અન્ડરહેન્ડ જોડે ફરજ બજાવતા...

સંપાદકીય

અક્રમ જ્ઞાન પામ્યા પછી મહાત્માઓએ બાકી રહેલો જીવન વ્યવહાર પાંચ આજ્ઞામાં રહીને પૂરો કરવાનો રહે છે. વ્યવહાર જગતમાં દરેક વ્યક્તિએ જુદા-જુદા સમયે જુદા-જુદા પાત્રો ભજવવાના આવે છે, જેવા કે મા-બાપે છોકરા સાથે, પતિ-પત્ની વચ્ચે, ઘરના નાની વયનાએ વડીલો સાથે, ઓફિસમાં બોસને સબોર્ડીનેટ સાથે, ગુરુ-શિષ્ય કે સહાધ્યાયી સાથે, ઘરમાં કે ઓફિસમાં કામ કરતા નોકરો સાથે. આવા અનેક સંબંધોના વ્યવહારને જો સંક્ષિપ્તમાં વર્ગીકૃત કરીએ તો એક ઉપરી અને એક અન્ડરહેન્ડ(આશ્રિત) તરીકેનો વ્યવહાર દ્રષ્ટિગોચર થાય છે. આ બધા વ્યવહારમાં આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણા થકી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ ના થાય. જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં.

ઉપરી કોનું નામ કહેવાય કે જે અન્ડરહેન્ડને સાચવે. આશ્રિતને દુઃખ થાય એવો વ્યવહાર કરવો અથવા તો એને વઢવું એ માટામાં મોટો અહંકાર છે. પૂર્વગ્રહ વગર વઢેલું હોય તે કામનું. ફક્ત વ્યક્તિરૂપે બધા જુદા છે, પણ છે આત્મા જ, એટલે એ પણ ભગવાન જ છે. માટે કોઈનું નામ દેશો નહીં અને કોઈને છંછેડશો નહીં. આપણા હાથ નીચેવાળાને ટૈડકાવવા માટે નથી. તેમને ક્યારેય પણ તરછોડશો નહીં, બધાને માનભેર રાખજો. એને સંતોષ થાય એ રીતે આપણે આપણું કામ કાઢી લેવાનું છે. જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી.

પોતાની જોડે સહેજે ગુસ્સો થયો હોય તો એ સહન કરી શકતો નથી અને એ માણસ આખો દહાડો બધા જોડે ગુસ્સો કર્યા કરે છે. કેવો અન્યાય કહેવાય ? આવા તો કંઈક ભયંકર દોષો કર્યા છે અને પોતાને ખબરેય પડતી નથી. ભગવાને એક જ વ્યવહાર કહ્યો હતો કે તારા અન્ડરમાં જે આવ્યા તેમનું રક્ષણ કરજે. અન્ડરહેન્ડનું રક્ષણ કરે તે ભગવાન થયેલા.

જગત એટલે પરસ્પર સદ્ભાવના. ઉપરી હોય કે પછી નોકર હોય પણ પરસ્પર સદ્ભાવના હોવી જોઈએ અને હેલ્પિંગ નેચર હોવો જોઈએ, ઓબ્લાઈજિંગ નેચર હોવો જોઈએ. આપણા રોજિંદા વ્યવહારમાં એ ભાવ હોવો ઘટે કે વસ્તુની નહીં પણ વ્યક્તિની કિંમત છે. કોઈ પણ વ્યક્તિ જોડે વેર ના બંધાય એ રીતે અહિંસક રીતે ફાઈલોનો નિકાલ કરી, પ્રેમસ્વરૂપ વર્તી શકીએ એવા ભાવ પુરુષાર્થ સાથે આપણે આપણું કામ કાઢી લેવામાં સફળ થઈએ એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

અન્ડરહેન્ડ જોડે ફરજ બજાવતા...

(પા.૪)

ભગવાનપદનું થર્મોમિટર

મોક્ષનો માર્ગ આવો સરળ હોતો નથી. આ તો અહીં સરળ માર્ગ ખુલ્લો થયો છે, ત્યાં આપણું કામ કાઢી લેવાનું છે. સરળ માર્ગ અને વળી ચિંતા રહિત ! નહીં તો કઢાપો-અજંપો બધાને થાય.

આ કઢાપો-અજંપો બંધ થાય ને, તો એ માણસ શું હોય ? એ માણસ ભગવાન કહેવાય. કારણ કે લોક શું કહે છે કે કઢાપા-અજંપા વગર મનુષ્ય જ ના હોય. કોઈને પ્યાલા ફૂટી જાય ને કઢાપો-અજંપો થાય, ત્યારે કોઈને પેન ખોવાઈ જાય ને કઢાપો-અજંપો થાય. કો’કને પોતાની મોટર ડ્રાઈવરે જરાક ખરાબ કરી નાખી હોય તો કઢાપો-અજંપો થાય, કંઈનો કંઈ કઢાપો-અજંપો થયા વગર રહે જ નહીં. કોઈને પોતાનું ડાઈનીંગ ટેબલ કોઈએ બગાડ્યું હોય તો કઢાપો-અજંપો થઈ જાય, તે આખો દહાડો કઢાપો-અજંપો જ કર્યા કરે અને કઢાપો-અજંપો ગયો, તેને જગત ભગવાન જ કહે ! હવે શાથી આવડું મોટું પદ કહ્યું હશે ? કારણ કે કોઈ પણ માણસ કઢાપા-અજંપા વગરનો ના હોય, એટલે કઢાપો-અજંપો આટલો જ શબ્દ જેનામાંથી ગયો એ ભગવાન કહેવાય, એ ભગવાન આપણું થર્મોમીટર !

કિંમત વસ્તુની કે વ્યક્તિની ?

મોટા મિલમાલિકોય નોકર જો કદી દસ પ્યાલા-રકાબી લઈને આવતો હોય ને ટ્રે હાથમાંથી પડી ગઈ, તોય એનો આત્મા ફૂટી જાય. અલ્યા, ચચ્ચાર (ચાર) મિલના માલિક છો, તે કઈ જાતના છો ? આવા તે કેવા કે આ પ્યાલામાં જ આત્મા આવી ગયો ? ચાર મિલનો માલિક, તે તું શું ગરીબ છે ?

સિત્તેર વર્ષના માણસનેય જો બે પ્યાલા ફૂટી ગયા હોય ને અવાજ સાંભળે તો બોલે, ‘એ શું ફૂટ્યું?’ બે પ્યાલામાં જાણે આત્મા ફૂટી ગયો હોય ને, એવું થાય અને આખું જગત જ એવું કરે છે ને ! હવે ‘આમાં કોણ ફોડે છે’ એ જાણતો નથી ને ‘નોકરે જ ફોડ્યા’ એમ કહે છે. અલ્યા, નોકર તો ફોડતો હશે? નોકર કંઈ આપણો વિરોધી નથી. હવે નોકરનો ગુનો નથી, પણ તોય આ લોકો પછી ‘નોકરો જ ફોડ ફોડ કરે છે’ એવું બોલ બોલ કર્યા કરે ને!

બાકી, પ્યાલો તો આ નાનું છોકરુંય ના ફોડી આવે. આ નાના છોકરાંને કહીએ કે ‘જા બાબા, આ પ્યાલા બહાર નાખી આવ.’ તો તે ના નાખી આવે. ત્યારે એ ખભો ચડાવે. એ સમજે છે કે આ પ્યાલા ના નાખી દેવાય. હવે નાના બાબા ભાંગે નહીં, તો આવડો મોટો નોકર શી રીતે ભાંગતો હશે ?

આવું બહુ દહાડાનું એવું ભેગું થાય એટલે નોકર પછી એક દહાડો છરી મારીને જાય. એટલે પછી લોકો બૂમો પાડે કે નોકરો હવે તો મારી નાખે છે ! તમે એને રોજ માર માર કરો તો પછી એક દહાડો એ આખું મારે ! એટલે ‘નોકર જોડે કેમ વર્તવું જોઈએ’ એ એણે ના જાણવું પડે ?

એને કહ્યું જ્ઞાન

એક શેઠ આવ્યા’તા. મેં એમને કહ્યું, ‘અમે પચ્ચીસ જણ તમારે ત્યાં ચા પીવા આવીએ ત્યારે નોકરના હાથમાંથી પચ્ચીસ કપ-રકાબી પડી જાય ત્યારે તમને શું થાય ?’ ત્યારે એ કહે છે, અમે નોકરને એટલું પૂછીએ કે, ‘ભાઈ દાઝ્યો નથી ને?’ ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું કહેવાય.’ જો હિન્દુસ્તાનમાં અજાયબી કેવી ભરેલી હોય છે !

નહીં તો પચ્ચીસ પ્યાલા-રકાબી ફૂટે કે પહેલાં તો તરત જ મનમાં વિચાર આવે કે સવાસો

(પા.૫)

રૂપિયાનું નુકસાન કર્યું આ નોકરે. ગુણાકાર નક્કી થતા હશે, નહીં? પેપર પર તો જરા વાર લાગે પણ આ મનમાં તો વાર ના લાગે !

તમારા પ્યાલા ફૂટી જાય તો શું કરો તમે ?

પ્રશ્નકર્તા : કશુંય ના થાય.

દાદાશ્રી : શું વાત કરો છો ? આમ પંચ્યાસીનું દેવું તો થયું, હવે બીજા પંદર વર્ષ આવવાના. તે સો પૂરા થશે પછી ?

પ્રશ્નકર્તા : છોને થાય, ‘આ’ પ્યાલોય પણ ફૂટી જવાનો પછી.

દાદાશ્રી : એમ ! દેહને પ્યાલો કહો છો ? ત્યારે ખરું ! આનું નામ જ્ઞાન કહેવાય.

માની બેઠા કિંમત વિનાશીની

એક જૂનું માટલું તૂટી ગયું હોય ત્યારે શેઠ શું કહે ? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. કારણ કે એની વેલ્યુ નહીં ને બહુ ! એવું આ (દેહની કિંમત) માટલા જેવી, આની શી વેલ્યુ ? તે ‘મૂળ વસ્તુ’ જુએ ત્યારે આની કિંમત માટલા જેવી લાગે. આખું જગત માની બેઠું છે ને ! કિંમત બહુ માની બેઠું છે, નહીં? આ માટલાની કિંમત બહુ માનેલી છે, નહીં ?

બુદ્ધિ વધતા બળાપો વધે

બહુ જાગ્રત હોય તે પ્યાલા ફૂટે તોય છે તે મહીં એને કકળાટ થાય. જરા જાડી (બુદ્ધિનો) હોય તેને ઓછા કકળાટ થાય કે ઝીણી હોય તેને ? પ્યાલો ફૂટે તો જાગ્રતને વધારે કકળાટ થાય કે ?

પ્રશ્નકર્તા : જાગ્રતને વધારે કકળાટ થાય.

દાદાશ્રી : એ તો અમે કહ્યું છેને, પેલી બુદ્ધિ વધી એટલે બળાપો વધશે, કાઉન્ટર વેઈટમાં અને બુદ્ધિના બેલ (બળદ)ને શું ભાંજગડ ?

પ્રશ્નકર્તા : કશુંય નહીં.

દાદાશ્રી : કોઈ બે ગાળો ભાંડી ગયો ને ત્યાર પછી થોડીવાર પછી એ કહે, ‘હવે શું કરીશ ?’ આજે હવે હમણે ખાઈને જરાક આરામ કરી લઉં, સૂઈ જઉં. ‘અલ્યા ભઈ, તને ઊંઘ આવશે ?’ ‘પેલી વાત ? એ તો ચાલ્યા જ કરે દુનિયા.’ એ લોકો બાજુએ મૂકે અને અક્કલવાળા માથા ઉપર લે. ‘લોડ’ માથા ઉપરલે!

આ આદિવાસીઓને પ્યાલા ફૂટી જાય ને, તો અજ્ઞાન પાતળું, એટલે કશુંય નહીં, ને આ તો આમને અજ્ઞાન જાડું !

કોઈ માણસને ત્યાં આપણે ચા-પાણી પીવા ગયા હોય, તે એના નોકરના હાથમાંથી ટ્રે પડી ગઈ અને કપ-રકાબી ફૂટી ગયાં, તો પેલા માણસને કંઈ પણ ઇફેક્ટ ના થાય, આ નાની બાબતમાં ઈફેક્ટ ના થાય તો એને જગતના લોક મહાન પદ કહે છે. આ નાની જ કહેવાય ને ? પણ બધે જ્યાં જુઓ ત્યાં આની આજ ભાંજગડ છે. શિષ્યથી જરાક કશું તૂટ્યું ને તોય શિષ્યનું તેલ કાઢી નાખે !

એવા જીવનમાં સુખ શું ?

મોટા મોટા શેઠિયાઓને હું પૂછું છું કે ‘શેઠ, તમે આ મોંઘા ભાવના નવા પ્યાલા-રકાબી લાવ્યા હો અને એમાં નોકર ચા લઈને આવતો હોય ટ્રેમાં, છ કપ ને છ રકાબી લઈને આવતો હોય અને નોકરના હાથે એ ટ્રે પડી જાય, તો તમને કંઈ અસર થાય ?’ ત્યારે તેઓ કહે છે કે ‘અરે, બહુ થાય, આમ અજંપો થઈ જાય !’ ત્યારે મેં કહ્યું કે ‘શું તમે આ અજંપાની બીજી દવા ચોપડતા નથી ?’ ત્યારે કહે કે ‘એની દવા જ ના હોય ને!’ મેં કહ્યું કે ‘તો પછી તમે જીવો છો શાના આધારે ? કોઈ આધાર નથી? જીવનનો પણ આધાર જોઈએ કે ના જોઈએ ?’

