અભિપ્રાય છૂટ્યે, વીતરાગતા ભણી...

સંપાદકીય

કોટિ જન્મોની પુણ્યથી આ કળિયુગમાં અક્રમ વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પોતાને ‘હું શુદ્ધાત્મા છું’ એનું ભાન થાય છે, પ્રતીતિ-લક્ષ બેસે છે છતાં અનુભવની સ્થિતિ આવતા કોણ અટકાવે છે ? કેમ સ્પષ્ટવેદન રોકાયું છે ? અખંડ જાગૃતિ કેમ વર્તતી નથી ? નજીકની ફાઈલોમાં શુદ્ધાત્મા ઝટ કેમ નથી દેખાતા ? કારણ કે અભિપ્રાયથી બનેલા ઊંધા ચશ્મા વાપરી વ્યક્તિ વસ્તુ અને સંજોગોમાં બંધાય છે.

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ આધ્યાત્મિક ક્ષેત્રે નવી જ સાયન્ટિફિક શોધખોળ આપી કે ઓપિનિયન ઈઝ ધી ફાધર ઑફ માઈન્ડ એન્ડ લેંગ્વેઝ ઈઝ ધી મધર ઑફ માઈન્ડ. અભિપ્રાય એ અહંકારના પરમાણુનો બનેલો છે ને બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેના આધારે રાગ અને દ્વેષ થાય છે ને અભિપ્રાય પડે છે. અભિપ્રાયો હંમેશાં શુભ અને અશુભમાં જ રમાડે. આ રાગ-દ્વેષથી દ્રષ્ટિ જ બદલાય છે ને પરિણામે શુદ્ધ દ્રષ્ટિ આવરાય જાય છે.

જ્યાં રાગ-દ્વેષ, અભિપ્રાયો છે ત્યાં જ બંધન છે. આખી દુનિયાની અબજોની વસ્તીમાં આપણે કંઈ બધા સાથે બંધાયા નથી. ઘરની, કુંટુંબની, ધંધા-નોકરી, સહાધ્યાયી આમ હજાર-બે હજાર વ્યક્તિઓની જોડે રાગ-દ્વેષ છે તેથી ભવોભવ ભટકવું પડે છે. ઘરના બધા જ માણસો જોડે ગાઢ અભિપ્રાયો બંધાયેલા હોય છે. કોઈ પણ જાતનો અભિપ્રાય બોજો વધારે છે. જેનો અભિપ્રાય તેનો બોજો, માટે મિશ્રચેતન માટે અભિપ્રાય બાંધશો જ નહીં. જેવો અભિપ્રાય તેવું પુદ્ગલ પરિણમીને ભેગું થવાનું. માટે અભિપ્રાયનોય અભિપ્રાય સૂક્ષ્મતાએ રહેલો હોય તે ઉખેડવો જરૂરી છે. અભિપ્રાય તો માત્ર આ દેહ જ દગો છે એમાં રાખવો.

પરમ પૂજ્ય દાદાશ્રી સૂક્ષ્મમાં વધુ ફોડ આપતા કહે છે અભિપ્રાય એ કૉઝિઝ છે અને વિચાર એનું પરિણામ છે. એક જ વસ્તુ પર કેન્દ્રિત થયેલો જબરદસ્ત અભિપ્રાય અટકણમાં પરિણમે, જે સંસાર ભણી ભટકાવે છે. દોષવાળા અભિપ્રાય સહિતની દ્રષ્ટિ સામાના મન પર છાયા નાખે છે, જેથી હાજરીથી પણ અણગમો વર્તે. સામા માટે થયેલો સહેજ પણ અવળો વિચાર સામાને સ્પર્શી, પછી ઊગી નીકળે. ત્યાં શૂટ ઓન સાઈટ પ્રતિક્રમણ, સ્પંદનને સામા સુધી પહોંચતા અટકાવે છે અગર તો પહોંચેલાને ભૂંસી નાખે છે. એ ભૂંસાતા જ એ વ્યક્તિ સાથેના વાણી-વર્તનમાં સાહજિકતા તરી આવે છે.

મહાત્માઓ આ વિજ્ઞાનને સમજી અભિપ્રાયના ચશ્મારૂપી આવરણને ઓગાળવાનો પુરુષાર્થ આદરી મોક્ષમાર્ગની શ્રેણીઓ ચઢે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

અભિપ્રાય છૂટ્યે, વીતરાગતા ભણી...

(પા. ૪)

અભિપ્રાયની પરિભાષા

પ્રશ્નકર્તા : અભિપ્રાય એટલે શું ?

દાદાશ્રી : અભિપ્રાય એટલે શું કે ગમતી ને ના ગમતી વસ્તુ એવું જેને હોય, એને અભિપ્રાય બેસી જાય. દ્વન્દ્વ હોય ત્યાં અભિપ્રાય બેસી જાય અને આપણું જ્ઞાન દ્વન્દ્વાતીત છે. જ્ઞાન હોય એટલે અભિપ્રાય બેસે નહીં. એટલે મેં શું કહ્યું કે અભિપ્રાય બંધ થાય એટલે મન બંધ થઈ જાય બંધાવાનું. રાગ-દ્વેષ જાય એટલે મન બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : અભિપ્રાય ક્યારે બંધાય ?

દાદાશ્રી : એ રાગ-દ્વેષ હોય તો જ બંધાય જેની ઉપર રાગ હોય કે દ્વેષ હોય, તો જ અભિપ્રાય બંધાય.

અભિપ્રાયથી બંધાયો પોતે

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાયો તો અભિપ્રાય બાંધનારો જે માણસ છે તે પણ બંધાઈ ગયો ને ?

દાદાશ્રી : બેઉ બંધાયા. મારી ઉપર કો’ક અભિપ્રાય બાંધે તો હું બંધાતો નથી, પણ એ બંધાઈ જાય છે. અજ્ઞાનીઓ તો બેઉ બંધાય, પણ હું તો બંધાઉ નહીંને ! મારી ઉપર તમારે જે નાખવું હોય તે નાખો પણ હું નાખવા તૈયાર નથી ને ! ભગવાન મહાવીરને માટે લોકોને અભિપ્રાય હતા, પણ મહાવીર ભગવાનને કોઈને માટે અભિપ્રાય નહોતા.

બે જાતના અભિપ્રાય

મનનું, વાણીનું ને આ કાયાનું, ત્રણેવ લફરાં વળગ્યા છે. આ લફરાં શાથી વળગ્યા ? ત્યારે કહે, રસ-પૂરી બધું હતું, તે ‘આ બહુ સરસ રસ છે, આ બહુ સરસ રસ છે’ એવા અભિપ્રાય બાંધ બાંધ કર્યા. ત્યાર પછી કઢી ખારી આવી, તે ‘કઢી બહુ ખરાબ છે, ખારી છે, ખારી છે’ એવા અભિપ્રાય બાંધ બાંધ કર્યા.

બે જાતના અભિપ્રાય બાંધ્યા; એક રાગનો અને એક દ્વેષનો. એ અભિપ્રાયથી આ બધું ઊભું થયું. ખાવા-પીવાનો વાંધો નથી, એનો અભિપ્રાય ના રાખવો. અભિપ્રાય રાખવાની ના કહી છે કે ‘આ રસ સરસ છે અને કઢી ખારી છે’ એવું, નહીં તો વળગી પડશે.

રાગ-દ્વેષી અહંકારથી ખડો સંસાર

આ જગત બધું વળગી પડે એવું છે. સારું કહ્યું કે રાગ થયો અને ખરાબ કહ્યું કે દ્વેષ થયો, એટલે વળગ્યું. એનાથી બધાં ભૂતાં ઊભાં થયાં.

આ તો બધા અભિપ્રાય જ આપે છે. વસ્તુઓનાય અભિપ્રાય આપે અને માણસનાય અભિપ્રાય આપે. ‘આ માણસ બરોબર નથી’ કહ્યું, તે અભિપ્રાય આપ્યો. ‘આ બહુ સારો ને આ ખોટો.’ રાગ અને દ્વેષ, એ બધાં અભિપ્રાય છે અને તેથી આ સંસાર ઊભો રહ્યો છે.

અભિપ્રાયનું મૂળ સ્વરૂપ

પ્રશ્નકર્તા : અભિપ્રાય એટલે પ્રતિષ્ઠિત અહંકાર ?

દાદાશ્રી : હા, અભિપ્રાય અહંકારના પરમાણુથી બનેલો છે. અભિપ્રાય વ્યક્તિત્વ દેખાડે છે. અભિપ્રાયથી દ્રષ્ટિ જ બદલાઇ જાય છે. અભિપ્રાય મડદાલ હોય, ખેંચ વગરના હોય તો વાંધો નથી, જલદી ઉકલે પણ જે અભિપ્રાયો ખેંચવાળા છે, તે જ્ઞાન પર આવરણ લાવે.

પ્રશ્નકર્તા : એટલે ‘આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ ખરાબ છે’ એવાં અભિપ્રાય ઊભા થાય છે, એનું કારણ શું છે ?

દાદાશ્રી : બુદ્ધિ ને અહંકાર. જેની બુદ્ધિ ડેવલપ (વિકાસ) થઈ નથી, એ ગાયો-ભેંસો

(પા.૫)

કોઈ અભિપ્રાય આપતી નથી. આ બુદ્ધિને લઈને અભિપ્રાય અપાય. જેને ઓછી બુદ્ધિ એટલા ઓછા અભિપ્રાય આપે. વધુ બુદ્ધિ હોય તો તરત અભિપ્રાય આપે. અભિપ્રાયની પોસ્ટઓફિસ જ હોય (ઢગલાબંધ અભિપ્રાય હોય) ! અભિપ્રાય આપ્યા કરે આખો દહાડો.

એક માણસનો આપણને પરિચય હોય અને તેનો આપણે અભિપ્રાય આપીએ કે ‘આ આમ જ છે,’ તો તે અભિપ્રાય કહેવાય.

પ્રશ્નકર્તા : ઓપિનિયન (અભિપ્રાય) બુદ્ધિ આપે છે ?

દાદાશ્રી : ત્યારે બીજું કોણ આપે ? બુદ્ધિ અને અહંકાર, બે ભેગા થઈને ઓપિનિયન આપે. અહંકાર આંધળો છે, તે બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલે છે. સારું-ખોટું બુદ્ધિ કરે.

આ બુદ્ધિએ તો જાતજાતના સંયોગના ભેદ પાડ્યા. કોઇ કહે કે ‘આ સારું’, ત્યારે કોઇ કહે કે ‘આ ખરાબ !’ એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ ‘સારું’ કહે ને બીજાને એ ના ગમે તો એને એ ‘ખરાબ’ કહે. એમાં પાછો અભિપ્રાય આપે કે ‘આ સારું ને આ ખરાબ’, તે પછી રાગ-દ્વેષ ઊભા થઇ જાય.

ગત જ્ઞાન-દર્શને ઊભી બુદ્ધિ

બુદ્ધિ શું છે ? એ તો ગયા ભવનો તમારો વ્યૂ પોઈન્ટ છે. દા.ત. તમે હાઈવે પરથી જતા હો અને પહેલા માઈલે અમુક વ્યૂ દેખાય. તે બુદ્ધિ સહી કરી આપે કે ‘આપણને તો આવું જ હોય તો સારું.’ તે પહેલા માઈલનો વ્યૂ પોઈન્ટ નક્કી થઈ જ જાય. પછી જ્યારે આગળ ચાલે ને બીજા માઈલે આવે ત્યારે તેને જુદું જ દેખાય, વ્યૂ આખોય બદલાઈ જાય. ત્યારે વ્યૂના હિસાબે ‘આપણને આવું જ જોઈએ’ તેમ બુદ્ધિ પાછી સહી કરી આપે. પણ પાછલો વ્યૂ પોઈન્ટ તેનાથી ભૂલી નથી જવાતો. તેથી તે આગળ ને આગળ આવે. જો પાછલા વ્યૂ પોઈન્ટનો અભિપ્રાય ન લો તો વાંધો નથી, પણ તે લીધા વગર ચાલે જ નહીં. એ અભિપ્રાય આગળ આવીને ઊભો જ રહે. આને અમે ‘ગત જ્ઞાન-દર્શન’ કહીએ છીએ. કારણ કે બુદ્ધિએ સહીસિક્કા કરી આપેલા છે, તેથી અંદર મતભેદ પડ્યા કરે છે. આજની તમારી બુદ્ધિ તે ગયા ભવનો તમારો વ્યૂ પોઈન્ટ છે અને આજનો વ્યૂ પોઈન્ટ એ તમારા આવતા ભવની બુદ્ધિ થાય અને એમ ચાલ્યા જ કરે.

અભિપ્રાય એ બુદ્ધિના આશયને આધીન

જેટલા જેટલા અભિપ્રાયો છે એ બધા અભિપ્રાયો તમારે આવ્યા કરે. અભિપ્રાય બુદ્ધિના આશયને આધીન છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિના આશયને આધીન ?

