વૈજ્ઞાનિક રહસ્ય સભર ‘નવ કલમો’

સંપાદકીય

ક્રમિક માર્ગમાં જે જ્ઞાનીઓ થઈ ગયા, તેઓ પુરુષાર્થ આદરી અત્યંત કષ્ટે કરી આત્માનો અનુભવ પામી મોક્ષે ગયા. સંતો, મહાન પુરુષોએ લોકોના અપમાન સહન કરી પ્રેમ સંપાદન કર્યો, વિકારો પર વિજય પ્રાપ્ત કર્યો, ખાવા-પીવામાં સંયમ કર્યો, એટલું જ નહીં, લોક કલ્યાણ અર્થે જીવન જીવી ગયા. સામાન્ય મનુષ્ય માટે એ માર્ગનું અનુકરણ કરવું અશક્ય લાગે. તે ઉપરાંત શાસ્ત્રોમાં પણ એ પ્રમાણે જ કહ્યું છે કે આચાર શુદ્ધ કરો. પણ જ્યાં પોતાની પાસે શક્તિ જ નથી ત્યાં ઉપાય શો ?

પરમ પૂજ્ય દાદા ભગવાને (દાદાશ્રી) કાળને અનુરૂપ ‘નવ કલમો’ એમની મૌલિક શોધ રૂપે જગતને આપી. જે દાદાશ્રીના પોતાના જીવનનો નિત્યક્રમ, અનુભવ સિદ્ધ છે અને તેથી જ ક્રિયાકારી થાય છે. નવ કલમો દિવસમાં ત્રણ વખત વાંચવાની છે. જેમ વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને એક વેપારીની ચિઠ્ઠી હોય એમાં ફેર હોય છે, એવી રીતે જ્ઞાની પુરુષે આપેલામાં પોતાની બુદ્ધિ વાપરવાની ના હોય.

મનુષ્યનો સ્વભાવ કેવો છે કે જેવી પ્રકૃતિ હોય એવો પોતે થઈ જાય. અને જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે મારી-ઠોકીને સુધારવા ફરે છે. દાદાશ્રી કહે, ‘પ્રકૃતિ ના સુધરે તો તું અંદર સુધારને, કે આવું ના હો અને હે દાદા ભગવાન ! મને શક્તિ આપો.’ આમાં શું લાભ થયો ? એક તો પોતાનો અભિપ્રાય બદલાયો અને પ્રકૃતિની વિરુદ્ધમાં બેઠો અને બીજું પરમ વિનયતા ઉત્પન્ન થઈ. એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે, તે આમ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર. પછી આપણી રિસ્પોન્સિબિલિટી નથી.

આપણે આ નવ કલમો પ્રમાણે ભાવના જ ભાવવાની છે, એ પ્રમાણે કરવામાં પડવાનું નથી અને એકદમ થશે પણ નહીં. જેટલું થાય એટલું જાણવાનું કે આટલું થાય છે ને આટલું નથી થતું. એની ક્ષમા માગવી અને જોડે જોડે આ શક્તિ માગવાની. એટલે શક્તિ પ્રાપ્ત થાય પછી સહાયરૂપ થતી જાય.

નવ કલમો તો તમામ શાસ્ત્રોનો સાર છે, એ બોલવાથી પાપો ભસ્મીભૂત થઈ જાય, ડખલો ઓછી થઈ જાય ને પાંચ આજ્ઞામાં સારી રીતે રહેવાય. આખા જગતને કલ્યાણકારી એવું આ પ્રતિક્રમણ છે. આ કલમો તો જગતની જોડે ઋણાનુબંધ છોડાવી આપે. અત્યાર સુધી દોષો થયા હોય એ ભૂંસાઈ જાય, મોળા થઈ જાય. ભરેલા માલના ફોર્સ વખતે નવ કલમો બોલીએ તો રંગાયે નહીં અને આપણને અડે નહીં ને જતો રહે. સંસાર તરફ મન તણાતું હોય તે વખતે નવ કલમો બોલીએ તો ભાગ પડશે એનામાં ને લિંક બધી તૂટી જશે અને આ ભવની ને આવતા અવતારની સલામતી થશે.

નવ કલમો ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. દાદાશ્રી કહે છે, ‘અમે જે પાળીએ છીએ, કાયમ અમારા અમલમાં છે એ જ તમને શક્તિ માગવા માટે આપીએ છીએ. એ શક્તિઓ માગો ફક્ત. શક્તિ તમને એક્ઝેક્ટનેસમાં લાવીને મૂકી દેશે.’ એટલે અવશ્ય આરાધવા જેવી ચીજ છે. એ સંબંધી વિશેષ સંકલન અત્રે દાદાશ્રી ઉદ્બોધિત વાણીમાંથી થયું છે, જે મહાત્માઓને મોક્ષમાર્ગે પુરુષાર્થમાં મદદરૂપ થશે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા. ૪)

વૈજ્ઞાનિક રહસ્ય સભર ‘નવ કલમો’

ભાવી લો આ ભાવના એક ભવ

હું તમને આ એક ચોપડી વાંચવા આપું છું. મોટી ચોપડીઓ વાંચવા નથી આપતો, એક નાની જ ચોપડી તમારા માટે. જરાક જ બોલજો, જરાક અમથું જ. આ દવા આપું છું, તે વાંચવાની દવા છે. આ ‘નવ કલમો’ છે તે વાંચવાની જ છે, આ કરવાની દવા નથી. બાકી તમે જે કરો છો એ બરાબર છે. પણ આ તો ભાવના ભાવવાની દવા છે. એટલે આ આપીએ છીએ તે વાંચ્યા કરજો, એનાથી તમામ પ્રકારના અંતરાય તૂટી જાય.

નવ કલમોમાં ગજબની શક્તિ

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં લખ્યું છે કે ‘મને શક્તિ આપો, શક્તિ આપો’, તો એવું વાંચીએ તો આપણને શક્તિ મળી જાય ?

દાદાશ્રી : ચોક્કસ ! આ ‘જ્ઞાની પુરુષ’ના શબ્દો છે ! વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના એક વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં ? કેમ બોલ્યા નહીં તમે ? હા, એટલે આ ‘જ્ઞાની પુરુષ’નું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે.

ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ આટલી નવ કલમો બોલે, બહુ થઈ ગયું. નવ કલમોમાં એટલી બધી ગજબની શક્તિ છે કે સમજાય નહીં. અમે સમજણ પાડીએ ત્યારે સમજાય.

જરૂર છે શક્તિ માગવાની જ

એક છોકરો ચોર થઈ ગયો છે. એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ બીજાના ગજવામાંથી કાઢે. ઘેર ગેસ્ટ (મહેમાન) આવ્યા હોય તેનેય ના છોડે. અરે, ઘણા ગેસ્ટને તો પાછું જવાનું ભાડું ખલાસ થઈ ગયું હોય, તોય છોકરો એના પૈસા કાઢી નાખે, તો પેલો શું કરે બિચારો ? શી રીતે પાછા માગે ? અને ઘરમાં કહેવાય નહીં, જ્યાંથી લીધા ત્યાં. કારણ કે એવું કહે તો છોકરાને ઘરવાળા મારે. એટલે બીજી જગ્યાએથી ઉછીના લઈને પણ ઘેર ગયેલા. શું થાય ? પેલો છોકરો ખાલી જ કરી નાખે ને !

હવે એ છોકરાને આપણે શું શીખવાડીએ ? કે ‘આ ભવમાં તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માગ.’ હવે એમાં એને શું લાભ થયો ? કોઈ કહેશે, ‘આમાં શું શીખવાડ્યું ?’ એ તો શક્તિઓ માગ માગ કર્યા કરે છે અને પાછો ચોરી તો કરે છે. અરે, છો ને ચોરી કરતો ! આ શક્તિઓ માગ માગ કરે છે કે નથી કરતો ? હા, શક્તિઓ તો માગ માગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે ! તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે ?

પ્રશ્નકર્તા : ખરું, એ જાણતા નથી કે દવા શું કામ કરી રહી છે ! એટલે માગવાથી લાભ થાય છે કે નહીં, એ પણ નથી સમજતા.

દાદાશ્રી : એટલે આનો શો ભાવાર્થ છે કે એક તો એ છોકરો માગે છે કે ‘મને ચોરી ન કરવાની શક્તિ આપો.’ એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટું છે અને ચોરી ન કરવી એ સારું છે’ એવી શક્તિઓ માગે છે. માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો ! અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.

પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે, એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ.

અત્યાર સુધી તો અહંકારે કરીને ગાંડા જ કાઢ્યા છે. અહંકારી માણસ ગાંડો જ હોય. એને ગાંડો જ કહેવાય. પણ શું કરે ? અહંકાર જાય એવો

(પા. ૫)

જ નથી. પણ શક્તિ માગી એટલે તમારો અહંકારનું ગાંડપણ ના ઊભું થાય અને એ શક્તિ પ્રાપ્ત થઈ જાય. માગી કે તરત (પ્રાપ્ત) થાય. મહીં પાર વગરની શક્તિ છે !

હે ભગવાન ! શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ. છૂટકો જ નહીંને ! બધાને આપે, માગનાર જોઈએ.

તેથી કહું છું ને, આ તો તમે માગતા ભૂલો છો ! આ તમે તો કશું માગતા જ નથી, કોઈ દહાડો નથી માગતા. પણ ટેન્ડર ભરવું જોઈએ. ટેન્ડર ભરતા આવડે ખરું ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?

પ્રશ્નકર્તા : હા, આ તો બહુ વૈજ્ઞાનિક ખુલાસો છે. અભિપ્રાય બદલાયો અને સાચું માગ્યું.

દાદાશ્રી : અને શક્તિ આપો એમ કહે છે. ‘આપો’ કહેલું એ તો કંઈ જેવી તેવી વાત છે ? ભગવાન ખુશ થઈને કહે છે, ‘લે.’

અને બીજું એનો અભિપ્રાય તો બદલાઈ ગયો છે. બાકી એને મારી-ઠોકીને અભિપ્રાય બદલાય નહીં. એ તો અભિપ્રાય મજબૂત કરી આપે, કે ચોરી કરવી જ જોઈએ. અલ્યા, મારી-ઠોકીને દવા ના થાય આવી ! દવા માટે તો દાદા પાસે તેડી જા. ખોળામાં બેસાડીને ડાહ્યો કરી દેશે. દવાના જાણકાર જોઈએ ને !

અભિપ્રાય બદલતા ઉપજે પરિણામ

અભિપ્રાય બદલવો એ કંઈ સહેલી વાત નથી. આવી ગુપ્ત રીતે બદલાય. એમને એમ આપણે કહીએ કે ‘ચોરી નહીં કરવી એ સારું છે. ચોરી કરવી એ ખોટું છે.’ તો મનમાં સમજી જાય કે આ વગર કામનું ચોરી કરીએ છીએ ને આ ચોરી ના કરવાનું બોલે (કહે) છે. પણ તેનાથી રસ્તે ન ચઢે. અને અમારી આ વૈજ્ઞાનિક શોધખોળ છે બધી.

મોટામાં મોટો પોતાનો અભિપ્રાય બદલાયો. પણ કહે છે, એ અભિપ્રાય તો મારો થઈ ગયો, પણ હવે ભગવાન મને શક્તિ આપો. હવે મને તમારી શક્તિની જ જરૂર. મારો અભિપ્રાય તો બદલાઈ ગયો છે.

પ્રશ્નકર્તા : અને વધુ દેનારો તો બેઠો છે. એટલે માગવા જેવું છે.

દાદાશ્રી : હા, માગો એ આપવા તૈયાર છું.

પ્રકૃતિ સુધરે આમ

મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, ‘મેલ છાલ.’ ‘અલ્યા, ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધારને !’ પછી આપણી ‘રિસ્પોન્સિબિલિટી (જવાબદારી) નથી ! આટલું બધું આ ‘સાયન્સ’ છે ! બહાર ગમે તે હોય તેની ‘રિસ્પોન્સિબિલિટી જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. તમને સમજ પડી, હું શું કહેવા માગું છું તે ?