(પા.૬)

પેલા શેઠ તો કહે, ‘આની દવા જ ના હોય !’ તો અલ્યા, તારી દશા શી થશે ? માણસને અજંપો કેમ સહન થાય ? આ તો અજંપો ગમતો નથી, છતાં લોક શું કહે છે કે પણ સંસારમાં તો એ જ હોય ને! જો એ જ હોય ત્યારે જીવ્યાનો અર્થ જ શું છે ? તો મિનિંગલેસ છે. અને અજંપા સાથે તે શું સુખ ભોગવ્યું ?

ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો ?

મોક્ષે ના જવું હોય તો અહીં ઠંડક તો હોવી જોઈએ ને ?મહીં અજંપો ના થાય એટલું તો સમજવું પડે ને ? પ્યાલો ફૂટી જાય ને કઢાપો-અજંપો કરીએ તો એ આપણી જ ભૂલ છે ને કે પ્યાલાની ભૂલ છે ?

પ્રશ્નકર્તા : આપણી જ ભૂલ છે.

દાદાશ્રી : એટલે શેઠ એકલા અજંપો ના કરે, પેલા શેઠાણી હઉ મહીં અજંપો કર્યા કરતા હોય. પેલા એકલો અજંપો કર્યા કરે છે, એમાં તમે શું કામ ભાગીદારી કરો છો ? પણ તેમાંય પાર્ટનરશીપ ! તે બેઉ પાર્ટનરો આમાં પાછા ! અલ્યા, એક ભાગીદાર અકળાય તો બહુ થઈ ગયું, એકલાને અકળાવા દે ને ! બધા ભાગીદારોએ અકળાવાનું કારણ શું ? કંપનીમાં એક ભાગીદાર અકળાયા કે બહુ થઈ ગયું ! છો ને, એકનું બ્યુગલ વાગે ! પણ બધાના બ્યુગલો સાથે વગાડવાના ? શાથી બધા વગાડતા હશે? ઈચ્છા ના હોય તોય વાગી જાય, કારણ કે અજ્ઞાન એ સાંધો મેળવી દે ને ! અને બધી બ્યુગલો વાગે, એટલે પેલો નોકર તો ધ્રુજી જાય! બધા ફરી વળે ત્યારે પેલી બેબી હોય ને, તેય કચકચ કરતી આવે કે ‘એને તો મારવા જેવો છે.’ ત્યારે પેલાની શી દશા થાય? તે નોકર એકલો બિચારો ફસાઈ મરે !

નોકરના મનમાં શું થાય કે ‘આ શેઠ મને વગર કામના ટૈડકાવે છે, મારો ગુનો નથી. હું તો નોકર છું ને નોકરી કરું છું, તેથી મને વઢે છે.’

આવું ક્યારેય વિચાર્યું છે ખરું ?

હવે હું શું કહું છું કે ‘તમે આ નોકરની જગ્યાએ હો, તો તમારો ન્યાય કેવો રહે ?’ તો પછી નોકરને ભાંડીએ એ ઘોર અન્યાય નથી ? આ ઇન્ડિયન ફિલોસોફી (ભારતીય રીતભાત) આવી હોતી હશે ? ખરી રીતે તો આપણે એટલા બધા નોબલ રહેવું જોઈએ, અમે ત્યાં આગળ શું કરીએ કે નોકરના હાથમાંથી ટ્રે પડી જાય ને પ્યાલા ફૂટી જાય, તો પહેલાં તો અમે નોકરને પૂછીએ કે ‘ભઈ, ગરમાગરમ ચા તારા પગ પર પડી, તે તું દઝાયો તો નથી ને ? ભલે પ્યાલા ફૂટી ગયા, એ તો બીજા આવશે પણ તું દઝાયો નથી ને ?’ એવું પહેલાં પૂછવું પડે, ત્યારે એને કેવું સરસ લાગે ? એને ઘેરેય કોઈ આવું આશ્વાસન ના આપે એવું આશ્વાસન આપણે આપીએ, તો નોકરના મનને કેવું સારું લાગે ! નોકર પણ આત્મા જ છે ને !

એ ખૂબ દઝાયો હોય અને આપણે કશું બોલીએ એ ખોટું કહેવાય. એટલે ના દઝાયો હોય તો પછી બીજી વાત કરીએ કે ‘ભઈ, જરા ધીમે રહીને આસ્તે આસ્તે આવતો હોય તો આવો વાંધો ના આવે.’ એવું પાછું બોલવું પડે. એવું ના બોલીએ તો તે પણ ગુનો કહેવાય, કારણ કે ચેતવવા માટે આમ ટકોર તો મારવી પડે. પણ એવી ટકોર ના મરાય કે ‘તારા હાથ ભાંગલા છે, તું આવો છે, તેવો છે.’ એવી ટકોર નહીં. એને તો ટકોર જ ના કહેવાય, હિંસા કહેવાય. નોકર બિચારાએ પણ ‘તારા હાથ ભાંગલા છે’ એવું હમણે કહેશે, એવી જ આશા રાખી હોય; તેથી મહીં ફફડતો હોય કે ‘શેઠ-શેઠાણી હવે શું કહેશે?’ એ નોકર મનમાં જાણે કે આ શેઠ ને શેઠાણી તો બેઉ દીપડા-દીપડી જેવા છે. જેમ દીપડા ઘૂરકેને એમ આ ઘૂરકશે, તે

(પા.૭)

મહીં આમ ફફડતો હોય. હવે એ શેઠને હું સમજ પાડું કે ‘શેઠ, તમે એની જગ્યાએ હો તો શું થાય ?’ મારી શી દશા થાય, આપણને કેટલું દુઃખ થાય’ એવું કોઈ વિચારે ? એવું વિચારો તો ખરા !

કરો વ્યવહાર માનવતાપૂર્ણ

તારા હાથમાંથી પ્યાલા પડી જાય તો શું ન્યાય કરું ? એવી રીતે ન્યાય આપણે કરવો જોઈએ. પણ ત્યાં આપણે શું ન્યાય કરીએ, કે આણે નુકસાન કર્યું. પણ એ કંઈ બહારનો માણસ છે ? અને બહારનો હોય તોય, નોકર હોય તોય આવું ના કરાય. કારણ કે એ શા કાયદાથી પડી જાય છે ? એ પાડે છે કે પડી જાય છે, એનો વિચાર નહીં કરવો જોઈએ ? નોકર પાડે ખરો જાણી-જોઈને? હવે એ તો નોકર રહ્યો બિચારો. ખરેખર નોકર કોઇ દહાડો કશું તોડે નહીં. એ તો ‘રોંગ બીલિફ’થી એમ લાગે છે કે નોકરે તોડ્યો, ખરેખર તોડનારો બીજો છે. હવે ત્યાં બિનગુનેગારને ગુનેગાર ઠરાવે છે, તે નોકર પછી એનું ફળ આપે છે, કોઇ પણ અવતારમાં.

પ્રશ્નકર્તા : તો એ વખતે તોડનાર કોણ હોઇ શકે ?

દાદાશ્રી : એ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ, તે વખતે બધા ખુલાસા આપી દઇએ છીએ. આ તોડનાર કોણ, ચલાવનાર કોણ, એ બધું જ ‘સોલ્વ’ કરી આપીએ છીએ. હવે ત્યાં ખરી રીતે શું કરવું જોઇએ? ભ્રાંતિમાંય શું અવલંબન લેવું જોઇએ ? નોકર તો ‘સિન્સીયર’ છે, એ તોડે એવો નથી.

પ્રશ્નકર્તા : ગમે તેટલો ‘સિન્સીયર’ હોય પણ નોકરના હાથે તૂટી ગયું તો પરોક્ષ રીતે એ જવાબદાર નહીં ?

દાદાશ્રી : ખરો, જવાબદાર ! પણ આપણે કેટલો જવાબદાર છે તે જાણવું જોઇએ. આપણે પહેલામાં પહેલું તેને પૂછવું જોઇએ કે ‘તું દાઝયો તો નથી ને ?’ દાઝયો હોય તો દવા ચોપડવી. પછી ધીમે રહીને કહેવું કે ઉતાવળે ના ચાલીશ હવેથી.

...તો થશે પદ્ધતિસરનું

પોતાની જોડે કોઈ ગુસ્સે થયેલો હોય તે સહન થતું નથી અને આખો દહાડો બધા ઉપર ગુસ્સો કર્યા કરે છે, ત્યારે એ કેવી અક્કલ ? એ માનવધર્મ ના કહેવાય. એ માણસ આખો દહાડો બધા જોડે ગુસ્સો કર્યા કરે છે, તો પેલા દબાયેલા છે એટલે જ ને ? દબાયેલાને મારવું એ તો બહુ મોટો ગુનો કહેવાય. ઉપરીને મારવાનું, ભગવાનને કે ઉપરીને. કારણ કે ઉપરી છે, શક્તિશાળી છે. આ તો અન્ડરહેન્ડને શક્તિ છે નહીં. એટલે આખી જિંદગી મારે.

બાકી, ખરી રીતે તો માનવધર્મ કોને કહેવાય છે ? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય ?

પોતાને બીજાની જગ્યાએ રાખવો, એનું નામ માનવધર્મ. બીજો ધર્મ તો અધ્યાત્મ, એ તો વળી એથી આગળ રહ્યો. પણ આટલો માનવધર્મ તો આવડવો જોઈએ.

સમજો ન્યાય શું, અન્યાય શું ?

ભગવાનનો શો ન્યાય છે કે જેટલા દેહધારી જીવ છે, પછી ઝાડ હોય કે ગમે તે હો, પણ જીવતું છે. જીવતું શી રીતે ખબર પડે કે આ ઝાડ

(પા.૮)

કાપી નાખે તો એનું લાવણ્ય જતું રહે. એટલે બધા લાવણ્યવાળા જીવો છે, એમની મહીં ભગવાન બેઠા છે. એટલે એમને કિંચિત્માત્ર દુઃખ થાય, એ બધો અન્યાય થયો કહેવાય. ઘોર અન્યાય કર્યો કહેવાય !

આવા તો ભયંકર દોષો કર્યા છે ! પોતાને ખબરેય પડતી નથી પાછી કે આ દોષ મેં કર્યો છે. નોકર જોડે આવું વર્તન કર્યા પછી ‘આવો દોષ થયો છે’ એવી ખબર નથી પડતી. ‘નોકર જ ખોટો છે, એને કાઢી મેલવાનો છે’ એવું કહે છે અને તેથી પોતાને આ બધી અડચણો છે. તેથી જ મોક્ષ મળતો નથી, નહીં તો મોક્ષના ન્યાય સમજે ને, તો બધોય મોક્ષ મળે એવો છે. સંસારનો ન્યાય એ ન્યાય નથી, ભગવાનનો ન્યાય એ ન્યાય છે.

એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી (બીજા ભવે) એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું. તમે કોઈને એક જ કલાક દુઃખ આપશો તો તેનું ફળ તમને આખી જિંદગી મળશે.

એટલે આપણે એટલું સરસ ન્યાયી જીવન જીવવું જોઈએ કે કોઈનેય દુઃખ ના થાય. બોસને દુઃખ ના થાય, અંડરહેન્ડને દુઃખ ના થાય, ઘેર વાઇફને દુઃખ ના થાય, છોકરાંને દુઃખ ના થાય, એવું જીવન જીવવા માટે આપણે ‘મશીનરી’ને જ્ઞાની પુરુષ પાસે ‘ઓવરહૉલ’ કરાવવી પડે. ઓવરહૉલ કરાવવાનું ટેન્ડર લાવ્યા છો ?

પ્રશ્નકર્તા : આપની વાણીમાં પણ કોન્ટ્રાક્ટરની ભાષા નીકળે છે.

દાદાશ્રી : હા, એવી જ નીકળે ! અમે કોન્ટ્રાક્ટરને, એટલે આ ટેન્ડરો ને એ બધું જાણીએ.

દુઃખમુક્ત થવા આપો સુખ

આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી એ પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે, તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે.

પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને !

દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની. અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો.

તમે ઓફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ? જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં.

આ જગત આપણું છે, એમાં બીજા કોઈની જવાબદારી છે નહીં. ભગવાન જો ઉપરી હોત ને, તો તો આપણે જાણીએ કે આપણે પાપ કરીશું ને ભગવાનની ભક્તિ કરીશું તો ધોવાઈ જશે પણ એવું નથી. આ તો જવાબદારી આપણી જ છે. એક વિચાર અવળો આવ્યો તેની જવાબદારી આપણી જ છે, હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ આપણે જ છીએ. ઉપર કોઈ બાપોય નથી. તમારો કોઈ ઉપરી જ નથી, જે છો તે તમે જ છો.

