મુક્તિ જ્ઞાની થકી

સંપાદકીય

મોક્ષે જવાની ઈચ્છા કોને ના હોય ? પણ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય ? પ્રગટ જ્ઞાની પુરુષ થકી. ચાર વેદ પૂરા થાય પછી છેવટે વેદ ઈટસેલ્ફ શું કહે છે ? ધીસ ઈઝ નોટ ધેટ. તું આત્મા ખોળે છે તે આમાં નથી. તે અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એ શબ્દમાં હોય નહીં, માટે ગો ટૂ જ્ઞાની. દુર્લભ એવા મોક્ષદાતા જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ અતિ અતિ સુલભ બને. કારણ માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે, તેમાં એક જ કેડી છે તે મોક્ષની છે અને તે સમર્થ એવા જ્ઞાની પુરુષ જ બતાવે. અનંત અવતારથી છૂટવાની ભાવના થયેલી પણ માર્ગ દેખાડનાર જ્ઞાની પુરુષ જોઈએ. જે છૂટવાનો કામી છે અને પોલ વગરનો જેનો નિશ્વય છે, તેને જ્ઞાની પુરુષ ભેગા થઈ જ જાય.

વીતરાગોએ કહ્યું, ઉપાદાન ગમે એટલું તૈયાર હશે, પણ જ્ઞાની પુરુષના નિમિત્ત સિવાય કાર્ય નહીં થાય. જ્ઞાની પુરુષ જ એક એવો સંયોગ છે, મૂળ નિમિત્ત છે જે શુદ્ધાત્માનું ઉપાદાન કરાવે અને અહંકાર ને મમતાનું, હું અને મારુંનું અપાદાન કરાવે. એટલે કે પોતાનું સ્વરૂપ ગ્રહણ કરાવડાવે અને અહંકાર ને મમતાનો ત્યાગ કરાવડાવે. જેમ ચોરની કૃપાથી ચોર થઈ જવાય તેમ જ્ઞાનીની કૃપાથી જ્ઞાની થઈ જવાય. જ્ઞાની કૃપા વરસાવે અને સંજ્ઞાથી સમજાવે તો જ આત્મા જાગૃત થાય.

સાકર ગળી છે એ તો બધા શાસ્ત્રોમાં કહ્યું છે પણ ગળ્યું એટલે શું ? એ તો જ્ઞાની પુરુષ એકલા જ ચખાડે. પછી એ જ્ઞાન ક્રિયાકારી થાય. આ જગતમાં કોઈ ચીજથી મુક્તિ નથી, જ્ઞાનીના જ્ઞાનથી મુક્તિ છે. સોનામાં તાંબું, પિત્તળ, રૂપું એ બધી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો કોઈ સોની એના ગુણધર્મ ઉપરથી છૂટા પાડી શકે. તેમ આત્મા-અનાત્માના ગુણધર્મો જે કમ્પ્લિટ જાણે છે અને જે અનંત સિદ્ધિવાળા એવા સર્વજ્ઞ જ્ઞાનીને ત્યાં ભગવાન પ્રગટ થયા હોય, ચૌદ લોકના નાથ પ્રગટ થયા હોય તે આત્મા-અનાત્માનું પૃથક્કરણ કરી આપી છૂટા પાડી શકે.

એવા જ્ઞાની પુરુષને ઓળખવા શી રીતે ? જ્ઞાની પુરુષ એ જ કે જેને આ જગતમાં કશું જાણવાનું બાકી નથી, પુસ્તક વાંચવાના નથી, માળા ફેરવવાની નથી. જે પોતે સંપૂર્ણ મુક્ત થયા હોય, તરણતારણ થયા હોય. જ્ઞાની પુરુષ પાસે બધા ધર્મોનો સાર હોય. જ્ઞાની પુરુષના જ્ઞાનથી દ્રષ્ટિભેદ થાય; આ સંસાર દ્રષ્ટિ અને આ આત્મ દ્રષ્ટિ. એમનું જ્ઞાન અપૂર્વ હોય, અલૌકિક હોય.

કૃષ્ણ ભગવાને કહ્યું, જ્ઞાની પુરુષ અનંત કાળના પાપોને ભસ્મીભૂત કરી આપે. જોડે જોડે દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે. પછી એ લક્ષ ક્યારેય ભૂલાય નહીં. આ કળિયુગમાં, દુષમકાળમાં ગજબનું આશ્વર્યજ્ઞાન પ્રગટ થયું છે ! ત્યાં આપણને આત્માનો અનુભવ જ્ઞાની પુરુષ પાસેથી થઈ જવો એ જ આ અક્રમ જ્ઞાનની સિદ્ધિ છે. અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ એવા પ્રગટ છે. પળનોય વિકલ્પ કર્યા સિવાય ત્યાં કામ કાઢી લેવા જેવું છે. જગતના સર્વે લોકોને જ્ઞાનીનો ભેટો થાય, આત્મજ્ઞાન પામે, મુક્તિને પામે એવી ભાવના સાથે પ્રસ્તુત સંકલનનું આરાધન કરી કૃતાર્થ થઈએ.

 

જય સચ્ચિદાનંદ.

મુક્તિ જ્ઞાની થકી

(પા. ૪)

મોક્ષમાર્ગની શરૂઆત ક્યાંથી ?

દાદાશ્રી : તમારે મોક્ષે જવું છે કે ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવાના વિચારો આવે છે પણ માર્ગ જડતો નથી.

દાદાશ્રી : વિચારવંત હોય તે તો લક્ષમાં લે કે આ સંસાર માર્ગ આરાધવા જેવો છે કે આરાધવા જેવો નથી ! આરાધવા જેવો ના હોય તો ‘જ્ઞાની પુરુષ’ને શોધીને એની પાસે મોક્ષમાર્ગ મેળવી લે. માથાના વાળ જેટલા અન્ય માર્ગો છે. તેમાં એક જ કેડી છે તે મોક્ષની કેડી છે અને તે સમર્થ એવા ‘જ્ઞાની પુરુષ’ એકલા જ બતાવે. મોક્ષમાર્ગ ઓર્નામેન્ટલ (બાહ્ય દેખાવવાળા) ના હોય ને પેલા બધા જ માર્ગ ઓર્નામેન્ટલ હોય.

મોક્ષે જવું હોય તો એટલું જાણવું જોઇએ કે ‘હું બંધાયેલો છું કે નહીં ?’ પછી એ જાણવું જોઇએ કે બંધન શેના આધારે થયું છે ? આ બંધન શેનાથી તૂટે ? એના ઉપાય જાણવા જોઇએ.

મૂળ મોક્ષમાર્ગને જાણવો જોઇએ. એ મોક્ષમાર્ગના દાતા જોઇએ અને તે તરણતારણ હોવા જોઇએ. પોતે તર્યા હોય તો આપણને તારે, નહીં તો પોતે ડૂબકાં ખાતો હોય તો આપણો દી’ વળે નહીં. પોતે દાતા પુરુષ હોય, તે તો મોક્ષનું દાન જ આપવા આવ્યા હોય, લેવા માટે ના આવ્યા હોય ! મોક્ષનું દાન આપવા આવ્યા છે એવાં ‘જ્ઞાની પુરુષ’ પાસે આપણું કામ થાય, મોક્ષદાતા પુરુષ. જેની પાસે સ્ટૉકમાં મોક્ષ છે અને પોતે મોક્ષસ્વરૂપ થયેલા છે.

મોક્ષમાર્ગ શરૂ થયો કોને કહેવાય ? જે મોક્ષસ્વરૂપ થઈ ગયા છે એવા ‘જ્ઞાની પુરુષ’ની પાછળ ચાલવા માંડ્યું, એટલે મોક્ષમાર્ગ શરૂ થયો. એમની પાછળ ચાલવાનું નક્કી કર્યું કે વહેલે-મોડે એમની પાછળ જ હવે જવું છે, એટલે મોક્ષમાર્ગ શરૂ થઈ ગયો. એની મુક્તિ અવશ્ય થવાની !

પણ મોક્ષદાતા મળવા જોઈએ

ભગવાન શું કહે છે ? મોક્ષમાર્ગ અતિ, અતિ, અતિ સો વખત દુર્લભ, દુર્લભ, દુર્લભ છે, પણ જો જ્ઞાની પુરુષ મળે તો ખીચડી બનાવવા કરતાય સહેલો છે !

આ ખીચડી બનાવવા માટે તો લાકડાં ખોળવા પડે, દાળ-ચોખા ખોળવા પડે, તપેલી ખોળવી પડે, પાણી ખોળવું પડે, ત્યારે પછી ખીચડી થાય. જ્યારે મોક્ષ તો ખીચડી કરતાંય સહેલો છે, પણ મોક્ષદાતા જ્ઞાની મળવા જોઈએ. નહીં તો મોક્ષ ક્યારેય થાય નહીં, કરોડ અવતાર જાય તોય એ થાય નહીં. અનંતા અવતાર થયેલા જ છે ને ? ‘જ્ઞાની પુરુષ’ ના મળે ને મોક્ષ મળશે એમ માનવું ભૂલ છે.

ચતુર્ગતિના માર્ગ બધા મહેનત માર્ગ છે. જેને અત્યંત મહેનત પડે છે એ નર્કગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ દેવગતિમાં જાય છે, એનાથી ઓછી મહેનત કરે છે એ તિર્યંચમાં જાય અને બિલકુલ મહેનત વગરનો મોક્ષમાર્ગ ! ‘જ્ઞાની પુરુષ’ મળ્યા પછી તો મહેનત કરવાની હોતી હશે ? આ દાળ-ભાત, રોટલી મહેનત કરીને કરી શકે, પણ આત્મદર્શન એ જાતે ના કરી શકે; એ તો ‘જ્ઞાની પુરુષ’ કરાવે ને થઇ જાય. ‘જ્ઞાની પુરુષ’ મહેનત કરાવે તો તો આપણે કહીએ નહીં કે ‘મારું જ ફ્રેક્ચર થયેલું છે, તો હું મહેનત શી રીતે કરી શકીશ ?’

એવી ભાવનાથી છોડાવનાર મળે જ

અમે એ ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે જેટલો મહેનત માર્ગ છે તે બધો સંસાર માર્ગ છે. મોક્ષની જ ઈચ્છા કરવા જેવી છે. મોક્ષનો વિચાર જો એક વખત આવ્યો હોય તો લાખ અવતારેય જ્ઞાની પુરુષ ભેગા થશે ને તારો મોક્ષ થશે.

આ સંસાર છોડ્યો કે ધક્કો માર્યે છૂટે એવો

(પા. ૫)

નથી, માટે એવી કંઇક ભાવના કરો કે આ સંસારમાંથી છૂટાય તો સારું. અનંત અવતારથી છૂટવાની ભાવના થયેલી, પણ માર્ગનો ભોમિયો જોઇએ કે ના જોઇએ ? માર્ગ દેખાડનાર ‘જ્ઞાની પુરુષ’ જોઇએ.

પ્રશ્નકર્તા : આમાંથી છૂટવાનો કંઈ રસ્તો ?

દાદાશ્રી : આ જંજાળથી છૂટવાનો રસ્તો એ જ કે ‘આપણે કોણ છીએ ?’ એ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય જ્ઞાની પુરુષ પાસેથી, તો છૂટી જવાય એવું છે.

પોલથી કશું વળશે નહીં

પ્રશ્નકર્તા : તો દાદા, સૃષ્ટિની અંદર એવો કોઈ નિયમ ખરો કે કોઈની એવી ભાવના હોય કે મારે જ્ઞાની શોધવા છે, તો એને મળી આવે ?

દાદાશ્રી : જડે જ, ચોક્કસ જડે. ભાવના કરતો કરતો આવ્યો હોય એને બધી ચીજ મળે પણ સાચી ભાવના હોવી જોઈએ. ‘જે હશે એ ચાલશે’ એ ચાલે નહીં.

જેને સચોટ એકલી મોક્ષની જ ઇચ્છા છે, એને કોઇ રોકનાર નથી. જ્ઞાની એને ઘેર જશે ! એ કહેશે કે ‘મારે જ્ઞાનીને શું કરવા છે ? મારે એમને મળવા તો જવું પડશે ને ?’ ના, તારી ઇચ્છા જ તારા માટે જ્ઞાનીને લઇ આવશે. ‘મોક્ષ સિવાય કંઇ જ જોઇતું નથી’ એવી જેને સચોટ ઇચ્છા છે, એની પાસે હરેક ચીજ આવે પણ બીજી ગુફતેગો છે, મહીં પોલ છે, એનું કશું વળે નહીં. કિંચિત્માત્ર સાંસારિક ઇચ્છા ના કરે તો જ્ઞાની ભેગા થઇ જ જાય.

‘જ્ઞાની’ સિવાય આપણને બીજું કંઇ જ જોઇએ નહીં, એ ભાવ રાખવાનો. ‘આ જગતમાં કોઇ પણ વિનાશી ચીજ મને ખપતી નથી’ એવું પાંચ વખત સવારમાં બોલીને ઊઠવું અને એને ‘સિન્સિયર’ રહેવું.

જેને હૃદયશુદ્ધિથી કેવળ ‘ચેતન’ જ જોઈએ છે, ભૌતિક સુખો જોઈતા નથી, તેને ‘જ્ઞાની પુરુષ’ સામેથી મળે ને કામ થઈ જાય. સાચા હૃદયની વાત જોઈએ.

બુદ્ધિપૂર્વકની નમ્રતા, બુદ્ધિપૂર્વકની સરળતા, બુદ્ધિપૂર્વકની પવિત્રતા આ બધા ગુણો હોય તો મોક્ષના દરવાજામાં પેસાય. આ બધા ગુણોનો સંગ્રહ હોય ત્યારે જ્ઞાની ભેગા થાય, ત્યાર વગર ‘જ્ઞાની’ ભેગા ના થાય.

જ્ઞાની પુરુષ કોણ ?

લોકને વિષય અને કષાયોની પડેલી છે ! પણ એ તો મંદવિષયી ને મંદકષાયી હોય, ત્યારે એ જ્ઞાની પુરુષને ઓળખે.

અહીં હીરા ને કાચ મૂક્યા હોય, તે લોક એમાં સમજે ખરા ? આ હીરા છે તે કેટલા માણસને ઓળખાય ?

