જીવતા મરે તો ફરી મરવું ના પડે

સંપાદકીય

જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન મળતા એમની કૃપાથી આપણો મૂળ સૂક્ષ્મતમ અહંકાર વિલય થાય છે. પછી જે સૂક્ષ્મતર, સૂક્ષ્મ, સ્થૂળ અહંકાર છે જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે એ નિકાલ કરવાના બાકી રહે છે. એટલે કર્મો બાંધનારો અહંકાર વિલય પામે છે ને કર્મો ભોગવનારો અહંકાર બાકી રહે છે, એ છે નિકાલી અહંકાર, નિર્જીવ અહંકાર.

આ ડિસ્ચાર્જ બુદ્ધિ-અહંકાર એ આમ છે તો નિર્જીવ પણ છતાં રોજિંદા વ્યવહારમાં એના પરિણામે ક્યારેક કષાયના પરિણામ ઉદયમાન થાય છે. ત્યારે જાગૃતિ ના રહેતા અસર થઈ જાય છે. ખરેખર ત્યાં જો આજ્ઞાનો ઉપયોગ થાય તો અસરમુક્ત રહી શકાય. પણ જ્યાં અસર થઈ જાય છે તેવા સંજોગોમાં જીવતા મરી જવાનું ટેકાજ્ઞાન વપરાય તો અસરમુક્ત રહી શકાય તેમ છે.

સરળ ભાષામાં જીવતા મરી જવું એટલે દાદા કહે છે કે ડખા, ચિંતા વગરનું જીવન. રિલેટિવની ડિવેલ્યૂ કરતા કરતા રિયલનું લક્ષ વધતું જાય. ગમતા-નાગમતા સંજોગોમાં કોઈ ફરક નહીં, નિર્ભયતા, મૌન તપ, નાટક ભજવવા, બન્યું તે જ ન્યાય, વ્યવસ્થિત શક્તિની આજ્ઞા, અહંકારની લગામ છોડવી વગેરે સિદ્ધાંતના મણકાઓથી જીવતા મરી જવું બહુ આસાન બની શકે એમ છે.

પ્રસ્તુત અંકમાં દાદાશ્રી કહે છે કે જ્ઞાનીઓ સંસારમાં મરેલા જ હોય અને આત્મામાં જ જીવતા હોય ! આપણને જીવતા મરી જવા માટેની વિવિધ સમજણ આપતા કહે છે કે હવે ચંદુભાઈને એમનું કામ કાઢી નથી લેવું પણ આપણે આપણું કામ કાઢી લેવાનું છે. એટલે આપણે આપણા પક્ષમાં રહી, ડિસ્ચાર્જ અહંકારનો નિકાલ કરવાનો છે.

મોક્ષે જનારા મહાત્માઓને જેમ જેમ રિયલ-રિલેટિવની ભેદરેખા સમજાતી જશે એમ રિલેટિવની ડિવેલ્યુ થતી જશે અને ત્યારે જીવતા મરી જવાની ચાવી વાપરવી સરળ પડશે. પાંચ આજ્ઞાના આરાધને સંસાર વ્યવહારના ગમતા-નાગમતા સંજોગોમાં અસરમુક્ત રહી, મોક્ષનો પુરુષાર્થ જાગૃતિપૂર્વક આદરી શકાય એમ છે.

અહીં સ્પષ્ટતા કરવાની કે આ અંકમાં મડદાં શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે, જેનો અર્થ છે કે અહંકાર રહિત દશા. દાદાશ્રી આપણને મરીને જીવવા કહે છે એનો અર્થ એમ સમજવો કે પોતાનું બુદ્ધિ-અહંકાર સહિતનું અસ્તિત્વ ઓગાળી નાખી જ્ઞાનપૂર્વક ફાઈલોનો નિકાલ કરવો.

આત્માનું જ્ઞાન મળ્યા પછી પોતે તો ખરેખર શુદ્ધાત્મા છે અને ફાઈલ નં. ૧ એ નિશ્ચેતન ચેતન મડદું છે. એ મડદાને થતી અસરો પોતાને માથે લઈ લે છે. એટલે જ્ઞાન-દર્શન ઉપર આવરણ ફરી વળે છે. ત્યાં જો પોતે જાગૃત રહે, જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જાગૃતિ વધે અને તેમ તેમ આત્મ-અનુભવના અંશો વધતા જાય.

જય સચ્ચિદાનંદ.

જીવતા મરે તો ફરી મરવું ના પડે

(પા.૪)

કશું જાણતા જ ના હોય એમ રહેવું

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધાના આટલા વર્ષો થયા પછી પણ હજુ ક્રોધ થઈ જાય છે, તો આ ક્રોધને મારવો કઈ રીતે ?

દાદાશ્રી : ક્રોધને મારીએ એના કરતા આપણે જ મરી જઈએ તો શું ખોટું ? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે જીવતા મરાય તો ફરી મરી જવું ન પડે.

પ્રશ્નકર્તા : જીવતા મરેલા જેવી સ્થિતિ થાય તો એ ઘણું સારું કહેવાય.

દાદાશ્રી : પણ એવું થવું જોઈએ ને, જીવતા મરેલા ! મરેલા તરીકે જીવે, તો છોકરો છે તે પૈસા ઉડાડતો હોય તો પેલો મરેલો માણસ શું કરે ? જોયા કરે, એવું જીવન હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : પણ આ છોકરાં ઊંધું કરે તો એને સુધારવા કહેવું તો જોઈએ ને ?

દાદાશ્રી : બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે, કશું બોલવા જેવું નથી. ‘પોતાનો’ ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ એટલે આપણે હોલવવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને ! હવે તો આય ભમરડા ને તેય ભમરડા ! મેલ ને પીડા અહીંથી ! પ્યાલા ફૂટે, કઢી ઢળે, વહુ છોકરાંને વઢતી હોય તોય આપણે આમ આડા ફરીને નિરાંતે બેસી જવું. આપણે જોઇએ ત્યારે એ કહે ને કે તમે જોતા હતા ને કેમ ના બોલ્યા ? અને ના હોય તો હાથમાં માળા લઇને ફેરવ્યા કરીએ એટલે એ કહેશે કે આ તો માળામાં છે. મેલો ને પૈડ ! આપણે શી લેવાદેવા ? સ્મશાનમાં ના જવાનું હોય તો કચકચ કરો ! માટે કશું બોલવા જેવું નથી. આ તો ગાયો-ભેંસોય એના બાબા જોડે રીતસર ભોં ભોં કરે, વધારે બોલે નહીં ને આ મનુષ્યો તો ઠેઠ સુધી બોલ બોલ કરે. બોલે એ મૂરખ કહેવાય. આખા ઘરને ખલાસ કરી નાખે. એનો ક્યારે પાર આવે ? અનંત અવતારથી સંસારમાં ભટક્યા. ના કોઇનું ભલું કર્યું, ના પોતાનું ભલું કર્યું. જે માણસ પોતાનું ભલું કરે તે જ બીજાનું ભલું કરે.

‘બન્યું તે કરેકટ’ કહી લાવો ઉકેલ

ભગવાને કહ્યું, ‘તું સુધર તો તારી હાજરીથી બધું સુધરશે.’ આ તો બધું ફરજિયાત છે. આપણે તો ‘જે બન્યું તે કરેક્ટ’ કહેવું. ‘જે ભોગવે તેની ભૂલ છે, બન્યું તે કરેક્ટ’ કહીને ચાલો તો ઉકેલ આવશે.

ઘરમાં જે બની જાય તેને ‘કરેક્ટ’ કહેવું, ‘ઇન્કરેક્ટ’ કહેશો તો કશો ફાયદો નહીં થાય. ખોટું જોનારને બળાપો થશે. એકનો એક છોકરો મરી ગયો તો ‘કરેક્ટ છે’ એમ કોઇને ના કહેવાય. ત્યાં તો એમ કહેવું પડે કે ‘બહુ ખોટું થઇ ગયું.’ ત્યાં દેખાડો કરવો પડે, ડ્રામેટિક કરવું પડે. બાકી અંદરખાને ‘કરેક્ટ’ જ છે એમ કરીને ચાલવું. પ્યાલો જ્યાં સુધી હાથમાં છે ત્યાં સુધી પ્યાલો ! પછી પડી જાય ને ફૂટી જાય એટલે ‘કરેક્ટ છે’ એમ કહેવું. બેબીને કહેવું કે સાચવીને ધીરે રહીને લેજે પણ મહીં ‘કરેક્ટ છે’ એમ કહેવું. ક્રોધની વાણી ના નીકળે એટલે સામાને ના વાગે. મોઢે બોલી નાખે તે એકલો જ ક્રોધ ના કહેવાય, મહીં ઘુમાય તેય ક્રોધ છે. આ સહન કરવું, એ તો ડબલ ક્રોધ છે.

આ કાળમાં કોઈને કહેવા જેવું નથી

આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું 

(પા.૫)

કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે ગાડીએ વહેલો જા, તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઇમે જાય. આપણે ના હોઇએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે. જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ? છોકરાં મોટાં થયા છે એ કંઇ દાદરેથી પડી જાય છે ? તમે તમારો આત્મધર્મ શું કરવા ચૂકો છો ? આ છોકરાં જોડેનો તો રિલેટિવ ધર્મ છે. ત્યાં ખોટી માથાકૂટ કરવા જેવી નથી. કકળાટ કરો છો તેના કરતાં મૌન રહેશો તો વધારે સારું રહેશે. કકળાટથી તો પોતાનું મગજ બગડી જાય ને સામાનું પણ બગડી જાય.

પ્રશ્નકર્તા : છોકરાં એની જવાબદારી સમજીને રહેતાં નથી.

દાદાશ્રી : જવાબદારી વ્યવસ્થિતની છે. એ તો એની જવાબદારી સમજેલો જ છે. તમને એને કહેતાં આવડતું નથી તેથી ડખો થાય છે. સામો માને ત્યારે આપણું કહેલું કામનું. આ તો મા-બાપ ગાંડું બોલે પછી છોકરાંય ગાંડું કાઢે.

પ્રશ્નકર્તા : છોકરાં તોછડાઇથી બોલે છે.

દાદાશ્રી : હા, પણ એ તમે શી રીતે બંધ કરશો ? આ તો સામસામું બંધ થાય ને તો બધાનું સારું થાય.

જીવતાં જ મરેલાની જેમ રહી મૌન લો

એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો, પછી એની લિંક ચાલુ થઇ જાય. પછી મનમાં એના માટે ગ્રહ બંધાઇ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઇને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઇનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ’ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. એટલે ભગવાને કહ્યું છે કે જીવતાં જ મરેલાની જેમ રહે. બગડેલું સુધરી શકે છે. બગડેલાને કાપી ના નાખવું. બગડેલાને સુધારવું એ અમારાથી થઇ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય, તે બીજાને શી રીતે સુધારી શકે ?

છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. ઘરમાં છ મહિના મૌન લો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું. અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.

મરીને જીવે તો ના કરે ડખો

પ્રશ્નકર્તા : વ્યવહારમાં દીકરો ભૂલ કરતો હોય, ત્યારે આપણે એને ન કહીએ. આમ સંસારમાં શું કહે, વ્યવહારની અંદર કે ભઈ, તમારે કહેવું જોઈએ. આપણે કહેવું જોઈએ, એને સમજાવવો જોઈએ. પણ આપણે એમાં કંઈ પણ ન કહીએ, કંઈ બોલીએ જ નહીં, એટલે ડખો કંઈ પણ ન કરીએ. કારણ કે આ જ્ઞાન લીધા પછી આપણને તો એમ સમજાતું હોય કે આ જે ચાલી રહ્યું છે એ સામેના એકબીજાના કર્મના ઉદયને લઈને ચાલી રહ્યું છે. એમાં આપણે કશું ફેરવી શકવાના નથી, તો પછી શું કામ બોલવું જોઈએ કંઈ પણ ?

દાદાશ્રી : બરાબર છે, પછી ?