છંછેડવામાં જોખમ બહુ

તમારે ત્યાં કોઈ નોકરી કરતું હોય તો તેને ક્યારેય પણ તરછોડશો નહીં, છંછેડશો નહીં, બધાને

(પા.૯)

માનભેર રાખજો. કોઈક માણસથી આપણને શુંય લાભ થઈ જાય ! આજે તમને આમના થકી ઘણો લાભ થઈ ગયો. મારી જોડે પરિચય થયો ને, એ જ ઘણો લાભ થઈ ગયો. આને અપૂર્વ લાભ કહેવાય છે ! કોઈ કાળે સાંભળ્યો ના હોય એવો લાભ કહેવાય છે ! માટે કોઈને છંછેડશો નહીં. ઘર આગળ કૂતરું બેઠું હોય તેને પણ છંછેડશો નહીં. એ કૂતરું કોઈકને ફરી વળે તો પેલો માણસ આપણા ઘરમાં પેસી જાય અને આપણને સત્સંગ કરાવડાવે. કૂતરું જો જ્ઞાની પુરુષને ફરી વળ્યું એટલે જ્ઞાની પુરુષ આશરો ખોળે ને અને પેલાના ઘરમાં પેસી ગયા! જો કૂતરું કામ લાગે છે ને ! બધું કામ લાગે એવું છે આ જગતમાં! બધામાં પરમાત્મા રહેલા છે અને જીવમાત્ર રાત-દહાડો તમારી સેવામાં જ છે, પણ આ સેવા ઉઠાવતાં નથી આવડતું, લાભ લેતા નથી આવડતું.

ફક્ત વ્યક્તિરૂપે બધા જુદા છે, પણ છે આત્મા જ, એટલે એ પણ ભગવાન જ છે. માટે કોઈનું નામ દેશો નહીં અને કોઈને છંછેડશો નહીં. હેલ્પ થાય તો કરજો ને ના થાય તો કંઈ નહીં, પણ છંછેડશો તો નામેય નહીં. લોક વાઘને છંછેડતા નથી, સાપને છંછેડતા નથી ને માણસોને જ છંછેડે છે, તેનું શું કારણ ? વાઘ કે સાપથી તો મરી જઈએ ને માણસો તો બહુ ત્યારે લાકડીથી મારશે કે બીજું કંઈ કરશે. એટલે માણસોને છંછેડે છે ને! કોઈનેય ના છંછેડાય, કારણ કે મહીં પરમાત્મા બેઠેલા છે. તમને સમજાય છે આ વાત ? તમે કોઈને છંછેડ્યા હતા ખરા ?

પ્રશ્નકર્તા : પોતાના હાથ નીચે હોય એને જ માણસ છંછેડે છે.

દાદાશ્રી : હાથ નીચેવાળાને જ્યાં સુધી તમને કહેવાની ટેવ છે, ટૈડકાવવાની ટેવ છે, ત્યાં સુધી તમને કોઈ ટૈડકાવનારો મળી આવશે. હું કોઈનેય ટૈડકાવતો નથી, માટે મને કોઈ ટૈડકાવતા નથી. આપણા હાથ નીચેવાળા ટૈડકાવવા માટે નથી, એને સંતોષ થાય એ રીતે આપણે આપણું કામ કાઢી લેવાનું. આ બળદને રોજ દસ રૂપિયાનું ખવડાવે છે અને ત્રીસ રૂપિયાનું કામ કાઢી લેવડાવે છે. એવી રીતે આપણે ત્યાં મજૂરો કામ કરતા હોય, તે બિચારા એમને ફાયદો થાય તો જ આપણે ત્યાં એ રહે ને ? પણ આપણે એને ટૈડકાવ ટૈડકાવ કરીએ તો એ ક્યાં જાય ? જીવમાત્રમાં ભગવાન રહેલા છે, પણ મનુષ્યોમાં તો ભગવાન વ્યક્ત થયા છે, ઈશ્વર સ્વરૂપે થયા છે, ભલે પરમેશ્વર નથી થયા. ઈશ્વર શાથી કહેવાય ? એ મનમાં ધારે ને કે આમને એક દહાડો ગોળીથી ઠાર કરી નાખવા છે, તે એક દહાડો ગોળી મારીને ઠાર કરી નાખે ને ? એવા આ ઈશ્વર સ્વરૂપે છે, એટલે એમનું નામ જ ના દેવું. તેથી અમે કહીએ છીએ ને, કે આ કાળમાં એડજસ્ટ એવરીવ્હેર થાવ. ક્યાંય ડિસ્એડજસ્ટ થવા જેવું નથી, અહીં તો છટકીને નાસવા જેવું છે. ‘આ’ વિજ્ઞાન તો એક-બે અવતારમાં મોક્ષે લઈ જનારું છે. માટે અહીં કામ કાઢી લેવાનું છે.

કરો અન્ડરહેન્ડની રક્ષા

જગત તો પ્યાદાને, ‘અન્ડરહેન્ડ’ને ટૈડકાવે એવું છે. અલ્યા, સાહેબને ટૈડકાવ ને, ત્યાં આપણું જીતેલું કામનું ! જગતનો આવો વ્યવહાર છે. જ્યારે ભગવાને એક જ વ્યવહાર કહ્યો હતો કે તારા ‘અન્ડર’માં (હાથ નીચે) જે આવ્યા તેમનું રક્ષણ કરજે. ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ કરે તે ભગવાન થયેલા. હું નાનો હતો ત્યારથી જ ‘અન્ડરહેન્ડ’નું રક્ષણ કરતો.

અંડરહેન્ડ એટલે ગમે એવો ગુનેગાર હોય તોય મેં એને બચાવેલો. પણ ઉપરી તો, ગમે તેવો સારો હોય તોય મારે ઉપરી પોષાય નહીં અને

(પા.૧૦)

મારે કોઈના ઉપરી થવું નથી. સારો હોય તો આપણને વાંધો નથી. પણ એનો અર્થ એ કાયમ એવો રહે નહીં ને ! એક જ ફેરો આપણને આધાશીશી ચઢે એવું બોલે ! ઉપરી કોનું નામ કહેવાય કે અંડરહેન્ડને સાચવે! તો ખરો ઉપરી તે. હું ખરો ઉપરી ખોળું છું. મારો ઉપરી થા, પણ ખરો ઉપરી થા. ડફળાવવા માટે અમે કંઈ જન્મ્યા નથી. તું ડફળાવું, અમે એના હારુ જન્મ્યા છીએ ? એવું તે શું આપી દેવાનો ?

આપણે ‘અંડરહેન્ડ’ને ‘પ્રોટેક્શન’ આપીએ તો ‘બોસ’ આપણને પ્રોટેક્શન આપે. આપણે ‘અંડરહેન્ડ’ને ટૈડકાય ટૈડકાય કરીએ તો બોસ આપણને ટૈડકાય ટૈડકાય કરે.

આ તો મૂર્ખ લોકો નોકરોને હેરાન કરી નાખે છે ! અલ્યા, તું નોકર થઈશ ને તો તને ખબર પડશે ત્યારે. એટલે આપણે એવું ન કરીએ તો આપણો કોઈ વખત નોકર થવાનો વખત આવે તો આપણને શેઠ સારો મળી આવે.

તમે આમ છો પુણ્યશાળી, તે એની જગ્યાએ તમે આવશો નહીં, પણ તું તારા બોસના હાથમાં આવી જ રીતે આવી જઈશ, માટે ચેતતો રહેજે. જેનો તું બોસ થયેલો છું ત્યાં આગળ એવો પાવર વાપરજે કે તારો બોસ એવો પાવર તારી ઉપર વાપરે. તે વખતે તારી કસોટી ના થાય ! બોસ તો બધાને રહેવાના ને ? મારા જેવો હોય તેને બોસ ના હોય, પણ બીજા બધાને તો બોસ રહેવાના ને ! જેને અંડરહેન્ડનો શોખ છે કે હાથ નીચે એક તો જોઈએ, તેને બોસ તો હોય જ. અમને અંડરહેન્ડનો શોખ ના હોય, તેથી કોઈ બોસ પણ ના હોય.

જેને ‘અંડરહેન્ડ’નો શોખ છે, તેને ‘બોસ’ મળી જ આવે !

સત્તાનો ઉપયોગ કરો ડહાપણથી

આ તો સત્તાવાળો હાથ નીચેનાને કચડ કચડ કરે છે. જે સત્તાનો દુરુપયોગ કરે છે તે સત્તા જાય ને ઉપરથી માનવ અવતાર ન આવે. એક કલાક જ જો આપણી સત્તામાં આવેલા માણસને ટૈડકાવીએ તો આખી જિંદગીનું (બીજા ભવનું) આયુષ્ય બંધાઇ જાય. સામાવળિયાને ટૈડકાવે તો જુદું છે.

પ્રશ્નકર્તા : સામો વાંકો હોય તો જેવા સાથે તેવા ના થવું ?

દાદાશ્રી : સામી વ્યક્તિનું આપણે ના જોવું જોઇએ, એ એની જવાબદારી છે. જો બહારવટિયા સામે આવે ને તમે બહારવટિયા થાઓ તો ખરું, પણ ત્યાં તો બધું આપી દો છો ને ? નબળા સામે સબળ થાઓ તેમાં શું ? સબળ થઇને નબળા સામે નબળા થાઓ તો ખરું.

આ ઓફિસરો ઘેર બૈરી જોડે લઢીને આવે ને ઓફિસમાં ‘આસિસ્ટન્ટ’નું તેલ કાઢે ! અલ્યા, ‘આસિસ્ટન્ટ’ તો ખોટી સહી કરાવીને લઈ જશે તો તારી શી વલે (દશા) થશે ? ‘આસિસ્ટન્ટ’ની તો ખાસ જરૂર. અમે ‘આસિસ્ટન્ટ’ને બહુ સાચવીએ. કારણ કે એના લીધે તો આપણું ચાલે છે.

જગત ન્યાય સ્વરૂપ, માટે ચેતો

પ્રશ્નકર્તા : આજકાલના જે ઝગડા થાય છે ને, ખાસ કરીને મુંબઈમાં ને જ્યાં જ્યાં આપણા ભારતમાં, ઘણા કારખાનાઓ થયા છે મોટા-મોટા...

દાદાશ્રી : ૧૯૩૦ સુધી મંદી હતી. ૧૯૩૦માં મોટામાં મોટી મંદી હતી. એ મંદીમાં શેઠિયાઓએ આ મજૂરો બિચારાનાં બહુ લોહી ચૂસેલા, તે અત્યારે આ તેજીમાં મજૂરો શેઠિયાઓના લોહી ચૂસે છે ! એવો આ દુનિયાનો ચૂસાચૂસનો રિવાજ

(પા.૧૧)

છે! મંદીમાં શેઠિયાઓ ચૂસે અને તેજીમાં મજૂરો ચૂસે! બેઉના સામસામા વારા આવવાના. એટલે આ શેઠિયાઓ બૂમ પાડે ત્યારે હું કહું છું કે તમે ૧૯૩૦માં એ મજૂરોને છોડ્યા નથી, તેથી હમણાં એ મજૂરો તમને છોડશે નહીં.

એક કાળ એવો હતો કે શેઠિયાઓ નોકરોને પજવતા હતા અને હવે નોકરો શેઠિયાઓને પજવે છે એવો કાળ આવ્યો છે ! કાળની વિચિત્રતા છે ! નોર્માલિટીમાં હોય તો બહુ સુંદર કહેવાય. શેઠ નોકરને પજવે જ નહીં ને નોકર આવું તોડફોડ કરે નહીં.

મજૂરોના લોહી ચૂસવાની પદ્ધતિ જ ના રાખો, તો તમારું કોઈ કશું નામ નહીં દે. અરે ! આવા ભયંકર કળિયુગમાં પણ તમારું નામ દેનાર નથી !

ઘરમાંય તેજી-મંદી આવે, તે મંદીમાં આપણે વહુ જોડે રોફ માર માર કર્યો હોય. પછી તેજી આવે ત્યારે એ આપણી પર રોફ મારે. માટે તેજી-મંદીમાં સરખા રહીએ, સમાનપૂર્વક રહીએ તો તમારું બધું સરસ ચાલે !

આ જગત ન્યાય વગર એક ક્ષણવાર પણ નથી રહેતું. ક્ષણે ક્ષણે ન્યાય જ થઈ રહ્યો છે ! જગત એક ક્ષણ પણ અન્યાય સહન કરી શકતું નથી. જે અન્યાય કર્યો છે, એ પણ (ખરેખર) ન્યાય જ થઈ રહ્યો છે !

હિસાબ ચૂકવાય અન્યોન્ય

પ્રશ્નકર્તા : આજે મુંબઈમાં હું જે કંપનીમાં કામ કરું છું, એ કંપનીમાં બે યુનિયન થઈ છે. બે યુનિયનમાં આપસ-આપસના ઝઘડામાં ખૂનો થઈ ગયા.

દાદાશ્રી : તે દહાડે તો યુનિયનોય નહોતી, યુનિયનનો બાપોય નહોતો, અત્યારે તો યુનિયનવાળાઓનેય ફાવતું આવી ગયું છે. તે પોલ મારે છે. યુનિયનો જ વઢવાડો કરે છે વધારે. આ વધારે ઝઘડા કરે છે જ યુનિયનો. એ એમનો પગ ઊભો રાખવા માટે અને તે આ શેઠિયાઓને પાંસરા કરવા જોઈએ આવો વખત આવે ત્યારે. શેઠિયાઓય વાંકા હોય છે. અને એ પાછી મંદી આવશે, પાછું ઠંડું હિમ જેવું થઈ જશે. એ તો થયા જ કરવાનું. મજૂરો એટલા બધા સારા છે, એટલે બહુ સિન્સિઅર છે. આપણે મજૂરને (સાચવીએ તો), એ આપણે ત્યાં નોકરી કરતો હોય તો નોકરી છોડે નહીં. આપણા ઘરના માણસ જેવો રહે. એ તો આ તેજી-મંદી ઉપર આધાર રાખે છે. અત્યારે તો તેજી છે. એટલે પછી અત્યારે તો નોકરોનો રોફ છે બધો.

શ્રેષ્ઠી કહેવાય કે શઠ ?

