અપમાન પચાવો હસતે મુખે

સંપાદકીય

જીવનમાં ડગલે ને પગલે અનેક પ્રસંગો બને છે, ત્યાં બુદ્ધિનું ચલણ ચાલુ થઈ જાય છે અને એ નફો-નુકસાન તોલતી જ રહે છે. એમાંય વ્યવહારમાં પોતાનું માન સચવાય, એને જ હિતકારી માને છે. જ્યારે પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહે છે, ‘અપમાન એ બહુ હિતકારી છે.’ માન-અપમાન એ અહંકારનો મીઠો-કડવો રસ છે. આત્મજ્ઞાન થકી મૂળ વસ્તુ પામ્યા પછી, હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે.

આ વર્લ્ડમાં એવો કોઈ જન્મ્યો જ નથી કે જે આપણામાં કશું ડખલ કરી શકે ! તો પછી અપમાન કેમ આવે છે ? એમાં મૂળ હિસાબ પોતાનો જ છે. એ સામી વ્યક્તિ તો નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે. કોઈ ગાળ આપે તે આપણને ના ગમતી હોય, તો તેને જમે જ કરવી, તપાસ ના કરવી કે મેં એને ક્યારે આપી હતી ? આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. ફરી ઉધાર કરીશું તો એ ચોપડા ચાલુ રહેશે, એના કરતા જમા કરી લઈશું તો એક દહાડો એનો અંત આવશે.

સામો અપમાન કરે છે તે આપણો એક્સેસ (વધારાનો) અહંકાર ઓગાળી આપે છે, એમાં શું બગડી જવાનું ? એક વખત નક્કી કર્યું કે કોઈ જે જે કડવું આપે તે બધું જ પી લેવું છે, એટલે પછી પીવાય. આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહે ને ! એટલે અપમાન કરનારને ઉપકારી માની, હસતે મુખે અપમાન પચાવી લેવું જોઈએ. પણ જો ત્યાં એવી જાગૃતિ ના રહે અને ક્યારેક એવા પ્રસંગે મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, દેહનોય પ્રતિકાર થઈ જાય, તો નિર્બળતા ઊભી થઈ; ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

કોઈ આપણને ગાળ ભાંડે તો એ આપણા કર્મના ઉદયે છે. એટલે આપણે મનમાં ભાવ બગાડવો નહીં પણ કહેવું, ‘એનું સારું થજો કે એ કર્મમાંથી મને મુક્ત કર્યો.’ અને ભાવ બગડે તો તરત ને તરત સુધારી લેવો. દાદાશ્રી અત્યંત કરુણાથી કહે છે, ‘મોક્ષે જવું હોય, તો એ કળા શીખી લો.’

અપમાન થાય એની સાથે ‘વ્યવસ્થિત છે’ કહી શોધખોળમાં પડવાનું કે ‘કેવી રીતે આ ગોળી આવી ? ક્યાંથી આવી ? મારનાર કોણ ? શું થયું ? કોને વાગી ? આપણે કોણ ?’ જેમ ઊંડા ઉતરીશું એમ ‘મૂળ વસ્તુ’ સમજાશે. ગમે તેવા અપમાનના પ્રસંગ આવે, પણ આપણી સમાધિ દશા ચલિત ના થાય, તો સમજવું કે આપણે સાચે રસ્તે છીએ. જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, આત્માની એ અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ અને જેટલી બાબતમાં, અસર કરે, તે કક્ષા હજુ બાકી રહી છે. કોઈ ગાળ ભાંડે, માર મારે, લૂંટી લે તોય કશી અસર ના રહે, રાગ-દ્વેષ ના થાય તો જાણવું કે અદ્વૈત થયા.

પ્રસ્તુત સંકલનમાં મોક્ષમાર્ગે પ્રગતિ કરવા માન-અપમાન સામે જાગૃતિ માટે પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી વિગતવાર સમજણ અત્રે સંકલિત થઈ છે; જે મહાત્માઓને મોક્ષમાર્ગી પુરુષાર્થમાં સહાયરૂપ થશે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

અપમાન પચાવો હસતે મુખે

(પા.૪)

થર્મોમિટરથી જણાય, અસરની ઈન્ટેન્સિટી

અમે જ્ઞાન આપીએ છીએને, ત્યારે (તમને) શુદ્ધાત્માનું લક્ષ બેસી જાય છે. આ લક્ષ એ એક પ્રકારનો અનુભવ છે. હવે આ પાંચ આજ્ઞા પાળવી. તે હજુ પ્રગતિ માંડશો ને જેમ જાગૃતિ ઉત્પન્ન થાય, તેમ અનુભવ વધતો જશે.

પ્રશ્નકર્તા : એ અનુભવની કક્ષા કેવી રીતે આપણે જાણી શકીએ ?

દાદાશ્રી : જેટલી બાબતમાં દુનિયા આપણને અસર ના કરે, તે અનુભવ કક્ષા પૂરી થઈ ગઈ અને જેટલી બાબતમાં, જ્યાં જ્યાં અસર કરે, તે કક્ષા હજુ બાકી રહી છે.

પ્રશ્નકર્તા : દાદા, અસર ન કરે એ ખરેખર આત્મા જાણ્યાના કારણે છે કે અન્ય કોઈ કારણે, ઉદાસીનભાવ જાગવાથી એ વસ્તુ બનેલી છે ?

દાદાશ્રી : આત્મા જાણવાને લીધે થોડુંક એ ફીટ થાય છે. પછી થોડોક અનુભવ થાય છેને, ત્યાર પછી અમુક ભાગ (અસર થવાનો) બંધ થઈ જાય છે અને અનુભવ કાચો હોય, તે ભાગ હજુ કાચો રહી જાય છે.

પ્રશ્નકર્તા : એનું કોઈ થર્મોમિટર ખરું કે આમ આગળ વધી રહ્યા છે કે નહીં, એ જાણવા માટેનું ?

દાદાશ્રી : એ થર્મોમિટર તો આત્મા જ છે. એ કહી આપે કે ‘હજુ બરોબર નથી, આટલે સુધી અનુભવ બરોબર છે.’ આત્મા થર્મોમિટરની માફક કામ કર્યા જ કરે છે.

આજ્ઞા પાળ્યાની પારાશીશી

પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહીએ છીએ કે નહીં, એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો બધુંય ખબર પડે કે આ આજ્ઞામાં જ રહે છે, એટલે સમાધિ રહે નિરંતર. કોઈ ગાળો ભાંડે કે બીજું કંઈ ભાંડે, પણ તેને કશું અસર જ ના રહેને ! માર મારે, લૂંટી લે તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. થર્મોમિટર જોઈએ ને ? રડે તેનો વાંધો નથી, રાગ-દ્વેષ ન થવા જોઈએ. જો કોઈને મારીએ અને એ રડે, એ તો દેહ સુંવાળો હોય તો રડે અને દેહ કઠણ હોય તો એ હસે, એ જોવાનું નથી. આપણા રાગ-દ્વેષ ગયા કે નહીં ?

પ્રશ્નકર્તા : તો દાદા, એનો અર્થ એવો થયોને કે કોઈ આપણને ગાળ દે અને આપણું મોઢું બગડી જાય, પણ અંદર એના પ્રત્યે રાગ-દ્વેષ ના થાય.

દાદાશ્રી : એ હજુ કચાશ છે. પછી તો મોઢું પણ નહીં બગડે. અત્યારે મોઢું બગડે એનો વાંધો નહીં. રડે તોય વાંધો નહીં. માર સહન ના થતો હોય ને રડતો હોય તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : મોઢું બગડી જાય છે, એ નબળાઈ છે ?

દાદાશ્રી : નબળાઈ જ ને ! ત્યારે બીજું શું ? અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે.

તમને અત્યારે રસ્તામાં જતાં (કોઈ) કહે કે ‘તમે નાલાયક છો, ચોર છો, બદમાશ છો’ એવી તેવી ગાળો ભાંડી દે ને તમને વીતરાગતા રહે તો જાણવું કે આ બાબતમાં તમે આટલા ભગવાન થઈ ગયા. જેટલી બાબતમાં તમે જીત્યા એટલી બાબતમાં તમે ભગવાન થયા અને તમે જગત જીતી ગયા એટલે પછી પૂર્ણ ભગવાન થઈ ગયા. પછી કોઈનીય જોડે મતભેદ પડે નહીં.

ડખલમાં મૂળ પોતાનો જ હિસાબ

પ્રશ્નકર્તા : કોઈ કંઈ બોલી જાય, એમાં આપણે સમાધાન કેવી રીતે કરવું ? સમભાવ કેવી રીતે રાખવો ?

(પા.૫)

દાદાશ્રી : આપણું જ્ઞાન શું કહે છે ? કોઈ તમારામાં કંઈ કરી શકે એમ જ નથી. વર્લ્ડ (દુનિયા)માં કોઈ જન્મ્યો જ નથી કે જે તમારામાં કશું ડખલ કરી શક્યો હોય ! કોઈ કોઈનામાં ડખલ કરી શકે એમ છે જ નહીં. તો આ ડખલ કેમ આવે છે ? તમારામાં જે ડખલ કરે છે એ તમારે માટે નિમિત્ત છે, પણ એમાં મૂળ હિસાબ તમારો જ છે. કોઈ ઊંધું કરે કે છતું કરે, પણ એમાં હિસાબ તમારો જ છે અને એ નિમિત્ત બની જાય છે. એ હિસાબ પૂરો થયો કે ફરી કોઈ ડખલ નહીં કરે.

એટલે નિમિત્તની જોડે ઝઘડો કરવો એ નકામો છે. નિમિત્તને બચકાં ભરવાથી ફરી પાછો ગુનો ઊભો થશે. એટલે આમાં કરવાપણું કશું રહેતું નથી. આ વિજ્ઞાન છે, એ બધું સમજી લેવાની જરૂર છે.

સામો ગાળ દેવા આવે તો આપણે ના સમજી જઇએ કે આ આપણી પહેલાની મિસ્ટેક (ભૂલ) છે ? એટલે આપણે એનો સમભાવે નિકાલ કરવાનો.

અપમાન એ પોતાના કૉઝનું જ પરિણામ

સારું ફંકશન હોય અને તમારા બધા માણસો બેઠા હોય તો એની મહીં કોઈ માણસ બે-ત્રણ વખત તમારું અપમાન કરી નાખે, તે ને તે દિવસે, તે ને તે કલાકમાં, તો તમારે શું કરવું એ સમજવું જોઈએ. શું કરવું જોઈએ ?

પ્રશ્નકર્તા : એના બે રસ્તા છે; કાં તો અપમાન ગળી જાવ, કાં તો અપમાનની સામે અપમાન કરો.

દાદાશ્રી : એ ગળી જવું એય ગુનો છે. એ તો પછી રાત-દહાડો એની ઉપર વેર વધે, માનસિક વેર વધે. અને એના અપમાનની સામે અપમાન કરો, તોય ગુનો છે. તો શું કરવું, એ હું આપને કહું કે કોઈએ ત્રણ વખત અપમાન કર્યું, એટલે આપણે (વિચારવું કે) શાથી આ અપમાન કર્યું, આ ભઈ બીજા કોઈને નથી કરતા અને મારે ભાગ ક્યાંથી આવ્યા ? એવું વિચારતા (લાગે કે) કાંઈ કોઝીઝ હશે ખરા ? આ અપમાન કર્યું એ કાર્ય કહેવાય, એનું કૉઝ હશે ખરું ?

પ્રશ્નકર્તા : હોય.

