એકાવતારી મોક્ષનો પુરુષાર્થ સંપાદકીય સહુ કોઈ મોક્ષ ઝંખે છે પણ મોક્ષમાર્ગ જ ના મળે તો તે રસ્તે પ્રયાણ કેવી રીતે કરે? આ કાળે આ ક્ષેત્રથી મોક્ષ નથી, એવી શાસ્ત્રની વાતને સંમત માની લોક મૂંઝાય છે. ભગવાને કહ્યું કે ‘અહીં દુષમકાળમાં અત્યારે મન-વચન-કાયાની એકતા નથી તેથી આ કાળે, આ ક્ષેત્રથી મોક્ષ નથી.’ પણ એનો અર્થ એવો નથી કે મોક્ષમાર્ગ બંધ છે. મોક્ષમાર્ગ ખુલ્લો જ છે પણ વાયા મહાવિદેહ ક્ષેત્ર. આ કાળમાં અક્રમ માર્ગે આત્મજ્ઞાન પામી એકાવતારી મોક્ષ પદ જરૂર પ્રાપ્ત કરી શકાય એમ છે. ભલે લાખ રૂપિયાનો ચેક ના મળે, પણ નવ્વાણું હજાર નવસો નવ્વાણુંનો ચેક મળે છે તે કંઈ ઓછો મૂલ્યવાન કહેવાય ? આ કાળની કેવી બલિહારી કે દુષમકાળમાં અક્રમ જ્ઞાની અને એમના થકી અક્રમ વિજ્ઞાન પ્રગટ્યું અને એ અક્રમ વિજ્ઞાન થકી માત્ર બે જ કલાકમાં ક્ષાયક સમકિત પ્રાપ્ત થાય છે. ખરેખર તો આ જ્ઞાન કેવળજ્ઞાન જ છે, પણ આ કાળમાં કેવળજ્ઞાન થતું નથી એટલે કેવળદર્શનમાં પરિણમે છે. એટલે એ એકાવતારી થયો પછી. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી એકાવતારી મોક્ષની પ્રાપ્તિ માટે દાદા ભગવાને પરમ પુજ્ય દાદાશ્રીએ આપેલી પાંચ આજ્ઞા જ પાળવાની રહે છે. જ્ઞાન મળ્યા પછી કર્તાભાવ તો ગયો એટલે કર્મો ચાર્જ થતા બંધ થઈ ગયા, પણ જે નિકાલી કર્મો બાકી રહ્યા તેનું શું ? અને તે ડિસ્ચાર્જ કર્મો આજ્ઞા પાળ્યા સિવાય પૂરા થાય તેમ નથી. એટલે ધ્યેય પૂર્ણાહુતિ માટે આજ્ઞા પાલનનો પુરુષાર્થ જ મુખ્ય છે. આપણે હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી એકાવતારી મોક્ષ મેળવવા આ ભવે સ્પષ્ટવેદનની પ્રાપ્તિ એ આપણો ધ્યેય છે, પણ એ પદ પ્રાપ્ત થવામાં અબ્રહ્મચર્ય- વિષય એ મોટું ભય સ્થાન છે. આમ તો વિષય-કષાય બન્નેમાંથી મુક્ત થવાનું છે, પણ અબ્રહ્મચર્યના વિષય સામે ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. હવે ફાઈલોના જેમ જેમ સમભાવે નિકાલ થતા જાય, તેમ તેમ વ્યવહાર ગુંઠાણું ઊંચું આવતું જાય. સંપૂર્ણ નિકાલ થઈ ગયો એટલે કામ પૂરું થઈ ગયું. જેને નિકાલ કરવાનો દ્રઢ નિશ્ચય છે, તેને કશું જ વાર લાગે નહીં. એક-બે અવતારમાં નિવેડો આવી જાય. પ્રસ્તુત સંકલનમાં એકાવતારી મોક્ષદાતા જ્ઞાની પુરુષની દશા તેમ જ એકાવતારી મોક્ષ કેમ કરીને પ્રાપ્ત કરી શકાય તેનું અભૂતપૂર્વ વર્ણન સમાયેલું છે. તો ચાલો આપણે સહુ તેનો અભ્યાસ કરી, એકાવતારી મોક્ષની પ્રાપ્તિ માટે સિન્સિયરલી પુરુષાર્થ આદરી આપણું કામ કાઢી લઈએ. જય સચ્ચિદાનંદ. (પા.૪) એકાવતારી મોક્ષનો પુરુષાર્થ મોક્ષમાર્ગ ખુલ્લો જ છે પ્રશ્નકર્તા : શાસ્ત્રમાં જણાવે છે કે (આ ભૂમિથી) મોક્ષમાર્ગ બંધ છે. દાદાશ્રી : અમુક અવધિ સુધી મોક્ષમાર્ગ બંધ છે, એનો અર્થ એવો નથી કે એક અવતારી થવાતું નથી. એક અવતારીપણું થઈ શકે એમ છે અહીં આગળ ભરત ક્ષેત્રમાં. અહીં મોક્ષમાર્ગ બંધ થયો છે, પણ એ કંઈ આખો રસ્તો જ બંધ થઈ ગયો નથી. ભગવાને કહ્યું કે આ કાળ બધો અવસર્પિણી, દુષમકાળ આવે છે. એટલે જે ચેક લાખ રૂપિયાનો હતો, એ આખો ચેક નથી અપાતો. ફક્ત નવ્વાણું હજાર નવસો નવ્વાણું અને નવ્વાણું પૈસા એવો અપાય છે. એટલું જ ઓછું થયું છે, વધારે ઓછું થયું નથી. એટલે આ લોકો સમજી ગયા કે આખું બંધ થઈ ગયું ! ના, એક પૈસો જ ઓછો થયો છે. પ્રશ્નકર્તા : મહાવીર સ્વામીએ લખ્યું છે કે મોક્ષના દ્વાર બંધ થઈ ગયા છે, તો હવે મોક્ષ ક્યાંથી મળે? દાદાશ્રી : એ ‘મોક્ષના દ્વાર બંધ થયા છે’ એવું કહેવાનો ભાવાર્થ આપણે સમજવો જોઈએ. ભગવાને શું કહ્યું કે ‘ચોથા આરામાં મોક્ષ અહીંથી ડિરેક્ટ (સીધો) થતો’તો.’ અહીંથી સીધો જ મોક્ષમાં ચાલ્યો જાય. આ પાંચમા આરામાં એકાવતારી થાય. એક અવતાર બાકી રહે ફક્ત, એ મોક્ષ ના કહેવાય ? આ થઈ ગયો છે આ બધાનો (મહાત્માઓનો) ! મેં કહ્યું, ‘ચિંતા થાય તો મારી પર દાવો માંડજો.’ અને તે આ સો-બસ્સો નહીં, પાંચ હજાર (૧૯૭૮ સુધીમાં) માણસને જ્ઞાન આપ્યું છે અને હજુ તો આખી દુનિયા મારે પાંસરી કરવાની છે. મોક્ષમાર્ગ : ક્રમિક - અક્રમ મોક્ષપ્રાપ્તિ માટેના બે માર્ગ છે : પ્રથમ ‘ક્રમિક માર્ગ’ - તેમાં ક્રમે ક્રમે ત્યાગ કરતા કરતા જવાનું, પગથિયે પગથિયે ઉપર ચઢવાનું. બીજો ‘અક્રમ માર્ગ,’ કે જે આજે અહીં ‘અમારી’ પાસે પ્રગટ થયો છે ! ‘આ’ દસ લાખ વર્ષે નીકળે છે, જે વર્લ્ડ (દુનિયા)નું આશ્ચર્ય છે ! લિફ્ટમાં બેસીને મોક્ષે જવાય. એમાં ગ્રહણ કે ત્યાગ કશું જ હોય નહીં. એ મહેનત વગરનો મોક્ષમાર્ગ છે, લિફ્ટ માર્ગ છે. મહાપુણ્યશાળી હોય તેને માટે ‘આ’ માર્ગ છે. ત્યાં જ્ઞાની સિક્કો મારે ને મોક્ષ થઈ જાય. ‘આ’ તો રોકડો માર્ગ, ઉધાર કશું રખાય નહીં. રોકડું જોઈએ, તે ‘આ’ રોકડો માર્ગ નીકળ્યો. ધીસ ઈઝ ધી ઓન્લિ કૅશ બેંક ઈન ધી વર્લ્ડ. (આ દુનિયામાં આ એકલી રોકડી બેંક છે.) ક્ષાયક સમકિત, અક્રમ વિજ્ઞાન થકી પ્રશ્નકર્તા : આ કાળમાં ક્ષાયક સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે ખરું ? મેં એવું વાંચેલું છે કે પૂર્વ જન્મથી ક્ષાયક સમકિત લઈને જીવ વર્તમાન કાળમાં જન્મી શકે ભરત ક્ષેત્રમાં, પણ અહીંયા હમણાં ક્ષાયક સમ્યકત્વ નવું પ્રાપ્ત થાય નહીં. દાદાશ્રી : એ બરોબર છે. શાસ્ત્રકારોએ કહ્યું છે, એમાં ખોટું નથી કહ્યું. એ ક્રમિક માર્ગને માટે કહ્યું છે, પણ આ અક્રમ વિજ્ઞાન છે. આ અક્રમ વિજ્ઞાન એટલે શું ? અપવાદ છે આ. અપવાદ શાસ્ત્રમાં હોય નહીં. શાસ્ત્ર નિયમના આધીન હોય અને આ અપવાદ માર્ગ છે. એટલે શાસ્ત્રની બહારનું છે. છે (મોક્ષ)માર્ગનું, તેનું તે જ જ્ઞાન છે પણ અપવાદ છે. એટલે આ અક્રમ વિજ્ઞાન છે. અને અહીં ક્ષાયક સમકિતનો અનુભવ થાય છે. (પા.૫) ક્ષાયક સમકિત એટલે કેવળ દર્શન. ક્ષયોપક્ષમ દર્શન નહીં પણ કેવળ દર્શન. ખરેખર તો ક્ષાયક સમ્યકત્વ નહીં, આ તો કેવળજ્ઞાન છે ! પણ કેવળ પચતું નથી, આ કાળને લઈને. જો પચે તો મોક્ષ થઈ જાય ! આ ક્ષાયક સમ્યકત્વ, કેવળજ્ઞાન કહેવાય. આ તો અક્રમ વિજ્ઞાન છે. પેલી (ક્રમિકની) વાત સાચી છે, ખોટી વાત નથી. (આ કાળમાં) ક્ષાયક સમ્યકત્વ ના હોય. એમાં સમકિત થાય (પછી) પંદર અવતારે મોક્ષ થાય, (તો) એક અવતારી કેવી રીતે થાય ? ત્યારે કહે, ‘આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થાય તો આ એકાવતારી પદ છે.’ સમકિત થયાનું પરિણામ શું ? પ્રશ્નકર્તા : સમકિત થયા પછી મનુષ્યગતિ બંધ થઈ જાય ? દાદાશ્રી : (ક્રમિકમાર્ગે) મનુષ્યગતિ આવે, પણ (અક્રમ માર્ગથી) આ કાળમાં નથી આવે એવું. આ કાળનું સમકિત જુદી જાતનું છે. પ્રશ્નકર્તા : એટલે કાળે કાળે સમકિતમાં ફેર ખરો ? દાદાશ્રી : જેને (ક્રમિકમાર્ગે) ઉપશમ સમકિત થાય તો (તેને) ફરી મનુષ્યપણું આવે. (પણ અક્રમ માર્ગે) આ ક્ષાયક સમકિત છે એટલે ફરી ફરી મનુષ્યપણું ના આવે. સમકિત થયા પછી તિર્યંચ ને નર્કગતિ બંધ થઈ જાય અને મનુષ્યગતિયે બંધ થઈ જાય લગભગ. અને આ અત્યારનું (અક્રમમાર્ગે) સમકિત એ તો મોક્ષ ફળ આપનારું છે, એક જ અવતારી છે આ ! ‘અક્રમ માર્ગ’માં ‘જ્ઞાની પુરુષ’ ‘ક્ષાયક સમકિત’નો તાંતો નાખી આપે છે, એટલે પેલો કષાયનો તાંતો રહેતો નથી. ‘આ’ તાંતો હોય તો પેલો (કષાયોનો) ના હોય ને પેલો (કષાયોનો) તાંતો હોય તો ‘આ’ નાહોય ! દુઃખનો અભાવ એ ‘પહેલો’ મોક્ષ અહીં મહાત્માઓએ કેવળ દર્શન પ્રાપ્ત કરેલું છે. એમાં શું શું અનુભવ વર્તે ? ત્યારે કહે, ક્રોધ-માન-માયા-લોભ થાય નહીં. જે ક્રોધ-માન-માયા-લોભ છે, તે ક્ષાયક સમકિત થયા પછી એ બીજ રૂપે હોય નહીં, જીવંત રૂપે હોય નહીં, એ નિર્જીવ ભાવે હોય અને જેને સંપૂર્ણ અજીવ ભાવમાં કહેવામાં આવે, જે જે પુદ્ગલ (પરમાણુ) થઈ ગયા, તેટલા જ રહે એની જગ્યાએ. એટલે ક્રોધ-માન-માયા-લોભ, ચિંતા થાય નહીં, સંસારમાં રહેવા છતાં ચિંતા થાય નહીં. એક દા’ડો ચિંતા વગરનો જાય તો લોકો કેટલો આશીર્વાદ (ધન્ય) માને પોતાની જાતને ! તમારે નિરાંત જ રહે છે ને ? પ્રશ્નકર્તા : હા, એકદમ નિરાંત. દાદાશ્રી : નિરાંત, કશી ઉપાધિ નહીં. સિદ્ધ ભગવંતનો નિરાંત (નિરાકુળતા) નામનો એક ગુણ એમનામાં પ્રગટ થઈ જાય. અહીં આગળ દુઃખ જ ના રહે એનું નામ પહેલો મોક્ષ. સંસારી દુઃખોનો અભાવ એ પહેલો મોક્ષ અને પછી સ્વાભાવિક સુખનો સદ્ભાવ થાય, એ બીજો મોક્ષ. દુઃખનો અભાવ એટલે હમણે કોઈ ગાળો ભાંડે તોયે દુઃખ ના થાય, કો’ક મારે તોયે દુઃખ ના થાય. દાળ ખારી, કઢી ખારી હોય તોયે દુઃખ ના થાય. પ્રશ્નકર્તા : એ પહેલો મોક્ષ ! દાદાશ્રી : એ પહેલો મોક્ષ. સંસારી દુઃખ અડે નહીં, એનું નામ પહેલો મોક્ષ. (પા.