(પા.૬)

પ્રશ્નકર્તા : બસ, આટલું જ પૂછવું છે. એ બરાબર છે, આપણે ન બોલીએ કંઈ પણ તે ?

દાદાશ્રી : હંડ્રેડ પરસેન્ટ (સો ટકા). અને બોલ્યા હોય તો પસ્તાવો કરો. ખોટું છે માટે પસ્તાવો કરો. બાકી આપણે ના હોય ત્યારે શું કરે ? ઉદય પ્રમાણે વર્તે છે. એના ઉદય છે એટલે એમ વર્તે છે.

જગતના લોકો તો ન બોલે તોય ખોટું. કારણ કે એને તો ખબર ના પડે કે આ ભૂલ છે. એ બોલેલું કંઈ ફળતું નથી પણ લોકો ઉપદેશ માને.

પ્રશ્નકર્તા : હા, પણ એમાં જ ગરબડ થાય છે. કંઈ પણ થાય તો એમ કહે કે તમારે કંઈ કહેવું જોઈએ ને ! વ્યવહાર ખાતર તો કહેવું જોઈએ.

દાદાશ્રી : એ તો એ બોલે ને આપણેય કહેવું કે હા, એ બરાબર છે, વાત સાચી છે. એ કહેવું કે ના કહેવું એ કંઈ આપણા હાથની વાત છે? ના કહેવાય એ ઉત્તમ.

પ્રશ્નકર્તા : હં, ના કહેવાય એ ઉત્તમ.

દાદાશ્રી : અરે, ના કહેવું હોય તોય કહેવાઈ જાય છે.

પ્રશ્નકર્તા : હા, એ તો બરાબર છે, પણ ન કહેવાય તો...

દાદાશ્રી : એના જેવું એકુંય ઉત્તમ નહીં. આપણે ન હોઈએ તો એ શું કરે ?

પ્રશ્નકર્તા : હં, એ જ કહું છું ને ! મેં તો એકવાર કીધું કે હું મરી ગયો હોઉં તો શું થાય ?

દાદાશ્રી : એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, ‘મરીને પછી જીવો.’

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. મેં તો બધાને કીધું છે કે ‘હું નથી’ એમ જ સમજવું તમારે.

દાદાશ્રી : હા, એ તો એક વાર મરે તેને ફરી મરવું ના પડે.

‘રિલેટિવ’ને ‘રિલેટિવ’ જ રહેવા દેવું

છોકરાં જોડે ઉપલક રહેવાનું. ખરી રીતે પોતાનું કોઇ છે જ નહીં. આ દેહના આધારે મારા છે. દેહ બળી જાય તો કોઇ જોડે આવે છે ? આ તો જે ‘મારો’ કહી કોટે વળગાડે છે, તેને બહુ ઉપાધિ છે. બહુ લાગણીના વિચાર કામ લાગે નહીં. છોકરો વ્યવહારથી છે. છોકરો દાઝે તો દવા કરીએ, પણ આપણે કંઇ રડવાની શરત કરેલી છે ?

ઓરમાન છોકરાં હોય, તે ઢીંચણે કરીને કંઇ ધાવણ આવે ? ના, એવું રાખવું. આ કળિયુગ છે, ‘રિલેટિવ’ સગાઇ છે. ‘રિલેટિવ’ને ‘રિલેટિવ’ રાખવું, ‘રિયલ’ ના કરવું. આ રિયલ સંબંધ હોય તો છોકરાંને કહીએ કે તું સુધરે નહીં ત્યાં સુધી જુદો રહે. પણ આ તો રિલેટિવ સગાઇ છે, માટે એડજસ્ટ એવરીવેર.

લટકતી સલામ રાખી ભજવો ડ્રામા

આ નાટક છે ! નાટકમાં બૈરી-છોકરાંને પોતાનાં કાયમના કરી લઇએ, તે કંઇ ચાલી શકે ? હા, નાટકમાં બોલે તેમ બોલવામાં વાંધો નહીં કે ‘આ મારો મોટો દીકરો, શતાયુ થા.’ પણ બધું ઉપલક, સુપરફલુઅસ, નાટકીય.

આ તો બધો નાટકીય વ્યવહાર છે, બાકી આમાંથી કોઇ સાથે ઓછા આવવાના છે ?

તમે પોતે શુદ્ધાત્મા ને આ બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફ્લુઅસ’ કરવાના છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટ’માં (આત્મામાં) રહેવું અને ‘ફોરેન’માં ‘સુપરફ્લુઅસ’ રહેવું. ‘સુપરફ્લુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક’ તે. ખાલી આ ‘ડ્રામા’ જ ભજવવાનો છે. ‘ડ્રામા’માં ખોટ ગઇ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા’માં દેખાવ પણ કરવો પડે, 

(પા.૭)

ખોટ ગઇ હોય તો તેવો દેખાવ કરવો પડે. મોઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઇએ. આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણા નથી કહેતા કે ભઇ, મારે તો આની જોડે ‘લટકતી સલામ’ જેવો સંબંધ છે ! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઇ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ !’ અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ’ રાખીએ છીએ તોય બધા કહે કે ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર બધાંય કરું છું પણ આત્મામાં રહીને.

જીવતા મરીને, જ્ઞાની ભજવે નાટક

કોઈ ભર્તૃહરિનો ખેલ કરતો હોય, તે આમ બધો પાઠ ભજવે. બૂમો પાડે, વૈરાગ લાવે, આંખમાં પાણી લાવે, રડે, અભિનય કરે. લોકો જાણે કે એને બહુ દુઃખ છે અને આપણે એને પૂછવા જઈએ કે ‘કેમ, તમને બહુ દુઃખ હતું ?’ ત્યારે એ કહે, ‘ના, હું તો લક્ષ્મીચંદ છું. આ તો મારે ભર્તૃહરિનો પાઠ ભજવવાનો આવ્યો. પાઠ ના ભજવું તો મારો પગાર કાપી લે. અને હું તો લક્ષ્મીચંદ તરગાળો છું, હું કંઈ ભર્તૃહરિ છું ? અને ખીચડી ઘેર જઈને ખાવાની જાણું છું.’ એટલે નાટકીય જીવન હોય.

આ હું નાટક જ કરી રહ્યો અત્યાર સુધી. આખી લાઈફ (જિંદગી) નાટક જ છે મારી. આ નાટકીય છે ને ! અત્યારે મને ધોલો મારેને તોય તમે મને ‘જીવતો છું’ એવું નહીં દેખી શકો. હું મરી ગયો હોય ને એવું લાગે તમને. જીવતા મરી જાય ખરું કોઈ માણસ ?

પ્રશ્નકર્તા : અનુભવ નથી.

દાદાશ્રી : એક ફેરો જીવતા મરે, એને ફરી મરવું ના પડે.

મરીને જીવે તો કલ્યાણ થઈ જાય

જીવનમાં મરેલા જીવો તો ઉકેલ આવે. મરીને જીવ્યા છો કોઈ દહાડો ? એક દહાડોય મરીને જીવ્યા છો ?

પ્રશ્નકર્તા : કેવી રીતે, સમજથી ?

દાદાશ્રી : નહીં, આખું જગત જીવતા મરેલું જીવે છે. જીવતા મરેલું છે આપણું આ જગત. જગત કેવું છે ?

પ્રશ્નકર્તા : જીવતા મરેલા.

દાદાશ્રી : જીવતા મરેલું છે. પણ મરીને જો જીવે તો તો કલ્યાણ થઈ જાય ! જગત આખું જીવતા મરેલું છે બિચારું ! ‘એય મરી ગયો, એય મરી ગયો, એય મરી ગયો’ કહે. હજાર વખત બોલતો હશે મરતા પહેલા, ‘હું મરી ગયો.’ બોલે કે ના બોલે ?

પ્રશ્નકર્તા : બોલે ને !

દાદાશ્રી : જીવતા મરેલા છે લોકો. મરેલા જીવે છે આ. પણ જીવતા જે મરે એની વાત જુદી. જીવતા મરવાનો અભ્યાસ કરજો.

જીવતા મરવું, પણ જ્ઞાનીને પૂછીને

જીવતા મરી જાય તો ભાંજગડ નથી ને કશી ?

પ્રશ્નકર્તા : તો પ્રત્યેક જીવાત્માએ જીવતા મરી જવું ?

દાદાશ્રી : હા, જીવતા મરે તો પછી ભાંજગડ જ નથી ને કોઈ જાતની ? પણ જ્ઞાની પુરુષને પૂછીને મરવું. મરવાનું જાણતો નથી, એ કેવી રીતે મરે ? મરવામાં શું શું ભાગ આવે અને ચેતનમાં શું ભાગ આવે છે એ જાણવું પડે, ત્યારે મરાય. જેટલું જાણે છે એટલું મરે. બાકી બીજું બધું જેટલી જાણ 

(પા.૮)

નથી ત્યાં મરે શી રીતે ? એટલે જ્ઞાની પુરુષને પૂછીને મરવું પડે.

જીવતા જીવું છું તેનો ડખો છે

એક માણસને બહુ દુઃખ હતું. બઈ તરફનું દુઃખ, મધર તરફનું દુઃખ, બાપ તરફનું દુઃખ. છોકરો મોટો થયેલો તે ઊંધું બોલે, સાસરીવાળા ઊંધું બોલે, બધા ઊંધું બોલે. એ કૃપાળુદેવ પાસે ગયો. કૃપાળુદેવ કહે છે કે ભઈ, તારું દુઃખ તો જાય એવું નથી. તેના કરતા એક રસ્તો દેખાડું. ‘તું જીવતા મરી જા એક વાર અને પછી જીવજે નિરાંતે.’ કહે છે. પછી ભાંજગડ જ નહીં ને ! મરી ગયા હોય ત્યારે શું કરીએ આપણે ? શું ખોટું કહ્યું ?

પ્રશ્નકર્તા : જીવતા મરી જા.

દાદાશ્રી : હા, નકામું જીવતા જીવું છું, તેનો આ ડખો છે ને !

પ્રશ્નકર્તા : પણ દાદા, જીવતા મરી જાય તો તો પતી ગયું, મુક્તિ થઈ જાય.

દાદાશ્રી : બધી બાજુ દુઃખ હતું ને, તે કયો રસ્તો દેખાડે કૃપાળુદેવ ? એકાદ જણનું હોય તો કંઈક એમ કરીને નિકાલ કરે. બધા જ સામા થયેલા ત્યાં આગળ ? એટલે કહ્યું, તું જ જીવતા મરી જા ને !

પ્રશ્નકર્તા : એ તો બહુ, અઘરામાં અઘરું છે. જીવતા મરી જવું તો તો સુખ જ છે બધે.

દાદાશ્રી : તે મરી ગયા પછી મરે છે. તે તો બધું જગતેય મરી જાય છે, પણ જીવતા મરી જાય એ જ ખરો મરદ.

પ્રશ્નકર્તા : એ જ ખરો મરદ, એ જ શૂરવીર.

દાદાશ્રી : હા, મરી ગયા પછી તો બધા મરી જાય. જીવતા મરી જા ને !

જીવતા મરેલાને ક્લેશ થાય ?

કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ?

પ્રશ્નકર્તા : એ તો ઈચ્છા ના હોય પણ થાય તો ખરો જ ને !

દાદાશ્રી : અરે ! થતો હશે તે ? થાય તો આપણે કંઈ મરી ગયેલા છીએ ? જીવતા છીએ આપણે તો ! મડદા હોય ત્યાં ક્લેશ થાય. ક્લેશ થતો હશે ? પોતે પોતાનું ઘર સળગાવે ?

પ્રશ્નકર્તા : હા, પણ માણસ હોય તો કદી ક્લેશ ઊભો થાય કે ના થાય ? માણસ મરી જાય પછી તો ક્લેશ રહેતો જ નથી ને ! પછી તો એને શાંતિ થઈ જાય છે.