દાદાશ્રી : હવે એ કૉઝ અન્ડરગ્રાઉન્ડ (સૂક્ષ્મમાં) છે. આપણે જાણતા નથી, આનું કૉઝ શું છે તે, પણ એટલું નક્કી માનજો કે તમારા કૉઝને લઈને જ આ પરિણામ છે, ઈફેક્ટ છે. માટે તમારે એને શું કહેવાનું કે ‘ઑલરાઈટ’ (બરોબર છે), તમારો અને મારો હિસાબ ચૂકતે થઈ ગયો. હવે જો તમારા ત્રણ અપમાન કર્યા હોય, તો મનુષ્યનો સ્વભાવ કેવો કે એના પાંચ કરે ! એટલે ત્રણ જમે કરતા દુઃખ થાય છે ને પાછો પાંચ ધીરે છે ! પાછું ફરી આવશે નહીં પાંચ ધીર્યા એટલે ? એટલે જે કોઝીઝ કર્યા હતા તે કોઝીઝ (ઓછા) દુઃખદાયી છે, તે ફરી પાછા નવા કૉઝ ઊભા કરવા ? ના, એનો એન્ડ (અંત) લાવી દેવાનો. મારી વાત સમજાઈ આપને, શું કહેવા માગું છું તે ? ટૂંકો ને ટચ માર્ગ.

કોઈ પણ વસ્તુ એ તમને આપે છે, એ તમારા કૉઝનું જ પરિણામ છે. એ પરિણામ ભોગવી લેવાનું. તો ફરી નવા કૉઝ ઊભા ન થાય. આપણે પરીક્ષા આપતી વખતે આઈસ્ક્રીમ ખાવા ગયા ને હોટલમાં ફર્યા અને પછી નાપાસ થઈએ, તેમાં બીજા કોઈનો શો ગુનો ? કોઝીઝ આપણે ખરાબ કર્યા એટલે ઈફેક્ટ ખરાબ આવી. હવે ફરી કોઝીઝ નહીં કરીએ તો (ઈફેક્ટ) નહીં આવે.

હિસાબ પૂરો કરવા જમા કરો

‘જો તમારામાં કોઈ દોષ નથી, તો વર્લ્ડમાં કોઈ તમારું નામ લેનાર છે નહીં’ એની ગેરેન્ટી (જામીનગીરી) લખી આપું અને ‘જો નામ લે છે તો તમારો દોષ છે’ એવું માનીને તમારે એ જમે કરી દેવું. ફરી ધીરવું નહીં આપણે. બે ગાળો ભાંડી ગયો અને પછી ફરી પાંચ ધીરીએ, તો ફરી પાછા આવશે. એના કરતા આપણે એની જોડે વ્યાપાર જ બંધ. ફરી ના

(પા.૬)

ગમતું હોય તો બે ગાળ જમે કરી દેવાની. ફરી પાંચ ધીરીએ તો ફરી પાછી પાંચ આવવાની.

પ્રશ્નકર્તા : એટલે એ બે જ ગાળો આવી, તે હિસાબની આવી ?

દાદાશ્રી : હિસાબ વગર કોઈ વસ્તુ તમારે ઘેર નહીં આવે. એ ઈફેક્ટ છે, વિસર્જન છે, માટે હિસાબથી આવી છે. ત્યારે કહે, ‘(શું) ચોપડા મેં જોયા વગર લખ્યા છે ?’ અલ્યા, હિસાબ વગર આવે નહીં, માટે તું જમે કરી દેને અહીંથી. ‘સારું સાહેબ, જમે કરી દઈશ’ કહે છે. અને પાંચ ધીરવું હોય તો ધીર, તને ગમતું હોય તો. વ્યાપાર-સોદો ગમતો હોય તો ધીર. પોતાને ગાળ સહન થતી નથી ને બીજાને પાંચ આપે છે. નથી ગમતું તે બીજાને આપે તે ભયંકર ગુનો છે. એ ના હોવું જોઈએ. અને કો’ક આપણને આપી જાય તે કાયદેસર છે. એને ‘તું કેમ આપે છે’ એમ પૂછવા ના જશો. એને જમે જ કરી દેવાનું.

કોઇ ગાળ આપે તે આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી, તપાસ ના કરવી કે મેં એને ક્યારે આપી હતી. આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો.

કોઈ કહેશે, ‘આમની જોડે મારે અત્યારે કંઈ લેવાદેવા જ નથી, તોય એ કેમ ગાળો દઈ ગયો ?’ તે અત્યારના ચોપડાની લેવાદેવા ના હોય તો પાછલા ચોપડાનો હિસાબ હશે ને એને ત્યાં જમે કરાવ્યા વગર એમને એમ તમારે ત્યાં કોઈ જમે કરાવે નહીં.

આ જગતમાં હિસાબ વગર તો આંખેય ભેગી ના મળે, તો બીજું બધું હિસાબ વગર તે થતું હશે ? તમે જેટલું જેટલું, જેને જેને આપ્યું હશે, તેટલું તેટલું તમને તે પાછું આપશે. ત્યારે તમે જમે કરી લેજો ખુશ થઈને, કે હાશ ! હવે ચોપડો પૂરો થશે. નહીં તો ભૂલ કરશો તો પાછું ભોગવવું પડશે જ.

આપણે કોઈને સળી કરીએ તો તેના ફળ સ્વરૂપે કોઈ આપણને ઉપાધિ કરે છે. બાકી આપણે સળી કરીએ નહીં, તો કોઈ આપણું નામ ના દે ! તમે સ્વતંત્ર જ છો. જેટલી ભૂલ કરી છે, એટલી તો ભોગવવી જ પડશે ને ! જ્યારથી આ જાણ્યું કે તમે સ્વતંત્ર છો, પણ તે એકદમ સ્વતંત્ર થઈ ગયા નથી. તમે સ્વતંત્ર છો પણ તોય કહેશો કે અમને આ માણસ કેમ અપમાન કરી ગયો ? અરે ભાઈ એ અપમાનને તમે ચોપડે જમે કરી દો. જે કંઈ લોકો આપવા આવે, તે ચોપડે જમે કરી દો. એ પહેલા માલ ધીર્યો હતો તે જ પાછો આવે છે. તે ઘડીએ આપણને એ સહન ના થાય એટલે પાછા ફરી એને ધીરીએ એટલે પાછો વેપાર આગળ ચાલુ રહ્યો ! એટલે તમને કોઈ એક અપમાન કરી ગયો, તો તેને આપણે જમે કરી લેવાનું કે ‘ભઈ, સારું થયું. મારા કર્મના ઉદયે, મારું કરેલું હશે તે ફળ મને મળવાનું થયું, તેમાં તું નિમિત્ત થયો. તેં મને આ કર્મમાંથી છોડાવ્યો ! માટે હું તારો ઉપકાર માનું છું !’ એમ કરીને આપણે જમે કરી લેવાનું, તો તમારી ભૂલો ભાંગશે, નહીં તો ભૂલો ભાંગે નહીં.

ઉધાર બંધ, જમા ચાલુ તો આવશે અંત

પ્રશ્નકર્તા : એક વખત જમે કરીએ, બે વખત જમે કરીએ, સો વખત જમે કરીએ, એવું બધી વખત જમા જ કર્યા કરવાનું ?

દાદાશ્રી : હા, ફરી ઉધાર કરશો તો ફરી એ ચોપડા ચાલુ રહેશે. એના કરતા લાખ વખત તું જમે કરાવને, આપણે જમે કરવાના અને તો એનો અંત આવશે.

પ્રશ્નકર્તા : આટલા વર્ષ ગયા છતાં હજુ અંત નથી આવ્યો.

દાદાશ્રી : બીજો વિચાર કર્યા કરતા મારા કહ્યા પ્રમાણે કરજો ને, (તો) અંત આવી જશે. અને મેં જમે કરેલા છે, એવા બધા બહુ. અમે અઠ્ઠાવીસ વર્ષથી નવી ધીરતા નથી. તે ચોપડા બધા કેટલા ચોખ્ખા થઈ ગયા ! ધીરવાનું જ બંધ કરી દીધું ને જમે જ કર કર કરેલું. ‘અમે’ ‘પટેલ’ને કહી દીધેલું કે ‘ભઈ, જે આપવા આવે, તેનું જમે કરી દેજો.’

(પા.૭)

માર્ગ સહેલો છે ને ? એટલે આવું વિજ્ઞાન છે આપણું. અને ચોપડાના હિસાબ તો પૂરા થવા જ જોઈએ ને ? તમને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : થવા જ જોઈએ.

દાદાશ્રી : હા, અને આપણા પાડોશીને કહીએ કે ‘તમે સવારના પહોરમાં મને પાંચ ગાળો ભાંડજો.’ ત્યારે એ શું કહેશે કે ‘હું કંઈ નવરો છું ?’ એટલે હિસાબ નથી, એ કોઈ ગાળ ભાંડે જ નહીંને ! અને હિસાબ છે, એ કોઈ છોડનાર નથી.

આવે હિસાબ ઘેર બેઠાં

અપમાન કરનારો ગાળો ભાંડવા ભાડે રાખીએ, તો ફાયદો થાય આપણને ? કેમ (ના થાય) ?

પ્રશ્નકર્તા : એની અસર નહીં થાયને, ગાળોની. એક્ઝેક્ટ (ચોક્કસ), જોઈએ એવી અસર ન થાય.

દાદાશ્રી : એની અસર જ ના થાય. ભાડે રાખેલાની શી અસર ? તો આ એની મેળે અસર થાય એવું મળે ત્યારે આપણે જાણીએ કે મૂઆ, પૈસા આપતા નથી મળતા, માટે એનો લાભ ઊઠાવી લઈએ. મારું શું કહેવાનું છે ? તમને એ છોડવાનું નથી. તેના કરતા સારી રીતે જમજોને નિરાંતે. નિશ્ચિત છે પાછું અને ભાડાનું છે નહીં, એટલે એક્ઝેક્ટ છે. તે ઘડીએ આપણી કેટલી શક્તિ, કેટલું બેલેન્સશીટ (સરવૈયું) વધારે ? વધી જાય કે ના વધી જાય ? તમે નક્કી કરોને એટલે એની મેળે જમે થાય હંમેશાં. નક્કી ના કરો (તો) શું થાય ? કહે છે, શું થશે ? આપણે શુદ્ધાત્મા છીએ, બીજું શું થવાનું છે ?

એટલે આ (અપમાન) હવે ઘેર બેઠાં આવેને તો સ્વીકારી લેવું. શું કરવું ? આપણે ભાડે રાખીએ તો ના બને. એ ભાડાવાળો ગાળ કેટલીક (ને) કેવીક દે તે ? અપમાન કેવું કરે એ ? આપણેય સમજી જઈએ કે મૂઆ, આ ભાડાનું, કશું બરકત નથી આવતી. એમાં મરચું નાખેલું ના હોયને ? (આપણે) પેલું જોઈએ છે, આમ ટાઈટ (કડક), મરચું-બરચું બરોબર નાખેલું હોય ! પેલો મરચું બરાબર નાખે નહીંને ! એટલે અપમાન-બપમાન બધા ઘેર બેઠા આવે તો એને સ્વીકારી લેજો. મારું શું કહેવાનું ? ‘ચંદુભાઈ’ અપમાન સ્વીકારે કે ના સ્વીકારે ?

ખુશ થઈ જમે કરી દો

પ્રશ્નકર્તા : સ્વીકારે. સમય પ્રમાણે વર્તવાનું હોયને ?

