ચૂકવીએ ઋણ મા-બાપના, સેવા થકી સંપાદકીય આપણી હિંદુ સંસ્કૃતિમાં ‘માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ’ની આદર્શ ભાવના સૈકાઓથી પ્રચલિત છે. નાનપણમાં જ્યારે શાળામાં ભણતા ત્યારે વિદ્યાર્થીઓને શ્રવણ એના અંધ મા-બાપને કાવડમાં બેસાડી એને ખભે ઉપાડીને જાત્રા કરાવવા લઈ જતો હતો, એવી વાર્તા કહીને મા-બાપની સેવાના પાઠ શીખવવામાં આવતા. એવું સુંદર છે આપણા હિંદુસ્તાનનું વિજ્ઞાન ! જેમાં ધાર્મિકતા સાથે આપણી સંસ્કૃતિના સંસ્કારોનો સમન્વય જોવા મળે છે. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું કે મા-બાપની સેવા કરજો. મા-બાપની સેવાનું મહત્વ શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. પહેલા મા-બાપની સેવા કે જેણે જન્મ આપ્યો, તે પછી ગુરુની સેવા. મા-બાપની સેવા અવશ્ય કરવી જોઈએ. આપણા ઉપર એમનો ઉપકાર છે કે નાનપણથી જ એમણે અનેક તકલીફો વેઠીને પણ આપણો ઉછેર કર્યો, ભણાવ્યા, સંસ્કારો આપ્યા. આમ જોવા જઈએ તો મા-બાપની જિંદગી બાળકના જીવનમાં જ સમાયેલી હોય છે, તો પછી જીવનભર મા-બાપનો ઉપકાર ભૂલાય શી રીતે ? તેમના માટેનો વિનય - પૂજ્યભાવ જીવનમાં ક્યારેય ચૂકાવો ના જોઈએ. પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) વડીલોની વ્યથા વ્યક્ત કરતા કહે છે, ‘અત્યારે સૌથી દુઃખી હોય તો સાંઈઠ-પાંસઠ વર્ષની ઉંમરના વૃદ્ધ લોકો !’ ઘરમાં બધાના ઠેબા મળે ! શરીરેય દગો દે, તે ના કહેવાય, ન સહેવાય ! પણ કોને કહે એ ? છોકરાઓ ગાંઠતા જ નથી. સાંધા પડી ગયા છે, જૂનો જમાનો ને નવો જમાનો. ઘૈડાઓ પણ જૂનું છોડતા નથી ને નવી પેઢી એમની વ્યથા સમજી શકતી નથી, પરિણામે અંતર-ભેદ વધતા જાય છે. દાદાશ્રી નવી યુવા પેઢીને સંબોધે છે કે જો આપણા મા-બાપ રાજી થાય તો આપણને અસંતોષ ક્યારેય પણ ન થાય, એની ગેરેન્ટી લખી આપું. જે માણસ મા-બાપનો દોષ જુએ, એનામાં કોઈ દહાડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારેય પણ ના થાય. મા-બાપની સેવા, વિનય અને રાજીપો લેવો, એ તો અધ્યાત્મમાં આગળ જવા પાયાની માંગ છે. બ્રહ્મચારી હોય કે પૈણેલા હોય, મા-બાપને તરછોડીને કોઈ પ્રગતિ ના થઈ શકે ! હા, એમને સમજાવી-મનાવી ધીમે ધીમે કામ લેવાય. દાદાશ્રી માતા-પિતાની સેવાનું મહાત્મય સમજાવતા કહે છે કે વીતરાગ ભગવંતોએ, ઘણા સંત પુરુષોએ પણ છેક સુધી માતા-પિતાની સેવા કરેલી. આપણો એમના પ્રત્યે વ્યવહાર આદર્શ હોવો જોઈએ. પ્રસ્તુત અંકમાં મા-બાપ અને બાળકો, બધાને વ્યવહારની સુંદર ચાવીઓ સાથે અધ્યાત્મની સાચી સમજણ પ્રાપ્ત થાય છે. જેનાથી આપણા સર્વેનું જીવન આદર્શ બને એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. ચૂકવીએ ઋણ મા-બાપના, સેવા થકી (પા.૪) મનુષ્ય જીવનની સાર્થકતા પ્રશ્નકર્તા : મનુષ્યના કર્તવ્ય સંબંધી આપ કંઈક પ્રકાશ પાડશો ? દાદાશ્રી : મનુષ્યના કર્તવ્યમાં, જેણે પાછું મનુષ્ય જ રહેવું હોય તો એની લિમિટ બતાવું. ઊંચે ના જવું હોય કે નીચે ના જવું હોય, ઊંચે છે તે દેવગતિ છે અને નીચે છે તે જાનવરગતિ છે ને એનાથીયે નીચે નર્કગતિ છે. બધી બહુ જાતની ગતિઓ છે. તે તમારે મનુષ્ય પૂરતું જ કહો છો ? પ્રશ્નકર્તા : દેહ છે ત્યાં સુધી તો મનુષ્ય તરીકેના જ કર્તવ્યો બજાવવા પડશે ને ? દાદાશ્રી : મનુષ્યના કર્તવ્ય બજાવે છે તેથી તો મનુષ્ય થયા. આપણે એમાં પાસ થયા તો હવે શેમાં પાસ થવું છે ? જગત બે રીતે છે. એક તો મનુષ્ય જન્મમાં આવી પછી ક્રેડિટ (પુણ્ય) ભેગી કરે છે, તો ઊંચી ગતિમાં જાય છે. ડેબિટ (પાપ) ભેગી કરે છે તો નીચે જાય છે અને જો ક્રેડિટ-ડેબિટ બેઉનો વેપાર બંધ કરી દે તો મુક્તિમાં જાય. ચાર ગતિઓ છે. દેવગતિ ખૂબ ક્રેડિટમાં, ક્રેડિટ વધારે ને ડેબિટ ઓછી એ મનુષ્યગતિ, ડેબિટ વધારે ને ક્રેડિટ ઓછી એ જાનવરની ગતિ અને સંપૂર્ણ ડેબિટ એ નર્કગતિ. આ ચાર ગતિઓ અને પાંચમી છે તે મોક્ષની ગતિ. આ પાંચ જગ્યાઓ ખુલ્લી છે. આ ચારેય ગતિઓ મનુષ્યો પ્રાપ્ત કરી શકે છે અને પાંચમી ગતિ તો હિન્દુસ્તાનના મનુષ્યો જ પ્રાપ્ત કરી શકે છે ! હવે એણે મનુષ્ય થવું હોય તો વડીલોની, મા-બાપની, ગુરુની સેવા કરવી જોઈએ. લોકોની જોડે ઓબ્લાઈજિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવો જોઈએ. અને વ્યવહાર ચોખ્ખો રાખો એટલે સામાની સાથે કશું લેણું-દેણું ના રહે એવી રીતે વ્યવહાર સાચવો, સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર. મા-બાપની સેવાથી દુઃખ ન આવે કદી પ્રશ્નકર્તા : ગુરુની સેવા સાથે મા-બાપની સેવા કરવી જોઈએ આ યુવા પેઢીએ, તો જો મા-બાપની સેવા ન કરે તો કઈ ગતિ થાય ? દાદાશ્રી : પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું ? તો કઈ ગતિ થાય ? દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ ફાયદો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણોય ના આવે, મા-બાપની સેવાથી! આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો. જેથી કરીને તમને જિંદગીમાંય ધનનું દુઃખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો ? છોકરાઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે (પિતાએ) જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને ! (પા.૫) પ્રશ્નકર્તા : મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે ? દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરાં જો ફરજ બજાવે ને, તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડોય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતાં નથી ને ! તે બધા લોકો દુઃખી થવાના. કર્મો પર ન છોડાય કદી, બનતી મદદ કરવી પ્રશ્નકર્તા : બધા પોતપોતાનાં કર્મો ભોગવે છે, તો આપણા મા-બાપ બિમાર થયા હોય તો આપણે એમને એમના કર્મો ભોગવવા દેવાના, કઈ કરવાનું નહીં ? દાદાશ્રી : ના, નહીં. આપણે કાં તો ત્યાં જવું, ચાકરી કરવી. ચાકરી ના કરવી હોય તો વગર કામના બોલ બોલ કરવાનો અર્થ નહીં. છેટે રહીને તાલીઓ પાડવાની જરૂર નથી. તમે જો લાગણીવાળા હો તો ત્યાં પહોંચી જાવ. લાગણીવાળાએ મા-બાપની સેવા કરવી જોઈએ અને લાગણી નથી તો અમથા અમથા બૂમો પાડવી, એનો અર્થ નથી. પ્રશ્નકર્તા : દાદા, પહોંચી જવાથી થોડા કંઈ એ લોકોના કર્મો ને પીડામાં ફેર થવાનો છે ? દાદાશ્રી : એ તો ગપ્પું માર્યું કહેવાય ! એ તો ગુનો કહેવાય. લાગણી થતી હોય તો ત્યાં પહોંચી જવું જોઈએ. ત્યાં પહોંચી જાવ એટલે કંઈ ને કંઈ હેલ્પ (મદદ) થયા વગર રહે નહીં. લાગણી થાય ને કરવું નહીં, અહીંથી બૂમાબૂમ કરવી એનો અર્થ નહીં અને લાગણીવાળા કોઈએ પૈસા મોકલ્યા ? એ લોકોના હેલ્પ માટે ઘણા લોકો ગયા છે ત્યાં આગળ. એમના માટે પૈસા ખર્ચે. તેં મોકલ્યા છે પૈસા ? પ્રશ્નકર્તા : હા, મોકલ્યા છે, દાદા. દાદાશ્રી : આપણે જો જાતે જવાય નહીં તો પૈસા મોકલીને પણ હેલ્પ કરવી. આપણે હેલ્પ તો કરવી જ જોઈએ, એવું છોડી ના દેવાય એના કર્મ ઉપર. મા-બાપની સેવા એ જ ધર્મ એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછયું કે ‘અહીં ક્યાંથી તમે ?’ ત્યારે તેમણે કહ્યું કે ‘હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારા મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.’ ત્યારે તેમણે કહ્યું કે ‘એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.’ આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે, બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? તમારે મા-બાપ છે કે નથી ? પ્રશ્નકર્તા : મા છે. દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, ‘હું દુઃખી છું’ તો હું કહું કે તારા મા-બાપની સેવા કર, સારી રીતે, તો સંસારના દુઃખ તને નહીં પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય ? દુનિયામાં બીજો કશો ધર્મ જ નથી, આ આટલો જ ધર્મ છે. બીજાને સુખ આપો એમાં જ સુખી થશો. (પા.