પ્રકૃતિ તો બધું જ કરે, કારણ એ બેજવાબદાર છે. પણ (તમે) આટલું બોલ્યા કે ‘આમ ના હોવું જોઈએ. આ તો બધું ખોટું છે.’ તમે જવાબદારીમાંથી છૂટ્યા. હવે આમાં કંઈ વાંધો આવે એવું છે ?

એટલે આ અક્રમ વિજ્ઞાન આવું શીખવાડે છે કે આ બગડી ગયું છે તો એ સુધરવાનું નથી, પણ આ રીતે એને સુધાર.

હવે આ ક્રમિક માર્ગમાં એવું છે નહીં સુધારવાનું. એ તો કહે, ‘મારી-ઠોકીને એને સુધારો.’ અલ્યા, ના સુધરે. આ તો પ્રકૃતિ છે. કઢીમાં મીઠું વધારે પડ્યું હોય તો તે કાઢી લેવાય કોઈ પણ રસ્તે. કઢીને માટે બધા પ્રયોગો છે પણ આનો ઉપાય આ (રીતે) કરવો પડે. એટલે આ ઉપાયથી ઘણા લોકોને ફાયદા થયા.

(પા. ૬)

કરવાનું નથી આ નવ કલમોમાં

એક ભાઈને મેં કહ્યું કે ‘આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ વાંચજો !’ પછી એ કહે છે, ‘પણ આ થાય નહીં.’ મેં કહ્યું, ‘હું કરવાનું નથી કહેતો, બળ્યું.’ થાય નહીં એવું ક્યાં કહો છો ? તમારે તો એટલું કહેવાનું કે ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો.’ શક્તિ માંગવાનું કહું છું. મહીં શક્તિ આવે તો (પછી) એ શક્તિ કામ કરશે. તારે નહીં કરવાનું. તો કહે, ‘મારે નહીં કરવાનું ?’ મેં કહ્યું, ‘ના, એ શક્તિ કામ કરશે. એ ગમ પડી જશે મહીં. પછી કામ થયા કરશે.’ ત્યારે કહે, ‘આ તો મજા આવશે !’ લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે.

પછી મને કહે છે, ‘એ શક્તિ કોણ આપશે ?’ મેં કહ્યું, ‘શક્તિઓ હું આપીશ.’ તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમને પોતાને માગતા જ ના આવડે, ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માગજો. ના શીખવવું પડે ? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું ! આ મારું શીખવાડેલું જ છે ને ! એટલે એ સમજી ગયા. પછી કહે છે, આટલું તો થાય, આમાં બધું આવી ગયું !

આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા બે રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માંગજો. ત્યારે મને કહે છે, ‘એ વાત મને ગમી.’

પ્રશ્નકર્તા : પહેલા તો એ જ શંકા હોય કે શક્તિ માગે તો મળે કે નહીં ?

દાદાશ્રી : એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માગ્યા કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા, પણ આપણે આ જે નવ કલમો આપે આપી છે એ રોજે રોજ વાંચવી જોઈએ કે પછી એકવાર વાંચ્યા પછી ભાવના કરવી જોઈએ ?

દાદાશ્રી : ના, એ રોજ રોજ વાંચવાની એટલે ભાવના કરવાની છે રોજ રોજ. રોજ રોજ ભાવના કરોને.

પ્રશ્નકર્તા : એટલે જ્યાં સુધી ભાવના ફિટ ન થાય ત્યાં સુધી વાંચવી જોઈએ ?

દાદાશ્રી : ના, ના, ફિટ થાય કે ના થાય, આપણે આપણી મેળે રોજ બે-ત્રણ વખત વાંચવી. ફિટ ને ના ફિટ જોવાની જરૂર નથી.

પછી આવશે તે વર્તનમાં

પ્રશ્નકર્તા : પણ અમલમાં લાવવા માટે એમાં લખેલું છે, એવું કરવું પડશે ને ?

દાદાશ્રી : ના, આ વાંચવાનું જ. (પછી) અમલ એની મેળે જ આવી જશે. એટલે આ ચોપડી તમારે જોડે ને જોડે મૂકવી અને વાંચવી રોજ. તમને બધું આમાંનું જ્ઞાન આવડી જશે. આ રોજ વાંચતા વાંચતા એની પ્રેક્ટિસ થઈ જશે. તે રૂપ થઈ જશો. આજે એવું ના ખબર પડે કે આમાં મને શું ફાયદો થયો ! પણ ધીમે ધીમે તમને ‘એક્ઝેક્ટ’ થઈ જશે.

આ શક્તિ માગવાથી પછી એનું ફળ વર્તનમાં આવીને ઊભું રહેશે. એટલે તમારે ‘દાદા ભગવાન’ પાસે શક્તિઓ માગવાની. અને પાર વગરની અનંતી શક્તિઓ છે ‘દાદા ભગવાન’ પાસે, જે માગો એ મળે એવી ! એટલે આ માગવાથી શું થશે ?

પ્રશ્નકર્તા : શક્તિ મળશે !

દાદાશ્રી : હા, આ પાળવાની શક્તિ આવશે ને ત્યારે પછી પળાશે. એ એમ ને એમ નહીં પળાય. કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. પહેલા જે શક્તિ માગેલી છે, તે અત્યારે થઈ રહ્યું છે. એટલે તમારે આ શક્તિ માગ માગ કરવાની, બીજું કશું કરવાનું નથી. લખ્યું છે એવું એકદમ થાય નહીં અને એ થશે પણ નહીં. તમારાથી જેટલું થાય એટલું જાણવું કે થાય છે ને આટલું નથી થતું, તેની ક્ષમા માગવી. અને જોડે જોડે આ શક્તિ માગવાની એટલે શક્તિ મળશે.

(પા. ૭)

શક્તિ પહોંચાડશે તે સ્ટેજે

પ્રશ્નકર્તા : આ જે નવ કલમો છે એ હું આઠ મહિનાથી રોજ વાંચું છું. શ્રદ્ધાપૂર્વક ને નિયમિત કરું છું, પણ આમાં જે બધું કહ્યું છે એ દોષો મારા ગયા નથી.

દાદાશ્રી : ના, દોષો અત્યારે કાઢવાના નથી આપણે. આ તો શક્તિ ભરી રાખવાની, તે પ્રગટ થઈ જશે એકદમ. આ તો બધું ખરાબ થઈ ગયેલું, બગડી ગયેલો માલ. તે આ ફરી શક્તિ વીંટીએ એટલે પછી (બધું સુધરે).

પ્રશ્નકર્તા : એટલે નિરાશ થવાની જરૂર નથી એમ ?

દાદાશ્રી : ના, કોઈ જાતની (નહીં), નિરાશ (થવાનું) હોતું હશે ? આ નિરાશ તો ક્યાં પણ આ એક-એક શબ્દ સાવ સોનું છે.

પ્રશ્નકર્તા : બરાબર, એ તો બધું કરું છું હું.

દાદાશ્રી : એટલે આ તો બધી શક્તિઓ ઉત્પન્ન થશે. નવ કલમોની શક્તિ માગ માગ કરે તો એની મેળે જ (પોતે) નવ કલમોમાં જ રહે પછી, ઘણા વર્ષે.

પ્રશ્નકર્તા : આ સ્ટેજે કેવી રીતે, ક્યારે પહોંચી જવાય ?

દાદાશ્રી : આ બોલે એટલે સ્ટેજ ઉપર પહોંચી જવાને માટે તૈયારી થાય, શરૂઆત થાય. તમે આ બોલોને એટલે શક્તિ ઉત્પન્ન થાય અને શક્તિ ઉત્પન્ન થાય એ શક્તિ તમને એ સ્ટેજ ઉપર પહોંચાડશે. દાદા ભગવાન પાસે શક્તિ માગો તો આ શક્તિ તરત આવશે.

શક્તિ પ્રગટ થાય પછી એ શક્તિની તૈયારી થઈ જાય. પછી એની મેળે જ, એ શક્તિ જ કામ કરાવડાવે અને તમને સ્ટેજ ઉપર લઈ જાય, તમારે જવાનું નહીં. માણસ જઈ શકતો હોત તો ક્યારનોય ગયો જ હોય. એ શક્તિ વગર શું જાય ? આ તો માગણી પહેલી કરે, પછી શક્તિ પ્રગટ થાય. શક્તિ ભેગી થાય ત્યાર પછી શક્તિ કામ કરે. એટલે આ તમે રોજ બોલો એટલે એ શક્તિ ધીમે ધીમે પ્રગટ થતી જાય. પછી એ શક્તિ ભરાય ત્યારે કામ આપતી થાય. પણ બોલ્યા વગર શક્તિ પ્રગટ કેમ થાય ? માગણી કર્યા વગર શક્તિ કેવી રીતે પ્રગટ થાય ? ના થાયને ! એટલે આ તમે રોજ બોલવાનું રાખો.

ધીઝ ઈઝ ધી કેશ બેંક

ઘણા લોકોને ઓહોહો... લગભગ હજારો માણસોના દર્દ મટી ગયા છે. આ આટલી જ વસ્તુઓ દેખાડું છું. એટલું બધું બળ છે એમાં ! અને આ વાણી કઈ છે ? માલિકી વગરની વાણી છે આ ! આ જે હું બોલી રહ્યો છું ને, તે માલિકી વગરની વાણી વર્લ્ડમાં હોય નહીં. કો’ક જ વખત હોય. આ ઓરિજનલ ટેપરેકર્ડ બોલે છે, હું બોલતો નથી. એટલે આ માલિકી વગરની વાણી અને સર્વ ધર્મનો સાર છે આ. એટલે જો કરો તો બહુ ઉત્તમ ફળશે તમને. અને ધીસ ઈઝ ધ કૅશ બેંક પાછી, તરત ફળ આપનારી. કારણ કે મહીં દાદા ભગવાન પ્રગટ થયેલા છે. એમને હું હઉ નમસ્કાર કરું છું. હું હઉ આ બોલું છું. એટલે આ ચૌદ લોકનો નાથ છે આ તો. પ્રગટ છે એટલે બોલતાની સાથે બધું ફળ મળે આ.

કૅશ (રોકડી) શક્તિ, ઉધાર નહીં. ઉધાર તો બહુ દહાડા લાવ્યા ને એવા ને એવા રહ્યા. ગરીબ ને ગરીબ રાખ્યા ઉધારીએ ! ગરીબાઈ જતી રહે ત્યારે જાણવું કે ‘હા, રસ્તો લાવ્યા.’

શક્તિ પ્રગટ થઈ આવે વર્તનમાં

પ્રશ્નકર્તા : નવ કલમો અમલમાં ક્યારે મૂકાય ?

દાદાશ્રી : આ બોલો એટલે વર્તનમાં આવે. અહીંથી એરપોર્ટ જવું હોય તો તમે કહો કે ‘એરપોર્ટ ક્યાંથી જવાય ?’ તો હું કહું કે ‘આ રસ્તો તમને

(પા. ૮)

દેખાડી દઉં, એ રસ્તે તમે આવો. એ રસ્તે એરપોર્ટ પહોંચી જવાય.’ એ પછી તમે બહાર નીકળો એટલે એરપોર્ટ દેખાય ? ‘ના.’ એ તો એનો નકશો જાણવો પડે. નકશો જાણ્યા પછી ચાલીએ તો એરપોર્ટ આવે કે ના આવે ? એટલે આ બધું અમલમાં લાવવાનું નથી, એના માટે શક્તિ માગવાની છે. એટલે આ રોજ તમે નવ કલમો બોલવાનું રાખો.

ચૌદ લોકનો સાર સમાયો નવ કલમોમાં

પ્રશ્નકર્તા : દાદાજી, નવ કલમો બહુ સરસ છે. નવ કલમો ગયા વરસે વાંચી તો એમ થયું કે આ યાદ ના રહે.

દાદાશ્રી : યાદ રાખવાનું નથી, બોલવાનું છે.

