો’ (મા-બાપનો) જ વાંક છે એવું લાગે.

દાદાશ્રી : તને એવું લાગે ? પછી પ્રતિક્રમણ કરતી વખતે ?

પ્રશ્નકર્તા : પણ પછી ‘એમને’ કઢાપો-અજંપો જરા વધારે થઈ જાય ત્યારે થાય કે હવે આપણા નિમિત્તે એમને આવું ના થવું જોઈએ.

દાદાશ્રી : હા, પણ ‘મારી ભૂલ થઈ’ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પણ મને મારી પોતાની ભૂલ લાગતી જ નથી. મને તો એમની જ ભૂલ લાગે.

દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ થાય જ નહીંને ! આપણી ભૂલ થાય તો કો’કને દુઃખ થાય.

પ્રશ્નકર્તા : મને તો એવું લાગે કે એમની પ્રકૃતિ જ એવી છે, તેથી આવું તેમને લાગે છે.

દાદાશ્રી : એવી પ્રકૃતિ ગણાય નહીં. આ બધા લોક ‘સારી પ્રકૃતિ છે’ કહે છે ને તું એકલો જ કહું છું કે ‘ખરાબ છે.’ એય ઙ્ગણાનુબંધ છે, હિસાબ છે.

પ્રશ્નકર્તા : મને એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે.

દાદાશ્રી : એથી કરીને એ ભૂલ તારી છે. આ મારાથી મારા મા-બાપને કેમ દુઃખ થયું ? એમને દુઃખ ના થવું જોઈએ. ‘હવે સુખ આપવા આવ્યો છું’, એવું મનમાં હોવું જોઈએ. મારી એવી શી ભૂલ થઈ કે મા-બાપને દુઃખ થયું ? માટે એનું પ્રતિક્રમણ કરવું જોઈએ.

કહેવાય જાય તેને પ્રતિક્રમણથી ધોઈ નાખો

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણથી એ બધા દોષો માફ થઈ જશેને ?

(પા. 10)

દાદાશ્રી : દોષો ઊભા રહે, પણ બળેલી દોરી જેવા દોષ ઊભા રહે. એટલે આવતે ભવ આપણે ‘આમ’ કર્યું કે ખંખેરાઈ જાય બધા, પ્રતિક્રમણથી. એમાંથી રસકસ ઊડી જાય બધો.

કર્તાનો આધાર હોયને તો કર્મ બંધાય. હવે તમે કર્તા નથી. એટલે પાછલા કર્મ હતા, તે ફળ આપીને જાય. નવા કર્મ બંધાય નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, સામા માણસને ‘ઈફેક્ટ’ શું થાય પછી ?

દાદાશ્રી : તેનું આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ કરીએ એટલે પછી આપણે જોવાનું નહીં. પ્રતિક્રમણ વધારે કરવાના.

પ્રશ્નકર્તા : ધારો કે જીભથી કહ્યું, તો એને મારા તરફથી તો દુઃખ થઈ ગયું કહેવાયને ?

દાદાશ્રી : હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છેને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આજ એનો હિસાબ હશે તે ચૂકવાઈ ગયો.

પ્રશ્નકર્તા : આપણે કશુંક કહીએ તો એને મનમાં ખરાબ પણ લાગે ને ?

દાદાશ્રી : હા, એ તો બધું ખરાબ લાગે. ખોટું થયું હોય તો ખોટું લાગે ને ! હિસાબ ચૂકવવો પડે તે તો ચૂકવવો જ પડે ને ! એમાં છૂટકો જ ના થાય.

પ્રશ્નકર્તા : અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે.

દાદાશ્રી : હા, એ તો નીકળી જાય. પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાત્તાપ કરી અને એવું ફરી નહીં કરું, એવું નક્કી કરવું જોઈએ.

પછી નવરા પડીએ એટલે એના પ્રતિક્રમણ કર કર કર્યા જ કરવાના. એટલે બધું નરમ થઈ જાય. જે જે કઠણ ફાઈલ છે, એટલી જ નરમ કરવાની છે.

પ્રતિક્રમણ એ ભગવાનને ત્યાંનો ફોન

પ્રશ્નકર્તા : કોઈને દુઃખ થાય એવી વાણી નીકળી ગઈ ને તેનું પ્રતિક્રમણ ના કરીએ તો શું થાય ?

દાદાશ્રી : એવી વાણી નીકળી ગઈ, તે એનાથી તો સામાને ઘા લાગે, એટલે પેલાને દુઃખ થાય. સામાને દુઃખ થાય એ આપણને કેમ પસંદ પડે તે ?

પ્રશ્નકર્તા : એનાથી બંધન થાય ?

દાદાશ્રી : આ કાયદાથી વિરુદ્ધ કહેવાયને ? કાયદાની વિરુદ્ધ ખરુંને ? કાયદાની વિરુદ્ધ તો ન જ હોવું જોઈએ ને ? અમારી આજ્ઞા પાળોને એ ધર્મ કહેવાય. અને પ્રતિક્રમણ કરવા એમાં નુકસાન શું આપણને ? માફી માગી લો અને ‘ફરી નહીં કરું’ એવા ભાવ પણ રાખવાના, બસ આટલું જ. ટૂંકું કરી નાખવાનું. એમાં ભગવાન શું કરે ? એમાં ક્યાંય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે, તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા ? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. અને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે, માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું તેનું શું ?

દાદાશ્રી : એ વ્યવહારાધીન છે.

પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?

દાદાશ્રી : ના, તેથી તો આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ માત્ર મોક્ષે લઈ જવા માટે જ નથી, પણ એ તો વેર અટકાવવા માટે ભગવાનને ત્યાંનો ફોન છે. પ્રતિક્રમણમાં કાચા પડ્યા તો વેર બંધાય. જ્યારે ભૂલ સમજાય ત્યારે તરત જ પ્રતિક્રમણ કરી લો. એનાથી વેર બંધાય જ નહીં. સામાને વેર બાંધવું હોય તોય ના બંધાય. કારણ કે આપણે સામાના આત્માને સીધો જ ફોન પહોંચાડીએ છીએ. વ્યવહાર નિરૂપાય છે. ફક્ત આપણે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ

(પા. 11)

કરો. જેને સ્વરૂપજ્ઞાન ના હોય તેણે વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ જ રાખવો હોય તો, ‘સામો અવળું બોલ્યો, તે જ કરેક્ટ છે’ એમ જ રાખો. પણ મોક્ષે જવું હોય તો એની જોડે પ્રતિક્રમણ કરો, નહીં તો વેર બંધાશે.

વિધિની વાડથી દુઃખ ના થાય

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ ?

દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના ‘શુદ્ધાત્મા’ની પરવાનગી લેવી પડે કે એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો. પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે. એમને એમ બેફાટ બોલ્યા કરો તો પાંસરી વાણી શી રીતે નીકળે ?

પ્રશ્નકર્તા : એમ વારેઘડીએ ક્યાં એની પરવાનગી લેવા જાય ?

દાદાશ્રી : વારેઘડીએ જરૂરેય નથી પડતીને ! જ્યારે એવી અવળી ફાઈલો આવે ત્યારે જરૂર પડે.

પ્રશ્નકર્તા : એટલે કે ફાઈલો મળતા પહેલા, એની સાથે વાતચીત કરતા પહેલા આપણે આવી પરવાનગી લઈ લેવી ?

દાદાશ્રી : લઈ જ લેવી. ત્યાર પછી વાતચીત કરો, નહીં તો વાણી સારી નીકળે નહીં. કારણ કે જેવી ભરી હોય ને, એવી નીકળશે. પેલું મિકેનિઝમ ગોઠવ્યું ને, એટલે મિકેનિઝમના આધારે ફેરફાર થાય પછી. આ તો અંદર નર્યું મિકેનિઝમ છે. મિકેનિઝમ ગોઠવાયું એટલે પછી એની મેળે ચેન્જ થઈને આવે પછી.

