વિવેક - વિનય, વ્યવહારમાં સંપાદકીય સામાન્યપણે વિવેક એટલે સાધકની અપેક્ષાએ મારા આત્મા માટે શું હિતકારી ને અહિતકારી છે, એ વિચાર દ્વારા યથાર્થપણે નક્કી કરવું એ વિવેક છે. વિવેક એટલે સાર ને અસાર બે જુદા પાડવા, એનું નામ વિવેક. આજના પરિવારોના સળગતા પ્રશ્નનું મૂળ છે, વિવેક-વિનયનો અભાવ. મોટે ભાગે આપણા વાણી અને વર્તનમાં વિવેક-વિનયની છાંટ અનુભવાય છે. તેનાથી આપણા કુટુંબના કેવા સંસ્કાર છે ને આપણામાં કેટલું સત્વ છે તે સમજાય છે. એક વ્યવહારિક સત્ય છે કે ઘરના સભ્યો વચ્ચેનો વિવેક-વિનય એ જ આપણા ઘરની શોભા છે. મનુષ્ય જીવનનો હેતુ શું છે, એ જ વિસરી ગયા છે. મનુષ્ય જીવનનો સાર શું છે, એનું ભાન ભૂલી ભટકે છે. જ્યાં ને ત્યાં ઘરમાં ને બહાર મતભેદ, મારા-તારી, આગ્રહો અને એમાં મનુષ્ય પોતાને બુદ્ધિશાળી માને છે, પણ વાસ્તવમાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘બુદ્ધિશાળી તો એનું નામ છે કે ઘરમાં ને બહાર બધે સેફસાઈડ ખોળે. વિવેકપૂર્વક બધાને સુખ વધે એ ખોળી કાઢે.’ ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અધ્યાત્મ એક એવો રોડ છે કે એ રોડ ઉપર ચઢ્યા પછી બીજા આધિભૌતિક રોડ દેખાતા જ નથી. અધ્યાત્મ શરૂ ક્યારથી થાય છે કે આ બીજું દેખાતું બંધ થઈ જાય. વ્યવહારમાં હિત-અહિતનો વિવેક થવો એ જ શરૂઆત છે અધ્યાત્મની. પરમ પૂજ્ય દાદાશ્રી રોજિંદા વ્યવહારમાં વિવેકની સમજણ ખૂબ જ સાદા-સરળ પ્રસંગો દ્વારા જેવા કે મા-બાપ-છોકરાના વ્યવહારમાં, ધંધામાં, કોર્ટમાં, સત્સંગમાં આત્માર્થે વિવેકના ફોડ પાડતા જણાવે છે કે ‘જ્યાં વિવેક નથી ત્યાં વ્યક્તિ મતભેદ અને મિથ્યા દર્શનમાં લપટાઈ જાય છે.’ સંસાર ભૂલાડે એ જગ્યાએ બેસી રહેવું ને સંસાર વધુ ચગડોળે ચઢાવે ત્યાંથી જતા રહેવું, એવો વિવેક જેને સમજાય તેનું કામ નીકળી જાય. પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ વિવેકથી સદ્વિવેક, વિનય ને પરમ વિનયની ઝાંખી ભેદરેખા સ્પષ્ટ કરી છે, પણ અહીં ખાસ કરીને વ્યવહારમાં વિવેક પર ભાર મૂકવામાં આવેલ છે, કારણ સહુ પ્રથમ વિવેક જાગવો જોઈએ. પછી સદ્વિવેક, પછી ધીમે ધીમે વિનય જાગે ને પછી પરમ વિનય જાગે. પરમાર્થ માર્ગની શરૂઆતમાં વિવેકનું સ્થાન છે. જ્યાં સુધી વિવેક ઉદયમાં ન આવે ત્યાં સુધી સાધકે મોક્ષમાર્ગમાં ચાલવાનું ખરેખર શરૂ નથી કર્યું. પ્રાથમિક ભૂમિકામાં આરૂઢ થયેલા મુમુક્ષુ, વિવેકની સમજણ કેળવી પોતાની દૈનિકચર્યાને વિવેકપૂર્ણ કેળવે એ જ અંતર અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. (પા.૪) વિવેક - વિનય, વ્યવહારમાં વિવેક શૂન્ય, ત્યાં માણસાઈ કેમ કહેવાય ? દાદાશ્રી : તમારા ઘરમાં ઝઘડા થાય છે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : ‘માઇલ્ડ’ (હળવા) થાય છે કે ખરેખરા થાય? પ્રશ્નકર્તા : ખરેખરા થાય, પણ બીજે દિવસે ભૂલી જઇએ. દાદાશ્રી : ભૂલી ના જાવ તો કરો શું ? ભૂલી જઇએ તો જ ફરી ઝઘડો થાય ને ? ભૂલ્યા ના હોઇએ તો ફરી ઝઘડો કોણ કરે ? મોટા-મોટા બંગલામાં પાંચ જ જણ રહે છે, છતાં ઝઘડો કરે છે. કુદરત ખાવા-પીવાનું આપે છે, ત્યારે લોક ઝઘડા કરે છે. આ લોકો ઝઘડા, ક્લેશ-કંકાસ કરવામાં જ શૂરા છે. ઝઘડામાં શું મળતું હશે ? પ્રશ્નકર્તા : નુકસાન મળે. દાદાશ્રી : ખોટનો વેપાર તો કોઇ કરે જ નહીં ને ! કોઇ કહેતું નથી કે ખોટનો વેપાર કરો. કંઇક નફો કમાતા તો હશે ને ? પ્રશ્નકર્તા : ઝઘડામાં આનંદ આવતો હશે ! દાદાશ્રી : આ દુષમકાળ છે એટલે શાંતિ રહેતી નથી. તે બળેલો બીજાને બાળી મેલે ત્યારે એને શાંતિ થાય. કોઇ આનંદમાં હોય તે એને ગમે નહીં. એટલે એ પલીતો ચાંપીને જાય ત્યારે એને શાંતિ થાય, આવો જગતનો સ્વભાવ છે. બાકી જાનવરોય વિવેકવાળા હોય છે, એ ઝઘડતા નથી. કૂતરાંય છે તે પોતાના લત્તાવાળા હોય તેમની સાથે અંદરોઅંદર ના લડે. બહારના લત્તાવાળા આવે ત્યારે બધા ભેગાં મળીને લડે. ત્યારે આ અક્કરમીઓ માંહ્યોમાંહ્ય લડે છે. આ લોકો વિવેકશૂન્ય થઇ ગયા છે ! અવિવેકબુદ્ધિ ઉપજાવે મતભેદ આ તો આખો દહાડો ઘરમાં મતભેદ પડ્યા કરે, વહુ જોડે. જો એ પોતાના હરીફ હોય તો જાણે ઠીક છે. જો શેઠને નોકર જોડે મતભેદ પડે તો આપણે જાણીએ ને કે આ શેઠનામાં બરકત નથી. હરીફ હોય તો વાત જુદી છે, સમાન બુદ્ધિ જોડે મતભેદ પડે તો સમજીએ. પણ આ અસમાન બુદ્ધિ જોડે મતભેદ પડે છે. હવે શું થાય ? ઘરમાં એક દહાડો મતભેદ ન થવો જોઈએ. આ મતભેદ કરે છે, એ બુદ્ધિ ઓછી એટલે. બુદ્ધિથી વિચાર કરે તો મતભેદ કરવાની જરૂર જ નથી. પણ બુદ્ધિ ઓછી હોય ને તો એ મતભેદ કરે અને પાછો પોતાની જાતને બુદ્ધિશાળી માનતો હોય. બુદ્ધિશાળી તો એનું નામ કે ઘરમાં સેફસાઈડ (સલામતી) કરે, બહાર સેફસાઈડ કરે. સેફસાઈડ વધારે એનું નામ બુદ્ધિશાળી. ઘરમાં આનંદ કરાવડાવે એનું નામ બુદ્ધિશાળી કે ડાચું (મોઢું) ચઢેલું હોય એનું નામ બુદ્ધિશાળી ? વિવેકબુદ્ધિવાળો પમાડે સહુને સુખ પ્રશ્નકર્તા : જો વિવેક કરીને કામ કરે, એને બુદ્ધિશાળી કહેવાય ? દાદાશ્રી : હં, વિવેકપૂર્વક બધાને સુખ વધે એવું ખોળી કાઢે, સુખ ઘટે એવું ના ખોળી કાઢે. આપણે નક્કી કર્યું કે ઘરમાં મતભેદ નથી પાડવો. એવું નક્કી કરીને જો બીજા જોડે ભાંજગડ કરે ને, તોય મતભેદ પડે નહીં. પણ આપણે એ ચાવી માર્યા (ગોઠવણી) વગર જ કરીએ છીએ ને, તેથી ભાંજગડ થઈ જાય છે. અમે પહેલેથી ચાવી મારીને પછી કરીએ. આ તો ઘેર આવીને ડખો કરે મૂઆ, આખું ઘર બગાડે. એવી લાઈફ (જિંદગી) કેમ હોવી જોઈએ ? આપણે આપણી લાઈફ ફેરવી શકીએ છીએ, આપણા વિચારો ફેરવી શકીએ છીએ. (પા.૫) શીખો સંસારનું સરવૈયું કાઢતા આ તો આપણને સરવૈયું કાઢતા આવડતું નથી એટલે લઢવાડ થાય છે. વેપારના સરવૈયા તો દર સાલ કાઢો છો, પણ સંસારનું સરવૈયું કાઢ્યું છે કે ‘કયા ખાતામાં ખોટ છે ને કયા ખાતામાં નફો છે ?’ એવું તમે નથી કાઢ્યું ? એવું છે ને, આ સરવૈયું પહેલાં કાઢવું જોઈએ કે ભઈ, વારેઘડીએ આ સંસારનું આરાધન કરીએ છીએ, તો આ સાચું છે કે ખોટું છે ? એમાં નફો રહે છે કે નુકસાન જાય છે? એવું સરવૈયું ના કાઢવું જોઈએ ? સાર અને અસાર આ બેના ભાગને સમજી જવું, એનું નામ વિવેક. સારાસારનું ભાન નથી એ મનુષ્ય જ ના કહેવાય. આ મનુષ્યજન્મ મળ્યો છે, તેમાં ‘આપણું કેટલું અને પરાયું કેટલું’ એનો વિવેક કરવાનો છે. સંસાર ભૂલાડે એ જગ્યાએ બેસી રહેવું ને સંસાર વધુ ચગડોળે ચઢાવે ત્યાંથી જતા રહેવું, એવો વિવેક જેને સમજાય તેનું કામ નીકળી જાય. જીવનના હેતુ માટે કેળવો જાગૃતિ આ જીવનનો હેતુ શું હશે, એ સમજાય છે ? આ તો લાઇફ બધી ફ્રેકચર થઇ ગઈ છે ! શેના હારુ જીવે છે તે ભાનેય નથી રહ્યું કે આ મનુષ્યસાર કાઢવા માટે હું જીવું છું ! મનુષ્યસાર શું છે ? ત્યારે કહે, જે ગતિમાં જવું હોય તે ગતિ મળે અગર તો મોક્ષે જવું હોય તો મોક્ષે જવાય. આવા મનુષ્યસારનું કોઇને ભાન જ નથી, તેથી ભટક ભટક કર્યા કરે છે. શોધખોળ કરતાં કરતાં આજે તમે ‘જ્ઞાની પુરુષ’ પાસે આવી શક્યા ખરાં ! હવે તમારે ‘જ્ઞાની પુરુષ’ પાસે જે જે જોઈતું હોય તે માગી લેવાનું. જે વસ્તુ જોઈતી હોય તે બધી જ વસ્તુ માગી લેવાની તમને છૂટ છે, જેટલી વસ્તુ જોઈએ એટલું ‘ટેન્ડર’ ભરવાની છૂટ છે. એવું છે, બહાર મૂળા લેવા જઈએ તો મૂળાય મૂલ્યવાન, તે મૂળાના દસ પૈસા માંગે છે અને આ આત્માનું જ્ઞાન તો અમૂલ્ય ચીજ છે. એટલે આપણે શું લેવાનું છે ? આની ‘વેલ્યુ’ (કિંમત) જ ના હોય ને? એટલે આ લેવાનું છે, એનું પોતે લક્ષ રાખવું જોઈએ. એની માટે આપણે તૈયારી કરી રાખવી જોઈએ. સ્કૂલમાં ઇનામ મળતું હોય તોય છોકરો કેટલી તૈયારીથી લેવા જાય છે ! કેટલા અદબથી, કેટલા વિનયથી, કેટલા વિવેકથી ઇનામ લેવા જાય છે ! તો આની માટે કંઈ પૂર્વ તૈયારી હોઈ શકે ખરી ? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના ને એવી બધી જાગૃતિ થવી જોઈએ. ‘એક ઇનામ તને મળ્યું છે’ એવું કહે છે, તો બધાં છોકરાં કેટલી મસ્તીમાં આવી જાય છે ! ત્યારે આ તો અમૂલ્ય ચીજ આપવાની વાત છે ! વિવેકથી અધ્યાત્મની શરૂઆત અધ્યાત્મ રોડ એક એવો છે કે એ રોડ ઉપર ગયા પછી બીજા આધિભૌતિક રોડ દેખાતાં જ નથી. એ રોડ જ જુદો છે. માટે અધ્યાત્મ શરૂ ક્યાંથી થાય છે કે આ બીજું આંખે દેખાતું બંધ થઈ જાય, છતાં એ મનમાં રહ્યા કરે. પેલા એના પર્યાયો, અવસ્થાઓ જે છે તે મનમાં ચોંટી રહે, પણ એ રોડ દેખાતો બંધ થઈ જાય. એવું છે, અધ્યાત્મમાં પહેલું તો સારું અને હિતકારી શું અને શું હિતકારી નહીં, એનો વિવેક કરવો પડે. હિતકારીને આપણે ગ્રહણ કરવું જોઈએ અને અહિતકારી હોય તેનાથી છેટા રહેવું જોઈએ. એનો પહેલો વિવેક કરવો પડે. ના ચૂકાવો જોઈએ વ્યવહાર વિવેક વ્યવહાર હંમેશાં આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ આદર્શ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવ ને તો બધાય કહેશે, ‘કોઈ દહાડો એ લઢ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે (પા.