ડખોડખલથી અટકી પ્રગતિ

સંપાદકીય

મહાત્માઓને જ્ઞાન પછી પ્રગતિ થાય છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? તેનો જવાબ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) એક જ વાક્યમાં આપે છે કે પોતાને હજી ડખો ઊભો થાય છે કે નહીં એ જોઈ લે, એના પરથી સમજાય. કોઈની જોડે અગર પોતાની જાત જોડે પણ ડખો થાય છે, ત્યાં સુધી જાણવું કે બધું બગડ્યું.

દાદાશ્રી કહે છે કે આ મનુષ્યો સંસારનો ડખો કરીને જ જીવી રહ્યા છે. ડખા કરીને મનખો નકામો ગયો. જ્યાં જુઓ ત્યાં બધે ડખા જ કર્યા કરે છે. ઘરમાંય પતિ-પત્ની એકબીજાની ખોડ કાઢી ડખો કર્યા જ કરે, મતભેદ પાડ્યા કરે અને પાછા કહે, એ તો સંસારનું ચક્ર છે. પછી ડેવલપમેન્ટ ક્યાંથી થાય ? એના માટે તો તપાસ કરવી પડે કે કેમ આવું થાય છે ? અને તેના ઉપાય શોધવા પડે તો આગળ પ્રગતિ થાય. પતિ અને પત્નીએ એકબીજાના કામમાં ડખો કરવો જ નહીં. મા-બાપે છોકરાઓ જોડે પણ ડખો કરવો જ નહીં. ઘરમાં કોઈને કાંઈ કહેવું એ મોટામાં મોટો અહંકારનો રોગ છે. આ તો બધા ઋણાનુબંધથી ભેગા થયા છે ને પોતપોતાનો હિસાબ લઈને જ આવ્યા છે, ત્યાં ડખો કરી શું કરવા આપણે આપણું બગાડીએ ?

ઘરમાં ને બહાર બધાની જોડે જે આવે તેનો સમભાવે નિકાલ કરવાની જરૂર છે. બધે જ એડજસ્ટ થઈ જો અથડામણ ટાળે તો સાંસારિક ડખો જ ના રહે. કોઈની જોડે અથડામણ થઈ જાય તો પોતાની ભૂલ સમજીને ડખો ટાળી લેવો. બીજા કોઈનો દોષ કાઢવો જ નહીં, કારણ કે સામો માણસ આપણી જોડે અથડામણ કરે છે, તે પૂર્વે આપણે ડખલ કરી છે માટે કરે છે. વર્લ્ડમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. આપણને જીવનમાં જે જે દુઃખ, અડચણ કે ગૂંચવણો આવે છે, તે આપણે પૂર્વે ડખલો કરી છે તેથી આવે છે. એક મચ્છર પણ હિસાબ વગર અડી ના શકે એટલું સ્વતંત્ર જગત છે. એટલે જો તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું સાફ થઈ જશે, નહીં તો આ ડખોડખલ કોઈને છોડે નહીં.

તમારો ઉપરી કોઈ છે નહીં ને તમારામાં કોઈ જીવની ડખલેય નથી. આ લોક જે કંઈ ડખલ કરે છે, તે તમારી ભૂલના પરિણામે ડખલ કરે છે. તમે પૂર્વે ડખલો કરી આવ્યા છો, તેના પરિણામ છે ને તેના જ બધા અંતરાય છે. નહીં તો પોતે આખા બ્રહ્માંડનો માલિક છે પણ ડખલોથી જ બંધાયો છે. સંસારમાં શું સુખ છે ? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે. કોઈ ડખલ જ ના કરી શકે એવી સાચી આઝાદી થાય એવી છે. માટે કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ અને જો આપણાથી ડખલ થઈ ગઈ તો પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવું જોઈએ.

વ્યવહારમાં થઈ જતી ડખોડખલ ઓળખીને ડખા ટાળવા માટે પ્રસ્તુત સંકલન મદદરૂપ થાય અને મહાત્માઓને મોક્ષમાર્ગે પ્રગતિ કરવા સહાયરૂપ બની રહે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા.૪)

ડખોડખલથી અટકી પ્રગતિ

ડખો બંધ થયે, થાય પ્રગતિ

પ્રશ્નકર્તા : આપ એમ કોઈવાર પૂછો છો, ‘પ્રગતિ થાય છે કે નહીં?’ ત્યારે પ્રગતિ કઈ જગ્યાએ દેખાય ? એટલે કે પ્રગતિમાં શું દેખાય ? એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ડખો ના થાય તે. કોઈની જોડે ડખોડખલ ના થાય. અગર તો આપણી જાતને પણ ડખો ના થાય. આટલું જોઈ લે એટલે પ્રગતિ થઈ છે. કોઈની જોડે ડખો થઈ ગયો તો બગડ્યું.

સમજવો અર્થ ડખાનો

પ્રશ્નકર્તા : દાદા, ડખોડખલ એટલે શું?

દાદાશ્રી : ડખલનો અર્થ શો થાય ? કોઈ પૂછે કે ‘દહીં શી રીતે બનાવવું? તે મને શીખવાડો. મારે દહીં બનાવવું છે.’ તો હું એને રીત બતાડું કે ‘દૂધ ગરમ કરીને, ઠંડું કરજે. પછી એમાં એક ચમચી દહીં નાખીને હલાવજે. પછી ઢાંકીને નિરાંતે સૂઈ જજે. પછી કશું કરતો નહીં.’ હવે પેલો બે વાગે રાત્રે ‘યુરીન’ (પેશાબ) જવા માટે ઊઠ્યો હોય, તે પાછો મહીં રસોડામાં જઈને દહીંમાં આંગળી નાખીને હલાવી જુએ કે દહીં થાય છે કે નહીં ? તે ડખલ કરી કહેવાય ને તેથી સવારે દહીંનો ડખો થઈ ગયો હોય! એવી રીતે આ સંસારનો ડખો કરીને લોકો જીવે છે !

વન ફેમિલી ત્યાં ના હોય ડખો

તમે બન્ને(પતિ-પત્ની) એક ફેમિલી(કુટુંબ) તરીકે જીવો છો કે જુદી જુદી?

પ્રશ્નકર્તા : એક ફેમિલી !

દાદાશ્રી : એમ ? કોઈ દહાડો ભાંજગડ થાય છે ઘરમાં વાઈફ જોડે ?

પ્રશ્નકર્તા : કોઈ વાર થાય.

દાદાશ્રી : તો પછી ફેમિલીમાં એવું ? તમારી એક ફેમિલી ન હોય? એ તો તમારી ફેમિલી કહેવાય. ફેમિલીમાં હઉ એવું થાય ?

પ્રશ્નકર્તા : હા, જરૂર થાય.

દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? બીજી ફેમિલી જોડે તો થાય.

પ્રશ્નકર્તા : પોતાની ફેમિલી સાથે પણ થાય.

દાદાશ્રી : તો પોતે જાણતો જ નથી, ફેમિલી શું છે એ. પોતાનું ફેમિલી એટલે પોતાનું, એમાં કશું ડખો ના હોય. તમને શું લાગે છે, ફેમિલીમાં થાય એવું ?

પ્રશ્નકર્તા : થાય, થાય.

દાદાશ્રી : પોતાના ફેમિલીમાં ? આઈ એન્ડ માય વાઈફ (હું અને મારી પત્ની) અને મારાં છોકરાં, એ તો આપણી ફેમિલી કહેવાય ! એમાં કશું ડખો હોય નહીં. બહારના જોડે, બીજી ફેમિલી જોડે ડખો હોય.

પ્રશ્નકર્તા : દરેકની જુદી જુદી પર્સનાલિટી (વ્યક્તિત્વ) હોય એટલે ફેમિલીમાં કોન્ફ્લિક્ટ (ઘર્ષણ) થાય ને ?

દાદાશ્રી : તો પછી ફેમિલી કહેવાય નહીં. અને તમે કહો છો ‘ધીસ ઈઝ માય ફેમિલી (આ મારું કુટુંબ છે) !’ ફેમિલી કોનું નામ કહેવાય કે ડખો ના હોય.

ડખો ટાળવાની શરૂઆત કરો ઘરથી

વન ફેમિલીમાં શું હોવું જોઈએ ? તમે બીજાને શું સલાહ આપો ? ‘કોઈ મહીં લડંલડા ના કરશો, મહીં કચકચ ના કરશો’ એવું કહો ને ? તમે સલાહ આપનારા અને તમારા ઘેર કચકચ !

(પા.૫)

એટલું જ કહું છું, વધારે નથી કહેતો. વળી મોક્ષની વાત જવા દો અત્યારે, આટલું કરો તો મહીં ક્લેશ ના રહે ઘરમાં.

પહેલો ધર્મ જે છે એ ઘરમાંથી શરૂ કરો. ઘરમાં કિંચિત્માત્ર ડખો ના રહે અને દુઃખ ના થાય કોઈને, એવી રીતે ફેમિલી મેમ્બર (કુટુંબના સભ્ય) તરીકે થઈ જાવ.

વાઈફની ખોડ કાઢી કરે ડખો

ઘેર વાઈફ છે તે સારું-સારું ના ખવડાવે ?

પ્રશ્નકર્તા : બહુ સારું-સારું ખવડાવે છે.

દાદાશ્રી : હા, તો પછી એમની જોડે ડખો ના કરવો જોઈએ આપણે, પણ તમારો ઇગોઇઝમ (અહંકાર) છે ને, તે ગાંડાં કાઢ્યા વગર રહે નહીં ને ! ટેવ પડેલી આ. તે તમે શું કરો ? રત્નાગિરી હાફુસ લાવ્યા હોય, એને રસ કાઢીએ અને બેને સરસ પુરીઓ બનાવી હોય, શાક બહુ સારાં બનાવ્યા હોય, બધું કર્યું હોય, સરસ રસોઈ બનાવી હોય, અને કઢીમાં સહેજ મીઠું વધારે પડી ગયું હોય, તે બધું ખાતા જાય અને કઢી ચાખી એટલે ‘આ કઢું ખારું...’ મૂઆ, ખાને, પાંસરો બન ને. આ કઢીને બાજુએ મૂક, બીજું બધું ખઈ લે ને. તે મૂઓ પાંસરો ના મર્યો, તે બધાનું બગાડે પાછું ! એ તો ન ખાય તે ના ખાય, પણ બધાનું મોઢું ઊતરી જાય. બિચારા છોકરાં બધાં ભડકી જાય. આ આપણને કેમ કરીને શોભે આવું ? કોઈક દહાડો કઢી ખારી ના થઈ જાય? તે દહાડે બૂમાબૂમ કરીએ એ સારું કહેવાય ? અલ્યા, રોજ તો કઢી સારી થાય છે તો એક દહાડો સારી ના થઈ તો જરા પાંસરો રહે ને ! એક દહાડો પાંસરા ના રહેવું જોઈએ ? તમને કેમ લાગી આ વાત ? ગમીને ? પણ આપણા લોક શું કરે છે કે કો’ક દહાડો કઢી ખારી થઈ ગઈ હોય, તેમાં પેલીની આબરૂ લઈ નાખે.

આ તો મનુષ્યપણું ખોયું ! મનખો નકામો ગયો આ. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણી મનુષ્ય દેહ કહેવાય, તે મૂઆ આમાં જ કાઢ્યો? ખાણી-પીણીમાં જ ? અને ઔરત (પત્ની). એ ઔરતેય પાળતાં ના આવડી હોય. એની જોડેય રાત-દહાડો ડખા-ડખા, વઢવાડ-વઢવાડ.