વાણીથી દુઃખ પહોંચાડ્યાના કરાવો પ્રતિક્રમણ

વાણી કઠોર સ્વરૂપે નીકળે કે સુંદર સ્વરૂપે નીકળે, તો પણ ‘હું’ ઉદાસીન જ છું. વાણી કઠોર સ્વરૂપે નીકળે ને સામાને દુઃખ થાય તો થયેલા અતિક્રમણનું પ્રતિક્રમણ ‘હું’ કરાવું. હવે તમે પોતે અવળું બોલો, પછી તેનું પ્રતિક્રમણ કરો એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. વાણીથી જેવું કંઈ બોલાય છે તેના આપણે ‘જ્ઞાતા-દ્રષ્ટા’. પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ આપણે બોલનાર પાસે કરાવવું પડે.

ઉપાય, તરછોડના પરિણામ સામે

પ્રશ્નકર્તા : કોઈ પણ માણસને તરછોડ મારીને પછી પસ્તાવો થાય તો તે શું કહેવાય ?

દાદાશ્રી : પસ્તાવો થાય એટલે પછી તરછોડ મારવાની ટેવ છૂટી જાય, થોડો વખત તરછોડ મારીને. પસ્તાવો ના કરે ને ‘મેં કેવું સારું કર્યું’ માને, તો તે નર્કે જવાની નિશાની. ખોટું કર્યા પછી પસ્તાવો તો કરવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : શું ઉપાય કરવો કે જેથી તરછોડના પરિણામ ભોગવવાનો વારો ના આવે ?

દાદાશ્રી : તરછોડના માટે બીજો કોઈ ઉપાય નથી, એક (માત્ર) પ્રતિક્રમણ કર કર કરવા. જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવા અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે ‘ભઈ, મારી બહુ ભૂલ થઈ. હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું.’ એટલે સામાવાળાના ઘા રુઝાતા જાય. આપણે આપણી જાતને વગોવીએ એટલે સામાને સારું લાગે, ત્યારે એના ઘા રુઝાય.

અમને પાછલા અવતારના તરછોડનું પરિણામ દેખાય છે. તેથી તો હું કહું કે કોઈને (આપણાથી) તરછોડ ના વાગે. મજૂરનેય તરછોડ ના વાગે. અરે ! છેવટે સાપ થઈનેય બદલો વાળે. તરછોડ છોડે નહીં, એકમાત્ર પ્રતિક્રમણ જ બચાવે.

(પા. 12)

અમારાથી કોઈને સહેજેય દુઃખ થાય એવું નીકળે જ નહીં. સામો તો ગમે તેવા ગાંડા કાઢે, એને તો કંઈ પડેલી જ નથીને ! જેને છૂટવું હોય તેને જ પડેલી છે ને !

દુઃખના પ્રમાણ પ્રમાણે કરવા પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : કોઈને આપણે દુઃખ પહોંચાડીએ અને પછી આપણે પ્રતિક્રમણ કરી લઈએ, પણ એને જબરજસ્ત આઘાત, ઠેસ વાગી હોય તો એનાથી આપણને કર્મ ના બંધાય ?

દાદાશ્રી : આપણે એના નામના પ્રતિક્રમણ કર્યાં કરીએ ને એને જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવા પડે.

આપણે પ્રતિક્રમણ કર્યા કરવાના, બીજી જવાબદારી આપણી નથી. અને જો એ જીવતા હોયને તો આપણે એનેય કહેવાય કે ‘આ ચંદુભાઈ (ફાઈલ નં.૧)માં તો અક્કલ નથી, તેથી આ તમને આવું કર્યું. એટલે આવું થયું હશે. તમે એને માફ કરજો.’ આપણી અક્કલ ઓછી છે, એવું દેખાડ્યું કે સામો ખુશ થઈ જાય. (એના) હાથ ભાંગી ગયા પછીય જો કદી એટલું કહીએને તો હાથ ભાંગી જવાની ખોટને (એ) ના ગણે. પેલો ખુશ થઈ જાય. કારણ કે હાથ ભાંગી જવો એ ડિસાઈડેડ (નિશ્ચિત) હતું પણ નિમિત્ત આપણે હતા. તે નિમિત્ત થઈ ગયું. એટલે વાળી દીધું. રકમ જમા-ઉધાર થઈ ગઈ.

અને પ્રતિક્રમણ તો ફરી કરાય કરાય કરવા. જેટલા પ્રતિક્રમણ કરીશ એટલું મહીં મજબૂત થશે આ. જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે, માટે વિચાર ના બગાડશો. એ સમજવાનું છે. આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે. વિચાર બગડે તો બધું બગડે. વિચાર આવ્યો કે હું પડી જઈશ એટલે પડ્યો. માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો, આત્મસ્વરૂપ થઈ જાવ. જો તમારા મનને ખૂંચે એવું હોય તો તેનું પ્રતિક્રમણ હોય.

તું બોલીશ તો શક્તિ મળશે

પ્રશ્નકર્તા : મારાથી એને દુઃખ થાય એવું કશું કરવું નથી, છતાં એને દુઃખ દેવાઈ જાય છે. એવી આપ કૃપા કરો કે, મારા પરમાણુ ઊછળે નહીં.

દાદાશ્રી : આજે તમને આશીર્વાદ આપીશું. તમારે એની માફી માગ માગ કરવાની. ગયા અવતારમાં બહુ એને ગોદા માર માર કરતી હતી.

પ્રશ્નકર્તા : બહુ થયું. મારી મોટી ગાંઠ છે આ.

દાદાશ્રી : હા. એ તો કંઈ કરવું પડે ને ? એની માફી માગ માગ કર્યા કરવી. નવરાશ મળે કે ક્ષમા માગું છું અને પ્રતિક્રમણ કરવું. ટૂંકમાં કરવું. એની જોડે અતિક્રમણ કર્યું છે એટલે પ્રતિક્રમણ કરવું પડે. ગોદા માર માર કર્યા છે તે ?

પ્રશ્નકર્તા : હું એના બહુ જ પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : ખૂબ કરજે. ‘હું એની ક્ષમા માગું છું’ અને ‘હે દાદા ભગવાન ! મને એને કંઈ દુઃખ નહીં આપવાની, ત્રાસ નહીં આપવાની શક્તિ આપો.’ એ માગ માગ કરવાનું. અમે એ ચીજ આપીએય ખરા. તું બોલીશ તો મળશે.

પ્રશ્નકર્તા : રોજ માગીશ.

દાદાશ્રી : સારું.

પ્રશ્નકર્તા : આપણાથી એમને કિંચિતમાત્ર દુઃખ થઈ ગયું હોય તો અહીં એકાંત મળ્યું હોય તો એમનું પ્રતિક્રમણ કરીએ, એ ચાલી શકે ?

દાદાશ્રી : એ તો તરત જ, તે ઘડીએ જ કરી નાખવું.

પ્રતિક્રમણ કર્યું કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : મનથી, વાણીથી, વર્તનથી, જૂઠું બોલવાથી જે બધું દુઃખ પહોંચ્યું છે, એના માટે આપની સાક્ષીએ બધા પ્રતિક્રમણ કરીએ તો તે ધોવાઈ જાયને ?

(પા. 13)

દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યું કોને કહેવાય કે તમે ઊઘાડા કરો, એમની રૂબરૂમાં કરો કે ખાનગીમાં કરો પણ પ્રતિક્રમણ બોલે (એની સામાને અસર થાય) ત્યારે જાણવું કે આપણે પ્રતિક્રમણ કર્યું. હા, અમેય ખાનગીમાં પ્રતિક્રમણ કરીએ પણ એ પ્રતિક્રમણ ત્રીજે દા’ડે બોલે તો અમને માલમ પડે (કે સામાને અસર પહોંચી). તમે એવું મનમાં પ્રતિક્રમણ કરો કે એમને ખબર ના હોય, છતાં એમને તમારા પર આકર્ષણ ઊભું થાય.

