પ્રાર્થના પમાડે પરમાર્થ

સંપાદકીય

પ્રાર્થના એટલે શું ? વિશેષ અર્થની માંગણી કરવી તે, વિશેષ સ્વરૂપે રિકવેસ્ટ. મનુષ્ય સંસારમાં પ્રાર્થના કરે છે ત્યારે શાંતિ સાથે મૂંઝવણમાંથી બહાર નીકળવાના રસ્તા જડે છે પરંતુ શું પ્રાર્થનાને એટલે સુધી સિમિત કરવું કેટલું યોગ્ય છે ? પ્રાર્થના તો આગળની લિંક ખોલે છે. બે જાતની પ્રાર્થનાઓ : એક સંસારી અર્થ માટે અને બીજો પરમાર્થનો અર્થ. જીવ માત્રને સંસારમાં બહારની મુશ્કેલી તો છે પણ ખરી મુશ્કેલી છે એની અંદરના આંતરિક કષાય, રાગ-દ્વેષ, ક્રોધ, આસક્તિ જે એને પોતાનાથી વિમુખ બનાવે છે. અધ્યાત્મમાં આગળ વધવાની જે ભાવના થાય છે તે પ્રાર્થના બહુ કિંમતી વસ્તુ છે. જો સાચી પ્રાર્થના કરવામાં આવે તો જવાબ મળે છે ને પ્રાર્થના પ્રમાણે ફળ પણ મળે છે.

આપણા મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે કે પરમાત્મા અંતર્યામી છે. તેઓ આપણું બધું જાણે છે, આપણા માટે સારું કે ખરાબ શું એ પણ જાણે છે, તો પછી આપણે એમને કહેવાની શું જરૂર ? માંગ્યા વગર ખૂટતું શું નહીં મળી જાય ? પણ આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ શું ભગવાનને પહોંચે છે ? ભગવાન શું કહે છે ? તને સંસાર ગમતો હોય અને દુઃખ આવે તો મને પ્રાર્થના કરજે, તને શાંતિ થઈ જશે અને જો સંસાર ના ગમતો હોય તો મારે શરણે આવી જજે, પછી તું ને હું એક જ છીએ. પછી તારે દુઃખ જ નથી. ભગવાન તો વીતરાગ છે એ આપવા-લેવા બેઠા નથી, ભગવાન તો ફક્ત પ્રકાશ આપે છે. એટલે ખરી પ્રાર્થના તો તમારા મહીંના અંતર્યામી ભગવાનને પ્રાર્થના પહોંચે છે. ખરા અર્થમાં પ્રાર્થનામાં તો પોતાના માંહ્યલા પરમાત્માની શોધખોળ કરવાની છે. એટલે રોજ-રોજ પ્રાર્થના થવી જોઈએ. એની તીવ્રતા, ઉત્કંઠતામાં હૃદયશુદ્ધિનું બળ નિત્ય વધવું જોઈએ. જેમ જેમ એમાં શુદ્ધતા આવે તેમ શબ્દોના બળ કરતા પણ મૌન પ્રાર્થના વધુ કામ કરી જાય છે.

પ્રાર્થના એ જ પરમાત્મા સાથે જોડાણનો સેતુ છે. સાચી પ્રાર્થનાથી મનુષ્યને સુખ, શાંતિ, શક્તિ, આધાર, આશ્રિતતાનો અનુભવ થાય છે. એની પાછળનું રહસ્ય એ જ છે કે પ્રાર્થનાથી પરમાત્માની ચેતનાનું અનુસંધાન થાય છે. એટલે કે પોતાના મહીંવાળા આત્મા સાથેનું અનુસંધાન. નિર્મળ પ્રાર્થનામાં મનુષ્યની ચેતનાનું સ્તર જ બદલાઈ જાય છે. જેમ જેમ પ્રાર્થનામાં ચોખ્ખા ભાવ આવે છે, તેમ તેમ ભગવાન સાથેનું અનુસંધાન પણ વધતું જાય છે, તેમ તેમ પ્રેમ, આનંદ, શક્તિની અનુભૂતિ થાય છે.

પ્રાર્થના એટલે પોતાના અંતર્યામી પરમાત્મા સાથેનો વાર્તાલાપ અને એ પણ વાયરલેસ વાર્તાલાપ. અહીં દાદાશ્રીએ પ્રાર્થનાનું સાયન્સ ખુલ્લું કર્યું છે. જેમાં સંસારથી અધ્યાત્મ સુધીની પ્રાર્થનાની સમજણ આપતા અંતે કહે છે, સાચી હૃદયની પ્રાર્થના સંસારી ઈચ્છાઓની પૂર્ણાહુતિ લાવશે, સાથે પોતાની છેવટની શોધ પણ પ્રાર્થના પૂરી કરાવશે. પ્રાર્થના એ પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચેનો સેતુ છે. જ્યારે મોક્ષમાર્ગમાં આપણે થાકીશું કે અમુક સમયે અટકીશું, લાગશે પુરુષાર્થ થતો નથી, ત્યારે હૃદયપૂર્વકની પ્રાર્થનાથી આગળના આધ્યાત્મિક રસ્તા ખુલશે. અધ્યાત્મ માટે માંગણી કરવી, સત્યાર્થની ઝંખના એ છેલ્લામાં છેલ્લી પ્રાર્થના કહેવાય. એ હૃદયથી અને સાચી હોવી જોઈએ.

પરમ પૂજ્ય દાદાશ્રી પ્રસ્તુત અંકમાં પ્યૉર, ઘાટ વગરની, નિર્મળ પ્રાર્થનાની વૈજ્ઞાનિક સ્વરૂપની સમજણ આપે છે અને તેના બળથી મહાત્માઓ આગળની આધ્યાત્મિક શ્રેણીઓ ચઢે એવી અભ્યર્થના.

 

જય સચ્ચિદાનંદ.

પ્રાર્થના પમાડે પરમાર્થ

(પા.૪)

દાદા ખોલે પ્રાર્થનાના રહસ્યો

પ્રશ્નકર્તા : દાદા, દરેક ધર્મ-સંપ્રદાયમાં પ્રાર્થના કરવાનું જણાવેલ છે, તો આ પ્રાર્થનાનું રહસ્ય શું છે ? પ્રાર્થના એટલે શું ?

દાદાશ્રી : પ્ર ૅ અર્થના = પ્રાર્થના. પ્ર એટલે વિશેષ અર્થની માગણી કરવી તે. ભગવાન પાસે વધારાના અર્થની માગણી કરવી તે. પ્રાર્થના એટલે વિશેષ સ્વરૂપે રિક્વેસ્ટ (વિનંતી).

પ્રશ્નકર્તા : વિશેષ સ્વરૂપે રિક્વેસ્ટ એટલે ?

દાદાશ્રી : આપણે આ સંસારમાં રિક્વેસ્ટ કરીએ, એના કરતા આ જુદા સ્વરૂપે રિક્વેસ્ટ.

પ્રાર્થના એટલે શું કે માણસ મહીં ગૂંચાય, તે આ અર્થ એટલે સંસારની માગણીઓ (કરવી) અને પ્રાર્થના એટલે ભગવાનની પાસે અર્થની માગણી કરવી. પછી ભગવાન કહો કે જ્ઞાની પુરુષ કહો કે સત્ પુરુષ કહો, એની પાસે પ્રાર્થના કરવી.

આમ મળે પ્રાર્થનાનું ફળ

પ્રશ્નકર્તા : પ્રાર્થના કરવાથી ફળ શું આવે ?

દાદાશ્રી : પ્રાર્થનાનું ફળ એટલું કે તમે જેને માટે (માગો તે મળે), આ ભૌતિક સુખને માટે માગો તો એનું ભૌતિક ફળ આવે.

પ્રશ્નકર્તા : એ કોણ આપતું હશે ?

દાદાશ્રી : કોઈ આપનારું જ નથી. વિસર્જન કરનારું (કુદરતી) કોમ્પ્યુટર છે બધું.

પ્રશ્નકર્તા : ના પણ ભૌતિક સુખ કો’કને તો એડજસ્ટ કરવું પડતું હશેને, પ્રાર્થનાના પાવરનું ?

દાદાશ્રી : ભૌતિક સુખ એટલે તમારા કરેલાનું ફળ જ છે, બીજું કશું નથી.

પ્રશ્નકર્તા : એટલે તમારું એવું કહેવું છે કે પ્રાર્થના કરવાનું આપણને મન થાય. એનો અર્થ એવો કે આપણા કોઈ કર્મો હટી જાય છે અને સારા કર્મો કરવાનો આપણામાં એ ટાઈમે એવો સંકેત આવે છે ?

દાદાશ્રી : એવું છે ને કે આપણે આ દરેક માણસો જોડે ડીલિંગ કરીએ છીએ એમાં નક્કી કરીએ કે મારે સુખ જ આપવું છે, કોઈને દુઃખ તો નથી જ આપવું. એટલે કોઈને દુઃખદાયી થઈ જાય તો આપણે એને સમજાવી-પટાવીને પાછા એને કહીએ કે ભઈ, મારી ભૂલ થઈ ગઈ. આમતેમ કરીને એનો નિવેડો લાવી નાખીએ. તમારે સુખ જ આપવું છે, તો એના ફળ રૂપે તમને સુખ જ મળશે અને દુઃખ આપવું છે એમ નક્કી કરશો તો દુઃખ જ મળશે. હવે તેનાથી (સુખ આપવાથી) ક્રેડિટ થાય છે અને પેલાથી (દુઃખ આપવાથી) ડેબિટ થાય છે. અને ક્રેડિટ થયેલી હોય તે આ ભવમાં તમને અહીં આગળ ઘેર બેઠા આ એમ ને એમ પ્રાપ્ત થઈ જાય છે. ધારેલા સંજોગો બધા ભેગા થાય એનું નામ ક્રેડિટ અને ધારેલા સંજોગોનો વિરોધ થાય એ ડેબિટ. માટે જે તમને જોઈતું હોય તે આપો સામાને.

ભગવાન તો ફક્ત પ્રકાશ એકલો જ આપ્યા કરે છે. એ આમાં બીજો હાથ ઘાલતા નથી. (ભગવાન તો કહે છે,) તને જો આ ભૌતિક સુખો ના ગમે તો મારી પ્રાર્થના કરજે તો મારી (સાથે) અભેદભાવ ઉત્પન્ન થઈ જશે. એ અભેદતા થઈ જશે.

એ જોખમદારી બધી તમારી

પ્રશ્નકર્તા : આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને સદ્બુદ્ધિ આપજે. જો એ ન આપવાનો હોય તો આવી હજારો વર્ષથી પ્રાર્થના કરવાનો અર્થ શું ?

દાદાશ્રી : પણ એ આપે કંઈથી ? એમની પાસે છે જ નહીં સદ્બુદ્ધિ ત્યાં આગળ ! ભગવાન કંઈથી સદ્બુદ્ધિ આપે ? ભગવાન તો જ્ઞાનપ્રકાશ છે ખાલી.

(પા.૫)

આપણે તો ભાવ કરવાનો કે મને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાવ. એટલે સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય, આપણે ભાવ કરીએ તો. અને દુર્બુદ્ધિ કરીએ તો આપણી જોખમદારી છે આ બધી ! આપણું જ કરેલું છે આ બધું ને આપણે જ ભોગવીએ છીએ. હોલ એન્ડ સોલ (સમગ્ર) જવાબદારી જ આપણી છે. જ્યારે આ સંસાર ન ગમે તો ભગવાનને યાદ કરવા કે મને તમારી જોડે લઈ લો ત્યારે એ સાથ આપે. ત્યાં સુધી એ સાથ ના આપે, ત્યાં સુધી એ પ્રકાશ આપે. તને ઠીક લાગે એ તારી જોખમદારી પર કર્યા કર. ચોરી કરવી હોય તોય તારી જોખમદારી અને દાન આપવું હોય તોય તારી જોખમદારી. જોખમદારી બધી તારી ! પડી સમજણ ? માણસ કામ કરવાને માટે સ્વતંત્ર છે.

વીતરાગોને પ્રાર્થના સો ગણું થઈને મળે

પ્રશ્નકર્તા : હમણાં આપણે મહાવીર (ભગવાન)ની પ્રાર્થના કરીએ તો (એ) સાંભળે ખરા ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : મહાવીર (ભગવાન)ને લોકો પ્રાર્થના કરે છે મંદિરમાં જઈને, તો પછી પ્રાર્થના કરવાનો અર્થ શો ?

દાદાશ્રી : એ કંઈ સાંભળે નહીં. આપણે મહાવીર થવું છે એટલે આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણે કેવળજ્ઞાની થવું છે, મોક્ષે જવું છે એટલે એ જે રસ્તે ગયા, તે રસ્તે આપણે આવ્યા એટલા માટે જ, તેમનું નામ સંભારીએ. બાકી એ કશું કરે નહીં.

પ્રશ્નકર્તા : તો પછી મહાવીર ભગવાન પ્રાર્થના કરે તેનું સાંભળે કે પ્રાર્થના ના કરે તેનું સાંભળે ? તો સાંભળે કોનું એ ?

