નિંદા-ટીકાના જોખમો

સંપાદકીય

જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્વનું સાધન છે. આ વાણી આપણા થકી બોલાતા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે. પણ ક્યારેક જાણતા-અજાણતા વાણીનો અપવ્યય થઈ જાય છે. આ વાણીનો અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે ખોટી જગ્યાએ વાણી વાપરે ! આવી વાણી અવળી કે સવળી શા આધારે બોલાય છે, તેનું રહસ્ય પરમ પૂજ્ય દાદા ભગવાને (દાદાશ્રીએ) ખુલ્લું કર્યું છે. રોજિંદા જીવન વ્યવહારમાં અવળી વાણીના વિવિધ રંગ-રૂપ આપણને સ્થૂળમાં દેખાય છે, જેમ કે નેગેટિવ બોલવું, અપશબ્દ, મેણાં-ટોણાં, નિંદા, ટીકા, કૂથલી, તિરસ્કાર, તરછોડ, કઠોર ભાષા, તંતીલી ભાષા વગેરે.

પ્રસ્તુત અંકમાં વાણીથી ઊભા થતા નિંદાના દોષની ઝીણવટથી છણાવટ થઈ છે. જેમાં નિંદા એટલે શું, નિંદા-ટીકામાં શું ફેર, નિંદા કયા આધારે થાય છે, એની પાછળ પડેલા અભિપ્રાયો, નિંદાનો સ્પર્ધા સાથેનો સંબંધ, નિંદા એ જ િંહસક ભાવ, અવર્ણવાદ-ગાઢ નિંદા વિગેરેના મૂળમાં નિંદાના દોષમાં અહંકાર જ વર્તે છે.

કોઈ વ્યક્તિ માટે નિંદા ક્યારે થાય છે કે જ્યારે તે વ્યક્તિ માટે અવળા, નેગેટિવ અભિપ્રાય હોય તો. એવા અભિપ્રાય પાછળ વ્યક્તિ તરફથી અપમાન થયું હોય, એના પ્રત્યેના મોહનો માર પડ્યો હોય, ધાર્યું ના થયું હોય, પોતાના નુકસાન કે લોભના કારણે નેગેટિવ અભિપ્રાય પડે, પછી રાગ-દ્વેષની પરંપરા સર્જાય અને પછી સ્થૂળ સ્વરૂપે નિંદા રૂપે બહાર નીકળે છે, અર્થાત્ મૂળમાં અહંકાર કામ કરી જાય છે.

નિંદા એ અધ્યાત્મ માર્ગે ખૂબ મોટો બાધક દોષ, રોજિંદા જીવનમાં સરળતાથી વણાયેલો હોય છે. પહેલા તો આ દોષ ક્યારે થઈ જાય છે એ સમજવું અને પછી એને પકડવું ખૂબ અઘરું છે. નિંદા રૂપી દોષના બંધારણ હેઠળ આધ્યાત્મિક પ્રગતિ કરવી શક્ય નથી. સાધકના જીવનમાં વર્ષોથી થયેલી સાધનારૂપી જે છોડ ઊગેલા હોય ત્યાં એક નિંદા રૂપી વંટોળ બધું એકવારમાં હણી નાખે છે, જેમ લાકડામાં ઉધઈ લાગે તો એનું અસ્તિત્વ ખલાસ કરી નાખે છે તેમજ નેગેટિવ સ્પંદનો, નિંદા, કૂથલી કે ટીકા જો વ્યક્તિ સંબંધી બોલાશે, ત્યાં સુધી આપણે વર્ષોના વર્ષો વીતી જશે પણ એક ઇંચ પણ મોક્ષમાર્ગે આગળ ખસી નહીં શકીએ.

નિંદાના જોખમ માટે દાદાશ્રી કહે છે, ‘એક કલાકની નિંદામાં આઠ પશુઓનું આયુષ્ય મનુષ્ય બાંધે છે.’ નિંદા કરવાથી જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે. તે આત્મજ્ઞાન અને કેવળજ્ઞાનને પણ બાધક છે. નેગેટિવ વાણી, બીજાને દુઃખ આપનારી વાણી, નિંદા કરનારી વાણી, કષાય ઊભા કરે એવી વાણી બોલવી ના જોઈએ. વિચક્ષણ માણસ એને કહેવાય કે આ નિંદા કરવાથી શું પરિણામ આવશે એ એના લક્ષમાં હોય. આપણે મહાત્માઓએ જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ માંડવાનો છે કે હવે નિંદામાં નથી ઊતરવું અને થાય ત્યારે પ્રતિક્રમણથી ચોખ્ખું કરી નવ કલમો અને પ્રાર્થનારૂપી બીજ રોપી દેવા.

આપણો ધ્યેય એવો હોવો જોઈએ કે નિંદા-ટીકા રૂપી કષાયોને ચોખ્ખા કરી, એને જ્ઞાન સમજણથી નિર્મૂળ કરી શકાય. તે ધ્યેય પ્રાપ્તિ માટે આ વાણી આપણને જરૂરથી સહાયભૂત બની રહેશે, એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

નિંદા-ટીકાના જોખમો

(પા. 4)

ચોખ્ખું દિલ ના કરે કોઈની નિંદા

પ્રશ્નકર્તા : આપણે દરરોજ સવારે ભગવાનની ભક્તિ કરતા હોઈએ છતાંય આપણને કોઈની નિંદાના વિચારો શા માટે આવે છે ?

દાદાશ્રી : ત્યારે બીજું શું આવે ? જે માલ ભર્યો છે (તે જ નીકળે) ! મને નિંદા કરવાના વિચારો આવતા નથી, એનું કારણ એ માલ મેં ભર્યો નથી. અને તમે તો આય ભર્યો ને તેય ભર્યો.

પ્રશ્નકર્તા : આપણે ખરા દિલથી, ખરા અંતઃકરણથી ભગવાનની ભક્તિ કરવા બેઠા હોઈએ તોય (એવા વિચારો) આવે છે.

દાદાશ્રી : ખરા દિલથી અને ખરા અંતઃકરણથી ભક્તિ કરનારાને ભગવાન તો અહીં નજીકમાં જ છે. પણ ખરું દિલ કોઈ દહાડો થયું નથી. (ખાલી) મનમાં માનીએ કે ખરા દિલથી કરું છું આ.

પ્રશ્નકર્તા : ભગવાન એટલું જ જુએ છે કે આનું દિલ ચોખ્ખું છે કે નહીં.

દાદાશ્રી : ના, દિલ ચોખ્ખું-બોખ્ખું નહીં અને એમ કંઈ ભગવાન દિલ તો જોવાય ના જાય. એ કેમેરો જોવા ના જાય, પણ ફોટો શું પડ્યો એટલું જ જુએ. એને પસ્તાવો કર્યો કે નહીં, એટલું જ ભગવાન જોઈ લે.

દિલ ચોખ્ખું તો ક્યારે થાય ? કે બધી જ જાતના પસ્તાવા થયા કરતા હોય. આ તો અમુક બાબતમાં થાય ને અમુક બાબતમાં પાછો એને આનંદેય આવતો હોય. કોઈકની નિંદા કરવામાં આનંદ આવતો હોય. એટલે ભગવાન તો દિલને જુએ. દિલ તો ગંદું ને ગંદું જ દેખાયા કરે.

‘પોતે શું કરી રહ્યા છે’ એનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની (નિંદા)-ટીકા કરે, દુઃખવાળો જ કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની (નિંદા)-ટીકા કરે નહીં. આ દુખિયા લોક છે તે કરે તો ભલે અને એથી આનંદ રહેતો હોય તો કર.

નિંદા અને ટીકામાં ફેર

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે ‘આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’ તો નિંદા અને ટીકામાં ફેર ?

દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન (ખુલ્લા) કરવા, એનું નામ ટીકા કહેવાય અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા.

પ્રશ્નકર્તા : નિંદા કરી ક્યારે કહેવાય ?

દાદાશ્રી : નિંદા તો આપણને પોતાનેય ખબર હોય કે આ આના માટે નિંદા કરી રહ્યા છીએ એવું. આપણને પોતાને ખબરેય પડે. એને માટે કંઈ પણ એનું નુકસાન થાય એવું વાક્ય બોલવું, અગર તો એને ખરાબ લાગે એવું વાક્ય બોલવું, એ બધું નિંદામાં જ કહેવાય. કોઈને ખુશ કરતા આવડે છે કે નથી આવડતું તમને ? અને જ્યારે જે વાક્યથી એ નાખુશ થઈ જાય તે એ બધુંય નિંદા જ છે. ખુશ કરતા આવડે કે ના આવડે ? ગલીપચી કરીને ખુશ કરો કે નથી કરતા ? ત્યારે નિંદા કંઈ ગલીપચી કરીને ના થાય.

રાગ-દ્વેષ ત્યાં નિંદા

પ્રશ્નકર્તા : પણ સત્ય જાણવા માટે ટીકા-ટિપ્પણ તો કરવી જોઈએ ને ?

દાદાશ્રી : હા, બધું જ કરવું જોઈએ. બધી જ

(પા. 5)

જાતના ટિકા-ટિપ્પણ કરે તો વાંધો નહીં. સત્ય તો બધું જાણવું જોઈએ ને ! સત્ય એટલે મંથનથી હોય. મંથન સિવાય સત્ય પ્રાપ્ત ના થાય.

લખાણની ટીકા કરો પણ દ્વેષ ના હોવો જોઈએ. સમજાયું કે ના સમજાયું ? ટીકા કરો પણ દ્વેષ ના હોવો જોઈએ. દ્વેષ થાય ત્યારે નિંદા કહેવાય. રાગ-દ્વેષ હોય ત્યારે નિંદા થાય.

અભિપ્રાયથી રાગ-દ્વેષ તેથી નિંદા

પ્રશ્નકર્તા : આ રાગ-દ્વેષ કોણ કરાવે છે ?

દાદાશ્રી : આપણા અભિપ્રાય આપણને રાગ-દ્વેષ કરાવે છે. અભિપ્રાય બંધાયો કે રાગ-દ્વેષ થાય. જેનો અભિપ્રાય નહીં, તેનો રાગ-દ્વેષ નહીં. કોઈ પણ જાતનો અભિપ્રાય આપવો એ જવાબદારી છે.

જે વસ્તુ પર જબરજસ્ત અભિપ્રાય બેસી જાય એટલે એને ત્યાં અટકણ થઇ જ જાય. અભિપ્રાય બધે વહેંચાયેલા હોય તો કાઢવા સહેલા પડે, પણ અટકણ જેવું હોય તો કાઢવું મુશ્કેલ. એ બહુ ભારે રોગ છે.

લોકસંજ્ઞા આમાં બહુ કામ કરે છે. તે લોકોએ માનેલું પોતે ‘બિલિફ’માં બાંધે છે કે આ સારું ને આ ખરાબ. પછી બુદ્ધિ નક્કી કરે છે અને કામ કરે છે.

નિંદા એ જ કષાય

પ્રશ્નકર્તા : નિંદા વખતે ત્યાં આવેશમાં હોય, ગુસ્સામાં હોય, પછી તે વખતે જાગૃતિ ન હોય.

દાદાશ્રી : હા, એને જ કષાય કહે છે. કષાય એટલે બીજાના તાબામાં થઈ ગયો. તે ઘડીએ એ બોલે, પણ પોતે જાણતો હોય પાછો કે આ ખોટું થઈ રહ્યું છે. એવું ખબર હોય. તે કેટલાકને તો ખબર ના પણ હોય, બિલકુલેય ખબર ના હોય, એમ ને એમ જ. થોડીવાર પછી ખબર પડે. હા, એટલે તે ઘડીએ તે જાણતો’તો ખરો, પણ જોતો નહોતો.

આખું જગત કષાયને આધીન છે, પોતે પોતાને આધીન નથી. પોતાને આધીન હોત તો આવું કરે નહીં. કષાય કેમ ઊભા થયા ? અજ્ઞાનતાને લઈને ! અજ્ઞાનતા કેમ ઊભી થઈ ? સંજોગોના દબાણથી !

જે કષાય નિર્મૂળ કરવા આ વ્યવહાર કરવાનો છે, તે જ વ્યવહારથી આ કષાય ઊભા થાય છે !