પહેલાંના કાળમાં, તે વખતે દાનેશ્વરી હોય. તે દાનેશ્વરી તો મન-વચન-કાયાની એકતા હોય ત્યારે દાનેશ્વરી પાકે અને તેને ભગવાને ‘શ્રેષ્ઠી’ કહ્યા હતા. એ શ્રેષ્ઠીને અત્યારે મદ્રાસમાં ‘શેટ્ટી’ કહે છે. અપભ્રંશ થતું થતું શ્રેષ્ઠીમાંથી શેટ્ટી થઈ ગયેલું છે ત્યાં આગળ, એ આપણે અહીં અપભં્રશ થતું થતું શેઠ થઈ ગયું છે.

તે એક મિલના શેઠને ત્યાં સેક્રેટરી જોડે હું વાત કરતો હતો. મેં કહ્યું કે ‘શેઠ ક્યારે આવવાના છે ? બહારગામ ગયા છે તે ?’ એ કહે છે, ‘ચાર-પાંચ દિવસ લાગશે.’ પછી મને કહે છે, ‘જરા મારી વાત સાંભળો.’ મેં કહ્યું, ‘હા ભઈ.’ તો એ કહે છે, ‘ઉપરથી માતર કાઢી નાખવા જેવા છે.’ મેં એને સમજણ પાડી કે અત્યારે તું પગાર ખાઉં છું ત્યાં સુધી બોલીશ નહીં. અહીંથી છૂટો પડ્યા પછી બોલવું હોય તો બોલજે. ગમે તેવો છે શેઠ, પણ જ્યાં સુધી લૂણ એનું ખાઈએ છીએ ત્યાં સુધી

(પા.૧૨)

આપણે શેઠ બોલવું જોઈએ. તે મને કહેવા લાગ્યો કે ‘સાહેબ, ઉપરથી માતર કાઢી નાખજો.’ મેં કહ્યું, ‘હું સમજી ગયો છું, હું શું નથી ઓળખતો આ લોકોને ? હું બધાને ઓળખું છું. પણ એને બોલવાની મર્યાદા હોવી જોઈએ.’ બાકી માતર કાઢી નાખીએ એટલે શું રહ્યું ? બહાર સિલકમાં ?

પ્રશ્નકર્તા : શઠ રહ્યા.

દાદાશ્રી : ના બોલશો, એવું બોલાય નહીં !

આવી દશા થઈ છે ! કેવા જગડુશા ને બધા શેઠિયા થતા હતા ! એ શેઠિયા કહેવાતા હતા.

અત્યારે તો શ્રેષ્ઠી કેવા થઇ ગયા છે ? બે વર્ષ પહેલાં નવા સોફા લાવ્યો હોય તોય પાડોશીનું જોઇને બીજા નવા લાવે. આ તો હરીફાઇમાં પડ્યા છે. એક ગાદી ને તકિયો હોય તોય ચાલે. પણ આ તો દેખાદેખી ને હરીફાઇ ચાલી છે, તેને શેઠ કેમ કહેવાય ? આ ગાદી-તકિયાની ભારતીય બેઠક તો બહુ ઊંચી છે, પણ લોકો તેને સમજતા નથી ને સોફાસેટની પાછળ પડ્યા છે. ફલાણાએ આવો આણ્યો તો મારેય એવો જોઇએ. તે પછી જે કજિયા થાય ! ડ્રાઇવરને ઘેરેય સોફા ને શેઠને ઘેરેય સોફા ! આ તો બધું નકલી પેસી ગયું છે. કો’કે આવા કપડાં પહેર્યાં તે તેવાં કપડાં પહેરવાની વૃત્તિ થાય ! આ તો કો’કે ગૅસ પર રોટલી કરતાં જોયા તે પોતે ગૅસ લાવ્યો. અલ્યા, કોલસાની અને ગૅસ પરની રોટલીમાંય ફેર સમજતો નથી ? ગમે તે વસાવો તેનો વાંધો નથી પણ હરીફાઈ શેને માટે ? આ હરીફાઈથી તો માણસાઇ પણ ગુમાવી બેઠા છે. આ પાશવતા તારામાં દેખા દેશે તો તું પશુમાં જઇશ !

બાકી શ્રેષ્ઠી તો પોતે પૂરો સુખી હોય ને પોળમાં બધાંને સુખી કરવાની ભાવનામાં હોય. પોતે સુખી હોય તો જ બીજાને સુખ આપી શકે. પોતે જ જો દુઃખીયો હોય તો, તે બીજાને શું સુખ આપે ? દુઃખીયો તો ભક્તિ કરે અને સુખી થવાના પ્રયત્નમાં જ રહે !

બનજો શેઠ સાચા અર્થમાં

આ વેપારીઓ કાપડ ખેંચીને કપડું આપે છે તે મારે તેમને કહેવું પડે છે કે ‘શેઠિયાઓ, મોક્ષે જવાની ઇચ્છા નથી હવે ?’ તો તે કહે, ‘કેમ એમ ?’ ત્યારે મારે કહેવું પડે છે, ‘આ કાપડ ખેંચો છો એ કયા ધ્યાનમાં છો ? મહાવીર ભગવાનના ધ્યાનને તો ઓળખો ! આ રૌદ્રધ્યાન કહેવાય. બીજા પાસેથી થોડુંક, એક આંગળી જેટલુંય પડાવી લેવું એ રૌદ્રધ્યાન કહેવાય. તમને એટલું કહેવાનો અધિકાર છે, ઘરાક પૂછે કે ‘આ ટેરિલીનનો શો ભાવ છે ?’ તો તમે અઢારને બદલે સાડા અઢાર કહી શકો. પણ તમે અઢાર કહ્યા પછી તમારે એને માપ પૂરું આપવું જોઇએ, કિંચિત્માત્ર ઓછું નહીં. ઓછું ના અપાયું હોય ને ઓછું આપવાની ભાવના માત્ર કરી એનેય ‘રૌદ્રધ્યાન’ કહ્યું છે. ઓછું આપતી વખતે ભૂલથી પાછું વધારેય જતું રહ્યું હોય તો ત્યાં કોઇ જમે કરનારું નથી. શેઠિયાઓએ નોકરને કહી રાખેલું હોય કે ‘જો આ આપણે ચાલીસ વારમાં આટલું વધવું જોઇએ.’ એટલે પાછું એને અનુમોદના કરી રાખેલી હોય.

પોતે કરે, કરાવે ને કર્તા પ્રત્યે અનુમોદે. બધું આનું આ જ આખો દહાડો રૌદ્રધ્યાન છે અને જૈનપણું ખલાસ થઇ ગયું છે. જૈન તો કેવો હોય? ગમે તેવી મુશ્કેલીમાં આપણે હોઇએ છતાં તે વખતે આપણી પાસે હેલ્પ માટે કોઇ માણસ આવ્યો હોય તો તે આપણી મુશ્કેલી જાણી જાય તો આપણે જૈન શાના ? એને હેલ્પ મળવી જ જોઇએ. એને આશાભંગ ના કરાય. વધતો-ઓછો પણ છેવટે સથવારો તો મળવો જ જોઇએ. જો તમારી પાસે

(પા.૧૩)

પૈસાનું સાધન ના હોય તો કંઇ નહીં પણ સથવારો તો મળવો જોઇએ કે બીજું કંઇ કામકાજ હોય તો કંઇક કહેજે. જૈન જાણીને, શેઠ જાણીને એ તમારે ત્યાં આવ્યો ને બિચારો પાછો જાય, નિસાસા નાખીને, તે શું કામનું ! તમને કેમ લાગે છે ? મારી વાત સાચી છે કે ખોટી ?

આ લોકો ઝાડ સારું દેખે છે ત્યાં છાયા માટે બેસે છે અને ઝાડ જ બચકાં ભરે તો શું થાય ? એવું અત્યારે આ શેઠિયાઓ બચકાં ભરે છે કે ‘તમે નાલાયક છો, તમે આમ છો, તમે તેમ છો’ વગેરે. ગરીબોને તો તમે નાલાયક કહી શકશો, કારણ કે બિચારા એને સત્તા નથી. અને નોકરોનું તો આખો દહાડો તેલ જ કાઢે છે. નોકરોના હાથમાંથી પ્યાલા પડીને ફૂટી ગયા કે ‘તારા હાથ ભાંગલા છે, તારે આમ છે’ એમ ગાળો ભાંડે. તે તારી શી ગતિ થશે ? નોકરના હાથ ભાંગલા હોય તો તું એને નોકરીમાં રાખું જ નહીં ને ! આ તો કર્મના કર્તા થઇ ગયા ! વ્યવહારથી ભગવાને કહેલું, ડ્રામેટિક ભાવથી કરવાનું હતું પણ આ તો ‘હું જ કરું છું, મારા વગર કોણ કરે ?’ એનાથી તો કર્મબંધન થાય છે. અને પાછા એકલા નિકાચિતના બંધન થાય, મોળા નહીં. પેલાને તો મોળા કર્મના બંધન થાય ને આને તો ઘોડાગાંઠ !

ચૂસે લોહી હાર્ડ રૌદ્રધ્યાન કરીને

આ દુનિયામાં ડ્રામા કરવાને બદલે લોકો કલેક્ટરની જગ્યા મળી હોય તો તે ઘેર પાંસરો બેઠો હોય, પણ ઑફિસની ખુરશીમાં તો આડો થઈ જાય. ઘેર આપણે જઈએ તો, ‘આવો, બેસો કરે’ ને ઓફિસની ખુરશીમાં હોય તો ઊંચું જુએ પણ નહીં ! ‘શું આ ખુરશી તને કૈડે છે ?’ એ તને ગાંડપણ વળગાડે છે? ‘હું છું, હું છું’ કરે. ‘અલ્યા, શેમાં છે તું ?’ ઘેર તો તને વહુ ટૈડકાવે છે !

બીજું, આ કાળમાં હાર્ડ રૌદ્રધ્યાન વધ્યા. હાર્ડ રૌદ્રધ્યાન એટલે પોતાની વધારે બુદ્ધિથી સામાની ઓછી બુદ્ધિનો લાભ લઇ સામાનું પડાવી લેવું તે હાર્ડ રૌદ્રધ્યાન. આ તો પોતાની બુદ્ધિથી સામાને મારે, સામાનું આખું લોહી ચૂસી જાય ને સામાના હાડકાં ને ચામડી જ બાકી રાખે, તે ઉપરથી કહે, ‘મેં ક્યાં માર્યો ? અમારે તો અહિંસા પરમો ધર્મ !’ આ શેઠિયાઓએ એવા એવા કનેક્શન ગોઠવી દીધા હોય કે શેઠ ગાદી-તકિયે બેઠા હોય ને ખેડૂતો બિચારા રાત-દહાડો મહેનત કરે ને તોર તોર (મલાઈ) શેઠને ઘેર જાય ને પેલાને ભાગે છાશેય ના આવે ! શેઠ પોતાની વધારે બુદ્ધિથી પેલાની ઓછી બુદ્ધિનો લાભ લઇને પંપાળી પંપાળીને મારે ! આને ‘હાર્ડ રૌદ્રધ્યાન’ કહ્યું છે. આ તો ટપલે ટપલે મારે. એકદમ તલવારથી બે ઘા કરી નાખે તો એ હાર્ડ રૌદ્રધ્યાન ના ગણાય, રૌદ્રધ્યાન ગણાય. કારણ કે બે ટુકડા કર્યા પછી લોહી જોઇનેય પેલાનું મન પાછું પડે કે ‘અરેરે ! મારાથી આ મરી ગયો !’ પણ આ હાર્ડ રૌદ્રધ્યાનથી તો મન પાછું ના પડે અને ઊલટું વધતું જાય. લોહીનું ટીપુંય પાડ્યા વગર મજૂરના શરીરનું એકેએક લોહીનું ટીપું શેઠ ચૂસી જાય ! હવે આને ક્યાં પહોંચી વળાય? આને તો ટર્મિનસ (છેલ્લું) સ્ટેશન જ નહીં ને ! આ હાર્ડ રૌદ્રધ્યાનનું ફળ તો બહુ ભયંકર આવે. સાતમી નર્કમાંય ના સમાય તેવું ફળ ! આ હાર્ડ રૌદ્રધ્યાન અને અપધ્યાનને ઝીણવટથી સમજવા તો પડશે ને ? તમને શું લાગે છે? કે પછી સમજ્યા વગર ચાલશે ?

પ્રશ્નકર્તા : સમજવું તો પડશે જ, દાદા.

દાદાશ્રી : કંઈક તો સમજવું જોઈએ ને ! બધા જોડે પારસ્પારિક સંબંધ છે. જગત એટલે શું ? પરસ્પર સદ્ભાવના ! કલેક્ટર હોય કે પછી નોકર હોય, પણ પરસ્પર સદ્ભાવના હોવી જોઈએ અને ‘હેલ્પિંગ નેચર’ હોવો જોઈએ, ‘ઓબ્લાઈજિંગ’ નેચર હોવો જોઈએ !