દાદાશ્રી : ના, એ સાંભળે તોય કામનું નહીં. વીતરાગ સાંભળે તોય કામનું નહીંને ! આપણે તો પ્રાર્થના કરવાની છે, ભગવાનના નામ પર. વીતરાગ તો કશું કરે નહીંને ! સાંભળે તોય કશું કરે નહીં. એ જાતે હાજર હતાને, તો સાંભળે તોય કશું કરે નહીં. એ તો વીતરાગ, ખટપટ નહીં. તે શું કહે છે વીતરાગ ? કે તેં જે ભાવ કર્યો, જે ભાવ મારી પાસે મોકલ્યો એ ભાવ અમે સ્વીકાર્યો નહીં, એટલે તારી પાસે જ આવે. તે હંડ્રેડ, સો ટાઈમ (ગણો) થઈને પાછો આવે. અમે સ્વીકારતા નથી એટલે એ ભાવ પાછો આવે. એટલે તમે જે પ્રાર્થના કરી હતીને, તે સો ગણું તમને ફાયદો થઈ જાય અને એક માણસે ગાળ દીધી તો સો ગણી ગાળ થઈને પ્રાપ્ત થઈ જાય. કારણ કે અમે સ્વીકારતા નથી એટલે હંડ્રેડ ટાઈમ (સો ગણું) થઈને પાછું જાય, રિટર્ન વિથ થેંક્સ (આભાર સાથે પરત).

પ્રાર્થનાનું ફળ આપે કોણ ?

પ્રશ્નકર્તા : ભગવાનને તો મોહ-માન-માયા કશું હોય જ નહીં, તો પ્રાર્થનાનું ફળ કોણ આપે ?

દાદાશ્રી : ના, પણ એ એમની પાસે નહીં. જેને આ જે સંતો છે ને, ત્યાં આગળ પ્રાર્થના કરે એટલે (એને એ) ફળે, સંસારી વાતો. અને આપણે મુક્ત થવું હોય તો ભગવાનની પ્રાર્થના જોઈએ. મુક્ત એટલે જે મુક્ત પુરુષ હોય, ત્યાં આગળ મુક્તિની પ્રાર્થના હોય અને સંસારની ચીજો જોઈતી હોય તો પછી જે સંતો હોય તેઓ આશીર્વાદ આપે. પોતાને લેવાદેવા વગરના આશીર્વાદ આપે તો (કામ) થઈ જાય.

બધા ફળ મળે છે આપણને. જે ખેતરમાં વાવીએને, તે જ ફળ આવીને ઊભા રહે. એટલે આપણને એમ લાગે કે આ બાજરીમાં મજા ના આવી, તો આ સાલ બંધ કરીને તમાકુ રોપવી. તમાકુમાં મજા ના આવી, તો તુવેરો રોપવી. પણ આપણે જે વાવીએ તેનું ફળ મળે છે આ બધું. આ સંસાર મહીં, ભગવાન તો (પોતાની) અંદર બેઠા છે ને, તે પોતે પ્રકાશ આપ્યા કરે છે. તારે જે જોઈતું હોય, હું તો પ્રકાશ આપીશ અને જો તારે આ દુઃખો ન સહન થતા હોય તો મારી પાસે પ્રાર્થના કરજે, મારી પાસે આવી જા, કહે છે. પણ જ્ઞાની પુરુષ મળ્યા સિવાય શી રીતે આ પાસે જાય ?

(પા.૬)

જ્ઞાની પુરુષ તો પાછા મુક્ત હોવા જોઈએ. આમ બંધાયેલો આપણને છોડાવે શી રીતે ? છોડાવે ખરો ? કોઈ દુખિયો આપણને દુઃખ મુક્ત કરે ? અશાંત માણસ આપણને શાંતિ આપે ? ના આપે. એટલે એના માટે સાચા જ્ઞાની પુરુષ જોઈએ.

પ્રાર્થના કરેલી નકામી જાય નહીં

પ્રશ્નકર્તા : એટલે રોજ હું પ્રાર્થના કરું છું, કે સદ્ગુરુની કૃપા થાય તો હવે આપણને આ બધું પ્રાપ્ત થાય.

દાદાશ્રી : ખરું કહે છે. મહીં પ્રાર્થના કરો છો ને, અત્યારે પ્રાર્થના સાંભળનાર પણ છે. કોઈ દહાડો સાંભળનાર ના હોય તો પણ આપણી પ્રાર્થના જમે થયા કરશે. પ્રાર્થના કરેલી કોઈ નકામી જાય નહીં.

પ્રશ્નકર્તા : મનની પ્રાર્થના ફળે, અનિષ્ટને દૂર કરવામાં ?

દાદાશ્રી : હા. કોઈ પણ તમારા ઈષ્ટદેવ હોય, ગમે તેને તમે પ્રાર્થના કરી શકો. છેવટે દાદાને પણ પ્રાર્થના કરી શકો, કે અમારા કુટુંબની આ ઉપાધિ ટાળો. એ તો હોવું જ જોઈએ. એથી કંઈ વટલાઈ જતા નથી, આપણું જ્ઞાન વટલાઈ જતું નથી.

પ્રાર્થનામાં દેવ-દેવીઓય નિમિત્ત

પ્રશ્નકર્તા : હવે એમાં આ દેવ-દેવી, ઈશ્વરની પ્રાર્થના કરવાથી જે વ્યવસ્થિત આવવાનું છે, એમાં કાંઈ ફેર પડે ખરો ?

દાદાશ્રી : બધું વ્યવસ્થિત છે એ. ડૉક્ટરનું નિમિત્ત હોય તો ડૉક્ટરની દવા લેવી પડે આપણે. એટલે એ પણ નિમિત્ત હોય છે. દેવ-દેવીઓય નિમિત્ત હોય છે. એમનું સાધન કરે તો જ ફળે. એમનો પણ એક એવિડન્સ છે, સમજાય છે ? વ્યવસ્થિતની બહાર કશું નવું થતું નથી. વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.

પ્રશ્નકર્તા : હા, સમજાય છે. એટલે વ્યવસ્થિતના આધારે એમ સમજે કે કોઈ શિક્ષા આપવાની હોય તો પ્રાર્થનાથી એ ઓછી થઈ શકે છે ?

દાદાશ્રી : એ ઓછી થવાને માટે નિમિત્ત છે. જે ઓછી થાય એ આપણે કોઈ કહેશે કે ભઈ, મારે વ્યવસ્થિતમાં જે થવાનું હશે તે થશે છતાંય પણ ડૉક્ટરની દવા પાઈએ તો એનું દર્દ ઓછું થાય કે ના થાય ? બસ, એવી રીતે વ્યવસ્થિતના નિયમમાં જ આવી ગયેલું છે. એ વ્યવસ્થિતના જ છે તે એવિડન્સ છે બધા. આપણને એમ લાગે કે આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે આ ફળ મળ્યું. (ખરેખર) પ્રાર્થના કરતા નથી, પ્રાર્થના થઈ જાય છે. શું થાય છે ?

પ્રશ્નકર્તા : થઈ જાય છે.

દાદાશ્રી : કરવું અને થઈ જવું બે જુદી વસ્તુ છે. જે થઈ જાય છે તે વ્યવસ્થિત કરાવડાવે છે અને કરવું એ કર્તા ઠરે છે. એટલે દેવીઓની પૂજા-બૂજા બધું જેટલું થઈ જાય છે તે વ્યવસ્થિત થઈ જાય છે, કર્તા નથી આપણે. આપણને લાગે છે કે ‘આ હું કરું છું’ એ વ્યવહારથી શબ્દ બોલીએ પણ (આપણે) કર્તા નથી, થઈ જાય છે. કર્તા તો જ્યારે પોતે થાય ત્યારે ત્યાં કર્મ બંધાય હંમેશાં.

જપ-યજ્ઞ નહીં, પ્રાર્થના હોય એ જ પહોંચે

પ્રશ્નકર્તા : હું રામનું નામ દઉં કે કૃષ્ણનું બોલું કે મહાવીરનું, તો એ પહોંચે કોને ?

દાદાશ્રી : પહોંચાડવા માટે નથી બોલતા. એ તો ‘રામ’વાળો, પછી બહુ સ્પીડી બોલેને, એટલે ‘મરા, મરા’ કર્યા કરે. એમાં ‘રામ’ બોલે છે કે ‘મરા’ બોલે છે, શું ખબર પડે આપણને ? એટલે પહોંચાડવા માટે નથી બોલતા.

પ્રશ્નકર્તા : તો એમને પહોંચાડવું હોય તો શું કરવું ?

દાદાશ્રી : પહોંચાડવા માટે એ નથી બોલતા. એ તો જપ-યજ્ઞ કરે છે, એ પોતાની શાંતિ માટે કરે છે.

(પા.૭)

પ્રશ્નકર્તા : તો એમના દેવોને તો પહોંચેને ?

દાદાશ્રી : પ્રાર્થના કરો તો પહોંચે પણ આ જપ-યજ્ઞ કરવાથી ના પહોંચે. પ્રાર્થનાને સ્વીકારેય કરે અને જપ-યજ્ઞ એ તો પોતાની શાંતિ માટે છે. ‘રામ, રામ, રામ, રામ’ કરે, ‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ’ કર્યા કરે, એ છે તે અગર મંત્રો બોલે, તે પોતાની શાંતિ માટે છે.

પ્રશ્નકર્તા : હવે નવકાર મંત્ર જે બોલીએ છીએ, ‘નમો અરિહંતાણં’, ભલે જૈનો ના જાણતા હોય પણ એ સીમંધર સ્વામીને પહોંચે તો ખરો જ ને ?

દાદાશ્રી : એ પ્રાર્થના છે એક. આવા જે કોઈ હોય બ્રહ્માંડમાં તેને હું નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : હા, હા, પણ એ સીમંધર સ્વામીને જાણતો ના હોય તોય પહોંચે તો ખરા જ ને, એમને ?

દાદાશ્રી : એમને પહોંચે એટલે શું ? તમને એનો લાભ મળે ત્યાં પહોંચ્યાનો. વીતરાગોને પહોંચ્યું એટલે, વીતરાગ તો સ્વીકારતા નથી. તીર્થંકરોનું મન સમયવર્તી હોય છે, એટલે એમાં કોઈ વાત આપણી પહોંચે નહીં ને (એમનું) મન સ્વીકારેય નહીં. બીજા બધા એથી નીચેના, અંડરહેન્ડને પહોંચે.

પ્રશ્નકર્તા : એ નહીં, એ રામને તો ભગવાન તરીકે સંભારે છે ને ?

દાદાશ્રી : હા, તે કોણ ના કહે છે તે ? પણ રામ તો એમની મેળે મોક્ષે ગયા. એ રામને શું લેવાદેવા છે ? કશું કોઈ આપે-કરે નહીં. પ્રાર્થના હશે તો મળશે અને પ્રાર્થનામાં એ નથી આપતા, બધું મહીંથી જ મળે છે.

માંહ્યલા ભગવાનને પ્રાર્થના

પ્રશ્નકર્તા : તો આપણે કોને પ્રાર્થના કરીએ છીએ એ આપણે કોને સમજવું ?

દાદાશ્રી : એવું છે ને, જે મોક્ષ સ્વરૂપ છે ભગવાન એને આપણે પ્રાર્થના કરવાની. ભગવાનેય શી રીતે ભેગા થાય તે ? આ ભગવાન તો મહીં બેઠા છે તે સાંભળે છે. કૃષ્ણનું નામ દો કે મહાવીરનું નામ દો કે રામનું નામ દો પણ મહીં બેઠા છે તે સાંભળે છે. બીજા બહારના કોઈ સાંભળવા આવવાના નથી. તમારી મહીં, માંહ્યલો ભગવાન સાંભળશે. એટલે માંહ્યલા ભગવાનને જ સીધી વાત કરો ને ! એમનું નામ શું ? ‘હે શુદ્ધાત્મા ભગવાન !’ એવું કરીને તમે વાત કરજો. બહારવાળાને વળી પાછી દલાલી આપવી ને બધું વહેંચાઈ જાય અને પાછું છેવટે એ તો અહીં જ મોકલી આપે છે. કારણ કે એ પરોક્ષ ભક્તિ કહેવાય. પરોક્ષ એટલે એ પોતે સ્વીકારે નહીં, જેનું હોય તેને મોકલી આપે. એટલે માંહ્યલા ભગવાનને ભજો.

પ્રાર્થનાથી સુધરે ભાવકર્મ અને કર્મનો ભોગવટો

પ્રશ્નકર્તા : દાદા, હું એમ પ્રશ્ન પૂછતો હતો કે જે પ્રારબ્ધ તો બની ગયું છે, કોઈને માંદું પડવાનું છે કે કોઈને કંઈ નુકસાન જવાનું છે, તો પ્રાર્થનાથી એ બદલાય ખરું ?

દાદાશ્રી : એવું છે ને, પ્રારબ્ધના પ્રકાર હોય છે. એક પ્રકાર એવો હોય છે એ પ્રાર્થના કરવાથી ઊડી જાય. બીજો પ્રકાર એવો છે કે તમે સાધારણ પુરુષાર્થ કરો તો ઊડી જાય અને ત્રીજો પ્રકાર એવો છે કે તમે ગમે તેટલો પુરુષાર્થ કરોને ભોગવ્યા વગર છૂટકો જ ના થાય, બહુ ચીકણો હોય. તે કોઈ માણસ આપણી ઉપર, કપડાં ઉપર થૂંક્યો, એને આમ ધોવા જઈએ તો મોળું હોય તો પાણી રેડીએ તો ધોવાઈ જાય. બહુ ચીકણું હોય તો ?

પ્રશ્નકર્તા : ના નીકળે.

દાદાશ્રી : એવી જ રીતે કર્મો ચીકણાં હોય છે. એને નિકાચિત કર્મ કહ્યા.