દાદાશ્રી : હા, બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેવા અભિપ્રાય બેઠેલા હોય. પેલો એમનો બાબો છે તે જ્યારે રસ હોય ત્યારે તો દાળ-ભાત કશુંય નથી ખાતો, એકલા રસ ને પૂરી, બસ. કારણ કે એને અભિપ્રાય બેઠેલો છે. આજે કોઈ શિખવાડતું નથી. આપણે કહીએ કે બાબાને આવું કોણે શિખવાડ્યું છે ? ત્યારે કહે, ‘ના, બાબાને કોઈ શિખવાડનાર નથી.’ એનો એને અભિપ્રાય બેઠેલો છે. એટલે બુદ્ધિના આશયમાં એ છે કે આમાં સુખ છે. તેથી આવે એટલે ઝાપટી લે.

લોકસંજ્ઞાએ અભિપ્રાય અવગાઢ

આખું જગત અભિપ્રાયને લીધે ચાલે છે. અભિપ્રાય વસ્તુ તો એવી છે ને કે આપણે અહીં કેરી આવી, બીજી બધી ચીજો આવી. તે ઇન્દ્રિયોને આપણી પ્રકૃતિ પ્રમાણે બધું ગમે અને ઈન્દ્રિયો બધું ખાય, વધુ ખાઈ જાય પણ ઈન્દ્રિયોને એવું નથી કે અભિપ્રાય બાંધવો. આ તો બુદ્ધિ મહીં નક્કી કરે છે કે આ કેરી બહુ સરસ છે ! એટલે એને

(પા.૬)

કેરીનો અભિપ્રાય બેસી જાય. પછી બીજાને એમ કહે પણ ખરો કે ભાઈ, કેરી જેવી કોઈ ચીજ નથી દુનિયામાં. પાછું એને યાદેય આવ્યા કરે, ખૂંચ્યા કરે કે કેરી મળતી નથી. ઈન્દ્રિયોનો બીજો કોઈ વાંધો નથી, એ તો કોઈ દહાડો કેરી આવે તો ખાય, ના આવે તો કશું નહીં. આ અભિપ્રાય જ છે તે બધા પજવે છે ! હવે આમાં બુદ્ધિ એકલી કામ નથી કરતી, લોકસંજ્ઞા બહુ કામ કરે છે.લોકોએ માનેલું એને પહેલાં પોતે બિલીફમાં બાંધે છે, આ સારું ને આ ખરાબ. પાછું પોતાનો પ્રિયજન હોય તે બોલે, એટલે એની બિલીફ વધારે બંધાતી જાય.

એવું આ અભિપ્રાય કોઈ બેસાડતું નથી પણ લોકસંજ્ઞાથી અભિપ્રાય બેસી જાય છે. લોકસંજ્ઞાથી અભિપ્રાય બેઠા છે, તે જ્ઞાનીની સંજ્ઞાએ તોડી નાખવાના છે. મોટામાં મોટો અભિપ્રાય - ‘હું કર્તા છું’, એ તો જે દહાડે જ્ઞાન આપ્યું, તે દહાડે ‘જ્ઞાની પુરુષ’ તોડી આપે. પણ બીજા નાનાં નાનાં, સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે અભિપ્રાય બેઠા હોય.

અભિપ્રાયોની જન્મદાતા રોંગ બિલીફ

‘હું ચંદુભાઈ છું’ એ રોંગ બિલીફ છે, અને પછી આનો ભઈ થઉં, આનો વેવાઈ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, એના પર અભિપ્રાય બેઠાં. તે ‘હું કોણ છું’ એ ભાન થાય, રાઈટ બિલીફ બેસે તો ઉકેલ આવી જાય. રોંગ બિલીફથી આ બધું ઊભું થયું છે. એટલે (કર્મ) બંધનું કારણ રોંગ બિલીફ છે અને ઉકેલ (મુક્તિ)નું કારણ રાઈટ બિલીફ છે.

પ્રશ્નકર્તા : રોંગ બિલીફ અને અભિપ્રાય એ બેનો સંબંધ શો છે?

દાદાશ્રી : અભિપ્રાય ને એવી કેટલી ચીજો ભેગી કરો ત્યારે એ રોંગ બિલીફ કહેવાય. એટલે અભિપ્રાય એ રોંગ બિલીફનો એક નાનામાં નાનો ભાગ છે. રોંગ બિલીફ એ કંઈ અભિપ્રાયનો ભાગ નથી. અભિપ્રાયોની જન્મદાતા રોંગ બિલીફ છે.

રોંગ બિલીફ જતા, અભિપ્રાય જાય

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી રોંગ બિલીફ જાય છે, તોય અભિપ્રાયનું અસ્તિત્વ તો હોય છે ?

દાદાશ્રી : હા, રોંગ બિલીફ જાય પછી અભિપ્રાય જાય. એવી એક નહિ પણ ઘણી બધી ચીજો કાઢવાની છે, ગણી ગણીને ! પણ રોંગ બિલીફ ગઈ હોય, તે એ જાય બધાં. જેનું મૂળ ઊડી ગયું, એ પછી સૂકાઈ જાય.

પ્રશ્નકર્તા : એટલે બધાનું મૂળ આ રોંગ બિલીફ છે ?

દાદાશ્રી : હા, આખા સંસારનું મૂળ જ રોંગ બિલીફ છે, ધોરીમૂળ. એ રોંગ બિલીફ ગઈ એટલે આપણને તરત બધી ઓળખાણ પડી જાય. ઓળખાણ પડે કે જાય. જ્યાં સુધી ઓળખાણ ના પડે ત્યાં સુધી ના જાય. અભિપ્રાય એ નુકસાન કરે છે એવું ખબર ના પડે, સમજણ ના પડે ત્યાં સુધી એ જાય નહીં. માણસને અભિપ્રાય આપતાં બહુ સરળ થઈ પડે છે. એ સહેલું આવડે છે. એ એટલું સરળ છે કે ન પૂછો વાત ! ‘નાલાયક છે, બદમાશ છે કે ચોર છે’ બધું કહે. અભિપ્રાય આપ્યો કે જવાબદારી મોટી આવી.

‘ઓપિનિયન’ + ‘લેંગ્વેજ’ = ‘મન’

આ અભિપ્રાયો જ બાંધ બાંધ કર્યા છે, તેથી મન ઊભું થયું છે. ‘આ સારું છે અને આ ખરાબ છે’ ને ‘આ નઠારા છે ને આ યુઝલેસ છે’, ‘કમાવવા જેવું છે’, આમ બધાં જાતજાતના અભિપ્રાયથી આ મન ઊભું થયેલું છે. આ મન એ બીજી કોઈ વસ્તુ નથી.

પ્રશ્નકર્તા : ઓપિનિયન કઈ રીતે મન ઊભું કરે, એ ના સમજાયું બરોબર.

દાદાશ્રી : તમે કહો કે ‘માંસાહાર કરવો સારો નથી’, એ તમારો ઓપિનિયન ગણાય. ‘માંસાહાર

(પા.૭)

કરવો સારો છે’ એય ઓપિનિયન કહેવાય. એનાથી મહીં ગાંઠ પડી જાય. આ મન શેનું બનેલું છે ? ગ્રંથિઓનું બનેલું છે. જેને ગુજરાતી ભાષામાં કહેવું હોય તો ગાંઠોનું બનેલું કહેવાય. એ ગ્રંથિ શી રીતે બને છે ? તમે ગુજરાતી ભાષામાં ઓપિનિયન આપ્યો. એટલે ભાષા-ગુજરાતી, લેંગવેજ એ મધર કહેવાય. અને ઓપિનિયન આપ્યો કે ‘આ માંસાહાર ખાવો જોઈએ’, તો એ ઓપિનિયન આપ્યો એટલે ગ્રંથિ પડી. અત્યારે તમે માંસાહાર ખાતા નથી, પણ ઓપિનિયન આપ્યો. તે ગ્રંથિ પડી એટલે આવતે ભવે ગ્રંથિ પાછી પરિપક્વ થઈને તમને ફળ આપવા તૈયાર થશે. તે ઘડીએ તમે કહો કે ‘આ માંસાહાર કેમ ખવાય છે ? આપણાથી ના ખવાય. આમ કેમ થાય છે ?’ તે બંધાય પાછાં. મન આપણે જે ઊભું કર્યું હતું, તેનાથી આપણે બંધાયા. તમને સમજાય છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : જૈનના છોકરાં કોલેજમાં ગયેલા હોય, તે બીજા ફ્રેન્ડ સાથે ફરે. હવે હોટલે જાય તો માંસાહાર ન કરે, પણ પેલાં ફ્રેન્ડ માંસાહાર કરે. તે બહુ દહાડા થાય ને, એટલે જૈનના છોકરાને મનમાં એમ થાય કે આ કરવા જેવું તો છે જ. પણ પેલું ગયા અવતારે અભિપ્રાય બેસી ગયેલો કે માંસાહાર કરવા જેવો નથી. તેથી અત્યારે ખાય નહીં. પણ ‘માંસાહાર કરવા જેવો છે’ એવો અભિપ્રાય બદલાયો એટલે આવતે ભવ પાછો માંસાહાર કરવાનો. એવી રીતે આ મન બંધાયેલું છે.

માંસાહાર તમે ના કરતા હો, પણ તમે કહો કે ‘માંસાહાર કરવો એ ખોટું નથી.’ તો એ (આવતે ભવ) તમારું મન થશે. એટલે તમે ખાશો પછી. એટલે તમારે એનો અભિપ્રાય ના આપવો જોઈએ. તમે દારૂ ના પીતા હોય, પણ ‘એમાં દારૂ પીવો એ કંઈ ગુનો ઓછો છે ? એમાં વાંધો શો છે?’ એ અભિપ્રાય આપો કે તમારું મન બંધાઈ જશે. પછી તમે પીતા થઈ જશો. માટે ચેતતા રહેજો. આ આખું જગત આટલું બધું ઇફેક્ટિવ છે.

જેનો અભિપ્રાય, તેના વિચાર

મન એટલે પૂર્વના આગ્રહો બધા અને આજના જ્ઞાનના આગ્રહો એ આજના અભિપ્રાય.જેમાં આગ્રહ નથી કર્યો તેનો કશો વિચાર નથી આવતો અને જેના આગ્રહ કર્યા છે, જેના અભિપ્રાય બાંધ્યા છે તેના જ વિચારો આવે. આ વાળ વધે તોય તને કશું નહીં ને ઘટે તોય કશું થાય નહીં, એટલે એનો વિચાર જ ના આવે. કેટલાકને તો વાળના બહુ વિચાર આવે. આ સ્ત્રીઓને ગાંયજા સંબંધી વિચાર આવતા હશે ? એમને વાળ કપાવવાની જરૂર જ નથી ને ? એટલે એ તરફના વિચાર જ નહીં આવવાના. જેના અભિપ્રાય વધારે બાંધેલા, તે જ ખૂંચ ખૂંચ કર્યા કરે.

પ્રશ્નકર્તા : વિચાર અને અભિપ્રાય બન્ને એક જ વસ્તુ છે ?

દાદાશ્રી : નહીં, જુદાં છે. અભિપ્રાય એ કોઝિઝ છે અને વિચાર એનું પરિણામ છે.

તાંતો રહે ત્યાં છે અભિપ્રાય

પ્રશ્નકર્તા : અભિપ્રાય ક્યારે ને કેવી રીતે થઈ જાય છે ? આપણે મહીંથી વિચારો આવે, કે આ આવો છે, આણે આમ કર્યું, તો તે ઘડીએ પછી અભિપ્રાય પડે ?

દાદાશ્રી : ના, એ લાંબો તાંતો રહે એટલે આપણે જાણવું કે અભિપ્રાય છે જ. તાંતો ના રહેવો જોઈએ ને ! અભિપ્રાય છૂટી ગયો કે તાંતો બંધ થઈ જાય.

કષાય એ રાજા ને અભિપ્રાય એ પ્રજા

પ્રશ્નકર્તા : આ કષાય અને અભિપ્રાય એ બેનો સંબંધ શો છે?

(પા.૮)

દાદાશ્રી : સામ્રાજ્ય કષાયનું, અભિપ્રાય એ બધી પ્રજા એની.

પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાયના આધારે કષાય ઊભા થાય એવું નથી ?

દાદાશ્રી : એ રાજ ગયું હોય, એ કષાયો ગયા હોય તો અભિપ્રાયની કિંમત નથી.

પ્રશ્નકર્તા : એટલે કષાય વગર પણ અભિપ્રાય હોય ?

દાદાશ્રી : કષાયો દૂર થયા હોય, તો એનો અભિપ્રાય આપે તો એની કિંમત નથી. કષાયો છે ત્યાં સુધી અભિપ્રાયની જવાબદારી.

પ્રશ્નકર્તા : એટલે કષાયના આધારે અભિપ્રાય ઊભા છે, એ ખરું?

દાદાશ્રી : ના, એવું કશું નહીં. અભિપ્રાય તો એ પોતે જ ખ્યાલ ના હોય કે આ શું કામ કરી રહ્યો છે તે. ભૂલ કરી રહ્યો છે કે સારું કરી રહ્યો છે એ ખ્યાલ ના હોય, મોટાં મોટાં (ક્રમિકના) જ્ઞાનીઓને પોતાનેય ખબર ના પડે. એ તો અમે કહીએ ત્યારે ખબર પડે કે આ અભિપ્રાયના આવાં જોખમ છે. કારણ કે પોતે જ અભિપ્રાય આપનારો, પોતે પોતાને જોઈ શકે કેવી રીતે ?