વ્યક્તિગત વાત કરવી એ નિંદા

કોઈ પણ માણસની વ્યક્તિગત વાત કરવાનો અર્થ જ નથી. સામાન્યભાવે વાત સમજવાની જરૂર. વ્યક્તિગત વાત કરવી, એ તો નિંદા કહેવાય. નિંદા એ તો અધોગતિમાં જવાની નિશાની ! એવો ધંધો કોણ કરે ? અને માણસની નિંદા કરવી ને, એ જ માર્યા બરોબર છે. માટે નિંદામાં તો બિલકુલેય પડવું જ નહીં. માણસની નિંદા કોઈ દહાડો કરવી નહીં, એ પાપ જ છે.

સામાન્ય ભાવે જગત છે. કોઈની માલિકી નથી આની. જેને જે અનુકૂળ આવે તે કરે. તેની તમે નિંદા કરી શકો નહીં. ‘એ ખોટું છે’ એમ કહી શકો નહીં. ‘આ ખોટું છે’ એમ વિચારાય નહીં. આ બધું કુદરતી સંચાલન છે !

નિંદા પાછળ મહીં કાટ છે હિંસકભાવનો

પ્રશ્નકર્તા : દાદા, એ જાણવા છતાં હજી બોલાય જાય છે.

દાદાશ્રી : ના, મહીં કાટ હોય જ. એનો કાટ હોય જ નિંદાનો, એ હિંસકભાવ છે.

પ્રશ્નકર્તા : સમજાય છે કે ન કરવું જોઈએ છતાંય થઈ જાય છે.

દાદાશ્રી : છતાં થઈ જાય છે, (કારણ કે) હિંસકભાવ છે એની પાછળ. એટલે ગલીપચી કરવી (ખુશ કરવા) હોય તોય ના થાય. જ્યાં હિંસકભાવ ત્યાં ગલીપચી થાય જ નહીં.

પ્રશ્નકર્તા : હિંસકભાવ ત્યાં ગલીપચી ના થાય ?

(પા. 6)

દાદાશ્રી : હંઅ, કોઈને ખુશ કરતા આવડે છે કે નથી આવડતું ? ભલે ઉપલક કે અંદર હાર્ટિલી, બન્ને રીતે ખુશ કરી શકાય છે. ઉપલકથીયે ખુશ થઈ જાય ને. હાર્ટિલીથીયે ખુશ થઈ જાય. એ બે રીતો છે. પણ ખુશ કરવાની રીત અને પેલી ખોટું લાગવાનીયે રીત ખરી જ ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા. પણ મને સત્ય નહીં દેખાય તો હું કેવી રીતે ત્યાં પગે પડું ? મને કંઈ સાચું દેખાય નહીં, (પછી ખુશ કેમ કરું ?)

દાદાશ્રી : એવું છે, આ જગતમાં જેટલી શક્તિઓ છે ને, એની ટીકાઓમાં નહીં ઊતરવું. મારું શું કહેવાનું છે ? કોઈ પણ બાબતમાં સાચું કે જૂઠું, એની ટીકાઓમાં ઊતરશો નહીં. એને એમને એમ કહેવા દેવું આપણે. એનું અનુકૂળ ના આવે ત્યાં ના જવું આપણે.

ફેર, ટીકા અને ચેતવણીમાં

પ્રશ્નકર્તા : ટીકા કરે પણ તે ચેતવણી રૂપે હોય તો એનો વાંધો ખરો ?

દાદાશ્રી : ના, એને ટીકા કરી (કહેવાય.)

પ્રશ્નકર્તા : કોઈ માણસ ખોટા રસ્તે, ખોટા પંથમાં ચાલ્યો ગયો હોય, તો કેટલાક મિત્રોને એમ કહું કે એ વામમાર્ગ છે, એમાં રહેવા દો જવાનું. તો એ ટીકા કહેવાય કે ચેતવણી કહેવાય ?

દાદાશ્રી : નહીં, એ તમે એમને ચેતવણી આપો છો. કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે. તમે એને ચેતવણીરૂપે એના હિતને માટે આપો છો, પણ એને એ અહિત લાગે છે, ટીકારૂપે લાગે છે.

પ્રશ્નકર્તા : તો શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને, જે શબ્દો ઊગે નહીં તે શબ્દ ફરી(ના કહેવા), ત્યાં પાણી ના છાંટવું. નકામું પાણી છાંટ છાંટ કરીએ ને આપણું પાણી નકામું જાય.

પ્રશ્નકર્તા : પણ ઊગે એવી શક્યતા હોય તો ?

દાદાશ્રી : ઊગે એવી શક્યતા હોય તો છાંટવું. એ ઊગાડવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. એવો કે એક ફેરો ના માને, બીજી વખત ના માને, ત્રીજી વખત ના માને, તો પછી આપણે એનામાં જે ભગવાન રહેલા છે ને, એની પાસે આપણે માગણી કરવી જોઈએ કે મને એવું કંઈક બતાવો કે જે એને હું વાળી શકું, તો એ બતાવે. એનામાં શુદ્ધાત્મા રહ્યા છે ને, એ તમને વાત કરશે.

ટીકા પાછળ છે જાણપણાનો અહંકાર

પ્રશ્નકર્તા : કોઈ નવો સત્સંગી, નવો મહાત્મા આવ્યો હોય, એની સાથે આપ વાત કરતા હો, બધા બેઠા (હોય), તે વખતે (એ) કંઈ જવાબ આપેને, (તો) પછી હસવું આવે.

દાદાશ્રી : એ વખતે હસવું આવે એ સ્વાભાવિક છે પણ પછી એની ટીકા ના હોય.

પ્રશ્નકર્તા : ટીકા ના હોય એમાં, પણ હસવું આવે.

દાદાશ્રી : હસવું એ તો રોગ છે એક જાતનો, હાસ્ય નામનો. પણ તે એવી પછી ટીકા ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, પેલા હાસ્ય પાછળ પોતાનો આશય એ હોય છે કે એ ડફોળ છે. કશું જાણતો નહીં ને અમે બહુ જાણી ગયા છીએ.

દાદાશ્રી : ના, એવું હસવું જોઈએ નહીં. જે ટીકા કરે છે તે તો એમ કહે છે કે ‘હું હાજર છું.’ તે પોતાના સ્વભાવનું પ્રદર્શન કરે છે.

સ્પર્ધાથી શરૂ થઈ નિંદાઓ

મનુષ્યને પ્રગતિ કરવાનો રસ્તો સ્પર્ધા છે. તે સ્પર્ધાથી પ્રગતિ થઈ અને એ જ સ્પર્ધાથી નિંદાઓ શરૂ થઈ. સ્પર્ધાનો દુરુપયોગ એ નિંદા અને સ્પર્ધાનો

(પા. 7)

સદુપયોગ તે પ્રગતિ. પેલો સદુપયોગ કર્યો તે ઉપર ચડ્યા અને હવે દુરુપયોગ કર્યો તો નિંદા.

જ્યાં સ્પર્ધા છે ત્યાં નિંદા છે. સ્પર્ધાને લઈને જ નિંદા થાય છે. અમે તો નાના હતાને, (તે લોકો) નરી નિંદા જ કર્યા કરે, જેની ને તેની. એટલે પોતે ડાહ્યા ને બધા ગાંડા !

ટીકા તો અહંકારનો મૂળ ગુણ

હવે ટીકા એ શું છે કે હંમેશા હરિફાઈમાં, રેસકોર્સમાં હોય છે. ટીકા ખાસ કરીને ક્યાં વપરાય છે ? હરિફાઈમાં, રેસકોર્સમાં. હું મોટો ને પેલો છોટો.

આ ટીકા તો અહંકારનો મૂળ ગુણ છે, સ્પર્ધાનો ગુણ છે. એટલે ટીકા રહેવાની જ. અને સ્પર્ધા વગર સંસારમાં રહેવાય નહીં. સ્પર્ધા જાય એટલે છુટકારો થઈ ગયો. ઉપવાસ બધું સ્પર્ધાના જ ગુણથી ઊભા થાય. પેલાએ તો પંદર કર્યા, તો હું ત્રીસ કરું. છતાં ટીકા કરવા જેવી વસ્તુ નથી. પહેલી ટીકાથી કપડાં બગડે છે આપણા. બીજી ટીકાથી દેહ બગડે છે. ત્રીજી ટીકાથી હૃદય બગડે છે.

ટીકા કરવા જેવું નહીં. ટીકા કરનારના પોતાના કપડાં બગડે. એટલે આ બગાડવાનું સાધન છે. આમાં ઊતરવું નહીં જોઈએ. એ જાણવા ખાતર જાણવું, બાકી ઊતરવું નહીં જોઈએ. આ અવતાર ટીકા કરવા માટે નથી મળ્યો આપણને. હં, કોઈ ટીકા કરે તો નોંધ લેવા જેવી નહીં. કોઇ ટીકા કરે, તે સહન કરશો તો જ્ઞાન વધશે.

બસ એટલું જ જાણો ! ઊંડા ના ઊતરો. કારણ કે એ માલિક છે ને એનો. પોતે પોતાનો માલિક છે ને ! એની માલિકી-ટાઈટલ એના છે, આપણાથી કેમ (ટીકા થાય ?) આપણે તો ટ્રેસ-પાસર (ગુનેગાર) કહેવાઈએ.

જે ટીકા કરે છે તે જંગલી કહેવાય. ટીકા શાથી કરે છે ? પોતાને મહીં દુઃખ હોય છે, તેથી શાંતિ માટે ટીકા કરે છે.

નિંદા એટલે ‘ભગવાન’ની નિંદા કર્યા બરાબર

કોઈની નિંદા કરવામાં બાકી જ ના રાખે. નિંદા તો કોઈની કરાય જ નહીં. આ મનુષ્યોની નિંદા ના કરવી. જો કે આ જાનવરોની તો નિંદા કરતા નથી બહુ, પણ મનુષ્યોની જ કરે છે. તે મનુષ્યોની નિંદા કરવી એટલે ભગવાનની નિંદા કર્યા બરાબર છે. પણ શું કરે ? આ નવરા પડ્યા ને હરિફાઈનો ગુણ. આ બધા દુઃખી શેના છે ? અણસમજણમાં ભયંકર પાપો કર્યા છે.

જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં. ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની. એને હેલ્પ (મદદ) ના કરો તો (વાંધો નહીં) પણ ટીકા તો ના જ કરો.

જૂઠું બોલીને પણ નિંદાના રોગમાંથી બચવું

(નવરાશ હોય તો) પછી પુસ્તક લઈને બેસવું, પણ કોઈની નિંદા કરવી નહીં.

બીજાની વાતમાં નિંદા થતી હોય, કૂથલી થતી હોય, ત્યાં ઊભા ના રહેશો. લોક કરતા હોય, ત્યાંથી ઊઠી જવું આપણે. પેલા કહે, કેમ ઊઠી ગયા ? અરે ભઈ, મારું માથું દુઃખે છે, (એવું) જૂઠું બોલવામાં વાંધો નહીં. એમને કહીએ કે ‘તમે નિંદા કરો છો’ તો વળી પાછી અવળી ઈફેક્ટ (અસર) થાય. એટલે એમને હરકત ન થાય અને આપણે આપણું કામ કાઢી લઈએ. કોઈની નિંદામાં પડવું નહીં. કોઈની વાત કરવી નહીં. કોઈની ભૂલો જોવી નહીં. ભૂલો પોતાની જ જોવા જેવી છે, તેને બદલે લોકોને પારકી (ભૂલ) જોવાની આદત પડી ગયેલી છે.

પોતાની જ ભૂલો જોવાની છે. (એના બદલે આ તો કહેશે,) કોઈને આમ થયું, કોઈને આમ થયું. આપણને શું લાભ થાય એટલું જોવું.

(આ તો) બધા ઓટલા પર બેઠા હોય, તે બધાને આની જ વાતો ચાલતી હોય, આણે આમ

(પા. 8)

(કર્યું) ને આણે આમ (કર્યું). કારણ કે આંખે દેખ્યું, કાને સૂણ્યું, એ માનવાવાળા છે. અને આપણને એમાં રસ ના પડે. એ કહે છે, બધાને પડે છે ને, આમને કેમ રસ નથી પડતો ? ત્યારે કંઈક નવી જાતનો રોગ છે આમને. હવે રસ પડે નહીં એમાં.