પ્રશ્નકર્તા : પણ કર્મ બહુ ચીકણું હોય તોય પ્રાર્થનાથી કશો ફેર ના પડે ?

(પા.૮)

દાદાશ્રી : (બીજું) કશું ફેર ના પડે, પણ પ્રાર્થનાથી તે ઘડીએ સુખ થાય. જૂનું કર્મ તો, પ્રારબ્ધ આપણે આ, ‘આવો, પધારો’ કહીએ છીએ. પણ જે નવો પુરુષાર્થ કરો છો, કોઝીઝ, કે ‘અત્યારે કંઈથી મૂઆ !’ એ જે તમે કર્યો તે ઊંધો કરી નાખ્યો. તે હજુ તમારા હાથમાં સત્તા છે. ત્યાં એને ફેરવી નાખો, ભગવાનનું નામ લઈને.

દુઃખ મટે એવી પ્રાર્થનાના સંસ્કાર

પ્રશ્નકર્તા : એક તો ભોગવતો હોય શાંતિથી, ત્યાં પાછું દોઢડાહ્યા થઈને બીજા આવે ને કહે, અરે ! શું થયું, શું થયું ? એનાથી કંઈ થવાનું તો છે નહીં.

દાદાશ્રી : આ જે આપણને જોવા આવે છે ને, એ આપણા બહુ ઊંચામાં ઊંચા સંસ્કારના નિયમના આધારે આવે છે. એ જોવા જવું એટલે શું ? કે ત્યાં જઈને, ‘કેમ છે ભઈ ? હવે તમને કેમ લાગે છે ?’ ત્યારે એ કહેશે, ‘સારું છે.’ પેલાના મનમાં એમ થાય કે ઓહોહો ! મારી આટલી બધી વેલ્યૂ, લોક જોવા આવે છે આટલા બધા ! અને એનાથી દુઃખ ભૂલી જાય. હવે નિયમ એવો હતો કે જોવા જનાર માણસે હંમેશાંય ભગવાનને પ્રાર્થના કરવી કે ‘ભગવાન, એનું વહેલું મટી જાવ’, એવી પ્રાર્થના કરવી, એવું આપણે ત્યાં સંસ્કાર હતા.

પ્રશ્નકર્તા : પ્રાર્થના કરવાથી ભોગવવાની શક્તિ મળે ?

દાદાશ્રી : નહીં, એ તમારે જે દુઃખ આવ્યું છે ને, એ દુઃખમાં સુખનો ભાગ લાગે, પ્રાર્થનાને લઈને. પણ પ્રાર્થના રહી શકવી એ મુશ્કેલ છે. આ સંજોગો ખરાબ હોય અને મન જ્યારે બગડેલું હોય, તે ઘડીએ પ્રાર્થના રહેવી મુશ્કેલ છે. રહે તો બહુ ઉત્તમતા કહેવાય. તે દાદા ભગવાન જેવાને સંભારીને બોલાવો ત્યારે, કે જે શરીરમાં પોતે રહેતા ના હોય. શરીરના માલિક ના હોય એમને જો સંભારીને બોલાવે તો રહે, નહીંતર ના રહે.

પ્રશ્નકર્તા : નહીં તો તે સંજોગોમાં પ્રાર્થના યાદ જ ના આવે ?

દાદાશ્રી : યાદ જ ન આવે. યાદ જ ઉડાડી મેલે, ભાન જ ઊડી જાય બધું.

પ્રાર્થના, માત્ર નિમિત્ત તરીકે

પ્રશ્નકર્તા : આપણે કોઈ માંદું હોય, એના માટે પ્રાર્થના કરીએ છીએ કે સાજો થઈ જાય. અને એ પછી સાજો થઈ જાય ત્યારે કહે કે મેં પ્રાર્થના કરી એનાથી એ સારો થયો.

દાદાશ્રી : એ તો નિમિત્ત કહેવાય, કર્તા નથી પોતે. એટલે એણે પોતાએ એમ ઈગોઈઝમ નહીં કરવો જોઈએ કે મેં પ્રાર્થના કરી તેથી જ તું જીવ્યો. એ તો નિમિત્ત ખાલી. એ જો ડૉક્ટરના હાથે મરી ગયો માટે ડૉક્ટરે માર્યો નથી. અને ડૉક્ટરના હાથે બચી ગયો ને પછી ડૉક્ટર શું કહે છે ? જો મેં બચાવ્યોને ! આ મૂઓ બચાવવાવાળો નીકળ્યો ! ત્યારે તારી મામી કેમ મરી ગઈ કાલે ? અને બાપાને મરવા દીધા ! આટલા બધા લોકોને મરવા દીધા ને પાછો અહીં બચાવવાવાળો !

સાચા હૃદયની પ્રાર્થના હોય તો પહોંચે

પ્રશ્નકર્તા : કોઈ પણ જગ્યાએ ધરતીકંપ થયો હોય કે હુલ્લડ થયું હોય, કુદરતી આફત આવી હોય તો આપણે અહીંયા બેઠા બેઠા એમ પ્રાર્થના કરીએ કે હે ભગવાન ! ત્યાં શાંતિ થાવ અને બધાને હેલ્પ (મદદ) થાય એવું કરો, તો એ પહોંચે છે કે ખાલી એમને એમ ગપ્પું છે ?

દાદાશ્રી : ના, એ પહોંચે. પહોંચે અને આ લોક દુઃખી થાવ એવી ભાવના કરીએ તો એય પહોંચે. સાચું દિલ હોય તો પહોંચે. એ મહીં સત્યતા, મહીં ચોખ્ખું છે કે નહીં, (એના) ઉપર આધાર રાખે છે.

પ્રશ્નકર્તા : જો સાચી, બરોબર અંદરથી પૂરેપૂરી અંતઃકરણપૂર્વક પ્રાર્થના હોય તો, પેલો માંદો હોય તો એના પરિણામ ઉપર અસર કરે ?

(પા.૯)

દાદાશ્રી : ફળેને, પણ એટલો ચોખ્ખો હોય તો ફળે. મુખ્ય સવાલ ચોખ્ખાનો, હાર્ટ (હૃદય)નું ચોખ્ખાપણું એ તો બહુ ઊંચી વાત. હાર્ટ ચોખ્ખું, ‘પ્યૉર’ હાર્ટ. તદ્દન ‘પ્યૉર’ હાર્ટ થવું એ ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : થોડો સ્વાર્થ ભળેલો હોય, એવું બધું હોય એટલે અશુદ્ધિ આવે.

દાદાશ્રી : એ તો બધો મેલ ભરેલો એમાં.

ભગવાનની પ્રાર્થના કાયદાને છેટે મૂકે

પ્રશ્નકર્તા : કર્મના સિદ્ધાંત તો જે નક્કી થયેલા છે, કર્મનું પરિણામ જે નક્કી થયેલું છે એમાં, સાચી પ્રાર્થના કેટલી હદ સુધી અસર કરી શકે ? કેટલા ફેરફાર કરી શકે ?

દાદાશ્રી : એ તો પ્રાર્થનામાં જેટલું હાર્ટ ચોખ્ખું એટલા પ્રમાણમાં.

પ્રશ્નકર્તા : પણ એ અસર કરે ખરી ?

દાદાશ્રી : અસર કરેને, ચોક્કસ અસર કરે.

પ્રશ્નકર્તા : પેલું બદલાય ? તો નિયતિ બદલાઈ જાય ?

દાદાશ્રી : અત્યારે ઉનાળો હોય તોય વરસાદ વરસાવે.

પ્રશ્નકર્તા : આ તો પેલું કો’ક કર્મના બંધનથી બંધાયેલું હોય, એને આપણે મુક્તિ કેવી રીતે અપાવી શકાય ?

દાદાશ્રી : જેટલો ચોખ્ખો અંદર, એટલી અસર થાયને !

પ્રશ્નકર્તા : આપણે કોઈ પણ દર્દ હોય કે કશું પણ ભોગવતા હોય એટલે કર્મનું ફળ કંઈ પણ ભોગવતા હોય, તો આપણે એના માટે સાચા હૃદયથી પ્રાર્થના કરતા હોઈએ તો એ એનું ફળ એને મળે ? બદલી શકાય ?

દાદાશ્રી : ભગવાન પ્રત્યેની પ્રાર્થના છે ને ! બધા કાયદાને છેટે મૂકે, નિયતિના કાયદાને છેટે મૂકી દે.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ પ્રાર્થના કેવા પ્રકારની હોય ? તન-મન ને ધનની હોવી જોઈએ ?

દાદાશ્રી : હા, પ્યૉરિટી, તન-મન-ધનની પ્યૉરિટી હોય તો જ. તન-મન-ધનની (પ્યૉરિટી) જોઈએ. અત્યારે પ્યૉરિટી જ નથી, તેનું જ આ બધું (દુઃખ) છે ને !

સમજણ વગર પણ જ્ઞાની કહે સો કરો

પ્રશ્નકર્તા : આપણે પ્રાર્થનામાં તો રોજ (બધું) બોલીએ છીએ પણ મને કંઈ સમજણ નથી પડતી, એ સમજાવી આપો.

દાદાશ્રી : કશોય વાંધો નહીં. (પણ) સમજણ ના પડે તોય બોલ બોલ કરજોને. એનું પરિણામ આવવાનું છે આપણે. ધંધો લાંબો ના સમજણ પડતો હોય પણ તમે ડિલિંગ કરો છો એટલે પરિણામ આવશે. બધું સમજણ પડે એવું છે નહીં આ. બહુ ઊંડા ઊતરવું નહીં. બહુ ઊંડા ઊતરીએ એના કરતા ઉપલક રહેવું. જ્ઞાની પુરુષ કહે કે આટલું હિતકારી છે એટલું કરજો.

જેમાં પ્રીતિ તેમાં ચિત્ત સ્થિરતા

પ્રશ્નકર્તા : જ્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવા બેસીએ છીએ ત્યારે, ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં આપણું મન તે જ વખતે ભટકવા નીકળે છે.

દાદાશ્રી : એવું છે ને, મનને-ચિત્તને જ્યાં આગળ પ્રેમ હોયને ત્યાં આગળ સ્થિર રહે. પ્રેમ જ ના હોય તો શી રીતે સ્થિર રહે ? હમણે બેંકમાં જાય તો ડૉલર જોડે આખો દહાડોય સ્થિર રહે અને ભગવાન જોડે સ્થિર રહે નહીં. ભગવાન જોડે પ્રેમ જ નથી લોકોને. લોકોને સ્ત્રીઓ ઉપર પ્રેમ છે ને આ ડૉલર ઉપર પ્રેમ છે. બે જગ્યાએ પ્રેમ છે. સ્ત્રીઓમાંય થોડીક જ વાર, ડૉલર (લક્ષ્મી) ઉપર આખો દહાડો પ્રેમ છે.

(પા.૧૦)

એટલે ત્યાં સ્થિર રહે નિરાંતે. બેંકમાં રહે કે ના રહે ? બેંકમાં દસ હજાર ડૉલર, રૂપિયા છૂટા આપ્યા હોય તો ગણવામાં સ્થિર રહે કે ના રહે ?

પ્રશ્નકર્તા : એ તો થોડીક જ વારને !

દાદાશ્રી : ના, ઠેઠ સુધી, દસ હજાર ગણતા સુધી રહે. છોકરો વચ્ચે આવે તોય આમ જુએય નહીં, ખરી વાત કે ખોટી વાત ?

પ્રશ્નકર્તા : તદ્દન ખરી વાત.

દાદાશ્રી : તે આ તો એની ડૉલર ઉપર પ્રીતિ છે. ભગવાન ઉપર જરાય પ્રીતિ નથી લોકોને. ભગવાન ઉપર એક જ દહાડો પ્રીતિ થાયને, તો બધી વસ્તુ તમને મળે. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે જે એને ના મળે, પણ ભગવાન ઉપર પ્રીતિ નથી.

પ્રશ્નકર્તા : ભગવાન ઉપર પ્રીતિ આવે (એ) માટે શું કરવું, દાદા ?

દાદાશ્રી : એને જાણવું જોઈએ કે ભગવાનથી શું મને ફાયદો થશે ? આ ડૉલરથી જેમ ફાયદો થાય છે ને લોકો જાણે છે, એવું આનાથી શું ફાયદો થશે એ બધું જાણવું જોઈએ.

સાચી પ્રાર્થના, એકાગ્રતા સહિત

પ્રશ્નકર્તા : એકાગ્રતા લાવવા માટે શું કરવું જોઇએ ?

દાદાશ્રી : જો એકાગ્રતા ના આવે તો એનું નામ પ્રાર્થના જ ના કહેવાય. અને નામ-જપ કરવાથી જો એકાગ્રતા ના આવતી હોય તો એને નામ-જપ કહેવાય જ નહીં. જરા મોટેથી બોલવું. મોટેથી ‘રામ, રામ’ બોલો તોય ચાલે. ‘મરા, મરા’ બોલો તોય ચાલે, ‘ખીંટી, ખીંટી’ બોલે તોય ચાલે. પણ જોશથી બોલે તો એકાગ્રતા થઇ જાય. ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ બોલો જોઇએ, એ કિર્તન કરીએ છીએ. જે ભગવાન છે તેના કિર્તન કરીએ છીએ. રોકડું, ધીસ ઇઝ ધ કૅશ બેંક. જે માગે એ મળે.