૬) સેવાથી મેળવો મા-બાપનો રાજીપો પ્રશ્નકર્તા : આ બધાંયના મા-બાપ ભેગા છે ને છોકરાઓ છે, તો આ સામાજિક જીવન એમણે કેવી રીતે જીવવું ? મા-બાપે કેવી રીતે જીવવાનું, છોકરાએ કેવી રીતે જીવવાનું, આ એક મોટો કોયડો થઈ ગયો છે, તો એવો કંઈ રસ્તો નીકળવો જોઈએ કે એમને સમજાય ? દાદાશ્રી : પરસ્પર બધાને સુખ આપવાનો પ્રયત્ન કરે ને દુઃખ તો આપવું જ નહીં. સુખ જ આપવાનો પ્રયત્ન કરે. પ્રશ્નકર્તા : સુખની વ્યાખ્યા ? સુખ કેવી રીતે આપવું? દાદાશ્રી : મા-બાપને ગમે એ રીતે પોતે વર્તે. પોતે એમના આધીન જ રહેવું પડે. આ જ્ઞાન હોય ને, તો આત્મા છૂટો પડતો જાય એનો. છોકરાઓ બાપના આધીન વર્ત્યા કરે, બાપના કહ્યા પ્રમાણે. ના ગમે તોય બાપના આધીન વર્ત્યા કરે. પછી વિચાર કરે તો એને શાંતિ વળે, સુખ થાય મહીં, જો અવળો ના ચાલે તો. એ સુખ ક્યાંથી આવ્યું? ત્યારે કહે, આ પરાધીન હતું, તે દુઃખ જ હતું. સ્વાધીનપણાનું પછી સુખ ઉત્પન્ન થાય મહીં. પ્રશ્નકર્તા : એ સ્વાધીનપણાનું સુખ કેવી રીતે ઉત્પન્ન થાય ? દાદાશ્રી : બાપના કહ્યા પ્રમાણે ચાલે. પોતાને લાગે કે આ પરવશતા છે, પણ પછી સુખ લાગે એમાં. પ્રશ્નકર્તા : એટલે મા-બાપના કહ્યા પ્રમાણે ચાલવું જોઈએ, એ નક્કી વાત થઈ. દાદાશ્રી : ચાલવું જ જોઈએ ને ! સંસાર એનું નામ જ કહેવાય. પ્રશ્નકર્તા : એટલે મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ ? દાદાશ્રી : ત્યાં મા-બાપનો રાજીપો મેળવવો જોઈએ, એ માટે બધુંય કરવું પડે. પ્રશ્નકર્તા : સંસારમાં પહેલી ફરજ તો આ જ કહેવાય ને ? મા-બાપને મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ન થાય, કોઈપણ રીતે, એ પહેલી વાત. દાદાશ્રી : મા-બાપ એકલાની નહીં. કાકા, મામા, ફૂવા બધાની, દરેકની. અને છોકરાં-વહુની જોડે ‘કેવી રીતે ફરજ રાખવી’ એ બાપે સમજવું જોઈએ. બધાં જોડે ફરજ બજાવવાની છે. ફરજો ધર્મ સહિત કરવી પ્રશ્નકર્તા : સાંસારિક ફરજો અને ધર્મ કાર્ય વચ્ચે સમન્વય કેવી રીતે સાધવો ? દાદાશ્રી : સાંસારિક ફરજો તો ફરજિયાત જ છે. મા-બાપે માનવું કે આપણે છોકરાંની ફરજો બજાવી એ છે તે ફરજિયાત છે. છોકરાએ એમ માનવું જોઈએ કે મારી ઉપર ઉપકાર કર્યો છે, એટલે એમના તરફ મારે ભાવ રાખવા જોઈએ, એવી માન્યતા હોવી જોઈએ. નહીં તો પછી પેલો મિકેનિકલ (યંત્રવત્) થઈ જાય. ફરજિયાત થયું એટલે, મા-બાપ પ્રત્યેની સેવાનો ભાવ ઊડી જાય ને ! હવે સંસારની ફરજો બજાવતી વખતે ધર્મ કાર્ય વચ્ચે સમન્વય શી રીતે થાય ? ત્યારે કહે છે કે છોકરો અવળું બોલતો હોય, તોય આપણે આપણો ધર્મ ચૂક્યા વગર ફરજ બજાવવી. તમારો ધર્મ શું ? કે છોકરાને પાલન-પોષણ મોટો કરવો, એને સદ્રસ્તે ચઢાવવો. હવે એ અવળું બોલતો હોય તો તમે અવળું બોલો તો શું થાય? એ બગડી જાય. એટલે તમારે પ્રેમથી એને ફરી સમજણ (પા.૭) પાડવી કે બેસ ભઈ, આમ છે, તેમ છે. એટલે બધી ફરજોમાં ધર્મ હોવો જ જોઈએ. ધર્મ નહીં પેસવા દો તો એ વેક્યુમ (જગ્યા)માં અધર્મ પેસી જશે. ખાલી ઓરડી નહીં રહી શકે. અત્યારે આપણે અહીં ખાલી ઓરડીઓ રાખી હોય, તો તાળાઓ ઊઘાડીને પેસી જાય કે ના પેસી જાય ? પ્રશ્નકર્તા : રાઈટ (બરાબર). દાદાશ્રી : તો ત્યાં આગળ ખાલી ના રખાય. ત્યાં ધર્મને ઘાલી જ રાખવાનો, નહીં તો અધર્મ પેસી જાય. એટલે દરેક ફરજ ધર્મ સહિત કરવી જોઈએ. મનમાં આવે એવી ફરજો નહીં, મનમાં આવે તેમાં પાછું ધર્મ નાખીને એને સરખી કરીને પછી બજાવવી જોઈએ. એ સમજાયું સમન્વય કરવાનું? પ્રશ્નકર્તા : એટલે આ ફરજ અને ધર્મ એ બે, એક જ બનાવીને વર્તવું એમ ? દાદાશ્રી : ના, ફરજો એટલે ફરજિયાત છે. ધર્મ એટલે નેચરલ લૉ (કુદરતી કાયદો) છે. બે પ્રકારના ધર્મઃ એક આત્મધર્મ અને એક દેહાધ્યાસ રૂપી ધર્મ, જેમાં સુખી થવાય. એટલે અશુદ્ધ અને અશુભ એ અધર્મ છે અને શુભ એ ધર્મ છે. કોઈનું સારું કરવું, કોઈને સુખ આપવું, કોઈને હેલ્પ કરવી, કોઈને દાન આપવું, એ બધું ધર્મ કહેવાય છે. પણ એ દેહાધ્યાસ રૂપી ધર્મ કહેવાય, તે મુક્તિધર્મ નથી. મુક્તિધર્મ તો આત્મધર્મ, સ્વધર્મમાં આવે ત્યારે. દાદા શીખવે વ્યવહાર ધર્મ સંસારના લોકોને વ્યવહાર ધર્મ શીખવાડવા અમે કહીએ છીએ કે પરાનુગ્રહી થાવ. પોતાની જાતનો વિચાર જ ના આવે. લોકકલ્યાણ માટે પરાનુગ્રહી બનો. જો તારી જાતને માટે તું વાપરીશ તો તે ગટરમાં જશે અને બીજાને માટે કંઈ પણ વાપરવું તે આગળનું એડજસ્ટમેન્ટ છે. સંસારનું સ્વરૂપ કેવું છે ? જગતના જીવમાત્રમાં ભગવાન રહેલા છે, એટલે કોઈ પણ જીવને કંઈ પણ ત્રાસ આપશો, દુઃખ આપશો તો અધર્મ ઊભો થશે. કોઈ પણ જીવને સુખ આપશો તો ધર્મ ઊભો થશે. અધર્મનું ફળ તમારી ઈચ્છા વિરુદ્ધ છે ને ધર્મનું ફળ તમારી ઈચ્છા પ્રમાણે છે. શુદ્ધાત્મા ભગવાન શું કહે છે કે જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું. જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે ને ત્યારે તમને અજાયબી લાગશે ! દાદાનો ઓબ્લાઈઝિંગ નેચર આ લાઈફ (જીવન) જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની. એટલે ઓબ્લાઈજિંગ નેચર કર્યો જેમ કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો’કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહે, ‘મને તારી પર વિશ્વાસ નહીં આવતો.’ ત્યારે કહીએ, ‘ભઈ, પગે લાગીએ છીએ.’ પણ બીજાને વિશ્વાસ આવે છે તેને માટે તો લઈ જઈએ. (પા.૮) આ તો મારો નાનપણનો ગુણ હતો, તે હું કહું છું, ઓબ્લાઈજિંગ નેચર અને પચ્ચીસ વર્ષે મારા બધા ફ્રેન્ડ સર્કલ (મિત્ર વર્તુળ) મને સુપર હ્યુમન (દૈવીમાનવ) કહેતા’તા. હ્યુમન (મનુષ્ય) કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય. એટલે જે સામાનું સુખ લઈ લે છે, એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે, એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવા આપી દે છે એ દેવગતિમાં જાય છે, સુપર હ્યુમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુખિયાને, એ દેવગતિમાં જાય. મનુષ્ય જ્યારથી કોઈને સુખ આપતો થયો ત્યારથી ધર્મની શરૂઆત થઈ. પોતાના સુખનું નહીં, પણ સામાની અડચણ કેમ કરીને દૂર થાય તે જ રહ્યા કરે, ત્યાંથી કારુણ્યતાની શરૂઆત થાય. અમને નાનપણથી જ સામાની અડચણ દૂર કરવાની પડેલી. પોતાના માટે વિચારેય ના આવે તે કારુણ્યતા કહેવાય. તેનાથી જ ‘જ્ઞાન’ પ્રગટ થાય. વીતરાગોનો આદર્શ વ્યવહાર મેંય બાની સેવા કરેલી. ત્યારે વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, આવાં તો કેટલાંય બાપુજી થયા ! હવે શું કરીશું ? ત્યારે કહે, ‘જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન (ગયા). પણ અત્યારે હોય તો તું એમની સેવા કર, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો.’ મા-બાપની સેવા એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે. વીતરાગ (મહાવીર) ભગવાને છેક સુધી માતા-પિતાની સેવા કરેલી. આ તો આપણો વ્યવહાર આઈડીયલ (આદર્શ) હોવો જોઈએ. મા-બાપની સેવા જબરજસ્ત કરવાની તે પણ ફરજિયાત છે. જો નહીં બજાવો તો લોકો તમને ટૈડકાવવા આવશે કે તમે કઈ જાતના માણસ છો, મા-બાપનું જોતા નથી. આપણા વાંકે ભેગું થયું વાંકું પ્રશ્નકર્તા : પણ દાદા, કેટલાંકના મા-બાપ બહુ સંસ્કારી હોય છે, પણ એમના છોકરાં બહુ રાશી હોય છે, તો તેનું શું કારણ ? દાદાશ્રી : ઘઉં ઊંચી જાતના હોય, ઈન્દોરના છે દાણા તો, પણ અહીં આગળ રોપીએ, તે જમીન રાશી, ખાતર નહીં, પાણી ખારું, તો કેવા ઘઉં થાય? પ્રશ્નકર્તા : ખરાબ થાય. દાદાશ્રી : એવું આ બધું થયું છે. બધો કચરો ભેગો થયો, ખારા પાણી ભેગા થયા. તે પાછું ગેરકાયદેસર નહીં, પાછું પોતાનો હિસાબ છે તે જ માલ મળ્યો છે. છોકરા નાલાયક એટલે તમારે સમજી લેવું કે મારામાં નાલાયકી દેખાતી નથી, પણ આ નાલાયકી મારી જ છે. આપણી નાલાયકી આમાં દેખાય છે. પ્રત્યક્ષ ફોટા રૂપે તમને સમજાયું? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કામ લાગશે આ વાક્ય ? વાત (પા.૯) આ કામ લાગશે તમારે? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : અહીં બધું કંઈ ભગવાન નથી કરતો ને બીજો કોઈ હાથ નથી ઘાલતો, આ બધું તમારું તે તમારું જ છે. સારા છોકરા પાકે છે તેય તમારો ફોટો અને રાશી પાકે છે તેય તમારો ફોટો. અરે ! છોકરાં ખરાબ પાકે ને ! એક છોકરો તો એવી રાજસાહેબીથી ઉછરેલો, તે છોકરો મોટો થયો ત્યારે બાપને કહે છે, ‘મિલકત લખી આપો હમણે.’ તે એનો બાપ કહે, ‘હમણે ના મળે બા. હું જઉં ત્યારે મળશે.’ તે છોકરાએ લઢંલઢા કરીને ફરિયાદ કરી. તે ફરિયાદમાં તો પેલો બાપ હાર્યો. એટલે પેલા છોકરાએ શું કહ્યું વકીલને ? વકીલે કહ્યુંને કે ‘જો તારા બાપને હરાવ્યો ને મેં !’ ત્યારે કહે, ‘હજુ નાકકટ્ટી કરાવો તો ત્રણસો રૂપિયા વધારે આપું !’ શું કહે છે ? પ્રશ્નકર્તા : નાકકટ્ટી. દાદાશ્રી : હા, આટલું હરાવ્યો તોય એને સંતોષ ના થયો. નાકકટ્ટી કરાવો તો બીજા ત્રણસો આપું, વકીલને કહે છે. જો હવે એનું નામ... આય છોકરાને ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને કેટલાક છોકરાં મા-બાપની સેવા કરે છે. એવી સેવા કરે કે ખાધા-પીધા વગરેય સેવા કરે છે. માટે એવું નથી, આપણો હિસાબ છે બધો. આપણો જ હિસાબ, આપણો વાંક ત્યારે આ ભેગું થયું આપણને. આ કળિયુગમાં શું કરવા આપણે આવ્યા અહીં ? સત્યુગ ન્હોતો ? સત્યુગમાં બધા પાંસરા હતા, જ્યારે કળિયુગમાં બધા વાંકા મળી આવે. સરખું સિંચન છતાં હિસાબ પ્રમાણે બીજ પ્રશ્નકર્તા : એક બાપને ત્રણ છોકરાં હોય, એક છોકરો ચાકરી કરે અને બીજા બે છોકરા લેફ્ટ-રાઈટ લે, એનું શું કારણ ? દાદાશ્રી : જેવો હિસાબ હોય ને, તેવો હિસાબ પજવે. આપણે ખેતરમાં એક ઝાડ રોપ્યું હોય તો એ કડવાં ફળ આપે અને બીજું રોપ્યું હોય તો મીઠાં આપે. કડવી ગીલોડી ને બધું હોય છે ને ? એક ખેતરમાં ગીલોડીઓ બધે સાથે હોય, પણ એક મીઠી હોય, એક કડવી હોય, એવી રીતે આ કડવા છોકરાં હોય અને એક મીઠો છોકરો હોય. મા-બાપેય કડવા હોય બળ્યાં ! પ્રશ્નકર્તા : ધાવણ તો બધાને એક જાતનું આપ્યું હોય ને ! દાદાશ્રી : ધાવણ એક જ જાતનું, આ કડવી ગીલોડીને ને મીઠી ગીલોડીને બધાને ધાવણ એક જ જાતનું; લીમડાને એક જાતનું, આંબાને એક જાતનું, બધાને ધાવણ એક જ જાતનું; પણ સહુસહુના સ્વભાવ પ્રમાણે થાય. બીજમાં જેવો ગુણ હોય એવો થાય. પ્રશ્નકર્તા : બીજ પણ એક જ હોય ને ? દાદાશ્રી : ના, બીજ એક ના હોય, બીજ જાતજાતનાં હોય. આ જેમ આંબો, લીમડો એવું જાતજાતનાં બીજ, ધાવણ એક જ જાતનું. પ્રશ્નકર્તા : એક જ જાતનું બી વાવ્યું હોય. દાદાશ્રી : બી એક જાતનું વવાય નહીં ને ! બીજ તો જાત જાતના પડે. કયું બીજ પડ્યું છે તે ઊગે ત્યારે ખબર પડે ને એનું ફળ ખઈએ, ચાખીએ ત્યારે ખબર પડે કે આ કડવી ગીલોડી ! ત્યાં સુધી તો આપણને સમજણેય ના પડે, ગીલોડી કડવી છે કે નહીં, પણ ફળ ચાખીએ ત્યારે ખબર પડે. પ્રશ્નકર્તા : એક જ ગીલોડીમાંથી કાઢેલા (પા.૧૦) બધાં બી હોય તો ? દાદાશ્રી : એ તો લાગે છે એક ગીલોડીના બી બધા. પણ આ તો માણસને ! ક્ષણે ક્ષણે માણસ પોતે જ બદલાયા કરે છે. એટલે જેવા જેવા આપણા હિસાબ એ પ્રમાણે બીજ બધા ઉત્પન્ન થયા કરે અને પછી બીજ કડવું હોય, મીઠું હોય. તમે કરેલાના ફળ ભોગવવાના છે. જે આપણે કર્યું હોય ને, તેના ફળ ભોગવવાનાં છે. છોકરો સેવાય કરે ને મેવાય કરે. આપણે એવું કરવું કે આપણે કોઈને ત્રાસ ના આપીએ તો કોઈ આપણને ત્રાસ આપનારો જીવ આપણે ત્યાં આવે જ નહીં. જેના ખેતરમાં ચોખ્ખું છે, જે વસ્તુ વાવવાની એ બધું ચોખ્ખું વીણી કરીને નાખે તો પછી દાણા બધા ચોખ્ખા ઊગે અને વખતે પેલું બીજું આડું ઊગ્યું હોય તો નીંદી નાખે તોય થાય. પણ લોકો ખોટું કરવામાં કંઈ બાકી રાખતા નથી, તે પછી નીંદવાની તો વાત જ ક્યાં છે ? પ્રશ્નકર્તા : એક જ પપૈયામાં, એક જ વાડી હોય, એક જ ખેતર હોય, એક જ ઉછેરનારો હોય, તોય એમાં નર અને માદા બે જુદાં જુદાં નથી થતાં ? દાદાશ્રી : અરે, એ તો વળી મીઠી ગીલોડી વાવી હોય તોય ઠીકરી આવે તો કડવી થઈ જાય બધી, આમને શું વાર ! આપણે જો ચોખ્ખા હોઈએ ને, તો આપણને કોઈ નામ દે એવું નથી. આપણે ચોખ્ખા રહો તો છોકરાં આવશેય ચોખ્ખા. આ બધું તમારા ને મારા ઋણાનુબંધથી ભેગા થયા છીએ. તમને ઘસારો પડ્યો ને તમને ગાળો આપી, નુકસાન કર કર કર્યું હોય ને, એ એનો છે તે તમારી જોડે હિસાબ બંધાયો. તમે છે તે એ હિસાબ ચૂકવવા એની પાસે આવો. આ રૂપિયા એકલાની ચિંતા નથી, રૂપિયાનું માંગણું એકલું નથી, બીજી બહુ ભાંજગડો છે. રૂપિયાનું માંગણું તો કો’ક જ હોય. પછી બીજી ભાંજગડો પૂરી થઈ જાય, રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, એ કકળાટ, તેનો આ બધો હિસાબ ઉકેલાઈને છોકરાં થાય છે. રિલેટિવ સંબંધમાં ના જડે શાશ્વત સંબંધ જ્ઞાન થતાં પહેલાં હીરાબા અમને કહે, ‘છોકરાં મરી ગયાં તે હવે છોકરાં નથી, શું કરીશું આપણે ? ઘૈડપણમાં સેવા કોણ કરશે ?’ એમને હઉ મૂંઝવે! ના મૂંઝવે ? ત્યારે મેં તેમને કહ્યું, ‘આજના છોકરાંઓ દમ કાઢશે તમારો. એ દારૂ પીને આવશે તે તમને ગમશે ?’ ત્યારે એ કહે, ‘ના, એ તો ના ગમે.’ ત્યારે મેં કહ્યું, ‘દારૂ પીને આવશે. આ આવ્યા હતા તે ગયા. તેથી મેં પેંડા ખવડાવ્યા.’ તે પછી જ્યારે એમને અનુભવ થયો ત્યારે મને કહે છે, ‘બધાના છોકરાં બહુ દુઃખ દે છે.’ ત્યારે મેં કહ્યું, ‘અમે તમને પહેલેથી કહેતા પણ તમે નહોતાં માનતા !’ આ પારકું તે વળી પોતાનું થતું હશે કોઈ દહાડોય ? નકામી હાય હાય કરીએ ! આ દેહ જ્યાં પારકો, તે દેહનાં પાછાં એ સગાં. એ પારકો અને પારકાની પાછી મૂડી, તે પોતાની થતી હશે ? આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાખો, પણ આ તો બાપ જ છોકરાં પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળા છોકરાં થઈને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે ‘મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી.’ તો ઘરાક શું કરે ? તમને મારે. આ તો ‘રિલેટિવ’ સગાઈઓ છે, આમાંથી કષાયો ઊભા થાય. આ રાગકષાયમાંથી દ્વેષકષાય (પા.૧૧) ઊભો થાય. ઉછાળે ચઢાવાનું જ નહીં. આ દૂધપાક ઊભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે. છોકરાં ને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ! બધાં કર્મને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને, તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ કોઈના હાથમાં હોતો જ નથી ને! આ તો બધા કર્મના ઉદય ફટાકડાં ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે ! આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક સામા જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો ? શેઠ શું કહે કે અમે શું કરીએ ? અમારે તો મિલકત છોકરાને આપવાની છે. મૂઆ, ચારસોવીસી કરીને કમાણી કરી અને તેય પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે ? છોકરો તો રિલેશનવાળો છે; રિલેટિવ સંબંધ અને પાછો અહંકારી ! કંઈ શાશ્વત સંબંધ હોય, રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો સારું. આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે અને તેય ક્યારેક બાપ-દીકરો લઢે છે, ઝઘડે છે. ને ઉપરથી કેટલાક છોકરાં તો કહે છે કે બાપને ઘરડા ઘરમાં મૂકી આવવાના છે ! જેમ આ બળદોને પાંજરાપોળમાં મૂકી આવે તેમ ઘરડાંઓનું ઘર ! કેવું રૂપાળું નામ કાઢ્યું છે ! આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો, તે જ મને તો સમજાતું નથી ! આ રિલેશન-સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે. તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને, મારી નાખીને રાજગાદીઓ લીધેલી! પાપ-પુણ્ય હિસાબે ચાલે જગત એક દહાડો હીરાબા કહેતાં’તાં, ‘હું ગબડી પડી તે મને કશુંય ના થયું. વાગ્યું પણ આવું ફ્રેક્ચર કશું ના થયું ને તમે કશું નહોતું કર્યું તોય અત્યારે આ પગે ફ્રેક્ચર થઈ ગયું. તમારી પુણ્યૈ કરતાં મારી પુણ્યૈ ભારે.’ ત્યારે મેં કહ્યું, ‘પુણ્યૈ તો ભારે જ કહેવાય ને ! અમને પૈણ્યા એ તમારી જેવી તેવી પુણ્યૈ છે ?’ હું ગમ્મત કરું કો’ક દહાડો. મેં કહ્યું, ‘આ મારે ઘૈડપણ લાવવું નહોતું પણ ઘૈડપણ પેસી ગયું આ મને. ત્યારે એ કહે, ‘એ તો બધાને આવે. કોઈને છોડે નહીં.’ એમને મોઢે કહેવાવડાવું. અને આપણું કરેલું આપણે જ ભોગવવું પડે, એમાં ચાલે નહીં, એવું કહે. ત્રણ મહિના સાથે રહ્યા હતા. જોડે ને જોડે ચોવીસેય કલાક. રાતે વિધિ-બિધિ બધું કરે. પ્રેશર હતું પહેલાં, તે માથા પર પગ મૂકીને વિધિ કરતા હતા. તે બંધ થઈ ગયેલું બધું. ઠેઠ સુધી રોજ વિધિ કરતા હતા. છેલ્લે દહાડે પણ એ જ કરેલું. બીજું શરીર તો ઊંચકાય નહીં અમારાથી. અને અડવા દેય નહીં કોઈ દહાડો. આટલું વિધિ કરી આપજો ને પછી ‘જય સચ્ચિદાનંદ’ બોલે. અમે વિધિ કરીએ કે તરત ‘જય સચ્ચિદાનંદ’ કહે. જય સચ્ચિદાનંદ બોલે, જેટલો અવાજ નીકળે એટલો પણ મને સંભળાય જ નહીં. પણ આ બીજા બધા કહે કે બોલ્યા. ના સંભળાય તેથી કંઈ નથી બોલ્યા એવું કેમ કહેવાય આપણાથી ? કોઈ ચાકરી કરનારું હશે એમને ? છોકરાં નથી ને ! (પા.૧૨) પ્રશ્નકર્તા : પુણ્યૈ એવી છે ને, ચોવીસે કલાક કોઈ હોય છે જ. દાદાશ્રી : પછી એ પુણ્યૈ ઓછી કહેવાય ? જુઓને, એમને નથી છોકરું કે નથી છોકરાની વહુ. પણ સેવા કરનારા કેટલા છે ! ખડે પગે બધા સેવા કરે. જ્યારે કેટલાકને તો ચાર-ચાર છોકરાઓ હોય છતાં પાણી પારકો માણસ આવીને પાય ત્યારે. છોકરાં કંઈ કામ લાગે તે વખતે ? એ ક્યાંયે પરદેશમાં કમાવા ગયો હોય ! આવું જગત છે. આશા ન રાખવી નિરાશા થવા મા-બાપને તો ઈચ્છા હોય કે આપણી પાસે આ છોડવો મોટો થાય ને કંઈક મારી પાછળ સેવા કરે. પછી ચાકરી કરે કે ભાખરી કરે, એ ડિફરન્ટ મેટર (જુદી વસ્તુ). પણ તે આ ઈચ્છા તો ચાકરીની રાખે ને ? કંઈ ભાખરીની રાખે નહીં ને ? લોટ કરીને ભાખરી કરે એવી તો ના રાખે ને ? એ તો કેટલાક ભાખરીયે કરતા હશે ને ? પ્રશ્નકર્તા : કરે, દાદા. અત્યારે તો મોટા ભાગના ભાખરી જ કરે છે ! દાદાશ્રી : ભાખરી જ કરે છે બધા ! લોકો આશા રાખે છે ચાકરીની. મનમાં એવી આશા ખરી કે આ ઘૈડપણમાં સેવા કરે. આ આંબા શા માટે ઉછેરે છે ? કેરીઓ ખાવા. પણ આજના છોકરાં, એ આંબા કેવા છે ? એને બે જ કેરીઓ આવશે ને બાપા પાસેથી બીજી બે કેરીઓ માંગશે. માટે આશા ના રાખશો. એક ભાઈ કહે કે મારો દીકરો મને કહે છે કે ‘તમને મહિને સો રૂપિયા મોકલું ?’ ત્યારે એ ભાઈ કહે કે ‘મેં તો તેને કહી દીધું કે ભઈ, મારે તારા બાસમતીની જરૂર નથી, મારે ત્યાં બાજરી પાકે છે. તેનાથી પેટ ભરાય છે. આ નવો વેપાર ક્યાં શરૂ કરવો ? જે છે તેમાં સંતોષ છે.’ પ્રશ્નકર્તા : પણ થોડી આશા તો હોય ને કે દીકરો ઘૈડપણમાં સેવા-ચાકરી કરશે. દીકરો મારો છે. તે મને હૂંફ આપશે, સેવા કરશે, ચાકરી કરશે. દાદાશ્રી : એ આશા રાખવાનું કારણ શું ? નિરાશા થવા માટે ? જેમાંથી નિરાશા ઊભી થઈ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય ? પ્રશ્નકર્તા : અમારી છોકરાંઓ પાસે એવી આશા હોય કે એ લોકો વિનય ને એવું શીખે, સેવા કરે, એ સ્વાર્થ કહેવાય ? મા-બાપ એવા રિસ્પેક્ટ (માન)ની આશા રાખે છોકરાંઓ પાસે. દાદાશ્રી : હા, પણ આશા શેની રાખે ? પ્રશ્નકર્તા : રિસ્પેક્ટની, રિસ્પેક્ટ કરે મા-બાપને, માન આપે. દાદાશ્રી : મા-બાપને માન ના આપતો હોય એ છોકરો. હં ? પ્રશ્નકર્તા : માન એટલે મોટું માન નહીં પણ વિવેક કરે. દાદાશ્રી : મા-બાપને જે માન ના આપતા હોય, એ મા-બાપ છે તે મા-બાપ થવાને લાયક નથી અને છોકરો, છોકરો થવાને લાયક નથી. બન્ને પોતાની જે લાયકાત ધરાવે છે, તે લાયકાત એમની ઊડી ગઈ છે. હંમેશાં દરેક છોકરાએ અને દરેક છોકરીએ મા-બાપની સેવા અવશ્ય કરવી જોઈએ. એ ઉપકાર છે એનો કે નવ મહિના જે રૂમમાં એને રાખ્યો છે, એ રૂમ તો દરરોજના દસ હજાર ડૉલર આપીએ તોય એ ભાડામાં રૂમ ના મળે. તોય એ ઉપકાર ભૂલી જાય પછી. મા- (પા.૧૩) બાપનો કેમ કરીને ઉપકાર ભૂલાય ? મા-બાપને રાજી કરવાથી કષાયો પર વિજય પ્રશ્નકર્તા : હું મધર-ફાધરની સેવા કરું, દર વખતે મને એમ થાય કે હું હાર્ટિલી કરું ને બહુ સારી રીતે કરું પણ જ્યારે હું કરું ત્યારે પોતામાં હિંસકભાવો, મોઢેથી અપશબ્દો કે કંઈ બોલી જવાય, ક્રોધ આવી જાય. દાદાશ્રી : એને તો સેવા જ ના કહેવાય ને ! મધર જોડે ક્રોધ આવતો હોય તો સેવા જ ના કહેવાય એ. એ તો દુશ્મન કહેવાય. પ્રશ્નકર્તા : એટલે ક્રોધ ઉપર વિજય કેમ મેળવવો એ જ મારે જાણવું છે. દાદાશ્રી : મા-બાપને રાજી કરવાથી થાય. મા-બાપને રાજી કરે, તેઓ ખુશ રહેતા હોય તો ક્રોધ ઉપર વિજય થાય. મા-બાપ તારી જોડે ખુશ રહે છે ? પ્રશ્નકર્તા : અમુકવાર કંઈક કરું, જે એમને લાગે કે સાચું છે પણ મને નથી લાગતું કે સાચું છે પણ છતાંય હું કરું છું તો એ ખુશ રહે પણ એ ક્ષણે હું મારા વિચારોથી વિરુદ્ધ કરું છું. જે મને કરવું નથી પણ એ લોકોના સંતોષ માટે કરું છું. દાદાશ્રી : તો એ સેવા જ ના કહેવાય ને ! સેવા તો મા-બાપ રાજી થાય તો આપણને અસંતોષ (ક્યારેય) પણ ન થાય, એની ગેરન્ટી લખી આપું મા-બાપ જો રાજી રહેતા હોય તો અશાંતિ થાય નહીં. મા-બાપની સેવા તો ઉત્તમ પ્રશ્નકર્તા : મારા મા-બાપની જે કંઈ ઈચ્છા હોય, એ પ્રમાણે હું એમને સંતોષ આપવા જઉં, એ પ્રમાણે હું કરું પણ તે વખતે હું અંદર પોતાની ઈચ્છાથી ના કરું, ખાલી એમને સંતોષ આપવા માટે કરતો હોય પણ પોતાને અંદર એનો વિરોધ હોય એટલે પોતાને કૉન્ફ્લિક્ટ (વિરોધ) થાય. એટલે સમાધાન પોતાને નથી રહેતું એટલે એ રહે એવું જોઈએ છે. અને મા-બાપ જોડે જ થાય એવું નહીં, બધાની સાથે આવું જ થાય છે. દાદાશ્રી : એ લાઈફ જ ના કહેવાય ને ! લાઈફ જ નહીં ને ! પોતે સીધા હોય તો આવું કેમ થાય ? એવું છે ને, આપણી ઉપર રાજી ના હોય તો જ આવું થાય. મા-બાપ આપણી પર રાજી ના હોય, આપણે એમના કહ્યા પ્રમાણે ના ચાલીએ એટલે પછી એ બધો અસંતોષ જ ઊભો થઈ જાય. પ્રશ્નકર્તા : મા-બાપ આપણને જે કહે એ આપણા માટે બરોબર નાય હોય ? દાદાશ્રી : મા-બાપ કહે એ ગમે એટલું ખરાબ હોય તોય પણ એ સત્ય માનવું જોઈએ, રાજી રાખવા હોય તો. એમને રાજી રાખો તો, સત્ય માનો તો પછી અન્યાય થશે જ નહીં. કુદરતી રીતે અન્યાય નહીં થાય. કારણ કે પોતે સત્ય માનવાનું નક્કી કર્યું એટલે એનું પ્રારબ્ધ જતું રહ્યું નથી. એનું પ્રારબ્ધ હોય ને, તે અન્યાય ન કરવા દે. તમે સ્વીકાર કરી લો, એટલે તમારું પ્રારબ્ધ જતું રહેતું નથી. પણ મા-બાપને અર્પણતા જોઈએ, સમર્પણ બુદ્ધિ જોઈએ. આવું ના ચાલે. અને મા-બાપ કહે એ પ્રમાણે જ કરવું જોઈએ. મા-બાપ કહે કે ભઈ, આ નથી કરવાનું, તો આપણે નહીં. મા-બાપની સેવા તો ઉત્તમ છે વસ્તુ, પણ આ કાળમાં થવી મુશ્કેલ છે ને ! શ્રવણ છે તે એના મા-બાપની આજ્ઞામાં રહેતો’તો. એના મા-બાપ જે કહે એ, મા-બાપની સેવા જ કરતો’તો અને મા-બાપને ઊંચકીને બધે જાત્રા કરાવતો’તો. એ ખાંધે ઉપાડીને આ બાજુ (પા.