૬) દેહથી મુક્તિ એ આત્યંતિક મોક્ષ પછી આ દેહ જાય ત્યારે આત્યંતિક મોક્ષ, એક-બે અવતાર પછી ! એટલે આ હમણે સાંસારિક દુઃખનો અભાવ રહે. જો મારા કહ્યા પ્રમાણે રહેશો, તો સાંસારિક દુઃખ તમને સ્પર્શશે નહીં. પ્રશ્નકર્તા : દેહનો મોક્ષ લખ્યો છે એ શું ? દાદાશ્રી : આ દેહનું નિર્વાણ ના થાય આ ભવમાં, એક અવતાર કરવો પડે. પછી શરીરનો હઉ મોક્ષ થાય, આત્માનો મોક્ષ અને શરીરનો મોક્ષ. બેઉ બંધાયા’તા ને બેઉ છૂટા થઈ જાય ! સહુ સહુને રસ્તે ઘેર! સર્વ કાળે સર્વ ક્ષેત્રે મોક્ષ, ભગવાન થકી પ્રશ્નકર્તા : એક પદમાં એવું આવ્યું કે ‘સર્વ કાળે, સર્વ ક્ષેત્રે મોક્ષ મળશે અમ થકી’ તો ‘સર્વ કાળ ને સર્વ ક્ષેત્રે...’ એનો અર્થ શું ? દાદાશ્રી : એટલે દરેક ક્ષેત્રે (મોક્ષ) છે, ને તે આ જે ભગવાન મહીં બેઠા છે ને, એમના થકી જ છે. ભગવાન વગર મોક્ષ થાય ખરો કોઈ કાળેય ? શું કહો છો? પ્રશ્નકર્તા : નહીં. દાદાશ્રી : તે એવું કહેવા માંગે છે. એ તમે તો ઓળખી ગયા ને ભગવાનને ? ‘આ’ (દેખાય એ) ભગવાન ન્હોય, એવું મેં તમને સમજણ પાડી હતી ને? ‘આ’ પટેલ છે એવું. મહીં બેઠાં છે એ ભગવાન છે ને એમના થકી મોક્ષ છે. એ તમને સમજાય હવે કે નહીં ? પ્રશ્નકર્તા : એ સમજાણું. દાદાશ્રી : પછી ‘સર્વ કાળે ને સર્વ ક્ષેત્રે’ એટલે એ (મોક્ષ) જે છે, જ્યારે જ્યારે પહેલા અહીં (હતો), એ ભગવાન થકી જ થયો’તો. અક્રમ વિજ્ઞાનના પ્રતાપે મુક્તિ સરળ મને એક માણસે પૂછયું કે ‘આ અક્રમ વિજ્ઞાન શું છે. અને સંસારમાં શું કાર્ય કરે છે ?’ મેં કહ્યું, ‘કેટલાક લોકો મોક્ષમાં જવા માટે આ સંસારરૂપી વૃક્ષમાં પાંદડાં જ તોડ તોડ કરે છે, તેથી કંઈ નાશ થયેલું દેખાતું નથી. ફરી પાંદડાં ફૂટી નીકળે છે. કેટલાક લોકો નાની નાની ડાળીઓ તોડ તોડ કરે છે અને નાશ થશે એમ માને છે, પણ તેથી કંઈ થતું નથી. કેટલાક લોકો મોટા મોટા ડાળા કાપે છે, પણ તેથી કંઈ સંસારવૃક્ષ નાશ થતું નથી, ને ફૂટ્યા કરે છે. કેટલાક લોકો એને થડમાંથી કાપે છે, છતાંય કહે છે, ‘ફૂટ્યા કરે છે.’ ત્યારે મને કહે છે, ‘તમે શું કરો છો ?’ મેં કહ્યું, ‘અમે તો એનું ધોરી મૂળ છે, એની એક ડગળી કાઢીને મહીં દવા દાબી દઉં છું, બસ બીજું કશું નહીં.’ એના ધોરી મૂળને ખોળી કાઢી અને દવા દાબી દઉં છું (એટલે) સુકાઈ જાય. તેથી આ મોક્ષ થાય, નહીં તો મોક્ષ થતો હશે ? એક અવતારી તે શી રીતે થાય માણસ? આજના આ દુષમકાળના જીવો, આ કળિયુગના જીવો, ફરી મનુષ્ય થવાને લાયકાત નથી ધરાવતા એ ડિગ્રી સુધી પહોંચેલા જીવો, એમને મુક્તિ પ્રાપ્ત થવી તે આ અક્રમ વિજ્ઞાનને ધન્ય છે કે આ અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું ! તમામ પ્રકારની નબળાઈ સાથેના જીવો, કંઈ કમી જ નહીં નબળાઈમાં, તે પણ આ પામે છે, એ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ છે ને! અક્રમ વિજ્ઞાન ધી ઓન્લિ કેશ બેંક એટલે આ છેલ્લામાં છેલ્લો મોક્ષમાર્ગ નીકળ્યો. આવા જમાનામાં આવો મોક્ષમાર્ગ નીકળ્યો. એક અવતારી માર્ગ નીકળ્યો. શાસ્ત્રકારોએ લખ્યું છે, ‘સાડા બાર હજાર એકાવતારી થશે.’ એવું કંઈ આ નીકળ્યું છે ! તેમાં તમારું કલ્યાણ (પા.૭) થઈ જાય અને તે એક અવતારી થાય કે ના થાય એ વાત પછીની, પણ અહીં તો આપણને રોકડો મોક્ષ મળવો જોઈએ. ઉધાર હોય (તે) કામનું શું? અહીં જ મોક્ષ ના થાય તો કામનું શું ? નહીં તો આ કળિયુગમાં તો બધાય છેતરે. ઓળખાણવાળાને શાક લેવા મોકલ્યો હોય તોય મહીંથી ‘કમિશન’ કાઢી લે, કળિયુગમાં શી ખાતરી ? એટલે ‘ગેરેન્ટેડ’ (ખાતરીવાળું) હોવું જોઈએ. આ ‘ગેરેન્ટેડ’ અમે આપીએ છીએ. પછી અમારી આજ્ઞા જેટલી પાળે એટલો એને લાભ થાય. એક જ અવતાર બાકી રહે એવું છે. આ વિજ્ઞાનની પદ્ધતિ લાંબુ જાય એવું નથી અને સહેલું છે, સહજ છે, સરળ છે, સુગમ છે. કેમ, સહેલું નથી આ ? પ્રશ્નકર્તા : બિલકુલ સહેલું, આના જેવો સહેલો બીજો કોઈ માર્ગ જ નથી. દાદાશ્રી : આવો સહેલો બીજો કોઈ માર્ગ ના હોય, એટલો બધો સરળ છે ! જ્ઞાનવર્ષા થઈ આ દુષમકાળમાં ‘સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાનવર્ષા ને અસહ્ય ઉનાળે.’ આખું બ્રહ્માંડ જે ‘જ્ઞાન’ના વરસાદની ઈચ્છા કરે છે, તે ‘જ્ઞાન’નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમકાળમાં ‘જ્ઞાનવર્ષા’ થઈ, જ્યાં મનુષ્યમાત્ર બધા તરફડે છે, એવા કાળમાં ! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે ! તો ત્યાં કામ કાઢી લેવાનું હોય. આત્માનું લક્ષ બેસે કલાકમાં જ મોક્ષનો માર્ગ તો ખીચડી કરતાય સહેલો હોય. જો અઘરો હોય, કષ્ટસાધ્ય હોય તો તે મોક્ષનો માર્ગ નહીં; અન્ય માર્ગ છે. ‘જ્ઞાની પુરુષ’ મળે તો જ મોક્ષનો માર્ગ સહેલો ને સરળ થઈ જાય, ખીચડી કરતાય સહેલો થઈ જાય. કરોડો જોજન લાંબો, કરોડો અવતારેય ના પમાય એવો મોક્ષમાર્ગ એકદમ શોર્ટ કટ (ટૂંકી) રીતે નીકળ્યો છે ! આ ‘જ્ઞાન’ તો એ જ વીતરાગોનું છે, સર્વજ્ઞોનું છે, માત્ર રીત ‘અક્રમ’ છે. દ્રષ્ટિ જ આખી બદલાઈ જાય છે. આત્માનું લક્ષ કલાકમાં જ બેસી જાય છે, નહીં તો ક્રમિક માર્ગમાં કોઈ ઠેઠ સુધી લક્ષ પામે નહીં. આત્માનું લક્ષ પ્રાપ્ત કરવા માટે લોકોએ કેવા કેવા પુરુષાર્થ માંડેલા! એક ક્ષણ માટે આત્માનું લક્ષ પ્રાપ્ત થાય, તેને માટે લોકોએ ભયંકર તપ આદરેલા ! ‘ક્રમિક માર્ગ’ના જ્ઞાનીઓને ‘શુદ્ધાત્મા’નું લક્ષ ઠેઠ સુધી ના બેસે પણ જાગૃતિ બહુ રહેવાની. જ્યારે તમને બધાંને અત્યારે આ અહીં કેવું સરળ થઈ પડ્યું છે તે તમને કલાકમાં જ આત્મા આપ્યો. ત્યાર પછી ક્યારેય પણ લક્ષ ચૂકાતું નથી અને નિરંતર આત્મા લક્ષમાં જ રહે છે. લક્ષ રહે નિરંતર સ્વરૂપનું રાતે બે વાગ્યે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે તમને સૌથી પહેલી કઈ વસ્તુ યાદ આવે છે ? પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ જ યાદ આવે છે. દાદાશ્રી : લોકોને તો આ જગતની પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તે જ પહેલી યાદ આવે, પણ તમને તો ‘શુદ્ધાત્મા’ જ પહેલો યાદ આવે. અલખનું ક્યારેય પણ લક્ષ ના બેસે. તેથી જ તો આત્માને ‘અલખ નિરંજન’ કહ્યો. પણ અહીં કલાકમાં જ તમને આત્માનું લક્ષ બેસી જાય છે. આ ‘અક્રમજ્ઞાની’ની સિદ્ધિઓ-રિદ્ધિઓ, દેવલોકોની કૃપા, એ બધાથી એક કલાકમાં ગજબનું પદ તમને પ્રાપ્ત થઈ જાય છે ! (પા.૮) કરોડો અવતાર કાપીને એક અવતારી બનાવે એવું આ વિજ્ઞાન છે. નહીં તો કરોડો અવતારેય ઠેકાણું ના પડે. આ મોક્ષનો માર્ગ આવી રીતે હોય જ નહીં. કોઈ દહાડોય કોઈ આવું બોલ્યા નથી, તેથી તો આ લોકો વાંચે છે ત્યારે કહે છે, ‘આવું કેવી રીતે હોય ? આવું કેવી રીતે હોય ?’ એમ કરતા કરતા આખી જિંદગી નીકળી જશે ! આ ખરો મોક્ષમાર્ગ નીકળ્યો છે. પણ સમજણ પડે તો કામ થાય અને ના સમજણ પડે તો રખડી મર્યો! આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ ‘અમે’ જ્ઞાન આપીએ પછી તમને આત્મઅનુભવ થઈ જાય, તો કામ શું બાકી રહે? ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞા પાળવાની. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. ‘અમારી’ આજ્ઞા એ સંસારમાં સહેજ પણ બાધક ના હોય. સંસારમાં રહેવા છતાં પણ સંસાર સ્પર્શે નહીં એવું આ અક્રમ વિજ્ઞાન છે ! ‘અમે’ આપેલા જ્ઞાન ને જો આ અમારા કહ્યા પ્રમાણે ચાલશે તો એનો મોક્ષ એક અવતારમાં જ થઈ જશે અને અહીંથી જ મોક્ષ થઈ જશે. નહીં તો કરોડ અવતારેય થાય એવો નથી. માટે વસ્તુ સ્થિતિમાં અમારી પાંચ આજ્ઞાને સ્વીકારો. આ પાંચ આજ્ઞા એ ભવમાં જતા પ્રતિબંધ છે. એટલે આજ્ઞામાં રહેવાનો વિચાર રાખજો. આજ્ઞા પાળો તો બધે નિરંતર સમાધિ રહેશે અને સંસાર સારો જશે. અમારી આજ્ઞા પાળવી છે એવો જેને નિશ્ચય થશે, એને એક-બે અવતારમાં મુક્તિ થઈ જશે. શું બને છે જોયા કરવું પાંચ આજ્ઞા શેને માટે કે આ જ્ઞાનના રક્ષણ માટે. આપણે જે (આત્મા-અનાત્માનો) ભેદ પાડ્યો છે, એ ફરી એકાકાર ના થઈ જાય એટલા માટે. આ બે જુદું પાડ્યું ને તેમાં ભેદરેખા, લાઈન ઑફ ડિમાર્કેશન પડી ગઈ વચ્ચે. હવે એકાકાર ના થાય, અમારી આજ્ઞા પાળે તો. આખોય આત્મા સમજાઈ ગયો. ‘વ્યવસ્થિત’ ચંદુભાઈને કહેશે એ પ્રમાણે એ ચાલ્યા કરશે, તમારે જોયા કરવાનું, ચંદુભાઈ શું કરે છે તે. એક અવતાર ગમે તે થાય પણ તમે જોયા જ કરો ને આજ્ઞામાં રહો તો એક અવતારમાં મોક્ષે જવાય એવું આ જ્ઞાન છે. અત્યારે આ કસાઈ હોય ને, એને હું જ્ઞાન આપું ને જો એ જ્ઞાનમાં રહે ને બને એ બધું જોયા જ કરે, બીજામાં ડખો ના કરે તો એ મોક્ષે જાય. કસાઈની ક્રિયા નડતી નથી, ‘હું કરું છું’ એ નડે છે. (જ્ઞાન મળ્યા પછી) કશું કરવાનું ના હોય, શું થાય છે એ જોવાનું. પ્રશ્નકર્તા : આપણે ભાવ જે થાય તે ! દાદાશ્રી : ભાવ કર્યો, નિશ્ચય થયો પછી નિશ્ચયના પ્રમાણે શું થયું એ જોયા કરવાનું. આ તો પૂર્વભવની જે ડિઝાઈન છે, તે ડિઝાઈન નીકળે છે. પ્રશ્નકર્તા : એ જે નીકળે એ તો ડિસ્ચાર્જ જ થયું ને ? દાદાશ્રી : હા, પણ આપણે કશું કરવાનું ના રહે ને ! આજ્ઞાપૂર્વકનું એ એકાવતારી ભાવ તમે કશું કરતા નથી ને હવે ? કશું નહીં ? ત્યારે સારું ! દાદાની આજ્ઞા એટલું જ ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ તો એક અવતારી વિજ્ઞાન છે ! જો આ આજ્ઞા મારી સંપૂર્ણ પાળે, એનું સંપૂર્ણ ખલાસ (થાય) એક અવતારમાં. નહીં તો વખતે બે અવતાર થાય કે ત્રણ અવતાર, ચોથો અવતાર નહીં. (પા.