૬) ગુસ્સે થયા નથી.’ એવું બધા આજુબાજુવાળા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ? પ્રશ્નકર્તા : કહેવાય. દાદાશ્રી : અને તમારા માટે આજુબાજુ પૂછવા જઈએ તો ? કોઈ એવું કહે કે એ કોઈ દહાડોય ઊંચા સાદે બોલ્યા નથી ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે તમે તો વ્યવહારેય બગાડ્યો અને આ નિશ્ચય પણ બગાડ્યો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે અને છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર વિવેક ચૂકવાનો નથી. જોઈએ વ્યવહારમાં વિનય-વિવેક પ્રશ્નકર્તા : વ્યવહાર પહેલો કે નિશ્ચય પહેલો? દાદાશ્રી : વ્યવહાર પહેલો પણ એનો અર્થ પાછો એવો નહીં કે વ્યવહારનો રાગ કરવો. પ્રશ્નકર્તા : ત્યારે વ્યવહારના નિરાગી થઈ જવાનું ? દાદાશ્રી : રાગ કરે તો સિંગલ (એક) ગુનો છે ને નિરાગી થાય તો ડબલ (બમણો) ગુનો છે. નિરાગીય ના રહેવાય. પ્રશ્નકર્તા : નિરાગી એટલે કઈ રીતે ? દાદાશ્રી : વ્યવહારથી નિઃસ્પૃહ થઈ જાય તે. વ્યવહારથી નિઃસ્પૃહ એટલે પોતાની ‘મધર’ (માતા) કહે કે ‘કેમ તું મારી વાત માનતો નથી ?’ ત્યારે પુત્ર કહે, ‘હું આત્મા થઈ ગયો છું !’ આવું ના ચાલે. વ્યવહારમાં વિનય-વિવેક બધું જ હોવું જોઈએ. આપણા વ્યવહારમાં કોઈની બૂમ ના પડવી જોઈએ. વ્યવહારમાં નિશ્ચય ના બોલાય કોઈ કહે, તમારા ચાર પેઢી છેટેના કાકા મરી ગયા તો આપણાથી એમની ગેરહાજરીમાં કે એકલા હોય તોય એવું ના બોલાય કે ‘મૂઆ, મરી ગયો તે આપણે શું ભાંજગડ ? અહીં કંઈ દુનિયા સાચી છે? કર્મના ઉદયથી મરી ગયા’, આવું ના બોલાય, એ બહુ ખોટું છે. એમના આત્માને શાંતિ થાય, એવું બધું હોય. જેટલો બોલવામાં વ્યવહાર ખોટો એટલું બધું પોતાના જ પગ ઉપર પડશે. વ્યવહારમાં વિવેક જોઈશે, ત્યાં નિશ્ચય ના બોલાય. વ્યવહારમાં વિવેક-વિનયનો ભેદ પ્રશ્નકર્તા : દાદા, આ વ્યવહારમાં વિવેક-વિનય કેવી રીતે સમજાય ? દાદાશ્રી : સાર ને અસાર બે જુદા પાડવા એનું નામ વિવેક. સંસારને સાર માને એ બધા અવિવેકી કહેવાય. સારને સાર માને એ વિવેકી કહેવાય અને અસારમાંથી સાર કાઢે એ સદવિવેકી કહેવાય. આ બધી સંસારી ચીજો માટે વિવેક અને મોક્ષ માટે વિનય જોઈશે. પ્રશ્નકર્તા : વિવેક અને વિનયમાં તફાવત શું છે? દાદાશ્રી : વિવેક તો સામાન્ય, આ અહીં આગળ વ્યવહારમાં કે ભૌતિકમાં ગણાય છે. વ્યવહાર ચલાવવા માટે વિવેક કહેવાય, વિચારપૂર્વક કરે તે. સામાને દુઃખ ના થાય. જેમ છે તેમ ગોઠવણી કરવી. એટલે વ્યવહારમાં વિવેક હોય. પ્રશ્નકર્તા : ગુજરાતી ભાષામાં વિવેક એટલે સારું-નરસું પારખવું. દાદાશ્રી : હા, તે બધું ભૌતિકમાં, અધ્યાત્મમાં નહીં. સારું-નરસું પારખવું એ વિવેક, હિતાહિતને પારખવું. વિવેકમાં પરમ વિવેક ના હોય, વિવેક એકલો (પા.૭) હોય. એ સદવિવેક એનું નામ જ વિવેક કહેવાય છે. સદવિવેક એટલે શું? દરેક જીવ પ્રત્યે હેતુપૂર્વકનું રાખે એટલે કે વિવેક રાખે કે આનાથી દુઃખ થશે. કારણ કે દરેક જીવ સુખની ઈચ્છાથી વર્તે છે, સુખ જ ખોળે છે, દુઃખ ગમતું નથી. આત્મા માટે કરવામાં આવે તે સદવિવેક. પોતાના પરલોક માટે, આત્મા માટે એ સદવિવેક થાય. પ્રશ્નકર્તા : આપણે જાણીએ કે આપણે વિનય કરીએ છીએ, પણ લોકો જુએ કે આનામાં વિનય નથી. વ્યવહારમાં તો લોકો વિનય માગે ને ? દાદાશ્રી : એ વિવેક કહેવાય બધો. ભૌતિક માટે વિવેક, ધર્મને માટે વિનય પ્રશ્નકર્તા : તો વિનય એટલે શું ? આપણે રીતભાત સારી હોય છે તેને વિનય કહે છે ? દાદાશ્રી : હા, બરોબર. એ રીતભાત તો બધી નાની સામાન્ય વ્યવહાર ભાષામાં વપરાય છે. વિનય ધર્મને માટે હોય. વિનય આત્મા માટે, અધ્યાત્મ માટે હોય છે અને આ ભૌતિક માટે વિવેક. વ્યવહારમાં વિનય ના હોય. આપણા લોકો વિવેકની જગ્યાએ વિનય બોલે છે. પ્રશ્નકર્તા : વિનય તો આપણે ઘણા લોકોનામાં જોઈએ છીએ. દાદાશ્રી : એ વિનય ન્હોય. સંસારમાં લોક જેને વિનય કહે છે એ ખરી રીતે વિનય ના કહેવાય, એ વિવેક કહેવાય. આપણા લોકને તો સમજણ નહીં ને, એટલે બધું બાફી નાખે. વિવેક હોય, તેય સારા-ઊંચા માણસોને. તેમાંય સદવિવેક પામવો બહુ દુર્લભ છે પાછો. વિનય તો બધા મનુષ્યમાં હોય જ નહીં, એ તો ધર્મમાં આવ્યા પછી વિનય શરૂ થાય છે. વિવેક જાગે કુદરતી ક્રમે ધીમે ધીમે, ક્ષણે ક્ષણે વિવેક જાગવો જોઈએ. પહેલો વિવેક જાગવો જોઈએ, પછી ધીમે ધીમે સદવિવેક જાગે. સદવિવેક પછી ધીમે ધીમે વિનય જાગે, પછી પરમ વિનય જાગે. એમ જેમ જેમ આ અથડાતો, કૂટાતો-કૂટાતો આવે તેમ તેમ જાગવું જોઈએ. ફોરેનર્સને અત્યારે જ્ઞાન આપીએ, એમાં ફળે નહીં કશુંય. આ તો અમથું લોકો કહે એટલે આપણે એમને આપીએ. અગર તો કો’ક જીવ છે તે અહીંથી ગયો હોય અને ત્યાં જન્મ્યો હોય એવું બને તે વાત જુદી છે, બાકી ફળે નહીં. કારણ કે વિવેક જાગ્યો નથી ને ! હજુ કેટલાક અવતાર અથડાય, ત્યાર પછી આની જરૂર. બે વરસના છોકરાને પૈણાવીને છોકરાની આશા રાખીએ એના જેવી વાત છે ! વિવેકથી પરમ વિનય સુધીના ફોડ પ્રશ્નકર્તા : વિવેક, સદવિવેક, વિનય અને પરમ વિનયમાં ફેર સમજાવો. દાદાશ્રી : વ્યવહાર ચલાવવા વિવેક હોય. વિવેક એટલે ખરા-ખોટાંને જુદું પાડવું તે. સદવિવેક એટલે સારાને ગ્રહણ કરાવે તે. વિનય તો ધર્મને માટે હોય. વિનય એટલે ધર્મ પ્રમાણે ચાલે છે તે. અને તેનાથી આગળ ગયા તે પરમ વિનય. પરમ વિનય તો પ્રજ્ઞા ઊભી થયા પછી જ આવે. એટલે જે દેખાય છે તે તરફનો આદરભાવ નહીં, પણ જે નથી દેખાતું તે તરફનો આદરભાવ! મોક્ષનો માર્ગ શો છે ? વિવેકમાંથી સદવિવેક, સદવિવેકમાંથી વિનય, વિનયમાંથી પરમ વિનય અને પરમ વિનયથી મોક્ષ! પરીક્ષણ બુદ્ધિનું ને નિરીક્ષણ ‘પોતાનું’ પ્રશ્નકર્તા : સારું-નરસું એનો વિવેક દેખાડે, પારખ શક્તિ હોય એ બુદ્ધિ કહેવાય ? દાદાશ્રી : હા, એટલે કંઈ આ પ્રકાશ આપે, કોઈ પણ જાતનો પ્રકાશ અને તેમાં આપણે પારખી શકીએ, તો એ બુદ્ધિ કહેવાય અને એ આપણને ડિસાઈડ (નક્કી) કરવાનું શીખવે. બુદ્ધિ ડિસીઝન (પા.૮) (નિર્ણય) આપે, પણ પારખ થાય તો ડિસીઝન આપેને ? પારખ્યા વગર શી રીતે ડિસીઝન આપે ? ત્યારે બુદ્ધિની આગળ પ્રકાશનું બીજું હથિયાર કોઈ હશે ખરું ? પ્રશ્નકર્તા : હોયને. આ મનુષ્ય જન્મની જો મોટામાં મોટી દેણ હોય તો આ નિરીક્ષણ શક્તિ જ છેને ? દાદાશ્રી : હા, બીજા કોઈનામાં એ નથી. પ્રશ્નકર્તા : નિરીક્ષણમાં બુદ્ધિ નથી ? દાદાશ્રી : ના, નિરીક્ષણમાં બુદ્ધિ નથી. પરીક્ષણમાં બુદ્ધિ છે. નિરીક્ષણ તો બહુ ઊંચું કહેવાય. નિરીક્ષણમાં તો તમારે ફક્ત કામ કરી રહ્યા છે, એ જોયા જ કરવાનું. આ બધાની ઉપર દેખભાળ કર્યા કરવાનું. કોઈને ટૈડકાવવાનું નહીં, એવું તેવું નહીં કરવાનું. સુપ્રિન્ટેન્ડન્ટપણું, ખાલી જોવાનું ને જાણવાનું, બસ. બીજી ભાંજગડ નહીં કરવાની. એક જ પુદ્ગલ જોવાનું છે. ચંદુભાઈનું મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે નિરંતર એનું બધું નિરીક્ષણ કરવું એ શું છે? એ જ કમ્પ્લિટ (પૂર્ણ) શુદ્ધાત્મા ! વિવેક-વિનય બુદ્ધિથી, પરમ વિનય જ્ઞાનથી પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિથી જ ઊભો થાય કે સાહજિક હોઈ શકે ? દાદાશ્રી : હા, બુદ્ધિ વગર ના થાય. બુદ્ધિના પ્રકાશથી વિવેક પડેલો છે. પ્રશ્નકર્તા : વિવેક બુદ્ધિના પ્રકાશથી અને વિનય ? દાદાશ્રી : વિનય હઉ બુદ્ધિના પ્રકાશથી અને પરમ વિનય જ્ઞાનના પ્રકાશથી. સ્થિતપ્રજ્ઞ, અહંકાર સહિત પ્રશ્નકર્તા : દાદા, આ વિવેકને સ્થિતપ્રજ્ઞ દશા કહેવાય ? દાદાશ્રી : અહંકારની હાજરીમાં સંસારનો સારાસાર કાઢીને બુદ્ધિ જે સ્થિર થઈ તે સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ દશા એ વિવેકમાં જ ગણાય. એ સારાસારનો વિવેક સમજે. સંસારનો સારાસાર કાઢ્યો માટે વીતરાગતા ભણી ચાલ્યો હવે. એણે સરવૈયું કાઢી નાખ્યું અહીં આગળ કે આમાં સુખ નથી, પણ અહંકારની હાજરીમાં. હવે એને આગળ જવાનો રસ્તો મળી ગયો અહીં, શરૂઆત થઈ ગઈ. હવે આપણે અહીં આગળ અક્રમ માર્ગમાં સ્થિતપ્રજ્ઞ નહીં, પ્રજ્ઞા હોય છે. એટલે સ્થિતપ્રજ્ઞ એ અહંકાર સહિત હોય, પણ વ્યવહાર બહુ સુંદર હોય. જ્યારે આ પ્રજ્ઞા અહંકાર રહિત હોય. એટલે ક્રમિક માર્ગે સ્થિતપ્રજ્ઞ થયા પછી તો ઘણા કાળે છે તે ‘વસ્તુ’ (આત્મા) પામે છે. સ્થિતપ્રજ્ઞ દશા એ વિવેકવાળી પ્રશ્નકર્તા : આ સ્થિતપ્રજ્ઞની જે વાત છે એ જરા હજી વિગતથી સમજાવો. દાદાશ્રી : એ તો માણસ છે તે ખૂબ શાસ્ત્રોનું અધ્યયન કરે, સંતોની સેવા કરે, ખૂબ તનતોડ ધંધા કરે ને ધંધામાં ખોટ આવે, તે બધી જાતના અનુભવો તરી તરીને જાય. પછી આગળ ફરતો ફરતો જ્યારે બુદ્ધિ સ્થિર થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. બુદ્ધિ એની સ્થિર થઈ જાય. આમથી પવન આવે તોય આમ હાલે નહીં, આમથી આવે તોય આમ ના હાલે એવી સ્થિરબુદ્ધિ હોય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. સ્થિતપ્રજ્ઞ દશા એ બહુ જ સદવિવેકવાળી જાગૃતિ દશા છે. એ અનુભવ કરતાં કરતાં ઉપર આવે. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં જનકવિદેહીની દશા ઊંચી હતી. સ્થિતપ્રજ્ઞ દશા કરતાં પ્રજ્ઞાશક્તિ બહુ ઊંચી છે. સ્થિતપ્રજ્ઞ દશામાં તો વ્યવહારનો એક્કો હોય. બીજું, લોકો તરફ નિંદા જેવી વસ્તુ ના હોય, એ એની જાતને સ્થિતપ્રજ્ઞ માની શકે. પણ આ પ્રજ્ઞા એ તો મોક્ષે જ લઈ જાય. સ્થિતપ્રજ્ઞને તો મોક્ષે જવાને માટે હજુ આગળ બધો માર્ગ જોઈશે. (પા.૯) બધામાં વિવેક રાખવો એ જાગૃતિ વિવેક એટલે જાગૃતિ રાખો કે આમાં સાર શું છે? શું જોવાલાયક છે, શું નથી જોવાલાયક, ક્યાં વિશેષ જોવા જેવું છે, ક્યાં વિશેષ નથી જોવા જેવું ? બધામાં વિવેક રાખો એ જાગૃતિ. પ્રશ્નકર્તા : ના જોવાનું એવું કહે તો એમાં નિષેધ આવ્યો ને? દાદાશ્રી : નિષેધ તો એવું છે ને, જે હિતકારી ના હોય, એને જોવાથી શું ફાયદો થાય ? વિવેક ક્યાં સુધી રાખવાનો છે ? કે જ્યાં શુભ અને અશુભમાં પડ્યો છે, ત્યાં સુધી વિવેક રાખવાનો છે. આખા જગતનો માર્ગ કયો છે ? રિલેટિવ માર્ગ, શુભાશુભનો, અશુભમાંથી શુભમાં આવવું. એણે જ વિવેક રાખવાની જરૂર છે. જેને શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો, એ આખો જ્ઞાની જ થઈ ગયો. પછી એને વિવેક તે શો ? એને તો સ્ત્રીમાં આત્મા જ દેખાય અને પેલાને તો જોખમ રહ્યું છે. માટે કહ્યું કે સ્ત્રીને જોતી વખતે તું વચ્ચે વિવેક રાખજે. હવે વાઘ જોતી વખતે જો વિવેક ના રાખે ને ત્યાંથી નાસે નહીં તો શું થાય ? સાપ જોતી વખતે વિવેક ના રાખે તો શું થાય ? એમ સ્ત્રી જોતી વખતે વિવેક રાખવો જોઈએ. બધું જોતા વિવેક રાખવો. ક્ષણે ક્ષણે ‘પોતાના’ હિતાહિતનું ભાન રહેવું જોઈએ. ‘પોતે’ કોણતેનું અને વ્યવહારનું હિતાહિત-આનું જ ભાન રાખવાનું છે. ‘પોતે’ આત્મા તો કોઈ દહાડો દગો આપનાર નથી. આ તો વ્યવહાર એકલો જ દગાખોર અને દગો છે માટે ત્યાં બહુ ચેતો અને હિતાહિતનું ભાન અવશ્ય રાખો. કોઈ માંકણ મારવાની દવા ન પીવે, એની દવા પીવાનો શોખ તો હોતો હશે? હિતાહિતનું ભાન તો દરેકને પોતાનું સ્વતંત્ર હોવું જ જોઈએ કે હું શું કરું તો સુખી થવાય અને શું કરું તો દુઃખી થવાય ? સાર-અસારનો વિવેક વ્યવહારમાં કંઈક તો સમજવું જ પડે ને ? આપણે પોતાના સુખ માટે રસ્તો ખોળી કાઢવાનો છે, એય વિવેકપૂર્વક કરવાનું છે. સારાસારનો વિવેક જોઈને કરવાનું. આપણે છોકરાં જોડે ઉપલક રહેવાનું. ખરી રીતે પોતાનું કોઇ છે જ નહીં. આ દેહના આધારે મારા છે. દેહ બળી જાય તો કોઇ જોડે આવે છે ? આ તો જે મારો કહી કોટે વળગાડે છે, તેને બહુ ઉપાધિ છે. બહુ લાગણીના વિચાર કામ લાગે નહીં. છોકરો વ્યવહારથી છે. છોકરો દાઝે તો દવા કરીએ, પણ આપણે કંઇ રડવાની શરત કરેલી છે ? છોકરાંને તો પાંચ વર્ષ સુધી ટોકવા પડે, પછી ટોકાય પણ નહીં અને વીસ વરસ પછી તો એની બૈરી જ એને સુધારે. આપણે સુધારવાનું ના હોય. સમય પ્રમાણે સાધો સમન્વય પ્રશ્નકર્તા : દાદા, અમારે ઘરમાં છોકરાંઓનું બીજી બધી રીતે સારું છે, પણ જે નાના-મોટાનો વિનય હોય તે બરાબર નથી, નાના-મોટાના વિવેકમાં આવે એવું કંઈક કરો. દાદાશ્રી : મા-બાપ મોર્ડન, નવું સ્વીકારનાર થાય તો તો વાંધો ના આવે, પણ મોર્ડન થતાં નથી ને ! અગર તો છોકરાંઓ જૂનું સ્વીકાર કરે તો વાંધો ના આવે. એ સ્વીકાર કરવા તૈયાર નથી. ખરો કાયદો શું કહે છે કે જેવો કાળ આવે તેવું લોકોએ થવું જોઈએ. એટલે ફાધરે ફરવું જોઈએ. હા, અમે તો ફરી ગયા છીએ, તદ્દન. મુંબઈમાં ગમે તેવી હોટલમાં તમે ગયા હો, પણ અમે તમને એમ ના કહીએ કે આપણે આવું ના હોય. એવો વખત આવ્યો ત્યારે બદલ્યું. એ ક્યાં મતભેદ કરું હું રોજ ? વખત બદલાય તે પ્રમાણે ચાલો. જે ભાષા હોય તે પ્રમાણે બોલાય. અત્યારે આ નાણું છે તે આપણે કહીએ કે ‘અમે આ નાણું લેવા આવ્યા નથી. કલદાર (રોકડું) હોય તો આપ, નહીં તો નહીં.’ અને ત્યારે અમે કહીએ કે ‘ના, બે રતલ જ આપો’, તો તે આપણને કહેશે, ‘આ ગાંડો (પા.૧૦) છે, આ મૂરખ છે.’ જે વખતે જે નાણું ચાલતું હોય તે નાણાંને એક્સેપ્ટ (સ્વીકાર) કરવું જોઈએ. એટલે આપણે છે તે જૂનવાણીમાંથી નીકળી અને મોર્ડનમાં આવી જવું જોઈએ. વ્યવહારમાં સાચવો નાના-મોટાનો વિવેક દાદાશ્રી : હવે બને એટલું સમજાવીને કામ લેવું. કશું મારી-ઠોકીને બેસાય એવું નથી. છોકરા મારી-ઠોકીને હેંડલ થાય નહીં. એ મારી-ઠોકીને થાય ? પહેલાં સાત-આઠ વર્ષના હતા તે મારી-ઠોકીને થાય. પ્રશ્નકર્તા : દાદા, એનું વર્તન સુધરે ને તો મને શાંતિ લાગે. દાદાશ્રી : વર્તન ? કઈ બાબતમાં ખરાબ છે? પ્રશ્નકર્તા : મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએને, તે નથી જરાય. દાદાશ્રી : એમ ? એ ખોટું કહેવાય, એ ના હોવું જોઈએ. સો ટકા રોંગ છે, ચાલે નહીં. વિનયી વર્તન ઊંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય? ઉપકાર ભૂલાય નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા ઘણી વખત એ મમ્મી તો એવા શબ્દ બોલે છે ને, તે મને બહુ આઘાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે. દાદાશ્રી : આ નોંધ રાખતો નહીં. મધર જે બોલે છે તે રેકર્ડ બોલે છે, તે જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. મારી નાખે તો મરી જવું જોઈએ, પણ તે મા-બાપનો વિનય-વિવેક ના તોડાય. એવું અહીં ચાલે નહીં. વિવેક ચૂકાતા ખપે પ્રતિક્રમણ પ્રશ્નકર્તા : હું એક્સેપ્ટ કરું છું, કે દીકરા તરીકે મારા વિનય-વિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે. મારી એવી ઇચ્છા નથી હોતી, પછી એનું પ્રતિક્રમણ પણ કરું છું પણ બોલાઈ જવાય છે કોઈ વખત. દાદાશ્રી : એ તો માફી માગી લેવી તરત. બોલાઈ જવાય, પણ આપણું ‘જ્ઞાન’ જે છે તે હાજર થઈ જાય. ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે ફરી આવી ભૂલ નહીં કરું. આ તો એમને ખરાબ લાગે કે અમારી કેળવણી આવી હશે ? એટલે હવે તારાથી શબ્દો નીકળી જાય છે, ત્યારે એની પાછળ આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એને ઘા ના લાગે. પ્રશ્નકર્તા : હા, દાદાની હાજરીમાં ક્ષમા માંગું છું. દાદાશ્રી : બસ, તારું કામ થઈ ગયું. બસ. ઊંચી નાતમાં વચનથી મારે બાણ આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં ? લાકડીઓ કે ધોલો નથી મારતા ? નીચી નાતમાં હાથથી ને લાકડીથી મારામાર કરે. ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં, ત્યારે વચનબાણ જ માર માર કરે. છે સંસ્કારી લોકો, આમ તો બહુ વિવેકી છે. એટલે કોઈ મારતા નથી. પણ વચનના બાણ મારે છે કે ‘તું આવી છે ને તું તેવી છે.’ ત્યારે પેલી કહેશે, ‘તમે આવા ને તમે તેવા.’ એટલે રૂઝાય નહીં એવા બાણ મારે છે અને એનાથી જરા ઊંચા હોય ને, તે વચનબદ્ધ કરી દે. હિન્દુસ્તાનમાં એવો ઊંચોય માલ ખરો. પેલો સામો બાણ મારે તો પોતે ના મારે. એ જાણે કે આમાં શું ફાયદો કાઢવાનો ? બાકી વચનથી બાણ મારે ખરા કે ? વચનનું બાણ લાગે ખરું ? પ્રશ્નકર્તા : લાગે, જરૂર લાગે. વચનની અસર તો થાય, વધારે થાય. રૂઝના વળે જલદી. દાદાશ્રી : હા, પેલા માર મારે, તે બે-ચાર દહાડામાં રૂઝ આવી જાય ને આ વગર અડ્યે, (પા.૧૧) વચનના બાણ તો રૂઝાય નહીં. આ વચનનાં બાણથી રાતે ઊંઘ ના આવે. વિવેકપૂર્વક હોય તો સુધરે વાણી વાણી સુધારવી હોય તો લોકોને ના ગમતી વાણી બોલવાની બંધ કરી દો. પછી કોઈની ભૂલ ના કાઢે, અથડામણ ના કરે, તોય વાણી સુધરી જાય. પ્રશ્નકર્તા : તો તો પછી કંઈ બોલવાનું જ ના રહ્યું ને ? વાણી જ ના રહી ને ? દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે જો કદી હેંડે (અનુસરે)ને તો વાણી સુધરે. એમાં પાછી પોતાની સમજણ લાવીને મહીં મારે છે, તે પાછી અથડામણ ઊભી થઈ જાય. પ્રશ્નકર્તા : સામાને ચેતવવા માટે ઘણીવાર કંઈક યુઝફૂલ (ઉપયોગી) બોલે છે. દાદાશ્રી : હા, સામાને ચેતવવા માટે બોલે ને બધું, પણ લોકોને ગમતું નથી ને ! એટલે વિવેકપૂર્વક હોવું જોઈએ. વેપારમાં ખપે વિવેક બુદ્ધિ આ વેપારીઓય હંમેશાં બીજાની પાસે માલ લેવા જાય ત્યારે, વિનય રાખે કે ના રાખે ? ‘તમને અક્કલ નથી ને તમે માલ વેચવા બેઠા ?’ એવું કહે તો પેલા વેપારી પાસેથી નફો મળે આપણને? વેપાર સારી રીતે કરવાની રીત હોય છે. સામા જોડે સોદો કરવો ને, તો તેની રીત હોય છે. રીત હોય કે ના હોય? શી રીતે કરવું પડે, ભઈ ? પ્રશ્નકર્તા : વિવેક-વિનય રાખવા જોઈએ. દાદાશ્રી : એટલે વિનય ને વિવેક બે વસ્તુ જોઈએ, તો તમે માણસ કહેવાવ. નહીં તો માણસ જ ના કહેવાય ને, જ્યાં વિનય નથી, વિવેક નથી ! ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ હિસાબ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય ? એમાં કઈ રકમ યાદ હોય ? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે. પૈસા પાછા લેવામાંય વિવેક પ્રશ્નકર્તા : કોઈ માણસે આપણને રૂપિયા પાછાં આપવાના હોય. હવે આપણે એને આપ્યા હોય, એ આપણે એની પાસેથી પાછાં લેવાના હોય અને એ ના આપે, તો એ વખતે આપણે પાછાં લેવા માટે પ્રયત્ન કરવો કે પછી આપણું દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું ? દાદાશ્રી : એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન જ છોડી દેવો. પ્રશ્નકર્તા : પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભઈ, આપણને આપવાના હશે તો એ ઘેર બેઠા આપી જશે અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું ? દાદાશ્રી : ના, ના, એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. એને કહેવાનું કે ‘ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે. આપની પાસે હોય તો જરા જલદી મોકલી આપો તો સારું.’ લેનારાનો જેટલો વિવેક હોય ને, એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછાં લેતી વખતે રાખવો જોઈએ. આ તો પૈસા લેતી વખતે આપણને પેલો ખ્યાલ રહે છે કે ‘પૈસા તો મેં ધીરેલા છે.’ એનો ખ્યાલ રહે છે, એ બહુ નુકસાન કરે છે. આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂરખ માને અને એ ઊંધે રસ્તે ચઢે. બાકી પૈસાનું મહત્ત્વ નથી, આપણું મન નબળું ના પડે એનું મહત્ત્વ છે. આપણને એક દહાડો (પા.૧૨) વિચાર આવે કે ‘આ પૈસા નહીં આપે તો શું થશે?’ તે આપણું મન પછી નબળું પડતું જાય. એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ, પછી આશા રખાય ? તે આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં. ઝઘડવામાં પણ વિવેક અત્યારે જગત બધું ગુંચાઈ ગયેલું છે. એટલે કોઈને આંગળી ના કરશો. આ પોટલાં ઊંચકવાવાળા વધારે પૈસા માંગે ને, તે કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા પૈસા તો આપવા જ પડશે. તો આપણે એને કહીએ કે ‘ભઈ, જરા ભગવાન તો માથે રાખ.’ તોય કહેશે કે, ‘ભગવાન શું માથે રાખે ? બે રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું ?’ એટલે પછી આપણે કહીએ કે ‘લે ભઈ, આ બે રૂપિયા ને ઉપરથી આ દસ પૈસા.’ આપણે જાણીએ કે આઠ આનાનું કામ હતું પણ આણે બે રૂપિયા લીધા. તે આપણે જાણ્યું કે આવું તો કો’ક દહાડો મળે, રોજ આવું મળે નહીં. બીજે દહાડે ખોળવા જઈએ તો યે એવો મળે નહીં. મજૂરો જ કહેશે કે ‘કાકા, બે રૂપિયા તો લેવાતા હશે ?’ એટલે કોઈક વાર બે રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર દોઢ રૂપિયાવાળો મળી જાય, કોઈકવાર આઠ આનાવાળોય મળી જાય. આપણને કેમ આ ભેગો થયો ? આ આપણું ઈનામ છે, માટે એને આપી દો. કોઈને સહેજેય હલાવશો નહીં. કારણ કે બધું સળગી ઊઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી, ભડકો થયો નથી, પણ મહીં ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચકચ કોઈની જોડેય ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે. એ બગડે ને ત્યારે કહીએ, ‘ભઈ, અમારે પણ ધંધો કરવાનો ને, પછી અમે શું ખાઈએ ?’ એમ તેમ કરીને અટાવી-પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય, તેને જ ઘણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં. એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તોય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય અને આ જીવતાં ને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ ! તેમ છતાંય પ્રકૃતિ જોઈ લેવી. વિવેકપૂર્વક કરો વ્યવહાર આપણો કાયમનો નોકર હોય, એની પ્રકૃતિ જોઈ લેવી. તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાહ્યો છે. એ ડાહ્યા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં, પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઊઠે એ શું ખબર પડે ? છતાં એ તમને જ કેમ ભેગો થઈ ગયો? માટે સમજાવી-કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે ! એટલે બિચારાને બહુ અકળાટ હોય છે, મહીં બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે. કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે? પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને ? પ્રશ્નકર્તા : એને પોતાનું દુઃખ તો હશે જ, પણ અત્યારે તો આમ રસ્તે જતાં વાતે વાતે, કોઈ લેવાદેવા વગર આમ સળગી જાય. આમ એને હાથ અડી ગયો કે સીધી મારામારી ઉપર જ આવી જાય. દાદાશ્રી : અરે, મારામારી તો શું ? એ કંઈ નવી જ જાતનું કરી નાખે ! મારામારીમાંથી જો ખસી ના જાવ ને તો ચપ્પુ મારી દે. એટલે એમને તો એમ કહેવું પડે કે ‘મારે લીધે તને કંઈ વાગ્યું હશે, માફ કરજો’ એમ-તેમ કરીને છૂટી જવું જોઈએ. આ તો જંગલી પાડા લઢતા હોય, તેમાં મોટો રાજા હોય તોય એનાથી જવાય ખરું ? એ પાડા રાજાનું માન રાખે ખરા ? એવું આ જંગલી પાડા જેવું થઈ ગયું છે અત્યારે ! એટલે કોઈનીય જોડે કચકચ ના કરશો. એવા કો’ક દહાડો જ મળી આવે ને ! હવે એની જોડે બાઝીને એમાં શું કાઢવાનું ? (પા.૧૩) જ્યાં લઢવાડ છે એ ‘અંડરડેવલપ્ડ’ (ઓછી વિકસીત) પ્રજા છે. સરવૈયું કાઢતાં આવડતું નથી એટલે લઢવાડ થાય છે. કોર્ટે ચડવામાંય વિવેક પ્રશ્નકર્તા : દાદા, હવે એથી ઊલટો પ્રશ્ન કહીએ કે આપણે કોર્ટે જવાની ભાંજગડ ના કરીએ પણ કો’ક આપણને કોર્ટમાં ઘસડી જાય, તો તે વખતે શું? દાદાશ્રી : આપણે છે તે ચંદુભાઈને લઈ ગયા, એ જોયા કરવું પડે અને ચંદુભાઈ કંટાળે તો ચંદુભાઈને કહેવું કે ‘કંટાળો છો શું કરવા ? હિસાબ ચૂકતે કરી નાખોને ! એ લઈ જાય છે, આપણે શોખથી નથી ગયા. આ પેલો ખેંચી જાય છે એ તો.’ પ્રશ્નકર્તા : એમાં ભરપૂર કષાય છે એના. દાદાશ્રી : હા, એને કષાય થઈ જાય છે ને આ કષાય રહિત, એ વાત જ જુદી છે ને ! પ્રશ્નકર્તા : કોઈ સમસ્યા એવી જ હોય કે કોર્ટે ગયા વગર ઉકેલ જ ના આવે તો ? દાદાશ્રી : હા, તો જવું પડે. જવાબ ના હોય અને તમારે કોઈની સાથે કોર્ટે જવું પડે તે જવાનું જ. તે આપણે ચંદુભાઈને કહેવાનું કે ‘સારો વકીલ કરજો, તો બહુ દોડધામ ના કરવી પડે અને થોડું જૂઠું બોલવું પડે તો બોલજો, પણ કોર્ટને રીતસર લાગે એવું કરજો. તે કોર્ટમાં ગાંડું દેખાય એવું ના કરતા, વિવેકની ખાતર. જૂઠું-સાચાનો નિયમ નથી, વિવેકપૂર્વક કરજો.’ નહીં તો લોકો ગાંડા કહેશે કે ‘કોર્ટમાં આવો પુરાવો અપાતો હશે ?’ પ્રશ્નકર્તા : એ તો જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે પ્રમાણે કરવું પડે. દાદાશ્રી : કોર્ટમાં વિવેકપૂર્વક એટલે શું ? વકીલે કહ્યું હોય કે આ પ્રમાણે બોલજો ને ત્યાં તમે કહો કે ‘હું જે થયું છે એ બોલીશ, બીજું નહીં બોલું.’ એમાં લોકો પછી હસશે. એટલે આપણે વકીલે કહ્યું હોય એમ કહી દેવાનું. ભગવાને કહ્યું, ‘બધું જ કરવું પણ રાગ-દ્વેષ રહિત થાય એમ.’ હરેક ક્રિયા કરો પણ રાગ-દ્વેષ રહિત થતી હોય, એ ક્રિયાના જોખમદાર તમે નથી. અને અમે આ જે વિજ્ઞાન આપ્યું છે, એ વિજ્ઞાનમાં જે પચાસ ટકા આજ્ઞા પાળે છે, એને વીતરાગતા રહે છે એવું અમે માનીએ છીએ. એટલે વિવેકની જ વાત છે. મુશ્કેલીમાં વર્તે વિવેકપણે પ્રશ્નકર્તા : પાપના ઉદય વખતે જીવન પર અસરો થાય, ત્યારે કેવી રીતે વર્તવું ? દાદાશ્રી : પાપનો ઉદય થાય એટલે પહેલા તો જોબ (નોકરી) જતી રહે. વાઈફ ને છોકરો પૈસા માગે, બસ્સો ડોલર આપો એટલે કકળાટ થાય પછી. ‘અહીં સર્વિસ (નોકરી) નથી ને શું બૂમાબૂમ કર્યા કરે છે વગર કામની ? બસ્સો-બસ્સો ડોલરના ખર્ચા કરવા છે !’ ત્યાંથી આ ચાલુ થાય બધું નિરાંતે. એય રોજ કકળાટ ! પછી બઈ કહેશે, ‘બેન્કમાંથી લાવીને આપતા નથી.’ ત્યારે બેન્કમાં થોડું રહેવા દે કે ના રહેવા દે ? અહીં આનું ભાડું ભરવું પડશે. બેન્કમાં પૈસા ના ભરવા પડે ? પણ પેલી માથું પાકી જાય એવો કકળાટ કરે. આ બધા લક્ષણ, તે બળ્યું રાતે ઊંઘવાય ના દે. અહીં અમેરિકામાં કેટલાંયને એવો અનુભવ થતો હશે અને કહેય ખરો કે ‘કર્કશા છે.’ એટલા શબ્દો કડક બોલે, છોડે નહીં ને ! કોઈ જગ્યાએ આવું બનતું હશે કે ઘણી જગ્યાએ ? જોબ જતી રહી હોય તે મને મળે ને, ‘દાદા, જોબ જતી રહી છે, શું કરું’ પુછે. (પા.૧૪) એ જોબ જતી રહી હોય અને દહાડા બહુ સુંદર રીતે કાઢે, એનું નામ વિવેકી માણસ કહેવાય. નવા કપડા ના લાવે અને કપડા પહેલાના હોય ને, તે પહેરે. નોકરી ના મળે ને, ત્યાં સુધી એટલો ટાઈમ કાઢી લે. અને ધણીએ ઉત્સાહી રહેવું જોઈએ. જોબ જતી રહે એટલે ડરવું નહીં જોઈએ. આ આટલું ઘાસ કાપી નાખીએ કે એવું તેવું કરીને સાંજે દસ-વીસ ડોલર લઈ આવ્યા. બહુ થાય, ભીડ તો પડે નહીં. બૈરી ને એ બેઉ સારી રીતે દહાડા કાઢે, એનું નામ વિવેકી. સત્યેય બોલો વિવેકપૂર્વક પ્રશ્નકર્તા : કોઈ બહુ મીઠા બોલો અને સાચા બોલો હોય તો આપણે એમ કહીએ ને કે એનાં કરતા ભલે પેલો ખરાબ બોલે છે, પણ એ સારો માણસ છે. દાદાશ્રી : હં, સાચા બોલો કોઈ હોતો જ નથી ને ! પ્રશ્નકર્તા : ઘણા દિલથી નથી કહેતા કે આ માણસ તો સારો છે પેલા કરતાં ? દાદાશ્રી : સાચા બોલો કોને કહેવાય ? એક ભઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો અને મધરને શું કહે છે ? ‘તમે મારા બાપાના વહુ થાવ’ કહે છે. એ સત્ય નથી ? ત્યારે મધરે શું કહ્યું ? ‘તારું મોઢું ફરી ના દેખાડીશ. તું જા અહીંથી ! મને તારા બાપની વહુ બોલું છું !’ એટલે જ્ઞાની પુરુષ પાસેથી બધું સમજી લેવું જોઈએ, નહીં તો આપણે આ ઝુડ ઝુડ કરીએ કે સત્ય છે, સત્ય છે. તે બોલાતું હશે આવું ? અરે, રસ્તે જતાં અહીં કોઈ ઘૈડા માજી હોય, એ આમ ચાલતા હોય ને ‘એ ડોશી અહીં આવ’ તો એ ચીડાઈ જશે કે ‘મને ડોશી કહે છે મૂઓ’ અને આપણે કહીએ, ‘માજી આવો’, તો ખુશ થઈ જાય. ભગવાને કહ્યું છે કે બોલમાં વિવેક રાખજો, વિનય રાખજો. વિવેકપૂર્વક બોલાય. વિવેક વગરનું બોલાય નહીં, જોખમદારી છે. એક વકીલ એવું બોલ્યો’તો સુરતની કોર્ટમાં કે ‘માય ઓનરેબલ જજ ઈઝ ડોઝીંગ’ (મારા માનનીય જજસાહેબ ઝોકાં ખાય છે). હવે પેલાં દૂધપાક ખઈને આવેલા, તે જરા આમ ઝોકું ખવાઈ ગયું ત્યારે શું કોઈ ગુનો થઈ ગયો ? હવે તેમની પાસે આપણે ન્યાય લેવાનો છે. હવે પેલો સાહેબ એવો ચોખ્ખો માણસ છે. એટલે તે દહાડે કશું ગુસ્સે ના થયા. સાહેબે તે દહાડે ખુશી ખુશીમાં બધી વાત કરી, પણ છેવટે જજમેન્ટમાં ઊંધું મારી દીધું. કારણ કે એમને ના બોલાય એવું. વિવેક હોવો જોઈએ. ‘મારા બાપાની વહુ’ એવું કહીએ તો એ સત્ય નહીં ? પ્રશ્નકર્તા : એક રીતે જોતાં સત્ય જ છે. દાદાશ્રી : ત્યારે પછી લોક કેમ બોલતા નથી? ખરું સત્ય નથી એ? તો કોઈ દહાડો બોલી જોઈએ તો શું થાય ? એટલે ડાહ્યા પુરુષોએ કહ્યું કે ‘નેકેડ સત્ય, નાગું સત્ય ના બોલશો. કપડાં પહેરાવીને સત્ય બોલજો.’ અવ્યવહારુ કાયદામાં ઘટે વિવેક એક ઘરડા મહારાજ અપાસરામાં ચાતુર્માસ કરવા આવેલા. તે બિચારા બહુ ઘરડા ને પગે લંઘાતા હતા. તેમનાથી ચલાતું જ નહોતું. તે ચાતુર્માસ પૂરા થયા એટલે એમને કહેવામાં આવ્યું કે ‘તમે હવે વિહાર કરી જાઓ.’ મહારાજને પગે ઠીક થયું જ નહીં, તેથી તેમણે રહેવા માટે એક્સ્ટેન્શન માગ્યું. તે સંઘપતિએ કહ્યું કે ‘વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે, હવે આગળ એક્સ્ટેન્શન (વધારો) નહીં મળે.’ હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું. તે મહારાજે કહ્યું, ‘ભલે ત્યારે, હું જઇશ. અહીંથી ચાર માઇલે છાણી ગામ છે, ત્યાં વિહાર કરી જઇશ. પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી, તો ડોલીની વ્યવસ્થા કરી આપો.’ એટલે સંઘપતિએ કહ્યું કે ‘આજ સુધી આવી ડોલી તો અમે કોઇને કરી આપી હોય તેવું યાદમાં નથી.’ તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા, ખાતાવહી જોઇ, તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ ક્યાંય તેમને એવું જડ્યું જ નહીં કે કોઇ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય ! એટલે એમણે તો મહારાજને કહ્યું કે ‘એવો કોઇ કાયદો કરવામાં આવ્યો નથી, તો અમે શું કરીએ ? કાયદો કેમ તોડીએ ?’ (પા.૧૫) અલ્યા, શું બધાંને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે? કંઇક વ્યવહારિક સમજ તો જોઇએ ને, કે જડની જેમ જ કાયદાને પકડીને બેસવાનું ? તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા ને મને કહે કે ‘‘ભાઇ, જુઓને મારી આ અવદશા આ સંઘે કરી છે ! પચાસ રૂપિયા કોઇ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી અને બીજી બાજુ ‘વિહાર કરી જાઓ, વિહાર કરી જાઓ’ એમ કહ્યા કરે છે. હવે શું કરું હું ? તમે જ કંઇ રસ્તો કરો.’’ પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી. ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઇ ને મહારાજને વાજતે-ગાજતે બેન્ડવાજાં વગાડીને વિદાયગીરી આપવામાં આવી ! મોટો વરઘોડો કાઢ્યો ને સંઘપતિ પણ માથે પાઘડી-બાઘડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા ! અલ્યા, આ વાજાં વગાડ્યા ને વરઘોડાનો જલસો કર્યો તેમાં પાંચસો રૂપિયા ખર્ચ્યા અને મહારાજ માટે ડોલી કરવા પચાસ રૂપિયા ના ખર્ચાયા ? કારણ શું ? ત્યારે કહે, ‘વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે, પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી, એટલે અમે કેવી રીતે એમ કરીએ ?’ હવે આને મારે ‘અવ્યવહારુ’ ના કહેવું તો શું કહેવું ? હોવો ઘટે સત્ય-અસત્યનો વિવેક જે માણસ જે વસ્તુ કરતો હોય, તેને તે સાચી જ લાગે. ખાટકી (કસાઈ) હોય ને, તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે. કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય. તેમાં સત્ય-અસત્યનો વિવેક જતો રહે. પછી શું થાય ? જ્યાં સત્ય-અસત્યનો વિવેક જતો રહે, પછી ગમે તેટલું કરવાથી લાખ અવતારેય સત્ય નહીં સમજાય. ઊંઘો ના ઉઘાડી આંખે વીતરાગોનો માર્ગ શું કહે છે કે કોઇને તમે ‘એ ખોટો છે’ એમ કહેશો તો તમે જ ખોટા છો. એની દ્રષ્ટિફેર છે એટલે એને એવું દેખાય, એમાં એનો શો દોષ ? કોઇ આંધળો ભીંતને અથડાય, પછી આંધળાને ઠપકો અપાતો હશે કે દેખાતું કેમ નથી ? અલ્યા, દેખાતું નહોતું એટલે તો એ અથડાયો. એવું આ જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. આ બધી ક્રિયાઓ થાય છે, તે બધી ઊંઘમાં જ થાય છે. સ્વપ્નમાં આ બધું થઇ રહ્યું છે અને મનમાં શુંય માની બેઠા હોય કે આપણે કેટલી બધી ક્રિયાઓ કરી રહ્યા છીએ ! પણ આ સ્વપ્નાની ક્રિયાઓ કામ લાગશે નહીં, જાગૃતની ક્રિયાઓ જોઇશે. આ તો ઉઘાડી આંખે ઊંઘે છે. રાખો વિવેક આત્માર્થે હવે આપણે મુંબઈથી આમ અંદર આવવું હોય ઝાંપામાં, ત્યાં આગળ પેલા પૂછે કે ‘તમે મુંબઈના છો કે બહારગામના છો ?’ બહારગામ-વાળાને પેસવા દેતા હોય અને મુંબઈવાળાને ના પેસવા દેતા હોય તો આપણે ત્યાં વિવેક રાખવો પડે કે ના રાખવો પડે ? કારણ કે આત્માર્થે છે. આપણે વેપાર કરવા નથી આવ્યા અહીં અને ફરવા માટે નથી આવ્યા, દેહને માટે નથી આવ્યા. શેને માટે આવ્યા છીએ ? એકાંત ખોળવા માટે, આત્મા માટે. એકાંતનો વધારે લાભ લેવા માટે, સત્સંગનો લાભ લેવા માટે આવ્યા છીએ. એટલે ત્યાં વિવેકથી એમ કહેવું પડે કે ‘અમે ગામડેથી આવ્યા છીએ ભઈ, આત્માર્થે.’ આ ખરી હકીકત છે. આત્માર્થે વિવેક રાખવો જોઈએ. જ્યાં આત્માર્થ થતો હોય ત્યાં વિવેક રાખીને તે કામ કરી લેવું. ત્યાં પકડ નહીં રાખવી. અમને અહીં આગળ ભાત મૂક્યો હોય અને અહીં અખાદ્ય પદાર્થ મૂક્યો હોય તો અમારામાં સદવિવેક હોય એટલે ભાતને ખઈએ. ત્યારે કહે, ‘પેલું તમને રુચતું નથી ને ?’ મેં કહ્યું, ‘ના, તું અમારા મોઢામાં ઘાલી દઉં, તો અમે તારી પર (પા.૧૬) રાગ-દ્વેષ ના કરીએ.‘ એ ગ્રહણ કરવા જેવી ચીજ નથી ને આ ગ્રહણ કરવા જેવી ચીજ છે, એ બધું જુદે જુદું વિવેક રાખવો જોઈએ. આ તો હિન્દુસ્તાનમાં ચાલુ આવ્યું છે તોફાન બધું. એમ કેમ ચાલે ? વિવેક હોય હંમેશા. આદર્શ વ્યવહારથી મોક્ષ આદર્શ વ્યવહાર સિવાય કોઇ મોક્ષે ગયો નથી. મોક્ષે જવા આદર્શ વ્યવહાર જોઇશે. આદર્શ વ્યવહાર એટલે કોઇ પણ જીવને કિંચિત્માત્ર દુ:ખ ના થાય તે. ઘરના, બહારના, આડોશી-પડોશી, કોઇને પણ આપણા થકી દુઃખ ના થાય, તે આદર્શ વ્યવહાર કહેવાય. તેટલું જ જોવાનું, છતાં પણ આપણા થકી કોઇને દુઃખ થાય તો તરત જ પ્રતિક્રમણ કરી લેવાનું. અમારા થકી કોઈનેય અડચણ થઈ હોય એવું બને નહીં. કોઈના ચોપડે અમારી અડચણ જમે નહીં હોય. અમને કોઈ અડચણ આપે ને અમે પણ અડચણ આપીએ તો અમારા ને તમારામાં ફેર શો? અમારો સંપૂર્ણ આદર્શ વ્યવહાર હોય. આદર્શ વ્યવહાર એટલે ભગવાને કહ્યો છે તેવો વ્યવહાર હોય. ભગવાને કહેલામાં એક મીનમાત્ર ફેરફાર ના હોય. અમારે ફક્ત આ કપડાં સિવાય બીજો કોઈ ફેરફાર ના હોય. જ્યાં આદર્શ વ્યવહાર છે, ત્યાં આગળ બધું કામ થાય. વ્યવહાર આદર્શ વગર કોઈ દહાડોય નિશ્ચય આદર્શ થાય નહીં. જ્યારે ભક્તો વ્યવહારમાં બહુ કાચા હોય. જ્યાં સુધી વ્યવહાર ચોખ્ખો ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જેના વ્યવહારમાં કોઇ પણ કચાશ હશે, તે મોક્ષને માટે પૂરો લાયક થયો ના ગણાય. પૂરું કરો સંસાર નાટક વિવેક સાથે પ્રશ્નકર્તા : નરસિંહ મહેતા એમના પત્ની મરી ગયા ત્યારે ‘ભલું થયું ભાંગી જંજાળ’ બોલ્યા તો એ શું કહેવાય ? દાદાશ્રી : પણ એ ઘેલછામાં બોલ્યા કે ‘ભલું થયું ભાંગી જંજાળ.’ આ વાત મનમાં રાખવાની હોય કે ‘જંજાળ ભાંગી ગઈ.’ એ મનમાંથી ‘લીકેજ’ (ઉઘાડું) નહીં થવું જોઈએ. પણ આ તો મનમાંથી ‘લીકેજ’ થઈ બહાર નીકળી ગયું. મનમાં રાખવાની ચીજ ઉઘાડી કરી દે, તો એ ઘેલા માણસો કહેવાય.ભક્તિનું ઘેલાપણું છે એ. આપણે ત્યાં વિવેક હોય. પ્રશ્નકર્તા : જે ઘેલા ભક્તો હોય, એમનું મનમાં જેવું હોય એવું જ વાણીમાં નીકળી જાય ને? દાદાશ્રી : એટલે જ ઘેલાને ! મનમાં હોય એવું બોલે ને, એ બધા ઘેલા કહેવાય. કંઈક વિવેક જોઈએ. વ્યવહારમાં વિવેક નથી એ, આવું ના બોલાય. એવું બોલવાથી કોઈએ માર્યા ના હોત તો આપણે સમજત કે ‘ભઈ, આ બરોબર છે વ્યવહારમાં.’ પણ તરત માર્યા પેલા લોકોએ, ‘આવું બોલો છો?’ મનમાં રાખો ને ! આ મોઢે શું કરવા બોલ્યા ? નાગરોના છોકરા કહે છે ‘કાકા, આ મનમાં રાખવાનું, બહાર બોલી ગયા આવું. તમારી આબરૂ બગડી.’ પ્રશ્નકર્તા : પણ મનમાં જેવું હોય એવું બોલી નાખે તો એ બરાબર જ કહેવાય ને ? દાદાશ્રી : એ ભક્તો તો મનમાં હોય એવું બોલે ને એવું વર્તે. હા, એટલે એ ઊંચી ગતિમાં જનારા. આ ભક્તો કંઈ જેવા તેવા ભક્ત નહીં. એ ભગવાનને પ્રાપ્ત કરવાની નજીક આવેલા પણ આવું તે બોલાતું હશે ? મનમાં સમજવું જોઈએ. મનમાં સહુ કોઈ જાણે કે સારું થયું, હેંડો, નિરાંત થઈ! જ્ઞાનીના અભિનયમાં દિસે વિવેક ‘જ્ઞાની’ બહુ ડાહ્યા હોય. ‘જ્ઞાની’ ઘેલા ના હોય. મનમાં બધુંય હોય કે ‘ભલું થયું ભાંગી જંજાળ’ પણ બહાર શું કહે ? ‘અરેરે ! બહુ ખોટું થયું. આ તો હવે હું એકલો શું કરીશ ?’ એવું હઉ કહે. નાટક (પા.૧૭) ભજવે ! આ જગત તો પોતે જ નાટક છે. એટલે અંદરખાને જાણવાનું કે ‘ભલું થયું ભાંગી જંજાળ’ પણ વિવેકમાં રહેવું જોઈએ. ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ’ એવું ના બોલાય. આવો અવિવેક તો કોઈ બહારનોય ના કરે. દુશ્મન હોય તોય વિવેકમાં બેસે, મોઢું શોકવાળું કરીને બેસે ! અમને શોક કે કશુંય ના થાય પણ બાથરૂમમાં જઈને પાણી ચોપડી આવીને નિરાંતે બેસીએ. એ અભિનય છે. ધી વર્લ્ડ ઈઝ ધી ડ્રામા ઈટસેલ્ફ (આ જગત જાતે જ એક નાટક છે); તમારે નાટક જ ભજવવાનું છે ખાલી. અભિનય જ કરવાનો છે પણ અભિનય ‘સિન્સિયરલી’ (નિષ્ઠાથી) કરવાનો. પ્રશ્નકર્તા : ‘એક્ટિંગ’ (અભિનય) એ ‘ઈન્સિન્સિયારિટી’ ના કહેવાય ? દાદાશ્રી : ના, ઈન્સિન્સિયારિટી (પોલ) ના કહેવાય. એક્ટિંગ એટલે અભિનય જ ખાલી. એ અભિનય હોવો જોઈએ. અભિનયમાં ‘સિન્સિઅર’ જ રહેવું જોઈએ. હવે હું ત્યાં પાણી ચોપડીને બેસું, (કારણ) સ્વભાવ મારો હાસ્યોનો એટલે કોઈ પણ બાબતમાં હાસ્ય જ હોય મારું. હવે એ શી રીતે મારે ઢાંકવું ? એટલે પાણી છાંટીને જરા બેસું. ના હોય તો પછી મરચું અડાડવું પડે, નહીં તો ના ચાલે. વ્યવહારમાં તો કરવું જ પડે. એ અમને આવડે, લૌકિક બહુ સરસ આવડે. આ નાટક અમને ‘એક્ઝેક્ટ’ (યથાર્થ) આવડે. આ બધું હું નાટક જ કરું છું, સવારથી તે અત્યાર સુધી નાટક જ કરું છું. તે સિન્સિયરલી પાછું ! નાટક કરવાનું ના હોય, ભજવવાનું હોય. જે રિહર્સલ (ભજવવાનું) ગોઠવાયેલું હોય તે ખાલી ભજવવાનું જ હોય. તે આ નાટક ભજવવાની જરૂર છે. જગતમાં સુપરફ્લુઅસ (ઉપરછલ્લા) રહેવાની જ જરૂર! વિવેકપૂર્વક ભૂતકાળનો કરો નિકાલ પ્રશ્નકર્તા : ગઈકાલે સત્સંગમાં એવી વાત નીકળી કે ભૂતકાળ યાદ ના કરો અને વર્તમાનમાં રહો. હવે મને થયું કે ભૂતકાળ યાદ કરવો નથી પણ ભૂતકાળનું તો, મન અને ચિત્ત સામે આ બધું એકદમ તાદ્રશ્ય ખડું થઈ જાય છે. એટલે ભૂતકાળ તો આમ ડંખે છે, રુંવાડે રુંવાડે ભૂતકાળ ઊભો થાય છે. એટલે એમ થાય કે આ ભૂતકાળ ભૂલવો કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને, તમારી આ ક્રિયા (ફાઈલો સાથેના) વેરના નિકાલ માટે ચાલે છે. તમારે તો ભૂતકાળ દેખાય, એટલે પછી પ્રતિક્રમણ ચાલુ થાય. એટલે ભૂતકાળ ઉથામ્યા વગર તમારે પેલા હિસાબ ના દેખાય ને! બાકી આવું તમારા જેવું કો’કને જ હોય, આવું બીજા બધાને ના હોય. એટલે બીજા બધાને ‘વર્તમાનમાં રહો’ એમ કહીએ. ભૂતકાળ તો બુદ્ધિશાળી માણસો હોય, જે ‘જ્ઞાન’ નથી સમજતા, તેય ભૂતકાળને નથી ઉથામતા. શાથી ભૂતકાળ ઉથામવો નહીં ? કે જેનો ઉપાય નહીં, તેનો સંકલ્પ નહીં. ભૂતકાળ એટલે ? ઉપાય વગરની વાત. એટલે આપણે શું કહીએ છીએ કે જ્ઞાન મળ્યું છે માટે ભૂતકાળને ઉથામશો નહીં. ભૂતકાળને મૂર્ખોયે ઉથામતો નથી, તો તમને તો આ ‘જ્ઞાન’ મળ્યું છે અને ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં સોંપ્યો છે. એટલે વર્તમાનમાં રહો. વ્યવસ્થિત ઉપર તો તમને ખાતરી થઈ ગઈ છે ને? તો પછી ભવિષ્યકાળ માટે તમને કશું કરવાનું રહ્યું નહીં. અને આ ભૂતકાળ જે તમે ઉથામો છો તે તમારી પાછળની ફાઈલોનો નિકાલ કરો છો. એટલે એને કંઈ ભૂતકાળ ઉથામ્યો ના કહેવાય. પ્રશ્નકર્તા : હા, હવે એ બરોબર છે. દાદાશ્રી : ફાઈલોનો નિકાલ કરવા માટે તો ભૂતકાળ ઉથામવો જ પડે. કારણ કે દુકાન આપણે કાઢી નાખવી છે. એટલે હવે આપણે શું કરવાનું ? ભરેલો માલ વેચવાનો અને નવો માલ લેવાનો નહીં. છતાંય પાછો એટલો વિવેક રાખવો પડે કે અમુક માલ વેચાતો ના હોય તો, ખાંડ ખલાસ થઈ ગઈ (પા.૧૮) હોય તો બીજી નવી લાવવી પડે પાછી. એટલે વિવેકપૂર્વક આ દુકાન ખાલી કરવાની છે. સદ્-અસદનો વિવેક આવે જ્ઞાનથી સારાસારના વિવેક વગર છે તે વૈરાગ જ ના આવે. સાર-અસાર શું છે આ જગતમાં ? અસારને વિચારે તો જ વૈરાગ આવે ને ? અસારને અસાર છે એવું જાણે ત્યારે વૈરાગ હોય અને સાર-અસારનો વિચાર આવે તો જ પહેલો વિવેક હોય. વિવેક હોય તો વૈરાગ ઉત્પન્ન થાય. વૈરાગના બેઝમેન્ટ સિવાય ત્યાગ ટકે નહીં. વિવેક પહેલો જોઈએ. સત્સંગથી વિવેક ઉત્પન્ન થાય અને કુસંગથી અવિવેક ઉત્પન્ન થાય. આ એના સ્ટેપિંગ્સ (પગથિયા) છે. સદ્-અસદનો વિવેક હોય તો જ વૈરાગ ટકે, નહીં તો વૈરાગ કોઈ દહાડો ટકે નહીં. સદ્-અસદનો વિવેક ‘જ્ઞાન’થી આવે. જ્ઞાન જાણવાથી શું ખોટું ને શું ખરું એ ખબર પડે. જ્ઞાન સદ્-અસદનો વિવેક કરાવડાવે ને ‘વિજ્ઞાન’ જાણવાથી મુક્તિ થાય. જ્ઞાન જાણવાથી હિતાહિતનું ભાન થાય ને વિજ્ઞાન એટલે મુક્તિ અપાવે. સત્-અસત્ નો વિવેક,જ્ઞાનીની ભાષામાં સત્-અસત્ નો વિવેક જ સમજવાનો છે કે પુદ્ગલ અસત્ છે, એ નાશવંત છે. અસત્ વસ્તુ નાશવંત હોય, સત્ વસ્તુ કાયમી હોય. એ સત્ આત્મા છે ને તે કાયમી છે. બીજું બધું આ પુદ્ગલ અસત્ છે, વિનાશી છે. વિનાશીની ચિંતા ‘આપણે’ કરવાની ના હોય. અવિનાશીએ વિનાશીની ચિંતા કરવાની હોય નહીં. અસત્ અને સત્ નો સંપૂર્ણ વિવેક એ તો ‘જ્ઞાની પુરુષ’ને હોય. જગત અસત્ને સત્ માને છે. જે જાણે કે આ સત્ આવું છે અને અસત્ આવું છે, તેને ‘સમ્યક્ દર્શન’ કહ્યું. કેટલાક સ્થૂળ અસત્ ને સત્ કહે છે. કેટલાક સૂક્ષ્મ અસત્ ને સત્ કહે છે. કેટલાક સૂક્ષ્મતર અસત્ ને સત્ કહે છે. કેટલાક સૂક્ષ્મતમ અસત્ ને સત્ કહે છે. સંપૂર્ણ અસત્ ને જાણે તે સત્ ને જાણે. સંપૂર્ણ અજ્ઞાન જાણે તો પેલી પાર જ્ઞાન રહ્યું છે. કાંકરા ઓળખતા આવડ્યા તો ઘઉંને જાણી શકાય અથવા ઘઉંને જાણે તો કાંકરા જણાય. અવસ્થાઓ અસત્ છે, નાશવંત છે. અને આત્મા સત્ છે, અવિનાશી છે. હેતુમાં હિતાહિતનો વિવેક તે જાગૃતિ આજે જગતને હિતાહિતનું ભાન જ નથી. સંસારના હિતાહિતનું કેટલાકને ભાન હોય, કારણ કે એ બુદ્ધિના આધારે કેટલાકે ગોઠવેલું હોય છે; પણ એ સંસારી ભાન કહેવાય કે સંસારમાં શી રીતે હું સુખી થાઉ ! ખરેખર તો આ પણ ‘કરેક્ટ’ (સાચું) નથી. ‘કરેક્ટનેસ’ તો ક્યારે કહેવાય કે જીવન જીવવાની કળા શીખ્યો હોય તો. આ વકીલ થયો તોય કંઈ જીવન જીવવાની કળા આવડી નહીં. ત્યારે કોઈ ડૉક્ટર થયો તોય એ કળા ના આવડી. જાગૃત તો કોણ હોય ? પોતાના હિતાહિતનું ભાન હોય તે. આખું જગત માની બેઠું છે કે હિતાહિતનું ભાન મને છે, પણ એ હિતાહિતનું ભાન કહેવાય નહીં. એ પોતાનું જ અહિત કરી રહ્યો છે. જે લક્ષ્મી ભેગી કરવા માટે રાત-દહાડો હિતાહિત ખોળે છે તે લોકસંજ્ઞા છે. તેનાથી રાત-દહાડો ખાઇ-પીને પૈસાની પાછળ જ પડ્યો રહે છે. તે જુઓ ને, ‘ઑન’ (બે નંબર)ના વેપાર માંડ્યા છે ! આ હિન્દુસ્તાનમાં તે વળી ‘ઑન’ના વેપાર હોતા હશે ? ખાનગી જે જે કાર્ય કરીશ તે અધોગતિ છે. હિન્દુસ્તાનમાં જન્મેલો તો જન્મથી જ સાંસારિક જાગૃતિ અમુક અંશે લઇને આવેલો હોય. એક તો સાંસારિક જાગૃતિ ને પાછો કળિયુગ, તે કળ વળે નહીં. સત્યુગ હોય તો તો કળ વળે. આ નાના છોકરાંને એમના રમકડાં સંબંધી જ જાગૃતિ હોય, તેમ આ લોકોને તો ‘ઇન્કમટેક્ષ’ (આવકવેરા) ને (પા.