‘લોકોને કેવું લાગશે’ એ ભયને સ્થાન ના આપવું. એના કરતાં પોતાની રૂમ ચોખ્ખી રાખવી સારી. જગતની ટીકાના ભાગમાં આવે એવો વિચાર આવ્યો કે એને ધોઈને ચોખ્ખો કરી નાખો.

નિંદા-ટીકાથી દેશ ખલાસ થયો

હિન્દુસ્તાનના લોકોને તો ગોટાળા વાળ્યા કરવા છે અને શાંતિ જોઈએ છે. આખો દહાડો પાડોશીની નિંદા કરે, ઑફિસરની નિંદા કરે. આખો દહાડો નિંદા-કૂથલી ને એ બધું, ઊંધું જ કરવાનું.

આખો દેશ નિંદાથી ખલાસ થઈ ગયો’તો અને ભયંકર નિંદા. એટલે આપણા શાસ્ત્રકારોએ નિયમ કહેલો હતો કે અવશ્ય ટીકા કરજો. ટીકા નહીં કરો તો મનુષ્યો પાછા નહીં ફરે, કહે છે. એ ટીકાનો છે તે એક્ઝેગરેશન (અતિશયોક્તિ) થઈ અને નિંદા થઈ ગઈ.

આ જગત કેવું છે કે સાચી વાત સાંભળનાર કોઈ ના મળે ને જૂઠ્ઠી વાત સાંભળનાર ઠેર ઠેર મળે. આ જગતમાં વધારેમાં વધારે અને તેમાંય ખાસ કરીને હિન્દુસ્તાન દેશ નિંદાઓને લઈને જ ખૂંચી ગયો છે.

આ દેશમાં લોકો આખો દહાડો ટીકામાં જ, નિંદામાં જ કાઢવાના અને પછી જો સુખ ભોગવી રહ્યા છે ! કેવું સુખ ભોગવી રહ્યા છે કે દૂધેય એમને પાણીવાળું મળે છે ! ફોરેનવાળા પાણીવાળા દૂધ હોય એવું જાણતા જ નથી અને આપણે અહીં તો ત્યાંથી શેઠ ભેળાવે તે જુદું, પાછો ભૈયો છે તે રસ્તામાં તેમાંથી થોડુંક વેચી ખાધું હોય. તે પછી નળમાંથી કાઢે (પાણી ઉમેરે) તે જુદું. પણ નળનું પાણી નાખે છે તેય સારું છે હજુ. કયું પાણી રેડે એ શું કહેવાય ! એ ખરું જોવા જઈએ તો દૂધ પીવાય જ નહીં આ. શું થાય હવે આ ? આ તો આવી ફસાયા, આવી ફસાયા.

(આ બધા) શાથી દુઃખી હતા તેય ખોળી કાઢેલું. અને અત્યારે ગામડાવાળા શાથી દુઃખી છે ? આ જ ધંધા.

અને આ ફોરેનના લોકો છે તે કશુંય ના હોય તો બધા રેડિયા-બેડિયાની મસ્તીમાં ને મસ્તીમાં, કોઈની નિંદા-િંબદામાં નહીં. કશુંય ના હોય તો ટી.વી. જુએ, ફલાણું જુએ. તે એમની આંખો બગાડીને, કંઈ લોકોની આંખો બગાડે છે ? પોતાની જ જવાબદારી છે ને !

આપણું જ પ્રતિક છે, ત્યાં ટીકા કેવી ?

સમાજ તો એ કર્મના ઉદયને આધીન બધું ભેગું થાય છે. કાયદા-બાયદા એ કર્મના ઉદયના આધીન થાય છે. આ વડાપ્રધાન કેમ થયા ? ત્યારે કહે, આપણા કર્મના આધીન. એમાં આ તો આપણા પ્રતિક છે, એમને ગાળો દેવી એ ગુનો છે. વડાપ્રધાનને ગાળો દેવી કે ‘આ તો નાલાયક છે’, એ આપણું જ પ્રતિક છે. આપણે નાલાયક હોય ત્યાં સુધી વડાપ્રધાન આવા આવશે. આપણે લાયક થઈશું ત્યારે એ સારો આવશે. એટલે કોઈની છે તે ટીકામાં ઊતરવા જેવું નહીં. એક મહારાજ છે તે ધર્મના સત્સંગ સંબંધી વાત કરતા’તા, તે હજારો માણસ બેઠા’તા ત્યારે મને એક માણસે કહ્યું, ‘આ, જુઓને આવો ઉપદેશ આપે છે.’ મેં કહ્યું, ‘ઉપદેશક ખોટા નથી હોતા. લાકડા વાંકા હોયને ત્યારે કરવતી વાંકી રાખવી પડે. સીધી કરવતી તો તૂટી જાય. એટલે વાંકે લાકડે વાંકો વહેર દેવો પડે.’

એટલે આ આવો ઉપદેશ આપે છે, એટલે વાંકો વહેર છે માટે. તમે વાંકા છો માટે આ વાંકો વહેર છે. તમે જ્યારે સીધા થશો એટલે વહેર સીધો પડશે. એ તમને સમજાય ? ‘આ વાંકે લાકડે વાંકો વહેર.’

ટાઈમ અને એનર્જી વેસ્ટ કરવા એટલે નિંદા

આપણા દેશમાં (લોકો નવરા પડે એટલે) આખો દહાડો નિંદા જ કર્યા કરતા હોય, જે મોટામાં મોટું

(પા. 9)

ભયંકર પાપ છે. ભગવાનની હઉ નિંદા કરેને ! કમાયો ત્યારે કહે, ‘હું કમાયો’, ખોટ ગઈ ત્યારે ‘ભગવાને ઘાલી.’ ‘ભગવાને ઘાલી’ કહે એવું ? ના કહે લોકો ?

આપણા લોકોને તો ઊઘાડું બોલવું એ જ ધંધો. ત્યારે મારે એવો જ ખાય છે ને ! પછી બીજે અવતાર ચાર પગ થઈ અને નિરાંતે લોકોના ખેતરા ખેડી આપે છે, બધું કરી આપે જ છે. એમાં ન્યાય છોડે નહીં ને કોઈનેય ? ન્યાય કંઈ કોઈને છોડે ? માટે આ સાચી વાત સમજાવવા માટે મારી વાત છે પણ તોય લોકો સમજે તો સમજે ને ? તેય પુણ્ય હોય તો સમજે.

કોઈનીય ટીકા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે ! ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. જેમાં કશું જ વળે નહીં. તે મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણને જો દેખાયું કે આ તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવી ? ‘ટાઈમ એન્ડ એનર્જી’ (સમય અને શક્તિ) બંને ‘વેસ્ટ’ (નકામા) જાય છે.

આ બે ના કરે તો બધો ‘ધર્મ’ જ છે

આ દેશના લોકોનો ધર્મ, અણહક્કનું કશું ના ભોગવે અને નિંદા ના કરે, આ બે વસ્તુ જો ના કરેને (તો) નર્યો ધર્મ જ છે. મંદિરમાં જવાનીય જરૂર નથી અને આ તો બુદ્ધિવાળા તે એના સ્પર્ધાવાળાને, બધાને છોડે કે ? છોડે ખરા ? ના છોડે, નહીં ?

કડિયો હોયને, તે કડિયાઓમાં સ્પર્ધા હોય. સુથાર હોય તો સુથારોમાંય સ્પર્ધા છે. તેથી તો આ જગત ચાલે છે, નહીં તો ના ચાલવા દે. પણ સ્પર્ધાનો લોકોએ દુરુપયોગ કર્યો છે, ખોટું બોલવા લાગ્યા. ત્યારે શું બોલે ? એ આવો છે ને તેમ છે. આ તો બધા નવરા હતાને, ત્યારે બહુ નિંદાઓ કર્યા કરે. આ એટલી બધી નવરાશ મળતી’તી. હવે નવરાશ નથી લોકોને બહુ. પહેલા તો ટોળેટોળા જામ્યા જ હોય, તે બધું આખો દહાડો કકળાટ ચાલ્યા જ કરે.

અરે ! કંઈક જાતજાતનું બોલે લોક ! કંઈક તૃતીયમ્ જ લઈ લાવે. એવું આ તો જુદી જાતનો દેશ. અહીં તરવું એ તો બહુ મહામુશ્કેલ વસ્તુ છે.

નિંદા છોડી દે તો બહુ સુખી થાય પણ નિંદા છોડે નહીંને આ લોકો ? પણ પહેલા કરતા નિંદાઓ ઓછી થઈ ગઈ છે. અત્યારે પોતે કામગીરીમાં લાગી ગયાને ! પહેલા નવરા બેસી રહેતા’તા, તે નિંદાઓ જ કર્યા કરતા’તા.

અત્યારે શું થયું કે આ લોકોને નિંદાનો ભાગ તૂટી ગયો. આ કાળ બદલાયોને બધો, અંગ્રેજી ભણ્યા કર્યા, હવે કામધંધે લાગી ગયા. નવરા પડે ત્યારે નિંદા કરેને ?

ટીકા કરવામાં શરમ નથી આવતી ?

(એક વાર એક ભાઈ) જે ચાર દીકરીઓના ફાધર હતા ને, તે કહે છે, ‘મારી છોડીઓ તો બહુ ડાહી.’ એટલે મેં કહ્યું, ‘હા, સરસ.’ પછી બીજી છોડીઓની ટીકા કરવા માંડ્યાને, ત્યારે મેં કહ્યું, ‘ટીકા શું કરવા કરો છો લોકોની ? તમારી હઉ ટીકા કરશે લોક, તમે લોકોની કરશો તો.’ ત્યારે કહે, ‘પણ મારામાં ટીકા કરવા જેવું છે શું ?’ ત્યારે મેં કહ્યું, ‘દેખાડું તો ચૂપ રહેજો’, તે છોડીઓની ચોપડીઓ લાવીને દેખાડ્યું બધું. કહ્યું ‘જુઓ આ.’ ‘હેં, હાય હાય.’ મેં કહ્યું, ‘ચૂપ થાવ, ચૂપ થઈ જાવ.’ કોઈની ટીકા મને કરશો નહીં. કહ્યું, હું જાણું છું કે તમારી જોડે આટલો બધો તમે રોફ મારો છો, તોય હું ચૂપ કેમ રહ્યો છું ? હું જાણું કે ભલે રોફ મારીને પણ સંતોષ રહે છે ને એમને ? પણ જ્યારે ટીકા કરવા માંડી ત્યારે કહ્યું કે ‘ના કરશો ટીકા.’ કારણ કે છોડીઓના બાપ થઈને આપણે કો’કની છોડીઓની ટીકા કરીએ એ ભૂલ છે. છોડીઓનો બાપ ના હોય એ તો છે તે એવી ટીકા કરે જ નહીં બિચારો. આ છોડીઓવાળા બહુ ટીકા કરે. ત્યારે મૂઆ, તું છોડીઓનો બાપ થઈને ટીકા કરે છે ? તને શરમ નથી આવતી ?

(પા. 10)

નિંદામાં પડે તો લક્ષ્મીજી રીસાય

આ લોકોને કાંઈ ધંધા ન્હોતાને, તે આખો દહાડો નિંદા જ કર કર કરી. પછી એને લીધે શું ધંધો (થાય)? એનાથી લક્ષ્મી ક્યારેય ના દેખાય. આ વાણી તો સરસ્વતી દેવી છે, નિંદા ના કરાય. જો દુરુપયોગ કરેને તો લક્ષ્મીજી રીસાય. તિરસ્કાર અને નિંદા જ્યાં હશે, ત્યાં લક્ષ્મી નહીં રહે. લક્ષ્મી ક્યારે ના મળે ? લોકોની કૂથલી-નિંદામાં પડે ત્યારે. ત્યારે લક્ષ્મી આવતી બંધ થઈ જાય. મનની સ્વચ્છતા, દેહની સ્વચ્છતા અને વાણીની સ્વચ્છતા હોય તો લક્ષ્મી મળે !

નિંદાની મીઠાશ નોતરે નર્કગતિ

કોઈની નિંદા કરેને તો એટલો ટાઈમ નકામો પણ સારો જાય એનો. પણ નિંદાનું ફળ, શું ઈનામ મળે છે એ એને ના ખબર પડે !

પ્રશ્નકર્તા : એ તો નિંદા કરે એટલો વખત એનો એમાં જાય સારી રીતે.

દાદાશ્રી : મીઠો જાયને ?