અભિપ્રાય ઓળખાય લક્ષણો પરથી

કોઈની જોડે ગુસ્સો આવતો હોય તો એની ઉપર આપણે ચકાસણી કરવી કે ‘આ બધામાં આ ત્રણ જણ જોડે જ ગુસ્સો આવે છે, બીજા બધા ઉપર ગુસ્સો નથી આવતો એનું શું કારણ છે.’ એ ખોળી કાઢવું. તો શું કારણ છે કે પેલા ત્રણને માટે આપણું મન અભિપ્રાય આપે છે કે ‘આ નાલાયક છે, આમ છે, તેમ છે.’ તો મનને આપણે કહેવું કે ‘ના, એવું નથી. એ નાલાયક નથી, બહુ સારા માણસ છે.’ એટલે પછી પાછલાં પરિણામ હશે એટલા પૂરા થઈ જાય એટલે ગુસ્સો બંધ થઈ જશે. પાછલાં એક્શન કરેલા હોય એટલે રિએક્શન આવી જાય, પણ પછી બંધ થઈ જાય. જ્યારથી જાણ્યું ત્યારથી આપણે ચાર્જ બંધ કર્યું, એટલે પછી ડિસ્ચાર્જ એકલું રહ્યું. સમજાય છે તને ? બહુ ઊંડી વાત છે. એટલે ગમે તેવો માણસ હોય તોય મન ના બગાડવા દેવું, આપણે આપણું મન સુધારી લેવું.

અભિપ્રાયના ફળરૂપે અભાવ

પ્રશ્નકર્તા : કોઈકવાર અમુક વ્યક્તિને જોઈને, એનું વર્તન જોઈને અભાવ આવી જાય છે.

દાદાશ્રી : એ તો પહેલાંની આપણને આદત ખરીને, એ આદતનો ધક્કો હજુ વાગ્યા કરે ! પણ આપણું જ્ઞાન એના પર મૂકવું જોઈએ ને, આદત તો પહેલાંની એટલે આવ્યા કરે. પણ એમ કરતાં કરતાં આપણું જ્ઞાન મૂકીએ ને, એટલે એમ કરતું કરતું સ્થિર થાય. આદતો પૂરી થવી જ જોઈએ ને !

પ્રશ્નકર્તા : એ અભિપ્રાયને આધારે રહે ?

દાદાશ્રી : એ બધા અભિપ્રાય કરેલા, તેના ફળરૂપે આ અભાવ રહ્યા કરે. જ્યારે ‘નગીન’ અહીં રૂમમાં પેસે કે તરત જ આપણને એના તરફ અભાવ ઉત્પન્ન થાય, શાથી ? કારણ કે ‘નગીન’નો સ્વભાવ જ નાલાયક છે, એવો અભિપ્રાય બેસી ગયો છે. તે ‘નગીન’ આપણને સારું કહેવા આવ્યો હોય, તોય પણ પોતે એને અવળું મોઢું દેખાડે. એ અભિપ્રાયો બેસી ગયા છે જે બધા, એ કાઢવા તો પડશે જ ને ?

આપણામાં ગુણ-અવગુણ જોવાની દ્રષ્ટિ છે ?

પ્રશ્નકર્તા : તો અમારે શું કરવાનું કે કોઈ પણ માણસ હોય, એના માટે ખરાબ ભાવ ઊભો ના થાય, સારો જ ભાવ થાય?

દાદાશ્રી : ‘એ સારો છે’ એવું ડીસિઝન જ રાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : ‘એ સારો છે’ એવું જો અમારે

(પા.૯)

ડીસિઝન લેવાનું થાય, તો હવે એના કંઈ સારા ગુણો હોય એ જોઈએ, તપાસીએ, પછી જ ડીસિઝન આવે ને ?

દાદાશ્રી : ના, ના, ગુણને નહીં જોવાના. ગુણ તો જોતાં જ ક્યાં આવડે છે ? આ લોકો તો અવગુણને જ ગુણ કહે છે. ગુણ અને અવગુણ, બેને ઓળખતા જ નથી. એ બેની લાઈન ઓફ ડિમાર્કેશન (ભેદરેખા) જ નથી કે આ અવગુણ કહેવાય અને આ ગુણ કહેવાય.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં તો ગુણ-અવગુણ જોતાં આવડે ને ?

દાદાશ્રી : ના, ના. વ્યવહારમાં કશું આવડતું નથી, તો ગુણ-અવગુણ તો ક્યાંથી સમજણ પડે ? આ તો પૈસાનો લાભ આપે એને ગુણ કહે છે ને પૈસાનું નુકસાન કરે એને અવગુણ કહે છે ! પોતાના સ્વાર્થનો ફાયદો થતો હોય તેને ગુણ કહે છે. બાકી ગુણ-અવગુણ તો જુદી વસ્તુ છે. એની લાઈન ઓફ ડિમાર્કેશન તો હોવી જોઈએ ને ? આ તો પોલમ્પોલ ચાલી છે ! બુદ્ધિ જેમ નચાવે છે તેમ નચાય છે. અને બુદ્ધિનું ઠેકાણું પણ કયાં છે તે ?

આપણે જેને ‘ગુણવાન’ કહીએ તેને બીજો કહેશે કે ‘એ નાલાયક છે.’ એટલે બધાને સરખું આવવું જોઈએ. કંઈક સમાન તો હોવું જોઈએ ને?

આફટર ઑલ ગુડ મેન

હું તો બધા જેને નાલાયક કહેતા હોય, તેને ‘આફટર ઑલ હી ઈઝ એ ગુડ મેન’ કહેતો હતો. એ ‘આફટર ઑલવાળું’ તો બહુ સરસ વાક્ય છે ને ! બધાં સારા જ છે, પણ આફટર ઑલ, એ છેવટેય સારો જ હોય છે. પોતાને દઝાડ્યો માટે કંઈ આખી દુનિયાને દઝાડ દઝાડ કરે છે ? આપણો હિસાબ હશે તો દઝાય ! આપણો હિસાબ ના હોય તો દઝાડે કોઈ ?

પાછું અભિપ્રાયે કરીને આપણે એને ‘સારું છે, સારું છે’ એવું કહેવાનું નહીં. અભિપ્રાય ‘સારો છે’ એનો અર્થ એટલો જ કે આપણે કોઈ દહાડો એને એમ નહીં કહીએ કે ‘તું નાલાયક છું, તું ખરાબ છું.’ આપણા મનમાં અભિપ્રાય એવો છે કે ‘એ સારા છે.’ એ સારા અભિપ્રાયના આધારે આપણે ‘તું ખરાબ છું’ એવું નહીં બોલીએ. એટલે પછી ‘ગ્લાસ વીથ કેર’ રહી શકે ને સામાન ડેમેજ નહીં થાય.

પ્રશ્નકર્તા : તો પછી અભિપ્રાય જ ના રહેવા દેવો જોઈએ ને ? એવું જ થયું ને ?

દાદાશ્રી : મૂળમાંથી અભિપ્રાય જ ઉડાડી દો અને ‘સારો છે’ એમ કહી દેવું. ‘આફ્ટર ઑલ બહુ સારો માણસ છે’ એવું કહી દેવું અને ‘સારો છે’ કહેશો તો તમારા વિચારો સારા રહેશે. એ ભેગો થાય તો એના મોઢા ઉપર તમારી છાપ પડશે. આ તો તમારું મોઢું કદરૂપું દેખે કે પેલો સમજી જાય કે આમને મારા માટે ખરાબ અભિપ્રાય છે. એને તરત ખબર પડી જ જાય કે આ મારા માટે ખરાબ અભિપ્રાય રાખે છે. કારણ કે આત્મા છે ને જોડે ! એટલે તરત સમજણ પડી જાય.

ખરાબ સામે સારાનું મૂકો કાઉન્ટર વેઈટ

પ્રશ્નકર્તા : એ બરોબર છે, તો પછી આ વચ્ચે સારો કે ખરાબનો અભિપ્રાય કેમ લઈ આવે છે ?

દાદાશ્રી : ‘સારો છે, ખરાબ છે’ એવું અમથા બોલ બોલ કરીને પોતાની જાતને ખરાબ કરો છો, ને કોઈ ચાર માણસ પણ તમને મત ના આપે એવી તમે તમારી જાતને કરો છો ! જો બધે જ અભિપ્રાય ‘સારો છે, સારો છે’ કરો ને, તો કોઈક તો માણસ મત આપનારા પણ નીકળે ! આ તો કોઈ મત જ ના આપે. આ તો સમજણ વગર લોકોને ‘એ ખરાબ છે, ખરાબ છે’ અભિપ્રાય આપ્યા કરો છો ! કંઈ થર્મોમીટર છે સમજણનું? અને જેને તમે ‘સારા’ કહો છો, એને બીજો

(પા.૧૦)

માણસ ‘ખરાબ’ કહે છે. આ બધા અભિપ્રાય તૂટી જવા જોઈએ કે આ ખોટું છે ને આ ખરું છે.

પ્રશ્નકર્તા : જે અભિપ્રાયો સારા કે ખોટાં બંધાઈ જાય છે ને, અમુક લોકો માટે કે ફેમિલી મેમ્બર્સ માટે, તે પછી તૂટવામાં વાર લાગે છે, એવું થાય છે.

દાદાશ્રી : એવું છે ને, કોઈના માટે ખરાબ અભિપ્રાય બંધાયો હોય તો આપણે કાઉન્ટર વેઈટ મૂકવું પડે, નહીં તો તો ઊથલી પડે બધું. એટલે તરત કહેવું કે ‘એવું નથી, એ તો મહાન ઉપકારી છે’, એટલે આવું કાઉન્ટર વેઈટ મૂકે ત્યારે પેલું લેવલમાં આવી જાય.

યથાર્થ દ્રષ્ટિ વગર ના બોલાય

પ્રશ્નકર્તા : હવે અભિપ્રાય જેમ છે તેમ કહીએ, કોઈપણ જાતના ખરાબ ભાવ વગર, તો તેમાં શું ખોટું ?

દાદાશ્રી : જેમ છે તેમ કહી દો, એ અધિકાર છે તમને ? તમારી પાસે એ દ્રષ્ટિ જ નથી. યથાર્થ દ્રષ્ટિ વગર બોલાય નહીં.(આઃ૯,૧૫૬) આપણે શું કહીએ છીએ ? બિલકુલ અભિપ્રાય નહિ, ‘નો અભિપ્રાય.’ અભિપ્રાય આપવામાં શું ફાયદો ? જ્યાં વાત જ રોંગ (ખોટી) છે.

પ્રશ્નકર્તા : બુદ્ધિથી દોરવાય છે ને કે આ માણસ આવો છે.

દાદાશ્રી : ના, બુદ્ધિથી નહિ. પહેલાંની આપણને આદત છે, અભિપ્રાય આપવાની. હવે પહેલાંનું તે ઘડીએ દર્શન જુદું હતું, આજનું દર્શન જુદું છે. આજના દર્શનના પ્રમાણે ચાલવું જોઈએ. એટલે અભિપ્રાય તો અપાય જ નહિ આપણાથી. દુનિયામાં કોઈ ગુનેગાર જ છે નહીં ત્યાં આગળ !

અભિપ્રાય પાડે અંતરાય

આ ભાઈ વકીલ છે, તે અહીં આવ્યા હશે કોઈ વખત. તે અહીં ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ થબોકા પાડતા હતા, તે ઘડીએ શું કહેતા હતા ? આ બધું શું ચાલે છે ? આ તાળીઓ પાડે છે ને કંઈ બધા આમ કરે છે ?

હવે એ અભિપ્રાય એમણે આપવાની જરૂર નહોતી. આ અભિપ્રાય આપ્યો તેથી એમને અંતરાય પડ્યો, લાંબું થયું. આ જ અંતરાય, આપણા જ ઊભાં કરેલાં.

ઓપિનિયન બિલકુલ કરકસરથી વાપરો. પૈસાની ઈકોનોમી નહીં કરો તો ચાલશે, પણ ઓપિનિયનની ઈકોનોમી કરો. કો’કનો અભિપ્રાય આપતાં પહેલાં બહુ જ વિચાર કરો.

પ્રકૃતિ બાંધે, પ્રજ્ઞા છોડાવે

પ્રશ્નકર્તા : આપણને કોઇના માટે અમુક અભિપ્રાય હોય કે આની પ્રકૃતિ આવી જ છે, એટલે મનમાં એમ રહે કે આને કહીશું નહીં તો ઠેકાણે નહીં રહે.

દાદાશ્રી : જ્યાં સુધી મહીં એ અભિપ્રાય નહીં તૂટે કે સામાને ટૈડકાવ્યા વગર ચાલે તેમ નથી, ત્યાં સુધી સામા જોડે કંઇક થયું તો એ ટૈડકાવ્યા વગર નહીં રહે, પાછલા ‘રિએકશન’ તો આવવાના જ. આપણે નક્કી કરીએ કે અભિપ્રાય છોડવો છે, તોય થોડો વખત પાછલા ‘રિએકશન’ રહેવાના, સામાનેય રહે ને આપણનેય રહે.