(પા.૧૪)

ઉઠાવે ફાયદો ઓછી બુદ્ધિવાળાનો

આજે તો લોકો આમ છે તે જીવડાં ના મારે, ત્યારે બુદ્ધિથી મારે છે. એ શેના જેવું છે, એનો દાખલો આપું કે આપણે રસ્તામાં જતા હોઈએ અને રસ્તો કાદવ-કીચડવાળો હોય, ત્યાં આપણી પાસે એક પેલું કેન્ડલ હોય, ખૂબ લાઈટ આપે એવું હોય ને હવે બીજા લોકો બિચારા ફાનસ લઈને આવે તેને રસ્તો બરોબર દેખાતો ના હોય, તો આપણે એ લોકોને કહીએ કે ભઈ, આવો અહીં આગળ હું ઊભો રહું છું. ઊભા રહીને એમને રસ્તો દેખાડવો. આપણું વધારે અજવાળાવાળું છે, માટે એમને અજવાળું ધરવું એ આપણી ફરજ છે. હવે આ છે તે વધુ બુદ્ધિ, તે વધુ અજવાળું છે આપણી પાસે ને પેલા પાસે ઓછું અજવાળું છે, એ બિચારા આમ ખાડામાં પડે ને, એટલે આપણે એમને શું કરવું જોઈએ તરત ? આવી રીતે ના કરશો, આમ કરજો ભાઈ ! તેને બદલે બુદ્ધિથી લૂંટ્યું.

બુદ્ધિથી મારે એ તમને સમજાયું ? વધારે બુદ્ધિવાળા, ઓછી બુદ્ધિવાળાને મારી-ઠોકીને પાડી દે. આ બોસ જરા વધારે બુદ્ધિશાળી હોય ને, તો નીચેવાળાને એ કામ કરતો હોય તોય ટૈડકાય ટૈડકાય કરે. અલ્યા, કામ કરે છે તોય શું કરવા ટૈડકાવે છે ? અને એની વાઈફ હોય, તેની જોડે ‘ભાઈસા’બ, ભાઈસા’બ’ કર્યા કરે. કારણ કે બુદ્ધિથી મારવાનું. હવે પેલો બુદ્ધિથી મારવા જાય ને તો બઈ ડફણું મારે, એટલે પછી ત્યાં બુદ્ધિ ચાલે નહીં. ડફણા આગળ બુદ્ધિ ચાલે નહીં. જ્યાં ડફણું દેખે ને, ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય.

ગરીબને તો આપણે સલાહ આપવી જોઈએ, શાંતિ આપવી જોઈએ. અને આપણા વધુ લાઈટના (સલાહના) પૈસા ના લેવા જોઈએ. આ તો બુદ્ધિ વધારે છે. એટલે અબુધની પાસે પંપ મરાવી લે (એનો ગેરફાયદો ઉઠાવી લે) અને બુદ્ધિ વધારે તો ભેળસેળ કરતાં આવડે ને ? આ સોનું ભેળસેળવાળું કરતાં કોણે શીખવાડ્યું હશે ? ત્યારે કહે, હિન્દુસ્તાનના સોનીએ. બહાર ફોરેનમાં ભેળસેળ સોનું હોતું જ નથી. આ તો હિન્દુસ્તાનના સોની ! આ બધી શોધખોળ ઈન્ડિયનોની છે.

શેઠાઈને લીધે દંડાય બિચારા મજૂરો

કેટલાક મજૂરો આખો દહાડો મહેનત કરે, એ બિચારો સાંજના શેઠને કહેશે કે ‘શેઠ, મારે ઘેર કશું ખાવાનું નથી, એટલે મેં તમને કહ્યું હતું કે સાંજે રોકડા પૈસા આપજો તો જ રહીશ.’ ત્યારે શેઠ કહેશે, ‘‘હા, ‘રોકડા આપીશ’ કહેલું પણ અત્યારે તો મારી પાસે સોની નોટ છે. લાવ પંચાણું રૂપિયા, તારા પાંચ લઈ લે, નહીં તો જવું હોય તો જા ને રહેવું હોય તો રહે. નાલાયક છે શું ?’’ એમ બે ગાળો ખાઈને બિચારાને પૈસા વગર ઘેર જવું પડે, શું કરે બિચારો ? મજૂર છે ને ! ત્યારે શેઠનો તો શો દોષ છે ? અત્યારે ભોગવે છે તેનો દોષ છે. શેઠ પાંચ રૂપિયા તો નથી આપતા પણ ઉપરથી ટૈડકાવે છે, ગાળો દે છે, એમાં કોને ભોગવવું પડ્યું? મજૂરને. તો મજૂરની ભૂલ છે અને શેઠને એ ફળ આપશે ત્યારે શેઠની ભૂલ હશે. મજૂરને ટૈડકાવ્યો, ગાળો દીધી, દુઃખ દીધું, એનું ફળ એને આવશે. પેલાને તો એની ભૂલનું ફળ પાક્યું ને અત્યારે મળી ગયું, જ્યારે શેઠનું તો બંધાયું. તેનું ફળ ઉત્પન્ન થશે, પાકશે પછી વારો આવશે, ત્યાં સુધી શેઠનું તો ચાલ્યું !

ત્યારે થાય સાચો ધર્મ

ત્યાં આપણે કેવી લાગણી રાખવી જોઈએ ? ધર્મ જેવી વસ્તુ આપણે સમજતા હોઈએ તો આપણી પાસે સોની નોટ હોય તો ગમે ત્યાંથી છૂટા લાવીને પેલાને પાંચ રૂપિયા આપી દેવા જોઈએ. પેલો બિચારો પાંચ રૂપિયા માટે આખો દહાડો મહેનત

(પા.૧૫)

કરે અને એના આવતાં પહેલાં આપણે બેસી રહેવું જોઈએ કે એ ક્યારે આવે ને ક્યારે એની મજૂરી લઈ જાય ! એના કહેતા પહેલાં કહીએ કે લે ભાઈ, તારા પાંચ રૂપિયા ! એક મિનિટેય મોડું ના કરાય. કારણ કે એને તો હજુ મરચું લેવાનું હોય, આમલી લેવાની હોય, બીજું શું શું લેવાનું ના હોય ? પાછી તેલની શીશી લાવેલો હોય, તેમાં થોડું તેલ લઈ જાય, એવું બધું લઈને ઘેર જાય ત્યાર પછી જમવાનું બનાવે. અમારે તો કામ પર મજૂરો હોય તે અમે આવું બધું જાણીએ. તે અમારો કાયદો એવો કે મજૂરના પૈસામાં કશું આઘુંપાછું થઈ ગયું હોય તો ખબર લઈ નાખું. બધું કડક ખાતું. એમને બિચારાને તો મહાદુઃખ, તે એમને વધારે મુશ્કેલીમાં આપણાથી કેમ કરીને મૂકાય?

એટલે ધર્મ શું પાળવાનો છે ? કોઈ પણ નુકસાન કરે, કોઈ પણ આપણો વેરવી દેખાય તે ખરેખર એ વેરવી નથી. કોઈ નુકસાન કરી શકે એમ છે નહીં. માટે એના તરફ દ્વેષ નહીં રાખવાનો. હા, પછી આપણા નોકરથી પ્યાલા પડી જાય, તો નોકર નથી પાડતો એ. એ પાડનાર બીજું છે. માટે નોકર તરફ બહુ ક્રોધ ના કરવો.

જો જો વેર ના બંધાય કોઈની જોડે

કેટલાક ક્રોધને દબાવે છે. અલ્યા, દબાવવા જેવી ચીજ નહોય એ! ક્રોધને ઓળખીને દબાવ ને ! પાડા છે, ક્રોધ-માન-માયા-લોભ ! તેમાં ક્રોધના પાડાને જરા દબાવીને સાંકડો કરે છે, ત્યારે માનનો પાડો વધારે જાડો થાય છે ! આમાં શું ફાયદો કાઢ્યો ? માનનો પાડો વધ્યો. લોક તો એક પાડાને દબાવે ને ? પણ એવું નથી કરવાનું. ક્રોધ એ શું છે, તેને ઓળખવાની જરૂર છે.

ક્રોધ પોતે જ અહંકાર છે. હવે એ તપાસણી કરવાની કે કઈ રીતે એ અહંકાર છે. એ તપાસણી કરીએ ત્યારે પકડાય કે ક્રોધ એ અહંકાર છે. આ ક્રોધ કેમ ઉત્પન્ન થયો ? ત્યારે કહે કે ‘આ બહેને કપ-રકાબી ફોડી નાખ્યા એટલે ક્રોધ ઉત્પન્ન થયો.’ હવે કપ-રકાબી તોડી નાખ્યા, તેમાં આપણને શું વાંધો ? ત્યારે કહે કે ‘આપણે ઘેર ખોટ આવી.’ અને ખોટ આવી એટલે એને ઠપકો આપવાનો પાછો ? પણ અહંકાર કરવો, ઠપકો આપવો, આ બધું ઝીણવટથી જો વિચારવામાં આવે તો વિચાર કરવાથી એ બધો અહંકાર ધોવાઈ જાય એવો છે. હવે આ કપ ભાંગી ગયો તે નિવાર્ય છે કે અનિવાર્ય છે ? અનિવાર્ય સંજોગ હોય છે કે નથી હોતા? નોકરને શેઠ ઠપકો આપે કે ‘અલ્યા, કપ-રકાબી કેમ ફોડી નાખ્યા ? તારા હાથ ભાંગલા હતા ? ને તારું આમ હતું ને તેમ હતું.’ જો અનિવાર્ય હોય તો એને ઠપકો અપાય ? જમાઈના હાથે કપ-રકાબી ફૂટી ગયા હોય તો ત્યાં કશું બોલતા નથી ! કારણ કે એ સુપીરિયર આવ્યો, ત્યાં ચૂપ ! અને ઇન્ફીરિયર આવ્યો ત્યાં છીટ્ છીટ્ કરે ! આ બધા ઇગોઈઝમ (અહંકાર) છે. આ સુપીરિયર આગળ બધા ચૂપ થઈ નથી જતા ? આ દાદાના હાથે કશું ફૂટી ગયું હોય તો કોઈના મનમાં કશું આવે જ નહીં અને પેલા નોકરના હાથે ફૂટી જાય તો ?

આ જગતે ન્યાય જ કોઈ દહાડોય જોયો નથી. અણસમજણને લઈને આ બધું છે. બુદ્ધિની જો સમજણ હોય ને, તોય બહુ થઈ ગયું! બુદ્ધિ જો વિકાસ પામેલી હોય, સમજણવાળી કરેલી હોય તો કશું ઝઘડો થાય એવું જ નથી. હવે ઝઘડો કરવાથી કંઈ કપ-રકાબી આખા થઈ જાય છે? ખાલી સંતોષ લે એટલું જ ને ? ને ઊલટો કકળાટ થાય એ જુદો પાછો, મનમાં ક્લેશ થઈ જાય તે જુદો. એટલે આ વેપારમાં તો એક તો પ્યાલા ગયા તે ખોટ, બીજું આ ક્લેશ થાય તે ખોટ ને ત્રીજું નોકર જોડે વેર બંધાયું તે ખોટ ! નોકર વેર બાંધે કે ‘હું ગરીબ’, તેથી આ મને અત્યારે આવું કહે છે ને ! પણ એ વેર કંઈ છોડે નહીં.

(પા.૧૬)

એમાં જવાબદાર કોણ ?

સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ માત્રથી આ જગતમાં જે કંઈ બને છે તે ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ એ સર્વ અવસ્થામાં સંપૂર્ણ સમાધાનકારી જ્ઞાન છે. એનો હું તમને સાદો દાખલો આપું છું. આ કાચનો પ્યાલો છે, તે તમારા હાથમાંથી છૂટવા માંડ્યો. તે તમે આમથી તેમ ને તેમથી આમ હાથ હલાવીને તેને છેક નીચે સુધી બચાવવા પ્રયત્ન કર્યો. તે છતાંય તે પડ્યો ને ફૂટી ગયો. તો તે કોણે ફોડ્યો? તમારી ઈચ્છા જરાય નહોતી કે આ પ્યાલો ફૂટે. ઊલટાનો તમે તો છેક સુધી બચાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું પ્યાલાને ફૂટવાની ઇચ્છા હતી ? ના. તેને તો તેવું હોય જ નહીં. બીજું કોઈ ફોડનાર તો હાજર નથી તો પછી કોણે ફોડ્યો ? ‘વ્યવસ્થિતે.’ વ્યવસ્થિત એ એક્ઝેક્ટ નિયમથી ચાલે છે. ત્યાં પોપાબાઈનું રાજ નથી. જો ‘વ્યવસ્થિત’ના નિયમમાં આ પ્યાલો ફૂટવાનો જ ના હોય તો આ કાચના પ્યાલાના કારખાના શી રીતે ચાલે ? આ તો વ્યવસ્થિતને તમારુંય ચલાવવું છે, કારખાનાંય ચલાવવા છે અને હજારો મજૂરોનુંય ગાડું ચલાવવાનું છે. તે નિયમથી પ્યાલો ફૂટે જ, ફૂટ્યા વગર રહે જ નહીં. ત્યારે અક્કરમી ફૂટે ત્યારે કઢાપો ને અજંપો કર્યા કરે.

હવે નોકરના હાથમાંથી ટ્રે પડી જાય, એમાં વીસ પ્યાલા પડી જાય, વીસ પ્યાલા એટલે મોંઘા, બબ્બે રૂપિયાના કે ત્રણ-ત્રણ રૂપિયાના કપ-રકાબી થાય, વીસ તેરી સાઠ રૂપિયા. તરત મહીં અસર થાય કે ના થાય ? આ ‘જ્ઞાન’ ના લીધું હોય તો અસર થાય કે ના થાય લોકોને? આ ‘જ્ઞાન’ ના લીધું હોય ને તો મહીં અકળાયા કરે. ત્યાં બધા બેઠા હોય એટલે બોલે નહીં કશું, પણ મહીં અકળાયા કરે કે આ બધા ઊઠે તો તરત મારું નોકરને ! મહેમાન બેઠા હોય તો મનમાં અજંપો કર્યા કરે કે ક્યારે આ મહેમાન જાય ને હું નોકરને ચાર તમાચા ચોડી દઉં! ને પછી મૂઓ તેવું કરેય ખરો.