પ્રશ્નકર્તા : જૂજ માણસો ઓળખે.

દાદાશ્રી : ઓળખે નહીંને ! એના જેવા ઘાટવાળા કાચના હીરા હોય તે એથીયે સારા રૂપાળા દેખાય છે, એને લઈ લે ને સાચા હીરાને ફેંકી દે, એટલે (સાચું) ઓળખવામાં આવે તો કામ થઈ જાય.

‘જ્ઞાની પુરુષ’ કોણ ? ત્યારે કહે, જેને કંઇ જ જાણવાનું બાકી ના હોય, પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય ! જો એ પોતે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય તો આપણે ના સમજી જઇએ કે આ તો હજી (કોઈ) સ્ટાન્ડર્ડમાં છે ? પોતે હજી ભણે છે, તે આપણો શો શક્કરવાર લાવશે ? આપણે તેમને જે ઘડીએ પૂછીએ ત્યારે એ ઘૂંટાયા કરે. સા’બ શું કરે ? મહીં ઘૂંટાયા કરે. પછી આપણને શાસ્ત્રના ટબા દેખાડે. અલ્યા ભઇ, શાસ્ત્રને શું તોપને બા’રે ચઢાવવું છે ? મહીંથી તું બોલને ! મહીં મરેલો છે કે જીવતો ? જો મહીં જીવતો છે તો બોલ ને મહીંથી ! પણ આ શાસ્ત્ર શું કરવા વચ્ચે લાવે છે ? શાસ્ત્ર એ તો બોર્ડ છે, સ્ટેશને ઊતરવાના બોર્ડ છે. બોર્ડની કંઇ હરઘડીએ જરૂર પડે ખરી ? એની તો કો’ક દહાડો જરૂર પડે; એટલું જ જાણવા કે ‘ભઇ, કયું સ્ટેશન આવ્યું ?’ તો એ કહે કે ‘ભઇ, પેલું બોર્ડ

(પા.૬)

દેખાય.’ શાસ્ત્ર તો ‘ઇટસેલ્ફ’ (જાતે) બોલે છે, ‘ગો ટુ જ્ઞાની.’ (જ્ઞાની પાસે જા) એ નિશાની બતાવે છે. એ તો જે પોતે સંપૂર્ણ થયા હોય, તે જ કામ લાગે.

મુક્તિનું સાધન જ્ઞાની

જે જ્ઞાન હિતકારી ન થઈ પડે, તે ક્યાં સુધી સાંભળવાનું ? ‘જ્ઞાની પુરુષ’ ના મળે ત્યાં સુધી. જ્યાં સુધી ઈંદોરી ઘઉં ના મળે, ત્યાં સુધી રેશનના ઘઉં મળે તે ખાવા જ પડેને ? પણ જો ‘જ્ઞાની પુરુષ’નો સંજોગ બાઝે તો તો પછી તમે માંગતા ભૂલો, અધ્યાત્મમાં જે માગો તે મળે. કારણ કે ‘જ્ઞાની પુરુષ’ એ મોક્ષદાતા પુરુષ છે ! પોતે મુક્ત થયેલા છે, તરણતારણ થયેલા છે. ત્યાં બધી જ ચીજ મળે. મને તમે ભેગા થયા એટલે હું તમને વાત કરું. સર્વ જંજાળોમાંથી મુક્ત થવાનું આ સાધન છે.

આ જંજાળમાંથી કોઈક વખત છૂટવાની ઈચ્છા થાય છે કે ? જંજાળ ગમે જ નહીંને ! આ તો જંજાળમાં પેઠેલા છે ! જ્યાં સુધી ના છૂટાય ત્યાં સુધી આ બધું ખાવા-પીવાનું, બધા લોક કર્યા કરે તેવું કર્યા કરવાનું. પણ જો છૂટવાનું મળ્યું, જ્ઞાનીપુરુષ મળ્યા તો છૂટી જાય. આ જંજાળમાંથી છૂટી જાય એટલે પરમાનંદ, મુક્તિ !

શાસ્ત્રોમાં છે ધર્મ, નહીં મર્મ

પ્રશ્નકર્તા : ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવા માટે જ લખાયા છે ને ?

દાદાશ્રી : હા, પણ ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવાનું કોઈ જગ્યાએ બતાવતા જ નથી. એ તો ધર્મ કરવા માટે છે, એનાથી જગત ઉપર અધર્મ ચઢી ના બેસે. એટલે કંઈક સારું એવું શીખવાડે. એનાથી સાંસારિક સુખ મળે, અડચણો ના પડે, ખાવા-પીવાનું મળે, લક્ષ્મી મળે એટલે ધર્મ શીખવાડ શીખવાડ કરે છે.

ધર્મ તો બહુ ભેગા થાય પણ જ્ઞાની ભેગા ના થાય ! ને ત્યાં સુધી છુટકારો પામે નહીં, ભટક ભટક કરવાનું ત્યાં સુધી.

‘જ્ઞાની પુરુષ’ પાસે બધા ધર્મનો સાર હોય. શાસ્ત્રમાં ધર્મ છે, મર્મ નથી. મર્મ ‘જ્ઞાની’ના હૃદયમાં છે. નિયમ વગરનો સંસાર માર્ગ તે અશુભ માર્ગ, નિયમવાળો સંસાર માર્ગ તે શુભ માર્ગ અને નિયમથી પર માર્ગ તે જ્ઞાનીઓનો જ્ઞાન માર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ.

વીતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધનથી મોક્ષ નથી. બીજા સાધનોથી બંધન છે, તે ખાલી દહાડા કાઢે. ‘જ્ઞાની પુરુષ’ પાસે સત્ સાધન પ્રાપ્ત થાય. ‘જ્ઞાની’ એ તો સાધનસ્વરૂપ છે, સાધ્ય ‘વિજ્ઞાનસ્વરૂપ આત્મા’ છે ! શાસ્ત્રોમાં સાધનજ્ઞાન છે, સાધ્યજ્ઞાન નથી. સાધ્યજ્ઞાન ‘જ્ઞાની’ પાસે છે. સાધ્યજ્ઞાન, કે જે ‘આત્મા’ છે તે ‘જ્ઞાની’ની કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે.

જ્યાં સુધી સાધ્ય વસ્તુ (આત્મા) મળે નહીં, ત્યાં સુધી (આપ્તપ્રાપ્તિના) સાધનોમાં રહેવું જોઈએ. પણ જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો કશું જ કરવાની જરૂર નથી. ‘જ્ઞાની પુરુષ’ પોતે જ બધું કરી આપે અને તે ના મળ્યા હોય તો તમારે કંઈ ને કંઈ કરવું જ જોઈએ, નહીં તો ઊંધો માલ પેસી જાય.

જ્ઞાની કહે એ રસ્તે છૂટી જવું

‘જ્ઞાની પુરુષ’ મળ્યા હોય તો તેમને કહેવું કે સાહેબ, મારો ઉકેલ લાવી આપો. તે ‘જ્ઞાની પુરુષ’ એક કલાકમાં બધું જ કરી આપે.

‘જ્ઞાની પુરુષ’ મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે. માટે એ કહે તે રસ્તે ચાલી છૂટી જવું. અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા ! સર્વસ્વ ઉપાધિમાં જો સમાધિ લાગતી હોય, તો જાણવું કે ‘જ્ઞાની પુરુષ’ મને મળ્યા હતા !

ભેદ, શાસ્ત્રજ્ઞાની અને જ્ઞાની પુરુષમાં

શાસ્ત્ર શું છે ? શબ્દરૂપ છે. શબ્દથી આત્મા જાણે ત્યારથી ફાયદો થવાની શરૂઆત થાય. એ શબ્દો

(પા.૭)

છે તેના અર્થ ખુલતા ખુલતા શબ્દાર્થ થાય છે. પછી અર્થ આગળ વધે છે, તે અર્થ ખુલતા ખુલતા પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય છે. પંડિત એટલે શાસ્ત્રનો ઝીણામાં ઝીણો અર્થ કરે તે અને શાસ્ત્રજ્ઞાની એટલે શાસ્ત્રોનો સાર કાઢે તે. પણ શાસ્ત્રથી દ્રષ્ટિ બદલાશે નહીં. દ્રષ્ટિ બદલવા માટે તો ‘જ્ઞાની પુરુષ’ જોઈશે. ‘આ’ (મિથ્યા) દ્રષ્ટિને લઈને જ સંસાર ઊભો થઈ ગયો છે.

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ અને શાસ્ત્રજ્ઞાનીમાં ફરક શું ?

દાદાશ્રી : ‘આ જગત શું છે, કોણ ચલાવે છે, કેવી રીતે ચાલે છે, આપણે કોણ છીએ, આ બધું શું છે’ એ બધું જ જાણે, જેને કંઈ જ જાણવાનું બાકી ના હોય, એનું નામ જ્ઞાની પુરુષ કહેવાય. એકલું શાસ્ત્રજ્ઞાન જાણે અને આત્મા જાણે નહીં એને કંઈ જ્ઞાની કહેવાય નહીં. શાસ્ત્રોના શબ્દો કહે એ તો શાસ્ત્રજ્ઞાની કહેવાય. શાસ્ત્રજ્ઞાની એ શબ્દજ્ઞાની કહેવાય, અનુભવજ્ઞાની ના હોય અને પેલા (જ્ઞાની) તો શાસ્ત્રજ્ઞાનથી ઉપર ગયેલા હોય છે.

એટલે જ્ઞાની બે પ્રકારના - એક શાસ્ત્રના જ્ઞાની કહેવાય. એમને શાસ્ત્રનું બધું જ્ઞાન હોય, પણ આત્માનું જ્ઞાન ના હોય. આત્માને શબ્દથી જાણે, અનુભવથી ના જાણે, સમકિતથી ના જાણે. અને જ્ઞાની પુરુષ તો વિજ્ઞાનમય જ્ઞાન હોય એમનું તો, એ જ્ઞાન ક્રિયાકારી હોય. એ જ્ઞાન જ કામ કર્યા કરે, જ્યારે શાસ્ત્રનું જ્ઞાન ક્રિયાકારી ના હોય.

જ્ઞાની પુરુષ તો હજારો વર્ષે એકાદ પાકે, બાકી સંતો-શાસ્ત્રજ્ઞાનીઓ તો બધા બહુ હોય. જે આત્માના જ્ઞાની હોયને, તે તો પરમ સુખી હોય. એને દુઃખ કિંચિત્માત્ર હોય નહીં. એટલે ત્યાં આગળ આપણું કલ્યાણ થાય. જ્યાં પોતે પોતાનું કલ્યાણ કરીને બેઠા હોય તે આપણું કલ્યાણ કરે.

શાસ્ત્રજ્ઞાનીઓને તો જો જરાક અપમાન કરો તો ફેણ માંડશે. અરે, તારું જ્ઞાન ક્યાં ગયું ? પણ એ તો શાસ્ત્રજ્ઞાન છે. એટલે એ તો પોથામાંના રીંગણા ! એ પોથામાંના રીંગણા અને આ બજારમાંના રીંગણામાં ફેર નહીં ? એટલે સાચું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાની પુરુષનું જ્ઞાન બધું અપૂર્વ જ્ઞાન હોય, અલૌકિક જ્ઞાન હોય. પૂર્વે સાંભળેલું ના હોય, વાંચ્યું ના હોય, જાણ્યું ના હોય, એવું તદ્દન ડિફરન્સવાળું જ્ઞાન હોય !

શાસ્ત્રજ્ઞાની એટલે એ એટલું જાણે કે પાણી ગરમ કરીને પછી ચા નાખીને, જરા ખાંડ નાખીને દૂધ નાખવાનું, તો ચા થઈ જાય. પણ જ્યારે ચા બનાવે ત્યારે જુદી જાતની કરી નાખે. હવે જો ચામાં આટલી ભૂલ થાય છે, તો આ આત્મા વિશે કેવડી મોટી ભૂલ થતી હશે ! આ બધા શાસ્ત્રજ્ઞાની એટલે થીયરેટિકલ (તાત્ત્વિક) ! અને પ્રેક્ટિકલ (વાસ્તવિક) સિવાય એ કામનું નહીં. લોક કહે છે ને, ભણ્યો પણ ગણ્યો નહીં ? એટલે ભણતર જોડે ગણતર જોઈએ. તે ભણતર બધું બહુયે છે, પણ ગણતર હોવું જોઈએ ને ?

દ્રષ્ટિભેદ થાય, જ્ઞાની થકી જ

શાસ્ત્રજ્ઞાનીને આત્મા જડે નહીં કોઈ દહાડોય. કારણ કે એની દ્રષ્ટિ આ બાજુની કોણ સમી કરી આપશે ? સમી કર્યા પછી પેલી છતી બાજુ જશેને ? શાસ્ત્રો લાખ વાંચો તોયે શાસ્ત્રોથી દ્રષ્ટિ બદલાશે નહીં.

પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે થાય ?

દાદાશ્રી : દ્રષ્ટિ બદલવાની શરૂઆત તો, જ્યારે ‘જ્ઞાની પુરુષ’ મળે અને એમની પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો, તે તમારી થોડો થોડો દ્રષ્ટિફેર થાય. એમ કરતા કરતા અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. અને નહિ તો ‘જ્ઞાની પુરુષ’ને કહીએ કે સાહેબ, મારી દ્રષ્ટિ બદલી

(પા.૮)

આપો, તો એક દહાડામાંય, એક કલાકમાં જ બદલી આપે.

‘મૂળ વસ્તુ’ તો દ્રષ્ટિ બદલાયા વગર પ્રાપ્ત ના થાય. દ્રષ્ટિ ક્યારે બદલાય ? ‘જ્ઞાની પુરુષ’ જાતે હોય ત્યારે. દ્રષ્ટિ દ્રષ્ટામાં ક્યારે પડે ? સ્વરૂપને જાણે ત્યારે જ. એ ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપની ઓળખાણ કરાવી આપે.