ઉત્તમ, મૌન પ્રાર્થના

પ્રશ્નકર્તા : મૌન પ્રાર્થના સારી કે ભજન સારા ?

દાદાશ્રી : મૌન પ્રાર્થના સારી. બહુ ઉપાધિ હોય, બહુ અશાંતિ હોય તો ભજન સારા. ખૂબ જ અશાંતિ થઈ ગઈ હોય તો ભજન મોટેથી ગા-ગા કરે, તે મહીં ટાઢું પડી જાય. અને જો બીજા કોઈ કારણ માટે જોઈતું હોય તો મૌન પ્રાર્થના જેવી તો વસ્તુ જ નહીં.

પ્રશ્નકર્તા : આપણે ભગવાનનું જે ભજન કરીએ એને પ્રાર્થના કહેવાય કે નહીં ?

દાદાશ્રી : પ્રાર્થના ના કહેવાય..

પ્રશ્નકર્તા : તો શું કહેવાય એને ? ભજન કરીએ એનાથી અધ્યાત્મ ન મળી શકે ?

દાદાશ્રી : જે તમે કરોને, જેનું ભજન કરો તે રૂપ થતા જાવ. ભગવાન, ભગવાન, ભગવાન કરો તો તેવા થતા જાવ.

પ્રશ્નકર્તા : જેનું ભજન કરે, એવા એ થાય અને પ્રાર્થનામાંય પણ એવું છે ને, પ્રાર્થના કરીએ તો શું ?

દાદાશ્રી : એ તો મુશ્કેલીમાં મૂકાયા હોય ત્યારે, ભગવાનની ઉપર હે ભગવાન ! ત્યારે એ પ્રાર્થના (કામ લાગે.)

પ્રાર્થનાની રીતમાં કુદરતી ડેવલપમેન્ટ

પ્રશ્નકર્તા : આપણા મંદિરોમાં, દેરાસરોમાં જે ભજન થાય છે, પ્રાર્થના થાય છે એ બહુ ઊંચે સાદે બોલાય અને મોટો અવાજ કરીને આ પ્રાર્થના કરવામાં આવે છે, જ્યારે આ ક્રિશ્ચિયનના જે ચર્ચો છે તેમાં કે રામકૃષ્ણ મિશન છે કે એવા જે મિશનો છે એમાં બહુ જ શાંત બેસીને પછી પ્રાર્થના કરવામાં આવે છે, તો આ બન્નેમાં કયું સારું ? અને કયું ઉપયોગી ? અને આમ શા માટે છે ?

(પા.૧૧)

દાદાશ્રી : ક્રિશ્ચિયન જેવું આપણે જો કરવા જઈએને તો આપણું નકામું જાય. આપણે જો એવું એકાગ્ર, એવું શાંત ચિત્તે કરીએ તો આપણું કામ થાય નહીં. એ ક્રિશ્ચિયનો જે કરી રહ્યા છે, તેમને માટે એ કરેક્ટ છે અને મુસ્લિમો જે બાંગ પોકારી રહ્યા છે તેય પણ એમને માટે કરેક્ટ છે.

પ્રશ્નકર્તા : દાદા, એનું કારણ સમજાવવું પડશે ને ?

દાદાશ્રી : વૈજ્ઞાનિક કારણ છે. બધું વિજ્ઞાન જ છે આ તો. એ ડેવલપમેન્ટનું વિજ્ઞાન છે. એટલે ક્રિશ્ચિયનને તો એની મેળે ધીમે ધીમે, શાંતિથી બસ એ કરવાનું. એની એટલી જ જરૂર છે, એને બીજું કશુંય નહીં. બહુ સુંદર રીત છે એ અને એ તો કુદરતી રીતે થયેલી છે. એ તો કહેવાય એવું કે આ પોપે ગોઠવ્યું કે ક્રાઈસ્ટે ગોઠવ્યું. ક્રાઈસ્ટ પણ કુદરતનું નિમિત્ત જ છે ને ?

પ્રશ્નકર્તા : એટલે આપણે બધા પણ કુદરતના રમકડા.

દાદાશ્રી : દેહમાત્ર કુદરતના રમકડા જ છે ને. એટલે આ બધું કુદરતનું ગોઠવાયેલું જ છે અને તે એમને માટે ફિટ જ હોય.

ભીખ છે ત્યાં સુધી દુવા ના પહોંચે

પ્રશ્નકર્તા : મનમાં ધાર્યું હોય કે આ કાર્ય કરવું છે ને એ સફળ ના થતું હોય, છતાંય મહીં જે વિલપાવર (સંકલ્પ શક્તિ) છે કે આ કાર્ય સફળ થશે જ, તો એ બરોબર છે ?

દાદાશ્રી : હા, એ બરોબર છે. જો વિલપાવર હશે ને, તો એ કામ થશે જ અને વિલપાવર તૂટી ગયો તો એ કામ નહીં થાય. વિલપાવર ઉપરથી આપણે ભવિષ્ય ભાખી શકીએ કે આ કામ થશે કે આ કામ નહીં થાય. એટલે જે કામ માટે વિલપાવર ના હોય તો એ કામ છોડી દેવું અને વિલપાવર હોય તો એ કામ પકડી રાખવું, એ કામને વહેલું-મોડું પણ થયે જ છૂટકો છે ! તમારો ભાવ અને જોડે દુવા પણ જોઈએ, બેઉ સાથે હોય તો કામ થાય.

પ્રશ્નકર્તા : વિલપાવર કરતાં દુવા આગળ નીકળી જાય ?

દાદાશ્રી : હા, પણ બેઉ સાથે જોઈએ. વિલપાવર ના હોય તો દુવા કશુંય કામ ના કરે. તમારો વિલપાવર અને ‘આ’ દુવા, બે ભેગું થાય તો કામ સફળ થાય. દુવા કોની વધારે પહોંચે ? કે જેને આ જગતમાં કોઈ ચીજ જોઈતી ના હોય, કોઈ ચીજની ભીખ ના હોય. જેને લક્ષ્મીની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, ત્યારે એમની દુવા આપણને પહોંચે. જ્યાં સુધી માનની ભીખ છે, લક્ષ્મીની ભીખ છે ત્યાં સુધી દુવા ના પહોંચે.

સાચી દુવા એ જ ભગવાન

ભગવાન શું કહે છે ? તારે દવાય જોઈશે અને દુવા વગરેય નહીં ચાલે. દવા તો નિમિત્ત છે પણ દુવા તો જોઈશે જ. વખતે દવાનું નિમિત્ત ના મળે તો દુવા હશે તો ચાલશે. માટે દુવા એ ભગવાન છે.

હવે અડચણોમાં બુદ્ધિશાળીઓ તો એમ જ કહે કે આમાં શું વળવાનું છે ? અરે ભઈ, તું શું કરવા શંકા કરે છે નકામો ? શંકા એ જ વાંધો છે. પછી કોઈ વખત બહુ એનો ઉદય ખરાબ હોય તો નાય બને.

તમારું જ તમને પાછું આવે છે

પ્રશ્નકર્તા : આ કહે છે કે ઘણી વસ્તુઓ પ્રાર્થનાથી મેળવી શકાય છે. પોતે જે જે મેળવ્યું એ બધાનું વર્ણન કરે છે. તો એમને સમજવું છે કે આ પ્રાર્થના શું છે, કઈ રીતે થાય અને કઈ પ્રાર્થના હોવી જોઈએ ?

દાદાશ્રી : દઝાયેલો માણસ આ દવા ચોપડવાની એની પ્રાર્થના કરે. એ મોઢે પ્રાર્થના કરે કે મનમાં

(પા.૧૨)

પ્રાર્થના કરે. તે ત્યાર હોરી કો’ક દવા લાવીને આપે એને, એટલે એ જાણે કે ભગવાને મારી પ્રાર્થના સૂણી. પ્રભુ નવરો જ નથી આવી પ્રાર્થના સાંભળવા માટે. આ તો તમારો ને તમારો શબ્દ કાર્યકારી થઈને પાછો આવે છે. પેલો કારણસ્વરૂપે હતો શબ્દ ને આ કાર્યકારી થઈને પાછો આવે છે. હા, બસ, એમાં કંઈ ભગવાન હાથ ઘાલતા નથી. આ તો આ જગતના લોકોને માટે બરોબર છે, લૌકિક વાતો. આમાં આવું કશું છે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, આપણે અહીંયા પ્રાર્થનાનો અર્થ એ વિશે ચર્ચા થઈ’તી થોડાક વખત પર, કે પ્રાર્થના એટલે આપણે ભાન ભૂલેલા વારંવાર ઠેકાણે આવીને અહમ્ કેન્દ્રનો ત્યાગ કરીએ એનું નામ પ્રાર્થના.

દાદાશ્રી : એ બરોબર છે. પણ મારું કહેવાનું કે મૂળ પ્રાર્થનાની વસ્તુ આપણી છે, તે (આપણો જ) પ્રોજેક્ટ છે. એ બીજું કશું છે નહીં.

પ્રશ્નકર્તા : એટલે એ પ્રોજેક્ટ કરવાની જરૂર નથી.

દાદાશ્રી : નહીં, એની મેળે જ, ટાઢ વાય એટલે પ્રોજેક્ટ કરે જ. જરૂર હોય કે ના હોય, પણ કરે જ.

પ્રશ્નકર્તા : બરોબર, એનો પ્રતિકાર કરવાની જરૂર નથી.

દાદાશ્રી : પ્રતિકાર કરવાની જરૂર નથી.

પ્રશ્નકર્તા : પણ છતાંય પ્રાર્થના માટે પ્રભુ કે જ્ઞાની કે ગુરુ, કોઈ પણ માધ્યમ તો જોઈએ છે ને ?

દાદાશ્રી : ખરું, આ તો માધ્યમ લોકો રાખે છે. મનમાં માને છે કે મેં ભગવાનને પ્રાર્થના કરી. કોઈ બાપોય સાંભળતો નથી ત્યાં આગળ. એ તો એના મનમાં શ્રદ્ધા છે, (એ) શ્રદ્ધા ફળે છે. પેલું કારણ છે તે કાર્યરૂપે થઈને પાછું આવે છે અને તે મહીં પુણ્યૈ હોય તો. નહીં તો પાણી પાણી કરતાં મરી જવું પડે.

પ્રાર્થના બહુ ઊંચું સાધન

પ્રશ્નકર્તા : દાદા, હું પ્રાર્થનાનો એવો અર્થ સમજેલો કે ભાન ભૂલેલા આપણે વારંવાર આડાઅવળા રખડતા હોઈએ, તો વ્યવસ્થિત ઠેકાણા ઉપર આવી જઈએ. તો પ્રાર્થના જ એક એવું બળ છે કે આપણું ભૂલેલું ભાન વ્યવસ્થિત રાખે.

દાદાશ્રી : એ તો બધું વ્યવહારિક વસ્તુમાં. વ્યવહારિક વસ્તુમાં પ્રાર્થના કરીએને, તો એ પાછું ઠેકાણે આવી જાય. પણ પ્રાર્થના બહુ આગળ લઈ જાય, ને આ તમારો અર્થ બરોબર છે કે પ્રાર્થના એટલે આનું બધું ચોગરદમથી એકાગ્ર કરી નાખે.

પ્રશ્નકર્તા : રસ્તો ભૂલી જવાનો મનુષ્યનો સ્વભાવ છે. એ ભૂલી ગયેલા રસ્તાને (પાછું) ઠેકાણે લાવવા માટે પ્રાર્થના એક અગત્યનું સાધન છે.

દાદાશ્રી : પ્રાર્થના તો બહુ ઊંચું સાધન છે. આત્મા છેલ્લામાં છેલ્લું શું કહે છે કે તું તારી મેળે જ્યાં સુધી એ કરવું હોય ત્યાં સુધી તું કર અને તને ફાવે ત્યાં સુધી સંસાર કર્યા કર, અને ના ફાવે તો પ્રાર્થના કરજે મને, કે મને તમારા ભેગો કરી લો, અભેદ કરી લો. તો એ પ્રાર્થના મોટામાં મોટી કહેવાય.

પ્રશ્નકર્તા : બરોબર છે. જપયજ્ઞ તો એક ભાવના જ છે ને એ પણ, જેવી ભાવના આપણે ભાવીએ એવું ફળ મળે.

દાદાશ્રી : હા, ફળ મળે.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માની ભાવના અમે ભાવીએ છીએ રોજ, તો અમે શુદ્ધાત્મામાં જ ફરતા થઈ જઈએ એવું તો બને જ ને ?

દાદાશ્રી : હા, બરોબર છે. એટલે પ્રાર્થના તો બહુ કામ કરે.

પ્રાર્થના કોને કહેવી ?

પ્રશ્નકર્તા : પ્રાર્થના કોને કહેવી એય સમજવું જોઈએને ?

(પા.૧૩)

દાદાશ્રી : બે જાતની પ્રાર્થનાઓ : એક સંસારી અર્થ, તે સંસારી પ્રાર્થના ફળે નહીં અને એક પરમાર્થનો અર્થ, તે પરમાર્થનો અર્થ એકલો જ ફળે, બાકી પેલો અર્થ ફળે નહીં. એવી પ્રાર્થના કરીએ ધર્મ સંબંધી, આત્મા સંબંધી તે ફક્ત ફળે.

