સામાને અનુકૂળ થવાથી ખપે પ્રકૃતિ સંપાદકીય આત્મજ્ઞાન મળ્યા પછી પોતાને પુરુષ (આત્મા) પદ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જે પ્રકૃતિ રહી એનો નિકાલ કરવાનો રહે છે. મોક્ષ માટે માત્ર પોતાની પ્રકૃતિ ખપાવવાની છે. પ્રકૃતિ ખપાવી દે તો ભગવાન થઈ જાય. પ્રકૃતિ ખપાવવી એટલે આપણી પ્રકૃતિને સામાને માફક આવે તે રીતે અનુકૂળ કરીને, અનુકૂળ થઈને સમભાવે નિકાલ કરવો તે. દિવસ દરમ્યાન આપણે ઘણી બધી બાબતોમાં એડજસ્ટમેન્ટ લેતા જ હોઈએ છીએ. હવે જીવતી વ્યક્તિઓ સાથે પણ આપણે એડજસ્ટમેન્ટ લઈને અનુકૂળ થવું છે. આ માટે સામાની પ્રકૃતિ ઓળખી લઈએ તો એડજસ્ટમેન્ટ સરળતાથી લઈ શકાય. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે? કોઈક નોબલ હોય, કોઈ ચીકણો, કોઈ આડાઈવાળો હોય, કોઈ રિસાતો હોય, તો એને આપણે એડજસ્ટ થઈએ. એ આડાઈ કરે ને આપણે પણ આડાઈ કરીએ તો સૉલ્યુશન ક્યારે આવશે? આપણે સરળ થઈ જઈએ. દરેક બાબતમાં આપણે એડજસ્ટ થતા જઈશું, તો સૉલ્યુશન આવશે અને એડજસ્ટ થતા થતા આપણો અહંકાર, આપણા કષાયો ઓગળશે. એડજસ્ટ થવા કોણ નથી દેતું? આપણા ક્રોધ-માન-માયા-લોભ, ધાર્યું કરવું, મોહ, કર્તાપણું. હવે આપણી પ્રકૃતિ સામાને અનુકૂળ કરવા ગયા એમાં આપણા કષાયોને ખાલી થવું જ પડે. કોઈ વાતની પકડ પકડી ના શકીએ આપણે. હેતુ શું છે આપણે એડજસ્ટ થવાનો? ત્યારે કહે, આપણે છૂટવું છે. એડજસ્ટ એવરીવ્હેર ક્યારે થવાશે? દાદાશ્રી કહે છે કે અથડામણ ટાળીશું ત્યારે. આપણે આપણી મોક્ષની સેફસાઈડ માટે, આપણા રક્ષણ માટે, અથડામણ ટાળવાની છે. આપણે તો હવે સીમંધર સ્વામી પાસે પહોંચીને મોક્ષે જવું છે. માટે હવે કોઈ સાથે વેર ના બંધાય અને બધા હિસાબ ચુકતે થઈ જાય એ રીતે દરેક ફાઈલ સાથે અથડામણ ટાળી સમભાવે નિકાલ કરી નાખવાનો. આ માટે સામાને માફક આવે, એને સંતોષ થાય, એને દુૅંખ ના રહે અને સમાધાન થાય એ રીતે નિકાલ કરી નાખવો. સામાના મનનું સમાધાન નહીં કરો તો ભવોભવનું વેર બાંધશે અને જ્યાં સુધી કોઈનો ક્લેઈમ બાકી રહેશે, ત્યાં સુધી આપણે મોક્ષે જઈ શકીશું નહીં. માટે કોઈ પણ રસ્તે આપણે સામાનું સમાધાન થાય એ રીતે સમભાવે નિકાલ કરી નાખવો. જ્ઞાન મળ્યા પછી પ્રકૃતિને સમભાવે ખપાવવી એનું નામ જ પુરુષાર્થ. પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીએ બતાવેલ ચાવીઓ દ્વારા એડજસ્ટમેન્ટ લઈ, અથડામણ ટાળી અને ફાઈલોનો સમભાવે નિકાલ કરી પોતાની પ્રકૃતિ કેવી રીતે ખપાવવી તેની સમજ આપવામાં આવી છે, જે આપણને પ્રકૃતિ ખપાવવાના પુરુષાર્થમાં ઉપયોગી નીવડશે. જય સચ્ચિદાનંદ. સામાને અનુકૂળ થવાથી ખપે પ્રકૃતિ (પા.૪) પ્રકૃતિ ખપાવવી એટલે શું? પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં લખ્યું છે કે ‘કોઈ ત્યાગની પ્રકૃતિ હોય, કોઈ તપની પ્રકૃતિ હોય, કોઈ વિલાસી પ્રકૃતિ હોય, મોક્ષે જવા માટે માત્ર તમારી પ્રકૃતિ ખપાવવાની છે.’ તો પ્રકૃતિ ખપાવવી એટલે શું? દાદાશ્રી : એ બરોબર છે. પ્રકૃતિ ખપાવવી એટલે આપણી પ્રકૃતિને સામાને અનુકૂળ કરીને, અનુકૂળ થઈને સમભાવે નિકાલ કરવો તે. પ્રશ્નકર્તા : પણ મોક્ષ માટે પ્રકૃતિને ખપાવવી કેવી રીતે? દાદાશ્રી : સમભાવે નિકાલ કરવાનો. અને પાંચ આજ્ઞા પાળવાની છે. એ પાંચ આજ્ઞા છે ને, તે રિલેટિવ-રિયલ જુએ એટલે પ્રકૃતિ ખપ્યા કરે. પ્રકૃતિ ખપાવે તો ભગવાન થાય દરેકની પ્રકૃતિ હોય અને એ પ્રકૃતિ ખપાવે તો ભગવાન થાય. પોતાની પ્રકૃતિને પોતે જાણે તો ભગવાન થવાની શરૂઆત થઈ ગઈ. અને એને ખપાવી દે, જાણ્યા પછી સમભાવે નિકાલ કરીને. પોતાની પ્રકૃતિને જુએ, શું શું, કોની જોડે, ચંદુભાઈ બીજા જોડે શું કરે છે? એ પોતે જુએ. પ્રકૃતિને જોયા કરે એનું નામ જ ખપાવવાનું. વહેવારમાં ખપાવવું એટલે સમભાવથી ખપાવવું. મનને ઊંચું-નીચું થવા દે નહીં. કષાયોને મંદ કરીને બેસી રહેવું ને ખપાવ્યા કરવું એ ખપાવ્યા કહેવાય. સામાને એડજસ્ટ થવાથી ખપે પ્રકૃતિ પ્રશ્નકર્તા : તો આ વિલાસની પ્રકૃતિ હોય, તો એ પ્રકૃતિ ખપાવીને મોક્ષે જવાય એ કેવી રીતે? એ મને સમજ પડતી નથી. દાદાશ્રી : હા, એ તો ખપાવીને જવાય. પ્રશ્નકર્તા : પણ, એ કેવી રીતે એ સમજાવો. દાદાશ્રી : આ બધા જલેબી નથી ખાતા? હાફુસની કેરીઓ નથી ખાતા? એ બધો વિલાસ જ છે ને? આમાં કયો વિલાસ નથી તે? આ બધાય જીવ વિલાસ કહેવાય. કોઈ વિલાસ ચીકણો હોય ને કોઈ જરા મોળો હોય. એટલે સામાને અનુકૂળ આવે એવી રીતે પ્રકૃતિ ખપાવવી, એનું નામ ખપાવવી કહેવાય, સમભાવે નિકાલ કરીને. સામો કહે કે મારે ખીચડી કરવી છે અને આપણે કહીએ કે નહીં, ભાત કરો, નહીં કરો તો નહીં જ ચાલે.’ તે પછી અહીં એની લડાઈ જમાવીએ એમાં શું મઝા કાઢવાની? એડજસ્ટ થવું જોઈએ માણસને. જેને એડજસ્ટ થતાં ના આવડે, એને માણસ જ ગણાતો નથી, હેવાન કહેવાય છે. શું કહેવાય? પ્રશ્નકર્તા : એ હેવાન કહેવાય. દાદાશ્રી : હા, એડજસ્ટ, ઘરના માણસો જોડે એડજસ્ટ. બહારનાનું ના આવડે એની વાત જુદી છે, પણ ઘરના જોડે એડજસ્ટ ના થયા તો હેવાન કહેવાય. બહારનાને ના થવાય એ તો આપણે અમુક કારણસર નાયે થવાય. પણ પૈણ્યા, શાદી કરી અને પછી એડજસ્ટ ના થવાય? એમને સમજાવી લેવાય નહીં આપણે? બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે? આવડવી જોઈએ પ્રકૃતિ ઓળખતા એવું છે ને, ઘરમાં એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું? કુટુંબમાં બહુ માણસો હોય, તે બધાની જોડે મેળ પડતો નથી. પછી દહીંનો ડખો (પા.૫) થઈ જાય ! તે શાથી? આ મનુષ્યોનો જે સ્વભાવ છે, એ એક જાતનો નથી. જેવો યુગ હોય ને તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધા એકમેળ રહ્યા કરે. ઘરમાં સો માણસ હોય તોય દાદાજી કહે, તે પ્રમાણે બધાય અનુસરે ને આ કળિયુગમાં તો દાદાજી કહે તો તેમને આવડી આવડી ચપોડે (ગાળો ભાંડે). બાપ કશું કહે, તો બાપનેય આવડી આવડી ચપોડે. પ્રશ્નકર્તા : કંકાસ ઊભાં થવાનું કારણ શું? સ્વભાવ ના મળે તેથી? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર એનું નામ કે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન’ મળે તેનો એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’. કોઈ તને મારે તોય તારે તેને ‘એડજસ્ટ’ થઈ જવાનું. એક ભાઈ મને કહે કે ‘દાદા, ઘરમાં મારી બૈરી આમ કરે છે ને તેમ કરે છે.’ ત્યારે મેં તેને કહ્યું કે બેનને (એ ભાઈના પત્નીને) પૂછો તો એ શું કહે કે ‘મારો ધણી અક્કલ વગરનો છે.’ હવે આમાં તમારો એકલાનો ન્યાય શું કરવા ખોળો છો? ત્યારે એ ભાઈ કહે કે ‘મારું ઘર તો બગડી ગયું છે. છોકરાં બગડી ગયા છે, બૈરી બગડી ગઈ છે.’ મેં કહ્યું, ‘કશું બગડી નથી ગયું.’ તમને એ જોતાં આવડતું નથી. તમારું ઘર તમને જોતાં આવડવું જોઈએ. દરેકની પ્રકૃતિ ઓળખતા આવડવી જોઈએ. ખેતર નથી, આ છે બગીચો તમારું ઘર તો બગીચો છે. સત્યુગ, દ્વાપર ને ત્રેતાયુગમાં ઘર એટલે ખેતરાં જેવાં હતાં. કોઇ ખેતરમાં નર્યા ગુલાબ જ, કોઇ ખેતરમાં નર્યા ચંપા, કોઇમાં કેવડો, એમ હતું અને આ કળિયુગમાં ખેતર રહ્યું નથી, બગીચા થઇ ગયા. એટલે એક ગુલાબ, એક મોગરો, એક ચમેલી ! હવે તમે ઘરમાં વડીલ ગુલાબ હો ને ઘરમાં બધાંને ગુલાબ કરવા ફરો, બીજા ફૂલને કહો કે મારા જેવું તું નથી, તું તો ધોળું છે. તારું ધોળું કેમ આવ્યું, ગુલાબી ફૂલ લાવ? આમ સામાને માર માર કરો છો ! અલ્યા, ફૂલને જોતાં તો શીખો. તમારે તો એટલે સુધી કરવાનું કે આ શું પ્રકૃતિ છે ! કઇ જાતનું ફૂલ છે ! ફળ-ફૂલ આવે ત્યાં સુધી છોડને જો જો કરવાનું કે આ કેવો છોડ છે? મને કાંટા છે, આને કાંટા નથી. મારો ગુલાબનો છોડ છે, આનો ગુલાબનો નથી. પછી ફૂલ આવે ત્યારે આપણે જાણવું કે ‘ઓહોહો ! આ તો મોગરો છે !’ એટલે એની સાથે મોગરાના હિસાબે વર્તન રાખવું. ચમેલી હોય તો તેના હિસાબે વર્તન રાખવું. સામાની પ્રકૃતિના હિસાબે વર્તન રાખવું. પહેલાં તો ઘરમાં વડીલ હોય, તે તેમના કહ્યા પ્રમાણે ઘરમાં છોકરાં ચાલે, વહુઓ ચાલે. જ્યારે કળિયુગમાં જુદી જુદી પ્રકૃતિ, તે કોઇને મેળ ખાય નહીં. માટે આ કાળમાં તો ઘરમાં બધાની પ્રકૃતિના સ્વભાવને એડજસ્ટ થઇને જ કામ લેવું જોઇએ. એ એડજસ્ટ નહીં થાય તો રીલેશન (સંબંધ) બગડી જશે. માટે બગીચાને સંભાળો અને ગાર્ડનર (માળી) થાવ. વાઇફની જુદી પ્રકૃતિ હોય, છોકરાંની, છોકરીઓની જુદી જુદી પ્રકૃતિ હોય. તે દરેકની પ્રકૃતિનો લાભ ઉઠાવો. ભિન્ન-ભિન્ન પ્રકૃતિ ઓળખી ટાળો અથડામણ હવે માનવ તો માનવ જ છે પણ તમને ઓળખતાં નથી આવડતું. ઘરમાં પચાસ માણસ હોય પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં એટલે ડખો થયા કરે છે. એને ઓળખવા તો જોઈએ ને? ઘરમાં એક જણ કચકચ કરતું હોય તો એ તો એનો સ્વભાવ જ છે. એટલે આપણે એક ફેરો સમજી જવાનું કે આ આવો છે. તમે ઓળખી જાવ ખરાં કે આ આવો જ છે? પછી એમાં ફરી તપાસ કરવાની જરૂર ખરી? આપણે ઓળખી જઈએ એટલે તપાસ કરવાની ના રહે. કેટલાંકને રાતે મોડું સૂઈ જવાની ટેવ હોય અને કેટલાંકને (પા.૬) વહેલું સૂઈ જવાની ટેવ હોય, તે બન્નેને મેળ શી રીતે પડે? અને એક કુંટુંબમાં બધા ભેગાં રહે, તે શું થાય? ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે તમારામાં તો અક્કલ ઓછી છે. તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે. એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો આપણે થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો પણ આપણે એને અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈ ને ! હું શું કહેવા માંગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો. બાકી, આત્મા એ જુદી વસ્તુ છે. અમે દરેક પ્રકૃતિને પામી લીધેલી હોય. આમ ઓળખી જઈએ. એટલે અમે દરેકની જોડે એની પ્રકૃતિ પ્રમાણે રહીએ. આ સૂર્ય જોડે આપણે બપોરે બાર વાગે મિત્રાચારી કરીએ તો શું થાય? તેમ આપણે સમજીએ કે આ ઉનાળાનો સૂર્ય છે, આ શિયાળાનો સૂર્ય છે તો પછી વાંધો આવે? અમે પ્રકૃતિને ઓળખીએ એટલે પછી તમે અથડાવા ફરતાં હોય તોય હું અથડાવા નહીં દઉં, હું ખસી જઉં. નહીં તો બેઉનો એક્સિડન્ટ થાય અને બન્નેનાં સ્પેરપાર્ટસ્ તૂટી જાય, પેલાનું બમ્પર તૂટી જાય, તો મહીં બેઠેલાંની શી દશા થાય? બેસનારાની દશા બરાબર બેસી જાય ને ! એટલે પ્રકૃતિ ઓળખો. ઘરમાં બધાની પ્રકૃતિ ઓળખી લેવાની. આમ થાય સામાની પ્રકૃતિ વશ પ્રકૃતિને ઓળખીએ આપણે કે આ ગુલાબ છે, તો ગુલાબ આપણને વશ થાય ખરું? કાંટા ના વાગે એવું કરે? આપણે સાચવીને કામ કાઢી લેવાનું એની પાસે, તો પ્રકૃતિ વશ થાય. એ ગુલાબ વશ ક્યારે થાય? આપણે સાચવીને કાંટા વાગે નહીં, એવી રીતે ફૂલ લઇ લઇએ તો ગુલાબ વશ થાય, એવી રીતે અમે કહેવા માંગીએ છીએ. બાકી ગુલાબ કોઇ દહાડો ફરે? એ તો તમે હાથ ઘાલ્યો કે કાંટો વાગે જ. કાંટો વાગે ને? મને લાગે છે, માળીને છોડી દેતો હશે, નહીં? માળીને ના છોડે, તેને જે પાણી પાતો હોય? કોઇને છોડે નહીં? પ્રકૃતિને ઓળખીને લેવું કામ માણસોમાંય આ બધી પ્રકૃતિ ઓળખતા આવડેને, તો પછી આપણે સમજીએ કે આ લીમડો જેવો છે. લીમડાને અડીએ, એની નીચે બેસીએ પણ પાનાં મોઢામાં ઘાલીએ નહીં. લીમડાની નીચે નથી બેસતા લોક? પ્રશ્નકર્તા : હા, બેસે, ઠંડક લે છે. દાદાશ્રી : અરે, એના પાંદડા લઈ આમ સુંઘે પણ મોઢામાં ઘાલે નહીં. એ જાણે કે કડવો જ હોય, જન્મથી જ કડવો હોય. મનુષ્યની પ્રકૃતિ એવી નહીં. ઘણાં વખત પ્રકૃતિ કડવી હોય ને, તે અમુક ઉંમરે પછી મીઠી થઈ જાય. પ્રશ્નકર્તા : બદલાય? દાદાશ્રી : કારણ કે મનુષ્ય બદલાતો છે, એવર ચેઈન્જિંગ (નિરંતર બદલાતો) છે. એ લોકોને (તિર્યંચગતિના) આ ચેન્જ છે તે બીજો એક ભવ ફળ આપવા પૂરતું જ છે અને આપણે તો ફળેય આપીએ (આવે) અને બાંધીએય ખરા. એટલે આપણાથી એવું ના કહેવાય કે આ કાયમ ચોર છે. પ્રશ્નકર્તા : લીમડો કાયમ કડવો રહેશે એવું કહેવાય? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : અને માણસ કાયમ કડવો રહેશે, એવું ના કહેવાય. દાદાશ્રી : ના. આપણે ઓળખી કાઢવું જોઈએ કે ભઈનામાં શું છે? તે સાધારણ જોઈએ. જેમ આ ભાઈ છેને, તે આમ તપાસ કરી રાખી, પછી ઓળખી શકીએ કે આ ભાઈ આવો જ હોય. કાલે (પા.૭) સવારે ચેન્જ મારીય જાય, તો મોટો મહાન જ્ઞાની પુરુષ બની જાય. પ્રશ્નકર્તા : પણ લગભગ આખી જિંદગી પ્રકૃતિ એકધારી રહી શકે ખરી મનુષ્યમાં? દાદાશ્રી : હા, રહે ને, ઘણાંને રહે. તેથી આપણા લોકો કહે છે ને પ્રાણ ને પ્રકૃતિ બેઉ જોડે જાય. પ્રશ્નકર્તા : પણ એવો સિદ્ધાંત નથી કે એવી જ રહે? દાદાશ્રી : મનુષ્યને માટે નથી, બીજા બધા માટે ખરો. પ્રકૃતિ ઓળખીને તેની સાથે કામ લેવું. તું જક્કે ચડે એવો અને હું જક્કે ચડે એવો હોઉં પછી મજા આવે? ના. હું જાણું કે આ જક્કે ચડ્યો છે એટલે મારે ત્યાં નરમ થઈ જવું જોઈએ. કારણ કે જક્કે ચડનારનો ગુનો નથી, આ એની પ્રકૃતિ એવી છે. જ્ઞાન ગમે એટલું હોય પણ પ્રકૃતિ પ્રમાણે જક્કે ચડે જ. પ્રકૃતિ ઓળખવાથી રહે વીતરાગતા આ વ્યવહારમાં તો પ્રકૃતિ સામાની ઓળખી રાખવાની છે, બીજું શું? સ્વભાવ. સામાનો સ્વભાવ એટલે આપણને એમ રહે કે આ ભઈ આવ્યો એટલે હવે ભાંજગડ નહીં. અહીં કોટ-બોટ બધું સોંપીને નિરાંતે જાવ. કોટમાં બે લાખ હોય, તે એને સોંપીને જઈ આવેને તો વાંધો નહીં, એવું આપણે જાણીએ ખરાં. પ્રકૃતિ સ્વભાવ જાણતા હોય તો એને સોંપાય. બીજાને ના સોંપાય, જોજો. સામાની પ્રકૃતિની ઓળખાણ થાય તો તેની જોડે વીતરાગતા રહે કે આ ગુલાબનો છોડ છે ને કાંટા વાગે છે, તો ગુલાબને કાંટા હોય જ એવું નક્કી થાય, પછી કાંટા ઉપર રીસ ના ચડે. આપણે ગુલાબ જોઈતા હોય તો કાંટા ખાવા પડે. પ્રકૃતિની ઓળખાણ થવી એ જ્ઞાન અને જ્ઞાન થયું એટલે વર્તનમાં આવે, બસ. એટલે પ્રકૃતિને આપણે ઓળખી ગયા કે આ ભઈને આ ગુણ છે, તો પછી એની જોડે વીતરાગતા રહે. એ આપણે જાણીએ કે આનો દોષ નથી, આ તો એની પ્રકૃતિ આવી છે. ગુણ જોવાના, દોષ નહીં આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઇએ. પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિના ગુણોને જ જોવાના. એથી શું થાય કે ‘પેલા’ દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે. અમારે આટલાં બધાં હજાર મહાત્માઓ છે છતાં કેમ બધાં સાથે ફાવે છે? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ, અમે તો એનાં ફૂલોને જ જોઇએ. જો ચંપો ગુલાબની ભૂલ કાઢે કે ‘તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી’, તો ગુલાબ એને કહેત કે ‘તું તો ઠૈડ (નિસત્ત્વ, થાકેલા) જેવો દેખાય છે’ ને ઝઘડો થઇ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઇ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે, તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઇ જાય છે. પ્રકૃતિ પ્રમાણે કરે, ત્યાં ભૂલ શી જોવાની? બાકી બીજું બધું તો સહુ સહુની પ્રકૃતિસર હોય. જેની જેવી પ્રકૃતિ તે રીતે જ કરવાનું. કંઈ બધાએ ગાયનો ગાવાના નહીં, એ તો કોઈ ગાયક હોય તે ગાયનો ગાય. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કરે, એમાં વળી ભૂલ શાની કાઢવાની? એની આવડત પ્રમાણે એ કરે. સહુ સહુની આવડત પ્રમાણે કામ કરે. પોતાની (પા.