દાદાશ્રી : ના, સમય પ્રમાણે નહીં. એ તો આવે એટલે ગમે તે સમયે, ગમે તેવું હોય, તે સ્વીકારી લેવું આપણે, તો એ શક્તિ આપીને જાય. આપણને જેટલું આ બાજુ બેલેન્સશીટમાં મળે એટલી શક્તિ આપણને આપે. એક ફેરો અપમાનમાં સમતા રહીને તો બીજી વખતે બે અપમાન(માં સમતામાં રહેવા) જેટલી શક્તિ આવે, એવો કાયદો છે. મલ્ટિપ્લિકેશન (ગુણાકાર)નો કાયદો છે. તો એવો લાભ શા માટે ન લેવો ? અપમાનને કહીએ ઘેર બેઠા, સમયને અનુસરીને નહીં, જ્યારે આવવું હોય ત્યારે આવજો ભઈ.

તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં, આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષમકાળ છે, એટલે ઘરમાં બે-ચાર ‘પારાશીશીઓ’ હોય જ, એક ના હોય ! નહીં તો આપણું માપ કોણ કાઢી આપે ? કો’કને ભાડે રાખીએ તોય ના કરે ! ભાડૂતી આપણું અપમાન કરે, પણ એનું મોઢું ચઢેલું ના હોય એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે ! ને પેલું તો ‘એક્ઝેક્ટ’ ! મોઢું-બોઢું ચઢેલું, આંખો લાલ થઈ ગયેલી ! તે પૈસા ખર્ચીને કરે તોય એવું ના થાય ને આ તો આપણને મફતમાં મળે છે !

મફતમાં કોઈ ગાળ ના આપે. માન મફતમાં મળે પણ અપમાન તો તમે પાંચસો (રૂપિયા) આપો તોય ના મળે. એ તો પહેલા આપેલું હોય તો જ આપે. ભગવાને શું કહ્યું કે ‘જો મોક્ષમાં જવું હોય તો આપેલું લઈ લો.’

(પા.૮)

પ્રાપ્ત સંયોગોનો લાભ ઉઠાવી લો

આ હું અપમાનની માગણી કરું, ટેન્ડર (આપું) કાલે પેપરમાં કે મને અપમાન આપી જાઓ (પણ), નવરા ના હોય કોઈ. પાછળથી બોલવું હોય તે બોલી શકે, પણ મોઢે તો કોઈ (બોલે) નહીં.

કોઈ માન-અપમાન કરવા નવરું જ નથી. આપણો જ હિસાબ આપણને આપે છે. કોઈ નવરું હશે એવો વેપાર કરવા સારું ? માન-અપમાન (તો) આપણને જાગૃત કરે છે.

પ્રશ્નકર્તા : કે ‘ઊંઘ નહીં, જાગી જા.’

દાદાશ્રી : હા, ‘જાગો, જાગો.’

પ્રશ્નકર્તા : એટલે કોઈ આપણને ગાળ આપે તો આપણે ખુશ થવું જોઈએને કે આપણો હિસાબ ચૂકતે થાય છે ?

દાદાશ્રી : હા, અને ખુશ થઈને જમે કરી દઈએ કે ચાલો, પાછલો આટલો હિસાબ આવ્યો. ધીરેલી રકમ જતી રહે, તેના કરતા પાછી આવી એટલી સારી ને ! એટલે ચોપડે જમે કરી દેવું. જેટલું ધીર્યું હોય એટલું જ પાછું આવશે. ધીરેલું ના હોય તે નહીં આવે.

એમાં નુકસાન શું ?

પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, તો શું કરવું આપણે ?

દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ કરવો છે’ એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું ‘પઝલ’ ‘સોલ્વ’ કર્યા (ગૂંચ ઉકેલ્યા) કરવું.

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ?

દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે, તે આપણો અહંકાર ઓગાળી નાખે છે અને તેય પેલો ‘ડ્રામેટિક’ (નાટકીય) અહંકાર ! જેટલો એક્સેસ (વધારાનો) અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવા દેતા નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, ‘હવે છૂટકારો કર.’

અપમાન સ્વીકાર્યે શક્તિ વધે

પ્રશ્નકર્તા : દાદા, વ્યવહારમાં વ્યૂ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ)ની અથડામણમાં, મોટો નાનાની ભૂલ કાઢે ને નાનો એનાથી નાનાની ભૂલ કાઢે, એ કેમ ?

દાદાશ્રી : આ તો એવું છે કે મોટો નાનાને ખાઈ જાય. તે મોટો નાનાની ભૂલ કાઢે એના કરતા આપણે કહીએ, ‘મારી જ ભૂલ.’ ભૂલ જો માથે લઈ લઈએ તો એનો ઉકેલ આવે. અમે શું કરીએ ? બીજો જો સહન ના કરી શકે તો અમે અમારે જ માથે લઈ લઈએ. બીજાની ભૂલો ના કાઢીએ. તે શા હારુ બીજાને આપીએ ? આપણી પાસે તો સાગર જેવડું પેટ છે. જુઓને ! આ મુંબઇની બધી જ ગટરોનું પાણી સાગર સમાવે છે ને ? તેમ આપણેય પી લેવાનું. તેથી શું થશે કે આ છોકરાંઓ ઉપર બીજા બધા ઉપર પ્રભાવ પડશે, એય શીખશે. બાળકોય સમજી જાય કે આમનું સાગર જેવડું પેટ છે. (માટે) જેટલું આવે તેટલું જમે કરી લો. વ્યવહારમાં નિયમ છે કે અપમાન કરનાર પોતાની શક્તિ આપીને જાય. તેથી અપમાન લઇ લઇએ, હસતે મુખે.

બાકી રહ્યો આટલો પુરુષાર્થ

કવિરાજ શું કહે છે ?

‘‘હસતે મુખે ઝેર પીવે, નીલકંઠી ખાનદાન.

નિઃસ્પૃહ અયાચકને, ખપે નહીં માન-તાન.’’

હવે આપણો આટલો પુરુષાર્થ રહ્યો કે ‘હસતે

(પા.૯)

મુખે ઝેર પીઓ.’ કો’ક દહાડો છોકરાની જોડે કંઈ મતભેદ પડ્યો, છોકરો સામો થયો હોય, તો પછી જે ‘પ્યાલો’ (અપમાન) આપી જાય, તે પીવો તો પડે ને ? રડી રડીનેય પણ પીવો તો પડે જ ને ? એ ‘પ્યાલો’ કંઈ ઓછો એના માથામાં મરાય છે ? પીવો તો પડે જ ને ?

પ્રશ્નકર્તા : હા, પીવો પડે.

દાદાશ્રી : જગત રડી રડીને પીવે છે, આપણે હસીને પીવું ! બસ, એટલું જ કહે છે. જગત શું કરીને પીવે છે ? રડી રડીને કે ‘આણે આમ કર્યું ને આણે આમ પાયું ને આણે તેમ પાયું.’ પોતાની પાસે એક તો આનંદ છે જ, પણ હસ્યા એટલે તેનો સાયકોલોજીકલ (માનસિક) આનંદ પણ થાય. સાયકોલોજી (માનસશાસ્ત્ર) શું કહે છે કે ‘તમે હસો તો તમને આનંદ થાય.’ ને પેલો સ્વાભાવિક આનંદ તો આપણી પાસે છે જ. મૂળ સ્વાભાવિક આનંદ અને આ સાયકોલોજિકલ આનંદ, બે ભેગું થયું પછી ચા કેવી સરસ બને ? સરસ ના બને ?

પ્રશ્નકર્તા : સરસ બને.

દાદાશ્રી : અને પેલું તો ચાય બગડી જાય ને બધુંય બગડી જાય. એટલે આ શું કહે છે કે ‘હસીને ભોગવો.’

હિસાબી છે તે પીવું તો પડશે જ

અમે નીલકંઠ છીએ. નાનપણથી જે કોઈ ઝેર આપી ગયું, તે અમે હસતે મુખે, ઉપરથી તેને આશીર્વાદ આપીને પી ગયા ને તેથી જ નીલકંઠ થયા.

આવા ઝેર તો તમારે પીવાં જ પડશે. હિસાબી છે, માટે પ્યાલો તો સામે આવશે જ. પછી તમે હસતાં હસતાં પીઓ કે મોઢું બગાડીને પીઓ, પીવું તો પડશે જ. અરે ! તમારે લાખ ના પીવું હોય તોય લોકો બળજબરીથી તમને પાઈ જશે, એનાં કરતા હસતાં હસતાં, ઉપરથી એને આશીર્વાદ આપીને શા માટે ના પીવું ? તે સિવાય નીલકંઠ થવાય જ શી રીતે ? આ પ્યાલા આપી જાય છે, તે તો તમને ઊંચું પદ આપવા આવે છે. ત્યાં જો મોઢું બગાડશો તો એ આઘું જતું રહેશે.

આશીર્વાદ આપીને, બનો મહાદેવજી

આ બધા સગાવહાલા છેને, તે આવીને આવડો કડવાનો ડોઝ આપી જાય છે તે નિરાંતે પી જવું, તેય આશીર્વાદ આપીને કે સારું થયું, તું મને મહાદેવજી બનાવવા આપું છું. માટે તારું સારું થજો. એ તારો ઉપકાર, એમ માનીને પી જવું. પીવાશે તમારે પણ ?

પ્રશ્નકર્તા : હવે તો બધું પીવાય.

દાદાશ્રી : હા, તે પીવાનું શરૂ કરી દો. એકવીસ વર્ષ સુધી ચાલવા દે તો થઈ જાય મહાદેવજી. એ બધું ઝેર પછી અહીં (ગળામાં) પચી જાય. અને લીલું, લીલું થઈ જાય. રસ્તો અઘરો છે કે સહેલો છે ? શું કહો છો ?

પ્રશ્નકર્તા : કાંટાની ધારવાળો છે.

દાદાશ્રી : હા... એ તો લાડવા ખાવાના ખેલ ન્હોય. નહીં તો લોક ક્યારનાય મહાદેવજી થઈ જાય. લોકોને મહાદેવજી થવું બહુ ગમે છે પણ આ રસ્તો બહુ કઠણ છેને, એટલે પાછા ફરે. થવાશે તમારાથી ? કરવા માંડોને શરૂ. આશીર્વાદ આપીને લઈ લઈએ કે તું મને મહાદેવજી થવા માટે આપું છું. તમને ગમી કે વાત ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એમ ? છે તો વાત અઘરી પણ સાચી છે ને ? ખોટી નથી.

શાથી હું જ શંકર ને હું જ નીલકંઠ કહ્યું ? કે આખા જગતે, જેણે જેણે ઝેર પાયુંને, તે બધું જ પી ગયા. અને તમે (પણ) પી જાવ તો તમે પણ શંકર થાવ. કોઈ ગાળ ભાંડે, કોઈ અપમાન કરે તો બધું જ ઝેર સમભાવથી પી જાવ આશીર્વાદ આપીને, તો શંકર થાવ. સમભાવ રહી શકે નહીં, પણ આશીર્વાદ આપીએ

(પા.૧૦)

ત્યારે સમભાવ આવે. એકલો સમભાવ રાખવા જાય તો વિષમભાવ થઈ જાય.

કડવું પચાવે તો થાય નીલકંઠ

જો સામો કડવું પાય ને તમે હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાવ. તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને તમે એટલા મુક્ત થાવ ને બીજી બાજુ સામાવાળાને, કડવું પાનારાને પણ રિએક્શન (પ્રત્યાઘાત) આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. એય સમજી જાય કે કડવું પાઉ છું, તે મારી નિર્બળતા છે અને આ હસતે મોઢે પી જાય છે, તે ભારે શક્તિશાળી છે.

આપણને જો જાતે કડવું પીવાનું કહ્યું હોય તો આપણે જાતે ઓછા પીએ ? આ તો સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી ? પીરસનાર તો ‘મા’ કહેવાય, પાછું એ લીધા વગર ચાલે તેમ નથી. નીલકંઠ થવા કડવું પીવું પડશે.