દાદાશ્રી : હા, પણ તો એને માટે મરવું ? તો જીવતા મરેલા રહો. તમે જીવતા રહો અને અંદરખાને મરેલા રહો. એટલે વહુએ છે તે બસ્સો ડૉલરનાં ગ્લાસવેર તોડી નાખ્યા તો જીવતા મરેલો હોય તો જોયા કરે. ત્યાં આગળ જીવતા મરેલા રહો તો ક્લેશ નહીં થાય.

સમજી લો, આવે છે શા આધારે ?

પ્રશ્નકર્તા : પણ વાસણ તો ઘરમાં ખખડે જ ને?

દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે (ઝઘડે) છે. જાગ્રત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને (માણસોને) તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાંય સ્પંદનો કર્યા કરે કે ‘આ તો આવા છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા જેવા છે !’ અને પેલાં વાસણોને કંઇ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મેર ચક્કર, 

(પા.૯)

આપણે કંઇ વાસણ છીએ ? એટલે આપણને ખખડાટ જોઇએ? આ દાદાને કોઇએ કોઇ દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નુંય ના આવ્યું હોય એવું ! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઇ કો’કની જોખમદારી પર છે ? ચા જલદી ના આવી હોય તો આપણે ટેબલ પર ત્રણવાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઇને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો (એમને એમ) જઇશું ઓફિસે ! શું ખોટું? ચાનોય કંઇ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે ‘વ્યવસ્થિત!’ એનો ટાઇમ થશે એટલે ચા મળશે, તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભા નહીં કરો તો એ આવીને ઊભી રહેશે અને સ્પંદન ઊભા કરશો તોય એ આવશે. પણ સ્પંદનનાં પાછા વાઇફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને !

હવે સરસ રસોઈ બનાવી હોય, સરસ કેરી હોય, ફર્સ્ટ કલાસ રસ કાઢ્યો હોય. રસ-રોટલી વાઈફે બનાવી હોય અને પછી ટેબલ ઉપર જમવા બેઠાં, તે પછી સહેજ કઢી ખારી થઈ હોય ને તો કહેશે, ‘કઢું આવું કર્યું ?’ તે પછી એ બધું બગાડે. હવે એમણે કર્યું હોય તો વઢીએ. કોણે કર્યું ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિતે.

દાદાશ્રી : આપણું જ, ભોગવનારના પ્રારબ્ધનું જ આ. એટલે આપણે ના ખાવું હોય તો ના ખાઈએ અને બીજું બધું જમી લઈએ. પછી વાઈફ પૂછે, ‘તમે બોલ્યા નહીં, કઢી ખારી હતી તે!’ ત્યારે આપણે કહીએ, ‘તમે જમશો ત્યારે તમે ના જાણો ? કંઈ તમને ખબર પડે ને! મારે વળી કહેવાની શી જરૂર ?

વ્યવસ્થિત જ છે પછી ચિંતા શાને ?

દેહ ધારણ થયો છે, તે દેહ તો એનું લઈને આવ્યો હશે ને? હિસાબ તો લઈને આવ્યો હશે ને ? દાઢી કરવાની ઈચ્છા નથી તોય થયા કરે છે, ત્યારે રોટલા નહીં મળે ? એક ઘડીમાં જો કદી આ પ્રકૃતિ રિસાયને તો આ ઊઘાડી આંખે લાઈટ બંધ થઈ જાય બિલકુલ, એવું આ જગત છે. લાઈટ ચાલુ રહે છે, તો કેમ રોટલા નહીં મળે ? વ્યવસ્થિત એવું છે ને, બધું લઈને આવેલું છે તમારું. એટલે ફિકર-ચિંતા જેવું છે નહીં.

છતાં વ્યવસ્થિત ઉપર બેસવું નહીં કોઈ દા’ડોય. વ્યવસ્થિતને આપણી ઉપર બેસાડવું, એની ઉપર બેસવું નહીં. એની ઉપર બેસો તો તો વેશ થઈ પડશે. વ્યવસ્થિત સંભારવાનું ના હોય.

જ્યારે ખાવાનું ના મળે તે દા’ડે છે તે વીતરાગ ભગવાનની કહેલી આજ્ઞા મુજબ આરાધનપૂર્વકનો ઉપવાસ. આ તો મળે, તે દા’ડે કહેશે, ‘આજે મારે ઉપવાસ છે.’ બીજે દા’ડે ઠેકાણું ના હોય, ત્યારે પછી અમુક અમુક મૂક્યું, ત્યારે કષાય કર્યા કરે, ‘આ કંઈથી વહોરી લાવ્યા આવું ? આ ઠંડા રોટલા ને આ બધું ?’ ત્યારે મૂઆ કષાય કરવા હોય તો ઉપવાસ ના કરીશ અને ઉપવાસ કરવા હોય તો કષાય ના કરીશ. કષાય માટે ઉપવાસ નથી કરવાના, કષાય કાઢવા માટે ઉપવાસ કરવાના છે.

બે વાગે સુધી ખાવાનું ના મળ્યું હોય તો ચિઢાયા કરે કે ‘આ ગામમાં કોઈ હોટલેય સારી નથી. આ ગામ જ ખરાબ છે.’ અલ્યા, મૂઆ, તું ગામને શું કરવા વગોવે છે વગર કામનો ! એના કરતાં કહી દે ને, કે ‘ભઈ, હવે સાડા બાર થઈ ગયા, એક થઈ ગયા, જે મળે તે ખઈ લેવું છે.’

(પા.૧૦)

ચિંતા થાય શા આધારે ?

પ્રશ્નકર્તા : આપે એક જગ્યાએ લખ્યું છે કે ‘ચિંતા એ અહંકારની નિશાની છે.’

દાદાશ્રી : હા, ચિંતા એ અહંકારની નિશાની શાથી કહેવાય છે? એના મનમાં એમ લાગે છે કે ‘હું આ ચલાવી લઉં છું, આનો ચલાવનાર હું છું’ તેથી એને ચિંતા થાય છે. એટલે આ છોડીનું શું થશે, આ છોકરાનું શું થશે, એમ કહે. આનું શું થશે, આમ શું થશે, આ મકાન પૂરું નહીં થાય તો શું થશે ? એ ચિંતા પોતે માથે લઈ લે છે. પોતે પોતાની જાતને કર્તા માને છે. ‘હું જ માલિક છું અને હું જ કરું છું’, એમ માને છે. પોતે કર્તા છે નહીં ને ખોટી ચિંતા વહોરે છે. ખરેખર તો આ સંજોગો કર્તા છે. બધા સંજોગો, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) ભેગા થાય તો કાર્ય થાય એવું છે. આપણા હાથમાં સત્તા નથી. આપણે સંજોગોને જોયા કરવાના કે સંજોગો કેમના છે ! સંજોગો ભેળા થાય એટલે કાર્ય થઈ જ જાય. સંજોગો ભેળા થવા એટલે કોઈ માણસ છે તે માર્ચ મહિનામાં વરસાદની આશા રાખે એ ખોટું કહેવાય અને જૂનની પંદરમી તારીખ થઈ એટલે એ સંજોગ ભેગો થયો, કાળનો સંજોગ ભેગો થયો. હવે વાદળનો સંજોગ ભેગો ના થયો હોય તો વાદળાં વગર વરસાદ કેમ પડે ? ત્યારે કહે છે કે વાદળાં ભેગાં થયાં, કાળ ભેગો થયો, પછી વીજળીઓ થઈ, બીજા એવિડન્સ ભેગા થયા, ત્યારે વરસાદ પડ્યો ! ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ ! માણસ સંજોગોના આધીન છે અને પોતે એમ જાણે છે કે ‘હું કંઈ કરું છું !’ પણ એ કર્તા, એ પણ સંજોગોના આધીન છે. એક સંજોગ વિખરાયો તો શું થાય?

ચાલ્યા જ કરે છે, તેને શું ચલાવવાનું ?

જગત ચાલ્યા જ કરે છે, એને લોકો ચલાવે છે. જે ચાલ્યા કરતું હોય એને શું ચલાવવાનું ? અને એ ઊઠે કે ના ઊઠે, પણ સૂર્યનારાયણ, બધા ઊઠીને તૈયાર ! જગત નિરંતર ચાલ્યા જ કરે છે !

અત્યારે ચા-પાણી, બધું જમો ને, તે વ્યવસ્થિતના તાબામાં જ છે. તમે કંઈ જોવા-તપાસ કરવા ના જાવ, તો પણ આવીને ઊભું રહે. ક્યાંથી ખાંડ આવી એ કંઈ આપણે તપાસ કરવી પડે નહીં. કોણે શેરડી પકવી એ બધી તપાસ કરવી પડે ? એ બધું આવે છે ને ? કેવું આવે છે ? ગોઠવાયેલા ક્રમ છે. અત્યાર સુધી તો હું જ કર્તા માનતા’તા, ખરેખર કર્તા નથી ને ?

પ્રશ્નકર્તા : નથી.

દાદાશ્રી : સવારમાં ઊઠો છો, તો કોણ ઊઠાડે છે? કોઈ બીજી શક્તિ ઊઠાડે છે એવું લાગે છે કે તમારી શક્તિથી ઊઠો છો ?

પ્રશ્નકર્તા : ના, અમારી શક્તિથી નથી ઊઠાતું.

દાદાશ્રી : હા, ત્યારે બીજી શક્તિ છે ને ! પછી ઊઠ્યા પછી આપણે ઘણું વહેલું જવું હોય સંડાસ, પણ ના જવા દે, તો કોણ ના જવા દે ? એ વ્યવસ્થિત શક્તિ. પછી ચા આવીને ઊભી રહે છે ને ! બધાં સંયોગો ભેળાં કરે. સંયોગો ભેગાં કરે, પછી વિયોગ કરી આપે; એય વ્યવસ્થિત શક્તિ. તમે લગામ છોડી દો તોય બધું ભેગું થયા કરે.

એક દહાડો તમે કર્તાપદ છોડી દો, તો બધું મળે કે ના મળે, ચા-પાણી બધું ? વ્યવસ્થિત શક્તિ નિરંતર વ્યવસ્થિત જ રાખે છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ જો દરેકની પાસે કામ કરાવતી હોય, તો પછી માણસે કંઈ કરવાનું રહેતું જ નથી ને ? પ્રોગ્રેસ થાય જ નહીં પછી.

દાદાશ્રી : કરે જ છે ને, ‘મેં આ કર્યું’ કહે છે જ ને ! અને તેથી સંસારમાં ભટકે છે. એ 

(પા.૧૧)

જો વ્યવસ્થિત સમજી જાય કે ‘આ કરનાર બીજો કો’ક છે અને હું નથી કરતો. આ તો મને એવું ખોટું ભાસે છે’, તો એ છૂટો થઈ જાય. પણ એવું નહીં, એ તો અહંકાર કરે છે કે ‘ના, હું જ કરું છું.’ બાકી એને ભાસે છે કે ‘હું કરું છું, આ બીજો કોઈ તો છે જ નહીં. હું જ છું !’

કુદરતના ગેસ્ટને ન હોય ચિંતા

આ સંસારમાં જે જીવમાત્ર છે તે કુદરતના ‘ગેસ્ટ’ છે. દરેક ચીજ કુદરત તમને તૈયાર કરીને આપે છે. આ તો તમને કઢાપો-અજંપો, કઢાપો-અજંપો રહ્યા કરે છે. કારણ કે આ સમજણ નથી અને એવું લાગે છે કે ‘હું કરું છું.’ આ તો ભ્રાંતિ છે. બાકી કોઇથી આટલુંય થઇ શકતું નથી.