મોક્ષ એટલે શું ? દ્રષ્ટિભેદ થવો જોઈએ. ફક્ત ‘જ્ઞાની પુરુષ’ આ દ્રષ્ટિભેદ કરી આપે, ‘આ સંસાર દ્રષ્ટિ અને આ આત્મદ્રષ્ટિ’ એમ દ્રષ્ટિભેદ કરી આપે. બાકી, પોતાની મેળે કોઈ દહાડો દ્રષ્ટિ બદલાશે નહીં. વિકલ્પીની દ્રષ્ટિ ક્યારેય નિર્વિકલ્પી થાય નહીં.

મોક્ષ શું છે ?

પ્રશ્નકર્તા : મોક્ષ એ આશાની નિષ્પતિ છે, એવું કહી શકાય ?

દાદાશ્રી : ના, મોક્ષ તો પોતાનો સ્વભાવ જ છે.

પ્રશ્નકર્તા : તો પછી ઘણા ખરા લોકોએ વારંવાર મોક્ષની પ્રાપ્તિ માટેના જ કેમ રસ્તા બતાવ્યા ?

દાદાશ્રી : ખરી રીતે તો એવું છે ને, એ એમની ભાષાનો મોક્ષ બોલે છે.

મોક્ષ એટલે ‘મુક્તભાવ’, સર્વ સાંસારિક દુઃખોથી મુક્તિ. મહેનત તો સંસાર માટે હોય, મોક્ષ માટે ના હોય. આત્માનો સ્વભાવ જ મોક્ષસ્વરૂપ છે. જેમ પાણીનો સ્વભાવ ઠંડો છે, પણ તેને ગરમ કરવા મહેનત કરવી પડે. પણ ઠંડું કરવા મહેનત કરવી પડે ? ના કરવી પડે. એ તો એની મેળે જ, એના સ્વભાવથી ઠંડું થઈ જશે. પણ શી રીતે આ વાત સમજાય ? પોતાનો સ્વભાવ જ મોક્ષ સ્વરૂપ છે, તે ન સમજાવાનું કારણ એ કે જબરજસ્તની ભ્રાંતિ વર્તે છે. તે ભ્રાંતિ કોઈ કાળે જાય તેમ નથી.

જ્ઞાનીની પૂંઠે પૂંઠે વહ્યા જજો

પ્રશ્નકર્તા : એ ભ્રાંતિ તો જાય કેવી રીતે ?

દાદાશ્રી : એ તો જ્ઞાની પુરુષનો ભેટો થાય તો તે ઉકેલ લાવી આપે. માટે જ્ઞાની પુરુષને ખોળજો, સજીવન મૂર્તિને ખોળજો.

જે પોતે છૂટ્યા છે તેવાને ખોળજો. પોતે તર્યા છે ને અનેકોને તારવાનું સામર્થ્ય જેનામાં છે એવાં તરણતારણ જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો.

વીતરાગોએ કહ્યું છે કે ‘મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી, માત્ર ‘જ્ઞાની’ની પૂંઠે પૂંઠે વહ્યા જજો. એમનો હાથ ના છોડશો.’

આ સંસાર બધો ગોળ ગોળ છે. એનો અંત જ આવે એવો નથી. માટે વાતનો અંત ખોળવા ‘જ્ઞાની પુરુષ’ને પૂછીએ કે ‘અમારે હવે ક્યાં સુધી ભટકવું ? અમે તો આ ફર ફર કરીએ છીએ, ઘાંચીના બળદની જેમ !’ ‘મારો ઉકેલ લાવી નાખો !’

બાકી મોક્ષ માટે શું જાણવાની જરૂર છે ? મોક્ષ તો જ્ઞાની પાસે આવીને પોતાનો આત્મા જાણે, તો મોક્ષ થઈ જાય. બીજું જ્ઞાની પાસે જઈને જ્ઞાનીને કહે કે ‘સાહેબ, મારો મોક્ષ કરી આપો’, તો કરી આપે એ.

છૂટેલો જ છોડાવે

અહીં તમને આંખે પાટા બાંધી થાંભલા જોડે દોરડેથી જબરજસ્ત બાંધ્યા હોય, પછી છાતી આગળના દોરડાનો એક આંટો હું બ્લેડ મૂકીને કાપી નાખું, તો તમને મહીં ખબર પડે ખરી ? તમને અહીં આગળથી એ દોરડું છૂટ્યું એ પોતાને અનુભવ થાય. એક વખત એ સમજી ગયો કે હું મુક્ત થયો, એટલે કામ થઈ ગયું.

પ્રશ્નકર્તા : હવે એનો ઉપાય આપ બતાવો કે શું છે ?

(પા.૯)

દાદાશ્રી : ઉપાયમાં તો ‘જ્ઞાની પુરુષ’ પાસે માગી લેવાનું કે ‘સાહેબ, મારી મુક્તિ કરો.’ તમે તો કંઈ બોલતા જ નથી ને ? તમને મુક્તિની ઇચ્છા જ નથીને ! માગણી તો કરવી પડેને ? આપણે ઝવેરીની દુકાને ગયા હોઇએ ને ખાલી જોયા કરીએ ને બોલીએ નહીં, ત્યાં સુધી વેપારીને શી રીતે ખબર પડે કે તમારે શું જોઇએ છે ? માટે મોક્ષ, દિવ્યચક્ષુ જે જે જોઇએ એ બધાનું ટેન્ડર ભરી લાવજો, અમે એક કલાકમાં જ બધું આપી દઇશું.

તે એક દહાડો તમે મારી પાસે આવજો. અમે એક દિવસ નક્કી કરીએ ત્યારે આવવાનું. તે દિવસ બધાનું દોરડું કાપી નાખીએ છીએ. રોજ તો વાતો બધી સત્સંગની, પણ એક દહાડો નક્કી કરીએ તે દિવસે બ્લેડથી આમ આંટો જ કાપી આપીએ. બીજું કંઈ નહીં. પછી તરત જ તમે સમજી જાવ કે આ બધુંય ખુલ્લું થઈ ગયું. છાતી ખુલી, એ અનુભવ થયો કે તે તરત જ કહે, છૂટો થયો. એટલે મુક્ત થયો છું એવું (પોતાને) ભાન થવું જોઈએ. મુક્ત થવું એ ગપ્પું વાત નથી. એટલે અમે તમને મુક્ત કરી આપીએ.

જે પોતે બંધનમુક્ત થયેલા હોય, તે આપણને મુક્ત કરી શકે. વળી કળિયુગનાં મનુષ્યોને એટલી શક્તિ નથી કે જાતે કરી શકે. આ કળિયુગનાં મનુષ્યો કેવા છે ? આ તો લપસતા લપસતા આવેલા છે. લપસ્યા તે હવે તેમનાથી જાતે ચઢાય એવું છે જ નહીં. એટલે ‘જ્ઞાની પુરુષ’ની હેલ્પ (મદદ) લેવી પડે.

જ્ઞાની પાસેથી જ આત્મપ્રાપ્તિ

પ્રશ્નકર્તા : પોતાનો આત્મા પોતે સાક્ષાત્ કરી શકેને ?

દાદાશ્રી : ના, ‘જ્ઞાની પુરુષ’ સિવાય સાક્ષાત્ થાય નહીં, કોઈનેય થયેલો નહીં. જે છૂટેલો હોય તે જ છોડાવી શકે. આ જંજાળમાં એ જ બંધાયેલો હોય, તો આપણને છોડાવે શી રીતે ? એટલે તરણતારણ પુરુષ જોઈએ.

બાકી, આ પોતાથી થાય તેમ નથી. પોતાનાથી થઈ શકતું હોય તો આ સાધુ-સંન્યાસી બધા જ કરીને બેઠાં હોત. પણ ત્યાં તો ‘જ્ઞાની પુરુષ’નું જ કામ. ‘જ્ઞાની પુરુષ’ એના નિમિત્ત છે.

પ્રશ્નકર્તા : આત્માને ઓળખવા નિમિત્તની જરૂર ખરી ?

દાદાશ્રી : નિમિત્ત વગર તો કશું બને નહીં.

પુણ્યાનુબંધી પુણ્યથી જ્ઞાનીનો ભેટો

પ્રશ્નકર્તા : નિમિત્ત પુણ્યથી મળે કે પુરુષાર્થથી ?

દાદાશ્રી : પુણ્યથી. બાકી, પુરુષાર્થ કરેને કે આ (એક) ઉપાશ્રયથી (ધર્મસ્થાનથી) તે ઉપાશ્રય (બીજે ધર્મસ્થાન) દોડે એમ અનંત અવતારથી ભટક ભટક કરે તોય નિમિત્ત પ્રાપ્ત થાય નહીં અને આપણી પુણ્ય હોય તો રસ્તા પર ભેગા થઈ જાય. એમાં પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ.

બધા હઠથી કરેલા કામ, હઠાગ્રહી તપ, હઠાગ્રહી ક્રિયા એથી પાપાનુબંધી પુણ્ય બંધાય. જ્યારે સમજીને કરેલું તપ, ક્રિયાઓ, પોતાના આત્મકલ્યાણ હેતુસર કરેલા કર્મોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ને કો’ક કાળે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય ને મોક્ષે જાય. પુણ્યાનુબંધી પુણ્ય ‘જ્ઞાની પુરુષ’નો ભેટો કરાવી આપે !

પ્રશ્નકર્તા : જેવું પાપથી સંસાર વધે એવું પુણ્યથી પણ સંસાર વધેને ?

દાદાશ્રી : પુણ્યથી પણ સંસાર તો વધે છે, પણ અહીંથી જે મોક્ષે ગયેલાને, તે જબરજસ્ત પુણ્યશાળી હતા. એમની આજુબાજુ બસ્સો-પાંચસો તો રાણીઓ હોય અને રાજ તો મોટું હોય. પોતાને ખબરેય ના હોય કે ક્યારે સૂર્યનારાયણ ઊગ્યા ને ક્યારે આથમ્યા, એવી સાહેબીમાં તો પુણ્યશાળી જન્મેલા હોય ! આ સાહેબી હોય તોય પણ એમને કંટાળો આવી જાય કે આ સંસારમાં શું સુખ છે તે ? પાંચસો રાણીઓમાં પચાસ રાણી એમની પર ખુશ

(પા.૧૦)

હોય, બાકીની મોઢા ચઢાવીને ફર્યા કરતી હોય. કેટલીક તો રાજાને મરાવી નાખવા ફરતી હોય. એટલે આ જગત તો મહામુશ્કેલીવાળું છે. આમાંથી પાર નીકળવું તે મહામુશ્કેલ છે. જ્ઞાની પુરુષ મળે તો તે એકલા છુટકારો કરાવે, બાકી કોઈ છૂટકો કરાવે નહીં.

અગત્યતા નિમિત્તની જ

પ્રશ્નકર્તા : ઉપાદાનની યોગ્યતા વગર, પાત્રતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે ? કરી શકે તો કેટલો ને કેવા પ્રકારે ?

દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ઉપાદાનની યોગ્યતા વગર નિમિત્ત ઉપકાર કરી શકે નહીં. આ અક્રમ જ્ઞાની ગમે તેનું કામ કરી શકે, એમને ભેગો થયો એ જ પાત્રતા. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે, કલાકમાં જ મુક્તિ આપે એવું આ વિજ્ઞાન છે ! જે કરોડો અવતારે ના બને તે કલાકમાં જ બની જાય છે ! તરત ફળ આપનારું છે. ક્રમિક એટલે શું કે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે ચઢવાનું. પરિગ્રહ છોડતા છોડતા ઊંચે ચઢવાનું.

પ્રશ્નકર્તા : પોતાનો આત્મા એ ના કરી શકે ?

દાદાશ્રી : પોતાનો આત્મા જો કરતો હોત તો અત્યાર સુધી રઝળપાટ હોત જ નહીંને ! નિમિત્ત વગર કોઇ દહાડો ઠેકાણું પડે નહીં. પોતાનો આત્મા (જાતે) કશું કરી શકે નહીં. જે બંધાયેલો છે તે સ્વયં શી રીતે છૂટી શકે ?

પ્રશ્નકર્તા : બીજી એક એવી પણ માન્યતા છે કે ‘નિમિત્તની આવશ્યકતા તો સ્વીકાર્ય છે જ, પણ નિમિત્ત કાંઈ કરી શકતું નથીને !’

દાદાશ્રી : નિમિત્ત કંઈ નથી કરી શકતું એવું જો કદી હોયને, તો પછી કશું ખોળવાનું જ ના રહ્યુંને ? પુસ્તક વાંચવાની જરૂર શી રહી ? દેરાસર જવાની જરૂર જ ક્યાં રહી ? કોઈ અક્કલવાળા કહે ને, કે ‘સાહેબ, ત્યારે અહીં શું કરવા બેઠા છો ? તમારું અમને શું કામ છે ? પુસ્તકો શું કરવા છપાવ્યા છે ? આ મંદિર શેના સારું બાંધ્યું છે ? કારણ કે નિમિત્ત કંઈ કરી શકતું જ નથીને !’ એવું કહેનાર કોઈ નીકળે કે ના નીકળે ?

આંધળો માણસ એવું કહે કે ‘હું મારી આંખો બનાવીશ અને હું જોઈશ ત્યારે ખરો.’ તે આપણે હસીએ કે ના હસીએ ? એવી આ બધી વાતો કરે છે ! સ્કૂલમાં એક પ્રોફેસર છે, એમને છોકરાઓની જરૂર ખરી, પણ છોકરાઓને પ્રોફેસરની જરૂર નથી (!) શું ? એક નવો ‘મેનીયા’ (ગાંડપણ) ચાલ્યો છે ! જે નિમિત્ત કહેવાય, જ્ઞાની પુરુષ કે ગુરુ, તેને ઊડાડી મૂકે છે !

પ્રશ્નકર્તા : જ્ઞાન ગુરુથી મળે, પણ જે ગુરુએ પોતે આત્મસાક્ષાત્કાર કર્યો હોય, તેના હસ્તક જ જ્ઞાન મળેને ?

દાદાશ્રી : એ ‘જ્ઞાની પુરુષ’ હોવા જોઈએ અને પાછું એકલો આત્મસાક્ષાત્કાર કરાવ્યે કશું વળે એવું નથી. ‘જ્ઞાની પુરુષ’ તો ‘આ જગત કેવી રીતે ચાલે છે ? પોતે કોણ છે ? આ કોણ છે ?’ એવા બધા ફોડ આપે ત્યારે કામ પૂરું થાય એવું છે.