માણો મીઠાશ કડવાશની

(અને તેય પાછું) કોલ્ડ્રિંક (ઠંડાપીણ)ની માફક પી જવાનું. આસ્તે આસ્તે પીવું, એકદમ નહીં. એકદમ પીવે તો જાણવું કે આ ભયવાળો છે, આને નથી રુચતું. આની પર રુચિ નથી. કડવું હોય તો એકદમ પી જાય. ‘અલ્યા મૂઆ, એકદમ શું કરવા પીએ છે ? ધીમે ધીમે પીને’ કહીએ. કડવાની મીઠાશ માલમ પડી જાય. આપણે એકદમ પી જઈએ, તો જે કડવી ચીજ છે એની મીઠાશ કેમ કરીને માલૂમ પડે ?

કડવું પચાવતા શીખી જાવ

‘આપણે’ તો ‘ચંદુભાઈ’ને કહી દઈએ કે ‘તારે સો વખત આ કડવું પીવું પડશે.’ બસ, પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરજસ્તીથી પીવડાવવી પડે, પણ જો એ સમજી જાય કે આ (મારા) હિતનું છે, એટલે પછી જબરજસ્તીથી પીવડાવવું ના પડે, એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે જે કોઈ આપે તે બધું જ કડવું પી લેવું છે, એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ પણ કડવું પીતાં આવડવું જોઈએ. જ્યારે ત્યારે તો પીવું જ પડશે ને ? આ તો પાછો નફો છે, તો પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને ?

પ્રશ્નકર્તા : ઊલટાંનું આપે કહ્યું છે ને કે મનને કડવું પીવડાવો ત્યારે જુદા રહેવું. એવા પુરુષાર્થમાં જ રહેવું જોઈએ.

દાદાશ્રી : ‘એ’ (મન) કડવું પીએ ત્યારે આપણે આમ તાલીઓ વગાડીએ, ‘હંઅ, હવે ઠેકાણે આવ્યા ! ત્યાર વગર તમે ઠેકાણે આવો એવા નહોતા !’

પ્રશ્નકર્તા : એવું જોડે બોલવું પડે અંદર ?

દાદાશ્રી : એવું બોલ્યા કે વધ્યો આગળ. પછી દુઃખ ના હોય. દુઃખ અડે નહીં. ‘બહુ રોફ મારતા’તાને કંઈ, લ્યો ને, સ્વાદ કાઢો !’

પ્રશ્નકર્તા : એવું બોલવાનું ? એ બોલવાથી શું ઇફેક્ટ (અસર) ઊભી થાય છે અંદર ?

દાદાશ્રી : બોલવાથી મહીં બધું ટાઢું પડી જાય કે હવે આપણા હાથમાંથી લગામ ગઈ. મન-બન બધું ટાઢું પડી જાય.

આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહેને ! અને પાછા તમે હવે જાણી ગયા કે આ નફાવાળો છે ! જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે, માટે કડવો પહેલા પચાવી જાવ. પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી એટલે બહુ થઈ ગયું ! ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે પણ ઢેખાળા પડે ત્યારે !

ત્યારે થાય અહંકાર નિરસ

કડવા-મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને ? પછી એમાં પગ શા માટે રાખો છો ? નક્કી કર્યા પછી બન્ને બાજુ પગ રખાય ? ના રખાય. રિસાવાનું ક્યારે બને ? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે.

(પા.૧૧)

અહંકારને જાતે નિરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નિરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. જો આટલું બધું નફાવાળું છે, તો અહંકારને નિરસ બનાવવા માટે હસતે મુખે જ શા માટે ના પીએ ?

જેમ તેમ કરીને બધો જ રસ ઓગાળી નાખે એટલે ઉકેલ આવે. અહંકાર તો કામનો છે, નહીં તો સંસાર વ્યવહાર ચાલશે કેમ ? માત્ર અહંકારને નિરસ બનાવી દેવાનો છે.

અહંકારનો સ્વભાવ છે કે નાટકીય બધું જ કામ કરી આપે, જો તમારો કડવો-મીઠો રસ નિરસ થઈ ગયો હોય તો ! અહંકારને મારવાનો નથી, નિરસ કરવાનો છે. અહંકાર સંપૂર્ણ નિરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નિરસ કરવો જ છે, એટલે એ નિરસ થયા જ કરશે.

જ્ઞાને કરીને અહંકારનો રસ ખેંચી લો

મૂળ વસ્તુ પામ્યા પછી હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે. કોઈ રસ્તે ચાલતા કહે, ‘અરે, તમે અક્કલ વગરના છો, સીધા ચાલો.’ એ વખતે અહંકાર ઊભો થાય. તે અહંકાર સહેજે તૂટી જાય, ખેંચાઈ જાય, રીસ ચઢે. એમાં રિસાવાનું ક્યાં રહ્યું ? આપણને હવે રીસ ચઢવા જેવું રહેતું જ નથી. અહંકારનો જે રસ છે તે ખેંચી લેવાનો છે.

બધાને અપમાન ના ગમે, પણ અમે કહીએ છીએ કે એ તો બહુ હેલ્પીંગ (મદદકર્તા) છે. માન-અપમાન એ તો અહંકારનો કડવો-મીઠો રસ છે. અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. ‘તમે અક્કલ વગરના છો’ એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો, જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતા કોઈ કાઢે ત્યારે લહાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. સામો સહેજે રસ ખેંચી આપતો હોય, એના જેવું તો વળી બીજું શું ? સામાએ કેટલી બધી હેલ્પ (મદદ) કરી કહેવાય !

આપણે જે ધોવાનું હતું તે બીજાએ ધોઈ આપ્યું, એ જ આપણો નફો. અમે જ્ઞાની પુરુષ અબુધ હોઈએ અને જ્ઞાની પાસે એટલી બધી શક્તિ હોય કે તે જાતે જ અહંકારનો રસ ખેંચી નાખે. જ્યારે તમારી પાસે એવી શક્તિ ના હોય, એટલે તમારે તો કોઈ સામેથી અપમાન કરી, તમારો અહંકારનો રસ ખેંચવા આવે તો રાજી થવું જોઈએ. તમારી કેટલી બધી મહેનત બચી જાય અને તમારું કામ થઈ જાય ! આપણે તો નફો ક્યાં થયો એ જ જોવાનું. આ તો ગજબનો નફો થયો કહેવાય. જો (આપણને) બધા વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને !

અહંકાર ધોવાય તો રહેવાય સ્વપદમાં

આપણે વિધિ વખતે બોલીએ છીએ કે ‘હું શુદ્ધાત્મા છું.’ તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું ? ‘હું શુદ્ધાત્મા છું’ બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છેને ? એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ.

એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે ‘હું વાઘરી છું’, તે કેવું કહેવાય ? ‘શુદ્ધાત્મા’નું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય.

કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડોપ્રધાન છું, ના ભૂલેને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને, તો ‘હું વડોપ્રધાન છું’ એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયાને, તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ, સમજી

(પા.૧૨)

જાવ. બહાર કર્મના ઉદય જોર કરે તે જુદી વસ્તુ છે, તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને, પણ એ એમની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે; એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું’ એ બધું ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોયને !

‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી બધું કડવું લાગે, પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન-અપમાન, કડવું-મીઠું એ બધા દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએને ! છેવટે બધાયને દ્વંદ્વાતીત દશા જ પ્રાપ્ત કરવી છે ને !

પ્રતિકાર, ત્યાં કરવું પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : અપમાન થાય એ ના ગમે, તો ત્યાં શું કરવાનું ?

દાદાશ્રી : એનો વાંધો નહીં, પણ અપમાન થાય ત્યારે હુમલો ના કરો ને ?

પ્રશ્નકર્તા : વાણી એવી નીકળે, વાણીથી ‘એટેક’ (હુમલો) થાય.

દાદાશ્રી : પણ એવો તમારો ભાવ નથી ને ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. એવી વાણી નીકળ્યા પછી પોતાને બિલકુલ ગમે નહીં. પણ આવી વાણી નીકળી એ અસંયમ તો થઈ ગયોને ? એ લાભ મળે નહીં ને કંઈ ?

દાદાશ્રી : પણ ‘ફર્સ્ટ’ (પહેલો) સંયમ એટલે અંદર એવું થવું જોઈએ કે ‘ના, આવું ના હોવું જોઈએ. આ કેમ થાય છે ?’ એ પહેલો સંયમ શરૂ થવો જોઈએ. સાચો સંયમ જ એ કહેવાય. પછી ‘લાસ્ટ’ (અંતિમ) સંયમ ધીમે ધીમે આવે.

પ્રશ્નકર્તા : કો’ક વખત આવું અપમાન કરી નાખે તો ત્યાં મનનો પ્રતિકાર ચાલુ રહે, વાણીનો પ્રતિકાર કદાચ ના થાય.

દાદાશ્રી : આપણે તો એ વખતે જે બન્યું, એનો વાંધો નહીં. અરે ! દેહનોયે પ્રતિકાર થઈ ગયો, તોયે એ જેટલી જેટલી શક્તિ હોય, એ પ્રમાણે વ્યવહાર હોય છે. જેની સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થયેલી હોય, તેને મનનો પ્રતિકારેય બંધ થઈ જાય. છતાં આપણે શું કહીએ છીએ ? મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે ! દેહનોયે પ્રતિકાર થઈ જાય; તો ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ, તો ત્યાં ત્રણેય પ્રકારનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રતિક્રમણ કર્યું એટલે સાફ થઈ ગયું. છે એ તો નીકળ્યા વગર રહે નહીંને !

પ્રશ્નકર્તા : આપણને અણગમતું એવું કંઈક બનતું હોય અને એ સહી લેવું, એને પ્રતિક્રમણ કહો છો આપ ?

દાદાશ્રી : ના, સહન ના કરવું જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણ એટલે શું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલે સામો જે આપણું અપમાન કરે છે, તે આપણે સમજી જવું જોઈએ કે આ અપમાનનો ગુનેગાર કોણ છે ? એ કરનાર ગુનેગાર છે કે ભોગવનાર ગુનેગાર છે, એ આપણે પહેલું ડિસીઝન (નિર્ણય) લેવું જોઈએ. અપમાન કરનાર એ બિલકુલેય ગુનેગાર નથી હોતો, એક સેન્ટેય ગુનેગાર નથી હોતો. એ નિમિત્ત હોય છે અને આપણા જ કર્મના ઉદયને લઈને એ નિમિત્ત ભેગું થાય છે. એટલે આ આપણો જ ગુનો છે. હવે પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે એના પર ખરાબ ભાવ થાય તો પ્રતિક્રમણ કરવા જોઈએ. એના તરફ ‘નાલાયક છે, લુચ્ચો છે’ એવો મનમાં વિચાર આવી ગયો હોય તો પ્રતિક્રમણ કરવાનું અને એવો વિચાર ના આવ્યો હોય અને આપણે એનો ઉપકાર માન્યો હોય તો પ્રતિક્રમણ

(પા.૧૩)

કરવાની જરૂર નથી. બાકી કોઈ પણ ગાળ ભાંડે તો એ આપણો જ હિસાબ છે, એ માણસ તો નિમિત્ત છે. ગજવું કાપે તે કાપનાર નિમિત્ત છે અને હિસાબ આપણો જ છે. આ તો નિમિત્તને જ બચકાં ભરે છે અને એના જ ઝઘડા છે બધા.