૧૪) બાપાને બેસાડે અને આ બાજુ માને બેસાડે. એ ખાંધે ઉપાડીને બધે જાત્રા કરાવડાવી. એના મા-બાપ આંધળા હતા. એટલે જાત્રા કરાવતો’તો એ શ્રવણ. ‘મા-બાપની સેવા કરો’, એ કહેવા માટે એ શ્રવણનો દાખલો આપ્યો છે. મા-બાપની સેવા કરો તો એ વાત તો સાચી જ છે ને, મા-બાપની સેવા કર્યા વગર બધું નકામું છે આ દુનિયામાં. ગમે તેવા ગાંડાઘેલા મા-બાપ હોય તોય પણ એની સેવા કરવી જોઈએ. એ તમારી ફરજ છે. જૂની ગાડીને ધકેલી સાથે લેવી પ્રશ્નકર્તા : ઘણીવાર થાય આ વડીલો જ કેમ વધારે ગરમ થઈ જતા હશે ? દાદાશ્રી : એ તો ઠઠારો (ખખડી ગયેલી) ગાડી થઈ ગયેલી હોય, ગાડી જૂની થઈ હોય તો પછી ગરમ થઈ જાય ને આખો દહાડો ! એ તો નવી ગાડી હોય તો ના થાય. એટલે વડીલોને તો બિચારાને શું ! અને ગાડી ગરમ થઈ જાય તો એને આપણે ટાઢી ના પાડવી પડે? બહારથી કંઈક કોઈકની જોડે ભાંજગડ થઈ હોય, રસ્તામાં પોલીસવાળા જોડે, તો મોઢા ઉપર છે તે ઈમોશનલ થઈ ગયા હોય. તમે મોઢું જુઓ ત્યારે તમે શું કહો ? ‘તમારું મોઢું જ બળ્યું, આ જ્યાં ને ત્યાં ઉતરેલું ને ઉતરેલું કાયમને માટે.’ એવું ના બોલાય. આપણે સમજી જવાનું કે કંઈક મુશ્કેલીમાં આવ્યા છે. એટલે પછી આપણે એમ ને એમ ગાડીને ટાઢી પાડવા માટે ઊભી નહીં રાખતા ? પ્રશ્નકર્તા : હં. દાદાશ્રી : એવું એમને ટાઢા પાડવા માટે જરા ચા-નાસ્તો બધું કરવું, તો ઠંડું પડી જાય એમનું. એવું સાચવવું પડે બધું. આ તો આ આવતાંની સાથે, જુઓ ને, તમારું મોઢું ચઢેલું છે ! અલ્યા ભઈ, એ કયા કારણથી ચઢ્યું, એ શું કારણથી ચઢ્યું, એ તો એ સમજે બિચારા. એવું ના બને આ દુનિયામાં? પ્રશ્નકર્તા : એવું બને જ છે. દાદાશ્રી : માટે આપણે સાચવી લેવાનું. અને ગાડી ગરમ થાય તો ત્યાં ચીઢાતા નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો આ બધી ગાડીઓ જ છે, ગરમ થાય એ બધી ગાડી જ કહેવાય. કારણ કે જે મીકેનિકલ ભાગ છે ને, ત્યાં જ ગરમી થાય છે. કોન્શીયસ પાર્ટ (ચેતન ભાગ)માં થતું નથી, મીકેનિકલ પાર્ટ (જડ ભાગ)માં ગરમ થાય છે. એટલે ગાડી કહેવાય કે ના કહેવાય ? પ્રશ્નકર્તા : કહેવાય. દાદાશ્રી : કોન્શીયસ પાર્ટમાં ગરમી નથી થતી. કયા પાર્ટમાં ગરમી થાય છે એ જાણવી જોઈએ. પ્રશ્નકર્તા : મારા ફાધર તો બહુ ગરમ થઈ જાય, ખાવાનું સહેજ ફાવ્યું નહીં તો...! દાદાશ્રી : એમ નહીં, પણ સામી સેવા કરવી જોઈએ. પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : આ વડીલોની સેવા કરવી એ તો મોટામાં મોટો ધર્મ છે. જુવાનિયાનો ધર્મ શું ? ત્યારે કહે, વડીલોની સેવા કરવી. જૂની ગાડીઓને ધકેલીને લઈ જવી અને તો જ આપણે ઘૈડા થઈશું (પા.૧૫) તો આપણને ધકેલનારા મળશે. એ તો આપીને લેવાનું છે. આપણે ઘૈડાઓની સેવા કરીએ તો આપણી સેવા કરનારા મળી આવે અને આપણે ઘૈડાઓને હાંક હાંક કરીએ તો આપણને હાંક હાંક કરનારા મળી આવે. જે કરવું હોય તે છૂટ છે. વડીલોની સેવાનું ફળ આ ભવમાં જ મળી જાય. મા-બાપનું કરજો જતન મા-બાપ એટલે મા-બાપ. આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવી હોય તો મા-બાપની. એમની સેવા કરીશ ? પ્રશ્નકર્તા : હા, સેવા ચાલુ જ છે. ઘરકામમાં મદદ કરું છું. દાદાશ્રી : લ્યો, એ તો બધું નોકર રાખ્યો હોત તો તેય કરે. પ્રશ્નકર્તા : એમાં પૈસા જાય ને ! દાદાશ્રી : તે તારી પાછળ પૈસા નથી આપતા? કપડાં પહેરાવાનું, તને જમાડે ને એ બધું. તેમાં તેં શું કર્યું ? સેવા તો ક્યારે કહેવાય ? એમને દુઃખ થતું હોય, પગ ફાટતા હોય અને આપણે એમના પગ દબાવી આપીએ, એવું બધું.... પ્રશ્નકર્તા : હા, એ હું કરું છું ને ! દાદાશ્રી : કરું છું ! એમ ! મોટો થઈશ ત્યારે પપ્પા-મમ્મીને શું કરીશ ? પ્રશ્નકર્તા : સેવા કરીશ. દાદાશ્રી : શી રીતે સેવા કરીશ? તું તો નોકરી કરીશ કે સેવા કરીશ ? જો બહાર નોકરી કરીશ અને ઘેર આવું તો વહુની ભાંજગડમાં પડવું પડશે, તો એમની સેવા તું ક્યારે કરીશ ? બહારનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું, અંદર ઘરનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું. એમનું ડિપાર્ટમેન્ટ કયું આવશે? તને કેમ લાગે છે? કે પૈણ્યા વગર રહેવાનો છું ? ચૂકશો ના ફરજ, સેવા તણી પ્રશ્નકર્તા :જો સેવા કરવી હોય તો પરણવું નહીં, એ વાત સાચી છે. દાદાશ્રી : હા, પણ ના પૈણે તો શી રીતે ચાલશે ? એકલા રહેવાશે ? ત્યાગી તરીકે, સાધુ તરીકે રહેવાશે ? એટલી તારી શક્તિ છે ? પ્રશ્નકર્તા : હા, રહેવાશે. દાદાશ્રી : એમ ! આ તો પૈણવાનું ના કહે છે. એ પહેલેથી જ એવું કહે છે, નહીં ? એટલે લફરું વળગે નહીં એટલે ભાંજગડ જ નહીં ને ! બહુ મજા નથી, પણ એ તો પછી છેવટે પૈણવું પડે. પછી ઘૈડી જોડે પૈણવું પડે, એનાં કરતાં જવાન જોડે પૈણ ને ! એટલે પૈણજે મોટો થઈને. બે-પાંચ-સાત વર્ષ પછી પૈણજે અને પૈણે ને, પછી વહુનેય એમ કહેવું કે તુંય સેવા કર અને હુંય સેવા કરું. બેઉએ સાથે એમની સેવા કરવી. પ્રશ્નકર્તા : નહીં, એ નહીં. લગ્નની વાત જવા દો. લગ્નની વાત આપણે બાજુમાં રાખીએ. પણ સેવા કરવી જ જોઈએ ને ? દાદાશ્રી : હા, સેવા તો કરવી જ જોઈએ. પ્રશ્નકર્તા : નિર્મળ પ્રેમથી, વિનયથી, પરમ વિનયથી એમની સેવા કરવી જોઈએ ને ? દાદાશ્રી : એ બધું સો ટકા. પ્રશ્નકર્તા : એમનો પ્રેમ સંપાદન કરવો જ જોઈએ. દાદાશ્રી : હા, તે વાંધો નથી. બાકી બધી ફરજો પૂરી કરવાની. જગત છે પ્રેમાધીન (પા.૧૬) પ્રશ્નકર્તા : પહેલાના જમાનામાં મા-બાપને છોકરાંઓ માટે પ્રેમ કે એની સરભરા એ બધું કરવાનો ટાઈમ જ ન્હોતો અને કંઈ પ્રેમ આપતાય ન્હોતા. બહુ ધ્યાન ન્હોતા આપતા, અત્યારે મા-બાપ છોકરાઓને બહુ પ્રેમ આપે, બધું ધ્યાન રાખે, બધું કરે તોય છોકરાંઓને મા-બાપ માટે બહુ પ્રેમ કેમ નથી હોતો ? દાદાશ્રી : આ પ્રેમ તો, જે બહારનો મોહ એવો જાગ્રત થયેલો છે કે એમાં જ ચિત્ત જતું હોય છે. પહેલાં મોહ બહુ ઓછો હતો ને અત્યારે તો મોહના સ્થળ એટલા બધા થઈ ગયા છે. પ્રશ્નકર્તા : હા. અને મા-બાપ પણ પ્રેમના ભૂખ્યા હોય કે અમારા છોકરાઓ છે, તે વિનય-બિનય રાખે. દાદાશ્રી : પ્રેમ જ, જગત પ્રેમાધીન છે. જેટલું મનુષ્યોને ભૌતિક સુખની નથી પડી એટલી પ્રેમની પડેલી છે. પણ પ્રેમ ટકરાયા કરે છે. શું કરે ? પ્રેમ ટકરાવો ના જોઈએ. સેવા એટલે રાજીખુશીના સોદા પ્રશ્નકર્તા : નાનપણથી અમને શીખવાડ્યું છે કે સેવા કરો તો મેવા મળશે તો હું આ સેવા કરું તો મેવાની ઈચ્છા વગર ઓછો કરવાનો છું ? અને હું મનુષ્ય છું, જો એવી ઈચ્છા ના હોત તો હું તો ઈશ્વર થઈ ગયો હોત. દાદાશ્રી : ફળની રાહ જોઈ જોઈને તું સેવા કરીશ તો સેવા કાચી થશે. ફળની રાહ નહીં જોઉં ને, તો સેવા પાકી થશે ને ફળ આવે એ પોસ્ટમેન આપી જશે આવીને. રાહ જુઓ તોય પોસ્ટમેન આપી જશે ને નહીં રાહ જુઓ તોય પોસ્ટમેન આપી જશે. સેવા ફળ ઘેર બેઠા મળે છે. પોસ્ટમેન તો જ્યારે આવે ત્યારે ખબર પડે પણ ઘેર બેઠા આમ. સેવા એટલે શું ? પોતાની રાજીખુશીના સોદા. નોકરી એટલે પરવશતા, આટલું કરવું જ પડશે. અને સેવા એટલે તો આપણને જેટલું અનુકૂળ આવે એટલું કરીએ. મા-બાપ રાજી તો ભગવાન રાજી પ્રશ્નકર્તા : મારે પોતાના માટે પણ જીવવું છે અને સાથે સાથે મા-બાપનું પણ કરવું છે, બન્ને કરવું છે. જો એકલું મા-બાપનું કરવા જઉં તો પછી હું મારું પોતાનું જીવન, પોતાના જે વિચારો છે એ પ્રમાણે ના રહી શકાય. દાદાશ્રી : મા-બાપનું કરે એટલે પોતાનું જીવન ચાલે જ, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) ચાલે. સારામાં સારું જીવન ચલાવવું હોય તો મા-બાપનું કર્યા કરો, એની હું ગેરેન્ટી આપુંછું. પ્રશ્નકર્તા : હું એક મહિનો આ પ્રમાણે કરીશ અને શું થાય છે એ જોઉં. દાદાશ્રી : ના, એ તો એની પાછળ જ પડવું જોઈએ. મહિના-બહિના આ કંઈ બુદ્ધિનો ખેલ નથી કે આ એવું નથી. એ તો એની પાછળ પડે એટલે કુદરતનેય ફેરવવું પડશે ત્યાં. ‘લૉ’ એ ‘લૉ’. મા-બાપને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો એટલે ભગવાન પણ રાજી થઈ જશે. એક મહિનો નહીં, મારે આ પ્રમાણે જ કરવું છે હવે. મારું જે થવાનું હોય તે થાય પણ એવું તું પાછળ પડું ને, તો ભગવાન પણ રાજી થશે. બધા રાજી થશે ને તારા બધા સુખો પ્રાપ્ત થશે. નહીં તો સુખો પ્રાપ્ત થશે નહીં ને એ દુઃખી થશે. સેવા કરીશ તો તારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને એ સુખી થશે. પ્રશ્નકર્તા : એટલે તમે એમ કહેવા માગો છો કે મા-બાપને માટે પરમ સેક્રિફાઈસ કરું, પરમ ત્યાગ કરું તો મારો ઉદ્ધાર થાય ? દાદાશ્રી : ના, તું સેવા કર, ને શું ત્યાગ (પા.