ડખો ન કરે તો પડે પ્રભાવ

‘વાઇફ’ની કેટલીક ભૂલો આપણે સહન કરીએ તો તેના પર પ્રભાવ પડે. આ તો વગર ભૂલે ભૂલ કાઢીએ તો શું થાય ? કેટલાક પુરુષો સ્ત્રીના સંબંધમાં બૂમાબૂમ કરે છે, તે બધી ખોટી બૂમો હોય છે. કેટલાક સાહેબ એવા હોય છે કે ‘ઓફિસ’માં કારકૂન જોડે ડખાડખ કર્યા કરે. બધા કારકૂન પણ સમજે કે સાહેબનામાં બરકત નથી, પણ કરે શું ? પુણ્યે એને બોસ તરીકે બેસાડ્યો ત્યાં ? ઘેર તો બીબી જોડે પંદર-પંદર દિવસથી કેસ પેન્ડિંગ પડેલો હોય! સાહેબને પૂછીએ, ‘કેમ ?’ તો કહે કે ‘એનામાં અક્કલ નથી.’ ને એ અક્કલનો કોથળો ! વેચે તો ચાર આનાય ના આવે! સાહેબની ‘વાઇફ’ને પૂછીએ તો એ કહેશે કે ‘જવા દો ને એમની વાત, કશી બરકત જ નથી એમનામાં !’

સમભાવે નિકાલ કર્યે ના રહે ડખો

ઘરનાં બધાં જોડે, આજુબાજુ, ઓફિસમાં બધાં જોડે (આ જ્ઞાન થકી) ‘સમભાવે નિકાલ’ કરજો. ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું ત્યાં ‘સમભાવે નિકાલ’ કરજો. કોઈને છંછેડશો નહીં, જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે ‘સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે !’ એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય, તોય અમે મહીંથી બે ચીજ ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે ‘મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું 

(પા.૬)

અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.’ હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો આપી જાય તોય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલુ આમાં સુખ ઘટે કે વધે ?

પ્રશ્નકર્તા : ઘટે.

દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરો ને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાય ને ? મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઈ લઉં ને પાછો કહું કે ‘આજનું શાક બહુ સરસ છે.’

પ્રશ્નકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ ખોટું મનને મનાવવાનું ના થયું ?

દાદાશ્રી : ખોટું મનને મનાવવાનું નહીં. એક તો ‘ભાવે છે’ એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. ‘નથી ભાવતું’ કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે અને ઘરના છોકરાં શું સમજશે કે આ ડખાવાળા માણસ કાયમ આવું જ કર્યા કરે છે ! ઘરનાં છોકરાંઓ આપણી આબરૂ જોઈ જાય.

જગત વ્યવસ્થિત, નથી ક્યાંય ડખા

અમારે ઘરમાંય કોઈ જાણે નહીં કે ‘દાદા’ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે? એ તો ખાનારના ‘વ્યવસ્થિત’ના હિસાબે ભાણામાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આ તમે જે વાત કરી કે તમને કડવું આપ્યું હોય, તોય તમે થોડુંક લઈ લો. હવે અમને કડવું ના ભાવતું હોય તો કેમનું લઈએ ? એટલે પેલું જે લાઈકીંગ (ગમતા) ઉપર જાય, એની વાત કરીએ છીએ હવે આપણે.

દાદાશ્રી : પણ ‘ના’ શબ્દ તો કાઢી નાખજો ડિક્ષનરી (શબ્દકોશ)માંથી. એ ‘ના’થી જ આ જગત ઊભું રહ્યું છે. ના કહેવાથી જ લોકો છે તે ક્લેઈમ માંડે છે. ‘હા’ લાવો, કહી પછી મોઢામાં મૂકીને ‘થૂ’ કરવું હોય તોય થાય, વાંધો નહીં ! પણ એનું ઈન્સલ્ટ (અપમાન) નહીં કરો. અમે તો કેટલાક ફેરા કહે કે ‘દાદા, પ્રસાદ લો’, તે લઈ લઉં અને મગફળીને એ હોય તો ગજવામાં મૂકું. તે પછી પાછું બહાર નીકળું ત્યારે કોઈકને આપી દઉં, પણ ઈન્સલ્ટ નહીં કરવાનું કારણકે ‘વ્યવસ્થિત’ના આધારે એ તો મને કહ્યું કે ‘લો.’

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને તમે તો ડખો કર્યા વગર રહો નહીં. ડખો નહીં કરો. વ્યવસ્થિત છે આ બધું જગત. જે બને છે એ વ્યવસ્થિત, થાય છે એ વ્યવસ્થિત, વ્યવસ્થિત નથી લાગતું !

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે.

દાદાશ્રી : અને કરે છે એય ‘વ્યવસ્થિત’ છે. કોને વઢશો ? છોકરાને, વહુને ? કોઈને વઢવા જેવું જગત છે ? અમે તો ક્લિઅર કટ (ચોખ્ખી) બધી જોગ્રોફી (ભૂગોળ) આપી છે. બિલકુલ, ક્લિઅર કટ. જેમ જેમ ક્લિઅરન્સ સમજાતું જશે, તેમ તેમ ઔર (વધુ) આનંદ ને ઔર વાત સમજાશે. કહું છું ને, અમને ટ્વેન્ટી સેવન યર્સથી (સત્યાવીસ વર્ષથી) ટેન્શન થયું નથી.

આ જ્ઞાન જ બધું કામ કરે, બીજું કોઈ કરતું નથી. જ્ઞાન જ જાણવાની જરૂર છે. પેલું ‘હું કોણ છું’ એ જ્ઞાન તો મળી ગયું, પણ જો આ વ્યવહારિક જ્ઞાનનું બધું જાણવાનું મળે, પછી ડખો રહે નહીં કોઈ જાતનો.

ન કરવો ડખો એકબીજાના કામમાં

પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?

(પા.૭)

દાદાશ્રી : સ્ત્રીએ પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. સ્ત્રી-પુરુષે એકમેકને હેલ્પ (મદદ) કરવી જોઈએ. ધણીને ચિંતા રહેતી હોય, તો તેને કેમ કરીને ચિંતા ના થાય એવું સ્ત્રી બોલતી હોય; તેમ ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને છોકરાં ઘેર કેટલાં હેરાન કરતાં હશે ! ઘરમાં તૂટે-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ, પણ તેય લોક બૂમ પાડે કે ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે બધાંએ એ કેમ ફોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું. એટલે પેલી બેનને મનમાં લાગે કે ‘મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતા? તૂટી ગયાં તે તૂટી ગયાં, તેમાં હું શું કરું ? મી કાય કરું ?’ હવે ત્યાંય વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં, જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી, ત્યાંય લઢવાનું !

અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. ઘરની કોઈ બાબતમાંય અમારે હાથ ઘાલવાનો નહીં, એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે આવીએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારે પણ એ અમને ના પૂછે અને કો’ક દહાડો અમને કહે કે ‘આજે વહેલા નાહી લો.’ તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો’ ધરે છે, માટે કંઈક ભો હશે. પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લો ને કે કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.

ઘરમાં ગેસ્ટ બની રહે, ના થાય ડખો

ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : જોઈએ તે રસોઈ મળે, ખાટલો પાથરી આપે, પછી શું? અને ખાટલો ના પાથરી આપે તો તેય આપણે પાથરી લઈએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઈ ગીતામાં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશે ને ?

‘હસબંડ’ એટલે ‘વાઈફ’નીય ‘વાઈફ’ ! આ તો લોક ધણી થઈ બેસે છે ! અલ્યા, ‘વાઈફ’ કંઈ ધણી થઈ બેસવાની છે ? આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઈએ. આ કંઈ ‘લાઉડ સ્પીકર’ છે ? આ તો અહીં બૂમો પાડે, તે પોળના નાકા સુધી સંભળાય! ઘરમાં ‘ગેસ્ટ’ (મહેમાન) તરીકે રહો. અમેય ઘરમાં ‘ગેસ્ટ’ તરીકે રહીએ છીએ. કુદરતના ‘ગેસ્ટ’ તરીકે તમને જો સુખ ના આવે, તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ?

ગેસ્ટના કાયદા પાળી, રહો ડખા મુક્ત

જેના ‘ગેસ્ટ’ હોઈએ ત્યાં આગળ વિનય કેવો હોવો જોઈએ ? હું તમારે ત્યાં ગેસ્ટ થયો તો મારે ‘ગેસ્ટ’ તરીકેનો વિનય ના રાખવો જોઈએ? તમે કહો કે ‘તમારે અહીં નથી સૂવાનું, ત્યાં સૂવાનું છે.’ તો મારે ત્યાં સૂઈ જવું જોઈએ. બે વાગે જમવાનું આવે તોય શાંતિથી જમી લેવું જોઈએ. જે મૂકે તે નિરાંતે જમી લેવું પડે, ત્યાં બૂમ પડાય નહીં. કારણ કે ‘ગેસ્ટ’ છો. તે હવે ‘ગેસ્ટ’ રસોડામાં જઈને કઢી હલાવવા જાય તો કેવું કહેવાય ? ઘરમાં ડખો કરવા જાય તો તમને કોણ ઊભું રાખે? તને બાસુંદી થાળીમાં મૂકે તો તે ખાઈ લેજે, ત્યાં એમ ના કહેતો કે ‘અમે ગળ્યું નથી ખાતા.’ જેટલું પીરસે એટલું નિરાંતે ખાજે, ખારું પીરસે તો ખારું ખાજે. બહુ ના ભાવે તો થોડું ખાજે, પણ ખાજે ! ‘ગેસ્ટ’ના બધા કાયદા પાળજે. ‘ગેસ્ટ’ને રાગ-દ્વેષ કરવાના ના હોય.

આડાઈ એ ડખો જ

આ લોક તો કહેશે, ‘તારી બનાવેલી ચા 

(પા.૮)

નહીં પીઉં.’ ઓહોહો ! ત્યારે કોની બનાવેલી ચા પીશ હવે? એટલે એ ધણી છે તે દબડાવે પેલીને. શું કહેશે ? ‘તેં ચા બગાડીને, એટલે હવે ફરી તારા હાથની ચા નહીં પીઉં.’ દબડાવે બિચારીને, તે આડો થાય. કેટલી બધી આડાઈઓ ! તેનાં દુઃખ પડે છે ને !

એટલે આડાઈ જ નડે છે. મોહ તો કશુંય ના નડે. એ તો બે વખત મોહ રહે પાછો ને ત્રીજી વખત મહીં કંટાળો આવે.

સરસ જમવાનું હોય, પણ મોઢું ચઢાવીને જમાડે તો ? ના ગમે, નહીં ? ‘બળ્યું તારું જમવાનું’ એમ કહે ને ? અરે, હીરા પણ મોઢું ચઢાવીને આપે તો ના ગમે. આ સાહેબનું મોઢું ચઢેલું હોય ને હીરા આપી જાય તો તમે શું કહો ? ‘લો તમારો હીરો તમારે ઘેર લઈ જાવ.’ આમ કહે કે નહીં ? તો હીરાની કિંમત વધારે છે કે મોઢું ચઢ્યાની ? આપણા લોકો હીરા ના લે. જ્યારે ફોરેનમાં તો વિલિયમનું મોઢું ચઢ્યું હોય તોય લેડી (પત્ની) ખાઈ લે અને આપણે ત્યાં તો આવી બને. છતાં આ સ્ત્રીઓ આડાઈ ના કરે. આ તો આર્ય સંસ્કારી સ્ત્રીઓ ! ફોરેનમાં ચાલી જાય. ફોરેનમાં તો મોઢું ચઢાવીને આ હીરા આપે ને, તો કહે, ‘મૂઓ, છો ને બૂમાબૂમ કરે. આપણે તો હીરા આવી ગયા ને !’ અને અહીં આ ના ચાલે. આ તો આર્ય સન્નારી કહેવાય. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એટલે આપણે ઘરમાં મોઢું ના ચઢાવીએ તો હીરા કરતાં વધારે છે ને ?