પ્રાર્થના એટલે આપણને આ બધાથી વિશેષ અધ્યાત્મમાં આગળ વધવાની જે ભાવના થાય છે ને, તે પ્રાર્થના એ બહુ કિંમતી વસ્તુ છે. જો કે સાચી પ્રાર્થના કરવામાં આવેને, તો એને જવાબ મળે છે ને એ પ્રાર્થના પ્રમાણે ફળ મળે છે. પણ પ્રાર્થના એકાગ્રતાપૂર્વક અને ધ્યેયપૂર્વક, માનસી પૂજા (માનસિક ઉપચાર વડે મનોમય ભગવાનની પૂજા કરવી તે) તરીકે હોવી જોઈએ.

અધ્યાત્મ એ જ પ્રાર્થના

પ્રશ્નકર્તા : પ્રાર્થનાનું મૂળ કારણ તો અધ્યાત્મ જ છે ને ? એની પાછળ અધ્યાત્મ જ રહેલું છે ને ? પ્રાર્થના જે કરીએ ભગવાનને, તે કંઈ માગવાની વાત હોય તો જુદી વસ્તુ છે.

દાદાશ્રી : એ અર્થના છે એ સાંસારિક છે, તે ભૌતિક છે અને પ્રાર્થના આધ્યાત્મિક છે. અધ્યાત્મ માટે માગણી કરવી એ પ્રાર્થના કહેવાય. એ પછી ભગવાનની કરો કે બીજા કોઈક જ્ઞાનીની કરો કે ગમે તેની કરો પણ પ્રાર્થના આધ્યાત્મિક છે.

પ્રશ્નકર્તા : હા, એ બરાબર, પણ આપણે ભગવાનનું જે ભજન કરીએ એને પ્રાર્થના કહેવાય કે નહીં ?

દાદાશ્રી : પ્રાર્થના ના કહેવાય..

પ્રશ્નકર્તા : તો શું કહેવાય એને ? ભજન કરીએ એનાથી અધ્યાત્મ માર્ગ, અધ્યાત્મ ન મળી શકે ?

દાદાશ્રી : ભગવાન થતો જાય, જે જે તમે કરોને, જેનું ભજન કરો તે રૂપ થતા જાવ અને આ ‘મારી વાઈફ ખરાબ છે, ખરાબ છે’ તો તેવો થતો જાય.

પ્રશ્નકર્તા : હા, એ બરાબર છે.

દાદાશ્રી : ભગવાન ભગવાન ભગવાન કરો તો તેવા થતા જાવ.

પ્રશ્નકર્તા : જેનું ભજન કરે એવો એ થાય. અને પ્રાર્થનામાંય પણ એવું છે ને, પ્રાર્થના કરીએ તો શું ?

દાદાશ્રી : એ તો મુશ્કેલીમાં મૂકાયા હોય ત્યારે, ભગવાનની ઉપર હે ભગવાન ! ત્યારે એ પ્રાર્થના...

પ્રશ્નકર્તા : પણ મુશ્કેલીમાં મૂકાયા હોઈએ, એટલે મુશ્કેલીમાંથી નીકળવા માટે પ્રાર્થના કરીએને ?

દાદાશ્રી : ત્યારે બીજું શું ત્યારે ?

પ્રશ્નકર્તા : તો આપે કહ્યું કે પ્રાર્થના તે અધ્યાત્મ છે ?

દાદાશ્રી : હા, તે જ અધ્યાત્મ કહેવાય છે.

પ્રશ્નકર્તા : એ જ અધ્યાત્મ !

દાદાશ્રી : હા, તે અધ્યાત્મમાં ઘણી બાબતો આવે છે. સત્યાર્થની ઝંખના એનું નામ પ્રાર્થના. સત્યાર્થ શું ? ત્યારે કહે, આત્મા, શુદ્ધાત્મા, મોક્ષ જે ગણો તે.

હૃદયશુદ્ધિ તો સાચી પ્રાર્થના

પ્રશ્નકર્તા : જગતમાં પ્રાર્થના કરે છે તેનું ફળ તો આવેને ?

દાદાશ્રી : પ્રાર્થના સાચી હોવી જોઇએ. એવો કો’ક જ હોય.

પ્રશ્નકર્તા : સોમાં એક હોય ને ?

દાદાશ્રી : હોય, કોઇ હૃદયશુદ્ધિવાળો હોય તેની પ્રાર્થના સાચી હોય ! પણ પ્રાર્થના કરતી વખતે ચિત્ત બીજે હોય તો તે સાચી પ્રાર્થના ના કહેવાય.

(પા.૧૪)

પ્રશ્નકર્તા : પ્રાર્થના કરીએ તે કોને માટે ને કેવી રીતે કરીએ ?

દાદાશ્રી : પ્રાર્થના એટલે પોતે પોતાની શોધખોળ કરે છે. ભગવાન પોતાની મહીં જ બેઠા છે, પણ તેમની ઓળખાણ નથી તેથી મંદિરમાં કે દેરાસરમાં જઇને દર્શન કરે છે તે પરોક્ષ દર્શન છે.

પ્રાર્થના હોવી જોઈએ હૃદયપૂર્વક

પ્રશ્નકર્તા : મને પ્રાર્થના કેવી રીતે કરાય એ સમજવું છે.

દાદાશ્રી : પ્રાર્થના હૃદયથી હોય. હૃદયથી ભગવાનને પ્રાર્થના કરવાની છે, છેલ્લામાં છેલ્લી પ્રાર્થના. અને બીજું આપણને બહુ દુઃખ હોય સંસારમાં, તો સંસારમાંય પ્રાર્થના કરાય કો’કને, પણ ભગવાનને પ્રાર્થના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : કેવી રીતે કરાય ?

દાદાશ્રી : હૃદયપૂર્વક હોવી જોઈએ. કેટલાકને આંસુ સાથે હૃદયપૂર્વક હોય, ત્યારે એ પહોંચે ત્યાં આગળ અને એનું ફળ મળે.

હેતુ સહિતની પ્રાર્થના ફળે

પ્રાર્થના હેતુપૂર્વક હોવી જોઈએ, કંઈ પણ હેતુ હોવો જોઈએ, એમ ને એમ પ્રાર્થના કરીએ તેનો અર્થ નહીં.

પ્રશ્નકર્તા : દાદા, એમ ને એમ પ્રાર્થના થઈ શકે ?

દાદાશ્રી : એનો અર્થ જ નહીંને, મિનિંગલેસ. પ્રાર્થના એટલે ફોન કરવો. તે પેલો સામો પૂછેને, કે ભાઈ, શા હારુ ફોન કરે છે, તું મને કહેને કંઈક. મોક્ષે જવા માટેય પ્રાર્થના કરવી પડે અને સંસારી ચીજને માટેય પ્રાર્થના કરવી પડે.

પ્રશ્નકર્તા : એમને એવું છે કે આ જે પરમાત્માની ઈચ્છા મુજબનું જ મારું આખું જીવન છે, તો એમાં પછી પરમાત્માની ઈચ્છા વિરુદ્ધ મારે કંઈ પ્રાર્થના કરાય ?

દાદાશ્રી : પરમાત્માને ઈચ્છા જ હોતી નથી. પરમાત્માને ઈચ્છા હોય તો પછી ભિખારી કહેવાય. ઈચ્છા બધી તમારી. ભૌતિક સુખોની ઈચ્છા છે એ તમારી બધી. પરમાત્માને ઈચ્છા ના હોય, એ તો ઈચ્છા-રાગ-દ્વેષથી રહિત છે.

પ્રશ્નકર્તા : હા, એટલે પ્રાર્થના કેવી રીતે કરવી ? તો પ્રાર્થના પર્પઝ (હેતુ) વગર તો હોઈ શકે નહીં, એમ ને એમ તો. તો પ્રાર્થના કરવાની જરૂર છે કે નહીં ?

દાદાશ્રી : કામ ના હોય તો જરૂર નહીં. આપણે તમે અહીં આગળ કોઈને વિનંતી કરો કે સાહેબ, હું તમને વિનંતી કરવા આવ્યો છું, ત્યારે એ કહે, શું કામ છે ? એવું પૂછે છે કે ના પૂછે ? એવું પ્રાર્થના હું કરું છું, તો શું કામ છે, કહી દેને ભઈ. નહીં તો ઊંઘમાંથી શું કરવા મને જગાડ્યો, કહેશે. પ્રાર્થના હેતુ સિવાય કરાય નહીં.

પ્રશ્નકર્તા : કંઈ હેતુ ના હોય તો ?

દાદાશ્રી : હેતુ વગરની પ્રાર્થના, સાંભળે કોણ ? કાં તો ભૌતિક હેતુ હોય કે કાં તો એનો મુક્તિનો હેતુ, પણ કોઈ હેતુ જોઈએ. પ્રાર્થના કોણ કરે ? જેને કંઈ પણ દુઃખ હોય તે પ્રાર્થના કરે. દુઃખ વગરનો કોઈ માણસ પ્રાર્થના કરે નહીં. સમજાયું હું કહેવા માગું છું તે ?

પ્રશ્નકર્તા : એટલે પ્રાર્થના કરવી જોઈએ એવો આગ્રહ હોવો જોઈએ ?

દાદાશ્રી : ના, ના, એવું કંઈ નહીં. તમને જો શાંતિની જરૂર હોય તો કરવી. કંઈક ભૌતિક સુખની જરૂર હોય તો કરવી. નહીં તો મુક્તિમાં જવું હોય, મોક્ષમાં જવું હોય તો કરવી. કોઈ એપ્લિકેશન (અરજી) કરે, તે મહીં લખે કે સાહેબ, હું તો (માત્ર) એપ્લિકેશન

(પા.૧૫)

કરવા માટે જ એપ્લિકેશન કરું છું, તો શું કહે પેલો ? ઊલટા હેડેક (માથાનો દુઃખાવો) કરે. હેતુપૂર્વકની પ્રાર્થના હોય હંમેશાં. હવે વાત સમજાઈને આપને ?

પ્રશ્નકર્તા : આ પ્રાર્થના આપણે કરીએ ત્યારે એમાં ભગવાન પાસે માંગવાનું શું ? ભગવાનને એમની મેળે જ ખબર પડે, આપણે યોગ્ય છીએ એટલે એની મેળે આપે જ ને એ ? પણ માંગવાનું કેમ એમ ?

દાદાશ્રી : આપણામાં કહેવત છે ને, ‘માગ્યા વિના મા પીરસે નહીં.’ માને શું ખબર પડે કે આને આ શાક જોઈએ છે, મૂઆને ? તે પેલો કહે, ‘બટાટાની ભાજી લાવો’ ત્યારે આ મૂકે. એવી રીતે ભગવાનને પ્રાર્થના કરવી પડે. એ વ્યવહાર રાખવો પડે.

આવરણો ભેદાય, પ્રાર્થના થકી

ભગવાનને એટલો જ અધિકાર છે કે તમે (ભગવાનને) પ્રાર્થના બોલો, તો તમને તે વખતે શાંતિ ઉત્પન્ન થશે, મહીં આવરણ તૂટે અને પ્રકાશ થશે. બાકી ભગવાનેય (બીજું) કશું કરી શકે નહીં. એ કો’ક બૈરી વગરનો હોયને, એ કહે કે (ભગવાન), તું મને બાઈડી પૈણાવ, પણ ભગવાન ના પૈણાવે. કોઈ દેવનું પૂતળું જાગ્રત થાય, કોઈ સંતની પૂજા કરે તો (ક્યારેક) થાય એના આશીર્વાદથી પણ ભગવાનનો આશીર્વાદ જ ના હોય.

પ્રશ્નકર્તા : ભગવાનને રહીમ, કરીમ, દયાળુ, માયાળુ એ કહે છે તો કયા હિસાબે ?

દાદાશ્રી : હા, એ રહીમ જ છે. પણ એને પ્રાર્થના કરે તો. જ્યારે પ્રાર્થના કરે ને, તો તે ઘડીએ આનંદ આપે. એને ગાળો ભાંડો તોય કશું વઢે નહીં. પ્રાર્થના કરો તો ફળ આપે.

પ્રતિક્રમણ, અંતરાય તણા

પ્રશ્નકર્તા : મારા તો બહુ અંતરાય છે. વાંચવાની ચોપડી લઉં તો ઊંઘ આવે.

દાદાશ્રી : અંતરાયકર્મ બધાં લઈને આવ્યા હોયને, પણ તેનું આપણે રોજ પ્રતિક્રમણ કરવું કે હે ભગવાન ! આવાં અંતરાયકર્મ મારા દૂર કરો. મારી ઇચ્છા નથી હવે. પહેલા કંઈ ભૂલ કરી હશે, તે અંતરાય આવ્યા. પણ હવે ભૂલ નથી કરવી. એમ કરીને રોજ ભગવાનની(ને) પ્રાર્થના કરવી.

પ્રતિજ્ઞા જોડે પ્રાર્થના હોય તો સ્વીકારે

ભગવાન તો શું જુએ છે ? આત્મબુદ્ધિએ કરીને શું શું ઈચ્છા છે ? આત્મબુદ્ધિમાં કાંઈક રહે, લોકો તો ભગવાન પાસે પ્રતિજ્ઞા કરે, તો પ્રતિજ્ઞા જોડે પ્રાર્થના હોય તો ભગવાન સ્વીકારે. દાદા પાસે પ્રતિજ્ઞા કરી કે આ અભિપ્રાય ક્યારેય નહીં બદલું. મારે મોક્ષે જવું છે. આ અભિપ્રાય ફરી ક્યારેય નહીં બદલું, એવો નિશ્ચય કરું છું, પ્રતિજ્ઞા કરું છું. પ્રતિજ્ઞા ને પ્રાર્થના જોડે હોય. આ પ્રતિજ્ઞા છે એની પ્રાર્થના કરું છું.