અહીં જન્મ થતા પહેલાં, આપણે બહાર આવવાના થયા તે પહેલાં લોકો બધી જ તૈયારીઓ કરી રાખે છે ! ભગવાનની સવારી આવી રહી છે ! જન્મતા પહેલાં બાળકને ચિંતા કરવી પડે છે કે બહાર નીકળ્યા પછી મારા દૂધનું શું થશે ? એ તો દૂધની કૂંડીઓ બધું જ તૈયાર હોય છે ! ડોક્ટરો, દાયણોય તૈયાર હોય અને દાયણ ના હોય તો છેવટે વાળંદાણીય હોય છે. પણ કંઇકની કંઇક તૈયારી તો હોય જ, પછી જેવા ‘ગેસ્ટ’ હોય ! ‘ફર્સ્ટ ક્લાસ’ના હોય તેની તૈયારી જુદી, ‘સેકન્ડ ક્લાસ’ની જુદી અને ‘થર્ડ ક્લાસ’ની જુદી, બધા ‘ક્લાસ’ તો ખરા ને ? એટલે બધી જ તૈયારીઓ સાથે તમે આવ્યા છો, તો પછી હાયવોય-અજંપો શાના હારુ કરો છો ?

‘‘જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પછી ચાલશે, અટકે ના કોઇ દી વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે...’’

- કવિરાજ

શું કરવાનું બાકી રહ્યું છે તમારે હવે ? જન્મ પહેલાંય ચાલતો હતો ને મૂઆ પછીય ચાલશે. આ તો વગર કામના રોકાઇ ગયા છો કે મારે ચલાવવાનો છે ! એવું છેને, કે આ ચાલ્યા કરે છે ને ચાલ્યા કરશે. તમ તમારે ખાઓ-પીઓ ને સૂઇ જાવ ! આરામથી જરા જૂહુ ફરી આવો. આમ હાય હાય શું કર્યા કરો છો ? આ તો આખો દહાડો કામ, કામ, હાય, હાય કર્યા કરે; જાણે લાકડામાં કોઇ દહાડો જવાનું ના હોય એમ માનીને કર્યા કરે ! હા, પાંચસો-હજાર વર્ષ સુધી લાકડામાં ના જવાનું હોય તો તો આપણે જાણીએ કે ‘હાય, હાય, છો કરે. હજુ બિચારાને હજાર વર્ષો કાઢવાનાં છે !’ આ તો ઠામઠેકાણું નથી કે ક્યારે લાકડામાં જવાનું છે ! ક્યારે ‘ફેઇલ’ થઇ જાય તે કહેવાય નહીં ! આમ સ્કૂલમાં, બધામાં પાસ થયેલા, પણ આમાં ફેઇલ થઇ જાય !

જીવતા મરે તો મીટે ચિંતા

આ અહંકાર છે, ‘મારા વગર ચાલતું નથી’ એવું એ જાણે છે. એ એમ સમજે છે કે ‘મારા વગર ચાલશે નહીં’, એટલે ચિંતા કરે છે. એ એમ જાણે છે કે હું ના હોઉં તો શું થાય આ બધાનું ? અલ્યા મૂઆ, તું ના હો તોય ચાલતું’તું. તું ન્હોતો તોય ચાલતું’તું ને તારા ગયા પછીય ચાલશે.

માણસ મરી જાય ત્યારે શું કરવા સગાવ્હાલાં બધું તૈયાર રાખતા હશે ?

પ્રશ્નકર્તા : બધું સડી જાય એટલે કાઢી નાખો ઝડપથી એ.

દાદાશ્રી : એમ !

પ્રશ્નકર્તા : હા, દાદા. પછી આની શું કિંમત ?

દાદાશ્રી : મરનારને ભો નહીં ?

પ્રશ્નકર્તા : ના.

(પા.૧૨)

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : મરી જાય પછી પેલા લોકોને જ ભય કે આ સડી ઊઠશે બધું. ગંધાઈ ઊઠશે, કાઢો જલદી, કહે.

દાદાશ્રી : અને જીવતા મરી ગયો હોય તેને ?

પ્રશ્નકર્તા : એને તો કંઈ ચિંતા જ નહીં, દાદા.

દાદાશ્રી : જીવતો મરી ગયો હોય.

પ્રશ્નકર્તા : હા, એનો તો મોક્ષ અહીંયા જ થઈ ગયો, દાદા.

દાદાશ્રી : તે કોઈને જોયેલા ચિંતામાંથી જીવતા મરી ગયેલા ?

પ્રશ્નકર્તા : આપણે બધાય.

દાદાશ્રી : એમ ! જોજે કોઈને કહેતો કે ‘અમે મરી ગયેલા છીએ !’ એમ બોલીશ તો પોલીસવાળો કહેશે કે આ આવું જૂઠું બોલે છે. જીવે છે ને કહે છે કે અમે મરી ગયેલા છીએ. આપણી ભાષા લોકોને સમજાય નહીં ને ! બહાર લોકસંજ્ઞા છે અને આ જ્ઞાનીની સંજ્ઞા છે.

જીવતા જ ડુબાડી દો દુનિયા

લોક કહે છે કે આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા. તો મૂઆ, જીવતા જ દુનિયા ડુબાડી દે ને !

આ શરીરને આપણે કહેવું કે ‘હે શરીર ! હે મન ! હે વાણી ! તમને જ્યારે ત્યારે લોક બાળશે, તેના કરતાં અમે જ બાળી મૂકીએ તો શું ખોટું ?’

માટે ક્ષત્રિય થઈ જાવ. જે સ્વરૂપ આપણું નથી ત્યાં શી પીડા? જે સ્વરૂપ આપણું નથી એવું ‘જ્ઞાની પુરુષે’ તમને કહ્યું, તે તમને બુદ્ધિથી સમજાયું, પછી શી પીડા ?

વ્યવસ્થિતની સમજણે સેફસાઈડ

તમારે કંઈ ચિંતા-ઉપાધિ ખરી ?

પ્રશ્નકર્તા : હવે ચિંતા કરવાનું જે હતું તે તો વ્યવસ્થિતમાં બધું જતું રહ્યું ને ! વ્યવસ્થિત જ બધું કરે છે એટલે પછી ચિંતા ગઈ.

દાદાશ્રી : હા, વ્યવસ્થિતના જ્ઞાનને સમજી ગયો હોય તો કામ થઈ જાય, ના સમજે તો પછી એવું.

તમે આ વ્યવસ્થિતનું જ્ઞાન સમજી ગયા છો એટલે તો બિલકુલ પેટમાં પાણી નથી હાલતું. અમે જ્ઞાન આપીએ એટલે મોક્ષ આપીએ. પછી મોક્ષ જાય નહિ, પણ એ વ્યવસ્થિતને સમજે તો !

આત્માને અજ્ઞાનથી મુક્ત કર્યો. હવે આ જે પાછલું દેવું છે, તેમાં શું કરવાનું ? ત્યારે કહે, એ વ્યવસ્થિત જ છે. એનું પરિણામ જે આવવાનું છે, તે તારે જોયા કરવાનું. આટલી અમારી આજ્ઞા પાળે તો મોક્ષ નિરંતર રહેશે, તમારે કશું કરવું જ ના પડે. તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો આ કામ સરસ ચાલે, રેગ્યુલર ચાલે અને દોઢડાહ્યો થયો તો બધું બગડ્યું.

વ્યવસ્થિત સમજાય તો એ દાદાએ સેફસાઈડ-વાળું આપ્યું, પણ પોતે એવો દોઢડાહ્યો થાય તો અન્સેફ થાય !

સંસાર અડે નહીં એનું નામ મુક્તિ

ભગવાન કહે છે કે ચિંતા કરનારાને બે દંડ છે અને ચિંતા ના કરનારાને એક દંડ છે. એકનો એક અઢાર વર્ષનો જવાન છોકરો મરી જાય તેની પાછળ જેટલી ચિંતા કરે છે, જેટલું દુઃખ કરે છે, માથું ફોડે, બીજું બધું જે જે કરે, તેને બે દંડ છે અને આ બધું ના કરે તો એક જ દંડ છે. છોકરો મરી ગયો એટલો જ દંડ છે અને માથું ફોડ્યું તે 

(પા.૧૩)

વધારાનો દંડ છે. અમે એ બે દંડમાં કોઈ દહાડોય ના આવીએ. એટલે અમે આ લોકોને કહ્યું છે કે ‘પાંચ હજાર રૂપિયાનું ગજવું કપાય એટલે ‘વ્યવસ્થિત’ કહીને આગળ ચાલવાનું ને નિરાંતે ઘેર જવાનું.’ એટલે કશી ઉપાધિ જ ના રહે ને ! એનું નામ મુક્તિ. સંસાર અડે નહીં એનું નામ મુક્તિ.

વિચારો વોસરાવી થાઓ ચિંતામુક્ત

એટલે દરેકે એમ કહેલું કે ચિંતા શું કરવા કરો છો વગર કામની? તમારે તો ફક્ત શું કરવાનું ? વિચાર સહજ ભાવે કરવાના. અને વિચાર એબ્નોર્મલ (પ્રમાણ કરતાં વધી) જાય એટલે ચિંતા થઈ કહેવાય. વિચારમાં એબ્નોર્મલ થયું એટલે ચિંતા થાય, ત્યાં બંધ કરી દેવાનું તમારે. જેમ વાવાઝોડું બહુ આવતું હોય તો આપણે બારણા બંધ કરીએ છીએ ને ? એવી રીતે મહીં વિચારો એબ્નોર્મલી આગળ ચાલ્યા એટલે બંધ કરી દેવાના. નહીં તો એ પછી ચિંતાના રૂપમાં થઈ જાય. પછી જાતજાતના ભય દેખાડે ને જાતજાતનું દેખાડે. એટલે એ દિશામાં જવાનું જ નહીં. આપણે જરૂરિયાત પૂરતા વિચાર, બાકી બંધ.

આપણે તો વિચાર સારા આવે છે કે ખોટા આવે છે, બેઉ વોસરાવી દીધું. આપણે ને એને લેવાદેવા નહીં. વિચાર તો શું ના આવે ? જરાક તબિયત નરમ થઈ ત્યારે કહેશે, ‘મરી જવાશે કે શું ?’ એય વિચાર આવે. આવે કે ના આવે ? એ બધા વોસરાવી દેવાના.

નિર્ભય થઈને ફરો

પ્રશ્નકર્તા : (જ્ઞાન પછી) મરણનો ભય નથી પણ મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે.

દાદાશ્રી : દુઃખ શું ?

પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ.

દાદાશ્રી : એમાં બીક શું ? ‘વ્યવસ્થિત’ છે ને ! ‘વ્યવસ્થિત’માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને ! પછી એની બીક શું ? ‘વ્યવસ્થિત’ આપણે ‘એક્સેપ્ટ’ (સ્વીકાર) કર્યું છે. પછી કોઈ દહાડો કશું અડે એવું નથી. કોઈ ભય રાખવા જેવો નથી. નિર્ભય થઈને ફરો.

મોક્ષ જોઈતો હોય તો શિર સાથે ખેલ છે. શૂરવીરતા એટલે શૂરવીરતા ! ઉપરથી એટમબોંબ પડે પણ પેટમાં પાણી ના હાલે, એનું નામ શૂરવીરતા. અને જો તમે શુદ્ધાત્મા સ્વરૂપ છો, મેં જે સ્વરૂપ તમને આપ્યું છે તે સ્વરૂપમાં છો, તો કશુંય અડે તેમ નથી.

તમે હવે નિઃશંક થયા. હવે આજ્ઞામાં રહો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે. કાન કાપી લે તો ભલે કાપી લે. પુદ્ગલ આપી દેવાનું છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો ‘વ્યવસ્થિત’નો ટાઈમ હશે તે દહાડે જશે. માટે ‘જ્યારે લેવું હોય ત્યારે લઈ લો’ એમ કહેવું. ભય રાખવાનો નહીં. કોઈ લેનાર નથી. કોઈ નવરુંય નથી. આપણે કહીએ કે ‘લઈ લો’, તો કોઈ લેનારું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાઓ, કહીએ.

જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ

પ્રશ્નકર્તા : બહારની ફાઈલો એટલી બધી હેરાન નથી કરતી, પણ અંદરની શાતા-અશાતામાં એકાકાર થવાય છે.