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાય, તે છોડવા કેવી રીતે ?

દાદાશ્રી : અભિપ્રાય છોડવા માટે આપણે શું કરવું પડે કે આ ભાઈ માટે મને આવો અભિપ્રાય બંધાયો, ત્યારે આપણે જાહેર કરીએ કે ‘આ અભિપ્રાય ખોટો છે. આ ભાઈ માટે આવો અભિપ્રાય બંધાતો હશે ? ‘આપણાથી આવું કેમ બંધાય ? આ તે તમે કેવું કરો છો ?’ એટલે એને એ અભિપ્રાયને ખોટો કહ્યો, એટલે એ છૂટી જાય.

(પા.૧૧)

અભિપ્રાય પ્રકૃતિ બાંધે છે ને પ્રજ્ઞાશક્તિ અભિપ્રાય છોડ્યા કરે છે. પ્રકૃતિ છે એટલે અભિપ્રાય બંધાઈ તો જવાના, નિરંતર બંધાયા કરવાના, પણ બંધાય પછી આપણે બેઠા બેઠા અભિપ્રાય છોડ છોડ કરવાના.

ગુણાકાર થતા જ કરો ભાગાકાર

એવું છે, કે કોઈ રકમને સાતે ગુણી હોય તે સાતે જ ભાગવી પડે તો તેની તે જ રકમ થઈ જાય. આપણે રકમ તેની તે જ રાખવી છે ને ? આપણે જાણીએ છીએ કે આ કઈ રકમે ગુણાઈ ગયું છે, તેટલી રકમે આપણે ભાગવું. આપણને ખબર પડે કે અહીં આગળ તો બહુ ભારે રકમથી ગુણાકાર થઈ ગયો છે, તો આપણે ભારે રકમથી ભાગી નાખવું. એટલે ગુણાકાર તો થયા જ કરે, પણ ભાગાકારનું આપણી પાસે હથિયાર છે. આપણે પુરુષ થયા છીએ, અને પુરુષાર્થ આપણો ધર્મ છે !

તમે કોઈને માટે અભિપ્રાય બાંધો ને, તો પેલાના મન પર એની અસર કુદરતી રીતે જ થયા કરે છે. એટલે પેલાય સમજી જાય કે આમને મારે માટે આવું છે. પણ જો આપણે એ અભિપ્રાય ભાંગી નાખીએ તો પછી પોતાના મન પર એની અસર ના થાય. અભિપ્રાય પડ્યો કે તરત ને તરત સાતે ભાગી નાખીએ તો ત્યાં અસર પડતાં પહેલા ભાંગી જાય. નહીં તો કોઈ પણ વસ્તુ નકામી જતી નથી અને તેની અસર આવ્યા વગર રહેતી જ નથી. કોઈના માટે અભિપ્રાય તો બાંધવો જ નહીં. કારણ કે એ આત્મા જ છે, તો પછી એને માટે અભિપ્રાય બંધાય જ કેમ ?

અમોઘ શસ્ત્ર, અભિપ્રાયો સામે

પ્રશ્નકર્તા : કોઈના માટે આપણે ઓપિનિયન બાંધીએ તો એનું રિઝલ્ટ (પરિણામ) શું આવે ?

દાદાશ્રી : ફસામણ ! બીજું શું ? આપણે શું લેવા ઓપિનિયન બાંધવાના ? આપણને અધિકાર શું ? એનું ફળ ફસામણ આવે. ખરાબ ઓપિનિયન બાંધીએ તોય ફસામણ અને સારો બાંધીએ તોય ફસામણ.

કોઇના માટે સહેજ પણ અવળો કે સવળો વિચાર આવે કે તરત તેને ધોઇ નાખવો. એ વિચાર જો થોડીક જ વાર રહે ને, તો એ સામાને પહોંચી જાય અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે. માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઇએ.

પ્રશ્નકર્તા : છતાં અવળો અભિપ્રાય બંધાઈ જાય તો શું કરવું?

દાદાશ્રી : જેના માટે અવળો અભિપ્રાય બંધાઈ ગયો એના એ જ માણસની માફી માંગવાની.

પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય આપવો કે નહીં ?

દાદાશ્રી : કોઈ અભિપ્રાય જ આપવો નહીં અને એ અપાઈ જાય ને, તે પછી ભૂંસી નાખવું આપણે. તમારી પાસે ભૂંસી નાખવાનું સાધન છે, અમોઘ શસ્ત્ર છે. આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનનું ‘અમોઘ શસ્ત્ર.’

પ્રતિક્રમણનો અર્થ શું કહેવાય છે ? આ જે ભૂલ થઈ રહી છે એમાં હું સહમત નથી. એ પ્રતિક્રમણ ઈટસેલ્ફ પ્રુવ (જાતે જ સાબિત) કરે છે આ, કે એમાં હું સહમત નથી. પહેલાં એ દોષમાં સહમત હતો કે આવું જ કરવું જોઈએ, હવે એમાં સહમત નથી. અભિપ્રાય ફર્યા એટલે થઈ રહ્યું. આ જગત અભિપ્રાયથી ઊભું રહ્યું છે.

અભિપ્રાયની છાયા સામાને ગૂંચવે

એટલે અભિપ્રાય કોઈ જાતના રાખવાના નહીં. જેના તરફ ખરાબ અભિપ્રાય બેસી ગયા હોય, એ બધા તોડી નાખવાના. આ તો બધા વગર કામના અભિપ્રાય બેઠેલા હોય છે, ગેરસમજણથી બેઠા હોય છે.

(પા.૧૨)

કોઈ કહે કે ‘આપણો અભિપ્રાય ઊઠી ગયો તોય એની પ્રકૃતિ કંઈ ફરી જવાની છે ?’ ત્યારે હું શું કહું કે પ્રકૃતિ ભલેને ના ફરે, એનું આપણે શું કામ છે ? તો કહે કે ‘આપણને પછી અથડામણ તો ઊભી રહેશે ને ? તો હું શું કહું કે ‘ના, આપણા સામા માટે જેવા પરિણામ હશે, તેવા સામાના પરિણામ થઈ જશે.’ હા, આપણો એના માટે અભિપ્રાય તૂટ્યો ને આપણે એની જોડે ખુશ થઈને વાત કરીએ, તો એ પણ ખુશ થઈને આપણી જોડે વાત કરે. પછી તે ઘડીએ આપણને એની પ્રકૃતિ ના દેખાય !

અભિપ્રાય બદલવા શું કરવું પડે ? ચોર હોય તો મનમાં તેને ‘શાહુકાર, શાહુકાર’ કહીએ. ‘આ સારા માણસ છે, શુદ્ધાત્મા છે, આપણો જ ખોટો અભિપ્રાય બેઠો છે’ એવું મહીં ફેરવીએ.

બાકી જો એને અભિપ્રાય સહિત જુઓ, એના દોષ જુઓ, તો આપણા મનની છાયા એના મન પર પડે. પછી એ આવે તોય આપણને ગમે નહીં. એ ફોટો તરત જ એની મહીં પડે.

અમારા મનની છાયા બધા પર કેવી રીતે પડે છે ! ઘનચક્કર હોય તોય ડાહ્યા થઈ જાય! આપણા મનમાં ‘નગીન’ ગમે નહીં એમ હોય તો નગીન આવ્યો એટલે પછી અણગમો ઉત્પન્ન થાય ને તેનો ફોટો એની ઉપર પડે ! એને તરત મહીં ફોટો પડે કે આમને મહીં શું ચાલી રહ્યું છે ! એ આપણા મહીંના પરિણામો સામાને ગૂંચવે. સામાને પોતાને ખબર ના પડે પણ એને ગૂંચવે. એટલે આપણે અભિપ્રાય તોડી નાખવા જોઈએ. આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા.

સારા અભિપ્રાયના પરિણામે

પ્રશ્નકર્તા : આપણને મન અહીં લઈ આવ્યું એ પણ અભિપ્રાય કહેવાય ને ?

દાદાશ્રી : હા, એ અભિપ્રાય કહેવાય. આ અભિપ્રાય સારો ભરેલો ને મહીં કે ‘કોઈક ફેરો એવા સંત મળજો કે મુક્તિ કરાવડાવે.’ એ અભિપ્રાય ભરેલો, તેથી આ મન અહીં તેડી લાવ્યું. એ અભિપ્રાય અહીં તેડી લાવ્યો.

એટલે સારા અભિપ્રાય તમને હેલ્પ કરશે અને નબળા અભિપ્રાય તમને મારશે. પણ છેવટે મન છે ત્યાં સુધી સંસારમાં ભટકાય ભટકાય કરશે. માટે મન વશ થાય એવું કોઈ કાર્ય કરો.

અભિપ્રાય છૂટ્યે મન વશ

પ્રશ્નકર્તા : મનને વશ કરવા માટે શું કરવાનું ?

દાદાશ્રી : અરે, ‘કરવાથી’ તો મન વશ થતું હશે ? કરવાથી તો આ મન બહેક્યું છે. મન વશનો રસ્તો શો છે કે ‘આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે’ એવું થોડુંઘણું સમજાય આપણને તો મન વશ થાય. અને નહીં તો તમે જો તમારા અભિપ્રાય બંધ કરી દો, તો તમારું મન તમને વશ રહેવું જ જોઈએ. જૂના અભિપ્રાયને લીધે એનું જે રિએક્શન (પ્રતિક્રિયા) હશે તે આવશે, પણ નવા અભિપ્રાય બંધ કરી દો તો તમને બહુ મઝા આવશે, તો મન વશ થતું જાય.

જબરજસ્ત અભિપ્રાયે પડી અટકણ

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઇ ગયા અને છૂટે નહીં તો શું થાય?

દાદાશ્રી : જે વસ્તુ પર અભિપ્રાય જબરજસ્ત બેસી જાય એટલે એને ત્યાં અટકણ થઇ જ જાય. અભિપ્રાય બધે વહેંચાયેલા હોય તો કાઢવા સહેલા પડે, પણ અટકણ જેવું હોય તો કાઢવું મુશ્કેલ. એ બહુ ભારે રોગ છે.

એટલે દરેકને અટકણ પડી છે, તેથી જ આ બધા અટક્યા છે અને હવે શી અટકણ પડી છે, એ

(પા.૧૩)

ખોળી કાઢવું જોઈએ. (ઘોડાને) કબ્રસ્તાન આગળ (ઘોડાને) અટકણ થાય છે કે ક્યાં આગળ અટકણ થાય છે એ ખોળી કાઢવું જોઈએ. (જેનાથી) અનંત અવતારની ભટકણ છે, એ આ અટકણ એકલી જ છે, બીજું કંઈ નથી ! અટકણ એટલે મૂર્છિત થઈ જવું, સ્વભાન ખોઈ નાખવું! કંઈ બધે અટકણ નથી હોતી. ઘેરથી નીકળ્યો તે બધે કંઈ મારઝૂડ નથી કરતો, રાગ-દ્વેષ નથી કરતો, પણ એને અટકણમાં રાગ-દ્વેષ છે !

પરાક્રમ ભાવે છેદાય અટકણ

પ્રશ્નકર્તા : અટકણને તોડવા માટે એની પાછળ પડે તો જબરજસ્ત પરાક્રમ ઊભું થઈ જાય ને ?

દાદાશ્રી : એ પરાક્રમ હોય તો જ અટકણની પાછળ પડાય. અટકણની પાછળ પડે છે એ જ પરાક્રમ કહેવાય છે. પરાક્રમ સિવાય અટકણ તૂટે એવી નથી. એ ‘પરાક્રમી પુરુષ’નું કામ છે. આ તમને ‘જ્ઞાન’ આપ્યું છે, તો પરાક્રમ થઈ શકે !

પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ?

દાદાશ્રી : જ્યારથી નક્કી કર્યું કે અભિપ્રાય કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે. પણ એક વાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એના પ્રતિક્રમણ કરવા.

હવે બિલકુલ ‘ક્લિઅરન્સ’ મહીં થઈ જવું જોઈએ. આ ‘અક્રમ જ્ઞાન’ મળ્યું ને પોતાને નિરંતર સુખમાં રહેવું હોય તો રહી શકાય, એવું આપણી પાસે ‘જ્ઞાન’ છે. પહેલાં સુખ ન હતું, ત્યાં સુધી તો માણસ અટકણમાં જ પડે ને ? પણ સુખ કાયમનું ઊભું થયા પછી શેને માટે ? સાચું સુખ શાથી ઉત્પન્ન થતું નથી ? તે આ અટકણને લઈને આવતું નથી.