નાનો બાબો હઉ રૂપિયા અડવા ના દે. કહેશે, ‘આ તો મારા રૂપિયા, લાવો જોઈએ.’ એટલે એક બાબતમાં સરળ હોય ત્યારે બીજે આડાઈ હોય. આડાઈ એ ડખો જ કહેવાય, ઓછાવત્તા પ્રમાણમાં. કોઈને વધારે ડખો હોય અને પ્રકૃતિની વિરુદ્ધ દેખે એટલે આડો થયા વગર રહે નહીં. પ્રકૃતિની વિરુદ્ધ થયું કે ડખો કર્યા વગર રહે નહીં. એને સરળતાથી ઉકલવા ના દે. પોતે મહીં ડખો કરે. એ આડાઈ ના નીકળે ત્યાં સુધી છૂટાય નહીં. આડાઈ જાય તો ભગવાન થાય એવું પદ છે. આ જગ્યા છે એવી, ‘દાદા’ આડાઈથી શૂન્ય થઈ ગયેલા છે !

આક્ષેપોના પરિણામે થાય ડખા

બધું જ તૈયાર છે પણ ભોગવતાં આવડતું નથી, ભોગવવાની રીત આવડતી નથી. મુંબઇના શેઠિયાઓ મોટા ટેબલ પર જમવા બેસે છે, પણ જમી રહ્યા પછી ‘તમે આમ કર્યું, તમે તેમ કર્યું,’ ‘મારું હૈયું તું બાળ બાળ કરે છે વગર કામની !’ અરે ! વગર કામનું તો કોઇ બાળતું હશે ? કાયદેસર બાળે છે, ગેરકાયદેસર કોઇ બાળતું જ નથી. આ લાકડાંને લોકો બાળે છે, પણ લાકડાના કબાટને કોઇ બાળે છે? જે બાળવાનું હોય તેને જ બાળે છે. આમ આક્ષેપો આપે છે, આ તો ભાન જ નથી. મનુષ્યપણું બેભાન થઇ ગયું છે, નહીં તો ઘરમાં તે આક્ષેપો અપાતા હશે ? પહેલાંના વખતમાં ઘરમાં માણસો એકબીજાને આક્ષેપો આપે જ નહીં. અરે ! આપવાનો થાય તોય ના આપે. મનમાં એમ જાણે કે આક્ષેપ આપીશ તો સામાને દુઃખ થશે અને કળિયુગમાં તો લાગમાં લેવા ફરે. ઘરમાં મતભેદ કેમ હોય ?

ડખો કરે એ છે નબળાઈ

પ્રશ્નકર્તા : મતભેદ થવાનું કારણ શું ?

દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું, દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતા નથી.

તમારે તો કોઈક દહાડેય ડખો થઈ જતો હશે ને ? ડખો થઈ જાય ને, મતભેદ ?

(પા.૯)

પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે.

દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. ‘સંસાર ચક્ર એવું છે’ એમ બહાનું કાઢે છે પણ એમ નથી કહેતો કે ‘મારી નબળાઈ છે.’

પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છે ને !

દાદાશ્રી : હા બસ, એટલે લોકો ‘સંસારનું ચક્ર’ કહીને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે ‘જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી.’ સંસાર કશોય અડતો નથી. સંસાર નિરપેક્ષ છે. એ સાપેક્ષેય છે અને નિરપેક્ષેય છે. એ આપણે આમ કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશુંય નહીં, કશું લેવાદેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે !

પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે. એ તો સંસાર છે ને!

દાદાશ્રી : આપણા લોકો તો, રોજ વઢવાડ થાય છે, તોય કહે છે કે ‘પણ એ તો ચાલ્યા કરે’ અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. આવું શાથી થાય છે ? કેમ આવું બોલે છે? શું થાય છે તેની તપાસ કરવી પડે.

મતભેદ છે ત્યાં ડખો

આ લાઈફ (જિંદગી) બધી, યુઝલેસ (અર્થ વગરની) લાઈફ ! ચિંતા આખો દહાડો, મનુષ્યપણું જતું રહે ! લાઈફ સારી ના જોઈએ, બળી ? મતભેદ જોયેલો કે નહીં જોયેલો?

પ્રશ્નકર્તા : જોયેલો ને !

દાદાશ્રી : ઘણાં જોયા છે ને ? મતભેદ એ જ બધું રઝળપાટ છે. જ્યાં મતભેદ છે ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવું. એડજસ્ટમેન્ટ (સમાધાન) નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને ? બહુ માણસ હોય તે બધાની જોડે મેળ પડતો નથી અને ડખો થઈ જાય.

આખો દહાડો ઝઘડા, ઝઘડા ને ઝઘડા. ઝઘડા વગરનું એકુંય ઘર નથી. કંઈ ને કંઈ ડખો થયો જ હોય. ત્રણ માણસોમાં તેત્રીસ મતભેદ પડ્યા હોય સાંજે ! અગિયાર-અગિયાર ભાગે આવે ને !

આશ્રિતને ના હોય ડખો

આ બંગલામાંય સુખ ના આવ્યું ! આવડા આવડા મોટા બંગલા! જુઓ, બંગલામાં અજવાળું કેટલું ? લાલ-લીલા અજવાળાં છે ! સ્ટેનલેસ સ્ટીલની થાળીઓ કેટલી, પણ સુખ ના આવ્યું. આખો દહાડો ધમાચકડી, ધમાચકડી...! આ કાગડાઓ, ચકલીઓ બધાં માળામાં જઈને સંપથી બેસી રહ્યાં હોય અને આ મનુષ્યો જ કોઈ દહાડો સંપથી બેસે નહીં ! હમણાં પણ ટેબલ ઉપર લડતાં હશે, કારણ કે આ જાત પહેલેથી જ પાંસરી નથી. સત્યુગમાંય પાંસરી નહોતી, તો કળિયુગમાં, અત્યારે દુષમકાળમાં ક્યાંથી પાંસરી હોય? આ જાત જ અહંકારીને ! આ ગાયો-ભેંસો બધા ‘રેગ્યુલર’ (નિયમિત). એમને કશો ડખો ના હોય. કારણ કે એ બધાં આશ્રિત છે. મનુષ્યો એકલાં જ નિરાશ્રિત છે. તેથી આ મનુષ્યો બધાં ચિંતા કરે છે. બાકી વર્લ્ડમાં બીજાં આ જાનવરો કે કોઈ દેવલોકો ચિંતા નથી કરતાં. આ એકલાં મનુષ્યો જ ચિંતા કરવાના. આવા સરસ બંગલામાં રહે તોય ચિંતા પાર વગરની ! અત્યારે ખાતી વખતેય દુકાન સાંભર્યા કરે કે ‘દુકાનની બારી ઉઘાડી રહી ગઈ, પેલાની ઉઘરાણી રહી ગઈ !’ તે અહીં ખાતો ખાતો ચિંતા કર્યા કરે કે જાણે હમણાં જઈને પહોંચી ના જવાનો હોય! અરે, મેલ ને પૂળો ! ખાઈ તો લે છાનોમાનો! પણ પાંસરી રીતે ખાવાનુંય ના ખાય. બારી ઉઘાડી રહી ગઈ તેથી મહીં ચિડાયેલો હોય, તેથી પછી વહુ જોડે 

(પા.૧૦)

બહાનું કાઢીને વઢવાડ માંડે. અલ્યા, તું ચિડાયેલો છે ને કો’કની ઉપર અને વહુ ઉપર રીસ શું કરવા કાઢે છે ? તેથી આપણા કવિઓ ગાતા કે ‘નબળો ધણી બાઈડી પર શૂરો.’ બીજે ક્યાં શૂરો થાય ? બહાર શૂરો થવા જાય તો કો’ક મારે! એટલે ઘેર શૂરો ! આપણને આ બધું શોભે ?

અણસમજણે સર્જાય ડખોડખલ

આ મનુષ્યો એકલાં જ બિલકુલ પામર જીવો છે. બુદ્ધિ વાપરે છે એટલે પામર થયેલાં છે. આને ભગવાને ‘નિરાશ્રિત’ કહેલાં છે, બીજાં બધાં આશ્રિત છે. આશ્રિતને ભો ના હોય. કાગડા, બધાં પંખીઓ એ બધાંને છે કશુંય દુઃખ ? જે જંગલમાં ફરનાર છે, શિયાળ, એ બધાનેય કશાં દુઃખ નથી. ફક્ત આ મનુષ્યોનો સંગ કર્યો, એ કૂતરાં, ગાયો એ બધાં દુઃખી હોય છે. બાકી, આ મનુષ્ય એ મૂળ તો દુઃખી છે અને એમના સંગમાં આવે છે તે બધાંય દુઃખી થાય છે.

મનુષ્યો અણસમજણથી દુઃખી છે, સમજણ લેવા ગયો તેથી દુઃખી છે. જો સમજણ લેવા ના ગયો હોત તો આ અણસમજણ ઊભી ના થાત. દુઃખ એ બધું અણસમજણનું પરિણામ છે. પોતે મનમાં એમ માને કે ‘મેં આ જાણ્યું, આ જાણ્યું.’ અલ્યા, શું શકોરું જાણ્યું તે ? જાણ્યું છતાંય વહુ જોડે તો વઢવાડ મટતી નથી. કોઈ દહાડો વહુ જોડે વઢવાડ થાય છે તેનો નિકાલ કરતાંય તને આવડતું નથી, પંદર દહાડા તો મોઢાં ચડેલાં હોય છે. કહેશે, ‘શી રીતે નિકાલ કરું?’ જેને વહુ જોડે વઢવાડ થયેલી નિકાલ કરતાં ના આવડે, ત્યાં સુધી એ ધર્મમાંય શું સમજવાનો છે ? પાડોશી જોડે વઢવાડ થયેલી હોય તો નિકાલ કરતાં ના આવડે, તે કામનું શું ? વઢવાડનો નિકાલ કરતાં તો આવડવું જોઈએ ને ?

સમજણથી આવે ડખાનો ઉકેલ

એવા મોટા-મોટા જજો હોય છે તે કોર્ટમાં અસીલને સાત વર્ષની સજા મારે છે ને એ જજ પાછા મને ભેગા થયેલા, તે એને ઘેર વહુ જોડે ભાંજગડ પડી હોય, તે કેસ હજી પેન્ડિંગ (લટકી) પડેલો હોય. મેં કહ્યું કે ‘એ કેસનો પહેલો ઉકેલ લાવો ને ! આ સરકારી કેસનો તો વાંધો નથી.’ પણ આમાં શી રીતે ઉકેલ લાવે ? વહુ જોડે વઢવાડ થાય તો શી રીતે ઉકેલ લાવવો, તેની સમજણ નથી ને ! મનુષ્યમાં આનો નિકાલ કેમ કરવો એની સમજણ નથી, ત્યારે ટાઈમ એને નિકાલ કરી આપે છે. બાકી પોતાની જાતે હમણે ને હમણે, તરત ને તરત ‘એડજસ્ટ’ (અનુકૂળ) કરી લેવું, પણ એવી સમજણ તો આ લોકોમાં નથી.

પ્રશ્નકર્તા : વાળી લેતાંય નથી આવડતું.

દાદાશ્રી : ના, પણ સમજણ જ પડતી નથી ત્યાં વાળી શી રીતે લે? પછી ટાઈમ એનો નિકાલ કરી આપે. છેવટે ટાઈમ તો દરેક વસ્તુને ખલાસ કરી નાખે.