પ્રતિક્રમણ કરી કરો ચોખ્ખું

આ તો જંજાળ છે બધી. તને એમના માટે જેટલા (અવળા) વિચાર આવે, એટલા પ્રતિક્રમણ કર કર કરવાં. જે દહાડે કો’ક વિચાર આવે, તેના પ્રતિક્રમણ કર કર કરવા. એ ભૂંસી નાખવા તરત. પ્રતિક્રમણ કરવાથી આપણા બધા એટેકના વિચાર બંધ થઈ જાય પછી. એટલે પછી મનને દ્વેષ ના આવે. જેના તરફ મન અકળાતું હોય, એના પ્રતિક્રમણ કરીએ તો બંધ થઈ જાય પછી. માનસિક એટેક થયો એટલે એના પ્રતિક્રમણ કરવાના. હલકી નાતોમાં મારંમાર કરે અને આપણામાં શબ્દથી મારે, નહીં તો મનથી મારે. શબ્દ મારે કે ન મારે ?

પ્રશ્નકર્તા : મારે.

દાદાશ્રી : આ બેનો તો કહે, ‘હજુ તો કાળજેથી શબ્દ જતો નથી એવો ઘા વાગ્યો છે મને.’ એવા શબ્દો બોલે ! અને મનથી મારે તેય એના ઘરનાં જ હોય.

પ્રશ્નકર્તા : મનથી એટલે બોલ્યા વગર જ ને ?

દાદાશ્રી : જો શબ્દો બોલે ને, તો એ સામી થઈ જાય એવી હોય તો (પછી એને) મનથી મારે. વહુથીયે જો ધણી સામો થઈ જતો હોય તો એ મનથી મારે. ‘મારા લાગમાં આવે તો તેને તે વખતે હું સીધો કરીશ.’ પછી લાગ ખોળે !

ચેતો મનના સ્પંદનો સામે

પ્રશ્નકર્તા : એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેથી વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રિએક્શનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે, એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ અંદરથી મન કહે છે કે આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે ?

દાદાશ્રી : જીભથી કરેને, તે ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને, તે તો આપણે સામાને કહ્યું એટલે (એય) આપી દે. તરત એનું ફળ મળી જાય અને મનથી કરે તો એનું ફળ તો એ ફળ પાકશે (ત્યારે), અત્યારે એ બીજ રોપ્યું એટલે કૉઝિઝ કહેવાય. એટલે કૉઝિઝ ના પડે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે હું આટલું બધું કરું છું, છતાં આ મારું અપમાન કરે છે ?

દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. આ તો વ્યવહાર છે. આમાં બધી જાતના લોક છે. તે મોક્ષે ના જવા દે એવું બધું બુદ્ધિવાળું જગત છે. માટે આમાંથી આમ ચેતીને ચાલવું, સમેટીને ચાલવું, સંકોચાઈને ચાલી જવું.

પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે આમાં મારા કર્મનો ઉદય હતો કે જેથી કરીને આ ભેગો થયો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું, એનું પ્રતિક્રમણ કરું છું ને ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે.

નિમિત્ત મળે પોતાના જ કર્મના ઉદયથી

પ્રશ્નકર્તા : છતાંય કોઈ નિમિત્ત મળી જાય ને કષાય ઊભા થઈ જાય તો શું કરવું ?

દાદાશ્રી : ભલે કષાય ઊભો થયો. નિમિત્ત એ કષાય ઊભો થવાનું કારણ નથી, ફક્ત તમે ભગવાનની

(પા.૧૪)

આજ્ઞા પાળી નથી. ભગવાનનું શું કહેવું છે કે આ તમારા કર્મના ઉદયથી છે. તમે શા માટે મુંઝાઓ છો ? કર્મના ઉદય તમારા છે ને એ નિમિત્ત છે. ડાહ્યો માણસ હોય તે નિમિત્તને બચકાં ના ભરે.

તમને પેલો ગાળો ભાંડે છે અગર તો તમને નુકસાન કરે છે, એ તમારા કર્મના ઉદયથી છે. એ નિમિત્ત માત્ર છે બિચારો તમને એમ લાગે છે કે આ જ આવું કરે છે. એટલે તમને આ ગુનો દેખાય છે. જ્યાં ગુનો નથી કરતો, ત્યાં ગુનો દેખાય છે. આટલું જ જો તમે કરોને, આ આટલું મારું વાક્ય પાળોને તમે, કે ‘જે બધું થાય છે, એ મારા કર્મના ઉદયે થાય છે. સામાનો દોષ નથી, એ નિમિત્ત છે.’ એટલું જ જો પાળો તો તમે મોક્ષે જશો.

મને જે શરૂ શરૂમાં બધા (એટેક) કરતા’તાને, (એ) પછી થાકી ગયા. આપણો એટેક નહીંને ! સામો હલ્લો નહીંને આપણો. આપણો જો સામો હલ્લો હોયને, તો આ લોકો થાકે નહીં.

પ્રશ્નકર્તા : બીજું કંઈ કરું નહીં, ખાલી મનમાં લાગે એટલું જ.

દાદાશ્રી : મનમાં લાગે એ નહીં, પણ જો બહાર એટેક કર્યો તો આ જગત થાકે નહીં. આ અંદર લાગે તેનું પ્રતિક્રમણ કરી લેવું.

સમતાપૂર્વક ઉકેલ લાવી નાખો

પ્રશ્નકર્તા : આપણને સહન કરવું પડે છે, તો એનો રસ્તો શો ?

દાદાશ્રી : આપણે તો સહન કરી જ લેવું, ખાલી બૂમ બરાડો નહીં પાડવો. સહન કરવું તે પણ પાછું સમતાપૂર્વક સહન કરવું. સામાને મનમાં ગાળો ભાંડીને નહીં, પણ સમતાપૂર્વક કે ભઈ, ‘મારું જે કર્મ હતું, તેં મને ભોગવડાવ્યું અને મને કર્મમાંથી મુક્ત કર્યો.’ માટે એનો ઉપકાર માનવો. સહન કંઈ મફત કરવું પડતું નથી, એ આપણા જ દોષનું પરિણામ છે.

ચંદુભાઈને એક માણસ સો માણસોની રૂબરૂમાં ચાર ગાળ ભાંડી ગયો, હવે કર્મના ઉદયે એ ભાંડી ગયો. એટલે આપણે જાણીએ કે આ મારા કર્મના ઉદયે છે અને એ નિમિત્ત બન્યો છે. એટલે આપણે મનમાં શું કરવું જોઈએ ? એના માટે ભાવ બગાડવો નહીં, પણ આર્શીવાદ આપવા કે ‘એનું સારું થજો કે એ કર્મમાંથી મને મુક્ત કર્યો. આ કર્મમાંથી છોડાવ્યો.’

‘આણે મારું અપમાન કર્યું !’ મેલ ને છાલ, અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા જ કર્મનો ઉદય છે અને ધણી તો નિમિત્ત છે, નિર્દોષ છે અને મારા કર્મના ઉદય ફરે ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો.

જમે કરીને છૂટી જાવ

ચાર ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયા ને, એટલે હલકા થઈ ગયા ને હવે છૂટા થતી વખતે બીજ અવળા ના પડે એટલું જ જોવાનું. લોકો ચાર ગાળો ખાય છે ખરા, પણ બીજ અવળા નાખે છે. પાછી પાંચ ગાળ એને ભાંડે. અલ્યા, ચાર તો સહન થતી નથી, પણ પાછી પાંચ ધીરી ! આ ચાર જમે કરી દે ને ! તારે જો સહન ના થતી હોય તો પાછી ફરી ધીરે છે શું કરવા ?

આવી રીતે ભટક ભટક કર્યા જ કરે છે (અને) વગર કામના ગુનામાં એ આવી જાય છે. તેથી કોઈની માટે ભાવ બગાડશો નહીં અને બગડે તો સુધારી લેજો, તરત ને તરત. પણ મોક્ષે જવું હોય તો આમાંથી આપણે કેમ કામ કાઢી લેવું, એ કળા શીખી લો. એ કળા જ્ઞાનીપુરુષ શીખવાડે કે આવી રીતે નીકળી જજો.

જ્ઞાનીની ક્ષમા હોય સહજ

પ્રશ્નકર્તા : અપમાનના ભાવથી પોતાને આઘાત લાગ્યો, તો એને કઈ રીતે સુધારે ? કઈ રીતે પ્રતિક્રમણ કરે ?

(પા.૧૯)

દાદાશ્રી : સામાએ અપમાન કર્યું ને આપણને આઘાત લાગે તો ?

પ્રશ્નકર્તા : હા, તો કઈ રીતે પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : તેનું પ્રતિક્રમણ આપણે કરવાનું ના હોય, એણે કરવાનું હોય.

પ્રશ્નકર્તા : એને કયા ભાવથી સુધારાય ?

દાદાશ્રી : એ સુધારે, આપણે સુધારવાનું નહીં. આપણે તો ક્ષમા આપવાની.

પ્રશ્નકર્તા : તો આપણે ભાગે એ ક્ષમા આપવાની રહીને ?

દાદાશ્રી : જે થઈ ગયેલું હતું, તેને વ્યવહારની રીતે કહેવું પડે કે ક્ષમા, બાકી આ વીર પુરુષની ક્ષમા નથી એ.

પ્રશ્નકર્તા : ફરજિયાત છે ?

દાદાશ્રી : નહીં, વ્યવસ્થિત જ છે. એમાં પેલાનું શું કર્યું તેં ? એમાં નવું શું કર્યું તેં ? અમારી સહજ ક્ષમા હોય. સામાની ભૂલ થાય તો એ મનમાં પસ્તાય. મેં કહ્યું, ‘પસ્તાશો નહીં જરાય, બરાબર છે.’ એટલે એની પાછળ અમારી સહજ ક્ષમા હોય જ. ક્ષમા સહજ હોવી જોઈએ.

તમે જ નક્કી કરો, શું જોઈએ છે ?

પ્રશ્નકર્તા : કોઈ આપણી ઉપર બુદ્ધિથી ગોળીબાર કરતો હોય અને આપણને તકલીફમાં મૂકતો હોય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એવું છે ને, જો મોક્ષ જોઈતો હોય તો જોયા કરવાનું અને જો સંસાર જોઈતો હોય, ભટકવું હોય તો ગોળી મારવી આપણે.

પ્રશ્નકર્તા : એના જેટલી બુદ્ધિ આપણામાં ના હોય તો ?

દાદાશ્રી : બુદ્ધિ હોય તોય મોક્ષ જોઈતો હોય તો એણે ગોળી મારવાની શી જરૂર ? અને સંસાર જોઈતો હોય તો ગોળી માર માર કરો. શું જોઈએ છે તમારે ?

પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે, પણ...

દાદાશ્રી : ભટકવાનું ગમે છે કે આ ગમે છે ?

પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે પણ સામેવાળો આપણી ઉપર ગોળીબાર ના કરે એવી ઇચ્છા ખરી.

દાદાશ્રી : ના, એ ઇચ્છા તો ચાલે નહિ. ગોળીબાર કરવા દેવો. આ (આપણે) ગોળીબાર કરેલા છે, તેનું ફળ આવેલું છે. આ ગપ્પું નથી. માટે લઈ લો અને જમે કરી દો !

જગત છે ન્યાય સ્વરૂપ

આ જગત ગપ્પું નથી. જગત ન્યાયસ્વરૂપ છે. બિલકુલ એક સેકંડેય અન્યાય કર્યો નથી કુદરતે.

તમને અપમાન કરે તો તમારો દોષ એ. આ દુનિયાના બે કાયદાઃ એક આ લોકને દેખાતો ગુનો; તે લોકો શું કહે, અપમાન કરનારો ગુનેગાર છે અને કુદરત શું કહે, તમારો ગુનો છે. તમે આજ પકડાયા એટલે આ તમારો હિસાબ આપે છે. પેલો પકડાશે ત્યારે હિસાબ આપશે. એટલે કુદરત નિરંતર ન્યાયમાં જ હોય છે. કોઈ જાતનો અન્યાય થતો નથી.