છોડો સંસાર સુખનો અભિપ્રાય

જ્યાં સુધી મીઠો રસ ગમે છે, ત્યાં સુધી કડવાનો અણગમો લાગે. મીઠું ગમતું બંધ થઈ જાય ને, તો કડવાનો અણગમોય બંધ થઈ જાય.આ મીઠું ગમે છે ક્યાં સુધી ? ત્યારે કહે, ‘હજી મોક્ષમાં જ સુખ છે’ એવો પૂરેપૂરો અભિપ્રાય મજબૂત થયો નથી. હજુ અભિપ્રાય કાચો રહે છે. માટે એવું બોલ બોલ કરવું કે ‘ખરું સુખ મોક્ષમાં જ છે, ને આ બધું ખોટું છે, આમ છે, તેમ છે.’ એમ થોડી થોડી વારે ‘તમારે’ ‘ચંદુભાઈ’ને સમજાય સમજાય કરવું.

અભિપ્રાય તો આખોય છૂટી જવો જોઈએ. અભિપ્રાય તો બિલકુલ હોવો જ ના જોઈએ. કિંચિત્માત્ર અભિપ્રાય કોઈ જગ્યાએ ભરાઈ રહ્યો હોય, તો એ તોડી નાખવો. ‘આ સંસારમાં સુખ છે, આ પાંચ ઇન્દ્રિયોમાં સુખ છે’ એવો અભિપ્રાય તો રહેવો જ ના જોઈએ.

શુદ્ધાત્મા પમાડે અભિપ્રાયોથી આઝાદી

અભિપ્રાય એ આપણા ન હોય, એ બધા ચંદુભાઈના! ‘હું તો દાદાએ આપેલો એવો શુદ્ધાત્મા છું’ અને શુદ્ધાત્મા તે જ પરમાત્મા છે એટલું સમજી જવાની જરૂર છે. આ પાંચ આજ્ઞા આપી છે, એ ‘શુદ્ધાત્મા’ના ‘પ્રોટેક્શન’ માટે છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, અભિપ્રાયો તો પડેલા તે ઊભા થઈ જાય છે.

દાદાશ્રી : આ અભિપ્રાય વર્તે છે, એનોય આપણને અભિપ્રાય ના રહેવો જોઈએ. જૂના અભિપ્રાય તો ભલે વર્તે પણ તાજો અભિપ્રાય ના રહેવો જોઈએ. આપણે છૂટા એટલે ગમે તેવા

(પા.૧૪)

બંધાયેલા ભાગમાં ‘હું મુક્ત જ છું’ એવો રણકાર વાગવો જોઈએ એ વાગે ત્યારે કામ થઈ ગયું ! અને એ તો વાગશે જ ને, એ સચ્ચી આઝાદી કહેવાય.

મહાત્માઓને હોય ડિસ્ચાર્જ અભિપ્રાય

પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓએ જ્ઞાન લીધેલું છે, છતાં પણ એમને અભિપ્રાય તો થાય છે.

દાદાશ્રી : એ થાય છે તે પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. એ પેલો ચાર્જ અભિપ્રાય નથી, એ ડિસ્ચાર્જ અભિપ્રાય છે.

અભિપ્રાય બે જાતના : એક જગતના માણસને છે તે જીવતો અભિપ્રાય. અને આ જ્ઞાન પછી ‘અહીં’ આગળ છે તે નિર્જીવ અભિપ્રાય.

ડિસ્ચાર્જ ઈગોઈઝમનો સમભાવે નિકાલ

જ્યાં સુધી આપણે ચંદુ છીએ ત્યાં સુધી અભિપ્રાય બંધાય. હવે આપણે શુદ્ધાત્મા થયા. એટલે આ અભિપ્રાય બાંધનારો રહ્યો નહીં ને ? હવે ‘કઢી ખારી છે’ એ બોલ્યા, તે પેલો ડિસ્ચાર્જ ઈગોઈઝમ બોલ્યો. ચાર્જ ઈગોઈઝમ તો ઊડી ગયો. આ ડિસ્ચાર્જ ઈગોઈઝમ બોલ્યો કે કઢી ખારી છે, તો આપણે તે ઘડીએ સમભાવે નિકાલ કરાવવો. એ ઈગોઈઝમને કહેવું કે આવું કેમ બોલ્યા ? સમભાવે નિકાલ કરી નાખવાનો.

ભૂતકાળ તો ગયો, ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. એટલે હવે વર્તમાનમાં રહો. કેરીઓ આવે તે ઘડીએ કેરીઓ ખાઓ, પણ અંદર કહેવું જોઈએ કે ‘આમ ન હોવું ઘટે.’ એટલે ખાય છતાં સ્લીપ ના થાય. અને અભિપ્રાય ના બદલીએ તો ના ખાય છતાંય સ્લીપ થયા કરીએ.

અભિપ્રાયથી મુક્ત થવા પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : આપણે ડિસ્ચાર્જ જે થતું હોય તે જોયા કરીએ અને પ્રતિક્રમણ ના કરીએ તો એ વધે કે ઘટે ?

દાદાશ્રી : એ કશું વધે નહીં. પ્રતિક્રમણ ના કરીએ તો એ પરમાણુ છે તે ફરી પાછા આગળ દેખાશે, એ આવતા ભવમાં.

પ્રશ્નકર્તા : પણ અત્યારે ભરીએ નહીં, ખાલી જોયા કરતા હોઈએ તો ?

દાદાશ્રી : તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) જરૂર નથી. આ તો પ્રતિક્રમણ મેં શા માટે મૂકેલું છે, નહીં તો અભિપ્રાયથી છૂટશો નહીં. પ્રતિક્રમણ કર્યું એટલે અભિપ્રાયથી સામા થઈ ગયા. એ અભિપ્રાય અમારો નથી હવે. નહીં તો અભિપ્રાય મોળો પણ રહી જશે. પ્રતિક્રમણ કરવાની જરૂર નથી આ વિજ્ઞાનમાં. ફક્ત આ એટલા માટે મૂકેલું, નહીં તો અભિપ્રાય એ રહેશે, ‘કશો વાંધો નહીં’ કહેશે.

શાસ્ત્રકારોએ વાંધો ઉઠાવ્યો કે પ્રતિક્રમણ આમાં કેમ રાખો છો? પણ એ એમને ખબર ના પડે કે આ અક્રમ માર્ગ છે ! લોકોનો અભિપ્રાય એ રહી જશે. એક તો મહીં દારૂ પીધો તે પીધો, પછી પ્રતિક્રમણ ના કરે એટલે એ જ અભિપ્રાયરહ્યો. અમે હઉ પ્રતિક્રમણ કરીએ ને. અભિપ્રાયથી મુક્ત થવું જ જોઈએ. પ્રતિક્રમણ (કરવા)નો વાંધો નહીં, અભિપ્રાય રહી જાય તેનો વાંધો છે.

ટેકનિકલી પ્રતિક્રમણ આવશ્યક

પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પામ્યો. એટલે આ ટેકનિકલી છે, સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી પણ ટેકનિકલી જરૂર છે.

પ્રશ્નકર્તા : સાયન્ટિફિકલી કેવી રીતે ?

દાદાશ્રી : સાયન્ટિફિકલી એનું એ ડિસ્ચાર્જ છે, પછી એને (પ્રતિક્રમણની) જરૂર જ શી છે ?

(પા.૧૫)

કારણ કે તમે જુદા છો ને એ (અભિપ્રાયો) જુદા છે. એટલી બધી (જુદું રાખવાની) શક્તિઓ નથી એ બધા લોકોની. પ્રતિક્રમણ ના કરો એટલે પેલો અભિપ્રાય રહી જાય. અને તમે પ્રતિક્રમણ કરો એટલે અભિપ્રાયથી જુદા પડ્યા, એ વાત ચોક્કસ ને ?

પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો થયો કે ‘ચંદુલાલ’ અને ‘ચંદુલાલ’ના પરમાણુ ડિસ્ચાર્જ છે ? હવે પ્રતિક્રમણ ના કરે તો એટલા બાકી રહી ગયા ?

દાદાશ્રી : એટલું મન આપણને પજવે. અભિપ્રાયથી મન બંધાય છે અને અભિપ્રાય બાકી રહ્યો એટલે મન એટલું બાકી રહ્યું.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન લીધા પછી પણ થોડું-ઘણું બાકી રહે ખરું?

દાદાશ્રી : રહે તો ખરું, આપણો ઉકેલ આપણે જ લાવવાનો છે. પ્રતિક્રમણ ના કર્યાં, આળસ કરી તો એટલું બાકી રહ્યું. પુરુષાર્થ તો કરવો જ જોઈએ ને ? પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તે ચાલતું હશે?

આપો ડ્રામેટિક ઓપિનિયન

પ્રશ્નકર્તા : હજુ દરેક ચીજમાં આપણો ઓપિનિયન આપીએ છીએ.

દાદાશ્રી : એથી જ આ મન ઊભું રહ્યું છે. અને ઓપિનિયન આપો તો ડ્રામેટિક (નાટકીય) આપો. ‘હું ભર્તૃહરી છું’ એવું તમે ડ્રામામાં બોલો, તો એની તમને અસર નહીં થાય. તમે છો તેની જ અસર થશે. તમે ચંદુલાલ છો, તો તેની જ અસર રહે. ડ્રામેટિક બોલવામાં વાંધો નથી પણ તમે તો પદ્ધતિસર જ બોલો છો.

એટલે જ્ઞાન લીધેલું હોય તો જ ડ્રામેટિક આપી શકે, બીજાને ડ્રામેટિક હોય નહીં. ને પોતે ડ્રામેટિક છે જ નહીં. પોતે ડ્રામેટિક ક્યારે કહેવાય ? ‘હું ચંદુભાઈ છું’ એમ બોલવાનો અધિકાર કોને છે, ડ્રામેટિક તરીકે ? ‘હું શુદ્ધાત્મા છું’ એની ખબર છે તેને. જેમ પેલામાં બોલે કે ‘હું ભર્તૃહરી છું’ પણ અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું.’ તો એ ડ્રામા કરી શકે. મૂળ હોવો જોઈએ કશુંક, તો બીજા નામથી ડ્રામા કરી શકે.

ના ગમતું તે બાબતના બારણા બંધ

અભિપ્રાય આપે ને ના ગમતું હોય તો જોખમદાર નથી એવું છે. વાત તો સમજવી પડશે. ઝીણી વાત છે આ.

પ્રશ્નકર્તા : ગમતું હોય ને અભિપ્રાય ના આપે તોય જોખમદાર કહેવાય, એ વાતનો જરા ફોડ પાડો ને, દાદા ?

દાદાશ્રી : હા, તે ઘડીએ બારણું ખુલ્લું છે એટલે પેઠા વગર રહે જ નહીં ને ! ગમે છે એટલે બારણું ખુલ્લું છે. એટલે એ નહીં ને બીજું પેસી જશે, પેઠા વગર રહે નહીં. અને જેને નથી ગમતું તેને બારણું બંધ છે. બસ, ના ગમતું જોઈએ. ઓપિનિયન આપે નહીં તો કશું જ નથી. બહુ જ ઝીણી વાત છે. પણ જ્યારે મૂળ પર આવશે ને, બહુ વિચારકોના હાથમાં આ વાત આવશે ત્યારે તે સમજશે. અને તમને તો સહેજે સમજાય એવી વાત છે આ.

અજાગૃતિથી અપાય જાય અભિપ્રાય

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુની આપણે સંસારમાં વાત કરતા હોઈએ અને એ સહજ રીતે આપણે કહીએ કે ના, આ બરાબર છે કે આ ફલાણું આમ છે કે તેમ છે, પણ એ અભિપ્રાય તો ન જ કહેવાય ને ?

દાદાશ્રી : ના. એય ચંદુભાઈ કહે તો તમારો અભિપ્રાય નથી ને એ ચંદુભાઈનો અભિપ્રાય હોય તો વાંધો નથી પણ આ તમારો નથી ને ? તમને અભિપ્રાય ના રહેવો જોઈએ.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા’ને તો અભિપ્રાય હોય જ નહીં, દાદાજી.

દાદાશ્રી : હોય નહીં. પણ તમને જો અભિપ્રાય રહેતો હોય, તે ઘડીએ શુદ્ધાત્મા ના રહે. એટલે અજાગૃતિમાં તમે છે તો અભિપ્રાય આપી દો.

પ્રશ્નકર્તા : એટલે તન્મયાકાર થઈ જાય.

દાદાશ્રી : હા, ચંદુભાઈ સાથે તન્મયાકાર થઈ ગયા. એટલે ફરી એ ફાઈલ ચૂંથવાની રહી. બીજું કંઈ કર્મ બંધાયું નથી, પણ ફાઈલનો ચૂંથારો રહ્યો. આ ફરી ટેબલ ઉપર આવશે ને સહી કરવી પડશે, નિકાલ કરવો પડશે.

લેપાયમાન ભાવો, અભિપ્રાયને લઈને

તેથી અમે કહીએ છીએ કે ‘મન-વચન- કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું.’ લેપાયમાન ભાવોથી જાતજાતના ઊભા થયા જ કરવાના મહીં, પણ એ આપણા અભિપ્રાયને લઈને છે. અભિપ્રાય જો ના હોય તો કશું નહિ. જેના અભિપ્રાય ગયા તેને કશું જ નથી. હજુ આપણાં પાછલાં અભિપ્રાય છે ને, તે ‘ના ઈચ્છા’ હોય છતાંય પાછલાં અભિપ્રાય તો જાય નહિ ને !