સમજણ તો એવી હોવી જોઈએ ને કે આ ડખો થઈ ગયો એનો શો ઉકેલ આવે ? આવું કેમ હોવું જોઈએ ? આ જાનવરો બધાંય સંસાર ચલાવી રહ્યાં છે. શું એમને બૈરી-છોકરાં નથી ? એમનેય બૈરી છે, છોકરાં છે, બધું જ છે. ઇંડાંનું સેવન એવું સુંદર કરે છે અને ઇંડાં મૂકતાં પહેલાં માળો તૈયાર કરે છે. આ શું સમજણ નથી એમનામાં ? અને આ સમજણના કોથળા ! અક્કલના કોથળા ! આમને ઇંડાં મૂકવાના હોય ત્યારે દવાખાનાં ખોળ ખોળ કરે. અલ્યા, માળો બાંધને ! પણ આ અક્કલના કોથળા દવાખાના ખોળે અને જાનવર બિચારાં ઇંડાં મૂકતાં પહેલાં જાણી જાય કે આપણે ઇંડાં મૂકવાનાં છે, માટે આપણે માળો રચો. ઇંડાંમાંથી બચ્ચાં થાય છે, પછી માળો તોડી નાખે તો એમને વાંધો નથી, પણ એ ઇંડાંની તરત સમજણ પડી જાય છે.

ડખો નહીં, એડજસ્ટ થાઓ

જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો 

(પા.૧૧)

ઉપાધિ ના લાગે. શાંતિમાં દહાડો જાય, ત્યારે જીવન જીવવાનું ગમે. આ તો ઘરમા ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ? આ તો પોષાય જ નહીં ને ! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાંય ? ઘરમાં વન ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે? દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. પાછું ‘દાળ ખારી’ બોલે ! અંડરડેવલપ્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલપ્ડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું? દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ઈઝ ધીસ ફેમિલી લાઈફ ? બહાર ભાંજગડ કરો ને ! માય ફેમિલીનો અર્થ શું ? કે અમારામાં ભાંજગડ નથી કોઈ જાતની. આપણેએડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાની ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ. એડજસ્ટ એવરીવ્હેર.

એક ભાઈ મને કહે કે ‘દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે.’ ત્યારે મેં તેને કહ્યું કે બેન (એ ભાઈના પત્ની)ને પૂછો તો એ શું કહે છે કે ‘મારો ધણી અક્કલ વગરનો છે.’ હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો ? ત્યારે એ ભાઈ કહે કે ‘મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયાં છે, બૈરી બગડી ગઈ છે.’ મેં કહ્યું, ‘કશું બગડી નથી ગયું. તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતાં આવડવી જોઈએ.’

આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એક મેળ રહ્યા કરે. ત્યારે ઘરમાં સો માણસ હોય તોય દાદાજી કહે તે પ્રમાણે બધાય અનુસરે ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો તેમને આવડી આવડી ચપોડે (ગાળો ભાંડે). બાપ કશું કહે તો બાપનેય આવડી આવડી ચપોડે.કળિયુગમાં એવું હોય, અવળું હોય. એ આ યુગનો સ્વભાવ છે.

પ્રકૃતિનું સાયન્સ ઓળખી ટાળો ડખો

પહેલાં શું હતું ? સત્યુગમાં એક ઘેર બધાં ગુલાબ અને બીજાને ઘેર બધાં મોગરાં, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયું છે ? એક ઘરે મોગરો છે ને ગુલાબેય છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદાં જુદાં છોડવાં છે અત્યારે. સત્યુગમાં જે ખેતરાં હતા, તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય? જેને જોતાં ના આવડે, તેને દુઃખ જ પડે ને ? તે જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાના અહંકાર છે. જોતાં નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે. આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે, એવું બધું ઓળખું પાછો.

હવે માનવ તો માનવ જ છે પણ તમને ઓળખતા નથી આવડતું. ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવા તો જોઈએ ને ? ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવું છે. તમે ઓળખી જાવ ખરાં કે આ આવું જ છે ? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી ? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાંકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાંકને વહેલું સૂઈ જવાની ટેવ હોય, તે બન્નેને મેળ શી રીતે પડે ? અને એક કુંટુંબમાં બધા ભેગાં રહે, તે શું થાય ? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે ‘તમારામાં તો અક્કલ ઓછી છે.’ તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે. એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈ ને ! હું કહેવા માંગું છું કે પ્રકૃતિનું સાયન્સ (વિજ્ઞાન) જાણો. બાકી, આત્મા એ જુદી વસ્તુ છે.

એડજસ્ટમેન્ટ રાખે તો ડખાથી મુક્ત

સંસારનો અર્થ જ સમસરણ માર્ગ, એટલે નિરંતર પરિવર્તન પામ્યા કરે. ત્યારે આ ઘૈડિયાઓ જૂના જમાનાને જ વળગી રહે. અલ્યા, જમાના પ્રમાણે કર, નહીં તો માર ખઈને મરી જઈશ. જમાના પ્રમાણે એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. મારે તો ચોર જોડે, ગજવાં કાપનાર જોડે, બધાં જોડે એડજસ્ટમેન્ટ થાય.

આ ઘૈડિયાં ઘરમાં પેસે તો કહે, ‘આ લોખંડનું કબાટ ? આ રેડિયો? આ આવું કેમ ? તેવું કેમ ?’ એમ કરે. અલ્યા, કોઈ જુવાનની દોસ્તી કર. આ તો યુગ બદલાયા જ કરવાનો. તે વગર આ જીવે શી રીતે? કંઈક નવું જુએ એટલે મોહ થાય. નવું ના હોય તો જીવે શી રીતે? આવું નવું તો અનંત આવ્યું ને ગયું, તેમાં તમારે ડખો કરવાનો ના હોય. તમને ના ફાવે તો તે તમારે ના કરવું. આ આઈસ્ક્રીમ તમને એમ નથી કહેતો કે અમારાથી ભાગો. આપણે ના ખાવો હોય તો ના ખઈએ. આ તો ઘૈડિયાં એની પર ચિઢાયા કરે. આ મતભેદો તો જમાનો બદલાયો એના છે. આ છોકરાં તો જમાના પ્રમાણે કરે. મોહ એટલે નવું નવું ઉત્પન્ન થાય અને નવું ને નવું જ દેખાય છે. અમે નાનપણથી બુદ્ધિથી બહુ વિચારી લીધેલું કે આ જગત ઊંધું થઈ રહ્યું છે કે છતું થઈ રહ્યું છે ! અને એ પણ સમજાયેલું કે આ જગતને ફેરવવાની કોઈને સત્તા જ નથી. છતાં અમે શું કહીએ છીએ કે જમાના પ્રમાણે એડજસ્ટ થાવ. છોકરો નવી ટોપી પહેરીને આવે તો એવું ના કહીએ કે ‘આવું કંઈથી લઈ આવ્યો?’ એના કરતાં એડજસ્ટ થઈએ કે ‘આવી સરસ ટોપી ક્યાંથી લાવ્યો ? કેટલાંની આવી ? બહુ સસ્તી મળી !’ આમ એડજસ્ટ થઈ જઈએ.

આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી. રાત્રે મને વિચાર આવ્યો કે ‘આ ચાદર મેલી છે’ પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત ! પંચેન્દ્રિયજ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે. માટે આત્મામાં રહો.

સાંસારિક જ્ઞાનજાગૃતિથી પણ ટળે ડખો

બે પ્રકારનાં જ્ઞાનઃ એક ઈન્દ્રિયજ્ઞાન, અને બીજું અતીન્દ્રિયજ્ઞાન. ઈન્દ્રિયજ્ઞાન સીમિત છે અને અતીન્દ્રિયજ્ઞાન અસીમિત છે. સંસારમાં લોકોને ઈન્દ્રિયજ્ઞાનમાંય પૂર્ણ જાગૃતિ નથી. ઈન્દ્રિયજ્ઞાનમાં જો સંપૂર્ણ જાગૃત થયેલો હોય તો તે જબરજસ્ત સંત પુરુષ કહેવાય.

પ્રશ્નકર્તા : ઈન્દ્રિયજ્ઞાનમાં સંપૂર્ણ જાગૃતિ એટલે શું ?

દાદાશ્રી : પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું ઈન્દ્રિયજ્ઞાનમાં આવે. ઈન્દ્રિયજ્ઞાનની સંપૂર્ણ જાગૃતિમાં આવે ત્યારે એનો અહંકાર કેવો હોય કે કોઈનીય જોડે એને મતભેદ ના પડે. આપણે મતભેદ પાડીએ તોય એ મતભેદ ના પડે એ રીતે છટકી જાય. કોઈ જગ્યાએ ઝઘડો થવાની જગ્યા હોય તો ત્યાં એ મતભેદનું નિવારણ કરી નાખે. ઈન્દ્રિયજ્ઞાનની જાગૃતિથી કિંચિત્માત્ર કોઈની જોડે અથડામણ ના થાય, ‘એવરીવ્હેર એડજસ્ટેબલ’ થાય, સાંસારિક ડખો ના થાય.

અથડામણ ટાળી, ટાળો ડખો

આપણે આ ગાડીમાંથી ઊતરીએ ને તરત 

(પા.૧૩)

પેલાં મજૂરોને બૂમ પાડીએ, ‘હેય... અહીં આવ, અહીં આવ !’ પેલા બે-ચાર જણ દોડતાં આવે. ‘ચલ, ઉઠાવી લે.’ સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ બહાર નીકળીને કકળાટ માંડીએ, ‘સ્ટેશન માસ્તરને બોલાવું છું, આટલાં બધા પૈસા લેવાતાં હશે ? તું આમ કરું છું, તેમ કરું છું...’ અલ્યા મૂઆ, અહીં આગળ અથડામણ ના કરીશ. એ પચ્ચીસ રૂપિયા કહે તો આપણે એને પટાવીને કહેવું, ‘ભઈ, ખરેખર તો દસ રૂપિયા થાય, પણ તું વીસ લઈ લે, હેંડ’. આપણે જાણીએ કે ચોંટી પડ્યા એટલે એને વધતું-ઓછું આપીને નિકાલ કરી નાખવાનો. ત્યાં અથડામણ ના કરાય. નહીં તો પેલો બહુ અકળાય ને, તે એ ઘેરથી અકળાયેલો જ હોય, તે સ્ટેશન પર કકળાટ માંડીએ તો મૂઆ, આ પાડા જેવો છે, હમણે ચપ્પુ મારી દેશે. તેંત્રીસ ટકે માણસ થયો, બત્રીસ ટકે પાડો થાય !

કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતાં હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણાં મન ઉપર બિલકુલ અસર હોય નહીં, છતાં ઓચિંતી કંઈક અસર થઈ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય.

જગત ઊભું અથડામણથી

આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને ‘વેરથી ઊભું થયું છે’ એમ કહ્યું છે. દરેક માણસ, અરે ! જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગરે રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય ! ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધામાં આત્મા છે. આત્મશક્તિ બધામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે, પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું!

આ જગતનું બેઝમેન્ટ (પાયો) વેર છે. ઈમોશનલ વહેવાર અને આસક્તિથી બીજ પડે છે ને તેનાથી જગત ઊભું છે. આ સંસાર તે તો ઘરના માણસોથી જ ઊભો રહ્યો છે. સામસામી દોષો જ જુવે છે. ઘરમાં જ રાગ-દ્વેષ, કલેશ ને કંકાશ તેમજ કકળાટ અને ડખોડખલથી વેર-ઝેર કરે છે. અન્યોન્ય સામસામી ભૂલો જ જો જો કરે છે અને સામસામી એકબીજાને દોષ દે છે.