હવે ખરેખર ‘કોની ભૂલ છે’ એ ભાન નથી ને આવું ને આવું મહીં કર્યા કરે છે અને નોકર તોડતો હોય તો રોજ ના તોડે એ? આજે શી રીતે તોડ્યા ? નોકર જો તોડતો હોય તો રોજનું છે આ.

જ્યારે એનાથી હાથમાં ના ઝલાય ત્યારે જ ફૂટે ને ? અને જો તેણે જાણ્યું કે આ નોકરે નથી ફોડ્યો પણ ‘વ્યવસ્થિતે’ ફોડ્યો છે તો થાય કશું ? સંપૂર્ણ સમાધાન રહે કે ન રહે ? ખરી રીતે નોકર બિચારો નિમિત્ત છે. તેને આ શેઠિયાઓ બચકાં ભરે છે. બહુ મોટામાં મોટો ગુનો આ છે. ‘કોણ કરે છે’ એ જાણતો નથી. આંખે દેખાય છે, એ નિમિત્તને જ બચકાં ભરે છે જગત. નિમિત્તને ક્યારેય બચકાં ના ભરાય. મૂઆ, નિમિત્તને બચકાં ભરીને તું તારું ભયંકર અહિત કરી રહ્યો છું. મૂઆ, રૂટ કૉઝ ખોળી કાઢ ને ! તો તારો ઉકેલ આવશે.

આ વર્લ્ડમાં કોઈ વસ્તુ કોઈ ફોડે જ નહીં. આ તો બધો તમારો જ હિસાબ ચૂકવાય છે. એમાં નોકર તો બિચારો નિમિત્ત બની જાય છે.

નોકર પ્યાલા લઈને આવે અને ફૂટી જાય તો મહીં કશું થાય કે ના થાય? જુઓને, પ્યાલાની કાંણ કરે છે ! છોકરાંનીયે કાંણ કરે ને પ્યાલાનીયે કાંણ કરે. સંસારીઓને તો બધાંની જ કાંણ કરવા જોઈએ ને? પણ આપણે સમજી જવાનું કે આપણો હિસાબ ચૂકતે થઈ ગયો !

કપ-રકાબી તૂટી ગયા, એટલે હવે પછી નોકરને તારે શું કહેવું જોઈએ ? એ તૂટી ગયા તો કયું જ્ઞાન હાજર થશે ?

પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’.

(પા.૧૭)

દાદાશ્રી : હા. આ વ્યવસ્થિત શક્તિ તોડફોડેય કરે છે અને સપ્લાય પણ કરે છે. એટલે તમારે કશી ઉપાધિ નહીં રાખવાની.

પણ એને મોંઢે એવું ના કહીશ. નોકરને તો આપણે એમ કહેવું કે ‘ભઈ, તું દાઝ્યો નથી ને બા ?’ પહેલું એમ પૂછવાનું. એટલે પેલાને શેઠનો ભડકાટ હોય ને, તે જતો રહે. પછી બીજા શબ્દોમાં કહેવું કે ભઈ, સાચવીને ચાલજે હવે પછી, હં ! ‘ધીમે રહીને ચાલજે’ એમ કહેવું. આટલા શબ્દ કહેવાના.

વઢશો નહીં, સમજાવીને કામ લો

પ્રશ્નકર્તા : દાદા, મારે ને મારા ભત્રીજા વચ્ચેના પ્રોબ્લેમની વાત કહું. એને કહીએ કે તું બધો હિસાબ આપ, ત્યારે હિસાબ આપવાની બાબતમાં એ કાચું રાખે. પછી કામ બધું કરે પણ રિપોર્ટ ના આપે એટલે પ્રોબ્લેમ વધી જાય. હવે એને કહીએ તો પાછું એને ખોટું લાગી જાય.

દાદાશ્રી : એવું છે, અમારે કેવું બનેલું તે કહું. અમારો ઓળખાણવાળો અમારે ત્યાં નોકરી કરતો હતો. તે હિસાબ લખવાનો હોય તે બધો ખોટો હિસાબ લખતો હતો. એને ખર્ચના દસ રૂપિયા જોઈએ ને આમ ખર્ચ ચાર આના દેખાડે. એટલે પછી મેં એને કહી દીધું કે ‘ભઈ, જેટલો ખર્ચ થતો હોય, તે જે કર્યું હોય તે આમ લખજે. સિગારેટ લાવ્યો હોય, બ્રાંડી (દારૂ) પીધી હોય તે લખજે, ચા પીધી હોય, લોકોને ચા પાઈ હોય તે લખજે. તને છૂટ આપીએ છીએ. ત્યારે પછી એણે લખવા માંડ્યું. ત્યારે વાત પકડાઈ બધી. આ તો ભડકના માર્યા લોક લખે શી રીતે ? હિસાબ બધો ચોખ્ખો લખતા નથી, એનું કારણ શું ? વખતે એ ચોખ્ખું લખે તો સાહેબ ડફળાય ડફળાય કરે કે ‘એય ! તેં શું કર્યું, આટલા બધા પૈસા શેમાં વાપર્યા? આ તો ચાર આનાની અક્કલ તો છે નહીં ને શેઠ થઈ બેઠા છે ! આ તો એન્કરેજ (પ્રોત્સાહન) કરતાં આવડે નહીં, તે પછી નોકરો ડિસ્કરેજ (હતાશ) થઈ જાય.

વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, ગાંડો અહંકાર છે. વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વઢ્યો’તો ને, તે મનમાં તો યાદ હોય. આવો જ છે, આવો જ છે અને પછી પાછો વઢે. એટલે પછી એમાંથી ઝેર ફેલાય. ભયંકર રોગ ભગવાને કહ્યું છે, મૂરખ બનવાની નિશાની, અક્ષરેય બોલવાનું નહીં.

ખરો શેઠ તો કોઈને વઢે જ નહીં. શેઠ એનું નામ કહેવાય કે કોઈનેય વઢે નહીં. વઢે એને શેઠ કહેવાય જ શી રીતે ? પેલા બધા પાછળથી વાત કરે કે આ શેઠ તો આવા છે, એની પાછળ કંઈક નામ આપેલું જ હોય. બધાય નોકરોએ શેઠને કંઈ ને કંઈ નામ આપેલું જ હોય. આ તો મનમાં માની બેઠા છીએ કે મને સમજણ પડે છે. એના કરતાં મને કશી સમજણ પડતી નથી, તો કશુંય બગડે નહીં. શેઠ તો કેવા ઠંડા દેખાય ! તે જોઈને જ લોક ખુશ થઈ જાય. શેઠ આવે તો આખું વાતાવરણ જ ઠંડું થઈ જાય !

વચ્ચેની એજન્સીથી કામ લો

અમારે લોખંડનું કારખાનું હતું ને ત્યારે હું જ્યારે કારખાને જતો હતો. તે સોએક માણસો ‘બાપા આવ્યા, બાપા આવ્યા’ કરી મૂકે. તે બસ્સો ફૂટ છેટેથી દેખે તોય બધા ‘બાપા આવ્યા, બાપા આવ્યા’ કરીને ખુશ ખુશ થઈ જતા. અને કોઈનેય મારે કોઈ દહાડો એક અક્ષરેય બોલવાનો નહીં. હજાર રૂપિયાનું નુકસાન કરેલું દેખું તોય અક્ષરેય નહીં કહેવાનો. વખતે કોઈએ કશું કામ બગાડ્યું હોય તોય વઢવાનું નહીં. કોઈ પણ બાબતમાં બૂમ પાડવાની નહીં.

(પા.૧૮)

શેઠ તો કોઈ દહાડોય કોઈને વઢે નહીં. વખતે વચ્ચે એવી એજન્સી ઊભી કરે. એ વઢનારી એજન્સી વઢે પણ શેઠ તો વઢે જ નહીં. વચ્ચે એજન્સી તૈયાર કરે કે એ પછી વઢનારો માણસ એવો વચ્ચે રાખે કે વઢનારો વઢે પણ શેઠ આવું જાતે ના વઢે. પછી શેઠ બેઉના સમાધાન કરી આપે. શેઠ બેઉને બોલાવે કે ‘ભઈ, તું વઢું છું તે પણ વાત સાચી છે ને તારી વાત પણ સાચી છે. એટલે એવો નિકાલ કરી આપે. બાકી શેઠ કંઈ વઢતા હશે ?

આ બધી વ્યવહારની વાતો ! તમારે આમાં શું કામ લાગે ?

પ્રશ્નકર્તા : અરે ! આ તો અમને વિચારતા કરી મૂક્યા કે આપણે વઢીએ તે વખતે આપણે શેઠ નથી.

દાદાશ્રી : શેઠ તો કોનું નામ કહેવાય કે એક અક્ષરેય બોલે ને, તો શેઠ કહેવાય જ કેમ કરીને ? એ વઢતા હોય તો આપણે સમજી જઈએ કે આ પોતે જ આસિસ્ટન્ટ છે ! શેઠનું તો મોઢું બગડેલું જ ના દેખાય. શેઠ એટલે શેઠ જ દેખાય. એ દાંતિયા કરે તો તો પછી બધા આગળ એની કિંમત જ શું રહે ? પછી નોકરો પણ પાછળ કહેશે કે આ શેઠ તો લપકા બહુ કર્યા કરે છે ! દાંતિયા કાઢ્યા કરે છે ! બળ્યું એવા શેઠ થવું એના કરતાં તો ગુલામ થવું સારું. હા, તમારે જરૂર હોય, ખટપટ કરવી હોય તો વચ્ચે એજન્સીઓ બધી રાખો. પણ વઢવાના આવા કામ શેઠે જાતે ના કરાય ! નોકરોય જાતે લઢે, ખેડૂતોય જાતે લઢે, તમેય જાતે લઢો, ત્યારે કોણ જાતે લઢે નહીં ? વેપારી જાતે લઢે તો વેપારી જેવું રહ્યું જ શું ? શેઠ તો એવું ના કરે.

તમારો ભત્રીજો શું જાણે કે કાકાનો સ્વભાવ જ આવો વાંકો છે અને તમે શું જાણો કે આ ભત્રીજો મારી વાતને સમજતો નથી. આવી રીતે પછી કેસ બફાતો ચાલ્યા કરે છે ! હવે જો કદી એ કાકાનો સ્વભાવ આવો વાંકો છે એવું ના સમજે તો તો તમારી વાત ધ્યાનમાં લે. પણ આ તો વાતને ધ્યાનમાં લેતો નથી એનો અર્થ જ એ થયો કે તમારો સ્વભાવ આવો જ છે. આ તો એવું માની લે. કારણ કે રોજ રોજ સ્વભાવ એવો દેખે, એટલે પછી ‘આમનો સ્વભાવ જ એવો છે’ કરીને કેસ બફાયા છે. માટે ઉપાય કરો. વચ્ચે એજન્સી રાખીએ અને પેલા ભત્રીજાને વઢે ત્યારે ભત્રીજો આપની પાસે ફરિયાદ લાવે કે આ મારી જોડે બહુ લઢે છે. ત્યારે આપણે એને કહેવું કે ‘ભઈ, કામ તો બધું બતાવવું જ જોઈએ ને! હિસાબ તો બધા આપવા પડે ને !’ આવું કહીએ ત્યારે ભત્રીજો તમારી વાત માને. બાકી વઢવાનું બંધ કરી દો તોય ધીમે ધીમે એની જોડે બધું રાગે પડી જાય.

વ્યવસ્થિત ત્યાં ડખો શાને કરવાનો ?

જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે ‘ચંદુભાઈ’ને કહેવું કે ‘કામ કર્યે જાવ.’ પછી આઘુપાછું થાય તોય વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ, કહીએ.

જગતમાં એક અક્ષરેય કોઈને કશો કહેવો નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાય ને તો એ રોગ મોટામાં મોટો! બધા પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂરશું તે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. આ એટલા માટે તો અમે ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતના જ્ઞાન વગર, માણસ બોલ્યા વગર બેસી ના રહે. કારણ કે પ્યાલા ભાંગી ગયા નોકરના હાથે એટલે બોલ્યા વગર મૂઓ રહે જ નહીં ને ! કેમ ભાંગી નાખ્યા ?

(પા.૧૯)

તારા હાથ ભાંગલા છે કે આમ છે, તેમ છે !’ પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે, એ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન તમને આપ્યું છે. એટલે કશું બોલવાનું જ નથી ને ! અને પાછું ‘વ્યવસ્થિત’ જ થયું.

વઢવું એ છે અહંકાર

બધું ‘વ્યવસ્થિત’ ચલાવે છે. કશું બોલવા જેવું નથી, ‘પોતાનો’ ધર્મ કરી લેવા જેવો છે. પહેલાં તો એમ જાણતા હતા કે આપણે ચલાવીએ છીએ, એટલે આપણે બોલવું પડે. હવે તો ચલાવવાનું આપણે નહીં ને? હવે તો આય ભમરડા ને તેય ભમરડા ! મેલને પૈડ અહીંથી !

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશો ને કે નહીં બોલતા હો? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બોસ માને છે, તે બોસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ જોડે એને ઝાપટ ઝાપટ કરવાના. આખો દહાડો ‘તેં તેમ કર્યું, તેં આમ કર્યું’ કહ્યા કરે. તે એમાં આખી વાણી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ. આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જે બોલીએ છીએ, તે અહંકાર છે. જગત બધું નિયંત્રણવાળું છે.