આપણે શુદ્ધાત્મા કહ્યું છે, એનું કારણ એ જ છે કે તમે સંજોગવશાત્ કંઈ ઊંધી દિશામાં ફસાઈ ગયા અને તે તમારો અભિપ્રાય ફરે છે, પણ તમે તો શુદ્ધાત્મા છો. તમને શુદ્ધાત્માને કશું જ ડાઘ નથી પડતો, તમે શુદ્ધ જ છો. મહીં વહેમ પડે કે આ હું શુદ્ધ રહ્યો નથી. એ મુશ્કેલી ઊભી ના થાય એટલા માટે આપણે નામ પાડ્યું કે શુદ્ધાત્મા. નહીં તો આત્મા જ હતો, શુદ્ધ જ છો, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ સંજોગોમાં. એટલા માટે એ શુદ્ધનું વિશેષણ મૂકવામાં આવ્યું છે.

અભિપ્રાયથી આપણે જુદા પડ્યા હવે

હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે હવે એનો ‘ઓપિનિયન’ (અભિપ્રાય) ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે ‘ઓપિનિયન’ હતો, તે આ માગણી કરવાથી એનો ‘ઓપિનિયન’ જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : ‘ઓપિનિયન’થી જુદો થઈ ગયો એટલે શું ?

દાદાશ્રી : ‘દાદા ભગવાન’ તો સમજી ગયા ને, કે આને બિચારાને હવે કોઈનો અહમ્ દુભાવવાની ઈચ્છા નથી. પોતાની ખુદની એવી ઈચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ઈચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.

એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહિ, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ.

પ્રશ્નકર્તા : શક્તિ માગવાની એ વાત બરાબર છે, પણ આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને બીજાનો અહમ્ ના દુભાય ?

દાદાશ્રી : ના, એવું કશું કરવાનું નથી. આ કલમ પ્રમાણે તમારે બોલવાનું જ, બસ. બીજું કશું કરવાનું નથી. અત્યારે જે (કોઈનો) અહમ્ દુભાય જાય છે, એ ફળ (ડિસ્ચાર્જમાં) અવશ્ય આવેલું છે. અત્યારે થયું એ તો ‘ડિસાઈડેડ’ (નક્કી) થઈ ગયું છે. એ અટકાવી શકાય પણ નહીં. ફેરવવા જવું એ માથાકૂટ છે ખાલી. પણ આ બોલ્યા એટલે પછી જવાબદારી જ નથી રહેતી.

પ્રશ્નકર્તા : ને આ બોલવું એ સાચા હૃદયથી

(પા.૧૭)

હોવું જોઈએ ?

દાદાશ્રી : એ તો સાચા હૃદયથી જ બધું કરવું જોઈએ. અને જે માણસ કરે ને, એ ખોટા હૃદયથી ના કરે, સાચા હૃદયથી જ કરે. પણ આમાં હવે પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો. આ મોટામાં મોટું વિજ્ઞાન છે એક જાતનું !

વૈજ્ઞાનિક રીતે બદલાય અભિપ્રાય

પોતાનો અભિપ્રાય બદલાઈ જાય કે આ ના શોભે, તો છૂટ્યો. ફક્ત પોતાના અભિપ્રાય બદલી નાખે આ જ્ઞાનથી. અભિપ્રાય બદલવો એ કંઈ સહેલી વાત નથી. આવી ગુપ્ત રીતે બદલાય. એમને એમ આપણે કહીએ કે ચોરી નહીં કરવી એ સારું છે, ચોરી કરવી એ ખોટું છે. તો મનમાં સમજી જાય કે આ (ચોરી) કરીએ છીએ ને વગર કામનું ના કરવાનું બોલે છે. તે રસ્તે ન ચઢે. અમારી આ વૈજ્ઞાનિક શોધખોળ છે બધી.

એક છોકરો ચોર થઈ ગયો છે, એ ચોરી કરે છે. લાગ આવે તે ઘડીએ ગજવામાંથી કાઢે. ઘેર ગેસ્ટ આવ્યા હોય તેનેય ના છોડે. હવે એ છોકરાને આપણે શું શીખવાડીએ કે આ ભવમાં તું દાદા ભગવાન પાસે ચોરી ન કરવાની શક્તિ માંગ.

હવે એમાં એને શું લાભ થયો ? કોઈ કહે, ‘આમાં શું શીખવાડ્યું ?’ એ તો શક્તિઓ માંગ માંગ કર્યા કરે છે અને પાછો ચોરી તો કરે છે ! અરે, છો ને ચોરી કરતો. આ શક્તિઓ માંગ માંગ કરે છે કે નથી કરતો ? હા, શક્તિઓ તો માંગ માંગ કરે છે. તો અમે જાણીએ કે આ દવા શું કામ કરી રહી છે ! તમને શું ખબર પડે કે દવા શું કામ કરી રહી છે ?

એટલે આનો શો ભાવાર્થ છે ? એક તો એ છોકરો માંગે છે કે મને ચોરી ન કરવાની શક્તિ આપો. એટલે એક તો એણે એનો અભિપ્રાય બદલી નાખ્યો. ‘ચોરી કરવી એ ખોટું છે અને ચોરી ન કરવી એ સારું છે’ એવી શક્તિઓ માગે છે, માટે ચોરી ન કરવી એ અભિપ્રાય ઉપર આવ્યો. મોટામાં મોટું આ અભિપ્રાય બદલાયો ! અને અભિપ્રાય બદલાયો એટલે ત્યાંથી આ ગુનેગાર થતો અટક્યો.

પછી બીજું શું થયું ? ભગવાન પાસે શક્તિ માગે છે એટલે એની પરમ વિનયતા ઉત્પન્ન થઈ. હે ભગવાન ! મને શક્તિ આપો. એટલે તરત શક્તિ આપે એ. છૂટકો જ નહીં ને ! બધાને આપે, માગનાર જોઈએ. તેથી કહું છું ને, આ તો તમે માગતા ભૂલો છો ! આ તમે તો કશું માગતા જ નથી, કોઈ દહાડો નથી માગતા.

આ વાત તમને સમજાઈ, શક્તિ માગો એ ?

પ્રશ્નકર્તા : આ તો બહુ વૈજ્ઞાનિક ખુલાસો છે, અભિપ્રાય બદલાયો અને સાચું માગ્યું.

દાદાશ્રી : અને ‘શક્તિ આપો’ એમ કહે છે. ‘આપો’ કહેલું એ તો કંઈ જેવી તેવી વાત છે ? ભગવાન ખુશ થઈને કહે છે, ‘લે.’

બીજું, એનો અભિપ્રાય બદલાઈ ગયો છે. બાકી એને મારી-મારીને, મારી-ઠોકીને અભિપ્રાય બદલાય નહીં. એ તો અભિપ્રાય મજબૂત કરી આપે કે ચોરી કરવી જ જોઈએ. અલ્યા, મારી-ઠોકીને દવા ના થાય આવી, દવા માટે તો દાદા પાસે તેડી જા. અને ખોળામાં બેસાડીને ડાહ્યો કરી દેશે. દવાના જાણકાર જોઈએ ને ! જ્ઞાની પુરુષ રોગનું નિદાનેય કરી આપે ને બધી દવાયે બતાડી આપે. આપણે ફક્ત પૂછી લેવાનું કે ‘સાચી વાત શું છે, અને મને તો આમ સમજાયું છે.’ એટલે બતાડે ને, તે ‘બટન’ તરત દબાવવાનું એટલે ચાલુ થઈ જાય.

મોટામાં મોટો અભિપ્રાય પોતાનો બદલાયો, કહે છે, એ અભિપ્રાય તો મારો થઈ ગયો, પણ હવે ‘ભગવાન, મને શક્તિ આપો. હવે મને તમારી શક્તિની જ જરૂર. મારો અભિપ્રાય તો બદલાઈ

(પા.૧૮)

ગયો છે.’

પ્રશ્નકર્તા : અને વધુ તો દેનારો બેઠો છે, એટલે માગવા જેવું છે.

દાદાશ્રી : હા, માગો એ આપવા તૈયાર છું. એક કલાકમાં મારા જેવો બનાવું એવી મેં ગૅરન્ટી આપી છે. બધું બોલ્યો છું, એવી ગૅરન્ટી નથી આપી ? કેટલાંય વર્ષથી આ ગૅરન્ટી આપું છું ! ‘મારા જેવો એક કલાકમાં બનાવી દઉં, તમારી તૈયારી જોઈએ.’

ઊંધામાં રાખો અસહમતતા

પ્રશ્નકર્તા : આત્મજ્ઞાનવાળા જીવ પર કર્મનો કોઈ સંસ્કાર પડે કે ના પડે ? કોઈક એવા અધમ કર્મ હોય તો ?

દાદાશ્રી : અધમ કર્મ હોય તો એ કરનાર જુદો છે, એ પૂરણ-ગલન છે. જે કર્મ છે એ આવીને જતું રહે છે. એની જોડે આપણે અન્વય સંબંધ નથી. અન્વય સંબંધ હોય તો તે આપણું છે. પણ જેને અન્વય સંબંધ નથી તે આપણું નથી, એને ફક્ત જાણવું જોઈએ એટલું જ છે.

પ્રશ્નકર્તા : એવો કોઈ પ્રસંગ આવે કે અધમ કર્મમાં જોડાવું પડે, તો એ વખતે દાદાનું સાન્નિધ્ય માગીને દાદાની પાસે ઊભો રહીને એ કર્તવ્ય પૂરું કરે, તો પોતે એ રીતે એ કર્મના સંસ્કારમાંથી છૂટો રહી શકે ખરો ?

દાદાશ્રી : હા, વાંધો નહીં. પણ તે મનમાં એમ હોવું જોઈએ કે મને આ ન હોવું ઘટે. અભિપ્રાય આપણો વિરુદ્ધ હોવો જોઈએ. જો અભિપ્રાયમાં સહમતી હશે તો ફરી ઊભું થશે.

પ્રશ્નકર્તા : એટલે એમાં આપણી સહમતી ન હોવી જોઈએ.

દાદાશ્રી : સહમત થયા એટલે એ વસ્તુમાં તમે ફરી પાછા ત્યાં જશો. (કારણ કે) તમે તમારી જાતની (એ કાર્ય માટે) છૂટ રાખી. એટલે બાઉન્ડ્રી મૂકી દેવી જોઈએ કે ‘સહમત નહીં.’ છતાંય ગયા તો ફરી નક્કી કરીએ કે સહમત નહીં. ‘જવાય છે’ એ બીજા કારણથી અને ‘સહમત નહીં’ એ તમારી મુખ્ય વસ્તુ છે. એ બ્રિક છે એક મોટામાં મોટી !

અન્વય સંબંધ એ કાયમનો સંબંધ છે. એટલે આત્માના અન્વય સંબંધવાળું છે તે આપણું છે અને બીજું પૂરણ-ગલન થયા કરે છે. તે સંયોગ કલાક-બે કલાકે જતો રહે છે, બાર કલાકે જતો રહે છે. પણ તે આપણું ન્હોય. આ ભેદ તમને આપેલો છે એટલે તમારે આ ભેદ ઉપર રહેવું જોઈએ. આ ભેદજ્ઞાનના દરવાજા ઉપર તમારે રહેવું જોઈએ કે આ ન્હોય મારું. છતાં ચંદુભાઈ એ એમાં હોય. ચંદુભાઈ પોતે જ પુદ્ગલ સ્વભાવના છે, એ પુદ્ગલમાં અટવાયા હોય તો આપણે તેને ‘જોયા’ કરવું અને ચંદુભાઈને કહેવું કે ‘આમ ન હોવું જોઈએ.’ જેમ ‘હું’ ‘તમને’ કહું છું, એવું ‘તમારે’ ‘ચંદુભાઈ’ને કહેવાનું.

અભિપ્રાયથી નોખો તે જ સંયમી

પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. આપણે જુદા, પ્રકૃતિ જુદી. આ ‘દાદા’એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે ‘આપણો’ ભાગ જુદો ભજવવો. આ ‘પારકી પીડા’માં ઊતરવું નહીં.

ચંદુભાઈ કોઈકને ગાળો ભાંડે તો તમારો અભિપ્રાય જુદો જ હોય કે ‘આમ ના હોવું જોઈએ. આ શા માટે આવું કહો છો ?’ એટલે જેમ બે માણસ જુદાં હોય એવી રીતે વર્તે, એનું નામ સંયમ. ચંદુભાઈ કો’કને અહિતકારી હોય એવું કરે, છતાં તમારો અભિપ્રાય તદ્દન જુદો જ હોય, એનું નામ સંયમ કહેવાય.

પ્રકૃતિ ગુસ્સે થાય તો પોતાને ગમે નહીં.