ના ચૂકવો ઉપકારી ભાવ

‘જ્ઞાની પુરુષ’ નિમિત્ત છે અને તમારું ઉપાદાન છે. ઉપાદાન ગમે એટલું તૈયાર હશે, પણ ‘જ્ઞાની પુરુષ’ના નિમિત્ત સિવાય કાર્ય નહીં થાય. કારણ કે આ એક જ કાર્ય એવું છે, આધ્યાત્મિક વિદ્યા કે જે નિમિત્ત સિવાય પ્રગટ થાય નહીં.

અમે તો પોતે જ તમને કહીએ છીએ ને, કે અમે તો નિમિત્ત છીએ, ખાલી નિમિત્ત ! પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે. કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલું પરિણામ વધારે પામે. ઉપકારી ભાવને ‘ભક્તિ’ કહી છે.

(પા.૧૧)

પ્રશ્નકર્તા : આપને નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ જતો રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : જો તમે નિમિત્ત માનો તો તમને લાભ ના મળે. તમે ઉપકાર માનો તો પરિણામ પામે. એ નિયમ છે આ દુનિયાના. પણ આ નિમિત્ત એવા છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. માટે મહાન મહાન ઉપકાર માનજો. ત્યાં અર્પણ કરવાનું કહ્યું છે. ઉપકાર માનવાનું એકલું નહીં, પણ આખા મન-વચન-કાયા અર્પણ કરજો. સર્વસ્વ અર્પણ કરતા વાર ના લાગે એવો ભાવ આવવો જોઈએ.

વીતરાગોએ પણ કહેલું કે જ્ઞાની પુરુષ તો એમ બોલે કે ‘હું તો નિમિત્ત છું.’ પણ મુમુક્ષુએ ‘એ નિમિત્ત છે’ એવું ના માનવું. મુમુક્ષુએ ‘એ જ અમારા સર્વસ્વ છે’ એવું બોલવું, નહીં તો આ વ્યવહાર ચૂક્યા કહેવાય. તમારે તો ‘એ જ મોક્ષે લઈ જનારા છે’ એમ કહેવું. આમ બેઉનો વ્યવહાર કહેવાય છે.

એટલે વસ્તુસ્થિતિમાં આ આટલો સહેલો માર્ગ છે, સમભાવી છે, કશું ઉપાધિરૂપ નથી. પાછા માર્ગ બતાવનારા અને કૃપા કરનારા પોતે શું કહે છે કે ‘હું નિમિત્ત છું.’ જો (પોતે) માથે પાઘડી પહેરતા નથી, નહીં ? નહીં તો કેટલો મોટો પાઘડો ઘાલીને ફર્યા કરે ? એટલે અમે આપનારેય નથી, નિમિત્ત છીએ.

જ્ઞાનદાતા, પણ ના પોતે કર્તા

ડૉક્ટરને ત્યાં જઈએ ત્યારે તો રોગ કંઈક મટે અને સુથારને ત્યાં જઈએ તો રોગ મટે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એટલે જેના જેના નિમિત્ત છે, ત્યાં જઈએ ત્યારે આપણું કામ થાય. એટલે ક્રોધ-માન-માયા-લોભ દૂર કરવા હોય, આ બધું અજ્ઞાન દૂર કરવું હોય તો જ્ઞાની પાસે જવું પડે.

એક માણસ કેરીની આશાએ ઝાડ નીચે બેઠો. ભગવાને પૂછ્યું, ‘અલ્યા, તું શા માટે ઝાડ નીચે બેઠો છે ?’ ત્યારે પેલો કહે, ‘કેરી ખાવા.’ ભગવાને કહ્યું, ‘અલ્યા, આ તો વડનું ઝાડ છે ને ! ત્યાં કેરીની આશાએ તને શું મળશે ? અલ્યા, ઝાડને તો ઓળખ ! ઝાડને ઓળખીને તું ફળની આશા રાખ.’ એમ ‘જ્ઞાની પુરુષ’ પાસે જા, તો તારો ઉકેલ આવે.

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાની પાસે છે અને તે સિવાય આપણો છુટકારો કોઈ કાળે થાય નહીં. એટલે ‘જ્ઞાની’ની જ એમાં જરૂર. ચોવીસ તીર્થંકરો કહેતા આવ્યા છે કે ‘આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે.’ ‘જ્ઞાની’ કર્તા હોય નહીં. હું જો કર્તા હોઉં, તો મને કર્મ બંધાય અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે ‘હું નિમિત્ત છું’ એમ માનવાનું ને તમારે ‘જ્ઞાનીથી થયું’ એમ વિનય રાખવાનો ! સૌ-સૌની ભાષા જુદી હોયને !

હવે સત્ પુરુષને ગર્વ નથી એટલે શું એ એમના હાથે ગમે એટલી શાંતિ આપે તોય એમને એમ ગર્વ નથી કે ‘હું આપું છું, હું આ શાંતિ આપું છું.’ એ એમ જાણે કે હું તો નિમિત્ત છું અને એના ઘરની શાંતિ એને ઉઘાડી આપું છું.

જ્ઞાની મોક્ષપ્રાપ્તિના શુદ્ધ સંયોગી

જ્ઞાની પુરુષનો જ એક એવો સંયોગ છે, મૂળ નિમિત્ત છે કે જે ‘શુદ્ધાત્મા’નું ઉપાદાન કરાવે અને અહંકાર ને મમતાનું, ‘હું’ અને ‘મારું’નું અપાદાન કરાવે. બીજા શબ્દોમાં શુદ્ધાત્માનું ગ્રહણ કરાવડાવે અને અહંકાર ને મમતાનો ત્યાગ કરાવડાવે. માટે તેમને મૂળ નિમિત્ત અને એકમાત્ર મોક્ષપ્રાપ્તિના શુદ્ધ સંયોગી કહ્યા છે.

મોક્ષદાન મળી શકે સહજમાં

પ્રશ્નકર્તા : આત્મતત્ત્વનું ચિંતવન તો મનુષ્યે કરવું જ જોઇએ ને ?

દાદાશ્રી : હા, કરવું જોઇએ. જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ એને સચેતન બનાવે નહીં, ત્યાં સુધી એ શુદ્ધ

(પા.૧૨)

ચિંતવન ગણાતું નથી. પણ એ શબ્દથી ચિંતવન કરે છે. એ એક જાતનો ઉપાય છે. રસ્તામાં જતાં વચ્ચેનું સ્ટેશન છે એ.

પ્રશ્નકર્તા : આત્માની આરાધના કેવી રીતે કરવી ?

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ પાસે માગી લેવું કે મારે આત્માની આરાધના થાય એવું કરી આપો. એટલે ‘જ્ઞાની પુરુષ’ કરી આપે. ‘જ્ઞાની પુરુષ’ ચાહે સો કરી શકે. કારણ કે પોતે કોઈ ચીજના કર્તા ના હોય. ભગવાન પણ જેને વશ રહે છે, એ ‘જ્ઞાની પુરુષ’ શું ના કરી શકે ? છતાંય પોતે સંપૂર્ણ નિર્અહંકારી પદમાં હોય, નિમિત્ત પદમાં જ હોય.

પ્રશ્નકર્તા : આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશેને ?

દાદાશ્રી : ચાવીઓ-બાવીઓ કશુંયે ના હોય ! જ્ઞાની પાસે જઈને કહી દેવાનું કે ‘સાહેબ, હું અક્કલ વગરનો સાવ મૂરખ છું ! અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો આત્મા મેં જાણ્યો નથી ! માટે આપ કંઈક કૃપા કરો અને મારું આટલું કામ કાઢી આપો !’ બસ આટલું જ કરવાનું છે. ‘જ્ઞાની પુરુષ’ તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે.

પ્રશ્નકર્તા : મોક્ષ માગવાથી એ મળી જાય ?

દાદાશ્રી : માગવાથી બધું જ મળી જાય, પણ મોક્ષદાતા હોય તો. મોક્ષદાતા હોવા જોઈએ, એ પોતે મોક્ષમાં રહેતા હોય તો. બાકી બહાર કોઈએ મોક્ષની વાત કરવી જ નહીં. ત્યાં ધર્મની વાત કરવી, એ તમને સારા ધર્મ ઉપર ચઢાવશે.

પ્રશ્નકર્તા : મોક્ષદાતા ક્યાંથી ખોળવા ?

દાદાશ્રી : ‘આ’ અહીં એકલા જ છે. જ્યારે આવવું હોય ત્યારે આવજો, નહીં તો તમારા ભાઈબંધને મોક્ષ મળે પછી આવજો. એને સ્વાદ આવે એટલે એને પૂછીને આવજો.

જ્ઞાની પુરુષ સદાય નિરિચ્છક

પ્રશ્નકર્તા : મોક્ષ થઈ ગયો એવી ખબર કેવી રીતે પડે ?

દાદાશ્રી : મોક્ષ થઈ ગયો હોય એની ખબર ક્યારે પડે કે આ દુનિયામાં કોઈ ચીજની ઇચ્છા ના હોય. એવી કોઈ ચીજ નથી કે જેની ઇચ્છા થાય, અગર એનો સંકલ્પ કે વિકલ્પ હોય. એટલે પોતે જાણે કે પોતે નિર્વિકલ્પી, નિરિચ્છક થઈ ગયો, એટલે મુક્ત જ કહેવાય. કંઈ પણ ઇચ્છા છે ત્યાં સુધી ભિખારી, ઇચ્છાવાન ભિખારી કહેવાય. જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને ‘જ્ઞાની’નું પદ મળે !

આ કાળના અમે એકલા જ તરણતારણ છીએ. ગજબનો જ્ઞાનાવતાર છે ! કલાકમાં મોક્ષ આપી દઈએ તેમ છીએ. તારે કંઈ જ કરવાનું નહીં, કંઈ જ આપવાનું નહીં. લક્ષ્મીના ભિખારી ના હોય એવા કેટલાક સાધુઓ મળશે, વિષયોના ભિખારી ના હોય તેવાય મળશે, ત્યારે તે માનના ભિખારી હશે કે કીર્તિના ભિખારી હશે કે શિષ્યોના ભિખારી હશે ! કો’ક ને કો’ક ખૂણે ભિખારીપણું રહેલું જ હોય. જ્યાં સંપૂર્ણ અયાચકપણું પ્રાપ્ત થાય ત્યાં જ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય ! અમે લક્ષ્મીના, વિષયોના, શિષ્યોના કે કીર્તિના એ કશાયના ભિખારી નથી, કોઈ ચીજના ભિખારી અમે નથી. અમારે કંઈ જ જોઈતું નથી. હા, તારે અમારી પાસેથી જે જોઈતું હોય તે લઈ જા. પણ જરા પાંસરું માગજે કે ફરી માગવું ના પડે.

ભોમિયા વગર રસ્તો કેમ મળે ?

જગતના ભૌતિક સુખો તો બાય પ્રોડક્ટ (આડપેદાશ) છે અને આત્મા પ્રાપ્ત કરવો તે મેઈન પ્રોડક્શન (મુખ્ય પેદાશ) છે. મેઈન પ્રોડક્શનનું કારખાનું છોડી લોકોએ બાય પ્રોડક્ટના કારખાના નાખ્યા છે, તે ક્યારે દહાડો વળશે ? મોક્ષનો માર્ગ નહીં જાણવાથી આખું જગત ભટક ભટક કરે છે ને

(પા.૧૩)

જ્યાં જાય છે ત્યાં ભૂલો પડે છે. મોક્ષ જોઈતો હોય તો છેવટે જ્ઞાની પાસે જ જવું પડશે. અરે, દાદર સ્ટેશને જવું હોય તોય તેના રસ્તાના જ્ઞાનીને તારે પૂછવું પડે, તો આ તો મોક્ષની ગલી સાંકડી, અટપટી ને વળી ભૂલભૂલામણીવાળી. તે જાતે જવા જઈશ તો ક્યાંય અટવાઈ જઈશ ! માટે જ્ઞાની ખોળી કાઢીને તેમને પગલે પગલે ચાલ્યો જા. અલ્યા, અમે મોક્ષદાતા છીએ. મોક્ષ આપવાના લાયસન્સદાર છીએ. ઠેઠ સુધીનું આપી શકીએ તેમ છીએ. આ તો અક્રમ જ્ઞાનાવતાર છે ! એક કલાકમાં અમે તને ભગવાનપદ આપી શકીએ તેમ છીએ પણ તારી સંપૂર્ણ તૈયારી જોઈએ.

કૃપાથી જ થાય આત્મામાં જાગ્રત

પ્રશ્નકર્તા : ‘હું આત્મા છું’ એની અનુભૂતિ પોતે કઈ રીતે કરી શકે ?

દાદાશ્રી : એ અનુભૂતિ કરાવવા માટે તો ‘અમે’ બેઠા છીએ. અહીં આગળ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે ‘આત્મા’ અને ‘અનાત્મા’ બન્નેને જુદા પાડી આપીએ છીએ.

આત્મા શબ્દથી સમજાય તેવો નથી, સંજ્ઞાથી સમજાય. ‘જ્ઞાની પુરુષ’ તમારો આત્મા સંજ્ઞાથી જાગૃત કરી દે છે. જેમ બે મૂંગા માણસો હોય, તે તેમની ભાષા જુદી હોય, એક આમ હાથ કરે ને બીજો આમ કરે એટલે બેઉ સ્ટેશન પર પહોંચી ગયા હોય ! એ બન્ને એમની સંજ્ઞાથી સમજી જાય. આપણને તેમાં ના ખબર પડે. એવું ‘જ્ઞાની’ની સંજ્ઞા જ્ઞાની જ સમજે. એ તો ‘જ્ઞાની’ કૃપા વરસાવે અને સંજ્ઞાથી સમજાવે તો જ તમારો આત્મા જાગૃત થાય. આત્મા શબ્દ-સ્વરૂપ નથી, સ્વભાવ-સ્વરૂપ છે. અનંત ભેદે આત્મા છે, અનંત ગુણધામ છે, અનંત જ્ઞાનવાળો છે, અનંત દર્શનવાળો છે, અનંત સુખધામ છે ને અનંત પ્રદેશી છે પણ અત્યારે તમારે બધું આવરાયેલું છે. ‘જ્ઞાની પુરુષ’ આવરણો તોડી આપે. એમના શબ્દે શબ્દમાં એવું વચનબળ હોય કે બધા આવરણ તોડી નાખે. એમનો એક-એક શબ્દ આખા શાસ્ત્ર બનાવે !