પ્રશ્નકર્તા : હા, પણ આપણેને એમ કે જોઈને બોલવી પડે પણ એટલી બધી ઈફેક્ટિવ લાગી કે ભલે શબ્દેશબ્દ યાદ ના રહે પણ ભાવાર્થ બધો સવારમાં બોલાઈ જાય આપણાથી, એટલી બધી ઈફેક્ટિવ છે !

દાદાશ્રી : હં, બહુ ઈફેક્ટિવ છે, એ ઘણી ઈફેક્ટિવ છે.

આ નવ કલમો મોટામાં મોટી ભાવનાઓ છે. એમાં બધો આખો સાર આવી જાય ! ચૌદ પૂર્વનો સાર આવી જાય છે, તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. એટલી ભાવના જ કર કર કરે તોય બહુ થઈ ગયું.

બધા ધર્મના પુસ્તકો વાંચે ત્યારે ધર્મ કહેવાય. ધર્મ સો ટકા થાય ત્યારે મર્મ નીકળવાની શરૂઆત થાય. સો ટકા મર્મ થાય ત્યારે મર્મ પામ્યો કહેવાય. ત્યારે કહે છે, અર્ક નીકળવાની શરૂઆત થાય. આ જ્ઞાનાર્ક છે બધું. નવ કલમો તો આખા તમામ શાસ્ત્રોનો અર્ક છે. માટે અવશ્ય બોલવી.

આ નવ કલમો લખી છે, એ ચૌદ લોકનો સાર છે. આખા ચૌદ લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ આ કાઢીને મેં મૂક્યું છે આટલામાં. અમારા મહાત્માઓને કેવા પુણ્યશાળી કે લિફટમાં બેઠાં બેઠાં મોક્ષમાં જાય છે ! ફક્ત હાથ બહાર કાઢવાનો નહીં, એટલી શરત.

આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય. એ ભાવના ભાવે એટલે પૂર્ણ થવા માંડે. ભાવના તો એટલી જ કરવા જેવી છે.

અભિપ્રાય મુક્ત કરાવે નવ કલમો

પ્રશ્નકર્તા : દાદા, એ મેં જોયું કે અભિપ્રાય ફરી જાય છે બધા. આ દાદાનું આ જે પણ કરે છે, એમાં એવી કોઈ ભૂલ દેખાતી નથી પણ આ લોકોને કેમ નથી સમજાતું ? કોઈ જીવને દુઃખ નથી, કોઈ ધર્મનાને પ્રમાણ નથી દુભાવતા, બધી જ વસ્તુ આની અંદર છે તો કેમ સમજાતું નથી ?

દાદાશ્રી : એ સમજવું સહેલું નહીંને !

પ્રશ્નકર્તા : દાદા, આ આખા સેન્ટન્સો (વાક્યો) જે છે, એમાં એક પણ એવું સેન્ટન્સ નથી કે જ્યાં પોતે બંધાય. પોતે મુક્ત થતો જાય. એ જ અનુભવ થયાને !

દાદાશ્રી : બહુ વિચારવા જેવું છે.

પ્રશ્નકર્તા : આ બીજા ધર્મોમાં જેમ આપ કહો છો ને કે સાબુ હોય, કપડાં ધોતા હોય તો સાબુ એનો મેલ મૂકતો જાય. પછી ટિનોપોલથી ધુઓ તો તે ટિનોપોલનો મેલ લાગે એવી દરેક ધર્મની બધી ક્રિયાઓ છે. જ્યારે આ ચરણવિધિ, નમસ્કારવિધિ, નવકલમો એ બધી જ વસ્તુથી મુક્ત કરે છે.

દાદાશ્રી : એ છૂટેછૂટાં.

પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ જગાએ જીવને બંધન નથી.

દાદાશ્રી : આનો શુદ્ધ હેતુ છે. વિજ્ઞાન છે ને, અક્રમ વિજ્ઞાન ! કોઈ કાળે આવું જોયેલું જ નહીં ! સાંભળેલું જ નહીંને !

(પા. ૯)

નથી કરવાપણું નવ કલમોમાં

આ કલમોમાં કરવાનું કશું કહ્યું નથી અમે. એવી કલમ ખોળી કાઢો, એકુંય કલમમાં કરવાનો શબ્દ આવ્યો હોય તો. આ અક્રમ વિજ્ઞાનના આધારે છે.

પ્રશ્નકર્તા : એવી શક્તિ આપો, એટલે શક્તિ આપો એવું કરવાનુંને ?

દાદાશ્રી : ના, મૂઆ નથી કરવાનું. કરવાનું હોય તો તપાસ કરો, જુઓ. એ વાક્યની રચના કેટલી, કરવાપણાનો મહીં આ ભાવ જ ના આવે.

મૃદુ-ઋજુ ભાષા કરવાની નથી. તું આવી ભાવના ભાવ, કહીએ. અત્યારે એ કઠોર બોલતો હોય તેની જોડે આપણે મૃદુ-ઋજુ કરવા જઈએ તો મૂરખ બનીએ. કઠોર સામે કઠોર થતી હોય પણ ભાવના આ કરો, કહે છે. ભાવના સહેલામાં સહેલી વસ્તુ, અહંકારનો કેફ ચઢે નહીં અને પેલું તો ‘કરો.’ એટલે કહેશે, ‘કરું.’ એટલે થઈ ગયો કર્તા.

પ્રશ્નકર્તા : દાદા, એવી વાત ખરી કે ભાવ કરવાથી પાત્રતા વધે ?

દાદાશ્રી : ખરો પુરુષાર્થ જ ભાવ છે. આ (ક્રિયા) બધી કશું નહીં. આ કર્તાપદ એ તો બંધન પદ છે અને આ ભાવ એ છે તે છોડાવનારું પદ છે.

પ્રશ્નકર્તા : ભાવ એ છોડાવનારું પદ છે ?

દાદાશ્રી : હં, અને કર્તાપદ બધું બંધન પદ છે. ‘આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ફલાણું કરો’, તે લોક બંધાયાને ! ખરેખરા સજ્જડ બંધાયા છો ને ? લોક બંધાયેલા છે એવું તમે નથી જોયેલું ?

પ્રશ્નકર્તા : આ કાળમાં અત્યારે નવ કલમોની ખૂબ જરૂરિયાત છે.

દાદાશ્રી : એટલા માટે તો આપણે (આ આપીએ) છીએ બધાને.

પ્રશ્નકર્તા : એ નવ કલમો વાંચે તો વાંચતા વાંચતા ઑટોમૅટિક એને સમજ ઊભી થઈ જાય એવું છે.

દાદાશ્રી : હા, કારણ ગમે તે માણસ હોય તોય એને ફિટ થાય એવું છે.

અડચણો દૂર થયે શાંતિ

આ ‘જ્ઞાન’ આપીએ છીએ તે દહાડે શું થાય છે ? જ્ઞાનાગ્નિથી એના જે કર્મો છે તે ભસ્મીભૂત થઈ જાય છે. બે પ્રકારના કર્મો ભસ્મીભૂત થઈ જાય છે અને એક પ્રકારના કર્મો રહે છે. જે કર્મો વરાળરૂપે છે, એનો નાશ થઈ જાય છે અને જે કર્મો પાણીરૂપે છે, એનો પણ નાશ થઈ જાય છે અને જે કર્મો બરફરૂપે છે, તેનો નાશ નથી થતો. બરફરૂપે છે એ કર્મો ભોગવવા જ પડે છે, કારણ કે જામી ગયેલા છે. કર્મ ફળ આપવાને માટે તૈયાર થઈ ગયું છે, એ છોડે નહીં પછી. પણ પાણીરૂપે અને વરાળરૂપે કર્મો હોય, એને જ્ઞાનાગ્નિ ઉડાડી મૂકે. એટલે જ્ઞાન મળતા જ એકદમ હલકાં થઈ જાય છે લોકો, એમને જાગૃતિ એકદમ વધી જાય છે. કારણ કે કર્મો ભસ્મીભૂત થાય નહીં, ત્યાં સુધી જાગૃતિ વધે જ નહીં માણસને ! આ બરફરૂપેના કર્મો તો આપણે ભોગવવાના જ રહ્યાં. અને તેય પાછા સરળ રીતે કેમ ભોગવાય, એના બધા રસ્તા અમે બતાડ્યા છે કે ‘‘ભઈ, આ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલજે, ત્રિમંત્ર બોલજે, નવ કલમો બોલજે.’’

વ્યવહારમાં આવ્યા છે એટલે અડચણો બધી હોય છે ને દોષો બધા બેઠા છે અંદર, તે નવ કલમો બોલવાથી છૂટી જાય અને તમારામાં શક્તિ વધે એકદમ.

આ નવ કલમો ને આ ત્રિમંત્ર બધું બોલેને, પછી શાંતિ (ફરી) અશાંતિ થાય જ નહીં. કેટલીક જગ્યાએ તો, અમદાવાદમાં તો કેટલાક માણસો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ એક કલાક બોલે

(પા. ૧૦)

છે તે દાદા ત્યાં દેખાય છે હઉ ! અમને બધા કહી જાય છે પાછા. એમને શાંતિ કાયમ જ રહે, આખો દહાડોય. ત્યારે એટલું જ જોઈએ છે ને ? શાંતિ રહે તો નવા કર્મ ખોટા બંધાય નહીં. અને આ જ્ઞાન આપણું હોય, ત્યાં તો બિલકુલ રહ્યું જ નહીંને ! જ્યાં જાય (ત્યાં) આજ્ઞામાં રહેતો હોય, તેને કશું જ રહેતું નથી.

કર્મના બધા ગોટા આવે ને ત્યારે ગૂંગળામણ થાય, ત્યારે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ બોલો. એક કલાક બોલાવીએ તો બધી ગૂંગળામણ ઊડી જાય હડહડાટ. મંત્રો બોલાવીએ, પેલી નવ કલમો બોલાવીએ. નવ કલમો વધારે બોલાવવી જરા. એટલે ચિંતા ના થાય. નિરંતર સમાધિ રહે આ માર્ગે. આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરે આ, છેલ્લું સ્ટેશન !

આ ત્રિમંત્રો ને નવ કલમો છે ને, એ બધું બોલશે તો સંસારની અડચણો આવતી હોય તે ઓછી થઈ જાય. એટલે તમને કોઈ પણ દુઃખ રહેશે નહીં ને સંસારેય બહુ સુંદર ચાલશે.

પાપો ભસ્મીભૂત થાય આ ભાવના ભાવવાથી

આ ચોપડી અહીં આપી છે ને તમને, એ વાંચશો તો બધા નિરાકરણ થઈ જશે. નવ કલમો ને એ બધું જો રોજ વાંચશો અને ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, સીમંધર સ્વામીની (પ્રાર્થના) એ બધું કરશો તો બધા કર્મો-ઝઘડાં ઊડી જશે અને કુટુંબને મુશ્કેલી નહીં પડે. નવ કલમો વાંચશો તો પાપો ભસ્મીભૂત થઈ જશે. ખાલી ભાવના કરવાથી જ.

આ નવ કલમો છે ને, એ અજાયબ શોધખોળ છે ! વ્યવહારના માટે આટલું બહુ થઈ ગયું. આટલું રોજ બે-ત્રણ વખત વાંચેને, તો કલ્યાણ થઈ જાય. ખાલી વાંચેને પછી એમ કરતા કરતા જ્યારે મોઢે યાદ રહી એટલે ભાવના કર્યા જ કરે. બસ, આ ભાવના જ કર્યા કરવાની.

પ્રશ્નકર્તા : હુમલો કરે એની ઉપર પ્રતિકાર ના કરવો હોય તો શું કરવાનું ?