૯) તમારે તો એવું જ કરવું છે ને ? નિકાલ લાવી નાખવો છે કે હવે ધંધો કરવાનો આનો આ જ, ભવોભવ ? નહીં ? તમને નિવેડો આવે એવું લાગે છે ? આ વિજ્ઞાન છે, આ ધર્મ નથી. ધર્મમાં કરવું પડે. અહીં આ તમારે કશુંય બીજું કરવાનું જ નહીં, અમારી આજ્ઞા પાળવાની. પ્રશ્નકર્તા : આ જ્ઞાન એવું છે કે બીજું કંઈ કરવાનું નથી, તો આ વિધિ કરવાની એ શું તો પછી? દાદાશ્રી : વિધિ કરવાની ને એ બધું ? એ તો બધું આજ્ઞાપૂર્વકનું. (એ) એકલું જ કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. આજ્ઞાપૂર્વક એટલે એક અવતારી ભાવ કહેવાય. આજ્ઞાપૂર્વક એટલે અહંકારના આધીન નથી કરવાનું. પહેલા પોતાનો અહંકાર કહે એ કરતા’તા, હવે આજ્ઞાને આધીન કરવાનું છે, એટલે જવાબદારી અમારી. જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલો આ રોડ કિલયર દેખાય છે કે નથી દેખાતો ? કિલયર (ચોખ્ખું) ના દેખાય તો અમુક જગ્યાએ મોટો ડુંગર દેખાય છે, તે મને કહો તો હું કાઢી આપું ઝટ. પ્રશ્નકર્તા : એટલા માટે તો આવ્યા છે. દાદાશ્રી : હા, હા. અમારા કહ્યા પ્રમાણે જે ચાલે ને, એને એક અવતારે મોક્ષ અને જરાક અધકચરો ચાલે તેને બે, એથી અધકચરો થાય તો ત્રણ. ત્રણથી વધારે નહીં, પણ અમારા કહ્યા પ્રમાણે ચાલવો જોઈએ. પ્રશ્નકર્તા : આપે જે આજ્ઞા આપી છે, એ પ્રમાણે બરાબર પાલન થાય છે. દાદાશ્રી : પછી બીજું શું જોઈએ ? આજ્ઞાનું પાલન થયું ને (તેમાં) બધું આવી ગયું. કશું કરવાનું રહ્યું નહીં. છતાંય પણ મહીં બુદ્ધિ બૂમો મારે ને, ઉછાળા મારે, તે જરા સંતોષ એને આપવો પડે. પ્રોટેક્શન માટે પાંચ આજ્ઞા પ્રશ્નકર્તા : તો દાદા, આપે પાંચ આજ્ઞા પાળવાની કહી છે, તે અહંકાર તો ખરો જ ને ? અહંકાર કરીને જ પાળવાની ને ? દાદાશ્રી : એ તો બરોબર છે. અહંકારે કરીને એનો સવાલ નથી, એનું તો પુણ્યકર્મ બંધાય છે. તેથી જ આપણે કહીએ છીએ ને, (એક-બે) અવતારો છે. નહીં તો અમારી આજ્ઞા પાળવાની જ ના હોત, જો છેલ્લો અવતાર હોય તો ! જ્ઞાનમાં જ વર્તતું હોય. પણ આ કાળ જ એવો છે, છોડે જ નહીં ને ! આ કાળ જ વિચિત્ર છે. સંપૂર્ણ પ્રકારે છોડે નહીં, એકાવતારી બનાવે બહુ ત્યારે. આ કાળ કેવો છે કે રસોડાથી માંડીને ઑફિસમાં, ઘરમાં, રસ્તામાં, બહાર, ટ્રેનમાં, એવી રીતે બધે કુસંગ જ છે. એટલે આ જ્ઞાન મેં તમને બે કલાકમાં આપેલું એ આ કુસંગ ના ખઈ જાય, એને માટે પાંચ આજ્ઞાઓની પ્રોટેક્શન વાડ આપી કે આ પ્રોટેક્શન (રક્ષણ) કર્યા કરશો તો મહીં દશામાં મીનમેખ ફેરફાર નહીં થાય. એ જ્ઞાન એને આપેલ સ્થિતિમાં જ રહેશે. એટલે આ આજ્ઞા એ તમને પાળવા માટે આપી. એટલો ભાગ તમારી પાસે રાખ્યો. આ દુષમકાળ છે એટલે પાંચ વાક્યો આપીએ છીએ, આજ્ઞા આપીએ છીએ, નહીં તો પાંચ વાક્યોનીયે જરૂર નહીં. આ મેં તમને જ્ઞાન આપ્યું ને, તે સીધો તે અવતારમાં જ મોક્ષ ! આ અક્રમ જ્ઞાન તરત જ મોક્ષફળ આપે એવું છે. તેને બદલે (આ કાળને લીધે) એક અવતારી થયું. પ્રશ્નકર્તા : પ્રમાણ, પ્રમાણ, પ્રમાણ ! દાદાશ્રી : તે પાંચ વાક્યોનું આરાધન કરવું પડે છે. (પા.૧૦) (કાળને લીધે) એક અવતારી થઈ ગયું, નહીં તો તરત જ ત્રણ કલાકમાં મોક્ષ થાય, જો મરી ગયો હોય તો. હા, દેહ છૂટી ગયો તો મોક્ષ થઈ જાય. પણ તે કોને? ચોથા આરાના માણસોને માટે. પાંચમા આરાના માણસો માટે તો આ પાંચ વાક્યો આપ્યા છે, તેમાં રહે તો સમાધિમાં રહે અને પછી ઠેઠ પહોંચી જવાય. ચોથા આરાના માણસ (જેવું) થવું પડશે. પ્રશ્નકર્તા : ચોથા આરામાં જવું પડશે. દાદાશ્રી : હા, ત્યાં જ જવાનું છે. ચોથો આરો જ્યાં હોય ત્યાં જ જવાનું છે. દ્રવ્ય-ગુણ-પર્યાય ચોથા આરાના આવવા જોઈએ, પુદ્ગલ પર્યાય. અમારી આજ્ઞામાં રહેશો ને તો એક જ અવતારમાં કેવળજ્ઞાન થાય. આ ભૂમિકાને લીધે કેવળજ્ઞાન અટક્યું છે. આપ્યું કેવળજ્ઞાન પણ પચ્યું નહીં પ્રશ્નકર્તા : દાદાજી, આપ આપો છો એ કેવળજ્ઞાન ના કહેવાય ? દાદાશ્રી : હું તો કેવળજ્ઞાન જ આપું છું પણ પચતું નથી. મને પોતાનેય ના પચ્યું કાળને લીધે અને તમનેય પચતું નથી. આ જો પચે ને, તો એક અવતારમાં મોક્ષે જ ચાલ્યો જાય. આ પચી જાય એવું છે પાછું ! થોડુંક આ અવતારમાં નહીં પચે. જેટલું બાકી રહે છે, તે એક અવતાર પૂરતું બાકી રહે છે. માટે મોક્ષે જવાનો રસ્તો છે આ. પણ અમારી આજ્ઞા પાળે, તો બસ થઈ ગયું. અમારી આજ્ઞામાં જ મોક્ષ છે. પ્રશ્નકર્તા : પણ ધીમે ધીમે પચશે ને એ ? દાદાશ્રી : હા, ધીમે ધીમે પચશે. એટલે એક-બે અવતાર થાય ત્યાર પછી. આ ભૂમિકામાં પચે એવું નથી. ભૂમિકા બદલાય ત્યારે પચે. મહાવિદેહ ક્ષેત્રમાં જાય ત્યારે પચી જાય. એ પચે ત્યારે ફળ આપે. પ્રશ્નકર્તા : આપને તો પચ્યું છે ને ? દાદાશ્રી : ના, ના પચ્યું. એક અવતારનું બાકી રહ્યું બધું પચવાનું. પચ્યું હોય ને તો ઉઘાડ થઈ જાય, તો તો મોક્ષે જવાય. પ્રશ્નકર્તા : એટલે અત્યારે કેવળજ્ઞાન થાય નહીં? દાદાશ્રી : આ જ્ઞાન કેવળજ્ઞાન છે. અપાય છે કેવળજ્ઞાન. (પણ) કેવળજ્ઞાન થતું નથી આ કાળમાં. એટલે કેવળદર્શન થઈને ઊભું રહે છે. આ અમે ક્ષાયક સમકિત આપીએ છીએ. એટલે બહુ ત્યારે આપણે બે-ત્રણ અવતાર થાય. પણ હવે આપણે મોક્ષે જવાશે તો બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : પણ કેવળજ્ઞાન વગર તો મોક્ષે જવાશે જ નહીં ને ! કેવળજ્ઞાન તો જોઈએ ને, દાદાજી? દાદાશ્રી : કેવળજ્ઞાન (થાય) તો મોક્ષ જ છે, મોક્ષ જ કહેવાય ને ! એ એક અવતારમાં કે બે અવતારમાં થવાનું. પ્રશ્નકર્તા : હવે અક્રમમાં ક્રમ ન રહ્યો તો કેવળજ્ઞાનમાં પણ ક્રમ ન રહેવો જોઈએ. કેવળજ્ઞાન થવું જ જોઈએ ને ? દાદાશ્રી : ક્રમ રહ્યો જ નથી, પણ આ નિકાલ તો કરવો પડે ને, જે સંઘરેલો છે ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરને પણ આ બધું હતું ? દાદાશ્રી : એમને (ક્ષાયક સમકિત થયા પછી) ત્રણ અવતાર પછી આ (કેવળજ્ઞાન) થયું. તેને બદલે આ તો એક અવતારી છે ! અક્રમ એટલે એક અવતારી થઈ જ ગયું છે ! (પા.૧૧) કર્મો નિકાલ થયે, થાય છુટકારો પ્રશ્નકર્તા : આપે જે જ્ઞાન આપ્યું એ વિચાર પ્રવર્તક છે કે આત્માને સંબોધીને છે ? દાદાશ્રી : આ જ્ઞાન જ એવું છે, બધા પાપો ભસ્મીભૂત કરી નાખે. કાલે (જ્ઞાનવિધિમાં) કેટલાયે પાપ ભસ્મીભૂત થઈ ગયા તમારે. હવે અજંપો ના થવા દે. એ પાપો કૈડતા’તા. તે બંધ થઈ જાય બધા પાપો, ભસ્મીભૂત થઈ જાય બધા. પ્રશ્નકર્તા : કર્મો નાશ પામે ખરા ? દાદાશ્રી : કર્મોની થિયરી એવી છે, તે સામાયિક કરતી વખતે વિચારણા કરો, તો કેટલાક કર્મો એમ ને એમ જ નાશ થઈ જાય. વિચારણાથી જ નાશ થઈ જાય અને કેટલાક એવા છે કે જ્ઞાની પુરુષ નાશ કરી આપે અને કેટલાક એવા છે કે ભોગવ્યે જ છૂટકો થાય, એને નિકાચીત કર્મ કહેવામાં આવે છે. એ બરફ જેવા હોય છે અને (હવે) પાણી ને વરાળ જેવા હોય છે, એ ઉડાવી દેવાય છે. પ્રશ્નકર્તા : તો આ જન્મે મોક્ષ થવો અઘરો ને, આ હિસાબે ? દાદાશ્રી : એક જન્મમાં તો થાય એવો આજે કાળ જ નથી, અત્યારે. એટલે અહીંથી એક અવતારી, બે અવતારી કે ત્રણ અવતારી થઈ શકે, વધારેમાં વધારે. એ જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યું હોય ને આજ્ઞામાં રહે તો અમે એક અવતારીની ગેરેન્ટી આપીએ છીએ. અહીં (આ ક્ષેત્રે) તો ના થાય, મારે જ ચાર ડિગ્રી અટકી છે ને ! પ્રશ્નકર્તા : એકાવતારી કહ્યું તમે, એક અવતાર પછી મોક્ષ થાય એવી વાત કરી, તો પછી બધા કર્મોનું શું ? કેવી રીતે થાય ? દાદાશ્રી : બધા કર્મ નિકાલ થઈ જ જવાના, ચોખ્ખો જ થવાનો. એકાવતાર પૂરતું બાકી રહે તે અમારી પાંચ આજ્ઞા પાળે છે, એટલે એકાવતારના કર્મ, તે મહા પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે અને તે જ્યાં તીર્થંકર હશે ત્યાં આગળ દેહ થશે. કોઝીઝ બંઘ થયા, હવે ઈફેક્ટ રહી આ વિજ્ઞાન એવું છે ! હું જે તમને દેખાડું છું, એ કેવળજ્ઞાનનો આત્મા છે અને આ જગતના લોકો જે આત્મજ્ઞાન કહે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે. પ્રશ્નકર્તા : પાત્રતા કે અધિકાર વગર આ જ્ઞાન કેમ પચે ? દાદાશ્રી : પાત્રતા કે અધિકારની અહીં જરૂર જ નથી. આચારના ધોરણ ઉપર આ નથી. બાહ્યાચાર એ શું છે ? જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ ‘ઈફેક્ટ’ છે, ‘કોઝીઝ’ નથી. ‘કોઝીઝ’ અમે ઊડાડી મૂકીએ છીએ. પછી ‘ઈફેક્ટ’ તો એની મેળે ધોવાઈ જશે. પ્રશ્નકર્તા : સંસારના વ્યવહારમાં શુદ્ધતા જોઈએ ને ? દાદાશ્રી : શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ વ્યવહાર કહેવાવો જોઈએ. ‘વર્લ્ડ’માંય જોયો ના હોય તેવો ઊંચામાં ઊંચો વ્યવહાર હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય. વ્યવહારનો વાંધો નથી, વ્યવહારમાં એકરૂપ થઈ જવાય છે તે વાંધો છે. એકરૂપ પોતાના સ્વરૂપમાં હોવો જોઈએ અને વ્યવહાર તો ઉપલક છે, સુપરફલ્યુઅસ છે. અક્રમમાં વ્યવહાર બરફ જેવો પ્રશ્નકર્તા : આજે અમે વ્યવહારમાં કામ કરીએ અને કોઈ માણસ ખોટું કરતો હોય તો એ ફંકશનલી (અમલ કરવામાં) ખોટો છે કે સાચો છે, એવું તો અમારે વ્યવહારમાં રાખવું જ પડે ને ? (પા.૧૨) દાદાશ્રી : વ્યવહારમાં એવું છે ને, જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં તમને એ વાત ગમે છે, ત્યાં સુધી તમે (એવો) વ્યવહાર કરો (પણ) જ્યારથી તમારો એ વ્યવહાર ઊડી જશે એટલે એ વસ્તુ તમને ગમશે જ નહીં. આ અક્રમ માર્ગનો વ્યવહાર કેવો છે? અક્રમ માર્ગનો વ્યવહાર બરફ જેવો છે. એટલે એક મણનો મોટો બરફ હોય તો એ લાવ્યા પછી કહેશે કે ‘અમે તો વહેર દબાવીશું’, ત્યારે હું કહું કે ‘તમને ફાવે તે દબાવજો ને પણ છેવટે એ ઓગળીને ખલાસ થઈ જશે.’ એ તમે ગમે એટલો બચાવવા પ્રયત્ન કરશો, પણ એક દહાડો ઓગળીને ખલાસ થઈ જશે. વ્યવહાર એક અવતારમાં ચોખ્ખો થવો જોઈએ. છેલ્લા અવતારમાં તો વ્યવહાર ચોખ્ખો જ હોવો જોઈએ. અત્યારે પોલ ચાલશે, પણ ત્યાં કંઈ પોલંપોલ ચાલે નહીં. આ એકાવતારી જ્ઞાન છે. શુદ્ધ થઈને શુદ્ધ વ્યવહાર કરો હવે અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે. ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઈ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલાં શુદ્ધાત્મા થઈને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધોય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય, ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય. પ્રશ્નકર્તા : તો હવે જે જૂના કર્મો બાકી રહી ગયાં હોય, એમને જીર્ણ કરવા માટેનો ઉપાય શું ? દાદાશ્રી : ના, એ એની મેળે જ થવાના. આ પાંચ આજ્ઞા આપી છે ને, તેમાં રહે તો જૂના કર્મોનો સમભાવે નિકાલ જ થઈ જાય બધો, નવા કર્મો બંધાયા સિવાય. ત્યાં ઉપાય પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનો પ્રશ્નકર્તા : પણ ભારે કર્મ બંધાઈ ગયા હોય તો એ આપણે હળવેથી ભોગવીને પૂરું કરવું? દાદાશ્રી : ના, એનું પ્રતિક્રમણ કર કર કરવું પડે. જેને બહુ ભારે ચીકણું કર્મ હોય, તો એનું પ્રતિક્રમણ (એણે) વધારે કરવું પડે. વધારે ચીકણું હોય ને, એવું લાગે તો આ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરીએ તો એ ધોવાઈ જાય બધું. તે તદ્દન જતું ના રહે, કારણ કે એક અવતારી આ જ્ઞાન છે. પ્રશ્નકર્તા : અતિક્રમણ થઈ જાય અને જાગૃતિ ન હોય તો ? દાદાશ્રી : તો પ્રતિક્રમણ ન થાય એમ ? પ્રશ્નકર્તા : પછી ભાન આવે તો પ્રતિક્રમણ થાય. દાદાશ્રી : એ તો પછી એણે ઝોકું ખાધું હોય, પણ તેથી કરીને કર્મ બંધાયું નહીં. કર્મ બંધાય ક્યારે ? પોતે ‘હું ચંદુલાલ છું’ એમ નક્કી કરે ત્યારે. એ ઝોકું ખાવાનું ફળ તો કાચું રહ્યું. એ કાચું રહ્યું, તેનું ફળ આવે પછી. કાચું તો ના રહેવું જોઈએ. ઝોકું ખાય તો ઝોકાનું ફળ તો મળે ને ? કર્તા તરીકેનું ફળ નહીં, પણ જે આ કાચું રહ્યું તેનું ફળ આવે. ચોખ્ખું થયે આવે ઉકેલ જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી, દિવ્યચક્ષુ આપ્યા પછી પોતાને પોતાના સર્વ દોષો દેખાય. સહેજ મનફેર થયું હોય તોય ખબર પડી જાય કે આ દોષ થયો. આ તો વીતરાગ માર્ગ, એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારીવાળો માર્ગ છે. એક અવતારમાં બધું ચોખ્ખું જ થઈ જવું જોઈએ, અહીં પહેલું ચોખ્ખું થઈ જવું જોઈએ. (પા.૧૩) હવે આપણે તો કશું કરવાનું નહીં. તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, તમારે ચંદુભાઈને કહેવાનું, કે ‘પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું ? શું કહેવાનું આપણે? તમે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો.’ આવું કંઈક કોઈને દાન આપ્યું હોય, તેનું પ્રતિક્રમણ કરવાની આપણે જરૂર નથી. કારણ કે અહીં ધર્મધ્યાન સાથેનું છે આ વિજ્ઞાન. હવે પ્રતિક્રમણ ના થાય તોય હું કહું ને વાંધો નથી, પણ ફક્ત એ દોષો જોયા કરો અને ‘આ વસ્તુ ખોટી છે’ એવું જાણો. જાણ્યું ત્યારથી જ એ ધર્મધ્યાન કહેવાય. એટલે આ બહારનું ધર્મધ્યાન અને અંદરનું શુક્લધ્યાન. આ બેઉ, ધર્મધ્યાન ને શુક્લધ્યાન હોય ત્યારે એકાવતારી થાય અને એકલું શુક્લધ્યાન હોય ત્યારે મોક્ષ થાય. આ માર્ગ તદ્દન જુદો છે, ચોખ્ખો માર્ગ છે અને સ્વાભાવિક માર્ગ છે. ઉદયસ્વરૂપ એ છે નિકાલી જ એટલે દોષ થાય, તેને તમારે વળગવાનું નહીં. આ પાછલા પુસ્તકો વાંચેલા, તે તમને એવું લાગે કે આ શું થયું ? આ શું થયું? આપણે સુટેવો ને કુટેવો બન્નેને સેફસાઈડ કરી છે, (કારણ કે) આપણે શુદ્ધાત્મા છીએ ને આપણે સ્વરૂપમાં આવી ગયા છીએ. આપણા વિજ્ઞાનમાં આ જ્ઞાન આપતી વખતે સુટેવો અને કુટેવો બેઉને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે સુટેવોના ગ્રાહક નથી અને કુટેવોના ત્યાગી નથી. આપણે પુણ્યાચાર ને પાપાચાર બન્નેને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે પુણ્યનાય ગ્રાહક નથી ને પાપનાય ત્યાગી નથી. એટલે આ એક અવતારના ઉદયને કોઈ ફેરવી શકે નહીં. જન્મથી જે ઉદય છે તે મરણ સુધીના ઉદયને કોઈ ફેરવી શકે નહીં. નિર્દોષ દ્રષ્ટિ એ સર્વવિરતિ પદ આપણું સાયન્સ (વિજ્ઞાન) શું કહેવા માંગે છે, તે હું તમને કહું. અત્યારે ઉદયમાં જે દોષ નીકળતો હોય કે ઉદયમાં સારો ભાવ નીકળતો હોય, બે જ જાતના ભાવ નીકળવાના ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો એ ઉદયને જુઓ કે પોતાના દોષ દેખાય. જે દોષવાળો હોય, તેને દોષ દેખાય અને સારાવાળાને સારું દેખાય. પણ આપણે આપણા દોષ જ જોવાના, બીજું કશું જોવાનું નથી. કોઈના દોષ દેખાય નહીં તો જાણવું કે સર્વવિરતિ પદ છે, સંસારમાં બેઠાંય ! એવું આ ‘અક્રમ વિજ્ઞાન’નું સર્વવિરતિ પદ જુદી જાતનું છે. સંસારમાં બેઠા, ધૂપેલ હેર ઑઈલ માથામાં નાખતાય, કાનમાં અત્તરના પૂમડાં ઘાલીને ફરતો હોય પણ એને કોઈનોય દોષ ના દેખાય. ‘અક્રમ’નું સર્વવિરતિ પદ એને કહેવાય છે કે કોઈનો કિંચિત્માત્ર દોષ ના દેખાયો. બીજા કોઈ જીવનો દોષ ના દેખાય. કોઈ ગાળો ભાંડતો હોય, પણ તેનો દોષ ના દેખાય એનું નામ સર્વવિરતિ ! આથી વધારે મોટું સર્વવિરતિ પદ હોતું નથી. આ (નિજદોષ દર્શનના) પુરુષાર્થથી આવતા ભવમાં ફેર પડે છે, પણ આપણે તો એવું (આવતો ભવ સુધારવો છે) કહેવા માગતા જ નથી. આપણે તો ‘શુદ્ધાત્મા’ થયા ને આવતો ભવ જોઈતો જ નથી. એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આ ઉદય જે છે તે અમે એનો નિકાલ કરી નાખીએ છીએ, જાણીએ છીએ. અગુરુ-લઘુ સ્વભાવ પોતાનો એટલે જેવું થાય એવું આપણે જોયા કરવું. ચંદુભાઈની શી દશા થાય એ આપણે જોયા કરવાનું. (પા.