વર્કર્સ સાથે વ્યવસ્થિતનું જ્ઞાન

વ્યવસ્થિતના જ્ઞાનમાં રહે તો કાયદો જ જોવાનો ના હોય ને ! એટલે કોઈ વહેલું આવે, કોઈ મોડું આવે તોય વ્યવસ્થિત ! એટલે કોઈ માણસને વઢવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : હવે પછી કાયમનું જે મોડું કરતો હોય, તેને કહેવાય કે ભઈ, આવું લેટ (મોડું) ના કરવું જોઈએ.

પ્રશ્નકર્તા : કાયદામાં સાચું કે ખોટું રિઝલ્ટ (પરિણામ) આવે. સાચા માટે લડે કાયદો, પણ વ્યવસ્થિતમાં જે આવે તે એક્સેપ્ટ કરવાનું.

દાદાશ્રી : હા, અને વ્યવસ્થિત તો, તમે લેટ થયા એ મારે પૂછવું જ ના જોઈએ. હું સમજું કે તમે લેટ થાવ એવા માણસ જ ન હોય. સંજોગોએ ગૂંચવ્યા છે અને આપણા લોકો તો એવું સમજે જ નહીં ને ! એ તો પેલાને કહેશે, ‘તેં જ મોડું કર્યું આ તો. તેં મારું બધું કામ બગાડ્યું.’ અને એની વઢવાડ ચાલે. વ્યવસ્થિત નહીં સમજવાથી બધે ગૂંચાય. તમને સમજાયું કે ?

આપણા કર્મથી સામો ફરે અવળો

શેઠ ઈનામ આપતા હોય તે આપણું ‘વ્યવસ્થિત’ અને જ્યારે આપણું વ્યવસ્થિત’ અવળું આવે ત્યારે શેઠના મનમાં એમ થાય કે ‘આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ.’ એટલે શેઠ પગાર કાપી લે, એટલે મનમાં એમ થાય કે ‘આ નાલાયક શેઠિયો છે, મને આ નાલાયક મળ્યો.’ પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે એ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ? માટે કંઈક ભૂલ છે, હિસાબ કાઢવામાં બીજી કંઈક ભૂલ છે ! શેઠિયો વાંકો નથી, આ તો આપણું ‘વ્યવસ્થિત’ ફરે છે ! આ ઘઉં સંગ્રહનાર છે એ વાંકા નથી, આપણને ઘઉં નથી મળતા તો તે આપણું ‘વ્યવસ્થિત’ વાંકું છે. એટલે આપણે શું કહીએ છીએ કે ભોગવે એની ભૂલ. એ ઘઉંના સંગ્રહનાર તો જ્યારે પકડાશે ત્યારે એમની ભૂલ, ત્યારે એ ગુનેગાર થશે. અત્યારે પકડાયો નથી. હજી તો મોટરોમાં ફરે છે. માટે ભોગવે એની ભૂલ !

ગાળો ખાધી તેય વ્યવસ્થિત, માર ખાધો તેય વ્યવસ્થિત ને ઈનામ મળ્યું તેય વ્યવસ્થિત. વ્યવસ્થિત કહેવાનો ભાવાર્થ શું છે ? તું કરવા ગયો સમું ને થઈ ગયું અવળું, તો વ્યવસ્થિત કહેજે. એટલે પછી એનું આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય.

(પા.૨૦)

દુઃખ દેવાનો ઈરાદો નથી ને ?

પ્રશ્નકર્તા : આપણા હાથ નીચે કોઈ કામ કરતાં હોય, છોકરો હોય કે ઓફિસમાં હોય કે ગમે તે હોય, એ પોતાની ફરજ ચૂકતા હોય તે ઘડીએ આપણે તેને સાચી સલાહ આપીએ. હવે એનાથી પેલાને દુઃખ તો થાય, તો તે ઘડીએ વિરોધાભાસ ઉત્પન્ન થતો હોય તેમ લાગે છે. એટલે શું કરવું ત્યાં?

દાદાશ્રી : તેનો વાંધો નહીં. તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં સુધી વાંધો નહીં. એની ઉપર તમારો પાશવતાનો ઈરાદો હોય, તે ન હોવો જોઈએ. અને વિરોધાભાસ ઉત્પન્ન થાય તો પછી આપણે એની પાસે માફી માંગવી. એટલે એ ભૂલ સ્વીકાર કરી લો. માનવધર્મ પૂરો હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : અમારે ઑફિસમાં ત્રણ-ચાર સેક્રેટરી છે. એને કહીએ કે આમ કરવાનું છે. એક વાર, બે વાર, ચાર-પાંચ વાર કહીએ તોય એની એ જ ભૂલ કર્યે રાખે તો પછી ગુસ્સો આવે, તો એનું શું કરવાનું ?

દાદાશ્રી : તમે તો શુદ્ધાત્મા થઈ ગયા છો. હવે તમને ક્યાં ગુસ્સો આવે છે ? ગુસ્સો તો ચંદુલાલને આવે. એ ચંદુલાલને પછી આપણે કહેવું, ‘હવે દાદા મળ્યા છે, જરા ગુસ્સો ઓછો કરો ને !’

પ્રશ્નકર્તા : પણ એ સેક્રેટરીઓ કશું ઈમ્પ્રુવ (સુધારો) નથી થતી, તો એને શું કરવું ? સેક્રેટરીને કંઈ કહેવું તો પડે ને, નહીં તો એ તો એવી ને એવી જ ભૂલ કર્યે રાખે ! એ કામ બરોબર કરતી નથી.

દાદાશ્રી : તે તો આપણે ‘ચંદુભાઈ’ને કહેવું, ‘એને જરા ટૈડકાવો.’ તારે આની પાસે કહેવું કે આ સમભાવે નિકાલ કરીને ટૈડકાવો. અમથા અમથા નાટકીય ઢબે લઢવું કે ‘આવું બધું કરશો તો તમારી સર્વિસ કેમ રહેશે ?’ એવું બધું કહેવું.

પ્રશ્નકર્તા : પણ એને તે વખતે દુઃખ થાય ને ? આપે કહ્યું છે ને, દુઃખ નહીં આપવાનું બીજાને ?

દાદાશ્રી : દુઃખ નહીં થવાનું. કારણ કે એ આપણે નાટકીય બોલીએ ને, તો દુઃખ ના થાય એને. ખાલી એને મનમાં જાગૃતિ આવે, એનો નિશ્ચય બદલાય. એ આપણે દુઃખ નથી આપતા. દુઃખ તો ક્યારે આવે? આપણો હેતુ દુઃખ કરવાનો હોય ને કે એને સીધા કરી નાખું, તો એને દુઃખ ઉત્પન્ન થાય.

‘કોઈને દુઃખ ના હો’ એ ભાવ રાખો

પ્રશ્નકર્તા : હું ડી.એસ.પી.નો પી.એ. છું. તે મારે તો કેટલાકને ડિસમિસ કરવા પડે, તો તેનું મને દુઃખ થાય છે. તો તેમાં બંધન ખરું?

દાદાશ્રી : કેટલીક વખત એવું બને કે તમે ઉપર લખી મોકલાવો કે આ ભાઈને ડિસમિસ કરો ને એ ડિસમિસ ના થાય, એવું બને ખરું?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : એટલે આ ડિસમિસ કરો એ પણ તમારું રૂટિન છે, અને મનમાં ભાવ રહે છે કે ડિસમિસ કરવા નથી, તો તેનું બંધન નથી. આ તો કેવું છે કે જેનો જેટલો ગુનો છે, એટલો એને દંડ મળવાનો એવો નિયમ છે. એ અટકાવી શકાય એવી વસ્તુ નથી. એટલે આપણે આવા ભાવ રાખવા કે આને દુઃખ ના હો. બાકી રૂટિન તો ચાલ્યા જ કરવાનું.

ફરજો બજાવવી, ‘જ્ઞાન’માં રહીને

પ્રશ્નકર્તા : આપણે કોઈના ગુનાનો રિપોર્ટ કરીએ તો આપણને ગુનો લાગે કે ના લાગે ?

દાદાશ્રી : ના, કશુંય ના થાય.

પ્રશ્નકર્તા : આ મારા તાબાનો માણસ

(પા.૨૧)

બરાબર કામ નથી કરતો અથવા ગોટાળા વાળે છે અને એ વસ્તુ આપણા સાહેબના ધ્યાનમાં લાવીએ ત્યારે આપણને કર્મ બંધાય ?

દાદાશ્રી : ના લાગે.

પ્રશ્નકર્તા : અને એ ધ્યાનમાં ના લાવીએ તો આપણું તંત્ર બધું બગડે.

દાદાશ્રી : એટલે સાહેબના ધ્યાનમાં લાવવું જ પડે, પણ એ વિનયથી લાવવું પડે. આપણે એને બધું સમજાવીને કહેવું જોઈએ. આપણે રુઆબથી ના કહી શકીએ.

પ્રશ્નકર્તા : બહાર વ્યવહારમાં એ કેવી રીતે બને ?

દાદાશ્રી : આપણે તો એવો ભાવ રાખવો. પછી બન્યું એ કરેક્ટ. આપણો ભાવ એવો રાખવાનો અને એને સમજાવીને કહેવું જરૂરી છે. પછી જેટલી વખતે સમજાવીને કહેવાયું એટલી વખત કરેક્ટ અને સમજાવીને ના કહેવાયું તો પણ કરેક્ટ.

પ્રશ્નકર્તા : હવે કોઈ આડાઈ કરતો હોય, પણ આપણને સજા કરવાની સત્તા ના હોય, પણ આપણા ઉપરી હોય એને સજા કરવા માટે રિપોર્ટ કરીએ. હવે ઉપરીએ સજા કરી પણ રિપોર્ટ તો મેં કર્યો, તેથી નિમિત્ત હું થયોને ?

દાદાશ્રી : ના, પણ મનમાં ભાવ આપણા નથી ને ! આ તો ચંદુભાઈ કરે છે ને ! તો તમારે શું કરવાનું ? ચંદુભાઈ જે કરે એ જોયા કરવાનું. જગત તો ચાલ્યા કરવાનું. એનો કશો ભો નહીં કરવાનો. મનમાં એવા ભાવ રાખવા કે કોઈ જીવને દુઃખ ના હો. પછી તમે તમારે રૂટિન કરવું. જે રૂટિન થાય તેમાં તમારે હાથ નહીં ઘાલવાનો, શંકા-કુશંકા નહીં કરવાની. તમારે તમારા સ્વરૂપમાં રહેવું. બાકી ફરજો તો બજાવવી જ પડે ને ?

નિમિત્ત બન્યા બદલનો પસ્તાવો

પ્રશ્નકર્તા : આજે આપણે એક નોકરી પર છીએ ને આપણા તાબાનો જે માણસ છે, એ કંઈ ભૂલ કરે તો આપણે દંડ આપવો પડે. કારણ કે નોકરીમાં આપણે એવી જગ્યા પર બેઠા છીએ.

દાદાશ્રી : ના, પણ તે એવું થયું હોય ને તો આપણે ચંદુભાઈ પાસે પસ્તાવો કરાવવો. થઈ ગયા પછી કે આ ન કરવા જેવું થાય છે. આપણા નિમિત્તે પેલાને દુઃખ થયું, તે બદલ પસ્તાવો કરવો કે આપણે ભાગે ક્યાં આવ્યું આ ? આપણે કેમ આવું નિમિત્ત બન્યા ? આપણે આવું નિમિત્ત બનવું ના જોઈએ. પણ અત્યારે તમે એવી જગ્યાએ આવી ગયા છો, એવું કર્યા વગર ચાલે નહીં. એટલે તમારે હવે ‘રૂટિન’ (રોજિંદું) તો બધું કરવું પડે.

જોખમ ખેડવા કરતા રસ્તો ખોળો

પ્રશ્નકર્તા : ગવર્મેન્ટની મોટી પોસ્ટ ઉપર અમારી હાથ નીચેનો માણસ બહુ ઊંધું કરતો હોય ત્યારે અમે નક્કી કરીએ કે એની સામે પગલાં લેવા ને એને ડિસમિસ કરવો.

દાદાશ્રી : ડિસમિસ ના કરવો. આપણે એને ઇન્ફર્મેશન (જાણકારી) આપવાની કે ‘ભઈ, આવું હોવું ઘટે નહીં.’ બાકી તમારે આ ગવર્મેન્ટનું ખાતું છે, એટલે ડિસમિસ તો કરાય જ નહીં. તમારી ઉપર તમને કોઈ ડિસમિસ કરનાર છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ખરા ને !

દાદાશ્રી : તો પછી ડિસમિસ કરવાના એવા જોખમ તો ખેડવા જ નહીં. આપણા ઉપલા ઓફિસરે કહ્યું હોય તોય આપણે નરમ કરી નાખવું, છેવટે જૂઠું બોલીનેય નરમ કરી નાખવું. તમારા પોતાના ડિસમિસની વાત આવે, તો તમને પોતાને એ ડિસમિસ શબ્દ સાંભળતા તો બહુ મોટી અસર થાય ને ?

(પા.૨૨)

પ્રશ્નકર્તા : થાય ને, બધાને થાય.