કોઈ માણસ બહુ બોલે તો એનાં ગમે એવાં બોલથી આપણને અથડામણ ના થવી જોઈએ એ ધર્મ છે. હા, બોલ તો ગમે તેવાં હોય, એ બોલને કંઈ એવી શરત હોય છે કે ‘અથડામણ જ કરવી ?’ આ તો સવાર સુધી અથડામણ કરે એવાં લોક છે અને આપણાં લીધે સામાને ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. ઊલટું એવું કોઈ બોલ્યું હોય તો તેને દાબી દેવું, તેનું નામ માણસ કહેવાય.

આપણે શબ્દોથી ડખોડખલ ના કરવી. આપણે સંસ્કાર દેખાડીને ડખોડખલ ના કરવી અને શબ્દો તો એવા બોલવા કે સામાને વાગે નહીં, તો શબ્દો બોલવાનો અધિકાર છે. મારા શબ્દો સામાને વાગતા નથી, એટલે હું બોલું છું.

સ્યાદ્વાદ વાણી શું કહે છે ? તમે એવું બોલો કે પાંચ જણ લાભને પામે ને કોઈનેય ડખો ના થાય.

અથડામણ ટાળ્યે, પહોંચે મોક્ષમાં

‘કોઈનીય અથડામણમાં ના આવીશ અને અથડામણને ટાળજે.’ આ અમારા વાક્યનું જો આરાધન કરીશ તો ઠેઠ મોક્ષે પહોંચીશ. તારી ભક્તિ અને અમારું વચનબળ બધું જ કામ કરી આપે. સામાની તૈયારી જોઈએ.

(પા.૧૪)

અમારું એક જ વાક્ય જો કોઈ પાળે તો તે મોક્ષે જ જાય. અરે ! અમારો એક શબ્દ જેમ છે તેમ આખો જ ગળી જાય તોય મોક્ષ હાથમાં આવી જાય તેમ છે, પણ એને જેમ છે તેમ ગળી જા. એને ચાવવા કે ચૂંથવા ન માંડીશ. તારી બુદ્ધિ કામ નહીં લાગે અને એ ઊલટાનો ડખો કરી નાખશે.

ભીંત સમાન સમજી ટાળો ડખો

આપણને ભીંત અથડાઈ તો ભીંતની ભૂલ કે આપણી ભૂલ ? ભીંત જોડે આપણે ન્યાય માંગીએ કે ‘ખસી જા, ખસી જા’ તો ? અને આપણે કહીએ કે ‘હું અહીં થઈને જ જવાનો છું.’ તો ? કોનું માથું ફૂટી જાય?

પ્રશ્નકર્તા : આપણું.

દાદાશ્રી : એટલે કોણે ચેતવું પડે ? એમાં ભીંતને શું ? એમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ ! એટલે જગત ભીંત જેવું છે.

ભીંતને અથડાવ તો ભીંત જોડે મતભેદ પડે ખરો ? કોઈ વખત ભીંતને કે બારણાંને તમે અથડાઈ ગયા, તો તે ઘડીએ બારણાં જોડે કે ભીંત જોડે મતભેદ પડે ?

પ્રશ્નકર્તા : બારણું એ તો નિર્જીવ વસ્તુ છે ને!

દાદાશ્રી : એટલે જીવને માટે જ તમે એમ માનો છો કે એ મારી જોડે અથડાયો. આ દુનિયામાં જે અથડાય છે એ બધી જ નિર્જીવ વસ્તુ હોય છે. અથડાય છે એ જીવંત ના હોય. જીવંત અથડાય નહીં, નિર્જીવ વસ્તુ અથડાય. એટલે તમારે ભીંત જેવું જ તરત સમજી લેવાનું એટલે ડખો નહીં કરવાનો.

નથી ડખલ કોઈની આપણામાં

આપણું વિજ્ઞાન ચોખ્ખુંચટ છે. કોઈની આપણામાં ડખલ નથી, એવું આ જગત છે. આ ડખલ દેખાય છે, એ ભ્રાંતિ છે. બાકી આપણો કોઈ ઉપરી છે જ નહીં. ત્યારે ઉપરી કોણ? પોતાની બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. પોતાના સ્વરૂપનું ભાન નહીં, તે બ્લન્ડર્સ કહેવાય. એટલે હવે મિસ્ટેક્સ રહી ફક્ત. હવે ભૂલનાં પરિણામ ભોગવવાનાં રહ્યા.

અમે શું કહેવા માગીએ છીએ કે જે બધું આવે છે, એ તમારો હિસાબ છે. એને ચૂકતે થઈ જવા દો ને ફરી નવેસરથી રકમ ધીરશો નહીં.

પ્રશ્નકર્તા : નવી રકમ ધીરવી કોને કહો છો?

દાદાશ્રી : કોઈ તમને અવળું કહે તો તમને મનમાં એમ થાય કે ‘આ મને કેમ અવળું બોલે છે?’ એટલે તમે એને નવી રકમ ધીરો છો. જે તમારો હિસાબ હતો, તે ચૂકવતી વખતે તમે ફરી નવો હિસાબનો ચોપડો ચાલુ કર્યો. એટલે એક ગાળ જે ધીરેલી હતી, તે પાછી આપવા આવ્યો ત્યારે તે આપણે જમે કરી લેવાની હતી, તેને બદલે તમે પાંચ નવી ધીરી પાછી. આ એક તો સહન થતી નથી, ત્યાં બીજી પાંચ ધીરી તે નવી ધીરધાર કરે છે ને પછી ગૂંચાયા કરે છે. આમ ગૂંચવાડો બધો ઊભો કરે છે. હવે આમાં મનુષ્યોની બુદ્ધિ શી રીતે પહોંચે ?

જો તારે આ વેપાર ના પોષાય તો ફરી આપીશ નહીં, નવી ધીરીશ નહીં ને આ પોષાતું હોય તો ફરી પાંચ આપ.

ડખો થાય પોતાની ભૂલથી

પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખો ને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.

પ્રશ્નકર્તા : આ થિયરી બરાબર સમજાય તો મનને બધા પ્રશ્નોનું સમાધાન રહે.

(પા.૧૫)

દાદાશ્રી : સમાધાન નહીં, એક્ઝેક્ટ (ખરેખર) એમ જ છે. આ ગોઠવી કાઢેલું નથી, બુદ્ધિપૂર્વકની વાત નથી, આ જ્ઞાનપૂર્વકનું છે.

પોતાની જ ભૂલ છે, એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે. આ તો અમે ટકોર કરીએ, પછી ના ચેતે તો શું થાય ? અને આપણી ભૂલ ના હોય તો મહીં સહેજ પણ ડખો ના થાય. આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઈએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઈએ તો વાંકું દેખાય. માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો.

પુદ્ગલને જોશો નહીં, પુદ્ગલ તરફ દ્રષ્ટિ જ ના કરશો. આત્મા તરફ જ દ્રષ્ટિ કરજો. ભગવાન મહાવીરને જગતમાં બધા જ નિર્દોષ દેખાયા, કાનમાં ખીલા મારનારા તે પણ નિર્દોષ દેખાયા. કોઈ દોષિત છે જ નહીં જગતમાં. દોષિત દેખાય છે, તે જ આપણી ભૂલ છે, એ એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ. એનો પછી માર ખઈએ છીએ.

નિંદા કરી પડે ડખામાં

વીતરાગો શું કહે છે કે કોઈ પણ માણસનો ડહાપણનો ગુણ હોય તો તે સ્વીકારવો જોઈએ. જ્યારે હિંદુઓ તો બહુ ‘ડેવલપ’ કોમ એટલે તરત જ નિંદા કરે કે આમ કેમ થાય ? તે આ લોક ગુરુનાય ન્યાયાધીશ ! તે ડખામાં પડે છે. એ બુદ્ધિને મેલ ને પૂળો અહીંથી.

કોઈ માણસની નિંદા ના કરાય. અરે ! સહેજ વાતચીત પણ ના કરાય. એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાંય અહીં સત્સંગમાં, પરમહંસની સભામાં તો કોઈનીય સહેજ પણ વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે, તો પછી આ ‘મહાત્મા’ઓની ટીકા, નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે! સત્સંગમાં તો દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મહીં ડખો કરે. અમે બધાનું બધું જાણીએ, છતાંય કોઈનું એક અક્ષરેય ના બોલીએ. એક અક્ષરેય ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય.

‘આ મને છેતરી ગયો’ તેમ બોલ્યો, તે ભયંકર કર્મ બાંધે. એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઈએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઊલટું આપણું કર્મ ખપાવી આપ્યું, એ તો નિમિત્ત છે.

ના કરી શકે ડખોડખલ કોઈ કોઈનામાં

‘મોક્ષે જતાં આ લોકો આપણને ગૂંચવે છે’ એવું જે બોલીએ છીએ, તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. આ ઈન્દ્રિયજ્ઞાનથી જે દેખાય છે એવું બોલીએ છીએ, પણ ખરેખર હકીકતમાં તેવું નથી. હકીકતમાં તો લોકો ગૂંચવી શકે જ નહીં ને ! કારણ કે કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખોડખલ કરી શકે જ નહીં, એવું આ જગત છે. આ લોકો તો બિચારા પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિ જે નાચ કરાવે તે પ્રમાણે નાચે. એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. જગત આખુંય નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા, નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી.

જગત છે આપણી જ ડખલનો પડઘો

વર્લ્ડમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડનો કોઈનો દોષ કાઢશો નહીં, તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે, તેના જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો કોઈ પડઘો તમને વાગે નહીં.

આપણે એક વાવ હોય ને, વાવની અંદર નીચે ઊતરીને કોઈ બોલે કે ‘તું ચોર છે’, તો વાવ શું

(પા.૧૬)

કહે આપણને ? ‘તું ચોર છે.’ એ કોણે આપ્યું ? એ પડઘો જ છે જગત તો, બીજું કશું છે નહીં. એટલે આ તમારું જ ક્રિએશન (ઉત્પાદન) છે. જો તમને ના ગમતું હોય ‘તું ચોર છે’ એવું, તો ‘તું રાજા છે’ એવું બોલ, તો તું રાજા છે. તમારું જ ક્રિએશન છે. બીજા કોઈનો ડખો નથી, કોઈની ડખલ નથી.

એટલે એક મચ્છર પણ તમને અડી ના શકે, જો તમે ડખલ ના કરો તો. આ પથારીમાં નર્યા માકણ છે ને ત્યાં તમને સૂવાડે અને જો તમે ડખલ વગરના હો, તો એકુંય માકણ તમને અડે નહીં. શું કાયદો હશે આની પાછળ? આ તો માકણ માટે લોકો વિચાર કરવાના ને, કે ‘એય, વીણી નાખો, આમ કરો, તેમ કરો.’ એવી ડખલ કરે છે ને બધા? અને દવા ફેંકે ખરા ? હિટલરીઝમ જેવું કરે? કરે ખરાં એવું ? તોય માકણ કહે છે, ‘અમારી વંશ (વંશાવળી) નાશ નહીં થવાની, અમારી વંશ (વંશાવળી) વધતી જવાની.’

એટલે જો તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું સાફ થઈ જશે. ડખલ ના હોય તો કશું કૈડે એવું નથી આ જગતમાં. નહીં તો આ ડખોડખલ કોઈને છોડે નહીં.

