રિયલ-રિલેટિવની ભેદરેખા સંપાદકીય શ્રીકૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રની રણભૂમિમાં વિષાદગ્રસ્ત અર્જુનને દિવ્યચક્ષુ આપ્યા. એ દિવ્યચક્ષુના ઉપયોગથી અર્જુન લડાઈ લડ્યો અને એ જ ભવે મોક્ષે પણ ગયો. એવા જ દિવ્યચક્ષુ મહાત્માઓને અક્રમ માર્ગે પ્રાપ્ત થાય છે. દાદા ભગવાનના માત્ર બે કલાકના જ્ઞાનવિધિના પ્રયોગથી રોંગ બિલિફ ફ્રેક્ચર થાય છે ને રાઈટ બિલીફ બેસે છે. પછી એ દિવ્યચક્ષુના ઉપયોગથી રિલેટિવ દ્રષ્ટિએ બહારનું પેકિંગ દેખાય ને રિયલ દ્રષ્ટિએ મહીં શુદ્ધાત્મા દેખાય. પુરુષનું પેકિંગ, સ્ત્રીનું પેકિંગ, ગધેડાનું, કૂતરાનું, માછલાનું, ઝાડ-પાનનું, જાતજાતના પેકિંગ પણ મહીં માલ એક જ પ્રકારનો, ‘શુદ્ધાત્મા.’ આ જ્ઞાન મળેલું હોય તેને તો એક મિનિટની નવરાશ હોય નહીં. અનાદિથી અવળો અભ્યાસ એટલે હવે આ દ્રષ્ટિથી ગોઠવણી કરતા જવાનું. ધીમે ધીમે આ અભ્યાસ મજબૂત થતો જાય પછી સહજ થાય અને નિરંતર સમાધિ રહે. આખો દહાડો રિયલ-રિલેટિવના ઉપયોગમાં રહેવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. આજ્ઞામાં ના રહેવાય તો મહીં ખેદ રાખવો કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા છીએ કે આપણને જંપીને બેસવા નથી દેતા. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે શુદ્ધાત્મા જોતા જોતા જવું એમાં શું અઘરું છે ? તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એકધારી જાગૃતિ કેમ રહેતી નથી ? લાલચની જગ્યા આવે, જ્યાં મીઠું લાગે, ઈન્ટરેસ્ટ પડે ત્યાં ભૂલી જવાય. માટે ચેતતા રહેવું. રિલેટિવ બધું વિનાશી છે અને પોતે શુદ્ધાત્મા અવિનાશી છે. આપણો તો નિરાકુળતાનો પ્રદેશ. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા થઈ કે ‘આ આપણું સ્થાન ન હોય’ કરીને નિરાકુળતામાં રહેવું. (રિલેટિવમાં) કોઈ ખુરશી ઉપર દઝાવાય, કોઈ ખુરશી ઉપર શૉક લાગે. એટલે ત્યાંથી ઉઠીને શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જવું. રિલેટિવ ને રિયલના ભાગ પાડી આપ્યા છે અને હવે એના સ્વભાવને ઓળખવાના છે. શુદ્ધાત્માને કોઈ પણ પ્રકારની અસર ના હોય, કારણ કે એ ઈફેક્ટિવ નથી. પણ ઈફેક્ટ થાય છે, અસર થાય છે, ત્યાં જાગૃતિ કાચી પડી જાય છે. બીજું કશું ના ફાવે તો ‘મારું સ્વરૂપ ન હોય’ એમ કહીને છૂટી જવાનું. વ્યવહારમાં, રિલેટિવમાં અનઈઝી લાગે ત્યાં પોતાની ભૂલ છે. આમ વ્યવહારિક રીતે બધી જ વાત થાય, પણ ફક્ત રાગ-દ્વેષ ના થાય એનું ધ્યાન રાખવું. વ્યવહારમાં થતી ભૂલો ધોવા માટે ‘રિલેટિવ’માં પસ્તાવો અને રિયલમાં આનંદ આ બેઉ હોવા જોઈએ. શુદ્ધ ઉપયોગ એનું નામ કહેવાય કે આનંદ હોય. કંટાળો આવે એનું નામ શુદ્ધ ઉપયોગ નહીં. શુદ્ધ ઉપયોગમાં મન ભળેલું હોય એટલે કંટાળો આવે, એટલે ગોઠવણી બદલવાની જરૂર છે. પ્રસ્તુત સંકલનમાં રિલેટિવમાં પેકિંગ સ્વરૂપ અને રિયલમાં શુદ્ધાત્મા, એ અભ્યાસ માટે દાદાશ્રીએ અનેક દ્રષ્ટાંતો આપ્યા છે કે પોતાનો ભાગ કયો ને પારકો ભાગ કયો. આત્માના અનુભવની કક્ષાએ પહોંચવા માટે અને નિરંતર આજ્ઞામાં રહેવા માટેના ઉપાયો દેખાડ્યા છે, જે મહાત્માઓને રિલેટિવ ને રિયલ જોવાનો પ્રયોગ સિદ્ધ કરવામાં સહાયભૂત થશે, એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. રિયલ-રિલેટિવની ભેદરેખા (પા.૪) દુન્વયી પઝલનું એકમાત્ર સોલ્યુશન ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. આ પઝલ સોલ્વ કેમ કરી શકાય ? ધેર આર ટુ વ્યૂપોઇન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યૂપોઈન્ટ એન્ડ વન રિયલ વ્યૂપોઇન્ટ. બાય રિલેટિવ વ્યૂપોઇન્ટ યુ આર ‘ચંદુલાલ’ એન્ડ બાય રિયલ વ્યૂપોઇન્ટ તમે ‘શુદ્ધાત્મા’ છો. આ બે વ્યૂપોઇન્ટથી જગતને જોશો તો બધાં જ પઝલ સોલ્વ થઇ જશે. આને જ ભગવાને દિવ્યચક્ષુ કહ્યા છે. જુઓ જગત દિવ્યચક્ષુથી (જ્ઞાનવિધિમાં તમને) આ દિવ્યચક્ષુ આપ્યા છે. (તે) હવે આ બહારની આંખે પેકિંગ દેખાય અને અંદરની આંખે શુદ્ધાત્મા દેખાય. તમને સમજાયું આ આજે ? બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ યૂ આર ? પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : અને રિયલ વ્યૂ પોઈન્ટથી ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા. દાદાશ્રી : તો તમારા વાઈફ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ? પ્રશ્નકર્તા : વાઈફ. દાદાશ્રી : અને રિયલ વ્યૂ પોઈન્ટથી ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા. દાદાશ્રી : એય શુદ્ધાત્મા છે, એ જાણતા ના હોય ભલે, પણ છે શુદ્ધાત્મા મહીં. ના જાણતા હોય એ (સંસારમાં) માર ખાય. (આ) જાણવાની જરૂર છે. ખરેખર વાસ્તવિકતા એમ જ છે. આ ગાય છે ને, તે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ગાય અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા. આ બકરી રિલેટિવ વ્યૂ પોઈન્ટથી બકરી (અને) રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા. ભગવાનની ભાષાએ શુદ્ધાત્માનો માલ છે દરેક પેકિંગમાં. આ દરિયામાં કેટલી જાતના પેકિંગ હોય છે, નહીં ? મોટા-મોટા વ્હેલ માછલા ને આવડા નાના માછલા. અહીં ગાયો-ભેંસો, હાથી વેરાયટિઝ ઑફ પેકિંગ, (પણ) મહીં માલ એક જ પ્રકારનો, શુદ્ધાત્મા. આ બધાં જાતજાતના પેકિંગ છે. આ પુરુષો પેકિંગ, સ્ત્રીઓ પેકિંગ, કૂતરાં, બિલાડા બધા પેકિંગની અંદર ભગવાન પોતે રહેલા છે. આ દેહ તો પેકિંગ (ખોખું) છે, મહીં બેઠા છે તે ભગવાન છે. આ તમારુંય ચંદુલાલનું પેકિંગ છે ને મહીં ભગવાન બેઠા છે. આ ગધેડો છે તે ગધેડાનું પેકિંગ છે ને મહીં ભગવાન બેઠા છે. પણ આ અક્કરમીઓને નહીં સમજાવાથી ગધેડો સામે મળે તો ગાળ ભાંડે. તે એની મહીં ભગવાન નોંધ કરે, હંઅ.... મને ગધેડો કહે છે ? જા, ત્યારે એક અવતાર તનેય ગધેડાનો મળશે. પેકિંગ જુદા, મહીં માલ સરખો આ પેકિંગ તો ગમે તેનું હોય, કોઈ સાગનું હોય, કોઈ આંબાનું હોય, કોઈ લીમડાનું, કોઈ સીસમનું ને કોઈ બાવળનું પેકિંગ છે પણ અંદર માલ એક સરખો જ છે. આ વેપારી પેકિંગ જુએ કે મહીંનો માલ જુએ ? પ્રશ્નકર્તા : માલ જુએ. દાદાશ્રી : હા, પેકિંગને શું કરવાનું ? કામ તો માલ સાથે જ છે ને ! કોઈ પેકિંગ સડેલું હોય, ભાંગેલું હોય પણ માલ ચોખ્ખો છે ને ! એ સામાન ઓળખી ગયો તો કામ થઈ ગયું. ખરો વેપારી પેકિંગ ના જુએ ને ? માલસામાન બગડ્યો નથી ને, એટલું જ જુએ. આ તો આપણે બધા પેકિંગે કરીને જ જુદા (પા.૫) જુદા દેખાઈએ છીએ, પણ આત્માએ કરીને આપણે બધા એક જ છીએ. આજ્ઞા પાલને રહે શુદ્ધાત્માનો ઉપયોગ હવે તમારે આ જાગૃતિ નિરંતર રહેશે. તમારા પાપો ભસ્મીભૂત કર્યા છે. એટલે આ શુદ્ધાત્માનું લક્ષ નિરંતર રહ્યા કરશે, ક્ષણવાર ચૂક્યા સિવાય. ફક્ત અમારી આજ્ઞા પાળવાની. તે આ (પહેલી) બે આજ્ઞા આપી; ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. તે સવારમાં બહાર નીકળો, તો આ બે વ્યૂ પોઈન્ટથી જોતા જોતા નીકળીએ તો કોઈ વાંધો ઉઠાવે ? ગાયનેય જોઈએ અને અંદર શુદ્ધાત્માને જોઈએ. એમ જોતા જોતા એક કલાક જોઈએ, તો કોઈને વાંધો આવે ખરો ? પ્રશ્નકર્તા : કંઈ નહીં. દાદાશ્રી : અને આપણે શુદ્ધાત્માના ઉપયોગમાં રહ્યા. આ બે આજ્ઞા પાળવાની અઘરી છે કંઈ ? અઘરી નથી લાગતીને કંઈ ? પ્રશ્નકર્તા : ના, અઘરી નહીં. દાદાશ્રી : (હા, અને) આ ના પોષાય તોય કહી દેવું કે ભાઈ, આ આજ્ઞા પાળી નથી શકાય એવી, મને બીજી આપો. આ સહેલી છે ને ? પ્રશ્નકર્તા : સહેલી છે. દાદાશ્રી : હવે અઘરી તો એટલી બધી છે કે જાગૃતિ જ રહે નહીં પણ આ જાગૃતિ તમને એમ ને એમ રહેશે જ. પુણિયા શ્રાવકનું સામાયિક ‘હું શુદ્ધાત્મા છું’ જેને એક કલાક રહ્યું એ જ સામાયિક. સમભાવે નિકાલ કરવો એ સામાયિક, રિલેટિવ અને રિયલ જોયું એય સામાયિક. આપણા પાંચ વાક્યો (આજ્ઞા) એ સામાયિક સ્વરૂપ જ છે ! એક કલાક રિલેટિવ ને રિયલ બેનું જોતા જોતા એનો ઉપયોગ રાખે બરાબર, એને ભગવાને ‘શુદ્ધ ઉપયોગ’ કહ્યો. એ શુદ્ધ ઉપયોગ જો એક ગુંઠાણું રહેને તો પુણિયા શ્રાવકનું સામાયિક થાય એવું છે. તમે કરી શકી તો અવશ્ય લાભ ઉઠાવો. પ્રશ્નકર્તા : જેની સામાયિક ભગવાન મહાવીરે વખાણી, એમાં શું રહસ્ય છે, એ સમજાવો જરા. દાદાશ્રી : એ શુદ્ધ સામાયિક હતી. એવી સામાયિક (કરવાનું) મનુષ્યનું ગજુ જ નહીં ને ! (એ) શુદ્ધ સામાયિક, આ જેવું મેં તમને આપ્યું છે, એ દિવ્યચક્ષુ સાથેનું સામાયિક હતું. એ ઘરમાં રહે, બહાર ફરે તોયે પણ એમનું શુદ્ધ સામાયિક, દિવ્યચક્ષુના આધારે એમને સામાયિક હતું. એ રૂ લઈ આવે. એની પુણિઓ કરીને પછી એને વેચે, એટલે પુણિયા શ્રાવક કહેવાતા’તા. પુણિઓ કાંતતી વખતે એમનું મન જે હતું, તે આની મહીં તારમાં હતું ને ચિત્ત ભગવાનમાં હતું અને આ સિવાય બહાર બધું કશું જોતો-કરતો ન્હોતો, ડખલ કરતો જ ન્હોતો. વ્યવહારમાં મન રાખતો’તો અને નિશ્ચયમાં ચિત્તને રાખતો’તો. આવું હોય તો એ ઊંચામાં ઊંચી સામાયિક કહેવાય ! પેલા પુણિયાએ શ્રેણિક રાજાને કહ્યું કે ‘હું સામાયિક આપીશ.’ ત્યારે શ્રેણિક રાજાએ કહ્યું, ‘કિંમત શું ? કહી દે.’ ત્યારે કહે, ‘કિંમત ભગવાન નક્કી કરશે, મારાથી તો કિંમત નક્કી ના થાય.’ એટલે શ્રેણિક રાજાએ જાણ્યું કે ભગવાન અપાવી અપાવીને પાંચ કરોડ અપાવશે, દસ કરોડ અપાવશે. એક સામાયિકના કેટલા રૂપિયા અપાવી દેવડાવે ? એટલે એના મનમાં હિસાબ જ નહીં એ વાતનો. આવીને ભગવાનને કહે છે કે ‘પુણિયા શ્રાવકે આપવાનું કહી દીધું. સાહેબ, હવે મારો કંઈ નિકાલ કરો, હવે નર્કમાં ના જવું પડે એવું.’ ત્યારે કહે, ‘પણ પુણિયા શ્રાવકે એમને એમ આપવાનું કહ્યું ? ફ્રી ઑફ કોસ્ટ (વિના મૂલ્યે) ?’ ત્યારે કહે, ‘ના, ભગવાન જે કિંમત કરે એ.’ ત્યારે ભગવાન કહે, ‘શું કિંમત થાય શ્રેણિક (પા.૬) રાજા, જાણો છો ? આ તમારું રાજ્ય એની કિંમતમાં દલાલીમાં જાય !’ એટલે રાજા ભડક્યા કે મારું રાજ્ય દલાલીમાં જાય, તો હું લાવું ક્યાંથી બીજા ? એટલે એટલી બધી કિંમત એ સામાયિકની હતી ! દિવ્યચક્ષુ ઉપયોગે થાય શુદ્ધ સામાયિક એવું આ મેં તમને રિલેટિવ ને રિયલ આપ્યા છે વાક્યો. એ જો તમે એક કલાક ઉપયોગ કરો સાચા મનથી અને સાચા ચિત્તથી, તો મનથી છે તે આગળ જોતાં જવાનું, ઠોકર ના વાગે એ રીતે અને ચિત્તથી આ જોયા કરવાનું, રિલેટિવ ને રિયલ, તો તમારે એના જેવું જ સામાયિક થાય એવું છે. પણ હવે જો એ તમે કરો તો તમારું. આટલી બધી કિંમત આ સામાયિકની છે ! માટે લાભ ઉઠાવવો. સામાયિક કરતી વખતે મહીં સમાધિ સરસ રહે છે ને ? હવે આમાં સહેલું છે, અઘરુંયે નથી. સામાયિક એટલે કરવાનું શું ? આ બે વ્યૂ પોઈન્ટ આપ્યા છે ને, તે બધાની અંદર શુદ્ધાત્મા જોતા જોતા જઈએ શાક લેવા, તે કોઈ ગધેડું હોય, પછી બળદ જતો હોય, બીજું જતું હોય, જીવમાત્ર, ગાય-બકરી, (ઝાડ-પાનને) આજ્ઞાપૂર્વક જોતાં જોતાં જવું ને આજ્ઞાપૂર્વક પાછા આવવું. તે એક તો ઘરના માણસે કહ્યું હોય કે શાક લઈ આવો, તે આપણે ચાલીને લઈ આવ્યા, પૈસો ખર્ચ થયો નહીં. અને બીજું શું ફાયદો થયો ? ત્યારે કહે, દાદાની આજ્ઞા પાળી. ત્રીજો શો ફાયદો થયો કે સામાયિક થયું. ચોથો શું થયો ફાયદો ? ત્યારે કહે, સામાયિકનું ફળ સમાધિ રહી. એટલે આ આજ્ઞા પાળજો બધી. એક કલાકેય છેવટે કાઢજોને ! ના નીકળે ? હવે બહાર જશો તો વાપરશો ને દિવ્યચક્ષુ ? એવું છે ને, અનાદિનો અજ્ઞાન પરિચય છે, તે આના માટે, થોડું પ્રેક્ટિસમાં લેવા માટે બે-ચાર વખત અભ્યાસ કરશો ને, પછી ચાલુ થઈ જશે. અભ્યાસથી વધે જાગૃતિ પ્રશ્નકર્તા : મનુષ્યમાં તો ખબર પડી જાય કે આમાં શુદ્ધાત્મા છે, પણ આ ઝાડ-પાનને એ રૂપે જોવાની અમને પ્રેક્ટિસ ઉતરતી નથી ! દાદાશ્રી : એ પ્રેક્ટિસ આપણે પાડવી પડે. અનાદિથી અવળો અભ્યાસ, તે અવળો ને અવળો ચાલ્યા કરે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથથી જમશો નહીં તમે, તોય આપણો જમણો હાથ પેસી જાય. જમવા માટે થોડીક ચાર દિવસ જાગૃતિ રાખવી પડે. એટલો આનો અત્યારથી અભ્યાસ કરી લેજો. દિવ્યચક્ષુથી જોતા જોતા જજોને ! આપણે ધીમે ધીમે ગોઠવણી કરતાં જવાનું, એટલે ફિટ થતું જાય. ગાયો-ભેંસો બધામાં છે. એ શુદ્ધાત્મામાં ચેન્જ થયો નથી, આ પેકિંગ ચેન્જ (ફેર) થયું છે. શુદ્ધાત્મા તો એ જ છે, સનાતન છે. (તમે) આ બધામાં શુદ્ધાત્મા જુઓ છો ? પ્રશ્નકર્તા : જોઉં છું પણ કો’ક વખત વિસ્મૃત થઈ જાય. દાદાશ્રી : કો’ક વખત વિસ્મૃત થઈ જાય એમ નહીં, પણ કો’ક વખત જુઓ છો ખરાને ? પ્રશ્નકર્તા : હા, જોઉં છું. દાદાશ્રી : એ જોવાનો અભ્યાસ કરે એટલે આખો દહાડો સમાધિ રહે. એક કલાક આમ બહાર નીકળ્યા, શુદ્ધાત્મા જોતા જોતા જઈએ તો કોઈ વઢે આપણને કે શું જુઓ છો ? આ આંખે રિલેટિવ દેખાય, અંદરની આંખથી શુદ્ધાત્મા દેખાય. આ દિવ્યચક્ષુ છે. તમે જ્યાં (શુદ્ધાત્મા) જોશો ત્યાં દેખાશે. પણ એનો અભ્યાસ પહેલા કરવાનો, પછી સહજ થઈ જશે. પછી એમને એમ સહજાસહજ દેખાયા કરશે. અભ્યાસ પહેલાનો તો અવળો હતો, એટલે આનો અભ્યાસ કરવો પડે ને ? એટલે થોડા દહાડા હેન્ડલ મારવું પડે. (પા.૭) એટલે એને પોઈન્ટ ઉપર મૂકવાનું છે. તેના માટે પોઈન્ટ બધા સમજી લેવાના છે. બીજું કશું સમજવાનું છે નહીં. આ લિફ્ટ માર્ગ છે, કરવાનું કશુંય નથી. અમે કહ્યું હોય કે લિફટમાં બેસી લિફટમાંથી હાથ બહાર ના કાઢશો, એટલી જ આજ્ઞામાં રહેવાનું. અમારી એ બે આજ્ઞાઓ જો પાળેને, તો મહીં સમાધિ જ થયા કરે અને આત્માની પુષ્ટિય થઈ જાય. આ આજ્ઞામાં રહેવાય તેટલું અવશ્ય રહેવું જ અને ના રહેવાય તો મહીં ખેદ રાખવો થોડો ઘણો, કે એવાં તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે મહીં આપણને આજ જંપીને બેસવા નથી દેતાં ! દાદાની આજ્ઞામાં રહેવાને માટે કર્મના ઉદય પાછા સહિયારા જોઈએ ને ? ના જોઈએ ? નહીં તો એક કલાક આમ હેડતાં હેડતાં, શુદ્ધાત્મા જોતાં જોતાં જવું. હેડતાં-ચાલતાં પુણિયા શ્રાવકનું સામાયિક થઈ ગયું ! પ્રશ્નકર્તા : (પણ હજુ એક્ઝેક્ટ (જેમ છે તેમ) શુદ્ધાત્મા, એ જુદું દેખાતું નથી.) દાદાશ્રી : જ્યાં સુધી આપણો આત્મા આપણે જોયો નથી, ત્યાં સુધી જ્ઞાની પુરુષ જ આપણો આત્મા છે. એટલે દાદા ભગવાન જ તમારો આત્મા છે. એટલે એ દાદા એ જ આપણું સ્વરૂપ છે અને એ જ દાદા મહીં બેઠેલા છે અને આ દેખાય છે ને, એ બધા તો ખોખાં છે, પેકિંગ છે બધા ! એટલે તમારે દાદા ભગવાનને અંદર બેસાડવાના. પહેલું કહેવાનું કે ચંદુભાઈ રિલેટિવ છે અને હું શુદ્ધાત્મા છું. માય શુદ્ધાત્મા ઈઝ દાદા ભગવાન. એક જ છે બેઉ. જ્યાં સુધી મેં મારો શુદ્ધાત્મા જોયો નથી, ત્યાં સુધી દાદા ભગવાન એ જ મારા શુદ્ધાત્મા છે. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી ચંદુભાઈ અને હું રિયલ, શુદ્ધાત્મા, દાદા ભગવાન. એટલે દાદા ભગવાન એ કંઈ બોલવાની જરૂર નહીં પણ મહીં દાદા ભગવાન સમજવાનું. રિલેટિવ ઈઝ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ, રિયલ ઈઝ પરમેનન્ટ. અભ્યાસ પછી થાય આજ્ઞા સહજ પ્રશ્નકર્તા : રિયલ-રિલેટિવ મોટે ભાગે આમ તો રહે છે પણ અમુક વખતે પાછું જતું રહે, એવું થયા કરે. દાદાશ્રી : એ તો એવું છેને, ઘણા કાળનો અવળો અભ્યાસ એટલે એ થયા કરે. પછી આપણે એમ કરતાં કરતાં આ અભ્યાસ મજબૂત થયો એટલે સહજ થઈ જાય. આ બહાર રિલેટિવ ને રિયલ જોવાનો અભ્યાસ પાડવો પડે પહેલાં. અભ્યાસી હોય પછી થાય. પ્રશ્નકર્તા : આજ્ઞાઓ ખ્યાલમાં હોય, પણ જે સહજભાવે થવી જોઈએ એ નથી થતી એનું શું ? દાદાશ્રી : તમારે એ ધ્યાન દેવાની જરૂર, બાકી સહજભાવે ના થાય એવું અઘરું નથી. બહુ સહેલામાં સહેલી છે વસ્તુ, પણ ટેવ પાડવી જોઈએ. એનો પહેલા અભ્યાસ કરવો પડે. અન્અભ્યાસ છે ! અન્અભ્યાસ એટલે આપણે રિયલ અને રિલેટિવ જોવાનો અભ્યાસ જ નથીને ! એટલે એક મહિનો તમે અભ્યાસ કરો પછી સહજ થઈ જાય. એટલે પહેલાં હેન્ડલ મારવું પડે. આ રિયલ અને આ રિલેટિવ, એ બહુ જાગૃતિવાળો હેન્ડલ ના મારે તો ચાલે. પણ આ લોકોને એટલી બધી જાગૃતિ હોતી નથીને ? બહુ જાગૃતિવાળાને તો કશું જ કરવાનું નથી, હેન્ડલેય મારવાની જરૂર નથી. આ તો બધું સહજ રહે જ ! ઉપયોગ શું ? જાગૃતિ શું ? પ્રશ્નકર્તા : જાગૃતિ અને ઉપયોગ એ બેમાં શું ફેર એ સમજાવો. દાદાશ્રી : જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવી એનું નામ ઉપયોગ. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં નફા-ખોટમાં. એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ ! જ્યાં જાગૃતિ વર્તે તે ઉપયોગ; પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ (પા.