સામાના ભાવ બગડે ત્યારે

પ્રશ્નકર્તા : ધારો કે આપણો કંઈ ભાવ ના બગડ્યો હોય, પણ સામાને વાતચીત કરતા મોઢા પરથી રેખાઓ બદલાઈ ગઈ, આપણા માટે સામાનો ભાવ બગડ્યો, તો તેના માટે આપણે કયા પ્રકારનું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવાનું. કારણ કે મારામાં (આપણામાં) શું દોષ રહ્યા છે કે આનો ભાવ બગડી જાય છે. ભાવ બગડી ના જવો જોઈએ. ભાવશુદ્ધિ જ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે બે જણા વાત કરતા હોઈએ ને એમાં ત્રીજી કોઈ વ્યક્તિ એકદમ આવી પડે, હવે એ તો કશું બોલી-ચાલી નથી, એમને એમ ઊભી છે, પણ એમાં એમના ભાવ બગડ્યા, મોઢા પરની રેખાઓ બદલાઈ, તે જોઈ મને એમ થાય કે આ આમ કેમ ભાવ બગાડે છે ? તો તેનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું ?

દાદાશ્રી : આપણે સામાના ભાવ કેમ બગડ્યા, એમ તપાસ કરીએ છીએને એ ગુનો છે. એ ગુના બદલ આપણે પ્રતિક્રમણ કરવાનું. સામાનું જો મોઢું ચઢેલું દેખાયું તો તે તમારી ભૂલ છે, ત્યારે તેના ‘શુદ્ધાત્મા’ને સંભારીને એના નામની માફી માગ માગ કરી હોય તો ઙ્ગણાનુબંધમાંથી છૂટાય.

પ્રતિક્રમણ એ જ પુરુષાર્થ

કોઈને કિંચિતમાત્ર દુઃખ ન થવું જોઈએ. આ તો અજાણ્યે પાર વગરના દુઃખ થાય છે ! સામાને દુઃખ ના થાય એવી રીતે તમે કામ લો, એ ક્રમણ કહેવાય. પણ અતિક્રમણ ક્યારે કહેવાય ? તમારે ઉતાવળ હોય ને એ ચા પીવા ગયો હોય, પછી એ આવે કે તરત તમે બૂમાબૂમ કરો કે ‘ક્યાં ગયો હતો ? નાલાયક છે ને આમતેમ’, તે અતિક્રમણ કર્યું કહેવાય. અને એ સ્વાભાવિક તમારાથી થઈ જાય. તેમાં તમારે કંઈ ઈચ્છા નથી હોતી.

અતિક્રમણ થવું એ સ્વાભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એટલે એ જે કર્યું હોય એ ભૂંસાઈ જાય. પડેલો ડાઘ પ્રતિક્રમણથી તરત ભૂંસાઈ જાય.

એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દહાડે દહાડે ઓછી થતી જાય. એક દહાડામાં એક કર્મ જો ઓછું કરે, તો બીજે દહાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે ને વધાર્યા જ કરે છે ! મહીં પરિણતિ બદલાય કે દિવેલ પીધા જેવું મોઢું થઈ જાય ! દોષ પોતાનો ને ભૂલ બીજાની કાઢે, એનાથી મહીંની પરિણતિ બદલાઈ જાય. પોતાનો દોષ ખોળો એમ ‘વીતરાગો’ કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટ્ટો થા. બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને, અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું.

પ્રતિક્રમણનો ધર્મ

પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ? તમે આમને કહ્યું કે તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઈતું, તે બોલાઈ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે ‘ભગવાન, મારી ભૂલ થઈ છે. મેં આ ભાઈને આવું કહ્યું, માટે એનો પસ્તાવો કરું છું. હવે ફરી એ નહીં કરું.’ ‘ફરી નહીં કરું’ એને પ્રત્યાખ્યાન કહેવાય છે. ભગવાનનું આલોચના-પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી

(પા. 14)

લે ને, તેય પાછું રોકડેરોકડું, ઉધાર નામેય ના રહેવા દે. આજના આજ ને કાલના કાલે, જ્યાં કંઈક થાય તો રોકડું આપી દે, તો પૈસાદાર થઈ જાય, જાહોજલાલી ભોગવે અને મોક્ષે જાય ! આ ‘જ્ઞાની પુરુષ’નો એક જ શબ્દ પકડી લે તો બહુ થઈ ગયું !

શૂૂટ ઓન સાઈટે, કર્મો થાય હળવા

અહંકાર નિર્મળ કર્યા પછી પાછી ક્રિયાઓ કરવી પડે. કેવી ક્રિયાઓ કરવી પડે કે સવારે તમારે છોકરાની વહુ જોડે, એનાથી કપ-રકાબી તૂટી ગયા, એટલે તમે કહ્યું કે ‘તારામાં અક્કલ નથી.’ એટલે એને જે દુઃખ થયું, તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે આ મેં એને દુઃખ દીધું. ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ જાય.

એને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તોયે એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. અને તે બાર મહિને કરીએ છીએ એવું નહીં, ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. તો કંઈક આ દુઃખો જાય. વીતરાગના કહેલા મત પ્રમાણે ચાલે તો દુઃખ જાય, નહીં તો દુઃખ જાય નહીં.

આપણે ચોખ્ખા થઈશું તો બધું ચોખ્ખું થશે

આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો સેન્સિટિવનેસનો ગુણ છે. સેન્સિટિવનેસ એ એક જાતનો આપણો ઈગોઈઝમ (અહંકાર) છે. એ ઈગોઈઝમ જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુઃખ નહીં થાય. આપણો ઈગોઈઝમ હોય ત્યાં સુધી સામાને દુઃખ થાય જ.

પ્રશ્નકર્તા : એ તો આપની અવસ્થાની વાત થઈ ! હવે અમારા માટે પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ ને ?

દાદાશ્રી : હા, આવવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : પણ આનાથી તો પોતા પૂરતો જ ઉકેલ આવે ને ?

દાદાશ્રી : પોતા પૂરતો નહીં, દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનો ‘ઈગોઈઝમ’ છે ત્યાં સુધી સામાને નિયમથી અસર થયા કરવાની. એ ‘ઈગોઈઝમ’ ઓગળી જ જવો જોઈએ.

આ તો ‘ઈફેક્ટ્સ’ છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો ‘રોંગ બિલીફ’ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દ્રષ્ટિએ તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી.

કોઈ અહંકાર દુભવે ત્યારે

પ્રશ્નકર્તા : ઘણી વખત કોઈ આક્ષેપ મૂકે ત્યારે અહંકાર દુભાય, અહંકારને ઠેસ વાગે, ત્યારે સામાથી પોતાને દુભાય એની વાત કરું છું.

દાદાશ્રી : એ તો લેટ ગો કરવું. જો આપણો  અહંકાર દુભાય તો તો સારું ઊલટું. આપણાથી એનો અહંકાર દુભાય તો તેની જવાબદારી આપણા ઉપર. પણ આ તો ઊલટું સારું, મહીં મોટામાં મોટું તોફાન મટ્યું !

પ્રશ્નકર્તા : તોય આપણને મહીં એ બધી સમજણ હોય કે આ અહંકાર દુભાય છે એવુંય ખ્યાલ હોય, પણ તોય એ ઘવાયેલો અહંકાર દુઃખ આપે.

દાદાશ્રી : એ દુભાવે ત્યારે જાણવું કે આજ બહુ નફો થયો.

પ્રશ્નકર્તા : દાદા, એવું બધું ના રહે.

દાદાશ્રી : એ તો રહેશે, નહીં રહે તો પછી રહેશે. જ્યારે ત્યારે તો એવું રહેશે જ ને ! અત્યારે તમને ટેવ નથી એટલે નથી રહેતું. ચા કડવી પીવાની ટેવ નથીને, એટલે પછી એ જ્યારે કહેશે કે ઓહો !

(પા.15)

આ તો એનો સરસ ટેસ્ટ છે, ચા જેવી છે, તો સારું લાગશે. આ તો પીધી નથી ને કડવી, એટલે પહેલેથી ના ફાવે પીવાનું. કારણ કે અહંકાર દુભવે તે તો સારું. મન દુભવે તે તો, એમાં બહુ નફો ના મળે. અહંકાર દુભવે એ તો બહુ નફાવાળું. આપણે કોઈનો અહંકાર દુભવીએ તો એ બહુ ખોટ થઈ કહેવાય. આપણે છે તે જે ખોટ છે, એને કાઢવાની છે ને ? ના સમજણ પડી તમને ?