(પા.૧૯)

એ અભિપ્રાય જુદો થઈ જાય એ સંયમી. આમ ના હોવું જોઈએ, આડાઈ ના હોવી જોઈએ. પ્રકૃતિ તો એના પાઠ ભજવ્યા જ કરવાની. અસંયમી હોય તો પ્રકૃતિમાં એકાકાર થઈને પાઠ ભજવે અને સંયમી હોય તો એ પ્રકૃતિને જુદી રાખ રાખ કરે. પ્રકૃતિમાં તન્મયાકાર થાય એય જુદું અને પ્રકૃતિ જે કર્યા કરતી હોય તેની ઉપર છે તે પોતે એ અભિપ્રાય જુદો પાડે એ સંયમી. એ ગમે તેવી પ્રકૃતિ હોય, પ્રકૃતિમાં તન્મયાકાર ના થાય એ સંયમી.

પ્રશ્નકર્તા : પ્રકૃતિ જે હોય, એને માટે એનાથી વિરુદ્ધ અભિપ્રાય કરવાની જરૂર ખરી કે એના જ્ઞાતા-દ્રષ્ટા થવાની જરૂર ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા થવાની જરૂર ખરી. જ્ઞાતા-દ્રષ્ટા એ તો છેલ્લામાં છેલ્લું કહેવાય. એ તો હાઈ લેવલ કહેવાય, એટલું હાઈ લેવલ આવતાં વાર લાગે. અને પ્રકૃતિથી જુદો અભિપ્રાય એટલે શું ? આમ ના હોવું જોઈએ. અણગમો ઊભો થયા કરે. એ આગળ વધે, પછી એ સાઈડમાં ફુલ સાઈટ થાય ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા થાય. પણ એને આપણે જ્ઞાતા-દ્રષ્ટા જ ગણીએ છીએ નિશ્ચયની અપેક્ષાએ, અહીંથી બિગિનિંગ થાય છે.

‘જોયા’ કરવા અભિપ્રાયોને

પ્રશ્નકર્તા : અમે બધા પોતપોતાના અભિપ્રાયો ને આગ્રહો ઉપર ઊભા છીએ, પણ એ જલદી કેમ કરીને ઓગળી જાય ?

દાદાશ્રી : એ તો ઓગળે. એ અભિપ્રાયોનું જ તો આ મન બનેલું છે ને મન છે ત્યાં સુધી જાય શી રીતે ?

પ્રશ્નકર્તા : એમાંથી છૂટા કેમ થવાય ?

દાદાશ્રી : છૂટા જ છે. એ બધા અભિપ્રાયો હવે જોયા કરવાના. મન શું બોલે છે એને જોયા કરવાનું. બધું જોયા જ કરવાનું છે. ‘એ’ જ્ઞેય છે ને આપણે ‘જ્ઞાતા’ છીએ. એ જડ છે ને આપણે ચેતન છીએ. એટલે મન અભિપ્રાયોનું બનેલું છે, ‘તમારા’ અભિપ્રાયોનું બનેલું છે. જો અભિપ્રાયો તૂટી ગયા, તો તમારું મન ખલાસ થઈ ગયું.

અત્યારે તમારા અભિપ્રાયમાં રહ્યું શું ? ત્યારે કહે, અભિપ્રાય હશે તો મન બંધાશે. ત્યારે કહે, અભિપ્રાય જ રહ્યો નહિ ને ! હવે ફક્ત ‘દાદાની આજ્ઞા પાળવી છે’ એટલો જ અભિપ્રાય રહ્યો, તો એટલું એક અવતારી છે તે મન બંધાશે.

જાગૃતિ ઓછી માટે પ્રતિક્રમણ

તમે જાણકાર છો તો જાણકારનો દોષ નથી. ચંદુભાઈ શું કરી રહ્યા છે એ પોતે જાણે. ક્રમણનો વાંધો નથી પણ ચંદુભાઈ કોઈને ટૈડકાવતા હોય, ત્યારે પોતે ચંદુભાઈને ‘તમારો દોષ છે’ એમ કહે. આ અક્રમ છે, એમાં જોવાનો માલ એકલો શુભ જ હોય તો વાંધો નથી.

પ્રશ્નકર્તા : જ્ઞાયક હોય પછી અશુભનોય શું વાંધો ?

દાદાશ્રી : એવી જાગૃતિ હોય નહીં ને ! તેથી અમે પ્રતિક્રમણ કરવાનું કહીએ છીએ. બહુ જાગૃત હોય તેને પ્રતિક્રમણ કરવાની જરૂર નથી, પણ જેને જાગૃતિ જરા ઓછી છે તેને પ્રતિક્રમણ કરવાના કહીએ છીએ.

પ્રશ્નકર્તા : જાગૃતિ ઓછી હોય તો પ્રતિક્રમણ કરવું જ પડે ?

દાદાશ્રી : હા, એટલે અભિપ્રાય ફેરવવા માટે કે ‘આ અભિપ્રાય મારો નથી.’ અમે આ અભિપ્રાયમાં નથી. અભિપ્રાયથી બંધાયા હતા, હવે એ અભિપ્રાય અમે છોડી દીધો. એના વિરુદ્ધ આપણે અભિપ્રાય ધરાવીએ છીએ. કોઈને ગાળ દેવી, કોઈને દુઃખ દેવું એ અભિપ્રાય અમારો નથી. ગુસ્સો કર્યો તે અભિપ્રાય હવે અમારો નથી. એટલે

(પા.૨૦)

આપણે એને શુદ્ધ કરીને પરમાણુ કાઢ્યા.

પુદ્ગલ પરમાણુઓ શું કહે છે ?

આપણે શુદ્ધ થયા અને ચંદુભાઈને શુદ્ધ કરવો એ આપણી ફરજ. એ પુદ્ગલ શું કહે છે કે ભઈ, અમે ચોખ્ખા જ હતા. તમે અમને ભાવ કરીને બગાડ્યા, અને આ સ્થિતિએ અમને બગાડ્યા. નહીં તો અમારામાં લોહી, પરુ, હાડકાં કશું જ નહોતું, અમે ચોખ્ખા હતા. તમે અમને બગાડ્યા. માટે અમને તમારે જો મુક્તિમાં રાખવા હોય, મોક્ષે જવું હોય તો તમે એકલા જ શુદ્ધ થઈ ગયા એટલે દહાડો વળશે નહીં. અમને શુદ્ધ કરશો તો જ તમારો છુટકારો થશે. તમને સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : એટલે આપણે શું આજ્ઞા કરી કે આ સમભાવે નિકાલ કરવો. હા, અને શુદ્ધ જ જુઓ. અને છે તે કોઈને ના ગમે એવું મહીંથી થઈ ગયું હોય ચંદુભાઈ થકી, તો એણે અતિક્રમણ કર્યું હોય તો પ્રતિક્રમણ કરાવો. એટલે એના અભિપ્રાયની વિરુદ્ધ છીએ, એવું કહેવા માગીએ છીએ. અભિપ્રાય અમે ફેરવ્યો. પહેલાંના અભિપ્રાયમાં અમે નથી હવે. અભિપ્રાય ફર્યો કે એ ચોખ્ખા થઈ ગયા. અભિપ્રાય જો એનો એ જ રહ્યો તો પાછો મૂળ બગાડ રહ્યો. અભિપ્રાય ફેરવવા માટે છે આ !

અભિપ્રાયથી જ્ઞાનસુખ આવરાય

અભિપ્રાય તમે આપનારા નથી પોતે. આ જે અભિપ્રાય અત્યારે અપાય છે ને, તે ડિસ્ચાર્જ અભિપ્રાય છે. તમે જ્યારે એકાકાર હતા ને, ચંદુભાઈ જ હતા ત્યારે અભિપ્રાય આપતા હતા. અત્યારે તો ‘આ કેરી સારી છે’ એવું બોલો છો, એ તો ડિસ્ચાર્જ છે.

પ્રશ્નકર્તા : આ ડિસ્ચાર્જ કેટલો સમય ચાલવાનો ? એની મુદ્દત કેટલી હોય ?

દાદાશ્રી : આ જેમ ફિલમ છે ને, તે જોનાર ફિલમ જોવા ગયો, તે ફિલમ અને જોનાર બે સાથે ઊઠે. એવું આ જે ડિસ્ચાર્જ છે ને, એ ફિલમ છે તે આ દેહમાં છેલ્લી વખતે ફિલમ ફરતી ફરતી બધી બંધ થઈ જાય ત્યારે એય ઊઠે બહાર. આ ફિલમ છે એ ડિસ્ચાર્જ. તમે શું જુઓ ? ત્યારે કહે, ચંદુને જુઓ, ચંદુનું મન શું કરે છે, એ બુદ્ધિ શું કરે છે, એ ચિત્ત શું કરે છે ! એ ફિલમ અને તમે તો જોનાર એમાં.

આ જ્ઞાન મળ્યા પછી અભિપ્રાય જ નથી. શુદ્ધાત્મા સિવાય કોઈ અભિપ્રાય જ રહેતો નથી. મનથી ગમે છે, જ્ઞાનથી નથી ગમતું. આપણા મહાત્માઓમાં પણ થોડોક અભિપ્રાય હોય છે. એ જ્ઞાનમાં ફરક છે, દર્શનમાં ફરક નથી. અભિપ્રાય જ્ઞાનસુખને આવરે છે. પોતાના જ્ઞાનમાં એને વર્તે, કે આ બધા અભિપ્રાય ખોટા છે. છતાં તે બાંધે એટલે જ્ઞાનસુખને આવરે છે. પહેલા જે અભિપ્રાય ખૂબ જાડો હતો તે પાતળો થતો થતો થોડો રહી જાય. એટલે ત્યારે જ્ઞાનસુખ ઓછું વર્તાય, ચિત્ત શુદ્ધિ એટલી ઓછી. બીજો કશો ફરક પડતો નથી.

તત્ત્વદ્રષ્ટિ ત્યાં ન અભિપ્રાય

પ્રશ્નકર્તા : અવસ્થાને જ જુએ ત્યાં સુધી અભિપ્રાય તો આપ્યા જ કરે ને ? તત્ત્વદ્રષ્ટિ હોય તો અભિપ્રાય ન અપાય, એવું બને ?

દાદાશ્રી : ના, તત્ત્વદ્રષ્ટિ તો થયેલી છે છતાંય અભિપ્રાય તો આપે જ છે ને !

પ્રશ્નકર્તા : તો તત્ત્વદ્રષ્ટિએ જોવામાં કંઈ ભૂલ રહી જાય છે ?

દાદાશ્રી : નહીં, કષાયોનો અભાવ થયો નથી.

પ્રશ્નકર્તા : એટલે કષાયના કારણે અભિપ્રાય અપાય છે ?

દાદાશ્રી : હા, તેય જીવતા કષાય નહિ,

(પા.૨૧)

મરેલા કષાય, ડિસ્ચાર્જ કષાય.

પ્રશ્નકર્તા : આ તત્ત્વદ્રષ્ટિ અને અભિપ્રાય, બેઉ એટ એ ટાઈમ કઈ રીતે રહી શકે ?

દાદાશ્રી : જ્યાં સુધી બધી ફાઈલોનો સમભાવે નિકાલ ના થઈ જાય ત્યાં સુધી તત્ત્વદ્રષ્ટિ છે તે પૂર્ણતાએ પ્રકાશતી નથી. ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે તત્ત્વદર્શન, તત્ત્વજ્ઞાન અને તત્ત્વચારિત્ર બધું ભેગું થાય. તત્ત્વદર્શન થવાથી અતત્ત્વદર્શન ગયું એનું પણ તત્ત્વજ્ઞાન થયું નથી. અતત્ત્વજ્ઞાન એને હજુ ગયું નથી.

પ્રશ્નકર્તા : તત્ત્વદર્શનમાં શું દેખાયું એને ?

દાદાશ્રી : મૂળ તત્ત્વ ‘હું આ છું.’ પછી બધું એને આવી ગયું, પણ અતત્ત્વજ્ઞાન ગયું નથી ને ! એ જ્ઞાન જાય એટલે તત્ત્વજ્ઞાન થાય. તત્ત્વજ્ઞાન થાય એટલે ચારિત્ર હોય જ જોડે, સંપૂર્ણ થઈ ગયો. તત્ત્વજ્ઞાન કેવળજ્ઞાન સુધી પહોંચે.

પ્રશ્નકર્તા : તત્ત્વદર્શન છે પણ તત્ત્વજ્ઞાનમાં પરિણામ પામ્યું નથી, એને દાખલાથી કેવી રીતે સમજાવી શકાય ?

દાદાશ્રી : એની પાસે જે જ્ઞાન હતું આખું, ચોખ્ખું થયા સિવાય એ તત્ત્વદર્શન પ્રાપ્ત કરે છે.

હમણાં બહારથી આવ્યો ને છ વાગે એને જ્ઞાનમાં બેસાડીએ ને પછી છે તે તત્ત્વદર્શન બે જ કલાક પછી થાય છે. પણ પેલો માલ તો તેનો તે જ હતો ને ? માલ કંઈ ફેરફાર ઓછો થઈ ગયો છે? હવે માલ ક્લિયર (ચોખ્ખો) કરવાનો. જેના આધારે એ ચાર્જ થયા કરતું હતું એ બધું બંધ થયું. હવે ડિસ્ચાર્જ ક્લિયરન્સ કરવાનું, જે માલ ભરેલો હતો તેનું.