ભૂલ સ્વીકાર્યે ન થાય ડખો

તમારી જોડે મારે કંઈ અથડામણ થઈ હોય પછી હું કહું, ‘ચંદુભાઈ, મારી ભૂલચૂક હોય તો માફ કરજો.’ એટલે ઉકેલ આવી જાય કે ના આવી જાય?

પ્રશ્નકર્તા : આવી જાય.

દાદાશ્રી : પછી તમે છોડી દો કે ના છોડી દો? અને એને બદલે હું તમને કહું કે ‘મારી વાત તમે સમજ્યા નહીં ? મૂઆ, મૂરખ છું! તું શું સમજવાનો છે, બળ્યું ?!’ આ સમજ્યા હોત તો આ ડખો જ ના થાત ને! નથી સમજ્યા ત્યારે તો ડખલ થાય છે. એટલે આપણે નિકાલ કરી નાખવાનો. ચીકણું કરીએ તો શું થાય પછી ? ગૂંચાય આ બધું. આ બધાં જગતના લોકોને ગૂંચાયેલા કર્મ તેથી જ છે ને! એનો નિવેડો લાવો ને !

છોકરાં જોડે આપણી ભૂલ થઈ વખતે, ત્યાં આગળ છોકરો છે માટે આપણે એ ભૂલનો સ્વીકાર ના કરીએ તો પછી શું થાય એમાં? છોકરો ડંખ તો રાખે ને મનમાં કે તમે સાચી વાતેય માનતા નથી તે આપણે કહી દઈએ કે ‘ભઈ, મારી ભૂલ થઈ. એ તો કંઈ સમજ ફેર થઈ ગઈ.’ તરત જ ઉકલી જાય. આમાં વાંધો ખરો ? ભૂલ સ્વીકાર કરે તો છોકરો બાપ થઈ જાય ખરો ? છોકરો છોકરો જ રહે ને! અને જો તમે ભૂલ નહીં સ્વીકારો તો છોકરો બાપ થશે !

આ તો જેમ ઉંમર વધે ને, તેમ એ જાણે કે મારી ભૂલ થાય નહીં ને ! છોકરાની ભૂલ બહુ થાય છે. પોતાની બહુ ભૂલ થાય છે, પણ પોતે માને કે મારી ભૂલ થાય નહીં, જાણે મેજીસ્ટ્રેટ ના હોય ! છોકરો પાછો કહેય ખરો કે ‘તમારામાં અક્કલ નથી.’ તોય એ મનમાં વિચાર કરે કે આ નાનો છે, આને સમજણ નથી. અલ્યા મૂઆ, એ કહે છે તો તોલી તો જો. આપણામાં અક્કલ છે કે નહીં તે તોલવી ! એ કહે તો તોલવી ના જોઈએ કે ‘મારામાં અક્કલ નથી’, તે લાવ તોલ તો કરવા દે. તો મહીં વિચાર કરે તો ખબર પડે ને કે કશું અક્કલ નથી. અક્કલ હોય તો આવું હોય નહીં. અક્કલ હોય તેને ત્યાં ક્લેશ ના હોય. અક્કલવાળા હોય ને, તેને ત્યાં બધા શાંતિથી ખાય-પીવે. ઓછું હોય તો ઓછું ને ઘણું હોય તો ઘણું, પણ ક્લેશ ના હોય. તે અહીં કેટલા ક્લેશ વગરનાં ઘર હોય ?

સામા જઈને કરીએ છીએ એ ડખો

પ્રશ્નકર્તા : છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી.

દાદાશ્રી : જેટલું સામા જઈને કરીએ છીએ એ જ દોઢ ડહાપણ છે, તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે ‘બાપુજી, મને ફી 

(પા.૧૭)

આપો.’ ત્યારે આપણે કહીએ કે ‘ભઈ, પૈસા કંઈ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.’ એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી (પપ્પા) પાણી જ આપે છે. માટે છોકરાં જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઈ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય ! અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલેય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઈ જવાનું. છોકરાંને કહેવું કે ‘કંઈ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઈ અડચણ હોય તો પૂછજો.’ અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં. આ તો છોકરાના ગજવામાંથી પૈસા નીચે પડ પડ કરતા હોય તો બાપ બૂમાબૂમ કરી મેલે, ‘એય એય...’ એમ. આપણે શું કામ બૂમાબૂમ કરીએ ? એની મેળે પૂછશે ત્યારે ખબર પડશે. આમાં આપણે કકળાટ ક્યાં કરીએ ? અને આપણે ના હોત તો શું થાત ? આ બધું ‘વ્યવસ્થિત’ના તાબામાં છે અને વગર કામનો ડખો કરીએ છીએ. સંડાસેય (ગલન પણ) વ્યવસ્થિતના તાબામાં છે અને તમારું તમારી પાસે છે. પોતાના સ્વરૂપમાં પોતે હોય ત્યાં પુરુષાર્થ છે અને પોતાની સ્વસત્તા છે. આ પુદ્ગલમાં પુરુષાર્થ છે જ નહીં. પુદ્ગલ પ્રકૃતિને આધીન છે.

કહેતાં નથી આવડતું તેથી થાય ડખો

છોકરાંનો અહંકાર જાગે, ત્યાર પછી તેને કશું કહેવાય નહીં. અને આપણે શું કામ કહીએ ? ઠોકર વાગશે તો શીખશે. છોકરાં પાંચ વર્ષના થાય ત્યાં સુધી કહેવાની છૂટ અને પાંચથી સોળ વર્ષવાળાને વખતે બે ટપલી મારવીય પડે, પણ વીસ વર્ષનો જુવાન થયા પછી એનું નામેય ન લેવાય. પછી કશું અક્ષરેય બોલાય નહીં. બોલવું એ ગુનો કહેવાય, નહીં તો કો’ક દહાડો બંદૂક મારી દે.

ઘરમાં કોઈને કાંઈ કહેવું એ મોટામાં મોટો અહંકારનો રોગ છે. પોતપોતાનો હિસાબ લઈને જ આવ્યા છે બધાં ! સહુ સહુની દાઢી ઊગે છે. આપણે કોઈને કહેવું નથી પડતું કે દાઢી કેમ ઉગાડતો નથી ? એ તો એને ઊગે જ. સહુ સહુની આંખે જુએ છે, સહુ સહુના કાને સાંભળે છે, પછી આ ડખો કરવાની શી જરૂરત છે ? એક અક્ષર પણ બોલશો નહીં. એટલા માટે અમે આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપીએ છીએ. અવ્યવસ્થિત ક્યારેય થતું જ નથી. અવ્યવસ્થિત દેખાય છે તે પણ ‘વ્યવસ્થિત’ જ છે. એટલે વાત જ સમજવાની છે.

પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.

દાદાશ્રી : જવાબદારી વ્યવસ્થિતની છે, એ તો એની જવાબદારી સમજેલો જ છે. એને કહેતાં તમને આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ બોલે ગાંડું પછી છોકરાંય ગાંડું કાઢે.

જગત ટોક્યા વગર રહેતું જ નથી. પણ ટોક ટોક ના કરવું જોઈએ. ટોક્યા વગર જગત સુંદર ચાલે તેવું છે. કશું જ ડખોડખલ કરવા જેવું આ જગત નથી, જગત તો માત્ર ‘જાણવા’ જેવું જ છે.

કંઈ વાતચીત કરજો. ખુલાસો થવો જોઈએ ને! આ ક્યાં સુધી ચાલવા દેવું ? છોકરો મોટી ઉંમરનો થયો અને મતભેદ પડે તો આખી રાત ઊંઘ ના આવે અને પોતાના જ છોકરાથી ઊંઘ ના આવી, જુઓ ને!

દેહના કારણે ઊભો આગળનો ડખો

છોકરાને તમે એક કલાક ટૈડકાવો ને ! ‘નાલાયક, બદમાશ, ચોર’ એને વઢો તો ? એક કલાક મારી તો જુઓ ! મારીએ તો શું કહે?

પ્રશ્નકર્તા : ઠપકારીએ તો એ સામા થાય.

(પા.૧૮)

દાદાશ્રી : સામા થાય તો મારવા ફરી વળે, તો એ તમારા છોકરાં કેમ કહેવાય ? છોકરાં તો એનું નામ કે મારી મારીને એ (અધમૂઆ) કરી નાખીએ, તોય કહે, ‘બાપુજી, તમે જે કરો એ. તમારું જ છે આ બધું.’ એનું નામ છોકરાં. એવા છે ?

પ્રશ્નકર્તા : નથી, રામ-સીતાના વખતમાં હશે.

દાદાશ્રી : રામના વખતમાંય નહોતા. આ દેહ પોતાનો નથી તો આ છોકરાં શી રીતે પોતાનાં થાય? આ દેહ, પોતાનો દેહ પોતાનો થાય છે ?

પ્રશ્નકર્તા : નથી થતો.

દાદાશ્રી : રાત-દહાડો બ્રશ કરીએ છીએ તોય દાઢો દુઃખે છે ને પાછી, રાત્રે ઊંઘવા ના દે. એટલે દેહ તો દગો છે આપણો. હવે આ દેહ છે એટલે આગળનો ડખો ઊભો થયો છે.

ઋણાનુબંધ ત્યાં શો ડખો ?

આ તો મછવા (સંસાર સાગર)માં ભેગું થયેલું માણસ. તે એનો કિનારો આવશે એટલે ઊતરી પડશે. અને આ કહેશે કે ‘મને એના વગર નહીં ચાલે.’ આવું ‘એના વગર ના ચાલે’ એ કેમ થાય ? આ તો ઋણાનુબંધ છે. આવું તે ક્યાં સુધી ચાલે ? આ શો ડખો ? નહીં લેવા, નહીં દેવા. ચપટીક ખાવું ને ગામ આખાનું માથે લઈને ફરવું ને પગ દુઃખે તો કોઈ જોવાય આવે નહીં. એકલું જાતે જ પંપાળ પંપાળ કરવું પડે.

એડજસ્ટમેન્ટ લેવાથી ટળે ડખો

પ્રશ્નકર્તા : દાદા, આખો દિવસ કામ કરીને તમે આવ્યા હો અને સાંજે ખાવાનું ના મળે, બરોબર ભૂખ લાગી હોય તો શું કરો તમે?

દાદાશ્રી : ‘ભોગવે એની ભૂલ.’

પ્રશ્નકર્તા : બેઉ બાજુથી માર પડે ને !

દાદાશ્રી : બેઉ બાજુ માર જ છે. આ જગત ખોટું છે બધું. તમારો હિસાબ આવીને હાજર રહેશે. તમે ના કહેશો તોય એ ટેબલ ઉપર હશે. તમે કહો, ‘આ બધું ના બનાવશો’ તોય એ હાજર થયા કરે. મારે કેટલી ચીજ હાજર થાય છે ! તે મારે પણ ના પાડ-પાડ કરવી પડે છે. આ કહે, ‘રસ લાવું, કેરી લાવું ?’ અલ્યા ભઈ, મારે નથી જરૂર આની ! કેટલી બધી ચીજો હાજર કરે ! તેમાં પણ મને તો જરૂર ના હોય. મને શું ચીજ હાજર નહીં કરતા હોય લોકો ? તમને શું લાગે છે ? જમતી વખતે, બધી વખતે શું હાજર નહીં કરતા હોય લોકો ? તે અમારે જરૂર નહીં કોઈ જાતની. તેમ તિરસ્કારેય નહીં. તમે મૂક્યું, તે જરાક કકડો લઈ લઈએ. તમે બહુ કહો તો ના ખાવું હોય તોય કકડો લઈ લઈએ. તમે કડવું આપો તોય પી જ લઈએ, થોડું પીએ. આપણે એડજસ્ટ થઈ જવું જોઈએ.