પ્રશ્નકર્તા : આપ કહો છો એ બધું એવું સમજણમાં છે, પણ તોય પેલું (અંદર) દુખ્યા કરે. એ ના દુખે એના માટે શું કરવાનું ?

દાદાશ્રી : એ તો એટલું ભોગ ભોગવવાનું કર્મ લખેલું. અશાતા વેદનીય ભોગવવાની હોયને, તો થયા કરે. તે એ ભોગવવાને આપણે જાણવું કે આ (ફાઈલ નં.૧) અહંકાર ભોગવે છે. આપણે મહીં રસ લીધો કે કર્મ ચોંટે !

પ્રતિક્રમણની સૂક્ષ્મ કચાશો

પ્રશ્નકર્તા : આપણાથી કોઈનો અહંકાર દુભાયો હોયને, તેથી તે અહીં ન આવતો હોય. પછી આપણે અહંકાર કરીને પણ ખંખેરી નાખીએ ને કહીએ, ‘ભઈ, હવે મેં પ્રતિક્રમણ કરી લીધું, હવે એ નથી આવતો એમાં મારે શું લેવાદેવા ?’

દાદાશ્રી : એ તો બધું ખોટું કહેવાય. પણ એકંદરે આ બધું આપણા નિમિત્તે બની ગયુંને ! તે આપણે બને એટલું કરવું જોઈએ. પછી ના બને તો રહ્યું. ના બને તો પછી એના માટે કંઈ મરી ફીટાય નહીં.

પ્રશ્નકર્તા : એ બરાબર છે પણ આજે પોતાની અંદર સમજણની વાત છે કે પોતાની સમજણમાં શું હોવું જોઈએ ? કે હવે મેં પ્રતિક્રમણ કર્યું, મને એના માટે કશું નથી. હવે પોતે ગોળી છોડી દે, પછી પોતાને તો આટલું કરીને ભૂંસી નાખવાનું સહેલું છે, પણ જેને વાગી હોય એને લ્હાય બળતી હોયને ?

દાદાશ્રી : પણ એ (અહીં) દર્શન કરવા નથી આવતો, તે (એને) કેટલી લ્હાય બળતી હશે કે આ નાલાયક માણસ મળ્યો, તેથી મારે આ જવાયું નહીં. એટલે એ તો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએ ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા. પણ બીજું એવું છે કે એ ડિમાર્કેશન કેવી રીતે ખબર પડે કે આપણે એનું પ્રતિક્રમણ કર્યું અને આપણને એના માટે અભિપ્રાય નથી રહ્યા હવે ? હવે એ હંડ્રેડ પરસેન્ટ આપણો અભિપ્રાય ઊડી ગયો છે ?

દાદાશ્રી : છતાં એને જતું નથીને !

પ્રશ્નકર્તા : એનું નથી જતું અને આપણુંય કદાચ મહીં રહેતું હોય. કોઈવાર એવુંય થઈ જાયને, કે હવે એ તો કેટલા સેન્સિટિવ છે ! આટલું કહ્યું, એમાં આટલું બધું શું લઈ લેવાનું ? એવું પણ આવી જાયને પોતાને, તો ત્યાં અભિપ્રાય ઊડવામાં એટલી કચાશ રહે.

દાદાશ્રી : આપણને રહેતો હોય તોય એ ખબર ના પડે.

પ્રશ્નકર્તા : ના પડે, એ ખરી વાત છે. બહુ ઝીણું છે આ. એટલે સેફસાઈડ માટે એમનું પ્રતિક્રમણ કરવું સારું.

દાદાશ્રી : આવા કેસ દુનિયામાં ઓછા બને છે. એટલે વાળી આવવું.

પ્રશ્નકર્તા : આપ કહો છો કે જ્ઞાન પછી એ ડિસ્ચાર્જ અહંકાર છે, પણ એનાથી જે અવળા શબ્દો બોલાઈ ગયા અને સામાને દુઃખ થાય તો ?

દાદાશ્રી : એ તો થાય, તો પ્રતિક્રમણ કરો. તમારે છૂટવું હોય તો પ્રતિક્રમણ કરો. પણ એ અહંકાર તો એનું ગાયન ગાવાનો જ. એનું ગાયન છોડે નહીં. એ તો એના રાગમાં બરોબર ગાવાનો.

દુઃખ દઈ કોઈ મોક્ષે ના જઈ શકે

એટલે જો દોષ ના થતા હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. પ્રતિક્રમણ તો તમારે દોષ થઈ

(પા. 16)

જાય તો કરજો. સામો કહે કે ‘સાહેબ, દોષ ના જ થાય, એટલી બધી મારી શક્તિ નથી. દોષ તો થઈ જાય છે.’ તો આપણે કહીએ કે ‘શક્તિ ના હોય તો પ્રતિક્રમણ કરજો.’

જેવું ફાવતું હોય તેવો પડઘો નાખજે

સંસારસાગર તે પરમાણુઓનો સાગર છે. એમાં સ્પંદન ઊભા થાય છે ત્યાં મોજા ઊપજે છે અને તે મોજા પાછા બીજાને ટકરાય છે, તેથી પાછા બીજાનેય સ્પંદન ઊભા થાય છે અને પછી તોફાન શરૂ થાય છે. આ બધું પરમાણુઓથી જ ઊપજે છે. આત્મા તેમાં તન્મયાકાર થાય તો જોશમાં સ્પંદન શરૂ થાય.

આ જગતમાં પણ સાગર જેવું જ છે. એકે સ્પંદન ઉછાળ્યું તો સામે કેટલાંય સ્પંદન ઉછળે ! આખું જગત પડઘાથી જ ઉત્પન્ન થયું છે. બધી જ જાતના, બધા જ પડઘા સાચા છે અને તાલબદ્ધ સંભળાય છે.

વાવ હોય અને તેમાં મોં નાખીને તું જોરથી બૂમ પાડે, કે ‘તું ચોર છે.’ તો વાવ સામેથી શું જવાબ આપે ? ‘તું ચોર છે.’ તું કહે કે ‘તું રાજા છે’, તો વાવ પણ કહે કે ‘તું રાજા છે’ અને ‘તું મહારાજા છે’ એમ કહે, તો વાવ ‘તું મહારાજા છે’ એમ સામો જવાબ આપે ! તેમ આ જગત વાવ સ્વરૂપ છે. તું જેવા પડઘા નાખીશ તેવો સામો જવાબ મળશે. ‘એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ (ક્રિયા અને પ્રતિક્રિયા સરખી અને વિરુદ્ધ હોય છે)’ એવો નિયમ છે. માટે તને જેવું ફાવતું હોય તેવો પડઘો નાખજે. સામાને ચોર કહીશ તો તારેય ‘તું ચોર છે’ એમ સાંભળવું પડશે અને ‘રાજા છે’ એમ સામાને કહીશ તો તને ‘રાજા છે’ એમ સાંભળવા મળશે. અમે તો તને પરિણામ બતાવ્યા, પણ સ્પંદન નાખવા તારા હાથની વાત છે. માટે તને અનુકૂળ આવે તેવો પડઘો નાખજે.