પ્રશ્નકર્તા : મીઠો જાય, હા.

દાદાશ્રી : કો’કનો દોષ જુઓને એટલે તમને મીઠાશ વર્તે અને મીઠાશ વર્તી એટલે તમારે નર્કગતિમાં જવું પડે. તમે આ ન્હોતી મીઠાશ, ત્યાં ઉત્પન્ન કરી આ મીઠાશ ?

મરી ગયેલાની નિંદા કરી બાંધે ભયંકર ગુના

કોઈ માણસ મરી ગયો હોય અને તમે અત્યારે એના નામની ગાળો ભાંડો, તો તમે ભયંકર દોષમાં પડો. આમાં અમે એવું કહેવા માંગીએ છે કે મરી ગયેલાનું પણ નામ ના દેવું. બાકી પહોંચાડવા-ના પહોંચાડવાનો સવાલ નથી, પણ મરી ગયેલાનું નામ ના દેવું. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ પછી એનું ભૂંડું ના બોલવું.

આપણાં કોઈ સગાંવહાલાં મરી ગયેલાં હોય અને તેની લોકો નિંદા કરતા હોય, તો આપણે વચ્ચે નહીં ભળવું. વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એનેય આપણા લોક તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો ? તે એવું ના હોવું જોઈએ, આપણે એવું કહેવા માગીએ છીએ. એમાં બહુ મોટું જોખમ છે.

નિંદા એટલે વિરાધના

પ્રશ્નકર્તા : કોઈની નિંદા કરીએ, એ શેમાં આવી જાય ?

દાદાશ્રી : નિંદા એ વિરાધનામાં ગણાય. પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ, તોય લોકો પાછળથી નિંદા કરે છે. અલ્યા, નિંદા ના કરાય. આ વાતાવરણમાં બધા પરમાણુઓ જ ભરેલા છે. પહોંચી જાય બધું. એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ, અપકીર્તિ ના બોલીશ.

એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નહીં, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. આ જગતમાં જો કદી જબરજસ્ત નુકસાન હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈનીય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.

નિંદાથી બંધાય જ્ઞાનાવરણ

આપણે સમજવા માટે વાતો કરીએ છીએ, શું ખરું ને શું ખોટું ! ભગવાને શું કહ્યું કે ખોટાને ખોટું જાણ ને સારાને સારું જાણ. પણ ખોટું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર દ્વેષ ના રહેવો જોઈએ અને સારું જાણતી વખતે એની પર કિંચિત્માત્ર રાગ ના રહેવો

(પા. 11)

જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. એટલે વિગતવાર આપણે વાત કરવાની.

કોઈ માણસની નિંદા ના કરાય. અરે, (એના વિશે) સહેજ વાતચીત પણ ના કરાય. એનાથી ભયંકર દોષ બેસી જાય. એમાંય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈનીય સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે ! એ અવર્ણવાદ જેવું છે.

ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ

પ્રશ્નકર્તા : આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો ‘એક્ઝેક્ટ મિનિંગ’ (સાચો અર્થ) શું છે ?

દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમેય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.

એટલે એને માટે એક ખાસ પ્રકારની નિંદા કહેવાય, પણ એ અમુક જાતની નહીં, પણ ખાસ પ્રકારની. એટલે જેવી રીતે આ હલકી નાત હોયને, એ કંઈ ખાસ નિંદા કરવા જેવી વસ્તુ નથી પણ છતાંય એની હઉ પાર વગરની નિંદા કરે. હલકી નાતિને ને એને શો દોષ છે ? પણ અવર્ણવાદ બોલે અને સારા માણસોનેય અવર્ણવાદ. નઠારા માણસનું બોલે પણ જોડે જોડે સારા માણસનુંય બોલી જાય. એટલે એ અમુક પ્રકારની નિંદા છે, એક જાતની.

અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથીય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય.

પ્રશ્નકર્તા : ગાઢ નિંદા એ કેવી નિંદા ?

દાદાશ્રી : એનું રૂપક જ ખરાબ દેખાડે. આમ સાધારણ નિંદા કરે કે ‘એ તો માણસ સારા નથી.’ એ સાધારણ નિંદા કહેવાય. પણ એના માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય.

કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : હોયને !

દાદાશ્રી : ને થોડું અવળુંય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. ‘આવી બાબતમાં જરા એવા, પણ આ બીજી બાબતમાં બહુ સારા.’ આવું હોવું જોઈએ.

મહાપુરુષોનો અવર્ણવાદ એ વિરાધનાથીય વઘે

અવર્ણવાદ એટલે એની જાણીએ અમુક બાબત, એની બધી સારી બાબતો, છતાંય એની વિરુદ્ધ બોલીએ. એના આ જે ગુણો એનામાં નથી, તે ગુણો આપણે બધા વાત કરીએ તે બધો અવર્ણવાદ. વર્ણવાદ એટલે શું કે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી એ બોલવું. એ તો વિરાધના કહેવાય, મોટામાં મોટી વિરાધના. અને અવર્ણવાદ તો કોનો કરે ? મોટા પુરુષોનો કરેને ! એ બીજાની તો નિંદા કહેવાય, પણ મોટા પુરુષનો અવર્ણવાદ કહેવાય.

પ્રશ્નકર્તા : જે આપણે નાના માણસોમાં નિંદા ગણીએ એ મોટા પુરુષની વાત હોય તો અવર્ણવાદમાં ખપે ?

દાદાશ્રી : મોટા પુરુષ એટલે અંતર્મુખી પુરુષ. મોટા પુરુષ એટલે જે પ્રેસિડન્ટ (પ્રમુખ) હોય તેને માટે નહીં, અંતર્મુખી પુરુષો. એમનું અવર્ણવાદ બોલાય એ તો મોટું જોખમ ! વિરાધનાથી વધે.

બીજાના કોઈના પાપ બાંધી લાવશો તો હું ધોઈ

(પા. 12)

આપીશ, પણ આમના પાપ ધોવાશે નહીં પછી. ગજબના તીર્થંકર, જેના નામ સાંભળવાથી કલ્યાણ થઈ જાય એવા તીર્થંકરો. અને રાવણને તો આ લોકોએ વગોવ્યા છે, હિન્દુસ્તાનના લોકોએ વગોવ્યા. બાકી કોઈ વગોવે નહીં. રાવણ તીર્થંકર થવાના. આ હિન્દુસ્તાનના લોકો આ પૂતળા બાળે ને બધું મૂર્ખાઈ જ છે ને ! આપણું આ કમભાગ્ય છે કે આવું આ સમજ્યા વગરની વાતો કરે છે ! એ પ્રતિનારાયણ કહેવાય, પ્રતિવાસુદેવ કહેવાય. એ ગજબના પુરુષ કહેવાય, તેને આ લોકો સમજ્યા વગર ઠોકી બેસે.

અવર્ણવાદની જોખમદારી ના લે દાદા

અત્યારે રાવણનું અવળું ના બોલાય, કારણ કે હજુ એ દેહધારી છે. ‘રાવણ આવો હતો ને તેવો હતો’ બોલે, એટલે એને ‘ફોન’ પહોંચી જાય. આપને સમજમાં આવ્યુંને ? જવાબદારી ના લેવાય. અમુક બાબતમાં જવાબદારી ના લેવાય. બીજી તમે જવાબદારી લઈને આવ્યાને તો હું ધોઈ આપીશ પણ આમની જવાબદારી લીધી હોય તો મારાથી ધોવાય નહીં. પછી અમારી સત્તા નહીં. એટલે હું ના કાઢું (પાડું) કે આ બાબતમાં, ચર્ચામાં પડશો નહીં. બીજી બાબતમાં પડજો. એ ત્રેસઠ શલાકા પુરુષમાંના કહેવાય. એક અર્ધ કાળચક્રમાં ત્રેસઠ થાય ને પાછા બીજા અર્ધ કાળચક્રમાં ફરી ત્રેસઠ થાય. એ ત્રેસઠનું નામ કોઈએ દેવું નહીં. એમની ગતિ એ જાણે ને તમારે ઊંડા ઊતરાય નહીં. તમે સમજ્યા વગર ઊંડા ઊતરો છો, શું થાય ? મોટા માણસની ગતિ મોટો જાણે. આપણે એની ટીકામાં ઊતરીએ, આપણે સમજણ વગરના એટલે અમે તમને ના પાડીએ કે આમાં ઊંડા ઊતરવું નહીં. તમને સમજાય ગઈને મારી વાત ? કોઈ જગ્યાએ વાત, ચર્ચા ચાલતી હોયને તોય કાને બહેરા હોય તેમ સાંભળવું.

પેલા ચક્રવર્તી સંપૂર્ણ છ-છ ખંડના. છ ખંડના અધિકારી ચક્રવર્તી. આ ત્રણ ખંડના અધિકારી કહેવાય. એટલે કૃષ્ણ અર્ધચક્રી કહેવાય, રાવણ અર્ધચક્રી કહેવાય. કૃષ્ણ ભગવાનનું (અવળું) બોલાય નહીં. કૃષ્ણ ભગવાન તો વાસુદેવ-નારાયણ કહેવાય, તીર્થંકર થવાના. નિંદા ના કરાય એમની. એની ગતિ-વિધિ કંઈ તમારે જોવાની ના હોય. આ તો બધા લોકોય આવી નિંદામાં પડી જાય છે ને પછી ભયંકર પાપો બાંધે છે. કોના પાપ બાંધો છો ? ભગવાને જેને ત્રેસઠ શલાકા પુરુષ કહ્યા છે.

એ બધાય કંઈ હમણે મોક્ષે નહીં જવાના. આ બધા તીર્થંકર થવાના. કૃષ્ણ ભગવાન, રાવણ, દેવકી, બળરામ આ બધા (પછી) જવાના. પહેલા તીર્થંકર સાહેબ શ્રેણિક રાજા છે. શ્રેણિક રાજા તીર્થંકર થવાના.

મન મેલા ચિત્ત ચોર,

એકહુ પાપ ના ઊતરા,

લાયા મન દસ ઔર. - કબીરજી.

એક પાપ ઉતાર્યું નહીં અને દસ નવા લેતા આવ્યો ત્યાંથી મારંમાર કરીને, વઢવાડો કરીને, ટીકાઓ કરીને. આ બધું ગતિ બગડી જાય.

ખોટાનીય વિરાધના ના કરવી. તમારે આરાધના ના કરવી હોય તો ના કરો. સામાનો એ ‘વ્યુ પોઈન્ટ’ છે, ખોટું નથી. તમને ના પોસાય તો ના કરો. વિરાધના સાચાનીય ના કરવી ને ખોટાનીય ના કરવી. નિંદા એ વિરાધનામાં ગણાય. વિરાધના માત્ર દુઃખદાયી છે.

અવર્ણવાદ અને વિરાધનામાં શું ફેર ?

પ્રશ્નકર્તા : અવર્ણવાદ અને વિરાધનામાં શું ફેર ?

દાદાશ્રી : વિરાધના તો ઊંધો જાય, નીચે જાય, નીચી ગતિમાં. કો’ક મહારાજનું અવર્ણવાદ બોલ્યો પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર (નિયમિત) થઈ જાય.

પ્રશ્નકર્તા : વિરાધનામાંય પ્રતિક્રમણ થાયને ?

દાદાશ્રી : (ના, એ તો) ગયો... ત્યાં પૂના ગયો અમદાવાદ ખોળવા હારુ.

(પા. 13)

પ્રશ્નકર્તા : એને પ્રતિક્રમણનો ચાન્સ (તક) નહીં પછી ?

દાદાશ્રી : શી રીતે કરવાનું એને ? એ ગયો...

પ્રશ્નકર્તા : દાદા, અટકણ જે ઊભી થાય એ વિરાધનાથી થાય ?

દાદાશ્રી : નર્યા અપરાધ. વિરાધનાથી તો પાછો ઊંધો જાય.

પ્રશ્નકર્તા : પછી વિરાધનાવાળાને સીધો ફરવાના ચાન્સીસ નહીં ?

દાદાશ્રી : ખરાંને ! પણ પડી જાયને, બધા બહુયે પડી જાય.

પ્રશ્નકર્તા : અપરાધવાળાને ખરું ?

દાદાશ્રી : એ તો પાછો જ નહીં ફરતો ને આગળેય વધતો નથી. એનું કોઈ ધણીધોરી જ નહીંને !