૧૭) કરું ? પ્રશ્નકર્તા : પરમ ત્યાગ, એટલે બધું જ ત્યાગી દઉં, સર્વસ્વ. દાદાશ્રી : બધું ત્યાગવાનું નહીં, કપડાં રહેવા દેવાના. આપણે કપડાં પહેરતા હોય તે કપડાં રહેવા દેવાના. પ્રશ્નકર્તા : પણ કપડાં એને હું મહત્વ આપતો જ નથી, આપના શબ્દોની મહત્વતા છે. દાદાશ્રી : એટલે બધું સમર્પણ કર, માનસિક સમર્પણ કર. વસ્તુથી સમર્પણ નથી કરવાનું. વસ્તુ ભલે રહી તારી પાસે. અને એ કહે કે ‘તું હવે પૈણી જા, લગ્ન કર.’ તો કહીએ, ‘તમે દેખાડો તે છોકરા જોડે કરું.’ એ છોકરો એટલો સરસ આવશે કે આખી જિંદગી સુધી ડાયવોર્સ નહીં લેવો પડે અને તું પાસ કરીશ તો ડાયવોર્સ લેવો પડશે. બસ શ્રદ્ધા, શ્રદ્ધા ને શ્રદ્ધા જ. બસ એક જ શ્રદ્ધા. શ્રદ્ધા બધા જ કામ પૂરા કરી નાખશે. તારો ધ્યેય સરસ છે. મા-બાપની સેવા કરવાનો ધ્યેય આટલો બધો સુંદર જ્યારે જાણે જ છે આ કાળમાં, તો એ ધ્યેય જો પૂરો કરું તો તારું કામ થઈ .જશે. પ્રશ્નકર્તા : મા-બાપ એટલું જ મારા માટે ઈમ્પોર્ટન્ટ (મહત્વનું) નથી તમે પણ મારા પિતા જ છો. દાદાશ્રી : નહીં, એ બરોબર છે પણ પહેલા મા-બાપ, પછી બીજા મોટી ઉંમરના વડીલો હોય. પહેલો નંબર મા-બાપની સેવા પ્રશ્નકર્તા : દાદા, આપ જ્ઞાનીની સેવા મારે કરવી છે. દાદાશ્રી : જ્ઞાની પુરુષની શી સેવા કરવાની ? અને તે સેવા એમને જોઈએ છે જ ક્યાં આગળ ? પ્રશ્નકર્તા : પણ પોતાના માટે કરવાનું છે, તમારે નથી જોઈતી સેવા. દાદાશ્રી : ના, પણ એ અર્થ જ નહીં ને ! એ તો ગાંડપણ છે એક, મેડનેસ! સેવા તો એમની કૃપાદ્રષ્ટિ મેળવવી એ સેવા કહેવાય. કૃપા પ્રાપ્ત કરવી. એ કૃપા ક્યારે પ્રાપ્ત થાય ? અમારી આજ્ઞામાં રહો ત્યારે. પ્રશ્નકર્તા : એ મુખ્ય વસ્તુ છે, દાદા. દાદાશ્રી : અમારી સેવામાં રહેવાનું નથી, આજ્ઞામાં રહેવાનું છે. સેવા તો મા-બાપની કરવાની છે. પ્રશ્નકર્તા : એ મા-બાપની સેવામાં ખેંચેય ના થાય અને ભાવેય ના થાય. દાદાશ્રી : એ જ ગાંડાને ! એ ગાંડા માણસ કહેવાય. મા-બાપની સેવા, જે મા-બાપ આટલો ઉપકાર કરે, તેને ના સમજે અને જ્ઞાનીનો એટલો ઉપકાર નથી તેને સમજવા જાય, એ ગાંડપણ કહેવાય. એટલે મા-બાપની સેવા પહેલી, બીજે નંબરે જ્ઞાનીની સેવા. પ્રશ્નકર્તા : પણ મા-બાપ કરતા પણ સર્વસ્વ જ્ઞાનીને જ માન્યા હોય. દાદાશ્રી : ના, મા-બાપની સેવા ના કરે એ માણસ, માણસ જ ના કહેવાય ને ! તે જાનવર કહેવાય. પહેલામાં પહેલી મા-બાપની સેવા, પછી જ્ઞાની પુરુષની કે ગુરુની. પછી ત્રીજે નંબરે ભગવાન (મૂર્તિ)ની આવે. ભગવાન (મૂર્તિ)નો નંબર ત્રીજો. હા, ભગવાનની (મૂર્તિ) તે આપણે કંઈ અડીને છે, સગાઈ થાય ? સગાઈ તો આ મા-બાપની અને ગુરુ છે તે આપણને સમજણ પાડે, તેમની સગાઈ. એટલે મા-બાપની સેવા કરવાની છે, તો (પા.૧૮) એના જેવી તો કોઈ વસ્તુ જ નથી, પછી પ્રભુની કરજો. પ્રશ્નકર્તા : મા-બાપની સેવા જેવી અન્ય વસ્તુ નથી. દાદાશ્રી : હા, આ તો રોકડા, મહાન ઉપકારી, રોકડા ઉપકારી. ભગવાન તો પછી ઉપકાર કરશે ત્યારે જોઈ લેવાશે પણ અત્યારે આ રોકડા ઉપકારી. જો મા-બાપની સેવા કરનાર હોય તો, નહીં તો મેવા ના કરશો, મૂઆ તે. હા... આ લાકડી મારીને મેવા કરે એવા છે ને ! તે પહેલામાં પહેલા મા-બાપ. ભગવાન તો પછી, ભગવાન ખુશ થાય ઊલટા. મા-બાપની તું સેવા કરેને તો ભગવાન રાજી થાય. જો ત્રણ કામ થાય ને ! મા-બાપની સેવા કરે તો એક કામ તો એ, અને પાછું ભગવાન રાજી થયા અને ભગવાન રાજી થાય એટલે તારું કલ્યાણ થઈ ગયું. મા-બાપની સેવા કરે તો ભગવાન રાજી થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય. વડીલ જોડે બાળક બુદ્ધિ રાખવી દાદાશ્રી : મા-બાપની સેવા કરે ને, આ દુનિયામાં જો ખાસ કરવા જેવું હોય ને જો શિખવાડવું હોય ને લોકોને, તો સૌથી પહેલી મા-બાપની સેવા. ગાંડાઘેલા હોય તોય પણ તું સેવા કરજે એમની અને બુદ્ધિથી જોઈશ નહીં તારા મા-બાપને. બુદ્ધિથી જુએ ત્યારે તો ગાંડા દેખાય, ના દેખાય ? પ્રશ્નકર્તા : બરાબર છે. દાદાશ્રી : પેલી જનરેશન (પેઢી) કઈ ? અને આ જનરેશન કઈ, તે બુદ્ધિથી જોવાનું નહીં. મા-બાપની સેવા કરે એ અને કોઈ સંસારમાં આપણને સારા રસ્તા પર ચઢાવે તેની સેવા કરે, તો બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : વડીલો સાથે કેવી બુદ્ધિ રાખવાની ? એમાં પણ તીક્ષ્ણ બુદ્ધિ રાખવાની ? દાદાશ્રી : વડીલો સાથે બાળક જેવી બુદ્ધિ રાખવાની. પ્રશ્નકર્તા : એમના પણ બધા જૂના વિચારો ચુસ્ત થઈ ગયા હોય! દાદાશ્રી : ના, એવા બધા થઈ ગયા હોય, તેની જોડે બાળક જેવી બુદ્ધિ રાખીએ, એટલે આપણી બુદ્ધિ એને વાગે નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, ઘરડાં માણસ પણ આપણી સાથે એવું વર્તન કરે, એમના મંતવ્યો પેલા જૂના બંધાઈ ગયા હોય, તો આપણે કેવી રીતે એમની સાથે હેન્ડલ કરવું જોઈએ ? કેવી બુદ્ધિથી ? દાદાશ્રી : ખરે ટાઈમે ઉતાવળ હોય ને, આપણી ગાડીને પંક્ચર પડ્યું તો વ્હિલને કંઈ મરાય ? એ તો ઝટપટ સાચવીને આપણે કામ કરી લેવાનું. ગાડી તો બિચારી એને પંક્ચર પડે જ. એમ ઘૈડા માણસનામાં પંક્ચર પડે જ, આપણે સાચવી લેવાનું. ગાડીને માર-માર કરાય ? પ્રશ્નકર્તા : ના કરાય. સેવાથી થાય ચિત્તશુદ્ધિ દાદાશ્રી : મા-બાપની સેવાથી બહુ ચિત્તશુદ્ધિ થાય. પ્રશ્નકર્તા : મા-બાપની સેવા કરવાથી ચિત્ત શુદ્ધ થાય, એ કેવી રીતે ? દાદાશ્રી : આ છે તે આપણે ચિત્તશુદ્ધિ (પા.૧૯) કરીએ છીએ. આ જ્ઞાન આપણું ચિત્તશુદ્ધિનું છે. એ તો જેને ના થતી હોય બહારના લોકોને, તો મા-બાપની સેવા કરવી જોઈએ. મા-બાપ અને ગુરુની સેવા કરે એટલે ચિત્તશુદ્ધિ થાય. જો આ જ્ઞાન ના લેવાતું હોય, તો બહારના લોકોને એ કરવું જોઈએ. બનતી બધી મદદ કરી છૂટવી પ્રશ્નકર્તા : આપણા મા-બાપ છે તે ઈન્ડિયા (ભારત)માં હોય અને આપણે અહીંયા (પરદેશમાં) હોઈએ, મા-બાપની ઈન્ડિયામાં સ્થિતિ સારી હોય પણ આપણે બે-પાંચ વર્ષે મા-બાપને મળતા હોઈએ, બીજું કશું ના કરી શકતા હોય, એટલે થાય કે આપણે મા-બાપ પ્રત્યે શું ફરજ રાખવી જોઈએ ? દાદાશ્રી : એમને શું શું ગમે છે, એ બધું મોકલી આપવું જોઈએ. એમની શું ચોઈસ (પસંદ) છે એ બધી વસ્તુઓ મોકલ મોકલ કરવી જોઈએ. કારણ પૈસાની ઈચ્છાઓ રાખે નહીં, પૈસાવાળા એટલે. એટલે એમની ચોઈસનું મોકલી આપવું જોઈએ. વિનય-વિવેક ન તોડાય ક્યારેય પ્રશ્નકર્તા : આ બધું સમજાય છે પણ છતાં મા-બાપ સાથે જે વિનય-વિવેક જોઈએ ને, તે નથી જરાય. દાદાશ્રી : ના, એ ના હોવું જોઈએ એ ખોટું કહેવાય. એ સો ટકા રોંગ છે, ચાલે નહીં. વિનયી વર્તન ઊંચું હોવું જોઈએ. મા-બાપનો ઉપકાર કેમ ભૂલાય? ઉપકાર ભૂલાય નહીં. પ્રશ્નકર્તા : ઘણી વખત એ તો એવા શબ્દ બોલે છે ને, તે મને બહુ આઘાત લાગે છે. એટલે આમ આખો દિવસ મને પછી ગભરામણ થાય ને એવું બધું થયા કરે. દાદાશ્રી : આ નોંધ રાખતો નથી, મધર જે બોલે છે તે રેકર્ડ બોલે છે તે ! જ્ઞાનપૂર્વક નોંધ-બોંધ કરવી જોઈએ. એમનો વિનય ના રાખું એવું અહીં ચાલે નહીં. મારી નાખે તો મરી જવું જોઈએ, પણ તે મા-બાપનો વિનય-વિવેક ના તોડાય. પ્રશ્નકર્તા : હું એક્સેપ્ટ (સ્વીકાર) કરું છું, દીકરા તરીકે મારા વિનય-વિવેક નથી બરાબર. પણ એવા સંયોગો આવી જાય છે કે બોલાઈ જવાય છે, મારી ઈચ્છા નથી હોતી પણ બોલાઈ જવાય છે. એનું પ્રતિક્રમણ પણ કરું છું પણ બોલાઈ જવાય છે કોઈ વખત. દાદાશ્રી : એ તો માફી માંગી લેવી તરત. બોલાઈ જવાય, પણ આપણું ‘જ્ઞાન’ જે છે તે હાજર થઈ જાય. ક્યાંક ભૂલ થઈ કે તરત માફી માંગી લેવી જોઈએ કે આ બોલાઈ ગયું એ ભૂલ થઈ. મમ્મીને કહેવું કે ફરી આવી ભૂલ નહીં કરું. આ તો મને ખરાબ લાગે. અમારી કેળવણી આવી હશે ? અમને એવું થાય. બહારનાંને ત્રાસ નથી આપવાનું ત્યારે આ તો ઘરનાં બધા... પ્રશ્નકર્તા : દાદાના જે આજ્ઞાંકિત હોય, એ તો ઘરમાં તો એકદમ વાતાવરણ પ્રફુલ્લિત જ હોવું જોઈએ. પણ આ તો કહે, એના મગજ ઉપર કાયમ બોજો જ રહ્યા કરે છે. દાદાશ્રી : એ તો અત્યારે વિનય ધર્મની વાત કરે છે. વિનય ધર્મ તારે કેવો રાખવાનો ? તું શું કહું છું ? પ્રશ્નકર્તા : બરાબર છે, વિનય હોવો જ જોઈએ. દાદાશ્રી : બહાર પણ હોવો જોઈએ, તો ઘરમાં કેવો હોવો જોઈએ? પ્રશ્નકર્તા : આદર્શ હોવો જોઈએ. (પા.