દુઃખદાયી સ્પંદનોને હવે પૂર્ણ વિરામ

આપણે ઢેખાળો ના નાખીએ તો આપણામાં સ્પંદન ના ઊઠે અને સામેનામાંય મોજાં ના ઊઠે ને આપણને કંઈ જ અસર ના કરે. પણ શું થાય ? બધા જ સ્પંદન કરે જ છે. કો’ક નાનું તો કો’ક મોટું સ્પંદન કરે છે. કો’ક કાંકરી નાખે તો કો’ક ઢેખાળો નાખે. ઉપરથી પાછું સ્પંદન સાથે અજ્ઞાન છે તેથી ઘણી જ ફસામણ. જ્ઞાન હોય ને પછી સ્પંદન થાય તો વાંધો નહીં. ભગવાને કહ્યું છે કે સ્પંદન ના કરીશ. પણ મૂઓ, સ્પંદન કર્યા વગર રહે જ નહીંને ! દેહના સ્પંદનનો વાંધો નથી પણ વાણીના અને મનના સ્પંદનનો વાંધો છે. માટે તેમને તો બંધ જ કરી દેવા જોઈએ, જો સુખે રહેવું હોય તો. જ્યાં જ્યાં ઢેખાળા નાખેલા ત્યાં ત્યાં સ્પંદનો ઊભા થવાના જ. (ભારે) સ્પંદનો બહુ ભેળા થાય ત્યારે ભોગવવા નર્કે જવું પડે અને તે ભોગવીને હલકો થઈને પાછો આવે. હળવા સ્પંદનો ભેળા કરેલા હોય તો તે દેવગતિ ભોગવીને આવે. દરિયો નડતો નથી પણ આપણે નાખેલા ઢેખાળાના સ્પંદનો જ આપણને નડે છે. જો દરિયા ભણી ધ્યાન નથી રાખ્યું તો તે શાંત છે અને જ્યાં જ્યાં ધાંધલ ઊભી કરેલી તેના જ, તે દરિયાના સ્પંદનો નડે છે.

મનને જો તરછોડ લાગી, પછી જોઈ લો તે તરછોડના સ્પંદનો ! ત્યાગીઓની તરછોડ કઠોર હોય. વીતરાગ તો (એમને) લાખ તરછોડ વાગે તોય પોતે સ્પંદન ઊભા ના કરે. ખોખામાં સ્પંદન ઊભા કરશો જ નહીં. ખોખાને શું તોપના બારે ચઢાવવા છે ? તે તો નાશ થઈ જવાના છે. પછી તે હીરાના ખોખા હોય કે મોતીના હોય, તેમાં સ્પંદનો ઊભા કરીને શું કાઢવાનું ?

પોતે પોતાના મનથી ફસાયો છે. તેમાં શાદી કરી, તે મિશ્ર ચેતનમાં ફસાયો. તેય વળી પરાયું ! આ બાપ જોડે સ્પંદન ઊભાં થાય છે, તો વાઈફ (પત્ની) જોડે શું ના થાય ? વાઈફ એ તો મિશ્ર ચેતન છે, માટે ત્યાં શું કરવું ? સ્પંદન જ બંધ કરી દેવા. બાપ જોડે સ્પંદન ચાલુ રાખીશ તો ચાલશે, પણ વાઈફ જોડે સ્પંદન ઊભા થયા વગર રહે જ નહીંને !

(પા. 17)

જીભની, વાણીની ભાંજગડ અને ગડભાંજ એ શું છે ? એ અહંકાર છે પૂર્વભવનો. એ અહંકારથી જીભ ગમે તેમ આપે અને એમાં સ્પંદનોની અથડામણ ઊભી થાય. આજે જે જે દુઃખો છે તે મોટા ભાગે તો જીભના, વાણીના સ્પંદનોના જ છે !

પહોંચે મૂળ શુદ્ધાત્માને

એક ફેર આંબા પર વાંદરો આવ્યો હોય ને કેરીઓ તોડી નાખે, તો પરિણામ ક્યાં સુધી બગડે ? કે આ આંબો કાપી નાખ્યો હોય તો સારું. આવું કરી નાખે. હવે ભગવાનની સાક્ષીએ વાણી નીકળેલી કંઈ નકામી જતી હશે ? આવું છે. પરિણામ ના બગડે તો કશુંય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય.

આ બધા આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિતમાત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું. એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.

આપણે તો સામાના કયા આત્માની વાત કરીએ છીએ ? (કોની પાસે) પ્રતિક્રમણ કરીએ છીએ, તે જાણો છો ? પ્રતિષ્ઠિતને નથી કરતા, આપણે એના મૂળ શુદ્ધાત્માને કરીએ છીએ. આ તો એ શુદ્ધાત્માની હાજરીમાં આ એની જોડે થયું તે બદલ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. એટલે એ શુદ્ધાત્માની પ્રતિ આપણે ક્ષમા માગીએ છીએ. પછી એના પ્રતિષ્ઠિત આત્મા જોડે આપણે લેવાદેવા નથી.

સમજણમાં કેળવો પહેલી કલમ

પ્રશ્નકર્તા : 1. ‘હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિતમાત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.

મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિતમાત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો, એ સમજાવો.

દાદાશ્રી : અહમ્ ન દુભાય એ માટે આપણે સ્યાદ્વાદ વાણી માગીએ છીએ. એવી વાણી આપણને ધીમે ધીમે ઉત્પન્ન થશે. હું જે વાણી બોલું છું ને, એ આ ભાવનાઓ ભાવવાથી જ મને આ ફળ મળેલું છે.

પ્રશ્નકર્તા : પણ આમાં કોઈનો અહમ્ ના દુભાવવો જોઈએ, તો એનો અર્થ એમ તો નથી થતોને કે કોઈનો અહમ્ પોષવો ?

દાદાશ્રી : ના, એવો અહમ્ પોષવાનો નહીં. આ તો અહમ્ દુભાવવો નહીં એવું જોઈએ. હું કહું કે કાચના પ્યાલા ફોડી ના નાખશો. એનો અર્થ એવો નહીં કે તમે કાચના પ્યાલા સાચવજો. એ એની મેળે સચવાયેલા જ પડ્યા છે. એટલે ફોડશો નહીં. એ તૂટતાં હોય તો તમારાં નિમિત્તે ના ફોડશો. અને એ તમારે ભાવના ભાવવાની છે કે મારે કોઈ જીવને કિંચિતમાત્ર દુઃખ ના થાય, એનો અહંકાર ભગ્ન ના થાય એવું રાખવું જોઈએ. એને ઉપકારી માનીએ. બહુ ઊંડી વાત છે આ તો !

અભિપ્રાયથી આપણે જુદા પડ્યા હવે

હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે હવે એનો ‘ઓપિનિયન’ (અભિપ્રાય) ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે ‘ઓપિનિયન’ હતો, તે આ માગણી કરવાથી એનો ‘ઓપિનિયન’ જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : ‘ઓપિનિયન’થી જુદો થઈ ગયો એટલે શું ?

દાદાશ્રી : ‘દાદા ભગવાન’ તો સમજી ગયાને,

(પા. 18)

કે આને હવે બિચારાને કોઈનો અહમ્ દુભાવવાની ઈચ્છા નથી. પોતાની ખુદની એવી ઈચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ઈચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.

એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહિ, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ.

પ્રશ્નકર્તા : શક્તિ માગવાની. વાત બરાબર છે, પણ આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને બીજાનો અહમ્ ના દુભાય ?

દાદાશ્રી : ના, એવું કશું કરવાનું નથી. આ કલમ પ્રમાણે તમારે બોલવાનું જ, બસ. બીજું કશું કરવાનું નથી. અત્યારે જે (કોઈનો) અહમ્ દુભાય જાય છે એ ફળ (ડિસ્ચાર્જમાં) અવશ્ય આવેલું છે. અત્યારે થયું એ તો ‘ડિસાઈડેડ’ (નક્કી) થઈ ગયું છે. એ અટકાવી શકાય પણ નહીં. ફેરવવા જવું એ માથાકૂટ છે ખાલી. પણ આ બોલ્યા એટલે પછી જવાબદારી જ નથી રહેતી.

પ્રશ્નકર્તા : ને આ બોલવું એ સાચા હૃદયથી હોવું જોઈએ ?

દાદાશ્રી : એ તો સાચા હૃદયથી જ બધું કરવું જોઈએ. અને જે માણસ કરેને, એ ખોટા હૃદયથી ના કરે, સાચા હૃદયથી જ કરે. પણ આમાં હવે પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો. આ મોટામાં મોટું વિજ્ઞાન છે એક જાતનું.

ભાવ પ્રતિક્રમણ, તત્ક્ષણે જ

પ્રશ્નકર્તા : જ્યારે સામાનો અહંકાર દુભાવ્યો, ત્યારે એમ થઈ જાય છે કે આ મારો અહંકાર બોલ્યો ને ?