૮) ડિઝાઈન પ્રમાણે ના કરાવાય કે મારી ડિઝાઈન પ્રમાણે જ તારે ચાલવું પડે, એવો કાયદો ના હોય. પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે, એમાં ભૂલ ક્યાં આવી? આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને ! એડજસ્ટ થતાં આવડે તો કામ થઈ જાય બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય. સત્યુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરનાં બધાં જ તીખાં હોય. અત્યારે કળિયુગમાં એક તીખો, બીજો ખાટો, તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય, તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય. આ ધણી વહેલો ઊઠે અને બૈરી મોડી ઊઠે, તે પછી સવારના પહોરમાં કકળાટ ઊભો થાય. ને આવી રીતે સંસાર ખારો કરી મૂકે. પણ જો પ્રકૃતિને એડજસ્ટ થતાં આવડી જાય તો કામ થઇ જાય. વ્યવહારમાં રહ્યો એનું નામ કહેવાય કે જે ‘એડજસ્ટ એવરીવ્હેર’ થયો ! હવે ડેવલપમેન્ટનો જમાનો આવ્યો. માટે મતભેદ ના પાડવા. એટલે અત્યારે લોકોને મેં શબ્દ આપ્યો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! એડજસ્ટ, એડજસ્ટ, એડજસ્ટ ! કઢી ખારી થઈ, તો સમજી જવાનું કે દાદાએ ‘એડજસ્ટમેન્ટ’ કહ્યું છે, પછી એ કઢી થોડી ખઈ લેવી. હા, કંઈ અથાણું યાદ આવે તો પાછું થોડું મંગાવવું કે અથાણું લઈ આવો ! પણ ઝઘડો નહીં. ઘરમાં ઝઘડો ના હોય. પોતે કોઈ જગ્યાએ મુશ્કેલીમાં મૂકાયેલો હોય ત્યારે તે પોતાનું ‘એડજસ્ટમેન્ટ’ કરી લે તોય સંસાર રૂપાળો લાગે. સંસારમાં બીજું કશું ના આવડે, પણ ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. બીજું કશું ભલે ના આવડે, કંઈ વાંધો નથી. ધંધો કરતાં ઓછો આવડે તોય વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. સામો ‘ડિસ્એડજસ્ટ’ થયા કરે ને આપણે ‘એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. જેને છૂટવું હોય, તેણે એડજસ્ટ થવું તારી જોડે જે કોઈ ડિસ્એડજસ્ટ થવા આવે, તેને તું એડજસ્ટ થઈ જા. રોજિંદા જીવનમાં જો સાસુ-વહુને કે દેરાણી-જેઠાણીને ડિસ્એડજસ્ટમેન્ટ થતું હોય તો, જેને આ સંસાર ઘટમાળમાંથી છૂટવું હોય, તેણે એડજસ્ટ થઈ જ જવું જોઈએ. ધણી-ધણીયાણીમાંય જો એક ફાડ ફાડ કરતું હોય તો બીજાએ સાંધી લેવું, તો જ સંબંધ નભશે અને શાંતિ રહેશે. જેને એડજસ્ટમેન્ટ કરતાં ન આવડે, તેને લોક ‘મેન્ટલ’ (ગાંડો) કહે છે. આ રિલેટિવ સત્યમાં આગ્રહ, જકની જરાય જરૂર નથી. માણસ તો કોનું નામ? એવરીવ્હેર એડજસ્ટેબલ ! ચોરની સાથેય એડજસ્ટ થઈ જવું જોઈએ. ફરિયાદી થવા કરતાં એડજસ્ટ થાવ એવું છે ને, ઘરમાંય ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. આપણે સત્સંગમાંથી મોડા ઘેર જઈએ તો ઘરવાળાં શું કહેશે? ‘થોડુંઘણું ટાઈમસર તો આવવું જોઈએ ને?’ તે આપણે વહેલા ઘેર જઈએ એ શું ખોટું? પેલો બળદેય ચાલે નહીં તો એને ઘોંચ મારે. એના કરતાં એ આગળ હેંડતો હોય તો પેલો ઘોંચ ના મારે ને ! નહીં તો પેલો ઘોંચ મારે ને આને હેંડવું પડે. હેંડવું તો પડે છે જ ને? તમે જોયેલું એવું? પેલું પાછળ ખીલાવાળું હોય તે મારે. મૂંગું પ્રાણી શું કરે? કોને ફરિયાદ કરે એ? આ લોકોને જો ઘોંચ મારી હોય તો તેમને બીજા બચાવવા નીકળે, પેલું મૂંગું પ્રાણી કોને ફરિયાદ કરે? હવે આમને કેમ આવું માર ખાવાનું થયું? કારણ કે પહેલાં બહુ ફરિયાદો કરી હતી, તેના આ પરિણામ આવ્યા. તે દહાડે સત્તામાં આવ્યો ત્યારે (પા.૯) ફરિયાદો કર કર કરી. હવે સત્તા નથી એટલે ફરિયાદ કર્યા વગર રહેવાનું. એટલે હવે ‘પ્લસ-માઈનસ’ કરી નાખો. એના કરતાં ફરિયાદી જ ના થવું શું ખોટુ? ફરિયાદી થઈએ તો આરોપી થવાનો વખત આવે ને? આપણે તો આરોપીયે થવું નથી ને ફરિયાદીયે થવું નથી. સામો ગાળ ભાંડી ગયો એને જમા કરી દેવાનું. ફરિયાદી થવાનું જ નહીં ને ! તમને કેમ લાગે છે? ફરિયાદી થવું સારું? પણ એના કરતાં પહેલેથી જ ‘એડજસ્ટ’ થઈ જઈએ તે શું ખોટું? એડજસ્ટમેન્ટ લેવાની રીત પ્રશ્નકર્તા : એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો. દાદાશ્રી : આપણે કોઈક કારણસર મોડું થઈ ગયું અને આવ્યા ત્યારે વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, ‘આટલા મોડા આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ...’, એનું મગજ ખસી ગયું. તો આપણે કહીએ કે ‘હા, તારી વાત ખરી છે, તું કહેતી હોય તો પાછો જઉં, તું કહેતી હોય તો મહીં બેસું.’ ત્યારે કહે, ‘ના, પાછાં ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના.’ પણ પછી કહીએ, ‘તું કહું તો ખાઉં, નહીં તો સૂઈ જાઉં.’ ત્યારે કહે, ‘ના, ખઈ લો.’ એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવીએ ઉપરથી, તો ચાનો કપ છણકો મારીને આપે, તે ત્રણ દા’ડા સુધી ચાલ્યા જ કરે. એડજસ્ટ થતાં ના આવડે તો શું કરે? લોકો વાઈફ જોડે લડે ખરાં? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એમ? શું વહેંચવા સારુ? વાઈફની જોડે શું વહેંચવાનું? મિલકત તો સહિયારી છે. પ્રશ્નકર્તા : ધણીને ગુલાબજાંબુ ખાવા હોય અને વાઈફ ખીચડી બનાવે, એટલે પછી ઝઘડો થાય. દાદાશ્રી : પછી છે તે ઝઘડો કર્યા પછી શું ગુલાબજાંબુ આવે? પછી ખીચડી જ ખાવી પડે. પ્રશ્નકર્તા : પછી બહાર હોટલમાંથી પીઝા મંગાવે. દાદાશ્રી : એમ? એટલે પેલુંય રહ્યું ને પેલુંય રહ્યું. પીઝા આવી જાય, નહીં? પણ આપણું પેલું તો જતું રહ્યું. એનાં કરતાં આપણે વાઈફને કહ્યું હોય કે ‘તમને અનુકૂળ આવે તે બનાવો.’ એનેય કો’ક દહાડો ભાવ તો થશે જ ને ! એ ખાવાનું નહીં ખાય? તો આપણે કહીએ, ‘તમને અનુકૂળ આવે તે બનાવજો.’ ત્યારે કહે, ‘ના, તમને અનુકૂળ આવે તે બનાવવું છે.’ તો આપણે કહીએ કે ‘ગુલાબજાંબુ બનાવો.’ અને જો આપણે પહેલેથી ગુલાબજાંબુ કહીએ એટલે એ કહેશે, ‘ના, હું ખીચડી બનાવવાની.’ એ વાંકું બોલશે. જે પહેલું બોલે, તેને થાવ એડજસ્ટ પ્રશ્નકર્તા : આવા મતભેદ બંધ કરવાનો શું રસ્તો બતાડો છો? દાદાશ્રી : આ તો હું રસ્તો બતાવું છું કે ‘એડજસ્ટ એવરીવ્હેર’. એ કહે કે ‘ખીચડી બનાવવી છે.’ તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું અને તમે કહો કે ‘ના, અત્યારે આપણે બહાર જવું છે, સત્સંગમાં જવું છે,’ તો એમણે ‘એડજસ્ટ’ થઈ જવું જોઈએ. જે પહેલું બોલે, તેને બીજાએ એડજસ્ટ થઈ જવું. પ્રશ્નકર્તા : તો પહેલું બોલવા માટે મારામારી થશે. દાદાશ્રી : હા, એમ કરજે પણ એને ‘એડજસ્ટ’ થઈ જવું. કારણ કે તારા હાથમાં સત્તા નથી. એ સત્તા કોના હાથમાં છે, તે હું જાણું છું. એટલે આમાં ‘એડજસ્ટ’ થઈ જાય તો વાંધો છે, ભાઈ? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. (પા.૧૦) દાદાશ્રી : બેન, તને વાંધો છે? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો નિકાલ કરી નાખો ને ! ભટકવું હોય તો, ઘરમાં ચલણ રાખવું ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાય ને? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય એડજસ્ટ ના થાત. આ તો કોઇ બાપોય નોંધ કરતું નથી ! દુષમકાળમાં સુખી થવાનો રસ્તો મોટામાં મોટું દુઃખ શેનું છે? ‘ડિસ્એડજસ્ટમેન્ટ’નું. ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરે તો શું વાંધો છે? પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ. દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. ‘દાદા’એ કહ્યું છે કે ‘એડજસ્ટ એવરીવ્હેર’, એ પાળવાનું. તો ‘એડજસ્ટ’ થયા કરે. વાઈફ કહે કે ‘તમે ચોર છો.’ તો કહેવું કે ‘યુ આર કરેક્ટ.’ વાઈફ દોઢસો રૂપિયાની સાડી લાવવાનું કહે, તો આપણે પચ્ચીસ રૂપિયા વધારે આપીએ. તે છ મહિના સુધી તો ચાલે ! આ તો જે કામ જલ્દી પતાવવું હોય, તેને શું કરવું પડે? આપણે એને ‘એડજસ્ટ’ થઈએ કે પછી ‘દાવો માંડો’ કહીએ? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું. નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે? વાઈફ જોડે લડે તો રાત્રે ઊંઘ આવે ખરી? અને સવારે સારો નાસ્તોય ના મળે. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ? સવારમાં નાસ્તો બગડે, બપોરે જમવાનું બગડે, આખો દહાડો બગડે ! અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો આ ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે, અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ. અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય, ત્યાં તેનો સ્વાદ તો આવતો જ રહેશે ને તમને? આ ‘ડિસ્એડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઇ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં, અને મારું જ ચલણ રહેવું જોઇએ ! તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો ‘પોઇઝન’ પડશે થાળીમાં ! સહેજે ચાલે છે તેને ચાલવા દો ને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે ! માટે બીબી કહે છે કે ‘તમે નાલાયક છો.’ તો કહેવું ‘બહુ સારું.’ પ્રશ્નકર્તા : આપણને બીબી ‘નાલાયક’ કહે, એ તો સળી કરી હોય એવું લાગે. દાદાશ્રી : તો પછી આપણે શો ઉપાય કરવો? ‘તું બે વખત નાલાયક છે’ એવું એને કહેવું? અને તેથી કંઇ આપણું નાલાયકપણું ભૂંસાઇ ગયું? આપણને સિક્કો વાગ્યો એટલે પાછા આપણે શું બે સિક્કા મારવા? અને પછી નાસ્તો બગડે, આખો દહાડો બગડે. પ્રશ્નકર્તા : ‘એડજસ્ટમેન્ટ’ની વાત છે, એની પાછળ ભાવ શું છે? પછી ક્યાં આવવું? દાદાશ્રી : ભાવ શાંતિનો છે, શાંતિનો હેતુ છે. અશાંતિ ઉત્પન્ન નહીં કરવાનો કીમિયો છે. (પા.૧૧) એડજસ્ટ થઈએ તો મંડાય પ્રગતિ ‘એડજસ્ટ એવરીવ્હેર’, એમાં વાંધો ખરો? પ્રશ્નકર્તા : ના, જરાય નહીં. દાદાશ્રી : એ પતિ પહેલાં બોલે, કે આજે ડુંગળીના ભજિયાં, લાડવા, શાક બધું બનાવો એટલે આપણે એડજસ્ટ થઈ જવું અને તમે બોલો કે આજે વહેલું સૂઈ જવું છે, તો એમણે એડજસ્ટ થઈ જવું જોઈએ. (ભાઈને સંબોધી) તમારે કોઈ ભઈબંધને ત્યાં જવાનું હોય તોય બંધ રાખીને વહેલા સૂઈ જવું. કારણ કે ભઈબંધ જોડે ભાંજગડ થશે, એ જોઈ લેવાશે પણ આ પહેલી ભાંજગડ અહીં ના થવા દેવી. આ તો ભઈબંધને ત્યાં સારું રાખવા માટે અહીં ભાંજગડ કરે, એવું ના હોવું જોઈએ. એટલે એ પહેલાં બોલે તો આપણે ‘એડજસ્ટ’ થઈ જવું. પ્રશ્નકર્તા : પણ એમને આઠ વાગે મીટિંગમાં જવાનું હોય અને બહેન કહે કે હવે સૂઈ જાવ, તો પછી એમણે શું કરવું? દાદાશ્રી : એ કલ્પનાઓ નહીં કરવાની. કુદરતનો નિયમ એવો છે કે ‘વ્હેર ધેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.’ (જો ઈચ્છા હોય તો રસ્તો મળી આવે.). કલ્પના કરશો તો બગડશે. એ તો તે દહાડે એ જ કહેતી હતી કે તમે જલ્દી જાવ. પોતે ગેરેજ સુધી મૂકવા આવશે. આ કલ્પના કરવાથી બધું બગડે છે. એટલા માટે એક પુસ્તકમાં લખેલું છે, ‘વ્હેર ધેર ઈઝ એ વીલ, ધેર ઈઝ એ વે.’ આટલું પાળો તો બહુ થઈ ગયું. ઘરમાં વાઇફ કહે કે ‘અત્યારે દહાડો છે’, તો આપણે ‘ના, રાત છે’ કહીને ઝઘડા માંડીએ તો તેનો ક્યારે પાર આવે? આપણે તેને કહીએ કે ‘અમે તને વિનંતી કરીએ છીએ કે રાત છે, જરા બહાર તપાસ કર ને.’ તોય એ કહે કે ‘ના, દિવસ જ છે’, ત્યારે આપણે કહીએ, ‘યુ આર કરેક્ટ. મારી ભૂલ થઇ ગઇ.’ તો આપણી પ્રગતિ મંડાય, નહીં તો આનો પાર આવે તેમ નથી. આ તો ‘બાયપાસર’ (વટેમાર્ગુ) છે બધા. ‘વાઇફ’ પણ ‘બાયપાસર’ છે. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુઃખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને ‘જ્ઞાની’ થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુઃખ ના હોવું જોઈએ. તારા ‘રિવોલ્યુશનો’ અઢારસોના હોય ને સામાના છસોના હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે, તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધાં ગીયર બદલવા પડે. શીખો કાઉન્ટરપુલી નાખતા પ્રશ્નકર્તા : ‘રિવોલ્યુશન’ એટલે શું? દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે, તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો ‘એટ એ ટાઈમ’ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો ‘રિવોલ્યુશન’ ફરતા હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા ! આ મતભેદ પડવાનું કારણ શું? તમારી વાઈફને સો ‘રિવોલ્યુશન’ હોય ને તમારા પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખાં ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો એન્જિન હઉ તૂટી (પા.૧૨) જાય. ‘રિવોલ્યુશન’ સમજ્યા તમે? તમે આ મજૂરને વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં ‘રિવોલ્યુશન’ પચાસ હોય ને તમારા પાંચસો હોય. કોઈને હજાર હોય, કોઈને બારસો હોય. જેવું જેનું ‘ડેવલપમેન્ટ’ હોય, તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપુલી’ એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારા ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવા પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈના આટલાં જ ‘રિવોલ્યુશન’ છે. એટલે તે પ્રમાણે હું ‘કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઈએ, એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. પ્રશ્નકર્તા : કોઈ પણ સામાના લેવલ ઉપર આવે તો જ વાત થાય? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન’ પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારાં ‘રિવોલ્યુશન’ ક્યાંના ક્યાંય જઈ આવે ! આખા વર્લ્ડમાં ફરી આવે ! તમને ‘કાઉન્ટરપુલી’ નાખતા ના આવડે, તેમાં ઓછા ‘રિવોલ્યુશન’વાળા એન્જિનનો શો દોષ? એ તો તમારો દોષ કે તમને ‘કાઉન્ટરપુલી’ નાખતા ના આવડી. વધુ લાઈટવાળાએ થવું એડજસ્ટ પ્રશ્નકર્તા : આપણે અમુક ‘લેવલ’ ઉપર આવી ગયા અને બીજાં એ ‘લેવલ’ ઉપર નથી. હવે એની સાથે કામ તો કરવાનું છે જ, એટલે ઘણી વખત ત્યાં પછી મેળ ખાતો નથી. દાદાશ્રી : એ મેળ તો ના પડે ને ! એ મેળ પડે નહીં, પણ આપણે એને ‘એડજસ્ટ’ થવાનું છે. તેથી જ મેં કહ્યું ને કે ત્યાં ‘સમભાવે નિકાલ’ કરજો. એવું છે ને, આપણને વધુ ‘લાઈટ’ હોય તો એને ‘ડીમ’ કરી શકાય, પણ ‘ડીમ’ લાઈટવાળાને વધુ ન કરી શકાય. આપણું વધુ લાઈટ છે ને, એટલે ‘ડીમ લાઈટ’ કરીને એની જોડે બેસવું. તમારે ‘લાઈટ’ વધી જાય તો આ ભાઈ જોડે કેવી રીતે કામ લેવું, એ ફિટ કરી દો છો ને? એવું બધે ‘ફિટ’ કરી દેવાનું. આપણે ‘ફિટ’ કરી દેવાનું છે, બધી અનંત શક્તિ છે ! તમે ‘દાદા’નું નામ દઈને કહો કે ‘હે દાદાજી, મને ફિટ થજો’ તો ‘ફિટ’ થઈ જાય તરત. અને આપણા ભાવમાં નક્કી છે કે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના હો. એવું આપણે નક્કી કરેલું હોય તો તેને દુઃખ થાય જ નહીં. એટલે આપણે નક્કી કરવું જોઈએ. પ્રકૃતિ એટલે મશીનરી પ્રકૃતિ એટલે મશીનરી કહેવાય અને મશીનરી જોડે આમ આડાઈ કેમ કરાય? મશીનને, પેલા ગિયરને, એમ કહીએ, કે જો હું આંગળી અડાડું, મેં તને બનાવ્યું છે. તારે આ મારી આંગળીને નહીં નડવાનું. પણ એ તો કાપી જ નાખે, એ આપણે બનાવ્યું હોય કે ગમે તેણે. કારણ કે મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. એમ આ પ્રકૃતિ મિકેનિકલ છે. એટલે આપણે એવું દાદા પાસે શીખી લેવાનું, તે મિકેનિકલ એડજસ્ટમેન્ટ બધું ઢીલું પડી જાય. થાય કે ના થાય એવું? અમારી પાસેથી કળા એક વખત શીખી જવાની. આ બોધકળા એટલે અહિંસક કળા છે, હિંસક કળા નહીં. હા, મોક્ષે લઈ જનારી. માટે આટલો અવતાર હવે બગાડશો નહીં હવે ! ફ્યુઝ ઊડી જાય ત્યારે આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશીનરી’ કેવી છે, એનો ‘ફ્યુઝ’ ઊડી જાય તો શી રીતે ‘ફયુઝ’ (પા.