દાદાશ્રી : કશુંય કરવાનું નહીં. તમારે જે કોઈ ભગવાનનું નામ જાણતા હોય તેનું તમારે નામ દેવું. ગમે તે મંત્ર બોલતા હોય તે, બોલો. આ નવ કલમો બોલે તો બધો પ્રતિકાર ઊડી જાય. એટલે મેં કહ્યુંને, કે કોઈ ટૈડકાવે તે ઘડીએ મારા કર્મનો ઉદય છે, એમ માનીને તે તમે એ રસ્તો પકડી લો. એને માટે શક્તિ આપું, તમને જોઈતી હોય તો.

પ્રશ્નકર્તા : હા, એ શક્તિ આપો તો બરાબર...

દાદાશ્રી : તમામ શક્તિ, તમે માગો એ મળે એવી છે. કઈ માગવી છે કહો.

અવ્યક્ત શક્તિ વ્યક્ત થાય

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલ ધોવાઈ જાય એના માટે છે આ ?

દાદાશ્રી : એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.

શક્તિ તો આખી છે જ મહીં, પણ અવ્યક્તરૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ (રિલેટિવનું) બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણું-ખરું ઓછું થઈ ગયુંને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. અવ્યક્ત શક્તિ વ્યક્ત થાય.

મહત્વ છે બોલાયા પાછળના ભાવનું

પ્રશ્નકર્તા : પણ આપણે એમ બોલીએ કે

(પા. ૧૧)

ક્યારેય પણ નહીં કરું, તો એ પછી ભવિષ્યની વાત થઈને કે ક્યારેય હવે ફરીવાર મારાથી થાય નહીં.

દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. તમે અત્યારે બોલો કે ક્યારેય પણ નહીં કરું. પછી મનમાં શંકા હોય તો તમે કશું કરવાના છો એ નક્કી થઈ ગયું. અત્યારે બોલો, પછી જે થઈ ગયું એ જુદું છે અને બોલ્યા એ જુદું છે.

પ્રશ્નકર્તા : ના, પણ કરવાની ઈચ્છા નથી એવો ભાવ તો નાખીએ છીએ ને ?

દાદાશ્રી : બસ, એટલો ભાવ જ જોઈએ, બીજું કશું જોઈતું નથી. એ શેના આધારે ચાલે છે તે હું જાણું છું. મારે તો આટલું જ જોઈએ તમારું.

પ્રશ્નકર્તા : નવ કલમો છે એ નવેનવ કલમો બોલવાની કે એમાં કંઈક છૂટછાટ છે ?

દાદાશ્રી : ના, છૂટછાટ એકુંય હોય જ નહીં. આ નવ કલમોમાં આ બધું પ્રતિક્રમણ આવી જાય, એ બધું સાચું પ્રતિક્રમણ.

એટલે આ કલમો ભાવે ને, એટલે આવતો ભવ જે આપણે કરવાનો છે ને, તે હવે બધી એની જ આપણે તૈયારી કરી રહ્યા છીએ, એ બધું ચોખ્ખું કરવાની.

નવ કલમો આજ્ઞારૂપે

પ્રશ્નકર્તા : દાદા, નવ કલમો ને એ બધું ભક્તિ કહેવાય કે આજ્ઞા કહેવાય ?

દાદાશ્રી : એ આજ્ઞા કહેવાય.

પ્રશ્નકર્તા : નવ કલમો તે સાંભળનારને શું ફાયદો થાય અને બોલનારને શો ફાયદો થાય ?

દાદાશ્રી : પાંચ આજ્ઞામાં રહેવાનો ફાયદો થાય.

પ્રશ્નકર્તા : એટલે પાંચ આજ્ઞામાં વધારે રહેવાય ?

દાદાશ્રી : ડખલો બધી ઓછી થઈ જાયને !

પ્રશ્નકર્તા : અને એ સાંભળનારને ?

દાદાશ્રી : સાંભળનારને હઉ એમાં ફાયદો છે. જેની આવી ઈચ્છા છે કે બધા પાંચ આજ્ઞામાં સારી રીતે રહે, તો એ ઈચ્છાથી સાથે એનું પણ એટલું થાય. એટલે બહુ લાભદાયી.

પ્રશ્નકર્તા : એટલે તે વખતે ભાવ કેવો રહે છે ? જાગૃતિમાં કેવું રહે છે ?

દાદાશ્રી : એ તો એના પોતાના (ભાવ) પર આધાર.

પ્રશ્નકર્તા : કેસેટ વગાડીએ અને એ સાંભળે તો સાંભળનારાને કેટલો ફાયદો થાય ?

દાદાશ્રી : એવો ને એવો જ થાય.

પ્રશ્નકર્તા : એટલો જ થાય ?

દાદાશ્રી : બીજો શો થાય ? એ તો વાત સાંભળી એટલે મહીં છે તે એટલું અવેરનેસ (જાગૃતિ) આવી જાય ને આજ્ઞા પળાઈ જાય.

છૂટે ઋણાનુબંધના તાર

પ્રશ્નકર્તા : દાદા, આ જે આપણે નવ કલમો બોલીએ છીએ, એ પરમ વિનયના જ ભાવ છે ?

દાદાશ્રી : ના, એટલે પાછલું બધું જેમ કે જેને ને તેને સળીઓ કરી, જેને ને તેને અવળું બોલેલા, આમતેમ એ બધું ભૂંસાઈ જાય. જગતની જોડે ઋણાનુબંધ છોડવા માટે આ નવ કલમો છે. છૂટવું ના જોઈએ ? આ નવ કલમો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે જે તાર બંધાયેલા છે તે ઋણાનુબંધ તમને છૂટવા દેતું નથી. તે આ તાર છૂટવા માટે નવ કલમો છે.

આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય, તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય.

(પા. ૧૨)

નવ કલમો પ્રતિક્રમણ રૂપે

દાદા ભગવાનની નવ કલમો મૂકાઈ છે ને, એ આખા જગતને કલ્યાણકારી એવું પ્રતિક્રમણ છે. કારણ કે અતિક્રમણથી ઊભું થયું છે જગત. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ સાધન નથી. આ ઊંચામાં ઊંચું સાધન છે.

એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે, જબરજસ્ત પ્રતિક્રમણ છે. બધું એમાં આવી ગયું. આ આવી કલમો નીકળેલી નહીં કોઈ જગ્યાએ. જેમ આ બ્રહ્મચર્યનું પુસ્તક નીકળેલું નહીં, એમ આ કલમોય નહીં નીકળેલી. કલમો તો જો વાંચેને, એક જ અવતારમાં મોક્ષ થઈ જાય. એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય.

આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. આ એટલું સમજવા જેવું છે. પ્રત્યાખ્યાન કરીને કરો આ બધું, સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારે દેશમાં (મોક્ષમાં) જતા રહેવાનાને !

નિર્જરે દોષો ને શમે વેર

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઈચ્છા છે, બધું છે, અભિપ્રાયથીય છે.

દાદાશ્રી : એ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષ થઈ ગયેલાને, એ બધા બોલવાથી ઢીલા થઈ જાય અને પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા દોષો થઈ જાય. તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય.

પ્રશ્નકર્તા : નવ કલમો વાંચે છે ને, તો સૂક્ષ્મ દોષો બહુ પકડાય છે.

દાદાશ્રી : એ નવ કલમો તો બધું, આખા દોષો ઊડાડીને ભૂક્કા કાઢી નાખે એવી છે. પણ સમજાય તો ને ? માણસ જો સમજે તો નવ કલમો બોલે. અને ‘શક્તિ આપો’ એટલું જ બોલવાનું. આપણે કરવાનું કશુંય નહીં. ‘આપો’ એટલી માગણી જ કરવાની.

પ્રશ્નકર્તા : એટલે દાદા, પહેલા જે દોષ પકડાતા’તા એનાથી સૂક્ષ્મ પકડાઈ જાય છે.

દાદાશ્રી : હા, પકડાઈ જાયને. બીજે વેર બધું બંધ થઈ જાય. તે બધા વેર પૂરા થઈ જાય. આખા જગતના વેર થયેલા શમી જાય એવી આ નવ કલમો છે.

આ નવ કલમોથી તો દુનિયા જોડે જે તમે ગુના કર્યા હોય, તે બધા અડધા માફ થઈ જાય. અને તો ભગવાન રાજી થાય, નહીં તો ભગવાન શી રીતે રાજી થાય ?

મન રહે સંયમમાં

પ્રશ્નકર્તા : દાદા, અમે અહીંયા (વિદેશમાં) જેટલો વખત છીએ ત્યાં સુધી ભાવના એવી રાખીએ કે ત્યાં (ભારત) પાછા આવતા રહીંએ, તો તમારી સાથે સત્સંગ થાય. પણ ત્યાં સુધી એવું અમે શું કરીએ સાથે અહીંયા નિયમમાં રહીને કે જેથી બેટરી ચાર્જ થયા કરે, એની મેતે.

દાદાશ્રી : હા, એ દાદાનું નિદિધ્યાસન, આંખો મીંચીને દાદા દેખાયા જ કરે, (એ રીતે) ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવા. પછી પેલી નવ કલમો ખૂબ બોલવી. નવ કલમો તો ખૂબ જ બોલવા જેવી છે.

આ કલમોનું વાંચન થાય તો વિચારોમાં ઘણો ફેરફાર થઈ જાય. નવ કલમો બોલોને તો જેના આધારે તમારું મન બધું આજુબાજુ તણાય છે ને, તે તણાતું બંધ થાય, ગુનાઓ કર્યા છે એ ગુના બધા ઓછા થઈ જાય. ત્યાર પછી આ જ્ઞાન રહે બરોબર. એટલે આ બધું જે મેં દેખાડ્યું છે ને એટલું કરો તો બહુ થઈ ગયું.

(પા. ૧૩)

નવ કલમોના સ્મરણે રહે જાગૃતિ

પ્રશ્નકર્તા : દાદા, જ્યારે ભરેલો માલ નીકળે તો એ ટાઈમે આપણે આત્મામાં જ રહીએ, એને માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણને ખબર પડે કે આ ભરેલો માલ છે. અને તે આપણે કામમાં જ રહીએ ને એ બાજુએ જતા રહીએ, પછી આપણે સાંભળતા જ નથી. આપણે ભરેલો માલ આવે ને, તે અંદર તો એક જાતની વિધિ નક્કી કરી રાખેલી હોય કે મારે આ વિધિ બોલવી છે. એનું નક્કી રાખેને એક્ઝેક્ટ, તે એ બોલે તો પેલો માલ જતો રહે એની મેળે.

પ્રશ્નકર્તા : એ બરોબર. આપ કહો એ થાય છે, એ પડ નીકળી જાય છે.

દાદાશ્રી : હા, બસ.

પ્રશ્નકર્તા : તે વખતે બિલકુલ જરાય સ્પર્શે જ નહીં.

દાદાશ્રી : અમે જ્યારે જ્ઞાન થયુંને ત્યારે ભરેલો માલ નીકળતો’તો, ત્યારે આવી વિધિ ગોઠવેલી હોય. તે ભરેલો માલ આવો નીકળે ત્યારે અમે વિધિ શરૂ કરીએ.

પ્રશ્નકર્તા : પણ એ જેટલો નિરંતરનો પ્રવાહ વહે છે ભરેલા માલનો, એટલી નિરંતરની જાગૃતિ રહેવી જોઈએ ને ?

દાદાશ્રી : હાસ્તો.

પ્રશ્નકર્તા : આમ એટલી જ નિરંતરની જાગૃતિ હોય તો જ એ પહોંચી શકે એને ?

દાદાશ્રી : ના, પણ એ તો જાગૃતિ જોઈએ. અને એ છે જ આપણા મહાત્માઓને, પણ એ જરાક કૈડ આપે છે ને, એટલે હારી જાય છે.

કર્મના ઉદય સામે ગોઠવણી

પ્રશ્નકર્તા : નહીં, ક્યારેક તો ગમે એટલો મોટો ઉદય હોય તો પણ એમાં સમતાભાવે નીકળી જાય. પણ ક્યારેક આ બાજુ સંસારના બીજા કામમાં જો તે વળેલો હોય તો તે વખત સુધી પેલું આત્માનું જે લક્ષ હોય છે, એ પેલું વળી ગયું હોય છે. તે અંદરનું લક્ષ ત્યાં વળી ગયું, એટલે પેલો એ તકનો લાભ લે નહીં, એવું બધું કરે.