આરાધના-વિરાધનાના ગુણ-દોષ

આરાધના ને વિરાધના. આરાધના એટલે ઊંચે ચઢવું. જે કામ કરવાથી આપણે ઊંચે ચઢી શકીએ એને આરાધના કહેવાય. એટલે જે ઊંચે ચઢેલાને, આપણે એની સાથે જોઈન્ટ (સાંધો) રાખીએ તો આપણે ઊંચે ચઢાય.

ઊંચે ચઢેલા જે જીવો થઈ ગયેલા, એમની જોડે સાંધો મેળવીએ એટલે આપણે ઊંચે ચઢીએ. અને એમનું જ જો અવળું બોલીએ તો વિરાધના (થાય) ને (પછી) નીચે પડીએ. સીડીને જ તરછોડ મારીએ તો નીચે પડીએ આપણે. આ તો આપણાથી બે ડિગ્રીય ઊંચો હોય તો એની જોડે ગુણમાં રહીએ, એમના ગુણગાન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની સેવા કરીએ તો એ આરાધના કહેવાય. અને એમના જ જો કદી અવગુણ બોલ્યા ને ઊંધું કર્યું તો એમની વિરાધના થાય. વિરાધનાથી નીચે પડી જવાય અને આરાધનાથી ઊંચે ચઢી જવાય, બે રસ્તા !

હવે તમે જ્યારથી દાદાને ભેગા થયા છો, ત્યારથી તમારી આરાધના ચાલુ થઈ છે. તે કોઈ દહાડો આરાધના બંધ થઈ જ નથી, એનું નામ આરાધના કહેવાય. દહાડે દહાડે આપણને એમ લાગે કે આપણે કંઈક ચઢીએ છીએ. આપણને સમાધાન રહે, શાંતિ રહે !

ગુરુની નિંદા એ મોટી જોખમદારી

પ્રશ્નકર્તા : કોઈ પણ વ્યક્તિ, સાધુ-સંતની ટીકા કરવાથી શું થાય ?

દાદાશ્રી : સાધુ-સંતની ટીકા કરી શકાય નહીં, એ ખોટું કહેવાય. કિંચિત્માત્ર સાધુ-સંતની ટીકા કરવી એ ગુનો છે.

જેને એક ફેરો આપણે નમસ્કાર કર્યા હોય, એવા કોઈ પણ ગુરુ હોય, ભલેને ચક્રમ હોય કે ગાંડો હોય પણ એ ગમે તે કરે, (તોય) નિંદામાં ના પડવું જોઈએ. કેટલીક કોમો એ નથી પડતી કે ભઈ, આપણા ગુરુ છે એ ચાહે સો કરે. કેટલી બધી ડહાપણવાળી કોમ છે, જુઓને ! આ ડહાપણ કહેવાય. એનો એક ગુણ ડહાપણનો હોય તો આપણે લેવો જોઈએ, સ્વીકારવો જોઈએને !

વીતરાગો શું કહે છે, કોઈ પણ માણસનો ડહાપણવાળો ગુણ હોય તે આપણે સ્વીકારવો જોઈએ. જે ગુરુને રોજ નમસ્કાર કરતા’તા ને તે જ ગુરુનું પોલ જ્યારે નીકળે, ત્યારે આપણે નિંદા કરીએ એ ના હોવું જોઈએ. એ નિંદાથી દૂર રહો. ગુરુ ઊંધું કરે છે તો જોખમદારી ગુરુની છે. એમાં કોઈની જોખમદારી નથી. પણ આ જે નિંદામાં પડી જાય છે ને, આ તો આપણા લોકો તો ડેવલપ (વિકસીત) કોમને, તરત જ નિંદા શરૂ (થઈ જાય.) આમ કેમ કરે ગુરુ ? અને ગુરુથી આ ઊંધું થાય જ નહીં. આમ થાય ? આમ થાય નહીં, કહેશે. મહીં ડખામાં પડ્યા વગર આ બુદ્ધિને મેલને પૂળો અહીંથી મૂઆ. આ તો ગુરુનાય ન્યાયાધીશ થઈ જાય.

(પા. 14)

ટીકામાં શૂરા આજના બુદ્ધિશાળી દોઢ ડાહ્યા

કૃષ્ણ ભગવાને કહ્યુંને, ‘જ્ઞાની એ હું જ છું અને જ્ઞાની એ (જ) મારો આત્મા છે ને હું જ છું.’ અને એ હોય ત્યાં આગળ વાસ્તવિકતા મળશે. જે માગો એ મળશે ત્યાં આગળ. મોક્ષ જોઈતો હોય તો મોક્ષ એ આપે. કારણ કે એમનો પોતાનો (મોક્ષ) થયેલો હોય. થયેલો હોય એ ટીકા કરવા શું બેસે ?

આ ટીકા ક્યાં સુધી કરે છે ? જ્યાં સુધી બુદ્ધિ ઉછાળા મારે છે ત્યાં સુધી. અને બુદ્ધિ રહિત થયેલો એ ટીકા ના કરે. અમે બુદ્ધિ રહિત થયેલા. અમારામાં બુદ્ધિ ના હોય. કૃષ્ણ ભગવાનમાં બુદ્ધિ ન્હોતી ને મહાવીર ભગવાનમાં બુદ્ધિ નહોતી. (કારણ કે તેઓ જ્ઞાની હતા અને બુદ્ધિરહિત થયેલા.) આ કૃષ્ણ ભગવાને કહ્યું છે, ‘જ્ઞાની પુરુષો કર્મનો ગોટો વાળીને નાશ કરી નાખે છે.’ આજે પણ જ્ઞાની પુરુષ એ જ કૃષ્ણ ભગવાન (સમાન) છે.

લોકો અમને જાણે છતાં અમે ન બોલીએ. આ જૈનો અમને મહાવીર માને અને આ જે વૈષ્ણવો હોય તે અમને કૃષ્ણ માને. અમે ના બોલીએ, કારણ લોકો આમાંથી ટીકા કરે તો મહાન પાપ બાંધે. એટલા માટે ન બોલીએ. કારણ કે ટીકામાં શૂરા હોય છે આપણા લોકો, બહુ શૂરવીર. આપણા હિન્દુસ્તાનના લોકો, બીજા બધા નહીં. કારણ કે આ બીજી બધી પ્રજા તો વાઈઝ (ડાહ્યા) છે અને આ તો ઓવરવાઈઝ (દોઢ ડાહ્યા) થયેલી છે. એનો ગુજરાતી શબ્દ શું થાય ?

પ્રશ્નકર્તા : દોઢ ડાહ્યા.

દાદાશ્રી : આ તો ધર્મ સ્થાને વધારે પાપ બાંધે છે. નિંદા કરવી હોય તો ઘરે કરવી સારી, પણ ધર્મ સ્થાને કરેલી નિંદા વજ્ર લેપ થઈ જાય !

નિંદા કરે તો પણ ના પડવા દે જ્ઞાની

ભગવાન મારા ઉપરી નથી, ભગવાન મને વશ થઈ ગયેલા છે. ભલેને ત્રણસો છપ્પન ડિગ્રી છે, પણ ભગવાન મને વશ છે એ વાત નક્કી છે. અને હું ભગવાન થવા માગતોય નથી. લોકો કહેને, ‘દાદા, તમે ભગવાન છો ?’ મેં કહ્યું, ‘મારે ભગવાન થઈને શું કામ છે ? હું જે ડિગ્રી પર છું, ભગવાન મને વશ થયા છે અને ભગવાન થઈને કામ શું ?’ ‘હું જાતે ભગવાન છું’ કહું તો લોકો પાછળ ટીકા કરે ને પાપ બાંધે.

ત્યારે કહે, ‘દાદા ભગવાન કેમ કહેવડાવો છો ? પુસ્તક કેમ છપાવડાવો છો ?’ મેં કહ્યું, ‘લોક પુસ્તક છાપે છે તેમાં તમને શું વાંધો આવ્યો ?’ ત્યારે કહે, ‘દાદા ભગવાન કહેવડાવો છો ?’ ‘મારે કહેવડાવવાનું નથી, એ તો લોકો કહે છે’ કહ્યું. ‘પણ તમે શું કરવા આકરા થાવ છો ? ટાઢા પડોને !’ જરા હાથ ઝાલીને મેં કહ્યું. પણ અકળામણ બહુ થાયને !

અને છેવટે કહું, ટીકામાં પડશો નહીં. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી ટીકામાં પડશો નહીં. અમે સર્વજ્ઞ થયા છીએ, કહ્યું. એક અક્ષરેય ટીકા ના કરાય. કારણ કે ટીકા કરીને નુકસાન થઈ જાય.

વિનય કરો તેની નિંદા ના કરો ને નિંદા કરવી હોય તો ત્યાં વિનય કરશો નહીં. એનો કશો અર્થ જ નહીંને !

કેવી કરુણા જ્ઞાની પુરુષની !

દાદા ભગવાનની નિંદા કરે તેનો સવાલ નહીં પણ એ નિંદા કરેને તો એ વધુ પડી જાય. એમ નિંદા કરી અને તેથી એને પડવાનું થયું, એ સંજોગ હું ના કરું. મારા નિમિત્તે એને પડવા ના દઉ. પછી બહાર જઈને તું પડજે. મારા નિમિત્તે તારે ચાર ગાળો ભાંડવી હોય તો તું ભાંડ પણ તને નહીં પડવા દઉ, કહ્યું.

પ્રશ્નકર્તા : અને દરેક પોતે મન-વચન-કાયાથી એવો તો નિર્ણય કરવો જોઈએને કે મારા થકી બીજો ન પડે, એ દરેકે વિચારવું તો જોઈએ જ ને ?

દાદાશ્રી : દાદા ભગવાન સિવાય કોઈ વિચારે નહીં. વર્લ્ડમાંય કોઈ વિચારે નહીં.

(પા. 15)

કરનારા અણસમજુ હોય તો જ કરે ને ? સમજદાર માણસ તો કશામાં પડે જ નહીં. પોતે ગુનેગાર થાય એવું બને જ નહીંને ! ભલે સામાની પાસે લાભ ના ઊઠાવે એ કંઈ વાંધો નહીં, પણ ટીકા કરનારા પોતાનું નુકસાન કરે છે. ત્યારે પોતાની મૂર્ખાઈ જ છે ને ! એટલે અમે (કોઈ) ટીકા ના કરે એટલા માટે આ ગુપ્ત રાખેલું છે. આ જ્ઞાની પુરુષની ટીકામાં લોક પડે તો એ વર્લ્ડના અજાયબ પુરુષ અને તેની ટીકામાં એ પડે તો કઈ ગતિમાં લઈ જાય ?

પ્રશ્નકર્તા : નર્કગતિ, દાદા.

દાદાશ્રી : એટલે અમે બહુ ગુપ્ત રાખીને આમ કરીએ. નહીં તો આ જગતના લોક તો સમજણ નહીં, તે બિચારા આમાંય ટીકામાં પડી જાય. અલ્યા, બીજે બધે ટીકા કરી હશેને, આખા વર્લ્ડની ટીકા કરી હશે, હું એક કલાકમાં પાપ ધોઈ આપીશ. પણ અહીંની ટીકા નહીં પોષાય, માટે એક ઘર છોડી દેજે તું !

કોઈ ચડી જાય તો વાંધો નથી, પડી જાય એનો અમને વાંધો છે. કોઈ પણ માણસ પડે એવું અમે કોઈ કાર્ય કર્યું નથી આ જિંદગીમાં. જ્ઞાની પુરુષની ટીકામાં સહેજ પડેને તો બિચારા પડી જાય લોકો ! જેમની એક ફેરો આરતી કરવાથી મોક્ષ થાય, તેની એક જ વખત ટીકા કરવાથી શું થાય ? આપને કેમ લાગે છે ? એટલે અમે ના બોલીએ. માણસ ટીકા કરે એવા દોષિત નથી હોતા, અણસમજણથી કરે છે. પણ પછી ભોગવવું તો પડે જ ને !

નવું જોખમ ના વહોરશો

અંબાલાલ પટેલની ટીકા કરવી હોય તો કરજો. એમની જોડે વઢવું હોય તો વઢજો પણ ‘આ જ્ઞાન ખોટું છે’ એવું કરશો નહીં. નવું જોખમ ના વહોરશો.

પ્રશ્નકર્તા : જ્ઞાનને માટે શંકા ના લાવશો.