૧૩) બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. અમારે જો સામાનો ‘ફ્યુઝ’ ઊડી જાય તોય અમારું એડજસ્ટમેન્ટ હોય, પણ સામાનું ‘એડજસ્ટમેન્ટ’ તૂટે તો શું થાય? ‘ફ્યુઝ’ ગયો પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય, પણ કંઈ વાયર તૂટતો નથી (કનેક્શન તૂટ્યું નથી). એટલે જો કોઈ ફ્યુઝ નાખી આપે તો પાછું રાગે પડે, નહીં તો ત્યાં સુધી એ ગૂંચાય. હવે વાઈફને કોઈ પાડોશી બઈ જોડે વઢવાડ થયેલી હોય અને એનું મગજ તપી ગયેલું હોય અને આપણે બહારથી આવ્યા તો એ તપી ગયેલું બોલે, તો આપણે શું કરવું? આપણે તપી જવું પાછું? એવાં સંજોગો ઊભા થાય છે, ત્યાં આગળ એડજસ્ટ થઈને આપણે ચાલવું જોઈએ. આજે એ કયા સંજોગમાં તપેલી છે, કોની જોડે તપી ગયેલી હોય, શું ખબર પડે? એટલે આપણે પુરુષ થયા, મતભેદ ન પડવા દઈએ. એ મતભેદ પાડે તોય વાળી લેવું. મતભેદ એટલે અથડામણ. જેવું મળ્યું એવું સોનાનું દરેક વાતમાં આપણે સામાને ‘એડજસ્ટ’ થઇ જઇએ તો કેટલું બધું સરળ થઇ જાય ! આપણે જોડે શું લઇ જવાનું છે? કોઇ કહેશે કે ‘ભાઇ, એને સીધી કરો.’ ‘અરે, એને સીધી કરવા જઇશ તો તું વાંકો થઇ જઇશ.’ માટે ‘વાઇફ’ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને ‘કરેક્ટ’ કહીએ. માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઇની કોઇ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી જ રહે. એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, ‘એડજસ્ટ એવરીવ્હેર.’ ટૈડકાવાની જગ્યાએ તમે ના ટૈડકાવી તેનાથી ‘વાઇફ’ વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઇને કોઇ દહાડોય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે. પ્રશ્નકર્તા : તો પછી એ સીધી થઇ જાય? દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી. પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે. દાદાશ્રી : ના, ના. એ અઘરું નથી, એ જ સહેલું છે. ગાયનાં શિંગડા ગાયને ભારે. પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને? દાદાશ્રી : કો’ક દહાડો આપણને વાગી જાય. શિંગડું વાગવાનો સંજોગ આવે તો આપણે આમ ખસી જઇએ, તેવું અહીં પણ ખસી જવાનું. એક સમયે બે સાથે એડજસ્ટમેન્ટ પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોંચી વળાય? દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તોય લઇ શકાય. એક પૂછે, ‘મારું શું કર્યું?’ ત્યારે કહીએ, ‘હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું.’ બીજાનેય એમ કહીશું, ‘તમે કહેશો તેમ કરીશું.’ ‘વ્યવસ્થિત’ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ઊભો ના કરશો. આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખા કરી નાખવાના છે. આને ‘સારું’ કહ્યું એટલે પેલું ‘ખોટું’ થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું મિક્ષ્ચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવેર’ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય ‘એડજસ્ટ’ થા. અમને (પા.૧૪) કોઈ કહે કે ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે ‘એ તો પહેલેથી જ નહોતી ! હમણાં કંઇ તું ખોળવા આવ્યો છે? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટી ને ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો ‘આપણે ઘેર’ (મોક્ષે) ક્યારે પહોંચાય? એડજસ્ટમેન્ટ એ જ ન્યાય અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઇએ છીએ અને આ અથડામણ કંઇ રોજ-રોજ થાય છે? એ તો જ્યારે આપણા કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં ‘લીલા’ (પત્ની) જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી ‘લીલા’ને હોટલમાં લઇ જઇને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઇએ. ‘એડજસ્ટમેન્ટ’ને અમે ‘ન્યાય’ કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઇ ન્યાય ના કહેવાય. કોઇ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચડે એનાથી ચડાવીએ, છેવટે ગટરનાં પાણીએ પણ ચડાવીએ ! આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ડિસ્એડજસ્ટ’ થઇએ તો એ આપણને મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને ‘એડજસ્ટ’ થઇને કામ લેવું છે. પછી એને પૂછીએ કે ‘ભઇ, તારી શી ઇચ્છા છે? જો ભઇ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ. તેને એડજસ્ટ થઇ જઇએ.’ આ વાંદરાની ખાડી ગંધાય તો એને શું વઢવા જવાય? તેમ આ માણસો ગંધાય છે, તેને કંઇ કહેવા જવાય? ગંધાય એ બધી ખાડીઓ કહેવાય ને સુગંધી આવે એ બાગ કહેવાય. જે જે ગંધાય છે એ બધા કહે છે કે તમે અમારી જોડે વીતરાગ રહો ! આ ‘એડજસ્ટ એવરીવેર’ નહીં થાવ તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થાય. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે, નાગો છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં; એડજસ્ટ એવરીવેર. એડજસ્ટ થવાથી વધે શક્તિઓ પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું છે, તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઈએ ને? દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પડોશીયે કહે કે ‘બધા ઘેર ઝઘડા છે પણ આ ઘેર ઝઘડો નથી.’ એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે? જેટલાં ‘એડજસ્ટમેન્ટ’ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જાય. સાચી સમજણ તો બીજી બધી ઊંધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે. વાંકા જોડેય એડજસ્ટમેન્ટ લેતા શીખો સુંવાળા જોડે તો સહુ કોઈ ‘એડજસ્ટ’ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધાં જ જોડે ‘એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઈ ગયું ! ગમે તેટલો નાગામાં નાગો માણસ હોય તો પણ તેની જોડે ‘એડજસ્ટ’ થતાં આવડે, મગજ ખસે નહીં તે કામનું ! ભડકે તો ચાલે નહીં. જગતની કોઈ વસ્તુ આપણને ‘ફીટ’ થાય નહીં. આપણે એને ‘ફીટ’ થઈએ તો આ દુનિયા સરસ છે અને એને ‘ફીટ’ કરવા જઈએ તો દુનિયા વાંકી છે. એટલે ‘એડજસ્ટ એવરીવ્હેર’. આપણે એને ફીટ થઈએને તો વાંધો નથી. (પા.૧૫) ‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તોય તેની જોડે ‘એડજસ્ટ’ થાય. ‘જ્ઞાની પુરુષ’ને જોઈને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઈ જાઓ, રાગ-દ્વેષ ના કરો. આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી-નિઃસ્પૃહ થઈ ગયા હોય, તે વાંકા કહેવાય. આ કાળમાં કાયદો તો જોવાતો હશે? ‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ.’ સામાને ‘સેટલમેન્ટ’ લેવા કહેવાનું, ‘તમે આમ કરો, તેમ કરો’ એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય? સામાની સો ભૂલ હોય તોય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ’ (કાયદો) તો જોવાતો હશે? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે. જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ! લોક ગૂંચાઈ ગયેલાં છે. ઘેર જાય તો પત્ની બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય! ક્યાંય નિરાંત નહીં ! નિરાંત તો જોઈએ ને? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે ‘ઓહોહો ! આને કેટલો બધો અકળાટ હશે, તે લડી પડે છે !’ અકળાય તે બધા નબળા છે. ભીંત અથડાય તો દોષ આપણો કે ભીંતનો? પ્રશ્નકર્તા : આપણે ક્લેશ ના કરવો હોય પણ સામે આવીને ઝઘડે તો શું કરવું? દાદાશ્રી : આ ભીંત જોડે લડે, તો કેટલો વખતે લડી શકે? આ ભીંત જોડે એક દહાડો માથું અથડાયું, તો આપણે એની જોડે શું કરવું? માથું અથડાયું એટલે આપણે ભીંત જોડે વઢવાડ થઈ એટલે આપણે ભીંતને માર માર કરવી? એમ આ ખૂબ ક્લેશ કરાવતા હોય તો તે બધી ભીંતો છે ! આમાં સામાને શું જોવાનું? આપણે આપણી મેળે સમજી જવાનું કે આ ભીંત જેવા છે. પછી કોઈ મુશ્કેલી નથી. પ્રશ્નકર્તા : આપણે મૌન રહીએ તો સામાને ઊંધી અસર થાય છે કે આમનો જ દોષ છે, ને એ વધારે ક્લેશ કરે. દાદાશ્રી : આ તો આપણે માની લીધું છે કે હું મૌન રહ્યો, તેથી આવું થયું. રાત્રે માણસ ઊઠ્યો ને બાથરૂમમાં જતાં અંધારામાં ભીંત જોડે અથડાયો, તો ત્યાં એ મૌન રહ્યો તેથી તે અથડાઈ? મૌન રહો કે બોલો તેને સ્પર્શતું જ નથી, કંઈ લાગતું-વળગતું નથી. આપણા મૌન રહેવાથી સામાને અસર થાય છે એવું કશું હોતું નથી કે આપણા બોલવાથી અસર થાય છે એવું પણ કશું હોતું નથી. ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ (માત્ર વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા) છે. કોઈની આટલીય સત્તા નથી. આટલીય સત્તા વગરનું જગત, એમાં કોઈ શું કરવાનું છે? આ ભીંતને જો સત્તા હોય તો આને સત્તા હોય! આપણને આ ભીંતને વઢવાની સત્તા છે? એવું સામાને માટે છે. અને એના નિમિત્તે જે અથડામણ થવાની છે, એ તો આપણને છોડવાની નથી. નકામી બૂમાબૂમ કરવાનો શો અર્થ? એના હાથમાં સત્તા જ નથી ત્યાં ! માટે તમે ભીંત જેવા થઈ જાઓ ને ! તમે બૈરીને ટૈડકાવ ટૈડકાવ કરો તો તેની મહીં ભગવાન બેઠેલાં છે, તે નોંધ કરે કે આ મને ટૈડકાવે છે ! અને તમને એ ટૈડકાવે ત્યારે તમે ભીંત જેવા થઈ જાઓ, તો તમારી મહીં બેઠેલાં ભગવાન તમને ‘હેલ્પ’ (મદદ) કરે. માટે ભૂલ આપણી હોય તો જ ભીંત અથડાય છે. એમાં ભીંતની ભૂલ નથી. ત્યારે મને લોકો કહે છે કે ‘આ બધા લોકો બધા કંઈ ભીંત છે?’ ત્યારે હું કહું છું કે ‘હા, લોકો એ પણ ભીંત જ છે.’ એ હું જોઈને કહું છું. આ કંઈ ગપ્પું નથી. (પા.૧૬) બારણું ક્યાં છે એ શોધી કાઢો કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું, એ બે સરખી વસ્તુ છે. એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી. આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને? વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે એની જોડે ખરી-ખોટી કરવા નથી જતાં ને કે ‘આ મારું ખરું છે’ એવું લડવા માટે ભાંજગડ નથી કરતાં ને? એવું આ અત્યારે ભીંતની સ્થિતિમાં જ છે. આની જોડે ખરું કરાવવાની જરૂર જ નથી. જે અથડાય છે ને, તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી ‘બારણું ક્યાં છે’ એની તપાસ કરવી તો અંધારામાંય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળવો જોઈએ કે આપણે કોઈની અથડામણમાં આવવું નથી. રસ્તો એવો કરવો કે અથડામણ ના થાય આમ સીધેસીધા જતા હોય અને વચ્ચે ઇલેક્ટ્રિકનો થાંભલો આવતો હોય તો તમારે સમજવું જોઈએ. આપણે એને કહીએ કે તું કોણ વચ્ચે અટકાવનાર, તો? સામે પાડો આવતો હોય તો આપણે શું એને એમ કહેવું કે ખસી જા, ખસી જા ! પ્રશ્નકર્તા : એ ના ચાલે. દાદાશ્રી : ત્યાં આપણે ખસી જવું જોઈએ. સાપ આવતો હોય તો? પ્રશ્નકર્તા : આ તો જાનવરોની દુનિયા થઈ. દાદાશ્રી : આ જે જાનવરો કહું છું તેવા મનુષ્યોય છે. પ્રશ્નકર્તા : એ પારખવાં કેવી રીતે? દાદાશ્રી : સમજાય આપણને, એનાં શિંગડાં ઊંચાં કરે તો આપણે ના સમજી જઈએ કે આ પાડો છે? એટલે આપણે ખસી જવું. અમને તો આવતાં પહેલાં ખબર પડી જાય. સુગંધી ઉપરથી ઓળખું એને. કેટલાક પથ્થર જેવા પણ હોય છે, કેટલાંક લોકો ભેંસ જેવા છે, કેટલાંક ગાયો જેવા છે, કેટલાંક મનુષ્ય જેવા છે, કેટલાંક સાપ જેવા છે, કેટલાંક થાંભલા જેવા છે, બધી જાતના લોક છે. એમાં હવે તું અથડામણમાં ના આવીશ. એનો રસ્તો કરજે. જ્યાં અથડામણ, ત્યાં ભૂલ આપણી જ પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા, તેથી અથડામણ થાય છે ને? દાદાશ્રી : અથડામણ થાય, તેનું જ નામ સંસાર છે. પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું? દાદાશ્રી : અજ્ઞાનતા. જ્યાં સુધી કોઈની પણ જોડે મતભેદ પડે છે, એ તમારી નિર્બળતાની નિશાની છે. લોક ખોટાં નથી, મતભેદમાં ભૂલ તમારી છે. લોકોની ભૂલ હોતી જ નથી. એ જાણી-જોઈને કરતો હોય તો આપણે ત્યાં આગળ માફી માગી લેવી કે ‘ભઈ, મને આ સમજણ પડતી નથી.’ બાકી, લોક ભૂલ કરતાં જ નથી. લોકો મતભેદ પાડે એવાં છે જ નહીં. જ્યાં અથડામણ થઈ, ત્યાં આપણી જ ભૂલ છે. પ્રશ્નકર્તા : અથડામણ ટાળવી હોય તોય થાંભલો વચ્ચે ઊભો હોય, તો આપણે બાજુએ રહીને જવું. પણ થાંભલો જ આપણા પર પડે તો ત્યાં શું કરવું? (પા.૧૭) દાદાશ્રી : પડે એટલે ખસી જવાનું. પ્રશ્નકર્તા : ગમે તેટલું ખસી જવા જઈએ તોય થાંભલો આપણને વાગ્યા વગર રહે નહીં. દાખલા તરીકે, આપણી પત્ની અથડાય. દાદાશ્રી : અથડાય તે ઘડીએ આપણે શું કરવું, તે ખોળી કાઢવાનું. આમ ટાળો અથડામણ આપણે આ ગાડીમાંથી નીકળીએ (ઊતરીએ) ને તરત પેલાં મજૂરોને બૂમ પાડીએ, ‘હેય... અહીં આવ, અહીં આવ !’ પેલા બે-ચાર જણ દોડતાં આવે. ‘ચલ, ઉઠાવી લે.’ સામાન ઉઠાવી લીધા પછી ત્યાં આગળ બહાર નીકળીને કકળાટ માંડીએ, ‘(સ્ટેશન) માસ્તરને બોલાવું છું, આટલાં બધા પૈસા લેવાતાં હશે? તું આમ કરું છું, તેમ કરું છું...’ અલ્યા મૂઆ, અહીં આગળ અથડામણ ના કરીશ. એ પચ્ચીસ રૂપિયા કહે તો આપણે એને પટાવીને કહેવું, ‘ભઈ, ખરેખર તો દસ રૂપિયા થાય પણ તું વીસ લઈ લે, હેંડ’. આપણે જાણીએ કે ચોંટી પડ્યો એટલે એને વધતું-ઓછું આપીને નિકાલ કરી નાખવાનો. ત્યાં અથડામણ ના કરાય. નહીં તો પેલો બહુ અકળાય ને, તે ઘેરથી અકળાયેલો જ હોય, તે સ્ટેશન પર કકળાટ માંડીએ તો મૂઆ, આ પાડા જેવો છે, હમણે ચપ્પુ મારી દેશે. તેંત્રીસ ટકે માણસ થયો, બત્રીસ ટકે પાડો થાય ! કોઈ માણસ વઢવા આવે, શબ્દો બોમ્બગોળા જેવા આવતાં હોય ત્યારે આપણે જાણવું કે અથડામણ ટાળવાની છે. આપણા મન ઉપર અસર બિલકુલ હોય નહીં, છતાં ઓચિંતી કંઈક અસર થઈ, ત્યારે આપણે જાણીએ કે સામાના મનની અસર આપણા પર પડી. એટલે આપણે ખસી જવું. એ બધી અથડામણો છે. એ જેમ જેમ સમજતા જશો તેમ તેમ અથડામણને ટાળતા જશો. અથડામણ ટાળે તેનાથી મોક્ષ થાય. અથડામણથી ઊભું થયું જગત આ જગત અથડામણ જ છે, સ્પંદન સ્વરૂપ છે. માટે અથડામણ ટાળો. અથડામણથી આ જગત ઊભું થયું છે. એને ભગવાને વેરથી ઊભું થયું છે, એમ કહ્યું છે. દરેક માણસ, અરે, જીવમાત્ર વેર રાખે. વધુ પડતું થયું કે વેર રાખ્યા વગર રહે નહીં. તે પછી સાપ હોય, વીંછી હોય, બળદિયો હોય કે પાડો હોય, ગમે તે હોય પણ વેર રાખે. કારણ કે બધામાં આત્મા છે. આત્મશક્તિ બધામાં સરખી છે. કારણ આ પુદ્ગલની નબળાઈને લઈને સહન કરવું પડે છે. પણ સહન કરતાંની સાથે એ વેર રાખ્યા વગર રહે નહીં અને આવતે ભવે એ એનું વેર વાળે પાછું! દરેક જીવ સ્વતંત્ર છે અને પોતે સુખ ખોળવા આવ્યા છે. બીજાને સુખ આપવા એ આવ્યો નથી. હવે એને સુખને બદલે દુઃખ મળે એટલે પછી વેર બાંધે, પછી બૈરી હોય કે છોકરો હોય. પ્રશ્નકર્તા : સુખ ખોળવા આવે અને દુઃખ મળે એટલે પછી વેર બાંધે? દાદાશ્રી : હા, એ તો પછી ભાઈ હોય કે બાપા હોય પણ મહીં અંદરખાને એનું વેર બાંધે. આ દુનિયા આવી બધી, વેર જ બાંધે! સ્વધર્મમાં કોઈની જોડે વેર ના થાય. વેર વધારશો નહીં કોઈકની જોડે વેર બંધાયું હોય તો આપણને ખબર પડે ને કે આની જોડે વેર છે. હું એને નથી પજવતો તોય એ મને પજવ પજવ કર્યા કરે છે. એટલે એની જોડે વેર બંધાયેલું છે એવી ખબર પડે, તો એની જોડે નિકાલ કરજો. અને એ વેરનો નિકાલ થયો એ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય. આ જગત વેરથી જ ઊભું રહ્યું છે. માટે વેર ના બાંધશો. આપણી ભૂલ થઈ તો માફી માંગી લેજો (પા.