દાદાશ્રી : હવે એ સંસારમાં જે વળે છે...

પ્રશ્નકર્તા : ભલે એ સત્સંગનું કામ હોય પણ એ કામમાં વળેલું હોય.

દાદાશ્રી : આ સત્સંગના કામમાં કોઈ વળેલો હોયને, તો તે વખતે ભાગી જાય પેલા.

પ્રશ્નકર્તા : પણ ના, તે વખતે આવે પણ આત્મા બાજુ હોય તો પછી ન આવે.

દાદાશ્રી : આવે પણ આપણે જો કામમાં રહીએને તો એ બેસે નહીં બહુ વાર. બેસાય નહીં એમનાથી. રાહ ના જુએ, એ જતા રહે પાછા.

પ્રશ્નકર્તા : નહીં, એ જતા રહે છે પણ છતાં થોડો ટાઈમ તો...

દાદાશ્રી : એ તો આવી તેવી ગોઠવણી કરવી જોઈએ. હવે તમે છે તે આમ બહારનું લખાણ કે એવું તેવું ગોઠવો, જ્યારે અમે છે તે અંદર બીજો વ્યવહાર ગોઠવી દઈએ. આ જે ચોપડીઓમાં લખેલો છે એને, પેલી નવ કલમો ને એ બધું અમારે ગોઠવાયેલું હોય. એવી કેટલીય કલમો ગોઠવાયેલી હોય, તે કલમો જ ચાલ્યા કરે બધી. એટલે બે-ત્રણ કલાક તો અમારા એમાં જ જવાના.

પ્રશ્નકર્તા : રોજ બે-ત્રણ કલાક ?

દાદાશ્રી : હા, રોજ બે-ત્રણ કલાક અમારા એમાં જ જવાના. હવે તે દહાડે જરૂર હતી. તે દહાડે ગોઠવેલું એ કે જ્યારે પેલો બીજો માલ આવતો’તો. તે અત્યારે તો આવતો નથી પણ...

(પા. ૧૪)

પ્રશ્નકર્તા : એ કલમો કઈ હતી ? એ સામેની કલમો હોય ? એના બચાવ માટેની કલમો હોય ? આ કલમો જે કંઈ પણ હશે, તે પહેલા રોજ ઉદયમાંથી બચવા માટે હોય ?

દાદાશ્રી : ના, એમાં (ઉદયમાં) એ રંગાય નહીં ને આપણને અડે નહીં એ.

પ્રશ્નકર્તાý : એ બચી જવાય, આપણે રંગાઈએ નહીં.

દાદાશ્રી : એ પૂરણ થયેલું આપણને દઝાડે નહીં અને કપડું બગાડે પણ ડાઘ ના પડે.

પ્રશ્નકર્તા : તો દાદા, એકાદ-બે દાખલો આપોને એવા વિધિના.

દાદાશ્રી : એ નવ કલમો અમારી વિધિનો જ એક ભાગ છે. પછી એ લક્ષ યાદ રહે અને તે પછી એની મહીં એ કર્યા કરે. એ ભાવનાઓ ભવાય.

પ્રશ્નકર્તા : ભાવના ભવાય એટલે પેલા ઉદયનો પ્રવાહ હોય એનું જોર તૂટી જાય.

દાદાશ્રી : હા.

પુદગલના આધિપત્ય સામે ઉપયોગ

પ્રશ્નકર્તા : પુદગલનું આધિપત્ય થાય ત્યારે શું કરવું ?

દાદાશ્રી : પુદગલને તો બસ, તમારે જોયા કરવાનું. આધિપત્ય ગમે તેવું હોયને, તમારે જોયા કરવાનું. અને તેમ છતાં પુદગલને, ચંદુભાઈને કહેવું કે ત્રિમંત્ર પેલામાં (પુસ્તક) છે, એ ત્રણે મંત્રો બોલો. એમાં જે નવ કલમો છે એ બોલવાથી બધા પરિણામ બદલાઈ જશે. એટલે આપણે જેમ તેમ કરીને એમને રાગે પાડ પાડ કરવું. એટલે આ નવ કલમો તો ડાહ્યા માણસોએ મોઢે કરી રાખવી જોઈએ અને હેંડતા-ચાલતા બોલવી.

પ્રશ્નકર્તા : મનમાં જ રાખવી જોઈએ.

દાદાશ્રી : હા, અત્યારે ચંદુભાઈ જતા જતા બોલતા જાય. રસ્તોય કપાય અને આય થાય.

પ્રશ્નકર્તા : અને શક્તિ મળે પાછી.

દાદાશ્રી : હા, જબરજસ્ત શક્તિ ઉત્પન્ન થાય !

એ બોલાય ગમે ત્યાં, ગમે ત્યારે

પ્રશ્નકર્તા : આ કલમો કામ કરતા હોય કે ગાડી ચલાવતા હોય કે ગમે ત્યારે બોલાય ખરી આખો દિવસ કે એક જગ્યાએ બેસીને જ બોલવી જોઈએ ?

દાદાશ્રી : એની ટાઈમ (કોઈ પણ સમયે) બોલાય. મન જો બીજી જગ્યાએ કૂદતું હોય તોય બોલાય. તો એમાંથી ભાગ પડાવશે આ.

આપણે આ નવ કલમો વાંચીએને, તે ઘડીએ આપણું ધ્યાન કયું હોય ? ધર્મધ્યાન હોય, કે અધર્મ કરવો નથી.

ધર્મધ્યાન હોય તો જ થાય એ. અને ધ્યાન પૂરેપૂરું ના હોય તો બડબડ વાંચી જાય પણ ભલીવાર ના હોય અને અહીં તો બધાય એમ બોલતા હતા, તે ધ્યાનપૂર્વક બોલતા હતાને ? એ ધર્મધ્યાન શું આપે ? કે આવતા ભવની બધી સહીસલામતી અને આ ભવની. આ તો ડિસ્ચાર્જ છે એટલે આ ભવની સહીસલામતી. કારણ કે ડિસ્ચાર્જ છે એ ધર્મધ્યાન, અને એનું ફળેય ધર્મધ્યાન છે. એટલે આ ભવમાં સલામતી વધે, પાછલી જિંદગીની.

પૂર્વના હિસાબોથી છૂટાય કલમો થકી

પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને ?

દાદાશ્રી : ના, ના. અક્રમ માર્ગમાં એવી શુદ્ધતાની જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધાની જોડે બંધાયેલા હોય અનંત અવતારના,

(પા. ૧૫)

એ હિસાબથી છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે.

આ નવ કલમો બોલેને, એટલે એમની જોડેનું જે ઋણાનુબંધ, હિસાબ બધો સંપૂર્ણ ચૂકતે ના થઈ જાય. ગાંઠ રહે પણ બળેલી ગાંઠ જેવી રહે. એવું કામ રહે નહીં પછી. અહીં અત્યારે એનો રસ ઊખડી જાય બધો, આ બોલવાથી.

આ બાજુ વલણ છે એ વાત નક્કી પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ. વલણ તો હોય. વલણ તો.. સાધુ-સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઈચ્છા હોય જ ને ! પણ તે ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : ડિઝાઈનપૂર્વક એટલે કઈ રીતે, દાદા ?

દાદાશ્રી : એમાં જે લખ્યું છે એ પ્રમાણે.

પ્રશ્નકર્તા : એવા જ ભાવ રહેવા જોઈએ ?

દાદાશ્રી : એક્ઝેક્ટનેસમાં.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : બાકી આમ તો સાધુ-સંતોને માટે હેરાન નથી કરવા એવું હોય, પણ એ કરે છે જ. એનું કારણ શું છે, ત્યારે કહે, ડિઝાઈનપૂર્વક નથી એનું. એ ડિઝાઈનપૂર્વક હોય તો ના થાય.

ડિઝાઈન આવશે દાદા ભગવાન થકી

પ્રશ્નકર્તા : (એટલે) આ જે નવ કલમો છે એ સમજપૂર્વક અને ભાવપૂર્વક બોલાવી જોઈએ એમ કહેવાય ?

દાદાશ્રી : ના, એવું કશું સમજપૂર્વક અને ભાવપૂર્વક નહીં.

અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માંગો ફક્ત. શક્તિ તમને એક્ઝેક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજપૂર્વક કરવાનું ના હોય, આ થાય જ નહીં. માણસ કરી શકે નહીં સમજપૂર્વક. જો સમજીને કરવા જાય ને, થાય નહીં. કુદરતને સોંપી દેવાનું. એટલે ‘હે દાદા ભગવાન ! શક્તિ આપો’, એટલે શક્તિ ઈટસેલ્ફ (પોતાની જાતે) ઊગે, એક્ઝેક્ટ આવે.

શાથી એવું હું બોલ્યો હોઈશ, શક્તિ માંગજો ? ‘શક્તિ આપો’ એમ ?

પ્રશ્નકર્તા : અત્યાર સુધી લોકોએ પૌદ્ગલિક માંગણી કરેલી છે, ભૌતિક સુખોની, જ્યારે હવે લોકો આ તરફ વળે એટલા માટે શક્તિ માંગવાનું લખ્યું છે.

દાદાશ્રી : પોતે કરી શકે નહીં ડિઝાઈન. મૂળ ડિઝાઈન શી રીતે કરી શકે ? એટલે આ ઈફેક્ટ છે. શક્તિ જે આ માંગીએ છીએ, એ કોઝ છે અને આવશે ઈફેક્ટ. તે ઈફેક્ટ પણ કોની મારફત આવે છે ? દાદા ભગવાનની મારફત. ગોઠવેલી ઈફેક્ટ ભગવાનના થ્રૂ (થકી) આવવી જોઈએ.

શક્તિ માગો, વર્તન આવશે પછી

પ્રશ્નકર્તા : દાદા, છતાં નવ કલમો વર્તનમાં રહે, એવી હજી આમ ઈચ્છા રહ્યા જ કરે.

દાદાશ્રી : વર્તન રાખવાનું નહીં. નવ કલમોની શક્તિ માંગ માંગ કરવાની. વર્તન તો આવતા ભવમાં ઊભું થવાનું.(મારો) કહેવાનો ભાવાર્થ એવો કે અહીં બીજ રોપશો તો પછી વર્તનમાં આવશે ને ત્યાર પછી કામ થશે. બીજ જ રોપ્યા નથી પછી વર્તનમાં શી રીતે આવે ? આ તો વરસાદ-પાણી નાખ નાખ કરાવડાવે. નહીં ઊગે, મૂઆ. બીજ રોપ્યું નથી, તે શી રીતે ઊગે ?

ભાવના ભાવો જાગૃતિપૂર્વક

પ્રશ્નકર્તા : એટલે આવી જે ભાવના છે, એ ભાવના જો ભાવે તો એ ઉત્તમ કહેવાયને ?

(પા. ૧૬)

દાદાશ્રી : ખરાબ ભાવ તો ઊડી ગયા ! એમાંથી જેટલું થયું એટલું ખરું, કમાયા એટલું. પણ જે ખરાબ ભાવ હતો તે તો ઊડી ગયો.

પ્રશ્નકર્તા : બીજં કશું કરે નહીં પણ આવી ઉચ્ચ ભાવના ભાવ્યા કરે તો એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય ?

દાદાશ્રી : ના, મિકેનિકલ કેમ કહેવાય ? મિકેનિકલ તો એ વધારે પડતો એમ ને એમ પોતાને ખ્યાલમાં ન રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલી. ભાવના ભાવે તો બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : પણ આ પ્રમાણે દરરોજ બોલીએ પછી એ બોલવાનું મિકેનિકલ ના થઈ જાય ?