દાદાશ્રી : ના, એવો અર્થ કરવાની જરૂર નહીં. આપણી જાગૃતિ શું કહે છે ? આપણો મોક્ષમાર્ગ એટલે અંતર્મુખી માર્ગ છે ! નિરંતર અંદરની જાગૃતિમાં જ રહેવું અને સામાનો અહમ્ દુભાવ્યો તો તરત એનું પ્રતિક્રમણ કરી લેવું એ આપણું કામ. તે તમે પ્રતિક્રમણ તો આટલા બધા કરો છો તેમાં એક વધારાનું ! અમારેય જો કદી કોઈનો અહમ્ દુભાવવાનું થયું હોય તો અમે હઉ પ્રતિક્રમણ કરીએ.

એટલે સવારના પહોરમાં એવું બોલવું કે ‘મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિતમાત્ર પણ દુઃખ ન હો.’ એવું પાંચ વખત બોલીને નીકળવું અને પછી જે દુઃખ થાય તે આપણી ઈચ્છા વિરુદ્ધ થયું છે. એનું પ્રતિક્રમણ કરવાનું, સાંજે. અમે જગતને એટલું જ કહેવા માગીએ છીએ કે મન-વચન-કાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને ‘તું’ સ્વતંત્ર છે. ભાવથી ‘તું’ જુદો છે. માટે તારા ભાવ ફેરવ. મન-વચન-કાયાની ક્રિયા થાય તોય તું કલ્પાંત ના કરીશ. તું ભાવ ફેરવ.

છેલ્લી દશા, તમારા અંદરનું તમે જોયા કરો

અંદર મશિનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે ક્યાં ક્યાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે ‘જોયા’ કરવાનું કે ‘ઓહોહો, ચંદુભાઈ કડક બોલ્યા !’

પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ના બોલાય ત્યાં સુધી સારુંને ?

દાદાશ્રી : ‘બોલવું-ના બોલવું’ એ આપણા હાથમાં રહ્યું નથી હવે.

બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો, તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું-ખોટું

(પા. 19)

જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી.

જેને સંસાર વધારવો હોય તેણે આ સંસારમાં વઢંવઢા કરવી, બધુંય કરવું. જેને મોક્ષે જવું હોય તેને અમે ‘શું બને છે’ તેને ‘જુઓ’ એમ કહીએ છીએ.

અહો ! અવ્યાબાધ સ્વરૂપ પોતાનું

આત્મા કેવો છે ? ‘અવ્યાબાધ’. જે કોઈને કિંચિતમાત્ર દુઃખ ન કરે ને કોઈનો આત્મા કોઈને કિંચિતમાત્ર દુઃખ ન દે, એવો બધાનો આત્મા છે ! પણ માન્યતામાં કેટલો બધો ફરક ! કારણ કે અજ્ઞાન માન્યતાઓ છે. એ કેમ જાય ? ‘જ્ઞાની પુરુષે’ એવો આત્મા જાણ્યો છે કે જે કોઈને કિંચિતમાત્ર દુઃખ ના દઈ શકે ! ‘અવ્યાબાધ સ્વરૂપ’ !

અવ્યાબાધનો અર્થ એ થાય કે મારું સ્વરૂપ એવું છે કે કોઈ જીવને કિંચિતમાત્ર ક્યારેય પણ દુઃખ ન કરી શકે અને સામાનું સ્વરૂપ પણ એવું છે કે એને દુઃખ ક્યારેય પણ ના થાય; એવી જ રીતે આપણને પણ સામો દુઃખ ના દઈ શકે એ અનુભવ થઈ જાય. સામાને એનો અનુભવ નથી, પણ મને તો અનુભવ થઈ ગયો પછી ‘મારાથી દુઃખ થશે’ એવી શંકા ના રહે. જ્યાં સુધી ‘સામાને મારાથી દુઃખ થાય છે’ એવી શંકા સહેજ પણ થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું.

ક્ષેત્ર બદલાય એવો પુરુષાર્થ કરી લો

પ્રશ્નકર્તા : પોતાએ વીતરાગતાથી જોવું એ કેવી રીતે, કેવા પ્રકારે હોય ? પેલાને રાગ આવે તો પોતે વીતરાગ રહે એ કેવા પ્રકારે એડજસ્ટમેન્ટ લીધું હોય પોતે ?

દાદાશ્રી : એને શું થયું છે એ આપણને સમજ પડે અને તે ઉપરાંત આપણે એના શુદ્ધાત્માને જોવો અને એના શુદ્ધાત્માને આપણે અરજ કરીને કહેવું કે એ બેનને શાંતિ આપો. આ બાકી આપણી જવાબદારી નથી. એ આપણી ઉપર રાગ કરે તેથી કરીને આપણને એ મોક્ષમાં ના જવા દે એવું બને, પણ ભગવાન મહાવીર પર બહુ જણે રાગ કરેલો, પણ મહાવીર કાંઈ અટક્યા નહીં. તમારી ભૂલ થાય તો જ તમે અટકો. પણ તીર્થંકરોએ એટલે સુધી કહ્યું કે બીજાને દુઃખ ના થાય એટલા માટે માથું મુંડાવી નાખજોને. એ તો સામાને રાગ જ ઉત્પન્ન ના થાય એમ કરજોને, કહે છે. પણ આ કાળની વિચિત્રતા એટલે આપણે શું કહીએ છીએ કે હજુ એક-બે અવતાર થવાના, માટે આપણે એવો-તેવો કંઈ તમને ઉપાય કરવાનું નથી કહેતા. છેલ્લા અવતારમાં દેખ લેંગે, જે હશે તે. અત્યારે તો આપણે આ અવતાર એવો કંઈક ઉકેલ લાવો કે જેથી કરીને ક્ષેત્ર બદલાય. અહીં લોકોની જોડે અપેક્ષા ના રહે. એટલે એવું કંઈ કરજો.

ભાવ પરિવર્તનથી ક્ષેત્ર પરિવર્તન

પ્રશ્નકર્તા : દાદા, આ ક્ષેત્ર બદલો જે કહ્યું ને ક્ષેત્ર બદલાય એવું પોતે થઈ જવું જોઈએ.

દાદાશ્રી : નહીં, આપણો ભાવ એવો રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : આ તમે આ બધો નિકાલ કરો તેમ, જેમ જેમ નિકાલ કરતા જાય એમ (એ) ક્ષેત્રના લાયક થતા ગયા.

એટલે બને એટલું આપણે આ વાક્ય ધ્યાનમાં રાખવાનું છે, અમે જેટલું કહીએ. એટલે જે તે રસ્તે એના મનનું સમાધાન કરવું જોઈએ.

એટલે આવું વિચારવાનું. આ કંઈ એક દહાડામાં થઈ જાય એવું નથી. આખી જિંદગીભરનું તમને સોંપીએ છીએ બધું કામ. આજથી કરવા માંડે તો કંઈક પાર આવે ! કરવા માંડે તો (એટલે) વિચારીએ તો વધારે સમજણ પડે. આમ એ ધ્યાનમાં રહેવું જોઈએ, લક્ષમાં રહેવું જોઈએ. શુદ્ધાત્મા થયા એમાં બે મત

(પા. 20)

નહીં, પણ પ્રતીતિમાં થયા, લક્ષમાં થયા. એટલે જાગૃતિમાં રહ્યા પણ અનુભવમાં જેટલું આવે...

પ્રશ્નકર્તા : અનુભવમાં આવે એ ખરું.

દાદાશ્રી : એમાં કચાશ કોણ કરે છે, અનુભવમાં ? ત્યારે કહે, બહારનું જ્યાં આગળ કોઈનો અસંતોષ છે, એ આપણા તરફની કચાશ કરે છે. એ જેટલી બને એટલી એને ડિગ્રીઓ સમજાવીએ, કામ લઈને, ગમે તે રસ્તે જવા દે એવું કરજો. અહીં રસ્તામાં ચોર મળ્યા હોય ને ચોર તમને જવા દે એવું કંઈક કરજો.