૧૮) અને એ ભૂલનો ઉકેલ લાવજો પણ કેસ ઊંચો મૂકી દેજો. આ જગત વેરથી ઊભું રહ્યું છે. એટલે કોઈ જગ્યાએ વેર ઊભું રહ્યું હોય તો આપણે એને ક્ષમાપના કરીનેય, માફી માગીનેય, એને પગે પડીને પણ એની જોડે વેર ના બાંધવું. અને એની જોડેના વેર છોડાવી નાખવા કે એ માણસ ખુશ થઈ જાય કે ‘ના ભઈ, હવે વાંધો નથી.’ એની જોડે સમાધાન કરી લેવું, જેથી આપણને અટકાવે નહીં. ભગવાને કહેલું કે આ અવતારમાં તું નવું વેર વધારતો નહીં ને જૂનું વેર છોડી દેજે. જૂનું વેર છોડીએ તો કેવી શાંતિ થાય ને ! નહીં તો આપણા લોક તો પહેલાં મૂંછો મરડતા જાય ને વેર વધારતા જાય, પણ હવે વેર વધારવાનું નહીં. દહાડે દહાડે વેર ઓછું કરવાનું. આ ‘દાદા’ને કોઈ વેરવી નથી. કારણ કે વેરનો નિકાલ કરીને આવેલા છે. બધાં વેરનો નિકાલ કરીને આ ભવમાં આવેલા અને તમને એ જ શીખવાડીએ છીએ કે આ ભવમાં વેરને હવે વધારશો નહીં. કોઈ પેશન્ટ એવા હોય કે તે પૈસા ના આપે ને તમને ઊલટાં ટૈડકાવે. આપણે કહીએ કે ‘ભઈ, પૈસા નહીં આપે તો ચાલશે’, તોય એ શું કહે, ‘ડૉક્ટર, હું તમને જોઈ લઈશ.’ ‘અલ્યા, અમને જોઈને શું કામ છે? અમને તો જોઈ લીધેલા જ છે.’ જેમ તેમ કરીને કેસ ઊંચે મૂકી દેવો. કોર્ટમાં તારીખો પડે એવું ના રાખવું. આપણે તો જે દહાડે તારીખ આવી હોયને, તે દહાડે નિકાલ કરી જ નાખવાનું. નહીં તો કોર્ટમાં તારીખો પડ્યા કરે અને પછી કેસ લંબાયા કરે ને વેર વધ્યા કરે. એવું આપણે રાખવું જ નહીં. નક્કી કરવું કે સમભાવે નિકાલ કરવો છે પ્રશ્નકર્તા : આમાં મુખ્ય વસ્તુ આપણે લક્ષમાં રાખવાની રહી કે સમભાવે જગતમાં વર્ત્યા કરો. દાદાશ્રી : બસ, આપણે સમભાવે નિકાલ કરવાનો. તમારે તો ફક્ત આજ્ઞા પાળવાની, એનું નામ જ સમભાવે નિકાલ થઈ ગયો. પછી સામો માણસ ના કરે એ વાત ડિફરન્ટ મેટર (જુદી વાત) છે. સામો અવળો ચાલતો હોય, તેમાં આપણને એનો વાંધો નથી. આપણે એના જવાબદાર નથી. પ્રશ્નકર્તા : પણ આપણે સામી ફાઈલને એડજસ્ટ થઈ જઈએ, એને સમભાવે નિકાલ કર્યો કહેવાય ને? દાદાશ્રી : આપણે તો એ ફાઈલ આવે ત્યારે મનમાં નક્કી થાય કે ફાઈલની જોડે ભાંજગડ છે, તે હવે સમભાવે નિકાલ કરી નાખવો છે. સામો અન્યાય કરે, તમારી ભૂલને લઈને પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃતિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, તો આપણે શું કરવું? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે. આપણે તેનો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું પઝલ સોલ્વ કર્યા કરવું. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો ‘ડ્રામેટિક’ અહંકાર. જેટલો અક્સેસ (વધારાનો) અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે? આ કર્મો છૂટવાં દેતાં નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, હવે છુટકારો કર. તમને કોઇએ અન્યાય કર્યો ને તમને (પા.૧૯) એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો, તો તમને કર્મ બંધાય. કારણ કે તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે? જગત તો કકળાટ કરી મેલે ! ભગવાનની ભાષામાં કોઇ ન્યાયેય કરતું નથી ને અન્યાયેય કરતું નથી, ‘કરેક્ટ’ કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુબાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી, નહીં તો વાતની સમજ પડી નથી. જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે ! માટે એનો ઉપાય છે તપ ! કો’કે તમને અન્યાય કર્યો હોય તો તે ભગવાનની ભાષામાં ‘કરેક્ટ’ છે; જે સંસારની ભાષામાં ‘ખોટું કર્યું’ એમ કહેશે. આ જગત ન્યાયસ્વરૂપ છે, ગપ્પું નથી. એક મચ્છર પણ એમને એમ તમને અડે તેમ નથી. મચ્છર અડ્યો માટે તમારું કંઇક કારણ છે. બાકી એમને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. કોઇની આડખીલી તમને નથી. સામો તો નિમિત્ત માત્ર પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે મનમાં સમાધાન કરવાનું કે આ માલ હતો, તે પાછો આવ્યો? દાદાશ્રી : એ પોતે શુદ્ધાત્મા છે ને આ એની પ્રકૃતિ છે. પ્રકૃતિ આ ફળ આપે છે. આપણે શુદ્ધાત્મા છીએ, એ પણ શુદ્ધાત્મા છે. હવે બન્ને સામસામી બધા હિસાબ ચૂકવે છે. એમાં આ પ્રકૃતિના કર્મનો ઉદય, તે પેલો કંઈક આપે. માટે આપણે કહ્યું કે આ આપણા કર્મનો ઉદય છે ને સામો નિમિત્ત છે. એ આપી ગયો એટલે આપણો હિસાબ ચોખ્ખો થઈ ગયો. આ ‘સોલ્યુશન’ (સમાધાન) હોય, ત્યાં પછી સહન કરવાનું રહે જ નહીં ને! માટે જ્ઞાનથી તપાસ કરી લેવી કે સામો ‘શુદ્ધાત્મા’ છે. આ જે આવ્યું તે મારા જ કર્મના ઉદયથી આવ્યું છે, સામો તો નિમિત્ત છે. પછી આપણને આ જ્ઞાન ઇટસેલ્ફ જ ‘પઝલ’ ‘સોલ્વ’ કરી આપે. રોંગ વ્યવહાર આવે તો ખીલે શક્તિઓ કોઈ રોંગ (ખોટો) વ્યવહાર આવે નહીં તો આપણી શક્તિ ખીલેય નહીં. એટલે આ ઉપકાર માનવો કે, ‘ભઈ, તારો ઉપકાર. તેં મને કંઈક શક્તિ ડેવલપ કરી આપી !’ પ્રશ્નકર્તા : બરોબર છે, હા. એ પરમ સત્ય છે. દાદાશ્રી : સમજે તો ઉકેલ આવે. નહીં તો ઉકેલ નથી આવે એવો. ધર્મ કંઈ પુસ્તકોમાં ના હોય, ધર્મ તો વ્યવહારમાં જ હોય. ધર્મ પુસ્તકમાં હોતો હશે? ફક્ત તમારે એમ રાખવાનું કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. એવી ભાવના રાખવી, વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો તો એનો સમભાવે નિકાલ કરી નાખવો જોઈએ. આપણે ત્યાં સહેજે ડખો કે ડખલ કશું હોય છે? જરા મતભેદ થાય, ભાંજગડ થાય, બધું થાય, પણ તે નિકાલી ભાવ, પેલું તાંતો નહીં. અને પછી સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ થાય પાછી. સાંજના લડ્યો હોય ને, મીઠું નાખ્યું હોય ને દૂધમાં તોય સવારના ચા થાય એ દૂધની ! દૂધ ફાટી ગયેલું ના હોય, બાર કલાકમાંય. પ્રશ્નકર્તા : આપણે આપણું મોક્ષનું કામ કરી લેવું. ફાઈલો તો આપણને છોડે નહીં. દાદાશ્રી : કોઈ આપણું થાય નહીં. આ આત્મા આપણો થાય, બીજું કોઈ ના થાય. મોક્ષે (પા.