૮) કહેવાય અને શુદ્ધ ઉપયોગ કોને કહેવાય કે જે શુદ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય. ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞામાં ઉપયોગ રહ્યો, ‘રિયલ’-‘રિલેટિવ’ જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઇ. આ તો રસ્તામાં ડાફોળિયાં મારે કે ‘સ્ટીલ ટ્રેડિંગ કું, ફલાણી કંપની, જો આ કેવું છે !’ આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો. અને શુદ્ધ ઉપયોગની તો વાત જ જુદીને ! શુદ્ધ ઉપયોગ એ સ્વતંત્ર કહેવાય. એ પોતાની સ્વતંત્રતા છે. જેનાથી જગત વિસ્મૃત રહે, મગજ પર બોજો ના રહે, શાંતિ રહે, ‘રિયલ’ ને ‘રિલેટિવ’ જુદું રહે એ આપણી સ્વતંત્રતા ! આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી અમારી પાંચ આજ્ઞા પાળે તો, ભગવાન મહાવીર જેવો અહીં રહી શકે એમ છે. અમે પોતે જ રહીએ છીએ ને ! જે રસ્તે અમે ચાલ્યા છીએ એ રસ્તો જ તમને બતાવી દીધો છે ને જે ગુંઠાણું અમને મહીં પ્રગટ થયું છે, તે ગુંઠાણું તમારુંય થયું છે ! બસની રાહ જોતાંય શુદ્ધ ઉપયોગ આ જ્ઞાન મળેલું હોય, તેને તો એક મિનિટની નવરાશ હોય નહીં. મને એક મિનિટ નવરાશની નથી મળતી, એક સેકન્ડેય નવરાશ નહીંને ! બસ માટે ઊભા રહ્યા હોય ને બસ ના આવે તો લોક આમ જો જો કર્યા કરે. આમ જુએ, આમ જુએ ને ડાફાં માર્યા કરે. એટલે તમે ત્યાં આગળ ઊભા રહ્યા હોયને, તો ડાફાં મારીને શું કામ છે ? આપણી પાસે બધું જ્ઞાન છેને ! એટલે બધા ઊભા હોય, તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ જતાં-આવતાં હોય, તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ બસો જતી હોય, તેની મહીં બેઠેલાં હોય તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ એમ કરતાં કરતાં આપણી બસ આવીને ઊભી રહે. એટલે બધાનામાં શુદ્ધાત્મા જોઈએ ને આપણે આપણું શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરીએ તો આપણો ટાઈમ નકામો જાય નહીં. અને જગતના લોકો તો ડાફાં માર્યા જ કરે. આમ જુએ, આમ જુએ અને પછી મહીં અકળાયા કરે. બસ ના આવે એટલે અકળામણ થાય. એટલે આપણે આપણો ઉપયોગ શા માટે બગાડીએ ? અને શુદ્ધાત્મા જો જો કરીએ તો કેટલો બધો આનંદ થાય ! એટલે હથિયાર પ્રાપ્ત થયું છે તો વાપરવું જોઈએને ? નહીં તો હથિયાર કાટ ખાઈ જાય ! બસમાં બેસીને ક્યાંક ગયા હોય, એટલે બસમાં શું કરો ? શું જોયા કરો ? પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જોવાનું યાદ આવે પણ જોડે જોડે એ ખરું કે બસ કેવી ચલાવે છે, કેવી બસ છે, એવું બધું જોઈએ. દાદાશ્રી : આ ક્લિનર આવો કેવો છે ? જો, આ લોકો આમ ધક્કા મારે છે, લોકોને આમ કરે છે. જાણે બધાંના સુપરવાઇઝર ના રાખ્યા હોય આપણને ! અમે શું કરતા હોઈશું ? અમે ઉપયોગમાં જ રહીએ, બીજી કંઈ ભાંજગડ જ નહીંને ! લક્ષ રાખો ઉપયોગમાં રહેવાનું પ્રશ્નકર્તા : આપ ઉપયોગ કેવી રીતે રાખો ? દાદાશ્રી : બાહ્ય રમણતા જ નહીંને ! પ્રશ્નકર્તા : અંદરની સ્વરમણતા આપની કેવી હોય, દાદા ? દાદાશ્રી : એ તો ખરેખરી જ હોયને ! એમાં કહેવા જેવું જ ના હોયને ! સ્વરમણતા ના થઈ પણ સ્વરમણતા કરવી છે, એ લક્ષ રહે તોય સેકન્ડરી સ્ટેપ છે. આખો દહાડો તમે ઉપયોગ ગોઠવી રાખો. અહીંથી તમને કહ્યુંને, તમે જાવ. તમે દસ મિનિટ બહાર બેસો તોય આપણું પેલું (લક્ષ) હતું ત્યાંથી પાછું ગોઠવી દેવાનું. ત્યાંથી પાછું ચાલુ થઈ જાય, નહીં તો વલખાં મારો, આમ ડાફાં મારોને ! (પા.૯) પ્રશ્નકર્તા : એ ઉપયોગમાં રહેવું છે એવું આખો દિવસ રહ્યા કરે ખરું, પણ એ બાજુ રહેવાય નહીં. દાદાશ્રી : રહેવાય નહીં એ વાત જુદી, પણ લક્ષમાં રહે છે એટલુંય સારું કહેવાયને ! હું શું કરવા આવ્યો, એવું થયું માટે તૈયારી થઈ ગઈને ! ટ્રેનમાં બેસો તો ટ્રેનમાંય જેટલા પેસેન્જર ડબામાં હોય, એટલાના શુદ્ધાત્મા જોયા કરો. એ નર્યો ઉપયોગ જ કહેવાય. આજ્ઞામાં રહ્યા એ ઉપયોગ કહેવાય. એવી જગ્યાએ બેસવું કે ઊભા રહેવું કે બધાં પેસેન્જર દેખાય આપણને. એક ફેરો જોઈ વળ્યા એટલે પાછાં બધાના શુદ્ધાત્મા જોઈએ. એટલે ફરી ફરી એમ કરતો કરતો કલાક નીકળી જાય. એટલે ઉતરવાનો વખત આવે. એ ઉપયોગપૂર્વક ગયો વખત. વખતે આ ડ્રાઈવિંગ આપણે જાતે કરતા હોય તો લોકોનામાં આમ શુદ્ધાત્મા ના જોવાય, રિયલ-રિલેટિવ ના જોવાય. તે ઘડીએ તો એણે પોતે ધ્યાન (ગાડી ચલાવવામાં) જ રાખવું જોઈએ. પણ ગાડીમાં બેઠેલા માણસોએ એ ઉપયોગમાં રહેવું જોઈએને ! પ્રશ્નકર્તા : મારે ગાડી ચલાવતા પણ જોઈ શકાય. દાદાશ્રી : ના, વખતે કાચું પડી જાય. બાકી ખરી રીતે જોઈ શકાય. અરે, કેટલાંક ડ્રાયવરોએ મને એમ કહેલું કે દાદા, હું તો જોયા કરું છું. આગળ ખાડો આવ્યો, ફલાણું આવ્યું તે અને આ ફાઈલ નંબર એક ડ્રાઈવિંગ કર્યા કરે છે. ઘણા લોકો શુદ્ધ ઉપયોગમાં સરસ રહે છે. શુદ્ધ ઉપયોગે વર્તે આનંદ પ્રશ્નકર્તા : આ શુદ્ધ ઉપયોગની જે વાત છે કે આ રસ્તામાં રિલેટિવ-રિયલ જોતા જોતા જાય, એ પાછું બહુ લાંબો સમય ચાલે એટલે એમાંય કંટાળો આવે, પછી બીજું કંઈક માંગે. દાદાશ્રી : એ કંટાળો આવે છે તોય આપણે એને જાણવો પડેને ! એને જાણીએ એટલે કંટાળો ઉતરી જાય. પ્રશ્નકર્તા : હા, દાદા. કંટાળો આવે છે એ જાણે, પણ આ શુદ્ધ ઉપયોગમાં રહે છતાં કંટાળો આવે એ એક્ચ્યુઅલી (ખરેખર) એવું કેમ થાય ? દાદાશ્રી : આ શુદ્ધ ઉપયોગ એ ખરો શુદ્ધ ઉપયોગ ન્હોય. એમાં મન ભળેલું હોય છે, નહીં તો કંટાળો આવે કેમ કરીને ? શુદ્ધ ઉપયોગમાં શી રીતે કંટાળો આવે ? જ્યાં શુદ્ધ જ જોવું ત્યાં ! શુદ્ધ ઉપયોગમાં રીત બદલવાની જરૂર પછી. પ્રશ્નકર્તા : આ ઉપયોગમાં રહે, તો આનંદ ઉત્પન્ન થવો જોઈએ. તે આનંદથી આમ કંટાળો ના આવે. દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ એનું નામ કહેવાય કે આનંદ હોય. કંટાળો આવે, એનું નામ શુદ્ધ ઉપયોગ નહીં. ત્યાં બંધ કરી દેવું પડે, કે (કંઈક) ભૂલ થવા માંડી. પ્રશ્નકર્તા : પણ આપે કીધું એમાં મન ભળે એટલે કંટાળો આવે, તો શુદ્ધ ઉપયોગમાં રહેતો હોય ને એમાં મન ભળે તો શું કરવાનું ? દાદાશ્રી : મનને જોયા કરવાનું. મનને આપણે જાણીએ ખરાં, કઈ સ્થિતિમાં છે અત્યારે મન ! પાછલા કર્મો સામે જરૂર જાગૃતિની જ પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહિ ? દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલાં કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. અને દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી અને ભોગવીને (પા.૧૦) પછી આગળ જાય અને આ કર્મ ખપાવ્યા સિવાયની વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ‘ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ? નિશ્ચયની કચાશે વર્તે અજાગૃતિ પ્રશ્નકર્તા : આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું ? દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે. પ્રશ્નકર્તા : શું કચાશ છે ? દાદાશ્રી : કચાશ એ જાગૃતિની, ઉપયોગ દેવો પડેને થોડોઘણો ? એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતાં છે તે પચ્ચીસ મિનિટ થાય, બેઠાં બેઠાં. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એના, શાથી ? પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ ગયો. દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને, એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે, કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ? પ્રશ્નકર્તા : (હા, થોડુંઘણું રહે પણ સંપૂર્ણ) આજ્ઞા પાળવી એટલું સહેલું નથીને ! પેલું ખેંચી જાય મનને ! દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુદ્ધાત્મા જોતા જાય, એમાં શેની અઘરી ? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી એટલું જ કામ છેને ? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે ને ! આ પાંચ વાક્યો (આજ્ઞા) તો બહુ ભારે વાક્યો છે ! એ વાક્યો સમજવાને માટે બેઝિક (પાયાના) છે પણ બેઝિક બહુ ભારે છે. એ ધીમે ધીમે સમજાતાં જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઊડતી હોય, ધુમાડા ઊડતા હોય, તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુદું જુએ ? આજ્ઞા ગોઠવી રહો ઉપયોગમાં આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તે તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય. તમે ઘરમાંથી બહાર નીકળો એટલે શુદ્ધ ઉપયોગ મૂકો એટલે રિયલ ને રિલેટિવ બધું જોતાં જોતાં આગળ જવાય. તે વખતે શુદ્ધ ઉપયોગ રહે. અહીં કોઈની જોડે વાતચીત કરવા માંડી તે ઘડીએ વાતચીત કરતા રહીએ અને મહીં શુદ્ધ ઉપયોગ રાખ્યા કરાય. વાતચીત કરે એ ‘ચંદુલાલ’ કરે ને ‘આપણે’ બધું જોયા કરીએ. એ રીતે ઉપયોગ રહી શકે એમ છે. એ કંઈ બહુ અઘરી વસ્તુ નથી. પણ ત્યારે હોરું મનમાંથી કંઈ નીકળ્યું હોય તો તમે ગૂંચાઈ જાવ. રિલેટિવ ને રિયલ, એ જોતાં છે તે આ આગળ-પાછળનો જે વિચાર આવતો હોય તો ‘વ્યવસ્થિત’ કહીને બંધ કરો. જોતી વખતે આગળનો વિચાર એને હેરાન કરે, તો આપણે ‘વ્યવસ્થિત’ કહીએ એટલે બંધ થઈ ગયું. એટલે પાછું જોવાનું ચાલુ રહે આપણું. તે વખતે કોઈ ફાઈલ પજવતી હોય તો સમભાવે નિકાલ કરીને પણ તે ચાલુ રહ્યું આપણું. માત્ર સમજી લેવાની જરૂર પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે અમને એક- એક જીવમાં શુદ્ધાત્મા દેખાય ? તો એની એક્ઝેક્ટ દ્રષ્ટિએ કેવી રીતે હોય ? દાદાશ્રી : અમારી વાત જુદી છે ને તમારી વાત જુદી છે. એ કંઈ કહેવાય નહીં. તમારે અર્થ કાઢવાનો કે બુદ્ધિથી સમજાય એવું કેમ નથી ? (પા.૧૧) પ્રશ્નકર્તા : એ સમજાય. દાદાશ્રી : બધા બુદ્ધિવાળા કબૂલ કરે કે આ સમજાય એવું છે, પછી શો વાંધો છે ? આંખનું આંખથી દેખાવું, બુદ્ધિથી દેખાવું જોઈએ તો સાચી શ્રદ્ધા બેસે. લોકોને કહેશે કે ‘તું અહીંયા સારું કામ કર તો પુણ્ય બંધાશે.’ તો કંઈ એને દેખાય છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : બુદ્ધિથી બતાવેલું બધા એક્સેપ્ટ (સ્વીકાર) કરે. તારું કેમ આવું થઈ ગયું છે ? પ્રશ્નકર્તા : ના, આ તો વિશેષ જાણવા મળે, દ્રષ્ટિ મળે એટલા માટે. દાદાશ્રી : ચાલો. પછી આંખથી પાંચ ઈન્દ્રિયોનું પૂતળું દેખાય. બુદ્ધિથી એથી વિશેષ દેખાય. પ્રશ્નકર્તા : બરાબર. અને જ્ઞાનથી સંપૂર્ણ દેખાય ? દાદાશ્રી : એ તો સહેજેય સમજાય એવી વાત છે. સામાને સંતોષ ના થાય, પણ પેલી વાતનો સંતોષ થાય છે ને ? કો’કને સારું કામ કરવાનું કહીએ અને કહીએ કે એનાથી પુણ્ય બંધાશે, તે તરત એને પોતાને સમજાય છે ને ? બુદ્ધિથી નથી સમજાતું ? પ્રશ્નકર્તા : સમજાય. દાદાશ્રી : અને આશરે એમ ને એમ કહે કે ‘ભઈ, બધામાં ભગવાન છે.’ તો બુદ્ધિ એને એક્સેપ્ટ ના કરે. બુદ્ધિએ એક્સેપ્ટ કરવું જોઈએ. બુદ્ધિ એક્સેપ્ટ ના કરે તો એનો અર્થ નથી, એ મિનિંગલેસ (અર્થહીન) છે. એવું કહેવાથી કંઈ બધામાં ભગવાન જોવાતા નથી. પણ આ વાત ઠીક છે એવું બિલકુલ ના બોલે, તેના કરતાં સારું છે અને ખરેખર તો છે જ ને ભગવાન, એમાં વાત ખોટી તો નથી ! પણ જ્યાં સુધી બુદ્ધિ એક્સેપ્ટ ના કરે, ત્યાં સુધી જેવું જોઈએ તેવું ફળ ના મળે. આ તો આપણી જ્ઞાનવિધિ પછી રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે, રાઇટ બિલીફ બેસે છે. એટલે હું કહું કે ‘બધામાં ભગવાન છે, બધામાં ભગવાન જોજો.’ પછી બુદ્ધિ એક્સેપ્ટ કરે છે. અને બુદ્ધિએ એક્સેપ્ટ કર્યા, પછી ફળ મળે છે. તમને મેં શિખવાડ્યું કે રિયલ વ્યૂ પોઈન્ટથી તમે આમ છો ને એ બધું એટલે તમને દ્રષ્ટિ સાધારણ મળી ગઈ. એ જોયા કરવું. કાં તો જ્ઞાન આંખેથી જોયેલું હોવું જોઈએ, કાં તો બુદ્ધિથી દેખાવું જોઈએ. એમ ને એમ શ્રદ્ધા કરવાનો અર્થ જ નહીંને ! એ રિલેટિવ-રિયલ... રિયલ જોવાનો સ્ટડી (અભ્યાસ) ચાલુ જ છે. એ બહુ સારામાં સારું. આપણે બુદ્ધિથી એ પણ સમજી ગયા કે આ રિલેટિવ છે ને આ રિયલ છે. સમજી ગયા પછી તો પાછી આપણે ભૂલ ના ખાવી જોઈએ. ભગવાનના દર્શન કરવા આમ પ્રશ્નકર્તા : મારા જેવાએ જ્ઞાન લીધું છે, તો હવે મંદિરમાં જઈએ તો શું કરવું ? દાદાશ્રી : હવે ‘ચંદુલાલ’ ને જ કહીએ કે જે’ જે’ કરજે, અંદર ભાવ થાય તો, ને ના થાય તો કંઈ નહીં. પણ એના તરફ ઘૃણા નહીં રહેવી જોઈએ, અભાવ નહીં રહેવો જોઈએ. એ રિલેટિવ (વ્યવહાર) છે. રિલેટિવનો વાંધો નહીં. રિલેટિવમાં મસ્જિદમાં જઈએ તોય દર્શન કરાય. એટલે રિલેટિવમાં નિષ્પક્ષપાતી અને રિયલ (નિશ્ચય)માં આ શુદ્ધાત્મા એકલું જ. રિયલ ભક્તિ એક જ છે. મંદિર કે દેરાસરમાં જઈને ભગવાનના સાચા દર્શન કરવાની ઈચ્છા હોય તો હું તમને દર્શન કરવાની સાચી રીત શીખવાડું. બોલો, છે કોઈને ઈચ્છા ? પ્રશ્નકર્તા : હા, છે, શીખવાડો દાદા. કાલથી જ તે પ્રમાણે દર્શન કરવા જઇશું. (પા.૧૨) દાદાશ્રી : ભગવાનના દેરાસર (મંદિર)માં જઇને કહેવું કે ‘હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી થઇ તેથી તમારા દર્શન કરું છું. મને આ ‘જ્ઞાની પુરુષ’ દાદા ભગવાને શીખવાડ્યું છે, તેથી આ પ્રમાણે તમારા દર્શન કરું છું. તો મને મારી ‘પોતાની’ ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.’ જ્યાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો. આ તો જુદાં જુદાં નામ આપ્યા. ‘રિલેટિવલી’ જુદાં જુદાં છે, બધા ભગવાન ‘રિયલી’ એક જ છે. નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે : ‘રિલેટિવ’ ને ‘રિયલ.’ (કૃષ્ણ ભગવાનના) ફોટાના દર્શન કરતાં ‘રિલેટિવ’ની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે અને ‘રિયલ’માં આપણા આત્માની જ ભક્તિ થાય છે. આ કૃષ્ણ ભગવાનના ફોટાનાં દર્શન કરીએ તો તે ‘રિલેટિવ’ને પહોંચે. ‘અહીં’ પગે લાગે, તે તેના આત્માને જ ‘ડાયરેક્ટ’ (સીધું) પહોંચે. કારણ કે વીતરાગ સ્વીકાર ના કરે ને ? હંમેશાં ‘રિલેટિવ’ ને ‘રિયલ’ બેઉ દર્શન હોય, ત્યાં જ મોક્ષ છે. આખું જગત ક્રમિક માર્ગ હોવાથી નીચલાને નમસ્કાર નહીં કરે ને ફક્ત ઉપરવાળાને નમસ્કાર કરશે એવો આમનો સ્વભાવ અને આપણું અક્રમ નીચલા-ઉપલા બધાય પદને નમસ્કાર કરે છે. આ જગતમાં એક જીવ એવો બાકી નથી રહ્યો, જેને આપણા ‘અક્રમ’ માર્ગવાળો દર્શન ના કરતો હોય ! કારણ કે ક્રમિક માર્ગે શું કહે ? એય નરકના જીવોને નમસ્કાર ના કરાય, તિર્યંચના જીવોને નમસ્કાર ના કરાય, ભુવનવાસી, વ્યંતર દેવોને નમસ્કાર ના કરાય. એ બધાંને તો પર્યાય દ્રષ્ટિએ જુએ છે ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને આપણે તો કહીએ છીએ કે અમે તીર્થંકરોને, વ્યંતર દેવોને, ભુવનવાસીને, બધાને નમસ્કાર કરીએ છીએ, અમે રિયલ દ્રષ્ટિથી જોઈએ છીએ. પ્રશ્નકર્તા : રિયલ દ્રષ્ટિથી ? દાદાશ્રી : હા, રિયલ દ્રષ્ટિ, તે અમારે જીવમાત્ર જોડે કોઈ જાતનો ઝઘડો નહીં. અને તેનું આ જ્ઞાન પ્રગટ થયું છે ! વિનાશી વ્યવહારને જાણનાર તમે અવિનાશી પ્રશ્નકર્તા : અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ કે ‘ચંદુલાલ છું’, એની કંઈ જ સમજ પડતી નથી. દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. ‘તમે’ ચંદુલાલેય છો ને ‘તમે’ ‘શુદ્ધાત્મા’ય છો ! ‘બાય રિલેટિવ વ્યૂ પોઇન્ટ’થી તમે ‘ચંદુલાલ’ ને ‘બાય રિયલ વ્યૂ પોઈન્ટ’થી તમે ‘શુદ્ધાત્મા’ છો. ‘રિલેટિવ’ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો. વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે. હવે ‘જ્ઞાન’ પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. સમજવામાં જરા ખામી આવે તો આવી કો’કવાર કો’કને ભૂલ થાય, બધાને થાય નહીં. તમે ચંદુલાલ એકલા નથી, કોઈ જગ્યાએ તમે સર્વિસ કરતા હો તો તમે એના નોકર છો. તે આપણે નોકર તરીકેની બધી ફરજો પૂરી કરવાની. પણ કોઈ કંઈ કાયમનો નોકર નથી. એટલે આપણે અમુક અપેક્ષાએ ચંદુલાલ છીએ, અમુક અપેક્ષાએ શેઠ પણ છીએ, અમુક અપેક્ષાએ આના સસરા પણ છીએ, પણ તે આપણે આપણી ‘લિમિટ’ (મર્યાદા) જાણીએ કે ના જાણીએ કે કેટલી અપેક્ષાએ હું સસરો છું ? પેલો ચોંટી પડે કે તમે કાયમના આના સસરા છો, ત્યારે આપણે કહીએ, ‘ના ભઈ, કાયમનો સસરો તો હોતો હશે ?’ (પા.