પ્રાર્થના હોય અવિરોધાભાસ ભાવે

પ્રશ્નકર્તા : આપણા દેશમાં તો વરસાદ ના પડતો હોય તો પ્રાર્થના કરે એટલે પછી વરસાદ પડે, એ શું સમજાવો ?

દાદાશ્રી : હા, એવું છે ને પ્રાર્થના એ નિમિત્ત છે એમાં. સારું નિમિત્ત હોય અને પ્રાર્થના કરે તો વરસેય ખરો.

આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. તમારે ભાવના કરવી જોઈએ કે ટાઈમ થયો છે (તો) તમે આવો તો સારું. એટલી ભાવના કરવી જોઈએ. પણ આપણા લોકોની ભાવના કેવી વિરોધાભાસ, તમને સમજ પાડું. ખેતરાં પોતાના હોયને એટલે આખો દહાડો ગાયા કરતો હોય વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું, હે ભગવાન, વરસાદ આવે તો સારું. પછી બહાર ગયો હોય ને, તે છત્રી વગર ગયો ને વરસાદ આવવા માંડે તો કહે, હમણાં બંધ રહે તો સારું. હવે આ લોકોનું શું કહેવું ? પછી

(પા.૧૬)

વરસાદ કહે, હું શું કરું ? જે લોકો માગણી કરનારા તે જ આવું કહે છે.

બીજું આ કોન્ટ્રાક્ટરોય કહે છે, મારું સિમેન્ટ બહાર પડ્યો છે, ના આવીશ હમણે. પછી આ ધોબીય કહે છે, મેં કપડાં ધોયા છે ને સૂકવ્યા છે, ના આવીશ. (એટલે વરસાદ કહે), મારે કરવું શું ? અને વરસાદ પબ્લિકને આધીન છે. આ પબ્લિક કંઈ જેવી તેવી ન્હોય. પબ્લિકમાં ભગવાન રહેલા છે. એટલે આપણે આધીન જ છે આ બધું. બીજો કોઈ ઉપરી નથી આમાં.

સત્યનો આગ્રહ એ પોઈઝન

પ્રશ્નકર્તા : એક છે તે કેવળ સત્યને રસ્તે ચાલે છે અને બીજો છે તે પ્રાર્થના કરે છે, તો બેમાંથી કોણ સાચો ? બેમાંથી કોને ભગવાન વહેલા મળે ?

દાદાશ્રી : પ્રાર્થના કરે તેને.

પ્રશ્નકર્તા : ‘સત્ય એ જ ઇશ્વર છે’ એવું કહેવાય છે ને ?

દાદાશ્રી : આ સત્ય ઇશ્વર નથી, આ સત્ય તો ફેરફાર થાય એવું છે. આ તમે માનો છો કે ‘હું ચંદુભાઇ છું’ તેય ખોટું જ છે ને ? આ સત્ય વિનાશી છે, એ ખરું સત્ નથી. ખરું સત્ તો જે અવિનાશી છે, તે જ સત્ છે, તે જ સત્-ચિત્ત આનંદ સ્વરૂપે છે.

આ જગતનું સત્ય કેવું છે ? તમે એમ કહો કે ‘આ માણસને મેં પૈસા આપ્યા છે તે લુચ્ચો છે, આપતો નથી.’ ત્યારે બીજો માણસ તમને કહેશે કે ‘કચકચ શું કરવા કરે છે ? ઘેર જઇને ખઇને, છાનોમાનો સૂઇ જાને નિરાંતે, કકળાટ શું કરવા કરો છો ?’ તમે એને કહો કે ‘કકળાટ કરવો જોઇએ. મારું સત્ય છે.’ તો તમે મોટામાં મોટા ગુનેગાર છો. સત્ય કેવું હોવું જોઇએ ? સાધારણ હોવું જોઇએ. સત્યમાં પ્રમાણિકપણું હોવું જોઇએ. એમાં કોઇને દગોફટકો ના થાય, લુચ્ચાઇ ના થાય, ચોરી ના થાય. નૈતિકતા એટલું જ જોઇએ, બીજા કશાની જરૂર નથી. આ સત્યના પૂંછડા થઇને બેઠેલા ને છેવટે દરિયામાં પડેલા (નાસીપાસ થયેલા) !

સત્યનો આગ્રહ કરવો એ પોઇઝન (ઝેર) છે અને અસત્યનો આગ્રહ કરવો તેય પોઇઝન છે.

એડજસ્ટમેન્ટથી સ્થપાય શાંતિ

પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે કે ના સમજે એ એનો પુરુષાર્થ ?

દાદાશ્રી : આટલી જ જવાબદારી આપણી છે કે આપણે એને સમજાવી શકીએ. પછી એ ના સમજે તો એનો ઉપાય નથી. પછી આપણે એટલું કહેવું કે ‘દાદા ભગવાન ! આને સદ્બુદ્ધિ આપજો.’ આટલું કહેવું પડે. કંઇ એને અદ્ધર ના લટકાવાય, ગપ્પું નથી. આ ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ. અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય ત્યાં તેનો સ્વાદ તો આવતો જ હશે ને તમને ? આ ‘ડિસએડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઇ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઇએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો ‘પોઇઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દોને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે ? માટે બીબી કહે છે કે ‘તમે નાલાયક છો.’ તો કહેવું, ‘બહુ સારું.’

પ્રશ્નકર્તા : આપણને બીબી ‘નાલાયક’ કહે, એ તો સળી કરી હોય એવું લાગે.

દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો ? ‘તું બે વખત નાલાયક છે’ એવું એને કહેવું ? અને તેથી કંઇ આપણું નાલાયકપણું ભૂંસાઇ ગયું ? આપણને સિક્કો વાગ્યો એટલે પાછા આપણે શું બે સિક્કા મારવા ? અને પછી નાસ્તો બગડે, આખો દહાડો બગડે.

(પા.૧૭)

પ્રશ્નકર્તા : ‘એડજસ્ટમેન્ટ’ની વાત છે, એની પાછળ ભાવ શું છે ? પછી ક્યાં આવવું ?

દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે.

પ્રશ્નકર્તા : છોકરાં વાંકા ચાલે તો શું કરવું ?

દાદાશ્રી : છોકરાં વાંકે રસ્તે જાય તોય આપણે એને જોયા કરવું ને જાણ્યા કરવું. અને મનમાં (એના માટે સારો) ભાવ નક્કી કરવો. અને છેવટે પ્રાર્થનાનું ‘એડજસ્ટમેન્ટ’ (લેવું). પ્રભુને પ્રાર્થના કરવી કે આના ઉપર કૃપા કરો, ને ‘રિલેટિવ’ સમજી ઉપલક રહેવું !

ત્યાં પ્રતિક્રમણથી પાછા વળો

પ્રશ્નકર્તા : છોકરાંઓને કહેવા જેવું લાગે તો વઢીએ, તો એને દુઃખ પણ લાગે તો શું કરવું ?

દાદાશ્રી : પછી આપણે અંદર માફી માગી લેવી. એને વધારે પડતું કહેવાઈ ગયું હોય ને દુઃખ થઈ ગયું હોય તો તમારે કહેવું કે માફી માગું છું. એવું ના કહેવા જેવું હોય તો અતિક્રમણ કર્યું એટલે અંદરથી પ્રતિક્રમણ કરો. તે તમે તો ‘શુદ્ધાત્મા’ છો. તે તમારે ચંદુલાલને કહેવું કે ‘પ્રતિક્રમણ કરો.’ તમારે બેઉ જુદા ભાગ રાખવા. આપણે ખાનગીમાં અંદર પોતાની જાતને બોલીએ કે ‘સામાને દુઃખ ના થાય’ એવું બોલજો. અને તેમ છતાં છોકરાને દુઃખ થાય તો ચંદુભાઈને કહીએ કે ‘પ્રતિક્રમણ કરો.’

ઘરમાં આરતી-પ્રાર્થના સીંચે સંસ્કાર

(તમારે ઘરમાં) નાનાં છોકરાં-છોકરીઓને સમજાવું કે સવારે નાહી-ધોઈને ભગવાનની પૂજા કરવી, ને રોજ ટૂંકામાં બોલે કે ‘મને તથા જગતને સદ્બુદ્ધિ આપો, જગતકલ્યાણ કરો.’ આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય અને મા-બાપનું કર્મબંધન છૂટ્યું. બીજું છોકરાંને આ તમારે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ રોજ બોલાવવા જોઈએ. પહેલું બે-ત્રણ દહાડા જરા વાંકા-ચૂકા થાય, પણ પછી બે-ત્રણ દહાડા પછી રાગે પડ્યા પછી, મહીં સ્વાદ ઉતર્યા પછી એ ઊલટાં સંભારે.

પ્રશ્નકર્તા : ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું ?

દાદાશ્રી : આરતી કરીએ, એનું મહત્વ બીજું કંઈ નહીં, આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ, અહીં મારી હાજરીમાં જે મળે ને એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પણ પેલું તો આપણું ગોઠવણીવાળું. પણ તોય આરતીનું ફળ બહુ ઊંચું મળશે, ઘરે કરશે તોય. એટલે બધાએ ગોઠવી દીધેલું બધું. આખો દહાડો દુષિત વાતાવરણ ઊભું ના થઈ જાય ને નર્યા ક્લેશના વાતાવરણવાળા ઘરો છે. હવે તેમાં આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો કંઈક છોકરાં ને ઘરના બધામાં ફેર પડી જાય. અને આરતીમાં છોકરાં-બોકરાં બધા ઊભાં રહે, એટલે એ છોકરાંનાં મન સારા રહે પછી. અને અકળાયેલાં છોકરાં હોય ને, તે છોકરાંને શું ? આ તાપ, અકળામણ અને બહારના કુસંગ. તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આપણું આ છે ને, તે ઠંડક આપે, તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે આ. બહુ સુંદર છે. કેટલાંક તો બે વખત કરે છે, સવારમાં ને સાંજે. ‘વિધિ-આરતી-અસીમ જય જયકાર હો’ એ બધું. એટલે છોકરાં બધા રેગ્યુલર થઈ જાય ને ડાહ્યા થઈ જાય.

સામાના હિત માટે પ્રાર્થના

પ્રશ્નકર્તા : કોઈ બે જણા લડતાં હોય, આપણે એના માટે પ્રાર્થના કરીએ કે દાદા ભગવાન, એનું ભલું કરજો, એને સદ્બુદ્ધિ આપજો એવું કહેવું સારું કે પછી આપણે પેલું કહીએ છીએ કે ભગવાન, એને સદ્બુદ્ધિ આપજો, એને સારું કરજો એ કહેવું સારું ?

દાદાશ્રી : ભગવાન સદ્બુદ્ધિ આપજો તેય સારું ને આ દાદા ભગવાન સદ્બુદ્ધિ (આપજો) તેય

(પા.૧૮)

સારું. બન્નેય સારી વાતો છે. એવું છે ને, મા-બાપ હંમેશાય છે તે ‘છોકરાનું ભલું થજો, ભલું થજો’ એમ કર્યા કરે. ગુરુ હોય તોય ‘ભલું થજો, ભલું થજો’ એમ કર્યા કરે. બીજા લોકોથી ના કહેવાય. બીજા લોકોને તો એવું એટલું મહીં પોતાના હૃદયમાં એ બળ નહીંને ! પણ આશીર્વાદ આપવું એ તો બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે.

આ દવાખાનામાં રોજ જોવા જાયને, તે બધા કહે કે આને મટી જાય તો સારું, ભલું થજો. કોઈ એમ ના કહે કે વ્યવસ્થિતમાં જે હોય તે. એવું કહે તો મારે એને ઊલટો.

પ્રશ્નકર્તા : હા, એનું ભલું થજો.

દાદાશ્રી : એટલે આશીર્વાદ જ અપાય. દરેક બાબતમાં નિયમ જ એવો. ‘વ્યવસ્થિતમાં હોય તો...’, એ આપણે લેવાદેવા ના હોય એના જેવી વાત થઈ કહેવાય. સૌનું સારું થજો, ભલું થજો, એમાં પોતાનું સારું થાય જ. સામાને સુખ થાય એવી પ્રાર્થના કરાયને ! સાચા દિલની પ્રાર્થના અફળ ના જાય.

વાણીથી થતી હિંસામાં પ્રાર્થનાનું બળ

આ (તમે કોઈને) કડક શબ્દ કહ્યો (હોય), તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદન વાગ્યા કરશે. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ, પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મહીં ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દહાડો કકળાટ જ માંડે છે. અને લોકોને બોલતાં ક્યાં આવડે છે ? બેભાનપણે બોલે. એમાં (એવો) એમનો ઇરાદો નથી, કશી ઇચ્છા નથી. આ જીવોને ભાન જ નથી હોતું ને, શું બોલવું તે ! પોતાની વહુનું હઉ અવળું બોલે. પોતાનું હઉ અવળું બોલેને ! ‘હું નાલાયક છું, બદમાશ છું’ એવું હઉ બોલે, ભાન વગરનું બોલે. એને મનમાં જમે નહીં રાખવાનું. ‘લેટ ગો’ કરીને ચાલવા દેવું. આનું નામ કરુણા કહેવાય. કરુણા કોને કહેવાય ? સામાની મૂર્ખાઈ પર પ્રેમ રાખવો, તેને. મૂર્ખાઈ પર વેર રાખે, તે જગત આખુંય રાખે છે.