૧૯) ‘સેલટેક્ષ’(વેચાણવેરા)ની જ જાગૃતિ, પૈસા સંબંધી જ જાગૃતિ આખો દહાડો રહ્યા કરે. હિન્દુસ્તાનના લોકોને તે આવું હોતું હશે ? હિન્દુસ્તાનનો માણસ જો પૂરો જાગૃત થાય તો આખા વર્લ્ડ (જગત)ને આંગળી ઉપર નચાવે ! આ તો અણહક્કની લક્ષ્મી ને અણહક્કના વિષયની જ પાછળ પડ્યા છે ! પણ એને ખબર નથી કે જતી વખતે નનામી કાઢે છે ને નામ પરનું બેંક બેલેન્સ બધું કુદરતની જપ્તીમાં જાય. કુદરતની જપ્તી એટલે ‘રીફન્ડ’ (પાછું) પણ ના મળે. સરકારે લઇ લીધું હોય તો રીફન્ડેય મળે, પણ આ તો કુદરતની જપ્તી ! માટે આપણે શું કરી લેવું જોઇએ ? આત્માનું. આત્માનું ભલે ના સમજો, પણ પરલોકનું તો કરો ! પરલોકનું બગડે નહીં એવું તો રાખો! આ લોક તો બગડેલો જ છે, એમાં કંઇ બરકત છે નહીં. હિતાહિતનું ભાન હોય કે મારે જોડે શું લઇ જવાનું છે ? એટલું જ જો એ વિચારતો હોય ને, તોય ઘણું છે. જગતના લોકો બધા હેતુ વગરની ક્રિયા કરે છે. હેતુ કંઈ નક્કી હોય જ નહીં. હેતુ એટલે આપણો એ વિવેક, સદ્ વિવેક સચવાય, એનું નામ હેતુ કહેવાય. શેમાં હિત-અહિત, તેનો ખપે વિવેક અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય ! કોઇ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઇ ગઇ નથી. કોઇ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઇ ગઇ નથી. અમે એ વસાવ્યા જ નથી. આ બધાંનો અર્થ જ શો છે ? ‘મિનિંગલેસ’ (અર્થ વગરનું) છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાંની સાથે જ મહીં તેલ રેડાય એ શું કામનું ? ઘણા છોકરાને બાપને દેખતા જ મહીં તેલ રેડાય. પોતે વાંચતો ના હોય, ચોપડી આઘી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને તેલ રેડાય. એવું આ ઘડિયાળ દેખતાંની સાથે તેલ પડયું, તો બળ્યું મેલ ઘડિયાળને છેટું અને આ બીજું બધું રેડિયો-ટીવી તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ ‘મેડનેસ’ છે. પ્રશ્નકર્તા : રેડિયો-ટીવી તો ઘર-ઘરમાં છે. દાદાશ્રી : એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય ? એને જ મોહ કહેવાય ને ! મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે, એનું નામ મોહ કહેવાય. આ કોના જેવું છે તે કહું ? આ ડુંગળીને ખાંડની ચાસણીમાં નાખીને આપે તો ખાવા લઇ આવે તેના જેવું છે. અલ્યા, તારે ડુંગળી ખાવી છે કે ચાસણી ખાવી છે તે પહેલાં નક્કી કર. ડુંગળી એ ડુંગળી હોવી જોઇએ, નહીં તો ડુંગળી ખાધાનો અર્થ જ શો? આ તો બધું ગાંડપણ છે. પોતાનું કંઇ ડિસિઝન નહીં, પોતાની સૂઝ નહીં ને કશું ભાનેય નહીં ! કો’કને ડુંગળીને ખાંડની ચાસણીમાં ખાતો જુએ એટલે પોતે પણ ખાય! ડુંગળી એવી વસ્તુ છે કે ખાંડની ચાસણીમાં નાખે કે તે યુઝલેસ (નકામી) થઇ જાય. એટલે કોઇને ભાન નથી, બિલકુલ બેભાનપણું છે. પોતાની જાતને મનમાં માને કે ‘હું કંઇક છું’ અને એને નાય કેમ પડાય આપણાથી ? આ આદિવાસી પણ મનમાં સમજે કે ‘હું કંઇક છું.’ કારણ કે એને એમ થાય કે ‘આ બે ગાયો ને આ બે બળદનો હું ઉપરી છું !’ અને એ ચાર જણનો એ ઉપરી જ ગણાય ને ? જ્યારે એમને મારવું હોય ત્યારે એ મારી શકે, એ માટે અધિકારી છે એ. અને કોઇનો ઉપરી ના હોય તો છેવટે વહુનો તો ઉપરી હોય જ. આને કેમ પહોંચી વળાય ? જ્યાં વિવેક નથી, સારાસારનું ભાન નથી, ત્યાં શું થાય ? મોક્ષની તો વાત જવા દો પણ સાંસારિક હિતાહિતનું પણ ભાન નથી. નેસેસરી વસ્તુમાં વિવેક જળવાય જગત આખું ‘અન્નેસેસરી’ (બિનજરૂરી) (પા.૨૦) પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે. ‘નેસેસરી’(જરૂરી)ને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની ‘નેસેસિટી’ (જરૂરિયાત) કેટલી છે એ નક્કી કરી લેવું જોઇએ. આ દેહને મુખ્ય શેની જરૂર છે ? મુખ્ય તો હવાની, તે તેને ક્ષણે ક્ષણે ફ્રી ઓફ કોસ્ટ (મફત) મળ્યા જ કરે છે. બીજું, પાણીની જરૂર છે, એ પણ એને ફ્રી ઓફ કોસ્ટ મળ્યા જ કરે છે. પછી જરૂરિયાત ખાવાની છે. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર (અગ્નિ) થયો, માટે એને હોલવો. આ ‘ફાયર’ને હોલવવા માટે શું જોઇએ ? ત્યારે આ લોકો કહે કે ‘શ્રીખંડ, બાસુંદી !’ ના અલ્યા, જે હોય તે નાખી દે ને મહીં. ખીચડી-કઢી નાખી હોય તોય એ હોલવાય. પછી સેકન્ડરી સ્ટેજ(બીજા નંબર)ની જરૂરિયાતમાં પહેરવાનું-રહેવાનું એ છે. જીવવા માટે કંઇ માનની જરૂર છે? આ તો માનને ખોળે છે ને મૂર્છિત થઇને ફરે છે. આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જાણવું જોઇએ ને ! એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? ત્યારે કહે, ‘હા, અમારે તો સાદું જ પાણી જોઇએ.’ આવું જો થાય ને તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા ખોળે છે. અલ્યા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઇ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે, એટલું નક્કી કરી લો. ભગવાને શું કહ્યું હતું કે ‘બાહ્યસુખ અને અંતરસુખની વચ્ચે પાંચ-દસ ટકાનો ફેર હશે તો ચાલશે, પણ આ નેવું ટકાનો ફેર હોય તો તે ના ચાલે.’ આ તો અન્નેસેસરી’ જરૂરિયાત ભેગી કરી છે. અનાવશ્યકમાં અવિવેક લાવે ઉપાધિ આ જંજાળથી વીંટાય છે, રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો તે લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ કરે. પછી ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઊલટું આ જંજાળ વધાર વધાર કરે છે, મૂઓ. કેટલી જંજાળ રાખવા જેવી હતી? આવશ્યક જેને કહેવામાં આવે એટલી ! આવશ્યક એટલે જેના વગર ન ચાલે. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી ને પૂરણપૂરી ને એવું તેવું ખા. ખીચડી કે દાળ-ભાત જે કંઈ હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું? આવશ્યક પૂરતું. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે ? પાછું એનું પરિણામ આવે. રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ? હવે આવશ્યક ઓછા થાય એવાંય નથી. કોઈ કહેશે, ‘મારે ઓછા કરવા છે પણ થતાં નથી. છોકરાની વહુ બૂમાબૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે.’ પણ મનમાં એટલો ભાવ હોય કે ‘મારે ઓછા કરવાં છે’ એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયું. જેટલું વધારે અન્આવશ્યક, એટલી વધારે ઉપાધિ. આવશ્યકેય ઉપાધિ છે, છતાંય જરૂરિયાત છે એટલે ઉપાધિ ગણાય નહીં. દરેક વસ્તુ, આવશ્યક બધું, વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે જ થાય. એને પેશાબ કરવાની રાહ ના જોવી પડે, એની મેળે જ થાય અને તે જગ્યા ના જુએ અને આમને તો, આ બુદ્ધિશાળીઓને જગ્યા જોવી પડે. પેલું તો જ્યાં પેશાબ કરવાનું થાય ત્યાં થઈ જાય, એનું નામ આવશ્યક બધું. સહજતા, વિવેક-અવિવેકથી પર પ્રશ્નકર્તા : તો પછી આ પેલી મૂતરડી ખોળે કે શરમ આવે એ કોને, એ શું વસ્તુ છે ? (પા.૨૧) દાદાશ્રી : વિવેક રહ્યો જ ને ! તે સહજતા ના રહેવા દે. સહજતામાં તો વિવેક કશું જ ના હોય. સહજતામાં તો એ ક્યારે ખાય કે જ્યારે પેલો આપે ત્યારે ખાય, નહીં તો માંગવાનુંય નહીં, વિચારેય નહીં, કશુંય નહીં. તે ભૂખ લાગતી હોય તો એમાંય તન્મય નહીં. પ્રશ્નકર્તા : આ તો એકદમ છેલ્લી દશાની વાત થઈ ને ? દાદાશ્રી : છેલ્લી જ ને ! ત્યારે બીજી કઈ ? છેલ્લી દશા પરથી આગળની દશાઓ આપણે કરતાં જઈએ તો એવી દશા ઉત્પન્ન થાય, પણ આગળથી જ દુકાન મોટી કરતાં ગયા હોય તો ? છેલ્લી દશા મોડીઆવે. પ્રશ્નકર્તા : છેલ્લી દશાનું પિક્ચર (ચિત્ર) સામે હોય તો જ ત્યાં સુધી જવાય ને? દાદાશ્રી : તો જ જઈ શકીએ. આ તમને છેલ્લી દશાનું એક પિક્ચર આપું છું. કરાંજવા ગયેલા એ ચૂકે વિવેક આ હમણાં એક ભઈએ વાત કરી હતી, ‘કરો, કરો’ કહેતા હતા ને! એ આત્મા માટે કે આત્મજ્ઞાન માટે કહે છે, ‘કરો !’ એટલે એ જે ‘કરો’ કહે છે ને, પણ એ આત્મજ્ઞાન કરોડો અવતારેય પામે નહીં. આત્મજ્ઞાન સહજ છે. એ સહજ સ્થિતિ ઉત્પન્ન થાય છે. એટલે ‘સહજ’ને અને ‘કરો’ને બેને આદિ વેર ! વેર ખરું કે નહીં ? સહજ અવસ્થા કરવાથી પ્રાપ્ત ન થાય. એ તો જ્ઞાની પુરુષની આમ કૃપા વરસે કે સહજ થયો, તો દહાડો વળ્યો. જે લોકો એમ કહે કે ‘આમ કરો ને તેમ કરો’ એ સહજ અવસ્થાથી વિરુદ્ધ કરાવડાવે છે. હવે કરનારા મનમાં ખુશ થાય છે કે ‘મેં આમ કર્યું ને તેમ કર્યું.’ આ તો રખડી મરવાનું કર્યું ! એટલે માણસે વિવેકથી સમજવું જોઈએ. વહેલું ઊઠવું જોઈએ પોસિબલ (શક્ય) થાય તો ચાર-સાડા ચારે. પછી છે તે સમજી-કરીને જે બન્યું એ સાચું. નિશ્ચય રાખવો છતાં જે બન્યું તે સાચું. પછી એમ પકડ નહીં પકડવાની, કરાંજવાનું (અસહજ થવું) નહીં. વીતરાગોનો માર્ગ કરાંજવાનો ન્હોય. કાં તો સહજ કાં તો કરાંજવું, બે જ હોય. તે આ કરાંજતા જોયેલા મેં લોકોને. મોક્ષના સારુ આવું હોતું હશે ? પ્રશ્નકર્તા : વાતને પકડે એટલે આપણે જાણીએ, આ કરાંજે છે. દાદાશ્રી : હા, આત્મા તો કયે ગામ રહ્યો અને વર વગરની જાન જુઓ તો ખરાં ? વર તો હજુ આવ્યો નથી ને જાન જમવા બેઠી છે ! જ્ઞાન એનું નામ કહેવાય કે માણસોને સાહજિક બનાવે. શાસ્ત્રમાં તો ‘આમ કરો ને તેમ કરો ને તપ કરો ને જપ કરો ને ફલાણું કરો’ ને એ બધું હોય. કરવાની જ કથા કહી છે. સહજ થવાનો રસ્તો જ કોઈએ દેખાડ્યો નથી. અહીં બેસે તો સહજ થઈ જાય કે ના થઈ જાય? ત્યારે સહજ થવાનું છે. વ્યવહારમાં વર્તવું વિવેકથી હવે તમને દાદાની કૃપાથી બધું રાગે પડી જશે. એટલે નવું ઉમેરજો કે છેવટે આપણે જાણીએ છીએ કે આ બગડે એવું છે અને આ દૂધની સવારમાં ચા નહીં થાય. તે પછી મીઠું કાઢી નાખવાની ક્રિયા આપણે કરવી, નાખેલું મીઠું કાઢી નાખવું. એ તો આપણું વિજ્ઞાન એવું છે કે કાઢી નાખે. એવું આપણે જાણ્યું કે અવળું ફર્યું તો પછી બીજા મલમપટ્ટા મારી મારીને સમું કરી દેવું. લોહી નીકળતું બંધ કરી દેવું અને લોહી નીકળ્યું તો સામો વાયદો થઈ જશે (સામાને દુઃખ થયું તો એનો દાવો ઊભો થશે). (પા.૨૨) પ્રશ્નકર્તા : એટલે એવું બને છે. પેલી વ્યક્તિનું ઑપરેશન કરવા જઈએ તો બીજા પચ્ચીસને પાછળ લોચો પડતો હોય છે. દાદાશ્રી : હા, તે એવું થઈ ગયું છે. એટલે એવું સાચવીને કામ લઈ લેવું, એને વિવેક કહેવામાં આવે છે. સાચી વસ્તુ પણ વિવેકથી આપવી જોઈએ, એ ધોલ મારીને ના અપાય. હાર્ટિલી (હૃદયથી) હોય તો બધું ચાલ્યું. એટલે જોઈ લેવું. વિવેક દ્રષ્ટિ હાજર પાકા નિશ્ચયથી પ્રશ્નકર્તા : આ વિવેક દ્રષ્ટિ કેવી રીતે કેળવવી ? દાદાશ્રી : આપણે જો કરવાનું નક્કી હોય ને કે મારે વિવેક કરવો જ છે, તો ઑન ધી મોમેન્ટ વિવેક જાગૃત થાય. એટલે શીખવાની જરૂર નથી હોતી. ‘આપણે વિવેક કરવો છે’ એવું નક્કી રાખવું જોઈએ. એટલે એ પોતે એની મેળે તે ઘડીએ હાજર જ થઈ જાય આપણને. મારે બધી જગ્યાએ હાજર રહે જ. જ્ઞાનીનો વ્યવહારથી વિવેક ધર્મ પામ્યાની નિશાની ક્યાં આગળ છે કે સંઘપતિ છે તે ત્યાં આગળ ખુરશી પર બેસે છે તેની કિંમત ભગવાનને નથી, પણ પેલો જગ્યા કરી આપવા ઊઠ્યો તેની કિંમત ભગવાનને છે. આ બધાય ના ઊઠ્યા પણ પેલો ઊઠ્યો, તો ભગવાને નોંધ કરી, કરેક્ટ. એટલે આ જોવાનું છે. પક્ષાપક્ષી હોય જ નહીં. હું તો મીલમાલિકને નીચે બેસાડું ને એના ડ્રાઈવરને ઉપર બેસાડું. પક્ષાપક્ષી ના હોય પણ વિવેક હોવો જોઈએ. આત્માએ કરીને સરખું પણ વ્યવહારથી વિવેક. સંઘના બહુ ઉપકારી હોય તેને ના બોલાવવા પડે ? હવે એ બધા ઓનરરી છે. હવે એ અહીં આવે તો બહાર બેસી રહ્યા હોય, ઠેકાણું ના પડે, તો કેવું ખરાબ દેખાય ? ખરાબ ના દેખાય ? તમારી બધાની આબરૂ ના જાય એટલા હારુ હું બોલું. એટલે પછી મારે જ બોલાવવા પડે છે. અહીં કોઈ એવા વિવેકી નથી થયા હજુ. નહીં તો ખરી રીતે જ્ઞાનીને તો બોલાવવાનું હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : દાદા, આપે જે આ વડાપ્રધાનની વાત કીધી હતી, હવે આ વસ્તુ કેવી રીતે વ્યવહારમાં સમજ પડે ? આ વિવેક કેવો ? દાદાશ્રી : મારે બધી જગ્યાએ હાજર રહે જ. એ વડાપ્રધાન તરીકે આવે તો હું ઊભો થઈને આમ સલામ કરું અને એ છે તે કહેશે, ‘ના, હું તો દર્શન કરવા આવ્યો છું.’ ત્યારે હું કહું, ‘બેસો બા.’ નીચે બેસાડું પણ બધાને ખસેડીને. જોડે તો એ બેસે જ નહીં. કોઈ બેઠું નથી મારી પાસે. પ્રશ્નકર્તા : મોરારજી દેસાઈયે નહોતા બેઠા. મોરારજી દેસાઈને બોલાવ્યા ત્યારે પણ બહુ વિનય.... દાદાશ્રી : મોરારજી દેસાઈ બહુ વિનયી માણસ. ત્યારે કહે, ‘‘પણ ‘સાહેબ’ કેમ કહો છો ? હું તો ઊતરી ગયેલો છું.’’ મેં કહ્યું, ‘‘હું સારા માણસ બધાને ‘સાહેબ’ કહું છું.’’ પ્રશ્નકર્તા : ના, તમે એમને કહ્યું કે ‘હું તમારી ખુરશીને સાહેબ નથી કહેતો, તમારા ગુણને કહું છું.’ દાદાશ્રી : હા, હા. મેં કહ્યું, ‘‘તમારી વડાપ્રધાનની ખુરશીને હું કંઈ ગાંઠું એવો નથી. હા, પણ તમારા ગુણને ‘સાહેબ’ કહું છું.’’ હું તો દરેકને ‘સાહેબ’ કહું છું ને ! વિનય મુખ્ય ગુણ હોવો જોઈએ, મોક્ષે જનારને. વ્યવહારમાં દેખાય ભેદ છતાં એ છે વિવેક પ્રશ્નકર્તા : જ્ઞાનીના વ્યવહારમાં બે વ્યક્તિ વચ્ચે ભેદ હોય ખરો ? દાદાશ્રી : એમની દ્રષ્ટિમાં ભેદ જ ના હોય, વીતરાગતા હોય. એમના વ્યવહારમાં ભેદ હોય. વડાપ્રધાન આવે તો હું ઊઠીને એમનો આવકાર કરું ને એમને પાસે બેસાડું. એમનો વ્યવહાર ના (પા.૨૩) ચૂકાય. એમને તો વિનયપૂર્વક ઊંચે બેસાડું અને એમને જો મારી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું હોય તો મારી સામે નીચે બેસાડું. લોકમાન્યને ‘વ્યવહાર’ કહ્યો અને મોક્ષમાન્યને ‘નિશ્ચય’ કહ્યો, માટે લોકમાન્ય વહેવારને તે રૂપે ‘એક્સેપ્ટ’ કરવો પડે. અમે ઊઠીને એમને ના બોલાવીએ તો તેમને દુઃખ થાય, તેની જોખમદારી અમારી કહેવાય. જ્ઞાનીનો સ્વ-પરનો વિવેક બહુ ઊંચામાં ઊંચો વિવેક હોય. આત્મા પ્રાપ્ત થાય એટલે બધો ડખો છૂટી જાય. ત્યાં જુદાઈ નહીં રહી પછી. જુદાઈ ક્યાં સુધી? બુદ્ધિમાં ડખો છે ત્યાં સુધી, ભેદબુદ્ધિ છે ત્યાં સુધી. આત્મદર્શન એનું નામ કહેવાય કે ભેદબુદ્ધિ જતી રહેને અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય. પછી ‘બુદ્ધિએ કરીને’ અભેદતા રહે ને વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે. વ્યવહારમાં જે ભેદ દેખાય, એનું કારણ શું ? ત્યારે કહે, ‘એ તો વિવેક છે.’ વિવેક વગરના પ્રત્યે પણ અપાર કરુણા પ્રશ્નકર્તા : આ દુનિયામાં કોઈ એવો કેસ નહીં હોય કે એ તમારી પાસે નહીં આવ્યો હોય, બધી જાતના કેસ આવ્યા છે. દાદાશ્રી : શું કરે તે પછી ? એક-બે જણને ‘મેં’ ના પાડેલી ત્યારે ‘મહીં’થી બોલ્યા, ‘તે કયા દવાખાનામાં જશે આ બિચારો ? અહીંથી તમે કાઢી મૂકશો તો એ કયા દવાખાનામાં દાખલ થશે? બહાર કોઈ દવાખાનામાં ફીટ છે જ નહીં.’ એટલે પછી મેં ચાલુ કર્યું પાછું ! પણ મનમાં તો એમ થાય કે આ શી ઝંઝટ ? એટલે એને ખસેડી મૂકવાનું મન થાય પણ પાછું મહીંથી આવે કે ‘પણ એ જશે ક્યાં બિચારો ? બીજા કયા દવાખાનામાં જશે ? ભલે ગાંડો-ઘેલો હશે, બોલતાં જ આવડે નહીં, વિવેકેય નહીં, કશું જ નહીં. એવો ભલે હશે તોય ચાલવા દો !’ પ્રશ્નકર્તા : આ પેલું કહે છે કે ‘જતા રહે તો સારું’ એ કયો ભાગ બોલે છે ને પેલું કહે છે કે ‘આ બિચારાં ક્યાં જશે’ એ કયો ભાગ બોલે છે? દાદાશ્રી : એ ભાગ પરમાત્મભાગ છે. ‘ભલે એ ગાંડો-ઘેલો છે, આપણી જોડે અવિનયમાં બોલે છે, પણ તે હવે ક્યાં જશે ?’ એ પરમાત્મભાગ બોલે છે. ને બીજું કોઈ દવાખાનું નથી કે સંઘરે આવો માલ. સારાને જ નથી સંઘરતા તો પછી ! અને સંઘરીનેય એની પાસે દવાઓ નથી, એની પાસે ખાંડેલા ચૂર્ણ છે. તે અહીં ખાંડેલા ચૂર્ણ ના ચાલે. અહીં તો લહી જોઈએ, તે આમ ચોંટી જાય ચોપડતાંની સાથે જ ! કારણ કે જગત આખું સક્કરિયાં ભરહાડમાં મૂકે તેમ બફાઈ રહ્યું છે. આપણા સત્સંગનો હેતુ શો છે? જગત કલ્યાણ કરવાનો હેતુ છે. ‘જ્ઞાની પુરુષ’ સામાના કલ્યાણ માટે શું ના કરે ? કેવી અદ્ભુત કલ્યાણની ભાવના ! અમે શું કહીએ છીએ કે આ લોકોના સર્વ દુઃખોનો ક્ષય કરો. આ દુઃખો અમારાથી જોવાતાં નથી. છતાં અમને ‘ઇમોશનલ’પણું થતું નથી, એટલા જોડે જોડે વીતરાગ છીએ. છતાં સામાના દુઃખ અમારાથી સહન ના થઈ શકે. કારણ કે અમે અમારી સહનશક્તિ જાણીએ છીએ. અમારાથી દુઃખ સહન કેવું થતું હતું તે જાણીએ ને, તો એવું આ લોકો કેવી રીતે સહન કરી શકતા હશે એ અમને ખ્યાલ છે એનો અને એ જ કારુણ્યતા છે અમારી ! દાદાની ઇચ્છા એવી છે કે આ જગત કંઇક સાચા જ્ઞાનને ને કંઇક સાચા માર્ગને પામો ને શાંતિને પામો. કેટલાંક મોક્ષને પામો, કેટલાંક શાંતિને પામો, કેટલાંક વીતરાગ માર્ગને પામો ને કેટલાંક સાચા ધર્મને પામો એ જ દાદાની ઇચ્છા, બીજી કશી ઇચ્છા નથી. જય સચ્ચિદાનંદ |