દાદાશ્રી : એ તો ગોખ્યું કહેવાય. ગોખેલું ચાલે નહીં. એ તો ભાવ ભાજન (ઈચ્છા, લગની) સાથે જ બોલવી જોઈએ, નવ કલમો. એક-એક શબ્દ ભાવ ભાજન સાથે જ બોલવાનો. પણ એ ઉપયોગપૂર્વક બોલવાનું છે, ગોખવાની ચીજ ન્હોય આ, ઉપયોગપૂર્વક બોલવાની ચીજ છે. એમાં શું વાંધો છે, ઉપયોગપૂર્વક બોલવામાં ? ઘરે એવું બોલાય કે ના બોલાય ઉપયોગપૂર્વક ? આ (પ્રાતઃવિધિમાં) પાંચ વખત બોલે, આ નવ કલમો બોલે, ત્રિમંત્ર બોલે, ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર.’ પછી બીજું બોલવાનું શું રહ્યું ? કશું અડે જ નહીં સંસાર. પછી છો ને સંસાર ચોગરદમનો ફરી વળે. આ અક્રમ વિજ્ઞાન સર્વસ્વ રીતે મુક્તિ આપે એવું છે !

પ્રશ્નકર્તા : દાદા, નવ કલમો તો ગોખાઈ ગયેલાની માફક ગમે ત્યારે બોલાય, ગોખાઈ ગયું હોય એટલે બોલ્યા કરે, તો પછી એનું પરિણામ શું આવે ?

દાદાશ્રી : ખરું તો એવું છે ને, નિરાંતે બેસીને જમે તો એમાં મનને, બુદ્ધિને, ચિત્તને બધાને અંદર સંતોષ થઈ જાય. અને ગમે એમ રસ્તે ચાલતા હોયને, કામ કરતો જાય ને ખાતો જાય, એનો કંઈ ભલીવાર આવે ? સંતોષ ના થાય એ બધો. તો આપણે હરેક કાર્યની અંદર સંતોષ થાય એવી રીતે કરીએ. આપણે શી ઉતાવળ છે ? જે ગૂંચાયેલો માણસ હોય એ એવું કરે તો તે કંઈ ગુનો નથી, પણ તમે ગૂંચાયેલા નથી. તમારી સ્ટેજ જુદી જાતની છે. તમે કંઈ ગૂંચાયેલા છો ?

પરિણામ પછી આવશે

પ્રશ્નકર્તા : આપણે રોજ નવ કલમો બોલીએ કે ભગવાનની પ્રાર્થના કરીએ, તે આપણે સારું કરીએ છીએ કે પરિણામ પામે છે એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : આપણે એ પરિણામ તો પછી આવશે. એનું રિઝલ્ટ તો આવે ને ? આપણે પરીક્ષા આપીએ તે રિઝલ્ટ આવે એટલે ખબર ના પડે કે આપણે શાની પરીક્ષા આપી’તી ? રિઝલ્ટ આવે એટલે.

આ બોલવાથી આત્મા તરફ જવાય

આ નવ કલમો, આ સાચી વાત મહીં. આ બોલેને, તે આ આત્મા માટે બોલશે. બીજું બધું આ સંસારને માટે બોલશે.

પ્રશ્નકર્તા : આ આત્મા માટે છે પણ છતાં થઈ જાય આ બધી ક્રિયાઓ જે કહી કે ‘કોઈનો અવર્ણવાદ નહીં કરવો.’

દાદાશ્રી : તેનો સવાલ નથી. તમે આ બોલો એટલે આત્મા તરફ જઈ જ રહ્યા છો. ક્રિયાઓ ભલે થાય, ક્રિયાઓનો વાંધો નથી. જગતના લોકો શું કહે ? ક્રિયાઓ ના કરશો. તો અમે શું કહીએ છીએ ? ક્રિયાઓનો વાંધો નથી. આ બધું બોલો. અને એમાં શક્તિ માગવાની છે, એ પ્રમાણે વર્તવાનું નથી આપણે. તમારે આ પ્રમાણે કશું કરવાનું નથી. એ શું કહે છે ? મને શક્તિ આપો. જે અશક્તિ-નિર્બળતા ઊભી થઈ છે, આ આવી મારી ભૂલોથી, તે ભૂલો આજે ભાંગી જાવ. વિજ્ઞાન છે આ તો ! સંપૂર્ણ વિજ્ઞાન છે !

(પા. ૧૭)

નથી કરવાનો પ્રયત્ન, વર્તનમાં લાવવા

પ્રશ્નકર્તા : તો પણ એ વર્તનામાં લાવવા માટે બહુ ઈચ્છા રહ્યા કરે.

દાદાશ્રી :ના, એ વર્તન લાવવાનું નથી. શક્તિ માગવાની છે એવું કહ્યું છે. એમાં વાંધો ખરો કે ? એમાં અડચણ આવે નહીંને ? પાળવાનું કહીએ ત્યારે વાંધો આવે, કે અત્યારે હું આ શી રીતે પાળી શકું ? અત્યારે આ ધંધો કરું છું, આ કરું છું, તે કરું છું.

અમે કહ્યું છે ને, નવ કલમો તે તને કરવા નથી આપી. નહીં તો પછી બીજા દહાડે ચોટલી બાંધે કે મારે આવું કરવું છે. એમાં આયે બગડે છે ને તેય બગડે છે.

પ્રશ્નકર્તા : હા, છતાં નવ કલમો પ્રમાણે રહેવાતું નથી.

દાદાશ્રી : પણ શક્તિ માંગવાની કહ્યું નથી ? શક્તિ માંગવાની. એ શક્તિ જ પછી વર્તનમાં લાવશે. ધીમે ધીમે શક્તિ જમે થવી જોઈએ. ત્યારે લોકો એ વર્તનમાં લાવવા કરે છે.

ઉપયોગપૂર્વક ભાવવાની છે આ કલમો

પ્રશ્નકર્તા : દાદા, નવ કલમો એ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે, એમ કહ્યું. તો ઉપયોગપૂર્વક ભાવવાનું એટલે શું ?

દાદાશ્રી : આપણી હાજરીમાં ચંદુ બોલે છે અને આપણે કંઈ બહાર ફરવા ગયા હોય ને ચંદુ બોલે એનો અર્થ નહીં. એ ઉપયોગપૂર્વક ના કહેવાય. જેટલી જાગૃતિ બીજી જગ્યાએ ગઈ હોય, એનાથી બોલે તો એ ઉપયોગપૂર્વક ના કહેવાય. આપણને એમ લાગે કે ચંદુ સરસ બોલે છે અમથો.

પ્રશ્નકર્તા : દાદા, એ કેવી રીતે ?

દાદાશ્રી : તું કલમો બોલતો હોય, તેનો શબ્દે શબ્દ સાચો છે કે નહીં તેવું તારે જોવું. જાણે વાંચતો હોય એવી રીતે બોલવું. એવી રીતે બોલું છું ?

પ્રશ્નકર્તા : કો’કવાર મિસ (ચૂકી જવાય) થઈ જાય.

દાદાશ્રી : શું મિસ થઈ જાય ?

પ્રશ્નકર્તા : આ વંચાય નહીં.

દાદાશ્રી : એ કામનું જ નહીં. વાંચતા હોય એવું બોલવું જોઈએ. કો’કવાર, એક-બે વખત એવું થઈ જાયને ?

પ્રશ્નકર્તા : બહુ ના થાય.

દાદાશ્રી : તો ચલાવી લેવાય, પાંચ ટકા ચલાવી લેવાય. તારે બે ટકા થાય છે, પણ પાંચ ટકા સુધી ચલાવી લેવાય. કેટલા ટકા ચલાવી લેવાય ? ૯૫ ટકા વાંચે તો એ ભગવાન જ કહેવાય.

આરાધના આ લોકો કરે છે, તે આ આરાધના કંઈ જેવી તેવી છે ? નવ કલમો જે છે તે મહાન જ્ઞાનીઓય જાણતા ન્હોતા કે આ આરાધવા જેવી ચીજ છે.

ભાવના ભાવો નિયમપૂર્વક

પ્રશ્નકર્તા : આ નવ કલમો દિવસમાં એકવાર કરવાની ?

દાદાશ્રી : ના, ના, ત્રણ વખત તો સાધારણ સારા માણસને આપીએ છીએ, તો તમે વધુ વખત વાંચશો, તો તમને હેલ્પ (મદદ) થશે. તમને વધારે સમય ના હોય તો બે-ત્રણ વખત તો કરજો.

અત્યારેય અમારે નિયમ ચાલુ હોય. નિયમ કોઈ દહાડો ચૂકીએ નહીં. કોઈની પાસેથી લીધેલો નહીં, અમે ગોઠવેલો નિયમ.

પ્રશ્નકર્તા : આપનો જે ગોઠવેલો નિયમ છે એ ચાલુ જ છે અત્યારે પણ ?

(પા. ૧૮)

દાદાશ્રી : ચાલુ છે. નિયમમાં તો હોવું જ જોઈએ. તાવ આવ્યો હોય તોય નિયમમાં ખરા.

પ્રશ્નકર્તા : એ કઈ જાતના નિયમો છે ?

દાદાશ્રી : એ તો તમે નક્કી કર્યું હોય કે મારે નવ કલમો કે ચરણવિધિ કરવાની એ બધા નિયમો.

આ જે કંઈ પણ હોય તે નિયમમાં રહેવું જોઈએ તમારે. આટલું તો મારે કરવું જ, જે થાય તે. લગન થાવ કે લગન ઊડી જાવ, મારે આટલું તો કરવું જ.

પ્રશ્નકર્તા : દાદા, નિયમ અને રૂટિનમાં શું ફેર ?

દાદાશ્રી : રૂટિન તો અજાગૃતિપૂર્વક, મિકેનિકલ કહેવાય. રૂટિન એટલે મિકેનિકલ અને નિયમ જાગૃતિપૂર્વકનું.

પ્રશ્નકર્તા : નિયમ મિકેનિકલ નહીં ?

દાદાશ્રી : નિયમ (મિકેનિકલ) કહેવાય જ નહીં.

પ્રશ્નકર્તા : એટલે મિકેનિકલ એ રૂટિન અને જે મિકેનિકલ નથી એ નિયમ.

દાદાશ્રી : હા, હા, પણ એ પછી કરતો હોય અને મિકેનિકલ જેવું થતું હોય તો એ રૂટિનમાં ગણાય. એટલે શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું એવું, ‘હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ,’ (તે પછી ઝડપથી ગાય ને) એ રૂટિન કહેવાય અને નિયમથી સમજીને ગાય. બે વાક્ય રૂટિન થઈ ગયા હોય તોય પોતે મહીં ખ્યાલ રાખે કે બે વાક્ય રૂટિન થઈ ગયા છે, એ નિયમ કહેવાય.

આપો પ્રોમિસ દાદાને, આ કરીશું નિયમથી

એટલે તમારે આ કલમો બોલવી જોઈએ. એનો રોજનો નિયમ કરી નાખવો જોઈએ. કર્યો કે નથી કર્યો હજુ ? કાલથી કરી નાખજો, હં.

જે દિવસ નવ કલમો ના વંચાય તો ‘હે દાદા ભગવાન ! મારે સંજોગોને લીધે થયું નહીં આજે, તે માફ કરજો’, કહીએ. એવું બોલોને એટલે તમારે થઈ ગયું બરોબર. પણ એવું બોલશોને ? એટલે આ થશે ખરુંને રોજ ?

પ્રશ્નકર્તા : જરૂર થશે.

દાદાશ્રી : તો પ્રોમિસ આપો.

ભાવ એ બીજ, ભાવના એ ફળ

પ્રશ્નકર્તા : દાદા, આપણે આ ભાવના ભાવીએ તો ભાવ અને ભાવના એ બે વચ્ચે શું ફેર ?

દાદાશ્રી : એ બેઉ ચંદુભાઈમાં આવી ગયું. પણ ખરું કહે છે, ભાવ અને ભાવનામાં ડિફરન્સ (ફરક) છે.

પ્રશ્નકર્તા : ભાવના પવિત્ર હોય અને ભાવ તો સારો પણ હોય, ખરાબ પણ હોય.