પ્રશ્નકર્તા : જે તે રસ્તે ઉકેલ લાવવાનો. જે તે રસ્તે જવા દે આપણને.

દાદાશ્રી : એ કહેશે, ‘જાવ, ચલે જાવ’, તો આપણે જાણવું કે છૂટ્યા. વઢીએ તો તો પાર ના આવે. ચોર જવા દે તો છૂટકારો મળ્યો આપણને. તો આપણે જેમતેમ સમજાવીને પણ ઉકેલ લાવવો જોઈએ એવો ભાવ રાખવો, તો પછી નીકળી આવશે. બીજો કશો તો એવો કંઈ તને વિચાર આવે છે, કોઈને જીવને દુઃખ થશે તેનો ? એ મોક્ષ રોકે એવું ? એ જ હું કહેવા માગું છું.

પ્રશ્નકર્તા : એક વખત દાદાએ કહેલું, કોઈને તમારા નિમિત્તે દુઃખ થયું હશે તો એનો તો મોક્ષ નહીં થાય ને તમને પણ અટકાવશે.

દાદાશ્રી : એ ક્લેઈમ આખો (ઊભો) રહ્યો. ક્લેઈમ રહ્યો છે એનો, એ હું કહેવા માગું છું. તને જે અનુભવમાં આવીને વાત એ હું કહેવા માગું છું. તમારી ઉપર રાગ થાય છે તેનાથી નહીં. કારણ તમને એના તરફે રાગેય નથી ને દ્વેષેય નથી, પછી તમને રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી.

કોઈને દુઃખ ના હો, એ ‘ભાવ’ દ્રઢ રાખો

મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે કે ‘હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે ?’ ત્યારે મહીં બુદ્ધિ બોલે કે આ ધંધામાં આટલી ખોટ ગઈ છે ! હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળોને ! મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે અમને પૂછોને, બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમારી પાસે અનંત શક્તિ છે ! જે શક્તિ ખોટ ખવડાવે છે એ શક્તિ પાસે જ નફો ખોળોને ! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે. એ શી રીતે ભાગાકાર થશે ? તમારો ‘ભાવ’ ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઈચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ (કાયદા) હોવા જોઈએ. આપણા ‘ભાવ’નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે, એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાયને ! કોઈ સોદો જ ના કરેને !

જ્ઞાની વ્યૂ પોઈન્ટે સમજી લો સાચી વાત

ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ, એટલો વ્યવહાર સાચવજો. કો’ક કહેશે, ઊભા રહો, તો આપણે શૂન્યવત્ રહીએ તો શું થાય ?

આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઈલેક્ટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય, તે એક-એક પોઈન્ટ આપણે સમજીએ તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઈટ થાય ને લાઈટને બદલે પંખો થાય એવું થયા કરે.

‘જ્ઞાની પુરુષ’ જે સમજણ આપે, તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો, આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તેય શી રીતે થવાય તે ?

(પા. 21)

તીર્થંકરોની વાણીના કોડ...કોઈનું પ્રમાણ ના દુભાય

ભગવાનનો સ્વર કેવો હતો, વીતરાગોનો ? હેય, જાણે મધુર વાજિંત્ર વાગ્યા કરતું હોય તેમ ! આપણા મધ કરતાય ઉત્તમ ગણાયું છે ! બીજી હરેક મીઠાશ કરતા ઉત્તમમાં ઉત્તમ શબ્દ ભગવાનનો કહેલો છે !

પ્રશ્નકર્તા : તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે ?

દાદાશ્રી : એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિતમાત્ર દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં પણ કોઈ જીવનું કિંચિતમાત્ર ્ર પ્રમાણ પણ ના દુભાય, ઝાડનુંય પ્રમાણ ના દુભાય, એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય.

આટલું ટૂંકામાં સમજી જાવ

તીર્થંકરની સોળ કારણ ભાવના હોય, તે ભાવનાનો સારાંશ આપણા વર્તનમાં હોવો જોઈએ. કારણ કે ભાવનાની જરૂર નથી પણ એનો સારાંશ આવવો જોઈએ. કોઈને કિંચિતમાત્ર દુઃખ ના થાય એવું વલણ હોવું જોઈએ. બીજા દુઃખ દે તો પોતાની જ ભૂલ કબૂલ કરી લે, આટલામાં જ સોળ ભાવના આવી જાય છે. આટલામાં, ટૂંકામાં સમજી જાવ.

ત્રણ વર્ષ કષાયોને ખોરાક બંધ કરો

કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક ના આપીશ, તો બધા મડદાલ થઈ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ-માન-માયા-લોભનું ઉપરાણું. જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે દોષો ભાગી જાય.

બંધ કરો કષાયનું રક્ષણ

આપણા લોકો તો શું કરે છે ? છોકરાંને ખૂબ ટૈડકાવે અને ખૂબ ગુસ્સે થઈ ગયા હોય, જરા મોટી ઉંમરનો છોકરો હોય તેની પર. અને પછી મનમાં એમ થાય કે ‘વધારે પડતું બોલાયું છે.’ એવું પોતે પાછા સમજે, પોતાના થર્મોમિટરથી. પણ પાછો કોઈ પાડોશી આવીને કહે, ‘ચંદુભાઈ, આટલું બધું થતું હશે ?’ ત્યારે ચંદુભાઈ શું કહે ? ‘તમે જાણતા નથી એને.’ આ ભાંગરો વાટ્યો. આપણે સમજતા હતા કે ‘આ વધારે પડતું થયું’, તો ત્યાં પેલાને કહેતા શું વાંધો છે કે ‘ભઈ, વધારે થઈ ગયું. ભૂલ થઈ છે.’ એટલું કહીએ એટલે પાછું એ પેલા ક્રોધને ખોરાક ના મળે, ભૂખ્યો રહે. પણ આ તો તમે જમાડો, નિરાંતે જમ. મારી આબરૂ ના જાય તો સારું, કહે. તું જમ. એટલે ક્રોધ જમે ને ! (એક બાજુ) જમાડવો છે ને (પાછો) કાઢવો છે. તમને સમજ પડે, જમાડે લોકો ?

પ્રશ્નકર્તા : દાદા, આ વાત બહુ સૂક્ષ્મ થાય છે.

દાદાશ્રી : આ વાત હોઈ શકે નહીં. આ પુસ્તકમાં ના હોય, બીજે ના હોય. આ તો આ મારા જ્ઞાનમાં દેખાય બધું આ.

તમને સમજાય છે આ બધી આવી સૂક્ષ્મ વસ્તુઓ ? જ્ઞાની પુરુષો સમજી શકે કે આ કોની વકીલાત કરી. કોની વકીલાત કરી એણે ? ક્રોધનો બચાવ કર્યો. તે ઘડીએ એણે શું કહેવું જોઈએ ? જો ભૂખે મારવો હોય, ત્યારે કહે કે ભાઈ, ખોટું થયું. એ તો મને બહુ પસ્તાવો થાય છે. આવું કહ્યું હોયને તો ક્રોધ જાણે કે આપણી વકીલાત કરતો નથી. એટલે હવે આ ઘેર તો ખાલી કરવું પડશે. ગમે ત્યાં રેન્ટનો કાયદો હોય કે ના હોય પણ હવે ખાલી થવું પડશે એવી મને ખાતરી થઈ, કહે છે. હવે તમે એનો બચાવ ના કરો. તમે ઊલટા પ્રતિક્રમણ કરો સામાના નામના. તમારે લીધે જેને દુઃખ થયું હોય એના, કારણ કે ક્રોધ-માન-માયા-લોભ ગયા.

લોક તો ક્રોધ-માન-માયા-લોભને જ સાચવ સાચવ કરે. કો’ક ગાળ ભાંડે તોય ઊલટું ઉપરાણું લે.