પ્રશ્નકર્તા : બોલતાં હોય ને, ત્યારે એવું લાગે નહીં કે આ મૂર્ખાઈ કરે છે.

દાદાશ્રી : એ બિચારાના હાથમાં સત્તા જ નહીં. ટેપરેકર્ડ ગાયા કરે. અમને તરત ખબર પડે કે આ ટેપરેકર્ડ છે. જોખમદારી સમજતો હોય તો બોલે નહીં ને !

પ્રાર્થના થકી ઉપજે સ્યાદ્વાદ વાણી

પ્રશ્નકર્તા : નવ કલમોમાં આવે છે, સ્યાદ્વાદ વાણી બોલવી જોઈએ. પણ વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ એવી નીકળવાની હોય તો નીકળે, આ બેનો મેળ શી રીતે બેસે ?

દાદાશ્રી : જે વ્યવસ્થિત શક્તિ હજુ સમજ્યો નથી, આ ‘જ્ઞાન’ લીધું નથી, તેને વાણી વ્યવસ્થિત શક્તિ મુજબ હોતી નથી. કારણ કે એને અહંકાર ખુલ્લો રહ્યો ને ! એટલે ધારે એવી ફેરવી શકે. ભગવાનને પ્રાર્થના કરે કે મારી વાણી કોઈને તંતીલી ના લાગે, કોઈને કઠોર ના લાગે, એવી પ્રાર્થના કરે ત્યારે એમ કરતી કરતી સ્યાદ્વાદ થતી જાય. પણ જેણે જ્ઞાન લીધેલું હોય, એને ડિસ્ચાર્જ એકલું જ રહ્યું એટલે એની વાણી વ્યવસ્થિત પ્રમાણે નીકળે. એ એનો નિકાલ કરી નાખવાનો. એ ફરી હવે નવું સંઘરતો નથી, પેલો સંગ્રહ કરે છે.

પસ્તાવા સાથે પ્રાર્થના છોડાવશે હિંસક કર્મો

પ્રશ્નકર્તા : આ એગ્રિકલ્ચર (ખેતીવાડી) કોલેજમાં અમારે ભણવા માટે પતંગિયા પકડવા પડે છે અને એને મારવા પડે, તો એમાં પાપ બંધાય ખરું ? પકડીએ નહીં તો અમને માર્કસ ના મળે પરીક્ષામાં, તો અમારે શું કરવું ?

(પા.૧૯)

દાદાશ્રી : તો ભગવાનને રોજ એક કલાક પ્રાર્થના કરો કે ભગવાન ! આ મારે ભાગે આવું ક્યાંથી આવ્યું ? લોકોને, બધાને કંઈ આવું હોય છે ? તારે ભાગે આવ્યું તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ‘હે ભગવાન ! ક્ષમા માગું છું. હવે આવું ન આવે એવું કરજો.’

પ્રશ્નકર્તા : એટલે આમાં જે પ્રેરણા દેનાર માસ્તર હોયને, તે અમને એવા પ્રેરે કે તમે આ પતંગિયા પકડો ને આ રીતના આલ્બમ બનાવો, તો એમને કંઈ પાપ નહીં ?

દાદાશ્રી : એનો ભાગ પડે, પ્રેરણા આપે તેને સાંઈઠ ટકા અને કરનારને ચાલીસ ટકા !

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુ જે થઈ રહેલી છે એ વ્યવસ્થિતના નિયમ પ્રમાણે એ બરાબર ન ગણાય ? એ નિમિત્ત થયા ને એમને કરવાનું આવ્યું, તો પછી એમને ભાગે પાપ કેમ રહે ?

દાદાશ્રી : પાપ તો એટલા જ માટે થાય છે કે આવું કામ આપણે ભાગ ના હોવું જોઈએ છતાં આપણે ભાગે આવું આવ્યું ! બકરા કાપવાનું ભાગે આવે તો સારું લાગે ?

પ્રશ્નકર્તા : સારું તો ના લાગે પણ દાદા, કરવું જ પડે એવું હોય તો ? ફરજિયાત કરવું જ પડે, છૂટકો જ ના હોય તો શું ?

દાદાશ્રી : પસ્તાવાપૂર્વક કરવું પડે તો જ કામનું છે. એક કલાક પસ્તાવો કરવો પડે રોજ, એક ફૂદું બનાવી આપ જોઈએ ? ફોરેનના સાયન્ટિસ્ટ એ બનાવી આપશે એક ફૂદું ?

પ્રશ્નકર્તા : ના, એ તો શક્ય જ નહીં ને, દાદા !

દાદાશ્રી : તો પછી બનાવી ના શકીએ તો પછી મારી શી રીતે શકીએ ?

એ લોકોએ, બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને, કે અમારે ભાગે આ ખેતીવાડીનો ધંધો ક્યાંથી આવ્યો ? ખેતીવાડીમાં તો નરી હિંસા જ છે પણ આવી નહીં, આ તો ઉઘાડી હિંસા.

પ્રશ્નકર્તા : બહુ સરસ નમૂનો લઈ આવે મારીને, તો પાછાં ખુશ થાય કે હું કેવો મારી લાવ્યો, કેવો સરસ નમૂનો મળ્યો ! કેવું સરસ મેં પકડ્યું ! તેના વધુ માર્ક મળે.

દાદાશ્રી : ખુશ થાયને ! ત્યાં આગળ એટલું જ કર્મ લાગશે, એનું ફળ આવશે પાછું. જેટલા ખુશ થયા એટલું જ કડવાટ ભોગવવી પડશે.

અહિંસા અનુમોદાય, ભાવના-પ્રાર્થનાથી

હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌ હત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે કંઈ બીજા જોડે લડી મરવાની જરૂર નથી. કોઈ કહે કે ‘અમારા ધર્મમાં કહ્યું છે કે અમારે માંસાહાર કરવો.’ આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે.

પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કો’ક માણસ જો ના સમજતો હોય તો આપણે એને સમજાવવો. બાકી આ હિંસા તો આજથી નથી, એ તો પહેલેથી ચાલુ જ છે. આ જગત એક રંગનું નથી.

સેલ્ફ રિયલાઈઝ પછી કશું નથી કરવાનું

પ્રશ્નકર્તા : આ દરેક લોકો જુદી-જુદી રીતે કોઈ નમાજ પઢે, કોઈ પ્રાર્થના કરે, કોઈ ધ્યાન કરે, કોઈ ઘંટડી વગાડે, કોઈ સેવાપૂજા કરે, તો આપણે પોતે જ તે હોઈએ, તો પછી આ પ્રાર્થના કે નમાજ કે બંદગી કરવાની કશી જરૂર ખરી ?

દાદાશ્રી : જો તમે ચંદુભાઈ છો, તો તમને

(પા.૨૦)

જે તમારી બુદ્ધિ પ્રમાણે (સૂઝે તે પ્રમાણે) તમારે કોઈ પણ જાતની પ્રાર્થના કરવાની. તમે ચંદુભાઈ છો ત્યાં સુધી આ બધું કરવાનું છે અને જો તને સેલ્ફ રિયલાઈઝ થઈ જાય તો તમારે કશું કરવાનું રહેતું નથી. કારણ કે તમે પોતે જ પોતાના સ્વરૂપ થઈ ગયા, પ્રકાશ સ્વરૂપ. આ અંધારા સ્વરૂપ છે અત્યારે તો. અંધારા સ્વરૂપ એટલે બુદ્ધિથી ચાલે છે તમારું ગાડું અને તમે પોતે સેલ્ફ (આત્મા) થઈ જાવ તો કશું (રહેતું) નથી.

અંતર્યામી ભગવાનને પ્રાર્થના

તને ગમે છે અંદરના ભગવાન ? મહીં બેઠા છે. અંતર્યામી ભગવાન. એમને પ્રાર્થના કરવી કે હે અંતર્યામી ભગવાન, મને મનની મજબૂતી આપો, તો મજબૂતી આપશે. અને શ્રદ્ધા પણ આપો, તે આપશે. હવે અંતર્યામી ભગવાનની પ્રાર્થના કરવાની છે. આપણે બહારના ભગવાનની તપાસ ના કરીશ, તું અંદરના ભગવાનની તપાસ કર.

હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે.

હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.

અજ્ઞાનતાએ કરીને મેં જે જે (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા.) દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો !

હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.

પ્રાર્થનામાં જાગૃતિ લાવે ફેરફાર

હવે એ પ્રાર્થના જે ઊંઘમાં કરે છે એ ખોટું છે એવી જે જાગૃતિ રાખે તો એનો પુરુષાર્થ સારો (એવો) ફેરફાર થઈ જાય. નહીં તો જાગૃતિ ના રાખે તો એવી ને એવી પાછી ફિલમો પડ્યા કરે.

પ્રશ્નકર્તા : આ જાગૃતિ રાખવાની બુદ્ધિ સૂઝે ક્યારે ? બુદ્ધિ એવી સૂઝવી જોઈએને જાગૃતિ રાખવાની ?

દાદાશ્રી : જાગૃતિ આવે જ નહીંને ! જાગૃતિ ક્યારે આવે કે એને એ કર્મોથી દુઃખ પડે, ત્યારે ભગવાનને પ્રાર્થના કરે કે ‘હે ભગવાન, આવા કર્મથી બચાવ’, ત્યારે જાગૃતિ આવે. એટલે એ ભગવાનનું નામ દેવાથી જ જાગૃતિ આવે. ભગવાન જાગૃતિ આપે નહીં. ખાલી નામ લેવાથી જ જાગૃતિ આવે.

પ્રશ્નકર્તા : આપણા ધર્મગ્રંથોમાં લખ્યું છે કે જેટલી વધારે માળા કરો એટલી વધારે જાગૃતિ આવે એ વાત સાચી ?

દાદાશ્રી : સાચી માળા હોય તો આવે, માટે માળા સાચી હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : સાચી માળાની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : ઉપયોગપૂર્વક હોવી જોઈએ. એટલે માળામાં જ આપણું મન હોવું જોઈએ. મન બહાર જાય તે સાચી ના કહેવાય.

‘દાદા’ એ તો છે નિમિત્તમાત્ર

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રાર્થના કરે તો એનું કંઈક કર્મ ઓછું થયું હશે કે એવું કંઈક તો થયું હશેને ?

દાદાશ્રી : ના, એ તો નિમિત્ત છે. એ થવાનું હોય ત્યારે આ દાદા યાદ આવે. નિમિત્ત એમનું ને એ નિમિત્તથી બોલવાથી જ આપણને ફળ મળે. પણ એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એક

(પા.૨૧)

એવિડન્સ છે, એ પોતે કરતા નથી. ત્યાં વીતરાગોની પાસે ચાર આનાય નથી. લોકો એની પાસે પૈસા ખોળે, સ્ત્રીઓ ખોળે, છોકરા ખોળે તે કશું એમની પાસે હોય જ નહીં. વીતરાગતા હોય, રાગ-દ્વેષ રહિતપણું, નિર્ભય, સંપૂર્ણ ઈન્ડિપેન્ડન્ટ.

પ્રાર્થ્યું તે આપ્યું ભગવાને, હવે બીજું શું ?

પ્રશ્નકર્તા : દાદાને મળ્યા પહેલા મંદિરમાં જઈને મૂર્તિ પાસે ભગવાન પાસે માગણી કરતો કે જેણે આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે એના જ દર્શન થાવ. મને આત્માના દર્શન કરાવે. તો દાદા મળ્યા, પણ હવે મારે શું માગણી કરવાની ત્યાં ? હવે એ પ્રભુ પાસે મારે શું માગણી કરવાની ?

દાદાશ્રી : હવે ફરી માગણી કરો તો ચિડાય ઊલટા કે ભાઈ, તને જોઈતું હતું એ આપી દીધું, પાછો ફરી આવ્યો ?

પ્રશ્નકર્તા : તો હવે શું પ્રાર્થના કરવી ?

દાદાશ્રી : પ્રાર્થના કરવાની રહી જ નહીંને ! એ કરવાની રહી જ ક્યાં ? અહીં દાદા પાસે આવી જ જવાનું. કારણ તમને જોઈતું એ આપી દીધું. જે ઈચ્છા કરી હતી દેવલોકો પાસે, તે આપણી ઈચ્છા પૂરી કરી. હવે ત્યાં જઈને તેમને કહેવાનું કે ભગવાન ! તમારો ઉપકાર ઘણો, અનંત ઉપકાર તમારો બસ. મળી ગયું, કહીએ.

પ્રશ્નકર્તા : અનંત ઉપકાર આપના દાદા.

સાચા દિલની પ્રાર્થનામાં જ્ઞાનીનો ભેટો

પ્રશ્નકર્તા : સાચા દિલની પ્રાર્થના સંયોગ ભેગો કરી આપે.

દાદાશ્રી : હિંદુસ્તાનમાં ગમે ત્યાં ઘેર બેઠા પ્રાર્થના કરતા હોય તો મને ભેગો કરી આપે સાચા દિલની હોય તો. ‘દિલની જોઈએ, બુદ્ધિની નહીં.’ દિલ લગી, એ સાચું દિલ. એ તો તૂટે નહીં જલ્દી. ‘દિલ લગી’ કહે છે ને, નથી કહેતા !

પ્રશ્નકર્તા : ‘દાદા ઘણું જીવો’ તેવી પ્રાર્થના થઈ શકે ? અને તે કરીએ છીએ તે બરોબર છે ?