દાદાશ્રી : ના, ભાવના પવિત્ર હોય એવું નહીં. ભાવના તો અપવિત્રનેય લાગુ થાય. કો’કનું મકાન બાળી મેલવાનીય ભાવના થાય અને કો’કનું મકાન બંધાવી આપવાનીય ભાવના થાય. એટલે ભાવના બેઉ બાજુ વપરાય, પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે.

આપણને જે ભાવ આવે છે કે મારે આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે, પણ એ ભાવના છે, એ ભાવ નથી. ખરેખર, ભાવ તો ચાર્જ હોય તે. તે ભાવ મેં બંધ કરેલા છે, આપણા જ્ઞાનવાળાને.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે ભાવના ભાવવી અને એક બાજુ ભાવસત્તા આપણી જતી રહી, બરોબર ?

દાદાશ્રી : એ ભાવના ભાવવામાં ભાવસત્તા

(પા. ૧૯)

નથી હોતી. ભાવસત્તા એ ભાવક જોઈએ. ભાવક ઊડી ગયો છે, પછી ભાવ રહ્યો નહીંને એને ?

પ્રશ્નકર્તા : ‘ભાવ કરજો’ એ વ્યવહારમાં બોલવા માટે છે ?

દાદાશ્રી : એ તો વ્યવહારમાં બોલવા માટે છે. ભાવ-ભાવકર્મ તો ભાવક હોય તો ભાવકર્મ થાય. એ ભાવક નથી રહ્યો અહીં. એટલે ખાલી શબ્દ બોલીએ ‘ભાવ’, એમાં કો’ક કહેશે, ‘મને રીંગણા ભાવે છે’, તેથી ભાવકર્મ થઈ ગયું ?

ભાવ એટલે બીજ કહેવાય અને ભાવના એ ફળ કહેવાય. એટલે ભાવકર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય તો પણ ભાવ તો રાખવો જ એવો, આપણે ત્યાં એ ભાવ ઉડાડી મેલ્યો છે. બહારના લોકોએ ભાવકર્મ કરવું જોઈએ, એટલે શક્તિ માગવી જોઈએ. જેને જે શક્તિ જોઈતી હોય એ દાદા ભગવાનની પાસે શક્તિ માગવી જોઈએ.

આપણે અહીં ભાવના ડિસ્ચાર્જ સ્વરૂપે

પ્રશ્નકર્તા : બહારના જે જગતના લોકો છે, એમણે આ શક્તિ માગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માગે છે, ભાવના કરે છે, એ શેમાં જાય ?

દાદાશ્રી : મહાત્માઓ માગે છે એ ડિસ્ચાર્જમાં છે. કારણ કે ભાવના બે પ્રકારની છે; ચાર્જ અને ડિસ્ચાર્જ. જગતના વ્યવહારના લોકોનેય ભાવના હોય અને આપણેય અહીં ભાવના હોય. પણ આ ડિસ્ચાર્જરૂપે છે આપણું અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેઉ. પણ શક્તિ માગવામાં નુકસાન શું છે ?

પ્રશ્નકર્તા : બહારના લોકો આ શક્તિઓ માગે નવ કલમોની તો તે ભાવ કહેવાય તો મહાત્માઓ શક્તિ માગે તે ભાવ ના કહેવાય ?

દાદાશ્રી : બહારના લોકો માટે એ ભાવ કહેવાય અને આપણા મહાત્માઓ માટે આ ભાવના. મન-વચન-કાયાની એકતાથી બોલો એ ભાવના. પેલા ભાવ કહેવાય, એ ચાર્જ કહેવાય અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવ ના કહેવાય.

ભાવના એ એક પ્રકારનો નિશ્ચય

પેલા ભાવકર્મ કહેવાય અને આ ભાવકર્મ ના કહેવાય. આ એક પ્રકારનો નિશ્ચય કહેવાય. તમે નિશ્ચય કરો કે અહીંથી નડિયાદ જવાનું, એટલે થઈ જાયને ?

પ્રશ્નકર્તા : હા, બરોબર છે.

દાદાશ્રી : બે-ચાર દહાડા સુધી નિશ્ચય કરો કે હવે મારે નડિયાદ જવું છે...

પ્રશ્નકર્તા : એટલે થઈ રહે.

દાદાશ્રી : (એટલે આ) ભાવના ભાવવી, એનો નિશ્ચય કરવાનો. એ શબ્દો બોલીએને, તો એ એક ભાવ નક્કી કરવા માટે એ શબ્દો બોલીએ.

આપણે જેમ અહીંથી (ભારતથી) અમેરિકા જવાનું હોય તો નિશ્ચય કરીએ તો જવાય, નહીં તો ના જવાય. કોઈ પણ વસ્તુ મોળું રાખીએ એટલે બે બાજુના વિચારો આવે.

પ્રશ્નકર્તા : એટલે અહીંયા ભાવના એટલે નિશ્ચય ?

દાદાશ્રી : નિશ્ચય એટલે વિઝા કાઢી લેવો જોઈએ, તો જ અહીં અવાયને !

પ્રશ્નકર્તા : તો મહાત્માઓને નવ કલમો પ્રમાણે ભાવના ભાવવાની જ ને ? મહાત્માઓને પણ નવ કલમો પ્રમાણેનો નિશ્ચય કરવાનો જ ને ?

દાદાશ્રી : હા, એ બોલે એટલે નિશ્ચય થઈ જ જાય, એની મેળે. પણ આમનો નિશ્ચય ડિસ્ચાર્જનો હોય ને પેલો ચાર્જવાળો કર્મ બાંધે. પુણ્યકર્મ બાંધે અને

(પા. ૨૦)

ઉપરથી એ પુણ્યનું ફળેય આવે ને આ નવ કલમોવાળું રૂપકમાં આવે, બેઉ સાથે આવે. મહાત્માઓ આનું પુણ્યકર્મ બાંધે નહીં.

નિશ્ચયથી પમાય પરિણામ

પ્રશ્નકર્તા : જો નવ કલમો બોલવાથી પુણ્ય ના બંધાતું હોય તો એનો ફાયદો શો ?

દાદાશ્રી : આ નિશ્ચય વધે. જે નિશ્ચય થાય ને એ ગામ જાય. અહીંથી આપણને સાચો રોડ મળી ગયો છે, એ રોડ ઉપર ચાલીએ છીએ. હવે યુરિન માટે જવું છે, એવો વિચાર આવ્યો પણ પછી પાછું કશું થાય નહીં. પાછો નિશ્ચય કરે કે આ યુરિન આવે તો તરત જ ત્યાં જવું છે, તો તમારે થઈ શકે. નિશ્ચય ના કરો તો ડગ્યા કરે. દરેક કામમાં નિશ્ચય જોઈએ. આ ડિસ્ચાર્જ નિશ્ચય એટલે અહંકારનો નિશ્ચય નહીં, કર્તા ભાવે નહીં. જેમ રોડ ઉપર જતા હોઈએ ને (વિચાર આવે) આપણે યુરિન કરવું જ છે આ ફેરે, એટલે યુરિન આવે તો પછી થઈ જાય.

એ રીતે તમને મહીં વિચાર આવે ખરો કોઈ વખત કે ભઈ, હવે બે-ચાર દહાડા (સત્સંગમાં) ના જઈએ તોય શું વાંધો ? પણ પછી પાછું મહીં છે તે નિશ્ચય કરો તો પાછું અહીં અવાય, નહીં તો મોળું પડી જાય.

પ્રશ્નકર્તા : એટલે ઠેઠ સુધી નિશ્ચયની જરૂર છે.

દાદાશ્રી : બધામાં નિશ્ચયની જ જરૂર છે. હવે ડૂબવાની જગ્યા હોય, ત્યાં આપણે એને શીખવાડવું ના પડે કે નિશ્ચય કરજે. મહીં નક્કી કરજે કે મારે હવે ડૂબવું નથી એવું. એ શીખવાડવું ના પડે, પણ આમાં શીખવાડવું પડે છે. ત્યાં શીખવાડવું પડે ?

પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. ત્યાં વધારે જાગૃત રહે.

દાદાશ્રી : નાનું છોકરું હોય તોય શીખવાડવું ના પડે. બાથોડિયા મારીને પણ ડૂબે નહીં.

પ્રશ્નકર્તા : એમાંય પ્રયત્ન કરે.

દાદાશ્રી : એ નિશ્ચય છે એનો. એ નિશ્ચય છે, તે નિશ્ચય આમાં જતો રહે છે. મોળું દેખે ને ત્યાં જતો રહે છે. કઠણ દેખે ત્યાં આવે છે પાછો. એવું ના લાગે આપણને ?

પ્રશ્નકર્તા : હા દાદા, બરોબર. અને એટલા માટે જોયું છે ખરું વ્યવહારમાં, જ્યારે બહુ પ્રતિકુળતાઓ આવે છે, ત્યારે માણસની શક્તિ અંદરથી બધી નીકળે છે.

દાદાશ્રી : નીકળે, શક્તિ છે જ બધી.

પ્રશ્નકર્તા : હા, પણ પેલું એને સામી ચેલેન્જ મળી રહે તો નીકળે છે અંદરથી અને પેલું સુંવાળું સુંવાળું હોય તો પછી ઠીંગરાઈ (ઠરી) જાય પછી.

દાદાશ્રી : ઠરી જાય. એટલે આ સમજવા જેવું છે. આડે દહાડે વાંચતો ના હોય પણ એને એમ લાગે કે આ પરીક્ષામાં પાસ નહીં થવાય, પછી રાતે ઊઠીને પાછો મંડે. આપણે ઉઠાડવોય ના પડે. પછી નિશ્ચય કરે. ‘જેમ થાય તેમ સવારના વહેલું ઊઠવું જ છે.’ એટલે બધામાં નિશ્ચય જોઈએ. તે આ નિશ્ચય મોળા પડે છે, તેની આ ભાંજગડ છે. નિશ્ચય મોળા પડે છે ને ?

નવ કલમો ડિસ્ચાર્જનું ચાર્જ

પ્રશ્નકર્તા : આ નવ કલમોમાં જે બધી શક્તિ માગીએ, એની અનુભૂતિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ બોલ બોલ કરવાનું. અનુભૂતિ બીજી શી કરવાની ? આ માગ માગ કરેને, એટલે શક્તિ પ્રગટ થઈને એની મેળે એ ચાલુ થાય, વ્યવહારમાં. એ કરવાની ચીજ ન્હોય કે આપણે લઈ બેઠાં એ. કારણ કે કરવું એ ડિસ્ચાર્જ છે અને આ ચાર્જ છે.

પ્રશ્નકર્તા : શક્તિ માગવી એ ચાર્જ છે ?

(પા. ૨૧)

દાદાશ્રી : આ ચાર્જ છે શક્તિ માંગવી એ. એટલે આપણે શક્તિ માંગવી એ ચાર્જ, એટલે કે ડિસ્ચાર્જનું ચાર્જ છે. એટલે ડિસ્ચાર્જનું ચાર્જ એ કરીએ, એટલે એનું પાછું ડિસ્ચાર્જ થોડા વખત પછી ચાલુ થાય.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જનું ચાર્જ એ સમજ ના પડી.

દાદાશ્રી : આ બધું ડિસ્ચાર્જ છે, તેમાં ખાઈએ તો ભૂખ મટેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ખાઈએ એ ડિસ્ચાર્જ છે. પણ એ ખાઈએ એ ડિસ્ચાર્જનુંય ચાર્જ છે પાછું અને સંડાસ જઈએ એ ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ.

પ્રશ્નકર્તા : દાદા, ભૂખ લાગે એ ડિસ્ચાર્જ છે કે ખાઈએ એ ડિસ્ચાર્જ છે ?

દાદાશ્રી : ભૂખ લાગે એ ડિસ્ચાર્જ. પછી ખાઈએ એ ચાર્જ કહેવાય અને પછી સંડાસ જઈએ એ ડિસ્ચાર્જ પાછું. એટલે આ ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ, એટલે તમારા હાથમાં સત્તા નથી, પણ આવું કરો તો થોડા વખત પછી પેલું ચાલુ થાય. અમારે તો આવું બોલ્યા જ કરવાનું.