(પા. 22)

આપણને કો’ક ગાળ ભાંડે, તેમાં પોતે જે ગુસ્સો (કરે) છે એ ગુસ્સાનું ઉપરાણું લે છે પોતે. અને જો એ ગુસ્સાને કહે, ‘સહન કર. શું કરવા કર્યો’તો તેં આ ?’ તે ઉપરાણું ના લે, તો હમણાં રાગે પડી જાય. ઉપરાણું લે ખરા ? ઊલટું પોતાના ગુસ્સાના ઉપર ઉપરાણું લે, નહીં ? ગુસ્સાને સાચવે. એવું તમે કોઈ દહાડો સાચવેલું ખરું ? એ જ ધંધા કરેલા અત્યાર સુધી ! ક્રોધ-માન-માયા-લોભને જમાડેલા અને (પાછો) કહે છે, મારે કાઢી મૂકવા છે.

આ ક્રોધને ઉગ્રતા કહેવાય છે. તે એ પ્રકૃતિના પરમાણુ જ છે. એની મહીં, આ જગતના લોકોનો, અજ્ઞાનીનો આત્મા તન્મયાકાર થાય ત્યારે ક્રોધ કહેવાય છે. હવે તમે જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહો. આ ઉગ્રતા હોય એટલે પછી તમારી ઉગ્રતાથી સામાને વાગ્યું હોય તેનું તમે પ્રતિક્રમણ કરો. સામાને દુઃખ તો ના જ થવું જોઈએ ને ! પહેલાની આપણી જ ભૂલ છે ને ! એ ઉગ્રતાની જવાબદારી તો આપણી જ છે ને !

રક્ષણ કરવાથી જ ઊભું રહ્યું આ જગત

વ્યવહાર શાનું નામ કહેવાય ? ‘કષાય રહિત’ બોલો. જેમાં કષાય ના હોય, ક્રોધ-માન-માયા-લોભ, એ અકષાયી વાણી કહેવાય.

આ વાણીથી આખું જગત ઊભું રહ્યું છે. જો વાણી ના હોત તો તો આ જગત આવું ના હોત. એટલે વાણી જ મુખ્ય આધાર છે.

વાણી બોલો તેનો વાંધો નથી, પણ ‘અમે સાચા છીએ’ એમ એનું રક્ષણ ના હોવું જોઈએ. ‘અમે સાચા છીએ’ એનું નામ જ રક્ષણ કહેવાય અને રક્ષણ ના હોય તો કશું જ નથી. અહંકાર એવો કે પોતે ભૂલ કબૂલ કરે નહીં. એ તો કબૂલ ના કરવું હોય તેનો વાંધો નહીં, પણ ઉપરથી એનું પ્રોટેક્શન કરે.

સમજાય તો કામ નીકળી જાય

તૈયાર થઈ જાવ (પ્રોટેકશન ના કરે) તો કામ નીકળી જાય એવું છે, નહીં તો પછી કાચા રહી જશો. પ્રોટેક્શન કરશો તો પછી કાચું. પરિપક્વ કોઈ કરી આપશે નહીં. કારણ કે આ આવું છાંડેલું કોણ સમું કરી આપે ? જ્ઞાનીથી કાચું રહી ગયું, કોણ સમું કરી આપે ? માટે હજુ (તું) પ્રોટેક્શન તો કરવાનો, પણ પ્રોટેક્શન કરે તેનાય છે તે પ્રતિક્રમણ કરજે અને ભૂલ થઈ તેનાય છે તે પ્રતિક્રમણ કરજે. તે (તું પાછો પ્રોટેકશન) કરવાનો તેય હું જાણું. આ તો મહીં આવડી આવડી ગાંઠો પડેલી હોય અને એના આધારે તો જીવો છો બધું. એ ગાંઠોને લીધે લોકો પર લાગણીઓ ના હોય. બધા લોકો ઉપર લાગણી હોવી જોઈએ. કેમ ના હોવી જોઈએ ? બધા આત્મા છે એટલે લાગણી ના હોવી જોઈએ ? તેથી અમે કહીએ છીએને, એટલે નિસ્પૃહતા નહીં, સસ્પૃહ-નિસ્પૃહ. આત્માની બાબતમાં સસ્પૃહ છીએ, પુદ્ગલની બાબતમાં નિસ્પૃહ છીએ. એટલે લાગણી તો હોયને ! સસ્પૃહ એટલે બધે જ લાગણીઓ હોય, જીવમાત્ર જોડે. અને તું કહું કે મને દાદા સિવાય કોઈ જગ્યાએ લાગણી થતી જ નથી. તે શામાં પેસી ગયું બધું ? ત્યારે કહે, આ ગાંઠોમાં. આવડી આવડી ગાંઠો પડેલી હોય. કોણ છેદે આને ?

સત્સંગથી ભંગાય ભૂલો

આપણી ભૂલ ના ભંગાય તો તે સત્સંગ કરેલો કામનો જ નથી. સત્સંગનો અર્થ જ ભૂલ ભાંગવી. આપણા નિમિત્તે કોઈને દુઃખ ના થવું જોઈએ. જો કોઈને દુઃખ થાય તો આપણી ભૂલ છે અને ભૂલને ભાંગવી. અને જો ભૂલ ના જડતી હોય તો આપણા કર્મનો ઉદય છે, માટે માફી માગ માગ કરવી. જો સામો સમજુ હોય તો પ્રત્યક્ષ માફી માગવી ને સામો અવળો ચઢી જતો હોય તો ખાનગીમાં માફી માગ માગ કરવી.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણની અસર ના થાય તો એનું કારણ આપણે પૂરા ભાવથી નથી કર્યું કે સામી વ્યક્તિના આવરણ છે ?

(પા. 23)

દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે નહીં જોવાનું. એ તો ગાંડોય હોય. આપણા નિમિત્તે એને દુઃખ ના થવું જોઈએ, બસ !

પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ હિસાબે એને દુઃખ થાય તો એનું સમાધાન આપણે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

દાદાશ્રી : એને દુઃખ થાય તો સમાધાન તો અવશ્ય કરવું જોઈએ. એ આપણી ‘રિસ્પોન્સિબિલિટી’ (જવાબદારી) છે. હા, (કોઈનેય) દુઃખ ના થાય એના માટે તો આપણી લાઈફ (જિંદગી) છે.

સમેટીને ચાલે તો મોક્ષે જવાય

(આ જગતથી છૂટવું હોય તો) ‘પ્રતિક્રમણ’ તો તમે ખૂબ કરજો. જેટલા જેટલા તમારી આજુબાજુના હોય, જેમને જેમને રગડ રગડ કર્યા હોય, તેમના રોજ કલાક-કલાક ‘પ્રતિક્રમણ’ કરજો. આપણે જેના પ્રતિક્રમણ કરીએને, તેને આપણા માટે કંઈ ખરાબ (ભાવ) તો ના થાય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તોય છૂટી જાય, આ ભવમાં જ ! આ એક જ ઉપાય છે. આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે.

કોઈને આપણાથી કિંચિતમાત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી ભૂલ છે. આપણી મહીં પરિણામ ઊંચા-નીચા થાય એટલે ભૂલ આપણી છે એમ સમજાય. સામી વ્યક્તિ ભોગવે છે એટલે એની ભૂલ તો પ્રત્યક્ષ છે પણ નિમિત્ત આપણે બન્યા, આપણે એને ટૈડકાવ્યો માટે આપણીયે ભૂલ.

આપણી ભૂલથી સામાને કંઈ પણ અસર થાય, જો કંઈ ઉધાર થાય તો તરત જ મનથી માફી માગી જમા કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તો ઉધાર થાય પણ તરત જ કૅશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું.

અમે કેટલું ધોયેલું ત્યારે ચોપડો છૂટેલો. અમે કેટલાય કાળથી ધોતા આવેલા ત્યારે ચોપડો છૂટ્યો. તમને તો મેં રસ્તો દેખાડ્યો. એટલે જલદી છૂટી જાય. અમે તો કેટલાક કાળથી જાતે ધોતા આવ્યા હતા. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો ‘એટેક’ કરતા હતાને ? પણ પછી બધા થાકી ગયા. આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે. આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી, એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય.

જય સચ્ચિદાનંદ