પ્રશ્નકર્તા : આત્મામાં અનંત શક્તિ ખરી ?

દાદાશ્રી : હા, પણ એ શક્તિ ‘જ્ઞાની પુરુષ’ થકી પ્રગટ થવી જોઈએ. જેમ તમે સ્કૂલમાં ગયા ત્યારે શીખવાડ્યું હતુંને ? તમારું જ્ઞાન તો હતું જ તમારી મહીં પણ એ પ્રગટ કરી આપે છે, એમ ‘જ્ઞાની પુરુષ’ પાસે પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય. અનંત શક્તિ છે, પણ એ બધી શક્તિ એમને એમ ‘અંડરમાઇન’ (ગુપ્ત) પડેલી છે. એ શક્તિ અમે ખુલ્લી કરી આપીએ. તે તમારા એકલામાં નહીં, દરેક જીવમાત્રમાં એવી શક્તિ છે પણ શું કરે ? આ તો ઉપર ‘લેયર્સ’ (થર) ને ‘લેયર્સ’ નાખેલા છે બધા !

‘જ્ઞાની પુરુષ’ બધી જ શક્તિઓ આપવા તૈયાર છે. શક્તિ તમારી મહીં જ પડી છે, પણ તમને તાળું ઊઘાડીને લેવાનો હક્ક નથી. જ્ઞાની પુરુષ ઊઘાડી આપે ત્યારે એ નીકળે. આ હિન્દુસ્તાનનો એક જ માણસ આખા વર્લ્ડનું કલ્યાણ કરી શકે એટલી બધી શક્તિઓ એમાં છે, પણ આ શક્તિઓ અત્યારે ઊંધે રસ્તે વહી રહી છે. તેથી ‘સેબોટેજ’ (નુકસાન) થઇ રહ્યું છે. આના ‘કંટ્રોલર’ જોઇએ. ‘જ્ઞાની પુરુષ’, સત્ પુરુષો અને સંત પુરુષો આના નિમિત્ત હોય છે.

ગો ટુ જ્ઞાની

ભગવાન કોઈને બાંધવા આવતા નથી. આ તો અજ્ઞાનથી બંધાયેલો છે ને જ્ઞાનથી છૂટે. એક ફેર છૂટ્યો તો ફરી ના બંધાય. અજ્ઞાન કાઢવા શું કરવું ? જ્ઞાન મેળવવું. જ્ઞાન મેળવવા પુસ્તકો કે શાસ્ત્રોના સાધનો સેવવા ને ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો બીજા કોઈ સાધનની જરૂર નથી. તે પુસ્તકમાં ઊતરે તેવો નથી. ચાર વેદ પૂરા થાય, ધારણ થાય પછી છેવટે વેદ ‘ઈટસેલ્ફ’ (જાતે) શું કહે છે ? ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ (નેતિ નેતિ). તું આત્મા ખોળે છે

(પા.૧૪)

તે આમાં નથી. આત્મા અવર્ણનીય છે, અવક્તવ્ય છે, એ શબ્દમાં હોય નહીં અને વેદ શબ્દરૂપ છે. એટલે ‘ગો ટુ જ્ઞાની’ (જ્ઞાની પાસે જા) કે જ્યાં આત્મા હાથમાં આવી શકે. ‘ધીસ ઈઝ ધેટ’ (આ તે છે) કહેશે એ.

છતાં વેદનું માર્ગદર્શન તો એક સાધન છે, એ સાધ્ય વસ્તુ નથી. જો ‘જ્ઞાની પુરુષ’ મળ્યા નહીં ત્યાં સુધી કોઈ દહાડોય કામ નહીં થાય. તારે આત્મા જાણવો હોય તો ‘જ્ઞાની પુરુષ’ પાસે જા.

એકલો આત્મા જાણવાનો છે, સમજવાનો છે ને એમાં સ્થિર થવાનું છે. આત્મા આવો છે, તેવો છે, આવો નથી, એ તો બધા શાસ્ત્રોય કહે છે, સાધુ મહારાજો પણ કહે છે. ‘સાકર ગળી છે’ એવું બધા બૂમો પાડે છે. પણ ગળ્યું એટલે શું ? ‘જ્ઞાની પુરુષ’ ગળી એટલે શું એવું દેખાડે છે ! એ જ્ઞાન તો એકલા ‘જ્ઞાની’ જ ચખાડે. પછી એ જ્ઞાન ક્રિયાકારી થાય.

આત્મા જણાય જ્ઞાનીના જ્ઞાન થકી

આ લોકોનો માન્યો, બુદ્ધિમાં સમાય એવો આત્મા નથી. એ તો અમાપ છે. જ્યાં ‘મેઝર’ (માપ) નથી, તોલ નથી, કંઈ જ ચાલે એવું નથી ! ‘જ્ઞાની’ના ‘જ્ઞાનથી’ જ આત્મા જણાય.

શાસ્ત્રીય જ્ઞાન અચેતન હોય છે, છતાં ચેતન તરફ લઈ જાય છે અને ‘જ્ઞાની’નું જ્ઞાન ચેતન હોય છે. ‘જ્ઞાની’નું જ્ઞાન મળે એટલે એ જ્ઞાન જ કામ કર્યા કરે.

શાસ્ત્રના જ્ઞાનથી મુક્તિ નથી, ‘જ્ઞાની’ના જ્ઞાનથી મુક્તિ છે. જેને મોક્ષે જવું હોય તેને ક્રિયાઓની જરૂર નથી. જેને દેવગતિમાં જવું હોય, ભૌતિક સુખો જોઈતા હોય, તેને ક્રિયાઓની જરૂર છે. મોક્ષે જવું હોય તેને તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા બેની જ જરૂર છે.

આ જગત અજ્ઞાનનું જ પ્રદાન છે. સંસારે સજ્જડ અજ્ઞાનનું પ્રદાન કર્યું છે. ‘જ્ઞાની’ પાકે ત્યારે ‘જ્ઞાન’નું પ્રદાન કરે. સંસારનું મૂળ કારણ જ અજ્ઞાનનું પ્રદાન છે.

‘જ્ઞાની’ વગર જ્ઞાન ક્યાંથી લાવશો ? આ તો અજ્ઞાનનું જ્ઞાન કર્યું. હવે ‘જ્ઞાન’નું ‘જ્ઞાન’ કરો.

પુદ્ગલ અને આત્માને જુદા પાડે એ જ્ઞાની

અજ્ઞાન એય નિમિત્તથી મળે અને જ્ઞાન એય નિમિત્તથી મળે. ‘જ્ઞાની પુરુષ’ના નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થાય. અમે ‘જ્ઞાન’માં જેમ છે તેમ હકીકત જોઈ છે, તે કહીએ છીએ. (બીજું) કોઈ બાપોય બાંધતું નથી, અજ્ઞાન બાંધે છે ને જ્ઞાન છોડાવશે. અજ્ઞાન બંધાવનાર તો ઠેર ઠેર છે, જ્યારે છોડાવનાર જ્ઞાન તો ‘જ્ઞાની પુરુષ’ ભેગા થઈ જાય તો એ મળે !

જન્મ્યો ત્યારે ‘તું ચંદુલાલ છે, આ તારી બા, આ તારા બાપા’ એમ બધું અજ્ઞાન એને નિમિત્તથી ભેગું થયું. લોકો એ અજ્ઞાન માટે નિમિત્ત બન્યા. જ્યારે ‘જ્ઞાની પુરુષ’ શુદ્ધાત્મા બનાવે ને કહે, ‘તું શુદ્ધાત્મા છે, અકર્તા છે.’ તે જ્ઞાન થયા પછી પોતે છૂટતો જાય.

જ્ઞાની પુરુષ વગર સેલ્ફનું રિયલાઈઝ (પોતાની ઓળખ) કરી શકાય નહીં. અને જ્ઞાની પુરુષ કોને કહેવાય ? આ અજ્ઞાન અને આ જ્ઞાન, પુદ્ગલ અને આત્મા બે જુદા પાડે. તે ભેદવિજ્ઞાની હોય, તેને જ્ઞાની કહેવાય. બેને જુદાં પાડી આપવાની શક્તિ ધરાવતા હોય.

જ્ઞાન-અજ્ઞાન બન્ને નૈમિત્તિક

પ્રશ્નકર્તા : જ્ઞાન આપી શકાય ?

દાદાશ્રી : હા, જ્ઞાન આપી શકાય અને અજ્ઞાનેય આપી શકાય. આ જગત અજ્ઞાન આપી રહ્યું છે, જ્યારે જ્ઞાની જ્ઞાન આપી રહ્યા છે. બન્ને આપી શકાય એવી વસ્તુ છે. એટલું છે કે જ્ઞાન અને અજ્ઞાન બન્ને વસ્તુ નૈમિત્તિક છે.

(પા.૧૫)

મૂળ જ્ઞાન તો તમારી અંદર ભર્યું પડેલું છે. અમારા નિમિત્તથી એ ઉઘાડ થાય. એટલે નૈમિત્તિક છે. હું તો નિમિત્તમાત્ર છું. કોઈ બાબતમાં અમે કોઈ ચીજના કર્તા હોઈ શકીએ નહીં. કર્તા હોય તો અમનેય કર્મ બંધાય. જે કર્તા થાય તેને કર્મ બંધાય. કારણ કે કર્તા થાય તો તેના ભોક્તા થવું જ પડે. અમે નિમિત્ત ભાવમાં જ હોઇએ. આખા જગતના કલ્યાણના નિમિત્ત છીએ. આ તો જગત કલ્યાણ માટે નીકળ્યું છે આ બધું. અમે આ કાળમાં રોકડો મોક્ષ આપી શકીએ. અહીં જ મોક્ષ વર્તાય.

બધાને ભલે મોક્ષધર્મનું જ્ઞાન પ્રાપ્ત ના થાય, પણ ધર્મધ્યાન તો આ કાળમાં ફુલ સ્ટેજ પર જઇ શકે એવું છે. ‘અક્રમ માર્ગે’ મોક્ષ તો અમુક મહા પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય, પણ બીજા બધાને અમે ઊંચામાં ઊંચું ધર્મધ્યાન આપી શકીએ એમ છીએ. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન એ અધર્મધ્યાન છે. રૌદ્રધ્યાન ને આર્તધ્યાન જાય તેનું નામ ધર્મધ્યાન ને શુક્લધ્યાન એ આત્મધ્યાન છે.

દેહાધ્યાસની નિવૃત્તિ એ જ મોક્ષ

મોક્ષધર્મ એટલે અજ્ઞાનથી નિવૃત્તિ થાય તે. ‘આ’ મોક્ષમાર્ગમાં અજ્ઞાનથી નિવૃત્તિ કરાવી દઈએ છીએ, એટલે જ્ઞાનમાં થઇ પ્રવૃત્તિ ! અજ્ઞાન નિવૃત્ત થાય તો વિજ્ઞાન ઉત્પન્ન થાય. પણ ‘જ્ઞાની’ વિના કોઇને અજ્ઞાન નિવૃત્ત ના થાય, દેહાધ્યાસ કોઇનો છૂટે નહીં. દેહાધ્યાસમાં રહેવું ને દેહાધ્યાસ છોડવો એ શી રીતે બને ? એ તો તરણતારણહાર થયા હોય એવા ‘જ્ઞાની’ પાસે જજો. બાકી દેહાધ્યાસથી દેહાધ્યાસ જાય નહીં.

જ્ઞાની પુરુષ સિવાય દેહાધ્યાસ છૂટે જ નહીં. જ્ઞાની પુરુષ વીતરાગ હોય, એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. એ દેહમાં રહેતા નહીં હોવાથી, મનમાં રહેતા નહીં હોવાથી, બુદ્ધિમાં રહેતા નહીં હોવાથી, અહંકારમાં રહેતા નહીં હોવાથી જ્ઞાની પુરુષ એકલા જ દેહાધ્યાસ છોડાવે.

દેહાધ્યાસની નિવૃત્તિ એ જ મોક્ષ છે. એક જ અંશ જ્ઞાનની પ્રવૃત્તિ થઇ જાય તો (છેવટે) સર્વાંશ થઇ જાય. એક જ અંશ ‘સાયન્સ’ (વિજ્ઞાન) થાય તો (છેવટે) સર્વાંશ થઇ જાય. કારણ કે જ્ઞાન એ ‘સાયન્સ’ છે, અજ્ઞાન એ ‘સાયન્સ’ નથી. એક અંશ વિજ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય ? કે ‘આ’ રસ્તાના જાણકાર હોય. રસ્તાના જાણકારને પૂછવું પડે તો રસ્તો જડે, તેમ ‘આ’ જાણકાર ‘જ્ઞાની પુરુષ’ને પૂછે તો માર્ગ પમાય.

અહંકારથી કર્મબંધન

બાકી મોક્ષની કોઈને પડી જ નથી. બધાને આ જ જોઈએ છે કે ‘હમકુ ક્યા, હમ કૌન ?’ એવું જ જોઈએ છે. અને જો કોઈ સાચો પુરુષ નીકળેને, તેને આ મોક્ષનો માર્ગ મળ્યા વગર રહે જ નહીં ! આ તો કંઈની કંઈ દાનત ચોર છે, ને માન-તાનમાં ને ‘હમ’માં પડ્યા છે, તેમાં કશુંય પામ્યા નથી. ‘હમ’ એટલે અહંકાર, તે આ અહંકાર ખલાસ થાયને તો ભગવાન થાય.

અચેતનમાં ‘હું છું’ એમ માનવામાં આવે તે અહંકાર. જો ચેતનમાં ‘હું છું’ એમ માનવામાં આવે, તેને અહંકાર ના કહેવાય. ‘હું છું’ એટલે અસ્તિત્વ તો છે. એટલે ‘હું છું’ એમ બોલવાનો અધિકાર તો છે, પણ ‘હું છું’ એ શેમાં છું એની તને ખબર નથી. અચેતનમાં ‘હું’ બોલવાનો અધિકાર નથી. ‘હું શું છું’ એનું ભાન નથી. જો એ ભાન થાય તો કામ જ થઈ ગયુંને !