ના સાંભળો બુદ્ધિનું હવે

બન્યું એ ન્યાય જાણે તો આખા સંસારનો પાર આવી જાય એવું છે. આ દુનિયામાં એક સેકન્ડ પણ અન્યાય થતો નથી, ન્યાય જ થઈ રહ્યો છે. એટલે બુદ્ધિ આપણને ફસાવે છે કે આને ન્યાય કેમ કહેવાય ? એટલે અમે મૂળ વાત કહેવા માંગીએ છીએ કે કુદરતનું આ છે અને બુદ્ધિથી તમે જુદા પડી જાવ. એટલે બુદ્ધિ આમાં ફસાવે છે. મોક્ષે જતાં બુદ્ધિ ડખલ રૂપ છે અને સંસારમાં બુદ્ધિ એને હેલ્પ કરે છે. એક ફેરો જાણી

(પા.૨૦)

લીધા પછી બુદ્ધિનું માનીએ નહીં આપણે. બન્યું એ ન્યાય, ભોગવે એની ભૂલ. કોર્ટના ન્યાયમાં ભૂલ-ચૂક હોય બધી, ઊંધું-ચતું થઈ જાય, પણ આ ન્યાયમાં ફેર નહીં. (માટે બુદ્ધિનું) હડહડાટ કાપી દેવાનું.

કો’ક કહે કે ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, તો અસર થઈ જાય. જ્યાં અસર થાય ત્યાં સમ્યક્ બુદ્ધિ છે જ નહીં. સમ્યક્ બુદ્ધિનું દેવાળું નીકળ્યું છે. વ્યવહાર એડજસ્ટ કરે ને પોતે ખોટ ના ખાય એનું નામ સમ્યક્ બુદ્ધિ. નવી ખોટ ખાઈએ નહીં ને જૂની ખોટ વસૂલ કરીએ.

કુદરતને ન્યાયી માનવી એનું નામ જ્ઞાન

કુદરતના ન્યાયને જો સમજો તો તમે આ જગતમાંથી છૂટા થઈ શકશો. નહીં તો કુદરતને સહેજ પણ અન્યાયી સમજો, કે તમારું જગતમાં ગુંચાવાનું સ્થાન જ એ. કુદરતને ન્યાયી માનવી એનું નામ જ્ઞાન. જેમ છે તેમ જાણવું એનું નામ જ્ઞાન અને જેમ છે એમ નહીં જાણવું એનું નામ અજ્ઞાન.

એક માણસે બીજા માણસને સુખ આપ્યું. એક માણસે આ માણસનું જરા અપમાન કર્યું. ત્યારે કહે છે કે આપણા જ્ઞાને કરીને આનો શો ન્યાય ? (જ્ઞાન) એમ કહે છે કે આય છૂટ્યો ને એય છૂટ્યો. આ એના ચાર્જ કરેલા ભાવમાંથી છૂટી ગયો. એણે આવું ચાર્જ કર્યું (હતું), તે એવામાંથી છૂટી ગયો. એ બન્ને છૂટી ગયાને ? સાતે ગુણ્યા હોય તે નવથી ભાગીએ તો ના ભગાય. એ તો સાતે જ ભાગીએ તો જ ભગાય.

પ્રશ્નકર્તા : એટલે દાદા, એ જ્ઞાનથી પોતે અલિપ્ત રહે છેને ? એનાથી નિર્લેપ રહે છે એ ?

દાદાશ્રી : હા, પણ (એ) છે જ નિર્લેપ પછી. નિર્લેપ છે, અસંગ છે પણ આય જોડે જોડે ખરુંને ! હિસાબ ચૂકતે થતા જાય. પણ અપમાન ચાર્જ કરેલા, તે ડિસ્ચાર્જ અપમાને કરીને જ ઊડી જાયને ! માનના કરેલા ચાર્જિંગ એ માને કરીને જ ઊડે. આ બેને ઊડાવવા માટે, એ તો નિકાલ કરવા પડેને ?

વ્યવહાર નિઃશેષ કરી નાખો

વ્યવહાર કોને કહેવાય છે ? નવ હોય તેને નવથી ભાગવાનું. જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ? ન્યાય શું કહે છે ? નવને બારે ભાગો ! ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે એ આવું આવું બોલ્યા, તે તમારે આવું બોલવું જોઈએ. તમે એક વખત બોલો એટલે પેલો બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બન્ને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઈ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે તે.

વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કોઇ દહાડો આવડ્યો હોત, અરે ! અડધો કલાકેય આવડ્યો હોત તોય ઘણું થઇ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય તે. અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ ‘ત્યાં’ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને, અને આપણે ‘આપણું’ કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઇ કહે કે ‘ચંદુલાલમાં અક્કલ નથી’, તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઇને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે.

ના કરશો સામો ગોળીબાર

એટલે જો ખાતાં બિડાઈ જશે તો મોક્ષ નક્કી થશે. નહીં તો તમે સામાને ગાળો આપી આવ્યા, તે પાછી લેતી વખતે તમે કચકચ કરો છો તે ચાલે નહીં.

પ્રશ્નકર્તા : એટલે સામો ગોળીબાર કરે તો આપણે બચવાનો પ્રયત્ન નહીં કરવાનો, એનો અર્થ એ થાય ?

(પા.૨૧)

દાદાશ્રી : પ્રયત્ન તો, જો થાય તો કરવા અને (સામાનું) નુકસાન નહીં કરવાનું. તમારે છે તે એના માટે અવળા વિચાર નહીં કરવાના. એ ગોળીબાર કરે તોય તમે ગોળીબાર બંધ કરી દો. સામો ગોળીબાર કરે. તેથી આત્મા મરે નહીં.

અને ભટકવું હોય તોય રસ્તો છે. તમે સામી બે મારો ! ભટકવાનું ગજું હોય અને ભટકવાની ટેવ પડેલી હોય, તો નિરાંતે એક ફેરો મારી આવો જોઈએ. પછી ફરી છોડાવનાર નહીં મળે. આ તો અહીં છોડાવનાર મળે છે, ત્યારે આવી કચકચ થયા કરે છે ! બુદ્ધિથી ગોળીબાર કરે, તેને નિરાંતે મહીંથી આશીર્વાદ આપ્યા કરવા, કે ‘સારું થજો તારું, તેં અમને કર્મમાંથી છોડાવ્યા !’ ના ગમતું હોય એણે બે ગોળીબાર કરવાના. (પણ) બેમાંથી એક કરો.

હથિયારો હેઠાં મૂકી ચાલવું

પ્રશ્નકર્તા : પણ આપણામાં શક્તિ હોય તો બે ગોળીબાર કરીએ ને ?

દાદાશ્રી : એના કરતા સીધેસીધું મૂકી દો ને છાનામાના. શક્તિ નથી અને વાઘની ભૂલ કાઢવી છે ? ભલભલા શક્તિવાળાએ છોડી દીધું ને ! અમે આખી જિંદગીમાં હથિયાર જ ઝાલ્યું નથી. હથિયાર બધા નીચે મૂકીને બેઠો છું, ક્ષત્રિય થઈને ! સામો હથિયાર મારે તોય પણ મેં એ ઝાલ્યું નથી ! જો છૂટા થવું હોય તો હથિયાર મૂકી દો ! નહીં તો ઝાલો હથિયાર ને આવી જાવ !

આશીર્વાદ આપી ભૂલ સ્વીકારી લો

પ્રશ્નકર્તા : હા, પણ આપણને તકલીફ થાય ને ?

દાદાશ્રી : તકલીફ ના કરવી હોય તો આપણે સંસારમાં ભટકવાનું રાખો. શું ખોટું છે આ સંસારમાં ? આપણે તકલીફ કરી આવ્યા હોય, તે પાછી આવે તો એમાં ગુનો શો ? માટે તરત સ્વીકારી લો. આ હસતા મોઢે સ્વીકારી લો કે ‘બહુ સારું થજો ભાઈ એનું !’ બુદ્ધિથી ગોળી મારી, નહિ તો પેલી ગોળી મારે તો દેહ છૂટી જાય ને બુદ્ધિથી ગોળી મારી, તે તો સારું કર્યું છે, જીવતા રહ્યા ને !

નહીં તોય આ લોકો તોલીને બોલે છે કે તોલ્યા વગર બોલે છે ?

પ્રશ્નકર્તા : તોલ્યા વગર.

દાદાશ્રી : એટલે આપણે એવો હિસાબ લેવો કે ‘‘સારું ને, ‘ચોર’ એકલા કહે છે. ‘લુચ્ચા છે, બદમાશ છે, નાલાયક છે’ એવું બધું નથી કહેતા, એટલા સારાં છે ને !’’ નહીં તો એનું મોઢું છે, એટલે ફાવે એટલું બોલે. એને કંઈ ના કહેવાય આપણાથી ?

અપમાન કરનાર મહાન ઉપકારી

પ્રશ્નકર્તા : ‘આપ્તવાણી’માં એમ લખ્યું છે કે ‘દાદા ચોર છે’ એવું કોઈ કહે તો મહાન ઉપકાર માનવો.

દાદાશ્રી : એનો શા બદલ ઉપકાર માનવો ? કારણ કે કોઈ કહે નહીં આવું. આ પડઘો છે કશાકનો. તે આ મારો પોતાનો જ પડઘો છે, માટે ઉપકાર માનું.

આ જગત પડઘા સ્વરૂપે છે. કંઈ પણ આવે તો એ તમારું જ પરિણામ છે, એની હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ગેરેન્ટી લખી આપું છું. એટલે અમે ઉપકાર જ માનીએ, તો તમારેય ઉપકાર માનવો જોઈએ ને ? અને તો જ તમારું મન બહુ સારું રહેશે. હા, ઉપકાર નહીં માનો તો એમાં આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે, એને શું નુકસાન જવાનું છે ? તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું કે ‘ભઈ, તારો ઉપકાર છે.’ તે આપણી નાદારી ના નીકળે એટલા સારુ. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે, એને શું ? એને દુનિયાની પડેલી નથી, એ તો બોલે. હા, બેજવાબદાર વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી, તે બોલે. તો એના ભેગું

(પા.૨૨)

આપણે ભસવા જઈએ, તો આપણેય કૂતરા કહેવાઈએ. એટલે આપણે કહીએ કે ‘તારો ઉપકાર છે.’

પ્રશ્નકર્તા : તો આપણા દ્વેષના ભાવ ઉદયમાં આવે, એ આપણે જોઈએ ને શમાવીએ, એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ?

દાદાશ્રી : જ્યાં જ્યાં દ્વેષ આવતો હોય ત્યાં અંદરખાનેથી ઉપકાર માનજો, તો એ દ્વેષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરેય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, તો એ અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય, તો તે ‘બહુ સારો માણસ છે, આ તો ઘણા ઉપકારી છે’ એવું રહે તો ખૂંચતું બંધ થઈ જશે. આપણે ઉપકાર માનવાનો. ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં.

અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન છેદાઈ જશે ! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેના બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે !

આપણું મનનું બંધારણ એવું થઈ જવું જોઈએ કે ગમે એટલા અપમાન ખાય તોય પચી જાય. આ બંધારણ થાય ક્યારે ? કે જ્યારે અપમાન મળે ત્યારે આપણે જાણીએ કે ઓહોહો, આ જે દવા જ નહોતી મળતી, તે આજે મળી છે !