ડખલ બંધ, તો રહે ભગવાનની સત્તા

આ જગત ‘રિલેટિવ’ છે, વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરેય ના બોલાય અને જો ‘પરમ વિનય’માં હોય તો ખોડેય ના કઢાય. આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ખોડ કાઢવાથી શો દોષ બેસશે, તેની ખોડ કાઢનારને ખબર નથી.

મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે. પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે. જાગ્યો ત્યારથી જ ડખલ. પ્રાપ્ત સંયોગોમાં સહેજ પણ ડખલ ના હોય, તો ભગવાનની સત્તા રહે. તેને બદલે ડખો કરે અને પોતાની સત્તા ઊભી કરે છે. ‘હં, પછી આ આમ કેમ કર્યું ? આ આમ...’ અલ્યા મૂઆ, પાંસરો મર ને ! ચા પીને છાનોમાનો મોઢું ધોઈને.

અને બીબીયે જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે કે ‘આ બાબાને જરા હીંચકો પણ નાખતા નથી. જો આ ક્યારનો રડ્યા કરે છે !’ ત્યારે પાછો ધણી કહે, 

(પા.૧૯)

તારા પેટમાંથી બહાર નીકળ્યો તો તારે રાખવાનો.’ આ પાંસરી ના હોય ત્યારે ધણી શું કરે તે ?

શીખો કહેવાની રીત

પ્રશ્નકર્તા : તમે ડખો નહીં કરો કહ્યું ને, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ, ઘરમાં બહુ માણસો હોય તો ?

દાદાશ્રી : પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એવું કેવી રીતે થાય ?

દાદાશ્રી : વળી ડખો હોતો હશે ? ડખો તો અહંકારનું ગાંડપણ કહેવાય!

પ્રશ્નકર્તા : કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં, કે ‘આટલું કરજો’ એમ ?

દાદાશ્રી : પણ કહેવા-કહેવામાં ફેર હોય.

પ્રશ્નકર્તા : ઇમોશન વગર કહેવાનું ? ઇમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ ?

દાદાશ્રી : આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતાં પહેલાં જ એ સમજી જાય !

પ્રશ્નકર્તા : આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ ?

દાદાશ્રી : કર્કશ વાણી, ત્યારે એ જ ડખો હોય ને ! કર્કશ વાણી એમાં શબ્દ ઉમેરવો પડે કે ‘હું વિનંતી કરું છું, આટલું કરજો.’ ‘હું વિનંતી...’ એટલો શબ્દ ઉમેરીને વાત કરે.

પ્રશ્નકર્તા : હવે આપણે મોટેથી એમ કહીએ કે ‘એય થાળી ઊચક અહીંથી’ અને આપણે ધીમે કહીએ, ‘તું થાળી ઊચક અહીંથી’ એટલે એ જે બોલવાનું પ્રેસર (દબાણ) છે...

દાદાશ્રી : એ ડખો ના કહેવાય. પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે ધીમેથી બોલવાનું ?

દાદાશ્રી : એ તો ધીમેથી બોલો તો ચાલે. અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું કે ‘હું વિનંતી કરું છું, તે આટલું કરજો ને !’ મહીં શબ્દ ઉમેરવો પડે.

આપણી ડખલથી જ છે બધી ફસામણ

વર્લ્ડમાં તને કોઈ ફસાવનાર નથી. વર્લ્ડનો તું માલિક જ છે. તારો કોઈ ઉપરી જ નથી. ખુદા એકલા જ તારા ઉપરી છે. પણ જો તું ખુદને ઓળખું ને, પછી કોઈ તારું ઉપરી જ ના રહ્યું. પછી કોણ ફસાવનાર છે વર્લ્ડમાં ? કોઈ આપણી ઉપર નામ દે એવું નથી. પણ આ તો જો ને કેટલી બધી ફસામણ થઈ છે ! જ્યાં ને ત્યાં ફસામણ જ છે ને ! એવું ફસામણવાળું આ જગત છે. પણ આ જગત ક્યાં સુધી ફસાવશે કે આપણે ચોપડામાં કંઈ ડખલ કરી હશે તો જ ફસાવશે, નહીં તો આપણા ચોપડામાં કોઈ ડખલ ના હોય તો કોઈ ફસાવે નહીં, કોઈ નામ નાદે.

જેણે કિંચિત્માત્ર ડખલ ના કરી હોય, તેનું કિંચિત્માત્ર કોઈ નામ દઈ શકે એમ નથી. બહારવટિયાના ગામમાં કિંચિત્માત્ર ડખો ના કરનારો જઈ પડ્યો હોય તો તેને બહારવટિયા ‘સાહેબ, સાહેબ’ કરીને જમાડે ! એની પાસે ગમે તેટલાં હીરા હોય તોય પેલાઓથી અડાય નહીં ને દસ પોલીસ લઈને ગયો હોય તેનેય લૂંટી લે.

એવું આમ કોઈને કંઈ કરી શકવાની સત્તા જ નથી. આ દુનિયામાં ગભરાવાની કોઈ જરૂર જ નથી. તમે માલિક જ છો. તમારી જાતના તમે માલિક જ છો અને આ જે તમને અડચણો પડે છે, એ બધો તમારો જ હિસાબ છે. તમે જે ગૂંચવ્યો એ ગૂંચવ્યાનું ફળ આવ્યું છે. આપણે ગૂંચવ્યું હોય તેનું ફળ આવે કે ના આવે? પછી એમાં બીજા કોઈનો શો ગુનો? એટલે આપણે એ ફળ શાંતિપૂર્વક ભોગવી લેવાનું ને ફરી એવું ગૂંચવાય નહીં એટલું જોવું જોઈએ. બાકી આપણામાં કોઈની ડખલ નથી, ભગવાનનીય 

(પા.૨૦)

ડખલ નથી. ગજવું કાપે છે તેનીય ડખલ નથી. ગજવું જે કાપે છે તે તો આપણો હિસાબ ચૂકવાવડાવે છે.

પોતાની જ ડખલના છે પરિણામ બધા

કોઈનો એકનો એક છોકરો મરી જાય તોય ન્યાય જ છે. એ કોઈએ અન્યાય કર્યો નથી. આમાં ભગવાનનો, કોઈનો અન્યાય છે જ નહીં, ન્યાય જ છે. એટલે અમે કહીએ છીએ ને, ‘જગત ન્યાય સ્વરૂપ છે, નિરંતર ન્યાય સ્વરૂપમાં જ છે.’

કોઈનો એકનો એક છોકરો મરી ગયો, તો એમાં ઘરનાં માણસો જ રડે છે. બીજાં આજુબાજુવાળા બધા કેમ રડતાં નથી ? તે ઘરનાં પોતાનાં સ્વાર્થથી રડે છે. જો સનાતન વસ્તુમાં (પોતાના આત્મસ્વરૂપમાં) આવો તો કુદરત ન્યાયથી જ છે.

આ બધી વાતમાં તાળો મળે છે ? તાળો મળે તો જાણવું કે બરોબર છે. જ્ઞાન ગોઠવી જુએ તો કેટલાં દુઃખ ઓછાં થઈ જાય !

એક સેકન્ડ પણ ન્યાયમાં ફેરફાર નથી થતો. જો અન્યાયી હોત ને તો કોઈ મોક્ષે જ જાત નહીં. આ તો કહે, સારા માણસને અડચણો કેમ આવે છે ? પણ લોકો એવી કોઈ અડચણ કરી શકે નહીં. કારણ કે પોતે જો કશામાં ડખલ નહીં કરે તો કોઈ તાકાત એવી નથી કે તમારું નામ દે. પોતે ડખલ કરી છે, તેથી આ બધું ઊભું થયું છે.

આપણી જ ડખલથી આપણને અંતરાય

આ તો બધાં અંતરાય છે, નહીં તો તમે આખા બ્રહ્માંડના માલિક છો. ત્યારે કહે, ‘કેમ એનો અનુભવ નથી?’ બધા અંતરાય છૂટી ગયા તો તમે માલિક તો છો જ. અંતરાય કોણે ઊભા કર્યા ? ભગવાન મહાવીરે? ત્યારે કહે, ‘ના, તેં જ જાતે. ‘યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર લાઈફ.’ (તારી જિંદગી માટે સંપૂર્ણપણે તું જ જવાબદાર છે) પોતે ને પોતે અંતરાય ઊભા કર્યા છે. જરા ઝીણવટથી ના ચાલીએ તો પછી આપણું ગાડું કેમ નભે ? અહીં આગળ અંતરાય કહે છે કે ‘ઝીણવટનો હિસાબ ગોઠવી દો. આ ભઈને જાડું નહીં ફાવે.’ મૂઆ, અનંત શક્તિનો ધણી, તારે આવો ડખો વિચારવાની જરૂર જ ક્યાં રહી તે ? જે રીતે ચાલે તે ઈઝીલી (સરળતાથી) જોયા કર ને છાનોમાનો! ‘હું શું કરીશ’ કહે. ‘ત્યાં આગળ ભાડું ખૂટી પડે તો લોજમાં શી રીતે જઈશ?’ અલ્યા મૂઆ, મેરચક્કર! આવું ના બોલાય. બધું તૈયાર જ છે આગળ. આ બોલવું એ જ એના અંતરાય અને એ એને પછી ફળ ના આપે? પોતે જ અંતરાય પાડનારો છે.

અમે અક્ષરેય બોલતા નથી. અમારે અંતરાય હોતાય નથી. નિર્અંતરાય પદમાં છીએ અમે. અમે જ્યાં બેઠા હોય ત્યાં બધી વસ્તુઓ હાજર થાય છે. તેમાં એ વસ્તુનો વિચાર કર્યો નથી અમે, છતાંય હાજર થાય છે. તમને કેમ એવું નથી થતું ? ત્યારે કહે, ‘અંતરાય પાડ્યા છે. આ મને ખબર નહીં, આ મને આમ ના થાય.’ ત્યારે પેલી વસ્તુ શું કહે છે? ‘તને ના ખબર હોય તો ડફોળ એમને એમ બેસી રહે. મારું અપમાન શું કરવા કરે છે?’ વસ્તુ જે છે ને આ બધી, તે મિશ્રચેતન છે. આ લાકડુંય છે તે મિશ્રચેતનનું બનેલું છે. તે આ પુદ્ગલમાં આવે. આ છે તે પરમાણુ ન્હોય, આ તો પુદ્ગલ છે. એનેય જો કદી તમે દ્વેષ કરશો તો એનું ફળ તમને આવશે. ‘આ ફર્નિચર મને પસંદ ના પડ્યું.’ ત્યારે ફર્નિચર કહે, ‘તારે ને મારે અંતરાય.’ ફરી એ ફર્નિચર ના આવે, એવો નિયમ છે. આ લોકોએ જ અંતરાય પાડ્યા છે.

આ પોતાના ઊભા કરેલા અંતરાય છે બધેય દરેક શબ્દે શબ્દે અંતરાય પાડે છે. બિલકુલ નેગેટિવ બોલે તેના અંતરાય પડે ને પોઝિટિવના અંતરાય ના પડે.

બીજાનામાં ડખલથી પડે અંતરાય

રાજા કોઈના પર ખુશ થઈ જાય એટલે કારભારીને કહે કે ‘આને એક હજાર રૂપિયા આપી દેજો.’ ત્યારે પેલો કારભારી સો રૂપિયા આપે. 