દાદાશ્રી : શાતા-અશાતાને તો બાજુએ જ મૂકી દેવાના. શાતામાં પ્રમાદ થઈ જાય, અજાગૃતિ રહે. શાતા-અશાતાની તો બહુ પરવા રાખવી નહીં. અશાતા આવે, હાથમાં લાય બળતી હોય તો આપણે કહેવું કે ‘‘હે હાથ ! ‘વ્યવસ્થિત’માં હો તો બળો કે પછી સાજો રહો.’’ એટલે લાય બળતી હોય તો બંધ થઈ જાય; કારણ કે આપણે બાળી મૂકવાની 

(પા.૧૪)

વાત કરીએ પછી શું થાય ? પંપાળવાનું તો ક્યારેય હોય નહીં. આ પુદ્ગલ છે એ ‘વ્યવસ્થિત’ના તાબે છે. એની અશાતા વેદનીય જેટલી આવતી હોય તેટલી આવો. શૂરાતન તો જોઈશે ને ? અને નહીં તોય રડી રડીને ભોગવવું, એના કરતાં હસીને ભોગવવું શું ખોટું ? તેથી તો કહ્યું છે ને, ‘જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.’

અડધો પગ તૂટી ગયો તો આપણે કહીએ, ચાલો દોઢ તો રહ્યો ને! ફરી અડધો જતો રહે, ત્યારે આપણે એમ કહીએ કે બેને બદલે એક તો રહ્યો ને ! આમ કરતાં છેવટે બધા પાર્ટસ તૂટી પડે, ત્યારે છેવટે આત્મા તો છીએ ને ! છેવટે તો બધા પાર્ટસ તૂટી જ પડવાના છે ને ! પેટ્રોલ છાંટીને ભડકો કરો તોય અમે આત્મસ્વરૂપ છીએ ! જ્યારે ત્યારે ભડકો થવાનો જ છે ને ! નથી થવાનો ? થોડોક અભ્યાસ જ કરવાની જરૂર છે. ઉઘાડે પગે (સાધુ) મહારાજ કેમ કરીને ચાલે છે ? ખેડૂતો કેમ કરીને ચાલે છે ? બે-ચાર વખત આપણે દઝાઈએ એટલે બધું રાગે પડી જાય. બાકી એક ટીકડીથી વેદના બેસી જાય, તેને વેદના જ કેવી કહેવાય ? સો-સો ટીકડીઓ ખાય તોય વેદના ના શમે, એનું નામ વેદના કહેવાય.

હવે તો અપના કુછ નહીં, ‘જ્ઞાની પુરુષ’ને બધું વોસરાવી દીધું. મન-વચન-કાયા ને સર્વ માયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ બધું જ વોસરાવી દીધું. પછી તમારી પાસે કશું જ બાકી નથી રહેતું.

જીવતાં મરે તો મનથી છૂટો થઈ જાય

હવે તમને શુદ્ધાત્મા મળ્યો એટલે ‘આ બધું વ્યવસ્થિત છે’ અને તે કોઈનાથી આઘુંપાછું થઈ શકે એમ નથી. મનમાં જે ભાવો છે તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે કાન સાંભળ્યા વગર રહે નહીં, એવું મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામનું હોય તો સાંભળવું. ના કામનું હોય તો ‘તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું’ કહીએ. એટલે પછી આગળની વાત કરે. અને જે દેખાય છે ને અવસ્થા-પર્યાયો, તે તમને ખબર આપે છે કે ‘આમ થશે તો, આમ થશે તો.’ એમાં આપણને શું વાંધો છે ? વ્યવસ્થિત છે તે આપણે જાણીએ છીએ. પછી એ કહે, પછી આગળની વાત કરે. એને એવું નથી કે એની એ જ વાતો કર્યા કરે. ફક્ત અજ્ઞાન હતું ત્યાં સુધી મનમાં તન્મયાકાર થઈ જતા હતા, ત્યારે પોતે દુઃખને પામતા હતા.

મનને ખસેડવાની જરૂર નથી, મારવાનીયે જરૂર નથી. કોઈને મારશો અને તમે મોક્ષે જશો એ ક્યારેય નહીં બને. મનને કહીએ, ‘તું તારી મેળે જીવ.’ અમે અમારી જગ્યાએ અમારા સ્થાનમાં છીએ, તું તારા સ્થાનમાં છે.

મનથી છૂટું શી રીતે થવાય ? જીવતાં મરી જાય તો મનથી છૂટો થઈ જાય.

મોકાણ, દોઢ ડહાપણની

પ્રશ્નકર્તા : વિચાર આવે છે તે એવી રીતે તરત જ જતો રહે છે અગર તો નવકાર મંત્ર બોલાઈ જાય છે તરત.

દાદાશ્રી : હા, પણ તે શું થાય છે તે જોયા કરવાનું. તમે વચ્ચે કોણ છો ? મારું એમ કહેવાનું કે તમને આ જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા છો, વ્યવહારથી ચંદુભાઈ છો.

પ્રશ્નકર્તા : તમારા જેવું જો પચતું હોય અને નિરંતર ચોવીસ કલાક...

દાદાશ્રી : મારા જેવું જ રહે એવું છે. આપણું આ જ્ઞાન આપેલું જો કોઈ દોઢડાહ્યા ના થાય ને, તો મારા જેવું જ રહે એવું છે ને ઘણાને રહે છે.

પ્રશ્નકર્તા : પણ દોઢડાહ્યા થવાય છે તેનું શું ?

(પા.૧૫)

દાદાશ્રી : થવાય છે, તેને જ સાચવવાનું છે. તમને શું વર્તે છે? એવું મહીં મનમાં વિચારો આવે તે જોવામાં આવે છે ?

જ્યારે વિચારની સ્થિતિ હોય ને, ત્યારે વિચારો સજીવન નથી, નિર્જીવ વસ્તુ છે. એટલે તારે જે વિચાર કરવા હોય તે કર, મનને કહીએ. તળાવમાં મોઢું જોવા જઈએ તોય મન કહેશે, ‘મહીં ડૂબી જવાશે તો?’ મન તો ફાવે એવું બોલે અને તે વખતે આબરૂય લઈ લે. મન એવા વિચાર કરે છે તે આપણે જોયા કરવાના. એનો વિચારવાનો સ્વભાવ છે, એ યંત્રવત્ છે. એને આપણે ના કહીએ તોય વિચાર તો આવ્યા જ કરવાના, પણ આપણે ભળીએ તો આપણને ચોંટે. ના ભળીએ તો કશું ચોંટે નહીં.

દેહાધ્યાસમાં મારી, આત્મામાં કર્યા જીવતા

તમે પાંચ મિનિટ પહેલાંનો વિચાર કરો ને, એટલે હું જાણું કે આ જીવતો છે ! આ મેં ‘તમને’ (દેહભાવે) મારી નાખ્યા છે. આ પાછા જીવતાં શું કરવા થાવ છો ? મારી નાખ્યા પછી સ્વમાં જીવવું એનું નામ જ મોક્ષ. જ્ઞાની પુરુષ શું કરે ? (દેહાધ્યાસમાં) મારી નાખે, પછી (આત્મસ્વરૂપમાં) જીવતા કરે. પછી એ જીવે તો એ મોક્ષ છે. અને પછી તમે વિચાર કરો તો હું જાણું કે ઓહોહો, હજુ જીવતો છે આ તો !

જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો. એટલે બધું ખાલી થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : થઈ જવું જોઈએ કે કરી નાખવું જોઈએ ?

દાદાશ્રી : થઈ જવું જોઈએ. આ માર્ગ એવો છે કે તમારે ખાલી કરવાનું નહીં રહે, એની મેળે ખાલી થયા કરે. અમારી આજ્ઞામાં રહો એટલે ખાલી થયા કરે.

વ્યવસ્થિત જ ચલાવી લેશે

હવે વ્યવસ્થિત જ બધું તમારું ચલાવી લે છે. તમને જે જોઈશે એ તમારી પાસે આવીને ઊભું રહેશે. તમને જે ચીજની ઇચ્છા થાય તે ચીજ તમારી પાસે આવીને ઊભી રહે, તમારે મહેનતેય ના કરવી પડે એવું આ ‘જ્ઞાન’ છે, અલૌકિક વિજ્ઞાન છે. એટલે આપણે તો અહીં કામ કાઢી લેવાનું છે.

પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત સમજ્યા પછી કોઈ વાતનો તાંતો નથી રહેતો.

દાદાશ્રી : પછી તો ડખો જ ના રહે ને ! આ વ્યવસ્થિત અમે જોઈને બોલ્યા છીએ.

એટલે બહારની વાતમાં તમારે ચિંતા જ કરવાની નથી. તમે તમારા સ્વરૂપમાં રહો, નિરંતર ! તમારા હિસાબસર બધું તમારી પાસે આવશે. મારે પણ બધું હિસાબસર જ આવે છે. આવો કળિયુગ છે, દુષમકાળ છે, મુંબઈ જેવી મોહનગરી છે, છતાં પણ મને કશું અડતું નથી ને વીસ વર્ષથી નિરંતર સમાધિ રહ્યા કરે છે. બોલો હવે, અત્યારે આ મોહમયીનગરીમાં આવું હોતું હશે ? પણ આ વિજ્ઞાન જ જુદું છે, અક્રમ વિજ્ઞાન છે, તરત જ મોક્ષફળ આપનારું છે.

જે બને એ જોયા કરો

આ તો આપણું અક્રમ વિજ્ઞાન છે ! એટલે ‘જેમ છે તેમ’ જગત કહી દીધું કે આટલું એની મેળે ચાલી રહ્યું છે. માટે તમારે ઉપાધિ કરવા જેવી છે જ નહીં.

વ્યવસ્થિતનો અર્થ એક્ઝેક્ટ એ છે કે આ જે બને છે એમાં તારું કર્તાપણું નથી, તારી કોઈ લેવાદેવા નથી, ગમે તેવું હોય તોય ! પછી ‘ચંદુભાઈ’ ભયંકર કૃત્ય કરતો હોય, તો ‘મને’ શું થઈ જશે હવે એવું ના હોવું જોઈએ. એય ‘જોયા’ જ કરવાનું, એવું વ્યવસ્થિત આપેલું છે. 

(પા.૧૬)

જે ચંદુભાઈને થયું હોય એ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય, સમજણ ના પડે તો ? બીજા રસ્તા બતાડવા પડે. નહીં તો એક્ઝેક્ટ મોક્ષ આપેલો છે.

આજ્ઞા પાળે તેને માટે વ્યવસ્થિત

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી જેને સમકિત થયું, એને માટે આ ‘વ્યવસ્થિત’ શબ્દ છે. જેને સમકિત નથી થયું, જેણે જ્ઞાન નથી લીધું, એને માટે આ ‘વ્યવસ્થિત’ શબ્દ છે નહીં.

દાદાશ્રી : સમકિત તો થયેલું હોય, પણ અમારી જે આજ્ઞા પાળે તેને માટે ‘વ્યવસ્થિત’ છે. એટલે આજ્ઞાવશ જેની વૃત્તિઓ થઈ ગયેલી છે એટલે પછી એ પ્રમાણે જ વર્ત્યા કરે. વાતને પૂરી સમજે તો ઘડી ઘડી એમ ના કહે કે આ વ્યવસ્થિત છે. એવું તેવું સમજાઈ જ ગયેલું હોય, એની હકીકત સમજે કે આ સિદ્ધાંત શું છે ? જેને આજ્ઞા પાળવી છે એને વણાઈ ગયેલી હોય. એટલે અમે કહીએ છીએ ને કે સિત્તેર ટકા આજ્ઞા પાળતો હશે તો ચાલશે મારે.

પ્રશ્નકર્તા : આ મહાત્માઓ જેણે જ્ઞાન લીધું, એનું ડિસ્ચાર્જ હવે વ્યવસ્થિત છે, આજ્ઞામાં રહે છે તેનું, અને જેણે જ્ઞાન નથી લીધું એનું ડિસ્ચાર્જ વ્યવસ્થિત નથી, એ વાત સાચી ?

દાદાશ્રી : સાચી, તદ્દન સાચી !

અહંકાર મારીને જીવતા કર્યા જ્ઞાનીએ

પ્રશ્નકર્તા : અહંકાર હોય ત્યાં સુધી તો અવ્યવસ્થિત જ જગત છે?