પ્રશ્નકર્તા : ‘રોંગ બિલીફ’ કેવી રીતે બેસી ગઈ ?

દાદાશ્રી : પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું એટલે આ લોકોએ બીજું ભાન બેસાડ્યું ને એ જ્ઞાન ફિટ થઈ ગયું. એટલે લોકો કહે એ પ્રમાણે એને શ્રદ્ધા બેસી ગઈ કે ખરેખર ‘હું ચંદુભાઈ છું’ અને આ બધા લોકોય ‘એક્સેપ્ટ’ (સ્વીકાર) કરે છે. એમ કરતા

(પા.૧૬)

કરતા એ ‘બિલીફ’ કોઈ રીતે ‘ફ્રેકચર’ થતી નથી. આત્મામાં કશો ફેરફાર થતો નથી. આત્મા તો સો ટચનું સોનું જ રહે છે. સોનામાં તાંબાનો ભેળસેળ થાય, તેથી કંઈ સોનું બગડી જતું નથી !

પ્રશ્નકર્તા : હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા કે અહંકાર ખૂબ વધી જાય. જેવો સંગ એવો રંગ લાગે.

અહંકાર જ આ કર્મ બાંધે છે અને અહંકારને કાઢી નાખે, એટલે કર્મ બંધાતા અટકી ગયા અને આપણો સંસાર અટકી ગયો. પણ જેની પાસે ઇગોઇઝમ (અહંકાર) છે ત્યાં આપણો ઇગોઇઝમ શી રીતે નીકળે ? એટલે મારી પાસે આવશો તો હું તમને ઇગોઇઝમ કાઢી આપીશ.

અહંકાર મીટે નિર્અહંકારથી

પ્રશ્નકર્તા : જ્ઞાની અહંકાર કેવી રીતે તોડી શકે ?

દાદાશ્રી : જ્ઞાની એ તો બધી બહુ રીતે અહંકાર તોડી નાખે. એ તો સપાટાબંધ તોડી નાખે. અમને ભેગો થાય, અમારો પરિચય થાયને એટલે અહંકાર તૂટતો જાય દહાડે દહાડે ! આ બધા (મહાત્માઓ)ને એક કલાકમાં (અહંકાર) કાઢી નાખેલો.

પ્રશ્નકર્તા : આ અહંકાર જ્ઞાન દ્વારા મટતો હશેને ?

દાદાશ્રી : અહંકાર એટલે અજ્ઞાનતા અને જ્ઞાન એટલે નિર્અહંકારતા. એટલે જ્ઞાનથી કોઈ અહંકાર ના મટે એવું નથી. જ્ઞાન જ નિર્અહંકારતા અને અજ્ઞાન એટલે અહંકારતા, આ બે જ સ્ટેશન છે !

સેપરેટ ‘ I ’ અને ‘ My ’ વિથ જ્ઞાનીઝ સેપરેટર

પ્રશ્નકર્તા : જીવ-શિવનો ભેદ મનુષ્યદેહ સિવાય બીજા કોઈ દેહે તોડી શકાય કે નહીં ?

દાદાશ્રી : ના, બીજા કોઈ દેહે ના થઈ શકે.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મદેહે તાપસ કરી શકે ?

દાદાશ્રી : તાપસ ? આ જાણવા માટે ? ના. આ ભેદ તોડવા માટે તાપસનું તો કામ જ નહીં, એ પણ ના કરી શકે.

પ્રશ્નકર્તા : આ ભેદ તોડવા સૂક્ષ્મ ક્રિયાઓ હોય ? એ સૂક્ષ્મ દેહે જાણી શકે ?

દાદાશ્રી : એવું છે, ‘જ્ઞાની પુરુષ’ પોતે વધુ આગળ જાણવા માટે બધું કરી શકે. ‘જ્ઞાની પુરુષ’ને જીવ-શિવનો ભેદ ગયેલો જ હોય, છતાં એથી આગળનું જાણવું હોય તો બીજી સૂક્ષ્મ રીતે બધું આગળનું જાણી શકે. બાકી, તાપસ કશું જાણી શકે નહીં.

તેથી અમે કહીએ છીએ ને, સેપરેટ I એન્ડ My વિથ જ્ઞાનીઝ સેપરેટર (હું અને મારાને છુટા પાડો જ્ઞાનીના ભેદજ્ઞાન થકી). એ સેપરેટરને શાસ્ત્રકારો શું કહે છે ? ભેદજ્ઞાન કહે છે. ભેદજ્ઞાન વગર તમે શી રીતે બાદ કરશો ? કઈ કઈ ચીજ તમારી છે અને કઈ કઈ તમારી નથી, એ બેનું તમને ભેદજ્ઞાન નથી. ભેદજ્ઞાન એટલે આ બધું ‘મારું’ છે અને ‘હું’ જુદો છું આનાથી. એટલે જ્ઞાની પુરુષની પાસે, એમના ટચમાં રહીએ તો એ ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય ને પછી આપણને જુદું પડી જાય.

‘I’ અને ‘My’ના ભેદ પાડે તો બહુ સહેલું છે ને આ ? મેં આ રીત બતાવી તે રીતે અધ્યાત્મ સહેલું છે કે અઘરું છે ? નહીં તો આ કાળના જીવોનો તો શાસ્ત્રો વાંચી વાંચીને દમ નીકળી જાય.

પ્રશ્નકર્તા : તમારા જેવાની જરૂર ખરીને સમજવા માટે તો ?

(પા.૧૭)

દાદાશ્રી : હા, જરૂર ખરી. પણ જ્ઞાની પુરુષ તો બહુ હોય નહીં ને ! કો’ક કાળે હોય, ત્યારે કામ કાઢી લેવાનું આપણે. જ્ઞાની પુરુષનું સેપરેટર લઈ જવું એકાદ કલાકને માટે, એનું ભાડું-બાડું ના હોય ! તેનાથી સેપરેટ કરી લાવો એટલે I છૂટો થઈ જાય, નહીં તો ના થાયને ! I છૂટો થઈ ગયો એટલે બધું કામ થઈ જાય. આ બધા શાસ્ત્રોનો સાર આટલો જ છે.

આત્મા થવું હોય તો ‘મારું’ બધું સોંપી દેવું પડશે. જ્ઞાની પુરુષને My સોંપી દેશો તો I એકલું તમારી પાસે રહેશે. I વિથ My (હું સાથે મારું), એનું નામ જીવાત્મા. ‘હું છું અને આ બધું મારું છે’ એ જીવાત્મા દશા અને ‘હું જ છું ને આ મારું ન્હોય’ એ પરમાત્મ દશા. એટલે Myને લઈને આ મોક્ષ નથી થતો. ‘હું કોણ છું’નું ભાન થાય તો My છૂટી જાય. જો My છૂટ્યું તો બધું છૂટ્યું.

My ઈઝ રિલેટિવ ડિપાર્ટમેન્ટ એન્ડ I ઈઝ રિયલ. I ઈઝ પરમેનન્ટ, My ઈઝ ટેમ્પરરી. (મારું એ રિલેટિલ વિભાગ છે અને હું એ રિયલ છે. હું એ શાશ્વત છે, મારું એ વિનાશી છે.) એટલે આમાં તમારે I ખોળી કાઢવાનો છે.

આત્મા-અનાત્મા છૂટા પડે જ્ઞાની થકી

પ્રશ્નકર્તા : સંસારની જવાબદારીઓમાં બંધાયેલ માનવી આત્મા કેવી રીતે પામી શકે ?

દાદાશ્રી : ‘ચંદુલાલ’ અને ‘આત્મા’, બે તદ્દન જુદા જ છે અને પોતપોતાના જુદા ગુણધર્મ બતાવે છે. એ જો ‘જ્ઞાની’ પાસેથી સમજી લેવામાં આવે તો સંસારની જવાબદારીઓ સારી રીતે ચાલી શકે અને ‘આ’ પણ ચાલી શકે. જ્ઞાનીઓ પણ ખાય-પીએ, નહાય-ધૂએ બધું જ કરે. તમારા જેવી જ ક્રિયાઓ કરે, પણ ‘હું કરતો નથી’ એ ભાન હોય અને અજ્ઞાન દશામાં ‘હું કરું છું’ એ ભાન હોય. એટલે ખાલી ભાનમાં જ ફેર છે.

આ ચંદુભાઈ છે ને, તે ચંદુભાઈ જુદા છે અને આત્મા જુદો છે, અંદર બે છૂટા પડી શકે એમ છે. બેના ગુણધર્મોય જુદા છે. જેમ અહીં આગળ સોનું ને તાંબું બે ભેગા થયા હોય, તો ફરી છૂટા પાડવા હોય તો પડે કે ના પડે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : એવી રીતે આને જ્ઞાની પુરુષ છૂટા પાડી શકે. ‘જ્ઞાની પુરુષ’ પાસે આત્મા-અનાત્માની લક્ષ્મણ રેખા સમજી લેવી જોઈએ. એમના ફોડ ત્રણેય કાળ સત્ય હોય. લાખો વર્ષો પછી પણ એનો એ જ ‘પ્રકાશ’ હોય !

આત્મા-અનાત્મા મિક્ષ્ચરસ્વરૂપે

આ તારા શરીરમાં આત્મા છે એ તો નક્કીને ?

પ્રશ્નકર્તા : હાજી.

દાદાશ્રી : તો એ કયા સ્વરૂપે હશે ? મિક્ષ્ચર (મિશ્રણ) કે કમ્પાઉન્ડ (સંયુક્ત) ? આ આત્મા અને અનાત્મા મિક્ષ્ચર સ્વરૂપે હશે કે કમ્પાઉન્ડ સ્વરૂપે ?

પ્રશ્નકર્તા : કમ્પાઉન્ડ !

દાદાશ્રી : જો કમ્પાઉન્ડ સ્વરૂપે હોય તો ત્રીજો નવા જ ગુણધર્મવાળો પદાર્થ ઉત્પન્ન થઈ જાય અને આત્મા અને અનાત્મા એના પોતાના ગુણધર્મો જ ખોઈ બેસે, તો કોઈ આત્મા પાછો પોતાના મૂળ સ્વભાવમાં આવી જ ના શકે અને ક્યારેય મુક્ત ન થઈ શકે. જો હું તને સમજ પાડું. આ આત્મા છે ને, તે મિક્ષ્ચર સ્વરૂપે રહેલો છે. આત્મા અને અનાત્મા બન્નેય પોતે પોતાના ગુણધર્મ સાથે રહેલા છે અને તે છૂટા પાડી શકાય તેમ છે.

કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનનાય ગુણધર્મ જડત નહીં ને અચેતનનાય ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી, એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી. એટલે જ્ઞાની પુરુષ આને છૂટું પાડી આપે તો આત્માની ઓળખાણ થાય.

(પા.૧૮)

એ ભેદવિજ્ઞાન તો જ્ઞાની જ પમાડે

બન્ને દ્રવ્ય નિજ-નિજરૂપે સ્થિત થાય છે. પુદ્ગલ, પુદ્ગલના રૂપે પરિણામ થયા કરે છે અને ચેતન, ચેતનના પરિણામને ભજ્યા કરે છે. બન્ને પોતપોતાના સ્વભાવને છોડતા નથી, એ તો ‘જ્ઞાની પુરુષ’ છૂટા પાડે પછી. છૂટા ના પડે ત્યાં સુધી અનંત કાળ સુધી ભટક ભટક કરે તોય કશું ઠેકાણું ના પડે. એ આખું ભેદવિજ્ઞાન છે. જગતનાં તમામ શાસ્ત્રો કરતા મોટામાં મોટું વિજ્ઞાન એ ભેદવિજ્ઞાન છે. શાસ્ત્રોમાં તો શું કહે કે આ કરો ને તે કરો. એમાં એ બધી ક્રિયાઓ, કર્મકાંડો લખ્યા છે પણ ભેદવિજ્ઞાન એ તો જુદી જ વસ્તુ છે. એ શાસ્ત્રોમાં ના જડે. એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી જ પ્રાપ્ત થાય તેમ છે. ચોરની કૃપાથી ચોર થઈ જવાય ને ‘જ્ઞાની’ની કૃપાથી જ્ઞાની થઈ જવાય.

આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગાં થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે ‘ભઈ, આને છૂટું કરી આપોને !’ તો બધા લોક કરી આપે ? કોઈ કરી આપે ?

પ્રશ્નકર્તા : સોની જ કરી આપે.

દાદાશ્રી : જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ (નિષ્ણાંત) છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સો એ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવા ગુણધર્મ છે ને તાંબાના આવા ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માનાય ગુણધર્મ જાણે છે.

આત્મા-અનાત્માના ગુણધર્મો જે કમ્પ્લિટ જાણે છે અને જે અનંત સિદ્ધિવાળા એવા સર્વજ્ઞ જ્ઞાની છે, તે તેનું પૃથક્કરણ કરી આપી છૂટા પાડી શકે. અમે જગતના સૌથી મોટામાં મોટા સાયન્ટિસ્ટ (વિજ્ઞાની) છીએ. આત્મા અને અનાત્માના પરમાણુએ પરમાણુનું પૃથક્કરણ કરી, બન્ને છૂટા પાડી નિર્ભેળ આત્મા તમારા હાથમાં એક કલાકમાં જ આપીએ છીએ. જ્ઞાનીની પ્રગટ વાણી સિવાય બહાર જે ‘આત્મા, આત્મા’ એમ બોલાય કે વંચાય છે તે ભેળવાળો આત્મા છે. શબ્દબ્રહ્મ ! હા, પણ નિર્ભેળ નહીં.

હવે આત્માને આત્મધર્મમાં લાવવા માટે મોક્ષદાતા પુરુષ જોઈએ.

કૃપાળુદેવે એમના આખા પુસ્તકનો સાર કહ્યો છે કે ‘બીજું કાંઈ શોધ મા, માત્ર એક સત્ પુરુષને ખોળી તેમના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે.’ એટલે આપણને જો મોક્ષ ના મળે તો તે ‘જ્ઞાની પુરુષ’ નથી.