૨૦) દાદાશ્રી : એટલે હવે તારાથી શબ્દો નીકળી જાય છે એ વાત ઉપરથી કહીએ છીએ. પણ એની પાછળ જાગૃતિ, આપણું જ્ઞાન હોય એટલે તરત માફી માંગી લઈએ. એટલે એમને ઘા ના લાગે. ઉપકારીનો ઉપકાર કદી ના ઓળંગવો જો મા-બાપનો ગુણ માને આ લોકો કે મા-બાપે આપણને અવતાર આપ્યો છે ને એ અવતાર મોક્ષને માટે લાયક છે, તો આવો ઉપકાર ભૂલે નહીં. જો મા-બાપનો ઉપકાર ભૂલે તો આવું એમના સામું થાય, નહીં તો એ ગમે તે કહે પણ એ ઉપકારી છે, માટે તેમનું ‘લેટ ગો’ કરવું (છોડી દેવું) પડે. એવું જો સમજવામાં આવે તો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ જ નથી આવે એવો. જો મારું અસ્તિત્વ હું જાહેર કર્યા કરું, એનો અર્થ જ નથી. મા-બાપ પોતે છોકરાંને મોટા કરે છે એ ભલે ફરજીયાત હશે, તમારા પુણ્યના આધારે છે એ પણ વ્યવહારમાં દેખાય છે પણ છતાં ઉપકારી છે એ. એટલે ઉપકારીનો ઉપકાર ઓળંગવો ના જોઈએ. એમના તરફે કંઈ પણ ભાવ ના બગડે અને બગડે તો પશ્ચાત્તાપ કર્યા જ કરવો પડે. જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા’ડો ભલીવાર જ ના આવે. વખતે પૈસાવાળો થાય, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય જ નહીં. ઉપકાર તો એનો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં, તો આપણે મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? તું સમજી ગયો ? ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. એ અવળું બોલે તો આપણે એને શું કરવાનું ? ઈગ્નોર (જતું) કરવાનું. કારણ કે એ મોટા છે ને ! કે તારે અવળું બોલવું જોઈએ? પ્રશ્નકર્તા : ના બોલવું જોઈએ પણ બોલી જવાય તેનું શું ? મિસ્ટેક (ભૂલ) થઈ જાય તો શું? દાદાશ્રી : હા, કેમ લપસી નથી પડાતું ? ત્યાં પાકો રહું છું અને એવું લપસી પડ્યું તો તે ફાધરેય સમજી જશે કે આ લપસી પડ્યો બિચારો. આ તો જાણીજોઈને તું એ કરવા જઉં, તો ‘તું અહીં કેમ લપસી પડ્યો ?’ તે હું જવાબ માંગું. ખરું કે ખોટું ? એટલે એઝ ફાર એઝ પોસીબલ (શક્ય હોય ત્યાં સુધી) આપણને હોવું ના ઘટે અને તેમ છતાંય તારાથી તારી શક્તિ બહાર થઈ ગયું હશે તો એ બધાં સમજી જશે, કે આવું કરે નહીં આ. એમને ખુશ રાખવા. એ તને ખુશ રાખવા ફરે કે નહીં ? તને એમને સુખી રાખવાની ઈચ્છા ખરી કે નહીં ? પ્રશ્નકર્તા : હા, દાદા. પણ ઘણીવાર એવું થાય કે મારી કંઈ ભૂલ જ નથી. કો’ક વાર મારી ભૂલ મને ખબર પણ પડે અને ઘણીવાર મારી કંઈ ભૂલ થતી જ નથી, એમનો જ વાંક છે એવું લાગે. દાદાશ્રી : તને એવું લાગે પણ પછી પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : હં. પછી એમને પણ જરા કઢાપો-અજંપો વધારે થઈ જાય, ત્યારે એવું થાય કે હવે આપણા નિમિત્તે આવું ના થવું જોઈએ. દાદાશ્રી : ના, પણ એવું નહીં. તું અવળું બોલી તેનું ‘મારી ભૂલ થઈ’ એમ કરીને પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : મને અમુક વાર મારી પોતાની ભૂલ લાગતી નથી, તેમની જ ભૂલ છે એવું લાગે. (પા.૨૧) દાદાશ્રી : ભૂલ થયા વગર કોઈને દુઃખ અપાય જ નહીં ને આપણી ભૂલ થાય તો કો’કને દુઃખ થાય. પ્રશ્નકર્તા : મને તો એમની પ્રકૃતિ જ એવી છે, એવું લાગ્યા કરે. દાદાશ્રી : આ બધા લોક ‘સારી પ્રકૃતિ’ કહે છે ને તું એકલી ‘ખરાબ’ કહું, એટલે તારી સાથે એવો ઋણાનુબંધ છે, હિસાબ છે. પ્રશ્નકર્તા : એટલે એમ થાય કે એમને કચકચ કરવાની ટેવ જ પડી ગઈ છે. દાદાશ્રી : હા, તો એથી કરીને એ તારી ભૂલ છે એમાં, ભૂલ તારી છે. એટલે મા-બાપને કેમ દુઃખ થયું, એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. દુઃખ તો ના થવું જોઈએ, ‘સુખ આપવા આવી છું’ એવું મનમાં હોવું જોઈએ. ‘મારી એવી શી ભૂલ થઈ’ કે મા-બાપને દુઃખ થયું. નક્કી કરેલ વસ્તુને સિન્સિયર રહેવું પ્રશ્નકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઈફ (પત્ની) છે, તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ? દાદાશ્રી : નક્કી કરેલી વસ્તુઓને સિન્સિયર રહેવું જોઈએ કે ‘મારા મા-બાપની સેવા કરવી છે.’ પછી એમાં બીજું નહીં. પછી એમાં વાંધો શું આવે ? ત્યારે કહે, પૈણીને પછી ગુરુ (પત્ની) આવે છે ને પેલા, તે ગુરુ કહે કે ‘આ બાનો સ્વભાવ બહુ વિચિત્ર છે.’ તો પણ પેલો ના માને. પાછો ભક્ત ખરો ને, સિન્સિયર તો ખરો ને ! એ ના માને. ‘મારી બા એવી છે નહીં, તારે બોલવું નહીં’, કહે છે. એટલે પેલી કળા કરે કે હમણે ટાઈટ છે, જરા ધીમે રહીને..... ને જરા ધીમે ધીમે ધીમે પણ ઘૂસાડી દે. પછી એ પોતે જ કહે કે ‘બાનો સ્વભાવ પક્ષપાતી છે.’ જો સિન્સિયરપણું ચૂકી ગયો ને ? અને સિન્સિયર રહેવું હોય તેણે કાચું કાનનું થયે પાલવે નહીં. અમે કાચા કાન કર્યા નથી કોઈ દિવસ, કોઈ દિવસેય નહીં. તમે કહી ગયેલા, પણ સાચું માનીએ નહીં. અમે પેલાનું જોઈ લઈએ, અમે તપાસ કરીએ. એક તરફી માની લેવું એ અમારો નિયમ નથી. હીરાબા કહે કે ‘બાએ આમ કર્યું’તું...’ નહીં, એવું નહીં. અને ન્યાય હોય, બાએ દુઃખ દીધું હોય હીરાબાને, તોય અમે સિન્સિયર જ રહેવાના. પ્રશ્નકર્તા : એટલે એવું થયું કે પોતે એક જ ધ્યેય નક્કી કર્યો, પોતાને જે સાચું લાગ્યું ને જે ધ્યેય નક્કી કર્યો એ ધ્યેયને વળગી રહેવું, એ ધ્યેયની પાછળ રહેવું ? દાદાશ્રી : ના, એ પાછું ધ્યેય તો કેવો હોવો જોઈએ ? સો માણસ એક્સેપ્ટ કરે એવો ધ્યેય હોવો જોઈએ. મા-બાપની સેવા કરવામાં ઘણા ખરા માણસો હા પાડે કે ના પાડે ? પ્રશ્નકર્તા : બધા હા પાડે. દાદાશ્રી : એવો ધ્યેય. આપણે તો ધ્યેય નક્કી કર્યો કે ‘વહુને રોજ મારવી,’ એ તો કંઈ ધ્યેય છે ? પ્રશ્નકર્તા : આપે કીધું કે મા-બાપની સેવા કરવી એ જ ધ્યેય. ત્યારે કોઈ એવો ધ્યેય લઈને બેઠો કે મા-બાપની સેવા નહીં જ કરવી એ ધ્યેય. દાદાશ્રી : એય ધ્યેયને પણ વળગી રહે તો સારું. એ ધ્યેય કર્યા પછી જો સેવા કરે તો ગુનો છે. કોઈ પણ ધ્યેયને વળગી રહો ને, તો સારું છે. પણ અદબદ કરી નાખો ખીચડો, એ પાછું એમાં દૂધપાકમાં મીઠું નાખીને કઢી બનાવી દો તો (પા.૨૨) વેશ થઈ જાય ને ! હિન્દુસ્તાનના લોક મા-બાપની સેવા કર્યા વગર તો કોઈ બીજું કાર્ય જ ન કરે, તે એય સેવા ઊડી ગઈ આખી. તે પાછું ઘૈડા લોકોના ઘરાં બાંધવા પડ્યા. આ હિન્દુસ્તાનને શોભે નહીં ને, આ બધુંય ! ખરી જરૂરિયાત, ઘૈડિયાઓને સેવાની અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોય ને, તો એક તો સાંઈઠ-પાંસઠ વર્ષની ઉપરની ઉંમરના ઘરડાં માણસો બહુ દુઃખી છે. પણ કોને કહે એ ? છોકરાઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલા, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી, માર ખાય તોય ના છોડે. પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહે ને ! દાદાશ્રી : હા, એવી ને એવી જ હાલત ! આની આ જ હાલત ! એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવા વડીલ લોકોને માટે જો રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યું હોય ને, તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને, બીજી સામાજિક સંસ્થાને સોંપી દઈએ તો ચાલે પણ જ્ઞાન આપ્યું હોય તો દર્શન કર્યા કરે તોય કામ તો ચાલે. ને આ ‘જ્ઞાન’ આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ? ઘરડાપણું અને સાંઈઠ-પાંસઠ વર્ષની ઉંમરનો માણસ હોય ને ઘરમાં રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધા કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે, તે એ વ્યવસ્થા ખોટી નથી, એ હેલ્પીંગ છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ એના માટે બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે એમને માનભેર લાગે. પ્રશ્નકર્તા : ફોરેનમાં પણ ઘરડાં જે હોય છે ને એ પ્રેમના ભૂખ્યા હોય છે. એટલે મુશ્કેલી છે. દાદાશ્રી : ત્યાં તો ૧૮ વર્ષથી છોકરાં જુદાં રહેવાના. એટલે ૧૮ વર્ષનો છોકરો જુદો થઈ જાય, પછી મળવા જ ના આવે ને ! ફોન ઉપર વાત કરે. એમને એવો પ્રેમ જ નથી હોતો, આપણે અહીં તો ઠેઠ સુધી. પ્રશ્નકર્તા : એટલે અહીંયા તો સારું છે. દાદાશ્રી : અહીંયા તો બહુ સારું છે. પણ અહીંયાય હવે બગડ્યું છે. બધા માણસોને નથી બગડ્યું પણ અમુક પરસેન્ટ (ટકા) એવા છે કે જે પાછલું હજુ છોડતાં જ નથી. તેથી મારે બોલવું પડે છે ને, ‘એડજસ્ટ એવરીવ્હેર.’ હા, એડજસ્ટમેન્ટ નહીં લો તો માર ખાઈને મરી જશો. આ જમાનો બહુ જુદી જાતનો આવે છે. દુનિયામાં ના બને એવું બન્યું તમારે ઘેર છોકરાંઓને કેવા સંસ્કાર પડે હવે ? તમે તમારા ફાધર-મધરને નમસ્કાર કરો આટલા વર્ષે, ધોળા આવ્યા તોય, તો છોકરાંના મનમાં વિચાર ના આવે કે બાપા તો આવો લાભ ઉઠાવે છે, તો હું કેમ ન લાભ ઉઠાવું ? તો તમને પગે લાગે કે ના લાગે ? પ્રશ્નકર્તા : લાગે છે. (પા.૨૩) દાદાશ્રી : અને પેલું તો આપણે જ આપણા ફાધર-મધરને પગે ન્હોતાં લાગતા અને જોડે જોડે આપણે આપણી આબરૂ ખોતા હતા કે ન્હોતા ખોતા? પ્રશ્નકર્તા : આપણું જ ખોતા હતા. દાદાશ્રી : એટલે કયું સારું ? તમારા મા-બાપની તમે સેવા ના કરો તો પછી એને સરવાળે તમે શું જોશો ? એટલે પછી પોતાની જ ઘોર ખોદી છે ને ! પ્રશ્નકર્તા : પણ આ તો ઘરની વાત છે કે ઘરમાં મા-બાપને પગે પડતાં હોય, પણ કોઈ મોટા આપણા વડીલ આવે ને આપણે એને પગે પડીએ તો એનો લાભ થાય કે ના થાય ? દાદાશ્રી : બહુ સારું, બહુ લાભ થાય. એટલે વિનય મોટામાં મોટો. ‘અક્રમ જ્ઞાન’ લીધા પછી બધે ઘણાંખરાં ઘરમાં આવું થઈ ગયું. એક ભઈ તે વધારે ભણતર તો ભણેલો, પણ જોડે જોડે પુસ્તક બધાં ખૂબ વાંચેલાં અને લેખક પાછો. એના ફાધરેય ગ્રેજ્યુએટ થયેલા ! પણ એ ભઈ એના ફાધર માટે શું જાણે કે આમનામાં અક્કલ નથી. તે બેને રોજ કચકચ, ટકટક થાય. અહંકાર લડે બેઉનોય. પેલો ફાધર અહંકાર છોડે નહીં અને આ અહંકાર જામી ગયેલો. તે આનો ખૂબ જામી ગયેલો બધો અહંકાર. પછી આ ભાઈએ જ્ઞાન લીધું અમારી પાસેથી. આપણે બોલાવીએ ‘નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં’ તો બધા બોલે, પણ એ બોલે નહીં. પછી મેં એમને કહ્યું, બધાંની રૂબરૂ, ‘તમે નથી બોલતા, તે તમે જાતે બોલતા નથી કે કોઈ બોલવા દેતું નથી ?’ તો કહે, ‘બોલવામાં શું ફાયદો? ત્યારે મેં કહ્યું, ‘હું શું કરવા બોલું, મારે બોલવાની જરૂર નથી. હું તો બધું લઈને બેઠો છું. આ બોલો, એ શીખવાડું છું. આ વિજ્ઞાન છે, આ સાયન્સ છે.’ એકેએક શબ્દ સાયન્સ રૂપ છે. પછી જે એને સારું એવું સમજાવ્યું ને સમજી ગયો. પછી બોલવા માંડ્યો. હવે એને ફાધર-મધર જોડે શું થતું ? ફાધર જોડે રોજ ટક્કર ચાલ્યા કરે, તો એના ફાધરે એક ફેરો મને કહ્યું કે ‘આણે જ્ઞાન લીધું પણ ઘેર લઢવાડ પાર વગરની કરે છે !’ એટલે મેં ભઈને શું કહ્યું કે ‘તમે એક અમારી આજ્ઞા પાળો.’ તે કહે, ‘હા દાદાજી, આપ જે કહો તે.’ આજથી તમારા ફાધરને રોજ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી અને ઊઠવું. ત્યાર પછી આખા દિવસના કામ કરવા. એણે ચાલુ કર્યું. પછી એના ફાધર આવીને કહે છે, ‘મારું ઘર સ્વર્ગ થઈ ગયું હવે તો. નર્ક જેવું થઈ ગયું’તું, તેમાથી સ્વર્ગ થઈ ગયું.’ હવે પેલા ભઈને શું ફાયદો થયો એ જાણો છો તમે? એના છોકરાં હતા બાર-પંદર વર્ષના, એ બધા એને પગે લાગવા માંડ્યા. ત્યારે આણે કહ્યું, ‘કેમ પગે લાગો છો?’ ત્યારે કહે, ‘તમે તમારા ફાધરને કેમ લાગો છો ? તમે લાભ ઉઠાવો અને અમે ના લાભ ઉઠાવીએ ?’ ત્યાં ઘણાં ખરાં ઘરે ચાલુ છે. અંદર-અંદર બધા સંકેલવામાં બહુ લાભ થાય. બહારના માણસોને ના કરવા જોઈએ, તે ટાઈટ થાય. અહીં તો વડીલ ખરાં ને, વડીલ તો ઉપકારી કહેવાય ! એના આશીર્વાદ હોય જ ! હવે એ પચાસ વર્ષના માણસ દર્શન કરે સવારથી, દંડ શરૂ કર્યા. પણ આજ્ઞા પાળવામાં બહુ શૂરો. એટલે કહે કે બરાબર દાદાજી, આપ જે કહો એ મારે કરવાનું. એને ફાધરની શરમેય ના આવી ને ત્યાં સીધો જઈને પેલો ફાધરને પગે લાગ્યો. એનો ફાધર ઊંચોનીચો થઈ ગયો કે આ શું ? દુનિયામાં ના બને એવું બન્યું ! (પા.૨૪) નવેસરથી ચાલે તો સરસ થાય આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. મા-બાપની સેવા કરે તો શાંતિ જતી ના રહે. પણ આજે સાચા દિલથી મા-બાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને ‘ગુરુ’ (પત્ની) આવ્યા. તે કહે છે, ‘મને નવે ઘેર લઈ જાવ.’ ગુરુ જોયેલા તમે ? પચ્ચીસ-ત્રીસ વર્ષે ‘ગુરુ’ મળી આવે અને ‘ગુરુ’ મળ્યા એટલે બદલાઈ જાય. મા-બાપની શુદ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ જગત કંઈ કાઢી નાખવા જેવું નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને છોકરા સેવા નથી કરતાં મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય. એટલે હું એ બનાવડાવું છું એકેએક ઘેર, છોકરા બધા ઓલરાઈટ થઈ ગયા છે. મા-બાપેય ઓલરાઈટ ને છોકરાંય ઓલરાઈટ ! વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે ? મૂર્તિઓના કંઈ પગ દુઃખે છે ? સેવા તો વાલી, વડીલો સાસુ-સસરા, મા-બાપ કે ગુરુ હોય તો ગુરુ, એ બધાની સેવા કરવાની ફરજ છે. મા-બાપની સેવામાં ગજબનું સુખ મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કોઈ દહાડો દુઃખી હોતા જ નથી. મા-બાપની સેવા કરનારા દુઃખી હોતા નથી. આ કાળમાં તો મા-બાપની સેવા નથી થતી તેના દુઃખો છે. ભગવાન શું કહે છે ? તારે જો મોક્ષ જોઈતો હોય તો ‘જ્ઞાની પુરુષ’ પાસે જા ને સંસારમાં સુખ જોઈતું હોય તો મા-બાપની ને ગુરુની સેવા કરજે. મા-બાપની સેવામાં તો ગજબનું સુખ પ્રાપ્ત થાય તેમ છે ! ચૂકવીએ મા-બાપના અપાર ઋણો પહેલાંની થયેલી ભૂલોનો હિસાબ ચૂકતે કરી નાખે, નવી ભૂલ થવા ના દે, એવું આપણું વિજ્ઞાન છે. આ બાવા કરવાનો માર્ગ નથી, આ તો ઋણાનુબંધ પતાવવાનો માર્ગ છે. ઋણાનુબંધ પતાવ્યા વગર દોડધામ કરીને બાવો થઈ જાય એમાં કંઈ દહાડો વળે નહીં. એટલે ઋણાનુબંધ પતાવવાના. જેની ગાળો ખાવાની હોય તેની ગાળ ખાવાની, જેનો માર ખાવાનો હોય તેનો માર ખાવાનો, જેની સેવા કરવાની હોય તેની સેવા કરે, પણ હિસાબ બધાં ચૂકવવાં પડે. ચોપડામાં ચિતરેલું છે તે ચોખ્ખું તો કરવું પડે ને ? મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપની સેવા કરવાથી મોટામાં મોટું પુણ્ય બંધાય છે અને તેનાથી જ તમારું સારું થાય છે. અને શું સેવા કરે ? શાથી કરવાની ? તો કહે, આપણને જન્મ આપ્યો, અને નાનાથી મોટા કર્યા, એમના ઉપકાર છે, તે ઉપકારના બદલે એમનો અપાર બદલો વાળવાનો છે. એ કરવાનું છે, બીજું શું કરવાનું છે ? આ તો આમ રસ્તાના કોઈ માણસેય આપણી ઉપર ઉપકાર કર્યો હોય તોય આપણે ભૂલાય નહીં, તો આમની જોડે તો ઉપકારને ભૂલાય જ નહીં. માટે છે તે એમની સેવા આપણે કરવી જોઈએ. એમના મનને ખુશ રાખવું જોઈએ. એમના મનને દુઃખ નહીં આપવું જોઈએ. મા-બાપની અને પોતાના ગુરુ હોય તેની, આ ત્રણની સેવા કરવા જેવી. આ દુનિયામાં એ ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો (ભૂલવાનો) જ નથી. ફાધર, મધર અને ગુરુનો! આપણને જેમણે રસ્તે ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી. જય સચ્ચિદાનંદ |