દાદાશ્રી : જગત છે વ્યવસ્થિત, પણ અહંકાર એટલે ઊંધું કર્યા વગર રહે નહીં. વ્યવસ્થિતને અવ્યવસ્થિત કરે ! અહંકાર ક્યારે ગાંડું કરે એ કહેવાય નહીં. ‘હજાર ગાંસડી લિયા’, તે ફોન ઉપર સોદો કર્યો. બીજાએ લીધી તે એણેય લીધી. પેલો શ્રીમંત માણસ હતો અને આને તો લાખ રૂપિયાનું નુકસાન થાય તો દિવેલ નીકળી જાય ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે અવ્યવસ્થિત કરી નાખે. કારણ કે અહંકાર જીવતો છે. જીવતો માણસ હોય, પાછો જાગતો હોય અને રાતે ક્રોકરીના વાસણો ફૂટી ગયા, બસો-પાંચસો રૂપિયાના, તો શું થાય? જીવતો, જાગતો ને જ્ઞાન મળેલું ના હોય, શું થાય એને ?

પ્રશ્નકર્તા : કઢાપો ને અજંપો !

દાદાશ્રી : ઊંઘ જ ના આવે એને. અને જેણે તોડી નાખ્યા હોય ને, એનું નામ દઈએ તો વઢવાડ થાય. એટલે મનમાં ને મનમાં કચવાયા કરે, કે આ ક્યાંથી મૂઓ, આ આવો ક્યાં છોકરો પાક્યો ? બોલવા જાય તો વઢવાડ થાય. બોલાયેય નહીં ને આખી રાત કચવાયા કરે.

હવે એ ઊંઘતો હોય તો ? સવારમાં ઠીકરાં દૂર નાખી આવે તો ચાલે કે ના ચાલે ?

પ્રશ્નકર્તા : ચાલે, ખબર ના પડે.

દાદાશ્રી : અને જો એ મરેલો હોય તો.

પ્રશ્નકર્તા : મરેલો હોત તો પછી કાંઈ એને રહ્યું જ નહીં ને !

દાદાશ્રી : અને મરેલો થઈને જીવતો હોય તો ? મર્યા પછી જીવે તે ?

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની, અમર થઈ ગયો.

દાદાશ્રી : મર્યા પછી જીવતો હોય, તે જુએ-જાણે, બસ એટલું જ. પછી મમતાથી મરી ગયો.

(પા.૧૭)

તમને મારીને જીવતાં કર્યા છે મેં ! સમજાયું ને ?

જીવતાં મારી નાખે એટલે પછી રહે શું ? માણસ બહાર જીવતો રહે ને મહીંથી મરે. આ બહાર મરી ગયો ને મહીં જીવે છે.

જીવતાં મરી જાય તો મુક્ત થઈ જાય

જીવતા મરી જવું એ તો શું છે કે આપણે અત્યારે છીએ અને પછી મરી ગયા હોય. મરી ગયા પછી ત્યાં આગળ પંદર-વીસ પ્યાલા ને એ બધો આખો સેટ હતો ને બસો-પાંચસો રૂપિયાનો, એ બધો એક બિલાડી એ ગબડાવ્યો. નીચે પડ્યો તો જાણે પેલા આપણે મરી ગયેલા હોઈએ એટલે આપણને અસર ન થાય.

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : જીવતા હોય તેને અસર થાય. આપણે તો મરી ગયા હવે. એટલે કેવી અસર ? શું થવું જોઈએ આપણને ?

પ્રશ્નકર્તા : અસર ના થાય. અસર થાય તોય મરી ગયેલા ભાગને થાય. જીવતાં મરી જવાની વાત છે આ. એટલે આ અસર થાય છે એ ભાગ મરેલો છે એવું રહે.

દાદાશ્રી : ના, અસર થાય જ નહીં. એ કહે કે આપણે તો મરી ગયા આપણે શું લેવાદેવા હવે ? એની સાથે મુક્તિ.

પ્રશ્નકર્તા : પણ કોનાથી મુક્તિ, દાદા ? અસરવાળા ભાગથી ?

દાદાશ્રી : એનાથી, અસરથી.

પ્રશ્નકર્તા : અસરથી મુક્તિ એટલે અસરવાળા ભાગથી મુક્તિ ને ?

દાદાશ્રી : એટલે મારું કહેવાનું કે આ આવું જીવતાં મરી જાય ને, તો બધાથી મુક્ત થઈ જાય.

ગમતામાં થઈ જાય જીવતો

પણ એ મરે નહીં ને મૂઓ જીવતાં ?

પ્રશ્નકર્તા : એ શક્ય નથી, દાદા.

દાદાશ્રી : એને જ્યારે ગમતી વાત આવે ને, ત્યારે જીવતો થઈ જાય. ના ગમતી હોય ત્યારે લેટ ગો કરે કે ચાલો, પ્યાલા મૂઆ ગયા, હશે. પ્યાલા-રકાબી ભલે ગયા પણ ગમતી વાત આવે ત્યાં એ જીવતો થઈ જાય.

કોઈ વાત પોતાને ગમતી આવે છે અને પાછું ના ગમતું પણ આવે છે. ‘એને’ સંજોગ ગમતો આવે છે ને ના ગમતો આવે છે. હવે ગમતું આવે છે ત્યારે એમાં વીતરાગો શું કહે છે કે આ કોઇ ચીજ ગમાડવા જેવી નથી અને ના ગમાડવા જેવી પણ નથી, આમાંથી ‘તું’ છેટો રહે. કારણ કે ના ગમાડવા જેવી ચીજ જ નથી. છતાં ‘તું’ તારી મેળે બંધાય છે કે આ વસ્તુ સરસ છે. અને આને ‘સરસ છે’ કહ્યું એટલે બીજાને ‘ખરાબ છે’ બોલીશ. એકને સારું કહ્યું માટે બીજાને ખરાબ કહેવાનો જ. આ તો આપણે ભાગ પાડ્યા કે ‘આ સંયોગ બહુ સારો છે ને આ સંયોગ ખરાબ છે.’

એટલે વીતરાગોએ એ બધા સંયોગોને એમ જ કહ્યું કે ‘આ બધા સંયોગો જ છે અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે એટલે કોઇપણ સંયોગને ગમતો કરીશ નહિ, તો ના ગમતા સંયોગોને તારે ધક્કો નહિ મારવો પડે. જો તું ધક્કો મારવા જઇશ તો તારો મોક્ષ જતો રહેશે. કોઇપણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગૂંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઇ જ જવાનો છે. તારે કશી ભાંજગડ જ નહિ. નહિ તોય એ ના ગમતા સંયોગ સામે 

(પા.૧૮)

તું ઊંધો રસ્તો કરવા જઇશ તો પણ કાળ તને છોડવાનો નથી. એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ એ વિયોગી સ્વભાવવાળો છે, એ આધારે ધીરજ ધરીને તું ચાલવા માંડ.’

આ ગજસુકુમારને માટીની પાઘડી બાંધી દીધી હતી, એમના સસરાએ ને એમાં દેવતા મૂક્યો. તે ઘડીએ ગજસુકુમાર સમજી ગયા કે આ સંયોગ મને ભેગો થયો છે અને તેમાં સસરાએ મને મોક્ષની પાઘડી બંધાવી છે એવો સંયોગ ભેગો થયો. હવે એ એમણે ‘બીલિફ’માં માનેલું કે આ મોક્ષની પાઘડી બંધાવી છે ને તેમાં દેવતા સળગાવ્યો. હવે નેમીનાથ ભગવાને ગજસુકુમારને કહેલું કે ‘‘તારું’ સ્વરૂપ ‘આ’ છે અને આ સંયોગો એ ‘તારું’ સ્વરૂપ નથી. સંયોગોનો ‘તું’ જ્ઞાતા છે. સંયોગો એ બધા જ્ઞેય છે.’’ એટલે ‘પોતે’ એ સંયોગોમાંય જ્ઞાતા રહ્યા અને જ્ઞાતા થયા તે છૂટી ગયા ને મોક્ષ પણ થઈ ગયો. નહિ તો કલ્પાંત કરીનેય માણસ મરી તો જાય છે જ. મરવાનો થયો અને કલ્પાંત કરીને મરે, તો પેલું કલ્પાંત કરવાનું ફળ મળશે.

અહંકાર જેનો મર્યો, એ જીવતા મરેલો

પ્રશ્નકર્તા : દાદા, તમારે ત્યાં અઠ્ઠાવનથી ચોર્યાસી થયા, પણ આ જીવતા કોઈ મર્યા નહીં !

દાદાશ્રી : ના, કોઈ નહીં. એ જીવતા મરે એ કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : તમારા સંજોગમાં જે આવ્યા.

દાદાશ્રી : ના, આ જ્ઞાન ના હોય તેને માટે કહેલું છે કે જીવતાં મરી જજો.

પ્રશ્નકર્તા : પણ એ તો બને નહીં ને, દાદા.

દાદાશ્રી : એ બને નહીં પણ આ કહેલું ખરું આ, કહેનારે કહ્યું. દાખલો સરસ લાગ્યો પેલાને, પણ મરે ત્યાં સુધી ખબર પડે ને જીવતાંની ? એટલે મરાતું નથી. અને આપણે ત્યાં તો આ જીવતાં મરેલાં જેવું જ થઈ ગયું ને ! બધી શાંતિ થઈ ગઈ. આપણે જ્ઞાન આપીએ ત્યાર પછી અહંકાર ને મમતા મરી ગયા.

આપણામાં અહંકાર મરેલો છે, ડિસ્ચાર્જ અહંકાર. અહંકાર છે પણ ડિસ્ચાર્જ.

પ્રશ્નકર્તા : જીવતો નથી ?

દાદાશ્રી : જીવતો નથી. અહંકાર જેનો મરી ગયો છે એ જીવતા મરેલા કહેવાય. અહંકાર મરી ગયો છે કે નહીં એ ટેસ્ટ જોવા માટે શું કરવું પડે ?

પ્રશ્નકર્તા : એને ગાળો ભાંડવાની.

દાદાશ્રી : હા, અપમાન કરીએ એટલે એની મેળે ખબર પડે. જીવતો અહંકાર હોય તો ફેણ માંડે કે ના માંડે ? જોયેલી ને તમે ફેણ ? ફૂંફાડા મારે આમ.

આ જ્ઞાન આપ્યા પછી તમને ચિંતા ના થાય. કારણ કે અહંકાર ને મમતા ઊડી ગયા. એટલે સંસાર નિરાંતે ચાલ્યા કરે. સંસાર ચલાવવા માટે જીવતા અહંકારની જરૂર નથી, આવતો ભવ બાંધવા માટે એ અહંકારની જરૂર છે. હા, જેને આવતો ભવ ના બાંધવો હોય, તેને જીવતો અહંકાર નહીં હોય તોય સંસાર ચાલે એવું છે. આ સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જ એટલે એની મેળે થયા જ કરવાનું. ખાવા-પીવાનું બધું મળ્યા કરે, છોકરા પૈણશે, છોડીઓ પૈણશે, એ બધું થયા જ કરવાનું.

પ્રશ્નકર્તા : તમે ઘણીવાર કહે કહે કરતા હતા પણ મને સમજણ નહોતી પડતી કે જીવતાં કેવી રીતે મરવું, એ તમે સમજણ પાડી દીધી.

દાદાશ્રી : હા, તે પણ અમે આ જ્ઞાન આપીને. એ અહંકાર ને મમતા બેઉ મરી ગયા.

પ્રશ્નકર્તા : મરી ગયા, હા.

દાદાશ્રી : એટલે એ જીવતાં જ મરી ગયા ને ?

(પા.૧૯)

પ્રશ્નકર્તા : એ જીવતાં મરી ગયા.

મરેલાનો પાર્ટ ભજવે તો થાય હેલ્પિંગ

કૃપાળુદેવે લખ્યું કે જીવતાં મરાય તો ફરી મરવું ના પડે. એ વાત તો સાચી, દીવા જેવી. ત્યાર પછી બહુ લોકોએ પ્રયત્ન કરી જોયેલો પણ કશું વળે નહીં ને !