દાદાશ્રી : ત્યારે પેલા બિચારાને કેટલી અસર થાય ? આ જગતમાં કોઈનેય દુઃખ દેવાનું શા માટે ? આપણે કાયદેસર વર્તો. કાયદામાં બધી છટકબારીઓ હોય છે. અને માઇલ્ડ ભાષા હોય કે ના હોય ? આપણે એમ કહીએ કે ‘તમને ડિસમિસ કેમ ના કરવા, એનો ખુલાસો આપો’ અને ‘અમે તમને ડિસમિસ કરી નાખીશું’ એ બે વાક્યોમાં ફેર નહીં ? માટે માઈલ્ડ ભાષા વાપરવી જોઈએ. એટલે આ તો આપણી જવાબદારી છે, બહુ મોટી જવાબદારી છે કે આપણા હાથે જૂઠું થાય, પણ કોઈને જીવતો જવા દેજે. કોઈની નોકરી કે પેટ ઉપર પગ મૂકશો નહીં.

કોઈને ડિસમિસ કરવાનો હોય તો જૂઠું બોલીને પણ છોડાવી દેવડાવવો. પછી મહીં પોલ મારી છે કે બીજું કશું કર્યું છે, એવું તેવું જોવાની જરૂર નથી.

વ્યવહારે અલિપ્તતા સાથે ખપે પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : એક અધિકારી હોય, બોસ હોય એ એના અંડરહેન્ડને ઠપકો આપે તો પેલાને દુઃખ તો થાય ને ? કર્મચારી ખોટું કરે, તો પેલા અધિકારીને ઠપકો આપવાની ફરજ તો ખરી ને ?

દાદાશ્રી : એવું છે ને, ઠપકો આપવો એ બહુ જવાબદારી છે. ઠપકો આપવો એટલે આપણો હાથ દઝાય નહીં અને સામાને વાગે નહીં એવી રીતે ઠપકો આપવો જોઈએ. આપણા લોકો એ જોતા-કરતા નથી ને ઠપકો આપી દે. એ ઠપકો આપનાર બહુ મોટો ગુનેગાર બને છે. ઠપકો સાંભળનાર માણસનું જે થવાનું હશે તે થશે, પણ ઠપકો આપનાર તો સપડાયો !

પ્રશ્નકર્તા : એની જે ફરજ હોય, એ ફરજની સામે એને કેટલાંક પગલાં લેવા પડે, તો એમાં એ શું કરે ? એને તો છૂટકો જ નહીં ને ? એને કરવું જ પડે ને?

દાદાશ્રી : એ કરવું, પણ એને પદ્ધતિસર એવી શોધખોળ કરો કે સામાને બહુ અસર ના થાય.

પ્રશ્નકર્તા : શોધખોળ તો બીજી શું કરે ? પેલો કામ ના કરતો હોય એટલે એને ઠપકો તો આપવો પડે ને ?

દાદાશ્રી : પણ ઠપકો તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો ? ઠપકો તોલીને આપતા હશે લોકો ? આમ પાશેર તોલીને આપતા હશે, નહીં ? તો એવું તો થતું હશે ?

પ્રશ્નકર્તા : એ તો વગર તોલ્યે આપે પણ એમાં તો એવું છે ને, નોકરી કરતા હોય ત્યાં તો નક્કી જ કરેલું હોય કે ભઈ, આ કામ આટલું ના કરે તો તેની સામે આટલા પગલાં લેવા. આવું બધું એના કોડ (નિયમો) નક્કી કરેલા હોય છે.

દાદાશ્રી : કાયદેસર પગલાં લેવાને માટે વાંધો નથી પણ ઑન પેપર. પણ તમે તો ઠપકો મોઢે આપી દો છો. એ તોલીને આપો છો કે તોલ્યા વગર આપો છો?

પ્રશ્નકર્તા : પણ દાદા, પેલો કામ ના કરતો હોય, આપણે એને કામ કહ્યું હોય, તે કામ ના કર્યું હોય અને કામ ટાળ્યું હોય એટલે આપણે ઠપકો આપવો જ પડે ને ?

દાદાશ્રી : હા, ઠપકો આપવાનો.

પ્રશ્નકર્તા : કોઈ વખત ઠપકો આપવો પડે. નહીં તો એને છૂટો કરવો પડે, ડિસમિસ કરવો પડે. પછી આપણને મનમાં દુઃખ થાય કે એના છોકરાં ભૂખે મરશે.

(પા.૨૩)

દાદાશ્રી : પણ એવું છે ને, આપણે એને ચેતવવો કે ભઈ, મારે તને છૂટો કરવો પડશે, ડિસમિસ કરવો પડશે, માટે તું ચેતીને કામ કર.

પ્રશ્નકર્તા : એવું ચેતવીએ છીએ, એને લખીને આપીએ છીએ કે ‘તું કામ કરતો નથી, તને ડિસમિસ કરવામાં આવશે, તારું કામ સંતોષકારક નથી.’ એવું બધું લખીને આપીએ.

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : છતાં ના સુધરે એટલે પછી એને છૂટો કરવો પડે અને છૂટો કરીએ એટલે પછી એનાં છોકરાં બિચારાં દુઃખી થતાં રડતાં રડતાં ઘેર આવે. તે આપણને દુઃખ થાય. એને પણ દુઃખ તો થાય ને?

દાદાશ્રી : દુઃખ બંધ કરવું હોય તો એને રહેવા દેવાનું. કામ આપણે કરી લેવાનું.

પ્રશ્નકર્તા : એ પગલાં જો ના લઈએ, તો પાછો અમને અમારા ઉપરીથી ઠપકો સાંભળવો પડે.

દાદાશ્રી : તે પગલાં લો ને. પણ પગલાં એવી રીતે લો કે તમે તો શુદ્ધાત્મા છો. હવે ચંદુભાઈ પગલાં લે, એમાં જોખમદારી નથી હોતી. ચંદુભાઈ છે, એ વસ્તુ તો ડિસ્ચાર્જ છે. એટલે પગલાં લો તેની તમને જોખમદારી નથી હોતી. આપણે ચંદુભાઈને કહેવું કે બને ત્યાં સુધી પગલાં લેવાં નથી, આવા પગલાં લેશો નહીં. છતાં પછી લેવાઈ જાય તે સાચું!

પ્રશ્નકર્તા : એ વાત તમારી સાચી. આપણે અલિપ્તતાથી પગલાં લીધા, પણ એ પગલાં લીધા પછી પેલા માણસને જે મનદુઃખ થયું, એના માટે પ્રતિક્રમણ સિવાય બીજો શું રસ્તો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ એકલું જ, બીજું કશું કરવાનું નથી.

પ્રાકૃતિક સ્વભાવના કરવા પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : નોકરીની ફરજો બજાવતા મેં બહુ કડકાઈથી લોકોના અપમાન કરેલા, ધુત્કારી કાઢેલા.

દાદાશ્રી : એ બધાનું પ્રતિક્રમણ કરવાનું. એમાં તમારો ખરાબ ઈરાદો નથી. તમારે પોતાને માટે નથી. સરકારને માટે એ સિન્સિયારિટી (વફાદારી) કહેવાય.

પ્રશ્નકર્તા : એ હિસાબે હું બહુ ખરાબ માણસ હતો, ઘણાંને દુઃખ તો થયું હશે ને ?

દાદાશ્રી : એ તો તમારે ભેગું પ્રતિક્રમણ કરવાનું, કે મારા આ કડક સ્વભાવને લઈને જે જે દોષ થયા તેની ક્ષમા માગું છું. એ જુદું જુદું નહીં કરવાનું.

પ્રશ્નકર્તા : જાથું પ્રતિક્રમણ કરવાનું ?

દાદાશ્રી : હા, તમારે આવું કરવાનું કે આ મારા સ્વભાવને લઈને સરકારનું કામ કરવામાં જે જે દોષો થયા, લોકોને દુઃખ થાય એવું કર્યું છે, એની ક્ષમા માગું છું. એવું રોજ બોલવું.

જગત સુધરે પ્રેમથી

ભગવાનેય કહ્યું છે કે વેર કોઈની જોડે બાંધશો નહીં. વખતે પ્રેમ બંધાય તો બાંધજો પણ વેર બાંધશો નહીં. કારણ કે પ્રેમ બંધાશે તો તે પ્રેમ એની મેળે જ વેરને ખોદી નાખશે. પ્રેમની કબર તો વેરને ખોદી નાખે એવી છે, પણ વેરની કબર કોણ ખોદે? વેરથી તો વેર વધ્યા જ કરે, નિરંતર વધ્યા જ કરે. વેરને લઈને તો આ રઝળપાટ છે બધી ! આ મનુષ્યો શેનાં રઝળે છે ? શું તીર્થંકરો ભેગા નથી થયા ? ત્યારે કહે, ‘ના, તીર્થંકરો તો બહુ ભેગા થયા, ત્યાં ગયા હતા, ત્યાં બેઠા હતા, તેમનું સાંભળ્યું-કર્યું, દેશનાય સાંભળી પણ કશું વળ્યું નહીં.’

(પા.૨૪)

જગત જીતાશે અહિંસાની તલવારથી

જુઓ, આ પ્રેમના હથિયારથી જ બધા ડાહ્યા થઈ જાય, મારે કંઈ વઢવું ના પડે. વઢવાથી જગત સુધર્યું નથી કોઈ દહાડો. જેટલું અહિંસાની તલવારે કર્યું છે એટલું હિંસાની તલવારથી કામ થયું નથી. હિંસાની તલવારથી તો આ કાયમના ઝઘડા રહેવાના જ. અહિંસાની તલવારથી એ માણસ બચી જશે.

પ્રશ્નકર્તા : દાદા, પણ એ તો જે આત્માના અનુભવમાં હોય એ જ લોકો કરી શકે ને ?

દાદાશ્રી : એ જ કરી શકે ને ! બીજાએ છે તે એવો ધ્યેય નક્કી કરવો જોઈએ કે કોઈ પણ રસ્તે મારે હિંસા કરવી નથી અને અહિંસાની તલવારથી જ લોકોની સાથે લડું. લડીએ પણ તોય અહિંસાથી, તો એનો વાંધો નહીં. લઢવાનો વાંધો નથી પણ અહિંસાથી લડો. ખરાબ શબ્દ બોલીએ તો હિંસા કહેવાય. એને માટે ખરાબ ભાવ કરીએ તો હિંસા કહેવાય. એવી (હિંસક) રીતે નહીં, શું ?

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : હું ધંધો કરતો હતો તોય આવો શબ્દ બોલું માણસો જોડે, જો એ કામ ના કરે ને તો કહું. ના કહીએ તોય ખોટું, કહીએ તોય ખોટું. એ એવું કંઈક બોલું હું કે જેમાં હિંસા ના આવે. એટલે એવું બોલું કે ‘મેં તમારું શું પૂર્વભવે બગાડ્યું છે કે તમે બધા આ આવું કરો છો ?’ એટલે પછી પેલો મૂંઝાયા કરે, જાગૃત થઈ જાય. એવું-તેવું કંઈ બોલીએ કે જે પેલાને દુઃખના ઘા ના વાગે. એવું મેં તમારું શું બગાડ્યું છે કે તમે આમ કરો છો ? એટલે પછી એને મનમાં એવો ભાવ થાય કે હા, એવું કંઈ બગાડ્યું નથી. આ તો આપણે ભૂલ કરી. એવું એને થાય પણ અહિંસાની તલવાર વાપરીએને તો બહુ સારું થયું. હિંસાની તલવારથી તો આખા જગતમાં કોઈ જીત્યું જ નથી. એ જ હાર છે. હિંસાથી જ હાર ઉત્પન્ન થાય છે. હિંસાથી જીતે છે તેય હારેલો છે ને હારે છે તેય હારેલો, બધું હાર જ. અહિંસક તલવારથી હું કોઈ દહાડો નથી હાર્યો કોઈની સાથે. મારી જોડે મગજના બધા પાવરફુલ આવેલા હશે, પણ મારી જોડે અહિંસક તલવાર છે એટલે પછી મારે હારવાનું ક્યાં રહ્યું કારણ ? હિંસક તલવાર હોય તો હારવાનું. એ તમારા મનમાં એમ ઈચ્છા હોય કે હું આમને બોલીને એમને જીતું, તો હું પહેલેથી કહી દઉં કે ભઈ, હું તો હારીને બેઠો છું. તમારે જીતવું હોય તો જીતી લો હવે. એટલે એને ભાવ પૂરો થાય. એને સંતોષ થાય, એને ઊંઘ આવે. મને તો ઊંઘ આવવાની જ છે, એને ઊંઘ આવવી જોઈએ. ઊંઘ ના આવે એવું ન બનવું જોઈએ. જો હારે તો એને ઊંઘ ના આવે. એટલે મારે એને સાચવવું ના પડે ? એટલે કોઈને હરાવીને મોકલતો નથી.

પ્રશ્નકર્તા : એ તો આપની કરુણા છે.

દાદાશ્રી : એ એની મેળે પછી કહે કે ના, ના, હરાય તોય વાંધો નહીં પણ મારે સાચું જાણવું છે, તો હું કહું કે જીતીને પાછો હારીને જઈશ અહીંથી. માટે ચેતીને બોલજે. ત્યારે કહે, તે વાંધો નથી એનો મને.

પ્રશ્નકર્તા : તો એવું હારે એ તો જીતી ગયો કહેવાય.

દાદાશ્રી : હા, જીતી ગયો. એટલે વાત સમજવાની છે. ટૂંકી ને ટચ છે. પ્રેમસ્વરૂપ ભગવાનનું છે. આપણો જેટલો પ્રેમ ઉત્પન્ન થયો, આપણા મહાત્મામાં પહેલો પ્રેમ થઈ જાય ને, તોય બહુ થઈ ગયું !

જય સચ્ચિદાનંદ