૧૪) વધ-ઘટ, વધ-ઘટ, ગુરુ-લઘુ કહ્યું ને ! ગુરુ-લઘુ નહીં? આ અગુરુ-લઘુ સ્વભાવનું તો હોય નહીં, એટલે વધ-ઘટ થયા કરે. અમે જે સ્ટેશને પહોંચ્યા છીએ, તે સ્ટેશને પહોંચશો એટલે તમારેય તેવું થશે. આ પ્રત્યક્ષ પુરાવો જોયો ને તમે, પુસ્તકમાંનો નહીં. રાગ-દ્વેષ એ તો ગુરુ-લઘુ સ્વભાવના છે, વધે-ઘટે અને આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો વીતરાગ છે પોતે. તે વીતરાગ તો (અનુભવ-લક્ષ-પ્રતિતિએ કરીને) થઈ ગયા હવે ! પાંસરા રહે થવાય એકાવતારી આ અમારા એક-એક શબ્દમાં અનંતા-અનંતા શાસ્ત્રો રહ્યા છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે ! એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે ! આ વિજ્ઞાનથી તો રાગેય ઊડી જાય ને દ્વેષેય ઊડી જાય ને વીતરાગ થઈ જવાય, અગુરુ-લઘુ સ્વભાવનો થઈ જાય એટલે આ વિજ્ઞાનનો જેટલો લાભ ઉઠાવાય તેટલો ઓછો છે. આ તો આપણો બહુ ઊંચો માર્ગ છે. આ પદ પામવું એ કંઈ જેવું તેવું નથી. પછી હવે એકદમ સામટું જમી લેવું ? એક અવતાર તો જોઈશે ને એને માટે, નહીં જોઈએ ? વીતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય આપણે અહીં જ્ઞાન આપતાની સાથે જ દ્વેષ પહેલો જતો રહે છે. એટલે આ વીતદ્વેષ તમને કર્યા, તે મારી જોડે બેસી બેસીને વીતરાગ થઈ જવાનું. જેટલો વખત બેસાય એટલો વખત, જેનાથી જેટલો લાભ લેવાય એટલો. વીતદ્વેષ થયો તેને એકાવતારી કહેવાય છે. વીતદ્વેષમાં જેને કાચું રહ્યું હોય, તેને બે-ચાર અવતાર થાય. બહુ ત્યારે પંદર અવતાર થશે, પણ બીજી તો ખોટ નહીં જાય ને! અને એનું સુખ વર્તતું હોય ને આપણને. કોઈ ગાળ ભાંડે તોય ‘સમભાવે નિકાલ’ કરે એની જોડે, પણ દ્વેષ ના કરે એવું તમને અનુભવમાં આવે છે થોડું ઘણું ? પૂરેપૂરું અનુભવમાં આવે છે? પ્રશ્નકર્તા : નિરંતર અનુભવમાં આવે છે. વીતરાગ થઈને ચાલ્યા જાવ દાદાશ્રી : વીતરાગો શું કહે છે કે વીતરાગ થાવ. આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતા ના હોય તો જવાબદાર નથી. આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને ચાલ્યા જાવ. અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી શકે નહીં, ઓળખી શકે નહીં ને ! એટલે ‘અમે’ સ્વીકારીએ નહીં. ‘અમને’ અડે જ નહીં, અમે વીતરાગ રહીએ. અમને એની પર રાગ-દ્વેષ ના થાય. એટલે પછી એક અવતારી કે બે અવતારી થઈને બધું ખલાસ થઈ જાય. વીતરાગો કંઈ કાચી માયા નથી. બધાય કાચા હશે, પણ વીતરાગો જેવા કોઈ પાકા નહીં, એ તો અસલ પાકાં. આખી દુનિયાના સૌ અક્કલવાળા એમને શું કહેતા હતા ? ‘ભોળા’ કહેતા હતા. આ વીતરાગો જન્મેલા ને, તે એમના ભાઈબંધો એમને કહેતા હતા કે ‘આ તો ભોળા છે, મૂરખ છે.’ અલ્યા, તું મૂરખ છે. (પા.૧૫) વીતરાગોને તો કોઈ વટાવી શકશે જ નહીં, એવા એ ડાહ્યા હોય. એ જાતે છેતરાઈને (પણ) પોતાનો રસ્તો ના ચૂકે. એ કહેશે કે ‘જો હું છેતરાઈશ નહીં તો આ મારે રસ્તે જવા નહીં દે.’ તે પેલો શું જાણે કે આ કાચો છે. અલ્યા, ન હોય એ કાચો, એ તો અસલ પાકો છે. આ દુનિયામાં જે જાણી જોઈને છેતરાય, એના જેવો પાકો આ જગતમાં કોઈ છે નહીં ને જે જાણીબૂઝીને છેતરાયેલા, તે વીતરાગ થયેલા. જાણીને છેતરાય વીતરાગો જ માટે જેને હજી પણ વીતરાગ થવું હોય તે જાણીબૂઝીને છેતરાજો. અજાણે તો આખી દુનિયા છેતરાઈ રહી છે, સાધુ-સંન્યાસી, બાવા-બાવલી સહુ કોઈ છેતરાઈ રહેલ છે પણ જાણીબૂઝીને છેતરાય તે આ વીતરાગો એકલા જ, નાનપણથી જાણીબૂઝીને ચોગરદમથી છેતરાયા કરે. પોતે જાણીને છેતરાય છતાં ફરી પાછા પેલાને એમ લાગવા ના દે કે તું મને છેતરી ગયો છું, નહીં તો મારી આંખ તું વાંચી જાઉ. એ તો આંખમાંય ના વાંચવા દે, વીતરાગો આવા પાકાં હોય. એ જાણે કે આનો પુદ્ગલનો વેપાર છે તે બિચારાને પુદ્ગલ લેવા દો ને, મારે તો પુદ્ગલ આપી દેવાનું છે. લોભીયો છે તેને લોભ લેવા દે, માની હોય તેને માન આપીને પણ પોતાનો ઉકેલ લાવે. પોતાનો રસ્તો ના ચૂકવા દે. પોતાનો મૂળ માર્ગ જે પ્રાપ્ત થયો છે એ ચૂકે નહીં, એવા વીતરાગો ડાહ્યા હતા. અને અત્યારે પણ જે એવો માર્ગ પકડશે, એના મોક્ષને વાંધો જ શો આવે ? ‘જ્ઞાની પુરુષ’નું તો આજે આ ખોળિયું છે ને કાલે આ પરપોટો ફૂટી જશે તો શું કંઈ મોક્ષમાર્ગ રખડી મર્યો છે ? ત્યારે કહે, ‘ના. જો આટલી શરતો હશે કે જેને મોક્ષ સિવાય બીજી અન્ય કોઈ પણ જાતની કામના નથી અને જેને પોતે જાણીજોઈને છેતરાવું છે, એવા કેટલાક લક્ષણો એના પોતાનામાં હશે ને, તો એનો મોક્ષ કોઈ રોકનારો નથી; એમને એમ એકલો ને એકલો, જ્ઞાની સિવાય બે અવતારી થઈને એ મોક્ષે ચાલ્યો જશે.’ ધર્મધ્યાનથી પુણ્ય ફળ કે મોક્ષ ? જ્ઞાની એટલે લાયસન્સદાર માણસ કહેવાય, આખા વર્લ્ડનું લાયસન્સ હોય એમની પાસે. જ્યાં દેવલોકો બેસે છે, દેવલોકો સાંભળવા આવે એવું આ વિજ્ઞાન છે ! આ તો પરમહંસની સભા કહેવાય, જ્યાં આત્મા ને પરમાત્મા સિવાય બીજી વાત નથી, સંસારસંબંધી વાત નથી, અને ધર્મધ્યાન સાથેનું (વિજ્ઞાન) છે. આપણું અક્રમ છે ને ! પ્રશ્નકર્તા : ધર્મધ્યાનથી શું થાય ? પુણ્ય બંધાય? દાદાશ્રી : ધર્મધ્યાન બે પ્રકારનાઃ અહંકારે કરેલું ધર્મધ્યાન, તેનાથી ભૌતિક સુખો મળે. મોક્ષમાર્ગે જતાં બીજા સંજોગોય મળી આવે, સત્સંગ મળી આવે એ ધર્મધ્યાનનું ફળ, પણ અહંકારે કરીને અને આપણે જે ધર્મધ્યાન કહીએ છીએ, એ તો નિર્અહંકારી ધ્યાન છે. નિર્અહંકારી ધર્મધ્યાન એક અવતારી બનાવે. અમે જે પાંચ આજ્ઞા આપી છે, એ આજ્ઞા એ જ ધર્મધ્યાન છે અને એ ધર્મધ્યાન હોય ત્યાં સુધી મોક્ષે ના જાય, પણ એક અવતાર થયા પછી મોક્ષેજાય. આજ્ઞા પાલને એકાવતારી પદ આ ‘અક્રમ જ્ઞાન’ પામ્યા પછી એક કે બે ભવમાં ઉકેલ આવે તેમ છે. હવે ભવ રહેવો કે ના રહેવો, એ ધ્યાન ઉપર આધાર રાખે છે. નિરંતર શુક્લધ્યાન એકલું જ રહેતું હોય તો બીજો ભવ થાય જ નહીં, પણ ‘અક્રમ માર્ગમાં’ શુક્લધ્યાન ને ધર્મધ્યાન બેઉ થાય છે. અંદર શુક્લધ્યાન થાય છે ને બહાર ધર્મધ્યાન થાય છે. ધર્મધ્યાન શાથી થાય છે? દાદાના કહ્યા (પા.૧૬) પ્રમાણે આજ્ઞા પાળવાની રહે છે, તેનાથી. આજ્ઞા પાળવી એ શુક્લધ્યાનનું કામ નહીં, એ ધર્મધ્યાનનું કામ છે. એટલે ધર્મધ્યાનને લઈને એક અવતાર કે બે અવતાર પૂરતું ‘ચાર્જ’ થાય છે. અને આજે તમામ શાસ્ત્રો એકી સાથે કહે છે કે આ કાળમાં કોઈ પણ માણસને શુક્લધ્યાન થાય નહીં અને વાતેય સાચી છે, ખોટી નથી. (પણ) આ તો અક્રમ વિજ્ઞાન છે. બાકી એ ક્રમિક માર્ગે (શુક્લધ્યાન) ના થાય. જો શુક્લધ્યાન થાય તો શુક્લધ્યાન એ મોક્ષનું કારણ છે, તો એકાવતારી થાય. અહીંથી સીધો મોક્ષે જઈ શકે નહીં. કોઈ માણસ એક અવતારી થાય, પછી જરા કાચો હોય ને ભેગો ના થઈ શકતો હોય તો બે અવતાર થાય, ત્રણ અવતાર થાય, પાંચ અવતાર થાય પણ પંદર અવતારથી વધારે ના થાય અને અમને અમથો અડી ગયો હશે, તેય અમુક હદમાં આવી જાય છે. બીજા બધાને તો હદ જ નથી, પણ આ હદમાં આવી ગયો અને જ્ઞાન લઈ ગયો હોય, પાંચ આજ્ઞા પાળતો હોય તેની વાત તો જુદી, પંદરમાં આવી ગયો એ ! આપણું આ વિજ્ઞાન એવું છે કે ઠેઠ પાર લઈ જનારું. (જો) આને સિન્સિયર રહ્યો, જ્ઞાનીની પાંચ આજ્ઞામાં રહ્યો એ આજ્ઞા એ જ ધર્મધ્યાન છે. માટે એક અવતાર બાકી રહ્યો, તો મોક્ષ થાય. નથી કર્તાપદ આજ્ઞા પાલનમાં તમે મનમાં નક્કી કરો કે મારે દાદાની આજ્ઞા પાળવી જ છે એ કર્તાપદ નથી, એ ધર્મધ્યાન છે. બિલકુલ કર્તાપદમાં રાખ્યા જ નથી, એમ કહે તો ચાલે. જે કર્તાપદ છે તમને (એ) પાંચ આજ્ઞાના આધીન (છે). એ કર્તાપદ આજ્ઞાને આધીન હોવાથી તમારે માથે જવાબદારી નથી. એથી તો આજ્ઞા આપવાની, નહીં તો પોતે કર્તા થાય પાછો એટલે કર્મ બંધાય. તમે જે કર્તા થયા, તેની જવાબદારી આજ્ઞાના આધીનપણામાં, નહીં તો જવાબદારી તમારી રહે. એટલે આજ્ઞાનું આધીનપણું એટલું કર્તાપદ રાખ્યું છે અને તે કર્તાપદ ખરેખર કર્તાપદ નથી. કારણ કે આજ્ઞાનું આધીનપણું છે. એટલે પોતાની જવાબદારી રહેતી નથી. હું કહું કે ‘ભઈ, ફલાણાને તું આ કર,’ એટલે મારા કહેવાથી, મારી આજ્ઞાથી પેલાએ કર્યું. એટલે પેલો મિકેનિકલ કહેવાય અને જોખમદારી મારી પહોંચે એવી રીતે છે આ. શુદ્ધાત્માનું લક્ષ એ શુક્લધ્યાન હવે આ ધ્યાન જે છે, એ કયા ધ્યાનનું ઉપાદેય છે ? ત્યારે કહે, ‘શુક્લધ્યાનનું ઉપાદેય છે.’ ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું એ ઉપાદેય, એ શુક્લધ્યાન કહેવાય. ‘હું ચંદુભાઈ છું’ એ લક્ષ ઉતરી ગયું ને પેલું લક્ષ બેઠું. વ્યવહાર ચલાવવા પૂરતું, આપણે વ્યવહારથી ‘હું ચંદુભાઈ છું’ એમ કહેવું પડે. દુકાનમાંથી ભાગીદારી કાઢી નાખી હોય પણ એ કહેશે કે ‘તમારું નામ રહેવા દો’ ત્યારે આપણે ના સમજીએ કે ભઈ, ભાગીદારી કાઢી નાખી પણ નામ ખાલી વ્યવહાર માટે રાખ્યું છે. ઈન્કમટેક્ષવાળો આવે ત્યારે ‘હા’ પાડી છે ને પાછી કે ‘હા, અમારું છે.’ ના કહેવું પડે? એને એમ કહેવાય કે ‘અમે કાઢી લીધું છે’ એવું ? આ તો વ્યવહારમાં કહેવું પડે કે ‘હું ચંદુભાઈ છું.’ પણ જેને આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ગયા અને જેને શુક્લધ્યાન છે, એનો મોક્ષ એક-બે અવતારમાં થવાનો જ છે. શુક્લધ્યાનનો પહેલો ને બીજો પાયો શુક્લધ્યાનના ચાર પાયા; એમાં આ પહેલો પાયો એટલે અસ્પષ્ટ વેદન થાય. વસ્તુ છે એ નક્કી થઈ ગઈ. વસ્તુ છે એવું ભાન થયું આપણને, પણ એનું સ્પષ્ટ વેદન ના થાય. ‘શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું પણ અસ્પષ્ટ વેદન, એ પહેલો પાયો. પછી બીજો પાયો સ્પષ્ટ વેદન. (પા.૧૭) પ્રશ્નકર્તા : નિરંતર લક્ષ એમાં રહેતું હશે ? દાદાશ્રી : ના, લક્ષ રાખવાનું નહીં. સ્પષ્ટ વેદન ક્યારે થાય ? બહાર દર્શનમાં બધું તમને આવી ગયું છે, પણ રૂપકમાં નથી આવ્યું અને રૂપકમાં આવે ત્યારે સ્પષ્ટ વેદન થાય. અમુક ભાગ રૂપકમાં આવી ગયો, પણ આ ધંધા-રોજગાર, બીજા બધામાંથી સમજથી છૂટી ગયા છીએ, પણ જ્ઞાનથી છૂટ્યા નથી. એટલે જ્ઞાનથી છૂટે ત્યારે સ્પષ્ટ વેદન થાય. એ સ્પષ્ટ વેદન થાય એ બીજો પાયો. પછી ત્રીજો પાયો કેવળજ્ઞાન, જે બધું જ દેખાડે. પ્રશ્નકર્તા : લોકાલોક ? દાદાશ્રી : હા, લોકાલોક. અત્યારે લોકાલોક અમને સમજાય ખરું પણ રૂપકમાં ના આવે. એટલે કેવળદર્શનમાં ખરું. અત્યારે આ પહેલો પાયો થઈ ગયો, તો બહુ થઈ ગયું. પછી આપણે બીજું કામ જ શું ? જૈન (શાસ્ત્ર) તો શું કહે ? ‘પહેલો પાયો ! ઓહોહો ! આ તો ભગવાન થઈ ગયો !’ બારમા ગુંઠાણા વગર પહેલો પાયો ના આવે. દસમા ગુંઠાણા સુધી કોઈ દહાડો પહેલો પાયો અડે નહીં. એ પહેલો પાયો તમને પ્રાપ્ત થયો છે ! અગિયારમું ગુંઠાણું એ પડવાનું સ્થાન છે. દસમા ગુંઠાણા સુધી લોભ હોય, સૂક્ષ્મ લોભ હોય. એ લોભ જ્યાં સુધી તૂટે નહીં, ત્યાં સુધી બારમું ગુણસ્થાનક આવે નહીં. પછી ગમે તે રીતે લોભ તૂટે, ક્રમિકથી કે અક્રમથી, પણ લોભ તૂટે ત્યારે બારમું ગુંઠાણું સ્પર્શે. જ્યાં સુધી લોભ હોય ત્યાં સુધી અહંકાર જાય નહીં. પ્રશ્નકર્તા : લોભ તો અનેક પ્રકારનો હોય છે. લોભ તો જ્ઞાન મેળવવાનોય હોય. દાદાશ્રી : એ તો બધી જાતના લોભ, અનેક પ્રકારના. હવે એ લોભ હોય ત્યાં સુધી દસમું ગુંઠાણું જાય નહીં, ત્યાં સુધી અહંકાર તૂટે નહીં. અહંકાર બારમામાં તૂટી જાય. અહંકાર તૂટ્યો એટલે બારમામાં જ બેઠો કહેવાય. પછી કોઈ પણ રસ્તે તૂટ્યો હોય, અક્રમ રીતે કે ગમે તે રીતે પણ એ બારમા ગુણસ્થાનકમાં પેઠો, એટલે પહેલો શુક્લધ્યાનનો પાયો કહેવાય. શુક્લધ્યાનનો ત્રીજો પાયો - કેવળજ્ઞાન કેવળજ્ઞાન થયું, એને તેરમું ગુંઠાણું કહેવાય. કેવળજ્ઞાન, શુક્લધ્યાનનો ત્રીજો પાયો અને તેરમું ગુંઠાણું, આ ત્રણેય સાથે જ હોય છે અને આપણું આ બારમું ગુંઠાણું જ છે. એટલે આપણે એનો સ્વાદ ચાખ્યા કરો. ધીમે ધીમે આપણી શક્તિઓ બધી ખીલશે. હવે આવરણો બધા તૂટીને ખલાસ થવા માંડશે. મૂળ આવરણ તૂટી ગયું છે, એટલે હવે શક્તિઓ ખીલશે. પ્રશ્નકર્તા : અંતરમાં શુભ ભાવ સિવાય કંઈ જ રહેતું નથી. દાદાશ્રી : એ વ્યવહારથી ધર્મધ્યાન યોગ છે અને નિશ્ચયથી એ શુક્લધ્યાન દશા છે અત્યારે. હવે વ્યવહાર ગુંઠાણું ઊંચું જતું જાય. પાંચમેથી છઠ્ઠે જાય, સાતમે જાય, આઠમે જાય. વ્યવહારમાં જ્યારે સ્ત્રીનો (વિષયનો) પરિચય છૂટે ત્યારે નવમું ઓળંગે. જ્યારે લક્ષ્મીનું કંઈ એ રહે નહીં, ત્યારે દસમું ઓળંગે વ્યવહારથી. ધીમે ધીમે (મહાત્માઓનો) વ્યવહાર ઊંચો જશે હવે. અમારી પાંચ આજ્ઞામાં રહે, તેને વ્યવહારનું બારમું ગુંઠાણું રહે. પણ પાંચ આજ્ઞામાં સંપૂર્ણ રહી શકાય એવું નથી. માટે બહુ ત્યારે નવમા ગુંઠાણા સુધી પહોંચી શકે. આપણે નિશ્ચયનું ગુંઠાણું જોઈતું હતું તે મળી ગયું. એટલે બહુ થઈ ગયું. આ વ્યવહાર તો ઊંચે વધો કે ના વધો, વ્યવહાર ઈનામ જોઈતું (પા.૧૮) નથી આપણે. આપણે તો એકાવતારી થઈને મોક્ષે જવું છે. આપણે અંદર પરમાનંદ હોવો જોઈએ. તે નિરંતર રહે છે ને? શુક્લધ્યાનનો ચોથો પાયો - મોક્ષ જે રસ્તે અમે ચાલ્યા છીએ, તે રસ્તો જ તમને બતાવી દીધો છે અને જે ગુંઠાણું મારું પ્રગટ થયું છે, બારમું ગુંઠાણું, તે બારમું ગુંઠાણું તમારુંય થઈ જાય છે. આ કાળમાં ચોથા ગુંઠાણાનું ઠેકાણું નથી સાધુઓને, ત્યાં તમારે બારમું ગુંઠાણું ! બારમા ગુંઠાણાનું કારણ શું છે ? કે શુદ્ધાત્માનું લક્ષ બેઠું. આ બારમા ગુણસ્થાનકમાં તમે છો, બારમામાં હું છું ને તેરમામાં ભગવાન મહાવીર હતા, કેવળજ્ઞાન થયું ત્યારે ને ચૌદમું ગુંઠાણું મોક્ષનું કહેવાય. તમારું ને મારું નિશ્ચયથી બારમું ગુંઠાણું એક જ, પણ ડિફરન્સ (ફરક) શું છે? શુક્લધ્યાન તમારું પહેલા પાયાનું છે ને મારું બીજા પાયાનું છે. અમારે શુક્લધ્યાનનો બીજો પાયો, સ્પષ્ટ વેદન હોય અને આ શુક્લધ્યાનના ત્રીજા પાયામાં કેવળજ્ઞાન થાય ને ચોથા પાયામાં મોક્ષમાં પહોંચી જાય ! આપણે અહીં તો ગુરુ-શિષ્યનો ભેદ જ રાખ્યો નથી. તમને અમારી જોડે જ બેસાડ્યા છે. તે નિશ્ચયથી બારમા ગુંઠાણામાં અમારી જોડે જ બેસાડ્યા છે અને તેય શુકલધ્યાનમાં ! આપણું આ શા આધારે નિશ્ચયથી બારમું ગુંઠાણું કહેવાય છે ? કારણ કે શુકલધ્યાન ઊભું થયું છે, શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું છે. શુદ્ધાત્માનું લક્ષ બેસવું અને પ્રતીતિ બેસવી તેને શુકલધ્યાન કહેવાય છે. ‘ક્રમિક માર્ગ’માં પ્રતીતિના જાળા બેસે, પ્રતીતિ થોડી બેસે, અને તે પૂરી થાય ત્યારે ક્ષાયક સમકિત થાય ને ત્યારે ‘શુદ્ધાત્મા’નું લક્ષ બેસે અને આ ‘અક્રમ માર્ગ’માં તો પહેલું લક્ષ બેસાડી દઈએ છીએ અને પછી પ્રતીતિ તો રહે જ ! આ ‘અક્રમ માર્ગ’ છે ને, એટલે લક્ષ પહેલું બેસે. ‘ક્રમિક માર્ગ’માં પ્રતીતિ બેઠેલી હોય તેને પણ શુક્લધ્યાન ના હોય, કારણ કે આ કાળમાં ‘ક્રમિક માર્ગ’માં કોઈ સાતમા ગુંઠાણાથી આગળ જઈ શકે નહીં. અપ્રમત્ત ગુંઠાણું એ શું ? બાકી સાતમું ગુંઠાણું મોટામાં મોટું ગણાય છે. સાતમું ગુંઠાણું એ અપ્રમત્ત ગુંઠાણું. એનો અર્થ શો ? ત્યારે કહે કે ‘હું શુદ્ધાત્મા છું’ એવું શબ્દોથી અડતાલીસ મિનિટ સુધી (રહે અને), બીજા કર્મનો ઉદય જ ના આવે, એ અપ્રમત્ત કહેવાયું. પછી ઓગણપચાસ મિનિટ થઈ એટલે પાછો ‘હું આચાર્ય છું ને હું આમ છું, તેમ છું,’ પાછું એ જ બધું. અડતાલીસ જ મિનિટ, આખી જિંદગીમાં એક જ વખત આવે કે બે વખતેય આવે, કોઈને પાંચ વખતેય આવે, પણ ઉદય કહેવાય એ. પછી પાછો ચોથ-પાંચના ઝઘડા હઉ કરે. પણ આ અપ્રમત્તપણું તો એક અડતાલીસ મિનિટ જ. ‘હું શુદ્ધાત્મા છું’, તે આપેલો શુદ્ધાત્મા નહીં, એને પોતાને જાગૃતિમાં રહ્યા કરે એ અપ્રમત્ત કહેવાય. (નહીં તો) શુદ્ધાત્મા તો યાદ જ ના હોય, કશું ભાન જ ના હોય કોઈને. છેલ્લા સ્ટેશનની વાત આ આ તો અક્રમ વિજ્ઞાન છે ને વિજ્ઞાન પૂરેપૂરું છે. આખુંય વિજ્ઞાન અવિરોધાભાસ છે. જ્યાંથી તમે કાપો ત્યાંથી વિરોધાભાસ નીકળે નહીં. જ્યારે પૂછો ને ત્યારે એનું એ જ હોય. જ્યારે પૂછો ને ત્યારે એનો એ જ જવાબ, એક જ વાત, એક જ રીત. એક જ રેલ્વે લાઈન અને છેલ્લા સ્ટેશનની વાત છે આ. વચલા સ્ટેશનની વાત જ નથી. વખતે કોઈ પુરુષાર્થ જરા મંદ પડે તો એકાદ-બે અવતાર વધારે કરે, પણ તેથી કરીને ખોટ જવાની નથી ખાસ. છતાં પુરુષાર્થ મંદ કરવા જેવું નથી જગત. ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન નિરંતર રહ્યા કરે. તમને આત્માનું વેદન રહ્યા કરે, અંદરથી લક્ષ રહ્યા કરે, જાગૃતિ રહ્યા કરે એ સ્વસંવેદન કહેવાય. (પા.૧૯) એનો લાભેય મળ્યા કરે, નિરાકુળતાનો લાભેય મળ્યા કરે. વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેવાય અને અમે તો ભયંકર વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેલા. આ તો ટેસ્ટેડ કહેવાય. સ્પષ્ટવેદનનો ઉપાય શો ? તમારું વ્યવહાર ગુંઠાણું હજુ ઊંચે લેવાનું રહ્યું. હવે તમે જેટલું સમભાવે નિકાલ કરો, એટલું વ્યવહારનું ગુંઠાણું ઊંચે આવે. એટલે વ્યવહાર પછી હેરાન કરે નહીં. અત્યારે તો વ્યવહારનું પાંચમું ગુંઠાણું કહેવાય. પણ જેમ જેમ ઊંચે આવે ને, તેમ વ્યવહાર નડે નહીં. અમારું વ્યવહારનું ઘણું ઊંચું ગુંઠાણું હોય, બારમું ગુંઠાણું પણ અમારો સ્પષ્ટ અનુભવ, સ્પષ્ટ વેદન અને તમારું અસ્પષ્ટ વેદન. આત્માનું વેદન ખરું પણ અસ્પષ્ટ. એનું સુખ આવે પણ સ્પષ્ટ ના સમજાય. એને સુખ ઉત્પન્ન થાય, આત્મા હાજર થયેલો (એટલે) સુખ ઉત્પન્ન થાય. સુખ સ્વાભાવિક છે, સ્વભાવ પરમાનંદી છે. પણ આપણા બધા વિચારો સુખને આવવા ના દે, આપણને પહોંચવા ના દે. એ વચ્ચે હલાય હલાય કરે. પ્રશ્નકર્તા : તો સ્પષ્ટવેદન કેવી રીતે કરવું, દાદા? દાદાશ્રી : સત્સંગમાં રહેવાથી. અહીં સત્સંગમાં પડી રહેવાથી, આજ્ઞાઓમાં રહેવાથી વ્યવહાર ગુંઠાણું ઊંચું જતું જાય દા’ડે દા’ડે અને સ્પષ્ટ વેદન બંધાય. બધા કર્મો ઓછા થઈ જાય ને દા’ડે દા’ડે ! જે વાસણ ખાલી કરવા માંડ્યું, એ વાસણ ખાલી થઈ જાય ને ? ભલે ને ચમચે ચમચે ઘી આપતો હોય, પણ વાસણ તો ખાલી થઈ જાય ને ! એટલે કર્મની નિર્જરાઓ થયા કરે તેમ તેમ હલકો થતો જાય. આ તો અક્રમ એટલે કર્મો ખપાવ્યા સિવાય આત્મા પ્રાપ્ત થયો. પેલું ક્રમિક એટલે કર્મો ખપાવી ખપાવીને આગળ જવાનું, તે બહુ મુશ્કેલી. કેવું અલૌકિક વિજ્ઞાન આ ! અમે જ્ઞાન આપીએ તે ઘડીએ બધું ઓગળીને ભસ્મીભૂત થઈ જાય છે. (એવું) આ અલૌકિક વિજ્ઞાન છે. આ તો અજાયબ વિજ્ઞાન છે ! બારમું ગુંઠાણું છે આખુંય. તે વ્યવહારમાં લાવી શકાય છે. વ્યવહારમાં લાવવું તમારા હાથની વાત છે. નિશ્ચયથી મેં આપી દીધું. (પણ) તે તમારે મારી પાસેથી સમજી લેવાની જરૂર છે કે ‘ભઈ, આ શું છે હકીકતમાં ? ફાઈલોનો નિકાલ થયે આવે ઉકેલ પ્રશ્નકર્તા : અમારે એક-બે અવતાર પછી, અમારું સ્વરૂપ આટલું બધું શુદ્ધ થશે ત્યારે એ મોક્ષ થશે ને ? દાદાશ્રી : સ્વરૂપ તો શુદ્ધ થઈ ગયું. હવે દુકાન કાઢવાની બાકી રહી છે. દુકાનદાર માણસ હતો તે દુકાન વધાર વધાર કરતો હતો. પછી મહીં થાકી ગયો અને બહુ દુઃખી થયો, ત્યારે કહે, ‘બળી, હવે દુકાન કાઢી નાખવી છે.’ એટલે દુકાન કાઢી નાખવાની શરૂ કરી. જ્ઞાની પુરુષ મળી આવે (પછી) જ્ઞાની પુરુષ દુકાન કાઢવાના રસ્તા દેખાડે, કે કેવી રીતે કાઢવાની ? પછી દુકાન કાઢી નાખશે, જ્ઞાની પુરુષે કરી હોય, એ બધી શરતોથી. એટલે સમભાવે નિકાલ કરી નાખવો બધો. પ્રશ્નકર્તા : અત્યારે તો અમને દાદા, જ્ઞાની, સત્ પુરુષ મળ્યા, પછી એક-બે અવતાર બીજા રહ્યા ત્યારે અમને બીજા કોઈ મળી રહેશે કે અમને જરૂર જ નહીં રહે કોઈની ? દાદાશ્રી : હવે કશું મળવાની જરૂર જ ક્યાં રહી? દુકાન કાઢવાની છે એવી રીતે. એટલે ફાઈલોનો નિકાલ થઈ જશે. અત્યારે ઈન્ટ્રીમ ગવર્મેન્ટ છે, કારણ કે શું છે ? ત્યારે કહે, ‘બે કામ કરવાનાઃ પોતાના સ્વરૂપની જાગૃતિ કરવાની, (પા.૨૦) એટલે રમણતા કરવાની અને ફાઈલ આવે ત્યારે ફાઈલને ઉકેલવાની. ત્યાં સુધી ઈન્ટ્રીમ ગવર્મેન્ટ. ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે ફુલ ગવર્મેન્ટ. તે આ ફાઈલનો નિકાલ કરવા માંડે એટલે રહે નહીં ને પછી ! બાકી પોતાના સ્વરૂપનું ભાન તો આખો દહાડો રહ્યા કરે, નિરંતર ભાન રહે. ઑફિસમાં કામ કરતા હોય તોય ભાન રહે. જરા ચીકણું હોય તો તે ચીકણું કામ પરવારી ગયા કે તરત પાછું ભાન આવી જાય. ક્રિયા ચીકણી હોય તો, જેમ અડધા ઇંચની પાઈપથી પાણી પડતું હોય, તો આપણે આમ હાથ નળે ધરીએ તો હાથ ખસી ના જાય અને દોઢ ઈંચની પાઈપથી ‘ફોર્સ’માં પાણી પડતું હોય તો હાથ ખસી જાય. એવા બહુ ભારે ચીકણા કર્મો હોય તો તે હલાવી નાખે. તેનોય આપણને વાંધો નથી. કારણ કે આપણે એક ભવમાં હિસાબ ચોખ્ખો કરવો છે ને! હિસાબ ચોખ્ખો કર્યા સિવાય મોક્ષે જવાય નહીં ને ! પ્રશ્નકર્તા : હિસાબ ચોખ્ખો ના કરીએ તો પુનર્જન્મ કરવો પડે ? દાદાશ્રી : હા, એટલે જ પુનર્જન્મ થાય છે. એટલે હિસાબ બિલકુલ ચોખ્ખો થઈ જવો જોઈએ, તો ઉકેલ આવે. આ ‘દાદા’એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને ‘ફાઈલો’નો સમભાવે નિકાલ કરો. અને તે સંપૂર્ણ મોક્ષ માટે તો બેઉ સંયમ જોઈશે, પણ અહીંથી એકાવતારી થઈ શકે. પછી આ (બહારનો) સંયમ તો આવતા અવતારમાં આવી જાય. પણ અંદરનો સંયમ આવવો બહુ મુશ્કેલ છે. ઘર્ષણથી હણાય શક્તિઓ બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ. ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી, તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈનીય જરૂર નથી. એક-બે અવતારે એ સીધો મોક્ષે જાય. ત્યારે થાય પૂર્ણાહુતિ જેને અથડામણ ના થાય, તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરેન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ-પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય એટલે પછી એને પૂર્ણાહુતિ થાય ! પ્રતિક્રમણ કરવા માંડ્યા એટલે પછી પાંચ અવતારે - દસ અવતારેય પૂર્ણાહુતિ થઈ જાય ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય. ફાઈલોથી અટક્યું સ્પષ્ટવેદન પ્રશ્નકર્તા : દાદા, આપણા જ્ઞાન પછી મહાત્માઓને એટલી ખબર પડી કે આત્મા અનંત સુખનું ધામ છે. હવે એ જે સ્પષ્ટવેદન અનુભવમાં આવવું જોઈએ, ત્યાં બાધક કારણ કયું છે ? દાદાશ્રી : એ વેદનમાં બાધક કારણ ફાઈલોનું બહુ જોર છે. એ ફાઈલોનું જોર જો વધારે ના રહે તો અનુભવ વધતો જાય. એટલે આ ફાઈલોનું જોર છે ને, તેને લીધે બધું આમ થયા કરે. ફાઈલો ઓછી થશે એટલે એની મેળે જ ફેર પડશે. ફાઈલો ઓછી થાય એવું કરો. પાંચ આજ્ઞા પાળો. બસ એટલું જ કરવાનું, બીજું કશું કરવાનું છે નહીં. (પા.૨૧) આ બધી ફાઈલો ઓછી થશે ને, પછી તો આનંદ માશે નહીં. આનંદ ઊભરાશે ને પાડોશવાળાનેય લાભ થશે. કારણ કે કોઈ પણ વસ્તુ ઊભરાય એટલે બહાર નીકળે, ને બહાર નીકળે એ બીજાંને કામ લાગે. તે પાડોશીનેય લાભ થશે. અત્યારે ફાઈલનો નિકાલ કરવામાં જ આનંદ આવતો નથી. આ બધા ડખા એ આનંદને ચાખવા દેતા નથી. પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ જ્ઞાન મળ્યા પછી કેટલા વખતમાં થઈજાય ? દાદાશ્રી : એ તો જેવી ચીકણી, આમ બહુ ચીકણી હોય તો આખી જિંદગી ચાલ્યા કરે અને મોળી હોય તો દસ-બાર મહિનામાં ઊડી જાય. પ્રશ્નકર્તા : એટલે એક લાઈફમાં થઈ જાય કે બે-ચાર લાઈફમાં થઈ જાય કે કેટલો વખત લાગે, જ્ઞાન મળ્યા પછી ? દાદાશ્રી : ના, બસ એક-બે અવતાર. જેને નિકાલ કરવો છે, તેને વાર ના લાગે. નિકાલ નથી કરવો, તેને બહુ વખત જાય. નિવેડો લાવવો છે, એને વાર નથી. મૂળ આત્મશક્તિનો સ્વભાવ શું છે કે જો તમારે નિવેડો લાવવો છે, તો એ નિવેડો લાવવામાં હેલ્પ (મદદ) કરશે. નિવેડો લાવવો હોય તો અક્રમમાં આવી જવાનું અને અત્યારે આવી જ ગયો છે એ માર્ગ. ‘ધ્યેય’ માત્ર, પામવું એ દશાને પ્રશ્નકર્તા : સ્પષ્ટ વેદન થાય ત્યારે તો વિષય-વિકાર પણ ના રહે ને? દાદાશ્રી : એ વિષયની હયાતી હોય, ત્યાં સુધી સ્પષ્ટ વેદન થાય જ નહીં. સ્પષ્ટ વેદન ક્યારે થાય કે આ મન-વાણી-દેહમાંય પોતાનું માલિકીપણું ના હોય. અમારી નિર્વિચાર દશા છે, અમારી નિર્વિકલ્પ દશા છે, અમારી નિરીચ્છક દશા છે, ત્યારે આ દશા ઉત્પન્ન થઈ છે. ધન્ય, ધન્ય એ દશાને ! અમે એને નમસ્કાર કરીએ છીએ. એટલે આ દશાએ પહોંચવાનું છે. પછી એકાદ સ્ટેશન રહ્યું છે, તો છોને રહ્યું. આટલા બધા સ્ટેશનો ઓળંગ્યા, હવે એકનો શું હિસાબ ? અને તેય ભગવાનની હદમાં જ હોય. સિગ્નલેય આવી ગયું, બધું આવી ગયું. ક્યારનુંય આવી ગયું ! તમેય સિગ્નલ ઓળંગી લીધું. પ્લેટફોર્મ તો નથી આવ્યું પણ સિગ્નલ તો ઓળંગ્યું છે. પ્રશ્નકર્તા : ભગવાનની હદ અને ભગવાનની હાજરી બેય. દાદાશ્રી : હા, ભગવાનની હદ ને ભગવાનની હાજરી ! એ તો કલ્યાણ કરી નાખે ને ! હવે આ જોખમદારી સમજજો ભગવાને આત્માના બે ભેદ પાડ્યાઃ એક સંસારી ને બીજા સિદ્ધ. જે મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે ને બીજા બધાય સંસારી. એટલે તમે જો ત્યાગી હો, તોય સંસારી છો ને આ ગૃહસ્થ પણ સંસારી જ છે. માટે તમે મનમાં કશું રાખશો નહીં. સંસાર નથી નડતો, બીજું કશું નડતું નથી, અજ્ઞાન નડે છે. અને જે અહંકાર નડે છે, તે અહંકાર અમે લઈ લીધો છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. પૈણવાથીય મોક્ષ જાય એવો નથી. તમે બધા સંસારી છો ને એક અવતારી થવું છે, તો તેનો ગુણાકાર ક્યાંય મળતો નથી. આ જૈન શાસ્ત્રો ચોખ્ખું ના પાડે છે, આચાર્યો પણ ના પાડે છે. છતાં આપણને શી રીતે ગુણાકાર મળી ગયો? બૈરી-છોકરા સાથે મોક્ષને માટે અમે આ રસ્તો બતાવ્યો છે. આ અહીંથી સીધો મોક્ષ નથી. વીતરાગોની વાત તદ્દન સાચી છે કે સીધું જ મોક્ષે જવાતું હોય તો તો બૈરી-છોકરાં આ છેલ્લા અવતારમાં છોડવા પડે, પણ આ તો એક અવતારીપદ છે. મોક્ષને ને સંસારને શી લેવાદેવા ? (પા.૨૨) એકેય કર્મ ના બંધાય, એની અમે ગેરેન્ટી આપીએ છીએ. સ્ત્રી-છોકરાં સાથેય નવું કર્મ ના બંધાય. આવી ‘સમજ’ કોણ પાડે ? આ બહેનનો તો નિશ્ચય છે કે ‘એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.’ તો પછી એમને બધા સાધનો મળી આવ્યા, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ ! પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું? દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો (બ્રહ્મચર્યની) આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. (બ્રહ્મચર્યની) આજ્ઞા વગરેય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને? એ અમે જલદી આપતાય નથી. કારણ કે બધાને પાળતા આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ. આ જ્ઞાન એવું છે કે એકાવતારી કરે, પણ ચોક્કસ રહેવું જોઈએ ને મનમાં સહેજ પણ દગો નહીં રાખવો જોઈએ. વિષય એ શોખ કરવા જેવી ચીજ નથી, (પરિણીતોને) નિકાલ કરવા જેવી ચીજ છે. વિષયમાં અટક્યો તે લટક્યો પ્રશ્નકર્તા : પણ દાદા, એક અવતારમાં જ મોક્ષે જવું છે, તો શું કરવું ? એ કહો ને ! એ જ આજે આપણે નક્કી કરીએ. દાદાશ્રી : એક જૈન હોય, તેને પોલીસવાળો પકડીને ત્રણ દહાડા ભૂખ્યો રાખે અને પછી માંસ ખાવા આપે કે ‘આ જ તારે ખાવું પડશે’ ને પછી પેલો ખાય, તો એ બંધનમાં આવતો નથી. એ પોલીસવાળાના દબાણથી છે, એની પોતાની ઈચ્છાપૂર્વકનું નથી. એ સ્વાધીન ના હોવું જોઈએ. પોલીસવાળાને આધીન, ભૂખને આધીન થઈને માંસાહાર કરો તો તમે ગુનેગાર બનતા નથી. એવું આ વિષયમાં થાય તો એ એકાવતારી અવશ્ય થાય. પ્રશ્નકર્તા : આ આજ્ઞા તમારી પાળીશું, હવે તમે એકાવતારી પદ લખી આપો. દાદાશ્રી : આટલું જ અમારું પાળે તો અમે એકાવતારી બોન્ડ લખી આપીશું. એકાવતારી થવું હોય તો આ એક જ વસ્તુ સાચવવાની છે, બીજા ધંધા-વેપારનો વાંધો નથી. હવે ઉકેલ આવશે જરૂર આ બધો માલ રબીશ (કચરો) માલ છે, તેય ચારેય કાળનો. પહેલો સત્યુગમાં ચાળેલો અને પછી જે ના ચળાયેલો માલ, એ નાખ દ્વાપરમાં. દ્વાપરમાં ચાળ્યો, તે પછી ના ચળાય, તે ત્રેતામાં નાખ. ત્રેતામાં ના ચળાયો તે કળિયુગમાં આવ્યો. આ ચળામણ છે, આમાંથી આપણે આ ચાળણો મૂક્યો છે. જેટલું ચળાયું એટલું સાચું, પછી રામ તારી માયા ! આપણા ચાળણે જે ચળાશે, એ એક અવતારી થશે. છેવટે બે અવતારે, પાંચ અવતારે પણ કંઈ ઉકેલ આવશે! નિરંતર જાગૃતિની જ જરૂર આ હું જેટલી વાત કરું છું એટલી બધી મને જાગૃતિ હશે ને કે નહીં હોય ? પ્રશ્નકર્તા : હોય જ. દાદાશ્રી : બધી જ જાગૃતિ હોય. હજુ તો બધી બહુ જાગૃતિ. આ જેટલા માથાના વાળ છે ને એટલી જાગૃતિ મને વર્તે છે. જેને ચોગરદમની બધી જાગૃતિ વર્તે છે, પછી શી રીતે ફસાય ? (પા.૨૩) લોકોને તો આ જરા પવન આવે ને, તોય આ લોકો ઊંઘી જાય ! જાગૃતિ એમને એમ વહી જાય. ખોટું થયું, ખોટું થઈ રહ્યું છે પણ કશો અભ્યાસ કરે નહીં. જાગૃતિ દેખાડ્યા જ કરે ને, ખોટું થઈ રહ્યુંછે ? તારે જાગૃતિ દેખાડે કંઈ ? પ્રશ્નકર્તા : હા, દેખાડે એવું બધું. દાદાશ્રી : આખો દહાડોય ? કેવડી ઊંચી થઈ જાગૃતિ ! દુનિયા ખોળે છે પણ આ જાગૃતિ ના રહે. એ જાગૃતિ નિરંતર રહે એવી જાગૃતિ મેં તમને આપેલી છે. એ જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. જરા પહેલાની ટેવ પડેલી ને, તે ત્યાં લીસી જગ્યાએ લપસવાની ટેવ પડેલી છે. પ્રશ્નકર્તા : ખરી વાત છે, હા. દાદાશ્રી : તે જરાક ત્યાં જાગૃતિ રાખી કે આ લીસી જગ્યા છે ને લપસી જવાય એવું છે અને છતાં ઉદયમાં આવ્યું છે, એટલે આપણે કહેવું કે ‘ચંદુભાઈ, તું લપસે છે ને હું જોઉં છું.’ વાંધો ખરો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : પણ આ તો લપસી જ જાય. એ ‘પોતે’ હઉ ચંદુભાઈ જોડે લપસી જાય. એટલે ત્યાં ઉપયોગ રાખવાનો. જેમ કૂવા ઉપર ગયેલો માણસ એની વાઈફને યાદ કરે, છોકરાઓને યાદ કરે કે કૂવાને યાદ કરે? કૂવા ઉપર બેસવાનું થાય તો ચેતે ને? અગર તો કોઈ દરિયાની વચ્ચે બે ફૂટનો રસ્તો કરેલો હોય ને બે બાજુ રેલીંગ ના હોય, ત્યાં જવાનું હોય તે ઘડીએ એને વાઈફ યાદ આવે કે લક્ષ્મી યાદ આવે કે બંગલા યાદ આવે? પ્રશ્નકર્તા : કોઈ ના યાદ આવે. દાદાશ્રી : હંઅ, એનું નામ ઉપયોગ. દાદાએ એક અવતારી મોક્ષમાર્ગ સિદ્ધાંતપૂર્વક આપ્યો, તો પછી એ સિદ્ધાંતને આપણે વળગી રહેવું જોઈએ. ઉપયોગ એમાં જ રાખવો જોઈએ. પેલું દરિયામાં પડે તો એક જ અવતારનું મરણ થાય, જ્યારે આ લાખો અવતારનું મરણ થાય. મહીં તો ચંદુભાઈને કહેવું જોઈએ કે ‘સીધો રહે.’ નિરંતર ઉપયોગ પમાડે એકાવતારી પદ પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ‘હું નિરંતર ઉપયોગમાં રહું છું.’ એટલે ઉપયોગ કેવી રીતે ? દાદાશ્રી : ઊંઘમાંય, ઊંઘમાંય ઉપયોગ એટલે છેવટે તો એટલું જ રહેવું જોઈએ કે આ બધું થઈ રહ્યું છે ને હું કર્તા નથી, હું જ્ઞાતા-દ્રષ્ટા છું. (એવો) નિરંતર ખ્યાલ રહે એ એક અવતારી કહેવાય. જેના આર્ત-રૌદ્રધ્યાન બંધ તે એકાવતારી ‘હું શુદ્ધાત્મા છું’ તેય અવલંબન છે, શબ્દનું અવલંબન, પણ એ ઊંચું અવલંબન છે. એ મોક્ષમાર્ગનું છે. એની સુગંધી જુદી હોય ને ! પણ તેથી આગળ જવાનું છે, નિરાલંબ થવાનું છે. કેટલી ગજબની પુણ્ય કહેવાય! આ વાત સાંભળવાની ના મળે. શાસ્ત્રોમાં હોય નહીં આ વાત. પ્રશ્નકર્તા : તો એક-બે ભવમાં થઈ જાય ને, નિરાલંબ ? દાદાશ્રી : થઈ જવાનું ને ! આ તો એની મેળે જ બધું હલકું પડી ગયું ને ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ ગયા, એટલે એકાવતારી થાય માણસ. કાયદો જ એ છે અને વખતે બે અવતાર થશે તોય શું ખોટ જવાની છે ? હવે આટલા બધા અવતાર તો બગાડ્યા. આપણને પોતાનેય લાગે કે હલકા ફુલ થઈ ગયા છીએ. આપણે તો એટલું જ જોવાનું કે આપણને ઠંડક રહે છે કે કેમ ? રૌદ્રધ્યાન-આર્તધ્યાન થાય છે કે કેમ? એ જોતાં રહેવાનું આપણે. (પા.૨૪) પોતાનું જોતા રહેવાનું. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય, એને ભગવાને ‘એક અવતારી’ કહ્યો છે. વખતે ચીકણો હોય તો બે અવતાર કરે. એક અવતારી પદને કંઈ ઓછું કહેવાય ? જેના આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થઈ ગયા, તે એકાવતારી થાય. એ પરિણામ પહોંચાડશે તીર્થંકર પાસે જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થયા એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે. સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે ? મા-બાપ ક્યાંથી લાવે ? તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે, સારે ઘેર. પણ ભાઈબંધો તો, આજુબાજુમાં પટેલ-વાણિયા હોય તે જ ભાઈબંધ હોય ને ? ત્યારે કહે, ના. તે પહેલા દેવલોકો (અહીં) ઊતરી ગયા હોય. એ દેવલોકો મનુષ્ય રૂપમાં આવીને એમની જોડે રમે, નહીં તો પેલા ખોટા સંસ્કાર પડી જાય. એટલે બધું સંજોગો પ્રમાણે મળી આવે. તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે. તમે વાંકા તો બધા વાંકા. તમે સીધા થયા તો દુષમકાળ નડતો નથી. તમને જ્ઞાની પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું. ભલે ને આવા સાત દુષમકાળ હોય, આપણને શું વાંધો ? આપણે આપણા જ્ઞાનમાં હોઈએ. હવે આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું નથી. કોઈનું ખરાબ થાય એવા ભાવ ઉત્પન્ન થાય નહીં ક્યારેય. એટલે આ ધર્મધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો. કોઈને બે થાય, કોઈને એક થાય આ જ્ઞાન મળ્યા પછી અને કોઈને લાંબુંયે લંબાય પણ એનો છુટકારો છે એ નક્કી. કારણ કે (નવા) કર્મ બંધાતા અટકી ગયા. જેટલો લોભ એટલા અવતાર વધારે પ્રશ્નકર્તા : દાદા, આ આજ્ઞા પાળીએ, સત્સંગ કરીએ, તેનું ફળ તો આવતા ભવે જ આવવાનું ને ? દાદાશ્રી : હાસ્તો ! એ તો બધું આવતા ભવનું જ ને ! જૂના આ ભોગવીએ છીએ અને આ આવતા ભવનો હિસાબ બધો. આપણે ત્યાં નવું ચાર્જ નથી થતું, પણ આ આજ્ઞા આપી છે એટલું ચાર્જ થાય છે અને ‘તીર્થંકરોને નમસ્કાર કરું છું’ એવું બોલીએ છીએ, તેનું ચાર્જ થાય છે. પ્રશ્નકર્તા : હા, એટલે પછી પ્રત્યક્ષ થાય આવતે ભવે. અત્યારે પરોક્ષ કારણ સેવીએ છીએ એ પ્રત્યક્ષ થાય ત્યારે ? દાદાશ્રી : અહીં (સત્સંગમાં) પરિચય ના આપતો (રાખતો) હોય તેના અવતાર વધીયે જાય. પચાસ-સો થાય, બસોય થાય. પ્રશ્નકર્તા : દાદા, આ સત્સંગનું ફળ બીજા ભવમાં બહુ મોટું આવશે ને ? દાદાશ્રી : બીજું મોટું નહીં, આ સત્સંગનું ફળ જ મોક્ષ. આ સત્સંગનું ફળ તીર્થંકરોના, પંચ પરમેષ્ઠિના બધાના દર્શન થશે. એમના સંજોગમાં રહેવાશે અને મોક્ષ થશે. આ તો અક્રમ વિજ્ઞાન છે, એકાવતારી વિજ્ઞાન છે ! અત્યારે એક અવતારી મોક્ષ છે. એક અવતાર સિલકમાં રહે અને તમને બહુ લોભ હોય તો ત્રણ અવતાર કરી આપે. બહુ લોભ હોય ને કે ‘એમને એમ જતું રહેવાનું ? માટે થોડુંક ભોગવીને જાવ,’ એવી ઈચ્છા (હોય) તો ત્રણ અવતાર કરી આપે. પણ છેવટે એને મોક્ષે ગયે જ છૂટકોછે. ચેતો, આવો અવસર ફરી ફરી નહીં આવે હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધા કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષ તો સરળ છે, સહજ છે, સુગમ છે. જય સચ્ચિદાનંદ |