દાદાશ્રી : હા, એનું જોખમ છે. આ જોખમમાં પડશો નહીં. આ અજાયબ વિજ્ઞાન છે, આશ્ચર્યકારી છે ! દસ લાખ વર્ષમાં ઊભું નથી થયું એવું આશ્ચર્યકારી, અજાયબ વિજ્ઞાન ! એક કલાકમાં તો માણસમાં ફેર થઈ જાય.

જ્ઞાનીની નિર્દોષ દ્રષ્ટિ

અમારાથી (કોઈની) નિંદા કરાય નહીં. અમારે તો એય સરખો. કારણ કે અમે આત્મદ્રષ્ટિથી આત્મા જોવાના. અમારે છે તે બહારનું પેકિંગ (ખોખું) નહીં જોવાનું. એટલે અમારે બધું સરખું. ગધેડાની નિંદા ના કરીએ તો એની તે કેમ થાય અમારાથી ? પણ આ લોક પૂછે તો એમ કહીએ કે ‘ભાઈ, જરા વિચારીને ચાલજે.’

અમે કોઈની સહેજે એમ નિંદા ના કરીએ. આ શેની નિંદા કરીએ છીએ ? ખોટી વસ્તુની નિંદા કરીએ છીએ. એ વસ્તુ ના હોવી જોઈએ. ખોટી વસ્તુ મનુષ્યોને ના હોવી જોઈએ. ગમે એવો દારૂ પીતો હોય, નાલાયક હોય, પણ એના બહારના ભાગને જ અમારે ભાંજગડ. મનુષ્યોમાં બધા ભગવાન દેખાય અમને.

અમને ટીકા ના હોય. અમે એના આત્માને નમસ્કાર કરીએ અને એના બહારના ભાગને નિર્દોષ જાણીએ. અમને દુનિયામાં દોષિત દેખાય નહીં કોઈ. ટીકા કોની થાય ? દોષિતની ટીકા થાય. દોષિત અમને દેખાય જ નહીં. નિર્દોષ જ છે બધું જગત. અમને પૂછે, વાત કરે એટલે અમે ખુલ્લું ના કહીએ તો એ અવળે રસ્તે ચાલ્યો પેલો અને અમારી હાજરીમાંથી ચાલ્યો. અમે કહી છૂટીએ, પછી એને

(પા. 16)

જવું હોય ત્યાં જાય. બહુ જોખમદારી અમારા માથે હોય. ભગવાનને જેટલી જોખમદારી છે એટલી જોખમદારી અમારી પાસે હોય. થોડીક જ, એક પાંચ ટકા બાદ કર્યા સિવાય, પંચાણું ટકા જોખમદારી અમારા માથે છે. ભગવાનને સો ટકાની જોખમદારી હોય.

પક્ષપાતી કરે નિંદા

ભગવાન નિષ્પક્ષપાતી હશે કે પક્ષપાતી હશે ?

પ્રશ્નકર્તા : નિષ્પક્ષપાતી.

દાદાશ્રી : હા, તે જો પક્ષપાતમાં પડશોને તો સામા પક્ષવાળાની નિંદા જ કરશો. શું કરશો તમે ? એટલે આ નિંદાઓથી આવું થયું છે, મારું સાચું ને સામાનું ખોટું. તેમાં અક્ષરેય જાણતો નથી. મત પકડાવ્યા છે આ લોકોએ. મત પકડતા પકડતા આત્મા ખોઈ નાખ્યો. એટલે હવે હું મત છોડાવવા માટે આવ્યો છું.

ભગવાનની નિંદા કરી અધોગતિ નોતરે

(આ તો લોકોએ) જ્યાં ને ત્યાં ભગવાનો જોડેય વેર કરાવડાવ્યા. મહાવીર (ભગવાન) જોડેય વેર, બીજા જોડેય વેર. આપણે આપણું કરવાનો વાંધો નથી, પોતાના સ્ટાન્ડર્ડ (પ્રમાણે) કરવામાં વાંધો નથી પણ આપણું પોતાનું સ્ટાન્ડર્ડ કરતા કરતા બીજા જે ભગવાન થયેલા હોય, તેની આપણે નિંદા કરીએ તો આપણે અહીં કંઈ કમાયેલા તેય જતું રહે અને અધોગતિમાં, નર્કમાં જતું રહેવું પડે. નિંદા ના કરશો, સાંધવાનું બોલજો. હવે આ કેવડો મોટો તિરસ્કાર કહેવાય ? આ હું તમને ભણેલી પ્રજાને કહું છું કે હવે આ બધું બાજુએ મૂકો, નિષ્પક્ષપાતી બનો. ભગવાન નિષ્પક્ષપાતી હતા. આ તો પક્ષપાત કોણે પાડ્યા ? લોકોએ પોતાનું નામ કાઢવા માટે (અને) ગાદી ચાલ્યા જ કરે, (તે માટે) જુદા જુદા પક્ષપાત કાઢ્યા.

ભયંકર દુરાગ્રહો એ જ અવગાઢ મિથ્યાત્વ છે. જે મિથ્યાત્વ એના સ્થાનને ક્યારેય પણ છોડે જ નહીં. વાંકું થાય, આડું થાય, સીધું થાય પણ સ્થાનને ના છોડે એ જ અવગાઢ મિથ્યાત્વ. અમારે અહીં હકીકત છે. નિંદા તો કોઈનીય હોય જ નહીંને ! કારણ એ અમારું જ સ્વરૂપ છે, તો નિંદા કેમ હોય ?

ટીકા એ એક જાતનો રોગ

પ્રશ્નકર્તા : દાદા, કોઈની ટીકા કરવાની ટેવ પડી હોય એ રોગ કહેવાય ?

દાદાશ્રી : બધું રોગ જ. બધું રોગને લઈને જ આ બધું છે. વીતરાગ એટલે નિરોગી. કોઈ તીર્થંકર એવા ના હોય કે જેનામાં શારીરિક, માનસિક, વાચિક સહેજેય રોગ હોય. વાચાય, વાણી નિરોગી જ હોય. અને આપણા લોકોની વાણી તો જુઓ, કેવી રોગવાળી હોય ! નથી રોગવાળી ? અહીં જમવા બોલાવવા આવ્યો હોયને તોય એ બોલે એવું તો આપણને મનમાં એમ થાય કે આથી વળી ના કહ્યું હોય તો સારું થાત. સારું કામ કહેવા આવે છે તોય એ વાણી ખરાબ નીકળે.

ભાવસંજ્ઞાના આધારે રાગ-દ્વેષી વાણી

પ્રશ્નકર્તા : દરેક માણસની એવી ઈચ્છા હોય છે કે એની સારામાં સારી વાણી નીકળે, છતાં આવી નીકળી જાય છે એનું શું કારણ ?

દાદાશ્રી : એ જે ભાવ છે ને, એ ભાવસંજ્ઞા, તે એ જે જગ્યાએ ઊભો છે. એટલે આ અહીંથી જે જુએ છે, એ રાગ-દ્વેષથી જુએ છે. ભાવ એટલે રાગ-દ્વેષ. આમ જુએ તો રાગ થાય, આમ જુએ તો દ્વેષ થાય. એટલે પછી આ વાણી રાગ-દ્વેષવાળી નીકળે. બસ, બીજું કશું લેવાદેવા નથી. જેવું દેખાય છે, એવું એ ગાય છે !

પ્રતિપક્ષી ભાવના પડઘા

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો

(પા. 17)

તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એ જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. તારામાં નબળાઈ એવી છે કે સળી કરતા પહેલા જ તું બોલવા મંડીશ.

પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : ભાવ ના આવવો જોઈએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીંને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.

કુદરતની ટેપમાં રેકર્ડ થાય તારા ભાવ

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવા એવા કેટલાંય સાધનો અત્યારે થયા છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં (ટેપ મશીનમાં) તો શબ્દો ટેપ થયા એટલું જ છે, પણ આ મનુષ્યનું બોડી-મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે ‘આ નાલાયક છે’, તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું. એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે. બોલવું હોય તો સારું બોલજો કે ‘સાહેબ, તમે બહુ સારા માણસ છો.’ સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખવું

પ્રશ્નકર્તા : જેને ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ?

દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીંને ! આય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. આનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.

દાદાશ્રી : એટલે તમારી જવાબદારી રહે નહીં. જે બોલે તેનું પ્રતિક્રમણ થાય એટલે જવાબદારી ના રહેને ! બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. અને બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.

મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મ, ચતુરલાલ તથા ચતુરલાલના નામની સર્વ માયાથી નોખા એવા ‘શુદ્ધાત્મા’ને સંભારીને કહેવું કે ‘હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો. ‘શુદ્ધાત્મા’ને સંભાર્યા અથવા ‘દાદા’ને સંભાર્યા ને કહ્યું કે ‘આ ભૂલ થઈ ગઈ’ એટલે એ આલોચના, એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે.

(પા. 18)

પ્રતિક્રમણથી બંધાયા ખેદના સ્ટેશનો

પ્રશ્નકર્તા : મારે નહોતું બોલવું છતાં જે બોલાઈ જવાયું, એ જે બોલાઈ જવાય છે એ ચંદુભાઈનો વિભાગ છે અને આવું નહોતું બોલવું જોઈતું એ જે કહે છે, એ શું આત્માનો વિભાગ છે ?

દાદાશ્રી : બરોબર છે. કારણ કે એ જ્ઞાનનો વિભાગ છે. પણ ચંદુભાઈનો વિભાગ તમે જાણો ને ?

પ્રશ્નકર્તા : પણ એવું બોલાઈ જાય પછી એમ થાય કે આપણે નકામું બોલ્યા.

દાદાશ્રી : હા, એટલું ભાન થાય કે આ નહીં બોલવું જોઈએ એવું, તોય ડાઘ છૂટી જાય.

પ્રશ્નકર્તા : પાછળથી કહેશે, આ બોલવામાં ફાયદો નથી.

દાદાશ્રી : બોલવામાં ફાયદો ના હોય છતાં બોલી જવાય. પણ બોલી જવા ઉપર ‘આ ખોટું થાય છે’ એવું સમજાય તોય બહુ થઈ ગયું, તોય ડાઘ ના પડે.

પ્રશ્નકર્તા : એના માટે બહુ બહુ ખેદ રહે છે કે આવું ના હોવું ઘટે આપણે.

દાદાશ્રી : નાનપણમાં હઉ ખેદ રહેતો હતો ?

પ્રશ્નકર્તા : ના, કશું નહીં.

દાદાશ્રી : ત્યારે ખેદ કોણે મૂક્યો ? એ સ્ટેશન તે નવું બનાવ્યું એવું મને લાગે છે. તે સ્ટેશનો કોણે બાંધ્યા પણ ખેદના ?

પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું પછીથી થયું આ.

દાદાશ્રી : એમ કે ? સારું !

પ્રશ્નકર્તા : જે બોલેલા એનું પ્રતિક્રમણ કર્યા કરીએ એટલે છૂટાયને ?

દાદાશ્રી : સો વર્ષથી અગર ઓરડો બગડ બગડ થયા કરતો હોય, પણ દસ દહાડા લઈ બેઠા અને મહીં ટીપી કરીને સરખું કરી, અને આરસપહાણ ચડાવી દઈએ, પછી બધી ભૂલ મટે કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : બસ, એટલું જ.

પ્રતિક્રમણથી વ્યવહાર શુદ્ધિ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા પછી અમારી વાણી બહુ જ સરસ થઈ જશે, આ જન્મમાં જ ?

દાદાશ્રી : ત્યાર પછી તો ઓર જ જાતનું હશે ! અમારી વાણી છેલ્લામાં છેલ્લી ઢબની નીકળે છે, એનું કારણ જ પ્રતિક્રમણ છે અને નિર્વિવાદી છે એનું કારણ પણ પ્રતિક્રમણ જ છે. નહીં તો વિવાદ જ હોય. બધે જ વિવાદી વાણી હોય. વ્યવહારશુદ્ધિ વગર સ્યાદ્વાદ વાણી નીકળે નહીં. વ્યવહારશુદ્ધિ પહેલી હોવી જોઈએ.

કારણો એવા સેવાય તો સુધરે બધું

પ્રશ્નકર્તા : પણ આ ભવમાં ગોખ ગોખ જ કરે કે ‘બસ, સ્યાદ્વાદ વાણી જોઈએ છે’, તો તે થઈ જાય ખરી ?