૨૦) જવાનો એ જ આપણો ભાવ થાય ને ! તે પારકું કામ લાગે? પ્રશ્નકર્તા : ના લાગે. દાદાશ્રી : છતાંય વ્યવહાર છોડી ના દેવાય ને? નિકાલ કરી નાખવો, લોકોને ખોટું ના દેખાય તેવું. ફાઈલો છૂટે વીતરાગતાથી પ્રશ્નકર્તા : સામી પાર્ટી જો તૈયાર ના હોય તો સમભાવે નિકાલ કેવી રીતે કરવો? એક હાથે તાળી કેવી રીતે પાડવી? દાદાશ્રી : તમારે તમારા મનમાં નક્કી કરવાનું કે મારે આ ફાઈલ આવે છે, એનો સમભાવે નિકાલ કરવો છે, એટલું જ કરવાનું. સામો તાળી પાડે કે ના પાડે તે આપણે લેવા-દેવા નથી. તમે તમારી ભાવના ફેરવો કે તરત બધું રાગે પડી જશે. પ્રશ્નકર્તા : હવે આ જે ફાઈલો હોય છે, એ તો બધી પૂરી કરવી પડશે ને? નાની કે મોટી બધી જ ફાઈલો? દાદાશ્રી : એ તો પૂરી કર્યે જ છૂટકો. પ્રશ્નકર્તા : પણ કેટલીક ફાઈલો એકતરફી નિકાલ કરે તો? એકતરફી ફાઈલ નિકાલ થાય? દાદાશ્રી : ના, એવું કશું નહીં. ફાઈલનો નિકાલ થયે જ છૂટકો છે. પ્રશ્નકર્તા : પણ ઘણી વખતે આપણે છૂટવું હોય ને સામો ના છોડતો હોય, તો પછી એકતરફી પોતે છૂટી શકે કે ના છૂટી શકે? દાદાશ્રી : એ છૂટી જાય. પ્રશ્નકર્તા : કઈ રીતે? દાદાશ્રી : આપણી વીતરાગતા જોઈને. એ તો આપણી વીતરાગતા હોય તો બધું છૂટી જાય. સામો જમે કરે કે ના કરે, તેની આપણે જોવાની જરૂર નથી. નહીં તો એવું હોય તો કોઈ છૂટે જ નહીં જગતમાં. પ્રશ્નકર્તા : આપણે સમભાવે નિકાલ કરીએ, એનો સામો દુરુપયોગ કરે તો કરવા દેવો? દાદાશ્રી : દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. જેટલો દુરુપયોગ થવાનો છે, એમાં કશું ફેરફાર થાય એવું નથી અને નવો દુરુપયોગ કરવાની કોઈની શક્તિ નથી. એટલે ભડક રાખશો નહીં. બિલકુલ ભડક કાઢી નાખજો. એક અવતાર પૂરતી તો ભડક કાઢી નાખજો તમે. એની ગેરન્ટી અમારી પાસે છે. સમભાવે નિકાલ એ જ આપણો ધર્મ પ્રશ્નકર્તા : કોઈ પણ સંજોગોમાં સમભાવે નિકાલ જ કરવાનો? દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો એટલો જ આપણો ધર્મ. કોઈ ફાઈલ એવી આવી ગઈ તો આપણે નક્કી કરવું કે સમભાવે નિકાલ કરવો છે. બીજી ફાઈલ તો એડજસ્ટમેન્ટવાળી હોય, તેને તો બહુ જરૂર નથી. પ્રશ્નકર્તા : પણ જ્યાં ટોટલ ડિસ્એડજસ્ટમેન્ટ હોય ત્યારે શું કરવું પછી? દાદાશ્રી : સમભાવે નિકાલ કરવાનો ભાવ આપણે મનમાં નક્કી કરવાનો. ‘સમભાવે નિકાલ કરવો છે’ એટલો જ શબ્દ વાપરવાનો. ‘આજ્ઞા પાળવી છે’ એટલું બોલવું પ્રશ્નકર્તા : સ્વભાવ જ વિરોધી હોય તો એ ચેન્જ કેવી રીતે થઈ શકે પછી? દાદાશ્રી : જગતનો અર્થ જ વિરોધી સ્વભાવ. અને એ વિરોધીનો નિકાલ નહીં કરીએ તો વિરોધ રોજ જ આવશે ને આવતે ભવેય આવશે. એના (પા.૨૧) કરતાં અહીં જ હિસાબ ચૂકવી દો, તે શું ખોટું? આત્મા પ્રાપ્ત થયા પછી હિસાબ ચૂકવી દેવાય. ‘આજ્ઞા પાળવી છે’ એટલું બોલવું, બસ. બીજા એડજસ્ટમેન્ટ તો કોના હાથમાં છે? વ્યવસ્થિતના હાથમાં છે. તમે ‘સમભાવે નિકાલ કરવાનું’ નક્કી કરશો તો તમારું બધું રાગે પડશે. એ શબ્દમાં જાદુ છે. તે એની મેળે બધો નિવેડો લાવી આપશે. પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવો એટલે સામી વ્યક્તિ જે કંઈ કહે એ ‘હા એ હા’ કરવું? દાદાશ્રી : એ કહે કે અહીં બેસો તો બેસીએ. એ કહે કે બહાર જતાં રહો, બહાર જતાં રહીએ. એ વ્યક્તિ કંઈ નથી કરતી, આ તો વ્યવસ્થિત કરે છે. એ તો બિચારી નિમિત્ત છે ! બાકી ‘હા એ હા’ કરવાની નહીં, પણ ચંદુભાઈ ‘હા’ કહે છે કે ‘ના’ કહે છે, એ ‘આપણે’ જોવું. પાછું ‘હા એ હા’ કરવી એવું કંઈ તમારા હાથમાં સત્તા નથી. વ્યવસ્થિત તમને શું કરાવડાવે છે એ જોવું. આ તો સહેલી બાબત છે, એને લોકો ગૂંચવે છે. સમભાવે નિકાલ કરવાની અમારી આજ્ઞા પાળે ને, તો એક વાળ જેટલી મુશ્કેલી નથી આવતી અને તે બધાં સાપની વચ્ચે હઉ ! નિશ્ચયની જ જરૂર પ્રશ્નકર્તા : દાદા, સમભાવે નિકાલ કરવામાં અમુક કળા પણ જોઈએ ને? દાદાશ્રી : એ કળા નહીં હોય, તો પણ એવું બોલશે તોય એને કળા આવડી જશે પછી. એટલું બોલે ને ‘દાદાની આજ્ઞા પાળવી છે !’ પછી કળા નહીં આવડતી હોય તોય આજ્ઞા પાળે છે માટે આવડશે. પ્રશ્નકર્તા : પણ એ પૂરેપૂરું નિકાલ ના થાય ને, આવી રીતના કળા સાથે એડજસ્ટમેન્ટ જો ના આવડ્યું તો? દાદાશ્રી : વળી કળા ક્યાંથી હોય તે આ કાળમાં? જીવતાં જ નથી આવડતું તો ત્યાં કળા ક્યાંથી આવડે? આ બધી સ્ત્રીઓ મારી પાસે આવે છે અને કહે, આ ધણીની પરીક્ષા લો જોઈએ. તો લાખોમાં બે-ત્રણ પાસ થાય, નિષ્પક્ષપાતી રીતે લઉં તોય ! ધણી થાય તો કકળાટ કેમ થાય છે? મતભેદ કેમ પડે છે? મતભેદ પડે છે, માટે તને ધણી થતાં આવડતું નથી. આ તો સમભાવે નિકાલ કરવાનો કહ્યો, એનો અર્થ એટલો જ કે જે પૈણ્યા છો, એનો તો ઉકેલ લાવવો જ પડે ને ! અને તેય છે તે છુટકારો થાય તો એના જેવું ઉત્તમ એકુંય નથી ! છુટકારો તો કરવો જ પડશે ને જ્યારે ત્યારે ! સામાનું સમાધાન ન થાય ત્યાં સુધી મુશ્કેલી ઘરમાં વાઇફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરાં જોડે મતભેદ ઊભો થયો તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગુંચાયા કરે. પ્રશ્નકર્તા : ધણી તો એમ જ કહે ને, કે ‘વાઇફ’ સમાધાન કરે, હું નહીં કરું ! દાદાશ્રી : હં, એટલે ‘લિમિટ’ પૂરી થઇ ગઇ. ‘વાઇફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઇ ગઇ પૂરી. ખરો પુરુષ હોય ને તે તો એવું બોલે કે ‘વાઇફ’ રાજી થઇ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે. અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે. માટે સમાધાન કરવું. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે (પા.૨૨) કહેવાય? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો? દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાએ જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું, પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે? તમે તમારું જ હિત જોઇ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો? સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઇએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઇએ. ચીકણા ઋણાનુબંધ ત્યાં રાખવી પડે જાગૃતિ પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું? દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે’ એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ’ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષેય થશે. વાઇફના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય, ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે’ એટલે એક દહાડો એ નિકાલ થઇ રહેશે, એનો અંત આવશે. જ્યાં ચીકણા ઋણાનુબંધ હોય ત્યાં બહુ જાગૃતિ રાખવી પડે. આવડો અમથો સાપ હોય પણ ચેતતા ને ચેતતા રહેવું પડે. બેફામ રહીએ, અજાગ્રત રહીએ તો સમાધાન થાય નહીં. સામી વ્યક્તિ બોલી જાય ને આપણે પણ બોલી જઇએ, (પા.૨૩) બોલી જવાનોય વાંધો નથી, પણ બોલી જવાની પાછળ આપણે ‘સમભાવે નિકાલ’ કરવો છે એવો નિશ્ચય રહેલો છે, તેથી દ્વેષ રહેતો નથી. બોલી જવું એ પુદ્ગલનું છે અને દ્વેષ રહેવો, એની પાછળ પોતાનો ટેકો રહે છે. માટે આપણે તો ‘સમભાવે નિકાલ’ કરવો છે એમ નક્કી કરી કામ કર્યે જાવ, હિસાબ ચૂકતે થઇ જ જશે. આ તો ઋણાનુબંધ પતાવવાનો માર્ગ છે. ઋણાનુબંધ પતાવ્યા વગર કંઈ દહાડો વળે નહીં. એટલે ઋણાનુબંધ પતાવવાના. જેની ગાળો ખાવાની હોય તેની ગાળો ખાવાની. જેનો માર ખાવાનો હોય તેનો માર ખાવાનો, જેની સેવા કરવાની હોય તેની સેવા કરે, પણ હિસાબ બધા ચૂકવવા પડે. ચોપડામાં ચીતરેલું છે ને? ચોખ્ખું તો કરવું પડે ને? એટલે ચોખ્ખું કરતા સુધી આપણે હિસાબ ચૂકતે કરવાનો. દરેક બાબતમાં સમભાવથી નિકાલ કરવાનો ! પ્રકૃતિને ખપાવવી એનું નામ પુરુષાર્થ આ તો આપણો જ હિસાબ છે આપણી ભૂલની આ આપણી બનાવટ, પ્રોજેક્શન આપણું. આ જે દેખાય છે ને, એ પ્રોજેક્શન બધા આપણા જ છે. અત્યાર સુધી જાણતા નહોતા એટલે આ બધું ગૂંચવાડામાં આડુંઅવળું થઈ ગયું પણ હવે જાણ્યું ત્યારથી હવે જૂનું પ્રોજેક્શન ગમે તેવું હોય પણ નવું તો સારું હોય જ ને આપણું. પ્રશ્નકર્તા : નવું પ્રોજેક્શન સારું હોય. દાદાશ્રી : હં. હવે પ્રોજેક્શન કરવાનું રહ્યું નહીં આપણે તો. આપણે તો આ પુરુષ (આત્મા) થયા એટલે પુરુષાર્થ કરવાનો રહ્યો. પુરુષાર્થ એટલે આ પ્રકૃતિને ખપાવવી એનું નામ પુરુષાર્થ. જે આપણી પાસે પ્રકૃતિ હોય તેને ખપાવવી. સમભાવે વાપરી નાખવી પ્રકૃતિને, એનું નામ પુરુષાર્થ. જય સચ્ચિદાનંદ |