(પા.૨૧)

કેટલીક જગ્યાએ તો કારભારી ઠાકોરને સમજાવી દે કે ‘આ માણસમાં કશું છે જ નહીં, આ તો બધું ખોટું છે.’ આપવા તૈયાર થયો હોય તેને આંતરે. ત્યારે એનું ફળ આવતા ભવે શું આવે ? ભાઈને કોઈ દહાડોય પૈસા ભેગા ના થાય, લાભાંતરાય થાય. કો’કના લાભને આપણે આંતર્યો એટલે લાભાંતરાય થાય. એવી રીતે જે જે તમે આંતરો, કોઈના સુખને આંતરો, કોઈના વિષયસુખને આંતરો, જે બધામાં તમે આંતરો પાડો તે બધાના તમને આંતરા પડે અને પછી શું કહે કે ‘મને અંતરાય કર્મ નડે છે.’ કોઈ સત્સંગમાં આવવા તૈયાર થાય ને તમે ના કહો એટલે તમને અંતરાય પડે. એટલે જેમાં તમે આંતરો પાડો તેનું ફળ તમારે ભોગવવું પડશે. કેટલાક કારભારી તો એવા દોઢ ડાહ્યા હોય કે રાજાને પેલાને બક્ષિસ આપવા ના દે. રાજાને એવી સલાહ આપે ખરા ? ત્યારે પછી શું થાય ? એણે અંતરાય પાડ્યા, માટે એને અંતરાય ઊભા થાય છે. પછી એને કોઈ જગ્યાએ લાભ જ ના થાય. કેટલાક તો કોઈ ગરીબ માણસને કોઈ માણસ આપતો હોય, તો એ પહેલાં તો અંતરાય પાડે. અલ્યા, એમાં ડખો શું કરવા કરો છો ?

તમારે ત્યાં નાતમાં બધા જમવા બેઠાં હોય, તેમાં એક જણ કહે કે ‘આ ચાર-પાંચ જણને જમવા બેસાડી દો.’ ને તમે ના કહો, એ તમે જમવામાં અંતરાય પાડો છો. તે પછી તમે કોઈ જગ્યાએ એવી જ મુશ્કેલીમાં, ખરેખરા મુશ્કેલીમાં મૂકાઈ જાવ. બીજાનામાં ડખલ કરી ત્યારે ભાંજગડ થઈ ને ! એટલે આપણે એટલું સમજવું જોઈએ ને, કે આ અંતરાય કર્મ શાથી આવે છે ? જો જાણતા હોય તો આપણે ફરી એવું ના કરીએ ને ? આ બધું તમારું જ આંતરેલું છે. જે છે તે તમારી જ જવાબદારી પર કર્યું છે. પોતાની જ જવાબદારી પર કરવાનું છે, માટે સમજીને કરજો.

પોતાની ડખલના પરિણામ કેવા ?

પ્રશ્નકર્તા : જે કાર્ય કરીએ છીએ એમાં વિરોધી શક્તિ આવે છે ને એ કાર્યને અટકાવે છે, તે શા માટે એવું થાય છે ?

દાદાશ્રી : આપણને સાચું કાર્ય કરવા જતાં અટકાવે છે, એને ‘અંતરાય કર્મ’ કહે છે. એવું છે, એક દહાડો બગીચાથી કંટાળ્યો હોય ને, તો હું બોલી દઉં કે ‘આ બગીચામાં કોઈ દહાડોય આવવા જેવું નથી.’ અને પછી આપણે જ્યારે ત્યાં જવાનું થાય ને, ત્યારે આપણો જ ઊભો કરેલો અંતરાય પાછો સામો આવે, તે બગીચામાં જવા ના મળે. આ જેટલા અંતરાય છે એ બધા આપણા જ ઊભા કરેલા છે, એમાં વચ્ચે કોઈની ડખલ નથી. કોઈ જીવનામાં કોઈ પણ જીવની ડખલ છે જ નહીં. પોતાની જ ડખલોથી આ બધું ઊભું થયું છે. આપણે બોલ્યા હોઈએ કે ‘આ બગીચામાં આવવા જેવું જ નથી.’ અને ફરી પાછા ત્યાં જવાનું થાય, તે દહાડે પછી આપણને મહીં કંટાળો આવ્યા કરે. બગીચાના ઝાંપા સુધી જઈને પાછું આવવું પડે, એનું નામ જ અંતરાય કર્મ ! કારણ કે ડખલ કરી કે અંતરાય પડ્યો.

જગતમાં સિદ્ધાંત સ્વતંત્રતાનો !

તમારી આગળ આગળ બધું જ જે જરૂરિયાત છે તે તૈયાર હોય છે, જો મન-વચન-કાયાની ડખોડખલ ના હોય તો ! કારણ મહીં પરમાત્મા બેઠેલા છે.

સંસારમાં શું સુખ છે ? પોતાનું પરમાત્મ સુખ વર્તે એવું છે ! કોઈ ડખલ જ ના કરી શકે એવી સચ્ચી આઝાદી થાય એવું છે. જે ડખલ આવે છે, તે ડખો કરેલો તેનાં પરિણામ છે.

તેથી મેં કહ્યું છે કે ‘આ જગતમાં કોઈ જીવ કોઈ જીવમાત્રને ડખલ કરી શકે એમ છે જ નહીં, બિલકુલ સ્વતંત્ર છે.’ ભગવાન પણ ડખલ ના કરી શકે એટલી બધી સ્વતંત્રતા છે. ભગવાન શાને માટે ડખલ કરે ? ભગવાન તો જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદી છે. એમને આ શી ભાંજગડ ? આટલું જાણે તોય બહુ 

(પા.૨૨)

થઈ ગયું કે કોઈ જીવ કોઈ જીવનામાં કિંચિત્માત્ર ડખલ કરી શકે એવું આ જગત નથી. એટલા પરથી જો આખો સિદ્ધાંત સમજી જાય તો સ્વતંત્ર થઈ ગયો.

આ કાળ વિચિત્ર છે. માણસ બિચારા ભડકેલા ઘોડા જેવા છે. ભડકાટ પેસી ગયો છે કે ‘શું થઈ જશે, શું થઈ જશે ?’ ‘તારો કોઈ બાપોય ઉપરી નથી, ત્યાં શું થઈ જવાનું છે તે ?’ આટલી હિંમત આપનારો મળે તોય હિંમત આવી જાય ને ! અમે તો શું કહ્યું કે તારો ઉપરી કોઈ નથી. તારામાં ડખલ કરનાર પણ કોઈ નથી અને આ વાત પરમેનન્ટ (કાયમ માટે) ડિસાઈડેડ (નિર્ણયાત્મક) કહું છું.

ડખલોથી જ બંધાયા છીએ

ભગવાન તો તમારું સ્વરૂપ છે. તમારો કોઈ બાપોય ઉપરી નથી. તમને કોઈ કશું કરનાર જ નથી. તમે સ્વતંત્ર જ છો, ફક્ત તમારી ભૂલોથી તમે બંધાયેલા છો.

તમારો ઉપરી કોઈ છે નહીં ને આ આટલાં બધા જીવો છે, પણ કોઈ જીવની તમારામાં ડખલ નથી. અને આ લોક જે કંઈ ડખલ કરે છે, તે તમારી ભૂલથી ડખલ કરે છે. તમે ડખલો કરી આવ્યા છો, તેનું ફળ છે આ. આ હું જાતે જોઈને કહું છું.

અમે આટલા બે વાક્યોમાં ગેરેંટી આપીએ છીએ, ત્યારે માણસ મુક્ત રહી શકે. અમે શું કહીએ છીએ કે

‘તારો ઉપરી વર્લ્ડમાં કોઈ નથી. તારા ઉપરી તારા બ્લંડર્સ અને તારી મિસ્ટેક્સ છે. એ બે નહીં હોય તો તું પરમાત્મા જ છે.’

અને ‘તારામાં કોઈની સહેજ પણ ડખલ નથી. કોઈ જીવ કોઈ જીવને કિંચિત્માત્ર ડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી, એવું આ જગત છે.’

આ બે વાક્યો બધું સમાધાન લાવે.

આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી, પણ કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ.

ડખોડખલ થઈ જાય તો કરવા પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : જે અમુક વખતે ડખોડખલ થઈ જાય છે કે સેન્સિટિવ (લાગણીશીલ) થઈ જાય છે, એને અટકાવવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ ને પસ્તાવો કરવાનો ને ભાવના ભાવવી જોઈએ કે આમ ન થવું જોઈએ ને આમ થવું જોઈએ. આપણી પેલી (ભાવના સુધારે ભવોભવ, ચરણવિધિ) ચોપડીઓની નવ કલમો જેને આવડી ગઈ, તેનું કલ્યાણ થઈ ગયું !

અમે ડખોડખલ કરીએ, કડક શબ્દ બોલીએ તે જાણી-જોઈને બોલીએ, પણ કુદરતમાં અમારી ભૂલ તો થઈ જ ને ! તે તેનું અમે પ્રતિક્રમણ કરાવીએ. દરેક ભૂલનું પ્રતિક્રમણ હોય. સામાનું મન તૂટી ના જાય એવું અમારું હોય.

પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી. આપ બોલેલા કે ‘અમારા પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે.’

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટ’ થવાના. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય, એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.

અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું, એનું પ્રતિક્રમણ હઉ અમારે થઈ ગયું. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએય ખરાં અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.

(પા.૨૩)

પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણેય થતું હોય, પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે.

દાદાશ્રી : એ અમારો તો કેવો ફેર ? પેલા ધોળા વાળ ને આ તો કાળા વાળ, એકદમ સુંવાળા !

પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતના કરો છો?

દાદાશ્રી : એની રીત ના જડે ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી એ આવે. ત્યાં સુધી એ રીત ખોળવીય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા.

દાદાશ્રી : ના, પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, ‘ક્લિઅર’ જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું ‘અન ક્લિઅર’, બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીં ને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને દેખાય છે પછી વાંધો શો છે ?

જ્ઞાનીની ડખા વગરની સ્થિતિ

અત્યારે મારી જોડે કોઈ આપણા સત્સંગ સંબંધી કે બીજા કોઈ સંબંધી મહીં મોટી-લાંબી વાત લઈને આવ્યો હોય તો દોઢ કલાક ભલે ચાલે, પણ ડખોડખલ અમારે ના હોય ! અને બીજે તો એવું થાય તો મતભેદ હઉ થઈ જાય. સો કલાકનું કામ એક કલાકમાં કરી આપીએ, પણ ડખોડખલ નહીં ને !

‘અમે’ તો મૂળથી ડખા વગરના માણસ. આપણે ડખા વગરના થયા એટલે બધા ડખાવાળા બેઠા હોય તોય આપણને શું અડે? ‘અમારી’ હાજરીથી જ બધો ડખો જતો રહે. ‘જેને’ ‘આત્મા’માં જ મુકામ છે, ‘તેને’ શી ભાંજગડ ? મુકામ જ ‘આત્મા’માં છે, ‘તેને’ વ્યવહાર નડતો નથી.

ડખોડખલ કાઢવા દાદાની ડખોડખલ

આ અમે ડખોડખલ કરીએ છીએ અત્યારે, તે તમારી ડખોડખલ કાઢવા માટે. પછી કોઈને એમ લાગે ને કે દાદા પોતે જ ડખોડખલ કરે છે, તો એને સમજણ પડી નથી. એ દાદા તારી ડખોડખલ કાઢવા માટે કરે છે અને એ ડખોડખલ કાઢીને નિરાંતે બેઠા છે. તે તારી ડખોડખલ પણ કાઢી આપે છે. વઢવાનું નહીં ને હસાવી હસાવીને, જાણે હસાવવાની શરત ના કરી હોય આપણે ! આ તો જ્ઞાની પુરુષ ! તમારા ડખા ને ડખોડખલ બધું બંધ કરી દે અને હસાવી હસાવીને આગળ લઈ જાય.

જય સચ્ચિદાનંદ