દાદાશ્રી : પણ આ ‘સ્યાદ્વાદ’ સમજીને બોલે ત્યારે. એ પોતે સમજતો જ ના હોય ને બોલ બોલ કરે કે ગા ગા કરે તો કશું વળે નહીં.

આપણે નક્કી કરીએ કે ‘કોઈને દુઃખ ના થાય એવી વાણી બોલવી છે. કોઈ ધર્મને અડચણ ના પડે-કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાવાય એવી વાણી બોલવી જોઈએ’, ત્યારે એ વાણી સારી નીકળે.

સ્યાદ્વાદ વાણીની ભૂમિકા ક્યારે ઉત્પન્ન થાય ? જ્યારે અહંકાર શૂન્ય થાય. જગત આખું નિર્દોષ દેખાય. કોઈ જીવનો કિંચિત્માત્ર દોષ ના દેખાય, કોઈનું કિંચિત્માત્ર ધર્મપ્રમાણ ના દુભાય.

પ્રશ્નકર્તા : પણ અમે એવું કહીએ કે ‘દાદાની વાણી જેવી જ વાણી જોઈએ છે’ તો ?

(પા. 19)

દાદાશ્રી : ‘જોઈએ છે’ એવું બોલવાથી કશું વળે નહીંને ! એ તો આવી વાણીની ભાવના ભાવવી પડે. વાણી એ તો ફળ છે, બીજ નાખવાનું છે. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવી વાણી બોલવાની ભાવના થાય એટલે એવી ટેપ તૈયાર થઈ જાય. વાણી એવી રેકર્ડ થઈ જાય. ‘આપણી ભાવના શું છે’ એ ઉપરથી કોડવર્ડ થાય.

આ ‘જ્ઞાન’ મળ્યા પછી પોતાને એ આશય ગોઠવતા આવડે. ‘જ્ઞાન’ મળ્યા પહેલા તો આશય કશાનું ભાન જ ના હોયને ! એ પછી જેમ તેમ ગોઠવાઈ જાય. હવે આશય જેવો ગોઠવીએ એવું મળી જાય.

નવા કોડ પ્રમાણે ઈફેક્ટ

પ્રશ્નકર્તા : નવો કોડ હોય તે આવતા જન્મમાં ઈફેક્ટ આપે કે આ જીવનમાં પણ ઈફેક્ટ આપે ?

દાદાશ્રી : આ કુંભાર માટલા બનાવે છે, તે માટલાને નિભાડામાં સળગાવીને કલાક પછી કાઢી લે, તો શું થાય ?

આવતા ભવે બધું સારું થશે એવું તમે માન્યું, તેથી તો તમને મારી ઉપર શ્રદ્ધા આવી, નહીં તો અહીં બેસાય શી રીતે ? આ ભવમાં તો શું થાય કે જે તમારી કોડવાળી ભાષા છે, તે પૂરી થઈ જશે અને પછી તમારી એવી ભાષા જ નહીં નીકળે.

પ્રશ્નકર્તા : એટલે પછી મૌન થઈ જવાનું ?

દાદાશ્રી : મૌન જ થઈ જવાનું. મૌન એટલે એવું મૌન નહીં કે અક્ષરેય બોલવાનો નહીં. મૌન એટલે વ્યવહાર પૂરતી જ વાણી રહેશે. કારણ કે એક ટાંકીનો ભરેલો માલ, તે ખાલી તો થઈ જ જવાનો.

વાણી બોલતી વખતની જાગૃતિ

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે ‘આ બોલ બોલવામાં કોનું કોનું કેવી રીતે પ્રમાણ દુભાય છે’, એ જોવાનું છે.

પેલાને છાતીના પાટિયાં બેસી જાય એવો મોટો પથરો મારીએ, તો તે વખતે આપણી જાગૃતિ ઊડી જ જાય ! નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઊડે. એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે.

પ્રશ્નકર્તા : એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી !

પ્રશ્નકર્તા : ટેપ થઈ ગયેલી વાણી ફેરવાય કઈ રીતે ?

દાદાશ્રી : તમે ફક્ત જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌનવ્રત ધારણ કરો તો એનો ઉપાય છે. બાકી એ તો કુદરતને ફેરવવા જેવી વસ્તુ છે. માટે ‘જ્ઞાની પુરુષ’ પાસેથી આજ્ઞા લઈને કરે, તો ‘જ્ઞાની પુરુષ’ જોખમદાર બનતા નથી અને જોખમદારી એમને એમ અધવચ્ચે ઊડી જાય છે. એટલે આ એક જ ઉપાય છે.

જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે. જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો.

‘અવળો બોલ’ પોતાને જ પહોંચે

આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે, સુષમકાળમાં મનથી બંધન હતું. માટે કોઈના માટે અક્ષરેય બોલાય નહીં. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે. અવળું વિચારે તો તેનીય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય.

આપણને જેવું ગમે છે તે બોલવું. એવું પ્રોજેક્ટ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી. કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે

(પા. 20)

છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.

અમે કોઈનેય ‘તું ખોટો છે’ એમ ના કહીએ. ચોરનેય ખોટો ના કહીએ. કારણ તેના વ્યુ પોઈન્ટથી તે સાચો છે. હા, અમે તેને ચોરી કર્યાનું ફળ શું આવશે, તે ‘જેમ છે તેમ’ તેને સમજાવીએ.

આપણને પોષાય તે ધીરાય

આપણને શું પોષાય છે, એ આપણે બીજાને આપો. શું ગુનો છે આ વાતમાં ? કાયદો સમજાય એવો નથી ?

વ્યવહારનો અર્થ શો ? આપીને લો અગર તો લઈને આપો, એનું નામ વ્યવહાર. ‘હું’ કોઈને આપતોય નથી ને ‘હું’ કોઈનું લેતો નથી. મને કોઈ આપતુંય નથી. ‘હું’ મારા સ્વરૂપમાં જ રહું છું.

વ્યવહાર એવો બદલો કે આપણે આપીને લેવાનું છે. એટલે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો. ‘વીતરાગો’ શું કહે છે ? તારે માર ખાવો હોય તો મારી આવ. તારે નિંદ્ય થવું હોય તો નિંદા કર.

નિંદા કરી ખેડે જોખમી વેપાર

વેપારીઓએ તો બહુ મિક્ષ્ચર કર્યું છે જાતજાતનું. તે પછી લોકો એમની નિંદા કરતા’તાને ત્યારે મેં કહ્યું, ‘નિંદા ના કરશો, એમની ટિકિટ આવી ગઈ છે.’ આ બે પગ છે ને એને બદલે ચાર પગનું રિઝર્વેશન આવી ગયું હોય, એની નિંદા કરીને શું કાઢવાનું ?

એટલે આવી રીતે (નિંદા કરી) ચાર ગતિમાં ભટક્યા કરે છે. એક કલાકની નિંદામાં આઠ પશુઓનું આયુષ્ય મનુષ્ય બાંધે છે. નિંદા કરવી એ જોખમી વેપાર છે.

કોઈની નિંદા કરવાનો આપણને રાઈટ (અધિકાર) નથી. એ કરારની વિરુદ્ધ થયું કહેવાય. એના દુર્ગુણો આપણે ધોઈ આપીએ એવા કંઈ મૂરખ આપણે ન હોઈએ. આપણા ઘરના જ લૂગડા ધોવાતા ના હોય ને પાછા કો’કના ક્યાં લૂગડા ધોઈ આપીએ ?

એટલે શેના હારુ જીવે છે તે ઉપર આધાર ! લોકોની નિંદા કરવા, આ લોકોની કૂથલી કરવા. એ તો હું જાણું. એટલે તમારે હજુ વધુ જીવાય તોય વાંધો નથી. એક જણે ભગવાનને પૂછ્યું, ‘વધારે ઊંઘતો હોય તે સારો કે જાગતો સારો ?’ ત્યારે કહે છે, જે લોકોને દુઃખ ના દેતો હોય અને સુખ આપતો હોય તે જાગતો સારો અને દુઃખ આપતો હોય તે મૂઓ નિદ્રા કરે તે સારું. નિદ્રામાં જ રહેને ! શું કામ કરે છે, તેના ઉપર આધાર.

ના દેખાતું હોય એની ટીકા ના કરાય

ઉઘાડી આંખે ઊંઘે છે એટલે આંખે દેખાતું નથી, છતી આંખે દેખાતું નથી. હવે દેખતાવાળાએ ના દેખાય એની ટીકા કરવી જોઈએ ?

પ્રશ્નકર્તા : ના, ટીકા કરાય જ નહીં.

દાદાશ્રી : કેમ નહીં ?

પ્રશ્નકર્તા : જેને દેખાતું જ નથીને, એની ટીકા શું કરે, દાદા ?

દાદાશ્રી : હા, એને દેખાતું જ નથી બિચારાને. એની ટીકા આપણે ક્યાં કરીએ ? દેખતાવાળાએ ના દેખાતું હોય એની ટીકા ના કરાય. અને પાછા ના દેખાતું હોય એ દેખતાવાળાને ધક્કા મારે. તમે કંઈ જાતના નવા આવ્યા ? આટલા વખતથી અમે ચાલીએ છીએ. કશું વાગતું નથી, કોઈક વખત ખાડામાં પડી જઈએ ત્યારે જરાક ઢીંચણ છોલાય. બીજું કશું, નદીઓ-બદીઓ નથી આવતી. ત્યારે આપણે બૂમો પાડીએ છીએ કે એય, મોટી મોટી નદીઓ આવે છે ને પુલ તૂટી ગયેલા છે. એટલે એ ભડકે છે કે આ નવી જાતના તમે કંઈથી આવ્યા ! આપણે દેખાડીએ છીએ, તે આંખે દેખાય નહીં. એમને ગાંઠે નહીંને એ લોકો ?

(પા. 21)

એ તો ટોળા હોય આંધળાના તો. પાર વગરના એના ટોળેટોળાં હોય. એમના શુદ્ધાત્મા જોઈ લેવા અને સમભાવે નિકાલ કરવો.

વૈષ્ણવજન તો તેને રે કહીએ

પ્રશ્નકર્તા : હું વાંચતો’તો એમાં એમ આવતું ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.’ નરસિંહ મહેતાએ કહ્યું છે ને, એમ કે વૈષ્ણવ હોય એ નિંદા ના કરે.

દાદાશ્રી : હા, વૈષ્ણવો કોઈની નિંદા ના કરે. ખરેખર કાયદો શું છે કે નિંદા કરે છે, એ એને ખાતે ડેબિટ (ઉધાર) થાય છે અને જેની નિંદા કરો છો, તેને ખાતે ક્રેડિટ (જમા) થાય છે. તમારે જો કરવી હોય તો કરજો, એનો સવાલ નથી.

પ્રશ્નકર્તા : લોકની નિંદા કરે એવી આપણી જે ટેવો છે, એ આપણા પોતાના અહંકારથી પણ દૂર કરી નાખવી જોઈએ ને ?

દાદાશ્રી : વાત સાચી છે. તમે જેની નિંદા કરો તેને ત્યાં એટલો અવશ્ય લાભ થાય નિયમથી જ. ગુણગાન કરો તો તમને નફો થાય ને એને ખોટ ના જાય.

પ્રશ્નકર્તા : મારા મનમાં આ બુદ્ધિશાળી માણસ તરીકે થતું’તું કે આ નરસિંહ મહેતાએ એકને એક વાત બે વખત કેમ લખી છે, પણ આજે આપની પાસેથી ખુલાસો થાય છે.

દાદાશ્રી : ચેતવ્યા તમને, નિંદા તે રોગ કહે છે. સમજ પડીને ?

પ્રશ્નકર્તા : (નિંદા કરવામાં) નેગેટિવ પણ બતાવ્યું અને વંદન કરવામાં એનું પોઝિટિવ થાય છે. એમ કે બેય વસ્તુ બતાવી એમણે.

દાદાશ્રી : પોઝિટિવ થાય છે અને વંદન કરવામાં પેલાને ખોટ જતી નથી ને આપણને નફો થાય છે.