દાદાશ્રી : એ પ્રાર્થનાના આધારે તો હું જીવું છું.

બાવાની શુદ્ધાત્માને પ્રાર્થના

તમે બાવા થઈને તમારા ‘હું’ને (દાદા ભગવાનને) કહો કે હે દાદા ભગવાન, જ્ઞાની બાવાને ચાર-પાંચ વર્ષ આ દેહમાં કાઢવા દો. આ બધા અહીં લોકોના કામ પૂરા થઈ જાય.

પ્રશ્નકર્તા : હા, દીર્ઘાયુષ્ય આપજો દાદાને.

દાદાશ્રી : ફરી આ સંજોગ ભેગો નહીં થાય એટલા માટે બૂમ પાડું છું. આ જે સંજોગ છેને, એ ટોપમોસ્ટ સંજોગ છે. ફરી ભેગો નહીં થાય એટલા માટે કહે કહે કરું. કારણ કે તમે જાણતા નથી. હું જાણું છું, આ સંજોગ કેવો છે !

આ કોણ બોલે છે ? મંગળદાસ (એ.એમ.પટેલ) બોલે છે. તે આ બાવો (જ્ઞાની પુરુષ) કેવા છે એનું બોલે છે ! આ જ્ઞાની બાવાના કહ્યા પ્રમાણે રહ્યાને તો આરપાર પહોંચાશે ! આ જ્ઞાની બાવો એવો છે ખરેખર !

પ્રશ્નકર્તા : દાદા ભગવાન ચાહે સો કરી શકે છે !

દાદાશ્રી : પણ એ તો બાવાની વાત કરો છો ? પણ ભગવાન રાજી હોય તો જ બાવો કરી શકેને ? કરવાનું કામ બાવાનું, પણ રાજી થવાનું કોને ?

પ્રશ્નકર્તા : રાજી થવાનું દાદા ભગવાનને.

દાદાશ્રી : એટલે કરજો એટલી ભાવના.

પ્રશ્નકર્તા : હા, દાદા. બધા પ્રાર્થના કરે તો બને કામ.

પ્રત્યક્ષની હાજરીમાં પ્રાર્થના રૂબરૂ

પ્રશ્નકર્તા : હું પ્રાર્થના કરું કે દાદા, મારી આ

(પા.૨૨)

ગાંઠો હલકી થાય અને હું આમાંથી મુક્ત થઉં, એ ભાવના કરી શકાય બેઠા બેઠા સામે સામે ? અને ખબર તો હોય જ કે કઈ ગાંઠો છે.

દાદાશ્રી : હા, એ બધું જે કામ કરીએ એ તો મારી રૂબરૂમાં થઈ જાય.

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુનો લોભ હોય, કે દાદા પાસે આશીર્વાદ માગવાથી ઓછી થાય, જલદી થાય કે તમારી સામે બેસીને મનમાં માગ માગ કરીએ તો ?

દાદાશ્રી : મનમાં કરે તોય થઈ જાય. પોતે આ અભિપ્રાયથી મુક્ત થવો જોઈએ મારી હાજરીમાં, કે મને લોભ ગમતો નથી હવે. એટલે તમારું ઓછું થઈ ગયું. મારી સાક્ષીએ હોવું જોઈએ. એકલા એકલા કરીએ તો ચાલે નહીંને ! એ તો કંટાળીનેય બોલે કે બળ્યું, આ લોભ નથી સારો.

પ્રશ્નકર્તા : તમે જ્યારે ફિઝિકલી હાજર હોવ નહીં ત્યારે તમારા ફોટાની સામે બેસી અને બોલીએ કે દાદા, મારી આ વસ્તુઓથી મને મુક્ત કરો એવી મારી દ્રઢ ઈચ્છા છે. તો એ પરિણામ પામે ખરીને ?

દાદાશ્રી : હા, તોય એ સાક્ષી કહેવાય. પણ આના જેવી નહીં, રૂબરૂ જેવી નહીં. રૂબરૂની, વાતાવરણની અસર થાય પ્રત્યક્ષના.

આમ, જ્ઞાનીનેય પ્રાર્થનાની જરૂર

પ્રશ્નકર્તા : જ્ઞાનીને પણ પ્રાર્થનાની જરૂર ખરી ? શા માટે ?

દાદાશ્રી : જ્ઞાની છે તે જેટલા અંશે ઓછા હોય, અપૂર્ણ હોય, એટલા અંશે એમને સ્તુતિની જરૂર, સ્તુતિ કોની કરવાની ? પૂર્ણાંશવાળા, સંપૂર્ણ અંશ, જે સર્વાંશ હોય, તેની સ્તુતિ કરવાની. એટલે જ્ઞાનીને જરા કંઈક ખૂટતું હોય તો એય પોતે કરે, સ્તુતિ મહીંવાળા ભગવાનની. એ સર્વાંશ છે અને વ્યવહારથી જુદા જુદા છે અને નિશ્ચયથી એક જ છે.

પ્રાર્થનાથી શાંતિ થાય પણ મોક્ષ ના થાય

પ્રાર્થના કરો તે ઘડીએ ભગવાન હાજર થાય, બીજું કશું નહીં. આવરણ ખસી જાય ત્યારે તમને સુખ વર્તે. પ્રાર્થના કરી... એનો અર્થ તો તમે કરો જ છો આ સંસારનો પણ પ્રાર્થ એટલે શું ? વિશેષ અર્થ. તે ભગવાનને પ્રાર્થના કરી કે તરત આ સ્વરૂપ ઉત્પન્ન થાય, શાંતિ ઉત્પન્ન થાય પણ એ મોક્ષે ના લઈ જાય. મોક્ષ તો અજ્ઞાન ફીટે અને જ્ઞાન થાય (તો થાય). અજ્ઞાન જાય તો બધું જાય આ. અજ્ઞાન (જાય) એટલે ‘હું કોણ છું’ એ ભાન થાય તો આ બરકત આવે, નહીં તો કોઈ દહાડો બરકત આવે નહીં.

જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે

જે અજ્ઞાન ઉપર (વધારે) શ્રદ્ધા બેઠી હોય તો એ ક્રિયા બહુ વાર ચાલે ને થોડી શ્રદ્ધા હોય તો તે ક્રિયા સપાટાબંધ ઊડી જાય. સહેજ અજ્ઞાન હોય તો તે વહેલું ઊડી જાય. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં એને પુદ્ગલ શક્તિઓ વપરાય છે ને જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના કરવી પડે છે કે મને આ શક્તિઓ આપો. અજ્ઞાનનું જ્ઞાન જાણવામાં તો પુદ્ગલ શક્તિઓ એમ ને એમ મળ્યા જ કરે છે; જ્યારે જ્ઞાન માટે એવી શક્તિઓ મળતી નથી. અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય એમાં પુદ્ગલની શક્તિઓ સહેજે મળ્યા જ કરે છે; જ્યારે એનાથી વિરુદ્ધ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય માટે શક્તિઓ માગવી પડે. એ જ્ઞાન-દર્શનથી જાણી, શ્રદ્ધાથી શક્તિઓ માગવાથી શક્તિઓ મળે છે. નીચે ઉતારી પાડનારું અજ્ઞાન છે અને તેમાં પુદ્ગલ શક્તિઓ આવ્યા જ કરે છે. જ્યારે ઊંચે ચઢાવનારું જ્ઞાન છે, તે પુદ્ગલ વિરોધી હોવાથી શક્તિઓ માંગવી પડે તો જ ઊંચે ચઢાય.

પ્રશ્નકર્તા : એ જ્ઞાનનું જ્ઞાન જાણવામાં પ્રાર્થના એટલે શું ?

દાદાશ્રી : પ્રાર્થના એટલે જ્ઞાની પાસે માંગણી કરવી, વિશેષ જાતની માંગણી કરવી. પ્રાર્થના એટલે સાચા સ્વાર્થની માંગણી કરવી, સાંસારિક સ્વાર્થ નહીં.

(પા.૨૩)

સાચો સ્વ એ પોતે આત્મા અને તેના અર્થને માટે માંગણી કરવી એ સ્વાર્થની માંગણી. એ સાચો સ્વાર્થ કહેવાય.

પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડે

પ્રશ્નકર્તા : ઊંચે ચઢવા માટે આ શક્તિઓ કઈ રીતે માગવી ને કોની પાસે માંગવી ?

દાદાશ્રી : પોતાના શુદ્ધાત્મા પાસે, ‘જ્ઞાની પુરુષ’ પાસે શક્તિઓ મંગાય અને જેને સ્વરૂપનું જ્ઞાન ના હોય તે પોતાના ગુરુ, મૂર્તિ, પ્રભુ જેને માનતો હોય તેની પાસે શક્તિઓ માંગે. જે જે પોતાનામાં ખોટું દેખાય તેનું ‘લિસ્ટ’ કરવું જોઈએ ને તે માટે શક્તિઓ માંગવી. શ્રદ્ધાથી, જ્ઞાનથી જે ખોટું છે તેને નક્કી કરી નાખો કે આ ખોટું જ છે. તેનાં પ્રતિક્રમણ કરો. ‘જ્ઞાની’ પાસે શક્તિઓ માંગો કે આવું ના હોવું ઘટે તો તે જાય. મોટી ગાંઠો હોય તે સામાયિકથી ઓગાળાય ને બીજા નાના નાના દોષો તો પ્રાર્થનાથી જ ઊડી જાય. વગર પ્રાર્થનાથી ઊભું થયેલું પ્રાર્થનાથી ઊડી જાય. આ બધું અજ્ઞાનથી ઊભું થઈ ગયું છે. પૌદ્ગલિક શક્તિઓ પ્રાર્થનાથી ઊડી જાય. લપસી પડવું સહેલું છે ને ચઢવું અઘરું છે, કારણ કે લપસવામાં પૌદ્ગલિક શક્તિઓ હોય છે.

પ્રાર્થનાથી તું મારા અભેદ સ્વરૂપમાં આવીશ

જ્યારે કંઈક દુઃખ આવે તો ભગવાનની પ્રાર્થના કરજો તો દુઃખ મટી જશે. ભગવાન શું કહે છે કે તને કંઈ દુઃખ આવે તો તું મારી પ્રાર્થના કરીશ તો તને શાંતિ થઈ જશે અને જો તને ના ગમતો હોય સંસાર, તો મારે શરણે આવી જા. પછી તું ને હું એક જ છીએ. પછી તારે દુઃખ જ નથી.

ભગવાન પાસે પ્રકાશ સિવાય બીજી વસ્તુ નથી. અને આ સંસાર સહન ના થાય તો પ્રાર્થના કરજે, એટલે તને સંજોગો ભેગા થશે અને તું મારા અભેદ સ્વરૂપમાં આવી જઈશ. એટલે પરમાનંદમાં રહેવાશે.

પ્યૉર પ્રાર્થનાથી ઈચ્છાઓની પૂર્ણાાહુતિ

પ્રાર્થના હૃદયથી એવી કરવી, કે આ જગતના ભૌતિક સુખોમાંથી મને ઈચ્છાઓની પૂર્ણાહુતિ કરો. મારી ઈચ્છાઓ શમી જાય એવું કરો. એવી પ્રાર્થના કરવાની છે પહેલી. અધ્યાત્મ માટે માગણી કરવી એનું નામ સાચી પ્રાર્થના કહેવાય.

પ્રાર્થના આવી બધી ઠોકાઠોક કરીએ તો પોપટ બોલે કે ‘આયા રામ, ગયા રામ’ એવું બધું બોલે, એવી પ્રાર્થના ના હોવી જોઈએ. એ પોપટ ‘રામ, આયા રામ’ બોલે છે એ કંઈ સમજીને બોલે છે ? એવી રીતે આ પ્રાર્થનાઓ કરે તો ના ચાલે. એ તો સમજીને, વિચારપૂર્વક અને દિલને અસર થાય એવી, હૃદયને અસર થાય એવી પ્રાર્થના હોવી જોઈએ. સમજાય છે ને ?

પ્રાર્થના સાચી હોવી જોઈએ, તદ્દન સાચી હોવી જોઈએ. હાર્ટ ચોખ્ખું ક્યારે થાય કે બધી જ જાતના પસ્તાવા થયા કરતા હોય. આ તો અમુક બાબતમાં થાય ને અમુક બાબતમાં પાછો એને આનંદેય આવતો હોય. કોઈકની નિંદા કરવામાં આનંદ આવતો હોય. એટલે દિલને જુએ ભગવાન, તો હાર્ટ ગંદું ને ગંદું જ દેખાયા કરે.

એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે ‘હે ભગવાન ! મને સુખી કરો, સુખી કરો.’ બીજો માણસ પ્રાર્થના કરે ત્યારે બોલે કે ‘હે ભગવાન ! ઘરનાં બધા માણસો સુખી થાય.’ એમાં પોતે તો આવી જ જાય. ખરો સુખી બીજો માણસ થાય, પહેલાંની અરજી નકામી જાય. અને આપણે તો જગત કલ્યાણની ભાવના ભાવીએ તેમાં પોતાનું આત્યંતિક કલ્યાણ આવી જાય.

‘હે દાદા ભગવાન ! તમે તો મોક્ષ લઈને બેઠા છો, અમને તમે મોક્ષ આપો. નહીં તો અમને નિમિત્ત ભેગું કરી આપો.’ આ પ્રાર્થનાથી આપણું કામ થઈ જાય !

જય સચ્ચિદાનંદ