રોંગ બિલીફ ટૂટે સમ્યક્ દર્શનથી

પ્રશ્નકર્તા : આત્મા પોતાના ધર્મમાં આવ્યો, તેની ખાતરી શી ?

દાદાશ્રી : આ બધું ‘હું કરું છું’ ને આ ‘હું છું’ એ રોંગ બિલીફો પડેલી છે તે જાય. અત્યારે તો તમને ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો ફાધર થાઉં, આનો મામો થાઉ, સીંગનો વેપારી છું’, આવી કેટલી બધી ‘રોંગ બિલીફો’ તમને બેઠી હશે ?

પ્રશ્નકર્તા : અસંખ્યાત.

દાદાશ્રી : હવે આટલી બધી ‘રોંગ બિલીફો’ ક્યારે જાય ? આત્મા પોતાના ગુણધર્મમાં આવે તો આ બધીય ‘રોંગ બિલીફો’ જાય. ‘રોંગ બિલીફો’ ઊડે ને ‘રાઈટ બિલીફ’ બેસી જાય. ‘રાઈટ બિલીફ’ને સમ્યક્ દર્શન કહે છે. ‘જ્ઞાની પુરુષ’ આત્માને પોતાના ધર્મમાં લાવી દે એટલે બીજું બધું તો પોતપોતાના ધર્મમાં છે જ. આત્મા પોતાના ધર્મમાં આવે એટલે બીજું બધું છૂટે, સંસાર છૂટે.

જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને ‘જ્ઞાન’ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદા જ છે, માત્ર ‘બિલીફો’ જ રોંગ છે. તે ‘જ્ઞાની પુરુષ’

(પા. ૧૯)

‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરી આપે ને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે, એટલે ‘તમે’ તમારા સ્વભાવમાં પેસી જાવ. ‘રોંગ બિલીફ’ જાય, અહંકાર ફ્રેકચર થાય એટલે ‘તમે’ ‘ભગવાન’ થઈ જાવ !

આત્મધર્મ એ સ્વધર્મ

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન કેવી રીતે મળે ?

દાદાશ્રી : આત્મજ્ઞાની પાસેથી આત્મજ્ઞાન મળે. ‘પ્રત્યક્ષ’ મળે તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય.

‘જ્ઞાની પુરુષ’ આત્મજ્ઞાન આપે, તે કેવી રીતે આપે ? આ ભ્રાંતજ્ઞાન અને આ આત્મજ્ઞાન, આ જડજ્ઞાન અને આ ચેતનજ્ઞાન, એ બેની વચ્ચે ‘લાઈન ઑફ ડિમાર્કેશન’ (ભેદરેખા) નાખી આપે. એટલે પછી ફરી ભૂલ થવાનો સંભવ ના રહે અને આત્મા નિરંતર લક્ષમાં રહ્યા કરે, એક ક્ષણ આત્માની જાગૃતિ ના જાય.

અત્યારે તમારામાં પણ આત્મા અને અનાત્મા બન્નેના ધર્મ જુદા જ છે. પણ તમારે બન્ને પરિણામ ભેગા નીકળે છે, એટલે તમને બેસ્વાદ આવે છે. ‘જ્ઞાની પુરુષ’ને ચેતન પરિણામ જુદું રહે અને અનાત્મ પરિણામ જુદું રહે, બન્ને ધારાઓ જુદી જુદી વહે, એટલે તેઓ નિરંતર પરમાનંદમાં રહે.

એવું છે, ખાવાનું-પીવાનું, નહાવાનું, ઊઠવાનું, સુવાનું, જાગવાનું એ બધો દેહનો ધર્મ છે અને લોકો બધા દેહના ધર્મમાં જ પડ્યા છે. ‘પોતે’ ‘આત્મધર્મ’માં એકવાર એક સેકન્ડેય આવ્યો નથી. જો એક સેકન્ડેય આત્મધર્મમાં આવ્યો હોત તો ભગવાનની પાસેથી ખસત નહીં. આત્મધર્મ પામ્યા પછી તો દેહધર્મ, મનોધર્મ, બુદ્ધિના ધર્મ, અંતઃકરણના ધર્મ, કોઈ ધર્મની જરૂર નથી. કારણ કે પોતાનો સ્વધર્મ પ્રાપ્ત થયો !

પ્રશ્નકર્તા : તો સ્વધર્મમાં આવ્યા પછી કઈ જરૂર છે ?

દાદાશ્રી : સ્વધર્મમાં આવ્યા પછી બીજા કશાની જરૂર જ નથી. આ બધા મહાત્માઓ સ્વધર્મમાં આવેલા છે.

સમકિત પ્રાપ્ત થાય જ્ઞાની થકી

‘હું ચંદુભાઈ છું’ એ ઊંધી શ્રદ્ધા બેઠી છે તે ઘણુંય ભૂલવા માગે તોય એ ભૂલાય ? એ તો રીતસર ‘જ્ઞાની’ના આધારે એનો તાર કપાઈ જવો જોઈએ. સૂક્ષ્મ તારો, શ્રદ્ધાના તારો બેઠેલા હોય છે. એ ‘રોંગ બિલીફો’ તૂટે અને ‘રાઈટ બિલીફ’ બેસે તો કામ લાગે ! ‘રાઈટ બિલીફ’ને ‘સમ્યક્ દર્શન’ કહ્યું ને ‘રોંગ બિલીફ’ને ‘મિથ્યાત્વ’ કહ્યું.

‘રોંગ બિલીફો’ જ્ઞાની પુરુષ ‘ફ્રેકચર’ કરી આપે અને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. એટલે આપણને સમકિત દ્રષ્ટિ મળી કહેવાય.

સમકિતની પ્રાપ્તિ જ્ઞાનીકૃપાથી

ભગવાને કહ્યું, ‘શું કરવાથી મોક્ષે જવાય ?’ સમકિત થાય તો જવાય અથવા ‘જ્ઞાની પુરુષ’ની કૃપા થાય તો.

સમકિત પ્રાપ્તિ માટે સૌથી મોટામાં મોટું સાધન એટલે ‘જ્ઞાની પુરુષ’નું મળવું એ છે. આ સાધન મળ્યું કે બીજા કોઈ સાધનની જરૂર નથી.

સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં, એનું નામ ‘સમકિત.’ એ તો ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી પ્રાપ્ત થાય. ‘જ્ઞાની પુરુષ’માં ભગવાન પ્રગટ થઈ ગયેલા હોય !

જાતે ‘હું કોણ છું’ એવું સમજાય નહીં. જો અહંકાર જતો રહે તો ‘હું કોણ છું’ એ સમજાય. એટલે તમારો અહંકાર હોય અને તમારે ‘હું કોણ છું’ એ જાણવું હોય તો જ્ઞાની પુરુષ પાસે જવું પડે. તે જ્ઞાની પુરુષ અહંકારની હાજરીમાં ‘હું કોણ છું’ જણાવડાવે. ત્યાર પછી તમારો હિસાબ બેસી જાય.

(પા. ૨૦)

જાણવાની જ જરૂર, ‘હું કોણ છું’

પ્રશ્નકર્તા : ‘હું કોણ છું’ એ જાણવાની જે વાત છે, તે આ સંસારમાં રહીને કેવી રીતે બને ?

દાદાશ્રી : તો ક્યાં રહીને જાણી શકાય એ ? સંસાર સિવાય બીજી કોઈ જગ્યા છે કે ત્યાં રહેવાય ? આ જગતમાં બધા સંસારી જ છે ને બધા સંસારમાં જ રહે છે. સંસાર બે પ્રકારનો છે : ત્યાગી એય સંસાર છે, ગૃહસ્થી એય સંસાર છે. ત્યાગીને ‘ત્યાગ કરું છું, ત્યાગ કરું છું’ એમ જ્ઞાન વર્તે, ગૃહસ્થીને ‘ગ્રહણ કરું, લઉં, દઉં’ એમ જ્ઞાન વર્તે, પણ જો આત્મા જાણ્યો તો મોક્ષ થઈ જશે. આત્મા જાણવાનો ક્યાં હોય ? ‘જ્ઞાની પુરુષ’ પાસે.

‘હું કોણ છું’ એ સમજવા માટેનું જ આ સાયન્સ છે અહીં આગળ. અને આ અમે તમને જેટલું પૂછીએ છીએ, તે તમને એમ નથી કહેતા કે તમે આવું કરી લાવો. તમારાથી થાય એવું નથી. એટલે અમે તમને શું કહીએ છીએ કે અમે તમને બધું કરી આપીશું. તેથી વરીઝ (ચિંતા) તમારે નહીં કરવાની. આ તો પહેલું જાણવાનું કે ખરેખર આપણે શું છીએ અને શું જાણવા જેવું છે ? સાચી વાત શી છે ? કરેક્ટનેસ (સાચું) શું છે ? વર્લ્ડ (જગત) શું છે ? આ બધું શું છે ? પરમાત્મા શું છે ?

પરમાત્મા છે ? પરમાત્મા છે જ અને તે તમારી પાસે જ છે. બહાર ક્યાં ખોળો છો, પણ કોઈ આપણને એ દરવાજો ખોલી આપે તો દર્શન કરીએ ને ! એ દરવાજો એવો વસાઈ ગયો છે, કોઈ દહાડો પોતાથી ખોલાય એવો છે જ નહીં. એ તો પોતે તર્યા હોય એવા તરણતારણહાર જ્ઞાની પુરુષનું જ કામ છે. જગતના ‘ઑલ વ્યૂ પોઈન્ટસ’ (બધા દ્રષ્ટિબિંદુઓ)ને જે જોઈ શકે છે, તે તરણતારણહાર હોય !

પ્રશ્નકર્તા : એ ‘આત્મા’ ઓળખાય કેવી રીતે ? ‘કર્તા કોણ છે’ એ ઓળખાય કેવી રીતે ?

દાદાશ્રી : એ તો અમે બધું દેખાડીએ ને અમે દિવ્યચક્ષુ આપીએ, બધું આપીએ. પછી એને અહંકાર રહે નહીંને ! પછી દિવ્યચક્ષુથી બધાનામાં આત્મા જોઈ શકે અને ચર્મચક્ષુથી આ પુદ્ગલ દેખાય. દિવ્યચક્ષુથી આત્મા જુએ. પછી ગાયમાં, ઘોડામાં, ગધેડામાં, આત્મા દેખાય જ.

જ્ઞાનવિધિ શું છે ?

પ્રશ્નકર્તા : આપની જ્ઞાનવિધિ એ શું છે ?

દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન (છૂટું પાડવું) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.

પ્રશ્નકર્તા : આ સિદ્ધાંત તો બરાબર જ છે પણ એની પદ્ધતિ શું છે ?

દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે. (‘હું કોણ છું’ એનું ભાન, જ્ઞાન કરાવવાનો બે કલાકનો જ્ઞાન-પ્રયોગ હોય છે. તેમાં પછી અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માના ભેદ પાડનારા ભેદજ્ઞાનના વાક્યો બોલાવવામાં આવે છે. હવે તે બધાએ બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક ‘પાંચ આજ્ઞાઓ’ દાખલા સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જે હવે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી નવા કર્મો બંધાય નહીં, જૂના કર્મો પૂરા થાય ને સાથે સાથે ‘હું શુદ્ધાત્મા છું’નું લક્ષ કાયમ રહ્યા કરે !)

સ્વપદ પમાય પરમ વિનયથી

અમારી પાસે બે જ વસ્તુ લઈને આવજો. એક ‘હું કંઈ જ જાણતો નથી’ ને બીજું ‘પરમ વિનય’. ‘હું કંઈક જાણું છું’ એ તો મૂઆ કેફ છે અને જો ખરેખર જાણ્યું એટલે એ તો પ્રકાશ કહેવાય ને પ્રકાશ હોય ત્યાં ઠોકર ન વાગે. ત્યારે આ તો ઠેર ઠેર ઠોકર વાગે છે, તેને જાણ્યું શી રીતે કહેવાય ? એકેય ચિંતા ઘટી ? સાચું જાણ્યું હોય તો એક પણ ચિંતા ના થવી જોઈએ. જો ‘હું કંઈક જાણું છું’ તેમ તું માને છે, તો પછી તારા અધૂરા ઘડામાં હું શું રેડું ? તારો ઘડો ખાલી હોય તો હું તેમાં અમૃત ભરી આપું. પછી તારે જ્યાં જવું હોય

(પા. ૨૧)

ત્યાં જજે. છોકરાં-છૈયા પરણાવજે, સંસાર ચલાવજે પણ મારી આજ્ઞામાં રહેજે.

ચિંતા છૂટે જ્ઞાની પાસે

પ્રશ્નકર્તા : ચિંતા કેમ છૂટતી નથી ? ચિંતા છોડવા માટે શું કરવું ?

દાદાશ્રી : ચિંતા બંધ થયેલી હોય એવો માણસ જ ના હોય. ભગવાનના ભક્તનેય ચિંતા બંધ થયેલી ના હોયને ! અને ચિંતાથી જ્ઞાન બધું આંધળું થઈ જાય, ફ્રેકચર થઈ જાય.

વર્લ્ડમાં એક માણસ એવો ના હોય કે જેને ચિંતા ના થતી હોય. બાવો-બાવલી બધાને કો’ક દહાડો તો (ચિંતા) થતી હોય. બાવાનેય છે તે ઈન્કમટેક્ષ ના હોય, સેલટેક્ષ ના હોય, ભાડું ના હોય, નાડું ના હોય તોય કો’ક દહાડો ચિંતા થાય. શિષ્ય જોડે માથાકૂટ થઈ જાય તોયે ચિંતા થઈ જાય. આત્મજ્ઞાન વિના ચિંતા જાય નહીં.

પ્રશ્નકર્તા : પણ ચિંતા બંધ કરવા મારે શું કરવું ?

દાદાશ્રી : એ તો ‘જ્ઞાની પુરુષ’ની પાસે આવીને કૃપા લઈ જવાની, પછી ચિંતા બંધ થઈ જાય અને સંસાર ચાલ્યા કરે.

જ્ઞાનાગ્નિથી પાપો ભસ્મીભૂત

પ્રશ્નકર્તા : એ પ્રક્રિયા શું છે કે એક કલાકમાં માણસને ચિંતામુક્ત કરાવી શકે ? એમાં કોઈ ચમત્કાર છે ? કોઈ વિધિ છે ?