પ્રશ્નકર્તા : ઊલટું દ્રઢ થાય.

દાદાશ્રી : ના, દ્રઢ થાય એવું તો ના કહીએ પણ એમ કે મરાય નહીં કોઈથી. ઉપાય સારો છે જોવા જાય તો. પણ એ જ્યારે ગમતી વાત આવે, ત્યારે તે ઘડીએ જીવતો થઈ જાય.

પ્રશ્નકર્તા : હા, એટલે જ દ્રઢ થયો ને ! એટલે આ વ્યસનો છોડે છે કે મેં બીડી છોડી, દારૂ છોડ્યો. હું શુભ ક્રિયાઓ કરું છું, હું અશુભ ક્રિયાઓ કરું છું. એ કર્તા તરીકે તો રહે છે જ ને !

દાદાશ્રી : મરેલાનો પાર્ટ ભજવે ને, તે સારો ખરો. આ આપણા જ્ઞાનમાંય પહોંચી ના વળાય એવું છે, તો મરેલાનો પાર્ટ ભજવે એ સારો ઊલટો. હેલ્પિંગ છે એ.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ વિરોધાભાસ નથી લાગતું ? મરી ગયો પછી પાર્ટ ભજવવાનું કેવી રીતે આવે ?

દાદાશ્રી : જુઓને, ઊંઘી ગયો હોય ને તો આ બધા પ્યાલા ફોડી નાખીએ તો એને કશામાં ફટકતી નથી. આ તો મૂઓ જાગતો હોય ! જાગતો પાંસરો રહેતો નથી આ, ઊંઘતો પાંસરો રહે છે.

નહીં તો ઊંઘમાં છે તે બધું એના ઘરમાંથી લઈ જાય લોકો તોય એ આરામથી સૂઈ રહ્યા હોય અને જાગતા પાંચ રૂપિયા ના લેવા દે, મારામારી કરે. ભઈ, ખૂન થશે તમારું, આ શું કામ સામા પડો છો ? નહીં પણ અહીંયાથી જવા દેવાય કે ? ત્યારે મૂઆ, ઊંઘતા હોય ત્યારે જતા રહે છે ને !

જાગતા ઊંઘે તેને ન થાય અસર

એટલે આપણે શું કહ્યું કે થોડું ઘણું જાગતા ઊંઘવું પડે. જાગતા ઊંઘવું એટલે શું કે આપણે જાગતા હોઈએ અને પ્યાલો ફૂટે તો ત્યારે આપણે ઊંઘતા હોય ને પ્યાલો ફૂટે એવી અસર થવી જોઈએ. અસરમાં ફેર ના પડવો જોઈએ. આપણે ઊંઘતા હોય ને પ્યાલો ફૂટે ત્યારે કેવા ડાહ્યા રહીએ છીએ ! અને જાગતા ફૂટે ત્યારે કોણ વચ્ચે આમાં ભૂત પેઠું ? એ અહંકાર ને મમતાનું ભૂત પેઠું. એ ભૂતને આપણે ઓળખો. એટલે પછી જાગતા ઊંઘાય એટલે ઉઘાડી આંખે ઊંઘવું, તો કશી ભાંજગડ જ નહીં ને ! અને તે શું ખોટું છે ?

આ જગતમાં જાગતા ઊંઘે તો જ સુખ આવે. અને નહીં તો જાગતા તો શું કરે? એય પેલું પડી ગયું, એય આમ થયું, એય તેમ થયું, તે ઘડીએ સુખી હોય ? ઊંઘી ગયા પછી સુખ આવે ને ? જાગતા મરે એની તો વાત જુદી ને! જો અમે જાગતા મરી ગયા છીએ. જીવતાં મર્યા છીએ ને, છે ભાંજગડ કંઈ ? જીવતાં મર્યા હોય તો ફરી મરવું જ ના પડે. જીવતા મરવું છે તારે ? અમે જીવતા મરી ગયેલા છીએ.

‘મડદું’ ન જીવતું, તે દ્રષ્ટિએ જગત નિર્દોષ

કૃપાળુદેવે કહ્યું કે ‘મરીને જીવ’, તે ‘મરીને જીવવા’ જેવું આ. મરેલો માણસ જીવે, પછી પ્યાલા ફૂટે તો એને પ્યાલા જોડે શું લેવાદેવા? એટલે કૃપાળુદેવે જે કહ્યું એ તો વિકલ્પી કહ્યું કે ભઈ, તું મરી જા ને પછી જીવ. એ તો લોકોએ એનો પણ વિકલ્પ કરી જોયો પણ વિકલ્પ કામ લાગતો નથી. આ તો એક્ઝેક્ટ છે, પછી આ વાંધો શો છે?

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ આગળ (સમજીને) જીવતા જ મરી જવું.

દાદાશ્રી : જીવતા મરવાનું. જીવતા મરી ગયા 

(પા.૨૦)

હોય તો ફરી મરવું ના પડે અને મરીને જીવે એટલે પછી પ્યાલા પડે તો, મરીને જીવેલાને પ્યાલા સાથે વાંધો નથી, જીવતાને પ્યાલાનો વાંધો છે.

પ્રશ્નકર્તા : આપણી (જ્ઞાન) ભાષામાં તો એવું થયું કે મરેલો ભાગ ભલે જીવતો દેખાય પણ એ મરેલો જ છે.

દાદાશ્રી : મરેલો જ છે. આ તો લોક મરેલા પુદ્ગલ ઉપર સ્ટ્રોંગ (કડક) થાય. એ પુદ્ગલ જીવતું નથી. એ જીવતું હોય તો ઠીક છે પણ મરેલાની પર શું સ્ટ્રોંગ થવું ? મરેલાના શા અપમાન કરવા ? જગતને જીવતું લાગે છે, ભગવાનને જીવતું ના લાગે. જીવતું ના હોય તેને ગાળો ભાંડીએ એનો શો અર્થ ? આપણું બગડે ને ? કોનું બગડે? કચકચ કરનારનું બગડે.

જગતને કેવું લાગે છે ? એ જ છે, આ જ છે. એ સિવાય બીજું કોણ કરનાર છે ? અનેભગવાનને કેવું લાગ્યું’તું જગત ?

પ્રશ્નકર્તા : નિર્દોષ.

દાદાશ્રી : નિર્દોષ શાથી લાગ્યું ? આ જીવતું નથી તેથી. લોક તો જે નથી જીવતું તેને જીવતું કહે છે.

પેલો ચાવીવાળો રમકડાંનો સાપ કરડી ખાય ખરો ? કેમ ના કૈડે, આમ દોડતો આવે તો ? ના કૈડે ચાવીવાળો સાપ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એવું આ બધું. જેવી ચાવી હશે ને એવું ફર ફર કરશે.

રાત્રે સૂવા ગયો, અગિયાર વાગ્યા હોય અને ઓઢીને સૂઈ ગયો ને તરત વિચાર આવ્યો કે ‘આ પેલા લાખ રૂપિયાનું ખાતું પાડવાનું રહી ગયું. એ ખાતું નહીં પાડી આપે તો શું થશે ?’ તો થઈ રહ્યું કામ ભઈનું! પછી મડદું છે તે જીવતું હોય ને, એના જેવું છે પછી.

એટલે આ જીવતું નથી, એવું સમજીને આપણે ડાહ્યા થઈ જવાનું. કો’ક ગાળો ભાંડે તો આપણે જાણવું કે જીવતું નથી. એવું જાણીએ તો આપણેને વાંધો નહીં ને !

ડિસ્ચાર્જ ભાગ એ બધું મડદું જ

પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો છો ત્યાર પછી તો ડિસ્ચાર્જ જ રહે છે, પછી ચાર્જ થતું જ નથી, તો આ ખરેખર મડદું જ છે ? બીજું કંઈ જ નહીં હવે ?

દાદાશ્રી : મડદું જ છે. હવે આમ તમે ડિસ્ચાર્જ સ્વરૂપને ને મડદાંને, બન્નેને સરખું ના સમજો પણ કોઈ પણ વસ્તુનું ડિસ્ચાર્જ એટલે મડદું. જેમાં ચાર્જ હવે (જ્ઞાન પછી) થવાનું નથી અને પોતાની મેળે ડિસ્ચાર્જ જ થયા કરે છે, એ મડદું કહેવાય.

ડિસ્ચાર્જ થવાની શરૂઆત થઈ, એને આપણે મડદું જ કહીએ છીએ. તે આપણો આ ડિસ્ચાર્જ ભાગ રહ્યો ને એ બધું જ મડદું છે. જેમાં ચાર્જ ને ડિસ્ચાર્જ બન્ને સાથે હોય ત્યારે ચેતન (મિશ્ર ચેતન) કહેવાય.

અહંકાર મરેલો હોય તે નિશ્ચેતન ચેતનમાં હોય અને જીવતો અહંકાર મિશ્ર ચેતનમાં હોય. મિશ્ર ચેતન જીવતું છે.

પ્રશ્નકર્તા : જીવતું એટલે ?

દાદાશ્રી : પોતે કરી શકે બધું. ક્રોધ-માન-માયા-લોભ બધું કરી શકે.

અને આ નિશ્ચેતન ચેતનના ક્રોધ-માન-માયા-લોભ નથી ગણાતા. જેમાં અહંકાર ભળે નહીં, એ તો મડદાનું બધું.

(પા.૨૧)

જ્ઞાન પછી રહે શુદ્ધાત્મા ને બીજું મડદું

આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો અહંકાર શેકેલા બી જેવો હોય. તે એ બધું અચેતન ચેતન. અને જે ઊગી શકે એવો હોય અહંકાર, તે મિશ્ર ચેતન.

ક્રમિક માર્ગમાં એક શુદ્ધ ચેતન હોય અને એક મિશ્ર ચેતન હોય. અને આપણે અહીં અક્રમમાં મિશ્ર ચેતન હોય ખરું પણ એ જ્ઞાન પછી કામ ના કરે અને ત્રીજું, નિશ્ચેતન ચેતન હોય. શુદ્ધ ચેતન, મિશ્ર ચેતન અને નિશ્ચેતન ચેતન બહાર જગતને છે. તમારે શુદ્ધ ચેતન અને નિશ્ચેતન ચેતન બે જ છે.

પ્રશ્નકર્તા : એટલે મિશ્ર ચેતન નહીં પણ નિશ્ચેતન ચેતન છે ?

દાદાશ્રી : હા, નિશ્ચેતન ચેતન છે. હરે, ફરે, કામ કરે, બોલે, હેંડે, ચિઢાય, ગુસ્સો કરે, સ્વાદ કરે, બધું કરે પણ તે નિશ્ચેતન ચેતન છે. એમાં ચેતન બિલકુલેય નથી. મિશ્ર ચેતનમાં (બિલીફ) ચેતન છે. એ બીજી ક્રિયા કરી શકે, આ નિશ્ચેતન ચેતન બીજી ક્રિયા ન કરી શકે. જે ડિઝાઈન છે, એ ડિઝાઈન પ્રમાણે જ ફરે. આ ડિઝાઈનની બહાર ના જઈ શકે અને મિશ્ર ચેતન અજ્ઞાન દશામાં ડિઝાઈનની બહાર ફેરવી નાખે.

પ્રશ્નકર્તા : શુદ્ધ ચેતન એનું એ જ ?

દાદાશ્રી : હા, અને તમારે નિશ્ચેતન ચેતન જોડે કામ લેવાનું છે. તે એની મેળે જોયા કરવાનું છે બસ. કારણ કે એ પોતે જ નિશ્ચેતન ચેતન છે. લક્ષણ ચેતન જેવા દેખાય પણ ચેતન નામેય નથી એમાં, મડદું કહે તો ચાલે. તમારે હવે શુદ્ધાત્મા સિવાય બીજો ભાગ રહ્યો એ બધો નિશ્ચેતન ચેતન. મિશ્ર ચેતન ઊડી ગયું.