આ ભાવના ભાવી કાઢી લો કામ

પ્રશ્નકર્તા : હવે ખબર પડી, દાદા કે એની આપણને અનુભવ કે અનુભૂતિ કેવી રીતે થાય !

દાદાશ્રી : એ જ અનુભૂતિ થયા કરેને પછી. પછી એની મેળે ડિસ્ચાર્જ થાય, તે ઘડીએ ખબર પડી જાય, કે થોડું થોડું આવવા માંડ્યું અંદર. થોડું થોડું તે રૂપ થતો જાય.

પ્રશ્નકર્તા : જાગૃતિ વધે એટલે એવી અનુભૂતિ કહેવાય ?

દાદાશ્રી : હા, જાગૃતિ વધે, બધુંય વધે અને પછી આવતું જાય એ.

પ્રશ્નકર્તા : આપણે ‘નિશ્ચય કરવાનો’ એવું કહીએ.

દાદાશ્રી : એ ના કરે તો એનું ફળ એટલું ઓછું મળે. આપણે તો એને ફળ મળે એટલા હારુ કહીએ કે ભાઈ, આવ્યો છે અમેરિકા તો ‘આટલું આટલું કરી લેજે ને.’ ના કર્યું તો ફરીવાર કરવાનું રહ્યું. એ તો આપણી ગરજે કરવાનું છે ને !

પ્રશ્નકર્તા : એ બધું બરોબર છે. કરવું જ જોઈએ પણ આ તમે...

દાદાશ્રી : ના થાય તો ફરી કરવું પડશે.

પ્રશ્નકર્તા : કરવું તો પડશે જ.

દાદાશ્રી : હં, એ છૂટકો જ નથી.

પ્રશ્નકર્તા : બરાબર, સાચી ભાવનાથી શક્તિ માગવાની.

દાદાશ્રી : આ બહુ ઊંચી વસ્તુ છે. આ સમજાય નહીં ત્યાં સુધી બધું એવું જ. તલસાંકળી જેવું લાગે. લોકોએ તલસાંકળીઓ ખાધેલીને ?

કેટલી બધી કિંમત આ નવ કલમોની !

આ નવ કલમો બધા વાંચેને, તે બધું અત્યંત કલ્યાણકારી છે ! નવ કલમો આટલી કલમો ભણેને, આટલું કરે તો બહુ થઈ ગયું. પછી મારી પાસે જ્ઞાન લેવાય ના આવે તોય ચાલે. આનો જ પુરુષાર્થ કરેને, તો આખો મોક્ષમાર્ગ ખુલ્લો થઈ જાય છે.

પ્રશ્નકર્તા : દાદા, નવમાંથી એકને પકડેને, તો આઠે આઠ એની પાછળ પછી વર્તાય જ.

દાદાશ્રી : ના, એ તો બધી પકડવી પડે. મહીં બુદ્ધિ ખરીને પાછી. બુદ્ધિ ડખો કરે. એટલે બધી કલમો પકડવી પડે. બધું આવી જવું જોઈએ. હા, તે આમાં બધું, આ નવમાં બધી ચીજ આવી જાય છે. કોઈ વસ્તુ બાકી નથી.

(પા. ૨૨)

આ બોલે તૂટે વિરોધી ભાવ

આ નવ કલમો બોલો છો કે નથી બોલતા ?

પ્રશ્નકર્તા : બોલવા કરતા એનું મનન જો કરે તો વધારે સારુંને ?

દાદાશ્રી : બીજું શું મનન કરવાનું છે ? એને ભાવનાપૂર્વક બોલે એટલે બહુ થઈ ગયું. આને કંઈ મનન કરવાની જરૂર નથી. મનન કરવા બેસે કે આત્મા છું, આત્મા છું એ કર્યા કરે ? આત્માનું કર્યા કરે કે મનનું કરવા બેસવાનું ? આ તો બોલવાનું, આપણે ચંદુભાઈને કહેવાનું કે બોલજે. એટલે વિરોધી ભાવ એનાથી તૂટી જાય. બોલવાથી જ અભિપ્રાય બદલાયો.

આ બોલવાથી કરાર છૂટા થાય

આપણું આ ‘અક્રમ વિજ્ઞાન’ છે ! તે પાછલી આદતો પડેલી છે, તેથી (લુબ્ધ) થાય છે. તે આ શક્તિ માગો. પછી લુબ્ધ (થાય તેવો) ખોરાક લેવાય, તેનો વાંધો નથી પણ આ બોલવાથી કરાર છૂટા થાય છે. તમારી સમરસી ખોરાક લેવાની ભાવના થઈ, એ તમારો પુરુષાર્થ અને હું શક્તિ આપું એટલે પુરુષાર્થ મજબૂત થયો. સમરસી એટલે બધું એક્સેપ્ટેડ (સ્વીકાર્ય). ઓછાં-વત્તા પ્રમાણમાં પણ બધું એક્સેપ્ટેડ.

પ્રકૃતિ એટલે પહેલા જે ભાવ કરેલા છે, એ શેના આધારે ? કે બીજા જે ખોરાક ખાધાં તેના આધારે ભાવ કર્યા. હવે એ ભાવ તે તેરે ગુણ્યા. એ ભાવને હવે ઊડાડી દેવા હોય તો તેરે ભાગી નાખીએ એટલે ઊડી જાય અને નવેસર ભાવ ઉત્પન્ન ના થવા દે એટલે એ પાછું ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું. નવી ઈચ્છાઓ છે નહીં એટલે ખાતું બંધ થઈ જાય. હવે ખાતું સીલ કરવું જોઈએ.

કલમોથી થાય ગુણાકારના ભાગાકાર

આ ગુણાકાર-ભાગાકાર શેને માટે શીખવાડવામાં આવે છે કે ગુણાકારની રકમ જો બહુ વધી જાય તો એટલી રકમથી ભાગી નાખજે. એટલે શેષ કશું વધે નહીં. ગુણાકારની રકમ વધી જાય અને એનો જો બોજો લાગતો હોય તો તેને એટલી જ રકમથી ભાગો તો બોજો ઓછો થઈ જશે. અને સરવાળા-બાદબાકી તો નેચરલ છે. એમાં કોઈનું કશું ચાલે એવું નથી. આ જગતમાં જે કંઈ પણ થાય છે, એ ખોટ જતી હોય કે નફો આવતો હોય તો એ નેચરના હાથમાં છે ને ગુણાકાર-ભાગાકાર એ ઓઢીને ફર્યા કરે છે.

પ્રશ્નકર્તા : જે આપણી પ્રકૃતિ છે, જો ગુણાકાર કરશો તો એ વધી જશે. માટે એને ભાગવી જોઈએ. પ્રકૃતિને પ્રકૃતિથી ભાગવી જોઈએ તો એ સમજાવો.

દાદાશ્રી : એટલે આ કલમ બોલ બોલ કરે, એમાં ભાગાકાર થાય ને ઓછું થઈ જાય. આવી કલમ બોલીએ નહીં, એટલે છોડવો એની મેળે જ ઊગ્યા કરવાનો. એટલે આ બોલ બોલ કરીએ એટલે ઓછું થઈ જાય. એ જેમ જેમ બોલશોને, તે મહીં જે પ્રકૃતિના જે ગુણાકાર થયા છે, તે તૂટી જશે ને આત્માના ગુણાકાર થશે ને પ્રકૃતિના ભાગાકાર થશે. એટલે આત્મા પુષ્ટ થતો જાય. નવ કલમો રાતદિવસ બોલ બોલ કરો, ટાઈમ મળે તો ! નવરાશ મળે કે બોલવી. અમે તો બધી દવા આપી છૂટીએ, સમજણ પાડી છૂટીએ, પછી જે કરવું હોય તે.

અમૂલ્ય મૂડી સમર્પી જગ કલ્યાણ અર્થે

પ્રશ્નકર્તા : એ બહુ અસરકારક છે, આ નવ કલમો ને બધી વિધિઓ તો !

દાદાશ્રી : આ તો અમારું જ તમને આપ્યું છે. લોકોએ પૂછ્યું કે તમે શું કરો છો ? એટલે બતાવી દીધું. એટલે નવરા પડ્યા બીજું કરવાનું શું એને ?

આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી

(પા. ૨૩)

છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. તે છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં (અમારે) ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.

પ્રશ્નકર્તા : આ વાંચ્યુંને બધું, જબરજસ્ત વાત છે આ તો. નાનો માણસેય સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.

દાદાશ્રી : હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય.

પ્રશ્નકર્તા : જે ઊંધો વ્યવહાર બની જાય છે, એની પાછળ કારણ ફેરવવા માટે આ જબરજસ્ત ઉપાય છે.

દાદાશ્રી : મોટો પુરુષાર્થ, જબરદસ્ત. એટલે આ મોટામાં મોટું અમે ખુલ્લું કર્યું, પણ હવે લોકોને મહીં સમજણ પડવી જોઈએ ને ! એટલે પછી અમે ફરજિયાત કર્યું કે આટલું તો તમારે કરવાનું. ભલે સમજણ ના પડે પણ પી જાને, કહીએ. એની મેળે શરીર સારું થશે. ભલેને, ઉધરસ થયેલી પણ તારું શરીર તો સારું થશે જ.

પ્રશ્નકર્તા : અંદરના રોગ ખલાસ થઈ જાય બધા, સંસાર રોગ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : ખલાસ થઈ જાય.

આખા સંસારના સાર રૂપે લખ્યું બધું. આ એવું છે ને કે બાળકોના હાથમાં મેં રતન આપ્યું છે. કોઈ સમજનારાના હાથમાં ગયા હોયને તો કૂદે આ જોઈને કૂદતો કૂદતો વાંચે કે મારા ધનભાગ્ય !

આ નવ કલમો શું છે ? શાસ્ત્રની નથી આ. અમે જે પાળીએ છીએ, તે પણ કાયમના અમારા અમલમાં જ છે, એ તમને કરવા માટે આપીએ છીએ, શક્તિ માંગવા માટે. આ પ્રમાણે અમારું વર્તન હોય. હા, આ નવ કલમો, અમે એમાં નિરંતર વર્તેલા હોય એ પહેલા. ત્યાર પછી જ્ઞાન થયેલું મને અને પછી આપણા મહાત્માઓએ પૂછયું, તમારું કશું આપોને ! ત્યારે મેં કહ્યું, હું આમાં વર્તેલો હતો, ત્યારે જ મને આ જ્ઞાન પ્રગટ થયું. એટલે પછી એ વાત નીકળી છે.

જગત કલ્યાણ માટે આ નવું ફાઉન્ડેશન

એટલે બધાને આ ચોપડીઓ છે તે વંચાવવાની, નવ કલમો શીખવાડવી. એ બધાય ધર્માવાળા કહે, નવ કલમો શીખવાડો. કહે છે, બહુ સાચી વાત છે.

આ પુસ્તકો વાંચીને પછી પોતે પોતાની મેળે હજાર-હજાર છપાવીને વહેંચી દેશે. એટલા માટે તો આ પુસ્તકો ખૂબ છપાય છપાય કર્યા. લગભગ બે-પાંચ હજાર છપાયા અને હજુ છપાય છપાય કરશે. લોકોને આપ આપ જ કરે છે. વાંચવા જેવું છેને ?

પ્રશ્નકર્તા : હા, છે.

દાદાશ્રી : એટલે આ બધું જ છે તે ફરી કન્સ્ટ્રક્શન કરવાનું છે. આખી બધી ભીંતો-ફાઉન્ડેશન બધું કાઢીને ફરી કન્સ્ટ્રક્શન કરવા માટે જ આ બધા મટેરિયલ આવી રહ્યાં છે. એ રોડાના ચૂના-રેતી નાખેલા તે કાઢી નાખી આર.સી.સી.ના નવા ફાઉન્ડેશનો થવાના.

જય સચ્ચિદાનંદ