હિતાહિતનું ભાન ખોવે નિંદા કરી

(આ તો) જીવને જરાય ભાન નથી. પોતાના હિતનું સહેજ પણ ભાન છે નહીં. શાસ્ત્રકારોએ કહ્યું કે જગતના મનુષ્યોને હિતાહિતનું ભાન નથી અને ઉઘાડી આંખે ઊંઘે છે. શાસ્ત્રકારોને કહીએ, સાહેબ, શું આ તમે બધાની નિંદા કરો છો ? એને શાસ્ત્રકારોને પૂછીએ આપણે. નિંદા નથી કરતા, ઉઘાડી આંખે ઊંઘી રહ્યા છે, કહેશે. પોતાનું અહિત જ કરી રહ્યા છે. એક તો પોતાને નફો મળે છે તે જાણતો નથી બિચારો, ઉપરથી પેલાને ગાળો ભાંડીને ખોટ ખાય છે. જુઓને, જાણી-જોઈને ખોટ લાવે છે.

આપણો મોક્ષમાર્ગ છે. માટે આપણે કોઈની નિંદામાં ના પડીએ. માટે આપણી નિંદા લોક કરે તેને છૂટ, વાંધો નહીં. આપણે કોઈની નિંદામાં ના પડતા અને આપણી નિંદા કરે તેને શાંતિથી વિચારી લેવી.

પ્રશ્નકર્તા : જમા કરી લેવી.

દાદાશ્રી : હં.. એની નબળાઈ છે ને બિચારાની ! આ તો આ કાળમાં જ આ ઊભું થયું. ખંડન-મંડન, (બધે) ખંડાયા કરવાનું નિરંતર. આખો દહાડો અકળાટ, કકળાટ. ‘‘કોઈની સહેજ પણ ટીકા કરવા જતા કેવળજ્ઞાનને બાધક છે. અરે, આત્મજ્ઞાનનેય બાધક છે, આ (અક્રમની કડી) તો કંઈ કુદરતી રીતે નીકળી છે, તે કામ કાઢી લેવાનું આપણું.

કરારના ભયથી ચેતજો

આ અક્રમ વિજ્ઞાન છે. એમાં ચેતવાનું એટલું જ છે. હાલતા-ચાલતા જીવ જોડે ફરી કરાર ના બંધાય એટલું જોજો. બાકી ભજિયા જેટલા ખાવા હોય તેટલા ખાજો, જલેબી જેટલી ખાવી હોય તેટલી ખાજો, શ્રીખંડ ખાવો હોય એટલો ખાજો, બીજું બધું જ છૂટ છે. તમને કપડાં જેવા પહેરવા હોય એવા પહેરજો. જેટલી સાડીઓ પહેરવી હોય એટલી પહેરજો. પણ હાલતા-ચાલતા જીવ જોડે ફરી કરાર ન થઈ જાય એટલું જોજો. એટલું થઈએ જાય વખતે. ભૂલ તો થવાની જ છે, પૂર્વનો

(પા. 22)

અભ્યાસ ખરોને ! તે આપણે એને કહેવું કે ચંદુભાઈ, કેમ આમ કર્યું ? હવે દાદાનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી તમે માફી માગો. આમ કેમ કર્યું, બસ એટલું જ.

આટલું જ ભયસ્થાન છે, બીજું કોઈ નથી. કોઈને જોઈને આપણને દ્વેષ થયો, કોઈ લંગડો દેખીને આપણને આમ એની ટીકા કરવાનું મન થયું, કેમ થાય આપણાથી ? કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય આપણાથી. કરાર ના બંધાય એટલું જ જોજો.

દાદા ભગવાનની ટીકાનું પરિણામ શું ?

આ ટીકા કરવા જેવી વસ્તુ નથી. કારણ કે હું પોતે દાદા ભગવાન થઈ બેઠો હોઉં તો ટીકા કરે. પણ દાદા ભગવાન તો ભગવાન છે. હવે એમની જો ટીકા કરવી હોય તો તમારી જવાબદારી છે. હું તો ભગવાનનો ભક્ત થઈને બેઠો છું ને, હું આમ (અંદરવાળાને નમસ્કાર) કરું છું એટલે પછી ! એટલે ટીકા કરવા જેવી વસ્તુ નથી. નહીં તો અહીં એક ટીકા કરે ને, તો નર્કનો અધિકારી થાય એવું છે આ. એટલે આ ખુલ્લું નહોતું પાડ્યું અત્યાર સુધી. હવે ખુલ્લું પાડીએ છીએ. હવે લોકોને સમજણમાં બેસે છે એટલે, નહીં તો ટીકા કર્યા વગર રહે નહીંને ! આપણા લોક તો અક્કલના કોથળા, તે ટીકા કર્યા વગર રહે નહીં. છતું ના આવડે તો ઊંધું તો આવડે જ. અને ભગવાન મહાવીરે જ કહ્યું’તું કે આ કાળમાં જે જીવો આવ્યા છે, તે આ ચાર આરામાં જે ચાળણે ના ચળાયા એ માલ રહ્યો છે અને એને અમે નામ આપીએ છીએ, પૂર્વ વિરાધક જીવડા. વિરાધનાઓ કરતા કરતા જ આવ્યા છે અને તે સામાન પડી રહ્યો છે. આમાંથી હવે આ છેલ્લો ચાળણો મૂકાય છે. તે જેટલો ચળાય એટલો સાચું. કારણ કે તેય શાથી ચળાય ? મોટા કાંકરાની મહીં જોડે માટી અડેલી હોયને, તે માટીની જોડે ઝીણી રેતી પાછી ચોંટી ગયેલી. તે આ તાપ પડયોને સખત એટલે તે રેતી છૂટી પડી ગઈ. તે હવે ચારણો મૂકીશું તો થોડી-ઘણી છૂટી જશે, પછી રામ તારી માયા !

ભાવના ભાવી થશો તે રૂપ

આ તો ભાવનાઓ ભાવવાની છે. હજુ તો એક અવતાર રહ્યોને, તે આ ભાવના ફળ આપશે. ત્યારે તો ભાવનારૂપ જ થઈ ગયા હશો તમે. જેવી ભાવનાઓ લખેલી છે એવું જ વર્તન હશે, પણ આવતે ભવ ! અત્યારે બીજ નાખ્યું, એટલે હમણા તમે કહો કે ‘લાવ, ખોતરીને ખાઈ જઈએ મહીંથી’, એ ના ચાલે.

પ્રશ્નકર્તા : પરિણામ આ ભવમાં નહીં, આવતા ભવમાં આવશે ?

દાદાશ્રી : હા, હજુ એક-બે અવતાર રહ્યા બાકી. એટલા માટે આ બીજ નાખીએ છીએ, તે આવતા ભવે ‘ક્લિયર’ આવે. આ તો બીજ નાખવું હોય તેને માટે છે.

આ કલમો તો ખાલી બોલવાની જ છે. રોજ ભાવના જ ભાવવાની છે. આ તો બીજ રોપવાનું છે. રોપ્યા પછી જ્યારે ફળ આવે ત્યારે જોઈ લેવાનું. ત્યાં સુધી ખાતર નાખવાનું.

એટલે આ નવ કલમો શું કહે છે ? ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો’. હવે લોક શું કહે છે ? ‘આ તો પળાય એવું નથી.’ પણ આ કરવાનું નથી. અલ્યા, શું કરવા ગાંડાં કાઢે છે ? આ જગતમાં બધાએ કહ્યું કે ‘કરો, કરો, કરો’. અલ્યા, કરવાનું હોય જ નહીં, જાણવાનું જ હોય. અને પછી ‘મારે આવું નથી કરવું અને તેનો હું પસ્તાવો કરું છું.’ એમ ‘દાદા ભગવાન’ પાસે માફી માગવાની. હવે ‘આ નથી કરવું’ એવું કહ્યુંને, ત્યાંથી જ આપણો અભિપ્રાય જુદો પડી ગયો. પછી કરતો હોય તેનો વાંધો નથી. પણ અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો ! આ મોક્ષમાર્ગનું રહસ્ય છે, તે જગતના લક્ષમાં હોય નહીંને !

પ્રશ્નકર્તા : ‘ડિસ્ચાર્જ’માં જ ફેરફાર માગે છે, પરિણામમાં ફેરફાર કરવા માગે છે આ લોકો ?

દાદાશ્રી : હા, એટલે જગતને આ લક્ષની

(પા. 23)

ખબર જ નથી, આ ભાન જ નથી. હું એને અભિપ્રાયથી મુક્ત કરવા માગું છું. અત્યારે ‘આ ખોટું છે’ એવો તમારો અભિપ્રાય બેસી ગયો. કારણ કે પહેલા ‘આ ખરું છે’ એવો અભિપ્રાય હતો અને તેથી સંસાર ઊભો રહ્યો અને હવે ‘એ ખોટું છે’ એવો અભિપ્રાય થયો, તો મુક્ત થયો. હવે આ અભિપ્રાય બદલાવો ના જોઈએ, ફરી કોઈ પણ સંજોગમાં !

પોતાની બેજવાબદારીથી અટક્યો મોક્ષ

આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ. કોઈને ‘ખોટું’ કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. પોતાની જવાબદારીઓનું ભાન નથી. માટે બેજવાબદારીવાળું બોલશો નહીં, બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઇનું સારું કરવું હોય તો કરવા જજો, નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. કોઇનું બૂરું સાંભળશોય નહીં. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે ! ભૂલ ભાંગવી પડશે, ભૂલ સહિત મોક્ષે નહીં જવાય.

જ્ઞાનમાં સમજી હવે આપણું કામ કાઢી લો

પારકાનું તે પોતાનું કરવા ગયા તેની જ બધી મુસીબત ઊભી થઈ છે. કહેવા કરતા ના કહેવામાં વધારે ફાયદો છે, કહેવામાં ફાયદો નથી. કહેવાથી તો ઊલટું વધારે કરે અને કહે તેનાથી ઊલટું કરે. એટલે ટીકા તો કોઈનીય ના કરશો. સામો માણસ આપણા કહેવાથી અવળું કરતો હોય તો તે ઉપરથી આપણે સમજી ના જઈએ કે આપણે આપણો હિસાબ આવો જ લઈને આવ્યા છીએ. માટે આપણે મમત-મત-ખેંચ કે આગ્રહ ના રાખવો.

આપણે વ્યક્તિગત ઉપર ઉતરવાની જરૂર નહીં. આપણે કોઈ પણ માણસને વ્યક્તિગત કરવાનો અર્થ જ નહીંને ! આ તો સાધારણ, સામાન્યભાવે વાત સમજવાની જરૂર છે. વ્યક્તિગત તો નિંદા કહેવાય. નિંદા કરવાનો ટાઈમ તો આપણે હોય જ નહીં. એ તો અધોગતિએ જવાની નિશાની.

નવરાશનો ટાઈમ આવે તો ‘દાદા ભગવાન’ પાસે આપણે શક્તિઓ માગ માગ કરવી. કઢંગુ બોલાતું હોય, (નિંદા-ટીકા થતી હોય) તો એની પ્રતિપક્ષી શક્તિ માગવી કે ‘મને શુદ્ધ વાણી બોલવાની શક્તિ આપો. સ્યાદ્વાદ વાણી બોલવાની શક્તિ આપો. મૃદુ-ઙ્ગજુ ભાષા બોલવાની શક્તિઓ આપો.’ આવું માગ્યા કરવું. સ્યાદ્વાદ વાણી એટલે કોઈને દુઃખ ના થાય એવી વાણી.

પોઝિટિવ મન બનાવે ભગવાન

પ્રશ્નકર્તા : કષાય વગરની આપના જેવી પોઝિટિવ વાણી અમારી ક્યારે થશે ?

દાદાશ્રી : આ નેગેટિવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે. કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.

મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે હંમેશાં પોઝિટિવ બોલો. પોઝિટિવમાં નેગેટિવ ના બોલાય. પોઝિટિવ થયું, એમાં નેગેટિવ બોલીએ એ ગુનો છે અને પોઝિટિવમાં નેગેટિવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાની સાથે મહીં કેટલોય ફેરફાર થઈ જાય. માટે પોઝિટિવ બોલો.

વર્ષોના વર્ષો ગયા, પણ મન છે તે એક સહેજેય નેગેટિવ થયું નથી મારે. સહેજેય, કોઈ પણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. આ મન જો પોઝિટિવ થઈ જાય લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવેય નહીં !

- જય સચ્ચિદાનંદ