પ્રશ્નકર્તા : મિશ્ર ચેતન ઊડી ગયું, નિશ્ચેતન ચેતન રહ્યું.

દાદાશ્રી : મિશ્ર ચેતન તો ક્રિયાકારી. કરે અને ભોગવે, બન્ને કરે.

પ્રશ્નકર્તા : એ જીવતો અહંકાર છે ?

દાદાશ્રી : હા, એ ઊડી ગયું આખું. તમારું મિશ્ર ચેતન ઊડી ગયું છે. નિશ્ચેતન ચેતન એકલું જ રહ્યું છે. વચલી જે પાર્ટી હતી એ ઊડી ગઈ આખી. વચ્ચેની ફાચર ઊડી ગઈ. બેની વચ્ચેનો જે સાંધો મેળવી આપનારી ફાચર હતી ને, જે ક્રિયાકારી ફાચર હતી તે ઊડી ગયેલી છે.

પ્રશ્નકર્તા : હવે નિશ્ચેતન ચેતન (મડદું) અને આત્મા જ રહ્યા બાકી.

દાદાશ્રી : તમે શુદ્ધાત્મા ને બીજું મડદું. બસ, એટલું જ રહ્યું.

અણસમજણે અસરોને લે માથે

પ્રશ્નકર્તા : આ ડિસ્ચાર્જ ભાગ એ મડદું છે પણ વ્યવહારમાં બધી સામસામી અસરો થાય છે, દુઃખની લાગણીઓ, સુખની લાગણીઓ.

દાદાશ્રી : એ બધી અસરો થાય છે તે મડદાને જ થાય છે. આપણે સ્વીકારી લઈએ છીએ કે આ મને થયું. તેથી અમે કહીએ છીએ ને, શંકા પડી કે સ્વીકારી લીધું, તેની જવાબદારી આવી. એ કંઈ કરે અને આપણને શંકા પડે તો આપણને કર્મ ચોંટે.

પ્રશ્નકર્તા : શંકા પડે તો કર્મ ચોંટે ?

દાદાશ્રી : હા, શંકા પડી એટલે તરત પોલીસવાળો પકડે. કહેશે, ‘આ માણસમાં કંઈક ગુનો છે.’

પ્રશ્નકર્તા : તો ચાર્જ થઈ ગયું એ ?

દાદાશ્રી : ચાર્જ નહીં, પણ જવાબદારી આવે છે.

પ્રશ્નકર્તા : દાદા, જવાબદારી આવે અને ચાર્જ નહીં એમાં ફેર શું ?

(પા.૨૨)

દાદાશ્રી : એમાં ફેર. ચાર્જમાં આધારપૂર્વક કર્તા હોય અને આ તો સાધારણ ફળ મળશે. અસરો-બસરો થાય છે તે ચેતનને થાય છે ?

પ્રશ્નકર્તા : ના, બરોબર. મિકેનિકલ ચેતનને અસર થાય છે, ચેતનને અસર ન થાય.

દાદાશ્રી : ઈફેક્ટિવ જ છે આ મડદું. ઈફેક્ટિવ એટલે અસરવાળું જ છે. બધી અસરો એની જ છે અને તું માથે લઈ લઉં તો તને ચોંટે. બીજું કશુંય નહીં. ચાર્જ કરેલું તો સારું પણ આ શંકા કરેલી એ ખોટું. એક ગાંઠ, નવી જ જાતની પડે.

પ્રશ્નકર્તા : એ શું કહ્યું, દાદા ?

દાદાશ્રી : આ તો અવળી સમજણની ગાંઠ પડે આખી. એટલે અવળી સમજણ ઊભી થાય. અસર થાય છે મડદાને અને પોતે સ્વીકારી લે એટલે પછી અવળું જ થઈ જાય ને મહીં ! જ્ઞાન-દર્શન ઉપર આવરણ ફરી વળે.

જોવી અસરો મડદાની, તો ના રહે ડખો

પ્રશ્નકર્તા : દાદા, કો’ક વખત હવે એવું થાય છે કે હવે શું રહ્યું છે ? શાને માટે આ જીવવાનું ? શું રહ્યું છે બાકી ?

દાદાશ્રી : પણ જીવતાં જ છો ને, પરમેનન્ટ જીવતા છો, પછી હવે ‘જરૂર શું’ એમ બોલો છો ?

પ્રશ્નકર્તા : એમ નહીં, હવે એવા વિચાર આવે છે. સામાન્ય રીતે આપણને ઉંમર થાય ત્યારે થાય કે હજુ જીવીએ પાંચ-દસ વર્ષ. મને ઊલટા જ વિચાર આવે છે કે શાને માટે જીવવાનું ? અહીં શેના માટે પડી રહેવાનું ?

દાદાશ્રી : એ તો પેલો સહી કરાવી જાય મૂઓ, એમ કરીને. એ સહી કર્યા વગર તેડી નથી જતો.

પ્રશ્નકર્તા : પણ કરાવી જશે તોય શું ?

દાદાશ્રી : આવું તેવું ગૂંચવીને સહી કરાવી લે. મડદાને મહીં કંટાળો આવ્યો તેથી આપણે માથે લઈ લેવાનું ? મડદાનું શું થાય છે એ જોયા કરવાનું.

એટલે આ મડદું શું કરી રહ્યું છે એ આપણે જોયા કરવાનું. અકળામણ થાય તો મડદાંને, ખુશી થઈ જાય તોય મડદાંને, કો’કની પર રાજી થઈ જાય તોય મડદાંનું અને કો’કને તમાચો મારી દે તોય મડદાંનું. એક ફેરો મડદું જાણી જઈએ પછી ડખો ના કરે. એ તો કહેશે, ‘મને આમ થાય છે.’ અરે મૂઆ, પણ છો ને થાય, એ મડદાંને થાય છે. તું તો જાણનાર આનો. તું જુદો અને આ મડદું જુદું.

અને આ તો કશું ઊંધું થાય નહીં, જો એને જોયા કરે તો. તમે શું કરો ? જોયા કરો છો ?

પ્રશ્નકર્તા : હા, જોયા જ કરવાનું.

દાદાશ્રી : મહાવીર ભગવાન એક પુદ્ગલને જોયા કરતા હતા, પુદ્ગલ એટલે મડદાંને.

પ્રશ્નકર્તા : હા, બધું એક જ.

દાદાશ્રી : આ બધા મડદાં જ છે, એને જોયા કરતા હતા. કોઈ ગાળ ભાંડે છે તેય મડદું છે અને સાંભળનારોય મડદું છે. ચિઢાય છે તેય મડદું છે અને નથી ચિઢાતો તેય મડદું છે. (ભગવાન પોતાના જ એક પુદગલને જોતા હતા. બધાના પુદગલને એક સ્વભાવે કરીને જોતા હતા.)

દેહને ફાઈલ ગણે તે જીવતા મરેલો

અત્યાર સુધી તો કહેતા હતા કે મને થયું, પણ હવે જ્ઞાન પછી એનો સહકાર ન કરો કે મને થયું ! અલ્યા, તમને શી રીતે થાય ? તમને તો દાદાએ જુદા બનાવ્યા ! જુદા નથી પાડ્યા ?

પ્રશ્નકર્તા : જુદા જ છીએ.

દાદાશ્રી : હા, ત્યારે જુદું જ રાખવું જોઈએ ને ! આખું જગત સાયકોલોજિકલ રોગથી પીડાય 

(પા.૨૩)

છે ‘મને થયું’ કહીને. ‘અમારો જ વેવાઈ મને ગાળો ભાંડી ગયો’ કહે.

પ્રશ્નકર્તા : આપ સત્સંગમાં થોડી થોડી વારે જુદા પાડવાનો પ્રયોગ કહેતા જ હો છો.

દાદાશ્રી : મુખ્ય વસ્તુ જ એ છે ને !

પ્રશ્નકર્તા : મન કશું બતાડે તો મનને કહી દેવું કે તારું નહીં ચાલે. એટલે મન સાથે વાત કરી કે છૂટું પડી જ જાય.

દાદાશ્રી : હા, છૂટું પડી જ જાય અને આ દેહને ‘ફાઈલ નંબર વન’ કહ્યું તોય છૂટું પડી જાય.

પ્રશ્નકર્તા : દેહને ફાઈલ ગણે એટલે જીવતા જ મર્યો ખરો ને ?

દાદાશ્રી : હા, ફાઈલ કીધી એટલે જીવતો મરી ગયો.

રહેવું ફાઈલ વનના જ્ઞાતા-દ્રષ્ટા

આ ચંદુભાઈનું શરીર છે એ બધું જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. જ્ઞાતા-દ્રષ્ટા બન્ને છો અને જ્ઞાયક એટલે જાણવાનો ને જોવાનો એ સ્વભાવ જ પોતાનો છે, બીજો કોઈ સ્વભાવ નથી. તે આ ચંદુભાઈ દ્રશ્ય અને જ્ઞેય છે. આ ચંદુભાઈના દરેક સ્પેરપાર્ટેય બધું દ્રશ્ય અને જ્ઞેય છે. એવું મન એ પણ દ્રશ્ય ને જ્ઞેય છે. મન શું વિચારે છે તે જાણવાનું જ ખાલી. એમાં પછી મહીં હાથ ઘાલવાનો નહીં. હાથ ઘાલે તો દઝાય.

જ્ઞાતા-દ્રષ્ટાનો ઊંચામાં ઊંચો અર્થ પેલો છે કે પોતે અંદરખાને શું કરી રહ્યો છે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું શું કરી રહ્યું છે, એ બધાને સર્વ રીતે જાણે અને જુએ, બસ. બીજું કશું નહીં. અને તમારે કયા પદમાં આવવાનું છે, કે ચંદુભાઈ હરતાં-ફરતાં દેખાય. ચંદુભાઈ ફરતાં હોય ને, તે તમે પછી બેસીને જુઓ તો આ ચંદુભાઈ તે ઘડીએ દેખાય. કેવી રીતે ફર્યા તે તમારે ચંદુભાઈનું આખું શરીર દેખાવું જોઈએ. બહારનો ભાગ દેખાવો જોઈએ, અંદરનો ભાગ વાર લાગે. જ્યારે બહારનો ભાગ દેખાય જુદો, તે વીતરાગ થવા માંડે. પછી સંપૂર્ણ વીતરાગ થવાય.

હવે બહારનો ભાગ એટલે શું ? કે છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડતા હોય તો પાછળ આપણે પહેલાં શું કરતા હતા ? કકળાટ કરી મેલીએ, કૂદાકૂદ કરી મેલીએ, ‘ઊભો રહે, પૈસા પડે છે, ઊભો રહે.’ મહીં હાલી જાય બધું. કારણ કે જીવતો હતો, ચંદુભાઈ તરીકે જીવતો હતો. એટલે એવું થાય ને ! પછી આ જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે પછી પૈસા પડે કે જે કંઈ થવાનું હોય, તે આપણે ચેતવણી અપાય, કે ‘એ ભાઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.’ પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. એ તો ચેતવણી ના આપીએ તોય વાંધો નથી. જાણે જીવતા હોઈએ એવું ખબર ના પડવી જોઈએ.

રહો જીવતા ના હોઈએ ‘એ’ રીતે

હજુ આ દ્રષ્ટિ ઊંચી જતી જશે. આજે જીવતા હોય તો મહીં કકળાટ કરી મેલે. હવે તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું હોય તો થાય, આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. મરી ગયા હોય તો પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે, એના જેવું ! છોડીના હાથે ગ્લાસવેર બધા તૂટી ગયા, તો આપણે જોનાર ને જાણનાર. બસ ! અક્ષરેય બોલવું નહીં, જાણે જીવતા ના હોઈએ એવી રીતે રહેવું.

પ્રશ્નકર્તા : દાદા, તમે તો બહુ ટૂંક સમયમાં કૃપાળુદેવની છેલ્લી દશા આપી દીધી !

દાદાશ્રી : હા, તો કલ્યાણ થઈ જાય ને, એ સારું.

જય સચ્ચિદાનંદ