એડજસ્ટમેન્ટ લઈ મન વશ રાખો

અત્યારે કો’કે ગાળ ભાંડી તો મહીંથી મન કહેશે, ‘મારો બે ધોલ’ તો ? આ(નું) તો પ્રતિક્રમણ કરવું જોઈએ કે આ ભૂલ થઈ. આવું ના હોવું જોઈએ.

બધે ચોખ્ખું રાખવું જોઈએ, નહીં તો મનમાં રીસ ચઢતી જાય દહાડે દહાડે ને મન એક દહાડો કૂદાકૂદ કરી મેલે.

અરે, આપણો સગો ભાઈ હોય ને, એના માટે પણ ‘આ નાલાયક છે, લુચ્ચો છે’ એવા બધા ભાવો થાય અને ભાઈ જોડે પ્રેમ પણ ખરો, તો આપણે શું કરવું પડે ? ‘એ તો મહાન ઉપકારી છે, એને લીધે તો આપણે જીવતા રહ્યા’ એવું તેવું બોલવું જોઈએ. આ એડજસ્ટમેન્ટ લેવું જોઈએ.

અનુભવ સિદ્ધ જ્ઞાનીનો પ્રયોગ

અમારી માનેલી વસ્તુ કોઈ હોય નહીં. અમારે મન વશ થઈ ગયેલું હોય. અમારું મન કશું બોલે જ નહીં. અમને હમણાં ધોલો મારેને તોય કશું નહીં, આશીર્વાદ આપીએ. કોઈ ગાળો ભાંડે તોય આશીર્વાદ આપીએ. જેલમાં ઘાલે તોય આશીર્વાદ આપીએ, પોલીસવાળાને. અપમાન આપો છતાંય આશીર્વાદ આપે તે એકલા ‘જ્ઞાની પુરુષ’!

અમને ના ફાવતો માણસ આવે, એટલે અમે કહીએ કે ‘બહુ ઉપકારી છે આ તો !’ એટલે મન સારું રહે. નુકસાન કરનારો માણસ આવે તોય અમે કહીએ કે ‘બહુ ઉપકારી માણસ છે આ’, તો મન સારું રહે.

પ્રશ્નકર્તા : પણ બુદ્ધિ એવું કહેવા જ ના દે. એ તો ‘બહુ ખરાબ છે, ખરાબ છે’ એમ જ કહેવડાવે.

દાદાશ્રી : એ તો ‘ના’ કહે. એ તો બોલે જ નહીં કોઈ સાથે. એ તો ઊલટાનું એવું બોલે કે યુઝલેસ (નકામો) (છે), નાલાયક છે. અહીં આપણે કહીએ ને, આફ્ટર ઑલ હી ઈઝ એ વેરી ગુડ મેન. (છેવટે તો એ સારા માણસ જ છે.)

દોષિત તો કોઈ દેખાવો જ ના જોઈએ. મનમાંય ના હોવું જોઈએ. બુદ્ધિમાં તો હોવું જ ના જોઈએ.

પ્રશ્નકર્તા : બુદ્ધિમાં પાછું કેવું હોય ?

દાદાશ્રી : બુદ્ધિ ક્લિયર (ચોખ્ખી) હોય. મને બહુ ગાળો દઈ ગયો હોય તેને હું આવું કહું કે ‘એ બહુ સારો માણસ, આના જેવો માણસ મળે નહીં !’

પરવશતાથી કરે, એમાં એનો શો દોષ ?

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે એવું કહીએ કે ‘આ બહુ સારો માણસ છે’ પણ પાછું જોડે જોડે ફરી

(પા.૨૩)

મહીં દેખાડે કે ‘શું સારો છે ? આવું તો કરી ગયો, એને કેમનો સારો કહેવાનો ?’

દાદાશ્રી : એ કહે તો પણ અમે પાછા એને સમજાવીને અમારું એડજસ્ટ કરી દેવડાવીએ. એને સમજાવીએ બધું સારી રીતે.

પ્રશ્નકર્તા : એ કઈ સમજણ પાડો એને ?

દાદાશ્રી : છેલ્લી રીત એ સમજાવીએ કે ‘ખરી રીતે આત્માએ કરીને, નિશ્ચયે કરીને તો શુદ્ધ છે અને વ્યવહારમાં એ બિચારો પરવશતાથી કરે છે, એમાં એનો શો દોષ બિચારાનો ? એવું તેવું બધું આમ સમજણ પાડીએ, પણ છેવટે એની પાસે કબૂલ કરાવીએ. એક જ શબ્દથી ના પતે. બધા બહુ જાતના શબ્દોથી સમજાવવું પડે.

પ્રશ્નકર્તા : આપે એક વખત એમ કહેલું કે ‘એ શુદ્ધાત્મા છે’ એટલું કહેવાથી કંઈ એ નિર્દોષ ના દેખાય. મન થોડીવાર આગળ જઈને ચડી બેસે. એટલે એ બધા પાસા દેખાડીએ ત્યારે એ ‘નિર્દોષ છે’ એવું એક્સેપ્ટ (કબૂલ) કરે.

દાદાશ્રી : હા. મન તો એકલું એક્સેપ્ટ કરે જ નહિ ને ! મન જ્ઞાનની વાતેય ના એક્સેપ્ટ કરે. આ જ્ઞાનની જ વાત છે કે ‘ભઈ, એ પરવશતાથી કરે છે, એમાં એનો શો દોષ બિચારાનો ?’ એવું આપણે કહીએ ત્યારે કહે, ‘એવું ના ચાલે.’

વ્યવસ્થિત સમજ્યે રહે સ્થિરતા

જગતના લોકો ‘વ્યવસ્થિત છે’ એવું ના સમજે, પણ ‘જે થયું તે બરાબર છે’ કહેશે. પણ આપણે વ્યવસ્થિત સમજી જવાનું. હવે ‘આપણા લોકો’ બહુ ત્યારે ચાર બાબતમાં વ્યવસ્થિત સમજ્યા હોય. પણ પાછું આપણું અપમાન કરે કે હલી જાય, પણ પછી તરત જ વ્યવસ્થિત સમજાય તો સ્થિરતા રહે. આ તો એવું છે ને, કેટલી બધી બાબતો રહી ગયેલી હોય ! વ્યવસ્થિત જો સમજ્યો હોય ને, તેને તો રાગ-દ્વેષ જ હોય નહીં. ભણેલું તો ત્યારે કહેવાય કે વ્યવસ્થિત એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજે.

તમને ‘વ્યવસ્થિત’ સમજાયું છે ? અપમાનની જગ્યાએ જવું પડે તો તમને શું થાય ? અપમાન થાય એની સાથે ‘વ્યવસ્થિત છે’ કહી અને શોધખોળમાં પડવાનું કે ‘કેવી રીતે આ ગોળી વાગી ? આવી ક્યાંથી ? મારનાર કોણ ? શું થયું ? કોને વાગી ? આપણે કોણ ?’ પેલું વ્યવસ્થિત ના સમજાય, ત્યાં સુધી એમ જ જાણે કે ‘આણે મને મારી છે. મેં જાતે જોઈ છે ને !’ એટલે આ વ્યવસ્થિત જો સમજ્યો હોત ને, તો વીતરાગ થાત.

પરમાણુનું મિલન વ્યવસ્થિતને આધિન

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું છે કે એક પરમાણુ ને બીજા પરમાણુનું મિલન વ્યવસ્થિતના લૉ (કાયદા) સિવાય બને તેમ નથી, તો આ ગાળ બધું આવે છે એ તો બધું જથ્થાબંધ આવે છે, તો તે વ્યવસ્થિત જ છે ?

દાદાશ્રી : બહુ સરસ વાત કહી. આ અમારી ઝીણી વાત તેં પછી પકડી પાડી. એક-એક પરમાણુ-પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમની બહાર નથી, તો આ એક શબ્દ વાણી રૂપે નીકળે અને એના પરમાણુઓ છૂટા પાડીએ તો આખી રૂમ ભરાઈ જાય. એકદમ ચોખ્ખા બે પરમાણુનું મિલન વ્યવસ્થિતના નિયમ વગર ના થઈ શકે, તો આ કદરૂપા પરમાણુની તો વાત જ શી કરવી ? એક પરમાણુ પણ વ્યવસ્થિતના નિયમને આધીન છે.

શુદ્ધ દ્રષ્ટિએ ભાળો શુદ્ધ

(હવે) બીજા જોડે વ્યવહાર કરો ને કોઈ ગાળો ભાંડતો હોય તેને ગાળ ભાંડનારા તરીકે જોવો ના જોઈએ. એને શુદ્ધાત્મા જોવો જોઈએ. કોણ ગાળ ભાંડે છે તે જોવાનું અને એ કોણ છે, તેય જોવાનું. બંને સાથે રહેવું જોઈએ જ્ઞાન. અને આપણું જ્ઞાન રાખે એવું છે બધાને.

(પા.૨૪)

સામો આપણને ગાળ ભાંડતો હોય ને માર મારતો હોય તોય ‘એ શુદ્ધ જ છે’ એવો ભાવ ના છોડવો જોઈએ.

નથી કોઈ દોષિત, તો દોષ કોનો ?

પ્રશ્નકર્તા : હા, છતાં ફાઈલો હોય બધી, એ આપણા માટે ગમે તેટલું ખરાબ કરતી હોય, એના માટે અંદરથી ભાવ એવો ખરાબ થતો નથી, પણ જ્યારે ફાઈલ સામે આવે કે સામો માણસ નિર્દોષ દેખાવો જોઈએ. એકદમ થવું જોઈએ એ નથી થતું, થોડીવાર પછી થાય છે.

દાદાશ્રી : જાગૃતિ તો હોય છે પણ પોતે કાચો પડી જાય છે. પહેલાંની ટેવ ખરીને ?

પ્રશ્નકર્તા : દાદા, એક ફેરો શુદ્ધાત્મામાં બેસાડ્યા પછી કાચા શેના પડે ?

દાદાશ્રી : કોઈ ગાળ ભાંડે તો એમાં પાછો હાથ ઘાલી દે, એને એમ થાય કે મને ગાળ ભાંડી. ખરી રીતે એને ગાળ ભાંડતો નથી. એ તો એની જગ્યાએ જ છે, તે વળી પાછા અહીં ક્યાં આવ્યા ? અક્રમ વિજ્ઞાન શું કહે છે ? દોષિત કોઈ હોતાં જ નથી.

લોકોએ ‘કર્તા થિયરી’ જોઈ છે પણ ‘કર્મ થિયરી’ જોઈ નથી. આ ભાઈએ મારું અપમાન કર્યું એમ કહે તે ‘કર્તા થિયરી’ ! ને મારા કર્મના ઉદયથી ગાળો દે છે એ ‘કર્મ થિયરી.’ કર્મની થિયરી સમજે તો સામાનો જરાય દોષ ના દેખાય.

પુરુષ પદે બેસીને પ્રકૃતિ નિહાળો

સામો ગાળો બોલે ત્યારે મનમાં એમ થાય, ‘ઓહોહો ! આ તો એ કર્તા નથી, આ તો પ્રકૃતિ કરે છે.’ ત્યારે એ પુરુષ થયો કહેવાય. પણ હજુ સ્થિરતા નથી આવી પુરુષ તરીકેની, એટલે હાલી જાય. બાકી પુરુષ જ છે. હવે આ નિહાળવાનું કામ એને રહ્યું નહીં, (ને) આમ સાંભળતાની સાથે તરત જ પ્રકૃતિ દેખાય એ પરમાત્મા થયો.