દાદાશ્રી : કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ સર્વ પાપોને ભસ્મીભૂત કરી શકે છે, જ્ઞાનાગ્નિથી ! એ જ્ઞાનાગ્નિથી પાપો અમે ભસ્મીભૂત કરીએ અને પછી એ ચિંતા રહિત થઈ જાય છે. એ પાપ નાશ થાય ત્યારે આત્મા પ્રગટ થાય, નહીં તો આત્મા પ્રગટ થાય નહીં કોઈ વાતે. પોતે શી રીતે પાપનો નાશ કરી શકે ? પુણ્ય બાંધી શકે ખરો નવું, પણ જૂના પાપનો નાશ ન કરી શકે. જ્ઞાની પુરુષનું જ્ઞાન એ જ પાપનો નાશ કરી નાખે.

બાકી, પુણ્ય અને પાપ, પાપ અને પુણ્ય એના અનુબંધમાં જ મનુષ્યો માત્ર ભટક્યા કરે છે. તેને ક્યારેય તેમાંથી મુક્તિ મળે નહીં. બહુ પુણ્ય કરે તો બહુ બહુ તો દેવગતિ મળે પણ મોક્ષ તો ના જ મળે. મોક્ષ તો જ્ઞાની પુરુષ મળે ને તમારા અનંત કાળના પાપોને બાળીને ભસ્મીભૂત કરી તમારા હાથમાં શુદ્ધ આત્મા આપે ત્યારે થાય. ત્યાં સુધી ચોર્યાશી લાખ યોનિમાં ભટક ભટક કર્યા જ કરવાનું.

ત્યાં સુધી કામ કાઢી લો

દેહ સાથે અંતઃકરણની ભેટ મૂકીને એક જ કલાક જ્ઞાની પુરુષ સાથે બેસો તો જગતનો માલિક થાય. અમે એ એક કલાકમાં તો તમારા પાપો ભસ્મીભૂત કરી નાખીએ અને દિવ્યચક્ષુ તમારા હાથમાં આપીએ, શુદ્ધાત્મા બનાવી દઈએ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જાવને ! આ જ્ઞાન તો ઠેઠ મોક્ષે લઈ જાય ત્યાં સુધી જોડે જ રહેશે. અહીં અમારી હાજરીમાં અંતઃકરણ શુદ્ધિ થયા કરે. એમાં દુઃખ થતાં હોય તો તે બંધ થઈ જાય. તે ઉપરાંત શુદ્ધિ થાય. એ શુદ્ધિથી તો સાચો આનંદ ઉત્પન્ન થાય ને કાયમની શાંતિ થાય !

કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કરતી વખતે જે દિવ્યચક્ષુ પાંચ મિનિટ માટે આપ્યા હતા તે જ દિવ્યચક્ષુ અમે તમને કલાકમાં જ પરમેનન્ટ (કાયમી) આપીએ છીએ એનાથી ‘આત્મવત્ સર્વ ભૂતેષુ’ તમને દેખાય. ‘જ્ઞાની પુરુષ તમારા અનંત કાળના પાપોનો ગોટો વાળીને ભસ્મીભૂત કરી આપે’ એમ કૃષ્ણ ભગવાને કહ્યું છે. એકલા પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે ! એ અક્રમ માર્ગના ‘જ્ઞાની પુરુષ’ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા પ્રગટ છે, એ છે ત્યાં સુધી કામ કાઢી લો !

(પા. ૨૨)

કર્મોના ભોગવટામાં ફેર

પ્રશ્નકર્તા : કર્મનું ફળ તો ભોગવવું જ પડેને ?

દાદાશ્રી : હા, કર્મનો નિયમ જ એવો છે.

પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ એમાંથી છોડાવી શકે ?

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ તો તમારા કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે.

જ્ઞાની પુરુષ કર્મોનો નાશ કરી શકે. કર્મો તે અમુક પ્રકારના કર્મો, બધા પ્રકારના કર્મો નહીં. ફક્ત અમુક પ્રકારના કર્મો, તેનો ગોટો વાળીને નાશ કરી શકે. બસ, એટલું એમની પાસે છે અને તે જ્ઞાનથી નાશ કરવાના, બીજા કશાથી નાશ ના થાય. અજ્ઞાનથી થયેલા કર્મો તે જ્ઞાનથી નાશ થાય. બાકી બીજી કશી ક્રિયાઓમાં ફેરફાર ના થાય.

આ ‘જ્ઞાન’ આપીએ છીએ તે દહાડે શું થાય છે ? જ્ઞાનાગ્નિથી એના જે કર્મો છે તે ભસ્મીભૂત થઈ જાય છે. બે પ્રકારના કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને એક પ્રકારના કર્મો રહે છે. જે કર્મો વરાળરૂપે છે એનો નાશ થઈ જાય છે અને જે કર્મો પાણીરૂપે છે, એનો પણ નાશ થઈ જાય છે અને જે કર્મો બરફરૂપે છે, તેનો નાશ નથી થતો. બરફરૂપે છે એ કર્મો ભોગવવા જ પડે છે. કારણ કે જામી ગયેલા છે. કર્મ ફળ આપવાને માટે તૈયાર થઈ ગયું છે, એ છોડે નહીં પછી. પણ પાણીરૂપે અને વરાળરૂપે કર્મો હોય, એને જ્ઞાનાગ્નિ ઉડાડી મૂકે. એટલે જ્ઞાન મળતા જ એકદમ હલકા થઈ જાય છે લોકો, એમને જાગૃતિ એકદમ વધી જાય છે. કારણ કે કર્મો ભસ્મીભૂત થાય નહીં ત્યાં સુધી જાગૃતિ વધે જ નહીં માણસને ! આ બરફરૂપેના કર્મો તો આપણે ભોગવવાના જ રહ્યા.

પણ સ્વરૂપ જ્ઞાન આપ્યા પછી એ કર્મોના ભોગવટામાં ફેર પડી જાય છે. શૂળીનો ઘા સોય જેવો લાગે. ‘જ્ઞાની પુરુષ’ કારણસ્વરૂપે રહેલા કર્મનો નાશ કરી આપે પણ આજે જે કાર્ય સ્વરૂપે કર્મો છે, બરફ રૂપે થઈ ગયેલા છે, તેને તો ભોગવવા જ પડે.

અને તેય પાછા સરળ રીતે કેમ ભોગવાય, એના બધા રસ્તા અમે બતાડ્યા છે કે ‘‘ભઈ, આ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલજે, ત્રિમંત્ર બોલજે, નવ કલમો બોલજે.’’

જ્ઞાનીની કરુણા કેવી ?

બહુ દુઃખ આવી પડે ત્યારે તમારે કહેવું કે જાઓ ‘દાદા’ પાસે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એવું અમારું દુઃખ તમને અપાય ?

દાદાશ્રી : હા, હા, દાદાને જ બધું આપી દેવાનું ને કહીએ કે ‘જા દાદાની પાસે, અહીં શું છે ?’

પ્રશ્નકર્તા : સુખેય આપી દેવાનું ?

દાદાશ્રી : ના, સુખ નહીં. સુખ તમારી પાસે રાખવાનું. મને સુખનો શોખ નથી એટલે તમારી પાસે રાખવાનું. તમારાથી દુઃખ જો સહન ના થાય તો મારી પાસે મોકલી દેવાનું. બે-પાંચ વખત દુઃખનું અપમાન કરો કે ઈધર ક્યોં આયા હૈ ? દાદા કો સબ દે દિયા હૈ એટલે એ ઊભું ના રહે. આ પુદ્ગલનો ગુણ કેવો છે કે અપમાન થાય તો ઊભું ના રહે.

જે ‘દાદા ભગવાન’ છે તે અચિંત્ય ચિંતામણિ છે. મુશ્કેલીમાં તેમને ચિંતવો તો મુશ્કેલીઓ બધી જતી રહે. જેવું ચિંતવો તેવું ફળ આપે. પછી આપણે શા માટે ભડકવાની જરૂર ?

પ્રશ્નકર્તા :‘જ્ઞાની પુરુષ’ પરમાણુ બદલી શકે કે પછી એમની હાજરીથી બદલાય છે ?

દાદાશ્રી : દૂધમાં દહીં નાખ્યા પછી ‘જ્ઞાની’ કશું જ ના કરી શકે. દહીં નાખતા પહેલા કહે તો થાય, પછી કશું વળે નહીં. ‘જ્ઞાની’ કર્મો ભસ્મીભૂત કરી શકે, એ એકલી જ એમની સત્તા. અમુક ભાગના રંગ બદલી શકે, એ અમે કરી આપીએ છીએ.

પ્રશ્નકર્તા :દૂધમાં દહીં નાખ્યું એ કોને કહેવાય ?

(પા. ૨૩)

દાદાશ્રી : જે જામી ગયેલા છે, બરફરૂપે થઈ ગયા છે, તે કર્મોને તો ભોગવ્યે જ છૂટકો. વરાળ અને પાણીરૂપે હોય તેને ‘જ્ઞાની’ ભસ્મીભૂત કરી આપે. છતાંય પોતે તો નૈમિત્તિક ભાવમાં જ હોય, અકર્તા જ રહે.

જ્ઞાની પુરુષ આખા જગતમાંની નિષ્ઠા, જગતમાં ભટકતી વૃત્તિઓને ઊઠાવીને બ્રહ્મમાં બેસાડી દે ને (આપણું) કામ થઈ જાય ! આ તો મુક્તિનો ધર્મ છે. ‘અમે’ ‘સ્વરૂપનું જ્ઞાન’ આપીએ એટલે નિરંતર પોતાનું સ્વરૂપ જ યાદ રહે, નહીં તો કોઈનેય પોતાનું સ્વરૂપ યાદ ના રહે. પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ એ દીવડો સળગાવી દે એટલે સાક્ષાત્કાર થઈ જાય.

શુદ્ધ ચિત્તની પ્રાપ્તિ, જ્ઞાની થકી

‘અમે’ જ્ઞાન આપીએ છીએ ત્યારે ચિત્ત શુદ્ધ કરી આપીએ છીએ. અશુદ્ધ ચિત્તની શુદ્ધિ કરવા માટે જગતના બધા જ ધર્મો ફાંફા મારી રહ્યા છે. સાબુથી મેલા કપડાં ધોઈને સાફ કરાય તેમ ! પણ સાબુ કપડાંનો મેલ તો કાઢશે પણ પાછો પોતાનો મેલ મૂકતો જશે. તે સાબુનો મેલ કાઢવા પાછો ટિનોપોલ જોઈએ. તે ટિનોપોલ સાબુનો મેલ તો કાઢી આપે પણ પાછો પોતાનો મેલ મૂકતો જાય ! તે ઠેઠ સુધી એક મેલ સાફ કરનારી વસ્તુ પોતાનો મેલ સાફ થનાર વસ્તુ પર મૂકતી જ જાય, તેમ આ જગતના બધા જ રિલેટિવ ધર્મોમાં છે. જ્યાં સરવાળે શુદ્ધ કરાતા ચિત્ત ઉપર પણ છેલ્લે અશુદ્ધિ, મેલ રહે જ છે. સંપૂર્ણ શુદ્ધ તો તે જ કરી શકે કે જે સ્વયં સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ છે. માટે એવા જ્ઞાની પુરુષ જ એ કરી શકે. એટલા માટે તો દરેક શાસ્ત્ર છેવટે કહે છે કે ‘તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની પાસે જા. તે જ શુદ્ધ આત્મા આપી શકે. અમારી પાસે તો ભેળસેળવાળો આત્મા છે, અશુદ્ધ આત્મા છે, જેની કંઈ જ કિંમત નથી.’

જ્ઞાની પુરુષ અશુદ્ધ ચિત્તને હાથ ના લગાડે. માત્ર પોતાનું શાશ્વત સુખ, અનંત સુખનો કંદ જે છે તે ચખાડી દે. એટલે નિજ ઘર મળતા જ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય અને શુદ્ધ ચિત્ત જેમ જેમ શુદ્ધ અને શુદ્ધને જ જો જો કરે, તેમ તેમ અશુદ્ધ ચિત્તવૃત્તિ મોળી પડતી પડતી છેવટે કેવળ શુદ્ધ ચિત્ત રહે. પછી અશુદ્ધ ચિત્તના પર્યાયો બંધ થઈ જાય. પછી રહે તે કેવળ શુદ્ધ પર્યાય.

કળિકાળનું આશ્ચર્ય ‘અક્રમ વિજ્ઞાન’

આ કળિયુગનું, દુષમકાળનું ગજબનું આશ્ચર્યજ્ઞાન પ્રગટ થયું છે ! આ આશ્ચર્યકાળના અમે અક્રમજ્ઞાની છીએ અને આમ અમારે જાતે બોલવું પડે છે. કારણ કે હીરાને જાતે ઓળખાવવા બોલવું પડે તેવો વર્તમાન આશ્ચર્યકાળ છે !

આ ખરે ટાઈમે સાયન્સ આવ્યું છે ! કંઈ ઓર જ વિજ્ઞાન છે આ ! નવા શાસ્ત્રો લખે એવી વાત છે આ તો. નહીં તો આટલા બધા શાસ્ત્રો, એમાં ક્યાંથી પાર આવે ? આ તો એક કલાકમાં બધું આખું વિજ્ઞાન સમજી જાય.

‘આ’ ધર્મ નથી, ‘સાયન્સ’ છે. આ તો ‘રિયલ’ ધર્મ છે. આ કાયમ હોતો નથી. આ તો ચૌદ લોકનો નાથ અમારી મહીં પ્રગટ થયો છે. આ દેહ છે એ તો પરપોટો છે, એ ક્યારે ફૂટે એ કહેવાય નહીં. એ છે ત્યાં સુધી તમે તમારું કામ કાઢી લો. વીતરાગોને જેવો પ્રકાશ થયેલો તેવો આ પ્રકાશ છે. આ ‘જ્ઞાની પુરુષ’ પાસે સંપૂર્ણ સમાધાન થાય એવું છે, માટે તમારું કામ કાઢી લો. અમે તો તમને આટલું કહી છૂટીએ.

જય સચ્ચિદાનંદ