પાંચ આજ્ઞાથી અભિપ્રાય મુક્ત દશા

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ભૂલ થાય, અભિપ્રાય અપાઈ જાય તો એ અભિપ્રાયને પાછો આ દર્શનથી છેદ ઉડાડવાનો રહ્યો ને ?

દાદાશ્રી : દર્શનની એટલી બધી જાગૃતિ હોવી જોઈએ ને ? આ અભિપ્રાય અપાઈ જાય છે એ ભૂલ છે એવી ખબર પડવી જોઈએ ને?

પ્રશ્નકર્તા : એટલે હજુ એવી માન્યતા હોય જોડે ? તો આવી બધી માન્યતા ને આવું પેલું પાછલું જ્ઞાન, એ બધું હોવા છતાં આ બાજુનું દર્શન નિરાવરણ થઈ જાય છે ?

દાદાશ્રી : હા, થઈ જાય છે, આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે. પછી આજ્ઞામાં રહો તો એ બધું કશુંય ના રહે. કંઈ રહે નહીં પછી. અભિપ્રાય કોઈ બાંધે જ નહીં આજ્ઞામાં રહે તો, પણ આજ્ઞામાં રહેતા નથી ને !

પ્રશ્નકર્તા : ત્યાં પાછો પેલો પ્રશ્ન આવે, પાછલું ભરેલું જ્ઞાન, પાછલી માન્યતાઓ, એ એને અત્યારે આજ્ઞામાં ના રહેવા દે ને ?

દાદાશ્રી : આજ્ઞામાં રહે ને, તો કશું રહે એવું નથી. એને અભિપ્રાય જ ના હોય. કારણ કે આજ્ઞામાં શું કહે છે ? એ કાકાનો છોકરો નથી, એ તો શુદ્ધાત્મા છે. એ કાકાનો છોકરો નિકાલી ફાઈલ છે. એટલે એને માટે અભિપ્રાય ફરી આપે જ નહીં ને, પછી તે ચોર હોય કે શાહુકાર હોય ! જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અભિપ્રાય છે.

ક્રિયાથી નહીં, અભિપ્રાયથી કૉઝિઝ બંધાય

પહેલાં જે ‘કૉઝિઝ’ હતા, તેની અત્યારે ‘ઇફેક્ટ’ આવે છે. પણ એ ‘ઇફેક્ટ’ પર ‘સારું છે, ખોટું છે’ એ અભિપ્રાય આપે છે, એનાથી રાગ-દ્વેષ થાય છે. ક્રિયાથી ‘કૉઝિઝ’ નથી બંધાતા, પણ અભિપ્રાયથી ‘કૉઝિઝ’ બંધાય છે.

પ્રશ્નકર્તા : જ્યાં આગળ આપણને રાગ-દ્વેષ ના હોય, કંઈ સ્વાર્થ ના હોય, કોઈ વ્યક્તિને સ્પર્શતું ના હોય, એવું બિનઅંગત અભિપ્રાય આપ્યા હોય

(પા.૨૨)

એનું પ્રતિક્રમણ કરવાની જરૂર ખરી ?

દાદાશ્રી : બિનઅંગત અભિપ્રાય આપવાની જરૂર જ નહીં અને આપવા હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે. એ અંગત હો કે બિનઅંગત હો, તમારા હાથમાં અભિપ્રાય આપવાનો કોઈ રાઈટ (અધિકાર) જ નથી. એ પોતાનો સ્વચ્છંદ છે એટલે એ (અભિપ્રાય) આપણે પોતાની મેળે ભૂંસી નાખવો જોઈએ.

પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઇ જાય અને તે ભૂંસાય નહીં, તો નવું કર્મ બંધાય ?

દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુય કર્મ બંધાય નહીં, અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ.

અભિપ્રાય નહીં ત્યાં રહી વીતરાગતા

અભિપ્રાય શબ્દ તો આખોય ઊડી ગયો. અભિપ્રાય તો ‘પુદ્ગલ, આત્મા એ બધા છ તત્ત્વો જ છે’, બીજો કોઈ અભિપ્રાય નહીં એવું હોવું જોઈએ. બાકી કંઈક રાગ-દ્વેષ હોય તો જ અભિપ્રાય થાય, નહીં તો અભિપ્રાય થાય નહીં. ગમતું કે ના ગમતું હોય તો અભિપ્રાય થાય.

જ્યાં અભિપ્રાય નહીં ત્યાં નવું મન થતું બંધ થઈ ગયું. અભિપ્રાય નહીં ત્યાં વીતરાગતા રહી.

પ્રશ્નકર્તા : અભિપ્રાય વીતરાગતા તોડે છે ?

દાદાશ્રી : હા, આપણને અભિપ્રાય ના હોવા જોઇએ. અભિપ્રાય અનાત્મ વિભાગના છે. તે તમારે જાણવું કે તે ખોટો છે, નુકસાનકારક છે. પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના વ્યુપોઇન્ટથી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો રાઇટ છે ? પોતાના ડહાપણે કરીને જ બંધાયો છે આ. વીતરાગોના ડહાપણથી ચાલ્યો હોત તો મોક્ષ થાત.

વીતરાગોનું વ્યવહાર ચારિત્ર

આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને મોક્ષે ચાલ્યા જાવ.

ભગવાને જે વ્યવહાર ચારિત્ર કહ્યું છે એ તો બહુ ઊંચી વસ્તુ છે. વ્યવહાર ચારિત્ર તો, વીતરાગના મતને જાણે કે વીતરાગોનો અભિપ્રાય શો છે. પોતાનો અભિપ્રાય શો છે તે તો જુદી વસ્તુ છે, પણ વીતરાગોના અભિપ્રાયને માન્ય રાખીને બધું કામ કરે એ વ્યવહાર ચારિત્ર કહેવાય. પોતાથી જેટલું થાય એટલું પણ વીતરાગનો અભિપ્રાય નક્કી રાખીને કે આ પ્રમાણે વીતરાગનો અભિપ્રાય છે. એ પ્રમાણમાં જ ચાલ્યા કરે, પછી પોતાથી થાય એટલું, પણ એ વ્યવહાર ચારિત્ર છે.

અભિપ્રાય બાંધે તેનો ગુનો

આ વીતરાગોનું સાયન્સ તો કેવું છે ? આમનો અભિપ્રાય બાંધ્યો કે ‘આ માણસ ખોટા છે ને આ ભૂલવાળા છે’, તો એ પકડાયા.

પ્રશ્નકર્તા : એટલે અભિપ્રાય નહીં બાંધવો જોઈએ ને ?

દાદાશ્રી : અરે, અભિપ્રાય જ નહીં, પણ આપણી દ્રષ્ટિય નહીં બગડવી જોઈએ.

વીતરાગોનો મત કેવો છે કે અભિપ્રાય બાંધે તેનો ગુનો. નાલાયકી કરી તેનોય (અત્યારે) ગુનો નહીં, (પણ પકડાશે ત્યારે ગુનેગાર.) પણ પોતે (આજે) અભિપ્રાય બાંધ્યો કે આ આવા છે, એ એનો ગુનો.

અભિપ્રાય એટલે ‘આ સારું છે’ એવું કહ્યું કે

(પા.૨૩)

એ ચોંટ્યું. ‘આ ખરાબ છે’ એમ કહ્યું તોય ચોંટ્યું. એ બન્ને અભિપ્રાય છે. મારે આમાં કંઈ કામનું નથી, એટલે અભિપ્રાય છૂટી ગયાં, કે સારુંય નહીં ને ખોટુંય નહીં. વીતરાગોએ અભિપ્રાય છોડ્યા, તેથી વીતરાગ થયા. એટલે આ અભિપ્રાય જ છે ખાલી. મારી વાત અનુભવ પર લઈ જજો ને અનુભવ કરી જોજો ને !

ચેતો, વ્યક્તિના અભિપ્રાય સામે

જડ વસ્તુનો અભિપ્રાય આપો તેનો એટલો બધો વાંધો નથી, એને છોડતાં વાર નહીં લાગે. પણ મિશ્રચેતન જોડેના અભિપ્રાયની સામે અમે ચેતવાનું કહીએ છીએ.

દરેકને પોતપોતાના ઘરના બધા જ માણસો જોડે ગાઢ અભિપ્રાયો બંધાઇ ગયા હોય છે. માટે જેનાં મોઢાં ચઢે-ઊતરે, એવા મિશ્રચેતન માટે અભિપ્રાય બાંધશો જ નહીં. અભિપ્રાય એ જ અંતરાય છે. પાપો બળી શકે, પણ અભિપ્રાયોના અંતરાયો તો પોતાને જ નુકસાનકારક થઇ પડે છે, અને જેનાથી છૂટવું છે ત્યાં જ વધારે ગૂંચો પાડે છે. ઘરમાંથી બધાંના એકબીજા માટેના અભિપ્રાય નીકળી જાય તો ઘર કેવું સ્વર્ગ જેવું થઇ જાય !

પોતાના ચેનચાળા (વ્યવહાર) પોતાને જ કડવા લાગે છે, પણ તે પુદ્ગલના છે. આપણી રાજીખુશીથી અભિપ્રાયનો માલ ભર્યો છે. દરેકને પોતાના અભિપ્રાય પ્રમાણે ચેનચાળા હોય છે. અભિપ્રાય તો ‘આ દેહ દગો છે’ એમાં રાખવાનો છે. કોઇ પણ જાતનો અભિપ્રાય બોજો વધારે છે. જેનો અભિપ્રાય તેનો બોજો !

‘હું ચંદુલાલ છું’ એ અભિપ્રાય જ છેને ? તમે છો એવા તમને માનતા નથી ને નથી એવા માનો છો. ‘શુદ્ધાત્મા’ તો છે પણ પ્રતિષ્ઠિત આત્માનો અભિપ્રાય ઊભો થયો, તેથી તે પ્રમાણે ‘મશીનરી’ ચાલવાની. ‘શુદ્ધાત્મા’ સિવાયની બીજી

(પા.૨૪)

બધી જ ‘મશીનરી’ છે.

અભિપ્રાય છૂટતા પમાય મોક્ષનો પંથ

જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી રાગ-દ્વેષ હતા, પણ અજ્ઞાન ગયું એટલે રાગ-દ્વેષ ગયા. તમે પોતે ચંદુભાઈ થાવ તો રાગ-દ્વેષ તમારો કહેવાય, નહીં તો રાગ-દ્વેષ કેમ કહેવાય ? આ જે થાય છે એ ચંદુભાઈને થાય છે અને તમે શુદ્ધાત્મા જાણો છો કે આ શું થઈ રહ્યું છે અને તમે એમેય કહો, ‘આવું ન થવું જોઈએ.’

પ્રશ્નકર્તા : હા, એ બધું બરોબર.

દાદાશ્રી : એટલે તમારો અભિપ્રાય જુદો છે માટે તમે વીતરાગ છો. એટલે અમે કહ્યુંને કે પુરુષાર્થ તો તમારો જબરજસ્ત ચાલી રહ્યો છે. પુરુષ થયા પછી પુરુષાર્થ રહે, નહીં તો એમને એમ રાગ-દ્વેષ બંધ રહે નહીં જરા વારેય. રાગ-દ્વેષ કોની પર થાય છે ?

પ્રશ્નકર્તા : નથી થતાં.

દાદાશ્રી : ત્યારે એ જ આત્મા અને તે બધું ‘જોયા’ જ કરે છે. મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, સારો વિચાર આવ્યો હોય, બીજું થયું હોય, ત્રીજું થયું હોય, બધું તરત જ જોયા કરે. કો’ક શું વાણી બોલ્યો, કોઈ ખરાબ બોલ્યો હોય કે સારી બોલ્યો હોય તોય પણ રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ ના થાય એનું નામ આત્મા અને રાગ-દ્વેષ થાય એનું નામ સંસાર, દેહાધ્યાસ.

‘‘રાગ-દ્વેષ, અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેહથી તે જ મોક્ષનો પંથ.’’ - શ્રીમદ્ રાજચંદ્ર. જેનાથી આ રાગ-દ્વેષની નિવૃત્તિ થાય એ મોક્ષનો પંથ. એ તમારા રાગ-દ્વેષ નિવૃત્ત થઈ ગયા.

પ્રશ્નકર્તા : હા, આ અક્રમથી થાય. માટે અક્રમ એ મોક્ષનો પંથ.

દાદાશ્રી : હા, એ જ મોક્ષનો પંથ.

હવે ‘આ સંસારમાં સુખ નથી’ એ અભિપ્રાય બેઠો છે ને ? અને ‘મોક્ષમાં સુખ છે’ તે અભિપ્રાય બેઠો છે ને ? દાદા બતાવે છે તે માર્ગ મોક્ષમાર્ગ છે એ નક્કી છે ને ? એમ અભિપ્રાય છે ને ? અને દાદા માર્ગના નેતા છે એ અભિપ્રાય છે ને ? એ અભિપ્રાય બેસી ગયા એટલે ચાલ્યું, કામ થઈ ગયું !

જય સચ્ચિદાનંદ