પેલો ગાળો ભાંડે આપણને, તો આ ગાળ ભગવાન દેતા નથી. આ તો પ્રકૃતિ સ્વભાવ એને ગાળો દે છે. આ બાદ કરીએ તો ભગવાન દેખાય. તમામ પ્રકારના પ્રકૃતિ સ્વભાવ બાદ કરીએ તો ભગવાન દેખાય. આટલું વાક્ય જો કદિ (શાસ્ત્રમાં) હોત ને, તો આ કેટલાંય સાધુઓ છે તે બધા મોક્ષમાર્ગમાં ચઢી જાત. આટલી જ નિર્ભેળ વાત જો કોઈએ કહી હોત !

સમજી લો હકીકત જ્ઞાનીના જ્ઞાનથી

અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં. અમે વીતરાગ રહીએ ! અમને એની પર રાગ-દ્વેષ ના થાય, એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય !

તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો ‘વ્યવસ્થિત’ છે, ‘હિસાબ છે’, એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે ‘મૂળ વસ્તુ’ સમજાશે. ‘બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ’. ‘વ્યવસ્થિત’ ખરું પણ ‘વ્યવસ્થિત’ પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે કે (આ) બધી કુદરતની જ ક્રિયા છે.

(ખરેખર) કોઈ કરતું નથી. ફૂલો ચઢાવે છે તે તેની અવસ્થા છે, ઢેખાળા મારે છે તેય તેની અવસ્થા છે. મહીંથી ફૂલના પરમાણુ ઊડે ત્યારે જ બહારથી તે કાળે ફૂલાં આવીને પડે ને મહીં પથ્થરના જેવા પરમાણુ ઊડે ત્યારે બહારથીય પથરા આવીને પડે. ટાઈમસર આવીને મળે.

કોઇ ગાળ ભાંડે તો એનો નિવેડો લાવી નાખજો, કારણ કે સત્તા નથી કોઇને ગાળ ભાંડવાની. અને એણે જો ભાંડી તો ‘ધેર ઇઝ સમથીંગ રોંગ.’ (ત્યાં કંઈક ભૂલ છે.) એનો નિવેડો લાવી નાખજો.

(પા.૨૫)

કોમનસેન્સથી ઉકેલો પ્રશ્ન

એક સાહેબને એક માણસ આવીને ગમે તેવું કહેવા માંડ્યો. તે સાહેબને ‘કોમનસેન્સ’ (વિવેકબુદ્ધિ)થી જરાય અસર ના થઈ, જો ‘કોમનસેન્સ’ હતી તો ! ‘કોમનસેન્સ’ તો બહુ મોટી વસ્તુ છે. એટલે ‘કોમનસેન્સ’નો દાખલો આપણને જોવા મળે કે આ સાહેબે ‘કોમનસેન્સ’ વાપરી. બીજો માણસ તો ત્યાં આગળ ‘ડિસ્કરેજ’ (નાહિંમત) જ થઈ જાય ને, એની મેળે જ ! જબરજસ્ત ‘ડિપ્રેશન’ (હતાશા) આવી જાય, પણ મેં તો એમનામાં ડિપ્રેશન જોયું નથી. હું એ જ જોયા કરતો હતો કે ડિપ્રેશન આવે છે કે નહીં ? પેલો માણસ શુંયે કહી ગયો તોય ‘ડિપ્રેશન’ ના આવ્યું.

કોમનસેન્સ એટલે એવરીવ્હેઅર એપ્લીકેબલ (દરેક જગ્યાએ લાગુ પડે). એ હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈ માણસમાં હોય, થોડીઘણીય ! નોનસેન્સેય (બુદ્ધિહીનેય) બહુ ઓછા હોય અને કોમનસેન્સવાળાય ઓછા હોય. નોનસેન્સ પાંચ-પચાસ માણસ હોય, વધારે નહીં. વચલો ગાળો બહુ હોય, સેન્સિટીવ (લાગણીશીલ) ! આ બધા સેન્સિટીવનેસની નજીકના બધા. જરા કહ્યું કે ‘ચંદુભાઈમાં અક્કલ નથી’, તે દહાડે આખી રાત એ ઊંઘે નહીં.

એટલે આ બધાને શું કહું છું કે ‘કોમનસેન્સ’થી પ્રશ્નો ઉકેલો. કોઈ માણસ ગમે એવું બોલીને ઊભો રહેશે, એના મગજ ઉપર આધાર રાખે છે ને ! અને કંઈક તમારું પુણ્ય (!) હશે ત્યારે જ બોલે ને ! નહીં તો પુણ્ય (!) વગર કોઈ બોલતું હશે ?

ગણતરથી ઉકેલો અપમાનના પ્રસંગને

(કોઈ) તમારું અપમાન કરે તો શું કરો તમે ? મારું કહેવાનું કે જ્યાં સત્તા ના હોય, ત્યાં ‘ગમે છે’ કહી દેવાનું. સત્તા ના હોય ત્યારે શું કરવાનું ? નહીં તો ‘ગમે નહીં’ કહીએ, એટલે એ કૈડ્યા કરે મહીં. આખી રાત કૈડ્યા કરે, હં કે ! તમને કોઈ દિવસ કૈડેલું ?

પ્રશ્નકર્તા : રાતોની રાત કૈડ્યા કરે, ઝાટકા વાગે.

દાદાશ્રી : માણસ શી રીતે દહાડા કાઢે છે, તે જ જુઓ ને ! ભણેલા માણસ ઉપાધિને ઓછી કરી નાખે, બને ત્યાં સુધી ઉપાધિનો ભાગાકાર કરી નાખે ને એનો છેદ ઊડાડી દે, પણ પોતાનું ના ચાલે ત્યારે પછી ગૂંચાય. ભણેલામાં ગણતરી નથી હોતી એટલે ગૂંચાય છે. ભણતર હોય છે પણ ગણતર નહીંને ! ગણતર એ જુદી વસ્તુ છે. મને ભણતર નથી આવડ્યું, પણ ગણતર બહુ સારું આવડે છે. મેટ્રિક ‘ફેઈલ’ (નાપાસ) થયો પણ ગણતર બહુ સારું આવડે.

આપણે સમભાવે નિકાલ કરવો છે, એવું નક્કી કરવાનું. પછી એવું જ થયા કરે. આપણા મનમાં જે પહેલા રહેતું હતું કે આ માણસ શું સમજે છે એના મનમાં, એ આપણા ભાવ અવળા થતા હતા. એ હવે ના હોવા જોઈએ. એ તમને ગમે તે કરે, સામો માણસ કૂદાકૂદ કરતો હોય તો આપણને વાંધો નથી એનો.

નિશ્ચય સમભાવે નિકાલનો જ

આ ‘ચંદુભાઈ’નું કો’કે એમની ઑફિસમાં આવીને અપમાન કર્યું કે ‘તમને ધંધો કરતા નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.’ આવી રીતે જેમ તેમ કંઈક ગમે તે શબ્દ બોલ્યો, એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, ‘આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.’ એવું થાયને ? પણ હવે પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લેને તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય; પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ ‘ઓહોહો ! અંદર લાલ લાલ લાલ થઈ ગયું છે’ એ જુએ, તે ઘડીએ આ આત્મા ક્લિયર (ચોખ્ખો) થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ, પછી

(પા.૨૬)

એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય, ત્યારે જ એ વિયોગી સ્વભાવનો હોય છે. એ ઊભરો થોડીવાર પછી બેસી જાય, પણ એક વખત તો બહુ જ તપે. એને પછી એમ આ અભ્યાસથી જોઈએ ત્યારે આનંદ થઈ જાય છે, પણ તપ તો જતું જ નથી. તપ તો પેલું રહે છે જ.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એનો સમભાવે નિકાલ કરવો અને એક વખત આપે શિખવાડ્યું’તું કે આપણું જ પાછું આવ્યું.

દાદાશ્રી : એ સમભાવે નિકાલ કરવાનું કેમ કહ્યું ? કારણ કે એ પાછું આવ્યું. એટલે એનો સમભાવે નિકાલ કરવાનો. એને અનુલક્ષીને હોય છે બધા (વાક્યો). એક-એક વાક્ય અનુસંધાનમાં હોય છે ! એટલે આ એક-એક શબ્દ અમે જે આપીએ છીએ ને, એ દવાઓ છે બધી, દરઅસલ મેડિસિન છે.

રાગ નહીં, દ્વેષ નહીં એ સમભાવ

પ્રશ્નકર્તા : દાદાએ ‘ફાઈલોનો સમભાવે નિકાલ કરો’ કહ્યું, એનું શું કારણ ? સમભાવની અંદર શું આવે ?

દાદાશ્રી : સમભાવ એટલે આપણને તેના પર વહાલ આવે તે ખોટું કહેવાય. વહાલ નહીં આવવા દેવાનું. ના ગમતું કરે તો એના પર દ્વેષ નહીં આવવા દેવાનો. રાજી-ઇતરાજી નહીં થવાનું.

પ્રશ્નકર્તા : પણ આપે જે સમતાભાવ કહ્યોને, એ રહેતો નથી.

દાદાશ્રી : સમતાભાવ રાખવાનો નથી, સમભાવે ફાઈલનો નિકાલ કરવાનો છે. સમભાવ કોને કહેવાય કે તમને કોઈ ગાળો ભાંડે ને, તો એની પર દ્વેષ ના થાય અને કોઈ સારું બોલે તો રાગ ના થાય. સારા ઉપર રાગ નહીં અને ખોટા ઉપર દ્વેષ નહીં, એનું નામ સમભાવ. એવી રીતે સમભાવે નિકાલ કરો. સમભાવે નિકાલનો અર્થ તો સમજવો જોઈએને ? તે જ્ઞાની પુરુષ પાસે સમજવો જોઈએ. આ બાજુ ગાળો બોલતો હોય ને આ બાજુ ફૂલાં ચઢાવતો હોય, તો ફૂલાંવાળા પર રાગ નહીં ને ગાળો બોલનાર પર દ્વેષ નહીં. મનમાં રાગ-દ્વેષ રહિતપણે નિકાલ કરવાનો છે, બીજું કશું કરવાનું છે નહીં.

ડિસિઝન (નિર્ણય) ગોઠવી દીધેલું હોય કે આ સમભાવે નિકાલ કરવો છે આપણે. એટલે પહેલા જે હસતો આવતો હતો, તો એની જોડે હસીને નિકાલ કરતા હતા. ચિડાઈને આવતો હતો, તો એની જોડે ચિડાઈને નિકાલ કરતા હતા, પણ હવે તો એ હસતો આવે તોય સમભાવે, એ ચિડાયેલો આવે તોય સમભાવે, આપણે સમભાવે નિકાલ જ કરવો છે. આપણે અહીં પોલીસવાળાની લાઈન ઊભી હોય અને એ ઘાંટાઘાંટ કરતા હોય, ચિડાતા હોય તો આપણે શું કરીએ ? સમભાવે નિકાલ કરતા કરતા જઈએ ને ! સમભાવે નિકાલ ના કરીએ તો શું થાય ? પોલીસવાળો દંડો મારે. એ ત્યાં આગળ આપણે ડાહ્યા થઈ જઈએ ને ! એવું આ સમભાવે નિકાલ કરવાનો ને ડાહ્યું થઈ જવાનું. એટલે હવે સંપૂર્ણ (સમભાવ) રહે એવું કરો.

ચોપડામાં જમા કરી દો

તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે, તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલા અપમાન જમે કરવા છે. તે જેટલા વધારે આવશે, તેટલો વધારે નફો ને સોને બદલે સિત્તેર મળ્યા તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાના. જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. ‘જ્યારે અપમાનનો ભય નહીં રહે, ત્યારે કોઈ અપમાન નહીં કરે’ એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે, ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. એ પછી તરી પાર ઊતરી જાય.

જય સચ્ચિદાનંદ