૧૩) ‘મારું ન્હોય’ કહી નિરાકુળતામાં રહેવું આપણે તો ‘શુદ્ધાત્મા’ છીએ ને ‘ચંદુલાલ’ તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથને વાપરશો નહીં, તોય જમણો હાથ થાળીમાં ઘાલી દે ! પણ ‘આ’ જાગૃતિ એવી છે કે તરત જ ખબર પડી જાય કે આ ભૂલ થઈ. આત્મા એ જ જાગૃતિ છે, આત્મા એ જ જ્ઞાન છે. પણ પહેલાંની અજાગૃતિ આવે, એટલે અજાગૃતિનો થોડો વખત માર ખાય. કોઈ પણ ભાવ આપણને મહીં ઉત્પન્ન થાય અને તેનો આમળો ચઢે તો ત્યાંથી છોડી દેવું બધું. આમળો ચઢે કે તરત બધું ઊંધે રસ્તે છે, એવી ખબર પડી જાય. જ્યાં હતા ત્યાંથી ‘હું શુદ્ધાત્મા છું’ કરીને ભાગી જવું. નિરાકુળતામાંથી જરાક વ્યાકુળતા ઉત્પન્ન થઈ કે ‘આ આપણું સ્થાન ન હોય’ કરીને ભાગી જવું. પ્રશ્નકર્તા : અહીં જ મારી ભૂલ થાય છે. આકુળતા-વ્યાકુળતા થાય ત્યારે હું ભાગી જતો નથી, પણ સામો બેસી રહું છું. દાદાશ્રી : અત્યારે બેસવા જેવું નથી. આગળ ઉપર બેસજો. હજી શક્તિ બરાબર આવ્યા વગર બેસીએ તો માર ખાઈએ. ‘આપણો’ તો નિરાકુળતાનો પ્રદેશ ! જ્યાં કંઈ પણ આકુળતા-વ્યાકુળતા છે, ત્યાં કર્મ બંધાશે. નિરાકુળતાથી કર્મ બંધાય નહીં. વ્યાકુળ થઈને આ સંસારનો કંઈ પણ ફાયદો થવાનો નથી ને જે થશે એ તો ‘વ્યવસ્થિત’ છે, માટે નિરાકુળતામાં રહેવું. જ્યાં સુધી શુદ્ધ ઉપયોગ રહે, ત્યાં સુધી નિરાકુળતા રહે. ઓળખો સ્વ-પરના સ્વભાવને એટલે જે ખુરશી ઉપર તું બેસીશ, ત્યાં કશું દુઃખ ના થાય ત્યારે જાણવું કે આ ખુરશી આપણી. વેદનાવાળા ભાગ ઉપર કોઈ બેસે જ નહીંને ! કોઈ ખુરશી ઉપર સહેજ દઝાવાય, કોઈ ખુરશી ઉપર વધારે દઝાવાય, કોઈ ખુરશી ઉપર શૉક લાગે. એ ત્યાંથી ઊઠી જવું ઝટ. એવી મહીં ચાર-પાંચ ખુરશીઓ છે. એવી સમજણ પાડી એને. પછી પાછો બેસતો હતોય ખરો પણ પાછો ફરી ઉઠાડું. હવે ખબર પડે છે તને કે આ ખુરશીમાં ખોટી રીતે બેસી ગયો છું ? પ્રશ્નકર્તા : દાદા, ખબર તો પડે જ છે. દાદાશ્રી : હજુ ખબર પડે છે ત્યાં સુધી એ ફેરફાર થવાની આશા. એ ખબર જ ના પડે, તેનો ઉપાય શો પછી ? અત્યારે તો તમે વાતો કરો એ મને સંભળાય નહીં, તો પછી મારે એમાં શું લેવાદેવા ? મને શું ફાયદો ? તે આપણે રિલેટિવ ઉપર બેસીએ, તે તરત ખબર ના પડે કે શૉક લાગે છે ? એટલે ઊઠીને ત્યાં પેલી શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જવું. માટે સ્વભાવને ઓળખો. શૉક લાગે ત્યાં જ બેસીએ ને પછી બૂમાબૂમ કરીએ. ‘દાદા, મને મહીં થાય છે...’ ‘અલ્યા મૂઆ ! તું ઊઠને અહીંથી. ત્યાં તારી ખુરશી ઉપર બેસને ! તને રિલેટિવ ને રિયલના ભાગ પાડી આપ્યા કે આ તારી ખુરશી ને આ પેલાની ખુરશી.’ પ્રશ્નકર્તા : રિલેટિવ ખુરશી ઉપર એટલો મજબૂત શૉક લાગતો નથી એટલે ખબર નથી પડતી. એમાં બેસી જ રહેવાય છે ત્યાં. દાદાશ્રી : હા. પણ એ મીઠું લાગે, ગળ્યું લાગે, પણ જીભે કપાતી હોય જરા. એટલે તલવારની ધાર ઉપર મધ મૂક્યું હોયને, તે ગળ્યું લાગે ને જીભ કપાતી હોય. વચ્ચે લહાય બળતી હોય, બેઉ સાથે ચાલતું હોય ! પ્રશ્નકર્તા : દાદા, રિલેટિવ ખુરશીમાં આંચકો લાગે છે ત્યારે એકદમ ઊઠી જવાતું કોઈવાર ને દાદા યાદ આવી જાય. દાદાશ્રી : હા, પણ એવું થઈ જાય છે ને એટલું થોડુંઘણું ઊઠ્યાને ! ઊઠવાનો ભાવ તો થયોને ! (પા.૧૪) પણ આ જે સ્વભાવને ઓળખે, તે તરત ઊઠી જાય કે આ નહોય, આ નહોય, આ ભૂલ્યો. જેમ આપણે હાથ અડાડીએ પેલા ઇલેક્ટ્રિકના વાયરને અને શૉક લાગતો હોય તો પછી આપણે શું કહીએ કે જોજે, ત્યાં અડીશ નહીં. એવું આનેય ચેતવતા જવું, બિવેર. તે પેલા ચારસો વોલ્ટવાળામાં તો મરણ થાય પણ આ તો અનંત અવતારનું મરણ થાય, બળ્યું ! એટલે મોટું બોર્ડ મારી રાખો. આત્મા પ્રાપ્ત થયો હોય તો (કહેવાય), નહીં તો બહાર તો કોઈને કશું કહેવાય એવું નથી. તમને રિલેટિવ ને રિયલ બેઉ ખુરશી ખબર પડી ગઈ છે એટલે કહેવાય. બહાર વાત કરીએ તો એમાં ભલીવાર નથી ! સ્વરૂપમાં રહ્યાની ખાત્રી શું ? પ્રશ્નકર્તા : આમ તો જેને ઉપયોગ ના રહેતો હોય એ સ્વરૂપની બહાર જ કહેવાયને ? દાદાશ્રી : કોઈ પણ રિલેટિવ વસ્તુ આવે તો આ ‘મારી ન્હોય’ એમ કહે એ ‘સ્વરૂપ’માં છે. ત્યારે અહીં સ્વરૂપમાં બેસીને બોલે છે, નહીં તો બોલાય નહીં. બહાર ઊભો હોય તો બોલાય નહીં, ‘આ મારું ન્હોય.’ એટલે આ સ્વરૂપમાં છે. ચોખ્ખું છે તો પછી કશું રહ્યું ? પ્રશ્નકર્તા : પણ બધા સંજોગોમાં ‘મારું ન્હોય’ એવું ના રહે, દાદા. દાદાશ્રી : તે ‘તારું છે’ એવું લાગે છે તને ? પ્રશ્નકર્તા : એવો કશો ભાવ ના હોય કે આ મારું છે કે નથી, એવું. દાદાશ્રી : એટલે ઉપયોગપૂર્વક નથી રહેતું એમ. એમને એમ તો રહે છે, પણ ઉપયોગપૂર્વક રહેવું જોઈએ કે ‘ન્હોય મારું.’ આપણે ‘ન્હોય મારું’ બોલીએ એટલે મહીં બીજા બધા બેઠા છે એ સાંભળે ને કહેશે, ઓહોહો ! આપણી સાથે ચોખ્ખું જ બોલે છે હવે. બુદ્ધિ, મન ને ચિત્ત ને એમને ખાત્રી થઈ જાય કે હવે આ ‘એ’ પક્ષના થઈ ગયા, હવે આપણું ચાલે નહીં. પ્રશ્નકર્તા : શરૂઆતની અવસ્થાઓમાં બોલવાનું, પછી તો પરમેનન્ટ એવું થઈ જાયને ? એટલે હમણાં બોલ્યે રાખવાનું ? દાદાશ્રી : પણ હજુ શરૂઆત તો હમણાં જ થઈ છેને ! કહેવામાં શું વાંધો છે, ‘મારું ન્હોય’ ? બસ ધીમે રહીને મનમાં, મોટેથી નહીં બોલવાનું ! મનમાં બોલવું કે ‘મારું ન્હોય.’ આ તિજોરીની આસપાસ પોલીસવાળા હોય છે, તે રાતે બાર વાગે તો બાર વાગ્યાના ઘંટ વગાડે. એક વાગ્યા હોય તો એકનો ઘંટ વગાડે અને પાછું કલાકે કલાકે બોલે, ‘અલ બેલ.. અલ બેલ..’ એવું બોલે. એટલે પછી એ બધાય પોલીસવાળા સાંભળે, બધાય આરામથી સૂઈ જાય. ‘અલ બેલ’ એટલે શું કહે છે ? ‘અલ બેલ’ એટલે ‘ઓલ વેલ’. હવે એટલું બોલે છે, એટલે પેલાં પાછાં નિરાંતે સૂઈ જાય ને પછી ? ના બોલે તો ત્યાર પછી શંકા પડે કે કેમ હજુ સાડા બાર થયા તોય બોલ્યો નહીં ! ટકોરે ટકોરે બોલવાનું, એવું આપણે એ બોલવાનું. બોલવાથી પુરવાર થાય કે પોતે સ્વરૂપમાં છે, જાગૃતિપૂર્વક છે અને ‘મારું ન્હોય’ કહે છે. સ્વરૂપમાં રહ્યા એની ખાત્રી શું ? ત્યારે કહે, કોઈ ઢેખાળો મારે, તે ઘડીએ એને તરત જ એમ થાય કે આ ‘મારું સ્વરૂપ ન્હોય.’ એટલે શું કે પોતે સ્વરૂપમાં બેસીને બોલે છે આ. ગમે તેવું રિલેટિવ આવે તો ‘મારું સ્વરૂપ ન્હોય’ બોલે કે છૂટ્યો. પ્રશ્નકર્તા : ઘણી વખત જાગૃતિ રહે છે કે આ ‘મારું સ્વરૂપ ન્હોય’, સહજ રીતે રહે છે. ઘણી વખત જાગૃતિ રહેતી નથી અને તન્મયાકાર થઈ જવાય એ રિલેટિવ વસ્તુમાં. દાદાશ્રી : હા, તો આવું કહેને ! ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહેવાનો અભ્યાસ કરીએને એટલે જાગૃતિ આવી જાય. આવો અભ્યાસ કરવો જોઈએ. પ્રશ્નકર્તા : ઘણીવાર કોઈ રિલેટિવ વસ્તુ અથવા સંયોગ હોય નહીં ત્યારે એવું લાગે છે કે હું સ્વરૂપમાં છું. (પા.૧૯) દાદાશ્રી : હા, બરોબર છે. એનો વાંધો નહીં. સંયોગ આવે તો જ છે તે આઘુંપાછું થવાનો સંભવ છે. તો સંયોગને આપણે કહી દેવું કે ‘મારું સ્વરૂપ ન્હોય.’ સંયોગને જોનારો જ્ઞાયક સ્વરૂપમાં પ્રશ્નકર્તા : સંયોગ ન હોય ત્યારે આપણે સ્વરૂપમાં હોઈએ ? દાદાશ્રી : સંયોગ ના હોય એટલે, એ વાતને સમજ્યો નથી. મન પણ ના હોય તે ઘડીએ ? પણ મન જો વિચારતું હોય, તો એય સંયોગ કહેવાય અને તોય તમે જ્ઞાયક સ્વરૂપમાં જ છો. ભટકતા ચિત્તને તમે જોયા કરો, તે ઘડીએ તમે સ્વરૂપમાં છો. જેમ આપણી ગાય હોય, તે આમ દોડે, આમ દોડે, તે એને પણ તમે જોયા જ કરો, તોય તમે સ્વરૂપમાં છો. ચિત્તનો સ્વભાવ ભટકવાનો પણ એની જોડે તન્મયાકાર થાય તો એ બગડ્યો. કોઈ દા’ડો થયેલો તન્મયાકાર ? પ્રશ્નકર્તા : થયેલો, અત્યાર સુધી તન્મયાકાર જ હતો. દાદાશ્રી : એને તન્મયાકાર કહેવાય, તદાકાર કહેવાય. તે છે એના આકારનો આ થઈ જાય. પ્રશ્નકર્તા : દાદા, ઘણી વખતે એકાદ મિનિટ તન્મયાકાર રહેવાય અને બીજી જ મિનિટે જાગૃતિ આવે કે આ મારા વિચાર ન્હોય. દાદાશ્રી : તો વાંધો નહીં. પછી બીજી મિનિટે બોલીએ તોય વાંધો નહીં. ‘મારું ન્હોય’ કહ્યું કે છૂટા પ્રશ્નકર્તા : સંપૂર્ણ નીડરતા નથી આવતી. નિર્લેપતા નથી એટલે નીડરતા નથી એટલી, થોડીક ઓછી કહેવાય. દાદાશ્રી : બહાર ગમે એટલું જોઈએ પણ આપણને અંદર અસર ન થાય, એનું નામ નિર્લેપતા. કારણ કે આપણે શુદ્ધાત્મા, શુદ્ધાત્માને અસર ના હોય કોઈ પણ પ્રકારની. કારણ કે એ ઇફેક્ટિવ નથી. પણ આમ ઇફેક્ટ થઈ જાય છે ને, ત્યાં આગળ તમારી જાગૃતિ જરા કાચી પડી જાય છે. ત્યાં આગળ તમારે એમ કહેવું જોઈએ કે ‘ચંદુભાઈ, તમે શા સારુ માથે લો છો કે તમારે શું લેવાદેવા આમાં ?’ બસ, એટલું કહી દેવું જોઈએ. એટલે છૂટું પડે. એટલી ‘જાગૃતિ’ આપણે રાખવી જોઈએ. અગર તો બીજું કશું ના ફાવે તો ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહીને છૂટી જવાનું. પ્રશ્નકર્તા : દાદા, એવું તો જ્ઞાન હાજર રહે છે પાછું. આ હું આમાં ક્યાં પડ્યો, આ રિલેટિવ છે. દાદાશ્રી : તોય પણ થઈ જાય છે. થયુંને એટલે રિલેટિવ કહ્યા કરતાં ‘મારું સ્વરૂપ ન્હોય’ કહીને બધું છૂટું. આપણે શું કહ્યું છે કે આ તારું સ્વરૂપ ને આ ન્હોય. તે હવે તમે આ ‘મારું ન્હોય’ કહેશો એટલે છૂટું. પછી તો એને ચોંટાય જ નહીં. પ્રશ્નકર્તા : જેટલી વસ્તુઓમાં તન્મયતા એટલું કાચાપણું જ ને ? દાદાશ્રી : હા, એ જ તો ! એટલે હવે તન્મયતા થાય એ બીજું કોઈ કારણ નહીં. ફક્ત જાગૃતિ મંદ થઈ જાય છે. જાગૃતિ મંદ કેમ ? ત્યારે કહે, પહેલાંના અભ્યાસને લઈને. એટલે આપણે જરાક વધારે પડતું આમાં જાગૃતિ રાખીએ કે તરત બેસી જાય, છૂટું થઈ જાય. હું તો ગમે એવી તબિયત ખરાબ હોય તો લોક મને કહેશે કે આજ તો દાદા, તમારી તબિયત વીક (નબળી) છે. તો અમે કહીએ, ‘મને કશું થયું નથી. શું થવાનું છે આ ?’ પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કેટલા ગામ ફરું છું પણ કશું થતું નથી. શું થવાનું છે ? આપણે કહીએ કે ‘મને થયું’ એટલે ચોંટ્યું ! (પા.૨૦) લાલચથી ચૂકાય શુદ્ધ ઉપયોગ પ્રશ્નકર્તા : દાદા, તો પછી આપે જેને જ્ઞાન આપ્યું છે, એ મહાત્માઓને પણ એ જ દશા હોય ? દાદાશ્રી : એ જ દશા હોય. પણ મહાત્માઓની પાસે સિલકી સામાન બહુ છેને, એનો નિકાલ તો કરવો પડેને ? તો જ થાયને ! મારે સિલકી સામાન નથી એટલે ચાલ્યું. સિલકી સામાન તો ઊંચો મૂકવો જ પડેને ! પ્રશ્નકર્તા : એ રિલેટિવમાં બરોબર છે. દાદાશ્રી : હા, પણ રિલેટિવનો સિલકી સામાન નિકાલ કરવા માટે ઉપયોગ ચૂકાય. ત્યાં સુધી ચૂકાય બધું. હવે ઉપયોગ એટલે શું કે તમે ધંધાની બાબતમાં હો, ધંધાના વિચારમાં જ ઉપયોગપૂર્વક હો અને તે ઘડીએ તમને કોઈ લલચાવે એવો માણસ ભેગો થયો, તમારા મનને લલચાવે એવો, તો તમારો ઉપયોગ ત્યાં બદલાઈ જાય. પેલો ઉપયોગ ધાર્યો ના રહે. એવી રીતે આ આત્માનો શુદ્ધ ઉપયોગ એકધારો ના રહે. પેલો કંઈક કર્મનો ઉદય આવ્યો એટલે ખસી જાય પછી. પ્રશ્નકર્તા : જ્ઞાની સિવાય એકધારો રહે નહીં. દાદાશ્રી : ના, એટલે તમેય જ્ઞાની જ છો. પણ તમને આ માલ ભરેલો છે ત્યાં સુધી લિમિટ છે તમારી, અન્લિમિટેડ નથી. એટલે તમે તો જ્ઞાની જ છો; તમારે માનવાનું જ્ઞાની પણ કહેવાનું નહીં કે ‘જ્ઞાની હું છું !’ નહીં તો પૂછવા આવશે અને રોજ દસ જણ તમારી પાસે આવીને બેસશે. પેલાનું શું થાય, પેલાનું શું થાય, તે પછી ઉપાધિ થશે ! અને અહીં કહો કે જ્ઞાની છું, તો મારે વાંધો આવશે નહીં. પ્રશ્નકર્તા : એટલે એમાં ઉપયોગ ચૂકાય કેમ ? દાદાશ્રી : એ ધીમે ધીમે નિરંતર થવાનો. આ રોડ ઉપર વાહનો આવ-જાવ કરે છે, તે આપણો ઉપયોગ ચૂકાવડાવે છે. તે એનો માલ પૂરો થઈ જશે, એટલે ફરી સામે છે તે દેખાયા કરશે. હવે કામ કાઢી લેવાનું બધું. આમાં બહુ લાંબું છેય નહીં. આ ડિપાર્ટમેન્ટ આનું છે ને આ ડિપાર્ટમેન્ટ આપણું છે. એના ડિવિઝન કર્યા પછી ફરી પાછી ગૂંચો ઊભી થાય છે, તે પૂછી લેવાની જરૂર કે ભઈ, આ શું છે પાછું ? આ અમને કેમ આમ વર્તે છે ? એટલે પાછો અમે ફોડ પાડીએ કે ભઈ, આ તો રિલેટિવ છે, આ તારું નથી. એવું કરીને ફોડ પાડીએ એટલે પછી સમાધાન થાય. પાછું બીજે દહાડે કંઈક નવું ઊભું થાય ! પછી અમે કહીએ કે ભઈ, આ રિલેટિવ આ રીતે છે અને આ રીતે આ રિયલ છે. એવું એની બુદ્ધિમાં ઠસાવું પડેને ? એને (સમજમાં) બેસવું જોઈએ ને ? અનઈઝી થયું ત્યાં ખોટ પ્રશ્નકર્તા : રિયલ અને રિલેટિવ જાણ્યા પછી વ્યવહારમાં કેવી રીતે રહેવું ? દાદાશ્રી : જેવી રીતે રહેવાય તેવી રીતે રહેવું પણ ઈઝીલી. અનઈઝી નહીં થવાનું વ્યવહારમાં. વ્યવહાર અનઈઝી થયો એ આપણી ભૂલ છે. વ્યવહાર ઈઝીલી હોય અને આ જગતના લોકો તો ઈઝીચેર પર બેસીને અનઈઝી હોય છે. ઈઝીચેર પર બેસે ને ઉપરાંત અનઈઝી દેખાતો હોય, એવું બને ખરું ? પ્રશ્નકર્તા : એવું જ બને છે. દાદાશ્રી : ચેર ઈઝી લાવ્યો મૂઓ. ચેરના સંગેય એને અસર ના કરી. તે અનઈઝીપણું જેટલું હોય એટલું ખોટ જ છે. અનઈઝી હંમેશાં ખોટ જ લાવે. રાગ-દ્વેષ રહિત એ વ્યવહાર પ્રશ્નકર્તા : રિયલ દેખાય તો પછી એનો વ્યવહાર રહ્યો ક્યાં ? દાદાશ્રી : વ્યવહાર તો રહ્યો જ ને ! વ્યવહાર તો છે જ. દેહ છે ત્યાં સુધી સંડાસ નહીં જાય ? સંડાસ (પા.૨૧) જવું એ વ્યવહાર, યુરિનલમાં જવું એ વ્યવહાર, ઉધરસ ખાવી તે વ્યવહાર, પછી કંઈ જમવું નહીં પડે ? સૂઈ જવું નહીં પડે ? બધોય વ્યવહાર રહ્યો છે. જેટલો અત્યારે અજ્ઞાન દશાનો વ્યવહાર છે એવો બધો જ વ્યવહાર રહ્યો. ધંધા પર જવું પડે, દુકાન પર બેસવું પડે. પણ પહેલા જો કોઈ ગાળ દે ને તો પેલો સામે પાંચ ગાળો આપીને આવતો’તો ને અત્યારે સાંભળીને આવે. પ્રશ્નકર્તા : મારે એક ભાઈ પાસેથી એક લાખ રૂપિયા લેવાના હોય અને હું એ ભાઈને રિયલ સ્વરૂપે જોઉ તો પછી મારે એક લાખ રૂપિયા એની પાસે માગવાના ખરા ? દાદાશ્રી : હા, તમારે માગવાના, પણ એની રીત છે માગવાની. તમારે માગવાના નહીં પણ આપણે ચંદુભાઈને કહેવાનું કે પૈસા આપણા ધંધામાં રોકવા જોઈએને ! તે ભઈને કહો ને ચંદુભાઈ કહે કે ભઈ, અમારે બહુ અડચણ પડી છે. કંઈ આપો તો તમારી મહેરબાની. પછી જેટલા આપે તેટલા લઈ લેવાના ને કષાય નહીં કરવાના. કષાયરહિત માગણી કરો અને પેલી કષાયસહિત માગણી કરે છે. બીજું વ્યવહાર તો ચંદુભાઈ ચલાવી લે બધો. ચંદુભાઈ, એ કંઈ એને આત્મા તરીકે જોતો નથી, તમે આત્મા તરીકે જુઓ છો. ચંદુભાઈ તો નગીનભાઈ તરીકે જુએ, તે એની જોડે વ્યવહાર પતાવી દેવાનો. તે લાખ રૂપિયા છે, તેમાંથી કંઈ જે પચાસ હજાર બને તો પચાસ હજાર ને એ કહે, મારી પાસે તો હમણાં પચીસ હજાર છે, તો પચીસ હજારનો ચેક લખી આપું. (તો કહેવાનું કે ભલે, બાકીના) બે-ત્રણ મહિના પછી આપજો. અમારે ધંધામાં હમણાં બહુ અડચણ છે. આમ વ્યવહારિક રીતે બધી જ વાત થાય. ફક્ત રાગ-દ્વેષ ના થાય. વ્યવહાર તો અજ્ઞાનીના જેવો જ હોય. પણ પેલો રાગ-દ્વેષવાળો વ્યવહાર ને આ રાગ-દ્વેષ રહિત વ્યવહાર, બસ. નાટક-સિનેમા જોવા હઉ જવાય વાઈફ જોડે. વાઈફનામાં શુદ્ધાત્મા ના દેખાય ? શુદ્ધાત્મા દેખાય પણ સિનેમાય જોવા જવાય, વાઈફ બહુ મંડ્યા હોય તો અને તેથી કંઈ આત્મા જતો રહેતો નથી. પહેલા રાગ-દ્વેષ થતા’તા અને હવે રાગ-દ્વેષ વગર છે. નિશ્ચયથી ચીકણા કર્મોનો કરવો નિકાલ પ્રશ્નકર્તા : આપને પ્રશ્ન પૂછેલો કે અનુભવ થાય છે પણ આનંદ થતો નથી, તો આપે કહેલું કે ચીકણાં કર્મો છે તેથી, તો એ ચીકણાં કર્મો કેવી રીતે જલદી ખપે ? દાદાશ્રી : શુદ્ધાત્મામાં રહીએ તો જલદી ખપી જાય. જો ચીકણાં કર્મોમાં આપણે ના ચોંટીએ ને આપણે પેલું ‘જોયા’ કરીએ એટલે જલદી ખપી જાય. પ્રશ્નકર્તા : એ પ્રોસેસ (પ્રક્રિયા) તો ચાલુ જ છે. દાદાશ્રી : બસ, તો ખપી જવાના, વાર નહીં લાગે. ઘરની ફાઈલો જોડે ચીકણાં કર્મ લાવ્યા હોય, બહારની ફાઈલ જોડે મોળાં હોય. ઘરની ફાઈલ જોડે ચીકણાં હોય એવો અનુભવ ખરોને ? હમણે કોઈ જોડે ગાડીમાં ઓળખાણ થઈ ને કોઈએ ચા પાઈ, તો એ બધી મોળી ફાઈલો. પણ આ ચીકણી ફાઈલોનો નિકાલ કરવો બહુ અઘરો હોય. તમે સમભાવે નિકાલ કરો તોય ફરી ફરી ચીકાશ આવે પાછી. ‘સમભાવે નિકાલ જ કરવો છે’ એટલું જ તમારે બોલવાનું, એની મેળે થઈ જશે. કારણ કે ઘણાં કાળની આ ફાઈલો ચોંટેલી છે ! અને ઘણો હિસાબ ગોઠવાઈ ગયેલો છે ! એક ચીકણી ફાઈલ આવવાની હોય ને તેનો સમભાવે નિકાલ કરવો હોય તો, હવે એને માટે આવતાં પહેલાં જ આપણે એનો શુદ્ધાત્મા પહેલો જોઈ લેવો જોઈએ. રિલેટિવ ને રિયલ જોઈ લેવું. પછી આપણે એનો સમભાવે નિકાલ કરવાનું નક્કી કરેલું હોય, તે સમભાવે નિકાલ થઈ જાય. સામી (પા.૨૨) ફાઈલ વાંકી હોય તો નિકાલ ના થાય, તે તમારે એ જોવાનું નથી. તમારો તો નિશ્ચય કે સમભાવે નિકાલ કરવો છે, પછી શું બન્યું એ જોવું. પ્રશ્નકર્તા : એ એટલો જ વાંધો આવે છે. સામો ગાળ ભાંડે ત્યાં સમભાવ નથી આવતો. દાદાશ્રી : એ વાંધો હવે નહીં આવે. હવે બોલીશ નહીં પાછું. પહેલાં ચંદુભાઈ હતોને, ત્યારે વાંધો આવતો હતોને ? તે હવે તું શુદ્ધાત્મા થયો, આખો જ ફેર થઈ ગયો તારામાં. એટલે હવે વાંધો ના આવે. એય વ્યવહારથી, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી એ નગીનભાઈ છે અને રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. જો એ શુદ્ધાત્મા છે તો એ જે ગાળ ભાંડે છે એ તો રિલેટિવ કરે છે અને તે તમને નહીં કહેતાં ગાળ પાછાં, આ રિલેટિવને કહે છે. એટલે પુદ્ગલની કુસ્તી કર્મને આધીન થાય છે, એને જોયા કરો. બે પુદ્ગલ કુસ્તી કરે, તેને તમે જોયા કરો. કોણ જીત્યું ને કોણ હાર્યું ને કોણે લપડાક મારી એ જોયા કરો. ના જોવાય ? બહાર કુસ્તીઓ જોવા નહીં ગયેલો ? તે હવે આ જોજે. એટલે આ પુદ્ગલની કુસ્તી, પેલાના પુદ્ગલને તારું પુદ્ગલ બાઝે એ કર્મના ઉદયને આધીન, એમાં કોઈનો ગુનો ખરો ? એ શુદ્ધ જ દેખાવું જોઈએ. એવું કશું દેખાય છે કે નથી દેખાતું તમને ? પ્રશ્નકર્તા : એ જ હજી વાંધો આવે છે, ત્યાં સમભાવ ના રહે. દાદાશ્રી : કેમ કરીને ના રહે ? કોને ના રહે ? એ તો ચંદુભાઈને ના રહે, તે તમારે શું લેવાદેવા ? વગર કામના ચંદુભાઈનું આટલું બધું ખેંચ ખેંચ કરો છો ? પ્રશ્નકર્તા : એ જુદું જ નથી પડતું ને ! દાદાશ્રી : થઈ ગયેલું છે જુદું. એ તારે વર્તનમાં (વર્તે એવું) (આવે એવું) ગોઠવવું પડે. આમ ખસી જાય તો આપણે પાછો ધક્કો મારીને ખસેડીને સમું કરવું પડે. જુદું થઈ ગયું એટલે બે દહાડા હેન્ડલ ના મારવું પડે ? રિયલી નિર્દોષ, રિલેટિવલીય નિર્દોષ પ્રશ્નકર્તા : એટલે સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ? દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રિયલ વ્યૂ પોઈન્ટ એ ‘શુદ્ધાત્મા’ છે અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ‘નગીનભાઈ’ છે અને રિલેટિવ માત્ર કર્મના આધીન હોવાથી ‘નગીનભાઈ’ પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો ‘એ’ દોષિત ગણાત, પણ ‘એ’ બિચારો ભમરડાની પેઠ છે. એટલે ‘એ’ નિર્દોષ છે. આમ શુદ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે. બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને ! અમારે નાનપણમાં આવી બુદ્ધિ હતી. સામાને માટે ‘સ્પીડી’ (તરત) અભિપ્રાય બાંધી દે. ગમે તેના માટે સ્પીડી અભિપ્રાય બાંધી દે. એટલે હું સમજી જાઉં કે તમારું આ બધું શું ચાલતું હશે ? ખરી રીતે તો, કોઈનાય માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. કો’કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. કો’કને ને આપણને શું લેવાદેવા ? એ એના કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણા કર્મ ભોગવી રહ્યા છીએ, સૌ સૌના કર્મ ભોગવી રહ્યા છે. એમાં કોઈને લેવાદેવા જ નથી. કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી. દોષિત દેખાય ત્યાં ખપે પ્રતિક્રમણ કો’કની ભૂલ દેખાવાથી સંસાર ઊભો થાય ને પોતાની ભૂલ દેખાવાથી મોક્ષ થાય. પ્રશ્નકર્તા : ‘રિલેટિવ’ તો દેખીતું દોષિત દેખાયને ? દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો (પા.૨૩) શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો ‘ડિસ્ચાર્જ’ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જ્યાં સુધી જગતમાં કોઈ પણ જીવ દોષિત દેખાય છે, ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન છે. છેવટે એ ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો. આપણા નિમિત્તે પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યો ને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ’ ચોખ્ખું રાખવું જરૂરી છે ? દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ’ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી. ક્રમણથી પણ આગળ, એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના ‘રિલેટિવ’ ઉપર પોતાનું દબાણ આપે છે. કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે રિયલ ઉપર દબાણ આપે છે. જે કર્મ એ અતિક્રમણ છે અને હવે એમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી ગયો તો ફરી ગોબો પડી જાય. માટે આપણે ખોટાને ખોટું માનીએ નહીં, ત્યાં સુધી ગુનો છે. એટલે આ પ્રતિક્રમણ (ફાઈલ નં. ૧ પાસે) કરાવવાની જરૂર છે. પાછલી ભૂલો ધોવા માટે ‘રિલેટિવ’માં પસ્તાવો અને ‘રિયલ’માં આનંદ આ બેઉ હોવા જોઈએ. આખું જગત ભગવાન સ્વરૂપ જ છે. હવે આ બધું દુશ્મન દેખાય છે અને મિત્ર દેખાય છે એ બધી ભ્રાંતિ છે. એ ભ્રાંતિજ્ઞાન દૂર થઈ જાય એટલે બધે શુદ્ધાત્મા જ છે. જ્યારે બધેય ભગવાન દેખાયને, ત્યારે નિર્દોષ દ્રષ્ટિ થશે. પછી જગત આખાને (નિર્દોષ જોઈ શકાશે). પ્રશ્નકર્તા : એ થશે ખરી ? બધામાં દેખાશે ભગવાન ? દાદાશ્રી : ભગવાન તો દેખાડ્યા છે ને તમને. હવે આગળ શક્તિ વધતી વધતી વધતી... ફુલ્લી (પૂર્ણ) દેખાતા જશે. રિયલ-રિલેટિવ જુદું હોવું ઘટે લક્ષમાં હવે પ્રશ્ન શું છે ? શું કહેવા માગે છે તું ? પ્રશ્નકર્તા : દાદા, મેં પ્રશ્ન નહોતો પૂછ્યો, આ બેને પૂછ્યો હતો. દાદાશ્રી : એ ગમે તેણે પૂછ્યો હોય, પણ તારો પ્રશ્ન છે એવો જ અવાજ આવ્યો. પ્રશ્નકર્તા : મારો પ્રશ્ન નહોતો, દાદા. દાદાશ્રી : એમાં તમને શું લાગે-વળગે છે તે ? તમે શુદ્ધાત્મા, તમારે શું લેવાદેવા ? તમે શુદ્ધાત્મા થયા તોય ચંદુભાઈનો પક્ષ લો છો ? પ્રશ્નકર્તા : ના લેવાય, દાદા. દાદાશ્રી : આ લીધો ને, આ બધો ઉઘાડો જોઈ ગયા બધા. ગમે તેનો પ્રશ્ન હોય, પણ પ્રશ્ન તો તમે પૂછ્યો ને ? હું તો એમ જ જાણું કે તમે પૂછ્યો છે. પણ તમે એટલે કોણે પૂછ્યો ? એ ચંદુભાઈએ પૂછ્યો ને ? તમે શુદ્ધાત્મા છો, તમારે શું લેવાદેવા છે ? એટલે આપણે કહીએ કે ચંદુભાઈએ પ્રશ્ન પૂછ્યો, પણ ચંદુભાઈનો પોતાનો નથી આ. પછી અમે પૂછીએ કે કોનો ત્યારે ? ત્યારે કહે, આ બેનનો. અને એમનો પોતાનોય નથી આ. એય શુદ્ધાત્મા એ બધું લક્ષમાં રહેવું જોઈએ. આ જ્ઞાન એનું નામ કે રિલેટિવ ને રિયલ બધું લક્ષમાં ના રહેવું જોઈએ ? (પા.૨૪) પ્રશ્નકર્તા : રહેવું જોઈએ, દાદા. દાદાશ્રી : હા એ હા કરો છો, પણ રહેતું નથી ને પછી બૂમો પાડો છો. લક્ષમાં રહેવું જોઈએ ને ? તમારું નક્કી હોવું જોઈએ કે આ મારે લક્ષમાં રાખવું છે. પછી દાદાની કૃપા ઉતરે. તમારું જ એક વાર નક્કી નથી ને ! એવો નિશ્ચય નથી ને ? પ્રશ્નકર્તા : આપ તો બધા આવરણો ખોલી આપો છો. બાકી આ જેટલું જાણ્યું હોય કે જેટલું સાંભળ્યું હોય, જેટલું વાંચ્યું હોય એ સિવાય આગળ નવું ઊભું ના થાય. આપ બતાડો એટલે તરત ખબર પડે કે આ તો વાત હતી પણ આ દેખાતી જ ન્હોતી. દાદાશ્રી : નહીં તો એ દેખાય નહીં ને ! પ્રશ્નકર્તા : પેલું આપે કહ્યું કે એ તો ચંદુભાઈનો પ્રશ્ન છે, તું તો શુદ્ધાત્મા ! તારે શું લેવાદેવા ? એટલે આમ બન્ને બાજુ જુદાપણું સમજીને... દાદાશ્રી : એ જુદું એનું નામ જ જ્ઞાન કહેવાય. અમે જે આપેલું છે તે એવું જ્ઞાન આપેલું, પણ આ તમને તમારી પેલી પહેલાંની ટેવો ખરીને, તે છોડે નહીં ને ! પહેલાંથી ટેવાઈ ગયેલા ને ! તે ટેવ ભણી જતું રહે. તેનોય વાંધો નહીં, પ્રકૃતિ છે એટલે એવું થઈ જ જાય. પણ જાગૃતિમાં રહેવું જોઈએ કે આવું ન થવું જોઈએ. સ્વરૂપ સિવાયનું બધું પરભાર્યું આ આપણું ને આ પરભાર્યું, (આને) આપણું જે માનતા હતા એ ભૂલ હતી. એ ભૂલ ભાંગી ગઈ એટલે ત્યાં આગળ એની મહીં બધુંય ના હોય આપણું. એના હિસાબ પૂરતું જ, જેટલું એનું બાકી હોય ને, એટલું આપીને બંધ કરી દઈએ. બીજી કંઈ વધારાની ભાંજગડ ના કરીએ. પ્રશ્નકર્તા : એટલે આ રિલેટિવ વેપાર અને આ રિયલનો વેપાર એ બેઉના વચ્ચે સામ્યતા જેવું છેને ? દાદાશ્રી : સરખું જ છેને ! આ તો આપણી ભૂલ હતી, તેનો માર ખાતા હતા એટલું જ. ભૂલ ભાંગી ગઈ એટલે માર ખાતા અટકી ગયા. વ્યવહાર સ્વરૂપ એ ન્હોય આપણું આપણે નક્કી થયું કે ભઈ, પેલો વેપાર ન્હોય આપણો. ત્યારથી આપણા વેપારમાં જ છે તે આપણું કામ ચોક્કસ હોય. પેલો જે ના હોય આપણો વેપાર, ત્યાં આપણું ચોક્કસ ના હોય. પછી ત્યાં રકમ આપી આવીએ એવું ના બને. પહેલાં આપી દીધી હોય તે જોઈ લેવાય, પણ હવે નવેસરથી ના અપાય. એટલે આપણે કહ્યું કે ભઈ, આપણો આ વેપાર ન્હોય. ત્યારથી જ મન ફરી જાયને ? હમણે એક માણસને એનું મકાન બળી જાય તો કેટલું બધું દુઃખ થાય એને ? પણ આજે વેચ્યું ને રૂપિયા લઈ લીધા અને દસ્તાવેજ કર્યો અને પછી કાલે બળી જાય તો ? પ્રશ્નકર્તા : તો કંઈ ન થાય, દાદા. દાદાશ્રી : એવું ? એનું એ જ મકાન. આપણે નક્કી કર્યું હોય કે આપણે આ હવે વેચી ખાધું છે અને પૈસા હાથમાં આવી ગયા. પછી ભલેને પૈસા બીજાને આપ્યા ને ના આપ્યા પેલાએ. પણ આપણું વેચાઈ ગયું, કહેશે. એટલે પછી એમાં ચિત્ત ના હોય. પછી રડે નહીં. ઊલટું પોતાની જાતને ખુશ માને કે ઓહોહો ! હું તો બહુ અક્કલવાળો. જોને વેચાઈ ગયા પછી નથી રડતોને ? વેચાઈ ગયા પછી પૈસા હાથમાં ના આવ્યા હોય તો મનમાં એમ થાય કે કંઈ લોચો પડશે તો ? વેચાઈ ગયું, દસ્તાવેજ બધા થઈ ગયા, પણ પૈસા આપ્યા નહીં. ત્યારે પેલો આડો થાયને, ના આપે ત્યારે ? એ પાછું શંકા પેસી જાય. પૈસા હાથમાં આવી ગયા પછી બૂમ ના પાડે. તે આ તમારે તો મૂડી હઉ મેં હાથમાં આપી દીધી, બધું હાથમાં આપી દીધું છે. તમે કહ્યું હતું કે હવે કંઈ રહ્યું નથી, ત્યાર પછી તો મેં તમને છૂટા કર્યા. (પા.૨૫) રહો પોતાની બાઉન્ડ્રી મહીં પ્રશ્નકર્તા : આ મકાનનો દાખલો આપ્યો, એમાં પૈસા લઈને વેચી દીધું, એટલે એને પોતાને ખાતરી થાય છે કે આ મારું નથી. એટલે એને દુઃખેય નથી થતું. મમતા છૂટી ગઈ એની. એવું આપણું આ રિયલ વસ્તુમાં શું હોય છે ? દાદાશ્રી : એ તો પોતાનું માલિકીપણું ક્યાં છે ખરેખર, તે જાણે એટલે છૂટે. પોતાની બાઉન્ડ્રીનું માપ જોઈ આવ્યો હોય પછી પેલાં બીજાની બાઉન્ડ્રીમાં હાથ ના ઘાલે. જ્યાં સુધી એને સમજણ નથી પડી ત્યાં સુધી માલિકીપણું રાખે. એને સમજ પડે કે તરત આપી દે. તારે શેમાં માલિકીપણું છે હવે કહેને ? પ્રશ્નકર્તા : માલિકીપણું તો પેલું દાદાએ કહ્યુંને, પોતાની બાઉન્ડ્રીની માલિકી ખબર પડી, એટલે પછી બીજે ક્યાંય માલિકી રાખે જ નહીંને ! દાદાશ્રી : પોતાની માલિકીવાળી જગ્યા જોઈ લઈએ અને ત્યાં આગળ આપણે બાણસાંધ જોઈ લઈએ. પછી આપણે બીજાની જોડે લેવાદેવા શું છે તે ? જેને પોતાનું ને પારકાંનું નક્કી થયું છે, એને કોઈ જગ્યાએ, બીજે ક્યાંય મમતા હોય જ નહીંને ! આ પુદ્ગલનું છે અને આ આત્માનું છે એમ નક્કી થઈ ગયું, તેને બીજે શી રીતે હોય પછી ? રિલેટિવ બધું જ્ઞેય, પોતે તેનો જ્ઞાતા પ્રશ્નકર્તા : સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મનમાં વિકારો રહે છે, તેનું કારણ શું ? દાદાશ્રી : મનના વિકારો તો જ્ઞેય છે, એટલે એ જોવાની વસ્તુ છે. પહેલાં આપણે માનવસ્વભાવમાં હતા. તેમાં આ સારું ને આ ખોટું, આ સારા વિચાર ને આ ખોટા વિચાર એમ હતું. હવે આત્મસ્વભાવમાં આવ્યા એટલે બધા એક જ વિચાર ! વિચાર માત્ર જ્ઞેય છે ને ‘આપણે’ જ્ઞાતા છીએ, જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ છે. પછી ક્યાં રહી ડખલ, તે કહો ? પ્રશ્નકર્તા : એ રીતે આત્મદ્રષ્ટિથી જોવા માટે કંઈ પુરુષાર્થ કરવો પડે છે કે એની મેળે જ જોવાય છે ? દાદાશ્રી : એની મેળે જ દેખાય ! અમે જે જ્ઞાન આપ્યું છે તેનાથી ‘રિલેટિવ’ અને ‘રિયલ’ને જુઓ, ‘રિલેટિવ’ બધી વિનાશી ચીજો છે ને ‘રિયલ’ બધી અવિનાશી છે. આ બધાં જ્ઞેયો જે દેખાય છે તે બધાં વિનાશી જ્ઞેયો છે. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો એ વિનાશી સંયોગો છે. આ બધું અહીં સત્સંગમાં આવીને પૂછી લેવું જોઈએ ને ફોડ પાડી લેવા જોઈએ. તો પછી દરેક બાબતનું લક્ષ રહે ને લક્ષ રહે એટલે પછી કશું કરવાનું રહેતું નથી. સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કશું કરવાનું ના હોય. જ્ઞાન જ્ઞાનમાં જ રહે. આત્મા જ્ઞાયક સ્વભાવમાં જ રહે. જ્ઞાયક એટલે જાણ્યા જ કરવાના સ્વભાવમાં રહે. બીજો સ્વભાવ જ આત્માને ઉત્પન્ન ના થાય. આજ્ઞા પાલને અનુભવાય સ્વસુખ પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી આ આજ્ઞામાં ના રહે તો શું પરિણામ આવે ? દાદાશ્રી : આ અહીં વરસાદ પડ્યા પછી પેલાએ ના વાવ્યું તો શું થઈ જવાનું ? જમીન કંઈ લઈ જવાનું છે કોઈ ? જમીન તો રહીને આપણી એમ ને એમ જ. અને જો આજ્ઞામાં રહે તો મોક્ષનું સુખ ભોગવે. પ્રશ્નકર્તા : આજ્ઞા ના પાળે તો બીજા એના દોષો થાય ? દાદાશ્રી : કશું થાય નહીં. આ જમીન છે, તે વરસાદ પડ્યા પછી બી ના નાખ્યા આપણે, તો જમીન કંઈ જતી રહેવાની નથી. બી ગયા આપણા. આ તો એવું છે ને કે જેટલું આપણે આજ્ઞાઓનું આરાધન કરીએ, એટલું ફળ આપે. આત્મા તો પ્રાપ્ત થઈ ગયો. હવે એને આજ્ઞા એ પ્રોટેક્શન (રક્ષણ) છે, સંપૂર્ણ આત્માનું પ્રોટેક્શન છે. એ પ્રોટેક્શન જેટલું રાખ્યું એટલું આપણું, નહીં તો થોડું લિકેજ થઈ (પા.૨૬) જાય. પછી આત્માનું કશું જતું ના રહે, પણ લિકેજ થઈ જાય એટલે આપણને સુખ આવતું હોય તે ના આવે અને સાંસારિક જંજાળ પાછી ગૂંચવે. સફોકેશન (ગૂંગળામણ) થયા કરે અને પેલું આજ્ઞા પાળે તો સફોકેશન ના હોય ને તે સ્વતંત્ર લાગે પોતાને ! રિલેટિવને જોનાર રિયલ સ્વપદમાં પ્રશ્નકર્તા : આપણી આ પાંચ આજ્ઞા છે, રિયલ, રિલેટિવ, વ્યવસ્થિત, એ બધું દેખત ભૂલી ટાળે એવું છે. દાદાશ્રી : એમાં બધું આવી જાય, બધું જ ટાળે. એક-એક વાક્ય બધું જ ટાળે એવું છે. એ તો આ રિલેટિવ જોનારો, રિયલ જોયા વગર રહે નહીં. ત્યારથી જ દેખત ભૂલી ટળેને ! પ્રશ્નકર્તા : એટલે તત્ત્વદ્રષ્ટિ જ આખી પેલી બધી (રિલેટિવ દ્રષ્ટિ) તોડી નાખે. દાદાશ્રી : આ રિલેટિવ જુએ એટલે એનો મહીં હિસાબ આવી જ ગયો. રિલેટિવ જુએ છે માટે રિયલ જાણે છે. તારો હિસાબ હોય એ જાણી ગયોને ? પ્રશ્નકર્તા : આ રિલેટિવ છે કહ્યું, એટલે પોતે છૂટો પડી જ ગયો ને જોનારો છૂટો થઈ ગયોને ? દાદાશ્રી : હા, જોનારો છૂટો પડી ગયો. રિલેટિવ કહેનારો છૂટો થઈ ગયોને ! પ્રશ્નકર્તા : અમે જ્ઞાન લીધું છે, તો અમારે મૃત્યુ સમયે શું કરવું જોઈએ ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું. આપણી અંદર શું ચાલી રહ્યું છે, તેને જોયા જ કરવાનું. એ ના રહેવાય તો દાદાની પાંચ આજ્ઞામાં રહેવું, રિલેટિવ-રિયલ જોયા કરવું. નિરંતર આજ્ઞામાં રહેવાનો ઉપાય પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો કે આજ્ઞા બહુ સીધી છે, સરળ છે એ વાત બરોબર છે, પણ પહેલી ને બીજી આજ્ઞાની અંદર નિરંતર રહેવું એ કંઈ સહેલું છે ? દાદાશ્રી : રહેવાને માટે વાંધો નથી પણ એવું છે ને, ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નથી રહેવાતું ? પ્રશ્નકર્તા : એ ના સમજ પડી, દાદા. દાદાશ્રી : આખો દહાડો ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં ? કારણ કે આ તો ખોરાક આવ્યો કે ડોઝિંગ થવા માંડ્યું. અમે તમને એટલું જ કહીએ કે આ વિજ્ઞાન કોઈ અવતારમાં મળ્યું નથી. આ ભવે મળ્યું છે તો સાચવજો. અક્રમ છે આ, અને કલાકમાં આત્મજ્ઞાન પામે એવું છે ! ક્યારેય પણ અશાંતિ નહીં થાય એવું, નિરંતર સમાધિમાં રહેવું હોય તો રહી શકે. ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં, સ્ત્રી સાથે રહેતાં (પણ આજ્ઞામાં) રહી શકે એમ છે. જો ના રહેવાય તો મને પૂછજો કે અમુક જગ્યાએ નડે છે, તે હું કહી આપીશ કે આ પોઈન્ટ દબાવજો. ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાની જરૂર નથી, રિલેટિવ ને રિયલ જોયા કરજો. સહજભાવે શબ્દો, ક્રિયાકારી પ્રશ્નકર્તા : આપના જે બધા શબ્દો છે, ‘ફાઈલ, પઝલ, રિયલ, રિલેટિવ, રોંગ બિલિફ’ એ બધા શબ્દો જ આખો દહાડો ક્રિયાકારી થયા કરે. એ શબ્દ વપરાયો કે શાંતિ થઈ જાય ! દાદાશ્રી : હા, કારણ કે સહજ સ્વભાવે નીકળેલા શબ્દો છે ને ! આ એકેએક શબ્દ ઇફેક્ટિવ છે અને ‘નિકાલ’ તો બહુ મોટો શબ્દ છે. નિકાલ એકલું નહીં, રિયલ ને રિલેટિવ તો એટલું બધું ઇફેક્ટિવ માણસને પડી (થઈ) જાય છે ! એટલે આ બધાં શબ્દો ઇફેક્ટિવ છે. આ એક-એક શબ્દ ઉપર, આ તો આજે નહીં, પાછળેય એનું પૃથક્કરણ થશે હજુ તો. જય સચ્ચિદાનંદ |